PDF/HTML Page 1761 of 4199
single page version
જોડાઈને આસ્રવ કરે તો નવીન બંધ થાય છે, ન કરે તો કર્મ છૂટી-ઝરી જાય છે.
૧. નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય અને
૨. વ્યવહારથી નિશ્ચય થાય અર્થાત્ ચરણાનુયોગનું આચરણ-વ્રત-પચકખાણ આદિ
૧. પ્રવચનસાર ગાથા ૧૦૨ માં સ્પષ્ટ કહ્યું છે કે-મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિ કે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર આદિ જે કોઈ પરિણામ ઉત્પન્ન થાય છે તે તેની ઉત્પત્તિનો કાળ છે, જન્મક્ષણ છે. તે પરિણામ પરથી-નિમિત્તથી ઉત્પન્ન થાય છે એમ નથી. પરદ્રવ્ય-નિમિત્તને તો આત્મા સ્પર્શતો પણ નથી. જુઓ, ઘડો જે થયો છે તે માટીથી થયો છે. બીજું નિમિત્ત (કુંભાર) હો ભલે, પરંતુ નિમિત્તથી ઘડો થયો નથી. સમયસાર ગાથા ૩૭૨ માં આચાર્ય ભગવાન કહે છે કે- કુંભાર ઘડાને કરે છે એમ અમે દેખતા નથી; કેમકે માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઉપજે છે. માટીમાં ઘડો ઉત્પન્ન થવાનો કાળ હતો તો તે ઘડાની પર્યાયે ઉત્પન્ન થઈ છે, કુંભારે ઘડો કર્યો જ નથી.
વળી ત્યાં જ (ગાથા ૩૭૨ માં) આચાર્ય ભગવાને કહ્યું છે કે-‘વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોના સ્વભાવથી જ ઉત્પાદ થાય છે’ જુઓ, કર્મની એ શક્તિ નથી કે તે આત્માને વિકાર કરાવી દે. કર્મ નિમિત્ત જરૂર છે, પણ તે આત્માને વિકાર કરાવી દે એવી તેની યોગ્યતા નથી, અયોગ્યતા છે. જ્ઞાનાવરણીય કર્મને લઈને જ્ઞાન રોકાય એમ અજ્ઞાનીઓ માને છે. ત્યાં શબ્દ ‘જ્ઞાનાવરણીય’ પડયો છે ને? પણ ભાઈ! એમ નથી. જ્ઞાનાવરણીય કર્મ તો નિમિત્તમાત્ર છે. પોતાની જ્ઞાનની હીણી પરિણતિ પોતે પોતાથી કરે છે તો કર્મને નિમિત્ત કહે છે. જેમ કુંભાર ઘડાનો ઉત્પાદક છે નહિ તેમ કર્મ જીવમાં વિકારનો ઉત્પાદક છે નહિ.
૨. વ્યવહારથી નિશ્ચય થાય એમ કેટલાક લોકો માને છે. આ વ્રત, તપ, ભક્તિ, જાત્રા આદિ કરે તો જાણે ધર્મ થઈ ગયો એમ અજ્ઞાનીઓ માને છે. ભાઈ! એ સર્વ ભાવો પર લક્ષે થતા હોવાથી શુભભાવ છે, પણ એમાં ધર્મ કયાંથી આવ્યો? અશુભથી બચવા ધર્મીને પણ તે આવે છે પણ તે ધર્મ નથી. ધર્મ તો ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ જે ધ્રુવ પરમાત્મદ્રવ્ય તેના આશ્રયે થાય છે. સમ્યગ્દર્શન એ ધર્મનું પહેલું પગથિયું છે. સમ્યગ્દર્શન અર્થાત્ આત્માનુભવમંડિત આત્મશ્રદ્ધાન વિના ધર્મ કેવો? સમ્યગ્દર્શન વિનાના ક્રિયાકાંડ તો એકડા વિનાના મીંડાં અથવા વર વિનાની જાન જેવા છે.
PDF/HTML Page 1762 of 4199
single page version
સમયસાર ગાથા ૭૨ માં (આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન કરાવતાં) સ્પષ્ટ કહ્યું છે કે-શુભ અને અશુભ ભાવ બંને આસ્રવભાવો છે. દયા, દાન, વ્રતાદિના ભાવ આસ્રવ છે. અરે જે ભાવે તીર્થંકરગોત્રનો બંધ થાય તે શુભભાવ પણ આસ્રવ છે, અને તે આસ્રવો મલિન છે, વિપરીત સ્વભાવવાળા જડ છે અને આકુળતાને ઉત્પન્ન કરવાવાળા છે. જ્યારે બીજી બાજુ ભગવાન આત્મા અતિ નિર્મળ, ચૈતન્યમાત્રસ્વભાવપણે અને સદાય નિરાકુળ સ્વભાવપણે અનુભવમાં આવે છે. આ રીતે ભગવાન આત્મા શુભભાવથી ભિન્ન છે. આ પ્રમાણે જે શુભરાગ આત્માથી ભિન્ન છે તે નિશ્ચયનું કારણ કેમ થાય? રાગ કારણ અને નિર્મળ વીતરાગી પર્યાય કાર્ય એમ છે નહિ, રાગ કરતાં કરતાં સમ્યક્ત્વ થાય એ વાત તદ્ન મિથ્યા છે. શું લસણ ખાતાં ખાતાં કસ્તૂરીના ઓડકાર આવે? ન જ આવે. તેમ ચરણાનુયોગની લાખ ક્રિયા વ્રત, તપ આદિ કરે પરંતુ એનાથી નિશ્ચય (ધર્મ) પ્રગટ ન થાય.
વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! લોકોને સાંભળવા મળ્યો નથી એટલે તેઓ અજૈનને જૈન માની બેઠા છે. શું થાય? જીવની યોગ્યતા ન હોય તો એને (જૈનપણું) મળે શી રીતે? હવે કહે છે-
‘સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાસ્રવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી.’
જુઓ, પુણ્યથી ધર્મ થાય કે રાગથી (વ્યવહારથી) નિશ્ચય થાય એવી વિપરીત માન્યતા સમ્યગ્દ્રષ્ટિને હોતી નથી. જ્ઞેયને ઇષ્ટ માની રાગ થવો અને અનિષ્ટ માનીને દ્વેષ થવો તે અનંતાનુબંધી કષાય છે. એનો સમ્યગ્દ્રષ્ટિને અભાવ છે. વિપરીત માન્યતાના નાશ સહિત સમ્યગ્દ્રષ્ટિને અનંતાનુબંધી કષાયનો અભાવ થયો છે અને તેટલો તે સ્વરૂપાચરણમાં સ્થિર થયો છે તેથી તેને તે પ્રકારના ભાવાસ્રવો થતા જ નથી અને તેથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. આ ગાથામાં સમકિતીને જે અસ્થિરતાનો રાગ થાય છે તેને ગણ્યો જ નથી, કારણ કે મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ જ સંસારની જડ છે. અહો! સમ્યગ્દર્શન એ એવી અદ્ભુત ચીજ છે જે સંસારની જડ છેદી નાખે છે.
અહા! આત્મદ્રવ્ય અનંત અનંત આનંદના સ્વભાવથી ભરેલી વસ્તુ છે. એવા દ્રવ્યની દ્રષ્ટિ થતાં પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે. એકલા આનંદનો નહિ પરંતુ દ્રવ્યમાં જેટલા ગુણો છે તે દરેકનો વ્યક્ત અંશ સમ્યગ્દર્શનના કાળે પ્રગટ થાય છે. આવા સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગદ્વેષ તો છે જ નહિ તેથી તે પ્રકારનો બંધ પણ નથી. ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે
PDF/HTML Page 1763 of 4199
single page version
જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી.’ જુઓ! જયચંદ પંડિત થોડો વધુ ખુલાસો કરે છે કે પરમાણુની (જડકર્મની)-મિથ્યાત્વકર્મની સત્તા છે એનો ક્ષય થતી વખતે ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને અનંતાનુબંધી કષાયનો ક્ષય થાય છે તથા તે સંબંધી અવિરતિનો પણ નાશ થાય છે. વળી સમ્યગ્દર્શન થતાં કષાય થવાનું જે તે પ્રકારનું યોગ-કંપન (યોગગુણની વિકૃત અવસ્થા) હતું તે પણ નાશ થયું છે કેમકે અયોગ-ગુણ-અકંપસ્વભાવનો એક અંશ ત્યારે પ્રગટ થયો છે. અહીં એમ કહે છે કે સમ્યગ્દર્શન થતાં અનંતગુણનો અંશ પ્રગટ થાય છે અને સાથે તે તે પ્રકારના અવગુણનો અંશ પણ નાશ પામે છે.
ચોથે ગુણસ્થાનકે ગૃહસ્થાશ્રમમાં આત્માના ચારિત્રગુણનો વ્યક્ત અંશ પ્રગટ થાય છે અને તેથી તે પ્રકારના (અનંતાનુબંધી) કષાયનો પણ નાશ થાય છે. ઔપશમિક સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં-સત્તામાં જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી. ઉપશમ સમકિતમાં મિથ્યાત્વનો ઉદય થતો જ નથી. ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિને પણ સમ્યક્મોહનીય સિવાયની છ પ્રકૃતિઓ વિપાક- ઉદયમાં આવતી નથી, તેથી તે પ્રકારનો બંધ થતો નથી. ક્ષયોપશમ સમકિતીને મિથ્યાત્વ, મિશ્ર અને અનંતાનુબંધીની ચાર એમ છ પ્રકૃતિઓનો ઉદય જ નથી. સમ્યક્ મોહનીયનો જરી ઉદય છે પણ એનો કોઈ બંધ નથી. હવે કહે છે-
‘અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરેને જે ચારિત્રમોહનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે.’ શું કહ્યું એ? નિમિત્તપણે જડકર્મ ચારિત્રમોહનો ઉદય વર્તે છે, પણ તેમાં જીવ જે પ્રકારે જોડાય છે એટલો બંધ થાય છે. ઉદયને લઈને બંધ થાય છે વા ઉદય આવ્યો માટે વિકાર કરવો પડે એમ છે નહિ. જીવની પર્યાયની યોગ્યતા (કર્મના ઉદયમાં) જોડાવાની જેટલી છે એટલો જોડાય છે. બીજી રીતે કહીએ તો (નિશ્ચયથી) તેનો જોડાણનો કાળ છે તે પ્રકારે જોડાય છે. કર્મનો ઉદય આવે એના પ્રમાણમાં વિકાર કરવો પડે એવું છે નહિ. જે સમયે જે પર્યાય થવાની હોય તે તે સમયે થાય છે અને તે નિમિત્તની અપેક્ષા વિના જ થાય છે.
દ્રવ્યની જે સમયે જે પર્યાય થાય છે તે બધી ક્રમબદ્ધ થાય છે. આમાં કોઈ એમ કહે કે દ્રવ્યની એક પછી એક એમ ક્રમથી પર્યાય તો થાય પણ આના પછી આ જ પર્યાય થાય એમ નિયતક્રમ નહિ તો તેની વાત ખોટી છે. દરેક દ્રવ્યની પર્યાય નિયતક્રમમાં જ સર્વજ્ઞે જોઈ છે અને એ જ પ્રમાણે જેમ છે તેમ થાય છે; આડી-અવળી
PDF/HTML Page 1764 of 4199
single page version
થાય નહિ અને સ્વકાળમાં થયા વિના રહે નહિ. પર્યાયનો-આયતસમુદાયનો પ્રવાહક્રમ છે. ગુણો અક્રમ છે અને પર્યાયોનો પ્રવાહક્રમ એટલે એક પછી એક થવાનો ક્રમ છે. એ ક્રમ નિયત જ છે. જેમ જમણા પછી ડાબો અને ડાબા પછી જમણો પગ ઉપડે છે-એ નિયત ક્રમ છે તેમ જે સમયે જે પર્યાય થવાની હોય તે તે સમયે જ થાય એવો નિયત ક્રમ છે. અહા! વસ્તુનું આવું સ્વરૂપ છે, છતાં જે પર્યાયો ક્રમબદ્ધ માનતો નથી તેના મતમાં સર્વજ્ઞતા રહેતી નથી અર્થાત્ તે સર્વજ્ઞને માનતો નથી.
અહા! જેની એક એક ગુણ-શક્તિ પરિપૂર્ણ છે એવા દ્રવ્યસ્વભાવનું અને સમયે સમયે સ્વતંત્રપણે થતી પર્યાયોનું સમ્યગ્દ્રષ્ટિને યથાર્થ જ્ઞાન હોય છે. સમ્યગ્દર્શનની પર્યાય પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ ષટ્કારકના પરિણમનથી થાય છે; અને નિમિત્તની પર્યાય નિમિત્તમાં એના પોતાના કાળક્રમે થાય છે. (કાર્યકાળે) નિમિત્ત હોય પણ નિમિત્તથી કાર્ય થાય એમ નહિ, કેમકે વ્યવહાર ને નિશ્ચય એક જ સમયે હોય છે. દ્રષ્ટિ સ્વભાવ ઉપર જતાં સમ્યગ્દર્શનની પર્યાય એના કાળે પોતાથી નિશ્ચયથી થાય છે અને તે જ કાળે જે રાગ બાકી છે તેનો પણ એ જ ક્રમ અને કાળ પોતાથી છે. એટલે વ્યવહારથી નિશ્ચય થાય એ વાત રહેતી નથી. સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા જે રાગ-વ્યવહાર છે એ તો નથી પણ એના દ્રવ્ય-ગુણ પણ એના કર્તા નથી. અહા! આવું વસ્તુનું સ્વરૂપ પ્રગટ હોવા છતાં અજ્ઞાનીઓ હઠથી પોકાર કરે છે કે-નિમિત્ત આવે તો ઉપાદાનમાં કાર્ય થાય! પણ ભાઈ! પર્યાય પોતાની તે તે ક્ષણે સ્વતઃ પ્રગટ થાય છે એમાં નિમિત્ત આવે તો થાય એ કયાં રહ્યું? બાપુ! જે રીતે દ્રવ્ય- ગુણ-પર્યાય છે તે રીતે એનું જ્ઞાન કરીને દ્રવ્યની દ્રષ્ટિ-પ્રતીતિ કરવામાં આવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સમય સમયની પર્યાય પ્રત્યેક પોતાના કાળે પ્રગટ થાય છે એવો નિર્ણય કરનારની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવમાં જાય છે અને એ સમ્યગ્દર્શન છે.
હવે કહે છે-‘તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરત-સમ્યગ્દ્રષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે, પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી.’ ચોથે ગુણસ્થાને સમકિતીને ૪૧ પ્રકૃતિઓનો નાશ હોય છે. સમકિતીને ચારિત્રમોહના ઉદયકાળમાં પોતાની જેટલી યોગ્યતા છે એટલો વિકાર થાય છે અને એટલો બંધ પણ થાય છે પણ તે અલ્પ છે તેથી સામાન્ય એટલે મૂળ સંસારની અપેક્ષાએ એને બંધમાં ગણ્યો નથી.
‘સમ્યગ્દ્રષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં સ્વામિત્વભાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ જ નથી.’ જુઓ, ધર્મી કર્તા થઈને રાગને કરતો નથી. તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી તો ક્ષય પામી ગયા છે તેથી એટલો તો એની પર્યાયમાં વિકાર-રાગ છે જ નહિ. ચારિત્રમોહના ઉદયમાં પોતાની જેટલી (પર્યાયની) યોગ્યતા છે તેટલા પ્રમાણમાં જોડાય છે
PDF/HTML Page 1765 of 4199
single page version
પણ જે કિંચિત્ રાગ થાય છે તેનો તે સ્વામી કે કર્તા થતો નથી. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ બારમી ગાથામાં જે આવે છે તે પ્રમાણે ધર્મી રાગને માત્ર જાણે જ છે. ખરેખર જ્ઞાની રાગનો સ્વામી નથી પણ પોતાની નિર્મળ પર્યાયનો સ્વામી છે. આત્મામાં સ્વસ્વામિત્વનો એક ગુણ છે જેને લઈને શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ અને નિર્મળ શુદ્ધ પર્યાય એ ધર્મીનું સ્વ છે અને આત્મા તેનો સ્વામી છે. આત્મા રાગનો સ્વામી નથી. સમયસાર પરિશિષ્ટમાં શક્તિઓના વર્ણનમાં દ્રવ્ય-ગુણ અને પર્યાય ત્રણે નિર્મળ લીધાં છે. ગુણનો ધરનાર ગુણી આત્માનો આશ્રય બનતાં ગુણનું જે નિર્મળ પરિણમન થાય તેનો આત્મા સ્વામી છે, રાગનો નહિ.
સમ્યગ્દ્રષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં માત્ર અસ્થિરતારૂપે જોડાય છે, એટલે કે તે તે સમયે તે અસ્થિરતારૂપ પર્યાય થવાની થાય છે પણ અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ જ નથી. અસ્થિરતાના રાગની અહીં ગણત્રી નથી; અહીં તો મિથ્યાત્વ સહિતના રાગદ્વેષને જ આસ્રવ-બંધમાં ગણ્યો છે. માટે સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો છે.
‘જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે.’ દયા, દાન, વ્રત, તપ આદિના પરિણામ તે તે કાળમાં જ્ઞાનીને આવે છે પણ જ્ઞાની તેના સ્વામીપણે થતો નથી; જ્યારે અજ્ઞાની શુભરાગના સ્વામીપણે થઈને-પરિણમીને રાગનો કર્તા થાય છે. ભાઈ! ચરણાનુયોગનું જેટલું વ્યવહારરૂપ આચરણ છે તેના કર્તા થઈને પરિણમવું તે અજ્ઞાન છે એમ અહીં કહે છે.
‘ઉદયનો જ્ઞાતાદ્રષ્ટા થઈને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે કર્તા નથી, જ્ઞાતા જ છે.’ જુઓ, ધર્મીને જે કાંઈ અસ્થિરતારૂપ રાગાદિ પરના નિમિત્તથી માત્ર એટલે પરના-નિમિત્તના લક્ષે થાય છે તેનો તે જ્ઞાતા જ છે, કર્તા નથી. ‘પરના નિમિત્તથી’ એમ કહ્યું ત્યાં પર-નિમિત્તના કારણે રાગ થાય છે એમ નહિ પણ પર-નિમિત્તમાં પોતે જોડાય છે તો રાગ થાય છે એમ વાત છે. જડ નયમાં એક ઈશ્વરનય છે. ત્યાં કહ્યું છે-‘આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે’. એટલે કે આત્મા પોતે પરને આધીન થઈને પરિણમે એવી એની પર્યાયની યોગ્યતા છે; પર નિમિત્ત એને આધીન કરે છે એમ નહિ, પણ પોતે નિમિત્તને આધીન થાય છે. આમાં બહુ મોટો ફેર છે. જુઓ, ભાષા-કે ‘પરના નિમિત્તથી માત્ર’ મતલબ કે નિમિત્ત તો નિમિત્તમાત્ર છે. જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવે પરિણમતો જ્ઞાની જે અસ્થિરતાનો રાગ થાય તેનો જ્ઞાતા જ રહે છે કર્તા નહિ.
‘આ અપેક્ષાએ, સમ્યગ્દ્રષ્ટિ થયા પછી ચારિત્રમોહના ઉદયરૂપ પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઈ ને જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને
PDF/HTML Page 1766 of 4199
single page version
બંધક કહેવામાં આવે છે.’ દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય શુદ્ધ નિર્મળ છે એ અપેક્ષાએ નિર્મળ દ્રષ્ટિવંત જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના પરિણામ નહિ હોવાથી તે પ્રકારનું બંધન નથી અને તેથી તેને અબંધક કહેવામાં આવ્યો છે. બીજી બાજુ (પર્યાયનું) જ્ઞાન કરાવવું હોય ત્યારે એમ કહે છે કે દશમા ગુણસ્થાન સુધી જે રાગ થાય છે એ પોતાનો અપરાધ છે અને પોતે એને કરે છે, કર્મને લઈને એ રાગ થાય છે એમ નહિ. રાગના સ્વામીપણા અને કર્તાપણા વિના એ રાગ પોતાથી થાય છે. આવી વાત છે.
હવે કહે છે-‘જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે ત્યારે તો તે સર્વથા નિરાસ્રવ થઈ જાય છે એમ પહેલાં કહેવાઈ ગયું છે.’
જુઓ, જ્ઞાનીને શુદ્ધ સ્વરૂપ જે અનુભવમાં આવ્યું છે તેમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા તેને કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટવાનો આ એક જ ઉપાય છે; વ્રત, તપ, ભક્તિ આદિ પણ ઉપાય છે એમ છે નહિ. શાસ્ત્રમાં જ્યાં એવું કથન હોય ત્યાં તે આરોપથી કરેલું કથન છે એમ સમજવું. જીવને જ્યારે શુદ્ધાત્માના અનુભવ વડે સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે તે જ્ઞાની થાય છે અને એ જ અનુભવના અભ્યાસ દ્વારા તે કેવળજ્ઞાન પ્રગટ કરે છે ત્યારે તે સાક્ષાત્ જ્ઞાની થાય છે. ચોથે ગુણસ્થાનકે જ્ઞાનીને દ્રષ્ટિ અપેક્ષાએ નિરાસ્રવ કહ્યો છે અને કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ જ્ઞાની થયો થકો તે સર્વથા નિરાસ્રવ થઈ જાય છે. લ્યો, હવે આ બધું સમજવું પડશે હોં.
અરે! આ બધું સમજવાની વાણિયાઓને ફુરસદ કયાં છે? બિચારા વેપાર ધંધામાં અને બૈરાં-છોકરાંની માવજતમાં ગુંચવાઈ ગયા છે. માંડ કલાક સાંભળવા મળે તો એમાં આવી સૂક્ષ્મ વાત બિચારાઓને પકડાય નહિ! કરે શું? ભાઈ! આ તો ફુરસદ લઈને સમજવા જેવું છે. સમજણ-જ્ઞાન તો પોતાનો સ્વભાવ છે. એને ન સમજાય એ તો છે નહિ; પોતાની રુચિની દિશા બદલવી જોઈએ. ભાઈ! એ બધી દુનિયાદારીની વાતો કાંઈ કામ આવશે નહિ હોં. તથા ઘણા બધા બીજું માને છે માટે એ સાચું-એવી આંધળી શ્રદ્ધા પણ કામ નહિ આવે. સત્ય જે રીતે છે એ રીતે માન્યું હશે તો સત્ય એને જવાબ આપશે. લાખો-કરોડો લોકો માને છે માટે તે સત્ય છે એમ નથી. સત્યને સંખ્યાથી શું સંબંધ છે? સત્યને તો અંતરની સમજણની જરૂર છે, સંખ્યાની નહિ.
PDF/HTML Page 1767 of 4199
single page version
અહીં સમ્યગ્દ્રષ્ટિની વાત ચાલે છે. અહા! સમ્યગ્દ્રષ્ટિ કોને કહીએ? ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પરિપૂર્ણ ધ્રુવ સદા પરમાત્મસ્વરૂપે અંદર બિરાજમાન છે. પરંતુ જીવે પોતાના ધ્રુવસ્વભાવનું અવલંબન કદી લીધું નથી; અને ધ્રુવના અવલંબન વિના તેને પરનું- પર્યાયનું જ અવલંબન અનંતકાળથી છે. ત્યાં પર્યાયનું લક્ષ છોડી જે પોતાના ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મદ્રવ્યની અંતર્દ્રષ્ટિ કરી તેમાં લીન થાય છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. અહાહા...! એક સમયની વ્યક્ત પર્યાયથી ભિન્ન ત્રિકાળી ભગવાન જ્ઞાયકદેવ આનંદરસકંદ પ્રભુ સદા જાણવા-દેખવાના સ્વભાવે અંદર રહેલો છે તેના આશ્રયે અનુભૂતિ-રુચિ પ્રગટ કરવી તે સમ્યગ્દર્શન છે.
અહા! જીવને અનાદિથી દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ પરાવલંબી ભાવોની સાવધાનીમાં પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની સૂઝ-બૂઝ રહી નથી. ભાઈ! એ પરાવલંબી ભાવોની સાવધાની મિથ્યાત્વ છે. વ્રત, તપ, ભક્તિ આદિ પરાવલંબી ભાવોથી ધર્મ થાય એવો મિથ્યાત્વ ભાવ જ અનંત સંસારની જડ છે.
આવું મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષનો જેણે નાશ કર્યો છે તેને સમ્યગ્દ્રષ્ટિ કહીએ. અનંતાનુબંધી એટલે કે અનંત સંસારનું કારણ જે મિથ્યાત્વ છે તેની સાથે અનુબંધ એટલે સંબંધ રાખવાવાળા જે રાગદ્વેષ એનો સમ્યગ્દ્રષ્ટિએ નાશ કર્યો છે. અસ્તિથી કહીએ તો ત્રિકાળી મુક્તસ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યસ્વભાવી ભગવાન જ્ઞાયક જાણવા-દેખવાના સ્વભાવે ધ્રુવ- ધ્રુવ-ધ્રુવ અંદર રહેલો છે તેને અનુસરીને જેણે અનુભૂતિ પ્રગટ કરી છે, પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ પ્રગટ કર્યો છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.
શુદ્ધ સમકિતના સ્વરૂપને જેઓ જાણતા નથી એવા અજ્ઞાનીઓ કહે છે કે-(બાહ્ય) સંયમ એ જ ચીજ છે. સંયમભાવ મનુષ્યપર્યાયમાં જ હોય છે, બીજી ત્રણ ગતિમાં હોતો નથી. તેથી મનુષ્ય અવસ્થામાં વ્રતાદિ સંયમનાં સાધનનું આચરણ કરવું જોઈએ.
અરે ભાઈ! સંયમ કોને કહીએ એની તને ખબર નથી. જેને શુદ્ધ આત્માના અનુભવપૂર્વક સમ્યગ્દર્શન થયું છે તેને જે આત્મસ્વરૂપમાં લીનતા-રમણતા હોય છે તેનું નામ સંયમ છે. આ વ્રત, તપ આદિ જે શુભરાગ છે તે સંયમ નથી; એ તો (ખરેખર) અસંયમ છે. ભગવાન તો એમ કહે છે કે-મિથ્યાદ્રષ્ટિનાં બધાં વ્રત અને તપ બાળવ્રત અને બાળતપ છે. અરે! પણ એને આ સમજવાની કયાં દરકાર છે?
PDF/HTML Page 1768 of 4199
single page version
અત્યારે તો બસ આ જ-વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રા ઇત્યાદિ બધું ખૂબ ચાલ્યું છે. લોકોને બહારના ત્યાગનો અને બાહ્ય ક્રિયાઓનો મહિમા છે; એમ કે પોતે વ્રત પાળે છે, દયા પાળે છે, બ્રહ્મચર્ય પાળે છે, સ્ત્રીનો ત્યાગ કર્યો છે, નગ્ન રહે છે એમ બાહ્ય આચરણના મહિમા આડે અંદર મિથ્યાત્વનું મહા શલ્ય પડયું છે તેને ત્યાગવાનું એને સૂઝતું નથી. અરે ભાઈ! એ બધી બાહ્ય ત્યાગની ક્રિયાઓ તો અભવી પણ અનંતવાર કરે છે. એ કોઈ અંતરની ચીજ નથી. એ ક્રિયાઓમાં ભગવાન આત્મા નથી. વિના સમ્યગ્દર્શન કદાચિત્ ૧૧ અંગ ભણી જાય તોપણ તે અજ્ઞાની છે. લોકોને આકરું લાગે પણ શું થાય? રાગની ક્રિયામાં ધર્મ માને તેને તો મિથ્યાત્વનો બંધ થાય છે. ભગવાન આત્મા અંદર સદા અબંધસ્વરૂપ છે તેનો મહિમા કરી તેમાં અંતર્લીન થવું તે અબંધપરિણામ છે. અહીં કળશમાં જે આવા અબંધ પરિણામને પ્રાપ્ત થયો છે એવા સમકિતી-જ્ઞાનીની વાત છે.
કહે છે–‘यद्यपि’ જોકે ‘समयम् अनुसरन्तः’ પોતપોતાના સમયને અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા) એવા ‘पूर्वबद्धाः’ પૂર્વબદ્ધ (પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા) ‘द्रव्यरूपाः प्रत्ययाः’ દ્રવ્યરૂપ પ્રત્યયો ‘सत्तां’ પોતાની સત્તા ‘न हि विजहति’ છોડતા નથી...
શું કહ્યું? કે સમ્યગ્દર્શન પ્રગટ થતાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધી સંબંધી કષાયનો નાશ થવા છતાં આઠ કર્મ જે પડયાં છે તે પોતાની સત્તા છોડતાં નથી. સમ્યગ્દ્રષ્ટિને પણ આત્મપ્રદેશે સંબંધમાં રહેલાં આઠ જડકર્મનું અસ્તિત્વ છે અને તેઓ સમયે સમયે ઉદયમાં પણ આવે છે. ‘तदपि’ તોપણ ‘सकलरागद्वेषमोहव्युदासात्’ સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી ‘ज्ञानिनः’ જ્ઞાનીને ‘कर्मबन्धः’ કર્મબંધ ‘जातु’ કદાપિ ‘अवतरति न’ અવતાર ધરતો નથી- થતો નથી. જ્ઞાનીને (દ્રષ્ટિ અપેક્ષાએ) કોઈ પણ રાગદ્વેષમોહ થતા નહિ હોવાથી તેને નવાં કર્મ બંધાતા નથી એમ કહે છે. અહીં અનંત સંસારનું કારણ એવાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો નાશ થયો છે તે અપેક્ષાએ વાત છે. અસ્થિરતાનો અલ્પ ચારિત્ર-દોષ અહીં ગણવામાં આવ્યો નથી. ચારિત્ર-દોષ એ તો અતિ અલ્પ દોષ છે. તેને ગૌણ કરીને અહીં કહે છે કે જ્ઞાનીને-ધર્મીને કર્મબંધ કદાપિ અવતરતો-થતો નથી.
વળી કેટલાક કહે છે કે-જ્ઞાની કોઈ જુદી ચીજ છે અને ધર્મી કોઈ જુદી ચીજ છે. તેઓ કહે છે કે અમે ધર્મી છીએ પણ જ્ઞાની નથી. પરંતુ એ વાત બરાબર નથી. જ્ઞાની ન હોય તે વળી ધર્મી કેવો? ભાઈ! જ્ઞાની કહો કે ધર્મી કહો-બંને એક જ છે; ધર્મી જ્ઞાની છે અને જ્ઞાની ધર્મી છે. નિર્વિકલ્પ આત્માનો જેને અનુભવ છે તે સમ્યગ્દ્રષ્ટિ ધર્મી છે, જ્ઞાની છે. ભાઈ! આ અપૂર્વ વાત છે.
PDF/HTML Page 1769 of 4199
single page version
જુઓ, ‘ભરત ચક્રી ઘરમાં વૈરાગી’ એમ આવે છે ને? ભરત ચક્રવર્તીને ૯૬ હજાર રાણીઓ અને તે સંબંધી વાસના હતી. પણ એ તો ચારિત્રનો અલ્પ દોષ હતો. તેને ગૌણ કરીને ‘ભરત ઘરમાં વૈરાગી’ એમ કહ્યું છે. જ્યારે કોઈ લાખો કરોડ કે અબજ વર્ષ સુધી વ્રત, તપ કરે અને બ્રહ્મચર્યાદિ પાળે અને એનાથી પોતાને ધર્મ થવાનું માને તો તેને મિથ્યાત્વનો મહાદોષ ઉપજે છે જે અનંત સંસારનું કારણ થાય છે.
વિપરીત માન્યતા (મિથ્યાત્વ) અને તેને અનુસરીને થવાવાળા રાગદ્વેષનો જેણે આત્માના અંતર-અનુભવ દ્વારા નાશ કર્યો છે એવી આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની છે. સમ્યગ્દર્શન થયા પછી કદાચિત્ લગ્ન કરે તોપણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનાં રાગદ્વેષ છે નહિ. અલ્પ ચારિત્રના દોષને ગૌણ કરીને અહીં કહ્યું કે તેને નવીન કર્મબંધ અવતરતો નથી. ભાઈ! સમ્યગ્દર્શન કોઈ અદ્ભુત ચીજ છે.
‘જ્ઞાનીને પણ પૂર્વ અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસ્રવો સત્તા-અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે.’ જુઓ, કળશમાં પોતપોતાના સમયને અનુસરતા’’-એમ જે કહ્યું હતું તેનો આ અર્થ કર્યો કે જ્ઞાનીને સત્તામાં રહેલાં પૂર્વનાં જડકર્મો પોતાના કાળમાં ઉદયમાં આવે છે. હવે કહે છે-
‘પરંતુ તે દ્રવ્યાસ્રવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી, કેમકે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહ ભાવોનો અભાવ છે.’ જેને અંદર રહેલા સચ્ચિદાનંદમય ભગવાન આત્માના અવલંબને સમ્યગ્દર્શન થયું તેને મિથ્યાત્વ અને તેને અનુસરીને થનારા રાગદ્વેષ નાશ પામી ગયા. તેથી તેને પૂર્વ દ્રવ્યાસ્રવોનો ઉદય નવીન કર્મબંધનું કારણ થતા નથી. અહીં જે સકળ રાગ-દ્વેષ-મોહનો અભાવ કહ્યો ત્યાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષમોહ સમજવા. સંસારનું મૂળ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય છે. તેથી જે અપેક્ષાએ વાત છે તે યથાર્થ સમજવી. મૂળ-જડનો જ જેણે નાશ કર્યો છે તેવા સમકિતીને રાગદ્વેષમોહ થતા જ નથી અને તેથી તેને પૂર્વ દ્રવ્યાસ્રવો નવા કર્મબંધનું કારણ થતા નથી એમ કહે છે.
ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ ચક્રવર્તી-પદે રહ્યા. એક પૂર્વમાં ૭૦ લાખ પ૬ હજાર કરોડ વર્ષ થાય. એવા છ લાખ પૂર્વ ચક્રવર્તી-પદે રહેવા છતાં તેમને કર્મબંધન થતું ન હતું કારણ કે તેઓ સમકિતી હતા.
ત્યારે કોઈ વળી કહે છે કે તે તો એ જ ભવે મોક્ષ જનાર મહાન પુરુષ હતા, પણ બીજાને તો કર્મબંધન થાય જ ને!
સમાધાનઃ– ભાઈ! મહાન તો આત્મા છે અને તેનો એમને અનુભવ હતો. અનંત સંસારની જડ એવાં મિથ્યાત્વ અને તે પ્રકારના રાગદ્વેષ એમને હતા નહિ.
PDF/HTML Page 1770 of 4199
single page version
અલ્પ રાગ હતો તેને કારણે કર્મની સ્થિતિ અને રસ પડયો તે પણ અલ્પ હતો. ભરત ચક્રવર્તી મોક્ષગામી હતા પરંતુ કોઈ તે ભવે મોક્ષ ન જાય અને સ્વર્ગમાં જાય તોપણ સમકિતીને દીર્ઘ સંસારના કારણરૂપ એવા રાગદ્વેષમોહ હોતા નથી.
અહીં સમકિતીને રાગદ્વેષમોહ છે જ નહિ એમ કહ્યું ત્યાં અસ્થિરતાના અલ્પ રાગને ગણ્યો નથી એમ સમજવું. બાકી સમકિતીને અસ્થિરતાના કારણે શુભાશુભ બંને ભાવ આવે છે, પરંતુ તેમાં વિશેષતા એ છે કે જ્યાં સુધી તેને અશુભભાવ રહે છે ત્યાં સુધી તેને ભવિષ્યના આયુષ્યનો બંધ પડતો નથી; જ્યારે તે શુભભાવમાં આવે છે ત્યારે ભવિષ્યના આયુષ્યનો બંધ પડે છે. ભરત ચક્રવર્તી તો તે જ ભવે મોક્ષ ગયા એટલે એમને ભવિષ્યના આયુના બંધનો સવાલ નથી, પરંતુ બીજા ચક્રવર્તી કે બળદેવ આદિ કે જે સ્વર્ગમાં વૈમાનિક દેવમાં જાય છે તેને જ્યાં સુધી અશુભ ભાવનો કાળ છે ત્યાં સુધી ભવિષ્યના આયુનો બંધ પડતો નથી.
ચોથે ગુણસ્થાનકે ધર્મીને આર્ત્ત અને રૌદ્ર બન્ને ધ્યાન હોય છે. ઘણા શુભભાવ તેમ જ ઘણા અશુભભાવ આવે છે. સ્ત્રી-સેવનનો અશુભ રાગ પણ આવે છે. પરંતુ તે કાળે ધર્મીને ભવિષ્યના આયુનો બંધ ન પડે એટલું કોઈ ગજબનું સમ્યગ્દર્શનનું જોર છે. અહો! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે!
લોકોને કોઈ બહારમાં રાજ્ય, દુકાન કે કુટુંબપરિવાર છોડી દે કે શરીરથી બ્રહ્મચર્ય પાળે તો તેનો મહિમા આવે છે. પરંતુ એમાં શું છે ભાઈ? એમાં તો જો કષાય મંદ હોય તો પુણ્યભાવ છે, પણ મિથ્યાત્વ તો ઊભું જ છે. એમાં ત્યાગ તો જરાય નથી કેમકે મિથ્યાત્વનો જ્યાં ત્યાગ નથી ત્યાં બીજો ત્યાગ જરાય સંભવિત નથી. મિથ્યાત્વનો ત્યાગ થતાં સર્વ રાગ- દ્વેષ-મોહનો ત્યાગ થઈ જાય છે. અહીં કહ્યું ને કે-જ્ઞાનીને સમસ્ત રાગ-દ્વેષ-મોહનો અભાવ છે. ભાઈ! આચાર્ય ભગવાન કઈ શૈલીથી વાત કરે છે તે યથાર્થ સમજવી જોઈએ.
અરે! પણ એને કયાં પડી છે? આખો દિવસ બાયડી-છોકરાં અને વેપાર-ધંધાનું જતન કરવામાં જ ગૂંચાયેલો રહે છે. ત્યાં વળી થોડો વખત મળે તો એવું સાંભળવા મળે કે-વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો ઇત્યાદિ; તે વડે તમારું કલ્યાણ થઈ જશે. પરંતુ ભાઈ! એ તો ઊંધી શ્રદ્ધારૂપ મિથ્યાત્વને પોષક-અજ્ઞાનને પોષક પ્રરૂપણા છે.
ભગવાન! જ્યાં પોતે સચ્ચિદાનંદસ્વરૂપે ત્રિકાળ બિરાજે છે ત્યાં દ્રષ્ટિ કરવા જેવી છે. પોતે સદા પરમાત્મસ્વરૂપ જ છે તેની પાસે જવા જેવું છે, અને નિમિત્ત, રાગ ને પર્યાય તરફ પીઠ કરવા જેવી છે. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ વળી કહે છે કે-‘સમાધિ શતક’ શાસ્ત્રમાં અવ્રતના પરિણામને તડકાની અને વ્રતના પરિણામને છાયાની ઉપમા આપી છે ને?
PDF/HTML Page 1771 of 4199
single page version
સમાધાનઃ– હા, પરંતુ એ વ્રત કોને હોય? ભાઈ! જેને અંતરના અવલંબને આત્મજ્ઞાન થયું છે એની ત્યાં વાત છે. વિના આત્મજ્ઞાન અવ્રતના પરિણામ તડકો અને વ્રતના પરિણામ છાંયો-એમ છે નહિ. જેને આત્માના અનુભવસહિત સમ્યગ્દર્શન થયું છે એવા સમકિતીને અવ્રતના અશુભભાવમાં રહેવું એ તડકો છે. જ્યારે તે વ્રતના શુભમાં આવે છે ત્યારે તે વ્રત- પરિણામ છાંયા સમાન છે. જ્યારે સમકિતીને અંદર વીતરાગી શાંતિ વધી જાય છે, વૈરાગ્યના પરિણામ દ્રઢતર થાય છે ત્યારે તેને સાથે વ્રતના વિકલ્પ આવે છે એની ત્યાં વાત છે.
અહીં હવે વિશેષ ખુલાસો કરે છે કે-‘અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવો.’ મતલબ કે જ્ઞાનીને જે સર્વ રાગદ્વેષમોહનો અભાવ કહ્યો તે બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વકના રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવું. પંડિત રાજમલજીએ ‘બુદ્ધિપૂર્વક’નો બીજો અર્થ ‘જાણવામાં આવે તે’-એમ કર્યો છે પરંતુ એ વાત અહીં નથી. અહીં તો અભિપ્રાયમાં જ્ઞાનીને સર્વ રાગદ્વેષમોહનો અભાવ છે એની વાત છે.
લોકો પૂછે છે ને કે-રાગ કેમ ટળે? ભાઈ! પોતે ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મા છે તેને સ્પર્શ કરતાં એટલે કે તેમાં એકાગ્ર થઈ પરિણમતાં રાગનો નાશ થઈ જાય છે. આ સિવાય રાગના નાશનો બીજો કોઈ ઉપાય નથી.
અરે! સંસારના કામ આડે એને આ સાંભળવા અને સમજવાની કયાં નવરાશ છે? ઘરે પોતાને દીકરો ન હોય તો કોઈ બીજાનો દીકરો ગોદમાં લે પણ સંસારનું લપ તો અંદર રાખે જ. અરે! આ સંસારીઓની કેવી રીત! બીજાના દીકરાને ગોદે લેવા કરતાં જે પૈસા હોય તે ધર્મકાર્યમાં ખર્ચે તો શુભભાવ થાય, અને સમય તત્ત્વ-વિચારમાં કાઢે તો આત્મકલ્યાણ પણ થાય.
હા, પણ ગોદમાં લેવાથી પોતાનો વંશ રહે ને? પૈસા ધર્મકાર્યમાં ખર્ચે એમાં વંશ કયાં રહે?
સમાધાનઃ– કોનો વંશ ભાઈ? આ જડ દેહનો વંશ? ભારે વિચિત્ર સંસાર! ભાઈ! એ દેહના વંશની રુચિ અનંત જન્મ-મરણના દુઃખમાં નાખનારી છે. એ બધા લપને છોડી આ શાસ્ત્ર શું કહે છે એનું શ્રવણ, ચિંતન અને મનન કરવાની ફુરસદ લેવી જોઈએ.
હવે આ જ અર્થ દ્રઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ-
PDF/HTML Page 1772 of 4199
single page version
‘यत्’ કારણ કે ‘ज्ञानिनः रागद्वेषविमोहानां असम्भवः’ જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે ‘ततः एव’ તેથી ‘अस्य बंधः न’ તેને બંધ નથી.
જુઓ તો ખરા! આ શું કહે છે? કે ચોથે ગુણસ્થાનકે સમકિતીને-જ્ઞાનીને રાગદ્વેષમોહ એટલે કે દુઃખ નથી. ખરેખર તો અહીં મિથ્યાત્વનો નાશ થયો છે તેથી તે સંબંધી રાગદ્વેષમોહ નથી એમ કહેવું છે. આથી કોઈ એમ સમજી લે કે સર્વથા રાગદ્વેષ કે દુઃખ નથી અર્થાત્ એકલું સુખ જ સુખ છે તો એમ નથી. સાચા ભાવલિંગી સંત કે જેને આત્મજ્ઞાન સહિત પ્રચુર સ્વસંવેદન વર્તે છે તેને પણ છઠ્ઠે ગુણસ્થાનકે કિંચિત્ રાગ, અશુદ્ધતા અને દુઃખ છે. અહીં આ કળશમાં તો બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વકના આસ્રવના અભાવની અપેક્ષાએ વાત છે.
અઢી દ્વીપની બહાર સ્વયંભૂરમણ સમુદ્રમાં એક સમકિતીએ અસંખ્ય મિથ્યાદ્રષ્ટિ-એ રીતે અસંખ્ય સમકિતી પાંચમે ગુણસ્થાનકે છે. એવી જ રીતે અવિરત સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચ પણ ત્યાં અસંખ્ય છે. તે બધા જ્ઞાની છે તેથી તે બધાને અહીં જે અપેક્ષાએ કહેવામાં આવે છે તે અપેક્ષાએ રાગદ્વેષમોહનો અભાવ છે, અને તેથી તેમને બંધ નથી. તે પાણીમાં એક હજાર જોજન એટલે ચાર હજાર ગાઉ લાંબોં મગરમચ્છ રહે છે. તે દરિયાનું પાણી પીવે છે જે પાણીના બિંદુમાં અસંખ્ય જીવ રહેલા છે; ત્યાં ગરણું નથી કે પાણી ગળીને પીવે. છતાં તેને એનું પાપ અલ્પ છે અને બંધન પણ અલ્પ છે. સમ્યગ્દર્શનની અપેક્ષાએ (દ્રષ્ટિની મુખ્યતાએ) તેને આસ્રવ અને બંધ નથી અને ચારિત્રની અલ્પ અસ્થિરતા છે તેની અપેક્ષાએ જોવામાં આવે તો અલ્પ અસ્થિરતા છે અને અલ્પ બંધ પણ છે. કોઈને એમ થાય કે આ કેવું? ઘડીકમાં છે ને ઘડીકમાં નથી! ભાઈ! જ્યાં જે અપેક્ષાએ વાત હોય તે યથાર્થ સમજવી જોઈએ.
જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે તેથી તેને બંધ નથી-એ પરથી કોઈ એમ સમજે કે જ્ઞાની કરોડો પૂર્વ મોટા રાજપાટમાં અને હજારો સ્ત્રીઓના ભોગમાં રહે, જેનો એક કોળિયો છન્નું કરોડનું પાયદળ ન પચાવી શકે એવા બત્રીસ કોળિયાનું ભોજન કરે છતાં તેને બંધ નથી તો તે બરાબર નથી. તેને અલ્પ અસ્થિરતાનો રાગ છે અને તેટલું બંધન પણ છે. ચક્રવર્તી છન્નુ હજાર રાણીઓને ભોગવે છતાં તેના ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે માટે તેને સર્વથા બંધ થતો જ નથી એમ કોઈ માને તો તે યથાર્થ નથી. તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નથી અને અનંત સંસારના કારણભૂત બંધ એ જ હોવાથી એના (મિથ્યાત્વાદિના) અભાવની અપેક્ષાએ બંધ નથી, નિર્જરા છે એમ કહ્યું છે. ત્યાં કોઈ પકડી લે કે-લ્યો, ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે તો ભાઈ! તું અપેક્ષા સમજ્યો નથી. ભાઈ! તું ધીરજથી સાંભળ.
PDF/HTML Page 1773 of 4199
single page version
દ્રષ્ટિપૂર્વક સ્વભાવની રુચિમાં રાગનો અભિપ્રાય છૂટી જાય છે તેથી દ્રષ્ટિનો મહિમા દર્શાવવા જ્ઞાનીના ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે; અન્યથા જે પંચમહાવ્રતના શુભ પરિણામને બંધનું કારણ કહે તે શું ભોગના અશુભ પરિણામને નિર્જરાનું કારણ કહે? ભાઈ! તું અપેક્ષા ન સમજે અને (એકાંતે) તાણે તો એ ન ચાલે બાપા!
નિર્જરા અધિકારમાં એક બીજી વાત આવે છે કે-‘‘હે સમકિતી! તું પરદ્રવ્યને ભોગવ.’’ હવે આત્મા જ્યાં પરદ્રવ્યને ભોગવી શકતો નથી ત્યાં તું એને ભોગવ એમ કહે એનો અર્થ શું? ભાઈ! ત્યાં પરદ્રવ્યના કારણે તને અપરાધ છે એવી વિપરીત દ્રષ્ટિ છોડાવવાની વાત છે. એમ કે પરદ્રવ્યના કારણે તને અપરાધ-નુકશાન થાય છે એવી મિથ્યા માન્યતા છોડી દે. તારા અપરાધથી તને બંધ છે એમ ત્યાં સિદ્ધ કરવું છે.
જ્ઞાનીને કિંચિત્ રાગ હોય છે પણ એ તો અસ્થિરતાનો દોષ છે, અને તે સ્વરૂપના ઉગ્ર અવલંબને ક્રમશઃ મટી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે ને કે-
‘સિજ્ઝંતિ ચરિયભટ્ટા દંસણભટ્ટા ણ સિજ્ઝંતિ’ (દર્શનપાહુડ) મતલબ કે વ્રત, તપ આદિરૂપ પુણ્યભાવથી ધર્મ થાય એમ જે માને છે તે આત્મા દર્શનથી ભ્રષ્ટ છે અને તેનો મોક્ષ થતો નથી કેમકે જે દર્શનથી ભ્રષ્ટ છે તે જ્ઞાન અને ચારિત્રથી પણ ભ્રષ્ટ છે. મિથ્યાદ્રષ્ટિને આત્માનાં રુચિ, જ્ઞાન કે ચારિત્ર એકેય હોતાં નથી. જ્યારે સમકિતી ચારિત્રથી રહિત હોય છતાં તેને સમ્યક્દર્શન છે એટલે વર્તમાનમાં પુરુષાર્થની ઓછપના કારણે કિંચિત્ અસ્થિરતાનો દોષ છે તેને તે (હેયપણે) જાણે છે અને ક્રમે અંતરના ઉગ્ર અવલંબનના પુરુષાર્થ વડે તેનો તે નાશ કરી દે છે.
ભાઈ! વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિના પરિણામ શુભભાવ છે અને તે દોષ છે. સમયસારમાં આલોચનનો જ્યાં પાઠ છે ત્યાં શુભભાવ છે તે વર્તમાન દોષ છે એમ કહ્યું છે; માટે તો તેનું (આત્માના આશ્રયે) આલોચન કરે છે. પરંતુ અત્યારે બહુ ફેરફાર થઈ ગયો! લોકોએ વીતરાગના માર્ગને ચુંથી ચુંથીને રાગમાં રગડી નાખ્યો છે.
ભાઈ! ભગવાન કેવળી પરમાત્માનો માર્ગ વીતરાગતાનો માર્ગ છે, અને તે વીતરાગ પર્યાયથી ઉત્પન્ન થાય છે. રાગની પર્યાય વડે વીતરાગ માર્ગ કદીય ઉત્પન્ન ન થાય. ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો જે અંશ છે તે વીતરાગ પર્યાય છે અને તે પર્યાય રાગના આશ્રયે ઉત્પન્ન થઈ નથી, પણ પોતાના ત્રિકાળી વીતરાગસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થઈ છે.
PDF/HTML Page 1774 of 4199
single page version
જેના ઉપદેશમાં એમ આવતું હોય કે આ વ્રત અને તપ આદિના શુભભાવ કરતાં કરતાં કલ્યાણ થઈ જશે એની તો દ્રષ્ટિ જ મિથ્યા છે. એનું શ્રદ્ધાન જ્યાં વિપરીત છે ત્યાં વ્રત અને તપ એને (સમ્યક્) છે જ કયાં? (છે જ નહિ). અજ્ઞાનીની વાતે વાતે ફેર છે, ભાઈ!
અહીં કહે છે-જ્ઞાનીને નવીન બંધ નથી કેમકે રાગદ્વેષમોહ છે તે બંધનું કારણ છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે.
PDF/HTML Page 1775 of 4199
single page version
तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होंति।। १७७।।
तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति।। १७८।।
तस्मादास्रवभावेन विना हेतवो न प्रत्यया भवन्ति।। १७७।।
तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते।। १७८।।
હવે આ અર્થ ના સમર્થનની બે ગાથાઓ કહે છેઃ-
તેથી જ આસ્રવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭.
તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮.
ગાથાર્થઃ– [रागः] રાગ, [द्वेषः] દ્વેષ [च मोहः] અને મોહ- [आस्रवाः] એ આસ્રવો [सम्यग्द्रष्टेः] સમ્યગ્દ્રષ્ટિને [न सन्ति] નથી [तस्मात्] તેથી [आस्रवभावेन विना] આસ્રવભાવ વિના [प्रत्ययाः] દ્રવ્યપ્રત્યયો [हेतवः] કર્મબંધનાં કારણ [न भवन्ति] થતા નથી.
[चतुर्विकल्प हेतुः] (મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ [अष्टविकल्पस्य] આઠ પ્રકારનાં કર્મોનાં [कारणं] કારણ [भणितम्] કહેવામાં આવ્યા છે, [च] અને [तेषाम् अपि] તેમને પણ [रागादयः] (જીવના) રાગાદિ ભાવો કારણ છે; [तेषाम् अभावे] તેથી રાગાદિ ભાવોના અભાવમાં [न बध्यन्ते] કર્મ બંધાતાં નથી. (માટે સમ્યગ્દ્રષ્ટિને બંધ નથી.)
ટીકાઃ– સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દ્રષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું બની શકતું નથી);
PDF/HTML Page 1776 of 4199
single page version
मैकाग्रयमेव कलयन्ति सदैव ये ते।
रागादिमुक्तमनसः सततं भवन्तः
पश्यन्ति बन्धविधुरं समयस्य सारम्।। १२०।।
રાગદ્વેષમોહના અભાવમાં તેને (સમ્યગ્દ્રષ્ટિને) દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું (અર્થાત્ પુદ્ગલકર્મના બંધનનું) હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે; માટે હેતુના હેતુના અભાવમાં હેતુમાનનો (અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.
ભાવાર્થઃ– અહીં, રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું હોઈ શકે નહિ એવો અવિનાભાવી નિયમ કહ્યો ત્યાં મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વસંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યગ્દ્રષ્ટિ થયા પછી કાંઈક ચારિત્રમોહસંબંધી રાગ રહે છે તેને અહીં ગણ્યો નથી; તે ગૌણ છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને ભાવાસ્રવનો અર્થાત્ રાગદ્વેષમોહનો અભાવ છે. દ્રવ્યાસ્રવોને બંધના હેતુ થવામાં હેતુભૂત એવા રાગદ્વેષમોહનો સમ્યગ્દ્રષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાસ્રવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાસ્રવો બંધના હેતુ નહિ થતા હોવાથી સમ્યગ્દ્રષ્ટિને-જ્ઞાનીને -બંધ થતો નથી.
સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. ‘જ્ઞાની’ શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છેઃ- (૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. (૨) સમ્યક્ જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્જ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. (૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો કેવળી ભગવાન જ્ઞાની છે અને છદ્મસ્થ અજ્ઞાની છે કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે વિધિનિષેધ નિર્બાધપણે સિદ્ધ થાય છે; સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી.
હવે, જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાત્મય છે માટે શુદ્ધનયના મહિમાનું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [उद्धतबोधचिह्नम् शुद्धनयम् अध्यास्य] ઉદ્ધત જ્ઞાન (-કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને [ये] જેઓ [सदा एव] સદાય [ऐकाग्रयम् एव] એકાગ્રપણાનો
PDF/HTML Page 1777 of 4199
single page version
रागादियोगमुपयान्ति विमुक्तबोधाः।
ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्ध–
द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम्।। १२१।।
જ [कलयन्ति] અભ્યાસ કરે છે [ते] તેઓ, [सततं] નિરંતર [रागादिमुक्तमनसः भवन्तः] રાગાદિથી રહિત ચિતવાળા વર્તતા થકા, [बन्धविधुरं समयस्य सारम्] બંધરહિત એવા સમયના સારને (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને) [पश्यन्ति] દેખે છે-અનુભવે છે.
ભાવાર્થઃ– અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. ‘હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું’-એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ.
શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. ૧૨૦.
હવે કહે છે કે જેઓ શુદ્ધનયથી ચ્યુત થાય તેઓ કર્મ બાંધે છેઃ-
શ્લોકાર્થઃ– [इह] જગતમાં [ये] જેઓ [शुद्धनयतः प्रच्युत्य] શુદ્ધનયથી ચ્યુત થઈને [पुनः एव तु] ફરીને [रागादियोगम्] રાગાદિના સંબંધને [उपयान्ति] પામે છે [ते] એવા જીવો, [विमुक्तबोधाः] જેમણે જ્ઞાનને છોડયું છે એવા થયા થકા, [पूर्वबद्धद्रव्यास्रवैः] પૂર્વબદ્ધ દ્રવ્યાસ્રવો વડે [कर्मबन्धम्] કર્મબંધને [विभ्रति] ધારણ કરે છે (-કર્મોને બાંધે છે) - [कृत–विचित्र–विकल्प–जालम्] કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે (અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે).
ભાવાર્થઃ– શુદ્ધનયથી ચ્યુત થવું એટલે ‘હું શુદ્ધ છું’ એવા પરિણમનથી છુટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ બની જવું તે. એમ થતાં, જીવને મિથ્યાત્વ સંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાસ્રવો કર્મબંધનાં કારણ થાય છે અને તેથી અનેક પ્રકારનાં કર્મ બંધાય છે. આ રીતે અહીં શુદ્ધનયથી ચ્યુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યક્ત્વથી) ચ્યુત થવું એમ કરવો. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્ શુદ્ધનયથી ચ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચ્યુત થવું એવો
PDF/HTML Page 1778 of 4199
single page version
અર્થ અહીં મુખ્ય નથી; કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞેયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.
હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટેઃ-જીવ શુદ્ધસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યક્ત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે. ૧૨૧.
હવે આ અર્થના સમર્થનની બે ગાથાઓ કહે છેઃ-
શું કહે છે? કે જે જીવ રાગદ્વેષમોહ કરે છે તેને જૂનાં દ્રવ્યકર્મ નવાં કર્મના બંધનું કારણ થાય છે. પરંતુ સમ્યગ્દ્રષ્ટિને ભાવાસ્રવ નથી તેથી તેને દ્રવ્યાસ્રવો નવા બંધનું કારણ થતા નથી એમ આ ગાથાઓમાં દ્રઢ કરે છે-
‘સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દ્રષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે...’
જુઓ, શું કહે છે? કે રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું અને સચ્ચિદાનંદમય ભગવાન આત્માનો અનુભવ કર્યો તે સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ નથી. રાગના કર્તાપણાનો જેને અભિપ્રાય નથી અને શુદ્ધ ચૈતન્યના આશ્રયે પ્રગટ થતી વીતરાગ પર્યાય જ ધર્મરૂપ છે એવી જેની માન્યતા છે તે સમ્યગ્દ્રષ્ટિ છે અને એના ઉપદેશમાં શુભરાગથી શુદ્ધતા પ્રગટે એવો અભિપ્રાય કદીય આવે નહિ. અહા! નિર્મળ વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્માને રાગથી ભિન્ન અનુભવવો એ જ સમ્યગ્દર્શન છે અને ત્યાંથી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે.
અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયની અપેક્ષાએ વાત છે. સમ્યગ્દ્રષ્ટિને અનંતાનુબંધી રાગદ્વેષ અને મોહ નામ મિથ્યાત્વ એ ત્રણે નથી. મિથ્યાત્વ અને રાગદ્વેષ જે અનંતસંસારની જડ છે એને અહીં સંસાર ગણીને આસ્રવ કહ્યો છે.
હવે આથી કોઈ બચાવ કરે કે અમને અસ્થિરતા ગમે તેટલી હોય તેમાં અમને
PDF/HTML Page 1779 of 4199
single page version
શું છે? તો એમ ન ચાલે. (એવો બચાવ કરનાર તો સમકિતી જ નથી). સમકિતીને જે કિંચિત્ અસ્થિરતા છે તે ચારિત્રનો દોષ છે અને તેનું એને અલ્પ બંધન પણ છે. ઠેઠ દસમા ગુણસ્થાને જ્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ છે ત્યાં પણ મોહ તથા આયુ કર્મ સિવાય છ કર્મનું બંધન પડે છે. સમકિતીને જ્યાં સુધી શુભરાગ છે ત્યાં સુધી એ દોષ છે; પરંતુ મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષ જેવો એ મહા દોષ નથી.
અરે! જગતમાં અજ્ઞાનીઓ શાસ્ત્ર વાંચવાથી, ભગવાનની પ્રતિમાના દર્શનથી, ભગવાનની ભક્તિથી સમ્યગ્દર્શન થશે એમ માને છે. વળી શુભરાગ કરતાં કરતાં સમકિત પ્રગટશે એમ પરસ્પર આચાર્યપણું કરે છે; આચાર્યપણું એટલે માંહોમાંહે એકબીજાને ઉપદેશે છે. તેઓ કહે છે-પંચમકાળમાં અત્યારે આ જ કરી શકાય અને આ જ (શુભરાગ જ) કરવા જેવું છે. કંઈક (પુણ્યભાવ) કરો, કરો; કંઈક કરશો તો કલ્યાણ થશે.
તેમને અહીં સ્પષ્ટ કહે છે કે રાગથી ભિન્ન પડીને આત્માનુભવ કરે તેને સમ્યગ્દર્શન થાય છે અને સમકિતીને રાગદ્વેષમોહનો અભિપ્રાય હોતો નથી. ભાઈ! પરમાર્થનો આ એક જ પંથ છે. પાંચમા આરામાં રાગથી (ધર્મ) થાય અને ચોથા આરામાં ભેદજ્ઞાનથી થાય-શું એમ છે? (ના). અરે! લોકોએ બહુ ફેરફાર કરી નાખ્યો છે! રાગથી પ્રાપ્તિ થાય એવી વાતો પરસ્પર હોંશથી કરે છે અને હોંશથી સાંભળે છે પણ પોતે નિર્મળાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યમય ભગવાન સદા રાગથી ભિન્ન અંદર પડયો છે એની એને ખબર નથી. અરે ભાઈ! એક વાર અંદર ડોકિયું કરી એની શ્રદ્ધા તો કર; તેથી તને લાભ થશે, સમકિત થશે. પણ એને કયાં નવરાશ છે?
બિચારાને આખો દિવસ-ચોવીસે કલાક સંસારમાં-વેપાર-ધંધો અને બાયડી-છોકરાં આદિનું જતન કરવામાં-પાપમાં ચાલ્યો જાય છે. ધર્મ તો કયાંય રહ્યો, પુણ્યેય એને કયાંથી મળે? (પુણ્યનાં પણ એને ઠેકાણાં નથી). આખો દિ આમ રળવું અને આમ કમાવું, માલ આમ લાવવો અને આમ વેચવો, આમ વખારમાં નાખવો અને આમ સંભાળ કરવી-ઇત્યાદિ અનેક વિકલ્પો કરી આખો દિ પાપ જ પાપ ઉપજાવે છે. પાપ, પાપ ને પાપમાં પડેલા તેને ધર્મબુદ્ધિ કેમ થાય?
આત્માનો વેપાર તો રાગરહિત થવું તે છે. મોક્ષના પંથે જવું છે જેને એવા મોક્ષાર્થીએ તો કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ કરવાની છે. શું (જેનાથી ભિન્ન થયું છે એવા) રાગને રાખીને ભેદજ્ઞાન થાય? (ન થાય). વીતરાગની વાણીમાં તો રાગથી ભિન્ન પડીને વીતરાગ દશા પ્રગટ કરવાની વાત છે. જન્મ-મરણનો અંત લાવવો હોય તો બાપુ! આ વાત છે. બાકી તો પુણ્યેય અનંતવાર કર્યાં અને એના ફળમાં સ્વર્ગમાં પણ અનંતવાર ગયો. ભગવાનના સમોસરણમાં પણ અનંતવાર
PDF/HTML Page 1780 of 4199
single page version
એણે આ વાત સાંભળી પરંતુ રાગથી ભિન્ન પડવાની વાત એને રુચિ નહિ. તેથી તો કહ્યું છે કે-‘કેવળી આગળ રહી ગયો કોરો.’ દ્રવ્ય સંયમથી ઠેઠ ગ્રૈવેયક સુધી જઈને આત્માના ભાન વિના ત્યાંથી મનુષ્ય થઈ, ઢોરમાં જઈ નરક-નિગોદમાં જીવ ચાલ્યો જાય છે. આવી વાત છે, ભાઈ!
અહો! આ તો ખૂબ ગંભીર વાત છે! કુંદકુંદાચાર્યનાં શાસ્ત્રો એટલે સીધી ભગવાનની વાણી. વળી એ મહા દિગંબર સંત પોતાના નિજવૈભવથી વાત કરી રહ્યા છે. સમયસાર ગાથા પ માં પરમગુરુ સર્વજ્ઞદેવ એટલે ભગવાન મહાવીર આદિ સર્વજ્ઞ-દેવો-ત્યાંથી શરૂ કરીને મારા ગુરુ પર્યંત બધા નિર્મળ વિજ્ઞાનઘનસ્વભાવમાં મગ્ન હતા એમ કહ્યું છે. ત્યાં મહાવ્રત પાળતા હતા કે નગ્ન દિગંબર હતા એમ વાત લીધી નથી. અરે! કેવળી બધાને જાણે છે એમ પણ ત્યાં લીધું નથી. તેઓ નિર્મળ વિજ્ઞાનઘનસ્વભાવમાં મગ્ન હતા એમ કહ્યું છે. અહો! શું શૈલી છે! વળી ત્યાં જ કહ્યું છે કે-એમનાથી ‘‘પ્રસાદરૂપે અપાયેલ’’ અર્થાત્ એમણે કૃપા કરીને શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો; અમે લાયક હતા માટે અમને ઉપદેશ આપ્યો એમ ત્યાં ન કહ્યું. જુઓ, કેવી નમ્રતા!
સમયસાર ગાથા પ માં ભગવાને કહ્યું ને મેં સાંભળ્યું તે હું કહું છું એમ ન કહ્યું પણ હું મારા નિજ વૈભવથી કહું છું એમ આચાર્યદેવે કહ્યું છે. અહા! આ તો શૈલી જ જુદી છે! આમાં તો અંતરનિમગ્નતાપૂર્વક સ્વાનુભવની જ પ્રધાનતા છે. સ્વાનુભવ વિના ભગવાન પાસેથી સાંભળ્યું છે માટે ભગવાનનો આશય જ અજ્ઞાનીની વાણીમાં આવે એમ હોતું નથી. માટે જ જ્ઞાનીના ઉપદેશનું નિમિત્ત બનતાં મુમુક્ષુ જીવે સૌ પ્રથમ સ્વાનુભવ સહિત સમ્યગ્દર્શન પ્રગટ કરવું એ જ મુખ્ય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે કે અજ્ઞાનીનો ઉપદેશ સમ્યગ્દર્શન પ્રાપ્ત થવામાં નિમિત્ત થતો નથી. તથા જ્ઞાની પાસેથી સાંભળેલું હોય છતાં મિથ્યાદ્રષ્ટિના ઉપદેશમાં ભલે તે વીતરાગની વાત કહેતો હોય છતાં કારણવિપરીતતા, ભેદાભેદવિપરીતતા અને સ્વરૂપવિપરીતતા આવ્યા વિના રહેતી નથી. તેથી તો આચાર્યદેવે કહ્યું કે હું કહું છું તે સ્વાનુભવથી પ્રમાણ કરવું. (શ્રોતા અને વક્તા બંનેમાં સ્વાનુભવની જ મુખ્યતા છે).
અહીં કહે છે-સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દ્રષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું બનતું નથી. સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ નથી એટલે કે રાગાદિ કરવા લાયક છે એવી બુદ્ધિ સમ્યગ્દ્રષ્ટિને નથી. અનંતાનુબંધીના રાગદ્વેષ એને નથી અને જે કિંચિત્ રાગ છે એનું એને સ્વામિત્વ નથી. સમ્યગ્દ્રષ્ટિએ તો રાગરહિત આખો ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ કર્યો છે. ક્ષણિક કૃત્રિમ અવસ્થાથી પોતાનું સહજ ત્રિકાળી ચૈતન્યતત્ત્વ ભિન્ન છે એવું એના પરિચયમાં અને વેદનમાં આવી ગયું છે. સમ્યગ્દ્રષ્ટિએ રાગથી લાભ