Padmapuran (Gujarati). Parva 72 - Ravanno yudh matey punasankalp; Parva 73 - Mandodarini yudh karvani mana chhataa Ravanni hath na chhodvi; Parva 74 - Ravannu Ram-Laxman sathey yudh; Parva 75 - Ravaney Laxman par chakra chalaviyu, chakra Laxmanni pradikshina kariney tena hathma aaviyu; Parva 76 - Ram-Laxman sathey Ravannu mahayudh aney Ravanno vadh; Parva 77 - Ravanna viyogthi Ravanna parivar aney raniono vilap.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 25 of 35

 

Page 460 of 660
PDF/HTML Page 481 of 681
single page version

background image
૪૬૦ એકોત્તેરમું પર્વ પદ્મપુરાણ
છીએ. એ સુગ્રીવનું ચામર ઢોળનારી દાસી બનશે. ત્યારે મંદોદરી આંખમાંથી આંસુ સારવા
અને વિલાપ કરવા લાગી. રાવણના પગમાં પડે, કોઈ વાર હાથમાં પડે અને પતિને કહેવા
લાગી હે નાથ! મારી રક્ષા કરો. મારી આવી દશા શું તમે જોતા નથી? શું તમે બીજા જ
થઈ ગયા છો? તમે રાવણ છો કે કોઈ બીજા છો? અહો! જેવી નિર્ગ્રંથ મુનિની
વીતરાગતા હોય તેવી વીતરાગતા તમે પકડી છે તો આવા દુઃખમાં આ અવસ્થા કેવી?
ધિક્કાર છે તમારા બળને કે આ પાપીનું શિર ખડ્ગથી કાપી નથી નાખતા. તમે મહા
બળવાન ચંદ્ર-સૂર્ય જેવા પુરુષોનું અપમાન સહી શકતા નથી તો આવા રંકનું કેવી રીતે
સહો છો? હે લંકેશ્વર! ધ્યાનમાં ચિત્ત જોડયું છે, ન કોઈનું સાંભળો છો, ન કોઈને જુઓ
છો, અર્ધપલ્યંકાસન ધરીને બેઠા છો, અહંકાર છોડી દીધો છે, જેમ સુમેરુનું શિખર અચળ
હોય તેમ અચળ થઈને બેઠા છો, સર્વ ઇન્દ્રિયની ક્રિયા તજી દીધી છે, વિદ્યાના આરાધનમાં
તત્પર નિશ્ચળ શરીર કરી એવી રીતે બેઠા છો, જાણે કે કાષ્ઠના હો અથવા ચિત્ર હો. જેમ
રામ સીતાને ચિંતવે તેમ તમે વિદ્યાને ચિંતવો છો, સ્થિરતા કરીને સુમેરુ તુલ્ય થયા છો.
મંદોદરી જ્યારે રાવણને આ પ્રમાણે કહેતી હતી તે જ સમયે બહુરૂપિણી વિદ્યા દશેય
દિશામાં જયજયકાર કરતી રાવણની સમીપે આવીને ઊભી રહી અને કહેવા લાગી-હે દેવ!
આજ્ઞામાં ઉદ્યમી હું તમને સિદ્ધ થઈ છું, મને આદેશ આપો, એકચક્રી, અર્ધચક્રી સિવાય
તમારી આજ્ઞાથી વિમુખ હોય તેને વશીભૂત કરું. આ લોકમાં હું તમારી આજ્ઞાકારિણી છું,
અમારા જેવાની એ જ રીત છે, અમે ચક્રવર્તીઓથી સમર્થ નથી. જો તું કહે તો સર્વ
દૈત્યોને જીતું, દેવોને વશ કરું, જે તને અપ્રિય હોય તેને વશ કરું અને વિદ્યાધરો તો મારા
માટે તણખલા બરાબર છે. વિદ્યાનાં આ વચન સાંભળી રાવણ યોગ પૂર્ણ કરી જ્યોતિનો
ધારક, ઉદાર ચેષ્ટાનો ધારક શાંતિનાથના ચૈત્યાલયની પ્રદક્ષિણા કરવા લાગ્યો. તે જ સમયે
અંગદ મંદોદરીને છોડી, આકાશગમન કરી રામની સમીપે આવ્યો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણને બહુરૂપિણી વિદ્યાની
સિદ્ધિનું વર્ણન કરનાર એકોત્તેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
બોત્તેરમું પર્વ
(રાવણનો યુદ્ધ માટે પુનઃ સંકલ્પ)
પછી રાવણની અઢાર હજાર રાણીઓ રાવણ પાસે એકસાથે બધી જ રોવા કકળવા
લાગી કે હે સ્વામિન્! સર્વ વિદ્યાધરોના અધીશ! તમે અમારા પ્રભુ, અને તમે હોવા છતાં
મૂર્ખ અંગદે આવીને અમારું અપમાન કર્યું. તમે પરમ તેજના ધારક સૂર્ય સમાન ધ્યાનારૂઢ
હતા અને આગિયા જેવા વિદ્યાધર, તમારા મુખ સામે જ સુગ્રીવનો પાપી છોકરો અમારા
ઉપર ઉપદ્રવ કરે. તેમનાં

Page 461 of 660
PDF/HTML Page 482 of 681
single page version

background image
પદ્મપુરાણ બોત્તેરમું પર્વ ૪૬૧
વચન સાંભળી રાવણે બધાને દિલાસો આપ્યો અને કહ્યુંઃ હે પ્રિયે! તે પાપી એવી કુચેષ્ટા
કરે છે તે મૃત્યુના પાશથી બંધાયો છે. તમે દુઃખ છોડો, જેમ સદા આનંદમાં રહો છો તેમ
જ રહો, હું સુગ્રીવને સવારમાં જ નિગ્રીવ એટલે કે મસ્તકરહિત કરી દઇશ. બન્ને ભાઈ
રામ-લક્ષ્મણ ભૂમિગોચરી કીટ સમાન છે તેની ઉપર શું કોપ કરવો? આ દુષ્ટ વિદ્યાધરો
બધા એની પાસે ભેગા થઈ ગયા છે તેમનો નાશ કરીશ. હે પ્રિયે! મારી ભૃકુટિ વાંકી
થતાં જ શત્રુનો વિલય થઈ જાય છે અને હવે તો બહુરૂપિણી મહાવિદ્યા સિદ્ધ થઈ છે.
મારી પાસેથી શત્રુ કેવી રીતે જીવશે? આ પ્રમાણે બધી સ્ત્રીઓને ખૂબ ધીરજ આપીને
મનમાં માની લીધું કે મેં શત્રુને હણી નાખ્યા. તે ભગવાનના મંદિરમાંથી બહાર આવ્યો,
નાના પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં, ગીત-નૃત્ય થવા લાગ્યાં, રાવણનો અભિષેક
થયો, કામદેવ સમાન જેનું રૂપ છે તેને સ્વર્ણ રત્નોના કળશથી સ્ત્રીઓ સ્નાન કરાવવા
લાગી. તે સ્ત્રીઓનાં શરીર કાંતિરૂપ ચાંદનીથી મંડિત છે, ચંદ્રમા સમાન બદન છે અને
સફેદ મણિના કળશથી સ્નાન કરાવે છે તેથી અદ્ભુત જ્યોતિ ભાસતી હતી. કેટલીક કમળ
સમાન કાંતિવાળી સ્ત્રીઓ જાણે કે સંધ્યા ખીલી ઊઠી હોય તેવી ઉગતા સૂર્ય જેવા
સોનાના કળશોથી સ્નાન કરાવે છે, જાણે કે સાંજ જ જળ વરસાવે છે અને કેટલીક
સ્ત્રીઓ હરિતમણિના કળશોથી સ્નાન કરાવતી અત્યંત હર્ષથી શોભે છે, જાણે સાક્ષાત્
લક્ષ્મી જ છે, તેમના કળશના મુખ પર કમળપત્ર છે. કેટલીક કેળાના ગર્ભસમાન કોમળ
અત્યંત સુંદર શરીરવાળી, જેમની આસપાસ ભ્રમર ગુંજારવ કરે છે, તે નાના પ્રકારના
સુગંધી લેપથી રાવણને રત્નજડિત સિંહાસન પર સ્નાન કરાવતી હતી. રાવણે સ્નાન
કરીને આભૂષણો પહેર્યાં, અત્યંત સાવધાન ભાવથી પૂર્ણ શાંતિનાથ ભગવાનના મંદિરમાં
ગયો, ત્યાં અરહંતદેવની પૂજા કરીને સ્તુતિ કરવા અને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો.
પછી ભોજનશાળામાં આવી ચાર પ્રકારનો ઉત્તમ આહાર કર્યો-અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય,
ભોજન કર્યા પછી વિદ્યાની પરીક્ષા કરવા ક્રીડાભૂમિમાં ગયો ત્યાં વિદ્યાથી અનેક રૂપ
બનાવી નાના પ્રકારનાં અદ્ભુત કાર્ય વિદ્યાધરોથી ન બની શકે તે બહુરૂપિણી વિદ્યાથી
કર્યાં. પોતાના હાથના પ્રહાર વડે ભૂકંપ કર્યો, રામના સૈન્યમાં કપિઓને એવો ભય
ઉપજ્યો કે જાણે મૃત્યુ જ આવ્યું. રાવણને મંત્રીઓ કહેવા લાગ્યા કે હે નાથ! તમારા સિવાય
રાઘવને જીતનાર બીજું કોઈ નથી, રામ મહાન યોદ્ધા છે, અને ક્રોધ કરે ત્યારે તો શું કહેવું?
તેથી તેની સામે તમે જ આવો, બીજો કોઈ રણમાં રામની સામે આવવાને સમર્થ નથી.
પછી રાવણે બહુરૂપિણી વિદ્યાથી માયામયી કટક બનાવ્યું અને પોતે જ્યાં સીતા
હતી ત્યાં ઉદ્યાનમાં ગયો, મંત્રોથી મંડિત જેમ દેવોથી સંયુક્ત ઇન્દ્ર હોય તેવો સૂર્ય સમાન
કાંતિવાળો આવવા લાગ્યો. તેને આવતો જોઈ વિદ્યાધરીઓ સીતાને કહેવા લાગી, હે શુભે!
મહાજ્યોતિવંત રાવણ પુષ્પક વિમાનમાંથી ઊતરીને આવ્યો છે, જેમ ગ્રીષ્મઋતુમાં સૂર્યનાં
કિરણોથી આતાપ પામેલો ગજેન્દ્ર સરોવરી પાસે આવે તેમ કામરૂપ અગ્નિથી તપ્ત થયેલો
તે આવે છે. આ પ્રમદ નામનું ઉદ્યાન પુષ્પોની શોભાથી શોભે છે. સીતા બહુરૂપિણી વિદ્યા
સંયુક્ત રાવણને જોઈને

Page 462 of 660
PDF/HTML Page 483 of 681
single page version

background image
૪૬૨ બોત્તેરમું પર્વ પદ્મપુરાણ
ભયભીત થઈ. તે મનમાં વિચારે છે કે આના બળનો પાર નથી તેથી રામ-લક્ષ્મણ પણ
આને નહિ જીતી શકે. હું મંદભાગિની રામ અથવા લક્ષ્મણ અથવા મારા ભાઈ ભામંડળને
હણાયેલો ન સાંભળું. આમ વિચારીને વ્યાકુળ ચિત્તવાળી, કંપતી ચિંતારૂપ બેઠી છે ત્યાં
રાવણ આવ્યો અને કહેવા લાગ્યો કે હે દેવી! મેં પાપીએ તારું કપટથી હરણ કર્યું એ વાત
ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલા ધીરવીરને સર્વથા ઉચિત નથી, પરંતુ કર્મની ગતિ એવી છે,
મોહકર્મ બળવાન છે અને મેં પૂર્વે અનંતવીર્ય સ્વામીની સમીપે વ્રત લીધું હતું કે જે
પરનારી મને ન ઇચ્છે તેને હું નહિ સેવું; ઉર્વશી, રંભા અથવા બીજી કોઈ મનોહર હોય
તો પણ મારે તેનું પ્રયોજન નથી. આ પ્રતિજ્ઞા પાળતાં મેં તારી કૃપાની જ અભિલાષા
કરી, પરંતુ બળાત્કારે રમણ કર્યું નહિ. હે જગતની ઉત્તમ સુંદરી! હવે મારી ભુજાઓથી
ચલાવેલાં બાણોથી તારા આધાર રામ-લક્ષ્મણને ભેદાયેલ જ જાણ અને તું મારી સાથે
પુષ્પક વિમાનમાં બેસી આનંદથી વિહાર કર. સુમેરુના શિખર પર ચૈત્યવૃક્ષ, અનેક વન,
ઉપવન, નદી, સરોવરનું અવલોકન કરતી વિહાર કર. ત્યારે સીતા બેય હાથ કાન પર
મૂકી ગદગદ વાણીથી દીન શબ્દો બોલવા લાગી-હે દશાનન! તું ઊંચા કુળમાં જન્મ્યો છે
તો આટલું કરજે કે કદાચ તારે સંગ્રામમાં મારા વલ્લભ સાથે શસ્ત્રપ્રહાર થાય તો પહેલાં
આ સંદેશો કહ્યા વગર મારા કંથને હણીશ નહિ. એમ કહેજે કે હે પદ્મ! ભામંડળની બહેને
તમને એમ કહ્યું છે કે તમારા વિયોગથી મહાદુઃખના ભારથી હું અત્યંત દુઃખી છું, મારા
પ્રાણ તમારા સુધી જ છે, પવનથી હણાયેલી દીપકની જ્યોત જેવી મારી દશા થઈ છે. હે
રાજા દશરથના પુત્ર! જનકની પુત્રીએ તમને વારંવાર સ્તુતિ કરીને એમ કહ્યું છે કે
તમારાં દર્શનની અભિલાષાથી આ પ્રાણ ટકી રહ્યા છે. આમ કહીને મૂર્ચ્છિત થઈને જેમ
મત્ત હાથીથી ભગ્ન કલ્પવૃક્ષની વેલ તૂટી પડે તેમ ધરતી પર પડી ગઈ. મહાસતીની આ
અવસ્થા જોઈને રાવણનું મન કોમળ થયું, તે ખૂબ દુઃખી થયો, એ ચિંતવવા લાગ્યો અહો,
કર્મોના યોગથી આના સ્નેહનો નિઃસંદેહ ક્ષય થવાનો નથી અને ધિક્કર છે મને કે મેં
અતિ અયોગ્ય કાર્ય કર્યું છે. આવા સ્નેહવાળા યુગલનો વિયોગ કર્યો, પાપાચારી નીચ
મનુષ્ય પેઠે નિષ્કારણ અપયશરૂપ મળથી હું ખરડાયો, શુદ્ધ ચંદ્રમા સમાન અમારા ગોત્રને
મેં મલિન કર્યું. મારા જેવો દુષ્ટ મારા વંશમાં થયો નથી. આવું કાર્ય કોઈએ ન કર્યું તે મેં
કર્યું. જે પુરુષોમાં શ્રેષ્ઠ છે તે સ્ત્રીને તુચ્છ ગણે છે, આ સ્ત્રી સાક્ષાત્ વિષતુલ્ય છે,
કલેશની ઉત્પત્તિનું સ્થાન, સર્પના મસ્તકના મણિસમાન અને મહામોહનું કારણ છે. પ્રથમ
તો સ્ત્રીમાત્ર જ નિષિદ્ધ છે અને પરસ્ત્રીની તો શી વાત? સર્વથા ત્યાજ્ય જ છે. પરસ્ત્રી
નદી સમાન કુટિલ, મહાભયંકર, ધર્મ-અર્થનો નાશ કરનારી, સંતોને સદા ત્યાજ્ય જ છે.
હું મહાપાપની ખાણ, અત્યાર સુધી આ સીતા મને દેવાંગનાથી પણ અતિપ્રિય ભાસતી
હતી તે હવે વિષના કુંભતુલ્ય ભાસે છે. એ તો કેવળ રામ પ્રત્યે જ અનુરાગવાળી છે.
અત્યાર સુધી એ ઇચ્છતી નહોતી, પરંતુ મને અભિલાષા હતી, હવે તે મને જીર્ણ તૃણવત્
ભાસે છે. એ તો ફક્ત રામ સાથે તન્મય છે, મને કદી પણ નહિ મળે.

Page 463 of 660
PDF/HTML Page 484 of 681
single page version

background image
પદ્મપુરાણ બોત્તેરમું પર્વ ૪૬૩
મારો ભાઈ મહાપંડિત વિભીષણ બધું જાણતો હતો, તેણે મને ઘણો સમજાવ્યો, મારું મન
વિકારી થયું હતું તેથી તેનું માન્યું નહિ, તેના પર દ્વેષ કર્યો. જો વિભીષણનાં વચનોથી
મૈત્રીભાવ કર્યો હોત તો સારું હતું. ભયંકર યુદ્ધ થયું, અનેક હણાયા, હવે મિત્રતા કેવી?
આ મૈત્રી સુભટોને યોગ્ય નથી. અને યુદ્ધ કરવું તથા દયા પાળવી એ પણ બને નહિ,
અરે, હું સામાન્ય માણસની જેમ સંકટમાં પડયો છું. જો હું જાનકીને રામની પાસે મોકલી
દઉં તો લોકો મને અસમર્થ ગણશે અને યુદ્ધ કરીશ તો મહાન હિંસા થશે. કોઈ એવા છે,
જેમને દયા નથી, કેવળ ક્રૂરતારૂપ છે, તે પણ કાળક્ષેપ કરે છે અને કોઈ દયાળુ છે, સંસારી
કાર્યરહિત છે, તે સુખપૂર્વક જીવે છે. હું માની યુદ્ધનો અભિલાષી અને કરુણાભાવ વિનાનો
અત્યંત દુઃખી છું. રામને સિંહવાહન તથા લક્ષ્મણને ગરુડવાહન વિદ્યા મળી છે તેનાથી
તેમનો ઉદ્યોત ઘણો છે તેથી જો હું એમને જીવતાં પકડું, શસ્ત્રરહિત કરું અને પછી ઘણું
ધન આપું તો મારી મહાન કીર્તિ થાય, મને પાપ ન લાગે, એ ન્યાય છે, માટે એમ જ
કરું. આમ મનમાં વિચારીને મહાન વૈભવ સંયુક્ત રાવણ રાજ્ય પરિવારમાં ગયો, જેમ
મત્ત હાથી કમળોના વનમાં જાય છે. પછી વિચાર કર્યો કે અંગદે ઘણી અનીતિ કરી છે
તેથી તેને ખૂબ ક્રોધ ચડયો, આંખો લાલ થઈ ગઈ. રાવણ હોઠ કરડતો બોલવા લાગ્યો, તે
પાપી સુગ્રીવ નથી, દુગ્રીવ છે, તેને નિગ્રીવ એટલે મસ્તકરહિત કરીશ, તેના પુત્ર અંગદ
સહિત ચદ્રહાસ ખડ્ગથી બે ટુકડા કરી નાખીશ. તમોમંડળને લોકો ભામંડળ કહે છે તે
અત્યંત દુષ્ટ છે. તેને દ્રઢ બંધનથી બાંધી લોઢાના મુદ્ગરોથી ટીપીને મારીશ. અને
હનુમાનને તીક્ષ્ણ કરવતની ધારથી લાકડાના યુગલમાં બાંધી વેરાવીશ. તે મહાઅનીતિવાન
છે. એક રામ ન્યાયમાર્ગી છે તેને છોડીશ. બીજા બધા અન્યાયમાર્ગી છે, તેમનાં શસ્ત્રોથી
ચૂરા કરી નાખીશ, એમ વિચારતો રાવણ બેઠો, ત્યાં સેંકડો ઉત્પાત થવા લાગ્યા, સૂર્યમંડળ
આયુધ સમાન તીક્ષ્ણ દેખાયું, પૂર્ણમાસનો ચંદ્ર અસ્ત થઈ ગયો, આસન પર ભૂકંપ થયો,
દશે દિશાઓ કંપાયમાન થઈ, ઉલ્કાપાત થયા, શિયાલિની કર્કશ અવાજ કરવા લાગી,
તુરંગો માથું હલાવી વિરસ હણહણાટ કરવા લાગ્યા, હાથી કઠોર અવાજ કરવા લાગ્યા.
સૂંઢથી ધરતી ખોદવા માંડયા, યક્ષોની મૂર્તિની આંખોમાંથી આંસુ ખર્યાં, સૂર્ય સામે કાગડા
કા કા કરવા લાગ્યા, પાંખ ઢીલી કરીને ખૂબ વ્યાકુળ થયા. જળથી ભરેલાં સરોવરો સુકાઈ
ગયાં, પર્વતનાં શિખરો તૂટી પડયાં અને લોહીનો વરસાદ વરસ્યો. લાગતું હતું કે થોડા જ
દિવસોમાં લંકેશ્વરનું મૃત્યુ થશે, આવા અપશુકન બીજા પ્રકારે ન હોય. જ્યારે પુણ્યનો ક્ષય
થાય ત્યારે ઇન્દ્ર પણ બચતો નથી. પુરુષમાં પૌરુષ પુણ્યના ઉદયથી હોય છે. જે કાંઈ મળવાનું
હોય તે જ મળે છે, હીન-અધિક નહિ. પ્રાણીઓની શૂરવીરતા સુકૃતના બળથી હોય છે.
જુઓ, રાવણ નીતિશાસ્ત્રમાં પ્રવીણ, સમસ્ત લૌકિક નીતિરીતિનો જાણકાર,
વ્યાકરણનો અભ્યાસી, ગુણોથી મંડિત તે કર્મોથી પ્રેરાયો થકો અનીતિમાર્ગે ચાલ્યો,
મૂઢબુદ્ધિ થયો. લોકમાં મરણથી વધારે કોઈ દુઃખ નથી તે એણે અત્યંત ગર્વથી વિચાર્યું
નહિ. નક્ષત્રોના બળરહિત અને

Page 464 of 660
PDF/HTML Page 485 of 681
single page version

background image
૪૬૪ તોંતેરમું પર્વ પદ્મપુરાણ
ગ્રહો બધા ક્રૂર આવ્યાં તેથી એ અવિવેકી રણક્ષેત્રનો અભિલાષી થયો. જેને પ્રતાપના
ભંગનો ભય છે અને શૂરવીરતાના રસથી યુક્ત, જોકે તેણે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો
છે તો પણ તે યોગ્ય-અયોગ્યને દેખી શકતો નથી. ગૌતમ સ્વામી કહે છેઃ કે
મગધાધિપતિ! મહામાની રાવણ પોતાના મનમાં જે વિચારે છે તે સાંભળ-સુગ્રીવ
ભામંડળાદિક બધાને જીતી, કુંભકર્ણ ઇન્દ્રજિત મેઘનાદને છોડાવી લંકામાં લાવીશ, પછી
વાનરવંશીઓના વંશનો નાશ કરીશ, ભામંડળનો પરાભવ કરીશ, ભૂમિગોચરીઓને ધરતી
પર રહેવા નહિ દઉં અને શુદ્ધ વિદ્યાધરોને પૃથ્વી પર સ્થાપીશ. ત્યારે ત્રણ લોકના નાથ
તીર્થંકરદેવ, ચક્રવર્તી બળભદ્ર, નારાયણ અમારા જેવા વિદ્યાધરના કુળમાં જ જન્મશે; આમ
વૃથા વિચાર કરતો હતો. હે મગધેશ્વર! જે માણસે જેવાં કર્મનો સંચય કર્યો હોય તેવું જ
ફળ તે ભોગવે છે. એમ ન હોય તો શાસ્ત્રના અભ્યાસીઓ કેમ ભૂલ કરે? શાસ્ત્ર છે તે
સૂર્ય સમાન છે. તેનો પ્રકાશ થતાં અંધકાર કેવી રીતે રહે? પરંતુ જે ઘુવડ જેવા મનુષ્યો
છે તેમને પ્રકાશ મળતો નથી.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણના યુદ્ધના નિશ્ચયનું વર્ણન
કરનાર બોત્તેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
તોંતેરમું પર્વ
(મંદોદરીની યુદ્ધ કરવાની મના છતાં રાવણની હઠ ન છોડવી)
બીજે દિવસે સવારમાં જ રાવણ મહાદેદીપ્યમાન આસ્થાન મંડપમાં આવ્યો. સૂર્યનો
ઉદય થતાં જ સભામાં કુબેર, વરુણ, ઈશાન, યમ, સોમ સમાન મોટા મોટા રાજાઓ વડે
સેવ્ય, જેમ દેવોથી મંડિત ઇન્દ્ર બિરાજે તેમ રાજાઓથી મંડિત સિંહાસન પર રાવણ
બિરાજ્યો. અત્યંત કાંતિમાન, જેમ ગ્રહ-તારા-નક્ષત્રોથી યુક્ત ચંદ્રમા શોભે તેમ. અત્યંત
સુગંધી મનોજ્ઞ વસ્ત્ર, પુષ્પમાળા અને ગજમોતીના હારથી જેનું ઉપસ્થળ શોભે છે,
મહાસૌભાગ્યરૂપ સૌમ્યદર્શન સભાને જોઈને વિચારવા લાગ્યો કે ભાઈ કુંભકર્ણ, ઇન્દ્રજિત,
મેઘનાદ અહીં નથી દેખાતા, તેમના વિના આ સભા શોભતી નથી, બીજા કુમુદરૂપ પુરુષો
ઘણા છે, પણ તે પુરુષો કમળરૂપ નથી. જોકે રાવણ સુંદર શરીરવાળો હતો, તેનાં નેત્રકમળ
ખીલેલાં હતાં, તો પણ પુત્ર અને ભાઈની ચિંતાથી તેનું મુખ કરમાયેલું લાગતું હતું.
અત્યંત ક્રોધરૂપ જેની ભૃકુટિ વાંકી થઈ છે. જાણે ક્રોધનો ભરેલો આશીવિષ સર્પ જ છે, તે
હોઠને કરડતો વિકરાળ સ્વરૂપ જોઈને મંત્રીઓ ડર્યા. આજ કેમ આવો કોપ થયો છે એની
વ્યાકુળતા થઈ. ત્યારે હાથ જોડી, જમીન પર મસ્તક અડાડી રાજા મય, ઉગ્ર, શુક્ર, લોકાક્ષ,
સારણ ઈત્યાદિ જમીન તરફ જોતાં, જેમનાં કુંડળ હાલે છે, વિનંતી કરવા લાગ્યાઃ હે નાથ!
તમારી પાસે રહેલા બધા જ યોદ્ધા પ્રાર્થના કરે છે કી આપ પ્રસન્ન

Page 465 of 660
PDF/HTML Page 486 of 681
single page version

background image
પદ્મપુરાણ તોત્તેરમું પર્વ ૪૬પ
થાવ. અને તે વખતે કૈલાસના શિખર સમાન ઊંચા મહેલના મણિઓના ઝરૂખામાં બેઠેલી
બધી રાણીઓ સહિત મંદોદરી તેને જોવા લાગી. લાલ નેત્ર, પ્રતાપથી ભરેલ તેને જોઈને
સૌનાં મન મોહિત થયાં. રાવણ ઊઠીને આયુધશાળામાં ગયો, જ્યાં અનેક દિવ્ય શસ્ત્ર
અને સામાન્ય શસ્ત્રો ભર્યાં છે; અમોઘ બાણ, ચક્રાદિક અને અમોઘ રત્નોથી ભરેલી
વજ્રશાળામાં જાણે ઇન્દ્ર ગયો. જે સમયે રાવણ આયુધશાળામાં ગયો તે સમયે અપશુકન
થયાં, છીંક આવી. શુકનશાસ્ત્ર પ્રમાણે પૂર્વ દિશા તરફ છીંક આવે તો મૃત્યુ, અગ્નિકોણમાં
શોક, દક્ષિણમાં હાનિ, નૈઋત્યમાં શુભ, પશ્ચિમમાં મિષ્ટ આહાર, વાયુકોણમાં સર્વ સંપદા,
ઉત્તરમાં કલહ, ઈશાનમાં ધનપ્રાપ્તિ, આકાશમાં સર્વ સંહાર, પાતાળમાં સર્વ સંપદા, આ
દશે દિશાઓમાં છીંકનાં ફળ કહ્યાં છે. રાવણને મૃત્યુની છીંક આવી. આગળ માર્ગ રોકતો
મોટો નાગ જોયો અને હા, હી, ધિક્, ક્યાં જાય છે-એવાં વચનો સંભળાયાં. પવનથી
છત્રના વૈડૂર્યમણિનો દંડ ભાંગી ગયો, ઉત્તરાસન પડી ગયું, જમણી બાજુએ કાગડો બોલ્યો
ઈત્યાદિ બીજાં પણ અપશુકન થયાં, તે યુદ્ધથી રોકવા લાગ્યાં, વચનથી-કર્મથી રોકવા
લાગ્યાં. જે નાના પ્રકારનાં શુકનશાસ્ત્રમાં પ્રવીણ પુરુષો હતા તે અત્યંત વ્યાકુળ થયા.
મંદોદરી શુક્ર, સારણ ઇત્યાદિ મોટા મોટા મંત્રીઓને બોલાવી કહેવા લાગીઃ તમે સ્વામીને
હિતની વાત કેમ નથી કહેતા? અત્યાર સુધી શું આપણી અને તેમની ચેષ્ટા નથી જોઈ?
કુંભકર્ણ, ઇન્દ્રજિત અને મેઘનાદ જેવા બંધનમાં પડયા છે તે લોકપાલ સમાન તેજસ્વી
અદ્ભુત કાર્ય કરનારા હતા. ત્યારે નમસ્કાર કરીને મંત્રીઓ મંદોદરીને કહેવા લાગ્યાઃ હે
સ્વામિની! રાવણ અતિઅભિમાની, યમરાજ જેવો ક્રૂર પોતે જ પ્રધાન છે, આ લોકમાં
એવો બીજો કોઈ નથી, જેવું વચન રાવણ માને, જે હોનહાર હોય છે તે પ્રમાણે બુદ્ધિ
ઊપજે છે, બુદ્ધિ કર્માનુસારિણી છે, તે ઇન્દ્રાદિ કે દેવોથીય બીજી રીતે થતી નથી. તમારા
પતિ બધાં ન્યાયશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર જાણે છે, પરંતુ મોહથી ઉન્મત્ત થયા છે. અમે અનેક
પ્રકારે કહ્યું તે કોઈ રીતે માનતા નથી, જે હઠ પકડી છે તે છોડતા નથી, જેમ વર્ષાકાળના
સમાગમમાં મોટા પ્રવાહવાળી નદીને પાર કરવી કઠણ છે તેમ કર્મથી પ્રેરાયેલા જીવને
સંબોધન કરવું કઠણ છે. જોકે સ્વામીનો સ્વભાવ દુર્નિવાર છે તો પણ તમારું કહ્યું તો
કરશે, માટે તમે હિતની વાત કહો, એમાં દોષ નથી. મંત્રીઓએ આમ કહ્યું ત્યારે પટરાણી,
સાક્ષાત્, લક્ષ્મી સમાન નિર્મળ જેનું ચિત્ત છે, તે કંપાયમાન પતિની સમીપ જવા તૈયાર
થઈ. નિર્મળ જળ સમાન વસ્ત્ર પહેરી, રતિ કામની સમીપે જાય તેમ ચાલી. તેના શિર
પર છત્ર ફરે છે, અનેક સાહેલીઓ ચામર ઢોળે છે, જેમ અનેક દેવીઓ સાથે ઇન્દ્રાણી ઇન્દ્ર
પાસે જાય તેમ આ સુંદર વદનવાળી પતિ પાસે ગઈ. નિશ્વાસ નાખતી, પગ કંપતાં જેની
કટિમેખલા શિથિલ થઈ ગઈ છે, ભરતારના કાર્યમાં સાવધાન, અનુરાગથી ભરેલી તેની
સ્નેહદ્રષ્ટિથી જોવા લાગી. જેનું ચિત્ત શસ્ત્રોમાં અને બખ્તરમાં છે તે આદરથી સ્પર્શે છે. તે
મંદોદરીને કહે છે, હે મનોહરે! હંસ સમાન ગતિવાળી દેવી! એવું શું કામ છે કે તમે
શીઘ્રતાથી આવો છો. હે પ્રિય! સ્વપ્નના નિધાનની પેઠે મારું મન શા માટે હરો છો? ત્યારે

Page 466 of 660
PDF/HTML Page 487 of 681
single page version

background image
૪૬૬ તોત્તેરમું પર્વ પદ્મપુરાણ
તે પતિવ્રતા, પૂર્ણ ચંદ્રમા મુખવાળી, ઉત્તમ ચેષ્ટા ધરનારી, પતિ તરફ મનોહર કટાક્ષ બાણ
ફેંકનારી, અત્યંત વિચક્ષણ, જેના અંગમાં મદનનો નિવાસ છે, મધુર જેનાં વચનો છે,
સ્વર્ણકુંભ સમાન સ્તન, દાડમનાં બીજ જેવા દાંત, માણેક જેવા લાલ અધરવાળી તે નાથને
પ્રણામ કરીને કહેવા લાગી કે હે દેવ! મને ભરતારની ભિક્ષા આપો. આપ દયાળું,
ધર્માત્માઓ પ્રત્યે સ્નેહવાળા, હું તમારા વિયોગરૂપ નદીમાં ડૂબું છું તેથી મહારાજ મને
બહાર કાઢો. આ નદી દુઃખરૂપ જળથી ભરેલી છે, સંકલ્પ-વિકલ્પરૂપ લહેરોથી પૂર્ણ છે. હે
મહાબુદ્ધે! કુટુંબરૂપ આકાશમાં સૂર્ય સમાન પ્રકાશ કરનાર, મારી એક વિનંતી સાંભળો-
તમારા કુળરૂપ કમળોનું વન અત્યંત વિશાળ છે તે પ્રલય પામતું જાય છે તેને કેમ રાખતા
નથી? હે પ્રભો! તમે મને પટરાણીનું પદ આપ્યું હતું તો મારાં કઠોર વચનોને ક્ષમા કરો.
જે આપના હિત કરનાર છે તેમનાં વચન ઔષધ સમાન ગ્રાહ્ય છે, પરિણામ સુખદાયક
વિરોધરહિત સ્વભાવરૂપ આનંદકારી છે. હું એમ કહું છું કે તમે શા માટે સંદેહના
ત્રાજવામાં બેસો છો? આ ત્રાજવું બેસવા જેવું નથી, આપ શા માટે સંતાપ કરો છો અને
અમને બધાને સંતાપ કરાવો છો? હજી શું બગડી ગયું છે? તમારું બધું રાજ્ય, તમે
આખી પૃથ્વીના સ્વામી છો અને તમારા ભાઈ, પુત્રોને બોલાવી લ્યો. તમે તમારા ચિત્તને
કુમાર્ગેથી રોકો. તમારું મન વશ કરો, તમારો મનોરથ અત્યંત અકાર્યમાં પ્રવર્તે છે તે
ઇન્દ્રિયરૂપ ચંચળ અશ્વોને વિવેકની દ્રઢ લગામથી વશ કરો, ઇન્દ્રિયો માટે મનને કુમાર્ગમાં
કોણ લઈ જાય? તમે અપવાદરૂપ-કલંકરૂપ ઉદ્યમમાં શા માટે પ્રવર્તો છો? જેમ અષ્ટાપદ
પોતાનો પડછાયો કૂવામાં જોઈને ક્રોધથી કૂવામાં પડે તેમ તમે પોતે જ કલેશ ઉત્પન્ન
કરીને આપદામાં પડો છો. આ કલેશનું કારણ એવું અપયશરૂપ વૃક્ષ, તેને તજીને સુખેથી
રહો, કેળના થાંભલા સમાન અસાર આ વિષયને શા માટે ચાહો છો? આ તમારું કુળ
સમુદ્ર સમાન ગંભીર અને પ્રશંસા યોગ્ય છે તેને શોભાવો. આ ભૂમિગોચરીની સ્ત્રી ઊંચા
કુળવાનને માટે અગ્નિની શિખા સમાન છે, તેને તજો. હે સ્વામી! જે સામંત, સામંત સામે
યુદ્ધ કરે છે તે મનમાં એવો નિર્ણય કરે છે કે અમે સ્વામી માટે મરીશું. હે નાથ! તમે
કોના અર્થે મરો છો? પારકી સ્ત્રીને માટે શું મરવાનું? એ મરણમાં યશ નથી અને તેમને
મારીને તમારી જીત થાય તો પણ યશ નથી, ક્ષત્રિય મરે છે યશને અર્થે માટે સીતા
સંબંધી હઠ છોડો. અને જે મોટાં મોટાં વ્રત છે તેમના મહિમાની તો શી વાત કરવી, પણ
એક આ પરસ્ત્રીનો પરિત્યાગ જ પુરુષને હોય તો બેય જન્મ સુધરે, શીલવાન પુરુષ
ભવસાગર તરે. જે સર્વથા સ્ત્રીનો ત્યાગ કરે તે તો શ્રેષ્ઠ જ છે. કાજળ સમાન કાલિમા
ઉત્પન્ન કરનારી આ પરનારીમાં જે લોલુપી હોય તેનામાં બીજા મેરુ જેટલાં ગુણ હોય તો
પણ તૃણ સમાન લઘુ થઈ જાય છે. જે ચક્રવર્તીનો પુત્ર હોય અને દેવ જેના પક્ષમાં હોય
જો તે પરસ્ત્રીના સંગરૂપ કીચડમાં ડૂબે તો મોટો અપયશ પામે. જે મૂઢમતિ પરસ્ત્રી પ્રત્યે
રતિ કરે છે તે પાપી આશીવિષ નાગણ સાથે રમે છે. તમારું કુળ અત્યંત નિર્મળ છે તેને
અપયશથી મલિન ન કરો, કુબુદ્ધિ તજો. જે ખૂબ બળવાન હતા અને

Page 467 of 660
PDF/HTML Page 488 of 681
single page version

background image
પદ્મપુરાણ તોત્તેરમું પર્વ ૪૬૭
બીજાઓને નિર્બળ જાણતા તે અર્કકીર્તિ, અશનઘોષાદિ અનેક નાશ પામ્યા છે. હે સુમુખ!
તમે શું તે સાંભળ્‌યું નથી! મંદોદરીનાં આ વચન સાંભળી કમળનયન રાવણે મલયાગિરિ
ચંદનના લેપવાળી મંદોદરીને કહ્યું, હે કાંતે! તું કેમ કાયર થઈ છે? હું જયકુમારથી
હારનાર અર્કકીર્તિ નથી અને અમિતતેજથી હારનાર અશનઘોષ નથી અને બીજો પણ
નથી. હું દશમુખ છું, તું શા માટે કાયરતાની વાત કરે છે? હું શત્રુરૂપ વૃક્ષોનો દાવાનળ
છું, સીતા કદાપિ નહિ દઉં. હે મંદબુદ્ધિ! તું ભય ન રાખ. આ વાત કહીને તારે શું છે?
તને સીતાની રક્ષા સોંપી છે તે રક્ષા સારી રીતે કર. અને જો રક્ષા કરવાને સમર્થ ન હો
તો શીઘ્ર મને સોંપી દે. ત્યારે મંદોદરી બોલી કે તમે તેની પાસેથી રતિસુખ ઇચ્છો છો તેથી
એમ કહો છો કે મને સોંપી દે. તો આ નિર્લજ્જતાની વાત કુળવાનોને યોગ્ય નથી. તમે
સીતામાં શું માહાત્મ્ય જોયું કે તેને વારંવાર વાંછો છો? તે એવી ગુણવંતી નથી, જ્ઞાતા
નથી, રૂપવાનોનું તિલક નથી, કળામાં પ્રવીણ નથી, મનમોહન નથી, પતિના છંદ પર
ચાલનારી નથી, તેની સાથે રતિની બુદ્ધિ કરો છો. તો હે કાંત! આ શી વાત છે? તમારી
લઘુતા થાય છે તે તમે જાણતા નથી. હું મારા મોઢે મારા વખાણ શું કરું? પોતાના મુખે
પોતાનાં ગુણો કહેવાથી ગુણોની ગૌણતા થાય છે અને બીજાના મોઢે સાંભળવાથી પ્રશંસા
થાય છે તેથી હું શું કહું? તમે બધું સારી રીતે જાણો છો. વિચારો, સીતા શું છે? લક્ષ્મી
પણ મારા તુલ્ય નથી, માટે સીતાની અભિલાષા છોડો, મારો અનાદર કરીને તમે
ભૂમિગોચરી સ્ત્રીને ઇચ્છો છો તેથી મંદમતિ છો, જેમ બાળકબુદ્ધિ હોય તે વૈડૂર્યમણિને
તજીને કાચને ઇચ્છે છે. તેનું કાંઈ દિવ્યરૂપ નથી, તમારા મનમાં કેમ રુચી છે? એ
ગ્રામ્યજનની સ્ત્રી સમાન અલ્પમતિ છે, તેની શી અભિલાષા? અને મને આજ્ઞા કરો તેવું
રૂપ હું ધારણ કરું, તમારું ચિત્ત હરનારી હું લક્ષ્મીનું રૂપ ધરું. અને આજ્ઞા કરો તો શચિ
ઇન્દ્રાણીનું રૂપ ધરું, કહો તો રતિનું રૂપ ધરું, હે દેવ! તમે ઇચ્છા કરો તે રૂપ હું ધરું.
મંદોદરીની આ વાત સાંભળીને રાવણે મુખ નીચું કર્યું. તે લજ્જા પામ્યો. વળી મંદોદરીએ
કહ્યું, તમે પરસ્ત્રીમાં આસક્ત થઈને તમારા આત્માની લઘુતા કરી છે. જેને વિષયરૂપ
આમિષની આસક્તિ છે તે પાપનું ભાજન છે, ધિક્કાર છે એવી ક્ષુદ્ર ચેષ્ટાને!
આ વચન સાંભળી રાવણે મંદોદરીને કહ્યું કે હે ચંદ્રવદની! કમળલોચને! તેં એમ
કહ્યું કે જે કહો તેવું રૂપ ધારણ કરું. તો બીજાના રૂપ કરતાં તારું રૂપ ક્યાં ઊતરતું છે?
તારું પોતાનું રૂપ જ મને અતિપ્રિય છે. હે ઉત્તમે! મારે અન્ય સ્ત્રીઓથી શું? ત્યારે
ચિત્તમાં હર્ષ પામી તે બોલી, હે દેવ! સૂર્યને દીપકનો પ્રકાશ શું બતાવવો? મેં આપને જે
હિતનાં વચનો કહ્યાં તે બીજાને પૂછી જુઓ, હું સ્ત્રી છું, મારામાં એવી બુદ્ધિ નથી.
શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વામી બધા જ નય જાણે છે. પરંતુ દૈવયોગથી પ્રમાદરૂપ થયા હોય
તો જે હિતેચ્છક હોય તે સમજાવે જેમ વિષ્ણુકુમાર મુનિને વિક્રિયાઋદ્ધિનું વિસ્મરણ થયું
તો બીજાના કહેવાથી જાણ્યું. આ પુરુષ અને આ સ્ત્રી, એવો વિકલ્પ મંદબુદ્ધિવાળાને હોય
છે, જે બુદ્ધિમાન છે તે હિતકારી વચન બધાનું

Page 468 of 660
PDF/HTML Page 489 of 681
single page version

background image
૪૬૮ તોત્તેરમું પર્વ પદ્મપુરાણ
માની લે. આપનો મારા ઉપર કૃપાભાવ છે તો હું કહું છું. તમે પરસ્ત્રીનો પ્રેમ તજો. હું
જાનકીને લઈને રામ પાસે જાઉં અને રામને તમારી પાસે લાવું તથા કુંભકર્ણ, ઇન્દ્રજિત,
મેઘનાદને પણ લાવું. અનેક જીવોની હિંસાથી શો લાભ? મંદોદરીએ આમ કહ્યું ત્યારે
રાવણે અત્યંત ક્રોધથી કહ્યું, શીઘ્ર ચાલી જા, જ્યાં તારું મુખ હું ન જોઉં ત્યાં ચાલી જા.
અરે! તું તને વૃથાપંડિત માને છે. પોતાની ઉચ્ચતા તજી સામા પક્ષની પ્રશંસા કરતી તું
દીન ચિત્તવાળી છે. યોદ્ધાઓની માતા, તારા ઇન્દ્રજિત અને મેઘનાદ જેવા પુત્રો અને મારી
પટરાણી, રાજા મયની પુત્રી એવી તારામાં આટલી કાયરતા ક્યાંથી આવી? ત્યારે મંદોદરી
બોલી, હે પતિ! સાંભળો, જ્ઞાનીઓના મુખે બળભદ્ર, નારાયણ, પ્રતિનારાયણના જન્મની
વાત આપણે સાંભળીને છીએ. પહેલા બળભદ્ર વિજય, નારાયણ, ત્રિપૃષ્ઠ, પ્રતિનારાયણ,
અશ્વગ્રીવ; બીજા બળભદ્ર અચળ, નારાયણ દ્વિપૃષ્ટ, પ્રતિનારાયણ તારક-એ પ્રમાણે
અત્યાર સુધીમાં સાત બળભદ્ર નારાયણ થઈ ગયા છે અને એમના શત્રુ પ્રતિનારાયણને
એમણે હણ્યા છે. હવે તમારા સમયમાં આ બળભદ્ર નારાયણ થયા છે અને તમે
પ્રતિવાસુદેવ છો. આગળ પ્રતિવાસુદેવ હઠ કરીને હણાઈ ગયા છે તેમ તમે નાશ ઇચ્છો
છો. જે બુદ્ધિમાન છે તેમણે એ જ કાર્ય કરવું જોઈએ જે આ લોક અને પરલોકમાં સુખ
આપે અને જેનાથી દુઃખના અંકુરની ઉત્પત્તિ ન થાય. આ જીવ ચિરકાળ સુધી વિષયથી
તૃપ્ત થયો નથી, ત્રણ લોકમાં એવો કોણ છે જે વિષયોથી તૃપ્ત હોય. તમે પાપથી મોહિત
થયા છો તે વૃથા છે. અને ઉચિત તો એ છે કે તમે ઘણા કાળ સુધી ભોગ ભોગવ્યા છે.
હવે મુનિવ્રત ધારણ કરો અથવા શ્રાવકનાં વ્રત લઈ દુઃખનો નાશ કરો. અણુવ્રતરૂપ
ખડ્ગથી જેનું અંગ દીપ્ત છે, નિયમરૂપ છત્રથી શોભિત, સમ્યગ્દર્શનરૂપ બખ્તર પહેરી,
શીલરૂપ ધ્વજ ફરકાવતાં, અનિત્યાદિ બાર ભાવનારૂપ ચંદનથી જેનું અંગ લિપ્ત છે અને
જ્ઞાનરૂપ ધનુષ ધારણ કરી, ઇન્દ્રિયરૂપ સેનાને વશ કરી, શુભ ધ્યાન અને પ્રતાપથી યુક્ત,
મર્યાદારૂપ અંકુશ સહિત, નિશ્ચળતારૂપ હાથ પર ચઢી, જિનભક્તિરૂપ ભક્તિ જેણે કરી છે
એવા, દુર્ગતિરૂપ નદી જેમાં મહાકુટિલ પાપરૂપ વેગનું જળ વહે છે, અતિ દુસ્સહ છે તે
પંડિતો તરે છે, તમે પણ તેને તરી સુખી થાવ. હિમવાન સુમેરુ પર્વત પરનાં જિનાલયોની
પૂજા કરતાં મારી સાથે અઢી દ્વીપમાં વિહાર કરો અને અઢાર હજાર સ્ત્રીઓ સાથે સુમેરુ
પર્વતના વનમાં ક્રીડા કરો, ગંગાના તટ પર ક્રીડા કરો, બીજા પણ મનવાંછિત પ્રદેશોમાં,
રમણીય ક્ષેત્રોમાં હે નરેન્દ્ર! સુખેથી વિહરો, આ યુદ્ધનું કાંઈ પ્રયોજન નથી, પ્રસન્ન થાવ,
મારું વચન સર્વથા સુખનું કારણ છે, આ લોકાપવાદ ન કરાવો. અપયશરૂપ સમુદ્રમાં શા
માટે ડૂબો છો? આ અપવાદ વિષતુલ્ય, મહાનિંદ્ય, પરમ અનર્થનું કારણ છે, ભલું નથી.
દુર્જનો સહજમાંય પરનિંદા કરે છે તો આવી વાત સાંભળીને તો કરશે જ. આ પ્રમાણે
શુભ વચન કહી તે મહાસતી હાથ જોડી, પતિનું પરમહિત ઈચ્છતી પતિના પગમાં પડી.
ત્યારે રાવણે મંદોદરીને ઊઠાડીને કહ્યું-તું નિષ્કારણ કેમ ભય પામે છે?
સુંદરવદની! મારાથી ચડિયાતું આ સંસારમાં કોઈ નથી. તું આ સ્ત્રી પર્યાયના સ્વભાવથી
નકામી શા માટે

Page 469 of 660
PDF/HTML Page 490 of 681
single page version

background image
પદ્મપુરાણ તોત્તેરમું પર્વ ૪૬૯
ભય રાખે છે? તેં કહ્યું કે એ બળદેવ, નારાયણ છે, પણ નામ નારાયણ અને નામ
બળદેવ થયું તેથી શું? નામ રાખ્યે કાર્યની સિદ્ધિ નથી, નામ સિંહ પડયું તો શું થઈ ગયું?
સિંહનું પરાક્રમ બતાવે તો સિંહ ગણાય. કોઈ માણસે પોતાનું નામ સિદ્ધ પાડયું તો શું તે
સિદ્ધ થઈ જાય? હે કાંતે! તું કાયરતાની કેમ વાત કરે છે? રથનુપુરનો રાજા ઇન્દ્ર
કહેવડાવતો હતો તો શું ઇન્દ્ર થઈ ગયો? તેમ આ પણ નારાયણ નથી. આ પ્રમાણે
પ્રતિનારાયણ રાવણે એવાં પ્રબળ વચનો સ્ત્રીને કહ્યાં અને મંદોદરી સહિત ક્રીડા ભવનમાં
ગયો, જેમ ઇન્દ્ર ઇન્દ્રાણી સાથે ક્રીડાગૃહમાં જાય. સાંજે સંધ્યા ખીલી, અસ્ત પામતો સૂર્ય
કિરણ સંકોચવા લાગ્યો, જેમ સંયમી કષાયોને સંકોચે. સૂર્ય લાલ થઈ અશક્ત બન્યો,
કોમળો બિડાઈ ગયા, ચકવા-ચકવી વિયોગના ભયથી દીન વચન રટવા લાગ્યા, જાણે કે
સૂર્યને બોલાવતા હોય અને સૂર્ય અસ્ત થતાં ગ્રહ-નક્ષત્રોની સેના આકાશમાં વિસ્તરી
જાણે કે ચંદ્રમાએ મોકલી. રાત્રિના સમયે રત્નદીપોનો પ્રકાશ થયો, દીપના પ્રકાશથી
લંકાનગરી જાણે સુમેરુની શિખા જ હોય એવી શોભતી હતી. કોઈ વલ્લભા વલ્લભને
મળીને એમ કહેતી કે એક રાત્રિ તો તમારી સાથે વિતાવીશું, પછી જોઈએ કે શું થાય છે?
કોઈ પ્રિયા જુદા જુદા પ્રકારનાં પુષ્પોની સુગંધથી ઉન્મત્ત થઈ સ્વામીના અંગ પર જાણે કે
કોમળ પુષ્પોની વૃષ્ટિ જ થઈ. કોઈ નારી કમળતુલ્ય ચરણ અને કઠણ સ્તનવાળી અને
સુંદર શરીરની ધારક સુંદર પતિની સમીપે ગઈ. કોઈ સુંદરી આભૂષણો પહેરતી જાણે કે
સુવર્ણ રત્નોને કૃતાર્થ કરતી હોય તેવી શોભતી હતી.
ભાવાર્થ– તેના જેવો પ્રકાશ રત્નોમાં અને સુવર્ણમાં નહોતો. રાત્રિના સમયમાં
વિદ્યાધરો વિદ્યા વડે મનવાંછિત ક્રીડા કરવા લાગ્યા. ધીરે ધીરે ભોગભૂમિ જેવી રચના થઈ
ગઈ. સુંદર ગીત અને વીણા-બંસરીના શબ્દોથી લંકા જાણે વાર્તાલાપ કરતી હોય તેવી
હર્ષિત બની. તાંબૂલ, સુગંધ, માળાદિક ભોગ અને સ્ત્રી આદિ ઉપભોગથી લોકો દેવોની
જેમ રમ્યા. કેટલીક સ્ત્રીઓ પોતાના મુખનું પ્રતિબિંબ રત્નોની ભીંતમાં જોઈને માનવા
લાગી કે બીજી કોઈ સ્ત્રી મકાનમાં આવી છે તેથી ઇર્ષાથી પતિને નીલકમળનો પ્રહાર
કરવા લાગી. સ્ત્રીઓનાં મુખની-સુંગધથી સુવાસ ફેલાઈ ગઈ અને બરફના યોગથી
સ્ત્રીઓનાં નેત્ર લાલ થઈ ગયાં. કોઈ નાયિકા નવોઢા હતી તેને પ્રીતમે નશો થાય તેવી
વસ્તુ ખવડાવી ઉન્મત્ત કરી મૂકી તેથી તે કામક્રીડામાં પ્રવીણ પ્રૌઢત્વ પામી, લજ્જારૂપ
સખીને દૂર કરી ઉન્મત્તતારૂપ સખીએ તેને ક્રીડામાં અત્યંત તત્પર કરી, જેનાં નેત્ર ફરવા
લાગ્યાં અને વચન સ્ખલિત થયાં, સ્ત્રીપુરુષની ચેષ્ટા ઉન્મત્તપણે કરીને વિકટરૂપ થઈ ગઈ.
પુરુષ અને સ્ત્રીના અધર મૂંગા સમાન (લાલ) શોભવા લાગ્યા, નરનારી મદોન્મત્ત થયાં
તે ન બોલવાની વાત બોલવા લાગ્યાં અને ન કરવાની વાત કરવા લાગ્યાં, લજ્જા છૂટી
ગઈ, ચંદ્રમાના ઉદયથી કામની વૃદ્ધિ થઈ. એવું જ એમનું યૌવન હતું, એવા જ સુંદર
મહેલો અને એવા જ અમલના જોરથી બધાં જ ઉન્મત્ત ચેષ્ટાનાં કારણો આવી મળ્‌યાં,
આવી રાત્રે સવારમાં જેમને યુદ્ધમાં જવાનું છે તે સંભોગનો યોગ ઉત્સવરૂપ થઈ ગયો.
રાક્ષસોનો ઇન્દ્ર,

Page 470 of 660
PDF/HTML Page 491 of 681
single page version

background image
૪૭૦ તોત્તેરમું પર્વ પદ્મપુરાણ
જેની ચેષ્ટા સુંદર છે તે આખાય રાજપરિવારને રમાડવા લાગ્યો. વારંવાર મંદોદરી પ્રત્યે
સ્નેહ બતાવવા લાગ્યો. તેના વદનરૂપ ચંદ્રને નીરખતાં રાવણનાં લોચન તૃપ્ત ન થયાં.
મંદોદરી રાવણને કહેતી હતી કે હું એક ક્ષણમાત્ર પણ તમને છોડીશ નહિ. હે મનોહર!
સદાય તમારી સાથે જ રહીશ, જેમ વેલીઓ બાહુબલીનાં સર્વ અંગે વીંટળાઈ વળી હતી
તેમ વળગી રહીશ. આપ યુદ્ધમાં વિજય મેળવીને જલદી આવો, હું રત્નોના ચૂર્ણથી ચોક
પૂરીશ અને તમારાં ચરણ ધોઈ અર્ધ્ય આપીશ, પ્રભુની મોટી પૂજા કરાવીશ. પ્રેમથી તેનું
ચિત્ત કાયર છે, અત્યંત પ્રેમનાં વચનો કહેતાં કહેતાં રાત્રિ પૂરી થઈ ગઈ. કૂકડા બોલ્યા,
નક્ષત્રોનું તેજ ઘટી ગયું, સંધ્યાલાલ થઈ, ભગવાનનાં ચૈત્યાલયોમાં મનોહર ગીતધ્વનિ
થવા લાગ્યો, સૂર્ય ઉદય સન્મુખ થયો, સર્વ દિશાઓમાં ઉદ્યોત કરતો, પ્રલયકાળના
અગ્નિમંડળ સમાન આકાર પ્રભાતસમયે તેણે ધારણ કર્યો. ત્યારે બધી રાણીઓ પતિને
છોડતી ઉદાસ થવા લાગી. રાવણે સૌને આશ્વાસન આપ્યું, ગંભીર વાજિંત્રો વાગ્યાં,
શંખધ્વનિ થયા, રાવણની આજ્ઞાથી યુદ્ધમાં વિચક્ષણ સુભટો અહંકાર ધરતા અત્યંત ઉદ્ધત
હર્ષભર્યા નગરમાંથી નીકળ્‌યા. હાથી, રથ કે તુરંગ પર ચડયા, ખડ્ગ, ધનુષ, ગદા, બરછી
ઇત્યાદિ અનેક આયુધો ધારણ કરી, જેમના ઉપર ચામર ઢોળાતા, છત્ર ફરતા, એવા દેવ
જેવા સ્વરૂપવાન વિદ્યાધરોના અધિપતિ યોદ્ધાઓ, શીઘ્ર કાર્ય કરનારા, શ્રેષ્ઠ ઋદ્ધિના ધારક
યુદ્ધ માટે તૈયાર થયા. તે દિવસે નગરની કમળનયની સ્ત્રીઓ કરુણાભાવથી દુઃખરૂપ થઈ
જેમને જોતાં દુર્જનનું ચિત્ત પણ દયાળુ થાય. કેટલાક સુભટો ઘરમાંથી યુદ્ધ માટે નીકળ્‌યા
અને સ્ત્રીઓ સાથે આવવા લાગી તેને કહેવા લાગ્યા, હે મુગ્ધે! ઘેર જાવ, અમે
આનંદપૂર્વક જઈએ છીએ. કોઈ સ્ત્રીના પતિ ચાલ્યા જાય છે તેમની પાછળ જઈ કહેતી
હતી કે હે કંથ! તમારું ઉત્તરાસન લ્યો, ત્યારે પતિ સામે આવી લેવા લાગ્યા. કેવી છે
મૃગનયનીઓ? જેને પતિનાં મુખ જોવાની લાલસા છે. કેટલીક પ્રાણવલ્લભા પતિને
દ્રષ્ટિથી અદ્રશ્ય થતા જોઈ સખીઓ સહિત મૂર્ચ્છા ખાઈને પડી. કેટલીક પતિ પાસેથી પાછી
આવી મૌન બની શય્યામાં પડી, જાણે કે લાકડાની પૂતળી જ છે. કેટલાક શૂરવીરો
શ્રાવકવ્રતના ધારક પીઠ પાછળ પોતાની સ્ત્રીને જોવા લાગ્યા અને આગળ દેવાંગનાઓને
દેખવા લાગ્યા. જે સામંત અણુવ્રતના ધારક છે તે દેવલોકના અધિકારી છે. અને જે
સામંતો પહેલાં પૂર્ણિમાના ચંદ્રસમાન સૌમ્ય વદનવાળા હતા તે યુદ્ધનું આગમન થતાં
કાળસમાન ક્રૂર આકારવાળા થઈ ગયા. શિર પર ટોપ મૂકી, બખ્તર પહેરી, શસ્ત્ર લઈ
તેજસ્વી જણાવા લાગ્યા.
પછી ચતુરંગ સેના સાથે ધનુષ, છત્રાદિક પૂર્ણ મહાતેજસ્વી મારીચ યુદ્ધનો
અભિલાષી આવ્યો, પછી વિમળચંદ્ર આવ્યો અને સુનંદ, આનંદ, નંદ ઇત્યાદિ હજારો રાજા
આવ્યા. તે વિદ્યાથી નિર્માયિત દિવ્ય રથ પર ચડયા. અગ્નિ જેવી પ્રભાવાળા જાણે કે
અગ્નિકુમાર દેવ જ છે. કેટલાક તીક્ષ્ણ શસ્ત્રોથી સંપૂર્ણ હિમવાન પર્વત સમાન હાથી પર
સર્વ દિશાઓને આચ્છાદતા આવ્યા જેમ વીજળી સાથે મેઘમાળા આવે. કેટલાક શ્રેષ્ઠતુરંગો
પર ચડી, પાંચેય હથિયારો સહિત તરત

Page 471 of 660
PDF/HTML Page 492 of 681
single page version

background image
પદ્મપુરાણ ચુંમોતેરમું પર્વ ૪૭૧
જ જ્યોતિષે લોકે ઓળંગીને આવવા લાગ્યા. જાતજાતનાં વાજિંત્રો અને ઘોડાની
હણહણાટી, ગજોની ગર્જના, યોદ્ધાઓના સિંહનાદ, બંદીજનોના જયજય નાદ અને
ગુણીજનોના વીરરસથી ભરેલાં ગીતો વગેરેના શબ્દો ભેગા થયા. ધરતી અને આકાશ
શબ્દાયમાન થયા, જેમ પ્રલયકાળના મેઘપટલ હોય તેમ નીકળ્‌યા. મનુષ્ય, હાથી, ઘોડા,
રથ, પ્યાદાં, પરસ્પર અત્યંત વિભૂતિથી દેદીપ્યમાન, બખ્તર પહેરી લાંબી ભુંજાઓ અને
ઉત્તંગ ઉરસ્થળવાળા વિજયના અભિલાષી નીકળ્‌યા. પ્યાદાં ખડ્ગ સંભાળી આગળ આગળ
ચાલ્યા જાય છે. સ્વામીને હર્ષ ઉપજાવનાર તેમનાથી આકાશ, પૃથ્વી અને બધી દિશાઓ
ઢંકાઈ ગઈ. આવા ઉપાય કરવા છતાં પણ આ જીવને પૂર્વકર્મનો જેવો ઉદય હોય તેવું જ
થાય છે. આ પ્રાણી અનેક ચેષ્ટા કરે છે. પરંતુ અન્યથા ન થાય જેવું ભવિતવ્ય હોય તેવું
જ થાય. સૂર્ય પણ અન્ય પ્રકારે ન કરી શકે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણની યુદ્ધની તૈયારીનું વર્ણન
કરનાર તોત્તેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
ચુંમોતેરમું પર્વ
(રાવણનું રામ–લક્ષ્મણ સાથે યુદ્ધ)
પછી લંકેશ્વરે મંદોદરીને કહ્યું-હે પ્રિયે! ખબર નથી કે ફરી વાર તારાં દર્શન થાય કે
ન થાય. ત્યારે મંદોદરીએ કહ્યું કે હે નાથ! સદા વૃદ્ધિ પામો. શત્રુઓને જીતીને શીઘ્ર જ
આવી અમને મળશો અને સંગ્રામમાંથી જીવતા આવશો; અને હજારો સ્ત્રીઓને અવલોકતો
રાક્ષસોનો નાથ મહેલમાંથી બહાર નીકળ્‌યો. વિદ્યાધરોએ બનાવેલા અત્યંત વિકટ ઐન્દ્ર
નામના રથને જોયો જેને હજાર હાથી જોડયા હતા, જાણે કે કાળી ઘટાનો મેઘ જ હોય.
હાથી મદોન્મત્ત, મધઝરતા, મોતીઓની માળા પહેરેલા, ઘંટનાદ કરતા ઐરાવત જેવા નાના
પ્રકારના રંગોથી શોભિત વિનયનું ધામ એવા શોભતા હતા જાણે કાળી ઘટાનો સમૂહ જ
છે. હાથીઓ જોડેલા રથ પર ચડેલો રાવણ ભુજબંધથી શોભાયમાન સાક્ષાત્ ઇન્દ્ર જ છે.
વિશાળ આંખોવાળા, અનુપમ આકારધારી, તેજથી સકળ લોકમાં શ્રેષ્ઠ પોતાના જેવા દસ
હજાર વિદ્યાધરોના મંડળયુક્ત રણમાં આવ્યો તેથી અતિબળવાન, દેવ જેવા અભિપ્રાયના
જાણનારા રાવણને જોઈ સુગ્રીવ અને હનુમાન કુપિત થયા. જ્યારે રાવણ ચડયો ત્યારે
ઘણાં અપશુકન થયાં-ભયંકર અવાજ થયા, આકાશમાં ગીધ ફરવા લાગ્યા, તેમણે સૂર્યનો
પ્રકાશ ઢાંકી દીધો. ક્ષયસૂચક આ અપશુકન થયાં, પરંતુ રાવણના સુભટોએ તેમને
ગણકાર્યાં નહિ, યુદ્ધ માટે આવ્યા જ. શ્રી રામચંદ્રે પોતાની સેનામાં ઊભા રહી લોકોને
પૂછયું-હે લોકો! આ નગરીની સમીપમાં આ ક્યો પર્વત છે? ત્યારે સુષેણાદિક તો તત્કાળ
જવાબ ન આપી શક્યા અને જાંબુદિક કહેવા લાગ્યા આ બહુરૂપિણી વિદ્યાથી રચેલો પદ્મનાગ

Page 472 of 660
PDF/HTML Page 493 of 681
single page version

background image
૪૭૨ ચુંમોતેરમું પર્વ પદ્મપુરાણ
નામનો રથ છે, ઘણાનાં મૃત્યુનું કારણ. અગંદે નગરમાં જઈને રાવણને ક્રોધ ઉપજાવ્યો.
હવે તેને બહુરૂપિણી વિદ્યા સિદ્ધ થઈ તેથી આપણા તરફ ખૂબ શત્રુતા રાખે છે. તેનાં
વચન સાંભળી લક્ષ્મણે સારથિને કહ્યું, મારો રથ જલદી લાવ. સારથિએ રથ લાવ્યો. જેમ
સમુદ્ર ગર્જે તેમ વાજિંત્રો વાગ્યાં. વાજિંત્રોના નાદ સાંભળી યોદ્ધાઓ વિકટ જેમની ચેષ્ટા છે
તેવા લક્ષ્મણની સમીપે આવ્યા. રામના સૈન્યના કોઈ સુભટ પોતાની સ્ત્રીને કહેતા હતા, હે
પ્રિયે! તું શોક તજ, પાછી જા, હું લંકેશ્વરને જીતીને તારી સમીપમાં આવીશ. આ પ્રમાણે
ગર્વથી પ્રચંડ યોદ્ધા પોતપોતાની સ્ત્રીને ધૈર્ય આપી અંતઃપુરમાંથી નીકળ્‌યા, પરસ્પર સ્પર્ધા
કરતા, જેમણે પોતાનાં વાહનોને વેગથી પ્રેર્યા છે એવા મહાયોદ્ધા શસ્ત્ર ધારણ કરી યુદ્ધ
માટે તૈયાર થયા. ભૂતસ્વન નામના વિદ્યાધરોનો અધિપતિ મોટા હાથીઓના રથ પર
ચઢીને નીકળ્‌યો. આ રીતે બીજા પણ વિદ્યાધરોના અધિપતિ હર્ષ સહિત રામના સુભટ
બની, ક્રૂર આકૃતિવાળા થઈ, સમુદ્રની જેમ ગર્જતા, ગંગાની ઉત્તુંગ લહેરોની જેમ ઊછળતા
રાવણના યોદ્ધાઓ સાથે યુદ્ધના અભિલાષી થયા. રામ-લક્ષ્મણ તંબૂમાંથી નીકળ્‌યા. કેવા છે
બન્ને ભાઈ? જેમનો યશ પૃથ્વી પર વ્યાપ્ત છે, ક્રૂર આકૃતિધારી, સિંહના રથ પર ચઢી,
બખ્તર પહેરી ઉગતા સૂર્યસમાન શ્રી રામ શોભતા હતા. લક્ષ્મણ ગરુડના રથ પર ચઢયા,
તેમને ગરુડની ધજા છે. કાળી ઘટા જેવો તેમનો શ્યામ રંગ છે, મુગટ, કુંડળ પહેરી, ધનુષ
ચડાવી, બખ્તર પહેરી સાંજના સમયે અંજનગિરિ શોભે તેવા શોભતા હતા. મોટા મોટા
વિદ્યાધરો નાના પ્રકારનાં વાહનો, વિમાનોમાં બેસી યુદ્ધ કરવા સૈન્યમાંથી નીકળ્‌યા. શ્રી
રામ નીકળ્‌યા ત્યારે અનેક શુભ શુકન થયાં. રામને ચઢેલા જોઈ રાવણ શીઘ્ર જ, દાવાનળ
સમાન જેનો આકાર છે, યુદ્ધ માટે તૈયાર થયો. બન્નેય કટકના યોદ્ધાઓ પર આકાશમાંથી
ગંધર્વો અને અપ્સરાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અંજનગિરિ જેવા હાથીઓ મહાવતોથી
પ્રેરાયેલા ચાલ્યા, પ્યાદાંઓથી વીંટળાયેલા ચંચળ તુરંગ જોડેલા રથો ચાલ્યા, ઘોડા પર
બેઠેલા સામંતો ગંભીર નાદ કરતા નીકળ્‌યા, પ્યાદાં પૃથ્વી પર ઊછળતાં, હાથમાં ખડ્ગ
ખેટ, બરછી લઈને યુદ્ધભૂમિમાં પ્રવેશ્યા. પરસ્પર સ્પર્ધા કરે છે, દોડે છે, યોદ્ધાઓ વચ્ચે
અનેક આયુધોથી યુદ્ધ થયું, પરસ્પર કેશગ્રહણ થયું. કેટલાક બાણથી વીંધાઈ ગયા તો પણ
યુદ્ધ આગળ ચાલ્યું. પ્રહાર થાય છે, ગર્જના થાય છે, ઘોડા વ્યાકુળ થઈ ભમે છે. કેટલાક
આસન ખાલી થઈ ગયા, સવાર માર્યા ગયા, મુષ્ટિયુદ્ધ, ગદાયુદ્ધ થયું. કેટલાક બાણથી,
ખડ્ગથી સેલોંથી મર્યા, ઘાયલ થયા. કેટલાક મનવાંછિત ભોગોથી ઇન્દ્રિયોને રમાડતા તે
યુદ્ધમાં ઇન્દ્રિયો તેમને છોડી જવા લાગી; જેમ કામ પડે ત્યારે કુમિત્ર આપણને તજી દે છે.
કેટલાંકના આંતરડાંના ઢગલા થઈ ગયાં તે પણ ખેદ પામતા નથી, શત્રુ પર જઈને પડે છે
અને શત્રુ સાથે પોતે પ્રાણ છોડે છે. જે રાજકુમાર દેવકુમાર સરખા સુકુમાર હતા, રત્નોના
મહેલોના શિખર પર ક્રીડા કરતા મહાભોગી પુરુષો સ્ત્રીઓનાં સ્તનોને રમાડતા તે ખડ્ગ,
ચક્ર, કનક ઇત્યાદિ આયુધોથી કપાઈને રણભૂમિ પર પડયા. તેમના વિરૂપ આકારને ગીધ,
શિયાળિયા ખાય છે. જેમ રંગમહેલમાં રંગની રામા નખથી ચિહ્ન કરતી

Page 473 of 660
PDF/HTML Page 494 of 681
single page version

background image
પદ્મપુરાણ ચુંમોતેરમું પર્વ ૪૭૩
અને નિકટ આવતી તેમ શિયાળિયા નખ-દાંતથી ચિહ્ન કરે છે અને સમીપ આવે છે,
વળી, શ્વાસના પ્રકાશથી તેમને જીવતા જાણી તે ડરી જાય છે, જેમ ડાકણ મંત્રવાદીથી દૂર
રહે છે. સામંતોને જીવતા જાણી યક્ષિણી ઊડી જાય છે, જેમ દુષ્ટ નારી, ચંચળ આંખોને
ચિત્તવાળી પતિની સમીપેથી જતી રહે છે. જીવોના શુભાશુભ પ્રકૃતિનો ઉદય યુદ્ધમાં દેખાય
છે; બન્ને બરાબર હોય ને છતાં કોઈની હાર અને કોઈની જીત થાય છે. કોઈ વાર અલ્પ
સેનાનો સ્વામી મોટી સેનાના સ્વામીને જીતે છે અને કોઈ સુકૃતના સામર્થ્યથી ઘણાને જીતે
અને કોઈ ઘણા પણ પાપના ઉદયથી હારી જાય. જે જીવોએ પૂર્વભવમાં તપ કર્યું હોય તે
રાજ્યના અધિકારી થાય છે, વિજય પામે છે અને જેણે તપ ન કર્યું હોય અથવા તપનો
ભંગ કર્યો હોય તેની હાર થાય છે. ગૌતમ સ્વામી કહે છે હે શ્રેણિક! આ ધર્મ મર્મની રક્ષા
કરે છે અને દુર્જયને જીતે છે, ધર્મ જ મહાન સહાયક છે, મોટો પક્ષ ધર્મનો છે, ધર્મ બધે
રક્ષણ કરે છે. ઘોડા સહિતના રથ, પર્વત, સમાન હાથી, પવન સમાન તુરંગ અસુરકુમાર
જેવાં પ્યાદાં ઇત્યાદિ સામગ્રી પૂર્ણ હોય પરંતુ પૂર્વપુણ્યના ઉદય વિના કોઈ રાખવા સમર્થ
નથી, એક પુણ્યાધિકારી જ શત્રુઓને જીતે છે. આ પ્રમાણે રામ-રાવણના યુદ્ધની પ્રવૃત્તિમાં
યોદ્ધાઓ વડે યોદ્ધાઓ હણાયા, તેમનાથી રણક્ષેત્ર ભરાઈ ગયું, ખાલી જગા ન રહી.
આયુધો સાથે યોદ્ધા ઊછળે છે, પડે છે તેથી આકાશ એવું લાગતું હતું જાણે કે ઉત્પાતનાં
વાદળોથી મંડિત છે.
પછી મારીચ, ચંદ્ર, વજ્રાક્ષ, શુક્ર સારણ અને બીજા પણ રાક્ષસોના અધીશોએ
રામનું કટક દબાવ્યું. ત્યારે હનુમાન, ચંદ્ર, મારીચ, નીલ, મુકુંદ, ભૂતસ્વન ઇત્યાદિ રામ
પક્ષના યોદ્ધાઓએ રાક્ષસોની સેનાને દબાવી. રાવણના યોદ્ધા કુંદ, કુંભ, નિકુંભ, વિક્રમ,
ક્રમાણ, જંબુમાલી, કાકબલી, સૂર્યાર, મકરધ્વજ, અશનિરથ ઇત્યાદિ રાક્ષસોના મોટા મોટા
રાજાઓ તરત જ યુદ્ધ માટે ઊભા થયા અને તેમની સાથે ભૂધર, અચલ, સમ્મેદ, નિકાલ,
કુટિલ, અંગદ, સુષેણ, કાલચંદ્ર, ઊર્મિતરંગ ઈત્યાદિ વાનરવંશી યોદ્ધા આવ્યા, બન્ને પક્ષના
યોદ્ધા પરસ્પર મહાન યુદ્ધ કરવા લાગ્યા. અંજનાનો પુત્ર હાથીઓના રથ પર ચઢી રણમાં
ક્રીડા કરવા લાગ્યો, જેમ કમળોથી ભરેલા સરોવરમાં મહાગજ ક્રીડા કરે. ગૌતમ ગણધર
કહે છે કે હે શ્રેણિક! શૂરવીર હનુમાને રાક્ષસોને ખૂબ ચલિત કરી દીધા, એને જે ગમ્યું તે
કર્યું. એટલે મંદોદરીનો બાપ રાજા મય વિદ્યાધર દૈત્યવંશી ક્રોધથી લાલ આંખો કરી
હનુમાનની સન્મુખ આવ્યો. કમળનયન હનુમાને બાણવૃષ્ટિ કરી અને મયના રથના ચૂરા
કરી નાખ્યા. મય બીજા રથ પર ચડી યુદ્ધ કરવા લાગ્યો એટલે હનુમાને તે રથ પણ તોડી
નાખ્યો. મયને વિહ્વળ જોઈ રાવણે બહુરૂપિણી વિદ્યાથી પ્રજ્વલિત ઉત્તમ રથ શીઘ્ર
મોકલ્યો. રાજા મયે તે રથ પર ચડીને હનુમાનનો રથ તોડયો. હનુમાનને દબાતો જોઈને
ભામંડળ મદદ માટે આવ્યો. મયે બાણવર્ષા કરી ભામંડળનો પણ રથ તોડી નાખ્યો. ત્યારે
રાજા સુગ્રીવ તેની મદદે આવ્યો, મયે તેને શસ્ત્રરહિત કર્યો અને ધરતી પર પાડયો. હવે
એની મદદે વિભીષણ આવ્યો. વિભીષણ અને મય વચ્ચે ભયંકર યુદ્ધ થયું, પરસ્પર બાણ છોડયાં.

Page 474 of 660
PDF/HTML Page 495 of 681
single page version

background image
૪૭૪ ચુંમોતેરમું પર્વ પદ્મપુરાણ
મયે વિભીષણનું બખ્તર તોડયું તેથી વિભીષણ અશોકવૃક્ષના પુષ્પ સમાન લાલ થઈ
રુધિરની ધારા વહાવવા લાગ્યો. આથી વાનરવંશીઓની સેના ચલાયમાન થઈ ગઈ. રામ
યુદ્ધ માટે આવ્યા, વિદ્યામય સિંહના રથ પર ચડી તરત જ મય સામે આવ્યા. તેમણે
વાનરવંશીઓને કહ્યું કે તમે ડરો નહિ. રાવણની વીજળી સહિતની કાળી ઘટા સમાન
સેનામાં ઊગતા સૂર્ય સમાન શ્રી રામે પ્રવેશ કર્યો અને દુશ્મનની સેનાનો નાશ કરવા
લાગ્યા. આથી હનુમાન, ભામંડળ, સુગ્રીવ, વિભીષણને ધૈર્ય ઉપજ્યું અને વાનરવંશી સેના
ફરી યુદ્ધમાં પ્રવૃત્ત થઈ. રામનું બળ પામી રામના સેવકોનો ભય મટયો, બન્ને સેનાના
યોદ્ધાઓ પરસ્પર શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. જે જોઈને દેવો પણ આશ્ચર્ય પામ્યા. બન્ને
સેનામાં અંધકાર થઈ ગયો. પ્રકાશ વિના લોકો દેખાતા નહિ. શ્રી રામે રાજા મયને
બાણોથી ઢાંકી દીધો, થોડા જ શ્રમે મયને વિહ્વળ કરી મૂક્યો, જેમ ઇન્દ્ર ચમરેન્દ્રને કરે.
રામનાં બાણોથી મયને વિહ્વળ જોઈ કાળ સમાન રાવણ ક્રોધ કરીને રામ પર દોડયો.
લક્ષ્મણે રાવણને રામ તરફ આવતો જોઈ અત્યંત તેજથી કહ્યું, હે વિદ્યાધર! તું ક્યાં જાય
છે? મેં તને આજે જોયો, ઊભો રહે. હે રંક! પાપી, ચોર, પરસ્ત્રીરૂપ દીપકના પતંગિયા,
અદ્યમ, દુરાચારી! આજે હું તારી એવી હાલત કરીશ, જેવી કાળ પણ નહિ કરે. હે
કુમાનુષ! શ્રી રાઘવદેવ, જે સમસ્ત પૃથ્વીના પતિ છે તેમણે મને આજ્ઞા કરી છે કે આ
ચોરને સજા કરો. ત્યારે દશમુખ ક્રોધથી લક્ષ્મણને કહેવા લાગ્યોઃ અરે મૂઢ! તેં શું
લોકપ્રસિદ્ધ મારો પ્રતાપ સાંભળ્‌યો નથી? આ પૃથ્વી પર જે સુખદાયક સાર વસ્તુ છે તે
મારી જ છે, હું પૃથ્વીપતિ રાજા, જે ઉત્કૃષ્ટ વસ્તુ છે, તે મારી છે. ઘંટ ગજના કંઠમાં શોભે,
શ્વાનના કંઠમાં નહિ, તેમ યોગ્ય વસ્તુ મારા ઘેર શોભે, બીજાને ત્યાં નહિ. તું માત્ર મનુષ્ય
વૃથા વિલાપ કરે છે, તારી શક્તિ કેટલી? તું દીન મારા સમાન નથી, હું રંક સાથે શું યુદ્ધ
કરું? તું અશુભના ઉદયથી મારી સાથે યુદ્ધ કરવા ચાહે છે તે જીવનથી ઉદાસ થઈ મરવા
ચાહે છે. લક્ષ્મણ બોલ્યાઃ તું કેવો પૃથ્વીપતિ છે તેવો તને હું સારી પેઠે જાણું છું. આજ
તારી ગર્જના પૂરી કરું છું. લક્ષ્મણના આમ કહેતાં જ રાવણે લક્ષ્મણ પર પોતાનાં બાણ
ચલાવ્યાં અને લક્ષ્મણે રાવણ પર. જેમ વર્ષાના મેઘજળવૃષ્ટિથી પર્વતને ઢાંકી દે તેમ
બાણવૃષ્ટિથી એકબીજાએ અરસપરસને વીંધ્યા. લક્ષ્મણે રાવણનાં બાણ વજ્રદંડથી વચમાં
જ તોડી નાખ્યાં, પોતાના સુધી આવવાં ન દીધાં. બાણોના સમૂહને તોડીફોડી ચૂરો કરી
નાખ્યો. ધરતી અને આકાશ બાણના ટુકડાથી ભરાઈ ગયાં. લક્ષ્મણે રાવણને સામાન્ય
શસ્ત્રોથી વિહ્વળ કર્યો ત્યારે રાવણે જાણ્યું કે આ સામાન્ય શસ્ત્રોથી જિતાશે નહિ એટલે
રાવણે લક્ષ્મણ પર મેઘબાણ ચલાવ્યું તેથી ધરતી અને આકાશ જળમય બની ગયાં.
પ્રત્યુત્તરમાં લક્ષ્મણે પવનબાણ ચલાવ્યું, ક્ષણમાત્રમાં મેઘબાણનો નાશ કર્યો. પછી દશમુખે
અગ્નિબાણ ચલાવ્યું અને દશે દિશાઓ સળગવા લાગી તો લક્ષ્મણે વરુણશસ્ત્ર ચલાવ્યું
અને એક નિમિષમાં અગ્નિબાણ નાશ પામ્યું. હવે લક્ષ્મણે પાપબાણ છોડયું અને
ધર્મબાણથી રાવણે તેને રોકી લીધું. પછી લક્ષ્મણે ઈંધનબાણ ચલાવ્યું, રાવણે અગ્નિબાણથી
તેને ભસ્મ કર્યું. લક્ષ્મણે તિમિરબાણનો પ્રયોગ કર્યો

Page 475 of 660
PDF/HTML Page 496 of 681
single page version

background image
પદ્મપુરાણ પંચોતેરમું પર્વ ૪૭પ
તેથી બધે અંધકાર થયો, આકાશ વૃક્ષોના સમૂહથી ઢંકાઈ ગયું. તે વૃક્ષો કેવાં છે? આસાર
ફળોનો જે વરસાદ વરસાવે છે. બધે આસાર પુષ્પોના પટલ છવાઈ ગયા. રાવણે
સૂર્યબાણથી તિમિરબાણનું નિવારણ કર્યું અને લક્ષ્મણ તરફ નાગબાણ ફેંકયું. વિકરાળ
ફેણવાળા અનેક નાગ નીકળ્‌યા. લક્ષ્મણે ગરુડબાણથી નાગબાણ રોક્યું, ગરુડની પાંખો પર
આકાશ સુવર્ણની પ્રભારૂપ ભાસવા લાગ્યું. લક્ષ્મણે રાવણ પર સર્પબાણ ચલાવ્યું, તે સર્પો
પ્રલયકાળના મેઘ સમાન સુસવાટા કરતા હતા ને વિષરૂપ અગ્નિકણો ફેલાવતા હતા.
રાવણે મયૂરબાણથી સર્પબાણનું નિવારણ કર્યું અને વળતાં લક્ષ્મણ પર વિઘ્નબાણ ચલાવ્યું.
તે વિઘ્નબાણ દુર્નિવાર હતું તેનો ઉપાય સિદ્ધબાણ. તે લક્ષ્મણને યાદ ન આવ્યું એટલે
વજ્રદંડ આદિ અનેક શસ્ત્રો ચલાવ્યાં. રાવણ પણ સામાન્ય શસ્ત્રોથી યુદ્ધ કરતો હતો.
બન્ને યોદ્ધાઓ વચ્ચે સમાન યુદ્ધ થયું, જેવું ત્રિપૃષ્ઠ અને અશ્વગ્રીવ વચ્ચે થયું હતું. જેવો
પૂર્વોપાર્જિત કર્મનો ઉદય હોય તેવું ફળ થાય, તેવી ક્રિયા કરે. જે મહાક્રોધને વશ થઈને
કાર્ય આરંભ્યું હોય તેમાં ઉદ્યમી હોય તે નર તીવ્ર શસ્ત્રને, અગ્નિને, સૂર્યને અને વાયુને
ગણકારતો નથી.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણ અને લક્ષ્મણના યુદ્ધનું
વર્ણન કરનાર ચુમોતેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
પંચોતેરમું પર્વ
(રાવણે લક્ષ્મણ પર ચક્ર ચલાવ્યું, ચક્ર લક્ષ્મણની પ્રદક્ષિણા કરીને તેના હાથમાં આવ્યું)
ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હે ભવ્યોત્તમ! બન્નેય સેનામાં તરસ્યાને
શીતળ મિષ્ટ જળ પીવરાવવામાં આવે છે, ભૂખ્યાને અમૃત સમાન આહાર અપાય છે, ખેદ
પામેલાને મલયાગિરિ ચંદનનો છંટકાવ કરવામાં આવે છે, તાડવૃક્ષના વીંઝણાથી પવન
નાખવામાં આવે છે. બરફનું પાણી છંટાય છે અને બીજા પણ અનેક ઉપચાર કરવામાં
આવે છે. પોતાનો કે પારકો કોઈ પણ હો, બધાની સારવાર કરાય છે, એ જ સંગ્રામની
નીતિ છે. યુદ્ધ કરતાં દસ દિવસ થયા. બન્નેય મહાવીર અભંગચિત્ત રાવણ અને લક્ષ્મણ
બેય સરખા-જેવા તે તેવા આ, યક્ષો, ગંધર્વો, કિન્નરો, અપ્સરાઓ આશ્ચર્ય પામ્યાં. બેયનો
યશ ગાતાં હતાં, બન્ને પર પુષ્પવર્ષા કરતાં હતાં. ચંદ્રવર્ધન નામના એક વિદ્યાધરની આઠ
પુત્રી આકાશમાં વિમાનમાં બેસી તેમને જોઈ રહી હતી. કુતૂહલથી અપ્સરા તેમને પૂછવા
લાગી-તમે દેવીઓ જેવી કોણ છો? તમારી લક્ષ્મણ તરફ વિશેષ ભક્તિ જણાય છે અને
તમે સુકુમાર શરીરવાળી છો. ત્યારે તે લજ્જાસહિત કહેવા લાગી કે તમને કુતૂહલ છે તો
સાંભળો જ્યારે સીતાનો સ્વયંવર થયો હતો ત્યારે અમારા પિતા અમારી સાથે ત્યાં
આવ્યા હતા. ત્યાં લક્ષ્મણને જોઈને અમને આપવાનું નક્કી કર્યું હતું.

Page 476 of 660
PDF/HTML Page 497 of 681
single page version

background image
૪૭૬ પંચોતેરમું પર્વ પદ્મપુરાણ
અને અમારું મન પણ લક્ષ્મણમાં મોહિત થયું હતું. હવે તે આ સંગ્રામમાં વર્તે છે, ખબર
નથી કે શું થાય? આ મનુષ્યોમાં ચંદ્ર સમાન અમારા પ્રાણનાથ છે, જે એમની દશા તે
અમારી. એમના આવા મનોહર શબ્દો સાંભળી લક્ષ્મણે ઊંચે જોયું ત્યારે તે આઠેય કન્યા
એમના દેખવાથી અત્યંત હર્ષ પામી અને કહેવા લાગી-હે નાથ! તમારું કામ સર્વથા સિદ્ધ
થાવ. તે વખતે લક્ષ્મણને વિઘ્નબાણનો ઉપાય સિદ્ધબાણ છે એ યાદ આવ્યું અને તેનું
વદન પ્રસન્ન થયું. તેણે સિદ્ધબાણ ચલાવી વિઘ્નબાણનો વિલય કર્યો અને મહાપ્રતાપરૂપ
યુદ્ધ માટે તૈયાર થયા. રાવણ જે જે શસ્ત્ર ચલાવતો તેને લક્ષ્મણ છેદી નાખતા. રાવણ
બહુરૂપિણી વિદ્યાના બળથી રણક્રીડા કરતો હતો. લક્ષ્મણે રાવણનું એક શિર છેદ્યું તો બે
શિર થયાં, બે છેદ્યાં ત્યારે ચાર થયાં, બે ભુજા છેદી ત્યારે ચાર થઈ, ચાર છેદી તો આઠ
થઈ. આ પ્રમાણે જેટલી છેદી તેનાથી બમણી થતી ગઈ ને શિર બમણાં થયાં. હજારો શિર
અને હજારો ભુજાઓ થઈ. રાવણના હાથ હાથીની સૂંઢ જેવા ભુજબંધનથી શોભિત અને
મસ્તક મુગટથી મંડિત, તેનાથી રણક્ષેત્ર ભરાઈ ગયું, જાણે રાવણરૂપ સમુદ્ર મહાભયંકર
અને તેનાં હજારો શિર તે મગરમચ્છ અને હજારો ભુજાઓ તે તરંગો, તેનાથી વધતો
ગયો. રાવણરૂપ મેઘ, જેના બાહુરૂપ વીજળી અને પ્રચંડ શબ્દ તથા શિર તે જ શિખરો,
તેનાથી શોભતો હતો. રાવણ એકલો જ મોટી સેના જેવો થઈ ગયો, અનેક મસ્તકો, જેના
ઉપર છત્ર ફરતાં હતાં. લક્ષ્મણે એને જાણે કે એમ વિચારીને બહુરૂપ કર્યો કે આગળ હું
એકલો અનેક સાથે યુદ્ધ કરતો, હવે આ એકલા સાથે શું યુદ્ધ કરું? તેથી તેને અનેક
શરીરોવાળો કર્યો. રાવણ પ્રજ્વલિત વન સમાન ભાસતો હતો, રત્નોનાં આભૂષણો અને
શસ્ત્રોનાં કિરણોથી પ્રદીપ્ત રાવણ લક્ષ્મણને હજારો ભુજાઓ વડે બાણ, શક્તિ, ખડ્ગ,
બરછી, સામાન્ય ચક્ર ઇત્યાદિ શસ્ત્રોની વર્ષા કરી આચ્છાદવા લાગ્યો. લક્ષ્મણે તે બધાં
બાણ છેદી નાખ્યાં અને ક્રોધથી સૂર્ય સમાન તેજરૂપ બાણોથી રાવણને આચ્છાદવાની
તૈયારી કરી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, દશ, વીશ, સો, હજાર રાવણનાં માયામયી
શિર છેદ્યાં, હજારો શિર અને ભૂજાઓ ભૂમિ પર પડી, રણભૂમિ એનાથી આચ્છાદિત
થયેલી, જાણે સર્પોની ફેણો સાથેનું કમળોનું વન હોય તેવી શોભવા લાગી. ભુજાસહિત
શિર પડયાં તે ઉલ્કાપાત જેવાં ભાસ્યાં. બહુરૂપિણી વિદ્યાથી રાવણનાં જેટલા શિર અને
ભુજા થયાં તે બધાંને સુમિત્રાપુત્રે છેદી નાખ્યાં રુધિરની ધારા નિરંતર વહેતી, જેનાથી
આકાશમાં જાણે કે સંધ્યા ખીલી હોય તેવું લાગતું બે ભુજાના ધારક લક્ષ્મણે રાવણની
અસંખ્યાત ભુજાઓ વિફળ કરી નાખી. રાવણનું અંગ પરસેવાથી લદબદ થઈ ગયું છે,
જોરથી શ્વાસ ચાલી રહ્યો છે. જોકે તે મહાબળવાન હતો, તો પણ વ્યાકુળચિત્ત થયો.
ગૌતમ સ્વામી કહે છે-હે શ્રેણિક! બહુરૂપિણી વિદ્યાના બળથી રાવણે મહાભયંકર યુદ્ધ કર્યું,
પણ લક્ષ્મણ આગળ બહુરૂપિણી વિદ્યાનું બળ ન ચાલ્યું એટલે રાવણ માયાચાર છોડી,
ક્રોધપૂર્વક સહજરૂપ થઈને યુદ્ધ કરવા લાગ્યો, અનેક દિવ્ય શસ્ત્રોથી અને સામાન્ય
શસ્ત્રોથી યુદ્ધ કર્યું, પરંતુ વાસુદેવને જીતી ન શક્યો. ત્યારે પ્રલયકાળના સૂર્ય સમાન જેની
પ્રભા છે, પરપક્ષનો જે ક્ષય કરનાર છે તે ચક્રરત્નને યાદ કર્યું.

Page 477 of 660
PDF/HTML Page 498 of 681
single page version

background image
પદ્મપુરાણ છોંતેરમું પર્વ ૪૭૭
કેવું છે તે ચક્રરત્ન? અપ્રમાણ પ્રભાવના સમૂહનું ધારક, મોતીની ઝાલરીથી મંડિત, દિવ્ય
વજ્રમય, અદ્ભુત નાના પ્રકારનાં રત્નો જડેલા અંગવાળું, દિવ્યમાળા અને સુગંધથી લિપ્ત,
અગ્નિના સમૂહતુલ્ય, વૈડૂર્યમણિના હજાર આરાવાળું, અસહ્યદર્શન, હજાર યક્ષો જેની સદા
સેવા કરે છે એવું, કાળનું મુખ હોય એવું ક્રોધથી ભરેલું આવું ચક્ર ચિંતવતાં જ રાવણના
હાથમાં આવ્યું. તેની જ્યોતિથી જ્યોતિષી દેવોની પ્રભા ઝાંખી પડી ગઈ, ચિત્રનો સૂર્ય
હોય એવી સૂર્યની કાંતિ થઈ ગઈ, અપ્સરા વિશ્વાવસુ, તુંબરુ, નારદ આદિ ગંધર્વો
આકાશમાં રણનું કૌતૂક જોતા હતા તે ભયથી દૂર થઈ ગયા અને લક્ષ્મણ અત્યંત ધીર
શત્રુને ચક્ર સંયુક્ત જોઈ કહેવા લાગ્યાઃ હે અધમ નર! જેમ કૃપણ કોડીને લે તેમ આને તું
શું લઈ રહ્યો છો? તારી શક્તિ હોય તો પ્રહાર કર. આમ કહ્યું ત્યારે તેણે ક્રોધે ભરાઈને,
દાંતથી હોઠ કરડતો, ચક્રને ફેરવીને લક્ષ્મણ ઉપર ચલાવ્યું. મેઘમંડળ સમાન શબ્દવાળું,
અત્યંત શીઘ્રતાથી પ્રલયકાળના સૂર્ય સમાન મનુષ્યોનાં જીવનને સંશયનું કારણ તેને
સન્મુખ આવતું જોઈ લક્ષ્મણ વજ્રામયી અણિવાળાં બાણોથી ચક્ર રોકવા તૈયાર થયા અને
શ્રી રામ વજ્રાવર્ત ધનુષ ચડાવીને અમોધ બાણોથી ચક્ર રોકવા તૈયાર થયા અને હળ-
મૂશળ ઘુમાવતાં ચક્ર સામે આવ્યા. સુગ્રીવ ગદા ફેરવીને ચક્ર સામે આવ્યો, ભામંડળ ખડ્ગ
લઈ, વિભીષણ ત્રિશૂળ લઈ ઊભા રહ્યા, હનુમાન મુદ્ગળ, લાંગૂલ, કનકાદિ લઈ તૈયાર
થયા અને અંગદ પારણ નામનું શસ્ત્ર લઈને ઊભો થયો અને અંગદનો ભાઈ અંગ કુહાડો
લઈને ઊભો થયો, બીજા પણ શ્રેષ્ઠ વિદ્યાધરો અનેક આયુધોથી યુક્ત બધા એક થઈને
જીવવાની આશા તજીને ચક્રને રોકવા તૈયાર થયા, પરંતુ ચક્રને રોકી ન શક્યા. જેની દેવ
સેવા કરે છે તે ચક્રે આવીને લક્ષ્મણને ત્રણ પ્રદક્ષિણા આપીને પોતાનું સ્વરૂપ વિનયરૂપ
કરી લક્ષ્મણના હાથમાં બેઠું, સુખદાયક શાંત આકારવાળું થઈ ગયું. ગૌતમ સ્વામી કહે છે,
હે મગધાધિપતિ! રામ-લક્ષ્મણનું મહાન ઋદ્ધિવાળું આ માહાત્મ્ય તને સંક્ષેપમાં કહ્યું, જે
સાંભળતાં પરમ આશ્ચર્ય ઉપજે છે અને જે લોકમાં શ્રેષ્ઠ છે. કેટલાકને પુણ્યના ઉદ્યમથી
પરમવિભૂતિ આવે છે અને કેટલાકને પુણ્યના ક્ષયથી નષ્ટ થાય છે. જે સૂર્યનો અસ્ત થતાં
ચંદ્રનો ઉદય થાય છે તેમ લક્ષ્મણના પુણ્યનો ઉદય જાણવો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણને ચક્રરત્નની ઉત્પત્તિનું
વર્ણન કરનાર પંચોતેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
છોંતેરમું પર્વ
(રામ–લક્ષ્મણ સાથે રાવણનું મહાયુદ્ધ અને રાવણનો વધ)
લક્ષ્મણના હાથમાં ચક્રરત્ન આવેલું જોઈને સુગ્રીવ, ભામંડળાદિ વિદ્યાધરોના અધિપતિ

Page 478 of 660
PDF/HTML Page 499 of 681
single page version

background image
૪૭૮ છોંતેરમું પર્વ પદ્મપુરાણ
હર્ષ પામ્યા અને પરસ્પર કહેવા લાગ્યા-અગાઉ ભગવાન અનંતવીર્ય કેવળીએ કહ્યું હતું કે
લક્ષ્મણ આઠમા વાસુદેવ છે અને રામ આઠમા બળદેવ છે. તેથી આ મહાજ્યોતિ
(લક્ષ્મણ) ચક્રપાણિ થયાં. આ શ્રી રામ બળદેવ, જેમનો રથ તેજવંત સિંહ ચલાવે છે,
જેણે રાજા મયને પકડયો, જેમના હાથમાં દેદીપ્યમાન હળમૂશળ મહારત્ન શોભે છે. આ
બેય ભાઈ બળભદ્ર-નારાયણ પુરુષોત્તમ પ્રગટયા છે. પુણ્યના પ્રભાવથી પરમ પ્રેમથી
ભરેલ લક્ષ્મણના હાથમાં સુદર્શનચક્ર જોઈને રાક્ષસોનો અધિપતિ ચિત્તમાં ચિંતવે છે કે
ભગવાન અનંતવીર્યે આજ્ઞા કરી હતી તેમ જ થયું. નિશ્ચયથી કર્મરૂપ પવનનો પ્રેર્યો આ
સમય આવ્યો. જેનું છત્ર જોતાં વિદ્યાધરો ડરતા અને શત્રુની સેના ભાગતી, શત્રુસેનાનાં
ધ્વજછત્ર મારા પ્રભાવથી તણાઈ જતાં, અને હિમાચલ વિંધ્યાચળ છે સ્તન જેના, સમુદ્ર છે
વસ્ત્ર જેનું એવી આ પૃથ્વી મારી દાસી સમાન આજ્ઞાકારિણી હતી-એવો હું રાવણ રણમાં
ભૂમિગોચરીઓથી જિતાયો. આ અદ્ભુત વાત છે, કષ્ટની અવસ્થા આવી, ધિક્કાર છે આ
રાજ્યલક્ષ્મીને, જેની ચેષ્ટા કુલટા જેટલી છે, પૂજ્ય પુરુષ આ પાપણીને તત્કાળ ત્યજે છે.
આ ઇન્દ્રિયના ભોગ ઇન્દ્રાયણનાં ફળ સમાન છે એનો પરિપાક વીરસ છે. અનંત દુઃખ
સંબંધના કારણરૂપ સાધુઓ દ્વારા નિંધ છે. પૃથ્વી પર ભરત ચક્રવતી આદિ ઉત્તમ પુરુષો
થયા તેમને ધન્ય છે, જેમણે નિષ્કંટક છ ખંડ પૃથ્વીનું રાજ્ય કર્યું અને વિષમિશ્રિત
અન્નની જેમ તજીને જિનેન્દ્રવ્રત ધારી, રત્નત્રયને આરાધી પરમપદને મેળવ્યું. હું રંક,
વિષયોનો અભિલાષી, મને બળવાન મોહે જીત્યો. આ મોહ સંસારભ્રમણનું કારણ છે.
ધિક્કાર છે મને, જેણે મોહને વશ થઈ આવી ચેષ્ટા કરી. રાવણ તો આ પ્રમાણે ચિંતવન
કરે છે અને જેની પાસે ચક્ર આવ્યું છે તે લક્ષ્મણે વિભીષણની તરફ નીરખીને રાવણને
કહ્યુંઃ હે વિદ્યાધર! હજી પણ કાંઈ ગયું નથી, જાનકીને લાવી શ્રી રામચંદ્રને સોંપી દે અને
એમ કહે કે શ્રી રામના પ્રસાદથી જીવું છું. અમારે તારું કાંઈ જોઈતું નથી, તારી
રાજ્યલક્ષ્મી તારી પાસે રહેશે. ત્યારે રાવણ મંદ હાસ્ય કરી બોલ્યો, હે રંક! તને વૃથા ગર્વ
ઉપજ્યો છે, હમણાં જ તને મારું પરાક્રમ બતાવું છું, હે અધમ નર! હું તારી જે અવસ્થા
કરું છું તેને ભોગવ; હું રાવણ પૃથ્વીપતિ વિદ્યાધર, તું ભૂમિગોચરી રંક! ત્યારે લક્ષ્મણ
બોલ્યા, ઘણું કહેવાથી શું લાભ? નારાયણ સર્વથા તને મારનાર થયો છે. રાવણે કહ્યું કે
ઇચ્છામાત્રથી જ નારાયણ થાય છે તો તું જે ચાહે છે તે કેમ ન થાય? ઇન્દ્ર પણ થા. તું
કુપુત્ર, તને તારા પિતાએ રાજ્યમાંથી કાઢયો. મહાદુઃખી દરિદ્રી, વનચારી, ભિખારી,
નિર્લજ્જ, તારી વાસુદેવ પદવી અમે જાણી લીધી, તારા મનમાં ઇર્ષ્યા છે તેથી તારા
મનોરથનો હું ભંગ કરીશ. આ ઘોઘલા જેવું ચક્ર મળ્‌યું તેનાથી તું ગર્વિષ્ઠ થયો છે, પણ
રંકોની એ જ રીત છે. એક ખોળનો ટુકડો મળે ત્યાં મનમાં ઉત્સવ કરે. ઘણું કહેવાથી શું?
આ પાપી વિદ્યાધરો તને મળ્‌યા છે તેમના સહિત અને આ ચક્ર-વાહન સહિત તારો નાશ
કરી તને પાતાળમાં પહોંચાડું છું. રાવણનાં આ વચન સાંભળી લક્ષ્મણે કોપથી ચક્રને
ઘુમાવીને રાવણ પર ચલાવ્યું. વજ્રપાત જેવો ભયંકર અવાજ કરતું અને પ્રલયકાળના સૂર્ય
જેવું તેજ ધરતું ચક્ર રાવણ પર આવ્યું. ત્યારે

Page 479 of 660
PDF/HTML Page 500 of 681
single page version

background image
પદ્મપુરાણ સત્તોતેરમું પર્વ ૪૭૯
રાવણ બાણથી ચક્રને રોકવા તૈયાર થયો, પછી પ્રચંડ દંડ અને શીઘ્રગામી વજ્રનાગથી
ચક્રને રોકવાનો પ્રયત્ન કર્યો તો પણ રાવણનું પુણ્ય ક્ષીણ થયું હતું તેથી ચક્ર અટકયું નહિ,
પાસે આવ્યું. હવે રાવણ ચંદ્રહાસ ખડ્ગ લઈ ચક્રની સમીપમાં આવ્યો અને ચક્ર પર
ખડ્ગનો પ્રહાર કર્યો તેથી અગ્નિના તણખાથી આકાશ પ્રજ્વલિત થયું, ખડ્ગનું જોર ચક્ર
પર ન ચાલ્યું અને ચક્રે સામે ઊભેલા રાક્ષસોના ઇન્દ્ર મહાશૂરવીર રાવણનું ઉરસ્થળ ભેદી
નાખ્યું. પુણ્યનો ક્ષય થતાં અંજનગિરિ સમાન રાવણ ભૂમિ પર પડયો, જાણે કે સ્વર્ગમાંથી
દેવ ચ્યવ્યો, અથવા રતિપતિ પૃથ્વી પર પડયો હોય એવો શોભતો હતો, જાણે કે વીરરસનું
સ્વરૂપ જ છે. જેની ભ્રમર ચઢી ગઈ હતી, હોઠ કરડાયા હતા. સ્વામીને પડેલા જોઈને
તેની સેના ભાગવા લાગી. ધજા-છત્ર તણાઈ ગયાં, બધા વિહ્વળ થયા, વિલાપ કરતા
ભાગી રહ્યા છે. કોઈ કહે છે રથને દૂર કરી માર્ગ દો, પાછળ હાથી આવે છે, કોઈ કહે છે
વિમાનને એક તરફ કર, પૃથ્વીપતિ પડયો, ભયંકર અનર્થ થયો, કંપતા-ભાગતા લોકો
તેના પર પડયા. તે વખતે બધાને શરણરહિત જોઈ ભામંડળ, સુગ્રીવ, હનુમાન રામની
આજ્ઞાથી કહેવા લાગ્યાઃ બીવો નહિ. સૌને ધૈર્ય બંધાવ્યું. વસ્ત્ર ફેરવ્યું, કોઈને ભય છે નહિ.
સેનાને કાનને પ્રિય આવાં અમૃત સમાન વચન સાંભળી વિશ્વાસ ઉત્પન્ન થયો. ગૌતમ
સ્વામી કહે છે કે હે રાજન! રાવણ આવી મહાવિભૂતિ ભોગવીને, સમુદ્રપર્યંતની પૃથ્વીનું
રાજ્ય કરીને પુણ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામ્યો, માટે આવી લક્ષ્મીને ધિક્કાર હો. આ
રાજ્યલક્ષ્મી અત્યંત ચંચળ, પાપસ્વરૂપ, સુકૃતના સમાગમની આશારહિત છે, એમ મનમાં
વિચારીને હે બુદ્ધિમાનો! તપ જ જેનું ધન છે એવા મુનિ થાવ. સૂર્યથી પણ અધિક
તેજવાળા તે તપોધન મોહતિમિરને હરે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણના વધનું વર્ણન કરનાર
છોતેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
સત્તોતેરમું પર્વ
(રાવણના વિયોગથી રાવણના પરિવાર અને રાણીઓનો વિલાપ)
ત્યારબાદ વિભીષણે મોટા ભાઈને પડેલા જોઈને અત્યંત દુઃખથી પૂર્ણ પોતાના
ઘાત માટે છરીને હાથ અડાડયો, તેને મરણને હરનારી મૂર્ચ્છા આવી ગઈ, શરીર
ચેષ્ટારહિત થઈ ગયું. પછી સચેત થઈ અત્યંત સંતાપથી ભરેલો મરવા તૈયાર થયો. શ્રી
રામે રથ પરથી ઊતરીને તેનો હાથ પકડી છાતીએ લગાવ્યો અને ધીરજ આપી. તે ફરીથી
મૂર્ચ્છા ખાઈને પડયો અને અચેત થઈ ગયો. શ્રી રામે તેને સચેત કર્યો ત્યારે તે વિલાપ
કરવા લાગ્યો. તેનો વિલાપ સાંભળીને કરુણા ઉપજતી હતી. હે ભાઈ! ઉદાર, ક્રિયાવાન,
સામંતો પ્રત્યે શૂરવીર, રણધીર,