Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 210

 

PDF/HTML Page 161 of 4199
single page version

(शार्दूलविक्रीडित)

एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः
पूर्णंज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक्।
सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः।।
६।।

__________________________________________________________________

શ્લોકાર્થઃ– [व्यवहरण–नयः] જે વ્યવહારનય છે તે [यद्यपि] જો કે [इह प्राक्–पदव्यां] આ પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી) [निहित–पदानां] જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, [हन्त] અરેરે! [हस्तावलम्बः स्यात्] હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, [तद्–अपि] તોપણ [चित्–चमत्कार–मात्रं पर–विरहितं परमं अर्थ अन्तः पश्यतां] જે પુરુષો ચૈતન્યચમત્કારમાત્ર પરદ્રવ્યભાવોથી રહિત (શુદ્ધનયના વિષયભૂત) પરમ ‘અર્થ’ ને અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તદ્રૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે. તેમને [एषः] એ વ્યવહારનય [किञ्चित् न] કાંઈપણ પ્રયોજનવાન નથી.

ભાવાર્થઃ– શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈપણ પ્રયોજનકારી નથી.પ

હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છેઃ-

શ્લોકાર્થઃ– [अस्य आत्मनः] આ આત્માને [यद् इह द्रव्यान्तरेभ्यः पृथक दर्शनम्] અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો) [एतत् एव नियमात् सम्यग्दर्शनम्] તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવા છે આત્મા? [व्याप्तुः] પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે? [शुद्धनयतः एकत्वे नियतस्य] શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે? [पूर्ण–ज्ञान–घनस्य] પૂર્ણજ્ઞાનઘન છે. [च] વળી [तावान् अयं आत्मा] જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. [तत्] તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે “[इमाम् नव–तत्त्व–सन्ततिं मुक्त्वा] નવતત્ત્વની પરિપાટીને છોડી, [अयम् आत्मा एकः अस्तु नः] આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો.”

ભાવાર્થઃ– સર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાય- ભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો


PDF/HTML Page 162 of 4199
single page version

--શુદ્ધનયથી જ્ઞાયકમાત્ર એક-આકાર દેખાડવામાં આવ્યો, તેને સર્વ અન્યદ્રવ્યો અને અન્યદ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે, નિયમ રહેતો નથી. શુદ્ધનયની હદે પહોંચતાં વ્યભિચાર રહેતો નથી તેથી નિયમરૂપ છે. કેવો છે શુદ્ધનયનો વિષયભૂત આત્મા? પૂર્ણજ્ઞાનઘન છે -સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાનસ્વરૂપ છે. એવા આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે. તે કાંઈ જુદો પદાર્થ નથી-આત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે. માટે સમ્યગ્દર્શન છે તે આત્મા છે, અન્ય નથી.

અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે કારણ કે વસ્તુને સર્વજ્ઞનાં આગમનાં વચનથી જાણી છે; તેથી આ શુદ્ધનય સર્વ દ્રવ્યોથી જુદા, આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. આ વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, શુદ્ધનયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે તે શ્રદ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી તેથી આચાર્ય કહે છે કે એ નવ તત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી શુદ્ધનયનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે, કોઈ નયપક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે.

અહીં કોઈ પ્રશ્ન કરે કે -આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે, તો એટલી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહિ? તેનું સમાધાનઃ-ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ આત્માને માને છે; જો એટલી જ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો તો સૌને સમ્યક્ત્વ સિદ્ધ થઈ જશે. તેથી સર્વજ્ઞની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યક્ત્વ થાય છે એમ સમજવું. ૬.

હવે, ‘ત્યાર પછી શુદ્ધનયને આધીન, સર્વ દ્રવ્યોથી ભિન્ન, આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે’ એમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [अतः] ત્યાર બાદ [शुद्धनय आयतं] શુદ્ધનયને આધીન [प्रत्यगज्योतिः] જે ભિન્ન આત્મજ્યોતિ છે [तत्] તે [चकास्ति] પ્રગટ થાય છે [यद्] કે


PDF/HTML Page 163 of 4199
single page version

(अनुष्टुभ्)

अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्।
नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति।।
७।।

જે [नव–तत्त्व–गतत्वे–अपि] નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં [एकत्वं] પોતાના એકપણાને [न मुञ्चति] છોડતી નથી.

ભાવાર્થઃ– નવતત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે; જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. ૭.


PDF/HTML Page 164 of 4199
single page version

૨૯ ૨૯-૧૨-૭પ ૩૩ ૨-૧૨-૭૬
૩૦ ૩૦-૧૨-૭પ ૩૪ ૩-૧૨-૭૬
૩૧ ૩૧-૧૨-૭પ ૩પ ૪-૧૨-૭૬ અને
૩૨ ૧-૧-૭૬ ૩૬ પ-૧-૭૬

ઃ સમયસાર ગાથા ૧૨ નો ઉપોદ્ધાતઃ

ગાથા ૧૧ માં એમ કહ્યું કે વ્યવહારનય અસત્યાર્થ છે અને નિશ્ચયનય સત્યાર્થ છે. આ આત્મા જે વસ્તુ છે તે દ્રવ્ય, ગુણ, પર્યાય એમ ત્રણે મળીને આખું સત્ છે. તેમાં અનંતગુણનો પિંડ તે દ્રવ્ય, ગુણ એટલે શક્તિ અને પર્યાય કહેતાં અવસ્થા. આ ત્રણે થઈને સત્નું પૂર્ણરૂપ છે એ ત્રણ થઈને એક સત્તાની અપેક્ષાએ બીજા પર પદાર્થોને અસત્ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તમ્ સત્’ તેમાં ઉત્પાદ-વ્યય તે પર્યાય છે, દ્રવ્ય (અને ગુણ) ત્રિકાળ છે. આ ત્રણ થઈને એક સત્ છે. તેની અપેક્ષાએ બીજા પર પદાર્થો અસત્ છે. આત્મા બીજામાં નહીં અને બીજા પદાર્થો આત્મામાં નહીં એ અપેક્ષાએ બીજા પદાર્થોને અસત્ કહી વ્યવહાર કહ્યો છે.

હવે અહીં એમ કહે છે કે- દ્રવ્યઅનંતગુણોથી અભેદ એક વસ્તુ છે, એવું પર્યાય વિનાનું ત્રિકાળી ધ્રુવ અખંડ એક અભેદ પૂર્ણ દ્રવ્ય જે વસ્તુ તે સત્ છે અને તેની અપેક્ષાએ એક સમયની પર્યાય તે અસત્ છે.

ત્યારે પ્રશ્ન એમ થાય છે કે પર્યાય જે છે તેને અસત્ કેમ કહી? તેનો ખુલાસો એમ છે કે પ્રયોજનવશ મુખ્ય-ગૌણ કરીને આમ કહેવામાં આવ્યું છે. પર્યાય પર્યાયપણે તો છે; એક દ્રવ્યમાં જેમ બીજી ચીજ સર્વથા નથી તેમ આ પર્યાય સર્વથા નથી એમ નથી. જેમ બીજી ચીજ આત્મામાં છે જ નહીં તેમ પર્યાયના સ્વરૂપનું ન સમજવું. પર્યાય પર્યાયપણે તો સત્ છે. પરંતુ ભગવાન પૂર્ણાનંદ-સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જે અખંડ એક જ્ઞાયકભાવમાત્ર પરમપારિણામિકસ્વભાવભાવરૂપ છે તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ થાય છે. ધર્મ પ્રગટ કરવાનું આ પ્રયોજન સિદ્ધ કરવા ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને મુખ્ય કરીને તેને નિશ્ચય કહી સત્યાર્થ કહેલ છે. જ્યારે વર્તમાન પર્યાયના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ થતો નથી, પણ રાગાદિ વિકલ્પ થાય છે તેથી પર્યાયનો આશ્રય છોડાવવા તેને ગૌણ કરીને વ્યવહાર કહી અસત્યાર્થ કહેલ છે. પર્યાયને ગૌણ કરીને એટલે


PDF/HTML Page 165 of 4199
single page version

કે તેને પેટામાં રાખીને, દ્રવ્યમાં ભેળવીને નહીં; પર્યાય પર્યાયમાં છે એમ રાખીને એની મુખ્યતા ન કરતાં, તળેટીમાં રાખીને તેને અસત્યાર્થ કહેવામાં આવેલ છે.

ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જેને જ્ઞાયક કહીએ, જેને પરમ પારિણામિક સ્વભાવભાવ કહીએ તેને મુખ્ય કરી નિશ્ચય કહી સત્ય કહેવામાં આવેલ છે. આમ શા માટે કહ્યું? કે ત્રિકાળી સત્યાર્થ વસ્તુના આશ્રયે સમ્યક્દર્શન પ્રગટ થાય છે અને બીજી કોઈ રીતે સમ્યક્દર્શન પ્રગટ થતું નથી. આવા ભૂતાર્થ, અભેદ એકરૂપ દ્રવ્યમાં દ્રષ્ટિ જાય-દ્રષ્ટિ પ્રસરે ત્યારે તેને સમ્યક્દર્શન થાય છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. આ તો હજુ સમ્યક્દર્શનની પ્રાપ્તિનું પ્રયોજન સિદ્ધ કરવાની વાત ચાલે છે, ચારિત્ર તો ક્યાંય રહ્યું. આ કોઈ અલૌકિક અને અપૂર્વ ચીજ છે ભાઈ!

આ રીતે પર્યાયને ગૌણ કરીને ગાથા ૧૧માં કથંચિત્ અસત્ય કહી તો પર્યાય છે કે નહીં, એનું અસ્તિત્વ છે કે નહીં એનું ગાથા ૧૨ માં જ્ઞાન કરાવે છે.

અનાદિકાળથી જીવને મિથ્યાત્વભાવના કારણે રાગનું વેદન અને રાગનો સ્વાદ હતો. તેને કોઈ પ્રકારે દ્રષ્ટિનો વિષય જે પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા એનું ભાન થતાં, એનો પ્રત્યક્ષ અનુભવ થતાં સમ્યગ્દર્શન સહિત અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એ તો નિશ્ચય થયો. ત્યારે તે ધર્મની શરૂઆત થતાં સાધક બન્યો. આવા સાધક આત્માને પૂર્ણશુદ્ધતારૂપ પરમાત્મદશા પ્રાપ્ત ન થાય-સ્વનો પૂર્ણ આશ્રય ન થાય ત્યાં સુધી પર્યાયમાં ક્રમશઃ શુદ્ધિ વધે છે, અશુદ્ધિ ઘટે છે-એવું કાંઈ રહે છે કે નહીં? આમ વ્યવહારનું ૧૧ મી ગાથા પછી આ ૧૨ મી ગાથામાં સ્પષ્ટ જ્ઞાન કરાવે છે. પૂર્ણદશાને પ્રાપ્ત પરમાત્માને કાંઈક શુદ્ધતા અને કાંઈક અશુદ્ધતા એવું હોતું નથી. એને તો સંપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ છે એટલે વ્યવહાર હોતો નથી. પરંતુ નીચલી દશામાં એટલે કે જઘન્યદશાથી-સમ્યગ્દર્શનથી જે આગળ ચાલ્યો છે, એટલે કે શ્રદ્ધાથી આગળ જેને આત્મ-એકાગ્રતા ક્રમશઃ વધતી ચાલી છે, પણ પૂર્ણદશા-ઉત્કૃષ્ટદશા થઈ નથી એવા મધ્યમભાવને અનુભવતા સાધકને શુદ્ધતાની સાથે મહાવ્રત આદિના વિકલ્પો પણ છે તે જાણેલા પ્રયોજનવાન છે એમ હવે કહે છે.

ગાથા ૧૨ની ઉત્થાનિકાઃ (પ્રવચન)

હવે “એ વ્યવહારનય પણ કોઈ કોઈને, કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી; તેથી તેનો ઉપદેશ છે.” ૧૧ મી ગાથામાં નિશ્ચયનય આશ્રય કરવાની અપેક્ષાએ આદરેલો પ્રયોજનવાન કહ્યો. હવે વ્યવહારનય પણ કોઈ કોઈને એટલે


PDF/HTML Page 166 of 4199
single page version

કે જે જઘન્યપૂર્વક મધ્યમદશામાં વર્તે છે તેને સાધકદશાના કાળમાં પ્રયોજનવાન છે; અર્થાત્ સાધક-અવસ્થામાં શુદ્ધતાના અંશો પૂર્ણ નથી અને કાંઈક અશુદ્ધતા છે એને જાણેલી પ્રયોજનવાન છે. પર્યાયગત શુદ્ધતા-અશુદ્ધતા છે એ વ્યવહાર છે, એને જાણવું કે આટલું છે એનું નામ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે; આદરેલો પ્રયોજનવાન છે એમ નથી. આદરેલો પ્રયોજનવાન તો એકમાત્ર ત્રિકાળી શુદ્ધ નિશ્ચય જ છે. ત્રિકાળી શુદ્ધ નિશ્ચયનો આશ્રય લઈને સમ્યગ્દર્શન, જ્ઞાન અને સ્વરૂપની સ્થિરતાના અંશરૂપ સ્વરૂપાચરણ થયું. પરંતુ સંપૂર્ણ નિર્વિકલ્પ વીતરાગદશા પ્રગટ ન થઈ હોય ત્યાંલગી સાધકદશામાં સાધકને મહાવ્રતાદિના વિકલ્પો છે, તે વ્યવહાર છે. તે સાધકઅવસ્થામાં જાણેલો પ્રયોજનવાન છે; આ એનો સાર છે. ‘વ્યવહારનય પણ પ્રયોજનવાન છે’ તેની વ્યાખ્યા આ એક જ છે કે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહીં. કથનશૈલી ગમે તે આવે પણ અર્થ તો આ જ છે કે ત્રિકાળી નિશ્ચય આદરેલો પ્રયોજનવાન છે અને આ રાગ જે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે.

૧૧મી ગાથા જૈનદર્શનનો પ્રાણ છે. તેની સાથે આ ૧૨મી ગાથામાં વ્યવહાર જોડયો છે. સાધકની પર્યાયમાં શુદ્ધતા સાથે મહાવ્રતના, અણુવ્રતના, ભક્તિ આદિના વિકલ્પો હોય છે, એ નથી એમ નહીં. ‘નથી’ એમ કહ્યું હતું એ તો ગૌણ કરીને કહ્યું હતું. સાધકદશામાં જીવને કાંઈક શુદ્ધતા અને કાંઈક અશુદ્ધતા પર્યાયમાં છે. વ્રત, ભક્તિ આદિનો શુભરાગ છે. પણ એ શુભરાગ નિશ્ચયનું કારણ નથી, તેમ પર્યાયમાં રાગ નથી એમ પણ નહીં તે શુભરાગ આદિ જાણવા યોગ્ય છે એટલું જ; માટે તો કહે છે કે સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. જુઓ, જેમ પરદ્રવ્ય જીવમાં નથી, એમ રાગ પર્યાયમાં સર્વથા નથી એમ તો નથી. કથંચિત્ નથી અને કથંચિત્ છે; ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં નથી તે અપેક્ષાએ ‘નથી’ અને એને જ વર્તમાનની અપેક્ષાએ ‘છે’ એમ કહે છે. એ ‘છે’ તે જાણેલો પ્રયોજનવાન છે એમ કહે છે.

ગાથાર્થ ઉપરનું પ્રવચનઃ ગાથા ૧૨

‘परमभावदर्शिभिः’ જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા છે તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા તેમને તો શુદ્ધ (આત્મા) નો ઉપદેશ (આજ્ઞા) કરનાર શુદ્ધનય જાણવા યોગ્ય છે.’ જુઓ, શુદ્ધનયનો આશ્રય (શુદ્ધનયના વિષયનો આશ્રય)તો સમકિતીને હોય છે અહીં તો શુદ્ધનય (કેવળજ્ઞાન થતાં) પૂર્ણ થઇ ગયો છે, તેનો આશ્રય કરવાનો હવે રહ્યો નથી એ અપેક્ષાએ અહીં વાત કરી છે. જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા એટલે કે જે સમકિતી થયા તથા પૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તેને પ્રાપ્ત થયા તથા


PDF/HTML Page 167 of 4199
single page version

ચારિત્રની સંપૂર્ણ સ્થિરતાને પામ્યા તેમને તો શુદ્ધનયનો વિષય જે શુદ્ધ આત્મા તેનો આશ્રય કરવાનો રહ્યો નહીં. તેમને તો શુદ્ધનય જાણવા યોગ્ય છે એટલે કે એનું ફળ જે કૃતકૃત્યપણું આવ્યું તેનું કેવળજ્ઞાનમાં જાણપણું થયું. પૂર્ણ નિર્વિકલ્પદશા જેને થઈ ગઈ, તે તેને માત્ર જાણે છે, અધૂરી દશાનો રાગ તેને નથી તેથી વ્યવહાર પણ રહેતો નથી. એમ તો નિર્વિકલ્પ ધ્યાનમાં બે મોક્ષમાર્ગ કહ્યા છે. દ્રવ્યસંગ્રહ ગાથા ૪૭માં આવે છે- दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णिमया” ત્રિકાળી ધ્રુવના આશ્રયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય એ નિશ્ચય મોક્ષમાર્ગ અને અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં બુદ્ધિપૂર્વક રાગ તો નથી પણ જે અબુદ્ધિપૂર્વક રાગ કહ્યો છે. એને આરોપિત કરી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો. આમ નિર્વિકલ્પ ધ્યાનમાં મુનિરાજને એકલો નિશ્ચય છે અને વ્યવહાર નથી એમ તો નથી. ત્યાં વ્યવહાર પણ કહ્યો છે અહીં તો ધ્યાનનું ફળ જે સંપૂર્ણ નિર્વિકલ્પતા થઈ છે એવા કેવળજ્ઞાનીને વ્યવહાર રહેતો નથી; કેમકે પૂર્ણ દશામાં કોઈ રાગ રહેતો નથી પણ સંપૂર્ણ વીતરાગતા છે. જે પૂર્ણ દશા થઈ એને માત્ર જાણે છે. ‘વળી જે જીવો અપરમભાવે સ્થિત છે-અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ સ્થિત છે, તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે.’ સમ્યગ્દર્શન થયું છે, પણ સમ્યગ્જ્ઞાન-ચારિત્ર પૂર્ણ થયાં નથી, સર્વજ્ઞતાની પ્રતીતિ થઈ છે પણ સર્વજ્ઞપદ પ્રગટ થયું નથી એવી સાધકદશામાં જે સ્થિત છે તેઓ व्यवहारदेशिताः એટલે વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. શબ્દ તો છે व्यवहारदेशिताः, પણ એનો વાચ્યાર્થ તો એમ છે કે તે કાળે જેટલો કાંઈ વ્યવહાર છે તે જાણવા યોગ્ય છે. પ્રતિસમય સાધકને શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે. જે જે સમયની, જેટલી શુદ્ધતા-અશુદ્ધતા છે તેને જેમ છે તેમ તે તે સમયે જાણવી તે પ્રયોજનવાન છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ છે, ભાઈ! આ કાંઈ કથા-વાર્તા નથી. દિગંબર સંતો તો કેવળીના કેડાયતો છે. કેવળીના પેટ ખોલીને વાત કરી છે. જુઓ, આ મુનિઓ આનંદમાં મસ્ત છે. તે દશામાં વિકલ્પ ઊઠે છે અને શાસ્ત્ર શાસ્ત્રના કારણે લખાઈ જાય છે. ત્યારે કહે છે કે શાસ્ત્ર લખવાનો વિકલ્પ તો છે કે નહીં? પૂર્ણતા તો આ કાળે નથી, તેથી વિકલ્પ છે. અનેક પ્રકારના વિકલ્પના અંશો આવે છે. તે (વિકલ્પો) પાઠમાં તો એમ છે કે व्यवहारदेसिदा એટલે કે ઉપદેશ કરવા યોગ્ય છે. પણ એનો આશય એમ નથી. આ તો કથનશૈલી છે. એનો અર્થ તો પર્યાયમાં શુદ્ધતા સાથે જે કાંઈક અશુદ્ધતા પણ છે તેને જાણવી તે પ્રયોજનવાન છે. શું કહ્યું? જાણવું તે પ્રયોજનવાન છે. જાણીને શું કરવું? અશુદ્ધતા છોડવા યોગ્ય હેય છે એમ જાણી ત્રિકાળી ધ્રુવને ઉપાદેય કરી હેય


PDF/HTML Page 168 of 4199
single page version

(રાગ) ને છોડવું. વ્યવહારનય અને વ્યવહારનયનો વિષય છે, તે જે તે કાળે સાધકદશામાં જાણે તો પ્રયોજનવાન છે; ઉપાદેય તો માત્ર શુદ્ધ નિશ્ચય જ છે.

વસ્તુ જે અખંડ એક જ્ઞાયકભાવ છે તે પરિપૂર્ણ છે, કૃતકૃત્ય છે. એને કરવાનું કાંઈ છે નહીં. પણ એની દ્રષ્ટિ કરનાર સાધકને જ્યાંસુધી પર્યાયમાં કૃતકૃત્ય પૂર્ણદશા પ્રગટ ન થાય ત્યાંસુધી સ્થિરતા કરવાની છે અને અસ્થિરતા છોડવાની છે. આ એને કરવાનું છે માટે તેને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે-એમ કહેવા માગે છે. જ્ઞાયકની દ્રષ્ટિપૂર્વક પર્યાયમાં પરિપૂર્ણ કૃતકૃત્ય થઈ ગયેલ પરમાત્માને સ્થિરતા વધારવાનું અને અસ્થિરતા મટાડવાનું એવું કાંઈ રહેતું નથી માટે તેમને વ્યવહાર હોતો નથી.

* ટીકા ઉપરનું પ્રવચન *

લોકમાં સોળ-વલું સોનું પ્રસિદ્ધ છે. સોનું જ્યાંસુધી ચૌદ-વલું કે પંદર-વલું હોય છે ત્યાંસુધી તેમાં ચુરી આદિ મલિનતા અર્થાત્ અશુદ્ધતા હોય છે. તેવા અશુદ્ધ સોનાને અગ્નિની આંચ આપતાં આપતાં ક્રમે ક્રમે શુદ્ધ થઈ સંપૂર્ણ સોળ-વલું શુદ્ધ થઈ જાય છે. જેમને છેલ્લા પાકથી ઊતરેલું સોળ-વલું સોનું પ્રાપ્ત થઈ ગયું છે એમને તો ચૌદ-વલું, પંદર-વલું આદિ અશુદ્ધ દશાઓ જાણવા જેવી રહી નથી; પણ જેમને સોળ-વલા સોનાનું પ્રયોજન છે, પણ હજુ પ્રાપ્ત થયું નથી તેમને સોનાની ચૌદ-વલા અને પંદર- વલાની દશાઓ જાણવી પ્રયોજનભૂત છે. સોળ-વલું સોનું પ્રાપ્ત થઈ ગયા પછી તેનાથી નીચેની દશાઓ જાણવાની રહેતી નથી.

એ પ્રમાણે જે જીવને કેવળજ્ઞાનની પૂર્ણ દશા પ્રાપ્ત થઈ ગઈ છે એને તો ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરવાનો રહ્યો નથી, કારણ કે તેને શુદ્ધનય પૂર્ણ થઈ ગયો છે. આસ્રવ અધિકારમાં આવે છે કે કેવળજ્ઞાન પ્રગટ થતાં શુદ્ધનય પૂર્ણ થઈ જાય છે. તેથી જેણે પર્યાયમાં ઉત્કૃષ્ટ અચલિત અખંડ એકસ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે અર્થાત્ પર્યાયમાં જેણે પૂર્ણદશા પ્રગટ કરી છે તેને તો શુદ્ધનય જ સૌથી ઉપરની એક ભૂમિકા સમાન હોવાથી પૂર્ણ છે; અને તે જાણેલો પ્રયોજનવાન છે. અહીં જાણેલો પ્રયોજનવાન છે એટલે જે પૂર્ણદશા પ્રગટ થઈ ગઈ તેને બસ જાણે છે. એક બાજુ એમ કહે છે કે કેવળજ્ઞાનની પર્યાય પણ સદ્ભૂત વ્યવહાર છે, અને અહીં એમ કહ્યું કે કેવળજ્ઞાન થતાં શુદ્ધનય પૂર્ણ થઈ ગયો? એ તો કેવળજ્ઞાન થતાં શુદ્ધનયનો આશ્રય લેવાનો બાકી રહ્યો નહીં એ અપેક્ષાએ કથન છે. જ્યાં જે અપેક્ષાથી કથન કર્યું હોય તે અપેક્ષા બરાબર સમજવી જોઈએ.


PDF/HTML Page 169 of 4199
single page version

હવે કહે છે- પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન અનુત્કૃષ્ટ મધ્યમભાવને અનુભવે છે-એટલે કે જેઓને નિજ શુદ્ધાત્માની દ્રષ્ટિપૂર્વક સમ્યગ્દર્શન પ્રગટ થયું છે, કાંઈક ચારિત્ર પણ પ્રગટ થયું છે, પણ પૂર્ણ ચારિત્ર તથા કેવળજ્ઞાન નથી તેથી મધ્યમભાવ વર્તે છે-એવા પુરુષોને અશુદ્ધ દ્રવ્યને કહેનારો હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડયા છે એવો વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. અહીં દ્રવ્યને અશુદ્ધ કહ્યું એનો આશય એમ છે કે (૧) પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા નથી તેથી રાગાદિ અશુદ્ધતા પણ છે અને (૨) પર્યાયગત અશુદ્ધતા સ્વયં દ્રવ્યની છે, પરને લઈને અશુદ્ધતા કે શુદ્ધતા થઈ છે એમ નથી. જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડયા છે એટલે પહેલા સમયે જે શુદ્ધિ પ્રગટી તે કરતાં બીજા સમયે વિશેષ, ત્રીજા સમયે એનાથીય વિશેષ એમ વધતી જાય છે અને સાથે સાથે અશુદ્ધિ પ્રતિસમય ક્રમશઃ ઘટતી જાય છે. આ પ્રમાણે શુદ્ધતા-અશુદ્ધતાના અંશો અનેક પ્રકારના છે એ દેખાડનાર વ્યવહાર તે તે કાળે સાધકદશામાં જાણેલો પ્રયોજનવાન છે.

દ્રષ્ટિનો વિષય જે આત્મા ત્રિકાળ ધ્રુવ એકરૂપ શુદ્ધ છે તે નિશ્ચય છે, સત્યાર્થ છે. તેની અપેક્ષાએ પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને ગાથા ૧૧માં અસત્યાર્થ કહી છે. પરંતુ અહીં તેનું અસ્તિપણું સ્થાપે છે. વ્યવહારનયથી દ્રષ્ટિએ વ્યવહારનય અને એનો વિષય છે. એટલે શું? જેમ અશુદ્ધ સોનાને અગ્નિની આંચ આપતાં સોનું સંપૂર્ણ સોળવલું શુદ્ધ ન થાય ત્યાં સુધી અનેક રંગભેદ ઉત્પન્ન થાય છે, તેમ આત્મામાં પૂર્ણ વીતરાગતા પ્રગટ ન થાય ત્યાં સુધી તેની અવસ્થાઓ જે ભિન્ન ભિન્ન શુદ્ધતા- અશુદ્ધતાના અંશો સહિત હોય છે-તે વ્યવહાર છે તે જાણવા યોગ્ય છે, આદરવા યોગ્ય નહીં. ત્રિકાળી શુદ્ધ નિશ્ચય એ એક જ આદરણીય છે. બન્ને આદરણીય હોય તો બે નય ન થાય. તેથી ત્રિકાળી ધ્રુવ સત્સ્વરૂપ એ આદરણીય છે એમ જાણવું અને વ્યવહારનય હેય છે એમ જાણવું એ પ્રયોજનવાન છે.

ભાઈ! આ તો અંતરનો માર્ગ ઊંડા રહસ્યથી ભરેલો છે. એને સમજવા માટે ઘણી પાત્રતા અને હોંશ કેળવવી જોઈએ. નિયમસારમાં કહ્યું છે કે સંવર, નિર્જરા, મોક્ષની પર્યાય એક સમયની છે, નાશવાન છે, તેથી હેય છે. પણ અહીં તો એમ કહ્યું કે પર્યાય ભલે નાશવાન અને હેય છે, પણ એ જાણવા લાયક છે. એ વ્યવહારનયનો વિષય છે. નય છે તો એનો વિષય પણ છે. નિશ્ચયના કાળમાં નિશ્ચયને ઉપાદેય જાણવો એટલે કે દ્રવ્યને અભેદ અનુભવવું તે કાર્યકારી છે. તેમ વ્યવહારના કાળમાં વ્યવહારને હેયપણે જાણવો એ પ્રયોજનભૂતછે. આ પ્રમાણે બન્ને નયો કાર્યકારી સમજવા.


PDF/HTML Page 170 of 4199
single page version

હવે એનું કારણ આપે છે-કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. જેનાથી તરાય એ તીર્થ છે. અંતરમાં મોક્ષમાર્ગની પર્યાય છે તે તીર્થ છે કેમકે એનાથી તરાય છે. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતાસ્વરૂપ જે રત્નત્રયની પર્યાય એ તીર્થ છે. એનાથી સંસાર તરાય છે. રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની જે નિર્મળ પર્યાય તે વ્યવહાર છે. એ પર્યાય છે ને? તેથી તેને વ્યવહારધર્મ કહ્યો છે. શુભરાગ એ વ્યવહારધર્મ એ વાત અહીં નથી. ત્રિકાળી દ્રવ્ય જે નિષ્ક્રિય છે તે નિશ્ચય. તેની અપેક્ષાએ મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય તે વ્યવહાર છે. દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય અને પર્યાય તે વ્યવહારનયનો વિષય છે. કહે છે કે જો વ્યવહારનય ન હોય તો તેના વિષયભૂત તીર્થ અને તીર્થનું ફળ ક્યાં ગયું? પર્યાય ક્યાં ગઈ? તેથી મોક્ષનો માર્ગ તે તીર્થ છે, પાર થવું તે તીર્થનું ફળ છે. પૂર્ણ કેવળજ્ઞાન પામવું એ મોક્ષમાર્ગનું ફળ છે. કેવળજ્ઞાન પણ પર્યાય છે ને? પર્યાયને ન માનો તો મોક્ષમાર્ગ રહેતો નથી, અને મોક્ષમાર્ગનું ફળ જે કેવળજ્ઞાન અને સિદ્ધપદ તે પણ રહેતાં નથી, કેમકે એ પર્યાય છે. પર્યાય છે તે વ્યવહાર છે. માટે તીર્થ અને તીર્થફળની એવી જ વ્યવસ્થિતિ છે તે યથાર્થ જાણવી. વ્યવહારધર્મ તે તરવાનો ઉપાય છે તેથી કોઈ અહીં એમ કહે કે પુણ્યભાવ જે શુભરાગ તે વડે તરાય છે તો તેની વાત જૂઠી છે. શુભરાગ એ તો બંધનું કારણ છે, એ તો અસદ્ભૂત વ્યવહાર છે. અહીં તો સદ્ભૂત વ્યવહારની વાત છે. ત્રિકાળી જ્ઞાયકભાવનો આશ્રય લઈને જે નિર્મળ પર્યાય પ્રગટે તે સદ્ભૂતવ્યવહાર છે, તે મોક્ષમાર્ગ છે, અને તેનું ફળ જે કેવળજ્ઞાન એ સદ્ભૂત પૂર્ણદશા થઈ તે છે. બીજી જગ્યાએ કહ્યું કેઃ- जइ जिणमयं एवज्जह ता मा ववहारणिच्छए मुयह।

एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्चं।।

આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય- એ બન્ને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થં-વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ (વસ્તુ) નો નાશ થઈ જશે. જિનમતને એટલે કે વીતરાગ અભિપ્રાયને પ્રવર્તાવવા ઈચ્છતા હો તો વ્યવહાર અને નિશ્ચય બન્ને નયોને ન છોડો. વ્યવહાર નથી એમ ન કહો. વ્યવહાર છે. પણ ત્યાં (ગાથા ૧૧માં) અસત્ય કહ્યો હતો ને? એ તો ત્રિકાળ ધ્રુવ નિશ્ચયની વિવક્ષામાં ગૌણ કરીને અસત્ય કહ્યો હતો. બાકી વ્યવહાર છે, મોક્ષનો માર્ગ છે. વ્યવહારનય ન માનો તો તીર્થનો


PDF/HTML Page 171 of 4199
single page version

નાશ થઈ જશે. ચોથું, પાંચમું, છઠ્ઠું આદિ ચૌદ ગુણસ્થાનો જે વ્યવહારનયના વિષય છે, તે છે મોક્ષનો ઉપાય જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તે (વ્યવહાર) છે. ચૌદ ગુણસ્થાન દ્રવ્યમાં નથી, પણ પર્યાયમાં નથી એમ જો કહો તો તીર્થનો નાશ થઈ જશે. અને તેથી તીર્થનું ફળ જે મોક્ષ અને સિદ્ધપદ તેનો પણ અભાવ થઈ જશે. એમ થતાં જીવના સંસારી અને સિદ્ધ એવા જે બે ભાગ પડે છે એ વ્યવહાર પણ રહેશે નહી.

બહુ ગંભીર અર્થ છે, ભાઈ! ભાષા તો જુઓ. અહીં મોક્ષમાર્ગની પર્યાયને તીર્થ કહ્યું અને વસ્તુ જે છે તેને તત્ત્વ કહ્યું છે. ત્રિકાળી ધ્રુવ ચૈતન્યઘન જે વસ્તુ તે નિશ્ચય છે. તે વસ્તુને જો ન માનો તો તત્ત્વનો નાશ થઈ જશે. અને તત્ત્વના અભાવમાં, તત્ત્વના આશ્રયે ઉત્પન્ન થતું જે મોક્ષમાર્ગરૂપ તીર્થ તે પણ રહેશે નહી. આમ નિશ્ચય વસ્તુને ન માનતાં તત્ત્વનો અને તીર્થનો બન્નેનો નાશ થઈ જશે માટે વસ્તુસ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું.

જ્યાંસુધી પૂર્ણતા થઈ નથી ત્યાંસુધી નિશ્ચય અને વ્યવહાર બન્ને હોય છે. પૂર્ણતા થઈ ગઈ એટલે પોતે પોતમાં પૂર્ણ સ્થિર થઈ ગયો ત્યાં સઘળું પ્રયોજન સિદ્ધ થઈ ગયું પ્રમાણ થઈ ગયું, તીર્થફળ આવી ગયું.

ભાઈ! અશુભથી બચાવ શુભરાગ આવે ખરો, પણ એ કાંઈ મૂળમાર્ગ એટલે કે મોક્ષમાર્ગ નથી. ત્યારે કોઈ શુભરાગ અને તેનાં નિમિત્ત અરહંતાદિને મૂળથી ઉડાડે તો એમ પણ નથી. પ્રતિમા, મંદિર, વગેરે છે પણ એ શુભરાગનાં નિમિત્ત છે, એનો આશ્રય કરતાં ધર્મ નથી. ધર્મ તો એકમાત્ર ત્રિકાળી ચૈતન્યભગવાન પૂર્ણાનંદના આશ્રય વિના બીજી કોઈ રીતે ન થાય. વસ્તુ તો અખંડ પૂર્ણ કૃતકૃત્ય છે. કરવું એ પર્યાયમાં આવ્યું. મોક્ષમાર્ગ કરવો છે, થાય છે, એ વ્યવહાર થયો.

* ભાવાર્થ ઉપરનું પ્રવચન *

લોકમાં સોળવલું સોનું પ્રસિદ્ધ છે; પંદરવલા સુધી સોનામાં ચુરી, તાંબાનો ભાગ વગેરે રહે છે. એ સોનાને તાપ આપતાં પૂર્ણ શુદ્ધ થઈ જાય એને સોળવલું સોનું કહે છે. પંદરવલા સુધી સોનું અશુદ્ધ છે. જે જીવોને સોનાનાં પૂર્ણ જ્ઞાન, શ્રદ્ધાન અને પ્રાપ્તિ થઈ ગયાં તેમને પંદરવલાનું કાંઈ પ્રયોજન નથી. પૂર્ણ શુદ્ધ થઈ ગયું ને? અને જેમને સોળવલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી તેમને પંદરવલા સુધીનું સોનું જાણવા જેવું છે. એ જાણવું પ્રયોજનભૂત છે.

એવી રીતે જીવ નામનો પદાર્થ છે તે પુદ્ગલના સંયોગથી પર્યાયમાં અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. ત્યાં જેમને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન જ્ઞાયકભાવમાત્ર જે ચૈતન્યસૂર્ય


PDF/HTML Page 172 of 4199
single page version

પૂર્ણસ્વરૂપ છે તેનાં શ્રદ્ધા, જ્ઞાન અને આચરણરૂપ પ્રાપ્તિ થઈને પૂર્ણદશા પ્રાપ્ત થઈ ગઈ છે એમને તો પુદ્ગલસંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનનો કે મતલબનો નથી, કેમકે અશુદ્ધતા છે જ નહી. પણ જ્યાંસુધી પૂર્ણ શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી જાણવા માટે પ્રયોજનવાન છે. કેટલાક લોકો આમાંથી એમ અર્થ કાઢે છે કે ૧૨મી ગાથામાં વ્યવહાર કરવો એમ કહ્યું છે. પણ ખરેખર એમ છે જ નહીં. અહીં તો જણાવ્યું છે કે એ કાળે આવો વ્યવહાર હોય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ છે, પણ પૂર્ણદશા થઈ નથી એને આવો વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહેતો નથી.

જ્યાંસુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય ત્યાંસુધી તો જેનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનો સાંભળવાં. આવો ભાવ સમ્યગ્દર્શન થવા પહેલાં હોય છે એની વાત છે. અહીં ‘યથાર્થ ઉપદેશ એના’ પર વજન છે. આમ જ્યાં ત્યાંથી કહે છે કે દાન કરો, વ્રત કરો, તો સમકિત થશે અને ધર્મ થશે તો એ જિનવચન નથી, યથાર્થ ઉપદેશ નથી. આ ઉપદેશ સાંભળવા લાયક નથી. જેમાં સમ્યગ્દર્શનાદિ વીતરાગતાનું પ્રયોજન પ્રગટ હોય તે યથાર્થ ઉપદેશ છે. પંચાસ્તિકાયમાં શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે એમ કહ્યું છે. તથા આત્માવલોકન શાસ્ત્રમાં આવે છે કે- મુનિઓ વારંવાર (मुहुर्मुहुः) વીતરાગભાવનો ઉપદેશ આપે છે. એટલે નિમિત્ત, રાગ અને પર્યાયથી લક્ષ ફેરવી ત્રિકાળી જ્ઞાયકભાવનું લક્ષ કરો જેથી સમ્યગ્દર્શનાદિ વીતરાગતારૂપ ધર્મ થાય. આવો ઉપદેશ તે યથાર્થ ઉપદેશ છે, કેમકે વીતરાગભાવ એકમાત્ર સ્વદ્રવ્યના જ આશ્રયે થાય છે.

વળી જેમનાથી ઉપદેશ મળે એમ ન કહેતાં જેમનાથી યથાર્થ ઉપદેશ મળે એમ ભાષા વાપરી છે. એમાં પણ ભાવ છે. અહીં ઉપદેશ સંભળાવનાર ગુરુ પણ વીતરાગી સત્પુરુષ જ હોવા જોઈએ. જ્યાં ત્યાં માથાં ફોડે તો મિથ્યાત્વની જ પુષ્ટિ થાય છે. તેથી યથાર્થ ઉપદેશદાતાનો પણ નિર્ણય કરવાની જવાબદારી છે. જે સત્પુરુષના વચનો વીતરાગતાની પુષ્ટિ કરે તેમનાં જ વચનો સાંભળવા યોગ્ય છે. એવા સત્પુરુષ પણ શોધી કાઢવા પડશે. શ્રીમદે કહ્યું છે ને કે ‘સત્પુરુષને શોધ’. ઉપદેશ અને ઉપદેશક બન્ને વીતરાગતાનાં પોષક હોવાં જોઈએ. જુઓ, નિમિત્ત પણ યથાયોગ્ય હોય છે. વીતરાગનાં વચનો તો એવાં હોય છે કે તે એકદમ આત્માનો આશ્રય કરાવી પરનો આશ્રય છોડાવે છે.

જિનવચનો સાંભળવાં, ગુરુનાં વચનો સાંભળવાં એ છે તો શુભ વિકલ્પ. પણ જે તે કાળે આવો વિકલ્પ હોય છે. અહીં સમ્યગ્દર્શન પામવા માટે જિનવચન સાંભળવું એમ


PDF/HTML Page 173 of 4199
single page version

કહ્યું, પણ તે સાંભળવામાત્રથી જ સમ્યગ્દર્શન થાય છે એમ નથી. ૧૧ મી ગાથામાં એમ કહ્યું કે ભૂતાર્થના આશ્રયે એટલે ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાયકભાવના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ધર્મ થાય છે, સાંભળવાથી નહીં, નિમિત્તથી નહીં. અરેરે! ક્ષણે ક્ષણે નિમિત્તના અને રાગના પ્રેમમાં આ અનાકુળસ્વભાવી આત્માનો આનંદ લૂંટાઈ જાય છે!

મોક્ષમાર્ગપ્રકાશકના આઠમા અધિકારમાં આવે છે કે -‘હવે મિથ્યાદ્રષ્ટિ જીવોનેે મોક્ષમાર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ ઉત્તમ ઉપકાર છે શ્રી તીર્થંકરગણધરાદિ પણ એવો જ ઉપકાર કરે છે, માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશાનુસાર ઉપદેશ આપીએ છીએ.’ એક બાજુ એમ કહે કે કોઈ, કોઈ અન્યનો ઉપકાર કરી શકતું નથી અને અહીં મોક્ષમાર્ગનો ઉપદેશ આપી ઉપકાર કરવાનું કહ્યું છે તે કેવી રીતે છે? અરે ભાઈ! આ તો નિમિત્તની અપેક્ષાથી કથન છે. જ્યારે યથાયોગ્ય નિમિત્તનું જ્ઞાન કરાવવું હોય ત્યારે આવા કથનો આવે છે. જેમ હરણની નાભિમાં કસ્તુરી છે એની એને કિંમત નથી. એમ ભગવાન આત્મા આનંદનું દળ છે. પોતાના અનંત સામર્થ્યની અજ્ઞાનીને કિંમત નથી. એની શક્તિઓ એટલે ગુણો-જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા વગેરે છે. આ શક્તિઓનું માપ નથી. જે સ્વભાવ હોય એનું માપ શું? અમાપ જ્ઞાન, અમાપ દર્શન, અમાપ સ્વચ્છતા એમ અનંત શક્તિઓ ભરેલી છે. પોતે પૂર્ણ ઈશ્વર છે. આવો ભગવાન પૂર્ણ આનંદસ્વરૂપ છે. એમાં જાને! એમાં પ્રવેશી ઊંડો ઊતરી જાને! સમ્યગ્દર્શન પામતા પહેલાં આવો એનો વ્યવહાર (ભાવ) હોય છે. નિશ્ચય પ્રગટે તેને એ વ્યવહાર કહેવાય છે, અન્યથા નહીં. ત્રિકાળી, ધ્રુવ દ્રવ્યના આશ્રયે ધર્મ પ્રગટ થાય છે એવાં જિનવચન તે સાંભળે છે. સાંભળવાથી સમકિત થાય એમ નહીં પણ સમકિતસન્મુખ જીવને આવા જ જિનવચનના ઉપદેશનું નિમિત્ત હોય છે. અહા! જીવ પોતે મિથ્યાશ્રદ્ધાન વડે અનંત અનંત જન્મ મરણ કરી અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરી કહ્યો છે. કષાયની મંદતાથી ધર્મ થાય, નિમિત્ત સારું હોય તો પોતાનું કાર્ય થાય, જ્ઞાનનો ક્ષયોપશમ વિશેષ હોય તો આત્મદર્શન થાય વગેરે અનેક શલ્યો સંસાર વધવાના કારણ છે. એ સઘળા મિથ્યાશ્રદ્ધાનને દૂર કરી જન્મ-મરણનો અંત કરાવનારાં જિનવચનો તે જેમનાથી યથાર્થ ઉપદેશ મળે તેમની પાસે બરાબર સાંભળે છે.

આગળ કળશ ૪ માં આવે છે કે -‘जिनवचसि रमन्ते,’ આવો અર્થ કળશ ટીકાકારે કર્યો છે કે- ભાઈ! વાણી તો જડ પુદ્ગલ છે. તે જડમાં રમવું તે શું? તો જિનવચનમાં તો ભગવાન પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુ ઉપાદેય કહી છે તેને


PDF/HTML Page 174 of 4199
single page version

પકડીને રમે એટલે તેમાં એકાગ્રતા કરે એમ વાત કહી છે. પર્યાય, રાગ કે નિમિત્ત તે ઉપાદેય નથી. વળી જિનવચનો તો નિશ્ચય અને વ્યવહાર બન્ને છે. બન્ને માં રમવું તે શું? તો કહે છે બંને ઉપાદેય હોઈ શકે જ નહી. પણ દિવ્યધ્વનિ એ જે શુદ્ધ જીવ વસ્તુને ઉપાદેય કહી છે તેમાં સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે-પ્રત્યક્ષ અનુભવ કરે તેને જિનવચનમાં રમવું કહે છે.

વળી કેવું છે જિનવચન? તો નિશ્ચય અને વ્યવહાર બંનેના વિરોધને મટાડનારું છે. નિશ્ચય અને વ્યવહાર બન્ને જિનવચનો છે. પરંતુ નિશ્ચય અને વ્યવહારને પરસ્પર વિષયનો વિરોધ છે. તથા નિશ્ચયનું ફળ મોક્ષ અને વ્યવહારનું ફળ સંસાર છે. હસ્તાવલંબ જાણી જિનવચનમાં વ્યવહારનો ઘણો ઉપદેશ છે, પણ તેનું ફળ સંસાર કહ્યું છે. તો બંનેમાં રમે શી રીતે? જિનવચનમાં પ્રયોજનવશ વ્યવહારને ગૌણ કરી તથા નિશ્ચયને મુખ્ય કરી શુદ્ધ જીવ વસ્તુ ઉપાદેય કહી છે. તે એકમાં જ એકાગ્ર થવું એને રમવું એમ કહ્યું છે અને તે જ યથાર્થ ઉપદેશ છે.

હવે કહે છે-એ જિનવચનો સાંભળીને ધારણ કરવાં, ધારી રાખવાં, એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખવાં એમ નહીં. ૧૪મી ગાથામાં આવે છે કે આત્મા અબદ્ધ, અસ્પૃષ્ટ, આદિ પાંચ ભાવવાળો છે; ત્યાં શિષ્ય પૂછે છે કે -‘આ અબદ્ધ, અસ્પૃષ્ટ આદિ ભાવવાળા આત્માનો અનુભવ કેમ થઈ શકે? આનો અર્થ એમ કે શિષ્યે પ્રથમ ધારી રાખ્યું હતું કે આત્મા અબદ્ધ અપૃસ્ષ્ટ આદિ સ્વભાવવાળો છે તથા એને ઓળખી અનુભવ કરતાં જિનશાસન છે. તેથી તો એને પ્રશ્ન થયો કે આવા આત્માનો અનુભવ કેમ થઈ શકે? ત્યાં આચાર્યેખુલાસો કર્યો છે કે ભાઈ! રાગ છે, પુણ્ય છે, પર્યાય છે. પણ એ બદ્ધ-સ્પૃષ્ટાદિ ભાવો અભૂતાર્થ છે, કાયમ રહે એવી ચીજ નથી તેથી અનુભવ થઈ શકે છે. આમ જિજ્ઞાસુ પાત્ર જીવ સમકિત થતા પહેલાં ઉપદેશ બરાબર ધારી રાખતો હોય છે તેની અહીં વાત કરી છે.

આગળ કહે છે- તથા જિનવચનોને કહેનારા શ્રી જિનગુરુની ભક્તિ, જિનબિંબનાં દર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. અહીં જિનવચનોને કહેનાર જિનગુરુની ભક્તિ વગેરેનો ભાવ સમકિત થયા પહેલાં આવે છે એની વાત કરી છે. પણ ભક્તિ કરે તેથી સમકિત થાય એમ નથી. ભક્તિના ફળમાં સમ્યગ્દર્શન થાય કે નહીં? ના. સમવસરણમાં ત્રણલોકના નાથ બિરાજમાન હોય છે, તેમની ભક્તિ અનંતવાર કરી. અરે! એની ભક્તિના ભાવથી સમ્યક્ત્વ ન પમાય એ તો ઠીક, એની ભક્તિને જાણનાર જ્ઞાનનો જે સૂક્ષ્મ અંશ છે તેના આશ્રયે પણ સમકિત ન થાય. પ્રભુ! આ તો આખો


PDF/HTML Page 175 of 4199
single page version

સંસારી ઉખાડી નાખે, ભવના અંત આવે અને મોક્ષની તૈયારી થાય એની વાત ચાલે છે. જિનવચન, જિનગુરુ પ્રત્યે જે લક્ષ થાય છે એ તો રાગ છે, એ કાંઈ સમકિત નથી. છતાં સમકિત થતાં પહેલાં આવો જ વ્યવહાર હોય છે. વળી જિનબિંબના દર્શનનો પણ ભાવ હોય છે. સમોસરણમાં વીતરાગ અરિહંત પરમાત્મા હોય છે. એવી જ વીતરાગી મૂર્તિ હોય એને જિનબિંબ કહીએ. અન્ય આભૂષણાદિયુક્ત મૂર્તિ તે જિનબિંબ નથી. ભગવાન તો નગ્ન-દિગંબર વીતરાગસ્વરૂપ હોય છે. તેવી જ નગ્ન-દિગંબર વીતરાગી મૂર્તિ તે જિનબિંબ છે. આવા જિનબિંબના દર્શન, ભક્તિ, પૂજા ઈત્યાદિ બાહ્ય વ્યવહાર પ્રવર્તનનો ભાવ સમકિત થયા પહેલાં હોય છે પણ એનાથી નિશ્ચય સમકિત થાય નહીં. નિશ્ચય સમ્યક્ત્વ તો એકમાત્ર અખંડ એક જ્ઞાયકભાવનું અવલંબન થતાં જ થાય છે. વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે એમ કહ્યું ત્યાં તે શુભભાવોની પ્રવૃત્તિથી સમ્યગ્દર્શનનો લાભ થાય છે એમ આશય નથી પણ સમ્યગ્દર્શન થતાં પહેલાં આવા શુભભાવો હોય છે એમ સિદ્ધ કર્યું છે. હવે જેમને શ્રદ્ધા-જ્ઞાન તો થયાં છે, પણ સાક્ષાત્ પ્રાપ્તિ થઈ નથી એવા જીવને પૂર્વકથિત ભાવો જેવા કે જિનવચનો સાંભળવાં, ધારવાં, ગુરુભક્તિ, જિનબિંબદર્શન ઈત્યાદિ હોય છે. ખરેખર તો સમ્યગ્દર્શન થયા પછી જ ઉક્ત ભાવો વ્યવહાર નામને પામે છે. સમ્યગ્દ્રષ્ટિને જ સાચા નય-નિક્ષેપ હોય છે. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને નય-નિક્ષેપ હોતા નથી. અજ્ઞાનીના શુભભાવો તો વ્યવહારાભાસ છે. અહીં કહે છે કે સમ્યગ્દર્શન થયા પછી જ્યાંસુધી પૂર્ણતાની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી આવા ભાવો હોય છે; પણ આવા ભાવોથી નિશ્ચય પામે-એમ નથી. આ તો આવા શુભ વિકલ્પો હોય છે તેમ દર્શાવવું છે. વળી પરદ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચપરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, અને એ રીતે પ્રવર્તનારાઓની સંગતિ કરવી ઈત્યાદિ ભાવો હોય છે. અહીં આલંબન છોડવા માટે એમ કહ્યું છે. પરદ્રવ્ય તો છૂટા પડયા છે, છોડવાના ક્યાં છે? પરદ્રવ્યનું આલંબન છોડવા માટે એટલે તેના તરફનું લક્ષ છોડવા માટે એમ સમજવું. તીવ્ર કષાયના ભાવની નિવૃત્તિ અર્થે આવા અણુવ્રત-મહાવ્રતાદિના શુભ વિકલ્પ હોય છે. પરદ્રવ્યનું ગ્રહવું અને છોડવું એ તો આત્માને છે જ નહીં. ખરેખર તો આત્માએ રાગનો નાશ કર્યો એક કહેવું એ પણ કથનના માત્ર છે. રાગનો નાશ કરવો એ એના સ્વરૂપમાં છે જ નહીં. એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી. એને રાગનો નાશ ર્ક્યો એમ વ્યવહારથી કહેવાય છે. જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આહાર લેવો ઈત્યાદિ શુભ વિકલ્પનો- ઈર્યોભાષાએષણા આદિ સમિતિના પાલનનો વ્યવહાર હોય છે. અશુભથી બચવા મન-


PDF/HTML Page 176 of 4199
single page version

વચન-કાયાના શુભયોગરૂપ પ્રવૃત્તિ હોય છે. અરહંતાદિ પંચપરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન તથા એ રીતે પ્રવર્તનારાઓની સંગતિનો શુભભાવ હોય છે.

તથા વિશેષ જાણવા માટે શાસ્ત્રોના અભ્યાસ કરવાનો પણ ભાવ હોય છે. કળશટીકામાં ૧૩ મા કળશમાં કહ્યું છે કે -“કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક (બંધન) નથી.” સાંભળવાનો, વાંચવાનો, શાસ્ત્રના અભ્યાસનો, ઉપદેશ આદિનો વિકલ્પ આવે, પણ તે વડે શુદ્ધતા વધે છે એમ નથી. આ શુભભાવો આવે છે એમ પ્રવર્તવું એનો અર્થ એ કે એને યથાસ્થિત જાણવા. આઠમી ગાથામાં આવે છે કે -જ્યારે વ્યવહાર-પરમાર્થના માર્ગ પર સમ્યગ્જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો ‘આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને “દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે” એમ ભેદ પાડીને સમજાવે છે. વ્યવહારમાં આવીને સમજાવે છે કે દર્શન-જ્ઞાન- ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા. આવો વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. પણ વ્યવહારનયના ઉપદેશમાં એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે. વળી એમ પણ ન સમજવું કે શુભભાવ કરવાથી આત્મા શુદ્ધતાને પામે છે. પરંતુ એમ સમજવું કે સાધકની અવસ્થામાં ભૂમિકાનુસાર આવા શુભભાવો આવ્યા વિના રહેતા નથી.

વ્યવહારનયને કંથચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે. ૧૧ મી ગાથામાં વ્યવહારને અભૂતાર્થ-અસત્યાર્થ કહ્યો છે ને? એ તો ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે. શું શુભભાવ આદિ નથી? છે. અહીં અસદ્ભૂત વ્યવહારની વાત છે. તેને અસત્યાર્થ કહ્યો છે તેથી કોઈ તેને સર્વથા અસત્યાર્થ માનીને છોડી દે, શુભોપયોગરૂપ વ્યવહારને જૂઠો જાણીને છોડી દે, અને શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી, તેથી તો પોતે અશુભોપયોગમાં આવી જશે, નીચે ઊતરી જશે. હિંસા, જૂઠ આદિ તથા ભોગ આદિ અશુભમાં ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વચ્છંદે પ્રવર્તશે તો નરકાદિ ગતિને અને પરંપરાએ નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ પરિભ્રમણ કરશે. શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય અને વ્યવહારને છોડે એ તો બરાબર છે. ખરેખર તો શુદ્ધોપયોગરૂપ વીતરાગદશા થઈ જાય ત્યાં વ્યવહાર સ્વયં છૂટી જાય છે, છોડવો પડતો નથી.

જ્યાં સુધી શુદ્ધનયનો આશ્રય રહે છે ત્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ નથી એટલે કે કેવળજ્ઞાન નથી. ત્યાં સુધી વ્યવહાર આવે તે જાણેલો પ્રયોજનવાન છે. નીચલી દશામાં આવો


PDF/HTML Page 177 of 4199
single page version

વ્યવહાર હોય છે એવો સ્યાદ્વાદમતમાં ગુરુઓનો ઉપદેશ છે. વ્યવહારને કથંચિત્ અસત્યાર્થ કહ્યો પણ તે માર્ગમાં આવ્યા વિના રહેતો નથી; તેમ વ્યવહારથી નિશ્ચય થાય એમ પણ નથી. આવો ગુરુઓનો ઉપદેશ છે તે યથાર્થ અવધારવો.

હવે એ અર્થનું (ચોથા) કળશરૂપ કાવ્ય ટીકાકાર કહે છેઃ

* કળશ –૪ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘उभयनयविरोधध्वंसिनि’- નિશ્ચય અને વ્યવહાર એ બે નયને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. નિશ્ચયનયનો વિષય અભેદ છે, વ્યવહારનયનો વિષય ભેદ છે. બે વિરુદ્ધ થયા ને? નિશ્ચયનય પૂર્ણાનંદસ્વરૂપ એક અખંડ અભેદ આત્માને વિષય બનાવે છે, અને વ્યવહારનય વર્તમાન પર્યાય, રાગ આદિ ભેદને વિષય બનાવે છે. આમ બન્નેના વિષયમાં ફેર છે. નિશ્ચયનો વિષય દ્રવ્ય છે, વ્યવહારનો વિષય પર્યાય છે. એટલે બે નયોને પરસ્પર વિરોધ છે. આ નયોના વિરોધને નાશ કરનાર ‘स्यात्पदांके’ -એટલે સ્યાત્પદથી ચિહ્નિત જિનવચન છે. ‘સ્યાત્’ એટલે કથંચિત્ અર્થાત્ કોઈ એક અપેક્ષાએ. જિનવચનમાં પ્રયોજનવશ દ્રવ્યાર્થિકનયને મુખ્ય કરીને એને નિશ્ચય કહે છે. અને પર્યાયાર્થિક વા અશુદ્ધદ્રવ્યાર્થિકનયને ગૌણ કરીને વ્યવહાર કહે છે. પર્યાય જે અશુદ્ધતા છે તે દ્રવ્યની જ અશુદ્ધતા છે તેથી પર્યાયાર્થિકનયને અશુદ્ધદ્રવ્યાર્થિક કહ્યો છે. જુઓ, ત્રિકાળ, ધ્રુવ અખંડ એક જ્ઞાયકભાવને મુખ્ય કરી નિશ્ચય કહીને સત્યાર્થ કહે છે અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહી અસત્યાર્થ કહે છે. આમ, જિનવચન સ્યાત્પદ વડે બન્ને નયોના વિરોધ મટાડે છે.

કળશટીકાકારે અર્થ કર્યો છે કે - જિનવાણીમાં -દિવ્યધ્વનિમાં ત્રિકાળ શુદ્ધ જીવવસ્તુ ચૈતન્યમૂર્તિ ઉપાદેય કહી છે. એમાં સ્યાત્પદ આવી જાય છે. આવા સ્યાદ્વાદમુદ્રિત જિનવચનમાં જે પુરુષો રમે છેઃ ‘जिनवचसि रमन्ते ये’ અહીં જિનવચનમાં રમવું એનો અર્થ એમ છે કે જિનવાણીમાં જે શુદ્ધ જીવવસ્તુ જ્ઞાયકભાવ ઉપાદેય કહ્યો છે તેમાં સાવધાનપણે એકાગ્ર થવું, તે જ્ઞાયકભાવનું પ્રત્યક્ષ વેદન કરવું. જીવને રાગનું અને વિકારનું વેદન તો અનાદિથી છે અને તે વડે એ દુઃખી છે. હવે એ દુઃખથી છોડાવવા વિકારની -રાગની પર્યાયને ગૌણકરી એટલે એના પરથી લક્ષ હઠાવી લઈ ભગવાન આત્મા સચ્ચિદાનંદ, એક, અખંડ, જે જ્ઞાયકભાવ તેમાં દ્રષ્ટિ કરી, તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો, તેમાં એકાગ્રતા અને સ્થિરતા કરવી. આ જ સુખનો માર્ગ છે. એટલે જે પુરુષો જિનવચનમાં રમે છે અર્થાત્ શુદ્ધ એક જ્ઞાયકભાવને ઉપાદેય કરી પ્રચુર પ્રીતિ સહિત તેમાં એકાગ્રતાનો વારંવાર અભ્યાસ કરે છે, ‘ते स्वयं वांतमोहः’ અહાહા! તે પુરુષો પોતાની મેળે, અન્ય કારણ વિના મિથ્યાત્વકર્મનું વમન કરે છે. તેમને મિથ્યાત્વભાવ રહેતો નથી, ઊડી જાય છે.


PDF/HTML Page 178 of 4199
single page version

શું ભાષા વાપરી છે! ‘वान्तमोहाः’ એટલે મિથ્યાત્વનું વમન થઈ જાય છે એટલે હવે તે ફરીને આવશે નહી. આવો જ ભાવ ગાથા ૩૮ની ટીકાના અંતમાં આવે છે. કે -‘નિજ રસથી જ મોહને ઉખાડીને, ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.’ પ્રવચનસારની ગાથા ૯૨ ની ટીકામાં પણ કહ્યું છે કે- ‘અને તે (બહિર્મોહદ્રષ્ટિ) તો આગમકૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીથી ઉત્પન્ન થવાની નથી.’ એટલે કે આત્માના અંતર અભ્યાસ વડે જે મિથ્યાત્વનો નાશ થયો છે તે ફરીથી થવાનો નથી.

નિયમસારમાં આવે છે કે બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જિનવાણીમાં પદ્ધતિ છે. તેમાં સ્યાદ્વાદ સમજીને જે નિશ્ચયમાં રમે છે એટલે કે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવની દ્રષ્ટિ કરી તેમાં રમણતા કરે છે તે મિથ્યાત્વનું વમન કરીને ‘उच्चैः परम ज्योतिः समयसारं’ આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન સમયસાર એટલે શુદ્ધાત્માને‘सपदि ईक्षन्ते एव’ તરત દેખે જ છે, એટલે તેનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.

જેમાં એકાગ્ર થતાં પ્રત્યક્ષપણે વેદાય છે-જણાય છે એ શુદ્ધાત્મા કેવો છે? અનાદિ વસ્તુ છે, નવી નથી. પર્યાયમાં તો વેદન થતાં ભાન થયું પણ વસ્તુ તો અનાદિની છે. ‘अनवम्’ એટલે (જ્ઞાયકભાવ) નવો ઉત્પન્ન થયો નથી, અનાદિ છે. પહેલાં કર્મથી આચ્છાદિત હતો એટલે કે પર્યાયબુદ્ધિથી રાગાદિની રુચિની આડમાં જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો હતો એ પ્રગટ વ્યક્તરૂપ થઈ ગયોે. શક્તિરૂપે-સ્વભાવરૂપે તો હતો જ, પણ પર્યાય અને રાગાદિના પ્રેમમાં એ જણાતો ન હતો તે શુદ્ધ ચૈતન્યઘન સ્વભાવની રુચિ અને એકાગ્રતા થતાં વ્યક્તરૂપ પ્રગટ થઈ ગયો, જ્ઞાનમાં જણાઈ ગયો. વળી કેવો છે? ‘अनय–पक्षअक्षुण्णम’ એટલે સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી. વેદાંતાદિ કહે છે કે દ્રવ્ય એકાંત કૂટસ્થ છે, પરિણમનશીલ નથી. તો કેટલાક એકલી પર્યાયને જ માને છે. એટલે જે એમ માને છે કે એકાંત દ્રવ્ય જ છે, પર્યાય નથી તથા પર્યાય છે, દ્રવ્ય નથી તે બધા કુનયને માનનારા છે. તેમના કુનયોથી વસ્તુ ખંડિત થતી નથી, તે તો જેવી છે તેવી અક્ષુણ્ણ રહે છે. કોઈ આત્માને સર્વવ્યાપી કહે, કોઈ શરીરવ્યાપી કહે, ઈત્યાદિ એકાંત કુનયો છે. પરંતુ તે સઘળા કુનયોથી તે ખંડિત થતો નથી, એ તો નિર્બાધ છે.

* કળશ ૪ ના ભાવાર્થ ઉપરનું પ્રવચન *

જિનવચન એટલે વીતરાગદેવની વાણી સ્યાદ્વાદરૂપ છે. સ્યાત્ કહેતાં કોઈ એક અપેક્ષાએ, વાદ કહેતાં કથન, જિનવચન જે અપેક્ષાએ હોય તે અપેક્ષા બરાબર સમજવી


PDF/HTML Page 179 of 4199
single page version

જોઈએ. હવે બે નયોમાં પરસ્પર વિષયનો વિરોધ છે. નિશ્ચયથી વ્યવહારને વિરોધ છે અને વ્યવહારથી નિશ્ચયને. તેથી બન્ને નય આદરણીય કેમ થઈ શકે? જેમકે દ્રવ્ય સત્ એ અસત્રૂપ ન હોય એમ લોકોને લાગે છે, પણ એમ નથી. સ્યાદ્વાદ તેનું સમાધાન કરી નાખે છે કે જે સ્વથી સત્ છે તે પરથી અસત્ છે. દ્રવ્યથી સત્ છે, પર્યાયથી અસત્ છે. વળી એક હોય તે અનેક કેમ હોય? તો કહે છે હોય. વસ્તુ તરીકે એક છે, પર્યાય તરીકે, ગુણભેદ તરીકે અનંત છે. નિત્ય હોય તે અનિત્ય કેમ હોય? તો કહે છે વસ્તુ કાયમ ટકનારી છે તે અપેક્ષાએ નિત્ય છે, અને બદલતી પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તેમ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ અભેદ છે, અને પર્યાય અને રાગની અપેક્ષાએ ભેદ છે. તથા શુદ્ધ હોય તે અશુદ્ધ કેમ હોય? તો ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ શુદ્ધ છે, પર્યાયની અપેક્ષાએ અશુદ્ધ છે. આ સ્યાદ્વાદ છે. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્ય શુદ્ધ છે તો પર્યાયમાં અશુદ્ધતા આવી કયાંથી? સમાધાન એમ છે કે પર્યાયમાં અશુદ્ધતાનો ધર્મ છે, એવી યોગ્યતા છે. અશુદ્ધતા કર્મને લઈને આવી નથી, અશુદ્ધતા પર્યાયનો ધર્મ છે.

ઈત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે, જેમ સત્ હોય તે અસત્ ન હોય, એકમાં અનેક ન હોય, ઈત્યાદિ ત્યાં ભગવાન સર્વજ્ઞદેવની વાણી કથંચિત્ વિવક્ષાથી એટલે કોઈ અપેક્ષાએ કહેવાની શૈલીથી કથન કરીને બે નયો સિદ્ધ કરે છે તથા વસ્તુ સત્-અસત્રૂપ, એક-અનેકરૂપ, નિત્ય-અનિત્યરૂપ, ભેદ-અભેદરૂપ, શુદ્ધ-અશુદ્ધરૂપ જે રીતે વિદ્યમાન-હયાત છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે આમ જિનવચન સ્યાદ્વાદ વડે વસ્તુને જેમ છે તેમ સિદ્ધ કરે છે, જૂઠી કલ્પના કરતું નથી. વસ્તુમાં જે હોય એની વાત કરે છે, જે નથી એની વાત કરતું નથી. પહેલાં (અજ્ઞાન દશામાં) એમ નિર્ણય હતો કે હું રાગાદિસ્વરૂપજ (અશુદ્ધ) છું. પછી સ્વભાવનું ભાન થતાં એમ નિર્ણય થયો કે ‘હું શુદ્ધ છું’. એ પર્યાયમાં ‘શુદ્ધ’ નો અનુભવ થાય છે, નિર્ણય થાય છે. આમ સ્યાદ્વાદ વસ્તુ જે રીતે શુદ્ધ અશુદ્ધ આદિ છે તે રીતે અવિરોધપણે સાધે છે.

હવે આત્માને સમ્યગ્દર્શન થાય એ પ્રયોજન છે. આ પ્રયોજન સાધવા માટે શુદ્ધ દ્રવ્યાર્થિકનયને એટલે શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવને મુખ્ય કરીને નિશ્ચય કહે છે. તથા અશુદ્ધ દ્રવ્યાર્થિકરૂપે પર્યાયાર્થિકનયને ગૌણ કરીને વ્યવહાર કહે છે. દ્રવ્ય પર્યાયમાં અશુદ્ધપણે પરિણમેલું છે તેથી અશુદ્ધદ્રવ્ય કહ્યું છે. એટલે પ્રમાણનું જે દ્રવ્ય છે તે અશુદ્ધ છે. તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો એટલે પર્યાયાર્થિક નયનો વિષય છે. તેને ગૌણ કરી વ્યવહાર કહે છે. (નિશ્ચયની દ્રષ્ટિમાં) વ્યવહારનું સ્વરૂપ જ અભાવરૂપ છે, અને નિશ્ચયનું સ્વરૂપ ભાવ છે. એટલે અશુદ્ધદ્રવ્યાર્થિકનયને ગૌણ કરી, પેટામાં રાખી વ્યવહાર કહ્યો છે. હવે વ્યવહાર ઉપરથી દ્રષ્ટિ હઠાવી લઈ, જે પુરુષ પોતાની દ્રષ્ટિ, જિનવાણીમાં


PDF/HTML Page 180 of 4199
single page version

ઉપાદેય કહી છે જે શુદ્ધ જીવવસ્તુ ત્રિકાળી જ્ઞાયકભાવ તેમાં સ્થાપીને અભ્યાસ કરી રમે છે (એટલે તેમાં એકાગ્ર થઈ ક્રિડા કરે છે) તે શુદ્ધ આત્માને યથાર્થ પામે છે. તેને શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. વસ્તુ તો શુદ્ધ છે, પણ તેની દ્રષ્ટિ કરતાં ‘શુદ્ધ છે’ એવો અનુભવ યથાર્થ થાય છે. અહો! ભારતના લોકોનાં મહાભાગ્ય છે કે કેવળીના વિરહ ભુલાવે એવું આ સમયસાર શાસ્ત્ર રચાઈ ગયું છે.

વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે, ભાઈ! એના યથાર્થ જ્ઞાન વિના શ્રદ્ધા થાય નહીં. અને યથાર્થ શ્રદ્ધા વિના સમ્યગ્દર્શનાદિ અનુભવ થાય નહી. લોકો બહારથી હો-હા કરે, પ્રભાવના કરે અને એમાં ધર્મ માને પણ પ્રભાવના તે બહાર થતી હશે કે અંદર પર્યાયમાં? પ્રભાવના પોતાનું લક્ષ કરતાં પોતાની પર્યાયમાં થાય છે.

પુરુષ શબ્દનો અર્થ આત્મા સમજવો. રમણ શબ્દના બે અર્થ છે. રમણ કરે છે એટલે આક્રમે છે. પરમ અધ્યાત્મતરંગિણીમાં ‘रमन्ते’ એટલે ક્રીડા કરે છે, વસ્તુમાં એકાગ્ર થઈને ક્રીડા કરે છે એમ લીધું છે. જ્ઞાની બહાર ક્રીડા કરવા જતા નથી.

આમ તો આત્મા, આત્મા કહેનારા ઘણા છે. વેદાંતાદિવાળા બહુ કહે છે કે અમને આત્માનો અનુભવ છે, સાક્ષાત્કાર છે. પણ એ બધી ઠેકાણા વગરની વાતો છે. જિનવચનમાં વસ્તુને મુખ્ય-ગૌણ કરીને સિદ્ધ કરી છે. વસ્તુ વિદ્યમાન છે, તેમાં, જિનવાણીમાં કહેલાં ત્રિકાળ સ્વભાવમાં દ્રષ્ટિ કરતાં જે શુદ્ધ છે તે (યથાર્થપણે) શુદ્ધને પામે છે. પરંતુ સર્વથા એકાંત કહેનારા સાંખ્ય, બૌદ્ધ, વેદાંતાદિ વસ્તુની સ્થિતિને નહીં જાણનાર આત્માને પ્રાપ્ત કરતા નથી, એટલે કે તેમને શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી. કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી. વેદાંત એક જ ધર્મને ગ્રહણ કરી સર્વથા નિત્ય છે એમ કહે છે, ને બૌદ્ધ અનેક કહે છે. એમ વસ્તુની અસત્ય કલ્પના કરે છે, તેથી અસત્યાર્થ છે, બાધા સહિત મિથ્યા દ્રષ્ટિ છે. પરંતુ વસ્તુ જેવી છે તેવી મર્યાદા જાણનારી દ્રષ્ટિ જ સમ્યક્ છે.

આ રીતે બાર ગાથાઓમાં પીઠિકા (ભૂમિકા) કહી.

હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી, શુદ્ધનયને મુખ્ય કરી નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધનયની (વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના ભેદવાળી શ્રદ્ધાને સમ્યક્ત્વ કહ્યું છે. અહીં જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમકિત થાય છે એમ કહે છે.

હવે ૧૩ મી ગાથાની શરૂઆત કરતા પહેલાં એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે ત્યાં પહેલા શ્લોકમાં એમ કહેશે કે -વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો- એટલે