PDF/HTML Page 1621 of 4199
single page version
નથી. આત્માનું વિકારી-અશુદ્ધ પરિણમન કર્મને લઈને થાય છે એમ નથી; તેમ દ્રવ્ય-ગુણને લઈને થાય છે એમ પણ નથી, કેમકે દ્રવ્ય-ગુણ તો સદાય શુદ્ધ-નિર્મળ છે. ત્યાં પંચાસ્તિકાયમાં અસ્તિકાય સિદ્ધ કરવું છે ને? સત્ને અહેતુક સિદ્ધ કરવું છે. તેથી વિકારી પર્યાયનું પરિણમન પણ પોતાના કર્તા, કર્મ આદિ ષટ્કારકોને લીધે પરથી નિરપેક્ષ સ્વતંત્ર છે એમ ત્યાં કહ્યું છે.
અહીં કહે છે કે-પોતાના અપરાધથી રાગમાં રોકાણો એ મિથ્યાત્વભાવ છે. અરે ભગવાન! સ્વભાવમાં-ચૈતન્યસ્વરૂપમાં આવવું જોઈએ. એને ઠેકાણે રાગમાં રોકાણો એ મિથ્યાદર્શન છે. આવી વાત છે.
પ્રશ્નઃ– તો સમકિતીને પણ પંચપરમેષ્ઠીની ભક્તિ આદિ તો હોય છે?
ઉત્તરઃ– હા, સમકિતીને પંચપરમેષ્ઠીની ભક્તિ આદિ શુભરાગ હોય છે. પણ તેને તે મોક્ષનું કારણ થાય છે એમ નથી. જેટલો શુભરાગ છે તેટલો તો બંધનું જ કારણ છે. વળી તેને જે રાગ આવે છે તેમાં તે રોકાઈને રહેતો નથી પણ એના જાણનાર-દેખનાર સ્વરૂપે રહે છે. એને રાગનું સ્વામિત્વ કે રાગમાં અહંબુદ્ધિ નથી. જેટલો રાગ છે તે તેને ચારિત્રનો દોષ છે એને એટલો (અલ્પ પણ) બંધ જ છે. ભાઈ! શુભરાગના-વ્યવહારના કારણે આત્માને મોક્ષનું કારણ પ્રગટે એવો આત્માનો સ્વભાવ જ નથી.
જ્યારે દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષા હોય ત્યારે જ્ઞાની નિરાસ્રવ અને નિર્બંધ છે એમ કથન આવે છે. જ્યારે જ્ઞાનની અપેક્ષા લઈએ ત્યારે જેટલે અંશે જ્ઞાની રાગદ્વેષભાવે પરિણમે એટલો એનો અપરાધ છે એમ તે જાણે છે. એ અપરાધ પોતાની (પર્યાયની) સત્તામાં છે. વળી જ્યારે ચારિત્ર અપેક્ષાથી કહીએ ત્યારે એ રાગના પરિણામ ઝેર છે એમ કહેવાય. રાગ દ્રષ્ટિની અપેક્ષાએ પર છે, જ્ઞાનની અપેક્ષાએ પોતાનું જ્ઞેય છે અને ચારિત્રની અપેક્ષાએ ઝેર છે. અહો! આવા પરમામૃતની વાત બીજે કયાંય નથી. બાપુ! બીજે તો બધો મૂળથી ફેરફાર થઈ ગયો છે. ભાઈ! શું કરીએ! વીતરાગ પરમેશ્વરનો આ માર્ગ લોકોને યથાર્થ સાંભળવામાં- સમજવામાં આવ્યો નથી!
ભગવાન! તું પરમાત્મસ્વરૂપ છો. જેમ પરમેશ્વર-પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી પર્યાયપણે છે તેમ તું સર્વજ્ઞ-સર્વદર્શી ત્રિકાળી દ્રવ્યસ્વરૂપ છો. આવા ત્રિકાળી દ્રવ્યસ્વરૂપને ન જોતાં રાગને જોવામાં અટકયો છે તેથી સર્વ પ્રકારે સંપૂર્ણ-અનંતજ્ઞાન, અનંતસુખ ઇત્યાદિ અનંત સામર્થ્યથી ભરેલા અનંતગુણમંડિત પરિપૂર્ણ-એવા આત્માને (પોતાને) જાણતો નથી; સર્વ પ્રકારે સર્વજ્ઞેયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. જુઓ, અહીં રાગમાં રોકાયેલો જીવ સર્વજ્ઞેયોને જાણતો નથી એમ ન કહ્યું પણ સર્વજ્ઞેયોને
PDF/HTML Page 1622 of 4199
single page version
જાણનાર એવા પોતાને (-આત્માને) જાણતો નથી એમ કહ્યું છે. (પોતાને જાણવું એ મુખ્ય છે કેમકે પોતાને જાણે છે તે સર્વને જાણે છે અને પોતાને જાણતો નથી તે સર્વને જાણતો નથી). સમજાણું કાંઈ...?
અહા! જેની સભામાં ઇન્દ્રો તથા ગણધરો બેઠેલા હોય એવા ભગવાન જ્યાં બિરાજે છે તે ક્ષેત્રથી વર્તમાનમાં વિરહ પડયો! જંબૂદ્વીપના પૂર્વ વિદેહમાં અત્યારે સાક્ષાત્ સીમંધર ભગવાન બિરાજી રહ્યા છે. તેમની પાસે ભગવાન કુંદકુંદાચાર્ય સંવત્ ૪૯ માં ગયા હતા, આઠ દિવસ ત્યાં રહ્યા હતા. સદેહે સાક્ષાત્ પરમાત્માની જાત્રા કરી હતી અને ભગવાનની વાણી સાંભળી હતી. શ્રુતકેવળી ભગવંતો સાથે પણ ચર્ચા કરી હતી. અને ભરતમાં પાછા આવી ભગવાનનો જે સંદેશ લાવ્યા હતા તે આ શાસ્ત્રમાં પ્રગટ કર્યો છે. અહો કુંદકુંદાચાર્ય! અહો સમયસાર! આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. એવા આ સમયસારની ટીકા ભગવાન અમૃતચંદ્રાચાર્યદેવે કરી છે. શું ટીકા છે! એકલાં અમૃત રેડયાં છે. આવે છે ને કે-
અહો! ત્રણ લોકના નાથનો સંદેશો પ્રગટ કરીને -જાહેર કરીને આચાર્ય ભગવંતોએ પરમામૃત વરસાવ્યાં છે. એક એક ગાથામાં કેટકેટલું ભર્યું છે, હેં!
પહેલાં આવ્યું હતું કે -રાગ એ મોક્ષના માર્ગની પરિણતિનું ઘાતક છે. હવે કહે છે કે રાગ પોતે બંધસ્વરૂપ છે અને તેથી તેનો નિષેધ છે. સર્વને જાણવા-દેખવાનો સ્વભાવ તો અબંધસ્વરૂપ છે. આવો અબંધસ્વરૂપ ભગવાન આત્મા રાગમાં રોકાવાથી પોતાને જાણતો નથી; અહા! સર્વ જ્ઞેયોને જાણનાર એવા પોતાને તે જાણતો નથી! પોતાને જાણતો નથી એમ કીધું, પણ સર્વજ્ઞેયોને જાણતો નથી એમ ન કીધું. કેમકે પોતાને જાણવું એ નિશ્ચય છે અને પરને જાણવું એ વ્યવહાર છે.
સર્વને એટલે સ્વ અને પરને (એકલા પરને એમ નહિ) જાણનાર-દેખનાર એવો ભગવાન આત્મા પોતે રાગમાં રોકાઈ રહીને પોતાને નહિ જાણતો થકો પ્રત્યક્ષ અજ્ઞાનભાવે પ્રવર્તે છે. જુઓ, આ બંધસ્વરૂપને સિદ્ધ કરે છે. એ શુભભાવ અને શુભભાવમાં રોકાઈ રહેવું એ બંધસ્વરૂપ છે, અજ્ઞાનસ્વરૂપ છે. તે જે રાગમાં વર્તે છે તે પ્રત્યક્ષ અજ્ઞાન ભાવરૂપ દશા છે. રાગમાં જાણવાની શક્તિ કયાં છે? શુભરાગ હો તોપણ તે પોતાને કે આત્માને જાણતો નથી. રાગ તો સર્વ અચેતન, અજ્ઞાનમય જ છે.
PDF/HTML Page 1623 of 4199
single page version
‘એ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે વર્તે છે’ એટલે શું? સર્વજ્ઞ-સર્વદર્શી-સર્વને (સ્વ- પરને) જાણવા-દેખવાના સ્વભાવવાળો પોતે પોતાને જાણવામાં નહિ પ્રવર્તતાં રાગને-પરને જ જાણવામાં પ્રવર્તે છે તે અજ્ઞાનભાવ છે. રાગ પોતે જ અજ્ઞાનમય ભાવ છે ને? તેમાં રોકાઈ રહી પ્રવર્તવું તે અજ્ઞાનભાવરૂપ પ્રવર્તન છે. અહા! જ્ઞાનસ્વભાવી પોતાના ભગવાનને દેખતો- જાણતો નથી તે મિથ્યાદર્શન છે, અજ્ઞાન છે. હવે કહે છે-
‘તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.’ જુઓ આ સિદ્ધ કર્યું કે વ્રત, તપ, ભક્તિ, દાન, શીલ, પૂજા ઇત્યાદિના શુભભાવરૂપ જે કર્મ તે બંધસ્વરૂપ છે. અહીં કર્મ એટલે રાગરૂપ કાર્યની વાત છે, જડ પુદ્ગલકર્મની વાત નથી. પોતે બંધસ્વરૂપ હોવાથી વ્રતાદિ કર્મ નિષેધવામાં આવ્યું છે. હવે આવી વાત શુભભાવ વડે ધર્મ થવાનું માનતા હોય એમને આકરી પડે એવી છે. બે પાંચ ઉપવાસ કર્યા, આહારપાણીનો ત્યાગ કર્યો અને રસ છોડયા હોય એટલે માને કે થઈ ગયો ધર્મ. એમાં ધૂળેય ધર્મ નથી, સાંભળને ભાઈ! એ તો બધી રાગની ક્રિયા બંધસ્વરૂપ છે અને એમાં તું ધર્મ માને છે તે મિથ્યાત્વ છે. ભગવાને તો કર્મ પોતે જ બંધસ્વરૂપ હોવાથી મોક્ષમાર્ગમાં નિષેધ્યું છે.
આવે છે ને પચીસ પ્રકારના મિથ્યાત્વ? અધર્મને ધર્મ માને તો મિથ્યાત્વ, ધર્મને અધર્મ માને તો મિથ્યાત્વ, સાધુને કુસાધુ માને તો મિથ્યાત્વ અને કુસાધુને સાધુ માને તો મિથ્યાત્વ, ઇત્યાદિ. પણ એને ખબર કયાં છે કે મિથ્યાત્વ કોને કહેવું અને સાધુ કોને કહેવાય? અહીં તો આ સ્પષ્ટ વાત છે કે-પોતે જ બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. આ તો બાર અંગનો સાર છે. શુભરાગ બંધસ્વરૂપ હોવાથી તેને નિષેધવામાં આવ્યો છે. શુભભાવ કાંઈ ધર્મ નથી, એટલે કે અધર્મ છે. આકરી લાગે પણ સત્ય વાત છે, બાપા! બંધસ્વરૂપ કહો કે અધર્મસ્વરૂપ કહો, બન્ને એક જ વાત છે. સમજાણું કાંઈ...
‘અહીં પણ ‘‘જ્ઞાન’’ શબ્દથી આત્મા સમજવો.’
પાઠમાં જ્ઞાન શબ્દ છે ને? એ જ્ઞાન એટલે આત્મા અર્થાત્ આત્મપદાર્થ.
‘જ્ઞાન અર્થાત આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે. અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી; એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે.’
અહીં કર્મ વડે આચ્છાદિત છે એમ કહ્યું ત્યાં આત્મદ્રવ્ય પુણ્ય-પાપરૂપ ભાવકર્મ
PDF/HTML Page 1624 of 4199
single page version
વડે આચ્છાદિત-ઢંકાયેલું છે એમ સમજવું. ભાવકર્મ છે એ ભાવઘાતી છે અને દ્રવ્યઘાતી કર્મ છે એ તો જડ છે, પર છે. શું પરદ્રવ્ય આત્માને રોકે? (ના). પોતાનો અપરાધ જે ભાવકર્મ તે એને રોકે છે. ભાવકર્મ એનું વેરી છે. પર એને ભલું માને અને પોતાનું સ્વરૂપ માને એ જ મહા અપરાધ છે. ઝીણી વાત, બાપા!
ભાઈ! આવો મનુષ્યદેહ મળ્યો અને એમાં વીતરાગ માર્ગને-ભગવાન જિનેશ્વરદેવના પંથને ન ઓળખ્યો તો જન્મ-મરણના આંટા નહિ મટે. જેમ વંટોળિયે ચઢેલું તણખલું કયાં જઈને પડે તે નક્કી નથી તેમ અજ્ઞાનના પંથે ચઢેલો જીવ કાગડે-કૂતરે કંથવે-કયાં જઈને પડશે બાપુ! એ વિચારવા જેવું છે. ભગવાન! તું જન્મ-મરણની ચક્કીમાં આજ સુધી પીસાઈને મરી ગયો છે. વર્તમાનમાં કાંઈક બહારમાં સંજોગો ઠીક હોય, શરીર ઠીક હોય, બાયડી-છોકરાં અનુકૂળ હોય અને પાંચ-પચાસ લાખની સંપત્તિ હોય એટલે જાણે કે ઠીક છે પણ ધૂળેય ઠીક નથી, સાંભળને. એ તો બધી પર ચીજ છે. અનંત જ્ઞાન-દર્શનની લક્ષ્મીથી ભરેલો ભગવાન તું છે એની તને રુચિ નથી અને આ પરની-ધૂળની રુચિ છે તો કહીએ છીએ કે તું અબજોપતિ હોય તોય ભિખારો છે. અરે ભગવાન! આ સર્વને દેખનાર-જાણનારનો સ્વામી ન થતાં તું જડનો (ધૂળનો) સ્વામી થયો!
અહીં કહે છે-ભગવાન! તું રાગમાં રોકાયો છે એ તારો અપરાધ છે; કોઈ (જડ) કર્મનો દોષ નથી. આમ અનાદિથી અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતો નથી. જોયું? પરને-સર્વને જાણતો નથી એમ નહિ પણ પોતાનું જે સ્વ- પરને જાણવા-દેખવારૂપ સંપૂર્ણ સ્વરૂપ તેને જાણતો નથી એમ કહે છે. સ્વ-પરને સર્વને જાણવા-દેખવાનો જેનો સ્વભાવ છે તે જાણનારો જાણનારને પોતાને જાણતો નથી; અને એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. આચાર્યદેવ ન્યાયથી તો વાત કરે છે; પણ સમજવું હોય એને ને? ભાઈ! મારી-મચડીને ગમે તેમ કોઈ વાત કરે એ કાંઈ વસ્તુ નથી. આ તો ન્યાયથી સિદ્ધ થયેલી વાત છે.
સમ્યગ્દર્શનમાં જેવું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ છે તેવી જ પ્રતીતિ થાય છે. કેવળજ્ઞાન આદિ ભલે પછી પ્રગટ થશે પણ વર્તમાનમાં સમ્યગ્દ્રષ્ટિને અનંતગુણનો પિંડ સદાય સ્વ-પરને સર્વને જાણવા-દેખવાના સ્વભાવે રહેલો પરિપૂર્ણ ભગવાન આત્મા પ્રતીતિમાં આવેલો હોય છે. હું મારામાં પરિપૂર્ણ છું એવું સમકિતીને યથાર્થ શ્રદ્ધાન હોય છે. એ રાગને કે અલ્પજ્ઞ પર્યાયને પોતાની માનતો નથી અર્થાત્ એ પર્યાય જેવડો હું છું એમ તે માનતો નથી.
જુઓ, સમકિતીના ચોથા ગુણસ્થાનની આ વાત છે. ભગવાન! હજુ સમ્યગ્દર્શન (ચોથા ગુણસ્થાન)નાં ઠેકાણાં નથી ત્યાં વ્રત, તપ ને ચારિત્ર કયાંથી આવી ગયાં? એકડા
PDF/HTML Page 1625 of 4199
single page version
વિનાનાં મીંડાંની સંખ્યા કયાંથી થઈ ગઈ? અહીં તો કહે છે કે વ્રતાદિના રાગમાં રોકાઈ રહેવાથી તે સંપૂર્ણ પોતાના સ્વરૂપને જાણતો નથી અને એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. રાગમાં રોકાઈ રહે એ મિથ્યાદ્રષ્ટિ છે; એને કોઈ સાચાં વ્રત, તપ, ચારિત્ર હોઈ શકતાં નથી. વાત આકરી લાગે પણ આ સત્ય વાત છે. હવે કહે છે-
‘આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડે લિપ્ત હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે, માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.’
અહાહા...! કેવળ એકલો જ્ઞાનસ્વરૂપ, પ્રજ્ઞાબ્રહ્મ, જ્ઞાનની મૂર્તિ એકલો જ્ઞાનનો રસકંદ ભગવાન આત્મા સદા મુક્તસ્વરૂપ જ છે. કેવળ દેખવા-જાણવાના સ્વરૂપે છે એમાં બંધ કયાંથી હોય? ભગવાન આત્મા પોતે અબંધસ્વરૂપ જ છે. બંધની સામે લેવું છે ને? આવો કેવળજ્ઞાન સ્વરૂપ વા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડે પુણ્ય-પાપના ભાવ વડે લિપ્ત હોવાથી અજ્ઞાનરૂપ વા બંધરૂપે વર્તે છે, રાગમાં અજ્ઞાનપણે વર્તે છે. માટે એમ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. પોતે (કર્મ) બંધસ્વરૂપ હોવાથી કર્મનો-શુભાશુભભાવનો નિષેધ કરવામાં આવ્યો છે.
જુઓ, આત્માના સંબંધમાં ભેખ બે પ્રકારના છે-એક જડકર્મનો ભેખ એ અજીવ બંધ છે, દ્રવ્યબંધ છે, બીજો રાગનો ભેખ એ જીવબંધ છે, ભાવબંધ છે. ભાવબંધ છે એ ચેતનનો વિકારી ભેખ છે.
કર્મથી પૂર્ણ છૂટવું એ દ્રવ્યમોક્ષ છે. અને ભાવથી-અપૂર્ણતા અને રાગથી પૂર્ણ છૂટી જવું એ ભાવમોક્ષ છે. મોક્ષ છે એ પણ આત્માનો એક ભેખ છે. દ્રવ્ય છે એ ત્રિકાળી છે અને મોક્ષ છે એ એનો પર્યાયરૂપ ભેખ છે. મોક્ષની પર્યાય છે એ કાંઈ દ્રવ્યનું ત્રિકાળી સ્વરૂપ નથી. તથાપિ મોક્ષ છે તે પૂર્ણ નિર્વિકાર ચૈતન્યમય પર્યાય હોવાથી તે આત્માનો વાસ્તવિક ભેખ છે-તેથી તેનો નિષેધ નથી. (પ્રગટ કરવાની અપેક્ષાએ વાત છે).
અહીં તો એણે જે અનાદિથી બંધનો ભેખ ધારણ કર્યો છે એની વાત છે. અહા! અબંધસ્વરૂપ સર્વજ્ઞાની-સર્વદર્શી એવો પોતે પોતાને જાણતો નથી કેમકે એ કર્મ અને રાગને જાણવામાં રોકાઈ ગયો છે. બીજી રીતે કહીએ તો રાગ જે પરજ્ઞેય છે તે જાણે પોતાનું જ્ઞેય હોય, સ્વજ્ઞેયરૂપ હોય તેમ રાગ છે તે હું છું એમ માની બેઠો છે. તેથી પોતાનું ત્રિકાળી જ્ઞાન-દર્શનમય અબંધ તત્ત્વ એની દ્રષ્ટિમાં આવતું નથી. આ જ એનો મિથ્યાત્વનો મહા અપરાધ છે. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.
શુભભાવ છે એ બંધસ્વરૂપ છે, પોતે બંધઅવસ્થારૂપ છે. ખરેખર તો એ જ્ઞાનનું જ્ઞેયમાત્ર છે પણ એમ ન માનતાં અજ્ઞાની એ હું છું એમ માની એમાં રોકાઈ રહે છે
PDF/HTML Page 1626 of 4199
single page version
અને એ જ મિથ્યાત્વરૂપ મહાબંધ છે. સમજાણું કાંઈ...? લ્યો, આ કર્મનો નિષેધ કરનારા ત્રણ બોલ પૈકી બે થયા.
૨. શુભભાવ સ્વયં બંધસ્વરૂપ છે માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
૩. શુભભાવનાં શ્રદ્ધાન-જ્ઞાન અને આચરણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી
ગાથાઓમાં (૧૬૧, ૧૬૨, ૧૬૩ માં) કહેશે.
હવે આવી વાત કયાં છે, બાપા? સાંભળવા મળવી પણ દુર્લભ છે.
PDF/HTML Page 1627 of 4199
single page version
अथ कर्मणो मोक्षहेतुतिरोधायिभावत्वं दर्शयति–
तस्सोदयेण जीवो मिच्छादिट्ठि त्ति णादव्वो।। १६१ ।।
तस्सोदयेण जीवो अण्णाणी होदि णादव्वो।। १६२ ।।
तस्सोदयेण जीवो अचरित्तो होदि णादव्वो।। १६३ ।।
तस्योदयेन जीवो मिथ्याद्रष्टिरिति ज्ञातव्यः।। १६१ ।।
तस्योदयेन जीवोऽज्ञानी भवति ज्ञातव्यः।। १६२ ।।
तस्योदयेन जीवोऽचारित्रो भवति ज्ञातव्यः।। १६३ ।।
હવે, કર્મ મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ (અર્થાત્ મિથ્યાત્વાદિભાવસ્વરૂપ) છે એમ બતાવે છેઃ-
એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું. ૧૬૧.
એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ૧૬૨.
એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું.૧૬૩.
ગાથાર્થઃ– [सम्यक्त्वप्रतिनिबद्धं] સમ્યક્ત્વને રોકનારું [मिथ्यात्वं] મિથ્યાત્વ છે એમ [जिनवरैः] જિનવરોએ [परिकथितम्] કહ્યું છે; [तस्य उदयेन] તેના ઉદયથી [जीवः] જીવ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ થાય છે [इति ज्ञातव्यः] એમ જાણવું. [ज्ञानस्य
PDF/HTML Page 1628 of 4199
single page version
संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा।
सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन्
नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति।। १०९ ।।
प्रतिनिबद्धं] જ્ઞાનને રોકાનારું [अज्ञानं] અજ્ઞાન છે એમ [जिनवरैः] જિનવરોએ [परिकथितम्] કહ્યું છે; [तस्य उदयेन] તેના ઉદયથી [जीवः] જીવ [अज्ञानी] અજ્ઞાની [भवति] થાય છે [ज्ञातव्यः] એમ જાણવું. [चारित्रप्रतिनिबद्धः] ચારિત્રને રોકાનાર [कषायः] કષાય છે એમ [जिनवरैः] જિનવરોએ [परिकथितः] કહ્યું છે; [तस्य उदयेन] તેના ઉદયથી [जीवः] જીવ [अचारित्रः] અચારિત્રી [भवति] થાય છે [ज्ञातव्यः] એમ જાણવું.
ટીકાઃ– સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે; તે (મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યાદ્રષ્ટિપણુંથાય છે. જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કષાય છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રીપણું થાય છે. માટે, (કર્મ) પોતે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.
ભાવાર્થઃ– સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે; કર્મ તે મિથ્યાત્વાદિ ભાવો-સ્વરૂપ છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે
પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું-સમ્યક્ત્વાદિનું-ઘાતક છે. પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે-મિથ્યાત્વાદિસ્વરૂપ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે.
અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે, તેથી નિષિદ્ધ જ છે; પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [मोक्षार्थिना इदं समस्तम् अपि तत् कर्म एव संन्यस्तव्यम्] મોક્ષાર્થીએ આ સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે. [संन्यस्ते सति तत्र पुण्यस्य पापस्य
PDF/HTML Page 1629 of 4199
single page version
कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः।
किन्त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन्–
मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः।। ११० ।।
वा किल का कथा] જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત? (કર્મમાત્ર ત્યાજ્ય છે ત્યાં પુણ્ય સારું અને પાપ ખરાબ-એવી વાતને કયાં અવકાશ છે? કર્મસામાન્યમાં બન્ને આવી ગયાં.) [सम्यक्त्वादिनिजस्वभावभवनात् मोक्षस्य हेतुः भवन्] સમસ્ત કર્મનો ત્યાગ થતાં, સમ્યક્ત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી-પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું, [नैष्कर्म्यप्रतिबद्धम् उद्धतरसं] નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત (-ઉત્કટ) રસ પ્રતિબદ્ધ અર્થાત્ સંકળાયેલો છે એવું [ज्ञानं] જ્ઞાન [स्वयं] આપોઆપ [धावति] દોડયું આવે છે.
ભાવાર્થઃ– કર્મને દૂર કરીને, પોતાના સમ્યક્ત્વાદિસ્વભાવરૂપે પરિણમવાથી મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે, ત્યાં પછી તેને કોણ રોકી શકે? ૧૦૯
હવે આશંકા ઊપજે છે કે-અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે? વળી કર્મ અને જ્ઞાન બન્ને (-કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બન્ને-) સાથે કેમ રહી શકે? તે આશંકાના સમાધાનનું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [यावत्] જ્યાં સુધી [ज्ञानस्य कर्मविरतिः] જ્ઞાનની કર્મવિરતિ [सा सम्यक् पाकम् न उपैति] બરાબર પરિપૂર્ણતા પામતી નથી [तावत्] ત્યાં સુધી [कर्मज्ञानसमुच्चयः अपि विहितः, न काचित् क्षतिः] કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. [किन्तु] પરંતુ [अत्र अपि] અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં [अवशतः यत् कर्म समुल्लसति] અવશપણે (-જબર- દસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે [तत् बन्धाय] તે તો બંધનું કારણ થાય છે, અને [मोक्षाय] મોક્ષનું કારણ તો, [एकम् एव परमं ज्ञानं स्थितम्] જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે- [स्वतः विमुक्तं] કે જે જ્ઞાન સ્વતઃવિમુક્ત છે (અર્થાત્ ત્રણે કાળે પરદ્રવ્ય- ભાવોથી ભિન્ન છે).
ભાવાર્થઃ– જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિને બે ધારા રહે છે-શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બન્ને સાથે રહેવામાં કાંઈ
PDF/HTML Page 1630 of 4199
single page version
मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः।
विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं
ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च।। १११ ।।
પણ વિરોધ નથી. (જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યગ્જ્ઞાનને પરસ્પર વિરોધ છે તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધી નથી.) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પો- શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં-કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. ૧૧૦.
હવે કર્મ અને જ્ઞાનનો નયવિભાગ બતાવે છેઃ-
શ્લોકાર્થઃ– [कर्मनयावलम्बनपराः मग्नाः] કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત કર્મનયના પક્ષપાતી) પુરુષો ડુબેલા છે [यत्] કારણ કે [ज्ञानं न जानन्ति] તેઓ જ્ઞાનને જાણતા નથી. [ज्ञाननय–एषिणः अपि मग्नाः] જ્ઞાનનયના ઇચ્છક (અર્થાત પક્ષપાતી) પુરુષો પણ ડુબેલા છે [यत्] કારણ કે [अतिस्वच्छन्दमन्द–उद्यमाः] તેઓ સ્વચ્છંદથી અતિ મંદ- ઉધમી છે (સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે અને વિષયકષાયમાં વર્તે છે). [ते विश्वस्य उपरि तरन्ति] તે જીવો વિશ્વના ઉપર તરે છે કે [ये स्वयं सततं ज्ञानं भवन्तः कर्म न कुर्वन्ति] જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતાપરિણમતા થકા કર્મ કરતા નથી [च] અને [जातु प्रमादस्य वशं न यान्ति] કયારેય પ્રમાદને વશ પણ થતા નથી (-સ્વરૂપમાં ઉધમી રહે છે).
ભાવાર્થઃ– અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે.
કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી અને વ્યવહાર દર્શનજ્ઞાનચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે-તેનો પક્ષપાત કરે છે. આવા કર્મનયના પક્ષપાતી લોકો-જેઓ જ્ઞાનને તો જાણતા નથી અને કર્મનયમાં જ ખેદખિન્ન છે તેઓ-સંસારમાં ડૂબે છે.
વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદિ મિથ્યાદ્રષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી
PDF/HTML Page 1631 of 4199
single page version
मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन।
हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि
ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण।। ११२ ।।
રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણતિમાં જરાય ફેર પડયા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શનજ્ઞાનચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે. આવા જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય-કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે છે.
મોક્ષમાર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા શુભાશુભ કર્મને હેય જાણે છે અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે. તેઓ માત્ર અશુભ કર્મને જ નહિ પરંતુ શુભ કર્મને પણ છોડી, સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવંત છે-સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે. જ્યાં સુધી, પુરુષાર્થની અધૂરાશને લીધે, શુભાશુભ પરિણામોથી છૂટી સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી ત્યાં સુધી-જોકે સ્વરૂપસ્થિરતાનું અંર્ત-આલંબન (અંતઃસાધન) તો શુદ્ધ પરિણતિ પોતે જ છે તોપણ-અંર્ત-આલંબન લેનારને જેઓ બાહ્ય આલંબનરૂપ કહેવાય છે એવા (શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ) શુભ પરિણામોમાં તે જીવો હેયબુદ્ધિએ પ્રવર્તે છે. પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી. આવા જીવો-જેઓ એકાંત અભિપ્રાય રહિત છે તેઓ-કર્મનો નાશ કરી, સંસારથી નિવૃત્ત થાય છે. ૧૧૧.
હવે પુણ્ય-પાપ અધિકારને પૂર્ણ કરતાં આચાર્યદેવ જ્ઞાનનો મહિમા કરે છેઃ-
શ્લોકાર્થઃ– [पीतमोहं] જેણે મોહરૂપી મદિરા પીધી હોવાથી [भ्रम–रस–भरात् भेदोन्मादं नाटयत्] જે ભ્રમના રસના ભારથી (અતિશયપણાથી) શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને (ગાંડપણાને) નચાવે છે [तत् सकलम् अपि कर्म] એવા સમસ્ત કર્મને [बलेन] પોતાના બળ વડે [मूलोन्मूलं कृत्वा] મૂળથી ઉખેડી નાખીને [ज्ञानज्योतिः भरेण प्रोज्जजृम्भे] જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [कवलिततमः] જે અજ્ઞાનરૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે અર્થાત્ જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે, [हेला–उन्मिलत्] જે લીલામાત્રથી (-સહજ પુરુષાર્થથી) ઊઘડતી-વિકસતી જાય છે અને [परमकलया सार्धम् आरब्धकेलि]
PDF/HTML Page 1632 of 4199
single page version
इति पुण्यपापरूपेण द्विपात्रीभूतमेकपात्रीभूय कर्म निष्क्रान्तम्।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ पुण्यपापप्ररूपकः तृतीयोऽङ्कः।। જેણે પરમ કળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે એવી તે જ્ઞાનજ્યોતિ છે. (જ્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિ છદ્મસ્થ છે ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે, કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે.)
ભાવાર્થઃ– પોતાને (જ્ઞાનજ્યોતિને) પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભ-એવા ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભુલાવી દેતું હતું તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આ જ્ઞાન જ્યોતિ અથવા જ્ઞાનકળા કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે અને કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે, તેથી એમ કહ્યું છે કે “જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રિડા માંડી છે”. જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન થઈ જાય છે. ૧૧૨.
ટીકાઃ– પુણ્ય-પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપ થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયું.
ભાવાર્થઃ– કર્મ સામાન્યપણે એક જ છે તોપણ તેણે પુણ્ય-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું ત્યારે તે એક પાત્રરૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું, નૃત્ય કરતું અટકી ગયું.
આશ્રય, કારણ, રૂપ, સવાદસું ભેદ વિચારી ગિને દોઊ ન્યારે,
પુણ્ય રુ પાપ શુભાશુભભાવનિ બંધ ભયે સુખદુઃખકરા રે;
જ્ઞાન ભયે દોઊ એક લખૈ બધુ આશ્રય આદિ સમાન વિચારે,
બંધકે કારણ હૈં દોઊ રૂપ, ઇન્હૈં તજિ જિનમુનિ મોક્ષ પધારે.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં પુણ્ય-પાપનો પ્રરૂપક ત્રીજો અંક સમાપ્ત થયો.
PDF/HTML Page 1633 of 4199
single page version
હવે કર્મ મોક્ષના કારણના વિરોધાયીભાવસ્વરૂપ (અર્થાત્ મિથ્યાત્વાદિભાવસ્વરૂપ) છે એમ બતાવે છેઃ-
હવે, પુણ્યપરિણામ જે કર્મ છે એ મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એના તિરોધાયીભાવસ્વરૂપ એટલે વિરુદ્ધ ભાવસ્વરૂપ છે-એમ કહે છે. શુભભાવની રુચિ તે મિથ્યાત્વ છે, શુભભાવમાં રોકાયેલું જ્ઞાન તે અજ્ઞાન છે અને શુભભાવનું આચરણ તે અચારિત્ર છે. એ ત્રણેય ભાવ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રથી વિપરીતભાવ છે. માટે કર્મ નિષેધવા લાયક છે. જુઓ, આ લોજીકથી-ન્યાયથી તો વાત ચાલે છે, કચડી-મચડીને કહેવાય છે એમ તો છે નહિ. પણ અરે! એણે સમજવાની કોઈ દિ દરકાર કરી નથી!
પહેલાં (ગાથા ૧પ૭-૧પ૮-૧પ૯માં) એમ કહ્યું કે કર્મ એટલે શુભભાવ મોક્ષના કારણરૂપ નિર્મળ રત્નત્રયપરિણતિનું ઘાતનશીલ છે.
પછી (ગાથા ૧૬૦ માં) એમ કહ્યું કે કર્મ એટલે શુભભાવ પોતે જ બંધસ્વરૂપ છે તેથી નિષેધવા યોગ્ય છે.
હવે આ ગાથાઓમાં એમ કહે છે કે કર્મ એટલે શુભભાવ મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ એટલે મિથ્યાત્વાદિભાવસ્વરૂપ છે, તેથી તે નિષેધવા યોગ્ય છે. ખરેખર શુભભાવ છે તે મિથ્યાત્વ નથી પણ શુભભાવને પોતાના માનવા તે મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ સહિત જે જ્ઞાન અને આચરણ છે તે અજ્ઞાન અને અચારિત્ર છે. તેથી કર્મ છે તે મોક્ષના કારણના વિરુદ્ધભાવસ્વરૂપ હોવાથી નિષેધવા યોગ્ય છે એમ હવે કહે છે-
‘સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે.’
જુઓ, શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તેનો અંદર અનુભવ કરીને પ્રતીતિ કરવી તે સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. અહીં સ્વભાવ એટલે ત્રિકાળીની વાત નથી, પણ સમકિતની વાત છે. સમ્યક્ત્વ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે અને તેને રોકનારું મિથ્યાત્વ છે, મિથ્યાત્વ એટલે જીવના પરિણામ હોં, મિથ્યાત્વ કર્મની વાત નથી. કર્મના નિમિત્તથી તો કથન કરેલું હોય છે, બાકી તત્ત્વના અશ્રદ્ધાનરૂપ જે મિથ્યાત્વ તે સમ્યક્ત્વને રોકનારું છે.
અહા! રાગ કેમ ટળે? પ્રતિબંધક કારણ-કર્મ ટળે તો રાગ ટાળે. આ પ્રતિબંધક કર્મ એટલે જડકર્મ નહિ. જડકર્મ તો ખરેખર પ્રતિબંધક કારણ છે જ નહિ, કેમકે એ તો પર છે. આત્મા જડને તો કદી સ્પર્શ્યોય નથી, જડ ચેતનને ત્રણકાળમાં સ્પર્શ્યું નથી. આત્મા જડને સ્પર્શ્યો નથી અને જડ આત્માને સ્પર્શ્યું નથી. તો પછી જડકર્મ આત્માને કેમ રોકે? આત્મા ફક્ત પોતાની મિથ્યાશ્રદ્ધારૂપ વિપરીત
PDF/HTML Page 1634 of 4199
single page version
દશાને સ્પર્શ્યો છે. સમ્યક્ત્વને રોકનારું જે પ્રતિબંધક કારણ છે તે આ મિથ્યાશ્રદ્ધાનરૂપ ભાવ છે, અને તે મોક્ષના કારણથી વિપરીતભાવરૂપ છે.
અહીં ગાથામાં મિથ્યાત્વાદિનો ઉદય-એમ જે લીધું એનો અર્થ એમ છે કે શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માની પ્રતીતિરૂપ જે શ્રદ્ધાન એનાથી વિપરીત પરિણમન થવું તે મિથ્યાત્વનો ઉદય છે. પુણ્યથી ધર્મ થાય, નિમિત્તથી આત્મામાં લાભ-નુકશાન થાય, પર મને લાભ કરે, હું પરને લાભ કરું ઇત્યાદિ અનેક પ્રકારે જે માન્યતા છે એ સમકિત વિરુદ્ધ છે અને એ વિરુદ્ધભાવરૂપ પરિણમન એ મિથ્યાત્વ છે.
કર્મ છે એ તો અજીવનો ભેખ છે; અને મિથ્યાત્વભાવ છે એ જીવનો ભેખ છે.
તો મિથ્યાત્વાદિને પુદ્ગલસ્વભાવી કહ્યા છે ને?
હા, કહ્યા છે; કેમકે મિથ્યાત્વાદિભાવ પોતે નિમિત્તને આધીન થઈને થાય છે. વળી શુદ્ધ જીવદ્રવ્યમાં તે નથી માટે (દ્રષ્ટિ અપેક્ષાએ) તેમને પુદ્ગલસ્વભાવી કહ્યા છે. બાકી છે તો એ જીવની અશુદ્ધ પરિણતિ. એને પરની-જડની સાથે શું સંબંધ છે? (કાંઈ નહિ). ભારે વાત, ભાઈ! ભાઈ! અશુદ્ધપણાનું જે પરિણમન છે તે જીવનો ભેખ છે, જીવમાં થાય છે. ખરેખર તો મિથ્યાત્વભાવરૂપ અશુદ્ધ પરિણમન પર્યાયમાં પોતાના ષટ્કારકથી થાય છે. તેને પરની કે કર્મની અપેક્ષા તો નથી, એને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. આવી વસ્તુ છે. શુભભાવ કરતાં કરતાં સમકિત થશે એવી વિપરીત માન્યતારૂપ જે મિથ્યાત્વભાવ છે એ જીવની પોતાની પરિણતિ છે અને તે સમ્યક્ત્વથી વિરુદ્ધ છે.
કેટલાક કહે છે કે કર્મને લઈને રાગ થાય છે અને કર્મ ટળે તો રાગ ટળે. ભાઈ! એ બધો મિથ્યા ભ્રમ છે. લોકમાં જેમ બધું ભગવાન કરે એમ જૈનમાં બધું કર્મ કરે એવું કર્મનું લાકડું (મિથ્યા ભ્રમ) બહુ ગરી ગયું છે. પણ ભાઈ! કર્મ તો અજીવ પુદ્ગલ છે; એમાં જીવની નાસ્તિ છે અને જીવમાં એની નાસ્તિ છે. જીવ અરૂપી અને કર્મ રૂપી; કર્મ જીવને ત્રણકાળમાં અડયું-સ્પર્શ્યું નથી અને જીવ કર્મને ત્રણકાળમાં અડયો-સ્પર્શ્યો નથી. હવે આમ જ્યાં પરસ્પર નાસ્તિ છે તો કર્મ જીવને કરે શું? કાંઈ ન કરે. ભાઈ! દ્રષ્ટિમાં પોતે જે વિપરીતતા કરે છે તે મિથ્યાત્વ છે અને તે આત્માના સમકિતથી વિરુદ્ધભાવરૂપ છે. જડ કર્મને જે વિરુદ્ધ કહ્યું છે એ તો જડમાં-પરમાં છે, અને એ તો ઉપચાર કથન છે.
ભગવાન આત્મા ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો સાગર છે. એના યથાર્થ શ્રદ્ધાનરૂપ જે સમ્યક્ પરિણતિ એનાથી મિથ્યાત્વ પરિણતિ વિરુદ્ધ છે. અનુભવ પ્રકાશમાં આવે છે કે પોતાના વેરી પોતાનો વિકાર છે એ નિશ્ચય છે. પર વેરી છે એ વસ્તુસ્વરૂપ જ નથી. ‘ણમો અરિહંતાણં’ બોલે છે ને બધા.
PDF/HTML Page 1635 of 4199
single page version
એનો અર્થ એમ કર્યો છે કે-નમસ્કાર હો તેમને જેમણે કર્મરૂપી વેરીને હણ્યા છે. ભાઈ! આમાં તો આ નિમિત્તનું કથન છે, વાસ્તવિક નથી. વાસ્તવમાં તો અનિષ્ટ જે વિકારના-અજ્ઞાનના પરિણામ હતા તે અરિ હતા. એને હણીને પૂર્ણ વીતરાગતા પ્રગટ કરી એનું નામ અરિહંત છે. હવે આ એકડે એકથી જ વાંધા કે કર્મ વેરી છે. પણ ભાઈ! ચેતનને જડ વેરી હોઈ શકે જ નહિ. વેરી તો એનો જે વિપરીતભાવ-વિકાર ને અજ્ઞાન છે તે વેરી છે. પ્રવચનસાર ગાથા ૬૧ માં આવે છે કે-કેવળી ભગવાને સર્વ અનિષ્ટનો નાશ કર્યો છે અને સર્વ ઇષ્ટની પ્રાપ્તિ કરી છે. ત્યાં અનિષ્ટ એટલે કાંઈ જડ અનિષ્ટ છે? (ના). પોતાના વિકારના-અજ્ઞાનના જે પરિણામ છે તે અનિષ્ટ છે. ભગવાને આ સર્વ અનિષ્ટનો નાશ કરી સર્વ ઇષ્ટ એવું કેવળજ્ઞાન અને અનંત સુખ પ્રાપ્ત કર્યું છે. આ વાત છે.
‘सम्मत्तपडिणिबद्धं’ એમ પાઠ છે ને? એનો અર્થ આ છે કે-અનિષ્ટ પરિણામ જે મિથ્યાત્વના પરિણામ છે તે સમ્યગ્દર્શનને રોકનારા એનાથી વિરુદ્ધ અર્થાત્ સમકિતના પ્રતિબંધક છે.
તો ગાથા ૭પ માં એને પુદ્ગલના પરિણામ કહ્યા છે ને?
એ કઈ અપેક્ષાએ? કે એ જીવનો સ્વભાવ નથી એ અપેક્ષાએ કહ્યા છે. અશુદ્ધ પરિણામ છે એ જીવની-ચૈતન્યની જાતિના નથી અને જીવમાંથી નીકળી જાય છે માટે એ પરિણામ જીવના નથી. રાગાદિ અશુદ્ધતા જો જીવની હોય તો તે નીકળી ન જાય; પણ નીકળી જાય છે અને વસ્તુ જેવી આનંદઘન વીતરાગસ્વરૂપ છે તેવી રહી જાય છે. માટે રાગાદિ અશુદ્ધતા જીવની નથી અને જીવની નથી તો તે અજીવ, અચેતન છે અને પુદ્ગલના સંગે થાય છે માટે તે પુદ્ગલની છે એમ કહ્યું છે. ત્યાં તો પર્યાયનું લક્ષ છોડાવી ત્રિકાળી ચૈતન્યસ્વભાવનું લક્ષ કરાવવાનું પ્રયોજન છે.
અહીં સવાલ આવે છે કે-પર્યાયમાં જો સમકિત નથી તો એનું પ્રતિબંધક કોણ છે? તો કહે છે-પોતાની વિપરીત માન્યતા-શ્રદ્ધાનરૂપ જે પરિણામ છે તે જ સમ્યક્ત્વનું પ્રતિબંધક એટલે વિરોધી છે; જડકર્મ કાંઈ સમ્યક્ત્વનું વિરોધી નથી. પોતે જે રાગાદિમાં અટકીને વિપરીત પરિણમી રહ્યો છે તે પરિણમન સમ્યક્ત્વનું પ્રતિબંધક છે. કર્મ પ્રતિબંધક છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે.
આ પુણ્ય-પાપ અધિકાર છે ને? એટલે પહેલેથી કર્મથી લીધું છે, પણ અર્થમાં પાછું બધું લીધું છે; કે જે પરિણામથી પુણ્ય બંધાય તે શુભ છે અને જે પરિણામથી પાપ બંધાય તે અશુભ છે. બેય અજ્ઞાનભાવ છે. ભગવાન! એને સત્ય સમજવામાં જ હજી વાંધા છે ત્યાં સત્ય હાથ કેમ આવે? કર્મ વિકાર કરાવે એવી વિપરીતતામાં જ પડયો છે ત્યાં શું થાય? પણ ભાઈ! કર્મ તો નિમિત્તમાત્ર વસ્તુ છે, વિકારના
PDF/HTML Page 1636 of 4199
single page version
પરિણામનું કર્તા જડકર્મ છે જ નહિ. જેમ મિથ્યાત્વના પરિણામનો કર્તા દર્શનમોહ કર્મ નથી તેમ જીવના દ્રવ્ય-ગુણ પણ એનો કર્તા નથી. ખરેખર વિકારી પરિણામનો કર્તા તે પરિણામ પોતે જ છે.
પંચાસ્તિકાયની ગાથા ૬૨ માં આવે છે કે-વિકારના ષટ્કારકનું પરિણમન પર કારકની (-કર્મની) અપેક્ષા વિના છે. મિથ્યાત્વનું પરિણમન પર નિમિત્તના (-કર્મના) કારકની અપેક્ષા વિનાનું છે. આની મોટી ચર્ચા થઈ હતી સં. ૨૦૧૩ માં (વર્ણીજી સાથે). તેઓ કહે-પ્રતિબંધક કારણ ટળે તો વિકાર ટળે. પણ પ્રતિબંધક કારણ કર્મ છે કે પોતાની વિપરીત માન્યતા છે? અહા! દર્શનમોહના નિમિત્તમાં જે ઉપયોગ ગયો એ પોતાનો ઉપયોગ છે. જે મિથ્યાત્વના પરિણામ થયા એ પોતામાં પોતાના જ કારણે થયા છે. અધિક સ્પષ્ટ કહીએ તો પરિણામ પોતે પરિણામનો કર્તા છે. પરિણામનો કર્તા નિમિત્ત નથી તેમ પોતાના દ્રવ્ય-ગુણ પણ નથી.
અહીં સમ્યક્ત્વના પરિણામ જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એને રોકનારું મિથ્યાત્વ છે એમ કહે છે. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા. તે પોતે જ કર્મ છે, વિકાર છે; એ કાંઈ આત્મા નથી. પહેલાં ગાથા ૧પ૪ માં આવી ગયું કે વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિ શુભભાવ કર્મર્ છે. કર્મ એટલે કાર્ય; વિકારના પરિણામ કાર્ય છે. એ જીવના પરિણામરૂપ કાર્ય છે. પછી એ જીવ છે વા જીવ એનો કર્તા છે એમ વ્યવહારથી કહેવાય છે. હવે આવી વાત; આ વાણિયાઓને કાંઈ ખબર હોય નહિ, આખો દિવસ પાપની મજૂરીમાંથી નવરા પડે નહિ અને કયાંક સાંભળવા જાય તો માથે (પાટે) બેઠેલા કહે એટલે ‘જૈ બાપજી’-એમ માથું ધુણાવે; પણ ભાઈ! આ તો વીતરાગનો માર્ગ છે. (એને યથાર્થ સમજવો જોઈએ).
જે દર્શનમોહનો ઉદય છે તે જડનો ભેખ છે. એમાં ઉપયોગ જોડાઈ જાય છે તે મિથ્યાત્વપરિણામ છે. તે જીવની ઊંધાઈ ભરી દ્રષ્ટિ પોતે પોતાના કારણે છે, કર્મના કારણે છે એમ નહિ. કર્મ તો પરવસ્તુ છે. તે કાંઈ વેરી કે મિત્ર હોઈ શકે નહિ. પોતાની જે વિપરીતદ્રષ્ટિ છે એ જ વેરી છે અને તે પોતે પોતાના કારણે છે. હવે કહે છે-
‘તે (મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યાદ્રષ્ટિપણું થાય છે.’
જુઓ, મિથ્યાત્વ પોતે કર્મ જ છે એટલે કે તે આત્માનો સ્વભાવ નથી. તેના ઉદયથી એટલે મિથ્યાત્વના પ્રગટ થવાથી જ જ્ઞાનને એટલે આત્માને મિથ્યાદ્રષ્ટિપણું થાય છે. ઉદય એટલે ઉદયભાવ. મિથ્યાત્વ ઉદયભાવ છે. કર્મનો ઉદય તો કયારે કહેવાય કે ઉપયોગ એમાં જોડાય ત્યારે; એમાં ન જોડાય તો કર્મ તો ખરી જાય છે. એને
PDF/HTML Page 1637 of 4199
single page version
કારણે આવ્યું અને એને કારણે ખરી જાય છે. અહા! આત્મા પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજને ભૂલીને દર્શનમોહને વશ થઈ પરને જાણવા-દેખવામાં રોકાઈ ગયો એ તેનો પોતાનો અપરાધ છે અને તે મિથ્યાત્વભાવ છે. એ મિથ્યાત્વભાવને લઈને આત્માને મિથ્યાદ્રષ્ટિપણું છે, જડકર્મને લઈને નહિ. સમજાણું કાંઈ...
વિકાર છે તે કર્મથી થાય એમ કેટલાક કહે છે. હવે આ વાંધા સં. ૧૯૭૧ થી ઊઠયા છે. તેઓ કહે છે-વિકાર છે તે કર્મથી થાય એમ ન માનો તો એ (-વિકાર) સ્વભાવ થઈ જાય.
પણ ભાઈ! ગાથા ૩૭૨ માં તો રાગને (વિકારી પરિણમનને) સ્વભાવ કહ્યો છે. પુણ્ય ને પાપનો ભાવ પણ સ્વભાવ એટલે એનું પોતાનું પરિણમન છે. ત્યાં ગાથામાં છે કે - ‘‘અન્યદ્રવ્યથી અન્યદ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી; તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે.’’ અહીં વિકારની વાત કરવી છે. એ પણ એનો સ્વ-ભાવ એટલે સ્વનું ભવન (પોતાનું પરિણમન) છે એમ વાત છે. ત્યાં ગાથાની ટીકામાં પણ કહ્યું છે કે-‘‘જીવને પરદ્રવ્ય રાગાદિ ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્યદ્રવ્ય વડે અન્યદ્રવ્યના ગુણનો (-પર્યાયનો) ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે.’’ જુઓ કર્મથી આત્મામાં વિકાર કરાય એ અયોગ્ય છે, અલાયક છે, વિકારી પરિણામ કે અવિકારી પરિણામ એ એનો (પર્યાયનો) સ્વભાવ છે. ‘स्वस्य भवनम् तु स्वभावः’ એમ અહીં અપેક્ષા છે. ‘વિકાર એ સ્વભાવ નથી’ એમ જ્યાં કહ્યું એ તો દ્રવ્યદ્રષ્ટિની વાત છે. વિકાર દ્રવ્યમાં નથી અને પર્યાયમાંથી પણ નીકળી જવા યોગ્ય છે એ અપેક્ષાએ વાત છે. જ્યારે અહીં વિકાર એ પર્યાયનો પોતાનો ભાવ છે એ અપેક્ષાએ સ્વભાવ કહ્યો છે. આ પ્રમાણે ‘કર્મ વિકાર કરાવે છે’ એ માન્યતા સાવ જૂઠી છે, અયથાર્થ છે. વિકાર પોતાના ઊંધા પુરુષાર્થથી (બળથી) થાય છે. આમ વાત છે. પણ એને નિર્ણય કરવાની ગરજ કયાં છે? અરે! સત્ય શું છે અને એની પ્રાપ્તિ કેમ થાય એ સમજવાની એને દરકારેય નથી!
પ્રશ્નઃ– તો ગોમ્મટસારમાં તો એમ આવે છે કે જ્ઞાનાવરણીય કર્મ ઘાતીકર્મ છે અને તે જ્ઞાનને ઘાતે છે?
ઉત્તરઃ– ભાઈ! એ તો નિમિત્તથી વ્યવહારનયનું કથન છે. જ્ઞાનાવરણીય કર્મ એ તો જીવને અડતુંય નથી, તો પછી એ જ્ઞાનને શું ઘાત કરે? જીવ પોતે જ જ્યારે જ્ઞાનની પર્યાયમાં ભાવઘાતીરૂપ હીણું પરિણમન કરે ત્યારે દ્રવ્યઘાતીને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત જ્ઞાનના પરિણમનને કાંઈ કરે છે એમ ત્રણકાળમાં નથી.
ઘાતી કર્મ-એમ કહેવું અને ઘાત કરે નહિ એ કેવું?
ભાઈ! પ્રવચનસાર ગાથા ૧૬ ની ટીકામાં આવે છે કે ઘાતીકર્મ બે પ્રકારનાં છે,
PDF/HTML Page 1638 of 4199
single page version
એક ભાવઘાતી અને બીજું દ્રવ્યઘાતી. ભાવઘાતી કર્મ એ જીવના જ્ઞાન, દર્શન આદિ ગુણોની ઊંધી (અશુદ્ધ, વિકારી) દશા છે અને દ્રવ્યઘાતી એ જીવની ઊંધી દશાના પરિણમનમાં નિમિત્ત જડ કર્મની અવસ્થા છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પૂર્ણસ્વભાવે ભરેલો ચિદાનંદઘન પ્રભુ ત્રિકાળ છે. એની સન્મુખ થતાં એની જે નિર્વિકલ્પ, નિર્મળ પ્રતીતિ થાય કે જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ ભેગો આવે તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન ધર્મનું પ્રથમ સોપાન છે અને મોક્ષનું કારણ છે. એ મોક્ષના કારણથી વિપરીત છે તે મિથ્યાત્વભાવ છે અને તે ભાવઘાતી છે. જીવને પરની સાથે શું સંબંધ છે? દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય આદિ કર્મ છે એ તો જડ પુદ્ગલના ખેલ છે. કર્મથી, નિમિત્તથી વ્યવહારનયનું કથન કરવામાં આવે એ જુદી વાત છે, પણ કર્મ કે નિમિત્ત જીવને વિકાર કરાવે છે એમ છે નહિ. અહીં કહે છે-મિથ્યાત્વના ઉદયથી એટલે મિથ્યાત્વભાવ પ્રગટ થવાથી જ જ્ઞાનને-આત્માને મિથ્યાદ્રષ્ટિપણું આવે છે, કેમકે મિથ્યાત્વભાવ આત્માના સમકિતને રોકનારો વિરોધીભાવ-વિપરીતભાવ છે.
હવે કહે છે-‘જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે.’
અહીં જ્ઞાન શબ્દે ત્રિકાળી આત્મા નહિ, પણ આત્માનું જ્ઞાનરૂપે પરિણમન થતાં સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય એની વાત છે. આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એની સન્મુખ ઢળતાં જે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. ઝાઝું શાસ્ત્રજ્ઞાન હોય તે જ્ઞાન છે એમ નહિ, કેમકે એ તો પરલક્ષી જ્ઞાન છે. વળી આ વકીલાતનું કે દાક્તરીનું જ્ઞાન હોય તે પણ જ્ઞાન નહિ. જેમાં એલ. એલ. બી કે એમ.બી.બી. એસ ઇત્યાદિ પૂંછડાં લગાડયાં હોય એ જ્ઞાન તો કુજ્ઞાન છે. જ્ઞાન તો એને કહીએ કે જે પૂર્ણાનંદનો નાથ જ્ઞાનસ્વરૂપ નિજ શુદ્ધાત્માને જાણતું-અનુભવતું થકું પ્રગટ થયું હોય. આ જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનારું, તેનો વિરોધી અજ્ઞાન છે. જ્ઞાનને એકલું રાગમાં અને પર પદાર્થને જાણવામાં રોકવું તે અજ્ઞાન છે અને તે સમ્યગ્જ્ઞાનનું વિરોધી છે.
હવે વીતરાગદેવે કહેલો મોક્ષનો માર્ગ કોને કહેવાય એની ખબરેય ન મળે અને મંડી પડે વ્રત ને તપ કરવા, તથા મંદિર બંધાવે અને જાત્રાઓ કરે અને માને કે ધર્મ થઈ ગયો; પણ એમાં તો ધૂળેય ધર્મ થતો નથી, સાંભળને. એ તો બધો શુભરાગ છે અને એથી પુણ્યબંધ થાય પણ ધર્મ ન થાય. એ પુણ્યબંધન સ્વભાવથી વિપરીત દશા છે એ તો અહીં સિદ્ધ કરે છે.
PDF/HTML Page 1639 of 4199
single page version
જ્ઞાન એટલે ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન જ્ઞાન જેને આત્મજ્ઞાન કહે છે, અને જે અતીન્દ્રિય આનંદ સહિત હોય છે. છહઢાળામાં કહ્યું છે ને કે-
પાંચ મહાવ્રત અને ૨૮ મૂલગુણ અનંતવાર પાળ્યાં ને નવમી ગ્રૈવેયક સુધી ગયો પણ આત્મજ્ઞાન કર્યું નહિ તેથી અંશ પણ નિરાકુળ આનંદ ન મળ્યો. અહીં જેના વિના નિરાકુળ આનંદ ન ઉપજે એ આત્મજ્ઞાનને જ્ઞાન કહ્યું છે. ભાઈ! પંચમહાવ્રતના પરિણામ એ આસ્રવ છે તેથી દુઃખરૂપ છે. સમ્યગ્જ્ઞાન જ મોક્ષના કારણરૂપ, સુખરૂપ છે. બાપુ! આ વીતરાગ પરમેશ્વરનો માર્ગ આખી દુનિયાથી બહુ જુદો છે.
અહાહા...! ભગવાન ચૈતન્યદેવ આનંદમૂર્તિ પ્રભુ આત્મા સદાય અંદર વિરાજમાન છે. તેની સન્મુખ થઈ એમાં જ ઢળીને જે જ્ઞાન ઉત્પન્ન થાય તે આત્મજ્ઞાન છે. આ આત્મજ્ઞાન આનંદ અને વીતરાગતા સહિત છે અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સ્વભાવ એટલે અહીં ત્રિકાળીની વાત નથી, પર્યાય જે સમ્યગ્જ્ઞાનરૂપ છે એની વાત છે. અહીં કહે છે -તેને રોકનારું અજ્ઞાન છે. તે (અજ્ઞાન) પોતે કર્મ જ છે એટલે વિકારી ભાવ જ છે, આત્મસ્વભાવ નથી. તેના ઉદયથી એટલે અજ્ઞાન પ્રગટ થવાથી જ્ઞાન કહેતાં આત્માને અજ્ઞાનીપણું થાય છે. આ પ્રમાણે મિથ્યાત્વ અને અજ્ઞાન એ મોક્ષમાર્ગથી વિપરીતભાવ છે એમ બે બોલ થયા.
હવે ચારિત્રનો ત્રીજો બોલઃ-અહાહા...! પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મામાં રમણતા કરવી, એમાં ચરવું એને ચારિત્ર કહીએ. સમયસાર નાટકમાં આવે છે કે-
ગ્યાનકલા ઉપજી અબ મોહિ, કહૌં ગુન નાટક આગમ કેરૌ,
જાસુ પ્રસાદ સધૈ સિવમારગ, વેગિ મિટૈ ભવવાસ બસેરૌ.’’
આમાં બનારસીદાસ એમ કહે છે કે-જેની કોઈ ઉપમા નથી અને જે અમૂર્ત છે એવું ચૈતન્યનું જાગૃતસ્વરૂપ, જ્ઞાતા-દ્રષ્ટાનું સ્વરૂપ તે સદાય સિદ્ધસમાન એવું મારું પદ છે. પરંતુ મોહરૂપી મહાઅંધકારનો સંગ કરવાથી હું આંધળો બની રહ્યો હતો; એટલે કે રાગ અને પુણ્યનો સંગ કરવાથી હું મારું નિજપદ જાણી શકતો નહોતો. હવે મને જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે. અહાહા..! દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભભાવથી-રાગથી રહિત મારી શુદ્ધ ચૈતન્યમય ચીજ છે અને તે એકના આશ્રયે જ,
PDF/HTML Page 1640 of 4199
single page version
તેમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું તે ચારિત્ર છે એવું મને ભાન થયું છે. અહો! આવી જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ હોવાથી હું આ નાટક સમયસાર ગ્રંથ કહું છું. કેમકે એના પ્રસાદથી મોક્ષમાર્ગની સિદ્ધિ થાય છે અને સંસારનો નિવાસ-જન્મમરણ છૂટી જાય છે.
આ રોટલા ખાય છે ને? એ તો કહેવાય એમ; બાકી જીવ રોટલા ખાતો-ભોગવતો નથી. રોટલા તો જડ છે. શું જડને આત્મા ખાય? એ તો બધી જડની ક્રિયા છે, આત્માની નહિ. પણ એના તરફનો જે રાગ કરે છે તે રાગને જીવ ખાય છે, ભોગવે છે. આ મહેસૂબ ઠીક છે, રસગુલ્લાં ઠીક છે, સ્ત્રીનું શરીર ઠીક છે, ઇત્યાદિ જે રાગ કરે છે તે રાગને તે ભોગવે છે. શરીરને કે પર પદાર્થને આત્મા ત્રણકાળમાં ભોગવતો નથી. ભગવાન આત્મા શરીરાદિ પર પદાર્થોને ત્રણકાળમાં અડતોય નથી તો તેમને તે કેમ ભોગવે? પરંતુ ભોગના કાળે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ભૂલીને, આ ઠીક છે એવો જે રાગ કરે છે તેને તે ભોગવે છે.
અહીં એનાથી બીજી વાત છે. અહીં કહે છે-સ્વરૂપમાં રમણતારૂપ જે ચારિત્ર પ્રગટ થયું તે ચારિત્રમાં અતીન્દ્રિય આનંદને ભોગવે છે. ચારિત્ર એને કહીએ જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું હોય. અહાહા...! ભગવાન આત્મા એકલા આનંદની ખાણ છે. એની પર્યાયમાં આનંદની પ્રકૃષ્ટ ધારા વહેવી તે ચારિત્ર છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવે પાંચમી ગાથામાં કહ્યું છે કે-હું મારા નિજ વૈભવથી શુદ્ધાત્મા બતાવીશ. કેવો છે તે નિજ વૈભવ? કે જેમાં પ્રચુર સ્વસંવેદન, આનંદનું ઉગ્રવેદન થયેલું છે એવા અનુભવથી મુદ્રિત છે. જુઓ, આ આત્માનો વૈભવ! આ પાંચ-પચાસ કરોડનું ધન હોય એ આત્માનો વૈભવ નથી. એ તો માટી-ધૂળ છે. વળી ખૂબ પુણ્ય ઉપજાવે એ પણ આત્માનો વૈભવ નથી, કેમકે એ તો રાગ છે, આકુળતા છે. એમાં આનંદ કયાં છે? (નથી). ત્રિકાળ નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવાથી પ્રચુર અતીન્દ્રિય આનંદ જેની મહોર-મુદ્રા છે એવો જે અનુભવ પ્રગટ થાય તે આત્માનો વૈભવ છે અને તે ચારિત્ર છે. આવું ચારિત્ર મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. અહીં સ્વભાવ કહ્યો તે પર્યાયની વાત છે, ત્રિકાળી સ્વભાવની વાત નથી.
અહીં કહે છે-‘ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કષાય છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રીપણું થાય છે.’
જુઓ, આ શુભાશુભ ભાવ છે તે ચારિત્રને રોકનાર ચારિત્રના વિરોધી ભાવ છે. આ શરીરનું નગ્નપણું છે એ તો જડ માટીની-પુદ્ગલની દશા છે. અને મહાવ્રતાદિના જે શુભભાવ છે તે આસ્રવ છે. હવે એ આસ્રવ છે એ કાંઈ ચારિત્ર નથી. ચારિત્ર તો સિદ્ધસમાન પોતાનું જે સ્વરૂપ છે તે સ્વરૂપમાં રમણતા કરતાં ઉત્પન્ન થતો પોતાનો