Hoon Parmatma (Gujarati). Pravachan: 9-11.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 13

 

Page 50 of 238
PDF/HTML Page 61 of 249
single page version

background image
પ૦] [હું
[પ્રવચન નં. ૯]
વીતરાગ સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિનો સારઃ-
તું પરમાત્મા જ છો એમ અનુભવ કર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧પ-૬-૬૬]
આ યોગસાર ચાલે છે. તેની ર૧ મી ગાથામાં કહે છે કે આત્મા જ જિનવર છે-
એ સિદ્ધાંતનો સાર છે. ચાર અનુયોગનો સાર, સર્વે સિદ્ધાંતનો સાર, દિવ્યધ્વનિનો સાર
શું છે? તે આ ગાથામાં કહેવામાં આવે છે.
जो जिणु सो अप्पा मुणहु इहु सिद्धंतहं सारु ।
इउ जाणेविणु जोइयहो छंडहु मायाचारु ।। २१।।
જિનવર તે આતમ લખો, એ સિદ્ધાંતિક સાર;
એમ જાણી યોગીજનો, ત્યાગો માયાચાર.
ર૧.
ભગવાનની વાણીમાં-ચારે અનુયોગમાં એમ આવ્યું કે જે જિનેન્દ્ર છે તે જ
આત્મા છે એમ મનન કરો. પોતે સર્વજ્ઞ ને વીતરાગ થયા પછી જે વાણીમાં આવ્યું તે
એમ આવ્યું કે અમે જે છીએ તેટલો જ તું છો ને તું છો તે અમે છીએ-સ્વરૂપે
પરમેશ્વરના સ્વરૂપમાં ને આત્માના સ્વરૂપમાં કાંઈ ફેર નથી. વસ્તુ તરીકે બે ભિન્ન છે
પણ ભાવ તરીકે ફેર નથી.
જે આત્માઓએ પોતાના સ્વરૂપને વીતરાગ જ્ઞાતાદ્રષ્ટા તરીકે જાણીને ભેદનું લક્ષ
છોડી દઈને અભેદ ચૈતન્યનું સાધન કર્યું તે આત્માઓની કથાને પુરાણ કહે છે. તીર્થંકર,
ચક્રવર્તી, વાસુદેવ, બળદેવનું એમાં વર્ણન છે. એ બધાં વર્ણનમાં શું આવ્યું? કે એ બધા
સલાકા પુરુષોએ વીતરાગ જેવો જ હું આત્મા છું, એમને મોક્ષ પ્રગટ થઈ ગયો ને મારે
મોક્ષ સ્વભાવમાં પડેલો જ છે એમ આત્મતત્ત્વને વીતરાગ પરમાત્મા જેવો તે સલાકા
પુરુષોએ જાણ્યો હતો એ જ પ્રથમાનુયોગમાં કહેવાનું તાત્પર્ય-સાર છે.
કરણાનુયોગનો સાર શું છે?-કે કરણાનુયોગમાં જે કહ્યું કે કર્મ નિમિત્ત છે, તેના
નિમિત્તે વિકાર થાય, અનેક પ્રકારની અવસ્થાઓ થાય પણ એનાથી રહિત આત્મા છે
એ કહેવાનો આશય છે. કરણાનુયોગમાં કહેવાનો આશય એ છે કે કર્મ એક ચીજ છે,
તેના લક્ષે જીવની અનેક અવસ્થાઓ થાય છે અને એના લક્ષે કેવા પરિણામ હોય છે તે
બતાવીને એ બધાં વિકારી પરિણામ ને કર્મથી રહિત તું છો એમ બતાવ્યું છે. પરંતુ
કર્મના લઈને તું દુઃખી થયો છો કે તેનાથી સહિત તું છો એમ ત્યાં નથી બતાવવું.
વર્તમાન પર્યાયમાં

Page 51 of 238
PDF/HTML Page 62 of 249
single page version

background image
પરમાત્મા] [પ૧
કર્મ ને વિકારનું સહિતપણું-સંબંધ છે પણ વસ્તુમાં એનો સંબંધ નથી એમ બતાવીને
આત્મા વીતરાગ પરમાત્મા સમાન છે-એ કરણાનુયોગના કહેવાનો સાર છે.
સર્વજ્ઞદેવનું જે કથન આવ્યું તે સર્વજ્ઞ ને વીતરાગ થયા પછી આવ્યું છે ને! તેથી
તેમાં શું આવે?-કે તું સર્વજ્ઞ ને વીતરાગ થા તે માટે ચારે અનુયોગ કહ્યાં છે. ભગવાન
આત્મા પરમાત્મા સમાન છે. ભાઈ! વિકાર સહિત કહ્યો તે રહિતપણે બતાવવા માટે કહ્યું
છે, એનું સહિતપણું વસ્તુમાં નથી એ બતાવવા માટે સહિતપણું બતાવ્યું છે. કેમ કે ચારે
અનુયોગનું તાત્પર્ય તો વીતરાગતા છે, એ વીતરાગતા ક્યારે આવે? જ્ઞાનાવરણીએ
જ્ઞાનને રોકયું-એમ બતાવ્યું એટલે શું?-કે તું જ્યારે જ્ઞાનની અવસ્થા હીણી કર ત્યારે
તેમાં જ્ઞાનાવરણી નિમિત્ત છે; પરંતુ એ બતાવવાનો હેતુ શું છે?-કે હીનદશા ને
નિમિત્તનો આશ્રય છોડ, ત્યાં રોકવા માટે એ કહ્યું નથી પણ તેનો આશ્રય છોડાવીને
વીતરાગતા બતાવવા માટે કહ્યું છે, પરમાત્મા થવા માટે કહ્યું છે. અલ્પજ્ઞપરિણામના
આદર માટે એ વાત નથી કરી. અલ્પદર્શન થાય, અલ્પવીર્ય થાય, તારી અલ્પદશા
તારાથી થાય એ બતાવીને તું પૂર્ણાનંદ અખંડ આત્મા છો ને હું પરમાત્મા થયો તેવો
પરમાત્મા તું થઈ શકે તેવો છો-એમ બતાવવા માટેનું એ કથન છે.
જિનેન્દ્ર છે તે જ આત્મા છે એટલે કે એવો જ આત્મા છે એવું મનન કરો. ચારે
અનુયોગમાં આ જ કહ્યું છે. ચરણાનુયોગમાં પણ જેણે શુદ્ધાત્મા જિન સમાન જાણ્યો છે,
એના આશ્રયે શુદ્ધતા પ્રગટ થઈ છે તે ભૂમિકાના પ્રમાણમાં તે જીવને-મુનિને ને
શ્રાવકને રાગના આચરણનો ભાવ-વ્રતાદિનો કેવો હોય એ ત્યાં બતાવ્યું છે. પરંતુ
એકલા રાગના આચરણ ખાતર ત્યાં એ આચરણ બતાવ્યું નથી.
રાગનો ને વિકલ્પનો આશ્રય છોડી, નિમિત્તનો ને અલ્પજ્ઞતાનો આશ્રય છોડી,
સર્વજ્ઞ પરમાત્મા સર્વજ્ઞ થયા. તારે પણ સર્વજ્ઞ પરમાત્મા થવું હોય તો અમારા જેવું તું
કર એટલે કે અમારા જેવો તું છો એમ નક્કી કર. હું પૂરણ પરમાત્મા વીતરાગ
પરમેશ્વર છું-વસ્તુસ્વરૂપે; અલ્પજ્ઞતા ને રાગ પર્યાયમાં છે એ આદરવા લાયક નથી-એમ
ચરણાનુયોગમાં પણ કહ્યું છે.
શ્રાવકનું ને મુનિનું આચરણ-વ્યવહાર કેવો હોય તે ચરણાનુયોગમાં કહ્યું છે.
એવો વ્યવહાર કોને હોય?-કે નિશ્ચય શુદ્ધતા જ્યાં પ્રગટી હોય ત્યાં તેવો વ્યવહાર હોય.
એવી નિશ્ચય શુદ્ધતા ક્યાં હોય?-કે હું વીતરાગ સમાન પરમાત્મા છું, એકલો જ્ઞાતાદ્રષ્ટા
પરિપૂર્ણ પરમાત્મા છું એવું ભાન હોય ત્યાં નિશ્ચય શુદ્ધતા હોય અને એવા ભાનની
ભૂમિકામાં બાકી રહેલાં આચરણનો રાગ કેવો હોય એ ચરણાનુયોગમાં કહ્યું છે, તેથી
ચરણાનુયોગનો સાર તો આત્મા જ છે, રાગની ક્રિયા કાંઈ સાર નથી. ભેદથી બતાવ્યો
છે તો અભેદ, ભેદ કાંઈ સાર નથી. વ્યવહારથી બતાવ્યો છે તો નિશ્ચય, વ્યવહાર કાંઈ
સાર નથી. વ્યવહારનું આચરણ બતાવીને ત્યાં નિશ્ચય કેવો હોય તે બતાવ્યું છે.

Page 52 of 238
PDF/HTML Page 63 of 249
single page version

background image
પર] [હું
અહીં ચોકખી વાત કરી છે કે વીતરાગ તે આત્મા. વીતરાગ સર્વજ્ઞ અને આત્મા
એક છે એમ નહિ પણ જે શુદ્ધ ચિદાનંદ સર્વજ્ઞ પરમાત્મા છે એવો જ તું જ્ઞાતાદ્રષ્ટાનો
કંદ આત્મા છો. આત્મા તદ્ન વીતરાગનો પિંડ જ છે. પરમાત્મા પર્યાયે વીતરાગ પિંડ
થઈ ગયા ને તું વસ્તુએ વીતરાગ પિંડ જ છો. જાણવા-દેખવાની ક્રિયા સિવાય કોઈ
એની ક્રિયા છે જ નહિ.-એમ તું આત્માને જિન સરખો જાણ.-એમ ચરણાનુયોગનું
કહેવું છે.
દ્રવ્યાનુયોગમાં તો આ જ કહ્યું છે. આત્માને અભેદ બતાવવો છે. ભેદથી બતાવે
તોપણ કાંઈ ભેદ બતાવવો નથી, વ્યવહારથી બતાવે તોપણ કાંઈ વ્યવહાર બતાવવો
નથી, બતાવ્યો છે તો એક અભેદ. આ વસ્તુ પૂરણ પરમાત્મા છે, મહા સત્ સ્વરૂપ
ભગવાન ચિદાનંદ પરમાત્મા તું છો. અનંતા પરમાત્મા જેના ગર્ભમાં પડયા છે ને તેનો
પ્રસવ કરવાની તાકાત જેમાં છે એવો તું આત્મા છે રાગને પ્રગટ કરે તે આત્મા નહિ,
તે આત્મામાં છે નહિ, અલ્પજ્ઞતા રહે એ આત્મામાં છે નહિ એમ કહે છે આહાહા!
દીવાળી આવે ને વાણિયા ચોપડા મેળવે ને?-એમ આ કેવળજ્ઞાન પામવાના
ટાણા છે. આહાહા! સંસારનો સંકેલ ને મોક્ષનો વિસ્તાર! ચાર અનુયોગના સિદ્ધાંતનો
સાર આ છે કે સંસારનો અભાવ ને મોક્ષની ઉત્પત્તિ. આત્મા પરમાત્મા સમાન છે એમ
જાણ્યા વિના એને સ્વભાવનો આશ્રય નહિ થાય ને અલ્પજ્ઞ ને રાગનો આશ્રય નહિ
ટળે ને સર્વજ્ઞ વીતરાગ નહિ થાય. આહાહા! આ કાંઈ વાતો નથી પણ વસ્તુનું સ્વરૂપ
જ આવું છે.
સિદ્ધનગરમાં અનંતા સિદ્ધો બિરાજે છે. તેઓએ પહેલાં બહારથી નજર સંકેલીને
અંદરનો વિસ્તાર કર્યો હતો, તું પણ બહારથી સંકેલો કરી નાખ. હું તો પૂરણ અભેદ
પરમાત્મા જ છું, મારે ને પરમાત્માને કાંઈ ફેર નથી એમ ફેર કાઢી નાખનારને ફેર છૂટી
જશે. આહાહા! દિગંબર સંતોની કોઈ પણ ગાથા લ્યો પણ સંતોની કથન શૈલી
અલૌકિક છે! પરમાત્મા પરમેશ્વરે જે ધર્મ કહ્યો તેને દિગંબર સંતોએ ધારીને ઢંઢેરો
પીટયો છે!
ધર્મધૂરંધર યોગીન્દ્રદેવ પોકાર કરે છે કે અરે! આત્મા! તું પરમાત્મા જેવો ને તું
જિનમાં ને તારામાં ફેર પાડે છો? ફેર પાડીશ તો ફેર કે દી છૂટશે? તેથી કહે છે કે હું
રાગવાળો, અલ્પજ્ઞતાવાળો એમ મનન નહિ કરો પણ જે જિનેન્દ્ર છે તે જ હું છું એવું
મનન કરો! અરેરે, હું અલ્પજ્ઞ છું, મારામાં આવી કાંઈ તાકાત હોતી હશે? -એ વાત
રહેવા દે ભાઈ! હું તો પૂરણ પરમાત્મા થવાને લાયક છું-એમ નહિ પણ પૂરણ
પરમાત્મા અત્યારે હું છું-એમ મનન કર! આહાહા!
હું પોતે જ દ્રવ્યસ્વભાવે પરમાત્મા છું મારામાં ને પરમાત્મામાં ફેર નથી.-એમ
મનન કર, આ સિદ્ધાંતનો સાર છે. ચાર અનુયોગના લાખો કથનનો આ સાર છે.
વીતરાગની બધી વાણીના શાસ્ત્રોનો, દિવ્યધ્વનિનો સાર તો આ છે કે પરમાત્મા સમાન
આત્મા જાણવો. સર્વજ્ઞ ને વીતરાગસ્વરૂપ હું આત્મા છું એમ અંર્તદ્રષ્ટિ કર તો તું
પર્યાયમાં પરમાત્મા થયા વિના રહીશ નહિ, તું પરમાત્મા થયા વિના રહી શકીશ નહિ.

Page 53 of 238
PDF/HTML Page 64 of 249
single page version

background image
પરમાત્મા] [પ૩
માર ધડાક પહેલેથી! તું પામર છો કે પ્રભુ છે! તારે શું સ્વીકારવું છે?
પામરપણું સ્વીકારે પામરપણું કદી નહિ જાય! પ્રભુપણે સ્વીકાર્યેથી પામરપણું ઊભું નહિ
રહે! ભગવાન આત્મા-હું પોતે દ્રવ્યે પરમેશ્વરસ્વરૂપે જ છું-એમ જ્યાં પરમેશ્વરસ્વરૂપનો
વિશ્વાસ આવ્યો તો તું વીતરાગ થયા વિના રહીશ જ નહિ. દ્રષ્ટિમાં વીતરાગ થયો તે
સ્થિરતાએ વીતરાગ થઈને અલ્પકાળમાં કેવળજ્ઞાન લેશે.-એમ અહીં વાત કરે છે. અરે!
અમે ક્યારે વીતરાગ થઈશું? શું થશે?-એ બધી લપ મૂક ને! તું વીતરાગ પરમાત્મા
છો જ! આખો ભગવાન આત્મા જિનેશ્વર જેવો પૂર્ણાનંદ પરમાત્મા છે જ, બધા એવા
ભગવાન છે હો!-એને તું જો ને ભાઈ! અલ્પજ્ઞતા ને રાગ એ કાંઈ આત્મા છે? એ
તો વ્યવહાર-આત્મા છે. જે આત્મા છે એ તો અલ્પજ્ઞતા, રાગ ને નિમિત્ત વિનાનો છે,
એની સામું જો ને!
આમ જાણીને હે ધર્મી જીવ! માયાચાર છોડી દે! એટલે! આ અલ્પરાગ છે....
રાગ કરતાં કરતાં થશે.....એવી માયા છોડી દે! રાગ કરીશું તો આમ થશે ને પુણ્યની
ક્રિયા લોકોને બતાવું-એ બધી માયાચારી છોડી દે! રાગની ક્રિયા કરીને હું સાધુ છું એમ
લોકોને તારે બતાવવું છે?
જિન સોહી હૈ આતમા ને અન્ય સોહી હૈ કરમ,
યેહી વચનસે સમજ લે જિન-વચનકા મરમ.
--એમ બનારસીદાસે કહ્યું છે.
આહાહા! ભગવાન એને મોટો કહેવા જાય ત્યાં આ ભાઈ સા’બ કહે ના...
ના...ના...એવો મોટો હું ન હોઉં! પણ એલા બહુ મોટો કહીને, જેમ પૈસાવાળાને બહુ
મોટો કહીને પૈસા લૂંટી લે-ફાળો ઉઘરાવી લે, તેમ ભગવાને તને મોટો ઠરાવીને શું કરવું
હશે?-કે તારી પામરતા લૂંટવી છે! કંઈ તારા પૈસા લૂંટવા નથી હો! !
આહાહા! પરમાત્મા ને મારામાં કાંઈ ફેર નથી-એમ પોતાની દ્રષ્ટિમાં ભગવાન
આત્માને સમભાવી વીતરાગ પૂર્ણાનંદ તરીકે દેખતો, વીતરાગમાં ને આત્મામાં ક્યાંય
ફેર ન દેખતો, સિદ્ધાંતના સારને માયાચાર રહિત થઈને પામી જાય છે.
જેનાથી અંદર ભગવાન મોટો થાય છે, એની મોટપથી એને તું દેખને! એની
શોભાથી તું શોભને! રાગ દ્વારા, વિકલ્પ દ્વારા મોટપ માનવી છોડી દે! બહુ વાણી
મળવાથી કે વાણીના ઉપદેશ દ્વારા મોટપ માનવી છોડી દે! એ તો માયાચાર છે, એને
મૂકને પડતી! તારી મોટપ તો અંદર પ્રભુ પ્રભુતાથી બિરાજે છે તેમાં છે, તેના શરણમાં
જતાં શાંતિ ને વીતરાગતા પ્રગટ થશે.
અમને બહુ આવડે છે, હજારો માણસોને સમજાવીએ, લાખો પુસ્તકો બનાવીએ-
એ તે કાંઈ તારા આચરણ છે કે તેનાથી તું મોટપ મનાવી રહ્યો છો! ભગવાન પોતે
પરમાત્મા સમાન છે એવું અંતરમાં જાણીને ઠરે તેને મોટપનો લાભ મળે છે, બાકી બધું
ધૂળધાણી છે! માટે વિકલ્પની જાળ દ્વારા ને શરીરની સ્થિતિ દ્વારા મોટપ ન માનીશ,
એનાથી મોટપ

Page 54 of 238
PDF/HTML Page 65 of 249
single page version

background image
પ૪] [હું
ન કરીશ. અમને બહુ કહેતાં સમજાવતાં આવડે છે, અમે મોટા આચાર્ય થયા છીએ,
પ૦૦-પ૦૦ સાધુઓના ઉપરી-મોટા કરીને અમને પદવી આપી છે-એવાથી મોટપ
માનવી રહેવા દે!-એમ આ ર૧મી ગાથામાં કહ્યું.
હવે રર મી ગાથા કહે છે. પહેલાં જિન તે આત્મા કહ્યું હતું ને? હવે એટલો ભેદ
કાઢી નાખીને હું જ પરમાત્મા છું-એમ અનુભવ કર એમ કહે છે.
વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં
સમવસરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતા હતા કે તું પરમાત્મા છો
એમ નક્કી કર. ભગવાન! તમે પરમાત્મા છો એટલું તો અમને નક્કી કરવા દ્યો! -કે
એ નક્કી ક્યારે થશે?-કે જ્યારે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ
પરમાત્મા છે એવો વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચયનું નક્કી થયા વિના વ્યવહાર નક્કી
થશે નહિ. તે વાત કહે છેઃ- -
जो परमप्पा सो जि हउं सो परमप्पु ।
इउ जाणेविणु जोइया अण्णु म करहु वियप्पु ।। २२।।
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા;
એમ જાણી હે યોગીજન! કરો ન કાંઈ વિકલ્પ. રર.
કહે છે કે ભાઈ! હે ધર્મીજીવ! જે પરમાત્મા છે તે જ હું છું, પરમાત્માને વિકલ્પ
નથી, પરમાત્મા બોલતા નથી, પરમાત્મા બોલવામાં આવતા નથી-એવો જ હું આત્મા
પરમાત્મા છું એમ દ્રષ્ટિમાં લે.
બીજા જેટલા વિકલ્પો છે-બીજાને સમજાવવાના, શાસ્ત્ર રચવાના, એનાથી તું
મોટપ માનીશ તો એ વસ્તુમાં નથી. તેથી હવે બધી શાસ્ત્રચર્ચા છોડીને આ કર એમ
કહે છે. ક્યાં સુધી તારે શાસ્ત્રની ચર્ચાઓ લખવી છે? શાસ્ત્રમાં આ કહ્યું છે, આ
શાસ્ત્રમાં આ કહ્યું છે ને આ શાસ્ત્રમાં કહ્યું છે-એ તો બધી વિકલ્પની જાળ છે.
જે પરમાત્મા છે તે જ હું છું. પરમાત્મા જેવો જાણ એમ નહિ, પરમાત્મા જ હું
છું. પહેલાં પરમાત્મા સાથે મેળવણી કરી હતી. હવે કહે છે કે એક સેકન્ડના અસંખ્યમાં
ભાગમાં અનંત ગુણનો પિંડલો પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ પરમાત્મા ભગવાન તે જ હું છું-
એમ અંતરમાં અનુભવમાં લાવ અને એનો અનુભવ કર એ જ તારા લાભમાં છે,
બાકી બધાં વિકલ્પો, શાસ્ત્રની ચર્ચા ને વાદવિવાદ એ કાંઈ તારા લાભમાં નથી-એમ
અહીં કહે છે.
વ્યવહારની કલ્પનાને છોડીને કેવળ શુદ્ધ પોતાના આત્માને ઓળખ. શાસ્ત્રોનું
જ્ઞાન સંકેતમાત્ર છે. શાસ્ત્રના જ્ઞાનમાં જ પડયો રહીશ તો પોતાના આત્માનું જ્ઞાન થશે
નહિ. ભગવાન ચિદાનંદ પ્રભુ બિરાજી રહ્યો છે ને તું વ્યવહાર-રાંકાઈથી પરમેશ્વર છો?
ભિખારી પરમેશ્વર બનાવે? વ્યવહારનો રાગ ભિખારી-રાંક છે, નાશ થવાને લાયક છે,
એ પરમેશ્વરપદને

Page 55 of 238
PDF/HTML Page 66 of 249
single page version

background image
પરમાત્મા] [પપ
પ્રાપ્ત કરાવે? શાસ્ત્રની ચર્ચાઓ પરમેશ્વરપદને પ્રાપ્ત કરાવે? ૩૩-૩૩ સાગર સુધી
સર્વાર્થસિદ્ધના દેવો શાસ્ત્રની ચર્ચાઓ કરીને કહે છે કે મૂક આ ચર્ચાઓ! સ્થિર થવાથી
કેવળજ્ઞાન થશે!
ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ મહા પરમાત્માના અંતરસ્વરૂપે ભરેલો એવો
પરમાત્મા જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. હું તે પરમાત્મા ને પરમાત્મા તે
હું--આહાહા! એ કબૂલાત કેવા પુરુષાર્થમાં આવે! ભાઈસા’બ અમને બીડી વિના ચાલે
નહિ, આબરૂમાં થોડો ફેર પડે તો આંચકો ખાઈ જઈએ ને આપ કહો કે તું પરમાત્મા
છો! અરે બાપુ! એ બધાને છોડને! એ કે દી તારા સ્વરૂપમાં હતા? આખો પરમેશ્વર
ભગવાન પડયો છે અને તેં વિકલ્પની આડમાં ગોઠવી દીધો છે. ભગવાન નિર્વિકલ્પ
સ્વરૂપ છે તે નિર્વિકલ્પ દશાથી પ્રાપ્ત થાય તેવો છે.
હું તે પરમાત્મા ને પરમાત્મા તે હું-એમ જાણીને બીજા વિકલ્પો ન કરો, પંચ
મહાવ્રતના વિકલ્પો, શાસ્ત્ર ભણતરના વિકલ્પો, નવ તત્ત્વોના ભેદના વિકલ્પો-એ બધું
હવે ન કર, ન કર; કરવાનું તો આ કહ્યું તે છે; છોડવા જેવું છે તે છોડ ને આદરવા
જેવું છે ત્યાં ઠર. પરમ સ્વરૂપનો પિંડ આત્મા છે એ જ હું એમ એનો આશ્રય કર ને
વિકલ્પ છોડી દે.
જ્યાં તું છો ત્યાં વિકલ્પ ને વાણી નથી ને શુભ વિકલ્પથી મને લાભ થશે! -
એમ માનનાર તો મૂઢ અજ્ઞાની છે. એનાથી લાભ માનીશ તો હીણો પડતાં પડતાં હું
આત્મા છું કે નહિ-એ શ્રદ્ધા ઊડી જશે, આત્મા છું એવી વ્યવહાર શ્રદ્ધા ઊડી જશે ને
નિગોદમાં હાલ્યો જશે! આહાહા! આળ ન દે, આળ ન દે, ભગવાન આત્માને આળ ન
દે. આળ દીધા તો તારા ઉપર આળ ચઢી જશે. હું પરમાત્મા છું-તેના બદલે હું
રાગવાળો, હું અલ્પ છું એમ આત્માને આળ આપનારને આત્મામાં હું નહિ એમ આળ
ચઢી જશે, જગતમાં હું આત્મા જ નથી, હું નથી, હું નથી, હું ક્યાં છું?-એમ આંધળો
થઈ જઈશ!
હું પરમાત્મા જ છું, અલ્પજ્ઞ ને રાગ નહિ પણ હું પરમાત્મા જ છું, એ
સિવાયના વિકલ્પો છોડી દે! તીર્થંકરગોત્ર બાંધવાનો વિકલ્પ છોડી દે! ભગવાન આત્મા
પરમાત્મસ્વરૂપ પ્રભુ છે ને! તારે ખજાને ખોટ ક્યાં છે કે તારે વિકલ્પાદિનું શરણ લેવું
પડે? હે સ્વરૂપમાં એકાગ્રતા કરનાર જીવ! એકાગ્રતા સિવાયના જે વિકલ્પો છે તે-પછી
ભલે પંચ મહાવ્રતનો હોય કે વ્યવહાર સમિતિ-ગુપ્તિ આદિનો હો કે શાસ્ત્ર વાંચવાનો
વિકલ્પ હો-છોડી દે. શાસ્ત્રનું જ્ઞાન પણ પરાલંબી જ્ઞાન છે, તેનો મહિમા છોડ, તે વિના
આત્માને પત્તો નહિ લાગે.
આહાહા...? એકવાર તો ઊંચો થઈ જાય એવી વાત છે! ભગવાન તો એમ કહે
છે કે અમને સાંભળવું છોડી દે! ભગવાન ફરમાવે છે કે અમારી સામે જોવું છોડી દે!
અમારી સામે જોવાથી તારો ભગવાન હાથ નહિ આવે! આહાહા! ભગવાન ત્રિલોકનાથ
સમવસરણમાં ફરમાવવા હતા કે અરે આત્મા! તું પરમાત્મા જ છો. જો પરમાત્મા ન હો
તો પર્યાયના કાળે પરમાત્મા ક્યાંથી આવશે? એક સેકન્ડમાં પૂરણ આત્માનું આખું રૂપ
જ ભગવાન આત્મા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત પ્રભુતા, આદિ
એવા બધા

Page 56 of 238
PDF/HTML Page 67 of 249
single page version

background image
પ૬] [હું
ગુણોથી ભરેલો પરિપૂર્ણ આત્મા તું છો. તને તું જો ને આત્મા જાણ ને માન, મારી
સામે જોવું રહેવા દે-એમ ભગવાન કહે છે. રર.
હવે એ ભગવાન આત્મા કયા સ્થળે બિરાજી રહ્યો છે? એનું ક્ષેત્ર ક્યાં? એનું
ઘર કયું? એ બતાવે છેઃ-
सुद्ध–पएसहं पूरियउं लोयायास–पमाणु ।
सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ।। २३।।
શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે, લોકાકાશ પ્રમાણ;
તે આતમ જાણો સદા, શીઘ્ર લહો નિર્વાણ. ર૩
આ શરીર તો જડ માટીનો પિંડલો છે, અંદર રાગ-દ્વેષના પરિણામ થાય એ
કાંઈ આત્મા નથી, કર્મના રજકણ એ કાંઈ આત્મા નથી, ભગવાન આત્મા અસંખ્ય
પ્રદેશી સ્થળમાં રહેલો છે, એવા અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણ પડયા છે. ક્ષેત્ર શું કામ
બતાવે છે?-કે કોઈ કહે કે લોકવ્યાપક આત્મા છે, તો એમ નથી. ભગવાન આત્મા
દેહ-પ્રમાણે દેહથી ભિન્ન લોકાકાશના પ્રદેશની સંખ્યા જેટલા પોતાના અસંખ્ય પ્રદેશમાં
બિરાજી રહ્યો છે, રાગમાં કે ક્યાંય બિરાજતો નથી.
આહાહા! જ્યાં હોય ત્યાં ‘શીઘ્ર લહો નિર્વાણ’ આવે છે! મોક્ષ કર, મોક્ષ કર,
મોક્ષ તો તારું ઘર છે. આહાહા! સંસારમાં રખડીને મરી ગયો! ૮૪ લાખ યોનિમાં
સોથા નીકળી ગયા તો ય તેને મૂકવાનો વિચાર નથી આવતો? ઘરે તો આવ! તારા
ઘરે તો બાપુ તું આવ! પરઘર રખડી રખડીને મરી ગયો! તારું ઘર ક્યાં છે?-કે જે
અસંખ્ય પ્રદેશનું શુદ્ધ અરૂપી દળ છે, જે અસંખ્ય પ્રદેશ રત્ન સમાન શુદ્ધ નિર્મળ છે, જે
ક્ષેત્રમાં અનંતા અનંતા ગુણો બિરાજે છે, એ તારું ઘર છે ભાઈ!
અસંખ્ય પ્રદેશ એ આત્માનું સ્થળ-ક્ષેત્ર છે. એક એક પ્રદેશ પૂર્ણાનંદ નિર્મળાનંદથી
ભરેલાં છે, જેમાં અનંત આનંદ પાકે એવું એનું અસંખ્યપ્રદેશી ક્ષેત્ર છે. તારું અસંખ્ય
પ્રદેશનું ક્ષેત્ર એવું છે કે અનંત કેવળજ્ઞાન ને અનંત આનંદ પાકે! સિદ્ધની પર્યાય પાકે એ
આત્મા છે, સંસાર પાકે એ આત્મા નહિ, રાગ-દ્વેષ પાકે એ આત્મક્ષેત્ર નહિ! ભગવાન
આત્માના અસંખ્ય પ્રદેશ શુદ્ધ છે, જેમાં અનંત ગુણ બિરાજમાન છે, એવો અસંખ્ય પ્રદેશી
ભગવાન બિરાજે છે ત્યાં નજર કર, એ ક્ષેત્રમાં નજર કર, ધ્યાન કર, તો અલ્પકાળમાં
કેવળજ્ઞાનરૂપી નિર્વાણદશા પ્રાપ્ત થાય, બીજી રીતે પ્રાપ્ત થાય એમ નથી.

Page 57 of 238
PDF/HTML Page 68 of 249
single page version

background image
પરમાત્મા] [પ૭
[પ્રવચન નં. ૧૦]
જો તને પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપી મોક્ષની ઈચ્છા હોય તો,
રાત–દિવસ એક નિજ પરમાત્માનું જ મનન કર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧૬-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ કૃત આ યોગસાર શાસ્ત્ર છે. તેમાં આપણે ર૩ મી ગાથા ચાલી
રહી છેઃ- -
सुद्ध–पएसहं पूरियउं लोयायास–पमाणु ।
सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ।। २३।।
શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે, લોકાકાશ પ્રમાણ;
તે આતમ જાણો સદા, શીઘ્ર લહો નિર્વાણ. ર૩.
ભગવાન આત્મા આ દેહમાં પોતાના શુદ્ધ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. આત્મા
અસંખ્ય પ્રદેશી છે; એક પરમાણુ આકાશના જેટલા ક્ષેત્રને રોકે તેટલા ક્ષેત્રને એક પ્રદેશ
કહે છે, એવા શુદ્ધ અસંખ્ય પ્રદેશી આત્મા છે તેથી તે પરિપૂર્ણ છે. દેહ-વાણી-મન-કર્મ
ને વિકારનું ક્ષેત્ર જુદું છે. અસંખ્ય પ્રદેશી પરિપૂર્ણ પ્રભુ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે.
અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણોથી ભરેલો પરિપૂર્ણ છે, એવા આત્માને આત્મા જાણ અને
એવા આત્માનું દિન-રાત મનન કર.
અસંખ્ય પ્રદેશમાં અહીં જ બિરાજમાન ભગવાન આત્માનું દિન-રાત મનન કરો.
ભગવાન આત્મા લોકવ્યાપક નથી પરંતુ તેનું ક્ષેત્ર અહીં પરિપૂર્ણ શુદ્ધ અસંખ્ય પ્રદેશમાં
જ પૂરું છે, એનાથી વધારે લાંબુ બીજું કોઈ ક્ષેત્ર નથી. કોઈ લોકવ્યાપક કહે ને કોઈ
અનંતમાં અનંત ભળી જાય કે બધા આત્મા એકના અંશરૂપ છે-એમ નથી. ભગવાન
આત્મા અસંખ્ય પ્રદેશોમાં પરિપૂર્ણ ભરેલો છે. એવા આત્માનું દિન રાત મનન કરો
એટલે કે તેનો અનુભવ કરો.
આત્મા અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશી, તેને અનુસરીને રાત-દિન અનુભવ
કરવો, આત્માની શાંતિનું વેદન કરવું-એનું નામ ધર્મ ને મોક્ષમાર્ગ છે. ભગવાન આત્મા
અસંખ્ય પ્રદેશના પૂરથી ભરેલો પૂરો છે, તેનો અનુભવ કરવાથી શીઘ્ર નિર્વાણને પ્રાપ્ત
કરો એટલે કે આ ઉપાય દ્વારા શીઘ્ર નિર્વાણને પ્રાપ્ત કરો; એ સિવાય મન-વચનની
ક્રિયા આદિ બીજા કોઈ ઉપાય વડે નિર્વાણ પ્રાપ્ત થાય તેમ નથી.
પોતાના સ્વરૂપને ભૂલે તો બંધ થાય છે ને પોતાના સ્વરૂપની સાવધાની કરે તો
મુક્તિ થાય છે, એ સિવાયની બીજી બધી તો વાતો છે! પોતાનો અસંખ્ય પ્રદેશી અનંત
ગુણોથી

Page 58 of 238
PDF/HTML Page 69 of 249
single page version

background image
પ૮] [હું
ભરેલો જે સ્વભાવ છે તેને ભૂલે ને રાગ-દ્વેષ ને પરમાં મારી સત્તા છે એમ માન્યતા
કરે તો એ પરિભ્રમણ કરે; કર્મના લઈને કાંઈ પરિભ્રમણ કરતો નથી.
જેમ કોઠીમાં માલ ભર્યો હોય ને! તેમ આ અસંખ્ય પ્રદેશમાં આત્માનો બધો
માલ પડયો છે. ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે પણ માલ તો અનંત ગુણનો તેમાં ભર્યો પડયો
છે, ભાવ અનંત ભર્યા છે. ક્ષેત્ર નાનું માટે માલ થોડો એવું કાંઈ નથી. જેમ આંખનું
ક્ષેત્ર નાનું છતાં ડૂંગર ઉપરથી કેટલા માઈલનું દેખી શકે છે? તેમ અસંખ્ય પ્રદેશી
ભગવાન આત્મા પોતાની-સત્તામાં રહીને અનંત ક્ષેત્રને જાણે એવી એના સ્વભાવની
સામર્થ્યતા છે. માટે એ ભગવાન આત્માને અંતરમાં જો, તારું ઘર અસંખ્ય પ્રદેશી છે,
શરીર-મન-વચન કે કર્મ એ તારું ઘર નથી. અરે! પરમાત્મા જિનેશ્વરદેવથી પણ તારું
ઘર જુદું છે.
અસંખ્ય પ્રદેશનો પિંડ શુદ્ધ અનંત ગુણથી ભરેલો પ્રભુ છે, એવા આત્માનું ધ્યાન
કરો. આહાહા! આ તો યોગસાર છે ને? એટલે બહું ટૂકું કરીને માલ બતાવ્યો છે. ર૩.
હવે ર૪મી ગાથામાં કહે છે કે વ્યવહારથી આત્મા શરીર પ્રમાણે છે અને
નિશ્ચયથી લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશી છે તેમ કહે છેઃ- -
णिच्छइं लोय–पमाणु मुणि ववहारें सुसरीरु ।
एहउ अप्प–सहाउ मुणि लहु पावहि भव–तीरु ।। २४।।
નિશ્ચય લોકપ્રમાણ છે, તનુપ્રમાણ વ્યવહાર;
એવો આતમ અનુભવો, શીઘ્ર લહો ભવપાર. ર૪.
આહાહા! જ્યાં હોય ત્યાં ‘શીઘ્ર લહો ભવપાર;’-કેમ કે અહીં તો ભવનો
અભાવ કરવાની એક જ વાત છે. ભવ મળે એ કાંઈ વસ્તુ નથી, એ તો અનાદિથી
ચાલી આવે છે. આત્મા પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે ને ભવનો અભાવ કરે એ નવી
વાત છે, બાકી ભવ પ્રાપ્ત કરે ને સંસારમાં રખડે એ તો અનાદિનો સંસારભાવ છે, તેમાં
નવું શું કર્યું? તેથી અહીં કહે છે કે શીઘ્ર લહો ભવપાર.
નિશ્ચયથી આત્મા લોકપ્રમાણે છેે એટલે કે લોકના જેટલા અસંખ્ય પ્રદેશ છે
એટલા અસંખ્ય પ્રદેશ પ્રમાણ નિશ્ચયથી આત્મા છે, લોકના પ્રદેશ જેટલો પહોળો આત્મા
છે એમ વાત નથી, પણ લોકના જેટલા અસંખ્ય પ્રદેશ છે એટલા અસંખ્ય પ્રદેશી
ભગવાન આત્મા નિશ્ચયથી છે. એ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા કર્મમાં, શરીર-
પરમાણુમાં કે રાગમાં પણ આવતો નથી.
નિશ્ચયથી અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. નિમિત્તપણે વ્યવહારથી ગણો તો શરીરના
આકારપ્રમાણે ત્યાં આત્મા રહેલો છે. અસંખ્ય પ્રદેશી એ જ એની પહોળાઈ-એટલું જ
એનું પહોળું ક્ષેત્ર છે. આ શરીરપ્રમાણે અસંખ્ય પ્રદેશમાં આત્મા છે. જેમ પાણીનો કળશ
હોય તેમાં અંદર પાણીનો આકાર ને એનું સ્વરૂપ કળશના આકારે હોવા છતાં પાણીનું

Page 59 of 238
PDF/HTML Page 70 of 249
single page version

background image
પરમાત્મા] [પ૯
ક્ષેત્ર પોતાના આકારે પોતામાં છે. તેમ આ શરીર પ્રમાણે અંદર આત્મા હોવા છતાં પોતે
પોતાના કારણે જ અસંખ્ય પ્રદેશી પોતાના આકારે પોતામાં રહેલી સત્તા છે.
આત્મા એક સત્તા છે, હોવાવાળી ચીજ છે, હોવાવાળી ચીજ હોવાથી તેને આકાર
અવગાહન, પહોળાઈ હોય કે નહિ? તેથી આત્મા અસંખ્ય પ્રદેશની પહોળાઈવાળું સત્ત્વ
છે. કર્મ, રાગ કે શરીર સ્ત્રી-પુત્ર કે ખેતર એ કાંઈ આત્માનું ક્ષેત્ર નથી. અસંખ્ય
પ્રદેશના એના બંગલામાં આત્મા બિરાજી રહ્યો છે. વ્યવહારે નિમિત્તથી કહેવાય કે શરીર
પ્રમાણે આત્મા છે.
એવા પોતાના આત્માના સ્વભાવને જાણો. ભગવાન આત્મા અનંત શાંતરસથી
ભરેલો મહા પૂરણ આનંદ સાગરથી સદા ભરેલો છે, તેમાં તું ડૂબકી માર. જેમ બાથમાં
ડૂબકી મારે છે ને! તેમ આ ચૈતન્યરત્નનો આનંદથી ભરેલો દરિયો છે, એમાં ડૂબકી
માર. ચૈતન્યસ્વભાવને તું જાણ. જાણવાથી ભવ તરી જવા પામે છે. ભગવાન આત્મા
આવો જ્ઞાનમૂર્તિ આનંદમૂર્તિ પૂર્ણાનંદનો નાથ અસંખ્ય પ્રદેશમાં બિરાજમાન છે તેને
જાણ. રાગનું ને નિમિત્તનું જે જાણવું છે તેને બદલે આમ-આ તરફ આત્માની સન્મુખ
થઈને તેને જાણ.
શું કરવું?-કે અસંખ્ય પ્રદેશમાં ભગવાન બિરાજે છે તેની સામે જો ને તેને જાણ.
તેને જાણવો એનું નામ મોક્ષનો માર્ગ છે. તેને જાણ કહેતાં તેને જાણવો, શ્રદ્ધવો ને તેમાં
એકાગ્રતા કરવી એ ત્રણે જાણ કહેવામાં આવી જાય છે. કારણ કે આ વસ્તુ છે એ શી
રીતે જાણ્યું? શ્રદ્ધા વિના જાણ્યું? આવો ભગવાન આત્મા જાણ, જાણે એ જ ભવ તરી
જાય છે એમ અહીં તો કહ્યું છે. પરંતુ જાણવાનો અર્થ કે આત્મા પૂર્ણાનંદ છે એમ એને
જાણવા એના તરફ વળ્‌યો ત્યાં શ્રદ્ધા પણ થઈ ને સ્થિરતા પણ થઈ. આખી ચીજ
અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ પ્રભુ તેને જાણતાં કયા ગુણના અંશના અંકુર ફૂટયા
વિના રહે? બધા ગુણના અંકુરા ફૂટે.
ભગવાન આત્મા કેવો છે?-કે લોકાલોકને દેખે એવી વસ્તુ છે. લોકાલોકને
દેખવાનો જ એનો સ્વભાવ છે, એને આત્મા કહેવાય. ભગવાન આત્મા અનંત
સૌખ્યસ્વરૂપી છે. અનંત આનંદ સ્વરૂપ છે. રાગ-દ્વેષ ને દુઃખ ભગવાનમાં નથી. અનંત
અતીન્દ્રિય આનંદના ચોસલા ભર્યા છે. અનાદિ સ્વરૂપે આવો જ ભગવાન આત્મા છે અને
તે વસ્તુએ નિત્ય છે. આવા આત્માના સ્વાનુભવથી જ દર્શન થાય છે. પરંતુ કોઈ મન-
વચનની ક્રિયાથી કે દયા-દાન-ભક્તિના વિકલ્પો દ્વારા આત્માનો અનુભવ થતો જ નથી.
અરે, ભાઈ! બાપા! તારે કરવાનું તો આ છે, એના સિવાય બધું થોથા છે.
ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા અનંત આનંદના પિંડ પ્રભુથી વિરુદ્ધ જેટલા વિકલ્પો છે તે
તો વેરી છે, એ વેરી વ્યવહારના વિકલ્પો ન રહે તો અમારું-સંપ્રદાયનું-શું થશે? પણ
ભાઈ! વેરીને રાખીને તારે શું કામ છે? ભાઈ! તું અનંત આનંદનો પિંડ છો ને! એ
અનંત આનંદ એમાં નિત્ય છે, એમાં નજર કર તો તારી મુક્તિ થાય.
આ આત્મા स्वानुभूत्या चकासते–પોતાના સ્વાનુભવની ક્રિયાથી પ્રગટ થાય
એવું એનું

Page 60 of 238
PDF/HTML Page 71 of 249
single page version

background image
૬૦] [હું
સ્વરૂપ છે. વ્યવહારના વિકલ્પોથી-દયા-દાન-ભક્તિના વિકલ્પોથી પ્રગટ થાય એવું એનું
સ્વરૂપ નથી. ત્રણ લોકનો નાથ બાદશાહ પોતે, પણ અરેરે! આવા વિકલ્પો હોય તો
કાંઈ લાભ થાય! શુભ વિકલ્પ હોય તો અંદર જવાય!-આવી તો ભ્રમણાઓ!! અરે!
જેનો આદર કરવો છે તેમાં એ વિકલ્પ તો છે નહિ અને જેને-વિકલ્પોને છોડવા છે
એના લઈને અંદર પ્રવેશ કેમ થઈ શકશે?! આત્મા તો આનંદરૂપ છે, એ આનંદસ્વરૂપ
આત્મા દુઃખસ્વરૂપ વિકલ્પોથી શી રીતે પ્રાપ્ત થાય? એ તો સ્વાનુભવથી જ જણાય તેવો
છે, રાગથી કે વિકલ્પથી જણાય એવો નથી.
ત્રણ લોકના નાથ પરમેશ્વર આમ ફરમાવે છે કે ભાઈ! તું તો અનંત
આનંદસ્વરૂપ છો ને! અને તે પણ તારાથી તું તને અનુભવી શકે એવી ચીજ છો, તને
પામર વિકલ્પોની કોઈ જરૂર નથી. ભીખારી પામર રાગની તને જરૂર નથી ભાઈ!
એના ટેકાની તને જરૂર નથી ભાઈ!
ભગવાન બોલાવે છે કે એલા! હાલ તને અનુભૂતિની પરિણતિ સાથે પરણાવીયે!
પણ આ અનાદિનો ભીખારી, મારા વિકલ્પ ચાલ્યા જશે, મારો વ્યવહાર ચાલ્યો જશે, એમ
એનો પ્રેમ છોડતો નથી તેથી અંદરમાં જઈ શકતો નથી ને ધોયેલ મૂળાની જેવો રાગ ને
વ્યવહાર લઈને ૮૪ લાખ યોનિના અવતારમાં ચાલ્યો જાય છે. ર૪.
હવે રપમી ગાથામાં કહે છે કે જીવ સમકિત વિના ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરે
છે. એમ આત્માનો સીધો અનુભવ કર્યા વિના આનાથી ધર્મ થશે ને તેનાથી ધર્મ થશે,
શુભભાવથી થશે ને વ્યવહારથી થશે એમ માનીને આત્માનો અનુભવ સમ્યગ્દર્શન ન
કર્યું તેથી ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરી રહ્યો છેઃ-
चउरासी–लक्खहिं फिरिउ कालु अणाइ अणंतु ।
पर सम्मत्तु ण लद्धु जिय एहउ जाणि णिभंतु ।। २५।।
લક્ષ ચોરાશી યોનિમાં, ભમિયો કાળ અનંત;
પણ સમકિત તેં નવ લહ્યું, એ જાણો નિર્ભ્રાન્તિ. રપ.
અનાદિ કાળથી ૮૪ લાખ યોનિમાં શેકાણો! સ્વર્ગમાં અનંતવાર ગયો, પણ
ભાઈ! તેં આત્માના અનુભવના અભાવમાં, રાગને છોડીને સીધું સ્વરૂપની દ્રષ્ટિરૂપ
સમ્યગ્દર્શનના અભાવમાં ૮૪ લાખ યોનિમાંથી એકેય યોનિ ખાલી નથી રાખી. નરકની
અંદર દસ હજાર વર્ષની સ્થિતિએ અનંતવાર ઉપજ્યો છે, દસ હજાર ને એક સમયની
સ્થિતિએ અનંતવાર ઉપજ્યો છે, એમ એક એક સમય અધિકની સ્થિતિએ અનંતવાર
ઉપજ્યો ને ૩૩ સાગર સુધીની સ્થિતિએ અનંતવાર ઉપજ્યો. ૧૦ હજાર વર્ષથી માંડીને
૩૩ સાગર સુધીના જેટલા સમય છે તે એક એક સમયના અનંતા ભવ નરકમાં ગાળ્‌યા!
અભેદ ચિદાનંદમૂર્તિની સીધી પકડરૂપ સમ્યગ્દર્શન વિના નરકના ભવ અનંતા કર્યા

Page 61 of 238
PDF/HTML Page 72 of 249
single page version

background image
પરમાત્મા] [૬૧
ને સ્વર્ગના પણ અનંતા ભવ કર્યા. સ્વર્ગમાં પણ નરકની જેમ દસ હજારની સ્થિતિથી
માંડીને નવમી ગ્રૈવયેક સુધીના ૩૧ સાગર સુધીની સ્થિતિના એક એક સમયની
સ્થિતિમાં અનંતવાર જીવ ઉપજ્યો છે હો! આહાહા! અરે! કીડીના અનંતા, કાગડાના
અનંતાને કષાઈના અનંતા ભવ કર્યા! ત્રાસ ત્રાસ થઈ જાય એવા અનંતા ભવ તેં કર્યા
બાપુ! ઘાણીમાં અનંતવાર પીલાયો, વીંછીના આકરાં ડંખથી અનંતવાર મર્યો, અનંતવાર
નાગના કરડવાથી મર્યો, પણ ભાઈ! તું ભૂલી ગયો! એક સમ્યગ્દર્શન વિના તેં ૮૪
લાખ યોનિમાં અનંતા ભવ કર્યા.
નવમી ગૈ્રવયેક અનંતવાર ગયો, ત્યાં પાપ કરીને તો જાય નહિ, મહા પંચ
મહાવ્રત ને શુક્લલેશ્યા એવી હોય ત્યારે એવા પરિણામથી નવમી ગૈ્રવયેક ગયો હોય.
પરંતુ એવા પરિણામથી પણ સમકિત ન પામ્યો તો હવે બીજા પરિણામથી તું શું
સમકિત પામીશ? એમ અભેદ ચિદાનંદમૂર્તિની સીધી દ્રષ્ટિ કરીને અનુભવ કરે તો જ
સમ્યગ્દર્શન પામે, એ સિવાય નવમી ગૈ્રવયેક જેવા પરિણામ કરે તોપણ તેનાથી સમકિત
પામતો નથી.
અનાદિકાળથી આજ સુધીના ગયા કાળમાં હજુ સુધી સમ્યગ્દર્શન પામ્યો નથી.
એક ભગવાન આત્માનો આદર ન કર્યો ને બીજું બધું જ કર્યું તેથી સમકિત ન પામ્યો.
તારા મિથ્યાત્વભાવે તને અનંતવાર ૮૪ લાખ યોનિના કૂવામાં તને નાખ્યો છે. પુણ્યથી
ધર્મ થશે, ક્રિયાથી ધર્મ થશે, રાગથી લાભ થશે-એવા કાળા નાગ જેવા મિથ્યાત્વભાવને
લઈને અનંતા પરિભ્રમણ કર્યા. ભગવાન વિના સમકિત નહિ થાય એમ તેં માન્યું નહિ
ને રાગ વિના ને વ્યવહાર વિના ધર્મ નહિ થાય એમ માનીને તેં અનંતા ભવ કર્યા.
આવા ભવ કર્યા પણ સમકિત ન પામ્યો. ભવના કારણ સેવ્યા તેથી સમકિત ન
પામ્યો. કેમકે જેના કારણે ભવ મળે તેના કારણે સમકિત ન મળે. ચામડી ઉતરડીને
ખાર છાંટે તોપણ ક્રોધ ન કરે એવા પરિણામે નવમી ગૈ્રવયેક ગયો તોપણ સમકિત ન
પામ્યો તેનો અર્થ એ કે સમકિત કોઈ બીજી ચીજ છે, એ ભાવ વડે સમકિત પમાય
એવી એ ચીજ નથી.
આ તો યોગસાર છે ને! યોગીન્દ્રદેવ મુનિ જગત સમક્ષ આ વાત મૂકે છે કે
આત્માના સ્વભાવનો આશ્રય કરીને જે નિર્મળ યોગ સમકિતનો પ્રગટ થાય તે તેં કદી
પ્રગટ કર્યો નથી એક સમકિત વિના બીજું બધું અનંતવાર કરી ચૂક્યો છે પણ આ એક
સમકિત કર્યું નથી.
એમ નક્કી કર કે અનંતા ભવમાં અનંતા ભાવ કર્યા પણ એ ભાવ વડે સમકિત
પામ્યો નથી. અંદર અખંડ આનંદ પ્રભુનો આશ્રય કરવાથી જ સમકિત પમાય છે એ
સિવાય બીજા કોઈ આશ્રયે સમકિત પમાતું નથી. પરંતુ અનાદિથી એને પરની કિંમત
લાગી છે ને સ્વની કિંમત થઈ નથી. પોતે અનુભવ કરવાને લાયક પોતાથી છે, પરના
અવલંબનથી નહિ, રાગ ને વ્યવહારના અવલંબનથી અનુભવ થાય એવી ચીજ આત્મા
નથી. એવા આત્માની કિંમત કર્યા વિના આવા ૮૪ લાખ યોનિના અવતારમાં રખડવું
મટયું નથી, પછી ભલેને ૧ર-૧ર મહિનાના અપવાસ કર્યા હોય!

Page 62 of 238
PDF/HTML Page 73 of 249
single page version

background image
૬૨] [હું
એકરૂપ ભગવાન આત્મા સીધો અનુભવ કરવાને લાયક છે પણ એની એણે
કદી કિંમત કરી નથી. પૈસાની કિંમત! ધૂડની કિંમત! પણ એક આત્માની કિ્ંમત નથી,
આહાહા! જગતના મોહ તો જુઓ! જ્યાં સુધી જીવ સમ્યગ્દર્શન પામતો નથી ત્યાં સુધી
હે જીવ! નિઃસંદેહ એમ વાત જાણ કે ૮૪ લાખ યોનિમાં ફરવું મટતું નથી.
ભગવાન આત્મા ‘स्वानुभूत्या चकासतेસીધો અનુભવ થવાને લાયક હોવા
છતાં ભવિષ્યમાં જ્યાં સુધી સમ્યગ્દર્શનને પામશે નહિ ત્યાં સુધી રખડશે. એમ
નિર્ભ્રાન્તપણે જાણ. ‘સમકિત નવ લહ્યું’ એમ કહ્યું છે પણ કાંઈ ચારિત્ર વિના રખડી
રહ્યો છે એમ કહ્યું નથી. કેમ કે સમકિત હોય ત્યારે ચારિત્ર હોય. સમકિત વિના
ચારિત્ર હોતું નથી. ક્રિયાકાંડ કાંઈ ચારિત્ર નથી, એવા ક્રિયાકાંડ તો અનંતવાર કર્યા છે.
શ્રી સમંતભદ્રાચાર્યે શ્રાવક રત્નકરંડાચાર બનાવ્યું છે, તેમાં એક શ્લોક છે કે ત્રણ
લોકમાં ને ત્રણ કાળમાં સમ્યગ્દર્શન જેવું જીવને હિતકારી કોઈ નથી. સમ્યગ્દર્શન સિવાય
બીજા કોઈ પણ પરિણામ આત્માને હિતકારી નથી. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ,
દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા, પંચ મહાવ્રત આદિના પરિણામ અનંતવાર કર્યા પણ એની
કાંઈ કિંમત નથી વ્યવહાર આચરણનો જે ગ્રંથ શ્રાવકરત્નકરંડાચાર તેમાં પહેલી ભૂમિકા
એમ બાંધી છે કે ત્રણ કાળ ત્રણ લોકમાં સમકિત જેવું જીવને હિતકર કાંઈ નથી અને
મિથ્યાદર્શન જેવું જીવનું બુરુ કરનાર કાંઈ નથી. ભગવાન આત્માના આશ્રયે જે
સમ્યગ્દર્શન થાય એ સમ્યગ્દર્શન વિના જીવને જગતમાં બીજું કોઈ હિતકારી નથી.
હિંસા-જૂઠું-ભોગ-વાસનાના અશુભ પરિણામ એટલું બૂરુ ન કરે જેટલું બૂરું મિથ્યાશ્રદ્ધા
કરે છે.
ભગવાન આત્માએ પોતાના સ્વભાવનો આશ્રય લઈને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અનંત
કાળમાં જીવે કદી કરી નથી; ત્રણ લોકમાં એવા સમ્યગ્દર્શન જેવી કિંમતી બીજી કોઈ ચીજ
નથી. અને ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ હોવા છતાં તેનાથી વિરુદ્ધની શ્રદ્ધા,
શુભરાગના એક કણથી પણ મને લાભ થશે, દેહની ક્રિયા મને સહાયક થાય તો મારું
કલ્યાણ થાય-એવી મિથ્યામાન્યતા જેવી જગતમાં બીજી કોઈ બૂરી ચીજ નથી.
આહાહા! સમકિત શું ચીજ છે એની જગતને ખબર નથી! નિરાવલંબી નિરપેક્ષ
ચીજને સાપેક્ષ માનવી એ વાત જ ખોટી છે, ભલે વ્યવહાર હો, પણ હોય તેથી શું
થયું? એને કોઈ રાગ કે નિમિત્ત કે ગુરુ કે કોઈ શાસ્ત્ર કે કોઈ ક્ષેત્રના આધારની
કોઈની જરૂર નથી. એવો નિરાવલંબી ભગવાન બિરાજી રહ્યો છે. એની શ્રદ્ધા ને જ્ઞાન
જેવી કિંમતી ચીજ ત્રણ કાળ ત્રણ લોકમાં અન્ય કોઈ નથી. ભગવાન જ્ઞાયકસ્વરૂપ
આત્માને સીધો જાણ્યો નથી ને રાગના કણને લાભદાયક માને, પરના આશ્રયે કાંઈક
હળવે હળવે કલ્યાણ થશે, રાગ કરીશું તો કલ્યાણ પામીશું-એવી જે મિથ્યાશ્રદ્ધા એના
જેવું જગતમાં કોઈ બૂરું કરનાર નથી. ૨પ.
શુદ્ધાત્માનું મનન જ મોક્ષમાર્ગ છે, ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ બિરાજે છે
તેનો અનુભવ કરવો તે એક જ મોક્ષમાર્ગ છે. શુદ્ધ પવિત્ર આત્મા અંદર બિરાજે છે તે

Page 63 of 238
PDF/HTML Page 74 of 249
single page version

background image
પરમાત્મા] [૬૩
શરીર-વાણી-મનથી, આઠ કર્મોથી ને શુભાશુભભાવથી ભિન્ન સચ્ચિદાનંદ આનંદકંદ
સિદ્ધ સમાન ભગવાન આત્મા છે, તેની એકાગ્રતારૂપ મનન તે એક જ મોક્ષનો માર્ગ
છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ છે નહિ તેમ હવેની ગાથામાં કહે છેઃ-
सुद्धु सचेयणु बुद्धु जिणु केवल–णाण–सहाउ ।
सो अप्पा अणुदिणु मुणहु जइ चाहहु सिव–लाहु ।। २६।।
શુદ્ધ, સચેતન, બુદ્ધ, જિન, કેવળજ્ઞાનસ્વભાવ;
એ આતમ જાણો સદા, જો ચાહો શિવલાભ. ૨૬.
અરે ભગવાન આત્મા! જો પરમાનંદરૂપી મોક્ષની દશા ચાહતો હો તો રાત-દિન
આ આત્માનું મનન કરો. આહાહા! ગાથા બહુ ઊંચી છે. આત્માની પરમાનંદ દશા,
પૂરણ દશાનું નામ મોક્ષ; એવી મોક્ષની દશા જો ચાહતા હો તો રાત-દિન શુદ્ધ
નિર્મળાનંદ પરમાત્માનું ધ્યાન કર; અરે ભગવાન! તું મોટો મહા શુદ્ધ ચૈતન્યપ્રભુ છો,
તેનું દિન-રાત ધ્યાન કર ને!
જેને એક સમયમાં ત્રણ લોક ને ત્રણ કાળ પૂરણ જણાયા, તેની વાણીમાં આ
આવ્યું કે અરે આત્મા! તું તો શુદ્ધ છો, પુણ્ય-પાપના મેલ ને કર્મમળ રહિત તારી ચીજ
છે-એનું મનન કર. રાગનું પુણ્યનું કે વ્યવહારનું મનન છોડી દે-જો તારે મુક્તિનો લાભ
જોઈતો હોય તો. બાકી તો ૮૪ ના ગોથા તો અનંત કાળથી ખાધા જ કર્યા છે. પરંતુ
આત્માની શાંતિની પૂરણ પ્રાપ્તિરૂપ જે મુક્તિ એનો લાભ જોઈતો હોય તો શુદ્ધ
નિજાત્માનું મનન કર.
પરમાનંદની મૂર્તિ પ્રભુ પુણ્ય-પાપથી રહિત છે, કર્મથી ને શરીરથી રહિત છે ને
પોતાના અનંત પવિત્ર ગુણથી સહિત છે-એવા ભગવાનનું તું મનન કર ભાઈ! આ
રાગ ને પુણ્યના મનનથી પ્રભુ પ્રગટે એવો નથી. દયા દાન ને વ્રત-જપના પરિણામે
પ્રભુ પ્રગટે એવો નથી. નિર્વિકલ્પ નાથ સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ પૂરણ અનંત
ગુણથી ભરેલું જે તત્ત્વ છે તેનું મનન કર તો તેની પ્રાપ્તિ થશે. અનુકૂળ નિમિત્ત હોય
તો ઠીક-એવું મનન રહેવા દે ભાઈ, રહેવા દે! આવા નિમિત્ત હોય તો ઠીક, આવા શુભ
ભાવ હોય તો ઠીક, આવા કષાયની મંદતાના પરિણામ હોય તો ઠીક-એ બધું તો રાગનું
મનન તેં કર્યું, એવું મનન તો તેં અનાદિ કાળથી કર્યું છે ને એનાથી સંસાર અનાદિનો
ફળે છે પણ હવે તારે મુક્તિ કરવી છે કે પછી ૮૪ માં રખડવું છે?
ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ શુદ્ધ, નિરંજન, વીતરાગ છે તેની ઉપર દ્રષ્ટિ
કર એક એનું મનન ને એકાગ્રતા જ મુક્તિનો ઉપાય છે. ભગવાન આત્મા શુદ્ધ શુદ્ધ ને
શુદ્ધ પ્રભુ છે, તેનું એકનું જ મનન ને એકાગ્રતા કર તો તને કેવળજ્ઞાન ને મુક્તિનો
લાભ થશે.

Page 64 of 238
PDF/HTML Page 75 of 249
single page version

background image
૬૪] [હું
[પ્રવચન નં. ૧૧]
નિઃસંદેહ જાણઃ
ત્રિલોકપૂજ્ય પરમાત્મા હું પોતે જ છું
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૭-૬-૬૬]
આ યોગસાર ચાલે છે. શુદ્ધ ચૈતન્યમય અનંત ગુણનો પિંડ આત્મસ્વભાવ તેમાં
એકાગ્ર થઈને તેનું ધ્યાન કરવું તે મોક્ષના માર્ગનો સાર છે, તે યોગસાર છે. આત્માનું
સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય છે, તેની સન્મુખ થઈને એકાગ્રતાથી આત્મસ્વભાવનો વેપાર તે
જ સાર અને મોક્ષનું કારણ છે. તેમ અહીં ૨૬ મી ગાથામાં કહે છે કેઃ-
सुद्धु सचेयणु बुद्धु जिणु केवल–णाण–सहाउ ।
सो अप्पा अणुदिणु मुणहु जइ चाहहु–सिव–लाहु ।। २६।।
શુદ્ધ, સચેતન, બુદ્ધ, જિન, કેવળજ્ઞાનસ્વભાવ;
એ આતમ જાણો સદા, જો ચાહો શિવલાભ. ૨૬.
આત્માના પૂરણ આનંદની પૂરણ અતીન્દ્રિય દશારૂપી મુક્તિના લાભને એટલે કે
પૂરણ કલ્યાણમૂર્તિ આત્માની શિવ-કલ્યાણમય પૂરણ નિર્મળ પર્યાયની પ્રાપ્તિને જો કોઈ
ચાહતું હોય તો શુદ્ધ વીતરાગ પૂરણ પવિત્ર પરમાત્મસ્વરૂપ આત્માને દિન-રાત
અનુભવવો. આ આત્મા અત્યારે શુદ્ધ છે એમ અનુભવવો-એ મોક્ષલાભના કામીનું
કર્તવ્ય છે.
વીતરાગ, કલ્યાણમૂર્તિ આત્માની શુદ્ધ પરિપૂર્ણ પ્રગટ પર્યાયરૂપ મુક્તિના લાભને
જો તું ઈચ્છતો હો તો પૂરણ શુદ્ધ, પૂરણ શુદ્ધ, વીતરાગ નિર્દોષ સ્વભાવ ભગવાન
આત્માને તારે અનુભવવો, શિવલાભનો હેતુ આ છે. મોક્ષાર્થીને શું કરવા જેવું છે? ને
શું કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે?-કે શુદ્ધ ભગવાન પૂરણ ચૈતન્ય પ્રભુનું અંતર ધ્યાન
ને અનુભવ કરવો, એને અનુસરીને અંદર ઠરવું એ એક જ મુક્તિનો ઉપાય છે અને
એ જ મોક્ષાર્થીનું કર્તવ્ય છે.
ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ છે, જ્ઞાનચેતનામય છે, પુણ્ય-પાપને કરું એવી
કર્મચેતના કે હરખ-શોકને ભોગવું એવી કર્મફળચેતના એના સ્વભાવમાં નથી. વસ્તુ તો
ચેતનામય છે, જ્ઞાનચેતનાને વેદે એવું એનું સ્વરૂપ છે. જ્ઞાનને વેદે, જ્ઞાનને અનુભવે,
જ્ઞાનના આનંદના સ્વાદને લે એવો જ આત્મા છે. પુણ્ય-પાપના સ્વાદને લે કે હરખ-
શોકના સ્વાદને લે એવો આત્મા છે જ નહિ. વસ્તુ ચેતનામય છે એટલે પરને કરે કાંઈ
કે પરથી લે કાંઈ એવું એનું સ્વરૂપ નથી, તેમ જ રાગને કરે કે રાગને વેદે એવું પણ
એનું સ્વરૂપ નથી.

Page 65 of 238
PDF/HTML Page 76 of 249
single page version

background image
પરમાત્મા] [૬પ
ભગવાન આત્મા તો સચેતનસ્વરૂપ, જાગૃત, જાગૃત, ચેતનાર, ચેતનાર સ્વરૂપ
છે. જ્ઞાન ને આનંદને વેદવું એવું આત્માનું સ્વરૂપ છે. આહાહા! આ તો પરમાર્થ
માર્ગની વાત છે. માર્ગ એક જ છે, બીજો માર્ગ હોઈ શકે જ નહિ. ‘એક હોય
ત્રણકાળમાં પરમારથનો પંથ...’ ભગવાન આત્મા ચેતનાને વેદે, ચેતનાને કરે એવું જ
ચૈતન્યનું સ્વરૂપ છે. રાગને કરે કે હરખને ભોગવે એ વસ્તુસ્વરૂપ જ નથી. સંસારના
ભાવને કરે કે સંસારભાવને હરખથી વેદે એ આત્મા જ નથી.
જેમાં એકલી ચેતના ભરેલી છે તેને આત્મા કહીએ. ચેતનાનું જાણવાનું દેખવાનું
અનુભવવાનું કામ કરે એવો આત્મા છે. એવા આત્માને તું આત્મા જાણ. રાગને કરે એ
આત્મા નથી, એ તો અણાત્મા છે. વ્યવહાર-રત્નત્રયના વિકલ્પો ઊઠે તેને કરે કે વેદે તે
આત્મા નથી આત્મા જ્ઞાનમૂર્તિ પ્રભુ છે તે તો જ્ઞાનને જાણીને જ્ઞાનને અનુભવે, જ્ઞાનને
વેદે, જ્ઞાનમાં જ્ઞાનની એકાગ્રતાનો અનુભવ કરે એવો છે.
બોલે તે આત્મા નહિ, સાંભળે તે આત્મા નહિ, વિકલ્પથી સાંભળે તે આત્મા
નહિ! ભગવાન આત્મા ચેતનસ્વરૂપ છે, એનું તો ચેતવાનું, જાણવાનું કામ છે. એને
આત્મા જાણ, એ આત્માનો અનુભવ કર, એ શિવના લાભનો હેતુ છે. નિરૂપદ્રવ,
કલ્યાણમૂર્તિ મુક્તદશાના લાભનો એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.
આ તો યોગસાર છે ને! એકલો સાર સાર ભર્યો છે. ભગવાન આત્મા બુદ્ધ છે.
બુદ્ધદેવ છે, સત્યબુદ્ધ છે. એવા બુદ્ધદેવને તું જાણીને અનુભવ. આવો આત્મા જાણીને
બીજાને કહેજે કે સમજાવજે-તો એવો આત્મા છે જ નહિ. સર્વજ્ઞ તીર્થંકર ભગવાન
ત્રિલોકનાથ દેવ ફરમાવે છે કે ભાઈ ! તું તો સત્યબુદ્ધ છો ને! સાચું બુદ્ધપણું તું છો
એને જાણીને તેનો અનુભવ કર. એ જ મોક્ષના લાભનો હેતુ ને કારણ છે, એ સિવાય
બીજું કોઈ કારણ નથી.
ઉપશમરસ, અકષાયરસ ને વીતરાગ શાંતરસથી જામેલું તત્ત્વ ભગવાન આત્મા
છે. વીતરાગના અકષાય શાંતરસનું ઢીમ તત્ત્વ છે; તેમાં વિકલ્પ ઊઠાવવો કે હું બીજેથી
સમજું કે બીજાને સમજાવું એ વસ્તુના સ્વરૂપમાં નથી. પોતાથી પોતાને જાણે એવો
ભગવાન આત્મા છે. જાણપણાના વિશેષ બોલથી બીજાને સમજાવે તો તે અધિક છે
એવું આત્માનું સ્વરૂપ છે જ નહિ.
ભગવાન આત્મા સત્ય સાહેબ બુદ્ધદેવ છે, તેમાં વિકલ્પનો અવકાશ છે જ ક્યાં?
જે જાણેલું તત્ત્વ છે તેને કહું એવો વિકલ્પ તે વસ્તુનું સ્વરૂપ ક્યાં છે? એવો આત્મા જ
નથી. કેમ કે જો આત્મા એવો હોય તો સિદ્ધ ભગવાન પણ બોલવા જોઈએ!
ભગવાન આત્મા પોતે જિનદેવ છે. સાચો જિન ભગવાન આત્મા છે.
સમવસરણમાં બિરાજમાન ભગવાન તારા માટે તો વ્યવહારજિન છે. તારે માટે આત્મા
પોતે વીતરાગીબિંબ પરમેશ્વરદેવ જિન છે. અંદરમાં પરમાત્મસ્વરૂપ છે તે તારા માટે
જિન છે. સમવસરણમાં

Page 66 of 238
PDF/HTML Page 77 of 249
single page version

background image
૬૬] [હું
વાણી નીકળે ને ઇન્દ્રો પણ સાંભળવા આવે, એ જિનદેવને ને આત્માને કાંઈ સંબંધ છે
નહિ. તું પોતે સાચો જિન છે. વસ્તુરૂપે વીતરાગબિંબ ભગવાન છે. એને જાણ ને
અનુભવ-એટલું બસ! આવા આત્માને જિન તરીકે સ્વીકાર! વીતરાગીબિંબ પ્રભુ
આત્મા હું પોતે છું-એમ તું તને અનુભવ. જો રાગ, વાણી, વાંચન, લેવું, દેવું, કે
પુણ્યપ્રકૃતિમાં ક્યાંય અધિકાઈ મનાઈ ગઈ તો તેં જિનસ્વરૂપ આત્મામાં, અધિકાઈ
માની નથી.
ભગવાન જિનસ્વરૂપ પોતે જ છે, તેમાં જિનસ્વરૂપ સિવાય જેટલા બોલ ઊઠે
તેમાં અધિકતા થઈ જાય અથવા બીજાને આવું હોય તેને અધિક માને તે ભૂલમાં પડયો
છે. ભગવાન આત્મા જિન એટલે કે સંસારવિજયી જિનેન્દ્ર છે. વિકલ્પ અને એના
અભાવસ્વરૂપ જિનેન્દ્ર છે. અરે! શાસ્ત્રના ભણવાના ભાવથી પણ મુક્ત એવો જિનેન્દ્ર
છે. એવા જિનેન્દ્ર પ્રભુનું નિર્વિકલ્પ દ્રષ્ટિથી ધ્યાન કરવું, નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા જ્ઞેય
કરવો ને એમાં ઠરવું તે શિવલાભનો હેતુ છે.
ભગવાન આત્મા કેવળજ્ઞાનસ્વરૂપ છે, સંપૂર્ણજ્ઞાનનો ધણી છે, પૂરણ નિરાવરણ
જ્ઞાનનો પિંડ છે. જે જ્ઞાન પરથી આવતું નથી એવા સ્વતઃ જ્ઞાનનો પિંડ છે. ચૈતન્યનો
પુંજ ભગવાન નિરાવરણ કેવળજ્ઞાનના સ્વભાવવાળો જ છે. શરીર તો નહિ, રાગ તો
નહિ પણ અપૂરણ પણ નહિ, એકલો પૂરણ જ્ઞાનસ્વભાવ તે ભગવાન છે. ચાર જ્ઞાનનો
વિકાસ તે ખરેખર આત્મા નહિ, પૂરણ જ્ઞાનસ્વભાવ તે આત્મા.
ચૌદ પૂર્વની રચના કરનાર ગણધરદેવની કેટલી અધિકતા!-કે ના, એકલો
જ્ઞાનસ્વભાવ છે તેમાં આ રચવું ને આ વિકલ્પ વસ્તુમાં છે જ ક્યાં? ચાર જ્ઞાનની
ઉઘડેલી પર્યાય છે તે પણ ખરેખર આત્મા નથી; ખરેખરો આત્મા નથી પણ વ્યવહાર
આત્મા છે. એવો કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે. આને આત્મા કહીયે. આ સિવાય
ઓછું, અધિક વિપરીત નાખે તે આત્માને જાણતો નથી.
રાત-દિવસ એટલે કે હંમેશા આવા આત્માનું મનન કરો. જગનું કલ્યાણ કરવા
માટે-પ્રભાવના થતી હોય તો એકાદ બે ભવ ભલેને વધારે થાય?-એમ કોઈક કહે છે. પણ
ભાઈ! એકાદ બે નહિ પણ ચોકખા અનંતા ભવ થશે. એક પણ ભવના ભાવની ભાવના
કરે છે તેને અનંતા નિગોદના ભવ એના કપાળમાં પડયા છે! જગતનું કલ્યાણ કરે કોણ?
વિકલ્પ કરે કોણ? વિકલ્પ વસ્તુમાં નથી ને એ વિકલ્પ આવ્યો તે તો અનાત્મસ્વરૂપ
નુકશાનકારક છે અને એનાથી જે સ્વને લાભ માને તે આત્માને જાણતો નથી.
માટે આવો ભગવાન આત્મા અંતરમાં નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્રથી
અનુભવવો. બસ, એ જ આત્માનું સ્વરૂપ ને મોક્ષના લાભનો હેતુ છે. બાકી વાતો છે.
શુદ્ધ, સચેતન, બુદ્ધ, જિન, કેવળજ્ઞાનસ્વભાવ આત્માને હંમેશા એક ધારાવાહી
અનુભવવો-જો શિવલાભ ચાહતા હો તો. ૨૬.
હવે ૨૭ મી ગાથામાં કહે છે કે નિર્મળ આત્માની ભાવના કરવાથી મુક્તિ થશે.

Page 67 of 238
PDF/HTML Page 78 of 249
single page version

background image
પરમાત્મા] [૬૭
ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશે જાગૃત સ્વભાવનો પિંડ પ્રભુ તેની ભાવના એટલે કે
નિર્વિકલ્પ એકાગ્રતા કરવાથી મોક્ષ થશે. આ તો ભાવનાનો ગ્રંથ છે, તેને પુનઃરુક્તિદોષ
ન લાગુ પડે, એને તો પુનઃભાવના લાગુ પડે. ભાવના એટલે નિર્વિકલ્પ એકાગ્રતા, તે
એક જ મોક્ષનો માર્ગ છે, વ્યવહારના વિકલ્પો મોક્ષનો માર્ગ નથી. શાસ્ત્રની સ્વાધ્યાય
કરતાં નિર્જરા થાય. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ પ્રભુ છે. તેની એકાગ્રતા
કરતાં જ મોક્ષ થશે, બીજી રીતે મુક્તિ થશે નહિ. માટે તું ભ્રમના ભૂલાવામાં ન પડ.
ભટકવા માટે ભ્રમણાના સ્થાન ઘણા છે અને ભ્રમણા મૂકવાનું સ્થાન ભગવાન આત્મા
એક જ છે.
जाम ण भावहि जीव तुहुं णिम्मल अप्प–सहाउ
ताम ण लब्भइ सिव–गमणु जहिं भावइ तहि जाउ ।। २७।।
જ્યાંલગી શુદ્ધસ્વરૂપનો, અનુભવ કરે ન જીવ;
ત્યાંલગી મોક્ષ ન પામતો, જ્યાં રુચે ત્યાં જાવ. ૨૭.
હે જીવ! જ્યાં સુધી નિર્મળ આત્માના સ્વભાવની ભાવના નહિ કર ને લાખ
વ્રત-નિયમ-પૂજા-ભક્તિ તથા શાસ્ત્ર દેવા-લેવાના વિકલ્પની જાળમાં જ્યાં સુધી
અટક્યો છો ત્યાં સુધી આત્માનો મોક્ષમાર્ગ નથી બધી વિકલ્પની જાળોને છોડીને
ભગવાન પૂર્ણાનંદ અભેદ ચૈતન્યસ્વરૂપનો અનુભવ ન કર ત્યાં સુધી મોક્ષમાં જઈ
શકતો નથી, પૂર્ણાનંદ તરફ તારું ગમન-પરિણમન નહિ થાય.
લોકો તો બિચારા પ્રભાવના માટે જિંદગી ખોઈ બેસે છે! આપણે પ્રભાવના
કરીએ તો ઘણાને લાભ થાય ને!-એમ એના માટે જિંદગી ખોઈ બેસે! પણ જ્યાં સુધી
ભગવાન આત્માની શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્રની ભાવનાની એક્તા ન કર ત્યાં સુધી મોક્ષ
પામી શક્તો નથી, ભલેને લાખ પ્રકારના બહારના વ્યવહાર-વિકલ્પો કરતો હો! પણ
મુક્તિ પામીશ નહિ.
આહાહા! આવો માર્ગ છે. દિવ્યધ્વનિ તે જૈનશાસન નહિ, વિકલ્પ ઊઠે તે
જૈનશાસન નહિ, પંચમહાવ્રતના પરિણામ ઊઠે તે જૈનશાસન નહિ, બીજાને
સમજાવવાના વિકલ્પમાં રોકાવું તે જૈનશાસન નહિ. ઠરેલું શાંતરસનું બિંબ આત્મતત્ત્વ,
તેમાં આવા વિકલ્પોને અવકાશ જ ક્યાં છે? અને તે વિકલ્પ હોય તોપણ તે શિવપંથના
કારણમાં કેમ ભળે? ભગવાન આત્માની અનુભવની દ્રષ્ટિ, અનુભવનું જ્ઞાન ને
અનુભવની સ્થિરતા તે એક જ શિવપંથનું-મોક્ષના પંથનું ગમન ને પરિણમન છે.
જ્યાં સુધી સ્વભાવમાં એકાગ્રતા ન કરે ને બહાર વિકલ્પની જાળમાં ઠર્યા કરે
ત્યાં સુધી શિવમાર્ગને પામીશ નહિ માટે જ્યાં તને ગોઠે ત્યાં જા, મુક્તી જોઈતી હોય
તો સ્વભાવ તરફની એકતા કર, બાકી વિકલ્પમાં તો છો ને તેનાથી લાભ થશે-એ તો
અનાદિનું ચાલ્યું જ આવે છે. એમાં અમારે તને શું કહેવું?
જ્યાં રુચે ત્યાં જા, મોક્ષનો લાભ ચાહતો હો તો સ્વભાવ તરફ એકાગ્ર થા. બધાં
પ્રપંચની

Page 68 of 238
PDF/HTML Page 79 of 249
single page version

background image
૬૮] [હું
વિકલ્પની જાળ છોડી દે. ભગવાન આત્માનું નિર્વિકલ્પ સ્વરૂપે ધ્યાન કર એ એક જ
મોક્ષનો ઉપાય છે. ૨૭.
ત્રણ લોકમાં પૂજ્ય હોય તો ભગવાન પોતે જ છે, પોતાને માટે પોતાનો આત્મા
જ પૂજ્ય છે. એમ ૨૮ મી ગાથામાં કહે છેઃ-
जो तइलोयह झेउ जिणु सो अप्पा णिरु वुत्तु ।
णिच्छय–णइं एमइ भणिउ जाणि णिभतु ।। २८।।
ધ્યાનયોગ ત્રિલોકના, જિન તે આતમ જાણ;
નિશ્ચયથી એમ જ કહ્યું, તેમાં ભ્રાંતિ ન આણ ૨૮.
ત્રણલોકના પ્રાણીઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય જિન છે એટલે કે ભક્તોને ધ્યાન
કરવા લાયક કોઈ હોય તો તે ભગવાન આત્મા છે. ભગવાનની ભક્તિ-પૂજાનો વ્યવહાર
વિકલ્પ વચ્ચે આવે ને?-તો ભલે આવે, પણ કાંઈ પરમાર્થે પૂજ્ય નથી. જો પરમાર્થે
પૂજ્ય હોય તો ત્યાંથી લક્ષ ફેરવીને અંદરમાં લક્ષ કરવાની જરૂર પડે નહિ!
ભગવાનની મૂર્તિના દર્શનથી નિધત-નિકાચિત કર્મને તોડે ને? ભાઈ! બાપુ
ત્રણલોકનો નાથ પૂજ્ય ભગવાન આત્મા છે, તેના દર્શનથી નિધત ને નિકાચિત કર્મના
ભૂક્કા ઊડી જાય છે! એવો ભગવાન આત્મા છે. વ્યવહારના લખાણ આવે કે પરમેશ્વર
અને મૂર્તિ દેખવાથી સમ્યગ્દર્શન થાય; પરંતુ નિજ ભગવાન આત્માના દર્શનથી
સમ્યગ્દર્શન થાય ત્યારે બહારમાં નજીકમાં શું હોય તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે.
ત્રણલોકના પ્રાણીઓને ધ્યાન કરવા લાયક જે જિન છે તે ભગવાન આત્મા છે.
પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો જિનસ્વરૂપ પરમાત્મા પોતે જ ધ્યાન કરવા લાયક છે.
ભક્તજનોએ એટલે કે આત્માની ભક્તિ કરનાર જીવોએ ભક્તિ કરવા લાયક પોતાનો
ભગવાન આત્મા છે. તીર્થંકર ભગવાન વ્યવહારે પૂજ્ય છે ને નિશ્ચયથી તો એનો
પોતાનો ત્રણલોકનો નાથ આત્મા પૂજ્ય છે.
એકલો શુદ્ધ બુદ્ધ જ્ઞાનઘન આનંદકંદ ધ્રુવ તેને નિશ્ચયથી આત્મા કહ્યા છે. દેહની
ક્રિયા તો જડ, પુણ્ય-પાપના ભાવ આસ્રવ, વર્તમાન પર્યાયની અલ્પતા એ વ્યવહાર-
આત્મા ને ખરેખરો આત્મા તો ત્રિકાળી શુદ્ધ બુદ્ધ ધ્રુવ, એકલો ચૈતન્ય પિંડ ધ્રુવ તે
ખરેખર આત્મા છે. સત્ય વાત કહેનાર વાણી અને જ્ઞાન આમ કહે છે.
ત્રણ લોકનો નાથ પ્રભુ તું પૂજ્ય છો, આહાહાહા! ભગવાન સર્વજ્ઞદેવ ને પ્રતિમા
એ વ્યવહારે પૂજ્ય છે ને મોક્ષનો માર્ગ પૂજ્ય તે પણ વ્યવહારે; પૂરણ શુદ્ધ ચૈતન્યનો
પિંડલો ભગવાન કે જ્યાં નમવા જેવું છે, જ્યાં અંતર સન્મુખ થવા જેવું છે એવો ત્રણ
લોકનો નાથ પૂજ્ય પ્રભુ પોતાનો આત્મા પોતાને પૂજ્ય છે.
નિશ્ચયનય આમ કહે છે માટે તેમાં સંદેહ ન કર. અમે આવા આત્મા? ભક્તો
પોતાના ભગવાન આત્માને પૂજે? આવડું મોટું આ તત્ત્વ?-એમ ભ્રાંતિ ન કર. સો

Page 69 of 238
PDF/HTML Page 80 of 249
single page version

background image
પરમાત્મા] [૬૯
ઇન્દ્રોમાં એ વાત પ્રસિદ્ધ છે કે આત્મા જ પૂજ્ય છે. વ્યવહાર તરીકે વ્યવહાર છે, વ્યવહાર
નથી એમ નથી. પરંતુ વ્યવહારને નિશ્ચયથી પૂજ્યપણે સ્વીકારી લે તો એ વાત ખોટી
છે. ભગવાનને વંદન, નામ-સ્મરણ, પૂજા-ભક્તિનો શુભ રાગ હોય છે, વ્યવહાર હોય
છે પણ એ જાણવાલાયક છે, પૂજવાલાયક તો ખરેખર આત્મા છે.
ભક્તિવંત પ્રાણીના શુભભાવ એ કાળે એવા હોય છે પણ એ જાણવાલાયક છે.
વ્યવહારે તે આદરવાલાયક કહેવાય, નિશ્ચયથી તે આદરવાલાયક નથી. ત્રણ લોકના નાથ
સર્વજ્ઞદેવ વ્યવહારે પૂજ્ય છે, જાણવાલાયક છે, તેને કાઢી નાખે તો મિથ્યાદ્રષ્ટિ થઈ જાય!
ત્રણ લોકના નાથ પોતાને પૂજ્ય છે. સમવસરણમાં ઇન્દ્રો પણ સર્વજ્ઞદેવને પૂજે
છે ને? ભાઈ! વ્યવહારના લખણ જ એવા છે! વ્યવહારમાં પર પદાર્થનું લક્ષ હોય.
પરંતુ એ કાંઈ ખરેખર આત્મા નથી ને એ કાંઈ ખરેખર પૂજ્ય નથી. ભાઈ! એવા
વિકલ્પો હોય છે એ બંધનું કારણ છે, તોપણ એ આવ્યા વિના રહેતા નથી. કેમ?-કે
અબંધસ્વભાવી આત્મા પૂરણ અબંધપરિણામને ન પામે ત્યાં સુધી એવા ભાવ હોય.
તેથી વ્યવહાર છે ખરો, વ્યવહાર ન માને તો મિથ્યાદ્રષ્ટિ થઈ જાય છે અને જો વ્યવહારે
પૂજ્ય માની લ્યે તોપણ મિથ્યાદ્રષ્ટિ છે.
ત્રણ લોકના પ્રાણી જેમને ધ્યાવે છે, પૂજે છે, વંદે છે, તે જ પરમાત્મા પરમાર્થે
આત્મા છે. હું જ ત્રિલોક પૂજ્ય પરમાત્મા જિનેન્દ્ર છું એમ ભ્રાંતિ રહિતપણે જાણવું
જોઈએ. અરે ભાઈ સા’બ! હું કાંઈ ભગવાન હોઉં! પણ બાપુ! એવું જ વસ્તુસ્વરૂપ
છે. આવો શુદ્ધ ભગવાન આત્મા ત્રણલોકમાં પૂજ્યપુરુષોને પણ પૂજ્ય છે. ગણધરો
આદિ પૂજ્ય સંતો છે તેને પણ પૂજ્ય આત્મા છે. નમન કરવાલાયક જે મુનિઓ તેમને
પણ નમન કરવાલાયક આત્મા છે.
ત્રણ લોકમાં જેની સાથે કોઈ જોડ-સરખામણી કરી શકાય નહિ એવું
આદરવાલાયક અદ્વૈતતત્ત્વ પોતાનો ભગવાન જ પૂજ્ય છે, વંદનીય છે, માનવાલાયક છે,
આદરવાલાયક છે. આવા આત્માના બહુમાન ને શ્રદ્ધા-જ્ઞાન વિના જેટલા વ્રત-નિયમ-
તપસ્યા-પૂજા-ભક્તિ-દાન કરે, જાત્રાઓ કરે એ બધુંય ધર્મ માટે નથી, મોક્ષમાર્ગ માટે
નથી. સમ્મેદશિખરની એકવાર યાત્રા કરે એટલે બસ! અહીં તો કહે છે કે લાખ વાર
સમ્મેદશિખરની વંદના કરે તોપણ એકેય ભવ ઘટે નહિ અરે! સાક્ષાત્ ત્રણલોકના નાથ
અરિહંત પરમાત્માને કરોડવાર વંદન કરે તોપણ એકેય ભવ ઘટે નહિ! કેમ કે તે
પરદ્રવ્ય છે ને પરદ્રવ્યના લક્ષે તો રાગ જ ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ?
જેને આત્મદ્રષ્ટિ નથી ને જેણે શુભ વિકલ્પમાં લાભ માન્યો છે, જેને ક્રિયાઓમાં
લાભ માન્યો છે, બીજાને ઉપદેશ દેવાથી લાભ માન્યો છે, અરે! ભગવાન અખંડાનંદનો
નાથ પ્રભુ પોતે તેના આશ્રય વિના જે કોઈ પણ વિકલ્પ ઊઠે તે મોક્ષના માર્ગની
કળામાં પ્રવેશ પામી શકતો નથી.