PDF/HTML Page 4081 of 4199
single page version
વિદ્યમાન હોય છે, આ વર્તમાન વિદ્યમાન નિર્મળ દશામાં વ્યવહારનો-રાગનો અભાવ છે. આનું નામ અનેકાન્ત છે. અરે, લોકો તો વ્રત, તપ આદિ વ્યવહાર રત્નત્રયના વિકલ્પથી ધર્મ થવાનું માને છે, પણ તે માન્યતા એકાન્ત છે; તેઓ એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ છે, તેમને અનેકાન્તના સ્વરૂપની ખબર નથી.
પોતાના દ્રવ્યમાં જે અનંત શક્તિઓ છે તેની વર્તમાન વિદ્યમાન અવસ્થા હોય જ છે. તે અવસ્થા પરનું કારણ થાય કે પરનું કાર્ય થાય એમ છે નહિ. અજ્ઞાનીઓ ખાલી બહારમાં ધમાધમ કરે છે. મંદિર બનાવો, ને પ્રતિષ્ઠા કરાવો ને રથયાત્રા કાઢો-ઇત્યાદિ બહારમાં અજ્ઞાની ખૂબ ધમાધમ કરે છે. ઘણા લોકો કહે છે કે અહીં જંગલમાં આ પરમાગમ મંદિર, ને સમોસરણ મંદિર ને પ્રવચન મંડપ ઇત્યાદિ કરોડોના ખર્ચે રચના થઈ છે તે તમારા (કાનજી સ્વામીના) કારણે થઈ છે.
અરે ભાઈ! એ બધું કોણ કરે? શું જીવ કરે? એ તો પરમાણુઓની રચના એની સ્વતંત્ર યોગ્યતાથી થઈ છે. અમે તો વારંવાર કહીએ છીએ કે એ પરમાણુઓની દશા તેના સ્વકાળે તેનાથી થઈ છે, અમારા કે બીજા કોઈના કારણે તે થઈ છે એમ નથી. આ તો વસ્તુસ્વરૂપ છે બાપુ! દુનિયાલોક તો અજ્ઞાનમાં પડયા છે, તે ગમે તે માને-કહે તેથી શું? જુઓને, આ શાસ્ત્રની ટીકાના છેલ્લા કળશમાં આચાર્ય અમૃતચંદ્રસૂરિ શું કહે છે? કે આ ટીકા મેં બનાવી નથી. તેના શબ્દો આ પ્રમાણે છેઃ
“પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ (-યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા (-આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમયપ્રાભૃત શાસ્ત્રની ટીકા) કરી છે; સ્વરૂપગુપ્ત (-અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત) અમૃતચંદ્રસૂરિનું (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી.”
ભાઈ! આ શાસ્ત્રની વાત કાને પડે માટે શિષ્યને જ્ઞાન થાય છે એમ નથી. શાસ્ત્રના શબ્દોના કારણે જ્ઞાન થાય છે એમ, હે જનો! મોહથી મા નાચો; કેમકે શબ્દ તો જડની દશા છે, ને જ્ઞાનની દશા તો જ્ઞાનથી ભાવશક્તિના કારણે વર્તમાન વિદ્યમાન થાય છે.
અરે! લોકોને પરમાં કાર્ય કરવાનું અભિમાન છૂટવું કઠણ થઈ પડયું છે. પણ ભાઈ! તે અભિમાન તારા અનંત સંસારનું કારણ છે. જુઓ, સમ્યગ્દ્રષ્ટિ જીવો ભગવાનની વાણી સાંભળવા આવે છે. એકાવતારી ઇન્દ્ર ક્ષાયિક સમકિતી છે તે ભગવાનની વાણી સાંભળવા આવે છે. પણ તેને જ્ઞાનની દશા જે પ્રગટ થઈ છે તે જ્ઞાનગુણ પરિણમીને થઈ છે, વાણીથી નહિ. જે સમયે, જ્ઞાનની જે પર્યાય થવા યોગ્ય હોય તે સમયે તે પોતાથી પ્રગટ થાય જ છે, તે પર્યાય પરથી કે શબ્દથી ઉત્પન્ન થતી નથી. અહા! જૈનદર્શન કોઈ અલૌકિક ચીજ છે બાપુ! તેનો લૌકિક વ્યવહાર સાથે મેળ થઈ શકે એમ નથી.
અહીં ભાવ-અભાવશક્તિની વાત ચાલે છે. અનંત ગુણની પ્રવર્તમાન-વિદ્યમાન પર્યાયનો બીજે સમયે અભાવ થાય તે-રૂપ ભાવ-અભાવશક્તિ છે. વર્તમાન પર્યાયનો અભાવ કેમ થાય? કોઈ પરથી-નિમિત્તથી થાય એમ નહિ, ને વ્યવહારના વિકલ્પથીય નહિ. કેટલાક કહે છે કે-પરિણમનમાં કાળ નિમિત્ત છે તો કાળથી થાય છે. પણ એમ નથી. પરિણમનમાં કાળનું નિમિત્તપણું કહ્યું એ તો કાળદ્રવ્યની સિદ્ધિ કરવા માટે છે. વર્તમાન પર્યાયનો બીજા સમયે અભાવ થાય છે એ તો આત્મદ્રવ્યનો પોતાનો સહજ જ ભાવ-અભાવ સ્વભાવ છે, એમાં પરનું-નિમિત્તનું રંચમાત્ર કારણપણું નથી.
હવે કેટલાકે તો દ્રવ્ય શું? ગુણ શું? પર્યાય શું?-કદીય સાંભળ્યું ન હોય. ત્રિકાળી શક્તિનો પિંડ તે દ્રવ્ય છે, તેમાં જે શક્તિઓ છે તે ગુણ છે, ને તેની જે અવસ્થા બદલે છે તે પર્યાય છે, ત્યાં વર્તમાન વર્તતી પર્યાયનો વ્યય થાય છે તે કયા કારણથી? તો કહે છે-ભાવ-અભાવશક્તિના કારણથી. વર્તમાન પર્યાયના વ્યય થવારૂપ આ ભાવ- અભાવશક્તિ છે. અહીં નિર્મળ પર્યાયની વાત છે. સાધકને નિર્મળ વર્તમાન પર્યાયનો વ્યય થઈ નવી નવી અપૂર્વ નિર્મળ દશા પ્રગટે છે, ત્યાં વર્તમાન પર્યાયનો વ્યય થાય જ, તે લંબાઈને બીજા સમયે ન રહે એવો આત્માનો આ ભાવ-અભાવ સ્વભાવ છે. સિદ્ધને વર્તમાનમાં કેવળજ્ઞાન છે, તે વ્યય પામી બીજે સમયે નવી કેવળજ્ઞાનની દશા થાય છે. અહા! આવો અદ્ભુત ચમત્કારી દ્રવ્યનો સ્વભાવ છે. હવે આમ છે ત્યાં કર્મના અભાવથી નિર્મળ દશા થઈ, ને કેવળજ્ઞાન થયું એમ વાત કયાં રહે છે? એ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનયથી પ્રરૂપણા કરી છે એમ યથાર્થ સમજવું જોઈએ.
મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં સ્પષ્ટીકરણ કર્યું છે કે-“વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો,
PDF/HTML Page 4082 of 4199
single page version
વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે, તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.” ભાઈ, વસ્તુ જેવી છે તેવો જ્ઞાનમાં સમ્યક્ નિર્ધાર-નિર્ણય કરવો જોઈએ. અહીં નિર્ણય કરનાર સમકિતીની પર્યાયની વાત ચાલે છે.
અહાહા...! ધર્મી પુરુષની વર્તમાન નિર્મળ રત્નત્રયની, આનંદની વિદ્યમાન દશા છે તે વ્યયરૂપ થઈ બીજે સમયે અપૂર્વ અપૂર્વ દશા પ્રગટ થાય છે ત્યાં વર્તમાન દશાના વ્યયનું કારણ શું? તો કહે છે-આત્મામાં વર્તમાન દશાના વ્યય થવારૂપ એક ભાવ-અભાવ સ્વભાવ-શક્તિ છે. સમજાય છે કાંઈ...? સમજાય એટલું સમજવું બાપુ! આ તો કેવળીનાં કહેણ આચાર્ય લઈને આવ્યાં છે. જેણે અંતરમાં સ્વીકાર કર્યો એ ન્યાલ થઈ જાય એવી વાત એમાં છે. શું? કે પર્યાયની સ્થિતિ એક સમયની છે, તે લંબાઈને બીજે સમયે રહે એમ કદીય સંભવિત નથી, કેમ? કેમકે એવો જ વર્તમાન પર્યાયનો અભાવ થવારૂપ આત્માનો ભાવ-અભાવ સ્વભાવ છે.
પ્રશ્નઃ– હા, પણ તે પર્યાય વ્યય થઈને જાય છે કયાં? ઉત્તરઃ– જળના તરંગ જળમાં સમાય છે તેમ પર્યાય દ્રવ્યમાં સમાય છે. પછી તે પર્યાયરૂપ ન રહી, પણ પારિણામિકભાવરૂપ થઈ જાય છે. પર્યાય તો ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવરૂપ છે, તે બીજે સમયે વ્યય પામતાં- દ્રવ્યમાં વિલીન થતાં પારિણામિકભાવરૂપ થઈ જાય છે. દયા, દાન આદિ ભાવ છે તે ઉદયભાવ છે. બીજા સમયે તે વ્યય પામતાં દ્રવ્યમાં વિલીન થઈને પારિણામિકભાવરૂપ થઈ જાય છે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં બે જગ્યાએ આવે છે કે શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે આત્મા છે. એ તો જે ભૂતકાળની અશુદ્ધતાને માનતો નથી તેને સમજાવવા માટે એ વાત કરી છે; અશુદ્ધતા એટલે અંદર દ્રવ્યમાં અશુદ્ધતા છે એમ નહિ. દ્રવ્ય તો શુદ્ધ પારિણામિકભાવરૂપ જ છે. આ પ્રમાણે ઉદયભાવરૂપ અશુદ્ધ પર્યાય, ને ઉપશમાદિ શુદ્ધ પર્યાય વ્યય પામીને અંદર જતાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયરૂપ રહેતી નથી, પણ પારિણામિકભાવરૂપ થઈ જાય છે. અહા! તારા સત્નું સ્વરૂપ જો તો ખરો!
વર્તમાનમાં જીવને સંસારદશાનો સદ્ભાવ છે; પણ તે ‘ભાવ’નો ‘અભાવ’ કરી નાખે એવું સામર્થ્ય અંદર એના દ્રવ્યમાં પડયું છે. ધર્મી પુરુષ તેને પ્રતીતિમાં લઈ દ્રવ્યના આશ્રયે અપૂર્વ અપૂર્વ નિર્મળ દશાઓને પ્રાપ્ત થઈ સંસારનો અભાવ કરી ક્રમે મોક્ષદશાને પ્રાપ્ત થાય છે. આવો મારગ છે. લોકો તો, દિગંબરમાં જન્મ્યા છે તેય, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ રાગ કરવામાં ધર્મ માને છે, પણ એ માર્ગ નથી. ભગવાનનો કહેલો સત્ય પંથ અહીં દિગંબર આચાર્યોએ સ્પષ્ટ કર્યો છે.
અહીં શક્તિની વ્યાખ્યા કરતાં કહે છેઃ भवत्पर्यायव्ययरूपा भावाभावशक्तिः ભવતા પર્યાયના વ્યયરૂપ ભાવાભાવ-શક્તિ છે. આમાં તો અનંત પર્યાયોનો ખુલાસો કરી દીધો છે. આત્મામાં અનંત શક્તિઓ છે. તેની નિર્મળ પર્યાયો સમ્યગ્દ્રષ્ટિને પ્રગટ વર્તમાન વિદ્યમાન હોય છે. તે પર્યાયોનો વ્યય થવો તે ભાવાભાવશક્તિનું કાર્ય છે. તેને કરવું પડતું નથી; હું એને કરું એ તો વિકલ્પ છે, ને વિકલ્પથી કાંઈ સાધ્ય થતું નથી. એ તો ચૈતન્યચિંતામણિ એવો પોતે શક્તિવાન દ્રવ્ય છે. તેને અંતર્મુખ દ્રષ્ટિમાં લેતાં દરેક શક્તિની પર્યાયમાં તેનું કાર્ય થાય છે. સાધકને સંસારદશાનો અભાવ થઈને પૂર્ણ દશાની પ્રાપ્તિના પુરુષાર્થનો આવો અલૌકિક માર્ગ છે. ભાઈ! આ સમજવામાં જેને ઉલ્લસિત વીર્ય હોય તેના માટે આ વાત છે. બાકી તો બધી રઝળપટ્ટી છે.
અહા! પર્યાયમાં સંસાર છે તેનો અભાવ કરી પૂર્ણ દશાને પહોંચવું છે; પણ તે કેમ થાય? સંસારનો અભાવ થઈ પૂર્ણતા કેમ થાય? તો કહે છે-તારા દ્રવ્યમાં પૂર્ણતા ભરી છે. તેના આલંબને પર્યાયમાં પણ પૂર્ણતા પ્રગટી જશે, ને અપૂર્ણતાનો અભાવ થશે. સાધકની દ્રષ્ટિમાં દ્રવ્યનું જ આલંબન છે. અહા! નિજ દ્રવ્યની સન્મુખ થઈને તેની સેવના- ઉપાસના-લીનતા રમણતા કરીને તે પૂર્ણ દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થઈ સિદ્ધદશાને પામે છે. આ માર્ગ છે, બાકી બધું (વ્રતાદિના વિકલ્પ) થોથાં છે.
લોકોને થાય કે એકલા નિશ્ચયની વાત કરે છે. ભાઈ, નિશ્ચય જ સત્ય છે, વ્યવહાર તો આરોપિત છે, ઉપચાર છે, કથનમાત્ર છે, લૌકિક છે.
આ પ્રમાણે અહીં ભાવ-અભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
PDF/HTML Page 4083 of 4199
single page version
‘નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના ઉદયરૂપ અભાવભાવશક્તિ.’ જુઓ, પહેલાં વર્તમાન વિદ્યમાન અવસ્થાનો બીજે સમયે અભાવ થાય છે એવી ભાવઅભાવશક્તિ કહી. તો બીજે સમયે પર્યાય રહી નહિ? લ્યો, આ પ્રશ્નના સમાધાનરૂપ કહે છે- ‘નહિ ભવતા પર્યાયના ઉદયરૂપ અભાવભાવશક્તિ’ છે. બીજે સમયે જે વર્તમાન પર્યાયમાં અભાવરૂપ છે તે પર્યાયનો ઉદય થાય તે રૂપ આત્મામાં અભાવભાવશક્તિ છે. આ તો ભગવાન આત્માની ભાગવત કથા છે બાપુ! આ બહુ ધીરજ ને ઉલ્લાસથી સાંભળવી. પદ્મનંદી પંચવિશતિકામાં એક શ્લોક દ્વારા શ્રી પદ્મનંદી સ્વામી કહે છે-
निश्चित्तं स भवेद्भव्यो, भाविनिर्वाण भाजनम्।।
અહા! જેણે પ્રસન્ન ચિત્તથી, ઉલ્લસિત વીર્યથી નિજ અંતઃતત્ત્વની વાત સાંભળી છે, તે કહે છે, અવશ્ય ભવિષ્યની મુક્તિનું ભાજન છે, ભવ્ય છે.
આ પદ્મનંદી સ્વામીએ બ્રહ્મચર્યનો એક અધિકાર લખ્યો છે. શરીરથી બ્રહ્મચર્ય પાળે તે બ્રહ્મચર્ય નહિ, ને બ્રહ્મચર્યનો વિકલ્પે ય રાગ છે. પરંતુ ભગવાન આત્મા બ્રહ્મ નામ નિત્યાનંદસ્વરૂપ આનંદકંદ પ્રભુ છે તેમાં લીન થવું તે બ્રહ્મચર્ય છે. પછી છેલ્લે કહ્યું છે કે-હે યુવાનો! આ બ્રહ્મચર્યનો અમારો ઉપદેશ તમને ઠીક ન લાગે તો ક્ષમા કરજો, અમે તો મુનિ છીએ. (એમ કે અમારી પાસે આ સિવાય બીજી વાત ન હોય). વિષયભોગમાં લીન એવા તમને અમારી આ વાત ન રુચે તો માફ કરજો. અરે, બ્રહ્મચર્ય એટલે શું? બ્રહ્મ નામ શુદ્ધ ચિદાનંદ પ્રભુ આત્મા-તેમાં ચરવું, રમવું, ઠરવું એનું નામ બ્રહ્મચર્ય છે ને એ ચારિત્ર છે. સમજાણું કાંઈ...?
સમયસારમાં અનેકાન્તનું વર્ણન કર્યું છે. ત્યાં ચૌદ બોલમાં એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિને પશુ કહ્યો છે. રાગથી લાભ થવાનું માને તે એકાંત છે; તેવું માનનારને પશુ કહ્યો છે. કેમ પશુ કહ્યો છે? ‘पश्पति, बध्यति इति पशुः’ મિથ્યાત્વથી બંધ પામે છે, નાશ પામે છે માટે અજ્ઞાની એકાંતવાદીને પશુ કહ્યો છે. જીવ મિથ્યાત્વના ફળમાં ક્રમે કરીને નિગોદમાં જાય છે માટે એકાન્તવાદી અજ્ઞાની જીવને શાસ્ત્રમાં પશુ કહ્યો છે.
આચાર્ય કુંદકુંદસ્વામીએ શાસ્ત્રમાં (અષ્ટપાહુડમાં) એમ કહ્યું છે કે-વસ્ત્રનો એક ટુકડો રાખી જે પોતાને મુનિપણું માનશે-મનાવશે તે નિગોદમાં ચાલ્યો જશે. એમ કેમ કહ્યું? કેમકે વસ્ત્રનો ટુકડો પણ રાખી મુનિપણું ત્રણકાળમાં હોઈ શકે નહિ. વસ્ત્ર રાખવાનો વિકલ્પ શરીર પ્રત્યેની મમતા-મૂર્ચ્છા વિના હોય નહિ, અને મમતા-મૂર્ચ્છા હોય ત્યાં ચારિત્ર કેવું? એને ચારિત્ર માનવું એ તો મિથ્યાત્વભાવ છે, ને મિથ્યાત્વનું ફળ પરંપરા નિગોદ છે. શુભભાવ હોય તો સ્વર્ગ મળી જાય, ને તીવ્ર અશુભભાવ હોય તો જીવ નરકે જાય, પણ તત્ત્વની વિરાધનાનું ફળ તો નિગોદ છે. અહા! તત્ત્વની આરાધનાનું ફળ અનંતસુખધામ એવું મોક્ષ છે, ને તત્ત્વની વિરાધનાનું ફળ અનંત દુઃખમય નિગોદ છે. આવી વાત! સમજાય છે કાંઈ...?
અહીં કહે છે-ભવિષ્યની પર્યાય જે વર્તમાનમાં નથી, બીજા સમયે જે થવાની છે તેનો બીજા સમયે ઉદય થાય એવી આત્મામાં અભાવભાવશક્તિ છે. વર્તમાનમાં જે ઉદયરૂપ નથી, અભાવરૂપ છે તે પર્યાયનો બીજે સમયે ભાવ- ઉત્પાદ થઈ જાય તેરૂપ અભાવભાવશક્તિ જીવમાં ત્રિકાળ છે. આમ વર્તમાનભાવનો બીજે સમયે અભાવ થતાં, જેનો વર્તમાન અભાવ છે તેનો તે સમયે ભાવ-ઉત્પાદ થઈ જાય છે, એવો આત્માનો ત્રિકાળી અભાવભાવ સ્વભાવ છે.
જેમ વર્તમાન ક્ષયોપશમ સમકિત છે, તેમાં ક્ષાયિક સમકિતનો અભાવ છે. તો કહે છે-ભલે વર્તમાન ક્ષાયિકનો અભાવ હોય, પણ ક્ષયોપશમ સમકિતનો અભાવ થઈને પછી જે અભાવરૂપ છે તે ક્ષાયિકનો ભાવ-ઉત્પાદ થઈ જશે.
હા, પણ કેવળી-શ્રુતકેવળીની સમીપતામાં ક્ષાયિક સમકિત થાય ને? કેવળી શ્રુતકેવળીની સમીપતામાં ક્ષાયિક સમકિત થાય એ તો નિમિત્તનું વ્યવહારનયથી કથન છે. શાસ્ત્રમાં આવાં બધાં કથનો નિમિત્તનું ને વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે હોય છે. બાકી કેવળી-શ્રુતકેવળીની સમીપતાથી જ જીવને ક્ષાયિક થઈ જાય છે એમ વસ્તુ નથી. ખરેખર તો વર્તમાન પર્યાયમાં જે ક્ષાયિક સમકિતનો અભાવ છે, તેનો ભાવ-ઉત્પાદ થશે તે અભાવભાવશક્તિના કારણથી થશે. વર્તમાન જે
PDF/HTML Page 4084 of 4199
single page version
ક્ષયોપશમ સમકિત છે તેનો અભાવ થાય તે ભાવનો અભાવ છે, ને વર્તમાન જે ક્ષાયિક સમકિત નથી તેનો બીજે સમયે ભાવ થાય તે અભાવનો ભાવ છે. આ રીતે ભાવ-અભાવ અને અભાવ-ભાવ એ આત્માની બન્ને શક્તિઓ એક સમયમાં એકસાથે વર્તે છે.
વર્તમાન સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ છે, તેમાં વિશેષ સ્થિરતાની દશાનો અભાવ છે; પણ તેનો પછીના સમયે ભાવ થઈ જશે એવું આત્માનું અભાવ-ભાવશક્તિરૂપ સામર્થ્ય છે. અહીં (વ્યાખ્યામાં) ‘ઉદય’ શબ્દ વાપર્યો છે. ‘ઉદય’ એટલે ઉત્પાદ થવો, પ્રગટ થવું એમ અર્થ છે. શ્રીમદે પણ ‘ઉદય’ શબ્દ વાપર્યો છે.
અહાહા...! શક્તિનો અર્થ છે દ્રવ્યનું સામર્થ્ય. જીવની અનંત શક્તિઓમાં એક અભાવભાવશક્તિ છે. તેનાથી વર્તમાન નહિ ભવતા ભાવનો ઉદય થાય છે. વર્તમાન જ્ઞાનદશામાં ક્ષયોપશમ જ્ઞાન-કમીવાળું જ્ઞાન છે તેનો અભાવ થઈને બીજે સમયે પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહા! આવો ચમત્કારિક આત્મસ્વભાવ છે. ચાર કર્મનો નાશ થઈને કેવળજ્ઞાન પ્રગટ થયું એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે એ નિમિત્તનું વ્યવહારનયથી કથન છે.
અહા! આત્માનો આ એવો ગુણ છે કે વર્તમાન પર્યાયમાં જેનો અભાવ છે તેનો બીજે સમયે ઉદય થાય છે. લ્યો, આમાં નિમિત્તના કારણે નૈમિત્તિક દશા થાય એવી માન્યતાનો નિષેધ છે.
તો શું નિમિત્ત કાંઈ જ નથી? નિમિત્ત છે, હો; પણ તેનાથી કાર્ય નીપજે છે એમ નથી. ખાનિયા ચર્ચામાં આ વિષય ચર્ચાયો હતો. શંકાકાર પક્ષની દલીલ હતી કે ચાર ઘાતીકર્મનો નાશ થવાથી કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. પં. ફૂલચંદજીએ તેનું સમાધાન કરતાં કહ્યું છે કે-ચાર ઘાતીકર્મરૂપ પર્યાયનો નાશ થઈને ત્યાં તેની અકર્મરૂપ દશા થાય છે. કર્મની પર્યાયનો વ્યય થઈને ‘ભાવ’ શું થયો? કે અકર્મરૂપ દશા થઈ. માટે તેમાંથી (કર્મના અભાવમાંથી) કેવળજ્ઞાન આદિ જીવની પર્યાય પ્રગટ થઈ એમ નથી. ભાઈ, વિશેષ ચિંતન-મનન કરી યથાર્થ નિર્ણય કરવો જોઈએ. નિમિત્ત છે, હોય છે, પણ ઉપાદાનનું કાર્ય કરવામાં નિમિત્ત કાંઈ જ નથી. આવી ગંભીર સૂક્ષ્મ વાત છે.
જ્ઞાનની પર્યાયમાં હાનિ કે વૃદ્ધિ થાય તે પોતાની તત્કાલીન પર્યાયની યોગ્યતાથી થાય છે, તેમાં જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્ત ભલે હો, પણ નિમિત્તથી જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. દ્રવ્યની શક્તિમાં જ એવું સામર્થ્ય છે કે નવી (અપૂર્વ) પર્યાય પ્રગટ થાય. કર્મના અભાવથી થાય એમ છે જ નહિ. આગમ, યુક્તિ અને અનુભવ-ત્રણે પ્રકારે આમ જ સિદ્ધ થાય છે.
પોતાની પર્યાય પર-નિમિત્ત વડે થતી નથી, કેમકે નિમિત્ત છે તે નિમિત્તની પોતાની પર્યાય કરે છે, તો પછી બીજાની પર્યાય તે કેવી રીતે કરે? નિમિત્તનો-પરનો તો પોતામાં (આત્મદ્રવ્યમાં) અત્યંત અભાવ છે. આ યુક્તિ છે. વળી વર્તમાન અલ્પજ્ઞાનની દશામાં વિશેષજ્ઞાન અભાવ છે તે અભાવ-ભાવશક્તિના સામર્થ્યથી પછીના બીજા સમયે ભાવ-ઉત્પાદરૂપ થશે; અભાવનો ભાવ થશે. આવો વસ્તુ-સ્વભાવ છે, તેથી નિમિત્તથી કે ગુરુગમથી વિશેષ જ્ઞાન થાય એમ છે નહિ. ભગવાન! આ સત્ય વાત છે, ને આ હિતની વાત છે.
પણ આમાં કરવાનું શું? અહા! ચિદાનંદ ચિદ્રૂપ પ્રભુ પોતે છે તેનો અંતર્મુખ થઈ સ્વીકાર કરવો, ને તદ્રૂપસ્વરૂપ પરિણમવુંઃ બસ આટલું કરવાનું છે. ભાઈ, આ સમજીને આટલું કરે તેને નિમિત્તથી થાય, ને વ્યવહારથી થાય-એ બધા ગોટા ઊડી જશે. એક વાત પણ જો યથાર્થ સમજે તો બધા ગોટા ઊડી જાય. આવી વાત! સમજાણું કાંઈ...?
અત્યારે તો આ વિષયમાં મોટી ગરબડ ચાલે છે. જુઓ, ઇંદોરવાળા પંડિત દેવકીનંદન અહીં વિદ્વત્ પરિષદમાં આવ્યા હતા. તેમણે પંચાધ્યાયીનું સંપાદન કર્યું છે. તેમાં એક જગ્યાએ તેમણે જે અર્થ લખ્યો હતો તે ભૂલવાળો હતો. તેમાં આમ છપાયું હતું કે-છઠ્ઠા ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વકનો રાગ હોય છે, અને સાતમા ગુણસ્થાને અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. તેમને અમે કહેલું, -પંડિતજી, આમાં ભૂલ છે. ખરેખર એમ છે કે -છઠ્ઠા ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક-એમ બન્ને પ્રકારના રાગ હોય છે, જ્યારે સાતમા ગુણસ્થાનમાં એકલો અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. ચોથા ગુણસ્થાને પણ ખ્યાલમાં આવે એવો બુદ્ધિપૂર્વકનો, ને ખ્યાલમાં ન આવે એવો અબુદ્ધિપૂર્વકનો પણ રાગ હોય છે. અહીં
PDF/HTML Page 4085 of 4199
single page version
મુનિની વાત છે. ચારિત્રવંત મુનિ છે. તેમને ત્રણ કષાયનો અભાવ છે. તેમને છઠ્ઠા ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો-એમ બન્ને પ્રકારનો રાગ હોય છે.
અબુદ્ધિપૂર્વકનો રાગ જીવનો છે એમ અસદ્ભૂત અનુપચાર નયથી કહેવામાં આવે છે, ને ખ્યાલમાં આવે છે તે બુદ્ધિપૂર્વકનો રાગ તે અસદ્ભૂત ઉપચરિત નયનો વિષય છે. રાગ પોતાના સ્વરૂપભૂત નથી માટે તે અસદ્ભૂત છે, ને ખ્યાલમાં આવે છે તે રાગને જીવનો કહેવો તે ઉપચાર છે. તેવી રીતે ખ્યાલમાં ન આવે તેવો સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વકનો રાગ અનુપચરિત અસદ્ભૂત નયનો વિષય છે. બુદ્ધિપૂર્વકનો ને અબુદ્ધિપૂર્વકનો રાગ-બન્ને છઠ્ઠા ગુણસ્થાન પર્યંત હોય છે, સાતમા ગુણસ્થાનથી ઉપર એકલો અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે.
પંડિતજીએ પોતાની ભૂલ સ્વીકારી સુધારી લીધેલું. તેઓ તે વખતે બોલ્યા, ‘અમારા બધા પંડિતોનું ભણતર નિમિત્તાધીન દ્રષ્ટિવાળું જ થયું છે, નિમિત્તથી કાર્ય થાય એવું જ અમે બધા ભણ્યા છીએ. આપ કહો છો એવી સમજ અમારી પાસે નથી.’
ચોથા ગુણસ્થાનમાં આત્મજ્ઞાન પ્રગટ થવા છતાં તેને કિંચિત્ કષાયભાવ હોય છે. કષાયમાં રાગ-દ્વેષ બન્ને આવી ગયા. માયા-લોભ તે રાગ, ને ક્રોધ-માન તે દ્વેષ. આમાંથી કોઈપણ અંશ ખ્યાલમાં આવે તે બુદ્ધિપૂર્વક છે, ને જે ખ્યાલમાં ન આવે તે અબુદ્ધિપૂર્વક રાગ છે. એ બન્નેનો આત્મામાં અભાવ છે માટે તેને અસદ્ભૂત કહેવામાં આવે છે. ક્રોધ છે ને તેનો અભાવ થશે એ વાત અહીં નથી. શક્તિના વર્ણનમાં ક્રોધાદિ છે નહિ, શક્તિ તો નિર્મળ સ્વભાવરૂપ છે, ને તેની વ્યક્તિ-પરિણમન નિર્મળ જ છે. નિર્મળ ક્રમવર્તી પર્યાય ને અક્રમવર્તી ગુણો-એ બેનો સમુદાય તેને અહીં આત્મા કહેવામાં આવ્યો છે; વિકારની અહીં વાત જ નથી.
અરે! અનંતકાળમાં એણે કદી યથાર્થ નિર્ણય અને સ્વાનુભવ કર્યો નહિ! સ્વાનુભવ કર્યા વિના તારાં જન્મ- મરણ નહિ મટે ભાઈ! ભક્તિ, પૂજા, વ્રત ને તપ લાખ કરે તો ય આત્મજ્ઞાન વિના એ બધા રાગ છે, વિકાર છે, દુઃખ છે, ક્લેશ છે. પંડિત દોલતરામજીએ કહ્યું છે ને કે-
ભાઈ, પાંચ-દસ કરોડની મૂડી હોય, ને પાંચ-પચીસ લાખ ખર્ચી નાખે તો ધર્મ થઈ જાય એવું ધર્મનું સ્વરૂપ નથી. શું કરીએ? વસ્તુ જ એવી છે. અમે તો એક દ્રષ્ટાંત આપીએ છીએઃ એક કરોડપતિ ગૃહસ્થ, તેમની છેલ્લી સ્થિતિ વખતે ભાવ થયા કે આ બધી પૂંજી છોડીને હમણાં ચાલ્યા જવાનું છે, તો લાવ દાનમાં કાંઈક આપું. હવે લકવાને લઈને પૂરું બોલાય નહિ. તૂટક તૂટક બોલવાની ચેષ્ટા કરે કે-શુ.. ભ ખા... તે... દસ... લા... ખ. છોકરો સમજી ગયો કે બાપુજી દશ લાખ દાનમાં આપી દેવાનું કહે છે. એટલે તરત તે એના બાપુજીને કહે-“બાપુજી અત્યારે પૈસાને યાદ ન કરાય, ભગવાનનું સ્મરણ કરો.” જુઓ, આ સંસાર! નિયમસારમાં એક શ્લોક આવે છે કે-આ બૈરાં- છોકરાં ને સગાં-વહાલાં એ તો પોતાની આજીવિકા માટે ધુતારાની ટોળી તને મળી છે. તારું બધું જ લૂંટી લેશે. તારે દાન કરવું હશે તો વચ્ચે વિઘ્ન નાખશે. પરદ્રવ્ય મારું છે, તેને હું સાચવી રાખું-એમ માનનારને શાસ્ત્રમાં મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે. અને દાનથી ધર્મ થાય એમ માનનાર પણ મિથ્યા પંથે જ છે. ભાઈ! તારી ચૈતન્ય વસ્તુનો સ્વાનુભવમાં નિર્ણય કર્યા વિના કયાંય ધર્મ થાય એમ નથી.
ભગવાન આત્મા જ્ઞાનમાં-સ્વસંવેદનજ્ઞાનમાં જાણવામાં આવે છે; તેની જેવો જાણ્યો તેવી પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. જે સ્વસંવેદનમાં જાણ્યો તેની પ્રતીતિ કરવાની છે. સમયસારની ગાથા ૩૮, ને પ્રવચનસારની ગાથા ૯૨માં આચાર્યદેવ કહે છે કે-અમને આત્મજ્ઞાનથી મિથ્યાત્વનો નાશ થયો છે; હવે ફરીને મોહ ઉત્પન્ન નહિ થાય. સમકિત થાય, ને પછી પડી જાય એવી અહીં વાત જ નથી. જેને આત્મજ્ઞાન પ્રગટ થયું છે તેને વર્તમાન અભાવ છે તેનો ભાવ થશે. પહેલાં ભાવ-અભાવ કહ્યો તો તેમાં સમકિત પ્રગટ થયું તેનો અભાવ થશે એમ ન લેવું. અહીં તો એમ અર્થ છે કે-વર્તમાન નિર્મળ પર્યાય છે તે ‘ભાવ’ નો અભાવ થઈને બીજી નિર્મળ પર્યાયનો ઉદય-ભાવ થશે. વર્તમાન અલ્પ નિર્મળ પર્યાય છે તો તેનો અભાવ થઈને, અભાવ-ભાવશક્તિના કારણે વિશેષ નિર્મળ અપૂર્વ અપૂર્વ પર્યાય ભાવરૂપ થશે, ઉદયરૂપ થશે. પડી જવાની અહીં કોઈ વાત જ નથી. અહા! જેને દ્રવ્યદ્રષ્ટિમાં પૂર્ણ ચૈતન્યનું દળ એવું દ્રવ્ય આવ્યું તેને દ્રવ્યનો અભાવ થાય તો સમકિતનો અભાવ થાય; પણ દ્રવ્ય અને દ્રવ્યની શક્તિનો કદી ય અભાવ ન થાય. અહા! તેનો-શુદ્ધ ચૈતન્ય ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો જેને સ્વાનુભવ થઈને પ્રતીતિ થઈ, તેને પર્યાયનો વ્યય-અભાવ થશે, પણ તે
PDF/HTML Page 4086 of 4199
single page version
વિશેષ નિર્મળ પર્યાયના ભાવ-ઉત્પાદપૂર્વક થશે; વર્તમાન નિર્મળ પર્યાયનો વ્યય થઈને તેને અપૂર્વ અપૂર્વ નિર્મળ પર્યાયનો ભાવ-ઉત્પાદ થશે. આવી વાત!
આસ્રવ અધિકારમાં મૂળ તો શુદ્ધનયને નય કહ્યો છે. વ્યવહાર નયને નય ગણ્યો જ નથી. ત્યાં કહ્યું છે-જેઓ શુદ્ધ નયથી ચ્યુત થઈને ફરીથી રાગાદિના સંબંધને પામે છે તેઓ કર્મ બાંધે છે. પણ અહીં તો છોડવાની વાત જ નથી. અહીં તો અપ્રતિહત ભાવની વાત છે. અત્યારે ભલે ક્ષયોપશમ સમકિત હોય, પણ પછી તે ક્ષાયિક થવાનું છે. અત્યારે ભલે ક્ષયોપશમ જ્ઞાન હોય, પણ પછી વધીને તે કેવળજ્ઞાન થવાનું છે; સાધક દશા મટીને સિદ્ધદશા થવાની છે; જે ભાવ વર્તમાનમાં નથી, અભાવરૂપ છે, તે અભાવનો ભાવ થઈ જશે. અહો! થોડા શબ્દે આ તો ગજબની વાત કરી છે. શું થાય? લોકો સ્વાધ્યાય કરતા નથી, આગમનો શું અભિપ્રાય છે તે પોતાની દ્રષ્ટિમાં લેતા નથી!
પરમાત્મ પ્રકાશમાં આવે છે કે-દિવ્ય ધ્વનિથી કાંઈ જ્ઞાન થતું નથી, ને મુનિનાં કહેલાં સાચાં શાસ્ત્રોથી પણ કાંઈ જ્ઞાન થતું નથી. પર્યાયમાં જે અલ્પ જ્ઞાન છે તે અભાવ થઈને, વર્તમાન જે અભાવ છે તે વિશેષ જ્ઞાનનો ભાવ થાય છે એવું આત્માની અભાવ-ભાવશક્તિનું સામર્થ્ય છે.
સર્વ ગુણાંશ તે સમકિત. ચોથા ગુણસ્થાને દ્રવ્યમાં જે અનંત ગુણ છે તેનો સમકિતની સાથે જ અંશ વ્યક્ત થાય છે. તે આ અભાવ-ભાવશક્તિનો મહિમા છે. જેમ એક ગુણમાં તેમ બધામાં લેવું કે વર્તમાન પર્યાયમાં જે અલ્પતા છે તે છૂટીને વિશેષતા થશે; સાધકભાવ છૂટીને પૂરણ સિદ્ધદશા પ્રગટશે. ખૂબ ગંભીર વાત છે. અહો! યથાર્થ તત્ત્વધારા-અમૃતધારા જેમનાથી પ્રવર્તે છે તે સંતોની બલિહારી છે. દિગંબર સંતો સિવાય આવી ધારા કયાંય નથી.
આ પ્રમાણે અહીં અભાવ-ભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
‘ભવતા (વર્તતા) પર્યાયના ભવનરૂપ (વર્તવારૂપ, પરિણમવારૂપ) ભાવભાવશક્તિ.’ અહાહા...! સમ્યગ્દર્શન અને ધર્મ કરવો હોય તો કેમ થાય? ભાઈ! વ્યવહારના જે વિકલ્પ છે તેની રુચિ છોડી, એક જ્ઞાયકભાવ, શુદ્ધ ચિદાનંદ, અખંડ આનંદકંદ પ્રભુ પોતે છે તેની દ્રષ્ટિ કરી, રુચિ કરવી, તેનો અનુભવ કરવો તે જીવની પ્રથમ કાર્યસિદ્ધિરૂપ સમ્યગ્દર્શન છે; આનું નામ ધર્મ છે. જો કે શુભભાવ હજુ છૂટી જતો નથી, શુદ્ધોપયોગ પૂર્ણ પ્રગટ થયે તે છૂટશે, પણ શુભની રુચિ અવશ્ય છૂટી જાય છે. ભાઈ! શુભરાગની રુચિ તને છે તે મહાન દોષ છે, મહાન વિપરીતતા છે. આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે.
વ્યવહાર છે તે મિથ્યાત્વ છે એમ વાત નથી; ધર્મીને પણ બહારમાં તે હોય છે, પણ વ્યવહારને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. પ્રથમ શુભભાવ એકદમ છૂટી જાય ને શુદ્ધ થઈ જાય એમ નહિ, પણ શુભભાવની રુચિ છૂટી શુદ્ધોપયોગ પ્રગટે છે. સ્વભાવનો આશ્રય લેતાં સ્વાનુભવમાં પ્રથમ શુદ્ધોપયોગ પ્રગટે છે, આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. જ્યારે આંતર-સ્થિરતા થઈ શુદ્ધોપયોગ પુષ્ટ થાય ત્યારે ક્રમશઃશુભભાવ છૂટે છે, ને આ ચારિત્ર છે, ધર્મ છે. ભાઈ, શુભભાવની રુચિ તો પહેલેથી જ છૂટવી જોઈએ.
અશુભભાવ તો હેય છે જ, અને શુદ્ધોપયોગ છૂટીને શુભભાવ થાય એ ય કોઈ ચીજ નથી. શુભ છૂટી અશુભ થાય તે તો અહીં વાત જ નથી. અહીં તો શુભભાવની રુચિ છોડી શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા છે તેની દ્રષ્ટિ કરવી, તેની રમણતા કરવી, તેમાં ઠરવારૂપ સ્થિરતા કરવી એવી નિર્મળ પરિણતિ તે ધર્મ છે. માટે પ્રથમ શુભની રુચિ છોડવાની વાત છે, શુભનો આશ્રય છોડવાની વાત છે. ત્રિકાળી શુદ્ધ નિજ ચૈતન્યવસ્તુ એક આશ્રય કરવા લાયક છે, તે તરફ ઝૂકવાથી શુભરાગનો આશ્રય છૂટી જાય છે.
અહા! જ્ઞાની-ધર્મી પુરુષને, જ્યાં સુધી પૂર્ણ વીતરાગની દશા થઈ નથી ત્યાં સુધી, અંદર શુદ્ધની દ્રષ્ટિ ને અનુભવ હોવા છતાં, શુભભાવ આવે છે, પણ તેમાં તેને હેયબુદ્ધિ છે, તેનું તેને સ્વામિત્વ નથી. જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી
PDF/HTML Page 4087 of 4199
single page version
હતા, છતાં શુભભાવની પ્રકર્ષતા વડે તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. ભાઈ! શુભભાવ પાપબંધનું કારણ છે એમ નથી, તથા તે અબંધ ભાવ છે એમ પણ નથી, એ બંધભાવ જ છે, ને એનાથી પુણ્યબંધ થાય છે. માટે શુભની દ્રષ્ટિ છોડી, અંદર તારું ચૈતન્યનિધાન પૂર્ણ જ્ઞાન ને આનંદના અમૃતથી ભર્યું છે તેને દેખ, તું ન્યાલ થઈ જઈશ, તારી પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું અમૃત ઝરશે. લ્યો, આચાર્યદેવે પોતાના ચૈતન્યનિધાનને ઘોળી ઘોળીને તેનો સાર આ સમયસારમાં ભર્યો છે. અહા! જેને અંતર્દ્રષ્ટિ થઈ છે, ને અંદર આનંદરસના અમૃતનો સ્વાદ આવ્યો છે તેને આ છ શક્તિઓનું વર્ણન લાગુ પડે છે; અજ્ઞાનીને તો શક્તિનું ભાન જ કયાં છે?
જુઓ, પહેલાં ભાવશક્તિ કહી તેમાં વર્તમાન વિદ્યમાન અવસ્થા હોવાની વાત કરી છે. વિદ્યમાન- અવસ્થાવાળાપણારૂપ ભાવશક્તિ છે, જેથી ધર્મીને વર્તમાન શુદ્ધપર્યાયની વિદ્યમાનતા હોય છે. તેમાં અશુદ્ધતા હોતી નથી. કિંચિત્ અશુદ્ધતા હોય તેનો તે સ્વામી નથી, માત્ર જાણનાર છે. જાણવાની પર્યાય પોતામાં છે, પણ અશુદ્ધતા પોતામાં છે એ વાત હવે દ્રવ્યદ્રષ્ટિવંતને નથી.
બીજી અભાવશક્તિ લીધી છે. શૂન્યઅવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ છે. રાગ અને પુણ્યના અભાવસ્વભાવરૂપ અભાવશક્તિ છે. નિર્મળ પર્યાય અસ્તિપણે વિદ્યમાન છે તે ભાવશક્તિ, અને રાગના અભાવરૂપ પરિણમન તે અભાવશક્તિનું કાર્ય છે. અહા! વીતરાગદેવે પ્રરૂપેલો માર્ગ બહુ સૂક્ષ્મ છે. પણ એકવાર મૂળ વસ્તુ હાથ લાગી જાય પછી માર્ગ ખૂલી જાય છે. અહા! ત્રિકાળી સ્વભાવની સાથે એકતાબુદ્ધિ થઈ કે અંદરથી કમાડ ખૂલી ગયાં, ખજાનો ખૂલી ગયો. રાગની રુચિ છૂટીને સ્વભાવની રુચિ થઈ કે સમ્યગ્દર્શનરૂપ ચાવી હાથ લાગી ગઈ, અને ભરપૂર ચૈતન્યનો ખજાનો ખૂલી ગયો; આનંદનું પરિણમન થયું.
ત્રીજી ભાવઅભાવશક્તિમાં વર્તમાન નિર્મળ પર્યાયનો નિયમથી અભાવ થઈ જશે એમ બતાવ્યું છે; કેમકે પર્યાયની સ્થિતિ એક સમયમાત્ર છે, બીજે સમયે ભાવનો નિયમથી વ્યય-અભાવ થઈ જાય છે.
ચોથી અભાવભાવશક્તિ કહી છે. વર્તમાન જે નિર્મળ પર્યાય નથી, તે પછી પ્રગટ થશે જ એવી આ અભાવભાવશક્તિ છે. પછીની નિર્મળ પર્યાયનો વર્તમાનમાં અભાવ છે તેનો વર્તમાન નિર્મળ પર્યાયનો વ્યય થઈ ભાવ થશે એ આ અભાવભાવશક્તિનું કાર્ય છે.
હવે આ ભાવભાવશક્તિનું વર્ણન છે. કહે છે-ભવતા પર્યાયના ભવનરૂપ ભાવભાવશક્તિ છે. વર્તમાન જ્ઞાનની પર્યાય ભવનરૂપ છે, તે એવી ને એવી ભવનરૂપ થયા કરશે-એવા સ્વરૂપે ભાવભાવશક્તિ છે. અહા! વર્તમાન વર્તમાન વર્તતો ભાવ ત્રિકાળી ભાવ સાથે એક થઈને નિરંતર વર્તે એવી આ ભાવભાવશક્તિ છે. ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનસ્વભાવ છે. તેની વર્તમાન વર્તમાન વર્તતી દશા ત્રિકાળી જ્ઞાનસ્વભાવ સાથે એક થઈને સદાય વર્તે. અહા! એવો આ આત્માનો ભાવભાવ સ્વભાવ છે. આ તો ગજબની વાતુ પ્રભુ!
અહા! ભગવાન આત્મામાં એક ભાવભાવશક્તિ છે. તેનું સ્વરૂપ શું? તો કહે છે-આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં જ્ઞાન છે તે ભાવરૂપ છે; દ્રવ્યમાં ભાવ છે, ગુણમાં ભાવ છે, ને તદ્રૂપ ભવનરૂપ પર્યાયમાં પણ સમયેસમયે ભાવ છે. આનું નામ ભાવભાવશક્તિ છે. જ્ઞાનની પર્યાય વર્તમાન છે, એવી ને એવી (સમ્યગ્જ્ઞાનરૂપ) પર્યાય બીજે બીજે સમયે પણ રહેશે. જ્ઞાનની એની એ પર્યાય ન રહે, પણ જ્ઞાનની જાતિ એવી ને એવી રહેશે. વર્તમાનમાં મતિ- શ્રુતજ્ઞાનની નિર્મળ પર્યાય છે તે આ ભાવભાવશક્તિના કારણથી એવી ને એવી ભાવ... ભાવ... ભાવરૂપે-નિર્મળ જ્ઞાનરૂપે-રહેશે. દ્રવ્યગુણમાં તો નિર્મળતા છે, પર્યાયમાં પણ જ્ઞાનની દશા એવા ને એવા નિર્મળભાવપણે રહેશે. સૂક્ષ્મ વિષય ભાઈ! વિચાર-મંથન કરીને ખ્યાલમાં લેવાની ચીજ છે. જેમ જ્ઞાનની તેમ સમકિતની, ચારિત્રની વર્તમાન નિર્મળ પર્યાય નિર્મળ સમકિત અને ચારિત્રરૂપ રહેશે-આવી ભાવભાવશક્તિ છે. અહા! આવું પોતાનું તત્ત્વ છે તેનું ભાવભાસન થયા વિના ધર્મ થઈ જાય એમ કદી બનતું નથી.
સમકિતી તિર્યંચને નામ ભલે બોલતાં ન આવડે, તો પણ તેને અંતરમાં સ્વતત્ત્વનું ભાવભાસન થયું હોય છે. લોકમાં સાધકદશા પામેલા જીવો તિર્યંચગતિમાં પણ અસંખ્યાતા છે. તેઓ અંદર એમ નથી જાણતા કે હું તિર્યંચ છું, તેઓ વાસ્તવમાં એમ અનુભવે છે કે-શુદ્ધ ચૈતન્ય જ હું છું, ચૈતન્યથી અન્ય બીજા કોઈ ભાવો હું નથી, લ્યો, આવું અંદર ભાવભાસન થયું હોય છે.
શાસ્ત્રમાં એક શિવભૂતિ મુનિની કથા આવે છે. તેમની યાદશક્તિ ઓછી હતી. તેમને ગુરુએ આટલું જ કહ્યું કે
PDF/HTML Page 4088 of 4199
single page version
-“મા રુષ, મા તુષ” કોઈ પ્રતિ રાગ ન કરવો, ને દ્વેષ ન કરવો; મતલબ કે વીતરાગ ભાવે રહેવું. પરંતુ મુનિરાજ આ શબ્દો ભૂલી ગયા. ત્યાં એક બાઈ અડદની દાળનાં ફોતરાં જુદાં કરતી હતી, બીજી બાઈએ તેને પૂછયું, -બેન, શું કરો છો? તો પેલી બાઈએ જવાબ આપ્યો, -માષથી તુષ ભિન્ન કરું છું. આ સાંભળતાં મુનિરાજને ગુરુએ કહેલી વાત યાદ આવી ગઈ. રાગાદિ છે તે તુષ છે, ને મારી જ્ઞાનશક્તિ છે તે મારી મૂળ ચીજ છે. આમ નક્કી કરી નિજ ચિદાનંદ પ્રભુમાં અંતર્મગ્ન સ્થિર થયા, ત્યાં કેવળજ્ઞાન પ્રગટ થયું. આવી ભાવભાસનની બલિહારી છે, એમાં કાંઈ બહુ શાસ્ત્રો યાદ રહે એવી જરૂર નથી. શાસ્ત્ર યાદ રહે. એ ઠીક છે, પણ તત્ત્વનું ભાવભાસન મુખ્ય ચીજ છે. સમજાણું કાંઈ...?
ભાઈ! ચિદાનંદ ચૈતન્યમય વસ્તુ પોતાની ચીજ છે, પોતાનું ઘર છે; તેમાં જવું તે થઈ શકે એવું કામ છે. પરમાણુને પોતાના કરવા હોય તો તે અશકય છે, અનંતકાળે ય ન થાયઃ થયા નહિ, ને થશે નહિ. પરમાણુને ને રાગને પોતાના કરવાનો તારો ઉદ્યમ ત્રણેકાળ નિષ્ફળ છે બાપુ! આ શરીરાદિ ને રાગાદિ ભાવોને તું પોતાના કરવા રાતદી એક કરે છે, પણ ત્રણકાળમાં એ થવું સંભવિત નથી. તેમાં તને એકલું નુકસાન છે ભાઈ! સ્વભાવને પોતાનો કરીને, એ થઈ શકે એમ છે, ને એમાં હિત છે. આવી વાત!
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે-સત્ સરળ છે, સત્ સર્વત્ર છે. હા, પણ જ્ઞાનમાં તેની કબૂલાત આવે ત્યારે ને? જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ ત્રિકાળી સત્ ભગવાન જ્ઞાયકની સન્મુખ થાય ત્યારે એની કબૂલાત-પ્રતીતિ થાય છે. આનું નામ સત્ સરળ છે. બાકી રાગની રુચિમાં રમે તેને સત્ કયાં છે?
અહીં એમ કહે છે કે-જ્ઞાનની પર્યાય વર્તમાન ભાવરૂપ છે તે ભાવરૂપ જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન... જ્ઞાનરૂપ-રહેશે; તે અજ્ઞાનરૂપ નહિ થાય, ને તે અન્યરૂપ પણ નહિ થાય. જ્ઞાનની પર્યાય અજ્ઞાનરૂપ થઈ જાય, વા અન્ય શ્રદ્ધાનાદિરૂપ થઈ જાય એમ ત્રણ કાળમાં બનતું નથી. આવી આત્માની ભાવભાવશક્તિ છે. અહો! આ તો થોડા શબ્દે આચાર્ય ભગવાને બહુ ઊંડા ભાવ ભરી દીધા છે. શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ થઈ એટલે જે જ્ઞાનની જાત છે તે જ્ઞાનભાવરૂપ રહેશે, સમકિત સદા નિર્મળ શ્રદ્ધારૂપ રહેશે ને ચારિત્રની પર્યાય સ્થિરતારૂપ જ રહેશે. નિર્મળ પર્યાય એવી ને એવી નિર્મળ રહેશે. તેને કોણ કરશે? તો કહે છે-કોઈ જ નહિ, તેને કરવી પડતી નથી; એ તો દ્રવ્યનો એવો જ ભાવભાવ સ્વભાવ છે. ગજબ વાત છે ભાઈ!
અરે ભગવાન! તારી ચીજનો અંદર પત્તો લાગીને સ્વાનુભવ થયો, શુદ્ધ સમ્યક્દર્શન થયું, પછી તે શ્રદ્ધાની પર્યાય બદલાઈને અન્યરૂપ-જ્ઞાનાદિરૂપ ન થઈ જાય, વા મિથ્યારૂપ પણ ન થઈ જાય. આ તો આવો ભગવાન આત્માનો સ્વભાવ છે. સમજાય છે કાંઈ...? કઈ પદ્ધતિથી કહેવાય છે તે ખ્યાલમાં આવે છે કે નહિ એમ વાત છે. અહાહા...! ભગવાન આત્મા અનંત ગુણનો સમુદ્ર છે. તે અનંત ગુણમાં પોતાના ભાવ પડયા છે, તે અન્યરૂપ ન થાય. અહાહા...! ગુણનો જે ભાવ, તે ભાવનું ભવન થયું, તે તે ભાવરૂપ રહેશે, અન્યરૂપ નહિ થાય. એક ગુણમાં અનંત ગુણનો ભાવ છે. અનંત ગુણમાં એક ગુણનો ભાવ છે-એ વાત જુદી છે. એ તો એક ગુણનું બીજા અનંત ગુણમાં રૂપ છે એની વાત છે, પણ એક ગુણનું પોતાના જે ભાવનું ભવન થાય તે બદલાઈને અન્ય ભાવરૂપ ન થાય. શ્રદ્ધાના ભાવપણે પરિણમન થયું તે પલટીને જ્ઞાનના ભાવરૂપ ન થાય, વા અશ્રદ્ધાના ભાવરૂપ ન થાય. શ્રદ્ધા શ્રદ્ધા જ રહેશે, પલટીને તેનું ભવન શ્રદ્ધા જ રહેશે. અસ્તિત્વનો વર્તમાન ભાવ-પર્યાય અસ્તિત્વરૂપછે તે પલટીને નિર્મળ અસ્તિત્વરૂપ જ રહેશે, કાંઈ નાસ્તિત્વરૂપ કે અન્યરૂપ ન થાય. એમ બધા જ ગુણોમાં લેવું. લ્યો, આ ભાવભાવશક્તિ છે.
અહીં છએ શક્તિના વર્ણનમાં પર્યાયનું સ્વરૂપ શું એની વાત કરી છે. અહા! આમાં વસ્તુના દ્રવ્ય-ગુણ- પર્યાયનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. વેદાંતીઓ આત્માને આનંદસ્વરૂપ, અખંડ, અભેદ, એકરૂપ, સર્વવ્યાપક માને છે, પણ પર્યાયને તેઓ માનતા નથી. અરે ભાઈ! હું અખંડ, અભેદ, એક, વ્યાપક છું એવો નિર્ણય તેં શામાં કર્યો? એવો નિર્ણય તો પર્યાયમાં થાય છે, ને તું પર્યાય માનતો નથી; તેથી તને કોઈ નિર્ણય નથી, અર્થાત્ તારો નિર્ણય જૂઠો છે. તું આત્માને સર્વવ્યાપક માને છે એ ય જૂઠું છે. કેમકે આત્માનું એવું સર્વવ્યાપી સ્વરૂપ નથી. એક ભાઈ કહેતા હતા કે સમયસારને વેદાન્તના ઢાળામાં ઢાળ્યું છે. અરે પ્રભુ! વેદાન્તવાળા પર્યાયને કયાં માને છે? સમયસારને તો આત્માનું જેવું સ્વરૂપ છે તેવા ઢાળામાં ઢાળ્યું છે, તેને વેદાન્ત સાથે કોઈ જ મેળ નથી.
વેદાન્તવાળા કહે છે કે આત્મા શુદ્ધ છે, એક છે, સર્વવ્યાપક છે. હા, પણ એવો નિર્ણય કોણે કર્યો? તે નિર્ણય પર્યાય કરે છે.
PDF/HTML Page 4089 of 4199
single page version
બીજી વાતઃ આત્મા સર્વથા શુદ્ધ જ છે, અંદર કયાંયભૂલ નથી તો ઉપદેશ શા માટે આપ્યો? માટે ભૂલ છે, ને ભૂલ છે તે પર્યાય છે, ભૂલનો નાશ થાય તે ય પર્યાય છે. દ્રવ્યનો તો નાશ થતો નથી. માટે પર્યાય સિદ્ધ થાય છે. દ્રવ્ય-ગુણનો સ્વીકાર પણ પર્યાયમાં જ થાય છે. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળી છે, ને ભૂલ છે તે પર્યાયમાં છે. ભૂલનો નાશ થયો તે ય પર્યાય છે. વ્યય થઈને ઉત્પાદ થાય તે ય પર્યાયરૂપ છે. અહીં છ બોલમાં પર્યાયના ઉત્પાદ-વ્યય એ દ્રવ્યના સ્વભાવરૂપ છે એમ તેનું સુંદર તાદ્રશ વર્ણન કર્યું છે.
રાગની ઉત્પત્તિ જ ન થાય, વીતરાગતા થાય તે અહિંસા છે, તે ધર્મ છે, તે ચારિત્ર છે. પરની દયાના રાગ એ કાંઈ ચારિત્ર નથી, વાસ્તવમાં એ હિંસા છે. આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. અરે ભાઈ! સાધકને- ધર્મીને વર્તમાન જે ચારિત્રભાવ પ્રગટ છે એ તો સિદ્ધ દશામાં ય (પૂર્ણ ભાવે) કાયમ રહેશે. ચારિત્ર તો વીતરાગતાસ્વરૂપ છે ભાઈ! અહાહા...! ચોથા ગુણસ્થાને જે ચારિત્રદશા થઈ તે ચારિત્ર... ચારિત્ર.. ચારિત્રભાવે વૃદ્ધિગત થઈ કાયમ રહેશે. હવે તે અચારિત્ર વા રાગપણે નહિ થાય. અહાહા...! વર્તમાન વીતરાગતા પ્રગટી તે ભાવ (પૂર્ણ) વીતરાગતારૂપ સિદ્ધમાં પણ રહેશે. આ તો બધી અંદરની વાતું બાપુ! ઝીણી પડે તો ય જાણવી જ પડશે. ઇન્દ્રિયોનું દમન, બાર પ્રકારનાં વ્રત તે સંયમ એ જુદી વાત છે. એ તો વ્યવહારથી સંયમ કહ્યો, તેનો તો ક્રમે અભાવ થઈ વીતરાગતા વૃદ્ધિગત થઈ પૂર્ણ વીતરાગતા થશે એમ કહે છે. અહા! ભગવાન આત્માની પર્યાયમાં પોતાના ભાવનું ભવન ન હોય તો પર્યાય કેમ હોય? એવી પર્યાયનું સ્વરૂપ જ શું? ચોથાગુણસ્થાને પણ જ્ઞાનની, શ્રદ્ધાનની, ચારિત્રની, પ્રભુતાની પર્યાય વિદ્યમાન છે, ને તે તે ભાવે તે કાયમ રહેશે. અહો! દિગંબર સંતો સિવાય આવી વાત કયાંય નથી. બીજાને દુઃખ લાગે પણ શું કરીએ? સત્ય આ જ છે.
નગ્નપણું તે દિગંબર સંતપણું-મુનિપણું-એમ નહિ; કેમ? કેમકે એમાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન અને અંદર વીતરાગી ચારિત્રની દશા થાય તે સાધકદશા છે. પહેલાં સ્વરૂપસ્થિરતાના ભાવ હતા તે વૃદ્ધિગત થઈ છઠ્ઠા ગુણસ્થાને વિશેષ ચારિત્રદશા થઈ તે મુનિદશા છે. ત્યાં જે જાત પ્રગટી તે સિદ્ધમાં ય કાયમ રહેશે. જેમ ચાંદીની પર્યાય ચાંદીરૂપ રહે, લોખંડરૂપ ન થાય તેમ ચારિત્રભાવ પ્રગટ થયો તે ચારિત્ર... ચારિત્રરૂપ જ રહેશે, અચારિત્રરૂપ નહિ થાય. ચાંદીના પરમાણુ તો કદાચ પલટીને લોખંડપણે થઈ જાય, પણ આમાં ન થાય; ચારિત્ર પલટીને અચારિત્ર ન થાય. આવી વાત! ચોથા ગુણસ્થાને અલ્પ સ્વસંવેદન છે, તે પલટીને ઉગ્ર સ્વસંવેદન થશે, પૂર્ણ સ્વસંવેદન થશે, પણ સ્વસંવેદન મટીને અન્યરૂપ થઈ જાય એમ નહિ બને, કેમ? કેમ કે વસ્તુ જ એવી ભાવભાવ- સ્વભાવી છે કે ભાવના ભવનરૂપ ભાવ, ભાવ રહે. વસ્તુ જ એવી છે. અહાહા...! દ્રવ્યમાં જેટલા ગુણ છે એટલી એક સમયમાં પર્યાય છે. જે પર્યાયનો જે ભાવ છે તે ભાવ ભવિષ્યમાં પણ કાયમ જ રહેશે, અન્યરૂપ થાય, વા બીજામાં ભળી જાય એમ ત્રણકાળમાં બનતું નથી. સમજાણું કાંઈ...?
અહા! પર્યાય દ્રવ્યના આશ્રયે પરિણમી તો પર્યાય દ્રવ્યમાં તન્મય થઈ. તન્મય થઈ એટલે શું? પર્યાય, દ્રવ્યરૂપ થઈ જાય, કે દ્રવ્ય પર્યાયરૂપ થઈ જાય એમ નહિ, પણ પરસન્મુખતા હતી તે સ્વસન્મુખતા થઈ, પરમાં એકત્વ માન્યું હતું તે સ્વમાં એકત્વ માની પ્રગટ થઈ-આને તન્મય થઈ એમ કહેવાય છે. પર્યાય તો પર્યાયરૂપ રહીને દ્રવ્યનું જ્ઞાન-શ્રદ્ધાન કરે છે. અહીં કહે છે-એ જ્ઞાન-શ્રદ્ધાનરૂપ જે ભાવ પ્રગટયા તે હવે કાયમ રહેશે, પલટીને અજ્ઞાન-અશ્રદ્ધાનરૂપ નહિ થાય-આવું દ્રવ્યનું ભાવભાવરૂપ સામર્થ્ય છે. જે ગુણનો જે ભાવ છે તેના ભવનરૂપ પર્યાય પ્રગટ થઈ તો તે ભાવ હવે એવો ને એવો કાયમ રહેશે. આ ભાવભાવ છે.
હવે આમાં ઓલા વ્યવહારવાળાઓને વાંધા પડે છે-એમ કે વ્યવહારથી થાય, વ્યવહાર સાધન છે. અરે બાપુ! તને આત્મામાં શું સામર્થ્ય ભર્યું છે તેની ખબર નથી. આ વીતરાગતાસ્વરૂપ વીતરાગનો માર્ગ છે તેને રાગનો મારગ ઠરાવી દે એ કેમ ચાલે? રાગથી-વ્યવહારથી લાભ થશે એ વાત વીતરાગમાર્ગમાં છે નહિ. પહેલાં શ્રદ્ધામાં આ પાકો નિર્ણય થવો જોઈએ કે મારગ વીતરાગતામય જ છે, અને એનાથી જ કલ્યાણ છે. વીતરાગભાવ વધતાં વધતાં પૂર્ણ વીતરાગ થાય છે, વીતરાગભાવ પ્રગટ થયો તે કાયમ રહે છે. તેમ અલ્પજ્ઞાન-મતિશ્રુતજ્ઞાન થયું તે જ્ઞાન... જ્ઞાન... જ્ઞાનભાવે કાયમ રહીને પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન થશે-આવું ભગવાન આત્માનું સામર્થ્ય છે, બીજાના કારણે કાંઈ જ નથી. આનું નામ ભાવભાવશક્તિ છે. અહા! ત્રિકાળ ભાવ છે તેવો વર્તમાન વર્તમાન વર્ત્યા કરશે. એમ ત્રિકાળ ને વર્તમાનની સદાય એક જાતિ રહેશે-એવું ભાવભાવશક્તિનું સ્વરૂપ છે.
અહીં આ પ્રમાણે ભાવભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
PDF/HTML Page 4090 of 4199
single page version
‘નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના અભવનરૂપ (નહિ વર્તવારૂપ) અભાવાભાવશક્તિ.’ સમયસારનો આ શક્તિ-અધિકાર છે. આત્મામાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. તેનું કથન ક્રમથી થાય છે, પણ તે બધી ભગવાન આત્મામાં એકસાથે ત્રિકાળ વ્યાપેલી છે. અહાહા...! ચૈતન્યસ્વરૂપી આત્મામાં અનંત શક્તિઓ છે તે તેનો સ્વભાવ છે. ‘શુદ્ધ એક ચૈતન્યમાત્ર જ્ઞાયકસ્વરૂપી હું છું’ -એમ જેને અંતરમાં દ્રષ્ટિ થાય તેને તે દ્રષ્ટિમાં અનંત શક્તિઓની પ્રતીતિ સમાઈ જાય છે. સમજાય છે કાંઈ...? અહીં છ બોલમાં-
• પ્રથમ કહ્યું કે-આત્મામાં વર્તમાન નિર્મળ વિદ્યમાન અવસ્થા હોય છે તે -રૂપ ભાવશક્તિ છે.
• પછી કહ્યું કે-આત્મામાં વર્તમાન વિદ્યમાન અવસ્થા છે તેમાં પૂર્વોત્તર અવસ્થાઓ અવિદ્યમાન છે, તથા
• વળી ત્રીજી ભાવ અભાવશક્તિ છે તેના કારણે વર્તમાન જે નિર્મળ અવસ્થા વિદ્યમાન છે તેનો વ્યય થઈને
• ચોથી અભાવભાવશક્તિને લીધે વર્તમાન વિદ્યમાન અવસ્થા છે તેમાં પછીની વિશેષ નિર્મળ અવસ્થાનો
• પાંચમા બોલમાં ભાવભાવશક્તિ કહી. ભાવભાવશક્તિના કારણે પ્રત્યેક ગુણની વર્તમાન પર્યાય જે નિર્મળ
હવે અહીં અભાવ-અભાવશક્તિની વાત છે. અહા! ધર્મીને વર્તમાન વિકારના અભાવરૂપ જે પરિણમન થયું છે તે વિકારના અભાવરૂપ જ રહેશે એમ કહે છે. કહ્યું ને કે-‘નહિ ભવતા પર્યાયના અભવનરૂપ અભાવાભાવ શક્તિ છે.’ વ્યવહારરત્નત્રય રાગ-વિકાર છે, તેના અભાવસ્વભાવરૂપ ધર્મીનું વર્તમાન પરિણમન છે તે તેના અભાવસ્વભાવરૂપ જ રહેશે એમ કહેવું છે.
પહેલાં અભાવશક્તિમાં એટલી જ વાત હતી કે ધર્મીને વર્તમાન વ્યવહારના-રાગના અભાવરૂપ પરિણમન છે; અહીં અભાવ-અભાવશક્તિમાં એમ કહે છે કે વર્તમાન વ્યવહારના-રાગના અભાવરૂપ પરિણમન છે તે હવે પછી પણ અભાવરૂપ રહેશે. વર્તમાન છે એવું ભવિષ્યમાં રહેશે.
ધર્મીને વર્તમાન પર્યાયમાં ઉદયભાવના અભાવરૂપ પરિણમન છે. ઉદયભાવનો તેની વર્તમાન પર્યાયમાં અભાવ છે. અભાવશક્તિના કારણે ઉદયભાવ તેની પર્યાયમાં છે જ નહિ. દ્રવ્ય-ગુણમાં ઉદયભાવ નથી, ને ધર્મીની પર્યાયમાં પણ તેનો અભાવ છે. અહીં કહે છે-તે ઉદયભાવના અભાવરૂપ જે તેનું પરિણમન છે તે હવે પછી પણ ઉદયભાવના અભાવરૂપ રહેશે. આ અભાવ-અભાવશક્તિ છે. અહા! મુનિરાજ-ભાવલિંગી સંતને ચારિત્રના પરિણમનમાં વર્તમાન નિર્મળ રત્નત્રયની પરિણતિ પ્રગટી છે; તેમાં અચારિત્રના પરિણમનનો અભાવ છે. હવે ભવિષ્યમાં પણ તે અચારિત્રના પરિણમનનો અભાવ રહેશે. ધીરજથી સમજવું બાપુ! આ તો અંદરના ત્રિલોકીનાથને જગાડવાની વાતો છે. પર્યાયબુદ્ધિને લઈને પર્યાયમાં રાગ છે, પણ જ્યાં દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થઈ તો વર્તમાન તેને રાગના અભાવરૂપ પરિણમન થયું; હવે તે રાગના અભાવરૂપ પરિણમન કાયમ રહેશે-એવી આ આત્માની અભાવ-અભાવ શક્તિ છે. અહાહા...! ધર્મીને સિદ્ધદશા પર્યંત ને સિદ્ધમાં ય રાગના અભાવરૂપ પરિણમન કાયમ રહેશે.
સિદ્ધને કેમ વિકાર થતો નથી? તો કહે છે કે-આત્મામાં એવી અભાવ-અભાવ શક્તિ છે જેના સામર્થ્યથી તેને વિકારના અભાવરૂપ પરિણમન સદાય રહે છે. સિદ્ધમાં શક્તિ સંપૂર્ણતઃ ખીલી ગઈ છે, તેથી તેમને વિકાર ને વિકારનું પરિણમન થતું નથી. કર્મ નથી માટે સિદ્ધને વિકાર થતો નથી એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. ખરેખર તો વિકારરૂપ થવાનો આત્માનો સ્વભાવ જ નથી, અને આ સ્વભાવ સિદ્ધને પૂર્ણ પ્રસિદ્ધ થઈ ગયો છે, તેથી તેમને વિકાર થતો નથી. અહાહા...!
અહાહા...! સિદ્ધની જેમ વસ્તુ ચૈતન્ય ચિદાનંદ પ્રભુ પરથી ને રાગથી ઉદાસ ઉદાસ છે. વસ્તુ પરથી અભાવસ્વભાવે છે. પર શબ્દે શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, નોકર્મ, ભાવકર્મ ઇત્યાદિ-પરના અભાવસ્વભાવે ભગવાન આત્મા છે.
PDF/HTML Page 4091 of 4199
single page version
ધર્મીને એ સર્વ પરના અભાવરૂપ પરિણમન વિદ્યમાન છે તે સદાય અભાવરૂપ રહેશે એવી આત્માની અભાવઅભાવ શક્તિ છે. અહો! આવો ચૈતન્યનો ભરપૂર ખજાનો અંદર પડયો છે, પણ એનો એને વિશ્વાસ નથી.
શુભરાગ કરે છે એનો વિશ્વાસ છે; રાગ પોતાના સ્વભાવમાં છે નહિ, છતાં રાગથી મારું કલ્યાણ થશે એવો અજ્ઞાનીને વિશ્વાસ છે; અહા! પણ એ તો આત્મવંચના-ધોખાધડી છે ભાઈ! એમાં દ્રષ્ટિની મહાવિપરીતતા છે તે ભારે નુકસાન કરશે.
અહા! જ્યાં સ્વભાવના આશ્રયે દ્રષ્ટિ ફરી ત્યાં સમ્યગ્દર્શન થયું, ધર્મીને તેમાં મિથ્યા શ્રદ્ધાનરૂપ પરિણમનનો અભાવ છે; અને હવે એવું જ મિથ્યાશ્રદ્ધાનના અભાવરૂપ પરિણમન રહેશે. ધર્મી જીવને દ્રવ્યદ્રષ્ટિ થઈને જે રાગના અભાવરૂપ પ્રવર્તન થયું તે હવે કાયમ રહેશે. હવે વ્યવહાર-રત્નત્રયથી નિશ્ચયરત્નત્રય થાય એ વાતને કયાં અવકાશ છે? પરમાત્મા કેવળી પ્રભુ તેની અહીં ચોખ્ખી ના પાડે છે; કેમ કે સમકિતી દ્રષ્ટિવંતને રાગનું અપ્રવર્તન છે. અરે, એણે પોતાનું ઘર કદી જોયું નથી. ભજનમાં આવે છે ને કે-
પર ઘર ફિરત બહુત દિન બીતે નામ અનેક ધરાયે...
અરરર! એણે અનેક નામ ધારણ કીધાં! અહીં કહે છે-એ વસ્તુનું સ્વરૂપ નથી. હું રાગી છું, ક્રોધી છું, માની છું, વ્યવહારનો કરનારો છું-આમ અજ્ઞાની માને પણ એ વસ્તુનું સ્વરૂપ નથી. નિજઘરમાં આવે તો તેમાં રાગનો અભાવ જ્ઞાનીને દેખાય છે. વિકારના અભાવરૂપ થવું એવો આત્માનો સ્વભાવ છે, ને તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. દ્રવ્યદ્રષ્ટિ થતાં અભાવ-અભાવ એવો જે સ્વભાવ તે પર્યાયમાં વ્યાપક થાય છે, તેથી તેને વિકારના અભાવરૂપ પરિણમન કાયમ રહે છે.
તો શું જ્ઞાનીને વ્રતાદિનો વિકલ્પ-રાગ છે જ નહિ? છે ને; જ્ઞાનીને દયા, દાન, વ્રતાદિનો વિકલ્પ હોય છે, છતાં તેની પર્યાયમાં તેના અભાવરૂપ પરિણમન છે. જ્ઞાની રાગ છે તેનો માત્ર જાણનાર છે. રાગ છે તેને જાણવાની જે જ્ઞાનની દશા તેમાં જ્ઞાની વર્તે છે, રાગમાં વર્તતો નથી. આવું રાગના અભાવસ્વભાવે ધર્મીનું પરિણમન હોય છે. અહો! આચાર્યદેવે એકલું અમૃત પીરસ્યું છે.
સમયસારની ગાથા ૯૬માં આચાર્યદેવ કહે છે કે-અમૃતનો સાગર પ્રભુ આત્મા મૃતક કલેવરમાં મૂર્ચ્છાઈ ગયો છે. આ શરીર છે તે મડદું છે ભાઈ! એ જડ પરમાણુની દશા છે. તેમાં ચૈતન્યગુણનો અભાવ છે માટે તે મૃતક કલેવર છે. અરે, મૂઢ જીવ એ મડદા સાથે પોતાની સગાઈ માને છે. મૂઢ અજ્ઞાની જીવે અનાદિથી જડ દેહ અને રાગ સાથે સગાઈ કરી છે, રાગમાં તે એકાકાર થયો છે. પણ ભાઈ, તું એ નથી. ને એ તારી ચીજ નથી. જે ભાવથી તીર્થંકર નામકર્મની પ્રકૃતિ બંધાય તે તારી ચીજ નથી, તેના અભાવસ્વભાવરૂપ ભગવાન! તું છો, અને તેવી દ્રષ્ટિ થયે તેના અભાવસ્વભાવે પરિણમન થાય છે, ને તે કાયમ એવું રહેશે.
પરમ ગુરુ હો, જય જય નાથ પરમ ગુરુ હો.
અજ્ઞાની આ સાંભળી રાજી રાજી થઈ જાય છે. તેને મોંમાં પાણી વળે છે કે-અહો! સોલહ કારણ ભાવના! પણ ભાઈ, અહીં કહે છે-તે ભાવનાના અભાવસ્વભાવરૂપ ધર્મીનું પરિણમન છે.
અહા! વીર્યશક્તિમાં પણ આ અભાવ-અભાવશક્તિનું રૂપ છે. તેથી વીર્ય રાગના અભાવરૂપ જે નિર્મળતાની રચના કરે છે તે રાગના અભાવરૂપ રચના જ કર્યા કરશે, તેમાં મલિનતાનો હંમેશ અભાવ જ રહેશે; અહા! આત્માના વીર્યથી-બળથી મલિન પર્યાયની રચના થશે જ નહિ. અહા! જે પુરુષાર્થથી નિર્મળ રચના થઈ તે નિર્મળ રચના તેવી ને તેવી રહ્યા જ કરશે. આવી વાત!
એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ત્રિકાળ અભાવ છે. બે દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. આ રીતે જીવમાં પોતાથી ભિન્ન એવા દ્રવ્ય-ગુણ-પર્યાયનો ત્રણેકાળ અભાવ છે. હવે આમ છે ત્યાં જીવ બીજાનું શું કરે? ને બીજો જીવનું શું કરે? કાંઈ જ ન કરે. તેવી રીતે રાગનો પણ સ્વભાવમાં અત્યંત અભાવ છે. આકરી વાત બાપુ! આ અધ્યાત્મનો અભાવ કહ્યો. પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અન્યોન્યાભાવ, ને અત્યંતાભાવ-આ ચાર અભાવમાં અધ્યાત્મનો અભાવ આવતો નથી.
PDF/HTML Page 4092 of 4199
single page version
પર્યાયમાં નિર્મળ ષટ્કારકથી પરિણમન થાય છે તેમાં મલિન પરિણામના ષટ્કારકોનો અભાવ છે. પર્યાયબુદ્ધિ જીવને પર્યાયમાં જે વિકૃત પરિણામ થાય છે તે કાંઈ દ્રવ્ય-ગુણમાંથી આવતા નથી, વિકારરૂપે પરિણમે એવી દ્રવ્યમાં કોઈ શક્તિ નથી. પર્યાયબુદ્ધિમાં વિકારનો કર્તા વિકારી પર્યાય છે. રાગ કર્તા, રાગ કર્મ, રાગ કરણ, રાગ સંપ્રદાન, રાગ અપાદાન ને રાગ તેનું અધિકરણ-એમ વિકારના ષટ્કારક વિકારી પર્યાયમાં છે; જ્યાં દ્રવ્યદ્રષ્ટિ થઈ ત્યાં વિકારના ષટ્કારકરૂપ પરિણમનનો તેમાં અભાવ છે. જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ પર્યાય ઉપર છે ત્યાં સુધી પર્યાયમાં વિકાર છે.
પર્યાયમાં જે વિકૃત અવસ્થા છે તે કોઈ શક્તિનું કાર્ય નથી. પર્યાયમાં તેને ઉઠાવગીરે (અજ્ઞાની મૂઢ જીવે) અદ્ધરથી ઉઠાવી છે; વસ્તુમાં તે નથી. વિકાર છે એ તો જ્ઞાન કરાવ્યું છે, બાકી તારી ચીજ એવી છે કે વિકારરૂપે ન થાય-પરિણમે-ધર્મીને વિકારના અભાવરૂપ નિર્મળ પરિણમન થયું તે એવું ને એવું વિકારના અભાવરૂપ નિર્મળ જ રહેશે-એવો ભગવાન આત્માનો સ્વભાવ છે.
ભાઈ! તારી શક્તિમાં એક અભાવ-અભાવ ગુણ છે; જેથી શ્રદ્ધાન-જ્ઞાનની વર્તમાન દશામાં વિપરીતતાનો અભાવ છે, તો ભવિષ્યમાં પણ વિપરીતતાનો અભાવ કાયમ રહેશે. જ્ઞાનની પર્યાય જે નિર્મળભાવરૂપ છે તે એવા ને એવા નિર્મળભાવરૂપ સદાય રહેશે, તેમાં વિકારનો અભાવ છે તો કાયમ વિકારનો અભાવ રહેશે. જેને દ્રવ્યદ્રષ્ટિ અંદર ખીલી ગઈ તેને પછી પડવાની-ખસવાની વાત જ નથી. જો દ્રવ્યનો નાશ થાય તો દ્રવ્યદ્રષ્ટિનો પડે; પણ દ્રવ્ય, વસ્તુ જે એક જ્ઞાયકસ્વભાવ છે તે તો અનંતશક્તિનો પિંડ પ્રભુ ત્રિકાળ વિદ્યમાન છે. આવા દ્રવ્યની પ્રતીતિ થઈ, ને જ્ઞાનની પર્યાયમાં તેનું જ્ઞાન થયું પછી એ જ્ઞાન પડી-છૂટી જાય એવી દ્રવ્યમાં તો કોઈ શક્તિ નથી અર્થાત્ દ્રવ્ય- ગુણમાં એવું કોઈ કારણ નથી.
જુઓ, અનાદિથી જીવને ૨૧ ગુણમાં વિપરીત પરિણમન થાય છે એમ તારવણી કાઢેલી. પરંતુ સ્વભાવદ્રષ્ટિવંતને-ધર્મી પુરુષને વિપરીત પરિણમનનો તેની પર્યાયમાં અભાવ છે, ને નિર્મળ પરિણતિનો સદ્ભાવ છે. આ અસ્તિનાસ્તિ થઈ. આ અનેકાન્ત છે. ભાવભાવશક્તિના કારણે તેને નિર્મળ પરિણતિનો ભાવ-ભાવ રહેશે, ને અભાવ-અભાવશક્તિના કારણે તેની પર્યાયમાં વિપરીતતાનો-મલિનતાનો અભાવ રહેશે. ભાઈ, તારી ચૈતન્યસંપદા તો જો! અંદર જુએ તો ન્યાલ થઈ જાય એવી એ ચીજ છે બાપા! એ બહારમાં કયાંય મળે એમ નથી. પવિત્રતાનો પિંડ પ્રભુ અંદર છે તે અંતરદ્રષ્ટિ કરતાં પ્રાપ્ત થાય છે, બીજી કોઈ રીતે પ્રાપ્ત થતો નથી. આવી વાત છે.
ત્યારે કોઈ વળી કહે છે-કર્મથી વિકાર થાય છે; પણ એમ છે નહિ. જો એમ હોય તો સંસારીને કર્મ તો છે, પછી તે નિર્વિકાર કેમ થશે? વિકારરૂપે પરિણામ થાય તે પોતાના (પર્યાયના) ષટ્કારકથી થાય છે છતાં પોતાનો સ્વભાવ તો તેનાથી રહિત છે. આ વાત ૩૯મી શક્તિમાં આવશે.
ભાઈ! આ તો વીતરાગી કથા બાપુ! ધર્મી પુરુષને ઉપદેશનો વિકલ્પ આવે છે, તો પણ તે વિકલ્પના અભાવસ્વભાવરૂપ ધર્મીનું પરિણમન છે. અરે પ્રભુ! એક વાર અંદર તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દે. દ્રવ્યનો સ્વીકાર થતાં રાગરૂપે પરિણમવું એ છે નહિ; કેમ કે અભાવ-અભાવશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહા! હજાર વર્ષ પહેલાંના આ દિગંબર સંતની વાણી તો જુઓ! અહાહા...! કેવળજ્ઞાનનાં કબાટ ખોલી નાંખ્યાં છે. અરે પ્રભુ! રાગમાં તું રમે એ તારી રમતું નહિ; રાગથી વિરમે, રાગરૂપે ન પરિણમે એ તારી રમતું છે. હવે આવી વાત કયાં મળે પ્રભુ! રળવા માટે દેશ-વિદેશ રખડે, પણ આ કયાં મળે? અંતરની ચીજ તો અંતરમાં છે ને અંતરમાં જાય તો તે મળે છે. અહા! આ અલૌકિક વર્ણન છે; જગતનાં ભાગ્ય હોય તેટલું બહાર આવે છે.
પણ આ વિશેષ કહોને! કોણ કહે? એ તો ભાષાનું સામર્થ્ય છે. ભાષામાં સ્વ-પરને કહેવાની તાકાત છે, ને આત્મામાં સ્વપરને જાણવાની તાકાત છે. બન્ને પોતપોતાના ઉપાદાનથી સ્વતંત્ર પરિણમે છે, કોઈ કોઈને કરે એવું વસ્તુસ્વરૂપ જ નથી. સમજાય છે કાંઈ...?
અહીં કહે છે-નિશ્ચયથી સંસાર જે ઉદયભાવ છે તેનો ધર્મીની પર્યાયમાં અભાવ છે. આવાં દ્રવ્ય-ગુણ- પર્યાયની પ્રતીતિ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. આ જ્ઞાનપ્રધાન શૈલીથી કથન છે. જ્ઞેય અને. જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે;-આ જ્ઞાનપ્રધાન વ્યાખ્યા થઈ. એક ભૂતાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે-આ દર્શનપ્રધાન વ્યાખ્યા છે.
PDF/HTML Page 4093 of 4199
single page version
દ્રવ્યદ્રષ્ટિવંત ધર્મી પુરુષ વિકારને પરજ્ઞેય તરીકે જાણે છે. જ્ઞાન કરનારી તે જ્ઞાનની પર્યાય વર્તમાન વિદ્યમાન છે તેમાં વિકારનો અભાવ છે. આમ દરેક ગુણમાં સમજવું. ભગવાન! તું જ્ઞાનાનંદ સ્વભાવી છો. તારામાં રાગને આકુળતાના અભાવરૂપ સ્વભાવ છે. ત્રિકાળ પરના અભાવસ્વભાવરૂપ પ્રભુ તું છો. હવે આમ છે ત્યાં પરદ્રવ્યની પર્યાયને જીવ કરે એ વાત જ કયાં રહે છે? ને પરદ્રવ્ય જીવની પર્યાયને કરે એ વાત પણ કયાં રહે છે? અંતરાય કર્મના અભાવથી વીર્યશક્તિનું પરિણમન થયું એમ વાત કયાં રહે છે? એમ છે જ નહિ.
અહાહા...! ભગવાન આત્મા વિકલ્પરહિત (શુદ્ધ) દિગંબર છે. મિથ્યાત્વના અભાવરૂપ પરિણમન કરે ત્યારે જીવ દ્રષ્ટિમાં દિગંબર થયો કહેવાય. સમકિતી અને ભાવલિંગી મુનિ દિગંબર છે. અહાહા...! અંદરમાં ત્રણ કષાયનો અભાવ અને બહારમાં વસ્ત્રનો અભાવ તેનું નામ દિગંબર મુનિદશા છે. જો કે પરદ્રવ્યનો સ્વભાવમાં અભાવ છે, ને પરદ્રવ્ય નુકસાન કરતું નથી; પણ તેની મમતા છે તે નુકસાનનું કારણ છે. વસ્ત્ર પ્રત્યેનો રાગ-મમતા છે તે નુકસાનનું કારણ છે. દેહની રક્ષાનો રાગ છે, મમતા છે તે નુકશાનનું કારણ છે. તેથી જ કપડાં રાખવાનો રાગ હોય ત્યાં સુધી મુનિદશા હોતી નથી. માર્ગ આ છે ભાઈ. આમાં શું કરવું-શું ન કરવું-તે તો પોતાને નિર્ણય કરવાની વાત છે. અમારી પાસે તો તત્ત્વદ્રષ્ટિની આ વાત છે. જેને જેમ ઠીક પડે તેમ કરે, પણ વસ્ત્ર સહિત મુનિપણું માને-મનાવે તેની નવતત્ત્વની ભૂલ છે, અર્થાત્ તેની મિથ્યાત્વદશા છે. આવી વાત છે.
શુદ્ધ ચૈતન્યના આશ્રયે મુનિદશામાં ત્રણ કષાયનો અભાવ થાય છે. તેમ થતાં તેને અસ્થિરતાનો રાગ તેની ભૂમિકાને યોગ્ય જ હોય છે. મુનિદશામાં વસ્ત્ર રાખવાનો રાગ હોઈ શકે નહિ; તેથી વસ્ત્ર સહિતને આસ્રવ તત્ત્વની ભૂલ છે. તેને શુદ્ધ જીવદ્રવ્યનો આશ્રય નથી તે જીવ તત્ત્વની ભૂલ છે, ને એ પ્રમાણે સાતે તત્ત્વની ભૂલ છે. શ્રી કુંદકુંદાચાર્યદેવે (સૂત્રપાહુડમાં) બહુ સ્પષ્ટ કહ્યું છે કે-વસ્ત્રનો ટુકડો રાખી મુનિપણું માને-મનાવે તો નિગોદમાં જશે. આમ કેમ કહ્યું? કારણ કે એમ માનનારની મિથ્યાત્વ દશા છે, ને મિથ્યાત્વનું ફળ ક્રમે નિગોદ જ છે. અહા! છઠ્ઠા ગુણસ્થાનમાં સંત-મુનિવરને વ્યવહારના અભાવરૂપ નિર્મળ પરિણમન છે ને તે એવું ને એવું નિર્મળપણે કાયમ રહેશે.
અહા! આ અભાવ-અભાવશક્તિ ત્રિકાળ છે તે ધ્રુવ ઉપાદાન છે, ને તેનું વર્તમાન વર્તમાન પરિણમન છે તે ક્ષણિક ઉપાદાન છે. તેમાં શક્તિ છે તે ત્રિકાળ પારિણામિક ભાવે છે, ને રાગરહિત તેનાં જે નિર્મળ પરિણામ છે તે ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવે છે. ઉદયભાવ તેમાં આવતો નથી, કેમકે ઉદયભાવના અભાવસ્વભાવે જ શક્તિનું પરિણમન હોય છે.
કેટલાક કહે છે કે-શત્રુંજયની જાત્રા કરીએ તો કલ્યાણ થઈ જાય; આ બધું સમજીને શું કામ છે? અરે ભાઈ! એમ નથી બાપુ! જાત્રા કરવાના ભાવ તો રાગ છે, ને રાગના અભાવસ્વભાવે જીવનું પરિણમન થાય તે કલ્યાણરૂપ છે; રાગને રાગનું પરિણમન કલ્યાણરૂપ નથી, વાસ્તવમાં અકલ્યાણ છે. આવી આકરી વાત! પણ આ સત્ય વાત છે.
ઉપશમનો તો થોડો કાળ છે, બાકી ક્ષાયોપશમિક અને ક્ષાયિકભાવ હોય છે. ક્ષયોપશમ ને ક્ષાયિક તે પરિણતિ છે. તે અંતરમાં જાય ત્યારે પારિણામિક ભાવરૂપે થઈ જાય છે, કારણ કે વર્તમાન જે એક સમયની અવસ્થા છે તેનો બીજે જ સમયે વ્યય થઈ અંદર જાય છે. “જલ કા તરંગ જલ મેં ડૂબતા હૈ”-એમ પોતાની પર્યાય વ્યય થઈ અંદર જાય છે, ને અંદર ગઈ તે પારિણામિકભાવે થઈ જાય છે.
જે જન્મક્ષણ તે જ (પૂર્વ) પર્યાયનો નાશ ક્ષણ છે. અભાવ-અભાવશક્તિની જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે તેની જન્મક્ષણ છે. તે પર્યાય પોતાના સ્વકાળે પ્રગટ થઈ છે; તે એની કાળલબ્ધિ છે. તે પરિણમન ક્રમબદ્ધ-પોતાના સ્વ-અવસરે થયું છે.
હા, પણ તેમાં આપણે શું કરવું? ક્રમવર્તી પર્યાય ને શક્તિના ભેદનું લક્ષ છોડી, શુદ્ધ એક ચૈતન્યમાત્ર નિજ ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરવું. એમ કરતાં
PDF/HTML Page 4094 of 4199
single page version
શક્તિનું નિર્મળ પરિણમન સહજ જ પ્રગટ થાય છે, અને તે તેનો સ્વકાળ છે. ભાઈ! ક્રમવર્તી પર્યાય-અને શક્તિનો ભેદ એ સમકિતનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો અભેદ શુદ્ધ ચૈતન્યવસ્તુ છે. અભેદની દ્રષ્ટિ થતાં પર્યાયમાં શક્તિનું નિર્મળ પરિણમન થાય છે, અને તે નિર્મળ પરિણતિ વિકારરહિત હોય છે.
અહા! શક્તિની જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ તે અકાર્યકારણમય છે. એટલે શું? કે તે પરિણતિ રાગનું કાર્ય નથી, અને રાગનું કારણ પણ નથી. ક્રમવર્તી જ્ઞાનની પર્યાય થાય તે રાગનું કાર્ય નથી; રાગથી જ્ઞાન થયું છે એમ નથી. ક્રમવર્તી જ્ઞાનની પર્યાય રાગને જાણે એ ય વ્યવહાર છે, ખરેખર તો પોતે પોતાને જાણે છે. રાગ સંબંધી જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે તો રાગને જાણે છે એમ વ્યવહારથી કહેવાય છે.
અરે ભાઈ! હું રાગનો જાણનાર છું એવા ભેદથી શું સાધ્ય છે? કાંઈ જ નહિ. અરે, હું જાણનારો જાણનાર છું એવા ભેદ-વિકલ્પથી ય શું સાધ્ય છે? કાંઈ જ નહિ. માટે શક્તિનો પિંડ શુદ્ધ એક અભેદ ચૈતન્યદ્રવ્ય ત્રિકાળ છે તેની દ્રષ્ટિ કર, તેમ કરતાં સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે. ભેદ-દ્રષ્ટિ એ મિથ્યાદ્રષ્ટિ છે, ને અભેદની દ્રષ્ટિ કરવી એ જ ધર્મ છે. લ્યો,
આ પ્રમાણે અહીં અભાવ-અભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
‘(કર્તા, કર્મ આદિ) કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી (-હોવામાત્રમયી, થવામાત્રમયી) ભાવશક્તિ.’
જુઓ, પહેલાં ૩૩મી ભાવશક્તિ કહી ત્યાં તો વર્તમાન નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા હોવારૂપ શક્તિની વાત હતી, અહીં વાત જુદી છે. અહીં કહે છે-‘કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી ભાવશક્તિ.’ અહાહા...! દ્રવ્યવસ્તુ જે એક જ્ઞાયકભાવ તેના તરફ જેની દ્રષ્ટિ છે તે ધર્મી-સમ્યગ્દ્રષ્ટિ જીવને વિકારી કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત પરિણમન હોય છે. અહાહા...! કારકભેદની ક્રિયા વગર જ ભવવું અર્થાત્ જ્ઞાનભાવમય પરિણમવું એવી આત્માની આ ભાવશક્તિ છે. અહાહા...! ધર્મીને ‘આ કર્તા ને આ કર્મ’ એવા કારકભેદની ક્રિયાથી રહિત નિર્મળ જ્ઞાનભાવમય ભાવનું ભવન થયા કરે છે-આ ભાવશક્તિનું કાર્ય છે.
ધર્મી જીવને પર્યાયના ષટ્કારકથી શુભાશુભભાવ થતા હોય છે. આ રીતે તેને એક સમયની પર્યાયમાં રાગાદિ વિકલ્પનું પરિણમન હોય છે. રાગની પર્યાય કર્તા, જે પર્યાય રાગની થઈ તે કર્મ, તે પર્યાય પોતે કરણ નામ સાધન, તે વિકાર પર્યાય પોતામાં રાખી તે સંપ્રદાન, પર્યાય પોતામાંથી થઈ તે અપાદાન, અને પર્યાયના આધારે પર્યાય થઈ તે અધિકરણ-આમ એક સમયની વિકૃત અવસ્થામાં ષટ્કારકરૂપ પરિણમન છે. અહીં કહે છે-ષટ્કારક અનુસાર જે ક્રિયા-શુભાશુભ વિકલ્પ છે, વ્રતાદિ વિકલ્પ છે, તેનાથી રહિતપણે ધર્મી, દ્રવ્યદ્રષ્ટિવંત જ્ઞાનીનું પરિણમન હોય છે.
ધર્મી જીવને પર્યાયમાં ષટ્કારક અનુસાર વિકૃત અવસ્થા છે એમાં એમ સિદ્ધ કર્યું કે પર્યાયમાં વિકૃતિ છે તે એના (પર્યાયના) ષટ્કારકથી છે, જડકર્મથી નથી, તેમજ પોતાના દ્રવ્ય-ગુણથીય નથી. જે શક્તિ છે તેનાથી વિકૃતિ નથી, કેમકે ષટ્કારકરૂપે વિકૃત અવસ્થા સ્વયંસિદ્ધ છે, અને તેનાથી રહિત ભવન-પરિણમન થાય તે ભાવશક્તિનું કાર્ય છે.
પ્રભુ, તારી ચીજ-શુદ્ધ ચૈતન્યવસ્તુ અંદર પૂર્ણ અખંડ છે ને! અહાહા...! તે અખંડ ધ્રુવ ઉપર દ્રષ્ટિ દેતાં, પર્યાયમાં, ષટ્કારકથી જે વિકૃત અવસ્થા છે તેનાથી રહિતપણે પરિણમન થાય છે. અહા! આવો તારી ચૈતન્યવસ્તુનો સ્વભાવ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો જે જ્ઞાનીને વિકલ્પ હોય છે તે પર્યાયના કર્તા-કર્મ આદિ ષટ્કારકથી થાય છે. અહીં કહે છે-જ્ઞાનીને એનાથી રહિતપણે જ્ઞાનભાવમય પરિણમન હોય છે-આ ભાવશક્તિનું કાર્ય છે. પોતાને જે વિકૃત દશા છે તેનાથી રહિત પોતાની ચૈતન્યદશા છે એમ જ્ઞાની જાણે છે.
આમાં એમ સિદ્ધ થયું કે પર્યાયદ્રષ્ટિ-મિથ્યાદ્રષ્ટિને પર્યાયના ષટ્કારકથી વિકૃત દશા હોય છે, અને દ્રવ્યદ્રષ્ટિવંત
PDF/HTML Page 4095 of 4199
single page version
ધર્મી પુરુષને પણ પર્યાયમાં ષટ્કારકથી વિકૃત દશા હોય છે. અહા! પરંતુ જેને પર્યાયદ્રષ્ટિ મટી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે, એક જ્ઞાયકભાવની જેને દ્રષ્ટિ થઈ છે તેને વિકૃત અવસ્થાથી રહિતપણે પરિણમન કરવાપણે ભાવશક્તિ પ્રગટ થઈ છે. આ ભાવ ગુણના કારણે વિકારભાવથી અભાવરૂપ પરિણમન થાય છે. જે વિકારની દશા રહે છે તે પરજ્ઞેયમાં જાય છે. આવી આ ઝીણી વાત છે.
પ્રભુ! તારી પ્રભુતામાં ભાવ નામની એક પ્રભુતા પડી છે. અહાહા...! પ્રભુતામાં પામરતારૂપ ષટ્કારક- પરિણમનથી રહિતપણે પરિણમવાનો એનો સ્વભાવ છે. જેને પર્યાયદ્રષ્ટિ છે તેને તો ષટ્કારકના પરિણમનથી પામર વિકૃત દશા છે, પણ શુદ્ધ દ્રવ્યની જેને દ્રષ્ટિ થઈ છે એવા સમ્યગ્દ્રષ્ટિને, તેની પર્યાયમાં જો કે કિંચિત્ વિકૃત દશા છે તોપણ, તે સમયે જે નિર્વિકલ્પ અવસ્થા દ્રવ્ય પ્રતિ ઝૂકી છે તે આ પ્રભુતામય ભાવશક્તિનું કાર્ય છે. અહા! ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે.
અહા! ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મા છે. તેના સન્મુખની જેને દ્રષ્ટિ થઈ છે તેને પર્યાયમાં વિકૃતિ કિંચિત્ હોવા છતાં તેનાથી રહિતપણે પરિણમવું એવો તેનો સ્વભાવ છે. આ તો એમ વાત છે કે-પર્યાયમાં વ્યવહાર રત્નત્રયનો ભાવ હો, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હો, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા હો, પંચમહાવ્રતાદિના પાલનનો વિકલ્પ હો; તે બધી વિકૃત અવસ્થા છે, ને તે પર્યાયના ષટ્કારકના પરિણમનરૂપ છે, તથાપિ આત્મામાં તેનાથી રહિતપણે પરિણમવાનો ભાવગુણ છે, જેથી ધર્મી પુરુષને વિકારના રહિતપણે નિર્મળ જ્ઞાનભાવમય પરિણમન હોય છે. અહા! દયા, દાન, વ્રત આદિના વિકલ્પ તે કારકો અનુસારની વિકૃત ક્રિયા છે, ને તેનાથી રહિતપણે ભવનરૂપ-પરિણમનરૂપ ભાવશક્તિ જીવમાં છે. અહો! સંતોએ થોડા શબ્દે રામબાણ માર્યાં છે.
કેટલાક એમ માને છે કે શત્રુંજ્ય આદિ તીર્થની યાત્રા કરીએ એટલે બસ ધર્મ થઈ જાય, પણ એમ છે નહિ. કેમકે તીર્થ-યાત્રાના પરિણામ તો રાગ-વિકલ્પ છે, ને રાગની ક્રિયાને અનુસાર ન થવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. વાસ્તવમાં આત્મા પોતે જ શત્રુંજ્ય તીર્થ છે. આ વિપરીત જે રાગ છે તે આત્માનો ઘાતક શત્રુ છે, ને તેનાથી રહિતપણે થવાનો જેનો સ્વભાવ છે તે આત્મા પોતે શત્રુંજ્ય તીર્થ છે. અહા! આવા તીર્થસ્વરૂપ નિજ આત્માની યાત્રા કરવી તે ધર્મ છે. બાકી વ્યવહારની ક્રિયા બહારમાં હો, પણ તેનાથી રહિત જ્ઞાનીનું પરિણમન હોય છે; ને વ્યવહારની ક્રિયા તો બહાર પરજ્ઞેયપણે રહી જાય છે. રાગથી-વિકારથી રહિત ભવન-પરિણમન તે આત્માનો ગુણ-સ્વભાવ છે.
જૈન દર્શનમાં તો બધે કર્મ જ કર્મ છે એમ કેટલાક માને છે. તેઓ કહે છે-શુદ્ધતામાં તો અન્ય કારકોથી રહિતપણું ભલે હો, પરંતુ અશુદ્ધતામાં તો જડ કર્મ વગેરે કારકો છે; એમ કે કર્મથી વિકૃતિ-વિકાર થાય છે.
પણ એમ નથી ભાઈ! અશુદ્ધતા વખતે પણ જીવ અને પુદ્ગલ બન્ને એકબીજાથી નિરપેક્ષપણે સ્વયમેવ છ કારકરૂપ થઈને પરિણમે છે. વિકાર થાય છે તે પર્યાયમાં છ કારકના પરિણમનથી થાય છે. આ બાબત વિદ્વાનોથી અનેક વાર ચર્ચા થયેલી છે. અમે તો પંચાસ્તિકાય ગાથા ૬૨ના આધાર સાથે વારંવાર કહેલું છે કે-પર્યાયમાં વિકૃત અવસ્થા પોતાના છ કારકના પરિણમનથી સ્વતંત્ર થાય છે, તેમાં પર કારકોની અપેક્ષા નથી. ત્યાં પંચાસ્તિકાય ગાથા ૬૨માં અતિ સ્પષ્ટ કહ્યું છે કે-“कर्म खलु.... , स्वयमेव षट्कारकीरूपेण व्यवतिष्ठमानं न कारकान्तरमपेक्षते।” કર્મ ખરેખર... , સ્વયમેવ ષટ્કારકરૂપે વર્તતું થકું અન્ય કારકની અપેક્ષા રાખતું નથી. વળી ત્યાં કહ્યું છે-“एवं जीवोऽपि.... , स्वयमेव षट्कारकीरूपेण व्यवतिष्ठमानो न कारकान्तरमपेक्षते।” એ પ્રમાણે જીવ પણ... , સ્વયમેવ ષટ્કારકરૂપે વર્તતો થકો અન્ય કારકની અપેક્ષા રાખતો નથી. આ પ્રમાણે અન્ય કારકોની અપેક્ષા વિના જ જીવ પોતાના ઔદયિક આદિ ભાવરૂપે પરિણમે છે એ નિશ્ચય છે. લોકો આ ‘નિશ્ચય છે, નિશ્ચય છે’-એમ કહીને આને ઉડાડે છે, પણ નિશ્ચય એટલે જ સત્ય, ને વ્યવહાર એ તો ઉપચાર છે. સમજાય છે કાંઈ...?
અહા! જેને ભેદનો આશ્રય છૂટીને, પરમાર્થસ્વરૂપ શુદ્ધ એક જ્ઞાયકનો આશ્રય થયો એવા સમ્યગ્દ્રષ્ટિ જીવને પર્યાયમાં વિકૃત અવસ્થા હોય છે, પણ તેની તેના ઉપર દ્રષ્ટિ નથી, તેની દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવ પર હોય છે, અને તે કારણથી ધર્મી જીવને વિકૃત અવસ્થાથી રહિતપણે પરિણમન થાય છે. આ ભાવશક્તિનું કાર્ય છે. ધર્મીને પર્યાયમાં કિંચિત્ વિકાર હોય છે તે જ્ઞાનના જ્ઞેયમાં જાય છે, પર જ્ઞેયપણે બહાર રહી જાય છે. અહો! જૈનધર્મ આવો અલૌકિક પંથ છે.
વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે એમ બારમી ગાથામાં આવ્યું ને! એ વાત અહીં આમાં પણ આવી જાય છે. અગિયારમી ગાથામાં કહ્યું કે-ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. અહાહા...! ત્રિકાળી એક જ્ઞાયકભાવ
PDF/HTML Page 4096 of 4199
single page version
ભૂતાર્થ-સત્યાર્થ પ્રભુ છે તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે તે નિશ્ચય; પણ તેને વ્યવહાર છે કે નહિ? છે ને! સમયસારની બારમી ગાથામાં કહ્યું કે-વ્યવહાર છે. રાગ હોય છે તેને જાણવો-એવો વ્યવહારનય છે. રાગને જાણવો તે વ્યવહારનય, પણ રાગ મારો છે, વા ભલો છે એમ જાણવું-માનવું એવું એનું (વ્યવહારનયનું) સ્વરૂપ નથી. અહો! આ સમયસારે તો ભગવાન કેવળીના વિરહ ભૂલાવી દીધા છે. થોડા શબ્દે કેટલું ભર્યું છે! “કારકો અનુસાર ક્રિયા” એમ કહ્યું છે, પણ “જડ કર્મ અનુસાર ક્રિયા”-એમ નથી કહ્યું. ભાઈ, તારી પર્યાયમાં ષટ્કારક અનુસાર વિકૃત અવસ્થારૂપ ક્રિયા થાય છે, પરંતુ વિકૃત અવસ્થા રહિત ભવન એવો તારો ભાવ ગુણ છે. સમજાણું કાંઈ...?
અહા! થોડું લખ્યું ઘણું કરીને જાણજો-એવી આ વાત છે. અરે, એણે પોતાના સ્વરૂપને સમજવાની કદી દરકાર કરી નથી. અહીં ફરી ફરીને કહે છે-ભાઈ, વિકૃત અવસ્થારૂપ જે ક્રિયા છે તે ક્રિયાથી રહિતપણે થવું એવું તારું સ્વરૂપ છે, વિકૃત અવસ્થા સહિત રહેવું એવો કોઈ તારો ગુણ નથી. અહો! નિરાલંબી શુદ્ધ ચૈતન્યની આ અપૂર્વ વાત છે? કહે છે-રાગાદિ કારકોને અનુસર્યા વગર જ સમ્યક્ત્વાદિ શુદ્ધભાવરૂપે પરિણમવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. ભાવ નામ શુદ્ધભાવરૂપે ભવવું-થવું; અહા! શુદ્ધભાવરૂપે સ્વયં ભવવાની-થવાની આત્માની શક્તિ છે, તેમાં ભિન્ન બીજા કોઈ કારકોની અપેક્ષા નથી, ભિન્ન બીજા કોઈ કારકોનું આલંબન નથી. ભાઈ! એક વાર આત્માની આવી અચિન્ત્ય શક્તિને ઓળખે તો બહારમાં કયાંય મોહ ન રહે, ને અંતર્મુખ થઈ અલ્પકાળમાં મુક્તિ થઈ જાય એવી આ અલૌકિક વાત છે.
સમજાય એટલું સમજવું બાપુ! પર્યાયમાં વિકાર છે તે પર્યાયના ષટ્કારક અનુસાર અદ્ધરથી ખડો થયો છે; પરના અનુસાર વિકાર નથી, ને સ્વદ્રવ્ય-ગુણ પણ વિકારનું કારણ નથી. ભગવાન! તારી ચૈતન્યવસ્તુ અંદર એકલા વીતરાગતાના સ્વભાવથી ભરેલી છે. જ્યાં અંતર્મુખ દ્રષ્ટિ થઈ કે તરત જ વિકારથી રહિતપણે ભવવારૂપ સ્વભાવનું ભવન-પરિણમન થાય છે. અંતર્મુખ દ્રષ્ટિની આ કમાલ છે કે દ્રવ્યદ્રષ્ટિવંત પુરુષને વિકારના છ કારકરૂપ પરિણમન છૂટીને, મોક્ષ પ્રત્યેના છ કારકોનું પરિણમન શરૂ થાય છે. માટે હે ભાઈ! તું અંતર્મુખ દ્રષ્ટિ કર, તને પરમપદની- મોક્ષપદની પ્રાપ્તિ થશે.
હવે જૈન નામ ધરાવીને લોકો વિવાદમાં પડયા છે કે-અમે દિગંબર, ને અમે શ્વેતાંબર; અરે ભાઈ, અંદર તારી ચૈતન્ય ચીજ કેવી છે તે તો જાણ. અહાહા...! વસ્તુ અંદર એક સમયમાં પૂર્ણ વિજ્ઞાનઘનસ્વરૂપ છે. આનંદનો રસકંદ છે. તેને ત્રિકાળી કહીએ એય વ્યવહાર છે. અહાહા...! વર્તમાનમાં પૂર્ણ ત્રિકાળી પોતાની ચીજ અંદર પડી છે તે ત્રિકાળ અનંત શક્તિઓથી ભરપુર ભરી પડી છે. તેમાં, કહે છે, વિકાર રહિત ભવન-પરિણમન થાય એવી એક ભાવશક્તિ છે. અહાહા...! નિજ સ્વરૂપમાં રમે તે રામ નામ આત્મા વિકૃત અવસ્થાથી રહિતપણે નિર્મળ-નિર્મળ પરિણમે એવી તેમાં એક ભાવશક્તિ છે. તેમાં પરનો પ્રવેશ તો દૂર રહો, પર્યાયમાં જે વિકૃત અવસ્થા છે તેય પોતાના દ્રવ્ય-ગુણ ને નિર્મળ પર્યાયમાં પ્રવેશતી નથી. અહો! આ અલૌકિક વાત છે. અરે! આ જિંદગી એમ ને એમ ચાલી જાય છે બાપુ!
અહાહા...! ભગવાન! તું કોણ છો? શું તું શરીર છો? ના, શરીર તો ચામડે મઢેલું હાડ-માંસનું જડ અચેતન પોટકું છે, ને તું તો ચૈતન્યઘન પ્રભુ આત્મા છો. તો શું તું રાગરૂપ છો? ના, રાગ પણ તું નથી, કેમકે રાગ પણ જડ અચેતન છે, મલિન-અપવિત્ર છે, ઘાતક અને દુઃખદાયક છે; જ્યારે તું તો પૂર્ણ સચ્ચિદાનંદમય એકલી પવિત્રતાનો પિંડ છો. અહાહા...! પવિત્ર શક્તિઓનો પિંડ પ્રભુ તું આત્મા છો.
તો પર્યાયમાં વિકૃતિ છે ને? પર્યાયમાં વિકૃતિ છે તે તેના ષટ્કારકથી ઊભી થઈ છે, વિકૃતિ થાય એવો કોઈ ગુણ તારામાં નથી, તથા પર્યાયમાં વિકૃતિ થાય તેનો કર્તા કોઈ પર નથી. અહા! પર્યાય પોતાના ષટ્કારકથી વિકૃત થાય છે, પરથી નહિ-એમ જાણી જે પરથી પરાન્મુખ થઈ પરિણમે છે તે વિકૃતિથી રહિતપણે નિર્મળ પરિણમે છે, ને વિકૃતિથી રહિતપણે નિર્મળ પરિણમવું એવો જ ભગવાન! તારો સ્વભાવ છે, એવો જ તારો ભાવ ગુણ છે. સમજાય છે કાંઈ...!
હવે જે વ્યવહારથી-રાગથી નિશ્ચય થવાનું માને, વ્યવહારને સાચો મોક્ષમાર્ગ માને એની માન્યતામાં બહુ ફેર છે. અરેરે! સ્વરૂપમાં ડૂબકી મારવી જોઈએ એને બદલે તે રાગમાં ડૂબકી મારે છે. શું થાય? તે સંસાર સમુદ્રમાં અરેરે! કયાંય ડૂબી જશે. ભાઈ રે! તારું દ્રવ્ય પરમ પવિત્ર છે, તારા ગુણ અત્યંત પવિત્ર છે, તો પછી તારા પરિણમનમાં પવિત્રતા
PDF/HTML Page 4097 of 4199
single page version
આવવી જોઈએ કે અપવિત્રતા? અપવિત્રતારૂપે થવું એ તારું સ્વરૂપ નથી. અપવિત્રતા પર્યાયમાં ભલે હો, પણ તેનાથી રહિતપણે પવિત્રતાનું પરિણમન થાય એ ભગવાન! તારું સ્વરૂપ છે.
અહા! પરથી ને રાગથી-વિકારથી નિરપેક્ષ જ્ઞાન-આનંદરૂપે ભવવાનો-પરિણમવાનો પોતાનો સ્વભાવ છે તેને અજ્ઞાની જાણતો નથી તેથી તે બહારમાં કારણોને શોધે છે ને વ્યર્થ આકુળ-વ્યાકુળ થઈ દુઃખી થાય છે. અરે ભાઈ! પર-નિમિત્ત વસ્તુ કારણ છે એ વાત તો દૂર રહો, વિકારના કર્તા-કર્મ આદિ છ કારકો જે પર્યાયમાં હોય છે તે કારકો અનુસાર ભવવાનો-પરિણમવાનો પણ આત્માનો સ્વભાવ નથી. પરથી વિકાર થાય કે પરથી ગુણ થાય એમ જે માને છે તે તો પરાવલંબી બહિદ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ છે. અને રાગાદિ વિકારને જે પોતાનું સ્વરૂપ માને છે, વિકારથી પોતાને ગુણ થવાનું, ભલું થવાનું માને છે તેય રાગી મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે રાગથી ભિન્ન હું એક શુદ્ધ ચૈતન્યઘન આત્મા છું એમ તે જાણતો-અનુભવતો નથી. વાસ્તવમાં જ્ઞાતા પોતે જ શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવના આશ્રયે ભેદરૂપ કારકોની ક્રિયાથી રહિતપણે શુદ્ધભાવરૂપે પરિણમે એવો એનો સ્વભાવ છે. આ ભાવશક્તિ છે.
અરે! જગત અનાદિ કાળથી અનેક પ્રકારના વિકલ્પોની જાળમાં પોતાપણું માનીને ચાર ગતિમાં રખડે છે. શું થાય? પોતાના દ્રવ્ય-ગુણ પરમ પવિત્ર છે તેમાં પોતાપણું સ્વીકારતો નથી, ને આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, બૈરાં- છોકરાં ઇત્યાદિ જે પર છે તેને પોતાના સુખનાં કારણ માની તેમાં પોતાપણું કરી પરિણમે છે. પણ ભાઈ, એ બધાં પરદ્રવ્ય તો તેનાથી તેના કારણે પરિણમી રહ્યાં છે, તારા કારણે નહિ; તેની પર્યાય તો તેનાથી જ થાય છે. તે બધાં પોતાના કારણે આવ્યાં છે, પોતાના કારણે રહ્યાં છે, ને પોતાના કારણે ચાલ્યાં જશે. એમાં તને શું છે? એ કોઈ તને શરણ નથી. જો શરણ હોય તો વિરુદ્ધ કેમ પરિણમે? અને ચાલ્યાં કેમ જાય? વાસ્તવમાં તેઓ તારાં કાંઈ જ (સંબંધી) નથી. તેમને પોતાના સુખનાં કારણ માની ઠગાતો એવો તું વ્યર્થ જ દુઃખી-વ્યગ્ર થાય છે.
પ્રવચનસાર ગાથા ૧૬માં ‘સ્વયંભૂ’ની વ્યાખ્યા કરતાં આચાર્યદેવ કહે છે-“(એ રીતે) સ્વયમેવ છ કારકરૂપ થતો હોવાથી, અથવા ઉત્પત્તિ-અપેક્ષાએ દ્રવ્ય-ભાવભેદે ભિન્ન ઘાતિકર્મોને દૂર કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો હોવાથી, ‘સ્વયંભૂ’ કહેવાય છે.
આથી એમ કહ્યું કે-નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (-બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો (નકામા) પરતંત્ર થાય છે.”
અહીં કહે છે-‘કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી ભાવશક્તિ.’ અહાહા...! જુઓ તો ખરા, થોડા શબ્દે કેટલું ભર્યું છે! અહા! એક હજાર વર્ષ પર આચાર્ય અમૃતચંદ્રદેવ આ ભારતભૂમિ પર વિચરતા હતા. અહા! એ વીતરાગી સંત-મુનિવર જાણે સિદ્ધપદને સાથે લઈને વિચરતા ન હોય! એમની પરિણતિ અંતર્મુખ થઈને ક્ષણેક્ષણે નિજ સિદ્ધપદને ભેટતી હતી. અહા! આવા આ સંત-મુનિવરે આ પરમાગમની ટીકામાં પરમામૃત રેડયાં છે. તેમને સમયસારની આ ટીકા રચવાનો વિકલ્પ ઉઠયો. ત્યાં શબ્દોની રચના તો જડ પરમાણુઓથી થઈ છે. પરંતુ ટીકા રચવાનો જે વિકલ્પ આવ્યો છે તેનાથી રહિત મારું પરિણમન છે એમ અહીં તેઓ કહે છે. રાગ સહિત જે દશા તે હું નથી. લ્યો, આવી સૂક્ષ્મ વાત!
હવે કેટલાક કહે છે-કર્મથી વિકાર થાય છે, ચર્ચા કરો. અરે પ્રભુ! તારી પર્યાયમાં પરાશ્રયે ષટ્કારક અનુસાર વિકાર ઉત્પન્ન થાય છે, તેમાં કર્મ કારણ છે એમ બીલકુલ નથી. અશુદ્ધતા કાળેય પોતાના જ અશુદ્ધ ષટ્કારકો વડે આત્મા અશુદ્ધરૂપે થાય છે, કર્મને લીધે થતો નથી, પંચાસ્તિકાય ગાથા ૬૨ની ટીકા લખતાં જયસેનાચાર્યદેવ કહે છે-“यथैवाशुद्धषट्कारकीरूपेण परिणममानः सन्नशुद्धमात्मानं करोति तथैव शुद्धात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपेणा भेदषट्कारकीस्वभावेन परिणममानः शुद्धमात्मानं करोतीति” – જેમ અશુદ્ધ છ કારકરૂપે પરિણમતો થકો અશુદ્ધ આત્માને કરે છે, તેમ શુદ્ધ આત્મતત્ત્વના સમ્યક્-શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ અભેદ છ કારકરૂપે સ્વભાવથી પરિણમતો થકો શુદ્ધ આત્માને કરે છે. -આ રીતે અશુદ્ધતામાં તેમ જ શુદ્ધતામાં અન્ય કારકોથી નિરપેક્ષપણું છે. અહીં દ્રવ્યદ્રષ્ટિમાં જ્ઞાનમાત્રભાવના ભવનમાં ભેદરૂપ અશુદ્ધ કારકોનો અભાવ જ છે. આમ કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિતપણે ભવવાનો-પરિણમવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. ભાઈ, તારામાં એવો કોઈ ગુણ નથી કે વિકાર સહિત પરિણમન થાય. પર્યાયમાં પોતાના ષટ્કારકથી સ્વતંત્ર વિકૃત અવસ્થા થઈ છે, પણ તારા સ્વભાવમાં-ભાવગુણમાં એવું સામર્થ્ય છે કે તારામાં વિકારથી રહિત નિર્મળ શુદ્ધભાવરૂપ
PDF/HTML Page 4098 of 4199
single page version
ભવન-પરિણમન થાય. લ્યો, આ બધું આ અડધી લીટીની ટીકામાં ભર્યું છે.
અંદરની જે વાત છે તે આ કહેવાય છે. અહા! ભાવશક્તિનું ક્રમવર્તી પરિણમન તે પર્યાય, ત્રિકાળ અક્રમે વર્તતી શક્તિ તે ગુણ, ને તે ગુણ-પર્યાયને ધરનારું દ્રવ્ય તે દ્રવ્ય-એમ ત્રણે મળીને આત્મા છે. અહા! અનંતગુણસ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છે. તે વીતરાગતાના ભાવે પરિણમે એવું તેના ભાવ ગુણનું કાર્ય છે. અહા! રાગરૂપે ન પરિણમવું, રાગ રહિત પરિણમવું એવું તારું સ્વરૂપ છે ભાઈ! અરે પ્રભુ! આમાં તું તકરાર-વિવાદ શું કામ કરે છે? આમાં તો તારા હિતની પરમાર્થરૂપ વાત છે. વિકાર સહિત પરિણમવું, ને વિકારમાં સુખબુદ્ધિ થવી એ તો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને હોય છે. જ્ઞાની તો પર્યાયમાં કિંચિત્ જે આસક્તિના પરિણામ છે, વ્યવહારના પરિણામ છે-તેનાથી રહિત પોતાનું પરિણમન સાધે છે. લ્યો, આ સાધના-આરાધના છે, ને આનું નામ ધર્મ છે.
હવે આમાં કેટલાક કહે છે-તમો ક્રિયાકાંડ ઉથાપો છો. પણ એમ નથી પ્રભુ! ક્રિયા તો કારકો અનુસાર પર્યાયમાં થાય છે; પણ તેને અનુસરીને નહિ, પણ તેનાથી રહિત ભવનમાત્રમયી આત્માની ભાવશક્તિ છે. ગંભીર વાત છે ભાઈ! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર પરમાત્મસ્વરૂપ છે. આ કાળે અહીં બહારમાં પરમાત્માની હાજરી નથી, પણ અંદર તારો પ્રભુ તો તારી પાસે છે કે નહિ? અહાહા...! તારી પ્રભુતા એકેક શક્તિમાં પડી છે, જેથી તારી ભાવશક્તિ પ્રભુ છે; તેનું પરિણમન થતાં આત્મા સ્વયમેવ રાગ રહિત નિર્મળભાવ વડે શોભાને પ્રાપ્ત થાય છે. આ ભગવાનની વાણી છે. હવે આમાં વ્યવહારથી-ક્રિયાકાંડથી ગુણ પ્રગટે, ને નિશ્ચય થાય એમ વાત કયાં રહે છે? બહારમાં વ્યવહાર હો, નિમિત્ત હો, પણ એનાથી સ્વભાવનું પરિણમન થાય છે એમ ત્રણકાળમાં સત્ય નથી. વ્યવહારનું-ક્રિયાકાંડનું હોવું જુદી વાત છે, ને એનાથી ગુણનું પ્રગટવું થાય, ધર્મ થાય-એમ માનવું એ જુદી વાત છે. વ્યવહારથી-ક્રિયાકાંડથી ધર્મ થઈ જશે એવી તારી પ્રતીતિ મહા શલ્ય છે ભાઈ! એ તને અનંત જન્મ-મરણ કરાવશે. તને આકરી લાગે પણ આ સત્ય વાત છે, તારા હિતની વાત છે.
અહાહા...! ! આચાર્ય અમૃતચંદ્રદેવે શક્તિનું કોઈ અદ્ભુત વર્ણન કર્યું છે. અહીં ભાવશક્તિનું વર્ણન ચાલે છે. ‘ભાવ’ તો દ્રવ્યને પણ કહે છે, ગુણને પણ ભાવ કહે છે, નિર્મળ પર્યાયને પણ ભાવ કહે છે, ને શુભાશુભ રાગની મલિન દશાને પણ ભાવ કહે છે. અહીં બીજી વાત છે. અહીં તો ‘ભાવ’ નામની આત્માની એક શક્તિ-એક ગુણ- સ્વભાવ છે એની વાત છે. કેવો છે તે સ્વભાવ? તો કહે છે-કારકો અનુસાર જે ક્રિયા-વિકૃતિ-રાગ-તેરૂપે ન થવું એવો આ આત્માનો સ્વભાવ છે. હવે ઓલા રાગની હોંશવાળા કાયરોનાં કાળજાં કંપી જાય એવી આ વાત છે. શું થાય? આ તો મારગ જ આવો છે.
પ્રથમ પહેલાં મસ્તક મૂકી, વળતાં લેવું નામ જો ને... હરિનો
આમાં હરિ એટલે અજ્ઞાન અને રાગને હરવાનો જેનો સ્વભાવ છે તે ભગવાન આત્મા સમજવો. વિકારને હરે તે હરિ એમ વાત છે. વિકારને હરે એમ કહીએ એય કથનમાત્ર છે. સ્વ-આશ્રયે આત્માની જે પવિત્ર, નિર્મળ નિર્વિકાર પરિણતિ થઈ તેમાં જ્ઞાનની, શ્રદ્ધાની, આનંદની પરિણતિનું જ્ઞાન સમાઈ જાય છે, ને પોતાના સ્વપર પ્રકાશક જ્ઞાનના કારણે પરનું-રાગનું જ્ઞાન પણ તેમાં આવી જાય છે. અહીં કહે છે-જ્ઞાનની નિર્મળ, નિર્વિકાર પરિણતિ જે પ્રગટ થઈ તે પોતાના ગુણનું કાર્ય છે. અહા! વર્તમાન રાગથી રહિત થવું-પરિણમવું તે આ ભાવ ગુણનું કાર્ય છે. આવી વાત! લ્યો,
આ પ્રમાણે અહીં ભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
‘કારકો અનુસાર થવાપણારૂપ (-પરિણમવાપણારૂપ) જે ભાવ તે-મયી ક્રિયાશક્તિ.’ જુઓ, પહેલાં ૩૯મા બોલમાં કારકો અનુસાર જે વિકૃત અવસ્થારૂપ ક્રિયા તેનાથી રહિત પરિણમવાની વાત હતી. અહીં નિર્મળ અભેદ કારકો અનુસાર અવિકૃત નિર્મળ ક્રિયાથી સહિત પરિણમવાની વાત છે. અહાહા...! કર્તા, કર્મ, કરણ
PDF/HTML Page 4099 of 4199
single page version
આદિ નિર્મળ અભેદ કારકો અનુસાર થવારૂપ જે ભાવ-નિર્મળ પરિણતિ થવારૂપ જે ભાવ-તે-મયી ક્રિયાશક્તિ છે. અંદર ત્રિકાળ નિર્મળ ષટ્કારક પડયા છે તે અનુસાર નિર્મળ પરિણતિ થવી એવો ભગવાન આત્માનો ક્રિયા ગુણ છે. સમજાય છે કાંઈ...?
હું ચેતનારો ચેતક છું, હું મને ચેતું છું, હું મારી ચેતના વડે ચેતું છું-એમ સ્વસંવેદનમાં અભેદપણે છએ કારકો સમાઈ જાય છે; તેમાં કારકભેદના વિકલ્પ હોતા નથી; નિર્મળ નિર્વિકાર ક્રિયામાં છએ કારકરૂપ આત્મા પરિણમી જાય છે, ત્યાં કારકભેદના વિકલ્પ નથી. અહા! વિકલ્પની ક્રિયાની અપેક્ષા વિના જ તેના ભાવનું ભવન થાય એવો આત્માનો ભાવ ગુણ છે, ને પોતાના નિર્મળ અભેદ ષટ્કારકો અનુસાર નિર્મળ ક્રિયારૂપે ભવન થાય એવો આત્માનો આ ક્રિયા ગુણ છે, ભાઈ, પોતાના નિર્મળ ષટ્કારકોને અનુસરીને નિર્મળ પરિણતિએ થવું એવો આત્માનો સ્વભાવ છે, ને રાગપણે ન થવું એવો પણ આત્માનો સ્વભાવ છે. આ અનેકાન્ત છે. અહાહા...! પરરૂપે ન થાય, વિકારરૂપે ન થાય, ભેદના આલંબને ન પરિણમે, પરંતુ અભેદ નિર્મળ ષટ્કારકો અનુસાર નિર્મળ નિર્વિકાર પરિણતિરૂપે પરિણમે એવો દિવ્ય શક્તિમાન ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા સ્વયમેવ દેવ છે. હવે ભેદરૂપ-વ્યવહારરૂપ ક્રિયાને તે અનુસરતો જ નથી પછી તે વ્યવહાર નિશ્ચયનું સાધન કેમ થાય? ભાઈ, વ્યવહાર નિશ્ચયનું યથાર્થ સાધન છે જ નહિ, એને સાધન કહેવું એ તો ઉપચારમાત્ર છે.
ભાઈ, જ્ઞાનની ક્રિયા ને રાગની ક્રિયા-એમ બે થઈને મોક્ષનો માર્ગ છે એમ નથી. સંપ્રદાયમાં અમે હતા ત્યારે પ્રશ્ન થયેલો કે-
પ્રશ્નઃ– ‘ज्ञानक्रियाभ्याम् मोक्षः’ એમ કહ્યું છે તેનો શું અર્થ છે.
ઉત્તરઃ– ત્યારે કહેલું કે-જ્ઞાન એટલે સ્વસંવેદન જ્ઞાન, આત્માનું સંવેદન તે જ્ઞાન, અને રાગ રહિત વીતરાગી ભાવ તે ક્રિયા-આમ જ્ઞાન અને ક્રિયા મળીને મોક્ષ છે. આનું નામ ‘ज्ञानक्रियाभ्याम् मोक्षः’ છે. પરંતુ પોતાનું જ્ઞાન ને રાગની ક્રિયા-એવો કોઈ મોક્ષમાર્ગ કે મોક્ષ નથી. અહા! નિર્મળ ષટ્કારકો અનુસાર નિર્મળ શુદ્ધ રત્નત્રયની પરિણતિ થવી તે મોક્ષનું કારણ છે. આ નિર્મળ પરિણતિરૂપે પરિણમવારૂપ ક્રિયાશક્તિ છે.
શક્તિ એટલે ગુણ. એકેક ગુણ-એમ અનંત ગુણ દ્રવ્યના આશ્રયે રહેલા છે. ત્યાં આ ગુણ ને આ ગુણી- એવા ભેદની દ્રષ્ટિ છોડીને ત્રિકાળી શુદ્ધ અભેદ એક દ્રવ્યની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. અહા! ત્રિકાળી એક દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરતાં દ્રવ્ય નિર્મળપણે પરિણમી જાય છે ને તેમાં ગુણનું પરિણમન ભેગું જ સમાય છે, ગુણનું કાંઈ જુદું પરિણમન થાય છે એમ નથી. આમાં ન્યાય સમજાય છે? ધ્યાન દઈને સમજવું પ્રભુ!
શક્તિનું એકરૂપ તે દ્રવ્ય છે. દ્રવ્ય પરિણમતાં ભેગા ગુણો પરિણમે છે. આમાં રહસ્ય છે. ગુણ ઉપર દ્રષ્ટિ દેવાથી ગુણનું પરિણમન થતું નથી, પણ ગુણનો આશ્રય જે એક દ્રવ્ય છે તે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવાથી દ્રવ્યનું પરિણમન થાય છે, ને તેમાં ભેગું ગુણનું પરિણમન સમાઈ જાય છે, દ્રવ્યથી અલગ ગુણનું સ્વતંત્ર પરિણમન થતું નથી, અર્થાત્ દ્રવ્ય (નિર્મળ) ન પરિણમે અને ગુણ પરિણમી જાય એમ બનતું નથી.
ગુણભેદની દ્રષ્ટિ કરવાથી ગુણનું પરિણમન સિદ્ધ થતું નથી. ગુણના લક્ષે ગુણ (નિર્મળ) પરિણમતો નથી, ભેદના લક્ષે તો રાગ જ થાય છે. પ્રવચનસારમાં ‘જ્ઞાનનો આશ્રય’ એમ વાત આવે છે, પણ ત્યાં ‘જ્ઞાન’ શબ્દે ‘અભેદ એકરૂપ આત્મા’ એમ અર્થ છે. ભાઈ, આ તો ધીરજથી સમજવાની અંતરની વાતુ છે.
‘ચિદ્વિલાસ’માં પરિણમનશક્તિનું વર્ણન છે. ત્યાં કહ્યું છે કે-આ પરિણમનશક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. એની સાક્ષી સૂત્રજીમાં (તત્ત્વાર્થસૂત્રમાં) દીધી છે કે- ‘द्रव्याश्रया निर्गुणा गुणाः’ એટલે કે દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. વળી ત્યાં જ ‘गुणपर्ययवत् द्रव्यम्’ ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે એમ પણ કહ્યું છે. પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું, પણ ગુણ ન કહ્યો. મતલબ દ્રવ્યની પરિણમનશક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. શક્તિ-ગુણ એ તો દ્રવ્યની ત્રિકાળી વિશેષતા છે, ને તે વિશેષતારૂપ દ્રવ્ય પરિણમી જાય છે, કાંઈ વિશેષતા-ગુણ સ્વતંત્ર પરિણમે છે એમ નથી.
દ્રવ્યમાં અનંત શક્તિઓ છે. તેથી દ્રવ્ય પરિણમતાં શક્તિ પરિણમી એમ કહેવામાં આવે છે. મતલબ કે અભેદ એક ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરવાથી, દ્રવ્યની સન્મુખ થઈ પરિણમવાથી આખું દ્રવ્ય નિર્મળ પરિણમે છે. ગુણનું સ્વતંત્ર પરિણમન થતું નથી, પણ દ્રવ્યની પરિણતિ ભેગી ગુણની પરિણતિ ઉઠે છે. આમ-આ રીતે ગુણ-ગુણીના ભેદની દ્રષ્ટિ
PDF/HTML Page 4100 of 4199
single page version
છોડવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. ભાઈ! તારા ચૈતન્યનિધાનમાં અનંતાં ગુણનિધાન ભર્યાં છે તેને જાણી અનંતગુણનિધાન એવા શુદ્ધ ચૈતન્યનિધાનમાં દ્રષ્ટિ કર, તેથી તને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ નિર્મળ પરિણતિ પ્રગટ થશે. આવો મારગ અને આ ધર્મ છે, બાકી બધું થોથેથોથાં છે.
દ્રવ્ય-ગુણમાં નિર્મળ ષટ્કારકો છે. તો પર્યાયમાં વિકાર કયાંથી આવ્યો? પંચાસ્તિકાયની ૬૨મી ગાથામાં પર્યાયના ષટ્કારકની વાત કરી છે. મતલબ કે પર્યાયમાં પર્યાયના અશુદ્ધ ષટ્કારકો અનુસાર વિકાર થાય છે, તેમાં પરની અપેક્ષા નથી, ને દ્રવ્ય-ગુણ પણ કારણ નથી. એક સમયની રાગની પર્યાયમાં તે પર્યાય કર્તા, તે પર્યાય કર્મ, તે પર્યાય કરણ, તે પર્યાય સંપ્રદાન, તે પર્યાય અપાદાન, ને તે પર્યાય અધિકરણ-એમ એક જ પર્યાયમાં તેના ષટ્કારકના પરિણમનથી વિકૃત અવસ્થા ઉત્પન્ન થાય છે. ‘કારકો અનુસાર જે ક્રિયા...’ એમ કહીને ૩૯મી શક્તિમાં પણ આ વાત સિદ્ધ કરી છે. પરંતુ વસ્તુનો-ચૈતન્યવસ્તુનો ગુણ એવો છે કે કારકો અનુસાર વિકારની જે ક્રિયા છે તેનાથી રહિતપણે તે પરિણમે. કારકો અનુસાર પર્યાયમાં જે મલિન પરિણમન થયું છે તે તો જ્ઞાનનું જ્ઞેય થઈ રહે છે. જેમ પરદ્રવ્ય જ્ઞેય છે તેમ પર્યાયની વિકૃત દશા પણ જ્ઞાનીના જ્ઞાનનું જ્ઞેય છે; અને તેનાથી રહિત ભવનમાત્રમયી જે ભાવશક્તિ તેનું પરિણમન તેને સિદ્ધ થાય છે.
અહીં ૪૦મી શક્તિમાં ‘કારકો અનુસાર થવારૂપ’ કહ્યું એમાં ત્રિકાળી નિર્મળ કારકો લેવાના છે. ૩૯મી શક્તિમાં પર્યાયના (અશુદ્ધ) ષટ્કારકોની વાત હતી. અહીં દ્રવ્ય-ગુણના નિર્મળ કારકોની વાત છે. ‘કારકો અનુસાર’-મતલબ કે ત્રિકાળી નિર્મળ કારકો અનુસાર થવાપણારૂપ જે ભાવ તે-મયી ક્રિયાશક્તિ છે. ભાઈ, આત્મા સ્વયં છ કારકરૂપ થઈને નિર્મળ નિર્મળ ભાવપણે પરિણમે એવી એની ક્રિયાશક્તિ છે. અહો! સ્વયમેવ છ કારકરૂપ થઈને કેવળજ્ઞાનાદિરૂપે પરિણમે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. અહા! આત્માને પોતાના નિર્મળ ભાવરૂપે પરિણમવા કોઈ પર કારકોની ગરજ-અપેક્ષા નથી, તેમ જ આત્મા કારક થઈને જડની ક્રિયા કરે કે વિકારને કરે એવો પણ એનો સ્વભાવ નથી. પોતાના જ નિર્મળ કારકોને અનુસરીને પોતાના વીતરાગભાવરૂપે પરિણમવાની ક્રિયા કરે એવો આત્માનો સ્વભાવ છે. આ ક્રિયાશક્તિ છે.
ભાઈ, ધર્મનું સ્વરૂપ આવું બહુ ઝીણું છે બાપુ! હવે આ વાણિયાને આવું સમજવાની ફુરસદ ન મળે, આખો દિ’ રળવા-કમાવામાં, વિષય ભોગમાં ને બૈરાં-છોકરાં સાચવવામાં ચાલ્યો જાય એ કયારે આ સમજે? પણ ભાઈ, નિવૃત્તિ લઈને સમજવાનો આ માર્ગ છે. અહા! દર્શનશુદ્ધિ જેનું મૂળ છે એવો આ કોઈ અલૌકિક માર્ગ છે.
પહેલાં (૩૯મી શક્તિમાં) જે કારક અનુસાર ક્રિયા કહી તે એક સમયની પર્યાયના (અશુદ્ધ) ષટ્કારકની વાત હતી. અહીં જે કારક અનુસાર ક્રિયા કહી છે તે ત્રિકાળી પવિત્ર કારકની વાત છે. આ નિર્મળ કારકોનો આશ્રય અભેદ એક દ્રવ્ય છે. એટલે ‘કારકો અનુસાર’ કહ્યું એમાં એક અભેદ દ્રવ્યનો જ આશ્રય છે; એમાં પર સાથે કે રાગ સાથે કાંઈ જ સંબંધ નથી. હવે આમાં લોકો રાડ નાખે છે કે-આમાં વ્યવહારનો લોપ થઈ ગયો. અરે પ્રભુ! તું સાંભળ તો ખરો, તારો વ્યવહાર વ્યવહારમાં રહ્યો છે, પણ એનાથી મોક્ષમાર્ગ થશે એવી તારી માન્યતાનો આમાં જરૂર ભુક્કો થઈ ગયો છે; અને તે યથાર્થ જ છે, કેમકે વ્યવહારથી-રાગથી રહિતપણે નિર્મળ નિર્મળ પરિણમે એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. અભ્યાસ નહિ એટલે આવી વાત કઠણ પડે, પણ આ સત્ય વાત છે, ભગવાનની વાણીમાં આવેલી વાત છે. સમજાણું કાંઈ...?
અહીં ક્રિયાશક્તિમાં જે કારકોની વાત કરી તે દ્રવ્યમાં જે નિર્મળ કારકો ત્રિકાળ શક્તિરૂપ છે તેની વાત છે. અહા! ત્રિકાળી દ્રવ્યમાં જે નિર્મળ અભેદ ષટ્કારકો પડયાં છે એ કારકોના અનુસાર થવાપણારૂપ, પરિણમવાપણારૂપ ક્રિયાશક્તિ ત્રિકાળ જીવદ્રવ્યમાં પડી છે. આ સર્વજ્ઞ જિનેન્દ્રદેવનું ફરમાન છે. પ્રભુ! તારી પર્યાયમાં દ્રવ્ય-ગુણના આશ્રય વિના, પર્યાયના ષટ્કારકથી જે વિકૃતભાવરૂપ ક્રિયા થાય છે તેનાથી રહિત થવું-ભવવું એવો તારો ભાવ ગુણ છે, ને નિર્મળ નિર્મળ રત્નત્રયરૂપે થવારૂપ તારો ક્રિયાગુણ છે. મલિન પરિણામ સહિત થવાનો કોઈ ગુણ તારામાં છે જ નહિ. તેથી જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકે કે તરત જ મલિન પરિણામથી રહિત નિર્મળ નિર્મળ રત્નત્રયરૂપ પરિણમન થાય છે. આવો મારગ છે.
પણ આ તો મોટા પંડિત હોય તેને સમજાય!