Atmadharma magazine - Ank 114
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૦
સળંગ અંક ખાસઅંક
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
પ્રથમ વૈશાખસંપાદકવર્ષ દસમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૯વકીલખાસ અંક
દુર્લભ અવસર
આ દુર્લભ મનુષ્યભવમાં પણ જો
પોતાના શુદ્ધ સ્વભાવને જાણીને તેનો આદર
નહિ કરે તો પછી ફરીથી કયારે આવો અવસર
મળવાનો છે? પોતાનો જેવો ખરો સ્વભાવ છે
તેવો ઓળખીને તેનો આદર કરવો–શ્રદ્ધા
કરવી, તે જ આ મનુષ્યપણામાં જીવનું કર્તવ્ય
છે. અરે પ્રાણીઓ! આત્માનો શુદ્ધસ્વભાવ
સમજ્યા વગર અનંતકાળમાં બીજા બધા
ભાવો કર્યાં છે; એ કોઈ ભાવો ઉપાદેય નથી,
આત્માનો નિશ્ચયસ્વભાવ જ ઉપાદેય છે–એમ
તમે શ્રદ્ધા કરો!
–નિયમસાર પ્રવચનોમાંથી
છુટક નકલખાસ અંકવાર્ષિક લવાજમ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
ચાર આનાત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 21
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
આ અંકનું નિવેદનઃ માનસ્તંભ પ્રતિષ્ઠા–મહોત્સવના સમાચારો જાણવા માટે આત્મધર્મના ઘણા
જિજ્ઞાસુ ગ્રાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હશે; પરંતુ તે સમાચાર વખતસર તૈયાર થઈ શકયા નહિ તેથી આ
અંક આટલો મોડો પ્રસિદ્ધ કરવો પડયો છે.–આ માટે સૌ ગ્રાહકો પાસે હાર્દિક ક્ષમા માંગીએ છીએ. આ અંક
જલદી છાપીને પ્રસિદ્ધ કરી આપવા માટે ‘અનેકાન્ત મુદ્રણાલય’ (મોટા આંકડિયા) ના સ્ટાફે જે મહેનત લીધી
છે તે બદલ તેને ધન્યવાદ ઘટે છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાઃ પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન નીચેના ભાઈઓ તથા બેનોએ સજોડે બ્રહ્મચર્ય
પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી પાસે અંગીકાર કરી છે.–
(૧) ચૈત્ર સુદ આઠમના રોજ વનમાં દીક્ષા–કલ્યાણક બાદ સાવરકુંડલાના ભાઈ શ્રી જગજીવન કરસનદાસ
તથા તેમના ધર્મપત્ની–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
(૨) ચૈત્ર સુદ નોમના રોજ કેવળકલ્યાણક બાદ રસનાળના ભાઈશ્રી હરગોવિંદભાઈ ખારા તથા તેમના
ધર્મપત્ની–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
(૩) ચૈત્ર સુદ દસમ (બીજી) ના રોજ પ્રતિષ્ઠા બાદ બરવાળાના ભાઈશ્રી પાનાચંદ ભાઈલાલ તથા તેમના
ધર્મપત્ની લીલાવતીબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
પ્રતિજ્ઞા લેનારા સર્વે ભાઈઓ તેમ જ બેનોને ધન્યવાદ!ઃ અમ ઘેર પ્રભુજી પધાર્યાઃ ચૈત્ર સુદ ૧૨ ના
શુભ દિવસે મોરબી શહેરમાં શ્રી નેમિનાથ ભગવાન અને શ્રીવાસુપૂજ્ય ભગવાનના વીતરાગી જિનબિંબ પધાર્યા
છે. સોનગઢના પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પાવન હસ્તે આ બંને જિનબિંબોની
પ્રતિષ્ઠા થઈ હતી. પ્રભુજી પધાર્યા તે પ્રસંગે ત્યાંના મુમુક્ષુસંઘને ઘણો ઉલ્લાસ હતો. મોરબીના આંગણે પ્રભુજી
પધાર્યા એ ત્યાંના મુમુક્ષુઓના ધનભાગ્ય છે!
આભારઃ અધિક વૈશાખ માસનો આ વધારાનો અંક પ્રસિદ્ધ કરવા માટેનું ખર્ચ ભાઈશ્રી મોહનલાલ
ત્રિકમજી દેસાઈ (ભાવનગર) તરફથી આપવામાં આવ્યું છે. આ રીતે તેઓ દરેક વખતે અધિક માસના અંકનું
ખર્ચ આપે છે. આ માટે તેમનો આભાર માનવામાં આવે છે.
સમયસારની નવી આવૃત્તિઃ ગુજરાતી સમયસારની માગણી છેલ્લા કેટલાક વખત થયા અનેક
જિજ્ઞાસુઓ તરફથી થઈ રહી હતી; તેથી તેની નવી આવૃત્તિ છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ આવૃત્તિમાં
શ્રી અમૃતચંદ્રસૂરિકૃત આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા પણ છાપવામાં આવી છે. આ નવી આવૃત્તિની કિંમત
રૂા. ૬–૦–૦ રાખવામાં આવી છે.
વિદ્યાર્થીઓ માટે સુંદર તકઃ શ્રી જૈન વિદ્યાર્થી ગૃહની નવી ટર્મ, તા. ૧–૩–પ૩ થી શરૂ થઈ ગઈ છે.
હાલ, આ બોર્ડિંગમાં, ત્રણ ત્રણમાસની એક ટર્મ ગણી, એક વર્ષની ચાર ટર્મ નક્કી કરેલ છે. એક ટર્મનું લવાજમ,
વિદ્યાર્થી દીઠ આખી ફીનું રૂા. ૭પ) રાખેલ છે. અહીં, અંગ્રેજી પહેલા ધોરણથી શરૂ કરી, એસ. એસ. સી. (મેટ્રીક)
સુધીના અભ્યાસ માટે હાઇસ્કૂલ છે.
અહીં બોર્ડિંગમાં શ્રી જૈનદર્શનનો ધાર્મિક અભ્યાસ પણ કરાવવામાં આવે છે. ઉપરાંત, અહીં પરમોપકારી, પરમ
પૂજ્ય, સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી જેવા મહાન, અદ્વિતીય આધ્યાત્મિક સંતના સમાગમનો અપૂર્વ લાભ મળે છે.
અહીં બોર્ડિંગમાં દસ વર્ષથી ઉપરની ઉંમરના વિદ્યાર્થીઓ, કે જેઓ, ગુજરાતી પાંચમુ ધોરણ અને તેથી
ઉપર ગુજરાતી કે અંગ્રેજી અભ્યાસ કરતા હોય, તેઓને દાખલ કરવામાં આવે છે.
અત્રેની હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓને જૂન માસમાં પણ દાખલ કરવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. આથી,
જે વિદ્યાર્થીઓ ચાલુ માસમાં અગર આગામી ગ્રીષ્મ વેકેશન પછી, જૂન માસમાં દાખલ થવા ઈચ્છતા હોય,
તેઓએ નીચેના સરનામે લખી સંસ્થાના ધારાધોરણ તથા પ્રવેશપત્ર મંગાવી ભરી મોકલવાં.
લિ. મંત્રીઓ,
શ્રી જૈન વિદ્યાર્થીગૃહઃ સોનગઢ (સૌરાષ્ટ્ર)
સૂચનાઃ બેંકના ચેકો સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના નામના નહીં મોકલતાં, દોશી રામજી માણેકચંદ તથા
શાંતિલાલ પોપટલાલના નામના મોકલવા. (ટ્રસ્ટના નામના ચેક મોકલાશે તો પાછા મોકલવામાં આવશે.)
વેચવાનું છેઃ પ૦૦૦ વાંસ, ૪૦૦ વળી, પ૦૦ વાંસના પાલા તથા ઈલેકટ્રીક કોપર વાયર નં. ૧૦નો
૩૦૦ રતલ. વેચાણની શરતો રૂબરૂ મળવાથી કહેવાશે.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટઃ સોનગઢ

PDF/HTML Page 4 of 21
single page version

background image
પ્રથમ વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૨૩ઃ
તીર્થધામ સોનગઢમાં જૈનધર્મપ્રભાવનો
ભવ્ય મહોત્સવ
શ્રી માનસ્તંભમાં સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાના પંચકલ્યાણક મહોત્સવનાં
* પવિત્ર સંસ્મરણો *
પૂ. ગુરુદેવશ્રીના અદ્ભુત પ્રવચનોથી પ્રભાવિત થયેલ
સમસ્ત દિગંબર જૈન સમાજ અને ત્યાગીવર્ગ
મંગલમૂર્તિ પરમ પ્રભાવી પૂ. સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં પુનિત પ્રતાપે જૈનધર્મનો પ્રભાવ દિનદિન
વૃદ્ધિગત થઈ રહ્યો છે, તેના પરિણામે સોનગઢ એક તીર્થધામ બની ગયું છે; અને તેમાં પણ ભવ્ય માનસ્તંભ થતાં
તો તેની શોભામાં ખૂબ જ વૃદ્ધિ થઈ છે. મહાવિદેહમાં વિચરતા ગગનવિહારી સીમંધરનાથ ભગવાન આ
માનસ્તંભમાં બિરાજમાન છે. ખરેખર, મહાવિદેહમાં સીમંધર ભગવાન પોતાના દિવ્યધ્વનિ દ્વારા જે ધર્મ પ્રરૂપી
રહ્યા છે તે જ ધર્મના સ્તંભ અહીં પૂ. ગુરુદેવશ્રીએ રોપ્યાં છે,–એમ આ માનસ્તંભ સૂચવી રહ્યો છે. માનસ્તંભની
ભવ્યતા નીરખતાં ભક્તજનોને અતિઆનંદ થાય છે અને અંતરમાં એવી ઊર્મિ જાગે છે કે અહો! જાણે
મહાવિદેહનો જ એક માનસ્તંભ અહીં આવ્યો હોય! અને વળી માનસ્તંભમાં ઊંચે ઊંચે આકાશમાં બિરાજમાન
સીમંધર ભગવાનને નીરખતાં એવું લાગે છે કે જાણે મહાવિદેહમાં વિચરી રહેલા સીમંધર ભગવાન અહીંથી
દેખાતા હોય! આવા આ પાવન માનસ્તંભની છાયામાં આવતાં જ શાંત....શાંત ઊર્મિઓથી હૃદય અત્યંત
વિશ્રાંતિ પામે છે.
માનસ્તંભનો પૂર્વ ઈતિહાસ
સોનગઢમાં માનસ્તંભ કરાવવાની ભાવના તો ખાસ ખાસ ભક્તોના હૃદયમાં દસ–દસ વર્ષોથી ઘોળાયા
કરતી હતી; સં. ૧૯૯૮ માં સમવસરણની પ્રતિષ્ઠા થઈ ત્યારથી એ વિચારો ચાલતા હતા. ગઈ સાલના પોષ
માસમાં માનસ્તંભ કરવાનો નિર્ણય થતાં તરત જ ભારતના વિધવિધ સ્થળોના ભક્તજનોએ માનસ્તંભ માટે રૂા.
એક લાખ ઉપરાંત ફંડ કરીને એ નિર્ણયને ઊમંગપૂર્વક વધાવી લીધો....ને ભક્તજનો ના અંતરમાં દસ દસ વર્ષથી
ઘૂંટાયેલી ભાવના પૂરી થવાનો ધન્ય અવસર આવ્યો.
શ્રી વૃજલાલભાઈ ઈજનેર વગેરે સાથે માનસ્તંભનો ઓર્ડર આપવા માટે પવિત્રાત્મા પૂ. બેનશ્રીબેન સં.
૨૦૦૮ ના ફાગણ સુદ પાંચમે જયપુર પધાર્યા અને ફાગણ સુદ ચૌદસે જયપુરના કારીગર મૂલચંદજી રામચંદજી
નાઠાને માનસ્તંભનો ઓર્ડર અપાયો.......
ચૈત્ર સુદ તેરસના મંગલ દિને માનસ્તંભનો પાયો ખોદવાની શુભ શરૂઆત થઈ.....વૈશાખ વદ
સાતમે ઘણા ઉલ્લાસપૂર્વક માનસ્તંભનું શિલાન્યાસ થયું. શિલાન્યાસ વખતે તેમ જ જ્યારે જ્યારે નવી
પીઠિકાના ચણતરનો પ્રારંભ થતો ત્યારે મંડળના બધા ભક્તજનો હાથોહાથ ચણતરકામ કરીને પોતાનો
ઉલ્લાસ વ્યક્ત કરતા હતા. એ વખતે ભક્તોને માનસ્તંભની લગની લાગી હતી. માનસ્તંભના વેગનના
સમાચાર આવતાં આનંદ ફેલાઈ જતો. માનસ્તંભના નાના મોટા દરેક સામાનને ભક્તજનો બહુમાન પૂર્વક
નીરખી નીરખીને જોતાં

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૧૨૪ઃ આત્મધર્મઃ ૧૧પ
આ વર્ષના કારતક સુદ બીજે એક સાથે બે વેગન આવવાની વધાઈ મળતાં ઘણો હર્ષ થયો હતો. અને કારતક
સુદ ત્રીજે ઘણા ઉલ્લાસપૂર્વક પ્રતિમાજીનો ગ્રામપ્રવેશ થયો તેમ જ તે જ દિવસે પૂ. બેનશ્રીબેનના સુહસ્તે
માનસ્તંભનો પ્રથમ આરસ સ્થાપિત થયો હતો. માનસ્તંભમાં એક મોટો સાથીયાવાળો લગભગ ૨પ૦ મણનો
અખંડ પથ્થર છે, તે ઉતારતી વખતનો પ્રસંગ આજે પણ ભૂલાતો નથી. ભગવાનની બેઠકનું સ્થાપન માગસર સુદ
એકમે થયું. ત્યારબાદ માગસર સુદ ચોથના રોજ ભગવાનની દેરીનું સ્થાપન થયું.
એક બાજુ માનસ્તંભનું ચણતર થઈ રહ્યું હતું ને બીજી બાજુ માનસ્તંભના મહોત્સવ માટે અનેકવિધ
તૈયારીઓ ચાલી રહી હતી. ભક્તજનો માનસ્તંભ કઈ રીતે તૈયાર થાય છે તે ભક્તિપૂર્વક નીરખતાં, અને નીરખીને
આનંદ પામતા, કોઈ કહેતા કે આ માનસ્તંભ પૂર્ણ થઈ ગયા પછી તેની યાત્રા કરવી તે તો ધનભાગ્ય છે જ, પણ
અત્યારે માનસ્તંભને તૈયાર થતો નજર સમક્ષ નીહાળવો તે પણ અહોભાગ્ય છે! આ પછી, માનસ્તંભની પાંચમા
વેગનની પરિસ્થિતિ અને તેની શોધ માટે તાર ઉપર તાર છૂટતા તે પ્રસંગ પણ ભૂલાય તેવો નથી.
બહારગામનાં જે નવા લોકો આવે તેમને પૂ. ગુરુદેવ માનસ્તંભ બતાવતા, માનસ્તંભ એટલે શું તે
સમજાવતા, અને માનસ્તંભમાં કોતરાયેલા ખાસ ખાસ ચિત્રોનું રહસ્ય પણ ઘણાને બતાવતા; ગામડાના લોકો
જોવા આવે અને ‘આ શું છે’ એમ પૂછે ત્યારે ‘ધર્મનો સ્તંભ, ધર્મનું ટાવર, ધર્મનો વૈભવ, ખુલ્લું જિનમંદિર’
વગેરે નામથી તેઓને સમજાવતા. જેમ જેમ માનસ્તંભનું કામ પૂરું થવા આવ્યું તેમ તેમ તેની પ્રતિષ્ઠાના મુહૂર્ત
માટે ભક્તો આતુરતાથી રાહ જોવા લાગ્યા. ચારે બાજુના ભક્તજનો માનસ્તંભનો પ્રતિષ્ઠા મહોત્સવ જોવા માટે
તલસી રહ્યા હતા. અનેક ચિત્ર–વિચિત્ર પ્રસંગોથી માનસ્તંભનો ઈતિહાસ રચાતાં રચાતાં છેવટે ચૈત્ર સુદ દસમને
બુધવાર તા. ૨પ–૩–પ૩નું પ્રતિષ્ઠા મુહૂર્ત નિશ્ચિત થયું. અને હજારો ભક્તજનોએ અપૂર્વ ઉલ્લાસથી એ મહોત્સવ
ઊજવ્યો. એ મહોત્સવનો આનંદ–એનો મહિમા અદ્ભુત હતો. તેનું પૂરું વર્ણન તો કેમ થાય? એ તો નજરે
નીહાળનાર જાણે. અહીં તેના મુખ્ય મુખ્ય પ્રસંગોની કેટલીક યાદીઓ જ આપી છે.
પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ
શ્રી મંડપમાં જિનેન્દ્રદેવની પધરામણીઃ ઝંડારોપણઃ
સિદ્ધચક્રવિધાન પૂજન અને જિનેન્દ્ર–અભિષેક
(ફાગણ વદ તેરસ શુક્રવાર થી ચૈત્ર સુદ બીજ મંગળવાર)
પ્રતિષ્ઠા–વિધિની શરૂઆતમાં સૌથી પહેલાં પ્રતિષ્ઠા–મંડપમાં જિનેન્દ્રભગવાનને બિરાજમાન કરવા માટે
રથયાત્રા નીકળી હતી, અને પ્રભુજીને મંડપમાં બિરાજમાન કર્યા હતા તથા જૈન–ઝંડારોપણ થયું હતું. ત્યારપછી
સિદ્ધચક્રવિધાન પૂજા અને શાંતિજાપનો પ્રારંભ થયો હતો. અનેકવિધ રંગોથી આલેખાયેલું કલામય સિદ્ધચક્રમંડળ
બહુ શોભતું હતું. આ મંડળમાં વચમાં ભગવાનની સ્થાપના અને ફરતા આઠ કોઠાઓ હોય છે. પહેલા કોઠામાં
સિદ્ધ ભગવાનના આઠ ગુણોની સ્થાપના હોય છે અને પછી અનુક્રમે બમણા કરતાં કરતાં છેલ્લા કોઠામાં ૧૦૨૪
ગુણોની સ્થાપના હોય છે, ને તે દરેક ગુણની પૂજા કરવામાં આવે છે. સિદ્ધચક્રપૂજા અધ્યાત્મભાવોથી ભરેલી હતી;
અને અહીં પહેલી જ વાર થતી હોવાથી ખૂબ ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. આ પૂજા પાંચ દિવસ ચાલી હતી,
તેમાં છેલ્લે દિવસે ૧૦૨૪ ગુણોની પૂજા એક સાથે અખંડપણે ઉત્સાહપૂર્વક પૂરી કરવામાં આવી હતી. મંગળવારે
આ સિદ્ધચક્રવિધાનપૂજાની પૂર્ણતાના ઉપલક્ષમાં અત્યંત ભક્તિપૂર્વક ૧૦૮ કલશોથી જિનેન્દ્રભગવાનનો
મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. દિલ્હીથી આવેલ ચાંદી–સોનાની કલામય ગંધકુટી ઉપર બિરાજમાન
જિનેન્દ્રદેવના અભિષેકનું દ્રશ્ય ઘણું આકર્ષક અને ભક્તિપ્રેરક હતું. સિદ્ધચક્રપૂજન તથા અભિષેક પ્રસંગે પૂ.
ગુરુદેવશ્રી પણ ઉપસ્થિત હતા.
ઇન્દ્રપ્રતિષ્ઠાઃ યાગ્મંડલવિધાનઃ ગર્ભકલ્યાણકની પૂર્વક્રિયા
(ગુરુવારઃ ચૈત્ર સુદ પાંચમ)
સવારમાં ઇન્દ્રપ્રતિષ્ઠા થઈ; ઇન્દ્રો થવા માટે ઊછામણી કરવામાં આવી હતી, તેમાં પ્રથમ ઊછામણી
બોલીને કલકત્તાવાળા શ્રી વછરાજજી શેઠ તથા તેમના ધર્મપત્ની મનફૂલાદેવી સૌધર્મઇન્દ્ર તથા શચી ઇન્દ્રાણી થયા
હતા. આ ઉપરાંત બીજા આઠ ઇન્દ્ર–ઇન્દ્રાણીઓ તેમજ કુબેર અને બળદેવ–વાસુદેવ પણ હતા. ભગવાનના
માતાપિતા તરીકે શેઠ શ્રી નાનાલાલભાઈ તથા તેમના ધર્મપત્ની જડાવબેન

PDF/HTML Page 6 of 21
single page version

background image
પ્રથમ વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૨પઃ
હતા. ઇન્દ્રોની ઊછામણીમાં રૂા. ૨પ૦૦૦) જેટલી રકમ થઈ હતી. ઇન્દ્રપ્રતિષ્ઠા થયા બાદ પંચકલ્યાણક મહોત્સવ
કરવા માટેની આચાર્યઅનુજ્ઞાની વિધિ થઈ હતી; તેમાં પૂ. ગુરુદેવશ્રીએ પ્રસન્નતાપૂર્વક અક્ષત છાંટીને આજ્ઞા
આપી હતી. આ મંગલ આજ્ઞા બાદ ઇન્દ્રોએ યાગમંડલવિધાન પૂજન કર્યું હતું. યાગમંડલવિધાનમાં ત્રણે
ચોવીસીના તીર્થંકરો, વર્તમાન વિચરતા સીમંધરાદિ તીર્થંકરો તેમ જ પંચ પરમેષ્ઠી ભગવંતોની સ્થાપના કરીને
તેમનું પૂજન કરવામાં આવે છે. પંચકલ્યાણકનાં દ્રશ્યોની શરૂઆત આજથી થઈ હતી. આજે રાત્રે શ્રી નેમિનાથ
ભગવાનના ગર્ભકલ્યાણકની પૂર્વક્રિયાના દ્રશ્યો થયા હતા. સૌથી પ્રથમ મંગલાચરણ તરીકે સોનગઢના બ્રહ્મચર્ય
આશ્રમના કુમારિકા બહેનોએ નેમિનાથ ભગવાનની નીચે મુજબ સ્તુતિ કરી હતી–
તારું જીવન ખરું.....તારું જીવન, જીવી જાણ્યું નેમનાથે જીવન.
સૂતાં રે જાગતાં.....ઊઠતાં બેસતાં, હૈડે રહે તારું ખૂબ રટન......
–ઇત્યાદિ સ્તુતિ બાદ સ્વર્ગમાં સૌધર્મેન્દ્રની સભાનું દ્રશ્ય થયું હતું; ભરતક્ષેત્રના બાવીસમા તીર્થંકર શ્રી
નેમિનાથ ભગવાન છ માસ પછી શિવાદેવી માતાની કૂખે આવવાના છે એમ પોતાના અવધિજ્ઞાનથી જાણીને,
સૌધર્મેન્દ્ર સુવર્ણમયી નગરી રચવાની કુબેરને આજ્ઞા કરે છે તથા છપ્પન કુમારિકા દેવીઓને માતાની સેવામાં
મોકલે છે; દેવો આવીને મહારાજા સમુદ્રવિજય તથા મહારાણી શિવાદેવીનું સન્માન કરે છે, તથા શ્રી, હીં વગેરે
આઠ દેવીઓ માતાની સેવા કરે છે–એ દ્રશ્ય થયું હતું. આ આઠ દેવીઓ તરીકે સોનગઢના શ્રાવિકા
બ્રહ્મચર્યાશ્રમના બાલ બ્રહ્મચારી બહેનો હતા.
પછી રાત્રે શિવાદેવી માતા શયન કરી રહ્યા છે ત્યારે તેમને બળદ, હાથી, સિંહ વગેરે ૧૬ ઉત્તમ માંગલિક
સ્વપ્નો આવે છે, માતા એક પછી એક સ્વપ્નો દેખી રહ્યાં છે,–તે દ્રશ્ય અત્યંત આહ્લાદકારી હતું. સ્વપ્નોનું દ્રશ્ય
ખાસ જુદી ઢબથી બતાવવામાં આવ્યું હતું, સ્વપ્ન કયાંથી આવે છે ને કયાં ચાલ્યા જાય છે તેની કોઈને ખબર
પડતી ન હતી એટલે એ સ્વપ્નો ખરેખરા સ્વપ્ન જેવા દેખાતાં હતાં.
ગર્ભ કલ્યાણક (શુક્રવાર ચૈત્ર સુદ છઠ્ઠ)
માતાએ સોળ સ્વપ્નાં દેખ્યા પછી રાત્રિ પૂરી થઈ ને પ્રભાત થતાં કુમારિકા દેવીઓ નીચે મુજબ મંગલ–
ગીત દ્વારા માતાને જગાડે છે–
अरहंत सिद्धाचार्य पाठक साधुपद वंदन करूं,
निर्मल निजातमगुण मनन कर पापताप शमन करूं;
अब रात्रि तम दिघटा सकल ह्यां प्राप्त होत सुकाल है,
चहुं ओर है भगवान सुमरण वृक्ष प्रफुलित पात है।
है समय सामायिक मनोहर ध्यान आतम कीजिये,
है कर्मनाशन समय सुन्दर लाभनिज सुख लीजिये।
માતા જાગીને પ્રથમ પંચ પરમેષ્ઠીની સ્તુતિ કરે છે ને પછી પોતાના મંગલસૂચક સ્વપ્નોનું ફળ જાણવા
માટે રાજસભા તરફ જાય છે.
બીજી તરફ સ્વર્ગમાં ઇન્દ્રસભામાં દેવો ગર્ભકલ્યાણક ઊજવવાની તૈયારી કરે છે–એ દ્રશ્ય થયું હતું પછી
સમુદ્રવિજય મહારાજાની રાજસભામાં શિવાદેવીમાતા પધારે છે ને સોળ સ્વપ્નો કહીને તેનું ફળ પૂછે છે. સોળ
સ્વપ્નોનું ફળ વર્ણવીને મહારાજા કહે છે કે હે દેવી! તમારી કુંખે મહાપ્રતાપી શ્રી નેમિનાથ તીર્થંકરનો જીવ આવ્યો
છે. આ વાત સાંભળતાં સભામાં સર્વત્ર આનંદ ફેલાઈ જાય છે, ઈંદ્ર–ઈંદ્રાણી આવીને વસ્ત્રાભૂષણ વગેરેની ભેટ
ધરે છે ને સ્તુતિ કરતાં કહે છે કે હે રત્નકુંખધારિણી દેવી! ત્રિલોકનાથ તીર્થંકર તારી કુંખે પધાર્યા છે....ત્રણ
લોકના ઉત્તમ રત્નને તેં ધારણ કર્યું છે...તું માત્ર તીર્થંકરની જ નહિ પણ ત્રણ લોકની માતા છે......
धन्य है धन्य है मात जिननाथकी, ईंद्रदेवी करें भक्ति भावां थकी;
भेदविज्ञानसे आप पर जानती जैनसिद्धांतका मर्म पहचानतीं,
होत आहार, निहार नहीं धारती, वीर्य अनुपममहा देह विस्तारती;
मात शिवा महा मोक्ष अधिकारिणी, पुत्र जनती जिन्हें मोक्षमे धारिणी
.
શિવાદેવી માતાની સેવામાં રહેલી દેવીઓ માતાને પ્રસન્ન રાખવા અનેક પ્રકારે સેવા કરે છે અને પ્રશ્નો
પૂછે છે, માતા વિદ્વતાપૂર્વક તેના જવાબ આપે છેઃ દેવી પૂછે છેઃ હે માતા! જગતમાં સારભૂત રત્ન કયું છે?

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૧૨૬ઃ આત્મધર્મઃ ૧૧પ
માતા કહે છેઃ હે દેવી! સમ્યગ્દર્શનરૂપી રત્ન જગતમાં ઉત્તમ સારભૂત છે.
દેવી પૂછે છેઃ હે માતા! તારા જેવી ઉત્તમ સ્ત્રી જગતમાં બીજી કોણ છે?
માતા કહે છેઃ તીર્થંકર સમાન પુત્રને જન્મ દેનારી સ્ત્રી જગતમાં ઉત્તમ છે.
બીજી દેવી પૂછે છેઃ હે માતા! કાન હોવા છતાં જગતમાં બહેરો કોણ છે?
માતા જવાબ આપે છેઃ જૈન સિદ્ધાંતને જે સાંભળતો નથી તે બહેરો છે.
વળી બીજી દેવી પૂછે છેઃ હે માતા! દેવેન્દ્ર વગેરે મોટા મોટા પણ જેના દાસ બની જાય એવો ઉત્કૃષ્ટ પુરુષ
આ જગતમાં કોણ છે?
માતા કહે છેઃ ‘મેરા પુત્ર’ અર્થાત્ તીર્થંકર ભગવાન.
દેવી પૂછે છેઃ હે માતા! જગતમાં ખરો સુભટ કોણ છે?
માતા કહે છેઃ વિષય–કષાયોને જીતનાર ધર્માત્મા પુરુષ જ સુભટ છે.
દેવી પૂછે છેઃ હે માતા! આપ બતાવો કે કયો તપસ્વી ભવદુઃખ પામે છે?
માતા ઉત્તર આપે છેઃ હે દેવી! આત્માના અનુભવ વિના જે તપ કરે છે તે ભવદુઃખ સહે છે.
દેવી પૂછે છે, હે માતા! જગતમાં જીવ શેના વગર દુઃખ પામે છે?
માતા કહે છેઃ રત્નત્રયરૂપી ધન વગરનો જીવ દુઃખ પામે છે.
ફરીને દેવી પૂછે છેઃ હે માતા! ‘પુરુષ’ નામ કયારે સફળ થાય?
તરત માતા ઉત્તર આપે છે કે–જ્યારે મોક્ષનો પુરુષાર્થ કરે ત્યારે.
દેવી પૂછે છેઃ હે માતા! શેના વગર નર પશુ સમાન છે?
માતા કહે છેઃ ભેદજ્ઞાનરૂપી વિદ્યા વગર નર પશુ સમાન છે.
વળી દેવી પૂછે છેઃ હે માતા! કયું કાર્ય જગતમાં ઉત્તમ છે?
માતા જવાબ આપે છેઃ હે દેવી! આત્મધ્યાન તે જગતમાં પરમ સુખકારી ઉત્તમ કાર્ય છે.
ઇત્યાદિ પ્રકારે દેવીઓ પ્રશ્ન પૂછતી અને માતા પ્રસન્નતાપૂર્વક તેના સુંદર જવાબ આપતા; દેવીઓ કહે છેઃ
અહો માતા! આપના હૃદયમાં તીર્થંકરનો વાસ છે...તેથી આપ પૂજ્ય છો.....એમ કહીને પછી ‘जय जय मात
परम अधिकारी’–ઇત્યાદિ સ્તુતિ કરે છે. આ પ્રમાણે શુક્રવારે ગર્ભકલ્યાણકનાં દ્રશ્યો થયા હતા.
*
માનસ્તંભની વેદી તથા કલશ અને ધ્વજશુદ્ધિ
બપોરે શ્રી માનસ્તંભની વેદી તથા કલશ અને ધ્વજની શુદ્ધિ થઈ હતી. ત્યારબાદ ભવ્ય માનસ્તંભની
વેદીશુદ્ધિ પવિત્રાત્મા પુ. બેનશ્રી–બેનજી ચંપાબેન અને શાન્તાબેનના સુહસ્તે કરાવવા માટે પ્રતિષ્ઠાચાર્ય પંડિત શ્રી
નાથુલાલજીએ કહ્યું કે
‘ये दोनों बहिन जैसे पवित्र आत्माओं के हस्तसे मानस्तंभ की शुद्धि हो इससे
अधिक और क्या हो सकता है?–આ સાંભળીને બધા ભક્તજનોને બહુ હર્ષ થયો હતો. પુ. બેનશ્રી–બેનજીના
સુહસ્તે પ્રથમ માનસ્તંભના નીચેના ભાગની વેદીશુદ્ધિ થઈ હતી, ત્યારબાદ ઉપરના ભાગમાં વેદીશુદ્ધિ કરવા માટે
બંને બેનો માનસ્તંભ ઉપર પધાર્યા હતા. ત્યાં, નીચે ઊભેલા હજારો ભક્તજનોની નજર પણ ન પહોંચે એટલે
ઊંચે ઊંચે આકાશમાં અતિશય ભક્તિ અને પ્રમોદભાવથી તેઓશ્રીએ માનસ્તંભની શુદ્ધિ કરી હતી. એ પવિત્ર
હસ્તોથી થતી માનસ્તંભશુદ્ધિનું પાવન દ્રશ્ય નીરખનારા પણ ભક્તિરસમાં રંગાઈને પાવન થઈ જતા હતા.
જન્મ કલ્યાણક (શનિવાર ચૈત્ર સુદ સાતમ)
આજે ભગવાનના જન્મકલ્યાણકનો મહોત્સવ થયો. શિવાદેવી માતાની સેવામાં રહેલી દેવીઓ સવારમાં
ઊગતા પ્રભાતે ભગવાનના જન્મની વધાઈ આપે છે, અને ચારે તરફ આનંદ છવાઈ જાય છે, ઈંદ્રોના આસન
પણ કંપાયમાન થાય છે. અહો! જેનો જન્મ થતાં ઇન્દ્રના આસન પણ કંપી ઊઠે એવો જેનો પ્રભાવ.....તે
તીર્થંકરના જન્મોત્સવની શું વાત! સૌધર્મેન્દ્રનું સિંહાસન ડગમગ થતાં, તે અવધિજ્ઞાનથી ભગવાન શ્રી નેમિનાથ
તીર્થંકરનો જન્મ થવાનું જાણે છે ને દેવોની સભામાં ભગવાનના જન્મકલ્યાણકનો ઉત્સવ મનાવવા માટે આનંદનું
વાતાવરણ છવાઈ

PDF/HTML Page 8 of 21
single page version

background image
પ્રથમ વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૨૭ઃ
જાય છે. ચારે બાજુ મંગલનાદ થાય છે; સૌધર્મેન્દ્ર તથા શચી ઇન્દ્રાણી ઐરાવત હાથી ઉપર આવીને નગરને ત્રણ
પ્રદક્ષિણા કરે છે, પછી શચી ઇન્દ્રાણી ભગવાનને તથા માતાને નીરખતાં ભક્તિપૂર્વક સ્તુતિ કરે છે–
धन्य धन्य नाथ परम सुखकारी, तीनलोक जननी हितकारी,
मंगलकारी पुन्यवती तूं, पुत्रवती शुचि ज्ञानमती तूं।
तव दर्शनसे हम सुख पाये, हर्ष हृदयमें नाहिं समाये,
धन्य धन्य माता हम जाना, देख तुझे अरू श्री भगवाना।।
–એ પ્રમાણે સ્તુતિ બાદ, ઈંદ્રાણી બાલ ભગવાનને હાથમાં તેડીને ઈંદ્રના હાથમાં સોંપે છે. અહો! તીર્થંકર
ભગવાનને પોતાના હાથમાં તેડવાનું પરમ સૌભાગ્ય જેને પ્રાપ્ત થયું તે શચી ઈંદ્રાણી એકાવતારી જ હોય–એમાં
શું આશ્ચર્ય! ભગવાનને નિહાળીને ઈંદ્ર ઈંદ્રાણી અતિશય પ્રસન્ન થાય છે, ને હાથી ઉપર બિરાજમાન કરીને
જન્માભિષેક માટે મેરુપર્વત ઉપર લઈ જાય છે. પ્રતિષ્ઠા–મહોત્સવમાં હાથી પણ આવેલો હોવાથી આ બધા પ્રસંગો
બહુ શોભતા હતા. તેમાંય ગામના એક છેડાથી બીજા છેડા સુધી ફેલાયેલા જન્માભિષેકના વરઘોડાનો દેખાવ તો
ખૂબ જ ભવ્ય અને મહિમાવંત હતો....તે વખતે સોનગઢ ગામ બહુ નાનું પડતું હતું. જે રસ્તેથી ભગવાનનો હાથી
પસાર થતો હોય તે રસ્તાની ચારે તરફની અટારીઓ પણ માણસોથી ઉભરાઈ જતી હતી. હાથી પર બિરાજમાન
ભગવાનને નીરખી–નીરખીને ભક્તજનો નાચતા હતા અને અદ્ભુત ભક્તિ કરતા હતા. હાથી પણ જાણે કે
ખુશીમાં આવીને એ ભક્તિમાં સાથ પુરાવવા માટે ભગવાનને ચામર ઢાળવા માંગતો હોય–તેમ સૂંઢમાં ચામર
પકડીને ઇન્દ્રને આપતો હતો. આમ ભગવાનની ભક્તિ કરતાં કરતાં રથયાત્રા મેરુ પાસે આવી. નદી કિનારે એક
ઊંચા સુંદર સ્થાન પર મેરુની રચના કરવામાં આવી હતી. હાથીએ તે મેરુને ત્રણ પ્રદક્ષિણા કરી અને પછી
જયજયકારપૂર્વક ખૂબ જ ઉલ્લાસમય ભક્તિથી તીર્થંકર ભગવાનનો જન્માભિષેક થયો. એ જન્માભિષેકનું અતિ
ભવ્ય દ્રશ્ય તીર્થંકર ભગવંતનો અપરંપાર મહિમા દર્શાવતું હતું કે.....અહો! ધન્ય એનો અવતાર! આ ભગવાનના
આત્માએ જન્મ પૂરાં કરી લીધા, હવે ફરીથી આ સંસારમાં એનો અવતાર નહિ થાય. એક છેલ્લો જન્મ હતો તે
પૂરો કરીને ભગવાનના આત્માએ જન્મ પૂરાં કરી લીધા, હવે ફરીથી આ સંસારમાં એનો અવતાર નહિ થાય.
એક છેલ્લો જન્મ હતો તે પૂરો કરીને ભગવાન ભવરહિત થઈ ગયા....અપુર્વ આત્મદર્શનના પ્રતાપે ભગવાનને
ભવનો અંત આવી ગયો. અહો! અનેકાનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર કરનાર આવા ભગવાનનો જન્મોત્સવ ઈંદ્રાદિક
ઊજવે એમાં શું આશ્ચર્ય! ખરું કહ્યું છે કે–
‘ઘટે દ્રવ્ય જગદીશ અવતાર એસો
કહો ભાવ જગદીશ અવતાર કૈસો?’
–એ ઊર્ધ્વગામી આત્માનો જન્માભિષેક મેરુ જેવા ઊર્ધ્વસ્થાન પર જ કેમ ન થાય? મનુષ્યલોકનું સૌથી
ઊર્ધ્વસ્થાન એટલે મેરુ પર્વત....અને સૌથી ઉત્તમ મનુષ્ય એટલે તીર્થંકર. એ ઉત્તમ પુરુષનો અભિષેક ઉત્તમ સ્થાન
ઉપર ઊર્ધ્વ લોકના ઉત્તમ આત્મા (ઈંદ્ર) દ્વારા થયો. અહો, ધન્ય ધન્ય તે પ્રસંગ! તીર્થંકર પ્રભુના સાક્ષાત્
જન્માભિષેકની તો વાત જ શું! પણ અહીં ભગવાનના જન્માભિષેકનો પાવન દેખાવ જોવો તે પણ મહાભાગ્ય
હતું....જાણે અહીં પણ તીર્થંકર હાજર હોય–એવું તે વખતનું વાતાવરણ હતું. અને વળી ‘જયજયકાર’ ની ધૂન
તથા ભક્તિ–નૃત્ય–દ્વારા તે પ્રસંગના ઉલ્લાસમાં ખૂબજ વૃદ્ધિ થતી હતી. જ્યાં જન્માભિષેક થયો તે સ્થળની
કુદરતી શોભા ઘણી સુંદર હતી. એક ઊંચા ટેકરા ઉપર મેરુ પર્વત શોભતો હતો અને બાજુમાં જ ઊંડાણમાં
આવેલી નદીને લીધે અસલ ક્ષીર સમુદ્ર જેવો દેખાવ લાગતો હતો. આથી જન્માભિષેક વખતનો કુદરતી દેખાવ
ઘણો જ શોભતો હતો.
જન્માભિષેક બાદ ઈંદ્રાણીએ અતિશય ભક્તિ અને પ્રમોદ પૂર્વક બાલભગવાન નેમિકુંવરને દિવ્ય
વસ્ત્રાભૂષણ પહેરાવ્યાં, અને પછી એ નાનકડા પ્રભુજીને મોટા હાથી ઉપર બિરાજમાન કરીને નગરીમાં પાછા
આવ્યા. પછી પ્રભુજીનું પૂજન કરીને ઇન્દ્રોએ બહુ જ ભક્તિપૂર્વક વિસ્મયકારી તાંડવનૃત્ય કરીને પોતાનો આનંદ
વ્યક્ત કર્યો. એ વખતનાં ઉલ્લાસ અને આનંદમય વાતાવરણમાં તાંડવનૃત્યના તાલની સાથે સાથે ભક્તજનોનાં
હૈયાં પણ ભક્તિથી નાચતા હતા.
જન્મકલ્યાણક વગેરે પ્રસંગે આકાશમાંથી દેવવિમાન ઉતરતા હોય–એવો દેખાવ થયો હતો.
પારણા–ઝૂલન
બપોરે બાલ ભગવાન શ્રી નેમિકુંવરના પારણા–ઝૂલનનું દ્રશ્ય થયું, ભક્તો ભક્તિપૂર્વક ભગવાનનું પારણું
ઝુલાવી રહ્યા હતા. ચારે તરફ દીપકોના પ્રકાશથી શોભી રહેલા

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૧૨૮ઃઃ માનસ્તંભ–મહોત્સવ અંકઃ
સોના–ચાંદીના પારણીયે પ્રસન્નવદન પ્રભુજી ઝૂલી રહ્યા હતા. એ નાનકડા ભગવાનને નીરખતાં જ હૈયામાં સ્નેહ
અને ભક્તિ ઊભરાઈ જતાં હતાં.....અને એમ થતું હતું કે અહો! ભગવાન થવા માટે એનો અવતાર છે...ધન્ય
એનો અવતાર! એ મોટો થઈને મુનિ થશે અને આત્માના આનંદમાં ઝૂલતાં ઝૂલતાં કેવળજ્ઞાન પ્રગટ કરીને
અનેક ભવ્ય જીવોને ભવસમુદ્રથી પાર કરશે.–આવા પ્રભુજીના પારણાંને પૂ. બેનશ્રી–બેનજી જેવા પવિત્રાત્માઓ
જ્યારે હૈયાના ઉમળકાથી વાત્સલ્યપૂર્વક ઝૂલાવી રહ્યા હતા ત્યારે તો, જાણે કે તીર્થંકરની માતાના હાથે
તીર્થંકરપ્રભુ પારણે ઝૂલી રહ્યા હોય–એવું એ દ્રશ્ય હતું.....એ પાવન દ્રશ્ય જોતાં એમ થતું હતું કે અહો! તીર્થંકરના
મહિમાની તો શું વાત? પરંતુ જે હાથ તીર્થંકરનું પારણું ઝુલાવી રહ્યા છે તે હાથ પણ ધન્ય છે!!
*
લગ્નની તૈયારી
રાત્રે સમુદ્રવિજય મહારાજાની રાજસભાનો દેખાવ થયો. રાજસભામાં સૌ કુટુંબીજનો બેઠા છે અને
પોતાના હરિવંશમાં નેમિનાથ તીર્થંકરનો જન્મ થયો તે માટે હર્ષ મનાવી રહ્યા છે કે અહો! પૂર્વે શાંતિનાથ
ભગવાન વગેરે તીર્થંકરો જે કુળમાં જન્મ્યા તે જ કુળમાં આજે નેમિનાથ ભગવાને જન્મ લઈને આપણા કુળને
પાવન કર્યું છે.
ત્યાર પછી–યાદવકુમારો વસંતઋતુ ખેલી રહ્યા છે એ દેખાવ થયો હતો, તેમાં નેમિકુમાર પણ સાથે હતા.
ખેલી રહ્યા પછી નેમિકુમાર શ્રીકૃષ્ણની એક રાણીને એક વસ્ત્ર ધોવાનું કહે છે; રાણી ના પાડતાં કહે છે કે મારા
કૃષ્ણ જેવું બળ તમારામાં નથી. આ ઉત્તર સાંભળતાં જ નેમિકુમાર જઈને કૃષ્ણનો શંખ ફૂંકવો વગેરે કાર્યો કરે છે;
તેમનું દિવ્યબળ જોતાં કૃષ્ણને ચિંતા થાય છે, તેથી નેમિકુમાર વૈરાગ્ય પામીને દીક્ષા લઈ લ્યે એવી યુક્તિ વિચારે
છે. રાજકુમારી રાજીમતી સાથે નેમિકુમારના વિવાહની તૈયારી થાય છે, ને દેશોદેશના રાજાઓ ભેટ લઈને આવે
છે,–આ બધાં દ્રશ્યો થયાં હતાં.
વિવાહ પ્રસંગે ભગવાન શ્રી નેમિકુમારની જાનનું દ્રશ્ય અત્યંત ભવ્ય હતું. લગ્ન પ્રસંગે ભેટ લઈને
આવેલા દેશોદેશના રાજા–મહારાજાઓ પણ જાનમાં સાથે હતા. રાજકુમાર નેમિનાથ એક સુશોભિત રથમાં
બિરાજી રહ્યા હતા ને સારથી રથના ઘોડાને ધીરેધીરે ચલાવી રહ્યો હતો.....એ રીતે શ્રી નેમિકુમારની જાન
જૂનાગઢ તરફ જઈ રહી હતી. આ વખતે રથમાં બિરાજમાન ભગવાનની અત્યંત ધીરગંભીર મુદ્રા જોતાં એમ
આશ્ચર્ય થતું હતું કેઃ અરે! આ ભગવાન તે શું રાજીમતીને પરણવા જાય છે?–કે મુક્તિને વરવા જાય છે!
*
વૈરાગ્ય
(ચૈત્ર સુદ આઠમઃ રવિવાર સવારમાં)
ભગવાન નેમિકુમારની જાન જૂનાગઢની એકદમ નજીક આવી ગઈ છે, લોકો ઉત્સુકતાપૂર્વક જાનનું દ્રશ્ય
નીહાળી રહ્યા છે...પરંતુ–જાનનું દ્રશ્ય પૂરું જોઈ રહે તે પહેલાં તો સામે એક જુદું જ દ્રશ્ય ખડું થયુંઃ ભગવાનનો રથ
જે રસ્તેથી પસાર થઈ રહ્યો છે તેની બાજુમાં પીંજરે પૂરાયેલા પશુઓ કરુણ પોકાર કરી રહ્યા હતા. પશુઓનો
કરુણ પોકાર સાંભળતાં નેમપ્રભુ સારથીને પૂછે છે કે અરે સારથી! આ પશુડાંને અહીં કેમ પૂર્યાં છે? સારથી
જવાબ આપે છે કે હે નાથ! આ પશુઓની હિંસા કરવા માટે અહીં પૂર્યાં છે, આપના લગ્નપ્રસંગે તેમની હિંસા
થશે. સારથીની વાત સાંભળતાં જ–અરે! મારાં લગ્ન નિમિત્તે આ નિર્દોષ જીવોની હિંસા!!–એમ વિચારી
ભગવાન એકદમ વૈરાગ્ય પામી જાય છે....અને કહે છે કે ‘અરે સારથી! રથને પાછો વાળ! હવે રથને આગળ ન
ચલાવીશ.....મારે નથી પરણવું.....હું દીક્ષિત થઈને સંયમ અંગીકાર કરીશ.’ ભગવાનની દીક્ષાની વાત સાંભળતાં
જ સારથી એકદમ ગદગદિત થઈ જાય છે ને આંસુઝરતી આંખે ભગવાનને ખૂબખૂબ વિનવે કે ‘હે નાથ! આપ
દીક્ષા ન લ્યો....આપ ઘેર પાછા પધારો....હે પ્રભો! આપના વિના અમે ઘેર જઈશું અને શિવાદેવી મને પૂછશે કે
‘મારા નેમિકુમાર કયાં?’–તો હું શો જવાબ આપીશ! ‘નેમિકુમાર દીક્ષિત થઈ ગયા’ એમ હું કહીશ તો તે
સાંભળતાં જ શિવાદેવી માતા મૂર્ચ્છા ખાઈને જમીન પર ગિર પડશે...’–આમ કહેતાં કહેતાં સારથી પોતે પણ
મૂર્ચ્છિત થઈને ભગવાનના ચરણોમાં ઢળી પડે છે. આ વખતનું એકદમ કરુણ દ્રશ્ય બધાનાં હૈયાંને હચમચાવી દેતું
હતું...છતાં વિશેષતા તો એ હતી કે આ દ્રશ્ય જોનારા બધા જ્યારે કરુણતાથી પીગળી જતા હતા ત્યારે પણ
ભગવાન નેમિકુમાર તો અત્યંત ધીર–ગંભીર

PDF/HTML Page 10 of 21
single page version

background image
પ્રથમ વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૨૯ઃ
પણે પોતાની વૈરાગ્યભાવનામાં અચલ જ હતા.–છેવટે,
જૂનાગઢના રાજમહેલના આંગણે આવેલો એ રથ
પાછો ફરીને અદ્રશ્ય થઈ ગયો.......
ભગવાનના વૈરાગ્યનો આ પ્રસંગ ઘણો જ
ગંભીર અને ભવ્ય હતો....જાણે નેમિનાથ ભગવાન
સાક્ષાત્ નજર સામે જ વૈરાગ્ય પામતા હોય–એવું તે
વખતે લાગતું હતું. પશુઓના પોકારનું દશ્ય પણ
આબેહૂબ હતું.
દૂરથી દેખાઈ રહેલો ભગવાનનો રથ અચાનક
અદશ્ય થતાં રાજીમતીને આશ્ચર્ય થાય છે અને પોતાની
સખી પાસેથી ભગવાનના વૈરાગ્યના સમાચાર
સાંભળતા પોતે પણ વૈરાગ્ય પામીને સંયમની ભાવના
ભાવે છે–એ પ્રસંગ પડદા પાછળથી જ સંવાદ અને
કાવ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ વખતે ખૂબ
જ ભાવભીની શૈલીથી એક વૈરાગ્યમય કાવ્ય ગવાયું
હતું. તે કાવ્ય સાંભળતાં આખી સભા વૈરાગ્યથી ગદગદ
થઈને ડોલી ઊઠી હતી. એ કાવ્ય નીચે મુજબ હતું–
ઓ.....સાંવરિયા નેમિનાથ શાને ગયા ગીરનાર
ઓ......તીન ભુવન કે નાથ શાને ગયા ગીરનાર.
શું રે કુદરતમાં રચાયું શું રે થયો અપરાધ...
શાને ગયા ગીરનાર
તોરણ સેં રથ ફેર સ્વામી ગીરી ગુફા વસનાર...
શાને ગયા ગીરનાર
રથડો વાળો....કરુણા ધારો લહું સંયમ તુમ સાથ
શાને છોડયો સંસાર
નાથ નિરાગી સ્વરૂપ મ્હાલી મુનિન્દ્ર પદ ધરનાર
શાને છોડયો સંસાર
સહસ્રાવન મેં જાકે સ્વામી શ્રેણી ક્ષપક ચઢનાર
શાને ગયા વનવાસ
ભવ્ય અનંત કે તારનહારે મુજને તારો દયાલ
શાને ગયા વનવાસ
ધન્ય સુઅવસર મિલા સંયમ કા ધરું સંયમ પ્રભુ પાસ
પ્રભુ ગયા ગીરનાર
યહ આભૂષણ મેરે અંગ પર અબ ન સોહે લગાર
પ્રભુ ગયા ગીરનાર
છોડું શણગાર બનું અર્જિકા રહું ચરણ સંત છાંય
પ્રભુ ગયા ગીરનાર
દીક્ષા કલ્યાણક
આ તરફ, સંસારથી વિરક્ત થયેલા નેમિનાથ
ભગવાન ઉપશમભાવથી અંતરમાં બાર
વૈરાગ્યભાવનાઓનું ચિંતવન કરી રહ્યા છે, ત્યાં
ભગવાનના વૈરાગ્યની ખબર પડતાં જ લૌકાંતિકદેવો
આવીને પ્રભુચરણે પુષ્પાંજલિ અર્પીને સ્તુતિ કરે છે–
(લૌકાંતિકદેવો તરીકે સોનગઢના બાલબ્રહ્મચારી
ભાઈઓ વગેરે હતા)
વંદો વંદો પરમ વીરાગી ત્યાગી જિનને રે.....
થાયે જિન દિગંબર મુદ્રાધારી દેવ....
–નેમિનાથ પ્રભુજી તપોવનમાં સંચરે રે....
*
धन्य तुं......धन्य तुं.....धन्य नेमिनाथ तुं......
धन्य हो नाथ! वैराग्य उत्तम लहा..........
आपको बोधने बल धरें हम नहीं
मात्र भक्ति करें पाप आवे नहीं........
–ઇત્યાદિ સ્તુતિ કરીને પછી ભક્તિપૂર્વક
વૈરાગ્ય સંબોધન કરે છે કેઃ અહો! વૈરાગ્યમૂર્તિ
નેમિનાથ ભગવાન! વિવાહ સમયે વૈરાગ્ય ધારણ
કરીને આપશ્રી જગતને વીતરાગતાનો એક ભવ્ય
આદર્શ આપી રહ્યા છો.....આ સંસારના ભોગ ખાતર
આપનો અવતાર નથી પણ આત્માના મોક્ષ ખાતર
આપનો અવતાર છે. આ ભવ તન અને ભોગથી
વિરક્ત થઈને આત્માના ચિદાનંદ સ્વભાવમાં પુર્ણપણે
સમાઈ જવા માટે આપશ્રી જે વૈરાગ્યચિંતન કરી રહ્યા
છો તેને અમારી અત્યંત અનુમોદના છે. પ્રભો!
આપના રોમે રોમે વૈરાગ્યની છાયા છવાઈ ગઈ છે,
આપના પ્રદેશે પ્રદેશે વીતરાગભાવ ઉલ્લસી રહ્યો છે.
ધન્ય છે પ્રભો! આપની વૈરાગ્યભાવનાને ધન્ય
છે.........હે નાથ! આપ ભગવતી દિગંબર મુનિદશા
અંગીકાર કરીને આત્માના અતીન્દ્રિય આનંદમાં ઝુલતાં
ઝુલતાં અપ્રતિહતભાવે કેવળજ્ઞાન પામો અને અમારા
જેવા ભવ્ય જીવોને માટે મોક્ષના દરવાજા ખુલ્લાં
કરો..... આપના જેવું પવિત્ર વૈરાગ્યજીવન અમને પણ
પ્રાપ્ત થાવ......’
–એ પ્રમાણે લૌકાંતિક દેવોના વૈરાગ્યસંબોધન બાદ
નેમિનાથ પ્રભુજી દીક્ષા માટે વનમાં જવા તૈયાર થાય
છે. દેવો દીક્ષા કલ્યાણક ઊજવવા આવે છે ને પ્રભુજીને
પાલખીમાં બિરાજમાન કરીને સહસ્રામ્રવનમાં લઈ જાય
છે–એ દ્રશ્ય થયું હતું. દીક્ષા માટે ભગવાનની
વનયાત્રાનું દ્રશ્ય

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧૩૦ઃઃ માનસ્તંભ–મહોત્સવ અંકઃ
પણ અદ્ભુત હતું. સેંકડો આમ્રવૃક્ષની ઘટાવાળા એક સુંદર વનમાં દીક્ષાવિધિ થઈ હતી. જાણે વૈરાગ્યનો મહા
ગંભીર સમુદ્ર પડયો હોય એવું એ વનનું વાતાવરણ હતું. વનમાં જઈને એ વૈરાગ્યમૂર્તિ ભગવાને વસ્ત્રાભૂષણ
વગેરે છોડી દીધા અને પૂ. ગુરુદેવે પ્રભુજીનો કેશલોંચ કર્યો. પ્રભુજીનો કેશલોંચ કરવા ઊભા થયા ત્યારે ગુરુદેવના
રોમેરોમ વૈરાગ્યરસથી ભીંજાઈ ગયા હતા. પહેલાં થોડીવાર તો એકીટશે ભગવાનની વૈરાગ્યમુદ્રાને જોઈ જ રહ્યા
ત્યારે ચારે બાજુનું વાતાવરણ વૈરાગ્યથી સ્તબ્ધ થઈ ગયું હતું....પછી પ્રસન્નવદને ખૂબ જ ગંભીરભાવપૂર્વક પુ.
ગુરુદેવશ્રીએ તીર્થંકરભગવાનનો કેશલોંચ કર્યો–તે વખતનું વૈરાગ્યપ્રેરક દ્રશ્ય જોતાં મુમુક્ષુઓના રોમાંચ ઉલ્લસી
જતા હતા અને મુખમાંથી ‘ધન્ય....ધન્ય’ ના ઉદ્ગાર નીકળી જતા હતા. કેશલોંચ પછી સિદ્ધ ભગવંતોને
નમસ્કાર કરીને નેમિનાથ મુનિરાજ આત્મધ્યાનમાં લીન થયા.......
–તેમને અમારા નમસ્કાર
*
ભગવાનની દીક્ષા પછી તે દીક્ષાવનમાં જ પુ. ગુરુદેવશ્રીએ ખાસ વૈરાગ્યપ્રવચન કર્યું હતું. આજના
પ્રવચનમાં પુ. ગુરુદેવ જુદા જ રંગથી ખીલ્યા હતા.....તેમના હૃદયમાંથી અપૂર્વ ભાવો વહેતા હતા....ગુરુદેવનો
જ્ઞાનસમુદ્ર આજે અધ્યાત્મરસની વીતરાગી લહરીઓથી ઊછળતો હતો. એક તો ગીરનારના સહસ્રાવન જેવું
ભવ્ય આમ્રવન....વળી નેમનાથ ભગવાનની દીક્ષાઓ વૈરાગ્ય પ્રસંગ......અને તેમાં વળી પુ. ગુરુદેવશ્રીનું
પ્રવચન.... પછી શું બાકી રહે! એ વખતે તો, હજારો શ્રોતાજનોથી ખીચોખીચ ભરેલા આખા વનને ગુરુદેવ
વૈરાગ્યભાવનામાં ઝૂલાવી રહ્યા હતા.....પ્રવચનના શબ્દે શબ્દે વૈરાગ્યના અદ્ભુત ઝણકાર ઊઠતા હતા.....તે
સાંભળતાં શ્રોતાજનોનાં હૃદય પણ ઊછળી જતા હતા અને એમ થતું હતું કે જીવન કૃતાર્થ થયું....ધન્ય આજનો
પ્રસંગ...ને ધન્ય આજનું પ્રવચન! એ પ્રવચનનો ઝણઝણાટ હજી પણ અનેક ભક્તજનોના હૃદયમાં તાજો જ
છે....અને પ્રવચન સમયની પુ. ગુરુદેવની વૈરાગ્યમસ્તીથી ભરપુર ખૂબજ પ્રસન્ન–પ્રસન્ન મુદ્રા અત્યારે પણ નજર
સમક્ષ તરવરી રહી છે. દીક્ષાવનના આ પ્રસંગનો ખ્યાલ તો જેણે નજરે જોયો હોય તેને જ આવે.
પ્રવચનમાં જિનેશ્વરના માર્ગનું સ્વરૂપ, ભગવાનની મુનિદશાનો મહિમા અને મુનિદશામાં વર્તતા અદ્ભુત
આનંદનું અલૌકિક વર્ણન સાંભળીને, દૂર દૂરથી આવેલા સેંકડો શ્રોતાજનો આશ્ચર્યમુગ્ધ થઈને કહેતા કે अहो!
आज तो अपूर्व बात सुनाई दी......ऐसी अद्भुत बात हमारे सुनने में कभी नही आई!
પ્રવચનમાં અત્યંત ભાવપૂર્વક ગુરુદેવના હૃદયમાંથી આવા ઉદ્ગાર નીકળ્‌યા હતા કેઃ ‘આજે તો
ભગવાનના વૈરાગ્યનો પ્રસંગ છે...અહો! ભગવાનના વૈરાગ્યનો પ્રસંગ દેખીને તો આંખમાં આંસુ આવી જતા
હતા. નેમિનાથ ભગવાને આ સૌરાષ્ટ્રમાં જ દીક્ષા લીધી હતી. ભગવાને જ્યાં દીક્ષા લીધી હતી તે ગીરનારનું
સહસ્રાવન તો અહીંથી પ૦–૬૦ કોસ દૂર છે....ને ભગવાને તો હજારો વર્ષો પહેલાં શ્રાવણ સુદ છઠ્ઠે દીક્ષા લીધી
હતી તથા અત્યારે તો ભગવાન સિદ્ધાલયમાં બિરાજે છે, પરંતુ–જુઓ ને! આપણે તો અહીં જ સહસ્રાવન છે....
આજે જ આપણે શ્રાવણસુદ છઠ્ઠ છે ને આજે જ અહીં ભગવાનની દીક્ષા થાય છે. અહો! આજે તો જાણે નેમિનાથ
ભગવાન સાક્ષાત્ અહીં પધાર્યા હોય ને આપણે સામે દીક્ષા લેતા હોય–એવું લાગે છે....’ પૂ. ગુરુદેવના આ
ઉદ્ગાર સાંભળતાં હજારો શ્રોતાજનો ખૂબ જ આનંદિત થયા હતા અને તાલીઓ તથા હર્ષનાદથી વનને ગજાવી
દીધું હતું.....જાણે ખરેખર ભગવાન પ્રત્યક્ષ પધાર્યા હોય–એવું ઉલ્લાસમય વાતાવરણ તે વખતે સભામાં ફેલાઈ
ગયું હતું.
પ્રવચન પછી તે વનમાં જ એક ભાઈએ સજોડે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી હતી. તે પ્રસંગે પ્રતિજ્ઞા
આપતાં ગુરુદેવે કહ્યું હતું કેઃ યથાર્થ વ્રત તો સમ્યગ્દર્શન પછી પાંચમા ગુણસ્થાને જ હોય છે, પરંતુ સમ્યગ્દર્શન
પહેલાં પણ કષાયની મંદતારૂપે બ્રહ્મચર્ય વગેરેનો શુભભાવ આવે તેનો નિષેધ નથી. જોકે મંદકષાય તે કાંઈ ધર્મ
નથી, ધર્મ તો તેનાથી જુદી ચીજ છે; રાગરહિત ચૈતન્યતત્ત્વની રુચિ અને સમજણથી જ ધર્મની શરૂઆત થાય છે,
અને પછી જ શ્રાવક કે મુનિદશા હોય છે; છતાંપણ વિષયકષાયના તીવ્ર પાપ છોડીને શુભભાવ કરે તેનો નિષેધ
ન હોય.
*
ભગવાનને દીક્ષા પછી તરત જ મનઃપર્યયજ્ઞાન પ્રગટયું....પછી ભગવાન તો વનમાં વિહાર કરી ગયા.....
અને ભક્તજનો એ વૈરાગ્યપ્રસંગની ધૂનસહિત નગરમાં પાછા

PDF/HTML Page 12 of 21
single page version

background image
પ્રથમ વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૩૧ઃ
ફર્યા....ભગવાનના કેશને ઇન્દ્રે ક્ષીર સમુદ્ર તરીકે એક કૂવામાં પધરાવી દીધા.
બપોરે તથા રાત્રે મુનિરાજની ભક્તિ થઈ હતી, તેમજ અજમેરની ભજનમંડળીએ ‘નેમિકુમાર તથા
સારથી વચ્ચેનો સંવાદ’ અને ‘રાજીમતી તથા તેના પિતાજી વચ્ચેનો સંવાદ’ કાવ્યરૂપે સંભળાવ્યો હતો.
આહારદાન
(ચૈત્ર સુદ નોમ–સોમવાર)
આજે તીર્થંકરભગવાન શ્રી નેમિનાથ મુનિરાજના પ્રથમ આહારનો મહા પવિત્ર પ્રસંગ બન્યો હતો.
પ્રભુજી આહાર માટે નગરીમાં પધાર્યા છે.....ભક્તજનો ભાવના ભાવતાં ઊભા છે કે ‘અહો! આપણા આંગણે
ભગવાન પધારે અને આપણે ભગવાનને ભક્તિપૂર્વક આહારદાન દઈએ....અહો, ધન્ય તે અવસર ને ધન્ય તે
કાળ.....કે જ્યારે મુનિ ભગવંતના પાવન કરકમળમાં આ હાથથી આહારદાન આપીએ!’ પ્રભુજી જે રસ્તે
વિચરતા તે રસ્તે ઊભેલા ભક્તજનો ભગવાનને આહાર માટે પડગાહન કરતા હતા. એ રીતે વિચરતાં વિચરતાં
ભગવાન ‘શ્રાવિકા બ્રહ્મચર્યાશ્રમ’ પાસે પધાર્યા; ત્યાં બેનશ્રી ચંપાબેન અને બેનજી શાંન્તાબેન વગેરે ભક્તજનો
ભાવના ભાવતાં ઊભાં હતાં. પોતાના આંગણે ભગવાનને નીહાળતાં જ અત્યંત ભક્તિપૂર્વક હૃદયના ઉમળકાથી
બંને બહેનોએ પડગાહન કર્યુંં.–‘હે ભગવાન! નમોસ્તુ! નમોસ્તુ! નમોસ્તુ! પધારો......પધારો....અમારા આંગણે
પધારો.....હે પ્રભો! અત્ર તિષ્ઠ તિષ્ઠ......મનશુદ્ધિ–વચનશુદ્ધિ–કાયશુદ્ધિ–આહારશુદ્ધિ......હે નાથ! અમારા
આંગણાને પાવન કરો!’ ભગવાન ત્યાં ઊભા રહી ગયા એટલે ખૂબ જ પ્રસન્નતાપૂર્વક ભગવાનને પ્રદક્ષિણા
કરી...... અંતરની ભક્તિ અને પ્રમોદના બળને લીધે સહેજે એ પ્રદક્ષિણા દેવાઈ જતી હતી....ભગવાન અંદર
પધાર્યા ત્યાં એક મહા પવિત્ર સ્થાનમાં પ્રભુજીને બિરાજમાન કરીને, ખૂબ જ ભાવપૂર્વક પાદપ્રક્ષાલન પૂજન વગેરે
નવધાભક્તિ કરી.....અને પછી બંને બેનોએ હૈયાના ઉમળકાથી અતિશય ભક્તિપૂર્વક ભગવાનના કરકમળમાં
આહારદાન આપ્યું. અહો.....એ જીવનનો ધન્ય પ્રસંગ હતો....એ પાવન પ્રસંગ નીહાળતાં નીહાળતાં હજારો
ભક્તજનો એ આહારદાનનું અનુમોદન કરી રહ્યા હતા....પૂ. ગુરુદેવશ્રી પણ આહારદાનનો પ્રસંગ ભક્તિપૂર્વક
નીહાળતા હતા. શ્રાવિકાબ્રહ્મચર્યાશ્રમમાં પુ. બેનશ્રી–બેનના આંગણે એક ભવ્ય સુશોભિત મંડપમાં ભગવાનના
આહારદાનનો પ્રસંગ થયો હતો.
આ પ્રસંગે કેટલુંક વિવેચન કરતાં પ્રતિષ્ઠાચાર્ય પં. શ્રી નાથુલાલજી સાહેબે કહ્યું હતું કેઃ ‘देखो! यह बहुत
ही हर्षका प्रसंग है कि आज द्वारिका नगरी में वरदत्तराय महाराजा के यहां भगवान नेमिनाथ मुनिराज
का प्रथम आहार हो रहा है
.......और वरदत्तमहाराज की ये दोनों बहिनें बडी भक्ति से भगवान को
आहारदान दे रही हैं..........महाराज की इन दोनों बहिनों ने धर्म मय प्रवृत्ति के लिये अपना सारा जीवन
अर्पण कर दिया है.......’ ધન્ય એ પ્રસંગ! જ્યાં આહાર લેનારા તો તીર્થંકર ભગવાન જેવા ઉત્કૃષ્ટ પાત્ર હતા
અને આહાર દેનારા દાતાર પણ મહા પવિત્ર આત્માઓ હતા......ઉત્તમ પાત્ર અને ઉત્તમ દાતાર એ બંનેનો
અદ્ભુત સુયોગ ત્યાં થઈ ગયો હતો...ચારે બાજુ
‘अहो दानम्......महा दानम्’ ના હર્ષનાદ અને પુષ્પવૃષ્ટિ થઈ
રહી હતી. અહો! એ આહારદાન વખતના ભાવોની શું વાત થાય! નિર્વિકલ્પ અનુભવ વખતે જેમ નય–નિક્ષેપના
વિકલ્પો નથી હોતા, તેમ ભગવાનને આહારદાન દેતી વખતે અપુર્વ ભક્તિના ઉલ્લાસને લીધે ભાવનિક્ષેપ અને
સ્થાપનાનિક્ષેપનો ભેદ ભુલાઈ જતો હતો ને સાક્ષાત્ ભગવાનને જ આહાર દેતા હોઈએ–એવો આહ્લાદ થતો
હતો. આજે પણ, એ ધન્ય પ્રસંગની વાત નીકળતાં જ બંને બહેનો અત્યંત પ્રમોદ અને ઉલ્લાસથી ગદગદ થઈને
કહે છે કેઃ ‘અહો! અમારી ઘણા વખતની ભાવના હતી તે પુરી થઈ.....ભગવાનને આહાર દેતી વખતે તો જાણે
સાક્ષાત્ તીર્થંકરભગવાન જ આંગણે પધાર્યા હોય–એમ થતું હતું.....ને સહેજે સહેજે ભાવો ઉલ્લસી જતા
હતા....અહો! રત્નત્રયધારક સાક્ષાત્ મોક્ષમાર્ગ અમારે આંગણે આવ્યો......અમારા આંગણે તીર્થંકરના પગલાં
થયાં......મુનિરાજના પવિત્ર ચરણથી અમારું આંગણું પાવન થયું....ભગવાનને આહાર દેવાથી અમારા હાથ
પાવન થયા....અમારું જીવન કૃતાર્થ થયું....જીવનમાં વિરલ જ આવે એવો એ ધન્ય પ્રસંગ હતો....’
આહારવિધિ પૂર્ણ થયા પછી બેનશ્રી–બેનના ઘરમાં પધારીને ભગવાને એ ભુવનને પાવન કર્યું.....
ભગવાન ત્યાં આત્મધ્યાનમાં બિરાજતા હતા ત્યારે ગુરુદેવ ખૂબખૂબ ભાવપૂર્વક ભગવાનને નમસ્કાર કરીને
તેમની સન્મુખમાં જ બેસી ગયા.........તે વખતે ગુરુદેવ ભગવાનની સાથે જાણે કે અંતરની કોઈ ઊંડી ઊંડી વાતો
કરી રહ્યા હોય!–એવું એ

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧૩૨ઃઃ માનસ્તંભ–મહોત્સવ અંકઃ
દ્રશ્ય લાગતું હતું. આહારદાનમાં નવધાભક્તિનાં પ્રસંગે
પણ ભગવાન શ્રી નેમિનાથ મુનિરાજ પ્રત્યે ગુરુદેવને
એવો ભાવ ઉલ્લસી ગયો હતો કે એ મુનિરાજના
પવિત્ર ચરણોદકને ભક્તિપુર્વક હાથમાં લઈને પોતાના
મસ્તકે ચડાવ્યું હતું.
એ ભુવનમાં થોડીવાર બિરાજીને ભગવાન
વનમાં વિચરી ગયા. પોતાના આંગણે તીર્થંકર
ભગવાન પધાર્યા અને ભગવાનને પ્રથમ આહારદાનનો
મહાન લાભ મળ્‌યો તેના હર્ષમાં પૂ. બેનશ્રી ચંપાબેન
તથા પૂ. બેન શાન્તાબેન–બંનેએ પોતપોતાના તરફથી
ઉલ્લાસપૂર્વક દાનની રકમો જાહેર કરી હતી અને બીજા
ભક્તજનોએ પણ ઉલ્લાસપુર્વક તેને અનુમોદન
આપીને તે જ વખતે હજારો રૂા. ના દાનની જાહેરાત
કરી હતી.
ભક્તોના અંતરમાં એવી ઊંડી ભાવના હતી
કે તીર્થંકર ભગવાને જે ઘરે આહાર કર્યો ત્યાં જ
ગુરદેવ આહાર કરે.....પૂ. ગુરુદેવશ્રીએ આ વિનંતિનો
સ્વીકાર કરતાં તેઓશ્રીના આહારનો પવિત્ર પ્રસંગ
પણ બેનશ્રી–બેનને ત્યાં જ થયો હતો. એક તો
ભગવાનના આહારનો પ્રસંગ, અને વળી ગુરુદેવના
આહારનો પ્રસંગ.....એક સાથે આવા બે મહાન
લાભનો અપુર્વ પ્રસંગ બને પછી ઉલ્લાસમાં શું ખામી
રહે!! એ ઉલ્લાસ અંતરમાં સમાતો ન હતો. તે
વખતનો એ બંને બહેનોનો ઉમંગ તો તેઓ જ
જાણે...આહારપ્રસંગ પછી લાંબો વખત સુધી ચાલેલી
અસાધારણ ભક્તિ અને દૂરદૂર સંભળાતા જયકાર એ
ઉમંગની સાક્ષી પૂરતા હતા. આ પાવન પ્રસંગ જેમણે
નજરે જોયો હશે તેઓ તેની સ્મૃતિથી હજી પણ
આહ્લાદિત થતા હશે.
*
આહારદાન પ્રસંગનું કાવ્ય–
लिया मुनिने अहार... जयजयकार... जयजयकार
नेमिनाथ मुनिराय... जयजयकार... जयजयकार
स्वर्णनगर द्वारावती प्यारा
बना आज है परम सुहाना
बहन–द्वै वरदत्तराय
...जयजयकार जयजयकार... लिया०
अहार हुआ नगरी हर्षाई
रत्नराशि हरि ने बरसाई
पुलकित हैं नरनार
... जयजयकार जयजयकार.... लिया०
तीर्थंकर का पावन चरणां
हुआ आज यह मंगल घरमां
धन्य मोक्षविहारी नाथ
... जयजयकार जयजयकार... लया०
नेमि प्रभु ने लिया अहारा
सब से प्रथम मंगलकारा
हिरदे हरख न माय
... जयजयकार जयजयकार...
लिया मुनिने आहार... जयजयकार जयजयकार...
नेमिनाथ मुनिराय... जयजयकार जयजयकार...
*
અંકન્યાસ વિધાન (સોમવાર)
આજે બપોરે પ્રતિષ્ઠા માટેના જિનબિંબો ઉપર
પૂ. ગુરુદેવશ્રીના પરમ પવિત્ર હસ્તે અંકન્યાસવિધિ
થયો હતો. પ્રતિષ્ઠામાં આ અંકન્યાસવિધિ ઘણો
મહત્વનો ગણાય છે. પ્રતિષ્ઠામાં એકંદર ૩૨ પ્રતિમાઓ
હતા, તેમાંથી સીમંધર ભગવાનના આઠ પ્રતિમા
માનસ્તંભમાં બિરાજમાન કરવા માટેના હતા.
જિનશાસનના પરમ પ્રભાવી ગુરુદેવશ્રીના મહામંગલ
કરકમળથી સોનાની સળી વડે એ વીતરાગી જિનબિંબો
ઉપર મહાપવિત્ર ભાવથી જ્યારે ૐ વગેરે મંત્રાક્ષરો
અંકિત થતા હતા ત્યારે ગુરુદેવના પાવન હસ્તે થઈ
રહેલા એ મહાકાર્યનું પાવન દ્રશ્ય હજારો ભક્તજનો
ખૂબ જ ઉલ્લાસથી નિહાળી રહ્યા હતા અને જયજયકાર
નાદથી વધાવતા હતા.....દિગંબર જૈનશાસનની
પ્રભાવનાના જેવાં મહાન કાર્યો ભગવાન શ્રી
કુંદકુંદાચાર્યદેવ અને નેમિચંદ્રાચાર્યદેવના સુહસ્તે થયાં
તેવા જ મહાન કાર્યો અત્યારે કહાન ગુરુદેવના સુહસ્તે
નજર સમક્ષ બની રહ્યાં હતાં. અને એ નીરખી–
નીરખીને ભક્તો ઉમંગથી નીચેનું કાવ્ય ગાતા હતા–
(રાગ–મહાવીરા તેરી ધૂનમેં.......)
શ્રી સદ્ગુરુ કરકમળેથી... મહામંગળ વિધિ થાય છે...
મહા મંગળ વિધિથાય છે...મહામંગળ વિધિ થાય છે...
–મહા મંગળ વિધિ થાય છે......શ્રી૦
આ ભરતક્ષેત્રમાંહી પ્રતિષ્ઠા સ્વર્ણે ગાજે.........(૨)
શ્રી માનસ્તંભ બન્યો છે સુવર્ણના મંદિરીયે....શ્રી૦
શ્રી જિનવર મુખડાં નીરખી ગુરુવરના દીલડાં હરખે. (૨)
એ પુનિત હૃદયોમાંહી શ્રી જિનવરજી બિરાજે... શ્રી૦...

PDF/HTML Page 14 of 21
single page version

background image
પ્રથમ વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૩૩ઃ
સુવર્ણશલાકા સોહે શ્રી ગુરુવર કરકમલોમાં.......(૨)
પુનિત અંતર–આતમથી અંકન્યાસવિધિ થાય છે....શ્રી૦.....
શ્રી વિદેહક્ષેત્રમાંહી સીમંધરનાથ બિરાજે.......(૨)
અમી દ્રષ્ટિ વરસાવે શ્રી મંગલવિધિમાંહી.......શ્રી૦.........
–આ પંચ કલ્યાણકમાંહી... શ્રી૦.........
વીતરાગ સ્વરૂપ બતાવ્યું શ્રી કહાન ગુરુદેવે..........(૨)
જિનવરવૈભવ બતાવ્યા જિનસ્તંભને થંભાવીઆ.....શ્રી૦.......
શ્રી જિનવર લોચન સોહે ગુરુદેવના મનડાં મોહે......(૨)
જિનેન્દ્ર પધાર્યા દ્વારે તુજ મહિમા અદ્ભુત આજે.....શ્રી૦.......
સુવર્ણધામમાં પધારેલાં એ ભગવંતો ઉપર પૂ. ગુરુદેવે અંકન્યાસ ખૂબ જ ભાવપૂર્વક કર્યો હતો, તે વખતે
તેમની મુદ્રા અતિશય પ્રસન્નતાથી ઝળકતી હતી. તેઓશ્રી પહેલાં થોડીકવાર સુધી તો ખૂબ જ ભક્તિપૂર્વક
એકાગ્રનયને પ્રભુજીની મુદ્રા નીહાળે.....ને પછી જાણે કે ભગવાનની પરમ ઉપશાંત વીતરાગી મુદ્રા નીહાળીને પ્રસન્ન
થયા હોય તેમ અંતરના ઉમળકાથી પ્રતિમાજી ઉપર મંત્રાક્ષરો લખે. મંત્રાક્ષર લખ્યા પછી ફરી પાછા ભગવાનની મુદ્રા
સામે તાકી તાકીને એકાગ્રતાથી જોઈ રહે.....ત્યારે તો જાણે ગુરુદેવના હૈયામાંથી ‘અહો! મારા
સીમંધરનાથ.......પધારો....પધારો!’ એવો ધ્વનિ ઊઠતો હોય–એમ લાગતું હતું. એ પ્રમાણે પ્રતિમાજીને ફરી ફરીને
નીરખતા જાય ને મંત્રાક્ષર કરતા જાય. આ રીતે અંકન્યાસવિધિ કરીને પધાર્યા ત્યારે ગુરુદેવ ખૂબ જ પ્રસન્નતાપૂર્વક
હર્ષિત થતા હતા–મહાવિદેહી સીમંધર ભગવાન અહીં પધારતા હોય ત્યારે ગુરુદેવના હૈયામાં હરખ કેમ સમાય!
કેવળજ્ઞાન કલ્યાણક (સોમવાર ચૈત્ર સુદ નોમઃ બપોરે)
અંકન્યાસ વિધાન પછી પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલી રહ્યું હતુંઃ હે ચિદાનંદનાથ! કેવળજ્ઞાન થવાનું
સામર્થ્ય તારી અંતર શક્તિમાં ભર્યું છે, તેમાં અંતર્મુખ થઈને પ્રતીત અને એકાગ્રતા કરતાં કેવળજ્ઞાન પ્રગટી જશે–
ઇત્યાદિ વાત ચાલતી હતી અને શ્રોતાઓ તે સાંભળવામાં એકાગ્ર હતા, ત્યાં તો અચાનક આશ્ચર્યકારી ખળભળાટ
થયો અને ચારેબાજુ મંગલનાદ થવા લાગ્યા. હજી તે ખળભળાટ શમે તે પહેલાં તો સામે ભગવાનનું ભવ્ય
સમવસરણ દેખાયું અને ખબર પડી કે અહો! નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું. આ પ્રસંગે સમવસરણની
સુંદર રચના થઈ હતી. વિવિધ પ્રકારની રંગબેરંગી રચનાઓથી શોભતા સમવસરણની મધ્યમાં ગંધકુટી ઉપર
ભગવાન બિરાજતા હતા. ભગવાનને જોતાં જ ગુરુદેવે પાટ ઉપરથી ઉતરીને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. ભવ્ય
જીવોના ટોળેટોળાં ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવા ઉત્સુક બન્યા....આ પ્રસંગે ભગવાનની દિવ્યધ્વનિ તરીકે પૂ.
ગુરુદેવશ્રીએ અપૂર્વ પ્રવચન કરતાં કહ્યું કેઃ ‘ભગવાનનો ઉપદેશ ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત છે. ભૂતાર્થસ્વભાવના જ
આશ્રયે લાભ થવાનું ભગવાને કહ્યું છે. જે જીવ શુદ્ધનયથી ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરીને પોતાના આત્મામાં
ધર્મની વૃદ્ધિ કરે તે જ ભગવાનની દિવ્યવાણીનો ખરો શ્રોતા છે...’
દિવ્યધ્વનિનું પ્રવચન પૂરું થયા બાદ ઈંદ્રોએ સમવસરણમાં બિરાજમાન તીર્થંકરભગવાનનું પૂજન કર્યું હતું.
સાંજે વિદ્યાર્થી–બાળકોએ વૈરાગ્ય અને તત્ત્વચર્ચાથી ભરપૂર એક સંવાદ કર્યો હતો. તેમાં, જંગલમાં
ધ્યાનસ્થ મુનિરાજને વજ્રબાહુકુમારએકીટીશે જોઈ રહે છે ને એ ધન્યદશાની ભાવના ભાવે છે, ત્યાં તેનો સાળો
ઉદયસુંદર કહે છે કે ‘તમારે તો મુનિ નથી થવું ને!’ એ વાત સાંભળીને વજ્રબાહુકુમાર વૈરાગ્યપૂર્વક દીક્ષા
અંગીકાર કરે છે–એ પ્રસંગ મુખ્યપણે બતાવવામાં આવ્યો હતો.
રાત્રે સમવસરણમાં બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની ભક્તિસહિત પ્રદક્ષિણા કરવામાં આવી હતી.
નેમિનાથ ભગવાન આ સૌરાષ્ટ્ર દેશમાં જ ગીરનાર ઉપર કેવળજ્ઞાન પામ્યા છે તેથી ભક્તિમાં ખૂબ જ
ઉલ્લાસપૂર્વક નીચેની ધૂન ગવાતી હતી–
બાલબ્રહ્મચારી જિણંદ પદધારી સેવે સુરનર ચંદા રે.........
ગીરનારગીરી પર નેમ જિણંદા ભેટંત ટળે ભવફંદા રે.....
જિણંદ પદધારી રાગદ્વેષ નિવારી ઘાતિ કરમ ક્ષયકારી રે...
સહસ્રાવને કેવળ પ્રગટાવી કલ્યાણ મંગલ જયકારી રે......
ઈંદ્રાદિક સૂર અસંખ્ય આવે સમવસરણ વિરચાવે રે.......
ગીરનાર ગીરી પર નેમ જિણંદકી કલ્યાણક ત્રણ ભૂમિ રે..... (ઇત્યાદિ)

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧૩૪ઃઃ માનસ્તંભ–મહોત્સવ અંકઃ
નિર્વાણ કલ્યાણક (ચૈત્ર સુદ દસમ, મંગળવાર)
સવારમાં નિર્વાણ કલ્યાણકનું દ્રશ્ય થયું હતું; તે વખતે ગીરનારજી સિદ્ધક્ષેત્રની સુંદર રચના થઈ હતી. એ
ગીરનારની પાંચમી ટૂંકેથી ભગવાન શ્રી નેમિનાથ પ્રભુ પરમ સિદ્ધપદને પામ્યા. દૂરદૂરના યાત્રાળુઓ આવીને એ
ગીરનારજીની યાત્રા કરી રહ્યા છે;–એ દેખાવ પણ થયો હતો.
ત્યારબાદ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન થયું, ભગવાન કઈ રીતે સિદ્ધ પદ પામ્યા તે ગુરુદેવે સમજાવ્યું.
ગુરુદેવનું પ્રવચન સાંભળવા માટે ભાવનગરના મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી પધાર્યા હતા. પ્રવચન
સાંભળીને પોતાનો હર્ષ વ્યક્ત કરતાં આદરપૂર્વક તેમણે પૂ. ગુરુદેવશ્રીને કહ્યું કેઃ ‘આજના પ્રવચનમાં તો એકલી
મલાઈ જ પીરસાતી હતી.’ તેમ જ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યતા જોઈને તેમણે પોતાનો હર્ષ બતાવ્યો હતો. આ
ઉપરાંત વલભીપુર–વળાના ઠાકોરસાહેબ શ્રી ગંભીરસિંહજી પણ પધાર્યા હતા અને તેમણે પણ પૂ. ગુરુદેવ પ્રત્યે
પોતાનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ પ્રતિષ્ઠિત પ્રતિમાજીને માનસ્તંભમાં સ્થાપિત કરવા માટેની ઊછામણી બોલાણી હતી તેમાં
ભક્તજનોએ ખૂબ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે પ્રતિમાજીની સ્થાપના, કલશ–ધ્વજારોહણ તથા
રથયાત્રાની ઊછામણીમાં લગભગ રૂા. ૩૪૦૦૦) ની બોલી થઈ હતી.
બપોરે, પ્રતિષ્ઠિત ભગવંતોને માનસ્તંભમાં બિરાજમાન કરવા માટે ભક્તજનો ભક્તિપૂર્વક માનસ્તંભ
ઉપર ઊંચે ઊંચે લઈ જતા હતા તે વખતનું અદ્ભુત દ્રશ્ય પણ જોવા જેવું હતું–જાણે ભક્તોની ભક્તિથી પ્રસન્ન
થઈને પ્રભુજી પોતે વિહાર કરીને માનસ્તંભ ઉપર પધારતા હોય!
માનસ્તંભમાં જિનબિંબ–સ્થાપન
(ચૈત્ર સુદ ૧૦ બીજીઃ બુધવાર તા. ૨પ–૩–પ૩)
આજે સવારમાં ૭–૨૦ થી ૭–પપ સુધીના મંગલમુહૂર્તમાં પવિત્ર માનસ્તંભમાં ઉપર તેમ જ નીચેની
દેરીમાં ચારે દિશામાં વિદેહીનાથ ભગવાન શ્રી સીમંધર પ્રભુજીની સ્થાપના પૂ. ગુરુદેવશ્રીના પરમ પવિત્ર
કરકમળથી થઈ. ગુરુદેવે ભગવાનની પ્રતિષ્ઠા અતિશય ભાવપૂર્વક કરી હતી. પોતાના સુહસ્તે પ્રભુજીને સ્થાપિત
કરતા હતા ત્યારે ખૂબ જ પ્રસન્ન–પ્રસન્ન દેખાતા હતા.....જાણે સાક્ષાત્ સીમંધરભગવાનનો અહીં ભેટો થયો–તેનો
આનંદ ગુરુદેવના હૈયે સમાતો ન હતો તેથી તેઓ અત્યંત હર્ષિત થતા હતા. પહેલાં માનસ્તંભના ઉપરના ભાગમાં
પ્રતિમાજીનું સ્થાપન થયું હતું....આકાશમાં પૂ. ગુરુદેવ જ્યારે ભગવાનને સ્થાપિત કરી રહ્યા હતા ત્યારે નીચે
ઊભેલા હજારો ભક્તજનો તે પાવનદ્રશ્ય જોવા માટે ખૂબ જ તલસી રહ્યા હતા....માનસ્તંભની ઊંચી ઊંચી ટોચ
ઉપર બધાયની મીટ મંડાઈ રહી હતી.....માનસ્તંભમાં ઊંચે પ્રભુજીને બિરાજમાન કરીને ગુરુદેવ નીચે પધારતા
હતા ત્યારે જયજયકારપૂર્વક ભક્તો હોંશથી તેઓશ્રીને વધાવતા હતા. પછી ગુરુદેવશ્રીએ પોતાના પાવન
કરકમળથી માનસ્તંભમાં નીચેના ભાગની દેરીઓમાં પ્રભુજીનું સ્થાપન કર્યું. પ્રભુજીને સ્થાપિત કરીને તરત ખૂબ
જ આનંદપૂર્વક તેઓ ભગવાનની નિકટમાં જ બેસી જતા....સીમંધરભગવાન સાથે ગુરુદેવના મિલનનું એ પાવન
દ્રશ્ય ભક્તજનો આશ્ચર્યપૂર્વક જોઈ રહેતા.
–આ રીતે પૂ. શ્રી કહાનગુરુદેવના પરમ પ્રતાપે સુવર્ણપુરીના ઉન્નત માનસ્તંભમાં મહા મંગલ–
મહોત્સવપૂર્વક સીમંધરભગવાનની પ્રતિષ્ઠા થઈ...માનસ્તંભમાં બિરાજમાન સીમંધર ભગવાનને અત્યંત
ભક્તિપૂર્વક નમસ્કાર હો....જેમની ઊંડી ઊંડી ભક્તિના પ્રભાવે ભગવાન ભરતે પધાર્યા તે સંતોને નમસ્કાર હો!
ભગવાનની સ્થાપના થયા પછી માનસ્તંભમાં બિરાજમાન સીંમંધરભગવાનનું ઘણા ઘણા ભક્તિભાવથી
પૂજન કરવામાં આવ્યું હતું, અને મહાન અભિષેક કરવામાં આવ્યો હતો....ખૂબ જ ઊંચે ઊંચે થઈ રહેલો એ
અભિષેક જોતાં એવું લાગતું હતું કે જાણે સ્વર્ગેથી ઊતરીને આકાશમાં દેવો ભગવાનનો અભિષેક કરી રહ્યા હોય!
ત્યારબાદ શાંતિયજ્ઞ કરીને પ્રતિષ્ઠા–મહોત્સવની પૂર્ણતા થઈ હતી. ઘણા જ આનંદ–ઉલ્લાસ અને
ભક્તિપૂર્વક ધર્મપ્રભાવનાનો આ ભવ્ય મહોત્સવ પૂર્ણ થયો તેના હર્ષમાં છેલ્લે મોટી રથયાત્રા નીકળી હતી. એ
ભવ્ય રથયાત્રામાં શ્રી જિનેન્દ્રદેવ તથા તેમની આસપાસના ભક્તિનાં દ્રશ્યો અદ્ભુત હતા. ભગવાનની આગળ
આગળ હાથી ઉપર ઊંચે ઊંચે ધર્મધ્વજ લહેરાતો હતો ને હાથી ઉપર ધર્માત્માઓ બિરાજતા હતા.–ઇત્યાદિ પાવન

PDF/HTML Page 16 of 21
single page version

background image
પ્રથમ વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૩પઃ
દ્રશ્યોની સ્મૃતિ આજે પણ ભક્તોના હૈયામાં આનંદ ઉપજાવે છે.
*
આજે બપોરે બાલિકાઓએ ભક્તિ–વૈરાગ્ય અને તત્ત્વચર્ચાથી ભરપૂર એક સુંદર સંવાદ કર્યો હતો. તેમાં–
માતા કૌશલ્યા–સુમિત્રા–કૈકેયી–સુપ્રભા વગેરે જિનેન્દ્રપૂજન–ભક્તિ અને તત્ત્વચર્ચા કરી રહ્યા છે, રામ–લક્ષ્મણ–
સીતા જિનેન્દ્રભક્તિ અને તત્ત્વચર્ચાપૂર્વક વનમાં વિચરી રહ્યા છે, તેમ જ ભરતની વિરહવેદના, કૈકેયી માતાનો
પશ્ચાત્તાપ, કૌશલ્યા માતાની ઉદાસીનતા, નારદજીના મુખેથી મહાવિદેહના તથા રામચંદ્રજી વગેરેના સમાચાર,
રામ વગેરેનું અયોધ્યામાં આગમન, અને તે જ વખતે દેશભૂષણ કેવળીના આગમનના સમાચાર મળતાં ભરતનું
દીક્ષા માટે ગમન તથા કૈકેયી માતાનું પણ દીક્ષા માટે ગમન–એ પ્રસંગો મુખ્યપણે બતાવવામાં આવ્યા હતા. રાત્રે
માનસ્તંભની આજુબાજુના ચોકમાં ખાસ ભક્તિ થઈ હતી.
*
આભાર
પ્રતિષ્ઠાવિધિ કરાવવા માટે ઈંદોરના પંડિત શ્રી નાથુલાલજી પ્રતિષ્ઠાચાર્ય (સંહિતાસૂરિ, ન્યાયતીર્થ)
પધાર્યા હતા. તેઓ ઘણા સરળ અને શાંતસ્વભાવી છે. તેમણે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પ્રતિષ્ઠાવિધિ ઘણી
સારી રીતે અને ભક્તિપૂર્વક કરાવ્યો હતો; તેમાં દરેક પ્રસંગે ટૂંકવિવેચન કરીને સમજાવતા હતા અને તેમાં
વારંવાર પૂ. ગુરુદેવ પ્રત્યે બહુમાન વ્યક્ત કરતા હતા. પૂ. ગુરુદેવશ્રીના અધ્યાત્મપ્રવચનો સાંભળવાનો તેમને
ઘણો પ્રેમ હતો, અને ગુરુદેવના પ્રવચનોની પ્રધાનતા રાખીને જ બધા કાર્યક્રમો ગોઠવતા હતા. પંડિતજીએ
કોઈપણ જાતની ભેટનો સ્વીકાર કર્યા વગર, ઈંદોરથી આવીને પ્રતિષ્ઠા–મહોત્સવનો સર્વ વિધિ ઘણી સારી
રીતે કરાવી આપ્યો તે માટે તેમનો ઘણો આભાર માનવામાં આવે છે. પૂ. ગુરુદેવશ્રી દ્વારા થઈ રહેલી મહાન
પ્રભાવના અને સૌરાષ્ટ્રના દિગંબર જૈન સમાજનો ઉત્સાહ દેખીને પંડિતજી તેમ જ દૂરદૂરથી આવેલા બધા
ભક્તજનો ખૂબ જ આનંદિત થયા હતા.
વળી, પંચકલ્યાણક મહોત્સવના દરેકેદરેક પ્રસંગમાં અજમેરની ભજન–મંડળી વિધવિધ પ્રકારની અદ્ભુત
ભક્તિ દ્વારા સભાજનોને ભક્તિમાં લીન કરી દેતી હતી. તેમાંય નૃત્યકાર ભાઈ શ્રી મુલચંદજી જ્યારે રોમાંચકારી
ભક્તિ કરતા ત્યારે તો સારાય વાતાવરણમાં ભક્તિનો ઉલ્લાસ ફેલાઈ જતો હતો. તેમ જ ડો. શ્રી સૌભાગ્યમલજી
દોસી (મંત્રી) પોતાની ખાસ કાર્યકુશળતાથી બધા પ્રસંગોને વિશેષ શોભાવતા હતા. અજમેર ભજનમંડળીના
ઘણા ભાઈઓ શ્રીમંતો છે, માત્ર ભગવાનની ભક્તિ અને પ્રભાવનાના હેતુએ તેઓ દૂર દૂરથી આવ્યા હતા. પૂ.
ગુરુદેવશ્રીનાં પ્રવચનો સાંભળીને તેઓ ઘણા પ્રસન્ન થયા હતા. ગુરુદેવ પ્રત્યે મંડળીને ઘણો ભક્તિભાવ છે તેથી
સોનગઢથી પાછા જતી વખતે તેઓ ભક્તિની લાગણીવશ ગદગદ થઈ ગયા હતા, રથયાત્રા દરમિયાન
અવિરતપણે પ્રભુજી સામેની ભક્તિ, જન્માભિષેક પ્રસંગે ભક્તિની ધૂન, પારણાઝૂલનની ભક્તિ અને ‘ગોદી
લેલે...’ નું આનંદકારી દ્રશ્ય, ભગવાનના વૈરાગ્ય પ્રસંગે નેમકુમાર અને સારથીનો સંવાદ તેમ જ રાજીમતી અને
તેના પિતાજી વચ્ચેનો સંવાદ, આહારદાન પ્રસંગની ભક્તિ તથા માનસ્તંભમાં પ્રતિષ્ઠા વખતની ભક્તિ–વગેરે
દરેક પ્રસંગે ભક્તિની ધૂન મચાવીને મહોત્સવને ખૂબ દીપાવ્યો હતો, તે માટે અજમેર ભજનમંડળીનો પણ ખાસ
આભાર માનવામાં આવે છે.
*
ગુરુદેવનો અપૂર્વ પ્રભાવ અને મહોત્સવની સફળતા
સૌરાષ્ટ્રમાં આ માનસ્તંભનો પ્રતિષ્ઠા–મહોત્સવ અપૂર્વ ઉલ્લાસથી ઊજવાયો. આ મહોત્સવમાં ગુરુદેવના
માત્ર સૌરાષ્ટ્રના જ ભક્તજનોએ નહિ પરંતુ દિલ્હી અને કલકત્તા, મદ્રાસ અને મારવાડ, બરમા અને આફ્રીકા
વગેરે દૂર દૂર વસનારા ભક્તજનોએ પણ ખૂબ જ ઉલ્લાસ અને ભક્તિપૂર્વક લાભ લીધો હતો. પાંચ–છ હજાર
ઉપરાંત માણસો આવ્યા હતા. અનેક ત્યાગીઓ તેમ જ વિદ્વાનો પણ પ્રતિષ્ઠામહોત્સવમાં આવ્યા હતા અને
મહોત્સવ જોઈને ઘણા આનંદિત થયા હતા. ગુરુદેવના અપૂર્વ આત્મસ્પર્શી પ્રવચનોથી પ્રભાવિત થઈને લગભગ
વીસ જેટલા ત્યાગીવર્ગે ગુરુદેવના આભારસૂચક એક ઠરાવ કરીને સભામાં વાંચ્યો હતો. મહોત્સવ દરમિયાન
ઊછામણી વગેરેમાં લગભગ સવાલાખ રૂા. ની આવક થઈ હતી.
પ્રતિષ્ઠાવિધિમાં વિધિનાયક શ્રી નેમિનાથ ભગવાન હતા. સૌરાષ્ટ્રમાં જ ગીરનાર ઉપર ભગવાનના ત્રણ
કલ્યાણક થયા છે, તેથી સૌરાષ્ટ્રની ભૂમિમાં સૌરાષ્ટ્રના જ ભગવાનના પંચ–

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૩૬ઃઃ માનસ્તંભ–મહોત્સવ અંકઃ
કલ્યાણક ઊજવવાનું થતા તે ખાસ ઉલ્લાસપૂર્વક ઊજવાયા હતા. પંચકલ્યાણકમાં જે એક એકથી ચડિયાતા દ્રશ્યો
થયા તે તો નજરે નીહાળનાર જ જાણે. અને તેની સાથે સાથે પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખથી જે અધ્યાત્મરસની ધારા
વહેતી તેનો સ્વાદ તો સાક્ષાત્ સાંભળનાર જ જાણે. એ મહાન વસ્તુને અહીં ઉતારવાનું સામર્થ્ય આ નાનકડી
કલમમાં કયાંથી હોય?
‘વિદેહધામ’ ની શોભા અને ગુરુદેવનો અદ્ભુત પ્રભાવ
એ દિવસોમાં સુવર્ણપુરીની શોભા અદ્ભુત હતી....તદ્ન નવી જ એક મોટી નગરી બની ગઈ હતી. ચારે
તરફ ભવ્ય દરવાજા, બજાર, ઈલેકટ્રીક–પ્રકાશ અને ધજા–વાવટા વગેરેથી આખી નગરી એવી શોભતી હતી કે
જેમ સ્વપ્નમાં સુંદર નગરીની રચના દેખાય તેમ અહીં તેવી નગરી સાક્ષાત્ દેખાતી હતી–એ નગરીનું નામ હતું
‘વિદેહધામ’.....અને વિદેહની જેમ ત્યાં ખરેખર ધર્મકાળ વર્તતો હતો. જુદા જુદા દેશના અનેક ત્યાગીઓ,
વિદ્વાનો વગેરે પાંચ–છ હજાર ઉપરાંત શ્રોતાઓની સભામાં પણ કયાંય વિરોધનું નામનિશાન જણાતું ન હતું.
આવો મોટો સમુદાય હોવા છતાં ગુરુદેવના પ્રવચન સમયે આખું વાતાવરણ ધીરગંભીર શાંતિમય બની રહેતું; સૌ
પ્રસન્નતાપૂર્વક પ્રવચન સાંભળવામાં મુગ્ધ બની જતા હતા અને આશ્ચર્યથી ડોલી ઊઠતા કે ‘અહો! આ જ ખરું
સમજવાનું છે.’ ગુરુદેવના પ્રવચન સાંભળવામાં લોકોને એટલો બધો રસ આવતો હતો કે પંચકલ્યાણકના
અનેકવિધ કાર્યક્રમોમાં પણ પ્રવચન માટે તલસતા અને વારંવાર પૂછતા કે
‘स्वामीजी का प्रवचन कब होगा?’
પ્રવચન સમયની ધર્મસભાનું ભવ્ય વાતાવરણ જોઈને હૃદય ઠરતું હતું કે અહો! ગુરુદેવના પ્રતાપે ધર્મકાળ વર્તી
રહ્યો છે....સત્યના જિજ્ઞાસુ અનેક જીવો છે....અપૂર્વ આધ્યાત્મિક તત્ત્વનું પ્રેમપૂર્વક શ્રવણ કરનાર જિજ્ઞાસુ
જીવોનો આવો ભવ્ય મેળો આ કાળે અજોડ હતો....સર્વત્ર જૈનધર્મમય વાતાવરણ હતું. ઘણા લોકો એમ કહેતા કે
અમે તો સ્વર્ગપુરીમાં આવ્યા છીએ, કોઈ કહેઃ અમે ધર્મપુરીમાં આવ્યા છીએ, તો કોઈ કહે–અમે વિદેહધામમાં
આવ્યા હોઈએ–એવું લાગે છે. એ રીતે ચારે તરફથી સર્વ લોકોના મુખે આનંદ–આનંદના જ સૂર નીકળતા હતા.
ખરેખર–
‘કલ્યાણકાળ પ્રત્યક્ષ પ્રભુ કો લખેં જે સુરનર ઘને,
તિહ સમયકી આનંદમહિમા કહત કયોં મુખસોં બને?’
–મહોત્સવ દરમિયાન ગુરુદેવના પ્રવચનો પણ અદ્ભુત નીકળતા હતા.....પ્રવચનમાં તેમના આત્માની
પ્રસન્નતા વ્યક્ત થતી હતી. મહોત્સવ દરમિયાન એક તરફથી પંચકલ્યાણકનાં ભવ્ય દ્રશ્યો ભક્તિરસમાં ઝુલાવતા
હતા અને બીજી તરફ ગુરુદેવના અદ્ભુત પ્રવચનો શાંતઅધ્યાત્મરસમાં ઝુલાવતા હતા–આવા અપૂર્વ સુમેળથી
મુમુક્ષુઓ પોતાને ધન્ય....ધન્ય...સમજતા હતા.
‘વિદેહધામ’ માં અંતર્ગત બીજી અનેક નગરીઓ પણ હતી, તેમાં સૌથી સુશોભિત ‘સીમંધરનગર’ હતું;
સીમંધરનગરમાં જ ભવ્ય પ્રતિષ્ઠા–મંડપ હતો ને ત્યાં અનેક જિનેન્દ્રભગવંતો બિરાજતા હતા. આ સિવાય
વિજયાનગરી, અયોધ્યાનગરી, સુસીમાનગરી, પુંડરીકિણીનગરી, કુંદકુંદનગર, કહાનનગર, વગેરેથી ‘વિદેહધામ’
ઘણું શોભતું હતું.
માનસ્તંભની યાત્રા
પ્રતિષ્ઠા પછી થોડાક દિવસો સુધી તો માનસ્તંભની યાત્રા કરવા માટે ભક્તજનો ખૂબ ઉલ્લાસ અને
ભક્તિપૂર્વક ઉપર જતા હતા. સામાન્ય રીતે ઘરના પગથિયાં પણ મુશ્કેલીથી ચઢતા હોય એવી વૃદ્ધાવસ્થાવાળા
લોકો પણ અતિશય ભક્તિને લીધે ઠેઠ માનસ્તંભ ઉપર ઊંચેઊંચે હોંશથી પહોંચી જતા હતા. જાણે તીર્થની યાત્રા
કરવા માટે ડુંગર ઉપર જતા હોય–એવો એ દેખાવ હતો.
કોઈ કોઈ વાર પૂજ્ય ગુરુદેવ પણ માનસ્તંભ ઉપર પધારે છે. ગુરુદેવ જ્યારે માનસ્તંભ ઉપર ચડતા હોય
ત્યારે ગીરનારની પાંચમી ટૂંકની યાત્રા યાદ આવતી. અને ઉપર ઊંચે ઊંચે સીમંધરભગવાનની સામે ગુરુદેવ બેઠા
હોય તે વખતનું શાંત–શાંત વાતાવરણ જોતાં ભક્તોના હૃદય થંભી જતા. ગુરુદેવને પણ ત્યાંથી નીચે આવવાનું
મન થતું ન હતું. ‘અહો! આ અતિશય ઉન્નત ધર્મસ્થંભ જોતાં દિન દિન વિશેષ વૃદ્ધિગત થઈ રહેલો ગુરુદેવનો
ધર્મપ્રભાવ ઊંચે ચડી રહ્યો છે.
આ માનસ્તંભ ૬૩ ફૂટ ઊંચો છે. આ સંબંધમાં એકવાર પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રીએ કહ્યું હતું કે શ્લાકા
પુરુષોની સંખ્યા પણ ૬૩ છે અને આપણો માનસ્તંભ પણ ૬૩ ફૂટ ઊંચો છે. જેમ ૬૩ શ્લાકા પુરુષો મોક્ષની
છાપવાળા છે, તેઓ નિકટ મોક્ષગામી જ હોય છે, તેઓને

PDF/HTML Page 18 of 21
single page version

background image
પ્રથમ વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૩૭ઃ
દીર્ઘ સંસાર હોતો નથી; તેમ આ ૬૩ ફૂટ ઊંચો માનસ્તંભ એમ બતાવે છે કે અહીં આવીને જે યથાર્થ તત્ત્વજ્ઞાન
સમજે તે જીવ પણ અલ્પકાળમાં મોક્ષ પામી જાય છે. માનસ્તંભની ઊંચાઈ અને શ્લાકા પુરુષોની સંખ્યા એ
બંનેનો કુદરતી મેળ થઈ ગયો છે.
કુદરત પણ આ મહોત્સવમાં સાથ પુરાવતી હોય તેમ આ મહોત્સવની પહેલાં તેમ જ પછી દૂર દૂરના હજારો
હિંદી–યાત્રાળુઓ સોનગઢની યાત્રાએ આવતા હતા. સોનગઢના મહોત્સવની પૂર્વે થોડા જ દિવસો પહેલાં (ફાગણ
વદ પાંચમે) શ્રવણબેલગોલામાં ઈંદ્રગીરી પર્વત ઉપરના લગભગ એક હજાર વર્ષ પુરાણા પ૭ ફૂટ ઊંચા ભવ્ય
બાહુબલી–ગોમટેશ્વર ભગવંતનો મહામસ્તકાભિષેક હતો, ત્યાં હજારો યાત્રાળુઓ સોનગઢ ઊતરતા. મોટર બસ અને
ટ્રેઈન દ્વારા રોજ–રોજ સેંકડો યાત્રાળુઓના સંઘ આવ્યા જ કરતા, અને સોનગઢ યાત્રાળુઓથી ભર્યું જ રહેતું.
મહોત્સવ પહેલાં સ્પેશ્યલ ટ્રેઈન દ્વારા કલકત્તાના (વછરાજજી શેઠના ભાઈ) ગજરાજજી શેઠ તથા તોલારામજી શેઠ
વગેરે સહિત લગભગ પાંચસો માણસોનો સંઘ આવ્યો હતો; શ્રી પરસાદીલાલજી પાટની, પણ સાથે હતા. આ ઉપરાંત
બાબુ કામતાપ્રસાદજી, પં. જુગલકિશોરજી મુખ્તાર. પં. પરમાનંદજી, લાલા રાજકૃષ્ણજી તથા શેઠ છદામીલાલજી વગેરે
પણ આવ્યા હતા; અને સોનગઢના ધર્મમય વાતાવરણથી તથા પૂ. ગુરુદેવશ્રીના સમાગમથી અતિશય પ્રભાવિત થયા
હતા. છદામીલાલજી શેઠ તથા લાલા રાજકુષ્ણજીએ વિહાર માટે વિનતિ કરતાં પૂ. ગુરુદેવને કહ્યું હતું કેઃ
महाराज!
सम्मेदशिखरजी की यात्रा करने के लिये आप पधारें तो शिखरजी की यात्रा का संघ निकालने की मेरी
भावना है।’
આ સિવાય જયપુર, દિલ્હી વગેરે તરફના ઘણા લોકો પણ ગુરુદેવને વિહાર માટે વિનંતિ કરતા.
સોનગઢની યાત્રાથી ભક્તજનો પોતાને ધન્ય સમજતા અને કહેતા કે दुसरी सब जगह तो चाहे जाना बने या न
बने लेकिन सोनगढ़ तो अवश्य जाना। મહોત્સવ દરમિયાન પણ ઘણા હિંદી યાત્રાળુઓ હતા. મારવાડી
યાત્રાળુઓ માટે ‘પુંડરીકિણીનગરી’ માં ખાસ જુદી વ્યવસ્થા કરવામાં આવી હતી. મહોત્સવ પછી હજારો યાત્રાળુઓ
આવેલા, તેમાંથી ઘણા કહેતા કે
यहां का महोत्सव देखने का सौभाग्य हमको नहीं मिला। કેટલાક લોકો સોનગઢ
સંબંધમાં ગલત વાતો સાંભળીને પહેલાં ભ્રમમાં પડી ગયા હતા પરંતુ સોનગઢ આવીને ગુરુદેવનો પ્રત્યક્ષ સમાગમ
કરતાં તેમની ભ્રમણા દૂર થઈ જતી અને ગદગદ થઈને તેઓ કહેતા–
‘यहां के संबंधमें हमने पहले कुछ और मान
लिया था, लेकिन यहां आकर के हमने दूसरा ही हाल देखा, अब हमारी भ्रमणा मिट गई। અજમેરના ભાઈ
શ્રી હીરાચંદજી વોહરા મહોત્સવ દરમિયાન ગુરુદેવના સીધા સમાગમ પછીનો પોતાનો અભિપ્રાય જણાવતાં
‘જૈનમિત્ર’ માં લખે છે કેઃ
‘यहां पर श्री पू० कानजी स्वामी के तात्त्विक प्रवचनों में बडा़ ही आनंद आता है।
निश्चय और व्यवहारद्रष्टि से सम्यक्रूप से समझाने की जो सुन्दर शैली है ऐसी अन्यत्र हमारे देखने में नही
आई। विद्वानो को अवश्य वहां जाकर लाभ उठाना चाहिए। द्रष्टिप्रधान कथन का निरूपण बहुत तर्कयुक्त
एवम् पूर्ण विवेचन के साथ किया जाता है। वहां के लोगों की वात्सल्यता, जिनेन्द्र भक्ति, वीतरागधर्म की
प्रभावना, जिनवाणी–प्रचारकी भावना, मंदकषायवृत्ति, निष्कपटता तथा सोनगढ़ का जिनमंदिर, समवसरण
की भव्य रचना, कुन्दकुन्द प्रवचनमंडप आदि सभी बातों के कारण सोनगढ़ तीर्थधाम बन गया है। हमारा
तो समाज के सभी धर्मप्रेमी बन्धुओं से अनुरोध है कि एक बार वहां अवश्य जावें। ऐसा निराकुल शांत
वातावरण बहुत कम जगह मिलता है।’
આ સિવાય અનેક ત્યાગીઓ આવેલા. તેઓ પણ ખૂબ પ્રસન્ન થયા
હતા અને કોઈ કહેતા કેઃ ‘महाराज! हम को तो यहां आ करके सच्ची निधि मिली!’ સમાજમાં પ્રતિષ્ઠિત
ગણાય એવા એક ત્યાગી તો કહેતા હતા કે “ऐसी अपूर्व बात कहीं पर सुनने में नही आती; मेरा तो यह ख्याल
है।”
પૂ. ગુરુદેવ હરેક પ્રવચનમાં આત્માની સાચી સમજણ ઉપર ખાસ ભાર મૂકીને કહેતા કેઃ
‘मुनिव्रत धार अनंतवार ग्रीवक उपजायो,
पै निज आतमज्ञान बिना सुख लेश न पायो’
–‘આત્માના સાચા જ્ઞાન વગર ત્યાગ નકામો છે.’ સમ્યગ્જ્ઞાનનું આવું મહત્વ સાંભળીને કોઈ કોઈ
ત્યાગીઓ સરલપણે ગુરુદેવને કહેતા કે–‘महाराज! बात तो आप कहते हो ऐसी ही है; हमने भी त्याग तो
ले लिया किन्तु वस्तुको हम नहीं समझे। ज्ञान के बिना हमने त्याग ले लिया लेकिन अब क्या करे?’
તેમની મૂંઝવણ જોઈને ગુરુદેવ વાત્સલ્યપૂર્વક તેમને આશ્વાસન દેતા કેઃ ‘તમે

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧૩૮ઃઃ માનસ્તંભ–મહોત્સવ અંકઃ
મૂંઝાશો નહિ. સત્ય વસ્તુ શું છે તે સમજવાનો હવે પ્રયત્ન કરવો.’
આ પ્રમાણે મહોત્સવ દરમિયાન તેમ જ મહોત્સવની પહેલાં અને પછી પણ અનેક પ્રસંગો બનતા, અને
મારવાડી યાત્રાળુઓના વિચિત્ર અનુભવો થતા. મહોત્સવમાં અને મહોત્સવની આસપાસના બે માસ દરમિયાન
લગભગ બાર હજાર યાત્રાળુઓનું આગમન થયું, અને એકએક યાત્રાળુ ગુરુદેવના ધર્મપ્રભાવથી ખૂબ જ
પ્રભાવિત થયા. આ રીતે યાત્રાળુઓ દ્વારા ગુરુદેવના પરમપાવન પ્રભાવનો સંદેશ ભારતના ખૂણે ખૂણે પહોંચી
ગયો અને ગુરુદેવ દ્વારા થતી ધર્મપ્રભાવનામાં એક મહાન વેગ મળ્‌યો. પૂ. ગુરુદેવ હવે માત્ર સોનગઢના જ કે
સૌરાષ્ટ્રના જ નથી રહ્યા, પરંતુ તેઓ ભારતભરના દિગંબર જૈન સમાજની એક મહાન વિભૂતિ છે.
પરમ પૂ. ગુરુદેવના મહાન પ્રભાવ દ્વારા દિવસે દિવસે થઈ રહેલી શાસનની અભિવૃદ્ધિ દેખી–દેખીને
પવિત્રાત્મા પૂ. બેનશ્રીબેનના અંતરમાં ખૂબ હર્ષ અને ઉલ્લાસ થાય છે અને અનેકવિધ મંગલકાર્યો દ્વારા તેઓશ્રી
પણ પૂ. ગુરુદેવના શાસનને વિશેષ શોભાવી રહ્યા છે. આ માનસ્તંભની શરૂઆતથી પ્રતિષ્ઠા–મહોત્સવની પૂર્ણતા
થઈ ત્યાં સુધીના નાના–મોટા સમસ્ત કાર્યોમાં તેઓશ્રી (પૂ. બેનશ્રી–બેનજી ચંપાબેન અને શાંતાબેને) જે
ભાવના....જે પ્રેરણા અને જે લગનીપૂર્વક દિનરાત સંભાળ કરી છે તેનો ઉલ્લેખ શબ્દો દ્વારા થઈ શકે તેમ નથી.
તેઓશ્રીની અત્યંત ઉલ્લાસવર્દ્ધક પ્રેરણાએ જ બધા કાર્યકરોમાં બળ પુરીને આ મહાન ઉત્સવને સંપુર્ણપણે
દીપાવ્યો છે. માનસ્તંભના કાર્યમાં તેમ જ મહોત્સવની તૈયારીમાં અનેક મહિનાઓ સુધી બંને પવિત્ર બહેનોની
અદ્ભુત લગની અને અવિરત કાર્યશક્તિ જોઈને આશ્ચર્ય ઊપજતું હતું. તેઓશ્રીના શ્રીમુખેથી પંચકલ્યાણક
મહોત્સવ વગેરેના ઉલ્લાસમય સંસ્મરણો સાંભળવા તે પણ એક મહાન સૌભાગ્ય છે.
*
અદ્ભુત આત્મવૈભવધારક પરમ પૂજ્ય શ્રી કહાનગુરુદેવે ધર્મવૈભવ ઓળખાવ્યા....એ ગુરુદેવના મહાન
પ્રતાપે જ અહીં ધર્મસ્તંભ સ્થપાયા....અને એ ગુરુદેવના જ પ્રભાવથી આજે શાસન શોભી રહ્યું છે. શાસન–
પ્રભાવક શ્રી કહાનગુરુદેવના પ્રતાપે સ્થપાયેલ આ ધર્મસ્તંભ ભવ્યજીવોને જિનવૈભવ બતાવતો થકો જયવંત
વર્તો....અદ્ભુત આત્મવૈભવના બળથી ધર્મસ્તંભ સ્થાપન કરનાર શ્રી કહાનગુરુદેવ જયવંત વર્તો. ‘હે
કલ્યાણમૂર્તિ ગુરુદેવ! તારો અદ્ભુત આત્મવૈભવ મારું કલ્યાણ કરો!’
સોનગઢમાં માનસ્તંભ–મહોત્સવ વખતે
પૂ. ગુરુદેવશ્રીના સુહસ્તે પ્રતિષ્ઠિત થયેલા જિનબિંબોની યાદી
૮ શ્રી સીમંધર ભગવાન (માનસ્તંભમાં બિરાજમાન) સોનગઢ૧ શ્રી સીમંધર ભગવાનકિશનગઢ
૧ શ્રી નેમિનાથ ભગવાન (વિધિનાયક)સોનગઢ૧ શ્રી શાંતિનાથ ભગવાન...ઉજ્જૈન
૧ શ્રી પાર્શ્વનાથ ભગવાન (સ્ફટિકના)....સોનગઢ૧ શ્રી મહાવીર ભગવાન....સહારનપુર
૧ શ્રી શ્રેયાંસનાથ ભગવાન......બોટાદ૧ શ્રી સુપાર્શ્વનાથ ભગવાન.ઉજ્જૈન
૧ શ્રી શીતલનાથ ભગવાન.......બોટાદ૩ શ્રી બાહુબલી ભગવાનજબલપુર
૧ શ્રી નેમિનાથ ભગવાન.મોરબી૩ શ્રી પાર્શ્વનાથ ભગવાન..
૧ શ્રી વાસુપૂજ્ય ભગવાન (સ્ફટિકના)મોરબી૧ શ્રી આદિનાથ ભગવાન..
૧ શ્રી શાંતિનાથ ભગવાન.......વાંકાનેરશ્રી જિનેન્દ્ર ભગવાન (કસોટીના) ફતેહપુર
૧ શ્રી મહાવીર ભગવાન (સ્ફટિકના)......જૂનાગઢ
૧ શ્રી મહાવીર ભગવાન...... (સ્ફટિકના)
૧ શ્રી શાંતિનાથ ભગવાન......
ઉજ્જૈન
૧ શ્રી મહાવીર ભગવાન.....લાડનૂ
ઉપર મુજબ ૩૨ પ્રતિમાજી પ્રતિષ્ઠિત થયા
હતા; આ ઉપરાંત લાડનૂવાળા વછરાજજી શેઠે
પૂજ્ય પરમાગમ શ્રી સમયસારના મૂળ સૂત્રો
ચાંદીમાં કોતરાવીને તે શાસ્ત્રની પણ પ્રતિષ્ઠા
કરાવી હતી.

PDF/HTML Page 20 of 21
single page version

background image
सोनगढ़ में श्री मानस्तंभ जिनबिंब प्रतिष्ठा–उत्सव पर
त्यागी वर्ग की ओर से
आध्यात्मिक–मर्मज्ञ श्री कानजी स्वामी के प्रति
आभार–प्रदर्शन
आपकी यथार्थ और अनुपम तत्त्वप्रतिपादन–शैली से हम
लोग अधिक प्रभावित हुए।
यहाँ आकर अनेक जैनसिद्धांत के गूढ़ रहस्यमय तत्त्वों को
स्पष्ट रीत से समझा।
आपके द्वारा दि०जैनधर्म की जो आशातीत उन्नति हुई और
होने की संभावना है वह जैनधर्म के इतिहासमें स्वर्णाक्षरों से
अमर लेखनी द्वारा अंकित करने योग्य है।
आपका पुनित जीवन सुव्यवस्थित एवं आध्यात्मिकता से
ओतप्रोत है; इस संबंध में अधिक कहना मानो आप की
गुरुता को सीमित करना है।
हम वह दिन देखने को उत्सुक हैं जब आप पूर्ण संयमी
बनकर हम लोगों के पथप्रदर्शक होंगे।
आप चिरायु होकर इस स्वर्णपुरी में दिव्य वीरवाणी की
अविरलधारा प्रवाहित करते रहें, जिस ज्ञानामृत का पान
कर तृष्णार्त्त मानवजगत अनंत शांति का पात्र हो–ऐसी हम
सब की आन्तरिक भावना है।
–आपके समागमेच्छुक
[१] क्षुल्लक पूर्ण सागर [२] क्षुल्लक आदिसागर [३] ब्र०
चांदमलः अधिष्ठाता पार्श्वनाथ दि० जैन विद्यालय–उदयपुर [४] ब्र०
दुलीचन्दः उदासीनाश्रम–ईन्दौर [५] ब्र० राजारामःसागर [६] ब्र०
छोटेलालः सागर [७] ब्र० गोरेलालः उदासीनाश्रम–ईन्दौर [८]
ब्र० जिनदासः उदासीनाश्रम–इन्दौर [९] ब्र० गुणधरलालः
कुरावली–मैनपुरी [१०] फतेहचंदः सहपुरा [११] ब्र० सूर्यपालः
भिण्ड [१२] ब्र० केशवलाल वासनाः चौधरी [१३] ब्र० चुन्नीलालः
सोनासन–ईडर [१४] ब्र० कुमेरदासःएटा [१५] ब्र० कपुरचन्दः
बडौत [१६] ब्र० रामचरनः रिठोरा [१७] पं० राजकुमार शास्त्रीः
गया–बिहार।
[यहां की समिति ने इस मांगलिक प्रसंग पर आमंत्रित
करके जो अपूर्व धर्मलाभ लेने का सुअवसर दिया है यह उनका
वात्सल्यभाव अति प्रशंसनीय हे]
[सोनगढ़ः ताः २६–३–५३]