PDF/HTML Page 181 of 4199
single page version
જાણેલો પ્રયોજનવાન કહ્યો, તોપણ તે કાંઈ વસ્તુભૂત નથી. એટલે કે વ્યવહારનય કાંઈ કાર્યકારી નથી. જાણવાની અપેક્ષાએ પ્રયોજનવાન કહ્યો પણ ત્યાં લક્ષ રાખવું એમ નથી. અંતરમાં ચૈતન્યમાં જવું, ત્યાં વ્યવહાર કાંઈ રહેતો નથી.
‘व्यवहरणनयः’ જે વ્યવહારનય છે તે ‘यद्यति’ જો કે ‘इह प्राक्–पदव्यां’ જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાંસુધી પહેલી પદવીમાં ‘निहित– पदानां’ જેમણે પગ માંડેલો છે એવા પુરુષોને ‘हन्त’ અરેરે! ‘हस्तावलंब स्यात्’ હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે. શું કહ્યું? પહેલી પદવીમાં એટલે જે ત્રિકાળ શુદ્ધ અખંડ એક ચૈતન્યભાવ તેની દ્રષ્ટિ થતાં સમ્યગ્દર્શન થયું, તેનો અનુભવ થયો પણ પૂર્ણ ચારિત્ર અને પૂર્ણજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી એવી દશામાં શુદ્ધતા અને અશુદ્ધતાના અંશોરૂપ વ્યવહાર હોય છે. ગુણસ્થાન આદિ વ્યવહારનય (નિશ્ચય દ્રષ્ટિમાં) અભૂતાર્થ એટલે આશ્રય કરવા લાયક નહીં હોવા છતાં આત્માનો અનુભવ થયા પછી પણ એ વ્યવહાર હોય છે. તેને હસ્તાવલંબ તુલ્ય કહી જાણેલો પ્રયોજનવાન છે. બસ, આટલી વાત છે.
હસ્તાવલંબન તુલ્ય કહ્યો ને? એટલે જેમ માણસ નિસરણી ઉપર ચઢે છે ત્યારે નિસરણીના કઠેડા ઉપર હાથનો ટેકો લઈ ચઢે છે. ત્યાં હસ્તાવલંબન માત્ર નિમિત્ત છે. (ચઢે છે તો પોતે), તેમ અહીં જીવ પણ આત્માનો જે શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવ તેના આશ્રયે ચઢે છે, પણ પૂર્ણતા ન થાય ત્યાં લગી અપૂર્ણતા છે. તે પર્યાયગત અપૂર્ણતાના ભેદોને યથાસ્થિત જાણવા તે હસ્તાવલંબ સમાન છે. તે નિમિત્ત છે. (પૂર્ણતા તો ‘શુદ્ધ’ નો પૂર્ણ આશ્રય થતાં થશે.).
બનારસીદાસે હસ્તાવલંબનો અર્થ એમ કર્યો છે કે-જેમ કોઈ પહાડ ઉપરથી પડતો હોય તેનો હાથ મજબુત પકડી પડતો રોકી રાખે. આ નિમિત્તનું કથન છે. પરમઅધ્યાત્મતરંગિણીમાં એવો ભાવ પ્રગટ કર્યો છે કે - ‘ખેદ છે કે આવો ભાવ આવે છે. અમારું ચાલે તો વ્યવહારનો આશ્રય ન લઈએ, પણ શું થાય? અપૂર્ણતા છે એટલે આવ્યા વગર રહેતો નથી.’ કળશ-ટીકાકારે એમ અર્થ કર્યો છે કે-‘જો કે વ્યવહારનય હસ્તાવલંબ છે, તોપણ કાંઈ નથી, ‘નોંધ’ (જ્ઞાન, સમજ) કરતાં જૂઠો છે.
સમ્યગ્દર્શન થયા પહેલાં જે વ્યવહારની વાત ૧૨મી ગાથાના ભાવાર્થમાં હતી એ વ્યવહાર યથાર્થ નથી. નિમિત્ત, રાગ અને પર્યાયની અપેક્ષા વિના સીધા દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એ સમ્યગ્દ્રષ્ટિને પૂર્ણતા થઈ ન હોવાથી રાગાંશ આવ્યા વિના
PDF/HTML Page 182 of 4199
single page version
રહેતો નથી. આત્મા (ગુરુની સહાય વિના) સીધો પોતાને જાણે છે. અનુભવે છે, ગુરુના આશ્રયે તો નહીં, પણ ગુરુએ જે દેશના કરી અને તેથી જે પરલક્ષી જ્ઞાન થયું તે (પરલક્ષી) જ્ઞાનના આશ્રયે પણ સમ્યગ્દર્શન થતું નથી. શુદ્ધ જ્ઞાયકભાવ-જે છઠ્ઠી ગાથામાં પ્રમત્ત-અપ્રમત્તદશા રહિત કહ્યો છે અને ૧૧મી ગાથામાં જે એકને ભૂતાર્થ કહ્યો છે તે જ્ઞાયકભાવનો આશ્રય એ એક જ ઉપાય છે. એ ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે.
શ્રીમદે કહ્યું છે ને કે- “એ દિવ્ય શક્તિમાન જેથી જંજિરેથી નીકળે.” ભગવાન દિવ્ય શક્તિમાન-અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, ઈત્યાદિ શક્તિઓથી ભરેલો ભગવાન આત્મા જંજિરમાં એટલે કેદમાં છે તેમાંથી મુક્ત થાય. રાગની એકતા અને પરનું અવલંબન એ બધું કેદ છે. શું એના અવલંબને આત્માનું જ્ઞાન થાય? કદી ન થાય. ભગવાન આત્મા ચૈતન્યના તેજથી દિવ્યપણે બિરાજે છે. એને સીધો જ આશ્રય કરી વિશ્વાસમાં-પ્રતીતિમાં લેતાં જ્ઞાન થાય, ત્યારે તે દિવ્ય શક્તિમાન છે એમ જણાય.
એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે-તમે ત્રિકાળી આત્માને કારણ-પરમાત્મા કેમ કહો છો? કારણ હોય તો કાર્ય આવવું જોઈએ ને?
સમાધાનઃ– ત્રિકાળી આત્મા, કારણ-પરમાત્મા, કારણભગવાન, સ્વભાવભાવ, ભૂતાર્થભાવ, જ્ઞાયકભાવ એ બધું એકાર્થવાચક છે. એ કારણ તો કાર્ય આપે જ, પણ કોને? કે જેણે કારણ-પરમાત્માને માન્યો તેને. કારણ વસ્તુ તો છે જ, ચૈતન્યના તેજથી ભરપૂર અને અનંત અનંત શક્તિઓના સામર્થ્ય થી પરિપૂર્ણ ભરેલો ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા પ્રકાશમાન તો છે જ, પણ કોને? કે જેને જ્ઞાનની પર્યાયમાં જણાયો તેને. પર્યાય જ્ઞાયકમાં ભળ્યા વિના, પર્યાય પર્યાયપણે રહીને જ્ઞાયકની પ્રતીતિ કરે છે. છઠ્ઠી ગાથામાં આવે છે ને કે ‘તે જ (જ્ઞાયકભાવ) સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ” કહેવાય છે. જ્ઞાયકભાવ તો શુદ્ધ જ છે, પણ સ્વસન્મુખ થઈને જે ‘શુદ્ધ’ ની જ્ઞાન અને પ્રતીતિ કરે છે તેને તે ‘શુદ્ધ’ છે એમ જણાય છે. અરે ખેદ છે કે જે છતી ચીજ છે એને નથી એમ કહે છે અને રાગ અને અલ્પજ્ઞ પર્યાય તે હું એમ જાણતો પોતાને કેદમાં નાખી દીધો છે!
કળશટીકામાં (આ શ્લોકના અર્થમાં) અજ્ઞાનીને ભેદથી સમજાવવાની વાત લીધી છે. અજ્ઞાનીને ગુણ-ગુણીના ભેદરૂપ કથન દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવે છે. જેમકે જીવનું લક્ષણ ચેતના એમ કહીને આત્મા સમજાવે છે.
PDF/HTML Page 183 of 4199
single page version
વ્યવહારનય હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે તોપણ ‘चित्चमत्कारमात्रं परविरहितं परमं अर्थं अन्तः पश्यताम्’ જે પુરુષો ચૈતન્ય-ચમત્કારમાત્ર, પરદ્રવ્યોના ભાવોથી રહિત શુદ્ધનયના વિષયભૂત પરમ ‘અર્થ’ને એટલે જ્ઞાયક પરમાત્માને અંતરંગમાં અવલોકે છે, પ્રત્યક્ષ તેની શ્રદ્ધા કરે છે તથા તદ્રૂપ લીન થઈને ચારિત્રભાવને પ્રાપ્ત કરે છે તેમને ‘एषः’ એ વ્યવહારનય ‘किञ्चित् न’ કાંઈ પણ પ્રયોજનવાન નથી, એટલે પછી તેમને વ્યવહાર હોતો નથી.
આગળ ૪૧પ ગાથાની ટીકામાં આવે છે કે- ‘અર્થથી અને તત્ત્વથી જાણીને, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરમ બ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે,.. .’ તત્ત્વથી અને અર્થથી જાણીને એટલે તત્ત્વને જાણે ભલે, પણ અર્થ નામ પદાર્થ છે જે ત્રિકાળી ધ્રુવ એમાં ઠરે છે જે, તે મોક્ષને પ્રાપ્ત કરશે, તે પરમસુખરૂપ પરિણમશે, સુખરૂપ થઈ જશે. તત્ત્વ એટલે પદાર્થનો ભાવ, અર્થ એટલે પદાર્થ ભાવવાન. ભાવવાનને એના ભાવથી જાણીને તેના અર્થભૂત પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે તે આત્મા સાક્ષાત્ તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ હોવાને લીધે અનાકુળતા- લક્ષણ એવા સૌખ્યરૂપે પોતે જ થઈ જશે. અહીં કળશમાં પરવિરહિત એટલે રાગાદિ પરભાવોથી ભિન્ન જે પરમ ‘અર્થ,’ ચૈતન્યચમત્કારમાત્ર ધ્રુવ સ્વભાવભાવ-જ્ઞાયકભાવ પદાર્થ તેને ‘अन्तः पश्यतां’ -જેઓ અંતરંગમાં અવલોકે છે, તદ્રૂપ લીન થઈને પૂર્ણ વીતરાગતાને પ્રાપ્ત થાય છે, પરમ સૌખ્યરૂપે પરિણમે છે તેમને કોઈ વ્યવહાર રહેતો નહીં હોવાથી વ્યવહાર પ્રયોજનવાન નથી એમ કહ્યું છે.
કેટલાક લોકો ‘વ્યવહાર કાર્યકારી છે’ એનો અર્થ એમ કરે છે કે વ્યવહાર કામનો છે અને આદરવા જેવો છે. તેમનો એ અર્થ (સમજ) બરાબર નથી. વ્યવહાર કાર્યકારી છે એટલે જે તે કાળે વ્યવહાર હોય છે અને તે જાણવા લાયક છે. સાધકને (શુદ્ધનયનો) પૂર્ણ આશ્રય નથી, પણ આશ્રય શરૂ થઇ ગયો છે તે કાળમાં પર્યાયમાં આવો વ્યવહાર હોય છે, તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે.
શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈપણ પ્રયોજનકારી નથી. જોયું? વ્યવહારનયને અશુદ્ધ કહ્યો, અશુદ્ધ શબ્દ વાપર્યો છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પોતે છે એ તો શુદ્ધનયનો વિષય છે. અને એનાં શ્રદ્ધા-જ્ઞાન થવા છતાં પૂર્ણતા નથી એને વચમાં વ્યવહાર આવે છે એને અશુદ્ધનય કહ્યો છે. ૧૬મી ગાથામાં આવે છે કે દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય ઉપર લક્ષ જવું તે મેચક છે,
PDF/HTML Page 184 of 4199
single page version
મલિનતા છે, વ્યવહાર છે. અભેદમાંથી ભેદના લક્ષે જવું એ પણ મલિનતા છે. સાતમી ગાથામાં આવે છે કે આત્મામાં દર્શન, જ્ઞાનના ભેદ પડે છે એ અશુદ્ધનય છે. ત્રિકાળીની અપેક્ષાએ ભેદને અશુદ્ધ કહ્યો છે. અર્થકારે વિશેષ સ્પષ્ટ કરવા ‘અશુદ્ધ’ શબ્દ વાપરીને વ્યવહારને અશુદ્ધનય કહ્યો અને ત્રિકાળીને શુદ્ધ કહ્યો છે.
હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છેઃ-
ભાઈ! આત્મા તો અનાદિ-અનંત સચ્ચિદાનંદસ્વરૂપ છે. તેનો નિર્ણય કર્યા વિના જીવ અનંતકાળથી ચોરાસી લાખ યોનિમાં જન્મ-મરણરૂપ પરિભ્રમણ વડે મહાદુઃખી છે. રાજા, રંક, દેવ વગેરે બધા દુઃખી છે. રાજા હો કે દેવ હો, હજુ પણ વસ્તુનું ભાન (જ્ઞાન-શ્રદ્ધાન) નહીં કરે તો કાગડા, કૂતરા, વગેરે અવતાર કરી દુઃખી થશે. મિથ્યાત્વનું સેવન કરનારા પ્રાયઃ તિર્યંચમાં જન્મવાના છે. મિથ્યાત્વ છે તે આડોડાઈ છે, વાસ્તવિક તત્ત્વથી વિપરીત શ્રદ્ધા છે. જુઓ, મનુષ્ય છે તે (સીધા) ઊભા છે, ત્યારે ગાય, ભેંસનાં શરીર આડાં છે. આડોડાઈ કરી તેથી આડા શરીરનો સંયોગ છે. શાસ્ત્રમાં મિથ્યાત્વીને પશુ કહ્યા છે. આ (છઠ્ઠા) કળશમાં દુઃખ ટળી સુખ કેમ પ્રાપ્ત થાય, સમ્યગ્દર્શન કેમ પ્રાપ્ત થાય, એની વાત કરી છે. સમ્યગ્દર્શન એટલે સાચી પ્રતીતિ. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે.
શું કહે છે? ‘अस्य आत्मनः’ આ આત્માને એટલે આ પ્રત્યક્ષ વિદ્યમાન આત્માને ‘यह इह द्रव्यान्तरेभ्यः पृथक् दर्शनम्’ અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો), ‘एतत् एव नियमात् सम्यग्दर्शनम्’ એને જ નિશ્ચયથી સમ્યગ્દર્શન કહીએ છીએ. આમાં ત્રણ ન્યાય આવ્યા (૧) સ્વદ્રવ્ય છે (૨) એનાથી અનેરા (ભિન્ન) દ્રવ્યો છે. અને (૩) રાગાદિ છે. ત્યાં પોતાથી ભિન્ન જે અનેરા દ્રવ્યો અને રાગાદિ ભાવ છે તેનાથી પૃથક્ થઈને-ભિન્ન પડીને એક નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરવો એ જ સમ્યગ્દર્શન છે. બીજામાં, રાગમાં ભેળવીને દેખવો એમ નહીં, એ માન્યતા તો અજ્ઞાન અને મિથ્યાત્વ છે. અહીં તો કહે છે કે જે ત્રિકાળી જ્ઞાયકભાવ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા તે એકને જ દેખવો-અનુભવવો, તેની સમ્યક્પ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન છે.
હવે કહે છે કેવો છે તે આત્મા? તો ‘व्याप्तुः’ એટલે પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. અહીં આત્મા છે તે પોતાના ગુણો જે જ્ઞાન, દર્શન, આનંદ વગેરે છે તે અનંત ગુણોમાં, તથા તે અનંત ગુણોની વર્તમાન અવસ્થાઓ -વિકારી કે અવિકારી - એમાં
PDF/HTML Page 185 of 4199
single page version
વ્યાપનારો છે; આત્મા પરમાં વ્યાપેલો નથી એમ કહેવું છે. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપીને પોતાનું અસ્તિત્વ છે, પરમાં નહીં. હવે દ્રવ્ય-ગુણ-પર્યાયથી વ્યાપ્ત છે જે આત્મા, તે સમ્યગ્દર્શનનો વિષય નથી. અહીં તો આત્મા પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપે છે એટલું અસ્તિત્વ સિદ્ધ કરવું છે.
વળી તે કેવો છે? ‘शुद्धनयतः एकत्वे नियतस्य’ શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આત્મા પોતાના જ્ઞાન, દર્શન, આદિ ગુણો અને પર્યાયોમાં વ્યાપનારો હોવા છતાં શુદ્ધનયથી તેને એકપણામાં નિયત કરવામાં આવ્યો છે. જેમાં ગુણ-ગુણીના કે પર્યાયના ભેદો નથી એવો અભેદ એકરૂપ ત્રિકાળી આત્મા શુદ્ધનય વડે બતાવવામાં આવ્યો છે. વળી તે કેવો છે? ‘पूर्ण–ज्ञान–घनस्य’ પૂર્ણજ્ઞાનઘન છે. જેમાં પર્યાય કે ભેદનો પ્રવેશ નથી એવો જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી છે. અહીં જ્ઞાનગુણની પ્રધાનતાથી કથન છે. શુદ્ધનય આત્મવસ્તુને ત્રિકાળ એકરૂપ અભેદ જ્ઞાયકમાત્ર ચૈતન્યઘનસ્વરૂપ દેખાડે છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે. તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન થાય છે.
‘च’ વળી ‘तावान् अयं आत्मा’ જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. પૂર્ણજ્ઞાનઘન એકરૂપ જે આત્મા તેના આશ્રયે જે પ્રતીતિ-શ્રદ્ધા થઈ, સમ્યગ્દર્શન થયું તે આત્માનું પરિણામ છે તેથી જેટલું સમ્યગ્દર્શન છે તેટલો આત્મા છે એમ કહ્યું છે. સમ્યગ્દર્શનનું પરિણામ આત્માથી ભિન્ન નથી.
હવે આચાર્ય પ્રાર્થના કરતાં કહે છે.- ‘इमाम् नवतत्त्व–सन्ततिं मुक्त्वा’ આ નવતત્ત્વની પરિપાટીને છોડીને ‘अयम् आत्मा एकः अस्तु नः’ આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. અહીં નવ તત્ત્વ કહ્યાં. તેમાં જીવ-અજીવ દ્રવ્યો છે. દયા દાનના પરિણામ પુણ્ય છે, તથા હિંસા, જૂઠ, ચોરી આદિ પાપ છે. પુણ્ય અને પાપ બંને આસ્રવ છે. એ નવા કર્મ આવવાનું કારણ છે. તેને રોકનાર સંવર છે. વિશેષ શુદ્ધિ થાય તે નિર્જરા છે. તથા બંધ છે તે કર્મ બંધાવામાં નિમિત્ત છે. પરિપૂર્ણ શુદ્ધદશા થાય તે મોક્ષ છે. અહીં આચાર્ય કહે છે કે આ નવતત્ત્વની પરિપાટીને છોડીને શુદ્ધનયનો વિષય જે ધ્રુવ આત્મા તે અમોને પ્રાપ્ત થાઓ, બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગી અવસ્થાની પ્રાર્થના છે. કોઈ નયપક્ષ નથી. નિશ્ચયનયનો એકનો પક્ષ છે અને બીજો પક્ષ છે જ નહીં એમ નથી. (એકલો નિશ્ચયનય જ છે અને વ્યવહારનય નથી એમ નથી) નિશ્ચયનો પક્ષ એકાંત કર્યા કરે તો મિથ્યાત્વ થશે. (વ્યવહારનય વિષયને જાણવામાં થી પણ કાઢી નાખે તો મિથ્યાત્વ થશે) અહીં તો રાગ અને ભેદ પર લક્ષ જતાં રાગ થાય છે માટે એક અભેદના અનુભવની, વીતરાગતાની પ્રાર્થના કરી છે. આ એક જ પ્રાપ્ત થાઓ એટલે રાગ અને
PDF/HTML Page 186 of 4199
single page version
પર્યાયને ગૌણ કરી આ એકનો જ અનુભવ અમને હો, અમને પૂર્ણ વીતરાગતા થાઓ એમ પ્રાર્થના છે.
ભગવાન આત્મામાં જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણો છે-શક્તિઓ છે. તેની વર્તમાન સ્વાભાવિક અવસ્થાઓ તથા કર્મના નિમિત્તથી થતા દયા, દાન આદિ વા હિંસા જૂઠ, આદિના ભાવો તે વિકારી અવસ્થાઓ છે. એ બધા પોતાના ગુણ- પર્યાયોરૂપ ભેદોમાં આત્મા વ્યાપેલો છે, રહેલો છે, પ્રસરેલો છે. આવો આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો એટલે શુદ્ધનયથી એક જ્ઞાયકમાત્ર આત્મા દેખાડવામાં આવ્યો. તેને સર્વ અનેરાં દ્રવ્યો અને દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. શરીર, મન, વાણી તથા કર્મ અને તેના નિમિત્તથી થતા જે પર્યાયગત રાગાદિ ભાવો તે સર્વથી ભિન્ન અખંડ એક જ્ઞાયકમાત્રની શ્રદ્ધા-પ્રતીતિ કરવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે.
વ્યવહારનય, વસ્તુને ભેદરૂપ જોનારું જ્ઞાન, આત્માને અનેકરૂપ બતાવે છે. એ આત્માને ગુણભેદવાળો, પર્યાયવાળો, રાગવાળો, નવતત્ત્વવાળો એમ કહી સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે. પણ એ સાચું સમ્યગ્દર્શન નથી, કેમકે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે. ભગવાન આત્મા એકરૂપ ચૈતન્યસ્વરૂપ છે. એમાં નવતત્ત્વની શુદ્ધ-અશુદ્ધ પર્યાય ભેળવીને શ્રદ્ધા કરે તો તે વ્યવહાર સમકિત છે, તે રાગ છે. તે યથાર્થ સમ્યગ્દર્શન નથી કેમકે ત્યાં વ્યભિચારનો દોષ આવે છે. એમાં નિશ્ચય સમ્યગ્દર્શન હોવાનો નિયમ નથી. વ્યવહારથી નવતત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હોતાં નિશ્ચય સમ્યગ્દર્શન હોવાનો નિયમ નથી. શુદ્ધનયની હદે પહોંચતાં રાગ અને ભેદ દેખાતા નથી, પણ નિર્વિકલ્પ અનુભવ થાય છે, એકલો જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા, જણાય છે. ત્યાં વ્યભિચાર નથી તેથી નિયમથી તે સમ્યગ્દર્શન છે. નવતત્ત્વની શ્રદ્ધા, જ્ઞાયકદ્રવ્ય અને તેની વર્તમાન પર્યાય સહિત વસ્તુની શ્રદ્ધા એ બધું વ્યવહાર સમકિત છે એમ વ્યવહારનય સમકિતના અનેક ભેદ પાડે છે. ત્યાં વ્યભિચાર છે તેથી તે યથાર્થ સમ્યગ્દર્શન નથી. (શ્રદ્ધાનો બાહ્ય વિકલ્પ અને નિર્વિકલ્પ શ્રદ્ધા બે જુદી જુદી ચીજ છે.)
ક્ેવો છે શુદ્ધનયનો વિષયભૂત તે આત્મા? પૂર્ણજ્ઞાનઘન છે. જ્ઞાનનો પિંડ છે જેમાં શરીર, મન, વચન, કર્મનો તો પ્રવેશ નથી, પણ પર્યાયમાં જે દયા, દાન આદિ વિકલ્પરાગ ઊઠે તેનો પણ પ્રવેશ નથી. શુદ્ધનયની હદે પહોંચતાં આત્મા લોકાલોકને જાણવાની શક્તિવાળો સર્વજ્ઞસ્વભાવી જણાય છે. આવા આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. એ
PDF/HTML Page 187 of 4199
single page version
સમ્યગ્દર્શન પ્રગટયું તે આત્માનું જ પરિણામ છે, આત્માથી ભિન્ન નથી તેથી આત્મા જ છે, અન્ય કાંઈ નથી.
હવે ઝીણો ન્યાય આવે છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમ જ્ઞાનને દોરી જવું તે ન્યાય છે. આ તો સર્વજ્ઞભગવાને કહેલા ન્યાય છે.
અહીં એટલું વિશેષ જાણવું કે-નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે, તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ એટલે? જે જ્ઞાનની પર્યાય દ્રવ્ય-ગુણ-પર્યાય બધાને જાણે તે શ્રુતજ્ઞાનપ્રમાણ કહેવાય. એ પ્રમાણનો એક ભાગ શુદ્ધનય છે. તે ત્રિકાળી શુદ્ધ ધ્રુવ આત્માને જુએ છે. તેનો બીજો ભાગ વ્યવહારનય છે. તે વર્તમાન પર્યાય, રાગાદિને જાણે છે. જે ધ્રુવ, નિત્યાનંદ જ્ઞાયકભાવ તેને જોનાર શ્રુતજ્ઞાનના અંશને શુદ્ધનય કહે છે. એ નય એકલા શુદ્ધ ત્રિકાળીને જુએ છે તેથી શુદ્ધનય કહેવાય છે.
હવે શ્રુતપ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે. એમાં આત્મા પ્રત્યક્ષ ન દેખાય. જેમ કેવળજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ જણાય એમ શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ ન જણાય. શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે કારણ કે ત્યાં વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે. વસ્તુ જે છે ભગવાન આત્મા એ તો અરૂપી છે, તેમાં રૂપ, રસ, ગંધ, વર્ણ નથી. તે તો અનંત ગુણોનો પિંડ ચૈતન્યઘન અરૂપી છે. એ વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે. પાંચમી ગાથામાં આવ્યું હતું ને કે આગમની ઉપાસનાથી નિજવિભવ પ્રગટયો છે. એટલે આગમના વચનોથી આત્મા પૂર્ણ શુદ્ધ વસ્તુ જાણી છે. ત્યાં આગમ કોને કહેવું? કે જે ત્રિકાળી આત્મા આનંદનો નાથ પ્રભુ પ્રગટ સર્વજ્ઞદશાને પ્રાપ્ત છે એની જે ૐકાર દિવ્યધ્વનિ નીકળી તેને આગમ કહે છે. અજ્ઞાનીએ કહેલાં હોય તે આગમ નહીં. સર્વજ્ઞની વાણીને શાસ્ત્ર અથવા પરમાગમ કહેવાય છે. વસ્તુ પ્રત્યક્ષ જોઈને જાણેલી નથી પરંતુ સર્વજ્ઞના આગમથી જાણી છે કે આ જ્ઞાયક પૂર્ણ છે તે આ છે. શ્રુતજ્ઞાન પરોક્ષ કેમ છે તે સિદ્ધ કરે છે. સર્વજ્ઞના આગમથી લક્ષમાં આવ્યું કે વસ્તુ અખંડ આનંદરૂપ પૂર્ણ ચૈતન્યરૂપ છે. શ્રીમદે કહ્યું છે ને? ‘લક્ષ થવાને તેહનું, કહ્યાં શાસ્ત્ર સુખદાયી’ ગુરુ પણ સર્વજ્ઞની વાણી અનુસાર શાસ્ત્ર કહે છે.
નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે. તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો અંશ થયો. શ્રુતપ્રમાણ તે પરોક્ષ પ્રમાણ છે. તેથી આ શુદ્ધનય, સર્વ દ્રવ્યોથી જુદા, આત્માની સર્વ પર્યાયોમાં વ્યાપ્ત, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. અહીં કેવળજ્ઞાન એટલે વ્યક્ત પર્યાય નહીં પણ એકલું જ્ઞાન, જ્ઞાન, ત્રિકાળ ધ્રુવ જ્ઞાન સમજવું. જેમ આત્મા ત્રિકાળધ્રુવ છે એમ એનો જ્ઞાનગુણ
PDF/HTML Page 188 of 4199
single page version
ત્રિકાળધ્રુવ કેવળજ્ઞાનરૂપ છે. એ ગુણ મતિ, શ્રુત, અવધિ આદિ સર્વ પર્યાયોમાં વ્યાપ્ત હોય છે. પૂરા દ્રવ્યમાં અને તેની બધી પર્યાયોમાં વ્યાપ્ત હોય એવું જ ગુણનું સ્વરૂપ છે. જેમ સાકરનો મીઠાશ ગુણ સાકરના પૂરા ભાગમાં વ્યાપ્ત છે તેમ જ્ઞાનગુણ આત્માના પૂરા દ્રવ્યમાં અને તેની સર્વ પર્યાયોમાં વ્યાપ્ત છે, અને તે લોકાલોકને જાણવાના સ્વભાવરૂપ છે. આ તો જ્ઞાનગુણ કેવડો છે તેના અનંત મહિમાની વાત છે. અહીં કહે છે- શુદ્ધનય, સર્વ દ્રવ્યોથી જુદા, આત્માની સર્વ પર્યાયોમાં વ્યાપ્ત, લોકાલોકને જાણવાનો જેનો સ્વભાવ છે એવા પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ અસાધારણ (અન્ય દ્રવ્યોમાં ન હોય તેવા) ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. એટલે શુદ્ધનયની દ્રષ્ટિ વડે જે ત્રિકાળ ધ્રુવ ચૈતન્યપૂર્ણ ને દેખે છે, શ્રદ્ધે છે તેને સાચું સમ્યગ્દર્શન છે.
વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, વાણી સત્ છે એને લક્ષમાં લઈ, વાણીનું જે વાચ્ય ત્રિકાળ ધ્રુવ જ્ઞાયકભાવ તેનું શ્રદ્ધાન કરે એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. એ સુખની પ્રથમ કણિકા છે. બાકી બધા દુઃખના પંથે ચઢેલા છે. શાસ્ત્રોને જાણનારા જ્યાંસુધી જ્ઞાયકની દ્રષ્ટિ ન કરે ત્યાંસુધી દુઃખના પંથમાં છે માર્ગ તો આ છે, ભાઈ!
જ્યાંસુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિ ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે, ત્યાંસુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી. તેથી આચાર્ય કહે છે કે એ નવતત્ત્વોની પરિપાટીને છોડી, નયના ભેદો તથા પર્યાયના ભેદોનું લક્ષ છોડી, શુદ્ધનયના વિષયભૂત એક અખંડ જ્ઞાયક આત્મા જ અમને પ્રાપ્ત થાઓ; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે. પર્યાયો નથી એમ નથી, પણ તે ગૌણ કરી તેમનું લક્ષ છોડવાની વાત છે. જો પર્યાય નથી એમ માનવા જશે તો મિથ્યાત્વ થશે. આ કોઈ નયપક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે- આત્મા ચૈતન્ય છે, જાણન, જાણનસ્વભાવી છે. આટલું ચૈતન્યરૂપ જ જ્ઞાનમાં અનુભવમાં આવે તો એટલી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહીં? આવી શ્રદ્ધાવાળાને આખો આત્મા હાથ લાગ્યો એમ કહેવાય કે નહી?
સમાધાનઃ– આત્માને ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ માને છે. એમ ચાર્વાક મત ચૈતન્યને માનતો નથી. બીજા બધા આત્મા ચૈતન્યરૂપ છે એમ તો માને છે. જો આટલી શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો ઉપર કહેલા બધાને સમ્યગ્દર્શન સિદ્ધ થઈ જશે. જાણનાર, જાણનાર એમ નાસ્તિક સિવાય તો ઘણા આત્માને માને છે, તો તે બધાને સમ્યક્ત્વ સિદ્ધ થશે. પણ એમ નથી. આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ સ્વભાવ એટલે પોતાના અનંતગુણો, તેની અનંત પર્યાયો, અને બધા પરને (લોકાલોકને)
PDF/HTML Page 189 of 4199
single page version
જાણે એવી એની શક્તિ છે. એવી સર્વજ્ઞશક્તિ જેમને પ્રગટ થઈ છે એવા સર્વજ્ઞ ભગવાને જેવો પૂર્ણ આત્મા જોયો તેવા પૂર્ણ આત્માનું સ્વરૂપ તેમની ૐકાર દિવ્યધ્વનિમાં આવ્યું. તે આત્મા કેવો છે? તો પૂર્ણજ્ઞાનઘન છે. અહીં પૂર્ણ શબ્દ સૂચક છે. પૂર્ણ એટલે ત્રણકાળ ત્રણલોકના દ્રવ્ય-ગુણ-પર્યાયો જાણવાનો એનો સ્વભાવ છે. એવું જે શરીરાદિથી ભિન્ન પૂર્ણજ્ઞાનઘન આત્માનું સ્વરૂપ છે તેની દ્રષ્ટિપૂર્વક શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થાય છે. આવું સમ્યગ્દર્શન જીવે અનાદિથી અનંતકાળમાં પ્રગટ કર્યું નથી તેથી તેને ચાર-ગતિમાં માત્ર રખડવાનું જ થયું છે.
એથી અહીં કહે છે કે ભગવાન આત્માનું કોઈ અદ્ભૂત સ્વરૂપ છે. તેનું પૂર્ણજ્ઞાન, પૂર્ણઆનંદ, પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રકાશ આદિ અનેક (અનંત) પૂર્ણ શક્તિઓથી ભરેલું ચમત્કારિક પરિપૂર્ણ સ્વરૂપ છે. એની શાંતિની પર્યાયને કરે એવા કર્તા ગુણથી પૂર્ણ છે, એનું જે કાર્ય આનંદ આદિ થાય એવી કર્મશક્તિથી પૂર્ણ છે, જે સાધન થઈને નિર્મળદશા પ્રગટ થાય એવા સાધનગુણથી પૂર્ણ છે, જે નિર્મળતા આદિ પ્રગટે તે પોતે રાખે એવી સંપ્રદાનશક્તિથી પૂર્ણ છે, ઈત્યાદિ. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આત્માનું આવું પરિપૂર્ણ ચૈતન્યઘન સ્વરૂપ કહ્યું છે. એનું યથાર્થ શ્રદ્ધાન થવાથી જ સમ્યગ્દર્શન થાય છે, ત્યારે જ ધર્મના પંથની ઓળખાણ થાય છે.
હવે (૭મા કળશમાં) શુદ્ધનયને આધીન એટલે આત્માના પૂર્ણસ્વરૂપને જોનારી જે દ્રષ્ટિ તેને આધીન ભગવાન આત્મા પ્રગટ થાય છે. કેવો છે તે આત્મા? સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન, ઝળહળ આત્મજ્યોતિ સ્વરૂપ છે, તે પ્રગટ થાય છે.
‘अतः’ ત્યારબાદ ‘शुद्धनय–आयत्तं’ શુદ્ધનયને આધીન, પવિત્ર દ્રષ્ટિને આધીન ‘प्रत्यग्–ज्योतिः’ જે ભિન્ન આત્મજ્યોતિ છે ‘तत्’ તે ‘चकास्ति’ પ્રગટ થાય છે. શુદ્ધનયને આધીન ભિન્ન આત્મજ્યોતિ અનુભવમાં આવે છે.
કેવી છે તે આત્મજ્યોતિ? ‘नव–तत्त्व–गतत्वे अपि’ કે જે નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એમ નવતત્ત્વમાં વ્યાપ્ત હોવા છતાં- ‘एकत्वं’ પોતાના એકપણાને ‘न मुञ्चति’ છોડતી નથી. નવમાં રહેલી દેખાતી હોવા છતાં પોતાના શુદ્ધજ્ઞાયકભાવપણે એકપણે જ રહે છે.
જેમ કાશીઘાટનો લોટો હોય અને તેમાં પાણી ભર્યું હોય તો લોટા જેવો પાણીનો આકાર દેખાય છે, છતાં લોટાના અને પાણીના પોતપોતાના આકારો તદ્ન ભિન્ન
PDF/HTML Page 190 of 4199
single page version
છે. તેમ ચિદાનંદજ્યોતિ, જ્ઞાનજળ ભગવાન આત્મા, જ્ઞાન જેનો આકાર છે એવો આત્મા દેહદેવળમાં રહેલો છે. તે દેહાકાર હોવા છતાં દેહના આકારથી તદ્ન જુદો છે. શરીર તો પુદ્ગલાકાર છે, ભગવાન આત્મા ચૈતન્ય-આકાર છે. બંને જુદે-જુદા છે.
આત્માની એકે-એક શક્તિ પરિપૂર્ણ છે. એવી અનંત શક્તિઓનો પિંડ આત્મવસ્તુ પરિપૂર્ણ એકસ્વરૂપ છે. તે નવતત્ત્વોમાં રહેલો દેખાતો હોવા છતાં પોતાનું એકપણું છોડતો નથી. જ્ઞાયક છે તે રાગમાં છે, દ્વેષમાં છે એમ દેખાય, શુદ્ધતાના અંશમાં દેખાય, શુદ્ધતાની વૃદ્ધિ થાય એમાં દેખાય છતાં જ્ઞાનક ચૈતન્યજ્યોતિ પોતાનું એકપણું છોડતી નથી. જેમ અગ્નિ લાકડું; છાણું ઈત્યાદિ આકારે ભેદપણે પરિણમેલો દેખાય છતાં અગ્નિ પોતાનું અગ્નિપણું-ઉષ્ણપણું છોડતો નથી, તે ઉષ્ણપણે જ કાયમ રહે છે. તેમ ભગવાન આત્મા નવતત્ત્વમાં ભેદરૂપ થયેલો દેખાય છતાં તે જ્ઞાયકપણાને છોડતો નથી, જ્ઞાયક, જ્ઞાયક જ્ઞાયક એક જ્ઞાયકસામાન્ય એકપણે જ રહે છે.
ભાઈ! આ આત્મા ક્યાં અને કેવડો છે એ તેં જોયો નથી. એ તો પોતામાં પરિપૂર્ણ વસ્તુ છે. સાકર અને સેકેરીન બન્નેમાં મીઠાશ છે. પણ સાકરના બહુ મોટા ગાંગડા કરતાં પણ બહુ અલ્પપ્રમાણ સેકેરીનમાં અનેકગણી મીઠાશ છે. તેથી વસ્તુનું કદ મોટું હોય તો શક્તિ વધારે એમ નથી. ભગવાન આત્મા શરીરપ્રમાણ (શરીરપણે નહીં) હોવા છતાં પોતાના જ્ઞાન, દર્શન આદિ સામર્થ્યથી પરિપૂર્ણ છે. અનેક અવસ્થાઓમાં વ્યાપ્ત તે ચૈતન્યસામાન્ય એકમાત્ર ચૈતન્યપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની-સામાન્યસ્વભાવની દ્રષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ તેની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે.
નવતત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે; જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. જેમ અગ્નિને છાણાનો અગ્નિ, લાકડાનો અગ્નિ એમ કહેવાય, પણ અગ્નિ તો અગ્નિપણે છે. ભિન્ન ભિન્ન ઈંધનના આકારે અગ્નિ થયેલો હોય એમ ભલે દેખાય પણ એ અગ્નિનો જ આકાર છે, લાકડા કે છાણા વગેરે ઈંધનનો નથી. તેમ આત્મા જ્ઞાયકસ્વરૂપ પરને જાણવા કાળે અજીવને જાણે, રાગને જાણે, દ્વેષને જાણે, શરીરને જાણે. ત્યાં જાણપણે જે પરિણમે તે પોતે પરિણમે છે, જ્ઞાનસ્વરૂપ કાયમ રહીને પરિણમે છે. પરપણે- અજીવપણે, રાગપણે, દ્વેષપણે, શરીરપણે થઈને જાણતો નથી. જ્ઞાન પરપણે થઇને પરિણમે છે એમ નથી, જ્ઞાન
PDF/HTML Page 191 of 4199
single page version
જ્ઞાનપણે રહીને પરને જાણે છે. પરને જાણતાં પર-જ્ઞેયાકારે જ્ઞાન થયું એમ કહેવાય, પણ તે જ્ઞાનપણું છોડીને જ્ઞેયાકાર થઈ ગયું છે એમ નથી. ભગવાન આત્મા જે પૂર્ણ ચૈતન્યજ્યોતિ તેનું જ્ઞાન જ્ઞેય પદાર્થોના આકારે હોવા છતાં જ્ઞાનગુણપણે જ રહે છે, પરજ્ઞેયપણે થતું નથી એ પ્રમાણે યથાર્થ જાણી પૂર્ણ ચૈતન્યસ્વરૂપ આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે.
હવે સૂત્રકાર ગાથામાં કહે છે કે ત્રિકાળી જ્ઞાયકભાવને, જ્ઞાયક, જ્ઞાયક,.. જ્ઞાયકસામાન્યને શુદ્ધનયથી જાણવો એ સમ્યગ્દર્શન છે.
PDF/HTML Page 192 of 4199
single page version
आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं।।
એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યક્ત્વ છે એમ સૂત્રકાર ગાથામાં કહે છેઃ -
આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩.
ગાથાર્થઃ– [भूतार्थेन अभिगताः] ભૂતાર્થ નયથી જાણેલ [जीवाजीवौ] જીવ, અજીવ [च] વળી [पुण्यपापं] પુણ્ય, પાપ [च] તથા [आस्रवसंवरनिर्जराः] આસ્રવ, સંવર, નિર્જરા, [बन्धः] બંધ [च] અને [मोक्षः] મોક્ષ [सम्यक्त्वम्] -એ નવ તત્ત્વ સમ્યક્ત્વ છે.
ટીકાઃ– આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે. (-એ નિયમ કહ્યો); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર)- નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો- જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે-તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ-કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે- તેની પ્રાપ્તિ હોય છે. (શુદ્ધનયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે, આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ
PDF/HTML Page 193 of 4199
single page version
કરનાર-એ બન્ને આસ્રવ છે, સંવરરૂપ થયા યોગ્ય (સંવાર્ય) અને સંવર કરનાર- (સંવારક)-એ બન્ને સંવર છે, નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-એ બન્ને નિર્જરા છે, બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-એ બન્ને મોક્ષ છે; કારણકે એકને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી નથી. તે બન્ને જીવ અને અજીવ છે (અર્થાત્ તે બબ્બેમાં એક જીવ છે ને બીજું અજીવ છે).
બાહ્ય (સ્થૂલ) દ્રષ્ટિથી જોઈએ તોઃ-જીવ-પુદ્ગલના અનાદિ બંધપર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે; (જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી;) તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતર્દ્રષ્ટિથી જોઈએ તોઃ- જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે; વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે અને પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવાં આ નવ તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે અને સર્વ કાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે, એકપણે પ્રકાશતો, શુદ્ધનયપણે અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ (આત્માની ઓળખાણ) જ છે, ને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે-બાધારહિત છે.
ભાવાર્થઃ– આ નવ તત્ત્વોમાં, શુદ્ધનય જોઈએ તો, જીવ જ એક ચૈતન્ય- ચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી. જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદ્રષ્ટિ છે, જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે. જીવ-પુદ્ગલના બંધપર્યાયરૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે; પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુદ્ગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી
PDF/HTML Page 194 of 4199
single page version
_________________________________________________________________ જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધનયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે.
અહીં, એ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इति] આ રીતે [चिरम् नव–तत्त्वच्छन्नम् इदम् आत्मज्योतिः] નવ તત્ત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, [वर्णमाला–कलापे निमग्नं कनकम् इव] જેમ વર્ણોના સમૂહમાં છૂપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, [उन्नीयमानं] શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. [अथ] માટે હવે હે ભવ્ય જીવો! [सततविविक्तं] હંમેશા આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન્ન, [एकरुपं] એકરૂપ [द्रश्यताम्] દેખો. [प्रतिपदम् उद्योतमानम्] આ (જ્યોતિ), પદે પદે અર્થાત્ પર્યાયે પર્યાયે એકરૂપ ચિત્ચમત્કારમાત્ર ઉદ્યોતમાન છે.
ભાવાર્થઃ– આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે એક ચૈતન્ય-ચમત્કારમાત્ર દેખાડયો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો- એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૮.
ટીકાઃ– હવે, જેમ નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે (કારણ કે જ્ઞેય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે). તેમાં પહેલાં, પ્રમાણ બે પ્રકારે છે-પરોક્ષ અને પ્રત્યક્ષ. ૧ઉપાત્ત અને ૨અનુપાત્ત પર (પદાર્થો) દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. (પ્રમાણ જ્ઞાન છે. તે જ્ઞાન પાંચ _________________________________________________________________ ૧. ઉપાત્ત=મેળવેલા. (ઈંદ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.) ૨. અનુપાત્ત=અણમેળવેલા. (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.)
PDF/HTML Page 195 of 4199
single page version
પ્રકારનું છે- મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય ને કેવળ. તેમાં મતિ ને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવધિ ને મનઃપર્યય એ બે વિકલ્પ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ- પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારનાં પ્રમાણ છે.) તે બન્ને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને જેમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.
નય બે પ્રકારે છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય છે. તે બંને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, ક્રમથી) અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગન કરાયેલા એવા શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.
નિક્ષેપ ચાર પ્રકારે છે- નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી (વ્યવહાર માટે) વસ્તુની સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે. ‘આ તે છે’ એમ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું (-પ્રતિમારૂપ સ્થાપન કરવું) તે સ્થાપના નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ છે. એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી (વિલક્ષણરૂપે-જુદા જુદા રૂપે) અનુભવ કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના ચૈતન્યલક્ષણરૂપ જીવસ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ રીતે આ પ્રમાણ -નય-નિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે.
ભાવાર્થઃ– આ પ્રમાણ, નય, નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું; તેમનાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યય થઈ જાય છે. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છેઃ પહેલી અવસ્થામાં પ્રમાણાદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાનશ્રદ્ધાનની સિદ્ધિ કરવી; જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણાદિની કાંઈ જરૂર નથી. પણ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણાદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ-દ્વેષ-મોહકર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે; તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન
PDF/HTML Page 196 of 4199
single page version
क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्।
किमपरमभिदध्मो धाम्नि
__________________________________________________________________ થયા પછી પ્રમાણાદિનું આલંબન રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત્ સિદ્ધ અવસ્થા છે ત્યાં પણ કાંઈ આલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપોનો અભાવ જ છે.
એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે -[अस्मिन् सर्वङ्कषे धाम्नि अनुभवम् उपयाते] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય-ચમત્કારમાત્ર તેજઃપુંજ આત્મા, તેનો અનુભવ થતાં [नयश्रीः न उदयति] નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, [प्रमाणं अस्तम् एति] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે [अपि च] અને [निक्षेपचक्रम् क्वचित याति, न विद्मः] નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. [किम् अपरम् अभिदध्मः] આથી અધિક શું કહીએ? [द्वैतम् एव न भाति] દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી.
ભાવાર્થઃ– ભેદને અત્યંત ગૌણ કરીેને કહ્યું છે કે -પ્રમાણ, નયાદિ ભેદની તો વાત જ શી? શુદ્ધ અનુભવ થતાં દ્વૈત જ ભાસતું નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.
અહીં વિજ્ઞાનદ્વૈતવાદી તથા વેદાંતી કહે છે કે- છેવટ પરમાર્થરૂપ તો અદ્વૈતનો જ અનુભવ થયો. એ જ અમારો મત છે; તમે વિશેષ શું કહ્યું? એનો ઉત્તરઃ- તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમાનંદને પામે છે તેથી અનુભવ કરાવવા માટે “શુદ્ધ અનુભવમાં દ્વૈત ભાસતું નથી” એમ કહ્યું છે. જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુસ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી, અને વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ
PDF/HTML Page 197 of 4199
single page version
मापूर्णमाद्यन्तविमुक्तमेकम्।
विलीनसङ्कल्पविकल्पजालं
प्रकाशयन् शुद्धनयोडभ्युदेति।। १०।।
__________________________________________________________________ કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે; શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. ૯.
આગળ શુદ્ધનયનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– [शुद्धनयः आत्मस्वभावं प्रकाशयन् अभ्युदेति] શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે? [परभावभिन्नम्] પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો-એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે, [आपूर्णम] આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે-સમસ્ત લોકાલોકને જાણનાર છે-એમ પ્રગટ કરે છે; (કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મસંયોગથી છે, શુદ્ધનયમાં કર્મ ગૌણ છે). વળી, તે [आदि –अन्त– विमुक्तम्] આત્મસ્વભાવને આદિ-અંતથી રહિત પ્રગટ કરે છે. (અર્થાત્ કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને કયારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે). વળી તે, [एकम्] આત્મસ્વભાવને એક-સર્વ ભેદભાવોથી (દ્વૈતભાવોથી) રહિત એકાકાર-પ્રગટ કરે છે, અને [विलीन – सङ्कल्प–विकल्प–जालं] જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. (દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદ્ગલદ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેને વિકલ્પ કહે છે.) આવો શુદ્ધનય પ્રકાશરૂપ થાય છે. ૧૦.
PDF/HTML Page 198 of 4199
single page version
મથાળુંઃ– એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યક્ત્વ છે. એટલે કે ત્રિકાળી જ્ઞાયકભાવને જ્ઞાયક, જ્ઞાયક...જ્ઞાયકસામાન્યપણે જાણવો એનું નામ સમ્યગ્દર્શન છે એમ સૂત્રકાર ગાથા (૧૩) માં કહે છે.
‘भूतार्थेन अभिगताः’ ભૂતાર્થનયથી જાણેલ-એટલે કે છતી-વિદ્યમાન જે વસ્તુ ત્રિકાળ છે તેને જાણનારા નયથી જાણેલ ‘जीवा–जीवौ’ જીવ, અજીવ ‘च’ વળી ‘पुण्यपापं’ પુણ્ય અને પાપ ‘च’ તથા ‘आस्रवसंवरनिर्जराः’ આસ્રવ, સંવર, નિર્જરા, ‘बन्धः’ બંધ ‘च’ અને ‘मोक्षः’ મોક્ષ ‘सम्यक्त्वम्’–એ નવતત્ત્વ સમ્યક્ત્વ છે. એટલે એ નવતત્ત્વમાંથી એક ત્રિકાળીને જુદો તારવીને એ જાણનાર, જાણનાર જાણનારમાત્ર એકને જ દ્રષ્ટિમાં લેવો એનું નામ સમ્યગ્દર્શન છે. એને આત્મા છે તેવો બરાબર માન્યો, જાણ્યો અને અનુભવ્યો કહેવાય.
ભાઈ! આ તો અભ્યાસ હોય તો સમજાય એવું છે. મેટ્રિક, બી. એ., એલ. એલ. બી. વગેરે અભ્યાસમાં કેટલોય વખત ગાળે. સંસ્કૃતના અભ્યાસમાં વરસો ગાળે પણ એ કાંઈ કામ આવે નહીં. અહીં તો આત્મા જ્ઞાયકપણે જે ત્રિકાળ છે તેના સંસ્કાર નાખવા, અનુભવ કરવો એ અભ્યાસ સાર્થક છે.
આ જીવાદિ નવતત્ત્વો-જીવ, અજીવ, પુણ્ય, પાપ આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ છે. તેમાં જીવ અને અજીવ બે પદાર્થ છે. જીવ છે, શરીર, કર્મ આદિ અજીવ છે, કર્મના નિમિત્તના સંબંધમાં પુણ્ય-પાપ અને આસ્રવ અને બંધ થાય છે તથા સંવર,
PDF/HTML Page 199 of 4199
single page version
નિર્જરા અને મોક્ષ નિમિત્તના (કર્મના) અભાવમાં થાય છે. પણ આ નવે તત્ત્વોમાં નિમિત્તની અપેક્ષા આવે છે. તે અપેક્ષા છોડી દઈને એકલો જ્ઞાયક, જ્ઞાયકભાવ જે પૂર્ણજ્ઞાનઘન છે એની દ્રષ્ટિ કરવી, એનો સ્વીકાર કરવો, સત્કાર કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. આ સિવાય દેવ-શાસ્ત્ર-ગુરુને માનવા કે નવતત્ત્વને ભેદથી માનવા તે કાંઈ સમ્યગ્દર્શન નથી. આ સમ્યક્ અનેકાંત છે.
અને ચારિત્ર? આત્મા અતીન્દ્રિય આનંદમૂર્તિ છે. એનું ભાન થઈને એમાં વિશેષ વિશેષ લીનતા-રમણતા થતાં જે પ્રચુર આનંદનું વેદન થાય તે ચારિત્રદશા છે. પ્રથમ જેને સમ્યગ્દર્શન હોય તેને વિશેષ સ્થિરતા થાય તે ચારિત્ર છે. સમ્યગ્દર્શન ન હોય અને પાધરા (સીધા) વ્રત લઈને બેસી જાય એ તો બધાં એકડા વિનાનાં મીંડાં છે. એ બધું મિથ્યાત્વની ભૂમિકા છે.
આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે -એ નિયમ છે. જે નવતત્ત્વો છે તેમાં ત્રણલોકના નાથ ભગવાન આત્મા ચૈતન્યહીરલો બિરાજમાન છે. જેમ હીરાને અનેક પાસા છે તેમ આ ચૈતન્યહીરલાને ગુણરૂપ અનંત પાસા છે. એ અનંત પાસા (ગુણ) સ્વયં પરિપૂર્ણ છે તથા વસ્તુમાં અભેદ એકરૂપ પડેલા છે. આવી અનંતગુણમંડિત અભેદ એકરૂપ વસ્તુ જે ચૈતન્યઘનસ્વરૂપ આત્મા તેને ભૂતાર્થનય વડે જાણવી તે નિયમથી સમ્યગ્દર્શન છે. અહીં શુદ્ધનયને ભૂતાર્થનય કહ્યો છે. અથવા ત્રિકાળી વસ્તુ એ જ શુદ્ધનય છે. આ વાત ૧૧મી ગાથામાં આવી ગઈ છે.
અહાહા...! જેને જાણ્યે અનંત જન્મ-મરણનો અંત આવી જાય, પૂર્ણ અનંત અતીન્દ્રિય-આનંદની પ્રાપ્તિ થાય એટલે મુક્તિ થાય એ કારણ કેવું હોય? બાપુ! (એ સાધારણ ન હોય.) એ તો પૂર્ણ સ્વરૂપ છે જેમાં ન રાગ છે, ન ભેદ છે, ન પર્યાયનો પ્રવેશ છે. એવી ઝળહળ ચૈતન્યજ્યોતિસ્વરૂપ અભેદ એકરૂપ જ્ઞાયક વસ્તુમાં દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે. આ તો મુદ્રાની મૂળ રકમની વાત છે.
ઘરાકનો હિસાબ કરે ત્યારે કહે-રકમનું વ્યાજ તો આપ્યું, પણ મૂળ રકમ? મૂળ રકમ તો લાવ. એમ અનાદિની પુણ્યની ક્રિયા કરીકરીને મરી ગયો, પણ મૂળ રકમ શું છે એ તો જો. મૂળ મુદની રકમ તો ચૈતન્યજ્યોત પૂર્ણજ્ઞાનઘન નવતત્ત્વમાં પર્યાયપણે પરિણમેલી દેખાવા છતાં જે જ્ઞાયકપણે એકરૂપ છે તે છે. એને જાણ્યે, માન્યે સમ્યક્ કહેતાં સત્યદર્શન છે. જેવું એનું પૂર્ણ સત્ સ્વરૂપ છે તેવી જ તેની પ્રતીતિ થવી તેને સત્યદર્શન કહે છે.ભાઈ! ધર્મની શરૂઆત અહીંથી થાય છે. એના વિના લાખો- કરોડોનાં દાન કરે, મંદિરો બનાવે કે ઉપવાસ કરીને મરી જાય તોપણ એ બધું થોથેથોથાં છે. તો શું એ બધું
PDF/HTML Page 200 of 4199
single page version
ન કરવું? કોણ કરે? મંદિરાદિ બધું એના કારણે થાય છે. (શુભભાવને કારણે નહીં) પણ એ શુભભાવ આવે છે, એ હોય છે, બસ એટલું જ. તથાપિ એ શુભભાવ તે ધર્મ નથી; એ તો સંસાર છે, રખડવાનો ભાવ છે. પુણ્ય પોતે રખડાઉ છે, એનાથી રખડવું કેમ મટે? એ પુણ્યભાવ-શુભભાવ સંસાર છે.
જેનું સ્વરૂપ કેવળી પણ પૂરું કહી શક્યા નહીં એવો તું કોણ અને કેવડો છું? ભાઈ, આ વાણી તો જડ છે એ ચૈતન્યનું સ્વરૂપ કેટલું કહે? એ અરૂપી ચૈતન્યઘન ભગવાન વાણીમાં કેટલો આવે? ઈશારા આવે, ભાઈ! અહીં પૂર્ણજ્ઞાનઘન શબ્દ વાપરીને આચાર્યે એક ગુણ પૂર્ણ છે અને એવા અનંતગુણનો એકરૂપ પૂર્ણજ્ઞાનઘન પ્રભુ આત્મા છે એમ દર્શાવ્યું છે. એને જ્ઞાનમાં લઈને-વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવીને પ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન છે. એ ધર્મનું મૂળ છે. જેમ મૂળ વિના, ડાળી ને પાંદડાં, ફળ આદિ હોતાં નથી તેમ સમ્યગ્દર્શનરૂપ મૂળ વિના ચારિત્ર કે વ્રત, તપ હોતા નથી.
અહાહા...! જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે એ નિયમ કહ્યો. વસ્તુસ્થિતિનો આ નિયમ છે. હવે તેનું કારણ સમજાવતાં કહે છે-તીર્થની વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી જીવ-અજીવ આદિ નવતત્ત્વો કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ જીવ-એક સમયની જીવની પર્યાય તે અહીં જીવ કહે છે; અજીવ-અજીવનું જે જ્ઞાન થાય છે તેને અહીં અજીવ કહે છે; પુણ્ય-દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ આદિનો ભાવ તે પુણ્યભાવ છે; પાપ-હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, ભોગ આદિ ભાવ, આ રળવા-કમાવાનો, દુકાન ચલાવવાનો, દવા-ઈન્જેકશન દેવાનો ભાવ, તે પાપભાવ છે; એ પુણ્ય અને પાપ બન્ને ભાવ તે આસ્રવ છે. આ એટલે મર્યાદાથી અને સ્રવવું એટલે આવવું. મર્યાદાથી કર્મનું આવવું તે આસ્રવ છે. જેમ વહાણમાં છિદ્ર હોય તો એને લઈને પાણી અંદર આવે તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય તો એના સંબંધમાં નવાં (કર્મનાં) આવરણ આવે તે આસ્રવ છે; સંવર-આત્મા શુદ્ધસ્વરૂપે પૂર્ણ છે; પૂર્ણ શુદ્ધના આશ્રયે શુદ્ધિનો અંશ પ્રગટે તે સંવર છે; નિર્જરા -સંવરપૂર્વક અશુદ્ધતાનું ખરવું, કર્મનું ગળવું અને શુદ્ધતાનું વધવું એ ત્રણેય નિર્જરા છે; બંધ-દયા દાન આદિ જે વિકલ્પ ઊઠે તેમાં અટકવું તે બંધ છે; મોક્ષ વસ્તુ જ્ઞાયકસ્વરૂપ અબંધ છે. તેમાં પૂર્ણ સ્થિરતા થતાં પૂર્ણ નિર્મળ દશા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ વીતરાગતા પ્રગટ થવી એનું નામ મોક્ષ છે. જેવું પૂર્ણાનંદ સ્વરૂપ છે તેવો પૂર્ણ આનંદ પ્રગટ થઈ જવો તે મોક્ષ છે.
કોઈને એમ થાય કે આ બધું શું છે? નવું નથી, બાપુ! તને નવું લાગે છે. કેમકે તારી ચીજ એકરૂપ શું અને એ ચીજની આ દશાઓ શું એ કોઈ દિવસ તેં