Pravachan Ratnakar (Gujarati). Kalash: 269-273.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 209 of 210

 

PDF/HTML Page 4161 of 4199
single page version

કળશ – ૨૬૯
એવો જ આત્મસ્વભાવ અમને પ્રગટ હો એમ હવે કહે છેઃ-
(वसन्ततिलका)
स्याद्वाददीपितलसन्महसि प्रकाशे
शुध्दस्वभावमहिमन्युदिते
मयीति ।
किं बन्धमोक्षपथपातिभिरन्यभावै–
र्नित्योदयः
परमयं स्फुरतु
स्वभावः।। २६९।।

શ્લોકાર્થઃ– [स्याद्वाद–दीपित–लसत्–महसि] સ્યાદ્વાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું (- ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને [शुध्द–स्वभाव–महिमनि] જેમાં શુદ્ધસ્વભાવરૂપ મહિમા છે એવો [प्रकाशे उदिते मयि इति] આ પ્રકાશ (જ્ઞાનપ્રકાશ) જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં [बन्ध–मोक्ष–पथ–पातिभिः अन्य– भावैः किम्] બંધ-મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? [नित्य–उदयः परम् अयं स्वभावः स्फुरतु] નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ (અનંત ચતુષ્ટયરૂપ) સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો.

ભાવાર્થઃ– સ્યાદ્વાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફળ પૂર્ણ આત્માનું પ્રગટ થવું તે છે. માટે મોક્ષનો ઇચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે-મારો પૂર્ણસ્વભાવ આત્મા મને પ્રગટ થાઓ; બંધમોક્ષમાર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે? ૨૬૯.

* કળશ ૨૬૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

અહાહા...! આ કળશમાં એકલું માખણ ભર્યું છે. લસલસતો શીરો નથી કહેતા? ઘી અને સાકર નાખેલો લચપચતો ઉનોઉનો શીરો થાય છે ને? તેમ પુણ્ય-પાપના વિકલ્પથી રહિત જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ હું છું એમ જ્યાં અંતર્દ્રષ્ટિ થઈ ત્યાં અંદરમાં ચૈતન્યના તેજનો ઝગમગાટ કરતો પ્રકાશ પ્રગટ થયો છે, અનુભવમાં આવ્યો છે. હવે અમારે બીજી ચીજથી શું કામ છે? લ્યો, આચાર્ય આવી ભાવના ભાવે છે. કહે છે-

‘स्याद्वाद–दीपित–लसत्–महसि’ સ્યાદ્વાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું (-ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને ‘शुध्द–स्वभाव–महिमनि’ જેમાં શુદ્ધસ્વભાવરૂપ મહિમા છે એવો ‘प्रकाशे उदिते मयि इति’ આ પ્રકાશ (જ્ઞાનપ્રકાશ) જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં...

‘સ્યાદ્વાદ વડે’ એટલે શું? કે વિકાર અને પરથી ભિન્ન એવો જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણથી ભરપુર ભરેલો પૂર્ણ આનંદઘન-ચિદાનંદઘન પ્રભુ હું આત્મા છું એવી સ્વસ્વરૂપની અનેકાંત દ્રષ્ટિ વડે, કહે છે, ચૈતન્યનું લસલસતું-ઝગઝગાટ તેજ પ્રગટ થયું છે. અહાહા...! ચૈતન્યના આ પ્રગટ તેજ આગળ મોહાંધકાર અને રાગ વિલય પામી ગયાં છે. અહાહા...! ચૈતન્યસ્વભાવના આશ્રય વડે આત્માનું ઝગઝગાટ કરતું અજ્ઞાનને દૂર કરતું એવું ચૈતન્યતેજ-સમ્યગ્જ્ઞાનરૂપી તેજ પ્રગટ થયું છે. લ્યો, આનું નામ ધર્મ, બાકી પુણ્ય-પાપની વાસના એ તો અધર્મ છે. પુણ્ય ભલું છે એવી વાસના અધર્મ છે. સમજાણું કાંઈ...? આ તો સ્વભાવના આશ્રયે પ્રગટ ઝગઝગતું સમ્યગ્જ્ઞાનરૂપી તેજ એવું છે કે તેની સાથે મિથ્યાવાસનારૂપી અંધકાર રહી શકતો નથી, વિલીન થઈ જાય છે.

અરે, એને પોતાની ચીજ કેવી અને કેવડી છે તેની ખબર નથી. તેને સંતો કહે છે-ભગવાન! એક વાર જાગ પ્રભુ! રાગ અને સંયોગ-કોઈ તારી ચીજમાં નથી. તારી ચીજમાં તો અનંત જ્ઞાન ને આનંદ ભર્યાં છે. તું સચ્ચિદાનંદ પ્રભુ છો ને! અહાહા...! જેમ પીપરમાં ચોસઠ પહોરી તીખાશ અને લીલો રંગ ભર્યો છે જે ઘુંટતાં બહાર આવે છે, તેમ ભગવાન! તારી ચીજમાં પૂર્ણ જ્ઞાન ને આનંદ ભર્યાં છે જે તેનો આશ્રય કરતાં પર્યાયમાં પ્રગટ વ્યક્ત થાય છે. બાકી બહારમાં તું અબજોપતિ હોય તોય કાંઈ નથી; એ તો બધી ચીજ ધૂળ છે બાપુ! અને એના લક્ષે તો અનંતકાળમાં દુઃખ


PDF/HTML Page 4162 of 4199
single page version

જ થયું છે. પરનો-જડનો મહિમા કરી કરીને ભગવાન! તું દુઃખી જ થયો છો.

ભાઈ! આ પૈસા તો જડ માટી-ધૂળ છે. પૈસા કયાં તારા થઈને રહ્યા છે? એ તો એનાપણે રહ્યા છે. તારાપણે થઈને રહે તો એ અરૂપી થઈ જાય, અને જો તું એને તારાપણે માને તો તું અજીવ થઈ જાય. પણ એમ તો થતું નથી. માટે પોતાનો મહિમા મટાડીને, પરનો મહિમા કરે એ તો બધું અજ્ઞાન અને મૂઢતા છે. આચાર્ય કહે છે- નિજ જ્ઞાનાનંદસ્વભાવના આશ્રયે અમને ચૈતન્યનું લસલસતું એવું તેજ પ્રગટ થયું છે જેથી અજ્ઞાન અને મૂઢતા વિલીન થઈ ગયાં છે, નાશ પામી ગયાં છે.

અહા! પોતાની ચૈતન્યવસ્તુ તો અનાદિથી છે, પણ તેને ભૂલીને અનાદિ કાળથી એ ચાર ગતિમાં નર્ક- નિગોદાદિમાં અવતાર કરી કરીને દુઃખી થઈ રહ્યો છે. અહા! નર્ક ને તિર્યંચના એણે અનંત અનંત અવતાર કર્યા છે. કોઈ પુણ્ય યોગે માંડ મનુષ્ય થયો ને કાંઈક ધન મળ્‌યું તો અભિમાનમાં ચઢી ગયો ને જાણે ‘હું પહોળો અને શેરી સાંકડી,’ એને સંતો કહે છે-ભાઈ, જરા સાંભળ. જેના વડે તું અભિમાનમાં ચઢયો છે તે ચીજ તારી નથી. પુણ્યના ફળમાં શેઠાઈ વગેરે મળી જાય પણ એ તો ધૂળ છે. એ ધૂળનાં પદ બાપુ! એ ચૈતન્યનાં પદ નહિ. અમે તો અનેક વાર કહીએ છીએ કે વર્ષે જે દસ હજાર માગે તે નાનો માગણ, લાખ માગે તે મોટો માગણ, ને ક્રોડ માગે તે એનાથી મોટો માગણ-ભિખારો છે. પોતાની અનંત ચૈતન્યસંપદાને ઓળખ્યા-અનુભવ્યા વિના આ શેઠિયા ક્રોડપતિઓ બધા ભિખારા છે. આવી વાત જરા કડક લાગે પણ આ સત્ય વાત છે. પુણ્ય માગે તે બધા ભિખારા જ છે.

અહા! અંતરમાં આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ પોતે છે. જેમ હીરામાં પાસા (પહેલ) પાડતાં પ્રકાશ વડે ઝગઝગાટ ચમકે છે, તેમ ભગવાન આત્માનો અંતરમાં સ્વીકાર કરતાં ચૈતન્યનું લસલસતું તેજ પ્રગટ થાય છે. જેમ હીરામાં ચમક ભરી છે તેમ ભગવાન આત્મામાં જ્ઞાન ને આનંદનું પુર્ણ ભરપુર તેજ ભર્યું છે. તેમાં અંતર-એકાગ્ર થતાં સમ્યગ્જ્ઞાનનું તેજ પ્રગટ થાય છે; અર્થાત્ શુદ્ધ સ્વભાવ જેનો મહિમા છે એવો શુદ્ધ, બુદ્ધ ભગવાન આત્મા ઝગઝગાટ પ્રકાશે છે. આ સમ્યગ્જ્ઞાનનો પ્રકાશ થતાં પરનો મહિમા મટીને નિજ સ્વભાવનો મહિમા પ્રગટ થાય છે.

આ દેહમાં વાત, પિત્ત ને કફ જ્યારે વકરે ત્યારે સન્નિપાત થાય છે. સન્નિપાત થતાં માણસ ગાંડો-પાગલ થઈ બહારની ચીજો જોઈ હસવા લાગે છે. એ કાંઈ હરખનું હસવું નથી, એ તો સન્નિપાત બાપુ! પાગલની દશા ભાઈ! તેમ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન ને મિથ્યા આચરણ વકરે ત્યારે જીવ પાગલ-બેસુધ થઈ જાય છે. પોતાની અંદર અનંતી જ્ઞાન અને આનંદની સંપદા ભરી છે છતાં, આ શરીર મારું, આ ધન મારું, આ બાયડી-છોકરાં મારાં, આ ગામ મારું, આ દેશ મારો-એમ બધે મારાપણું કરી કરીને ગાંડો-પાગલ મૂઢ જેવો થઈ જાય છે. સંતો કહે છે-ભાઈ! જેમ કરવત વડે લાકડાના બે કટકા જુદા કરે છે તેમ ભેદજ્ઞાન વડે સ્વ અને પરને જુદા કર. જ્ઞાનાનંદ સ્વરૂપ તે હું, અને જડ દેહાદિ હું નહિ-એમ બેને જુદા પાડ. અહો! આચાર્ય ભગવાન પોતાની વાત કરીને જગતને સમજાવે છે કે- રાગથી ભિન્ન પડીને સ્વભાવમાં એકાગ્ર થતાં મને લસલસતો જ્ઞાનપ્રકાશ ઉદય પામ્યો છે. આવી વાત!

હવે કહે છે-જ્ઞાનપ્રકાશ જ્યાં મારામાં ઉદય પામ્યો છે ત્યાં ‘बन्ध–मोक्ष–पथ–पातिभिः अन्य–भावैः किम्’ બંધ-મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? ‘नित्यउदयः परम् अयम् स्वभावःस्फुरतु’ નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ (અનંત ચતુષ્ટયરૂપ) સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો.

અહાહા...! લ્યો, આચાર્યદેવ કહે છે-મારામાં જ્ઞાનપ્રકાશ જ્યાં ઉદય પામ્યો છે ત્યાં હવે બંધ-મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? અહાહા...! મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર તે બંધમાર્ગ છે, ને સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. પણ એ બંધ-મોક્ષના વિકલ્પથી મારે શું કામ છે? ભગવાન એક જ્ઞાયકના આશ્રયે, જે સ્વભાવ અંદર હતો તે ઝગઝગાટ કરતો પ્રગટ થયો છે, તો હવે બંધ-મોક્ષના માર્ગમાં આવતા અનેક દુર્વિકલ્પથી અમારે શું કામ છે? અમે તો અમારા સ્વરૂપના નિજાનંદરસમાં વિરાજ્યા છીએ. અમને હવે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય-એવી અનંત ચતુષ્ટયની દશા પ્રગટ થાઓ; અમારે બીજું કાંઈ જોઈતું નથી. જુઓ આ ધર્મીની ભાવના!

અહાહા...! આચાર્યદેવ કહે છે-અનાદિ કાળથી પુણ્ય-પાપ ને દેહની ક્રિયા મારી એવી ભ્રમણા વડે સંસારમાં ભમતા હતા. પણ હવે અમને અમારા ભગવાન-ચિદાનંદઘન પ્રભુનો દ્રષ્ટિ અને જ્ઞાન દ્વારા ભેટો થયો છે. આ સ્થિતિમાં હવે અમને પૂર્ણ પ્રકાશ-કેવળજ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થાય એ જ ભાવના છે. હવે અમને પૂર્ણ આનંદના ભોગની ભાવના


PDF/HTML Page 4163 of 4199
single page version

છે; બીજા વિકલ્પ ને વૃત્તિનું અમારે કામ નથી; પંચમહાવ્રતાદિના વિકલ્પથી અમને કામ નથી. અહાહા...! અમારી ચીજમાં પૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવ ભર્યો છે, હવે તે સ્વભાવની પૂર્ણ વ્યક્તતા થાઓ બસ એ જ ભાવના છે. ભવનો અભાવ થઈને અમારી જે નિજ નિધિ-અનંત ચતુષ્ય છે તે પ્રાપ્ત થાઓ; આ સિવાય બીજી કોઈ (સ્વર્ગાદિની) અમને વાંછા નથી. પુણ્ય ઉપજાવીને સ્વર્ગે જાશું એવી વાંછા તો અજ્ઞાનીઓને જ હોય છે; જ્ઞાનીને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિની જ ભાવના હોય છે.

ઘણા વખત પહેલાંની લગભગ ૬૬-૬૭ની સાલની વાત છે. તે વખતે ભાવનગરમાં ધ્રુવનું નાટક જોવા ગયેલા. ધ્રુવની માતા મરી ગઈ તો ધ્રુવ વૈરાગ્ય પામી સાધુ થઈ ગયો, અને જંગલમાં તપ કરવા ચાલ્યો ગયો. ત્યાં તેને તપથી ચળાવવા ઉપરથી દેવીઓ-અપ્સરાઓ આવી અને તરેહ તરેહની ચેષ્ટા વડે તેને ચળાવવા પ્રયત્ન કરવા લાગી. પણ ચળે તો ધ્રુવ શાનો? ધ્રુવ ચળ્‌યો નહિ. તેણે એટલું કહ્યું-‘હે માતાઓ! જો મારે બીજો ભવ હશે તો તમારે કૂખે આવીશ, બાકી બીજું હરામ છે.’ એમ જ્યારે રાજકુમારોને ધ્રુવનું ભાન થઈ વૈરાગ્ય થાય છે ત્યારે, જો કે ઘેર અપ્સરાઓ સમાન સ્ત્રીઓ હોય છે છતાં, માતા પાસે રજા લેવા જાય છે અને કહે છે-હે માતા! અમે અમારા ધ્રુવ આનંદસ્વરૂપને સાધવા વનમાં જઈએ છીએ; હે શરીરને જન્મ દેનારી જનેતા! એક વાર રોવું હોય તો રોઈ લે, બાકી અમે ફરીથી માતા કરવાના નથી, અમે અમારા આનંદસ્વરૂપની પ્રાપ્તિ કરીશું, અહીં આચાર્યદેવ કહે છે-અમારે મહાવ્રતાદિના વિકલ્પોથી કામ નથી, અમને બસ પૂર્ણ દશા-સિદ્ધ દશા પ્રાપ્ત થાઓ. સાધકપણે અમે જાગ્યા, તો અમને અમારું સાધ્ય જે સિદ્ધપદ -પૂર્ણ પરમાત્મપદ-તેની પ્રાપ્તિ થશે. અમારે એ સિવાય કાંઈ જોઈતું નથી. અહો! ધર્માત્માની અંતરની ભાવના દિવ્ય અલૌકિક હોય છે; તેઓ બહારની કોઈ ચીજ (ઇન્દ્રપદ આદિ)ની વાંછા કરતા નથી.

નાળિયેર છે ને, નાળિયેર! તેના ચાર ભાગ છેઃ એક ઉપરનાં છાલાં, એક કાચલી, એ કાચલી તરફની રાતી છાલ અને ચોથું મીઠું ધોળું ટોપરું. તેમ આ આત્માને વિષે આ દેહ એ છાલાં સમાન છે, અંદર કર્મ છે તે કાચલી છે, રાગદ્વેષના ભાવ તે રાતી છાલ જેવા છે, અને એ રાતી છાલની પાછળ ટોપરાના સફેદ ગોળા જેવો ભગવાન આત્મા એક જ્ઞાયક ભાવપણે વિરાજે છે. જેમ મીઠો સ્વાદિષ્ટ ટોપરાપાક કરવો હોય તો રાતડ-લાલ છાલ કાઢી નાખવી પડે તેમ અનાકુળ આનંદ જોઈએ તેણે રાગથી ભિન્ન પડવું જોઈએ. ભાઈ, રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું આલંબન કર્યા વિના બધું નિરર્થક છે. અન્યમતમાં નરસિંહ મહેતા થયા તે પણ આવું કહે છે, જુઓને-

જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.’ ભાઈ, આ સમજવાનાં ટાણાં આવ્યાં ત્યારે તું બીજે રોકાઈ જાય, વેપાર-ધંધામાં ને છોકરા-છોકરીનું કરવામાં રોકાઈ જાય તો અવસર વીતી જશે, ને અજ્ઞાન ઊભું રહેશે. પછી કયાં ઉતારા કરીશ બાપુ!

અહા! આત્મા એક શ્વાસની ક્રિયા કરી શકતો નથી કે તેને ફેરવી શકતો નથી ત્યાં હું બધી દુનિયાનાં કામ કરું છું એવી માન્યતા મિથ્યા ભ્રમ ને મિથ્યા અભિમાન નથી તો શું છે? અહા!-

‘હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે.’

ગાડાની નીચે કુતરું ચાલતું હોય તે એમ જાણે કે આ ગાડું મારાથી ચાલે છે, તેમ પરવસ્તુની ક્રિયા પરથી થાય તેને અજ્ઞાની હું કરું છું એમ માને છે. અહા! ઓલા કુતરાના જેવો આને મિથ્યા ભ્રમ છે, કર્તાપણાનું મિથ્યા અભિમાન છે. અહા! આવી ભ્રમણાને ભાંગી અંદર ભગવાન જાગ્યો છે તો કહે છે-અમને આનંદનો સ્વાદ પ્રગટ થયો છે, ને પૂર્ણ આનંદની દશા થાઓ; સિદ્ધપદની પ્રાપ્તિ થાઓ. આવી ભાવના!

* કળશ ૨૬૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘સ્યાદ્વાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફળ પૂર્ણ આત્માનું પ્રગટ થવું તે છે.’ જુઓ, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ હું આત્મા છું એમ નિશ્ચય કરી નિજસ્વરૂપમાં એકાગ્ર થાય તેને આત્મજ્ઞાનનું તેજ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન થયા પછી તેને સ્વરૂપમાં રમણતાની જ ભાવના હોય છે. તે સ્વરૂપમાં રમણતાના પુરુષાર્થ વડે તેના ફળરૂપ પૂર્ણ આત્માની પ્રાપ્તિ કરી લે છે; આ રીતે તેને પૂર્ણ જ્ઞાન ને આનંદની પ્રગટતા થાય છે. આમ પૂર્ણ સ્વભાવની પ્રગટતા તે આત્મજ્ઞાનનું ફળ છે, ને આત્મજ્ઞાનીને તે થઈને રહે છે. જુઓ આ આત્મજ્ઞાનનું ફળ! આત્મજ્ઞાનનું ફળ મોક્ષ છે.


PDF/HTML Page 4164 of 4199
single page version

‘માટે મોક્ષનો ઇચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે-મારો પૂર્ણસ્વભાવ આત્મા મને પ્રગટ થાઓ; બંધમોક્ષ- માર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે?’

જુઓ આ ધર્મીની ભાવના! મોક્ષના ઇચ્છુક ધર્મી પુરુષો નિરંતર પરમાત્મપદની-પૂર્ણસ્વભાવની પ્રાપ્તિરૂપ સિદ્ધપદની જ ભાવના ભાવે છે; એમને બીજી કોઈ ઇચ્છા હોતી નથી. તેમને બંધમોક્ષમાર્ગમાં પડતા જે અન્ય ભાવો તેનાથી પ્રયોજન નથી. વ્રતાદિ વિકલ્પો ને તેના ફળમાં પ્રાપ્ત થતાં ઇન્દ્રાદિ પદો-એનાથી ધર્મીને પ્રયોજન નથી. ધર્મીની દ્રષ્ટિ પૂર્ણ દ્રવ્યસ્વભાવ પર હોય છે, અને પૂર્ણની પ્રાપ્તિની જ તેને ભાવના હોય છે. ધર્મીની અંતરદશા અલૌકિક હોય છે, લૌકિક પદોમાં તે રાચતા નથી. આવી વાત છે.

કળશ – ૨૭૦

‘જોકે નયો વડે આત્મા સધાય છે તોપણ જો નયો પર જ દ્રષ્ટિ રહે તો નયોમાં તો પરસ્પર વિરોધ પણ છે, માટે હું નયોને અવિરોધ કરીને અર્થાત્ નયોનો વિરોધ મટાડીને આત્માને અનુભવું છું’-એવા અર્થનું કાવ્ય કહે છેઃ-

(वसन्ततिलका)
चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा
सद्यः प्रणश्यति
नयेक्षणखण्डयमानः।
तस्मादखण्डमनिराकृतखण्डमेक–
मेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि।। २७०।।

શ્લોકાર્થઃ– [चित्र–आत्मशक्ति–समुदायमयः अयम् आत्मा] અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય आ आत्मा [नय–ईक्षण–खण्डयमानः] નયોની દ્રષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં [सद्यः] તત્કાળ [प्रणश्यति] નાશ પામે છે; [तस्मात्] માટે હું એમ અનુભવું છું કે– [अनिराकृत–खण्डम् अखण्डम्] જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ છે, [एकम्] એક છે, [एकान्त–शान्तम्] એકાંત શાંત છે (અર્થાત્ જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે) અને [अचलम्] અચળ છે (અર્થાત્ કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું [चिद् महः अहम् अस्मि] ચૈતન્યમાત્ર તેજ હું છું.

ભાવાર્થઃ– આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે; માટે જો નયોની એકાંત દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય. આમ હોવાથી સ્યાદ્વાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેકશક્તિસમૂહરૂપ, સામાન્યવિશેષસ્વરૂપ, સર્વશક્તિમય એકજ્ઞાનમાત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં વિરોધ નથી. ૨૭૦.

* કળશ ૨૭૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘चित्र–आत्मशक्ति–समुदायमयः अयम् आत्मा’ અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા ‘नय–ईक्षण–खण्डयमानः’ નયોની દ્રષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં ‘सद्यः’ તત્કાળ ‘प्रणश्यति’ નાશ પામે છે;...

અહાહા...! અનંત શક્તિઓના સમુદાયમય ભગવાન આત્મા છે. ભગવાન આત્મા જીવત્વ, ચિતિ, દૃશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ આદિ અનંત ગુણના સમુદાયમય અખંડ એક ચૈતન્યવસ્તુ છે. સમયસારમાં ૪૭ શક્તિઓનું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે, પણ આત્મા છે અનંત ગુણના સમુદાયમય વસ્તુ.

અહાહા...! આ તો અલૌકિક અમૃતભર્યા કલશો છે ભાઈ! જેને સંસારનું દુઃખ મટાડી અનાકુળ આનંદમાં રહેવું છે એના માટે આ અલૌકિક વાત છે. વાદવિવાદ કરી બીજાને હરાવવા છે એના માટે આ વાત નથી. યોગસારમાં આવે છે ને કે-


PDF/HTML Page 4165 of 4199
single page version

‘ચાર ગતિ દુઃખથી ડરે તો તજ સૌ પરભાવ’

અહાહા...! સંસારમાં ચારે ગતિ દુઃખરૂપ છે. સ્વર્ગમાં દેવ પણ દુઃખી છે, અને મનુષ્યમાં કરોડપતિ, અબજોપતિ ને મોટા મોટા રાજા-ચક્રવર્તી પણ દુઃખી છે. સંસાર એટલે જ દુઃખ બાપુ! અહા! આવા દુઃખમય સંસારથી છુટવું હોય એના માટે આ વાત છે. સમજાય છે કાંઈ...? અહા! દિગંબર સંતોની કથનીમાં અપાર ઉંડાણ ભર્યું હોય છે.

અહાહા...! ભગવાન! તું કોણ છો? તો કહે છે-અનંત ગુણરત્નાકર-ચૈતન્યરત્નાકર-જ્ઞાન અને આનંદનો સાગર પ્રભુ તું છો. હું આવો છું એમ હા તો પાડ, હા પાડે તો હાલત થશે. બાકી હા પાડે તોય આવો છો. ને ના પાડે તોય આવો છો.

અહા! આવા આત્માને, કહે છે, નયોની દ્રષ્ટિથી ખંડખંડ કરવામાં આવતાં તત્કાળ નાશ પામે છે. એટલે શું? કે તેના એક એક ધર્મને એક એક નયથી લક્ષમાં લેતાં આખો આત્મા ખંડખંડ થઈ જાય છે. એક અભેદ સ્વરૂપને નય-ધર્મથી જોતાં વા ગુણભેદથી જોતાં અભેદનો નાશ થઈ જાય છે, અર્થાત્ અભેદ દ્રષ્ટિમાં આવતો નથી. લ્યો, હવે જ્યાં આવું છે ત્યાં વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભરાગથી ધર્મ થાય એ કયાં રહ્યું?

જુઓ, અજ્ઞાનીને પોતાની ચૈતન્યવસ્તુ ગાયબ છે. તેની પ્રાપ્તિ કેમ થાય તેની આ વાત છે. તો કહે છે- આત્મા વસ્તુએ અભેદ એક છે, તેમાં અનંત ગુણ છે, પણ અનંત ગુણમય વસ્તુ અભેદ એક છે. અહા! આવા આત્માને એક એક નયથી જોતાં આત્મવસ્તુ આખી ખંડખંડ થઈ જાય છે, અર્થાત્ પૂર્ણ આત્મવસ્તુ દ્રષ્ટિમાંથી ખોવાઈ જાય છે, જ્ઞાન અને દ્રષ્ટિમાં આત્મવસ્તુની પ્રાપ્તિ થતી નથી. અહાહા...! એક એક નયથી જોતાં એક એક નય-ધર્મ ઉપસી આવે છે, તત્સંબંધી વિકલ્પ ઉઠે છે, પણ અખંડ અભેદ વસ્તુ લક્ષમાં આવતી નથી. આત્માને ભેદથી જ્યાં દ્રષ્ટિમાં લેવા જાય છે ત્યાં ભેદ-વિકલ્પ ઉઠે છે, પણ અભેદ લક્ષમાં આવતો નથી, એટલે દ્રષ્ટિમાં તે ક્ષણે તે ગૂમ થઈ જાય છે. અહાહા...! પરથી ને રાગથી આત્માની પ્રાપ્તિ થવાનું તો દૂર રહો, અહીં કહે છે-આત્માને તેના એક એક ગુણથી જોવા જતાં તેની પ્રાપ્તિ થતી નથી. અહાહા...! શું કળશ છે! ગજબની વાત ભાઈ!

કહે છે-બીજી વાત (નિમિત્તથી ને વ્યવહારથી થાય એ વાત) તો તું જવા દે, જાણવા લાયક જે જ્ઞેય છે એવો તારો અખંડ એક આત્મપદાર્થ તેને જાણવામાં, તેમાં રહેલી અનંત શક્તિઓને ભેદ પાડીને જોવા જતાં, કહે છે, એકરૂપ આત્મપદાર્થ દ્રષ્ટિમાં આવતો નથી, પરંતુ વિકલ્પ ઉઠે છે, આ રીતે આત્મપદાર્થ શ્રદ્ધા-જ્ઞાનમાં નાશ પામે છે; અર્થાત્ ભગવાન જ્ઞાયકનું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન ઉદય પામતું નથી. શુભરાગથી-વ્યવહારથી ને નિમિત્તથી ધર્મ થાય એ તો એકકોર કાઢી નાખ્યું, કેમકે એ તો આત્માના અસ્તિત્વમાં જ નથી, ભિન્ન ચીજ છે. આ તો એનામાં જે છે એની વાત છે. ભાઈ, તારા તત્ત્વમાં અનંત ગુણ છે, તે હોતાં એક એકને ભેદ પાડીને લક્ષમાં લેતાં વિકલ્પ ઉત્પન્ન થાય છે, અભેદ એકરૂપ દ્રવ્યની દ્રષ્ટિ થતી નથી. આવો મારગ છે. જ્ઞાન અને દ્રષ્ટિનો દોર અભેદ એક દ્રવ્ય પર હોવો જોઈએ. વ્યવહાર હો, પણ એની અંતર્દ્રષ્ટિમાં કાંઈ જ કિંમત નથી.

આવો મારગ તો સરળ છે બાપુ! પણ એને જે રીતે છે તે રીતે નિઃસંદેહ બેસવો જોઈએ. અરે, લોકો તો નિમિત્ત ને વ્યવહારમાં અટકયા છે, પણ એ માર્ગ નથી, કેમકે નિમિત્ત ને વ્યવહાર આત્માની ચીજ જ નથી. આવી વસ્તુસ્થિતિ છે.

હવે આચાર્યદેવ પોતાની વાત કરે છે. કહે છે- ‘तस्मात्’ માટે હું એમ અનુભવું છું કે- ‘अनिराकृत–खण्डम् अखण्डम्’ જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યાનથી છતાં જે અખંડ છે, ‘एकम्’ એક છે, ‘एकान्त शान्तम्’ એકાંત શાંત છે (અર્થાત્ જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે) અને ‘अचलम्’ અચળ છે (અર્થાત્ કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું ‘चिद् महः अहम् अस्मि’ ચૈતન્યમાત્ર તેજ હું છું.

જોયું? આત્મામાંથી ભેદોને નિરાકૃત અર્થાત્ રદબાતલ નથી કર્યા, બહિષ્કૃત નથી કર્યા, આત્મામાં અનંત ગુણ છે ખરા, તથાપિ ભગવાન આત્મા અખંડ એક જ્ઞાયક વસ્તુ છે, ને એ અખંડની દ્રષ્ટિ કરવાથી આત્માની પ્રાપ્તિ થાય છે, ભેદની દ્રષ્ટિથી નહિ; ભેદની દ્રષ્ટિથી તો વિકલ્પ ઉઠે છે, નિર્વિકલ્પતા થતી નથી. અહાહા...! અનંત ગુણનું એકરૂપ આત્મા -આવું આત્મસ્વરૂપ સર્વજ્ઞ સિવાય કોણ કહે? બીજાઓ તો મતિકલ્પનાથી કહે છે, પણ તે સત્ય નથી, મિથ્યા છે.

અહાહા...! આવી આત્મવસ્તુ એકાંત શાંત છે, સર્વથા શાંત છે. શાંત... શાંત... શાંતસ્વરૂપ જ આત્મા છે એમ, કહે છે, અમે અનુભવીએ છીએ. અહાહા...! દ્રષ્ટિનો વિષયભૂત આત્મા અખંડ અભેદ છે, એક છે ને એકાંત


PDF/HTML Page 4166 of 4199
single page version

શાંત છે; જેમાં વિકલ્પનો કોલાહલ ને કર્મના ઉદયનો લેશ પણ નથી એવો અત્યંત શાંત ભાવમય પ્રભુ આત્મા છે.

અહાહા...! અનેકાંત સ્વરૂપ ભગવાન આત્મા એકાંત શાંત ભાવમય છે, પૂર્ણ શાંત છે. વળી તે અચળ છે. કર્મના ઉદયથી કદીય ચળે નહિ એવો ત્રિકાળ અચળ છે. અહાહા...! કહે છે-સદાય અચળ છે એવું ચૈતન્યમાત્ર તેજ હું છું. લ્યો, આવા આત્માને દ્રષ્ટિમાં લેવો તેનું નામ સમ્યગ્દર્શન છે. સમજાણું કાંઈ...? આવો મારગ ભાઈ! આત્મા જિનસ્વરૂપ જ છે. જિન અને જિનવરમાં કાંઈ જ ફેર નથી.

* કળશ ૨૭૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે; માટે જો નયોની એકાંત દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડખંડ થઈને તેનો નાશ થઈ જાય.’

જોયું? કહે છે-એક એક નયથી એક એક શક્તિને જોવામાં આવે તો આત્માના ખંડખંડ થઈને તેનો નાશ થઈ જાય; અર્થાત્ અખંડ દ્રવ્ય-વસ્તુ જ્ઞાનમાં આવે નહિ.

અહીં કોઈ કહે કે-આત્મા ખંડખંડ કયાંથી થાય? કેમકે શાસ્ત્રમાં આવે છે કે-न छिदन्ति, न भिदन्ति.

ભાઈ! અહીં કઈ અપેક્ષાથી વાત છે તે સમજવી જોઈએ. વસ્તુ તો અખંડ જ છે, પણ એક એક ગુણને લક્ષમાં લેતાં આત્મા અનેક ખંડખંડરૂપ ભાસશે, અખંડરૂપ નહિ ભાસે એમ એનો અર્થ છે. એમ તો આત્મા અનાદિઅનંત ત્રિકાળ અવિનાશી છે, પણ એક એક ભેદને લક્ષ કરી ગ્રહણ કરતાં ખંડખંડ થઈને તેનો નાશ થઈ જાય છે. હવે આનો અર્થ શું? એ જ કે પોતાની હયાતીમાં અખંડ-એકપણું ભાસ્યું નહિ, અને ખંડખંડપણું ભાસ્યું તો તે અખંડપણાની નાસ્તિ છે. સમજાણું કાંઈ...? જ્ઞાનમાં અખંડપણું ભાસ્યું નહિ તો અખંડપણું કયાં રહ્યું? અખંડ તો છે, પણ એના જ્ઞાનમાં અખંડની નાસ્તિ થઈ.

હવે કહે છે-‘આમ હોવાથી સ્યાદ્વાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેકશક્તિસમૂહરૂપ, સામાન્ય-વિશેષસ્વરૂપ, સર્વશક્તિમય એકજ્ઞાનમાત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં વિરોધ નથી.’

વસ્તુમાં નિત્ય, અનિત્ય; એક, અનેક ઇત્યાદિ ધર્મો છે, તથા સામાન્ય દ્રવ્યસ્વરૂપથી એકરૂપ અને વિશેષ અપેક્ષા ભેદરૂપ એમ વસ્તુ છે, તથાપિ (આ રીતે વસ્તુને પ્રથમ જાણીને) વસ્તુને સર્વશક્તિમય અભેદ એક જ્ઞાનમાત્ર અનુભવે છે તેનું નામ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે. હું એક ચૈતન્યમાત્ર વસ્તુ છું એવી દ્રષ્ટિ કરીને વસ્તુમાં એકાગ્ર થઈ પરિણમવું એનું નામ ધર્મ છે; એનું નામ આત્માની સ્વીકૃતિ ને ઓળખાણ છે, ને એ જ સ્વાનુભવ છે. આવું જ વસ્તુસ્વરૂપ છે, સ્યાદ્વાદીને એમાં વિરોધ નથી; વિરોધનું નિરાકરણ છે.

* * *

હવે, જ્ઞાની અખંડ આત્માનો આવો અનુભવ કરે છે એમ આચાર્યદેવ ગદ્યમાં કહે છેઃ

‘न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुध्द एको ज्ञानमात्रो भावोऽस्मि’

‘(જ્ઞાની શુદ્ધનયનું આલંબન લઈ એમ અનુભવે છે કેઃ) હું મને અર્થાત્ મારા શુદ્ધત્મસ્વરૂપને નથી દ્રવ્યથી ખંડતો (-ખંડિત કરતો), નથી ક્ષેત્રથી ખંડતો, નથી કાળથી ખંડતો, નથી ભાવથી ખંડતો; સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ છું.’

‘શુદ્ધનયનું આલંબન લઈ’-એટલે શું? કે શુદ્ધનયના વિષયભૂત અભેદ એક શુદ્ધ ચૈતન્યમાત્ર નિજ વસ્તુનું આલંબન લઈ જ્ઞાની એમ અનુભવે છે કે-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી હું મને ખંડતો નથી. દ્રવ્યથી જુદો, ક્ષેત્રથી જુદો, કાળથી જુદો ને ભાવથી જુદો-એમ હું મને ખંડખંડરૂપ અનુભવતો નથી. દ્રવ્યમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-બધું જ અભેદપણે સમાય છે એવો હું પોતાને અખંડ અનુભવું છું. દ્રવ્યથી શું, ક્ષેત્રથી શું, કાળથી શું, ભાવથી શું-હું તો આખી અખંડ એક જ વસ્તુને અનુભવું છું. વસ્તુમાં એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ (-અવસ્થા) અને એના ભાવ (ગુણ) જુદા જુદા છે એમ છે જ નહિ.

કળશ ટીકામાં કેરીનું દ્રષ્ટાંત આપ્યું છે ને? જેવી રીતે કેરીમાં કોઈ અંશ રેસા છે, કોઈ અંશ ફોતરું છે, કોઈ અંશ ગોટલી છે તથા કોઈ અંશ મીઠાશરૂપે છે-એ ચારે અંશ જુદેજુદા છે, એમ એક જીવવસ્તુમાં કોઈ અંશ જીવદ્રવ્ય છે, કોઈ અંશ જીવક્ષેત્ર છે, કોઈ અંશ જીવકાળ છે, અને કોઈ અંશ જીવભાવ છે-એમ ચાર જુદેજુદા નથી. એ તો એક


PDF/HTML Page 4167 of 4199
single page version

અભેદ વસ્તુમાં ચાર જુદા ભાગ પડી ગયા. એવું માનતાં વિપરીતતા થશે, અર્થાત્ વસ્તુ જેવી અખંડ છે તેવી રહેશે નહિ.

માટે આ પ્રકારે છેઃ કેરી એક સ્પર્શ, રસ, ગંધ, વર્ણયુક્ત પુદ્ગલનો પિંડ છે. તેથી સ્પર્શમાત્રથી વિચારતાં (એ જ કેરી) સ્પર્શમાત્ર છે, રસમાત્રથી વિચારતાં (એ જ કેરી) રસમાત્ર છે, ગંધમાત્રથી વિચારતાં (એ જ કેરી) ગંધમાત્ર છે અને વર્ણથી વિચારતાં (એ જ કેરી) વર્ણમાત્ર છે. એટલે કે કેરી (સ્વભાવથી) એકરૂપ છે, અખંડ છે; તેને સ્પર્શથી જુઓ તોય કેરી, રસથી જુઓ તોય કેરી, ગંધથી જુઓ તોય કેરી, ને વર્ણથી જુઓ તોય કેરી જ છે. (સ્પર્શ-રસ-ગંધ-વર્ણ કેરીથી જુદી ચીજ નથી)

એમ જીવદ્રવ્યને (એક અખંડ વસ્તુને) દ્રવ્યથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ક્ષેત્રથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, કાળથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ને ભાવથી જુઓ તોય એ ત્રિકાળી અખંડ વસ્તુ છે. એક અખંડ ચૈતન્યવસ્તુ દ્રવ્યથી જુદી, ક્ષેત્રથી જુદી, કાળથી જુદી, ને ભાવથી જુદી એમ છે નહિ. દ્રવ્ય જુઓ તો ક્ષેત્ર-કાળ-ભાવ છે, ક્ષેત્ર જુઓ તો દ્રવ્ય-કાળ-ભાવ છે, કાળથી જુઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ છે, ને ભાવથી જુઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય અભેદ એક વસ્તુ છે.

જ્ઞાની કહે છે-સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ હું છું. એક જ્ઞાનમાત્ર ભાવ તે હું એમ કહેતાં એમાં અભેદપણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવી ગયા; ચાર કાંઈ જુદા છે એમ છે નહિ.

* ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘શુદ્ધનયથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી. માટે જ્ઞાની અભેદજ્ઞાનસ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી.’

શુદ્ધનયથી જોવામાં આવે તો એટલે કે અભેદ એક દ્રવ્યને જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્ય- ક્ષેત્ર-કાળ-ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી; એટલે કે વસ્તુ અભેદ જ અનુભવમાં આવે છે. જુઓ આ જ્ઞાનીની અનુભૂતિ! ધર્મી-જ્ઞાની પુરુષ અખંડ એક વસ્તુમાં ભેદ પાડતો-જોતો નથી.

એક વસ્તુને દ્રવ્ય કહો તોય એ, ક્ષેત્ર કહો તોય એ, કાળ કહો તોય એ, ને ભાવ કહો તોય એ; જ્ઞાની પોતાની જ્ઞાનમાત્ર વસ્તુને એક-અભેદપણે ગ્રહણ કરે છે, ખંડખંડ કરી જોતો-અનુભવતો નથી. વસ્તુ-દ્રવ્ય કહો તોય એ દ્રવ્ય-ક્ષેત્ર કહો તોય અસંખ્યાત પ્રદેશી એ દ્રવ્ય, કાળ કહો તોય એ ત્રિકાળી દ્રવ્ય, ને ભાવ કહો તોય એ જ્ઞાનમાત્ર દ્રવ્ય-એમ ચારેથી જોતાં જ્ઞાની અભેદ એક નિર્વિકલ્પ વસ્તુમાત્ર જ દેખે છે. અંતર્દ્રષ્ટિમાં ભેદ નથી, એમાં તો એકલો અભેદનો જ અનુભવ છે. આવી વાત! સમજાણું કાંઈ...?

* * *
કળશ – ૨૭૧

‘જ્ઞાનમાત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું જ્ઞેય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા છે-એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ

(शालिनी)
योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि
ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव।
ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन्
ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ।। २७१।।

શ્લોકાર્થઃ– [यः अयं ज्ञानमात्रः भावः अहम् अस्मि सः ज्ञेय–ज्ञानमात्रः एव न ज्ञेयः] જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો; [ज्ञेय–ज्ञान–कल्लोल–वल्गन्] (પરંતુ) જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, [ज्ञान–ज्ञेय–ज्ञातृमत्–वस्तुमात्रः ज्ञेयः] જ્ઞાન–જ્ઞેય–જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો (અર્થાત્


PDF/HTML Page 4168 of 4199
single page version

પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા–એમ જ્ઞાન–જ્ઞેય–જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).

ભાવાર્થઃ– જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; જ્ઞેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા–એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. ‘આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું’ એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. ૨૭૧.

* કળશ ૨૭૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘यः अयं ज्ञानमात्रः भावः अहम् अस्मि सः ज्ञेय–ज्ञानमात्रः एव न ज्ञेयः’ જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો;...’

જુઓ, શું કહે છે? જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે છ દ્રવ્યોના જાણવામાત્ર જ ન જાણવો. શું કીધું? લોકમાં જેટલાં દ્રવ્યો છે-અનંતા સિદ્ધો ને અનંતા નિગોદના જીવો સહિત જીવો, અનંતાનંત પુદ્ગલો-દેહ, મન, વાણી, કર્મ ઇત્યાદિ, અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ-એમ છ દ્રવ્યો-તેના દ્રવ્ય-ગુણ-પર્યાયો-તે મારાં જ્ઞેય અને હું એનો જ્ઞાયક એમ, કહે છે, ન જાણવું હવે એનું કર્તાપણું તો કયાંય ગયું, અહીં તો કહે છે-એના (છ દ્રવ્યોના) જાણવામાત્ર હું છું એમ ન જાણવું. ગજબ વાત છે ભાઈ! પરદ્રવ્યો સાથે જ્ઞેયજ્ઞાયકપણાનો સંબંધ પણ નિશ્ચયથી નથી, વ્યવહારમાત્ર એવો સંબંધ છે. સમજાય છે કાંઈ...? જૈન તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઈ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે ને ધર્માત્માને? અહીં કહે છે-ભગવાન આત્મા જ્ઞાયક, ને વ્યવહાર રત્નત્રયનો રાગ એનું જ્ઞેય એમ વાસ્તવમાં છે નહિ. બારમી ગાથામાં વ્યવહાર ‘જાણેલો’ પ્રયોજનવાન કહ્યો એ તો વ્યવહારથી વાત છે. નિશ્ચયથી તો સ્વપરને પ્રકાશનારી પોતાની જ્ઞાનની દશા જ પોતાનું જ્ઞેય છે. રાગાદિ પરવસ્તુ-પરદ્રવ્યોને એનાં જ્ઞેય કહેવાં તે વ્યવહારથી છે, નિશ્ચયથી પર સાથે એને જ્ઞેયજ્ઞાયક સંબંધ પણ નથી. હવે પર સાથે એને મારાપણાનો -સ્વામિત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની વાત તો કયાંય ઉડી ગઈ. સમજાણું કાંઈ...?

અહાહા...! કહે છે-જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર ન જાણવો. તો કેવી રીતે છે? તો કહે છે-

‘ज्ञेय–ज्ञान–कल्लोल वल्गन्’ (પરંતુ) જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, ‘ज्ञान– ज्ञेय–ज्ञातृमत्–वस्तुमात्रः ज्ञेयः’ જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો. (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા -એમ જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).

‘જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલરૂપે પરિણમતો’-આ વ્યવહારથી કહ્યું હોં. ખરેખર તો જ્ઞેયોનું-છ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું તે જ્ઞાનની પોતાની દશા છે, ને તે જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે. ‘જ્ઞેયોના આકારે થતું જ્ઞાન’ એ તો કહેવામાત્ર છે, બાકી જ્ઞાન જ્ઞાનાકાર જ છે, જ્ઞેયાકાર છે જ નહિ. સમજાણું કાંઈ...? અહાહા...! અહીં કહે છે-એ જ્ઞાનની પર્યાય ને મારા દ્રવ્ય-ગુણ (દ્રવ્ય-ગુણ-પર્યાય) ત્રણે થઈને હું જ્ઞેય છું. જ્ઞાન હું, જ્ઞાતા હું, ને જ્ઞેય આ લોકાલોક-એવું કોણે કહ્યું? પરમાર્થે એમ છે નહિ. એમ કહેવું એ વ્યવહાર છે. અહાહા...! ધર્મીના અંતરની ખુમારી તો જુઓ! કહે છે-જગતમાં હું એક જ છું, જગતમાં બીજી ચીજો હો તો હો, પરમાર્થે તેની સાથે મારે જાણવાપણાનોય સંબંધ છે નહિ. આવી વાત! સમજાણું કાંઈ...?

અહાહા...! અહીં શું કહે છે? કે પર જ્ઞેય (પરપદાર્થો-દેવ-ગુરુ-શાસ્ત્ર, પંચ પરમેષ્ઠી, ને વ્યવહાર રત્નત્રય આદિ જ્ઞેય), હું જ્ઞાન, ને હું જ્ઞાતા-એવો સંબંધ હોવાનું તો દૂર રહો, હું જ્ઞેય, હું જ્ઞાન, ને હું જ્ઞાતા-એવા ત્રણ ભેદરૂપ પણ હું નથી. એ ત્રણેય હું એક છું. જુઓ આ સ્વાનુભવની દશા! જ્ઞાન-જ્ઞાતા-જ્ઞેય એવા ભેદોથી ભેદાતો નથી એવો અભેદ ચિન્માત્ર હું આત્મા છું. હું જ્ઞેય છું, હું જ્ઞાન છું, હું જ્ઞાતા છું એવા ત્રણ ભેદ ઉપજે એ તો રાગ-વિકલ્પ છે, પણ વસ્તુ ને વસ્તુની દ્રષ્ટિમાં એવા ભેદ છે નહિ, બધું અભેદ એક છે.

ભાઈ! તારામાં તારું હોવાપણું કેવડું છે તેની તને ખબર નથી. ત્રણ લોકના દ્રવ્યો-દ્રવ્ય-ગુણ-પર્યાયો ત્રિકાળવર્તી


PDF/HTML Page 4169 of 4199
single page version

જે અનંતાનંત છે તે બધાને જાણનારી તારી જ્ઞાનની દશા તે ખરેખર તારું જ્ઞેય છે. તે દશા એકલી નહિ, પણ તારા દ્રવ્ય-ગુણ-પર્યાય તે બધું જ્ઞેય છે. અહાહા...! તે સમસ્તનું (-પોતાનું) જ્ઞાન તે જ્ઞાન, તે સમસ્ત (-પોતે) જ્ઞેય અને પોતે જ્ઞાતા-એ ત્રણેય વસ્તુ એકની એક છે, ત્રણ ભેદ નથી. આવી ઝીણી વાત! જ્ઞાન-જ્ઞાતા-જ્ઞેય ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર પોતે એક છે.

* કળશ ૨૭૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

અહાહા...! બહુ સરસ ભાવાર્થ છે; વસ્તુના મર્મનું માખણ છે. કહે છે-પોતાના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતાં પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞાન અને પોતે જ જ્ઞેય છે એમ અનુભવાય છે, છ દ્રવ્ય જ્ઞેય, હું જ્ઞાન અને હું જ્ઞાતા એમ અનુભવાતું નથી; કેમકે પરમાર્થે પર સાથે જ્ઞેય-જ્ઞાયક સંબંધ છે જ નહિ. આવી વાત!

કહે છે-‘જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે.’ જુઓ, શું કીધું? કે જ્ઞેયો જગતના છે તેને જાણવારૂપ જાણનક્રિયા તે જ્ઞાન-સ્વરૂપ છે, જ્ઞેયસ્વરૂપ નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે તે ખરેખર છ દ્રવ્ય જણાતા નથી, પણ છ દ્રવ્ય સંબંધી પોતાનું જે જ્ઞાન તે જણાય છે અને તે ખરેખર આત્માનું જ્ઞેય છે. પરજ્ઞેય જણાય છે એમ કહેવું એ તો વ્યવહાર છે. જ્ઞેય સંબંધી પોતાની જ્ઞાનની પર્યાય જાણવારૂપ થઈ તે એનું જ્ઞેય છે, ઓલું (પરજ્ઞેય) નહિ, કેમકે પોતામાં પોતાની જ્ઞાનપર્યાયનું અસ્તિત્વ છે (પરનું નહિ). અહાહા...! છ દ્રવ્યને જાણવાની જ્ઞાનની પર્યાય પોતાની છે, તેને છ દ્રવ્યનું જ્ઞાન કહેવું તે વ્યવહાર છે; જ્ઞેય-જ્ઞાન જ્ઞેયનું નથી, પણ જ્ઞાનનું જ્ઞાન છે, જાણનક્રિયારૂપભાવ જ્ઞાનસ્વરૂપ છે. પં. જયચંદજી એ જ સ્પષ્ટ કરે છે-

‘વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે.’

અહાહા...! જુઓ, બાહ્ય જ્ઞેયો-રાગાદિકથી માંડી છએ દ્રવ્યો પોતાના આત્માથી (-પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેથી) જુદાં છે. જો તે જુદાં ન હોય તો એક હોય, પણ એમ કદી બનતું નથી, છે નહિ.

રાગનું જ્ઞાન થાય તેમાં કાંઈ રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. કેવળીને લોકાલોકનું જ્ઞાન થયું તો લોકાલોક કાંઈ જ્ઞાનમાં પેસી ગયાં નથી. ઘટનો જાણનાર ઘટ-રૂપે થતો નથી. વળી ઘટનો જાણનાર વાસ્તવમાં ઘટને જાણે છે એમ નથી. સ્વપરને જાણવાના જ્ઞાનરૂપે સ્વયં આત્મા જ થાય છે. ઘટને જાણવાના જ્ઞાનરૂપે આત્મા થાય છે; તેથી ઘટનું જ્ઞાન નહિ, પણ આત્માનું જ જ્ઞાન છે. પોતાનામાં તો પોતાના જ્ઞાનપરિણામનું અસ્તિત્વ છે, જ્ઞેયનું નહિ. આત્માનો ‘જ્ઞ’ સ્વભાવ છે, ને ‘જ્ઞ’ સ્વભાવી આત્મામાં જાણનક્રિયા થાય તે પોતાથી થતી પોતાની ક્રિયા છે, એમાં પરજ્ઞેયનું કાંઈ જ નથી. આમ જ્ઞેય સંબંધી પોતાના જ્ઞાનનું જે પરિણમન થયું તે જ્ઞેય પોતે, જ્ઞાન પોતે જ, ને પોતે જ જ્ઞાતા છે. સમજાણું કાંઈ...?

જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો છે. જુઓ, જ્ઞાન જ્ઞેયાકાર છે એમ નહિ, એ તો જ્ઞેયને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે જ્ઞાન પોતે જ થયું છે. જ્ઞેયનું તેમાં કાંઈ જ નથી. જ્ઞેય જ્ઞાનમાં પેઠું છે એમ છે જ નહિ; અર્થાત્ જ્ઞાન જ્ઞેયરૂપે થાય છે એમ છે જ નહિ. જ્ઞાન જ્ઞાનાકાર જ છે, એ જ્ઞાનના જ કલ્લોલો છે.

અહાહા...! કેવું ભેદજ્ઞાન કરાવ્યું છે! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! જરા ધીરો થઈને સાંભળ. કહે છે- આત્મા પરને કરે કે પરથી આત્મામાં કાંઈ થાય એ વાત તો જવા દે, એ વાત તો છે નહિ, પણ પર જ્ઞાનની પર્યાયમાં જણાય, જ્ઞાન પરને જાણે કે પરજ્ઞેય જ્ઞાનની પર્યાયમાં આવે-પેસે એમ પણ છે નહિ. વસ્તુ-દ્રવ્ય એક જ્ઞાયકભાવપણે છે તે પોતે જ્ઞાનની પર્યાયપણે, જાણનક્રિયારૂપે થાય છે તે પોતાની સ્વપરપ્રકાશકની ક્રિયા છે. એમાં પર જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે બસ. પર જણાતું નથી, પોતાની જાણનક્રિયા જાણવારૂપે છે તે જણાય છે.

ભગવાન! તું આવડો ને આવો જ છે; બીજી રીતે માન તો તારા સ્વભાવનો ઘાત થશે. સર્વજ્ઞ પરમેશ્વર કહે છે-લોકાલોક જણાય એવડી તારી પર્યાય નથી, તારી જ્ઞાનપર્યાયને તું જાણ એવું તારું સ્વરૂપ છે. લોકાલોકને જાણવું એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે.


PDF/HTML Page 4170 of 4199
single page version

તો સાચો વ્યવહાર શું છે? તે આ; પોતે જાણગ-જાણવાના ભાવવાળું તત્ત્વ હોવાથી લોકાલોકનાં જેટલાં જ્ઞેયો છે તેને અને પોતાને જાણવાની ક્રિયારૂપે પોતામાં (પોતાના અસ્તિત્વમાં) પોતાના કારણે પરિણમે છે. ખરેખર તો આ જ્ઞાનનો પર્યાય તે જ્ઞેય છે. જ્ઞાનની પર્યાયનું પર (પદાર્થ) જ્ઞેય છે એમ કહેવું તે વ્યવહાર છે. આવી વાત છે.

જ્ઞેયોના આકાર એટલે જ્ઞેયોના વિશેષો-એની જ્ઞાનમાં ઝલક આવે છે અર્થાત્ તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં પોતાથી પરિણમે છે. તે જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે એમ કહ્યું પણ તે જ્ઞેયાકાર થયું નથી, એ તો જ્ઞાનાકાર- જ્ઞાનના જ તરંગો છે. અહાહા...! જાણગ... જાણગ... જાણગ પોતાનો સ્વભાવ છે, એમાં પરવસ્તુનો-પરજ્ઞેયનો પ્રવેશ નથી, છતાં એનું જાણવું અહીં (-પોતામાં) થાય છે તે ખરેખર એનું (પરજ્ઞેયનું) જાણવું નથી; જાણવાની પોતાની દશા છે એનું જાણવું છે. આ ન્યાયથી તો વાત છે; એને સમજવી તો પડે ને! કોઈ થોડું સમજાવી દે?

જુઓ, દર્પણના દ્રષ્ટાંતે આ વાત સમજીએઃ જેમ દર્પણની સામે કોલસા, અગ્નિ વગેરે મૂકેલાં હોય તે દર્પણમાં દેખાય છે. પણ એ દર્પણથી જુદી ચીજ છે ને? દર્પણમાં તો તે પદાર્થોની ઝલક દેખાય છે, પણ શું કોલસા ને અગ્નિ વગેરે દર્પણમાં છે? દર્પણમાં તો દર્પણની સ્વચ્છતાનું અસ્તિત્વ છે. જો અગ્નિ વગેરે તેમાં પેઠાં હોય તો દર્પણ અગ્નિમય થઈ જાય, તેને હાથ અડકાડયે હાથ બળી જાય. પણ એમ છે નહિ. દર્પણ દર્પણની સ્વચ્છતાના પરિણામે પોતે જ પોતાથી પરિણમ્યું છે; કોલસા કે અગ્નિનું તેમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?

આ શું કીધું? લ્યો, ફરીથી. એક બાજુ દર્પણ છે, અને તેની સામે એક બાજુ અગ્નિ ને બરફ છે. અગ્નિ અગ્નિમાં લબક-ઝબક થાય છે, ને બરફ બરફમાં પીગળતો જાય છે. તે સમયે દર્પણમાં પણ બસ એવું જ દેખાય છે. તો શું દર્પણમાં અગ્નિ ને બરફ છે? ના; અગ્નિ અને બરફનું હોવું તો બહાર પોતપોતામાં છે, દર્પણમાં તેમનું હોવાપણું નથી, દર્પણમાં તેઓ પેઠા નથી. દર્પણમાં તો દર્પણની તે-રૂપ સ્વચ્છ દશા થઈ છે તે છે. અગ્નિ અને બરફ સંબંધી દર્પણની સ્વચ્છતાની દશા તે દર્પણનું પોતાનું પરિણમન છે, અગ્નિ ને બરફનું તેમાં કાંઈ જ નથી; અગ્નિ અને બરફે એમાં કાંઈ જ કર્યું નથી, એ તો જુદા પદાર્થો છે.

તેમ ભગવાન આત્મા સ્વચ્છ ચૈતન્ય દર્પણ છે. તેના જ્ઞાનમાં જ્ઞેયોના આકારની ઝલક આવતાં જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે. સામે જેવા જ્ઞેયો છે તે જ પ્રકારની વિશેષતારૂપે પોતાની જ્ઞાનની દશા થતાં જાણે કે જ્ઞાન જ્ઞેયાકારે થઈ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ જ્ઞાન જ્ઞેયાકાર થયું જ નથી, જ્ઞાનાકાર છે; અર્થાત્ તે જ્ઞેયના કલ્લોલો નથી, પણ જ્ઞાનના જ કલ્લોલો છે, જ્ઞાનની જ દશા છે; જ્ઞેયોનું એમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?

અહા! આવો પોતાના અસ્તિત્વનો મહિમા જાણ્યા વિના ભાઈ! તું દયા, દાન, વ્રત, તપ કરીકરીને સૂકાઈ જાય તોય લેશ પણ ધર્મ થાય નહિ. પોતાના સ્વરૂપના મહાતમ (-માહાત્મ્ય) વિના ધર્મની ક્રિયા કોઈ દિ’ થઈ શકતી નથી.

નાની ઉંમરની વાત છે. પાલેજમાં પિતાજીની દુકાન હતી. તે બંધ કરી રાત્રે મહારાજ ઉપાશ્રયમાં આવ્યા હોય ત્યાં એમની પાસે જતા. ત્યાં મહારાજ ગાતા-

“ભૂધરજી તમને ભૂલ્યો રે ભટકું છું ભવવનમાં,
કુતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા, ત્યાં ભૂખના વેઠયા ભડકા રે”

હવે આમાં તત્ત્વની કાંઈ ખબર નહિ, પણ સાંભળીને તે વખતે રાજી રાજી થઈ જતા. લોકમાં પણ બધે આવું જ ચાલી રહ્યું છે ને! પોતે કોણ ને કેવડો છે એની ખબર ન મળે, પણ માંડે વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ કરવા; એમ કે એનાથી ધર્મ થશે, પણ ધૂળમાંય ધર્મ નહિ થાય. પોતે કોણ છે એની ખબર વિના શેમાં ધર્મ થશે? બાપુ! હું જ્ઞાનસ્વભાવ છું એમ ભૂલીને રાગના કર્તાપણામાં મંડયો રહે એ તો પાગલપણું છે. દુનિયા આખી આવી પાગલ છે. સમજાણું કાંઈ...?

અહાહા...! અહીં કહે છે-‘આ જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે.’ પોતાના હોવાપણામાં દયા, દાન આદિના ભાવ, કે શરીર, મન, વાણી ઇત્યાદિ પરજ્ઞેયોનો પ્રવેશ નથી, એ તો જુદા પર છે; માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે, આત્મા વડે જણાય છે. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા આત્માની છે ને તે એનું જ્ઞેય છે, પણ દયાના પરિણામ પરમાર્થે આત્માના નથી, ને પરમાર્થે તે આત્માનું જ્ઞેય નથી.


PDF/HTML Page 4171 of 4199
single page version

હવે કોઈને થાય કે આ તે વળી કેવો ધર્મ? ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નાગાને કપડાં દેવાં, ને માંદાની માવજત કરવી-એવી કોઈ વાત તો સમજાય. અરે ભાઈ! એ તો બધી રાગની ક્રિયા બાપુ! તે કાળે જડની ક્રિયા તો જડમાં થવાયોગ્ય થઈ, તે ક્રિયા તારી નહિ, ને રાગની ક્રિયા પણ તારી નથી. અરે, તે કાળે રાગનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું નથી, રાગ તેમાં પેઠો નથી, જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઈ છે તે તારી છે, અને તે ખરેખર તારું જ્ઞેય છે, રાગાદિ પરમાર્થે તારાં જ્ઞેય નથી. સમજાય છે કાંઈ...?

અજ્ઞાની જીવોને આટલું બધું (દયા, દાન આદિને) ઓળંગીને અહીં (જ્ઞાનભાવમાં) આવવું મોટો મેરુ પર્વત ઉપાડવા જેવું લાગે છે. પણ આમાં તારું હિત છે ભાઈ!

હવે કહે છે-‘આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે.’

જુઓ, આ બધાનો સરવાળો કર્યો. જણાવવાયોગ્ય પર પદાર્થો પરમાં રહ્યા છે, અને જાણનારો જાણનારમાં રહેલ છે. જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો પોતાને જાણે છે. આમ આત્મા પોતે જ જણાવાયોગ્ય છે; જ્ઞાનમાત્ર ભાવ જ પોતાનું જ્ઞેય છે. પર પદાર્થને જ્ઞેય કહેવો એ વ્યવહાર છે બસ.

વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. અહાહા...! પરની સાથે પરમાર્થે આત્માને કોઈ સંબંધ નથી. જે જણાય તે પણ પોતાની દશા, જાણનારો પણ પોતે અને જ્ઞાન પણ પોતે જ, અહાહા...! જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય ત્રણેય એકરૂપ. અંતરમાં દ્રષ્ટિ મૂકતાં આવા ત્રણ ભેદ આત્માના છે એમ રહેતું નથી. પર વસ્તુ જ્ઞેય ને પોતે જ્ઞાતા એ તો કયાંય રહી ગયું. પોતે જ જ્ઞેય, પોતે જ જ્ઞાન, ને પોતે જ જ્ઞાતા-એવા ત્રણ ભેદ પણ અંતર્દ્રષ્ટિમાં સમાતા નથી, બધું અભેદ એકરૂપ અનુભવાય છે. લ્યો, આનું નામ ધર્મ છે; જેમાં સામાન્યવિશેષનું અભેદપણું પ્રાપ્ત-સિદ્ધ થયું તે ધર્મ છે.

અહાહા...! ‘આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું’ એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. જ્ઞાતા પણ હું, જ્ઞાન પણ હું, ને જ્ઞેય પણ હું-એમ ત્રણેય એક હું-આવો જે જ્ઞાનમાત્ર ભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ પોતાને અનુભવે છે. આવો અનુભવ થવો તે ધર્મ છે. ‘અનુભવ’-અનુ નામ અનુસરીને, ભવ નામ ભવન થવું; આત્માને- જ્ઞાનમાત્ર વસ્તુને-અનુસરીને થવું તે અનુભવ છે ને તે ધર્મ છે. આ સિવાય રાગને અનુસરીને થવારૂપ જે અનેક ક્રિયાઓ છે એ બધો સંસાર છે, એ બધું રણમાં પોક મૂકવા જેવું છે.

અહાહા...! અનુભવ કરનાર પુરુષ એમ અનુભવે છે કે જાણનારે ય હું, જ્ઞાનેય હું, ને જણાવાયોગ્ય જ્ઞેય પણ હું જ છું. આ ત્રણેના અભેદની દ્રષ્ટિ થતાં એને સ્વાનુભવ પ્રગટ થયો છે, ને તેમાં એને અતીન્દ્રિય આનંદના સ્વાદનું વેદન પ્રગટ થયું હોય છે. આને સમકિત અને ધર્મ કહે છે. સમજાણું કાંઈ...?

જુઓ, અહીં સામાન્ય-વિશેષ બેય ભેગું લીધું છે, કેમકે પ્રમાણજ્ઞાન કરાવવું છે. પ્રમાણજ્ઞાનમાં વસ્તુ ત્રિકાળી સત્, એની શક્તિઓ ત્રિકાળી સત્ અને એની વર્તમાન પર્યાય એ ત્રણે થઈને વસ્તુ આત્મા કહ્યો છે. એમાં શરીર, મન, વાણી, કર્મ, ને વિકાર ઇત્યાદિ ન આવે.

* * *
કળશ – ૨૭૨

આત્મા મેચક, અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે તોપણ યથાર્થ જ્ઞાની નિર્મળ જ્ઞાનને ભૂલતો નથી– એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ–

(पृथ्वी)
क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचकं
क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम।
तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः
परस्परसुसंहतप्रकटशक्तिचक्रं
स्फुरत्।। २७२।।

PDF/HTML Page 4172 of 4199
single page version

શ્લોકાર્થઃ– (જ્ઞાની કહે છેઃ) [मम तत्त्वं सहजम् एव] મારા તત્ત્વનો એવો સ્વભાવ જ છે કે [क्वचित् मेचकं लसति] કોઈ વાર તો તે (આત્મતત્ત્વ) મેચક (–અનેકાકાર, અશુદ્ધ) દેખાય છે, [क्वचित् मेचक–अमेचकं] કોઈ વાર મેચક–અમેચક (બન્નેરૂપ) દેખાય છે [पुनः क्वचित् अमेचकं] અને વળી કોઈ વાર અમેચક (–એકાકાર, શુદ્ધ) દેખાય છે; [तथापि] તોપણ [परस्पर–सुसंहत–प्रकट–शक्ति–चक्रं स्फुरत् तत्] પરસ્પર સુસંહત (– સુમિલિત, સુગ્રથિત, સારી રીતે ગૂંથાયેલી) પ્રગટ શક્તિઓના સમૂહરૂપે સ્ફુરાયમાન તે આત્મતત્ત્વ [अलम–मेधसां मनः] નિર્મળ બુદ્ધિવાળાઓના મનને [न विमोहयति] વિમોહિત કરતું નથી (–ભ્રમિત કરતું નથી, મૂંઝવતું નથી).

ભાવાર્થઃ– આત્મતત્ત્વ અનેક શક્તિઓવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેકાકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે; તોપણ યથાર્થ જ્ઞાની સ્યાદ્વાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાનમાત્રથી ચ્યુત થતો નથી. ૨૭૨.

* કળશ ૨૭૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

(જ્ઞાની કહે છેઃ) ‘मम तत्त्वम् सहजम् एव’ મારા તત્ત્વનો એવો સ્વભાવ જ છે કે ‘क्वचित् मेचकं लसति’ કોઈ વાર તો તે (આત્મતત્ત્વ) મેચક (-અનેકાકાર, અશુદ્ધ) દેખાય છે, ‘क्वचित् मेचक–अमेचकं’ કોઈ વાર મેચક- અમેચક (બન્નેરૂપ) દેખાય છે ‘पुनः क्वचित् अमेचकं’ અને વળી કોઈ વાર અમેચક (-એકાકાર, શુદ્ધ) દેખાય છે...

અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન એક ચિન્માત્ર વસ્તુ હું આત્મા છું એવી જેને અંતર્દ્રષ્ટિ થઈ છે તે સમ્યગ્જ્ઞાની છે. અહા! તે સમ્યગ્જ્ઞાની પોતાના તત્ત્વને કેવું જાણે છે તેની આ સરસ વાત છે. કહે છે-કોઈ વાર મેચક અર્થાત્ પર્યાયમાં અશુદ્ધતા-મલિનતા-દુઃખ છે એમ જ્ઞાની જાણે છે. મલિનતા-દુઃખ પરના-નિમિત્તના કારણે છે એમ નહિ, પણ પોતાનું જ (પોતાથી) એવું પરિણમન છે એમ જ્ઞાની જાણે છે. પ્રવચનસાર, ૪૭ નયના અધિકારમાં કર્તા અને ભોક્તા નયની વાત લીધી છે. ત્યાં કહ્યું છે કે-જ્ઞાનીની પર્યાયમાં પોતાની કમજોરીથી રાગનું પરિણમન છે, રાગ કરવા લાયક છે એમ નહિ, છતાં તેને રાગનું પરિણમન છે તે અપેક્ષાએ રાગનો કર્તા-ભોક્તા હું છું એમ જ્ઞાની યથાર્થ જાણે છે. દ્રષ્ટિ રાગને સ્વીકારતી નથી, કેમકે દ્રષ્ટિનો વિષય એક અભેદ ચિન્માત્ર આત્મા છે, પણ સાથે સમ્યગ્જ્ઞાન જે વર્તે છે તે એમ જાણે છે કે મારી દશામાં મેચકપણું-રાગાદિભાવરૂપ મલિનતા છે. જ્ઞાન સ્વપરપ્રકાશક છે ને? તો સ્વની સાથે પર્યાયમાં જે રાગ છે તેને તે જાણે છે. ગણધરાદિ ક્ષાયિક સમકિતી હોય તે પણ આવું જાણે છે. સમજાય છે કાંઈ...?

જુઓ, આચાર્ય અમૃતચંદ્ર દેવે આ સમયસાર શાસ્ત્રની ‘આત્મખ્યાતિ’ નામની સંસ્કૃતમાં ટીકા લખી. મહાન ટીકા છે. અન્યમાં તો શું જૈનમાં પણ આવી ટીકા બીજે નથી. તેઓ છઠ્ઠે-સાતમે ગુણસ્થાને પ્રચુર આનંદના ઝુલે ઝુલતા સંત-મુનિવર હતા. તેઓ ત્રીજા કળશમાં પોતાની સ્થિતિ બતાવતાં કહે છેઃ

દ્રવ્યદ્રષ્ટિથી (હું) શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું, તોપણ મારી પરિણતિ રાગાદિ પરિણામોની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. કહે છે-મારી દ્રષ્ટિ નિરંતર ચિન્માત્ર દ્રવ્ય-વસ્તુ ઉપર હોવા છતાં પર્યાયમાં મલિનતા છે એમ મારું જ્ઞાન જાણે છે. જ્યાં સુધી રાગની-કર્મની પૂર્ણ નિવૃત્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને જ્ઞાનધારા અને કર્મધારા-બન્ને એક સાથે ચાલે છે. જેટલો રાગ છે એટલી કર્મધારા છે, ને તે છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે.

તો સમકિતીને આસ્રવ-મલિનતા નથી, તે નિરાસ્રવ છે-એમ શાસ્ત્રમાં આવે છે ને? હા, આવે છે. તે દ્રષ્ટિ અપેક્ષાએ વાત છે. વળી તેને અનંતાનુબંધી કષાય નથી એમ સૂચવવા માટેની વાત છે. સમયસાર ગાથા ૭પ, કર્તાકર્મ અધિકારમાં લીધું છે કે-શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માની દ્રષ્ટિ થઈ છે તેને આત્મા વ્યાપક થઈ શુદ્ધ પર્યાયનો વિસ્તાર કરે છે, અર્થાત્ શુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય છે, અશુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય કર્મ નથી. આ દ્રષ્ટિ અપેક્ષાએ વાત છે. બાકી જ્ઞાનીને દ્રષ્ટિ સાથે જે જ્ઞાન વર્તે છે તે યથાસ્થિત જાણે છે કે પર્યાયમાં કિંચિત્ કલુષિતતા- મલિનતા છે.

એક બાજુ એમ કહે કે ચોથા ગુણસ્થાનથી શુદ્ધત્વ પરિણમન છે, અને બીજી બાજુથી એમ કહે કે છઠ્ઠે ગુણસ્થાને પણ મલિનતા છે-આ કેવું?

ભાઈ, જ્યાં જે અપેક્ષા હોય તે બરાબર જાણવી જોઈએ. એકાંત તાણવું ન જોઈએ. યથાખ્યાત ચારિત્ર ન હોય


PDF/HTML Page 4173 of 4199
single page version

ત્યાં સુધી રાગ હોય છે. દ્રષ્ટિ તેને સ્વીકારતી નથી, પણ જ્ઞાન તેને યથાસ્થિત જેમ છે તેમ જાણે છે. અહા! આ વીતરાગ સર્વજ્ઞ પ્રણીત માર્ગ યુક્તિ વડે જેમ છે તેમ જાણવો જોઈએ.

હવે કહે છે-‘કોઈ વાર મેચક-અમેચક (બન્નેરૂપ) દેખાય છે.’ અહાહા...! સમ્યગ્જ્ઞાનીને ચારિત્રગુણની એક જ સમયની પર્યાયના બે ભાગ-અંશે નિર્મળતા ને અંશે મલિનતા બન્ને-દેખાય છે. મોક્ષમાર્ગની નિર્મળ રત્નત્રયની પર્યાય પ્રગટ થઈ તે, તથા સાથે સહચર એવો જે રાગ બાકી છે તે-બન્ને દેખાય છે. એક સમયમાં બે ધારા છે ને? જ્ઞાનીને જેમ શુદ્ધતાનું જ્ઞાન છે તેમ તે સમયે જે અશુદ્ધતા-મલિનતા છે એ પણ જાણવામાં આવે છે. બહારમાં વિકલ્પ છે ત્યારે (ઉપયોગ સ્વથી ખસી પર તરફ ગયો છે ત્યારે) નિર્મળ પર્યાય-નિર્મળતારૂપ દશા પણ જાણવામાં આવે છે, ને મલિનતા પણ જાણવામાં આવે છે; એક સમયમાં બન્ને જાણવામાં આવે છે.

હવે કહે છે-‘વળી કોઈ વાર અમેચક (-એકાકાર, શુદ્ધ) દેખાય છે.’ નિર્વિકલ્પ અનુભવમાં, શુદ્ધોપયોગની દશામાં એકલો આનંદ અને શુદ્ધતા જ છે. તે કાળે રાગ દેખાતો નથી. નિર્વિકલ્પ ઉપયોગના કાળે અબુદ્ધિપૂર્વકનો રાગ છે, પણ એ ખ્યાલમાં આવતો નથી. નિર્વિકલ્પ ઉપયોગમાં શુદ્ધતાનું જ વેદન છે, તે કાળે અબુદ્ધિપૂર્વકના રાગને ઉપયોગ જાણી શકતો નથી.

આમ ત્રણ પ્રકાર દેખાય છે. હવે કહે છે-

‘तथापि’ તોપણ ‘परस्पर–सुसंहत–प्रकट–शक्ति–चक्रं स्फुरत् तत्’ પરસ્પર સુસંહત (-સુમિલિત, સુગ્રથિત, સારી રીતે ગૂંથાયેલી) પ્રગટ શક્તિઓના સમૂહરૂપે સ્ફુરાયમાન તે આત્મતત્ત્વ ‘अमल–मेधसां मनः’ નિર્મળ બુદ્ધિવાળાઓના મનને ‘न विमोहयति’ વિમોહિત કરતું નથી (-ભ્રમિત કરતું નથી, મુંઝવતું નથી).

અહાહા...! શું કહે છે? કે નિર્મળ પર્યાય ને મલિન પર્યાય-સુસંહત અર્થાત્ સારી રીતે ગૂંથાયેલી છે. ઠેઠ ચૌદમે ગુણસ્થાને પણ અસિદ્ધત્વ ભાવ કહ્યો છે ને! તે અસિદ્ધત્વ ભાવ સંસાર છે. તત્ત્વાર્થસૂત્રમાં ઉદયભાવના એકવીસ બોલમાં અસિદ્ધત્વભાવ કહેલો છે. ચૌદમે ગુણસ્થાને નિમિત્તરૂપે ચાર કર્મો વિદ્યમાન છે તેટલી મલિનતા- અસિદ્ધત્વરૂપ મલિનતા પોતાના કારણે હોય છે. નીચે સમકિતીની પર્યાયમાં પણ જેટલી સ્વભાવની દ્રષ્ટિ અને સ્થિરતા થઈ એટલી નિર્મળતા, તથા જેટલો રાગ છે એટલી મલિનતા-એ બેનું સંગઠન છે, એ બે સુગ્રથિત છે, સારી રીતે ગૂંથાયેલાં છે. સાધક જીવને સાધકભાવ સાથે બાધકતા છે જ, ન હોય તો સર્વજ્ઞપણું હોય. આ બન્ને ભાવ- નિર્મળતા ને મલિનતા-પ્રગટ છે. અહાહા...! ભાષા શું છે જુઓ! ‘પ્રગટ શક્તિઓના સમૂહરૂપે સ્ફુરાયમાન’-એટલે કે નિર્મળ પર્યાયની શક્તિ-યોગ્યતા, અને મલિનતાની યોગ્યતા-બન્ને એક સાથે પ્રગટરૂપે મળેલી છે. અહીં શક્તિરૂપે ભગવાન પૂર્ણ છે એની વાત નથી. અહીં પર્યાયની યોગ્યતાની વાત છે. નિજ પૂર્ણાનંદ સ્વભાવનું અવલંબન લેતાં સ્વદ્રવ્યના આશ્રયે જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થયું તે, અને તેની સાથે ધર્મીને જે પંચમહાવ્રતાદિનો વિકલ્પ વર્તે છે તે-એ બન્ને એક સમયમાં સુગ્રથિત સમૂહરૂપે સ્ફુરાયમાન છે. એક સમયની દશામાં આ બન્ને ભાવો પ્રગટરૂપ છે. અહા! ગજબ વાત કરી છે! શું કળશ છે! પર્યાય-પર્યાયની સંભાળ લીધી છે.

અહા! જેની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે એવા સમ્યગ્દ્રષ્ટિ જીવને આત્મતત્ત્વની આવી વિચિત્રતા-નિર્મળતા ને મલિનતા બન્ને સાથે દેખાવા છતાં તેના મનને વિમોહિત કરતી નથી, મુંઝવતી નથી; અર્થાત્ ધર્મી જીવ મિથ્યાભાવને પ્રાપ્ત થતો નથી. અહાહા...! ધર્મીને એક સાથે સુખનું વેદન, અને અશુદ્ધતાનું-દુઃખનું વેદન હોય તોપણ તે મુંઝાતો નથી, માર્ગથી ચલિત થતો નથી. એક પર્યાયમાં જેટલો મોક્ષમાર્ગ પ્રગટ થયો એટલો આનંદનો ભાગ, અને જેટલો રાગ છે એટલો દુઃખનો ભાગ-એ બેય વસ્તુસ્થિતિ છે એમ ધર્મી બરાબર જાણે છે. હું (સ્વભાવે) નિર્મળ છું, છતાં આ રાગ કેમ? આ શું? -એમ ધર્મીને ભ્રમણા થતી નથી. આવી વાત છે.

* કળશ ૨૭૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

જુઓ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ઇત્યાદિ પાપભાવ છે, ને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ-પૂજાના વિકલ્પ તે પુણ્યભાવ છે; આ બન્ને ભાવ બંધનું કારણ છે. એ બન્નેથી ભિન્ન પડી, નિજ નિત્ય નિરંજન ચિન્માત્ર વસ્તુની દ્રષ્ટિ કરતાં પર્યાયમાં


PDF/HTML Page 4174 of 4199
single page version

આનંદના અનુભવ સહિત સમકિત પ્રગટ થાય છે. આ ધર્મ છે. અહાહા...! આમ જેને અંતરમાં ધર્મ પ્રગટયો છે એવા સમકિતી જ્ઞાનીને પોતાનું આત્મતત્ત્વ કેવું દેખાય છે એની આ વાત છે. તો કહે છે-

આત્મતત્ત્વ અનેક શક્તિઓવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેકાકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે...’

જુઓ, આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ-એની નિર્મળ પ્રતીતિ અને અનુભવ થવા છતાં ધર્મીને પર્યાયમાં વિકારનું વેદન-આસ્વાદ હોય છે. ધર્મીને શુદ્ધોપયોગમાં આનંદ અને શાંતિનું વેદન હોય છે. છતાં પુરુષાર્થની કમજોરીથી જેટલું લક્ષ પર ઉપર જાય છે તેટલો જ્ઞાનીને દુઃખનો આસ્વાદ-વેદન હોય છે; જોકે કર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે, પરંતુ પોતાની પર્યાયમાં જે નૈમિત્તિક વિકાર પ્રગટ થાય છે એનું વેદન ધર્મીને છે, અને તેનું જ્ઞાન એને યથાસ્થિત જાણે પણ છે. શરીર, વાણી ઇત્યાદિ જડનું વેદન તો (જ્ઞાની કે અજ્ઞાની) કોઈને હોતું નથી. પરંતુ જ્ઞાનીને, જેટલી અંતર-સ્વભાવમાં એકાગ્રતા છે એટલો આનંદ છે તોપણ, જેટલો રાગ વિદ્યમાન છે તેટલું તેને દુઃખનું આસ્વાદન-વેદન અવશ્ય છે.

વળી, કહે છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે. અહાહા...! ધર્મી જીવને પોતાના અંતરમાં ઉપયોગ લાગે છે, શુદ્ધોપયોગની દશા હોય છે ત્યારે એકાકાર શુદ્ધનો-પવિત્રતાનો જ અનુભવ હોય છે.

અને વળી કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે. એટલે શું? કે પોતાની ચિન્માત્ર વસ્તુના આશ્રયે જેટલી નિર્મળ આનંદની પરિણતિ પ્રગટ છે તેને ધર્મી જાણે છે અને સાથે જેટલો રાગ-મલિનભાવ છે તેને પણ જ્ઞાની જાણે છે. ધર્મીને શુદ્ધતાની સાથે કિંચિત્ રાગનું વેદન હોય છે તેમાં વિરોધ નથી. બે છે તો વિરુદ્ધભાવ પણ સાથે રહી શકે છે. ધર્મીને જેટલી વીતરાગતા થઈ તેટલું શુદ્ધતાનું-આનંદનું વેદન છે, ને સાથે જેટલો રાગ છે તેટલું દુઃખનું પણ વેદન છે. આમ એક સાથે આનંદ અને દુઃખના વેદનમાં વિરોધ નથી, છે તો બન્ને પરસ્પર વિરુદ્ધ, પણ બન્ને સાથે રહે છે એવી જ સાધકદશા હોય છે. બન્નેને જ્ઞાની એક સાથે જાણે છે.

જુઓ, તીર્થંકરને જન્મથી જ ક્ષાયિક સમકિત હોય છે. આઠ વર્ષની ઉંમરે સ્વભાવના વિશેષ આલંબનપૂર્વક પાંચમા ગુણસ્થાનને પ્રાપ્ત થઈ અણુવ્રત ધારણ કરે છે. તેમાં કોઈ તીર્થંકર ચક્રવર્તી પણ હોય તો તેને છન્નુ હજાર રાણીઓ અને તે સંબંધી ભોગ પણ હોય છે. ભોગમાં સુખબુદ્ધિ નથી તથાપિ ભોગની આસક્તિના પરિણામ હોય છે. આ આસક્તિના વેદનને તે દુઃખરૂપ જાણે છે. અને જેટલી શુદ્ધતા પ્રગટ વર્તે છે તેટલું શાંતિનું વેદન આવે છે તેને સુખરૂપ જાણે છે-બન્નેને તે એક સાથે જાણે છે. છઠ્ઠે ગુણસ્થાને ભાવલિંગી મુનિવરને શુભભાવ હોય છે તેને તે દુઃખરૂપ જાણે છે, અને આત્માના આશ્રયે જેટલી નિર્મળતા પ્રગટી છે તેટલું તેને આનંદનું વેદન હોય છે. સાધક ધર્મી આ બન્નેને એક સાથે જાણે છે. આવી સાધકદશા હોય છે. જુઓ, -

-મિથ્યાદ્રષ્ટિને એકાંત અશુદ્ધતાનું-દુઃખનું વેદન હોય છે. -ભગવાન કેવળીને એકાંત શુદ્ધતાનું-આનંદનું વેદન હોય છે. અને -સાધકને અંશે આનંદ અને અંશે દુઃખ-એમ બન્નેનું એક સાથે વેદન હોય છે. અહાહા...! પ્રભુ! તારી વિચિત્રતા તો દેખ! અનેક પ્રકારની યોગ્યતા પૈકી એક વિકારપણે પરિણમવાની યોગ્યતા પણ છે. સમકિતીને જે રાગ ઉત્પન્ન થાય છે તે પર્યાયની યોગ્યતા-શક્તિથી થાય છે, અને તેનો જ્ઞાની કર્તા અને ભોક્તા પણ છે. (પરિણમનની અપેક્ષા કર્તા-ભોક્તા કહ્યો છે, ધર્મી રાગનો સ્વામી છે એમ નહિ). પ્રવચનસાર, ૪૭ નયના અધિકારમાં કહ્યું છે કે-જ્ઞાનીને પણ જેટલો રાગ થાય છે એનો આધાર-અધિષ્ઠાતા આત્મા છે. પરંતુ જ્યાં પ્રયોજન દ્રવ્યદ્રષ્ટિ કરાવવાનું હોય ત્યાં રાગનો આધાર આત્મા નથી એમ કહેવામાં આવે છે. આવો ભગવાન કેવળીનો કહેલો મારગ અપૂર્વ અને સૂક્ષ્મ છે. ભાઈ! તેને એક વાર તારા જ્ઞાન-શ્રદ્ધાનમાં તો લે; તું ન્યાલ થઈ જઈશ.

હવે કહે છે-આવું વિચિત્ર આત્મતત્ત્વ છે ‘તોપણ યથાર્થ જ્ઞાની સ્યાદ્વાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાનમાત્રથી ચ્યુત થતો નથી.’ અહા! પર્યાયમાં રૌદ્રધ્યાનના પરિણામ હોય તોપણ સ્યાદ્વાદના બળથી ધર્મી ભ્રમિત થતો નથી; માર્ગથી ચલિત થતો નથી. પંચમ ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન હોય છે. તો રૌદ્રધ્યાન થતાં અરે! આ શું? ચિન્માત્ર એવા મને રૌદ્રધ્યાન! -એમ ચલિત થતો નથી. (બલકે વૈરાગ્ય પામે છે).

જુઓ, જેના પેટમાં તે જ ભવે મોક્ષગામી એવા લવ અને કુશના જીવો હતા એવાં સીતાજી માટે રામચંદ્રજીએ


PDF/HTML Page 4175 of 4199
single page version

સારથીને હુકમ કર્યો કે-સીતાજીને જ્યાં સિંહ ને વાઘ હોય એવા જંગલમાં લઈ જાઓ, અને ત્યાં છોડી દો. અરરર! આવા પરિણામ! સારથી પણ સ્તબ્ધ થઈ ગયો, પણ શું કરે? એક બાજુ નોકરી ને બીજી બાજુ રામચંદ્રનો હુકમ. સારથીએ સીતાજીને જંગલમાં છોડયાં તો પ્રથમ એકદમ આઘાત થયો, એમ કે આ શું? આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. થોડી વારમાં શાંત થયા પછી સીતાજીએ સારથીને કહ્યું કે-“રામચંદ્રજીને કહેજો કે હું ધર્માત્મા છું એમ જાણવા છતાં લોકાપવાદથી તમે મને તજી તો ભલે, પણ લોકાપવાદથી ધર્મ મા છોડશો; સમકિત ને આત્મશાંતિની દશાને મા છોડશો.” જુઓ, એ વખતે પણ આ અવાજ! પર્યાયમાં રાગ છે, આર્ત પરિણામ છે એનું ભાન છે, અને સ્વભાવથી હું રાગ રહિત છું એનું પણ ભાન છે. આમ ધર્મી સમકિતી પુરુષ ભ્રમિત થતો નથી, પરંતુ જેમ છે તેમ માને છે.

જુઓ, રામચંદ્રજી પણ પુરુષોત્તમ સમકિતી હતા. એમને પણ (પર્યાયમાં) શુદ્ધતા અને રૌદ્રતા-બે ભાવ એક સાથે હોવા છતાં પોતાના સ્વભાવથી ચ્યુત થયા નહિ. આ રીતે સ્યાદ્વાદના બળથી ધર્મી સ્વભાવથી ચ્યુત થતા નથી. આવી વાત! સમજાણું કાંઈ...?

કળશ–૨૭૩

આત્માનો અનેકાંતસ્વરૂપ (–અનેક ધર્મસ્વરૂપ) વૈભવ અદ્ભુત (આશ્ચર્યકારક) છે–એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ–

(पृथ्वी)
इतो गतमनेकतां दधदितः सदाप्येकता–
मितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात्।
इतः परमविस्तृतं धृतमितः प्रदेशैर्निजै–
रहो
सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम् ।। २७३।।

શ્લોકાર્થઃ– [अहो आत्मनः तद् इदम् सहजम् अद्भुतं वैभवम्] અહો! આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે કે–[इतः अनेकतां गतम्] એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે અને [इतः सदा अपि एकताम् दधत्] એક તરફથી જોતાં સદાય એકતાને ધારણ કરે છે, [ इतः क्षणः विभङ्गुरम्] એક તરફથી જોતાં ક્ષણભંગુર છે અને [इतः सदा एव उदयात् ध्रुवम्] એક તરફથી જોતાં સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે, [इतः परम– विस्तृतम्] એક તરફથી જોતાં પરમ વિસ્તૃત છે અને [इतः निजैः प्रदेशैः धृतम्] એક તરફથી જોતાં પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે.

ભાવાર્થઃ– પર્યાયદ્રષ્ટિથી જોતાં આત્મા અનેકરૂપ દેખાય છે અને દ્રવ્યદ્રષ્ટિથી જોતાં એકરૂપ દેેખાય છે; ક્રમભાવી પર્યાયદ્રષ્ટિથી જોતાં ક્ષણભંગુર દેખાય છે અને સહભાવી ગુણદ્રષ્ટિથી જોતાં ધ્રુવ દેખાય છે; જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દ્રષ્ટિથી જોતાં પરમ વિસ્તારને પામેલો દેખાય છે અને પ્રદેશોની અપેક્ષાવાળી દ્રષ્ટિથી જોતાં પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે. આવો દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. તે (સ્વભાવ) અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે! જ્ઞાનીઓને જોકે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે. ૨૭૩.


PDF/HTML Page 4176 of 4199
single page version

* કળશ ૨૭૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

પરમાત્મપુરાણમાં દર્શન અને જ્ઞાન-એ બેને અદ્ભુતરસમાં લીધા છે. ત્યાં કહ્યું છે કે આત્માની એક સમયની દર્શન અને જ્ઞાન એ બે પર્યાયમાંથી એક દર્શનની-દર્શનોપયોગની-પર્યાય લોકાલોકને અર્થાત્ આખા પૂર્ણ સત્ને ‘તે બધું અભેદ છે’ એમ દેખે છે. તેમાં ‘આ જીવ છે ને આ અજીવ છે’ એવો ભેદ પણ નથી. અરે, ‘આ છે’ એવો ભેદ પણ તેમાં નથી. જ્યારે બીજો એક સમયનો જ્ઞાનપર્યાય બધાને ભિન્ન-ભિન્ન કરીને ભેદથી જાણે છે. દ્રવ્યભેદ, ગુણભેદ, પર્યાયભેદ અને એક-એક પર્યાયમાં પણ અનંત ભેદ વગેરે બધાને ભિન્ન-ભિન્ન કરીને જ્ઞાન જાણે છે. આ રીતે, જે સમયે દર્શનનો પર્યાય બધાને ભિન્ન કર્યા વિના દેખે છે તે જ સમયે જ્ઞાનનો પર્યાય બધાને ભિન્ન-ભિન્ન કરીને જાણે છે. અને આ આત્માનો અદ્ભુત રસ છે. જ્યારે અહીંયા આત્મામાં કેવો અદ્ભુત વૈભવ છે તે કહેવું છે. તો, કહે છે કે,

‘अहो आत्मनः तद् इदम् सहजम् अद्भूतं वैभवम् અહો! આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે કે- इतः अनेकतां गतम् એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે.’ પર્યાયથી જોતાં આત્મા અનેકપણે દેખાય છે અને તે એવો છે પણ ખરો. લ્યો, આ પણ આત્માનો એક સ્વાભાવિક અદ્ભુત વૈભવ છે એમ કહે છે.

‘इतः सदा अपि एकताम् दधत् એક તરફથી જોતાં સદાય એકતાને ધારણ કરે છે.’ વસ્તુદ્રષ્ટિથી-દ્રવ્યદ્રષ્ટિથી જોતાં આત્મા એકરૂપ છે. અને આ પણ આત્માનો એક સહજ અદ્ભુત વૈભવ છે.

પ્રશ્નઃ– જગત તો આ બહારના પૈસાદિને વૈભવ કહે છે ને? સમાધાનઃ– ભાઈ! એ તો ધૂડનો વૈભવ છે. તે કયાં આત્મામાં હતો? તે એકેએક (દરેક) પરમાણુ તો તેનામાં-જડમાં છે. તેથી તે પૈસાદિ આત્માનો વૈભવ છે એમ કયાંથી આવ્યું?

અહીં તો આત્માનો વૈભવ એને કહે છે કે એક બાજુથી-પર્યાયદ્રષ્ટિથી-અનેકને જોવાની દ્રષ્ટિથી-જોઈએ તો પર્યાયમાં અનેકતા દેખાય છે અર્થાત્ અનંત પર્યાયો દેખાય છે. કેમકે અનંત ગુણોની અનંત પર્યાયો છે. અને એક બાજુથી-દ્રવ્યદ્રષ્ટિથી-વસ્તુદ્રષ્ટિથી-જોતાં આત્મા એકરૂપ દેખાય છે. જુઓ, આ અનેકતા પર્યાયમાં છે અને એકતા દ્રવ્યમાં છે એમ કહ્યું છે. તથા આત્મા સદાય एकताम् दधत्–એકતાને ધારણ કરે છે, ધારી રાખે છે એમ પણ કહ્યું છે.

‘इतः क्षण–विभङगुरम् એક તરફથી જોતાં ક્ષણભંગુર છે.’ એટલે? કે ક્રમે-ક્રમે થતી દશાની દ્રષ્ટિથી જોઈએ તો આત્મા ક્ષણભંગુર દેખાય છે.

રાજકોટમાં એક વેદાંતી બાવો હતો. તેણે એક વાર એવું સાંભળ્‌યું કે જૈનના એક સાધુ (પૂ. શ્રી કાનજીસ્વામી) અધ્યાત્મની બહુ ઊંચી વાત કરે છે. તેને તેથી થયું કે લાવ સાંભળવા જાઉં. તે સાંભળવા આવ્યો. પ્રવચનમાં ત્યારે એવું આવ્યું કે પર્યાયનો નાશ થાય છે માટે આત્મા પર્યાયથી અનિત્ય છે. તે બાવાને થયું કે શું આત્મા અનિત્ય હોય? આવો (અનિત્ય) આત્મા ન હોય, એ તો નિત્ય હોય. અવિનાશી આત્મા હોય તે બરાબર આત્મા છે. તેથી, ‘મારે આવું સાંભળવું નથી’ -એમ કહીને તે ચાલ્યો ગયો. પણ ભાઈ! પર્યાયથી આત્મા નાશવાન છે અને વસ્તુથી અવિનાશી છે. અને આ તો વસ્તુનું સ્વરૂપ છે.

પરંતુ આ તો જૈનનું છે? ભાઈ! જૈનનું એટલે કે વસ્તુનું આવું સ્વરૂપ છે. પરંતુ, જો વસ્તુમાં અનિત્યપણું ન જ હોય તો, કાર્ય તો અનિત્યપણામાં થાય છે? આ દ્રવ્ય ધ્રુવ છે, શુદ્ધ છે એવું (નિર્ણયરૂપી) કાર્ય તો પર્યાયમાં થાય છે? પ્રથમ પર્યાયમાં સાચું માન્યું નહોતું અને હવે તેને ફેરવીને (ટાળીને) સાચું માન્યું તો તે પર્યાયમાં મનાયું છે. અર્થાત્ અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. પણ કાંઈ નિત્ય નિત્યનો કે અનિત્યનો નિર્ણય કરતું નથી. કારણ કે એ નિત્ય તો નિત્ય જ છે. (તેમાં ફેરફાર થતો નથી.)

અહીં કહે છે કે એક તરફથી જોતાં પોતે પોતાથી ક્ષણભંગુર છે, ક્ષણે-ક્ષણે નાશ થવાવાળી ચીજ છે એમ દેખાય છે. જુઓ, પરને લઈને આત્મા ક્ષણભંગુર છે એમ નથી કહ્યું. તેમ જ પરવસ્તુની-કે જે ક્ષણભંગુર છે તેની- પણ


PDF/HTML Page 4177 of 4199
single page version

અહીંયા વાત નથી. એટલે કે પૈસા ને શરીરાદિ ક્ષણભંગુર છે એ વાત અત્યારે નથી. પરંતુ વસ્તુની (આત્માની) અવસ્થા એક સમય રહે છે ને બીજે સમયે તેનો નાશ થાય છે તેથી ક્રમવર્તી દશાથી જોતાં આત્મા જ ક્ષણભંગુર દેખાય છે એમ કહેવું છે.

અહા! પહેલાં એમ વાત કરી હતી કે એક તરફથી-પર્યાયદ્રષ્ટિથી જોતાં આત્મામાં અનેકતા દેખાય છે અને એક તરફથી-દ્રવ્યદ્રષ્ટિથી જોતાં તેમાં એકતા દેખાય છે. -બસ, એટલી વાત હતી. જ્યારે હવે કહે છે કે એક તરફથી જોતાં ક્ષણે ક્ષણે નાશવાનપણું દેખાય છે. પર્યાય ઉત્પન્ન થઈને નાશ પામે છે. તેથી તે દ્રષ્ટિથી જોઈએ તો પર્યાયમાં- આત્મામાં ક્ષણભંગુરતા છે, આત્માની પર્યાય ક્ષણભંગુર છે. મતલબ કે પર્યાય ક્રમસર થાય છે તે અપેક્ષાએ આત્માને ક્ષણભંગુર કહેવામાં આવે છે. અને આને પોતાનો સ્વાભાવિક વૈભવ કહ્યો છે.

અહા! એક-એક શ્લોકમાં કેટલું ભરી દીધું છે! પણ જો શાંતિથી પોતાના આત્મા માટે થોડો સ્વાધ્યાય કરે તો ખબર પડે કે અહો! આવી ચીજ બીજે છે નહીં અને વસ્તુ આવી જ હોય. અરે! આવા નિજ આત્મા તરફના વિચાર, મનન, મંથન કરે તો તેનો શુભભાવ પણ બીજી જાતનો હોય છે. પરંતુ તે તો બહારમાં અટકયો છે.

જુઓ, પૈસા આદિને લઈને આત્મા અનેક છે એમ નહીં. પરંતુ પર્યાયમાં અનેકપણું છે તેથી તે અનેક છે. તથા પૈસા ને શરીરાદિ નાશવાન છે માટે આત્મા ક્ષણભંગુર છે એમ પણ નહીં. પરંતુ તેની પર્યાય જ નાશવાન હોવાથી તે ક્ષણભંગુર છે એમ કહે છે. લ્યો, આવી ચીજ છે.

‘इतः सदा एव उदयात् ध्रुवम् એક તરફથી જોતાં સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે.’ જુઓ, સદાય ને ધ્રુવ-એ બે શબ્દો એક સાથે કહ્યા છે. તો કહે છે કે એક તરફથી જોતાં સદાય નામ ત્રણે કાળ આત્માનો ઉદય હોવાથી ધ્રુવ છે. એટલે કે એ તો છે તેવો છે-ત્રણે કાળ ધ્રુવ છે... ધ્રુવ છે... ધ્રુવ છે. અને તેથી ક્ષણે ક્ષણે નાશ થવું એ તેમાં નથી. પર્યાય ક્ષણભંગુર છે ને? તેથી તેની સામે કહે છે કે આત્મા ત્રિકાળ એકરૂપ રહેનાર છે. લ્યો, આ આત્માનો વૈભવ બતાવાય છે.

અહાહા! એક તરફથી જોતાં આત્મા સદાય એક જ પ્રકારે-ધ્રુવપણે રહે છે. પર્યાય બદલતી રહે છે પણ ધ્રુવ બદલતું નથી. અને આવો તેનો સ્વભાવ છે. અહીં તો પ્રમાણજ્ઞાનનો વિષય બતાવે છે ને! આત્માનું-પોતાનું અસ્તિત્વ કેટલામાં છે તેનું જ્ઞાન કરાવે છે ને! તેથી ભલે પર્યાય ક્ષણભંગુર હો-ક્ષણે ક્ષણે નાશ પામતી હો-તોપણ તે છે તો આત્માનો વૈભવ એમ કહે છે. અર્થાત્ પોતાનામાં પોતાને લઈને પર્યાય છે પણ પરને લઈને તે છે નહીં. અહા! મૂળ ચીજને પહોંચવા માટે તો અનેક પ્રકારના પુરુષાર્થની ઉગ્ર ગતિ જોઈએ.

અહીં કહે છે કે ભગવાન આત્મા, એક તરફથી જોતાં, ત્રિકાળ ધ્રુવ-એકરૂપ છે. મતલબ કે તે છે... છે... ને છે. અને એક બાજુથી જોતાં તે છે... છે... ને છે એમ નહીં પણ તે છે ને નાશ પામે છે, છે ને નાશ પામે છે. એટલે કે આત્મા દ્રવ્યે સદા ધ્રુવ, એકરૂપ ને સદૃશ છે. અને પર્યાયે ક્ષણભંગુર, વિસદૃશ છે. પર્યાય ક્ષણે ક્ષણે ઉત્પન્ન થઈને જાય, ઉત્પન્ન થઈને જાય છે; તેનાં સૃષ્ટિ ને નાશ, સૃષ્ટિ ને નાશ થાય છે; તેનાં જન્મ ને મરણ, જન્મ ને મરણ થાય છે. જન્મ નામ ઉપજવું, સૃષ્ટિ થવી, ઉત્પત્તિ થવી. અને મરણ નામ નાશ થવું. એક સમયની પર્યાયની ઉત્પત્તિ થવી તે તેનો જન્મ છે અને બીજે સમયે તે ક્ષણભંગુર પર્યાયનો નાશ થવો તે તેનું મરણ છે. લ્યો, આ રીતે પર્યાયમાં જન્મ-મરણ છે. અર્થાત્ તેના ઉત્પત્તિ ને વ્યય; સૃષ્ટિ ને નાશ; જન્મ ને મરણ તો પર્યાયમાં છે. અહા! આત્મતત્ત્વના સહજ વૈભવનું સ્વરૂપ આવું છે. અને તેને દ્રષ્ટિપૂર્વક જ્ઞાનમાં બરાબર લેવું જોઈએ.

-આ રીતે પર્યાયમાં (૧) અનેકતા ને (૨) ક્ષણભંગુરતા તથા દ્રવ્યમાં (૧) એકતા ને (૨) ધ્રુવતા છે એમ વર્ણવ્યું. હવે (ત્રીજા બોલમાં) ક્ષેત્રથી વર્ણવે છે.

‘इतः परम–विस्तृतम् એક તરફથી જોતાં પરમ વિસ્તૃત છે.’ એક તરફથી જોતાં આત્મા એક સમયમાં લોકાલોકને જાણે છે તેથી જાણે કે તેટલો વ્યાપક હોય એમ દેખાય છે. વસ્તુ આત્મા એક સમયમાં એક સાથે જાણે ત્રણ કાળ ને ત્રણ લોકમાં વ્યાપી જાય છે એટલે કે તેનું જ્ઞાન સર્વગત થઈ જાય છે-સર્વને જાણી લે છે તેથી જાણે કે તે તેટલો વિશાળ છે એમ દેખાય છે. આત્મા અત્યારે પણ આવો છે હો. જો કે અહીં તો અત્યારે સાધકજીવની વાત છે. તો, સાધકજીવનો પણ એક સમયનો જ્ઞાનપર્યાય લોકાલોકને-જેટલા અનંત સિદ્ધો આદિ છ દ્રવ્યો છે તે બધાને- જાણે છે. માટે, એક બાજુથી જુએ-જાણે તો એમ જણાય કે જાણવાની અપેક્ષાએ આત્માનો ક્ષેત્રથી તેટલો વિસ્તાર છે. કારણ


PDF/HTML Page 4178 of 4199
single page version

કે તે બધાને જાણે છે ને!

‘इतः निजैः प्रदेशैः धृतम् એક તરફથી જોતાં પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે.’ પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન ધારી રાખ્યું છે તે અપેક્ષાએ તેને વિસ્તૃત કહ્યો હતો. અને હવે કહે છે કે દ્રવ્યની અપેક્ષાએ જુઓ તો આત્માએ માત્ર પોતાના ક્ષેત્રને ધારી રાખ્યું છે (-પોતાના ક્ષેત્રમાં રહેલો છે) પરંતુ પર વસ્તુને ધારી નથી, પર વસ્તુને પોતાના પ્રદેશોમાં ધારણ કરી નથી. અહા! પર્યાયમાં પરનું વિશાળ જ્ઞાન છે તે અપેક્ષાએ આત્માને સર્વગત કહેવામાં આવે છે એટલે કે જાણવાની અપેક્ષાએ તે સર્વગત છે પણ પરમાં ક્ષેત્ર અપેક્ષાએ વ્યાપવા તરીકે કે પેસી જવા તરીકે તે સર્વગત છે એમ નથી. કારણ કે આત્મા લોકાલોકને જાણે છે તેથી જાણે કે તેટલા ક્ષેત્રમાં વ્યાપેલો છે એમ દેખાવા છતાં તે પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો છે.

તો અહીં કહ્યું કે એક બાજુથી જુઓ તો આત્મા પોતાના પ્રદેશોમાં-સ્વક્ષેત્રમાં જ છે. પણ પરક્ષેત્રમાં છે નહીં. જો કે એક તરફથી જોતાં તેણે પર પ્રદેશોને જાણે કે પોતાની પર્યાયમાં ધાર્યા હોય એમ દેખાય છે તોપણ વસ્તુથી જોતાં તે આત્મા સ્વક્ષેત્રમાં-પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ છે. પર પ્રદેશોને પોતાની પર્યાયમાં ધાર્યા છે તેનો અર્થ એ છે કે સ્વયં જાણનારું એ પર્યાયનું જ્ઞાન લોકાલોકના ક્ષેત્રમાં જાણવાની અપેક્ષાએ વ્યાપક થઈ જાય છે.

જુઓ, આ રીતે પર્યાયના બે બોલ કહ્યા કે (૧) પર્યાયમાં અનેકતા છે ને (૨) પર્યાય ક્ષણભંગુર છે. તથા ક્ષેત્રના આ રીતે બે બોલ કહ્યા કે (૧) તે સર્વને જાણે છે એ અપેક્ષાએ સર્વગત છે ને (૨) છતાં અનાદિથી તે પોતાના પ્રદેશોમાં જ છે. અને આવો તેનો સહજ અદ્ભુત વૈભવ છે. અહા! આવી વાત બીજે છે નહીં, હોય જ નહીં. લ્યો, આવા અદ્ભુત કળશો છે! આ પહેલાનો ૨૭૧મો શ્લોક બહુ ઊંચો હતો. તેમાં કહ્યું હતું કે જાણનારો પણ પોતે, જે જણાય તે જ્ઞેય પણ પોતે અને જે જાણે તે જ્ઞાન પણ પોતે. બાપુ! આવું છે.

અહા ભાઈ! આ તારો વૈભવ છે. અને તે પણ કેવો છે? કે પૂર્વાપર વિરોધી જેવો લાગવા છતાં પણ અવિરોધી છે. અહા! (૧) પર્યાયમાં અનેકપણું દેખાવા છતાં વસ્તુ તરીકે તે (આત્મા) એક છે. (૨) ક્રમે થતી પર્યાય ક્ષણભંગુર-નાશવાન દેખાવા છતાં વસ્તુ તરીકે તે એકરૂપ (ધ્રુવ) છે. (૩) એક સમયનો જાણવાનો પર્યાય જાણે કે લોકાલોકમાં વ્યાપી ગયો હોય અર્થાત્ તેણે પોતાના પ્રદેશોમાં જાણે કે

લોકાલોકને ધાર્યા હોય એમ દેખાવા છતાં તે પોતે નિજ અસંખ્ય પ્રદેશોમાં જ છે.
અર્થાત્

(૧) આત્મામાં એકતા સાથે અનેકતા હોય છે. (એક જ સમયે એકતા ને અનેકતા હોય છે.) (૨) આત્મા વસ્તુ તરીકે કાયમ રહીને અવસ્થા તરીકે ક્રમે-ક્રમે બદલે છે. (૩) આત્મા એક સાથે (એક જ સમયે) સ્વક્ષેત્રમાં રહેલો છે એવો દેખાવા છતાં લોકાલોકને (જાણવાની અપેક્ષાએ)

ધારે છે એવો પણ દેખાય છે.

લ્યો, આવો આત્મા છે અને આવો તેનો વૈભવ છે.

અન્યમાં આવે છે કે ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં...’ પણ એ ‘આતમા તત્ત્વ’ એટલે આવો આત્મા હો. બાકી આતમા... આતમા એમ ભાષા તો ઘણાંય કરે છે. અહીંથી આત્માની વાત બહુ નીકળી એટલે હવે બીજા ઘણાં પણ આતમા... આતમા... એમ ભાષા લઈને વાતો કરે છે. પણ ભાઈ! ‘આત્મા’ શબ્દ આવ્યો એટલે શું થયું? સર્વજ્ઞ પરમેશ્વરે આ આત્મવસ્તુને આવી રીતે જે જોઈ છે તે રીતે તેની દ્રષ્ટિમાં આવે ત્યારે તેણે આત્મા જાણ્યો કહેવાય છે. બાકી આતમા... આતમા... કરવાથી શું થાય? (કાંઈ જ ફાયદો ન થાય.)

* કળશ ૨૭૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આ કળશમાં દ્રવ્ય-પર્યાયનો ભેદ બતાવ્યો છે ને! એટલે કહે છે કે ‘પર્યાયદ્રષ્ટિથી જોતાં આત્મા અનેકરૂપ દેખાય છે.’ કેમકે પર્યાયો અનેક છે. પર્યાયદ્રષ્ટિથી બીજી રીતે જોવાનું પછી કહેશે. અર્થાત્ બીજા બોલમાં ક્રમભાવી પર્યાયદ્રષ્ટિથી જોવાનું કહેશે. જ્યારે આ પહેલા બોલમાં એકલી પર્યાયદ્રષ્ટિથી જોવાનું કહે છે. એટલે કે પર્યાયદ્રષ્ટિથી જોતાં અનંત ગુણોની અનંત અવસ્થાઓ દેખાય છે. -બસ, એટલી વાત કહે છે. તો, અહીં કહ્યું કે અવસ્થાદ્રષ્ટિથી જોતાં આત્મા


PDF/HTML Page 4179 of 4199
single page version

અનેકરૂપ-અનંતરૂપ દેખાય છે.

‘અને દ્રવ્યદ્રષ્ટિથી જોતાં એકરૂપ દેખાય છે.’ જુઓ, દ્રવ્યદ્રષ્ટિથી જોવાનું કહ્યું છે. અને દ્રવ્યદ્રષ્ટિનો વિષય દ્રવ્ય છે. તો, દ્રવ્યદ્રષ્ટિથી-વસ્તુદ્રષ્ટિથી આત્મદ્રવ્ય-વસ્તુને જોતાં તે ત્રિકાળ એકરૂપ દેખાય છે. પણ તેમાં અનેકતા દેખાતી નથી.

લ્યો, આ રીતે અનેકરૂપ પણ આત્મા છે ને એકરૂપ પણ આત્મા છે. અહા! તે સમજણનો પીંડ છે. તેથી તેના જ્ઞાનમાં આ બધા સમજવાના પ્રકારો સમાય જાય છે. અર્થાત્ આત્મજ્ઞાન થતાં, આત્મામાં આવા જે ભાવો છે તે બધા તેના સમજણમાં આવી જાય છે. અને ત્યારે તેણે આત્માને જાણ્યો છે એમ કહેવામાં આવે છે. અહા! અન્યમતમાં તો ભગવાન... ભગવાન... કરો, ભગવાનની ધૂન લગાવો એમ કહે છે. પણ ભાઈ! એવી ધૂન લગાવવાથી શું મળે? (કાંઈ નહીં.) કેમકે એ તો વિકલ્પ છે. છતાં, તેવો વિકલ્પ હો. પરંતુ તેની સાથે-સાથે નિર્વિકલ્પ, એક શુદ્ધ આત્મા છે તે તારી દ્રષ્ટિમાં છે કે નહીં? (જો છે તો તું જ્ઞાની છો. નહીંતર અજ્ઞાની છો.)

જુઓ, અહીં અશુદ્ધતા છે તેટલી જ વાત કરવી છે હો. મતલબ કે અહીં તો શુદ્ધતા ને અશુદ્ધતા-એ બેનું આત્મામાં હોવાપણું છે તેટલી બસ વાત કરવી છે. પણ અશુદ્ધતા છે માટે શુદ્ધતા પ્રગટશે એમ કાંઈ અહીં વાત કહેવી નથી.

પ્રશ્નઃ– સોનગઢવાળા તો વ્યવહાર માનતા નથી? સમાધાનઃ– વ્યવહાર છે તેની કોણ ના પાડે છે? જો વ્યવહાર નથી તો પર્યાય પણ નથી. કેમકે પર્યાય પોતે વ્યવહાર છે. હા, વ્યવહારથી નિશ્ચય થાય છે એમ વાત નથી. (-એમ માનતા નથી.)

હવે પર્યાયદ્રષ્ટિથી બીજી રીતે જોવાની વાત કરે છેઃ ‘ક્રમભાવી પર્યાયદ્રષ્ટિથી જોતાં ક્ષણભંગુર દેખાય છે.’ આ બોલમાં પર્યાયદ્રષ્ટિથી આત્મા અનેકરૂપ દેખાય છે એમ નહીં પણ તે ક્ષણભંગુર દેખાય છે એમ કહે છે. અર્થાત્ ક્ષણે ક્ષણે નાશ થવું એવો તેનો સ્વભાવ છે એમ કહે છે.

પ્રશ્નઃ– પહેલા બોલમાં તો ‘પર્યાયદ્રષ્ટિથી જોતાં’ -એમ કહી દીધું છે. તો પછી, હવે આ વળી નવું શું કહ્યું કે ‘ક્રમભાવી પર્યાયદ્રષ્ટિથી જોતાં’?

સમાધાનઃ– ભાઈ! આ પર્યાયદ્રષ્ટિથી બીજી રીતે જોવાની વાત છે. પહેલા બોલમાં એમ કહ્યું હતું કે પર્યાયદ્રષ્ટિએ અવસ્થાને જોઈએ તો તે અનેક છે. અને હવે બીજા બોલમાં એમ કહે છે કે ક્રમે થતી અવસ્થાદ્રષ્ટિએ જોઈએ તો તે ક્ષણભંગુર છે.

અહા! હવે આમ વાત છે ત્યાં ક્ષણભંગુર એવા વાણી ને શરીરાદિ તો કયાંય રહી ગયા. સ્ત્રી-પુત્રાદિનો સંયોગ સંધ્યાના રંગ જેવો છે, ઘડીકમાં કાળાં અંધારા થઈ જશે. અર્થાત્ તે બધુંય નાશવાન છે એમ વાત આવે છે. પરંતુ તે વાત અહીંયા નથી. અહીંયા તો પર્યાય નાશવાન છે એમ કહે છે. પર્યાય એક સમયને માટે અસ્તિત્વપણે થઈને રહે છે. ને બીજે સમયે તે જાય છે-નાશ પામે છે. (પર્યાયનું અસ્તિત્વ એક સમયનું છે.) અહા! સત્ને સિદ્ધ કરવું હોય તો કોઈનો આશરો લેવો પડે નહીં. કેમકે સત્ તો સત્ જ છે. તેથી તેના સ્થાપનમાં બધુંય સીધું સત્ જ ચાલ્યું આવે. જ્યારે ખોટું સ્થાપન કરવું હોય તો અનેક ગરબડ કરવી પડે. જુઓને! અહીં કેટલું સ્પષ્ટ કહ્યું છે. પ્રભુ! આ તો વસ્તુ જ આવી છે ભાઈ!

‘સહભાવી ગુણદ્રષ્ટિથી જોતાં ધ્રુવ દેખાય છે.’ જુઓ, પહેલા બોલમાં પર્યાયદ્રષ્ટિ ને દ્રવ્યદ્રષ્ટિ લીધી હતી. અને હવે આ બીજા બોલમાં પર્યાયદ્રષ્ટિ ને ગુણદ્રષ્ટિ લે છે. માટે, તે બે બોલમાં ફેર છે.

શું કહ્યું તે સમજાણું કાંઈ? કે પહેલા બોલમાં પર્યાયદ્રષ્ટિથી અનેકપણું ને દ્રવ્યદ્રષ્ટિથી એકપણું દેખાય છે એમ કહ્યું હતું. જ્યારે હવે બીજા બોલમાં પર્યાયદ્રષ્ટિ લીધી છે ખરી પણ ક્રમે ક્રમે થતી પર્યાયદ્રષ્ટિ લીધી છે. તેમ જ ક્રમભાવી પર્યાયદ્રષ્ટિ ને અક્રમભાવી (સહભાવી) ગુણદ્રષ્ટિથી જોવાની વાત આ બીજા બોલમાં લીધી છે.

તો, કહે છે કે ક્રમે-ક્રમે થતી પર્યાયદ્રષ્ટિથી જુઓ તો તે ક્ષણભંગુર છે અને સહભાવી ગુણદ્રષ્ટિથી જુઓ તો તે ધ્રુવ છે. જુઓ, પહેલા બોલમાં પર્યાયદ્રષ્ટિની સામે દ્રવ્યદ્રષ્ટિની વાત હતી. જ્યારે આ બીજા બોલમાં પર્યાયદ્રષ્ટિની સામે ગુણદ્રષ્ટિની વાત કહી છે. કેમકે ક્રમભાવીની સામે અક્રમભાવી (સહભાવી) કહેવું છે ને! તો, અક્રમભાવી ગુણ છે. તથા સહભાવી કહેવું છે તો અનેક પણ કહેવા છે ને! તો, દ્રવ્ય એક છે જ્યારે ગુણ અનંત છે. અને તે ગુણો સહભાવી-


PDF/HTML Page 4180 of 4199
single page version

એક સાથે રહે છે. (તેથી, આ બોલમાં ગુણદ્રષ્ટિ લીધી છે.)

અહા! બધી પર્યાય એક સાથે ન હોય. એક સમયે-એક સાથે એક સમયની એક જ પર્યાય હોય છે. અને તે કારણે તે દ્રષ્ટિથી જોતાં આત્મા ક્ષણભંગુર છે. અને ગુણો એક સાથે જ સદાય હોય છે. તે કારણે તે દ્રષ્ટિથી જોતાં આત્મા ધ્રુવ છે. અહા! સૂક્ષ્મ તો છે ભાઈ! કેમકે આ મારગ જ આવો છે. ને પરમ સત્ય જ આવું છે. તેથી આકરું લાગે કે ન લાગે, તેણે આ રીતે જાણવું જોઈશે. સંસારના દાવાનળથી છુટવું હોય તો તેણે આત્માનો આવો સ્વભાવ છે એમ બરાબર અંતર અનુભવથી નિર્ણય લેવો પડશે. (કરવો પડશે.)

જુઓને, વ્હાલામાં વ્હાલો એકનો એક દીકરો મરી જાય તો બાપ ગાંડો થઈ જાય છે. પણ એ તો એ સમયનો જીવનો પર્યાય બદલાવાનો જ હતો તો બદલાય છે. તે કાંઈ બીજાના કારણે બદલાતો નથી. આ શરીરાદિ તો દૂર રહ્યા પરંતુ આ તો જીવની પર્યાય બદલાય છે તેની વાત છે. તો કહે છે કે આ ભવનો પર્યાય છૂટી બીજા સમયે બીજા ભવનો પર્યાય થવાનો જ હતો તો થયો છે. અરે! ગતિ તરીકે કયા આ મનુષ્યપણાની પર્યાય ને કયાં બીજે સમયે સીધો બીજો ભવ. અને અજ્ઞાનીના તો મમતામાં-બહિર્લક્ષી દ્રષ્ટિમાં-દેહ છૂટે છે, પર્યાય બદલાય છે.

અહીં કહે છે કે આ મનુષ્યપણાની પર્યાયનો નાશ થઈને બીજે સમયે બીજી ગતિની પર્યાય ઉત્પન્ન થાય એવો તેની પર્યાયનો ક્ષણભંગુર સ્વભાવ છે. અને સહભાવી ગુણદ્રષ્ટિથી જોઈએ તો તે ધ્રુવ દેખાય છે. સહભાવી એટલે કે બધા ગુણો એક સાથે હોય છે. જ્યારે બધી પર્યાયો એક સાથે ન હોય. હા, અનંત ગુણની વર્તમાન અનંત પર્યાયો એક સાથે હોય છે. પરંતુ એક ગુણની એક પર્યાય સાથે તે જ ગુણની બીજી પર્યાય ન હોય.

‘જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દ્રષ્ટિથી જોતાં પરમ વિસ્તારને પામેલો દેખાય છે.’ જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો લોકાલોક જાણે કે જ્ઞાનની પર્યાયમાં આવી ગયા હોય એમ દેખાય છે. અર્થાત્ તે સર્વગત છે, બધુંય જાણે છે. અરે! અલોકનો અંત નથી છતાં તેનું જ્ઞાનમાં ભાન થઈ જાય છે એમ કહે છે. તો, કહ્યું કે લોકાલોકનો વિસ્તાર જ્ઞાનની પર્યાય જાણી જાય છે તેથી જાણે કે આત્મા તેટલો વિસ્તૃત છે એમ દેખાય છે. અને આવો જ આત્માનો અદ્ભુત વૈભવ છે.

‘પ્રદેશોની અપેક્ષાવાળી દ્રષ્ટિથી જોતાં પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે’ આત્મા તેમ જ તેની જ્ઞાનપર્યાય પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ છે. તે કાંઈ બીજાના પ્રદેશોમાં કે બીજાની પર્યાયપણે થઈને રહ્યા નથી.

જુઓ, હવે બધાનો સરવાળો લે છે કે ‘આવો દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે.’ સંપ્રદાયના અમારા ગુરુભાઈ જૈનના બેરિસ્ટર કહેવાતા. છતાં તે એવું કહેતા કે ધર્માસ્તિકાયમાં બે જ ગુણ હોય- અરૂપી ને ગતિહેતુત્વ. ત્રીજો કોઈ ગુણ હોય તો લાવો, બતાવો. માટે તેમાં અનંત ગુણ કેવા? પણ ભાઈ! બીજાં ગુણો ન કહ્યા હોય તોપણ તે દ્રવ્ય છે તો તેમાં અનંત ગુણ હોય જ. અને તેથી તો અહીંયા કહે છે કે દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. દ્રવ્ય એટલે વસ્તુ, પર્યાય એટલે અવસ્થા ને આત્મક એટલે સ્વરૂપ.

હવે અજ્ઞાની ને જ્ઞાનીની વાત કરે છેઃ ‘તે (સ્વભાવ) અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે!’ અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજે છે કે આ શું કહે છે?

(૧) તેની તે વસ્તુ અનેક ને તેની તે વસ્તુ એક; (૨) તેની તે વસ્તુ ક્ષણભંગુર ને તેની તે વસ્તુ ધ્રુવ; (૩) તેની તે વસ્તુ સર્વવ્યાપક ને તેની તે વસ્તુ સ્વક્ષેત્રમાં રહે. -આ શું કહે છે? આ તો અસંભવિત જેવી વાત લાગે છે. આવું સંભવે નહીં, અમને કાંઈ આ વાત બેસતી નથી- એમ અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજે છે. પણ ભાઈ! તને ખબર નથી બાપુ! કે વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અને તે જ યોગ્ય છે.

આ રીતે અજ્ઞાનીને એકલું આશ્ચર્ય થાય છે જ્યારે ‘જ્ઞાનીઓને જોકે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી’ કેમકે વસ્તુનો સ્વભાવ જ એવો છે. ‘તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે.’ જ્ઞાનીને આશ્ચર્ય થાય છે કે અહો! આ કેવી અદ્ભુત વસ્તુ છે.