Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 210

 

PDF/HTML Page 201 of 4199
single page version

સાંભળ્‌યું નથી. આ છે તો ઘરની વાત, પણ એણે પરઘરની જ આજસુધી માંડી છે. સંસારની વાતોમાં જાણે ડાહ્યાનો (ચતુરનો) દીકરો! પણ અરેરે! ખેદ છે કે તું કોણ છું અને કેવડો છું એની ખબર નથી.

હવે કહે છે- આ નવતત્ત્વની જે ભેદરૂપ દશાઓ તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરીને શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ -કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે-તેની પ્રાપ્તિ હોય છે. લ્યો, જુઓ. નવતત્ત્વરૂપ ભેદોના વિકલ્પમાં રાગની આડમાં જે ત્રિકાળી એકરૂપ આત્મજ્યોતિ ઢંકાએલી છે તેને ભૂતાર્થનય વડે એકપણે પ્રગટ કરવામાં આવતાં, તેમાં એકમાં દ્રષ્ટિ કરીને આત્મપ્રસિદ્ધિ જેનું લક્ષણ છે તે આત્માનુભૂતિ પ્રગટ થઈ જાય છે. નવતત્ત્વમાં આત્મા પ્રસિદ્ધ ન હતો, દ્રવ્ય જે જ્ઞાયક શાશ્વત ચૈતન્યમૂર્તિ છે અને પર્યાય સહિત જોતાં પ્રસિદ્ધ નહોતો થતો તે એકરૂપ ચૈતન્યને જોતાં ચૈતન્યનો પ્રકાશ આત્મખ્યાતિ પ્રસિદ્ધ થાય છે; પ્રાપ્ત થાય છે.

નવના ભેદને જોતાં નવ ભેદ છે ખરા. (પહેલાં કહેવાઈ ગયું કે તીર્થની પ્રવૃત્તિ અર્થે તે ભેદો વ્યવહારથી કહેલા છે) પણ એ આશ્રય કરવા લાયક નથી, કેમકે નવતત્ત્વના ભેદના જ્ઞાનમાં રોકાવાથી રાગની ઉત્પત્તિની પ્રસિદ્ધિ થાય છે, અનાત્માની પ્રસિદ્ધિ થાય છે. પરંતુ આ નવ ભેદોમાં ભૂતાર્થનય એકપણું પ્રગટ કરે છે, એકલા જ્ઞાયકભાવને દેખાડે છે. આ એક ત્રિકાળી જ્ઞાયકભાવની સન્મુખ થઈને જાણવાથી એકપણું પ્રાપ્ત થાય છે, આનંદની અનુભૂતિ દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે. (તેથી ભૂતાર્થનયથી નવતત્ત્વને જાણવાથી સમ્યગ્દર્શન જ છે એ નિયમ કહ્યો છે.)

હવે નવતત્ત્વ ઉપસ્થિત કેમ થયાં તે કહે છે. ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે. વિકારી થવા યોગ્ય એટલે જીવની પર્યાયમાં વિકાર થવા યોગ્ય છે. પર્યાયમાં વિકાર થવા યોગ્ય જીવની દશા છે. અને વિકાર કરનાર એટલે અહીં કર્મ જે નિમિત્ત છે એને વિકાર કરનાર છે એમ કહ્યું છે. વિકાર થવા યોગ્ય પર્યાય તો પોતાના ઉપાદાનથી થઈ છે, ઉપાદાનપણે કરનાર પોતે છે; એમાં કર્મનું નિમિત્ત છે. વિકારી થવા યોગ્ય એમ કહીને જીવની પર્યાયની લાયકાત બતાવી છે, દ્રવ્યસ્વભાવ તો એવો નથી વર્તમાન પર્યાય તે વિકાર થવા યોગ્ય અને એમાં કર્મ નિમિત્ત તે વિકાર કરનાર એ બન્ને પુણ્ય છે. વિકારી થવા યોગ્ય છે તે ભાવપુણ્ય અને કર્મનું જે નિમિત્ત છે તે દ્રવ્ય-પુણ્ય-એમ બન્ને પુણ્ય છે. એ જ પ્રમાણે વિકારી થવા યોગ્ય જે જીવની પર્યાય તે ભાવપાપ અને કર્મનું જે નિમિત્ત તે દ્રવ્યપાપ-એમ બન્ને પાપ છે. દ્રવ્યપાપએ, ભાવપાપ થવામાં નિમિત્ત છે. વસ્તુસ્વભાવ પોતે પુણ્ય-પાપને કરનાર નથી. શુભભાવ


PDF/HTML Page 202 of 4199
single page version

થવા લાયક જીવ (પર્યાય) અને એનો કરનાર કર્મનો ઉદય તે અજીવ છે તેને દ્રવ્યપુણ્ય કહીએ. એવી રીતે હિંસા જૂઠ, ચોરી આદિ ભાવપાપ થવા લાયક તો જીવ છે, પર્યાયમાં એવી લાયકાત છે અને કર્મનું જે નિમિત્ત છે તેને દ્રવ્યપાપ કહીએ.

મોહકર્મનો જે ઉદય છે એ તો પાપ જ છે. ઘાતીકર્મનો ઉદય જે છે એતો એકલો પાપરૂપ જ છે. છતાં અહીં પુણ્યભાવપણે પરિણમ્યો છે તેને ભાવપુણ્ય જીવ કહ્યો અને કર્મનો ઉદય (ઘાતીકર્મનો) જે અજીવ છે તેને દ્રવ્ય-પુણ્ય કહ્યો. શાતાનો ઉદય છે એ પુણ્યભાવમાં નિમિત્ત ન થાય. એ તો અઘાતી છે. એનો ઉદય તો સંયોગ આપે. (અઘાતી કર્મ સંયોગમાં નિમિત્ત થાય, પુણ્ય-પાપમાં નિમિત્ત ન થાય) પણ ઘાતીકર્મનો ઉદય જે છે એને અહીં ભાવપુણ્યની અપેક્ષાએ દ્રવ્યપુણ્ય કહ્યો છે. ઘાતીકર્મનો ઉદય મંદ હોય કે તીવ્ર, એ છે તો પાપ જ. કર્મનો ઉદય ભલે તીવ્ર હોય, અહીં રાગની મંદતારૂપ પુણ્યભાવ કરે તો કર્મના ઉદયને દ્રવ્ય-પુણ્ય (મંદ ઉદય) કહેવાય છે. કર્મનો ઉદય મંદ છે માટે અહીં શુભભાવ થયો એમ નથી. અહીં એમ નથી લીધું કે શુભભાવનો ઉદય હોય તો દ્રવ્ય-પુણ્ય. જીવના પુણ્યભાવને જે નિમિત્ત છે એને દ્રવ્ય-પુણ્ય કહ્યું છે. જીવ પોતાના શુભભાવને લાયક છે તે જીવ-પુણ્ય-ભાવપુણ્ય અને એમાં જે કર્મ નિમિત્ત છે તે દ્રવ્ય-પુણ્ય, અજીવ-પુણ્ય કહ્યું છે. (અજીવ પુણ્ય જીવના પુણ્યભાવમાં નિમિત્ત છે, તે પુણ્યભાવ કરાવતું નથી.)

ચાહે એકેન્દ્રિયમાં હો કે પંચેન્દ્રિયની પર્યાયમાં ભગવાન આત્મા જે દ્રવ્યસ્વભાવ છે એ તો એકલો શુદ્ધ ત્રિકાળ છે. અને એ જ્ઞાયક જ ઉપાદેય છે. હવે અહીં કહે છે કે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ હોવા છતાં એની પર્યાયમાં પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ એવો બે ભાગ ઊભા કેમ થાય છે? વસ્તુ એક અને નવ ભેદ જે હેય છે તે ઊભા કેમ થાય છે?

આત્મવસ્તુ દ્રવ્યસ્વભાવથી શુદ્ધ ચૈતન્યરૂપ આનંદઘન છે. તે એકને નવ ન હોઈ શકે. પણ જેને એ દ્રષ્ટિમાં આવ્યો નથી, અનુભવમાં આવ્યો નથી એને પર્યાયમાં વિકાર છે. પર્યાયમાં બીજાનો સંગ-સંબંધ થવાથી તેને નવ ઊભા થાય છે. દ્રવ્યમાં તો કોઈ એવી શક્તિ (ગુણ) નથી જે વિકાર કરે. જો ગુણ એવો હોય તો વિકાર ટળે નહીં. ત્યારે કોઈ કહે કે પર્યાયમાં વિકાર થાય છે ને? સમાધાન એમ છે કે પર્યાયબુદ્ધિવાળાને પર્યાયની યોગ્યતાથી થાય છે, દ્રવ્યબુદ્ધિવાળાને નહીં. દ્રવ્યબુદ્ધિવાળાને એનો નિષેધ થઈ ગયો છે, એતો જ્ઞાતા થઈ ગયો છે. બાપુ! જરા ધીરજથી સમજવું જોઈએ; આ તો સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરનો અલૌકિક માર્ગ છે. એનો વ્યવહાર પણ અલૌકિક રીતે છે. અત્યારે આ વ્યવહાર સિદ્ધ કર્યો છે. વ્યવહારનયથી એ (નવતત્ત્વો) ભૂતાર્થ છે, પણ એ આશ્રય કરવા લાયક નથી; કેમકે એના આશ્રયે સમકિત થતું નથી.


PDF/HTML Page 203 of 4199
single page version

હવે કહે છે-આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર-એ બન્ને આસ્રવ છે. પુણ્ય-પાપના ભાવપણે થવા લાયક જીવની પર્યાય એ ભાવ-આસ્રવ અને તેમાં કર્મનું જે નિમિત્ત તે દ્રવ્ય-આસ્રવ. એ દ્રવ્ય-આસ્રવને અહીં કરનાર કહ્યો છે. નવાં કર્મ આવે તે દ્રવ્ય-આસ્રવ એ વાત અહીં નથી. આ તો પૂર્વનાં જૂનાં કર્મ જે નિમિત્ત થાય તેને દ્રવ્ય-આસ્રવ કહ્યો છે. એ બન્ને આસ્રવ છે-એક ભાવ-આસ્રવ અને બીજો દ્રવ્ય- આસ્રવ. સંવર થવા યોગ્ય સંવાર્ય એ જીવની પર્યાય છે. તે ભાવ-સંવર છે. સંવર કરનાર સંવારક એ નિમિત્ત છે. સંવરની સામે જેટલો કર્મનો ઉદય નથી (અભાવરૂપ છે) એને દ્રવ્ય-સંવર કહે છે. એ બન્ને સંવર છે-એક ભાવ-સંવર અને બીજો દ્રવ્ય- સંવર. નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-બન્ને નિર્જરા છે. નિર્જરવા યોગ્ય અશુદ્ધતા અને થવા યોગ્ય શુદ્ધતા એ જીવની પર્યાય છે. એ ભાવ-નિર્જરા છે. નિર્જરા કરનાર(દ્રવ્ય-કર્મનું ખરી જવું) એ નિમિત્ત છે-એ દ્રવ્ય-નિર્જરા છે. એ બન્ને નિર્જરા છે. બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે. બંધાવા યોગ્ય જીવ (પર્યાય) છે. રાગદ્વેષ, મિથ્યાત્વ, વિષયવાસના-એમાં અટકવા યોગ્ય, બંધાવા યોગ્ય લાયકાત જીવની પર્યાયની છે, તે ભાવબંધ છે. સામે પૂર્વકર્મનું નિમિત્ત છે એ બંધન કરનાર છે. નવો બંધ થાય એની વાત અહીં નથી. આ તો પૂર્વ કર્મ જે નિમિત્ત થાય છે એને અહીં દ્રવ્યબંધ કહ્યો છે. ભગવાન આત્મા તો અબદ્ધ-સ્પૃષ્ટ છે, પણ એની પર્યાયમાં બંધયોગ્ય લાયકાત છે તે (જીવ) ભાવબંધ છે અને બંધન કરનાર કર્મ- નિમિત્ત છે તે દ્રવ્યબંધ છે. આમ એ બન્ને બંધ છે. મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-એ બન્ને મોક્ષ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય છે. જીવની પર્યાયમાં મોક્ષ થવાની લાયકાત છે. ત્રિકાળી ચીજ છે એ તો મોક્ષસ્વરૂપ જ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય તે ભાવમોક્ષ છે. અને સર્વ કર્મના અભાવરૂપ નિમિત્ત તે મોક્ષ કરનાર દ્રવ્ય-મોક્ષ છે. આમ એ બન્ને મોક્ષ છે. હવે કહે છે- એકને જ પોતાની મેળે એટલે કે પોતાની એકપણાની અપેક્ષાએ પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષની ઉત્પત્તિ બનતી નથી. નિમિત્ત- નૈમિત્તિક સંબંધની અપેક્ષા વિના એકને નવ સાબિત થતા નથી. એકને પર્યાયમાં બીજાનું નિમિત્ત છે. એનાથી આ નવ ભેદો ઊભા થાય છે. તે બન્નેમાં એક જીવ અને બીજું અજીવ છે. હવે બાહ્ય (સ્થૂલ) દ્રષ્ટિથી જોઈએ તોઃ- જીવ-પુદ્ગલના અનાદિ બંધપર્યાયની સમીપ જઈને એટલે કે પર્યાયદ્રષ્ટિ કરીને આ યોગ્યતા અને આ નિમિત્ત એ બેને એકપણે


PDF/HTML Page 204 of 4199
single page version

અનુભવ કરતાં આ નવતત્ત્વો સાચાં છે. પર્યાયબુદ્ધિથી જોતાં ભૂતાર્થ છે. વ્યવહારનયે નવતત્ત્વો છે; પણ એ સમ્યગ્દર્શનનો વિષય નથી. વેદાંત કહે છે પર્યાય નથી, તો એમ નથી. નવના ભેદની પર્યાય છે. વ્યવહારનયે, પર્યાયબુદ્ધિ કરીને એની સન્મુખ જોઈ એકપણે અનુભવ કરતાં નવતત્ત્વો ભૂતાર્થ છે, રાગની પર્યાય અને નિમિત્તની પર્યાય બન્નેને એકપણે અનુભવતાં નવતત્ત્વના ભેદો સત્યાર્થ છે.

અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને એટલે કે એક જ્ઞાયકમાત્ર દ્રવ્યસ્વભાવનો આશ્રય લઈને અર્થાત્ તે એકને એકપણે અનુભવ કરતાં તે નવતત્ત્વો અભૂતાર્થ છે, જીવના એકાકાર સ્વરૂપમાં એ નવતત્ત્વો નથી. એકરૂપ અભેદ જ્ઞાયકભાવ, એકાકાર સચ્ચિદાનંદસ્વભાવમાં અનેક પ્રકારના ભેદો નથી. અહો! આ તો શબ્દે શબ્દ મંત્ર છે. આ ધર્મ કેમ થાય એની વાત ચાલે છે. આ વ્યવહારનયે નવ છે એનું તાત્પર્ય શું? કે એ નવનું લક્ષ છોડીને એક સ્વભાવનું લક્ષ કરવું એ તાત્પર્ય છે. એ નવના લક્ષે ધર્મ ન થાય, પણ રાગ અને અધર્મ થાય અને અખંડ એક ત્રિકાળી જ્ઞાયકના આશ્રયે અર્થાત્ તે એકને એકપણે અનુભવતાં સમ્યગ્દર્શન થાય, ધર્મ થાય.

ભગવાન આત્મા, એકલો ચૈતન્ય જે પર્યાયની આડમાં, નવતત્ત્વની આડમાં દૂર હતો તે એકજ્ઞાયક ભાવની સમીપ જઈને તે એકને એકપણે અનુભવતાં તેમાં નવભેદો જણાતા નથી તેથી તે નવ અભૂતાર્થ છે. તેથી આ નવતત્ત્વોમાં ભૂતાર્થનયથી જોતાં એક જીવ જ પ્રકાશમાન છે, એક જ્ઞાયકભાવ જ પ્રકાશમાન છે.

એવી રીતે અંતર્દ્રષ્ટિથી જોઈએ તોઃ- જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વિકાર એટલે વિશેષ કાર્ય- જીવની પર્યાય. અહીં વિકાર એટલે દોષ એમ અર્થ નથી, પણ વિશેષ કાર્ય એમ સમજવું. વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ -એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે, જીવની પર્યાયો છે. અને પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવા આ નવતત્ત્વો એટલે જીવના વિકારો જેના અજીવ-હેતુઓ, છે એ નવતત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે-પોતે ઉપાદાન કારણ અને પર નિમિત્ત કારણ છે-એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે. પર્યાયો પર્યાયઅપેક્ષાએ છે. વ્યવહારનય છે. વ્યવહારનયનો વિષય પર્યાયો છે. એ જાણવા લાયક છે, પણ આશ્રય કરવા યોગ્ય નથી.

જીવદ્રવ્યનો સ્વભાવ સર્વકાળે અસ્ખલિત છે. પર્યાય છે એ તો બદલતો - પલટતો પ્રવાહ છે. ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય છે એ તો ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ અસ્ખલિત જેમાં


PDF/HTML Page 205 of 4199
single page version

વધઘટ નથી, ઓછું-અધિક નથી એવો એકરૂપ છે. પર્યાય છે એ તો ભિન્નભિન્ન યોગ્યતાથી થાય છે, સ્વભાવ એકસદ્રશ, નિત્ય, ધ્રુવ રહે છે. આવા ચિત્સામાન્ય અભેદ એકરૂપ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તે નવતત્ત્વો અભૂતાર્થ છે, જૂઠા છે. વ્યવહારનયે નવ સાચા છે, પણ સ્વભાવના અનુભવની દ્રષ્ટિમાં નવે અસત્યાર્થ છે. આવો સમ્યક્ અનેકાંતમાર્ગ છે, ભાઈ. એક અપેક્ષાએ વ્યવહારનયથી નવતત્ત્વો સાચાં કહ્યાં, તો એક અપેક્ષાએ ત્રિકાળ ધ્રુવ દ્રવ્યની દ્રષ્ટિમાં તે જણાતાં નથી, અનુભવાતાં નથી તેથી અસત્યાર્થ જૂઠાં કહ્યાં. જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષા બરાબર જાણવી જોઈએ.

તેથી આ નવતત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. નવતત્ત્વોમાં સત્દ્રષ્ટિથી-દ્રવ્યદ્રષ્ટિથી જોતાં જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશતો શુદ્ધનયપણે અનુભવાય છે. એ એકપણાનો અનુભવ થતાં આત્મા ત્રિકાળ ‘શુદ્ધ’ આવો છે એમ આત્મ-પ્રસિદ્ધિ થાય છે. ત્યારે જે આ અનુભૂતિ થઈ તે આત્મખ્યાતિ જ છે અને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે સર્વ કથન નિર્દોષ જ છે, બાધા રહિત છે. અહાહા! આ એકરૂપ ચૈતન્યઘનસ્વભાવની અનુભૂતિ તે આત્મખ્યાતિ આત્માની ઓળખાણ, અને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે.

* ગાથા –૧૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

નવતત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્ય-ચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. અહાહા! પર્યાયમાં નવતત્ત્વોના ભેદરૂપ પરિણમન હોવા છતાં, જેમાં વસ્તુની સ્થિતિ પ્રકાશમાન છે એવા શુદ્ધનયથી જોતાં એકલો જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, શુદ્ધ પ્રત્યક્ષ છે, નવતત્ત્વો કાંઈ જુદાં જુદાં દેખાતાં નથી.

જ્યાં સુધી આ રીતે એટલે શુદ્ધનયની દ્રષ્ટિ વડે જીવતત્ત્વનું જાણપણું નથી ત્યાં સુધી તે વ્યવહારદ્રષ્ટિ છે. માત્ર પર્યાયને, ભેદને જ માને એ ભેદદ્રષ્ટિ-વ્યવહારદ્રષ્ટિ છે. તે આ જીવ છે, પર્યાય છે, આસ્રવ છે, પુણ્ય છે ઈત્યાદિ જુદાં જુદાં નવતત્ત્વને જ માને છે તેથી મિથ્યાદ્રષ્ટિ છે. જીવ-પુદ્ગલના બંધરૂપ અવસ્થાદ્રષ્ટિથી જોતાં આ પદાર્થો જુદા જુદા દેખાય છે. અર્થાત્ પર્યાયદ્રષ્ટિથી જોતાં આ જીવ છે, પુણ્ય છે, પાપ છે એમ ભિન્ન ભિન્ન દેખાય છે. પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુદ્ગલનું નિજસ્વરૂપ-એટલે કે એક જ્ઞાયક આત્માનું શુદ્ધ સ્વરૂપ અને એકલા પુદ્ગલનું ભિન્ન સ્વરૂપ-એમ નિજસ્વરૂપ ભિન્ન ભિન્ન જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ નવતત્ત્વ કાંઈ વસ્તુ નથી; કેમકે એકલો જ્ઞાયકભાવ ભિન્ન અને પુદ્ગલ પણ ભિન્ન એમ જોતાં એ નવ ત્યાં દેખાતા નથી.


PDF/HTML Page 206 of 4199
single page version

જ્ઞાયકભાવ દ્રષ્ટિમાં આવતાં નિમિત્તનું લક્ષ છૂટી ગયું, અને નિમિત્તથી થતા ભાવોનું પણ લક્ષ છૂટી ગયું. એટલે એકલો જ્ઞાયકભાવ નજરમાં આવતાં નવભેદ બધા જૂઠા છે. અંતરમાં ભગવાન જ્ઞાયકભાવ ધ્રુવ ચૈતન્યઘનને જોતાં નિમિત્ત-નૈમિત્તિકભાવ રહેતા નથી, કારણ કે આ બાજુ અંતરમાં જોતાં નિમિત્ત રહેતું નથી. (નિમિત્તનું લક્ષ છૂટી જાય છે) અને નિમિત્તની અપેક્ષાવાળા ભાવ પણ થતા નથી. વસ્તુ વસ્તુમાં રહી જાય છે. પુણ્ય, પાપ, આસ્રવ, બંધ એ જીવની પર્યાયમાં થતા નૈમિત્તિક ભાવ છે, એમાં નિમિત્ત-કર્મના સદ્ભાવની અપેક્ષા આવે છે. અને સંવર, નિર્જરા અને મોક્ષ એ નૈમિત્તિકભાવમાં નિમિત્તકર્મના અભાવની અપેક્ષા આવે છે. હવે સહજ આત્મસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ જે ભગવાન આત્મા એને જોતાં આ નવભેદ દેખાતા નથી, રહેતા નથી, એટલે નિમિત્ત-નૈમિત્તિકભાવ મટી જાય છે. ત્યારે જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી. પુદ્ગલ પુદ્ગલરૂપે અને જ્ઞાયક જ્ઞાયકરૂપે ભિન્ન ભિન્ન થઈ જાય છે.

નવને જોનારી ભેદદ્રષ્ટિ એતો અનાદિની મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયના ભેદની રુચિમાં તો આખું દ્રવ્ય ઢંકાઈ ગયું છે. હવે ભેદ પરથી નજર હઠાવી, એક ત્રિકાળી જ્ઞાયકભાવને જોતાં જીવ-પુદ્ગલના સંબંધે જે ભેદવાળી પર્યાય હતી એ રહેતી નથી, કેમકે જ્ઞાયક ધ્રુવ ચૈતન્યપ્રકાશની દ્રષ્ટિ કરતાં નિમિત્ત-નૈમિત્તિકભાવનો અભાવ થઈ જાય છે. એકલા જ્ઞાયકને જોતાં ચૈતન્યસ્વરૂપ જે રાગની રુચિમાં ઢંકાઈ ગયું હતું તે પ્રગટ થાય છે. એનું નામ સમ્યગ્દર્શન છે. નવમાંથી એકલો જાણક, જાણક, જાણક- એવા ધ્રુવ સ્વભાવને ભિન્ન તારવી અનુભવવો એ સમ્યગ્દર્શન છે. આ સિવાય લાખો કરોડો રૂપિયા ખર્ચે અને મંદિરો બનાવે, દેવશાસ્ત્રગુરુને બહારથી માને કે નવતત્ત્વને ભેદરૂપ માને-એ બધું થોથેથોથાં છે, સમ્યગ્દર્શન નથી.

કળશટીકામાં તો ત્યાં સુધી કહ્યું છે કે-‘નવતત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે.’ નવતત્ત્વરૂપે તો આત્મા અનાદિથી પરિણમ્યો છે. અનાદિથી મિથ્યાદ્રષ્ટિ જીવને સંવર, નિર્જરા, મોક્ષ સાચાં નથી. અપેક્ષિત સંવર, નિર્જરા, મોક્ષ કહ્યા છે. મિથ્યાત્વમાં પણ અમુક પ્રકૃતિઓ બંધાતી નથી એ અપેક્ષાએ અબંધ ગણ્યો છે. તથા જેટલે અંશે આસ્રવ આદિની બીજી પ્રકૃતિઓ આવતી નથી એ અપેક્ષાએ સંવર ગણ્યો છે. સંવર એટલે સાચો સંવર એમ નહીં.

આવા નવતત્ત્વરૂપ વસ્તુને અનુભવતાં મિથ્યાત્વ છે; માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ છે. લ્યો, આ એકાંત કહ્યું. એ સમ્યક્ એકાંત છે, સમ્યક્ એકાંત. અંતરમાં ઢળે છે ત્યારે એને અનેકાંતનું સાચું જ્ઞાન થાય છે. નવતત્ત્વોમાંથી એક જ્ઞાયક


PDF/HTML Page 207 of 4199
single page version

તત્ત્વને ભિન્ન તારવી અનુભવે ત્યારે નવનું જ્ઞાન યથાર્થ થયું કહેવાય. પર્યાયથી ભેદરૂપ વસ્તુને જાણે તો અનેકાંત થાય એમ નથી. પર્યાય છે, નવના ભેદ છે-એ વાત તો બરાબર છે, પરંતુ એનો આશ્રય લેવો, એને જાણવા, માનવા એતો મિથ્યાદર્શન છે. શ્રીમદે કહ્યું છે કે -‘અનેકાંત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.’

એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીની બધી પર્યાયોમાં પણ વસ્તુ-દ્રવ્ય તો જ્ઞાયકપણે જ છે. શું એ દ્રવ્ય કાંઈ એકેન્દ્રિયની પર્યાયપણે થયું છે? એમ એ દ્રવ્ય શું આસ્રવની પર્યાયપણે થયું છે? એમ બંધભાવપણે દ્રવ્ય થયું છે? અહાહા...! એ તો જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયકરૂપે જ અનાદિ એકરૂપ રહ્યું છે. એકેન્દ્રિય, બે ઈન્દ્રિય, પંચેન્દ્રિય એ કાંઈ વાસ્તવિક જીવ નથી; અંદર જે જ્ઞાયકભાવ છે તે જીવ છે.

જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે,આ પુણ્ય, આ પાપ, આ સંવર, આ નિર્જરા, એમ વસ્તુને ભેદરૂપ જાણે; પણ શુદ્ધનયથી આત્માને જાણે નહીં ત્યાંસુધી પર્યાયબુદ્ધિ છે, દ્રવ્યબુદ્ધિ નથી. એક શુદ્ધનયથી આત્મવસ્તુને જાણ્યા વિના કદી સમ્યગ્દર્શન થાય નહીં.

શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમકિત છે, અન્યથા નહીં. પર્યાયથી વસ્તુને જુએ તો સમ્યગ્દર્શન થાય નહીં. દ્રવ્ય સાથે પર્યાયને ભેળવીને જુએ તો પણ સમકિત થઈ શકે નહીં. દ્રવ્યદ્રષ્ટિથી જ્યાંસુધી આત્માને દેખે નહીં ત્યાંસુધી પર્યાયબુદ્ધિ છે. નિયમસારની ગાથા પ ની ટીકામાં આવે છે કે -અંતઃતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ અને બહિઃતત્ત્વનો કોઈ અંશ ભેળવીને શ્રદ્ધા કરવી એ વ્યવહાર સમકિત છે. અંતઃતત્ત્વ એટલે પૂર્ણસ્વરૂપ શુદ્ધ જીવ વસ્તુ અને બહિઃતત્ત્વ એટલે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ બે ભેદોવાળા તત્ત્વો-એની શ્રદ્ધા એ વ્યવહાર સમકિત છે. વ્યવહાર સમકિત એટલે જ રાગ, વિકલ્પ. વ્યવહાર સમકિત એ રાગની પર્યાય છે, શુદ્ધ સમકિત છે જ નહીં. એ તો આરોપથી (સમકિત) છે નિશ્ચય વીતરાગી પર્યાય તે નિશ્ચય સમકિત, અને શ્રદ્ધાનો વિકલ્પ-રાગ તે વ્યવહાર સમકિત છે.

* કળશ ૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इति’ આ રીતે ‘चिरम् नवतत्त्वच्छन्नम् इदम् आत्मज्योतिः’ અનાદિકાળથી નવતત્ત્વમાં છુપાયેલી આ આત્મજ્યોતિ -જોયું? નવના ભેદની રુચિમાં આખો જ્ઞાયકભાવ ચૈતન્યજ્યોતિસ્વરૂપ અનંતકાળથી ઢંકાઈ ગયો છે. પર્યાયબુદ્ધિ વડે જેને પર્યાયની જ હયાતીનો સ્વીકાર છે એને નિજ ત્રિકાળી શુદ્ધાત્માનો નકાર છે, તેને શુદ્ધાત્મા અનાદિથી


PDF/HTML Page 208 of 4199
single page version

ઢંકાએલો છે. ત્યાં કંચન, કામિની અને કુટુંબ તો કયાંય બહાર રહી ગયાં-અજીવમાં રહી ગયાં. ફક્ત નવતત્વરૂપ ભેદોના પ્રેમની આડમાં આખો અભેદ આત્મા ઢંકાઈ ગયો છે એમ કહે છે.

ભેદની બુદ્ધિ કે રાગની બુદ્ધિ એ જ પર્યાયબુદ્ધિ છે. મિથ્યાદ્રષ્ટિને મુખ્ય ગુણોની નિર્મળ પર્યાય તો છે જ નહીં. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ ગુણની પર્યાયો નિર્મળ છે; પણ (સામાન્યપણે) અંશ જે પર્યાય એની પ્રીતિમાં આખો અંશી જે આત્મા ત્રિકાળી શુદ્ધ લુપ્ત થઈ ગયો છે. અરે! અનાદિથી નવતત્ત્વના ભેદરૂપ વસ્તુના અનુભવથી જીવ મિથ્યાદ્રષ્ટિ થઈ રહ્યો છે. એ નવતત્ત્વોમાં સંવર, નિર્જરા, મોક્ષ એ સાચાં નથી. (અપેક્ષિત છે). જ્ઞાયકભાવની દ્રષ્ટિ થતાં એ સાચા સંવરાદિ પ્રગટ થાય છે અને ત્યારે પર્યાયબુદ્ધિ રહેતી જ નથી, હોતી જ નથી. (જ્ઞાયકભાવની દ્રષ્ટિ પર્યાયબુદ્ધિના અભાવપૂર્વક હોય છે) બાપુ! તું જેની રુચિમાં હોઈશ ત્યાં રહીશ. અનંતકાળ રહેવું તો છે ને? જો પર્યાયબુદ્ધિની રુચિમાં હોઈશ તો મિથ્યાત્વમાં રહીને ચાર ગતિમાં રખડીશ. તથા જો દ્રવ્ય-દ્રષ્ટિ-જ્ઞાયકની દ્રષ્ટિમાં હોઈશ તો નિર્મળ પરિણમન થતાં સંસારથી મુક્ત થઈ નિર્મળતામાં રહીશ. ભાઈ! આ કાંઈ વાદ- વિવાદથી પાર પડે એમ નથી, આ તો સહજનો ધંધો છે.

હવે કહે છે-‘वर्णमाला–कलापे निमग्नं कनकम् इव’ જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલ એકાકાર સુવર્ણને બહાર કાઢે-એટલે જુદા જુદા રંગભેદમાં એકાકાર સોનું તો પડયું જ છે તેને અગ્નિની આંચ આપી બહાર કાઢે છે. આંચ આપતાં તેર-વલું, ચૌદ- વલું. પંદર-વલું એમ વર્ણભેદ પડે એમાં એકરૂપ એકાકાર સુવર્ણ પડયું છે એને બહાર કાઢે તેમ ‘उन्नीयमानम्’ નવતત્ત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. અહાહા...! ‘જ્ઞાન તે આત્મા’ એ જે અનુમાન થાય એ પણ વિકલ્પ છે, ભેદ છે. પણ એ વિકલ્પથી રહિત એકલો જ્ઞાયકભાવ શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવ્યો છે. ‘अथ’ માટે હે ભવ્યજીવો! ‘सततविवक्तं’ નિરંતર આ ચૈતન્યજ્યોતિને અન્યદ્રવ્યોથી તથા તેમનાથી થતા પુણ્ય, પાપ આદિ નૈમિત્તિક ભાવોથી ભિન્ન ‘एकरूपं’ એકરૂપ ‘द्रश्यताम्’ દેખો. સર્વ પ્રકારે એકરૂપને અનુભવો. નવતત્ત્વમાં આ એકરૂપ જ્ઞાયક જ સર્વસ્વ છે, એ એક જ સમ્યગ્દર્શનનો વિષય છે. તે એકરૂપ જ્ઞાયકને છે, ચારિત્ર તો પછી હોય. તેથી કહે છે આ એકરૂપ આત્માને જ દેખો-અનુભવો. ‘प्रतिपदम् उद्योतमानम्’ આ જ્યોતિ પદે પદે અર્થાત્ પર્યાયે પર્યાયે એકરૂપ ચિત્ચમત્કારમાત્ર પ્રકાશમાન છે. અરેરે! આવી વાત


PDF/HTML Page 209 of 4199
single page version

સાંભળવા પણ ન મળે એ શું કરે? ક્યાં જાય? નિરાધાર, અશરણ થઈને ચારગતિમાં રખડયા કરે. અહીં શરણની ચીજ શું છે એ દર્શાવતાં કહે છે-પ્રતિક્ષણ પર્યાયે પર્યાયે આ ચૈતન્ય તો ભિન્ન પ્રકાશમાન-ઉદ્યોતમાન છે.

* કળશ ૮ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો, ભિન્ન ભિન્ન પર્યાયમાં ભિન્ન ભિન્ન દેખાતો હતો; તેને શુદ્ધનયે એક ચૈતન્યચમત્કારમાત્ર દેખાડયો છે. એ વસ્તુએ સમ્યક્દર્શનનો વિષય, આ એકરૂપ શુદ્ધ ચૈતન્યરૂપ આત્માના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે; દેવ-ગુરુ-શાસ્ત્રના આશ્રયે કે શુભરાગના આશ્રયે કે ઉઘાડરૂપ ક્ષયોપશમના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. તેથી હવે સદા એકાકાર જ્ઞાયકભાવનો જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો. પર્યાયનો એકાંત અનુભવ મિથ્યાત્વ છે. તેથી પર્યાયબુદ્ધિ છોડો. એમ બહારમાં અને અંતરમાં નગ્ન એવા દિગંબર સંતો- કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આદિ ગુરુઓનો ઉપદેશ છે.

ગાથા–૧૩ઃ (ચાલુ) આગળની ટીકા પરનું પ્રવચન

નવતત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો. નવતત્ત્વોમાં જેટલા ભેદો છે તે સર્વ દૂર કરી અભેદ એક જ્ઞાયકભાવને જ ભૂતાર્થ કહ્યો; કેમકે એક ભૂતાર્થના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. આવી વસ્તુસ્થિતિ છે.

જેમ નવતત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, એકપણે- જ્ઞાયકભાવપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે. એકપણે પ્રકાશમાન આત્માના અધિગમનો એટલે જાણવાનો વાસ્તવિક ઉપાય તો જ્ઞાનની પર્યાયમાં (ભાવશ્રુત જ્ઞાનમાં) એક અખંડ ધ્રુવ જ્ઞાયકભાવને જાણવો-અનુભવવો એ છે. પણ ભગવાન સર્વજ્ઞદેવે કહેલી તત્ત્વવસ્તુને, પરમતમાં કહેલા તત્ત્વથી ભિન્ન જાણવા, નિશ્ચિત કરવા (સવિકલ્પ દશામાં) જે પ્રમાણ, નય અને નિક્ષેપ છે તે અધિગમના ઉપાયો કહ્યા છે. છતાં એ બધા વિકલ્પો છે. એના આશ્રયે વસ્તુતત્ત્વનો અનુભવ પ્રાપ્ત થતો નથી. તેથી અંતરંગ પ્રકાશમાન સ્વરૂપના અનુભવની અપેક્ષા એ સર્વ નિશ્ચયથી અભૂતાર્થ છે, જૂઠા છે. પ્રમાણ, નય, નિક્ષેપના ભેદો જે પ્રથમ વિકલ્પકાળમાં હોય છે તે વ્યવહારથી સત્ય છે, પણ અંતર અનુભવદ્રષ્ટિમાં એ બધા અભૂતાર્થ છે; કેમકે આવા વિકલ્પોથી આત્મા જણાય એવો નથી પણ નિર્વિકલ્પ અનુભવથી જ જણાય એમ છે. સહજ આત્મસ્વરૂપ એ સ્વાભાવિક સહજ-


PDF/HTML Page 210 of 4199
single page version

દ્રષ્ટિથી જ જણાય એવું છે. પ્રમાણાદિના વિકલ્પથી નહીં. તેથી પ્રમાણાદિ વિકલ્પોમાં પણ આત્મા એક જ પ્રકાશમાન છે.

હવે કહે છે- જ્ઞેય અને વચનોના ભેદથી પ્રમાણ આદિ અનેક ભેદરૂપ થાય છે. જ્ઞેયના પ્રકારઃ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ વગેરે. જ્ઞાનના પણ અનેક પ્રકાર છે- નિશ્ચય, વ્યવહાર આદિ. તેમાં પહેલાં પ્રમાણ બે પ્રકારે છેઃ એક પરોક્ષ અને બીજું પ્રત્યક્ષ. ઉપાત્ત અને અનુપાત્ત બે પરદ્વારો વડે પ્રવર્તે તે પરોક્ષ છે. ઉપાત્ત એટલે ઇન્દ્રિય, મન વગેરે પર પદાર્થો જે મેળવેલા છે, અનુપાત્ત એટલે પ્રકાશ, ઉપદેશ વગેરે અણમેળવેલા પર પદાર્થો. તે બન્ને પરદ્વારોથી જણાય તે પરોક્ષ છે. જુઓ, સર્વજ્ઞની વાણી, આગમપ્રમાણ એ પરોક્ષ છે. અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે, જેમાં મન, ઇન્દ્રિય આદિ કે ઉપદેશ આદિનો સંબંધ નથી એવા આત્માના આશ્રયે જ સીધું પ્રવર્તે તે પ્રત્યક્ષ છે.

પ્રમાણજ્ઞાન પાંચ પ્રકારે છેઃ મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય અને કેવળજ્ઞાન. તેમાં મતિ અને શ્રુતજ્ઞાન બે પરોક્ષ છે, અવધિ અને મનઃપર્યયજ્ઞાન એ બે વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણ છે. તે બન્ને, પ્રમાતા-જાણનાર, પ્રમાણ-જ્ઞાન, પ્રમેય-જાણવા લાયક વસ્તુ-એ ભેદોને અનુભવતાં ભૂતાર્થ છે. વ્યવહારથી એ વિકલ્પો છે એ અપેક્ષાએ સત્યાર્થ છે, પણ એ કાંઈ સમ્યગ્દર્શનનો વિષય નથી.

અને જેમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે, જેમાં પ્રમાણાદિના ભેદોનું લક્ષ અસ્ત થઈ ગયું છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે. અનંત અનંત આનંદ, જ્ઞાન, શાંતિ, પ્રભુતા, ઇશ્વરતા આદિ જેનું એક સ્વરૂપ છે એવા એકરૂપ ચૈતન્યનો અનુભવ કરતાં તે પ્રમાણના ભેદો અસત્યાર્થ છે.

લોકો કહે છે-રાગની મંદતા કરતાં કરતાં અનુભવ થાય. વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એટલે કે કષાયની મંદતા એ વ્યવહાર સાધન હોય તો નિશ્ચય આવે. પણ આ તદ્ન જૂઠી વાત છે. અહીં તો કહે છે કે પ્રમાણના ભેદો ઉપર જ્યાંસુધી લક્ષ છે ત્યાંસુધી સમ્યગ્દર્શનનો વિષય જે એકરૂપ આત્મા તે અનુભવમાં આવતો નથી. જીવને ક્રોધ, માન, માયા, લોભવાળો જાણવો એ તો પર્યાયબુદ્ધિ છે જ, પણ તેને મતિ, શ્રુત આદિ પર્યાયના (પ્રત્યક્ષ, પરોક્ષ પ્રમાણના) ભેદવાળો જાણવો એ પણ પર્યાયબુદ્ધિ છે, મિથ્યાદ્રષ્ટિ છે.

ભગવાને કહેલો જે આત્મા એને જાણવા માટે આ ઉપાયો કહ્યા તે (પ્રથમ અવસ્થામાં) સાચા છે, કેમકે બીજા અન્યમતીઓ આત્માને અનેક પ્રકારે કલ્પના કરીને


PDF/HTML Page 211 of 4199
single page version

કહે છે. અન્યમતીઓ કહે છે તેનાથી ભિન્ન આત્માનો યથાર્થ નિર્ણય કરવા આ ઉપાયો કહ્યા છે તે બરાબર છે. પરંતુ એ દ્વારા આત્મા જણાય એમ નથી. વિકલ્પ દ્વારા જાણતાં કેવળજ્ઞાનનું પ્રત્યક્ષપણું ખ્યાલમાં આવે, કેવળજ્ઞાન એક સમયમાં ત્રણ-કાળ ત્રણ લોકને પ્રત્યક્ષ જાણે એવો નિર્ણય આવે, તથા અવધિ, મનઃપર્યય દેશ પ્રત્યક્ષ છે એમ વિકલ્પથી નક્કી થાય, પરંતુ એ તો બધો ભેદનો પક્ષ છે. ભગવાન આત્મા અખંડ એકરૂપ ચિદાનંદઘનના એકપણાના અનુભવમાં આ ભેદનું આલંબન નથી. આવી વાત છે, બહુ ઝીણી, ભાઈ. આ તો વીતરાગનો માર્ગ વીતરાગી પર્યાયરૂપ ઉત્પન્ન થતો ભાવ છે, અને તે પૂર્ણવીતરાગ ચૈતન્ય સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થાય છે. તેથી તો કહે છે કે અખંડ એક વીતરાગમૂર્તિ પૂર્ણ ચૈતન્યભગવાનનો અનુભવ કરતાં આ પ્રમાણના ભેદો અભૂતાર્થ છે. અહાહા...! આ તો અંતરની લક્ષ્મી (ચૈતન્યલક્ષ્મી) પ્રાપ્ત કરવાના ઉપાયની વાત છે, બહારની ધૂળથી શું પ્રયોજન? હવે નય સંબંધી કહે છે. નય બે પ્રકારે છેઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. જે નય દ્રવ્યનું લક્ષ કરે એને દ્રવ્યાર્થિક નય કહીએ અને જે નય પર્યાયનું લક્ષ કરે એને પર્યાયાર્થિક નય કહીએ. દ્રવ્ય જેનું પ્રયોજન છે એ દ્રવ્યાર્થિક અને પર્યાય જેનું પ્રયોજન છે એ પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાય વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે દ્રવ્યને મુખ્યપણે જણાવે તે દ્રવ્યાર્થિકનય છે. અહીં અનુભવ એટલે સમ્યગ્દર્શન એ વાત નથી. (વિકલ્પપૂર્વક જાણવાના અર્થમાં અનુભવ શબ્દ છે) અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે પર્યાયનું મુખ્યપણે જ્ઞાન કરાવે તે પર્યાયાર્થિક નય છે. ભૂતાર્થનો અનુભવ તે સમ્યગ્દર્શન છે. ત્યાં જે ભૂતાર્થને મુખ્ય કહ્યો તે કોઈ રીતે કયારેય ગૌણ ન થાય. ભૂતાર્થ જે ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ જેના આશ્રયે સમ્યગ્દર્શન થાય તે તો મુખ્ય જ છે, હંમેશાં મુખ્ય છે. અહીં જાણવામાં મુખ્ય, ગૌણ થાય એ બીજી વાત છે. આમાં વળી પર્યાય પણ મુખ્યપણે આવે છે. પરંતુ અનુભવમાં (અનુભવના વિષયમાં) પર્યાય કદી મુખ્ય હોઈ શકે નહીં. શું કીધું? જે ભૂતાર્થ ત્રિકાળી ચીજ છે, પુણ્ય-પાપના વિકલ્પ વિનાની, એક સમયની પર્યાય વિનાની, તે નિત્ય સત્ય છે, અને જે પર્યાય છે એને ગૌણ કરીને અસત્ય કહી છે. પર્યાય કદીય મુખ્ય થાય એમ બને નહીં. પણ અહીં જે બન્નેને મુખ્ય કહ્યાં છે તે જાણવા માટે કહ્યાં છે. (જાણવાની અપેક્ષાએ છે.) તે બન્ને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, ક્રમથી) અનુભવ કરતાં એટલે કે દ્રવ્ય અને પર્યાયના ભેદથી-ક્રમથી જાણવામાં આવે તો એ ભૂતાર્થ છે. પર્યાયલક્ષે


PDF/HTML Page 212 of 4199
single page version

એ બન્ને ભૂતાર્થ છે. આગળ કહ્યું કે ભૂતાર્થ એક છે. અહીં કહે છે બન્ને ભૂતાર્થ છે. દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી અનુભવ કરતાં બંને ભૂતાર્થ છે. બે છે એ રીતે બેનું જ્ઞાન કરાવે છે. તે બેની અપેક્ષાએ બેપણાનું જ્ઞાન અને બેપણું સત્ છે એટલું. એ આશ્રય કરવા લાયક છે એમ નહીં.

૧૧ મી ગાથામાં એમ કહ્યું કે-ભૂતાર્થ છે તે શુદ્ધનય છે અને પર્યાય છે તે અભૂતાર્થ છે. પર્યાય જે અસત્ય છે તે કોઈ કાળે સત્ય થાય નહીં. પણ પર્યાય પર્યાય તરીકે સત્ય છે, ત્રિકાળની અપેક્ષાથી અસત્ય છે. એક અપેક્ષાથી ત્રિકાળ આત્માને ભૂતાર્થ કહે અને વળી એક અપેક્ષાથી દ્રવ્ય અને પર્યાય બેયને ભેદથી, ક્રમથી જાણવું એ ભૂતાર્થ છે એમ કહે, ત્યાં અપેક્ષા બરાબર સમજવી જોઇએ દ્રવ્યને મુખ્ય કરી દ્રવ્યને જાણવામાં આવે ત્યાં પર્યાય ગૌણ છે, અને પર્યાયને મુખ્ય કરી પર્યાયનું જ્ઞાન કરવામાં આવે ત્યારે દ્રવ્ય ગૌણ છે. આ તો બે નયપક્ષ છે, ભેદરૂપ વિકલ્પો છે. એ છે એ અપેક્ષાએ બન્ને ભૂતાર્થ છે. આશ્રય કરવા લાયક ભૂતાર્થ એ વાત અહીં નથી. અહીં તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નયો છે, એ ‘છે’ એ અપેક્ષાએ બન્નેને ભૂતાર્થ કહ્યા. જેના આશ્રયે સમ્યગ્દર્શન થાય એ ભૂતાર્થ તે આ નહીં. અહો! દિગંબર સંતોએ ગજબ કામ કર્યાં છે.

હવે કહે છે-દ્રવ્ય અને પર્યાય એ બન્નેથી નહિ આલિંગન કરાયેલા-એટલે કે દ્રવ્યાર્થિકનયે દ્રવ્યને મુખ્ય કરી જાણવું તથા પર્યાયાર્થિકનયે પર્યાયને મુખ્ય કરી જાણવું- એવા બન્ને ભેદપક્ષથી નહિ સ્પર્શાયેલા અથવા બન્ને પ્રકારના વિકલ્પોથી રહિત એવા શુદ્ધવસ્તુમાત્ર ત્રિકાળી એકરૂપ શુદ્ધ ચૈતન્યભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, તે બન્ને નયના ભેદો અસત્યાર્થ છે, જૂઠા છે.

ઘડીકમાં સાચા અને ઘડીકમાં ખોટા? ભાઈ જે અપેક્ષા હોય તે બરાબર સમજવી જોઈએ. વ્યવહાર વ્યવહારની અપેક્ષાએ નથી? પર્યાય પર્યાયપણે નથી? પર્યાય નથી તો દ્રવ્ય એકલું રહી જાય. તો એકાંત થઈ જાય. પર્યાય પર્યાયપણે છે. તે શુદ્ધજીવવસ્તુમાં નથી. એવા શુદ્ધજીવવસ્તુનો અનુભવ થાય છે તો પર્યાયમાં. પર્યાય વસ્તુથી ભિન્ન રહી આખી વસ્તુને જાણી લે છે. પર્યાય દ્રવ્યમાં-શુદ્ધજીવવસ્તુમાં નથી, પણ પર્યાયમાં આખું દ્રવ્ય જણાઈ જાય છે.

દ્રવ્ય જે વસ્તુમાત્ર અખંડ છે એ ત્રિકાળી સત્ છે. પણ એ સત્ને જાણનારી પર્યાય છે ને? વેદાંત એમ કહે છે આત્મા ‘કૂટસ્થ’ છે. તો એ કૂટસ્થને જાણ્યું કોણે? કૂટસ્થ કૂટસ્થને જાણે? અહીં આત્મા છે ધ્રુવ કૂટસ્થ. ધ્રુવ એ કૂટસ્થ છે. પણ જાણ્યું કોણે? તો પર્યાયે. અનિત્ય પર્યાય તે નિત્યને જાણે છે, અને તે પર્યાય દ્રવ્યને અડયા વિના નિત્યને જાણે


PDF/HTML Page 213 of 4199
single page version

છે. આવી વાત છે. એક વાત ફરે તો આખી વાત ફરી જાય છે. વેદાંત એક જ કહે છે. પણ એક છે એનો નિર્ણય કોણે કર્યો? પર્યાયે. તો પર્યાય છે કે નહીં? પર્યાય છે, પણ તે આશ્રય કરવા લાયક નથી. આશ્રય કરનાર તો પર્યાય છે.

અહીં કહે છે ચૈતન્યમાત્ર એકરૂપ સ્વભાવનો અનુભવ કરતાં એટલે ચૈતન્યમાત્ર-વસ્તુનું પર્યાયમાં વેદન કરતાં અર્થાત્ આનંદનું વેદન પર્યાયમાં આવતાં એ પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ અને નયના વિકલ્પો-એ બધું જૂઠું છે. [આગળ (નયોના ભેદોની ચર્ચામાં) જે ‘અનુભવ’ શબ્દ હતો એમાં તો જાણવાની અપેક્ષા હતી.] ભેદથી જોતાં એ સાચા છે, પણ અભેદમાં ભેદ દેખાતા નથી એથી તે અસત્યાર્થ છે. અભેદમાં ભેદ દેખાય તો અભેદ રહે નહીં. ભેદના લક્ષે જ ભેદ દેખાય.

પહેલાં પ્રમાણની વાત કરી, પછી નયની કરી હવે નિક્ષેપ સંબંધી કહે છે. નિક્ષેપના ચાર ભેદ છેઃ નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ.

વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી વ્યવહારે સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે. જેમકે કોઈનું નામ મહાવીર રાખવામાં આવે એ નામ નિક્ષેપ છે. ‘આ તે છે’ એમ અન્ય વસ્તુનું અન્ય વસ્તુમાં પ્રતિનિધિત્વ સ્થાપિત કરવું-પ્રતિમારૂપ સ્થાપના કરવું તે સ્થાપના નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. ભવિષ્યમાં તીર્થંકર થવાના હોય તેને વર્તમાનમાં તીર્થંકર કહેવા તે દ્રવ્ય નિક્ષેપ છે. ચોવીસ ભગવાન થઈ ગયા. એ તો હમણાં સિદ્ધપણે છે. છતાં ‘લોગસ્સ’ માં ચોવીસ તીર્થંકરની સ્તુતિ જે કહેવામાં આવે છે તે દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ છે. જેમકે વર્તમાનમાં કોઈ જીવને કેવલજ્ઞાન અને પરમાત્મદશા છે એને એ રીતે વર્તમાનમાં જાણવું એ ભાવ નિક્ષેપ છે.

એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી અનુભવ (જ્ઞાન) કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે. જ્ઞાનની અપેક્ષાએ એ ચારેય પ્રકારનું જ્ઞાન કરવું એ બરાબર છે; પણ વસ્તુસ્થિતિએ નહીં; ભિન્ન એટલે કે જે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર લક્ષણોથી રહિત એક પોતાના ચૈતન્યલક્ષણરૂપ જીવસ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, જૂઠા છે. નામ, સ્થાપનાદિ એ તો જ્ઞેયના ભેદો છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયનો ભેદ માલૂમ પડવો એ વિકલ્પ છે, રાગ છે. પર્યાયમાં એ ચાર નિક્ષેપોને જાણવા એ અપેક્ષાએ એ ચાર છે, પણ ચૈતન્યલક્ષણરૂપ નિજ એકરૂપ જ્ઞાયકભાવનો અનુભવ કરતાં ચારેય જૂઠા છે.


PDF/HTML Page 214 of 4199
single page version

આ રીતે ભૂતાર્થ-સત્યાર્થ દ્રષ્ટિથી જોઈએ તો પ્રમાણ-નય-નિક્ષેપોમાં એક જીવ જ પ્રકાશમાન છે. ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ જ આત્મા છે. એવા આત્માની દ્રષ્ટિ અને અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે.

* ગાથા–૧૩ઃ (ચાલુ) ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આ પ્રમાણ-પ્રત્યક્ષ અને પરોક્ષ, નય-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, તથા નિક્ષેપનામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-આ ત્રણેનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું. તેમનાથી દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. શું કહે છે? દ્રવ્ય નામ વસ્તુ અને પર્યાય નામ અવસ્થા-હાલત. આદિ-અંત વિનાની ત્રિકાળ ધ્રુવ અવિનાશી ચીજ આત્મવસ્તુ એને દ્રવ્ય કહે છે. એની બદલતી દશા-મતિ, શ્રુત આદિને પર્યાય કહે છે. આવી દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુ છે. વેદાંત એકલા દ્રવ્યને-કૂટસ્થને જ માને છે, બૌદ્ધ એકલી પર્યાયને જ માને છે. ભગવાન સર્વજ્ઞે દ્રવ્ય પર્યાયસ્વરૂપ વસ્તુને જાણી છે અને એવી જ કહી છે. આવી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુને પ્રથમ અવસ્થામાં સિદ્ધ કરવા માટે એ પ્રમાણ, નય, નિક્ષેપ બરાબર છે. (હોય છે) એનાથી વસ્તુની સિદ્ધિ થાય છે. આ સમ્યગ્જ્ઞાનની વાત નથી. (આમ જાણવાથી સમ્યગ્જ્ઞાન થાય એમ કહેવું નથી.) જ્ઞાનના વિશેષ ભેદ છે એટલું. સાધક અવસ્થામાં તેઓ સત્યાર્થ જ છે. ત્રિકાળી જ્ઞાયકભાવ એ દ્રવ્ય છે, એક સમયની પર્યાય એ ભેદ છે એમ સાધવું એ વ્યવહારથી સત્યાર્થ છે, કેમકે જ્ઞાનના એ વિશેષો છે, એના વિના વસ્તુને સાધવામાં આવે તો વિપરીતતા થઈ જાય. એનાથી વસ્તુની યથાર્થ સિદ્ધિ થાય છે, અન્યથા વિપરીતતા થઈ જાય છે.

હવે કહે છે અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની પણ રીત છેઃ- પ્રથમ અવસ્થામાં પ્રમાણ, નય, નિક્ષેપથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન-શ્રદ્ધાનની સિદ્ધિ કરવી. શું કહે છે? પ્રથમ પ્રમાણ-નય-નિક્ષેપ દ્વારા વસ્તુને સાધીને યથાર્થ નિર્ણય કરવો કે વસ્તુ-આત્મા ત્રિકાળ એકરૂપ અખંડ ચૈતન્યઘનસ્વરૂપ છે. એનાં જ્ઞાન-શ્રદ્ધાન (વિકલ્પરૂપ) કરવાં વ્યવહારની વાત છે.

જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકદેવ-જે ચૈતન્યના નૂરના તેજનું પૂર એવા આત્માનું જ્ઞાન કરવું. અહીં જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ શુદ્ધજીવવસ્તુનું જ્ઞાન થવું એને જ્ઞાન કરવું એમ કહ્યું છે. પર્યાયમાં ત્રિકાળી આત્માનું જ્ઞાન થવું એને આત્મજ્ઞાન-સમ્યગ્જ્ઞાન કહે છે. પહેલાં પ્રમાણ, નય, નિક્ષેપથી વસ્તુને યથાર્થ જાણી જ્ઞાન-શ્રદ્ધાન કરવું એમ કહ્યું હતું એ તો વ્યવહારથી મન વડે વિકલ્પમાં નિર્ણય કરવાની વાત હતી. અહીં તો વસ્તુતત્ત્વના અંતર અનુભવપૂર્વક સમ્યગ્દર્શન- સમ્યગ્જ્ઞાનની વાત કરી છે.


PDF/HTML Page 215 of 4199
single page version

શરીર, મન, વાણી એ તો માટી-જડ-ધૂળ છે. એ કોઈ આત્મા નથી. અંદર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ કર્મ છે એ પણ જડ-ધૂળ છે. વળી દયા, દાન, પૂજા, ભક્તિ વગેરે જે શુભભાવ થાય છે તે પુણ્ય-રાગ છે, તથા હિંસા, જૂઠ, ચોરી, ભોગ, વિષય-વાસના એ પાપ-રાગ છે. આ પુણ્ય-પાપના રાગથી ભિન્ન અંદર જે ત્રિકાળ ધ્રુવ આત્મવસ્તુ ચૈતન્યરૂપ છે એને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં લક્ષમાં લેવી એને જ્ઞાન (સમ્યગ્જ્ઞાન) કહેવામાં આવે છે.

નિયમસારમાં ગાથા ત્રણમાં આવે છે કે-‘પરદ્રવ્યને અવલંબ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે.’ પરિજ્ઞાન કહેતાં સમસ્ત પ્રકારે જ્ઞાન થવું-જેવો આત્મા પૂર્ણ-પરિપૂર્ણ છે એવું જ્ઞાન થવું એનું નામ સમ્યગ્જ્ઞાન છે. શાસ્ત્રનું ભણતર-જ્ઞાન એ કાંઈ જ્ઞાન નથી.

જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે પ્રમાણાદિની કોઈ આવશ્યકતા નથી. પછી પ્રમાણ, નય, નિક્ષેપથી વસ્તુસ્વરૂપ સિદ્ધ કરવાનું રહેતું નથી. અનુભવમાં આવી ગયું કે આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે એટલે એનાં સમ્યગ્જ્ઞાન અને પ્રતીતિ થઈ ગયાં. હવે એ પૂર્ણસ્વરૂપમાં સ્થિરતા કરવાનું જ બાકી છે.

પરંતુ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણાદિના આલંબનથી વિશેષજ્ઞાન થાય છે અને રાગ-દ્વેષ-મોહકર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. એટલે કે જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી જ્યાંસુધી પૂર્ણ ચારિત્ર પ્રગટ ન થાય ત્યાંસુધી નય- નિક્ષેપથી જાણવું હોય છે. નય-નિક્ષેપથી ચારિત્રના સ્વરૂપનું જ્ઞાન થવું (વિકલ્પ ઊઠે તે) એ વ્યવહાર ચારિત્ર છે. અને અંદર જ્ઞાનસ્વરૂપમાં અતીન્દ્રિય આનંદરૂપ સ્થિરતા થવી એ નિશ્ચયચારિત્ર છે. દેહની ક્રિયા એ તો જડ-પુદ્ગલની ક્રિયા છે, એ કાંઈ ચારિત્ર નથી. અંદર અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ એવા પાંચ મહાવ્રતના વિકલ્પ ઊઠવા એ પણ રાગભાવ છે. એનાથી રહિત પરિપૂર્ણ આનંદમૂર્તિ ભગવાન આત્મામાં નિર્વિકલ્પ સ્થિરતા થવી એ ચારિત્ર છે. આમ નય-નિક્ષેપથી ચારિત્રનું સ્વરૂપ જાણી આનંદનો નાથ પરિપૂર્ણ ભગવાન આત્મા જે જ્ઞાન-શ્રદ્ધાનમાં લીધો છે તેમાં ચરવું, રમવું, સ્થિર થવું એ નિશ્ચયચારિત્ર છે. ત્રિકાળીમાં લીન થવું, પણ જ્ઞાન-શ્રદ્ધાનમાં લીન થવું એમ કહ્યું નથી; કેમકે એ તો પર્યાય છે.

(ક્રમશઃ) ત્રિકાળી ભગવાન આત્મામાં પરિપૂર્ણ લીનતા કરવાથી રાગ-દ્વેષ- મોહનો સર્વથા અભાવ થાય છે અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. જેવી સ્વરૂપસ્થિતિ છે તેવી પર્યાયમાં પ્રગટ થાય છે; તેથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. કેવળજ્ઞાન થયા પછી પ્રમાણ


PDF/HTML Page 216 of 4199
single page version

આદિનું આલંબન રહેતું નથી. ત્યારપછી ‘णमो सिद्धाणं’-સિદ્ધ અવસ્થા પ્રગટ થાય છે, ત્યાં પણ કોઈ આલંબન નથી. એ પ્રમાણે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપનો અભાવ જ છે.

હવે એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે.

* કળશ–૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે એટલે કે પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં શ્રદ્ધાન, જ્ઞાન અને લીનતા કરી કહે છે કે-‘अस्मिन् सर्वङ्कषे धाम्नि अनुभवम् उपयाते’ આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્યચમત્કારમાત્ર તેજઃપુંજ આત્મા, તેનો અનુભવ થતાં ‘नयश्रीः न उदयति’ નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.

શું કહે છે? શુદ્ધનય જે જ્ઞાનની પર્યાય છે એનો વિષય ત્રિકાળી વસ્તુ શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર તેજઃપુંજ છે. ભગવાન આત્મા ત્રણકાળ ત્રણલોકને જાણી શકે એવી શક્તિથી પરિપૂર્ણ ચૈતન્યચમત્કાર વસ્તુ પ્રકાશમાન જ્ઞાનજ્યોતિસ્વરૂપ છે. શુદ્ધનય, સર્વ-ભેદોને-નવતત્ત્વના ભેદોને ગૌણ કરી એટલે અજીવ જે જડ છે તેનું લક્ષ છોડી, અંદર પુણ્ય-પાપ જે થાય છે તેનું લક્ષ છોડી, તથા સંવર, નિર્જરા, મોક્ષ જે (ધ્રુવની અપેક્ષા) બહિઃતત્ત્વ છે એનું પણ લક્ષ છોડી એક ત્રિકાળી શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ આત્માને દેખે છે. અજ્ઞાનીને દયા, દાનાદિ રાગના, નવતત્ત્વના ભેદોના પ્રેમની આડમાં ચૈતન્યચમત્કારમાત્ર આત્મા દેખાતો નથી. પરંતુ શુદ્ધનય એ સર્વ ભેદોને ગૌણ કરી અનંત શક્તિસંપન્ન ત્રિકાળી શુદ્ધ જીવવસ્તુને દેખે છે, અનુભવે છે. તેનો અનુભવ થતાં, તેને અનુસરીને વેદન થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.

તેનો અનુભવ થતાં-કોનો? શુદ્ધનયના વિષયભૂત, ધ્યાનના ધ્યેયભૂત જે ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ ધ્રુવ છે તેનો. અહાહા...! ધ્યાનનું ધ્યેય જે પૂર્ણાત્મા- આનંદકંદ ચૈતન્યચમત્કાર તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, એટલે આ દ્રવ્યાર્થિક નયે દ્રવ્ય છે અને પર્યાયાર્થિકનયે પર્યાય છે એવા નયવિકલ્પો ઉત્પન્ન થતા નથી.

કોઈ કહે આવો ધર્મ તે કઈ જાતનો? આ તે શું જૈનધર્મ છે? શું સર્વજ્ઞ પરમેશ્વરે આવું કહ્યું હશે? અત્યારસુધી તો બ્રહ્મચર્ય પાળવું, લીલોતરી ન ખાવી, કંદમૂળ ન ખાવાં, દયા પાળવી ઇત્યાદિને ધર્મ માનતા હતા.


PDF/HTML Page 217 of 4199
single page version

ભાઈ, પરના ગ્રહણ-ત્યાગ આત્મામાં છે નહીં. પરનો ત્યાગ કર્યો એમ માનવું એ મિથ્યાત્વ છે મેં બધું છોડી દીધું એવું અભિમાન (માન્યતા) એ પણ મિથ્યાત્વ છે. અને એવા લોકોને ત્યાગી માને એ બધા મિથ્યાદ્રષ્ટિ છે. કેમકે પરવસ્તુને આત્માએ ગ્રહી નથી તો છોડે કયાંથી? પર ચીજ-શરીર, મન, વાણી, સ્ત્રી, પુત્ર, સંપત્તિ, દેશ ઇત્યાદિનું ગ્રહણ કર્યું હોય તો ત્યાગ હોય. પણ એનું ગ્રહણ કર્યું જ નથી ને. હા, પર્યાયમાં વિકારને અજ્ઞાનભાવ વડે ગ્રહણ કીધો છે. એનો ત્યાગ એ પણ કથનમાત્ર છે. રાગના ત્યાગનો કર્તા માનવો એ વ્યવહાર કથનમાત્ર છે. પરમાર્થે રાગનો કર્તા આત્મા નથી. સમયસાર ગાથા ૩૪ માં આવે છે કે-પરમાર્થે પરભાવના ત્યાગનો કર્તા આત્મા નથી. આત્મા તો ચૈતન્યચમત્કાર-માત્ર તેજઃપુંજ છે. તેમાં રાગ છે અને એને છોડવો એવું છે નહીં. રાગ પરવસ્તુ છે, તેથી રાગને છોડવો એ પણ નથી. બહુ ઝીણું પડે એટલે કહે આ તો નિશ્ચયની વાતો છે, પણ આ તો વસ્તુસ્વરૂપનો ભગવાનનો કહેલો માર્ગ છે.

ભગવાનની વાણી સાંભળવા એકાવતારી ઇન્દ્રો આવે છે. સૌધર્મ-દેવલોક છે ને? તેનાં ૩૨ લાખ વિમાન હોય છે. એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. એનો સ્વામી શક્રેન્દ્ર એકાવતારી હોય છે. તે એક ભવ કરી મોક્ષ જશે. અને એની હજારો ઇંદ્રાણી પૈકી જે મુખ્ય પટરાણી છે તે પણ એકાવતારી હોય છે. તે પણ ત્યાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ જશે. અહાહા...! તે જ્યારે સમોસરણમાં દિવ્યધ્વનિ સાંભળતા હશે, ગણધરો, મુનિવરો સાંભળતા હશે તે દિવ્યધ્વનિ-જિનવાણી કેવી હશે? દયા પાળો એવી વાત તો કુંભારે ય કહે છે. અહીં તો પરમેશ્વરની વાણી અનુસાર કહે છે કે પરની દયા તો આત્મા પાળી શકતો નથી, પરંતુ પરની દયાનો જે વિકલ્પ ઊઠે છે તે રાગ છે, એ આત્માની હિંસા છે. તથા પરની દયા પાળી શકું છું એ માન્યતા મિથ્યાત્વ છે.

આવો માર્ગ છે, ભગવાન! બધા આત્મા સ્વભાવે ભગવાન છે. એવા ભગવાન આત્માનો અનુભવ થતાં અનેક પ્રકારના નયવિકલ્પો ઉત્પન્ન થતા નથી, તથા ‘प्रमाणं अस्तं एति’ પ્રમાણ અસ્ત થઈ જાય છે. કેવળજ્ઞાન પ્રત્યક્ષ અને મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે એવા વિકલ્પ અસ્ત પામી જાય છે. ‘अपि च’ અને ‘निक्षेपचक्रम् क्वचित् याति, न विद्मः’ નિક્ષેપોનો સમૂહ કયાં જતો રહે છે એ અમે જાણતા નથી. આત્માનુભવમાં નામ, સ્થાપનાદિ નિક્ષેપોના વિકલ્પો નાશ પામી જાય છે. ‘किम् अपरम् अभिदध्मः’ આથી અધિક શું કહીએ? ‘द्वैतम् एव न भाति’ દ્વૈત જ ભાસતું નથી. અહાહા...! શુદ્ધ ચૈતન્યઘન પરમ સામાન્યસ્વભાવ જીવવસ્તુનો અનુભવ થતાં બેપણું જ ભાસતું નથી. ગુણ-ગુણીનો ભેદ તો દૂર રહો, પણ આ અનુભવની પર્યાય અને જેને અનુભવે-જાણે તે આ ત્રિકાળી શુદ્ધ


PDF/HTML Page 218 of 4199
single page version

આત્મા-એમ બેપણું જ ભાસતું નથી. અનુભવમાં એકપણે જે ચીજનો અનુભવ છે તે જ ભાસે છે. ઘણું સૂક્ષ્મ, ભાઈ. (ઉપયોગ સૂક્ષ્મ કરે તો સમજાય એમ છે.)

* કળશ–૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

ભેદનેઅત્યંત ગૌણ કરીને કહ્યું છે કે-પ્રમાણ-નયાદિ ભેદની તો વાત જ શી? ભેદને ગૌણ કરવો એટલે આ પર્યાય છે, આ દ્રવ્ય છે-એમ ભેદનું લક્ષ છોડી દેવું. પર્યાય નથી એમ પર્યાયનો અભાવ કરીને લક્ષ છોડી દેવું એમ નહીં, પણ પર્યાયને ગૌણ કરીને-પેટામાં રાખીને એનું લક્ષ છોડી દેવાની વાત છે.

ભગવાન આત્મા નિત્ય, ધ્રુવ, આદિ-અંત વિનાની, પરમપારિણામિકભાવરૂપ, અખંડ અભેદ વસ્તુ છે, ત્રિકાળ શુદ્ધ છે. એને વર્તમાન હાલતથી જોવામાં આવે તો પર્યાય છે. પર્યાય કહો, હાલત કહો, દશા કહો, અંશ કહો, અવસ્થા કહો બધું એકાર્થ છે. પરંતુ શુદ્ધચૈતન્યઘન શાશ્વત એક જ્ઞાયકભાવની દ્રષ્ટિ થતાં પર્યાયનો ભેદ ગૌણ થઈ જાય છે. દ્રવ્યને વિષય તો પર્યાય કરે છે, પણ તેમાં પર્યાયભેદ ગૌણ થઈ જાય છે. વર્તમાન પર્યાય ત્રિકાળીમાં દ્રષ્ટિ કરી ઝૂકે ત્યાં અભેદ એકરૂપ આત્માનો અનુભવ થાય છે. એ સમ્યગ્દર્શન છે.

ભાઈ! તારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તો પર્યાયમાત્રને ગૌણ કરી અસત્યાર્થ કર. નિયમસાર ગાથા પ૦માં નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી છે, ગૌણ કરીને અસત્યાર્થ કહી છે; કેમકે જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી એવી રીતે પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. અહીં કહે છે-શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી જે આત્મા એનો અનુભવ થતાં દ્વૈત જ પ્રતિભાસતું નથી, પ્રમાણ, નય, નિક્ષેપની તો વાત જ શું? એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.

આ સમજ્યા વિના વ્રત, તપ અને ભક્તિ આદિ બધું વર વિનાની જાન જેવું છે. આત્મા ‘વર’ જે મુખ્ય ચીજ છે તેને છોડી લોકો ક્રિયાકાંડમાં ચઢી ગયા છે. એ ક્રિયાકાંડમાં બહારથી બીજા કરતાં વિશેષ દેખાય તો ઓ હો હો એમ એને મહિમા થઈ જાય છે. પણ પ્રભુ! એકવાર સત્ય શું છે એ સાંભળ તો ખરો. આ વીતરાગનો માર્ગ તો લોકો માને છે એનાથી જુદો અલૌકિક છે. કોઈની સાથે એની મેળવણી થઈ શકે તેમ નથી. ભગવાન સર્વજ્ઞ એમ ફરમાવે છે કે આ અખંડ આનંદસ્વરૂપ ચૈતન્યઘન જે વસ્તુ એમાં દ્રવ્યકર્મ અને રાગ તો નથી પણ જે વર્તમાન પર્યાય વસ્તુનો અનુભવ કરે છે તે પર્યાય પણ વસ્તુ-દ્રવ્યમાં નથી. પર્યાયમાં ત્રિકાળીનો અનુભવ થાય તોપણ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ (ત્રિકાળી) દ્રવ્યનું જ્ઞાન આવે છે. આવી અપૂર્વ વાત છે, ભાઈ! આવી એકરૂપ


PDF/HTML Page 219 of 4199
single page version

ચૈતન્યવસ્તુનો અનુભવ થતાં કોઈ ભેદ જણાતો નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે. એકાંત થઈ ગયું ને? સમ્યક્અનુભવમાં એકાંત જ જણાય છે. એને સમ્યગ્દર્શન અને ધર્મ કહેવામાં આવે છે.

અહીં વિજ્ઞાનાદ્વૈતવાદી તથા વેદાંતી કહે છે કે-અંતે તો પરમાર્થરૂપ અદ્વૈતનો જ અનુભવ થયો. અમે તો અદ્વૈત કહીએ જ છીએ. તમારામાં પણ અદ્વૈત આવ્યું. તમે કહ્યું ને કે-‘અનુભવમાં દ્વૈત જ ભાસતું નથી’-દ્વૈત કાંઈ છે જ નહીં. એ જ અમારો મત છે. વેદાંત કહે છે કે એક જ આત્મા સર્વવ્યાપક અભેદ છે. વિજ્ઞાન-અદ્વૈતવાદી પણ એવું કહે છે. આ રીતે અજ્ઞાની પ્રશ્ન કરે છે કે નય, નિક્ષેપની બહુ લાંબીલાંબી વાત કરીને તમે વિશેષ શું કહ્યું? તેનો ઉત્તરઃ–

તમારા મતમાં સર્વથા અદ્વૈત-એટલે બે નહીં, એક જ માનવામાં આવે છે. અજ્ઞાનીના મત પ્રમાણે સર્વથા અદ્વૈત માનવામાં આવે તો પર એવી બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય. આત્મા રાગ, આદિ જે પરજ્ઞેયને જાણે છે તે સર્વ ચીજનો અભાવ થઈ જાય. પણ એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે, અપેક્ષાથી કથન છે. તે બાહ્યવસ્તુનો લોપ કરતી નથી. બાહ્ય ચીજ બાહ્ય ચીજમાં તો છે, તે આત્મામાં નથી. રાગ રાગપણે છે, પર્યાય પણ પર્યાયપણે છે. કોઈ બાહ્ય વસ્તુ અભાવરૂપ નથી. અમારે ત્યાં તો નયવિવક્ષા છે. નિશ્ચયનયના વિષયનો અનુભવ થતાં દ્વૈત દેખાતું નથી એમ છે. એમ કહેવાથી બાહ્ય ચીજ, રાગ, પર્યાય નથી એમ નથી. શુદ્ધ દ્રવ્ય અનુભવમાં આવતાં વિકલ્પ મટી જાય છે એટલું જ પ્રયોજન છે. પૂર્ણાનંદનો નાથ જે શુદ્ધ જ્ઞાયકભાવ એના તરફના ઝૂકાવથી જ્યારે અનુભવ થાય છે ત્યારે ભેદનો વિકલ્પ મટી જાય છે. ભેદ વસ્તુ જગતમાં નથી એમ નથી.

વેદાંત એક જ સર્વવ્યાપક કહે છે, પણ એમ નથી. અનંત આત્મા (સંખ્યાએ) છે. એકેએક આત્મા (અસંખ્યાત પ્રદેશી) શરીર-પ્રમાણ છે. આત્મા (ક્ષેત્રથી) સર્વવ્યાપક નથી. એક આત્મામાં અનંત ગુણો છે અને તે અનંત ગુણોમાં એક સમયમાં અનંત પર્યાયો થાય છે. આ બધાની સત્તા (હોવાપણું) રાખીને અભેદના અનુભવમાં એનો (પર સત્તા અને ભેદનો) વિકલ્પ મટી જાય છે એમ વાત છે. વસ્તુ મટી જાય છે એમ નહીં.

અરેરે! જૈનદર્શન શું છે એને યથાર્થ સમજ્યા વિના જૈનમાં પણ કોઈ લોકોને વેદાંતની શ્રદ્ધા હોય છે. જૈનદર્શનમાં તો પરમાનંદસ્વરૂપ, અતીન્દ્રિયઆનંદનું ધામ, શુદ્ધ-ચેતનામાત્રવસ્તુ જે છે તેમાં એકાગ્ર થતાં ભેદનો વિકલ્પ મટી જાય છે અને વ્યક્ત પરમા-


PDF/HTML Page 220 of 4199
single page version

નંદની પ્રાપ્તિ થાય છે, એનું નામ અદ્વૈત કહ્યું છે. અદ્વૈત એટલે બધું એક છે એમ નહીં. આ રીતે અનુભવ કરાવવા માટે એમ કહ્યું કે ‘શુદ્ધ અનુભવમાં દ્વૈત ભાસતું નથી.’ પંડિતજી અહીં ખુલાસો કરે છે કે-જો બાહ્ય વસ્તુઓનો લોપ કરવામાં આવે તો આત્માનો જ લોપ થઈ જશે. આત્મા વસ્તુ દર્શન-જ્ઞાનસ્વભાવ છે. તેની એક એક સમયની પર્યાય પ્રગટ થાય છે. આત્માની જ્ઞાનની પર્યાયમાં આખા લોકાલોકને જાણવાની તાકાત છે. હવે જો બાહ્યવસ્તુ-લોકાલોક ન હોય તો તેને જાણનારી જ્ઞાનની પર્યાય પણ ન હોય, અને જો પર્યાય ન હોય તો જેની એ પર્યાય છે એવી અનંત પર્યાયોનો પિંડ આત્મા જ ન હોય. તેથી જો લોકાલોકને ન માનવામાં આવે તો પોતાનો જ લોપ થઈ જાય, અને એ પ્રમાણે શૂન્યવાદનો પ્રસંગ આવે. આત્માની શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ પરોક્ષપણે લોકાલોકને જાણવાની તાકાત છે. જો લોકાલોકને ન માને તો તેને જાણનાર પોતાની પર્યાયને પણ ન માની, આવી અનંતી પર્યાયનો આધાર જે જ્ઞાનગુણ તે પણ ન માન્યો અને તો અનંત ગુણનો પિંડ જે આત્મા પોતે છે તેને પણ ન માન્યો. આમ સર્વ શૂન્યવાદનો પ્રસંગ આવી જાય. માટે તમો કહો છો તે પ્રમાણે વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. તમે અદ્વૈત જ કહો છો, બીજું કાંઈ છે જ નહીં એમ કહો છો. દ્રવ્ય એકલું છે અને પર્યાય પણ નથી તો દ્રવ્ય છે એનો નિર્ણય કરવાવાળું કોણ છે? જે અનિત્ય પર્યાય છે તે નિત્ય (વસ્તુ)નો નિર્ણય કરે છે. જો તમે એકલું નિત્યને માનશો તો તે માનનારી-નિર્ણય કરનારી પર્યાયનો નાશ થઈ જશે. તે પ્રસંગમાં નિત્યનો પણ અભાવ જ થઈ જશે. આમ વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે, તેમાં ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ દ્રવ્ય તેમાં દ્રષ્ટિ કરતાં એકલો અભેદનો, નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે. આવા અભેદ આત્માનો અનુભવ કાંઈ વિશેષ (ઝાઝું) જ્ઞાન હોય તો જ થાય એમ નથી. નરકમાં પડેલો નારકી જીવ, આઠ વર્ષની બાળકી તથા તિર્યંચ પણ અનુભવપૂર્વક સમકિત પામે છે. અઢીદ્વીપ જ્યાં મનુષ્યો છે ત્યાં પણ તિર્યંચો છે અને અઢીદ્વીપ બહાર અસંખ્ય દ્વીપ-સમુદ્રમાં અસંખ્ય તિર્યંચો છે જે પાંચમા ગુણસ્થાનવાળાં છે. એમાં શું છે? આત્મા છે ને? એક ત્રિકાળ ધ્રુવ આત્માની દ્રષ્ટિ થવી જોઈએ. અનાદિથી જીવ એક સમયની પર્યાયમાં (ભેદમાં) રમે છે. (એને જ જુએ છે) પર્યાયની પાછળ આખું ધ્રુવ દ્રવ્ય પડયું છે એને જોતો નથી. જેમ સોનાની કુંડલ, કડું, વીંટી આદિ પર્યાયની પાછળ પૂરું સોનું પડયું છે કે નહીં? એમ એક સમયની પ્રગટ જ્ઞાનની જે પર્યાય છે એ પર્યાયની પાછળ એકરૂપ પરમાત્મતત્ત્વરૂપ પૂર્ણ જ્ઞાયકદળ પડયું છે. તે અનંતગુણ-મંડિત છે. પણ ગુણ-ગુણીના ભેદ પર નજર કરવાથી વિકલ્પ રાગ ઊઠે