PDF/HTML Page 4141 of 4199
single page version
કરતાં,...’
જોયું? અનાદિકાળથી મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રથી જીવ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે. કર્મને લઈને ભ્રષ્ટ થયો છે એમ લોકો કહે છે ને? પણ એમ છે નહિ. અહા! ‘અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા’; પોતાની ચીજને પોતે ભૂલી ગયો અને વિપરીત માની લીધું, તેથી તે સ્વરૂપથી ચ્યુત થયો છે. અહાહા...! પોતે ચિદાનંદઘન પ્રભુ અંદર છે, આનંદનું વાસ્તુ-ઘર પોતે છે-તેને ભૂલીને તે નિજઘરથી ભ્રષ્ટ થયો છે. ભજનમાં આવે છે ને કે-
પરઘર ભ્રમત બહુત દિન બીતે, નામ અનેક ધરાયે;
હમ તો કબહૂઁ ન નિજઘર આયે.
હું મહંત છું, બાવાજી છું, સંન્યાસી છું, ત્યાગી છું, વ્રતી છું, સાધુ છું-એમ અનેક નામ ધારણ કીધાં, પણ એમાં શું આવ્યું? એ તો બધાં પરઘર બાપુ! એમાં જે રાજી થાય છે એ તો સ્વરૂપથી ચ્યુત છે.
અહા! અજ્ઞાન જ પરતંત્રતા ને પરતંત્રતાનું કારણ છે; કર્મને લઈને પરતંત્રતા થઈ છે એમ નથી. ‘કર્મ બિચારે કૌન? ભૂલ મેરી અધિકાઈ.’ પોતાની વિપરીત શ્રદ્ધા, વિપરીત જ્ઞાન ને વિપરીત આચરણ વડે પોતે સ્વસ્વરૂપથી ચ્યુત થયો છે. વિપરીત શ્રદ્ધાન વડે પરને આધીન થયો તેથી પરાધીન છે, પર-કર્મે આધીન કર્યો છે એમ છે નહિ. કર્મ તો બિચારાં જડ છે, તે શું કરે? અરે ભગવાન! તારી ભૂલ તું બીજા પર નાખી દે છે! આ તો અનીતિ છે. અરે, પણ એને આવી કર્મ પર ઢોળવાની અનાદિથી ટેવ પડી ગઈ છે. ઓહો...! અહીં તો સ્વતંત્રતાના ઢંઢેરા પીટયા છે. કર્મ ભિન્ન અને તુંય ભિન્ન પ્રભુ છો. પરંતુ-
જેમ લોકમાં માને છે કે અમને ઇશ્વરનો સહારો છે, તેમ જૈનમાં કોઈ અજ્ઞાની જીવો એમ માને છે કે અમને કર્મનો સહારો છે, કર્મ મારગ આપે તો ધર્મ થાય. અર્થાત્ અજ્ઞાનીઓને કર્મ ઇશ્વર થઈ પડયો છે. અરે પ્રભુ! તને સહાય કરે એવો કર્તા ઇશ્વર છે જ કયાં? તારો ઇશ્વર તું છો. સાધકદશા અને સાધ્યદશા-બન્ને રૂપે પરિણમનારો તું જ તારો ઇશ્વર છો. બીજો ઇશ્વર તારું કરે એ તો કેવળ (જૂઠી) કલ્પના છે. બીજો (કર્મ વગેરે) તો તારાથી અન્ય છે, તે તારો ઇશ્વર કેમ થાય? અર્થાત્ તે તારું શું કરે? કાંઈ જ ન કરે. કર્મ તારું કાંઈ જ ના કરે. સમજાય છે કાંઈ...?
અહાહા...! અખંડ પ્રતાપથી યુક્ત સ્વાતંત્ર્યથી શોભાયમાન એવો પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેની દ્રષ્ટિ નહિ કરતા અનાદિથી વિકારની દ્રષ્ટિ કરીને તું પોતે જ પરાધીન થયો છે. કોઈ બીજો-કર્મ આદિ-પરાધીન કરે છે એમ સંતોએ, ગણધરોએ કહ્યું જ નથી. પ્રવચનસારમાં નય અધિકારમાં આવે છે કે-‘આત્મદ્રવ્ય ઇશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક.’ લ્યો, આમ જીવ પોતાની પર્યાયમાં પરાધીન પોતાના કારણે થાય છે. સ્વતંત્રતા ભોગવે તેય પોતાથી, ને પરાધીનતા ભોગવે તેય પોતાથી. અહાહા...! આ તે શું ટીકા છે?
અનાદિથી મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર વડે જીવ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે એમ કહ્યું ને? મતલબ કે પુણ્યભાવમાં ઉપાદેય બુદ્ધિ, અલ્પજ્ઞદશામાં પૂર્ણદશાની ભ્રાન્તિ-અહાહા...! આવો જે મિથ્યાભાવ-વિપરીત શ્રદ્ધા-એને લઈને જીવ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે. આ શરીર મારું, ને પુણ્ય-પાપ મારાં, સ્ત્રી-કુટુંબ પરિવાર મારાં-એવી જે પરદ્રવ્ય-પરભાવમાં મમત્વબુદ્ધિ છે તે મિથ્યાદર્શન છે; શુદ્ધ ચિન્માત્ર હું આત્મા છું એમ નહિ માનતાં હું મલિન છું, રાગી છું, પુણ્ય- પાપવાળો છું એવી માન્યતા મિથ્યાદર્શન છે; અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ વ્યવહારનો જે શુભ વિકલ્પ તેનાથી મને ધર્મ થાય છે એવી માન્યતા પણ મિથ્યાદર્શન છે; શરીરાદિ પરદ્રવ્યની ક્રિયા હું કરું એય માન્યતા મિથ્યાદર્શન છે. અહા! આમ મિથ્યાદર્શન વડે જીવ અનાદિથી, સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયો છે.
વળી પોતે જ્ઞાનસ્વરૂપ છે તેનું જ્ઞાન અને તેનો સ્વીકાર નહિ કરતાં જે પોતાના સ્વરૂપમાં નથી એવાં દેહ, મન, વાણી, ઇન્દ્રિય અને પુણ્ય-પાપના ભાવ-તેનું જ્ઞાન કરવામાં રોકાય તે મિથ્યાજ્ઞાન છે. આત્મજ્ઞાન વિના, સ્વસ્વરૂપના જ્ઞાન વિના કદાચિત્ અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન થઈ જાય તોય શું? આત્મજ્ઞાન વિના એ કાંઈ ચીજ નથી.
અહા! આવા અજ્ઞાન-મિથ્યાજ્ઞાન વડે જીવ સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયો છે.
તથા સ્વસ્વરૂપમાં-એક જ્ઞાયકભાવમાં લીન થઈને ન રહેતાં શુભાશુભભાવમાં લીન થઈને રહેવું તે મિથ્યાચારિત્ર
PDF/HTML Page 4142 of 4199
single page version
છે. આત્મા-અનાત્માના જ્ઞાન (ભેદજ્ઞાન) વિના જે કાંઈ ક્રિયા કરે તે મિથ્યાચારિત્ર છે. સમજાય છે કાંઈ...? આ બધું પોતે ઊભું કરે છે હોં; કર્મે એને ભૂલ-ભૂલામણીમાં નાખ્યો છે એમ નથી. અરે, એ સ્વરૂપથી ભ્રષ્ટ થઈ પોતાની ભૂલથી જ સંસારમાં રખડે છે. પણ આ સમજવાની ફુરસદ કોને છે? અત્યારે તો કેટલાક પંડિતો પણ શંકા કરે છે કે-
પ્રશ્નઃ– શુભરાગથી શુદ્ધતાનો અંશ પ્રગટે કે નહિ? ઉત્તરઃ– તેને કહીએ-ભાઈ, એમ નથી. શુદ્ધતાનો અંશ તો સ્વ-આશ્રયે પ્રગટ થાય છે, ને શુભરાગ તો પરાશ્રય-ભાવ છે. શુભરાગ પરના લક્ષે થાય છે.
અરે, મિથ્યાત્વાદિ ભાવો વડે ચિરકાળથી એ સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થઈને ૮૪ લાખ યોનિમાં-પ્રત્યેકમાં એણે અનંત વાર અવતાર ધારણ કર્યા છે. પોતાને ભૂલીને એણે નર્ક-નિગોદના ને કાગડા-કૂતરા આદિ તિર્યંચના અનંત અનંત ભવ કર્યા છે. કેટલાક કહે છે-આ કર્મનું જોર છે. પણ જૂઠી માન્યતા કરીને પોતે રખડે એમાં કર્મ શું કરે? કર્મ તો જડ માટી-ધૂળ છે, એનું કાંઈ જોર નથી કે તે ભૂલ કરાવે. જૂઠી માન્યતા વડે પોતે જ સ્વરૂપથી ચ્યુત થયો તે પોતાની ભૂલ છે. અહા! જૈન સાધુ થઈને પણ જો વ્રતાદિ બાહ્ય સાધનમાં મમત્વબુદ્ધિ કરે, વા તેને ઉપાદેય માને તો તે સ્વરૂપથી ભ્રષ્ટ એવો સંસારમાં જ રખડશે. આ તો ત્રણલોકના નાથની વાણી બાપુ! આચાર્ય કુંદકુંદદેવ તેમના આડતિયા થઈને અહીં જાહેર કરે છે.
કહે છે-મિથ્યાત્વાદિ વડે સ્વરૂપથી ચ્યુત થઈને સંસારમાં ભમતાં, ‘સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને, અંતર્મગ્ન જે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો તે-પણા વડે પોતે સાધક રૂપે પરિણમતું,...’
જુઓ, શું કહે છે? શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ અને તેનાં જ્ઞાન અને રમણતા થયાં છે તે ધર્મી જીવને પોતાની ભૂમિકાને યોગ્ય વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્ર નિયમથી હોય છે. વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા એટલે શું? કે વ્યવહાર સમ્યક્ત્વાદિરૂપ શુભરાગની મંદતાના પ્રકર્ષની પરંપરા (ક્રમ પ્રવાહ) ધર્મીને અવશ્ય હોય છે. સાચા વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો શુભરાગ, ને નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ તે વ્યવહાર સમ્યગ્દર્શન છે, સત્શાસ્ત્રોનું-શ્રુતનું વિકલ્પાત્મક યથાર્થ જાણપણું તે વ્યવહાર-સમ્યગ્જ્ઞાન છે, તથા અહિંસાદિ પાંચમહાવ્રતનો વિકલ્પ તે વ્યવહાર ચારિત્ર છે. અહાહા...! ધર્મીને જેમ જેમ સ્વદ્રવ્યનો આશ્રય વધતો જાય છે તેમ તેમ તેટલા પ્રમાણમાં વ્યવહાર સમ્યક્ત્વાદિના રાગની મંદતાનો પ્રકર્ષ થાય છે, અર્થાત્ તેને રાગ ઘટતો જાય છે, ને વીતરાગી દશા વધતી જાય છે.
અહાહા...! એક બાજુ નિર્વિકલ્પ દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા છે, ને એક બાજુ વ્યવહારચારિત્ર આદિના વિકલ્પ છે. ધર્મીને બન્ને સાથે સહચરપણે છે. શાસ્ત્રમાં વ્યવહારના રાગને સહચર કહ્યો છે તેથી કેટલાક લોકો એમાં ગોટા વાળે છે. આ વ્યવહાર હોય છે ને? માટે એનાથી નિશ્ચય પમાશે એમ તેઓ ગોટા વાળે છે. પરંતુ ભાઈ, વ્યવહાર છે એનાથી નિશ્ચય પમાય છે એમ છે નહિ. ઘણા વર્ષ પહેલાં કોઈએ પ્રશ્ન કરેલો.
પ્રશ્નઃ– વ્યવહારથી નિશ્ચય થાય કે નહિ? ત્યારે કહેલું- ઉત્તરઃ– એનાથી ન થાય, વ્યવહારથી નિશ્ચય ન થાય. પ્રશ્નઃ– પણ શાસ્ત્રમાં એનાથી થાય એમ કહ્યું છે ને? તો કહ્યું- ઉત્તરઃ– ના, એમ નથી કહ્યું; પરંતુ તે તે ભૂમિકામાં ધર્મીને તે (-વ્યવહાર) હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. ભાઈ, શાસ્ત્રમાં ઉપચારથી કથન કહ્યું હોય તેને આ ઉપચાર છે એમ યથાર્થ રીતે સમજવું જોઈએ. અત્યારે તો જાણે વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ જ ધર્મ છે એમ લોકો માની-મનાવી રહ્યા છે; પણ એ તો મિથ્યાભાવ છે. એનું ફળ બહુ આકરું આવશે ભાઈ!
સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો પાક એ રાગની મંદતા છે. જ્યારે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ વીતરાગી દશા છે અને એ જ સત્યાર્થ સાધકપણું છે. છટ્ઠે ગુણસ્થાને મુનિરાજને આવી નિશ્ચય સાધકદશા પ્રગટી હોય છે, અને તેમને એમની ભૂમિકામાં સહચર-સાથે રહેવાવાળો વ્યવહાર રત્નત્રયરૂપ શુભભાવ અવશ્ય હોય છે. તે શુભભાવ છે તો બંધનું કારણ, તથાપિ ઉત્કૃષ્ટ ભાવે અબંધ પરિણામ નથી ત્યાં એવા બંધ પરિણામ હોય
PDF/HTML Page 4143 of 4199
single page version
છે. ભાઈ, જે તે દશાની જે સ્થિતિ છે તેને યથાર્થ જાણવી જોઈએ.
પ્રશ્નઃ– તો ‘ज्ञानक्रियाभ्याम् मोक्षः’ એમ શાસ્ત્રમાં કહ્યું છે ને?
ઉત્તરઃ– હા, કહ્યું છે; પણ કયું જ્ઞાન? અને કયી ક્રિયા? એકલું પરાવલંબી શાસ્ત્રનું જ્ઞાન, ને રાગની ક્રિયા-તે મોક્ષનું કારણ છે વા તેના વડે મોક્ષ થાય છે એમ નથી. એ તો સ્વ-આશ્રયે પ્રગટેલું સ્વરૂપનું જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે, ને સ્વરૂપમાં રમણતા-લીનતા તે ક્રિયા છે, અને આવાં જ્ઞાન-ક્રિયા વડે મોક્ષ થાય છે એમ ત્યાં વાત છે. સમજાણું કાંઈ...?
પુરુષાર્થસિદ્ધયુપાયમાં આચાર્ય અમૃતચંદ્રદેવે કહ્યું છે કે-આત્માનું નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, સ્વસંવેદન જ્ઞાન, અને સ્વમાં લીનતા-તે મોક્ષનું કારણ છે; જ્યારે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા-તેરૂપ વ્યવહાર સમ્યગ્દર્શન, શાસ્ત્રનું જ્ઞાન-તેરૂપ વ્યવહારજ્ઞાન, તથા પંચ મહાવ્રતના વિકલ્પ-તેરૂપ વ્યવહારચારિત્ર-એ બધો અપરાધ છે. અરે! જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે શુભભાવ પણ અપરાધ છે. હવે જે ભાવ અપરાધ છે તે મોક્ષને કેમ સાધે-આરાધે? ન સાધે. આ ભાઈ, આ તો વીતરાગનો માર્ગ બાપુ! મારગ તો વીતરાગ-ભાવરૂપ જ છે.
કહે છે-વ્યવહારરત્નત્રયના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરવામાં આવતાં આ આત્મા, અંતર્મગ્ન જે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભેદો તે-પણા વડે પોતે સાધકરૂપે પરિણમે છે. અહાહા...! વ્યવહારના વિકલ્પને છોડીને પોતે ચિદાનંદઘન એવા સ્વસ્વરૂપમાં આરોહણ કરે છે, લીન થાય છે તો, જેમ ડુંગરમાંથી ઝરણું ઝરે તેમ સ્વસ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતાપૂર્વક અંદર અનાકુળ આનંદનું ઝરણું ઝરે છે, અંદર શાંતિનાં વહેણ વહે છે. લ્યો, આને ભગવાન મોક્ષમાર્ગ કહે છે.
સમયસાર, ગાથા ૧૨માં કહ્યું છે કે-સ્વ-આશ્રયે સ્વસ્વરૂપનું જ્ઞાન, આત્મજ્ઞાન થયું છે, પણ દશામાં પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટયું નથી ને નીચલી દશા છે એવા જીવને અશુદ્ધતાનો વિકલ્પ હોય છે, તેને તે જાણે જ છે. અહા! જે વિકલ્પ હોય છે તેને જાણવો તે વ્યવહાર નય છે, અને એનું નામ વ્યવહારનો ઉપદેશ છે. પણ અરે! શું થાય? વ્યવહારના-રાગના પક્ષ આડે એણે અનંતકાળમાં આ વાત લક્ષમાં લીધી જ નથી.
અહા! અંતરમાં પોતાના ભગવાનના ભેટા થયા છે, સ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન ને રમણતા પ્રગટ થયાં છે, પ્રચુર અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝૂલે છે એવા, સિંહની જેમ એકાકી જંગલમાં રહેતા પ્રચંડ પુરુષાર્થને ધરનારા મહા મુનિરાજને, કહે છે, પૂર્ણદશા પ્રગટ થઈ નથી તો વચ્ચે સહચરપણે વ્યવહાર દર્શન-જ્ઞાન ને મહાવ્રતના વિકલ્પ હોય છે, એનું તે જ્ઞાન કરે છે, અને એને છોડી સ્વરૂપમાં આરોહણ કરતા થકા નિશ્ચય સ્થિરતાને પ્રાપ્ત થાય છે. અહાહા...! આનંદનો-નિર્મળાનંદનો નાથ પ્રભુ અંદર છે એમાં જ્યારે આરોહણ થયું ત્યારે એણે આત્માની જાત્રા કરી. આ જાત્રા તે જાત્રા છે, બાકી શેત્રુંજો ને સમ્મેદશિખરજી જાય એ તો બધો શુભભાવ છે, એ સાચી જાત્રા નહિ, એને ઉપચાર માત્ર જાત્રા કહેવાય છે. સમજાણું કાંઈ...?
અહા! સાધકને બહારમાં વ્યવહાર હોય છે, એ વ્યવહારથી ખસીને જ્યારે સ્વરૂપમાં આરોહણ કરે છે ત્યારે તે નિશ્ચયને પ્રાપ્ત થાય છે. તે જેમ જેમ વ્યવહારનો અભાવ કરતો જાય છે તેમ તેમ નિશ્ચયમાં (-સ્વરૂપમાં) ઠરતો જાય છે; પરંતુ એમ નથી કે વ્યવહારથી નિશ્ચય પ્રાપ્ત થાય છે. અહો! નિજ પરમાત્મસ્વરૂપમાં લીન એવા તે મુનિવરોને ધન્ય છે. સ્વરૂપમાં આરોહણ કરતા થકા તેઓ સાક્ષાત્ મોક્ષના સાધકો છે.
ભાઈ, રાગરૂપે-શુભરાગરૂપે થવું એ કાંઈ સાધકપણું નથી, ને વ્યવહારના વિકલ્પથી સાધકપણું પ્રગટે છે એમેય નથી. ભાઈ, રાગથી ખસી અંતરમાં ગયા વિના તારા પરિભ્રમણના આરા નહિ આવે. આ બધા શેઠિયા દાન ખૂબ કરે ને! અહીં કહે છે-એ તારાં લાખો-કરોડોનાં દાન કામ નહિ આવે. માત્ર વ્યવહારની ક્રિયાઓથી કાંઈ હાથ નહિ આવે. વિકારને વિભાવથી વિમુખ થઈ નિજાનંદસ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન ને લીનતા કરવી બસ આ એક જ મોક્ષમાર્ગ છે, ને આ જ સાધકદશા છે.
અહાહા...! ભગવાન! તું વસ્તુ છો કે નહિ? વસ્તુ છો તો તારામાં અનંત શક્તિઓ છે કે નહિ? અહાહા...! અનંત શક્તિઓના પિંડરૂપ એવી તારી ચૈતન્યવસ્તુનું અવલંબન કરતાં, તેના આશ્રયમાં દૃઢ-સ્થિર થતાં જે નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન થાય તે મોક્ષમાર્ગ છે; આ સાધકદશા અને આ ઉપાય છે. પણ અરેરે! પોતાની
PDF/HTML Page 4144 of 4199
single page version
ચૈતન્યવસ્તુના ભાન વિના, આત્મદર્શન ને આત્મજ્ઞાન વિના એકલી ક્રિયાઓ કરી-કરીને એણે આત્માને મરણતુલ્ય કરી નાખ્યો છે.
દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતના પાલનનો રાગ તથા સ્વાધ્યાયનો વિકલ્પ ઇત્યાદિ બધો શુભરાગ છે; એને ઓળંગી જઈને, જેમ દરિયાના તળિયે જતાં મોતી હાથ આવે તેમ, અંતરમાં ડૂબકી લગાવતાં ચૈતન્યપ્રભુ આત્મા હાથ આવે છે; આને નિશ્ચય સમ્યગ્દર્શન કહે છે, તથા અંતર્મુખ થતાં જે સ્વસંવેદન જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે, તથા અંતર-લીનતા થાય તે સમ્યક્ચારિત્ર છે. અહાહા...! આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભેદો તે- પણા વડે આત્મા સ્વયં સાધકપણે થાય છે, અર્થાત્ મોક્ષના ઉપાયપણે સ્વયં આત્મા થાય છે. લ્યો, આવી વાત! પણ અરેરે! રાગની આડશમાં એને આવડો મહાન ‘અનંત સુખથી ભરિયો, અનંત ગુણનો દરિયો’ દ્રષ્ટિમાં આવતો નથી. અનેક વ્રત, તપ કરવા છતાં તેને સાધકપણું પ્રગટતું નથી. સમજાય છે કાંઈ...?
હવે કહે છે-‘તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત (દેદીપ્યમાન) થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવભાવ તે-પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાનમાત્ર ઉપાય-ઉપેયભાવ સાધે છે.’
જુઓ, અહીં એમ કહે છે કે-અંદર સ્વરૂપમાં મગ્ન-લીન થતાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટયા તે રત્નત્રય છે. તેની પરમ પ્રકર્ષરૂપ ઉત્કૃષ્ટ દશા થતાં અર્થાત્ ભગવાન આત્માનો પૂર્ણ આશ્રય થતાં તેના ફળરૂપે મોક્ષદશા પ્રગટ થાય છે. અહા! રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવભાવ તે પૂર્ણ મોક્ષદશા છે.
પ્રશ્નઃ– ઉપવાસ કરવાથી કર્મનો ક્ષય થઈ જાય છે એ બરાબર છે? ઉત્તરઃ– ના, એ બરાબર નથી. દર્શન-જ્ઞાન-ચારિત્રની પરમ પ્રકર્ષરૂપ અતિશયતા વિના કર્મનો ક્ષય થતો નથી. ઉપવાસથી કર્મનો ક્ષય થાય છે એમ કહેવું એ ઉપચારમાત્ર કથન છે. અરે, સ્વરૂપના આશ્રયે પ્રગટવા યોગ્ય એવાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વિના એણે ઉપવાસાદિ બાહ્ય કરણી અનંત વાર કરી; પણ એથી શું? એનો સંસાર મટયો નહિ, ભવના નિવેડા આવ્યા નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વિશેષતાથી આસ્રવોનો નિરોધ થાય છે, ને કર્મનો ક્ષય થાય છે. રત્નત્રયની પરમ પ્રકર્ષરૂપ અતિશયતાથી સકળ કર્મનો ક્ષય થાય છે, અને ત્યારે અંદર પ્રગટ થયેલો અસ્ખલિત ઉજ્જ્વળ વિમળ સ્વભાવભાવ-કેવળદર્શન-કેવળજ્ઞાન-અનંતસુખ ઇત્યાદિરૂપ સ્વભાવભાવ-તે રૂપે પરિણમવું તે મોક્ષદશા છે. અહાહા...! આવી મોક્ષદશા અસ્ખલિત છે; જેને થઈ તે થઈ, ફરી તે સંસારમાં આવે નહિ.
તો જગતમાં પાપ વધી પડે ત્યારે ભક્તોની રક્ષા કરવા ભગવાન અવતાર લે છે એ શું વાત છે? એ તો લૌકિક માન્યતા છે, એ વાતમાં કાંઈ તથ્ય નથી. અસ્ખલિત એટલે ફરે નહિ, પડી જાય નહિ એવા પૂર્ણ વિમળ સ્વભાવભાવે ઉપજ્યો તે સિદ્ધરૂપે પરિણમ્યો, હવે તે સંસારમાં અવતરે નહિ, કેમકે સંસારમાં અવતરે એવું કોઈ કારણ જ રહ્યું નથી.
અહાહા...! જ્ઞાનસ્વભાવ ત્રિકાળ એકરૂપ હોવા છતાં, પર્યાયમાં સાધકપણે અને સિદ્ધપણે-એમ બે-પણે પોતે થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ સાધકરૂપે અને તેની ઉત્કૃષ્ટ દશા થતાં સિદ્ધરૂપે-એમ બે રૂપે પોતે જ પ્રગટ થાય છે. એ બન્ને ભગવાન આત્માની અવસ્થાઓ છે ને તે-રૂપે તે પોતે જ પરિણમે છે, અને કોઈ બાહ્ય વ્યવહારની ગરજ-અપેક્ષા નથી. યદ્યપિ બાહ્ય વ્યવહાર હોય છે, પણ ધર્માત્માને એ કાંઈ નથી, એને ઓળંગીને તે ક્રમે સિદ્ધરૂપે પોતે પરિણમી જાય છે.
પ્રશ્નઃ– જો વ્યવહાર-શુભભાવ જરાય મદદગાર નથી તો એને શાસ્ત્રમાં સાધક કેમ કહ્યો છે? ઉત્તરઃ– ધર્મી પુરુષને તેની વર્તમાન પ્રગટ નિર્મળ દશાને તે (-વ્યવહાર) વિક્ષેપ કરતો નથી તેથી સહચર દેખીને ઉપચારથી સાધક કહ્યો છે. ભાઈ, તારે જો મોક્ષ જ જોઈએ છે તો સ્વ-આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમવું પડશે; આ એક જ મોક્ષમાર્ગ છે, અને તે-રૂપે ઉત્કૃષ્ટ પરિણમતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. બાપુ! આ તો પ્રાપ્તની પ્રાપ્તિનો સ્વ-આશ્રયનો માર્ગ છે. જેમ લીંડી પીપરમાં ચોસઠ પહોરી તીખાશ છે તો તેને ઘૂંટતા બહાર અવસ્થામાં પ્રગટ થાય છે, તેમ ભગવાન આત્મા સ્વભાવથી મોક્ષસ્વરૂપ છે તેમાં એકાગ્ર-પૂર્ણ એકાગ્ર થતાં બહાર અવસ્થામાં મોક્ષદશા પ્રગટે છે.
PDF/HTML Page 4145 of 4199
single page version
આમ દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત રત્નો અંદર સ્વભાવરૂપે આત્મામાં પડયાં છે તે અંતર- એકાગ્રતાના પુરુષાર્થથી બહાર પર્યાયરૂપે પ્રગટ થાય છે. આવો મારગ છે.
સાધકને કિંચિત્ રાગ રહી જાય ને આયુષ્ય પૂરું થઈ જાય તો તે સ્વર્ગમાં જાય છે. ત્યાંથી મનુષ્યપણે અવતરીને અંતરના સાધનથી-નિજ સ્વભાવના સાધનથી તે સિદ્ધ થાય છે. અહા! ધર્મીની દ્રષ્ટિમાં તો નિરંતર પોતાનો ભગવાન આત્મા જ તરવરતો હોય છે, તે સિવાય વ્યવહારનો ભાવ હોય છે તેને તે હેય જ જાણે છે. અહાહા...! જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ તેને હેય જ થઈ ગયો હોય છે. અહા! અલૌકિક ચૈતન્યનિધાન અંદર ભાળ્યાં એને પુણ્યથી શું કામ છે? હવે એને પુણ્યનું લક્ષ જ નથી. શું થાય? અરેરે! એણે નિજઘરની અનંત અલૌકિક રિદ્ધિની કોઈ દિ’ વાત સાંભળી નથી.
પ્રશ્નઃ– તો લોકો (ધર્મી પુરુષો પણ) જાત્રાએ કેમ જતા હશે? ઉત્તરઃ– જે ક્ષેત્રથી પરમાત્મા સિદ્ધ થયા હોય તેની સમશ્રેણીએ ઉપર સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા બિરાજે છે તેનું સ્મરણ થાય તે માટે જાત્રા છે. પણ એ શુભભાવ છે; વ્યવહારે જાત્રા કહેવાય, નિશ્ચય જાત્રા તો એવા રાગને છોડી અંદર સ્વરૂપમાં ઠરે ત્યારે થાય છે. આવી વાત છે. શું થાય? વાદવિવાદે જગતને મારી નાખ્યું છે. (આમ ને આમ) સત્ને સમજવાના દિવસો ચાલ્યા જાય છે ભાઈ! તું માને કે હું મોટો થાઉં છું, પણ વાસ્તવમાં તું મૃત્યુની સમીપ જાય છે બાપુ! હમણાં આ નહિ સમજે તો કયારે સમજીશ? (એમ કે પછી સમજવાનો દાવ નહિ હોય).
અહા! જેણે સ્વ-આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ કર્યો તેને એ નિશ્ચત છે કે અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈને સિદ્ધદશા થશે. આમ આત્મા બહુરૂપીઓ છે, ઉપાય અને ઉપેય-એમ બન્નેરૂપે પોતે જ પરિણમે છે, સાધક અને સિદ્ધપણે પોતે જ થાય છે.
‘આ આત્મા અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રને લીધે સંસારમાં ભમે છે.’ જુઓ, જીવ કર્મને લઈને સંસારમાં રખડે છે એમ નહિ, પણ અનાદિ કાળથી એને જે સ્વસ્વરૂપનાં વિપરીત શ્રદ્ધાન-જ્ઞાન ને આચરણ છે તેને લીધે તે સંસારમાં રખડે છે. જીવ કર્મના નિમિત્તે સંસારમાં રખડે છે એવું કથન શાસ્ત્રમાં આવે ખરું, પણ એ તો વ્યવહારનયની કથની છે, વાસ્તવમાં એમ છે નહિ.
શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા પોતે છે, તેનાથી વિપરીત રાગની ને કર્મની શ્રદ્ધા તે મિથ્યા શ્રદ્ધા છે, પોતે જ્ઞાનાનંદ-સ્વરૂપ છે તેનું જ્ઞાન ન કરતાં રાગનું ને કર્મનું જ્ઞાન કરવું તે મિથ્યાજ્ઞાન છે. આ મિથ્યાશ્રદ્ધાન ને મિથ્યાજ્ઞાન તે સંસાર-પરિભ્રમણનું મૂળ છે.
કળશટીકામાં ‘નમઃ સમયસારાય’ ઇત્યાદિ પહેલા કળશમાં આવે છે કે-“શુદ્ધ જીવને સારપણું ઘટે છે. સાર અર્થાત્ હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું, કારણ કે અજીવ પદાર્થને-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને-અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનહાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને સારપણું ઘટતું નથી.” જુઓ, શું કીધું આ? કે ૧૪૮ પ્રકૃતિ અજીવ છે, ને સંસારી જીવ રાગી છે-તેને જાણતાં જાણનહારને જ્ઞાનેય નથી ને સુખેય નથી. એક જ્ઞાયકના જ્ઞાન વિના પરવસ્તુને જાણવાથી કોઈ જ્ઞાન અને સુખ થતું નથી. એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, સંસારનું કારણ છે.
નિગોદના જીવો પણ મિથ્યા શ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ પ્રચુર ભાવકલંકને લઈને જ ત્યાં ને ત્યાં નિગોદમાં સબડે છે. અહા! નિત્ય નિગોદમાં રહેલો જીવ કે જે કોઈ દિવસ ત્રસ નહિ થાય તેય પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપથી વિપરીત એવા રાગમાં રમણતા કરવાને લીધે જ સંસારમાં રવડે છે. આ મૂળ વાત છે. હવે પોતે પરિભ્રમણ કેમ કરે છે એની ખબર ન મળે અને માની લે કે કર્મ રખડાવે છે તો તે પોતાની ભૂલ કયારે જાણે અને કયારે ટાળે? ભાઈ, આ ભૂલ મટાડવાનો અવસર ચાલ્યો જાય છે હોં.
હવે કહે છે-‘તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે અનુક્રમે
PDF/HTML Page 4146 of 4199
single page version
સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે, કારણ કે જ્ઞાનમાં નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો અંતર્ભૂત છે. નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની શરુઆતથી માંડીને, સ્વરૂપ- અનુભવની વૃદ્ધિ કરતાં કરતાં જ્યાંસુધી નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતા ન થાય, ત્યાંસુધી જ્ઞાનનું સાધક રૂપે પરિણમન છે.’
જુઓ, અહીં છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાની વાત છે. તે પહેલાં એણે નિજ ચૈતન્યમૂર્તિ આત્માને વેદનમાં તો લીધો છે, અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. એથી તો કહ્યું કે-‘સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા’-મતલબ કે નિશ્ચયની સાથે ભૂમિકાને યોગ્ય વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર જે હોય તે એને આવ્યાં છે. એનો બીજો અર્થ એમ પણ છે કે અંદર જે નિશ્ચય પ્રગટયું તે હવે જાય નહિ, અર્થાત્ હવે તે હેઠે ઉતરે નહિ પણ વ્યવહાર છોડીને અંદરમાં જાય. આવો વ્યવહાર બીજે (બીજા કોઈ ગુણસ્થાનકે) નથી. નિશ્ચય તો અંદર છે, ને વ્યવહારને ઓળંગીને સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં જશે-આમાં એમ કહેવું છે. સમજાણું કાંઈ...? સાધુ છે ને? સ્વરૂપથી ચ્યુત હતો તે સ્વરૂપમાં આવ્યો- ચઢયો. પહેલાં પાંચમા ગુણસ્થાનેથી ધ્યાનમાં પહેલું સાતમું ગુણસ્થાન આવે છે, પણ એ વાત અહીં નથી; અહીં તો છઠ્ઠે ગુણસ્થાને શુભ વિકલ્પ આવે છે તેને ઓળંગી જઈને સ્વરૂપમાં જવાની-ચઢવાની વાત છે. અહો! દિગંબર સંતોએ સૂરજની જેમ માર્ગ સ્પષ્ટ પ્રકાશ્યો છે. દ્રષ્ટિ વિના લોકોને હાથ ન આવે તેથી શું માર્ગ બીજો થઈ જાય? ન થાય.
લ્યો, હવે કોઈ કહે છે-તમે વ્યવહારનો લોપ કરો છો. પણ જે તે ગુણસ્થાને જે વ્યવહાર (વ્યવહારરત્નત્રયનો વિકલ્પ) હોય છે તેનો કોણ લોપ કરે? તે તે ગુણસ્થાને તો તે છે જ; અહીં તો તેને ઓળંગીને આગળ જવાની-ચઢવાની વાત છે. ધર્મીને યથાસંભવ વ્યવહારનો વિકલ્પ હોય છે, પણ તેમાં તેને ઉપાદેયબુદ્ધિ અને સ્વામિત્વ હોતાં નથી; અને એના બળે જ તે ઉંચે-ઉંચે આરોહણ કરે છે. સમજાણું કાંઈ...?
‘તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે’... લ્યો, હવે વ્યવહાર- સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર-વ્યવહારરત્નત્રય એ તો શુભ વિકલ્પ-રાગ છે; તેની વૃદ્ધિની પરંપરા વડે એટલે શું? એટલે રાગની વૃદ્ધિની પરંપરા વડે-એમ અર્થ નથી, કેમકે વ્યવહારનો-રાગનો તો ક્રમશઃ (આગળ આગળ) અભાવ થતો જાય છે, અને અંદર શુદ્ધિ વધતી જાય છે. આ તો શુદ્ધિ વધતી જાય છે તેનો આરોપ વ્યવહાર ઉપર કરી ‘વ્યવહારની વૃદ્ધિ વડે’-એમ કહ્યું છે. ‘વ્યવહારરત્નત્રયની વૃદ્ધિની પરંપરા વડે’ એમ કહ્યું એ તો વ્યવહારનયનું કથન છે. વ્યવહાર નયનાં કથન આવાં જ હોય છે તેને જેમ છે તેમ સમજવાં જોઈએ. વાસ્તવમાં રાગ તૂટતો જાય છે, ને અંદર શુદ્ધિ વધતી જાય છે તે વડે અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન નામ આત્મા સાધક રૂપે પરિણમે છે. આવી વાત!
‘અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધકરૂપે પરિણમે છે’-આમ કહ્યું એમાં આત્મા પોતે સાધકરૂપે થાય છે, વ્યવહાર સાધક રૂપે થાય છે એમ નહિ. અહાહા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ અંદર છે એનાં દ્રષ્ટિ-જ્ઞાન ને રમણતાં થયાં છે એનો ઉપયોગ જ્યારે નિર્વિકલ્પ થયો, શુદ્ધોપયોગરૂપ પરિણત થયો, અર્થાત્ ઉપયોગ નિર્વિકલ્પ જ્ઞાનની ભૂમિકામાં આવ્યો ત્યારથી તે આત્મા સાધકપણે પરિણમ્યો. એમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદો અંતર્ભૂત છે. ભેદો છે ખરા, પણ મોક્ષમાર્ગની પરિણતિમાં ત્રણે અભેદ એકરૂપ છે. હવે મોક્ષમાર્ગની પરિણતિમાં ત્રણ ભેદોનું પણ લક્ષ નથી ત્યાં વ્યવહારની-રાગની શું કથા? રાગનો તો એમાં અભાવ જ છે. સમજાણું કાંઈ...?
જુઓ, સાધકદશા ચોથેથી બારમા ગુણસ્થાન સુધીની છે. સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી આત્મા શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રની એક્તારૂપે પોતે પરિણમે છે. તે સાધકપણે પરિણમે એમાં એને બહારમાં વ્યવહારનાં સાધન છે તેથી પરિણમે છે એમ નથી. વ્યવહાર હોય છે તેને જણાવ્યો છે, પરંતુ એને લઈને સાધકપણે પરિણમે છે એમ નથી, એકલો જ્ઞાનસ્વભાવી આત્મા જ ઉપાય-ઉપેયભાવે પરિણમે છે. અહા! પર સાધન વિના જ, વ્યવહારના સાધન વિના જ, ચૈતન્ય જેનું સર્વસ્વ છે એવી આત્મવસ્તુ પોતે જ પોતાથી સાધકપણે અને સાધ્યપણે પરિણમે છે. ત્યારે કોઈ કહે છે-
શું આ એકાંત નથી? હા, એકાંત છે, પણ સમ્યક્ એકાંત છે; કેમકે સ્વ તરફ ઢળેલી નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની દશા-તે જ એકાંતે નિશ્ચય સાધક છે; વચ્ચે વ્યવહારરત્નત્રયના વિકલ્પ આવે ખરા, પણ તે નિશ્ચય સાધક નથી, ખરેખર તો એ બાધક છે; તેમને સાધક વ્યવહારનયથી કહેવામાં આવે છે, પણ એ તો ઉપચારમાત્ર છે.
PDF/HTML Page 4147 of 4199
single page version
નિશ્ચય અને વ્યવહાર (રત્નત્રય) છે એક બીજાથી વિરોધી, પણ સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનને સાથે રહેવામાં જેમ વિરોધ છે તેમ, જ્ઞાન જ્યાંસુધી પૂર્ણતાને ન પામે ત્યાંસુધી, જ્ઞાન અને રાગને સાથે રહેવામાં વિરોધ નથી. શાસ્ત્રમાં તેમની પરસ્પર મૈત્રી પણ કહી છે. પણ મૈત્રીનો અર્થ એ સ્થાનમાં (ભૂમિકામાં) બે સાથે હોય છે એટલું જ બસ. વ્યવહાર છે માટે નિશ્ચય પ્રગટે છે, વા વ્યવહારથી નિશ્ચય પ્રગટે છે એમ એનો અર્થ નથી. મૈત્રી એટલે મદદ કરે છે એમ એનો અર્થ નથી; કેમકે નિશ્ચય સ્વ-આશ્રયે પ્રગટ થાય છે, ને વ્યવહાર પર-આશ્રયે પ્રગટે છે, નિશ્ચય (મોક્ષમાર્ગ) અબંધ મોક્ષનું કારણ છે, ને વ્યવહાર (મોક્ષમાર્ગ) બંધનું કારણ છે. બન્ને છે તો તદ્ન વિરુદ્ધ, પણ એ જાતનો વ્યવહારનો વિકલ્પ એ સ્થાનમાં શ્રદ્ધા-જ્ઞાન તે સ્થિરતાને બાધા કરતો નથી, પણ તેને ઓળંગીને જ વિશેષ-વિશેષ સ્થિરતાનાં સ્થાનો પ્રાપ્ત થાય છે, ભાઈ, વસ્તુસ્થિતિ જેમ છે તેમ રાખ. તેને ફેરવવાના વિકલ્પથી શું સાધ્ય છે? અંતરના આશ્રયમાં ઉપયોગ રહે બસ એ એક જ માર્ગ છે. વચમાં વ્યવહાર આવે, પણ એ સત્યાર્થ માર્ગ નથી. અરે! તીર્થંકર અને કેવળીના વિરહ પડયા અને લોકો વિવાદમાં પડી ગયા!
ભાવપાહુડમાં આવે છે કે-ભાઈ, અંદર ચિદાનંદ ચૈતન્ય પરમેશ્વર પ્રભુ તું છો, તેના આશ્રય વિના તારા બધા ક્રિયાકાંડ ફોગટ ગયા, કેમકે રાગની એ બધી ક્રિયા આત્માને ધર્મનું સાધન નથી. અહા! આવા ક્રિયાકાંડ તેં અનંત વાર કર્યા, પણ તે તને સાધન ન થયા. ભાઈ, એક સ્વના આશ્રયે જ ધર્મ-વીતરાગતા પ્રગટે છે. આ એક જ માર્ગ છે. આવી વસ્તુસ્થિતિ છે. સાધકપણાની શરુઆત સ્વ-આશ્રયે સ્વાનુભવથી થાય છે, ને તેની વૃદ્ધિ અને પૂર્ણતા પણ સ્વ-આશ્રયે સ્વાનુભવથી થાય છે. સમયસાર નાટકમાં આવે છે ને કે-
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ.
અહાહા...! સ્વાનુભવની સિદ્ધિ થતાં, ગુલાબ જેમ લાખ પાંખડીએ ખીલી ઉઠે તેમ, ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અનંત પર્યાય-પાંખડીએ ખીલી ઉઠે છે. અહા! મુનિદશાની તો શી વાત! એને તો પ્રચુર સ્વસંવેદનની દશા છે. અહાહા...! પ્રચુર એટલે પુષ્કળ, સ્વ એટલે પોતાથી, સમ્ નામ પ્રત્યક્ષ આનંદનું વેદન-એવી અલૌકિક મુનિદશા છે. એનો જે ઉપાસક થાય તેય સમકિતી થઈ જાય છે; કેમકે જેણે ગુરુને ઓળખ્યા તેણે સાત તત્ત્વ જાણ્યાં છે. ને તેણે પોતાના આત્માનેય જાણ્યો-ઓળખ્યો છે. અહાહા...! સાધુ-ગુરુ કોને કહીએ? સ્વરૂપની અતિ ઉગ્ર રમણતા તે સાધુદશા છે. પ્રવચનસારમાં સાધુને મોક્ષ તત્ત્વ કહ્યું છે. મોક્ષની તળેટીમાં વિરાજે છે ને! અહાહા...! જ્યાંસુધી શુદ્ધ રત્નત્રયની પૂર્ણતા ન થાય ત્યાંસુધી જ્ઞાનનું સાધકપણે પરિણમન છે, તે અપૂર્વ એવું અલૌકિક પરિણમન છે. સમજાય છે કાંઈ...?
હવે કહે છે-‘જ્યારે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય અર્થાત્ સાક્ષાત્ મોક્ષ થાય ત્યારે જ્ઞાન સિદ્ધ રૂપે પરિણમે છે, કારણ કે તેનો અસ્ખલિત નિર્મળ સ્વભાવભાવ પ્રગટ દેદીપ્યમાન થયો છે.’
જુઓ, નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય એમ કહ્યું એ વ્યવહારનયનું કથન છે. કર્મ તો પરદ્રવ્યની દશા છે, એનો ક્ષય તો એના કારણે થાય છે. કર્મનો ક્ષય થવાનો. એ જ કાળ છે, બાકી કેવળજ્ઞાન આત્મામાં પ્રગટ થયું એનાથી કર્મનો ક્ષય થયો છે એમ નથી, અને કર્મના ક્ષયના કારણે અહીં કેવળજ્ઞાન થયું છે એમેય નથી. આ તો વ્યવહારનયની કથનપદ્ધતિ આવી છે બાપુ! બાકી શું પરદ્રવ્યની પર્યાય આત્મા કરે? ના કરે, કદીય ના કરે. આત્મા સિદ્ધરૂપે પરિણમે તે આત્માની દશા છે, ને કર્મનો ક્ષય તે તેની-પરમાણુની દશા છે. બન્ને ભિન્ન ભિન્ન પરિણમન પોતપોતાથી છે. આવી વાત!
સ્વ-આશ્રયે સ્વાનુભવ થતાં, તથા તેમાં વૃદ્ધિ થતાં જ્યાં પૂર્ણદશાને પર્યાય પ્રાપ્ત થઈ, પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ થયું તે હવે અસ્ખલિત-પાછું ફરે નહિ એવો એનો નિર્મળ સ્વભાવભાવ છે. અહાહા...! જેવો પૂર્ણ કેવળજ્ઞાનસ્વભાવ દ્રવ્યરૂપે છે તેવી પૂર્ણ કેવળજ્ઞાન જ્યોતિ ઝળહળતી પર્યાયરૂપે પ્રગટ થઈ ગઈ તે હવે પડે નહિ તેવો સ્વભાવભાવ છે. આને અરિહંત અને સિદ્ધની પરમાત્મદશા કહે છે. હવે અહીં તો વ્યવહારરત્નત્રયનું નામ-નિશાનેય ના રહ્યું. સમજાણું કાંઈ...?
ભાઈ! આ તારા ઘરની ને તારા હિતની વાત છે. અરે, અનંત કાળમાં પ્રભુ! તેં શું શું ના કર્યું? બધું જ કર્યું, એક સ્વ-આશ્રય ના કર્યો. જીવ જ્યારે સ્વ-આશ્રયે સ્વાભિમુખ થઈ પરિણમશે ત્યારે એને ધર્મ થશે. અહાહા...! ત્રણલોકનો નાથ ચૈતન્યમહાપ્રભુ અંદર વિરાજે છે તેના આશ્રયમાં-શરણમાં જ્યાં ગયો ત્યાં એ મોટાની ઓથે ગયો; હવે એને શું ચિંતા છે? કેવળજ્ઞાન થશે જ થશે. બીજ ઉગે તે પૂનમ થાય, તેમ સાધકપણું પ્રગટયું તે સિદ્ધ થશે જ થશે. સાધકની
PDF/HTML Page 4148 of 4199
single page version
સિદ્ધદશા થયે જ છૂટકો. ધવલમાં આવે છે કે-સ્વના આશ્રયે પ્રગટેલ સમ્યક્ મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે; એનો અર્થ શું? એ જ કે તેને અલ્પકાળમાં હવે કેવળજ્ઞાન થશે; કેવળજ્ઞાન હવે હાથવેંતમાં છે; જેમ ચંદ્ર સોળે કલાએ ખીલે તેમ અલ્પકાળમાં ભગવાન આત્મા સોળે કલાએ ખીલી કેવળજ્ઞાનપણે ઝળહળ દેદીપ્યમાન પ્રગટશે. આવી અદ્ભુત વાત!
હવે સરવાળો કરે છે કે-‘આ રીતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે-બન્ને રૂપે પરિણમતું એક જ જ્ઞાન આત્મવસ્તુને ઉપાય-ઉપેયપણું સાધે છે.’ લ્યો, ઉપાય-ઉપેયપણું, સાધક-સાધ્યપણું-બન્ને આત્માની અવસ્થાઓ હોવાથી આત્મવસ્તુમાં જ સમાય છે. વ્યવહાર હોય છે, ‘સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં’ એક કહ્યું, પણ એનો અર્થ વ્યવહારને જાણેલો-જાણવામાં આવેલો એમ થાય છે. ગ્રહણનો અર્થ જાણવું થાય છે. વ્યવહારને આદરવો એવો અર્થ અહીં છે જ નહિ. ગ્રહણ એટલે જાણવું-એવો અર્થ મોક્ષમાર્ગપ્રકાશકમાં કર્યો છે. સમયસાર ગાથા ૧૨ની ટીકામાં પણ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહ્યો છે. ભાઈ, આ તો તત્ત્વને યથાર્થ સમજી અંતરમાં ઉતરી જવાનો માર્ગ છે. આવો અવસર મળ્યો ને ન સમજ્યો તો કયારે સમજીશ? આ મનુષ્યપણું એમને એમ વિંખાણું (છૂટી ગયું) તો પછી અવસર નહિ આવે. હવે ટીકામાં વિશેષ કહે છે;-
‘આ રીતે બન્નેમાં (-ઉપાયમાં તેમ જ ઉપેયમાં-) જ્ઞાનમાત્રનું અનન્યપણું છે અર્થાત્ અન્યપણું નથી.’ જુઓ, શ્રીમદ્ આચાર્ય અમૃતચંદ્રદેવ કહે છે-ભાઈ, સાંભળ. અંદર એક જ્ઞાનાનંદસ્વરૂપી ચૈતન્યમૂર્તિ પ્રભુ તું આત્મા છો. તેમાં અંતર-એકાગ્ર થતાં, જ્ઞાન, શ્રદ્ધા, આનંદ, શાંતિ, સ્થિરતા, પ્રભુતા ઇત્યાદિ એક સાથે પર્યાયમાં પ્રગટ થાય છે. અહા! આવી સ્વરૂપમાં રમણતારૂપ નિર્વિકલ્પ પરિણતિ તે ઉપાય નામ સાધકપણું છે. વ્યવહાર વચમાં હો, પણ તે સાધકપણું નથી. આ જે (બાર પ્રકારે) વ્યવહાર તપ છે તે સાધકપણું નથી; કેમ? કેમકે તેમાં આત્મા અનન્ય નથી. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા છે, એનું સાધકપણું (ઉપાય) તે આનંદની પર્યાય છે, ને એનું સાધ્યપણું (ઉપેય) તેય પૂર્ણ આનંદની પર્યાય છે. અહાહા...! એ બન્ને રૂપ એકલા જ્ઞાનમાત્ર-ચૈતન્યચમત્કાર પ્રભુ આત્માનું જ ભવન-થવાપણું છે; ઉપાય અને ઉપેયમાં-બન્નેમાં એક આત્મવસ્તુ જ અનન્ય છે, પરદ્રવ્ય કે રાગાદિ વ્યવહારનો વિકલ્પ તેમાં અનન્ય નથી. એટલે શું? કે દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ જે બાહ્ય વ્યવહાર છે તે નિશ્ચય રત્નત્રયનું કારણ નથી. અહાહા...? ઉપાય એટલે મોક્ષમાર્ગ, ને ઉપેય એટલે એના ફળરૂપે પ્રગટ સિદ્ધદશા-એ બન્નેમાં, કહે છે, આત્મા જ અનન્ય છે.
વચલી ભૂમિકામાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, ને પંચમહાવ્રતાદિ રાગની મંદતાનો ભાવ હોય છે એટલું બતાવવા વ્યવહારની વાત કરી છે, પણ એ નિશ્ચયપણે સાધકપણું કે મોક્ષમાર્ગ છે એમ છે જ નહિ; કેમકે એમાં આત્મા-ધ્રુવ ચૈતન્યનું દળ અનન્ય નથી. શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં થોડી લીનતા-તેરૂપ જે મોક્ષમાર્ગ, ને પૂર્ણ લીનતા-તેરૂપ જે મોક્ષ-એ બન્નેમાં જ્ઞાનમાત્ર શુદ્ધ ચૈતન્યવસ્તુ જ અનન્ય અર્થાત્ એકમેક છે. સાથે રાગ છે એ તો બંધભાવ છે, સાધકપણાને વિઘ્નરૂપ છે, ઝેર છે. નિર્મળ રત્નત્રય તે અમૃત છે, ને રાગ તો ઝેર છે; એનાથી (-રાગથી) અમૃતમય એવો મોક્ષમાર્ગ કેમ થાય? ન થાય. આવી અપૂર્વ વાત છે. વ્યવહારના પક્ષવાળાને આ આકરી લાગે છે, પણ શું થાય? આ તો વસ્તુ જ આવી છે.
બહારમાં તો વ્રત કરો, ને તપસ્યા કરો, ને પૂજા-ભક્તિ કરો એટલે થઈ ગયો ધર્મ એવું સાંભળવા મળે છે, પણ એવી પ્રરૂપણા સત્ય નથી, કેમકે એ બધા વિકલ્પમાં ચૈતન્ય વસ્તુ અનન્ય-તન્મય થતી નથી. નિશ્ચયની સ્થિરતા હોય છે ત્યાં સાથે આવો વ્યવહાર હોય છે તેને ઉપચારથી ધર્મ કહેવામાં આવે છે, પણ વાસ્તવમાં તે ધર્મ નથી. ધર્મ નથી તેને ઉપચાર કરીને ધર્મ કહેવો તે વ્યવહારનય છે, પણ એમાં ધર્મ માનવો એ તો મિથ્યાત્વ છે, મહાન ભૂલ છે. વ્યવહાર સુધરે તો નિશ્ચય સુધરશે એમ કેટલાક માને છે, પણ એ બરાબર નથી, અહીં એની ના પાડે છે. શું કોલસો કાળો છે તે ધોવાથી સફેદ થાય? ન થાય. એ તો કોલસાને બાળી દે તો ઉજ્જ્વળ સફેદ થાય; તેમ વ્યવહારને (સ્વના આશ્રયે) બાળી મૂકે તો ઉજ્જ્વળ પવિત્ર મોક્ષમાર્ગ ને મોક્ષની દશા થાય.
ભાવ પાહુડ, ગાથા ૮૩માં આવે છે કે-જિનશાસનમાં જિનેન્દ્રદેવે આ પ્રકારે કહ્યું છે કે-પૂજા આદિકમાં તથા વ્રતસહિત હોવું એમાં ‘પુણ્ય’ છે, તથા મોહ-ક્ષોભથી રહિત જે આત્માના પરિણામ તે ‘ધર્મ’ છે. ત્યાં એના ભાવાર્થમાં
PDF/HTML Page 4149 of 4199
single page version
ખુલાસો કર્યો છે કે-લૌકિક જન તથા અન્યમતી કોઈ કહે છે કે-પુજાદિક શુભ ક્રિયાઓમાં તથા વ્રતક્રિયા સહિત છે તે જૈન ધર્મ છે, પરંતુ એમ નથી. જિનમતમાં જિન ભગવાને એમ કહ્યું છે કે-પૂજાદિકમાં તથા વ્રતસહિત હોવું તે તો ‘પુણ્ય’ છે. એમાં પૂજા તથા આદિ શબ્દથી ભક્તિ, વંદના, વૈયાવૃત્ય આદિ સમજવું. એનું ફળ સ્વર્ગાદિક ભોગોની પ્રાપ્તિ છે, તે જૈનધર્મ નથી. જુઓ આ જૈનશાસનનું રહસ્ય!
આવી ચોખ્ખી વાત છે તો પણ વ્યવહારવાદીઓનું શલ્ય મટતું નથી એ તીવ્ર મોહનો જ મહિમા છે. સમયસાર ગાથા ૧પમાં કહ્યું છે કે-જે આ અબદ્ધસ્પૃષ્ટાદિ પાંચ ભાવોસ્વરૂપ નિજ આત્માને અંતરમાં દેખે છે તે સકલ જૈનશાસનને દેખે છે. જૈન શાસન એ તો વીતરાગ પરિણતિ છે ભાઈ! વ્યવહાર-રાગ એ જૈનશાસન નથી. વ્યવહાર હો ભલે, હોય છે એટલે એનું કથન પણ છે, પણ એ જૈનશાસન નથી. માર્ગ તો આવો છે ભાઈ! ચૈતન્ય રત્નાકર પ્રભુ પોતે છે તેમાં ઉંડા ઉતરી તેને જ ધ્યાનનું ધ્યેય બનાવતાં તે પોતે જ શ્રદ્ધા-જ્ઞાન-આનંદપણે પરિણમે છે તેને જ અહીં ઉપાય કહેવામાં આવે છે, અને તેટલું જૈનશાસન છે. સમજાણું કાંઈ...?
ભાઈ, આવું માંડ મનુષ્યપણું મળ્યું એ તો વીજળીનો ઝબકારો છે. આ વીજળીના જબકારે સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવી લે તો પરોવી લે, દોરો ના પરોવ્યો તો, દોરા વિનાની સોય જેમ કયાંય ખોવાઈ જાય તેમ સમ્યગ્જ્ઞાનરૂપી દોરા વિના, આ દેહ છૂટતાં, ભગવાન! તું કયાંય સંસારમાં ખોવાઈ જઈશ, પત્તોય નહિ લાગે. સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવ્યો હશે તો પોતે ખોવાશે નહિ, અલ્પકાળમાં મોક્ષધામ પહોંચી જશે.
અહા! પોતે સ્વનો આશ્રય કરે એનાથી જ ધર્મ અને એનાથી જ મુક્તિ થાય છે. આ સ્વનો આશ્રય તે નિશ્ચય છે, ને તેમાં વ્યવહારનયની ઉપેક્ષા છે. સ્વના આશ્રયમાં વ્યવહારની ઉપેક્ષા તે જ તેની અપેક્ષા-સાપેક્ષતા છે. વ્યવહારનો આશ્રય તે સાપેક્ષતા-એમ નહિ, પણ નિશ્ચયનો આશ્રય લેવો તેમાં વ્યવહારની ઉપેક્ષા તે તેની સાપેક્ષતા છે. સ્વના આશ્રયમાં વ્યવહારનયની (એના વિષયની) ઉપેક્ષા જ હોય છે. પ્રમાણજ્ઞાનમાં બન્નેનું (દ્રવ્ય-પર્યાયનું) જ્ઞાન વર્તે છે, પણ આશ્રય તો એક સ્વદ્રવ્યનો જ હોય છે અને તેમાં વ્યવહારની ઉપેક્ષા જ હોય છે, અને તે જ તેની સાપેક્ષતા છે. સમજાણું કાંઈ...?
મોક્ષમાર્ગ પ્રકાશકમાં (સાતમા અધિકારમાં) આવે છે કે-‘જે જીવો જૈન છે, તથા જિન આજ્ઞાને માને છે, તેમને પણ મિથ્યાત્વ રહે છે, તેનું અહીં વર્ણન કરીએ છીએ. કારણ કે એ મિથ્યાત્વ શત્રુનો અંશ પણ બૂરો છે, તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે.’ તેમાં જ વળી આગળ કહ્યું છે કે-‘જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહિ જાણતાં અન્યથા પ્રવર્ત છે, તે અહીં કહીએ છીએ.’ ભાઈ, જરા ધીરા થઈને આ સમજવું જોઈએ. (નયવિવક્ષા યથાર્થ જાણવી જોઈએ.) મેં આમ માન્યું છે માટે આમ જ સાબિત થાય એમ ન હોય; જેવી વસ્તુ છે તેવી જ લક્ષમાં ને અભિપ્રાયમાં આવવી જોઈએ. આવો ભવ કે દિ’ મળે બાપુ! હમણાં જ આના સંસ્કાર નાખી લે.
અહીં કહે છે-મોક્ષમાર્ગમાં (ઉપાયમાં), ને મોક્ષમાં (ઉપેયમાં) જ્ઞાનમાત્રનું એટલે કે આત્માનું જ અનન્યપણું છે. વ્યવહાર-રાગ તો એનાથી ભિન્ન જ રહી જાય છે. હવે આમ છે ત્યાં એની (-રાગની) શી અપેક્ષા? અહા! પોતે શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છે, ને એના આશ્રયે રાગ રહિત વીતરાગી નિર્મળ રત્નત્રયની આનંદમય દશા પ્રગટ થાય છે તે ઉપાય છે, અને તે ઉપાયની પરિણતિ અતિ ઉગ્ર થઈ પરમ પ્રકર્ષતાને પામી ઉપેયપણે થાય છે ત્યારે આત્મા પોતે જ સિદ્ધપણાને પામે છે. આમ જીવની જ આ બે-નિર્મળ ને પૂર્ણ નિર્મળ અવસ્થાઓ છે.
હા, પણ એનું કોઈ સાધન તો હશે ને? સાધન? સાધન ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને સાધકપણે અને સિદ્ધપણે પરિણમે છે. સાધન વસ્તુની જ શક્તિ છે ત્યાં એને બીજા સાધનની શું અપેક્ષા છે? ભાઈ, આવો અલૌકિક મારગ છે. આ સમજ્યા વિના ભલે અહીં લાખો-કરોડોના બંગલામાં પડયો હોય, પણ મરીને કયાંય ઢોરમાં-કાગડે-કૂતરે-કંથવે ચાલ્યા જશે. આવી સ્થિતિ છે.
આ રીતે ઉપાય તેમજ ઉપેયમાં આત્માનું અનન્યપણું છે, રાગ તેમાં અનન્ય નથી, માટે કહે છે-‘માટે સદાય અસ્ખલિત એક વસ્તુનું (-જ્ઞાનમાત્ર આત્મવસ્તુનું-) નિષ્કંપ ગ્રહણ કરવાથી, મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ, તત્ક્ષણ જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે.’
PDF/HTML Page 4150 of 4199
single page version
અહાહા...! શું કહે છે? કે સદાય અસ્ખલિત-અચલિત એવો-ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે. તેને નિષ્કંપ ગ્રહણ કરવાથી અર્થાત્ નિર્વિકલ્પ જ્ઞાનની પરિણતિમાં પકડવાથી-જાણવાથી મુમુક્ષુઓને-કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની એટલે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય તેમને-તત્કાલ જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જુઓ આ ઉપાયની પ્રાપ્તિની રીત! શુદ્ધ આત્માના ગ્રહણ દ્વારા જ સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત થાય છે.
હવે અત્યારે તો બસ પુણ્ય કરો... પુણ્ય કરો-એમ બધે હાલ્યું છે, પણ પુણ્યથી તો સ્વર્ગાદિ મળે, ને બહુ બહુ તો વીતરાગદેવ અને તેમની વાણીનો સમાગમ મળે, પણ એમાં આત્મામાં શું આવ્યું? આત્માનો અનુભવ તો અંદર અખંડ અચલિત એક જ્ઞાયકસ્વભાવી પોતાની ચીજ છે તેને સ્વાભિમુખ જ્ઞાનમાં પકડવાથી થાય છે. અહાહા...! નિમિત્તનું ને વ્યવહારનું લક્ષ છોડી એક જ્ઞાયકના લક્ષે પરિણમે તેને ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યગ્દર્શન થાય છે. ભાઈ, પહેલું લક્ષમાં તો લે કે ધર્મનો દોર આ છે, આ સિવાય બહારની ક્રિયાના લક્ષે સમ્યગ્દર્શન થાય એવું વસ્તુસ્વરૂપ નથી. સમજાય છે કાંઈ...?
પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં આવે છે કે-મોક્ષનો ઉપાય જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે બંધનું કારણ નથી. બંધનું કારણ તો યોગ અને કષાય છે. જેને તીર્થંકર પ્રકૃતિ બંધાય છે તે પણ એ મોક્ષમાર્ગથી બંધાય છે એમ નથી, યોગ અને કષાયથી જ બંધાય છે. નિર્વિકલ્પ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તેરૂપ મોક્ષમાર્ગ તે યોગ અને કષાયરૂપ નથી, છતાં કહેવાય કે સમકિતીને સમ્યગ્દર્શન દેવના આયુના બંધનું કારણ છે. આ વ્યવહારનયનું-ઉપચારનું કથન છે. નયના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણે છે તેને એમાં કાંઈ વિરોધ જેવું દેખાતું નથી.
જાતિસ્મરણથી સમ્યગ્દર્શન પામે, દેવ-ગુરુથી પામે, જિનબિંબના દર્શનથી પામે, ઇત્યાદિ શાસ્ત્રમાં આવે એ તો કોના ઉપર લક્ષ હતું ને છોડયું તે બતાવનારાં કથન છે. બાકી ત્રિકાળી ધ્રુવને ધ્યેય બનાવીને ધ્યાન કરવું-બસ એ જ જન્મ-મરણના અંતનો ઉપાય છે. સાતમી નરકનો નારકી સ્વનો આશ્રય લઈને સમકિત પામે છે. આ સિવાય શું સ્વર્ગમાં કે શું નરકમાં-જ્યાં જાય ત્યાં બધે પોતાની શાંતિને શેકનારા અંગારા જ છે. જિનબિંબના દર્શનથી નિધત્ત અને નિકાચિત કર્મનો ક્ષય કરી સમકિત પામ્યો એમ શાસ્ત્રમાં આવે, પણ એ તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. જિનબિંબના દર્શન કાળે તેનું લક્ષ છોડી પોતે જે જિનસ્વરૂપ છે તેનું લક્ષ કરે તો સમકિત થાય છે. સ્વદ્રવ્યના આશ્રયે જ સમકિત થાય છે આ એક જ રીત છે. ભાઈ, તું બીજી રીતે-દયા, દાન, વ્રત, તપથી થાય એમ માન પણ એ તો તારી હઠ છે. અરેરે! શું થાય? ભવભ્રમણનો એને થાક લાગ્યો નથી તેથી સંસારથી છૂટવું ગોઠતું નથી. ઘણા દિવસોના કેદીની જેમ તેને ભવભ્રમણ કોઠે પડી ગયું છે, એક ભવમાંથી બીજા ભવમાં જવા તૈયાર છે, પણ તત્ત્વની વાત સમજવા તે તૈયાર નથી; તત્ત્વ એને ગોઠતું નથી.
બાકી જુઓ ને, આ શું કહે છે? અહાહા...! અસ્ખલિત-જેના ચૈતન્યનો પ્રવાહ ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ એકરૂપ અચલ છે એવા ભગવાન આત્માને નિષ્કંપ-નિર્વિકલ્પ જ્ઞાનની દશામાં પકડવાથી તેને તત્ક્ષણ જ અપૂર્વ એવી ભૂમિકાની અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. લ્યો, હવે આ સિવાય બીજી કોઈ વિધિ-રીત નથી. ગુરુની કૃપાથી સમકિત થયું એમ કહેવું એ તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે. નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા-પોતે જ છે. જ્યારે પોતે અંતર્મુખ થઈ સમકિત પ્રગટ કરે ત્યારે ગુરુ બહારમાં નિમિત્તરૂપે હોય તો ઉપચારથી ગુરુની કૃપા થઈ એમ કહેવાય છે. સમજાણું કાંઈ...? ભાઈ, ઉપચારનાં-વ્યવહારનાં કથન જેમ છે તેમ યથાર્થ સમજવાં જોઈએ.
હવે કહે છે-‘પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુમુક્ષુઓ-કે જેઓ પોતાથી જ, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક અંતની (અનેક ધર્મની) મુર્તિઓ છે તેઓ-સાધકભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટિરૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે.’
‘પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા’... જુઓ સમ્યગ્દર્શન પામ્યા પછી સ્વરૂપમાં નિત્ય મસ્તી-કેલિ કરતા એમ કહ્યું છે, વ્રત પાળતા ને તપસ્યા કરતા કેવળજ્ઞાન પ્રગટ કરે છે એમ કહ્યું નથી. જ્ઞાનાનંદસ્વરૂપી નિજ ભગવાન આત્મા અનુભવમાં આવ્યા પછી એમાં જ મસ્તી-રમણતા કરતા, એમાં જ આનંદની કેલિ કરતા મુમુક્ષુઓ સિદ્ધિભાવનું ભાજન થાય છે.
અહાહા...! સમ્યગ્દર્શનરૂપી ધર્મની ધજા જેણે હસ્તગત કરી છે તેને હવે જગતમાં લુંટનારાઓ કોઈ નથી. અહાહા...! તે મુમુક્ષુઓ નિજાનંદ-જ્ઞાનાનંદસ્વરૂપમાં મસ્તી કરતા-મોજ કરતા-લહેર મારતા, પોતાથી જ
PDF/HTML Page 4151 of 4199
single page version
ક્રમરૂપ-અક્રમરૂપ પ્રવર્તતા... , અહાહા...! ભાષા તો જુઓ, સાધક ચોથે, પાંચમે, છટ્ઠે વગેરેમાં પોતાના જ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીન પ્રવર્તે છે, વ્યવહારમાં કે નિમિત્તમાં લીન થઈ પ્રવર્તતા નથી. વળી નિષ્કંપપણે આત્માને ગ્રહણ કરતાં નિર્મળ રત્નત્રયની -અનાકુળ આનંદની ધારા (પ્રવાહ) જે ક્રમે ક્રમે પ્રગટ થઈ રહી છે તે પોતાથી જ થઈ છે, ને અક્રમે ગુણો રહેલા છે તેય પોતાથી જ રહેલા છે-આ રીતે મુમુક્ષુઓ પોતાથી જ ક્રમરૂપ-અક્રમરૂપ પ્રવર્તતા તે અનેક ધર્મની મૂર્તિઓ છે. અહાહા...! અક્રમે પ્રવર્તતા અનંત ગુણ અને ક્રમે પ્રવર્તતી તેની નિર્મળ નિર્મળ પર્યાયો-તે રૂપ પોતાથી જ થતા તે મુમુક્ષુઓ, કહે છે, અનેક ધર્મની મૂર્તિઓ છે. ગજબ વાત છે ભાઈ! અહાહા...! તેઓ સાધકભાવથી-નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટિરૂપ, એટલે કે ઉંચામાં ઉંચી-ઉત્કૃષ્ટ દશારૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે; એટલે કે તેઓ સાદિ-અનંત એવા સિદ્ધપદને પાત્ર થાય છે; હવે તેમને ફરીને સંસાર હશે નહિ. આવી વાત!
અહાહા...! જેને અંતરમાં નિષ્કંપ નિરાકુળ આનંદની લહેર પ્રગટ થઈ તે જીવ સ્વરૂપની મોજ કરતો કરતો સ્વરૂપમાં જ લીનપણે સ્થિતિ કરીને અનંતકાળે નહિ પ્રાપ્ત થયેલ એવા સિદ્ધપદને પ્રાપ્ત કરી લે છે. જેમાં અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય ઇત્યાદિ પ્રગટ છે એવા સિદ્ધપદને તે પ્રાપ્ત કરી લે છે. જુઓ આ સ્વ- આશ્રયની કમાલ! સ્વ-આશ્રયે જ સાધકપણું ને સ્વ-આશ્રયે જ સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. આ સમ્યક્ એકાંત છે. એનો નિષેધ ના કર ભાઈ! ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ-એની અંતર-એકાગ્રતા તે માર્ગ છે, એમાં દ્રવ્યાંતરનો સ્પર્શ નથી, વ્યવહાર એય અનેરું (બીજું, પર) દ્રવ્ય છે, એનો એમાં સ્પર્શ નથી. આવી વાત!
આમ ઉપાય-ઉપેયની વાત કરી. હવે કહે છે-‘પરંતુ જેમાં અનેક અંત અર્થાત્ ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાનમાત્ર ભાવરૂપ આ ભૂમિને જેઓ પ્રાપ્ત કરતા નથી, તેઓ સદા અજ્ઞાની વર્તતા થકા, જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખતા (-શ્રદ્ધતા) થકા, જાણતા થકા અને આચરતા થકા, મિથ્યાદ્રષ્ટિ, મિથ્યાજ્ઞાની અને મિથ્યાચારિત્રી વર્તતા થકા, ઉપાય-ઉપેયભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે.’
અહાહા...! જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અનંત ધર્મ જેના પેટમાં પડયા છે એવા ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાનાનંદસ્વરૂપને જેઓ પ્રાપ્ત કરતા નથી તેઓ અજ્ઞાનમાં વર્તનારા છે. અહાહા...! રાગના પરિણામમાં એકત્વ કરીને વર્તતા તે મૂઢ જીવો સદા અજ્ઞાનરૂપ વર્તે છે. અહા! જેની દ્રષ્ટિમાં પોતાનો ધ્રુવ ચિદાનંદ ભગવાન આવ્યો નથી, જેને અંતરમાં અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો નથી એવા જીવો અજ્ઞાનરૂપ પ્રવર્તે છે. બહારમાં ભલે હજારો રાણીઓ છોડીને નગ્ન દિગંબર થાય, પંચ મહાવ્રતનું પાલન કરે, તપ કરે, જંગલમાં વસે, પણ વાસ્તવમાં રાગમાં વસનારા તેઓ અજ્ઞાની જ છે. અહા! આવા જીવો ક્લેશ કરો તો કરો, પણ નિજાનંદ-સચ્ચિદાનંદ-સ્વરૂપના ભાન વિના તેમની મુક્તિ થતી નથી, તેઓ સંસારને ઓળંગતા નથી. એમનાં સઘળાં વ્રત ને તપ બાળવ્રત ને બાળતપ જ છે, ફોગટ જ છે.
તેઓ જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખનારા-શ્રદ્ધનારા છે. એટલે શું? કે પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ છે તેનું પોતાથી -સ્વ-આશ્રયથી ભવન-પરિણમન થાય એમ નહિ, પણ પરથી-રાગની ક્રિયાથી એનું ભવન-પ્રગટવું થાય છે એમ તેઓ માને છે, એમ તેઓ જાણે છે, ને આચરણ પણ એમ જ કરે છે. અહા! આમ વર્તતા તેઓ પ્રથમ ભૂમિકા જે સમ્યગ્દર્શન તેને પ્રાપ્ત કરતા નથી; અહા! રાગમાં જેઓ વર્તે છે તેમને સ્વભાવનું ભવન થતું નથી; તેમને અજ્ઞાનનું જ ભવન થાય છે. અહા! પોતે રાગરૂપે પરિણમે અને માને કે મને ધર્મ થાય છે, વા વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે, કાંઈ એમ ને એમ અદ્ધરથી ધર્મ ન થઈ જાય-અહા! આવી માન્યતાવાળા મૂઢ જીવો રાગનું જ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ કરતા થકા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રપણે જ પરિણમી રહ્યા છે; તેમને સાધકભાવના અંકુર પ્રગટતા નથી.
બાપુ! આ તો વીતરાગનો માર્ગ છે, આ કોઈ પક્ષ કે વાડો નથી. અહાહા...! સ્વરૂપથી જ ભગવાન! તું જિનસ્વરૂપ છો. આવી પોતાની ચીજ નિર્વિકલ્પ દ્રષ્ટિ ને જ્ઞાનમાં પ્રાપ્ત થાય છે. પણ તેને બદલે તું રાગની ક્રિયાથી પ્રાપ્તિ થવાનું માની રાગમાં જ રચ્યો રહે છે તો તને સ્વભાવનું અભવન-અપ્રાપ્તિ જ છે, ને અજ્ઞાનનું ભવન-પ્રાપ્તિ થાય છે. અમે મુનિ છીએ, જંગલમાં રહીએ છીએ, અમારે કયાં વેપાર-ધંધાનાં પાપ છે? અમે તો બધું છોડયું છે. તેને કહીએ-શું છોડયું છે? ધૂળેય છોડયું નથી સાંભળને. મિથ્યાત્વનું મહાપાપ તો ઊભું છે, પછી શું છોડયું?
PDF/HTML Page 4152 of 4199
single page version
અહા! સ્વરૂપની દ્રષ્ટિ વિના, અજ્ઞાની જીવ એકલા રાગના રંગે રંગાયો છે. દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ રાગની ક્રિયાઓમાં તે રચ્યો રહે છે. તે રાગને જ દેખે છે, રાગને જ સર્જે છે, ને રાગને જ આચરે છે. તેને મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રનું જ આચરણ છે. ધર્મની ક્રિયાનું તો તેને ભાનેય નથી. શુદ્ધ ચૈતન્યના આશ્રયે જે નિર્વિકલ્પ દશાઓ થાય તેની તો એને ગંધેય નથી. તેને સ્વભાવનું ભવન જ નથી ને! એ તો એકાંતે રાગની ક્રિયાઓમાં ધામા નાખીને ત્યાં જ રમી રહ્યો છે. અહા! અનેક ક્રિયાકાંડ કરવા છતાં તેને સંસાર-પરિભ્રમણ જ ઊભું રહે છે; તે સંસારમાં જ-૮૪ના અવતારોમાં જ -રખડે છે.
અહા! કર્મનું જોર છે માટે અજ્ઞાનીને સ્વરૂપનું અભવન છે એમ નથી. એની ઉંધી શ્રદ્ધાને લઈને એને સ્વરૂપનું અભવન છે. પોતાની ઉંધી શ્રદ્ધાનું જોર છે તેથી અજ્ઞાની રખડે છે. કર્મ માર્ગ આપે તો ધર્મ થાય એમ કર્મનાં ઉંધાં લાકડાં એનામાં ગરી ગયાં છે. એમ કર્મ-કર્મનું જોર માનીને એણે નિજ આત્મસ્વભાવનો ત્યાગ કરી દીધો છે. અરે ભાઈ, કર્મ છે, પણ એ તો જડ-ધૂળ બાપુ! એ તને શું કરે? તારી દ્રષ્ટિ બદલ તો સૃષ્ટિ બદલાઈ જશે.
એક વાર એક લૌકિકમાં પ્રસિદ્ધ સંત પુરુષ રાજકોટમાં અમારા વ્યાખ્યાનમાં આવેલા. ત્યારે કહેલું કે-પર જીવોની દયા પાળવાનો ભાવ તે રાગભાવ છે, શુભરાગ છે, બંધનું કારણ છે, તે ધર્મ નથી. વળી જે જીવ માને છે કે હું પરની દયા પાળી શકું છું તે મૂઢ છે. રાગમાં ધર્મ માને એય મૂઢ છે, ને પરની દયા પાળવાનું માને તેય મૂઢ છે. તેમને આ વાત જચી નહિ. પણ શું થાય? મિથ્યાભાવ તો અંતરના પુરુષાર્થથી જ મટે ને! સ્વરૂપને ભૂલી જવું તે ભૂલ છે, ને પોતાની ભૂલને લઈને જ જીવ સંસારમાં ભમે છે. ‘અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા.’ રાગની ક્રિયામાં જે ધર્મ માની બેઠા છે તે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની જીવો છે, ને તે ચાર ગતિમાં પરિભ્રમે છે. આવી વાત!
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
भूमिं
मूढास्त्वमूमनुपलभ्य
શ્લોકાર્થઃ– [ये] જે પુરુષો, [कथम् अपि अपनीत–मोहाः] કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, [ज्ञानमात्र–निज–भावमयीम् अकम्पां भूमिं] જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ ભૂમિકાનો (અર્થાત્ જ્ઞાનમાત્ર જે પોતાનો ભાવ તે-મય નિશ્ચળ ભૂમિકાનો) [श्रयन्ति] આશ્રય કરે છે, [ते साधकत्वम् अधिगम्य सिध्दाः भवन्ति] તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે; [तु] પરંતુ [मूढाः] જેઓ મૂઢ (-મોહી, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ) છે, તેઓ [अमूम् अनुपलभ्य] આ ભૂમિકાને નહિ પામીને [परिभ्रमन्ति] સંસારમાં પરિભ્રમણ કરે છે.
ભાવાર્થઃ– જે ભવ્ય પુરુષો, ગુરુના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને, જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે; પરંતુ જેઓ જ્ઞાનમાત્ર એવા પોતાને પામતા નથી, તેઓ સંસારમાં રખડે છે. ૨૬૬.
‘ये’ જે પુરુષો, ‘कथम् अपि अपनीत–मोहाः’ કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, ‘ज्ञानमात्र–निज–भावमयीम् अकम्पां भूमिम्’ જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ ભૂમિકાનો (અર્થાત્ જ્ઞાનમાત્ર જે પોતાનો ભાવ
PDF/HTML Page 4153 of 4199
single page version
તે-મય નિશ્ચળ ભૂમિકાનો) ‘श्रयन्ति’ આશ્રય કરે છે, ‘ते साधकत्वम् अधिगम्य सिध्दाः भवन्ति’ તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે;...
શરુઆતથી માંડીને માર્ગ જ આ છે ભાઈ! સમયસાર ગાથા ૧૧માં આવ્યું ને કે- ‘भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो’ જે ભૂતાર્થનો આશ્રય કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ થાય છે. એ જ આ વાત છે. કહે છે-જે પુરુષો, કોઈ પણ પ્રકારે અર્થાત્ મહાન પુરુષાર્થ કરીને મોહનો નાશ કરે છે, મિથ્યાભાવનો નાશ કરે છે-એવા થઈને... , જુઓ, આમાં અસ્તિમાં પુરુષાર્થ ને નાસ્તિમાં મોહનો નાશ એમ બે વાત કરી છે. અહાહા...! અંતઃપુરુષાર્થ વડે મોહનો નાશ થયો છે એવા થઈને જે પુરુષો, જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ-નિશ્ચલ એક જ્ઞાયકભાવનો આશ્રય કરે છે તેઓ સાધકપણાને પામીને તેની ઉત્કૃષ્ટ દશારૂપ સિદ્ધ થાય છે. ભાઈ, દયા પાળવી, વ્રત કરવાં, ભક્તિ કરવી કે આહારદાન દેવું એ કોઈ માર્ગ નામ મોક્ષમાર્ગ નથી, સાધકપણું નથી, તથા તે માર્ગનું-સાધકપણાનું આલંબન પણ નથી. લ્યો, આવી વાત! બહુ આકરી પણ સત્ય વાત છે. અહા! અશુભથી બચવા ધર્મીને એવો ભાવ આવે છે પણ એ ધર્મ નથી.
અહાહા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ રાગના વિકલ્પથી રહિત પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. પ્રવચનસાર, ગાથા ૧૭૨માં અલિંગગ્રહણના પ્રથમ છ બોલમાં આ પ્રમાણે લીધું છે કે-
૧. જેને ઇન્દ્રિયો વડે ગ્રહણ-જાણવું થાય એવો ભગવાન આત્મા નથી. ૨. જે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય-જણાવાયોગ્ય થાય એવો ઇન્દ્રિયપ્રત્યક્ષનો આત્મા વિષય નથી. ૩. ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક આત્મા અનુમાનનો વિષય નથી. ૪. બીજાઓ દ્વારા માત્ર અનુમાનથી જણાય એવો આત્મા નથી. પ. આત્મા એકલા અનુમાન વડે જાણે એવો અનુમાતા નથી. ૬. આત્મા પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. અહાહા...! આમ પોતાની જાતથી ભાત પાડે એવો આત્મા છે; રાગના વિકલ્પથી તે જણાય એવો નથી. આવી ઝીણી વાત કદી સાંભળી નથી. કોઈક વાર સાંભળવામાં આવી જાય તો નિશ્ચય છે, નિશ્ચય છે-એમ કહીને કાઢી નાખે છે.
અહા! ભગવાન આત્મા પરોક્ષ રહે એવો એનો સ્વભાવ જ નથી. તેથી ભગવાન આત્માનું અસ્તિપણે જે અતીન્દ્રિય પૂર્ણ સ્વરૂપ છે એનો જે આશ્રય કરે છે તે સાધકપણાને પામીને સિદ્ધ થાય છે.
તો વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ શાસ્ત્રમાં આવે છે ને? હા, આવે છે; પણ એ તો ઉપચારથી કથન છે બાપુ! બાકી વ્યવહાર કાંઈ પરમાર્થરૂપ સાધન છે નહિ. આત્મામાં સાધન નામનો ગુણ છે તે વડે આત્મા જ પોતે સાધનરૂપ થઈને પોતાની નિર્મળ વીતરાગી પર્યાયને પ્રગટ કરે છે. પોતે જ પોતાનું સાધન છે. વિશેષ સ્પષ્ટ કહીએ તો જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે જ તેનું સાધન છે. અહાહા...! ધર્મ કેમ પમાય? તો કહે છે-ત્રિકાળી એક જ્ઞાયકસ્વરૂપ, કર્મ-નોકર્મથી ભિન્ન એવું સ્વદ્રવ્ય છે તેના આશ્રયે સાધકપણાને પામીને સિદ્ધ થવાય છે. આ જ ધર્મ પામવાની રીત છે; રાગ કે નિમિત્તના આશ્રયે ધર્મ પ્રગટે એવી વસ્તુ નથી.
અરે! આત્માના ભાન વિના જીવો એકાંતે દુઃખી છે. ભલે બહારથી તરફડિયાં ન મારતા હોય, પણ અંદરથી દુઃખી જ દુઃખી છે. શરીરમાં ધોરીરગ તૂટે તો ફટ દઈને ખલાસ થઈ જાય, ને નાની રગ તૂટે તો તરફડી-તરફડીને ખલાસ થઈ જાય. અરેરે! આવાં વેદન એણે અનંત વાર કર્યાં છે; કેમકે એને દેહ ને રાગથી એકત્વ બુદ્ધિ છે. રાગ તો સ્વયં દુઃખરૂપ છે, દાવાનળ છે. એણે રાગથી એકત્વ કરીને ચિરકાળથી પોતાની શાંતિને જલાવી દીધી છે.
અહા! આ ઝવેરીઓ બધા કરોડોની કિંમતના હીરાને પરખે, પણ પરખનારો અંદર ચૈતન્યહીરલો છે તેને ના પરખે, અહાહા...! અંદર જુએ તો એ ચૈતન્યહીરલો એકલા જ્ઞાન ને આનંદનો દરિયો છે. જેમ દરિયામાંથી પાણીની છોળો ઉછળે તેમ આ ચૈતન્યહીરલાની દ્રષ્ટિ કરતાં અંદરથી જ્ઞાન ને આનંદની છોળો ઉછળે છે. અહાહા...! કરોડો અબજોની કિંમતના હોય તોય એ જડ હીરાની શી કિંમત? એ તો ધૂળની ધૂળ છે બાપા! હીરાય ધૂળ ને તેની કિંમતેય ધૂળ. જ્યારે આ ચૈતન્યહીરલો-એકલા જ્ઞાયકસ્વભાવથી ઝળહળતો-તેની શી કિંમત? અહાહા...! અંતર્દ્રષ્ટિ વડે નીરખતાં ને અંતર-એકાગ્ર થતાં તેમાંથી આનંદની છોળે સહિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે એવી એ અણમોલ ચીજ છે. અહાહા...!
PDF/HTML Page 4154 of 4199
single page version
એનો આશ્રય કરતાં એમાંથી સાધકદશા ને સિદ્ધદશા પ્રગટે એવી અણમોલ અનુપમ ચીજ ચૈતન્યવસ્તુ આત્મા છે. અહાહા...! અહીં કહે છે-જેણે આ ચૈતન્યહીરલાનો આશ્રય લીધો તે સાધકપણાને પામીને સિદ્ધપદ પામશે. અહાહા...! અનંત-સુખધામ એવું સિદ્ધપદ કોને કહીએ? ઓહો! આચાર્ય અમૃતચંદ્રદેવે સુખનાં વેણલાં વહેવડાવ્યાં છે. કહે છે- સ્વરૂપના આશ્રયે જેને સાધકદશા થઈ તેને અલ્પકાળમાં પરમ સુખધામ એવી સિદ્ધદશા પ્રગટ થશે. આવી વાત!
હવે કહે છે- ‘तु’ પરંતુ ‘मूढाः’ જેઓ મૂઢ (-મોહી, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ) છે, તેઓ ‘अमूम् अनुपलभ्य’ આ ભૂમિકાને નહિ પામીને ‘परिभ्रमन्ति’ સંસારમાં પરિભ્રમણ કરે છે.
અહાહા...! જેઓ મૂઢ છે, અર્થાત્ જેઓ પોતાની ચિદાનંદઘનસ્વરૂપ ચૈતન્યવસ્તુને ઓળખતા નથી, અને પવિત્રતાનો પિંડ એવો પોતે, અને અપવિત્ર એવો રાગ-શુભ કે અશુભ-અહીં શુભની પ્રધાનતાથી વાત છે-એ બન્નેને એકમેક જાણે છે, માને છે તેઓ મૂઢ છે, મોહી, અજ્ઞાની છે. રાગથી મને લાભ થશે, ને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ધર્મ પ્રગટશે -એમ માને છે તેઓ મૂઢ છે, મિથ્યાદ્રષ્ટિ છે. અહા! આવા મિથ્યાદ્રષ્ટિ જીવો, કહે છે, આ ભૂમિકાને અર્થાત્ સમ્યક્દર્શન આદિ ભાવને-સાધકપણાને પ્રાપ્ત કરતા નથી. જેઓ શુભના વિકલ્પમાં રોકાયેલા છે તેઓ સાધકપણાની ભૂમિકાને પ્રાપ્ત કરી શકતા નથી.
પ્રશ્નઃ– તેઓ વ્રત, તપ, ભક્તિ, પૂજા, દયા, દાન ઇત્યાદિ ભગવાને કહેલાં સાધન તો કરે છે? ઉત્તરઃ– એ તો બધાં ઉપચારથી સાધન કહ્યાં છે, તેને તેઓ પરમાર્થ સાધન માની બેઠા છે એ જ ભૂલ છે. વ્રતાદિ કાંઈ વાસ્તવિક સાધન નથી. તેથી રાગમાં જ રોકાયેલા તેઓ બહારમાં ચાહે નગ્ન દિગંબર સાધુ થયા હોય, જંગલમાં રહેતા હોય, પંચમહાવ્રતાદિ પાળતા હોય તોય મૂઢ રહ્યા થકા સાધકપણાને પામતા નથી. અહા! અગિયાર અંગ અને નવ પૂર્વની લબ્ધિ પ્રગટી હોય તોય શું? તોય તેઓ અજ્ઞાની છે કેમકે રાગની એકતાની આડમાં તેમને આત્મજ્ઞાન થયું નથી. અહા! જે રાગના-પુણ્યના પ્રેમમાં ફસ્યો છે તે વ્યભિચારી છે, મૂઢ છે, આવા મૂઢ જીવો રાગ વિનાની સાધકની ભૂમિકાને પામતા નથી. તેઓ સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. ઓહો! મોટો સંસાર સમુદ્ર પડયો છે. કદીક ઉંચે સ્વર્ગમાં અવતરે, ને કદીક હેઠે નર્કમાં જાય; અરરર..! પારાવાર દુઃખને ભોગવે છે. સમજાણું કાંઈ...?
‘જે ભવ્ય પુરુષો, ગુરુના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને, જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે; પરંતુ જેઓ જ્ઞાનમાત્ર એવા પોતાને પામતા નથી, તેઓ સંસારમાં રખડે છે.’
અહાહા...! કોઈને ગુરુએ કહ્યું-મારી સામું મા જો, અંદર ચિદાનંદઘન પ્રભુ તું છો ત્યાં તારામાં જો; ત્યાં જા, ને ત્યાં જ રમી જા, ત્યાં જ ઠરી જા, અહા! તેણે એમ કર્યું તો સમકિત સહિત તેને સાધકપણું થયું. તથા કોઈ સ્વયં અંદર જાગ્રત થઈ અંતઃપુરુષાર્થ કરી સાધક થયો. અહા! આમ સમકિત યુક્ત સાધકપણાને પામીને જીવો સિદ્ધદશાને પામે છે. આ જ માર્ગ છે ભાઈ! જેઓ પોતાના સ્વભાવનો આશ્રય કરે છે તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે. પરંતુ જેઓ શુભાશુભ ક્રિયામાં જ લીન થઈ રોકાયા છે તેઓ આત્મવસ્તુને પામતા નથી, સંસારમાં રખડયા કરે છે. આવી વાત!
આ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય તે હવે કહે છેઃ
यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः।
PDF/HTML Page 4155 of 4199
single page version
पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः।। २६७।।
શ્લોકાર્થઃ– [यः] જે પુરુષ [स्याद्वाद–कौशल–सुनिश्चल–संयमाभ्यां] સ્યાદ્વાદમાં પ્રવીણતા તથા (રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ) સુનિશ્ચળ સંયમ-એ બન્ને વડે [इह उपयुक्तः] પોતામાં ઉપયુક્ત રહેતો થકો (અર્થાત્ પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો) [अहः अहः स्वम् भावयति] પ્રતિદિન પોતાને ભાવે છે (- નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે), [सः एकः] તે જ એક (પુરુષ), [ज्ञान–क्रिया–नय–परस्पर–तीव्र– मैत्री–पात्रीकृतः] જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, [इमाम् भूमिम् श्रयति] આ (જ્ઞાનમાત્ર નિજભાવમય) ભૂમિકાનો આશ્રય કરે છે.
ભાવાર્થઃ– જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડે છે, તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે ક્રિયાનયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, તે (વ્રત-સમિતિ-ગુપ્તિરૂપ) શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે (-અનુભવે છે) તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે (-રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે), એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે, તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે.
જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ-ત્યાગનું સ્વરૂપ અને ફળ ‘પંચાસ્તિકાય-સંગ્રહ’ શાસ્ત્રના અંતમાં કહ્યું છે, ત્યાંથી જાણવું. ૨૬૭.
‘यः’ જે પુરુષ ‘स्याद्वाद–कौशल–सुनिश्चल–संयमाभ्याम्’ સ્યાદ્વાદમાં પ્રવીણતા તથા (રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ) સુનિશ્ચળ સંયમ-એ બન્ને વડે ‘इह उपयुक्तः’ પોતામાં ઉપયુક્ત રહેતો થકો (અર્થાત્ પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો) ‘अहः अहः स्वं भावयति’ પ્રતિદિન પોતાને ભાવે છે (-નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે).
અહાહા...! અહીં સ્યાદ્વાદની પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ-એમ બે વાત લીધી છે. ત્યાં સ્યાદ્વાદની પ્રવીણતા એટલે શું? કે દ્રવ્યસ્વરૂપમાં, ભગવાન ત્રિકાળી એક જ્ઞાયકમાં નિમિત્ત, રાગ કે પર્યાય નથી, ને નિમિત્ત, રાગ કે પર્યાયમાં ભગવાન જ્ઞાયક નથી, અહાહા...! આવું સ્વના આશ્રયે જે જ્ઞાન-શ્રદ્ધાનરૂપ પરિણમન થાય તે સ્યાદ્વાદની પ્રવીણતા છે. ‘શુદ્ધ’માં રાગાદિ નહિ, ને રાગાદિમાં ‘શુદ્ધ’ નહિ-એવું જ્ઞાનનું પરિણમન તે સ્યાદ્વાદની પ્રવીણતા છે. તથા જેમાં અશુદ્ધ પરિણતિનો ત્યાગ વર્તે છે એવી સ્વસ્વરૂપની રમણતા, સ્થિરતા, નિશ્ચલતા તે સંયમ છે. અહીં કહે છે-સ્યાદ્વાદની પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ-એ બે વડે જે પુરુષ પોતામાં ઉપયુક્ત રહેતો થકો, ઉપયોગને પોતામાં જ સ્થિર કરતો થકો પ્રતિદિન પોતાને ભાવે છે તે આ ભૂમિકાને અર્થાત્ સાધકપણાને પામે છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?
અહા! જેને સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટ થયું તેને સ્વ-આશ્રયે સુનિશ્ચળ સંયમ પ્રગટ થાય છે. જ્ઞાન-શ્રદ્ધાન થવામાં સ્વભાવ સન્મુખતાનો જે પુરુષાર્થ છે તેનાથી સુનિશ્ચલ સંયમ થવામાં ચારિત્રનો અનેક ગુણો પુરુષાર્થ હોય છે. અહાહા...! ચારિત્ર એટલે શું? જે ચૈતન્યસ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસ્યું ને શ્રદ્ધામાં આવ્યું તેમાં વિશેષપણે ચરવું, રમવું, ઠરવું, જમવું તેનું નામ ચારિત્ર છે. અહાહા...! જેમાં પ્રચુર આનંદનાં ભોજન થાય એવી સ્વાનુભવની સુનિશ્ચલ દશા તેને ચારિત્ર કહે છે. અશુદ્ધતાનો ત્યાગ થઈ શુદ્ધ રત્નત્રય પરિણતિનું પ્રગટ થવું એનું નામ સંયમ અર્થાત્ ચારિત્ર છે.
છ કાયની દયા પાળવી તેને સંયમ કહે છે ને? હા, છ કાયની દયા પાળવી તેને સંયમ કહેલ છે, પણ એ તો ભેદરૂપ સંયમ છે. વાસ્તવમાં એ શુભરાગ છે,
PDF/HTML Page 4156 of 4199
single page version
અને ધર્મી પુરુષની ધર્મ પરિણતિનો સહચર જાણી તેને ઉપચારથી સંયમ કહેલ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! મહાન વૈભવશીલ એવા રાવણને એક સ્ફટિકનો મહેલ હતો. એના સ્ફટિક એવા ઝળહળતા પ્રકાશિત હતા કે કોઈ દુશ્મન ત્યાં જાય તો પગ કયાં ધરવો તે ખબર ન પડે એટલે તરત પકડાઈ જાય. તેમ આ આત્મા ચૈતન્યનો મહેલ એવા ચૈતન્યના પ્રકાશથી ભરપુર ઝળહળતો ઉજ્જ્વળ છે કે ત્યાં મોહ આદિ દુશ્મનો તરત જ પકડાઇ જાય છે. અહાહા...! ચૈતન્યહીરલો ચૈતન્ય પ્રકાશનો પુંજ એવો છે કે એમાં ચરણ ધરતાં, ચરતાં-વિચરતાં મોહાંધકારનો નાશ થઈ જાય છે, ને પ્રબળ પવિત્ર ઉજ્જ્વળ ચારિત્રનો પ્રકાશ પ્રગટ થાય છે. લ્યો, આનું નામ સંયમ છે. શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા અનુભવમાં આવ્યો, પછી એવા જ અનુભવમાં સ્થિર થઈને રહેવું તે સંયમ છે.
ત્યારે કોઈ વળી કહે છે-આચાર્ય કુંદકુંદદેવ પણ અહિંસાદિ મહાવ્રત પાળતા હતા, અમે કેમ ન પાળીએ? અરે ભાઈ! તને આચાર્યદેવના અંતરના સ્વરૂપની ખબર નથી. મુખ્યપણે તેઓ શુદ્ધોપયોગમાં જ સ્થિત- લીન હતા; નિરંતર શુદ્ધોપયોગની જ તેમને ભાવના હતી, વ્રતાદિની નહિ. તેમનો જ આ સંદેશ છે કે- પંચમહાવ્રતાદિનો વિકલ્પ રાગ છે, જ્યારે અંતરમાં સ્વરૂપ-સ્થિરતા કરવી તે સંયમ નામ ચારિત્ર છે. પંચમહાવ્રતાદિનો વિકલ્પ હોય છે ખરો, પણ તે કાંઈ સંયમ નથી, ખરેખર તો (નિશ્ચયથી) તે હેય એવો અસંયમ, અચારિત્ર જ છે. હવે આવી વાત આકરી લાગે પણ આ સત્ય વાત છે.
અહા! ધર્માત્મા, સંયમી-મુનિ નિરંતર પોતાના શુદ્ધ સ્વરૂપને ભાવે છે. આત્માવલોકનમાં આવે છે કે-મુનિઓ વારંવાર વીતરાગતાનો ઉપદેશ આપે છે, શુદ્ધ સ્વરૂપમાં રમણતા કર-એવો જ ઉપદેશ તેઓ આપે છે. રાગ કરવાની તો વાત જ નથી ભાઈ! (વ્રતાદિનો) રાગ હોય છે એ જુદી વાત છે, ને રાગને કરવો-એ જુદી વાત છે. અરે, જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવની પણ મુનિવરોને ભાવના હોતી નથી. શું આસ્રવને ધર્મી ભાવે? કદીય ન ભાવે.
અહાહા...! કહે છે-નિરંતર જે પુરુષ ઉપયોગને સ્વસ્વરૂપમાં ઉપયુક્ત કરી નિજ શુદ્ધાત્માને ભાવે છે. ‘सः एकः’ તે જ એક (પુરુષ), ‘ज्ञान–क्रिया–नय–परस्पर–तीव्र–मैत्री–पात्रीकृतः’ જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, ‘इमाम् भूमिम् श्रयति’ આ (જ્ઞાનમાત્ર નિજભાવમય) ભૂમિકાનો આશ્રય કરે છે.
અહાહા...! લ્યો, જ્ઞાન અને ક્રિયા નામ ચારિત્ર-બન્નેની મૈત્રીના પાત્રરૂપ થયેલો તે એક જ જ્ઞાનમાત્ર ભૂમિકાને આદરે છે; તે એક જ સાધકપણાને પામે છે, બીજા રાગમાં રોકાયેલા છે તેઓ સાધકપણાને પ્રાપ્ત થતા નથી.
અહાહા...! શું કળશો છે! કોઈને મોઢામાં અમી ન આવતું હોય, ને તેને સો-બસો આંબલીના કાતરાના ઢગ વચ્ચે બેસાડીએ તો મોંમાં પાણી વળી જાય, ને અમી આવે, તેમ આચાર્ય અમૃતચંદ્રદેવે અહીં અમૃતમય કળશોનો ઢગ ખડો કર્યો છે. અહા! જે એની મધ્યમાં જાય અર્થાત્ તેનું અવગાહન કરે તેને અંદર અમૃતરૂપી અમી ઉછળી જાય છે. અહાહા...! અંદર અમીનો સાગર ઉછાળે એવા આ કળશો છે. અહાહા...! કહે છે-જે પુરુષ સ્યાદ્વાદમાં પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ વડે, શુદ્ધાત્મામાં ઉપયુક્ત થયો થકો પોતાને જ ભાવે છે તે પુરુષ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થયો થકો સાધકપણાને પામે છે; ને સિદ્ધ થઈ જાય છે.
‘જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડે છે, તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભુમિકાની પ્રાપ્તિ થઈ નથી.’
જુઓ, શું કીધું? કે એકલું શાસ્ત્રનું જાણપણું કરે, પણ અંતર્દ્રષ્ટિ પ્રગટ કરી અશુદ્ધતાને ટાળે નહિ તે પ્રમાદી અને સ્વચ્છંદી છે. એવા શુષ્કજ્ઞાનીને અંતરમાં સાધકપણું પ્રગટતું નથી. શાસ્ત્રનું જાણપણું ખૂબ કરે તેથી ક્ષયોપશમનો વિકાસ તો થાય, પણ એમાં શું? અંદર પરમ પુનીત શુદ્ધભાવમય આત્માને જાણે નહિ, ને એકાંતે જ્ઞાનનયને ગ્રહે તે પુરુષ અશુદ્ધતા ટાળીને અંદર જતો નથી. એવા પ્રમાદી સ્વચ્છંદી પુરુષને ભૂમિકાની-સાધકપણાની દશાની પ્રાપ્તિ થતી નથી.
વળી, ‘જે ક્રિયાનયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, તે (વ્રત-સમિતિ-ગુપ્તિરૂપે) શુભકર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી.’
જુઓ, દયા, દાન, વ્રત, તપ, સમિતિ, ગુપ્તિ ઇત્યાદિના શુભભાવમાં જેઓ સંતોષાઈ જાય છે, અર્થાત્ આ શુભભાવથી ધર્મ થાય છે એમ જેઓ માને છે તેઓ જ્ઞાનનયને જાણતા નથી. તેમને શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માનું ભાન નથી. ભાઈ,
PDF/HTML Page 4157 of 4199
single page version
વ્રતાદિની જે બાહ્ય ક્રિયા છે એ તો રાગ છે, ને રાગમાં સંતુષ્ટ છે તેને રાગરહિત નિષ્કર્મ વીતરાગી ભાવની ભૂમિકા પ્રાપ્ત થતી નથી. અહા! આવા ક્રિયાજડ ક્રિયાકાંડીઓને આત્માના ધર્મની ક્રિયા થતી નથી. વાસ્તવમાં તેઓ અજ્ઞાની જ રહે છે.
હવે કહે છે-‘જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે (-અનુભવે છે) તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે (- રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે), એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે, તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે.’
શું કીધું આ? કે જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે અર્થાત્ દ્રવ્યપર્યાય સ્વરૂપ આત્મવસ્તુ છે તેમાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે પર્યાય નથી, ને એક સમયની પર્યાય છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નથી-અહાહા...! આવું જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેને જે પુરુષ અનુભવે છે તે સમ્યગ્જ્ઞાની છે. અહા! આમ સમ્યગ્જ્ઞાન અને સુનિશ્ચળ સંયમ-એમ બેમાં જે વર્તે છે તે પુરુષ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે. સમ્યગ્દર્શન થતાં જ અભિપ્રાયથી તો રાગથી ભિન્ન પડયો હતો, છતાં રાગ હતો. તો તેને જાણીને સ્વરૂપના ઉગ્ર આશ્રય વડે શુદ્ધ પરિણતિ-વીતરાગી પરિણતિને પ્રગટ કરે તેને સંયમ કહે છે. એકલી ઇન્દ્રિયોને દમવી ને અહિંસાદિ વ્રત પાળવાં તે સંયમ એમ નહિ. એ તો સંયમ છે જ નહિ. સ્વરૂપમાં જે લીનતા-સ્થિરતા છે તે સંયમ છે. આમ સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્ચારિત્ર વડે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી સાધી છે તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનારો છે.
અહાહા...! પુણ્ય-પાપથી રહિત ચિન્માત્રજ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છે. તેની અંતર્મુખ થઈને સ્વસંવેદન- પોતાનું પોતાથી વેદન કરવું તે જ્ઞાનનય છે; તથા તેમાં જ સ્થિર થઈ, અશુદ્ધતાના-રાગના ત્યાગરૂપ શુદ્ધ પરિણતિરૂપે પરિણમવું તે સંયમ નામ ક્રિયાનય છે. સમ્યગ્જ્ઞાન-આત્મજ્ઞાન ને રાગના અભાવરૂપ સંયમ-બેને મૈત્રી-ગાઢ મૈત્રી છે. આ જ્ઞાનનય ને ક્રિયાનયની મૈત્રી છે. હવે આવો મારગ વીતરાગનો છે, પણ લોકોને તે સમજવો કઠણ થઈ પડયો છે.
પણ શું થાય? જેમ માબાપ મરી જાય ને છોકરાઓ અંદર-અંદર લડે-એમ કે બાપે આમ કહ્યું હતું ને તેમ કહ્યું હતું; તેમ અરેરે! અત્યારે કેવળી-શ્રુતકેવળીના વિરહ પડયા છે. કેવળી રહ્યા નહિ, ને આમ ધર્મ થાય ને તેમ ધર્મ થાય-એમ લોકો અંદર અંદર વિવાદે ચઢી ગયા છે. પરંતુ ભાઈ! વસ્તુ જે ભગવાન આત્મા છે તેનો જ્ઞાનાનંદ સ્વભાવ છે. અહાહા...! આવી નિજવસ્તુના આશ્રયે પરિણમતાં પર્યાયમાં જ્ઞાન ને આનંદ પ્રગટ થાય છે, અને તે ધર્મ છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ. સ્વનું-જ્ઞાન ને આનંદનું ભવન-થવું તે સ્વભાવ નામ ધર્મ છે. આ જૈનદર્શન છે. જૈનદર્શનની આવી વાત બીજે કયાંય નથી.
ભાઈ, અનેકાંતનો એવો અર્થ નથી કે-નિજ સ્વભાવના આશ્રયે પણ ધર્મ થાય ને રાગના-વ્યવહારના આશ્રયેય ધર્મ થાય. વાસ્તવમાં સ્વભાવના આશ્રયે જ ધર્મ થાય ને રાગના-વિભાવના આશ્રયે ધર્મ ન થાય તેનું નામ અનેકાંત છે. અરે, જગતને જૈનધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણવા મળ્યું નથી. જગત તો વ્રત કરો, ને તપસ્યા કરો, ને ભક્તિ કરો ને બહારમાં ઇન્દ્રિયોને દમો, બ્રહ્મચર્ય પાળો એટલે થઈ ગયો ધર્મ-એમ માને છે, પણ એવું ધર્મનું સ્વરૂપ નથી. અહાહા...! પોતે અંદર જ્ઞાનસ્વરૂપી પરમ પવિત્રતામય પ્રભુ છે તેમાં અંતર-એકાગ્ર થઈ ત્યાં જ ઠરવું એનું નામ ધર્મ છે. સાથે શુભભાવ હો, પણ તે ધર્મ નથી. શુભભાવને વ્યવહારે મૈત્રી કહી છે, પણ નિશ્ચયથી એ મૈત્રી નથી. અહીં તો સ્વ-આશ્રયે પ્રગટ સમ્યગ્જ્ઞાન, અને સ્વ-આશ્રયે પ્રગટ સંયમભાવ-નિર્મળ રત્નત્રય-તેને પરસ્પર મૈત્રી કહી છે. બાકી જેને અંતરમાં સ્વસ્વરૂપનું ભાન વર્તતું નથી તેનાં વ્રત, તપ આદિ તો સર્વ ફોગટ જ છે અર્થાત્ સંસાર ખાતે જ છે; જેમ લગ્નમાં ફેરા ફરે છે ને! તેમ ચોરાસીના અવતારના તે ફેરા ફરશે. યોગસારમાં આવે છે ને કે-
વ્રત–તપ–સંયમ–શીલ સહુ, ફોગટ જાણો સાવ.
આવી વાત છે!
હમણાં હમણાં કેટલાકે કાઢયું છે કે-‘જીવો અને જીવવા દો’-એ ભગવાનનું સૂત્ર છે. પણ ભાઈ! એવું ભગવાને કહ્યું જ નથી. ભગવાને તો એમ કહ્યું છે કે-આત્મામાં એક જીવન શક્તિ ત્રિકાળ છે. અહાહા...! જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા-એવા શુદ્ધ ચૈતન્ય પ્રાણો વડે જીવ ત્રિકાળ જીવે જ છે, તેને જીવવા દેવાની વાત જ કયાં છે? અહાહા...! શુદ્ધ ચૈતન્ય પ્રાણોના ધરનાર નિજ ચૈતન્યદ્રવ્યનો જે આશ્રય કરે છે તેને નિર્મળ જ્ઞાન ને આનંદમય જીવન પ્રગટ થાય છે અને તે જીવનું વાસ્તવિક જીવન છે. અહા! પંચ પરમેષ્ઠી ભગવંતોનું જીવન વાસ્તવિક જીવન છે. બાકી મન, વચન,
PDF/HTML Page 4158 of 4199
single page version
કાય, ઇન્દ્રિય ઇત્યાદિ દસ પ્રાણ વડે જેણે જીવન માન્યું છે તેય અનંત કાળ જીવે છે ખરો, પણ તે સંસારમાં રખડે છે, કેમકે તે દસ પ્રાણ અને તેની યોગ્યતારૂપ જીવના અશુદ્ધ પ્રાણ તે યથાર્થમાં એની ચીજ નથી. તેના (જડ પ્રાણો ને અશુદ્ધ પ્રાણોના) આલંબનમાં રહેલો જીવ અનંત સંસારમાં પરિભ્રમે છે. હવે આવી વાત છે; સમજાણું કાંઈ...?
અહાહા...! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે; તેમાં એકાગ્ર થઈને સ્થિત રહેવું તે જ્ઞાનચેતના છે, ને રાગમાં સ્થિત રહેવું તે કર્મચેતના છે. બાહ્ય વ્રતાદિમાં સ્થિત રહેવું તે કર્મચેતના છે; ને તેના ફળમાં સ્થિત રહેવું તે કર્મફળ ચેતના છે. જ્ઞાનીને જ્ઞાનચેતના છે, ને અજ્ઞાનીને કર્મચેતના ને કર્મફળચેતના હોય છે. અહીં કહે છે-જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની અર્થાત્ સમ્યગ્જ્ઞાન અને સ્વરૂપ સ્થિરતાની ગાઢ મૈત્રી સાધી છે તે જ પુરુષ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનારો છે; તે જ સાધક થઈને સિદ્ધ થાય છે. અહાહા...! સ્વ-આશ્રયે જે જ્ઞાન અને વીતરાગી શાંતિ પ્રગટી છે તેને અહીં જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી કહી છે.
“જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ-ત્યાગનું સ્વરૂપ અને ફળ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ શાસ્ત્રના અંતમાં કહ્યું છે, ત્યાંથી જાણવું”
આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે-એવા અર્થનું કાવ્ય હવે છેઃ-
शुध्दप्रकाशभरनिर्भरसुप्रभातः।
आनन्दसुस्थितसदास्खलितैकरूप–
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा।। २६८।।
શ્લોકાર્થઃ– [तस्य एव] (પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે) તેને જ, [चित्–पिण्ड– चण्डिम–विलासि–विकास–हासः] ચૈતન્યપિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે-રૂપ જેનું ખીલવું છે (અર્થાત્ ચૈતન્યપુંજનો જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે), [शुध्द–प्रकाश–भर–निर्भर–सुप्रभातः] શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, [आनन्द–सुस्थित–सदा–अस्खलित–एक–रूपः] આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે [च] અને [अचल–अर्चिः] અચળ જેની જ્યોત છે એવો [अयम् आत्मा उदयति] આ આત્મા ઉદય પામે છે.
ભાવાર્થઃ– અહીં ‘चित्पिण्ड’ ઇત્યાદિ વિશેષણથી અનંત દર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘शुध्दप्रकाश’ ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘आनन्दसुस्थित’ ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે અને ‘अचलार्चि’ વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. પૂર્વોક્ત ભૂમિનો આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે. ૨૬૮.
બેસતા વર્ષને સુપ્રભાત કહે છે ને? રાત્રિના અંધકારનો નાશ થઈ ભૂમંડળમાં સૂર્યનાં કિરણો ફેલાય તેને સુપ્રભાત કહે છે; તેમ પુણ્ય-પાપની એકતાબુદ્ધિરૂપ અંધકારને ભેદીને સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ જે ચૈતન્યની જ્યોતિ ઝળહળ પ્રગટ થાય તેને સુપ્રભાત કહે છે. અહા! આવું સુપ્રભાત જેને પ્રગટયું તે જીવે દિવાળી કરી, દિ’ નામ કાળને તેણે અંતરમાં વાળ્યો. સમજાણું કાંઈ...? એ જ કહે છે-
‘तस्य एव’ (પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે) તેને જ, ‘चित्–पिण्ड–चण्डिम– विलासि–विकास–हासः’ ચૈતન્યપિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે-રૂપ જેનું ખીલવું છે (અર્થાત્ ચૈતન્યપુંજનો
PDF/HTML Page 4159 of 4199
single page version
જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે), ... એવો આ આત્મા ઉદય પામે છે.
અહાહા...! શું કહે છે? નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ અંદર વિરાજે છે તેનો જે આશ્રય કરે છે તેને જ ચૈતન્યનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે-રૂપે ખીલવું થાય છે. અહાહા...! જેમ કમળ હજાર પાંખડીએ ખીલી નીકળે તેમ ભગવાન આત્મા, તેમાં એકાગ્ર થઈ સ્થિત થતાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય-એમ અનંત ગુણ-પર્યાયે ખીલી નીકળે છે. ‘નિરર્ગળ વિલસતો વિકાસ’ એટલે શું? કે પ્રતિબંધ રહિત નિરંકુશ અમર્યાદિત પૂર્ણ જ્ઞાન-દર્શનાદિરૂપ વિકાસ થાય છે. અહાહા...! જેને કોઈ રોકનારું નથી એવો અનંત જ્ઞાન- દર્શન-સુખ-વીર્યરૂપ વિકાસ ખીલી જાય છે. સાધકને વચ્ચે વ્યવહાર આવે છે, પણ તે કાંઈ જ નથી, તે પૂર્ણ દશાનું કારણ નથી.
વળી કહે છે- ‘शुद्ध–प्रकाश–भर–निर्भर–सुप्रभातः’ શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે... એવો આ આત્મા ઉદય પામે છે.
શુદ્ધ પ્રકાશની અતિશયતા એટલે શું? કે જ્ઞાનની સાતિશય વિશેષતા અર્થાત્ કેવળજ્ઞાનની ઝળહળ જ્યોતિ તેને પ્રગટ થવાને લીધે જે સુપ્રભાત સમાન છે એવો આ આત્મા ઉદય પામે છે. જુઓ આ સુપ્રભાત! અહાહા...! પૂર્ણ જ્ઞાન ને આનંદથી ભરેલો પ્રભુ છે-એનાં અંતર્દ્રષ્ટિ-જ્ઞાન ને રમણતા થયાં તેને પર્યાયમાં કેવળજ્ઞાનનો દિવ્ય સાતિશય પ્રકાશ પ્રગટ થાય છે; આ કેવળજ્ઞાન શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે સુપ્રભાત સમાન છે. આવું સુપ્રભાત વ્યવહારના આશ્રયે પ્રગટતું નથી, શુદ્ધ નિશ્ચયના આશ્રયે જ પ્રગટે છે, અને તેને જ દિવાળી થાય છે.
પ્રશ્નઃ– પણ જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો અભાવ કરે ત્યારે કેવળજ્ઞાન થાય છે ને? ઉત્તરઃ– ભાઈ, કર્મનો નાશ તો કર્મના કારણે કર્મમાં (પરમાણુમાં) થાય છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી; જડકર્મનો અભાવ કરવો તે આત્માના અધિકારની વાત નથી. અહા! આત્મા કર્મથી તો જુદો છે, ને કર્મને આધીન થયેલ વિકારથી પણ જુદો છે. અહા! આવા નિજ શુદ્ધાત્માના આશ્રયે તેમાં જ પૂર્ણ સ્થિત થવાથી કેવળજ્ઞાન આદિ પ્રગટ થાય છે. અત્યારે તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માને છોડીને કર્મનો ને રાગનો મહિમા ચાલ્યો છે, પણ એ તો વિપરીતતા છે. સમજાણું કાંઈ...?
પ્રવચનસાર ગાથા ૧૬માં કહ્યું છે કે-આત્મા પોતે જ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણરૂપ થઈને પર્યાયમાં કેવળજ્ઞાનાદિરૂપે સ્વયંભૂ પ્રગટ થાય છે; માટે જીવો બહારની સામગ્રી શોધવા નાહક વ્યગ્ર શા સારુ થાય છે? સ્વભાવનો આશ્રય કરતાં અંદર શક્તિરૂપે છે તે સ્વયમેવ પર્યાયમાં પ્રગટ થાય છે, તેમાં બાહ્ય સામગ્રીની કોઈ ગરજ હોતી નથી. વળી ત્યાં એક દ્રવ્યઘાતિ અને એક ભાવઘાતિ-એક ઘાતિકર્મના બે પ્રકાર કહ્યા છે. પોતે જ રાગમાં અટવાયો છે તે ભાવઘાતિકર્મ છે, ને તે જીવનો ઘાત કરે છે, તેમાં દ્રવ્યકર્મ નિમિત્ત હો, પણ તે જીવની દશાનો ઘાત કરે છે એમ નથી; દ્રવ્યઘાતિ કર્મ નિમિત્તમાત્ર જ છે.
પ્રશ્નઃ– ભગવાનને દીનદયાળ કહે છે તે શું છે? ઉત્તરઃ– ભગવાન દીનદયાળ છે-એટલે કે પર્યાયની પામરતા-દીનતા હતી તેને તોડીને સ્વ-આશ્રયે ભગવાન પોતાની પ્રભુતા પ્રગટ કરીને પોતે જ દીનદયાળ થયા છે. કોઈ બીજાની દયા કરે છે માટે દીનદયાળ એમ નહિ; બીજાની દયા કરવાનું તો આત્માનું સામર્થ્ય જ નથી, પણ ભગવાને પોતાની દીનતા દૂર કરી પૂર્ણ પ્રભુતા પ્રગટ કરી છે તો તેમને દીનદયાળ કહે છે. પ્રત્યેક આત્મા આ રીતે જ દીનદયાળ થાય છે.
અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપની શક્તિને વ્યક્ત કરવાનો ઉપાય તે ચૈતન્યસ્વરૂપમાં અંતર-એકાગ્ર થવું તે જ છે. કેવળજ્ઞાનનો શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય તેય અંતર-એકાગ્રતાની પૂર્ણતા થતાં થાય છે. અહા! આવું કેવળજ્ઞાન શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે, કહે છે, સુપ્રભાત સમાન છે. કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાનને સુપ્રભાત કહ્યું છે; કેમકે તેમાં દર્શન મોહનો નાશ થઈને સમ્યગ્જ્ઞાનનો જાજ્વલ્યમાન સૂર્ય ઉગે છે. આમ સમ્યગ્જ્ઞાન ને પૂર્ણ કેવળજ્ઞાન સુપ્રભાત સમાન છે.
વળી કહે છે- ‘आनन्द–सुस्थित–सदा–अस्खलित–एक–रूपः’ આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે... એવો આ આત્મા ઉદય પામે છે.
અહાહા...! પૂર્ણાનંદનો નાથ આનંદઘન પ્રભુ અંદર પોતે છે એનો પર્યાયમાં સ્વીકાર કરી તેમાં જ લીન રહે તેને અનંત આનંદની દશા પ્રગટ થાય છે. કેવી છે આ દશા? તો કહે છે-પરમ અમૃતમય છે. આ ઇન્દ્ર અને ઇન્દ્રાણીનાં
PDF/HTML Page 4160 of 4199
single page version
સુખો તો ઝેર છે, અને આ તો એકલું અમૃત છે, પરમ અમૃત છે. અહા! આ પરમ આનંદનો એક અંશ પણ જેને આવ્યો છે એવા સમકિતીને ઇન્દ્ર અને ઇન્દ્રાણીના ભોગો સડેલા મીંદડા જેવા તુચ્છ ભાસે છે. આવે છે ને કે-
કાગવિટ્ સમ ગિનત હૈ, સમ્યગ્દ્રષ્ટિ લોગ.
અહાહા...! અતીન્દ્રિય આનંદના સ્વભાવથી છલોછલ ભરેલો પ્રભુ ધ્રુવ વિરાજે છે, તેનો જેણે આશ્રય લીધો તેને પર્યાયમાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે તેની આગળ ઇન્દ્રના ભોગો તુચ્છ ભાસે છે. પૂર્ણ આનંદ, પરમ-ઉત્કૃષ્ટ આનંદનું તો શું કહેવું?
અહીં કહે છે-આનંદમાં સુસ્થિત છે એવું એનું સદા અસ્ખલિત એક રૂપ છે. અહાહા...! પૂર્ણ આનંદની દશા જે પ્રગટ થઈ તે અસ્ખલિત છે, હવે એ કાંઈ ફરે એમ નથી; સાદિ અનંતકાળ એવો ને એવો જ આનંદ રહ્યા કરે છે. અહાહા...! ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં’ સંસારનો અંત થઈને મોક્ષદશા થઈ તેમાં પૂર્ણ આનંદનું, એકલા આનંદનું, અનંત આનંદનું વેદન છે, તેમાં હવે કોઈ ફરક થાય નહિ એવું એ અસ્ખલિત છે. સમજાય છે કાંઈ...?
સિદ્ધમાં (સિદ્ધદશામાં) શું છે? તો કહે છે-ત્યાં સ્વરૂપ-લીનતાથી પ્રાપ્ત એકલા આનંદનું, અનંત આનંદનું વેદન છે. આ સિવાય બીજું કાંઈ જ નથી; બાગ-બંગલા, બગીચા, હીરા-મોતી-પન્ના કે કુટુંબ-પરિવાર કાંઈ જ નથી. અહાહા...! પૂર્ણાનંદના નાથને ભેટવાથી જે આનંદની-અનંત આનંદની દશા પ્રગટી છે તે કહે છે, ભગવાન સિદ્ધને અવિચલ-અસ્ખલિત એક રૂપ છે. આવી વાત!
વળી કહે છે- ‘च’ અને ‘अचल–अर्चिः’ અચળ જેની જ્યોત છે એવો ‘अयम् आत्मा उदयति’ આ આત્મા ઉદય પામે છે.
અહાહા...! અનંતવીર્યસ્વરૂપ પ્રભુ આત્મા છે; તેમાં લીન થઈ પરિણમતાં અનંત જ્ઞાન-દર્શન-સુખ ઇત્યાદિ સહિત નિજ સ્વરૂપની રચના કરે એવું અનંત બલ તેને પ્રગટ થાય છે. જે શક્તિમાં છે તે, તેનો આશ્રય લેતાં અચળ જ્યોતિરૂપ પ્રગટ થાય છે.
અહાહા...! આવું દિવ્ય સુપ્રભાત! સૂર્ય ઉગે અને આથમે એમાં તો સુપ્રભાત કાયમ રહેતું નથી, પરંતુ આ ચૈતન્યસૂર્ય તો ઉગ્યો તે ઉગ્યો, હવે તે આથમતો નથી. આવું દિવ્ય સુપ્રભાત સાદિઅનંત રહે એવો આ આત્મા ઉદય પામે છે.
અહીં ‘चित्पिंड’ ઇત્યાદિ વિશેષણથી અનંત દર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘शुध्दप्रकाश’ ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘आनन्दसुस्थित’ ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે. સુખધામ પ્રભુ આત્મા છે તેથી સુખ તો આત્મામાં ભરપુર ભર્યું હતું, તે અંતર-એકાગ્રતા વડે પર્યાયમાં વ્યક્તપણે પ્રગટ થયું એમ કહેવું છે. અહાહા...! મોક્ષસ્વરૂપ જ ભગવાન આત્મા છે; રાગની એકતા ટળી એટલે એનું ભાન થયું કે હું આવો છું, ને સ્વરૂપમાં જ્યાં એકાગ્રતા સિદ્ધ કરી ત્યાં રાગનો નાશ થયો, ને પર્યાયમાં મુક્તિ થઈ ગઈ, મોક્ષ થઈ ગયો. ‘अचलार्चि’ વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. જુઓ, આમ ‘પૂર્વોક્ત ભૂમિનો’ -જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિનો ‘આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે.’