Padmapuran (Gujarati). Parva 29 - Raja Dashrathnu dharma shravan; Parva 30 - Bhamandalno melap; Parva 31 - Raja Dashrathnu purvabhav shravanthi sansaarthi virakt thavu.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 15 of 35

 

Page 260 of 660
PDF/HTML Page 281 of 681
single page version

background image
૨૬૦ અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ
છે. ચપળવેગ વિદ્યાધર જે અશ્વનું રૂપ લઈને એમને લઈ આવ્યો હતો તે અશ્વનું રૂપ દૂર
કરી રાજા ચંદ્રગતિની પાસે ગયો અને નમસ્કાર કરી કહેવા લાગ્યો કે હું જનકને લઈ
આવ્યો છું. તે મનોજ્ઞ વનમાં ભગવાનનાં ચૈત્યાલયમાં બેઠા છે. રાજા આ સાંભળીને બહુ
હર્ષ પામ્યા. જેનું મન ઉજ્જવળ છે એવા તે થોડાક નિકટના લોકો સાથે પૂજાની સામગ્રી
લઈ, મનોરથ સમાન રથ પર બેસીને ચૈત્યાલયમાં આવ્યા. રાજા જનકને ચંદ્રગતિની સેના
જોઈને તથા અનેક વાજિંત્રોનો અવાજ સાંભળીને કાંઈક શંકા થઈ. કેટલાક વિદ્યાધરો
માયામયી સિંહો પર બેસીને, કેટલાક માયામયી હાથીઓ પર બેસીને, કેટલાક ઘોડા પર
બેસીને, કેટલાક હંસ પર આરૂઢ થઈને અને તેમની વચ્ચે રાજા ચંદ્રગતિને જોઈને જનક
વિચારવા લાગ્યો કે વિદ્યાધર પર્વત પર વિદ્યાધરો વસે છે એવું મેં સાંભળ્‌યું હતું તો આ
વિદ્યાધરો છે. વિદ્યાધરોના સૈન્યની વચમાં આ વિદ્યાધરોનો અધિપતિ પરમ દીપ્તિથી શોભે
છે. જનક આમ વિચાર કરે છે તે જ સમયે દૈત્યજાતિના વિદ્યાધરોનો સ્વામી રાજા
ચંદ્રગતિ ચૈત્યાલયમાં આવી પહોંચ્યો. તે ખૂબ આનંદમાં છે અને તેનું શરીર નમ્રતાવાળું
છે. રાજા જનક તેને જોઈને અને કાંઈક ભય પામીને ભગવાનના સિંહાસનની નીચે બેસી
રહ્યા અને રાજા ચંદ્રગતિએ ભક્તિપૂર્વક ભગવાનના ચૈત્યાલયમાં જઈને, પ્રણામ કરીને,
વિધિપૂર્વક ઉત્તમ પૂજા કરી અને સ્તુતિ કરવા લાગ્યા. પછી સુંદર સ્વરવાળી વીણા હાથમાં
લઈને ઊંડી ભાવના સહિત ભગવાનના ગુણ ગાવા લાગ્યા. તેમનાં ગીતનો ભાવ
સાંભળો. અહો ભવ્ય જીવો! જિનેન્દ્રની આરાધના કરો. જિનેન્દ્ર દેવ ત્રણ લોકના જીવોને
વર આપનાર અને અવિનાશી સુખ આપનાર છે, દેવોમાં શ્રેષ્ઠ ઇન્દ્રાદિ દ્વારા નમસ્કાર
કરવા યોગ્ય છે. ઇન્દ્રાદિએ ઉત્કૃષ્ટ પૂજાના વિધાનમાં પોતાનું ચિત્ત જોડયું છે. હે
ઉત્તમજનો! શ્રી ઋષભદેવને મનવચનકાયાથી નિરંતર ભજો. કેવા છે ઋષભદેવ? ઉત્કૃષ્ટ
છે, શિવદાયક છે, જેમને ભજવાથી જન્મજન્મનાં કરેલાં સમસ્ત પાપનો વિલય થાય છે. હે
પ્રાણીઓ! જિનવરને નમસ્કાર કરો. કેવા છે જિનવર? મહાન અતિશયોના ધારક છે,
કર્મોના નાશક છે અને પરમગતિ નિર્વાણને પામેલા છે, સર્વ સુર, અસુર, નર,
વિદ્યાધરોથી તેમનાં ચરણકમળ પૂજાય છે, ક્રોધરૂપ મહાવેરીનો નાશ કરનાર છે. હું
ભક્તિરૂપ થઈને જિનેન્દ્રને નમસ્કાર કરું છું. જેમનો દેહ ઉત્તમ લક્ષણોથી સંયુક્ત છે,
જેમને સર્વ મુનિઓ વિનયથી નમસ્કાર કરે છે, તે ભગવાન નમસ્કારમાત્રથી જ ભક્તોનો
ભય દૂર કરે છે. હે ભવ્ય જીવો! જિનવરને વારંવાર પ્રણામ કરો. તે જિનવર અનુપમ
ગુણ ધારણ કરે છે, તેમનું શરીર અનુપમ છે, તેમણે સંસારમય સકળ કુકર્મોનો નાશ કર્યો
છે, રાગાદિરૂપ મળથી રહિત અત્યંત નિર્મળ છે, જ્ઞાનાવરણાદિરૂપ કર્મને દૂર કરે છે, સંસાર
પાર કરાવવામાં અત્યંત પ્રવીણ છે, અત્યંત પવિત્ર છે. આ પ્રમાણે ચંદ્રગતિએ વીણા
વગાડીને ભગવાનની સ્તુતિ કરી. ત્યારે રાજા જનક ભગવાનના સિંહાસન નીચેથી ભય
ત્યજીને નીકળ્‌યા અને ભગવાનની સ્તુતિ કરી. ચંદ્રગતિએ જનકને જોઈને આનંદ પામેલા
મનથી પૂછયું કે તમે કોણ છો? આ નિર્જન સ્થાનમાં ભગવાનના ચૈત્યાલયમાં ક્યાંથી
આવ્યા છો? તમે નાગેન્દ્ર છો કે વિદ્યાધરોના અધિપતિ છો? હે મિત્ર! તમારું

Page 261 of 660
PDF/HTML Page 282 of 681
single page version

background image
પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ ૨૬૧
નામ શું છે તે કહો. ત્યારે જનકે કહ્યું કે હે વિદ્યાધરોના પતિ! હું મિથિલાનગરીમાંથી
આવ્યો છું અને મારું નામ જનક છે, માયામયી અશ્વ મને અહીં લઈ આવ્યો છે. જનકે
આ સમાચાર કહ્યા ત્યારે બન્ને અત્યંત પ્રેમથી મળ્‌યા, પરસ્પર કુશળતા પૂછી, એક
આસન પર બેસીને અને એકાદ ક્ષણ ઊભા થઈને બન્ને આપસમાં વિશ્વાસ પામ્યા.
ચંદ્રગતિએ બીજી વાતો કરીને જનકને કહ્યું કે હે મહારાજ! હું મહાન પુણ્યવાન છું કે મને
મિથિલાપતિનાં દર્શન થયાં. તમારી પુત્રી અત્યંત શુભ લક્ષણોથી મંડિત છે એવું મેં ઘણા
લોકોના મોઢે સાંભળ્‌યું છે તો તે મારા પુત્ર ભામંડળને આપો. તમારી સાથે સંબંધ બાંધીને
હું મારું મહાન ભાગ્ય માનીશ. ત્યારે જનકે કહ્યું કે હે વિદ્યાધરાધિપતિ! તમે જે કહ્યું તે તો
બધું વાજબી છે, પરંતુ મેં મારી પુત્રી રાજા દશરથના મોટા પુત્ર શ્રી રામચંદ્રને દેવાનું
નક્કી કર્યું છે. ચંદ્રગતિએ પૂછયું કે શા માટે તેને દેવાનું નક્કી કર્યું છે. રાજા જનકે કહ્યું કે
તમને સાંભળવાની જિજ્ઞાસા છે તો સાંભળો. મારી મિથિલાપુરી રત્નાદિ, ધન અને ગાય
આદિ પશુઓથી પૂર્ણ છે, હવે અર્ધવર્વર દેશના મ્લેચ્છોએ આવીને મારા દેશમાં ત્રાસ
વર્તાવવા માંડયો, ધન લૂંટી જવા લાગ્યા અને દેશમાંથી શ્રાવક અને યતિધર્મનો નાશ થવા
લાગ્યો તેથી મ્લેચ્છો અને મારી વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે વખતે રામે આવીને મને અને
મારા ભાઈને મદદ કરી. દેવોથી પણ દુર્જય એવા તે મ્લેચ્છોને તેમણે જીતી લીધા. રામના
નાના ભાઈ લક્ષ્મણ ઇન્દ્ર સમાન પરાક્રમી છે અને મોટા ભાઈના સદા આજ્ઞાકારી અને
વિનયસંયુક્ત છે. તે બન્ને ભાઈઓએ આવીને જો મ્લેચ્છોની સેનાને ન જીતી હોત તો
આખી પૃથ્વી મ્લેચ્છમય થઈ જાત. તે મ્લેચ્છ અત્યંત અવિવેકી, શુભક્રિયા રહિત, લોકોને
પીડનારા, મહાભયંકર વિષ સમાન દારુણ ઉત્પાતનું સ્વરૂપ જ છે. રામની કૃપાથી તે બધા
ભાગી ગયા. પૃથ્વીનું અહિત થતું અટકી ગયું. તે બન્ને રાજા દશરથના પુત્ર, અતિ
દયાવાન, લોકોના હિતેચ્છુ છે. તેમને પામીને રાજા દશરથ સુખપૂર્વક સુરપતિ સમાન
રાજ્ય કરે છે. તે દશરથના રાજ્યમાં ખૂબ સંપત્તિશાળી લોકો વસે છે અને દશરથ અત્યંત
શૂરવીર છે. જેના રાજ્યમાં પવન પણ કોઈનું કાંઈ હરી શકતો નથી તો બીજું કોણ હરી
શકે? રામ-લક્ષ્મણે મારા ઉપર એવો મોટો ઉપકાર કર્યો છે. ત્યારે મને વિચાર આવ્યો કે
હું એમનો કઈ રીતે બદલો વાળું? રાતદિવસ મને ઊંઘ આવતી નહિ. જેણે મારા પ્રાણની
રક્ષા કરી, પ્રજાની રક્ષા કરી તે સમાન મારું કોણ હોય? મારાથી તો કદી એમની કાંઈ
સેવા થઈ શકી નથી અને એમણે મોટો ઉપકાર કર્યો છે. ત્યારે હું વિચારવા લાગ્યો કે જે
આપણા ઉપર ઉપકાર કરે અને તેની કાંઈ સેવા ન કરીએ તો જીવનનો શો અર્થ?
કૃતઘ્નનું જીવન તૃણ સમાન છે. ત્યારે મેં મારી નવયૌવનપૂર્ણ પુત્રી સીતા રામને યોગ્ય
જાણીને રામને આપવાનું વિચાર્યું. ત્યારે જ મારો શોક કાંઈક મટયો. હું ચિંતારૂપ
સમુદ્રમાંથી બહાર નીકળ્‌યો. રામ મહાતેજસ્વી છે. જનકના આ વચન સાંભળી ચંદ્રગતિના
નિકટવર્તી બીજા વિદ્યાધરો મલિનમુખ થઈને કહેવા લાગ્યા કે તમારી બુદ્ધિ શોભાયમાન
નથી. તમે ભૂમિગોચરી છો, અપંડિત છો. ક્યાં તે રંક મ્લેચ્છ અને ક્યાં તેમને

Page 262 of 660
PDF/HTML Page 283 of 681
single page version

background image
૨૬૨ અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ
જીતવાની બડાઈ? આમાં રામનું શું પરાક્રમ આવ્યું કે તમે મ્લેચ્છોને જીતવા વડે તેની
આટલી પ્રશંસા કરી? રામની જે આટલી પ્રશંસા કરી તે તો ઊલટી આમાં નિંદારૂપ છે.
અહો! તમારી વાત સાંભળીને હસવું આવે છે. જેમ બાળકને વિષફળ જ અમૃત ભાસે છે
અને દરિદ્રીને બોર ઉત્તમ ફળ લાગે છે, કાગડો સુકાઈ ગયેલા વૃક્ષમાં પ્રીતિ કરે છે, એ
સ્વભાવ જ દુર્નિવાર છે. હવે તમે ભૂમિગોચરીઓનો ખોટો સંબંધ છોડીને આ વિદ્યાધરોના
રાજા ચંદ્રગતિ સાથે સંબંધ બાંધો. ક્યાં દેવ સમાન સંપતિના ધારક વિદ્યાધરો અને ક્યાં તે
રંક, સર્વથા અત્યંત દુઃખી એવા ભૂમિગોચરી? ત્યારે જનકે કહ્યું કે ક્ષીરસાગર અત્યંત
વિશાળ છે, પરંતુ તે તરસ છિપાવતો નથી અને વાવ થોડા જ મીઠા જળથી ભરેલી છે તે
જીવોની તરસ મટાડે છે. અંધકાર અત્યંત વિસ્તીર્ણ છે, પણ તેનાથી શું? અને દીપક
નાનો છે તો પણ પૃથ્વી પર પ્રકાશ ફેલાવે છે, પદાર્થોને પ્રગટ કરે છે. અનેક મદમસ્ત
હાથી જે પરાક્રમ કરી શકતા નથી તે એકલા કેસરી સિંહનું બચ્ચું કરી શકે છે. રાજા જનકે
જ્યારે આમ કહ્યું ત્યારે તે સર્વ વિદ્યાધરો ગુસ્સે થઈને અતિકઠોર શબ્દોથી
ભૂમિગોચરીઓની નિંદા કરવા લાગ્યા. હે જનક! તે ભૂમિગોચરી વિદ્યાના પ્રભાવ વિનાના,
સદા ખેદખિન્ન, શૂરવીરતા રહિત, આપદાવાન, તમે તેમનાં શું વખાણ કરો છો?
પશુઓમાં અને તેમનામાં તફાવત ક્યાં છે? તમારામાં વિવેક નથી તેથી તેમનો યશ ગાવ
છો. ત્યારે જનકે કહ્યું કે અરેરે! અત્યંત ખેદની વાત છે કે મેં પાપના ઉદયથી મહાન
પુરુષોની નિંદા સાંભળી. ત્રણ ભવનમાં વિખ્યાત ભગવાન ઋષભદેવ, ઇન્દ્રાદિક દેવોમાં
પણ પૂજ્ય તેમના પવિત્ર ઈક્ષ્વાકુવંશ વિષે શું તમે સાંભળ્‌યું નથી? ત્રણ લોકના પૂજ્ય શ્રી
તીર્થંકરદેવ, ચક્રવર્તી, બળભદ્ર, નારાયણ તે બધા ભૂમિગોચરીઓમાં ઉત્પન્ન થાય છે તેમની
તમે કઈ રીતે નિંદા કરો છો? હે વિદ્યાધરો! પંચકલ્યાણકની પ્રાપ્તિ ભૂમિગોચરીઓને જ
થાય છે, વિદ્યાધરોમાં કદી પણ કોઈને તમે જોઈ છે? ઈક્ષ્વાકુવંશમાં મોટા મોટા રાજાઓ
જે છ ખંડ પૃથ્વીના વિજેતા હતા, તેના ચક્રાદિ મહારત્ન અને મોટી ઋદ્ધિના સ્વામી,
ઇન્દ્રાદિકોએ પણ જેમની ઉદાર કીર્તિનાં ગુણગાન કર્યાં છે એવાં ગુણોના સાગર, કૃતકૃત્ય
પુરુષ ઋષભદેવના વંશના મોટામોટા પૃથ્વીપતિ આ ભૂમિમાં અનેક થઈ ગયા છે. તે જ
વંશમાં રાજા અનરણ્ય મહાન રાજા થયા હતા. તેમની રાણી સુમંગલાને દશરથ નામનો
પુત્ર થયો, જે ક્ષત્રિય ધર્મમાં તત્પર, લોકોની રક્ષા નિમિત્તે પોતાના પ્રાણ ત્યાગતાં ન ડરે,
જેમની આજ્ઞા સમસ્ત લોક મસ્તકે ચડાવે, જેમની ચાર પટરાણી જાણે કે ચાર દિશા જ
છે, તે ઉપરાંત ગુણોથી ઉજ્જવળ એવી બીજી પાંચસો રાણી, જેમનાં મુખ ચંદ્રને પણ જીતે
છે, જે જાતજાતના શુભ ચરિત્રથી પતિનું મન હરે છે, એ દશરથના મોટા પુત્ર રામ,
જેમને પદ્મ પણ કહે છે, જેનું શરીર લક્ષ્મીથી મંડિત છે, જેણે દીપ્તિથી સૂર્યને અને કીર્તિથી
ચંદ્રને જીતી લીધા છે, દ્રઢતાથી સુમેરુ પર્વતને, શોભાથી ઇન્દ્રને અને શૂરવીરતાથી સર્વ
સુભટોને જીતી લીધા છે, જેનું ચરિત્ર સુંદર છે, જેના નાના ભાઈ લક્ષ્મણના શરીરમાં
લક્ષ્મીનો નિવાસ છે, જેનું ધનુષ્ય જોતાં શત્રુઓ ભયથી ભાગી જાય છે અને તમે
વિદ્યાધરોને એમનાથી ચડિયાતા

Page 263 of 660
PDF/HTML Page 284 of 681
single page version

background image
પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ ૨૬૩
બતાવો છો? કાગડો પણ આકાશમાં તો ગમન કરે છે, તેમાં ગુણ શો આવ્યો?
ભૂમિગોચરીઓમાં ભગવાન તીર્થંકર જન્મે છે તેમને ઇન્દ્રાદિક દેવ ભૂમિ પર મસ્તક
અડાડી નમસ્કાર કરે છે, વિદ્યાધરોની શી વાત છે? જ્યારે જનકે આમ કહ્યું ત્યારે તે
વિદ્યાધરો એકાંતમાં બેસીને અંદરોઅંદર મંત્રણા કરીને જનકને કહેવા લાગ્યા કે હે
ભૂમિગોચરીઓના રાજા! તમે રામ-લક્ષ્મણનો આટલો પ્રભાવ બતાવો છો અને મિથ્યા
ગર્જીગર્જીને વાતો કરો છો, પણ અમને એમના બળ-પરાક્રમની પ્રતીતિ થતી નથી, માટે
અમે કહીએ છીએ તે સાંભળો. એ વજ્રાવર્ત અને બીજું સાગરાવર્ત આ બે ધનુષ્યોની દેવ
સેવા કરે છે. હવે જો એ બન્ને ભાઈ આ ધનુષ્યો ચડાવે તો અમે એમની શક્તિ માનીએ.
અધિક કહેવાથી શું? જો વજ્રાવર્ત ધનુષ્ય રામ ચડાવે તો તમારી કન્યા પરણે, નહિતર
અમે બળાત્કારે કન્યાને અહીં લઈ આવીશું, તમે જોતા રહેશો. ત્યારે જનકે કહ્યું કે એ
વાત મને કબૂલ છે. પછી તેમણે બેય ધનુષ્ય દેખાડયાં. જનક તે ધનુષ્યોને અતિવિષમ
જોઈને કાંઈક આકુળતા પામ્યા. પછી તે વિદ્યાધરો ભાવથી ભગવાનની પૂજા-સ્તુતિ કરીને
ગદા અને હળાદિ રત્નોથી સંયુક્ત ધનુષ્યોને તથા જનકને લઈને મિથિલાપુરી આવ્યા.
ચંદ્રગતિ ઉપવનમાંથી રથનૂપુર ગયો. જ્યારે રાજા જનક મિથિલાપુરી આવ્યા ત્યારે
નગરીની શોભા કરવામાં આવી, મંગળાચાર થયા અને બધા લોકો સામા આવ્યા.
વિદ્યાધરો નગરની બહાર એક આયુધશાળા બનાવીને ત્યાં ધનુષ્ય રાખીને અત્યંત ગર્વિષ્ઠ
બનીને રહ્યા. જનક ખેદપૂર્વક થોડું ભોજન કરીને ચિંતાથી વ્યાકુળ, ઉત્સાહરહિત શય્યામાં
પડયા. તેની નમ્રીભૂત થયેલી ઉત્તમ સ્ત્રી બહુ આદરપૂર્વક ચંદ્રમાના કિરણ સમાન
ઉજ્જવળ ચામર ઢોળવા લાગી. રાજા અગ્નિ સમાન ઊના ઊના દીર્ઘ નિશ્વાસ કાઢવા
લાગ્યા. ત્યારે રાણી વિદેહાએ કહ્યું કે હે નાથ! તમે કયા સ્વર્ગલોકની દેવાંગના જોઈ, જેના
અનુરાગથી આવી અવસ્થા પામ્યા છો? અમારા ખ્યાલ પ્રમાણે તે કામિની ગુણરહિત અને
નિર્દય છે, જે તમારા સંતાપ પ્રત્યે કરુણા કરતી નથી. હે નાથ! તે સ્થાન અમને બતાવો
કે જ્યાંથી તેને લઈ આવીએ. તમારા દુઃખથી મને અને સકળ લોકને દુઃખ થાય છે. તમે
આવા મહાસૌભાગ્યશાળી તે કોને ન ગમે? તે કોઈ પથ્થરદિલ હશે. ઊઠો, રાજાઓને માટે
જે ઉચિત કાર્ય હોય તે કરો. આ તમારું શરીર સ્વસ્થ હશે તો બધાં જ મનવાંછિત કાર્ય
થશે. આ પ્રમાણે જનકની પ્રાણથી અધિક પ્યારી રાણી વિદેહા કહેવા લાગી ત્યારે રાજા
બોલ્યાઃ હે પ્રિયે, હે શોભને! હે વલ્લભે! મને ખેદ બીજી જ વાતનો છે, તું મિથ્યા આવી
વાતો કરે છે, શા માટે મને અધિક ખેદ ઉપજાવે છે? તને એ વૃત્તાંતની ખબર નથી તેથી
આમ કહે છે. પેલો માયામયી તુરંગ મને વિજ્યાર્ધગિરિ પર લઈ ગયો હતો ત્યાં
રથનૂપુરના રાજા ચંદ્રગતિ સાથે મારો મેળાપ થયો. તેણે કહ્યું કે તમારી પુત્રી મારા પુત્રને
આપો. ત્યારે મેં કહ્યું કે મારી પુત્રી દશરથના પુત્ર શ્રી રામચંદ્રને આપવાનું નક્કી કર્યું છે.
તે વખતે તેણે કહ્યું કે જો રામચંદ્ર વજ્રાવર્ત ધનુષ્ય ચડાવી શકે તો તમારી પુત્રી તેને
પરણે, નહિતર મારો પુત્ર પરણશે. ત્યાં હું તો પરવશ થયો હતો એટલે એના ભયથી અને
અશુભ કર્મના ઉદયથી એ વાત મેં માન્ય રાખી. તે વજ્રાવર્ત અને

Page 264 of 660
PDF/HTML Page 285 of 681
single page version

background image
૨૬૪ અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ
સાગરાવર્ત બેય ધનુષ્ય લઈને વિદ્યાધરો અહીં આવ્યા છે. તે નગરની બહાર રહ્યા છે. હવે
મને તો એમ લાગે છે કે આ ધનુષ્ય ઇન્દ્રથી પણ ચડાવી ન શકાય. જેની જ્વાળા દશે
દિશામાં ફેલાઈ રહી છે અને માયામયી નાગ જ્યાં ફુંફાડા મારે છે તે આંખથી જોઈ પણ
શકાય તેવું નથી. ધનુષ્ય ચડાવ્યા વિના જ સ્વતઃ સ્વભાવથી ભયંકર અવાજ કરે છે, એને
ચડાવવાની તો વાત જ ક્યાં રહી? જો કદાચ શ્રી રામચંદ્ર ધનુષ્ય ચડાવી નહિ શકે તો
આ વિદ્યાધર મારી પુત્રીને જોરાવરીથી લઈ જશે. જેમ શિયાળ પાસેથી માંસનો ટુકડો ખગ
એટલે કે પક્ષી લઈ જાય છે તેમ. તે ધનુષ્ય ચડાવવાને હજી વીસ દિવસની વાર છે
એટલી જ રાહત છે. જો એ નહિ બની શકે તો તે કન્યાને લઈ જશે, પછી એનાં દર્શન
દુર્લભ થઈ જશે. હે શ્રેણિક! જ્યારે રાજા જનકે આ પ્રમાણે કહ્યું ત્યારે રાણી વિદેહાનાં
નેત્ર આંસુથી ભરાઈ ગયાં અને પુત્રના હરણનું દુઃખ પણ ભૂલી ગઈ હતી તે યાદ આવ્યું.
એક તો જૂનું દુઃખ, પાછું નવું દુઃખ અને આગામી દુઃખના વિચારથી અત્યંત શોકપીડિત
થઈ મોટા અવાજે પોકાર કરવા લાગી. એવું રુદન કર્યું કે આખા કુટુંબના માણસો વિહ્વળ
થઈ ગયા. રાણી રાજાને કહેવા લાગી કે હે દેવ! મેં એવું કયું પાપ કર્યું હશે કે પહેલાં તો
પુત્રનું હરણ થયું અને હવે પુત્રીને પણ લઈ જવાની તૈયારી થાય છે. મારા સ્નેહનું
અવલંબન આ એક શુભ ચેષ્ટાવાળી પુત્રી જ છે. મારા અને તમારા આખા કુટુંબને માટે
આ પુત્રી જ આનંદનું કારણ છે. મને પાપિણીને એક દુઃખ મટતું નથી ત્યાં બીજું સામે
આવીને ઊભું રહે છે. આ પ્રમાણે શોકસાગરમાં પડેલી રાણી રુદન કરતી હતી તેને ધૈર્ય
બંધાવતાં રાજા કહેવા લાગ્યાઃ હે રાણી! રોવાથી શો ફાયદો થશે? પૂર્વે આ જીવે જે કર્મ
ઉપાર્જ્યાં છે તે ઉદય પ્રમાણે ફળ આપે છે, સંસારરૂપ નાટકનાં આચાર્ય કર્મ છે તે સમસ્ત
પ્રાણીઓને નચાવે છે. તારો પુત્ર ગયો તે આપણા અશુભના ઉદયથી ગયો છે. હવે શુભ
કર્મનો ઉદય છે તો બધું જ ભલું જ થશે. આ પ્રમાણે જુદાં જુદાં સારરૂપ વચનો વડે રાજા
જનકે રાણી વિદેહાને આશ્વાસન આપ્યું, ત્યારે રાણી શાંત થઈ.
પછી રાજા જનકે નગરબહાર જઈ ધનુષ્યશાળાની સમીપે સ્વયંવર મંડપ રચ્યો
અને બધા રાજકુમારોને બોલાવવા માટે પત્ર મોકલ્યા. તે પત્ર વાંચી સર્વ રાજપુત્રો
આવ્યા. અયોધ્યાનગરીમાં પણ દૂત મોકલ્યા હતા, એટલે માતાપિતા સહિત રામાદિક ચાર
ભાઈ આવ્યા. રાજા જનકે બહુ આદરપૂર્વક તેમની પૂજા કરી. પરમસુંદરી સીતા સવાસો
કન્યાઓની મધ્યમાં મહેલની ઉપર બેઠી છે. મોટા મોટા સામંતો તેનું રક્ષણ કરે છે. એક
અત્યંત કુશળ કંચૂકી જેણે ઘણું જોયું-સાંભળ્‌યું છે તે સુવર્ણની લાકડી હાથમાં લઈને મોટા
અવાજે પ્રત્યેક રાજપુત્રને બતાવે અને ઓળખાવે છે. હે રાજપુત્રી! આ કમળલોચન શ્રી
રામચંદ્ર રાજા દશરથના પુત્ર છે, તું એને જો અને આ એમના નાના ભાઈ લક્ષ્મણ અને
મહાબાહુ ભરત છે અને આ એમનાથી નાના શત્રુધ્ન છે. આ ચારેય ભાઈ ગુણના સાગર
છે. આ પુત્રો વડે રાજા દશરથ પૃથ્વીની સારી રીતે રક્ષા કરે છે. જેમના રાજ્યમાં ભયનું
નામનિશાન નથી. આ હરિવાહન મહાબુદ્ધિશાળી છે, જેની પ્રભા

Page 265 of 660
PDF/HTML Page 286 of 681
single page version

background image
પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ ૨૬પ
કાળી ઘટા સમાન છે. આ ચિત્રરથ મહાગુણવાન, તેજસ્વી અને સુંદર છે. આ હર્મુખ
નામના રાજકુમાર અતિમનોહર, મહાતેજસ્વી છે. આ શ્રી સંજય, આ જય, આ ભાનુ, આ
સુપ્રભ, આ મંદિર, આ બુધ, આ વિશાળ, આ શ્રીધર, આ વીર, આ બંધુ, આ ભદ્રબલ,
આ મયૂરકુમાર, ઈત્યાદિ અનેક રાજકુમાર અત્યંત પરાક્રમી, સૌભાગ્યવાન, નિર્મળ વંશમાં
જન્મેલા, ચંદ્રમા સમાન, નિર્મળ કાંતિવાળા, મહાગુણવાન, પરમ ઉત્સાહરૂપ, મહાવિનયવંત,
મહાજ્ઞાની, મહાચતુર આવીને એકઠા થયા છે અને આ સંકાશપુરના સ્વામી, જેમના હાથી
પર્વત સમાન છે, તુરંગ શ્રેષ્ઠ છે, રથ મહામનોજ્ઞ અને યોદ્ધા અદ્ભુત પરાક્રમી છે. આ
સુતપુરના રાજા, આ રંધ્રપુરના રાજા, આ નંદનપુરના રાજા, આ કુંદનપુરના અધિપતિ,
આ મગધ દેશના રાજેન્દ્ર, આ કંપિલ્ય નગરના અધિપતિ છે. આમાં કેટલાક ઈક્ષ્વાકુવંશી
છે, કેટલાક નાગવંશી, કેટલાક સોમવંશી અને કેટલાક ઉગ્રવંશી છે, કેટલાક હરિવંશી,
કેટલાક કુરુવંશી ઈત્યાદિ મહાગુણવાન રાજા સંભળાય છે તે બધા તારા માટે આવ્યા છે.
આમાંથી જે પુરુષ વજ્રાવર્ત ધનુષ્ય ચડાવે તેને તું વર. જે પુરુષોમાં શ્રેષ્ઠ હશે તેનાથી જ
આ કાર્ય થશે. આ પ્રમાણે કંચૂકીએ કહ્યું ત્યારે રાજા જનકે બધાને એકત્ર કરીને વારાફરતી
ધનુષ્ય તરફ મોકલ્યા અને બધા ગયા. જેમનું રૂપ સુંદર છે તે બધા ધનુષ્ય જોઈને ધ્ર્રૂજવા
લાગ્યા. ધનુષ્યમાંથી બધી બાજુએથી વીજળી સમાન અગ્નિની જ્વાળા નીકળતી હતી અને
માયામયી ભયાનક સર્પો ફૂંફાડા મારતા હતા. કેટલાક તો કાન પર હાથ મૂકીને ભાગ્યા,
કેટલાક ધનુષ્યને જોઈને દૂરથી જ ખીલાની જેમ ખોડાઈ રહ્યા, તેમનાં અંગો ધ્રૂ્રજતાં હતાં
અને આંખો બંધ થઈ ગઈ હતી. કેટલાકને તાવ ચડી આવ્યો, કેટલાક પૃથ્વી પર પડી
ગયા, કેટલાક બોલી જ ન શક્યા, કેટલાક મૂર્ચ્છિત થઈ ગયા, કેટલાક ધનુષ્યના નાગના
શ્વાસથી જેમ પવનથી વૃક્ષનાં સૂકાં પાંદડાં ઊડે તેમ ઊડવા લાગ્યા, કેટલાક કહેવા લાગ્યા
કે હવે જીવતા ઘરે પહોંંચીએ તો મહાદાન કરીશું, બધા જીવોને અભયદાન આપશું, કેટલાક
એમ બોલવા લાગ્યા કે આ કન્યા રૂપાળી છે તેથી શું થયું, એના નિમિત્તે પ્રાણ તો
ખોવાય નહિ. કેટલાક બોલવા લાગ્યા કે આ કોઈ માયામયી વિદ્યાધર આવ્યો છે. તેણે
રાજાઓના પુત્રોને ત્રાસ ઉપજાવ્યો છે. કેટલાક ભાગ્યશાળી એમ બોલવા લાગ્યા કે અમારે
હવે સ્ત્રીનું કામ નથી. આ કામ મહાદુઃખદાયક છે. જેમ અનેક સાધુ અથવા ઉત્કૃષ્ટ શ્રાવક
શીલવ્રત ધારે છે તેમ અમે પણ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરશું, ધર્મધ્યાન કરીને સમય
વિતાવશું. આ પ્રમાણે પરાઙમુખ થયા.
પછી શ્રી રામચંદ્ર ધનુષ્ય ચડાવવાને તૈયાર થયા. તે મદમસ્ત હાથીની જેમ ઊઠીને
મનોહર ગતિથી ચાલતા, જગતને મોહ પમાડતા ધનુષ્યની નિકટ ગયા. રામના પ્રભાવથી
ધનુષ્ય જ્વાળારહિત થઈ ગયું, દેવોપુનિત રત્ન જેવું સૌમ્ય થઈ ગયું, જેમ ગુરુની પાસે
શિષ્ય સૌમ્ય થઈ જાય તેમ. શ્રી રામચંદ્રે ધનુષ્યને હાથમાં લઈ બાણ ચડાવીને દોરી ખેંચી
એટલે પ્રચંડ અવાજ આવ્યો, પૃથ્વી કંપાયમાન થઈ ગઈ. જેમ મેઘની ગર્જના થાય તેમ
ધનુષ્યનો અવાજ થયો, મોરના સમૂહ મેઘનું આગમન જાણીને નાચવા લાગ્યા. જેના તેજ
પાસે સૂર્ય અગ્નિના કણ જેવો ભાસવા

Page 266 of 660
PDF/HTML Page 287 of 681
single page version

background image
૨૬૬ અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ
લાગ્યો અને સ્વર્ણમયી રજથી આકાશ વ્યાપ્ત થઈ ગયું. આ ધનુષ્ય દેવાધિષ્ઠિત હોવાથી
આકાશમાંથી ધન્ય ધન્ય એવા શબ્દો થવા લાગ્યા, પુષ્પોની વર્ષા થઈ, દેવો નૃત્ય કરવા
લાગ્યા અને દયાળુ રામ ધનુષ્યના શબ્દથી લોકોને કંપાયમાન જોઈને ધનુષ્ય ઉતારવા
લાગ્યા. લોકો જાણે સમુદ્રના વમળમાં આવી ગયા હોય તેમ ડરી ગયા. સીતા પોતાનાં
નેત્રો વડે શ્રી રામને નીરખવા લાગી. તેનાં નેત્ર ચંચળ, કમળના દળથી પણ અધિક
કાંતિવાળા અને કામના તીક્ષ્ણ બાણ સમાન હતા. સીતાને રોમાંચ થઈ ગયો. તેણે મનની
વૃત્તિરૂપ માળા, જે તેમને દેખતાં જ તેમની તરફ પ્રેરી હતી, તેણે હવે લોકાચાર નિમિત્તે
રત્નમાળા લઈને શ્રી રામના ગળામાં પહેરાવી અને લજ્જાથી નમ્ર થઈ જેમ જિનધર્મ
પાસે જીવદયા રહે તેમ રામની નિકટ જઈને ઊભી. શ્રી રામ અતિસુંદર હતા અને આની
સમીપે અધિક સુંદર ભાસવા લાગ્યા. બન્ને રૂપની સરખામણી થઈ શકે તેમ નહોતી. પછી
લક્ષ્મણે ક્ષુબ્ધ થયેલા સમુદ્રની ગર્જના જેવા અવાજવાળું સાગરાવર્ત નામનું ધનુષ્ય
ચડાવીને ખેંચ્યું તો પૃથ્વી કંપાયમાન થઈ. આકાશમાં દેવ જયજયકાર કરવા લાગ્યા અને
પુષ્પવૃષ્ટિ થવા લાગી. લક્ષ્મણે ધનુષ્ય ચડાવી દોરી ખેંચી જ્યારે બાણ પર દ્રષ્ટિ ફેંકી ત્યારે
બધા ડરી ગયા. લોકોને ભયભીત જોઈને પોતે ધનુષ્યની પણછ પરથી બાણ ઉતારી
અત્યંત વિનયથી રામની પાસે આવ્યા, જાણે જ્ઞાનની પાસે વૈરાગ્ય આવ્યો. લક્ષ્મણનું
આવું પરાક્રમ જોઈને ચંદ્રગતિએ મોકલેલા ચંદ્રવર્ધન વિદ્યાધરે અત્યંત પ્રસન્ન થઈને
વિદ્યાધરોની અઢાર કન્યાઓ તેમને આપી. શ્રી રામ-લક્ષ્મણ બેય ધનુષ્ય લઈને અત્યંત
વિનયથી પિતાની પાસે આવ્યા અને સીતા પણ આવી. જે વિદ્યાધરો આવ્યા હતા તે
રામ-લક્ષ્મણનો પ્રતાપ જોઈને ચંદ્રવર્ધનની સાથે રથનૂપુર ગયા અને રાજા ચંદ્રગતિને સર્વ
વૃત્તાંત કહ્યો તે સાંભળીને તે ચિંતાતુર બની ગયો. સ્વયંવર મંડપમાં રામના ભાઈ ભરત
પણ આવ્યા હતા તે મનમાં વિચારવા લાગ્યા કે મારું અને રામ-લક્ષ્મણનું કુળ એક, પિતા
એક, પરંતુ એમના જેવું અદ્ભુત પરાક્રમ મારામાં નથી, એ પુણ્યના અધિકારી છે, એમનાં
જેવાં પુણ્ય મેં ઉપાર્જ્યાં નથી. આ સીતા સાક્ષાત્ લક્ષ્મી, જેનો વર્ણ કમળની અંદરના દળ
સમાન છે તે રામ જેવા પુણ્યાધિકારીની જ સ્ત્રી થઈ શકે. તે વખતે સર્વ કળામાં પ્રવીણ
એની માતા કૈકેયી ભરતના મનનો અભિપ્રાય જાણીને પતિના કાનમાં કહેવા લાગી કે હે
નાથ! ભરતનું મન કાંઈક ક્ષુબ્ધ થયું લાગે છે. એવું કાંઈક કરો કે જેથી તે વિરક્ત ન
થાય. કનકની રાણી સુપ્રભાની પુત્રી લોકસુંદરી છે. સ્વયંવરની વિધિ ફરીથી કરાવો અને
તે કન્યા ભરતના કંઠમાં વરમાળા આરોપે તો એ પ્રસન્ન થાય. ત્યારે દશરથે એની વાત
માનીને રાજા કનકના કાને પહોંચાડી અને કનકે દશરથની આજ્ઞા માન્ય રાખીને જે રાજા
ચાલ્યા ગયા હતા તેમને પાછા બોલાવ્યા. યથાયોગ્ય સ્થાન પર બેઠેલા સર્વ રાજાઓ
નક્ષત્રના સમૂહ હતા. તેમની મધ્યમાં રહેલ ભરતરૂપ ચંદ્રમાને કનકની પુત્રી લોકસુંદરીરૂપ
શુક્લ પક્ષની રાત્રિ અત્યંત અનુરાગ કરવા લાગી. તેણે મનની અનુરાગતારૂપ માળા
પહેલાં અવલોકન કરતાં જ નાખી હતી અને પછી લોકાચારમાત્રથી પુષ્પોની વરમાળા
ભરતના કંઠમાં પહેરાવી. કનકની

Page 267 of 660
PDF/HTML Page 288 of 681
single page version

background image
પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ ૨૬૭
પુત્રી કનક સમાન પ્રભાવશાળી હતી. જેમ સુભદ્રા ભરત ચક્રવર્તીને વરી હતી તેમ એ
દશરથના પુત્ર ભરતને વરી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે શ્રેણિક! કર્મોની
વિચિત્રતા જો. ભરત જેવા વિરક્ત ચિત્તવાળા પણ રાજકન્યામાં મોહિત થયા અને અન્ય
રાજાઓ ઉદાસીન થઈને પોતપોતાના ઠેકાણે ગયા. જેણે જેવું કર્મ ઉપાર્જિત કર્યું હોય તેવું
જ ફળ તે પામે છે. કોઈના દ્રવ્યને બીજા ઈચ્છે, પણ મેળવી શકે નહિ.
પછી મિથિલાપુરીમાં સીતા અને લોકસુંદરીનાં લગ્નનો મોટો ઉત્સવ થયો.
મિથિલાપુરી ધજાતોરણના સમૂહથી મંડિત છે. સુગંધથી ભરેલી છે, શંખ આદિ વાજિંત્રોના
સમૂહથી ભરેલી છે. શ્રી રામ અને ભરતનાં લગ્ન મહોત્સવ સહિત થયાં. ભિક્ષુકો દ્રવ્યથી
પૂર્ણ થયા. જે રાજાઓ લગ્નનો ઉત્સવ જોવા રોકાયા હતા તે રાજા દશરથ, જનક અને
કનક દ્વારા અત્યંત સન્માન પામીને પોતપોતાના સ્થાનકે ગયા. દશરથના ચારે પુત્ર,
રામની સ્ત્રી સીતા અને ભરતની સ્ત્રી લોકસુંદરી મહાન ઉત્સવ સહિત અયોધ્યામાં
આવ્યા. દશરથના પુત્ર પૃથ્વી પર પ્રસિદ્ધ યશવાન છે, ગુણોમાં મગ્ન છે, જેમનાં શરીર પર
રત્નોનાં આભૂષણો શોભે છે, જેમણે માતાપિતાને ખૂબ હર્ષ ઉત્પન્ન કર્યો છે, નાના
પ્રકારનાં વાહનોથી પૂર્ણ સૈન્ય સાથે, અનેક પ્રકારના વાજિંત્રો જળનિધિ ગર્જતો હોય તેમ
વાગે છે, આવા ઠાઠમાઠ સહિત રાજમાર્ગે થઈ મહેલમાં પધાર્યા. માર્ગમાં જનક અને
કનકની પુત્રીને બધા જુએ છે અને જોઈને અત્યંત હર્ષિત થઈને કહે છે કે આમના જેવા
બીજા કોઈ નથી. એ ઉત્તમ શરીર ધારણ કરે છે, એમને જોવા માટે નગરનાં સ્ત્રી-પુરુષો
માર્ગમાં આવીને એકઠાં થયાં છે, તેને કારણે માર્ગ સાંકડો થઈ ગયો છે. નગરના
દરવાજાથી માંડીને રાજમહેલ સુધી માણસોનો પાર નથી, સમસ્ત જનોએ તેમનો આદર
કર્યો છે. એવા દશરથના પુત્ર, એમના શ્રેષ્ઠ ગુણોની જેમ જેમ લોકો સ્તુતિ કરે છે તેમ
તેમ એ અધિક નમ્ર થાય છે. મહાસુખ ભોગવતા એ ચારેય ભાઈ સુબુદ્ધિમાન છે,
પોતપોતાના મહેલમાં આનંદથી રહે છે. વિવેકીજન, આ બધું શુભ કર્મનું ફળ જાણીને
એવાં સુકૃત કરો કે જેથી સૂર્યથી પણ અધિક પ્રતાપ થાય. જેટલાં શોભાયમાન ઉત્કૃષ્ટ ફળ
છે તે બધાં ધર્મના પ્રભાવથી છે અને જે મહાનિંદ્ય કટુક ફળ છે તે બધાં પાપકર્મના
ઉદયથી છે. માટે સુખને માટે પાપક્રિયા છોડો અને શુભક્રિયા કરો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગં્રથની સ્વ. પં.
દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણનો ધનુષ્ય
ચડાવવાનો પ્રતાપ અને રામ-સીતા તથા ભરત-લોકસુંદરીના વિવાહનું વર્ણન કરનાર
અઠ્ઠાવીસમું પર્વ પૂર્ણ થયું.
* * *

Page 268 of 660
PDF/HTML Page 289 of 681
single page version

background image
૨૬૮ ઓગણત્રીસમું પર્વ પદ્મપુરાણ
ઓગણત્રીસમું પર્વ
(રાજા દશરથનું ધર્મશ્રવણ)
અષાઢ સુદ આઠમથી અષ્ટાહ્નિકાનો મહાન ઉત્સવ થયો. રાજા દશરથ જિનેન્દ્રની
ઉત્કૃષ્ટ પૂજા કરવા તૈયાર થયા. તે રાજ્યધર્મમાં અત્યંત સાવધાન છે. રાજાની બધી
રાણીઓ, પુત્રો, બાંધવો, આખું કુટુંબ જિનરાજના પ્રતિબિંબની મહાપૂજા કરવા તૈયાર થયું.
કેટલાક ઘણા આદરપૂર્વક પંચવર્ણનાં રત્નના ચૂર્ણથી માંડલા બનાવે છે, કેટલાક જાતજાતનાં
રત્નોની માળા બનાવે છે, ભક્તિમાં તેમનો અધિકાર છે. કેટલાક એલાયચી, કપૂરાદિ
સુગંધી દ્રવ્યોથી જળને સુગંધી બનાવે છે, કેટલાક સુગંધી જળ પૃથ્વી પર છાંટે છે, કેટલાક
જાતજાતનાં સુગંધી દ્રવ્યો પીસે છે, કેટલાક જિનમંદિરોનાં દ્વારની શોભા દેદીપ્યમાન
વસ્ત્રોથી કરાવે છે, કેટલાક જાતજાતના ધાતુઓના રંગોથી ચૈત્યાલયની દીવાલ રંગે છે.
આ પ્રમાણે અયોધ્યાપુરીના બધા માણસો વીતરાગદેવની પરમભક્તિ ધરતાં અત્યંત હર્ષથી
પૂર્ણ જિનપૂજાના ઉત્સાહથી ઉત્તમ પુણ્ય ઉપાર્જવા લાગ્યા. રાજા દશરથે અત્યંત વૈભવથી
ભગવાનનો અભિષેક કરાવ્યો. જાતજાતનાં વાજિંત્રો વાગ્યાં. રાજાએ આઠ દિવસના
ઉપવાસ કર્યા અને જિનેન્દ્રની આઠ પ્રકારનાં દ્રવ્યોથી મહાપૂજા કરી. નાના પ્રકારનાં સહજ
પુષ્પ અને કૃત્રિમ સ્વર્ણ, રત્નાદિથી રચેલાં પુષ્પોથી અર્ચા કરી. જેમ નંદીશ્વરદ્વીપમાં દેવો
સહિત ઇન્દ્ર જિનેન્દ્રની પૂજા કરે છે તેમ રાજા દશરથે અયોધ્યામાં પૂજા કરી. ચારે
રાણીઓને ગંધોદક મોકલ્યું તે તેમની પાસે તરુણ સ્ત્રીઓ લઈ ગઈ. તેમણે ઊઠીને સમસ્ત
પાપને દૂર કરનાર ગંધોદક મસ્તક, નેત્ર વગેરે ઉત્તમ અંગ પર લગાડયું. રાણી સુપ્રભા
પાસે વૃદ્ધ કંચૂકી લઈ ગયો હતો તે શીઘ્ર ન પહોંચ્યું એટલે તે ખૂબ ગુસ્સે થઈ અને શોક
પામી. મનમાં વિચારવા લાગી કે રાજાએ તે ત્રણ રાણીઓને ગંધોદક મોકલ્યું અને મને ન
મોકલ્યું. પણ એમાં રાજાનો શો દોષ? મેં પૂર્વજન્મમાં પુણ્ય ઉપજાવ્યું નહોતું. એ પુણ્યવાન,
સૌભાગ્યવતી, પ્રશંસા કરવા યોગ્ય છે જેમને રાજાએ ભગવાનનું મહાપવિત્ર ગંધોદક
મોકલાવ્યું. અપમાનથી દગ્ધ એવી મારા હૃદયનો તાપ બીજી રીતે નહિ મટે. હવે મારે માટે
મરણ જ શરણ છે. આમ વિચારીને એક વિશાખ નામના ભંડારીને બોલાવીને કહેવા
લાગી કે હે ભાઈ! મારે વિષ જોઈએ છે તે તું શીઘ્ર લઈ આવ અને આ વાત તું કોઈને
કહીશ નહિ. ત્યારે પ્રથમ તો તેને શંકા પડી એટલે લાવવામાં ઢીલ કરી. પછી એમ વિચાર્યું
કે ઔષધ નિમિત્તે મંગાવ્યું હશે એટલે લેવા ગયો. અને તે શિથિલ શરીરે અને મલિન
ચિત્તથી વસ્ત્ર ઓઢીને શય્યા પર પડી. રાજા દશરથે અંતઃપુરમાં આવીને ત્રણ રાણીઓને
જોઈ, પણ સુપ્રભાને ન જોઈ. રાજાને સુપ્રભા પ્રત્યે ખૂબ સ્નેહ હતો એટલે એના મહેલમાં
આવીને રાજા ઊભા રહ્યા. તે વખતે જેને વિષ લેવા મોકલ્યો હતો તે લઈને આવ્યો અને
કહેવા લાગ્યો કે હે દેવી, આ વિષ લ્યો. રાજાએ આ શબ્દ સાંભળ્‌યા અને તેના હાથમાંથી
વિષ લઈ લીધું અને પોતે રાણીની સેજ પર બેસી ગયા. તેથી રાણી સેજ પરથી ઊતરી
નીચે બેઠી એટલે રાજાએ આગ્રહ કરી તેને સેજ ઉપર

Page 269 of 660
PDF/HTML Page 290 of 681
single page version

background image
પદ્મપુરાણ ઓગણત્રીસમું પર્વ ૨૬૯
બેસાડી અને કહેવા લાગ્યા કે હે વલ્લભે! આવો ક્રોધ શા માટે કર્યો, જેથી પ્રાણ ત્યજવા
ઈચ્છે છે? બધી વસ્તુઓમાં જીવન પ્રિય છે અને સર્વ દુઃખોથી મરણનું દુઃખ મોટું છે. એવું
તને શું દુઃખ છે કે તેં વિષ મંગાવ્યું? તું મારા હૃદયનું સર્વસ્વ છે. જેણે તને કલેશ
ઉપજાવ્યો હોય તેને હું તત્કાળ દંડ દઈશ. હે સુંદરમુખી! તું જિનેન્દ્રનો સિદ્ધાંત જાણે છે,
શુભ-અશુભ ગતિનું કારણ જાણે છે, જે વિષ તથા શસ્ત્ર આદિથી આપઘાત કરીને મરે છે
તે દુર્ગતિમાં પડે છે, આવી બુદ્ધિ તને ક્રોધથી ઉપજી છે તે ક્રોધને ધિક્કાર હો! આ ક્રોધ
મહાઅંધકાર છે, હવે તું પ્રસન્ન થા. જે પતિવ્રતા છે તેમણે જ્યાં સુધી પ્રીતમના
અનુરાગના વચન ન સાંભળ્‌યાં હોય ત્યાં સુધી જ તેમને ક્રોધનો આવેશ રહે છે. ત્યારે
સુપ્રભાએ કહ્યું કે હે નાથ! તમારા ઉપર ક્રોધ શેનો હોય? પણ મને એવું દુઃખ થયું કે
મરણ વિના શાંત ન થાય. ત્યારે રાજાએ કહ્યું કે હે રાણી! તને એવું તે કયું દુઃખ થયું?
રાણીએ જવાબ આપ્યો કે તમે ભગવાનનું ગંધોદક બીજી રાણીઓને મોકલ્યું અને મને ન
મોકલ્યું તો મારામાં કયા કારણે હીનતા લાગી? અત્યાર સુધી તમે મારો કદી પણ
અનાદર કર્યો નહોતો, હવે શા માટે અનાદર કર્યો? રાણી જ્યાં આમ રાજાને કહી રહી
હતી તે જ સમયે વૃદ્ધ કંચૂકી ગંધોદક લઈને આવ્યો અને કહેવા લાગ્યો કે હે દેવી! આ
ભગવાનનું ગંધોદક મહારાજાએ આપને મોકલ્યું છે તે લ્યો. અને તે સમયે ત્રણ રાણી પણ
આવી અને કહેવા લાગી કે હે મુગ્ધે! પતિની તારા ઉપર ખૂબ જ કૃપા છે, તું ગુસ્સે શા
માટે થઈ? જો તારા માટે તો ગંધોદક વૃદ્ધ કંચૂકી લાવ્યા અને અમારા માટે તો દાસી
લાવી હતી. પતિની તારા પ્રત્યે પ્રેમની ન્યૂનતા નથી. જો પતિનો અપરાધ હોય અને તે
આવીને સ્નેહની વાત કરે તો પણ ઉત્તમ સ્ત્રી પ્રસન્ન જ થાય છે. હે શોભને! પતિ પ્રત્યે
ક્રોધ કરવો તે સુખના વિઘ્નનું કારણ છે, માટે ક્રોધ કરવો યોગ્ય નથી. આ પ્રમાણે તેમણે
જ્યારે સંતોષ ઉપજાવ્યો ત્યારે સુપ્રભાએ પ્રસન્ન થઈ ગંધોદક શિર પર ચડાવ્યું અને આંખે
લગાડયું. રાજા કંચૂકીને ગુસ્સાથી કહેવા લાગ્યા કે હે નિકૃષ્ટ! તેં આટલી વાર ક્યાં કરી?
તે ભયથી ધ્ર્રૂજતો હાથ જોડી, માથું નમાવીને કહેવા લાગ્યોઃ હે ભક્તવત્સલ! હે દેવ! હે
વિજ્ઞાનભૂષણ! હું અત્યંત વૃદ્ધ હોવાથી શક્તિહીન થયો છું. તેમાં મારો શો અપરાધ છે?
આપ મારા ઉપર કોપ કરો છો, પણ હું ક્રોધને પાત્ર નથી. પ્રથમ અવસ્થામાં મારા હાથ
હાથીની સૂંઢ સમાન હતા, છાતી મજબૂત, પગ થાંભલા જેવા અને શરીર દ્રઢ હતું. હવે
કર્મના ઉદયથી શરીર શિથિલ થઈ ગયું છે. પહેલાં તો ઊંચી ધરતી રાજહંસની જેમ
ઓળંગી જતો, મનવાંછિત સ્થળે જઈ પહોંચતો, હવે સ્થાન પરથી ઉઠાતું પણ નથી.
તમારા પિતાની કૃપાથી મેં આ શરીરને લાડ લડાવ્યા હતા, હવે તે કુમિત્રની જેમ દુઃખનું
કારણ થઈ ગયું છે. પહેલાં મારામાં શત્રુઓને હણવાની શક્તિ હતી, હવે તો લાકડીના ટેકે
મહાકષ્ટથી ચાલી શકું છું. બળવાન પુરુષે ખેંચેલા ધનુષ્ય સમાન મારી પીઠ વાંકી થઈ ગઈ
છે, મસ્તકના કેશ સફેદ થઈ ગયા છે. મારા દાંત પડી ગયા છે, જાણે કે શરીરનો આતાપ
જોઈ ન શકતા હોય. હે રાજન્! મારો બધો ઉત્સાહ ભાંગી ગયો

Page 270 of 660
PDF/HTML Page 291 of 681
single page version

background image
૨૭૦ ઓગણત્રીસમું પર્વ પદ્મપુરાણ
છે, આવા શરીરે કેટલાક દિવસ જીવું એ મોટું આશ્ચર્ય છે. જરાથી અત્યંત જર્જર મારું
શરીર સાંજ સવાર ગમે ત્યારે વિણસી જશે. મને મારી કાયાની શુદ્ધિ નથી તો બીજી શુદ્ધિ
ક્યાંથી હોય? પહેલાં મારી નેત્રાદિક ઈન્દ્રિયો વિચિક્ષણ હતી, હવે તે નામમાત્ર રહી ગઈ
છે. પગ એક તરફ રાખવા જાઉં છું અને પડે છે બીજી તરફ. આખી પૃથ્વી દ્રષ્ટિમાં શ્યામ
દેખાય છે. એવી અવસ્થા થઈ ગઈ છે તો પણ ઘણા વખતથી રાજદ્વારની સેવા કરી છે
એટલે તે છોડી શકતો નથી. પાકા ફળ સમાન મારું શરીર થોડા જ સમયમાં કાળનું ભક્ષ્ય
બની જશે. મને મૃત્યુનો એટલો ભય નથી જેટલો ચાકરી ગુમાવવાનો ભય છે. મારે તો
આપની આજ્ઞાનું જ અવલંબન છે, બીજું અવલંબન નથી. શરીરની અશક્તિથી વિલંબ
થાય તેનું હું શું કરું? હે નાથ! મારું શરીર જરાને આધીન છે એમ જાણીને કોપ ન કરો,
કૃપા જ કરો. કંચૂકીના આવાં વચન સાંભળીને રાજા દશરથ ડાબો હાથ કપાળે મૂકીને
ચિંતા ઉપજી હોય તેમ વિચારવા લાગ્યા કે અહો! આ પાણીના પરપોટા જેવું અસાર
શરીર ક્ષણભંગુર છે અને આ યૌવન અનેક વિભ્રમ ઉત્પન્ન કરતું સંધ્યાના પ્રકાશ સમાન
અનિત્ય છે, અજ્ઞાનનું કારણ છે. વીજળીના ચમકારા જેવું શરીર, અને આ સંપદાને માટે
અત્યંત દુઃખના સાધનરૂપ કર્મ આ પ્રાણી બાંધે છે. ઉન્મત્ત સ્ત્રીના કટાક્ષ સમાન ચંચળ,
સર્પની ફેણ સમાન વિષભરેલા, અત્યંત સંતાપના કારણ એવા આ ભોગ જ જીવને ઠગે
છે તેથી મહાઠગ છે. આ વિષય વિનાશી છે, એનાથી પ્રાપ્ત થયેલું દુઃખ મૂઢ જીવોને
સુખરૂપ ભાસે છે. આ મૂઢ જીવ વિષયોની અભિલાષા કરે છે, એને મનવાંછિત વિષય
દુષ્પ્રાપ્ય છે, વિષયોનાં સુખ જોવામાત્ર મનોજ્ઞ છે અને એનાં ફળ અત્યંત કડવાં છે. આ
વિષયો ઇન્દ્રાયણનાં ફળ સમાન છે, સંસારી જીવ એમને ચાહે છે તે મોટું આશ્ચર્ય છે. જે
ઉત્તમજન વિષયોને વિષતુલ્ય જાણીને ત્યજે છે અને તપ કરે છે તેને ધન્ય છે, અનેક
વિવેકી જીવ, પુણ્યના અધિકારી, ઉત્સાહના ધારક જિનશાસનના પ્રસાદથી બોધ પામ્યા છે.
હું ક્યારે આ વિષયોનો ત્યાગ કરી, રાગરૂપ કીચડમાંથી નીકળી નિવૃત્તિના કારણરૂપ
જિનેન્દ્રનું તપ આચરીશ? મેં પૃથ્વીનું સુખપૂર્વક પાલન કર્યું, ભોગ પણ મનવાંછિત
ભોગવ્યા અને મારા પુત્ર પણ મહાપરાક્રમી થયા. હજી પણ જો હું વિલંબ કરીશ તો એ
ઘણું વિપરીત થશે. અમારા વંશની એ જ રીત છે કે પુત્રને રાજ્યલક્ષ્મી આપીને, વૈરાગ્ય
ધારણ કરી, તપ કરવા માટે વનપ્રવેશ કરવો. આમ ચિંતવન કરતા રાજા ભોગોથી
ઉદાસીન ચિત્ત કરીને એક દિવસ ઘરમાં રહ્યા. હે શ્રેણિક! જે વસ્તુ જે સમયે, જે ક્ષેત્રમાં,
જેને જેટલી મળવાની હોય તેને, તે સમયે, તે ક્ષેત્રમાં તેની પાસેથી તેટલી જ નિશ્ચયથી
મળે જ મળે.
ગૌતમ સ્વામી કહે છે, હે મગધ દેશના ભૂપતિ! કેટલાક દિવસો પછી સર્વ
પ્રાણીઓનું હિત કરનાર, સર્વભૂપતિ નામના મુનિ મહાન આચાર્ય અને મનઃપર્યયજ્ઞાનના
ધારક પૃથ્વી પર વિહાર કરતા કરતા સંઘ સહિત સરયૂ નદીને કિનારે આવ્યા. મુનિ પિતા
સમાન છ કાયના જીવના પાલક છે, જેમનાં મન, વચન, કાયાની બધી ક્રિયા દયામાં જોડી
છે. આચાર્યની આજ્ઞા પામીને

Page 271 of 660
PDF/HTML Page 292 of 681
single page version

background image
પદ્મપુરાણ ઓગણત્રીસમું પર્વ ૨૭૧
કેટલાક મુનિઓ ગહન વનમાં વિરાજે છે. કેટલાક પર્વતોની ગુફામાં, કેટલાક વનનાં
ચૈત્યાલયોમાં, કેટલાક વૃક્ષોની બખોલમાં ઈત્યાદિ ધ્યાનયોગ્ય સ્થાનોમાં સાધુ રહે છે.
આચાર્ય પોતે મહેન્દ્રોદય નામના વનમાં એક શિલા પર જ્યાં વિકલત્રય જીવોનો સંચાર
નથી અને સ્ત્રી, નપુંસક, બાળક, ગ્રામ્યજન તથા પશુઓનો સંસર્ગ રાખતા નથી એવા જે
નિર્દોષ સ્થાનકો ત્યાં નાગવૃક્ષોની નીચે નિવાસ કરતા હતા. મહાગંભીર, ક્ષમાવાન, જેમના
દર્શન થવા પણ દુર્લભ, કર્મ ખપાવવામાં ઉદ્યમી, ઉદાર મનવાળા, મહામુનિના સ્વામી
વર્ષાકાળ પૂર્ણ કરવા માટે સમાધિયોગ ધારણ કરીને રહ્યા હતા. વર્ષાકાળ વિદેશગમન
કરનારને માટે ભયાનક હોય છે. વરસતી મેઘમાળા, ચમકતી વીજળી અને ગર્જતાં
વાદળાઓ ભયંકર ધ્વનિથી જાણે કે સૂર્યને ખિજાવતાં પૃથ્વી પર પ્રગટ થયાં છે. સૂર્ય
ગ્રીષ્મ ઋતુમાં લોકોને આતાપ ઉપજાવતો તે હવે સ્થૂળ મેઘની ધારાથી અને અંધકારથી
ભય પામી, ભાગી જઈને મેઘમાળામાં છુપાઈ જવાને ઈચ્છે છે. પૃથ્વીતળ લીલા અનાજના
અંકુરરૂપ કંચૂકીથી મંડિત છે, મોટી નદીઓનો પ્રવાહ વૃદ્ધિ પામ્યો છે, ઢાળવાળા પહાડો
પરથી વહે છે. આ ઋતુમાં જે પ્રવાસ કરે છે તે અત્યંત કંપે છે, તેના મનમાં અનેક
પ્રકારની ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. આવી વર્ષાઋતુમાં જૈન લોકો ખડ્ગની ધાર સમાન
નિરંતર કઠિન વ્રત ધારણ કરે છે. ચારણ અને ભૂમિગોચરી મુનિઓ ચાતુર્માસમાં જુદા
જુદા પ્રકારના નિયમો લે છે. હે શ્રેણિક! તે બધા તારું રક્ષણ કરો, રાગાદિ પરિણતિથી
તને છોડાવો.
પ્રભાતના સમયે રાજા દશરથ વાજિંત્રોના નાદથી જાગ્રત થયા, જેમ સૂર્ય ઉગે તેમ.
સવારમાં કૂકડા બોલવા લાગ્યા, સારસ, ચકવા વગેરે સરોવર તથા નદીઓના તટ પર
અવાજ કરવા લાગ્યા, સ્ત્રી-પુરુષો શય્યામાંથી જાગ્રત થયાં. ભગવાનનાં ચૈત્યાલયોમાં
ભેરી, મૃદંગ, વીણા વગેરે વાજિંત્રોના અવાજ થયા. લોકો નિદ્રા છોડીને જિનપૂજા વગેરેમાં
પ્રવર્ત્યા. દીવાનો પ્રકાશ ઝાંખો થયો. ચંદ્રમાનું તેજ મંદ થયું. કમળો ખીલ્યાં, કુમુદો બિડાઈ
ગયાં. જેમ જિન સિદ્ધાંતના જ્ઞાતાનાં વચનોથી મિથ્યાવાદીનો નાશ થાય તેમ સૂર્યનાં
કિરણોથી ગ્રહ, તારા, નક્ષત્રો છુપાઈ ગયા. આ પ્રમાણે પ્રભાતનો સમય અત્યંત નિર્મળ
પ્રગટ થયો. રાજા શરીરની ક્રિયા કરીને, ભગવાનની પૂજા કરીને વારંવાર નમસ્કાર કરવા
લાગ્યા. પછી ભદ્ર જાતિની હાથણી પર બેસી દેવ સમાન અન્ય રાજાઓ સાથે ઠેકઠેકાણે
મુનિઓને અને જિનમંદિરોને નમસ્કાર કરતા મહેન્દ્રોદય વનમાં ગયા. તેનો વૈભવ પૃથ્વીને
આનંદ ઉપજાવતો, તેનું વર્ણન વર્ષોપર્યંત કરીએ તો પણ કહી ન શકાય તેવો હતો. જે
ગુણરૂપ રત્નોના સાગર મુનિ જે સમયે તેની નગરી સમીપ આવે તે જ સમયે તેને ખબર
પડે અને એ દર્શન માટે જાય. સર્વભૂતહિતકારક મુનિને આવેલા સાંભળીને તેમની પાસે
કેટલાક નિકટના લોકો સાથે આવ્યા. હાથણી પરથી નીચે ઉતરી અત્યંત આનંદથી
નમસ્કાર કરી, મહાભક્તિ સંયુક્ત સિદ્ધાંત સંબંધી કથા સાંભળવા લાગ્યા. ચારે
અનુયોગોની ચર્ચા સાંભળીને અતીત, અનાગત અને વર્તમાનકાળના મહાપુરુષોનાં ચરિત્ર
સાંભળ્‌યા. લોકાલોકનું નિરૂપણ અને છ દ્રવ્યોનું સ્વરૂપ, છ કાયના જીવોનું વર્ણન, છ લેશ્યાનું

Page 272 of 660
PDF/HTML Page 293 of 681
single page version

background image
૨૭૨ ત્રીસમું પર્વ પદ્મપુરાણ
વ્યાખ્યાન, છ કાળનું કથન, કુલકરોની ઉત્પત્તિ, અનેક પ્રકારના ક્ષત્રિયાદિના વંશો અને
સાત તત્ત્વ, નવ પદાર્થ, પાંચ અસ્તિકાયનું વર્ણન આચાર્યના મુખે સાંભળીને, સર્વ
મુનિઓને વારંવાર નમસ્કાર કરી રાજા ધર્મના અનુરાગથી પૂર્ણ નગરમાં આવ્યા,
જિનધર્મના ગુણોની કથા નિકટવર્તી રાજાઓને અને મંત્રીઓને કરી, સર્વને વિદાય કરી
મહેલમાં પ્રવેશ્યા. પછી લક્ષ્મીતુલ્ય, કાંતિથી સંપૂર્ણ ચંદ્રમા સમાન, સુંદર મુખવાળી, નેત્ર
અને મનને હરનારી, હાવભાવ વિલાસ વિભ્રમથી મંડિત, નિપુણ, પરમ વિનયવાળી
રાણીઓરૂપી કમળોની પંક્તિને રાજાએ સૂર્યની પેઠે પ્રફુલ્લિત કરી.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં અષ્ટાહ્નિકાનું આગમન અને રાજા
દશરથના ધર્મશ્રવણનું વર્ણન કરનાર ઓગણત્રીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
ત્રીસમું પર્વ
(ભામંડળનો મેળાપ)
મેઘના આડંબરયુક્ત વર્ષાકાળ વીતી ગયો, આકાશ ખડ્ગની પ્રભા સમાન નિર્મળ
થયું. પદ્મ, મહોત્પલ, ઈન્દિવરાદિ અનેક જાતનાં કમળો ખીલ્યાં, જે વિષયી જીવોને
ઉન્માદનાં કારણ છે, નદી-સરોવરાદિનાં જળ નિર્મળ થયાં, જેમ મુનિનું ચિત્ત નિર્મળ થાય
તેમ. ઇન્દ્રધનુષ અદ્રશ્ય થયાં. પૃથ્વી કાદવ વિનાની બની, શરદઋતુ જાણે કે કુમુદો
પ્રફુલ્લિત થવાથી હસતી હોય તેમ પ્રગટ થઈ. વીજળીના ચમકારાની સંભાવના મટી ગઈ.
સૂર્ય તુલા રાશિ ઉપર આવ્યો. શરદનાં શ્વેત વાદળાં ક્યાંક ક્યાંક નજરે પડતાં અને
ક્ષણમાત્રમાં વિલય પામતાં. નિશારૂપ નવોઢા સ્ત્રી સંધ્યાના પ્રકાશરૂપ મહાસુંદર લાલ
અધર ધરી, ચાંદનીરૂપ નિર્મળ વસ્ત્રો પહેરી, ચંદ્રમારૂપ ચૂડામણિ સાથે અત્યંત શોભતી
હતી. વાવ નિર્મળ જળથી ભરેલી હતી તે મનુષ્યોનાં મનને પ્રમોદ ઉત્પન્ન કરતી. ચકવા-
ચકવીનાં યુગલ ત્યાં કેલિ કરતાં હતા. મદોન્મત્ત સારસ અવાજ કરતા, કમળોના વનમાં
ભમતા રાજહંસ અત્યંત શોભતા હતા. સીતાનું ચિંતવન કરનાર ભામંડળને આ ઋતુ
સુહાવની લાગતી નહિ, પણ આખું જગત અગ્નિ સમાન ભાસતું. એક દિવસ આ
ભામંડળે લજ્જા છોડીને પિતાની આગળ વસંતધ્વજ નામના પોતાના પરમ મિત્રને કહ્યું કે
હે મિત્ર! તું દીર્ઘદર્શી છો અને બીજાના કાર્યમાં તત્પર છો. આટલા દિવસ થઈ ગયા તો
પણ તને મારી ચિંતા નથી. ભામંડળનાં અંગેઅંગ અરતિથી પીડિત છે. તેણે આગળ કહ્યું
કે હું વ્યાકુળતારૂપ થતો આશારૂપ સમુદ્રમાં ડૂબેલો છું. શું તમે મને મદદ નહિ કરો?
ભામંડળનાં આવાં આર્તધ્યાનયુક્ત વચનો સાંભળીને રાજસભામાં બધા લોકો પ્રભાવરહિત
વિષાદસંયુક્ત થઈ ગયા. તેમને મહાશોકમાં સંતાપિત થયેલા જોઈને ભામંડળે લજ્જાથી
મુખ નીચું નમાવી

Page 273 of 660
PDF/HTML Page 294 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્રીસમું પર્વ ૨૭૩
દીધું. ત્યારે બૃહત્કેતુ નામનો એક વિદ્યાધર કહેવા લાગ્યો કે હવે શા માટે છુપાવી રાખો
છો? કુમારને બધી યથાર્થ હકીકત કહી દો કે જેથી તેને ભ્રાંતિ ન રહે. ત્યારે તેમણે બધી
વાત ભામંડળને કરી. હે કુમાર! અમે કન્યાના પિતાને અહીં લઈ આવ્યા હતા, તેમની
પાસે કન્યાની યાચના કરી હતી, પણ તેમણે કહ્યું કે મેં કન્યા રામને આપવાનું નક્કી કર્યું
છે. અમારી અને તેમની વચ્ચે ઘણી ચર્ચા થઈ, પણ તે માન્યા નહિ. પછી વજ્રાવર્ત ધનુષ
ચડાવવાનો કરાર થયો કે જો રામ ધનુષ ચડાવી શકે તો કન્યાને પરણે નહિતર કન્યાને
અમે અહીં લઈ આવશું અને ભામંડળ તેને પરણશે. પછી વિદ્યાધરો ધનુષ લઈને અહીંથી
મિથિલાપુરી ગયા. પણ રામ મહાન પુણ્યાધિકારી છે, તેમણે ધનુષ ચડાવી દીધું. પછી
સ્વયંવર મંડપમાં જનકની અતિગુણવાન, વિવેકી, પતિના હૃદયને ધારનારી, વ્રત-નિયમ
કરનારી, નવયુવાન, દોષરહિત, સર્વ કલાપૂર્ણ, લક્ષ્મીસમાન શુભ લક્ષણોવાળી પુત્રી સીતા
શ્રીરામના કંઠમાં વરમાળા નાખીને તેમની વલ્લભા બની ગઈ. હે કુમાર! તે ધનુષ
વર્તમાનકાળનાં નથી; ગદા, હળ આદિ દેવોપુનિત રત્નોથી યુક્ત, અનેક દેવ જેમની સેવા
કરે છે, કોઈ જેને જોઈ શકતું નથી તે વજ્રાવર્ત અને સાગરાવર્ત બન્ને ધનુષ રામ-લક્ષ્મણ
બેય ભાઈઓએ ચડાવી દીધાં. રામ તે ત્રિલોકસુંદરીને પરણ્યા અને અયોધ્યા લઈ ગયા.
હવે તે બળાત્કારથી દેવોથી પણ હરી શકાય તેમ નથી તો અમારી શી વાત? કદાચ કહેશો
કે રામને પરણાવ્યા પહેલાં કેમ ન ઉપાડી લાવ્યા? તો જનકના મિત્ર રાવણનો જમાઈ
મધુ છે તો અમે કેવી રીતે લાવી શકીએ? માટે હે કુમાર! હવે સંતોષ રાખો, નિર્મળ
બનો, હોનહાર હોય તે થાય છે, ઇન્દ્રાદિક પણ બીજી રીતે કરી શકતા નથી. ધનુષ
ચડાવવાના સમાચાર અને રામ સાથે સીતાનાં લગ્ન થયાં છે એ સાંભળીને ભામંડળ
અત્યંત લજ્જિત થઈને વિષાદ પામ્યો. તે વિચારવા લાગ્યો કે મારો આ વિદ્યાધરનો જન્મ
નિરર્થક છે. હું હીન પુરુષની જેમ તેને પરણી ન શક્યો. તે ઈર્ષ્યા અને ક્રોધથી સભાના
લોકોને કહેવા લાગ્યો કે તમારું વિદ્યાધરપણું શું કામનું? તમે ભૂમિગોચરીઓથી ડરો છો. હું
પોતે જઈને ભૂમિગોચરીઓને જીતી તેને લઈ આવીશ. અને જે ધનુષના અધિષ્ઠાતા તેમને
ધનુષ દઈ આવ્યા તેમનો દંડ કરીશ. આમ કહીને શસ્ત્ર સજી, વિમાનમાં બેસીને
આકાશમાર્ગે ગયો. અનેક ગામ, નદી, નગર, વન, ઉપવન, સરોવર, પર્વતાદિ આખી
પૃથ્વી જોઈ. પછી એની દ્રષ્ટિ પોતાના પૂર્વભવનું સ્થાન વિદગ્ધપુર જે પહાડોની વચ્ચે હતું
તેની ઉપર પડી. તે મનમાં વિચારવા લાગ્યો કે આ નગર મેં જોયું છે. તેને જાતિસ્મરણ
થયું અને મૂર્ચ્છા આવી ગઈ. ત્યારે મંત્રી વ્યાકુળ થઈને પિતાની પાસે લઈ આવ્યા.
ચંદનાદિ શીતળ દ્રવ્યો છાંટયા એટલે જાગ્રત થયો. રાજકુટુંબની સ્ત્રીઓ તેને કહેવા લાગી
કે હે કુમાર! માતાપિતાની સામે આવી લજ્જારહિત ચેષ્ટા કરો તે તમારા માટે યોગ્ય નથી.
તમે તો વિચિક્ષણ છો, વિદ્યાધરોની કન્યા દેવાંગનાથી પણ અધિક સુંદર છે તેને પરણો.
લોકોમાં હાસ્ય શા માટે કરાવો છો? ત્યારે ભામંડળે લજ્જા અને શોકથી મુખ નીચું કર્યું
અને કહેવા લાગ્યો કે ધિક્કાર છે મને! મેં મોહથી વિરુદ્ધ કાર્યનો વિચાર કર્યો, જે
ચાંડાળાદિ અત્યંત નીચ કુળના છે તે પણ

Page 274 of 660
PDF/HTML Page 295 of 681
single page version

background image
૨૭૪ ત્રીસમું પર્વ પદ્મપુરાણ
આવું કાર્ય કરે નહિ. મેં અશુભ કર્મોના ઉદયથી અત્યંત મલિન પરિણામ કર્યાં. હું અને
સીતા એક જ માતાના ઉદરથી જન્મ્યાં છીએ. હવે મારાં અશુભ કર્મ ગયાં અને સાચી
વાત મેં જાણી છે. તેનાં આવાં વચન સાંભળીને અને તેને શોકથી પીડિત જોઈને તેના
પિતા રાજા ચંદ્રગતિએ તેને ગોદમાં લઈ તેનું મુખ ચૂમી તેને પૂછયું કે હે પુત્ર! આ તું શું
કહે છે? ત્યારે કુમારે કહ્યું કે હે પિતાજી! મારું ચરિત્ર સાંભળો. પૂર્વભવમાં હું આ જ
ભરતક્ષેત્રમાં વિદગ્ધપુર નગરનો રાજા હતો. મારું નામ કુંડળમંડિત હતું. પરરાજ્યનો
લૂંટનારો, સદા વિગ્રહ કરનારો, પૃથ્વી પર પ્રસિદ્ધ, મારી પ્રજાનો રક્ષક, વૈભવસંયુક્ત હતો.
માયાચારથી મેં એક બ્રાહ્મણની સ્ત્રીનું હરણ કર્યું હતું. તે વિપ્ર તો અત્યંત દુઃખી થઈને
ક્યાંક ચાલ્યો ગયો અને હું રાજા અનરણ્યના દેશમાં ત્રાસ વર્તાવવા લાગ્યો એટલે
અનરણ્યના સેનાપતિએ મને પકડી લીધો અને મારી બધી સંપત્તિ લૂંટી લીધી. હું
શરીરમાત્ર રહી ગયો. કેટલાક દિવસ પછી બંદીગૃહથી છૂટયો અને અત્યંત દુઃખી થઈને
પૃથ્વી ઉપર ભટકતાં, મુનિઓનાં દર્શન કરવા ગયો, મહાવ્રત, અણુવ્રતનું વ્યાખ્યાન
સાંભળ્‌યું, ત્રિલોકપૂજ્ય સર્વજ્ઞ વીતરાગદેવના પવિત્ર માર્ગની શ્રદ્ધા કરી. જગતના બાંધવ
એવા ગુરુની આજ્ઞાથી મેં મદ્ય-માંસના ત્યાગરૂપ વ્રત આદર્યું, મારી શક્તિ અલ્પ હતી
તેથી આ વિશેષ વ્રતો આદરી ન શક્યો. જિનશાસનનું અદ્ભુત માહાત્મ્ય કે હું મહાપાપી
હતો તો પણ આટલાં જ વ્રતથી હું દુર્ગતિમાં ન ગયો. જિનધર્મના શરણથી જનકની રાણી
વિદેહાના ગર્ભમાં ઉત્પન્ન થયો અને સીતા પણ ઉપજી, અમારા બન્નેનો સાથે જન્મ થયો.
પેલો પૂર્વભવનો વિરોધી વિપ્ર, જેની સ્ત્રીનું મેં હરણ કર્યું હતું તે દેવ થયો અને મને
જન્મથી જ જેમ ગીધ માંસનો ટુકડો ઊઠાવી જાય તેમ નક્ષત્રોથી ઉપર આકાશમાં લઈ
ગયો. પહેલાં તો તેણે વિચાર કર્યો કે આને મારું. પછી કરુણાથી કુંડળ પહેરાવી, લઘુપર્ણ
વિદ્યાથી મને વિમાનમાંથી નીચે ફેંક્યો. રાત્રે નીચે પડતાં તમે મને ઝીલી લીધો અને દયા
લાવીને આપની રાણીને સોંપ્યો, તમારી કૃપાથી હું મોટો થયો અને અનેક વિદ્યાઓ
મેળવી. તમે મને ઘણા લાડ લડાવ્યા અને માતાએ મારું ઘણું રક્ષણ કર્યું. આમ કહીને
ભામંડળ ચૂપ થઈ ગયો. રાજા ચંદ્રગતિ આ વૃત્તાંત સાંભળીને જ્ઞાન પામ્યો, ઇન્દ્રિયોની
વાસના છોડી, વૈરાગ્ય અંગીકાર કરવા તૈયાર થયો. લોકધર્મ એટલે કે સ્ત્રીસેવનરૂપી વૃક્ષને
ફળરહિત જાણ્યું અને સંસારનું બંધન જાણી, પોતાનું રાજ્ય ભામંડળને આપી, પોતે શીઘ્ર
સર્વભૂતહિત સ્વામીની સમીપે આવ્યો. સર્વભૂતહિત સ્વામી પૃથ્વી પર સૂર્ય સમાન પ્રસિદ્ધ
ગુણરૂપ કિરણોના સમૂહથી ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા હતા. રાજા ચંદ્રગતિ વિદ્યાધરે
મહેન્દ્રોદય ઉદ્યાનમાં આવી મુનિની પૂજા કરી. વળી નમસ્કાર સ્તુતિ કરી, મસ્તક નમાવી,
હાથ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યોઃ હે ભગવાન્! આપની કૃપાથી હું જિનદીક્ષા લઈ તપ
કરવા ઈચ્છું છું, હું ગૃહવાસથી ઉદાસ થયો છું. ત્યારે મુનિએ કહ્યું કે ભવસાગરને પાર
કરનારી આ ભગવતી દીક્ષા તું લે. રાજા વૈરાગ્ય પામ્યા અને ભામંડળના રાજ્યનો ઉત્સવ
થયો, ઊંચા અવાજે નગારાં વાગ્યાં, સ્ત્રીઓ ગીત ગાવા લાગી, બંસરી આદિ અનેક
વાજિંત્રો વાગ્યાં. ‘શોભાયમાન જનક

Page 275 of 660
PDF/HTML Page 296 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્રીસમું પર્વ ૨૭પ
રાજાનો પુત્ર જયવંત હો’ એવા ચારણોના અવાજ થયા. મહેન્દ્રોદય ઉદ્યાનમાં આવા શબ્દો
રાત્રે થયા તેથી અયોધ્યાના સમસ્ત લોકો નિદ્રારહિત થઈ ગયા. વળી પ્રાતઃસમયે
મુનિરાજના મુખમાંથી શ્રેષ્ઠ શબ્દો સાંભળીને જૈનો હર્ષ પામ્યા. સીતા જનક રાજાનો પુત્ર
જયવંત હો’ એવો અવાજ સાંભળીને જાણે કે અમૃતથી સીંચાઈ ગઈ, તેનાં સર્વ અંગ
રોમાંચિત થઈ ગયાં, તેની જમણી આંખ ફરકી, તે મનમાં વિચારવા લાગી કે આ
વારંવાર ઊંચેથી બોલાતો શબ્દ સાંભળવામાં આવે છે કે ‘જનક રાજાનો પુત્ર જયવંત હો’
તો મારા પિતા જ જનક છે અને મારા ભાઈનું જન્મ થતાં જ હરણ થયું હતું તો તે જ
આ ન હોય? આમ વિચારીને જેનું મન ભાઈના સ્નેહરૂપ જળથી ભીંજાઈ ગયું છે, તે
ઊંચા સ્વરથી રોવા લાગી. ત્યારે અભિરામ એટલે સુંદર અંગવાળા રામ કહેવા લાગ્યા કે
હે પ્રિયે! તું શા માટે રુદન કરે છે? જો આ તારો ભાઈ હોય તો હમણાં સમાચાર આવશે
અને જો બીજું કોઈ હશે તો હે પંડિતે! તું શા માટે શોક કરે છે? જે વિચિક્ષણ હોય છે તે
મરેલાનો, હરાયેલાનો, નષ્ટ થયેલાનો શોક કરતા નથી. હે વલ્લભે! જે કાયર અને મૂર્ખ
હોય તેમને વિષાદ થાય છે અને જે પંડિત છે, પરાક્રમી છે તેમને વિષાદ થતો નથી. આ
પ્રમાણે રામ અને સીતાની વચ્ચે વાર્તાલાપ થાય છે તે જ સમયે વધાઈ આપનારા મંગળ
શબ્દો બોલતા આવ્યા. તે વખતે રાજા દશરથે ખૂબ આનંદથી અને આદરથી જાતજાતનાં
દાન આપ્યાં અને પુત્ર, કલત્રાદિ સર્વ કુટુંબ સહિત વનમાં ગયા. ત્યાં નગરની બહાર ચારે
તરફ વિદ્યાધરોની સેના સેંકડો સામંતો સહિત જોઈને આશ્ચર્ય પામ્યા. વિદ્યાધરોએ ઇન્દ્રના
નગર જેવું સેના માટેનું સ્થાન ક્ષણમાત્રમાં બનાવી દીધું હતું. તેના ઊંચા કોટ, મોટા
દરવાજા, પતાકા-તોરણોથી શોભાયમાન, રત્નોથી મંડિત એવો નિવાસ જોઈને રાજા
દશરથ જ્યાં વનમાં સાધુ બિરાજ્યા હતા ત્યાં ગયા. નમસ્કાર, સ્તુતિ કરી, રાજા
ચંદ્રગતિનો વૈરાગ્ય જોયો. વિદ્યાધરોની સાથે શ્રીગુરુની પૂજા કરી. રાજા દશરથ સર્વ
બાંધવો સહિત એક તરફ બેઠા અને ભામંડળ સર્વ વિદ્યાધરો સહિત એક તરફ બેઠો.
વિદ્યાધર અને ભૂમિગોચરી લોકો મુનિની પાસે યતિ અને શ્રાવકધર્મનું શ્રવણ કરવા
લાગ્યા. ભામંડળ પિતા વૈરાગ્ય પામ્યા હોવાથી કાંઈક શોકમગ્ન લાગતો હતો ત્યારે મુનિ
કહેવા લાગ્યા કે યતિનો ધર્મ તે શૂરવીરોનો છે, જેમને ઘરમાં રહેવાનું નથી, મહાશાંત દશા
છે, આનંદનું કારણ છે, મહાદુર્લભ છે. કાયર જીવોને ભયાનક લાગે છે. ભવ્ય જીવ
મુનિપદ પામીને અવિનાશી ધામ પામે છે અથવા ઇન્દ્ર, અહમિન્દ્રપદ પામે છે. લોકના
શિખરે જે સિદ્ધ બિરાજે છે તે પદ મુનિપદ વિના પમાતું નથી. મુનિ સમ્યગ્દર્શનથી મંડિત
છે. જે માર્ગથી નિર્વાણનું સુખ પ્રાપ્ત થાય અને ચાર ગતિનાં દુઃખથી છૂટાય તે જ માર્ગ
શ્રેષ્ઠ છે. આમ સર્વભૂતહિત મુનિએ મેઘની ગર્જના સમાન ધ્વનિથી સર્વ જીવોના ચિત્તને
આનંદ આપનારાં વચનો કહ્યાં. મુનિ સમસ્ત તત્ત્વોના જ્ઞાતા છે. સંદેહરૂપ તાપને દૂર
કરનાર મુનિના વચનરૂપ જળનું જીવોએ કર્ણરૂપી અંજલિથી પાન કર્યું. કેટલાક મુનિ થયા,
કેટલાક શ્રાવક થયા, તેમનું ચિત્ત ધર્માનુરાગથી યુક્ત થયું. ધર્મનું વ્યાખ્યાન પૂરું થયું ત્યારે

Page 276 of 660
PDF/HTML Page 297 of 681
single page version

background image
૨૭૬ ત્રીસમું પર્વ પદ્મપુરાણ
દશરથે પૂછયું કે હે નાથ! ચંદ્રગતિ વિદ્યાધરને શા કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયો?
મહાવિનયવાન સીતા પોતાના ભાઈ ભામંડળનું ચરિત્ર સાંભળવા ઈચ્છા કરવા લાગી.
મુનિએ કહ્યું કે હે દશરથ! તું સાંભળ. આ જીવોને પોતપોતાના ઉપાર્જિત કરેલાં કર્મોથી
વિચિત્ર ગતિ થાય છે. આ ભામંડળ પૂર્વે સંસારમાં અનંતકાળ ભ્રમણ કરીને અત્યંત દુઃખી
થયો હતો, કર્મરૂપી પવનથી પ્રેરાયેલો તે આ ભવમાં આકાશમાંથી પડતો રાજા ચંદ્રગતિને
મળ્‌યો હતો. ચંદ્રગતિએ તેને પોતાની સ્ત્રી પુણ્યવતીને સોંપ્યો હતો, નવયૌવનમાં તે
સીતાનું ચિત્રપટ જોઈ મોહિત થયો. ત્યારે જનકને એક વિદ્યાધર કૃત્રિમ અશ્વ બનીને લઈ
ગયો અને એવો કરાર થયો કે જે વજ્રાવર્ત ધનુષ ચડાવે તે કન્યાને પરણે. પછી જનકને
મિથિલાપુરી લઈ આવ્યા અને શ્રી રામે ધનુષ ચડાવ્યું અને સીતાને પરણ્યાં. વિદ્યાધરના
મુખે આ વાત સાંભળીને ક્રોધપૂર્વક ભામંડળ વિમાનમાં બેસીને આવતો હતો તેણે માર્ગમાં
પૂર્વભવનું નગર જોયું અને જાતિસ્મરણ થયું કે હું કુંડળમંડિત નામનો આ વિદગ્ધપુરનો
અધર્મી રાજા હતો. મેં પિંગળ નામના બ્રાહ્મણની સ્ત્રીનું હરણ કર્યું હતું, મને અનરણ્યના
સેનાપતિએ પકડયો હતો, દેશનિકાલ કર્યો હતો અને મારું સર્વસ્વ લૂંટી લીધું હતું. અને
મહાપુરુષોના આશ્રયે આવીને મદ્ય-માંસનો ત્યાગ કર્યો હતો. શુભ પરિણામથી મરણ
પામીને જનકની રાણી વિદેહાના ગર્ભમાં ઉપજ્યો હતો. પેલો પિંગળ બ્રાહ્મણ જેની સ્ત્રીને
આ હરી ગયો હતો તે વનમાંથી લાકડા લાવી, સ્ત્રીરહિત શૂન્ય ઝૂંપડી જોઈ અતિવિલાપ
કરવા લાગ્યો હતો કે હે કમળનયની! રાણી પ્રભાવતી જેવી માતા અને ચક્રધ્વજ જેવા
પિતાને, મહાન વૈભવ અને મોટા પરિવારને છોડીને મારા પ્રત્યે પ્રેમ કરીને પરદેશમાં
આવી હતી, લૂખોસૂકો આહાર અને ફાટયાંતૂટયાં વસ્ત્ર તું મારા ખાતર પહેરતી એવી
સર્વસુંદર અંગવાળી, હવે તું મને છોડીને ક્યાં ગઈ? આ પ્રમાણે વિયોગરૂપ અગ્નિથી દગ્ધ
થયેલો તે પિંગળ વિપ્ર પૃથ્વી પર અત્યંત દુઃખી બની ભટકતો, મુનિરાજના ઉપદેશથી મુનિ
થઈ તપ કરવા લાગ્યો. તપના પ્રભાવથી તે દેવ થયો. તે મનમાં વિચારવા લાગ્યો કે મારી
સ્ત્રી સમ્યક્ત્વરહિત હતી તે તિર્યંચ ગતિમાં ગઈ અથવા માયાચારરહિત સરળ
પરિણામવાળી હતી એટલે મનુષ્ય થઈ કે સમાધિમરણ કરીને શ્રી જિનરાજને હૃદયમાં
ધારણ કરીને દેવગતિ પામી. અને પેલો દુષ્ટ કુંડલમંડિત, જે મારી સ્ત્રીને ઉપાડી ગયો હતો
તે ક્યાં છે? અવધિજ્ઞાનથી તેણે જનકની સ્ત્રીના ગર્ભમાં તેને આવેલો જાણીને જન્મ થતાં
જ બાળકનું હરણ કર્યું અને આકાશમાંથી પડતો મૂક્યો તેને ચંદ્રગતિએ ઝીલી લીધો અને
રાણી પુષ્પવતીને સોંપ્યો. ભામંડળે જાતિસ્મરણથી બધું જાણીને આ વૃત્તાંત ચંદ્રગતિને કહ્યો
કે સીતા મારી બહેન છે અને રાણી વિદેહા મારી માતા છે અને પુણ્યવતી મારી પાલક
માતા છે. આ વાત સાંભળીને વિદ્યાધરોની આખી સભા આશ્ચર્ય પામી. ચંદ્રગતિએ
ભામંડળને રાજ્ય આપી સંસાર, શરીર અને ભોગથી ઉદાસ થઈ, વૈરાગ્ય લેવાનો વિચાર
કર્યો. તેણે ભામંડળને કહ્યું કે હે પુત્ર! તારાં જન્મદાતા માતાપિતા તારા શોકથી ખૂબ દુઃખી
થાય છે એટલે તું તેમને દર્શન આપી તેમની આંખો ઠાર. આ પ્રમાણે સર્વભૂતહિત
મુનિરાજ રાજા દશરથને કહે છે કે

Page 277 of 660
PDF/HTML Page 298 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્રીસમું પર્વ ૨૭૭
આ રાજા ચંદ્રગતિએ સંસારનું સ્વરૂપ અસાર જાણીને અમારી પાસે આવી જિનદીક્ષા
ધારણ કરી છે. જે જન્મ્યો છે તે અવશ્ય મરશે જ અને જે મરણ પામે છે તે અવશ્ય નવો
જન્મ લેશે, આવી સંસારની અવસ્થા જાણીને ચંદ્રગતિ ભવભ્રમણથી ડર્યો. મુનિનાં આ
વચન સાંભળીને ભામંડળ પૂછવા લાગ્યો કે હે પ્રભો! ચંદ્રગતિ અને પુષ્પવતીનો મારા
ઉપર અધિક સ્નેહ કેમ થયો? ત્યારે મુનિ બોલ્યા કે આ પૂર્વભવના તારાં માતાપિતા છે
તેની વાત સાંભળ. એક દારૂ નામનું ગ્રામ હતું. ત્યાં વિમુચિ નામનો બ્રાહ્મણ તેની સ્ત્રી
અનુકોશા, અધિભૂત પુત્ર તથા સરસા પૂત્રવધૂ સાથે રહેતો હતો. ત્યાં એક કયાન નામનો
પરદેશી બ્રાહ્મણ પોતાની માતા ઉર્યા સાથે દારૂગ્રામમાં આવ્યો. તે પાપી, અધિભૂતની સ્ત્રી
સરસા તથા તેના ઘરનું બધું ધન લઈને ભાગી ગયો. અધિભૂત મહાદુઃખી થઈને તેને
ગોતવા માટે પૃથ્વી પર ભટક્યો. તેના પિતા કેટલાક દિવસ પહેલાં દક્ષિણા માટે પરદેશ
ગયા હતા. એટલે ઘર પુરુષ વિના સૂનું થઈ ગયું. ઘરમાં થોડુંઘણું ધન હતું તે પણ જતું
રહ્યું અને અધિભૂતની માતા અનુકોશા ગરીબ થવાથી ખૂબ દુઃખી થઈ. આ બધો વૃત્તાંત
વિમુચિએ સાંભળ્‌યો કે ઘરનું ધન ગયું અને પુત્રની વહુ પણ ગઈ અને તેને ગોતવા પુત્ર
ગયો છે તે પણ કોણ જાણે ક્યાં ગયો? વિમુચિ ઘેર આવ્યો, અને અનુકોશાને અત્યંત
વિહ્વળ જોઈને ધૈર્ય આપ્યું અને કયાનની માતા ઉર્યા પણ અત્યંત દુઃખી હતી. પુત્રે
અન્યાયનું કાર્ય કર્યું તેથી લજ્જિત હતી, તેને પણ દિલાસો આપ્યો કે તારો અપરાધ નથી.
પછી વિમુચિ પુત્રને ગોતવા ગયો. એક સર્વારિ નામનું નગર હતું. તેના વનમાં એક
અવધિજ્ઞાની મુનિ હતા. લોકોના મુખે વિમુચિએ તેમની પ્રશંસા સાંભળી કે એ
અવધિજ્ઞાનરૂપ કિરણોથી જગતમાં પ્રકાશ કરે છે ત્યારે એ મુનિ પાસે ગયો. તે ધન અને
પુત્રવધૂ જવાથી દુઃખી હતો જ અને મુનિરાજની તપોઋદ્ધિ જોઈને અને સંસારની જૂઠી
માયા જાણીને તીવ્ર વૈરાગ્ય પામી મુનિ થયો. વિમુચિની સ્ત્રી અનુકોશા અને કયાનની
માતા ઉર્યા એ બન્ને બ્રાહ્મણી કમળકાંતા આર્યિકાની પાસે આર્યિકા બની. વિમુચિ મુનિ
અને એ બન્ને આર્યિકા ત્રણે જીવ અત્યંત નિઃસ્પૃહ ધર્મધ્યાનના પ્રસાદથી સ્વર્ગમાં ગયાં.
વિમુચિનો પુત્ર અધિભૂત હિંસામાર્ગનો પ્રશંસક અને સંયમી જીવોનો નિંદક હતો તે
આર્તરૌદ્ર ધ્યાનના યોગથી દુર્ગતિમાં ગયો અને આ કયાન પણ દુર્ગતિમાં ગયો.
અધિભૂતની સ્ત્રી સરસા જે કયાનની સાથે નીકળી હતી તે બલાહક પર્વતની તળેટીમાં
મૃગલી થઈ. તે વાઘના ભયથી મૃગોના સમૂહથી એકલી પડી જઈને દાવાનળમાં બળી
મરી. તે જન્માંતરમાં ચિત્તોત્સવા થઈ. કયાન ભવભ્રમણ કરતો ઊંટ થયો અને પછી
ધૂમ્રકેશનો પુત્ર પિંગળ થયો. સરસાનો પતિ અતિભૂત ભવભ્રમણ કરતો કરતો રાક્ષસ
સરોવરના તીરે હંસ થયો. એક બાજ પક્ષીએ તેનાં બધાં અંગ ઘાયલ કર્યાં. તે ચૈત્યાલયની
પાસે પડયો. ત્યાં ગુરુશિષ્યને ભગવાનનું સ્તોત્ર શીખવતા હતા તે આણે સાંભળ્‌યું. તેણે
હંસની પર્યાય છોડી દશ હજાર વર્ષના આયુષ્યવાળો દગોત્તમ નામના પર્વત પર કિન્નર
દેવ થયો. ત્યાંથી ચ્યવીને વિદગ્ધપુરનો રાજા કુંડળમંડિત થયો. તેણે પિંગળની પાસેથી
ચિત્તોત્સવાનું હરણ કર્યું તેનું બધું કથન પૂર્વે કહ્યું

Page 278 of 660
PDF/HTML Page 299 of 681
single page version

background image
૨૭૮ ત્રીસમું પર્વ પદ્મપુરાણ
જ છે. વિમુચિ બ્રાહ્મણ જે સ્વર્ગમાં ગયો હતો તે રાજા ચંદ્રગતિ થયો. અનુકોશા બ્રાહ્મણી
પુષ્પવતી થઈ. કયાન કેટલાક ભવ કરી પિંગળ થઈ, મુનિવ્રત ધારણ કરીને દેવ થયો.
તેણે ભામંડળનો જન્મ થતાં જ હરણ કર્યું. ઉર્યા બ્રાહ્મણી દેવલોકમાંથી ચ્યવીને રાણી
વિદેહા થઈ. આ સકળ વૃત્તાંત સાંભળીને આખી સભાની આંખમાં આંસુ આવી ગયાં
અને બધા રોમાંચિત થઈ ગયા. સીતા પોતાના ભાઈ ભામંડળને જોઈને સ્નેહથી મળી
અને રુદન કરવા લાગી, હે ભાઈ! મેં તને પહેલી જ વાર જોયો. શ્રી રામ અને લક્ષ્મણ
ઊઠીને ભામંડળને મળ્‌યા, મુનિને નમસ્કાર કરી, ખેચર, ભૂચર બધાં જ વનમાંથી નગરમાં
આવ્યાં. ભામંડળ સાથે વિચારણા કરીને રાજા દશરથે જનક રાજાની પાસે વિદ્યાધરને
મોકલ્યો તથા જનકને આવવા માટે વિમાન મોકલ્યું. રાજા દશરથે ભામંડળનું ખૂબ સન્માન
કર્યું. ભામંડળને રહેવા માટે અતિરમણીક મહેલ આપ્યો. વાવ, સરોવર, ઉપવનમાં ભામંડળ
સુખપૂર્વક રહ્યો. રાજા દશરથે ભામંડળના પાછા આવવાના નિમિત્તે મોટો ઉત્સવ કર્યો,
યાચકોને વાંછાથી પણ અધિક દાન આપ્યું એટલે એ દરિદ્રતારહિત થયા. રાજા જનક પાસે
પવનથી પણ અધિક ગતિવાળા વિદ્યાધરો ગયા. તેમણે તેને પુત્રના આગમનની વધાઈ
આપી તથા દશરથ અને ભામંડળનો પત્ર આપ્યો તે વાંચીને જનક અત્યંત આનંદ પામ્યા.
રાજા વિદ્યાધરને પૂછે છે કે હે ભાઈ! આ સ્વપ્ન છે કે પ્રત્યક્ષ છે? તું આવ, અમને મળ,
એમ કહીને રાજા મળ્‌યા અને આંખો સજળ બની ગઈ. જેવો હર્ષ પુત્ર મળ્‌યાનો થાય
તેવો પત્ર લાવનારને મળવાથી થયો. તેને વસ્ત્ર, આભૂષણ બધું આપ્યું, બધાં
કુટુંબીજનોએ ભેગાં મળીને ઉત્સવ કર્યો અને તેને વારંવાર પુત્રનો વૃત્તાંત પૂછવા લાગ્યા
અને સાંભળતાં તૃપ્તિ થતી નહિ. વિદ્યાધરે સકલ વૃત્તાંત વિસ્તારથી કહ્યો. તે જ સમયે
રાજા જનક સર્વ કુટુંબ સહિત વિમાનમાં બેસીને અયોધ્યા ચાલ્યા અને એક નિમેષમાં જઈ
પહોંચ્યા. અયોધ્યામાં વાજિંત્રોના નાદ થઈ રહ્યા છે. જનક શીઘ્ર વિમાનમાંથી ઊતરીને
પુત્રને મળ્‌યા. સુખથી નેત્ર બંધ થઈ ગયાં, ક્ષણમાત્રમાં મૂર્ચ્છા આવી ગઈ. પછી સચેત
થઈ આંસુભરી આંખે પુત્રને જોયો અને હાથથી સ્પર્શ કર્યો. માતા વિદેહા પણ પુત્રને જોઈ
મૂર્ચ્છિત થઈ ગઈ. પછી સચેત થઈને મળી અને રુદન કરવા લાગી, જેનું રુદન સાંભળીને
તિર્યંચને પણ દયા ઉપજે. હાય પુત્ર! તારા જન્મથી જ ઉત્કટ વેરીથી હરણ થયું હતું અને
તને જોવા માટે મારું શરીર ચિંતારૂપ અગ્નિથી દગ્ધ થયું હતું તે તારાં દર્શનરૂપી જળથી
સીંચાયું અને શીતળ થયું. અરે, ધન્ય છે તે રાણી પુષ્પવતી વિદ્યાધરીને, જેણે તારી
બાળલીલા જોઈ અને ક્રીડાથી મલિન બનેલું તારું શરીર છાતીએ લગાડયું, મુખ ચૂમ્યું
અને નવયૌવન અવસ્થામાં ચંદનથી લિપ્ત, સુગંધયુક્ત તારું શરીર જોયું! આમ માતા
વિદેહાએ કહ્યું. તેની આંખમાંથી આંસુ ખર્યાં, સ્તનમાંથી દૂધ ટપકયું અને વિદેહાને
પરમઆનંદ થયો. જેમ જિનશાસનની સેવક દેવી આનંદ સહિત રહે તેમ તે પુત્રને જોઈ
સુખસાગરમાં રહી. તેઓ અયોધ્યામાં એક મહિનો રહ્યા. પછી ભામંડળ શ્રી રામને કહેવા
લાગ્યો કે હે દેવ! આ જાનકીને

Page 279 of 660
PDF/HTML Page 300 of 681
single page version

background image
પદ્મપુરાણ એકત્રીસમું પર્વ ૨૭૯
તમારું જ શરણ છે, એ ધન્યભાગ્ય છે કે તમારા જેવા તેને પતિ મળ્‌યા, આમ કહીને
બહેનને છાતીએ લગાવી. માતા વિદેહા સીતાને હૃદય સાથે ચાંપીને બોલી, હે પુત્રી!
સાસુ-સુસરાની ખૂબ સેવા કરજે અને એવી રીતે કરજે કે આખા કુટુંબમાં તારી પ્રશંસા
થાય. ભામંડળે સૌને બોલાવ્યા, જનકના નાના ભાઈ કનકને મિથિલાપુરીનું રાજ્ય સોંપી
જનક અને વિદેહાને પોતાના સ્થાનકે લઈ ગયો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે
હે મગધ દેશના અધિપતિ! તું ધર્મનું માહાત્મ્ય જો. જે ધર્મના પ્રસાદથી શ્રી રામદેવને
સીતા સરખી સ્ત્રી મળી, જે રૂપે-ગુણે પૂર્ણ હતી, જેને વિધાધરોનો ઇન્દ્ર ભામંડળ જેવો
ભાઈ હતી. વળી રામને લક્ષ્મણ જેવો ભાઈ, સેવક અને દેવાધિષ્ઠિત ધનુષ પણ રામે
ચડાવ્યું. આ શ્રી રામનું ચરિત્ર-ભામંડળના મિલનનું વર્ણન જે નિર્મળ ચિત્તથી સાંભળે
તેને મનવાંછિત ફળની સિદ્ધિ થાય અને શરીર નિરોગી થાય તેમ જ સૂર્ય સમાન પ્રભાવ
પ્રાપ્ત કરે.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભામંડળના મેળાપનું વર્ણન કરનાર
ત્રીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકત્રીસમું પર્વ
(રાજા દશરથનું પૂર્વભવ શ્રવણથી સંસારથી વિરક્ત થવું)
હવે રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે પ્રભો! જગતના હિતકારી, રાજા
અનરણ્યના પુત્ર રાજા દશરથે પછી શું કર્યું તે કહો. તેમ જ શ્રી રામ-લક્ષ્મણનો સકળ
વૃત્તાંત હું સાંભળવા ચાહું છું તો મને કૃપા કરીને કહો. આપનો યશ ત્રણ લોકમાં ફેલાઈ
રહ્યો છે. ત્યારે મુનિઓના સ્વામી, મહાતપ તેજના ધારક ગૌતમ ગણધરે કહ્યું કે જેવું
કથન શ્રી સર્વજ્ઞ વીતરાગદેવે કયુુર્ં છે તે તું સાંભળ. જ્યારે રાજા દશરથ મુનિઓનાં
દર્શનાર્થે ગયા ત્યારે તેમણે સર્વભૂતહિત સ્વામીને નમસ્કાર કરીને પૂછયું કે હે સ્વામી! મેં
સંસારમાં અનંત જન્મ ધારણ કર્યા તેમાંથી કેટલાક ભવની વાત આપના પ્રસાદથી
સાંભળીને સંસાર છોડવા ઈચ્છું છું. મુનિ દશરથને ભવ સાંભળવાનો અભિલાષી જાણીને
કહેવા લાગ્યા કે હે રાજન્! સંસારનાં બધાં જીવ અનાદિકાળથી, કર્મોના સંબંધથી અનંત
જન્મ-મરણ કરતાં દુઃખ જ ભોગવતાં આવ્યાં છે. આ જગતમાં જીવોના કર્મની સ્થિતિ
ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ત્રણ પ્રકારની છે અને મોક્ષ સર્વમાં ઉત્તમ છે, જેને પંચમગતિ કહે
છે તે અનંત જીવોમાંથી કોઈ એકને થાય છે, બધાને નહિ. આ પંચમગતિ કલ્યાણ કરનાર
છે. ત્યાંથી ફરીથી આવાગમન થતું નથી. તે અનંત સુખનું સ્થાનક શુદ્ધ સિદ્ધપદ
ઈન્દ્રિયવિષયરૂપ રોગોથી પીડિત મોહથી અંધ પ્રાણી પામી શકતો નથી. જે
તત્ત્વાર્થશ્રદ્ધાનથી રહિત, વૈરાગ્યથી બહિર્મુખ છે અને હિંસાદિકમાં જેમની પ્રવૃત્તિ છે તેમને
નિરંતર ચાર ગતિનું ભ્રમણ