Atmadharma magazine - Ank 169
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧પ
સળંગ અંક ૧૬૯
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
આનંદમય કેવળજ્ઞાન–પ્રભાત જગતને મંગળરૂપ હો
અભિનંદન
જગતમાં સૌથી શ્રેષ્ઠ, પરમ હિતરૂપ,
પરમ મંગલરૂપ અને પરમ શરણરૂપ એવું
સિદ્ધપદ સર્વથા અભિનંદનીય છે. તેથી એ
સિદ્ધપદને પામેલા સિદ્ધભગવંતોને હૃદયમાં
સ્થાપીને આ નૂતન વર્ષના પ્રારંભે તેમનું
અભિનંદન કરીએ છીએ.
સિદ્ધપદની પ્રાપ્તિના ઉપાયભૂત એવું
સાધકપદ તે પણ પરમ અભિનંદનીય છે;
તેથી એ સિદ્ધપદસાધક સર્વે સંતોને પણ
પરમભક્તિપૂર્વક અભિનંદન કરીએ છીએ.
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને
સમ્યક્ચારિત્ર–એવા રત્નત્રયસ્વરૂપ જે
સિદ્ધપદનો માર્ગ, તે માર્ગને પણ પરમ
આદરપૂર્વક અભિનંદન કરીએ છીએ. અને
શ્રી દેવ–ગુરુ–શાસ્ત્રના પ્રતાપે નૂતન–
વર્ષમાં આપણને આવા સિદ્ધપદના માર્ગનો
લાભ થાઓ. એવી મંગલ ભાવના
ભાવીએ છીએ.
સંપાદકઃ રામજી માણેકચંદ દોશી
વર્ષ ૧પમું અંક–૧લો ૧૬૯ કારતકઃ વી. સં. ૨૪૮૪

PDF/HTML Page 3 of 21
single page version

background image
“યહીવર મોહિ દીજિયે” દર્શન સ્તુતિ
શ્રી જિનેન્દ્ર ભગવાનની પરમ શાંત વીતરાગી મુદ્રાના દર્શનથી ભવ્ય ભક્તજનોના અંતરમાં આનંદ અને ઉલ્લાસની કેવી
ઊર્મિઓ ઊછળે છે? તે વ્યક્ત કરતાં, શ્રી જિનેન્દ્ર ભગવાનની મુદ્રાને પૂર્ણચંદ્રની ઉપમા આપીને સ્તુતિકાર કહે છે કે–
પુલકંત નયન–ચકોર પક્ષી, હંસત ઉર ઇંદીવરો,
દુર્બુદ્ધિ ચકવી વિલખ વિછૂરી, નિબિડ મિથ્યાતમ હરો;
આનંદઅંબુદ્ધિ ઉમાંગ ઊછર્યો, અખિલ આતપ નિરદલે,
જિનવદન પૂરણચંદ્ર નિરખત સકલ મનવાંછિત ફલે. ૧.
જેમ ચંદ્રને દેખીને ચકોરપક્ષી પુલકિત થાય, કમલ ખીલી ઊઠે, ચકવી વિખૂટી પડી જાય, અંધકાર દૂર થાય,
સમુદ્ર ઊછળે ને આતાપ નાશ પામે; તેમ હે જિનેન્દ્ર ભગવાન! પૂર્ણચંદ્ર સમાન આપની મુદ્રાના દર્શનથી મારા
ચક્ષુઓરૂપી ચકોરપક્ષી પુલકિત થયા, હૃદય–કમળ હસતું થકું ખીલી ગયું, દુર્બુદ્ધિ ચકવી વિલખતી થકી વિખૂટી પડી ગઈ,
મિથ્યાત્વરૂપી ઘોર અંધકાર નષ્ટ થયો, આનંદનો દરિયો ઉમંગથી ઊછળવા લાગ્યો, અને સંસારના સમસ્ત આતાપ શાંત
થઈ ગયા. આ રીતે હે જિનેન્દ્રચંદ્ર! તારા દર્શનથી મારા સકળ મનોરથ સિદ્ધ થયા.
મમ આજ આતમ ભયો પાવન, આજ વિઘન વિનાશિયા;
સંસારસાગર નીર નીવડયો, અખિલ તત્ત્વ પ્રકાશિયા;
અબ ભઈ કમલા કિંકરી મમ ઉભય ભવ નિર્મલ થયે,
દુઃખ જર્યો દુર્ગતિ વાસ ‘વિનહ્યો’ (ટળીઓ) આજ નવ મંગલ ભયે. ૨.
અહા...નાથ! તારા દર્શનથી આજે મારો આત્મા પાવન થયો, મારા વિઘ્નો આજ દૂર થઈ ગયા, સંસારરૂપી
દરિયો ખાબોચિયાના પાણી જેવો થઈ ગયો એટલે તેને હું સહેલાઈથી ઓળંગી ગયો, ને જ્ઞાનપ્રકાશવડે મેં સમસ્ત
તત્ત્વોનું સ્વરૂપ જાણી લીધું; જ્ઞાનલક્ષ્મી હવે મારી અનુચરી (–મને અનુસરનારી) થઈ, ને મારા બંને ભવો નિર્મળ
થયા; દુઃખ છૂટી ગયા; દુર્ગતિવાસ ટળી ગયો; મારા આત્મામાં આજ નવીન મંગળ પ્રગટ થયું.
હજી આટલેથી પણ સંતોષ ન પામતાં ભગવાનની વીતરાગી મુદ્રાના દર્શનમાં લયલીન થઈને દર્શક કહે છે કે “આહા...
મનહરન મુરતિ હેરી પ્રભુકી કૌન ઉપમા લાઇયે!!
મમ સકલ તનકે રોમ ઉલ્લસે હર્ષ ઓર ન પાઇયે;
કલ્યાણકાલ પ્રત્યક્ષ પ્રભુકો લખેં જે સુરનર ઘને,
તિહ સમયકી આનંદમહિમા કહત કયોં મુખસાં બને! ૩.
પ્રભો! આપની વીતરાગી ઉપશાંત મુદ્રા મનોહર છે..આ અદ્ભુત સુંદર મુદ્રાને હું કઈ ઉપમા આપું! અહા!
આના દર્શનથી મારા આખા શરીરના રોમરોમ ઉલ્લસી જાય છે. ભગવાનના દર્શનથી થતો આવો હર્ષ બીજે કોઈ ઠેકાણે
પ્રાપ્ત થતો નથી. પ્રભુના કલ્યાણકાળને (જન્મકલ્યાણક વગેરેને) ઘણા દેવો–મનુષ્યો પ્રત્યક્ષ દેખે છે પણ તે સમયના
આનંદનો મહિમા શું મુખથી કહી શકાય છે? ભગવાનના કલ્યાણક પ્રસંગને યાદ કરીને સ્તુતિકાર કહે છે કે, અહો!
અમને પણ જિનેન્દ્રદેવના દર્શનથી એવો આનંદ થાય છે.. જે વચનથી કહી શકાતો નથી.
ભગવાનના દર્શનથી થયેલો સંતોષ, અને તેની ભાવના લંબાવતાં છેલ્લી કડીમાં દર્શક માંગણી કરે છે કે–
ભર નયન નીરખું નાથ! તુમકો, ઔર વાંછા ના રહી,
મન ઠઠ મનોરથ ભયે પૂરન, રંકમાનોં નિધિ લહી;
અબ હોઉ ભવ ભવ ભક્તિ તુમરી કૃપા ઐસી કીજિયે,
કરજોડ ‘ભૂધરદાસ’ વિનવે, યહી વર મોહિ દીજિયે. ૪.
હે નાથ! આપની વીતરાગી મુદ્રાને નયન ભરી ભરીને નીરખ્યા જ કરું, એ સિવાય બીજી કોઈ વાંછા હવે નથી
રહી. હજાર–હજાર નયનોથી આપને નીહાળતાં ઇન્દ્રને કોણ જાણે કેવો હર્ષ થાય છે કે તેનાં નેત્રો આશ્ચર્યથી થંભી જાય
છે, તેથી તે પલક પણ મારતા નથી (– “ના જાનું કિતનો સુખ હરિકો જો નહિં પલક લગાવે!” ) ; તેમ હે નાથ!
આપને નયનભર નીરખતાં નીરખતાં અમને એવો સંતોષ થયો કે બીજી કોઈ વાંછા જ ન રહી. આપનાં દર્શનથી, જાણે
કે રંકને નિધાન મળ્‌યાં તેમ, મારા મનના બધા મનોરથ પૂરા થયા. પ્રભો! હવે ભવોભવ આપની જ ભક્તિ મને પ્રાપ્ત
થાય–એવી કૃપા કરો ને એવું વરદાન મને આપો.–એમ સ્તુતિકાર (કવિ ભૂધરદાસ) હાથ જોડીને પ્રાર્થના કરે છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ પંદરમું સંપાદક કારતક
અંક પહેલો રામજી માણેકચંદ દોશી ૨૪૮૪
પાવાપુરી
સિદ્ધાલયવાસી હે વીર પ્રભો!
આપ તો આજે આ પાવાપુરી ધામથી પરમમંગલ એવા મોક્ષપદને પામ્યા..
અનાદિકાળના સંસારનો અંત લાવીને આપશ્રી અભૂતપૂર્વ સિદ્ધપદ

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ૪ઃ આત્મધર્મઃ ૧૬૯
પામ્યા.. અને... અનાદિઅનંતકાળમાં
મોક્ષગામી જીવને માત્ર એક જ સમય જેની
પ્રાપ્તિ થાય છે એવા સ્વભાવઊર્ધ્વગમનવડે
આપ સિદ્ધાલયમાં લોકાગ્રે પધાર્યા...
આપનાં પાવન ચરણોથી..ને આપનાં
મોક્ષગમનથી પાવન થયેલી પાવાપુરી..આજે
પણ ભવ્યજીવોને જાણે મોક્ષમાં બોલાવી રહી
છે..એ પાવનભૂમિમાંથી આજે પણ મોક્ષના
રણકાર ગૂંજી રહ્યા છે કે હે જીવો! આત્માનું
અંતિમ ધ્યેય અને પરમઇષ્ટ એવું સિદ્ધપદ
ભગવાન અહીંથી પામ્યા..પદ્મસરોવરના કમળ
પણ જાણે ઊંચે ભગવાન તરફ નીહાળી–
નીહાળીને સાક્ષી પૂરી રહ્યા છે કેઃ ભગવાન,
પાણીમાં કમળની જેમ, વિભાવોથી અને કર્મોથી
અલિપ્ત હતા..એ અલિપ્ત ભગવાનના સંગથી
અમે પણ અલિપ્ત થઈ ગયા..
હે ભગવાન! આપ સિદ્ધાલયમાં અનંત
સિદ્ધભગવંતોની સાથે વસતા હોવા છતાં,
અભેદભક્તિના બળે સાધક સંતો પોતાના
હૃદયમાં ઊતારીને, પરમધ્યેયરૂપે આપને ધ્યાવે
છે..ને એ ધ્યાનબળે આપના પુનિત પગલે
ચાલ્યા આવે છે.
પાવાપુરી...! આપનાં મોક્ષનું પવિત્ર
સ્થાન!! અહા! એ મોક્ષધામને સ્પર્શતાં જ
મુમુક્ષુનું હૈયું આનંદથી નાચી ઊઠે છે..મુમુક્ષુના
આત્મામાં મોક્ષમાર્ગની સ્ફૂરણા થાય છે..પરમ
સ્વાશ્રયરૂપ આપના મોક્ષમાર્ગનું ત્યાં સ્મરણ
થાય છે. મોક્ષનો સ્વાશ્રિત પંથ આપનાં પવિત્ર
પદ–ચિહ્નોથી આજે પણ શોભી રહ્યો છે, ને
સ્વાશ્રય તરફ ઝૂકી–ઝૂકીને અમે આપના પંથે..
આપના પુનિત પગલે પગલે આવીએ છીએ.
હે નાથ! નમસ્કાર હો આપને..અને
આપના પુનિત પંથને!

PDF/HTML Page 6 of 21
single page version

background image
કારતકઃ ૨૪૮૪ઃપઃ
આઠ અંગથી ઝગઝગતો
સમ્યક્ત્વરૂપી સૂર્ય
(સમકિતીના આઠ અંગનું અદ્ભુતવર્ણન)
(૨)
(સ. ગા. ૨૩૩ થી ૨૩૬ ઉપરના પ્રવચનોમાંથીઃ ગતાંકથી ચાલુ)
(પ) સમ્યગ્દ્રષ્ટિ ઉપગૂહન–અંગ
હું જ્ઞાયક સ્વભાવ છું–એમ અંર્તસ્વભાવના અનુભવપૂર્વક જ્યાં નિઃશંક પ્રતીતિ થઈ ત્યાં સમકિતી
નિર્ભયપણે પોતાના સ્વરૂપને સાધે છે; ત્યાં તેને સાત પ્રકારના ભયો હોતા નથી, ને નિઃશંકતા વગેરે આઠ
પ્રકારના ગુણો હોય છે, તે ગુણોનું આ વર્ણન ચાલે છે. સમકિતીની નિઃશંકતા, નિઃકાંક્ષતા, નિર્વિચિકિત્સા
અને અમૂઢદ્રષ્ટિ–એ ચાર અંગનું વર્ણન થઈ ગયું. હવે પાંચમું ઉપગૂહન અંગ બતાવે છે.
જે સિદ્ધભક્તિ સહિત છે,
ઉપગૂહક છે સૌ ધર્મનો,
ચિન્મૂર્તિ તે ઉપગૂહનકર
સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૩
સમકિતી ધર્માત્મા સિદ્ધભક્તિ સહિત છે, સિદ્ધભક્તિમાં એટલે કે સિદ્ધસમાન પોતાના શુદ્ધ
આત્મામાં ઉપયોગને ગોપવ્યો હોવાથી (જોડયો હોવાથી) ધર્મીને ‘ઉપગૂહન’ છે, અને ક્ષણે ક્ષણે તેની
આત્મશક્તિઓ વધતી જતી હોવાથી તેને “ઉપબૃંહણ” પણ છે. ચિદાનંદ સ્વભાવ હું છું,–એમ અંતરમાં
ઉપયોગને જોડયો ત્યાં ગુણોનું ઉપબૃંહણ અને રાગાદિ વિકારનું ઉપગૂહન થઈ ગયું. સ્વભાવની શુદ્ધતા
પ્રગટી ત્યાં દોષોનું ઉપગૂહન થઈ ગયું. આત્માના જ્ઞાનાનંદસ્વરૂપના અવલંબને ક્ષણે ક્ષણે ધર્માત્માને
ગુણની શુદ્ધતા વધતી જાય છે ને દોષો ટળતા જાય છે–તેનું નામ ઉપબૃંહણ અથવા ઉપગૂહન છે. ધર્મીની
દ્રષ્ટિમાં અલ્પદોષની

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ૬ઃ આત્મધર્મઃ ૧૬૯
આનંદ
અહો! સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્મા સિવાય ક્યાંય સુખ દેખતો નથી, તે સુખને
પોતાના આત્મામાં જ દેખે છે. આથી કદી પણ તેને આત્માનો મહિમા છૂટીને પરનો
મહિમા આવી જતો નથી.
હેં ભાઈ! તારો આનંદ તારામાં જ શોધ તારો આનંદ તારામાં જ છે, તે બહાર
શોધવાથી નહિ મળે. તારું આખું દ્રવ્ય જ સર્વપ્રદેશે આનંદથી ભરેલું છે; તેને દેખ, તો
તને તારા અપૂર્વ આનંદનો અનુભવ થાય. પોતાનો આનંદ પોતામાં જ છે–એમ
જાણીને તું આનંદિત થા.
– પૂ. ગુરુદેવ.
મુખ્યતા થઈને સ્વભાવ ઢંકાઈ જાય એમ કદી બનતું નથી. અલ્પદોષ હોય તેને જાણે છે પણ તેથી એમ શંકા નથી કરતા
કે મારો આખો સ્વભાવ મલિન થઈ ગયો. દ્રષ્ટિમાં જ્ઞાનાનંદ સ્વભાવની મુખ્યતામાં ધર્મીને અલ્પ દોષની ગૌણતા
હોવાથી ઉપગૂહન અંગ વર્તે જ છે, ને ક્ષણે ક્ષણે તેની આત્મશુદ્ધિ વધતી જાય છે; તેથી ધર્મીને ક્ષણે ક્ષણે નિર્જરા થતી
જાય છે.
ધર્મીએ પોતાના શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વભાવમાં ઉપયોગ જોડયો છે તેનું નામ પરમાર્થે ‘સિદ્ધભક્તિ’ છે,
શુદ્ધસ્વભાવ ઉપર જ્યાં દ્રષ્ટિ છે ત્યાં અલ્પદોષ ઉપર દ્રષ્ટિ જ નથી તેથી તેને દોષનું ઉપગૂહન વર્તે છે. ચૈતન્યસ્વભાવને
પ્રસિદ્ધ કરીને દોષનું ઉપગૂહન કરી નાખ્યું છે; એક ક્ષણ પણ દોષની મુખ્યતા કરીને સ્વભાવને ચૂકી જતા નથી, તેથી તેને
શુદ્ધતા વધતી જ જાય છે.–આવું ધર્મીનું ઉપગૂહન છે; તેને સમયે સમયે મોક્ષપર્યાયની સન્મુખ જ પરિણમન થઈ રહ્યું છે.
અહો! દ્રષ્ટિનું ધ્યેય તો દ્રવ્ય છે ને દ્રવ્ય તો મુક્ત સ્વરૂપ છે; માટે મુક્તસ્વરૂપની દ્રષ્ટિમાં ધર્મી ક્ષણે ક્ષણે મુક્ત જ થતો
જાય છે. ખરેખર મિથ્યાત્વ જ સંસાર છે, ને સમ્યકત્ત્વ તે મુક્તિ છે. ધર્મીને અંતરમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ છે,
તેની જ ભક્તિ છે, અને તેનું ફળ મુક્તિ છે. પર્યાયના અલ્પદોષ પ્રત્યે આદર નથી તેથી તેની ભક્તિ નથી; તે
અલ્પદોષને મુખ્ય કરીને સ્વભાવની શુદ્ધતાને ભૂલી જતા નથી. આવા ધર્માત્માને અશુદ્ધતા ઘટતી જ જાય છે ને શુદ્ધતા
વધતી જ જાય છે;–એટલે તેને બંધન થતું નથી પણ કર્મોની નિર્જરા જ થતી જાય છે, તેથી અલ્પકાળમાં તે મુક્ત થઈ
જશે.
ધર્મીનેય જે રાગ છે તે કાંઈ નિર્જરાનું કારણ નથી. પણ અંતર્મુખ દ્રષ્ટિના પરિણમનથી ક્ષણે ક્ષણે જે
આત્મશુદ્ધિની વૃદ્ધિ થાય છે તે જ નિર્જરાનું કારણ છે. જરાક નિર્બળતાથી રાગ થાય, પણ તે રાગ પ્રત્યે ધર્મીની દ્રષ્ટિનું
જોર નથી, ધર્મીની દ્રષ્ટિનું જોર તો અખંડ જ્ઞાયકમૂર્તિ સ્વભાવ ઉપર જ છે; તે દ્રષ્ટિના જોરે શુદ્ધિની વૃદ્ધિ થઈને કર્મોની
નિર્જરા જ થતી જાય છે.
* * *
(૬) સમ્યગ્દ્રષ્ટિનું સ્થિતિકરણ–અંગ
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધામાં સમકિતીને નિઃશંકતા વગેરે આઠ ગુણો હોય છે તેનું આ વર્ણન છે.
ઉન્માર્ગગમને સ્વાત્મને
પણ માર્ગમાં જે સ્થાપતો,
ચિન્મૂર્તિ તે સ્થિતિકરણયુત
સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૪.
ધર્માત્મા સમ્યગ્દ્રષ્ટિ અંર્તસ્વભાવની શ્રદ્ધાના બળે પોતાના આત્માને મોક્ષમાર્ગમાં સ્થિર રાખે છે, કોઈ પણ
પ્રસંગના ભયથી તે પોતાના આત્માને મોક્ષમાર્ગથી ડગવા દેતા નથી. જો કે અસ્થિરતાના રાગાદિ થાય છે,

PDF/HTML Page 8 of 21
single page version

background image
કારતકઃ ૨૪૮૪ઃ ૭ઃ
તોપણ જ્ઞાયકસ્વભાવની શ્રદ્ધાના બળને લીધે તે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થતા નથી, શ્રદ્ધાના બળે પોતે પોતાના આત્માને
મોક્ષમાર્ગમાં સ્થિર રાખે છે; –એ જ સમ્યગ્દ્રષ્ટિનું સ્થિતિકરણ–અંગ છે.
ધર્મીને રાગદ્વેષ આદિના વિકલ્પો તો આવે છે, પરંતુ તેમાં મોક્ષમાર્ગથી વિરુદ્ધતાના વિકલ્પો તેને નથી
આવતા, અર્થાત્ કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને પોષવાના કે રાગાદિથી ધર્મ થાય એવી મિથ્યામાન્યતારૂપ ઉન્માર્ગને
પોષવાના વિકલ્પ તો તેને આવતા જ નથી; અને બીજા અસ્થિરતાના જે વિકલ્પ આવે છે તે વિકલ્પને પણ
જ્ઞાયકસ્વભાવમાં એકાકારપણે સ્વીકારતા નથી, પોતાના જ્ઞાયકસ્વભાવને વિકલ્પથી જુદો ને જુદો જ દેખે છે,
તેથી સમ્યગ્દર્શનરૂપ માર્ગમાં સ્થિતિકરણ તો તેને સદાય વર્તે જ છે. પરંતુ અસ્થિરતાથી જ્ઞાન–ચારિત્રરૂપ માર્ગ
પ્રત્યે કોઈવાર કદાચ મંદઉત્સાહ થઈ જાય ને વૃત્તિ ડગી જાય તો, પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબનની
દ્રઢતાવડે ફરીને દ્રઢપણે પોતાના આત્માને માર્ગમાં સ્થિર કરે છે, પોતાના આત્માને માર્ગથી ભ્રષ્ટ થવા દેતા
નથી–એવું ધર્મીનું સ્થિતિકરણ–અંગ છે. આવા સ્થિતિકરણને લીધે ધર્મીનો આત્મા માર્ગથી ચ્યુત થતો નથી,
તેથી માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ તેને થતો નથી પણ નિર્જરા જ થાય છે.
ધર્માત્મા પોતાના આત્માને મોક્ષમાર્ગથી ચ્યૂત થવા દેતા નથી, તેમ બીજા કોઈ સાધર્મીને કદાચિત મોક્ષમાર્ગ
પ્રત્યે નિરૂત્સાહી થઈને ડગતો દેખે, તો તેને ઉપદેશાદિ વડે મોક્ષમાર્ગ પ્રત્યે ઉલ્લાસિત કરીને દ્રઢપણે માર્ગમાં સ્થિર કરે
છે.–આવો સ્થિતિકરણનો શુભભાવ પણ ધર્મીને સહેજે આવી જાય છે.
કોઈ એવો જરાક ડગવાનો વિચાર આવી જાય, ત્યાં ધર્મી શુદ્ધસ્વભાવની દ્રષ્ટિથી પોતાના આત્માને
ફરીને મોક્ષમાર્ગમાં દ્રઢપણે સ્થિર કરે છે;–આ રીતે પોતાના આત્માને મોક્ષમાર્ગમાં સ્થિર કરવો તે નિશ્ચય
સ્થિતિકરણ છે. અને વ્યવહારે બીજા આત્માને પણ મોક્ષમાર્ગથી ચ્યૂત થવાનો પ્રસંગ દેખીને તેને ઉપદેશાદિ વડે
મોક્ષમાર્ગમાં સ્થિર કરવાનો શુભભાવધર્મીને આવે છે, તે વ્યવહારસ્થિતિકરણ છે. “અહો, આવો મહાપવિત્ર
જૈનધર્મ! આવો અપૂર્વ મોક્ષમાર્ગ!! પૂર્વે કદી નહિ આરાધેલો આવો મોક્ષમાર્ગ..તેને સાધીને હવે મોક્ષમાં
જવાના ટાણાં આવ્યા છે..તો તેમાં પ્રમાદ કે અનુત્સાહ કેમ હોય?” –આમ અનેક પ્રકારે મોક્ષમાર્ગનો મહિમા
પ્રસિદ્ધ કરીને સમકિતી પોતાના આત્માને તેમજ બીજાના આત્માને મોક્ષમાર્ગમાં સ્થિર કરે છે, એનું નામ
સ્થિતિકરણ છે.
* * *
(૭) સમ્યગ્દ્રષ્ટિનું વાત્સલ્ય–અંગ
જે મોક્ષમાર્ગે ‘સાધુ’ ત્રયનું વત્સલત્વ કરે અહો!
ચિન્મૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩પ.
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર એ ત્રણે મોક્ષમાર્ગના સાધક હોવાથી ‘સાધુ’ છે; એ ત્રણ સાધુ પ્રત્યે
એટલે કે રત્નત્રય પ્રત્યે ધર્માત્માને પરમ પ્રીતિરૂપ વાત્સલ્ય હોય છે. વ્યવહારમાં તો આચાર્ય, ઉપાધ્યાય ને મુનિ એ
ત્રણ સાધુઓ પ્રત્યે વાત્સલ્ય હોય છે, અને નિશ્ચયથી પોતાના રત્નત્રયરૂપ ત્રણ સાધુઓ પ્રત્યે પરમવાત્સલ્ય હોય છે.
અહીં નિર્જરાનો અધિકાર હોવાથી નિશ્ચય અંગોની મુખ્યતા છે. તેથી આચાર્યદેવે નિઃશંક્તા આદિ આઠે અંગોનું
નિશ્ચયસ્વરૂપ બતાવ્યું છે.
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને પોતાથી
અભેદબુદ્ધિએ સમ્યક્પણે દેખતો હોવાથી તે માર્ગવત્સલ છે અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે, તેથી તેને
માર્ગની અનુપલબ્ધિથી થતો બંધ નથી પણ નિર્જરા જ છે.
જુઓ, આઠે અંગના વર્ણનમાં “ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવમયપણાને લીધે” ...એમ કહીને આચાર્યદેવે ખાસ
ખૂબી કરી છે. સમ્યગ્દ્રષ્ટિ સદાય ‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવમય’ છે, તેથી તેને શંકા–કાંક્ષા આદિ દોષો હોતા નથી, ને
તેથી જ તેને નિઃશંકતા આદિ આઠ ગુણો હોય છે, ને તેનાથી તેને નિર્જરા થાય છે. આ રીતે ‘ટંકોત્કીર્ણ એક
જ્ઞાયકસ્વભાવમયપણું’ તે મૂળ વસ્તુ છે, તેના જ અવલંબને આ નિઃશંકતા આદિ આઠ ગુણો ટકેલા છે, અને તેના જ
અવલંબને નિર્જરા થાય છે. ધર્મીની દ્રષ્ટિમાંથી તે સ્વભાવનું અવલંબન કદી એક ક્ષણ માત્ર પણ ખસતું નથી.

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ૮ઃ આત્મધર્મઃ ૧૬૯
અહીં વાત્સલ્યના વર્ણનમાં પણ આચાર્યદેવે અદ્ભુત વાત કરી છે. સમકિતીને રત્નત્રય પ્રત્યે પરમવાત્સલ્ય હોય
છે; કેમ? તો કહે છે કે રત્નત્રયને પોતાથી અભેદબુદ્ધિએ દેખતો હોવાથી, તેના પ્રત્યે તેને પરમવાત્સલ્ય હોય છે. જુઓ,
આ વાત્સલ્યમાં રાગની કે વિકલ્પની વાત નથી, પણ ‘સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તો મારો સ્વભાવ જ છે’–એમ
રત્નત્રયને પોતાના આત્મા સાથે અભેદપણે અનુભવવા, તેનાથી જરાય ભેદ ન રાખવો, એ જ તેના પ્રત્યેનું
પરમવાત્સલ્ય છે. જે ચીજને પોતાની માને તેના પ્રત્યે પ્રેમ હોય છે. જેમ ગાયને પોતાના વાછરડાં ઉપર અતિશય પ્રેમ
હોય છે તેમ ધર્મી જાણે છે કે આ રત્નત્રય તો મારા ઘરની–મારા સ્વભાવની ચીજ છે તેથી તેને રત્નત્રય પ્રત્યે અતિશય
પ્રેમ હોય છે.
‘શ્રદ્ધા’ ને એકપણું જ ગમે છે, તેને ભેદ કે અધૂરાશ ગોઠતા જ નથી. સમ્યક્શ્રદ્ધા વડે ધર્માત્મા
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને પોતાના આત્મા સાથે અભેદબુદ્ધિએ દેખે છે; રાગાદિ સાથે તેને પોતાની એકતા
ભાસતી જ નથી. આ રીતે જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિમાં ધર્માત્મા રત્નત્રયને પોતાની સાથે અભેદબુદ્ધિએ દેખતો
હોવાથી, તે રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે તે અત્યંત પ્રીતિવાળો છે, મોક્ષમાર્ગ તરફ તેને પરમવાત્સલ્ય હોય છે,
ને રાગાદિ વિભાવ પ્રત્યે તેને પ્રેમ હોતો નથી.
જુઓ, આ ધર્મીનું વાત્સલ્ય અંગ! ધર્મીને પોતાના આત્મામાં જ રતિ–પ્રીતિ છે. ગાથા ૨૦૬માં કહ્યું હતું કે–
આમાં સદા પ્રીતિવંત બન,
આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત,
તુજને સુખ અહો! ઉત્તમ થશે.
હે ભવ્ય! તું આમાં–આ જ્ઞાનસ્વરૂપ આત્મામાં નિત્ય પ્રીતિ કર, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા;
તને ઉત્તમ સુખ થશે.
અહો! જેણે આત્માનું હિત કરવું હોય–ખરું સુખ જોઈતું હોય, તેણે આત્માનો પરમ પ્રેમ કરવા જેવો છે. શ્રીમદ્
રાજચંદ્ર પણ કહે છે કે ‘જગત ઇષ્ટ નહિ આત્માથી.’ એટલે જે ધર્મી છે અથવા ધર્મનો ખરો જિજ્ઞાસુ છે તેને જગત
કરતાં આત્મા વહાલો છે, આત્મા કરતાં જગતમાં કાંઈ તેને વહાલું નથી.
જુઓ, ગાયને પોતાના વાછરડાં પ્રત્યે કેવો પ્રેમ હોય છે! ને બાળકને પોતાની માતા પ્રત્યે કેવો પ્રેમ હોય છે!!
તેમ ધર્મીને પોતાના રત્નત્રયસ્વભાવરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે અભેદબુદ્ધિથી વાત્સલ્ય હોય છે. આમાં રાગની વાત નથી પણ
રત્નત્રયમાં જે અભેદબુદ્ધિ છે તે જ પરમ વાત્સલ્ય છે. અને પોતાને રત્નત્રયમાં પરમ વાત્સલ્ય હોવાથી બહારમાં બીજા
જે જે જીવોમાં રત્નત્રયધર્મને દેખે છે તેમના પ્રત્યે પણ તેને વાત્સલ્યનો ઊભરો આવ્યા વિના રહેતો નથી, તે વ્યવહાર
વાત્સલ્ય છે.
ધર્માત્માને જગતને વિષે પોતાનો રત્નત્રયસ્વરૂપ આત્મા જ પરમ પ્રિય છે, સંસાર સંબંધી બીજું કાંઈ
પ્રિય નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયને ધર્મી જીવ પોતાના આત્મા સાથે અભેદપણે દેખે છે, તેથી
તેને મોક્ષમાર્ગનો અત્યંત પ્રેમ છે, ને નિમિત્ત તરીકે મોક્ષમાર્ગના સાધક સંતો પ્રત્યે તેને પરમ આદર હોય છે,
તેમજ એ મોક્ષમાર્ગ દર્શાવનારા સર્વજ્ઞ ભગવાન અને વીતરાગી શાસ્ત્રો પ્રત્યે પણ પ્રેમ આવે છે. કુદેવ–કુગુરુ–
કુધર્મ પ્રત્યે કે મિથ્યાત્વાદિ પરભાવો પ્રત્યે ધર્મીને સ્વપ્ને ય પ્રેમ આવતો નથી. આ રીતે પોતાના આત્મા સાથે
અભેદરૂપે જ મોક્ષમાર્ગ–(સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ માર્ગ) ને દેખતો હોવાથી ધર્માત્માને માર્ગની અપ્રાપ્તિને
લીધે થતું બંધન થતું નથી પણ નિર્જરા જ થાય છે. માર્ગને તો પોતાના આત્મા સાથે અભેદપણે જ દેખે છે,
તેથી માર્ગ પ્રત્યે તેને પરમ વાત્સલ્ય છે. જુઓ, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રય પ્રત્યે જેને અભેદબુદ્ધિ
હોય તેને જ મોક્ષમાર્ગ પ્રત્યે ખરું વાત્સલ્ય છે; જેને રત્નત્રય પ્રત્યે જરા પણ ભેદબુદ્ધિ છે એટલે કે રત્નત્રયને
અભેદઆત્માના આશ્રયે જ ન માનતાં રાગના કે પરના આશ્રયે રત્નત્રયની પ્રાપ્તિ થવાનું જે માને છે તેને
ખરેખર રત્નત્રય ઉપર વાત્સલ્ય નથી, પણ તેને તો રાગ ઉપર અને પર ઉપર વાત્સલ્ય છે. ધર્મી–સમ્યગ્દ્રષ્ટિ તો
રત્નત્રયને પોતાથી અભેદબુદ્ધિએ દેખતો હોવાથી, એટલે કે પરના આશ્રયે જરા પણ નહિ દેખતો હોવાથી, તેને
રત્નત્રય પ્રત્યે પરમ વાત્સલ્ય હોય છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
કારતકઃ ૨૪૮૪ઃ૯ઃ
(૮) સમ્યગ્દ્રષ્ટિનું પ્રભાવના–અંગ
ચિન્મૂર્તિ મન–રથપંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો
તે જિનજ્ઞાન પ્રભાવકર સમક્તિદ્રષ્ટિ જાણવો. ૨૩૬
સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને વિકસાવવા વડે પ્રભાવ ઉત્પન્ન
કરતો હોવાથી, પ્રભાવના કરનાર છે.
જુઓ, આ જિનમાર્ગની પ્રભાવના!
ચેતયિતા એટલે કે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો છે અર્થાત્ પોતાના જ્ઞાનસ્વભાવરૂપી
રથમાં આરૂઢ થયો છે,–તેણે પોતાના જ્ઞાનસ્વભાવરૂપી રથનું જ અવલંબન લીધું છે...અને તે જ્ઞાનરથમાં આરૂઢ થઈને
મનરૂપી રથ–પંથમાં એટલે કે જ્ઞાનમાર્ગમાં જ ભ્રમણ કરે છે; આ રીતે સ્વભાવરૂપી રથમાં બેસીને જ્ઞાનમાર્ગમાં પ્રયાણ
કરતો થકો, જ્ઞાનસ્વરૂપમાં પરિણમતો થકો, સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરે છે. અંતરમાં
જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતાવડે ધર્મીને જ્ઞાનનો વિકાસ જ થતો જાય છે, એ જ ભગવાનના માર્ગની ખરી પ્રભાવના છે.
આ સિવાય સોના–ચાંદીના રથમાં–જેને હાથી વિગેરે જોડયા હોય તેમાં–જિનેન્દ્ર ભગવાનને કે ભગવાનના
કહેલા પરમાગમને બિરાજમાન કરીને, રથયાત્રાવડે જગતમાં તેમનો મહિમા પ્રસિદ્ધ કરવો તે વ્યવહારપ્રભાવના છે.
ભગવાનના માર્ગ પ્રત્યે અતિશય બહુમાન હોવાથી તેનો મહિમા જગતમાં કેમ વધે–એવો વ્યવહારપ્રભાવનાનો ભાવ
ધર્મીને આવે છે. પણ, અંતરમાં જેણે ભગવાનનું અને ભગવાનના કહેલા જ્ઞાનમાર્ગનું ખરું સ્વરૂપ ઓળખ્યું હોય એટલે
કે જ્ઞાનસ્વભાવરૂપી રથમાં આરૂઢ થઈને પોતામાં જ્ઞાનમાર્ગની નિશ્ચય પ્રભાવના પ્રગટ કરી હોય તેને જ સાચી વ્યવહાર
પ્રભાવના હોય.
આત્મા ચૈતન્યસ્વરૂપી છે તેને અનુભવમાં લઈને, સમ્યગ્દ્રષ્ટિજીવ ચૈતન્યવિદ્યારૂપી રથમાં આરૂઢ થઈને
જ્ઞાનમાર્ગમાં પરિણમે છે, એ રીતે તે ધર્માત્મા જિનેશ્વરદેવના જ્ઞાનની પ્રભાવના કરનાર છે. જુઓ, આ ધર્મીની
પ્રભાવના! ‘પ્ર...ભાવના’ એટલે કે ચૈતન્યસ્વરૂપની વિશેષ ભાવના કરી કરીને ધર્મી જીવ પોતાની જ્ઞાનશક્તિનો
ફેલાવ કરે છે, એ જ પ્રભાવના છે. જ્ઞાનની વિશેષ ભાવનારૂપ પ્રભાવનાવડે ધર્મીને નિર્જરા જ થતી જાય છે. જુઓ,
પોતાના જ્ઞાનસ્વરૂપની વિશેષ ભાવના તે જ જિનમાર્ગની ખરી પ્રભાવના છે.
જેમ જિનેન્દ્ર ભગવાનના વીતરાગીબિંબને રથ વગેરેમાં સ્થાપીને. બહુમાનપૂર્વક નગરમાં ફેરવવામાં આવે છે–
આવા પ્રકારનો શુભભાવ તે વ્યવહાર પ્રભાવના છે, કેમ કે એ પ્રમાણે ભગવાનની રથયાત્રા વગેરે જોઈને બહારમાં
લોકોને જૈનધર્મનો મહિમા આવે ને એ રીતે જૈનધર્મની પ્રભાવના થાય.–આ તો વ્યવહાર પ્રભાવના છે, શુભરાગ વખતે
એવો પ્રભાવનાનો ભાવ પણ ધર્મીને આવે છે. અહો! આવો વીતરાગી જૈનમાર્ગ! તે લોકમાં પ્રસિદ્ધ થાય ને લોકો તેનો
મહિમા જાણે એવો ભાવ ધર્માત્માને આવે છે. અને નિશ્ચયથી જ્ઞાનને અંતરના ચૈતન્યરથમાં જોડીને સ્વભાવની વિશેષ
ભાવનાવડે પોતાના જ્ઞાનની પ્રભાવના કરે છે. ‘હું જ્ઞાયક છું’ એવો જે અનુભવ થયો છે તેમાં વારંવાર ઉપયોગને
વાળતો ધર્માત્મા પોતાના આત્માને જિનમાર્ગમાં આગળ વધારે છે, તે નિશ્ચયથી પ્રભાવના છે. પુણ્ય–પાપના રથમાંથી
ઉતારીને ચૈતન્યરથમાં આત્માને બેસાડવો, અને એ રીતે ચૈતન્યરથમાં બેસાડીને આત્માને જિનમાર્ગે–મોક્ષમાર્ગે લઈ
જવો તે ધર્મની ખરી પ્રભાવના છે; આવી પ્રભાવનાથી ધર્મીને ક્ષણે ક્ષણે નિર્જરા થતી જાય છે, ને અપ્રભાવનાકૃત બંધન
તેને થતું નથી.
* * *
આ રીતે સમ્યગ્દ્રષ્ટિને પોતાના ચૈતન્યસ્વરૂપ સંબંધી નિઃશંકતા, ચૈતન્યથી ભિન્ન પર દ્રવ્યો પ્રત્યે નિઃકાંક્ષા,
વગેરે આઠ અંગો હોય છે તે બતાવ્યું. આ આઠ અંગો આત્મસ્વરૂપને આશ્રિત છે તેથી તે નિશ્ચય છે, અને શુભરાગરૂપ
જે નિઃશંકતા આદિ આઠ અંગો છે તે પરને આશ્રિત હોવાથી વ્યવહાર છે. અહીં તો નિર્જરા અધિકાર છે, એટલે
નિર્જરાના કારણરૂપ નિશ્ચય આઠ અંગોનું વર્ણન આચાર્યદેવે આઠ ગાથાઓ દ્વારા કર્યું છે. આ આઠ અંગરૂપી તેજસ્વી
કિરણોથી ઝગઝગતા સમ્યગ્દર્શનરૂપી સૂર્યનો પ્રતાપ સર્વે કર્મોને ભસ્મ કરી નાંખે છે.
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા, આ નિઃશંકતા આદિ આઠ ગુણોથી પરિપૂર્ણ એવા સમ્યગ્દર્શનરૂપી સુદર્શન ચક્રવડે સમસ્ત
કર્મોને હણીને મોક્ષને સાધે છે.
અહો! નિઃશંકતાદિ આઠ અંગરૂપી દિવ્ય કિરણોવડે ઝળઝળતો સમ્યગ્દર્શનરૂપી સૂર્ય પોતાના દિવ્ય પ્રતાપ
વડે આઠે કર્મોને ભસ્મ કરીને આત્માને સિદ્ધપદ પમાડે છે.
આવા સમ્યક્ત્વસૂર્યનો મહાન ઉદય
જયવંતો વર્તો!

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ૧૦ઃ આત્મધર્મઃ ૧૬૯
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
(૩પ–૩૬)
ભાવ–અભાવશક્તિ અને અભાવ–ભાવશક્તિ
“આત્મામાં ભવતા (વર્તતા) પર્યાયના વ્યયરૂપ ભાવ–અભાવ શક્તિ છે;” તેમજ “નહિ ભવતા પર્યાયના
ઉદયરૂપ અભાવ–ભાવશક્તિ છે.” આત્મામાં પહેલા સમયે જે પર્યાય વિદ્યમાન હોય તેનો બીજા સમયે અભાવ થઈ
જાય છે અને પહેલા સમયે જે પર્યાય અવિદ્યમાન હોય તેનો બીજે સમયે ભાવ (ઉત્પાદ) થાય છે; આ રીતે દરેક સમયે
એક પર્યાયનો વ્યય ને બીજી પર્યાયનો ઉત્પાદ અનાદિઅનંત થયા જ કરે છે એવો જ વસ્તુનો સ્વભાવ છે, કોઈ બીજાના
કારણે પર્યાયના ઉત્પાદ–વ્યય થતા નથી.
‘ભાવનો અભાવ’ અને ‘અભાવનો ભાવ’ એ બંનેનો એક જ સમય છે. જુદા જુદા સમય નથી. જેમકે
સાધકને કેવળજ્ઞાન પ્રગટયું ત્યાં, પહેલાં જે સાધક દશા હતી તેનો અભાવ થયો તે ‘ભાવનો અભાવ’ છે, અને પહેલાં
જે કેવળજ્ઞાનદશા ન હતી તે પ્રગટી તેનું નામ ‘અભાવનો ભાવ’ છે. આ રીતે ભાવ–અભાવશક્તિ અને
અભાવભાવશક્તિ એ બંને શક્તિઓ એક જ સમયમાં કાર્ય કરી રહી છે. જો ભાવનો અભાવ ન થાય તો કેવળજ્ઞાન
થવા છતાં પણ છદ્મસ્થ–સાધકદશા ટળે નહિ; અને જો અભાવનો ભાવ ન થાય તો સાધકદશા ટળવા છતાં કેવળજ્ઞાનની
ઉત્પત્તિ ન થાય,–એટલે કે કોઈ પર્યાય જ ન રહે, ને પર્યાય વિના દ્રવ્યનો પણ અભાવ જ થાય. માટે આ બંને શક્તિથી
પોતાનું સ્વરૂપ સમજવું જોઈએ.
દરેક આત્મામાં સમયે સમયે આ પ્રમાણે બની જ રહ્યું છે, તેની આ વાત છે. દ્રવ્યપણે આત્મા સળંગ વિદ્યમાન
રહે છે, ને તેની હાલતો સ્વયમેવ બદલતી રહે છે, પહેલા સમયે જે હાલત વિદ્યમાન હોય તેનો બીજા સમયે અભાવ થઈ
જાય છે, અને પહેલા સમયે જે હાલત ન હોય તે બીજા સમયે નવી ઉત્પન્ન થાય છે. જૂની પર્યાય લંબાઈને બીજા સમયે
પણ ચાલુ રહે–એમ કદી બનતું નથી, તેમજ એક પર્યાય ટળીને બીજા સમયે નવી પર્યાય ઉત્પન્ન ન થાય એમ પણ કદી
બનતું નથી.
અહો! અભાવરૂપ પર્યાયનો બીજે સમયે ભાવ થાય એવો પોતાનો સ્વભાવ જ છે, તો પછી સમ્યગ્દર્શન કે
કેવળજ્ઞાન વગેરે પર્યાય પ્રગટાવવા માટે બહાર જોવાનું ક્યાં રહ્યું? બહાર તો જોવાનું ન રહ્યું, પણ

PDF/HTML Page 12 of 21
single page version

background image
કારતકઃ ૨૪૮૪ઃ ૧૧ઃ
પર્યાય સન્મુખ જોવાનું પણ ન રહ્યું. કેમકે જે પર્યાયમાં કેવળજ્ઞાનનો અભાવ છે તે અભાવમાંથી કાંઈ
કેવળજ્ઞાન નથી થતું. પહેલા સમયે કેવળજ્ઞાનનો અભાવ છે તો બીજા સમયે કેવળજ્ઞાનનો ભાવ ક્યાંથી થશે?
–દ્રવ્યમાંથી જ તે અભાવનો ભાવ થશે, અભાવનો ભાવ કરવાની તાકાત દ્રવ્યના સ્વભાવમાં છે; તેથી તે
સ્વભાવસન્મુખ જોવાથી જ, પહેલાં અવિદ્યમાન એવી નિર્મળ પર્યાય પ્રગટી જાય છે. જે જીવ દ્રવ્યસન્મુખ દ્રષ્ટિ
નથી કરતો તેને પણ સમયે સમયે ‘અભાવનો ભાવ’ તો થયા જ કરે છે, પરંતુ અભાવ–ભાવ તેને વિકારરૂપે
જ થયા કરે છે. સાધકને તો સ્વભાવના અવલંબને નિર્મળપણે અભાવ–ભાવ થયા કરે છે, સમયે સમયે વિશેષ–
વિશેષ નિર્મળ પર્યાય થયા કરે છે. સિદ્ધ ભગવાનને જો કે હવે પર્યાયની નિર્મળતા વધવાનું બાકી નથી રહ્યું,
છતાં તેમણે પણ શુદ્ધપર્યાયના ભાવ–અભાવ તેમજ અભાવ–ભાવ થયા જ કરે છે; સિદ્ધને એકને એક પર્યાય
નથી રહેતી, પરંતુ પહેલા સમયની શુદ્ધ પર્યાયનો બીજા સમયે અભાવ (ભાવ–અભાવ), અને પહેલા સમયે
અવિદ્યમાન એવી શુદ્ધ પર્યાયનો બીજા સમયે ઉત્પાદ (અભાવ–ભાવ) એ પ્રમાણે પર્યાયમાં ભાવ–અભાવ અને
અભાવ–ભાવ તેમને પણ થયા જ કરે છે.
રાગાદિ મલિનતા તે તો આત્માનો સ્વભાવ નથી તેથી તે તો આત્માની સાથે કાયમ ન જ રહે; પરંતુ
આત્માના સ્વભાવના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટી તે પર્યાય પણ બીજે સમયે નથી રહેતી, બીજે સમયે
તેનો અભાવ થઈને બીજી નવી નિર્મળ પર્યાય પ્રગટે છે. એ રીતે નિર્મળ પર્યાયમાં પણ સમયે સમયે જુદો જુદો
અનુભવ છે. જે પર્યાય ઉત્પન્ન થઈ તેનો બીજે સમયે વિનાશ, અને જે પર્યાય અવિદ્યમાન હતી તેનો ઉત્પાદ એ
રીતે પર્યાયનું પરિવર્તન સદાય થયા જ કરે છે. સાધકનું જ્ઞાન એક એક સમયની પર્યાયને જુદી પાડીને પકડી ન
શકે, પણ વસ્તુસ્વભાવ આવો છે–એમ તેની પ્રતીતમાં આવી જાય છેઃ અને એ પ્રતીતના જોરે તેની પર્યાયોનું
પરિણમન સ્વભાવને અવલંબીને નિર્મળ–નિર્મળપણે થયા કરે છે.
પ્રવચનસાર ગા. ૧૧૩માં કહે છે કે “પર્યાયો પર્યાયભૂત સ્વવ્યતિરેક વ્યક્તિના કાળે જ સત્ હોવાને લીધે
તેનાથી અન્ય કાળોમાં અસત્ જ છે.” તેમજ પર્યાયોનો ‘ક્રમાનુપાતી સ્વકાળે ઉત્પાદ થાય છે.’ જુઓ, આમાં ઘણો
સરસ સિદ્ધાંત છે. પર્યાય પોતાના કાળ સિવાય બીજા કાળે અસત્ છે, એટલે કોઈ પણ પર્યાય પોતાના સમયને છોડીને
પહેલાં કે પછીના આઘાપાછા સમયમાં થતી નથી, એ રીતે દરેક દ્રવ્યની પર્યાયોનો ક્રમાનુપાતી સ્વકાળે ઉત્પાદ થાય છે.
શરીર હાલે–ચાલે–બોલે કે ન હાલે, ન ચાલે, ન બોલે, તે બધામાં પરમાણુઓનો સ્વકાળે ઉત્પાદ છે, જીવની હાજરી કે
ગેરહાજરીને કારણે તેમાં કાંઈ થતું નથી.
દરેક દ્રવ્યમાં, દરેક સમયે એક પર્યાયનો વ્યય અને બીજી પર્યાયની ઉત્પત્તિ થયા જ કરે છે. હતી તે પર્યાય ગઈ,
અને નહોતી તે થઈ, એમાં ભાવ–અભાવ અને અભાવ–ભાવ બંને આવી જાય છે. ભાવનો અભાવ અને અભાવનો
ભાવ–એવા પરિણમનની અત્રૂટધારા દરેક વસ્તુમાં ચાલી રહી છે. જેઓ વસ્તુના આવા પરિણમનને જ નથી માનતા
તેઓ તો ગૃહીતમિથ્યાદ્રષ્ટિ છે, તેઓને તો મિથ્યાત્વના અભાવરૂપ ને સમ્યક્ત્વના ભાવરૂપ પરિણમન થતું નથી. દ્રવ્ય–
ગુણ તો ત્રિકાળ ભાવરૂપ રહે છે, ને પર્યાય તો એક સમયના જ ભાવરૂપ છે, બીજે સમયે તેનો અભાવ થઈને બીજો
નવો ભાવ પ્રગટે છે. ત્યાં ત્રિકાળી ભાવના આશ્રયે સાધકને પર્યાયમાં નિર્મળતાનો ભાવ વધતો જાય છે ને મલિનતાનો
અભાવ થતો જાય છે. આવા પરિણમન વગર અજ્ઞાનદશા ટળીને સાધકદશા, કે સાધકદશા ટળીને સિદ્ધદશા થઈ શકે
નહીં.
અહીં જેટલી શક્તિઓ વર્ણવે છે તે બધી શક્તિઓ એકેક આત્મામાં રહેલી છે; અનંતશક્તિનો ધારક એક
આત્મા છે; જ્યાં એક શક્તિ છે ત્યાં જ બીજી અનંતશક્તિઓ ભેગી જ રહેલી છે. તેથી જો એક પણ શક્તિવડે
આત્મસ્વભાવને જાણે તો અનંતશક્તિવાળો ચૈતન્યમૂર્તિ આત્મા પ્રતીતમાં આવી જાય છે.
પ્રશ્નઃ– આવું ઝીણું ઝીણું સમજવાનું શું કામ છે? અંતે તો ક્રોધાદિ ઘટાડવા છે ને! ભલેને અણસમજુ ભરવાડ
જેવો હોય છતાં આ સમજ્યા વગર પણ ક્રોધાદિ ઘટાડે એટલે ધર્મ થઈ જશે?
ઉત્તરઃ– અરે ભાઈ! સંસારના કામમાં તો તું બુદ્ધિ હોંસથી ચલાવે છે, અને અહીં ભરવાડનો દાખલો લઈને તારે
સમજ્યા વગર ધર્મ કરવો છે, એ તો તને ધર્મની અરુચિ જ છે. આત્માનો સ્વભાવ સમજ્યા

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ૧૨ઃ આત્મધર્મઃ ૧૬૯
વગર, મોટા બારિસ્ટરને કે ભરવાડને કોઈને ધર્મ થાય એમ બનતું નથી, તેમજ ક્રોધાદિ પણ ખરેખર ઘટતા
નથી. ક્રોધ શું? ક્રોધનો કરનાર અને ઘટાડનાર કોણ? તથા તેનો ક્રોધ વગરનો સ્વભાવ કેવો છે? તે બધું
જાણ્યા વગર કોના લક્ષે ક્રોધાદિ છોડશે? જેમ પ્રકાશના ભાવ વગર અંધારાનો અભાવ થાય નહિ, પ્રકાશ થાય
તો અંધારું ટળે; તેમ ક્રોધ રહિત એવા ચિદાનંદસ્વભાવ તરફનો ભાવ પ્રગટયા વગર ક્રોધનો અભાવ થાય નહિ.
જ્ઞાની તો ચૈતન્ય સ્વભાવમાં એકતા કરીને ક્રોધાદિનો અભાવ કરી નાંખે છે. આવા ચૈતન્યસ્વભાવના લક્ષ
વગર અજ્ઞાની ક્રોધ ટાળવા માંગે તો કાંઈ ક્રોધ ટળે નહિ, ભલે તે કષાયની મંદતા કરે તો પણ અનંતાનુબંધી
કષાય તેને ઊભો જ છે.
જેમ બે માણસ છે, એક રત્નનો પારખુ છે, તે તો હાથમાં ચિંતામણિ રત્ન રાખીને જે ચિંતવે તે મેળવે છે; ને
બીજો ભરવાડ જેવો છે, તે રત્નને ઓળખ્યા વગર હાથમાં ધોળો પથરો લઈને ચિંતવે છે,–પણ એ રીતે ચિંતવવાથી કાંઈ
ચિંતિત વસ્તુ મળે નહિ, કેમકે તેની પક્કડમાં પથરો છે. તેમ ધર્મી તો પોતાની દ્રષ્ટિમાં ચૈતન્ય ચિંતામણિ અનંત
શક્તિસંપન્ન ભગવાન આત્માને પકડીને તેને ચિંતવે છે, ને તેના ચિંતનથી તે તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રાપ્ત કરે
છે ને કષાયોનો અભાવ કરે છે. પરંતુ અજ્ઞાની અનંતશક્તિસંપન્ન ચૈતન્ય–ચિંતામણિને ઓળખ્યા વિના રાગ–દ્વેષ
પુણ્ય–પાપ વગેરે કષાયોની પક્કડ કરીને તેના ચિંતનથી ‘આ કરતાં કરતાં અમને સમ્યગ્દર્શન થજો, સમ્યગ્જ્ઞાન થજો,
સમ્યક્ચારિત્ર થજો’–એમ ઇચ્છે છે, પણ એ રીતે કંઈ સમ્યગ્દર્શનાદિ થાય નહિ. આ રીતે પોતાના શુદ્ધ સ્વભાવને
સમજીને તેને પકડયા વગર (એટલે કે તેનું જ અવલંબન કર્યા વગર) સમ્યગ્દર્શનાદિ ધર્મ થાય નહિ, ને કષાયો ટળે
નહિ.
* આત્મામાં શરીર વગેરે જડનો તો ત્રિકાળ અભાવ છે.
* રાગાદિ વિકારનો પણ ત્રિકાળી સ્વભાવમાં અભાવ છે.
* સ્વભાવમાંથી પ્રગટેલી એક સમયની નિર્મળ પર્યાયનો પણ બીજા સમયે અભાવ થઈ જાય છે, ને બીજી
અવસ્થા પ્રગટે છે.
* શુદ્ધ દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ એવો ને એવો એક રૂપ રહ્યા કરે છે; અને તે જ અવલંબનભૂત છે.
સાધક પર્યાય હો કે સિદ્ધ પર્યાય હો,–બધી પર્યાયો વખતે શુદ્ધ દ્રવ્યસ્વભાવ તો સદા એકરૂપે વર્તે છે,
પરંતુ પર્યાયમાં સાધકપણા વખતે સિદ્ધપણું હોતું નથી. સાધક પર્યાયનો અભાવ થાય ત્યારે સિદ્ધ પર્યાયનો
ભાવ થાય છે. એકના અભાવ વગર બીજાનો ભાવ કરવા માંગે, કે એકના ભાવ વિના બીજાનો અભાવ કરવા
માંગે, તો તેમ બની શકતું નથી. મિથ્યાત્વના અભાવ વગર સમ્યક્ત્વનો ભાવ, કે સમ્યક્ત્વના ભાવ વગર
મિથ્યાત્વનો અભાવ બની શકે નહિ, માટે, પહેલા સમયે વર્તતી અવસ્થાનો બીજા સમયે અભાવ થવારૂપ ભાવ–
અભાવ–શક્તિ, તથા પહેલા સમયે નહિ વર્તતી અવસ્થાનો બીજા સમયે ઉત્પાદ થવારૂપ અભાવ–ભાવશક્તિ,–
એવી બંને શક્તિ જ્ઞાનસ્વરૂપ આત્મામાં રહેલી છે.–આવી શક્તિવાળા આત્માને ઓળખવાથી ભગવાન
આત્માનો શુદ્ધપણે અનુભવ થાય છે એટલે કે સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનમાં અનંત શક્તિવાળો ભગવાન આત્મા પ્રસિદ્ધ
થાય છે. એ જ ધર્મ છે ને એ જ મોક્ષનો ઉપાય છે.
આવા પોતાના આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં લીધા વગર દેહની ક્રિયાને કે મંદરાગને ચારિત્ર માની લ્યે, તથા
તે કરતાં કરતાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થશે–એમ માની લ્યે–તે તો કેવી મૂઢતા છે! તેમાં તો ચારિત્રની
તેમજ સમ્યગ્દર્શનાદિની વિરાધના છે. સમ્યગ્દર્શન તથા સમ્યક્ચારિત્ર શું ચીજ છે–તેના મહિમાની ગંધ પણ તેને
નથી.
સિદ્ધપર્યાય વર્તમાન અભાવરૂપ હોવા છતાં તેનો ભાવ થવાની તાકાત દ્રવ્યસ્વભાવમાં પડી છે, તેનો વિશ્વાસ
કરતાં સિદ્ધપર્યાય પ્રગટી જાય છે. અભાવ પર્યાયનો ભાવ કરવાની તાકાત ચૈતન્યમાં છે; સિદ્ધપદનો અભાવ છે તેનો
ભાવ ચૈતન્ય સ્વભાવના આશ્રયે થાય છે, તે માટે કોઈ પરના આશ્રયની જરૂર નથી. મારી વર્તમાન પર્યાયમાં
કેવળજ્ઞાનનો અભાવ હોવા છતાં, તેનો સદાય અભાવ જ રહે–એવું નથી, પણ તેનો ભાવ કરવાની તાકાત મારા
આત્મામાં રહેલી છે,–એમ સાધકને સ્વશક્તિનો વિશ્વાસ છે, તેથી તેને સ્વશક્તિની સન્મુખતાથી અલ્પકાળમાં
કેવળજ્ઞાનનો ભાવ ઊઘડી જાય છે.
વર્તમાનમાં જે પર્યાયનો અભાવ છે તે પછી પ્રગટીને ભાવરૂપ થાય છે. –ક્યાંથી પ્રગટે છે? કે પોતાના

PDF/HTML Page 14 of 21
single page version

background image
કારતકઃ ૨૪૮૪ઃ૧૩ઃ
સ્વભાવમાંથી; તે સ્વભાવ કેવો છે? કે શુદ્ધ અનંતશક્તિ સંપન્ન છે, તે સ્વભાવમાં વિકાર નથી; માટે વિકાર પ્રગટવાની
વાત ન લેવી પણ નિર્મળપર્યાય પ્રગટવાની જ વાત લેવી. આત્મામાં સિદ્ધપર્યાયનો અત્યારે અભાવ છે માટે કદી
સિદ્ધપર્યાય પ્રગટશે જ નહિ–એમ નથી, કેમકે આત્માની અભાવ–ભાવશક્તિ એવી છે કે ભવિષ્યની જે નિર્મળપર્યાયનો
અત્યારે અભાવ છે તે પછી ભાવરૂપ થાય છે. આવી નિજ શુદ્ધશક્તિની પ્રતીત હોવાથી સાધકને એમ સંદેહ નથી ઊઠતો
કે ભવિષ્યમાં મારા સ્વભાવમાંથી અશુદ્ધતા પ્રગટ થશે;–પણ તેને તો સ્વભાવના ભરોસે નિઃસંદેહતા છે કે મારા
સ્વભાવમાંથી શુદ્ધપર્યાયનો જ પ્રવાહ સાદિ–અનંતકાળ સુધી વહેશે. ભવિષ્યમાં મારા આત્મામાંથી વિકારનો ‘ભાવ’
નહિ થાય, તેનો તો ‘અભાવ’ થશે, ને કેવળજ્ઞાન તથા સિદ્ધપદનો ‘ભાવ’ થશે.
હે જીવ! તારી પર્યાયમાં હિતનો અભાવ છે અને તારે હિત પ્રગટ કરવું છે તો તે હિત ક્યાં શોધવું? પરમાં કે
વિકારમાં એવી તાકાત નથી કે તને હિત આપે. તારા સ્વભાવમાં જ હિત શોધ, તેનામાં જ એવી તાકાત છે કે હિતરૂપ
દશાને પોતામાંથી પ્રગટ કરે.
પોતાના શુદ્ધ સ્વભાવને પ્રતીતમાં રાખીને, તેના આધારે, પહેલા સમયે અવિદ્યમાન એવી નિર્મળ–નિર્મળ
પર્યાયોને પ્રગટ કરીને તેનો કર્તા ધર્મી જીવ થાય છે; પરંતુ વિકારનો કર્તા થતો નથી, તેનો તો અભાવ કરતો જાય છે;
તથા શરીરાદિ જડનો તો આત્મામાં અભાવ જ છે, તેથી તેનો પણ કર્તા થતો નથી.
જડનો આત્મામાં ત્રિકાળ અભાવ છે તે કદી આત્મામાં ભાવરૂપ થતા નથી; શુદ્ધ સ્વભાવમાં વિકારનો અભાવ
છે તેથી તે શુદ્ધસ્વભાવની દ્રષ્ટિમાં ધર્મીને વિકારી ભાવો ભાવરૂપ થઈને પ્રગટતા નથી; તેને તો ‘અભાવ’ રૂપ એવી
નિર્મળ પર્યાયો જ ‘ભાવ’ રૂપ થઈને પ્રગટે છે. આવું ‘અભાવ–ભાવ’ શક્તિનું સમ્યક્ પરિણમન છે. આવું સમ્યક્
પરિણમન કોને થાય? કે જેને શુદ્ધ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે તેને જ શુદ્ધ પરિણમન થાય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની જે નિર્મળપર્યાય પહેલા સમયે અભાવરૂપ હતી ને બીજા સમયે તે પર્યાય પ્રગટીને
ભાવરૂપ થઈ; તો તે ‘ભાવરૂપ’ કોણ પરિણમ્યું?
* શરીરાદિનો આત્મામાં અભાવ છે,
* પહેલા સમયના વિકારનો બીજા સમયે અભાવ છે,
* પહેલા સમયની નિર્મળ પર્યાયનો પણ બીજા સમયે અભાવ છે,
તે ત્રણે અભાવરૂપ છે, તે કોઈ બીજા સમયે ભાવરૂપ થતા નથી, તો બીજા સમયનો શુદ્ધભાવ ક્યાંથી આવ્યો?
કે શુદ્ધ દ્રવ્યમાં જ તેવા ભાવરૂપ થવાની તાકાત છે, તેથી તે પોતે જ બીજા સમયે તેવા ભાવરૂપ થયું છે–આ રીતે શુદ્ધ
દ્રવ્યને લક્ષમાં લઈને તેની સન્મુખ પરિણમે તેને જ અભાવ–ભાવશક્તિવાળા આત્માને જાણ્યો અને માન્યો છે. વર્તમાન
પર્યાયમાં એવી તાકાત નથી કે તે બીજી પર્યાયને પ્રગટાવે, એટલે પર્યાયદ્રષ્ટિથી ‘અભાવ–ભાવ’ શક્તિવાળા આત્માની
પ્રતીત થઈ શકતી નથી, જેને શુદ્ધ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી તેને આત્માની શક્તિઓનું નિર્મળ પરિણમન થતું નથી.
વર્તમાનમાં જે નિર્મળ પર્યાયો અભાવરૂપ છે તે પ્રગટવાની શક્તિ મારા આત્મામાં છે, તેથી મારા આત્માની
શક્તિ સન્મુખ થઈને ‘અભાવનો ભાવ’ કરું–એમ ન માનતાં, પરમાંથી મારી નિર્મળ પર્યાય લાવું–એમ અજ્ઞાની માને છે,
તેને નિજશક્તિની પ્રતીત નથી. ધર્મીને નિજ શક્તિની પ્રતીત છે, તે પોતાની પર્યાય પરમાંથી આવવાનું માનતા નથી,
એટલે પોતાની નિર્મળ પર્યાય પ્રગટાવવા માટે તે પરની સામે કે વિકારની સામે જોતા નથી, પર્યાયબુદ્ધિ કરતા નથી, પણ
શુદ્ધ દ્રવ્યની સન્મુખ એકાગ્ર થઈને તેમાંથી નિર્મળ પર્યાય પ્રગટ કરે છે. નિર્મળ પર્યાયની તાકાત જ્યાં ભરી હોય તેમાંથી
આવે કે બહારમાંથી? જ્યાં શુદ્ધ જ્ઞાન–આનંદની તાકાત ભરી છે તેની સન્મુખ થતાં તેમાંથી જ્ઞાન–આનંદની શુદ્ધ પર્યાય
પ્રગટે છે. સ્વશક્તિની સન્મુખ થયા વિના બહારથી પ્રગટ કરવા માંગે તો અનંતકાળે પણ તે પ્રગટે નહિ.
અજ્ઞાની તો, પરનો પોતામાં ‘અભાવ’ છે તેને ‘ભાવ’ રૂપ કરવા માંગે છે; આત્માની અભાવ–ભાવશક્તિની
તેને ખબર નથી.
જ્ઞાની તો, ‘અભાવરૂપ’ એવી નિર્મળ પર્યાયને પોતાની સ્વશક્તિમાં અંતર્મુખ થઈને ‘ભાવ’ રૂપ કરે છે,
એટલે શુદ્ધતામાંથી શુદ્ધતાને જ પ્રગટ કરતો જાય છે. શુદ્ધસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ નથી તે વિકારને લંબાવવા માંગે છે,
જે શુભાશુભ પરિણામ છે તે બીજી ક્ષણે પ્રગટ કરું–એમ તેને આસ્રવની જ ભાવના છે; આત્માની શુદ્ધશક્તિની ભાવના
તેને નથી.
આત્મા જડની ક્રિયા કરે અથવા જડની ક્રિયાથી આત્માને લાભ થાય એમ માનનાર પોતામાં જડનો ‘ભાવ’
કરવા ઇચ્છે છે, તે મિથ્યાદ્રષ્ટિ છે.

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ૧૪ઃ આત્મધર્મઃ ૧૬૯ઃ
એ જ પ્રમાણે વિકારથી લાભ માનનાર વિકારને પોતામાં ભાવરૂપ રાખવા ઇચ્છે છે, તે પણ મિથ્યાદ્રષ્ટિ છે, તેને
ક્ષણે ક્ષણે વિકારનો જ ભાવ થાય છે, પણ નિર્મળતાનો ભાવ થતો નથી. દયાદિના શુભ પરિણામ હું ભવિષ્યમાં ટકાવી
રાખીશ–એમ જેની ભાવના છે તેને આસ્રવની ભાવના છે એટલે સંસારની ભાવના છે. સમ્યગ્દ્રષ્ટિની ભાવના સ્વભાવ
ઉપર છે, તે તો શુદ્ધ સ્વભાવની ભાવનાથી શુદ્ધતાનો જ ભાવ કરતો જાય છે. હું અનંત શક્તિનો પિંડ શુદ્ધચૈતન્ય
સ્વભાવ છું, સમસ્ત રાગનો મારા સ્વભાવમાં અભાવ છે; મારા સ્વભાવમાં એવી તાકાત છે કે જે નિર્મળ પર્યાય પહેલાં
અભાવરૂપ હોય તેને પ્રગટ કરું,–આમ પોતાના સ્વભાવને જાણીને, તેની જ ભાવનાથી ધર્મી જીવ નિર્મળ પર્યાયરૂપે
પરિણમતો જાય છે.
અનાદિ કાળના અજ્ઞાની જીવે, સત્સમાગમે બહુમાનપૂર્વક સ્વભાવનું શ્રવણ કરીને, પછી અંતર્મુખ થઈને
તે સ્વભાવની પ્રતીત કરી ત્યાં અનાદિના મિથ્યાત્વનો અભાવ થયો (તે ભાવ–અભાવ છે), અને અપૂર્વ
સમ્યગ્દર્શન પ્રગટ થયું (તે અભાવ–ભાવ છે); આવું સમ્યગ્દર્શન થયું તે જ સમયે સિદ્ધદશા વર્તમાન નથી તો
પણ ભવિષ્યની સિદ્ધપર્યાય પ્રગટવાની તાકાત મારા દ્રવ્યમાં છે–એમ દ્રવ્યદ્રષ્ટિના જોરે સમકિતીને સિદ્ધદશાની
નિઃશંકતા થઈ ગઈ છે. સિદ્ધદશા કરું કે સમ્યગ્દર્શનાદિ કરું એવા વિકલ્પથી કાંઈ સિદ્ધદશા કે સમ્યગ્દર્શનાદિ થતા
નથી, પણ નિર્વિકલ્પ દ્રવ્યસ્વભાવ તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ–પર્યાય પ્રગટી જાય છે માટે ધર્મીની
દ્રષ્ટિમાં આવા શુદ્ધદ્રવ્યસ્વભાવની જ મુખ્યતા છે. ‘મોક્ષ કરું’ એવા વિકલ્પ આવે પણ તે વિકલ્પની મુખ્યતા
નથી, વિકલ્પનું શરણ નથી, શુદ્ધસ્વભાવનું જ શરણ છે. તેના શરણે જ મિથ્યાત્વ ટળીને સમ્યક્ત્વ થાય છે,
તેના શરણે જ અસ્થિરતા ટળીને સ્થિરતા થાય છે, તેના શરણે જ અલ્પજ્ઞતા ટળીને સર્વજ્ઞતા થાય છે. આ રીતે
શુદ્ધદ્રવ્યસ્વભાવના આશ્રયે શુદ્ધપરિણમન થાય છે–તેમાં પુરુષાર્થ પણ ભેગો જ છે, અને એ જ સમ્યક્ પુરુષાર્થ
છે. આ સિવાય એક પુરુષાર્થ ગુણને જુદો પાડીને પુરુષાર્થ કરવા જાય–તો તેને ભેદના આશ્રયે રાગ જ થાય છે,
પણ શુદ્ધતા થતી નથી. ‘હું પુરુષાર્થ કરું’ એવા વિકલ્પથી ખરો પુરુષાર્થ થતો નથી, પુરુષ એટલે શુદ્ધઆત્મા
તેની સાથે પરિણતિ એકમેક થઈને શુદ્ધતારૂપે પરિણમી તે જ ખરો પુરુષાર્થ છે, તેમા એક સાથે અનંતગુણોનું
નિર્મળ પરિણમન ઊછળે છે. શુદ્ધ ચૈતન્યતત્ત્વની સન્મુખ થઈને તેમાં સાવધાની કરી ત્યાં હવે વિષયકષાયરૂપી
ચોર આવી શકતા નથી.
આ ચૈતન્યસ્વરૂપ આત્માના પરિણમનમાં એવું ભાવ–અભાવપણું છે કે પહેલા સમયની અવસ્થા બીજા સમયે
અભાવરૂપ થઈ જાય છે. એટલે દરેક સમયે તેની અવસ્થા પલટી જાય છે. જો એક જ અવસ્થા ચાલુ રહ્યા કરે ને ભાવનો
અભાવ ન થાય તો અજ્ઞાનીનું અજ્ઞાન કદી ટળે જ નહિ, સાધકનું સાધકપણું કદી ટળે જ નહિ; તેમજ નવી અવસ્થા
પ્રગટવારૂપ ‘અભાવ–ભાવ’ જો ન હોય તો અનાદિથી અભાવરૂપ એવું સમ્યગ્જ્ઞાન કદી પ્રગટે જ નહિ, કેવળજ્ઞાન પ્રગટે
જ નહિ.–પણ એમ નથી. આચાર્ય ભગવાન કહે છે કે અરે જીવ! તું મુંઝાઇશ નહિ...મુંઝાઇશ નહિ... ‘અરેરે ઘણા કાળથી
સેવેલું અજ્ઞાન હવે કેમ ટળશે? ને મને સમ્યગ્જ્ઞાન કેમ થશે?’ આમ તું મુંઝાઈશ નહીં. અનાદિથી અજ્ઞાન સેવ્યું માટે તે
અજ્ઞાન સદાય ટકી જ રહે–એમ નથી, અને અનાદિથી જ્ઞાન ન કર્યું માટે હવે તે જ્ઞાન ન જ થાય– એમ પણ નથી.
અનાદિથી સમયે સમયે વિદ્યમાન એવા અજ્ઞાનનો અભાવ કરીને અપૂર્વ સમ્યગ્જ્ઞાનનો ભાવ થાય છે– એવી શક્તિઓ
તારા આત્મામાં ભરી છે, તેનો એક વાર વિશ્વાસ કર તો તારી મુંઝવણ મટી જાય. જે જે પર્યાય આવે છે તે ‘અભાવ’ ને
સાથે લેતી આવે છે એટલે બીજે સમયે જરૂર તેનો અભાવ થઈ જશે. જેમ, જે જન્મે છે તે મરણને સાથે જ લેતું આવે છે
તેમ જે પર્યાય જન્મે છે તે બીજા સમયે જરૂર નાશ પામે છે. અને બીજા સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય છે. શુદ્ધદ્રવ્યનો
આશ્રય કરનારને તે પર્યાય શુદ્ધ થાય છે, માટે હે ભાઈ! તું મુંઝાઈશ નહિ; આ અધૂરી પર્યાય વખતે જ તેની પાછળ
(અંતર સ્વભાવમાં) પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટવાની તાકાત તારા આત્મામાં ભરી છે, માટે તેની સન્મુખ થા.
વર્તમાનમાં આત્માને સંસારપર્યાયનો સદ્ભાવ છે, પણ તે ‘ભાવનો અભાવ’ કરી નાંખે એવી તાકાત પણ
સાથે જ પડી છે. જો તેને પ્રતીતમાં લ્યે તો સંસારનો અભાવ થયા વિના રહે નહિ.
અને વર્તમાનમાં આ આત્માને સિદ્ધપર્યાયનો અભાવ છે, પણ તે ‘અભાવનો ભાવ’ કરવાની તાકાત

PDF/HTML Page 16 of 21
single page version

background image
કારતકઃ ૨૪૮૪ઃ૧પઃ
પણ સાથે જ પડી છે. જો આત્માના આવા સ્વભાવને પ્રતીતમાં લ્યે તો સિદ્ધદશા પ્રગટયા વિના રહે નહિ.
–આ રીતે ‘ભાવ–અભાવ’ અને ‘અભાવ–ભાવ’ શક્તિવાળા આત્મસ્વભાવને ઓળખતાં સંસાર ટળીને
સિદ્ધદશા થાય છે. તે સિદ્ધદશા થયા પછી પણ ભાવ–અભાવ ને અભાવ–ભાવ તો થયા જ કરે છે, અર્થાત્ એક પછી
એક પર્યાય બદલાયા જ કરે છે, પણ તે બધી પર્યાયો એકસરખી શુદ્ધ જ થાય છે, ક્ષણે ક્ષણે નવી નવી પર્યાયનો
અનુભવ થયા કરે છે.
ભાવનો અભાવ અને અભાવનો ભાવ એવા અખંડ પ્રવાહની ધારામાં સાધક ધર્મીને શુદ્ધતાની વૃદ્ધિ થતી જાય છે.
જગતના ચેતન કે અચેતન બધા પદાર્થોમાં પણ ભાવનો અભાવ ને અભાવનો ભાવ એવું પર્યાયનું રૂપાંતર
પોતપોતાના સ્વભાવથી થઈ જ રહ્યું છે. જે જીવ આવા વસ્તુસ્વભાવને જાણે તેને જગતના કોઈ પણ પદાર્થોમાં
‘ચાલતી પર્યાયનો હું અભાવ કરું કે ન હોય તેને હું ઉત્પન્ન કરું’ એવી ભ્રમણાબુદ્ધિ રહેતી નથી, પણ મોહરહિત
જ્ઞાતાપણું જ રહે છે.
ચૈતન્યસ્વભાવની અતિશય વિરાધના કરનાર જીવ નિગોદ અવસ્થાને (–આત્માની હલકામાં હલકી
દશાને) પામે છે; જીવના સ્વભાવને ભૂલીને દેહની અત્યંત મૂર્ચ્છાથી તે નિગોદનો જીવ એક અંતર્મુહૂર્તમાં
ઉત્કૃષ્ટપણે ૬૬૩૩૬ શરીર ફેરવી નાંખે છે, એક શરીર છોડીને બીજું, ને બીજું છોડીને ત્રીજું–એમ ૬૬૩૩૬ ભવ
૪૮ મિનિટમાં ધારણ કરે છે.–જુઓ એની મમતાનું ફળ!! અને ક્ષણેક્ષણે તે અનંતાનંત દુઃખની વેદના ભોગવી
રહ્યો છે–એવું અપાર દુઃખ, કે જેને કેવળીભગવાન જ જાણે અને તે નિગોદનો જીવ જ ભોગવે! અને
સિદ્ધભગવંતો શરીરરહિતપણે સમયે સમયે ચૈતન્યની પર્યાય પલટાવીને પરિપૂર્ણ આનંદનો જ અનુભવ કરી
રહ્યા છે. દેહની મમતા તોડીને દેહથી ભિન્ન આનંદસ્વરૂપ આત્માની આરાધના કરીને તેના ફળમાં સિદ્ધદશા
પ્રગટી, ત્યાં ક્ષણેક્ષણે દેહાતીત અતીન્દ્રિય આનંદનું જ વેદન છે; એક આનંદપર્યાય પલટીને બીજી ને બીજી
આનંદ પર્યાય પલટીને ત્રીજી, એમ સાદિઅનંત આનંદની જ ધારા ચાલ્યા કરે છે. અહો! એ આનંદ જગતના
જીવોને ઇન્દ્રિયદ્વારા ગમ્ય નથી.
વર્તમાન સાધકદશામાં સિદ્ધદશાનો અભાવ હોવા છતાં તે અભાવનો ભાવ થવાની તાકાત આત્મામાં છે.
સંસાર પર્યાય વખતે સિદ્ધપર્યાય પ્રગટ ન હોય, પણ તે પ્રગટવાની તાકાત તો આત્મામાં ભરી જ છે. અંદરમાં
તાકાત ભરી છે તેમાંથી જ તે પર્યાય ચાલી આવે છે. જેમ પાણીનું મોટું સરોવર ભર્યું હોય તેમાંથી ધારાપ્રવાહ
ચાલ્યો આવે; તેમ આ ચૈતન્યસરોવર–આનંદસરોવર એવા આત્માના સ્વભાવમાં નિર્મળ પર્યાયો પ્રગટવાની
તાકાત ભરી છે તેમાંથી જ નિર્મળ પર્યાયોનો પ્રવાહ ચાલ્યો આવે છે,–પણ કોને? કે જે પોતાના સ્વભાવ સામે
જુએ તેને.
આહા! મારા આનંદ માટે મારે ક્યાંય પર સામે જોવાનું જ નથી....મારો આત્મા જ આખે આખો
આનંદસ્વભાવથી ભરેલો છે. તેના જ સંતોએ અપાર ગાણાં ગાયા છે.–આમ સ્વસન્મુખ થઈને પોતાના સ્વભાવની
પ્રતીત કરવી તે જ આ શક્તિઓના વર્ણનનું તાત્પર્ય છે.
હે જીવ! સિદ્ધદશા વગેરે નિર્મળ પર્યાયનો અત્યારે તારામાં અભાવ છે ને તેનો ભાવ કરવો છે, તો તે
અભાવનો ભાવ કોના આધારે થશે? નિમિત્તના, વિકારના કે વર્તમાન પર્યાયના આધારે તે ભાવ નહિ થાય;
એક પર્યાયમાં બીજી પર્યાયને પ્રગટ કરવાનું સામર્થ્ય નથી; પણ વસ્તુના સ્વભાવમાં ત્રિકાળશક્તિ પડી છે
તેમાંથી સમયે સમયે અવિદ્યમાન પર્યાયોનો ઉત્પાદ થયા કરે છે, માટે અભાવરૂપ એવી નિર્મળ પર્યાયોનો ભાવ
દ્રવ્યસ્વભાવની સન્મુખતાથી થાય છે. અભાવભાવશક્તિની પ્રતીત કરનાર દ્રવ્યસ્વભાવની સન્મુખ થાય છે અને
દ્રવ્યના આશ્રયે તેને ક્ષણે ક્ષણે વિશેષ વિશેષ નિર્મળ પર્યાયો પ્રગટતી જાય છે. અલ્પજ્ઞતા વખતે સર્વજ્ઞતાનો
અભાવ છે, પણ વસ્તુમાં સર્વજ્ઞતાની શક્તિ ત્રિકાળ ભરી છે–તેની ધર્મીને પ્રતીત છે; અને તે શક્તિના આધારે
જ સર્વજ્ઞતા ખીલી જશે (–અભાવનો ભાવ થઈ જશે) એવી ધર્મીને નિઃશંકતા છે. ચોથા ગુણસ્થાને પર્યાયમાં
કેવળજ્ઞાનનો અભાવ હોવા છતાં સમકિતીને સર્વજ્ઞશક્તિવાળો આત્મસ્વભાવ પ્રતીતમાં આવી ગયો છે એટલે
શ્રદ્ધાઅપેક્ષાએ કેવળજ્ઞાન થઈ ગયું છે. જો સર્વજ્ઞ શક્તિનો નિઃશંક નિર્ણય ન થાય તો તે જીવે આત્માને જાણ્યો
જ નથી. પૂર્ણતા પ્રગટયા પહેલાં, જેનામાંથી પૂર્ણતા પ્રગટવાની છે એવા સ્વભાવની પ્રતીત થઈ જાય છે તેનું
નામ સમ્યગ્દર્શન છે. જો આત્માના સ્વભાવને પ્રતીતમાં લ્યે તો, “અરેરે! અનાદિનું અલ્પજ્ઞપણું છે તે કેમ
ટળે! અને અનાદિથી સર્વજ્ઞપણું નથી થતું તે હવે કેમ થાય?”–એવી શંકા કે મુંઝવણ ન રહે. વિદ્યમાન એવી
અલ્પજ્ઞતાનો અભાવ કરી નાંખે, અને નહિ પ્રગટેલી એવી સર્વજ્ઞતાને પ્રગટ કરે–એવી મારા

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ૧૬ઃ આત્મધર્મઃ ૧૬૯
આત્મામાં તાકાત છે–એમ સાધકને આત્મવિશ્વાસ જાગી ગયો છે, એટલે હવે તે શક્તિના અવલંબને
અલ્પકાળમાં અલ્પજ્ઞતા ટળી જશે ને સર્વજ્ઞતા પ્રગટી જશે,–તેમાં સાધકને સંદેહ રહેતો નથી. અહો!
અનંતશક્તિ સંપન્ન ચૈતન્ય ભગવાન સમયે સમયે બિરાજી રહ્યો છે, તેની સન્મુખ થઈને સેવન કરતાં કરતાં
સાધકને અવિદ્યમાન એવા કેવળજ્ઞાનાદિ ભાવો ખીલી જાય છે. પર્યાયના આધારે પર્યાય નથી, એટલે ધર્મીની
દ્રષ્ટિમાં પર્યાયનું અવલંબન નથી પણ અખંડ આત્મસ્વભાવનું જ અવલંબન છે. જ્યાં અખંડ આત્માનું
અવલંબન લીધું ત્યાં મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યગ્દર્શન થયું છે; અને ત્યાર પછી પણ તેના જ અવલંબને
સાધકને નિર્મળ–નિર્મળ પર્યાયોના જ ભાવ–અભાવ ને અભાવ–ભાવ થયા કરે છે. એ ખાસ સમજવા જેવી
વાત છે કે સ્વભાવદ્રષ્ટિમાં સાધકને વિકારનો ભાવ–અભાવ કે અભાવ–ભાવ નથી, પણ નિર્મળતાનો ભાવ–
અભાવ ને અભાવ–ભાવ છે; એક નિર્મળ પર્યાય થઈ તેનો બીજે સમયે અભાવ, ને બીજી નિર્મળ પર્યાયનો
ભાવ, વળી બીજા સમયે તે નિર્મળ પર્યાયનો અભાવ ને ત્રીજી નિર્મળ પર્યાયનો ભાવ, એ રીતે સ્વભાવના
આશ્રયે નિર્મળતાનો જ ભાવ–અભાવ ને અભાવ–ભાવ થાય છે, સ્વભાવની દ્રષ્ટિમાં વિકારનો તો અભાવ જ
છે, તે દ્રષ્ટિમાં વિકારનું પરિણમન જ નથી, તેથી વિકારનાં ભાવ–અભાવની કે અભાવ–ભાવની આમાં મુખ્યતા
નથી. અહીં તો સ્વભાવ સન્મુખ થઈને, સ્વભાવના અવલંબને નિર્મળ નિર્મળ ક્રમબદ્ધ પર્યાયોના ભાવ–
અભાવરૂપે તથા અભાવ–ભાવરૂપે પરિણમતા સાધક આત્માની વાત છે, નિર્મળપર્યાય સહિત આત્માની વાત
છે. એકલા વિકારરૂપે પરિણમે તેને ખરેખર આત્માનું પરિણમન કહેતા નથી. શુદ્ધસ્વભાવના આશ્રયે આત્મા
નિર્મળ–પર્યાયરૂપે પરિણમી જ રહ્યો છે, ત્યાં ‘આ પર્યાયને આમ પલટાવું’ એવી પર્યાયબુદ્ધિ જ્ઞાનીને નથી, તે
તો સ્વભાવ સાથે એકતા કરીને નિર્મળપણે જ પરિણમતા જાય છે.
ભાવનો અભાવ, ને અભાવનો ભાવ–એ રૂપે સમયે સમયે પરિણમ્યા કરે એવો આત્માનો સ્વભાવ છે
એટલે આત્માના બધા ગુણો પણ એ જ રીતે પરિણમી રહ્યા છે. અનંતગુણના પિંડરૂપ આત્મસ્વભાવના લક્ષે જ્યાં
પરિણમન થયું ત્યાં બધાય ગુણોમાં નિર્મળ પરિણમનની શરૂઆત થઈ જાય છે. દ્રવ્યના અનંત ગુણોમાં એવી
તાકાત (અભાવ–ભાવશક્તિ) છે કે વર્તમાન જે નિર્મળપર્યાયનો અભાવ છે તેનો બીજે સમયે ભાવ થશે; અને
એ રીતે અનંત–અનંતકાળ સુધી નવી નવી નિર્મળ પર્યાયોનો ભાવ આવ્યા જ કરે–એવી આત્મામાં તાકાત છે.
ક્યાંથી તે ભાવ આવશે? દ્રવ્યના સ્વભાવમાંથી; આ રીતે દ્રવ્યસ્વભાવની સન્મુખ થઈને તેની પ્રતીત કરવાની છે.
આ રીતે અનેકાન્તમૂર્તિ આત્માની પ્રતીત કરે તો જ તેની શક્તિઓની પ્રતીત થાય છે, અને તેને જ સ્વભાવની
સન્મુખતાથી નિર્મળ નિર્મળ પર્યાયો થાય છે.–આવું અનેકાંતનું ફળ છે. જે જીવ સ્વભાવસન્મુખ થતો નથી તેને
અનેકાન્તમૂર્તિ આત્માની પ્રતીત થતી નથી તેમજ અનેકાંતના ફળરૂપ નિર્મળ પર્યાય પણ તેને થતી નથી,
“અનેકાન્ત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.”–એમ શ્રીમદ્
રાજચંદ્રજીએ કહ્યું છે તેમાં પણ બંને પડખાં જાણીને શુદ્ધઆત્મસ્વભાવ તરફ વળવાનું જ રહસ્ય બતાવ્યું છે. જે
જીવ શુદ્ધ આત્મસ્વભાવ તરફ વળતો નથી તેને અનેકાન્ત થતો નથી. તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
જેનામાં નિર્મળપર્યાયોની શક્તિ પડી છે તેના લક્ષે નિર્મળ પર્યાયનો વિકાસ થાય છે; ભવિષ્યની જે
નિર્મળપર્યાય પ્રગટ કરવા માંગે છે તે શેમાંથી આવશે? પરના કે વિકારના આશ્રયે નિર્મળપર્યાય નહિ થાય.
પણ પોતાના શુદ્ધસ્વભાવનો આશ્રય કરતાં આત્મા પોતે નિર્મળ પર્યાયરૂપે પરિણમી જશે. પર્યાયમાં ખોટ છે તે
પૂરી કરવી છે (અર્થાત્ કેવળજ્ઞાનનો અભાવ છે તેનો ભાવ કરવો છે) તો તે ક્યાંથી આવશે? દ્રવ્યની
શક્તિમાં પૂર્ણતા ભરી છે તેના અવલંબને પર્યાયમાં પણ પૂર્ણતા પ્રગટી જશે. આ રીતે દ્રવ્યની શક્તિ જ
પર્યાયની ખોટ પૂરી પાડનાર છે, બીજું કોઈ નહિ; માટે સાધકની દ્રષ્ટિમાં દ્રવ્યનું જ અવલંબન છે. જ્ઞાનશક્તિમાં
કેવળજ્ઞાન દેવાની તાકાત છે, શ્રદ્ધા શક્તિમાં ક્ષાયક સમ્યક્ત્વ દેવાની તાકાત છે, આનંદશક્તિમાં પૂરો
અતીન્દ્રિયઆનંદ દેવાની તાકાત છે. આ સિવાય કોઈ સંયોગોમાં કે વિકારમાં એવી તાકાત નથી કે શ્રદ્ધા–જ્ઞાન–
આનંદ આપે. સ્વદ્રવ્યમાં જ એવી તાકાત છે, માટે દ્રવ્ય જ શ્રદ્ધા–જ્ઞાન–આનંદનું દાતાર છે. આવા દ્રવ્યની
સન્મુખ થઈને તેની સેવના કરતા તે શ્રદ્ધા જ્ઞાન ને આનંદની પૂર્ણતાને આપે છે.
જય હો આવા દિવ્યદાનદાતારનો!
– ૩પ મી ભાવઅભાવશક્તિનું તથા ૩૬ મી અભાવભાવશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.

PDF/HTML Page 18 of 21
single page version

background image
કારતકઃ ૨૪૮૪ઃ૧૭ઃ
(મોક્ષઅધિકાર
ઉપરના પ્રવચનોમાંથીઃ
વીર સં. ૨૪૮૩
શ્રાવણ સુદ ૧૧થી શરૂ.)
જિજ્ઞાસુઓને સમજવામાં સુગમતા પડે તે માટે આ વિષય
પ્રશ્નોત્તરરૂપે રજૂ કરવામાં આવ્યો છે.
(ગતાંકથી ચાલુ)
(શરૂઆતમાં આચાર્ય ભગવાને એમ સમજાવ્યું કે, આત્મા અને બંધને સર્વથા જુદા કરવા તે મોક્ષ છે;
અને પ્રજ્ઞારૂપી છીણી વડે એટલે કે ભેદજ્ઞાન વડે તેમને જુદા કરાય છે. પ્રથમ તો આત્મા અને બંધ એ બંનેના
ભિન્ન ભિન્ન લક્ષણો ઓળખવા અને પછી તેમની સૂક્ષ્મ સંધિની વચમાં પ્રજ્ઞા–છીણીને ઉગ્ર પુરુષાર્થવડે
પટકવી. એ રીતે પ્રજ્ઞાછીણીવડે આત્માને અને બંધને ભિન્ન કરીને આત્માને તો ગ્રહણ કરવો એટલે કે તેમાં
એકાગ્ર થવું, ને બંધને તો છોડવો; – આ મોક્ષનો ઉપાય છે. તેનું સ્પષ્ટીકરણ ચાલે છે.)
(૬૪) પ્રશ્નઃ– પ્રજ્ઞાછીણી વડે આત્મા અને બંધનું ભેદજ્ઞાન કરતાં શું થાય?
ઉત્તરઃ– પ્રજ્ઞાછીણી વડે ભેદજ્ઞાન કરતાં જ આત્મામાં મોક્ષના સંદેશા આવી જાય, આત્મામાં સિદ્ધભગવાન જેવા
પરમ આનંદનો નમૂનો આવી જાય.
(૬પ) પ્રશ્નઃ– જેઓ મોક્ષ પામ્યા તેઓ કઈ રીતે પામ્યા છે?
ઉત્તરઃ– જેઓ મોક્ષ પામ્યા તેઓ પ્રજ્ઞાછીણીવડે આત્મા અને બંધનું ભેદજ્ઞાન કરીને મોક્ષ પામ્યા છે.–
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
(૬૬) પ્રશ્નઃ– આત્માને પકડવા માટે શું જોઈએ?
ઉત્તરઃ– આત્માને પકડવા માટે પહેલાં તેની રીત જાણવાની ધીરજ જોઈએ. પહેલાં અંતરમાં ધીરજથી આત્માના
લક્ષણને ઓળખે તો આત્મા પકડાય.
(૬૭) પ્રશ્નઃ– આત્માનું લક્ષણ શું છે?
ઉત્તરઃ– આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે.
(૬૮) પ્રશ્નઃ– તે ચૈતન્યલક્ષણ કેવું છે?
ઉત્તરઃ– ચૈતન્યલક્ષણ અન્ય દ્રવ્યોથી અસાધારણ છે.
(૬૯) પ્રશ્નઃ– અસાધારણ એટલે શું?
ઉત્તરઃ– અસાધારણ એટલે બીજામાં ન હોય તેવું. આત્માનું ચૈતન્ય લક્ષણ આત્મામાં જ છે ને આત્મા સિવાય
બીજામાં નથી, તેથી તે અસાધારણ લક્ષણ છે.
(૭૦) પ્રશ્નઃ– તે ચૈતન્યલક્ષણ વડે શું લક્ષિત કરવું?
ઉત્તરઃ– તે ચૈતન્યલક્ષણ જે જે ગુણોમાં ને પર્યાયોમાં રહેલું છે તે સર્વે ગુણો–પર્યાયો આત્મા છે–એમ લક્ષિત કરવું.
(૭૧) પ્રશ્નઃ– આત્માનું હિત કરવા માટે કોને અગ્ર (મુખ્ય) કરવું?
ઉત્તરઃ– ચૈતન્યલક્ષણને અગ્ર કરવાથી આત્મા પકડાય છે ને આત્માનું હિત થાય છે; પણ રાગ લક્ષણને અગ્ર
કરવાથી તેના વડે આત્મા લક્ષમાં નથી આવતો, માટે તેમાં આત્માનું હિત નથી.

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ૧૮ઃ આત્મધર્મઃ ૧૬૯
(૭૨) પ્રશ્નઃ– રાગ તે આત્માનું લક્ષણ કેમ નથી?
ઉત્તરઃ– કેમકે રાગ તે આત્માના સમસ્ત ગુણ પર્યાયોમાં વ્યાપતો નથી, રાગ વગરનો પણ આત્મા જોવામાં
આવે છે, માટે તે આત્માનું લક્ષણ નથી.
(૭૩) પ્રશ્નઃ– નરકમાં રહેલો જીવ શું આવા આત્માનું લક્ષ કરી શકે?
ઉત્તરઃ– હા; સાતમી નરકમાં રહેલો નારકીનો જીવ પણ, અંતરમાં ચૈતન્યલક્ષણવડે આત્માને લક્ષમાં લઈને
સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે છે.
(૭૪) પ્રશ્નઃ– આ વાત કોને સમજાય તેવી છે?
ઉત્તરઃ– અહો! અંતરમાં જેને આત્માની ભૂખ લાગે–જિજ્ઞાસા જાગે–ગરજ થાય, કે “અરે! મારા હિતનો પંથ શો
છે!! આ ભવદુઃખનો હવે ક્યાંય આરો!! –અંતરમાં મારો આત્મા શું ચીજ છે!!” એવા જીવને આ વાત સમજાય તેવી છે.
(૭પ) પ્રશ્નઃ– કેવા આત્માને લક્ષમાં લેવો તે સમ્યગ્દર્શન છે?
ઉત્તરઃ– ચૈતન્યલક્ષણથી લક્ષિત આત્માને લક્ષમાં લેવો તે સમ્યગ્દર્શન છે.
(૭૬) પ્રશ્નઃ– મોક્ષમાર્ગ શું છે?
ઉત્તરઃ– સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે.
(૭૭) પ્રશ્નઃ– તે મોક્ષમાર્ગ કઈ રીતે પ્રગટ થાય છે?
ઉત્તરઃ– ચૈતન્યલક્ષણે લક્ષિત આત્માને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટે છે.
(૭૮) પ્રશ્નઃ– સાંભળવા છતાં આ વાત ન સમજાય તો તેનું શું કારણ?
ઉત્તરઃ– અંતરમાં જેને આત્માની ખરી રુચિ ને દરકાર હોય તેને આ વાત સમજાયાવગર રહે નહિ; ન સમજાય
તો તે જીવની પોતાની રુચિનો દોષ છે.
(૭૯) પ્રશ્નઃ– લક્ષણ એટલે શું?
ઉત્તરઃ– લક્ષણ એટલે વસ્તુને ઓળખવાનું ચિહ્ન.
(૮૦) પ્રશ્નઃ– આત્મા કયા ચિહ્ન વડે ઓળખાય છે?
ઉત્તરઃ– આત્મા ચૈતન્ય–ચિહ્ન વડે જ ઓળખાય છે. એ સિવાય દેહની ક્રિયા વડે કે રાગાદિ વડે આત્મા
ઓળખાતો નથી.
(૮૧) પ્રશ્નઃ– રાગવડે આત્મા કેમ ઓળખાતો નથી?
ઉત્તરઃ– કેમકે રાગ તે આત્માનું લક્ષણ નથી, પણ બંધનું લક્ષણ છે.
(૮૨) પ્રશ્નઃ– રાગને અને જ્ઞાનને એકતા છે કે નથી?
ઉત્તરઃ– ના, રાગને અને જ્ઞાનને એકતા નથી.
(૮૩) પ્રશ્નઃ– જો રાગને અને જ્ઞાનને એકતા નથી તો રાગની ઉત્પત્તિ જ્ઞાનની સાથે જ કેમ દેખાય છે?
ઉત્તરઃ– રાગની ઉત્પત્તિ જ્ઞાનની સાથે જ દેખાય છે તે તેમના એકપણાને લીધે નહિ, પણ તેમના જ્ઞેય–
જ્ઞાયકપણાની અતિ નિકટતાને લીધે જ છે.
(૮૪) પ્રશ્નઃ– જ્ઞાનમાં જે રાગાદિક જણાય છે તે શું જાહેર કરે છે?
ઉત્તરઃ– જ્ઞાનમાં રાગાદિક જણાય છે તે તો જ્ઞાનના ચેતકસ્વભાવને જાહેર કરે છે, તે કાંઈ જ્ઞાનના
રાગાદિપણાને જાહેર નથી કરતું.
(૮પ) પ્રશ્નઃ– એ રીતે જ્ઞાન અને રાગની ભિન્નતા હોવા છતાં, તેમાં એકતા હોવાનો અજ્ઞાનીને જે ભ્રમ છે તે
કઈ રીતે છેદી શકાય?
ઉત્તરઃ– અજ્ઞાનીનો તે ભ્રમ પ્રજ્ઞાછીણી વડે જ અવશ્ય છેદી શકાય છે.
(૮૬) પ્રશ્નઃ– મોક્ષાર્થીએ શું કરવું?
ઉત્તરઃ– મોક્ષાર્થીએ આત્મા અને બંધ બંનેને ભિન્ન ભિન્ન લક્ષણ વડે ઓળખીને પ્રજ્ઞાછીણી વડે જુદા જુદા
કરવા; એ પ્રમાણે બંનેને ભિન્ન ભિન્ન કરીને બંધને તો છોડવો ને ચૈતન્યસ્વરૂપ આત્મામાં મગ્ન થવું.
(૮૭) પ્રશ્નઃ– પ્રજ્ઞાછીણી વડે આત્મા અને બંધને જુદા કરી શકાય છે એમ કોણ જાણે છે?
ઉત્તરઃ– આચાર્યદેવ કહે છે કે પ્રજ્ઞાછીણીવડે આત્મા અને બંધને છેદીને જુદા કરી શકાય છે, એમ અમે જાણીએ
છીએ. આ રીતે જે કોઈ જીવો અંતરમાં ભેદજ્ઞાન કરે છે તેઓને પોતાને તેની ખબર પડે છે. પુરુષાર્થ વડે અંતરમાં
ભેદજ્ઞાન કરે અને તેની પોતાને ખબર ન પડે એમ બને નહિ.
(૮૮) પ્રશ્નઃ– રાગાદિ કરતાં ચૈતન્યની અધિકતા કઈ રીતે છે?
ઉત્તરઃ– ચૈતન્ય આત્માની જેટલી પર્યાયમાં વ્યાપતું પ્રતિભાસે છે તેટલા રાગાદિ પ્રતિભાસતા નથી, અર્થાત્
ચૈતન્ય તો આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપેલું છે, ત્યારે રાગ કાંઈ આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતો નથી; ચૈતન્ય
વિના તો આત્મા કદી હોતો નથી, ત્યારે રાગ વિના તો આત્મા હોય છે; આ રીતે રાગ કરતાં ચૈતન્યની અધિકતા છે,
એટલે તે બંનેની ભિન્નતા જ છે એમ સમજવું.
(૮૯) પ્રશ્નઃ– ચૈતન્ય વિનાનો આત્મા હોય?

PDF/HTML Page 20 of 21
single page version

background image
કારતકઃ ૨૪૮૪ઃ૧૯ઃ
ઉત્તરઃ– ના, ચૈતન્ય વિનાનો આત્મા કદી સંભવતો નથી.
(૯૦) પ્રશ્નઃ– રાગ વિનાનો આત્મા હોય?
ઉત્તરઃ– હા; રાગ વિના પણ આત્મલાભ સંભવે છે. કેવળજ્ઞાનાદિ અવસ્થામાં વર્તતો આત્મા રાગ વગરનો જ છે.
(૯૧) પ્રશ્નઃ– રાગ વડે મોક્ષ કેમ ન થાય?
ઉત્તરઃ– મોક્ષદશા થતાં રાગ તો આત્મામાંથી નીકળી જાય છે; જે આત્મામાંથી નીકળી જાય તેના વડે મોક્ષપ્રાપ્તિ
કેમ થાય?
(૯૨) પ્રશ્નઃ– રાગાદિ તે મોક્ષનું કારણ કેમ નથી?
ઉત્તરઃ– કેમકે તે રાગાદિ આત્માનો સ્વભાવ નથી, માટે તે મોક્ષનું કારણ નથી.
(૯૩) પ્રશ્નઃ– રાગાદિ આત્માનો સ્વભાવ કેમ નથી?
ઉત્તરઃ– કેમકે જો રાગાદિ આત્માનો સ્વભાવ હોય તો આત્મા તેનાથી રહિત કદી થઈ શકે નહિ, પરંતુ કેવળજ્ઞાનાદિ
અવસ્થામાં તો આત્મા રાગ રહિત થઈ જાય છે, –માટે નક્કી થાય છે કે તે રાગાદિ આત્માનો સ્વભાવ નથી.
(૯૪) પ્રશ્નઃ– રાગાદિ તે આત્મા નથી તો તે કયું તત્ત્વ છે?
ઉત્તરઃ– રાગાદિ તે બંધતત્ત્વસ્વરૂપ છે.
(૯પ) પ્રશ્નઃ– રાગાદિક તે બંધતત્ત્વ છે, એમ ક્યારે જાણ્યું કહેવાય?
ઉત્તરઃ– હું રાગાદિકથી ભિન્ન જ્ઞાન સ્વભાવી છું, ને આ રાગાદિક ભાવો મારાથી ભિન્ન, મારા જ્ઞાનના જ્ઞેય
છે–એમ જ્યારે સ્વસન્મુખ થઈને જાણે ત્યારે આત્માને તેમજ બંધતત્ત્વને જાણ્યા કહેવાય.
(૯૬) પ્રશ્નઃ– મોક્ષાર્થી જીવ કેવો હોય?
ઉત્તરઃ– મોક્ષાર્થી જીવ મોક્ષના કારણને આદરે છે પણ બંધના કારણને આદરતો નથી, રાગાદિ ભાવોને તે
બંધના કારણ તરીકે જાણે છે તેથી તેને તે આદરણીય માનતો નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગને તે
આદરણીય માને છે.
(૯૩) પ્રશ્નઃ– સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તે કોને અવલંબે છે?
ઉત્તરઃ– સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તે શુદ્ધ આત્માને જ અવલંબે છે, રાગને કે પરને
અવલંબતો નથી. પરથી ને રાગથી તો તે રત્નત્રયમાર્ગ અત્યંત ઉદાસીન છે.
(૯૮) પ્રશ્નઃ– આવો મોક્ષમાર્ગ પ્રગટ કરવા માટે શું કરવું જોઈએ?
ઉત્તરઃ– આવો મોક્ષમાર્ગ પ્રગટ કરવા માટે પ્રથમ તો બરાબર નિર્ણય કરવો જોઈએ કે મારું મોક્ષસાધન મારા
આત્માના અવલંબને છે, એ સિવાય બહારમાં કોઈના અવલંબને કે રાગના અવલંબને મારું મોક્ષસાધન નથી–આવો
નિર્ણય કરીને, ભેદજ્ઞાનના બળે વારંવાર અંતર્મુખ થવાનો અભ્યાસ કરવાથી, શુદ્ધાત્માના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટે છે.
(૯૯) પ્રશ્નઃ– મોક્ષાર્થીઓએ કેવા સિદ્ધાંતનું સેવન કરવું?
ઉત્તરઃ– મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે ‘હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર એક પરમ જ્યોતિ સદાય છું; અને આ
જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.’
(૧૦૦) પ્રશ્નઃ– શ્રી ગુરુનો આ ઉપદેશ પામીને શું કરવું?
ઉત્તરઃ– શ્રી ગુરુનો ઉપદેશ પામીને, આત્મા અને બંધ બંનેના જુદા જુદા લક્ષણો ઓળખીને તેમને ભિન્ન
ભિન્ન અનુભવવાં; આત્માને તો પોતાના ચૈતન્યસ્વરૂપમાં મગ્ન કરવો, ને બંધને પોતાથી ભિન્ન જાણી છોડવો–આમ
કરવાથી મોક્ષપદ પમાય છે.
–––––––––––––––
કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા,
નિર્ગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.
શ્રીમદ્ રાજચંદ્રના ઉપરોક્ત વચનામૃત આત્મધર્મના ગયા અંકમાં છપાયેલ છે, પરંતુ તેમાં “અમોઘ” શબ્દ
ભૂલથી વધારે છપાઈ ગયો છે.
–––––––––––––––
આત્મધર્મના ગ્રાહકોનેઃ–
‘આત્મધર્મ’ માસિકને અંગે જે કંઈ ફરિયાદ કે સૂચન કરવાનું હોય તે, પંદર દિવસમાં “જૈન સ્વાધ્યાય મંદિર
ટ્રસ્ટ–‘સોનગઢ” ના સીરનામે કરવી.
આ અંકથી ‘આત્મધર્મ’ નું નવું વરસ શરૂ થાય છે.
‘આત્મધર્મ’ નું લવાજમ રૂા. ત્રણને બદલે રૂા. ચાર લેવાનો નિર્ણય કર્યો છે.
આપે આપનું નવા વરસનું લવાજમ ન મોકલ્યું હોય તો કા. શુ. ૧પ સુધીમાં મોકલી આપવા વિનંતી છે.
ત્યારબાદ વી. પી. કરવામાં આવશે.