Pravachan Ratnakar (Gujarati). Gatha: 276-277 ; Kalash: 174.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 138 of 210

 

PDF/HTML Page 2741 of 4199
single page version

જાણતો નથી અને દયા, દાન, વ્રત આદિ રાગની એકાગ્રતા ને એના ફળમાં મળતા સંયોગને તે જાણે છે. અનાદિથી એવો મહાવરો છે ને? પં. શ્રી બનારસીદાસકૃત ‘પરમાર્થવચનિકા’ માં આવે છે કે-મૂઢ જીવને આગમપદ્ધતિ સુગમ છે તેથી તે કરે છે, પણ અધ્યાત્મપદ્ધતિને તે જાણતોય નથી. શું કીધું? કે આ વ્રત, તપ, શીલ ઇત્યાદિમાં સાવધાનપણું તે આગમપદ્ધતિ છે અને તે એને ચિરકાળથી સુગમ હોવાથી કરે છે, અને એમાં સંતોષાઈ જાય છે પણ સ્વસ્વરૂપમાં-શાશ્વત ચૈતન્યબિંબ પ્રભુ આત્મામાં- એકાગ્રતારૂપ અધ્યાત્મવ્યવહારને તે જાણતો પણ નથી. અહાહા...! વસ્તુ ત્રિકાળી ભગવાન તે નિશ્ચય છે અને એના આશ્રયે જે પરિણતિ થાય તે અધ્યાત્મ-વ્યવહાર છે; તેને અહીં જ્ઞાનચેતના કહે છે. અહા! અભવિ જીવ જ્ઞાનચેતનાને જાણતો જ નથી; માત્ર કર્મફળચેતનાને જ જાણે છે. આવી વાત છે!

હવે કહે છે- ‘તેથી શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તેને નથી.’ શું કહે છે? કે વસ્તુ જે એક જ્ઞાયકસ્વભાવમય આત્મા એની એકાગ્રતારૂપ જ્ઞાનચેતના એને તે જાણતો નહિ હોવાથી તે શુદ્ધ આત્મિક ધર્મને જાણતો નથી. અહાહા...! જ્ઞાનચેતના એ શુદ્ધ આત્મિક ધર્મ છે, સત્યાર્થ ધર્મ છે. ધીમે ધીમે સમજવું બાપા! પૂર્વે કોઈ દિ’ કર્યું નથી એટલે કઠણ લાગે છે પણ સત્ય જ આ છે. અહા! તે જ્ઞાનચેતનાને જાણતો નથી તેથી તેને શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન નથી.

હવે કહે છે-તે શુભ કર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે તેથી તેના ફળ તરીકે ગ્રૈવેયક સુધીના ભોગને પામે છે પરંતુ કર્મનો ક્ષય થતો નથી.’

જુઓ, ‘શુભકર્મ’ શબ્દે અહીં જડકર્મ નહિ પણ શુભભાવ, પુણ્યભાવની વાત છે. શુભભાવ રૂપ કર્મચેતનાને અહીં શુભકર્મ કહ્યું છે. ૧પ૪ માં આવે છે કે- ‘વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મો;’ જુઓ, છે કે નહિ અંદર? ગાથા ૧પ૩ ના ભાવાર્થમાં પણ છે કે- ‘વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભભાવરૂપ શુભકર્મો.’ ગાથા ૧પ૬ ની ટીકામાં આવે છે કે- ‘પરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે.’ મતલબ કે શુભકર્મ શુભભાવરૂપ આચરણને તે ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે.

વાસ્તવમાં વ્રત, તપ આદિ શુભકર્મ કાંઈ સદાચરણ (સત્નું આચરણ) નથી, પણ અસદાચરણ (જૂઠું આચરણ) છે. અહાહા...! ત્રિકાળી સત્ શાશ્વત ચિદાનંદ પ્રભુ અંદર છે એમાં એકાગ્રતા-લીનતા તે સદાચરણ છે, બાકી શુભભાવ કાંઈ સદાચરણ નથી, ધર્મ નથી. અહા! અભવિ જીવ એને (-શુભકર્મને) જ ધર્મ જાણી શ્રદ્ધાન કરે છે.

અહા! જુઓ, અજ્ઞાનીને એકલી કર્મધારા છે, ભગવાન કેવળીને એકલી જ્ઞાનધારા છે, અને જ્ઞાનીને જ્ઞાનધારા ને કર્મધારા બન્ને હોય છે. જ્ઞાનીને જ્ઞાનમય પરિણમન


PDF/HTML Page 2742 of 4199
single page version

છે, પણ દશામાં જ્ઞાનીને પૂર્ણતા નહિ હોવાથી, અથવા દ્રવ્યનો પૂર્ણ આશ્રય નહિ હોવાથી કમજોરીમાં શુભભાવ આવ્યા વિના રહેતો નથી. તેથી જ્ઞાનીને જ્ઞાનધારા ને કર્મધારા બન્ને હોય છે. તેમાં જ્ઞાનધારા છે તે ધર્મ છે ને કર્મધારા તે અધર્મ છે. ‘આત્માવલોકન’ માં છે કે જ્ઞાનીને ધર્મ ને અધર્મ બેય છે તે આ રીતે. હવે આમાં લોકો રાડ નાખે છે; પણ એમાં રાડ નાખવા જેવું છે શું? વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, ને રાગ વસ્તુસ્વભાવથી વિરુદ્ધ ભાવ છે તેથી તે અધર્મ છે. ન્યાયથી તો વાત છે. પણ આદત છે ને? ભેદવિજ્ઞાનની અયોગ્યતા છે ને? તેથી તે શુભકર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે, અને એના ફળમાં ગ્રૈવેયક સુધીના ભોગને પામે છે. પરંતુ તેને કર્મક્ષય થતો નથી.

કર્મક્ષય કયાંથી થાય? શુભકર્મ છે તે બંધભાવ છે; એનાથી એને બંધન થાય, પણ કર્મક્ષય કયાંથી થાય?

ત્યારે એ કહે છે-એથી પાપ ઘટે ને પુણ્ય વધે છે. પણ બાપુ! એ તો બધું કર્મ (બંધન) જ છે; એમાં કર્મક્ષય કયાંય નથી. ‘આ રીતે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન નહિ હોવાથી તેને શ્રદ્ધાન જ કહી શકાતું નથી.’ અહાહા...! શુભકર્મમાત્ર જૂઠા ધર્મનું શ્રદ્ધાન એને છે ને કર્મક્ષયનું નિમિત્ત એવા શુદ્ધ આત્મિકધર્મનું એને શ્રદ્ધાન નથી તેથી એને શ્રદ્ધાન જ નથી એમ કહે છે. એમ કે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન જ શ્રદ્ધાન છે, પણ તે એને છે નહિ માટે તેને શ્રદ્ધાન જ નથી આવી વાત છે!

‘આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત અભવ્ય જીવને જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી નિશ્ચયનય વડે કરવામાં આવતો વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે.’

જોયું? અભવ્યને વ્યવહારનયનો આશ્રય છે. તે અગિયાર અંગ સુદ્ધાં ભણે છે ને ભગવાને કહેલાં વ્રતાદિ પાળે છે, પણ તેને નિશ્ચય જ્ઞાન-શ્રદ્ધાન હોતાં નથી. વ્યવહારનયનો આશ્રય હોવાથી એને સાચાં જ્ઞાન-શ્રદ્ધાન થતાં નથી. માટે અહીં કહે છે- નિશ્ચયનય વડે વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે. સ્વસ્વરૂપના આશ્રય વડે વ્યવહારનો- રાગનો નિષેધ કરવો યોગ્ય જ છે-એમ કહે છે. સમજાણું કાંઈ...?

પંડિત જયચંદજી હવે કહે છે કે- ‘અહીં એટલું વિશેષ જાણવું કે-આ હેતુવાદરૂપ અનુભવપ્રધાન ગં્રથ છે તેથી તેમાં ભવ્ય-અભવ્યનો અનુભવની અપેક્ષાએ નિર્ણય છે.’

અભવ્યને અનુભવ-વેદન વિકારનો છે અને જ્ઞાનીને અનુભવ શુદ્ધ ચૈતન્યનો છે. હેતુ એટલે ન્યાયથી-યુક્તિથી અનુભવપ્રધાન અહીં વાત કરી છે.

‘હવે જો આને અહેતુવાદ આગમ સાથે મેળવીએ તો-અભવ્યને વ્યવહારનયના


PDF/HTML Page 2743 of 4199
single page version

પક્ષનો સૂક્ષ્મ, કેવળીગમ્ય આશય રહી જાય છે કે જે છદ્મસ્થને અનુભવગોચર નથી પણ હોતો, માત્ર સર્વજ્ઞદેવ જાણે છે.’

જોયું? અભવિને વ્યવહારનયના પક્ષનો સૂક્ષ્મ આશય રહી જાય છે જે છદ્મસ્થને અનુભવગોચર નથી પણ હોતો.’ ‘નથી જ’ હોતો એમ નહિ, પણ કોઈ સૂક્ષ્મ લક્ષવાળાને હોય પણ છે એમ કહેવું છે. સૂક્ષ્મ લક્ષ ન પહોંચે તો અનુભવમાં ન આવે એટલે એ કેવળીગમ્ય સૂક્ષ્મ છે એમ કહ્યું. સમજાણું કાંઈ...?

‘માત્ર સર્વજ્ઞદેવ જાણે છે’ -એટલે ભગવાન સર્વજ્ઞ વિશેષ સ્પષ્ટ જાણે છે. પંચાધ્યાયીમાં એમ લીધું છે કે-સમ્યગ્દર્શનને ભગવાન કેવળી જાણી શકે છે. ત્યાં તો એ અવધિ, મનઃપર્યય કે મતિજ્ઞાનનો વિષય નથી એમ કહેવું છે. અહીં વેદનની અપેક્ષાએ વાત છે. અનુભૂતિની સાથે અવિનાભાવી સમકિત હોય છે તો અનુભૂતિની સાથે સમકિતનું જ્ઞાન પણ થાય, સમકિતને એ બરાબર જાણી શકે. અનુભૂતિ એ જ્ઞાનનું- વેદનનું સ્વરૂપ છે અને સમકિત શ્રદ્ધાનનું. બેયને અવિનાભાવી ગણતાં અનુભૂતિથી સમકિતનો નિર્ણય બરાબર થઈ શકે. અનુભૂતિ વિના સીધું સમકિતને જાણી શકે એમ નહિ-પંચાધ્યાયીકારનું એમ કહેવું છે. પણ અનુભૂતિમાં સમકિતને ન જાણી શકાય એમેય નહિ. આવી વાત છે!

હવે કહે છે- ‘એ રીતે કેવળ વ્યવહારનો પક્ષ રહેવાથી તેને સર્વથા એકાંતરૂપ મિથ્યાત્વ રહે છે. અભવ્યને આ વ્યવહારનયના પક્ષનો આશય કદી પણ મટતો જ નથી.’

જોયું? વ્યવહાર હોય એ જુદી વાત છે, અને વ્યવહારનો પક્ષ હોય એ જુદી વાત છે. વ્યવહાર તો જ્ઞાનીને-મુનિરાજને પણ હોય છે, પણ એનો પક્ષ એને કદીય હોતો નથી. વ્યવહારનો પક્ષ હોય એ તો ભાઈ! સર્વથા એકાંતરૂપ મિથ્યાત્વ છે. જોયું? વ્યવહારથી ધર્મ થાય એમ માને એ સર્વથા એકાંત મિથ્યાત્વ છે. એમ કહે છે. અભવિને આ વ્યવહારનયનો પક્ષ કદીય મટતો નથી તેથી, સંસારનું પરિભ્રમણ સદા ઊભું જ રહે છે. ભાઈ! જ્યાં સુધી વ્યવહારનો પક્ષ છે ત્યાં સુધી સંસાર ઊભો જ રહે છે. આવી વ્યાખ્યા!

અહા! મારગને જાણીને સ્વરૂપનું લક્ષ ન કરે તો ચોર્યાસીના અવતારમાં કષાયની અગ્નિમાં બળી રહેલો એ દુઃખી છે. ભગવાન! આ સંયોગની ચમકમાં તું ભૂલી ગયો છે પણ જેમ દાંત કાઢે તોય સનેપાતીઓ અંદર દુઃખી છે તેમ અંદરમાં તું મિથ્યા શ્રદ્ધાન- જ્ઞાન-આચરણ એ ત્રણેના ત્રિદોષના સન્નિપાતરૂપ રોગથી પીડાઈ રહેલો દુઃખી જ છે. અહા! જ્યાં સુધી આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ ન આવે ત્યાં સુધી આ બધા શેઠિયા, રાજાઓ ને દેવો સૌ દુઃખી જ છે. લ્યો, આવી વાત છે.

[પ્રવચન નં. ૩૩૧ (શેષ) અને ૩૩૨ * દિનાંક ૨૩-૩-૭૭ અને ૨૪-૩-૭૭]

PDF/HTML Page 2744 of 4199
single page version

ગાથા ૨૭૬–૨૭૭
कीद्रशौ प्रतिषेध्यप्रतिषेधकौ व्यवहारनिश्चयनयाविति चेत्–

आयारादी णाणं जीवादी दंसणं च विण्णेयं। छज्जीवणिकं च तहा भणदि चरित्तं तु ववहारो।। २७६।। आदा खु मज्झ णाणं आदा मे दंसणं चरित्तं च। आदा पच्चक्खाणं आदा मे संवरो जोगो।। २७७।।

आचारादि ज्ञानं जीवादि दर्शनं च विज्ञेयम्।
षड्जीवनिकायं च तथा भणति चरित्रं तु व्यवहारः।। २७६।।
आत्मा खलु मम ज्ञानमात्मा मे दर्शनं चरित्रं च।
आत्मा प्रत्याख्यानमात्मा मे
संवरो योगः।। २७७।।

હવે પૂછે છે કે “નિશ્ચયનય વડે નિષેધ્ય (અર્થાત્ નિષેધાવાયોગ્ય) જે વ્યવહારનય, અને વ્યવહારનયનો નિષેધક જે નિશ્ચયનય-તે બન્ને નયો કેવા છે?” એવું પૂછવામાં આવતાં વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ કહે છે;-

‘આચાર’ આદિ જ્ઞાન છે, જીવાદિ દર્શન જાણવું,
ષટ્જીવનિકાય ચરિત છે, –એ કથન નય વ્યવહારનું. ૨૭૬.
મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન–ચરિત છે,
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર–યોગ છે. ૨૭૭.

ગાથાર્થઃ– [आचारादि] આચારાંગ આદિ શાસ્ત્રો તે [ज्ञानं] જ્ઞાન છે, [जीवादि] જીવ આદિ તત્ત્વો તે [दर्शनं विज्ञेयम् च] દર્શન જાણવું [च] અને [षड्जीवनिकायं] છ જીવ-નિકાય તે [चरित्रं] ચારિત્ર છે- [तथा तु] એમ તો [व्यवहारः भणति] વ્યવહારનય કહે છે.

[खलु] નિશ્ચયથી [मम आत्मा] મારો આત્મા જ [ज्ञानम्] જ્ઞાન છે, [मे आत्मा] મારો આત્મા જ [दर्शनं चरित्रं च] દર્શન અને ચારિત્ર છે, [आत्मा] મારો આત્મા જ [प्रत्याख्यानम्] પ્રત્યાખ્યાન છે, [मे आत्मा] મારો આત્મા જ [संवरः योगः] સંવર અને યોગ (-સમાધિ, ધ્યાન) છે.


PDF/HTML Page 2745 of 4199
single page version

ટીકાઃ– આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે કારણ કે તે (શબ્દશ્રુત) જ્ઞાનનો આશ્રય છે, જીવ આદિ નવ પદાર્થો દર્શન છે કારણ કે તે (નવ પદાર્થો) દર્શનનો આશ્રય છે, અને છ જીવ-નિકાય ચારિત્ર છે કારણ કે તે (છ જીવ-નિકાય) ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે વ્યવહાર છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે (શુદ્ધ આત્મા) જ્ઞાનનો આશ્રય છે, શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે, અને શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે નિશ્ચય છે. તેમાં, વ્યવહારનય પ્રતિષેધ્ય અર્થાત્ નિષેધ્ય છે, કારણ કે આચારાંગ આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાંતિક છે- વ્યભિચારયુક્ત છે; (શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રયસ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે કેમ કે શબ્દશ્રુત આદિ હોવા છતાં જ્ઞાન આદિ નથી પણ હોતાં, માટે વ્યવહારનય પ્રતિષેધ્ય છે;) અને નિશ્ચયનય વ્યવહારનયનો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે. (શુદ્ધ આત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી કેમ કે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય જ છે.) આ વાત હેતુ સહિત સમજાવવામાં આવે છેઃ-

આચારાંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, કારણ કે તેના (અર્થાત્ શબ્દશ્રુતના) સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે; જીવ આદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે; છ જીવ નિકાય ચારિત્રનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે, કારણ કે આચારાંગ આદિ શબ્દશ્રુતના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે; શુદ્ધ આત્મા જ દર્શનનો આશ્રય છે, કારણ કે જીવ આદિ નવ પદાર્થોનાં સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ દર્શનનો સદ્ભાવ છે; શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે, કારણ કે છ જીવ-નિકાયના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ ચારિત્રનો સદ્ભાવ છે.

ભાવાર્થઃ– આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તથા છ કાયના જીવોની રક્ષા-એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતાં, તેથી વ્યવહારનય તો નિષેધ્ય છે; અને શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે, તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. માટે શુદ્ધનય ઉપાદેય કહ્યો છે.

હવે આગળના કથનની સૂચનાનું કાવ્ય કહે છેઃ-


PDF/HTML Page 2746 of 4199
single page version

(उपजाति)
रागादयो बन्धनिदानमुक्ता–
स्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः।
आत्मा परो वा किमु तन्निमित्त–
मिति प्रणुन्नाः पुनरेवमाहुः।। १७४।।

શ્લોકાર્થઃ– [रागादयः बन्धनिदानम् उक्ताः] “રાગાદિકને બંધનાં કારણ કહ્યા અને વળી [ते शुद्ध–चिन्मात्र–महः–अतिरिक्ताः] તેમને શુદ્ધચૈતન્યમાત્ર જ્યોતિથી (અર્થાત્ આત્માથી) ભિન્ન કહ્યા; [तद्–निमित्तम्] ત્યારે તે રાગાદિકનું નિમિત્ત [किमु आत्मा वा परः] આત્મા છે કે બીજું કોઈ?” [इति प्रणुन्नाः पुनः एवम् आहुः] એવા (શિષ્યના) પ્રશ્નથી પ્રેરિત થયા થકા આચાર્યભગવાન ફરીને આમ (નીચે પ્રમાણે) કહે છે. ૧૭૪.

*
સમયસાર ગાથા ૨૭૬–૨૭૭ઃ મથાળું

હવે પૂછે છે કે-“નિશ્ચયનય વડે નિષેધ્ય (અર્થાત્ નિષેધાવાયોગ્ય) જે વ્યવહારનય, અને વ્યવહારનયનો નિષેધક જે નિશ્ચયનય-તે બન્ને નયો કેવા છે? ” એવું પૂછવામાં આવતાં વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ કહે છેઃ-

* ગાથા ૨૭૬–૨૭૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે કારણ કે તે (શબ્દશ્રુત) જ્ઞાનનો આશ્રય છે, જીવ આદિ નવ પદાર્થો દર્શન છે કારણ કે તે (નવ પદાર્થો) દર્શનનો આશ્રય છે, અને છ જીવ’ નિકાય ચારિત્ર છે કારણ કે તે (છ જીવ-નિકાય) ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે વ્યવહાર છે.’

જુઓ, અહીં આચારાંગ આદિ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલાં જૈનદર્શનનાં શાસ્ત્રોને નિમિત્તપણે લીધાં છે; અજ્ઞાનીઓએ કહેલાં નહિ. આચારાંગ આદિ શાસ્ત્ર શ્વેતાંબરમાં છે નહિ; એ તો ફક્ત નામ પાડયાં છે. આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની ઓમ્ધ્વનિ અનુસાર રચાયેલાં શાસ્ત્રોની વાત છે. અહીં શું કહેવું છે? કે આચારાંગ આદિ શાસ્ત્રોનું જ્ઞાન તે વ્યવહાર છે અને તે નિષેધ કરવા લાયક છે.

શું કહે છે? કે આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે. એ શાસ્ત્રોના શબ્દોનું જ્ઞાન તે શબ્દશ્રુતજ્ઞાન કહેવાય છે કેમકે તે જ્ઞાનનો આશ્રય-હેતુ-નિમિત્ત શબ્દો છે. ઝીણી વાત બાપુ! આ આચારાંગ આદિ શબ્દો છે એ વ્યવહાર-જ્ઞાનનો આશ્રય-નિમિત્ત છે, તેથી તેને શબ્દશ્રુતજ્ઞાન વ્યવહારે કહીએ છીએ.


PDF/HTML Page 2747 of 4199
single page version

આ શબ્દશ્રુતજ્ઞાન છે તે વ્યવહાર છે. તે નિષેધ્ય છે એમ કહેવું છે. જે જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા આશ્રય-નિમિત્ત ન હોય અને શબ્દશ્રુત નિમિત્ત હોય એવું શબ્દશ્રુતજ્ઞાન નિષેધ કરવા લાયક છે એમ કહે છે. હવે કહે છે-

જીવ આદિ નવ પદાર્થો દર્શન છે. શું કીધું? જેમ શબ્દશ્રુત જ્ઞાન છે તેમ જીવાદિ પદાર્થ તે દર્શન છે. કેમકે જીવાદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય-નિમિત્ત-હેતુ છે, માટે નવ પદાર્થો દર્શન છે. એ વ્યવહાર છે. આ વ્યવહાર દર્શન નિષેધવા લાયક છે એમ અહીં કહેવું છે. ભાઈ! આમાં હવે પોતાની મતિ-કલ્પના ન ચાલે, પણ શાસ્ત્રનો શું અભિપ્રાય છે તે યથાર્થ સમજવું જોઈએ. અહા! કુંદકુંદ આદિ આચાર્યવરોએ નિશ્ચય અંતરંગ વસ્તુ આત્મા ને બાહ્ય પદાર્થોની સ્પષ્ટ વહેંચણી (-વિભાગ) કરી નાખી છે.

‘જીવાદિ નવ પદાર્થો...’ લ્યો, એમાં સંવર, નિર્જરા, મોક્ષ આવ્યા કે નહિ! હા, પણ ભેદવાળા આવ્યા ને? તેથી તે વ્યવહાર સમ્યગ્દર્શન છે, કારણ કે તે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. વ્યવહાર શ્રદ્ધાન-વ્યવહાર સમકિતનું નવ પદાર્થ નિમિત્ત આશ્રય-હેતુ- કારણ છે, માટે નવ પદાર્થ વ્યવહારે દર્શન છે. આવી વાત છે!

તો પછી ‘तत्त्वार्थश्रद्धानम् सम्यग्दर्शनम्’ એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે ને?

હા, ત્યાં એ નિશ્ચય સમકિતની વાત છે. નવ ભેદરૂપ પદાર્થોથી ભિન્ન શુદ્ધનયના બળ વડે પ્રાપ્ત અભેદ એકરૂપ જ્ઞાયકભાવમાત્ર વસ્તુ આત્માનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન-એમ નિશ્ચય સમ્યગ્દર્શનની ત્યાં વાત છે. સમજાણું કાંઈ...?

जीवाजीवास्त्रवबंधसंवरनिर्जरामोक्षास्तत्त्वम’-એમ સૂત્રમાં તત્ત્વાર્થોનું કથન કરતાં એકવચન છે ને? એનો આશય જ આ છે કે-નવ ભેદ નહિ, પણ નવ ભેદની પાછળ છુપાયેલ અભેદ એક જ્ઞાયકજ્યોતિસ્વરૂપ આત્માનું દર્શન તે સમ્યગ્દર્શન છે. અહા! એ નિશ્ચય શ્રદ્ધાન પ્રગટ થતાં જે નવ ભેદરૂપ પદાર્થ છે તે જાણવાં લાયક રહી જાય છે, પણ શ્રદ્ધાન તો એકનું-શુદ્ધ આત્માનું જ છે. આવી વાત છે!

અહીં તો નવ ભેદ જે છે તે નવ પદાર્થો કહેવા છે ને? એક (આત્મા) નહિ, પણ જીવાદિ નવ પદાર્થો દર્શન છે એમ કીધું ને? અહા! એ વ્યવહાર સમ્યગ્દર્શન છે, કેમકે તેનો (દર્શનનો) આશ્રય-નિમિત્ત ભેદરૂપ નવ પદાર્થ છે. વ્યવહાર સમકિતનો વિષય- આશ્રય-હેતુ-આધાર નવ છે.

તો પછી લોકો વ્યવહાર-વ્યવહાર (એમ મહિમા) કરે છે ને? બાપુ! અહીં તો એ નિષેધવા લાયક છે એમ કહે છે. આમ છે ત્યાં પ્રભુ! વ્યવહાર કારણ થાય ને એનાથી નિશ્ચયરૂપ કાર્ય થાય એ વાત કયાં રહી? અરે ભાઈ! અહીં તો તને સ્વ-આશ્રયનો-સ્વ-અવલંબનનો ઉપદેશ છે; એ જો તને ન ગોઠે અને પર- આશ્રયથી-પરાવલંબનથી લાભ થાય એમ તને ગોઠે તો એ તને ભારે નુકશાન છે ભાઈ! (એથી તો ચિરકાળ સુધી ચારગતિની જેલ જ થશે).


PDF/HTML Page 2748 of 4199
single page version

અહાહા...! અંદર ભગવાન એકરૂપ ચૈતન્યમહાપ્રભુ બિરાજે છે. એની વર્તમાન શ્રદ્ધામાં એને નવ પદાર્થ નિમિત્ત થાય છે તે વ્યવહાર શ્રદ્ધા છે, એ નિશ્ચય શ્રદ્ધા નામ સત્યાર્થ શ્રદ્ધાન નહિ. એને વ્યવહાર સમકિત કહો કે ઉપચાર સમકિત કહો કે ભેદરૂપ શ્રદ્ધાન કહો-બધી એક વાત છે. કેમકે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે માટે નવ પદાર્થો દર્શન છે-એમ અહીં વ્યવહાર દર્શાવ્યો છે.

હવે કહે છે- ‘છ જીવ-નિકાય ચારિત્ર છે.’ અહા! ભાષા તો જુઓ! છ કાયના જીવનો સમૂહ તે ચારિત્ર છે એમ કહે છે. આ વ્યવહારચારિત્ર-પંચમહાવ્રતાદિના વિકલ્પની વાત છે.

તો પછી છ જીવ-નિકાય ચારિત્ર છે એમ કેમ કીધું? કારણ કે એ વ્યવહારચારિત્રનો જે વિકલ્પ છે એનો આશ્રય છ જીવ-નિકાય છે. પંચ મહાવ્રતના પરિણામને ચારિત્ર ન કહેતાં એ પરિણામમાં છ જીવ-નિકાય નિમિત્ત છે તેથી છ જીવ-નિકાયને ચારિત્ર કીધું.

લ્યો, હવે એ ચારિત્ર કયાં ત્યાં (છ જીવ-નિકાયમાં) આવ્યું? ચારિત્ર તો અહીં (મહાવ્રતાદિના) પરિણામ-વ્યવહાર છે? પણ એ વ્યવહારના પરિણામનો આશ્રય-લક્ષ છ જીવ-નિકાય છે તેથી છ જીવ-નિકાય ચારિત્ર છે એમ કીધું છે.

અહા! જે એકેન્દ્રિય આદિ નથી માનતા એની તો અહીં વાત જ નથી. પણ આ તો નિગોદ સહિત એકેન્દ્રિય આદિ અનંતા અનંત છ કાયના જીવ છે એમ માને છે એની વાત કરી છે. તો કહે છે-છ જીવ-નિકાય ચારિત્ર છે, કારણ કે એનું વલણ છ કાયના જીવની અહિંસા-રક્ષા પર છે.

છ જીવ-નિકાયની અહિંસામાં તો એક અહિંસા મહાવ્રત જ આવ્યું? હા, પણ એક અહિંસા મહાવ્રતમાં બીજાં ચારેય સમાઈ જાય છે. બીજાં ચાર વ્રતો છે તે અહિંસાની વાડો છે, એ અહિંસા મહાવ્રતમાં આવી જાય છે તેથી અહીં છ જીવ- નિકાયની અહિંસાની એક જ વાત લીધી છે. આ પ્રમાણે છ જીવ-નિકાય ચારિત્ર છે એમ વ્યવહારે વ્યવહારચારિત્ર કીધું.

એ પ્રમાણે વ્યવહાર છે. એમ કે આચારાંગ આદિ શબ્દશ્રુત જ્ઞાન છે, જીવાદિ નવ પદાર્થ દર્શન છે, છ જીવ-નિકાય ચારિત્ર છે-આ સર્વ વ્યવહાર છે. આ વ્યવહારની વ્યાખ્યા કરી. તે નિષેધવા યોગ્ય છે તે પછી કહેશે.

હવે નિશ્ચયની વાત કરે છે. શું કહે છે? કે- ‘શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે (-શુદ્ધ આત્મા) જ્ઞાનનો આશ્રય છે, શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે, અને શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે નિશ્ચય છે.’


PDF/HTML Page 2749 of 4199
single page version

શું કીધું? કે શુદ્ધ આત્મા જ્ઞાન છે કેમકે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. આ નિશ્ચયજ્ઞાન, સત્યાર્થજ્ઞાન, સમ્યગ્જ્ઞાનની વાત છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ કેમ કહ્યું? કેમકે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય-નિમિત્ત છે. પહેલામાં (-વ્યવહારમાં) જેમ શબ્દશ્રુતજ્ઞાનમાં શબ્દો નિમિત્ત હતા તેમ અહીં જ્ઞાનમાં શુદ્ધ આત્મા નિમિત્ત-આશ્રય છે. અહા! સત્યાર્થ જ્ઞાન અર્થાત્ સમ્યગ્જ્ઞાનની પર્યાયનો આશ્રય-નિમિત્ત-હેતુ શુદ્ધ આત્મા છે. આવી વાત છે!

અહા! આ સર્વજ્ઞ પરમાત્માની ઓમ્ધ્વનિમાં આવેલી વાત છે કે-જે છ જીવ- નિકાયની શ્રદ્ધા છે, છ જીવ-નિકાયનું જ્ઞાન છે, છ જીવ-નિકાયના વલણવાળું ચારિત્ર છે- એ બધુંય વ્યવહાર છે. અહા! વીતરાગ પરમેશ્વરના માર્ગ સિવાય છ જીવ-નિકાયની વાત બીજે કયાંય નથી.

અહા! નિગોદનું એક શરીર એમાં અનંતા જીવ; અંગુલના અસંખ્યાત ભાગમાં અસંખ્ય ઔદારિક શરીર અને એક એક શરીરમાં અનંતા જીવ; અહા! આવો આખો લોક ભર્યો છે. અંદર સ્વભાવે ભગવાનસ્વરૂપ એવા અનંત-અનંત જીવોથી આખો લોક ભર્યો છે. પણ એ બધા (તારે માટે) પરદ્રવ્ય છે ભાઈ! તેથી છ કાયની શ્રદ્ધા વ્યવહાર છે, છ કાયનું જ્ઞાન વ્યવહાર છે અને છ કાયના લક્ષે મહાવ્રત પાળે એ વ્યવહાર છે.

હવે નિશ્ચય જ્ઞાનની વ્યાખ્યા કરતાં કહે છે-શુદ્ધ આત્મા જ્ઞાન છે કેમકે એ જ્ઞાનનો-નિશ્ચયજ્ઞાનનો હેતુ-આશ્રય શુદ્ધ આત્મા છે. ત્રિકાળી એક જ્ઞાયકમૂર્તિ સચ્ચિદાનંદ પ્રભુ એ જ્ઞાનનો આશ્રય છે માટે તે સમ્યગ્જ્ઞાન છે.

જેમ વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે તેમ અહીં નિશ્ચયજ્ઞાનમાં ભગવાન આત્મા નિમિત્ત છે. ‘आश्रयत्वात्’ એમ પાઠમાં બેયમાં લીધું છે ને? અહીં શુદ્ધ આત્માના લક્ષે-આશ્રયે જે જ્ઞાન થયું તે થયું છે તો પોતાથી પણ એનું લક્ષ શુદ્ધ આત્મા છે એમ વાત છે. તેથી કીધું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. પાઠમાં છે ને? કે ‘आदा खु मज्झ णाणं નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે.

પહેલાં ‘आयारादी णाणं’ -એમ પાઠમાં ભેદથી કીધું. હવે અભેદથી કહે છે- आदा खु मज्झ णाणं’ નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, કેમકે આમાં જ્ઞાનનો આશ્રય શુદ્ધ એક આત્મદ્રવ્ય છે. ભાઈ! આમાં ભાષા તો સાદી છે, પણ ભાવ તો જે છે તે ઊંડો ગંભીર છે. સમજાય એટલું સમજો બાપુ! એ તો અપૂર્વ વાતુ છે.

અરે! અનંતકાળથી એણે જ્ઞાનનો આશ્રય પોતાના આત્માનો બનાવ્યો જ નથી. અગિયાર અંગનું જ્ઞાન કીધું, પણ જ્ઞાનનું કારણ-આશ્રય આત્માને કીધું નહિ. અરે ભાઈ! શુદ્ધ આત્માનો જેને આશ્રય છે તે સત્યાર્થ જ્ઞાન છે, વીતરાગી જ્ઞાન છે. બાકી શબ્દશ્રુતજ્ઞાન છે એ તો સરાગી જ્ઞાન છે, વિકલ્પરૂપ જ્ઞાન છે. એ તો કળશટીકામાં


PDF/HTML Page 2750 of 4199
single page version

(કળશ ૧૩ માં) આવ્યું ને કે-બાર અંગનું જ્ઞાન વિકલ્પ છે, એ કાંઈ અપૂર્વ ચીજ નથી. બાર અંગનું જ્ઞાન સમકિતીને જ થાય છે, પણ એ કાંઈ વિસ્મયકારી નથી કેમકે તે આશ્રય કરવા લાયક નથી; વાસ્તવમાં એમાં કહેલી શુદ્ધાત્માનુભૂતિ પ્રગટ કરવા લાયક છે અને તે ભગવાન આત્માના આશ્રયે જ થાય છે. સમજાણું કાંઈ...? અહો પહેલાંના પંડિતોએ કેવી અલૌકિક વાતો કીધી છે કે એનાં પેટ ખોલતાં સત્ય બહાર આવી જાય છે. ભાઈ! આ કાંઈ એકલી પંડિતાઈનું કામ નથી, આ તો અંતરની વાતુ બાપા!

અહા! જે જ્ઞાનમાં આત્મા હેતુ-કારણ-આશ્રય ન થાય તે જ્ઞાન જ્ઞાન જ નથી ભાઈ! જુઓ ને શું કહે છે? કે- ‘आदा खु मज्झ णाणं’ નિશ્ચયથી મારો આત્મા જ્ઞાન છે. અહાહા...! આત્મા અને જ્ઞાન બન્ને અભિન્ન છે!

તો પછી સમ્યગ્જ્ઞાનનો આત્મા આશ્રય-કારણ છે એમ કેમ કહ્યું?

ભાઈ! એનો આશય એમ છે કે-આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન આખી ચીજ એમાં (જ્ઞાનની પર્યાયમાં) આવી જતી નથી પણ શુદ્ધ આત્મવસ્તુ પોતાના જ્ઞાનની પર્યાયમાં કારણ-આશ્રય થઈને તે જેવી-જેવડી છે તેનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે.. અહાહા...! જ્ઞાનનો આશ્રય-હેતુ શુદ્ધ આત્મા છે એટલે શું? એટલે કે જ્ઞાનની પર્યાયમાં અનંત-અનંત ગુણસામર્થ્યથી યુક્ત પરિપૂર્ણ પ્રભુ શુદ્ધ આત્મા જેવડો છે તેવો જણાય છે. તેને અહીં અભેદથી કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. સમજાણું કાંઈ...? અહાહા...! શુદ્ધ આત્માનું જ્ઞાન થવામાં કારણ-આશ્રય શુદ્ધ આત્મા છે માટે કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. હવે આવી વાત બીજે કયાં છે પ્રભુ?

ભાઈ! આ કાંઈ ખાલી પંડિતાઈની વાતો નથી. આ તો આત્માના જ્ઞાનની યથાર્થતા શું છે એની વાત છે. અહાહા...! આ યથાર્થ જ્ઞાન છે કે જે જ્ઞાનની પર્યાયમાં પરિપૂર્ણ ભગવાન આત્મા જણાય છે; પણ ભગવાન આત્મા પરિપૂર્ણ ત્રિકાળી પ્રભુ તે પર્યાયમાં આવતો નથી-તેથી શુદ્ધ આત્મા જ્ઞાનનો હેતુ-આશ્રય-નિમિત્ત કહ્યો. સમજાણું કાંઈ...? ભાઈ! શાસ્ત્રમાં આમ કહ્યું છે ને તેમ કહ્યું છે એમ બહારમાં તું ભટકયા કરે છે પણ શાસ્ત્રનો વાસ્તવિક આશય ભગવાન આત્માના જ્ઞાન વિના નહિ સમજાય.

ત્યારે કોઈ કહે છે-આ તો બધી નિશ્ચયની વાત છે. ચરણાનુયોગમાં વ્યવહાર પણ કહ્યો તો છે?

બાપુ! જે નિશ્ચય છે તે યથાર્થ છે, ને જે વ્યવહાર છે તે ઉપચાર છે. તું વ્યવહારને-ઉપચારને યથાર્થમાં ખતવી નાખે એ તો બાપુ! મિથ્યાજ્ઞાન થયું.

તો પંચાસ્તિકાય આદિ શાસ્ત્રોમાં સાધ્ય-સાધન કહ્યું છે ને? વ્યવહાર


PDF/HTML Page 2751 of 4199
single page version

સાધન ને નિશ્ચય સાધ્ય એમ કહ્યું છે ને? અહીં કહો છો-વ્યવહાર નિષેધ્ય છે; તો આ બે વાતનો મેળ શું છે?

સાંભળ ભાઈ! જ્યાં ભિન્ન સાધ્ય-સાધન કહ્યું છે ત્યાં અભૂતાર્થનયથી વ્યવહારથી ઉપચાર કરીને કહ્યું છે. જેમકે-અહીં ‘શુદ્ધ આત્મા જ્ઞાન છે’ એમ કહ્યું એ નિશ્ચય છે કેમકે જ્ઞાનનો આશ્રય શુદ્ધ આત્મા છે, ને શુદ્ધ આત્મા ને જ્ઞાન ભિન્ન ચીજ નથી. તેવી રીતે પહેલાં ‘શબ્દશ્રુત જ્ઞાન છે’ -એમ કહ્યું તે વ્યવહાર છે, કેમકે તે જ્ઞાનનો આશ્રય આત્મા નથી પણ ભિન્ન શબ્દશ્રુત છે. હવે જે જ્ઞાનમાં આત્મા ન જણાય તે જ્ઞાન શું કામનું? તેથી નિશ્ચય-આત્મજ્ઞાન વડે વ્યવહાર-શબ્દશ્રુતજ્ઞાન નિષેધ કરવા લાયક છે.

આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે એમ- પહેલાં વ્યવહારથી કહ્યું, અને હવે શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ નિશ્ચય કહ્યો. આમ કેમ કહ્યું? કે વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે. તેમાં શબ્દશ્રુત જણાણું પણ આત્મા જણાયો નહિ; તેથી તેને વ્યવહાર કહ્યું. અને સત્યાર્થ જ્ઞાનમાં-નિશ્ચય જ્ઞાનમાં ભગવાન આત્મા પરિપૂર્ણ જણાણો; તેથી તેને નિશ્ચય કહ્યું. એને ભગવાન આત્માનો આશ્રય છે ને? અને ભગવાન આત્મા એમાં પૂરો જણાય છે ને? તેથી તે નિશ્ચય છે, યથાર્થ છે. અહો! આચાર્યદેવે અમૃત રેડયાં છે. ભાઈ! આમાં તો શાસ્ત્ર-ભણતરનાં અભિમાન ઉતરી જાય એવી વાત છે. શાસ્ત્ર-ભણતર- શબ્દશ્રુતજ્ઞાન તો વિકલ્પ છે બાપુ! એ તો ખરેખર બંધનું કારણ છે ભાઈ!

શાસ્ત્ર-ભણતર તે વ્યવહાર છે. એ વ્યવહાર જ્ઞાનના અભિમાનમાં (અહંપણામાં) આવીને પ્રભુ! તું હારી જઈશ હોં. તે યથાર્થમાં જ્ઞાન નહિ હોં. જે જ્ઞાન ત્રિકાળી શુદ્ધ આત્માને જાણે તે યથાર્થ જ્ઞાન છે, અને શુદ્ધને જાણનારા જ્ઞાનને શુદ્ધનો (ભગવાન આત્માનો) આશ્રય હોય છે. અહાહા...! સમ્યગ્જ્ઞાનની પર્યાય પોતે ઉપાદાન તેમાં શુદ્ધ આત્મા નિમિત્ત-આશ્રય છે. તેથી ‘શુદ્ધ આત્મા જ્ઞાન છે’ એમ અભેદથી કહ્યું છે. સમજાણું કાંઈ...?

એમ તો આત્મા ને જ્ઞાન-બેય દ્રવ્ય ને પર્યાય એમ ભિન્ન ચીજ છે. ‘આત્મા તે જ્ઞાન’ -એમાં આત્મા તે દ્રવ્ય ને જ્ઞાન તે પર્યાય; એ બેય એક નથી. છતાં ‘શુદ્ધ આત્મા જ્ઞાન છે’ -એમ કેમ કહ્યું? કારણ કે જ્ઞાનની પર્યાયે આત્માને જ જાણ્યો, અને આત્માના આશ્રયે જ એને જાણ્યો. તેથી ‘શુદ્ધ આત્મા જ્ઞાન છે’ એમ અભેદથી કહ્યું. આવો મારગ હવે સાંભળવાય મળે નહિ તે શું કરે? ને કયાં જાય પ્રભુ?

બીજો બોલઃ ‘શુદ્ધ આત્મા દર્શન છે.’ શું કીધું? કે શુદ્ધ આત્મા સમકિત છે. પહેલાં ‘જીવાદિ નવ પદાર્થો દર્શન છે’ એમ કહ્યું કેમકે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. ત્યાં નવ પદાર્થોની શ્રદ્ધાને વ્યવહારે દર્શન કહ્યું. અહીં કહે છે-શુદ્ધ આત્મા દર્શન


PDF/HTML Page 2752 of 4199
single page version

છે, કેમકે દર્શનમાં-શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મા જ શ્રદ્ધાણો છે; શ્રદ્ધાની પર્યાયમાં ભગવાન શુદ્ધ આત્મા હેતુ-આશ્રય થયો છે. આ નિશ્ચય શ્રદ્ધાન વા નિશ્ચય સમ્યગ્દર્શન છે. અહા! જેમાં શુદ્ધ આત્માનું શ્રદ્ધાન થાય તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, અને તેનો હેતુ-આશ્રય શુદ્ધ આત્મા જ હોય છે. સમજાણું કાંઈ...? તેથી અહીં કહ્યું કે ‘શુદ્ધ આત્મા દર્શન છે.’

પ્રશ્નઃ– પ્રભુ! એક કોર સમકિતની પર્યાય ને શુદ્ધ આત્મા-બે જુદી ચીજ કહો છો અને આત્મા (-દ્રવ્ય) પર્યાયનો દાતા નથી એમ કહો છો (જુઓ, યોગસાર પ્રાભૃત, સંવર અધિકાર, છંદ ૧૯) અને બીજી કોર અહીં ‘શુદ્ધ આત્મા દર્શન છે’ -એમ કહો છો; તો આ બધું કેવી રીતે છે?

સમાધાનઃ– ભાઈ! એ શ્રદ્ધાની પર્યાયમાં આત્મા (ત્રિકાળી દ્રવ્ય) આવતો નથી, અને પર્યાય આત્માથી (દ્રવ્યથી) થતી નથી પણ પોતાના ઉપાદાનની જાગૃતિથી સ્વતઃ થાય છે. સમ્યગ્દર્શન ધ્રુવ ત્રિકાળી ભગવાન આત્માએ પ્રગટ કર્યું છે એમ નથી પણ સમ્યગ્દર્શનની પર્યાયનો આશ્રય-હેતુ-કારણ-નિમિત્ત શુદ્ધ આત્મા (ત્રિકાળી દ્રવ્ય) છે તેથી ‘શુદ્ધ આત્મા દર્શન છે’ એમ અભેદ કરીને કહ્યું છે. વસ્તુસ્થિતિએ તો દ્રવ્ય ને પર્યાય બન્ને સ્વતંત્ર છે.

उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्’ -એમ કહ્યું છે ને? એ ત્રણેય સ્વયં સત્ છે એમ વાત છે. એક સત્ બીજા સત્નો પરમાર્થે હેતુ નથી. સમ્યગ્દર્શનનું આશ્રયરૂપ કારણ-હેતુ દ્રવ્ય છે એ જુદી વાત છે, પણ આત્માથી (દ્રવ્યથી) સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ છે એમ નથી.

સમ્યગ્દર્શનમાં આત્મા ફક્ત શ્રદ્ધાણો છે, દર્શનનો શુદ્ધ આત્મા આશ્રય-નિમિત્ત છે માટે ‘શુદ્ધ આત્મા દર્શન છે’ એમ અભેદથી કહ્યું છે. સમજાણું કાંઈ...?

હવે આમાં ઓલા વ્રત, તપ, ભક્તિ કરવાવાળાને કઠણ લાગે એટલે એમ થાય કે આવો ધર્મ ને આવી વ્યાખ્યા! પણ ભાઈ! વીતરાગનો મારગ અલૌકિક છે, લોકોથી જુદો છે બાપુ! સમ્યગ્દર્શનનું ઉપાદાન તો સમ્યગ્દર્શનની પર્યાય પોતે છે અને એમાં નિમિત્ત- આશ્રય-હેતુ ત્રિકાળી ભગવાન શુદ્ધ આત્મા છે તથા એમાં આખો ભગવાન આત્મા શ્રદ્ધાય છે તેથી કહ્યું કે ‘શુદ્ધ આત્મા દર્શન છે.’ આવી વાત છે!

ગજબ વાત છે પ્રભુ! અહીં શું કહેવું છે? કે-ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જે શુદ્ધ આત્મા તે શ્રદ્ધાની પર્યાયમાં આવતો નથી, પણ એ શ્રદ્ધાની પર્યાયમાં ત્રિકાળીનું જેટલું (પરિપૂર્ણ) સામર્થ્ય છે તેની શ્રદ્ધા-પ્રતીતિ આવી જાય છે. અને તે પર્યાયનો શુદ્ધ આત્મા (ત્રિકાળી) આશ્રય-નિમિત્ત છે માટે ‘શુદ્ધ આત્મા દર્શન છે’ -એમ અહીં કહ્યું છે.


PDF/HTML Page 2753 of 4199
single page version

૧૧ મી ગાથામાં આવે છે ને? કે ભૂતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. અહા! સમકિત તો સમકિત સ્વતઃ છે, પણ તે ભૂતાર્થના આશ્રયે થાય છે અર્થાત્ ભૂતાર્થના આશ્રયે થાય તે સમકિત છે એમ વાત છે. ઝીણી વાત પ્રભુ! ભૂતાર્થના આશ્રયે થવાં છતાં જેમ એ દર્શનની પર્યાય દ્રવ્યમાં જતી નથી તેમ ત્રિકાળી દ્રવ્ય પ્રભુ આત્મા પણ દર્શનની પર્યાયમાં આવતું નથી. અહાહા...! પરસ્પર અડયા વિના સ્પર્શ્યા વિના શ્રદ્ધાની પર્યાયમાં આખા ત્રિકાળી દ્રવ્યનું શ્રદ્ધાન આવી જાય છે. ક્ષાયિક સમ્યગ્દર્શન પણ સમયે સમયે પલટતું હોવાથી, જો દ્રવ્ય શ્રદ્ધાનની પર્યાયમાં આવે તો આખો આત્મા (દ્રવ્ય) પલટી જાય. પણ એમ કદીય બનતું નથી. હવે આવી વાત કયાં મળે બાપુ? મહાભાગ્ય હોય તો કાને પડે એવી અલૌકિક વાત છે. અને જેનું પરિણમન સુલટી જાય એના ભાગ્યની તો શી વાત!

અહીં કહે છે-સમ્યગ્દર્શન-શ્રદ્ધાની પર્યાયનો આશ્રય-નિમિત્ત દ્રવ્ય છે, છતાં દ્રવ્ય અને શ્રદ્ધાની પર્યાય ભિન્ન છે; દર્શનની પર્યાયમાં દ્રવ્ય આવતું-સ્પર્શતું નથી અને જે ત્રિકાળી દ્રવ્યની પ્રતીતિ કરી છે તે દ્રવ્યમાં દર્શન જતું-સ્પર્શતું નથી. અહો! આવું અલૌકિક વસ્તુસ્વરૂપ છે.

લોકોને એમ કે નવતત્ત્વની શ્રદ્ધા કારણ ને નિશ્ચય સમ્યગ્દર્શન કાર્ય-તો એમ નથી ભાઈ! પણ શુદ્ધ આત્મા કારણ-આશ્રય છે ને નિશ્ચય સમ્યગ્દર્શન કાર્ય છે. આ યથાર્થ વસ્તુસ્વરૂપ છે. એ તો આગળ કહેશે કે નવતત્ત્વની શ્રદ્ધા-વ્યવહાર દર્શન નિષેધ્ય છે અને નિશ્ચય સમ્યગ્દર્શન એનો નિષેધક છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?

હવે ત્રીજો બોલઃ- ‘શુદ્ધ આત્મા ચારિત્ર છે.’ એમ કેમ કહ્યું? કારણ કે શુદ્ધ આત્મા ચારિત્રનો આશ્રય છે. અહાહા...! પરમ પવિત્ર ત્રિકાળી એક શુદ્ધજ્ઞાયકભાવમય સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ચારિત્રનો આશ્રય છે. આ વીતરાગભાવરૂપ નિશ્ચય ચારિત્ર છે.

પહેલાં ‘છ જીવ-નિકાય ચારિત્ર છે’ એમ કહ્યું એ વ્યવહાર ચારિત્રની વાત છે કેમકે એનો આશ્રય ભગવાન આત્મા નથી પણ છ જીવ-નિકાય છે. ખરેખર જે આ વ્યવહાર ચારિત્ર છે તે વિકલ્પ છે, રાગ છે, બંધની પંક્તિમાં છે. જ્યારે આ વીતરાગ પરિણતિરૂપ નિશ્ચય ચારિત્ર છે તેનો આશ્રય-નિમિત્ત સ્વસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ આત્મા છે. તે અબંધ છે, મોક્ષનું કારણ છે. અહાહા...! સ્વસ્વરૂપના અવલંબને અતીન્દ્રિય આનંદરૂપી અમૃતરસથી છલકાતું-ઉભરાતું જે અંતરમાં પ્રગટ થાય છે તે નિશ્ચયચારિત્ર મોક્ષનું કારણ છે, પણ છ જીવનિકાયના વિકલ્પરૂપ વ્યવહારચારિત્ર છે તે મોક્ષનું કારણ નથી, પણ બંધનું કારણ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહારના વિકલ્પ આવે છે પણ તે નિષેધ કરવાયોગ્ય જ છે. આવી વાત છે?


PDF/HTML Page 2754 of 4199
single page version

અહા! આ સમયસાર તો સર્વજ્ઞે કહેલા શ્રુતનો અગાધ-સમુદ્ર-દરિયો છે. અહા! એ તો ભરતક્ષેત્રનું અમૂલ્ય રત્ન છે. નિશ્ચયથી તો આ આત્મા (અમૂલ્ય રત્ન) હો; એ તો નિમિત્તથી એને (સમયસાર શાસ્ત્રને અમૂલ્ય રત્ન) કહીએ છીએ.

અરે! આવું મનુષ્યપણું મળ્‌યું ને નિશ્ચય સ્વસ્વભાવનો આશ્રય કીધા વિના એકલા વ્યવહારના ક્રિયાકાંડમાં પડયો રહે તો જિંદગી એળે જશે હોં. એ બધો વ્યવહાર-ક્રિયાકાંડ સંસાર ખાતે છે ભાઈ! જ્ઞાનીને તે આવે છે પણ એ તો એને માત્ર (પરપણે) જાણવા લાયક છે. અજ્ઞાનીને તો સ્વસ્વરૂપના ભાન રહિત જે એકલી પરના આશ્રયવાળી દશા છે, રાગમય પરિણમન છે-તે સંસારનું જ કારણ થાય છે. સમજાણું કાંઈ...?

અહાહા...! કહે છે- ‘શુદ્ધ આત્મા ચારિત્ર છે.’ ચારિત્રનો આશ્રય શુદ્ધ આત્મા છે ને? અહાહા...! એની રમણતાનો આશ્રય-નિમિત્ત આનંદમૂર્તિ પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે ને? તેથી કહ્યું કે ‘શુદ્ધ આત્મા ચારિત્ર છે.’

તો પંચમહાવ્રતના પરિણામ ચારિત્ર છે કે નહિ?

પંચમહાવ્રતના પરિણામ ને છ કાય-જીવની અહિંસાના ભાવ એ ચારિત્ર નહિ, અચારિત્ર છે. એવો વ્યવહાર છે ખરો, પણ તે ચારિત્ર નથી. અહા! જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન-અનુભવ થાય તે ચારિત્ર આ વ્યવહાર નહિ. જ્ઞાનીને એ વ્યવહાર હોય છે પણ એને એ માત્ર જાણવાલાયક-જાણેલો પ્રયોજનવાન છે. જ્ઞાની તેમાં તદ્રૂપ- એકમેક નથી. અજ્ઞાની એ વ્યવહારમાં તદ્રૂપ-એકમેક થઈ ગયો હોય છે તેથી તે એને દીર્ઘ સંસારનું જ કારણ થાય છે.

અહા! નિશ્ચયચારિત્ર જે અતીન્દ્રિય આનંદની રમણતારૂપ છે તેનો આશ્રય આનંદમૂર્તિ પ્રભુ શુદ્ધ આત્મા છે. ચારિત્રનું ઉપાદાન તો ચારિત્રની વીતરાગી પર્યાય પોતે છે, પણ એનું નિમિત્ત-આશ્રય ભગવાન ત્રિકાળી શુદ્ધ આત્મા છે. આવો મારગ છે ભાઈ! મોક્ષના મારગનો આશ્રય મોક્ષનો મારગ નથી, પણ એનો આશ્રય-ધ્યેય ભગવાન આત્મા છે. ૩૨૦ મી ગાથામાં આવે છે કે-સમ્યગ્દર્શનનું ધ્યેય સમ્યગ્દર્શન નથી પણ ત્રિકાળી શુદ્ધ આત્મા સમ્યગ્દર્શનનું ધ્યેય છે. અહા! સાચો (નિશ્ચય) મોક્ષમાર્ગ પણ ધ્યેય નથી તો વ્યવહારના વિકલ્પ તો કાંઈ છે જ નહિ, એ તો બંધનું જ કારણ છે.

આમ છે ત્યાં વ્યવહારથી નિશ્ચય થાય એ કયાં રહ્યું? એમ ત્રણકાળમાંય નથી. પણ અત્યારે તો એ ખૂબ હાલ્યું છે કે વ્યવહાર કરતાં કરતાં થાય. લોકો પણ એમાં હો-હા કરીને ભળી જાય છે. પણ શું થાય ભાઈ! મારગ તો આ છે કે- ‘શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે.’


PDF/HTML Page 2755 of 4199
single page version

‘એ પ્રમાણે નિશ્ચય છે.’ પહેલાં કહ્યું હતું ને કે- ‘એ પ્રમાણે વ્યવહાર છે’ એમ કે શબ્દશ્રુત જ્ઞાન છે, જીવાદિ નવ પદાર્થો દર્શન છે, છ જીવ-નિકાય ચારિત્ર છે’ -એ પ્રમાણે વ્યવહાર છે. મતલબ કે એ પ્રમાણે જૂઠું છે. વ્યવહાર છે એટલે જૂઠું છે, અસત્યાર્થ છે. અહીં કહે છે ‘- શુદ્ધ આત્મા જ્ઞાન છે, શુદ્ધ આત્મા દર્શન છે, શુદ્ધ આત્મા ચારિત્ર છે’ -એ પ્રમાણે નિશ્ચય છે. મતલબ કે એ પ્રમાણે સાચું છે, સત્યાર્થ છે. નિશ્ચય છે એટલે સત્યાર્થ છે કેમકે એ ત્રણેનો આશ્રય સ્વ છે, શુદ્ધ આત્મા છે.

૧૧ મી ગાથામાં વ્યવહારને અભૂતાર્થ-અસત્યાર્થ કહ્યો છે. અભૂતાર્થ કહ્યો માટે વ્યવહાર છે નહિ એમ નહિ. છે ખરો પણ એને ગૌણ કરીને ‘નથી’ એમ કહ્યું છે. ત્યાં તો મોક્ષમાર્ગની પર્યાયને પણ અસત્યાર્થ કીધી છે તે અભાવ કરીને નહિ પણ એને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કીધી છે. આ પ્રમાણે વ્યવહાર નિષેધ્ય છે ને નિશ્ચય આદરણીય છે. સમજાણું કાંઈ...?

હવે કહે છે- ‘તેમાં, વ્યવહારનય પ્રતિષેધ્ય અર્થાત્ નિષેધ્ય છે, કારણ કે આચારાંગ આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાન્તિક છે-વ્યભિચારયુક્ત છે;...

જુઓ, અજ્ઞાનીને તો એકલું રાગમય પરિણમન છે. તેને વ્યવહારેય હોતો નથી ને નિશ્ચયેય હોતો નથી. વ્યવહાર એને (-જ્ઞાનીને) હોય છે કે જેને નિશ્ચયસ્વરૂપ શુદ્ધ આત્માનાં દ્રષ્ટિ ને અનુભવ છે. અહા! તેને (-જ્ઞાનીને) જે ક્રિયા છે તેને વ્યવહાર કહીએ. અહીં કહે છે-એ વ્યવહાર એને (-જ્ઞાનીને) નિષેધ્ય છે. એ શબ્દશ્રુતનું જ્ઞાન, નવ તત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન અને છ જીવ-નિકાયની રક્ષાના વિકલ્પ અર્થાત્ પંચમહાવ્રતના પરિણામ એને (-જ્ઞાનીને) નિષેધ્ય છે, હેય છે-એમ કહે છે. કેમ? કેમકે એ મોક્ષનું કારણ નથી.

તો કેટલાક એને સાધન કહે છે ને? સમાધાનઃ– સાધન? વાસ્તવમાં એ સાધન છે નહિ. એને વ્યવહારથી-ઉપચારથી સાધન કહે છે એ બીજી વાત છે. શુદ્ધ રત્નત્રયધારીને અંદર જે સ્વરૂપસ્થિરતા થઈ છે તે ખરું વાસ્તવિક સાધન છે અને તે કાળે તેને જે વ્રતાદિનો રાગ છે તેને સહચર દેખીને ઉપચારથી વ્યવહારે સાધન કહેવામાં આવેલ છે. અહા! મહાવ્રતાદિના વિકલ્પને જે સાધન કહ્યું એ તો એને નિમિત્ત ને સહચર ગણીને, નિશ્ચયનો એમાં આરોપ દઈને ઉપચારથી વ્યવહાર કહ્યું છે; બાકી છે તો એ હેય, પ્રતિષેધ્ય જ. જુઓને! પં. શ્રી દોલતરામજીએ છહઢાલામાં શું કહ્યું? કે-

મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયો.

PDF/HTML Page 2756 of 4199
single page version

અહા! એણે અનંતવાર મુનિપણાં લઈને વ્યવહારરત્નત્રય પાળ્‌યાં અને એના ફળમાં અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો; પણ આત્મદર્શન ને આત્મજ્ઞાન વિના એને લેશ પણ સુખ ન થયું. એટલે શું? કે એને દુઃખ જ થયું, એને સંસાર જ ઊભો રહ્યો. હવે આનો અર્થ શું? એ જ કે વ્યવહારરત્નત્રયના પરિણામ કલ્યાણનું-સુખનું સાધન નથી; બલકે બંધનું-દુઃખનું જ કારણ છે. તેથી તો કહે છે-વ્યવહાર પ્રતિષેધ્ય છે.

હવે આને ઠેકાણે પંચમહાવ્રતાદિ વ્યવહાર પાળો, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ માને એ તો તદ્ન ઉલટી શ્રદ્ધા થઈ ભાઈ! એ તો મિથ્યાશ્રદ્ધાન જ છે.

જુઓ, અહીં શું કહે છે? કે- ‘તેમાં, વ્યવહારનય પ્રતિષેધ્ય અર્થાત્ નિષેધ્ય છે, કારણ કે આચારાંગ આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાંતિક છે-વ્યભિચારયુક્ત છે.’ તેમાં એટલે વ્યવહાર ને નિશ્ચય એ બેમાં વ્યવહાર નિષેધવાયોગ્ય છે એમ કહે છે. કેમ? કેમકે આચારાંગ આદિ શાસ્ત્રનું જ્ઞાન હોય ને આત્મજ્ઞાન ન પણ હોય-એ પ્રમાણે શાસ્ત્રજ્ઞાનને જ્ઞાનનું આશ્રયપણું અનૈકાંતિક છે, દોષયુક્ત છે.

શું કીધું? કે શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રયસ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે. અર્થાત્ શાસ્ત્રજ્ઞાન હોય એને આત્મજ્ઞાન હોય જ, નવ પદાર્થનું ભેદરૂપ શ્રદ્ધાન હોય એને નિશ્ચય સમ્યગ્દર્શન હોય જ અને મહાવ્રતાદિ પાળે એને નિશ્ચયચારિત્ર હોય જ એવો નિયમ નથી. કોઈને શાસ્ત્રજ્ઞાન અગિયાર અંગ અને નવપૂર્વ સુધીનું હોય અને છતાં આત્મજ્ઞાન નથી હોતું. અહા! જેમાં ભગવાન આત્માનું જ્ઞાન ન હોય તે જ્ઞાન કેવું? તે જ્ઞાન જ નથી. અહા! શબ્દશ્રુતજ્ઞાન તે જ્ઞાન, નવ તત્ત્વની શ્રદ્ધારૂપ દર્શન ને છ જીવ- નિકાયની દયાનો ભાવ તે ચારિત્ર-એમ ત્રણેય હોય છતાં, અહીં કહે છે, આત્માશ્રિત નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર હોવાનો નિયમ નથી. તેથી એ ત્રણેય વ્યવહાર નિષેધ કરવા લાયક છે.

શ્રીમદ્ રાજચંદ્રે લખ્યું છે કે- ‘અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ હેતુએ ઉપકારી નથી.’ અહાહા...! સમ્યક્ એકાંત એવું (નિજ શુદ્ધાત્માનું) નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય ત્યારે, પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાંસુધી, શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ, નવ તત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ અને પંચમહાવ્રતનો વિકલ્પ એને હોય છે અને એને વ્યવહારથી આરોપ આપીને સાધન કહેવામાં આવે છે. જે સાધન નથી એને સાધન કહેવું તે વ્યવહાર છે. આ પ્રમાણે દ્રવ્યપર્યાયને યથાસ્થિત જાણવાં તે અનેકાન્ત છે. અરે! નિશ્ચયથી થાય ને વ્યવહારથીય થાય એમ અનેકાન્તના નામે લોકોએ ખૂબ ગરબડ કરી નાખી છે. બાપુ! એ તો ફુદડીવાદ છે, મિથ્યા એકાન્ત છે ભાઈ! (નિશ્ચયથી જ થાય અને વ્યવહારથી ન થાય એ અસ્તિ- નાસ્તિરૂપ સમ્યક્ અનેકાન્ત છે). મોક્ષમાર્ગપ્રકાશકમાં સાતમા અધિકારમાં આનો ખૂબ ખુલાસો આવે છે.


PDF/HTML Page 2757 of 4199
single page version

અહીં કહે છે- ‘વ્યવહારનય પ્રતિષેધ્ય છે.’ કેમ? કારણ કે આચારાંગાદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાંતિક અર્થાત્ વ્યભિચારયુક્ત છે. જુઓ, અભવ્યને ને અનાદિ મિથ્યાદ્રષ્ટિને અગિયાર અંગ સુધીનું જ્ઞાન, નવપદાર્થનું ભેદરૂપ શ્રદ્ધાન અને મહાવ્રતાદિના વિકલ્પ અનંતવાર થવા છતાં તેને નિશ્ચય જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રગટતાં નથી કારણ કે શાસ્ત્રજ્ઞાન નિશ્ચયજ્ઞાનનો-આત્મજ્ઞાનનો આશ્રય નથી, નવ પદાર્થનું શ્રદ્ધાન નિશ્ચય સમકિતનો આશ્રય નથી, અને મહાવ્રતાદિના વિકલ્પ નિશ્ચયચારિત્રનો આશ્રય નથી. શાસ્ત્રજ્ઞાનના આશ્રયે આત્મજ્ઞાન થાય, નવતત્ત્વના શ્રદ્ધાનના આશ્રયે નિશ્ચય દર્શન થાય ને મહાવ્રતાદિના વિકલ્પના આશ્રયે સમ્યક્ચારિત્ર થાય એમ માનવું દોષયુક્ત છે. પરાશ્રયના ભાવથી સ્વ-આશ્રયના ભાવ નીપજે એ માન્યતા દોષયુક્ત છે.

જુઓ, પહેલાં કહ્યું કે-સ્વના આશ્રયે જે દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય તે નિશ્ચય અને પરના આશ્રયે જે જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય તે વ્યવહાર. ત્યાં નિશ્ચય તે સત્યાર્થ સાચાં, સમ્યક્ છે ને વ્યવહાર તે કાંઈ સાચી સત્યાર્થ વસ્તુ નથી. હવે કહે છે-નિશ્ચય હોય તેને (-જ્ઞાનીને) વ્યવહાર હોય છે, પણ વ્યવહાર હોય તેને નિશ્ચય હોય જ એમ નથી; કેમકે અભવ્યને અનંતવાર ભગવાને કહેલા વ્યવહારનું પાલન હોય છે, થાય છે છતાં તેને નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર હોતાં નથી. વાસ્તવમાં વ્યવહાર જ્ઞાનાદિને નિશ્ચયનું આશ્રયપણું બનતું નથી. માટે વ્યવહાર પ્રતિષેધ્ય છે એમ કહે છે.

જુઓ, જેને સ્વને આશ્રયે જ્ઞાન હોય છે તેને તે કાળે શબ્દશ્રુત આદિ વ્યવહાર હોય છે. શું કીધું? પૂર્ણ વીતરાગતા ન થઈ હોય એવી સાધકદશામાં આત્માનું જ્ઞાન, આત્મદર્શન અને આત્માનું ચારિત્ર હોય એની સાથે શબ્દશ્રુત આદિ વ્યવહાર દર્શન-જ્ઞાન- ચારિત્રનો રાગ હોય છે. એવો રાગ ભાવલિંગી મુનિરાજને પણ હોય છે. પણ અહીં શું કહે છે કે એ રાગના આશ્રયે કાંઈ એને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર હોતાં નથી. નિશ્ચયધર્મ જે પ્રગટે છે તે કાંઈ વ્યવહારના આશ્રયે પ્રગટતો નથી પણ સ્વ-સ્વરૂપના આશ્રયે જ પ્રગટે છે. માટે કહે છે-વ્યવહાર પ્રતિષેધ્ય છે અર્થાત્ આદરણીય નથી. સમજાણું કાંઈ...?

ભાઈ! જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે બાપા! અંદર ભગવાન આત્મા પૂરણ શુદ્ધ નિત્યાનંદ પ્રભુ એક જ્ઞાયકભાવપણે પરમ પારિણામિકભાવે નિત્ય વિરાજે છે તે સમ્યગ્દર્શનનો વિષય ને ધ્યેય છે. એનું-પૂરણ પરમાત્મસ્વરૂપનું-દર્શન તે જૈનદર્શન છે. અહા! અનંત તીર્થંકરોએ, અનંતા કેવળીઓ, ગણધરો ને મુનિવરોએ એ જ કહ્યું છે કે-જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે એનું ધ્યેય ત્રિકાળી ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ આત્મા છે, પણ વ્યવહાર એનું કારણ નથી. માટે વ્યવહાર પ્રતિષેધ્ય છે. જે કોઈ


PDF/HTML Page 2758 of 4199
single page version

વ્યવહારથી નિશ્ચય થાય ને વ્યવહાર આદરવાલાયક છે એમ માને તે જૈનદર્શનથી બહાર છે; એને જૈનદર્શનની ખબર નથી.

શુદ્ધ આત્માનું જ્ઞાન, શુદ્ધ આત્માનું દર્શન, શુદ્ધ આત્માનું ચારિત્ર-શુદ્ધ રત્નત્રય એ મોક્ષનો મારગ છે, અતીન્દ્રિય સુખરૂપ આનંદની દશા છે. અને વ્યવહારરત્નત્રયનો વિકલ્પ છે તે દુઃખનું વેદન છે. જ્ઞાનીનેય એ હોય છે. કોઈ એમ કહે કે જ્ઞાનીને દુઃખનું વેદન હોય જ નહિ તો તે એમ નથી. ભગવાન કેવળીને પૂરણ સુખની દશા છે, દુઃખ નથી. અજ્ઞાનીને એકલું દુઃખ છે, સુખ નથી. જ્યારે સાધકને જે શુદ્ધરત્નત્રય છે તે સુખની દશા છે ને જે વ્યવહારરત્નત્રય છે તે દુઃખનું વેદન છે.

દ્રષ્ટિ ને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને રાગ નથી, દુઃખ નથી એમ કહેવાય એ બીજી વાત છે, પણ જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાનીને કિંચિત્ રાગ છે ને તેટલું દુઃખનું વેદન પણ છે. પ્રવચનસાર, નયઅધિકારમાં છે કે-આત્મદ્રવ્ય કર્તૃનયે રાગાદિનો કર્તા છે ને ભોક્તૃનયે રાગાદિનો ભોક્તા છે. અહા! જ્યાંસુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાંસુધી ક્ષાયિક સમકિતી હોય, મુનિવર હોય, ગણધર હોય કે છદ્મસ્થ તીર્થંકર હોય, એને કિંચિત્ રાગ અને રાગનું વેદન હોય છે. સાધકને ચોથે, પાંચમે, છઠ્ઠે આદિ ગુણસ્થાને પૂર્ણ આનંદની દશા નથી, અતીન્દ્રિય આનંદની અપૂર્ણદશા છે ને સાથે કિંચિત્ રાગનું-દુઃખનું વેદન પણ છે. જુઓ, શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ત્રીજા કળશમાં શું કહ્યું? કે-

परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावा–
दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः।
मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते–
र्भवत् समयसारव्याख्ययैवानुभूतेः।।

અહાહા...! છઠ્ઠે-સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ-આચાર્ય જેને અંતરમાં પ્રચુર અતીન્દ્રિય આનંદનું વેદન છે તે આ કહે છે કે-મને જે (રાગાદિ) કલેશના પરિણામ વર્તે છે તેનાથી મારી પરિણતિ મેલી છે. કેવી છે પરિણતિ? કે પરપરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ (-નિમિત્ત) તેનો અનુભાવ (-ઉદયરૂપ વિપાક)ને લીધે જે અનુભાવ્ય (રાગાદિ પરિણામો)ની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માષિત (-મેલી) છે. જુઓ, સાધકદશા છે ને? એટલે કહે છે કે-હજી અનાદિની રાગની પરિણતિ મને છે. એમ કે- સ્વાનુભવ થયો છે, પ્રચુર આનંદનો સ્વાદ છે, ત્રણ કષાયના અભાવરૂપ વીતરાગી શાંતિ છે તોપણ નિમિત્તને વશ થયેલી (નિમિત્તથી એમ નહિ) દશાને લીધે જેટલો કલ્માષિત ભાવ છે તેટલું દુઃખનું વેદન પણ છે.

પૂર્ણ આનંદની દશા નથી ને? એની તો ભાવના કરે છે કે-આ સમયસારની


PDF/HTML Page 2759 of 4199
single page version

ટીકા કરતાં મલિન પરિણતિનો નાશ થઈ પરમવિશુદ્ધિ થાઓ. ‘समयसारव्याख्ययैव સમયસારની વ્યાખ્યાથી (ટીકાથી) જ-એમ પાઠ છે. પણ વ્યાખ્યા તો વિકલ્પ-રાગ છે? આશય એમ છે કે સમયસારની ટીકાના કાળમાં દ્રવ્યસ્વભાવ ઉપર મારું જોર એવું દ્રઢ ઘુંટાશે કે એનાથી રાગની કલ્માષિત-મેલી પરિણતિનો નાશ થઈને પરમવિશુદ્ધિ થશે. લ્યો, આચાર્ય-ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આઈરિયાણં-પદમાં છે ને? તે કહે છે.

આગમમાં (ધવલમાં) પાઠ છે કે-ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં, ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાણં, ઇત્યાદિ. ણમોકારમંત્રમાં અંતિમ પદમાં, ‘ણમો લોએ સવ્વ સાહૂણં’ એમ છે ને? એ ઉપરના ચારમાં પણ લાગુ પડે છે. અહાહા...! પંચપરમેષ્ટીપદમાં બિરાજમાન એવા આચાર્ય આ કહે છે કે-પ્રચુર અતીન્દ્રિય આનંદની દશાની સાથે અમને કિંચિત્ રાગની-દુઃખની દશા છે. તે વ્યવહાર છે, પણ તે હેય છે, પ્રતિષેધ્ય છે.

ભાઈ! જે લોકો દુકાન-ધંધો-વેપાર સાચવવામાં ને સ્ત્રી-કુટુંબ-પરિવારની માવજતમાં પડેલા છે એ તો એકલા પાપમાં પડેલા છે; એનો તો નિષેધ જ છે. પણ અહીં કહે છે-આ જે શબ્દશ્રુતનું જ્ઞાન-વ્યવહાર જ્ઞાન, નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન-વ્યવહાર શ્રદ્ધાન ને છ જીવ-નિકાયની અહિંસા-વ્યવહારચારિત્ર છે તે પુણ્યભાવ છે ને તે નિષેધ્ય છે. કેમ? કેમકે એને મોક્ષના કારણરૂપ નિર્મળરત્નત્રયનું આશ્રયપણું નથી. ઝીણી વાત છે પ્રભુ! જેને સ્વના આશ્રયે-અહાહા...! એક જ્ઞાયકભાવના આશ્રયે નિશ્ચયરત્નત્રય પ્રગટયાં છે તેને વ્યવહાર હોય છે, પણ નિશ્ચયરહિતને વ્યવહાર કોઈ વસ્તુ જ નથી. અર્થાત્ એમ નથી કે (અજ્ઞાનીને) વ્યવહારના આશ્રયે નિશ્ચય પ્રગટી જાય. જ્ઞાનીને વ્યવહાર હોય છે અવશ્ય, પણ એ વ્યવહારના આશ્રયે એને જ્ઞાનાદિ નથી. જ્ઞાનીને એ વ્યવહાર હેયબુદ્ધિએ હોય છે ને સ્વ-સ્વભાવના આશ્રયે તેનો તે પ્રતિષેધ કરે છે. સમજાણું કાંઈ...?

એ જ કહે છે કે-વ્યવહારનય પ્રતિષેધ્ય છે, ‘અને નિશ્ચયનય વ્યવહારનયનો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે.’

જોયું? કહે છે-શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે, અહાહા...! પૂરણ જ્ઞાનાનંદ-પરમાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લઈને જે જ્ઞાન થાય, જે શ્રદ્ધાન પ્રગટે ને જે અંતર-સ્થિરતા થાય એ ઐકાંતિક છે. સમ્યક્ એકાંત છે. એટલે શું? કે શુદ્ધ આત્માના આશ્રયે તો નિશ્ચયરત્નત્રય થાય જ અને બીજી કોઈ રીતે રાગના કે નિમિત્તના આશ્રયે ન જ થાય. લ્યો, આવી વાત છે!

શું કહે છે? કે પૂર્ણાનંદનો નાથ શુદ્ધજ્ઞાનઘન ત્રિકાળી ધ્રુવ અંદર પરમાત્મસ્વરૂપે ત્રિકાળી વિરાજે છે તે એક જ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો આશ્રય છે; આ


PDF/HTML Page 2760 of 4199
single page version

ઐકાંતિક છે, એનો (શુદ્ધરત્નત્રયનો) બીજો કોઈ આશ્રય નથી તેથી ઐકાંતિક છે. એમ નથી કે કોઈને વ્યવહારથી થાય અને કોઈને નિશ્ચયથી (આત્માથી) થાય તથા કોઈને નિમિત્તથી થાય ને કોઈને શુદ્ધ ઉપાદાનથી થાય. એ તો આગળ આવી ગયું કે વ્યવહારથી ને નિમિત્તથી થાય એ માન્યતા તો અનૈકાંતિક અર્થાત્ વ્યભિચારયુક્ત છે. આ તો એક શુદ્ધ આત્માના આશ્રયે જ (નિશ્ચયરત્નત્રય) થાય એમ ઐકાંતિક છે. વીતરાગનો આવો મારગ છે ભાઈ! આ તો શૂરાનો મારગ બાપુ! આવે છે ને કે-

‘વીરનો મારગ છે શૂરાનો કાયરનું નહિ કામ જો ને.’

અહા! સાંભળીનેય જેનાં કાળજાં કંપી જાય એ કાયરનાં આમાં કામ નહિ બાપા! શ્રીમદે કહ્યું છે ને કે-

‘વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસમૂળ,
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.’

ત્યાં પુણ્ય-પાપ અધિકારમાં (ગાથા ૧પ૪, ટીકામાં) આવે છે કે-જે સામાયિક અંગીકાર કરીને અશુભને તો છોડે છે, પણ શુભને છોડતો નથી ને એમાં રોકાઈને શુદ્ધોપયોગ જે ધર્મ છે તે પ્રગટ કરતો નથી તે નામર્દ છે, નપુંસક છે, કાયર છે. ત્યાં ટીકામાં क्लीब શબ્દ વાપર્યો છે.

૪૭ શક્તિઓમાં આત્માને એક વીર્યશક્તિ કહી છે. વીર્ય એટલે શું? કે જે આત્માના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની રચના કરે તેને વીર્ય કહીએ. અહા! શુભને રચે તે આત્માનું વીર્ય નહિ. ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છે. એની વીર્યશક્તિ પૂર્ણ શુદ્ધ ત્રિકાળ છે. અહા! પર્યાયમાં શુદ્ધતાની રચના કરે તે વીર્યશક્તિનું કાર્ય છે; પણ અશુદ્ધ એવા શુભની રચના કરે એ આત્મવીર્ય નહિ; એ તો બાપુ! વીર્યહીન નામર્દ-નપુંસકનું કામ. અહા! જેમ નપુંસકને પ્રજા ન હોય તેમ શુભભાવવાળાને ધર્મની પ્રજા ન હોય, તેથી તેઓ નપુંસક છે.

અહીં કહે છે- ‘શુદ્ધ આત્માને જ્ઞાન આદિનો આશ્રય ઐકાંતિક છે.’ એટલે કે શુદ્ધ આત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી, કેમકે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય જ છે. અહા! જેમાં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો આશ્રય હોય તે જ્ઞાન-દર્શન-ચારિત્ર નિર્મળ સત્યાર્થ જ છે, એમાં વ્યભિચાર નથી; ને જેમાં પરનો-શ્રુતનો નવ તત્ત્વનો, છ જીવ-નિકાયનો-આશ્રય હોય તે જ્ઞાન-દર્શન-ચારિત્ર અસત્યાર્થ છે, એમાં વ્યભિચાર આવે છે કેમકે પર-આશ્રયથી ત્રણકાળમાં નિર્મળ રત્નત્રય થતાં નથી.

અત્યારે તો બધે વ્યવહારના ગોટા ઉઠયા છે કે-વ્યવહારથી થાય, વ્યવહારથી થાય. પણ અહીં તો સ્પષ્ટ કહે છે કે-વ્યવહારથી થાય એ માન્યતા અનૈકાંતિક અર્થાત્