Pravachan Ratnakar (Gujarati). Sanvar Adhikar; Kalash: 125 ; Gatha: 181-183.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 92 of 210

 

PDF/HTML Page 1821 of 4199
single page version

-પ-
સંવર અધિકાર

अथ प्रविशति संवरः।

(शार्दूलविक्रीडित)
आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रव–
न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम्।
व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुर–
ज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृम्भते।। १२५।।
મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી;
સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી.

પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે “હવે સંવર પ્રવેશ કરે છે” આસ્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે.

ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છેઃ-

શ્લોકાર્થઃ– [आसंसार–विरोधि–संवर–जय–एकान्त–अवलिप्त–आस्रव–न्यक्का– रात्] અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત-ગર્વિત (અત્યંત અહંકારયુક્ત) થયો છે એવો જે આસ્રવ તેનો તિરસ્કાર કરવાથી [प्रतिलब्ध–नित्य–विजयं संवरम्] જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને [सम्पादयत्] ઉત્પન્ન કરતી, [पररूपतः व्यावृत्तं] પરરૂપથી જુદી (અર્થાત્ પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી), [सम्यक्–स्वरूपे नियमितं स्फुरत्] પોતાના સમ્યક્ સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશતી, [चिन्मयम्] ચિન્મય, [उज्ज्वलं] ઉજ્જ્વળ (-નિરાબાધ, નિર્મળ, દેદીપ્યમાન) અને [निज–रस–प्राग्भारम्] નિજરસના (પોતાના ચૈતન્યરસના) ભારવાળી-અતિશયપણાવાળી [ज्योतिः] જ્યોતિ [उज्जृम्भते] પ્રગટ થાય છે, ફેલાય છે.


PDF/HTML Page 1822 of 4199
single page version

तत्रादावेव सकलकर्मसंवरणस्य परमोपायं भेदविज्ञानमभिनन्दति–

उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो।
कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो।। १८१।।
अट्ठवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो।
उवओगम्हि य कम्मं णोकम्मं चावि णो अत्थि।। १८२।।
एदं तु अविवरीदं णाणं जइया दु होदि जीवस्स।
तइया ण किंचि कुव्वदि भावं उवओगसुद्धप्पा।। १८३।।
उपयोगे उपयोगः क्रोधादिषु नास्ति कोऽप्युपयोगः।
क्रोधः क्रोधे चैव हि उपयोगे नास्ति खलु क्रोधः।। १८१।।

ભાવાર્થઃ– અનાદિ કાળથી જે આસ્રવનો વિરોધી છે એવા સંવરને જીતીને આસ્રવ મદથી ગર્વિત થયો છે. તે આસ્રવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતો, સમસ્ત પરરૂપથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્યપ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. ૧૨પ.

ત્યાં (સંવર અધિકારની) શરૂઆતમાં જ, (ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છેઃ-

ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં,
છે ક્રોધ ક્રોધ મહીંજ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧.
ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોકર્મમાં,
કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨.
આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને,
ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩.

ગાથાર્થઃ– [उपयोगः] ઉપયોગ [उपयोगे] ઉપયોગમાં છે, [क्रोधादिषु]


PDF/HTML Page 1823 of 4199
single page version

अष्टविकल्पे कर्मणि नोकर्मणि चापि नास्त्युपयोगः।
उपयोगे च कर्म नोकर्म चापि नो अस्ति।। १८२।।
एतत्त्वविपरीतं ज्ञानं यदा तु भवति जीवस्य।
तदा न किञ्चित्करोति भावमुपयोगशुद्धात्मा।। १८३।।

ક્રોધાદિકમાં [कोऽपि उपयोगः] કોઈ ઉપયોગ [नास्ति] નથી; [च] વળી [क्रोधः] ક્રોધ [क्रोधे एव हि] ક્રોધમાં જ છે, [उपयोगे] ઉપયોગમાં [खल] નિશ્ચયથી [क्रोधः] ક્રોધ [नास्ति] નથી. [अष्टविकल्पे कर्मणि] આઠ પ્રકારનાં કર્મ [च अपि] તેમ જ [नोकर्मणि] નોકર્મમાં [उपयोगः] ઉપયોગ [नास्ति] નથી [च] અને [उपयोगे] ઉપયોગમાં [कर्म] કર્મ [च अपि] તેમ જ [नोकर्म] નોકર્મ [नो अस्ति] નથી.- [एतत् तु] આવું [अविपरीतं] અવિપરીત [ज्ञानं] જ્ઞાન [यदा तु] જ્યારે [जीवस्य] જીવને [भवति] થાય છે, [तदा] ત્યારે [उपयोगशुद्धात्मा] તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા [किञ्चित् भावम्] ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને [न करोति] કરતો નથી.

ટીકાઃ– ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત્ એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી) કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે (અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દ્રઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (-રહેલું) છે તે, જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે, જ્ઞાનમાં જ છે; ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે, ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે. (જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણનક્રિયા આધાર છે. જાણનક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે.) વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ- વિપરીતતા હોવાથી (અર્થાત્ જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી) તેમને પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે તેમ (જ્ઞાનનું સ્વરૂપ) ક્રોધાદિક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી; કારણ કે જાણનક્રિયા અને ક્રોધાદિક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાકિને) આધારાધેયપણું નથી.


PDF/HTML Page 1824 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभागं द्वयो–
रन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च।
भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः
शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः।। १२६।।

વળી વિશેષ સમજાવવામાં આવે છેઃ-જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (આકાશનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશકય જ હોવાથી) બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી (-ફાવી શકતી નથી. ઠરી જાય છે, ઉદ્ભવતી નથી); અને તે નહિ પ્રભવતાં, ‘એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે’ એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી. એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (જ્ઞાનનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં, ‘એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે’ એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર- આધારાધેયપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે, ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે.

આ પ્રમાણે (જ્ઞાનનું અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું) ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું.

ભાવાર્થઃ– ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ-એ બધાંય પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી જડ છે; તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી અને ક્રોધાદિકમાં, કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધારાધેયસંબંધ નથી; દરેક વસ્તુને પોતપોતાનું આધારાધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે. આ રીતે ભેદવિજ્ઞાન બરાબર સિદ્ધ થયું (ભાવકર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદવિજ્ઞાન છે.)

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [चैद्रूप्यं जडरूपतां च दधतोः ज्ञानस्य रागस्य च] ચિદ્રૂપતા (ચૈતન્યરૂપતા) ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ- [द्वयोः] એ બન્નેનો, [अन्तः] અંતરંગમાં [दारुण–दारणेन] દારુણ વિદારણ વડે (અર્થાત્ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ


PDF/HTML Page 1825 of 4199
single page version

વડે), [परितः विभागं कृत्वा] ચોતરફથી વિભાગ કરીને (-સમસ્ત પ્રકારે બન્નેને જુદાં કરીને- ), [इदं निर्मलम् भेदज्ञानम् उदेति] આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે; [अधुना] માટે હવે [एकम् शुद्ध–ज्ञानघन–ओधम् अध्यासिताः] એક શુદ્ધ વિજ્ઞાનઘનના પુંજમાં સ્થિત અને [द्वितीय–च्युताः] બીજાથી એટલે રાગથી રહિત એવા [सन्तः] હે સત્પુરુષો! [मोदध्वम्] તમે મુદિત થાઓ.

ભાવાર્થઃ– જ્ઞાન તો ચેતનાસ્વરૂપ છે અને રાગાદિક પુદ્ગલવિકાર હોવાથી જડ છે; પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઇ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બન્ને એકરૂપ-જડરૂપ-ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા-આકુળતારૂપ સંકલ્પવિકલ્પ-ભાસે છે તે સર્વ પુદ્ગલવિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે અર્થાત્ અનુભવ થાય છે. જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે “પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી થયો નથી”. માટે આચાર્યમહારાજે કહ્યું છે કે “હે સત્પુરુષો! હવે તમે મુદિત થાઓ”. ૧૨૬.

* * *
સંવર અધિકાર

‘‘મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી;
સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી.’’

શરૂઆતમાં પંડિત જયચંદજી માંગલિક કરે છે-કે મોહ અર્થાત્ મિથ્યાત્વ, રાગ અને દ્વેષને દૂર કરીને તથા નિશ્ચય સમિતિ, નિશ્ચય ગુપ્તિ અને નિશ્ચય વ્રત પાળીને જેણે આત્માને સંવરમય એટલે ચૈતન્યની નિર્મળ પરિણતિરૂપ કર્યો છે તેને મનમાં (-જ્ઞાનમાં) લક્ષમાં લઈને નમન કરું છું. જેણે પરમાત્મપદ ગ્રહણ કર્યું અને પોતાના આત્માને પવિત્ર સંવરમય કર્યો તેને મનમાં ધારણ કરીને નમું છું એમ કહે છે.

આ ભેદજ્ઞાનનો અલૌકિક અધિકાર છે. આ અધિકારની શરૂઆત કરતાં કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ પ્રથમ ‘ૐ નમઃ’ કરી અધિકાર શરૂ કર્યો છે. રાગથી ભિન્નત્વ અને સ્વભાવમાં એકત્વ સ્થાપિત કરતું જે ભેદજ્ઞાન તેનો વિસ્તાર કરતા અધિકારમાં ‘ૐ નમઃ’ પ્રથમ કર્યું. શાસ્ત્રના બીજા અધિકારમાં આ શબ્દ નથી. હવે-

પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે ‘‘હવે સંવર પ્રવેશ કરે છે.’’ આસ્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે.


PDF/HTML Page 1826 of 4199
single page version

ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છેઃ-

* કળશ ૧૨પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

જુઓ તો ખરા આ કેવું માંગળિક કર્યું છે! કહે છે-‘आसंसार–विरोधि–संवर–जय– एकान्त–अवलिप्त–आस्रव–न्यक्कारात्’ અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત-ગર્વિત થયો છે એવો જે આસ્રવ તેનો તિરસ્કાર કરવાથી...

જુઓ, અનાદિથી મિથ્યાત્વ અને રાગદ્વેષે સંવરને ઉત્પન્ન થવા દીધો નથી તેથી આસ્રવને ગર્વ થયો છે કે-અનાદિકાળથી (નિગોદથી માંડીને) મેં મોટા મોટા માંધાતાઓને નીચે પાડયા છે. મોટાં રાજપાટ અને હજારો રાણીઓ છોડી જૈનનો દ્રવ્યલિંગી દિગંબર સાધુ થઈ જંગલમાં રહ્યો એવા માંધાતાઓને પણ મેં (-આસ્રવે) પછાડયા છે-જીતી લીધા છે. દ્રવ્યલિંગી મુનિએ પંચમહાવ્રત, ગુપ્તિ, સમિતિ ઇત્યાદિ બધો જે રાગ છે તેના પ્રેમમાં સંવરને ઉત્પન્ન થવા ન દીધો એટલે ત્યાં આસ્રવનો જય થયો. દ્રવ્યલિંગી મુનિ પંચમહાવ્રત આદિ રાગની ક્રિયામાં સંતુષ્ટ થઈ મને સંવર થાય છે એમ આસ્રવની ક્રિયામાં સંવર માની એમાં ગર્વિત થયો અને પડયો; સંવર થયો નહિ તો આસ્રવ જીત્યો.

આમ અનાદિકાળથી જે એકાંત-ગર્વિત થયો છે એવા આસ્રવનો તિરસ્કાર કરવાથી ‘प्रतिलब्ध–नित्य–विजयं संवरं’ જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને ‘सम्पादयत्’ ઉત્પન્ન કરતી, ‘पररूपतः व्यावृत्तं’ પરરૂપથી જુદી ‘ज्योतिः’ જ્યોતિ ‘उज्जृम्भत’ પ્રગટ થાય છે, ફેલાય છે.

અહીં એમ કહે છે કે-આસ્રવનો નાશ કરી જે સંવર પ્રગટ થયો તે હવે મોક્ષદશા પ્રગટ થાય ત્યાં સુધી પાછો હઠવાનો નથી એવો વિજય સંવરે પ્રાપ્ત કર્યો છે. રાગથી પૃથક્ થઈ જે એણે આસ્રવને જીત્યો તે જીવ સદાય રહેશે એમ આ પંચમઆરાના મુનિવર કહે છે. અમારો ભગવાન જે આનંદનો નાથ એને અમે પકડયો છે અને તેને અનુભવીને અમે જે સંવર પ્રગટ કર્યો છે તે હવે પડશે નહિ; દ્રવ્ય પડે તો સંવર પડે. (દ્રવ્ય અવિનાશી છે તેથી સંવર હવે પડશે નહિ). અમોએ હવે શાશ્વત વિજય મેળવ્યો છે, હવે અમને આસ્રવ ઉત્પન્ન થશે નહિ.

આમ તો સમ્યગ્દર્શન પામીને કોઈ જીવ પડે છે એમ આસ્રવ અધિકારની ટીકામાં આવી ગયું છે. પણ અમે પડવાના નથી એમ અપ્રતિહત ઉપાડથી અહીં વાત કરી છે. બેનશ્રીના જાતિસ્મરણજ્ઞાનમાં આવ્યું છે ને? ક્ષાયિકના બે પ્રકાર છે-એમ સીધું ક્ષાયિક અને બીજું જોડણી ક્ષાયિક; એટલે વર્તમાનમાં ક્ષાયિક સમકિત નથી પણ એ ક્ષયોપશમ સમકિત ક્ષાયિકમાં જ જવાનું, પડવાનું નહિ. અહીં એ શૈલી છે. જોડણી ક્ષાયિક છે તો


PDF/HTML Page 1827 of 4199
single page version

વર્તમાનમાં ક્ષયોપશમભાવે પણ એ ક્ષયોપશમ સમકિત પડે નહિ (પડીને મિથ્યાત્વ ન થાય) પણ તેનો વ્યય થઈને ક્ષાયિક સમ્યગ્દર્શન જ થાય. આનંદઘનજીમાં આવે છે કે-

‘સમકિત સાથે સગાઈ કીધી સપરિવાર સુગાટી.’

અનંતગુણના પરિવાર (આત્મા) સાથે સમકિતમાં સગાઈ કરી છે; હવે અમે કેવળજ્ઞાન સાથે લગ્ન કરીશું જ. જુઓ તો ખરા કેવી વાત છે! કહે છે-અમોએ સદાને માટે વિજય મેળવ્યો છે. હવે પછી અમને સંવર ટળીને આસ્રવ થવાનો નથી.

હિંસા, જૂઠ, ચોરી, વિષય-વાસના એ બધો પાપ-આસ્રવ છે અને વ્રત, તપ, ભક્તિ વગેરે પુણ્ય-આસ્રવ છે. અનાદિથી બન્ને આસ્રવ ગર્વ કરતા હતા કે-અમારી જીત છે. પરંતુ અહીં કહે છે-જ્ઞાનાનંદસ્વરૂપ જે ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભગવાન આત્મા તેનો અમે આશ્રય કર્યો છે અને તેથી આસ્રવને પછાડીને (-દૂર કરીને) અમને જે સંવર પ્રગટ થયો છે તેણે હવે શાશ્વત વિજય મેળવ્યો છે; અનંતકાળમાં હવે અમે પાછા પડવાના નથી.

જેમ મોટાનાં કહેણ પાછાં ફરે નહિ તેમ અહીં કહે છે-અમોને જ્ઞાનનું (ભેદજ્ઞાનનું) બળ પ્રાપ્ત થયું છે, અમે કેવળજ્ઞાનને વરવા નીકળ્‌યા છીએ તે અમે પાછા ફરીશું નહિ. અહાહા...! કુંદકુંદાચાર્યદેવ પછી હજાર વર્ષે થયેલ આચાર્ય અમૃતચંદ્રદેવે ગજબની વાત કરી છે. અવધિ, મનઃપર્યય અને કેવળજ્ઞાનનો ભલે વિરહ હો, પણ અંદરના ચિદાનંદ ભગવાનનો વિરહ તૂટી ગયો છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્માના અમને ભેટા થયા છે અને એની દ્રષ્ટિપૂર્વક અમે એમાં ઠર્યા છીએ તેથી અમે કહીએ છીએ કે અમે સદાય માટે આસ્રવ ઉપર વિજય મેળવ્યો છે. હવે આસ્રવ વિજય પામે અને મિથ્યાત્વ અને રાગદ્વેષ થાય એમ કદીય બનશે નહિ. અહો! શું અપ્રતિહત ભાવ અને શું માંગલિક! અહો! અસાધારણ માંગલિક કર્યું છે! આવી વાત બીજે કયાંય છે નહિ.

ભગવાન (મહાવીર) પછી પંદરસો વર્ષે આચાર્ય અમૃતચંદ્ર થયા તે કહે છે- અમને પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્માના ભેટા થયા છે અને અમે સંવર પ્રગટ કર્યો છે, સમ્યગ્દર્શન- જ્ઞાન અને શાંતિની અદ્ભુત દશા પ્રગટ કરી છે; અમે આસ્રવ ઉપર કાયમી વિજય મેળવ્યો છે. રાગથી ભિન્ન એવું જે ભેદજ્ઞાન અમે પ્રગટ કર્યું છે તે હવે એમ ને એમ રહેશે, રાગમાં એકતા થશે એ વાત હવે છે જ નહિ. અનંતકાળ પર્યંત હવે અમારો વિજયડંકો છે અને આસ્રવની હાર છે. હવે અમે કેવળજ્ઞાન લઈશું જ.

બાપુ! આ તો એકલું માખણ છે. જગત બહારમાં-સ્ત્રીમાં, લક્ષ્મીમાં, બંગલામાં, આબરૂમાં સુખ કલ્પે છે પણ એ તો એકલા ઝેરના પ્યાલા છે અને આ (સંવરની દશા) નિર્વિકલ્પ અમૃતના પ્યાલા છે. કુંદકુંદાચાર્યદેવ તો મહાવિદેહમાં ભગવાન પાસે ગયા


PDF/HTML Page 1828 of 4199
single page version

હતા, પરંતુ અમૃતચંદ્રાચાર્યદેવ ભગવાન પાસે ગયા નહોતા. પણ તેથી શું? પોતાના ચિદાનંદ ભગવાન પાસે તો ગયા હતા ને? એથી જ તેઓ કહે છે-અમે આસ્રવ ઉપર વિજય મેળવ્યો છે, આસ્રવને પછાડયો છે, દૂર કર્યો છે. હવે અમને કેવળજ્ઞાન થશે પણ આસ્રવ થશે નહિ.

‘આસ્રવનો તિરસ્કાર કર્યો’-એટલે કે શુભભાવનો આદર છોડયો અને પોતાના ચૈતન્યસ્વભાવનો આદર કર્યો. જ્યાંસુધી શુભભાવનો આદર હતો ત્યાંસુધી મિથ્યાત્વ હતું. સ્વભાવનો આદર કરતાં જ આસ્રવ તિરસ્કૃત થયો. પોતે પોતામાં ગયો ત્યાં આસ્રવ છૂટી ગયો. બાપુ! અનાદિથી તું રાગને પડખે ચઢીને જન્મ-મરણના ચક્રાવામાં હેરાન થઈને મરી ગયો. અહીં જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાનના પડખે જે ચડયા તે કહે છે-અમે ચડયા તે ચડયા, હવે અમે પાછા પડવાના નથી.

જેમ મોટા પત્થરને વચમાં તડ-સાંધ હોય છે. ત્યાં કાણું પાડી સુરંગ ચાંપતાં હજારો મણ પથ્થરના જુદા કટકા થઈ જાય છે. તેમ ભગવાન આત્મા-અતીન્દ્રિય મહાપદાર્થ પ્રભુ કારણ પરમાત્મા અને રાગ વચ્ચે તડ છે, સાંધ છે. ત્યાં પ્રજ્ઞાછીણી નાખતાં ફડાક દઈને આત્મા અને રાગ જુદા પડી જાય છે.

ત્યારે એક ભાઈ પૂછતા હતા કે તમે આત્માને કારણપરમાત્મા કહો છો તો કાર્ય જે આવવું જોઈએ તે કેમ આવતું નથી?

સમાધાનઃ– ભાઈ! જેણે વિશ્વાસમાં ભગવાન પૂર્ણાનંદમય કારણપરમાત્માનો સ્વીકાર કર્યો તેને કારણનું કાર્ય સમકિત આવ્યા વિના રહે નહિ. પણ કારણ પરમાત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનો વિશ્વાસ છે તને? અનાદિથી એક સમયની પર્યાયમાં રમતું માંડી છે, પર્યાયને જ પોતાનું સ્વરૂપ માન્યું છે. ભાઈ! તું પુણ્ય કરી-કરીને અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો, તને નવપૂર્વની લબ્ધિ પણ થઈ, પરંતુ કારણપરમાત્મામાં દ્રષ્ટિ કરી તેને જાણ્યો નહિ; શુભભાવ અને જ્ઞાનના ઉઘાડની પર્યાયની રુચિ કરી પણ બાપુ! ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય કારણપરમાત્મા પ્રભુ એક સમયની પર્યાય જેટલો નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી ભગવાન જ્ઞાયકનું જ્ઞાન આવે પણ ભગવાન જ્ઞાયક ન આવે. અહાહા...! અનંતગુણનો સાગર ભગવાન આત્મા છે; તેનું પુરું જ્ઞાન પર્યાયમાં આવે, એની પૂરી શ્રદ્ધા પર્યાયમાં થાય પણ વસ્તુ ત્રિકાળી તો ભિન્ન જ રહે. આવા ત્રિકાળી અખંડ એકરૂપ ચૈતન્યદ્રવ્ય-કારણપરમાત્માનો અંતઃસન્મુખ થઈ વિશ્વાસ કરતાં સમકિત આદિ કાર્ય પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...?

ભાઈ...! આત્મા તો આત્મા છે; એની દ્રષ્ટિ અને સ્થિરતાની જરૂર છે. એના કાર્ય માટે બહુ પંડિતાઈની-ક્ષયોપશમની જરૂર છે એમ નથી. પશુનો આત્મા પણ એની રુચિ કરીને સમકિત પામે છે. હજારો યોજનના લાંબા મગરમચ્છને પણ સમ્યગ્દર્શન


PDF/HTML Page 1829 of 4199
single page version

થાય છે. અહીં મુનિરાજ એમ કહે છે કે અમે જ્ઞાનાનંદની મૂર્તિ અતીન્દ્રિય સુખનો સાગર એવા ત્રિકાળી ભગવાન આત્માની દ્રષ્ટિપૂર્વક રાગને જીત્યો છે. અહાહા...! વસ્તુ આત્મા પરિપૂર્ણ જ્ઞાયકતત્ત્વ છે. એમાં દ્રષ્ટિ બાંધીને અમે આસ્રવ પર સદાને માટે વિજય પ્રાપ્ત કર્યો છે. અહાહા...! જેણે નિત્ય વિજય પ્રાપ્ત કર્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતી, પરરૂપથી જુદી ચૈતન્યજ્યોતિ અમને પ્રગટ થઈ છે હવે કહે છે-

કેવી છે તે ચૈતન્યજ્યોતિ? ‘सम्यक्–स्वरूपे नियमितं स्फुरत्’ પોતાના સમ્યક્ સ્વરૂપમાં નિશ્ચળપણે-અચળપણે પ્રકાશિત છે, ‘चिन्मयम्’ ચિન્મય છે, ‘उज्जवलं’ ઉજ્જ્વળ (નિર્મળ, નિરાબાધ, દેદીપ્યમાન) છે. વળી ‘निज–रस–प्राग्भारम्’ નિજરસના (પોતાના ચૈતન્યરસના) ભારવાળી-અતિશયપણા વાળી છે. આવી ચૈતન્યજ્યોતિ પ્રગટ થાય છે અને ફેલાય છે એટલે કે તે મુક્ત આત્મદશાને પામે છે. દુઃખરૂપ એવા પુણ્ય-પાપના બન્ને ભાવોને જીતીને સંવરને પામેલી જ્યોતિ આસ્રવને હવે કોઈ દિ’ અડશે નહિ અર્થાત્ હવે આસ્રવ ફરીથી ઉત્પન્ન નહિ થાય.

સમયસાર ગાથા ૩ માં આવે છે કે દરેક આત્મા પોતાના ગુણપર્યાયોને ચુંબતો -સ્પર્શતો ટકી રહ્યો છે, પરદ્રવ્ય કે એના ગુણપર્યાયોને કદી અડતો-સ્પર્શતો નથી. અહીં કહે છે કે આત્મા પોતાના ગુણ તથા સ્વસંવિત્તિરૂપ એવી જ્ઞાનની પર્યાયને સ્પર્શે છે, રાગને સ્પર્શતો નથી. અહીં રાગને આત્માની પર્યાયમાંથી કાઢી નાખ્યો. (સંવર અધિકાર છે ને?)

નિજરસના ભારવાળી એટલે શુદ્ધ ચૈતન્યરસના-આનંદરસના-વીતરાગરસના-શાંતરસના ભારવાળી-અતિશયપણાવાળી ચૈતન્યજ્યોતિ પ્રગટ થાય છે. અહાહા...! શું કળશ છે! અલૌકિક અદ્ભુત વાત છે. જેમ હજાર પાંખડીવાળા ગુલાબની કળી બીડાયેલી હોય અને વિકસિત થાય તેમ અનંતગુણની અનંત પાંખડિયે વિકસિત થઈ ભગવાન પ્રગટ થાય છે. લ્યો, આવી વાત!

* કળશ ૧૨પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

અનાદિકાળથી જે આસ્રવનો વિરોધી છે એવા સંવરને જીતીને આસ્રવ મદથી ગર્વિત થયો છે. તે આસ્રવનો તિરસ્કાર-અનાદર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે અર્થાત્ કેવળજ્ઞાન પામતાં સુધી જે રહેવાનો છે એવા સંવરને ઉત્પન્ન કરતો, સમસ્ત પરરૂપથી જુદો-પરદ્રવ્ય અને પરભાવથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્યપ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. જુઓ ‘નિજરસની અતિશયતાપૂર્વક’ એટલે ચૈતન્યપ્રકાશ રાગના કારણ વડે ઉદય પામે છે એમ નહિ પણ નિજ ચૈતન્યરસના કારણે ઉદય પામે છે; પહેલાં


PDF/HTML Page 1830 of 4199
single page version

(ચૈતન્યપ્રકાશ પ્રગટયો તે પહેલાં) રાગ મંદ હતો એનાથી ઉદય પામે છે એમ નથી. સમજાણું કાંઈ...?

સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ઃ મથાળુ

ત્યાં (સંવર અધિકારની) શરૂઆતમાં જ (ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. ભેદવિજ્ઞાન સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય છે. સમયસાર નાટકમાં આવે છે ને કે-

‘‘ભેદજ્ઞાન સાબુ ભયો, સમરસ નિરમલ નીર;
ધોબી અંતર આતમા ધોવૈ નિજગુન ચીર.’’

* ગાથા ૧૮૧ થી ૧૮૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

અધિકાર સૂક્ષ્મ છે. ધ્યાન દઈને સાંભળે તો સમજાય તેવો છે. શું કહે છે? ‘ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત્ એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી).’

જુઓ, ખરેખર એટલે યથાર્થ દ્રષ્ટિથી જોઈએ તો એક વસ્તુની બીજી વસ્તુ છે નહિ. આ આત્મા જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદમય વસ્તુ છે અને દયા, દાન, વ્રતાદિના પરિણામ આસ્રવ તત્ત્વ છે. અહીં કહે છે-એ આસ્રવ તત્ત્વ આત્મતત્ત્વનું નથી. ‘खलु’ એમ કહ્યું છે ને? એટલે કે વાસ્તવિકપણે એક વસ્તુની બીજી વસ્તુ નથી. રાગના પરિણામ આત્માના નહિ અને આત્મા રાગનો નહિ. ભાઈ! જેને સંવર નામ ધર્મ પ્રગટ કરવો હોય, ધર્મની પ્રથમ સીડી એવું સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય એના માટે આ વાત છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ - ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’ એવું જે પોતાનું સ્વરૂપ એ પુણ્ય-પાપના ભાવનો થતો નથી. અહાહા...! આ તો ગજબ ટીકા છે!

એક વસ્તુ બીજી વસ્તુની કાંઈ પણ સંબંધી નથી અને એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ પણ સંબંધી નથી. ગજબ વાત! ભગવાન આત્મા સહજાનંદસ્વરૂપી સદા પરમ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. અહીં કહે છે-દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ ભગવાન આત્માના (સંબંધી) થતા નથી અને આત્મા એ શુભભાવમાં આવતો નથી. આવું અંદર ભેદવિજ્ઞાન કરવું એનું નામ સમ્યગ્દર્શન છે. પુણ્ય-પાપના પરિણામ એ આત્માની ચીજ નથી કેમકે એ તો આસ્રવ તત્ત્વ છે જ્યારે આત્મા જ્ઞાયક તત્ત્વ સિદ્ધસ્વભાવી છે. બે ચીજ ભિન્ન ભિન્ન છે. આત્મામાં આસ્રવ નહિ અને આસ્રવમાં આત્મા નહિ.


PDF/HTML Page 1831 of 4199
single page version

પાઠમાં શબ્દ છે કે-‘ઉપયોગમાં ઉપયોગ છે.’ ઉપયોગમાં ક્રોધ નથી. ‘ઉપયોગમાં ઉપયોગ છે એટલે કે રાગથી ભિન્ન પડી જે જાણવા-દેખવાનું (જ્ઞાનમય) પરિણમન થયું એમાં ઉપયોગ એટલે આત્મા છે. જાણનક્રિયા એ જ્ઞાનનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જ જાણનક્રિયા છે. અહીં આત્માના આધારે જાણનક્રિયા છે એમ ન લીધું કેમકે અહીં એમ બતાવવું છે કે રાગથી ભિન્ન પડી જે જાણનક્રિયા થઈ એમાં ‘આ આત્મા છે’ એમ આત્મા જણાયો. માટે જાણનક્રિયા તે આધાર અને આત્મા આધેય એમ અહીં લીધું છે. અધિકાર ખૂબ ઝીણો છે; એકલું માખણ છે.

‘ઉપયોગમાં ઉપયોગ છે’ એટલે રાગથી ભિન્ન પડીને જે ભેદવિજ્ઞાન કર્યું તે જાણનક્રિયામાં આત્મા છે અર્થાત્ જાણનક્રિયામાં આત્મા જણાય છે. જાણનક્રિયામાં આત્મા છે, એમાં રાગ નથી અને રાગમાં આત્મા નથી.

ભાઈ! આ તો જન્મ-મરણની ગાંઠ ગાળવાની વાત છે. સંસારનાં પાપ તો અનંતવાર કર્યાં અને પુણ્ય પણ અનંતવાર કર્યાં. એક નરકના ભવ સામે અસંખ્ય સ્વર્ગના ભવ-એ રીતે અનંતા નરકના અને એનાથી અસંખ્યગુણા અનંતા સ્વર્ગના ભવ કર્યા. જે પુણ્યના ફળમાં સ્વર્ગના ભવ થયા તે પુણ્યના પરિણામ આત્મામાં નથી. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ જે પુણ્ય છે તે આત્મામાં નથી અને આત્મા એ વ્યવહારરત્નત્રયમાં-પુણ્યમાં નથી. ભાઈ! પુણ્યથી આત્મા જણાય એવી વસ્તુ આત્મા નથી. રાગથી-પુણ્યથી ભિન્ન પડી, જ્ઞાનની પરિણતિમાં આત્માને લક્ષમાં લેતાં, તેમાં (જાણનક્રિયામાં) આત્મા જણાય છે.

રાગ છે તે જડમાં-અજીવમાં જાય છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણવાનો વિકલ્પ કે પંચમહાવ્રતાદિના પરિણામ એ બધા જડમાં જાય છે. આત્માના આધારમાં એ જડ છે નહિ; તેમ આત્માના આધારે એ જડ થાય છે એમ પણ નહિ. ભાઈ! વ્યવહારરત્નત્રયના વિકલ્પ આત્માના આધારે થાય છે એમ નથી, તેમ રાગના આધારે આત્મા જણાય છે એમ પણ નથી. જેમ જડ પુદ્ગલ અને આત્મા જુદા છે એમ આસ્રવ અને આત્મા જુદા છે. સાત તત્ત્વમાં ભગવાને આસ્રવતત્ત્વ અને જીવતત્ત્વ ભિન્ન ભિન્ન કહ્યાં છે. માટે જેને ભેદજ્ઞાન કરવું હોય તેણે રાગનો આશ્રય છોડીને જ્ઞાયકસ્વભાવનો આશ્રય લેવો જોઈએ.

ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. માટે આત્મા જાણનક્રિયાના આધારે જણાય અને રાગ રાગના આધારે થાય, રાગ આત્માના આધારે ન થાય. વ્યવહારરત્નત્રયનો રાગ આત્માના આધારે ન થાય, એને પરનો-નિમિત્તનો આધાર-આશ્રય છે. એનું વલણ પર તરફ છે.

વ્યવહારરત્નત્રય કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ કોઈ માને તો તે યથાર્થ નથી.


PDF/HTML Page 1832 of 4199
single page version

વ્યવહારરત્નત્રય એ ચીજ જુદી છે અને જાણનક્રિયાના આધારે જણાય તે આત્મા ચીજ જુદી છે. આસ્રવભાવ અને ચૈતન્યભાવ એકબીજાના કોઈ સંબંધી નથી. આસ્રવ પણ વસ્તુ છે તે પોતાપણે છે અને પરપણે એટલે જીવપણે નથી. આગળ કળશ ૨૦૦ માં પણ આવશે કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ છે જ નહિ.

એક વસ્તુની બીજી વસ્તુ નથી; કેમ? તો કહે છે-‘કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે (અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે).’

શું કહે છે આ? કે શુદ્ધ આત્માના પ્રદેશો અને આસ્રવના પ્રદેશો તદ્ન ભિન્ન ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશો, પણ જેટલા અંશમાં આસ્રવ ઉઠે છે તે પ્રદેશોને ભિન્ન કહ્યા છે.

લ્યો, લોકો તો કહે છે-આ વ્રત, તપસ્યા કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, જાત્રા કરો-ને થઈ ગયો ધર્મ. બાપુ! એ ધર્મ છે જ નહિ. એવા કલેશ તો અનંતવાર કર્યા પણ છાંટો પણ ધર્મ થયો નહિ. ભાઈ! તને ખબર નથી પણ રાગ એ કલેશ છે, દુઃખ છે ભગવાન!

જેમ આ આત્મા બીજા આત્માનો નથી, જેમ આત્મા શરીરમાં નથી અને શરીર આત્મામાં નથી તેમ, અહીં કહે છે-જે દયા, દાન, વ્રત આદિના વિકલ્પ ઉઠે છે તે રાગ છે અને તેનું ક્ષેત્ર-પ્રદેશો ભિન્ન છે અને આત્માના પ્રદેશો ભિન્ન છે. બે વસ્તુ જ ભિન્ન છે કેમકે બન્નેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે.

આત્માના અસંખ્ય પ્રદેશમાં વિકાર થાય છે, પણ જેટલા અંશમાંથી વિકાર ઉઠે છે તે પ્રદેશોને ભિન્ન ગણવામાં આવ્યા છે. આમ આસ્રવના અને આત્માના પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી તેમને (બેને) એક સત્તાની અનુપપત્તિ છે. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે-દ્રવ્ય એ પર્યાય નહિ અને પર્યાય એ દ્રવ્ય નહિ. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો (અંશો) પણ (ધ્રુવ આત્માથી) જુદા છે પણ અહીં એની વાત નથી, અહીં મલિન પર્યાયની વાત છે. વળી એવી જ રીતે જેટલા અંશમાં આસ્રવ થાય છે અને જેટલા અંશમાં સંવર-નિર્મળતા થાય છે એ બેના (આસ્રવ અને સંવરના) પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. ગજબ વાત છે ભાઈ! આ માથાના વાળ નથી હોતા? એમાં કોઈ કોઈ વાળમાં છેડે બે છેડા હોય છે; વાળ એક અને છેડા બે. એમાં બે છેડા ભિન્ન ન પડે, બે ફણગા હોય છતાં ચીરી ન શકાય. અહીં (જ્ઞાનમાં) ચિરાય છે એની વાત છે. અલૌકિક વાત છે ભાઈ! દિગંબર સંતો સિવાય આવી વાત બીજે કયાંય છે નહિ. અહો! દિગંબર સંતો તો કેવળીના કેડાયતીઓ છે.

અહા! આવું દુર્લભ મનુષ્યપણું એને કયારે મળે અને કયારે એને આવું


PDF/HTML Page 1833 of 4199
single page version

સાંભળવા મળે? અરે! છતાં હજુ તે પાપમાંથી નવરો પડતો નથી. ધંધો-વેપાર અને બૈરાં- છોકરાં સાચવવામાં અને ભોગ અને ભોગની સામગ્રીમાં આખો દિવસ પાપકાર્યમાં ગુંચાયેલો રહે છે, કદાચ એકાદ કલાક શાસ્ત્ર સાંભળવાનો વખત લે તો તે પણ શુભભાવ છે; એનાથી પુણ્ય બંધાય પણ ધર્મ ન થાય. અરે ભાઈ! આ મનુષ્યપણું આમ ને આમ વેડફાઈ જાય છે. મિથ્યાદર્શન રહે તો આંખો મિંચાઈને તે કયાંય ચાલ્યો જશે. (૮૪ ના અવતારમાં એવો ખોવાઈ જશે કે પત્તો જ નહિ લાગે).

અહીં કહે છે-પુણ્ય-પાપના ભાવ બન્ને આસ્રવ છે અને (પોતાનાથી) ભિન્ન ચીજ છે. એને પોતાના માનવા એ હિંસા છે. પરની દયા પાળવાનો રાગ ઉઠે તે હિંસા છે અને એને પોતાનો માનવો તે મહાહિંસા (મિથ્યાત્વ) છે. રાગથી ભિન્ન પડી ભગવાન જ્ઞાયકના આશ્રયે જાણનક્રિયા-વીતરાગી અવસ્થા થાય તે અહિંસા છે અને એ અહિંસાથી આત્મા જણાય છે. સમજાણું કાંઈ...? ‘કાંઈ’ એટલે જે કહેવાય છે એની ગંધ પણ આવે છે કે? અહા! આખું સમજાય એનો તો બેડો પાર થઈ જાય; મહા કલ્યાણ થઈ જાય.

અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ ચૈતન્યબિંબ-અનંત ચૈતન્યપ્રકાશનો પિંડ છે; અને રાગ અંધકાર છે. રાગ નથી જાણતો પોતાને, નથી જાણતો જોડે રહેલા ચૈતન્યને; રાગ બીજા દ્વારા (ચૈતન્ય દ્વારા) જણાય છે. માટે રાગ છે તે જડ સ્વભાવ છે, અજીવ છે. ભાઈ? જીવનું જીવન-ધર્મીનું જીવન તો સ્વ-અનુભવ છે. રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાનની પરિણતિ સહિત જીવવું એ જીવનું જીવન છે. રાગને કર્તવ્ય માનીને જીવવું એ તો મિથ્યાત્વનું જીવન છે, એ ચૈતન્યનું જીવન નથી. અહીં કહે છે -રાગ અને આત્માના પ્રદેશો ભિન્ન છે, રાગ અને નિર્મળ પરિણતિના અંશો (પ્રદેશો) પણ ભિન્ન છે. અહો! ભેદજ્ઞાનની આ અપૂર્વ વાત છે.

અહીં સુધી એક વસ્તુની બીજી વસ્તુ નથી અને આસ્રવ અને આત્માની ભિન્ન ભિન્ન સત્તા છે એમ બે વાત થઈ. હવે ત્રીજી વાત-

‘અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધાર- આધેય સંબંધ પણ નથી જ. તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દ્રઢપણે રહેવારૂપ) જ આધારઆધેય સંબંધ છે.’

જુઓ શું કહે છે? એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી અર્થાત્ આત્માની આસ્રવવસ્તુ નહિ હોવાથી વા આસ્રવ આત્મવસ્તુનો નહિ હોવાથી આત્મા સાથે આસ્રવને આધાર-આધેય સંબંધ નથી. રાગના-વ્યવહારરત્નત્રયના આધારે આત્મા જણાય કે આત્માના આધારે વ્યવહારરત્નત્રય-રાગ થાય એવો પરસ્પર આધારઆધેય સંબંધ છે નહિ. જાણનક્રિયા જે આત્માના સ્વરૂપભૂત છે તેમાં આત્મા જણાય છે. માટે આત્માને


PDF/HTML Page 1834 of 4199
single page version

પોતાના સ્વરૂપભૂત જે જાણનક્રિયા તેમાં પ્રતિષ્ઠારૂપ-દ્રઢપણે રહેવારૂપ આધારઆધેય સંબંધ છે પણ રાગમાં રહેવારૂપ આધારઆધેય સંબંધ નથી જ.

આવી વાત! ભાઈ! આ તો કોલેજ જ જુદી જાતની છે. આ તો જન્મ-મરણથી રહિત થવાના અભ્યાસની કોલેજ છે. ભાઈ! તને પુણ્ય-પરિણામ મારા એવી માન્યતારૂપ મિથ્યાત્વનો મહારોગ થયો છે. શ્રીમદે કહ્યું છે ને કે-

‘‘આત્મભ્રાન્તિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.’’

રાગ ને આત્મા ભિન્ન ભિન્ન ચીજ છે. જે ભિન્ન છે એવા રાગથી આત્માને લાભ માને અને એનું પોતાને કર્તાપણું માને એ મિથ્યાત્વભાવ છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપને છોડી જે શુભરાગનો કર્તા થાય તે મિથ્યાદ્રષ્ટિ છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યના ભાનપૂર્વક રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન કર્યું એવો જ્ઞાની, રાગ હો ભલે પણ રાગનો કર્તા થતો નથી. અહાહા...! રાગમાં આત્મા નહિ અને આત્મામાં રાગ નહિ એવો આત્મા તો સદા સર્વજ્ઞસ્વરૂપ છે-જાણે સૌને પણ કરે કોઈને નહિ એવું એનું સ્વરૂપ છે.

લોકોને તો આ વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો-એમ કરો કરો એ જ જાણે ધર્મ છે. અરે ભાઈ! એવું તો તેં અનંતવાર કર્યું છે, અભવી પણ કરે છે. છહઢાળામાં આવે છે ને કે-

‘‘મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.’’

સાંભળને ભાઈ! એ પંચ મહાવ્રત અને અટ્ઠાવીસ મૂલગુણના પાલનનો રાગ એ દુઃખ છે, આસ્રવ છે. એવા રાગની ક્રિયા તો અનંતવાર કરી, પણ રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પોતે છે એવું જ્ઞાન-ભેદવિજ્ઞાન કદી કર્યું નહિ. ભેદજ્ઞાન વિના, સમ્યગ્દર્શન વિના સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર હોતાં નથી.

જ્ઞાન અને આનંદની પરિણતિથી આનંદનો નાથ ભગવાન જણાય છે. આનંદનું અને દુઃખનું સ્વરૂપ તદ્ન ભિન્ન ભિન્ન છે. પ્રભુ! તને આ શું થયું? તારો નાથ તો અંદર નિર્મળાનંદ સચ્ચિદાનંદ પ્રભુ બિરાજે છે. જાણનક્રિયા એ એનું સ્વરૂપ છે; જાણનક્રિયામાં એ જણાય છે. રાગ-આસ્રવ એનું સ્વરૂપ નથી, રાગ-આસ્રવથી એ જણાતો નથી. રાગ તો જડસ્વરૂપ છે. પંચમહાવ્રતના પરિણામ પણ રાગ છે તેથી જડ છે, દુઃખ છે, અજીવ છે. આત્માથી એનું લક્ષણ તદ્ન ભિન્ન છે, એના પ્રદેશ જુદા, તેથી એનું હોવાપણું જુદું છે. રાગને અને આત્માને આધારઆધેય સંબંધ નથી. રાગનો આધારઆધેય સંબંધ પણ જુદો છે.


PDF/HTML Page 1835 of 4199
single page version

અહા...! પાંચ-પચાસ લાખ રૂપિયા મળે એટલે જાણે હું પહોળો અને શેરી સાંકડી એમ એને થઈ જાય છે. પણ ભાઈ! એ તો પર ચીજ છે ને નાથ! જ્યારે રાગને પર ચીજ કહી ત્યાં શરીર અને પૈસા પોતાની ચીજ કયાંથી થઈ? આ વ્યવહારરત્નત્રયના રાગને પણ અહીં પર ચીજ કહી છે. બાપુ! તને સાંભળવું આકરું લાગે પણ સત્ય તો આ છે ભાઈ! સત્યને સંખ્યાની જરૂર નથી; ઝાઝા માનનાર હોય તો એ સત્ય એમ નથી. સત્ય સત્યપણે જણાયું પછી ભલે તે એકલો જ હોય, પોતે જ સત્ય છે.

આનંદનો સાગર મીઠો મહેરામણ અંદર પ્રભુ પડયો છે. તે એની શુદ્ધ પરિણતિમાં જણાય એવો છે. તેથી અહીં શુદ્ધ પરિણતિને આધાર અને આત્માને આધેય કહ્યો છે. વસ્તુ સદા પરમાત્મસ્વરૂપ જ છે; પણ એ પરમાત્મસ્વરૂપ એના જ્ઞાનમાં આવે ત્યારે પરમાત્મસ્વરૂપ કહેવાય ને? આ સિવાય વ્રત કરે ને ભક્તિ કરે ને સમ્મેદશિખરની જાત્રા કરે-એ બધું કાંઈ નથી. સાક્ષાત્ ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજમાન હોય એનાં દર્શન-ભક્તિ કરે તોય એ કાંઈ નથી. એ તો શુભરાગ છે અને એ રાગ અને આત્મા તદ્ન ભિન્ન ભિન્ન છે.

પુરુષાર્થસિદ્ધયુપાય નામના શાસ્ત્રમાં જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય એ પણ હિંસા અને અપરાધ છે એમ કહ્યું છે. તીર્થંકર ગોત્ર બાંધ્યું એને બે ભવ વધી ગયા. ભાઈ! અમૃતના નાથને શરીર મળે એ તો કલંક છે. ભાઈ! માર્ગ તો આ છે. એકાન્ત છે એમ કહીને એને તું ના ન પાડ ભાઈ! આ તો સમ્યક્ એકાન્ત છે.

ભગવાન! તારી ચીજ કેવી છે અને તે કેમ જાણાય એની તને ખબર નથી. તારી ચીજમાં તો આનંદ, આનંદ, આનંદ ભર્યો છે, અને તે જ્ઞાનની-જાણનક્રિયાની નિર્મળ પરિણતિમાં જણાય છે. એ આનંદરૂપ ચીજમાં આસ્રવના પરિણામ થાય એ દુઃખરૂપ છે. હવે આવી વાત કોઈ દિ’ સાંભળવા મળી ન હોય એટલે રાડ પાડે કે આ નિશ્ચયની વાત છે, નિશ્ચયની વાત છે; પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય, નિશ્ચય નામ યથાર્થ, વાસ્તવિક, નિરુપચાર સત્યાર્થ વસ્તુ.

મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર, ભગવાન બિરાજે છે. પ્રભુનું કરોડ પૂર્વનું આયુષ્ય છે. સંવત્ ૪૯ માં શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રભુ પાસે ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી શું લાવ્યા? તો આ સંદેશો લાવ્યા કે-રાગ આત્માનો નથી અને આત્મા રાગનો નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો ભંડાર છે અને રાગ દુઃખનો ભંડાર છે. આચાર્ય ભગવંતોએ ગાથામાં અને ટીકામાં જે કહ્યું છે તેનું આ સ્પષ્ટીકરણ ચાલે છે. છેલ્લે તો એમ કહેશે કે- ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે અને દયા, દાન આદિના ભાવ, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ઇત્યાદિ અજ્ઞાન છે અર્થાત્ એમાં જ્ઞાન નથી. રાગમાં જ્ઞાન નથી એ કારણે તે અજ્ઞાન છે, અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વ


PDF/HTML Page 1836 of 4199
single page version

નહિ પણ જ્ઞાન નહિ એટલે અજ્ઞાન એમ અર્થ છે. જ્ઞાનસ્વરૂપી આત્મા રાગમાં નહિ અને રાગ જ્ઞાનસ્વરૂપી આત્મામાં નહિ. જ્ઞાન (આત્મા) અને અજ્ઞાન (રાગ) ભિન્ન ભિન્ન છે.

ભેદજ્ઞાન શું ચીજ છે એ જીવોએ સાંભળ્‌યું નથી; અને એના વિના ચારગતિમાં રખડવું મટે એમ નથી. નવતત્ત્વમાં દરેક તત્ત્વ ભિન્ન ભિન્ન છે. રાગ આસ્રવ છે અને આત્મા આનંદકંદ પ્રભુ જ્ઞાયક છે. તે બે વચ્ચે આધાર-આધેય સંબંધ નથી. વ્યવહારરત્નત્રયમાં આત્મા જણાય અને આત્મામાં વ્યવહારરત્નત્રય હોય એમ કદી છે નહિ. ધર્મની મૂળ ચીજ આ છે. રાગના આધારે આત્મા જાણવામાં આવે અને જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થાય એમ છે નહિ; કેમકે રાગની ઉત્પત્તિ પરલક્ષે થાય છે અને જ્ઞાનની પરિણતિ સ્વલક્ષે ઉત્પન્ન થાય છે. બન્નેની દિશા અને દશામાં ફેર છે. પર તરફની દિશાથી રાગની દશા ઉત્પન્ન થાય છે જ્યારે સ્વ તરફની દિશાથી ધર્મની દશા ઉત્પન્ન થાય છે. ભાઈ! ધર્મની દશાનો આશ્રય સ્વ છે, રાગ નહિ, પર નહિ. અહો! ધર્મ કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે.

અહીં કહે છે-રાગ આધાર અને આત્મા આધેય કે આત્મા આધાર અને રાગ આધેય એમ છે નહિ. હજી તો આ સમ્યગ્દર્શન કેમ થાય એની વાત ચાલે છે. સમ્યગ્દર્શન વિના, આત્માના અનુભવ વિના ચારિત્ર ત્રણકાળમાં હોતું નથી. અજ્ઞાનીનાં વ્રત ને તપને ભગવાને (મૂર્ખાઈ ભર્યાં) બાળવ્રત અને બાળતપ કહ્યાં છે. ભાઈ! તું અનંતવાર સમોસરણમાં ગયો, ભગવાનની અનંતવાર પૂજા કરી, હીરાના થાળ, મણિરત્નના દીવા અને કલ્પવૃક્ષનાં ફૂલ વડે અનંતવાર ભગવાનની આરતી ઉતારી. પણ એ તો બધો શુભભાવ છે; એમાં કયાં આત્મા છે? આ બધું સમજવું પડશે હોં, નહિતર એમ ને એમ જીંદગી ચાલી જશે, અને મરીને કયાંય ઢોરમાં-તિર્યંચમાં ચાલ્યો જઈશ. કદાચિત્ કાંઈ પુણ્યભાવ થયો હશે તો મિથ્યાત્વ સહિત સ્વર્ગમાં જશે; પણ તેથી શું? મિથ્યાત્વનું પરંપરા ફળ તો નિગોદ જ છે.

આચાર્ય કુંદકુંદદેવ અતીન્દ્રિય આનંદના સ્વાદના રસિયા અનુભવી પુરુષ હતા. અહો! ભાવલિંગી મુનિવરોને પર્યાયમાં પ્રચુર આનંદના સ્વાદનું વેદન હોય છે. આચાર્યદેવ ગાથા પ માં કહે છે-હું મારા નિજવૈભવથી સમયસાર કહીશ. ત્યાં નિજવૈભવ કેવો છે તેનું વર્ણન કરતાં કહે છે-‘‘સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુર-સ્વસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે.’’ જુઓ આ ધર્મ અને આ મુનિપણું! પંચમહાવ્રત પાળતા હતા અને નગ્ન હતા એમ ત્યાં ન કહ્યું; કારણ કે એ મૂનિપણું કયાં છે?

સમયસાર ગાથા ૭૨ માં આત્માને ‘ભગવાન આત્મા’ એમ ત્રણવાર આચાર્ય અમૃતચંદ્રે કહ્યું છે. અહાહા...! તું ભગવાન આત્મા છો ને? ભગવાન! તારા મહિમાનો


PDF/HTML Page 1837 of 4199
single page version

કોઈ પાર નથી. નાના બાળકને જેમ એની મા પારણામાં ઝુલાવી એનાં વખાણ કરે છે અને સુવાડી દે છે તેમ અહીં આચાર્યદેવ આત્માને ‘ભગવાન આત્મા’ કહી અજ્ઞાનમાંથી જગાડે છે. કહે છે-જાગ રે જાગ, નાથ! તું ત્રણલોકનો નાથ છે. તારી પુંજીમાં તો અનંત અનંત આનંદની લક્ષ્મી ભરી છે. આ સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનો જે સ્વાદ આવે છે તે તારી ચૈતન્યપુંજીમાંથી આવે છે. એ (ચૈતન્યલક્ષ્મી) તારી પુંજી છે; આ ધૂળ (ધન) તે તારી પુંજી નહિ. આ શરીર-બરીર તો હાડકાંનો માળો છે. અને એમાં જે સડન-ગલનની ક્રિયાઓ થાય છે એ બધી જડની ક્રિયાઓ છે.

જુઓ, ક્રિયા ત્રણ પ્રકારની છે-

૧. જડની ક્રિયા. આ ચાલવાની, બોલવાની, ખાવાપીવાની ઇત્યાદિ જે શરીરની ક્રિયા છે તે જડની ક્રિયા છે, આત્માની નહિ.

૨. વિભાવિક ક્રિયા. અંદર જે રાગાદિ પરિણમન છે તે વિભાવિક ક્રિયા છે. આ દુઃખરૂપ ક્રિયા છે. દયા, દાન આદિ રાગના પરિણામ દુઃખરૂપ છે.

૩. જ્ઞાનની ક્રિયા. રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં અંતર એકાગ્ર થવું તે જ્ઞાનની ક્રિયા છે. એમાં અતીન્દ્રિય આનંદ આવે છે. રાગથી ભિન્ન પડી આનંદના નાથ ઉપર દ્રષ્ટિ પડતાં જે જ્ઞાનક્રિયા થઈ એમાં ભેગો શુદ્ધતાનો આનંદ આવે છે. રાગમાં આનંદ કયાં છે? સ્ત્રી કે પૈસામાં આનંદ કયાં છે? (નથી). રાગની ઉત્પત્તિ ન થાય એવી જ્ઞાનક્રિયામાં-જાણનક્રિયામાં ભેગો આનંદ હોય છે, અને તે ધર્મીની ક્રિયા છે.

પ્રશ્નઃ– તો શું જીવોની દયા પાળવી તે ધર્મ નહિ?

ઉત્તરઃ– રાગની ઉત્પત્તિ ન થવી અને જાણન-પર્યાય ઉત્પન્ન થવી એને ભગવાન સાચી દયા કહે છે. રાગની ઉત્પત્તિ થવી એ આત્માની અદયા છે, હિંસા છે. ધર્મીને દયા આદિ રાગ આવે છે પણ એ ધર્મ છે એમ નથી. (વ્યવહારથી-ઉપચારથી એને ધર્મ કહે છે એ જુદી વાત છે).

હવે આગળ કહે છે-‘માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (- રહેલું) છે તે, જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે, જ્ઞાનમાં જ છે.’

શું કહે છે? જ્ઞાન એટલે ભગવાન આત્મા અને જાણનક્રિયા એટલે ચૈતન્યની જાણવાની ક્રિયા. રાગથી ભિન્ન પડી સ્વરૂપના લક્ષે જે જાણનક્રિયારૂપ વીતરાગી આનંદની દશા થઈ તેમાં પોતાનું સ્વરૂપ પ્રતિષ્ઠિત છે અર્થાત્ તેમાં આત્મા છે એટલે કે આત્મા જણાય છે. તેથી જાણનક્રિયા તે આધાર છે અને આત્મા આધેય છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદરૂપ જે પરિણતિ થઈ તેમાં આત્મા


PDF/HTML Page 1838 of 4199
single page version

જાણવામાં આવે છે માટે તેને આધાર કહ્યો અને આત્માને આધેય કહ્યો. આ જાણનક્રિયા સ્વભાવભૂત હોવાથી આત્માથી અભિન્ન છે. માટે કહ્યું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે.

વળી, ‘ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે, ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે.’

આત્મસ્વભાવની અરુચિરૂપ જે ભાવ-ક્રોધ, માન, માયા અને લોભ તેને ક્રોધાદિ કહ્યા છે. સ્વરૂપની અરુચિના બે પ્રકાર-રાગ અને દ્વેષ. તેમાં સ્વરૂપની અરુચિ એવો જે દ્વેષભાવ તેના બે પ્રકાર-ક્રોધ અને માન અને સ્વરૂપ પ્રત્યેનો અનાદર એવો જે રાગ તેના બે પ્રકાર-માયા અને લોભ.

આત્મા સદા ચૈતન્યમૂર્તિ પ્રભુ આનંદસ્વરૂપે અંદર વિરાજે છે. તેને છોડી જેને પુણ્યભાવની રુચિ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે, ક્રોધ છે. અહીં કહે છે-આત્માની અરુચિરૂપ ક્રોધાદિ પરિણામની ક્રિયા થઈ તેના આધારે ક્રોધાદિ છે. વિકારના પરિણમનની ક્રિયાના આધારે વિકાર છે, આત્માના આધારે વિકાર નથી. રાગની ક્રિયા તે આત્માના વિરોધની-ક્રોધાદિ ક્રિયા છે. જીવની ક્રોધાદિકની પર્યાય અનાદિથી ક્રોધાદિ ક્રિયામાં છે; તેની પરિણતિમાં ક્રોધાદિ વિકારભાવ આત્માને લઈને નથી. વિકાર પણ પોતાના ષટ્કારકથી પરિણમે છે. ક્રોધાદિ ક્રિયા એટલે વિકારનું ષટ્કારકરૂપ જે પરિણમન તેમાં ક્રોધાદિ છે, આત્મા નથી અને આત્મામાં ક્રોધાદિ નથી. સ્વરૂપની વિપરીત માન્યતારૂપ જે મિથ્યાત્વની ક્રિયા એના પરિણમનમાં વિકાર છે, આત્માના પરિણમનમાં મિથ્યાત્વાદિ વિકાર નથી.

ક્રોધાદિક્રિયા એટલે ક્રોધાદિનું પરિણમન; એ પરિણમનમાં ક્રોધાદિ છે. આત્માની પર્યાયમાં ક્રોધાદિનું પરિણમન નથી. આત્માની પર્યાય તો જાણવું-દેખવું આનંદ આદિ છે. આત્માની પર્યાયમાં ભગવાન આત્મા જણાય છે કેમકે એમાં ભગવાન આત્મા છે જ્યારે ક્રોધાદિ પરિણમનમાં આત્મા જણાતો નથી કેમકે તેમાં આત્મા કયાં છે કે જણાય?

અહીં કહે છે-ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું છે, જેમ જ્ઞાન અને આનંદનું પરિણમન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માથી અભિન્ન છે તેમ ક્રોધાદિનું પરિણમન ક્રોધાદિથી અભિન્ન છે. ક્રોધાદિ પરિણમનમાં ક્રોધાદિ જણાય છે, આત્મા નહિ. પુણ્ય-પાપરૂપ પરિણમનમાં પુણ્ય- પાપના ભાવ છે એમ જણાય છે. પુણ્ય-પાપના ભાવમાં આત્મા છે અને આત્માથી તે થયા છે એમ છે નહિ. અહીં બન્ને વચ્ચેની ગાંઠને ભેદી-ચીરી નાખી છે.

જ્યાંસુધી પર્યાયબુદ્ધિ છે ત્યાંસુધી રાગની બુદ્ધિ છે. એ રાગની બુદ્ધિના આધારે રાગ છે, આત્માના આધારે રાગ છે એમ છે નહિ. ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે અર્થાત્ વિકારનું પરિણમન વિકારથી એકમેક હોવાને લીધે


PDF/HTML Page 1839 of 4199
single page version

વિકાર વિકારમાં જ છે. વિકારનું લક્ષ પર છે, પરંતુ વિકાર એના પોતાના (વિકારના) પરિણમનમાં છે, આત્મામાં નહિ અને પર નિમિત્તમાં પણ નહિ. સ્વભાવની દ્રષ્ટિ વિના રાગ અને વિકારનું જે પરિણમન થયું તે વિકારનું પરિણમન વિકારમાં છે, પરના પરિણમનમાં નહિ તેમ જ આત્માના પરિણમનમાં પણ નહિ. પર્યાયબુદ્ધિમાં જે વિકાર થયો એ વિકારના પરિણમનનો આધાર વિકાર છે. મિથ્યાદ્રષ્ટિપણાનું પરિણમન મિથ્યાદ્રષ્ટિપણામાં છે એમ કહે છે. એ પરિણમનને પોતાનું કરવું એ પરિણમનનું સ્વરૂપ છે; કેમકે વિકારની એક સમયની પર્યાય પણ પોતાના ષટ્કારકથી પરિણમી રહી છે, નિમિત્તના કારણે નહિ અને પોતાના દ્રવ્ય-ગુણના કારણે પણ નહિ.

ભાઈ! આ તો વીતરાગનું તત્ત્વજ્ઞાન છે જેને ઇન્દ્રો અને ગણધરો એકચિત્ત થઈને સાંભળે છે. અહા! ચાર જ્ઞાનના ધારી જેને બાર અંગ અને ચૌદ પૂર્વની લબ્ધિ પ્રગટ થઈ છે એવા ગણધરદેવ જે દિવ્યધ્વનિ સાંભળે તે વાણી કેવી હોય? પરમ અદ્ભુત, અલૌકિક! ભાઈ! એકવાર સાંભળ તો ખરો. કહે છે-

તારી જાણનક્રિયામાં તું રહ્યો છું. સ્વરૂપના લક્ષે જે જ્ઞાન, દર્શન, આનંદ અને સ્થિરતાની ક્રિયા થાય તે ક્રિયા સ્વરૂપભૂત હોવાથી ભગવાન! તું એ જાણનક્રિયામાં રહેલો છું. તું શરીરમાં, વાણીમાં, કુટુંબમાં કે રાગમાં રહ્યો છું એમ નથી. સમયસાર ગાથા ૬ માં આવે છે કે શુભાશુભભાવના સ્વભાવે ભગવાન જ્ઞાયક થયો જ નથી. જ્ઞાયકભાવ એટલે સમજણનો પિંડ, જ્ઞાનનો સાગર એની જ્ઞાનની પરિણતિમાં રહેલો છે, શુભાશુભભાવમાં નહિ. શુભાશુભભાવ તો જડ છે. ભાઈ! આ પંચમકાળમાં પણ આત્મા જ્ઞાયક પ્રભુ તો પરિપૂર્ણ જ છે; જે દોષ છે તે પર્યાયમાં છે. (એ દોષની પર્યાયમાં આત્મા નથી).

આ દેહ તો જડ માટી છે. લોઢાની ખીલી વાગે ત્યારે કહે છે ને કે-પાણી લગાડશો મા, કેમકે મારી માટી પાકણી છે. લ્યો, એક બાજુ માટી કહે અને વળી પાછી મારી કહે! મહા વિચિત્ર! (અજ્ઞાનીનાં બોલવાનાં કાંઈ ઠેકાણાં હોતાં નથી).

અહીં કહે છે-ભગવાન! તારો મહિમા અપરંપાર છે. તું તારા મહિમા ભૂલી ગયો એટલે તને રાગની ક્રિયાનો-પુણ્યની ક્રિયાનો મહિમા આવે છે. અહીં કહે છે- મિથ્યાભ્રાંતિનું પરિણમન મિથ્યાભ્રાન્તિને લઈને છે, આત્માને લઈને નહિ; અન્યથા મિથ્યાભ્રાંતિ આત્માનો (ત્રૈકાલિક) સ્વભાવ થઈ જાય. આ તો ચૈતન્યચમત્કારની વાતો છે. ભગવાન તારો ચમત્કાર તું રાગરહિત જ્ઞાનની ચમત્કારિક પરિણતિમાં જણાય તે છે. આત્મા પવિત્ર શુદ્ધ છે; એ પવિત્ર જ્ઞાનનું જ સ્વરૂપ છે, એ જ તેનો આધાર છે, કેમકે જાણનક્રિયા અને જ્ઞાન એકમેક છે. જાણવાની, શ્રદ્ધાની, આનંદની વીતરાગ પરિણતિ આત્માથી જુદી નથી, એકમેક છે. તેથી સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે,


PDF/HTML Page 1840 of 4199
single page version

આત્મા આત્મામાં જ છે. તેવી રીતે ક્રોધ ક્રોધમાં જ છે, આત્મામાં નહિ. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને પંચમહાવ્રતાદિના પરિણામ ઇત્યાદિ વિકાર વિકારમાં છે. આત્મામાં નહિ.

‘વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા હોવાથી તેમને પરમાર્થભૂત આધારઆધેય સંબંધ નથી.’

પહેલાં કહ્યું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે અને ક્રોધાદિ ક્રોધાદિમાં જ છે. હવે કહે છે કે ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન કહેતાં આત્મા નથી, અને આત્મામાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી. જુઓ, આત્માનું પરિણમન-જ્ઞાન-શ્રદ્ધાન-રમણતારૂપ પરિણમન રાગને લઈને, કર્મને લઈને કે નોકર્મને લઈને છે એમ નથી. કર્મ માર્ગ આપે તો જ્ઞાનનું, શ્રદ્ધાનું પરિણમન થાય એમ નથી. આ શરીર, મન, વાણી, ધનસંપત્તિ, કુટુંબ-પરિવાર ઇત્યાદિમાં આત્મા નથી. એમના વડે આત્માને લાભ થાય એમ બીલકુલ નથી. નિયમસારમાં ઉદ્ધૃત એક શ્લોકમાં આવે છે કે-બૈરાં-છોકરાં કુટુંબ-પરિવાર વગેરે ધૂતારાઓની ટોળી આજીવિકા માટે એકઠી મળેલી છે. જુઓને, કોઈ રોગ થયો હોય અને છ મહિના, બાર મહિના લંબાય તો એની ચાકરી કરનાર થાકી જાય એટલે એને અંદર એમ થાય કે-‘ખાટલો ખાલી કરે તો સારું.’ બચવાનો હોય નહિ છતાં લોકલાજે ખર્ચ કરવો પડતો હોય, ડોકટરને બોલાવવા પડતા હોય અને સેવામાં હાજર રહેવું પડતું હોય એટલે અંદરમાં આવો વિચાર ચાલે! જુઓ આ સંસાર! સમજાણું કાંઈ...?

અહીં કહે છે કે ક્રોધાદિ વિકારમાં, કર્મ કે નોકર્મમાં જ્ઞાન-આત્મા નથી અને જ્ઞાનમાં- આત્મામાં ક્રોધાદિ વિકાર, કર્મ કે નોકર્મ નથી. કેમ નથી? તો કહે છે-તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. પુણ્ય-પાપના ભાવને અને આત્માને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. તેવી જ રીતે કર્મ ને શરીરાદિને અને આત્માને પરસ્પર અત્યંત સ્વરૂપ-વિપરીતતા છે. આત્માનું તો જાણનસ્વરૂપ છે અને ક્રોધાદિનું એનાથી વિરુદ્ધ જડસ્વરૂપ છે. તેથી આત્મામાં રંગ- રાગના ભાવ છે જ નહિ.

શુભરાગને અને ભગવાન આત્માને પરસ્પર અત્યંત વિરોધ છે. માટે જો કોઈ કહે કે રાગની મંદતા કરતાં કરતાં ધર્મ થાય વા વ્યવહારના ક્રિયાકાંડ કરતાં કરતાં નિશ્ચય થાય તો એ યથાર્થ નથી. રાગ વડે આત્મા જણાય એ ત્રણકાળમાં બનવા યોગ્ય નથી. આત્માનું જ્ઞાનસ્વરૂપ અને પુણ્ય-પાપના ભાવનું સ્વરૂપ પરસ્પર અત્યંત વિરુદ્ધ હોવાથી તેમને આધાર-આધેય સંબંધ નથી. આત્માની પરિણતિ આધાર અને રાગાદિ આધેય એમ નથી, વા રાગાદિ આધાર અને જ્ઞાન આધેય એમ પણ નથી. અહો! અમૃતને પાનારાં અમૃતચંદ્રનાં આ અમૃત-વચનો છે.