Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 49
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
થાકેલા જીવને માટે ભગવાનના સમવસરણમાં અને સંતોની છાયામાં
ચૈતન્યના વીતરાગી પરમઆનંદરસનાં પરબ મંડાયા છે, ત્યાં પરમઆનંદના
તરસ્યા જીવો જિજ્ઞાસાથી આવીને શુદ્ધાત્માના અનુભવરૂપ અમૃતપાન કરે છે
ને પરમ તૃપ્ત થાય છે...તેનો આત્મા ઠરે છે. અરે, ક્યાં નવમી ગ્રૈવેયકથી માંડીને
નરક–નિગોદનાં દુઃખોનો દાવાનળ! ને ક્યાં આ ચૈતન્યના અનુભવરૂપ સુખના
વેદનની શાંતિ!
અરે, ચૈતન્યના પરમ આનંદના અનુભવ વગર જેને બધુંય દુઃખરૂપ
લાગે છે, અને ત્યાંથી ભયભીત થઈને જે ચૈતન્યસુખને ઝંખે છે, એવો જીવ
શુદ્ધાત્માના અનુભવ તરફ જાય છે. જેમ લોકો મોટા નાગથી ભયભીત થઈને
ભાગે છે તેમ ધર્માત્માઓ સંસારની ચારેગતિના ભવથી ભયભીત થઈને
ત્યાંથી ભાગ્યા ને ભવ વગરના ચૈતન્યનું શરણ લીધું. જગતમાં નિર્ભયસ્થાન
આ એક ચૈતન્ય જ છે; તે જ ચારગતિનાં દુઃખોથી બચાવનાર છે.
ચારગતિ દુઃખથી ડરે તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમ–ચિંતન કરી શિવસુખનો લે લ્હાવ.
સાચું સુખ
જીવ સુખ ચાહે છે...પણ તે રાગમાં ને સંયોગમાં સુખને શોધે છે.
ભાઈ, સુખ તો રાગમાં હોય?–કે વીતરાગમાં?
વીતરાગતા તે જ સુખ છે, તેને જીવે કદી જાણ્યું નથી.
જેણે રાગમાં અને પુણ્યમાં સુખ માન્યું તેને મોક્ષની શ્રદ્ધા નથી.
મોક્ષ તો અતીન્દ્રિય જ્ઞાનમય છે, રાગમય નથી.
અરિહંત અને સિદ્ધભગવંતોના સુખને ધર્મી જીવો જ જાણે છે.
સ્વ–પરના ભેદજ્ઞાનપૂર્વક વીતરાગ–વિજ્ઞાનવડે જ તે સુખ અનુભવાય છે.

PDF/HTML Page 22 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૯ :
તારો સાચો વૈભવ
સર્વોત્કૃષ્ટ છે, એનાથી ઊંચું બીજું કાંઈ નથી.––એમ જાણીને
હે જીવ! તું તેને એકને જ ભજ, ને બીજું બધું તજ.––‘एकं
भज सर्व त्यज।’
સાધક કહે છે કે હે જિનેન્દ્ર! હું સ્વર્ગાદિમાં ગમે ત્યાં હોઈશ તોપણ આપના
ચરણની ભક્તિ નહીંં છોડું, આપે બતાવેલા માર્ગની શ્રદ્ધા હું નહીં છોડું. પુણ્ય–પાપથી
પાર જે ચૈતન્યતત્ત્વ પ્રતીતમાં લીધું છે, તેની શાંતિનો સ્વાદ ચાખ્યો છે, તે ચૈતન્યનો પ્રેમ
હવે કદી છૂટવાનો નથી. વચ્ચે એકાદ ભવ થશે ને સ્વર્ગાદિના વૈભવનો સંયોગ આવશે,
પણ અમને તેનો પ્રેમ થવાનો નથી; અમારા ચૈતન્યતત્ત્વથી ઊંચું કાંઈ જગતમાં નથી.
જે જીવ રાજા–મહારાજાના અનેકવિધ મહા વૈભવને સાંભળીને કે દેખીને તેની
અભિલાષા કરે છે, તેને આચાર્યદેવ કહે છે કે અરે! તું જડમતિ છો. ચૈતન્યના પરમ
વૈભવને ભૂલીને તું પુણ્યનાં ફળરૂપ જડ વૈભવની વાંછા કરે છે, તો તું જડમતિ
છો...તારી બુદ્ધિ જડમાં રોકાઈ ગઈ છે, ને તેથી તું નકામો કલેશ જ પામે છે. અરે,
કેવળજ્ઞાનાદિ અનંત કાર્યના કારણરૂપ થાય એવો ગંભીર તારો ચૈતન્યસ્વભાવ, તે
ચૈતન્યના અપાર અદ્ભુત વૈભવની વાત તને સંભળાવી, તે સાંભળીને તેનો તને
ઉમળકો કેમ નથી આવતો અને બહારના વૈભવની વાત સાંભળીને તેનો ઉલ્લાસ કેમ
આવે છે? અમુક રાજાને આવી મોટર, આવા બંગલા, આવી રાણી, અબજો રૂપિયાની
રોજની આવક એવા બાહ્યવૈભવની વાત સાંભળતાં ધર્મીને તો એમ થાય કે અરે,
ચૈતન્યના વૈભવ પાસે એ બધાની શી ગણતરી છે! બહારના ગમે તેટલા વૈભવ ભેગા
થાય, આખી દુનિયાના જડવૈભવ ભેગા થાય તોપણ મારા ચૈતન્યના વૈભવની અપૂર્વ
શાંતિનો એક અંશ પણ તેમાંથી ન મળે. અજ્ઞાની તો તે બહારના વૈભવની વાત
સાંભળતાં આશ્ચર્ય પામે છે...કેમકે ચૈતન્યના અલૌકિક વૈભવની તેને ખબર નથી. અરે,
ચૈતન્યના અતીન્દ્રિય આનંદની તો શી વાત! પણ જિનમાર્ગ પ્રત્યેની ભક્તિના એક
શુભવિકલ્પથી જે પુણ્ય

PDF/HTML Page 23 of 49
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
બંધાય તેનાથી દેવલોકના વૈભવના ઢગલા આપોઆપ આવી પડશે.–માટે એનું
આશ્ચર્ય છોડ. અરે, એમાં શું હતું? એ તો વિકારનું ફળ છે; અંદર ચૈતન્યની અનુભૂતિના
ફળની જે અપૂર્વ શાંતિ–તેની તો ગંધ પણ તે વૈભવમાં નથી.
કેવળજ્ઞાન–કેવળસુખ વગેરે અનંત વૈભવ જેમાંથી પ્રગટે એવી ખાણ આત્મામાં
ભરી છે; આત્મામાં એવો કારણસ્વભાવ છે કે જે કેવળજ્ઞાનાદિ અનંત કાર્યનું એક સાથે
કારણ થાય. કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય, અને એવા અનંતા ગુણોની નિર્મળદશારૂપ અનંત
કાર્ય, તેનું કારણ થવાની તાકાત વર્તમાનમાં તારામાં વર્તે જ છે. તેને ઓળખીને, તેનું
સેવન કરતાં તને સમ્યક્ત્વાદિ અનંત વૈભવ પ્રગટ થશે, અને બહારના વૈભવની દ્રષ્ટિ
છૂટી જશે. આવા મારા અચિંત્ય ચૈતન્યતત્ત્વથી ઊંચું ખરેખર બીજું કાંઈ નથી, એમ
સમજીને હે જીવ! તું તીક્ષ્ણબુદ્ધિવડે તારા શુદ્ધતત્ત્વને એકને જ ભજ. ‘એક ભજ...સર્વં
તજ.’
(નિયમસાર કળશ ૨૮–૨૯)
“આવા આત્માને તમે દેખો”
ભાઈ, એકવાર શુદ્ધનયવડે અંતરમાં ઘા મારીને તું
આનંદસ્વરૂપ આત્માને દુઃખમાંથી જુદો પાડી દે. શુદ્ધનય એટલે
રાગથી છૂટું પડેલું જ્ઞાન અંદર અભેદ થઈને પોતાના આત્માને
શુદ્ધપણે અનુભવે છે. આત્માને અનુભવનારો શુદ્ધનય
આત્માથી જુદો નથી, આત્મા સાથે તે અભેદ છે, તેથી તે
આત્મા જ છે. આત્મા જેવો છે તેવો અનુભૂતિમાં પ્રગટ્યો,
તેથી અનુભૂતિ તે આત્મા જ છે.
અનુભૂતિમાં આત્મા પ્રકાશે છે, અનુભૂતિમાં રાગ
પ્રકાશતો નથી. ધર્મીને અનુભૂતિમાં જે આત્મા આવ્યો તે કેવો
છે? કે અબદ્ધ–અસ્પૃષ્ટ છે; તેમાં કર્મનું બંધન નથી, પુદ્ગલનો
સંબંધ નથી. આવી અબદ્ધ–અસ્પૃષ્ટ પર્યાયરૂપે પરિણમેલો
આત્મા તે પોતે શુદ્ધનય છે.–‘આ શુદ્ધનય, અને આ તેનો
વિષય’ એવા ભેદ અનુભૂતિમાં નથી. શુદ્ધનયપણે આત્મા જ
પ્રકાશે છે.

PDF/HTML Page 24 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૧ :
જ્ઞાન અને કષાયની ભિન્નતાની સિદ્ધિ
• કષાય જીવનું લક્ષણ નથી તેથી અકષાયપણું બની શકે છે •
જ્ઞાન આત્માનો સહજ સ્વભાવ છે, એટલે કર્મના નિમિત્ત વિના સ્વયમેવ
આત્મા જ્ઞાનપણે વર્તે છે; પરંતુ જ્ઞાનની જેમ કષાય તે કાંઈ આત્માનો સહજ સ્વભાવ
નથી, તે તો વિભાવ છે, એટલે કર્મના નિમિત્ત વિના આત્મા કદી કષાયરૂપ થતો નથી.
આ રીતે જ્ઞાન અને કષાયનું ભિન્નપણું જાણવું.
ષટ્ખંડાગમ પુસ્તક પાંચ પૃ. ૨૨૩ માં કષાય અને જ્ઞાનની ભિન્નતા બાબત
સરસ વાત સમજાવી છે.
તેમાં જ્યારે ‘ભાવઅનુગમ’ માં જીવના અકષાયભાવનું પ્રતિપાદન કર્યું ત્યારે
શિષ્ય પૂછે છે કે–પ્રભો! કષાય તો જીવનો ગુણ છે તેથી તેનો વિનાશ કેમ થાય?–જેમ
જ્ઞાનદર્શનાદિ જીવગુણોનો વિનાશ નથી થતો; જો જીવના ગુણોનો વિનાશ થાય તો
જ્ઞાનાદિની જેમ જીવનો પણ વિનાશ થઈ જાય! માટે જેમ જ્ઞાનાદિગુણોનો વિનાશ નથી
થતો તેમ કષાય પણ જીવગુણ હોવાથી તેનો વિનાશ ન થવો જોઈએ.–એટલે
કષાયભાવનાં સ્થાનો બની શકતાં નથી!
તેના ઉત્તરમાં આચાર્યમહારાજ કહે છે કે–જ્ઞાનદર્શનનો વિનાશ થતાં જીવનો
વિનાશ થઈ જાય––એ તો બરાબર છે, કેમકે તે તો જીવનાં લક્ષણ છે; પરંતુ કષાય તો
કાંઈ જીવનું લક્ષણ નથી; કર્મજનિત કષાયને જીવનું લક્ષણ માનવામાં વિરોધ આવે છે.
અને, કષાયોનું કર્મજનિતપણું અસિદ્ધ નથી કેમકે કષાયોની વૃદ્ધિ થતાં જીવના
લક્ષણભૂત જ્ઞાનની હાનિ થાય છે–તે બીજી રીતે બની શકે નહીં; માટે કષાય કર્મજનિત
છે (જ્ઞાનજનિત નથી) ને તે જીવનો ગુણ નથી, તેથી તેનો અભાવ બની શકે છે.
કષાય તો જ્ઞાનનો વિરોધી છે; એકગુણ બીજા ગુણનો વિરોધી (ઘાતક) હોઈ શકે
નહિ, કેમકે કોઈ ગુણમાં એમ જોવામાં આવતું નથી. માટે જ્ઞાનાદિ જેમ જીવનાં
લક્ષણભૂત ગુણ છે તેમ કષાયો તે જીવનાં ગુણ નથી. માટે કષાયરહિત એવા
અકષાયભાવરૂપ સ્થાનો બની શકે છે.

PDF/HTML Page 25 of 49
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
આ ન્યાયે જ્ઞાન અને કષાયોની ભિન્નતા ઓળખતાં જીવને ભેદજ્ઞાન થાય છે ને
અનુક્રમે કષાયોનો અભાવ થઈને તેને અકષાયભાવ થાય છે.
જ્ઞાન અને કષાયની ભિન્નતા
• ‘જીવ’ માંથી કષાયો બાદ કરતાં કાંઈ શૂન્ય રહેતું નથી પણ કષાય વગરનો
શુદ્ધજ્ઞાનસ્વરૂપ આખો જીવ રહે છે.
• ‘જીવ’ માંથી જ્ઞાનલક્ષણ બાદ કરતાં તો જીવ શૂન્ય જ થઈ જાય, જ્ઞાન વગરનો
જીવ રહી શકે જ નહિ. માટે જ્ઞાનસ્વરૂપ જીવ છે, તે કષાયોથી જુદો છે.
• ‘જીવ’ માંથી શરીર, કર્મ અને રાગદ્વેષાદિ કષાયો બાદ થઈ શકે, પણ જીવમાંથી
જ્ઞાનાદિ બાદ થઈ શકે નહીં. તેથી કહ્યું છે કે ‘અબાધ્ય અનુભવ જે લહે તે છે
જીવસ્વરૂપ’
• શરીર કર્મ અને કષાયો–એ બધુંય બાદ કરતાં પણ, જીવ તે બધાય વગર પોતાના
જ્ઞાનસ્વરૂપે ટકી રહે છે, માટે જીવ તે બધાય પદાર્થો કરતાં ઊર્ધ્વ છે.
• જીવમાંથી રાગાદિ બધુંય બાદ કરતાં કરતાં છેવટે જીવમાંથી જે બાદ ન થઈ શકે
એવું અબાધ્ય જ્ઞાનસ્વરૂપ, તે તારું અસલી સ્વરૂપ છે; જે બાદ થઈ શકે તે તારું
અસલી સ્વરૂપ નથી.
• રાગ વગરનો આત્મા અનુભવી શકાય છે, માટે રાગ તે આત્માનું સ્વરૂપ નથી.
• જ્ઞાન વગરનો આત્મા અનુભવી શકાતો નથી માટે આત્મા જ્ઞાનસ્વરૂપ છે.
––આમ સર્વ પ્રકારે ભેદજ્ઞાન કરીને, રાગથી ભિન્ન જ્ઞાનનો સ્વાદ લેવો.
અરે, જગતના જીવો પોતાના ચૈતન્યસુખને ભૂલીને વિષય–
કષાયમાં સુખ માની રહ્યા છે; પરંતુ પોતાનું જે ચૈતન્યસુખ છે તેની
સંભાળ કરવાનો અવકાશ લેતા નથી; તેમનું તો જીવન વિષયોમાં વેડફાઈ
જશે ને નકામું ચાલ્યું જશે. વિષયોથી વિરક્ત થઈને આત્મિકસુખના
અભ્યાસમાં જે જીવન વીતે છે તે જીવન સફળ છે.

PDF/HTML Page 26 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૩ :
‘હું એ ક જ્ઞા ય ક ભા વ છું’
અનંતગુણના મહા સ્વાદથી ભરેલા ઊંડા આત્માને અનુભવમાં લ્યો.
સમયસાર ઉપર સત્તરમી વખત, ને નિયમસાર ઉપર
નવમી વખત સુંદર પ્રવચનો ચાલી રહ્યાં છે. શુદ્ધઆત્માની
અનુભૂતિના ગંભીર રહસ્યો ગુરુદેવ ખોલી રહ્યા છે. તેમાંથી
છઠ્ઠીગાથાનાં પ્રવચનો આપે ગતાંકમાં વાંચ્યા. અહીં સાતમી
ગાથાનાં પ્રવચનો આપ વાંચશો. ચૈતન્યના અનંત ભાવોનો
રસ જેમાં ભરેલો છે એવી આત્મઅનુભૂતિ, જ્ઞાનદર્શનચારિત્રના
ભેદ–વિકલ્પોથી પાર છે, અને અનંતગુણના એકરસરૂપ
મહાઆનંદથી ભરેલી છે.–‘શુદ્ધ આત્માની આવી અનુભૂતિ કેમ
થાય’–એવી એક જ ધગશવાળા નીકટવર્તી શિષ્યને
અનુભૂતિની રીત આચાર્ય ભગવાને બતાવી છે, અને શિષ્ય
આનંદના તરંગ સહિત એવી અનુભૂતિ કરી લ્યે છે.–એનું આ
અદ્ભુત વર્ણન મુમુક્ષુઓને જરૂર પ્રસન્નતા ઉપજાવશે.
પાંચમી ગાથામાં આચાર્યદેવ કહે છે કે અમે આ શુદ્ધઆત્માનું સ્વરૂપ દેખાડીએ
છીએ, તે અદ્ધરથી નથી કહેતા, પણ આત્માના આનંદને ઘણો જ અનુભવનારા
વીતરાગીગુરુઓના પ્રસાદથી, તથા અમારા આત્માના સ્વાનુભવથી, અમને જે
નિજવૈભવ પ્રગટ્યો છે તે સમસ્ત નિજવૈભવના બળથી આ સમયસારમાં શુદ્ધઆત્માનું
સ્વરૂપ કહીએ છીએ. અને હે શ્રોતાજનો! તમે પણ તમારા આત્માના સ્વાનુભવથી તે
પ્રમાણ કરજો.
––એમ કહીને પછી છઠ્ઠીગાથામાં શુદ્ધઆત્માનું સ્વરૂપ બતાવ્યું. પ્રમત્ત કે અપ્રમત્ત
એવા ભેદ વગરનો, શુભાશુભ કષાયચક્રથી જુદો, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિરૂપ જે
જ્ઞાયકભાવ છે,––તે ભાવસ્વરૂપે આત્માને અનુભવતાં તે શુદ્ધતારૂપે પરિણમે છે. આવા
આત્માને શુદ્ધ કહીએ છીએ.

PDF/HTML Page 27 of 49
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
આવો શુદ્ધ આત્મા જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદ–વિકલ્પોથી પણ પાર છે. આત્મા
જ્ઞાન–દર્શન–ચારિત્રરૂપ છે એમ કહેતાં એક ‘આત્મા’ ને લક્ષમાં લેજે, ભેદના વિકલ્પમાં
અટકીશ નહીં. જ્ઞાનીને આત્માની અનુભૂતિમાં અનંતધર્મો એક સાથે સમાય છે–એ વાત
સાતમી ગાથામાં બતાવે છે.
અહો, આવું આત્મતત્ત્વ! વીતરાગી જૈનધર્મમાં અવતરીને આવું તત્ત્વ સાંભળવા
મળ્‌યું અને તે લક્ષમાં ન લ્યે તો જીવને શું લાભ? ભાઈ, આવો સરસ માર્ગ પામીને તું
આત્માના મહિમાને લક્ષમાં લે. આત્માના મહિમાને લક્ષમાં લેતાં તારા ભવનો અંત
આવી જશે.
આત્માને રાગવાળો અશુદ્ધ અનુભવવો તે સંસારનું બીજ છે.
આત્માને જ્ઞાયકભાવરૂપ શુદ્ધ અનુભવવો તે મોક્ષનું બીજ છે.
આત્મા એક જ્ઞાયકભાવ છે. જ્ઞાયકભાવરૂપ આત્મા કેવો છે ને તેનો અનુભવ કેમ
થાય? તેની અલૌકિક રીત સંતોએ આ સમયસારમાં પ્રસિદ્ધ કરી છે. અહા,
કુંદકુંદસ્વામીએ આવા માર્ગને પ્રસિદ્ધ ન કર્યો હોત તો ભરતક્ષેત્રના જીવો મોક્ષમાર્ગને
કેમ જાણત? ભરતક્ષેત્રના જીવો ઉપર એમનો મહાન ઉપકાર છે. (અને એમને
ઓળખાવનાર કહાનગુરુનો પણ આપણા ઉપર મોટો ઉપકાર છે.)
આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે–કે જેના અનુભવથી મોક્ષમાર્ગ પ્રગટે છે? તે વાત
છે. આત્માને રાગી–દ્વેષી–કર્મવાળો અશુદ્ધ કહેવો તે વાત તો દૂર રહો;–તેમાં આત્માની
શોભા નથી; તેનો નિષેધ તો છઠ્ઠી ગાથામાં કર્યો. તે ઉપરાંત આત્મા જ્ઞાન છે, દર્શન છે,
ચારિત્ર છે–એવા ભેદ પણ એક આત્માની અનુભૂતિમાં નથી; તે ભેદના લક્ષે આત્મા
શુદ્ધપણે અનુભવમાં નથી આવતો–પણ વિકલ્પ થાય છે, અશુદ્ધતા થાય છે. તેથી
અશુદ્ધતાના નિષેધમાં ખરેખર ગુણભેદનો પણ નિષેધ આવી જાય છે.
જ્ઞાયક આત્માના અભેદ અનુભવમાં ગુણ–પર્યાયના કોઈ ભેદ નથી; અનંત
ગુણપર્યાંયોને પી ગયેલું એક શુદ્ધદ્રવ્ય જ અનુભવમાં આવે છે.––આવા અનુભવથી
શુદ્ધઆત્મા જણાય છે. ગુણ–પર્યાયો તેમાં અભેદપણે સમાઈ જાય છે, પણ અભેદની
અનુભૂતિમાં આખો આત્મા અનંતગુણ–પર્યાયથી એકમેકપણે એકરસપણે સ્વાદમાં આવે
છે. બધાય ગુણોનું શુદ્ધકાર્ય એક સાથે પરિણમી રહ્યું છે. આવા આત્માને શ્રદ્ધા–જ્ઞાન–
અનુભવમાં લીધા વગર જીવનો ઉદ્ધાર થતો નથી એટલે કે દુઃખ છૂટીને આનંદનો

PDF/HTML Page 28 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૫ :
અનુભવ થતો નથી.
બીજા વિકલ્પો તો દૂર રહો, પોતામાં જ્ઞાન અને આત્મા એવા ગુણગુણીભેદરૂપ
વ્યવહારના વિકલ્પમાં અટકે તોપણ આત્મા શુદ્ધસ્વરૂપે અનુભવમાં આવતો નથી.
વિકલ્પથી પાર થઈને જ્ઞાન અંતરમાં પહોંચ્યું ત્યારે સાચા આત્માનો અનુભવ થયો.
જેઓ આત્મામાં પહોંચ્યા તેઓ આ રીતે, વિકલ્પથી પાર થઈને એક અભેદ
ચૈતન્યવસ્તુના અનુભવથી જ પહોંચ્યા છે. આવો અનુભવ થતાં જ્ઞાનીને સમ્યક્ જ્ઞાન–
દર્શન–ચારિત્રદશારૂપ પરિણમન થઈ જાય છે; પણ તે નિર્મળપર્યાય અંતરમાં અભેદ થાય
છે. ભેદ ઉપર લક્ષ રહેતાં કોઈપણ ગુણની નિર્મળતા ખીલતી નથી; અભેદવસ્તુના
અનુભવમાં એકાગ્ર થતાં બધા ગુણો એક સાથે નિર્મળભાવે પરિણમવા માંડે છે. એવા
અનંત ભાવોને પીને એક દ્રવ્ય બેઠું છે–તેને ધર્મી અનુભવે છે. માટે આવો અનુભવ
કરનાર ધર્મીને જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદો પણ વિદ્યમાન નથી, એક સર્વોપરી
શુદ્ધજ્ઞાયકતત્ત્વ જ તેના અનુભવમાં પ્રકાશે છે. ભિન્નભિન્ન અનંતગુણોનો સ્વાદ છે
ખરો પણ તે બધા એક જ્ઞાયકતત્ત્વમાં સમાઈ જાય છે, જ્ઞાયકતત્ત્વના અનુભવમાં તે
બધા ગુણોનો સ્વાદ કિંચિત્ એકમેકપણે સમાઈ જાય છે. અનંતધર્મોથી અભેદ આવા
આત્માના અનુભવને શુદ્ધ કહીએ છીએ, તેને જે અનુભવે છે તે જ્ઞાની છે.
અભેદના અનુભવમાં ભેદ તો નથી, તો પછી ગુણગુણીના ભેદથી કેમ
કથન કર્યું?
તો કહે છે કે, જે શિષ્ય શુદ્ધઆત્મા સમજવા માટે આવ્યો છે એવા નિકટવર્તી
શિષ્યજનને હજી અભેદ આત્માની તો ખબર નથી, તે નિકટવર્તી શિષ્યજનને આત્માનું
સ્વરૂપ સમજાવવા માટે ગુણગુણી ભેદ પાડીને કેટલાક ધર્મોવડે કહ્યું કે આત્મા જ્ઞાન છે,
આત્મા દર્શન છે, આત્મા ચારિત્ર છે. આવા ભેદ તે વ્યવહાર છે, પણ તે વ્યવહારના તે
પરમાર્થ નથી. ભેદ પાડ્યાં તે કાંઈ ભેદના વિકલ્પમાં અટકવા માટે નથી પાડ્યા; પણ
જેને અભેદતત્ત્વનું લક્ષ નથી તેને તે સમજાવતાં વચ્ચે આવો ભેદ આવી જાય છે;
પ્રયોજન ભેદનું નથી, પ્રયોજન તો અભેદતત્ત્વ બતાવવાનું છે. તે અભેદના લક્ષ સહિત
આવા ગુણભેદને વ્યવહાર કહેવાય છે. કહેનારનો આશય અભેદનું લક્ષ કરાવવાનો છે,
ને ‘નિકટવર્તી શિષ્ય’ પણ તેવા જ આત્માનો અનુભવ કરવાના ધ્યેયથી સાંભળે છે,
એટલે તે ભેદના વિકલ્પમાં ઊભો ન રહેતાં અંતરમાં શ્રીગુરુનો આશય પકડીને અભેદ
જ્ઞાયકતત્ત્વપણે પોતાનો અનુભવ કરે છે.

PDF/HTML Page 29 of 49
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
‘એકત્વ’ ના અનુભવમાં નિર્વિકલ્પ શાંતિ છે; ત્રણ ભેદમાં શાંતિ નથી. અહા,
ચૈતન્યના પાતાળમાં ઊંડે લઈ જઈને આત્મા બતાવ્યો છે. ભાઈ, તારે ખરેખરો આત્મા
પ્રાપ્ત કરવો હોય (અનુભવમાં લેવો હોય) તો અંદર ચૈતન્યના પાતાળમાં ઊંડે જા.
વિકલ્પ તો ચૈતન્યસમુદ્રથી બહાર છે, તે વિકલ્પમાં ઊભો રહીને શોધીશ તો આત્મા નહીં
મળે. પ્રભો! તને રાગવાળો ને ભવવાળો અશુદ્ધ કહેવો તે તો કલંક છે, શરમ છે, તેમાં
તારી મોટપની સાચી ઓળખાણ નથી; અરે, આત્મા જ્ઞાનવાળો–એવા ગુણભેદના
વિકલ્પવડે પણ આત્માની શોભા નથી; આત્માની શોભા, આત્માની ખરી મોટપની
ઓળખાણ તો અનંતગુણ–પર્યાયોથી અભેદ એવા એકાકાર જ્ઞાયકતત્ત્વના અનુભવમાં
છે. આવો અનુભવ કરનાર ધર્મી જીવ વીતરાગરસના પ્યાલા પીએ છે. આવો અનુભવ
કરે તેને સમ્યગ્દર્શન કહેવાય, તે જ જૈન કહેવાય. અહીં તો કહે છે કે આવી અનુભૂતિમાં
જ્ઞાનીને અનંતારસથી ભરપૂર એવો જે ચૈતન્યરસ ઘોળાય છે, તેમાં જ્ઞાન–દર્શન–
ચારિત્રના ભેદ પણ વિદ્યમાન નથી.
અહો, સંતોએ તો એકલા વીતરાગી ચૈતન્યરસને ઘોળ્‌યો છે. એ ચૈતન્યરસમાં
કોઈ વિકલ્પને અવકાશ નથી. પ્રભુ! આવો આત્મા તું પોતે છો. તારા આવા
ચૈતન્યપાતાળમાં ઊંડો ઊતરતાં તેમાં કોઈ વિકલ્પ નથી, એકલો નિર્વિકલ્પ શાંત
ચૈતન્યરસ જ અનુભવાય છે. એ ચૈતન્યરસમાં અનંતાગુણની નિર્મળપર્યાયનો રસ
સમાઈ ગયો છે. આવો અનુભવ કર્યો ત્યારે ‘હું આત્મા આવો છું’ એમ ખબર પડી,
જ્ઞાયકભગવાન પોતાના શુદ્ધસ્વરૂપે પ્રગટ થયો.
આવા આત્માનો અનુભવ કરવા માટે જે ‘નીકટવર્તી’ થયો છે, એક તો ગુરુ
ઉપરની શ્રદ્ધાપૂર્વક આ સમયસાર સાંભળવા માટે ગુરુ પાસે નીકટ આવ્યો છે ને
શુદ્ધઆત્માની વાત સાંભળવા ઊભો છે–એ રીતે ‘નીકટવર્તી’ છે; અને બીજું–અંદરમાં
ભાવથી પણ તે શિષ્ય શુદ્ધ આત્માના અનુભવની નજીક આવ્યો છે માટે ‘નીકટવર્તી’ છે.
તેને અભેદનો હજી અનુભવ નથી એટલે ભેદપૂર્વક અભેદનો ઉપદેશ દ્યે છે પણ તે શિષ્ય
પોતે ભેદના વિકલ્પમાં અટકવા માંગતો નથી, તે તો શુદ્ધાત્માના જ અનુભવનો કામી
છે, બીજી કોઈ વાતમાં અટકતો નથી; અને શ્રીગુરુ પણ ભેદથી પાર જ્ઞાયકતત્ત્વ બતાવે
છે; તેથી શિષ્ય ભેદના વિકલ્પનો પણ નિષેધ કરીને, તે એક અભેદ જ્ઞાયકતત્ત્વને
અનુભવમાં લઈ લ્યે છે. આવા અનુભવમાં જ્ઞાયકઆત્માના અનંતધર્મોનો રસ સમાઈ
જાય છે; તેમાં ગુણભેદ નથી, એક શુદ્ધજ્ઞાયકપણે જ આત્મા પ્રકાશે છે.

PDF/HTML Page 30 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૭ :
ધર્મીનું સ્વરૂપ સમજાવવા માટે તેના જ્ઞાનાદિ ધર્મોનો ભેદ પાડીને કહ્યું, તેમાં પણ
એવા ધર્મો લીધા કે જેનાવડે ધર્મીઆત્માનું પરથી ભિન્નસ્વરૂપ ઓળખાય. રાગવાળો
કહીને આત્માને ન ઓળખાવ્યો; પણ ‘જ્ઞાન તે આત્મા’ એમ કહીને રાગાદિથી રહિત
શુદ્ધઆત્મા ઓળખાવ્યો.
ગુણ–પર્યાયોરૂપ પોતાના અનંતધર્મોથી આત્માને જુદાપણું નથી. એક
પરમાર્થવસ્તુમાં તેના ગુણ–પર્યાયોનો ભેદ નથી, જુદાઈ નથી. અનુભવમાં જેઓ એકાગ્ર
છે તેઓ તો અભેદ જ્ઞાયકવસ્તુને અનુભવે છે, તેમાં તેઓ કોઈ ભેદ ઉપજાવતા નથી;
પણ નિકટવર્તી શિષ્યને સમજાવવા જેઓ ઉપદેશ આપે છે તે આચાર્ય, પોતે પણ
સવિકલ્પદશામાં આવ્યા છે ને શિષ્યને સમજાવવા ધર્મીના કેટલાક ધર્મોનો ભેદ પાડીને
કથન કરે છે કે જ્ઞાની–આત્મા દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ છે. આત્માને દર્શન–જ્ઞાન–
ચારિત્રસ્વરૂપ કહ્યો તેમાં રાગ અને શરીરાદિ નીકળી ગયા, વિકલ્પો જુદા પડી ગયા.
જ્ઞાનાદિ ધર્મોની એકતા રાગાદિ સાથે નથી પણ આત્મા સાથે જ તેની એકતા છે. આ
રીતે ધર્મ દ્વારા પણ રાગાદિથી ભિન્ન એવો આત્મા જ લક્ષમાં આવે છે. ભેદ કહ્યો તે તો
માત્ર વ્યવહારથી જ છે; પરમાર્થ તો અનંતધર્મને પી ગયેલી એક અભેદ આત્મવસ્તુ છે,
તેનો અનુભવ કરનારને કોઈ ભેદવિકલ્પ નથી. આવો અનુભવ કરનાર આત્માને જ
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કહેવાય છે.
અરે, વિકલ્પમાં આત્મતત્ત્વ કેમ આવે? અનંત ગુણસ્વરૂપ આખી ચૈતન્યવસ્તુ
ભેદના વિકલ્પથી કેમ પમાય? જ્યારે જ્ઞાન સર્વે વિકલ્પોથી છૂટું પડીને ચૈતન્યસ્વભાવમાં
અભેદ થઈને પરિણમે ત્યારે તેમાં અભેદ દ્રવ્ય આખું અનુભવમાં આવે છે. આ
અનુભવમાં અનંત ગુણ–પર્યાયો સમાઈ ગયા છે, એક અભેદ વસ્તુપણે જ આત્મા
પ્રસિદ્ધ થાય છે...ગુણ–પર્યાયના ભેદવગરનો આખો આત્મા, અનંતગુણના એકમેક
મળેલા સ્વાદપણે અનુભવમાં આવે છે...એટલે તેમાં નિર્વિકલ્પ શાંતરસનું જ વેદન છે;
વિકલ્પોની આકુળતા તેમાં નથી.
પર્યાય જ્યાં સ્વભાવસન્મુખ વળીને એકાગ્ર થાય છે ત્યાં એકરૂપતા જ
અનુભવમાં આવે છે. તે અનુભવમાં અનંતગુણોનો સ્વાદ એક સાથે છે; તેથી તે ગુણોનો
આસ્વાદ કિંચિત્ એકમેક મળી ગયેલો છે. અનંતાગુણના સ્વાદનો આનંદરસ અનુભવમાં
છે. આવો સમ્યગ્દ્રષ્ટિનો અનુભવ છે. આત્માનું સ્વરૂપ જ આવું છે. અહા, એકરૂપ
આત્માની અનુભૂતિમાં અનંતગુણનો રસ આવે છે. અનુભવનો આવો મહા ચૈતન્યરસ,

PDF/HTML Page 31 of 49
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
તેમાં અનંતગુણનો શુદ્ધસ્વાદ સમાયેલો છે, પણ તેમાં ક્્યાંય વિકલ્પ સમાતો
નથી. બધા ગુણોની શુદ્ધતાનો સ્વાદ અનુભવમાં છે, પણ તેમાં અશુદ્ધતા નથી; આવા
શુદ્ધ ચૈતન્યના અનુભવરસના પ્યાલા જેણે પીધા તેને ચૈતન્યની કોઈ અદ્ભુત–અનેરી
ખુમારી જામે છે. પછી સંસારનો (પરભાવનો) રસ તેને રહેતો નથી.
આવો અભેદ જ્ઞાયકસ્વરૂપનો અનુભવ જે કરે છે તે જ્ઞાની છે; તે જ સાચા
ભેદજ્ઞાની પંડિત છે; આવા જ્ઞાનીને પોતાના અનુભવમાં કોઈ ભેદ નથી, વિકલ્પ નથી.
એકવાર આવો નિર્વિકલ્પ અનુભવ થયો, ભેદજ્ઞાન થયું, પછી કોઈપણ વિકલ્પને તે
જ્ઞાની પોતાના શુદ્ધજ્ઞાયકતત્ત્વમાં ભેળવતા નથી. જ્ઞાયકતત્ત્વ વિકલ્પથી જુદું ને જુદું
અનુભવે છે. અનુભવ તે પર્યાય છે, પણ તેમાં દ્રવ્ય–પર્યાયના ભેદ રહેતા નથી; એકરૂપ
ધર્મીવસ્તુનો અનુભવ છે. આવો અનુભવ થાય ત્યારે જ્ઞાયકભાવ પ્રગટ્યો કહેવાય.
એકરૂપ જ્ઞાયકતત્ત્વનો અનુભવ કરનાર જ્ઞાનીને ‘દર્શન નથી, જ્ઞાન નથી’ એટલે
કે અનુભવમાં ‘આ દર્શન, આ જ્ઞાન’ એવો જુદો ભેદ રહેતો નથી, પણ અનુભવમાં
અભેદપણે તે પર્યાયો સમાઈ જાય છે. જ્ઞાનીને દર્શન–જ્ઞાન–ચારિત્ર નથી એટલે કે
જ્ઞાનીના અનુભવમાં દર્શન–જ્ઞાન–ચારિત્રનો ભેદ રહેતો નથી. આ દ્રવ્ય, આ પર્યાય–
એવા ભેદ ઉપર લક્ષ રહે ત્યાં સુધી સાચો આત્મા અનુભવમાં આવતો નથી, ત્યાં તો
વિકલ્પનો અનુભવ રહે છે. જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદો કાઢી નાંખતા શું રહ્યું? કે એક
શુદ્ધજ્ઞાયકપણે પોતાનો અનુભવ રહ્યો. આવો એકલો જ્ઞાયક એ જ શુદ્ધ છે, વિકલ્પો
અને ભેદો તે બધા અશુદ્ધ છે. ભેદ–વિકલ્પોરૂપ અશુદ્ધતાથી પાર જ્ઞાયકનો અનુભવ તે જ
એક શુદ્ધ છે; આવો અનુભવ કરનાર જ્ઞાની એમ અનુભવે છે કે–
‘હું એક જ્ઞાયકભાવ છું’
અપૂર્વ જ્ઞાન–આનંદના તરંગસહિત
શિષ્ય સમજી જાય છે
શ્રીગુરુએ જ્ઞાયકઆત્મા બતાવ્યો; અને શિષ્યને સમજાવવા માટે એકલો ભેદ
પાડીને કહ્યું કે ‘જ્ઞાન–દર્શન–ચારિત્રસ્વરૂપ આત્મા છે.’–એટલું સાંભળતાં પણ શિષ્ય
દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદના વિકલ્પમાં ઊભો ન રહ્યો પણ જ્ઞાનને અભેદમાં એકાગ્ર

PDF/HTML Page 32 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૯ :
કરીને સીધો આત્માને પકડી લીધો કે અહો! આવો મારો આત્મા ગુરુએ મને
બતાવ્યો! આ રીતે શ્રીગુરુએ અભેદ આત્મા સમજાવવા ભેદ પાડીને સમજાવ્યું અને
પાત્ર શિષ્ય પણ તત્કાળ ભેદનું લક્ષ છોડીને અભેદ આત્માને સમજી ગયો. વાર ન
લગાડી, બીજા કોઈ લક્ષમાં ન અટક્યો. પણ તરત જ જ્ઞાનને અંતરમાં ટગટગ એકાગ્ર
કરીને આત્માને સમજી ગયો. સમજતાં તેને આત્મામાં શું થયું?–કે તત્કાળ અત્યંત
આનંદસહિત સુંદર બોધતરંગ ઊછળવા લાગ્યા. અહા, જ્ઞાન સાથે પરમઆનંદના તરંગ
ઊછળ્‌યા. જાણે આખો આનંદનો દરિયો ઊછળ્‌યો. પોતામાં જ આનંદનો દરિયો દેખ્યો.
નિર્વિકલ્પ અનુભૂતિ કરીને ભગવાનસ્વરૂપે પોતે જ પોતામાં પ્રગટ થયો.
જેમ આ શિષ્યે તત્કાળ નિર્વિકલ્પ આનંદસહિત આત્માનો અનુભવ કર્યો તેમ
દરેક જીવમાં એવો અનુભવ કરવાની તાકાત છે. અંદર જ્ઞાનને એકાગ્ર કરવું જોઈએ.
વાણીમાં કે વિકલ્પમાં ક્યાંય ન અટકતાં, શુદ્ધાત્મા ઉપર ટગટગ મીટ માંડીને જ્ઞાનને
તેમાં એકાગ્ર કર્યું, ત્યાં અતીન્દ્રિય જ્ઞાનતરંગ પ્રગટ્યા અને સાથે પરમ આનંદનો
અનુભવ થયો.–સમ્યગ્દર્શન થવાનું આ વર્ણન છે. એમાં સમ્યક્ત્વની પાંચે લબ્ધિ પણ
સમાઈ જાય છે.
સમ્યગ્દર્શન માટે શુદ્ધ આત્માનું સ્વરૂપ આચાર્યદેવ સમજાવે છે ત્યારે જિજ્ઞાસુ
શિષ્ય આંખો ફાડીને એટલે કે સમજવાની ધગશથી જ્ઞાનને એકાગ્ર કરીને લક્ષમાં લ્યે છે;
તેને શુદ્ધાત્માને લક્ષમાં લેવાની ઇંતેજારી છે. સાંભળતાં–સાંભળતાં બીજી વાતમાં નથી
રોકાતો, પણ ટગટગ મીટ માંડીને સમજવા તરફ જ્ઞાનને એકાગ્ર કરે છે.
શુદ્ધાત્માનું સ્વરૂપ સાંભળતાં તત્કાળ જ તેમાં ઉપયોગ લગાવીવે એકાગ્ર કરે છે,
પ્રમાદ કરતો નથી, ‘પછી વિચાર કરીશ, ઘરે જઈને પછી કરીશ, ફુરસદે કરીશ’–એમ
બેદરકારી કરતો નથી, પણ તત્ક્ષણે જ તેવા શુદ્ધ આત્મામાં ઉપયોગને એકાગ્ર કરે છે ને
આનંદપૂર્વક આત્માને અનુભવે છે.–આવી ઉત્તમ પાત્રતાવાળો શિષ્ય તરત જ
સમ્યગ્દર્શન પામી જાય છે.
શ્રોતા–શિષ્ય એવો પાત્ર હતો કે ભેદની દ્રષ્ટિ છોડીને સીધો અભેદમાં ઘૂસી ગયો.
ભેદનું વ્યવહારનું–શુભનું આલંબન છોડવામાં એને સંકોચ ન થયો; શુદ્ધઆત્માને લક્ષમાં
લેતાં જ મહાન આનંદસહિત એવું નિર્મળજ્ઞાન ખીલ્યું કે બધા ભેદનું–વ્યવહારનું–રાગનું
આલંબન છૂટી ગયું. જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નતા

PDF/HTML Page 33 of 49
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
અનુભવમાં આવી ગઈ. જ્ઞાન સાથે આનંદ હોય છે; જેમાં આનંદનું વેદન નહીં તે
જ્ઞાન સાચું જ્ઞાન જ નથી. આનંદ વગરના એકલા જાણપણાને ખરેખર જ્ઞાન કહેતા
નથી. એકલું પરલક્ષી જ્ઞાન તે સાચું જ્ઞાન નથી.
શિષ્ય સીધો અભેદને પહોંચી શક્્યો ન હતો ત્યાં સુધી વચ્ચે ભેદ હતો, શ્રીગુરુએ
પણ ભેદથી સમજાવ્યું હતું, પણ તે ભેદ, ભેદનું આલંબન કરવા માટે ન હતો, વક્તાને કે
શ્રોતાને કોઈને ભેદના આલંબનની બુદ્ધિ ન હતી, તેમનો અભિપ્રાય તો અભેદ વસ્તુ જ
બતાવવાનો અને તેનો જ અનુભવ કરવાનો હતો. તે અભિપ્રાય તો અભેદ વસ્તુ જ
બતાવવાનો અને તેનો જ અનુભવ કરવાનો હતો. તે અભિપ્રાયના બળે જ્ઞાનને
અંતરના અભેદ સ્વભાવમાં એકાગ્ર કરીને દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદનું અવલંબન પણ
છોડી દીધું...ને તરત જ મહાન અતીન્દ્રિય આનંદ સહિત સમ્યગ્જ્ઞાનના સુંદર તરંગ
ખીલી ઊઠયા...સમ્યગ્દર્શન થયું, સમ્યગ્જ્ઞાન થયું, પરમ આનંદ થયો. આવી નિર્વિકલ્પ
અનુભૂતિ સહિત શિષ્ય પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ સમજી ગયો.
––આવા ભાવથી સમયસાર સાંભળે તેને પણ નિર્વિકલ્પ આનંદના અનુભવ
સહિત સમ્યગ્દર્શન થાય જ. અહીં તો કહે છે કે–વાર ન લાગે, પણ તરત જ થાય.
પોતાના આત્માની પ્રાપ્તિ માટે જેને સાચી તૈયારી થાય તેને તરત જ તેની પ્રાપ્તિ થાય જ;
અરે, આકાશમાંથી ઊતરીને સંતો તેને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવે.–જેમ મહાવીરના
જીવને સિંહના ભવમાં, અને ઋષભદેવના જીવને ભોગભૂમિના ભવમાં સમ્યક્ત્વની
તૈયારી થતાં ઉપરથી ગગનવિહારી મુનિઓએ ત્યાં ઊતરીને તેને આત્માનું સ્વરૂપ
સમજાવ્યું, ને તે જીવો પણ સમ્યગ્દર્શન પામ્યા. કેવી રીતે પામ્યા?–તે વાત આ ગાથામાં
સમજાવી છે. ભેદનું લક્ષ છોડી, અનંતધર્મથી અભેદ આત્મામાં જ્ઞાનને એકાગ્ર કરતાં,
નિર્વિકલ્પ આનંદના અનુભવસહિત સમ્યગ્દર્શન પામ્યા...સુંદર બોધતરંગ ઉલ્લસ્યા. આ
રીતે તત્કાળ સમ્યગ્દર્શન થવાની રીત સમજાવીને સંતોએ તો માર્ગ સરલ કરી દીધો છે.
ધન્ય એ સંતો! ધન્ય એના ભાવ ઝીલનારા શિષ્યો!
ચેતનસ્વભાવી આતમરામ,
રાગભાવ તે બંધનું કામ.

PDF/HTML Page 34 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૧ :
પ્રતિપાદન કરવું છે પરમાર્થનું.
ર્ત્ત્ .
વચ્ચે ભેદના વિકલ્પ આવે તેનાથી જ્ઞાનને ઊંચું રાખજે.
અગિયારમી ગાથાના ઉપોદ્ઘાતમાં ગુરુદેવ કહે છે
કે–જૈન સિદ્ધાંતનો પ્રાણ કહો, મોક્ષમાર્ગનું મૂળ કહો,
વીતરાગી સંતોના અનુભવનું હાર્દ કહો, સમ્યગ્દર્શનની
રીત કહો, કે પહેલાંમાં પહેલો ધર્મ કહો–તેનું અલૌકિક
સ્વરૂપ આ ગાથામાં આચાર્યદેવે પ્રસિદ્ધ કર્યું છે. નિશ્ચય–
વ્યવહારના બધા ખુલાસા આમાં આવી જાય છે. આ
ગાથાના ભાવો સમજતાં બધા શાસ્ત્રોનું હાર્દ સમજાઈ જાય
છે...અપૂર્વ સમ્યગ્દર્શન થાય છે...ને આનંદરસની ધારા
આત્મામાં વહે છે.
(–जय હો ભરતક્ષેત્રના રાજા સમયસારભગવાનનો!)

જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ આત્મા છે––એવા ગુણગુણીભેદરૂપ વ્યવહાર દ્વારા
પરમાર્થતત્ત્વ કહેવામાં આવ્યું, તે પરમાર્થતત્ત્વ જેણે અનુભવમાં લઈ લીધું, ને ભેદનું
અવલંબન છોડી દીધું–તેને માટે ‘વ્યવહાર તે પરમાર્થનો પ્રદિપાદક’ કહ્યો. પણ
વ્યવહારના ભેદના વિકલ્પમાં જ જે અટકી જાય, ને ભેદના વિકલ્પને ઉલ્લંઘીને અભેદમાં
ન પહોંચે તેને સમજાવે છે કે હે ભાઈ! વ્યવહાર તો બધોય અભૂતાર્થ છે. વ્યવહાર પોતે
કાંઈ પરમાર્થ નથી.––વ્યવહારને પરમાર્થનો પ્રતિપાદક ત્યારે જ કહેવાય કે જ્યારે તે
વ્યવહારનું લક્ષ છોડીને અભેદરૂપ પરમાર્થને લક્ષમાં લઈ લ્યે. પરમાર્થ કહો કે ભૂતાર્થ
કહો,–તે એક શુદ્ધ જ્ઞાયકભાવ છે, એવા ભૂતાર્થસ્વભાવને શુદ્ધનયવડે અનુભવવો તે જ
સમ્યગ્દર્શન છે.––આવા સમ્યગ્દર્શનનું પ્રતિપાદન કરનાર આ ૧૧મું સૂત્ર તે જૈન–

PDF/HTML Page 35 of 49
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
સિદ્ધાંતનો પ્રાણ છે; વીતરાગી સન્તોના હાર્દ સમયસારની ૧૧મી ગાથામાં છે.
વ્યવહારનય અભૂતાર્થ છે, અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષિવરોએ દર્શાવ્યું છે.
જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ છે. જુઓ, આ સમ્યગ્દર્શનનો
અમોઘ ઉપાય! બધાય સંતોના અનુભવનું હાર્દ આ ગાથામાં સમાઈ જાય છે.
પહેલાંં ‘જ્ઞાન તે આત્મા’ એવા વ્યવહારને પરમાર્થનો પ્રતિપાદક કહ્યો, ને વળી
તે ‘વ્યવહારનય અનુસરવા જેવો નથી’–એમ પણ કહ્યું. હવે, જો વ્યવહાર તે પરમાર્થનો
પ્રતિપાદક છે તો તે વ્યવહારનયને કેમ ન અનુસરવો? એવા પ્રશ્નનો આ ગાથામાં
ખુલાસો છે; અને સમ્યગ્દ્રષ્ટિના અનુભવનું સ્પષ્ટીકરણ છે.
હે ભાઈ! આત્માના ભૂતાર્થ–સત્ય સ્વભાવને દેખનારો શુદ્ધનય તે જ ભૂતાર્થ છે;
વ્યવહારનય તો અભૂતાર્થભાવને દેખનારો હોવાથી અભૂતાર્થ છે. તે અભૂતાર્થસ્વરૂપે,
અશુદ્ધસ્વરૂપે, રાગવાળોને સંયોગવાળો આત્માને દેખવાથી કે અનુભવવાથી સમ્યગ્દર્શન
થતું નથી, શુદ્ધનયવડે શુદ્ધ–ભૂતાર્થ આત્માને અનુભવવાથી જ સમ્યગ્દર્શન થાય છે. આ
રીતે ભૂતાર્થનો આશ્રય કરનારા જ સમ્યગ્દ્રષ્ટિ છે; માટે વ્યવહારનય અનુસરવા જેવો
નથી.––આ સિદ્ધાંત તે જૈનદર્શનનો પ્રાણ છે; આ મોક્ષમાર્ગનું મૂળ છે.
સમ્યગ્દર્શનનું સ્વરૂપ શું છે તેની આ વાત છે.
આત્માને કર્મના સંબંધવાળો અશુદ્ધ કહેનારો વ્યવહાર હો, કે ‘જ્ઞાન તે આત્મા’
એમ ગુણભેદ કહેનારો વ્યવહાર હો, કોઈપણ વ્યવહાર હો, તે બધોય વ્યવહાર આત્માના
સહજ એક જ્ઞાયકસ્વભાવને બતાવતો નથી, પણ અભૂતાર્થરૂપ ભાવોને (સંયોગને,
રાગને કે ભેદને) બતાવે છે, ને એવા જ આત્માને અનુભવતાં–શ્રદ્ધતાં સમ્યગ્દર્શન થતું
નથી, માટે તે બધો વ્યવહાર આશ્રય કરવા જેવો નથી. શુદ્ધનય જ અંતર્મુખ થઈને
આત્માને સહજ એક જ્ઞાયકસ્વભાવપણે અનુભવે છે, તેથી તે શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે.
તેનો આશ્રય કરવો, એટલે કે શુદ્ધનયઅનુસાર શુદ્ધાત્માને અનુભવવો–તે સમ્યગ્દર્શન છે.
તે જ જૈનધર્મનો આત્મા છે. જ્યાં આવા શુદ્ધનયરૂપ પ્રાણ છે ત્યાં જ જૈનધર્મ જીવંત છે.
આવા શુદ્ધનયથી શુદ્ધાત્માના જ્ઞાન–શ્રદ્ધાન વગર જૈનધર્મ હોતો નથી.
દ્રવ્ય તે દ્રવ્ય છે, પર્યાય તે પર્યાય છે; પર્યાયપણે તો પર્યાય સત્ છે, પણ પર્યાય
તે આખું દ્રવ્ય નથી. જ્યારે ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરીને પર્યાય પરિણમી, ત્યારે

PDF/HTML Page 36 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૩ :
અભેદસ્વભાવ એક જ અનુભવમાં રહ્યો ને પર્યાય ગૌણ થઈ ગઈ એટલે તે
અભૂતાર્થ થઈ ગઈ. પર્યાય છે જ નહિ–માટે અભૂતાર્થ કીધી–એમ નથી, પર્યાયરૂપે
પર્યાય છે પણ અભેદસ્વભાવના અનુભવમાં તેનું લક્ષ રહેતું નથી માટે તે પર્યાય
અભૂતાર્થ છે.
આત્મવસ્તુ દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપ છે. આવી વસ્તુ તે પ્રમાણ છે. આવો
આત્મા, પરથી તદ્ન ભિન્ન છે. હવે પોતામાં દ્રવ્ય અને પર્યાય એવા બે અંશ છે. તેમાં
પર્યાય તે વ્યવહારનયનો વિષય છે. શુદ્ધનયનો વિષય ભૂતાર્થ સ્વભાવ છે–તેમાં પર્યાય
ગૌણ છે.
દ્રવ્યઅંશ, પર્યાય અંશ–એમ બે અંશો છે, તેમાં દ્રવ્ય તે પર્યાય નથી, પર્યાય તે
દ્રવ્ય નથી–એવું જુદાપણું છે; પણ વસ્તુમાં જુદાપણું નથી.
આત્મામાં પર્યાય છે જ નહિ–એવો કાંઈ નિષેધ નથી. પણ અભેદનો અનુભવ
કરાવવાનું પ્રયોજન હોવાથી, અભેદને મુખ્ય કરીને તેને નિશ્ચય કહીને તેનો આશ્રય
કરાવ્યો; અને ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહીને તેનો નિષેધ કર્યો. કેમકે પર્યાયના
ભેદરૂપ વિશેષ ઉપર લક્ષ રહેતાં સમભાવ–નિર્વિકલ્પદશા થતી નથી, પણ રાગાદિ વિકલ્પ
ઉત્પન્ન થાય છે; ને અભેદરૂપ ભૂતાર્થસ્વભાવ સામાન્ય છે તેના આશ્રયે સમભાવ એટલે
નિર્વિકલ્પદશા થાય છે. માટે અભેદરૂપ સામાન્યના અનુભવમાં પર્યાયના ભેદનો અભાવ
જ કહ્યો છે. ત્યાં પર્યાય છે તો ખરી, પર્યાયે જ અંતરમાં વળીને સામાન્યનો આશ્રય કર્યો
છે, પણ ત્યાં અભેદમાં ભેદ ગૌણ થઈ જાય છે, તેનું લક્ષ રહેતું નથી.
સમ્યગ્દર્શનના અનુભવમાં રાગાદિ અશુદ્ધભાવોરૂપ અસદ્ભુત વ્યવહાર તો નથી;
ને ‘આ શુદ્ધપર્યાય આ દ્રવ્યની છે’–એવા ભેદરૂપ સદ્ભુત વ્યવહાર પણ સમ્યગ્દર્શનના
વિષયમાં રહેતો નથી. અભેદને અમેચક એટલે શુદ્ધ કહે છે, ને ભેદને મેચક એટલે અશુદ્ધ
કહે છે. ભલે નિર્મળપર્યાયનો ભેદ હો, પણ તે ભેદનો વિકલ્પ તો અશુદ્ધ છે, ભેદના
આશ્રયે અશુદ્ધતા થાય છે. ભેદરૂપ પર્યાયદ્રષ્ટિમાં રાગ–દ્વેષ અશુદ્ધતાનો અનુભવ થાય
છે; ને અભેદરૂપ સામાન્યનો આશ્રય લેતાં વીતરાગી સમભાવ થાય છે. તથા અભેદના
અનુભવમાં પર્યાય હોવા છતાં, તેનું લક્ષ નથી તેથી તે અભૂતાર્થ છે.
વસ્તુમાં સામાન્ય અને વિશેષ એવા બે અંશ છે. તેમાં વિશેષઅંશ તે સામાન્ય
નથી, સામાન્ય અંશ તે વિશેષ નથી; પણ વસ્તુમાં એક સાથે બંને અંશ છે.
હવે એકલા પર્યાયઅંશથી વસ્તુને જોતાં મિથ્યાત્વ થાય છે; અનાદિથી જીવને
પર્યાયબુદ્ધિ તો છે. હવે સામાન્ય વસ્તુ તરફ ઝુકીને ચાલતી પર્યાયે તેનો આશ્રય લીધો

PDF/HTML Page 37 of 49
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
ત્યાં સામાન્યના લક્ષે પર્યાયનું લક્ષ છૂટી ગયું, માટે ત્યાં પર્યાય નથી એમ કહ્યું
છે. ત્યાં એકલા પરમ સ્વભાવમાં પર્યાય એકાગ્ર થઈને અભેદને અનુભવે છે. આવા
અનુભવમાં દ્રવ્યના પરમસ્વભાવનો આત્મલાભ છે.
ત્રિકાળી અખંડ સ્વભાવનો અનુભવ તે ભૂતાર્થનો આશ્રય છે, ને તે અનુભવમાં
પર્યાયના કોઈ ભેદનું લક્ષ રહેતું નથી; ત્યાં પર્યાય છે પણ તે ગૌણ થઈ જાય છે એટલે
તેનું લક્ષ છૂટી જાય છે ને એક ભૂતાર્થ સર્વોપરી પરમતત્ત્વ જ અનુભૂતિમાં પ્રકાશમાન
રહે છે.
સમ્યગ્દર્શનમાં સત્ય વસ્તુનો સ્વીકાર થાય છે. તે સત્ય એટલે શું? તેનું આ
વર્ણન છે. શુદ્ધનયના વિષયરૂપ એક અભેદ સ્વભાવ છે તે ભૂતાર્થ છે; ને વ્યવહારનયના
વિષયરૂપ પર્યાયભેદ વગેરે અભૂતાર્થ છે. જુઓ, આમાં કાંઈ વેદાંત જેવો પર્યાયનો
અભાવ નથી; પર્યાયરૂપ ધર્મ તો સત્માં છે, પણ શુદ્ધનયથી એક અભેદના મુખ્ય
અનુભવમાં પર્યાયનો ભેદ રહેતો નથી માટે તે પર્યાયને ગૌણ કરીને તેને અસત્ કહેલ
છે. સાધક દશાની આ વાત છે. જેણે સ્વસન્મુખ થઈને વસ્તુની શુદ્ધતાને સાધવી છે–
એવો જીવ શું કરે છે? કે અંતર્મુખ થઈને ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરે છે; અને
પર્યાયનો (શુદ્ધ કે અશુદ્ધ બધા ભેદનો) આશ્રય છોડે છે. એક શુદ્ધ વસ્તુના અનુભવમાં
પર્યાયની અનેકતાનું લક્ષ છૂટી જાય છે. પર્યાય તો દ્રવ્યના આશ્રયમાં ઘૂસી ગઈ, ત્યાં તે
પર્યાયને પર્યાયનું લક્ષ ન રહ્યું, એકાકાર જ્ઞાયકવસ્તુના અનુભવમાં જ પર્યાય મગ્ન થઈ,
પરમ આનંદનો જ અનુભવ રહ્યો.––તેથી આવા આત્માને સાચો આત્મા ગણ્યો, તેને
ભૂતાર્થ કહ્યો, તેને સત્યાર્થ કહ્યો; તેના આશ્રયને સમ્યગ્દર્શન કહ્યું––આવો અનુભવ તે
જૈનધર્મ છે. આ ગાથામાં તેનું સ્વરૂપ બતાવ્યું છે તેથી આ ગાથા જૈનધર્મનો પ્રાણ છે.
ઉત્તમ તીર્થ કયું? સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમેલો
આત્મા તે ઉત્તમ ભાવતીર્થ છે; સંસારને
તે પોતે તરી રહ્યો છે, ને બીજાને
તરવામાં નિમિત્ત છે. તથા એવા
ભાવતીર્થના વિહારથી પાવન થયેલા
તીર્થો, તેમાં ઉત્તમ તીર્થ સમ્મેદશિખર છે.

PDF/HTML Page 38 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૫ :
જ્ઞાનીની ચૈતન્યપરિણતિ વિકલ્પોને સ્પર્શતી નથી
(નિયમસાર પાનું ૩૦૩ કારતક વદ ૯)
• વિકલ્પોની ઉત્પત્તિ રાગની ભૂમિકામાંથી થાય છે,–ચૈતન્યભૂમિકામાં તો
નિર્વિકલ્પઆનંદની ઉત્પત્તિ છે, તેમાં વિકલ્પની ઉત્પત્તિ નથી.
અંતરના ભગવાન સાથે ભેટો ચેતના–અનુભૂતિવડે થાય છે.
• વિકલ્પ છે તે ચૈતન્યરસ નથી. ચૈતન્યનો રસ, ચૈતન્યનો ભાવ તો એકલા સમરસ
સ્વભાવરૂપ છે, પરમશાંત અનુભૂતિરૂપ છે;
• જ્યાં આવા ચૈતન્યભાવપણે આત્મા જાગ્યો ને ‘હું ચિન્માત્ર શાંતિનો સાગર છું’
એવી અનુભૂતિરૂપ થયો ત્યાં તત્ક્ષણે જ વિકલ્પોની મોટી ઈન્દ્રજાળ અલોપ થઈ
જાય છે.
• અરે, વિકલ્પો તો ભવભય કરનારા છે, તે કાંઈ શાંતિ દેનારા નથી. ભલે બહારનો
વિકલ્પ હો કે અંદરનો વિકલ્પ હો––તેમાં ભય છે, અશાંતિ છે.
• ચૈતન્યની અનુભૂતિ તો પરમ આનંદદાતા છે, તેમાં કોઈ ભય નથી.
• ચૈતન્યની અનુભૂતિ તે જ આત્માનું અભ્યંતર અંગ છે, વિકલ્પો તો બાહ્ય છે, તે
કાંઈ ચૈતન્યનું અંગ નથી. અહો, આવી અંતરંગ અનુભૂતિવડે આત્મા પોતાની
અંદર કોઈ અદ્ભુત પરમ તત્ત્વને દેખે છે, જેને દેખતાં મહા આનંદ થાય એવું
અંતરંગ તત્ત્વ આત્મા પોતે છે. જેના ઉપર જ્ઞાનનું લક્ષ જતાં જ વિકલ્પો દૂર થઈ
જાય છે.––આવું અંગત તત્ત્વ આ ચૈતન્યસ્વરૂપ આત્મા છે.
• વિકલ્પ વિકલ્પમાં વર્તે છે, જ્ઞાન જ્ઞાનમાં વર્તે છે, વિકલ્પમાં જ્ઞાન વર્તતું નથી,
જ્ઞાનમાં વિકલ્પ નથી. આમ બંનેની ભિન્નતા જાણનાર જ્ઞાની, જ્ઞાનમાં જ વર્તે છે,
જ્ઞાનીની જ્ઞાનપરિણતિ આત્મામાં જ તન્મયરૂપ વર્તે છે, વિકલ્પભાવે નથી વર્તતું.
આવી અદ્ભુત જ્ઞાનપરિણતિ પોતામાં આનંદના સાગર ચૈતન્ય ભગવાનને ઝીલે
છે, વિકલ્પને તે નથી ઝીલતી, તેને તે પોતામાં પ્રવેશવા દેતી નથી. અહા, પરિણતિ
ચૈતન્યતત્ત્વમાં પ્રવેશી ગઈને વિકલ્પોથી છૂટી ગઈ, તે હવે વિકલ્પોને સ્પર્શતી નથી.
આવી પરિણતિ થાય ત્યારે જ્ઞાની ઓળખાય.

PDF/HTML Page 39 of 49
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
વાહ રે વાહ સાધકદશા
શુદ્ધતત્ત્વના સતત અનુભવમાં, અમને બીજી કોઈ ચિંતા નથી
(માહ સુદ બીજ નિયમસાર કળશ ૩૨–૩૩–૩૪)
વાહ રે વાહ! જુઓ તો ખરા આ સાધકની દશા!
આનંદસ્વરૂપના સાધકને વળી બીજી ચિન્તાના બોજા
કેવા? આનંદના અવસરમાં શોક કેવા? અમે તો બીજા
બધાયની ચિંતા છોડીને, અમારા શુદ્ધતત્ત્વને એકને જ
આનંદપૂર્વક અનુભવીએ છીએ. આવો અનુભવ કરીને
સંતો પોતે ન્યાલ થયા છે, અને જગતને પણ તેની રીત
બતાવીને ન્યાલ કર્યું છે.
ચૈતન્યના સુખમાં મગ્ન જીવ પોતાના નિજભાવથી ભિન્ન એવા સર્વે
બાહ્યપદાર્થોમાં સુખની કલ્પના છોડે છે. પુણ્યજનિત અનુકૂળતાના ગંજ હો કે પાપજનિત
પ્રતિકૂળતાના ગંજ હો–બંનેથી પાર, મારો આત્મા જ ચૈતન્યસુખનો સમુદ્ર છે–એમ
ધર્મીજીવ સ્વાનુભૂતિથી પોતામાં મગ્ન થાય છે, ત્યાં બહારની ચિંતા શી?
ધર્મી કહે છે કે અહો! વિભાવ વગરનો અમારો શુદ્ધ સ્વભાવ પરમ આનંદથી
ભરેલો અમારા અંતરમાં વિદ્યમાન બિરાજી રહ્યો છે, અમે સતત એને અનુભવી રહ્યા
છીએ, પછી બીજી કોઈ ચિતા અમને નથી.
બાપુ! તારે શાંતિ જોઈતી હોય તો તારા આવા તત્ત્વને તું અનુભવમાં લે, તારા
અંતરમાં જ તે બિરાજી રહ્યું છે. જેમાં સર્વે રાગદ્વેષ–અશાંતિરૂપ વિભાવો અસત્ છે એવો
આત્માનો સહજ સ્વભાવ, તેનો અનુભવ કરો! અમે તેનો સતત અનુભવ કરી રહ્યા
છીએ ને તમે પણ સુખી થવા માટે તેને જ અનુભવો. આવા તત્ત્વના અનુભવ સિવાય
બીજા કોઈ પ્રકારે આ જગતમાં ક્્યાંય પણ કિંચિત્ સુખ નથી–નથી. અરે, જે

PDF/HTML Page 40 of 49
single page version

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૭ :
તારા સત્માં નથી તેમાં તારું સુખ કેમ હોય? માટે સંયોગની ને વિભાવની ચિંતા
છોડીને, તારા પરિણામને આ ચૈતન્યતત્ત્વમાં એકાગ્ર કર. સ્વતત્ત્વમાં જ્યાં પરિણામ
એકાગ્ર થયા ત્યાં તેમાં કોઈ ચિંતા નથી, દુઃખ નથી. બહારની ચિંતા છોડીને, અંતરમાં
દ્રષ્ટિ જોડીને, શુદ્ધસ્વભાવનો અનુભવ કરવો તે એક જ મુક્તિનો પંથ છે, એના સિવાય
બીજા કોઈ માર્ગમાં મુક્તિ નથી, નથી.
અહા, અમારા ચૈતન્યસ્વભાવનું સત્પણું, તેમાં વિભાવ કેવો! અમારા
ચૈતન્યભાવમાં પરભાવોનો પ્રવેશ જ નથી. આવા સ્વભાવને અમે સતત અનુભવી રહ્યા
છીએ. એમાં વિભાવો છે જ નહીં પણ તેની ચિંતા શી? જુઓ તો ખરા! ધર્મી જીવ
નિશ્ચિતપણે, નિર્ભયપણે સ્વતત્ત્વને અનુભવે છે. અરે, જગતની ચિંતા અમારામાં કેવી?
અમારા આનંદમય સ્વતત્ત્વમાં પરની ચિંતા કેવી? અમારી શાંત–નીરાકૂળ અનુભૂતિમાં
ચિંતાના દુઃખનો બોજો કેવો? અમારા જ્ઞાનમાં તો અમારું આખું ચિદાનંદતત્ત્વ બિરાજી
રહ્યું છે, તે જ્ઞાનમાં પરભાવનો બોજો નથી. જ્ઞાન પરભાવોથી છૂટું પડીને અંતરના
પરમાત્મતત્ત્વમાં લીન થયું તે જ્ઞાન આનંદપૂર્વક મોક્ષને સાધી જ રહ્યું છે.
વાહ રે વાહ! જુઓ તો ખરા આ સાધકની દશા! આનંદસ્વરૂપના સાધકને વળી
બીજી ચિંતાના બોજા કેવા? આનંદના અવસરમાં શોક કેવા? અમે તો બીજા બધાયની
ચિંતા છોડીને, અમારા શુદ્ધતત્ત્વને એકને જ આનંદપૂર્વક અનુભવીએ છીએ. આવો
અનુભવ કરીને સંતો પોતે ન્યાલ થયા છે, અને જગતને પણ તેની રીત બતાવીને ન્યાલ
કર્યું છે.
અંતરમાં ઊતરીને સિદ્ધ સાથે વાતું કરી છે કે અહો સિદ્ધભગવંતો! આપ
મોક્ષદશામાં પહોંચી ગયા, ને હું પણ આપના માર્ગે આત્માનો અનુભવ કરતો કરતો
મોક્ષમાં આવી રહ્યો છું. પ્રભો! મારા જ્ઞાનમાંથી પરભાવોના બધા બોજા મેં કાઢી નાંખ્યા
છે. ધર્માત્માને પોતાના અનુભવથી નક્કી થઈ ગયું છે કે અમારી ચેતનાના સ્વાનુભવમાં
પરભાવનો અંશ પણ નથી, એવી ચેતના વડે અમે મોક્ષને સાધી જ રહ્યા છીએ પછી
બીજી ચિંતાનું શું પ્રયોજન છે? ચેતના પ્રગટી ત્યાં ચિંતાના તો ચૂરા થઈ ગયા. આ
સંસાર ટાળું ને મોક્ષ કરું–એવી ચિંતા પણ સ્વાનુભૂતિમાં નથી. અમારું એક પરમ તત્ત્વ
જ અમારા અંતરમાં નિરંતર પ્રકાશી રહ્યું છે.–આ બુધપુરુષોનો અનુભવ છે.