Pravachan Ratnakar (Gujarati). Gatha: 274-275.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 137 of 210

 

PDF/HTML Page 2721 of 4199
single page version

ગાથા–૨૭૪

तस्यैकादशाङ्गज्ञानमस्ति इति चेत्–

मोक्खं असद्दहंतो अभवियसत्तो दु जो अधीएज्ज।
पाठो ण करेदि गुणं असद्दहंतस्स णाणं तु।। २७४।।
मोक्षमश्रद्दधानोऽभव्यसत्त्वस्तु योऽधीयीत।
पाठो न करोति गुणमश्रद्दधानस्य ज्ञानं तु।। २७४।।

હવે શિષ્ય પૂછે છે કે-તેને અગિયાર અંગનું જ્ઞાન તો હોય છે; છતાં તેને અજ્ઞાની કેમ કહ્યો? તેનો ઉત્તર કહે છેઃ-

મુક્તિ તણી શ્રદ્ધારહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે,
પણ જ્ઞાનની શ્રદ્ધારહિતને પઠન એ નહિ ગુણ કરે. ૨૭૪.

ગાથાર્થઃ– [मोक्षम् अश्रद्दधानः] મોક્ષને નહિ શ્રદ્ધતો એવો [यः अभव्यसत्त्वः] જે અભવ્યજીવ છે તે [तु अधीयीत] શાસ્ત્રો તો ભણે છે, [तु] પરંતુ [ज्ञानं अश्रद्दधानस्य] જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા તેને [पाठः] શાસ્ત્રપઠન [गुणम् न करोति] ગુણ કરતું નથી.

ટીકાઃ– પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ, (પોતે) શુદ્ધજ્ઞાનમય આત્માનાજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, નથી શ્રદ્ધતો. તેથી જ્ઞાનને પણ તે નથી શ્રદ્ધતો. અને જ્ઞાનને નહિ શ્રદ્ધતો તે, આચારાંગ આદિ અગિયાર અંગરૂપ શ્રુતને (શાસ્ત્રને) ભણતો હોવા છતાં, શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી. જે ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે; અને તે તો (અર્થાત્ એવું શુદ્ધાત્મજ્ઞાન તો), ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા અભવ્યને શાસ્ત્ર-ભણતર વડે કરી શકાતું નથી (અર્થાત્ શાસ્ત્ર-ભણતર તેને શુદ્ધાત્મજ્ઞાન કરી શક્તું નથી); માટે તેને શાસ્ત્ર ભણવાના ગુણનો અભાવ છે; અને તેથી જ્ઞાનશ્રદ્ધાનના અભાવને લીધે તે અજ્ઞાની ઠર્યો-નક્કી થયો.

ભાવાર્થઃ– અભવ્ય જીવ અગિયાર અંગ ભણે તોપણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાન- શ્રદ્ધાન થતું નથી; તેથી તેને શાસ્ત્રના ભણતરે ગુણ ન કર્યો; અને તેથી તે અજ્ઞાની જ છે.

*

PDF/HTML Page 2722 of 4199
single page version

સમયસાર ગાથા ૨૭૪ઃ મથાળું

હવે શિષ્ય પૂછે છે કે-તેને અગિયાર અંગનું જ્ઞાન તો હોય છે; છતાં તેને અજ્ઞાની કેમ કહ્યો?

જુઓ, અગિયાર અંગમાં પહેલા ‘આચારાંગ’માં ૧૮ હજાર પદ (-પ્રકરણ) છે અને એક પદમાં પ૧ કરોડથી ઝાઝેરા શ્લોક છે. એમ બીજા ‘સૂયગડાંગ’માં પહેલાથી બમણાં એટલે ૩૬ હજાર પદ છે, અને દરેક પદમાં પ૧ કરોડથી ઝાઝેરા શ્લોક છે. આ પ્રમાણે ક્રમથી ‘ઠાણાંગ’ આદિ આગળ આગળના અંગમાં ૧૧ અંગ સુધી બમણાં-બમણાં પદ કરતા જવું. અહાહા...! આવું જેને અગિયાર અંગનું જ્ઞાન કંઠાગ્ર હોય છે તેને મહારાજ! આપ અજ્ઞાની કહો છો એ કઈ રીતે છે?

અભવ્યને અગિયાર અંગ ઉપરાંત બારમા અંગના અંતર્ગત ચૌદ પૂર્વમાંથી નવ પૂર્વ સુધીનું જ્ઞાન હોય છે, પણ તેને બાર અંગનું પૂરું જ્ઞાન કદીય હોતું નથી તેથી અહીં ૧૧ અંગનું જ્ઞાન હોય છે એમ સાધારણ વાત લીધી છે. અહા! ૧૧ અંગના અબજો શ્લોકો જેને મોઢે હોય તેને આપ અજ્ઞાની કેમ કહો છો? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

* ગાથા ૨૭૪ઃ ગાથાર્થ ઉપરનું પ્રવચન *

ગાથામાં ‘पाठो ण करेदि गुणं’ એમ ‘પાઠ’ શબ્દ લીધો છે ને? એનો અર્થ એ કે ૧૧ અંગના પાઠનું-શબ્દોનું એને જ્ઞાન હોય છે. શું કીધું? કે જેમાં જાણનારો જ્ઞાયક પ્રભુ આત્મા આવ્યો નથી એવું અગિયાર અંગનું જ્ઞાન એને હોય છે.

પંડિત શ્રી ટોડરમલજીની ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી’ માં આવે છે કે- ‘જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે છે તેથી તેને આગમ પરોક્ષપ્રમાણ કહીએ. ત્યાં પરોક્ષપ્રમાણ સિદ્ધ કરવું છે. પરોક્ષપ્રમાણના પાંચ ભેદ છેઃ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન ને આગમ. ત્યાં આગમે જેવું સ્વરૂપ કહ્યું તેવું જાણ્યું, ને જાણીને પરિણામ સ્વરૂપમાં મગ્ન કર્યા એનું નામ સ્વાનુભવદશા, એનું નામ સમ્યગ્દર્શન.

અહા! અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશે આદિ પ્રત્યક્ષ ભાસતા નથી. પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતાં જે સ્વાનુભવ પ્રગટ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. એ સ્વાનુભવનો સ્વાદ કાંઈ આગમાદિ પરોક્ષ પ્રમાણાદિ વડે જણાતો નથી. પોતે જ એ અનુભવના રસાસ્વાદને વેદે છે. વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે, પણ (મતિશ્રુત) જ્ઞાનની અપેક્ષાએ આત્મા પરોક્ષ છે.

સમકિતીને સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન આદિ અપેક્ષાએ આત્મા પરોક્ષ છે. પૂર્વે જાણ્યું


PDF/HTML Page 2723 of 4199
single page version

હતું તેને યાદ કરીને જાણ્યું તે પરોક્ષ છે. પૂર્વે જાણેલું તે આ જ છે એવો નિર્ણય થયો તે પ્રત્યભિજ્ઞાન પણ પરોક્ષ છે. જ્યાં જ્ઞાન ત્યાં આત્મા ને જ્યાં આત્મા ત્યાં જ્ઞાન; જ્યાં જ્ઞાન નહિ ત્યાં આત્મા નહિ ને જ્યાં આત્મા નહિ ત્યાં જ્ઞાન નહિ-એમ અનુમાન વડે જાણીને જ્ઞાનમાં લીન થાય છે તેથી તેને પરોક્ષ કહે છે. એને પ્રત્યક્ષ કહેવું હોય તો કેમ કહેવું? કે મતિ-શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે કેમકે સ્વાનુભવકાળે કોઈ પરની અપેક્ષા ત્યાં છે નહિ, પણ મતિ-શ્રુતજ્ઞાન સીધું આત્માને જાણવામાં પ્રવર્તે છે.

પં. શ્રી બનારસીદાસકૃત જિનવાણીની સ્તુતિમાં (શારદાષ્ટકમાં) આવે છે કેઃ-

સમાધાનરૂપા અનૂપા અછૂદ્રા, એકાન્તધા સ્યાદ્વાદાંકમુદ્રા;
ત્રિધા સપ્તધા દ્વાદશાંગી બખાની, નમો દેવિ વાગેશ્વરી જૈનવાણી.
અકોપા અમાના અદંભા અલોભા, શ્રુતજ્ઞાનરૂપી મતિજ્ઞાન શોભા;
મહા પાવની ભાવના ભવ્ય માની, નમો દેવી વાગેશ્વરી જૈનવાણી.

લ્યો, વાધ પર સવારી કરે તે વાગેશ્વરી એમ લૌકિકમાં માને છે ને? તે આ વાગેશ્વરી નહિ. આ તો બાપા! વીતરાગ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને દેખાડનારી વીતરાગની વાણી-જિનવાણી તે વાગેશ્વરી, આમાં કહ્યું છે ને કે- ‘શ્રુતજ્ઞાનરૂપી મતિજ્ઞાન શોભા;’ એટલે કે મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાનથી સીધું આત્માને જાણે એમાં જ જ્ઞાનની શોભા છે, અર્થાત્ એ જ સમ્યગ્જ્ઞાન છે.

અહીં કહે છે-અગિયાર અંગનું જ્ઞાન હોવા છતાં અભવ્ય જીવ અજ્ઞાની છે કેમકે એનું જ્ઞાન સ્વરૂપને જાણવા પ્રતિ સીધું કદીય પ્રવર્તતું નથી. સમજાણું કાંઈ...?

* ગાથા ૨૭૪ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ, (પોતે) શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, નથી શ્રદ્ધતો. તેથી જ્ઞાનને પણ તે નથી શ્રદ્ધતો.’

જુઓ, અભવ્યનું તો અહીં દ્રષ્ટાંત આપ્યું છે, પણ બીજા (ભવિ) મિથ્યાદ્રષ્ટિઓનું પણ એમ સમજી લેવું. કહે છે-પ્રથમ તો મોક્ષને જ તે નથી શ્રદ્ધતો. અહાહા...! મોક્ષ એટલે શું? કે આત્માની પૂર્ણ શુદ્ધ દશા, પૂરણ વીતરાગવિજ્ઞાનદશાની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. અહા! આત્મા પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપ છે. પર્યાયમાં તેની પૂરણ પ્રાપ્તિ થવી અર્થાત્ પૂરણ વીતરાગ કેવળજ્ઞાનદશાની પ્રાપ્તિ થવી તેનું નામ મોક્ષ છે. હવે આવા મોક્ષને જ અભવ્ય જીવ નથી શ્રદ્ધતો કેમકે પોતે પૂરણ શુદ્ધજ્ઞાનમય આત્મા છે એનું એને જ્ઞાન નથી.

અહાહા...! આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદમય વસ્તુ પોતે છે. એમાં દયા, દાન આદિ વ્યવહારના વિકલ્પ તો શું એક સમયની પર્યાયનો


PDF/HTML Page 2724 of 4199
single page version

પણ એમાં અભાવ છે. અહા! જે પર્યાય શુદ્ધસ્વરૂપને જાણે છે તે પર્યાયનો પણ જેમાં અભાવ છે એવો એક શુદ્ધજ્ઞાનમય ભગવાન આત્મા છે. સમજાણું કાંઈ...? અહા! જેનાથી ભવનો અંત આવી જાય એ મારગ જુદા છે બાપા! અનંતકાળમાં આ બધાં થોથાં (વ્યવહાર) કરી કરીને મરી ગયો ભગવાન! પણ હું શુદ્ધજ્ઞાનમય આત્મા છું એમ એણે જાણ્યું નહિ!

‘પંચાધ્યાયી’ માં આવે છે કે શાસ્ત્ર વડે જે શ્રદ્ધા કરી છે તે શ્રદ્ધા નહિ, અને જેમાં આત્મા-શુદ્ધજ્ઞાનમય વસ્તુ પ્રાપ્ત ન થાય એ જ્ઞાન નહિ. શું કીધું એ? કે જે જ્ઞાનની પર્યાયમાં આત્મા પ્રાપ્ત થયો નથી તે ભલે અગિયાર અંગનું જ્ઞાન હોય તોપણ તે જ્ઞાન નથી. જેમાં આત્માનું જ્ઞાન-અનુભવ-પ્રતીતિ નથી એ તો માત્ર શબ્દનું જ્ઞાન છે. અહા! અભવ્યને અગિયાર અંગનું જ્ઞાન છે એ શબ્દનું જ્ઞાન છે, કેમકે જેમાં વ્યવહારશ્રુતજ્ઞાનનો પણ અભાવ છે એવા શુદ્ધજ્ઞાનમય ભગવાન આત્માના જ્ઞાનથી તે શૂન્ય છે. માટે ભલે તે અગિયાર અંગ ભણે તોય તે અજ્ઞાની જ છે. અહો! દિગંબર સંતોએ એકલાં અમૃત ઘોળ્‌યાં છે! શ્વેતાંબરાદિ બીજે કયાંય આવી વાત છે નહિ.

ભગવાન! તું એક વાર સાંભળ તો ખરો. ભાઈ! તું એમ પૂછે છે ને કે એને અગિયાર અંગનું જ્ઞાન હોય છે છતાં એને અજ્ઞાની કેમ કહ્યો?

તો હું કહું છું કે પ્રભુ! ‘હું શુદ્ધજ્ઞાનમય આત્મા છું’ -એવું એને સ્વસ્વરૂપનું જ્ઞાન નથી, સ્વાનુભવ નથી. શાસ્ત્રના જ્ઞાનથી જ્ઞાન છે પણ એ તો બધું પરલક્ષી જ્ઞાન બાપા! બહારથી લાગે કે ઓહોહોહો...! આવું જ્ઞાન! પણ એ બધું અજ્ઞાન છે ભાઈ!

અહા! અગિયાર અંગ ભણવા છતાં અભવ્ય જીવ, જેમાં એકલો શુદ્ધજ્ઞાનમય પ્રભુ આત્મા રહેલો છે એવા મોક્ષને જ શ્રદ્ધતો નથી અને તેથી તે જ્ઞાનને-આત્માને પણ શ્રદ્ધતો નથી. અહા! બહારમાં તે વીતરાગ દેવનો, નિર્ગ્રંથ ગુરુનો અને ભગવાન જિનેશ્વરે કહેલાં શાસ્ત્રોનો અનંતવાર વિનય કરે છે, પણ ભાઈ! એ બધાં પરદ્રવ્યનો વિનય તો રાગ છે. ભગવાન કેવળી એમ કહે છે કે-અમારા વિનયમાં લાભ માની સંતુષ્ટ રહેનારા રાગી જીવ છે અને એને એ વડે કિંચિત્ ધર્મ નહિ થાય. અહા! પોતે અંદર શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન છે એનો આદર-વિનય કર્યા વિના એને ધર્મ કેમ થાય? ભલે અગિયાર અંગ ભણ્યો હોય તોય અનંતકાળમાં એને ધર્મ ન થાય. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– તો શાસ્ત્રથી આત્મજ્ઞાન થાય છે એમ આવે છે ને?

ઉત્તરઃ– એ તો ભાઈ! નિમિત્તનું જ્ઞાન કરાવનારું નિમિત્તપ્રધાન ઉપચારનું કથન છે. નિશ્ચયથી તો શુદ્ધજ્ઞાનમય સ્વસ્વરૂપના આશ્રયે જ આત્મજ્ઞાન થાય છે. શ્રીમદે કહ્યું છે ને કે-


PDF/HTML Page 2725 of 4199
single page version

‘લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાયી’

એટલે કે પોતે પોતાનું લક્ષ-આશ્રય કરે તો શાસ્ત્રને નિમિત્ત કહેવાય. વાત તો આમ છે પ્રભુ! આગમથી પોતાનું સ્વરૂપ જાણીને પોતે સ્વરૂપમાં પરિણામ લીન કરે તો આગમથી આત્મજ્ઞાન થયું એમ નિમિત્તની મુખ્યતાથી કહેવાય. સમજાણું કાંઈ...?

આ ‘ભક્તિથી મુક્તિ’ એમ કેટલાક માને છે ને? તેને કહીએ છીએ કે ભાઈ! દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ એ તો રાગ છે, વિકલ્પ છે, પરાશ્રિત ભાવ છે. અહા! સમોસરણમાં જ્યાં ભગવાન સાક્ષાત્ બિરાજમાન હોય ત્યાં જઈને એણે અનંત ભવમાં અનંતવાર ભગવાનની ભક્તિ-પૂજા કરી છે. પણ એનો ભવ કયાં એકેય ઘટયો છે? એ તો બધો પરાશ્રિત વ્યવહાર બાપુ! નિષેધ કરવા લાયક ભાઈ! ભગવાને પર જેનો આશ્રય છે એવા સઘળા વ્યવહારનો નિષેધ કર્યો છે, કેમકે તે બંધનું કારણ છે.

અભવ્યને શાસ્ત્રનું જ્ઞાન (૧૧ અંગનું) છે ને? પણ એ શાસ્ત્રનું જ્ઞાન છે એ તો વિકલ્પ છે. રાજમલજીકૃત સમયસાર કળશટીકા, કળશ ૧૩ માં છેલ્લે કહ્યું છે કે-“કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે-શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે.” જોયું? ભગવાનના શાસ્ત્રમાં પણ આ કહ્યું છે કે શુદ્ધ જ્ઞાનમય આત્માને ઉપાદેયપણે અનુભવવાથી ઉત્પન્ન જે શુદ્ધાત્માનુભૂતિ તે મોક્ષમાર્ગ છે, શાસ્ત્રજ્ઞાન નહિ. અભવ્ય જીવ શાસ્ત્રજ્ઞાનના વિકલ્પમાં અટકી રહીને અંદર આનંદઘન પ્રભુ પોતે વિરાજી રહ્યો છે તેનો અનુભવ કરતો નથી અને તેથી શુદ્ધજ્ઞાનમય ભાવ જે મોક્ષ તેનું એને શ્રદ્ધાન થતું નથી.

અહાહા...! ભગવાન આત્મા સદા મોક્ષસ્વરૂપ છે. અબદ્ધ કહો કે મોક્ષસ્વરૂપ કહો- બન્ને એક જ છે. ગાથામાં (ગાથા ૧૪ માં) આવે છે ને કે ‘जो पस्सदि अप्पाणं अबद्धपुंट्ठं’ તેમાં ‘અબદ્ધ’ કહ્યો તે નાસ્તિથી છે અને ‘મોક્ષસ્વરૂપ’ એ અસ્તિ છે. અહાહા...! શુદ્ધ જ્ઞાનમય એવો આત્મા મોક્ષસ્વરૂપ છે. પણ અભવ્ય જીવ ‘આવો આ હું આત્મા’ એમ પોતાને જાણતો-અનુભવતો નથી. તેથી મોક્ષ કે જે એકલો શુદ્ધ જ્ઞાનમય ભાવ છે તેને તે શ્રદ્ધતો નથી અને તેથી જ્ઞાનને એટલે પોતાના આત્માને પણ તે શ્રદ્ધતો નથી. અહા! શાસ્ત્રજ્ઞાનના વિકલ્પમાં રોકાયેલો-ગુંચાયેલો તે ‘હું પોતે જ જ્ઞાનસ્વરૂપી આત્મા છું’ -એમ જાણતો નથી, શ્રદ્ધતો નથી. ભગવાન સર્વજ્ઞે કહેલું આ સત્ય છે ભાઈ! આ કાંઈ પક્ષ નથી; પક્ષનો આમાં નિષેધ છે. સમજાણું કાંઈ...!

હવે કહે છે- ‘અને જ્ઞાનને નહિ શ્રદ્ધતો તે, આચારાંગ આદિ અગિયાર અંગરૂપ શ્રુતને (શાસ્ત્રને) ભણતો હોવા છતાં, શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી.’


PDF/HTML Page 2726 of 4199
single page version

જોયું? અભવ્ય જીવ ભગવાન જિનેશ્વરનાં કહેલાં આચારાંગ આદિ શાસ્ત્ર ભણે છે હો; આ વેદાંતાદિ શાસ્ત્રોની વાત નથી, એ તો કુશાસ્ત્ર છે; આ તો વીતરાગે કહેલાં સત્શાસ્ત્ર ભણવા છતાં શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેનો તેને અભાવ છે. શાસ્ત્ર ભણવાનો ગુણ તો આત્મજ્ઞાન ને આત્મોપલબ્ધિ છે, પણ તેનો તેને અભાવ છે તેથી તે જ્ઞાની નથી.

અહા! અગિયાર અંગરૂપ શ્રુતને તે ભણે તો તેમાં આત્મા આવો છે, આવો છે-એ શું નથી આવતું? આવે છે; એણે ધારણામાં પણ લીધું છે. પરંતુ સ્વાધ્યાય, વિનય, ભક્તિ ઇત્યાદિ બાહ્ય આચરણની ઉપર જઈને (તેની પાર જઈને) સ્વના આશ્રય ભણી તે ઉછળતો નથી. અહા! શાસ્ત્ર ભણવાનું ફળ તો શુદ્ધાત્માનુભૂતિ આવવું જોઈએ, અને શુદ્ધાત્માનુભૂતિ સ્વના આશ્રયે જ થાય છે; પણ તે પર-આશ્રયથી હઠી સ્વના આશ્રયમાં જતો જ નથી, અને સ્વના આશ્રયમાં ગયા વિના શાસ્ત્ર-ભણતર શું કરે? કાંઈ નહિ; ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્માના આશ્રયમાં ગયા સિવાય શાસ્ત્રભણતર કાંઈ કામનું નથી. આવી વાત છે!

અહાહા...! શાસ્ત્ર ભણવાનો ગુણ શું? એ અગિયાર અંગરૂપ શ્રુતમાં-શાસ્ત્રમાં શું કહ્યું છે? કે- ‘જે ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે.’

અહાહા...! ભિન્નવસ્તુભૂત એટલે શરીરાદિ પરદ્રવ્યથી ભિન્ન, દેવ-ગુરુ-શાસ્ત્રથી ભિન્ન, દ્રવ્યકર્મ-ભાવકર્મથી ભિન્ન, અને નોકર્મથી ભિન્ન એવો એકલા જ્ઞાનપ્રકાશનો પુંજ શુદ્ધજ્ઞાનમય પ્રભુ આત્મા છે. આવા સ્વસ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન થવાં તે શાસ્ત્ર-ભણતરનો ગુણ છે. આ વખતના આત્મધર્મ (અંક ૪૦૨) માં આવ્યું ને? કે-“ધ્રુવ ચિદ્ધામસ્વરૂપ ધ્યેયના ધ્યાનની ધૂણી ધૈર્યયુક્ત ધગશથી ધખાવવારૂપ ધર્મના ધારક ધર્માત્મા ધન્ય છે.” અહા! લ્યો, આવો ધર્મ અને આવા ધર્મના ધરનાર! અહા! આવો ધર્મ અંતરમાં ધ્રુવધામને ધ્યેય બનાવીને પ્રગટ કરવો તે શાસ્ત્ર-ભણતરનો ગુણ છે.

ભાઈ! એ તો દાખલો અભવ્યનો આપ્યો છે, પણ અહીં સામાન્યપણે સિદ્ધ આ કરવું છે કે ભગવાન જિનવરે કહેલાં બાહ્ય આચારરૂપ વ્રત, તપ આદિ કાંઈ ધર્મ નથી, તેમ ધર્મનું કારણ પણ નથી. એ તો પહેલાં (ગાથા ૨૭૩ માં) આવી ગયું કે અભવ્ય જીવે શીલ, તપ પરિપૂર્ણ રીતે પાળ્‌યાં, સમિતિ-ગુપ્તિની ક્રિયાઓ સાવધાનપણે કરી અને મહાવ્રતાદિ અનંતવાર પાળ્‌યાં. આવા ભગવાને કહેલા વ્યવહારચારિત્રના જે ભાવ છે તે અનંતવાર પ્રગટ કર્યા, છતાં તે અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે. ત્યારે પ્રશ્ન થયો કે-

અહા! તેને અજ્ઞાની કેમ કહો છો? એને જિનવરે કહેલાં ૧૧ અંગનું જ્ઞાન તો હોય છે; અભવ્ય અને ભવ્યે પણ અનંતવાર એ શાસ્ત્રોનું જ્ઞાન કર્યું છે, છતાં એને અજ્ઞાની કેમ કહો છો?


PDF/HTML Page 2727 of 4199
single page version

તો કહે છે-તે ભલે અગિયાર અંગ ભણ્યો હોય, પણ તે મોક્ષને શ્રદ્ધતો નથી. શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથીય રહિત ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ અંદર મોક્ષસ્વરૂપ છે એનું એને જ્ઞાન-શ્રદ્ધાન નથી. શાસ્ત્ર ભણ્યો તેથી શું? શાસ્ત્ર ભણવાનો ગુણ જે સ્વાનુભૂતિ તેને તે કદી સ્વ-આશ્રય કરીને પ્રગટ કરતો નથી.

પ્રશ્નઃ– તો પછી શાસ્ત્ર ભણવાં કે ન ભણવાં? ઉત્તરઃ– શાસ્ત્ર-જ્ઞાનના લક્ષે શાસ્ત્ર ભણવાં એમ નહિ, પણ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માના લક્ષે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. પ્રવચનસારમાં (ગાથા ૨૩૩ આદિમાં) આની સ્પષ્ટતા આવે છે.

ભાઈ! અહીં એમ વાત છે કે આચારાંગ આદિ અગિયાર અંગ સુધીનું દ્રવ્યશ્રુત ભણતો હોવા છતાં ભણવાનો ગુણ જે ભગવાન આત્માનાં દ્રષ્ટિ ને અનુભવ તે અભવ્યને હોતાં નથી તેથી તે અજ્ઞાની છે.

પંચાસ્તિકાય ગાથા ૧૭૨ માં શાસ્ત્ર-તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. શું કીધું? કે ૧૧ અંગ કે બાર અંગરૂપ દ્રવ્યશ્રુતનું તાત્પર્ય વીતરાગતા છે. અહાહા...! દ્રવ્યશ્રુતમાં જેમાં ચારે અનુયોગ-પ્રથમાનુયોગ, ચરણાનુયોગ,કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ-આવી જાય છે તેનું તાત્પર્ય વીતરાગતા છે. પ્રથમાનુયોગમાં તીર્થંકરાદિ મહાપુરુષનાં જીવનચરિત્ર, ચરણાનુયોગમાં બાહ્ય વ્યવહારનાં આચરણ, કરણાનુયોગમાં કર્મના પરિણામ આદિની વ્યાખ્યા અને દ્રવ્યાનુયોગમાં શુદ્ધજ્ઞાનમય આત્માની કથની આવે, પણ એ બધાયને ભણવાનું તાત્પર્ય એકમાત્ર વીતરાગતા છે.

અહા! એ વીતરાગતા કેમ થાય? તો કહે છે-ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ સદા વીતરાગસ્વરૂપ જ છે. સ્વ-આશ્રયે તેનાં જ્ઞાન, દ્રષ્ટિ અને અનુભવ કરવાથી પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. સર્વ શાસ્ત્ર ભણવાનું આ ઇષ્ટ ફળ-ગુણ છે.

અહા! ત્યાં પંચાસ્તિકાયમાં શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા કહ્યું. અહીં કહે છે- ભિન્નવસ્તુભૂત શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. તથા શ્રી રાજમલજીએ કળશ ૧૩ માં કહ્યું કે-બાર અંગનું જ્ઞાન પણ વિકલ્પ છે, તેમાં (શ્રુતમાં) પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે અર્થાત્ બાર અંગમાં શુદ્ધાત્માનુભૂતિ કરવાનું કહ્યું છે. અહા! ચારેકોરથી બધે આ એક જ વાત છે. શું! કે-આત્મા પોતે ચિદાનંદઘન પ્રભુ છે. એનાં જ્ઞાન-શ્રદ્ધાન કરીને એમાં જ ઠરી જા, એના જ સ્વાદમાં તૃપ્ત થઈ જા. અહા! પણ શુભક્રિયાના પક્ષવાળાને આ કેમ બેસે? ન બેસે એટલે શાસ્ત્ર ભણે, વ્રત કરે ને તપ કરે ને ભક્તિ આદિ અનેક ક્રિયા કરે અને માને કે ધર્મ થઈ ગયો. અરે! પણ ધર્મ તો શું? એનાથી ઊંચાં પુણ્યેય નહિ થાય. સમજાણું કાંઈ...?


PDF/HTML Page 2728 of 4199
single page version

એક આત્માના જ્ઞાન વિના આવું કરી કરીને અભવ્ય મરી ગયો તોય એક ભવ ઓછો ન થયો. મારગ બહુ ગંભીર ને સૂક્ષ્મ છે ભાઈ!

અહા! શાસ્ત્રનું ભણવું એ વિકલ્પ છે, વ્યવહાર છે. એ વ્યવહાર દ્વારા શુદ્ધ નિશ્ચય એક પરમાર્થ વસ્તુ સમજાવી છે. શું થાય? બીજો ઉપાય નથી તેથી ભેદ પાડીને અભેદ સમજાવવામાં આવે છે. ગાથા ૮ માં પણ કહ્યું છે ને કે-

“ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિન પરમાર્થનો ઉપદેશ એમ અશકય છે.”

જેમ અનાર્યને અનાર્ય ભાષા વિના સમજાવી શકાય નહિ, તેમ, શું થાય? વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. પરંતુ જેમ અનાર્ય ભાષા અનુસરવાયોગ્ય નથી તેમ વ્યવહાર અનુસરવા-આદરવા યોગ્ય નથી. અજ્ઞાનીને અભેદ ન સમજાય તો ભેદ પાડીને સમજાવવામાં આવે, પણ ત્યાં ભેદ અનુસરવા-આદરવા યોગ્ય નથી.

અગિયાર અંગમાં પણ આ કહ્યું છે કે-ભગવાન! તું જ્ઞાયકમૂર્તિ પ્રભુ શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી ત્રિકાળ પરમાત્મસ્વરૂપ છો; તેનું લક્ષ કરીને સ્વાનુભૂતિ કર, આનંદનો અનુભવ કર; પણ વ્યવહાર કર એવું એમાં કયાં છે? એ તો વ્યવહાર જે હોય છે એનું કથન છે બાપુ! બાકી વ્યવહાર કર ને વ્યવહારથી લાભ થશે એ વાત જિનશાસનમાં છે જ નહિ. ભાઈ! આ તારા હિતની વાત છે. એથી ઉલટું વ્યવહારથી થાય એમ માનીશ તો તને સ્વાનુભૂતિ નહિ થાય, અતીન્દ્રિય આનંદનો સ્વાદ નહિ આવે ને તારા ભવના ફેરા નહિ મટે. વ્યવહારથી (નિશ્ચય) થાય એમ ભગવાનની આજ્ઞા નથી અને એવો વસ્તુનો સ્વભાવ પણ નથી. સમજાણું કાંઈ...?

પ્રવચનસાર ગાથા ૧૭૨માં અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે-“લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેનું ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” શું કીધું? કે આત્મા સ્વભાવ વડે જેનું ગ્રહણ થાય છે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે; વિકલ્પ ને વ્યવહારથી તે જણાય એવું એનું સ્વરૂપ જ નથી. અહા! આ દયા, દાન, વ્રત, તપ ને વિનય-ભક્તિના વિકલ્પથી કે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ નિમિત્તથી કે શાસ્ત્ર-ભણતરના વિકલ્પથી આત્મા જણાય એવું એનું સ્વરૂપ જ નથી. ઝીણી વાત છે બાપુ! એ તો નિર્મળ વીતરાગી જ્ઞાનપરિણામ દ્વારા જણાય એવું જ એનું સ્વરૂપ છે.

‘પરમાત્મપ્રકાશ’ માં પણ આવે છે કે દિવ્યધ્વનિથી પણ આત્મા જણાય એવો નથી. ભગવાન કેવળીની વાણી શ્રુતજ્ઞાન છે. ભગવાન કેવળી પણ શ્રુતજ્ઞાનથી કહે છે, કેવળજ્ઞાનથી નહિ. સાંભળનારને શ્રુતજ્ઞાન છે ને! એને કયાં કેવળજ્ઞાન છે? તેથી કેવળી દિવ્યધ્વનિમાં શ્રુતજ્ઞાનથી કહે છે. અહા! એ શ્રુતમાં એમ આવ્યું કે-અમને


PDF/HTML Page 2729 of 4199
single page version

સાંભળવાથી તું તને જાણે એવો તું નથી. હવે આવી વાત લોકોને બેસે નહિ એટલે વિરોધ કરે, પણ શું થાય? મારગ તો જેમ છે તેમ જ છે.

કોઈને ન બેસે એટલે ભાઈ! એનો તિરસ્કાર ન કરાય. એ પણ સ્વભાવે તો ભગવાન છે ને? પર્યાયમાં ભૂલ છે એ તો સ્વ-આશ્રયે નીકળી જવા યોગ્ય છે. અંદર સચ્ચિદાનંદસ્વરૂપ પોતે ભગવાન છે તેના ભાન દ્વારા ભૂલ નીકળી જવા યોગ્ય છે.

અહા! બાર અંગરૂપ શ્રુત છે એ ભગવાનની વાણી છે. ઇન્દ્રો, ગણધરો ને મહા મુનિવરો ભગવાનની વાણી બહુ નમ્ર થઈ સાંભળતા હોય છે. અહા! એ વાણીમાં એમ આવ્યું કે-ભગવાન! તું તારા સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છો; પણ આ અમારી વાણીથી તને જે જ્ઞાન થાય તેનાથી તને તારું (-આત્માનું) જ્ઞાન થાય એવું તારું સ્વરૂપ નથી. અહા! શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથી કે નિમિત્તથી ભગવાન આત્મા જણાય એવું એનું સ્વરૂપ જ નથી. તને વ્યવહારનો ને નિમિત્તનો પક્ષ હોય એટલે એમ માને કે વ્યવહાર કરતાં કરતાં (નિશ્ચય) થાય, નિમિત્તથી (કાર્ય) થાય, પણ બાપુ! તારી એ માન્યતા મહા કલંક છે, મહા શલ્ય છે. ભાઈ! જેનો ભગવાને નિષેધ કર્યો છે એ પરાશ્રિત વ્યવહારથી નિશ્ચય થાય એમ તું માને છે તે મહા શલ્ય છે. ભગવાને તો બાપુ! સ્વ-આશ્રિત નિશ્ચય કહ્યો છે. સમજાણું કાંઈ...?

અરે! આવા શુદ્ધ તત્ત્વની વાત લોકોને બિચારાઓને સાંભળવા મળે નહિ અને જિંદગી પૂરી થઈ જાય. અરે! તેઓ કયાં જાય? જેમ વંટોળિયે ચઢેલું તણખલું કયાંય જઈને પડે તેમ મિથ્યાત્વને પડખે ચઢેલો જીવ સંસારમાં રખડતો કયાંય કાગડે-કૂતરે-કંથવે ઇત્યાદિ તિર્યંચાદિમાં ચાલ્યો જાય. ભગવાન! તારે કયાં જવું છે બાપુ? રખડવા જા છ (જાય છે) એને બદલે સ્વરૂપમાં જા ને ભાઈ!

અહા! ભગવાન! તું કોણ છો? અંદર ચિદાનંદઘન ચૈતન્યમૂર્તિ શુદ્ધજ્ઞાનમય ભગવાન છો ને પ્રભુ! આ ભૂલ છે એ તો એક સમયની પર્યાય છે. એક સમયની ભૂલ ને ત્રિકાળી જ્ઞાયકતત્ત્વ બેય છે ને પ્રભુ! એ ભૂલને ગૌણ કર તો અંદર ભૂલ વિનાની ત્રિકાળી એક જ્ઞાયકભાવમય ચીજ છો ને પ્રભુ! ભાઈ! તને જ્ઞાનમાં હું એક જ્ઞાયકભાવમય છું એમ મહિમા આવવો જોઈએ. અહા! જે જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપનો મહિમા ભાસે તે જ્ઞાનને જ ભગવાને જ્ઞાન કહ્યું છે; અને એ જ શાસ્ત્ર-ભણતરનો ગુણ છે પણ એ તો થયો નહિ, તો શાસ્ત્ર ભણવાથી શું સિદ્ધિ છે? લ્યો, આ ‘ગુણ’ નો આ અર્થ. આ તો સમ્યગ્દર્શનની વાત બાપુ! ચારિત્ર એ તો કોઈ અલૌકિક દશા છે ભાઈ! આ બહારનાં વ્રત, તપ એ કાંઈ ચારિત્ર નથી.

જુઓ, ૨૭૨ માં કહ્યું કે સ્વ-આશ્રય તે નિશ્ચય અને પર-આશ્રય તે વ્યવહાર.


PDF/HTML Page 2730 of 4199
single page version

પછી ગાથા ૨૭૩ માં પરાશ્રિત વ્યવહાર કેવો અને કેટલો એની વાત કરી. ત્યાં કહ્યું કે ભગવાન જિનેશ્વરદેવે કહેલો એવો ને એટલો સઘળો વ્યવહાર અભવ્ય પાળે તોય તેને એ ગુણ કરતો નથી. હવે અહીં જ્ઞાનની વાત કરે છે. કહે છે-અહા! ભગવાન જિનવરદેવની દિવ્યધ્વનિથી જે બાર અંગરૂપ શ્રુત રચાયું તેમાં અગિયાર અંગનું જ્ઞાન તેને હોય તોય શાસ્ત્ર ભણવાનો ગુણ જે શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન તે તેને નહિ હોવાથી તે અજ્ઞાની છે. અહા! ભગવાનની વાણીમાં એમ આશય આવ્યો કે-શાસ્ત્રજ્ઞાનની ને સઘળાય વ્યવહારની અપેક્ષા છોડી દઈને તું તને સીધો જાણ. અહા! પંચમ આરામાં પણ આવી અલૌકિક વાત! અહો! આચાર્યદેવે શું પરમામૃત રેડયાં છે!

ઓહોહો...! ગાથાએ ગાથાએ કેવી વાત કરી છે! એક જણ કહેતો હતો કે આપ સમયસારનાં આટઆટલાં વખાણ કરો છો પણ મેં તો એ પંદર દિ’ માં વાંચી કાઢયું. શું વાંચ્યું? કીધું. ભાઈ! એના અક્ષર અને શબ્દ વાંચી જવાથી કાંઈ પાર પડે એમ નથી. અહાહા...! શાસ્ત્ર ભણવાનો ગુણ તો ભિન્નવસ્તુભૂત શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન થાય તે છે. હવે એ તો થયું નહિ તો શું વાંચ્યું? શાસ્ત્ર ભણવામાત્રથી આત્મજ્ઞાન ન થાય ભાઈ! પણ ભિન્નવસ્તુભૂત આત્મામાં અંતર્મુખ થઈ એકાગ્ર થવાથી આત્મજ્ઞાન થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે.

અહા! આ વીતરાગની વાણીનો પોકાર છે કે અગિયાર અંગનું જ્ઞાન એણે અનંતવાર કર્યું, અને શાસ્ત્રમાં કહેલો વ્યવહાર એણે અનંતવાર પાળ્‌યો અને નવમી ગ્રૈવેયકમાં તે અનંતવાર ગયો પણ અભવ્યનો એકેય ભવ ઘટયો નહિ.

ત્યારે કોઈ વળી કહે છે-એ તો અભવ્યની વાત છે. ભવ્ય જો આવો વ્યવહાર પાળે તો એને શુદ્ધાત્માનું જ્ઞાન થઈ જાય.

ભાઈ! એમ નથી. બાપા! આ તો અભવ્યના દ્રષ્ટાંતથી એમ સિદ્ધ કર્યું કે ભવ્ય પણ એની જેમ આવાં વ્રત, તપ આદિ ક્રિયાકાંડ કરી કરીને મરી જાય સૂકાઈ જાય તોપણ એ વડે એનો એક પણ ભવ ઘટે એમ નથી. અહા! આવી બહુ આકરી વાત લાગે પણ શું થાય?

અહા! કહે છે- ‘ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે; અને તે તો ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા અભવ્યને શાસ્ત્રભણતર વડે કરી શકાતું નથી.’

અહા! ‘ભિન્નવસ્તુભૂત જ્ઞાન’ એટલે શું? એટલે કે નિમિત્ત અને રાગ- વ્યવહારથી ભિન્ન એકલું જ્ઞાન. બસ. શું કીધું? અહાહા...! આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એકલો જ્ઞાનમય-જ્ઞાનસ્વરૂપ જ છે. બસ જાણવું, જાણવું એવો જ જેનો સ્વભાવ છે અર્થાત્ એવા સ્વરૂપ જ આત્મા છે. અહા! એને નહિ શ્રદ્ધતા એવા અભવ્યને, કહે


PDF/HTML Page 2731 of 4199
single page version

છે, શાસ્ત્ર-ભણતર વડે ભિન્ન વસ્તુભૂત શુદ્ધાત્મજ્ઞાન કરી શકાતું નથી; અર્થાત્ શાસ્ત્રભણતર તેને શુદ્ધાત્મજ્ઞાન કરી શકતું નથી.

ભાઈ! તને તારા પૂરણ સ્વરૂપની મોટપ કેમ બેસતી નથી? તું જાણે કે (શુદ્ધાત્મજ્ઞાન) નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય પણ એવું તારું જાણવું ને માનવું મિથ્યા છે. બાપુ! એ તો મહા શલ્ય છે કેમકે નિમિત્ત-પરવસ્તુ ને રાગ તારું કાર્ય કરવામાં પંગુ-પાંગળા અને અંધ-આંધળા છે, અને તું એમનાથી જણાય એવું તારું સ્વરૂપ નથી. અહા ભાઈ! આ વ્રત, તપ, શાસ્ત્ર-ભણતર ઇત્યાદિ સઘળો વ્યવહાર, જડ, આંધળો ને તારું કાર્ય (-આત્મજ્ઞાન) કરવામાં પાંગળો છે, શક્તિહીન છે.

હવે કહે છે- ‘માટે તેને શાસ્ત્ર ભણવાના ગુણનો અભાવ છે; અને તેથી જ્ઞાનશ્રદ્ધાનના અભાવને લીધે તે અજ્ઞાની ઠર્યો-નક્કી થયો.’

અહા! અભવ્ય જીવે અને ભવ્ય જીવે પણ અનંતવાર ૧૧ અંગનું શાસ્ત્રજ્ઞાન કર્યું, પણ અંદર શુદ્ધજ્ઞાનમય પોતાનો ભગવાન જ્ઞાયક છે એનો આશ્રય લીધો નહિ તેથી શાસ્ત્ર ભણવાનો ગુણ-જે શુદ્ધ જ્ઞાનમય આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન-તે થયો નહિ. તેથી તે અજ્ઞાની જ રહ્યો. અહા! શાસ્ત્ર-જ્ઞાન (વિકલ્પ) જે પોતાની ચીજ નથી એનું રટણ કર્યું અને પોતાની ચીજ (-શુદ્ધજ્ઞાનમય આત્મા) ને એણે જાણી નહિ તેથી તે અજ્ઞાની જ ઠર્યો. આવી વાત છે.

* ગાથા ૨૭૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અભવ્ય જીવ અગિયાર અંગ ભણે તોપણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી; તેથી તેને શાસ્ત્રના ભણતરે ગુણ ન કર્યો; અને તેથી અજ્ઞાની જ છે.’

જુઓ, સમયસાર કળશટીકા, કળશ ૧૩માં કહ્યું છે કે-બાર અંગનું જ્ઞાન કાંઈ અપૂર્વ નથી. જો કે બાર અંગનું જ્ઞાન સમકિતીને જ હોય છે, બીજાને (મિથ્યાદ્રષ્ટિને) નહિ, તોપણ અપૂર્વ નથી એમ કેમ કહ્યું? કેમકે બાર અંગનું જ્ઞાન વજન (-મહત્ત્વ) દેવા જેવું નથી કારણ કે શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે, શાસ્ત્રજ્ઞાન નહિ.

અહા! શાસ્ત્ર ભણવાનો ગુણ તો અંદર ભિન્ન વસ્તુ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા તેનો અનુભવ કરવો તે છે. પણ અભવ્ય જીવ શુદ્ધ આત્માનુભવ કરતો નથી. તેથી અગિયાર અંગ ભણે તોય તેને શુદ્ધ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી. અહા! એણે પરલક્ષે જાણ્યું છે કે આત્મા આવો અભેદ એક પરમ પવિત્ર શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે, પણ તે અંતર્મુખ થઈને આત્માનુભવ કરતો નથી; તેથી તેને શાસ્ત્ર ભણતરે ગુણ ન કર્યો; અને તેથી તે અજ્ઞાની જ છે.

[પ્રવચન નં. ૩૩૦ (શેષ) અને ૩૩૧ * દિનાંક ૨૨-૩-૭૭ થી ૨૪-૩-૭૭]

PDF/HTML Page 2732 of 4199
single page version

ગાથા–૨૭પ

तस्य धर्मश्रद्धानमस्तीति चेत्–

सद्दहदि य पत्तेदि य रोचेदि य तह पुणो य फासेदि। धम्मं भोगणिमित्तं ण दु सो कम्मक्खयणिमित्तं।। २७५।।

श्रद्दधाति च प्रत्येति च रोचयति च तथा पुनश्च स्पृशति।
धर्म भोगनिमित्तं न तु स कर्मक्षयनिमित्तम्।। २७५।।

ફરી શિષ્ય પૂછે છે કે-અભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે; છતાં ‘તેને શ્રદ્ધાન નથી’ એમ કેમ કહ્યું? તેનો ઉત્તર હવે કહે છેઃ-

તે ધર્મને શ્રદ્ધે, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે,
તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને. ૨૭પ.

ગાથાર્થઃ– [सः] તે (અભવ્ય જીવ) [भोगनिमित्तं धर्म] ભોગના નિમિત્તરૂપ ધર્મને જ [श्रद्दधाति च] શ્રદ્ધે છે, [प्रत्येति च] તેની જ પ્રતીત કરે છે, [रोचयति च] તેની જ રુચિ કરે છે [तथा पुनः स्पृशति च] અને તેને જ સ્પર્શે છે, [न तु कर्मक्षयनिमित्तम्] પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ. (કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નથી શ્રદ્ધતો, નથી તેની પ્રતીતિ કરતો, નથી તેની રુચિ કરતો અને નથી તેને સ્પર્શતો.)

ટીકાઃ– અભવ્ય જીવ નિત્યકર્મફળચેતનારૂપ વસ્તુને શ્રદ્ધે છે પરંતુ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુને નથી શ્રદ્ધતો કારણ કે તે (અભવ્ય) સદાય (સ્વપરના) ભેદવિજ્ઞાનને અયોગ્ય છે. માટે તે (અભવ્ય જીવ) કર્મથી છૂટવાના નિમિત્તરૂપ, જ્ઞાનમાત્ર, ભૂતાર્થ (સત્યાર્થ) ધર્મને નથી શ્રદ્ધતો, ભોગના નિમિત્તરૂપ, શુભકર્મમાત્ર, અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે; તેથી જ તે અભૂતાર્થ ધર્મનાં શ્રદ્ધાન, પ્રતીત, રુચિ અને સ્પર્શનથી ઉપરના ગ્રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે પરંતુ કદાપિ કર્મથી છૂટતો નથી. તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે (સાચું) શ્રદ્ધાન પણ નથી.

આમ હોવાથી નિશ્ચયનય વડે વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે.

ભાવાર્થઃ– અભવ્ય જીવને ભેદજ્ઞાન થવાની યોગ્યતા નહિ હોવાથી તે કર્મફળચેતનાને જાણે છે પરંતુ જ્ઞાનચેતનાને જાણતો નથી; તેથી શુદ્ધ આત્મિક ધર્મનું


PDF/HTML Page 2733 of 4199
single page version

શ્રદ્ધાન તેને નથી. તે શુભ કર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે તેથી તેના ફળ તરીકે ગ્રૈવેયક સુધીના ભોગને પામે છે પરંતુ કર્મનો ક્ષય થતો નથી. આ રીતે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન નહિ હોવાથી તેને શ્રદ્ધાન જ કહી શકાતું નથી.

આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત અભવ્ય જીવને જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી નિશ્ચયનય વડે કરવામાં આવતો વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે.

અહીં એટલું વિશેષ જાણવું કે-આ હેતુવાદરૂપ અનુભવપ્રધાન ગ્રંથ છે તેથી તેમાં ભવ્ય-અભવ્યનો અનુભવની અપેક્ષાએ નિર્ણય છે. હવે જો આને અહેતુવાદ આગમ સાથે મેળવીએ તો-અભવ્યને વ્યવહારનયના પક્ષનો સૂક્ષ્મ, કેવળીગમ્ય આશય રહી જાય છે કે જે છદ્મસ્થને અનુભવગોચર નથી પણ હોતો, માત્ર સર્વજ્ઞદેવ જાણે છે; એ રીતે કેવળ વ્યવહારનો પક્ષ રહેવાથી તેને સર્વથા એકાંતરૂપ મિથ્યાત્વ રહે છે. અભવ્યને આ વ્યવહારનયના પક્ષનો આશય સર્વથા કદી પણ મટતો જ નથી.

*
સમયસાર ગાથા ૨૭પઃ મથાળું

હવે શિષ્ય પૂછે છે કે-અભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે; છતાં ‘તેને શ્રદ્ધાન નથી’ એમ કેમ કહ્યું? તેનો ઉત્તર હવે કહે છેઃ-

* ગાથા ૨૭પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘અભવ્ય જીવ નિત્યકર્મફળચેતનારૂપ વસ્તુને શ્રદ્ધે છે પરંતુ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુને નથી શ્રદ્ધતો કારણ કે તે સદાય ભેદવિજ્ઞાનને અયોગ્ય છે.’

આ તો દ્રષ્ટાંત અભવ્યનું છે હોં, બાકી અભવ્યની જેમ ભવ્ય જીવે પણ આવું બધું અનંતવાર કર્યું છે. જુઓ, પં. શ્રી દોલતરામજીકૃત છહઢાલામાં આવે છે ને કે-

“મુનિવ્રતધાર અનંત બાર ગ્રીવક ઉપજાયૌ,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયૌ.”

અહા! દિગંબર જૈન સાધુ થઈ ને તે અનંતવાર નવમી ગ્રૈવેયક ઉપજ્યો, પણ આત્મજ્ઞાન ન થયું , સુખ ન થયું કેમકે તે નિત્યકર્મફળચેતનાને શ્રદ્ધે છે. અહા! રાગનું ફળ જે ભોગ મળે તેને ચેતવામાં સંતુષ્ટ તે કર્મફળચેતનાને શ્રદ્ધે છે પણ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુને નથી શ્રદ્ધતો. અહા! તે ભોગના હેતુથી શુભકર્મમાત્ર ધર્મને કરે છે, પણ સ્વાનુભવના હેતુએ ધર્મ કરતો નથી. સમજાણું કાંઈ...?

અહા! એ જે શુભરાગ કરે છે તે કર્મચેતના છે, એ કાંઈ આત્મચેતના-શુદ્ધ- જ્ઞાનચેતના નહિ. હવે આવી વાત એને આકરી પડે પણ શું થાય? મારગ તો આવો છે બાપુ!


PDF/HTML Page 2734 of 4199
single page version

અહા! આવા મનુષ્યપણામાં ભગવાન ત્રિલોકીનાથ જે કહે છે તે ખ્યાલમાં લઈને પ્રભુ આત્માનો અંદરમાં આશ્રય ન કર્યો તો એ કયાં જશે. અહા! એનું શું થશે? અનંતકાળ તો એને રહેવું છે; કેમકે એ અવિનાશી છે, એનો કાંઈ થોડો નાશ થવાનો છે? અહા! એ અનંત-અનંત ભવિષ્યમાં કયાં રહેશે? અરે! જેને રાગની-પુણ્યની રુચિ છે તે મિથ્યાત્વમાં રહેશે ને ચારગતિમાં નિગોદાદિમાં રઝળશે! શું થાય? પુણ્યની રુચિનું ફળ આવું જ છે. જ્યારે અંદર સત્-સ્વરૂપની રુચિ જાગ્રત કરશે તે અનંત ભવિષ્યમાં આત્મામાં જ રહેશે, સ્વ-આધીન સુખમાં જ રહેશે. આવી વાત છે!

અહીં કહે છે-અભવ્ય જીવ નિત્ય-કાયમી રાગ ને રાગના ફળને ચેતે છે. ત્યાં એને જે પંચમહાવ્રતનો ભાવ છે, શાસ્ત્રભણતરનો ભાવ છે-એ બધો કર્મચેતના-રાગમાં એકાકારપણાનો ભાવ છે. તેને તે કર્તવ્ય માને છે પરંતુ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુને તે શ્રદ્ધતો નથી. આ અસ્તિ’ નાસ્તિ છે. કર્મચેતના છે ત્યાં શુદ્ધ જ્ઞાનચેતના નથી.

અહા! અભવ્ય જીવ કર્મ એટલે રાગ અને એનું ફળ જે ભોગ એને જ સદા ઇચ્છે છે. તેને નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુનું વલણ જ નથી. પર સન્મુખના ક્રિયાકાંડમાં પડેલા તેને સ્વસન્મુખતા થયા વિના નિત્યજ્ઞાનચેતનામાત્ર સ્વરૂપ વસ્તુનું શ્રદ્ધાન કયાંથી થાય? ન થાય. તેથી એને પરિભ્રમણ મટતું જ નથી.

ત્યારે કેટલાક કહે છે- ‘એક વાર વંદે જો કોઈ તહિ નરક-પશુ ગતિ નહિ હોઈ’ - એમ કહ્યું છે ને? બાપુ! એ તો સીધો નરક-પશુમાં ન જાય, પણ પછી શું? જાત્રાના પરિણામ એ કાંઈ ધર્મ નથી ભાઈ! સમ્મેદશિખરની લાખ જાત્રા કરે તોય ધર્મ ન થાય. પરદ્રવ્યાશ્રિત રાગના પરિણામ સંસારનું-બંધનું જ કારણ છે; અબંધ તો એક સ્વઆશ્રિત પરિણામ છે અને તે ધર્મ છે. સમજાણું કાંઈ...?

અભવ્ય જીવ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુને નથી શ્રદ્ધતો કારણ કે તે સદાય સ્વપરના ભેદવિજ્ઞાનને અયોગ્ય છે. અહાહા...! પોતે જ્ઞાનસ્વરૂપી નિત્ય જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ શુદ્ધજ્ઞાનચેતનામાત્ર વસ્તુ ભગવાન આત્મા છે. પણ એને તે જાણતો નથી, શ્રદ્ધતો નથી. અહા! રાગની-વ્યવહારની ક્રિયાથી મને લાભ થશે, ધર્મ થશે એમ તે માને છે અને સદાય કર્મચેતનાથી લિપ્ત-રંગાયેલો રહે છે; કેમકે એ સદાય સ્વપરનો વિવેક-ભિન્નતા કરવાને અયોગ્ય છે. અહા! જ્ઞાન અને રાગની ભિન્નતા કરવાને તે સદાય અયોગ્ય છે. અહા! આટઆટલું (વ્રત, તપ વગેરે) કરે તોય તે ભગવાન આત્માનું જ્ઞાન કરવા અયોગ્ય છે.

ત્યારે કોઈ કહે છે-અભવ્ય માટે તો તે બરાબર જ છે, પણ ભવ્યનું શું? (એમ કે વ્રત, તપ આદિ કરે તો તે વડે ભવ્યને તો આત્માનું જ્ઞાન થાય.)


PDF/HTML Page 2735 of 4199
single page version

બાપુ! અભવ્યનો તો દાખલો છે; બાકી અનંતકાળમાં ભવિ જીવે પણ આવું (વ્રત, તપ આદિ) અનંતવાર કર્યું છે, છતાં તેને કદાપિ જ્ઞાનસ્વભાવની પ્રાપ્તિ થઈ નથી. (પુણ્યની રુચિ મટાડી સ્વરૂપની રુચિ ન કરે ત્યાં સુધી ભેદવિજ્ઞાન પ્રગટતું નથી).

‘મોક્ષમાર્ગપ્રકાશક’ માં લીધું છે કે-તે તપશ્ચરણાદિ ક્રિયા તો કરે છે, ધર્મની- વ્યવહારની ક્રિયા તો કરે છે, છતાં એને ધર્મ કેમ થતો નથી?

ત્યાં કહ્યું છે કે તપશ્ચરણાદિ વ્યવહારધર્મમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તો બંધ છે, અને આ તેનાથી મોક્ષ ઇચ્છે છે તો તે કેમ થાય? અહા! વ્રત, તપ, આદિના પરિણામ તો રાગના છે ભાઈ! એ રાગ કરે ને ધર્મ ઇચ્છે તે કેમ થાય? બહુ આકરી વાત બાપા! અહા! કર્મચેતનાથી જ્ઞાનચેતના કેમ થાય?

અહાહા...! તું સર્વજ્ઞસ્વભાવી છો ને પ્રભુ! અહાહા...! તારું સ્વરૂપ જ જ્ઞ-સ્વભાવ સર્વજ્ઞસ્વભાવ છે. અહા! એનાં જ્ઞાન-શ્રદ્ધાન કરે નહિ અને રાગને ભલો જાણી એમાં રોકાઈ રહે એ તો સ્વ-પરના ભેદવિજ્ઞાન માટે અયોગ્યતા છે. અહા! આ રીતે અભવિ જીવ ભેદવિજ્ઞાન માટે સદાય અયોગ્ય છે.

હવે કહે છે- ‘માટે તે (અભવ્ય જીવ) કર્મથી છૂટવાના નિમિત્તરૂપ, જ્ઞાનમાત્ર, ભૂતાર્થ ધર્મને નથી શ્રદ્ધતો, ભોગના નિમિત્તરૂપ, શુભકર્મમાત્ર, અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે;...’

જુઓ, રાગથી ને વિકારથી છૂટવારૂપ નિમિત્ત જડકર્મ છે, અને જડકર્મના છૂટવાના નિમિત્તરૂપ જ્ઞાનની પરિણતિ છે. કર્મ છૂટે છે એ તો એના કારણે, એ કર્મને છૂટવામાં જ્ઞાનની પરિણતિ નિમિત્ત છે. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ છે. એના શુદ્ધ જ્ઞાનમાત્ર પરિણામ તે ભૂતાર્થ-સત્યાર્થ ધર્મ છે. અહીં ‘ભૂતાર્થ’ એટલે ત્રિકાળીની વાત નથી, પણ ત્રિકાળી ભૂતાર્થ ભગવાન આત્માના આશ્રયે જે આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટ થાય તેને ભૂતાર્થ ધર્મ કહ્યો. અહા! અભવ્ય જીવ આ ભૂતાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. તો કોને શ્રદ્ધે છે? તો કહે છે-

તે ભોગના નિમિત્તરૂપ, શુભકર્મમાત્ર, અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે. જોયું? શિષ્યનો પ્રશ્ન હતો ને કે-અભવ્ય જીવ આવું આવું (વ્રત, તપ આદિ) બધું કરે છે તો શું તેને ધર્મનું શ્રદ્ધાન નથી? આ એનો ખુલાસો કરે છે કે એને અભૂતાર્થ નામ જૂઠા ધર્મનું શ્રદ્ધાન છે. ખૂબ ગંભીર વાત પ્રભુ! શું કહે છે? કે ભોગના નિમિત્તરૂપ જે દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યના ભાવ તેને ધર્મ માનીને તેની તે શ્રદ્ધા કરે છે. એને અહીં અભૂતાર્થ એટલે જૂઠો ધર્મ કહ્યો છે કેમકે એના ફળમાં ભોગ મળે છે, પણ આત્મા નહિ. અહા! એ અભૂતાર્થ ધર્મના નિમિત્તે પુણ્ય બંધાય ને પુણ્યકર્મના ઉદયમાં ભોગ મળે પણ આત્મા નહિ-એમ કહે છે. સમજાણું કાંઈ...?


PDF/HTML Page 2736 of 4199
single page version

જુઓ, શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના આશ્રયે જે જ્ઞાનમાત્ર પરિણામ ઉપજે તે કર્મથી-સંસારથી છૂટવામાં નિમિત્ત છે, તેથી તેને ભૂતાર્થ એટલે સત્યાર્થ ધર્મ કહ્યો, અને જે પરના આશ્રયે શુભકર્મમાત્ર પરિણામ થાય તે બંધમાં ને ભોગમાં નિમિત્ત છે તેથી તે અભૂતાર્થ-જૂઠો ધર્મ છે એમ કહ્યું. હવે એમાં અભવિ જીવ શુભકર્મમાત્ર અભૂતાર્થધર્મને જ શ્રદ્ધે છે, પણ સત્યાર્થ ધર્મને શ્રદ્ધતો નથી.

એક જણે આ સાંભળીને કવિતાની કડી રચી હતી કેઃ-

“શુભભાવે પુણ્યબંધ છે, ધરમ શુદ્ધ-પરિણામ
પુણ્ય કર્મથી ભોગ ને, ધરમથી મુક્તિધામ.”

અહાહા...! શુભભાવ છે તે નિશ્ચયથી અશુદ્ધભાવ છે અને તે ભોગનું નિમિત્ત જે પુણ્યકર્મ તેનું નિમિત્ત છે. અભવ્ય જીવ ભોગનું નિમિત્ત જે પુણ્યકર્મ તેનું કારણ જે શુભભાવ તેને ધર્મ માની તેનું શ્રદ્ધાન કરે છે પણ સત્યાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. અહાહા...! પુણ્ય-પાપથી ભિન્ન ચિદાનંદઘન પ્રભુ આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા તે જ્ઞાનમાત્ર શુદ્ધ પરિણામ સત્યાર્થ ધર્મ છે. અભવ્ય જીવ તેને શ્રદ્ધતો નથી.

કેવા છે તે જ્ઞાનમાત્ર શુદ્ધ પરિણામ? તો કહે છે-કર્મ ખરવામાં નિમિત્ત છે. અહાહા...! કેટલી વાત કરે છે? એ શુદ્ધ પરિણામ એણે કર્યા માટે શું કર્મ ખરી પડયાં છે? ના; એમ નથી હોં; એ તો કર્મનો ખરવાનો સ્વકાળ છે. કર્મ તો એના કારણે સ્વકાળે ખર્યાં છે, ત્યારે આના શુદ્ધ પરિણામ-જ્ઞાનમાત્ર પરિણામ એમાં નિમિત્ત છે, બસ. નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એમ નહિ. આમાં લોકોને વાંધા છે. પણ ભાઈ! જો નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે તો નિમિત્ત રહે જ નહિ. (બન્ને એક થઈ જતાં નિમિત્તનો લોપ થઈ જાય).

એ તો પં. શ્રી કૈલાશચંદ્રજી (કાશીવાળા) એ પત્રમાં (જૈન સંદેશમાં) લખ્યું છે કે-સોનગઢવાળા નિમિત્તનો નિષેધ કરતા નથી, પણ નિમિત્તને કર્તા માનતા નથી. એ એમ જ છે ભાઈ! આ તો વસ્તુસ્થિતિની મર્યાદા છે; એમાં કોઈનો પક્ષ ચાલે નહિ. આ તો વીતરાગનો મારગ બાપા! આ કોઈ પક્ષનો મારગ નથી.

અહીં કહે છે-એ (-અભવ્ય) ભૂતાર્થ ધર્મને નથી શ્રદ્ધતો. ભૂતાર્થ એટલે જ્ઞાનમાત્ર ભાવ કીધો ને? જ્ઞાનમાત્ર ભાવ એ ભૂતાર્થ-સાચો ધર્મ છે. અહાહા...! ‘જ્ઞાનમાત્ર’ એટલે વસ્તુ જે એક જ્ઞાયકભાવ એકલા ચૈતન્યનું બિંબ અંદર સચ્ચિદાનંદ સ્વરૂપે ત્રિકાળ વિરાજમાન છે તેનાં જ્ઞાન-શ્રદ્ધાન અને તેમાં જ લીનતા-રમણતા થવારૂપ ભાવને અહીં જ્ઞાનમાત્ર કહ્યો છે. એમાં રાગ નથી માટે જ્ઞાનમય કહ્યો છે.

કોઈને થાય કે ‘જ્ઞાનમાત્ર’ કહ્યો તો શ્રદ્ધાન અને ચારિત્ર ક્યાં ગયાં? એમ નહિ ભાઈ! અંદર આત્મા જે શુદ્ધ ચિદ્રૂપ ત્રિકાળ ધ્રુવ એક જ્ઞાયકભાવરૂપ


PDF/HTML Page 2737 of 4199
single page version

છે તેના સન્મુખની શ્રદ્ધા, તેના સન્મુખનું જ્ઞાન અને તેમાં જ રમણતા-એ ત્રણેની એકરૂપતાને અહીં ‘જ્ઞાનમાત્ર’ કહ્યો છે. રાગના અભાવરૂપ એટલે જ્ઞાનમાત્ર એમ અર્થ છે. આવી વ્યાખ્યા! સમજાણું કાંઈ...?

તે ભોગના નિમિત્તરૂપ ‘શુભકર્મમાત્ર’ અભૂતાર્થ ધર્મને શ્રદ્ધે છે. હવે આમાં કર્મ એટલે જડ કર્મ એમ કેટલાક અર્થ કરે છે, પણ એમ નથી ભાઈ! પુણ્ય-પાપ અધિકારમાં આવી ગયું છે કે વ્રત, તપ, શીલ, નિયમ-એ બધાં શુભકર્મ છે. શુભકર્મ એટલે શુભરાગરૂપ વિકલ્પ એમ અહીં અર્થ છે. એ બંધનું કારણ છે તેથી તેને અભૂતાર્થ-જૂઠો ધર્મ કહ્યો છે. અહા! વ્રત, તપ, શીલ આદિનો શુભભાવ જૂઠો ધર્મ છે અર્થાત્ ધર્મ નથી. આવી વાત છે!

પ્રશ્નઃ– હા, પણ એ તો સોનગઢવાળા કહે છે ને? ઉત્તરઃ– ભાઈ! આ તો આચાર્ય-મુનિવર કહે છે ને? અને મુનિવર કહે છે એ સર્વજ્ઞે કહેલું કહે છે. અહીં તો એનો અનુવાદ-અનુ એટલે અનુસરીને વાદ નામ કથન- થાય છે. કોઈને એ ન બેસે એટલે વિરોધ કરે પણ શું થાય? સૌ સ્વતંત્ર છે; એના પરિણામમાં જેવું બેઠું હોય તેવું કહે ને? કહ્યું છે ને કે-

“જામેં જિતની બુદ્ધિ હૈ, ઈતનો દિયો બતાય;
વાંકો બુરો ન માનિયે, ઓર કહાંસે લાય.”

કોઈને ન બેસે ને વિરોધ કરે તો એના પરિણામ એનામાં છે; એ પ્રત્યે વિરોધ- વેરની ભાવના ન હોય. ‘सत्त्वेषु मैत्री’. અમને તો સર્વ પ્રતિ મૈત્રીભાવ છે. વિરોધ કરે તોય એ સત્ત્વ-જીવ છે ને? અંદર આનંદઘન પ્રભુ ભગવાન છે ને? અહાહા...! બધા અંદર સ્વરૂપથી ભગવાન છે, સાધર્મી છે. અમને તો મૈત્રીભાવ છે. અમને કોઈનાય પ્રતિ અનાદરની ભાવના છે નહિ. પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ આવું છે એ સાંભળીને કોઈને ઓછું આવે (દુઃખ લાગે) તો એ તો એના પરિણામ સ્વતંત્ર છે.

તે (-અભવ્ય) જૂઠા ધર્મને શ્રદ્ધે છે. જૂઠો ધર્મ એટલે? એટલે કે આ વ્રત, તપ, ભક્તિ આદિ શુભ પરિણામને ધર્મ માને તે જૂઠો ધર્મ છે. વ્યવહારના પક્ષવાળાને આ ખટકે છે એટલે પોકારી ઉઠે છે કે-આ સોનગઢવાળા કહે છે.

પણ જો ને બાપા! આ (-શાસ્ત્ર) શું કહે છે? ભાઈ! આ કોઈના અનાદરની વાત નથી, આ તો વસ્તુનું સ્વરૂપ છે. અહીં તો એનો અનુવાદ-અનુસરીને કથન-કરવામાં આવે છે.

હા! પણ શું થાય? એણે ઓલું માન્યું છે ને? કે આ વ્રત, તપ આદિ કરીએ છીએ તે ધર્મ છે અને એનાથી મોક્ષ થશે; તેથી આ આકરું લાગે છે. પણ બાપુ! એ ધર્મ


PDF/HTML Page 2738 of 4199
single page version

નહિ ને! ધર્મનું કારણેય નહિ. અહા! એવું તો અભવ્ય પણ અનંતવાર કરે છે તોય તેને એકેય ભવ ઘટતો નથી. સમજાણું કાંઈ...!

અહા! અભવ્ય જીવ શુભકર્મમાત્ર અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે. હવે કહે છે- ‘તેથી જ તે અભૂતાર્થ ધર્મનાં શ્રદ્ધાન, પ્રતીતિ, રુચિ અને સ્પર્શનથી ઉપરના ગ્રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે પરંતુ કદાપિ કર્મથી છૂટતો નથી.’

જોયું! સત્યાર્થ ધર્મનાં રુચિ ને સ્પર્શનને બદલે તે શુભરાગને ધર્મ માનવારૂપ જૂઠા ધર્મનાં શ્રદ્ધાન, રુચિ ને સ્પર્શન અર્થાત્ વેદનથી, અનુભવનથી ઉપરના ગ્રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે. અહીં સીધું શુભરાગના પરિણામથી ભોગને પામે છે એમ લીધું છે. વાસ્તવમાં પરિણામ છે તે નવા કર્મબંધમાં નિમિત્ત છે. અને કર્મનો ઉદય ભોગ મળવામાં નિમિત્ત છે. ઉપાદાન તો સૌ-સૌનું સ્વતંત્ર છે. અહા! શુભરાગના સ્પર્શન-અનુભવનથી તે નવમી ગ્રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે, પણ કદાપિ કર્મથી છૂટતો નથી. જોયું? શુભભાવ છે તે ચૈતન્ય ભગવાનથી વિરુદ્ધ ભાવ છે; એને ધર્મ માની આચરનાર કોઈ કાળે પણ કર્મથી છૂટતો નથી.

ત્યારે કોઈ પંડિત વળી કહે છે-કોઈને શુભભાવથી શુદ્ધભાવ થાય એમ કહો, એટલો સુધારો કરો. એમ કે વ્રત, તપ, ભક્તિ આદિ શુભભાવથી કોઈને ધર્મ થાય એમ કહો.

અરે ભાઈ! અહીં શું કહે છે આ? અહીં તો કહે છે-વ્રતાદિને ધર્મ માને પણ તે જૂઠો ધર્મ છે અને એના સ્પર્શનથી તે કદાપિ કર્મથી છૂટતો નથી. આ નિયમ છે કે શુભભાવના આચરણથી ભોગ મળે પણ એનાથી ધર્મ ન થાય.

કહે છે- ‘તે ઉપરના ગ્રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે .’ જોયું? ‘ભોગમાત્ર’ શબ્દથી શું કહેવું છે? કે એને ભોગ-સામગ્રી તો નવમા ગ્રૈવેયક સુધીની અહમિંદ્રની મળશે પણ જેનાથી આત્મપ્રાપ્તિ થાય તે ધર્મ નહિ મળે. અહા! ટીકાના એક એક શબ્દમાં કેટકેટલું ભર્યું છે? શુભકર્મમાત્ર જૂઠા ધર્મના શ્રદ્ધાન-સ્પર્શનથી તે-

-ભોગમાત્રને પામે છે, ધર્મ નહિ એક વાત, અને -કદાપિ કર્મથી છૂટતો નથી-એ બીજી વાત. અહા! શુભભાવને તે ધર્મ માને છે તે મિથ્યાદર્શન છે અને એ શુભના આચરણથી એને ભોગ મળે છે પણ કદીય ધર્મ થતો નથી, સંવર-નિર્જરા થતાં નથી. આવી વાત છે.

બાપુ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. એ શુભભાવથી મળતી નથી. શુભભાવ કારણ ને સમ્યગ્દર્શન કાર્ય એમ ત્રણકાળમાં છે નહિ. અંદર ત્રિકાળી ભગવાન ચિન્માત્ર વસ્તુ કારણ પરમાત્મા પ્રભુ પોતે છે-એ એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય


PDF/HTML Page 2739 of 4199
single page version

છે. અહો! સમયસારમાં અમૃત-પરમામૃત ઘોળ્‌યાં છે. આચાર્યદેવે જે (પોતાનો) ભાવ- સ્વરૂપ છે તેનું એમાં ઘોલન કર્યું છે.

હવે કહે છે- ‘તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે (સાચું) શ્રદ્ધાન પણ નથી.’

એ ભૂતાર્થ ધર્મ કોણ? અહા! જેમાં આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન ને રમણતા પ્રગટ છે એવો જ્ઞાનમાત્ર ભાવ તે ભૂતાર્થ ધર્મ છે. જેમાં શુભરાગની ગંધેય નથી એવો જ્ઞાનમાત્ર ભાવ તે ભૂતાર્થ ધર્મ છે. અભવ્યને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનનો અભાવ છે તેથી કહે છે કે તેને સમ્યક્ શ્રદ્ધાન પણ નથી.

પહેલાં કીધું કે-તેને અગિયાર અંગનું જ્ઞાન હોય તોય આત્મજ્ઞાનનો અભાવ હોવાથી સમ્યક્ જ્ઞાન નથી. હવે અહીં કહે છે-તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનનો અભાવ હોવાથી સાચું શ્રદ્ધાનેય નથી. તેને જેમ જ્ઞાન નથી તેમ શ્રદ્ધાન પણ નથી.

હવે કહે છે- ‘આમ હોવાથી નિશ્ચયનય વડે વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે.’ જુઓ, આ સિદ્ધાંત નક્કી કર્યો. ‘આમ હોવાથી’ -એટલે શું? અગિયાર અંગનું જ્ઞાન હોય તોય આત્મજ્ઞાન વિના જ્ઞાન નહિ અને શુભાચરણથી ધર્મ છે એમ માનનારને (સાચું) શ્રદ્ધાન નહિ, ધર્મ નહિ-આમ હોવાથી નિશ્ચયનય વડે વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે.

લ્યો, આ સિદ્ધાંત કહે છે કે-નિશ્ચય વડે વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે. ત્યારે એ કહે છે-તમે નિષેધ કેમ કરો છો? ભાઈ! તને વ્યવહારથી ધર્મ થાય એમ પક્ષ થઈ ગયો છે પણ આ તારા હિતની વાતુ કહીએ છીએ. ભાઈ! તું માને છે એમ વસ્તુસ્વરૂપ નથી. શું થાય? વસ્તુની સ્થિતિ આ છે કે આત્મસન્મુખતાના-સ્વ-આશ્રયના ભાવ વિના જેટલાં વ્રત, તપ આદિ છે તે બધાયનું ફળ સંસાર જ છે. એનાથી સંસાર ફળે પણ મુક્તિ ન થાય. હવે આમાં તને ઓછું આવે (ખોટું લાગે) પણ શું થાય ભાઈ!

મોક્ષમાર્ગપ્રકાશકમાં છે કે-દારૂ પીનારને દારૂનો નિષેધ કરીએ તો ખોટું લાગે તેમ પુણ્યની-વ્યવહારની રુચિવાળાને વ્યવહારનો નિષેધ કરીએ એટલે ખોટું લાગે. પણ આ હિતની વાત છે ભાઈ! આ સિવાય બીજી કઈ એવી સાચી પ્રરૂપણા છે કે સૌને સારી લાગે? મારગ તો આવો છે પ્રભુ! કે નિશ્ચયનય વડે વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે.

ત્યારે એ કહે છે-આવું કહેશો તો કોઈ શુભભાવ કરશે નહિ. સમાધાનઃ– ભાઈ! તને ખબર નથી; પણ એને શુભભાવ આવ્યા વિના રહેશે


PDF/HTML Page 2740 of 4199
single page version

નહિ. એના ક્રમમાં તે જરૂર આવશે; જ્ઞાનીનેય આવશે ને અજ્ઞાનીનેય આવશે. પણ બેની માન્યતામાં ફેર છે. એક (-જ્ઞાની) એને હેય માને છે ત્યારે બીજો (-અજ્ઞાની) એને ઉપાદેય સ્થાપે છે. બેની માન્યતામાં મહાન અંતર!

શુભભાવ નહિ આવે? અહા! મુનિરાજને પણ પંચમહાવ્રતાદિના ભાવ આવે છે. પણ એને કરવા કયાં છે? એને એ કર્તવ્ય કયાં માને છે? એને તો એ બંધરૂપ જાણી હેય માને છે. બાપુ! જે શુભભાવ આવે છે તેને હેયપણે માત્ર જાણવા એ જુદી વાત છે અને એને ધર્મ વા ધર્મનું કારણ જાણી કરવા એ જુદી વાત છે. તું શુભાચરણને ચારિત્ર-ધર્મ માને છે પણ એ ચારિત્ર-ધર્મ છે જ નહિ. એને તો અહીં જૂઠો ધર્મ કહ્યો છે. સમજાણું કાંઈ...? માટે નિશ્ચય વડે-સ્વસ્વરૂપના આશ્રય વડે-વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે.

* ગાથા ૨૭પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અભવ્ય જીવને ભેદજ્ઞાન થવાની યોગ્યતા નહિ હોવાથી તે કર્મફળચેતનાને જાણે છે પરંતુ જ્ઞાનચેતનાને જાણતો નથી;...’

જોયું? રાગ ને જ્ઞાન (-આત્મા) બન્ને ભિન્ન છે. તેને ભિન્ન જાણી, બેનો ભેદ કરવાની યોગ્યતા અભવ્યને નથી. અહો! ભેદવિજ્ઞાન અલૌકિક ચીજ છે. કળશમાં આવે છે ને કે-

भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। १३१।।

અહા! જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; અને જે કોઈ બંધાયા છે તે ભેદવિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. અહો ભેદજ્ઞાન! એની પ્રગટતા થતાં જીવ મુક્તિ પામે ને એના અભાવે સંસારમાં બંધાયેલો રહે. અહા! ભેદજ્ઞાનનો અભાવ છે તે જ બંધન છે. રાગ ને જ્ઞાનને એક માની પ્રવર્તે તે બંધન છે, સંસાર છે.

અહીં કહે છે-અભવ્ય જીવ કર્મફળચેતનાને જાણે છે પરંતુ જ્ઞાનચેતનાને જાણતો નથી. અહા! તે શુભકર્મ અને એનું ફળ બહારમાં જે ભોગ મળે તેને જાણે છે, શ્રદ્ધે છે પણ કર્મચેતનાથી ભિન્ન અંદર નિર્મળાનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ છે તેની એકાગ્રતારૂપ જે જ્ઞાનચેતના તેને જાણતો નથી. અહા! તે રાગ ને રાગના ફળને જાણે છે પણ સદા અરાગી ભગવાન આત્મા અને એની એકાગ્રતા અરાગી શાંતિને તે જાણતો નથી.

શું કીધું? કે ભગવાન આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એક ચિદ્રૂપ જ્ઞાનરૂપ છે. અહાહા...! જાણવું-જાણવું-જાણવું એવો એક જેનો સ્વભાવ છે એવો તે જ્ઞાનસ્વરૂપ છે. એની એકાગ્રતા તે જ્ઞાનચેતના અર્થાત્ સત્યાર્થ ધર્મ છે. તેને એ (-અભવ્ય, મિથ્યાદ્રષ્ટિ)