PDF/HTML Page 1801 of 4199
single page version
હરિગીતમાં ‘નય પરિહીણા’ નો અર્થ શુદ્ધનયપરિચ્યુત’ કર્યો છે તેમાં મૂળ અર્થ ફેરવી નાખ્યો નથી પણ મૂળ અર્થનું સ્પષ્ટીકરણ કર્યું છે.
‘જ્યારે જ્ઞાની શુદ્ધનયથી ચ્યુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી...,’
જુઓ, આમ કહીને શું કહેવા માગે છે? એ જ કે નિર્વિકલ્પ અભેદ નિજ ચૈતન્યમહાપ્રભુની દ્રષ્ટિમાં અતીન્દ્રિય આનંદનું વેદન થવું-આવવું એ શુદ્ધનયમાં રહેવું છે, અને ત્યાંથી-સ્વભાવથી ખસી પર્યાયબુદ્ધિ થઈ જવી અર્થાત્ શુભરાગમાં એકત્વબુદ્ધિએ પરિણમે એવી રાગની દ્રષ્ટિ થઈ જવી તે શુદ્ધનયથી ચ્યુત-ભ્રષ્ટ થઈ જવું છે. અહીં કહે છે-શુદ્ધનયથી ભ્રષ્ટ થઈ જાય ત્યારે તેને મિથ્યાત્વસંબંધીના અર્થાત્ અનંતાનુબંધીના રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે. અહા! જ્યાં સ્વભાવની રુચિ છૂટી રાગની રુચિ થઈ ગઈ ત્યાં (ફરી) મિથ્યાત્વ થઈ ગયું અને ત્યાં તેને અનંતાનુબંધી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. ‘રાગાદિભાવોનો સદ્ભાવ’ નો અર્થ મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ ઉત્પન્ન થવાની વાત છે. (અસ્થિરતાના રાગની વાત નથી). અહાહા...! બહારમાં ધર્મીને વ્રત, સંયમ, તપ, નિર્દોષ આહાર ઇત્યાદિ ક્રિયા એવી ને એવી દેખાતી હોય પણ અંદરમાં ચૈતન્ય ભગવાન જે પરમાત્મસ્વરૂપે વિરાજમાન છે એના વેદનમાંથી ખસી દયા, દાન, વ્રત, તપ આદિના શુભરાગની રુચિમાં આવી જાય તો તે મિથ્યાદ્રષ્ટિ થઈ જાય છે અને તેને અનંતાનુબંધીના રાગાદિનો સદ્ભાવ થઈ જાય છે.
હવે કહે છે-આ રીતે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી, ‘પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (-દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું (- કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે.’
અહા! જુઓ! જૂનાં કર્મો તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેને સત્તામાં પડયાં છે પણ જ્ઞાનીને એના ઉદયકાળમાં, દ્રષ્ટિના વેદનમાં આત્માના આનંદનું વેદન છે તેથી તેને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ થતા નથી અને તેથી તેને તે ઉદય ખરી જાય છે અને નવા બંધનું કારણ થતો નથી. પરંતુ જ્યારે તે જ આત્મા ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિથી ભ્રષ્ટ થઈ પર્યાયબુદ્ધિ થઈ જાય છે વા રાગની રુચિપણે પરિણમી જાય છે ત્યારે મિથ્યાત્વસંબંધી રાગદ્વેષના સદ્ભાવને લીધે દ્રવ્યપ્રત્યયો એટલે પૂર્વે બંધાયેલાં કર્મો નવા કર્મબંધનું કારણ થાય છે. રાગાદિભાવોનો સદ્ભાવ થતાં તેને નવા બંધનું અનિવાર્યપણું છે અર્થાત્ હવે તેને નવું બંધન થશે જ. જૂનાં કર્મના ઉદયને, અજ્ઞાનીનો સ્વભાવથી ભ્રષ્ટ થવાથી ઉત્પન્ન થયેલો રાગદ્વેષનો ભાવ હેતુનો હેતુ હોવાથી અર્થાત્ નવીન બંધનું નિમિત્ત હોવાથી તેને બંધન થશે જ. અજ્ઞાની થતાં દ્રષ્ટિ પલટી જવાથી રાગાદિભાવોનો
PDF/HTML Page 1802 of 4199
single page version
સદ્ભાવ થાય છે અને તે નવીન કર્મબંધનું નિમિત્ત થવાથી તેને જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થશે જ.
‘અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્ આનું દ્રષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ-જાણીતું છે); કારણ કે ઉદરાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે.’ જેમ જઠરાગ્નિ પુરુષે ગ્રહણ કરેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે તેમ અજ્ઞાનીને જે રાગદ્વેષમોહ થયા એ પુદ્ગલકર્મને જ્ઞાનાવરણાદિભાવે બંધરૂપે પરિણમાવે છે. રાગદ્વેષમોહ કર્મબંધનું નિમિત્ત છે ને? તેથી કર્મબંધરૂપે પરિણમાવે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ...?
સૂક્ષ્મ વાત છે, ભાઈ! સમજવી કઠણ પડે પણ એને સમજ્યે જ છૂટકો છે. દુર્લભ લાગે, આકરો લાગે પણ માર્ગ તો આ જ છે. એના વિના જન્મ-મરણના આરા નહિ આવે. બાપુ! તારાં માનેલાં વ્રત, તપ અને ઉપવાસ તો અનંતવાર કરી ચૂકયો છું પણ તારા આત્માની ઉપ નામ સમીપ કદીય વસ્યો નથી.
વ્યવહાર નથી એમ કોઈ કહે તો એમ નથી. નિમિત્ત છે, પણ નિમિત્ત પરનું કાર્ય કરે છે એમ નથી. નિમિત્તને નિમિત્ત-કારણ, વ્યવહારને વ્યવહારકારણ કહેવાય પણ એ અંદર ઉપાદાનમાં કાંઈ કાર્ય કરે છે એમ નથી.
હવે આવી વાતો સમજાય નહિ એટલે નવા માણસને તો એમ લાગે કે અમે ધર્મ સાંભળવા આવ્યા છીએ અને આમાં તો ધર્મ કેમ થાય એ તો આવતું જ નથી. અરે ભાઈ! તો આ શું વાત ચાલે છે? વીતરાગ માર્ગમાં પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન પડી નિજ ચૈતન્યની દ્રષ્ટિ અને એનો જ અનુભવ કરવો એને ધર્મ કહે છે. અને શુદ્ધ ચૈતન્યનો આદર અને દ્રષ્ટિ છોડી રાગનો આદર અને સત્કાર કરવો તેને અધર્મ કહે છે.
અજ્ઞાનીઓ કહે છે-તમે ગમે તે કહો પણ ઉપવાસ છે તે તપશ્ચર્યા છે અને તપશ્ચર્યાથી નિર્જરા છે અને નિર્જરા છે તે મોક્ષમાર્ગ છે. વળી તેઓ કહે છે- શાસ્ત્રમાં પણ તપની વ્યાખ્યા કરતાં અનશન, ઉણોદરને તપ કહ્યું છે.
હા, ભાઈ! પણ એ તો બધાં નિમિત્તનાં કથન છે. આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્મા છે. એમાં સ્થિરતા થતાં શરીર, કુટુંબ આદિ પ્રત્યે મમતા છૂટી અંતરમાં કષાયરહિત પરિણતિ થવી તેને ભગવાન તપ કહે છે. શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્યસ્વરૂપમાં લીનપણે પ્રતપવું-પર્યાયનું શોભાયમાનપણે થવું એનું નામ તપ છે.
લોકો તો બહારમાં કોઈ ઉપવાસ કરી વર્ષીતપ કરે તો એના વખાણ કરવા લાગી જાય કે-જોયું? આ કરોડપતિના છોકરાની વહુએ આ સાલ વર્ષીતપ કર્યું.
PDF/HTML Page 1803 of 4199
single page version
જાણે શું એ કરી નાખ્યું એમ એને થઈ જાય છે. પણ એમાં તો ધૂળેય તપ અને ધર્મ નથી, સાંભળને. એ બધા બહારના ભપકા તો સ્મશાનના હાડકાના ફોસ્ફરસની ચમક જેવા છે. અરે! બહારની ચમકમાં જગત ફસાઈ ગયું છે! ભાઈ! એ તો બધો સ્થૂળ રાગ છે અને એને હું કરું એમ માને એ મિથ્યાત્વ છે. અહીં તો ‘હું શુદ્ધ ચૈતન્ય છું’-એવા અભિપ્રાયથી ખસી ‘રાગ તે હું છું’ એ અભિપ્રાય થયો ત્યાં તે શુદ્ધનયથી ભ્રષ્ટ થઈ ગયો; ભલે બહારના ક્રિયાકાંડ એવા ને એવા જ રહ્યા કરે પણ તે અંદરથી ભ્રષ્ટ થઈ ગયો છે અને નવીન કર્મબંધ અવશ્ય થાય જ છે...એમ કહે છે.
‘જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે.’
વીતરાગ સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિમાં એમ આવ્યું છે કે-જે કોઈ આત્મા નિમિત્ત, રાગ કે એક સમયની પર્યાયની દ્રષ્ટિ છોડી અનંત અકષાય શાંતિનો પિંડ, ચૈતન્યપ્રકાશના પૂરસમા ચૈતન્યબિંબમય ભગવાન આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરે છે તે જ્ઞાની છે, ધર્મી છે. હવે આવો ધર્મી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવની મહત્તાના મહિમાથી છૂટી એક સમયની જ્ઞાનની વર્તમાન અવસ્થા કે દયા, દાન, વ્રત આદિ શુભરાગની અવસ્થાની રુચિમાં ગરી જાય તો તે શુદ્ધનયથી ચ્યુત છે. આત્મા સદા જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. તેના સ્વભાવની દ્રષ્ટિમાં રહેવું તે શુદ્ધનયમાં રહેવું છે, અને એનાથી છૂટી દયા, દાન આદિ પર્યાયની રુચિ થઈ જવી એ શુદ્ધનયથી ભ્રષ્ટ થવાપણું છે.
જેમ નાળિયેરમાં ઉપરની લાલ છાલ, અંદરની કાચલી કે ગોળા ઉપરની રાતડ એ કાંઈ નાળિયેર નથી. અંદરમાં સફેદ મીઠો ગોળો છે તે નાળિયેર છે. તેમ આત્મામાં શરીર, કર્મ કે શુભાશુભભાવ તે કાંઈ આત્મા નથી; અંદર જે નિર્મળાનંદનો નાથ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન બિરાજી રહ્યો છે તે આત્મા છે. શરીરની અવસ્થા બાળ હો, યુવા હો કે વૃદ્ધ હો વા દેહ પુરુષનો હો કે સ્ત્રીનો હો, આબાલગોપાળ બધાના આત્મા વસ્તુસ્વભાવે આવા જ છે. આવા આત્માની દ્રષ્ટિ કર્યા વિના જે કાંઈ દયા, દાન, વ્રતાદિ કરવામાં આવે એ કાંઈ આત્માનું કાર્ય નથી, કેમકે એ તો બધો રાગ છે. આત્માનું કાર્ય તો દ્રષ્ટિ શુદ્ધ ચિદાનંદઘનમાં પ્રસરતાં પર્યાયમાં પરિપૂર્ણ સ્વજ્ઞેયનું જ્ઞાન થાય, અનુભવ થાય તે છે. તેને જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. અહા! આવા સુખના પંથે ચઢયો હોય અને ત્યાંથી ભ્રષ્ટ થઈ ફરીને રાગની રુચિ થઈ જાય, બહારના વ્રત, તપ આદિના પ્રેમમાં પડી જાય તે શુદ્ધનયથી ભ્રષ્ટ થઈ ગયો છે.
આ શરીર, મન, વાણી, મકાન, વાસ્તુ આદિના ભપકા તો જડ અને નાશવાન
PDF/HTML Page 1804 of 4199
single page version
છે અને અંદર પુણ્ય અને પાપના પરિણામ થાય તે પણ ક્ષણિક અને નાશવાન છે. એના પ્રેમમાં જે ફસ્યો એ દુઃખના પંથે છે. ભાઈ! ભગવાન તો એમ કહે છે કે રાગ છે તે વ્યભિચાર છે. શુદ્ધ આત્માની રુચિ છોડીને રાગના પ્રેમમાં ફસ્યો તે વ્યભિચારી છે. પદ્મનંદી પંચવિંશતિમાં કહ્યું છે કે-પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી ખસી શાસ્ત્રમાં જે બુદ્ધિ જાય છે તે બુદ્ધિ વ્યભિચારિણી છે. અહાહા...! પ્રભુ! એકવાર સાંભળ તો ખરો કે તું કોણ છો? પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ તું ભગવાન આત્મા છો. આવા સ્વરૂપથી ખસીને શુભરાગના પ્રેમમાં પડવું તે વ્યભિચાર છે. ગજબ વાત છે, પ્રભુ! અહીં કહે છે-તું તારા સ્વરૂપના પ્રેમથી ખસી જાય છે ત્યારે તને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે અર્થાત્ મિથ્યાત્વસહિત રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે.
હવે કહે છે-‘રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસ્રવો અવશ્ય કર્મબંધનાં કારણ થાય છે અને તેથી કાર્મણવર્ગણા બંધરૂપે પરિણમે છે.’ શું કહ્યું આ? અંદર શુદ્ધ જ્ઞાનાનંદનો મીઠો મધુરો અમૃતમય મહેરામણ ઉછળી રહ્યો છે. તેની રુચિમાંથી છૂટી રાગના પ્રેમમાં આવ્યો એટલે જૂનાં કર્મ જે પડયાં હતાં તે નવા બંધમાં નિમિત્ત થાય છે. અહીં એમ કહેવું છે કે મિથ્યાત્વસંબંધી રાગ-દ્વેષ ઉત્પન્ન થતાં જૂનાં કર્મ નવા બંધમાં નિમિત્ત કારણ થાય છે.
અહાહા...! આત્મા ત્રણલોકનો નાથ ભગવાન પોતે જ્ઞાનાનંદસ્વભાવનો મોટો મહેરામણ-દરિયો છે. અંતરમાં આવો અતીન્દ્રિય આનંદનો સાગર ઉછળે તે કદી માઝા ન મૂકે.
‘ચેલૈયો સત્ ન ચૂકે’ એવી વૈષ્ણવમાં એક ચેલૈયાની કથા આવે છે. ચેલૈયો કરીને એક છોકરો હતો. એક દિવસે એના ઘરે ભિક્ષા માટે એક બાવો આવ્યો. તેણે ભિક્ષામાં ચેલૈયાનું માંસ માગ્યું. ચેલૈયાના બાપે કહ્યું-દીકરો અત્યારે નિશાળે ગયો છે; એ આવે એટલે એને કાપીને માંસ આપું. નિશાળમાં ચેલૈયાને ખબર પડી કે આ માટે મને ઘેર બોલાવ્યો છે. તો તે બોલ્યો-‘ચેલૈયો સત્ ન ચૂકે.’ ગમે તે થાઓ, હું પિતાની આજ્ઞાનો ભંગ ન કરું, મર્યાદા-માઝા ન મૂકું. એમ અહીં કહે છે-આત્મા સચ્ચિદાનંદ જ્ઞાનાનંદનો દરિયો પ્રભુ એની માઝા મૂકીને (સ્વભાવ મૂકીને) રાગમાં ન જાય અને અરાગી આત્માની દ્રષ્ટિ જેને થઈ છે તે જ્ઞાની સ્વભાવને છોડીને વ્રતાદિના પ્રેમમાં રુચિમાં ન જાય. આવી વાતુ! સમજાણું કાંઈ...? બાપુ! એણે (સ્વરૂપની) સમજણ વિના દુઃખના પંથે અનંતકાળ કાઢયો. આ શરીરની જુવાની અને પાંચ-પચાસ લાખ રૂપિયાની હોંશુ એ તો બધી ઝેરની હોંશુ છે. અરે! અંદર અમૃતનો સાગર ભગવાન આત્મા છે તેની એણે ઓળખાણ અને રુચિ કરી નહિ!
PDF/HTML Page 1805 of 4199
single page version
અને પાછી એની રુચિ છોડી રાગના મહિમામાં ચાલ્યો જાય તો રાગાદિનો સદ્ભાવ થવાથી તે અવશ્ય નવાં કર્મ બાંધે છે. અહીં મિથ્યાત્વસહિતના રાગાદિની વાત છે.
‘ટીકામાં જે એમ કહ્યું છે કે-‘‘દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે’’ તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે ‘‘દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં કાર્મણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે.’’ મતલબ કે નવાં કર્મ પોતે પોતાથી બંધાય છે-પરિણમે છે ત્યારે જૂનાં કર્મને નિમિત્ત કહેવામાં આવે છે.
હવે આવી વ્યાખ્યા સાંભળવાની-સમજવાની નવરાશ કોને છે? છોકરાઓ લૌકિક ભણવામાં મશગુલ છે. વેપારીઓ વેપારમાં મશગુલ છે અને નોકરિયાતો નોકરીમાં મશગુલ છે. પણ ભાઈ! આ સમજ્યા વિના જીવન હારી જઈશ હોં. અનંતકાળે મનુષ્યભવ મળે છે; એ ફરી-ફરીને મળવો મુશ્કેલ છે. આ ભવ તો ભવના અભાવનું ટાણું છે ભાઈ! એ ભવનો અભાવ થાય કયારે? કે જેમાં ભવ અને ભવનો ભાવ નથી એવા નિજ ચૈતન્યમય આત્માનો આશ્રય લે ત્યારે ભવનો અભાવ થાય છે. આ ચૈતન્યમય આત્મા એ તારું નિજ ઘર છે. તેમાં તું જા. દોલતરામજીએ ભજનમાં કહ્યું છે ને કે-
અહા! અમે વાણિયા, અમે શેઠ, અમે વેપારી, અમે પુરુષ, અમે સ્ત્રી, અમે પુણ્યશાળી, અમે ધનવાન, અમે રંક, અમે પંડિત, અમે મૂર્ખ-એમ અનેક સ્વાંગ રચીને ભગવાન! તું મહા કલંકિત થયો. એ બધું નિજઘરમાં કયાં છે ભાઈ? નિજઘર તો એકલું ચૈતન્ય-ચૈતન્ય-ચૈતન્ય આનંદનું ધામ છે. બસ એમાં જા જેથી તને ભવનો અભાવ થશે.
હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહે છેઃ-
આ કળશમાં એકલું માખણ ભર્યું છે. ભગવાન! તારા ઘરમાં શું છે એ જો તો ખરો એમ કહે છે.
‘अत्र’ અહીં ‘इदम् एव तात्पर्यम्’ આ જ તાત્પર્ય છે કે ‘शुद्धनयः न हि हेयः’ શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી. લ્યો, આ આખા આસ્રવ અધિકારના મર્મનું રહસ્ય કહ્યું. શું? કે ‘શુદ્ધનયઃ ન હિ હેયઃ’-પરમાનંદના નાથ શુદ્ધ ચૈતન્ય ભગવાનને ઉપાદેયપણે જાણ્યો તે છોડવા યોગ્ય નથી. પોતે શુદ્ધ ચિદાનંદમય પરમાત્મસ્વરૂપ છે. એને જાણીને જે એનો આશ્રય લીધો તે ત્યાગવા-યોગ્ય નથી એમ કહે છે.
આ સિવાય બે-પાંચ કરોડ કે અબજની ધૂળ (સંપત્તિ) ભેગી થાય તો તે કાંઈ
PDF/HTML Page 1806 of 4199
single page version
ચીજ નથી. એને તું મારી મારી કહે પણ ભગવાન! એ તો જડ છે; એ કયાં તારામાં છે? એવી રીતે આ શરીર પણ માટી-ધૂળ છે. એ જડ પુદ્ગલની ચીજ છે તે તારા ચૈતન્યસ્વરૂપ કયાંથી થાય? વળી અંદરમાં આ જે પુણ્ય-પાપના ભાવ થાય છે એ પણ તારી ચીજ નથી; એ તો આસ્રવ છે, આસ્રવની ચીજ છે, જડ છે, કેમકે ચૈતન્યનો અંશ એમાં કયાં છે? (નથી)
તેથી તો આ સિદ્ધાંત-રહસ્ય કહ્યું કે ‘શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી. ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિનું રહસ્ય આ છે કે-શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્મા જે ઉપાદેય છે તે કોઈ ક્ષણે કે કોઈ કારણે છોડવા યોગ્ય નથી; અને રાગ જે અનાદિથી પર્યાયમાં ઉપાદેય કર્યો છે તે ગ્રહણ કરવા યોગ્ય નથી, અર્થાત્ છોડવા યોગ્ય છે. આ ટૂંકી અને ટચ સાર વાત છે.
અહા! અત્યારે સંપ્રદાયમાં તત્ત્વના વિરહ પડયા એટલે લોકોને આ વાત સાંભળતાં દુઃખ લાગે છે. એમને થાય છે-શું અમે વ્રત ને તપ કરીએ છીએ તે ધર્મ નહિ? આમાં તો અમારી વાત બધી ખોટી પડે છે.
બાપુ! તને દુઃખ થાય તો ક્ષમા કરજે ભાઈ! પણ માર્ગ તો આ છે અને સત્ય પણ આ જ છે. તારો એ ભગવાન (આત્મા) પૂર્ણાનંદ પ્રભુ છે તે ક્ષમા આપે ભાઈ! ભગવાન! તારી વાત બધી ખોટી હોય અને ખોટી પડે એમાં તારું હિત છે. આમાં કોઈ વ્યક્તિનો વિરોધ કે તિરસ્કાર નથી. ‘સત્વેષુ મૈત્રી’, બધા જ ભગવાન છે, દ્રવ્યે સાધર્મી છે ત્યાં કોનાથી વિરોધ? અમને તો બધા પ્રત્યે વાત્સલ્ય છે, કોઈ પ્રતિ દ્વેષ નથી. જ્ઞાનીને તો કોઈનો અનાદર ન હોય. આ તો વસ્તુનું સ્વરૂપ અને માર્ગની રીત જેમ છે તેમ અહીં કહે છે.
એક આર્યા મળ્યાં હતાં તે કહેતાં હતાં-બાર પ્રકારના તપના ભેદમાં પ્રથમ ‘અનશન’ એટલે આહાર છોડવો તેને શાસ્ત્રમાં તપ કહ્યું છે; અને તપ છે તે નિર્જરા છે અને નિર્જરાને ભગવાને મોક્ષમાર્ગ કહ્યો છે. માટે તમે બીજું ગમે તે કહો પણ ઉપવાસ છે તે તપ છે, નિર્જરા છે અને ધર્મ છે.
અહા! આવી વાત, હવે શું થાય? ભાઈ! હું આહારનો ત્યાગ કરું છું અને ઉપવાસને ગ્રહણ કરું છું એવો ભાવ તે ઉપવાસ નથી; એ તો અપવાસ એટલે કે માઠો વાસ છે, કેમકે એવી માન્યતા મિથ્યાત્વ છે.
આત્મામાં એક ‘ત્યાગઉપાદાનશૂન્યત્વ’ નામની શક્તિ છે જેના કારણે આત્મામાં કોઈ પણ પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ છે જ નહીં. ભગવાન આત્મા તો અનાદિથી પરદ્રવ્યના ગ્રહણ- ત્યાગરહિત જ છે. ફક્ત એણે પર્યાયમાં રાગને પડકયો છે તેને
PDF/HTML Page 1807 of 4199
single page version
ત્યાગવો અને શુદ્ધ ચૈતન્યસ્વભાવને છોડયો છે એને ગ્રહણ કરવો-બસ આ વાત છે. અહો! જુઓ, સંતો પરમાત્માની વાણીનું રહસ્ય કહે છે. મૂળમાં (કળશમાં) તાત્પર્ય કીધું છે ને! પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, કે દ્રવ્યાનુયોગ હોય, ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. પંચાસ્તિકાય, ગાથા ૧૭૨ માં સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે.
અહીં પણ એ જ કહે છે કે ભગવાન પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ જેને ઉપાદેયપણે અનુભવ્યો તે ત્યાગવાયોગ્ય નથી. સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના ત્યાગથી જ-એનો અનાદર-અરુચિ કરવાથી જ બંધન છે. સ્વભાવનો ત્યાગ એ જ બંધન છે અને એનો અત્યાગ એ જ અબંધન અર્થાત્ મુક્તિ છે.
કોઈને (અજ્ઞાનીને) એમ થાય કે આમાં તે શું સમજવું? (એમ કે કોઈ દયા, દાન, વ્રત, તપની ક્રિયા કરવાની વાત કહે એ તો સમજવા યોગ્ય છે.) બાપુ! આ સમજ્યે જ છૂટકો છે, અન્યથા નરક અને નિગોદના ભવ કરી-કરીને તારાં છોતાં નીકળી જશે. આજેય જેને લોકો જીવ માનવાને હા ન પાડે એવા નિગોદના અનંત જીવો છે. ત્યાં અક્ષરના અનંતમા ભાગે ઉઘાડ રહી ગયો છે જેની કોઈ ગણતરી નથી. ભગવાન! આ સમજ્યા વિના અનંતકાળ તું આવી સ્થિતિમાં રહ્યો હતો. બાપુ! સ્વરૂપની સમજણનો ત્યાગ કરે તો એનું પરંપરા ફળ નિગોદ જ છે. સમજાણું કાંઈ...?
છહઢાળામાં કહ્યું છે કે-
લ્યો, સર્વ શાસ્ત્રોનું આ રહસ્ય!
શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી; કેમ? ‘हि’ કારણ કે ‘तत्–अत्यागात् बन्धः नास्ति’ તેના અત્યાગથી બંધ થતો નથી અને ‘तत्–त्यागात् बन्धः एव’ તેના ત્યાગથી બંધ જ થાય છે.
અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે તેને જેણે ઉપાદેય કરી સત્કાર્યો, સન્માન્યો, આશ્રયભૂત કર્યો તે હવે ત્યાગવાયોગ્ય નથી કેમકે એના અત્યાગથી અર્થાત્ ગ્રહણથી-આશ્રયથી બંધ થતો નથી. શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્માનો ત્યાગ ન થાય. જુઓ આ ત્યાગ અને અત્યાગની વ્યાખ્યા!
વસ્તુ આત્મા અતીન્દ્રિય આનંદનો શુદ્ધ ચૈતન્યગોળો છે. એની પર્યાયમાં પુણ્ય-પાપ આદિ વિકાર હો, પણ વસ્તુના સ્વભાવમાં એ છે નહિ. આવી વસ્તુને જે સમ્યગ્દ્રષ્ટિએ
PDF/HTML Page 1808 of 4199
single page version
અનુભવી, આદરી, સત્કારી, સ્વીકારી વા ઉપાદેયપણે ગ્રહણ કરી તેને કર્મબંધન થતું નથી. અહાહા...! નિજ ચૈતન્યવસ્તુના અત્યાગથી કર્મબંધન થતું નથી.
અહીં તો ભાઈ! એક આત્માની જ વાત છે. દુનિયાને રુચે ન રુચે, દુનિયા માને ન માને એની જવાબદારી દુનિયાને છે. અહા! દુનિયા સ્વતંત્ર છે. તીર્થંકરના જીવે પણ પૂર્વે મિથ્યાત્વાદિ અનંત પાપ કર્યાં હતાં. એ પણ અનાદિથી એકેન્દ્રિયપણે નિગોદમાં હતા. તેમણે પણ જ્યારે તરવાના ઉપાયને પકડયો, પોતાના શુદ્ધ આત્માને ઉપાદેય કર્યો અને એમાં જ ઠર્યા ત્યારે તર્યા છે. સમજાણું કાંઈ...?
સંપ્રદાયમાં તો ‘મા હણો, મા હણો’ એ ભગવાનનો ઉપદેશ છે એમ પ્રરૂપણા કરે છે; પણ પરને હણી કોણ શકે? અને પરની દયા પાળી કોણ શકે? એક પણ પર પદાર્થની અવસ્થાને બીજો કોણ કરી શકે? અહીં તો એમ કહ્યું કે શુદ્ધ આત્માને ગ્રહણ કરી વીતરાગતા પ્રગટ કરવી એ ભગવાનનો ઉપદેશ છે. અહીં તો પૂર્ણાનંદના નાથ ભગવાન આત્માને ઉપાદેય કરી એનો જેને અત્યાગ છે એને કર્મબંધન નથી એમ કહે છે. અરે! એને સત્ય સાંભળવા મળ્યું ત્યારે પણ એણે ઊંધાઈ જ ઊંધાઈ કરી છે. એમ કે આ તો એકાંત છે; વ્યવહાર-શુભરાગ કરતાં કરતાં જ આત્મા ઉપાદેય થાય. શાસ્ત્રમાં કયાંક લખ્યું હોય કે વ્યવહાર સાધન છે તો તેને ચોંટી પડે પણ ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એમ મર્મ સમજે નહિ. સવારે તો આવ્યું હતું કે વ્રત ને નિયમ એ કાંઈ કાર્યકારી નથી અર્થાત્ એનાથી આત્માનું કાર્ય થાય (આત્માની નિર્મળ પર્યાય પ્રગટ થાય) એમ છે નહિ.
અહીં તો આ સ્પષ્ટ વાત છે કે ભગવાન આત્માનો અત્યાગ તે અબંધ છે અને તેના ત્યાગથી બંધન જ છે. કોઈ કર્મને લઈને આમ છે (બંધન છે) એમ વાત નથી. કર્મના જોરને લઈને ભગવાન આત્માનો ત્યાગ થાય અને કર્મ મંદ પડે તો તેનો અત્યાગ રહે એમ છે નહિ. (કર્મ તો બાહ્ય નિમિત્તમાત્ર છે).
અહા! ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માને સાંભળવા મહાવિદેહક્ષેત્રમાં એકાવતારી ઇન્દ્રો સ્વર્ગમાંથી આવે છે અને જંગલમાંથી સેંકડો સિંહ, વાઘ અને મોટા મોટા નાગ ચાલ્યા આવે છે. અહાહા...! એ વાણી કેવી હોય? શું આ કરો ને તે કરો-એમ કરવાની કથા ભગવાનની હોય? (ના). ભગવાનની દિવ્ય વાણીમાં તો એમ આવ્યું કે -આત્મા રાગ વિનાની પરિપૂર્ણ ચૈતન્યસ્વભાવથી ભરેલી ચીજ છે જેમાં એક સમયની પર્યાયનો પણ નાસ્તિભાવ છે. આવી પોતાની ચીજનો જેણે સ્વીકાર કરી આશ્રય કર્યો તેને કર્મબંધન હોતું નથી અને જેણે પોતાની ચીજનો અનાદર કરી ત્યાગ કર્યો તેને અવશ્ય કર્મબંધન થાય છે.
બાહ્ય ત્યાગ કરે એને કર્મબંધન ન હોય એમ નહિ અને બાહ્ય ત્યાગ નથી કર્યો
PDF/HTML Page 1809 of 4199
single page version
એને કર્મબંધન હોય એમ પણ નહિ. ગજબ વાત ભાઈ! બહારમાં સ્ત્રી-કુટુંબપરિવાર, દુકાન- ધંધા આદિ છોડીને બેસે તો મોટો ત્યાગ કર્યો એમ દુનિયા કહે પણ શેનો ત્યાગ કર્યો? પરદ્રવ્યોનેએણે કે દિ’ ગ્રહ્યા હતા કે એનો ત્યાગ કર્યો? અહીં તો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ એ જ વાસ્તવિક ગ્રહણ-ત્યાગ છે જે અબંધનું કારણ છે. જ્યારે ત્રિકાળી સ્વરૂપનો ત્યાગ અને રાગનું ગ્રહણ એ બંધનું કારણ છે પછી ભલે બાહ્ય ત્યાગ ગમે તેટલો હોય, આવો પરમેશ્વરનો વીતરાગ માર્ગ છે ભાઈ!
ત્રિલોકીનાથ પરમાત્મા એમ કહે છે કે અંદરમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદઘન ભગવાન આત્માની રુચિ-દ્રષ્ટિ છોડીને રાગનો-શુભરાગનો પ્રેમ અને આદર કરે છે એ અજ્ઞાની બહિરાત્મા બાળક છે. અને જેણે દ્રષ્ટિમાંથી રાગનો ત્યાગ કરી નિજ શુદ્ધ ચૈતન્યતત્ત્વનો આદર કર્યો તે અંતરાત્મા યુવાન છે અને એમાંથી પરમાત્મા થાય ત્યારે તે વૃદ્ધ (વર્ધમાન) થયો. બાકી આ શરીરની બાળ, યુવા અને વૃદ્ધાવસ્થા એ તો જડરૂપ જડની છે.
હવે આવી વ્યાખ્યા અને આવી વાત માંડ કોઈ દિ’ સાંભળવા મળે અને માંડ પકડાય ત્યાં વળી લાકડાં ઊંધાં ગરી ગયાં હોય કે-કાંઈક વ્રત કરે, તપ કરે તો ધર્મ થાય-એ આનો નિર્ણય કરે કયારે? અને નિર્ણય થયા વિના શુદ્ધાત્માનું ગ્રહણ કેમ થાય? અરે ભાઈ! ધર્મીને એવો રાગ-વ્યવહાર આવે છે, થાય છે ખરો પણ એ આચરવા લાયક નથી, છોડવા લાયક જ છે. હજુ પરમાત્મા પૂર્ણ પર્યાયમાં પ્રગટ થયો નથી છતાં તે પૂર્ણસ્વરૂપ છે તે જ ઉપાદેય છે, આદરણીય અને આચરણીય છે આવી વાત છે.
ફરી, ‘‘શુદ્ધનય છોડવા યોગ્ય નથી’’ એવા અર્થને દ્રઢ કરનારું કાવ્ય કહે છેઃ-
‘धीर–उदार–महिम्नि अनादिनिधने बोधे धृतिं निबध्नन् शुद्धनयः’ ધીર (ચળાચળતા રહિત) અને ઉદાર જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધનય-
જુઓ, શું કહે છે? ભગવાન આત્મા ધીર એટલે શાશ્વત સ્થિર ચળાચળતા રહિત છે. વળી તે ઉદાર છે અર્થાત્ વિશ્વના ગમે તેટલા (અનંત) જ્ઞેયો હોય તોય તે સર્વને જાણવાના સામર્થ્ય સહિત છે. અહાહા...! ત્રણકાળ ત્રણલોકના અનંત પદાર્થને જાણે એવી જ્ઞાનસ્વભાવની ઉદારતા છે. કરે કોઈને નહિ અને જાણે સર્વને એવા ઉદાર સ્વભાવવાળો છે. જે આવે તેને પૈસા આપે એને લોકો ઉદાર માણસ છે એમ નથી કહેતા? એમ જ્ઞાનસ્વભાવ સર્વને જાણે એવો ઉદાર છે.
એક ભાઈ પૂછતા હતા કે-મહારાજ! સિદ્ધ પરમાત્મા શું કરે? કોઈનું ભલું-બુરું કરે કે નહિ?
PDF/HTML Page 1810 of 4199
single page version
ત્યારે કહ્યું કે-ભાઈ! સિદ્ધ પરમાત્મા પરનું કાંઈ ન કરે, ફક્ત પોતાના અતીન્દ્રિય આનંદ અને વીતરાગી શાંતિનો અનુભવ કરે. (નિજાનંદરસમાં લીન રહે). ત્યારે એ ભાઈ કહેવા લાગ્યા -અમે સાધારણ માણસ છીએ તોય અમે કેટલાયનું ભલું કરીએ છીએ અને સિદ્ધ ભગવાન કોઈનું કાંઈ ન કરે તો એ ભગવાન કેવા? જુઓ આ મિથ્યાભાવ! અમે પરનું કરીએ છીએ, જીવ પરનાં કાર્ય કરે એવું જે કર્તાપણાનું અભિમાન તે મિથ્યાત્વ છે, કેમકે આત્મા પરનું ધૂળેય (કાંઈ પણ) કરતો નથી -કરી શકતો નથી. સમજાણું કાંઈ...?
અહો! ત્રણકાળ ત્રણલોકને જાણે એવી જ્ઞાનની શક્તિની ઉદારતા છે. અરે! એના શ્રુતજ્ઞાનમાં પણ પરોક્ષપણે લોકાલોકને જાણે એટલી તાકાત છે. અલ્પજ્ઞાનમાં પણ લોકાલોક જણાય એટલી એની તાકાત છે. શક્તિએ ઉદાર છે અને દશાએ પણ ઉદાર છે, એવો એનો મહિમા છે. અહા! એના મહિમાનાં ગાણાં પણ એણે સાંભળ્યાં નથી, અને કદાચ સાંભળ્યાં હોય તો સાંભળીને ગાંઠે બાંધ્યાં નથી.
લોકમાં કોઈ સરખાઈની ગાળ આપે તો એને પચાસ-પચાસ વર્ષ સુધી ગાંઠે બાંધી રાખે કે આણે મને આવા પ્રસંગે ગાળ આપી હતી. આ તો દાખલો છે (એમ કરવું જોઈએ એમ નહિ). તેમ અહીં કહે છે-ભગવાન! આવા પરમ મહિમાવંત તારા આત્માનાં ગીત સાંભળીને તું ગાંઠે બાંધ કે હું આવો છું. ભગવાન! તારી પરિણતિને એક વાર તારા આત્મામાં સ્થિર કર. (પરિણતિને ધ્રુવના ખીલે બાંધ).
અહીં કહે છે કે-ધીર અને ઉદાર જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધનય અર્થાત્ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વરૂપનો આશ્રય લઈને એમાં જ સ્થિરતા કરતી જ્ઞાનની પરિણતિ જેને શુદ્ધનય કહીએ તે, कर्मणाम् सर्वंकषः’ કે જે કર્મોને મૂળથી નાશ કરવાનો છે તે ‘कृतिभिः’ પવિત્ર ધર્મી પુરુષોએ ‘जातु’ કદી પણ ‘न त्याज्यः’ છોડવા યોગ્ય નથી.
અહાહા...! ભગવાન પૂર્ણાનંદનો-પોતાની પૂર્ણ વસ્તુનો આશ્રય લેતાં પરિણતિમાં શુદ્ધતા-પવિત્રતા પ્રગટ થઈ, સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થયાં. હવે તે સમકિતી જીવ કર્મોને મૂળથી નાશ કરનારો છે અર્થાત્ રાગની ઉત્પત્તિ કરનારો નથી. ‘कृतिभिः’ કહ્યું છે ને? એટલે કે ધર્માત્મા જેણે આત્માના આનંદના અનુભવરૂપ જે કાર્ય કરવા યોગ્ય હતું તે પૂર્ણાનંદના નાથને દ્રષ્ટિમાં અને વેદનમાં લઈને પૂરું કર્યું છે. રાગથી પોતાને બહાર કાઢી જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આશ્રયે તેણે કરવા યોગ્ય સુકૃત-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કરી લીધું છે. સુકૃત એટલે સત્કાર્ય. સમ્યગ્દર્શનાદિરૂપ સત્કાર્ય પ્રગટ કર્યું હોવાથી હવે તે ધર્મી પવિત્ર પુરુષ રાગાદિનો કરનારો નથી.
તો શું ધર્માત્માને રાગ આવતો જ નથી?
PDF/HTML Page 1811 of 4199
single page version
ના, એમ નથી; ધર્મી જીવને કિંચિત્ રાગ આવે છે, પણ એ રાગનો તે કર્તા નથી; કેમકે તેને રાગ કરવાનો અભિપ્રાય નથી. એ તો સ્વરૂપમાં સ્થિર થવાનો નિરંતર ઉદ્યમ કરીને ક્રમશઃ રાગનો અભાવ જ કરતો હોય છે.
પ્રશ્નઃ– દયા પાળવી, વ્રત પાળવાં, તપશ્ચરણ કરવું ઇત્યાદિ બધાં શું સત્કાર્ય-સદાચરણ નહિ?
ઉત્તરઃ– જેમાં આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તે (સમ્યક્દર્શન-જ્ઞાન- ચારિત્ર) સત્કાર્ય નામ સત્-આચરણ-સદાચરણ છે. આ સિવાય વ્રત, તપ આદિનો રાગ કોઈ સદાચરણ છે નહિ. ધર્મીના (વ્રતાદિને સદાચરણ વ્યવહારથી કહે છે એ બીજી વાત છે).
હજુ મિથ્યાત્વથી પાછો ફરીને પોતાના ચૈતન્યભગવાનનો સ્વીકાર કર્યો નથી તેના વ્રતાદિના રાગમાં તો સદાચરણનો ઉપચાર પણ સંભવિત નથી કેમકે તેને મૂળ સામાયિક આદિ નિરુપચાર ચારિત્ર કયાં છે?
જેણે વીતરાગમૂર્તિ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનો સ્વીકાર કરીને એનો અનુભવ કર્યો છે તે વીતરાગતાના લાભને પામે છે. સમ્+આય-સામાયિક; સમતાનો-વીતરાગતાનો લાભ થાય તે સામાયિક છે. આત્માના ભાન વિના (સ્વાનુભવ વિના) સાચું સામાયિક હોતું નથી. એ જ પ્રમાણે ભગવાન આનંદના નાથને પોષવો તેનું નામ પોસહ (પ્રૌષધ) છે. રાગનું પોસાણ છોડી, નિર્મળાનંદના નાથને દ્રષ્ટિમાં લઈ એમાં જ પુષ્ટ થવું-સ્થિર થવું તે પોસહ છે. જેમ ચણાને પાણીમાં નાખતાં ફૂલે તેમ આનંદના નાથને દ્રષ્ટિમાં લઈ તેમાં સ્થિરતા થતાં આત્મા પુષ્ટ થાય તેને પોસહ કહે છે. અજ્ઞાનીને સાચાં સામાયિક અને પોસહ હોતાં નથી.
શું થાય? વાતે વાતે (દરેક વાતમાં) ફેર પડે અર્થાત્ જેને વીતરાગની આવી વાત ન પચે (બેસે) તેને વિરોધ લાગે. પણ બાપુ! માર્ગ તો આ છે. જ્યારે પણ સુખના પંથે જવું હશે ત્યારે માર્ગ તો આ જ છે.
‘કૃતિભિઃ’ એટલે સુકૃતવાળા પવિત્ર ધર્મી સમ્યગ્દ્રષ્ટિ પુરુષોએ અંદર નિજ ચૈતન્યમય પરમાત્માનો જે આદર કર્યો છે તે કોઈ દિ’ છોડવા યોગ્ય નથી. અહા! વ્રત, તપ, ભક્તિ આદિનો વિકલ્પ ઊઠે પણ પોતાની ચૈતન્યમય ચીજ છોડવા યોગ્ય નથી. જે વિકલ્પ આવે તે જાણવા યોગ્ય છે. વળી પ્રતિકૂળતાના ગંજ આવે, શત્રુઓનાં ટોળાં ઘેરી વળે કે દુશ્મનો ડારે તોપણ જેણે આત્મકલ્યાણ કરવું છે અને જન્મ-મરણ રહિત થવું છે એવા પુરુષે સ્વનો આશ્રય છોડવા યોગ્ય નથી. દુઃખના દરિયામાં (સંસાર-સમુદ્રમાં) તો ભગવાન! અનાદિથી ડૂબકી મારી રહ્યો છે. હવે જ્યારે આત્મદ્રષ્ટિ થઈ
PDF/HTML Page 1812 of 4199
single page version
છે તો નિજ આત્મસ્વરૂપમાં જ દ્રષ્ટિ સ્થિર બાંધવા જેવી છે. ‘જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધનય’ એમ કહ્યું છે ને? એનો અર્થ જ એ છે કે અંદરમાં શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો આશ્રય પકડયો છે એટલે શુદ્ધનય સ્વરૂપમાં જ સ્થિરતા બાંધે છે, સ્વરૂપથી ખસતો નથી. સમજાણું કાંઈ...?
ભાઈ! આ તો અધ્યાત્મશાસ્ત્ર છે બાપા! આ કોઈ લૌકિક કથા-વાર્તા નથી, આ તો ભગવાન આત્મા-પરમાત્માની કથા છે. ચિદાનંદ ચૈતન્યમય ભગવાનની અંતરની સ્થિરતા છોડીને વ્યવહારના વિકલ્પની દશાથી જીવને લાભ થાય એમ કહે તે કુકથા-વિકથા છે. શાસ્ત્રમાં ચાર પ્રકારે વિકથા કહી છે-સ્ત્રીકથા, રાજકથા, ભોજનકથા અને ચોરકથા. એનો જ વિસ્તાર કરતાં ‘ભાવદીપિકા’માં પચીસ પ્રકારની વિકથા કહી છે. ત્યાં રાગના વિકલ્પથી ધર્મ થાય એવી વાતને વિકથા કહી છે.
અરે ભગવાન! તને તારી દયા નથી? ચૈતન્યનો આદર છોડીને તું રાગના આદરમાં ગયો! પ્રભુ! તેં તારી હિંસા જ કરી છે. ‘આવો ત્રિકાળ પવિત્ર પ્રભુ આત્મા તે હું નહિ અને રાગ તે હું’ -એમ સહજાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો ઈન્કાર કરીને અને ક્ષણિક પુણ્ય-પાપના વિકલ્પોને સ્વીકારીને ભગવાન! તેં જીવતી જ્યોત એવી નિજ ચૈતન્યજ્યોતિનો નાશ કર્યો છે. હે ભાઈ! જો તને હિંસા-દુઃખથી નિવૃત્તિની ઇચ્છા છે તો રાગની દ્રષ્ટિ છોડીને નિજ ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ કર, અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ સ્થિર થઈ બંધાઈ જા.
હવે કહે છે-‘तत्रस्थाः’ શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો, ‘बहिः निर्यत् स्व–मरीचिचक्रम् अचिरात् संहृत्य’ બહાર નીકળતા એવા પોતાનાં જ્ઞાનકિરણોના સમૂહને અલ્પ કાળમાં સમેટીને, ‘पूर्ण ज्ञान–घन–ओघम् एकम् अचलम् शान्तम् महः’ પૂર્ણ જ્ઞાનઘનના પુંજરૂપ, એક, અચળ, શાંત તેજને-તેજઃપુંજને ‘पश्यन्ति’ દેખે છે અર્થાત્ અનુભવે છે.
જુઓ, શું કહ્યું? કે શુદ્ધનયમાં સ્થિત એટલે ચૈતન્યમૂર્તિ નિજ જ્ઞાયકભાવમાં સ્થિત તે પુરુષો બહાર નીકળતા એવા પોતાના જ્ઞાનકિરણોના સમૂહને સમેટીને અંદર જ્ઞાનઘનના પુંજરૂપ અવિચળ એક નિજ આત્મસ્વરૂપને અનુભવે છે. જ્ઞાનકિરણોના સમૂહને સમેટીને એટલે કે જે જ્ઞાનની પર્યાય પર અને વ્યવહારરત્નત્રયના અવલંબનમાં બહાર નીકળતી હતી તેને સંકોચીને- રોકીને શુદ્ધ ચૈતન્યઘન એવા નિજ પરમાત્મદ્રવ્યમાં લીન-વિલીન કરી દે છે. અહાહા...! અહીં કહે છે -જ્ઞાનનાં કિરણો અર્થાત્ જ્ઞાનની પર્યાયો શુભાશુભભાવમાં આમ બહાર જાય છે એને હવે સમેટી લે, રોકી દે, પાછી વાળ અને પોતાના સ્વરૂપમાં મગ્ન કર; કેમકે તે બન્ને ભાવો અઠીક છે. જો તારે શાંતિ જોઈતી હોય તો વિકલ્પમાં જતી જ્ઞાનની પર્યાયને પાછી વાળ- અશુભરાગથી તો પાછી વાળ પણ વ્રત, તપ આદિ શુભરાગથી પણ પાછી વાળ. જ્ઞાન ભેદના લક્ષે સૂક્ષ્મ પણ વિકલ્પમાં રોકાઈ રહે એ બધું નુકશાન છે ભાઈ! કેમકે પોતાના ભગવાનમાંથી બહાર
PDF/HTML Page 1813 of 4199
single page version
નીકળતી જ્ઞાનની પર્યાયો પરાવલંબી થાય છે. સ્વાવલંબન છોડી પરાવલંબી થવું એ નુકશાન જ છે, દુઃખ જ છે, સમજાણું કાંઈ...?
ભાઈ! આ તો સમજીને અંદર પોતામાં શમાઈ જવાની વાત છે. કહે છે-ભર્યું ઘર છે ને પ્રભુ! તારું; અરે! એમાંથી બહાર નીકળવું તને કેમ ગોઠયું? અહા! દેવ-ગુરુ-શાસ્ત્રમાં જતી પર્યાય પણ પરાવલંબી અને રાગયુક્ત છે. દ્રષ્ટિમાં તો એનો નિષેધ કર્યો છે. પણ હવે અંતઃસ્થિરતા કરી એને (પરાવલંબનને, રાગને) છોડી દે. ‘અલ્પકાળમાં સમેટીને’ એમ લીધું છે ને? મતલબ કે શીઘ્ર કામ લે, વિલંબ ન કર, લાંબો કાળ ન થવા દે હવે; ભગવાન! તું અલ્પકાળમાં ‘અચિરાત્’ એટલે તત્કાળ પાછો વળી જા. હવે આવો માર્ગ! અરે ભાઈ! એનો નિર્ણય તો કર કે માર્ગ આ છે, બીજો કોઈ નહિ. અહો! આ તો એક એક કળશ એકલા અમૃતથી ભરેલો છે. આચાર્ય અમૃતચંદ્રે આ પંચમકાળમાં અમૃત વરસાવ્યાં છે. અહો! ‘અમૃત વરસ્યાં રે પંચમકાળમાં!’
‘બહાર નીકળતા એવા પોતાના જ્ઞાનકિરણોના સમૂહને’ -અહા! આ ભાષા તો જુઓ,. જ્ઞાનની પર્યાયો પોતે બહાર નીકળે છે, પરને અવલંબી પરાવલંબી થાય છે; કોઈ કર્મને લઈને પરાવલંબી થાય છે એમ નહિ. કર્મ શું કરે? કર્મ તો નિમિત્તમાત્ર છે. કર્મ નિમિત્ત છે પણ કર્મ (ઉપાદાનમાં) કાંઈ કરે છે એમ નથી. નિમિત્ત ઉપાદાનનું કરે તો તે નિમિત્ત કહેવાય નહિ. કોઈએ સંદેશમાં (છાપામાં) લખ્યું છે કે-સોનગઢવાળા નિમિત્તનો નિષેધ નથી કરતા, નિમિત્ત નથી એમ નથી કહેતા પણ નિમિત્ત પરના (ઉપાદાનના) કાર્યના કર્તા નથી એમ કહે છે. વાત તો એમ જ છે બાપા! નિમિત્ત છે અવશ્ય પણ નિમિત્ત પરમાં કાંઈ કરે છે એ વાત નથી.
હવે એવા પુરુષો કેવા આત્માને અનુભવે છે તે કહે છે. ભાઈ! તું કોણ છો અને તારે કયાં જવું નાથ? અનાદિ અનંત ધીર અને ઉદાર એવા એક જ્ઞાનઘનના પુંજરૂપ તું તત્ત્વ છો, અહાહા...! જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન સામાન્ય અભેદ એક છે તેમાં જે વિશેષ-ભેદ પડે છે ત્યાંથી (ભેદના લક્ષથી) પાછો વળી સામાન્યમાં જા; ત્રિકાળી જ્ઞાનઘન ભગવાન અનાદિથી એક સમયની પર્યાયમાં રમતુ રમતો હતો એ રમતુ ફેરવ અને નિજાનંદઘનસ્વરૂપમાં રમતુ માંડ એમ કહે છે. તેથી તને પૂર્ણજ્ઞાનઘનનો પુંજ પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે તે દેખાશે. કેવો છે તે? તો કહે છે જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવે ભરેલો તે ‘એક’ છે અર્થાત્ અભેદ છે. વળી તે ‘અચળ’ અર્થાત્ ચૈતન્યસ્વરૂપથી ચળે નહિ તેવો છે. વળી શાંત તેજપુંજ છે અર્થાત્ અવિકારી શાંતિના તેજનો ગોળો છે.
અહાહા...! બહાર જતી પર્યાયોને બહારમાંથી પાછી વાળી ત્યાં અંદરમાં આવો આત્મા દેખે છે-અનુભવે છે. ભાઈ! આ ભગવાનની વાણી છે. કુંદકુંદાચાર્ય તો એના આડતિયા છે. અહો! એકલાં હિતનાં અમીઝરણાં છે. ભગવાન! તારા આત્માના હિતની
PDF/HTML Page 1814 of 4199
single page version
વાત સાંભળીને હોંશ કરજે-હા પાડજે, ના ન પાડીશ. ‘ના’ પાડીશ તો કયાંય નરક-નિગોદમાં ચાલ્યો જઈશ; અને હા પાડીશ તો હાલત થઈ જશે. અસ્થિરતા છોડી દઈને સ્વભાવમાં જઈશ તો શાંત-અકષાય તેજને અનુભવીશ. ‘અનુભવે’ છે એમ કહ્યું ને? એટલે કે પ્રત્યક્ષ અનુભવે છે-વેદે છે.
કલકત્તામાં બનેલી એક ઘટના છે. મા, બાપ અને એમનો દીકરો એક દિવસ સાંજે ફરવા નીકળ્યાં. ત્યાં ત્રણે હોડીમાં બેઠાં. હોડીમાં બીજા પણ સાત-આઠ માણસ હતાં. એવામાં પેલા છોકરાએ હોડીની બહાર પગ કાઢયો અને બન્યું એમ કે એક મગરમચ્છે એનો પગ પકડય ો. હોડીવાળાએ આ જોયું અને કહેવા લાગ્યો-અરે ભાઈ! એ છોકરાને ફેંકી દો નહિતર જોતજોતામાં આખી હોડી ડૂબી જશે કેમકે મગરમચ્છે તેનો પગ પકડયો છે. જો તમે ન ફેંકી શકો તો મારે એ કામ કરવું પડશે. હવે કરવું શું? મા-બાપ મુંઝાયાં; પણ રોષે ભરાઈને હોડીવાળાએ ઝડપ કરવા કહ્યું. આખરે માબાપે છોકરાને સગા હાથે દરિયામાં ફેંકી દેવો પડયો-કરે પણ શું? નહિ તો બધાં જ ડૂબી મરત. જેનું જતન કરીને રક્ષા કરી તેને જ મારી નાખવાની તૈયારી?
એમ ભગવાન કહે છે-ભાઈ! તારી હોડી ભવસમુદ્રમાં ન ડૂબે માટે એમાંથી (ભવના ભાવમાંથી) ખસી જા અને આમ અંદરમાં (ચૈતન્યસ્વરૂપમાં) જા. રાગે તને ભવસમુદ્રમાં અંદર ખેંચી નાખ્યો છે; ચાહે શુભરાગ હો તોપણ તે સંસારસમુદ્રનો મહા મગરમચ્છ છે. એ તને ભવસમુદ્રમાં ડૂબાડીને જ રહેશે. માટે રાગના પાશમાંથી ખસી જા અને તારા અંતઃસ્વરૂપમાં લીન થઈ જા. આવી વાત છે.
ત્યારે એક દાક્તર વળી કહેતા હતા કે જો આપણે આ બધી મહારાજની વાત સાંભળીશું તો આ સંસારનું કાંઈ કરી શકીશું નહિ. અરે ભાઈ! સંસારનું કોણ કરી શકે છે? બાપુ! એ જડની ક્રિયા તો સ્વયં જડથી થાય છે. આ આંખમાં દવાનું ટીપું નાખે અને આંખ ઊંચી-નીચી થાય એ ક્રિયા જડની (આંખના પરમાણુઓની) છે. અજ્ઞાનીને એમ લાગે છે કે જાણે એ ક્રિયા આત્મા (પોતે) કરે છે. ધૂળેય આત્મા કરતો નથી, સાંભળને. બાપુ! તને ખબર નથી કે એમાં (એવી ક્રિયામાં) તને જે કર્તાપણાનું અભિમાન થાય એ મિથ્યાત્વભાવ છે અને એ મિથ્યાત્વ તને ચારગતિમાં રઝળાવી મારશે; તને એમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડશે. ભાઈ! મિથ્યાત્વનું પરંપરા ફળ નિગોદ છે જ્યાંથી અનંતકાળે નીકળી ત્રસ થવું મુશ્કેલ છે.
લાઠીની આ વાત છે. અઢાર વર્ષની એક રૂપાળી છોડી હતી. એના પતિને બે વર્ષનું પરણેતર, પહેલી વહુ મરી ગઈ પછી આની સાથે તેને બીજી વારનું લગ્ન હતું. એને શીતળા નીકળ્યા, આખા શરીરે દાણા-દાણા ફૂટી નીકળ્યા. અહા! દાણે-દાણે
PDF/HTML Page 1815 of 4199
single page version
ઈયળો પડી. તળાઈમાં સૂતેલી જ્યાં પડખું ફેરવે ત્યાં પારાવાર વેદના થાય. બિચારી રુવે-રુવે- રુવે, ચીસ પાડીને ભારે આક્રંદ કરે. એની માને કહે-બા મેં આ ભવમાં તો આવાં પાપ કર્યાં નથી અને આવી પીડા! પીડા-પીડા-પીડા-અસહ્ય પીડા, પણ નરકની પીડાથી તો અનંતમા ભાગે હો.
એક છોડી હતી. એને હડકાયું કૂતરું કરડેલું. તે એવી તો વેદનાભરી રાડ નાખે કે-મને કોઈ મારી નાખો, મારાથી આ સહન થતું નથી, મને પવન નાખો; અરે! શું થાય છે એની મને ખબર પડતી નથી. અહા! અડતાલીસ કલાક આમ ને આમ રાડ નાખતી મરી ગઈ. એવી ભયાનક પીડા કે જોનાર પણ ત્રાસી ઊઠે.
ભાઈ! આનંદનો નાથ ભગવાન પોતે જ્યારે ઉલટો પડે ત્યારે એની પર્યાયમાં આવાં ભયાનક દુઃખ ઊભાં થાય છે. ભાઈ! આવાં દુઃખ તેં અનંતવાર સહજ કર્યા છે. પણ ભૂલી ગયો તું. અહીં તને તેનું સ્મરણ કરાવી એ દુઃખને મટાડવાનો આચાર્ય ઉપાય બતાવે છે તેને તું ગ્રહણ કર.
‘શુદ્ધનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી, આત્માને શુદ્ધ, નિત્ય, અભેદરૂપ એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર-સ્થિર થતી જાય છે.’
જુઓ, શુદ્ધનય, આ મતિ-શ્રુત આદિ જે જ્ઞાનના ભેદો પડે છે-જેને સમયસાર ગાથા ૨૦૪ માં તે ભેદો એક અભેદને જ અભિનંદે છે એમ કહ્યું છે-તે ભેદોને તથા કર્મના નિમિત્તથી થતા સમસ્ત પુણ્ય-પાપના વિકારી ભાવોને ગૌણ કરીને એક ચૈતન્યમાત્ર શુદ્ધ જ્ઞાયકને જ ગ્રહણ કરે છે. ગૌણ કરીને એટલે કે ભેદ અને વિકાર પરનું લક્ષ છોડી દઈને દ્રવ્યના લક્ષે શુદ્ધતાના અંશો વધતા જાય છે અને એ વધતા જતા અંશો એક અભેદને જ અભિનંદે છે. એ ભેદો ઉપર લક્ષ કરવાયોગ્ય નથી એમ અહીં કહે છે.
તે ભાવોને ‘ગૌણ કરીને’ એમ કહ્યું છે, અભાવ કરીને-એમ નહિ. સમયસાર ગાથા ૧૧ માં વ્યવહારનયને ગૌણ કરીને અભૂતાર્થ કહ્યો છે, અભાવ કરીને નહિ. મુખ્ય અને ગૌણ એવા બે ભેદ તો જ્ઞાનમાં પડે છે, શ્રદ્ધામાં નહિ. ધર્મીને તો સદા પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજ ઉપર જ દ્રષ્ટિ હોય છે.
બીજી વાત-મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર-એમ વસ્તુનું સ્વરૂપ છે; નિશ્ચય તે મુખ્ય અને વ્યવહાર તે ગૌણ-એમ નહિ. (જો એમ થાય તો પરની અપેક્ષાએ પર્યાય પણ નિશ્ચયનો વિષય છે તેથી પર્યાય પણ આશ્રયરૂપ મુખ્ય થઈ જાય). બેમાં બહુ ફેર છે.
PDF/HTML Page 1816 of 4199
single page version
ત્રીજી વાત-સમયસાર ગાથા ૧૬ ના કળશમાં ભેદને મેચક-મલિન કહ્યો છે; પણ એ છે, નિશ્ચયસહિત ભેદ-મલિનતા એવો વ્યવહાર છે; વ્યવહાર નથી એમ નહિ; નહિતર તો વેદાંત થઈ જાય.
હવે આ વાતને સમજતા નથી એટલે અમુક લોકો કહે છે કે-ભગવાન કુંદકુંદાચાર્યે સમયસારને વેદાંતના ઢાંચામાં ઢાળી દીધું છે. આવા લોકોને તત્ત્વની કાંઈ ખબર જ નથી. અરે ભાઈ! વેદાંતમાં અનંત સંસારી આત્મા, અનંત સિદ્ધ પરમાત્મા ઇત્યાદિ વાત છે જ કયાં?
અહીં (જૈનમાં) તો જેમ પોતે એક આત્મા એવા અનંત ભિન્ન ભિન્ન આત્માઓ અને એથી પણ અનંતગુણા ભિન્ન ભિન્ન રજકણો ઇત્યાદિ બધું છે. પણ શુદ્ધનય તેને ગૌણ કરે છે. એ તો ઠીક પણ દયા, દાન, વ્રત આદિ જે શુભ વિકલ્પ ઊઠે તેને તથા એક સમયની પર્યાયને પણ ગૌણ કરી-લક્ષ છોડી શુદ્ધનય આત્માને શુદ્ધ, અભેદ, નિત્ય, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે.
અહાહા...! જેને અહીં શુદ્ધ, નિત્ય, અભેદરૂપ એક ચૈતન્યમાત્ર કહ્યો એને જ સમયસાર ગાથા ૧૪-૧પ માં અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિત્ય, અવિશેષ અને અસંયુક્ત કહ્યો છે, એને જ સમયસાર ગાથા ૭ માં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદને ગૌણ કરીને એક શુદ્ધ જ્ઞાયકભાવ કહ્યો છે. કેમકે છદ્મસ્થ રાગી જીવને ભેદ ઉપર લક્ષ જતાં રાગ-વિકલ્પ થયા વિના રહેતા નથી તેથી જ ભેદને ગૌણ કરીને શુદ્ધનય ત્રિકાળી અભેદ દ્રવ્યને ગ્રહણ કરે છે. ગાથા ૧૧ માં એને જ ભૂતાર્થ કહ્યો છે. ભાઈ! આ એકરૂપ જ્ઞાયકભાવ જ મુખ્ય છે, મોટો છે. એનાં જ મોટપ અને મહત્તા છે. અરે ભગવાન! એને છોડી બહારમાં કોનાં માન અને કોનાં સન્માન? બહારનાં માન અને મોટપમાં તું મરી ગયો પણ અંદર મોટો ભગવાન છે ત્યાં ગયો જ નહિ!
અહાહા...! અનંતવાર હજારો રાણીઓ છોડી તથા પંચમહાવ્રત પાળીને દિગંબર સાધુ થયો, પણ રમતુ બધી પર્યાયમાં જ રમ્યો, એક વાર પણ દ્રવ્યમાં-ધ્રુવમાં આવ્યો નહિ; અંદર ભગવાન ચૈતન્યનો દરિયો ભર્યો છે તેમાં ડૂબકી લગાવી નહિ. પંચમહાવ્રતના રાગની રુચિની આડમાં ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની દ્રષ્ટિ થઈ નહિ, પછી સ્થિરતાની તો વાત જ કયાં રહી? અરે ભગવાન! જેની દ્રષ્ટિ રાગ અને પર્યાય પર છે તે મોટો સાધુ થયો હોય તોય મિથ્યાદ્રષ્ટિ છે અને તે મિથ્યાદર્શનના કારણે દેહ છોડીને ચોરાસીના અવતારમાં ચાલ્યો જશે; ઊંધી શ્રદ્ધાના લોઢમાં તણાતો તણાતો નરક ને નિગોદમાં ચાલ્યો જશે. શું થાય? એવા (મિથ્યાદર્શનના) પરિણામનું એવું જ ફળ છે.
જ્યાંસુધી પૂર્ણાનંદની પૂર્ણ પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી ભેદ તો ઉત્પન્ન થાય જ. પણ એ ભેદને ગૌણ કરીને-બાજુ પર એકકોર રાખીને શુદ્ધનય એક, અભેદ ચૈતન્યમાત્રને
PDF/HTML Page 1817 of 4199
single page version
ગ્રહણ કરે છે. એક એટલે વેદાંત જેમ બધા થઈને એક કહે છે એમ નહિ; આ તો વસ્તુ પોતે એકરૂપ-ભેદ વિનાની સામાન્ય જે છે તેને એક કહે છે. પ્રવચનસાર ગાથા ૧૭૨ માં અલિંગગ્રહણના ૧પ મા બોલમાં બધું થઈને એક સર્વવ્યાપક આત્માને માનનારને પાખંડી કહ્યા છે.
અહીં કહે છે-શુદ્ધનય એક અભેદરૂપ ચૈતન્યમાત્ર વસ્તુને ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયભૂત ચૈતન્યમાત્ર આત્મામાં એકાગ્ર-સ્થિર થાય છે. અહાહા...! જેણે પોતાની જ્ઞાનની પર્યાયને અભેદ તરફ વાળી છે એ ક્રમે-ક્રમે અભેદમાં એકાગ્ર થતી જાય છે. રાગની એકાગ્રતા છૂટી સ્વભાવની એકાગ્રતા થઈ ત્યાં પરિણતિ શુદ્ધ થઈ-સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થયું અને તે પછી વિશેષ એકાગ્ર થતાં ચારિત્ર થયું.
‘એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પકાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને, શુદ્ધનયમાં (આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં સર્વ કર્મોથી ભિન્ન, કેવળજ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર, વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને દેખે છે અને શુકલધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુદ્ધનયનું આવું માહાત્મ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે જ્યાં સુધી કેવળજ્ઞાન ઉપજે નહિ ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિ જીવોએ શુદ્ધનય છોડવા યોગ્ય નથી એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.’ લ્યો, કુંદકુંદ, અમૃતચંદ્ર આદિ સંતોનો આ ઉપદેશ છે એમ કહે છે.
પહેલાં વિકલ્પ સહિત પણ નિર્ણય તો કર કે માર્ગ આ છે. વિકલ્પ સહિતના નિર્ણયમાં પણ નક્કી તો કર કે ભેદને લક્ષમાંથી છોડી અભેદની દ્રષ્ટિ થતાં જે અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે અને પછી એમાં જ સ્થિરતા જામતી જાય તે ચારિત્ર છે, અને તે ચારિત્રમાં અંતર્મુહૂર્ત શુકલધ્યાનપણે પ્રવર્તતાં કેવલજ્ઞાન થાય છે. આ રીત છે.
હવે, આસ્રવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃ-
‘नित्य–उद्योतं’ જેનો ઉદ્યોત (પ્રકાશ) નિત્ય છે એવી ‘किम् अपि परमं वस्तु’ કોઈ પરમ વસ્તુને ‘अन्तः सम्पश्यतः’ અંતરંગમાં દેખનારા પુરુષને, ‘रागादीनां आस्रवाणाम्’ રાગાદિક આસ્રવોનો ‘झगिति’ શીઘ્ર ‘सर्वतः अपि’ સર્વ પ્રકારે ‘विगमात्’ નાશ થવાથી, ‘एतत् ज्ञानम्’ આ જ્ઞાન ‘उन्मग्नम्’ પ્રગટ થયું-
જુઓ, જેનો જ્ઞાનપ્રકાશ નિત્ય છે એવી અભેદ એકરૂપ દ્રવ્યવસ્તુને અંતરંગમાં જેવી છે તેવી પ્રત્યક્ષ દેખનાર પુરુષને રાગાદિક આસ્રવોનો સર્વ પ્રકારે શીઘ્ર નાશ
PDF/HTML Page 1818 of 4199
single page version
થવાથી આ જ્ઞાન પ્રગટ થયું એટલે કેવળજ્ઞાન પ્રગટ થયું. જેમ ફૂલની કળી સર્વ પાંખડિયે ખીલી નીકળે તેમ જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યરૂપ જ્ઞાનસ્વરૂપ ભગવાનમાં પૂર્ણ એકાગ્ર થતાં જ્ઞાન કેવળજ્ઞાનરૂપે ખીલી નીકળ્યું. અહીં રાગની કોઈ ક્રિયા કરવાથી ખીલી નીકળ્યું એમ નહિ, રાગનો તો નાશ કરીને ખીલી નીકળ્યું છે; એકાગ્રતાની અંતઃક્રિયા વડે ખીલી નીકળ્યું છે. આવી વાત!
‘રાગાદિક આસ્રવોનો નાશ થવાથી’ એમ કહ્યું ને! ત્યાં કોઈને થાય કે-લ્યો, આમાં ક્રમબદ્ધ કયાં રહ્યું? તો કહે છે-ભાઈ! ક્રમબદ્ધ જ રહ્યું-ક્રમબદ્ધ જ છે. સ્વભાવમાં એકાગ્ર થનાર જીવ રાગાદિનો અભાવ કરીને અલ્પકાળમાં મુક્તિ પામે એવો જ એનો ક્રમ હોય છે. રાગનો સર્વથા અભાવ થઈને કેવળજ્ઞાન પ્રગટ થયું એ ક્રમબદ્ધ જ છે -સમજાણું કાંઈ...?
હવે કહે છે-આ જ્ઞાન પ્રગટ થયું-‘स्फारस्फारैः’ કે જે જ્ઞાન અત્યંત અત્યંત (-અનંત અનંત) વિસ્તાર પામતા ‘स्वरसविसरैः’ નિજરસના ફેલાવથી ‘आ–लोक अन्तात्’ લોકના અંતસુધીના ‘सर्वभावान्’ સર્વ ભાવોને ‘प्लावयत्’ તરબોળ કરી દે છે અર્થાત્ સર્વ પદાર્થોને જાણે છે-લોક-અલોક બધાને જાણી લે છે. ‘પ્લાવયત્’ એમ કહ્યું ને? મતલબ કે પૂરણપોળી જેમ ઘીમાં તરબોળ થઈ જાય છે તેમ સમસ્ત લોકાલોકને જ્ઞાન તરબોળ કરી દે છે અર્થાત્ આખા લોકાલોકને જાણી લે છે. આનાથી વિરુદ્ધ જે જ્ઞાન રાગની સાથે એકતા કરે છે તે જ્ઞાન ડૂબી જાય છે એટલે કે પર્યાયમાં ઢંકાઇ જાય છે. વસ્તુનો આદર કરી તેમાં જ એકાગ્ર થતાં શક્તિનો વિસ્તાર ફેલાવ થાય છે અને જેમ હજાર પાંખડિયે ગુલાબ ખીલી નીકળે તેમ અનંતગુણની પાંખડિયે આત્મા ખીલી નીકળે છે.
કેવું છે તે જ્ઞાન? તો કહે છે-‘अचलम्’ જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટયા પછી સદા એવું ને એવું જ રહે છે-ચળતું નથી; ગુલાબની કળી તો ખીલ્યા પછી બે-ચાર દિવસમાં કરમાઈ જાય પણ કેવળજ્ઞાન તો એક વખત પ્રગટયા પછી એવું ને એવું જ રહે છે. વળી ‘अतुलं’ જે જ્ઞાન અતુલ છે અર્થાત્ એના તુલ્ય બીજું કોઈ નથી, ઉપમા વિનાનું નિરુપમ છે. અહાહા...! કેવળજ્ઞાન થતાં જાણે બધું અને કરે કોઈનું નહિ. આવી વાતો ને આવો ધર્મ! આથી કેટલાક કહે છે કે સોનગઢમાં તો એકલી નિશ્ચય-નિશ્ચયની વાતો કરે છે. પણ ભાઈ! નિશ્ચય એટલે જ પરમાર્થ પરમ સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર-અપરમાર્થ.
અહો! આ તો ભગવાનની ધ્વનિની મીઠી મધુરી મોરલીનો નાદ! ગાજીને કહે છે- ભગવાન! તારા સ્વરૂપમાં અંદર જતાં તને આનંદ પ્રગટશે, એમાં જ વિશેષ એકાગ્ર થતાં તને ચારિત્ર-શાંતિ વૃદ્ધિ પામશે અને પરિપૂર્ણ એકાગ્ર થતાં કેવળજ્ઞાન પ્રગટ થશે. અહા! એ કેવળજ્ઞાન અચળ અને અતુલ છે.
PDF/HTML Page 1819 of 4199
single page version
હવે આવો આત્મા એણે સાંભળ્યોય નથી. આત્માને (-પોતાને પામર માનીને એણે એને મરણતોલ કરી નાખ્યો છે. પરથી સુખ માને એ બધા પર્યાયે પામર છે. જ્યાં પાંચ-પચાસ લાખનું ધન થાય કે બાયડી કાંઈક સારી રૂપાળી મળે, કે દીકરો કમાઉ પાકે ત્યાં માને કે અમે સુખી છીએ. કાંઈક સંજોગ ઠીક મળે કે સંજોગના મોહમાં તણાઈ જાય. અરે ભાઈ! આ શું થયું તને? તારી અનંતી મહત્તા ભૂલીને તું પરની મહત્તામાં મૂર્છાઈ ગયો! બાપુ! એથી તો તારા ચૈતન્યસ્વરૂપનો ઘાત થયો છે.
અરે ભાઈ! જેનાં જીવન આમ ને આમ અજ્ઞાનમાં ચાલ્યા જાય છે એ બધા ઢોરમાં જઈ નરક-નિગોદમાં ચાલ્યા જશે. તત્ત્વનો વિરોધ કરનારા નિગોદદશાને પામે છે, અને તત્ત્વનું આરાધન કરનારા અવિચળ મોક્ષદશાને પામે છે. બાકીની બે-નરક અને સ્વર્ગની ગતિ તો શુભાશુભભાવનું ફળ છે. (ખરેખર તો બે જ ગતિ છે).
આ વેપારાદિ વડે પૈસાની કમાણી થાય એ તો બધી પાપની કમાણી છે. અંદર નિજ ચૈતન્યભગવાનનું શરણ લેતાં પવિત્રતાની કમાણી થાય છે. અહો! અંદર આખું ચૈતન્યનિધાન પડયું છે ને? અનંત સત્નું સત્ત્વ, અનંતગુણ-સ્વભાવની ખાણ અંદર પડી છે. અહાહા...! અનંત ગુણનું ગોદામ, અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન પ્રભુ આત્મા છે. એની પર્યાયમાં રાગ થાય એ એને મોટું નુકશાન છે. જ્ઞાનીને વચમાં વ્રતાદિનો વ્યવહાર-રાગ આવે છે પણ છે એ નુકશાન. જ્ઞાની તેને અંતઃએકાગ્રતાના અભ્યાસ વડે દૂર કરે છે અને અંતરમાં પરિપૂર્ણ એકાગ્રતા કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. આવું કેવળજ્ઞાન સદા અચલ અને અતુલ છે એમ અહીં કહે છે.
‘જે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આસ્રવભાવોનો સર્વથા અભાવ થઈને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી.’
પ્રશ્નઃ– દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને ભગવાનના કેવળજ્ઞાનમાં વર્તમાન જણાઈ રહી છે તો પુરુષાર્થ કરવો કયાં રહ્યો?
ઉત્તરઃ– દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને જે સમયે જે પર્યાય થવાની તે સમયે તે જ થશે એમ જેને યથાર્થ નિર્ણય થયો તેને તો સ્વભાવની અંતર્દ્રષ્ટિ-પૂર્વક સમ્યગ્દર્શન થયું અને એ જ પુરુષાર્થ છે. પર્યાયબુદ્ધિ-પર્યાયદ્રષ્ટિ દૂર થઈને અંતર્દ્રષ્ટિ-દ્રવ્યદ્રષ્ટિ થાય તેને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે અને તે જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધના નિર્ણયમાં આખું કર્તાપણું છૂટી અકર્તાપણું વા જ્ઞાતાપણું પ્રગટ થાય છે.
આગળની ટીકાઃ– આ રીતે આસ્રવ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
PDF/HTML Page 1820 of 4199
single page version
ભાવાર્થઃ– ‘આસ્રવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો.’ પુણ્ય-પાપના ભાવ દુઃખસ્વરૂપ છે અને ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે એવું ભેદજ્ઞાન થતાં આત્મા આત્મામાં ઠર્યો-સ્થિત થયો અને ત્યારે આસ્રવનો નાશ થઈ ગયો; તેને આસ્રવનો સ્વાંગ રંગભૂમિમાંથી નીકળી ગયો એમ કહે છે. ‘યોગ કષાય મિથ્યાત્વ અસંયમ, આસ્રવ દ્રવ્યત આગમ ગાયે’
આ નિમિત્તરૂપ જે દ્રવ્યાસ્રવો છે તે કહ્યા. હવે- ‘રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે’
આ પંક્તિમાં ભાવાસ્રવની વાત કહી છે. હવે ત્રીજી પંક્તિમાં કહે છે- ‘જે મુનિરાજ કરૈ ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાયે’
જે મુનિરાજ નિજ નિર્મળ વિજ્ઞાનઘન-સ્વભાવમાં ઠરે છે એણે રાગની આડે પાળ બાંધી દીધી છે અને તે આનંદ આદિ અનંતગુણની વૃદ્ધિને પામી મોક્ષમાં જાય છે. અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન જ્યારે આસ્રવને રોકે છે ત્યારે એની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો ઉભરો આવે છે. એ એની રિદ્ધિ ને વૈભવ છે. ‘સમાજ’ એટલે અનંતગુણની પર્યાયમાં વૃદ્ધિ થઈને મોક્ષને પામે છે. છેલ્લી પંક્તિમાં પંડિત શ્રી જયચંદજી કહે છે-
ચિત્તને સ્વરૂપમાં લાવીને કાયા વડે નમન કરું છું; એકલું કાયાથી નમું છું એમ નહિ. આવી તૈયારીવાળા સંતો શિવપદને પામે છે; એમનો જય થયો છે એમ જાણીને એની હું ભાવના ભાવું છું.
આમ શ્રી ભગવાન કુંદકુંદાચાર્ય-રચિત સમયસાર, આસ્રવ અધિકાર પરનાં પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચન સમાપ્ત થયાં.