PDF/HTML Page 1781 of 4199
single page version
થાય એ વાત સાંભળી નથી જ્યારે મિથ્યાદ્રષ્ટિએ રાગથી-પરથી આત્મા ભિન્ન છે એ વાત સાંભળી નથી. મિથ્યાદ્રષ્ટિએ રાગ કરવો, રાગ કરવો એ જ વાત અનંતી વાર સાંભળી છે કેમકે એનું જ એને વેદન છે.
રાગદ્વેષમોહ ન હોય ત્યાં સમ્યગ્દર્શનની ઉપપત્તિ છે અર્થાત્ મિથ્યાત્વરૂપ મોહ અને અનંતાનુબંધી રાગદ્વેષ જ્યાં નથી ત્યાં સમ્યગ્દ્રષ્ટિપણું છે. રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું બની શકતું નથી. રાગથી લાભ થાય એવો જે મિથ્યાત્વભાવ તેના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું હોઈ શકતું નથી. રાગના કર્તાપણાના ભાવ વિનાનું સમ્યગ્દ્રષ્ટિપણું છે. અહાહા...! ચૈતન્ય મહાસત્તા સાક્ષાત્ પરમાત્મસ્વરૂપે અંદર બિરાજે છે તેને રાગ કરું એવી બુદ્ધિના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું સંભવિત નથી. હવે કહે છે-
‘રાગદ્વેષમોહના અભાવમાં તેને (સમ્યગ્દ્રષ્ટિને) દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું (અર્થાત્ પુદ્ગલકર્મના બંધનનું) હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે.’ મતલબ કે જીવ જો રાગદ્વેષમોહભાવે પરિણમે તો જડકર્મનો ઉદય છે તે નવા બંધનું કારણ થાય છે. પરંતુ જ્ઞાનીને તો રાગદ્વેષમોહભાવ છે નહિ તેથી તેને પૂર્વના દ્રવ્યકર્મોનો ઉદય નવા બંધનો હેતુ થતો નથી. નવા બંધના હેતુમાં નિમિત્ત દ્રવ્યકર્મ છે પણ જીવ દ્રવ્યકર્મના ઉદયમાં જોડાઈ રાગદ્વેષમોહ કરે તો તે નવા બંધનો હેતુ થાય છે. અસ્થિરતાના બંધની અહીં વાત નથી.
‘માટે હેતુના અભાવમાં હેતુમાનનો (અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.’ જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી નવીન બંધ નથી.
ભાઈ! સંસારની કડાકૂટથી છૂટીને આ તત્ત્વ સાંભળવાનો-સમજવાનો પરિચય કરવો જોઈએ. લૌકિકમાં કાંઈક પુણ્ય સારું હોય અને પાંચ-પચાસ લાખની સંપત્તિ થઈ હોય એટલે ખુશ થાય; પણ ભાઈ! એ તો બધું ધૂળધાણી છે. એ બધાને મારું માને છે એ તો મહામૂર્ખ છે કેમકે આત્મા તો પરદ્રવ્યને અડતોય નથી. આ દીકરા મારા, પત્ની મારી, સંપત્તિ મારી એમ માને પણ એ બધી ચીજ કયાં તારામાં આવી છે? વા તું એમાં કયાં ગયો છે? છતાં એ મારી છે એમ માને એ તો મિથ્યાત્વભાવ છે; એ મિથ્યાત્વભાવના ગર્ભમાં અનંતા જન્મ-મરણનાં દુઃખ પડેલાં છે. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ કહે છે-જેની સાથે હસ્તમેળાપ કરી પરણ્યો હોય, સાથે પચીસ-પચાસ વર્ષ રહ્યો હોય છતાં એ સ્ત્રી પોતાની નહિ?
અરે ભાઈ! એ સ્ત્રી તો તારી નહિ પણ એના પ્રત્યે જે આસક્તિ થાય છે તે
PDF/HTML Page 1782 of 4199
single page version
પણ તારી નહિ. બહુ આકરી લાગે પણ વાત તો આ છે. કોઈને એકનો એક છોકરો હોય અને સારી ખાનદાન રૂપાળી કન્યા સાથે તેના લગ્નનો પ્રસંગ હોય એટલે છોકરાની મા અંદરથી ખૂબ મલાવા કરે, ઘાંટા તાણી-તાણીને ગાય; બીજા કહે કે આમ તો સાદ બેસી જશે તો કહે-કયાં વારંવાર આ અવસર આવવાનો છે? અમારે તો આ પહેલો અને છેલ્લો છે. અહા! કેવું ગાંડપણ! ગાંડાનાં તે કાંઈ જુદાં ગામ વસતાં હશે! વળી ઘરના છોકરાની વહુ આવે એટલે સરસ રૂપાળો ઝરી ભરેલો પાંચ હજારનો સાડલો લાવી આપ્યો હોય તે પહેરાવી તેને બહાર મોકલે. ત્યારે બીજા તેના તરફ નજર નાખે એટલે આ ખુશી થાય. અરે! જોનારા બીજી નજરે જોતા હોય ત્યાં આ જાણે કે મારો સાડલો બહાર પડે છે; મારો સાડલો છે તે પહેરાવીને હું બહાર પડું છું-પ્રસિદ્ધ થાઉં છું. આવું છે; દુનિયાનું બધું પોકળ જોયું છે. નાચ્યા નથી પણ નાચનારાને જોયા છે. અરે મૂર્ખ! કયાં ગઈ તારી બુદ્ધિ? આ શું થયું તને? આ રાગદ્વેષમોહના ભાવ તને અનંત જન્મ-મરણ કરાવશે. અંદર રાગરહિત ચૈતન્યસ્વરૂપ છે તેની દ્રષ્ટિ કરી રાગદ્વેષમોહરહિત થઈ જા. રાગદ્વેષમોહરહિત થતાં તને નવો બંધ નહિ થાય.
‘અહીં, રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું હોઈ શકે નહિ એવો અવિનાભાવી નિયમ કહ્યો ત્યાં મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વ સંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યગ્દ્રષ્ટિ થયા પછી કાંઈક ચારિત્રમોહસંબંધી રાગ રહે છે તેને અહીં ગણ્યો નથી; તે ગૌણ છે.’
અહાહા...! અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીતરાગી શાંતિ તથા અનંત આનંદરૂપ જે અપરિમિત આત્મસ્વભાવ છે તેના ઉપર દ્રષ્ટિ પડતાં તથા તેમાં એકાગ્ર થતાં જેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને આનંદનો અંશ પ્રગટ થાય છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. એવા સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ છે કારણ કે તેને રાગદ્વેષથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપના આશ્રયે સ્વાલંબી દ્રષ્ટિ પ્રગટ થઈ છે. જ્યાં સમ્યગ્દ્રષ્ટિપણું હોય ત્યાં રાગદ્વેષમોહ ન હોય અને રાગદ્વેષમોહ ન હોય ત્યાં જ સમ્યગ્દ્રષ્ટિપણું હોય છે એવો અવિનાભાવી નિયમ છે.
જ્યાં સ્વભાવની રુચિ નથી અને રાગની રુચિ છે ત્યાં મિથ્યાત્વસંબંધી રાગદ્વેષમોહ સમજવા, જ્યાં રાગની રુચિ છે એવી મિથ્યાત્વની અવસ્થામાં જ થતા રાગદ્વેષને રાગદ્વેષ ગણવામાં આવ્યા છે. જેને મિથ્યાત્વના નાશપૂર્વક જ્ઞાનીપણું પ્રગટ થયું છે તેને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષમોહ હોતા નથી. અસ્થિરતાના રાગદ્વેષની વાત અહીં ગૌણ છે. અહા! પુણ્ય-પાપના વિકલ્પમાં પોતાનું સ્વરૂપ જ્યાં સુધી માન્યું હતું ત્યાં સુધી
PDF/HTML Page 1783 of 4199
single page version
(પોતાનો) ભગવાન દ્રષ્ટિમાંથી ખોવાઈ ગયો હતો, પરંતુ જ્યાં વિકારના (સ્વરૂપપણે) સ્વીકારનો ત્યાગ કરીને દ્રષ્ટિમાં નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ગ્રહણ કર્યું ત્યાં તેને મિથ્યાત્વસંબંધીના રાગદ્વેષ હોતા નથી.
શાસ્ત્રોમાં જે એમ આવે છે કે છઠ્ઠે ગુણસ્થાને જે પંચમહાવ્રતના પરિણામ છે તે આસ્રવ છે અને દસમે ગુણસ્થાને પણ જે અબુદ્ધિપૂર્વકનો રાગ છે તે આસ્રવ છે અને તેનાથી છ કર્મ આવે છે તે અસ્થિરતાની અપેક્ષાએ વાત છે. અસ્થિરતાના રાગને અહીં ગણ્યો નથી.
અહીં તો મૂળ વસ્તુ જે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સાગર શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા તેના તરફ દ્રષ્ટિ થઈ અર્થાત્ પરિણામનો વળાંક શુદ્ધ ચૈતન્યમય દ્રવ્યસ્વભાવ ઉપર ગયો તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગદ્વેષ હોતા નથી એ વાત છે. ચારિત્રમોહ સંબંધી કિંચિત્ રાગ હોય છે પણ એમાં એને રુચિ અને પ્રેમ કયાં છે? એનું એને સ્વામિત્વ કયાં છે? નથી; કેમકે રાગ દુઃખરૂપ છે એમ ધર્મીને જાણપણું થઈ ગયું છે. તેથી ધર્મીના તે અલ્પ રાગને અહીં ગણ્યો નથી. જે રાગના એક અંશને પણ પોતાનો માને છે વા અંશમાત્ર રાગની જેને રુચિ છે તેના રાગદ્વેષને રાગદ્વેષ ગણવામાં આવ્યા છે.
સંસારની જડ જે મિથ્યાત્વ તેનો જેણે પોતાના અનંત અનંત શક્તિઓના પિંડરૂપ ચૈતન્યમય ભગવાનના આશ્રયે નાશ કર્યો તેનું સંસારનું મૂળ કપાઈ ગયું છે. અહાહા...! આવો જ્ઞાની લડાઈના અશુભ રાગમાં કે છન્નુ હજાર રાણીઓના વિષયમાં ઊભેલો દેખાય તોપણ તે ચારિત્રમોહસંબંધી અલ્પ રાગ છે અને તેને અહીં ગણ્યો નથી. જેમ કોઈ મોટી આંબલીના ઝાડનું મૂળ કાપી નાખ્યા પછી પાંદડાં રહે એની ગણતરી શું? થોડા દિવસોમાં જ તે સૂકાઈ જશે. તેમ મિથ્યાત્વનું મૂળિયું કપાઈ ગયા પછી ધર્મીને અસ્થિરતાનો અલ્પ રાગ રહે તો થોડા જ કાળમાં નાશ પામ્યા વિના રહેતો નથી. આ અપેક્ષાએ અસ્થિરતાના અલ્પ રાગને અહીં ગણ્યો નથી. ગણ્યો નથી એટલે એનો અભાવ છે એમ નહિ, પરંતુ એની મુખ્યતા નથી વા એને ગૌણ કર્યો છે એમ અર્થ છે.
લોકોને મૂળ પાપ મિથ્યાત્વ છે એની ખબર નથી. એટલે રાગની કંઈક મંદતા કે બહારનો ત્યાગ જુએ એટલે જાણે ધર્મ થઈ ગયો એમ માને; સ્ત્રી-પુત્ર-પરિવારને છોડે એટલે જાણે સંસાર છૂટી ગયો એમ સમજે. પરંતુ ભાઈ! રાગની રુચિ, રાગનું કર્તાપણું કે જે સંસારનું મૂળ છે તે જ્યાં સુધી સાબૂત (જીવંત) છે ત્યાંસુધી સંસારનું પરિભ્રમણ છૂટતું નથી. રાગ તો આગ છે, અશાંતિ છે, દુઃખ છે. રાગને જ્યાં સુધી લાભરૂપ વા કર્તવ્યરૂપ માને ત્યાં સુધી બહારથી ગમે તેવો ત્યાગ દેખાય છતાં તેને સંસાર ઊભો જ રહે છે.
PDF/HTML Page 1784 of 4199
single page version
હવે કહે છે-‘આ રીતે સમ્યગ્દ્રષ્ટિને ભાવાસ્રવનો અર્થાત્ રાગદ્વેષમોહનો અભાવ છે. દ્રવ્યાસ્રવોને બંધના હેતુ થવામાં હેતુભૂત એવા રાગદ્વેષમોહનો સમ્યગ્દ્રષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાસ્રવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાસ્રવો બંધના હેતુ નહિ થતા હોવાથી સમ્યગ્દ્રષ્ટિને- જ્ઞાનીને બંધ થતો નથી.’
અહાહા...! પોતાનો ભગવાન અતીન્દ્રિય આનંદના સ્વભાવથી સર્વાંગ છલોછલ ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ છે. એની જેને દ્રષ્ટિ થઈ, વલણ થયું તે સમ્યગ્દ્રષ્ટિ છે. અહા! સમ્યગ્દર્શન થતાં તેને જેની (શુદ્ધ ચૈતન્યતત્ત્વની) કિંમત કરવી હતી તેની કિંમત (-દ્રષ્ટિ) થઈ ગઈ અને જેની (-રાગની) કિંમત નહોતી તેની કિંમત (-રુચિ) ગઈ, પછી ભલે થોડો અસ્થિરતાનો રાગ હો, એની કાંઈ કિંમત (-વિસાત) નથી. આ અપેક્ષાએ સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ છે. અને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી દ્રવ્યાસ્રવો એટલે પૂર્વે બંધાયેલાં જડકર્મો તેને બંધનું કારણ થતાં નથી. તેથી સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાનીને બંધ થતો નથી.
અહો! સમયસારની એકે-એક ગાથા ચૈતન્ય-ચમત્કારથી ભરેલી છે. આત્મા પોતે ચૈતન્ય-ચમત્કાર વસ્તુ છે. અહા! એ અનુપમ અલૌકિક ચિંતામણિ રત્ન છે. જ્યાં અંદર નજર કરી કે અતીન્દ્રિય આનંદમય ચૈતન્યરત્ન સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પરંતુ અરે! અજ્ઞાનીએ અનંતકાળમાં જ્યાં નજર કરવાની હતી તેના ઉપર નજર ન કરી અને ધર્મના નામે પુણ્ય અને પરદ્રવ્ય ઉપર જ નજર કરી! પરિણામે એનો સંસાર મટયો નહિ. અહીં કહે છે-જ્ઞાનીને પુણ્યભાવ હોવા છતાં એની દ્રષ્ટિ ચૈતન્ય-ચિંતામણિ ભગવાન આત્મા ઉપર છે. આઠ વર્ષની બાલિકા સમ્યગ્દર્શન પામે ત્યારે એની દ્રષ્ટિ વિજ્ઞાનઘન એવા નિજ ચૈતન્યતત્ત્વમાં નિમગ્ન હોય છે; નિમિત્ત, રાગ કે પર્યાય ઉપર એની દ્રષ્ટિ હોતી નથી અને તેથી તેને નવીન બંધ થતો નથી.
દ્રષ્ટિ દ્રવ્યમાં નિમગ્ન થાય છે એનો અર્થ પર્યાય દ્રવ્યમાં ભળી જાય છે એમ નથી. પૂર્વના જે પરિણામ રાગમાં એકાકાર હતા તેનો વ્યય થઈ વર્તમાન પરિણામ નિજ જ્ઞાયકભાવ તરફ ઢળ્યા ત્યાં એ પરિણામ દ્રવ્યમાં લીન-નિમગ્ન થયા એમ કહેવામાં આવે છે. (પ્રગટ) પર્યાયમાં પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન તથા પ્રતીતિ આવે પણ એ પર્યાય દ્રવ્યમાં ભળી જાય એમ અર્થ નથી.
હવે આગળ કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે.’ ચોથે ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે, પછી ભલે તે નરકનો નારકી હોય, તિર્યંચ હોય, મનુષ્ય હોય કે દેવનો જીવ હોય. અનંત અનંત ચૈતન્યના પ્રકાશનું પૂર પ્રભુ આત્મા છે તેને જેણે સ્વાનુભવમાં જાણ્યો તે જ્ઞાની છે, પછી ભલે તેને શાસ્ત્રનું વિશેષ જાણપણું ન હોય. પુણ્ય અને પુણ્યના ફળથી અધિક-જુદો ચૈતન્યમય ભગવાન અંતરમાં જેવો છે તેવો જેણે જુદો જાણ્યો તે જ્ઞાની છે.
PDF/HTML Page 1785 of 4199
single page version
હવે તેનો વિશેષ ખુલાસો કરે છે-‘જ્ઞાની’ શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છેઃ- (૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તેને જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. બધા આત્મા જ્ઞાનસ્વરૂપ જ છે તે અપેક્ષાએ બધા આત્મા જ્ઞાની કહેવાય. અહીં સમ્યક્ત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ નથી.
(૨) સમ્યક્જ્ઞાન અને મિથ્યાજ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્જ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. અહા! અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન હોવા છતાં જેને જ્ઞાનસ્વરૂપ નિજ ભગવાન આત્માનું ભાન (-જ્ઞાન) નથી અને રાગની રુચિ અને અધિકતા છે તે બધા મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. અગિયાર અંગ પૈકી પહેલા અંગમાં અઢાર હજાર પદ હોય છે અને એક એક પદમાં એકાવન કરોડ જાજેરા શ્લોક હોય છે. બીજામાં એથી બમણા, ત્રીજામાં એથી બમણા; એમ બમણા બમણા કરતાં જે પદ થાય તે અગિયાર અંગનું જ્ઞાન અને નવ પૂર્વની લબ્ધિ જે ભણવાથી ન પ્રગટે પણ રાગની અતિ મંદતાને લઈને અંદરથી એવી લબ્ધિ પ્રગટે-એટલું બધું જ્ઞાન હોવા છતાં શુદ્ધ ચૈતન્યના ભાન વિના તે અજ્ઞાની છે. જાણનારને જાણે તે જ્ઞાની છે અને જાણનારને ન જાણે તે અજ્ઞાની છે. આવો વીતરાગનો માર્ગ છે. શું થાય? અનંતકાળમાં જાણનારને જાણ્યો નહિ અને બીજી માથાફૂટ કરી-શાસ્ત્રો ભણ્યો, જગતને ઉપદેશ પણ આપ્યો. પણ જાણનારને જાણ્યા વિના, દેખનારને દેખ્યા વિના અને આનંદના માણનારને માણ્યા વિના બધા જીવો મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે.
(૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો કેવળી ભગવાન જ્ઞાની છે, અને છદ્મસ્થ અજ્ઞાની છે કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે.
અલ્પજ્ઞાનની અપેક્ષાએ બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાન ગણવામાં આવ્યું છે. મિથ્યાત્વનું અજ્ઞાન જુદું અને જ્ઞાનની કમીરૂપ અજ્ઞાન જુદું. બારમે ગુણસ્થાને મોહનો બિલકુલ નાશ અને પૂર્ણ અકષાયભાવ હોવા છતાં કેવલજ્ઞાનીને જેવી જ્ઞાનની પૂર્ણતા છે તેવી નથી તે અપેક્ષાએ તેને અજ્ઞાની કહેવામાં આવે છે.
એક બાજુ શાસ્ત્રમાં સમ્યગ્દ્રષ્ટિને માત્ર આત્માનું જ્ઞાન હોય છતાં જ્ઞાની કહે અને મિથ્યાદ્રષ્ટિને અગિયાર અંગ અને નવપૂર્વની લબ્ધિ પ્રગટ હોય છતાં અજ્ઞાની કહે; બીજી બાજુ પૂર્ણજ્ઞાન પર્યાયમાં પ્રગટયું છે એવા કેવળજ્ઞાનીને જ્ઞાની કહે અને જ્ઞાનની અપૂર્ણતાની અપેક્ષાએ બારમે ગુણસ્થાને પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ ગઈ હોવા છતાં તેને અજ્ઞાની કહે; આ બધી વિવક્ષાની વિચિત્રતા છે તે યથાર્થ સમજવી જોઈએ. આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે વિધિનિષેધ નિર્બાધપણે સિદ્ધ થાય છે; સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી.
PDF/HTML Page 1786 of 4199
single page version
હવે જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાત્મ્ય છે માટે શુદ્ધનયના મહિમાનું કાવ્ય કહે છેઃ-
‘उद्धतबोधचिन्हम् शुद्धनयम् अध्यास्य’ ઉદ્ધત જ્ઞાન (-કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને...
જુઓ, જે ઉન્નત જ્ઞાન પ્રગટ થાય છે તે ત્રિકાળી દ્રવ્યને જ ગણે છે. જે જ્ઞાનની પર્યાય અંદર દ્રવ્યમાં વળેલી છે એ અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન જાણપણું હોય તેને પણ ગણતું નથી. સ્વના જ્ઞાન વિનાના જ્ઞાનને ઉદ્ધત જ્ઞાન ગણતું નથી. ઉદ્ધત જ્ઞાન બે પ્રકારેઃ-(૧) ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ વસ્તુને ઉદ્ધત જ્ઞાન કહીએ અને (૨) તેને જાણનાર શુદ્ધનયનું પરિણમન તેને પણ ઉદ્ધત જ્ઞાન કહીએ. સ્વના આશ્રયે પ્રગટ થયેલું ભેદજ્ઞાન સ્વને જ ગણે છે. જે જ્ઞાનમાં ભગવાન આત્મા આવતો નથી તે જ્ઞાનને જ્ઞાન જ કહેતા નથી એમ અહીં કહે છે.
આ ઉદ્ધત છોકરો નથી હોતો કોઈ? તે એના બાપને, માને કોઈને ગણતો નથી. તેમ શુદ્ધ ત્રિકાળીને ગ્રહણ કરનાર શુદ્ધનય ઉદ્ધત છે; તે કોઈને ગણતો નથી. સ્વને ગણનારું તે જ્ઞાન કોઈ પરને ગણતું નથી.
ત્રિકાળી જ્ઞાન કોઈથી દબાયું દબે નહિ તેમ ત્રિકાળી જ્ઞાનને જાણનારું-ગણનારું જ્ઞાન પણ કોઈથી દબાયું દબતું નથી. જ્ઞાનાવરણીયનો ઉદય તે જ્ઞાનને દબાવે એમ છે નહિ. જ્ઞાનાવરણીયને લઈને અહીં (આત્મામાં) જ્ઞાનનો ઘટાડો-વધારો થાય એ વાત બીલકુલ નથી. સમ્યગ્જ્ઞાન પોતે શુદ્ધ અલ્પજ્ઞ પર્યાયરૂપ હોવા છતાં તે નિમિત્તને એટલે કે ત્રણલોકના નાથને, રાગને કે અલ્પજ્ઞતાને ગણતું નથી. સમ્યગ્જ્ઞાનની પર્યાયનો નાથ તો અંતરમાં રહેલો પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે; તેને તે ગણે છે કે-આ મારો નાથ છે.
અરે! આત્માની આવી વાત અજ્ઞાનીઓને રુચતી નથી. થોડુંઘણું જાણપણું થાય ત્યાં તો એને થઈ જાય કે હવે આપણે જાણીએ છીએ અને બીજાથી અધિક છીએ. લોકમાં પણ કોઈને થોડું જાણપણું હોય અને બોલતાં આવડતું હોય તો તેને જ્ઞાની કહે છે અને અંદર સમ્યક્ જાણપણું હોય પણ બોલતાં ન આવડતું હોય તો તેને અજ્ઞાની ગણે છે. અહા! લોકની માન્યતામાં જ મોટો ફેર છે.
અહીં કહે છે-શુદ્ધનયનો આશ્રય કરીને ધર્મી-જ્ઞાની સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે. આત્મામાં-સ્વરૂપમાં એકાગ્રતા થવી એ જ વસ્તુ છે. પ્રવચનસારમાં પણ આચાર્ય અમૃતચંદ્રદેવે એ જ કહ્યું છે કે-અમને ઝાઝા ક્ષયોપશમ-જાણપણાની
PDF/HTML Page 1787 of 4199
single page version
આકાંક્ષાથી બસ થાઓ, અમને વિશેષ-વિશેષ જાણપણાની જરૂર નથી; અમને તો અમારા સ્વરૂપમાં જ નિશ્ચય એકાગ્ર થવું છે.
ભાઈ! તું એકલો જ્ઞાનનો પુંજ, જ્ઞાનનો ગંજ, જ્ઞાનનું સ્થાન-ધામ છો. અહાહા...! જ્ઞાનસ્વરૂપ જ આખી ચીજ છે. એવા સ્વરૂપનો આશ્રય કરીને ‘ये’ જેઓ ‘सदा एव’ સદાય एकाग्रयम् एव’ એકાગ્રપણાનો જ ‘कलयन्ति’ અભ્યાસ કરે છે ‘ते’ તેઓ ‘सततं’ નિરંતર ‘रागादिमुक्तमनसः भवन्तः’ રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા, ‘बन्धविधुरं समयस्य सारम्’ બંધરહિત એવા સમયના સારને ‘पश्यन्ति’ દેખે છે-અનુભવે છે.
શું કહ્યું? કે સ્વરૂપનો આશ્રય કરીને તેમાં જ એકાગ્રતાનો અભ્યાસ કરવો તે કર્તવ્ય છે. મહાવ્રતાદિનું પાલન કરવું તે કર્તવ્ય છે એમ નહિ. મહાવ્રતાદિ પાળવાં એ તો રાગ છે, એ રાગ કર્તવ્ય કેમ હોય? અહીં તો કહે છે-સ્પષ્ટ કહે છે કે જેઓ સ્વરૂપનો આશ્રય કરીને અંતર- એકાગ્રતાનો અભ્યાસ કરે છે તેઓ રાગાદિરહિત ચિત્તવાળા વર્તતા થકા બંધ-વિધુર એટલે બંધરહિત એવા સમયસારને પામે છે અંતરમાં પરિપૂર્ણ એકાગ્ર થતાં પૂર્ણ કેવળજ્ઞાનને પામે છે.
લોકમાં પતિ મરી જાય તેને વિધવા કહે છે અને પત્ની મરી જાય તેને વિધુર કહે છે. અહીં બંધ-વિધુર એટલે બંધરહિત સ્વભાવના આશ્રયે જેને બંધ મરી જાય-નાશ પામી જાય તેને બંધ-વિધુર કહે છે. બંધ-વિધુર ભગવાન સમયસારને દેખે છે એટલે કે અંતરમાં એકાગ્રતાની પૂર્ણતા થતાં બંધનો સર્વથા અભાવ થઈને કેવળજ્ઞાનને પામે છે.
અહા! અધ્યાત્મની આવી વાત ઘણાને ઝીણી પડે એટલે બહારમાં વ્રત પાળવાં, સંયમ પાળવો, પર જીવોની રક્ષા કરવી ઇત્યાદિમાં તેઓ તણાઈ જાય છે. પરંતુ ભાઈ! એવી ક્રિયા તો એણ અનંતવાર કરી છે. ભગવાન! તેં તારી (અંદર રહેલા ચૈતન્ય ભગવાનની) દરકાર કરી નથી. અંતરમાં ચૈતન્યહીરલો અનંત અનંત શક્તિ-ગુણના પાસાથી ચમકી રહ્યો છે. અહા! તે કયાં છે, કેવો છે, કેવડો છે અને કેમ જણાય તેની તેં કદીય ખબર નથી કરી! પરિણામે અનેકવિધ બહારની ક્રિયાઓ કરવા છતાં તને સંસાર-પરિભ્રમણ મટયું નહિ.
પ્રશ્નઃ– તો શું અહિંસાદિ ધર્મ નથી?
ઉત્તરઃ– ભાઈ! અહિંસા તે ધર્મ છે, પણ ભગવાન મહાવીરે કોને અહિંસા કહી છે તે લોકો જાણતા નથી. ભગવાન! રાગથી પૃથક્ ચૈતન્યતત્ત્વ જે રીતે છે તેને એ રીતે પર્યાયમાં પ્રગટ કરવું (શ્રદ્ધવું, જાણવું ને આચરવું) એનું નામ અહિંસા
PDF/HTML Page 1788 of 4199
single page version
છે. અંતરમાં રહેલા ત્રિકાળી વીતરાગભાવને પર્યાયમાં પ્રગટ કરવો એનું નામ અહિંસા છે અને તે ધર્મ છે.
પરની દયા પાળવાનો ભાવ એ તો રાગ અને હિંસા છે. એવી જ રીતે સત્યાગ્રહ કરી બીજાને દબાણમાં લેવા એ ભાવ પણ રાગ હોવાથી હિંસા છે. અરે ભાઈ! જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય કે જે ભાવે સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાય તે ભાવ શુભરાગ છે અને તે અપરાધ છે કેમકે રાગ છે તે આત્મસ્વભાવની હિંસા કરનારો ભાવ છે. ભગવાને તો રાગની અનુત્પત્તિ અને વીતરાગતાની ઉત્પત્તિને અહિંસા કહી છે.
વસ્તુ પોતે સ્વરૂપથી જ અહિંસકસ્વરૂપ એટલે કે વીતરાગસ્વરૂપ છે, એની દ્રષ્ટિ અને એમાં સ્થિરતા થતાં પર્યાયમાં જે વીતરાગતા પ્રગટ થાય તે અહિંસા છે. સમ્યક્ત્વાદિની વીતરાગી પરિણતિ તે અહિંસા છે. આવી અહિંસાની પરિણતિ કયાંથી આવી? અહિંસકસ્વરૂપ જે ત્રિકાળી આત્મા છે ત્યાંથી (તેનો આશ્રય કરવાથી) આવી છે, રાગમાંથી કે પર નિમિત્તમાંથી નહીં.
ભગવાન મહાવીરે કોઈનુંય ભલું કે ભૂંડુ કર્યું નથી. એમણે તો પોતાનો (આત્માનો) જે અનાદિ અહિંસક સ્વભાવ છે તેને પર્યાયમાં પરિપૂર્ણ પ્રગટ કર્યો છે. એટલે તો ભગવાન વીતરાગ-અહિંસક છે. ભાઈ! ભગવાન આત્માનું સ્વરૂપ જ વીતરાગઅહિંસક છે; તેને ઓળખી તેના આશ્રયે વીતરાગ પરિણતિ પ્રગટ કરવી તે અહિંસા છે. તે કાળે જેટલો રાગ ઉત્પન્ન ન થયો તેને રાગ છોડયો એમ વ્યવહારથી કહેવામાં આવે છે.
અહિંસક આત્માની દ્રષ્ટિ વિના (સમ્યગ્દર્શન વિના) જે કોઈ વ્રત, તપ આદિ આચરે છે તે બધા મૂઢ છે (મિથ્યાદ્રષ્ટિ છે). વ્યવહારના એકાંત આગ્રહવાળાને આવું સાંભળીને દુઃખ લાગે પણ શું થાય? એ દુઃખનું કારણ એની વિપરીત માન્યતા છે. બીજાને દુઃખ દેવાનો કોઈ જ્ઞાનીને ભાવ ન હોય.
પહેલાંના વખતમાં શાહૂકાર પાસે કોઈ ખોટા રૂપિયા (સિક્કા) લઈને આવે અને શાહૂકારને તે ખબર પડે તો તેને પાછા ન આપે; દુકાનના બારણા આગળ જે ઉમરો હોય ત્યાં લાકડે તેને જડી દે, આગળ ચાલવા ન દે. એમ આ પણ ભગવાનની શરાફની પેઢી છે; તેમાં ખોટું ચાલવા ન દેવાય. ભાઈ! આત્માની દ્રષ્ટિ વિના જે કાંઈ વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિના ભાવ છે તે રાગ છે અને રાગ છે તે આત્માની હિંસા છે. (રાગ ઉત્પન્ન થતાં ચૈતન્યપ્રાણનો ઘાત થાય છે). ભાઈ! પરિણામને અંતરમાં વાળી ત્યાં જ એકાગ્ર થયા વિના વસ્તુ (ચૈતન્યતત્ત્વ) હાથ નહિ આવે. જ્યાં વસ્તુ છે ત્યાં પરિણામને વાળ્યા વિના વસ્તુનું જ્ઞાન કેમ થાય? એમાં જ એકાગ્ર થયા વિના વસ્તુનું આચરણ કેમ થાય? બાપુ! અનંત તીર્થંકરોએ દિવ્ય-દેશના દ્વારા ધર્મ પામવાનો
PDF/HTML Page 1789 of 4199
single page version
આ જ માર્ગ કહ્યો છે અને વીતરાગી મુનિવરોએ તેમના આડતિયા થઈને તે જગતને જાહેર કર્યો છે.
ભગવાનને વાણી નીકળે છે તે ઇચ્છા વિના સહજ નીકળે છે. અને છદ્મસ્થ મુનિઓને જે વાણી હોય છે ત્યાં સાથે વિકલ્પ છે; ત્યાં ચારિત્રમોહનો એટલો દોષ છે. હવે આમાંથી કોઈને પ્રશ્ન થાય કે-રાગ તે હિંસા છે, તો એ રાગ (હિંસા) દ્વારા તમારે અહિંસા સમજાવવી છે? એક બાજુ નિમિત્તથી થાય નહીં એમ કહો છો અને વળી નિમિત્ત દ્વારા સમજાવો છો-કેવી વાત?
સમાધાનઃ– ભાઈ! એમ ન બોલાય ભગવાન! એનો ઉપકાર લેવાય. (છદ્મસ્થ દશામાં તો) રાગ દ્વારા જ વસ્તુના સ્વરૂપનું કથન કરી શકાય છે. સમયસાર ગાથા ૮ માં આ વાત આચાર્ય ભગવાને લીધી છે-કે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી.
ત્યારે એમાંથી કોઈ કાઢે કે-લ્યો, વ્યવહારથી સમજી શકાય છે કે નહીં? અરે ભગવાન! એમ અર્થ નથી બાપુ! ત્યાં જ ખુલાસો કર્યો છે કે-કહેનારે અને સાંભળનારે, વ્યવહાર (નિશ્ચય સમજતાં વચમાં) આવે છે, પણ વ્યવહારને અનુસરવું નહિ. વ્યવહારના ભેદ પાડયા વિના સમજાવાય નહિ માટે ભેદ પાડીને સંતો સમજાવે છે પરંતુ તેથી ભેદનું લક્ષ કરવું-ભેદમાં જ અટકી રહેવું એમ કયાં છે? લક્ષ તો અભેદનું જ કરવાની વાત છે. વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક છે તેથી દર્શાવ્યો છે, પરંતુ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી એમ ત્યાં સ્પષ્ટ કહ્યું છે. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-સ્વરૂપનો આશ્રય કરીને જેઓ અંતર-એકાગ્રતાનો નિરંતર અભ્યાસ કરે છે તેઓ રાગરહિત ચિત્તવાળા થયા થકા બંધરહિત ભગવાન સમયસારને દેખે છે-અનુભવે છે અર્થાત્ અંતર-એકાગ્રતાની પૂર્ણતા કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે.
‘અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. ‘‘હું કેવળજ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું.’’-એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય.’
અહીં કેવળ એટલે કેવળજ્ઞાન પર્યાયની વાત નથી. હું કેવળ જ્ઞાનસ્વરૂપ એટલે માત્ર જ્ઞાનસ્વરૂપ શુદ્ધ-પવિત્ર છું એવું જે આત્મદ્રવ્યનું જ્ઞાનમય પરિણમન થવું તેને શુદ્ધનય કહે છે. પરની સાથે તો આત્માને કાંઈ સંબંધ છે નહિ. પરંતુ પુણ્ય-પાપના વિકલ્પ કે અલ્પજ્ઞતા તે હું નહિ એમ નિશ્ચય કરી રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્યમય આત્મામાં અંતર્દ્રષ્ટિ કરવી તેને શુદ્ધનય કહે છે. સમયસાર ગાથા ૧૧ માં ત્રિકાળીને
PDF/HTML Page 1790 of 4199
single page version
શુદ્ધનય કહ્યો છે. અહીં તેનું જે નિર્મળ જ્ઞાનમય પરિણમન થયું તેને શુદ્ધનય કહ્યો કેમકે પરિણમન થયું ત્યારે જાણ્યું કે પોતાની ચીજ (આત્મા) આ છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ જેમને બહારમાં માત્ર પીંછી-કમંડળ અને અંતરમાં પ્રચુર અતીન્દ્રિય આનંદની મસ્તી વર્તતી હતી તેઓ જગતને મોટા અવાજે જાહેર કરે છે કે-આત્મા એક શુદ્ધવિજ્ઞાનઘન છે જેમાં શરીર ને કર્મ તો શું દયા, દાનના વિકલ્પ પણ અંદર પ્રવેશ પામી શકતા નથી. એ તો સદાય ચૈતન્યરૂપ વીતરાગસ્વરૂપ છે. એનું વીતરાગતારૂપ પરિણમન થવું તે શુદ્ધનય છે અને તે મોક્ષમાર્ગ છે. સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણમનને શુદ્ધનયનું પરિણમન કહે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનાં જાણપણાં કે પંચમહાવ્રતના વિકલ્પ ઇત્યાદિરૂપ જે વ્યવહારરત્નત્રય એ કાંઈ શુદ્ધનય નથી, મોક્ષમાર્ગ નથી; એ તો રાગ છે. રાગ આવે છે, રાગ હોય ખરો, પણ રાગમાં એકાગ્ર થઈ પરિણમવું એ તો મહાદોષ છે, વિપરીતતા છે. અહીં તો ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’ એવો જે નિજ શુદ્ધ ચૈતન્ય ભગવાન તેમાં એકાગ્ર થઈ પરિણમવું તે શુદ્ધનય છે. શુદ્ધનય વીતરાગી પર્યાય છે જેમાં શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ થાય છે.
‘આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ છે.’ સમ્યગ્દર્શનમાં પ્રથમ આનંદનો સ્વાદ આવ્યો પછી અંતરમાં દ્રષ્ટિના બળે ઝુકતાં જેટલી સ્થિરતા વધે તેટલા પ્રમાણમાં આનંદ અને શુદ્ધિ વધતાં જાય છે તેને એકાગ્રતાનો અભ્યાસ કહે છે. આવો અંતર-એકાગ્રતાનો અભ્યાસ નિરંતર કરવાનું કહ્યું છે. વ્રતાદિના વિકલ્પનો અભ્યાસ કરવો એમ નહિ પણ અંતર-એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. હવે કહે છે-
શુદ્ધનય જ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધ નય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે.’ જેને આત્માનો અનુભવ થાય છે, સમ્યગ્દર્શન થાય છે એની પર્યાયમાં ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. તે ભાવશ્રુતજ્ઞાનનો શુદ્ધનય એક અંશ છે. અહીં દ્રવ્યશ્રુત જે શબ્દ-વાણી તેની વાત નથી કેમકે એ તો પર છે. અહીં તો શુદ્ધનય ભાવશ્રુતજ્ઞાનનો એક અંશ છે એમ વાત છે. એ શુદ્ધનય દ્વારા આત્મા પ્રત્યક્ષ જણાતો નથી. પ્રત્યક્ષ તો કેવળજ્ઞાન પ્રગટતાં જણાય છે. છતાં અનુભવના કાળમાં આનંદના વેદનને આત્મા પ્રત્યક્ષ વેદે છે. હું આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છું એવી દ્રષ્ટિ થતાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદ પ્રત્યક્ષ વેદનમાં આવે છે તેને તેથી સ્વાનુભવ પ્રત્યક્ષ પણ કહે છે અને તેને ભાવશ્રુતજ્ઞાન અને જૈનશાસન કહે છે; (જુઓ સમયસાર ગાથા ૧પ). વચ્ચે જે રાગ આવે તે કાંઈ જૈનશાસન નથી.
શું થાય? અત્યારે તો આ ઉપદેશ અને પ્રરૂપણા જ ચાલતી નથી. અંદર ચિદાનંદમય ભગવાન આત્માના લક્ષે જે આનંદનું વેદન-અનુભૂતિ થાય તે સમ્યગ્દર્શન
PDF/HTML Page 1791 of 4199
single page version
છે અને તે સૌ પ્રથમ ધર્મ છે. વિના સમ્યગ્દર્શન જ્ઞાન કે ચારિત્ર સમ્યક્ હોતાં નથી. વિના સમ્યગ્દર્શન આચરવામાં આવતાં વ્રત ને તપ ઇત્યાદિ સર્વ એકાન્ત અજ્ઞાનમય ભાવ છે, સંસાર છે અને બંધનું કારણ છે.
‘વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે.’ જુઓ, અનંતગુણનો પિંડ અસંખ્યપ્રદેશી આત્મા પ્રત્યક્ષ તો કેવળજ્ઞાન થતાં દેખાય છે પણ નીચે સમ્યગ્દર્શનમાં પરોક્ષ શ્રુતજ્ઞાનની અપેક્ષાએ તથા શ્રુતજ્ઞાનનો પેટાભેદ જે શુદ્ધનય તેની અપેક્ષાએ આત્માનું પૂર્ણ સ્વરૂપ પરોક્ષપણે પ્રતીતિમાં આવે છે તેથી તેને વ્યવહારે પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. છતાં વેદનની અપેક્ષાએ ચોથે ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિ નિર્વિકલ્પ આનંદનું વેદન પ્રત્યક્ષ પોતાથી વેદે છે. અનુભવ પરિપૂર્ણ નહિ પણ એકદેશ શુદ્ધ હોવાથી તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહે છે.
‘સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે.’ મતલબ કે પૂર્ણ પવિત્રતાનું પરિણમન કેવળજ્ઞાન થતાં થાય છે. ખરેખર તો કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે અને શુદ્ધનય તો પરોક્ષ શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ છે. પણ કેવળજ્ઞાન થતાં શુદ્ધનયનું પૂર્ણ પરિણમન થઈ ગયું એ અપેક્ષાએ સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે એમ કહ્યું છે. પર્યાયમાં જ્યારે ત્રિકાળી વસ્તુ એટલે કે અનંતગુણ અને અસંખ્યાત પ્રદેશ સહિત શુદ્ધ ચૈતન્યવસ્તુ પ્રત્યક્ષ થઈ ત્યારે શુદ્ધનય સાક્ષાત્ પૂર્ણ થયો અર્થાત્ શુદ્ધનયનું ફળ પ્રગટ થયું તેથી કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થયો એમ કહ્યું છે. અહાહા...! વસ્તુ પોતાની અપેક્ષાએ પોતાથી તો વ્યક્ત-પ્રગટ-પ્રત્યક્ષ જ છે પણ પર્યાયમાં પ્રત્યક્ષ ભાસી ત્યારે શુદ્ધનય પૂર્ણ થયો એમ વાત છે.
હવે આવો ઉપદેશ, લ્યો; કોઈને વળી થાય કે આ તે કેવો ઉપદેશ! ભક્તિ કરવી, વ્રત પાળવાં, તપ કરવું, ઉપવાસાદિક કરવા -એવો ઉપદેશ હોય તો સમજમાં પણ આવે. પણ બાપુ! એ તો બધા રાગના પ્રકાર છે; ધર્મીને પણ અશુભથી બચવા શુભરાગ આવે છે પણ એ કાંઈ ધર્મ નથી, જૈનશાસન નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ વા શુદ્ધનય દ્વારા અંતર- એકાગ્રતાનો અભ્યાસ થાય એ જ ધર્મ છે. સમજાણું કાંઈ...! ભાઈ! આ સમજ્યા વિના જ એણે ચોરાસી લાખ યોનિમાં-પ્રત્યેક યોનિમાં અનંત અનંતવાર અવતાર ધારણ કર્યા છે.
હવે કહે છે-કે જેઓ શુદ્ધનયથી ચ્યુત થાય તેઓ કર્મ બાંધે છેઃ-
‘इह’ જગતમાં ‘ये’ જેઓ ‘शुद्धनयतः प्रच्युत्य’ શુદ્ધનયથી ચ્યુત થઈને... જુઓ! શુદ્ધનયથી ચ્યુત થઈને એમ કહ્યું, જ્યારે હવે પછીની ગાથા ૧૮૦ માં
PDF/HTML Page 1792 of 4199
single page version
‘नयपरिहीनास्तु’ -બસ એટલું જ કહેશે. એનો અર્થ એ કે શુદ્ધનયને જ ત્યાં નય કહ્યો છે. (અર્થાત્ આશ્રયયોગ્ય નય એક જ છે એમ કહે છે). ‘શુદ્ધનયથી ચ્યુત થઈને’-એના બે અર્થ- (૧) શુદ્ધ ચૈતન્યસ્વભાવનો અનુભવ એટલે કે સમ્યગ્દર્શન પ્રગટતાં અતીન્દ્રિય આનંદનો જે અનુભવ હતો એનાથી ચ્યુત થઈને મિથ્યાદ્રષ્ટિ થતાં અનંતસંસારનું કારણ એવા દર્શનમોહનીય કર્મને બાંધે છે. (૨) જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનના ભેદને છોડી શુદ્ધોપયોગમાં રહેવું તે શુદ્ધનય; એનાથી (શુદ્ધોપયોગથી) ચ્યુત થઈને જે વિકલ્પમાં આવ્યો તે પણ (કિંચિત્) કર્મને બાંધે છે. અહીં કહે છે-
જગતમાં જેઓ શુદ્ધનયથી ચ્યુત થઈને ‘पुनः एव तु’ ફરીને ‘रागादियोगम्’ રાગાદિના સંબંધને ‘उपयान्ति’ પામે છે ‘ते’ એવા જીવો, ‘विमुक्तबोधाः’ જેમણે જ્ઞાનને છોડયું છે એવા થયા થકા, ‘पूर्वबद्धद्रव्यास्रवैः’ પૂર્વબદ્ધ દ્રવ્યાસ્રવો વડે ‘कर्मबन्धम् विभ्रति’ કર્મબંધને ધારણ કરે છે.
જુઓ, ફરીને–पुनः એમ કહ્યું છે ને? એનો અર્થ એ કે પહેલાં શુદ્ધનયમાં આવ્યો હતો અર્થાત્ સમ્યગ્દર્શન થવાથી ચોથે ગુણસ્થાને જ્ઞાનીને રાગનો સંબંધ છૂટી સ્વભાવનો સંબંધ થયો હતો-અતીન્દ્રિય આનંદના વેદનમાં આવ્યો હતો તે ત્યાંથી છૂટીને ફરીને રાગના સંબંધને પામ્યો. તે છૂટવાના બે પ્રકારઃ-
૧. શુદ્ધોપયોગમાં હતો તે ત્યાંથી છૂટી વિકલ્પમાં-રાગમાં આવ્યો છતાં સમ્યગ્દર્શન છે; કેવળ શુદ્ધ ઉપયોગથી છૂટી ગયો છે.
૨. સમ્યગ્દર્શનથી છૂટી મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો.
હવે એવા જીવો જેમણે જ્ઞાનને છોડયું છે અર્થાત્ આનંદકંદ સ્વરૂપ ભગવાન આત્માને છોડી દીધો છે અને રાગની રુચિસહિત રાગને પકડયો છે તેઓ પૂર્વે બંધાયેલા દ્રવ્યાસ્રવો વડે કર્મોને બાંધે છે.
સમ્યગ્દ્રષ્ટિ ધર્મીએ વ્યવહારરત્નત્રય આદિ સમસ્ત રાગને (અભિપ્રાયથી) છોડયો છે અને સ્વભાવને ગ્રહણ કર્યો છે. તેથી દ્રવ્યાસ્રવો હોવા છતાં જ્ઞાનીને રાગનો સંબંધ નથી તેથી કર્મબંધન થતું નથી. જ્યારે સ્વરૂપને છોડીને રાગના સંબંધમાં આવે છે એવા અજ્ઞાની જીવોને પૂર્વબદ્ધ કર્મ નવા કર્મબંધનું કારણ થાય છે અર્થાત્ નવાં કર્મ બાંધે છે-‘कृत–विचित्र– विकल्पजालम्’– કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે. વસ્તુ અબદ્ધસ્વભાવ કહો કે મુક્તસ્વભાવ કહો, જ્યાં તેની દ્રષ્ટિ છૂટીને રાગના સંબંધમાં આવ્યો ત્યાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય આદિ આઠ કર્મો અનેક પ્રકારે બંધાય છે. અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગની અપેક્ષાએ વાત છે. સમ્યગ્દ્રષ્ટિને તે પ્રકારનો રાગેય નથી અને બંધેય નથી.
PDF/HTML Page 1793 of 4199
single page version
ભાઈ! આ તત્ત્વની વાતનો પરિચય કરી ખૂબ અભ્યાસ કરવો જોઈએ. બાકી તો દિગંબર સાધુ થઈને પંચમહાવ્રત લીધાં, હજારો રાણીઓનો ત્યાગ કર્યો, શરીરની ચામડીને ઉતારીને ખાર છાંટે તોય ક્રોધ ન કર્યો-એવું એવું તો ઘણુંય બધું કર્યું; પણ તેથી શું? આવી ક્રિયાઓ અનંત વાર કરી પણ અંતરમાં એક ક્ષણ માટે સાચો ધર્મ-સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નહિ. શુભરાગ-રાગની મંદતાના શુકલ લેશ્યાના પરિણામ અનંતવાર કર્યા પણ રાગથી ભિન્ન પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજની દ્રષ્ટિ કરી નહિ તો જન્મ-મરણના દુઃખનો અંત ન આવ્યો. છહઢાલામાં શ્રી દોલતરામજીએ કહ્યું છે ને કે-
સ્વર્ગમાં ગ્રીવાના સ્થાને નવ પાટડા છે. ત્યાં પુણ્ય કરીને અનંતવાર જન્મ લીધો પણ રાગથી ખસીને શુદ્ધ ચૈતન્યસ્વભાવનો અનુભવ કદી કર્યો નહિ તો લેશ પણ સુખ ન થયું અર્થાત્ દુઃખ જ થયું. ભાઈ! પંચમહાવ્રતાદિના પાલનનો રાગ પણ આસ્રવ અને દુઃખ જ છે. છહઢાલામાં કહ્યું છે કે-
શુભરાગ છે તે પણ આગ છે કેમકે તે કષાય છે ને! આત્માને કષે એટલે દુઃખ દે એ શુભરાગ કષાય છે.
‘શુદ્ધનયથી ચ્યુત થવું એટલે ‘‘હું શુદ્ધ છું’’ એવા પરિણમનથી છૂટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ બની જવું તે.’ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થવો તે શુદ્ધનય છે. તેનાથી ચ્યુત થવું એટલે પૂર્ણાનંદના નાથની જે દ્રષ્ટિ થઈ હતી તે છૂટીને હું રાગ છું, પુણ્ય છું -એવી દ્રષ્ટિ થવી અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ બની જવું તે.
આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ અતીન્દ્રિય મહાપદાર્થ છે. એવા ચૈતન્યમહાપ્રભુની અંતર્દ્રષ્ટિપૂર્વક જેને અનુભવ થયો તેને શુદ્ધનયનું ગ્રહણ થયું અને હું શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ આત્મા છું એવું જે અતીન્દ્રિય આનંદનું પરિણમન એનાથી ભ્રષ્ટ થઈ રાગની એકતાના અશુદ્ધ પરિણમનમાં આવી જવું તેને શુદ્ધનયથી ભ્રષ્ટ થવું કહે છે. ‘એમ થતાં જીવને મિથ્યાત્વસંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાસ્રવો કર્મબંધનાં કારણ થાય છે અને તેથી અનેક પ્રકારનાં કર્મ બંધાય છે.’ પુણ્યના પરિણામ મને લાભદાયક છે એવી મિથ્યા માન્યતાથી પરિણમતાં અનંતાનુબંધી રાગદ્વેષ ઉત્પન્ન
PDF/HTML Page 1794 of 4199
single page version
થાય છે અને તેથી દ્રવ્યાસ્રવો એટલે જૂનાં દ્રવ્યકર્મો નવાં કર્મબંધનાં કારણ થાય છે, અને તેથી અનેક પ્રકારનાં-આઠેય પ્રકારનાં કર્મ બંધાય છે.
અહા! સમ્યક્ રુચિ હતી ત્યારે રાગની ઉત્પત્તિ તે હિંસા અને રાગની અનુત્પત્તિ તે અહિંસા એમ યથાર્થ માનતો હતો તે રુચિ પલટતાં (મિથ્યા રુચિ થતાં) ફરીને એમ માનવા લાગ્યો કે રાગની ઉત્પત્તિ તે પણ અહિંસા છે; અર્થાત્ પરની દયાનો ભાવ, પરને સુખી કરવાનો ભાવ, પરને સહાય કરવાનો ભાવ તે ધર્મી છે એમ માનવા લાગ્યો. અરે! શુદ્ધનયથી ભ્રષ્ટ થતાં આત્માની જેમાં હિંસા થાય છે તેમાં અહિંસા માનવા લાગ્યો.
‘આ રીતે અહીં શુદ્ધનયથી ચ્યુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યક્ત્વથી) ચ્યુત થવું એમ કરવો.’ જુઓ! જયચંદજી પંડિતે કેવો સરસ ખુલાસો કર્યો છે! શુદ્ધનયથી ચ્યુત થવું એટલે શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ હું છું એવા વિશ્વાસના પરિણમનથી પતિત થઈ હું રાગી અને અલ્પજ્ઞ છું એમ માનવું. અહા! તે આત્મા મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો. શુદ્ધનયથી ચ્યુત થવાનો અર્થ શુદ્ધ સ્વરૂપની પ્રતીતિથી ચ્યુત થવું તે મુખ્ય છે.
‘ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્ શુદ્ધનયથી ચ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી.’ શું કીધું આ? અંતરમાં જ્ઞાતા-જ્ઞાન-જ્ઞેય એવા ભેદનું લક્ષ છોડી જ્ઞાયકના અનુભવમાં ઉપયોગની જમાવટ થવી તેને શુદ્ધોપયોગ કહે છે. એવા શુદ્ધ ઉપયોગથી છૂટી વિકલ્પમાં-રાગમાં આવવું એ અર્થ અહીં ગૌણ છે. શુદ્ધ ચૈતન્યમહાપ્રભુનો અનુભવ થઈને એની પ્રતીતિ આવવી તે સમ્યગ્દર્શન છે. આવો સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધ ઉપયોગમાંથી છૂટી અશુદ્ધ ઉપયોગમાં આવે તે અર્થ અહીં મુખ્ય નથી પણ શુદ્ધ સ્વભાવથી ભ્રષ્ટ થઈ રાગની રુચિમાં-પ્રેમમાં આવી જવું તે અર્થ મુખ્ય છે.
‘કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞેયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.’
શું કહ્યું આ? અહીં એમ કહે છે કે નિજ પરમાત્મદ્રવ્યના અનુભવની સ્થિરતારૂપ શુદ્ધ ઉપયોગ-ધ્યાનની દશા અલ્પ કાળ જ રહે છે. માટે અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને, પછી એનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞેયોમાં ઉપયુક્ત થાય છે અર્થાત્ ઉપયોગ અંદર
PDF/HTML Page 1795 of 4199
single page version
ધ્યાનમાં હતો તે ફરીને વિકલ્પમાં આવી જાય છે. શુદ્ધ ઉપયોગમાં ઝાઝો કાળ રહી શકાતું નથી એટલે રાગને જાણવાની દશામાં આવે છે ખરો; સ્વના જાણપણા પૂર્વક રાગને જાણવાની દશામાં આવે છે પણ રાગ કરવા જેવો છે એવો અભિપ્રાય નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે. સમકિતીને અભિપ્રાયમાં રાગ કર્તવ્ય નથી અને તેથી જે રાગનો અંશ ઉત્પન્ન થાય છે તેનાથી અલ્પ બંધ થાય છે. અલ્પ બંધ સંસારનું કારણ નહિ થતો હોવાથી અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.
અહાહા...! શાસ્ત્રની એક પણ કડી યથાર્થ સમજે તો તેના ખ્યાલમાં આવી જાય કે અંદર વસ્તુ શું છે? ભાઈ! વસ્તુની દ્રષ્ટિ થયા વિના ભલે શાસ્ત્રનો ઘણો અભ્યાસ હોય, અને લાખો માણસોને સમજાવવાની શક્તિ પણ હોય પણ એ કોઈ ચીજ નથી. પોતાના આત્માને પકડવાની અંતર્દ્રષ્ટિ થવી તે ચીજ છે. આવો સૂક્ષ્મ માર્ગ છે; તેને ધીરજ અને શાન્તિથી અભ્યાસ કરી પ્રાપ્ત કરવો જોઈએ. અરે! લૌકિક કેળવણી પાછળ વર્ષોનાં વર્ષો કાઢી નાખે છે અને આ અભ્યાસ માટે એને નિવૃત્તિ મળતી નથી!
પ્રશ્નઃ– લૌકિક કેળવણી લેવાથી તો પૈસા કમાવાય છે ને?
ઉત્તરઃ– ભાઈ! પૈસા તો આવવાના હોય તો આવે, લૌકિક ભણે માટે આવે છે એમ નથી. લક્ષ્મી તો પુણ્યને લઈને આવે છે; દુનિયામાં ચતુર હોય, ખૂબ ભણેલો હોય એટલે લક્ષ્મી મળે છે એ વાતમાં કાંઈ તથ્ય નથી. અણઘડ અને અભણ હોય એવા પણ લાખો-કરોડોની સંપત્તિ કમાય છે. ધન મળવું એ કાંઈ પુરુષાર્થનું કાર્ય નથી, ધર્મ મળવો એ પુરુષાર્થનું કાર્ય છે અને એ જ કર્તવ્ય છે. ધનમાં શું ભર્યું છે? (ધનથી સુખ નથી, ધર્મ વડે સુખ છે).
હવે કહે છે-‘હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટે છેઃ-
જીવ શુદ્ધ સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યક્ત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે.’ મિથ્યાત્વ નથી તેથી અનંત સંસારના કારણરૂપ બંધ થતો નથી કારણ કે મિથ્યાત્વ એ જ ખરેખર સંસાર છે. ‘તે બંધ જો કે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે,’ અંદર નિર્વિકલ્પ ઠરવાનો ઉપદેશ છે.
‘કેવલજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે.’ ખરેખર તો ત્રિકાળી શુદ્ધ વસ્તુ તે શુદ્ધનય છે. (સમયસાર ગાથા ૧૧). પરંતુ એનો આશ્રય કેવળજ્ઞાન પ્રગટ થતાં પૂર્ણ થઈ ગયો, હવે પછી આશ્રય લેવાનું રહ્યું નહિ એ અપેક્ષાએ કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે એમ કહ્યું છે. શુદ્ધનયનો (આશ્રયનો) અભાવ થયો ત્યારે સાક્ષાત્
PDF/HTML Page 1796 of 4199
single page version
શુદ્ધનય થાય છે એમ કહ્યું. કેવળજ્ઞાનમાં નય કયાં છે? ત્યાં તો જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ થઈ ગયું છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા પર્યાયમાં પરિપૂર્ણ ખીલીને પ્રગટ થઈ ગયાં છે. કેવળજ્ઞાન થતાં તો જેવી શુદ્ધ વસ્તુ છે એવી શુદ્ધતા પ્રગટ થઈ ગઈ ત્યાં પછી નય હોતો નથી. (શુદ્ધનયનો આશ્રય હોતો નથી).
બાપુ! તું પોતાની જાતને ભૂલીને કજાતને (રાગને) સેવી રહ્યો છે. ધર્મ અસલી શું ને નકલી શું એની તને ખબર નથી. દયા, દાન, વ્રતાદિના રાગને ધર્મ માનવો એ નકલી ધર્મ છે, જ્યારે અંદર ચિદાનંદઘન પોતાનો ભગવાન છે તેનો અનુભવ કરવો તે અસલી ધર્મ છે. વ્યવહાર ધર્મને પણ ધર્મ નામ તો છે પણ એ પરમાર્થ ધર્મ નથી.
સમયસાર નિર્જરા અધિકારમાં ‘જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી’ એવો પાઠ છે. ત્યાં ધર્મ એટલે પુણ્ય અર્થ કર્યો છે, સમકિતી ધર્મીને, પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર (શુભભાવ) હોય છે અને ઉપચારથી તેને ધર્મનું કારણ (સાધન) પણ કહ્યું છે પણ એ કાંઈ ખરું કારણ નથી. (નિમિત્તનું જ્ઞાન કરાવવા ઉપચારથી તેને કારણ કહ્યું છે). દયા, દાન, ભક્તિ આદિના પરિણામ ધર્મીને આવે છે પણ એના ઉપર ધર્મીની દ્રષ્ટિ નથી; ધર્મી તો એનો જાણનાર રહે છે. જેમ ખેડૂતની નજર અનાજ પર હોય છે, ઘાસ પર નહિ તેમ ધર્મીની દ્રષ્ટિ ચૈતન્યસ્વભાવ પર હોય છે, પુણ્યભાવ પર નહિ. ચોથે ગુણસ્થાને કોઈ સમકિતી છ ખંડના રાજ્યના વૈભવમાં હોય, છન્નુ હજાર રાણીઓના વૃંદમાં હોય છતાં એ રાજવૈભવ કે એ રાણીઓ મારી છે એમ એની દ્રષ્ટિ નથી. તેથી તો કહ્યું છે કે ‘ભરત ઘરમાં વૈરાગી.’ સમજાણું કાંઈ...!
PDF/HTML Page 1797 of 4199
single page version
मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो।। १७९।।
बज्झंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा।। १८०।।
मांसवसारुधिरादीन् भावान् उदराग्निसंयुक्तः।। १७९।।
बध्नन्ति कर्म ते नयपरिहीनास्तु ते जीवाः।। १८०।।
હવે આ જ અર્થને દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કરે છેઃ-
બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯.
બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિચ્યુત બને. ૧૮૦.
ગાથાર્થઃ– [यथा] જેમ [पुरुषेण] પુરુષ વડે [गृहीतः] ગ્રહાયેલો [आहारः] જે આહાર [सः] તે [उदराग्निसंयुक्तः] ઉદરાગ્નિથી સંયુક્ત થયો થકો [अनेकविधम्] અનેક પ્રકારે [मांसवसारुधिरादीन्] માંસ, વસા, રુધિર આદિ [भावान्] ભાવોરૂપે [परिणमति] પરિણમે છે, [तथा तु] તેમ [ज्ञानिनः] જ્ઞાનીને [पूर्व बद्धाः] પૂર્વે બંધાયેલા [ये प्रत्ययाः] જે દ્રવ્યાસ્રવો છે [ते] તે [बहुविकल्पम्] બહુ પ્રકારનાં [कर्म] કર્મ [बध्नन्ति] બાંધે છે;- [ते जीवाः] એવા જીવો [नयपरिहीनाः तु] શુદ્ધનયથી ચ્યુત થયેલા છે. (જ્ઞાની શુદ્ધનયથી ચ્યુત થાય તો તેને કર્મ બંધાય છે.)
ટીકાઃ– જ્યારે જ્ઞાની શુદ્ધનયથી ચ્યુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી, પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (-દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું (-કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે. અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્
PDF/HTML Page 1798 of 4199
single page version
नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्बन्ध एव हि।। १२२।।
त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वङ्कषः कर्मणाम्।
तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संह्य्त्य निर्यद्बहिः
पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः।। १२३।।
આનું દ્રષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ-જાણીતું છે); કારણ કે ઉદરાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે.
ભાવાર્થઃ– જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે, રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસ્રવો અવશ્ય કર્મબંધના કારણ થાય છે અને તેથી કાર્મણવર્ગણા બંધરૂપે પરિણમે છે. ટીકામાં જે એમ કહ્યું છે કે “દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે”, તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે “દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં કાર્મણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે”.
હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહેછેઃ-
શ્લોકાર્થઃ– [अत्र] અહીં [इदम् एव तात्पर्य] આ જ તાત્પર્ય છે કે [शुद्धनयः न हि हेयः] શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી; [हि] કારણ કે [तत्–अत्यागात् बन्धः नास्ति] તેના અત્યાગથી (કર્મનો) બંધ થતો નથી અને [तत्–त्यागात् बन्धः एव] તેના ત્યાગથી બંધ જ થાય છે. ૧૨૨.
ફરી, ‘શુદ્ધનય છોડવાયોગ્ય નથી’ એવા અર્થને દ્રઢ કરનારું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [धीर–उदार–महिम्नि अनादिनिधने बोधे धृतिं निबध्नन् शुद्धनयः] ધીર (ચળાચળતા રહિત) અને ઉદ્રાર (સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત) જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો (અર્થાત્ જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો) શુદ્ધનય- [कर्मणाम् सर्वकषः] કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે- [कृतिभिः] પવિત્ર ધર્મી (સમ્યગ્દ્રષ્ટિ) પુરુષોએ [जातु] કદી પણ [न त्याज्यः] છોડવાયોગ્ય નથી. [तत्रस्थाः] શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો, [बहिः निर्यत् स्वमरीचि–चक्रम् अचिरात् संह्य्त्य] બહાર નીકળતા એવા પોતાનાં જ્ઞાનકિરણોના
PDF/HTML Page 1799 of 4199
single page version
नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः।
स्फारस्फारैः स्वरसविसरैः पॢावयत्सर्वभावा–
नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत्।। १२४।।
સમુહને (અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યકિતઓને) અલ્પ કાળમાં સમેટીને, [पूर्ण ज्ञान–धन–ओधम् एकम् अचलं शान्तं महः] પૂર્ણ, જ્ઞાનઘનના પુંજરૂપ, એક, અચળ, શાંત તેજને-તેજઃપુંજને- [पश्यन्ति] દેખે છે અર્થાત્ અનુભવે છે.
ભાવાર્થઃ– શુદ્ધનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી, આત્માને શુદ્ધ, નિત્ય, અભેદરૂપ, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર-સ્થિર-થતી જાય છે. એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પ કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને, શુદ્ધનયમાં (આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં સર્વ કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર, વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને દેખે છે અને શુકલધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુદ્ધનયનું આવું માહાત્મ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે જ્યાં સુધી કેવળજ્ઞાન ઊપજે નહિ ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિ જીવોએ શુદ્ધનય છોડવાયોગ્ય નથી એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૧૨૩.
હવે, આસ્રવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [नित्य–उद्योतं] જેનો ઉદ્યોત (પ્રકાશ) નિત્ય છે એવી [किम् अपि परमं वस्तु] કોઈ પરમ વસ્તુને [अन्तः सम्पश्यतः] અંતરંગમાં દેખનારા પુરુષને, [रागादीनां आस्रवाणां] રાગાદિક આસ્રવોનો [झगिति] શીઘ્ર [सर्वतः अपि] સર્વ પ્રકારે [विगमात्] નાશ થવાથી, [एतत् ज्ञानम्] આ જ્ઞાન [उन्मग्नम्] પ્રગટ થયું- [स्फारस्फारैः] કે જે જ્ઞાન અત્યંત અત્યંત (-અનંત અનંત) વિસ્તાર પામતા [स्वरसविसरैः] નિજરસના ફેલાવથી [आ–लोक– अन्तात्] લોકના અંત સુધીના [सर्वभावान्] સર્વ ભાવોને [प्लावयत्] તરબોળ કરી દે છે અર્થાત્ સર્વ પદાર્થોને જાણે છે, [अचलम्] જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટયા પછી સદા એવું ને એવું જ રહે છે-ચળતું નથી, અને [अतुलं] જે જ્ઞાન અતુલ છે અર્થાત્ જેના તુલ્ય બીજું કોઈ નથી.
PDF/HTML Page 1800 of 4199
single page version
इति आस्रवो निष्क्रान्तः।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ आस्रवप्ररूपकः चतुर्थोऽङ्कः।।
ભાવાર્થઃ– જે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આસ્રવભાવોનો સર્વથા અભાવ થઇને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી. ૧૨૪.
ટીકાઃ– આ રીતે આસ્રવ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થઃ– આસ્રવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો.
રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે;
જે મુનિરાજ કરૈ ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાયે,
કાય નવાય નમૂં ચિત લાય કહૂં જય પાલ લહૂં મન ભાયે.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રીસમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આસ્રવનો પ્રરૂપક ચોથો અંક સમાપ્ત થયો.
હવે આ જ અર્થને દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કરે છેઃ-
જુઓ, ગાથા ૧૮૦ માં ‘णयपरिहीणा’–નયપરિહીના શબ્દ મૂકીને આચાર્ય ભગવાને શુદ્ધનય એ જ વાસ્તવિક-ખરેખર નય છે, જ્યારે વ્યવહારનય તે ઉપચરિત (કથન કરતો) હોવાથી વ્યવહાર છે એમ કહ્યું છે.
શુદ્ધ ચૈતન્યપિંડ પ્રભુ આત્માનો અનુભવ થવો દ્રષ્ટિ થવી એ શુદ્ધનય છે, અને એને છોડી દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવમાં એકતાબુદ્ધિ થવી એ ‘નયપરિહીના’ એટલે નયથી પરિભ્રષ્ટ છે કેમકે તે શુદ્ધનયથી પરિભ્રષ્ટ થઈ ગયો છે. બીજી રીતે કહીએ તો આનંદના નાથ ભગવાન જ્ઞાયકની બેઠકમાંથી ખસી રાગની બેઠકમાં ગયો તે ‘નયપરિહીણા’ એટલે વાસ્તવિક નયથી પરિભ્રષ્ટ થયો છે.