PDF/HTML Page 4181 of 4199
single page version
અહા! આત્મા (૧) પર્યાય અપેક્ષાએ અનેક છે ને દ્રવ્ય અપેક્ષાએ એક છે. (૨) પર્યાય અપેક્ષાએ નાશવાન છે ને દ્રવ્ય અપેક્ષાએ નાશવાન નહીં પણ ધ્રુવ છે. (૩) જ્ઞાન (જાણવાની) અપેક્ષાએ તેનો વિસ્તાર જોઈએ તો જાણે કે લોકાલોકને ગળી ગયો હોય તેટલો છે. અને બીજી તરફથી ક્ષેત્ર અપેક્ષાએ જોતાં તે પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ સમાયેલ છે. -આવો જ વસ્તુનો સ્વભાવ છે તેથી જ્ઞાનીને આશ્ચર્ય થતું નથી. અને તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે અર્થાત્ આવા વસ્તુસ્વભાવને જ્યાં જોવા ને તેમાં ઠરવા જાય છે ત્યાં તેમને અદ્ભુત આનંદ થાય છે. અને તેથી આશ્ચર્ય પણ થાય છે. એટલે કે તે અદ્ભુત આનંદને લઈને જ્ઞાનીને આશ્ચર્ય પણ થાય છે એમ કહે છે.
અહા! અજ્ઞાનીને આવો તે વસ્તુસ્વભાવ હોય? -એમ આશ્ચર્ય થાય છે. જ્યારે જ્ઞાનીને આ આનંદ કયાંથી આવ્યો? -એમ આશ્ચર્ય ને આનંદ-બન્ને થાય છે. અહા! પર્યાયમાં એકલું દુઃખ ને એકલી આકુળતા હતી. કયાંય (પર્યાયમાં) ગંધમાત્ર પણ આનંદ નહોતો. તેમાં આ આનંદ કયાંથી-કઈ ખાણમાંથી-આવ્યો? ધ્રુવની ખાણમાંથી તે આનંદ આવ્યો છે. આ રીતે તેને આનંદ પણ થાય છે ને આશ્ચર્ય પણ થાય છે.
ફરી આ જ અર્થનું કાવ્ય કહે છેઃ–
भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः।
जगत्त्रितयमेकतः स्फुरति चिच्चकास्त्येकतः
શ્લોકાર્થઃ– [एकतःकषाय–कलिः स्खलति] એક તરફથી જોતાં કષાયોનો કલેશ દેખાય છે અને [एकतःशान्तिः अस्ति] એક તરફથી જોતાં શાન્તિ (કષાયોના અભાવરૂપ શાંત ભાવ) છે; [एकतः भव– उपहतिः] એક તરફથી જોતાં ભવની (–સંસાર સંબંધી) પીડા દેખાય છે અને [एकतः मुक्तिः अपि स्पृशति] એક તરફથી જોતાં (સંસારના અભાવરૂપી) મુક્તિ પણ સ્પર્શે છે; [एकतः त्रितयम् जगत् स्फुरति] એક તરફથી જોતાં ત્રણ લોક સ્ફુરાયમાન છે (–પ્રકાશે છે, દેખાય છે) અને [एकतः चित् चकास्ति] એક તરફથી જોતાં કેવળ એક ચૈતન્ય જ શોભે છે. [ आत्मनः अद्भुतात् अद्भुतः स्वभाव–महिमा विजयते] (આવો) આત્માનો અદ્ભુતથી પણ અદ્ભુત સ્વભાવમહિમા જયવંત વર્તે છે (–કોઇથી બાધિત થતો નથી).
ભાવાર્થઃ– અહીં પણ ૨૭૩ મા કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું. આત્માનો અનેકાંતમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. તેને આ વાતમાં વિરુદ્ધતા ભાસે છે. તે આવા અનેકાંતમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી–જીરવી શકતો નથી. જો કદાચિત્ તેને શ્રદ્ધા થાય તોપણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદ્ભુતતા લાગે છે કે ‘ અહો આ જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે; મેં અનાદિ કાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો!’–આમ આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે. ૨૭૪.
અહા!જુઓ, આ આત્મા એક વસ્તુ છે. તો સાધકપણામાં એના દ્રવ્ય-પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ ધર્મીને કેવું ભાસે
PDF/HTML Page 4182 of 4199
single page version
છે તેની વાત કરે છેઃ
‘एकतः कषाय–कलिः स्खलति’ એક તરફથી જોતાં કષાયોનો ક્લેશ દેખાય છે અને ‘एकतः शान्तिः अस्ति’ એક તરફથી જોતાં શાંતિ (કષાયોના અભાવરૂપ શાંત ભાવ) છે;...
જુઓ, પર્યાયમાં રાગાદિ છે તે કષાયોની ભડભડતી ભઠ્ઠી છે, ક્લેશ છે. જો રાગાદિ ન હોય તો પરમ અનાકુળ સિદ્ધ દશા હોય. પણ પર્યાયને જોતાં કષાયોની આકુળતા ને ક્લેશ દેખાય છે; અને એક તરફથી અર્થાત્ દ્રવ્યની દ્રષ્ટિથી જોતાં શાંતિ-કષાયોના અભાવસ્વરૂપ શાંતભાવ છે. નિજ અકષાય સ્વભાવની દ્રષ્ટિથી જોતાં શાંતિનો પિંડ પ્રભુ આત્મા છે એમ દેખાય છે, તેને દેખનારી દ્રષ્ટિ પણ કષાયના અભાવરૂપ શાંતભાવમય છે. આવું અદ્ભુત સ્વરૂપ છે. હવે કહે છે-
‘एकतः भव–उपहतिः’ એક તરફથી જોતાં ભવની (-સંસાર સંબંધી) પીડા દેખાય છે અને ‘एकतः मुक्तिः अपि स्पृशति’ એક તરફથી જોતાં (સંસારના અભાવરૂપ) મુક્તિ પણ સ્પર્શે છે;...
જોયું? પર્યાયમાં નર-નારકાદિ ગતિ છે, તે સંબંધીના રાગથી જીવ હણાય છે, પીડાય છે. આમ પર્યાયથી જુઓ તો નર-નારકાદિ ગતિ સંબંધી પીડા દેખાય છે, અને એક તરફથી અર્થાત્ દ્રવ્યના સ્વભાવથી જુઓ તો દ્રવ્ય તો ભવના અભાવસ્વરૂપ મુક્ત છે એમ દેખાય છે. કોઈ કળશમાં આવે છે કે પર્યાયનું લક્ષ છોડી દે તો વસ્તુ મુક્ત જ છે. અહીં ‘મુક્તિને સ્પર્શે છે’ એમ કહ્યું છે ને? મતલબ વસ્તુ જે મુક્તસ્વભાવી છે તેનો આશ્રય લેતાં આ મુક્ત હું છું એમ પર્યાયમાં ભાસે છે, લ્યો, આવો મહા અદ્ભુત આત્માનો સ્વભાવ છે.
અહા! આ શરીર ઉપરથી દેખો તો જાણે સુંવાળું ચામડું હોય એવું દેખાય છે. એને જ અંદરના ભાગથી દેખો તો જુદા જ પ્રકારે ચામડું દેખાય છે. એની નીચે જુદાં જુદાં અંગનાં હાડકાં દેખાય છે, અને એમાં ભરેલો મળ-એને દેખો તો જાણે ગારો ભર્યો હોય. આ ચારેને જુદા પાડી એક તપેલામાં ભરી દેખો તો લાગે કે-અરરર! આવું શરીર! દેખીને ચક્કર આવે, ને ઉલટી થાય. ભાઈ, આવો આ દેહ-તેની સ્થિતિ, સંતો કહે છે, દોડતી મરણ સન્મુખ થઈ રહી છે. ભાઈ, જોતજોતામાં એની સ્થિતિ પૂરી થઈ જશે, અને તું કયાંય હાલ્યો જઈશ. આ શરીર ને તારે શું છે? કાંઈ જ સંબંધ નથી, એ તો બહારની ચીજ છે; એને જોવાનું છોડી દે, ને તારા અસ્તિત્વમાં શું છે તે જો.
અહા! સાધકદશામાં ધર્મીને એક બાજુ ભવ દેખાય છે તો બીજી બાજુ મુક્તિ દેખાય છે. એક બાજુ ગતિ દેખાય છે તો બીજી બાજુ ગતિ વિનાનો સ્વભાવ દેખાય છે. આવી સાધકદશા છે. મુક્તની-સિદ્ધની આ વાત નથી.
જુઓ, જૈનદર્શનનું તત્ત્વ કહો કે વસ્તુનું તત્ત્વ કહો, તે આવું અનેકાન્તમય છે. ભાઈ, જરા શાંતિ ને ધીરજથી વિચારે તો સમજાય એવું છે.
વળી કહે છે-‘एकतः त्रितयम् जगत् स्फुरति’ એક તરફથી જોતાં ત્રણ લોક સ્ફુરાયમાન છે (-પ્રકાશે છે, દેખાય છે) અને ‘एकतः चित् चकास्ति’ એક તરફથી જોતાં કેવળ એક ચૈતન્ય જ શોભે છે.
અહાહા...! જોયું? કહે છે-એક તરફથી અર્થાત્ પોતાની જ્ઞાનની દશામાં ભિન્ન ત્રણકાળ-ત્રણલોક-આખું વિશ્વ જણાય છે, અને એક તરફથી જોતાં, અંતર્મુખ જોતાં કેવળ એક ચૈતન્ય જ પ્રકાશે છે. પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જોતાં એક ચૈતન્ય જ એના અસ્તિત્વમાં ભાસે છે; અહાહા...! ચિત્... ચિત્... ચિત્... ચિત્ચમત્કાર જ કેવળ ભાસે છે, જગતનું અનંતપણું ભાસે છે એમ નહિ. અહાહા...! જાણનારના જ્ઞાનમાં, અર્થાત્ સાધકના જ્ઞાનમાં આમ બે પ્રકારે તત્ત્વ ભાસે છે.
અહા! અહીં એમ નથી લીધું કે એક બાજુ જુઓ તો કર્મ, શરીર, બાયડી-છોકરાં ને મહેલ-હજીરા દેખાય છે અને બીજી બાજુ આત્મા દેખાય છે; કેમકે એ કોઈ તો એના અસ્તિત્વમાં જ નથી. અહીં તો સ્વભાવથી પૂર્ણ ભરપુર એવી પોતાની વસ્તુનું ભાન થયું ત્યાં સાધકને-ધર્મીને એક બાજુ વર્તમાન ભવ પીડાકારી ભાસે છે, અને બીજી બાજુ ભવ રહિત પોતાનો ભગવાન ભાસે છે. આવું જ્ઞાનમાં ભાસતાં એને નિશ્ચય થાય છે કે હવે ભવ અને ભવનો ભાવ રહેશે નહિ. અહા! મેં દયા પાળી, ને વ્રત પાળ્યાં, ને દાન દીધાં એમ ધર્મી ન માને. વર્તમાન અલ્પ રાગ હોય તે ધર્મીને પરરૂપ ભાસે, ને ક્લેશરૂપ ભાસે. એમાં સ્વામિત્વ ન ભાસે. આવો માર્ગ છે.
‘आत्मनः अद्भुतात् अद्भुतः स्वभाव–महिमा विजयते’ (આવો) આત્માનો અદ્ભુતથી પણ અદ્ભુત સ્વભાવ-મહિમા જયવંત વર્તે છે. (-કોઈથી બાધિત થતો નથી).
અહાહા...! એક સમયની કલુષિતતા-બાધકભાવ પોતાથી છે, કોઈ અન્યથી બાધિત થતો નથી, ને એક સમયની
PDF/HTML Page 4183 of 4199
single page version
શુદ્ધતા-સાધકભાવ તેય પોતાથી છે, અસહાય છે, કોઈથી બાધિત થતો નથી. લ્યો, આવો ગંભીર ને અદ્ભુતમાં અદ્ભુત નિજ સ્વભાવ-મહિમા છે, નિજ વૈભવ છે. અહીં પ્રમાણજ્ઞાન કરાવીને પાંચે ભાવને (ચાર પર્યાયરૂપ ને એક પારિણામિક-ભાવને) જીવ તત્ત્વ કહ્યું છે.
ભાઈ, તું આત્મતત્ત્વ છો; તારું હોવાપણું તારામાં તારાથી છે. ક્ષણિકપણે પરિણમવું, રાગાદિપણે પરિણમવું- તારું તારામાં છે, બીજામાં નથી, બીજાથી નથી, ને બીજા તારામાં નથી. આવી તારા અસ્તિત્વની પરમ અદ્ભુત અલૌકિક વાત છે. સમજાણું કાંઈ...?
‘અહીં પણ ૨૭૩ મા કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું’. મતલબ કે જ્ઞાની અનેક ધર્મમય આત્મવસ્તુને સ્યાદ્વાદના બળ વડે જાણીને, ભ્રમિત થતો નથી, માર્ગથી ચ્યુત થતો નથી.
‘આત્માનો અનેકાન્તમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. તેને આ વાતમાં વિરુદ્ધતા ભાસે છે. તે આવા અનેકાન્તમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી-જીરવી શકતો નથી.’
ભાઈ, વસ્તુ તો જેમ છે તેમ છે. યથાર્થ માને નહિ ત્યારે પણ એ તો એમ જ છે, અને યથાર્થ માને તો? તો પર્યાયમાં-અવસ્થામાં ફેર પડે. વસ્તુ તો એમ ને એમ છે, તેને યથાર્થ માનતાં ધર્મ પ્રગટ થાય છે, ને ક્રમશઃ ભવનો નાશ થાય છે. વેદાંત પર્યાયને માનતું નથી. પણ પહેલાં વસ્તુ સમજ્યો નહિ, પછી કારણ પામીને સમજ્યો, તો સમજ્યો એ જ એની પર્યાય સિદ્ધ થઈ ગઈ.
પરંતુ અજ્ઞાની અન્યવાદી આ વાતથી ભડકે છે. તેને આમાં વિરુદ્ધતા ભાસે છે તેથી તે વાતને પચાવી શકતો નથી, પોતાના ચિત્તમાં જીરવી શકતો નથી. તેને એમ થાય કે આવું પરસ્પર વિરુદ્ધ તે કેમ હોય? હવે કહે છે-
‘જો કદાચિત્ તેને શ્રદ્ધા થાય તોપણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદ્ભુતતા લાગે છે કે-“અહો આ જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે; મેં અનાદિ કાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો!”- આમ આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે.’
અહાહા...! જિજ્ઞાસુને પ્રથમ પ્રથમ ભારે અદ્ભુતતા લાગે છે કે-અહો! આવું સ્વરૂપ! આવો માર્ગ તો સર્વજ્ઞ વીતરાગના શાસનમાં જ હોય, બીજે કયાંય ન હોય. જિજ્ઞાસુને આ વાત ભારે ગજબની લાગે છે. તેને અપૂર્વ મહિમા જાગે છે કે-અહો! જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુસ્થિતિને યથાર્થ બતાવે છે. અરેરે! વસ્તુને જાણ્યા વિના મેં અનંત કાળ ખોયો!-આમ તે આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે.
હવે ટીકાકાર આચાર્યદેવ અંતમંગળને અર્થે આ ચિત્ચમત્કારને જ સર્વોત્કૃષ્ટ કહે છેઃ–
स्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः।
स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः
प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः।। २७५ ।।
શ્લોકાર્થઃ– [सहज–तेजःपुञ्ज–मज्जत्–त्रिलोकी–स्खलत्–अखिल–विकल्पः अपि एकः एव स्वरूपः] સહજ
PDF/HTML Page 4184 of 4199
single page version
(–પોતાના સ્વભાવરૂપ) તેજઃપુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળક્તા હોવાથી જે અનેક જ્ઞેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે), [स्व–रस–विसर–पूर्ण–अच्छिन्न–तत्त्व–उपलम्भः] જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્ત્વ–ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ–અનુભવનનો અભાવ થતો નથી) અને [प्रसभ–नियमित–अर्चिः] અત્યંત નિયમિત જેની જ્યોત છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કંપ રહે છે) [एषः चित्–चमत्कारः जयति] એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે (–કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે).
(અહીં ‘ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે’ એમ કહેવામાં જે ચૈતન્યચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.) ૨૭પ.
‘सहज–तेजः पुञ्ज–मज्जत्–त्रिलोकी–स्खलत्–अखिल–विकल्पः अपि एकः एव स्वरूपः’ સહજ (- પોતાના સ્વભાવરૂપ) તેજઃ પુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી જે અનેક જ્ઞેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે),...
જુઓ, શું કહે છે? કે પોતાના જ્ઞાનના તેજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી, અર્થાત્ ત્રણ લોકના પદાર્થો જ્ઞાનમાં જણાતા હોવાથી, જાણે કે ત્રણ લોકના પદાર્થો અહીં જ્ઞાનમાં પેસી ગયા હોય એમ જ્ઞાનમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ, કહે છે, જ્ઞાનનું એક જ સ્વરૂપ છે. અહા! કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી અનેક જ્ઞેયાકારરૂપે તે દેખાય છે, અર્થાત્ લોકાલોકને જાણતાં જ્ઞાન જ્ઞેયાકાર થતું દેખાય છે તોપણ ખરેખર જ્ઞાન જ્ઞાનાકાર જ છે, જ્ઞેયાકારરૂપે થયું નથી. અનેકને જાણતાં પણ જ્ઞાન એકરૂપ (જ્ઞાનરૂપ જ) રહે છે. લોકાલોકને જાણનારી જ્ઞાનની દશા પોતાની જ છે, તેમાં પરજ્ઞેયોનો પ્રવેશ નથી. અહા! જ્ઞાન અનેકને જાણવા છતાં અનેકરૂપ થતું નથી, એકરૂપ જ રહે છે.
હવે વિશેષ કહે છે-‘स्व–रस–विसर–पूर्ण–अच्छिन्न–तत्त्व–उपलम्भः’ જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્ત્વ-ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ-અનુભવનનો અભાવ થતો નથી) અને...
અહાહા...! શુદ્ધ આત્માની પૂર્ણ અનુભવ દશા, પૂર્ણ ઉપલબ્ધિ થઈ તે થઈ, હવે તેનો અભાવ નહિ થાય. પ્રવચનસાર ગાથા ૧૭૨ની ટીકાના નવમા બોલમાં આવે છે કે-‘ઉપયોગનું કોઈથી હરણ થતું નથી,’ એટલે કે એક વાર શુદ્ધાત્માના આશ્રયે જે ઉપયોગ પ્રગટ થયો તેનો કોઈથી નાશ થતો નથી. દ્રવ્યસ્વભાવનો નાશ થાય તો તેના આશ્રયે પ્રગટ થયેલા ઉપયોગનો નાશ થાય. (પણ એમ થતું નથી, થવું સંભવિત નથી). વસ્તુસ્થિતિ આવી છે.
અહાહા...! ભગવાન આત્મા એક જ્ઞાયકસ્વભાવ પ્રભુ-તેન દ્રષ્ટિ ને રમણતાની પૂર્ણતા થઈતે ફરીને હવે નીચે પડે ને સાધકદશા થાય વા વિપરીતતા થાય એમ બનતું નથી. એક વાર સાધકમાંથી સિદ્ધપદની પ્રાપ્તિ થાય તે હવે સિદ્ધપદમાંથી સાધક થાય કે પર્યાયમાં વિપરીતતા થાય એમ બનતું નથી. સિદ્ધપદ પ્રાપ્ત થયું તેને છેદાય નહિ તેવી તત્ત્વોપલબ્ધિ થઈ. તત્ત્વની ઉપલબ્ધિ એટલે શું? તત્ત્વ તો તત્ત્વરૂપ છે જ, પરંતુ જેવું તત્ત્વ છે એવી તેની પૂર્ણ દશા થાય એટલે તત્ત્વની ઉપલબ્ધિ થઈ કહેવાય. સમજાણું કાંઈ...?
અને ‘पसभ–नियमित–अर्चिः’ અત્યંત નિયમિત જેની જ્યોતિ છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કંપ રહે છે) ‘एषः चित्चमत्कारः जयति’ એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે. (-કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે.)
અહાહા...! કેવળજ્ઞાન જ્યોતિ જે પ્રગટ થઈ તે, કહે છે, અનંત વીર્યથી સદા નિષ્કંપ એકરૂપ રહે છે. જુઓ, અહીં અનંત વીર્ય લીધું. અહાહા...! અનંત વીર્ય વડે આ કેવળજ્ઞાન જ્યોતિ, બીજે સમયે, ત્રીજે સમયે એવી ને એવી પ્રગટ
PDF/HTML Page 4185 of 4199
single page version
થતી રહે છે. પહેલાં અછિન્ન તત્ત્વ-ઉપલબ્ધિ કહી, અને અહીં નિયમિત નિષ્કંપ જ્યોતિ કહીને જ્ઞાનની ધારા પૂર્ણ થઈ ગયાનું કહે છે.
અહા! આવો આ પ્રત્યક્ષ અનુભવગોચર ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે; કોઈથી બાધિત ન થાય એવો સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. જુઓ આ માંગળિકમાં માંગળિક! આવી ચિત્ચમત્કાર સર્વોત્કૃષ્ટ વસ્તુને છોડીને દયા પાળવી, વ્રત કરવાં ને ભક્તિ-પૂજા કરવાં-ઇત્યાદિ શુભભાવ કરવાં એ તો બધો રાગ છે બાપુ! એમાં કાંઈ નથી, એ કાંઈ ધર્મ નથી. અહીં તો કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટય એવું જે પૂર્ણ સ્વરૂપ-કે જે સદા નિષ્કંપ ને સર્વોત્કૃષ્ટ જયવંત વર્તે છે તે માંગળિક છે.
અહા! જેમાં કેવળજ્ઞાન આદિ સદા નિષ્કંપ વર્તે એવો ચૈતન્યચમત્કાર પ્રભુ તું છો; તેને છોડીને તારે કેવો ચમત્કાર જોઈએ? બહારની લબ્ધિમાં તો ધૂળેય નથી, બાર અંગની લબ્ધિને પણ (કળશ ટીકામાં) વિકલ્પ કહ્યો છે. વાસ્તવિક ચમત્કાર તો પરમાનંદની-પૂર્ણાનંદની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે જ છે.
‘(અહીં ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે એમ કહેવામાં જે ચૈતન્યચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.)’
અહાહા...! ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં’ પોતાના ચૈતન્યનું રહેવું એવું જે સિદ્ધપદ તે જયવંત વર્તો એમ કહે છે. સમજાણું કાંઈ...?
હવેના કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવ પૂર્વોકત આત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે પોતાનું નામ પણ પ્રગટ કરે છેઃ–
न्यनवरतनिमग्नं
ज्ज्वलतु विमलपूर्ण निःसपत्नस्वभावम्।। २७६ ।।
શ્લોકાર્થઃ– [अविचलित–चिदात्मनि आत्मनि आत्मानम् आत्मना अनवरत–निमग्नं धारयत्] જે અચળ– ચેતનાસ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે (–નિરંતર) નિમગ્ન રાખે છે (અર્થાત્ પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છોડતી નથી), [ध्वस्त–मोहम्] જેણે મોહનો (અજ્ઞાન–અંધકારનો) નાશ કર્યો છે, [निःसपत्नस्वभावम्] જેનો સ્વભાવ નિઃસપત્ન (અર્થાત્ પ્રતિપક્ષી કર્મો વિનાનો) છે, [विमल–पूर्ण] જે નિર્મળ છે અને જે પૂર્ણ છે એવી [एतत् उदितम् अमृतचन्द्र–ज्योतिः] આ ઉદય પામેલી અમૃતચંદ્રજ્યોતિ (–અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ, જ્ઞાન, આત્મા) [समन्तात् ज्वलतु] સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો.
ભાવાર્થઃ– જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે; વળી જે અત્યંત સ્વાદિષ્ટ (– મીઠું) હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. અહીં જ્ઞાનને–આત્માને–અમૃતચંદ્રજ્યોતિ (અર્થાત્ અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ) કહેલ છે, તે લુપ્તોપમા અલંકારથી કહ્યું જાણવું; કારણ કે ‘अमृतचन्द्रवत् ज्योतिः’નો સમાસ કરતાં ‘वत्’ નો લોપ થઈ ‘अमृतचन्द्रज्योतिः’ થાય છે.
(‘वत्’ શબ્દ ન મૂક્તાં અમૃતચંદ્રરૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદરૂપક અલંકાર થાય છે. ‘અમૃતચંદ્રજ્યોતિ’ એવું જ આત્માનું નામ કહીએ તો અભેદરૂપક અલંકાર થાય છે.)
આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં, અહીં કહેલાં વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે; કારણ કે––‘ध्वस्तमोह’ વિશેષણ અજ્ઞાન–અંધકારનું દૂર થવું જણાવે છે, ‘विमलपूर्ण’ વિશેષણ લાંછનરહિતપણું તથા પૂર્ણપણું બતાવે છે, ‘निःसपत्नस्वभाव’ વિશેષણ રાહુબિંબથી તથા વાદળાં આદિથી
PDF/HTML Page 4186 of 4199
single page version
આચ્છાદિત ન થવાનું જણાવે છે, ‘समंतात् ज्वलतु’ કહ્યું છે તે સર્વ ક્ષેત્ર તથા સર્વ કાળે પ્રકાશ કરવાનું જણાવે છે; ચંદ્રમા આવો નથી.
આ કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવે ‘અમૃતચંદ્ર’ એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતાં ‘અમૃતચંદ્ર’ના અને ‘અમૃતચંદ્રજ્યોતિ’ના અનેક અર્થો થાય છે તે યથાસંભવ જાણવા. ૨૭૬.
અહાહા...! અંતિમ મંગળ કરતાં આત્મા આત્માને આશીર્વાદ આપે છે. આત્માને આત્મા સિવાય બીજું કોણ આશીર્વાદ આપે? અને બીજું કોણ સ્વીકારે? કહે છે-
‘अविचलित–चिदात्मनि आत्मनि आत्मानम् आत्मना अनवरत–निमग्नं धारयत्’ જે અચળ-ચેતનાસ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે (-નિરંતર) નિમગ્ન રાખે છે,
અહાહા...! અચળ નામ કદી ચળે નહિ એવો ચેતનાસ્વરૂપ ભગવાન આત્મા છે. સમ્યગ્દ્રષ્ટિને પોતાનો ભગવાન અચળ ચેતનાસ્વરૂપ ભાસે છે. અહાહા...! આવો પોતે, કહે છે, પોતાને પોતામાં પોતાથી જ નિમગ્ન રાખે છે. જોયું? ભગવાન આત્મા શુદ્ધ ચેતનાસ્વરૂપ પ્રભુ વ્યવહારરત્નત્રયના રાગની કે નિમિત્તની અપેક્ષા વિના જ પોતે પોતાથી પોતાને પોતામાં નિમગ્ન રાખે છે. અહાહા...! દયા, દાન, વ્રતાદિના પરિણામ કર્મ ચેતના છે, અને સુખ-દુઃખનું વેદન કર્મફળ ચેતના છે. એ બન્નેથી રહિતપણે, અહીં કહે છે, પોતે જ પોતાને પોતાથી પોતામાં અંતર્નિમગ્ન રાખે છે. આવી વાત!
પ્રવચનસાર ગાથા ૧૭૨ના અલિંગગ્રહણના છટ્ઠા બોલમાં આવે છે કે-આત્મા પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. અહાહા...! આત્મા સ્વભાવથી જ નિરંતર અંતર્મગ્ન રહે છે. લ્યો, આવો અનુભવ ધર્મીને-સમ્યગ્દ્રષ્ટિને થાય છે. અજ્ઞાનીને તો બિચારાને સ્વરૂપની જ ખબર નથી; એ તો ક્રિયાકાંડમાં મગ્ન રહે છે પણ એથી કાંઈ જ લાભ નથી; ક્રિયાકાંડથી-વ્યવહારથી અંતર્મગ્નતા થાય એમ છે નહિ. ભાઈ, નિયમસાર ગાથા ૩માં કહ્યું છે કે-ભગવાન આત્માની દ્રષ્ટિ, તેનું જ્ઞાન-સ્વસંવેદન જ્ઞાન, અને તેમાં લીનતા-રમણતા-તેરૂપ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ કર્તવ્ય છે, બીજું નહિ. વ્યવહારના વિકલ્પ ઉઠે છે, પણ તે કર્તવ્ય છે એમ નહિ. અહાહા...! અલૌકિક અસાધારણ એવા સમ્યગ્દર્શન આદિ જ કર્તવ્ય છે.
જુઓ, અહીં અંતિમ મંગળમાં આચાર્ય અમૃતચંદ્રદેવ આત્માને આશીર્વાદ દેતાં કહે છે-પોતે પોતાને પોતાથી જ અંતર્મગ્ન રાખે છે. વ્યવહાર રત્નત્રય તો કહેવામાત્ર છે, એનાથી આત્મા આત્મામાં મગ્ન થાય છે એમ છે જ નહિ. ભાઈ, વિકલ્પથી નિર્વિકલ્પ કેવી રીતે લક્ષમાં આવે? વિકલ્પ તો પરલક્ષે થાય છે. હવે પરલક્ષવાળી દશાથી સ્વલક્ષવાળી દશા કેવી રીતે થાય? ન થાય.
પ્રથમ માંગલિકમાં ‘નમઃ સમયસારાય’-કળશમાં જેમ અસ્તિથી વાત કરી છે તેમ અહીં અસ્તિથી વાત કરે છે. ત્યાં ‘નમઃ સમયસારાય’ કહીને સમયસાર નામ ચિત્સ્વભાવી નિત્યાનંદ પ્રભુને હું નમું છું-એમ કહ્યું. ‘સ્વાનુભૂત્યા ચકાસતે’ જે પોતે પોતાની સ્વાનુભૂતિની દશાથી પ્રકાશિત થાય છે એમ પર્યાયની વાત કરી. ‘ચિત્સ્વભાવાય’ કહીને ગુણ કહ્યો, ‘ભાવાય’ કહીને દ્રવ્ય કહ્યું તથા ‘સર્વભાવાન્તરચ્છિદે’ કહીને સર્વજ્ઞતા સિદ્ધ કરી. આમ પહેલા કળશમાં બધું અસ્તિથી લીધું છે. તેમ આ કળશમાં બધું અસ્તિથી લીધું છે. અહીં આ કળશમાં ‘આત્મા’ તે દ્રવ્ય, ‘અચળ ચેતના’ તે ગુણ, ને ‘આત્મામાં મગ્ન’ તે પર્યાય લીધી. આમ અસ્તિથી કહ્યું તેમાં નાસ્તિનું જ્ઞાન આવી જાય છે. શાસ્ત્રમાં માંગળિક ત્રણ પ્રકારે આવે છે-શરુમાં, વચમાં ને અંતમાં. કળશ ૧૨૨ માં વચમાંનું માંગળિક આવી ગયું છે. ત્યાં કહ્યું છે-શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી, કારણ કે તેના અત્યાગથી કર્મબંધ થતો નથી, અને તેના ત્યાગથી બંધ જ થાય છે; અર્થાત્ શુદ્ધનયથી મોક્ષ છે-આ શાસ્ત્રનો નિચોડ છે. લ્યો, આવી અપૂર્વ વાત છે. અહો! દિગંબર સંતોની વાણી તો કેવળીની વાણી છે; જેના ચિત્તમાં ચોંટી એ તો ન્યાલ થઈ ગયા. અહા! આ ન્યાલ થવાનો કાળ છે ભાઈ! નિર્વિકલ્પ અનુભૂતિમાં આત્મા પ્રાપ્ત થયો તે અનવરતપણે પોતાને પ્રાપ્તિમય જ રાખે છે, કદી છૂટતો નથી.
વળી, ‘ध्वस्त–मोहम्’ જેણે મોહનો (અજ્ઞાન-અંધકારનો) નાશ કર્યો છે, જુઓ, આ વ્યવહારનયથી વાત છે. પોતાના
PDF/HTML Page 4187 of 4199
single page version
શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે પરિણત થતાં મોહની ઉત્પત્તિ થઈ નહિ તો મોહનો નાશ કર્યો એમ વ્યવહારથી કહ્યું છે. પોતાની અનંતજ્ઞાન આદિ લક્ષ્મી પ્રગટ થઈ ત્યાં પરની સાવધાનીનો ભાવ જ નથી, પરની સાવધાની રહી જ નથી એટલે મોહનો નાશ કર્યો એમ કહ્યું છે. અહાહા! ચૈતન્યના આશ્રયે ચૈતન્યનો નિર્મળ-શુદ્ધ ઉપયોગ જે પ્રગટ થયો તે નિર્મળ નિર્વિકાર છે તો કહે છે કે-મોહનો નાશ કર્યો છે. સમજાય છે કાંઈ...?
વળી, ‘निःसपत्न–स्वभावम्’ જેનો સ્વભાવ નિઃસપત્ન (અર્થાત્ પ્રતિપક્ષી કર્મો વિનાનો) છે, અહાહા... જોયું? ભગવાન આત્માનો સ્વભાવ કર્મોથી ભિન્ન છે, વિરુદ્ધ છે. જ્ઞાન, આનંદ ઇત્યાદિ સ્વભાવ જયાં પૂર્ણ પ્રગટ થઈ ગયો ત્યાં કર્મ નડે એમ છે નહિ.
વળી, ‘विमल–पूर्ण’ જે નિર્મળ છે અને જે પૂર્ણ છે. અહાહા...! જેવો ભગવાન આત્મા દ્રવ્ય-ગુણથી નિર્મળ છે, પૂર્ણ છે તેવો તે સ્વ-આશ્રયે પર્યાયમાં નિર્મળ, પૂર્ણ પ્રગટ થયો છે; અર્થાત્ દ્રવ્યના આશ્રયમાં પર્યાય નિર્મળ, ને પૂર્ણ પ્રગટ થઈ ગઈ. આ સાધ્યરૂપ સિદ્ધદશા છે.
અહાહા...! કહે છે-એવી ‘एतत् उदितम् अमृतचन्द्र–ज्योतिः’ આ ઉદય પામેલી અમૃતચંદ્રજ્યોતિ (- અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ, જ્ઞાન, આત્મા) ‘समन्तात् ज्वलतु’ સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો.
અહાહા...! અમૃતસ્વરૂપ આત્મા નિત્યાનંદ પ્રભુ-તેના આશ્રયે પ્રગટ થયેલી અમૃતમય, ચંદ્રમા સમાન જ્યોતિ અથવા અમૃત સમાન જ્ઞાન, અથવા અમૃતચંદ્ર સમાન આત્મા સર્વ તરફથી-સર્વ પ્રકારે જાજ્વલ્યમાન રહો એમ આત્માને અહીં આશીર્વાદ દીધા છે. લ્યો, પોતે પોતાને આશીર્વાદ આપે છે.
અહાહા...! પંચમ આરાના મુનિવર કહે છે-અમને જે મોક્ષમાર્ગ પ્રગટ થયો છે તે એવો ને એવો જાજ્વલ્યમાન રહો; એમ કે આ ભાવથી આગળ જતાં અમને પૂર્ણ કેવળજ્ઞાન અને મોક્ષ થશે. અહાહા...! અમને જે નિર્મળ પર્યાય થઈ તે એવી ને એવી પ્રગટ થયા કરો, કોઈ પ્રકારે હીણપ ન હો-એમ સિદ્ધપદ માટે પોતાને આશીર્વાદ આપે છે.
‘જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે; વળી જે અત્યંત સ્વાદિષ્ટ (-મીઠું) હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે.’
અહાહા...! ભગવાન આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે હોવાપણાનું શું મરણ થાય છે? ના, ભગવાન આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયપણે અમર છે, અમૃતસ્વરૂપ છે, એનો કદીય નાશ થતો નથી. ધ્રુવ ચિદાનંદઘન પ્રભુના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટે છે તેનોય નાશ થતો નથી, તેય અક્ષય છે. વળી તે આનંદના સ્વાદવાળી અમૃત છે. લોકમાં પણ સ્વાદિષ્ટ હોય તેને અમૃત કહે છે ને? તેમ આ અનાકુળ આનંદના સ્વાદવાળી અમૃત છે. અહાહા...! અમૃતસ્વરૂપી આત્મા અમૃતમય સ્વાદયુક્ત અમૃત છે.
‘અહીં જ્ઞાનને-આત્માને-અમૃતચંદ્રજ્યોતિ (અર્થાત્ અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ) કહેલ છે, તે લુપ્તોપમા અલંકારથી કહ્યું જાણવું; કારણ કે ‘अमृतचन्द्रवत् ज्योतिः’ નો સમાસ કરતાં ‘वत्’ નો લોપ થઈ ‘अमृतचन्द्रज्योतिः’ થાય છે.
(‘वत्’ શબ્દ ન મૂકતાં અમૃતચંદ્રરૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદરૂપક અલંકાર થાય છે. ‘અમૃતચંદ્રજ્યોતિ’ એવું જ આત્માનું નામ કહીએ તો અભેદરૂપક અલંકાર થાય છે.)’
આ અલંકાર એ ભાષાના પંડિતોનો વિષય છે. હવે કહે છે-‘આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં, અહીં કહેલાં વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે; કારણ કે ‘ध्वस्त–मोह’ વિશેષણ અજ્ઞાનઅંધકારનું દૂર થવું જણાવે છે.’
ભગવાન આત્મા અજ્ઞાન-અંધકારને દૂર કરવાવાળો છે, જ્યારે ચંદ્રમા સમસ્ત અંધકારનો નાશ કરતો નથી. શું ઘરમાં કે ઘરની અંદરના પટારામાં ચંદ્રમા પ્રકાશ કરે છે? માટે ચંદ્રમાની ઉપમા સર્વાંશે લાગુ પડતી નથી.
વળી, ‘विमल पूर्ण’ વિશેષણ લાંછનરહિતપણું તથા પૂર્ણપણું બતાવે છે.
ભગવાન આત્મા પૂર્ણ વિમલ છે, જ્યારે ચંદ્રમાને તો લાંછન છે. તેથી ચંદ્રમાની ઉપમા તેને લાગુ પડતી નથી.
PDF/HTML Page 4188 of 4199
single page version
વળી, ‘निःसपत्नस्वभाव’ વિશેષણ રાહુબિંબથી તથા વાદળાં આદિથી આચ્છાદિત ન થવાનું જણાવે છે.’
ચંદ્રની અંદર રાહુ આવે છે અને તે એક એક દિવસે એક એક કળાને રોકે છે; વળી ચંદ્ર વાદળોથી આચ્છાદિત થાય છે. ભગવાન આત્મામાં તેને રોકવાવાળો કોઈ રાહુ છે નહિ, તથા તે કોઈથી આચ્છાદિત થતો નથી. માટે ચંદ્રમાની ઉપમા તેને લાગુ પડતી નથી.
વળી, ‘समन्तात् ज्वलतु’ કહ્યું છે તે સર્વ ક્ષેત્રે તથા સર્વ કાળે પ્રકાશ કરવાનું જણાવે છે; ચંદ્રમા આવો નથી.
અહા! ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો આત્માનો પ્રકાશ છે; જ્યારે ચંદ્રનો પ્રકાશ તો થોડો કાળ અને થોડા ક્ષેત્રમાં જ હોય છે. આ પ્રમાણે ચંદ્ર સાથે ભગવાન આત્માની ઉપમા લાગુ પડતી નથી.
આ કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવે ‘અમૃતચંદ્ર’ એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતાં ‘અમૃતચંદ્ર’ના અને ‘અમૃતચંદ્રજ્યોતિ’ના અનેક અર્થો થાય છે તે યથાસંભવ જાણવા.
હવે શ્રીમાન અમૃતચંદ્ર આચાર્યદેવ બે કાવ્યો કહીને આ સમયસારશાસ્ત્રની આત્મખ્યાતિ નામની ટીકા પૂર્ણ કરે છે.
‘અજ્ઞાનદશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો, પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો,– ક્રિયાના ફળનો ભોક્તા થતો હતો,–ઇત્યાદિ ભાવો કરતો હતો; પરંતુ હવે જ્ઞાનદશામાં તે ભાવો કાંઇ જ નથી જ એમ અનુભવાય છે.’–આવા અર્થનું કાવ્ય પ્રથમ કહે છેઃ–
रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः।
भुञ्जाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं
શ્લોકાર્થઃ– [यस्मात्] જેનાથી (અર્થાત્ જે પરસંયોગરૂપ બંધપર્યાયજનિત અજ્ઞાનથી) [पुरा] પ્રથમ [स्व–परयोः द्वैतम् अभूत्] પોતાનું અને પરનું દ્વૈત થયું (અર્થાત્ પોતાના અને પરના ભેળસેળપણારૂપ ભાવ થયો), [यतः अत्र अन्तरं भूतं] દ્વૈતપણું થતાં જેનાથી સ્વરૂપમાં અંતર પડયું (અર્થાત્ બંધપર્યાય જ પોતારૂપ જણાયો, [यतः राग–द्वेष–परिग्रहे सति] સ્વરૂપમાં અંતર પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, [क्रिया–कारकैः जातं] રાગદ્વેષનું ગ્રહણ થતાં જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા (અર્થાત્ ક્રિયાનો અને કર્તા–કર્મ આદિ કારકોનો ભેદ પડયો), [यतः च अनुभूतिः क्रियायाः अखिलं फलं भुञ्जाना खिन्ना] કારકો ઉત્પન્ન થતાં જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ (–ખેદ પામી), [तत् विज्ञान–घन–ओघ–मग्नम्] તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું (અર્થાત્ જ્ઞાનરૂપે પરિણમ્યું) [अधुना किल किञ्चित् न किञ्चित्] તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી.
ભાવાર્થઃ– પરસંયોગથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું, અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ નહોતી; માટે હવે જ્યાં તે જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે (અજ્ઞાન) કાંઈ જ ન રહ્યું, અજ્ઞાનના નિમિત્તે રાગ, દ્વેષ, ક્રિયાનું કર્તાપણું, ક્રિયાના ફળનું (–સુખદુઃખનું) ભોક્તાપણું ઇત્યાદિ ભાવો થતા હતા તે પણ વિલય પામ્યા; એક જ્ઞાન જ રહી ગયું. માટે હવે આત્મા સ્વ–પરના ત્રણકાળવર્તી ભાવોને જ્ઞાતા–દ્રષ્ટા થઈને જાણ્યા–દેખ્યા જ કરો. ૨૭૭.
PDF/HTML Page 4189 of 4199
single page version
‘અજ્ઞાનદશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો, પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો, ક્રિયાના ફળનો ભોક્તા થતો હતો, -ઇત્યાદિ ભાવો કરતો હતો;...’
શું કહ્યું? પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણે નહિ, અને પુણ્ય-પાપને જાણ્યા કરે એ અજ્ઞાનદશા છે. અહા! આવી અજ્ઞાનદશામાં, નિજ જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષરૂપ પ્રવર્તવું તે મિથ્યાત્વ છે. અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પોતે છે એને ભૂલીને રાગદ્વેષરૂપ પ્રવર્તવું તે મિથ્યાદશા છે. અનંત કાળથી જીવ આવી મિથ્યાદશા વડે દુઃખી છે. ‘અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા’. અહા! પોતાને ભૂલીને જીવ ચતુર્ગતિ-પરિભ્રમણ કરે છે.
અહા! પોતાને ભૂલીને તે પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો. શરીર, મન, વાણી તથા શુભાશુભ રાગ એ પુદ્ગલના પરિણામ છે, એ કાંઈ પોતાની ચીજ નથી, છતાં એનો હું કર્તા છું-એમ પ્રવર્તતો હતો. રાગાદિ ભાવોનો તે અજ્ઞાનદશામાં કર્તા ને ભોક્તા થતો હતો. અહા! એણે અનંત વાર મુનિવ્રત ધારણ કરીને, રાગની ક્રિયાઓ કરી કરીને, રાગથી ભિન્ન નિજ ચૈતન્યની દ્રષ્ટિના અભાવમાં એણે રાગનું ફળ જે દુઃખ તેનું જ વેદન કર્યું છે. સમજાય છે કાંઈ...?
‘પરંતુ હવે જ્ઞાનદશામાં તે ભાવો કાંઈ જ નથી એમ અનુભવાય છે.’ આવા અર્થનું કાવ્ય પ્રથમ કહે છેઃ-
‘यस्मात्’ જેનાથી (અર્થાત્ જે પરસંયોગરૂપ બંધપર્યાયજનિત અજ્ઞાનથી) ‘पुरा’ પ્રથમ ‘स्व–परयोः द्वैतम् अभूत्’ પોતાનું અને પરનું દ્વૈત થયું (અર્થાત્ પોતાના અને પરના ભેળસેળપણારૂપ ભાવ થયો)...
કળશ બહુ માર્મિક-મર્મભર્યો છે. કર્મના નિમિત્તે જે રાગદ્વેષમય પર્યાય ઉત્પન્ન થઈ તે બંધજનિત પર્યાય છે. ભાવબંધ એ બંધજનિત પર્યાય છે. એ પોતાની ચીજ નથી છતાં એને પોતાની માનવી તે અજ્ઞાન છે, મિથ્યાભાવ છે. આ બંધજનિત પર્યાય કર્મના કારણે ઉત્પન્ન થાય છે એમ નહિ, એ પોતાના કારણે ઉત્પન્ન થાય છે; એને કર્મજનિત કહેવી એ વ્યવહારનય છે. શાસ્ત્રમાં એવાં વ્યવહારનયનાં કથન આવે છે, ગોમટસારાદિમાં ઘણાં આવે છે. એને નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું વ્યવહારનયનું કથન સમજવું જોઈએ.
અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પોતે છે. તેને ઘાત કરી જે વિકારી પર્યાય પોતામાં ઉત્પન્ન થાય તે પોતાથી પોતાના કારણે ઉત્પન્ન થાય છે. અહા! આ વિકારી દશાને નિજ ચૈતન્યમાં ભેળવવી-એનાથી એકતા કરવી તે દ્વૈત છે. અહાહા...! પોતાના અબંધસ્વભાવમાં બંધભાવને ભેળવવો તે દ્વૈત છે. શું કીધું? આ મહાવ્રતાદિનો કે ભક્તિનો વિકલ્પ થાય તે રાગ છે, વિભાવ છે, સંયોગીભાવ છે; તેને શુદ્ધ ચૈતન્યસ્વભાવ સાથે એકપણે માનવો તે દ્વૈત છે, વિસંવાદ છે. ગાથા ૩માં આવે છે કે-ભગવાન આત્માને પર-રાગ સાથે સંબંધ કહેવો એ વિસંવાદ ઉભો કરનારી કથા છે. દ્રવ્યસ્વભાવમાં એકત્વ પામવું તે બધે સુંદર છે, પણ આત્માને રાગથી એકપણાનો સંબંધ માનવો તે ક્લેશ ઉત્પન્ન કરનારું છે.
અહાહા...! જેના અસ્તિત્વ-હોવાપણામાં એકલો જ્ઞાનાનંદનો સ્વભાવ ભર્યો છે તે નિજ સત્તાની દ્રષ્ટિ વિના રાગ ઉપર લક્ષ જતાં અજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહા! પોતાની ચીજ જે એક જ્ઞાયકભાવમય છે એમાં રાગને ભેળવવો, રાગને પોતાનો જાણવો ત્યાં, કહે છે, દ્વૈત ઊભું થાય છે. અહા! હું તો એક ચિન્માત્ર વસ્તુ છું, ને રાગ ભિન્ન છે એમ નહિ જાણતાં, હું અને રાગ એક છીએ એમ જાણતાં દ્વૈત ખડું થાય છે. અરે, અનાદિથી એને સ્વ-પરનું દ્વૈત જ ઊભું થયું છે. છે ને અંદર! ‘स्व–परयोः द्वैतम् अभूत’ અહા! આચાર્યની ઘણી-ગૂઢ શૈલી છે. ગાગરમાં સાગર ભર્યો છે. અહા! કેવળીના કેડાયતી દિગંબર સંતોની શી વાત! જ્ઞાનમાં રાગ નથી, ને રાગમાં જ્ઞાન નથી. અહા! આ પરમાર્થ સત્ય છે. છતાં અનાદિ નિગોદથી માંડીને એને સ્વપરની એકતાના અજ્ઞાનથી દ્વૈત ઊભું થયું છે. શુદ્ધ ચૈતન્ય તો અદ્વૈત એકલું છે, એમાં રાગને-પરને ભેળવતાં દ્વૈત થયું છે. ભાઈ! આચાર્ય તને જાગ્રત થવાનાં ગાણાં ગાય છે કે- જાગ નાથ! જાગ. આ રાગ સાથે ભળતાં તો દ્વૈત ઊભું થયું છે. અરેરે! એકમાં દ્વૈત થયું એ તો મહાદુઃખ છે. વિસંવાદ છે.
અહાહા...! ‘यतः अत्र अन्तरं भूत’ દ્વૈતપણું થતાં જેનાથી સ્વરૂપમાં અંતર પડયું,... આત્મદ્રવ્ય જ્ઞાન ને આનંદથી ભરેલો સાક્ષાત્ ભગવાન છે, એને પામર રાગ સાથે જોડી દેતાં સ્વરૂપનું અંતર પડી ગયું છે, સ્વરૂપની પ્રાપ્તિમાં વિઘ્ન
PDF/HTML Page 4190 of 4199
single page version
થયું છે. એને જ્ઞાનમાં ‘રાગ તે હું’ એમ ભાસ્યું ને! આ કારણે એને રાગની-વિકલ્પની પક્કડ થઈ ગઈ છે. સ્વરૂપની પક્કડને બદલે એને રાગની-બંધની પક્કડ થઈ ગઈ છે. ચિદાનંદઘન ચૈતન્યમય પોતાની ચીજ છે તે એને દૂર રહી ગઈ. રાગની-દુઃખની પક્કડમાં જ્ઞાનાનંદ પ્રભુ દૂર રહી ગયો.
અરે ભાઈ! ભગવાન કેવળી તો એમ કહે છે કે-અમારી સામે જો મા; કેમકે અમારી સામે જોવાથી તને રાગ ઉત્પન્ન થશે, દુઃખ થશે. માટે તું તારી સામે જો, સ્વસન્મુખ થા અને અંતરમાં જો. તેથી તને આનંદ પ્રગટશે. લ્યો, આ રીત છે. આ સિવાય એણે અનાદિથી સ્વ સાથે પરને ભેળવીને દ્વૈત જ ઊભું કર્યું છે; રાગને જ ગ્રહ્યો છે.
હવે કહે છે-‘यतः राग–द्वेष–परिग्रहे सति’ સ્વરૂપમાં અંતર પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, ‘क्रिया– कारकैः जातं’ રાગદ્વેષનું ગ્રહણ થતાં જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા (અર્થાત્ ક્રિયાનો અને કર્તા-કર્મ આદિ કારકોનો ભેદ પડયો),...
અહાહા...! શું કહે છે? કે સ્વસ્વરૂપ આનંદકંદ પ્રભુ દૂર થઈ જતાં રાગદ્વેષનું ગ્રહણ થયું, અને રાગનું ગ્રહણ થતાં એને ક્રિયા નામ રાગની ક્રિયાના ષટ્કારકો ઉત્પન્ન થયા. રાગાદિનો હું કર્તા, રાગાદિ મારું કર્મ, રાગાદિનું હું કરણ, રાગાદિ જ મેં મને દીધાં ઇત્યાદિ અજ્ઞાનરૂપ રાગાદિ ક્રિયાના ષટ્કારકો પોતામાં ઉત્પન્ન થયા. અહા! ભૂલ કેમ થઈ, અને એનું પરિણામ શું? એ બતાવે છે.
અજ્ઞાનીને ભૂલની ખબર નથી. એ તો સમજે છે કે-દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાત્વ થયું છે. અરે ભગવાન! આ તું શું લાવ્યો? દર્શનમોહનીયનો ઉદય તો જડ છે, અને જે વિકારના પરિણામ તારી દશામાં થાય છે એ તો ચિદાભાસ છે. બન્ને વચ્ચે અભાવ છે ત્યાં તે કર્મ શું કરે? કર્મનો ઉદય વિકૃતભાવને કરે એમ ત્રણકાળમાં છે નહિ. વિકૃતભાવ તારામાં તારાથી થાય છે, દ્રવ્યકર્મ વિકાર કરે છે એમ છે જ નહિ. તેં દ્રવ્યકર્મ સાથે સંબંધ માન્યો છે, પણ વાસ્તવમાં એમ છે નહિ. પરમાર્થે ભગવાન આત્મા અબદ્ધસ્પૃષ્ટ જ છે. ભાઈ! જૈનના નામે જ્યાં ત્યાં કર્મ રખડાવે છે એમ તું કહે છે, પણ કર્મ તો જડ છે બાપુ! એ તને શું રખડાવે?
વસ્તુ એમ છે કે-અનાદિથી જીવને દ્રવ્યની દ્રષ્ટિ છૂટી ગઈ છે. અનાદિથી તેને ઇન્દ્રિય-આધીન જ્ઞાન વર્તે છે; એટલે રાગને જાણતાં હું રાગ છું-એમ રાગની એને પકડ થઈ ગઈ છે. રાગ પોતાની ચીજમાં નહિ હોવા છતાં અજ્ઞાનને કારણે રાગની પકડ થઈ ગઈ છે. અને તેથી તેને રાગની ક્રિયાના ષટ્કારકો ઉત્પન્ન થયા છે. પર્યાયની ફેરણી તે ક્રિયા છે. આવે છે ને કે-
કિરિયા પરજયકી ફિરનિ, વસ્તુ એક ત્રય નામ.
અહા! ભ્રાંતિવશ એને રાગના ષટ્કારકો પેદા થયા છે.
પંચાસ્તિકાય ગાથા ૬૨માં લીધું છે કે-જે રાગ વા વિકાર થાય છે તેનો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ-તે વિકાર-રાગ છે. એક સમયની રાગની ક્રિયાના ષટ્કારક તે તે પર્યાયમાં છે. કર્મ આદિ પરદ્રવ્યમાં નહિ, ને દ્રવ્ય-ગુણમાં પણ નહિ. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ જ છે; તે અશુદ્ધને કેમ કરે?
અહા! જેણે રાગનું ગ્રહણ કર્યું છે તેને આનંદકંદ પ્રભુ આત્માનું ગ્રહણ થયું નહિ, અને રાગનું ગ્રહણ થતાં તેને ક્રિયાના ષટ્કારકો ઉત્પન્ન થયા. અર્થાત્ કર્તા, કર્મ, કરણ ઇત્યાદિ કારકોના ભેદ પડી ગયા. તે પોતાની ચીજથી વિખુટો પડી ગયો. તેને કારકો ઉત્પન્ન થતાં રાગનો અનુભવ થયો અને રાગની અનુભૂતિ ના ફળપણે તેણે અનાદિથી દુઃખ જ ભોગવ્યું. અહા! અનાદિથી નિગોદથી માંડી જૈનનો દિગંબર સાધુ થઈ નવમી ગ્રૈવેયક ગયો ત્યાં પણ તેણે રાગનો જ અનુભવ કર્યો. ગાથા ૧૦૨માં આવી ગયું કે જે સમયે જે ભાવનો કર્તા થાય છે તે સમયે તેનો જ તે ભોક્તા થાય છે. સંયોગ મળે એ તો પછીની વાત છે. આ તો જે સમયે રાગ કરે તે જ સમયે તેનો તે ભોક્તા થાય છે.
હવે કહે છે- ‘यतः च अनुभूतिः क्रियायाः अखिलं फलं भुज्जाना खिन्ना’ કારકો ઉત્પન્ન થતાં જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ (-ખેદ પામી),.....
અહાહા...! જોયું? હું રાગ છું એમ રાગમાં એકતાબુદ્ધિ થવાથી રાગનું ફળ ભોગવતો ખેદખિન્ન થઈ ગયો. ભલે શુભરાગ હોય, તોય તે ખેદખિન્ન જ થઈ ગયો; તેણે ખેદને જ ભોગવ્યો એમ કહે છે.
PDF/HTML Page 4191 of 4199
single page version
મિથ્યાદ્રષ્ટિ જે નવમી ગ્રૈવેયક જાય છે એને શુકલ લેશ્યાના પરિણામ હોય છે, પણ એ કાંઈ ચીજ નથી. કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, ને શુકલ એ બધી જ લેશ્યાઓ રાગભાવ છે, ક્લેશભાવ છે; શુકલ લેશ્યા પણ કષાયના રંગથી જ રંગાયેલી છે. લોકો પ્રશસ્ત રાગને ભલો માને છે ને? પણ એ તો એને અશુભની અપેક્ષા પ્રશસ્ત કહ્યો છે, બાકી એ પણ અપ્રશસ્ત જ છે, એની (પ્રશસ્ત રાગની) રુચિમાં તો એને આખો આત્મા દૂર થઈ ગયો છે. સમજાય છે કાંઈ...!
‘ક્રિયાના સમસ્ત ફળને’ એમ શબ્દો છે ને? મતલબ કે જેટલા રાગદ્વેષ ઉત્પન્ન થાય છે એટલું તે કાળે ત્યાં દુઃખ ભોગવે છે. અહા! આત્માનો અનુભવ છે નહિ, સ્વભાવ સન્મુખતા છે નહિ, સ્વભાવથી વિમુખતા છે, ને રાગની-વિભાવની સન્મુખતા છે તો તેને તે કાળે રાગનું-દુઃખનું વેદન છે એમ કહે છે. આ બધા ધનપતિ-ધૂળપતિ છે ને? એ બધા રાગ-દ્વેષનું-ઝેરનું વેદન કરે છે. એમાં મઝા માને છે એ તો મૂઢપણું ને પાગલપણું છે. જેમ ઉનાળાનો સખત ગરમીનો દિવસ હોય, અને બાળકને એની માતાએ દૂધ બહુ પીવડાવી દીધું હોય તો પછી તે બાળકને પાતળા દસ્ત થાય છે, એ દસ્તને બાળક હાથ અડાડે એટલે તે ઠંડો લાગે તેથી બાળક તેને ચાટવા લાગે છે, બસ એની જેમ અજ્ઞાની રાગદ્વેષ ઉત્પન્ન કરીને તેમાં મઝા માને છે. આવી વાત! સમજાણું કાંઈ...? આ તો એનું પાગલપણું જ છે. અહા! રાગનું એકત્વ કરવાથી રાગની ક્રિયા ઉત્પન્ન થાય છે, અને એનું ફળ એ જ સમયે દુઃખને ભોગવે છે, દુઃખને ભોગવતાં ખેદખિન્ન થાય છે. આટલી અજ્ઞાનની ક્રિયાની વાત કરી, હવે ગુલાંટ ખાય છે; જ્ઞાનની વાત કરે છે.
‘तत् विज्ञान–घन–ओघ–मग्नम्’ તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું (અર્થાત્ જ્ઞાનરૂપે પરિણમ્યું) ‘अधुना किल किञ्चत न किञ्चित તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી.
જુઓ શું કીધું? દ્રષ્ટિએ જ્યાં પલટો ખાધો ત્યાં અંદરમાં હું રાગ છું એવી જે બુદ્ધિ હતી તે મટી બુદ્ધિ વિજ્ઞાનઘન થઈ ગઈ. હું વિજ્ઞાનઘન આત્મા જ છું એવી દ્રષ્ટિ થતાં સમ્યગ્દર્શન થયું, અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં સમાઈ ગયું, દ્રવ્યમાં અંદર પારિણામિકભાવે ભળી ગયું. રાગ ઉદયભાવ છે, એનો વ્યય થતાં તે અંદર રાગ સ્વરૂપે દ્રવ્યમાં ગયો એમ નહિ, પણ તે યોગ્યતારૂપે પારિણામિકભાવ થઈને દ્રવ્યમાં ભળી ગયો એમ વાત છે.
અજ્ઞાનની ક્ષયોપશમ દશા હો કે સમ્યગ્જ્ઞાનની ક્ષયોપશમ પર્યાય હો, એ નાશ થઈને કયાં ગઈ? તો કહે છે- જેમ જળના તરંગ જળમાં ડૂબે છે તેમ અજ્ઞાનની કે જ્ઞાનની પર્યાય વ્યય પામી અંદરમાં ગુડપ થઈ જાય છે. રાગની પર્યાય હો કે અજ્ઞાનની પર્યાય હો, તે પર્યાય સત્ છે, અને તેનો વ્યય થતાં અંદર દ્રવ્યમાં યોગ્યતારૂપે ગુડપ થઈ જાય છે; જે એમ ન હોય તો સત્નો અભાવ થઈ જાય, ને અભાવ થઈ જાય તો અંદરમાં યોગ્યતા ન રહે. અહીં કહે છે - તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું, અર્થાત્ અજ્ઞાનનો વ્યય થઈને સમ્યગ્જ્ઞાન થયું. પહેલાં દ્રષ્ટિ વિપરીત હતી તે પલટીને દ્રવ્યની દ્રષ્ટિ થઈ ત્યાં હું વિજ્ઞાનઘન પરમ પ્રભુ છું એવું દ્રષ્ટિ-જ્ઞાનનું પરિણમન થઈ ગયું. પરિણમન હોં, વિકલ્પ નહિ. હું શુદ્ધ છું, બુદ્ધ છું ઇત્યાદિ વિકલ્પ રહે ત્યાં સુધી તો સમ્યગ્દર્શન નથી. આ વાત કર્તાકર્મ અધિકારમાં આવી ગઈ છે. આ તો દ્રવ્યની એકપણાની દ્રષ્ટિ થઈ ત્યાં રાગની પર્યાયના કારકો છૂટી નિર્મળ પર્યાયના કારકો ઊભા થયા. દ્રષ્ટિ પલટી, દિશા પલટી, ને આત્મા આનંદમાં લીન થયો.
સવારમાં પ્રશ્ન હતો ને કે સમ્યગ્દર્શન કેમ થાય? લ્યો, સમાધાન એમ છે કે-રાગની રુચિ પલટીને નિજ વિજ્ઞાનઘન સ્વરૂપનાં મહિમા અને રુચિ કરી દ્રષ્ટિ અંદરમાં લઈ જતાં સમ્યગ્દર્શન થાય છે. પહેલામાં પહેલું આ કર્તવ્ય છે; આ વિના બધું એકડા વિનાનાં મીંડાં છે.
તે અજ્ઞાન વિજ્ઞાનઘનસ્વભાવમાં મગ્ન થયું, એટલે અજ્ઞાન ન રહ્યું, અંદરમાં યોગ્યતારૂપ થઇ દ્રવ્યમાં ગયું. અંદરમાં અજ્ઞાન રહે અને ને જ્ઞાન થાય એમ બને નહિ.
અહા! રાગની એકતા એ તો આત્મઘાત છે; એમાં તો આત્માનું મૃત્યુ થાય છે. વિજ્ઞાનઘન પ્રભુ આત્માને રાગવાળો માનવો, અર્થાત્ હું રાગ છું એમ માનવું એ તો ભાવમરણ છે, કેમકે એમાં પોતાના ચૈતન્યસ્વરૂપનો ઇન્કાર થયો ને! ચૈતન્યનો ઇન્કાર એ એની હિંસા છે, ને એ ભાવમરણ છે. અહા! રાગથી મને લાભ છે એવી દ્રષ્ટિમાં પ્રભુ! તારું ક્ષણે ક્ષણે ભાવમરણ થઈ રહ્યું છે. શ્રીમદ્માં આવ્યું છે ને કે-‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો!’ ભાઈ, પરમાં ને રાગમાં સુખ માનતાં તારા સુખનો નાશ થાય છે એ તો જો. આ અવસર પૂરો થઈ જશે ભાઈ! દેહ ફૂ થઈ જશે, ને તું કયાંય ચાલ્યો જઈશ, ને ક્ષણક્ષણનું ભાવમરણ ચાલ્યા જ કરશે. (જો આત્મદ્રષ્ટિ હમણાં જ ના કરી તો).
અહાહા...! અનાદિથી જીવ રાગમાં પોતાપણું માનતો હતો તે હવે ગુલાંટ મારી જ્યાં દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરી
PDF/HTML Page 4192 of 4199
single page version
ત્યાં અજ્ઞાનસમૂહનો નાશ થઈને તે વિજ્ઞાનઘનસ્વભાવમાં મલી ગયું. મિથ્યાજ્ઞાનનો વ્યય થઈને સમ્યગ્જ્ઞાનનું પરિણમન થઈ ગયું. રાગની ક્રિયા ને તેનું ફળ હવે રહ્યું નહિ. સમ્યગ્દ્રષ્ટિ ચક્રવર્તી હોય, બહાર અનેક વૈભવમાં ઊભો હોય તોય અંદર જ્ઞાનમાં એ બધું (પોતાનું) કાંઈ જ નથી. જ્યાં લગી પુરુષાર્થ ઓછો છે ત્યાંસુધી અવિરતિ-ભાવ છે, પણ તે અવિરતિ-ભાવ જ્ઞાનભાવને અડતો જ નથી. જ્ઞાનીનો તો જ્ઞાતાદ્રષ્ટા ભાવ જ છે, ને અનંતકાળ જ્ઞાતાદ્રષ્ટા- ભાવ જ રહેશે; કેવળજ્ઞાન થતાં જ્ઞાતાદ્રષ્ટા જ રહેશે. સમજાણું કાંઈ...?
‘પરસંયોગથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું. અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ નહોતી; માટે હવે જ્યાં તે જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે (અજ્ઞાન) કાંઈ જ ન રહ્યું,...’
જુઓ, પુણ્ય-પાપના વિકલ્પ એ સંયોગી ચીજ છે. વિભાવ છે ને! એ પોતાના સ્વભાવની ચીજ નથી. આ વિભાવના સંગના ભાવથી, કહે છે, અનાદિકાળથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું; અજ્ઞાન કોઈ જુદી વસ્તુ નહોતી. અહાહા...! જેમ સુતરની દોરીમાં ગાંઠ પડે છે એ કાંઇ સુતરથી ભિન્ન ચીજ નથી, તેમ અજ્ઞાન કાંઈ જુદી ચીજ નથી, એય જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્માનું જ અજ્ઞાનમય પરિણમન છે. અહા! જ્ઞાનસ્વરૂપ આત્મા સાથે રાગના એકત્વથી બંધાયેલી તે અજ્ઞાનમય પરિણમનરૂપ આત્માની ગાંઠ છે, આમ તે આત્માથી જુદી ચીજ નથી.
ભગવાન આત્માએ રાગનો સંગ કર્યો તેથી તેના જ્ઞાનની આવી અજ્ઞાનમય દશા થઈ છે. આવે છે ને કે-
અગ્નિએ લોહ-લોઢાનો સંગ કર્યો તો એના પર ઘણના ઘા પડે છે; તેમ અસંગ ચૈતન્યજ્યોત પ્રભુ આત્માએ રાગનો સંગ કર્યો તો એના જ્ઞાનનું અજ્ઞાનમય પરિણમન થયું છે. અજ્ઞાનરૂપ અવસ્થા (પર્યાય અપેક્ષા) આત્માથી કોઈ ભિન્ન ચીજ નથી. અજ્ઞાન કહો કે સંસાર કહો, એ આત્માની પર્યાયથી ભિન્ન ચીજ નથી. આ શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર કે કર્મ એ જીવનો સંસાર નથી, સંસરણ (રાગના સંગમાં રહેવું) તે સંસાર છે, અને જીવે તે સંસાર પોતાના અજ્ઞાનરૂપ અપરાધથી ઊભો કર્યો છે. કેટલાક કહે છે તેમ સ્ત્રી-કુટુંબ આદિ છોડી દીધાં તો સંસાર છૂટી ગયો એમ નહિ, અજ્ઞાનભાવ-રાગના સંગનો ભાવ-છોડવાથી સંસાર છૂટે છે, અર્થાત્ જ્ઞાનભાવથી જ સંસાર છૂટે છે. સમજાણું કાંઈ...? અહો! દિગંબર સંતોએ તો ન્યાલ કરી દીધા છે. જેને જેને આ વાત અંતરમાં બેઠી તે ન્યાલ થઈ ગયા છે.
અહા! અનાદિથી પોતાના અજ્ઞાનભાવથી જીવ ચોરાસીના અવતારમાં રખડે છે, કર્મને કારણે રખડે છે એમ નથી. ભૂલ પોતે કરે, ને નાખે કર્મ માથે તે કાંઈ ભૂલ મટાડવાની રીત નથી. વાસ્તવમાં આત્મા પોતાની પર્યાયમાં સ્વતંત્રપણે વિકાર કરે છે, એમાં કર્મની અપેક્ષા નથી. જો કર્મના કારણે વિકાર થાય તો આત્માનું સ્વાધીનપણું રહે નહિ; કર્મ ટળે તો વિકાર ટળે, પણ સંસારીને કર્મ કયારે ન હોય? વાસ્તવમાં દ્રવ્યદ્રષ્ટિ વિના, અજ્ઞાનથી આત્મા સ્વયમેવ વિકારના ષટ્કારકરૂપે પરિણમે છે, એમાં કર્મની કોઈ અપેક્ષા નથી. ભાઈ, પહેલાં સાચો નિર્ણય તો કર કે ભૂલ પોતાથી થઈ છે, કર્મથી નહિ. સાચી સમજણ કરે તો ભૂલ ટાળવાનો અવકાશ છે. બાકી કર્મ વિકાર કરાવે તો કર્મ છોડે ત્યારે છૂટકારો થાય, પોતાને આધીન તો કાંઈ રહ્યું નહિ, પણ એવી વસ્તુ નથી.
અહીં કહે છે-તે (અજ્ઞાન) જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે કાંઈ ન રહ્યું. અહાહા...! હું જાણગસ્વભાવી વિજ્ઞાનઘન પ્રભુ આત્મા છું એમ નિજ સત્તાનો નિર્ણય થયો ત્યાં અજ્ઞાન રહ્યું નહિ. ભલે પર્યાયમાં અલ્પજ્ઞતા છે, પણ સર્વજ્ઞસ્વભાવી નિજ આત્માનું ભાન થયું તો અજ્ઞાન કાંઈ ન રહ્યું. અજ્ઞાન જેવી ચીજ જ ન રહી, જ્ઞાન-જ્ઞાન- સમ્યગ્જ્ઞાન થયું. સમજાણું કાંઈ...? મિથ્યાજ્ઞાન અને સમ્યગ્જ્ઞાન-બન્ને સાથે રહી શકતાં નથી, તેથી અંતર્દ્રષ્ટિ થતાં સમ્યગ્જ્ઞાન થયું તો અજ્ઞાન કાંઈ ન રહ્યું. આવી વાત છે.
અહાહા...! ભગવાન આત્મા પોતાની ચીજની જ્યાં અંદરમાં સંભાળ લેવા ગયો ત્યાં એને અજ્ઞાન ટળી ગયું, ને સમ્યગ્જ્ઞાન પ્રગટ થઈ ગયું. જ્ઞાનનેત્ર જે બંધ હતાં તે ખુલી ગયાં, કબાટ જે બંધ હતાં તે ખુલી ગયાં.
અહા! જિજ્ઞાસુ કે જેને આ વાત ધારણામાં છે, પણ અંતર્દ્રષ્ટિ થઈ નથી તેને હજુ કબાટ બંધ છે. જ્યાં અંતર્દ્રષ્ટિ થઈ કે તરત જ અજ્ઞાનનો નાશ થઈ કબાટ ખુલી જાય છે, અને ત્યારે હું શાંતરસનો-ચૈતન્યરસનો- આનંદરસનો પિંડ છું એવો અનુભવ થાય છે.
PDF/HTML Page 4193 of 4199
single page version
અહા! સ્ત્રીનો, પુરુષનો, નપુંસકનો કોઈ આકાર આત્મામાં નથી. દ્રવ્ય-ભાવવેદથી રહિત વિજ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ આત્મા છે. પ્રવચનસાર ગાથા ૧૭૨માં અલિંગગ્રહણના બોલમાં આ વાત લીધી છે કે આત્મામાં દ્રવ્યવેદની આકૃતિ નથી, તેમ ભાવવેદ-વિષયવાસના પણ આત્મામાં નથી. અહાહા...! આવી આત્મદ્રષ્ટિ જે કરે છે તે સ્ત્રી હો, બાળક હો, કે પુરુષ હો, તે અંતરમાં અનુભવ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે. સ્વસન્મુખની દ્રષ્ટિ વડે જ સમ્યગ્દર્શન-જ્ઞાન થાય છે, એ સિવાય એનો બીજો કોઈ ઉપાય નથી. અહીં કહે છે સ્વ-આશ્રયે જ્યાં સમ્યગ્જ્ઞાન થયું ત્યાં અજ્ઞાન કાંઈ રહ્યું નહિ; અજ્ઞાનનો નાશ થઈ ગયો.
હવે કહે છે-‘અજ્ઞાનના નિમિત્તે રાગ, દ્વેષ, ક્રિયાનું કર્તાપણું, ક્રિયાના ફળનું (-સુખદુઃખનું) ભોક્તાપણું ઇત્યાદિ ભાવો થતા હતા તે પણ વિલય પામ્યા; એક જ્ઞાન જ રહી ગયું.’
અહાહા...! શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ પોતે છે, તેનો અંતર્મુખ દ્રષ્ટિમાં સ્વીકાર કર્યો ત્યાં સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું તો અજ્ઞાનભાવમાં જે રાગદ્વેષ થતા હતા તે વિલય પામ્યા, ને રાગની ક્રિયાના ષટ્કારકોથી તે નિવૃત્ત થયો, ને ક્રિયાનું ફળ જે દુઃખ તેનાથી પણ નિવૃતિ થઈ. બાકી શું રહ્યું? તો કહે છે-એક જ્ઞાન જ રહી ગયું. અહાહા...! પોતાના જ્ઞાનાનંદસ્વભાવની દ્રષ્ટિ થઈ તો સમ્યગ્દર્શન-જ્ઞાનની નિર્મળ પરિણતિ પ્રગટ થઈ; રાગ-દ્વેષ ને તેનું ફળ વિલિન થઈ ગયા, ને અનાકુળ આનંદની વીતરાગી પરિણતિ પ્રગટ થઈ. આત્મામાં કર્તા, કર્મ આદિ સ્વભાવોનું નિર્મળ પરિણમન શરુ થયું. આને ધર્મ અને વીતરાગમાર્ગની શરુઆત કહેવામાં આવે છે.
અહા! પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થતાં અજ્ઞાન અને અજ્ઞાનથી ઉત્પન્ન થતી રાગની ક્રિયા અને તેનું ફળ દુઃખ નાશ પામી જાય છે. દ્રષ્ટિમાં રાગેય નથી ને દુઃખેય નથી. પણ સાધકને પર્યાયમાં કિંચિત્ અશુદ્ધતા છે, રાગ છે. જ્ઞાની તેને યથાસ્થિત જાણે છે. તેને જે જ્ઞાન વર્તે છે તે જાણે છે કે જે અંશે રાગ છે તેનું કર્તા-ભોક્તાપણું પણ છે. કરવા- ભોગવવાયોગ્ય એમ નહિ, પણ અંશે રાગનું પરિણમન છે તો પરિણમન અપેક્ષા તેનું કર્તા-ભોક્તાપણું છે. આવો વીતરાગનો અનેકાંતસ્વરૂપ માર્ગ છે.
એક બાજુ જ્ઞાનીને રાગાદિ વિલીન થઈ ગયા કહો, ને વળી કર્તા-ભોક્તાપણું કહો-આ તો વિરુદ્ધ છે? વિવક્ષા સમજતાં વિરુદ્ધ તો કાંઈ જ નથી. જ્ઞાનીને રાગનું સ્વામિત્વ નથી તો વિલીન થઈ ગયો કહ્યું, ને કિંચિત્ પરિણમન છે તો કર્તા-ભોક્તાપણું કહ્યું. સ્યાદ્વાદીને આમાં કાંઈ વિરુદ્ધ ભાસતું નથી. સમજાણું કાંઈ...? સ્વભાવની દ્રષ્ટિથી જોતાં જ્ઞાનીને રાગ વિદ્યમાન નથી, ને જ્ઞાનની નજરે જુઓ તો, પર્યાયને જુઓ તો કિંચિત્ રાગ છે, ને તેનું વેદન પણ છે. આવી જ વસ્તુ છે, તેમાં વિરુદ્ધ કાંઈ જ નથી. સ્તવનમાં આવે છે ને કે-
નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો લાલ.
હે નાથ! હે સર્વજ્ઞદેવ! અમારી નિજ સત્તા-નિજ સ્વભાવ શુદ્ધ છે એમ આપ દેખો છો. પર્યાયમાં જે પુણ્ય-પાપના વિકલ્પ ઉઠે છે-તે આસ્રવ તત્ત્વ છે, આત્મા નથી. નિજ સત્તાએ શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ છે તેને આપ આત્મા જાણો છો. અહા! આવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ થવી તે સમ્યગ્દર્શન અને ધર્મ છે, અને એ જ અપૂર્વ પુરુષાર્થ છે. આ સિવાય વ્રત, તપ, દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ ક્રિયાકાંડ તો અનંત કાળમાં અનંત વાર કીધા, પણ એ કાંઈ નથી. એનાથી ધર્મ માનવો એ તો અજ્ઞાનભાવ છે. જ્યારે ભગવાન આત્માની દ્રષ્ટિ ને આશ્રય થાય છે ત્યારે અજ્ઞાન ટળી, જ્ઞાન થાય છે, ને એક જ્ઞાન જ રહી જાય છે; રાગની ક્રિયા ને ક્રિયાફળનો નાશ થઈ જાય છે. સમકિતી રાગનો હવે કર્તા-ભોક્તા થતો નથી, એક જ્ઞાતા-દ્રષ્ટા રહી જાય છે. શરીર હોય તેનેય તે જાણે, રાગનેય જાણે, ને ભવ હોય તેનેય બસ (આ પર છે એમ) જાણે જ છે.
‘માટે હવે આત્મા સ્વપરના ત્રણકાળવર્તી ભાવોને જ્ઞાતા-દ્રષ્ટા થઈને જાણ્યા-દેખ્યા જ કરો.’ જુઓ આ ભાવના! એક કે પૂર્ણ જ્ઞાન-દર્શનરૂપ થઈ જાણ્યા-દેખ્યા જ કરો. લ્યો, આવી વાત!
પ્રશ્નઃ– પર્યાય વિલીન થઈ તે કયાં ગઈ? ઉત્તરઃ– દ્રવ્યમાં અંદર ચાલી ગઈ. પર્યાયરૂપ ન રહી, યોગ્યતારૂપે અંદર દ્રવ્યમાં ભળી ગઈ, વિજ્ઞાનઘનસમૂહમાં મગ્ન થઈ ગઈ. જેમ સરકણી ગાંઠ હોય છે તે ખેંચવાથી કપડામાં સમાઈ જાય છે, તેમ રાગની એકતાબુદ્ધિ હતી તે
PDF/HTML Page 4194 of 4199
single page version
ગાંઠ હતી, ગ્રંથિભેદ થતાં યોગ્યતારૂપે દ્રવ્યમાં અંદરમાં સમાઈ ગઈ. ત્રિકાળી પર્યાયોનો પિંડ એ દ્રવ્ય છે ને? અનાદિ- અનંત પર્યાયોનો પિંડ તે ગુણ છે, ને અનંત ગુણનો પિંડ તે દ્રવ્ય છે. આવી જૈનદર્શનની વાત અલૌકિક છે. એનું જ્ઞાન થતાં ભવનો અંત આવી જાય છે. સમકિતીને એકાદ ભવ હોય તે એના જ્ઞાનનું જ્ઞેય છે, બસ.
‘પૂર્વોક્ત રીતે જ્ઞાનદશામાં પરની ક્રિયા પોતાની નહિ ભાસતી હોવાથી, આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, શબ્દોની છે’–એવા અર્થનું, સમયસારની વ્યાખ્યા કરવાના અભિમાનરૂપ કષાયના ત્યાગને સૂચવનારું કાવ્ય હવે કહે છેઃ–
र्व्याख्या कृतेयं समयस्य शब्दैः ।
स्वरूपगुप्तस्य न किञ्चिदस्ति
कर्तव्यमेवामृतचन्द्रसूरेः ।। २७८ ।।
શ્લોકાર્થઃ– [स्व–शक्ति–संसूचित–वस्तु–तत्त्वैः शब्दैः] પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ (–યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ [इयं समयस्य व्याख्या] આ સમયની વ્યાખ્યા (–આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમયપ્રાભૃતશાસ્ત્રની ટીકા) [कृता] કરી છે; [स्वरूप–गुप्तस्य अमृतचन्द्रसूरेः] સ્વરૂપગુપ્ત (– અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત) અમૃતચંદ્રસૂરિનું [किञ्चित् एव कर्तव्यम् न अस्ति] (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી.
ભાવાર્થઃ– શબ્દો છે તે તો પુદ્ગલ છે. તેઓ પુરુષના નિમિત્તથી વર્ણ–પદ–વાક્યરૂપે પરિણમે છે; તેથી તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયમેવ છે, કારણ કે શબ્દનો અને અર્થનો વાચ્યવાચક સંબંધ છે. આ રીતે દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત જ યથાર્થ છે. આત્મા તો અમૂર્તિક છે, જ્ઞાનસ્વરૂપ છે. તેથી તે મૂર્તિક પુદ્ગલની રચના કેમ કરી શકે? માટે જ આચાર્યદેવે કહ્યું છે કે ‘આ સમયપ્રાભૃતની ટીકા શબ્દોએ કરી છે, હું તો સ્વરૂપમાં લીન છું, મારું કર્તવ્ય તેમાં (–ટીકા કરવામાં) કાંઈ જ નથી.’ આ કથન આચાર્યદેવની નિર્માનતા પણ બતાવે છે. હવે જો નિમિત્તનૈમિત્તિક વ્યવહારથી કહીએ તો એમ પણ કહેવાય છે જ કે અમુક કાર્ય અમુક પુરુષે કર્યું. આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્રાચાર્યકૃત છે જ. તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે; કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ દૂર થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ કરવાયોગ્ય છે. ૨૭૮.
‘પૂર્વોક્ત રીતે જ્ઞાનદશામાં પરની ક્રિયા પોતાની નહિ ભાસતી હોવાથી, આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, શબ્દોની છે’-એવા અર્થનું, સમયસારની વ્યાખ્યા કરવાના અભિમાનરૂપ કષાયના ત્યાગને સૂચવનારું કાવ્ય હવે કહે છે;-
પૂર્વોક્ત પ્રકારે એટલે હું આત્મા એક જ્ઞાનાનંદસ્વરૂપ છું એવી દ્રષ્ટિ થઈ હોવાથી જ્ઞાનદશામાં શરીરની, વાણીની કે રાગની ક્રિયા પોતાની ભાસતી નથી. અહાહા...! પર્યાય રાગથી વિમુખ થઈ સ્વભાવની સન્મુખ થઈ, પોતાનું અસ્તિત્વ પૂર્ણસ્વરૂપ અનુભવમાં આવ્યું તો એ દશા થતાં, કહે છે, જ્ઞાનીને શરીરની ને વાણીની ક્રિયા, ને વ્યવહારનો જે વિકલ્પ ઉઠે છે તે ક્રિયા મારી છે, હુ એનો કર્તા છું એમ ભાસતું નથી. જુઓ આ ધર્મ ને ધર્મીની અંતરદશા!
PDF/HTML Page 4195 of 4199
single page version
અહાહા...! જ્ઞાનાનંદસ્વભાવથી ભરપુર પૂર્ણવિજ્ઞાનઘન પ્રભુ આત્મા છે. તેને અનુસરીને અનુભવ થયો તે અનુભવ કેવો છે? અહાહા...!
અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની હું પૂર્ણ પરમાત્મસ્વરૂપ છું એમ પોતાને અનુભવે છે, રાગવાળો, ને કર્મવાળો છું એમ અનુભવતો નથી. અરે, હું એક છું, શુદ્ધ છું-એવો વિકલ્પેય ત્યાં નથી. અહા! આવી નિર્વિકલ્પ અનુભૂતિ થઈ છે તે જ્ઞાની કહે છે-અહા! શબ્દોની રચના શબ્દોથી થઈ છે, એ ક્રિયા મારી છે, ને હું એનો કર્તા છું એમ મને ભાસતું નથી. મેં ભાષણ દીધું, ને ઉપદેશ આપ્યો, ને આ મારો ઉપદેશ-એમ માને એ તો મિથ્યાભાવ છે, મિથ્યા અભિમાન છે. ભાઈ, ઉપદેશની ભાષા કોણ કરે? શું આત્મા કરે? કદીય ના કરે. ભગવાનની દિવ્યધ્વનિ નીકળે છે તેના કર્તા ભગવાન નથી. વાણી પોતાથી પ્રમાણિક છે, પરથી પ્રમાણિક કહેવી એ તો વ્યવહાર છે.
અહીં આચાર્ય ભગવાન પોતાની વાત કહે છે કે-સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા મારી નથી. લ્યો, આવી સરસ અલૌકિક ટીકા રચી, ને હવે આચાર્યદેવ કહે છે-આ વ્યાખ્યા-ટીકા મેં કરી છે, મારાથી થઈ છે-એમ નથી. હું તો આત્મા છું, સ્વરૂપગુપ્ત છું, ભાષાની ક્રિયા મારી છે એમ છે જ નહિ; શબ્દોની ગૂંથણી મેં કરી છે એમ છે જ નહિ. ગજબની વાત!
અહીં એક બીજી વાતઃ સુનય એને કહીએ જેને બીજા નયની અપેક્ષા હોય, અર્થાત્ સુનય સાપેક્ષ છે. સાપેક્ષતાનો અર્થ શું? કે પર્યાય, ભેદ ને રાગનું લક્ષ છોડવું, તેની ઉપેક્ષા કરવી. લ્યો, એ એની સાપેક્ષતા છે. જેમકે-સ્વભાવ સન્મુખ થતાં નિશ્ચયનય પ્રગટ થયો, તો નિશ્ચયનયને બીજા નયની અપેક્ષા હોવી જોઈએ કે નહિ? લ્યો, આવો પ્રશ્ન થાય તો સમાધાન એમ છે કે-પરની-રાગની-ભેદની ઉપેક્ષા તે અપેક્ષા છે. આ સુનયની વ્યાખ્યા કહી.
કુનયમાં બીજા અનેરા ધર્મની અપેક્ષા નથી. પ્રમાણમાં નિશ્ચયનયના વિષય ઉપરાંત વ્યવહારનયને પર્યાયને ભેળવવામાં આવે છે; દ્રવ્ય-પર્યાયસ્વરૂપનું જ્ઞાન કરાવવામાં આવે છે. હવે નિશ્ચયનયને વ્યવહારનયની અપેક્ષા શું? તો વ્યવહારનો વિષય જે ભેદ તેનું લક્ષ છોડવું, પર્યાયનું લક્ષ છોડવું તે એની સાપેક્ષતા છે. આવો મારગ અલૌકિક છે ભાઈ!
પ્રશ્નઃ– સ્વ-આશ્રયે નિશ્ચયનય તો પ્રગટયો, પણ સાથે બીજો નય ન હોય તો મિથ્યાનય થઈ જાય. ઉત્તરઃ– પણ બીજો નય હોય એનો અર્થ શું? એ જ કે તેના વિષયભૂત પર્યાયની ને ભેદની ઉપેક્ષા કરવી. લ્યો, આ એની સાપેક્ષતા છે. એનું લક્ષ છોડી ત્રિકાળી એક જ્ઞાયકમાં એકાગ્ર થવું તેનું નામ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન છે.
અહાહા...! સમકિતીને જ્ઞાનની દશામાં પરની ક્રિયા પોતાની ભાસતી નથી. મતલબ કે પર્યાયમાં રાગ છે, લખતી વેળા વાણીના જલ્પનો વિકલ્પ છે, અને શબ્દો લખાય છે, પણ જેની દ્રષ્ટિમાં એક જ્ઞાયક વસ્યો છે તેને એ બધી પરની ક્રિયાઓ પોતાની છે, પોતે કરી છે એમ ભાસતું નથી. એને તો એ બધી ક્રિયાઓ પ્રતિ ઉદાસીનતા ને ઉપેક્ષા જ છે.
વળી એક બીજી વાતઃ નિયમસારની બીજી ગાથામાં આવે છે કે-શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. જુઓ, નિશ્ચય મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે, તેમાં વ્યવહારનું લક્ષ નથી, વ્યવહારની તેને અપેક્ષા નથી. આ રીતે નિશ્ચયને વ્યવહારની અપેક્ષા નથી. ભાઈ, આવો અંતરનો માર્ગ અનંત કાળમાં એણે સમજણમાં લીધો નથી. બહારમાં ક્રિયાકાંડ કરીને મરી ગયો પણ અંતરની ચીજ એણે લક્ષમાં લીધી નહિ. અરે, જે ઉપેક્ષાયોગ્ય છે તેની અપેક્ષા કીધા કરી, ને જેનું અંતરલક્ષ કરવાનું છે તેની એણે ઉપેક્ષા જ કીધે રાખી છે!
શુદ્ધ રત્નત્રયનો માર્ગ પરમ નિરપેક્ષ છે. જુઓ આ સંતોની વાણી! આ તો ભગવાનની વાણી ભાઈ! મળવી મહા મુશ્કેલ કહે છે-ભગવાન! તારા સ્વ-આશ્રયમાં પરની-રાગની ને ભેદની કોઈ અપેક્ષા નથી. જ્યાં વ્યવહારની અપેક્ષા કહી છે ત્યાં એની ઉપેક્ષા એ જ એની અપેક્ષા સમજવી. ગાથામાં આવે છે ને કે-
PDF/HTML Page 4196 of 4199
single page version
અહા! આવો વીતરાગનો મારગ! એટલે તો ગાથામાં (ગાથા ૧૧માં) વ્યવહારનયને અભૂતાર્થ નામ અસત્યાર્થ કહ્યો છે. એને અભૂતાર્થ જાણવો એનું નામ એની સાપેક્ષતા. સમજાણું કાંઈ...?
‘स्व–शक्ति–संसूचित–वस्तु–तत्त्वैः शब्दैः’ પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ (-યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ ‘इयम् समयस्य व्याख्या’ આ સમયની વ્યાખ્યા (-આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમયપ્રાભૃત શાસ્ત્રની ટીકા) ‘कृता’ કરી છે; ‘स्वरुप गुप्तस्य अमृतचन्द्रसूरेः’ સ્વરૂપગુપ્ત (-અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત) અમૃતચંદ્રસૂરિનું ‘किच्चित् एव कर्तव्यं न अस्ति’ (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી.
જુઓ, આચાર્યદેવ કહે છે-વસ્તુતત્ત્વને યથાર્થ કહેનારા આ સમયસાર શાસ્ત્રની વ્યાખ્યા શબ્દોથી રચાયેલી છે, મારાથી નહિ. અહા! શબ્દોની ગુંથણીની ક્રિયા શબ્દોએ જ કરી છે, મેં કરી છે એમ નથી. પોતાની શક્તિથી શબ્દોએ જ વસ્તુતત્ત્વ સારી રીતે કહ્યું છે. અહાહા...! શબ્દોમાં સ્વ-પરને કહેવાની પોતાની જ શક્તિ છે. જેમ સ્વ-પરને જાણવાની આત્માની સહજ જ શક્તિ છે, તેમ સ્વ-પરને કહેવાની શબ્દોની સહજ જ શક્તિ છે. કોઇ એમ કહે કે શબ્દોની રચના મેં કરી છે તો એની એ મૂઢતા છે, પાગલની દશા છે. અરે ભગવાન! શબ્દને તો આત્મા અડયોય નથી, ને શબ્દ આત્માનેય અડયો નથી. જગતનાં અનંત તત્ત્વો ભિન્ન ભિન્ન જ છે. આમ છે ત્યાં શબ્દોની ગૂંથણી આત્મા કરે એ વાત જ કયાં રહે છે?
પ્રશ્નઃ– તે પ્રકારનું જ્ઞાન કામ કરે ત્યારે શબ્દો નીકળે ને? ઉત્તરઃ– શબ્દો શબ્દોથી નીકળે છે, શબ્દો તો જડનો ભાવ છે, તેમાં જ્ઞાનનું શું કામ છે? જ્ઞાન જ્ઞાનનું કામ કરે, જ્ઞાનનું શબ્દોમાં કાંઈ જ કામ નથી. આત્મા શબ્દોની ક્રિયા ત્રણકાળમાં કરતો નથી.
ભગવાનને કેવળજ્ઞાન થતાં દિવ્ય વાણી નીકળી તે ત્રણકાળ ત્રણલોકને યથાર્થ જણાવે, એ જણાવવાની (કહેવાની) પરમાણુમાં સ્વયંની શક્તિ છે, ભગવાન નિમિત્ત હો, પણ એમાં ભગવાનનું કાંઈ જ કાર્ય નથી. શબ્દોમાં સ્વપરના વસ્તુસ્વરૂપને કહેવાની પોતાની જ શક્તિ છે, જ્ઞાનને લઈને છે એમ નથી. જ્ઞાનને લઈને વાણી ખરી એમ છે નહિ. વાણી તો જડ છે, તેમાં આત્માનું જ્ઞાન પેસતું નથી. (પેસી શકતું નથી). અહો! કેટલી સ્પષ્ટ વાત! આ સમયસારની વ્યાખ્યા શબ્દોએ કરી છે, મેં અમૃતચંદ્રે નહિ. અહા! જ્યાં વાણીના વિકલ્પનો કર્તા આત્મા નથી, તો વાણીનો કર્તા કેમ હોય?
ત્યારે કોઈ કહે છે-આચાર્યદેવે સમયપ્રાભૃતની વ્યાખ્યા તો ખરેખર કરી છે, પણ આમાં એમણે પોતાની નિરભિમાનતા બતાવી છે, તેથી કહે છે-મેં કાંઈ કર્યું નથી.
અરે ભાઈ! શબ્દો તો જડ પુદ્ગલની પર્યાય છે, પુદ્ગલથી જુદો આત્મા વાણીને કેમ રચે? આચાર્યદેવ કહે છે -હું તો સ્વરૂપગુપ્ત છું. શબ્દો ને શરીરથી ભિન્ન ચૈતન્યના આનંદમાં મશગુલ-લીન છું, જ્ઞાનસ્વભાવમાં રહ્યો છું, વાણીની પર્યાય એના પરમાણુથી થઈ છે, મારે એનાથી શું છે? હું તો એને અડયોય નથી. સમજાય છે કાંઈ...?
એ તો એમ કહેવાય કે-કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્ર રચ્યું, ને અમૃતચંદ્રદેવે ટીકા રચી, પરંતુ એ તો નિમિત્ત કોણ હતું એનું એમાં જ્ઞાન કરાવ્યું છે, બાકી એની રચના શબ્દોએ જ કરી છે, આચાર્યદેવે નહિ. આ શબ્દોની ગૂંથણી મેં કરી નથી એમ કહ્યું એમાં આચાર્યદેવે વસ્તુસ્થિતિ બતાવી છે. કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કામ કરે નહિ એ વસ્તુનો પોકાર છે બાપુ! અને એમ જ જાણ્યું છે તે આચાર્યની નિરભિમાનતા છે. ખરેખર કરે અને મેં કર્યું નથી એમ કહે એમાં શું નિર્માનતા છે? એ તો છલ છે. પણ આચાર્યદેવે તો સ્પષ્ટ વસ્તુસ્થિતિ અને પોતાની આત્મસ્થિતિ આ કળશમાં ખુલ્લી કરી છે. અહાહા...! આચાર્યદેવ કહે છે-
હું જીવ છું, શબ્દો અજીવ છેઃ હું ચૈતન્ય છું, શબ્દો જડ છે; હું અમૂર્તિક-અરૂપી છું, શબ્દો મૂર્તિક-રૂપી છે. હું તો જ્ઞાનમાત્ર સ્વભાવમાં ગુપ્ત છું, જ્યાં છું ત્યાં છું, શબ્દોમાં ગયો જ નથી; પછી વાણીની રચના કેમ કરું? આ વાણીની રચનામાં મારું કાંઈ જ કર્તવ્ય નથી. જુઓ આ વસ્તુસ્થિતિ કહી. આચાર્યદેવે આવી જ વસ્તુસ્થિતિ જાણી
PDF/HTML Page 4197 of 4199
single page version
તે તેમની નિર્માનતા છે. બાકી લોકમાં તો એક-બે પુસ્તક લખે ત્યાં તો ‘આ અમે લખ્યું છે’ -એમ ફૂલીને ફાળકો થઈ જાય; અને વળી બીજાને કહે કે અમારી કિંમત કરવી જોઈએ. હવે શું કિંમત કરે? જડનો કર્તા થયો એ જ કિંમત થઈ ગઈ; એ કિંમતમાં ચાર ગતિમાં રખડશે. સમજાણું કાંઈ...?
‘શબ્દો છે તે તો પુદ્ગલ છે. તેઓ પુરુષના નિમિત્તથી વર્ણ-પદ-વાકયરૂપે પરિણમે છે; તેથી તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયમેવ છે, કારણ કે શબ્દનો અને અર્થનો વાચ્યવાચક સંબંધ છે.’
જોયું? ‘પુરુષના નિમિત્તથી’ -એમ કહ્યું; પણ એનો અર્થ શું? એ જ કે શબ્દોની પદ-વાકયરૂપ રચના શબ્દોથી થાય છે, નિમિત્તથી નહિ. એમાં જ નિમિત્ત નિમિત્ત રહ્યું. નિમિત્તથી થાય-કરાય તો નિમિત્ત કયાં રહ્યું? ‘નિમિત્તથી’ એમ કહેવાય એ તો નિમિત્તપરક ભાષા છે, બાકી નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી.
જુઓ, શબ્દ વાચક છે, ને વસ્તુ વાચ્ય છે. આમ હોતાં શબ્દોમાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયમેવ છે. વાચક શબ્દ વાચ્યના કારણે છે, કે વાચ્ય વાચકને લઈને છે એમ નથી, ને કહેનારો હોંશિયાર છે તો વાચક શબ્દો છે એમ પણ નથી. કેવળી ભગવાનને દિવ્યધ્વનિ નીકળે છે માટે એમાં કેવળજ્ઞાનની કાંઈ અસર છે એમ નથી. ભાઈ, જૈન તત્ત્વજ્ઞાન બહુ સૂક્ષ્મ ને ગહન છે. હવે કહે છે-
‘આ રીતે દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત જ યથાર્થ છે. આત્મા તો અમૂર્તિક છે, જ્ઞાનસ્વરૂપ છે, તેથી તે મૂર્તિક પુદ્ગલની રચના કેમ કરી શકે? માટે જ આચાર્યદેવે કહ્યું છે કે “આ સમયપ્રાભૃતની ટીકા શબ્દોએ કરી છે, હું તો સ્વરૂપમાં લીન છું, મારું કર્તવ્ય તેમાં (-ટીકા કરવામાં) કાંઈ જ નથી.” આ કથન આચાર્યદેવની નિર્માનતા પણ બતાવે છે.’
જુઓ આ વસ્તુસ્થિતિ! અમૂર્તિક જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા, કહે છે, રૂપી જડ પુદ્ગલોને કેમ કરી રચે? ન રચે. માટે સમયપ્રાભૃતની ટીકા શબ્દોએ રચી છે, અમૃતચંદ્રે નહિ-આ સિદ્ધાંત છે, આ વસ્તુસ્થિતિ છે. હું તો સ્વરૂપગુપ્ત છું એમ કહીને આચાર્યદેવે પોતાની અંતરદશા ખુલ્લી કરી છે. આ કથનથી આચાર્યદેવે પોતાની નિર્માનતા પણ પ્રગટ કરી છે. હવે વ્યવહાર કહે છે-
‘હવે જો નિમિત્તનૈમિત્તિક વ્યવહારથી કહીએ તો એમ પણ કહેવાય છે જ કે અમુક કાર્ય અમુક પુરુષે કર્યું.’ જુઓ, આ તો નિમિત્ત કોણ હતું એ બતાવવા નિમિત્તની મુખ્યતાથી આમ કહેવાય છે. આવો કહેવાનો વ્યવહાર છે, પણ કાર્ય નિમિત્તથી થયું છે એમ છે નહિ. આત્મા-પુરુષ જડનું કામ કરે એમ છે નહિ. હવે કહે છે-
‘આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્રાચાર્યકૃત છે જ.’ જુઓ આ નિમિત્તનું કથન! વ્યવહારથી આમ કહેવાય, પણ ખરેખર અમૃતચંદ્રાચાર્ય ટીકાના રચયિતા નથી, નિમિત્ત છે બસ. શબ્દની રચનાથી શાસ્ત્ર બન્યું છે, અમૃતચંદ્ર તો નિમિત્તમાત્ર છે. જડ પરમાણુઓ અક્ષર-પદ-વાકયપણે થયા છે, આત્મા એને કરી શકતો નથી. વ્યવહારે અમૃતચંદ્રકૃત કહ્યું એનો એવો અર્થ નથી કે જડની અવસ્થા જડ પરમાણુઓએય કરી ને અમૃતચંદ્રે પણ કરી. વાસ્તવમાં જડની અવસ્થા જડ જ કરે, આત્મા નહિ-આવી જ વસ્તુવ્યવસ્થા છે. છતાં આત્માએ- પુરુષે કર્યું એવું કથન કરવાનો વ્યવહાર છે. હવે કહે છે-
‘તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે; કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ દૂર થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ કરવાયોગ્ય છે.’
જુઓ, બહારમાં મુમુક્ષુઓમાં આવો વ્યવહાર હોવાયોગ્ય છે. શાસ્ત્રનું પઠન-મનન, અને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય-ભક્તિરૂપ પ્રવર્તન મુમુક્ષુઓમાં અવશ્ય હોવાયોગ્ય છે એમ અહીં વ્યવહાર દર્શાવ્યો છે. સ્વ-આશ્રય તે નિશ્ચય છે. સ્વરૂપની લગની લાગે તેને બહારમાં આવો વ્યવહાર હોય છે.
‘આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકા સમાપ્ત થઈ.
PDF/HTML Page 4198 of 4199
single page version
દેશકી વચનિકામેં લિખિ જયચંદ્ર પઢૈ સંક્ષેપ અર્થ અલ્પબુદ્ધિકૂં પાવનૂં,
દ્રવ્ય–ભાવ–નોકર્મ તજિ, આતમતત્ત્વ લખંત.’ –૨.
અહાહા...! ભરતક્ષેત્રમાં નિજ સાર વસ્તુ શુદ્ધાત્મા-પુણ્ય-પાપરહિત શુદ્ધ ચૈતન્યભાવ-તે દેખાડવા માટે આચાર્ય કુંદકુંદદેવે ગાથાબદ્ધ પ્રાકૃતમાં આ સમયસાર શાસ્ત્ર રચ્યું છે. આચાર્ય અમૃતચંદ્રદેવે એની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા રચી છે. અહાહા...! જેવો ચૈતન્યદેવ પ્રભુ આત્મા છે તેવો વાણી દ્વારા પ્રસિદ્ધ કર્યો છે; તથા તેવી જ ભાવના ભાવી છે. તેનો જયચંદ્ર પંડિતે ચાલતી ભાષામાં બહુ ટુંકો અર્થ લખ્યો છે, જેથી અલ્પબુદ્ધિ જીવો પણ પામી શકે છે. તે તમે સાચા મનથી ભણો અને સાંભળો. એક જ્ઞાતા-દ્રષ્ટા એવો શુદ્ધ આત્મા-તેને ગ્રહો. તે જ્ઞાનસ્વરૂપી એક ચૈતન્યબિંબ છે. અહાહા...! જેમાં દેહ, મન, વાણી, વિકલ્પ નથી એવા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપનો અનુભવ કરો-એમ કહે છે. -૧.
અવિકારી ભગવાન સમયસારનું અર્થાત્ સચ્ચિદાનંદ પ્રભુ આત્માનું વર્ણન સાંભળનાર દ્રવ્યકર્મ, ભાવકર્મ- પુણ્યપાપના ભાવ, અને નોકર્મ-શરીરાદિથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ આત્મતત્ત્વને જાણે છે-અનુભવે છે. - ૨.
‘આ પ્રમાણે આ સમયપ્રાભૃત (અથવા સમયસાર) નામના શાસ્ત્રની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકાની દેશભાષામય વચનિકા લખી છે. તેમાં સંસ્કૃત ટીકાનો અર્થ લખ્યો છે અને અતિ સંક્ષિપ્ત ભાવાર્થ લખ્યો છે; વિસ્તાર કર્યો નથી. સંસ્કૃત ટીકામાં ન્યાયથી સિદ્ધ થયેલા પ્રયોગો છે. તેમનો વિસ્તાર કરવામાં આવે તો અનુમાનપ્રમાણનાં પાંચ અંગોપૂર્વક-(૧) પ્રતિજ્ઞા’ -એટલે શું કહેવા માગીએ છીએ એની પ્રતિજ્ઞા કરવી (૨) ‘હેતુ’ -હેતુ બતાવવો (૩) ‘ઉદાહરણ’ -દાખલો આપવો (૪) ‘ઉપનય’ -સંજ્ઞારૂપને મેળવવું અથવા નિર્ણય કરવો (પ) ‘અને નિગમનપૂર્વક’ -સરવાળો કરવો-એમા પાંચ બોલ છે. આ પાંચ અંગોનું ‘સ્પષ્ટતાથી’ -વિશેષ વિસ્તારથી ‘વ્યાખ્યાન લખતાં ગ્રંથ બહુ વધી જાય; તેથી આયુ, બુદ્ધિ, બળ અને સ્થિરતાની અલ્પતાને લીધે’ તેથી ઓછું આયુષ્ય, ઓછી બુદ્ધિ, બળ થોડું અને અલ્પ સ્થિરતાને લીધે ‘જેટલું બની શકયું તેટલું, સંક્ષેપથી પ્રયોજનમાત્ર લખ્યું છે. તે વાંચીને ભવ્ય જીવો પદાર્થને સમજજો. કોઈ અર્થમાં હીનાધિકતા હોય તો બુદ્ધિમાનો મૂળ ગ્રંથમાંથી જેમ હોય તેમ યથાર્થ સમજી લેજો. આ ગ્રંથના ગુરુસંપ્રદાયનો (ગુરુપરંપરાગત ઉપદેશનો) વ્યુચ્છેદ થઈ ગયો છે,’ અર્થાત્ અધ્યાત્મ સ્વરૂપ-અલૌકિક ચીજ-એની પરંપરા તૂટી ગઈ છે. ‘માટે જેટલો બની શકે તેટલો અભ્યાસ થઈ શકે છે. તોપણ જેઓ સ્યાદ્વાદમય જિનમતની આજ્ઞા માને છે, તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. કયાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળ્યે યથાર્થ થઈ જાય છે. જિનમતની શ્રદ્ધાવાળાઓ હઠગ્રાહી હોતા નથી.’
હવે અંતમંગળને અર્થે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી શાસ્ત્ર સમાપ્ત કરીએ છીએ;-
મંગલ સિદ્ધ મહંત કર્મ આઠોં પરજારે;
આચારજ ઉવજ્ઝાય મુની મંગલમય સારે,
દીક્ષા શિક્ષા દેય ભવ્યજીવનિકૂં તારે;
અઠવીસ મૂલગુણ ધાર જે સર્વસાધુ અણગાર હૈં,
PDF/HTML Page 4199 of 4199
single page version
અહાહા...! ચાર ઘાતિકર્મનો નાશ કરી જેઓએ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે તે ભગવાન અનંતચતુષ્ટયધારી અરિહંત છે. અહાહા...! આત્માની હીણી દશામાં નિમિત્ત જે કર્મ તેને જેણે દૂર કર્યાં છે, અર્થાત્ જે શરીર રહિત થઈને એકલા પૂર્ણ આનંદમૂર્તિ-જ્ઞાનમૂર્તિ આત્માપણે થયા છે, ને જેણે સર્વ પરાશ્રયનો નાશ કર્યો છે તે ભગવાન સિદ્ધ છે. વીતરાગી સંત, આત્માના આનંદના સાધક એવા આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-આ ત્રણેય મંગલમય છે. આચાર્ય દીક્ષા-શિક્ષા દઈ ભવ્ય જીવોને તારે છે. અઠ્ઠાવીસ મુલગુણને ધરનાર એવા સર્વ સાધુ અણગાર છે. મંગળના હેતુના કરનાર હોવાથી હું એ પંચગુરુના ચરણકમળમાં નમસ્કાર કરું છું. પાપનો નાશ અને પવિત્રતાની પ્રાપ્તિમાં જે નિમિત્ત છે એવા પંચ પરમેષ્ઠીને અહીં મંગળ કહ્યા છે.
હવે પં. જયચંદ્રજી પોતાની વાત કહે છેઃ-
જયપુર નગરમાં જૈનોની મોટી વસ્તી છે, મંદિરો છે. મોટા મોટા ગુણીજનો ગ્રંથના સારનો અભ્યાસ કરે છે. એમાં જયચંદ્ર નામે હું એક થયો. મને કાંઈક થોડો અભ્યાસ છે. મારી બુદ્ધિ પ્રમાણે ધર્માનુરાગથી મેં આ સમયસાર ગ્રંથનો દેશી-ચાલતી ભાષામાં અર્થ કર્યો છે. તેને જાણો, સાંભળો, ને નિર્ણય કરો. સાંભળ્યું કયારે કહેવાય? કે કહ્યા પ્રમાણે સમજી અંતરમાં સ્વસંવેદન કરે; અંદર આનંદની અનુભૂતિ પ્રગટ કરે ત્યારે સાંભળ્યું કહેવાય. માટે સ્વપરનો ભેદ જાણી હેયને ત્યાગીને શુદ્ધ આત્માને ગ્રહણ કરો. લ્યો, આટલો જ સાર છે. આ વિના બધું થોથાં છે એમ કહે છે.
ચૌસઠિ કાતિક વદિ દશૈ, પૂરણ ગ્રંથ સુઠૌર. –૩.
સંવત અઢારસો ચોસઠ, કારતક વદી દસમને દિને આ ગ્રંથની વચનિકા પૂર્ણ થઈ. આમ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયપ્રાભૃત નામના પ્રાકૃતગાથાબદ્ધ પરમાગમની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા અનુસાર પંડિત જયચંદ્રજીકૃત સંક્ષેપભાવાર્થમાત્ર દેશભાષામય વચનિકા ઉપરનાં પરમોપકારી આત્મજ્ઞ સંત શ્રી કાનજીસ્વામીનાં સારગર્ભિત મનોજ્ઞ પ્રવચનો સમાપ્ત થયાં.