PDF/HTML Page 4121 of 4199
single page version
એનું સ્વરૂપ નથી. જીવમાં એવો કોઈ ગુણ નથી કે તે વ્યવહારને કરે, પોતાને દે અને પોતામાં રાખે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ એક જગ્યાએ કહ્યું છે કે-“સમ્યગ્દ્રષ્ટિ ધર્મનું પાત્ર છે.” જુઓ આ પાત્ર! ઉત્તમ વસ્તુનું દાન ઝીલવાનું પાત્ર પણ ઉત્તમ હોય છે. જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે છે, તેમ ઉત્તમ એવાં રત્નત્રયને ઝીલવાનું પાત્ર ઉત્તમ એવો સમ્યગ્દ્રષ્ટિ જીવ જ હોય છે. અજ્ઞાની તેનું પાત્ર નથી. અહા! આત્મામાં જ એવી ઉત્તમ પાત્રશક્તિ (સંપ્રદાનશક્તિ) છે કે પોતે પરિણમીને પોતાના અતીન્દ્રિય આનંદને પોતામાં ઝીલે છે. ગુણની અવસ્થાની યોગ્યતા તે પાત્ર અને ગુણની તે અવસ્થા જ દાતા છે. આ સર્વજ્ઞદેવની વાણીમાં આવેલી વાત છે. જેણે દ્રવ્ય સ્વભાવનો આશ્રય લીધો, તેને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થઈ, તે પર્યાય પોતાથી દેવામાં આવે છે તેથી દાતા છે, અને તેને લેવાને યોગ્ય પાત્રતા પણ એ જ પર્યાયમાં હોવાથી તે સુપાત્ર છે. અને તે સમયે દાન પણ તે પર્યાય પોતે જ છે. આવો અંતરનો મારગ અદ્ભુત છે.
આ પ્રમાણે અહીં સંપ્રદાનશક્તિનું વર્ણન પૂરું થયું.
‘ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો અપાય (-હાનિ, નાશ) થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી અપાદાનશક્તિ.’
આ સમયસારનો શક્તિનો અધિકાર ચાલે છે. દ્રવ્ય એક, અને તેની શક્તિ એટલે ગુણો અનેક-અનંત છે. તેમાંથી અહીં ૪૭ શક્તિઓનું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે. અત્યારે અહીં અપાદાનશક્તિની વાત કરવી છે.
કહે છે-‘ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો અપાય થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી અપાદાનશક્તિ છે.’ અહા! ઉત્પાદ-વ્યયરૂપ ભાવો એટલે પર્યાયો ક્ષણિક છે, તેનો સમયે સમયે નાશ થઈ જાય છે, છતાં ભગવાન આત્મા ત્રિકાળી ચૈતન્યવસ્તુ ધ્રુવપણે રહે છે, નાશ પામતો નથી. ધ્રુવ આત્મસ્વભાવ તો એવો ને એવો ત્રિકાળ ટકી રહે છે. આ ધ્રુવ ટકતા ભાવમાંથી જ નવું નવું કાર્ય ઊપજે છે. આ રીતે ધ્રુવપણે ટકીને નવું નવું કાર્ય કરવાની આત્માની અપાદાનશક્તિ છે. અહા! પોતાની આવી શક્તિ જાણી જે કોઈ એક ધ્રુવસ્વભાવને અવલંબે છે તેને સમયે સમયે નિર્મળ નિર્મળ કાર્ય થાય છે.
આ શક્તિ બધામાં પ્રધાન છે. પં. શ્રી દીપચંદજીએ આ શક્તિનાં બહુ વખાણ કર્યાં છે. ધ્રુવ અને ક્ષણિક એમ બે પ્રકારે ઉપાદાન છે. જે ત્રિકાળી ગુણ છે તે ધ્રુવ ઉપાદાન છે, ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવ તે ક્ષણિક ઉપાદાન છે. ચિદ્દવિલાસમાં અષ્ટસહસ્ત્રીનો આધાર આપી કહ્યું છેઃ “દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તો પરિણામ(રૂપ) વ્યતિરેક સ્વભાવ છે અને અત્યક્ત સ્વભાવ ગુણરૂપ અન્વય સ્વભાવ છે. તે ગુણ તો પૂર્વે હતા તે જ રહે છે, પરિણામ અપૂર્વ અપૂર્વ થાય છે. આ દ્રવ્યનું ઉપાદાન છે તે પરિણામને તો તજે છે પણ ગુણને સર્વથા તજતું નથી; તેથી પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ શાશ્વત ઉપાદાન છે. વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે.”
વર્તમાન જે નિર્મળ પર્યાય છે તે ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવ છે. તે પર્યાય ઉત્પન્ન થઈને બીજે સમયે છૂટી જાય છે તેથી તેને ક્ષણિક ઉપાદાન કહે છે. સમ્યગ્દર્શનની પ્રગટતી પર્યાય તે ક્ષણિક છે, બીજા સમયે બીજી પર્યાય થાય છે તેથી તે ક્ષણિક ઉપાદાનને ત્યક્ત સ્વભાવ કહેલ છે. આ નિર્મળ પર્યાયની વાત છે, મલિનની અહીં વાત નથી; કેમકે મલિનતા ગુણનું કાર્ય નથી. મલિનતા પર્યાયમાં છે તે હેયમાં જાય છે. મલિનતા ક્ષણિક ઉપાદાન નથી. અહો! દિગંબર સંતોની અંતરમાં જવાની અજબ અલૌકિક શૈલી છે.
ભાઈ, ભગવાન નિર્મળાનંદનો નાથ અંદર ધ્રુવ વિરાજે છે ત્યાં સમીપમાં જા. સમીપમાં જવાની પર્યાય વર્તમાન છે તે બીજે સમયે છૂટી જાય છે માટે તેને ત્યક્ત સ્વભાવ કહી છે. વર્તમાન પરિણામ છૂટીને નવા પરિણામ થાય છે તેને ક્ષણિક ઉપાદાન કહેલ છે. ધ્રુવ ઉપાદાન જે છે તે છૂટતું નથી, બદલતું નથી, ત્રિકાળ એકરૂપ રહે છે. બહાર નિમિત્ત-ઉપાદાનના વિવાદ ચાલે છે ને! નિમિત્તથી કાર્ય થાય એની અહીં ના પાડે છે.
PDF/HTML Page 4122 of 4199
single page version
સાંભળ ભાઈ! ઉત્પાદ-વ્યયથી આલિંગિત કોણ? કે વર્તમાન નિર્મળ પર્યાય. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ અનંત ગુણની વર્તમાન નિર્મળ પર્યાય તે ભાવ છે. તે ભાવ ઉત્પાદ-વ્યયથી આલિંગિત-સ્પર્શિત છે. આ તો મહામંત્ર છે ભાઈ! સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવના વર્તમાન નિર્મળ પરિણામ, જે ઉત્પાદ-વ્યય થાય છે એનાથી આલિંગિત છે. તે પર્યાયનો બીજી ક્ષણે અપાય નામ નાશ થાય છે. અહા! સમ્યગ્દર્શન આદિ અનંત ગુણની વર્તમાન નિર્મળ પર્યાય છે તેનો નાશ થવા છતાં ધ્રુવનો-ધ્રુવ સ્વભાવનો નાશ થતો નથી. સમકિતીને આ ધ્રુવના આલંબને ધ્રુવમાંથી નવી નવી નિર્મળ પર્યાય થયા કરે છે. આમ નિમિત્તથી થાય, ને વ્યવહારથી થાય-એમ વાત રહેતી-ટકતી નથી. સમજાણું કાંઈ...?
‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ’ એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે. મતલબ કે જીવમાં જેટલા ગુણ સંખ્યાએ છે તે બધા અનંત ગુણની નિર્મળ પર્યાયનો સમ્યગ્દર્શનમાં એક અંશ વ્યક્ત થાય છે. તે સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પાદવ્યયવાળી છે; અનંત ગુણની જે વ્યક્ત પર્યાયો છે તે બધી પર્યાયો ઉત્પાદવ્યયવાળી હોય છે. ભાઈ, વીતરાગનાં પેટ ખોલીને સંતોએ વાત કરી છે. કહે છે-ઉત્પાદ-વ્યયથી સ્પર્શિત જે ભાવ છે તેનો નાશ થાય છે; પણ ધ્રુવ દ્રવ્ય- ગુણ નાશ પામતા નથી, કેમકે ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો નાશ થવા છતાં જે હાનિ પામતો નથી એવો ધ્રુવપણામયી એક આત્માનો અપાદાન સ્વભાવ છે, ગુણ છે. અનંત ગુણમાં આ અપાદાનશક્તિ-ગુણનું રૂપ છે. જે કારણથી જ્ઞાનગુણ છે તે ધ્રુવ છે. શક્તિ ધ્રુવ ઉપાદાન છે, પર્યાય ક્ષણિક ઉપાદાન છે. અપાદાનશક્તિના બે ભેદ છે. જે જ્ઞાનગુણ ધ્રુવ ત્રિકાળ છે તે ધ્રુવ ઉપાદાન છે. તેમાં અપાદાનશક્તિના કારણે તે ધ્રુવ ઉપાદાન કાયમ રહીને તેની વર્તમાન પ્રગટ ઉત્પાદ-વ્યયથી સ્પર્શિત પર્યાય થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. અહો! આ શક્તિનું વર્ણન કરીને આચાર્ય અમૃતચંદ્રદેવે સમયસારરૂપી મંદિર ઉપર સુવર્ણકળશ ચઢાવ્યો છે. શબ્દો તો સાદા છે, તેનો વાચ્યભાવ જેવો છે તેવો સમજવો જોઈએ.
ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર અને ક્રમબદ્ધપર્યાય-આ પાંચ વિષયોના સંબંધમાં લોકો ઊંડા ઊતરીને સમજ્યા વિના વિરોધ કરે છે. પર્યાયની હાનિ થવા છતાં ધ્રુવની હાનિ થતી નથી. વર્તમાન પર્યાય જે ઉત્પન્ન થઈ છે તે પોતાના ઉપાદાનથી થઈ છે, તે નિમિત્તથી કે વ્યવહારથી ઉત્પન્ન થઈ નથી. તે ઉત્પન્ન થયેલી પર્યાયનો નાશ થવા છતાં ધ્રુવ ઉપાદાન કાયમ રહે છે, ધ્રુવ ઉપાદાનનો કદી પણ નાશ થતો નથી. તત્ત્વની સ્થિતિ આવી છે ભાઈ! વસ્તુ અને વસ્તુની પરિણતિની આવી મર્યાદા છે.
જેને તત્ત્વજ્ઞાનની ખબર નથી તેને ધર્મ કેમ થાય? તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે વસ્તુની સ્થિતિ જેમ છે તેમ જાણવી જોઈએ, એનું યથાર્થ જ્ઞાન કર્યા વિના દ્રષ્ટિ નિર્મળ થતી નથી. કહે છે-વર્તમાન જ્ઞાનની હાનિ થવા છતાં જ્ઞાન તત્ત્વ ત્રિકાળ ધ્રુવ રહે છે, તેમાં હાનિ થતી નથી. આમ ધ્રુવની-શાશ્વત ઉપાદાન જે ધ્રુવ છે તેની દ્રષ્ટિ રહેતાં જ્ઞાનની નિર્મળ પર્યાય નવી નવી પ્રગટ થાય છે. આ જ્ઞાનની જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે, તે તે સમયના ક્ષણિક ઉપાદાનથી પ્રગટ થાય છે; જ્ઞાનાવરણ કર્મનો અભાવ થયો માટે તે પ્રગટ થાય છે, વા શાસ્ત્ર ભણવાના વિકલ્પથી તે પ્રગટ થાય છે એમ નથી. બીજી ચીજ તે કાળે નિમિત્ત હો, પણ નિમિત્તના કારણે તે કાળે સમ્યગ્જ્ઞાનની પર્યાય થાય છે એમ છે જ નહિ. એમ તો ૧૧ અંગ અને નવ પૂર્વનું શાસ્ત્રજ્ઞાન થયું, પણ એનાથી શું થયું? કાંઈ જ નહિ. ધ્રુવના અંતર-આલંબનથી સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે અને તે ક્ષણિક ઉપાદાન છે. નિમિત્તથી ને વ્યવહારથી થાય એવી જે માન્યતા છે તે કેવળ ભ્રમ છે.
અહાહા...! અનંત શક્તિનો ધ્રુવભંડાર પ્રભુ આત્મા છે. તેની જેને દ્રષ્ટિ થઈ, તેનો અંતરમાં જેને સ્વીકાર થયો તે સમ્યગ્દ્રષ્ટિ છે. તેને પર્યાયમાં અનાકુળ આનંદના વેદનની દશા પ્રગટ થઈ છે. તે આનંદની દશા, કહે છે, એક સમય રહે છે. તે દશાનો અભાવ થવા છતાં આનંદ ગુણ તો ધ્રુવ કાયમ રહે છે. અહા! તે ધ્રુવના આલંબને ધ્રુવમાંથી નવી નવી અનાકુળ આનંદની દશા દ્રષ્ટિવંત ધર્મી સમકિતીને થયા કરે છે. આવો મારગ ભાઈ! અરેરે! લોકો એકલા ધંધાના પાપમાં રોકાયેલા રહે છે. ચોવીસે કલાક એકલું પાપ, પાપ ને પાપનું કામ; ધર્મ તો દૂર, એમને પુણ્યનાંય ઠેકાણાં નથી, કેમકે તત્ત્વશ્રવણ અને તત્ત્વચિંતનની એમને ફુરસદ નથી. ધંધાનાં કામ તો કોણ કરે? એકલું પાપનું કામ (પાપના ભાવ) કર્યા કરે. પણ આ તો જિંદગી જાય છે ભાઈ!
વર્તમાન પરિણામ ત્યક્તરૂપ ભાવ છે, ધ્રુવ અત્યક્ત સ્વભાવ છે. ધ્રુવ કાયમ રહે છે, ક્ષણિક ઉપાદાન ક્ષણે ક્ષણે પલટે છે. અહીં નિર્મળની વાત છે. ક્ષણિક નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે તે પોતાના ઉપાદાનથી થાય છે. અપાદાનશક્તિનો બીજો અર્થ ઉપાદાનશક્તિ છે. પં. શ્રી દીપચંદજીએ પંચસંગ્રહ નામના પુસ્તકમાં તેનું ઘણું વર્ણન કર્યું છે. જ્ઞાનદર્પણમાં પણ (પાનું પ૬) વર્ણન કર્યું છે.
PDF/HTML Page 4123 of 4199
single page version
વ્યાકરણમાં છ વિભક્તિ આવે છેઃ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. તેમાં ધ્રુવપણામયી અપાદાનશક્તિના કારણે અંદર ચિદ્રૂપની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે; નિર્મળ ધર્મની પર્યાય અપાદાનશક્તિના કારણે પ્રગટે છે; તે બાહ્ય નિમિત્તના કારણથી, કર્મના અભાવના કારણથી, કે વ્યવહારના કારણથી પ્રગટ થાય છે એમ નથી. બધી શક્તિમાં આ અપાદાનશક્તિ પરમ પ્રધાન છે, કેમકે એમાં ઉપાદાન આવે છે, ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન બન્ને તેમાં સમાય છે.
ચિદ્દવિલાસમાં (પાનું ૩૪) કહ્યું છેઃ “સામાન્યતાથી નિર્વિકલ્પ છે; વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ કરવામાં આવે ત્યારે જેમ જેમ શિષ્ય, ગુરુના પ્રતિબોધવાથી ગુણનું સ્વરૂપ જાણી જાણીને વિશેષ-ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને આનંદના તરંગ ઊઠે, તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ કારણે ગુણ-ગુણીનો વિચાર યોગ્ય છે. ગુણના વિશેષને (પરિણામ) કહ્યા છે; આ પરિણામથી જ ઉત્પાદવ્યય વડે વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ છીએ.”
જુઓ, વસ્તુ મતલબ વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપાદાનથી સિદ્ધ છે, અન્યથા સિદ્ધ નથી, નિમિત્ત કે વ્યવહારથી સિદ્ધ નથી.
ભાઈ, તારા ગુણમાં અને તારી પર્યાયમાં (ઉપાદાન) શક્તિની તાકાત છે તેનાથી તે નિર્મળ કાર્ય પ્રગટ થાય છે; પરના-નિમિત્તના કારણથી તે કાર્ય પ્રગટ થતું નથી. પરના ને વ્યવહારના કારણથી કાર્ય થાય છે એમ માનવું એ તો મોટું શલ્ય છે, મૂઢપણું છે, પરાધીન દ્રષ્ટિ છે. ગુણને ધ્રુવ ઉપાદાન કહ્યું છે, તેની પર્યાયને ક્ષણિક ઉપાદાન કહ્યું છે. અહા! પં. શ્રી દીપચંદજીએ સરસ કામ કર્યું છે. આચાર્યદેવે શક્તિની વ્યાખ્યા લખી છે તેના વિશેષ સ્પષ્ટીકરણ સહિતનું વર્ણન શ્રી દીપચંદજી સિવાય બીજા કોઈએ ખાસ કર્યું નથી. સમયસાર નાટકમાં થોડું છે, પણ પંચસંગ્રહ અને ચિદ્વિલાસમાં જેવું સ્પષ્ટીકરણ છે એવું બીજે નથી. તેમણે (શ્રી દીપચંદજીએ) એમ કહ્યું છે કે-સર્વ શક્તિઓમાં આ અપાદાનશક્તિ પરમ પ્રધાન છે.
ભગવાન આત્માના ધ્રુવ સ્વભાવમાં દ્રષ્ટિ દેવાથી, અપાદાનશક્તિના કારણથી ક્ષણિક પર્યાયમાં સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર અને આનંદની નિર્મળ પર્યાયો ઉત્પન્ન થાય છે. બહુ શાસ્ત્ર ભણ્યો માટે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે એમ નથી, તથા વ્યવહાર-ચારિત્ર બહારમાં છે માટે નિશ્ચય અભેદ રત્નત્રયરૂપ ચારિત્ર પ્રગટે છે એમ પણ નથી. પરિણતિમાં જે ઉત્પાદ-વ્યય થાય છે તે ઉપાદાનથી થાય છે. આવ્યું ને કે-વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે. નિશ્ચયથી જે નિર્મળ પરિણતિ થઈ તે પોતાના કારણથી ઉત્પન્ન થઈ છે, તે જ તેનું ઉપાદાન છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય પોતાના કારણે સ્વતંત્ર પ્રગટ થાય છે; તેમાં નિમિત્તનું કે બાહ્ય વ્યવહારનું કારણપણું નથી, પોતાના દ્રવ્ય-ગુણ પણ કારણ નથી. આ વાત ચિદ્વિલાસમાં (પાન ૯પ પર) આપી છે. “પર્યાયનું કારણ પર્યાય જ છે. ગુણ વિના જ (અર્થાત્ ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે, પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે.” અહા! આત્મામાં ત્રિકાળ ધ્રુવપણે ચારિત્ર ગુણ છે. તેની વર્તમાન જે નિર્મળ વીતરાગી પર્યાય પ્રગટ થઈ તે તેનું વર્તમાન ક્ષણિક ઉપાદાન કારણ છે. વ્યવહાર કારણ નહિ, ને દ્રવ્ય-ગુણ પણ કારણ નહિ. અહા! આવી વસ્તુસ્થિતિ જાણી જે વિશેષને ભેદી ધ્રુવને અવલંબે છે તેને અંદર અનાકુળ આનંદના તરંગ ઉઠે છે, અંદરનો ખજાનો ખુલી જાય છે, ને પર્યાયમાં ધનના (નિર્મળ રત્નત્રયના) ઢગલા થાય છે. અહો! દિગંબર સંતો અને ગૃહસ્થ પંડિતોએ અદ્ભુત અલૌકિક સ્પષ્ટીકરણ કર્યું છે. લોકો માને ન માને એ બીજી વાત છે, પોતાની ચીજ આવી જ છે. આ તો અનાદિ પરંપરાની ઉપદેશ છે. શ્રી દીપચંદજી ૨૦૦ વર્ષ પહેલાં ભાવદીપિકામાં લખી ગયા છેઃ
અહા! આગમની પરંપરા પ્રમાણેની શ્રદ્ધાવાળા કોઈ દેખાતા નથી. યથાર્થ શ્રદ્ધાવાળા કોઈ વક્તાય દેખાતા નથી. મુખથી આ વાત કહીએ તો કોઈ સાંભળતા નથી. માટે હું લખી જાઉં છું કે માર્ગ આવો છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?
સમ્યગ્દર્શન આદિ જે પર્યાય પ્રગટ થઈ તેના પ્રદેશ ભિન્ન છે. જરીક સૂક્ષ્મ વાત છે. અસંખ્ય પ્રદેશોમાં પર્યાયના પ્રદેશો ભિન્ન છે, ધ્રુવના પ્રદેશો ભિન્ન છે. જેટલા ક્ષેત્રમાંથી નિર્મળ પર્યાય ઉઠે છે એટલા પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે. પર્યાયનું કારણ પર્યાયના પ્રદેશ છે, પર્યાયની ઉત્પત્તિમાં ધ્રુવનું ક્ષેત્ર કારણ નથી. પર્યાયનું ક્ષેત્ર પર્યાયનું કારણ છે. ઉત્પાદવ્યયથી પર્યાય આલિંગિત છે, માટે ઉત્પાદ-વ્યય પર્યાયનું કારણ છે, ધ્રુવ નહિ.
PDF/HTML Page 4124 of 4199
single page version
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય મોક્ષનો માર્ગ છે. તે પર્યાયના ઉત્પાદ-વ્યય સ્વતંત્ર પોતાના કારણથી થાય છે. ધ્રુવ ઉપાદાન છે તો તેનાથી તે પર્યાય પ્રગટ થાય છે એમ નથી, કેમકે ધ્રુવ ઉપાદાન તો ત્રિકાળ એકરૂપ રહે છે. પર્યાયમાં કેવળજ્ઞાનની પૂર્ણ વિકાસની દશા થાય તો જ્ઞાનની ધ્રુવતામાં, ધ્રુવ જ્ઞાનસ્વભાવમાં કાંઈ કમી થતી નથી, ને નિગોદની પર્યાયમાં અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનનો વિકાસ છે તો ધ્રુવ જ્ઞાનસ્વભાવમાં વધુ પુષ્ટતા થાય છે એમેય નથી. ધ્રુવ તો અકબંધ એવું ને એવું એકરૂપ ત્રિકાળ છે.
અહા! શક્તિ અને શક્તિના વિશેષોના સ્વરૂપને જાણી જેણે દ્રવ્યદ્રષ્ટિ કરી, ધ્રુવનું આલંબન લીધું તે સમ્યગ્દ્રષ્ટિ છે, તેની પર્યાય પાછળ હઠીને પડી જાય અને તેને વચ્ચે મિથ્યાત્વ આવી જાય એવી કોઈ વાત છે નહિ. જેની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે, ધ્રુવને પોતાના ધ્યાનનું ધ્યેય બનાવ્યું છે તેને ક્રમવર્તી નિર્મળ પર્યાયો થયા જ કરે છે, તેની નિર્મળ પર્યાય છૂટીને તેને મિથ્યાત્વ આવી જાય એવો કોઈ ગુણ છે જ નહિ. ભાઈ, તારા આત્મામાં અપાદાનશક્તિ એવી છે કે તેમાં (આત્મામાં) અનંત અનંત પર્યાયો થઈને નાશ પામે છતાં તેના ધ્રુવનું સામર્થ્ય તો એવું ને એવું અક્ષય-અનંત શાશ્વત રહે છે, ને તેમાંથી પર્યાયો નિર્મળ નિર્મળ થયા જ કરે છે. ઓહો! આ ચૈતન્યચિંતામણિ એવા ધ્રુવનો કોઈ અચિન્ત્ય સ્વભાવ છે કે સમયે સમયે પરિપૂર્ણ જ્ઞાન, આનંદ આદિ તેમાંથી નીકળ્યા જ કરે, અને છતાં અનંતકાળેય એ તો અકબંધ એવું ને એવું જ રહ્યા કરે.
કોઈને થાય કે આ અમે શરીરની અનેક ક્રિયા કરીએ, દયા, દાન આદિ પુણ્યની અનેક ક્રિયા કરીએ તો એમાંથી ધર્મ આવે કે નહિ?
તો અહીં કહે છે-તારા ધર્મની ધ્રુવ ખાણ તારો આત્મા જ છે. અહા! તે ધ્રુવનું આલંબન લે, તેમાં દ્રષ્ટિ કર, અને તેનું જ ધ્યાન ધર, તેમાંથી જ તારો ધર્મ પ્રગટ થશે. આ સિવાય શરીરની ક્રિયા અને પુણ્યની ક્રિયા તો બધાં થોથાં છે, એ બહારની ચીજમાંથી કયાંયથી તારો ધર્મ આવે એમ નથી.
હવે એક બીજી વાતઃ સમ્યગ્દર્શન આદિની નિર્મળ પર્યાય અલ્પ હો, તેની હાનિ (વ્યય) થતાં તે પર્યાય કયાં ગઈ? તો કહે છે-જેમ જળના તરંગ જળમાં ડૂબે છે, ને સામાન્ય જળપણે થાય છે તેમ તે અલ્પ પર્યાય ધ્રુવમાં જાય છે, ને ધ્રુવમાં જતાં તે પારિણામિકભાવરૂપ થઈ જાય છે. ક્ષાયિકભાવ પણ હાનિ-વ્યય પામતાં ધ્રુવમાં ભળી જાય છે ને પારિણામિકભાવરૂપ થઈ જાય છે. અહા! જે નિર્મળ પર્યાય ક્રમવર્તી પ્રગટ થાય છે તે વ્યય પામતા ધ્રુવ સામાન્યમાં જાય છે ને તે પારિણામિકભાવરૂપ થઈ જાય છે.
અહા! પર્યાય ક્રમવર્તી અને ગુણો અક્રમવર્તી એકસાથે છે. તે બેના સમુદાયને આત્મા કહ્યો છે. અહીં નિર્મળ પર્યાય લેવી. રાગ પર્યાયમાં છે તો રાગવાળો આત્મા છે એમ ન સમજવું.
તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે આત્મા એમ કહ્યું છે? હા, ત્યાં અપેક્ષા બીજી છે. પર્યાયમાં અશુદ્ધતા છે એને જે માનતો જ નથી એવા નિશ્ચયાભાસીને સમજાવવા માટે એ વાત કરી છે. અહા! પર્યાયમાં જે અશુદ્ધતા છે તે અશુદ્ધતાની પર્યાયનો વ્યય થયો તો તે કયાં ગઈ? તે પર્યાય અંદર ધ્રુવમાં ગઈ, પણ અંદર અશુદ્ધતા ગઈ છે એમ નહિ, અંદર તો યોગ્યતા ગઈ છે, તે પારિણામિકભાવરૂપ થઈ ગઈ છે, ભગવાન ધ્રુવમાં ભળી ભગવાનરૂપ થઈ ગઈ છે. પરમ પારિણામિકભાવ ત્રિકાળ ધ્રુવ શુદ્ધ છે તેમાં તે પર્યાય ગઈ છે.
તો આપણે કરવાનું શું? આ જ કે ત્રિકાળી સ્વભાવ જે ધ્રુવ છે તેમાં ઝૂકી જા. ધ્રુવને ધ્યાનમાં લઈને ધ્રુવને જ ધ્યાનનું ધ્યેય બનાવ. આ સિવાય બીજું કાંઈ કરવાનું નથી. પર્યાય પ્રજા છે, ધ્રુવ તેનો પિતા છે; ધ્રુવનું આલંબન ધર્મ છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?
અહા?ં રાગથી ભિન્ન પોતાની ચીજ અંદર છે તેનું જેને ભાન નથી, શક્તિ તે ધ્રુવ ઉપાદાન અને વર્તતી પર્યાય તે ક્ષણિક ઉપાદાન-એ બન્નેના સ્વાધીન સ્વરૂપની જેને ખબર નથી તે રાગની એકતામાં રહ્યો છે; મરણ ટાણે તે રાગની એકતાની ભીંસમાં ભીંસાઈ જશે. શુભભાવથી ધર્મ થાય એમ જે માને છે તે મૃત્યુ સમીપ આવતાં રાગની એકતાની ભીંસમાં ભીંસાઈ જશે. આખી જિંદગી જેણે પોતાની ચૈતન્યવસ્તુને ભિન્ન જાણી-અનુભવી નહિ તેનો દેહ મરણ ટાણે, જેમ ઘાણીમાં તલ પિલાય તેમ, પિલાઈને છૂટી જશે, ને કોણ જાણે કયાંય તે ચાર ગતિમાં રઝળતો ચાલ્યો જશે. સમજાય છે કાંઈ...?
જુઓ, પાંચ પાંડવો ભાવલિંગી વીતરાગી સંત હતા. શત્રુંજય પહાડ પર તેઓ ધ્યાનમાં લીન હતા. દુર્યોધનના ભાણેજે
PDF/HTML Page 4125 of 4199
single page version
ધગધગતા લોઢાનાં ઘરેણાં તેમના હાથપગમાં પહેરાવીને તેમના ઉપર ભારે ઉપસર્ગ કર્યો. તે વખતે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એ ત્રણ તો અંતરધ્યાન વડે કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. સહદેવ અને નકુળ એ બન્નેને સાધર્મી પ્રતિ જરી શુભ વિકલ્પ આવ્યો કે અરે! આ સંતો પર આવો ઘોર ઉપસર્ગ! એ શુભવિકલ્પના ફળમાં તેમને કેવળજ્ઞાન પ્રગટ ન થતાં, આયુસ્થિતિ પૂરી થઈને સર્વાર્થસિદ્ધિના દેવમાં જવાનું થયું. ત્યાં તેમને ૩૩ સાગરોપમની સ્થિતિ છે. તે સ્થિતિ પૂરી કરીને મનુષ્ય તરીકે જન્મશે, અને ફરી મુનિદીક્ષા લઈ, કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે. જુઓ, જરા શુભરાગ આવ્યો તો આટલો સમય સંસારમાં તેમને રહેવું પડશે.
ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણીનો આ પ્રવાહ છે. કહે છે-વર્તમાન પર્યાયનો અપાય અર્થાત્ નાશ થવા છતાં હાનિને પ્રાપ્ત થતો નથી એવો જે ધ્રુવ ભાવ છે તે-મય અપાદાનશક્તિ જીવમાં છે. પર્યાયની હાનિ થઈને તે અંદર ગઈ, પણ ધ્રુવ ઉપાદાન પડયું છે, માટે બીજે સમયે બીજી નવી પર્યાય ઉત્પન્ન થશે જ. અહા! બીજી નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય એવો આત્માનો અપાદાન સ્વભાવ છે, ને ભાવ સ્વભાવ છે. એક પર્યાયનો અભાવ થયો તેથી અભાવ (શૂન્યતા) કાયમ રહી જાય એવી વસ્તુ નથી. ભાવશક્તિના કારણે બીજી નિર્મળ પર્યાય બીજે સમયે વિદ્યમાન હોય જ છે. આવી વાત! આ બધી નિશ્ચય... નિશ્ચયની વાત છે એમ કહી લોકો તેને કાઢી નાખે છે, પણ ભાઈ! નિશ્ચય એટલે પરમાર્થ, સત્ય; અને વ્યવહાર એટલે ઉપચાર. સમજાણું કાંઈ...?
કેવળજ્ઞાનની પર્યાય એક સમયની છે, તેનો અપાય નામ નાશ થવા છતાં ધ્રુવત્વભાવ નાશ પામતો નથી, પરમપારિણામિક એવો ધ્રુવ એક જ્ઞાયકભાવ નાશ પામતો નથી; માટે બીજી ક્ષણે બીજી કેવળજ્ઞાનની પર્યાય વિદ્યમાન થશે જ થશે. વર્તમાન પર્યાયનો વ્યય થયો એટલે હવે બીજી પર્યાયનો ઉત્પાદ નહિ થાય એમ વસ્તુ નથી. ક્ષયોપશમ સમકિતનો અભાવ થઈને ક્ષાયિક સમકિત પ્રગટ થાય છે; અલબત્ત તે કાળે ભગવાન કેવળી-શ્રુતકેવળીની સમીપતા હોય છે, પણ તે પર્યાય-ક્ષાયિક સમકિતની દશા કાંઈ કેવળી-શ્રુતકેવળીના કારણે થઈ છે એમ નથી. ધ્રુવશક્તિમાં તાકાત છે તેથી ક્ષયોપશમ દશાનો વ્યય થઈને ક્ષાયિક પર્યાય પ્રગટ થઈ જાય છે. અંદર ધ્રુવ સ્વભાવ પડયો છે, જેના આશ્રયથી ક્ષયોપશમ દશા વ્યય પામીને બીજી નિર્મળ ક્ષાયિક પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્ય વર્તમાન વિદ્યમાન અવસ્થા વિના હોય નહિ એવી આત્માની ભાવશક્તિ છે. બીજી વિદ્યમાન નિર્મળ અવસ્થા ઉત્પન્ન થશે જ થશે એવો આત્માનો આ અપાદાન ગુણ છે. હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય, ને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય-એ વાત જ કયાં રહે છે?
આ પ્રમાણે અહીં અપાદાનશક્તિનું વર્ણન પૂરું થયું.
‘ભાવ્યમાન (અર્થાત્ ભાવવામાં આવતા) ભાવના આધારપણામયી અધિકરણશક્તિ.’ સમયસારમાં આ શક્તિનો અધિકાર ચાલે છે. આત્મપદાર્થ દ્રવ્યરૂપથી એક છે, અને તેના ગુણ અનેક-અનંત છે. અહા! આ અનંત ગુણનું અધિકરણ કોણ? તો કહે છે-અધિકરણ ગુણ વડે આત્મા જ તેનું અધિકરણ છે, અર્થાત્ તેનું અધિકરણ થાય એવો આત્માનો અધિકરણ ગુણ-સ્વભાવ છે.
અહા! જીવ જ્યારે નિજ દ્રવ્યસ્વભાવનો, ભગવાન ત્રિકાળીનો આશ્રય લે છે ત્યારે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે; તે સમ્યગ્જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેની સાથે અનંત ગુણની પર્યાય ભેગી ઊછળે છે. અહાહા...! જેમ પાતાળમાં પાણી હોય છે તે, પથ્થરનું પડ તૂટી જતાં અંદરથી એકદમ છોળો મારતું ઊછળી બહાર આવે છે, તેમ આ ચૈતન્યના પાતાળમાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત શક્તિઓ પડી છે તે, રાગની એકતા તોડીને જ્યાં દ્રવ્યસ્વભાવનો આશ્રય જીવ લે છે કે તત્કાલ ચૈતન્યના પાતાળમાંથી જ્ઞાનાદિ અનંત ગુણ-શક્તિઓ નિર્મળ પરિણતિરૂપે ઊછળી પ્રગટ થાય છે. અહા! જ્ઞાનાદિ નિર્મળ પરિણતિ થઈ તેનું અધિકરણ નામ આધાર કોણ? તો કહે છે-ભગવાન આત્મા જ તેનું અધિકરણ છે, કેમકે તેનું અધિકરણ થવાનો આત્મામાં અધિકરણ ગુણ છે. સમજાય છે કાંઈ...? સંવર અધિકારમાં વળી એમ લીધું છે કે-આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેમાં જાણનક્રિયા જે થાય છે તે જાણનક્રિયાના આધારે આત્મા છે. એ તો જાણનક્રિયામાં
PDF/HTML Page 4126 of 4199
single page version
ભગવાન આત્મા જાણવામાં આવે છે તો જાણનક્રિયાના આધારે આત્મા છે એમ કહ્યું છે. અહીં શક્તિના પ્રકરણમાં જુદા પ્રકારે વાત છે.
અહાહા...! અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈ પરિણમતાં સમ્યગ્જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, તે જાણનક્રિયા છે. તે જાણનક્રિયામાં ભગવાન આત્મા જાણવામાં આવે છે. અહા! સંવર નામ ધર્મ કેમ થાય એની વાત સંવર અધિકારમાં કરી છે. તેની આરંભની ગાથામાં આવે છે કે-‘ઉપયોગમાં ઉપયોગ છે’-એનો અર્થ એમ છે કે ત્રિકાળી શુદ્ધ ઉપયોગ સ્વરૂપ પ્રભુ આત્મા છે તે ઉપયોગમાં એટલે વર્તમાન જાણનક્રિયામાં-જે સ્વસન્મુખ ઉપયોગ થયો છે તેમાં-જાણવામાં આવે છે. જાણનક્રિયાના ભાવમાં આત્મા જાણવામાં આવે છે તો જાણનક્રિયાના આધારે આત્મા છે અર્થાત્ ઉપયોગમાં ઉપયોગ છે એમ કહ્યું છે. જ્યારે અહીં આત્માના આશ્રયે- આધારમાં રહેલા અધિકરણ ગુણને લીધે, અનંત ગુણની જે નિર્મળ પર્યાયો પ્રગટ થાય તેનો આધાર, કહે છે, આત્મા છે, નિમિત્ત-પરવસ્તુ કે રાગ તેનો આધાર નથી. આવી વાત! સમજાણું કાંઈ...?
જુઓ, પોતાનો આત્મા શુદ્ધ ચૈતન્યઘન અનંતગુણના સત્ત્વરૂપ ત્રિકાળી ધ્રુવપ્રભુ છે, તેના ગુણ-પર્યાયના આધારે દ્રવ્ય સિદ્ધ થાય છે; ગુણ અને પર્યાય નિર્મળ-તેના આધારે દ્રવ્ય સિદ્ધ થાય છે. અક્રમવર્તી ગુણ ને ક્રમવર્તી (નિર્મળ) પર્યાયોનો પિંડ તે આત્મા એમ છે ને! વળી દ્રવ્યના આધારે ગુણ-પર્યાય સિદ્ધ થાય છે; દ્રવ્યમાં અધિકરણ શક્તિ પડી છે તો દ્રવ્યના આધારે ગુણપર્યાય સિદ્ધ થાય છે, કેમકે ગુણ-પર્યાયોનો આધાર-અધિકરણ દ્રવ્ય છે.
બીજી એક વાત યાદ આવીઃ પ્રવચનસારની ગાથા ૧૨૬માં કર્તા, કર્મ, કરણ એ ત્રણ બોલ આવે છે. ત્યાં સૂક્ષ્મ વાત લીધી છે. ગુણ-પર્યાયના આધારે દ્રવ્ય ખ્યાલમાં આવી જાય છે એમ પ્રવચનસારની આ ગાથામાં સિદ્ધ કર્યું છે. ત્યાં (પ્રવચનસારમાં) સામાન્ય વાત છે એટલે મલિન પર્યાય સહિતની વાત કરી છે. અધિકરણ નામનો ગુણ તથા તેનું પરિણમન-નિર્મળ તેમ જ મલિન-એમ બન્નેની ત્યાં વાત કરી છે. ભાઈ, શાંતિ અને ધીરજથી સમજવું પ્રભુ! ત્યાં વિકારી પર્યાયના આધારે પણ ગુણ-દ્રવ્ય છે એમ લીધું છે, કેમકે વિકારી પર્યાયથી દ્રવ્ય-ગુણ સિદ્ધ થાય છે. એમ કે વિકારની અવસ્થા છે તે કોની? દ્રવ્યની તો છે. એ પ્રમાણે વિકારી પર્યાયના આધારે ત્યાં દ્રવ્યની સિદ્ધિ કરી છે, તેમ જ દ્રવ્યના આધારે વિકારી પર્યાય સિદ્ધ થાય છે એમ ત્યાં કહ્યું છે.
ભગવાન આત્મામાં અનંત ગુણ, અને અનંત પર્યાય છે. વર્તમાન એક ગુણની એક એમ અનંત ગુણની અનંત પર્યાયો સિદ્ધ થાય છે. તે પર્યાયો અને ગુણના આધારે દ્રવ્યની સિદ્ધિ થાય છે. મલિન પર્યાયને પણ ત્યાં લક્ષણ કહ્યું છે. પંચાસ્તિકાયમાં પણ એમ લીધું છે કે ઉત્પાદ-વ્યય, મલિન હોય તો પણ તે દ્રવ્યનું લક્ષણ છે. જ્યારે અહીં જેનું જ્ઞાન લક્ષણ છે તે આત્મા એમ વાત કરી છે. એ સ્વભાવનું ભાન કરાવવા કહ્યું છે. સમયસારમાં સ્વભાવની દ્રષ્ટિનું પ્રયોજન છે તેથી સ્વભાવની મુખ્યતા છે. પ્રવચનસારમાં સામાન્ય કથન છે. તેથી ત્યાં વિકૃત અવસ્થા છે તે પણ દ્રવ્યની છે એટલે એ લક્ષણથી પણ આત્મા છે એમ સિદ્ધ થાય છે એમ વાત કરી છે. વિકારી પર્યાયને પણ લક્ષણ બનાવી આ દ્રવ્ય છે એવું લક્ષ્ય ત્યાં સિદ્ધ કર્યું છે.
સંવર અધિકારમાં જાણનક્રિયાની જે નિર્મળ પરિણતિ છે તેના આધારે આત્મા જાણવામાં આવે છે તેથી દ્રવ્યનો આધાર નિર્મળ પર્યાય છે એમ કહ્યું છે. પ્રવચનસાર ગાથા ૧૦માં એમ લીધું છે કે અશુદ્ધ પરિણામનો આશ્રય પણ દ્રવ્ય છે, વિકારી પર્યાય પણ દ્રવ્યની છે. દ્રવ્યમાં પર્યાય થઈ તે દ્રવ્યના આશ્રયે થઈ છે એમ કહેવામાં આવે છે. ગુણપર્યાય આધાર અને દ્રવ્ય આધેય છે એમ ત્યાં સામાન્યપણે વાત છે. અહીં કોના આશ્રયે-આધારે નિર્મળ પર્યાય પ્રગટે છે એની વાત છે. તો કહે છે-ભાવ્યમાન ભાવના આધારપણામયી એક અધિકરણશક્તિ જીવદ્રવ્યમાં છે. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ને આનંદની જે નિર્મળ પર્યાય, શુદ્ધ સ્વભાવના આશ્રયે પ્રગટ થાય તે ભાવવામાં આવતો ભાવ્યમાન ભાવ છે, તે ભાવના આધારપણામયી અધિકરણશક્તિ છે.
શું કીધું? સમ્યગ્દર્શન આદિ પર્યાય પ્રગટ થઈ તે ભાવ્યમાન-ભાવવામાં આવતો ભાવ છે. અહાહા...! તે ભાવનો આધાર કોણ? તો કહે છે-તે ભાવના આધારપણામયી અધિકરણશક્તિ છે, અર્થાત્ અધિકરણશક્તિથી આત્મા જ તેનો આધાર છે. હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય-એમ લોકો મોટો ઝઘડો કરે છે, પણ વ્યવહારની વાતેય કયાં છે? ભગવાન! તેં તત્ત્વની વાત સાંભળી જ નથી. વ્યવહારનું લક્ષ છોડી દ્રવ્યને જ્યારે લક્ષ બનાવ્યું ત્યારે તો સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે. અહા! તે નિર્મળ પર્યાયનું અધિકરણ આત્મા જ છે, કેમકે આત્મામાં જ તેના અધિકરણનો
PDF/HTML Page 4127 of 4199
single page version
ગુણ-સ્વભાવ છે. આમ અન્ય કોઈ આત્માના નિર્મળ ભાવોનું અધિકરણ નથી.
સમ્યક્ મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તે ભાવ્યમાન ભાવ છે. તેનો આધાર આત્મસ્થિત જ્ઞાનગુણ છે, જ્ઞાનગુણનું તે ભાવ્ય છે. જુઓ, બહારમાં ઇન્દ્રિયો, કે શાસ્ત્રના કે અન્ય નિમિત્તના આધારે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ નથી, કેમકે જ્ઞાન જુદું ને ઇન્દ્રિયો જુદી છે, જ્ઞાન જુદું અને શાસ્ત્ર આદિ નિમિત્ત જુદું છે; જ્ઞાનની પર્યાય તેમનું ભાવ્ય નથી; પરસ્પર આધાર-આધેયપણું બનતું જ નથી. જ્ઞાનગુણ જ જ્ઞાનની પર્યાયનો આધાર છે, કેમકે અધિકરણ ગુણ આત્માના જ્ઞાનગુણમાં પણ વ્યાપક છે; જ્ઞાનગુણમાં અધિકરણ નામનું રૂપ છે. સમજાય છે કાંઈ...?
તેવી રીતે સમ્યગ્દર્શનની પર્યાય શ્રદ્ધા ગુણના આધારે ઉત્પન્ન થાય છે. ભગવાન આત્મામાં શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે. જો કે શ્રદ્ધા ગુણનું વર્ણન આ ૪૭ શક્તિમાં અલગથી આવતું નથી, સુખશક્તિના વર્ણનમાં તેને સમાવી દીધું છે. અહા! તે શ્રદ્ધા ગુણના આધારે સમકિતની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, કાંઈ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાથી કે નવ તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાથી શુદ્ધ સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થતી નથી. અહો! દિગંબર સંતોએ-મુનિવરોએ જગતને કેવળજ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે.
ભગવાન! તું જ્ઞાનાનંદરૂપ ચૈતન્યલક્ષ્મીનો ભંડાર છો. તેમાં જે સમ્યગ્દર્શનની પર્યાયરૂપી રત્ન ઉત્પન્ન થાય છે તે કોના આધારથી પ્રગટ થાય છે? શું તેનો આધાર વ્યવહાર રત્નત્રય છે? ના, વ્યવહાર રત્નત્રય તેનો આધાર નથી. તો શું દેવ-ગુરુ-શાસ્ત્ર તેનો આધાર છે? તો કહે છે-ના, વ્યવહાર રત્નત્રય તેનો આધાર નથી. એ તો બધી બહારમાં ભિન્ન ચીજ છે, તે આધાર નથી. ગજબ વાત છે, બહારમાં અત્યારે મોટી ગરબડ ચાલે છે. વાસ્તવમાં અંદર શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે તેના આધારે સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય થાય છે.
તેવી રીતે આત્મામાં જે આસ્રવ રહિત સંવરની વીતરાગી ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તેનો આધાર કોણ? શું સરાગ સમકિત અને પંચમહાવ્રતના વ્યવહારના પરિણામ તે તેનો આધાર છે? તો કહે છે-ના, વ્યવહારના- ક્રિયાકાંડના કોઈ પરિણામ નિશ્ચય ચારિત્ર પ્રગટ થાય તેનો આધાર નથી. અહા! અંદર આત્મામાં ચારિત્ર ગુણ ત્રિકાળ છે તેના આધારે સ્વરૂપની રમણતામય એવી વીતરાગી ચારિત્રની દશા પ્રગટ થાય છે. પ્રભુ! તારી ચારિત્રદશા પરથી અને રાગથી નિરપેક્ષ પ્રગટ થાય છે. મોક્ષનો માર્ગ પરમ નિરપેક્ષ છે, તેને બહારના કોઈ આધારની જરૂરત નથી. અહા! પોતે જ પોતાની વીતરાગી ચારિત્રની પર્યાયનું અધિકરણ છે, એટલે જેને મોક્ષમાર્ગ જોઈએ છે તેણે દ્રવ્ય-ત્રિકાળી આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરવી જોઈએ. ભાઈ, આ દ્રવ્યદ્રષ્ટિ એ જ વીતરાગનો માર્ગ છે અને તે અલૌકિક છે, એનાં ફળ પણ અલૌકિક છે. અહાહા...! અનંત જ્ઞાન-કેવળજ્ઞાન ને અનંત સુખ પ્રગટે અને તે સાદિ-અનંતકાળ રહે તે એનું ફળ છે. સિદ્ધ પર્યાય પ્રગટે તે સાદિ-અનંતકાળ રહે છે; ઓહો! એકલા અતીન્દ્રિય સુખનો, પૂર્ણ સુખનો અને અનંત સુખનો ત્યાં ભોગવટો હોય છે. અહા! આવી અલૌકિક દશા થવાના કારણનો આધાર અંદર આધારની જેની શક્તિ છે એવો ભગવાન આત્મા છે; આ સિવાય બહારમાં કોઈ આધાર નથી, શરીરેય નહિ, ઇન્દ્રિયેય નહિ, દેવ-ગુરુ-શાસ્ત્ર પણ નહિ, ને વ્યવહારેય નહિ. સમજાણું કાંઈ...?
અરે! સંસારી જીવોને અનાદિકાળથી રાગની રુચિ છે, ને તેને ઉપદેશક પણ એવા જ મળી જાય છે. ઉપદેશક પણ દયા, દાન, વ્રત આદિના શુભરાગથી ધર્મ થવાનું બતાવે છે. લ્યો, ‘જસલો જોગી અને માલી મકવાણી’ -બેયનો મેળ ખાઈ ગયો. પણ એ તો બન્નેય ચારગતિમાં રઝળશે. હિંસાદિ અશુભરાગના ભાવ તો મહાપાપના ભાવ છે, અધર્મ છે, પણ અહિંસાદિ શુભરાગનો અનુભવ પણ ધર્મ નથી, અધર્મ છે એમ અહીં કહે છે; તે ભાવના આધારે આત્માની મોક્ષમાર્ગની પર્યાય થતી નથી. તેનાથી ધર્મ થવાનું માને એ તો મિથ્યાત્વરૂપ મહાશલ્ય છે.
કોઈ વળી કહે છે-આત્મસ્વભાવના આધારેય ધર્મ થાય, ને વ્યવહારના ને નિમિત્તના આધારેય ધર્મ થાય- એમ માનો તો અનેકાન્ત છે. પણ એમ નથી ભાઈ! વ્યવહાર-રાગના આધારે વીતરાગતા-ધર્મ થાય એ તારી માન્યતા અંધારાના આધારે અજવાળું થાય એના જેવી મિથ્યા છે, કેમકે ધર્મ તો વીતરાગતા સ્વરૂપ છે. વળી નિમિત્ત છે તે પરવસ્તુ છે, ને પરવસ્તુ સ્વદ્રવ્યમાં શું કરે? કાંઈ જ ન કરે. અડે નહિ તે શું કરે? આ રીતે આત્મસ્વભાવના આધારેય ધર્મ થાય ને વ્યવહારના-રાગના આધારે ને નિમિત્તના આધારેય ધર્મ થાય એવી તારી માન્યતા ભ્રમ છે; એ અનેકાન્ત પણ નથી, વાસ્તવમાં આત્મસ્વભાવના આધારે જ ધર્મ થાય, ને વ્યવહાર ને નિમિત્તના આધારે ધર્મ ન થાય એ માન્યતા સત્યાર્થ અનેકાન્ત સ્વરૂપ છે. આત્માના અનંત ગુણનો આધાર-અધિકરણ આત્મા જ છે, કેમકે આત્માનો અધિકરણ ગુણ-સ્વભાવ છે. દરેક ગુણમાં અધિકરણ ગુણ વ્યાપક છે, દરેક ગુણમાં તેનું રૂપ છે. તેથી દરેક ગુણ પોતાના આધારે પોતાની નિર્મળ
PDF/HTML Page 4128 of 4199
single page version
પર્યાય પ્રગટ કરે છે. સમ્યગ્જ્ઞાન અને કેવળજ્ઞાનની પર્યાય આત્માના જ્ઞાનસ્વભાવના આધારે જ પ્રગટ થાય છે. કેવળજ્ઞાનની પર્યાય થઈ તે તેના પૂર્વના ચાર જ્ઞાનની પર્યાયના વ્યયના આધારે થઈ છે એમ જ્યાં નથી ત્યાં હવે વ્યવહાર અને નિમિત્તના આધારે થાય એ વાત જ કયાં રહે છે? આ લોજિકથી-ન્યાયથી તો વાત છે. ત્રણ લોકના નાથનો માર્ગ ન્યાયથી સિદ્ધ છે. ‘ન્યાય’ શબ્દમાં ‘નો’-‘नय्’-દોરી જવું-એટલે કે જેવી વસ્તુ છે તેને તેવી જાણવારૂપે જ્ઞાનને સ્વરૂપમાં દોરી જવું-લઈ જવું તે ન્યાય છે. ઓહોહો...! આ તો ધન્યભાગ્ય હોય તેને વીતરાગની વાણી સાંભળવા મળે.
બહેનનાં ‘વચનામૃત’ વાંચીને એક મુમુક્ષુ ભાઈ બોલી ઊઠેલા-‘આ તો જૈનની ગીતા છે.’ વાત સાચી છે. જૈનના એટલે વીતરાગતાનાં ગાણાં ગાય તે ગીતા છે. આત્માના ગુણનાં ગાણાં તે ગીતા છે. અહાહા...! અનંત ગુણરત્નાકર પ્રભુ આત્મા છે. તેનાં આ ગાણાં છે; પર્યાયનાં કે રાગનાં આ ગાણાં નથી. બીજાના આધારે તું પોતાની પર્યાય થવાનું માને પણ એવી વસ્તુસ્થિતિ નથી. બીજાને આધાર માનનારો પોતાના અનંત ગુણ-સ્વભાવનો અનાદર કરે છે. વ્યવહારના રસિયાને આ આકરું લાગે, એકાંત જેવું લાગે, પણ શું થાય? એનું ચિત્ત એકાન્ત-ગ્રહથી ગ્રસિત છે.
સમયસારની ૮૩મી ગાથામાં સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું છે. દરિયામાં તરંગ ઊઠે છે તે પવનના કારણે નહિ; પર્યાયનો એવો સ્વભાવ છે કે તરંગ પોતાના કારણે પોતાથી ઊઠે છે, ને તે તરંગ સમાઈને દરિયામાં ચાલ્યા જાય છે. તેવી રીતે ધજા ફરફરે છે તે પવનના કારણે નહિ, પણ તેનામાં ક્રિયાવતી શક્તિ પડી છે તેના કારણે ધજાનું ફરફરવાપણે પરિણમન થાય છે. આવો પર્યાયનો સ્વભાવ છે. ત્યારે કોઈ ભાઈએ પ્રશ્ન કરેલોઃ
પ્રશ્નઃ– એમ કે પાણી ઉષ્ણ થાય છે તે અગ્નિથી થાય છે એમ પ્રત્યક્ષ દેખાય છે ને તમે કેમ ના પાડો છો? ઉત્તરઃ– પાણીની ઠંડી અવસ્થા બદલીને ઉષ્ણ અવસ્થા થાય એ તો પાણીની પર્યાયનો સ્વભાવ છે. અગ્નિ નિમિત્ત હો, પણ અગ્નિ તો પરવસ્તુ છે, અગ્નિના રજકણો પાણીને અડતા સુદ્ધાં નથી.
આચાર્ય શ્રી કુંદકુંદદેવે સમયસારની ગાથા ૩૭૨માં કહ્યું છે કે-ઘડો માટીમાંથી ઉત્પન્ન થાય છે એમ અમે દેખીએ છીએ, કુંભારથી ઘડો થાય છે એમ અમે દેખતા નથી. ઘડાની પર્યાયની કર્તા માટી છે, ને માટી જ ઘડાનું કરણ અને અધિકરણ છે. માટીની ઘડારૂપ પર્યાય કુંભારથી, દંડથી કે ચક્રથી થઈ છે એમ છે જ નહિ, અહા! દ્રવ્યની સ્વતંત્રતા તો જુઓ!
આત્મામાં એક પ્રભુતાશક્તિ છે. એ ત્રિકાળ પ્રભુતામાંથી વર્તમાન પ્રભુતા આવે છે. પ્રથમ પર્યાયમાં પામરતા હતી તે વ્યય થઈને પ્રભુતા પ્રગટી. તે પ્રભુતા કાંઈ પૂર્વ પર્યાયના વ્યયના આધારે પ્રગટી છે એમ નથી. ત્રિકાળ પ્રભુતાના આધારે પ્રભુતા પ્રગટી છે. આ પ્રભુતાશક્તિ પ્રત્યેક ગુણમાં વ્યાપક છે. પ્રત્યેક ગુણમાં પ્રભુતાનું રૂપ છે. તે કારણથી સમ્યક્ત્વાદિ નિર્મળ પર્યાયો ગુણની પ્રભુતાના આધારે પ્રગટ થાય છે. શક્તિવાનના આશ્રયે શક્તિ છે, તો તેની પર્યાય પણ શક્તિવાનના આશ્રય-આધાર વિના કેમ હોય? માંડ પ્રભુ! આવો અવસર મળ્યો છે, તો સ્વભાવથી ભરેલા ભગવાનના શરણે જા, તેનો આશ્રય લે; તું ન્યાલ થઈ જઈશ, તને શાંતિ ને અનાકુળ આનંદની પ્રાપ્તિ થશે. આ સિવાય લાખ-ક્રોડ ઉપાય બધા મિથ્યા છે.
સમયસારની બીજી ગાથામાં આવે છે કે- ‘जीवो चरित्तदंसणणाणट्ठिदो...’ લ્યો, આમાંથી આચાર્યદેવે જીવત્વશક્તિ કાઢી છે. રાગમાં સ્થિત હતો, તે નિજ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સ્થિત થયો તે જીવ છે. તે સ્થિત થવાની શક્તિ અધિકરણ ગુણ વડે આત્માની જ છે. અહા! તેને આત્માનો જ આધાર છે. આત્માની અધિકરણશક્તિ અબંધસ્વરૂપ છે, તે સહજ પારિણામિકભાવે છે. તેના આશ્રયથી ભાવ્યમાન ભાવ તે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવરૂપ છે, અને તે આત્માના આધારે જ પ્રગટ થાય છે. સ્વભાવને આધાર બનાવ્યા વિના, એકલા વ્યવહાર રત્નત્રયના જે પરિણામ છે તે બંધનનું કારણ છે, ને તેના આધારે અબંધના કારણરૂપ પરિણામ ઉત્પન્ન થાય એમ કદી બનતું નથી.
અહા! ધર્મી પુરુષ જાણે છે કે-અમને અમારા ચિદાનંદ ભગવાનનો જ આધાર છે. મહેલમાં હો કે જંગલમાં, પોતાનો આત્મા જ પોતાનો આધાર છે એમ ધર્માત્મા જાણે છે. જુઓ, સીતાજી ધર્માત્મા હતાં. જ્યારે લવ અને કુશ જેવા ચરમ-શરીરી પુત્રો તેમની કૂંખે આવ્યા તો તેમને સમ્મેદશિખર આદિ તીર્થોની વંદનાનો ભાવ થઈ આવ્યો. બરાબર તે જ વખતે લોકોએ આવીને રામચંદ્રજીને લોકાપવાદની વાત કહી. તેથી રામચંદ્રજીએ સેનાપતિને બોલાવી સીતાજીને તીર્થોની વંદના કરાવી, પછી સિંહનાદ નામના ભયાનક વનમાં તેમને છોડી દેવાની આજ્ઞા કરી.
સીતાજીએ બહુ આનંદથી ને ભક્તિથી તીર્થવંદના કરી, ને પછી જ્યાં સિંહનાદ વન આવ્યું ત્યાં રથ ઊભો રાખીને
PDF/HTML Page 4129 of 4199
single page version
સેનાપતિ રડવા લાગ્યો. સીતાજી કહે-અરે, આ શું થયું? સેનાપતિજી, તીર્થવંદનાના આનંદના પ્રસંગે આપ આમ કેમ રડો છો? સેનાપતિ રડતાં રડતાં કહે-માતાજી, જેમ મુનિવરો રાગ પરિણતિને છોડે તેમ શ્રીરામે લોકાપવાદના ભયથી તમને આ જંગલમાં એકલાં છોડી દેવાની આજ્ઞા કરી છે. સેનાપતિના આ શબ્દો સાંભળીને સીતાજી બેચેન-બેબાકળાં થઈ મૂર્ચ્છિત થયાં. પછી હોશમાં આવ્યાં તો રામચંદ્રજીને સંદેશો કહેવડાવ્યો કે-“હે સેનાપતિ! મારા રામને કહેજે કે લોકાપવાદના ભયથી મને તો છોડી, પણ જિનધર્મને ન છોડશો. અજ્ઞાની લોકો જિનધર્મની નિંદા કરે તો તે નિંદાના ભયથી સમ્યગ્દર્શનને કદી ન છોડશો...” જુઓ આ ધર્માત્માની અંતર-પરિણતિ! ધર્મના આધારભૂત સ્વભાવ અંતરમાં ભાવ્યો છે તો સંદેશામાં કહે છે-સ્વભાવના આધારે પ્રગટ સમ્યગ્દર્શનને લોકનિંદાના ભયથી મા છોડશો. અહાહા...! ધર્મનો આધાર એવા નિજ ચિન્માત્ર ચિદાનંદ પ્રભુને દ્રષ્ટિમાં રાખ્યો છે તો ભયાનક વનમાં પણ સીતાજી ભયભીત નથી. રામનો ભલે વિયોગ હો, પણ અંદર આતમરામ છે તે હાજરાહજૂર છે. સીતાજીના જ્ઞાન-શ્રદ્ધાનમાં નિજ આતમરામનો આધાર નિરંતર વર્ત્યા જ કરે છે. અહા! આતમરામનું શરણ મળ્યું તે અશરણ નથી. તે તો વનમાં પણ પોતાના આત્માના આધારે નિઃશંક અને નિર્ભય જીવન જીવે છે, દર્શન-જ્ઞાન-ચારિત્રમય જીવન જીવે છે. સમજાણું કાંઈ...?
અહાહા...! આત્મામાં એક જીવત્વશક્તિ ત્રિકાળ છે. તેનું કાર્ય શું? જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા-એવા ભાવપ્રાણરૂપ જીવનનું કાર્ય એમાં થાય છે. આત્માના આધારે પ્રગટ ભાવપ્રાણ તે આત્માનું જીવન છે. શરીરથી જીવવું એ જીવન નથી. ‘જીવો ને જીવવા દો’ એમ સૂત્ર બોલે છે ને! પણ એ જિનસૂત્ર-જિનવાણી નથી. જે દર્શન-જ્ઞાન- ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તે ધર્માત્માનું જીવન છે, તે સ્વસમય છે. રાગથી જીવવું, દેહથી જીવવું, અશુદ્ધ પ્રાણથી જીવવું તે આત્મજીવન નથી, વાસ્તવમાં એ તો આત્મ-ઘાત છે. આ દસ દ્રવ્યપ્રાણ છે એ તો જડ છે. તેના આધારે જીવ જીવતો નથી. શું કહીએ? વાતે વાતે ફેર છે!
એક લાખે તો ના મળે, એક ત્રાંબિયાના તેર.
પરમાત્મા કહે છે-તારે ને મારે વાતે વાતે ફેર છે, તારી દ્રષ્ટિ ઊંધી છે માટે કોઈ વાતે મેળ ખાતો નથી.
અહા! ભાવ્યમાન ભાવનો આધાર થાય તેવી આત્માની નિજ શક્તિ છે. જેમ નિરાલંબી આકાશને અન્ય કોઈ આધાર નથી, તેમ નિરાલંબી ચૈતન્ય પ્રભુને બીજો કોઈ આધાર નથી. ચૈતન્યના ભાવોને નિજ ચૈતન્ય પ્રભુનો એકનો જ આધાર છે, એવી જ આત્માની અધિકરણશક્તિ છે. ગજબ વાત છે ભાઈ! પોતાના શુદ્ધ ચૈતન્યનો આધાર ચૂકીને જેઓ બહારમાં પોતાનો આધાર શોધે છે તે બહિદ્રષ્ટિ જીવો બહારમાં ભલે મોટા શેઠ હોય તોય તેઓ રાંકા- ભિખારા જ છે, કેમકે બીજા પાસેથી તેઓ પોતાના જ્ઞાન ને આનંદની ભીખ માગે છે. અને સમકિતીને બહારમાં કદાચ દરિદ્રતા હોય તોય શું? ‘મારા સુખનો આધાર હું જ છું, મારે કોઈ બીજાની જરૂર નથી’-એવી સ્વભાવદ્રષ્ટિ વડે તે નિરંતર અનાકુળ અતીન્દ્રિય સુખનો ભોગવનારો થાય છે.
જુઓ, કેવળજ્ઞાન ભાવ્યમાન ભાવ છે, તેના આધારપણામય આત્માની અધિકરણશક્તિ છે. અહાહા...! સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ પ્રગટયું તેનો આધાર કોણ? શું વજ્રવૃષભનારાચ સંહનન હોય તે તેનો આધાર છે? ના, તે આધાર નથી. દેહનું અધિકરણ આત્મા, ને આત્માનું અધિકરણ દેહ-એમ નથી. કેવળજ્ઞાનનું અધિકરણ વજ્ર શરીર નથી. જો તે શરીર કેવળજ્ઞાનનો આધાર હોય તો શરીર વિના કેવળજ્ઞાન રહી કેમ શકે? પણ ભગવાન સિદ્ધને સદાય કેવળજ્ઞાન આદિ વર્તે છે, ને શરીર વર્તતું નથી. માટે શરીર કેવળજ્ઞાનનો આધાર નથી, આત્મા જ એક કેવળજ્ઞાનનો આધાર છે. વજ્રવૃષભનારાચ સંહનન હોતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે એમ કહ્યું હોય તે વ્યવહારનયનું કથન ઉપચારમાત્ર જાણવું. (ભિન્ન આધારની બુદ્ધિ છોડી સ્વદ્રવ્યના આશ્રયમાં રહેવું.)
અહા! એકેક પર્યાયમાં ષટ્કારક છે. અધિકરણશક્તિ પ્રગટ થઈ તે ષટ્કારકથી પ્રગટ થઈ છે. કારકો અનુસાર થવાપણારૂપ જે ભાવ તે-મયી ક્રિયાશક્તિની વાત આવી ગઈ છે. અહો! આ તો અલૌકિક મંત્રો છે. આ વાત સંપ્રદાયમાં કયાંય છે નહિ. દિગંબરમાં છે, પણ એનો અર્થ કરવામાં ગોટા ઉઠાવ્યા છે. પણ અહો! વીતરાગી મુનિવરોએ રામબાણ માર્યાં છે. અધિકરણ જેનો ગુણ છે એવા આત્માને ઉપાદેય કરતાં ગુણનું પરિણમન થાય છે, ભેગું અનંતા ગુણનું પરિણમન થાય છે. આ ધર્મ ને આ મોક્ષમાર્ગ છે, અને એનું ફળ મોક્ષ છે. માટે હે ભાઈ! રાગને હેય જાણી તું નિજ સ્વભાવને ઉપાદેય કર, તેથી વીતરાગતા ને સુખ પ્રગટ થશે, કેમકે આત્મસ્વભાવ જ તેનું અધિકરણ છે.
આ પ્રમાણે અહીં અધિકરણશક્તિનું વર્ણન પૂરું થયું.
PDF/HTML Page 4130 of 4199
single page version
‘સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ. (પોતાનો ભાવ પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી-એવા સંબંધમયી સંબંધશક્તિ).
જુઓ, આ શક્તિનો અધિકાર છે. શક્તિ એટલે ગુણ. ભગવાન આત્મામાં અનંત ગુણ છે. આ અનંત ગુણ- પ્રત્યેક ભિન્ન હોવા છતાં એકેક ગુણનું બીજા અનંતમાં રૂપ છે. તેમાં એક શક્તિ એવી છે કે પોતે આત્મા સ્વસંવેદન- પ્રત્યક્ષ થાય. પોતાનું જ્ઞાન અને પોતાનો આનંદ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય એવો તેનો પ્રકાશ સ્વભાવ છે. તેમાં અધિકરણ ગુણનું રૂપ છે તે કારણથી તે શક્તિ પરના આધાર વિના પોતાના જ આધારે પોતાનું સ્વસંવેદન પ્રત્યક્ષ કરે છે. તે પોતાની સ્વયંસિદ્ધ દશા છે. વ્યવહાર રત્નત્રયના કારણે સ્વસંવેદન થાય છે એમ નથી.
‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ’ એ શ્રીમદ્નું વચન છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ આ વાત આવી છે. ચોથે ગુણસ્થાને જ્ઞાનાદિ ગુણોનો એકદેશ વ્યક્ત થાય છે. શ્રદ્ધા ગુણની સમ્યગ્દર્શનરૂપ પર્યાય વ્યક્ત થાય છે તેની સાથે જ્ઞાન ગુણની મતિ-શ્રુતરૂપ સમ્યગ્જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, ચારિત્ર ગુણની સ્વરૂપાચરણની પર્યાય પ્રગટ થાય છે. પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને વિશેષ ચારિત્ર હોય છે તે અહીં નથી, પણ ચારિત્રનો અંશ ચોથાથી શરુ થાય છે. આવી વસ્તુસ્થિતિ છે. પહેલાં એની યથાર્થ સમજણ કરવી જોઈએ, વિના સમજણ પ્રયોગ કેવી રીતે થાય? અંતર્મુખ થવાનો પ્રયોગ કરતા પહેલાં યથાર્થ સમજણ હોય છે, પછી એકાગ્રતારૂપ ધ્યાન દ્વારા સ્વાનુભવ પ્રગટ થાય છે. અહા! યથાર્થ સમજણ કરી અનંતગુણનો ભંડાર એવા આત્માનો જ્યાં આશ્રય લે છે ત્યાં ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન સહિત સર્વ ગુણનો અંશ પ્રગટ થાય છે.
અહાહા...! અભેદ એક જ્ઞાયકભાવ સ્વરૂપ પ્રભુ આત્મા છે. તે સમ્યગ્દર્શનનો વિષય અને ધ્યેય છે. તે ધ્યેયની દ્રષ્ટિ-અંતર્મુખ દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શનરૂપ પર્યાયની વ્યક્તતા થાય છે. આ મૂળ ચીજ છે, એને બદલે ‘સંયમ લો, સંયમ લો’-એમ કેટલાક પત્રોમાં લખાણ આવે છે. પણ અરે ભાઈ, સંયમ કોને કહેવાય? સમ્યગ્દર્શન શું ચીજ છે એની ખબર વિના સંયમ આવ્યો કયાંથી? માર્ગ જુદો છે બાપા! અનંત શક્તિનો પિંડ શક્તિવાન દ્રવ્ય અભેદ એક છે તેની દ્રષ્ટિ કરવાથી સમકિત સહિત અનંત શક્તિનો વ્યક્ત અંશ પર્યાયમાં પ્રગટ થાય છે. અહા! જેમ પાણીનો ઘડો ભર્યો હોય ને છલકાય તેમ જ્ઞાનમાત્રભાવની અંદર અનંત શક્તિઓનું ઊછળવું થાય છે એનું નામ સમકિત છે. ભાઈ, આવા સમકિત વિના વ્રતાદિ કાંઈ જ નથી. એ તો થોથાં છે થોથાં ભગવાન!
આ સમયસારમાં શક્તિનું વર્ણન દ્રષ્ટિની પ્રધાનતાથી છે. પ્રવચનસારમાં જે ૪૭ નયનું વર્ણન છે તે જ્ઞાનની પ્રધાનતાથી છે. શક્તિ ૪૭, નય ૪૭, ભૈયા ભગવતીદાસ રચિત નિમિત્ત-ઉપાદાનના દોહા ૪૭, અને ચાર ઘાતિકર્મની પ્રકૃતિ પણ ૪૭ છે. આ ૪૭ શક્તિનું સ્વરૂપ યથાર્થતાથી સમજે તેને ૪૭ પ્રકૃતિનો નાશ થાય છે. કર્મપ્રકૃતિનો નાશ કહેવો એ તો વ્યવહાર છે, વાસ્તવમાં તેને અનંતજ્ઞાનાદિ પ્રગટ થાય છે.
અહા! આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ ૪૭ શક્તિનું આમાં અજબ વર્ણન કર્યું છે. જીવત્વશક્તિથી શરૂ કર્યું છે. શક્તિની આવી વાત શ્વેતાંબર આદિ બીજે કયાંય નથી. આ તો કેવળજ્ઞાનની કેડીએ ચાલનારા સંતોએ અમૃત પીરસ્યાં છે. ભગવાનની દિવ્યધ્વનિનો આ સાર છે. અત્યારે છેલ્લી સંબંધશક્તિનું વર્ણન ચાલે છે. કહે છે- ‘સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ છે’. જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ અને તેનું ભવન નામ પરિણમન તે સ્વભાવમાત્ર સ્વવસ્તુ છે; કેમકે આ સ્વભાવ છે એમ તેની પરિણતિમાં ભાન થયા વિના આ સ્વભાવ છે એ વાત કયાંથી આવી? આમ દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ પરિણતિ તે સ્વભાવમાત્ર સ્વ છે, અને તેના સ્વામિત્વમયી સંબંધશક્તિ છે.
અહાહા...! અનંતગુણરૂપી સ્વભાવનું સ્વામિત્વ કયારે થાય? કે જ્યારે પર્યાયમાં પરિણમન થાય ત્યારે આ સ્વ-સ્વભાવમય પોતાની પૂર્ણ વસ્તુ છે એમ ભાન થયું તો સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિની પર્યાય નો અંશ પ્રગટ થાય છે. ત્યારે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં સંબંધશક્તિનું વ્યાપકપણું થાય છે. અહીં ‘સ્વભાવમાત્ર સ્વ’ એમ કહ્યું છે એમાં એકલા ત્રિકાળીની વાત નથી. ત્રિકાળીનું પર્યાયમાં ભાન થયું તો ત્રિકાળી દ્રવ્ય, અનંત ગુણ અને તેની નિર્મળ નિર્વિકારી પર્યાય-ત્રણે સ્વભાવમાત્ર છે અને એ ત્રણેમાં સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિનું વ્યાપકપણું થાય છે.
ભગવાન આત્મા ચૈતન્ય લક્ષણે લક્ષિત છે. જ્ઞાનની વર્તમાન પર્યાય સ્વજ્ઞેયને જાણતી પ્રગટ થઈ તેમાં આ
PDF/HTML Page 4131 of 4199
single page version
પરમાત્મસ્વરૂપ પૂર્ણ વિજ્ઞાનઘન વસ્તુ હું છું એમ જાણવામાં આવ્યું, સાથે એની પ્રતીતિ થઈ. જો પ્રતીતિ ન થાય તો આ સિદ્ધ સમાન કારણપરમાત્મા હું ભગવાન સ્વરૂપ છું એ કયાં રહ્યું? એક વાર એક પ્રશ્ન થયેલોઃ
પ્રશ્નઃ– મહારાજ! આપ ત્રિકાળી ધ્રુવ વસ્તુને કારણપરમાત્મા કહો છો; જો તેવો કારણપરમાત્મા હોય તો તેનું કાર્ય આવવું જોઈએ ને? કારણપરમાત્મા તો મોજુદ છે, પણ તેનું સમ્યગ્દર્શનરૂપી કાર્ય તો છે નહિ, માટે તેને કારણપરમાત્મા કેમ કહેવાય? ત્યારે અમે જવાબ દીધેલો કે-
ઉત્તરઃ– ભાઈ, જેને કારણપરમાત્મા પ્રતીતિમાં આવ્યો તેને તે કારણપરમાત્મા છે. જેને પ્રતીતિમાં આવ્યો નથી તેને કારણપરમાત્મા કયાં છે? સમજાય છે? કારણપરમાત્મા ત્રિકાળી અનંતગુણસ્વરૂપ ભગવાન તો અનાદિથી છે, પણ તેનો પર્યાયમાં ભાસ થયા વિના કારણપરમાત્મા છે એ વાત કયાં રહી? મિથ્યા શ્રદ્ધાવાળાને કારણપરમાત્માની શ્રદ્ધા નથી; તેને તો બહારમાં રાગ અને પર્યાયની શ્રદ્ધા છે. સમ્યગ્દ્રષ્ટિને જ કારણપરમાત્માની શ્રદ્ધા છે. આજ શાસ્ત્રની ૧૭-૧૮ ગાથાની ટીકામાં એમ કહ્યું છે કે-અજ્ઞાનીની જ્ઞાન-પર્યાયમાં પણ પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાથી, સ્વજ્ઞેય જાણવામાં આવે છે, પણ તેની દ્રષ્ટિ ત્યાં સ્વદ્રવ્ય પર નથી; માટે તેના જ્ઞાનમાં જણાતો હોવા છતાં તેની પર્યાયમાં કારણપરમાત્મા આવ્યો નહિ. દ્રવ્ય જ્ઞાનમાં જણાવા છતાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નહિ હોવાથી પર્યાયમાં દ્રવ્ય આવ્યું નહિ.
ભાઈ, રાગ અને પર્યાયને જે પોતાનું સ્વ માને છે તે બહિરાત્મા છે, કેમકે પર્યાય તે બહિર્તત્વ છે, ને વસ્તુ છે તે અંતઃતત્ત્વ છે. એક સમયની પર્યાય ઉપર જેની દ્રષ્ટિ છે તે બહિદ્રષ્ટિ બહિરાત્મા છે, ને ભગવાન જ્ઞાયકનો જેણે અંતરમાં સ્વીકાર કર્યો તે અંતરાત્મા થયો. સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદરૂપ જે સ્વના ભવનરૂપ ભાવ છે તે જ મારું સ્વ છે ને હું તેનો સ્વામી છું, આ સિવાય બીજું કાંઈ મારું સ્વ નથી, ને બીજા કોઈનો હું સ્વામી નથી-એમ તેને હવે નિર્ણય થયો છે. જુઓ આ સંબંધશક્તિ! પરથી સંબંધ હોવાનું નિષેધીને આ સંબંધશક્તિ સ્વમાં એકતા સ્થાપિત કરે છે.
પણ અરે! અજ્ઞાનીની દ્રષ્ટિ બહાર પર અને પર્યાય પર હોય છે. નિયમસારના શુદ્ધભાવ અધિકારમાં આવે છે કે-જીવાદિ સાત તત્ત્વ બહિર્તત્વ છે. ત્યાં જીવાદિ એટલે જીવની પર્યાય સમજવી. જીવાદિ બહિર્તત્વ હેય છે અને પોતાનો આત્મા જે એક જ્ઞાયકભાવમાત્ર છે તે ઉપાદેય છે. નિર્મળ પર્યાયને પણ ત્યાં બહિર્તત્વ કહેવામાં આવેલ છે. સંવર, નિર્જરા આદિ પર્યાય છે તેને ત્યાં બહિર્તત્વ કહી છે, હેય કહી છે. ત્યાં પ્રયોજનવશ નવે તત્ત્વની બધી પર્યાયને હેય કહી છે, ને એક અંતઃતત્ત્વ સ્વદ્રવ્યને જ આશ્રય કરવાયોગ્ય ઉપાદેય કહ્યું છે. હવે આ સાંભળવાય ન મળે તેને કે દિ’ તેનું જ્ઞાન થાય, ને કયારે તે અંતરમાં ઉતરે? આ સમજ્યા વિના તારું બધું થોથાં છે ભાઈ. આ દયા, દાન, વ્રત ઇત્યાદિના વિકલ્પ બધું થોથાં છે ભગવાન!
ત્યાં કહે છે-દયા, દાન ઇત્યાદિ જે વિકલ્પ છે તે તો હેય છે, પણ દ્રવ્યદ્રષ્ટિ કરતાં જે સંવર નિર્જરાની નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેય હેય છે. સંવર એટલે ચારિત્ર. ભગવાન આનંદસ્વરૂપમાં રમણતા કરતાં જે ચારિત્રની પર્યાય પ્રગટ થઈ તે ચારિત્ર દશા હેય છે, કેમકે પર્યાયના લક્ષે રાગ ઉત્પન્ન થાય છે. પર્યાયનું લક્ષ છોડાવી એક જ્ઞાયકનું જ લક્ષ કરાવવાનું પ્રયોજન છે તેથી ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની દશાને હેય કહી છે, પરદ્રવ્ય કહી છે. શ્રીમદ્ રાજચંદ્રજીને તત્ત્વદ્રષ્ટિ હતી. તેમણે એક વાર કહેલું-‘અરે, આ નાદ કોણ સાંભળશે? કોણ હા પાડશે? પરમાત્માનો આ નાદ છે.
લોકોએ બહારનું બધું માન્યું છે. વ્રત કરે, ને તપસ્યા કરે પણ એ સંસારના નાશનો ઉપાય નથી. અંદર સ્વભાવમાત્ર કારણપરમાત્મા છે, પણ જે તેની પ્રતીતિ ને જ્ઞાન કરે તેને ને? ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ તે પોતાનું સ્વ છે, પણ જે તેનો આશ્રય કરીને જાણે તેને તે સ્વ છે. સ્વનું ભાન થાય, સમ્યગ્દર્શન-જ્ઞાન થાય ત્યારે તે સ્વ-ભાવ છે એમ કહેવાય.
અરે! આ લોકમાં પોતાનું શું છે ને કોની સાથે પોતાને પરમાર્થ સંબંધ છે તેના ભાન વિના, પરને જ પોતાનું માનીને જીવ સંસારમાં અનંત કાળથી રખડી મરે છે. તે પરને પોતાનું કરવા નિરંતર ઉદ્યમશીલ રહે છે, પણ પરદ્રવ્ય કદીય પોતાનું થઈ શકતું નથી, તેથી મોહમુગ્ધ એવો તે દુઃખી જ દુઃખી થાય છે.
અહા! જો પરને પરરૂપે જાણે ને સ્વને સ્વ-રૂપે જાણે તો અવશ્ય તે પોતાના સ્વરૂપની-સ્વભાવમાત્ર વસ્તુની-એકાગ્રતાથી સુખી જ થાય.
ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવ પ્રભુ આત્મા તે સ્વ, અને તેના ભાવનું ભવન-જેમાં આ સ્વ છે એમ ભાન થયું તે સ્વ-ભાવ છે. આ રીતે ચૈતન્યદ્રવ્ય, તેના ગુણ અને તેની શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ તે પોતાનું સ્વ, અને તેની સાથે ધર્મી
PDF/HTML Page 4132 of 4199
single page version
પુરુષને સ્વામિત્વનો સંબંધ છે. બાકી પુણ્ય કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ તે સ્વ અને ધર્મી તેના સ્વામી-એમ ત્રણકાળમાં છે નહિ. પ્રભુ! તારા સ્વભાવમાં જે સ્થિર હોય તે તારું સ્વ છે, ને તેનું પરિણમન થાય તે તારું સ્વ-કાર્ય છે. આમ દ્રવ્ય-ગુણ ને પર્યાય એ ત્રણે તારું સ્વ અને તેની સાથે તારે સ્વામીપણાનો સંબંધ છે. આ સિવાય પર કે રાગ સાથે તારે સ્વ-સ્વામીપણાનો સંબંધ નથી. સમજાણું કાંઈ...?
અહાહા...! પોતાનો એક જ્ઞાયકભાવ અનંત શક્તિથી ભરપુર ભર્યો છે. એનો જ્યાં અનુભવ થયો તો તેના પરિણમનમાં પણ સ્વ-ભાવ-સ્વના ભવનરૂપ સ્વ-ભાવ આવ્યો, અને સંબંધ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપી; દ્રવ્ય-ગુણમાં તો હતી, ને ભાન થયું ત્યાં પર્યાયમાં શક્તિનો અંશ પ્રગટ થયો. તો ધર્મી પોતાના દ્રવ્ય-ગુણ ને તેના આશ્રયે પ્રગટ શુદ્ધ પરિણતિ-એ સિવાય પોતાને સ્વ-સ્વામી સંબંધ હોવાનું કયાંય સ્વીકારતો નથી. અહા! દિગંબર સંતો સિવાય વસ્તુનું આવું સ્વરૂપ કોણ બતાવે? દિગંબર સંતોએ અકારણ કરુણા કરીને સાર તત્ત્વ જગત સમક્ષ મૂકયું છે. તેઓ ભગવાન કેવળીનો વારસો મૂકી ગયા છે. પણ અરે! વારસો (વારસદાર) રહ્યા નહિ! કોઈને થાય કે અમારું બધું ખોટું? હા, ખોટું છે; રાગ ને પર સાથેનો તારો સર્વ સંબંધ ખોટો છે.
અરે પ્રભુ! વસ્તુનું સ્વરૂપ આવું છે. પોતાનાં દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે, ને શક્તિના ધરનાર દ્રવ્યનો જ્યાં પર્યાયમાં અનુભવ થયો ત્યાં સ્વ-સ્વામિત્વમય સંબંધશક્તિનું પરિણમન પણ થયું. તો દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે સ્વ-ભાવ છે, ને તે સ્વ-ભાવનો સ્વામી પોતે આત્મા છે એમ નિશ્ચય થયો. જુઓ આ નિશ્ચય! અહા! ધર્મીને આ નિશ્ચય થયો છે કે હું મારા જ્ઞાન-આનંદ વગેરે અનંત ગુણોનો સ્વામી છું, ને તે જ મારા સ્વ-ભાવો છે. મારું સ્વરૂપ એવું નથી કે હું પરનો ને વિકારનો સ્વામી થાઉં. પરનો સ્વામી પરદ્રવ્ય ને વિકારનો સ્વામી વિકાર હોય; મારો શુદ્ધભાવ વિકારનો સ્વામી કેમ હોય? મારા એક જ્ઞાયકભાવ સાથે જેણે એકત્વ કર્યું છે એવો જે શુદ્ધ રત્નત્રયનો ભાવ તે જ મારું સ્વ છે, ને તેનો જ હું સ્વામી છું. રાગાદિ તો મારાથી છૂટા પડી જાય છે, માટે તે મારું સ્વ નથી, હું તેનો સ્વામી નથી. હું તો સ્વ-ભાવમાત્રનો જ સ્વામી છું.
પ્રશ્નઃ– તો આ સ્ત્રીનો સ્વામી, લક્ષ્મીનો સ્વામી, પ્રજાનો સ્વામી વગેરે લોકમાં કહે છે તે શું જૂઠું છે? ઉત્તરઃ– હા, સ્ત્રીનો સ્વામી, લક્ષ્મીનો સ્વામી, પ્રજાનો સ્વામી ઇત્યાદિ લોકમાં જે કહેવાય છે તે પરમાર્થ નથી. ખરેખર આત્મા સ્ત્રી, લક્ષ્મી કે પ્રજા વગેરેનો સ્વામી નથી, કેમકે એ પૃથક્ વસ્તુઓ તેનું સ્વ નથી. આ શરીરનો આત્મા સ્વામી નથી, ને રાગાદિનોય સ્વામી નથી; આત્મા તો જ્ઞાન-દર્શન-આનંદરૂપ સ્વ-ભાવોનો જ સ્વામી છે, ને તે જ આત્માના ‘સ્વ’ છે. ‘સ્વ’ તો તેને કહીએ જે સદાય સાથે રહે, કદીય પોતાથી જુદું ન પડે. શરીર જુદું પડે છે, રાગ જુદો પડી જાય છે, પણ જ્ઞાન-દર્શન-આનંદ જુદા પડતા નથી, માટે તેની સાથે જ આત્માને સ્વ-સ્વામીપણું છે, રાગાદિ સાથે નહિ. સમજાણું કાંઈ...?
જુઓ, રામ, લક્ષ્મણ, સીતા વનમાં ગયાં હતાં. સીતાને ઉપાડી જવાથી રાવણ સાથે તેમને લંકા પાસે યુદ્ધ થયું. રાવણે લક્ષ્મણને શક્તિ મારીને મૂર્ચ્છિત બનાવી દીધા. શક્તિ એટલે બહારની વિદ્યા. ત્યારે લક્ષ્મણની હાલત જોઈને રામ કલ્પાંત કરવા લાગ્યાઃ
એ માતાજી ખબરું પૂછશે, ત્યારે શો શો ઉત્તર દઈશ;
લક્ષ્મણ જાગને હોજી, તું બોલ દે એકવારજી...
જુઓ, સમકિતી રામને આવો વિકલ્પ આવ્યો છે, પણ તે સીતા, લક્ષ્મણના કે તત્સંબંધી વિકલ્પનાય તે કાળે સ્વામી નથી. સમજાય છે કાંઈ...? સમકિતીની પરિણતિ જ આવી વિચિત્ર અટપટી હોય છે. ભજનમાં આવે છે ને કે-
લક્ષ્મણ મૂર્ચ્છિત થઈ પડયા છે, ત્યારે કોઈએ કહ્યું કે એક વિશલ્યા નામની કુંવારી કન્યા છે. તે ભરતના રાજ્યમાં રહે છે. તેને તત્કાલ અહીં બોલાવો. તેના સ્નાનનું જળ છાંટવાથી લક્ષ્મણની મૂર્ચ્છા ઉતરી જશે. ને બન્યું પણ એમ. તે પ્રમાણે કરતાં લક્ષ્મણજીના શરીરમાંથી શક્તિ ચાલી ગઈ, ને લક્ષ્મણજી જાગૃત થયા. અહીં કહે છે-શલ્ય રહિત વિશલ્યા એવી
PDF/HTML Page 4133 of 4199
single page version
આત્માની શુદ્ધ પરિણતિ જ્યાં જાગૃત થઈ ત્યાં ‘હું આનંદકંદ એક જ્ઞાયક પ્રભુ છું, તે મારું સ્વ ને હું તેનો સ્વામી છું’-એમ તેને સ્વ-સ્વામી સંબંધ પ્રગટ થાય છે. બેનના વચનામૃતમાં આવે છે ને કે-‘જાગતો જીવ ઉભો છે, તે કયાં જાય? જરૂર પ્રાપ્ત થાય.’ જાગતો જીવ એટલે ધ્રુવ એક જ્ઞાયકભાવ-તેની દ્રષ્ટિ કર્યે તે જરૂર પ્રાપ્ત થાય. આત્મામાં શક્તિ જાગી (-પરિણમી) ત્યાં આખોય આત્મા જાગી ગયો. પહેલાં રાગની એકતામાં મૂર્ચ્છિત હતો તે હવે એક જ્ઞાયકભાવની એક્તામાં જાગૃત થયો. તેના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં સ્વ-સ્વામીપણાનો સંબંધ સ્થાપિત થયો. હવે તેને રાગાદિ સાથે સ્વ-સ્વામિત્વ સંબંધ નથી.
તો વ્યવહાર રત્નત્રયના પરિણામ તો એને છે? હા, છે; પણ વ્યવહાર રત્નત્રયના પરિણામ સાથે સ્વ-સ્વામિત્વ સંબંધ નથી. તેની સાથે જ્ઞેય-જ્ઞાયક સંબંધ વ્યવહાર-માત્રથી છે. તે રાગના પરિણામને પરજ્ઞેયપણે માત્ર જાણે છે. બસ. સમજાણું કાંઈ...?
નિયમસારમાં નિર્મળ પર્યાયને પરદ્રવ્ય, અને હેય કહી છે. ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં ઉપાદેય તત્ત્વ જે સમ્યગ્દર્શનનો વિષય છે એવો એક જ્ઞાયકભાવ સિદ્ધ કરવો છે, ને પર્યાયનું લક્ષ મટાડવું છે; તો નિર્મળ પર્યાયને પરદ્રવ્ય અને હેય કહી. અહીં સંબંધશક્તિમાં જીવનો વાસ્તવિક સંબંધ કોનાથી છે એ સિદ્ધ કરવું છે, તો દ્રવ્ય-ગુણ ને તેની નિર્મળ પર્યાય જ પોતાનું સ્વ છે, ને પોતે તેનો જ સ્વામી છે, પરનો ને રાગનો નહિ-એમ સિદ્ધ કર્યું છે. હવે સત્ય વાત સાંભળે નહિ ને રાગ-દ્વેષની-એકલી પાપની-મજુરીમાં આવી જિંદગી વેડફી નાખે! અરે ભાઈ, એમાં તને ભારે નુકશાન છે. બહારની ક્રિયા તો તું કરતો (કરી શકતો) નથી, ને પુણ્ય-પાપના વિકલ્પોની મજુરી કર્યા કરે છે પણ એથી તો તને અનંત સંસાર ફળશે; કોણ જાણે કયાંય નર્ક-નિગોદમાં ચાલ્યો જઈશ.
પ્રશ્નઃ– હા, પણ આત્માને કર્મ સાથે તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે ને? ઉત્તરઃ– ના; પોતાના સ્વભાવ સાથે જ સ્વ-સ્વામિત્વ સંબંધ જેને પ્રગટ થયો, એક જ્ઞાયકભાવના એકત્વપણે જે પરિણમ્યો એવા ધર્મી પુરુષને કર્મ સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો વિચ્છેદ થતો જાય છે. જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ નથી એવો મિથ્યાદ્રષ્ટિ જીવ જ કર્મ સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધે પરિણમે છે. જેને નિજ સ્વભાવ-એક જ્ઞાયકભાવ સાથે એકપણું થયું. જ્ઞાયક સાથે જ એકાકાર થઈ જે પરિણમ્યો તેને હવે કર્મનું નિમિત્તપણું છુટતું જાય છે. સાધકને તો પોતાના સ્વભાવમાં જેમ જેમ એક્તાનું પરિણમન દૃઢ થતું જાય છે તેમ તેમ કર્મનો સંબંધ તૂટતો જાય છે, ને ક્રમશઃ પૂર્ણ ભાવને પ્રાપ્ત થઈ કર્મના સંબંધ રહિત થઈ જાય છે, સિદ્ધપદને પ્રાપ્ત થાય છે.
અહા! સમકિતીને કર્મનું ને રાગનું સ્વામિત્વ નથી. એ તો સ્વ-સ્વભાવના સ્વામી છે. પોતાના દ્રવ્ય-ગુણ ને દ્રવ્યના આશ્રયે પ્રગટેલી નિર્મળ રત્નત્રયની દશા-તેના જ તે સ્વામી છે, ને તે જ એનું સ્વ છે. કર્મના ને કર્મજનિત રાગનો સ્વામી થાય તે તો મિથ્યાદ્રષ્ટિ છે. લ્યો, હવે લોકો કહે છે કે-વ્યવહારની ક્રિયા કરો, એમ કરતાં કરતાં ધર્મ થશે, વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય થશે, સરાગ સંયમ પાળતાં વીતરાગી સંયમ થશે; પણ ભાઈ, આવી જે પ્રરૂપણા છે એ તો સ્વરૂપનો ઘાત કરનારી છે. આત્માને જ્યાં રાગનું સ્વામિત્વ જ નથી ત્યાં રાગથી આત્માનો ધર્મ કેમ પ્રગટ થશે? ભગવાનની વાણીમાં તો આ આવ્યું છે કે વીતરાગ પરિણતિથી જ ધર્મદશા ઉત્પન્ન થાય છે, અને તે વિતરાગ પરિણતિ સ્વદ્રવ્યના આશ્રયે જ ઉત્પન્ન થાય છે. કર્મના આશ્રયે કે વ્યવહાર-રત્નત્રયના આશ્રયે વીતરાગ પરિણતિ ઉપજે એ ત્રણકાળમાં સત્ય નથી. અહા! ધર્મી જીવ પર સાથે જરાય સંબંધ માનતા નથી.
સમયસાર ગાથા ૨૦૭-૨૦૮ ની ટીકામાં આવ્યું છે કે- “જે જેનો સ્વ ભાવ છે તે તેનું સ્વ છે. અને તે તેનો (સ્વભાવનો) સ્વામી છે-એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી ‘આ મારું સ્વ નથી, હું આનો સ્વામી નથી’ એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી.”
વળી જ્ઞાની કહે છે કે-“જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું સ્વ થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે સ્વ છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.”
PDF/HTML Page 4134 of 4199
single page version
જુઓ ધર્માત્માની આ સૂક્ષ્મ તત્ત્વદ્રષ્ટિ! જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ, કહે છે, જડનો પતિ જડ જ હોય. પણ હું તો એક જ્ઞાયક ભાવ છું, ને જ્ઞાયક જ રહીશ અર્થાત્ જ્ઞાયકના સ્વામીપણે જ રહીશ. લ્યો, આવી વાત! ધર્મી જીવ માત્ર પોતાના સ્વ-સ્વભાવમાં જ સ્વ-સ્વામિત્વ જાણે છે, શરીર, કર્મ, કે રાગાદિ સાથે સ્વ-સ્વામિત્વ સ્વીકારતા નથી. ધર્મીને વર્તમાન દશામાં કિંચિત્ રાગ છે, પણ તેના અભિપ્રાયમાં ‘રાગ તે હું’ એવી રાગની પકડ નથી; ‘એક જ્ઞાયક ભાવ જ હું-એવી સ્વભાવની જ પકડ છે.
સમ્યગ્દ્રષ્ટિનો સ્વ-સ્વામિત્વ સંબંધ પોતાના સ્વરૂપમાં જ સમાય છે. તેથી નિર્મળ ત્રિકાળી દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ, પવિત્ર પરિણતિ-એ ત્રણે જે પોતાનો ભાવ છે તે તેનું સ્વ છે, ને તેનો જ તે સ્વામી છે. જ્ઞાની ધર્માત્મા પુરુષને ‘રાગ મારું સ્વ ને રાગનો હું સ્વામી’ એવો સંબંધ છે જ નહિ. તેને વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આવે છે, પણ તે જ્ઞેય-જ્ઞાયકરૂપ વ્યવહારના સંબંધમાં જાય છે. રાગ તે પરજ્ઞેય છે, પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય તે સ્વજ્ઞેય છે; શુદ્ધ આત્મદ્રવ્ય સ્વજ્ઞેય છે, તે ઉપાદેય છે, ને રાગ પરજ્ઞેય છે, તેનો ધર્મી જીવ જ્ઞાતા માત્ર છે. રાગ પરજ્ઞેય-બસ એટલો વ્યવહાર સંબંધ છે, તેની સાથે હવે ધર્મીને બીજો કોઈ સંબંધ નથી. અહાહા...! અંદર મીઠો મહેરામણ અમૃતનો નાથ પ્રભુ આત્મા ઝુલે છે, તેમાંથી અમૃત ઝરે છે તેનો સ્વાદ કર; રાગ છે એ તો ઝેરનો સ્વાદ છે, જ્ઞાની તેના સ્વાદના સ્વામી થતા નથી.
જુઓ, રત્નત્રયના નિર્મળ પરિણામ તે મારું સ્વ ને હું તેનો સ્વામી, એક જ્ઞાયક ભાવ તે મારું સ્વ, ને હું તેનો સ્વામી-એમ સ્વ-સ્વામીરૂપ ભેદ-વિકલ્પની આ વાત નથી. વાસ્તવમાં ધર્મીને દ્રવ્ય-પર્યાયની એકતારૂપ પરિણમન થયું છે એની આ વાત છે. પોતે પોતાના સ્વભાવ સાથે જ સંબંધ રાખીને તેનાથી જ એક્તારૂપે પરિણમે, તેમાં જ લીનતા કરી પરિણમે એવો આત્માનો સ્વભાવ છે, ને તે જ એની શોભા છે, સુંદરતા છે. પરના સંબંધથી આત્માને ઓળખવો એ તો કલંક છે; લૌકિકમાં પણ એને કલંક કહે છે, માટે હે ભાઈ! પરના સંબંધથી વિરિત્ત થઈને તારા એક જ્ઞાયક ભાવમાં જ એકત્વ કર. એક જ્ઞાયક ભાવમાં એકત્વ પામતાં અંદર નિર્મળ રત્નત્રય પાકશે. તે તારો સ્વ-ભાવ છે, ને તું તેનો સ્વામી છો. આ સિવાય બીજા કોઈ સાથે તારે સ્વ-સ્વામીપણાનો સંબંધ છે નહિ. લ્યો, આવી વાત!
આ પ્રમાણે છેલ્લી આ સંબંધશક્તિનું વર્ણન પૂરું થયું.
‘ઇત્યાદિક અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે તોપણ તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી’ -એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ-
यो ज्ञानमात्रमयतां न जहाति भावः ।
एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं
શ્લોકાર્થઃ– [इत्यादि–अनेक–निज–शक्ति–सुनिर्भरः अपि] ઇત્યાદિ (-પૂર્વે કહેલી ૪૭ શક્તિઓ વગેરે વગેરે) અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવાં છતાં [यः भावः ज्ञानमात्रमयतां न जहाति] જે ભાવ જ્ઞાનમાત્રમયપણાને છોડતો નથી, [तद्] એવું તે, [एवं क्रम–अक्रम–विवर्ति–विवर्त–चित्रम्] પૂર્વોક્ત પ્રકારે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી (-રૂપાંતરથી, પરિણમનથી) અનેક પ્રકારનું, [द्रव्य–पर्ययमयं] દ્રવ્યપર્યાયમય [चिद्] ચૈતન્ય (અર્થાત્ એવો તે ચૈતન્યભાવ-આત્મા) [इह] આ લોકમાં [वस्तु अस्ति] વસ્તુ છે.
ભાવાર્થઃ– કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ હશે. પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયમય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્યપર્યાયમય છે. તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત
PDF/HTML Page 4135 of 4199
single page version
શક્તિઓથી ભરેલો છે અને ક્રમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેકાકાર થાય છે તોપણ જ્ઞાનને-કે જે અસાધારણ ભાવ છે તેને-છોડતો નથી, તેની સર્વ અવસ્થાઓ-પરિણામો-પર્યાયો જ્ઞાનમય જ છે. ૨૬૪.
इत्यादि–अनेक–निज–शक्ति–सुनिर्भरः अपि ઇત્યાદિ (પૂર્વ કહેલી ૪૭ શક્તિઓ વગેરે વગેરે) અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં... ,
જુઓ શું કહે છે? ભગવાન આત્મા નિજ શક્તિઓથી ‘सुनिर्भरः’ સારી રીતે ભરપુર ભરેલો છે. શું વાસણમાં દૂધની જેમ આત્મા નિજશક્તિઓથી ભરપુર ભરેલો છે?
ના, દૂધમાં જેમ ધોળપ ભરેલી છે, વા સાકરમાં જેમ ગળપણ ભરેલું છે તેમ ભગવાન આત્મા નિજ શક્તિઓથી ભરપુર ભરેલો છે. અહાહા...! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા અનંતશક્તિમય જ છે. દૂધને વાસણ એ તો બે પૃથક્ ચીજ છે, એવું આમાં નથી. આત્મા અને શક્તિઓ અભેદ એકરૂપ છે; આત્મા શક્તિમય જ છે. સમજાય છે કાંઈ...?
અહાહા...! કહે છે-આમ અનંત શક્તિઓ-ગુણોથી સારી પેઠે ભરપુર ભરેલો હોવા છતાં ‘यः भावः ज्ञानमात्रमयतां न जहाति’ જે ભાવ જ્ઞાનમાત્રમયપણાને છોડતો નથી, ‘तद्’ એવું તે, ‘एवं क्रम–अक्रम–विवर्ति– विवर्त–चित्रम्’ પૂર્વોક્ત પ્રકારે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી (-રૂપાંતરથી, પરિણમનથી) અનેક પ્રકારનું, ‘द्रव्यपर्ययमयम्’ દ્રવ્યપર્યાયમય ‘चिद् ચૈતન્ય (અર્થાત્ એવો તે ચૈતન્યભાવ-આત્મા) ‘इद’ આ લોકમાં ‘वस्तु अस्ति’ વસ્તુ છે.
અહાહા...! જોયું? અનંત ગુણોથી ભરેલો હોવા છતાં જે ભાવ જ્ઞાનમાત્રપણાને છોડતો નથી અર્થાત્ જેના અક્રમે વર્તતા ગુણો ને ક્રમે વર્તતી પર્યાયોમાં જ્ઞાન વ્યાપક છે એવો ચૈતન્યભાવ વસ્તુ આત્મા છે. જુઓ, અહીં અક્રમે વર્તતા ગુણો અને ક્રમે વર્તતી પર્યાયો તે આત્મા કહીને પ્રમાણજ્ઞાન કીધું છે. અહા! પ્રત્યેક ગુણ-પર્યાયમાં જ્ઞાન વ્યાપક છે તેથી જ એને જ્ઞાનમાત્ર આત્મા કહ્યો છે. અહીં અક્રમે વર્તતા ગુણો ને ક્રમે વર્તતી પર્યાયો-એરૂપ જ્ઞાનમાત્ર વસ્તુ આત્મદ્રવ્ય લીધું છે કેમકે અનંત ગુણમાં-પ્રત્યેકમાં પ્રતિસમય રૂપાંતર-પરિણમન થવું તે એનો સ્વભાવ છે. આમ અક્રમે વર્તતા ગુણો ને ક્રમે વર્તતી-રૂપાંતર થતી પર્યાયો-એમ દ્રવ્યપર્યાયમય ચૈતન્યભાવ તે આત્મા છે; અને તે લોકમાં વસ્તુ છે. બે-દ્રવ્ય-પર્યાય બે થઈને એક વસ્તુ છે, બે ભિન્ન-ભિન્ન ચીજ નથી, બે થઈને બે વસ્તુ નથી.
અહાહા...! ભગવાન! તું કોણ છો? તો કહે છે-અનંત શક્તિઓથી ભરપુર ભરેલ જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા છો. અહાહા...! તારો આત્મા કાંઈ વિકાર કે કર્મોથી ભરેલો નથી, એનાથી તો ભિન્ન શુદ્ધ ચૈતન્યવસ્તુ તું આત્મા છો. અહાહા...! વિકારથી ને પરથી જુદો એવો આ ચૈતન્ય ભગવાન, કહે છે, જ્ઞાનમાત્રમયપણાને કદી છોડતો નથી. અહા! ધુમાડાથી ભિન્ન એવી અગ્નિ જેમ ઉષ્ણતાને કદી છોડતી નથી, તેમ પરથી ને વિકારથી ભિન્ન શુદ્ધ ચૈતન્યવસ્તુ પોતાના જ્ઞાનમયપણાને કદી છોડતી નથી. માટે હે ભાઈ, જ્ઞાનભાવ વડે તારી આત્મવસ્તુને લક્ષમાં લઈને તેનો અનુભવ કર. જુઓ, આ ધર્મની રીત!
અહાહા...! અંતર્મુખ થઈને જ્ઞાનભાવ વડે જેણે નિજ ચૈતન્ય વસ્તુનો અનુભવ કર્યો તે જ્ઞાની-ધર્મી છે, તે જ્ઞાનભાવમયપણે. જ સદાય વર્તે છે, તે જ્ઞાનભાવને કદી છોડતો નથી. અહા! આવો સાધક ધર્મી પુરુષ એમ જાણે છે કે-મારો આત્મા સહજ જ ક્રમપર્યાયરૂપ ને અક્રમગુણરૂપ સ્વભાવવાળો છે. અનંત ગુણ એક સાથે અક્રમપણે વસ્તુમાં તિરછા-તિર્યક્પ્રચયરૂપ રહેલા છે, ને પર્યાયો નિયત ક્રમપણે ક્રમવર્તી-ઉર્ધ્વપ્રચયરૂપ થાય છે. અહાહા...! મારા અક્રમવર્તી ગુણોમાં ને ક્રમવર્તી પર્યાયોમાં હું સદાય જ્ઞાનમાત્રભાવપણે જ વર્તું છું. આવા નિર્ણયમાં જ્ઞાનીને જ્ઞાતાસ્વભાવના આલંબનનો પુરુષાર્થ વર્તે છે; કિંચિત્ રાગ છે તેને તે જ્ઞાનભાવથી બહાર પરજ્ઞેયપણે જ જાણે છે બસ. લ્યો, આમ જ્ઞાનમાત્રભાવપણે જ પરિણમતો પરિણમતો સાધક સાધ્ય એવા સિદ્ધપદ પ્રતિ હાલ્યો જાય છે. આવી વાત! સમજાણું કાંઈ...?
‘કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ હશે પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયમય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્યપર્યાયમય છે.’
PDF/HTML Page 4136 of 4199
single page version
જુઓ, આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ છે એમ નહિ, પણ દ્રવ્યપર્યાયમય છે એમ વસ્તુને જેમ છે તેમ અનેકાન્તમય જાણવી.
પ્રશ્નઃ– તો સમયસારની છઠ્ઠી ગાથામાં હું-આત્મા અપ્રમત્તેય નહિ ને પ્રમત્તેય નહિ-એમ કહ્યું છે ને? ઉત્તરઃ– હા, ત્યાં બીજી વાત છે. ત્યાં દ્રષ્ટિનો વિષય એક જ્ઞાયક ભાવ બતાવવાનું પ્રયોજન છે. અહીં દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય-બન્ને મળી એક ચૈતન્યવસ્તુ આત્મા એમ પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. તેથી કહે છે કે-ચૈતન્ય પણ વસ્તુ છે, અને તે દ્રવ્યપર્યાયમય છે. આમાં અહીં નિર્મળ પર્યાયની વાત છે હોં, અશુદ્ધતા એ તો શક્તિનું પરિણમન નથી. હવે કહે છે-
‘તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે. અને ક્રમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેકાકાર થાય છે તો પણ જ્ઞાનને-કે જે અસાધારણ ભાવ છે તેને-છોડતો નથી, તેનો સર્વ અવસ્થાઓ-પરિણામો-પર્યાયો જ્ઞાનમય જ છે.
જોયું? કહે છે-આત્મા અનંત શક્તિઓથી ભરપુર ભરેલો છે. કેટલી? તો કહે છે-જેને ગણતાં અનંતકાળેય પાર ન આવે એટલી અનંત શક્તિઓથી ભરપુર ભરેલો ભગવાન આત્મા છે. અહા! અનંત શક્તિમય જ ભગવાન આત્મા છે. જ્ઞાનને અંતરમાં વાળતાં અનંત શક્તિમય ભગવાન આત્મા અનુભવમાં આવે છે, ને સાથે શક્તિઓ નિર્મળપણે ઊછળે છે-પરિણમે છે. આમ નિર્મળ નિર્મળ પરિણમતાં કેવળજ્ઞાન થાય ત્યારે અનંત શક્તિઓને તથા અસંખ્ય પ્રદેશોને ભિન્ન ભિન્ન કરીને પ્રત્યક્ષ જાણે. માટે હે ભાઈ, તારી અનંત ચૈતન્ય સંપદાને. સાક્ષાત્ દેખવી હોય તો તારા જ્ઞાનને રાગથી છૂટું કરીને અંદર સ્વભાવમાં વાળ, સ્વભાવમાં અંતર્લીન થઈને જાણતાં અનંત ચૈતન્ય સંપદા સાક્ષાત્ જણાઈ જાય છે.
જુઓ, વેદાંતવાળા અદ્વૈત બ્રહ્મ-એક જ આત્મા-બ્રહ્મ છે એમ કહે છે, તેઓ ગુણ-પર્યાયોને સ્વીકારતા નથી. આત્માનો અનુભવ એ વળી શું? -એમ દ્રવ્ય-પર્યાયરૂપ અનેકાન્તમય વસ્તુને માનતા નથી. પરંતુ તેમની એવી માન્યતા મિથ્યા છે, કેમકે વસ્તુમાં-આત્મામાં અક્રમવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયો સદાય વર્તે છે. વાસ્તવમાં અક્રમે વર્તતા ગુણો ને ક્રમે વર્તતી પર્યાયો-એ બેના સમુદાયરૂપ જ ચૈતન્યવસ્તુ આત્મા છે. અહા! આવા આત્માના અનંત ગુણમાં જ્ઞાન એક અસાધારણ ભાવ છે જે સ્વને અને પરને સર્વને ભેદ પાડીને જાણે છે. આ જ્ઞાનભાવ વડે આત્માની બધી અવસ્થાઓ-પર્યાયો જ્ઞાનમય જ છે. આવી વાત! સમજાણું કાંઈ...?
‘આ અનેકસ્વરૂપ-અનેકાંતમય-વસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તેઓ જ્ઞાનસ્વરૂપ થાય છે’-એવા આશયનું, સ્યાદ્વાદનું ફળ બતાવતું કાવ્ય હવે કહે છેઃ-
तत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः।
स्याद्वादशुध्दिमधिकामधिगम्य सन्तो
ज्ञानीभवन्ति जिननीतिमलङ्गयन्तः।। २६५।।
શ્લોકાર્થઃ– [इति वस्तु–तत्त्व–व्यवस्थितिम् नैकान्त–सङ्गत–दशा स्वयमेव प्रविलोकयन्तः] આવી (અનેકાંતાત્મક) વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાંત-સંગત (-અનેકાંત સાથે સુસંગત, અનેકાંત સાથે મેળવાળી) દ્રષ્ટિ વડે સ્વયમેવ દેખતા થકા, [स्याद्वाद–शुध्दिम् अधिकाम् अधिगम्य] સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, [जिन–नीतिम् अलङ्गयन्तः] જિનનીતિને (જિનેશ્વરદેવના માર્ગને) નહિ ઉલ્લંઘતા થકા, [सन्तः ज्ञानीभवन्ति] સત્પુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે.
PDF/HTML Page 4137 of 4199
single page version
ભાવાર્થઃ– જે સત્પુરુષો અનેકાંત સાથે સુસંગત દ્રષ્ટિ વડે અનેકાંતમય વસ્તુસ્થિતિને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને, જિનદેવના માર્ગને-સ્યાદ્વાદન્યાયને-નહિ ઉલ્લંઘતા થકા, જ્ઞાનસ્વરૂપ થાય છે. ૨૬પ.
‘इति वस्तु–तत्त्व–व्यवस्थितिम् नैकान्त–सङ्गत–दशा स्वयमेव प्रविलोकयन्तः’ આવી (અનેકાન્તાત્મક) વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાન્ત-સંગત (-અનેકાન્ત સાથે સુસંગત, અનેકાન્ત સાથે મેળવાળી) દ્રષ્ટિ વડે સ્વયમેવ દેખતા થકા...’
જુઓ, શું કહે છે? કે અનેકાન્તાત્મક-અનેક ધર્મસ્વરૂપ વસ્તુ ભગવાન આત્મા છે. અહા! આવી વસ્તુતત્ત્વની વ્યવસ્થાને-દ્રવ્યપર્યાયમય વસ્તુ વ્યવસ્થાને અનેકાન્ત સાથે સુસંગત-મેળવાળી દ્રષ્ટિ વડે જેઓ દેખે છે, વાસ્તવમાં તેઓ યથાર્થ દ્રષ્ટિવાળા છે. દ્રવ્યની દ્રષ્ટિ (દ્રવ્યદ્રષ્ટિ) આવા દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુના યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે. ‘સ્વયમેવ દેખતા થકા’-એમ કહ્યું ને? મતલબ કે ધર્મી સત્પુરુષો પોતે જ પોતાના જ્ઞાનની નિર્મળ દશામાં જેવી અનેકાન્તમય વસ્તુ છે તેવી અનેકાન્તથી સુસંગત દ્રષ્ટિ વડે દેખે છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-અને એ રીતે ‘स्याद्वाद–शुध्दिम् अधिकाम् अधिगम्य’ સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, ‘जिन–नीतिम् अलङ्गयन्तः’ જિનનીતિને (જિનેશ્વરદેવના માર્ગને) નહિ ઉલ્લંઘતા થકા, ‘सन्तः ज्ञानीभवन्ति’ સત્પુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે.
‘સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને’ એટલે શું? કે જે પ્રકારે વસ્તુ નિત્ય છે તે પ્રકારે તેને નિત્ય જાણીને, તથા જે પ્રકારે વસ્તુ અનિત્ય છે તે પ્રકારે તેને અનિત્ય જાણીને, તેવી જ રીતે વસ્તુ જે પ્રકારે એક છે તે પ્રકારે એક જાણીને તથા જે પ્રકારે અનેક છે તે પ્રકારે અનેક જાણીને;-આ પ્રમાણે વસ્તુ નિત્ય-અનિત્ય, એક-અનેક, સત્-અસત્, તત્-અતત્ ઇત્યાદિ પ્રકારે જેમ છે તેમ અપેક્ષાથી યથાર્થ જાણવી તે સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિ છે-તેને જાણીને; અહાહા...! દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુ આત્મા છે તેને યથાર્થ જાણીને, જિનનીતિને અર્થાત્ ભગવાન જિનેશ્વરદેવના માર્ગને નહિ ઉલ્લંઘતા થકા... , જુઓ, સત્પુરુષો-સંતો-ભગવાનના માર્ગને ઓળંગતા નથી. અહાહા...! આમ ભગવાનના માર્ગને નહિ ઓળંગતા થકા, સત્પુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે અર્થાત્ પૂર્ણ જ્ઞાનસ્વરૂપને-કેવળજ્ઞાનને પામે છે.
જુઓ આ જિનનીતિ! અહાહા...! જેવું વસ્તુસ્વરૂપ છે તેવું જાણવું, જેવી વસ્તુ છે તેવી તેની શ્રદ્ધા કરવી, અને સ્વસન્મુખ થઈને વસ્તુ-આત્મદ્રવ્યમાં જ રમણતા કરવી તે જિનનીતિ નામ જિનમાર્ગ છે. સંતો આવા માર્ગને નહિ ઓળંગતા થકા, માર્ગને જ અનુસરતા થકા, કેવળજ્ઞાનદશાને પામે છે. લ્યો, આ સિવાય બીજાનું કાંઈ ભલું-બુરું કરવું એવી આત્માની શક્તિ નથી.
પ્રશ્નઃ– તો સિદ્ધ ભગવાન શું કામ કરે? ઉત્તરઃ– પોતે જ્ઞાનસ્વરૂપ થઈને એકલા આનંદને અનુભવે-ભોગવે. ભગવાન અનંત સુખ પ્રગટ થયું તેને ભોગવે બસ.
પ્રશ્નઃ– આવા મોટા ભગવાન થઈને કોઈનું કાંઈ કરે નહિ? ઉત્તરઃ– ના કોઈનું કાંઈ કરે એવો આત્મસ્વભાવ જ નથી. હરામ જો કોઈનું કાંઈ કરે, કેમકે કોઈનું કાંઈ કરવાનો આત્માનો સ્વભાવ જ નથી. અહા! આવું વસ્તુસ્વરૂપ છે તેનાથી વિપરીત માનવું તે જિનનીતિ-જિનમાર્ગ નથી, પણ અનીતિ છે; અહા! જિનનીતિને જે ઓળંગે છે તે મિથ્યાદ્રષ્ટિ થાય છે ને ઘોર સંસારમાં પરિભ્રમે છે. સત્પુરુષો જિનનીતિને ઓળંગતા નથી; કોઈનું કાંઈ કરવા રોકાતા નથી. સમજાણું કાંઈ...?
‘જે સત્પુરુષો અનેકાન્ત સાથે સુસંગત દ્રષ્ટિ વડે અનેકાન્તમય વસ્તુસ્થિતિને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને, જિનદેવના માર્ગને-સ્યાદ્વાદન્યાયને-નહિ ઉલ્લંઘતા થકા, જ્ઞાનસ્વરૂપ થાય છે.’
અહાહા...! અનેકાન્તમય વસ્તુસ્વરૂપ છે, ને સ્યાદ્વાદ તેનું દ્યોતક છે. શું કીધું? સ્યાદ્વાદ, અનેકાન્તમય વસ્તુને યથાર્થ પ્રકાશે છે. અહીં કહે છે જે સત્પુરુષો અનેકાન્ત સાથે સુસંગત-મેળવાળી દ્રષ્ટિ વડે આત્મવસ્તુને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામે છે, અર્થાત્ સ્યાદ્વાદ દ્વારા વસ્તુને યથાર્થ પ્રકાશે છે-દેખે છે; અને એ રીતે જિનદેવના માર્ગને-
PDF/HTML Page 4138 of 4199
single page version
સ્યાદ્વાદન્યાયને નહિ ઓળંગતા થકા જ્ઞાનસ્વરૂપ થાય છે. ગંભીર વાત છે પ્રભુ! ભગવાન જિનદેવનો માર્ગ-શુદ્ધ રત્નત્રયનો માર્ગ સ્યાદ્વાદ ન્યાયથી સિદ્ધ છે અને તેથી તે સ્યાદ્વાદન્યાયરૂપ છે. અહા! આવા જિનદેવના માર્ગને- મોક્ષમાર્ગને નહિ ઓળંગતા થકા સત્પુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે અર્થાત્ પરમ અમૃતમય એવા મોક્ષપદને પામે છે. જુઓ આ અનેકાન્ત-દ્રષ્ટિનું ફળ! જિનમાર્ગ ને પરમ મોક્ષપદની પ્રાપ્તિ એ અનેકાન્ત-દ્રષ્ટિનું ફળ છે.
બંધ અધિકારમાં આવે છે કે જ્ઞાનસ્વરૂપી આત્મા રાગને-વ્યવહારને-બંધભાવને કરે તે એના સ્વરૂપમાં નથી, નિશ્ચયને રચે (સ્વસ્વભાવભાવે પરિણમે) અને વ્યવહારને-રાગને ન રચે-એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે, અને તે સ્યાદ્વાદન્યાયથી સિદ્ધ છે. સમજાય છે કાંઈ...?
પરિશિષ્ટની શરુઆતમાં બે વાત કરી હતીઃ (૧) સ્યાદ્વાદ (અર્થાત્ વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ) કહીશું, ને (૨) ઉપાય-ઉપેય કહીશું. સ્યાદ્વાદમાં શક્તિઓનું વર્ણન કર્યું. હવે ઉપાય-ઉપેય-માર્ગ ને માર્ગનું ફળ એ વિશે થોડું કહેશે.
(આ રીતે સ્યાદ્વાદ વિષે કહીને, હવે આચાર્યદેવ ઉપાય-ઉપેયભાવ વિષે થોડું કહે છે.) ‘હવે આનો (-જ્ઞાનમાત્ર આત્મવસ્તુનો) ઉપાય-ઉપેયભાવ વિચારવામાં આવે છે (અર્થાત્ આત્મવસ્તુ જ્ઞાનમાત્ર હોવા છતાં તેને ઉપાયપણું અને ઉપેયપણું બન્ને કઈ રીતે ઘટે છે તે વિચારવામાં આવે છે)ઃ
આમ વસ્તુને જ્ઞાનમાત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય-ઉપેયભાવ (ઉપાય-ઉપેયપણું) છે જ; કારણ કે તે એક હોવા છતાં પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બન્ને રૂપે પરિણમે છે. તેમાં જે સાધક રૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધ રૂપ છે તે ઉપેય છે. માટે, અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર વડે (મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર વડે) સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ કરતાં સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને, અંતર્મગ્ન જે નિશ્ચય-સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો તે-પણા વડે પોતે સાધક રૂપે પરિણમતું, તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત (દેદીપ્યમાન) થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવભાવ તે-પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાનમાત્ર ઉપાય- ઉપેયભાવ સાધે છે.
(ભાવાર્થઃ– આ આત્મા અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રને લીધે સંસારમાં ભમે છે. તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે, કારણ કે જ્ઞાનમાં નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો અંતર્ભૂત છે. નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની શરૂઆતથી માંડીને, સ્વરૂપ-અનુભવની વૃદ્ધિ કરતાં કરતાં જ્યાં સુધી નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય અર્થાત્ સાક્ષાત્ મોક્ષ થાય ત્યારે જ્ઞાન સિદ્ધ રૂપે પરિણમે છે, કારણ કે તેનો અસ્ખલિત નિર્મળ સ્વભાવભાવ પ્રગટ દેદીપ્યમાન થયો છે. આ રીતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે-બન્ને રૂપે પરિણમતું એક જ જ્ઞાન આત્મવસ્તુને ઉપાય-ઉપેયપણું સાધે છે.)
આ રીતે બન્નેમાં (-ઉપાયમાં તેમ જ ઉપેયમાં-) જ્ઞાનમાત્રનું અનન્યપણું છે અર્થાત્ અન્યપણું નથી; માટે સદાય અસ્ખલિત એક વસ્તુનું (-જ્ઞાનમાત્ર આત્મવસ્તુનું-) નિષ્કંપ ગ્રહણ કરવાથી, મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ, તત્ક્ષણ જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે; પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુમુક્ષુઓ-કે જેઓ પોતાથી જ, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક અંતની (અનેક ધર્મની) મૂર્તિઓ છે તેઓ-સાધકભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટિરૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે. પરંતુ જેમાં અનેક અંત અર્થાત્ ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાનમાત્ર ભાવરૂપ આ ભૂમિને જેઓ પ્રાપ્ત કરતા નથી, તેઓ સદા અજ્ઞાની વર્તતા થકા, જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખતા (-શ્રદ્ધતા) થકા, જાણતા થકા અને આચરતા થકા, મિથ્યાદ્રષ્ટિ, મિથ્યાજ્ઞાની અને મિથ્યાચારિત્રી વર્તતા થકા, ઉપાય-ઉપેયભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે.
PDF/HTML Page 4139 of 4199
single page version
‘આત્મવસ્તુને જ્ઞાનમાત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય-ઉપેયભાવ (ઉપાય-ઉપેયપણું) છે જ; કારણ કે તે એક હોવા છતાં પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બન્ને રૂપે પરિણમે છે. તેમાં જે સાધક રૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધ રૂપ છે તે ઉપેય છે.
જુઓ, શું કહે છે? કે ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાયકસ્વરૂપ, જ્ઞાનનો પિંડ પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ પ્રભુ છે. અહાહા...! જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા ત્રિકાળ છે, છતાં તેની પર્યાયમાં ઉપાય-ઉપેયભાવ છે જ. અહાહા...! વસ્તુપણે આત્મા નિત્ય જ્ઞાનમાત્ર હોવા છતાં એની પર્યાયમાં સાધકપણું-મોક્ષમાર્ગ અને સિદ્ધપણું અર્થાત્ મોક્ષ-એવા બે ભાવ છે જ; કેમકે દ્રવ્યરૂપથી એક હોવા છતાં પર્યાયરૂપથી પોતે સાધકરૂપે અને સિદ્ધરૂપે એમ બન્ને રૂપે ક્રમથી પરિણમે છે. એમાં જે સાધકરૂપ પરિણમન છે તે ઉપાય છે અને સિદ્ધરૂપ પરિણમન તે ઉપેય છે; અર્થાત્ પ્રાપ્ત કરવા યોગ્ય મોક્ષ તે ઉપેય છે, અને જેના વડે પ્રાપ્ત કરાય તે મોક્ષમાર્ગ ઉપાય છે. સમજાણું કાંઈ...?
જુઓ, સાધકપણું અને સિદ્ધપણું એ બે આત્માના પરિણામ છે, પર્યાય છે. જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ અને રમણતા થયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયની વીતરાગી દશા પ્રગટ થાય છે તે સાધક દશા છે, તે સાધકદશારૂપે પોતે જ પરિણમે છે. અને કેવળજ્ઞાન થઈને સિદ્ધરૂપ જે દશા થાય છે તે રૂપે પણ પોતે જ પરિણમે છે. એમાં બહારનાં સાધનોની એને ગરજ-અપેક્ષા નથી. બહારમાં વ્યવહાર સારો સુધારે તો સાધક દશા પ્રગટ થાય એમ નથી. જોકે મોક્ષમાર્ગીને બહારમાં વ્યવહાર સારો-યથાર્થ જ હોય છે, પણ એનાથી અંતરની સાધકદશા પ્રગટ થાય છે એમ નથી. ભાઈ, દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ બધું છે એ તો રાગની વૃત્તિનું ઉત્થાન છે, એ રાગની વૃત્તિના સહારે અંદર આત્માની નિર્મળ વીતરાગી સાધકદશા થાય એમ ત્રણકાળમાં છે નહિ.
અરેરે! શું થાય? અનાદિકાળથી પોતાની ચૈતન્યવસ્તુની મહત્તા જ એને ભાસી નથી, અને તેથી નિજ સ્વભાવને ભૂલી દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરતાં કરતાં મને સાધકપણું-સમ્યગ્દર્શનાદિ થશે એવી (મિથ્યા) માન્યતા વડે તે અજ્ઞાની જીવ ટેવાઈ ગયો છે, ને ઘેરાઈ ગયો છે. અહા! અંદર સચ્ચિદાનંદસ્વરૂપ-સત્ નામ શાશ્વત, ચિદ્ નામ, જ્ઞાન, અને આનંદસ્વરૂપ-પોતે ત્રિકાળ હોવા છતાં તેને ભૂલીને હું મનુષ્ય છું, હું પુણ્યવાળો છું, હું રાગી છું ને અલ્પજ્ઞ છું એવી જે પર્યાયબુદ્ધિ છે તે ભ્રમ-મિથ્યાત્વદશા છે. અહાહા...! અંદર આનંદનો સમુદ્ર પોતે હોવા છતાં મારો આનંદ વિષયોમાંથી આવે છે એમ માન્યું છે તે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ એટલે દીર્ધકાળ પર્યંત ચાર ગતિમાં રઝળાવનારું સંસારનું બીજ છે.
અહા! આ મિથ્યાત્વનો-ભ્રાંતિનો નાશ કરવાનો ઉપાય શુદ્ધ ચૈતન્યનાં દ્રષ્ટિ-જ્ઞાન અને રમણતા છે; એનાથી અજ્ઞાનનો નાશ થઈને સાધકદશા પ્રગટ થાય છે, અને તે સાધકદશારૂપ ઉપાયથી ઉપેય એવી મોક્ષદશાની પ્રાપ્તિ થાય છે. પોતામાં અપૂર્ણ શુદ્ધદશાનું થવું તે સાધકભાવ છે, ને પૂર્ણ શુદ્ધદશા તે સાધ્ય-મોક્ષ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ તો આશ્રયનો-આલંબનનો વિષય છે, એ મોક્ષમાર્ગ કે મોક્ષ નથી, પણ એના આશ્રયે મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાયો પ્રગટ થાય છે.
મોક્ષમાર્ગથી મોક્ષદશાની પ્રાપ્તિ થાય એમ બોલાય ખરું, પરંતુ એમ કહેવું એ વ્યવહાર છે. ખરેખર મોક્ષનું કારણ તો કર્મ-નોકર્મથી ભિન્ન એવો મોક્ષસ્વરૂપ નિજ આત્મા છે, કેમકે તેનો પૂર્ણ આશ્રય થયે મોક્ષ પ્રગટ થાય છે. વિશેષ વિચારતાં મોક્ષની દશા જે પ્રગટ થાય તે જ મોક્ષનું કારણ છે, અને તે જ મોક્ષરૂપ કાર્ય છે.
અહાહા...! નિર્મળાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ પ્રભુ હું આત્મા છું. મારી ચીજમાં દેહ-મન-વાણી નહિ, કર્મ- નોકર્મ નહિ, ને એક સમયમાં ઉત્પન્ન થતો વિકાર પણ નહિ-એવો હું અનંત શક્તિઓથી ભરપુર ભરેલો ભગવાન આત્મા છું. અહીં કહે છે-આવો આત્મા પોતે સાધકરૂપે અને સિદ્ધરૂપે પોતાથી પરિણમિત થાય છે. સાધકદશા-ઉપાય હો ભલે, પણ એક સમયની પૂર્ણ આનંદની દશા-મોક્ષદશા-પરમ વીતરાગી દશા-તેરૂપે આત્મા સ્વયં પરિણમે છે, પૂર્વમાં ઉપાય છે માટે એનાથી ઉપેય-મોક્ષદશા થઈ છે એમ નહિ. આવી સૂક્ષ્મ વાત ભાઈ! હવે આમાં વ્યવહાર (રાગ) કારણ છે એ તો કયાંય ઉડી ગયું. સમજાય છે કાંઈ...?
PDF/HTML Page 4140 of 4199
single page version
જેમ નાળિયેરનો ગોળો, ઉપરનાં છાલાં, અંદરની કાચલી અને ગોળા ઉપરની રાતડથી ભિન્ન છે, તેમ ભગવાન આત્મા છાલાં સમાન શરીર, કર્મના રજકણરૂપ કાચલી, અને પુણ્ય-પાપના ભાવરૂપ રાતડથી ભિન્ન છે, અને પોતાની અનંત શક્તિઓથી અભિન્ન છે. અહાહા...! આવી પોતાની ચીજ છે તેની સન્મુખ થઈ અંતર-એકાગ્ર થવાથી સાધકદશારૂપ નિર્મળ રત્નત્રયની દશા પ્રગટ થાય છે તે ઉપાય છે. અહાહા...! આનંદકંદ પ્રભુ પોતે છે એના સન્મુખની દ્રષ્ટિ-જ્ઞાન અને રમણતા તે સાધકદશાનું પરિણમન છે, અને તે ઉપાય છે, અને આત્માની પૂર્ણ નિર્મળ દશાની પ્રાપ્તિ થવી તે મોક્ષદશા-ઉપેય છે. આ મોક્ષમાર્ગની દશા અને મોક્ષદશા-બન્ને રૂપે આત્મા જ પોતે પરિણમે છે, રાગ કે નિમિત્તને લઈને તે દશા થાય છે એમ છે નહિ.
અરે, લોકોને આનો અભ્યાસ નહિ ને આખો દિ’ બાયડી-છોકરાંનું કરવામાં ને પૈસા રળવામાં ગુંચાઈ રહે, પણ ભાઈ, કોની બાયડી, ને કોનાં છોકરાં? તત્સંબંધી રાગેય તારી ચીજ નથી પછી બાયડી-છોકરાં તારાં કયાંથી આવ્યાં? એ બધી તો અત્યંત ભિન્ન ચીજ બાપુ! એમાં તું સલવાઈ પડયો છો તે તારું મહાન અહિત છે. અહીં કહે છે-પ્રભુ! સાંભળ. તારું હિત કરનારોય તું, હિતનો ઉપાયે તું અને હિતરૂપ પૂર્ણ દશાય તું છો. અહાહા...! અંદર જ્ઞાન ને આનંદની લક્ષ્મીરૂપ ભગવાન પ્રભુ તું છો, પછી તારે બીજી ચીજથી શું પ્રયોજન છે? માટે ત્યાંથી ખસી એક વાર અંતર્મુખ થા, તને જ્ઞાન ને આનંદની અપૂર્વ દશા પ્રગટ થશે. આ ઉપાય છે, અને તે પ્રથમ ચોથે ગુણસ્થાને પ્રગટ થાય છે. આ સિવાય બધું થોથાં છે.
અહાહા...! ભગવાન આત્મામાં એક અભાવ ગુણ છે. રાગના-વિભાવના અભાવ સ્વભાવે નિર્મળ પરિણમે એવો ભગવાન! તારો આ અભાવ સ્વભાવ છે. ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક દ્રવ્યનો આશ્રય કરે તેને શક્તિનું પરિણમન પ્રગટ થાય છે. આ ઉપાય છે. આમાં પરની અપેક્ષા-ગરજ રાખવી પડે એવો આત્મા પાંગળો નથી. માટે હે ભાઈ! પરની અપેક્ષા છોડી સ્વસન્મુખ થા, સ્વ-આશ્રય કર. સ્વ-આશ્રયે જ સાધકદશા, ને સ્વ-આશ્રયે જ સિદ્ધદશા પ્રગટ થાય છે.
જેમ તાવ દેતાં સોનાની ૧૨, ૧૩, ૧૪ વલા શુદ્ધતા થાય તે અપૂર્ણ શુદ્ધ દશા છે, અને પરમ પ્રકર્ષરૂપ ૧૬વલા થાય તે તેની પૂર્ણ શુદ્ધ દશા છે, તેમ સ્વ-આશ્રયે પરિણત આત્મા અલ્પ-અપૂર્ણ શુદ્ધ પરિણમે તે સાધક દશા છે, પૂર્ણ શુદ્ધ પરિણમે તે સાધ્ય દશા છે. સાધ્યદશા છે તે પરમ મોક્ષદશા, સિદ્ધદશા છે; ને સાધકદશા તે મોક્ષમાર્ગ છે. તેને સંવર-નિર્જરા કહો, સાધકભાવ કહો, કે ઉપાય કહો-બધું એક જ છે. સાધક-સાધ્યદશા બન્ને સ્વ-આશ્રયમાં જ સમાય છે. સ્વ-આશ્રય સિવાય બાકી બધું થોથાં જ છે. સમજાણું કાંઈ...?
અરેરે! સંસારમાં ભમતાં-ભમતાં અનંતકાળમાં એ અનંત વાર નગ્ન દિગંબર સાધુ થયો, નગ્ન રહ્યો, જંગલમાં વાસ કર્યો, મૌન રહ્યો ને વ્રત-સમિતિ પાળ્યાં, પણ સ્વ-આશ્રય કર્યો નહિ તો એમાં એણે શું કર્યું? સ્વ-આશ્રયે આત્મજ્ઞાન કર્યા વિના બધું જ થોથાં છે બાપુ! એટલે તો કહ્યું છે કે-
અહા! રાગના વિકલ્પથી છૂટી પોતાનો વિજ્ઞાનઘનસ્વભાવી આત્મા છે તેમાં લીનતા કરવી તે સાધુદશા છે, ને તે જ ઉપાય છે. આ સિવાય તો બધું લોકરંજન છે, માર્ગ નથી.
શ્રીમદ્ના એક પત્રમાં આવે છે કે-જગતને રૂડું દેખાડવા અને જગતથી રાજી થવાનો એણે પ્રયત્ન કર્યો છે, પરંતુ પોતાનું રૂડું કેમ થાય એ પ્રયત્ન એણે કદીય કર્યો નથી. લોકો સારો કહે ને પ્રશંસા કરે તો હું મોટો, ને તો હું સમાજમાં કંઈક અધિક. પણ બાપુ! એમાં શું છે? એ તો બધું ધૂળ છે. અહા! બીજાથી મારામાં અધિકતા-વિશેષતા છે એ માન્યતા જ મૂઢપણું છે. લોકો અભિનંદનનું પૂંછડું આપે તોય એમાં શું છે? એમાં મગ્ન થવું-ફૂલાઈ જવું એ તો સાચે જ પૂંછડું નામ ઢોરની દશા છે.
અહીં તો પોતે જ પ્રભુ છે. તે પોતે પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરી પોતાને અભિનંદન કરે તે અભિનંદન છે. દુનિયા જાણે ન જાણે, પોતે પોતાના અતીન્દ્રિય આનંદસ્વરૂપને અનુભવે તે અભિનંદન. કોઈ ન જાણે તેથી શું? આજ સુધી અનંતા સિદ્ધ થયા; અત્યારે તેમનાં નામ સુદ્ધાં કોઈ ન જાણે તેથી શું? નિજાનંદરસલીન તેઓ તો સદાય પોતાથી અભિનંદિત છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-‘માટે, અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર વડે સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ