Pravachan Ratnakar (Gujarati). 41 KarmaShakti; 42 KartuShakti; 43 KaranShakti; 44 SampradanShakti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 206 of 210

 

PDF/HTML Page 4101 of 4199
single page version

એમ નથી ભાઈ, આ સમજવામાં પંડિતાઈની જરૂર નથી. પંડિત કોને કહેવા? પરમાર્થને જાણે-અનુભવે તે પંડિત છે. બાકી તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે-

“હે પાંડે! હે પાંડે! હે પાંડે! તું કણને છોડી માત્ર તુષ જ ખાંડે છે, અર્થાત્ તું અર્થ અને શબ્દમાં જ સંતુષ્ટ છે પણ પરમાર્થ જાણતો નથી માટે મૂર્ખ જ છે.”

આ સમજવામાં તો અંતરની રુચિની જરૂર છે, બહારની પંડિતાઈની નહિ. સમયસાર, ગાથા ૧પ૬માં પણ કહ્યું છે કે-

વિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે,
પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ–આશ્રિત સંતને.

જુઓ, ષટ્કારકથી પર્યાયમાં જે વિકૃતિરૂપ વ્યવહાર તેમાં વિદ્વત્ જનો-પંડિતો વર્તન કરે છે, પણ નિશ્ચય નિજ પરમાર્થ વસ્તુમાં વર્તન કરતા નથી. ભાઈ, તારી બહારની પંડિતાઈ શું કામ આવે? એય સંસાર જ છે. સમજાય છે કાંઈ...?

કોઈએ અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રની એક ગાથા-

‘ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન’

આ ગાથાના સ્પષ્ટીકરણની માગણી કરી છે.

વાત એમ છે કે આમાં શ્વેતાંબર શૈલીની જરા વાત આવી ગઈ છે. ખરેખર કેવળી ભગવાન છદ્મસ્થનો વિનય કરે એવો વ્યવહાર ત્રણકાળમાં સંભવિત નથી. કેવળી ભગવાનને અપૂર્ણતાય નથી, ને વિકલ્પેય નથી; પછી તે બીજાનો વિનય કેવી રીતે કરે? શ્વેતાંબર શાસ્ત્રોમાં એવી વાત ભરપુર આવે છે, તેની થોડી ઝલક આમાં રહી ગઈ છે. બાકી ત્રણલોકના નાથ કેવળી પરમાત્માથી મોટા કોણ છે કે તેઓ બીજાનો વિનય કરે? વિનયનો વિકલ્પ કેવળીને હોતો નથી, કેમકે તેઓ પૂર્ણ વીતરાગ થયા છે. ભાઈ, કસોટીએ ચઢાવીને માર્ગની સત્યતાનો નિર્ણય કરવો જોઈએ, માત્ર ઓઘે-ઓઘે માની લેવું એ કોઈ ચીજ નથી.

ત્યાં બીજી પણ ગાથા આવી છેઃ-

જાતિ વેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.

આ કથન પણ સત્યથી ફેરવાળું છે. ગમે તે જાતિ અને ગમે તે વેશથી મુક્તિ થાય એમ આમાં કહ્યું લાગે છે, પણ વાસ્તવમાં એમ નથી. બહારની જાતિ બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ એ જ હોય, અને શરીરનું નગ્નપણું એ જ બાહ્યમાં વેશ હોય, કોઈ બીજી રીતે માને કે સંપ્રદાય ચલાવે તો તે સત્ય છે એમ નથી. (આ પ્રમાણે વિપરીત અર્થનું નિરાકરણ કર્યું)

અરે! ભરતક્ષેત્રમાં અત્યારે કોઈ કેવળી ને વિશેષ જ્ઞાની રહ્યા નહિ, ને લોકો માર્ગને બીજી રીતે માની તત્ત્વનો વિરોધ કરે છે. પણ તે મહા અન્યાય છે. તેનું ફળ બહુ આકરું છે ભાઈ! તત્ત્વની વિરાધનાના ફળમાં તારાથી સહન નહિ થાય એવું અનંતુ દુઃખ આવી પડશે. કોઈ જીવ દુઃખી થાય તે પ્રશંસાલાયક નથી. પણ શું થાય? મિથ્યા શલ્યનું ફળ એવું જ આકરું છે. માટે ચેતી જા પ્રભુ! ને સત્નો જેમ છે તેમ સ્વીકાર કર.

અહા! આચાર્યદેવે શક્તિનું વર્ણન કરીને નિર્મળ મોક્ષમાર્ગ કેમ પ્રગટ થાય તે સિદ્ધ કરી દીધું છે. મલિન પરિણતિ હો, છતાં મલિનતા રહિત પરિણમન-નિર્મળ જ્ઞાનભાવમય પરિણમન-થાય એ જ જ્ઞાનીની પરિણતિ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના પરિણામ હોય, પણ તે જ્ઞાનીનું મૂળ સ્વરૂપ નથી, કેમકે એ તો રાગ-વિકલ્પ છે, પુણ્યબંધનું કારણ છે. જ્ઞાની તેને પરજ્ઞેયપણે જાણે છે બસ. આવો મારગ છે. અરે! એણે સત્યાર્થ માર્ગને સાંભળ્‌યો નથી, ને એનો કદી પરિચય પણ કીધો નથી! બહાર ને બહાર ગોથાં ખાધા કરે છે; પણ પોતાની ચીજ બહારમાં છે નહિ તો કયાંથી મળે?

અરે ભાઈ! તારા હિતને માટે તું અંદર તારામાં જ જો, બહારમાં કારણોને મા શોધ; કેમકે તારા હિતનાં કારકો બહારમાં નથી. પોતાના જ નિર્મળ છ કારકોને અનુસરીને પોતે જ પરમાત્મદશારૂપે પરિણમી જાય એવો ભગવાન! તારો સ્વભાવ છે. તું ભગવાનસ્વરૂપ જ છો પ્રભુ! તારી પ્રભુતા માટે બાહ્ય સામગ્રી (નિમિત્તાદિ) ને શોધવાની વ્યગ્રતા મા કર. બાહ્ય સામગ્રી વિના જ પોતે એકલો પોતાના નિર્મળ કારકોરૂપ પરિણમીને કેવળજ્ઞાનરૂપે થઈ જાય એવો સ્વયંભૂ ભગવાન


PDF/HTML Page 4102 of 4199
single page version

તું પોતે જ છો. માટે દીન થઈને બહારમાં ફાંફાં કાં મારે? અંતર્દ્રષ્ટિના બળે તારાં અંતરનાં ચૈતન્યનિધાન ખોલી દે; તારી દીનતા ટળીને પરમાનંદની પ્રાપ્તિ થશે.

અહા! કારકો અનુસાર જે ભાવ છે તદ્અનુસાર સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. તેના અનુસાર ચારિત્ર હોય છે, પંચમહાવ્રતના આશ્રયે ચારિત્ર હોય છે એમ નથી. લોકો કહે છે-આ તો નિશ્ચય, નિશ્ચયની વાત છે. હા, આ નિશ્ચય છે, પણ નિશ્ચય એટલે જ સત્ય.

વ્યવહારી લોકો માને છે કે-સામાયિક કરો, વ્રત કરો, સવાર સાંજ પ્રતિક્રમણ કરો એટલે બસ થઈ ગયો ધર્મ. અરે ભાઈ, એ બધી શી ચીજ છે તેની તને ખબર નથી. એ તો બધો વિકલ્પ-રાગ છે બાપુ! તેનું પરિણમન ષટ્કારકથી ધર્મીની પર્યાયમાં હોય છે, પણ તેનાથી રહિત પરિણમવું એવા સ્વભાવનો તેમને આશ્રય છે. ધર્મી તેનો (રાગના પરિણમનનો) સ્વામી નથી. શું કીધું? આ વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ ઉઠે છે તેનાથી રહિત ધર્મીનું નિર્મળ નિર્મળ પરિણમન હોય છે, અને ધર્મી તે રાગના સ્વામીપણાથી રહિત છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ અને દ્રવ્યના આશ્રયે થયેલું શુદ્ધ પરિણમન તે પોતાનું સ્વ, અને ધર્મી તેનો સ્વામી છે, પણ રાગનો સ્વામી ધર્મી નથી; વ્યવહારરત્નત્રયનો સ્વામી ધર્મી નથી. આ પરમ સત્ય છે ભાઈ! ભગવાન સર્વજ્ઞદેવના શ્રીમુખેથી નીકળેલી આ વાણી છે. અહાહા...! જેને દ્રવ્યનો આશ્રય વર્તે છે તેને નિર્મળ કારકો અનુસાર નિર્મળ ભાવમયી ક્રિયાશક્તિનું પરિણમન થયું છે, તે રાગ સહિત પરિણમન જે થાય તેનો સ્વામી નથી. સમજાણું કાંઈ...?

ચાર ઘાતિકર્મોનો નાશ થવાથી કેવળજ્ઞાન થાય છે એમ તત્ત્વાર્થ સૂત્રમાં આવે છે એ તો નિમિત્તથી કથન છે. બાકી અહીં કહે છે-ભાઈ, નિર્મળ કારકો અનુસાર થવારૂપ તારામાં નિર્મળ ભાવમયી ક્રિયાશક્તિ છે, જેથી તું પોતે જ સ્વ-આશ્રયે નિર્મળ નિર્મળ ભાવરૂપ પરિણમતો થકો કેવળજ્ઞાનરૂપે પરિણમી જાય છે. બાહ્ય કારકોની તને શું ગરજ છે? કર્મનો અભાવ તો રજકણની દશા છે, તેમાં ચૈતન્યદ્રવ્યને શું છે? અહા! કર્મના અભાવથી નહિ, વ્યવહાર રત્નત્રયથી નહિ, ને કેવળજ્ઞાન થવા પહેલાં મોક્ષમાર્ગની દશા છે તેનાથી પણ નહિ, પણ ત્રિકાળી શુદ્ધ કારકો અનુસાર સ્વ આશ્રયે કેવળજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. આવી વાત છે.

અનંતગુણભંડાર પ્રભુ આત્મા છે. તેના પ્રત્યેક ગુણમાં ક્રિયાશક્તિનું રૂપ છે. તેથી ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરતાં દ્રવ્ય સાથે દરેક ગુણની પર્યાય સ્વતઃ સ્વયં નિર્મળ પરિણમી જાય છે. કર્મનો અભાવ થવાથી તે પર્યાય પ્રગટ થાય છે એમ નહિ, ને પૂર્વની મોક્ષમાર્ગની પર્યાયનો અભાવ થયો માટે કેવળજ્ઞાન પ્રગટ થયું એમ પણ નહિ. હવે આવી વાત બિચારા લોકોને કયાં સાંભળવા મળે? એમ ને એમ તેઓ જિંદગી વ્યતીત કરે છે. શું થાય? માર્ગ તો આવો સ્પષ્ટ છે ભાઈ! તેને સમજીને તારું કલ્યાણ કર.

આ પ્રમાણે અહીં ક્રિયાશક્તિનું વર્ણન પૂરું થયું.

*
૪૧ઃ કર્મશક્તિ

‘પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી કર્મશક્તિ.’ જુઓ, આ સત્યનો પોકાર! અંદરથી સત્ ઊભું (પ્રગટ) થાય છે તેને, કહે છે, અસત્ વિકારના શરણની કોઈ જરૂર નથી. શું કીધું? વ્યવહાર રત્નત્રયની નિર્મળ પરિણતિની પ્રાપ્તિમાં કોઈ જરૂર-ગરજ નથી. કેમકે પોતામાં આત્મદ્રવ્યમાં જ કારકો અનુસાર થવારૂપ નિર્મળ ભાવમયી ક્રિયાશક્તિ હોતાં દ્રવ્યના આશ્રયે સ્વયં જ નિર્મળ દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ છે. તેનાથી અંદર ભાવ-ચારિત્ર પ્રાપ્ત થાય છે એમ કદી ય નથી. આમ અજ્ઞાનીની દરેક વાતમાં મોટો ફેર છે.

અહીં કહે છે-‘પ્રાપ્ત કરાતો એવો સિદ્ધરૂપ ભાવ...’ -સિદ્ધરૂપ ભાવ એટલે શું? સિદ્ધરૂપ ભાવ એટલે આત્માના કર્મરૂપ એવો પ્રાપ્ત-પ્રગટ નિર્મળ ભાવ-પર્યાય. અહાહા...! આત્મા પોતે તે કર્મરૂપ થાય છે એવી તેની કર્મશક્તિ છે. અહીં સિદ્ધ પર્યાયની વાત નથી, પણ સિદ્ધ એટલે નિર્મળ પર્યાયરૂપ જે ભાવ પ્રગટ થાય તેને અહીં સિદ્ધરૂપ ભાવ કહેલ છે. સ્વદ્રવ્યના આશ્રયે પ્રાપ્ત કરાતો જે ભાવ તે સિદ્ધરૂપ ભાવ છે. અહાહા...! સમ્યગ્દર્શનની પર્યાય, સમ્યગ્જ્ઞાનની પર્યાય,


PDF/HTML Page 4103 of 4199
single page version

સમ્યક્ચારિત્રની પર્યાય, કેવળજ્ઞાનની પર્યાય-એમ ક્રમવર્તી પ્રગટેલી નિશ્ચિત નિર્મળ પર્યાય તે સિદ્ધરૂપ ભાવ છે.

અનંતગુણ-સ્વભાવનો પિંડ પ્રભુ આત્મા છે. તેની અંતર્દ્રષ્ટિ કરી પરિણમતાં નિર્મળ પર્યાયરૂપ કર્મ પ્રાપ્ત થાય છે. આ આત્માનું કર્મ છે. ‘કર્મ’ કહેતાં અહીં જડ દ્રવ્યકર્મ કે રાગાદિ ભાવકર્મની વાત નથી. તે આત્માનું કર્મ નથી, પણ ચૈતન્યસ્વભાવમાંથી જે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય તે આત્માનું કર્મ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે ક્ષણે ક્ષણે જે નિર્મળ નિર્મળ ભાવ પ્રગટ થાય છે તે પ્રાપ્ત થતો સિદ્ધરૂપ ભાવ છે. વસ્તુમાં શક્તિરૂપે ત્રિકાળ ભાવ છે તે વ્યક્ત પર્યાયરૂપે પ્રગટતાં તેને સિદ્ધરૂપ ભાવ કહ્યો છે. સમ્યગ્દર્શનાદિ બધી પર્યાયો આ રીતે સિદ્ધરૂપ ભાવ છે. આ પ્રાપ્ત થતો સિદ્ધરૂપ ભાવ તે આત્માનું કર્મ છે, અને આત્મા પોતાની શક્તિથી તે-રૂપ થાય છે એવી તેની કર્મશક્તિ છે. આવી વાત! સમજાણું કાંઈ...?

અહાહા...! ‘પ્રાપ્ત કરાતો...’ જોયું? ‘પ્રાપ્ત કરાતો’-એમ કહ્યું છે, મતલબ કે જે સમયે જે પર્યાય પ્રાપ્ત થવા યોગ્ય હોય તે સમયે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે. તેને અહીં પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ કહેલ છે. અહાહા...! પુરુષાર્થથી પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી એક કર્મશક્તિ જીવદ્રવ્યમાં છે. અનંત ગુણ-શક્તિનો આશ્રય આત્મદ્રવ્ય છે, ને દ્રવ્યના આશ્રયે પુરુષાર્થ છે. આમ સ્વદ્રવ્યના આશ્રયે પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપભાવ તે-મયી કર્મશક્તિ છે. વર્તમાન નિર્મળ પર્યાયની પ્રાપ્તિરૂપ કર્મ તે કર્મશક્તિના કાર્યરૂપ છે; તે વ્યવહારરત્નત્રયનું કાર્ય નથી, ને તે પૂર્વપર્યાયનું પણ કાર્ય નથી. અન્ય ભિન્ન કારકો તો કયાંય દૂર રહી ગયા. ઝીણી વાત ભાઈ! કહે છે-કર્મ નામની જીવમાં એક શક્તિ છે જેથી દ્રવ્યના આશ્રયે સહજ જ નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે.

જુઓ, ‘કર્મ’ શબ્દ ચાર અર્થમાં આવે છેઃ ૧. જ્ઞાનાવરણાદિ જડ દ્રવ્યકર્મને કર્મ કહે છે, ૨. રાગ-દ્વેષ-મોહ આદિ વિકારી ભાવકર્મને કર્મ કહે છે, ૩. સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણતિને કર્મ કહે છે, અને ૪. અહીં જેનું વર્ણન છે તે જીવની કર્મશક્તિને કર્મ કહે છે. તેમાં, - -જડ દ્રવ્યકર્મ નિજ ચૈતન્યવસ્તુ આત્માથી ભિન્ન ચીજ છે. તે આત્માની ચીજ નથી. અજ્ઞાનીઓ, કર્મ નડે છે -એમ કર્મ... કર્મ પોકારે છે, પણ ભાઈ, એ આત્માની કોઈ ચીજ નથી.

-રાગ-દ્વેષ, પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ તે ય આત્માનું વાસ્તવિક કર્મ નથી. અજ્ઞાનીઓનું કાર્ય તે હો, કેમકે તેમાં તેઓ તન્મય છે, પણ જ્ઞાની તેમાં તન્મય નથી, જ્ઞાનીનું તે કર્મ નથી. શું કીધું? દયા, દાન, વ્રત, તપ આદિ વ્યવહારરત્નત્રયનો રાગ તે જ્ઞાનીનું કર્મ નથી, જ્ઞાનીના જ્ઞાનમય ભાવથી એ ભિન્ન જ છે. સમજાણું કાંઈ...?

-સ્વદ્રવ્ય-શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન નિર્મળ નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે તે આત્માનું પ્રાપ્ત કર્મ છે. કેમકે આત્મા તેમાં તન્મય છે, આત્મા સ્વયં તે-પણે થઈને તેને પ્રાપ્ત કરે છે. જુઓ, આ પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ-આ આત્માનું-ધર્માત્માનું વાસ્તવિક કર્મ છે.

-જેમ જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણ છે તેમ આત્મામાં કર્મ નામનો એક ગુણ છે. આ કર્મગુણ હોતાં, આત્મા સ્વયં પોતાની સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયને પ્રાપ્ત કરે છે, પહોંચે છે. અહીં કહ્યું ને કે-‘પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી કર્મશક્તિ.’ અહા! આત્માના જે આવા સ્વભાવને જાણી અંતર્મુખ પ્રતીતિ કરે છે તેને દ્રવ્યકર્મ, ભાવકર્મનો સંબંધ છૂટી જાય છે. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– સમજીને કરવું શું? ઉત્તરઃ– સમજીને અંતર્મુખ, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવી. વર્તમાન સમ્યગ્દર્શન આદિ નિર્મળ કાર્યને દ્રવ્ય પોતે જ પ્રાપ્ત કરે-પહોંચે એવો દ્રવ્યનો-ભગવાન આત્માનો સ્વભાવ છે, શક્તિ છે એમ યથાર્થ નિર્ણય કરવો. ભાઈ, વ્યવહાર રત્નત્રયના રાગથી કે દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તથી સમ્યગ્દર્શન આદિ નિર્મળ કાર્ય થાય એમ વસ્તુસ્વરૂપ નથી. બહારમાં નિમિત્ત હો, પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ ત્રણકાળમાં નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી મોક્ષમાર્ગની પરિણતિ તે આત્મામાં પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ છે, અને તે-મય કર્મશક્તિ છે, અર્થાત્ કર્મશક્તિ તેમાં તન્મય છે, અર્થાત્ કર્મશક્તિનું તે કર્મ છે. આવી વાત!


PDF/HTML Page 4104 of 4199
single page version

અહાહા...! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવસ્વભાવી વસ્તુ છે. આ ધ્રુવમાં એક કર્મ નામની શક્તિ છે જેનાથી એનું વર્તમાન કાર્ય સુધરે છે. ધીરજથી સાંભળવું બાપુ! આ તો ધર્મકથા છે ભાઈ! કહે છે-તારું જે આત્મદ્રવ્ય છે તે અનંતગુણમય ગુણી છે, તેમાં કર્મ નામનો એક ગુણ છે, કર્મ એટલે કાર્ય થાય એવો તેમાં ગુણ છે. આ કર્મ ગુણના કારણે વીતરાગી નિર્મળ કાર્ય પ્રાપ્ત થાય છે. ભાઈ, આ કર્મગુણ તારું કાર્ય સુધરવાનું કારણ છે. માટે બીજે જોઈશ મા, અંદર જ્યાં શક્તિ છે તેમાં જો, ને તેમાં જ ઠરી જા.

ઓહો...! અંદર જુઓ તો અનંત અનંત શક્તિનો અખૂટ-અક્ષય ભંડાર ભર્યો છે. પ્રભુ! તારામાં એક જીવત્વ શક્તિ છે. તે જીવત્વ શક્તિમાં આ કર્મશક્તિનું રૂપ છે, જેથી જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા-એવા જે શુદ્ધપ્રાણ-તેના નિર્મળ કાર્યરૂપ વાસ્તવિક જીવન પ્રાપ્ત થાય છે. આ જીવનું જીવન છે. નિર્મળ રત્નત્રયનું પ્રાપ્ત થવું તે જીવનું જીવન છે. શરીર વડે જીવવું એ જીવનું જીવન નથી, બહારમાં મન, વચન, કાય ઇત્યાદિ દશ પ્રાણ વડે જીવવું એ જીવનું જીવન નથી, ને ભાવેન્દ્રિયથી જીવવું એ પણ જીવનું વાસ્તવિક જીવન નથી. અહાહા...! દશ પ્રાણોથી ભિન્ન અને અંદર ભાવેન્દ્રિયના કાર્યથી ભિન્ન, જ્ઞાન, દર્શન, આનંદ અને સત્તાનું-શુદ્ધ ચૈતન્ય પ્રાણોનું નિર્મળ કર્મપણે પરિણમન થાય તે જીવનું જીવન છે. લ્યો, આવું જીવન તે સાચું જીવન; બાકી તો ચાર ગતિની રખડપટ્ટી છે. સમજાણું કાંઈ...?

ભાઈ, તારા કાર્યપણે નિર્મળ રત્નત્રયનું કાર્ય થાય તેનું કારણ કોણ? તો કહે છે-તારામાં કર્મ નામનો ગુણ છે તે આ નિર્મળ પર્યાયનું કારણ છે. મોહનીય આદિ કર્મ ખસી જાય તો નિર્મળ રત્નત્રય પ્રગટ થાય એમ નથી. અને પૂર્વની નિર્મળ પર્યાય પણ વર્તમાન નિર્મળ પર્યાયનું વાસ્તવિક કારણ નથી. એ તો તારું આત્મદ્રવ્ય જ નિજ શક્તિથી ક્ષણે ક્ષણે નિર્મળ કાર્યરૂપે પરિણત થાય છે. ભાઈ! નિર્મળ રત્નત્રયરૂપ કર્મ કયાંય બહારથી આવતું નથી, આત્મામાં જ તે-રૂપ થવાની શક્તિ છે. નિજ સ્વભાવની સન્મુખ થતાં આત્મા પોતે જ તેવા કાર્યરૂપે પરિણત થાય છે. અહા! જુઓ આ કર્મશક્તિ! પોતાનું કાર્ય (જ્ઞાન, દર્શન, આનંદ આદિ) પોતે પ્રાપ્ત કરે એવો જ આત્માનો સ્વભાવ છે. પણ જડનું કરે કે વિકાર કરે એવો આત્માનો સ્વભાવ નથી, જડ કર્મ કે વિકાર તે આત્માનું કર્મ નથી.

અહાહા...! નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-આનંદની શુદ્ધ પર્યાયપણે પરિણમવું-તે ભાવને પ્રાપ્ત કરવો-પહોંચવું તે આ કર્મગુણનું કાર્ય છે. હવે આવું કદી કાને ય પડયું ન હોય તે શું કરે? અરેરે! ચાર ગતિમાં બિચારા રઝળી મરે. અહીં કહે છે-પોતાની નિર્મળ વીતરાગી પર્યાયને પોતે પ્રાપ્ત કરે એવો પોતાનો-આત્માનો ગુણ છે. આનું નામ કર્મશક્તિ છે. આ કર્મશક્તિ ધ્રુવ ઉપાદાન છે, ને તેની નિર્મળ પરિણતિ તે ક્ષણિક ઉપાદાન છે. કર્મશક્તિ જે ધ્રુવ છે તે પારિણામિક ભાવે છે, ને તેનો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણમનની પ્રાપ્તિરૂપ જે ભાવ છે તે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ભાવે છે. જડ કર્મનો ઉપશમ થયો માટે અહીં નિર્મળ ઉપશમભાવની પર્યાય પ્રગટી એમ નથી. એ તો જીવનો ત્રિકાળી કર્મ- ગુણ-સ્વભાવ એવો છે જેથી ઉપશમભાવરૂપી કાર્ય સિદ્ધ થાય છે. અહો! આવું જૈનદર્શનનું સ્વરૂપ સૂક્ષ્મ છે, તેને આચાર્ય ભગવંતોએ સ્પષ્ટ ખુલ્લું કર્યું છે.

દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, ઉપવાસ કરો... ઇત્યાદિ-એ કાંઈ ધર્મ નથી. આ તો બે ઘડી સામાયિક લઈને બેસે ને માને કે થઈ ગયો ધર્મ; પણ બાપુ! સામાયિક તો અંદરની ચીજ છે; તને તે સામાયિકના સ્વરૂપની ખબર નથી. આ તો હજુ ચોથા ગુણસ્થાને તો એકલું વ્યવહાર સમકિત હોય, ને નિશ્ચય સમકિત તો સાતમા ગુણસ્થાનથી હોય. અરે પ્રભુ! તું શું કહે છે આ? વ્યવહાર સમકિત તો ઉપચાર છે, ને નિશ્ચય વિના કોનો ઉપચાર? તારી વાત બરાબર નથી. ચોથા ગુણસ્થાનથી જ આત્માની નિર્વિકલ્પ શ્રદ્ધારૂપ નિશ્ચય વીતરાગ સમકિત જ્ઞાનીને પ્રગટ થાય છે, ને ત્યારે દેવ-ગુરુ-શાસ્ત્રની એની શ્રદ્ધાને ઉપચારથી વ્યવહાર સમકિત કહે છે.

આ તો શાંતિથી સમજવાની ચીજ છે. વીતરાગના આ માર્ગનો વર્તમાનમાં બહુધા વિચ્છેદ થઈ ગયો છે. સંપ્રદાયમાં આ વાત ચાલતી નથી. તું ભગવાન છો ને ભાઈ! ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મી, અને વાન નામ તે-રૂપ. જ્ઞાન ને આનંદની લક્ષ્મીરૂપ તું ભગવાન છો ને પ્રભુ! અહાહા...! આ ધૂળની લક્ષ્મી કાંઈ તારી ચીજ નથી, પણ અંદર ચૈતન્યલક્ષ્મીરૂપ ભંડારમાં તારી એક કર્મશક્તિરૂપ લક્ષ્મી છે. અહાહા...! તારામાં સમ્યગ્દર્શન આદિ નિર્મળ રત્નત્રયરૂપ ધર્મનું કાર્ય પ્રગટ થાય તેના કારણરૂપ અંદર કર્મશક્તિરૂપ લક્ષ્મી પડી છે. માટે પ્રસન્ન થા, ને વ્યવહારનો આશ્રય છોડી, જ્યાં આ લક્ષ્મી પડી છે એવા તારા ચૈતન્યનિધાનને જો, તને અદ્ભુત આહ્લાદ થશે, પ્રદેશ-પ્રદેશે અનાકુળ આનંદ


PDF/HTML Page 4105 of 4199
single page version

ઊછળશે. આનું નામ સમકિત ને આ ધર્મ છે.

અરે, સાંભળ ભાઈ! વ્યવહાર સમકિત તે કાંઈ સમકિત નથી. વ્યવહાર સમકિત એ તો વિકલ્પ-રાગ છે. દ્રવ્યદ્રષ્ટિ થયે શ્રદ્ધાગુણના કાર્યરૂપ નિર્વિકલ્પ નિશ્ચય સમકિત પ્રગટ થાય છે, ને તેને સહચરપણે જે દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી શુભરાગ હોય છે તેને ઉપચારથી આરોપ દઈને વ્યવહારસમકિત કહેવામાં આવે છે. વાસ્તવમાં તે રાગ જ છે, ને તે સિદ્ધભાવરૂપ આત્માનું કર્મ નથી, તથા એનાથી નિર્મળ પર્યાયરૂપ આત્માનું કર્મ થાય છે એમ પણ નથી. વાસ્તવમાં સમ્યગ્દર્શનનો ઉત્પાદ થવામાં શ્રદ્ધાગુણ કારણ છે. શ્રદ્ધાગુણમાં કર્મશક્તિનું રૂપ છે ને! માટે તે ભાવ પ્રાપ્ત કરાય છે. ભાઈ, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ-એમ દરેક ગુણમાં પોતાની નિર્મળ પર્યાયરૂપ કર્મ પ્રગટ થાય છે તે પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ છે, ને તે-મયી કર્મશક્તિ છે.

સ્વાધ્યાયનો વિકલ્પ હોય છે, પણ તે વિકલ્પથી સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. એ તો આત્માનો એવો જ્ઞાનસ્વભાવ છે કે જેથી તે પોતાના સમ્યગ્જ્ઞાનરૂપ કર્મને પ્રાપ્ત કરે.

તેવી રીતે પંચમહાવ્રતાદિનો વિકલ્પ હોય છે, પણ તે વિકલ્પથી સમ્યક્ચારિત્રરૂપ નિર્મળ કાર્ય થાય છે એમ નથી. એ તો આત્માનો એવો ચારિત્ર સ્વભાવ છે કે જેથી તે પોતાના સમ્યક્ચારિત્રરૂપ કર્મને પ્રાપ્ત કરે.

આ પ્રમાણે શ્રદ્ધા, આનંદ ઇત્યાદિ આત્માના બધા જ ગુણોમાં સમજવું. આત્માના જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ બધા ગુણમાં કર્મશક્તિનું રૂપ છે. તેથી આત્મા પોતે પોતાના નિર્મળ સ્વભાવરૂપ કર્મને પ્રાપ્ત કરે જ છે. જ્યાં નિજસ્વરૂપના લક્ષે અંતર-એકાગ્ર થાય કે સ્વભાવના આશ્રયે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-આનંદ વગેરેનું નિર્મળ નિર્મળ કાર્ય પ્રગટ થાય જ છે. ત્યાં ‘હું આ નિર્મળ કાર્ય પ્રાપ્ત કરું’ એવી ભેદવાસના રહેતી નથી, કેમકે પોતાની કર્મશક્તિથી પોતે સ્વયમેવ નિર્મળ કાર્યરૂપ થઈ જાય છે. આવી સૂક્ષ્મ વાત છે.

વ્યવહાર સમકિતમાં સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા-એ બધા વિકલ્પ છે. એ વિકલ્પથી રહિત કર્મગુણના કારણથી સમ્યગ્દર્શનરૂપી વીતરાગી પર્યાયનું કાર્ય પ્રગટ થાય છે. પુણ્ય અને વિકલ્પથી એની સિદ્ધિ થતી નથી. બહારમાં અનુકૂળ નિમિત્તથી કાર્ય થયું એમ નિમિત્તની મુખ્યતાથી કહેવાય, પણ એમ છે નહિ. કોઈ કહે કે-અહો! ભગવાન! આપની કૃપાથી કાર્યસિદ્ધિ થઈ, પણ એમ છે નહિ, વસ્તુસ્વરૂપ એવું નથી.

પ્રશ્નઃ– મહારાજ! લોકો કહે છે આપની આ લાકડી ફરે તો પૈસા મળી જાય છે? ઉત્તરઃ– લોકો કહે છે એ તો લોકમૂઢતા છે ભાઈ! બાકી આ લાકડીમાં કાંઈ માલ નથી. હમણાં જ એક લાકડી ચોરાઈ ગઈ, કોઈક લઈ ગયું (અંદર મૂઢતા છે ને?) આ લાકડી તો અમે હાથમાં એટલા માટે રાખીએ છીએ કે શાસ્ત્રને પરસેવાવાળો હાથ અડી જાય તો અસાતના થાય. બાકી લાકડીમાં કાંઈ જાદુ નથી કે એનાથી પૈસા મળે.

જુઓ, બેંગ્લોરમાં એક શેઠે ભવ્ય જિનાલય બંધાવ્યું. તેની પ્રતિષ્ઠાનો મોટો ઉત્સવ થયો. શેઠ પંદરેક દિવસ ઉત્સવના કામમાં રોકાયા, તો દુકાનમાં માલ હતો એ વેચાતા વિના પડી રહ્યો. બન્યું એવું કે પછી એના ભાવ વધી ગયા, ને શેઠને અઢળક પૈસા મળ્‌યા. પણ એ તો પૂર્વના પુણ્યના કારણે લક્ષ્મી આવે છે ભાઈ! અને એમાં ય શું છે? લક્ષ્મી-ધૂળ આવી એમાં આત્માને શું લાભ? ભગવાન! વીતરાગી નિર્મળ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય એ તારું કર્મ છે, ને એ લાભ છે. બાકી તો બધી ધૂળની ધૂળ છે, ને તેના લક્ષે ચાર ગતિની રઝળપટ્ટી છે. સમજાણું કાંઈ...?

અહા! ધર્મી જીવ એમ જાણે છે કે સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ પર્યંતનાં જે પરમ પદો છે તે પ્રાપ્ત કરવાની શક્તિ મારા આત્મામાં છે, ને તે જ મારાં કર્મ છે; એ સિવાય બહારમાં મોટાં રાજપદ કે દેવપદ વગેરે પ્રાપ્ત થાય તે કાંઈ મારાં કર્મ નથી. કર્તાનું ઇષ્ટ તે કર્મ. અહા! મને મારા જ્ઞાન-આનંદ સ્વભાવમાંથી પ્રાપ્ત થતી જે નિર્મળ રત્નત્રયરૂપ અવસ્થા તે જ મારું ઇષ્ટ કર્મ છે, આ સિવાય પુણ્ય ને પુણ્યના ફળરૂપ પ્રાપ્ત સંયોગ તે મારું કાંઈ જ નથી. જુઓ આ ધર્મીની અંતર્દ્રષ્ટિ!

ધર્મીને પહેલાં પર્યાયમાં શુદ્ધિ અલ્પ હતી, પછી ક્રમે વિશેષ શુદ્ધિ થઈ. શુદ્ધિની વૃદ્ધિ થઈ તે નિર્જરા છે. નિર્જરાના બે પ્રકાર છેઃ દ્રવ્યનિર્જરા, ને ભાવનિર્જરા. જડ કર્મનું ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે, ને તે કાળે અશુદ્ધતાનો વ્યય થઈને શુદ્ધિની વૃદ્ધિ થાય તે ભાવનિર્જરા છે. ધર્મીને જે શુદ્ધિની વૃદ્ધિનું કાર્ય થયું તેનું કારણ, અહીં કહે છે, દ્રવ્યની કર્મશક્તિ છે. પૂર્વપર્યાય નિર્મળ હતી માટે પછીની પર્યાય વિશેષ નિર્મળ થઈ એમ નથી. પૂર્વે મોક્ષમાર્ગની પર્યાય હતી માટે વર્તમાન


PDF/HTML Page 4106 of 4199
single page version

કેવળજ્ઞાન પર્યાય પ્રગટ થઈ એમ કારણ-કાર્ય નથી. વર્તમાન કેવળજ્ઞાન પર્યાયની પ્રાપ્તિ સ્વતંત્ર દ્રવ્યના આશ્રયે થાય છે. આવી સૂક્ષ્મ વાત વીતરાગના માર્ગ સિવાય બીજે કયાંય નથી. અહો! આમાં તો બધું ક્રમબદ્ધ જ છે એમ સમજાઈ જાય છે.

આત્મા ત્રિકાળ ધ્રુવસ્વરૂપ છે. તે સ્વરૂપની અસ્તિનો સ્વીકાર નિર્મળ પર્યાયમાં થાય છે. પર્યાયમાં ધ્રુવની કબૂલાત કરી, અને પર્યાયમાં નિર્મળતા થઈ-તે નિર્મળ ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણો-એ બેનો એકસાથે સમુદાય તે આત્મા છે. અહીં રાગ તે ગુણનું કાર્ય-કર્મ નથી, તેથી તેની કોઈ ગણતરી નથી. હવે કેટલાક કહે છે-આ સોનગઢવાળાએ નવું કાઢયું. પણ આ સમયસાર શાસ્ત્ર કયાં સોનગઢનું છે? એ તો વીતરાગની વાણી આચાર્ય કુંદકુંદદેવે સમયસારરૂપે વહાવી છે.

અહાહા...! એકેક શક્તિ પારિણામિકભાવે છે, અને તેનું કાર્ય છે તે ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવે છે. ઉદયભાવ તે શક્તિનું કાર્ય નથી. દ્રવ્ય શુદ્ધ, તેના ગુણ શુદ્ધ, અને તેનું કાર્ય પણ શુદ્ધ પવિત્ર જ છે. ઉદયભાવ તેનું કાર્ય છે જ નહિ. એ તો પર્યાયની યોગ્યતાથી ઉદયભાવ છે, પણ ધર્મી તેને પોતાનું કર્મ ગણતા નથી; ધર્મીને તે પરજ્ઞેયપણે છે.

અરે! અજ્ઞાની જીવો રાતદિ’ સંસારની મજૂરી કરીને મરી જાય છે. એમાં ય કોઈ પુણ્યોદયે બે-પાંચ કરોડનું ધન મળી જાય તો માને કે મોટી બાદશાહી મળી. અરે ભાઈ! બાદશાહી શું છે તેની તને ખબર નથી. નિરાકુળતારૂપ સાચી બાદશાહી તો તારી અંદર પડી છે. તું અંદર અનાકુળ જ્ઞાનાનંદસ્વરૂપ બાદશાહ છો. ત્યાં ન જોતાં બહારમાં અહીંથી સુખ મળશે કે ત્યાંથી સુખ મળશે એમ ઝાવાં નાખે છે પણ એ તો તારું ભિખારાપણું છે. અરે! અનંતગુણચક્રનો સ્વામી મોટો ચક્રવર્તી બાદશાહ થઈને તું ભિખારીની જેમ રખડે છે! ને પુણ્યની-વિકારની ભીખ માગે છે!! અરે ભાઈ, બહારથી કયાંયથી તને સુખ નહિ મળે. મોટો બાદશાહ તું અંદર બિરાજે છે ત્યાં અંતર્મુખ થઈને જો. તેમાં બાદશાહી શક્તિઓ પડી છે તેનું નિર્મળ પરિણમન થતાં તને બાદશાહી પ્રાપ્ત થશે. સ્વભાવમાંથી પ્રાપ્ત થાય તે બાદશાહી, તે આનંદ અને તે સુખ. બાકી તો બધી આકુળતાની ભઠ્ઠી છે. સમજાણું કાંઈ...?

આખા સમયસારનો સાર આ છે. શું? કે દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરહિત શુદ્ધ ચૈતન્યધન આત્મા તે ભગવાન સમયસાર છે. આ સમયસાર કેમ પ્રગટ થાય? તો કહે છે-અંતર્દ્રષ્ટિ કરવાથી શુદ્ધ કર્મની પ્રાપ્તિરૂપ કાર્યસમયસાર પ્રગટ થાય છે, અરેરે! અનાદિ કાળથી તારું કાર્ય તું બગાડતો આવ્યો છો. પર્યાયમાં શુભાશુભ રાગ થાય તે કાર્ય મારું -એમ માનતો થકો બહિર્મુખપણે તું તારું જીવન બગાડતો આવ્યો છો. પણ ભાઈ રે! વિકાર થાય એ કોઈ તારા દ્રવ્ય-ગુણનું કાર્ય નથી, જેમ પુદ્ગલમાં આઠ કર્મની પર્યાય થાય તે તારા દ્રવ્ય-ગુણનું કાર્ય નથી તેમ તારી પર્યાયમાં પુણ્ય-પાપરૂપ વિકાર થાય તે તારા દ્રવ્ય-ગુણનું કાર્ય નથી. પર્યાયમાં તેના ષટ્કારકના પરિણમનથી અદ્ધરથી વિકલ્પરૂપ મલિનતા થાય છે, પણ મલિન વિભાવરૂપ પરિણમવાનો તારામાં કોઈ ગુણ નથી. વિભાવરૂપે ન પરિણમવું એવો ગુણ છે, પણ વિભાવરૂપે થવું એવો આત્મામાં કોઈ ગુણ નથી. લ્યો, આવું તત્ત્વ શું? તેના ગુણ શું? અને તેનું કર્મ શું? -અરે! અજ્ઞાની જીવોને કાંઈ ખબર નથી.

“સત્ સાહિત્ય” પ્રચારમાં એક મુમુક્ષુએ લાખ રૂપિયા આપ્યા છે, એમ બીજાએ એંસી હજાર આપ્યા છે. અમે તો કહ્યું-આમાં શુભભાવ છે, ધર્મ નહિ; પુણ્યબંધ થશે. વાસ્તવમાં એ શુભભાવરૂપે ન પરિણમવું એવો તેનો (- આત્માનો) ગુણ છે, ને તે વિકારરૂપે ન પરિણમવું એવો તેનો ગુણ છે. હવે પોતાના સ્વઘરની-સ્વભાવની ખબર ન મળે ને પરઘરના-પરભાવના આચરણમાં કોઈ ધર્મ માની લે, પણ એ કેમ ચાલે? એ તો મિથ્યા શલ્ય છે. વ્યવહાર સમકિત તે સમકિત, ને દ્રવ્ય ચારિત્ર તે ચારિત્ર એમ જે માને છે તેને ધર્મના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી. તેની દ્રષ્ટિ જૂઠી-વિપરીત છે, તેના અંતરમાં મિથ્યાત્વનું શલ્ય પડયું છે. અરે ભાઈ, તે તને ભારે નુકશાન કરશે, અનંત જન્મ-મરણ કરાવશે.

અનંતગુણરત્નાકર પ્રભુ આત્મા છે. તેમાં એક કર્મ નામનો ગુણ છે. આ કર્મ નામનો ગુણ છે. આ કર્મ ગુણના કારણે દ્રવ્યદ્રષ્ટિવંતને પોતાનું સમ્યગ્દર્શનાદિરૂપ નિર્મળ કર્મ પ્રાપ્ત થાય છે. આમ ધર્મીને પોતાનું કાર્ય સમયે સમયે સુધરે છે. પણ એ તો સમયે સમયે તેની ઉત્પત્તિનો કાળ છે, એ એની જન્મક્ષણ છે. ગુણના કારણે તે પર્યાય ઉત્પન્ન થઈ એમ કહેવું એ તો ઉપચાર છે. હવે આમ છે ત્યાં વ્યવહારના રાગથી નિશ્ચય (વીતરાગ પરિણતિ) થાય એ વાત કયાં રહી? ભાઈ, જો તારી દ્રષ્ટિ ન પલટી તો આમ ને આમ રખડવાનો તારો રસ્તો નહિ મટે. અરેરે! મરી-મરીને નરક-નિગોદમાં જવું પડશે. શું થાય? વસ્તુસ્થિતિ એવી છે. એમ શરીરમાં અનંત આત્મા, અનંતનો એક શ્વાસ, અનંતનું આયુષ્ય ભેગું,


PDF/HTML Page 4107 of 4199
single page version

પણ દુઃખની પર્યાય જુદી-અહા! આવા દુઃખમય સ્થાનમાં તારો અનંત કાળ ગયો છે પ્રભુ! અહા! એ પારાવાર દુઃખનું શું કહેવું? ભાઈ, એ દુઃખથી મુક્ત થવું હોય તો જેમાં અનંત શક્તિ ભરી છે એવા તારા દ્રવ્યની સંભાળ કર, તારા ચૈતન્યદ્રવ્યની રક્ષા કર. હું શુદ્ધ એક ચિદાનંદસ્વરૂપ છું-એમ અંતર્દ્રષ્ટિ વડે પ્રતીતિ કરવી ને તેમાં રમણતા કરવી એ તેની રક્ષા છે. આ સિવાય બધી હિંસા જ હિંસા છે, આત્મઘાત છે. સમજાય છે કાંઈ...!

ભાઈ, તારી ચિદ્ઘન-ચૈતન્યવસ્તુ ધ્રુવ ત્રિકાળ છે. તેની એક કર્મશક્તિ ધ્રુવ ત્રિકાળ છે. સ્વ-આશ્રયે શક્તિ પરિણમતાં નિર્મળ પર્યાયરૂપ કર્મ જે નીપજે તે પ્રાપ્ત કરાતો સિદ્ધરૂપ ભાવ છે. અહા! તે ભાવના કારણરૂપ કર્મશક્તિ છે એમ જાણી દ્રવ્યદ્રષ્ટિ કરતાં પર્યાયમાં નિર્મળતારૂપ સુધારો થાય છે. આવો મારગ છે. આ સિવાય ઉન્માર્ગ છે.

આ પ્રમાણે અહીં કર્મશક્તિનું વર્ણન પૂરું થયું.

*
૪૨ઃ કર્તૃશક્તિ

‘થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ.’ અહાહા...! ચૈતન્ય ગુણરત્નાકર પ્રભુ આત્મા છે. તેમાં, અહીં કહે છે, એક કર્તૃ-કર્તાપણાનો ગુણ છે. થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામય આ કર્તૃત્વ ગુણ છે. અહાહા...! વર્તમાન સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રરૂપ નિર્મળ ભાવ પ્રગટ થાય તે થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવ છે, તેનો ભાવક અર્થાત્ તે ભાવનો કર્તા, કહે છે, ભગવાન આત્મા છે. અહાહા...! વર્તમાન થવા યોગ્ય ને સિદ્ધરૂપ ભાવનો કર્તા થઈને આત્મા તે ભાવને ભાવે-કરે એવો આત્માનો કર્તૃસ્વભાવ છે. પોતાની કર્તૃશક્તિથી આત્મા પોતે જ સ્વાધીનપણે પોતાના સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવને કરે છે.

પહેલાં કહ્યું કે-પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી કર્મશક્તિ છે. મતલબ કે આત્મા પોતે જ પોતાના સિદ્ધરૂપ ભાવ-થવાયોગ્ય નિર્મળ ભાવને કર્મપણે પ્રાપ્ત થાય એવી એની કર્મશક્તિ છે. હવે, પ્રાપ્ત કરાતું આ નિર્મળ ભાવરૂપ કર્મ, જેને સિદ્ધરૂપભાવ કહ્યો, તેનો કર્તા કોણ?-એમ વિચારતાં કહે છે-કર્તાપણું જેનો સ્વભાવ છે એવો આત્મા પોતે જ પોતાના એ ભાવનો કર્તા છે. અહાહા...! નિજ આત્મદ્રવ્યના આશ્રયે કર્તૃશક્તિ છે એમ જાણી જેણે નિજ ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિમાં લીધું તે સ્વયં કર્તા થઈને પોતાના સમ્યગ્દર્શન આદિ ભાવરૂપે પરિણમે છે.

અહીં સિદ્ધરૂપ ભાવ એટલે સિદ્ધ પર્યાય એમ અર્થ નથી. પણ જે થવાયોગ્ય વર્તમાન નિશ્ચિત-ચોક્કસ વીતરાગી નિર્મળ પર્યાય થઈ તેને અહીં સિદ્ધરૂપ ભાવ કહેલ છે. સાધકની સમ્યગ્દર્શનથી માંડી સિદ્ધપદ પર્યંતની નિર્મળ પર્યાય જે ક્રમે પ્રાપ્ત થવાયોગ્ય થાય છે તેને અહીં સિદ્ધરૂપ ભાવ કહ્યો છે. તે સિદ્ધરૂપ ભાવના કર્તાપણામય આત્માની કર્તૃશક્તિ છે. વર્તમાન નિર્મળ રત્નત્રય તે થવાપણારૂપ-ભવનરૂપ ભાવ છે, ને તે ભવનરૂપ ભાવમાં તન્મય થઈને, તેનો ભાવક થઈને, આત્મા પોતે તેને ભાવે છે એવી તેની કર્તૃશક્તિ છે. લ્યો, હવે આમાં વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય થાય એમ કયાં રહ્યું? ભાઈ! વ્યવહારના-વિકલ્પના આલંબન વગર જ નિજશક્તિથી કર્તા થઈને સ્વાધીનપણે આત્મા પોતાના નિર્મળ નિર્મળ ભાવોરૂપ પરિણમે છે. અહા! એકેક શક્તિના વર્ણનમાં ગજબની વાત કરી છે.

બહેનના વચનામૃતમાં સાદી ભાષામાં બહુ સારી વાત આવી છેઃ “જાગતો જીવ ઊભો છે, તે કયાં જાય? જરૂર પ્રાપ્ત થાય” લ્યો, ભાષા સાદી, ને ભાવ સરસ, જાણે અમૃત. ‘જાગતો જીવ’ એટલે જાગ્રત ચૈતન્ય જ્યોતિસ્વરૂપ એક જ્ઞાયકસ્વભાવી આત્મા; ‘ઊભો છે’-એટલે કે તે ત્રિકાળ ધ્રુવ અસ્તિપણે છે. અહાહા...! એક જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આત્મા છે તે ત્રિકાળ ટકવાપણે-હોવાપણે ધ્રુવ છે, ને તેમાં નજર કરતાં તે અવશ્ય પ્રાપ્ત થાય છે, અર્થાત્ તેનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ અવશ્ય પ્રગટ થાય છે. અહા! ધર્મીને જે આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન- આચરણરૂપ કર્મ પ્રગટ થયું તેનો કર્તા કોણ? તો કહે છે-ધર્મી (-આત્મા) પોતે જ કર્તાપણું ગ્રહણ કરીને નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણરૂપ નિજ કર્મને પ્રગટ કરે છે; તેને કોઈ અન્ય ભિન્ન કારકોની ગરજ નથી. સમજાય છે કાંઈ...?

અહા! આત્માની આ કર્તૃશક્તિ એવી છે કે પોતાના શ્રદ્ધાન-જ્ઞાન આદિ નિર્મળ કાર્યના કર્તા પોતે જ થાય છે;


PDF/HTML Page 4108 of 4199
single page version

તેને કોઈ બીજાની અપેક્ષા નથી. અહા! શું ભગવાનનો દિવ્યધ્વનિ એના જ્ઞાનનો કર્તા છે? ના. કેવળી-શ્રુતકેવળીની સમીપે જ ક્ષાયિક સમકિત થાય એવો નિયમ છે. એ તો બરાબર છે, પણ શું કેવળી-શ્રુતકેવળી એના (-આત્માના) ક્ષાયિક સમકિતના કર્તા છે? ના. ભાઈ, ભગવાનની દિવ્યધ્વનિ અને કેવળી-શ્રુતકેવળી બહારમાં નિમિત્ત હો, પણ તે એના (ધર્મીના) જ્ઞાન-શ્રદ્ધાનના કર્તા નથી. એ તો આત્મા પોતે જ પોતાના સ્વભાવથી તેરૂપે-જ્ઞાન-શ્રદ્ધાનરૂપે પરિણમ્યો છે, એટલે આત્માનું જ તે કર્મ છે, ને આત્મા જ તેનો કર્તા છે, તેને કોઈ બીજાની અપેક્ષા નથી; કેમકે વસ્તુની શક્તિઓ બીજાની અપેક્ષા રાખતી નથી.

અહાહા...! આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ જાગ્રતસ્વભાવી-એક જ્ઞાયકસ્વભાવી ભગવાન છે. તેમાં એક કર્તૃશક્તિ ભરી છે. આ કર્તૃશક્તિનું બીજા અનંત ગુણમાં રૂપ છે. શું કીધું? જ્ઞાન, શ્રદ્ધા, આનંદ ઇત્યાદિ અનંત ગુણમાં કર્તૃશક્તિનું રૂપ છે. તેથી એક જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરતાં તે પોતાની વર્તમાન જ્ઞાન-શ્રદ્ધાન આદિરૂપ નિર્મળ પર્યાયના ભાવનો ભાવક નામ કર્તા થાય છે. જ્ઞાનગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય તે થવાયોગ્ય સિદ્ધરૂપભાવ છે. જ્ઞાનના તે નિર્મળ ભાવનું જ્ઞાન કર્તા છે, શાસ્ત્રો કે શ્રુતના વિકલ્પો જ્ઞાનભાવના કર્તા નથી. તેવી રીતે શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય-સમકિત થાય તેનો શ્રદ્ધાગુણ કર્તા છે, નવતત્ત્વના વિકલ્પ તેના કર્તા નથી; અને ચારિત્ર-સમ્યક્ચારિત્ર પ્રગટ થાય તેનો ચારિત્રગુણ કર્તા છે, વ્રતાદિના વિકલ્પ તેના કર્તા નથી. અહા! આ રીતે પોતાની નિર્મળ પર્યાયોને પ્રાપ્ત થઈ-પહોંચીને, તેમાં તન્મય થઈને આત્મા જ તેના કર્તાપણે પરિણમે છે. તે નિર્મળ ભાવોનો ભાવક આત્મા જ છે, બીજું કોઈ નહિ, દેવ-ગુરુ-શાસ્ત્ર નહિ, વ્યવહારના વિકલ્પ નહિ ને કર્મ પણ નહિ. આવી વાત! સમજાણું કાંઈ...?

અહા! નિજ જ્ઞાયકસ્વભાવની અંતરમાં જેને પ્રતીતિ વર્તે છે તે સાધકને નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન અને વીતરાગતા ઇત્યાદિ નિર્મળ પરિણમનરૂપ કર્મ પ્રગટ છે; તે સિદ્ધરૂપ ભાવ છે. અહા! તે ભાવનો કર્તા કોણ? -કે તે ભાવમાં તન્મય થઈને પરિણમે તે કર્તા છે. અહા! તે-રૂપ જે થાય તે કર્તા છે; પણ અતન્મય-જુદો રહે તે કર્તા નથી, તેને કર્તા કહેવો એ તો ઉપચારમાત્ર આરોપિત કથન છે. અહાહા...! કર્તાનું ઇષ્ટ એવું જે સમ્યગ્દર્શનાદિ નિર્મળ કર્મ તે કર્તાનું કાર્ય છે, ને ધર્મી-સાધક તેનો કર્તા છે. કર્તા-કર્મ-કરણ ઇત્યાદિ બધું જ આત્મામાં સમાય છે ભાઈ! આત્મા એકલો જ પોતે છએ કારકપણે થાય છે. બહારમાં જડ કર્મનો અભાવ થયો માટે નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ છે જ નહિ. સમજાણું કાંઈ...?

અહાહા...! પ્રભુ! તારી ઋદ્ધિ તો જો, તારી સમૃદ્ધિની સંપદા તો જો. જ્ઞાન, દર્શન, આનંદ, પ્રભુતા, સ્વચ્છતા- એમ અનંત ગુણ-સમૃદ્ધિની સંપદા તારામાં ભરી છે. એમાં એક કર્તૃશક્તિરૂપ ગુણ છે. અહા! આ કર્તૃત્વ ગુણ દ્રવ્ય- અને અનંત ગુણમાં વ્યાપક છે. આત્માના સર્વ ગુણમાં કર્તૃત્વ ગુણ વ્યાપક છે; સર્વગુણમાં કર્તૃત્વગુણનું રૂપ છે. તેથી જ્ઞાનાદિ સર્વ ગુણ કર્તાપણે થઈને પોતાની નિર્મળ પર્યાયને કરે છે. અહા! આ કર્તૃત્વ ગુણના કારણે જ્ઞાનગુણની નિર્મળ પર્યાયની પ્રાપ્તિ થાય છે. વર્તમાન મતિ-શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કર્તૃશક્તિના કારણે છે. જ્ઞાનમાં કર્તૃગુણનું રૂપ છે ને! પછી ક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે પણ કર્તૃશક્તિના કારણે છે. તેવી રીતે દર્શન નામનો જે ગુણ છે તેની ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન કે કેવળદર્શન-જે પર્યાય થાય તે સિદ્ધરૂપ વર્તમાન ભાવ છે, ને તે ભાવની ભાવક કર્તૃશક્તિ છે. છે ને અંદર? ‘થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ? ભાઈ, આ તો અંદર છે એની વિશેષ વ્યાખ્યા છે. ઓહો...? આમાં કેટલું સમાડી દીધું છે! એમકે જડકર્મનો ક્ષયોપશમ કે ક્ષય થયો માટે અહીં દર્શનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. દર્શનાવરણીય કર્મના ક્ષયના કારણે કેવળદર્શનની પર્યાય થઈ છે એમ નથી. હો, નિમિત્ત હો, પણ તે (ઉપાદાનમાં) કાંઈ કરતું નથી.

જયપુર (ખાનિયા)માં વિદ્વાનો વચ્ચે તત્ત્વચર્ચા થયેલી ત્યારે શંકાપક્ષ તરફથી આ વાત રજુ થયેલીઃ એમ કે-“ચાર ઘાતિકર્મોના નાશથી કેવળજ્ઞાન પ્રગટ થયું છે.” તત્ત્વાર્થસૂત્રમાં આ સૂત્ર છે. પણ એનો અર્થ શું? આ તો નિમિત્તનું કથન છે. બાકી ચાર ઘાતિકર્મનો નાશ થઈને તો પરમાણુઓની અકર્મ દશા થઈ છે, તેમાં એનાથી આત્મામાં શું થયું છે? ભાઈ, આત્માની કેવળજ્ઞાનની પર્યાય તે તે સમયે થવાપણારૂપ ને સિદ્ધરૂપભાવ છે, ને તે ભાવના ભાવકમયી કર્તૃશક્તિ છે.

આત્મામાં એક દૃશિશક્તિ છે. ચિતિશક્તિમાં જ્ઞાન અને દૃશિ-એમ બન્ને શક્તિ આવી ગઈ. અહીં કહે છે- દૃશિશક્તિની પર્યાયની કર્તા દૃશિશક્તિ છે. દરેક ગુણની વર્તમાન પર્યાય પ્રાપ્ત છે તેમાં કર્તૃશક્તિનું રૂપ છે. તે કર્તાપણે ઉત્પન્ન થાય છે. સત્ની સ્થિતિ જ આવી છે ભાઈ!

જીવમાં એક જીવનશક્તિ છે. જીવનું નિર્મળ ચૈતન્યજીવન પ્રગટ થાય તેનો કર્તા આ જીવનશક્તિ છે. ભાઈ, દેહ,


PDF/HTML Page 4109 of 4199
single page version

ઇન્દ્રિયો કે આયુ ઇત્યાદિના કારણે જીવનું ‘જીવન’ -ચૈતન્યજીવન છે એમ નથી, દેહાદિ તેના કર્તા નથી. એ તો અજ્ઞાની હું દેહાદિ વડે જીવું છું એમ માને છે, પણ વાસ્તવમાં તો એ એનું મરણ-ભાવમરણ છે. જેમાં જીવનશક્તિ વ્યાપે તે જીવનું જીવન છે.

આત્મામાં એક આનંદશક્તિ છે. જેમ જ્ઞાન આત્માનો સ્વભાવ છે તેમ આનંદ આત્માનો સ્વભાવ છે. વર્તમાનમાં જે અતીન્દ્રિય આનંદની અનુભૂતિરૂપ કાર્ય પ્રગટ થાય તેનો કર્તા આનંદ ગુણ છે. તેમાં કર્તૃશક્તિનું રૂપ છે ને! કોઈને થાય કે આ બધું કેટલું યાદ રાખવું? અરે ભાઈ, બીજે વેપાર આદિ સંસારી કામોમાં તો ખૂબ બધું યાદ રાખે છે. અહીં મૂઢતા બતાવે છે. તેથી નક્કી છે કે તારી રુચિ આમાં નથી. પણ ભાઈ, આ તો અસાધારણ ભાગવત કથા છે. આ સમયસાર તો જૈનધર્મનું મહા ભાગવત છે. આ જ સાચું ભાગવત છે; કેમકે ભગવાનનું કહેલું છે, ને ભગવાન થવાનું બતાવે છે. અહા! આ તો મહાયત્ન કરીને પણ સમજવા જેવી ચીજ છે ભાઈ! આને સમજવા મહા પુરુષાર્થ, અનંત-અનંત પુરુષાર્થ કરવો જોઈએ.

અહા! એ પુરુષાર્થની પર્યાય કયાંથી પ્રગટશે? વીર્યશક્તિમાંથી વર્તમાન પુરુષાર્થની પર્યાયનો કર્તા વીર્યશક્તિ છે. વર્તમાન જાગૃત પુરુષાર્થમાં વીર્યશક્તિ તન્મય છે. અહા! આવો યથાર્થ નિર્ણય કરે તેનું વીર્ય પરાશ્રય છોડી સ્વાશ્રયે પ્રવર્તે છે, અને પોતાના નિર્મળ નિર્મળ ભાવો રચવામાં ઉપયુક્ત થાય છે. સમજાય એટલું સમજો બાપુ! બાકી આમાં તો અપાર ઊંડી વાતુ છે. અહાહા...! એકેક ગુણમાં અનંત ગુણનું રૂપ ને અનંત ગુણમાં એકેક ગુણનું રૂપ છે. અલૌકિક વાત છે પ્રભુ!

‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ’-આવું તત્ત્વાર્થસૂત્રમાં સૂત્ર છે. સમ્યગ્દર્શનની પર્યાય જે પ્રાપ્ત થાય તે પ્રાપ્ત થવાનો તેનો કાળ છે. અહા! તે ભાવનો કર્તા કોણ? શ્રદ્ધા ગુણમાં કર્તૃશક્તિનું રૂપ છે તેથી તે તેનો કર્તા થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય જે ઉત્પન્ન થઈ તે સિદ્ધરૂપ ભાવ છે, ને તે ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ છે. ‘ભાવક’ શબ્દ પડયો છે. ભાવના ભાવકપણામય એટલે ભાવના કર્તાપણામય તે ગુણ છે. આવો માર્ગ સૂક્ષ્મ છે. અરે, લોકોએ સ્થૂળ રાગમાં માર્ગ મનાવી દીધો છે. એમ કે વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો-એમ બધે રાગ કરવાની પ્રરૂપણા ચાલે છે. કોઈ દશલક્ષણ પર્વમાં દસ ઉપવાસ કરે તો માને-મનાવે કે-ઓહોહો..! ભારે ધર્માત્મા, ઘણો ધર્મ કર્યો. પણ બાપુ! ઉપવાસ એટલે શું? ઉપ નામ સમીપ, ને વાસ એટલે રહેવું; આત્માની સમીપ- આશ્રયમાં રહેવું તે ઉપવાસ છે. જ્ઞાયકભાવની નિર્મળ પરિણતિ પ્રગટે તેનું નામ ઉપવાસ છે. બાકી બધો તો અપવાસ નામ માઠો વાસ-દુર્ગતિનો વાસ છે. હવે વાતે વાતે ફેર છે ત્યાં બીજા સાથે મેળ કેવી રીતે કરવો?

અહાહા...! આત્મામાં અનંત ગુણ છે. પ્રત્યેક ગુણ અસહાય છે. કોઈ ગુણને કોઈની (કોઈ અન્યની) સહાય નથી. વળી કોઈ ગુણ બીજા ગુણની સહાયથી છે એમ નથી, તેમ જ એક ગુણની પર્યાય બીજા ગુણની સહાયથી થાય છે એમેય નથી. એક ગુણમાં બીજા ગુણનું નિમિત્તપણું હો, કેમકે એક ગુણ જ્યાં વ્યાપક છે ત્યાં બીજા અનંત ગુણ વ્યાપક છે, પણ કોઈ ગુણના કાર્યનો કોઈ બીજો ગુણ કર્તા નથી. સર્વત્ર નિમિત્તનું આવું જ સ્વરૂપ છે. હવે આમ છે ત્યાં (કાર્ય) વ્યવહારથી થાય ને નિમિત્તથી થાય એ કયાં રહ્યું? કયાંય ઉડી ગયું.

ભાઈ, તારા આત્મદ્રવ્યના કર્તા કોઈ ઇશ્વર નથી. તારા ગુણના કર્તા પણ કોઈ ઇશ્વર નથી, તારા પ્રત્યેક ગુણની પર્યાય થાય તેનો કર્તા કોઈ બીજા ગુણની પર્યાય નથી. અહા! દ્રવ્ય-ગુણ પોતે જ પોતાના કાર્યના કર્તાપણાના સામર્થ્યયુક્ત ઇશ્વર છે. અહો! આચાર્યદેવે કર્તૃ આદિ શક્તિઓનું કોઈ અદ્ભુત વર્ણન કર્યું છે. આવી વાત બીજે કયાંય નથી. સમજાણું કાંઈ...?

પ્રભુ! તું જાગતી જ્યોત, ઊભો છો ને? અહાહા...! જાગતી જ્યોતનો થંભ-ધ્રુવસ્થંભ છો ને! તેના પર નજર કરવી તે તારું કાર્ય છે. ધ્રુવની નજરે જ સિદ્ધિ છે ભાઈ! જેમ કોઈ મોટો માણસ ઘરે આવે તે વખતે તેનો સત્કાર, આદરમાન કરવાને બદલે કોઈ ઘરના નાના બાળક સાથે રમત કરવા મંડી જાય તો તે મોટો માણસ એનો ઉપેક્ષાભાવ જાણીને ચાલ્યો જાય. તેમ અંદર જાગતી જ્યોત ભગવાન જ્ઞાયકદેવ ઊભો છે, તેના ઉપર નજર ન કરે, તેનો સત્કાર, આદરમાન ન કરે, અને રાગ ને પુણ્યરૂપી બાળક સાથે રમતું માંડે તો ભગવાન જ્ઞાયક ચાલ્યો જાય, અર્થાત્ તારી ચીજ તને પ્રાપ્ત ન થાય. ભાઈ, પુણ્ય-પાપમાં રોકાઈ રહેવું એ તો બાળક બુદ્ધિ છે.

આ શરીર તો જડ માટી-ધૂળ છે, ને પુણ્ય-પાપના વિકારી ભાવ દુઃખ ને દુઃખરૂપ છે. તેમાં ભગવાન જ્ઞાયક નથી. અંદર ભિન્ન જાગતી જ્યોત-ચૈતન્ય જ્યોત પ્રકાશે છે તે ભગવાન જ્ઞાયક છે. ભાઈ, તેની દ્રષ્ટિ કર, તેમાં નજર કરી


PDF/HTML Page 4110 of 4199
single page version

ત્યાં જ રમવાનું જોર આપ, તેનું જ ધ્યાન કર. તેથી તને નિર્મળ રત્નત્રય પ્રગટશે, અદ્ભુત અપૂર્વ આલ્હાદ થશે. અહા! તે અપૂર્વ આનંદની દશા થાય તેનો કર્તા આનંદ ગુણ છે. આનંદ ગુણ દ્રવીને આનંદની દશારૂપ થાય છે. આમ દરેક ગુણમાં ષટ્કારકનું પરિણમન હોવાથી તે તે ગુણની પર્યાયનો કર્તા તે તે ગુણ છે. ખરેખર તો પર્યાયનો કર્તા પર્યાય જ છે, પણ અહીં એ વાત નથી. અહીં તો વ્યાપ્યમાં વ્યાપક થઈને પરિણમે છે કોણ?-એમ લેવું છે. તેથી ગુણની પર્યાય થાય તેનો કર્તા ગુણ છે, ને અભેદથી દ્રવ્ય છે. અહા! આ કર્તૃત્વ ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે, પણ કોને? દ્રવ્યદ્રષ્ટિમાં તેનો સ્વીકાર કરે તેને; તેને સમયે સમયે નિર્મળ નિર્મળ પર્યાયો થયા કરે છે.

ભાઈ! સત્ શું? સત્નું સ્વરૂપ શું? -હવે એનું યથાર્થ જ્ઞાન થયા વિના સત્ કેવી રીતે પ્રાપ્ત થાય? ભાવભાસનમાં તો પોતાની ચીજ આવવી જોઈએ ને? અહીં કહે છે-થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવ તેના ભાવકપણામયી કર્તૃશક્તિ છે. સિદ્ધરૂપ ભાવ એટલે તે સમયે થવાયોગ્ય જે નિશ્ચિત નિર્મળ ભાવ પ્રાપ્ત થાય તે; તે સમયનું પ્રાપ્ય. સમયસારની ગાથા ૭૬-૭૭-૭૮માં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વૃત્ય-એવા ત્રણ બોલ આવે છે. પ્રાપ્ય એટલે તે સમયે જે થવાયોગ્ય નિયત ભાવ છે તેને પ્રાપ્ત કરે છે એનું નામ પ્રાપ્ય. અહા! આમાં તો સમયે સમયે થવાયોગ્ય ક્રમબદ્ધ પર્યાય થાય છે તે, અને તેનું કર્તાપણું પણ સિદ્ધ કર્યું છે. ભાઈ, સત્ બહુ સૂક્ષ્મ છે, તેને યથાર્થ સમજવું જોઈએ.

દરેક ગુણમાં કર્તૃત્વ ગુણનું રૂપ છે. તે કારણે પ્રત્યેક ગુણ કર્તા થઈને પોતાની નિર્મળ પર્યાયને કરે છે, બીજો ગુણ તેનો કર્તા નથી. આનંદ ગુણની પર્યાય પ્રગટી તેને કર્તૃત્વ ગુણની પર્યાય કરતી નથી. અહાહા...! એક પર્યાયમાં એક ગુણ કર્તા, અને એકેક પર્યાયમાં તે પર્યાય પોતે કર્તા. એકેક ગુણની એકેક પર્યાયમાં ષટ્કારક, ને એકેક પર્યાયમાં પર પર્યાય નહિ-આમ અનંતી પર્યાયમાં સપ્તભંગી લગાવવી. પોતાની પર્યાયથી પોતાની પર્યાય, તે પર્યાય બીજી અનંતી પર્યાયના કારણે નથી-એમ અનંત સપ્તભંગી લગાવવી. લ્યો, આવી જૈન પરમેશ્વરના ઘરની વાતનો લોકો સમજ્યા વિના જ વિરોધ કરે છે. ભાઈ, જરા ધીરજથી સાંભળે તો તને વિરોધનું કારણ રહેશે નહિ. આ તો તારા હિતની વાત છે બાપુ!

જુઓને! દ્રવ્ય સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર, વિકારના અભાવરૂપ પર્યાય સ્વતંત્ર છે. પણ આ તો નિશ્ચય છે, એકાંત છે -એમ કહીને એને ટાળી દે છે. અરે પ્રભુ! એકાંત છે, પણ આ સમ્યક્ એકાન્ત છે.. ભાઈ, એકાન્તના પણ બે પ્રકાર છેઃ સમ્યક્ એકાન્ત, અને મિથ્યા એકાન્ત. અનેકાન્ત પણ સમ્યક્ અને મિથ્યા એમ બે પ્રકારનું છે. પોતાની પર્યાય પોતાથી છે, ને રાગથીય છે-એ મિથ્યા અનેકાન્ત છે. પોતાની પર્યાય પોતાથી છે, ને પરથી-રાગથી નથી-આ સમ્યક્ અનેકાન્ત છે. અરેરે! આ જિંદગી ચાલી જાય છે ભાઈ! કરવાનાં કાર્ય ન કરે, અને ન કરવાયોગ્ય પુણ્ય- પાપમાં રોકાઈ જાય એ તો બાળવૃત્તિ છે ભાઈ!

પણ આખી દુનિયા તો એમ કરે છે? આખી દુનિયા તો ઉંધે રસ્તે છે, અને તેને દેખીને પોતે પણ ઉંધે રસ્તે જાય એમાં શું વિવેક છે? દુનિયા તો દુઃખી છે, ને દુઃખી રહેશે, માટે દુનિયાનું લક્ષ છોડી, તારા આત્માનું લક્ષ કર; આનંદનો સમુદ્ર તારો આત્મા છે; તેનું લક્ષ કરતાં પોતે જ આનંદરૂપ થઈને તેને આનંદ આપે એવા સામર્થ્યવાળો તે છે. સમજાણું કાંઈ...?

અહા! આત્માની ક્રિયા તો જ્ઞાતાદ્રષ્ટાપણે જાણવું તે છે, અને તેનો આત્મા કર્તા છે. પણ મલિનતા-વિકારના પરિણામનો આત્મા કર્તા નથી. વાસ્તવમાં વિકારરૂપ થવાના ઉપરમસ્વરૂપ-નિવૃત્તસ્વરૂપ ભગવાન આત્માનો અકર્તૃત્વ સ્વભાવ છે. (જુઓ ૨૧મી અકર્તૃત્વશક્તિ) વિકાર આત્મા નહિ, ને વિકારને કરે તેય આત્મા નહિ; કેમકે વિકારના કરવારૂપ આત્માનો કોઈ ગુણ નથી. સમજાય છે કાંઈ...? અહા! શુદ્ધ ચૈતન્યપરિણતિ છોડીને, બીજા કોઈ પરભાવોનું-વ્યવહાર રત્નત્રયાદિનું પણ-ભગવાન આત્માને કર્તૃત્વ નથી, અકર્તૃત્વ જ છે, જ્ઞાતાપણું જ છે. જ્ઞાની વ્યવહાર રત્નત્રયના રાગને માત્ર જાણે જ છે બસ. અહા! આવું ધર્મનું સ્વરૂપ છે.

પ્રશ્નઃ– અનંત શક્તિમાન આત્મા છે. તો તે જનહિતનાં કાર્યો તો કરે ને? ઉત્તરઃ– અરે ભાઈ, અનંત શક્તિમાન આત્મા છે એ તો સાચું, પણ તેની અનંત શક્તિઓનું કાર્ય આત્મામાં જ સમાય છે, બહારમાં તે વિસ્તરતું જ નથી. આત્મા બહારમાં કાંઈ કરે એવી કોઈ એની શક્તિ જ નથી. લોકના એક પરમાણુને પણ કરે એવું આત્માનું સામર્થ્ય નથી. બેમાં અત્યંતાભાવ હોવાથી, પરમાં કાંઈપણ કરવાનું આત્માનું સામર્થ્ય જ નથી તો પછી તે જનહિતનાં કાર્યો કેવી રીતે કરે? હું પરનાં-જનહિતનાં કાર્ય કરું છું એવી માન્યતા તો ઘેલછા ને મૂઢપણું સિવાય કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?


PDF/HTML Page 4111 of 4199
single page version

આ તો અમૃતચંદ્રદેવે એકલાં અમૃત પીરસ્યાં છે ભાઈ. અમૃતસ્વરૂપ અનંત શક્તિવાન નિજ દ્રવ્યને જાણી તેની દ્રષ્ટિ-જ્ઞાન-રમણતા કરવાં તે કરવાયોગ્ય કાર્ય છે, અને તે પરમ હિત છે.

આ પ્રમાણે અહીં કર્તૃશક્તિનું વર્ણન પૂરું થયું.

*
૪૩ઃ કરણશક્તિ

‘ભવતા (-વર્તતા, થતા) ભાવના ભવનના (-થવાના) સાધકતમપણામયી (-ઉત્કૃષ્ટ સાધકપણામયી, ઉગ્ર સાધનપણામયી) કરણશક્તિ’.

આત્મા પોતે કર્તા થઈને પોતાના સમ્યગ્દર્શન આદિ નિર્મળ કાર્યને કરે છે; એ તો ઠીક, પણ એનું સાધન શું? એમ કે કર્તા કયા સાધનવડે પોતાનું કાર્ય સાધે છે? લ્યો, આના સમાધાનરૂપ કહે છે-

‘ભવતા ભાવના ભવનના સાધકતમપણામયી કરણશક્તિ છે.’ આત્માની આ શક્તિ વડે આત્મા પોતે જ પોતાના નિર્મળ ભાવનું સાધકતમ સાધન થાય છે. ‘ભવતા ભાવના ભવનના...’ , ભવતો ભાવ એટલે શું? કે વર્તમાન વર્તતો નિર્મળ ભાવ, વર્તમાન સમ્યગ્દર્શન આદિ નિર્મળ ભાવ તે ભવતો ભાવ છે, તે કાર્ય છે; તે કાર્ય થવાનું ઉત્કૃષ્ટ સાધન આત્મા પોતે જ છે. અહાહા...! સાધકને વર્તમાન સમ્યગ્દર્શનાદિ નિર્મળ કાર્ય વર્તે છે તેનું સાધકતમ સાધન સાધકનો આત્મા પોતે જ છે. ‘સાધકતમ’ કેમ કહ્યું?-કે નિયમરૂપ અબાધિત સાધન આ (-આત્મા) એક જ છે. ગજબ વાત ભાઈ! વ્યવહાર રત્નત્રય તે સાધન નથી, ને અન્ય પદાર્થ પણ કોઈ સાધન નથી-એમ અહીં કહે છે. સમજાણું કાંઈ...?

અહાહા...! આત્મા જ્ઞાયક પ્રભુ ગુણી-સ્વભાવવાન છે, ને જ્ઞાનાદિ તેના ગુણ છે. તેના ગુણને અહીં શક્તિ કહે છે. ગુણ કહો, શક્તિ કહો કે સ્વભાવ કહો-બધી એક જ વસ્તુ છે. આત્મામાં અનંત શક્તિઓ છે. અહાહા...! અનંત શક્તિઓનો અભેદ એક પિંડ પ્રભુ આત્મા છે. અહા! આ અભેદ એકરૂપની દ્રષ્ટિ કરવાથી ધર્મનું પ્રથમ પગથિયું એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. જુઓ આ ધર્મની શરુઆતનું કાર્ય! હા, પણ તેનું સાધન શું? વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ એનું સાધન ખરું કે નહિ? તો કહે છે-ના, એ કોઈ સાધન નથી, કેમકે એનાથી ધર્મ થવાનો નિયમ નથી. કરણશક્તિ વડે આત્મા પોતે જ તેનું સાધકતમ સાધન થઈ સમ્યગ્દર્શનરૂપ પરિણમે છે. આત્મામાં જ તેનું નિયમરૂપ સાધન થવાની શક્તિ છે. આવી વાત!

હવે આવું કદી સાંભળ્‌યું ન હોય તેને આ એકદમ કઠણ પડે. એમ કે દયા કરવી, વ્રત પાળવાં, ભક્તિ-પૂજા કરવી, જાત્રા કરવી-એનાથી જ અમે તો ધર્મ થવાનું માનીએ છીએ, ને આ તે કેવો ધર્મ કાઢયો?

અરે ભાઈ, તને ધર્મના સ્વરૂપની ખબર નથી. ધર્મ તો એને કહીએ જેમાં રાગ રહિત અંદર પોતાની ત્રિકાળી ચીજ છે તેની દ્રષ્ટિ અને આલંબન હોય, જેમાં અનાકુળ આનંદના વેદનવાળી સ્વાનુભવની વીતરાગી દશા હોય. અહાહા...! ભેદના પક્ષથી રહિત થઈને પોતાની અભેદ એકરૂપ ચિન્માત્ર વસ્તુ અંદર છે તેની દ્રષ્ટિ કરવાથી ધર્મનું પ્રથમ ચરણ એવું સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. આ સિવાય તારું બધું જ થોથાં છે બાપુ! તને ગમે ન ગમે, આ ભગવાન આત્માની ભાગવત-સ્વરૂપ કથા છે; સર્વજ્ઞ વીતરાગ જૈન પરમેશ્વરે ધર્મસભામાં કહેલી આ આત્માની ધર્મકથા છે. પ્રભુ! એક વાર મન દઈને ધીરજથી સાંભળ. તારી ચીજમાં વર્તમાન થવાયોગ્ય જે નિર્મળ ધર્મના પરિણામ થાય તેના સાધકતમપણામયી તારામાં કરણશક્તિ છે. ઓહો...! ધર્મને સાધનારા ધર્મના સ્થંભ એવા વીતરાગી સંતો-મુનિવરો ભગવાન કેવળીના આડતિયા થઈને આ વાત જગતને જાહેર કરે છે.

ભાઈ, આમાં કાંઈ આડું-અવળું કરવા જાય તો કાંઈ હાથ આવે એમ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ તે ભવતો ભાવ છે. તેના ભવનના ઉત્કૃષ્ટ-એકમાત્ર નિર્બાધ-સાધનરૂપ આત્મામાં કરણશક્તિ છે. જુઓ આ સાધન!

પ્રશ્નઃ– હા, એ તો નિશ્ચય અભિન્ન સાધન કહ્યું; પણ શાસ્ત્રમાં ભિન્ન સાધન-સાધ્ય પણ કહ્યું છે. ઉત્તરઃ– ભાઈ, ત્યાં એ તો બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. રાગની મંદતારૂપ વ્યવહાર રત્નત્રય તે સાધન અને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રય તે સાધ્ય-એમ કહ્યું છે એ તો બાહ્ય વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે


PDF/HTML Page 4112 of 4199
single page version

કહ્યું છે. એ આરોપિત ઉપચારનું કથન છે. દેવ-ગુરુ-શાસ્ત્રને સમકિતનું કારણ-સાધન કહ્યું હોય તેય ઉપચારમાત્ર નિમિત્તનું કથન જાણવું. અંદર નિજાત્માનું સાધન જેને વર્તે છે એવા ધર્મીના વ્યવહાર રત્નત્રયને ને દેવ-ગુરુ-શાસ્ત્રને સહચર વા નિમિત્ત જાણી ઉપચારથી સાધન કહેવામાં આવે છે. બાકી કરણ-સાધનગુણ વડે પોતાનો આત્મા જ પોતાના સમકિત આદિ નિર્મળ ભાવોનું વાસ્તવિક સાધન છે. નિર્મળ પરિણત નિજ શુદ્ધાત્મા જ પરમાર્થ સાધન છે, બાહ્ય નિમિત્તો ને ભેદરૂપ વ્યવહાર કોઈ સત્યાર્થ સાધન નથી, જ્યાં સાધન કહ્યાં હોય ત્યાં ઉપચારમાત્રથી કહ્યાં છે એમ સમજવું, અને મૂળ અંતરંગ સાધનના અભાવમાં તેને ઉપચાર પણ લાગુ પડતો નથી એમ યથાર્થ જાણવું. અહા! આવો વીતરાગનો મારગ, ભાખ્યો શ્રી ભગવાન!

આ સમયસાર શાસ્ત્રમાં ગાથા ૩પ૬ થી ૩૬પ ની ટીકામાં આચાર્યદેવે પ્રશ્ન મૂકયો છે કે-‘અહીં સ્વ- સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે?’ તેના ઉત્તરરૂપે કહ્યું કે-‘કાંઈ સાધ્ય નથી.’ હવે અંદરના ગુણ-ગુણીરૂપ ભેદના સૂક્ષ્મ વ્યવહારથી કાંઈ સાધ્ય નથી તો પછી વ્રત, તપ આદિ વ્યવહાર રત્નત્રયનો સ્થૂળ રાગ સાધન કયાંથી થાય? ભાઈ, સ્વભાવનું આલંબન જ સાધકતમ સાધન છે, આ સિવાય વ્યવહારથી કે નિમિત્તથી કાંઈ જ સાધ્ય નથી.

અહાહા...! અનંત વાર એનો જૈન કુળમાં જન્મ થયો. સાક્ષાત્ ત્રણલોકના નાથ અરિહંતદેવના સમોસરણમાં પણ અનંત વાર ગયો, ને ભગવાનની દિવ્ય વાણી પણ સાંભળી. વળી વનવાસ જઈ, દિગંબર નગ્ન મુનિ-દ્રવ્યલિંગી થઈને દુર્દ્ધર વ્રત, તપ આદર્યાં; પંચમહાવ્રત પાળ્‌યાં-અહાહા...! ‘વહ સાધન બાર અનંત કિયો’-અનંત વાર એણે આવાં સાધન ગ્રહ્યાં, પણ બધું જ ફોગટ ગયું. કારણ? કારણ કે આ બાહ્ય સાધન નિયમરૂપ સાધન નથી. સાધનશક્તિમય નિજ ચૈતન્યસ્વરૂપ આત્મા જ સમકિત આદિ સાધ્યનું સાધન છે. માટે તે એકની જ દ્રષ્ટિ કર, તે એકનું જ આલંબન કર. તારું સાધ્ય અને સાધન તારામાં જ-એક શુદ્ધાત્મામાં જ સમાય છે. સમજાણું કાંઈ...!

જિંદગી એળે જાય છે ભાઈ! અરે! એને સાચી વાત કદી સાંભળવા મળી નથી. અહીં કહે છે-ભવના અભાવના કારણરૂપ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયો તેનું કારણ શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયભૂત સાધનશક્તિ છે. ધર્મીને વચ્ચે વ્યવહાર રત્નત્રય આવે છે અવશ્ય, પણ તે સાધન નથી. વાસ્તવમાં એ તો હેય તત્ત્વ છે. આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. ઉપાદેય તત્ત્વ નિજ શુદ્ધાત્મા છે. અહાહા...! સાધન ગુણનો ધરનારો ગુણી, પંચમ પારિણામિકભાવ-એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ ભાવ છે, અહાહા...! એવો નિત્યાનંદનો નાથ પ્રભુ નિજ શુદ્ધાત્મા છે; તેનો આશ્રય કરવાથી, તેની સાધનશક્તિ પરિણમતાં, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ ભાવોનું ભવન થાય છે. પ્રભુ! તારા ધર્મનું જે વીતરાગી કાર્ય તેનું સાધન વ્યવહારનો રાગ નથી, કેમકે તેને તે પહોંચતો નથી; વીતરાગી કાર્યને રાગ પહોંચતો નથી, સ્પર્શતો નથી, અનંતગુણમહિમાવાન શુદ્ધ આત્મદ્રવ્ય જ તારા સિદ્ધરૂપ ભાવોનું સાધન છે; કેમકે તે ભાવોમાં આત્મા તન્મય છે. અહાહા...! સર્વજ્ઞ પરમેશ્વરે આત્માને કેવો દેખ્યો? કહે છે-

પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતા હો લાલ;
નિજ સત્તાએ શુદ્ધ, સહુને પેખતા હો લાલ.

અહાહા...! સર્વ જગતને દેખનાર પ્રભુ! આપ જ્ઞાયક છો. આત્માનું નિજ સત્તાથી જ હોવાપણું શુદ્ધ, પવિત્ર છે એમ આપે જ્ઞાનમાં જોયું છે. પરવસ્તુ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, નોકર્મને ભગવાન! આપે અજીવપણે દેખ્યાં છે; હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ઇત્યાદિને આપે પાપરૂપે દેખ્યાં છે; ને દયા, દાન, વ્રત, તપ, શીલ ઇત્યાદિ ભાવને આપે પુણ્ય તરીકે દેખ્યાં છે. નિજ હોવાપણું તો પ્રભુ, આપ શુદ્ધ દેખો છો. લ્યો, વ્રત, તપ આદિ પુણ્યભાવોને આત્માના હોવાપણે ભગવાન દેખતા નથી, પછી તે સાધન છે એ વાત કયાં રહી?

અરે, આખી જિંદગી પૈસા આદિ ધૂળમાં સુખ માનીને વીતાવે છે. પરમાત્મા કહે છે-જે કોઈ પર ચીજને માગે-વાંછે છે તે મોટો ભિખારી છે. પોતાની ચીજ પૂર્ણાનંદનો નાથ પ્રભુ અનંતશક્તિ સંપન્ન અંદર વિરાજે છે તેની સમીપ જઈ સુખ મેળવતો નથી, ને બહારની ચીજમાં-દેહમાં, ધનમાં, સ્ત્રી આદિમાં-સુખ માટે ઝાવાં નાખે છે તો મહા દરિદ્રી-ભિખારી છે.

પણ એ અબજોપતિ છે ને? અબજોપતિ હોય તોય એ ધૂળનો ધણી ધૂળપતિ છે, ને તીવ્ર તૃષ્ણાથી માગ માગ કરનારો મોટો માગણ- ભિખારી છે; વળી તે મૂર્ખ પણ છે, કેમકે ભાઈ, એ ધૂળમાં જરીયે સુખ નથી, બલકે એની તૃષ્ણામાં આકુળતાનો ભંડાર છે, દુઃખનો


PDF/HTML Page 4113 of 4199
single page version

દરિયો છે. છતાં અજ્ઞાનથી તેમાં સુખ માની રહ્યો છે. અરે, તારું સુખ તો અંદર સુખનો સમુદ્ર ભગવાન આત્મા છે તેમાં છે. આત્મામાં સુખ અને સાધન-એવી શક્તિઓ પડી છે. અહા! સુખનું સાધન થઈને પોતાને સુખની પ્રાપ્તિ કરાવવી તે કરણશક્તિનું કાર્ય છે. ભાઈ, અંતર્મુખ દ્રષ્ટિ કરી અંદર જો તો ખરો, તું ન્યાલ થઈ જાય એવાં સુખનાં નિધાન દેખાશે.

અહાહા...! ચૈતન્યગુણરત્નાકર પ્રભુ આત્મા છે. તેમાં એક કરણ નામ સાધન ગુણ છે. જ્ઞાનાદિ બીજા અનંત ગુણમાં આ સાધન ગુણનું રૂપ છે. શું કીધું? આત્મામાં જ્ઞાન વગેરે ગુણ છે તેમાં સાધન ગુણનું રૂપ છે. જ્ઞાનગુણમાં સાધન ગુણ છે એમ નહિ, પણ તેમાં સાધન ગુણનું રૂપ છે. બીજી રીતે કહીએ તો જ્ઞાનગુણ પોતે જ સાધનરૂપ થઈને પોતાના સમ્યગ્જ્ઞાન પરિણામને સાધે એવું એનું સ્વરૂપ છે. આવી વાત! અરે, પોતાના ઘરમાં શું ભર્યું છે એની જીવે કદી સંભાળ કરી નથી. જેને અંતરમાં જિજ્ઞાસા જાગી છે તેને સાધન બતાવતાં આચાર્યદેવ ગાથા ૨૯૪ ની ટીકામાં કહે છે-

“આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતાં, નિશ્ચયે પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ (-જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ) છેદનાત્મક કરણ છે. તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતાં તેઓ નાનાપણાને અવશ્ય પામે છે; માટે પ્રજ્ઞા વડે જ આત્મા અને બંધનું દ્વિધા કરવું છે. (અર્થાત્ પ્રજ્ઞારૂપી કરણ વડે જ આત્મા ને બંધ જુદા કરાય છે.)”

જુઓ આ સાધન! અહાહા...! સ્વાનુભવમાં અંતઃસ્પર્શ કરીને આચાર્ય ભગવાન કહે છે-ભગવતી પ્રજ્ઞા જ- સ્વાભિમુખ ઢળેલી જ્ઞાનની દશા જ-છેદનાત્મક કરણ છે. પ્રજ્ઞારૂપી સાધન વડે જ આત્મા અને બંધ જુદા કરાય છે. લ્યો, આમ કર્તાનું સાધન પોતામાં જ છે, કર્તા પોતે જ છે. ‘પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી’ -એમ કહીને આચાર્યદેવે આ મહા સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. માટે હે ભાઈ! તારા સાધનની અંદર ચૈતન્યના તળમાં ઉંડા ઉતરીને તારામાં જ તપાસ કર; બીજે શોધ મા. જેઓ સાધનને બહારમાં શોધે છે તેઓ સ્થૂળ બુદ્ધિવાળા બહિદ્રષ્ટિ છે, તેમને બીજે કયાંય સાધન હાથ આવતું નથી. શ્રીમદ્માં આવ્યું છે ને કે-

“વહ સાધન બાર અનંત ક્યિો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો.”

જે ચૈતન્યના તળમાં ઉંડા ઉતરીને શોધ કરે છે તેમને પોતાના આત્મામાં જ પોતાનું સાધન ભાસે છે. અરે, પોતે જ સાધનરૂપ થઈને સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવોને પ્રાપ્ત કરે છે.

અહા! જ્ઞાનને સૂક્ષ્મ કરીને જ્યાં અંતરમાં વાળ્‌યું, સ્વાભિમુખ કર્યું ત્યાં ભગવાન આત્માનો અનુભવ થાય છે. આ સ્વાભિમુખ જ્ઞાનની દશાને ભગવતી પ્રજ્ઞા કહે છે, અને આ જ સ્વાનુભવનું ને મોક્ષનું સાધન છે. ભગવતી પ્રજ્ઞા અભેદપણે આત્મા જ છે, તેથી આત્મા જ પોતે પોતાના નિર્મળ ભાવોનું-સમકિતથી માંડીને સિદ્ધપદ પર્યંતના ભાવોનું-સાધન છે. આ સિવાય ભિન્ન સાધન કહ્યું હોય તે ઉપચારમાત્ર કહ્યું છે એમ જાણવું. સમજાણું કાંઈ...?

અરે, પોતાની શક્તિનું અંતરમાં શોધન કર્યા વિના, પોતાના સાધનનું ભાન કર્યા વિના એ ચોરાસીના અવતારમાં રખડયા કરે છે. અહીં મોટો અબજોપતિ શેઠ હોય તે મૂર્ખ (તત્ત્વ મૂઢ) મરીને જાય હેઠ કયાંય નરકમાં. આ બધું-બાગ-બંગલાને ધન-સંપત્તિ-ધૂળધાણી બાપુ! નરકમાં એની પારાવાર વેદના-દુઃખનું શું કહેવું? અરે, અનંત કાળ તો એનો અનંતી વેદનાનું-દુઃખનું સ્થાન એવા નિગોદમાં ગયો છે. ભાઈ, તારે દુઃખમુક્ત થવું હોય તો અંદર તારામાં એનું સાધન છે તેનો નિશ્ચય કર. અહાહા...! પર્યાયમાં જે નિર્મળ જ્ઞાન ને આનંદનું કાર્ય એક પછી એક પ્રગટ થાય છે તે વીતરાગી ભવતા ભાવનું કારણ, કહે છે, આત્મામાં સદાય રહેલી સાધનશક્તિ છે. આત્મામાં અંતર્દ્રષ્ટિ કરી છે તે દ્રષ્ટિવંતને, શ્રદ્ધા ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને સમકિતપણે પરિણમે છે, જ્ઞાનગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને સમ્યગ્જ્ઞાનપણે પરિણમે છે, ને આનંદ ગુણ વડે આત્મા પોતે જ અનાકુળ આનંદપણે પરિણમે છે. આમ સાધન ગુણનું સર્વ ગુણમાં રૂપ હોવાથી સર્વ ગુણોમાં પોતપોતાની પર્યાયોનું સાધન થવાનું સામર્થ્ય હોય છે. બધા ગુણ-પર્યાયો અભેદ આત્મામાં જ સમાતા હોવાથી આત્મા જ સાધન-સાધ્ય છે. (ભેદ તો સમજવા માટે છે). અરે, આ વાતનો અત્યારે બહુ લોપ થઈ ગયો છે. ઉંચા પદ ધરાવનારા પણ વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો... , ને તમારું કલ્યાણ થઈ જશે-એવી પ્રરૂપણા કરે છે; પણ ભાઈ, શુભભાવ કરતાં કરતાં શુદ્ધતાં થશે એવી પ્રરૂપણા સમ્યક્ નથી, કેમકે શુભરાગ કોઈ શુદ્ધતાનું સાધન નથી.

આ શેઠિયાઓ મોટા મોટા બંગલા બંધાવે; કોણ બંધાવે? એ તો કથન છે. પછી બંગલાનું વાસ્તુ લે ત્યારે મોટો ઉત્સવ ઉજવે છે; પણ એ તો પરઘર બાપુ! તારું ઘર નહિ ભગવાન! તારા સ્વઘરમાં તો ચૈતન્યની અનંત શક્તિઓ ભરી


PDF/HTML Page 4114 of 4199
single page version

છે. અહા! તે નિજ ઘરનું-નિજ ચૈતન્યધામનું તારે વાસ્તુ લેવું હોય તો તારા અભેદ સ્વદ્રવ્યની દ્રષ્ટિ કરવી પડશે; નિમિત્તની નહિ, પર્યાયની નહિ, રાગની નહિ ને ગુણભેદનીય નહિ. ધ્રુવ સ્વભાવ એક જ્ઞાયકભાવ સ્વદ્રવ્ય છે, એની દ્રષ્ટિ કરવાથી સ્વઘરનું-અનંત સુખધામનું વાસ્તુ થાય છે. આવી વાત!

હવે કયાંક આવી તત્ત્વની વાત સાંભળવા મળે નહિ, ને પૈસા રળવામાં ને બૈરાં-છોકરાં સાચવવામાં ને વિષય-કષાયના ભોગમાં-એમ ને એમ જિંદગી બિચારાની ચાલી જાય! માંડ કોઈક દિ’ કલાક-બે કલાક કદાચ સાંભળવાનો વખત મળે તો કુગુરુ બિચારાને લૂંટી લે. વાણિયા એમ તો બીજે ન છેતરાય, પણ અહીં ધર્મમાં છેતરાઈ જાય છે. દાન કરો, ભક્તિ કરો, સમ્મેદશિખર ને શત્રુંજ્યની જાત્રા કરો-બસ, પછી શું છે? આ જ ધર્મ-અહા! આવો ઉપદેશ મળે ને વાણિયા છેતરાઈ જાય. લોભિયા ખરા ને! બધે જ સસ્તુ શોધે. જેમ સસ્તા ફળ લાવે, ને પછી બગડેલાં-સડેલાં ને ખાટાં નીકળે એટલે ફેંકી દેવાં પડે; એમ અહીં શુભભાવમાં સસ્તો માર્ગ શોધી લાવે પણ મોંઘો પડી જાય, કેમકે એમાં કયાંય ધર્મ નથી. બિચારા ધર્મના નામે છેતરાઈ જાય! ત્યારે કોઈ વળી કહે છે-

પણ સમ્મેદશિખરની યાત્રાનો તો બહુ મહિમા કર્યો છે. કહ્યું છે કે-

‘એક વાર વંદે જો કોઈ, તાકો નરક પશુ ગતિ નહિ હોઈ’

અરે ભાઈ, શુભભાવથી પુણ્ય બંધાતા એક વાર કદાચ નરક-પશુગતિ ન મળી તો તેમાં શું ફાયદો થયો? સ્વર્ગનું આયુષ્ય પૂરું કરીને અજ્ઞાનવશ પશુ થશે અને પછી નરકે જશે. અરે ભાઈ, તને પુણ્યનું ફળ દેખાય છે, પણ અજ્ઞાનનું ને મિથ્યાભાવનું ફળ નથી દેખાતું. બાપુ! મિથ્યાભાવનું ફળ પરંપરાએ નિગોદ છે ભાઈ! જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, સ્વભાવનું સાધન નથી, સ્વરૂપનાં પ્રતીતિ ને વિશ્વાસ નથી તો ક્રિયાકાંડના આલંબને એકાદ ભવ સ્વર્ગનો મળી જાય, પણ પછી તિર્યંચ થઈને નરક કે નિગોદમાં જીવ ચાલ્યો જશે; તેને ભવનો અભાવ નહિ થાય. ભવના અભાવનું સાધન તો સ્વભાવના આલંબનથી જ પ્રગટ થાય છે.

અહા! સાધકને વર્તમાન નિર્મળ વીતરાગી ભાવના ભવનનું કારણ આત્માની કરણશક્તિ છે. પ્રશ્નઃ– હા, પણ તે ઉત્કૃષ્ટ સાધન કહ્યું છે; પણ જઘન્ય સાધન બીજું કાંઈ છે કે નહિ? દયા, દાન, વ્રત આદિ શુભભાવ થાય તે જઘન્ય સાધન છે કે નહીં?

ઉત્તરઃ– ના, શુભભાવ સાધન નથી. એ તો ધર્મીને બહારમાં નિમિત્તરૂપ ને સહચર કેવો શુભભાવ હોય છે તેનું જ્ઞાન કરાવવા એના તે શુભભાવને આરોપ દઈને ઉપચારથી સાધન કહ્યું છે, પણ તે નિયમરૂપ સાધન નથી, તે સાધન જ નથી. ઉત્કૃષ્ટ સાધન એટલે એકમાત્ર નિયમરૂપ સાધન-એવો અર્થ થાય છે. સમજાણું કાંઈ...? ભવના છેદરૂપ સાધકનું ખરું સાધન એકમાત્ર આત્મસ્થિત નિર્મળ પરિણત સાધનશક્તિ છે. આવી વાત છે.

આમાં થોડા શબ્દે ઘણી બધી વાત કરી છે. અનંતગુણધામ પ્રભુ આત્મામાં એક ચારિત્ર ગુણ છે. તે ચારિત્ર સ્વભાવમાં કરણ-સાધન શક્તિનું રૂપ છે; જેથી વીતરાગી પર્યાયનું કારણ તે ચારિત્ર ગુણ થાય છે, અર્થાત્ ચારિત્ર ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને ચારિત્રની વીતરાગી દશારૂપ પરિણમે છે. ઓહો...! ચારિત્રની અકષાય વીતરાગી પરિણતિ સંત-મુનિવરોને હોય છે ને? તેનું સાધકતમ સાધન અંદર ચારિત્ર પરિણત આત્મા છે. આ મુનિવરોને તેમની દશામાં પ્રચુર આનંદનું વેદન હોય છે. સમ્યગ્દર્શનમાં આનંદનું વેદન છે, પણ પ્રચુર આનંદનું વેદન નથી. વીતરાગી નિર્ગ્રંથ દિગંબર સંત-મુનિવરને પ્રચુર આનંદનું વેદન હોય છે. જુઓ, વસ્ત્ર સહિત હોય તે કોઈ સાધુ નથી; તેમ જ ખાલી વ્રત, તપનાં સાધન કરે તે સાધુ નથી, કારણ કે એ તો બધો રાગ છે ને એ બંધનનું કારણ છે.

ભાઈ, ત્રણલોકના નાથ કેવળી પરમાત્મા એ કહેલી વાત અહીં સંતો આડતિયા તરીકે જાહેર કરે છે. જન્મ- મરણ મટાડવાના બીજરૂપ સમ્યગ્દર્શન છે. અહો! સમ્યગ્દર્શનનો મહિમા અપાર છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તેથી સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે ધર્મ નામ ચારિત્રનો ઉપાય છે. ચારિત્રદશા જેને પ્રગટ થાય તેને બહારમાં દેહની નગ્ન દશા થઈ જાય છે. બહારમાં દેહથી નગ્ન અને અંદર રાગથી નગ્ન-એવી વીતરાગી સંત મુનિવરની ચારિત્ર દશા હોય છે. તેને વચ્ચે પંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે, પણ તે કાંઈ ચારિત્ર નથી, ચારિત્રનું સાધનેય નથી. અહાહા...! અંદર સ્વસ્વરૂપમાં પ્રચુર આનંદપૂર્ણ રમણતા હોય તે ચારિત્ર છે. તે ચારિત્રનું સાધન શું? પંચ મહાવ્રત ને પંચ સમિતિનો વિકલ્પ તે સાધન છે? ના, તે સાધન નથી. ચારિત્રગુણમાં કરણશક્તિનું રૂપ છે, જેથી આત્મામાં નિજસ્વભાવ સાધન વડે વીતરાગી ચારિત્ર પર્યાયનું ભવન થાય છે. આવો મારગ છે ભાઈ! વસ્ત્ર સહિત કોઈ મારગ નથી, ને વ્રતાદિના રાગને સાધન માને


PDF/HTML Page 4115 of 4199
single page version

તેય મારગ નથી; એ તો ઉન્માર્ગ છે.

આત્માના આનંદના ભોગનું કારણ બહારની ચીજ નથી. સ્ત્રીના શરીરનો કે ગુલાબ જાંબુનો ભોક્તા આત્મા નથી; પરંતુ તે પદાર્થોના ભોગ કાળે આને જે રાગ થાય છે તે રાગનો તે ભોક્તા છે, પણ તે આકુળતાનો ભોગ છે. હવે જેને અનાકુળ આનંદનો ભોગવટો છે તેના આનંદનું કારણ નામ સાધન કોણ? અહા! અનાકુળ આનંદનો ભોગ કરવો હોય તો તેના સાધનની શોધ અવશ્ય કરવી જોઈશે. અહીં કહે છે-તારા આનંદનું સાધન અનંત શક્તિવાન એવો તું જ છો. અહાહા...! તારા આત્મામાં એક સાધનશક્તિ ત્રિકાળ પડી છે, તેથી શક્તિવાનને શોધવાથી, તેમાં અંતર્મુખ દ્રષ્ટિ કરવાથી, તારો આત્મા જ તને અનાકુળ આનંદનું સાધન થઈને અનાકુળ આનંદનો ભોગ આપે છે. માટે સહજાનંદી નિજાનંદી પ્રભુ આત્માને જ સાધન જાણીને તેમાં અંતર્મુખ થા. સમજાય છે કાંઈ...? અહા! અનાકુળ આનંદનું વેદન તેનું નામ ધર્મ છે.

અહાહા...! આત્મામાં અપરિમિત અનંત શક્તિઓ છે. તેની એકેક શક્તિ અનંત ગુણમાં વ્યાપક છે. એ રીતે પ્રત્યેક ગુણમાં આ સાધનશક્તિ વ્યાપક છે. તેથી અનંતગુણનિધાન નિજ આત્મદ્રવ્ય-ધ્રુવ ત્રિકાળીનો આશ્રય કરતાં શક્તિઓ વડે આત્મા સ્વયં સાધનરૂપ થઈને પોતાની નિર્મળ પર્યાયોને ઉત્પન્ન કરે છે. લ્યો, આ છે સમકિતથી માંડીને પંચ પરમપદ પર્યંતનાં સ્થાનોની સિદ્ધિના સાધનનું રહસ્ય. હવે જૈનમાં જન્મીને પણ લોકો ‘ણમો અરિહંતાણં’ ઇત્યાદિ પંચ પરમેષ્ઠીના જાપ જપે, પણ એની સિદ્ધિનું સાધન શું? એનો વિચાર સુદ્ધાં ના કરે. અરે ભાઈ, નમસ્કાર મંત્રના જાપ તો એણે અનંત વાર કર્યા છે. પણ એથી શું લાભ? એ તો શુભરાગ છે, એમાં પંચ પરમપદરૂપ ધર્મ કય ાંથી આવે? પંચ પરમપદરૂપ ધર્મદશાના કારણરૂપ-સાધનરૂપ તો અંદર સાધનસ્વભાવમય આત્મા છે. માટે જાપના વિકલ્પના આશ્રયથી ખસી, ભગવાન આત્માના આશ્રયમાં જા, એમ કરતાં તારો આત્મા જ નિજ સ્વભાવ-સાધન વડે પંચ પરમપદરૂપ થઈ તને સાધ્યની સિદ્ધિ કરાવશે-દેશે. આ સિવાય બીજી કોઈ રીતે સાધ્યની સિદ્ધિ નથી. આચાર્યદેવ સ્વયં કળશમાં કહે છે-

सततमनुभवामोऽनंतचैतन्यचिन्हं
न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।।

અહા! આત્માનો આ સ્વભાવ જ એવો છે કે તેને સાધન બનાવીને અનંતા જીવોએ સિદ્ધપદ સાધ્યું છે, અને સ્વભાવના સાધન વડે જ અનંતા જીવ સિદ્ધપદને સાધશે. નિજ સ્વભાવ સિવાય બહારમાં-નિમિત્તમાં ને રાગમાં સાધન શોધનારાને તો સંસારની જ સિદ્ધિ થશે, અર્થાત્ તે સંસારમાં જ રખડશે.

ભાઈ, સાધકને પોતાનો આત્મસ્વભાવ જ પ્રતિસમય નિર્મળતાનું સાધન થાય છે. આત્મામાં સાધનશક્તિ તો ત્રિકાળ છે. પણ પોતે સ્વસન્મુખ થઈ નિજ સ્વભાવસાધનને ગ્રહે તો ને? સ્વસન્મુખ થઈને સ્વભાવ-સાધનને ગ્રહે તો સમકિત સહિત સાધકદશા અવશ્ય પ્રગટ થાય છે. અહા! ત્રિકાળી દ્રવ્યને સાધનપણે ગ્રહતાં જ જ્ઞાનાદિ અનંત ગુણો પોતપોતાની નિર્મળ પર્યાયો રૂપ પરિણમી જાય છે. પ્રવચનસાર ગાથા ૨૧ની ટીકામાં કહ્યું છે કે-કેવળીભગવાન “સ્વયમેવ સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે જ, અનાદિ અનંત, અહેતુક અને અસાધારણ જ્ઞાનસ્વભાવને જ કારણપણે ગ્રહવાથી તુરત જ પ્રગટતા કેવળજ્ઞાનોપયોગરૂપ થઈને પરિણમે છે..” જુઓ, આમાં કેટલી સ્પષ્ટ વાત છે! કેવળજ્ઞાનનું સાધન બીજું કોઈ છે જ નહિ, પોતાનો જ્ઞાનસ્વભાવ જ કેવળજ્ઞાનનું સાધન છે. આવી રીતે શ્રદ્ધા, આનંદ આદિ બધી જ શક્તિઓના પરિણમનમાં સમજી લેવું.

ભાઈ, આ તો તારા ઘરમાં પુંજી છે તેની વાત ચાલે છે. અહાહા...! તારી પુંજીમાં અનંત ગુણ-સ્વભાવ છે. તેમાં એક કરણ-સાધન સ્વભાવ છે જે વડે પ્રત્યેક ગુણનું સમયે સમયે નિર્મળ નિર્મળ કાર્ય થાય તેનું આત્મા સાધન થાય છે. ત્યારે કોઈ કહે છે-

હા, પણ આ તો નિશ્ચયની વાત છે. ભાઈ, તું એને નિશ્ચય... નિશ્ચયની વાત છે એમ કહી અવગણના કરે, પણ નિશ્ચય એટલે સત્ય વાત છે, ને વ્યવહાર તો ઉપચાર છે. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમજાવ્યું છે. ત્યાં કહ્યું છે-“જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો ‘સત્યાર્થ એમ જ છે’ એમ જાણવું તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’ એમ જાણવું. અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન


PDF/HTML Page 4116 of 4199
single page version

સત્યાર્થ જાણી, ‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.” અહાહા...! પંડિતપ્રવર ટોડરમલજીએ. કેટલી બધી સ્પષ્ટતા કરી છે! પણ અરે, જીવે ભગવાનનો માર્ગ રુચિ લાવીને સાંભળ્‌યો નથી; બસ એમ ને એમ વ્રતાદિને સાધન માની હાંકે જ રાખે છે. પણ બાપુ!

“મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો”

જુઓ, આમાં શું કહે છે? ‘સુખ લેશ ન પાયો’-એનો અર્થ એ થયો કે એ પરિણામ દુઃખ છે. પંચ મહાવ્રત પાળ્‌યાં એનાથી લેશ સુખ ના થયું, દુઃખ થયું. અહા! અજ્ઞાનીને બહારનું ચારિત્ર (દ્રવ્ય ચારિત્ર) દુઃખનું સાધન થાય છે. ભાઈ, તેને આ આકરું પડે છે, પણઆસત્ય છે. અહાહા...! ચારિત્ર કોને કહીએ? જેમાં અંદર પ્રચુર આનંદની લ્હેર ઉઠે. તેનું નામ ચારિત્ર છે અને આત્મ સ્વભાવ જ તેનું સાચું સાધન છે. વ્રતાદિને સાધન કહ્યાં છે એ તો ઉપચારથી છે, મતલબ કે એમ નથી. ધર્મી તો એને હેય જાણે છે, ને અજ્ઞાની તેને ઉપાદેય જાણે છે. બન્નેમાં આવડો મોટો ફેર છે. આવી ગજબ વાત છે ભાઈ!

પાત્ર સમજનાર હોય તેને આ કહેવાય છે. પોતાની પાત્રતા ન હોય તેને સાક્ષાત્ કેવળીની વાણી પણ શું કરે? પાત્રતા પોતાથી પ્રગટ થાય છે, પરથી નહિ. અહાહા...! આ પાત્રતા શું ચીજ છે? કે જેનાથી સમ્યગ્દર્શન પામે તેને પાત્રતા કહીએ. અહો! સમ્યગ્દર્શનની સાથે સિદ્ધપદ જોડાયેલું છે. મતલબ કે જેને સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શનરૂપી બીજ ઉગી તેને તે જ સ્વભાવના સાધન વડે સિદ્ધપદરૂપી પૂનમ થશે જ થશે. અહો! આવો નિજ સ્વભાવ-સાધનનો અલૌકિક મહિમા છે. સમજાય છે કાંઈ...?

અરેરે! સંસારી પ્રાણીઓ અત્યંત દુઃખી છે. મોટો રાજા હોય, ને મરીને નરકમાં ચાલ્યો જાય. અહા! તીવ્ર હિંસાદિ પાપના ભાવ કરી જીવ નરકમાં જાય છે. ૨પ વર્ષના યુવાન રાજકુમારને જમશેદપુરની લોઢા ગાળવાની ભઠ્ઠીમાં જીવતો નાખે ને જે દુઃખ થાય તેનાથી અનંતગણી ઉષ્ણતાનું દુઃખ પહેલી નરકમાં છે. ભાઈ, આવા આવા ભવ તેં અનંત વાર કર્યા છે. તારું દુઃખ દેખનારને પણ રૂદન આવ્યાં છે. અરેરે! તારા મૃત્યુ પાછળ તારી માતાના રૂદનના આંસુના એક એક બુંદના સંગ્રહથી દરિયાના દરિયા-અનંત દરિયા ભરાય એટલાં મરણ તેં કર્યા છે. બહુ ગંભીર વાત છે ભાઈ! અહા! જેને સંસારના પરિભ્રમણનો થાક લાગ્યો એવો કોઈ જીવ પાત્ર થઈને સ્વદ્રવ્ય સન્મુખ થઈ સ્વભાવના ગ્રહણ વડે સમકિત પ્રગટ કરી લે છે. અહા! તે ધર્મી જીવ વિશેષ વૈરાગ્ય પામીને સ્વરૂપની રમણતા કરવા એકલો જ જંગલમાં ચાલ્યો જાય; કોઈ સાથે નહિ, કોઈ આહાર દેનાર નહિ, કોઈ શરીરની રક્ષા કરનાર નહિ, કોઈ વૈદ્ય સાથે નહિ; અહાહા...! અંદર એકત્વના આલંબનમાં રહી અંતરના આનંદની લહેર કરવા એકાંત જંગલમાં ચાલ્યો જાય. મુનિ થતા પહેલાં માતા પાસે રજા માગે-માતા, રજા આપ; માતા રડે તો કહે-એક વાર રૂદન કરી લે, હવે હું કોલ આપું છું કે ફરી બીજી માતા નહિ કરું. સ્વભાવના ઉગ્ર આલંબનમાં રહી ચારિત્રની ઉગ્ર સાધના કરીશ. આજે જ ચારિત્રના આનંદની દશાને હું અંગીકાર કરવા માગું છું. રજા આપ. લ્યો, અત્યારે તો આવી વાતેય સાંભળવા મળે નહિ. પણ જન્મ-મરણના રોગ મટાડવાની આ જ દવા છે. આત્માનો આશ્રય લેવો એ જ ઔષધ છે.

આત્મ–ભ્રાન્તિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.

નિમિત્ત સાધન, ને રાગ સાધન-એવી ભ્રાંતિ સમાન કોઈ રોગ નથી. મિથ્યાત્વ મહા રોગ છે. સત્ને જાણનારા ગુરુની આ આજ્ઞા છે કે સ્વદ્રવ્યના આશ્રયમાં જતાં ધર્મ થશે; તારો સ્વભાવ જ તારા ધર્મનું સાધન છે. વિચાર અને ધ્યાન તે ઔષધિ છે. સ્વરૂપની એકાગ્રતારૂપ ધ્યાન તે ઔષધ છે. આ સિવાય બહારનાં ઔષધ બધાં ધૂળ ધાણી છે, ઉપાય નથી.

આ પ્રમાણે અહીં કરણશક્તિનું વર્ણન પૂરું થયું.


PDF/HTML Page 4117 of 4199
single page version

૪૪ઃ સંપ્રદાનશક્તિ

‘પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપેયપણામયી (-તેને મેળવવાના યોગ્યપણામય, તેને લેવાના પાત્રપણામય) સંપ્રદાનશક્તિ.’

અહા! આચાર્ય ભગવાને ભિન્ન ભિન્ન પ્રકારે શક્તિઓનું અદ્ભુત વર્ણન કર્યું છે. અહાહા...! અનંત શક્તિનો ભંડાર પ્રભુ આત્મા છે. આ એક જ્ઞાયકસ્વભાવી ચિન્માત્ર વસ્તુ આત્મા અનંત શક્તિઓનો ભંડાર છે. હવે પોતે શું ચીજ છે એની ખબરેય ન મળે, અને એને ધર્મ થઈ જાય એમ કદી બને નહિ. અહીં કહે છે-તેમાં (-આત્મામાં) એક સંપ્રદાન-શક્તિ છે. કેવી છે આ શક્તિ? તો કહે છે-‘પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપેયપણામયી આ સંપ્રદાનશક્તિ છે.’ શું કીધું? નિજ ચૈતન્ય વસ્તુના આશ્રયે સ્વભાવ સાધન વડે જે સમ્યગ્દર્શન આદિ નિર્મળ ભાવ થયો તે ‘પોતાથી દેવામાં આવતો’ ભાવ છે, અને તેના ઉપેયપણામયી સંપ્રદાનશક્તિ છે, અર્થાત્ તે ભાવ પોતે જ પાત્ર થઈને પોતાને માટે લે છે, રાખે છે. આવી વાત! સમજાણું કાંઈ...? કોઈ બીજાએ-નિમિત્તે કે શુભરાગે-તે ભાવ દીધો છે એમ નહિ, ને તે ભાવ કયાંય બીજે ગયો છે એમ પણ નહિ. પોતામાં ઉત્પન્ન થયેલો ભાવ પોતે પોતાને દીધો, ને પોતે જ પોતા માટે તે લીધો-આવી આત્માની સંપ્રદાનશક્તિ છે.

લક્ષ્મી દેનાર તે દાતા, અને લેનાર તે સુપાત્ર-અન્ય દાતાર અને અન્ય પાત્ર-એમ વાત છે જ નહિ; કેમકે એવી વસ્તુ નામ આત્મા નથી. ભાઈ, બીજી ચીજ દેવી અને લેવી તે આત્માની શક્તિ નથી. અહીં તો કહે છે- આત્માનો એવો સંપ્રદાન સ્વભાવ છે કે જે વડે નિજ સ્વરૂપની દ્રષ્ટિ થતાં જ્ઞાનની વર્તમાન જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે નિર્મળ પર્યાયનો આત્મા પોતે દાતા છે, ને પોતાની પર્યાયને લેનારો પોતે જ પાત્ર છે-બન્ને એક સમયમાં છે. સમ્યગ્જ્ઞાનનો દાતા આત્મા પોતે છે, વીતરાગ ભગવાન કે તેમની વાણી કે તેમનાં ભક્તિ-વિનયરૂપ પ્રવર્તન તે સમ્યગ્જ્ઞાનના દાતા નથી. અહા! આત્મા બીજાને કાંઈ દે એવી આત્માની કોઈ શક્તિ જ નથી. અહાહા...! આ અલૌકિક વાત છે, એને લૌકિક સાથે કોઈ મેળ નથી.

અહાહા...! ધર્મીને સમ્યગ્જ્ઞાનની પર્યાય સ્વ-આશ્રયે પ્રગટ થઈ તેનો દાતા કોણ? તેને લેનારો પાત્ર કોણ? તો કહે છે-સમ્યગ્જ્ઞાનમય ભગવાન આત્મા છે. તેમાં એક સંપ્રદાનશક્તિ છે. તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેથી સ્વ-આશ્રયે જે જ્ઞાનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પોતે દાતા છે, અને તે જ સમયે લેવાની પાત્રતા પણ તે જ પર્યાયમાં પોતાની છે.

જુઓ, ત્રણલોકના નાથ શ્રી તીર્થંકરદેવ છદ્મસ્થ મુનિદશામાં હોય ને ઘરે આહાર માટે આવે તો ધર્મીનું હૃદય અંદર આનંદથી ઉછળી જાય, અહો, સાક્ષાત્ મોક્ષનું કલ્પતરુ મારે આંગણે ફળ્‌યું!-એમ તેના રોમરોમ આનંદથી ઉલ્લસી જાય છે. તે અપાર ભક્તિથી મુનિરાજને આહારદાન દે છે. પણ બન્નેના અંતરમાં શું છે? એમ કે આહારના રજકણનો દેનાર-લેનાર અમારો ભગવાન જ્ઞાયક નથી; અને ભગવાન જ્ઞાયકમાં કોઈ શક્તિ નથી કે આહારદાનના શુભભાવને દે અને લે. અહાહા...! અંદર જ્ઞાનની, અનાકુળ આનંદની જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ છે તે જ દાનની દાતાર છે, ને તે જ દાનની લેનારી પાત્ર છે. દેનાર દાતા પણ તે પર્યાય અને લેનાર પાત્ર પણ તે જ પર્યાય. જુઓ આ ધર્મીની અંતર્દ્રષ્ટિ!

સૂક્ષ્મ વાત છે પ્રભુ! ધર્મીને વર્તમાન પ્રગટ થયેલી સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાનની પર્યાય, અનાકુળ આનંદની ને શાંતિની પર્યાય, સમ્યક્ વીર્યની પર્યાય-તે નિર્મળ પર્યાય પોતાથી દેવામાં આવતો ભાવ છે, ને તેને લેવાના પાત્રપણામય પણ તે નિર્મળ પર્યાય છે. અભેદથી કહેતાં આત્મા પોતે પોતાને પોતાની નિર્મળ પર્યાયનું દાન આપે છે, અને પોતે જ તેને લેવાના પાત્રપણામય છે. આવો પોતાનો સંપ્રદાન સ્વભાવ છે. એક જ સમયમાં દાતા અને પાત્ર બન્ને પોતે જ છે. અહા! ધર્મી અંતર્દ્રષ્ટિ વડે પ્રતિક્ષણ પોતાના સ્વભાવમાંથી પ્રાપ્ત નિર્મળ પર્યાયનું દાન દે છે, ને પોતે જ તેના પાત્રમય થઈને તે લે છે. જુઓ આ દાન! આનું નામ ધર્મ છે. બાકી આહારનો દેનારો-લેનારો પોતાને માને એ તો મૂઢ છે, મિથ્યાદ્રષ્ટિ છે.

અહા! સમ્યગ્દર્શનનો વિષય અનંતગુણનિધાન પ્રભુ આત્મા છે. જ્યાં તે વિષય દ્રષ્ટિમાં આવ્યો, અહાહા...! પૂર્ણાનંદનો નાથ પોતે છે એની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં તેના સમ્યક્ શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ સમ્યગ્દર્શનની પર્યાય તે પોતાથી દેવામાં આવતો ભાવ છે. શું કીધું? પોતે જ પોતાને સમ્યગ્દર્શનનો દાતા છે, ને પોતે જ પાત્રપણે તેનો લેનારો છે.


PDF/HTML Page 4118 of 4199
single page version

હવે આમાં કેટલાક કહે છે કે ગુરુ સમકિતના દાતાર છે, અને કેવળી-શ્રુતકેવળીની સમીપમાં ક્ષાયિક સમકિત થાય છે.

અરે ભાઈ, એ તો બધાં નિમિત્તનાં કથન છે બાપુ! પોતે અંતરંગમાં નિજ સ્વભાવના સાધન વડે સમકિત પ્રગટ કરે ત્યારે બહારમાં નિમિત્ત કેવાં હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે આવાં કથન હોય છે તે ઉપચારમાત્ર જાણવાં. બાકી કોઈ, કોઈ બીજાને સમકિત આપે અને લે એવું સમકિતનું સ્વરૂપ નથી, અને વસ્તુસ્વરૂપ પણ એવું નથી. સમજાણું કાંઈ...?

પ્રભુ! તારી ચીજમાં શું ખામી છે કે તારે બીજા પાસેથી લેવું છે? ભગવાન! તું પૂર્ણ છો ને! પૂર્ણ વિજ્ઞાનઘન છો ને! પૂર્ણ આનંદઘન છો ને! અહાહા...!

પ્રભુ મેરે! તૂં સબ વાતે પૂરા...
પ્રભુ મેરે! તૂં સબ વાતે પૂરા...
પરકી આશ કહા કરે પ્રીતમ!
એ કિણ વાતે અધૂરા–પ્રભુ મેરે...

ઓહો...! ધર્મી કહે છે-મારો આત્મા સ્વયમેવ અચિંત્ય શક્તિવાળો દેવ છે. તેને ધ્યાવતાં જ કેવળજ્ઞાન આદિ આપે એવો તે ચૈતન્યચિંતામણિ છે. આમ જેના સર્વ અર્થ સિદ્ધ છે એવો પોતે જ હોવાથી મને બીજાની શું આશા છે? મને બીજી ચીજથી શું કામ છે? (જુઓ કળશ ૧૪૪) અહીં કહે છે-કેવળજ્ઞાનની પર્યાય જે પ્રગટી તેનો પોતે જ દાતાર છે, ને પોતે જ તેનો પાત્રપણે લેનારો છે. સમજાય છે કાંઈ...? અંદર શાશ્વત ચૈતન્યદેવ વિરાજે છે, તેને સેવતાં સહેજે સમકિતથી માંડીને સિદ્ધપદનાં એ દાન આપે છે. માટે પરાશ્રય છોડી, ભાઈ, તારી ચૈતન્યવસ્તુનું સેવન કર.

અરે, અનંત કાળથી રખડવા આડે એને સત્ય સમજવાની ફુરસદ નથી! અનંત કાળમાં શુભ-અશુભ ભાવ તો એણે અનંતવાર કર્યા છે. પણ એ તો વિભાવ નામ વિપરીત ભાવ છે. તે વિભાવની પર્યાય પર્યાયદ્રષ્ટિ જીવને પર્યાયના ષટ્કારકથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. અહાહા...! પરના કારક વિના, ને દ્રવ્ય-ગુણની અપેક્ષા વિના પર્યાયના પોતાના ષટ્કારકથી વિભાવની દશા સ્વતંત્ર અદ્ધરથી જ ઉભી થાય છે. અહા! આ વિભાવની દશાને દેવી કે લેવી એ અજ્ઞાનીની ચેષ્ટા હો, પણ એવો કોઈ ગુણ આત્મામાં નથી. ગજબ વાત છે ભાઈ! કહે છે કે-શુભભાવ થવો, દેવો અને તેને પોતામાં રાખવો એવો કોઈ ગુણ આત્મામાં છે જ નહિ.

ભાઈ, તારા ખજાને ખોટ નથી નાથ! તારા ખજાને તો અનંત અનંત શક્તિઓની ઋદ્ધિ પડી છે ને! તું બહારમાં કયાં શોધવા જાય છે? બહાર તું ભટકે છે એ તોસંસાર છે. ચાહે અશુભભાવ હોય કે શુભભાવ હોય-એ બન્નેય સંસાર છે, દુઃખનો દાવાનલ છે. તારી શાંતિને બાળવા સિવાય તને એ કાંઈ આપે એમ નથી.

અહાહા...! અનંત ગુણસમૃદ્ધિથી ભરેલો ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા છે. તેનો એક સંપ્રદાન ગુણ છે. તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તે આનંદ ગુણમાં વ્યાપક છે. જેથી ધર્મીને આનંદની જે નિરાકુળ દશા પ્રગટ થઈ તેનું પોતે જ પોતાને દાન કરે છે, ને પોતે જ પાત્ર થઈ તેને લે છે. જુઓ આ ધર્મીનું દાન! ધર્મીને તો નિરંતર અતીન્દ્રિય આનંદનો આહાર છે ને? અહા! તે અતીન્દ્રિય આનંદરૂપ આહારનું દાન પોતે પોતાને આપે છે, ને પોતે પોતાના માટે સુપાત્રપણે લે છે. અહા! આ ધર્મ છે જેમાં દાતાર-દાન-દાનનું પાત્ર-બધું એક અભેદ આત્મામાં સમાય છે. પોતે પ્રગટ આનંદનો દાતાર, પોતાની પ્રગટ આનંદ દશા તે દાન, ને તેને લેનારો-પોતાને માટે રાખનારો-પોતે જ પાત્ર. એક સમયમાં દાતાર પણ પોતે, દાન પણ પોતે ને પાત્ર પણ પોતે. અહો! આત્મા અદ્ભુત અલૌકિક ચીજ છે.

ચક્રવર્તીને ઘરે વાઘરણ હોય તેને માગવાની ટેવ છૂટે નહિ. ગોખલામાં રોટલો મૂકીને માગે કે-‘બટકુ રોટલો આપજો બા.’ અને તે રોટલો લે ત્યારે તેને મન વળે. તેમ જીવ અંદરમાં ચૈતન્ય ચક્રવર્તી પ્રભુ વિરાજે છે. અજ્ઞાની તેને ભૂલીને શુભાશુભ ભાવ કરીને સુખ લેવા માગે છે. મને પુણ્ય હોય તો ઠીક, બહારના વૈભવ હોય તો ઠીક-એમ બહારમાં ભીખ માગે છે તે રાંકા-ભિખારી છે. તેને બીજા પાસે સુખ માગવાની ટેવ પડી ગઈ છે. પોતે અંદર ચૈતન્યબાદશાહ છે, પણ તેને રાગનો-પુણ્યનો ગુલામ બનાવી દીધો છે. તેને પોતાનો મહિમા ભાસતો નથી. અહાહા...! અંદર ત્રણલોકનો નાથ ચૈતન્યચક્રવર્તી વિરાજે છે તેનો મહિમા તેને શુભભાવના મહિમા આડે ભાસતો નથી. પણ ભાઈ રે, તને બહારમાં કોઈ સુખ આપે એમ નથી. તું અંદર જો તો ખરો, અહાહા...! અંદર એકલો સુખનો દરિયો ભર્યો છે.


PDF/HTML Page 4119 of 4199
single page version

અહા! જેણે પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરી તેને તેની પર્યાયમાં સુખ પ્રગટ થાય છે. આત્મામાં સુખ નામનો ગુણ છે ને! અહાહા...! અંદર એકલો સુખનો સમુદ્ર છે. તેમાં દ્રષ્ટિ કરતાં સુખ પર્યાય પ્રગટ થઈ તે પોતા દ્વારા પોતાને દેવામાં આવે છે, અને પોતે તે સુખની પર્યાયને લેવાની પાત્રતામય છે તેથી લેનાર પણ પોતે છે. બહારમાં કોઈની સહાય નહિ, અપેક્ષા નહિ. ભાઈ, વિષયોમાંથી સુખ આવે છે એમ તું માને છે એ કેવળ ભ્રમ છે. જો વિષયો સુખ આપે અને તને તે પહોંચે એમ હોય તો તને પરાધીનતા આવે, ને પરાધીનને સુખ કેવું? પરાધીનને સ્વપ્ને પણ સુખ ન હોય. સ્વાધીનપણે આત્મા પોતે જ પોતાના સુખનો દાતાર છે, ને પોતે જ પાત્ર થઈને લેનાર છે. આવી જ વસ્તુ-વ્યવસ્થા છે.

સમયસારની ૭૨મી ગાથામાં આત્માને ભગવાન કહીને બોલાવ્યો છે. આનંદની દશામાં લીન મુનિરાજ કહે છે-સાંભળ ભગવાન! તારી પર્યાયમાં પામરતા છે, વસ્તુમાં પામરતા નથી. વસ્તુમાં અનંતી પ્રભુતા ભરી છે. અહાહા...! એકેક શક્તિ પૂર્ણ પ્રભુતાથી ભરી છે. જ્ઞાનની પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે. પોતાના દ્વારા તે પર્યાય દેવામાં આવે છે, અને પોતાના દ્વારા તે પર્યાય લેવામાં આવે છે. બન્નેનો સમય એક છે. દેનાર દાતા, અને લેનાર પાત્ર-બન્ને એક જ પર્યાયમાં છે. ગુરુ તેના દાતા નથી, શાસ્ત્ર તેનું દાતા નથી. દેવ તેના દાતાર નથી. દેવ-ગુરુ-શાસ્ત્ર તો બાહ્ય નિમિત્તમાત્ર છે. તેમણે જ આ કહ્યું છે કે-તારામાં અક્ષય ભંડાર ભર્યો છે, તેમાં નજર કર તો ન્યાલ થઈ જઈશ. તારી નિર્મળ રત્નત્રય આદિ પર્યાયોનું તું જ દાતા છો. બીજું કોઈ નહિ ને તે નિર્મળ ભાવ લેવાની પાત્રતામય પણ તું જ છો.

અહો...! શક્તિનો અદ્ભુત ખજાનો પ્રભુ આત્મા છે. અજ્ઞાની જીવે દયા, દાનનો વિકલ્પ તે મને લાભદાયી છે એમ રાગની એકતાબુદ્ધિ વડે ખજાનાને તાળું દીધું છે, પણ રાગથી ભેદ કરી અંતર એકાગ્રતા કરતાં તાળું ખૂલી જાય છે ને તત્કાલ ખજાનામાં ગુણરત્નો ભર્યાં છે તે પ્રગટ થાય છે. અહાહા...! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ સર્વ ગુણની નિર્મળ દશા પ્રગટ થાય છે. અહા! તે નિર્મળ ભાવ જે પ્રગટ થયો તે પોતાથી દેવામાં આવતો ભાવ છે, તેનો દાતાર પોતે છે, તે નિમિત્ત દ્વારા કે રાગ દ્વારા દેવામાં આવે છે એમ કદીય નથી. આ અનેકાન્ત છે. અંદર ઊંડો વિચાર કરે તો ખબર પડે કે-પૂર્વની નિર્મળ પર્યાય છે તે પણ વર્તમાન પર્યાયની દાતા છે એમ નથી ત્યાં બાહ્ય નિમિત્તાદિ મારા દાતાર-એ વાત જ કયાં રહે છે? સત્ય તો આવું છે ભાઈ! આવી વાત બીજે કયાંય નથી, શ્વેતાંબરમાંય નથી. આ સાંભળી બીજાને દુઃખ થાય પણ શું કરીએ? બીજાને દુઃખ લગાડવાની આ વાત નથી, આ તો સત્યનું જ ઉદ્ઘાટન છે. ભાઈ, વિપરીત દ્રષ્ટિનું તને દુઃખ છે. વિપરીત દ્રષ્ટિ છોડી દે, તને મહાન લાભ થશે.

પ્રશ્નઃ– ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી એમ આપ વારંવાર કહો છો, તો પછી ધર્મી પુરુષો ગુરુ પ્રતિ વિનય-ભક્તિરૂપ કેમ પ્રવર્તે છે?

ઉત્તરઃ– ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી-એ તો સત્ય જ છે. એવી જ વસ્તુસ્થિતિ છે. અહા! શ્રી ગુરુ આવો વસ્તુસ્વભાવ દેશનાકાળે બહુ પ્રસન્નતાથી શિષ્યને બતાવે છે તો પાત્ર શિષ્ય તેને ઝીલીને ઉત્કટ અંતઃપુરુષાર્થ પ્રગટ કરી અંતઃનિમગ્ન-સ્વરૂપ નિમગ્ન થઈ સાધકભાવના અંકુરા એવા સમકિતને ને આનંદને પ્રગટ કરી લે છે. હવે તેને વિકલ્પકાળે શ્રીગુરુ પ્રતિ બહુમાન અને વિનય-ભક્તિ અંદર હૃદયમાં ઊછળ્‌યા વિના રહેતાં નથી. સાધકદશા જ આવી હોય છે. અંદર લોકોત્તર આનંદની દશા થઈ તેને બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય- ભક્તિયુક્ત પ્રવર્તન હોય જ છે; તેનો વ્યવહાર પણ લોકોત્તર હોય છે.

કોઈ આવી સાધકદશાને જાણે નહિ, ને ‘ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી’-એમ વિચારી શ્રીગુરુ પ્રતિ ઉપેક્ષા સેવે છે તે નિશ્ચયાભાસી સ્વચ્છંદી છે, આનંદને ઝીલવાની તેની પાત્રતા હજુ જાગી નથી. અહો! આવો નિશ્ચય-વ્યવહારના સંધિપૂર્વકનો કોઈ અદ્ભુત લોકોત્તર માર્ગ છે. જેને ગુણની-ધર્મની પ્રીતિ છે તેને ગુણવાન ધર્મી પ્રતિ આદર, પ્રમોદ ને પ્રીતિનો ભાવ થયા વિના રહેતો નથી. અંતર્બાહ્ય વિવેકનો આવો મારગ છે ભાઈ! સમજાણું કાંઈ...?

ચાર પ્રકારનું દાન નિર્દોષભાવથી દેવું એ શુભભાવ છે. દાન લેનાર પાત્ર નિર્ગ્રંથ દિગંબર મુનિવર આદિ છે. સમ્યગ્દ્રષ્ટિને ભક્તિભાવે આહારાદિનું દાન દેવાનો ભાવ આવે તે શુભ છે. તથાપિ દાન દેવાનો શુભભાવ થાય તેવો આત્મામાં કોઈ ગુણ નથી. તે તો અવસ્થાનું વિપરીત કાર્ય છે. તેને શું લેવું-દેવું? ગુણનું કાર્ય તો આ છે કે નિર્મળ અવસ્થા પ્રગટી તે પોતે દીધી, ને પાત્રપણે પોતે લીધી. હવે આમાં વ્યવહારથી થાય એ વાત કયાં રહી? વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ-પૂજા કરો-એમ અત્યારે પ્રરૂપણા ચાલે છે. તેને કહીએ છીએ કે એનાથી ધર્મ કદી ય નહિ થાય. એવો શુભભાવ આવે ખરો, સાધકને યથાસંભવ આવે જ આવે, પણ તે ભાવ ગુણની વિપરીત અવસ્થા છે. શુભભાવ લેવા-દેવાની ચેષ્ટા


PDF/HTML Page 4120 of 4199
single page version

સુપાત્રપણું નથી. શુભભાવ પોતામાં રાખવાની ચેષ્ટા તે સુપાત્રપણું નથી. ધર્મીને શુભભાવ આવે પણ એને તેનાથી કાંઈ લેવા-દેવા નથી. એને તો જે ગુણના કાર્યરૂપ રત્નત્રયની નિર્મળ અવસ્થા થાય તેનાથી જ લેવા-દેવા છે.

ભાઈ, આ સ્ત્રી-પુરુષ-નપુંસકના દેહ તે તારી ચીજ નથી. દેહના આકાર એ તો જડ પરમાણુની ચીજ છે. ઇન્દ્રિયના આકાર તે જડ, માટીના આકાર છે. તે આકાર તારાથી થયા નથી. અરે, શુભભાવેય તારાથી થયો નથી. પર્યાયબુદ્ધિથી વિકાર પર્યાયમાં ઊભો થાય છે. તે કાંઈ તારા ગુણનું કાર્ય નથી. ગુણનું કાર્ય તો અભેદ એક ગુણી ચૈતન્યદ્રવ્યની દ્રષ્ટિ કરતાં પ્રગટ થાય છે, ને વિકારનો તેમાં અભાવ જ છે. અહા! તે ગુણના કાર્યરૂપ ચૈતન્યની શુદ્ધ પરિણતિ તે પોતાથી દેવામાં આવતો ભાવ છે, ને તે સમયે તેને ઝીલનારી પાત્રતા તે પણ પોતાના ભાવરૂપ છે. કોઈને થાય આ એકાંત છે, પણ આ સમ્યક્ એકાંત છે. એકાંત કહી વિરોધ કરીશ મા, કેમકે એ તારો જ વિરોધ અને વિરાધના છે.

ભાઈ, આ જૈનદર્શન તો અંતરની ચીજ છે. જૈનદર્શન એટલે શું? જૈનદર્શન એટલે વીતરાગદર્શન. રાગ લાભદાયક છે તે માન્યતા વીતરાગદર્શન નથી, એ જૈનધર્મ નથી. જૈનધર્મ એટલે વીતરાગી પર્યાય, ને તે પર્યાય પોતાથી દેવામાં આવતો ભાવ છે. આમ દાતા પર્યાય પોતે છે, ને તે પર્યાયને લેવા યોગ્ય પાત્ર પણ પોતે જ છે. જેને દ્રવ્યદ્રષ્ટિ થઈ તેની આ વાત છે. પર્યાયદ્રષ્ટિ જીવને તો સંપ્રદાનશક્તિ અને શક્તિવાનની પ્રતીતિ જ નથી. ભાઈ! આ કાંઈ વાદવિવાદથી પાર પડે એવું નથી. આ તો અંતરમાં ડૂબકી લગાવી ત્યાં જ રમવાની ચીજ છે.

અહા! રાગની ઘણી મંદતા હોય, શુકલ લેશ્યાના ભાવ હોય, પણ એનાથી ધર્મ ન થાય. શુકલ લેશ્યાના ભાવ કરીને તે અનંત વાર નવમી ગ્રૈવેયકનો દેવ થયો, પણ એથી શું? શુકલ લેશ્યા અને શુકલ ધ્યાન બન્ને જુદી જુદી ચીજ છે. શુકલ લેશ્યા તો એને અનંત વાર થઈ છે, ને તે અભવિને પણ થતી હોય છે, જ્યારે શુકલ ધ્યાન તો આઠમા ગુણસ્થાને શ્રેણી ચઢનારા ભાવલિંગી સંત મહા મુનિવરને હોય છે. શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે જીવે મનુષ્યના ભવ અનંત કર્યા છે, ને તેનાથી અસંખ્ય ગુણા અનંતભવ નરકના કર્યા છે. મનુષ્યના એક ભવ સામે અસંખ્ય ભવ એણે નરકના કર્યા છે. તથા નરકના ભવ કરતાં અસંખ્ય ગુણા અનંતભવ એણે દેવના કર્યા છે. આ રીતે તે શુભભાવના ફળમાં અનંત વાર દેવમાં ગયો છે. કાંઈ પાપના ફળમાં દેવના ભવ ન મળે. આમ અનંત વાર જીવે શુભભાવ અને શુકલ લેશ્યાના ભાવ કર્યા છે, એ શુકલ લેશ્યાના ભાવ તો થયા ને ચાલ્યા ગયા. એનાથી જડ પરમાણુ બંધાણાં, પણ એમાં તને શું આવ્યું? તારી દશામાં શું મલિનતા છૂટીને નિર્મળતા આવી? ભવના છેદનારા ભાવ શું તને પ્રાપ્ત થયા? ન થયા. એટલે તો દોલતરામજીએ કહ્યું કે-

મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.

અરે ભાઈ, એ ભવને છેદનારી શુદ્ધ પરિણતિ તો સ્વદ્રવ્યના આશ્રયમાં જવાથી થાય છે અને તેને અહીં પોતાથી દેવામાં આવતો, ને તેના પાત્રપણે પોતાથી લેવામાં આવતો ભાવ કહ્યો છે. અહા! સ્વદ્રવ્યની દ્રષ્ટિ કરે તેને આત્મા જ નિર્મળ રત્નત્રયના ભાવોનો મોટો દાતાર થઈ પરિણમે છે, ને આત્મા જ તેને ઝીલનારો મહાન પાત્રરૂપે થાય છે. માટે હે ભાઈ! રાગની દ્રષ્ટિ છોડી, તારા દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ કર, તને જ્ઞાન, આનંદ આદિ અદ્ભુત નિધાનનાં દાન મળશે.

અહા! આ સંપ્રદાનશક્તિમાં સ્વદ્રવ્ય એવો નિજ શુદ્ધાત્મા જ સુપાત્રપણે નક્કી કર્યો. શાનો? કે સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદનો. અહાહા...! એ સમ્યગ્દર્શનાદિનો દાતાર પણ આત્મા અને તે ક્ષણે તેના પાત્ર થઈને લેનાર પણ આત્મા. અહા! દાતારનું આવું સુપાત્રદાન! અહો! આત્માનાં અતીન્દ્રિય આનંદનાં અલૌકિક દાન! આનાથી ઊંચું જગતમાં કોઈ દાન નથી. ધર્મીને ચાર દાન કહ્યાં એ તો વ્યવહારથી સમજવા યોગ્ય છે. સમજાણું કાંઈ...?

ભાઈ, તને વ્યવહારનો-શુભભાવનો પક્ષ છે પણ એ તો અજ્ઞાનભાવ છે. એનાં દાન ન હોય પ્રભુ! એ દાન નહિ, એનો આત્મા દાતાર નહિ, ને એનું સુપાત્ર પણ આત્મા નહિ. એ તો પર્યાયમાં અદ્ધરથી ઉત્પન્ન થતો ભાવ છે, આત્મા તેનો માલિક જ નથી ત્યાં દાન-દાતાર-પાત્રની સ્થિતિ જ કયાં રહે છે?

સમયસારની ૧૧મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છેઃ “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે. અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે” લ્યો, આ વ્યવહારના પક્ષનું ફળ! અહીં તો સંસારને છેદવાની-મટાડવાની વાત છે. વ્યવહારભાવ દેવો-લેવો તે