Pravachan Ratnakar (Gujarati). Gatha: 12.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 210

 

PDF/HTML Page 141 of 4199
single page version

પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો. પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? જ્ઞાન તે આત્મા એવો ભેદ કરનાર વ્યવહાર પરમાર્થરૂપ આત્માનું પ્રતિપાદન કરે છે તો પછી તેને કેમ અંગીકાર ન કરવો? આવો શિષ્યનો પ્રશ્ન છે. તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-

પ્રવચન નંબર ૨૪–૨૯, તારીખ ૨૪–૧૨–૭પ થી ૨૯–૧૨–૭પ

* ગાથાર્થ ઉપરનું પ્રવચન *

આ ગાથા બહુ ઊંચી છે. માલ, માલ ભર્યો છે. વીતરાગ પરમેશ્વરનો માર્ગ જે જૈન દર્શન તેનો આ અગિયારમી ગાથા પ્રાણ છે. બહુ શાંતિ અને ધીરજથી સમજવા જેવી આ ગાથા છે. અનંતકાળમાં સત્ય શું છે તે સાંભળવા મળ્‌યું નથી અને કદાચ સાંભળવા મળ્‌યું તો તે સમજવાનો પ્રયત્ન કર્યો નહીં તેથી તેની શ્રદ્ધા થઈ નથી. આ સત્યનું સ્વરૂપ અહીં બતાવ્યું છે. ભગવાનની વાણીમાં જે વાત આવી તેનો સાર આ ગાથામાં ભર્યો છે.

વ્યવહારનય અભૂતાર્થ છે, અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે. ત્રિલોકીનાથ તીર્થંકરદેવ અને સાધુઓના અગ્રેસર ગૌતમ આદિ ગણધરોએ એમ કહ્યું છે કે વ્યવહારનય અભૂતાર્થ એટલે અસત્ય છે, જૂઠો છે અને નિશ્ચયનય ભૂતાર્થ એટલે સત્ય, સાચો છે.

જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ, છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. જે જીવ તેનો આશ્રય કરે એટલે કે તેની સન્મુખ થાય તે નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ છે. કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે. તે અસત્યાર્થ છે, જૂઠો છે કેમકે કર્મ, રાગ અને ગુણભેદ એ ત્રિકાળી વસ્તુમાં નથી. ધ્રુવ વસ્તુ જે અનાદિ-અનંત અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ-જેમાં સંયોગ, રાગ, પર્યાય કે ગુણભેદ નથી.-એવા અભેદની દ્રષ્ટિ કરવી, આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે.

આ તો પ્રથમ દરજ્જાનો ધર્મ, જે સમ્યગ્દર્શન તે કોને કહેવાય તેની વાત ચાલે છે. અંદર આત્મા ત્રિકાળી એકરૂપ અભેદ જ્ઞાયક છે તેનો દ્રષ્ટિમાં જ્યાં સુધી સ્વીકાર આવે નહીં ત્યાં સુધી સમ્યગ્દર્શન નથી. જૈન કુળમાં જન્મ્યો માટે જૈન એવી અહીં વાત નથી. અનંતગુણોનો અભેદ પિંડ એક ધ્રુવ આત્માનો આશ્રય લઈ એની પ્રતીતિ કરે તે સમ્યગ્દર્શન છે. તે જૈનધર્મ છે. જૈનધર્મ કોઈ વાડાની ચીજ નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે.

આત્માને તેની સન્મુખ થઈને જાણવો તેનું નામ સમ્યગ્દર્શન છે. અજ્ઞાનીઓએ જેવો આત્મા કલ્પ્યો હોય તેની અહીં વાત નથી. વેદાંતીઓએ જેવો સર્વવ્યાપક માન્યો


PDF/HTML Page 142 of 4199
single page version

તે આત્માની વાત પણ નથી. અહીં તો સર્વજ્ઞ પરમેશ્વરે જે પ્રત્યક્ષ જોયો, જાણ્યો અને દિવ્યધ્વનિમાં કહ્યો એ ત્રિકાળી સત્ ચૈતન્યસ્વરૂપ પરમબ્રહ્મસ્વરૂપ આનંદકંદ આત્મા ભૂતાર્થ છે. અને તેનો આશ્રય કરતાં જે નિર્વિકલ્પ અનુભવ થાય તે ધર્મનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન છે. કોઈને એમ લાગે કે પર્યાય સ્વતંત્ર છે અને વળી જ્ઞાયકનો આશ્રય કરે તે શું છે? તો કહે છે કે વર્તમાન પર્યાય સ્વતંત્રપણે કર્તા થઈને રાગનું લક્ષ છોડી અંતરમાં સ્વભાવ-સન્મુખ થઈને, જ્ઞાયક પૂર્ણાનંદ તરફ વળે, ઢળે તેને આશ્રય કરે છે એમ કહેવામાં આવે છે. દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તે પર્યાયમાં થાય છે. અનાદિથી પર્યાય રાગની પ્રાપ્તિમાં પડી છે, એ મિથ્યાત્વ છે. ત્યાં જે જ્ઞાનની પર્યાય અંતર વળીને અંદર જ્ઞાયકની સન્મુખ થાય, સત્ પૂર્ણાનંદની તરફ ઢળે તે આત્માની પ્રાપ્તિ છે, તે સમ્યગ્દર્શન છે. અહા! જિનેશ્વરદેવનો માર્ગ એ જ દિગંબર જૈનધર્મ છે. એમાં આવી સત્ય ન્યાયયુક્ત વાત છે, અન્યત્ર કયાંય નથી. ભાઈ, કોઈને રુચે ન રુચે એ જુદી વાત છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વરના મુખથી જે દિવ્યધ્વનિ છૂટી એમાં એમ આવ્યું કે-અખંડ એક અભેદ સામાન્ય ધ્રુવ જે વસ્તુ, વર્તમાન પર્યાયને બાદ કરતાં જે રહે તે અભેદ વસ્તુ-તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તે જ દ્રષ્ટિનો વિષય છે. અને એનો આશ્રય કરવાથી એટલે એની સન્મુખ ઢળવાથી જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે. ભૂતાર્થનો આશ્રય પર્યાય લે છે એટલે પર્યાય ભૂતાર્થ તરફ ઢળે છે એમ અર્થ છે. આશ્રય કહો, આલંબન કહો બધું એકાર્થ છે. કેટલાકને એમ થાય કે જૈન ધર્મનો માર્ગ આવો હશે? દયા પાળવી, ભક્તિ કરવી, વ્રત કરવાં એ બધું શું ધર્મ નહીં? ભાઈ, પરની દયા કોણ પાળી શકે છે? પર દ્રવ્ય તો સ્વતંત્ર છે. પર દ્રવ્યની અવસ્થા તેના પોતાના કારણે જે થવાની હોય છે તે થાય છે. તે શું તું કરી દે છે? પરની અવસ્થા તું કરે એમ છે જ નહીં. ‘દયા ધર્મનું મૂળ છે, પાપ મૂળ અભિમાન-’ એમ આવે છે ને? પણ કોની દયા? ભાઈ! ભગવાને કહેલી વીતરાગી દયાનું સ્વરૂપ જુદું છે. પરનું લક્ષ છોડી વર્તમાન પર્યાય ત્રિકાળી ભૂતાર્થ સત્ નિજ જ્ઞાયકના આશ્રયે જે વીતરાગ દશા પ્રગટ કરે તેને ભગવાન અહિંસા કહે છે. તે સાચી દયા છે. ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. લોકોને સત્ય વાત સાંભળવા જ મળી નથી. ધ્રુવ ત્રિકાળી સત્ સામાન્ય જ્ઞાયક વસ્તુ તે પરમાર્થ છે. તેનો અનાદર કરીને વર્તમાન પર્યાયનો કે રાગનો આદર કરવો એ જ જીવની હિંસા છે. પોતે હયાત છે તેનો નકાર કરવો એ જ હિંસા છે, અને તેનો અંતરમાં સ્વીકાર કરવો તેનું નામ અહિંસા છે, દયા છે, ધર્મ છે.


PDF/HTML Page 143 of 4199
single page version

અનાદિથી તેં તારી હિંસા જ કરી છે. તો હવે વસ્તુ, ધ્રુવ, અભેદ, સામાન્ય જ્ઞાયકભાવરૂપ છે તેનો આશ્રય કરી, અંતરમાં સ્વીકાર કરી, સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ કરવો જોઈએ. આ સિવાય જેટલા બાહ્ય ક્રિયાકાંડ છે તે સઘળા ચારગતિમાં રખડવાના માર્ગછે.

આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશાંતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, એમ અનંત અનંત ભાવસ્વરૂપે અનંત શક્તિઓથી સંપન્ન પરમાર્થ વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.

શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિમાં કહે છે-

શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.

આત્મા શુદ્ધ કહેતાં પવિત્ર છે. બુદ્ધ એટલે જ્ઞાનસ્વરૂપ છે. ચૈતન્યઘન કહેતાં અસંખ્યપ્રદેશી છે. સર્વજ્ઞ સિવાય બીજે કયાંય, આત્મા અસંખ્યપ્રદેશી છે એવી વાત નથી. આત્મા સ્વયંજ્યોતિ છે, એટલે સ્વયં સિદ્ધ વસ્તુ છે. કોઈએ ઉત્પન્ન કરી હોય કે કોઈથી નાશ પામે એવી ચીજ નથી. તે સુખધામ છે, એટલે આનંદનું-અતીન્દ્રિય આનંદનું ધામ છે. આવો આત્મા અભેદ એકરૂપ ભૂતાર્થ વસ્તુ છે. તેને ‘કર વિચાર તો પામ’-એટલે કે જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદન વડે આવા જ્ઞાયકને લક્ષમાં લે તો તેની પ્રાપ્તિ થાય. અમારી પાસેથી કાંઇ મળે તેમ નથી. પોતાના અનંત ગુણોમાં વ્યાપેલું અભેદ, અખંડ, જે ધ્રુવતત્ત્વ, એની દ્રષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. આ સિવાય બહારના ક્રિયાકાંડમાં-રાગમાં ધર્મ માની પ્રવર્તે તે મિથ્યાદ્રષ્ટિ છે.

* ટીકા ઉપરનું પ્રવચન *

વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે. વ્યવહારનય અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે. જે વસ્તુના સ્વરૂપમાં નથી તેને વ્યવહારનય પ્રગટ કરે છે માટે તે અભૂતાર્થ છે. અભેદ વસ્તુમાં ભેદ નથી છતાં એવા અવિદ્યમાન અર્થને વ્યવહારનય પ્રગટ કરે છે.

જ્ઞાનમાં જણાય તેવો બુદ્ધિપૂર્વકનો રાગ તથા જ્ઞાનમાં ન જણાય એવો અબુદ્ધિપૂર્વકનો રાગ-એવા રાગના બન્ને પ્રકાર વસ્તુમાં નથી. તેમ જ રાગને જાણનારું જ્ઞાન તે વસ્તુમાં નથી. અને જ્ઞાન તે આત્મા-એવો ભેદ પણ અભેદ વસ્તુમાં નથી. આમ વ્યવહારનય અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે, તેથી તે અભૂતાર્થ છે. બીજી રીતે કહીએ તો દ્રવ્ય અભેદ


PDF/HTML Page 144 of 4199
single page version

અખંડ વસ્તુ છે, તેમાં ભેદ કે રાગ નથી. તેને વ્યવહારનય પ્રગટ કરતો હોવાથી તેને અભૂતાર્થ કહ્યો છે.

અભૂત અર્થને પ્રગટ કરે છે એવો વ્યવહારનય ચાર પ્રકારે છે. (૧) ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનય (૨) અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનય (૩) ઉપચરિત સદ્ભૂત વ્યવહારનય (૪) અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય.

આત્માની પર્યાયમાં જે રાગ છે તે મૂળ સત્રૂપ વસ્તુમાં નથી તેથી અસદ્ભૂત છે. ભેદ પાડયો તેથી વ્યવહાર છે અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે તેથી ઉપચરિત છે. આ રીતે રાગને આત્માનો કહેવો તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયનો વિષય છે. જે સૂક્ષ્મ રાગનો અંશ વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, પકડાતો નથી તે અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયનો વિષય છે.

આત્મા અખંડ જ્ઞાનસ્વરૂપ છે. તેમાં આત્માનું જ્ઞાન રાગને જાણે, પરને જાણે એમ કહેતાં-તે જ્ઞાન પોતાનું હોવાથી સદ્ભૂત, ત્રિકાળીમાં ભેદ પાડયો માટે વ્યવહાર અને જ્ઞાન પોતાનું હોવા છતાં પરને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. આ રીતે રાગનું જ્ઞાન એમ કહેવું (અર્થાત્ જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું) તે ઉપચરિત સદ્ભૂત વ્યવહારનય છે.

જ્ઞાન તે આત્મા એમ ભેદ પાડીને કથન કરવું તે અનુપચરિત સદ્ભૂત વ્યવહાર છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં ભેદ પડયો તે વ્યવહાર પણ તે ભેદ આત્માને બતાવે છે માટે તે અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય છે.

ભગવાન આત્મા અભેદ એકરૂપ વસ્તુ છે. તે ભૂતાર્થ છે. વ્યવહારના ઉપરોક્ત ચારેય પ્રકાર ત્રિકાળી જ્ઞાયકમાં નહીં હોવાથી અસત્યાર્થ છે, જૂઠા છે. વળી ધ્રુવ આત્મા અને વર્તમાન પર્યાય બન્નેને સાથે લઈએ તો તે પણ વ્યવહારનય-અશુદ્ધનયનો વિષય થઈ જાય છે. તેથી તે પણ અભૂતાર્થ-અસત્યાર્થ છે. સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરની વાણીમાં જે આવ્યું તે કુંદકુંદાચાર્યદેવ અહીં જાહેર કરે છે. કહે છે-ત્રિકાળી ચીજ જ્ઞાયક જે છે તે મુખ્ય છે, સત્ય છે, ભૂતાર્થ છે. તેમાં ‘જ્ઞાન તે આત્મા’ એવો જે ભેદ પડયો તે ગૌણ છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.

અરે! આ ભરતક્ષેત્રમાં ભગવાનના વિરહ પડયા. ધર્મના સ્વરૂપમાં પાછળથી અજ્ઞાનીઓએ અનેક પ્રકારે ફેરફાર કરી નાખ્યો. કોઈ કહે છે કે મૂર્તિ માને તો ધર્મ થાય, તો


PDF/HTML Page 145 of 4199
single page version

કોઈ કહે છે મૂર્તિ ન માને તો ધર્મ થાય. અહીં કહે છે કે ભગવાનની મૂર્તિ છે. તેને માને તે શુભરાગ છે, ધર્મ નથી. આ શુભરાગ છે તે અસત્યાર્થ છે એમ કહ્યું છે. દયા પાળે, લાખોનું દાન કરે, ભગવાનની ભક્તિ કરે, એ તો શુભભાવ છે, તેથી પુણ્ય બંધાય, ધર્મ ન થાય ધર્મ જુદી ચીજ છે, ભાઈ! જિનેન્દ્રનો માર્ગ લૌકિક માર્ગ સાથે મેળ ખાય તેવો નથી.

આ અગિયારમી ગાથા જૈનદર્શનનો પ્રાણ છે. પ્રાણ વડે જીવ જીવે છે. જેમ પ્રાણ વિનાનાં મડદાં કહેવાય તેમ આ ગાથાના રહસ્યને ન સમજે તેને સમ્યગ્દર્શન ન થાય. તે જીવો પણ પ્રાણ વિનાનાં મડદાં જેવા છે. અખંડ વસ્તુમાં ભેદ પાડીને જાણવું કે ‘આ જ્ઞાન તે આત્મા’ એ વ્યવહાર અસત્યાર્થ છે. વ્યવહારનય સઘળો (ચારેય પ્રકારનો) અસત્યાર્થ છે. આ તો જન્મ-મરણના અંત આવે એવી અલૌકિક ધર્મકથા છે. તેને ધીરજથી, શાંતિથી, ધ્યાન દઈને સાંભળવી જોઈએ. આ સઘળો વ્યવહાર અસત્યાર્થ કહીને નિષેધ્યો છે, છોડાવ્યો છે; કેમકે તેના આશ્રયથી સમ્યગ્દર્શન થતું નથી.

ભગવાન આત્મા અમૃત-સાગરથી ભરેલો છે. તે અભેદ, એકરૂપ પૂર્ણાનંદ વસ્તુ ભૂતાર્થ છે. તેને વ્યવહારનય અન્ય રીતે પ્રગટ કરે છે. પર્યાયમાં જે રાગાદિ છે તે આત્માના છે, રાગને જાણે તે આત્મા છે, અને આ ‘જ્ઞાન તે આત્મા’ એમ અનેક પ્રકારે અભૂત અર્થને પ્રગટ કરે છે. આ ચારેય પ્રકારનો વ્યવહાર અભૂતાર્થ હોવાથી એટલે કે તેનો વિષય સત્ય નહિ હોવાથી અર્થાત્ એનો વિષય અસત્ય હોવાથી અર્થાત્ જે નથી તેવા અવિદ્યમાન અર્થને પ્રગટ કરતો હોવાથી જૂઠો કહી, તેનું લક્ષ કરવાનું છોડાવ્યું છે. તેથી વ્યવહાર છે એમ જાણવા માટે છે, પણ આદરવા યોગ્ય નથી, આશ્રય કરવા લાયક નથી.

અહો! અરિહંતદેવની ૐધ્વનિ જે નીકળી તેનો સાર-સાર લઈ શ્રીકુંદકુંદાચાર્યદેવે પરમાગમની આ ગાથામાં ભરી દીધો છે. એક સમયમાં અભેદ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો-છતો-છતો વિદ્યમાન પદાર્થ સત્ય છે. તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાપ્તિના પ્રયોજનની સિદ્ધિ થાય છે તેથી તે મુખ્ય છે. અને સઘળો જે વ્યવહાર છે તે અસત્યાર્થ છે. તેના આશ્રયે પ્રયોજનની સિદ્ધિ થતી નથી તેથી તે ગૌણ છે, લક્ષ કરવા યોગ્ય કે આશ્રય કરવા યોગ્ય નથી. ભાઇ! જૈનધર્મ તો કોઈ અલૌકિક ચીજ છે. કહ્યું છે ને કે-

જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ;
યહૈ વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ.

જુઓ, આ જિનપ્રવચન એટલે ભગવાન જિનેશ્વરદેવની દિવ્યધ્વનિનો મર્મ કહેતાં સાર આટલો છે કે-જિનસ્વરૂપ આત્મા છે, એટલે આત્મા વીતરાગ સ્વભાવ છે, તે ભૂતાર્થ


PDF/HTML Page 146 of 4199
single page version

છે-તેથી મુખ્ય છે. બાકી બધું કર્મ એટલે રાગાદિ છે, તે વ્યવહાર છે, અભૂતાર્થ છે તેથી ગૌણ છે, અસત્યાર્થ છે. અહીં મુખ્યનું પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહારને ગૌણ કરીને તે નથી એમ કહેવામાં આવ્યું છે. હવે શુદ્ધનયની વાત કરે છે.

શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. શુદ્ધનય એટલે ત્રિકાળી ચીજ પોતે શુદ્ધનય છે. તેમાં જ્ઞાન તે આત્મા, પર્યાય તે આત્મા, એ બધા ભેદ અભૂતાર્થ છે, અવિદ્યમાન છે. ભાષા જુઓ. શુદ્ધનય એક જ ભૂતાર્થ એટલે સાચો છે. શુદ્ધનય એ એક વાત, અને એક જ ભૂતાર્થ છે એ બીજી વાત. આશય એમ છે કે શુદ્ધનય એક જ છે, તેના બે ભેદ નથી. નિશ્ચયનયના બે ભેદ છે એમ જયસેનાચાર્યની ટીકામાં આવે છે. એ તો પરથી ભિન્નનું જ્ઞાન કરાવવા માટે રાગ જીવની પર્યાયમાં થાય છે તેને નિશ્ચયનયનો વિષય કહ્યો છે. એ તો જાણવા માટે વાત કરી છે. અપેક્ષા સમજવી જોઈએ. ખરેખર તો (આશ્રય કરવાની અપેક્ષાએ તો) શુદ્ધનય એક જ છે. તેના બે ભેદ છે જ નહીં.

પંચાધ્યાયી જે ન્યાયનો ગ્રંથ છે એમાં તો એમ કહ્યું છે કે જે નિશ્ચયના બે ભેદ પાડે તે સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે તે જ વાત અહીં કહે છે કે ત્રિકાળી ભગવાન આત્મા ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ, અખંડ, એકરૂપ, ભૂતાર્થ, છતી વસ્તુ, તે પોતે શુદ્ધનય અથવા તેને જાણનાર જે શુદ્ધનય, તે એક જ છે. તેના બે ભેદ નથી. પર્યાય સહિત કે રાગ સહિત આત્માને જાણવો તે નિશ્ચય, તે વાત અહીં નથી. (એ અશુદ્ધ-નિશ્ચય તો વ્યવહાર છે) અહીં તો ત્રિકાળી એકરૂપ શુદ્ધ જ્ઞાયકભાવ, ચૈતન્યઘન દ્રવ્ય જે અનાકુળ સમાધિ અને આનંદનું ધામ ભગવાન પૂર્ણ છે, એ જ એક સત્યાર્થ છે. રાગ વિનાનો તો ખરો પણ જે એક સમયની પર્યાય વિનાનો, ત્રિકાળી, ધ્રુવ જ્ઞાયકભાવ છે તે એક જ સત્યાર્થ છે અને તેને જાણનારો શુદ્ધનય તે પણ એક જ છે, તેના બે ભેદ નથી.

ગાથામાં બીજું પદ છે- भूयत्थो देसिदो दु सुद्धणओ. તેમાં કહે છે કે જે ત્રિકાળી ચીજ છે ભૂતાર્થ એ જ શુદ્ધનય છે. મૂળ ગાથામાં એમ કહ્યું છે કે ત્રિકાળી સત્યાર્થ પ્રભુ પૂર્ણાનંદ ધ્રુવ ચીજ છે તે શુદ્ધનય છે. શુદ્ધનયનો વિષય છે એમ ભેદ પાડીને ન કહ્યું; ત્રિકાળી શુદ્ધ ધ્રુવ સામાન્ય છે તો શુદ્ધનયનો વિષય, પણ શુદ્ધનયનો વિષય અને તેને વિષય કરનાર એવો ભેદ કાઢી નાખીને ત્રિકાળી ચીજ, અભેદ, અખંડ, સામાન્ય વસ્તુ તે શુદ્ધનય છે એમ કહ્યું છે.

વસ્તુની દ્રષ્ટિ અને એનો વિષય જે શુદ્ધ વસ્તુ-એ શું છે તે જાણ્યા વિના સમ્યગ્દર્શન ન થાય. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ શુદ્ધપણે પર્યાયમાં પરિણમે. તે પર્યાય પણ


PDF/HTML Page 147 of 4199
single page version

અશુદ્ધનયનો વિષય છે. એ અશુદ્ધનય વ્યવહારમાં જાય છે. અશુદ્ધનય અને શુદ્ધનય એવા બે ભેદ વસ્તુમાં નથી. અશુદ્ધનય કહો, વ્યવહાર કહો કે ઉપચાર કહો, એ બધું એકાર્થ છે. શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. અહીં વસ્તુ ત્રિકાળ સિદ્ધ કરવી છે. જ્ઞાન તે આત્મા એવા ભેદને વ્યવહાર એટલે જૂઠો કહી ત્રિકાળી વસ્તુમાંથી કાઢી નાખ્યો. પર્યાય છે તે એક સમયનું સત્ છે, એ ત્રિકાળી ધ્રુવ સત્ નથી. એનો આશ્રય લેવાથી ધર્મ પ્રગટ થતો નથી. માટે એક ત્રિકાળી ભાવને જ વિદ્યમાન, ભૂતાર્થ, સત્યાર્થ કહેલો છે. આત્મામાં બે પ્રકાર-એક પર્યાય અને બીજો ધ્રુવ. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે ને કે उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्– એમાં પર્યાય ઉત્પાદ-વ્યયરૂપ છે. એક સમયમાં ઉત્પન્ન થઈ, બીજે સમયે વ્યય થાય, તે પર્યાય છે. અને ત્રિકાળ એકરૂપ રહે તે ધ્રુવ છે. અહીં એક સમયની ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયનું લક્ષ છોડાવવા તેને વ્યવહાર કહી, અસત્યાર્થ-જૂઠી કહી. અને ત્રિકાળી ધ્રુવ એક જ વિદ્યમાન છતો પદાર્થ છે એમ કહી, તેની દ્રષ્ટિ કરાવી છે. અહો! સમયસાર એ અદ્ભુત શાસ્ત્ર છે. આ બે લીટીમાં ઘણું-ઘણું રહસ્ય ભર્યું છે. શુદ્ધનય એક જ સાચા અર્થને પ્રગટ કરે છે. ત્રિકાળ વિદ્યમાન તત્ત્વ ભગવાન આત્મા, એક સમયની પર્યાય વિનાનો, અવિનાશી, અવિચળ, ધ્રુવ, ચૈતન્યસૂર્ય તેને શુદ્ધનય પ્રગટ કરે છે. દ્રષ્ટિનો વિષય આ એકમાત્ર વિદ્યમાન જ્ઞાયક તત્ત્વ છે. ગાથામાં કહ્યું છે ને भूदत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो ભૂતાર્થના આશ્રયે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે. ‘खलु’ નો અર્થ નિશ્ચય કર્યો છે. જયસેન આચાર્યે પ્રગટ ત્રિકાળી ભગવાનનો જે આશ્રય લે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે તેમ કહ્યું છે. અહા! જેવું અંદર પૂર્ણ સત્ય સ્વરૂપ પડયું છે, તેનો અનુભવ કરીને પ્રતીતિ કરે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. આ જૈનધર્મ છે. અરે! લોકોએ નવા નવા વાડા બાંધી, જૈનધર્મનું મૂળતત્ત્વ આખું પીંખી નાખ્યું છે. હવે, આ વાત દ્રષ્ટાંતથી બતાવે છે. જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળભાવ તિરોભૂત થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષો-જળ અને કાદવનો વિવેક નહિ કરનારા ઘણા તો, તેને (જળને) મલિન જ અનુભવે છે. જુઓ, પાણીનો તો સહજ એકરૂપ નિર્મળ સ્વભાવ છે. પરંતુ પ્રબળ કાદવના મળવાથી તે ઢંકાઈ ગયો છે. ત્યાં પાણી અને કાદવની જુદાઈનો વિવેક નહીં કરનારા ઘણા લોકો તો પાણીને મલિન જ અનુભવે છે એટલે કે તેઓ મલિન (મેલ-સંયુક્ત) પાણીને જ પીએ છે. પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કતકફળ-(નિર્મળી ઔષધિ)ના પડવામાત્રથી ઉપજેલા જળ-કાદવના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળભાવપણાનેલીધે તેને (જળને) નિર્મળ જ અનુભવે છે.


PDF/HTML Page 148 of 4199
single page version

કતકફળ એ ‘નિર્મળી’ નામની ઔષધિ છે. મલિન પાણીમાં પોતાના હાથથી એટલે પોતે જ કતકફળ નાખી થોડા લોકો શુદ્ધ પાણીને અનુભવે છે. કતકફળ નાખતાં વેંત જ-પડવામાત્રથી જળ-કાદવનો વિવેક પ્રગટ થાય છે. એટલે કે કાદવ નીચે બેસી જાય છે અને પાણી નિર્મળ થઈ જાય છે. આ રીતે પોતાના પુરુષાર્થ વડે પાણીનો સહજ એકરૂપ નિર્મળભાવ આવિર્ભૂત કરવામાં આવે છે. કાદવના કારણે પાણીનું નિર્મળપણું ઢંકાઈ ગયું હતું તે ‘નિર્મળી’ના પડવામાત્રથી પ્રગટ થાય છે. આમ કેટલાક એટલે કોઈ થોડા લોકો કાદવને જળથી ભિન્ન કરી નિર્મળ જળને પીએ છે. અહા! આચાર્યદેવે કરુણા કરી કેવું સરળ કરીને સમજાવ્યું છે! પાણીને નિર્મળ કરે છે તેથી તે ઔષધિને ‘નિર્મળી’ કહે છે. આ તો દ્રષ્ટાંત થયું. હવે સિદ્ધાંત કહે છે.

એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો-આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળા તો, તેને (આત્માને) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે.

અહીં કર્મ એટલે જડ પુદ્ગલકર્મની વાત નથી. પણ તે કર્મના નિમિત્તે જીવની અવસ્થામાં થતા જે મિથ્યાત્વ-રાગ-દ્વેષના મલિનભાવ તેને અજ્ઞાની જીવ અનુભવે છે એની વાત છે. જડકર્મ તો અજીવ છે, તેનો અનુભવ હોઈ શકે નહીં પ્રબળ કર્મના મળવાથી એટલે પુણ્ય-પાપના જે વિકલ્પો તેને અનુભવવાથી સહજ એકરૂપ નિર્મળ જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. જે શુભાશુભ રાગ થાય તે હું એવા મિથ્યાત્વ અને રાગ- દ્વેષના અનુભવની આડમાં આખો નિર્મળાનંદ જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે, નજરમાં આવતો નથી. દયા, દાન તથા કામ-ક્રોધાદિ મલિન વૃત્તિઓના અનુભવમાં એકરૂપ જ્ઞાયક દ્રષ્ટિમાં આવતો નથી, જણાતો નથી એમ કહ્યું છે. બાકી તો સચ્ચિદાનંદસ્વરૂપ જ્ઞાયકભાવ તો જે છે તે છે, પ્રગટ જ છે. તિરોભૂત થઈ જાય અને આવિર્ભૂત થાય એવું જ્ઞાયકભાવમાં છે જ નહીં. રાગાદિના અનુભવમાં જ્ઞાયક નજરમાં આવતો નથી તેથી ઢંકાઈ ગયો એમ કહેવાય છે. અને જ્ઞાયકના આશ્રયમાં તેનો અનુભવ થાય છે ત્યારે તે પ્રગટ થયો એમ કહેવાય છે.

હવે આવા રાગાદિસંયુક્ત આત્માનો અનુભવ કરનારા, રાગાદિ કર્મ અને આત્માની જુદાઈ-ભિન્નતાનો વિવેક નહીં કરવાથી વ્યવહારમાં વિમોહિત રહે છે. શુભાશુભભાવો તે હું એમ મૂર્ચ્છિત થયેલા છે તેથી તેઓ જેમાં ભાવોનું અનેકરૂપપણું પ્રગટ છે અર્થાત્ પર્યાયમાં જે અનેક પ્રકારના મલિન વિકારી ભાવો ઉત્પન્ન થાય છે તેને પોતાપણે અનુભવે છે.


PDF/HTML Page 149 of 4199
single page version

પણ ભૂતાર્થદર્શીઓ (શુદ્ધનયને દેખનારાઓ) પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવામાત્રથી ઉપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે તેને (આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે.

ત્રિકાળી એક અભેદ જ્ઞાયક વસ્તુને દેખનારા ભૂતાર્થદર્શીઓને પોતાની જ્ઞાનપર્યાયને જ્ઞાયક સન્મુખ કરતાવેંત જ બોધ એટલે સમ્યગ્જ્ઞાન થવાથી આત્મા અને કર્મ જે રાગાદિ તેમની જુદાઈ-ભિન્નતાનો વિવેક ઉત્પન્ન થાય છે. આમ આત્મા અને રાગાદિનું ભેદજ્ઞાન થવાથી તેઓ રાગથી ભિન્ન પડી પોતાના પુરુષાર્થ દ્વારા અખંડ એકરૂપ નિર્મળ જ્ઞાયકભાવનો આશ્રય કરી જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવા શુદ્ધ આત્માને અનુભવે છે.

પહેલાં કહ્યું હતું કે વ્યવહારમાં વિમોહિત પર્યાયબુદ્ધિ જીવોને રાગાદિની મૂર્ચ્છામાં એકરૂપ જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે, તેથી પર્યાયમાં અનેકરૂપ મલિનતા અનુભવે છે. હવે કહે છે-રાગ અને આત્મા બન્નેનું ભેદવિજ્ઞાન કરી ધ્રુવ ત્રિકાળી પરમાનંદસ્વરૂપ પરમાત્માનો પુરુષાર્થ વડે આશ્રય કરનાર ભૂતાર્થદર્શીઓને તે ચૈતન્યસૂર્ય જ્ઞાયકબિંબ આવિર્ભૂત થાય છે, પ્રગટ થાય છે અને તેથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન આદિ શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે.

અહીં ચારેય પ્રકારના વ્યવહારને ગૌણ કરી, અસત્ય કહી તેની દ્રષ્ટિ છોડાવી છે. અને એકરૂપ જ્ઞાયકને મુખ્ય કરી તેને સત્યાર્થ કહી તેની દ્રષ્ટિ કરાવી છે. આવા જ્ઞાયકનો અનુભવ પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે. પુરુષાર્થ વિના મળી જાય એવી આ ચીજ નથી. ભૂતાર્થદર્શીઓ એક જ્ઞાયકભાવનો આશ્રય લઈ, એક જ્ઞાયકભાવ જેમાં પ્રકાશમાન છે એવા શુદ્ધ આત્માને અનુભવે છે. અને તે ધર્મ છે. અનુભવ તે પર્યાય છે અને ચૈતન્યદળ, અનંતગુણોનું અભેદદળ, જે જ્ઞાયક આત્મા તે એનું ધ્યેય છે.

શરીરનો, રાગનો અને એક સમયની પર્યાયનો જેને પ્રેમ છે તે મિથ્યાદ્રષ્ટિ છે. તેને રાગ અને આત્માની જુદાઈનો વિવેક નથી. તે વ્યવહારમાં વિમોહિત છે. જેને શરીરનો મોહ છે તે હાડ-ચામડામાં મોહિત છે, જેને બાહ્ય સંપત્તિ અને પુણ્યના ઠાઠનો મોહ છે તે જડમાં મોહિત છે અને જેઓ રાગદ્વેષાદિનો જ અનુભવ કરે છે તે પણ પર્યાયમૂઢ છે. રાગાદિ તો અંધકાર છે, કેમકે તે જડ છે, તેમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. તેથી જે રાગાદિને અનુભવે છે તે માત્ર અંધકારને અનુભવે છે. તેને નિર્મળાનંદ જ્ઞાયક તિરોભૂત થાય છે. અરે! આમ જીવ પોતાના એકરૂપ સ્વભાવને ભૂલી અનેકરૂપ મોહ-રાગ-દ્વેષના અનુભવથી ચારગતિરૂપ સંસારમાં અનંતકાળથી રખડી રહ્યો છે.


PDF/HTML Page 150 of 4199
single page version

અહીં શુદ્ધનય કતકફળના સ્થાને છે. પાણી અને કાદવને જેમ કતકફળ જુદાં કરે છે. તેમ શુદ્ધનય અનુસાર વસ્તુ જે ત્રિકાળી અખંડ એકરૂપ જ્ઞાયકભાવ છે તેમાં દ્રષ્ટિ કરતાં, તેનો અનુભવ કરતાં પર્યાયમાંથી મલિન પુણ્ય-પાપના ભાવ જુદા પડી જાય છે. પુણ્ય-પાપના ભાવ આત્માની શાંતિ દાઝતાં થાય છે. પદ્મનંદી પંચવિંશતિકામાં દાન અધિકારમાં દ્રષ્ટાંત આવે છે કે તારી શાંતિ દાઝીને કષાયમંદતાના પરિણામ થયા. એના ફળરૂપે આ બાહ્ય સામગ્રી મળી. તેને જો તું એકલો ભોગવીશ અને ધર્મપ્રભાવના અર્થે તેનો ઉપયોગ નહીં કરે તો તું કાગડાથી પણ જાય તેવો છે. કેમકે પથ્થરની કૂંડીમાં દાઝેલા ઉકડીઆ નાખ્યા હોય તે કાગડો ‘કા, કા, કા’ એમ પુકારીને બીજા કાગડાઓને પણ બોલાવીને ખાય છે, એકલો ખાતો નથી. અહીં તો એમ કહેવું છે કે આવા પુણ્ય-પાપના ભાવોનો અનુભવ તે મિથ્યાદર્શન છે અને શુદ્ધનય વડે તે પુણ્ય-પાપની મલિનતા જુદી પડી જાય છે. તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક્ અવલોકન કરતા હોવાથી સમ્યગ્દ્રષ્ટિ છે, પણ બીજા સમ્યગ્દ્રષ્ટિ નથી. શુદ્ધનયનો આશ્રય કરે છે એટલે કે ત્રિકાળી અભેદ એકરૂપ જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેઓ જ વસ્તુના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જુએ છે, અનુભવે છે અને તેથી તેઓ જ સમ્યગ્દ્રષ્ટિ છે. પરંતુ બીજા જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેઓ સમ્યગ્દ્રષ્ટિ નથી. જેઓ રાગનો, ભેદનો, એક સમયની પર્યાયનો આશ્રય કરે છે તેઓ સમ્યગ્દ્રષ્ટિ નથી એટલે મિથ્યાદ્રષ્ટિ જ છે. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી. રાગથી તથા પર્યાયથી પણ ભિન્ન એવો પોતાનો જ્ઞાનાનંદમૂર્તિ ભગવાન છે એમ જેમને દ્રષ્ટિ થઈ છે તેમણે વ્યવહારનય અનુસરવા યોગ્ય એટલે આશ્રય કરવા યોગ્ય નથી. રાગનું, ભેદનું કે પર્યાયનું યથાસ્થિત જ્ઞાન ભલે હો, પણ તેનો અનુભવ કે આશ્રય કરવા યોગ્ય નથી. * ભાવાર્થ ઉપરનું પ્રવચન *

અહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે-શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી; માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ જ કહેવો જોઈએ. જુઓ, શુદ્ધનયને અહીં ભૂતાર્થ કહ્યો છે. અતીન્દ્રિય આનંદનો પિંડ એવો જે જ્ઞાયકભાવ એને જ સત્ય કહ્યો છે. પર દ્રવ્યની તો અહીં વાત નથી. શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર, ઇત્યાદિ પર તો પરમાં રહ્યા. અહીં તો એક ત્રિકાળી દ્રવ્યસ્વભાવ અને


PDF/HTML Page 151 of 4199
single page version

બીજો વર્તમાન પર્યાયભાવ એમ આત્મામાં બે પ્રકાર છે; તેમાં ત્રિકાળી દ્રવ્યસ્વભાવ સત્ય છે અને પર્યાયભાવ અસત્ય છે એમ કહ્યું છે. જેનો વિષય હયાતી ધરાવતો ન હોય તે અસત્ય છે. વ્યવહારનયનો વિષય વિદ્યમાન નથી માટે તે અસત્ય છે, અભૂતાર્થ છે. અનાદિથી આ જીવ દુઃખના પંથે એટલે કે રાગના અને પર્યાયના પંથે દોરાઈ રહ્યો છે. અનંતકાળમાં તે મોટો શેઠ થયો હોય, કે રાજા થયો હોય કે સ્વર્ગનો દેવ થયો હોય કે દિગંબર દ્રવ્યલિંગી સાધુ થયો હોય, તેણે ત્રિકાળી ચીજ સત્યાર્થ દ્રવ્યસ્વભાવનો કદીય સ્વીકાર કર્યો નથી, અને પર્યાય છે, રાગ છે, ભેદ છે એમ માન્યું છે અર્થાત્ એનો સ્વીકાર કર્યો છે. તેને સુખના પંથે ચઢાવવા અહીં કહે છે કે ત્રિકાળી વસ્તુ જ્ઞાયક તે સત્ય છે અને પર્યાય છે તે અસત્ય છે. આમ કહીને ભૂતાર્થ દ્રવ્યસ્વભાવનો આશ્રય કરાવવા માગે છે, કેમકે ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિ થતાં સંસાર રહેતો નથી. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય શું? તો કહે છે કે શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપે નિત્ય દ્રવ્ય છે, તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. અહાહા-! પંડિત જયચંદ્રજીએ શું સ્પષ્ટીકરણ કર્યું છે! શુદ્ધનયનું ધ્યેય અભેદ એકાકાર છે. તેની દ્રષ્ટિમાં આ જ્ઞાન, આનંદ ઇત્યાદિ ગુણો અને આ આત્મા ગુણી એવા ભેદ દેખાતા નથી. દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ ઇત્યાદિ પર્યાયના વિકલ્પો અભેદની દ્રષ્ટિમાં જણાતા નથી, બહાર જ રહી જાય છે. આવો સ્વભાવ અને સ્વભાવવાન અભેદ એકાકાર છે, તેનો સ્વીકાર કરી આશ્રય કરતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે અને તે ધર્મ છે. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ભાઈ! વ્રત-તપ આદિના વિકલ્પમાં રોકાઈ અને તે વિકલ્પનો કર્તા થઈ તેં અનાદિથી મિથ્યાત્વનું જ સેવન કર્યું છે. તથા સમોસરણમાં બિરાજમાન અરિહંતદેવની મણિ-રત્નથી આરતી ઉતારી, કલ્પવૃક્ષના ફૂલથી અનંતવાર પૂજા કરી છે, પણ સત્યાર્થ દ્રવ્યસ્વભાવનો સ્વીકાર કર્યો નહીં તેથી તને અદ્યાપિ સમ્યગ્દર્શનાદિ લેશ પણ ધર્મ થયો નથી. લોકોએ મૂળ વાત સાંભળી નથી તેથી અભૂતાર્થ એવા વ્યવહારમાં રોકાઈ ગયા છે. અહીં કહે છે ત્રિકાળી અભેદની દ્રષ્ટિમાં ભેદ જણાતો નથી, તેથી તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ જ કહેવો જોઈએ. હવે કહે છે-એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. દ્રવ્યમાં ગુણ છે જ નહિ, પર્યાય છે જ નહિ, ભેદ છે જ નહિ-એમ નથી. આત્મામાં અનંત ગુણો છે, તે બધા નિર્મળ છે. વળી કોઈ એમ માને કે એકાકાર દ્રવ્ય જ છે અને પર્યાય નથી તો એમ નથી. દ્રષ્ટિના વિષયમાં ગુણોનો ભેદ નથી; પણ અંદર વસ્તુમાં અનંતગુણો છે. ભેદ સર્વથા કાંઈ વસ્તુ નથી એમ માનવામાં આવે તો તો જેમ વેદાંતમતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી


PDF/HTML Page 152 of 4199
single page version

અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાદ્રષ્ટિનો જ પ્રસંગ આવે.

વેદાંતવાળા જેમ એક જ આત્મા સર્વવ્યાપી માને છે-એમ આ વાત નથી. કેટલાકને આ નિશ્ચયની વ્યાખ્યા વેદાંત જેવી લાગે છે, પણ વેદાંત પર્યાયને કયાં માને છે? અનેક ગુણો કયાં માને છે? અનેક આત્મા કયાં માને છે? એની તો તર્કથી કલ્પીને માની લીધેલી વાત છે. આ વાતને અને વેદાંતને કોઈ મેળ નથી. આ તો સર્વજ્ઞકથિત સૂક્ષ્મ ન્યાયયુક્ત વાત છે.

ભગવાન જિનેશ્વરદેવે કેવળજ્ઞાનથી આત્મા જેવો પ્રત્યક્ષ જોયો તેવો કહ્યો છે. જેના મતમાં સર્વજ્ઞનો સ્વીકાર નથી તેમાં સત્યાર્થ વસ્તુ હોઈ શકે નહીં. સર્વજ્ઞના સ્વીકાર વિના આત્મા સર્વજ્ઞસ્વભાવ છે એવી દ્રષ્ટિ હોતી નથી. વસ્તુતઃ આત્મા સર્વજ્ઞસ્વભાવ છે તો પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ થાય છે.

આ જૈનની મૂળવાત નિશ્ચયની જ્યાં બહાર આવી ત્યાં લોકોને વેદાંત જેવું લાગે છે. ક્રિયાકાંડની વાત આવે તો કહે છે કે આ જૈનની વાત છે. આવું કહેનારા અને માનનારા જૈનધર્મના મૂળ રહસ્યને જાણતા જ નથી. અનંત તીર્થંકર પરમેશ્વરો થઈ ગયા. તેઓ આ સત્યાર્થ વસ્તુને અનુભવીને મુક્તિ પામ્યા છે. અને જગત સમક્ષ એ જ વાત જાહેર કરી છે.

પર્યાય સમ્યગ્દર્શનનો વિષય નથી, પરંતુ ત્રિકાળ ધ્રુવ જ્ઞાયકને વિષય કરનાર પર્યાય છે. તેને ન માને તે સાંખ્યમતી છે. આત્મા શરીર પ્રમાણ છે, તેને વેદાંતમતવાળા (ક્ષેત્રથી) સર્વવ્યાપક માને છે. તેઓ બધું મળીને વસ્તુ એક કહે છે, એક શુદ્ધ બ્રહ્મને જ વસ્તુ કહે છે, પણ વસ્તુ અનેક છે. વળી વસ્તુમાં ગુણો છે એમ માનતા નથી. વસ્તુ સર્વથા નિત્ય કહે છે, અનિત્ય પર્યાયને માનતા નથી. આમ સર્વથા પર્યાય આદિને માયાસ્વરૂપ અસત્ય કહેતાં વેદાંતમત થઈ જાય. તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાત્વનો પ્રસંગ આવે. માટે સર્વથા એકાંત ન માનવું. કથંચિત્ અશુદ્ધતા છે, ભેદો છે, પર્યાય છે એમ અપેક્ષાથી બરાબર સમજવું.

હવે કહે છે-માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે, પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે. જુઓ, શુદ્ધનયને સત્ય કહ્યો અને પર્યાયને અસત્ય, અવિદ્યમાન કહી તે શા માટે એનો ખુલાસો કરે છે. કહે છે કે જિનવાણી સ્યાદ્વાદરૂપ- એટલે અપેક્ષાથી કથન કરનારી છે. જેથી જ્યાં જે અપેક્ષા હોય, ત્યાં તે સમજવી જોઈએ.


PDF/HTML Page 153 of 4199
single page version

પ્રયોજનવશ શુદ્ધનયને મુખ્ય કરી સત્યાર્થ કહ્યો છે અને વ્યવહારને ગૌણ કરી અસત્ય કહ્યો છે. ત્રિકાળી અભેદ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરતાં જીવને સમ્યગ્દર્શન થાય છે. આવા પ્રયોજનને સિદ્ધ કરવા ત્રિકાળી દ્રવ્યને અભેદ કહીને ભૂતાર્થ કહ્યું છે. અને પર્યાયનું લક્ષ છોડાવવા તેને ગૌણ કરી અસત્યાર્થ કહી છે. આત્મા અભેદ ત્રિકાળી ધ્રુવ છે. તેની દ્રષ્ટિ કરતાં ભેદ દેખાતો નથી. અને ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પતા થતી નથી. માટે પ્રયોજનવશ ભેદને ગૌણ કરી અસત્યાર્થ કહેલો છે. અનંતકાળમાં જન્મ-મરણનો અંત કરવાના બીજરૂપ સમ્યગ્દર્શન જીવને થયું નથી. એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું અહીં પ્રયોજન સિદ્ધ કરવું છે. તેથી શુદ્ધ જ્ઞાયકને મુખ્ય કરી સત્યાર્થ કહ્યો છે. અને પર્યાય તથા ભેદને ગૌણ કરી વ્યવહાર કહી તેને અસત્યાર્થ કહ્યો છે.

હવે નયને મુખ્ય-ગૌણ કરી કથન કરવાનું કારણ શું તે વિસ્તારથી કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. જીવને અનાદિથી પર્યાયબુદ્ધિ ચાલી આવે છે. અંદર આનંદનો નાથ ત્રિકાળી ભગવાન પોતે બિરાજે છે તેને દ્રષ્ટિમાં કદીય લીધો નથી. અને ભેદરૂપ વ્યવહારનો પક્ષ, પુણ્યનો પક્ષ, રાગનો પક્ષ, પર્યાયનો પક્ષ તથા વર્તમાન મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયનો પક્ષ પ્રાણીઓને અનાદિકાળથી છે.

વળી વ્યવહારનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. ‘આપણે સંસારી છીએ, કાંઈ વીતરાગ તો નથી; વળી વ્રત, તપ, પૂજા, ભક્તિ, દાન ઇત્યાદિ વ્યવહાર ધર્મ છે, ધર્મનાં અંગ છે. એટલે આપણે તે વ્યવહારધર્મનું પાલન કરવું જોઈએ. વ્યવહાર કાંઈ છોડી દેવાય? વ્યવહાર કરતાં કરતાં નિશ્ચયધર્મ પ્રગટે.’ આમ પરસ્પર મોટા ભાગના સંસારી પ્રાણીઓ રાગના પક્ષનો ઉપદેશ આપતા હોય છે.

વળી કોઈ એમ પણ કહેતા હોય છે-‘પર્યાય છે, તેનું જ્ઞાન કરવું જોઈએ ને? પર્યાય જાણવી જોઈએ, પર્યાયને વિષય બનાવવો જોઈએ, અન્યથા એકાંત થઈ જાય. પર્યાય પણ વસ્તુ છે, અવસ્તુ નથી એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને? પર્યાય વિના કાંઈ કાર્ય થાય? આમ પર્યાયનો પક્ષ કરી પરસ્પર વ્યવહારના પક્ષ રૂપ ઉપદેશ કરીને મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યા હોય છે.

અહીં બે વાત કરી. એક તો ભેદનો પક્ષ, વ્યવહારનો પક્ષ જીવને અનાદિકાલીન છે. અને બીજું વ્યવહારનો ઉપદેશ પણ પ્રાણીઓ બહુધા પરસ્પર કરે છે. હવે ત્રીજી વાત કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે. ભગવાન સર્વજ્ઞદેવની વાણીમાં વ્યવહારનો


PDF/HTML Page 154 of 4199
single page version

ઉપદેશ શુદ્ધનયનું નિમિત્ત જાણી ઘણો કર્યો છે. ભાષા જુઓ! વ્યવહારનો ઉપદેશ ઘણો કર્યો છે પણ એનું ફળ સંસાર જ છે. જેમ દાદરો ચઢનાર કઠેડો પકડીને ઉપર ચઢે છે તેમ શુદ્ધનયને હસ્તાવલંબ જાણી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ ઘણો છે, પણ વ્યવહારનું ફળ સંસાર જ છે. ત્રિકાળી જ્ઞાયકનો આશ્રય લેવાના કાળમાં વ્યવહાર નિમિત્ત હોય છે તેથી નિમિત્તનું જ્ઞાન કરાવવા શાસ્ત્રમાં વ્યવહારનાં ઘણાં કથનો હોય છે. જેમકે શાસ્ત્રમાં આવે છે કે પ્રચંડ કર્મકાંડથી જ્ઞાનકાંડ થાય છે. ત્યાં પ્રચંડકર્મકાંડ એ તો શુભરાગ છે અને એનું ફળ તો બંધ છે, સંસાર છે. પરંતુ જ્ઞાનકાંડ થવાના કાળમાં તે સહકારી નિમિત્ત છે એમ જાણી વ્યવહારથી એમ કથન કરવામાં આવ્યું છે.

એ પ્રમાણે પદ્મનંદી પંચવિંશતિકામાં આવે છે કે મુનિવરોને આહારદાન આપે તેણે મોક્ષમાર્ગ આપ્યો. આહાર આપવાનો ભાવ તો શુભરાગ છે, પરંતુ મોક્ષમાર્ગમાં સ્થિત મુનિઓને શરીરની સ્થિતિમાં આહાર નિમિત્ત દેખીને વ્યવહારથી આ કથન કર્યું છે. સાક્ષાત્ તીર્થંકરદેવ છદ્મસ્થ દશામાં હોય તેમને આહાર આપવાનો ભાવ આવે તેનાથી પુણ્ય બંધાય, ધર્મ ન થાય, મુક્તિ ન થાય.

શ્રાવકોએ દેવપૂજા, ગુરુપાસ્તિ ઇત્યાદિ પ્રતિદિન કરવાં જોઈએ તથા દયા દાન આદિ પુણ્યકાર્ય કરવાં જોઈએ એવું પદ્મનંદી પંચવિંશતિકામાં ખૂબ આવે છે. એ તો શ્રાવકને પોતાની ભૂમિકામાં સહકારી એવા પુણ્યના ભાવો એને આવતા હોય છે તથા એવા ભાવો દ્વારા તે અશુભનો નિષેધ કરતો હોય છે એમ જણાવવા એ પ્રમાણે વ્યવહારનો ઉપદેશ છે. બાકી પુણ્યનું પણ ફળ બંધ છે, સંસાર છે, મોક્ષ નથી.

શાસ્ત્રમાં એમ પણ આવે છે કે વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય છે. આ વ્યવહારનયનું વચન છે. વ્યવહાર એટલે રાગ સાધક અને નિશ્ચિય એટલે વસ્તુ ત્રિકાળ સાધ્ય-એમ કદી હોઈ શકે નહીં. પણ આ તો યથાર્થ સહકારી નિમિત્તનાં જ્ઞાન કરાવનારાં વ્યવહારનાં વચન છે, તે યથાર્થ સમજવાં જોઈએ. સમયસાર ગાથા સોળમાં કહ્યું છે કે સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સેવવા યોગ્ય છે.’ ત્યાં પર્યાયને સેવવાની વાત કરી છે એ વ્યવહારથી ઉપદેશ છે. સેવન તો એક ધ્રુવ ભૂતાર્થ જ્ઞાયકનું જ કરવાનું છે, પણ લોકો સમજે એટલા માટે ભેદથી વ્યવહાર દ્વારા સમજાવ્યું છે. પણ વ્યવહાર નયનો આશ્રય કરવા જાય તો તેનું ફળ તો સંસાર જ છે એમ યથાર્થ જાણવું.

હવે કહે છે-શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે-કયાંક કયાંક છે. હું એક અખંડ નિત્યાનંદ ધ્રુવસ્વરૂપ ભગવાન છું એવો અંતરમાં શુદ્ધનયનો પક્ષ કદીય આવ્યો નથી. અનંતકાળમાં અનંતવાર હજારો રાણીઓ અને રાજપાટ


PDF/HTML Page 155 of 4199
single page version

છોડી નગ્ન દિગંબર મુનિ થયો, પણ અંતરમાં ચિદાનંદ ચૈતન્યમૂર્તિ ભગવાન જે પોતે બિરાજે છે તેનો પક્ષ ન લીધો, તેનું લક્ષ કરી આશ્રય ન કર્યો. મહાવ્રતાદિ ક્રિયાકાંડના ફળમાં અનંતવાર સ્વર્ગમાં ગયો પણ આત્મદ્રષ્ટિ વિના ત્યાંથી પાછો નરક, તિર્યંચ આદિ નીચી ગતિમાં ગયો. આમ અનાદિથી જન્મ-મરણ કર્યાં પણ તેનો અંત આવે એવું કાંઈ કર્યું નહીં. ધંધો કરવો, વેપાર કરવો, કમાવું, પરિવારનું પાલન કરવું, છોકરાં પરણાવવાં ઇત્યાદિ અનેકરૂપ પાપના-હિંસાના ભાવ સેવી એના ફળમાં દુઃખી થઈને રખડયો એ તો ઠીક; પણ શુદ્ધનયના આશ્રય વિના અનંતવાર શુભભાવ કરી પુણ્યબંધન કરી ચાર ગતિમાં રખડયો છે. અરે! નરક, નિગોદની વેદનાની શી વાત? પણ તે ભૂલી ગયો છે, ભાઈ!

ભાઈ, અનંત અનંત ચોરાસીના અવતારમાં તું અનેકવાર અબજોપતિ શેઠ થયો, સ્વર્ગનો દેવ થયો અને સાતમી નરકનો નારકી પણ થયો બ્રહ્મદત્ત ચક્રવર્તીની શાસ્ત્રમાં વાત આવે છે. તે છ ખંડનો સ્વામી હતો, છન્નુ હજાર રાણીઓ હતી. સોળ હજાર દેવો એની સેવામાં રહેતા. રત્ન-મણિ અને હીરાના પલંગમાં એ પોઢતો. એના વેભવની શી વાત! તે બ્રહ્મદત્ત ચક્રવર્તી આયુસ્થિતિ પૂરી થતાં સાતમી રૌરવ નરકે ઉપજ્યો. અહીં સાતસો વર્ષનું આયુષ્ય હતું. અહીંથી મરીને ત્યાં નરકમાં ૩૩ સાગરોપમ આયુષ્યની સ્થિતિમાં ઉપજ્યો. એક શ્વાસના મિથ્યાત્વની પ્રધાનતાપૂર્વકના અશુભના ફળમાં અગિયાર લાખ છપ્પન હજાર પલ્યોપમનું નરકનું દુઃખ ત્યાં પ્રાપ્ત થયું. અહા! નરકની અકથ્ય વેદનાનું કથન કેમ કરવું?

આમ શુદ્ધનયનો પક્ષ નહીં થવાથી જીવ અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે. શુદ્ધનયનો ઉપદેશ પણ દેનાર કોઈ નથી. વ્રત કરો, દયા પાળો-એમ વ્યવહારનો ઉપદેશ તો ઠામઠામ દેનારા છે, પણ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય એકમાત્રના આલંબનથી ધર્મ થાય છે એમ ઉપદેશ કરનાર કયાંક છે, કદાચિત્ કોઈ યથાર્થ ઉપદેશદાતા મળ્‌યા પણ ખરા; તો તેમની વાત અંતરમાં ગ્રહણ કરી નહીં અને તેથી ભવભ્રમણ મટયું નહીં.

આવા ભવભ્રમણના દુઃખથી મુક્ત થવા ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી આપ્યો છે કે-‘શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એનો આશ્રય કરવાથી સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે.’ જુઓ, વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ અરિહંત પરમાત્મા બિરાજે છે. ત્યાં ૐધ્વનિના ધોધ વરસે છે. એ દિવ્યવાણી સાંભળવા સ્વર્ગના ઇન્દ્રો આવે છે. પહેલા દેવલોકને સૌધર્મ દેવલોક કહેવાય છે. તેમાં બત્રીસ લાખ વિમાન છે. એકેક વિમાનમાં અસંખ્ય દેવો છે. તે બત્રીસ લાખ વિમાનોનો સ્વામી સૌધર્મ ઇન્દ્ર છે. તે સમ્યગ્દ્રષ્ટિ છે. તેની ઇન્દ્રાણી શચી છે. તે પણ સમકિતી છે. બન્ને એક ભવ કરી મોક્ષ


PDF/HTML Page 156 of 4199
single page version

જવાના છે. તેઓ જે દિવ્યધ્વનિ સાંભળવામાં આવે છે તેનો સાર-સાર લઈ ભગવાન કુંદકુંદાચાર્યે હૃદયમાં પરમ કરુણા ધરી અહીં ઉપદેશ કર્યો છે કે શુદ્ધનય ભૂતાર્થ છે, તેના આશ્રયે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય શુદ્ધનયનું ફળ જે મોક્ષમાર્ગ તે જાણતા-અનુભવતા હતા તેથી ભવ્ય જીવોના ઉપકાર હેતુથી શુદ્ધનયનો ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે.

અહાહા...! આચાર્યદેવ કહે છે કે એકવાર તું દ્રષ્ટિ ફેરવી નાખ. એક સમયની પર્યાય ઉપર, અને ભેદ ઉપર અનાદિની દ્રષ્ટિ છે. તેને ત્યાંથી ખસેડી લઈ અખંડ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસામાન્ય પર દ્રષ્ટિ સ્થિર કર. તેથી તને સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થશે. તને ભવ-ભ્રમણના દુઃખથી મુક્તિ થઈ અનંત સુખસ્વરૂપ એવો મોક્ષ થશે. અહો! આવો વિરલ ઉપદેશ આપી આચાર્યદેવે જગતનો મહાન ઉપકાર કર્યો છે. આત્મા ત્રિકાળી સત્ જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયક, ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અખંડ એકરૂપ વસ્તુ છે તે ભૂતાર્થ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે અને તેના જ આશ્રયે જન્મ-મરણ મટે છે, મોક્ષના ભણકારા વાગે છે.

શુદ્ધનયને એટલે ત્રિકાળી ધ્રુવને જાણ્યા વિના જ્યાંસુધી જીવ વ્યવહારમાં મગ્ન છે એટલે કે શુભરાગના કર્મકાંડમાં મગ્ન છે, ભેદમાં મગ્ન છે કે પર્યાયમાં મગ્ન છે ત્યાંસુધી આત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. ત્રિકાળી શુદ્ધ આત્મતત્ત્વને ઓળખી તેમાં મગ્ન થવું એ જ મુખ્ય કર્તવ્ય છે.

** **
** **

PDF/HTML Page 157 of 4199
single page version

જીવ–અજીવ અધિકાર
ગાથા–૧૨

सुद्धो
सुद्धादेसो णादव्वो परमभावदरिसीहिं।
ववहारदेसिदा पुण जे दु अपरमे ट्ठिदा भावे।।
१२।।

शुद्धः शुद्धादेशो ज्ञातव्यः परमभावदर्शिभिः।
व्यवहारदेशिताः पुनर्ये त्वपरमे स्थिता भावे।।
१२।।

દેખે
પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે;
અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ૧૨.

હવે, “એ વ્યવહારનય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવાયોગ્ય નથી; તેથી તેનો ઉપદેશ છે” એમ કહે છેઃ-

ગાથાર્થઃ– [परमभावदर्शिभिः] જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા તેમને તો [शुद्धादेशः] શુદ્ધ (આત્મા)નો ઉપદેશ (આજ્ઞા) કરનાર [शुद्धः] શુદ્ધનય [ज्ञातव्यः] જાણવાયોગ્ય છે; [पुनः] વળી [ये तु] જે જીવો [अपरमे भावे] અપરમભાવે-અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શકયા, સાધક અવસ્થામાં જ-[स्थिताः] સ્થિત છે તેઓ [व्यवहारदेशिताः] વ્યવહાર દ્વારા ઉપદેશ કરવાયોગ્ય છે.

ટીકાઃ– જે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન (વસ્તુના) ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે તેમને પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન (પકાવવામાં આવતા) અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેનો અનુભવ નથી હોતો; તેથી, શુદ્ધદ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એકસ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધનય જ, સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા (સુવર્ણના વર્ણ) સમાન હોવાથી, જાણેલો પ્રયોજનવાન છે. પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક


PDF/HTML Page 158 of 4199
single page version

પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે (વસ્તુનો) અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેને અનુભવે છે તેમને છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો; તેથી, અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડયા છે એવો વ્યવહારનય, વિચિત્ર (અનેક) વર્ણમાળા સમાન હોવાથી, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એ રીતે પોતપોતાના સમયમાં બન્ને નયો કાર્યકારી છે; કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. (જેનાથી તરાય તે તીર્થં છે; એવો વ્યવહારધર્મ છે. પાર થવું તે વ્યવહારધર્મનું ફળ છે; અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ છે.) બીજી જગ્યાએ પણ કહ્યું છે કેઃ-

जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह।
एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्चं।।

[અર્થઃ– આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બન્ને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થ-વ્યવહારમાર્ગનો નાથ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ (વસ્તુ) નો નાશ થઈ જશે.]

ભાવાર્થઃ– લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે. પંદર-વલા સુધી તેમાં ચૂરી આદિ પરસંયોગની કાલિમા રહે છે તેથી અશુદ્ધ કહેવાય છે; અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઊતરે ત્યારે સોળ-વલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળ-વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર-વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી અને જેમને સોળ-વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદર- વલા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પુદ્ગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ-એ ત્રણે જેમને થઈ ગયાં તેમને તો પુદ્ગલસંયોગજનિત અનેકરૂપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાન (કોઈ મતલબનો) નથી; પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઇ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિન-ગુરુની ભક્તિ, જિનબિંબના દર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે; અને જેમને શ્રદ્ધાન-જ્ઞાન તો થયાં છે પણ


PDF/HTML Page 159 of 4199
single page version

(मालिनी)

उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः।
सपदि समयसारं ते परं ज्योतिरुच्चै–
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।
४।।

_________________________________________________________________ સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રતમહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું-એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. *વ્યવહારનયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે; પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી, તેથી ઉલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે-એવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે.

એ અર્થનું કલશરૂપ કાવ્ય ટીકાકાર કહે છેઃ-

શ્લોકાર્થઃ– [उभय नच–विरोध–ध्वंसिनि] નિશ્ચય અને વ્યવહાર એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે; એ વિરોધને નાશ કરનારું [स्यात्–पद अंके] ‘સ્યાત્’ પદથી ચિહ્નિત [जिनवचसि] જે જિન ભગવાનનું વચન (વાણી) તેમાં [ये रमन्ते] જે પુરુષો રમે છે (-પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે) [ते] તે પુરુષો [स्वयं] પોતાની મેળે (અન્ય કારણ વિના) [वान्तमोहाः] મિથ્યાત્વકર્મના ઉદયનું વમન કરીને [उच्चः परं ज्योत्तिः समयसारं] આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને [सपदि] તુરંત [ईक्षन्ते एव] દેખે જ છે. કેવો છે સમયસારરૂપ શુદ્ધ આત્મા? [अनवम्] નવીન _________________________________________________________________ *વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું

કે વ્યવહારોપદ્રિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું
કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા
અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી.

PDF/HTML Page 160 of 4199
single page version

(मालिनी)

व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या–
मिह निहितपदानां हन्त हस्तावलम्बः।
तदपि परममर्थ चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित।।
५।।

__________________________________________________________________ ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. વળી કેવો છે? [अनय–पक्ष–अक्षुप्णम्] સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિર્બાધ છે.

ભાવાર્થઃ– જિનવચન (વાણી) સ્યાદ્વાદરૂપ છે. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે-જેમ કેઃ જે સત્રૂપ હોય તે અસત્-રૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય, ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય ઈત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે-ત્યાં જિનવચન કથંચિત્ વિવક્ષાથી સત્-અસત્રૂપ, એક-અનેકરૂપ, નિત્ય-અનિત્યરૂપ, ભેદ-અભેદરૂપ, શુદ્ધ- અશુદ્ધરૂપ જે રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે, જૂઠી કલ્પના કરતું નથી. તે જિનવચન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-એ બે નયોમાં, પ્રયોજનવશ શુદ્ધદ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને તેને નિશ્ચય કહે છે અને અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ પર્યાયાર્થિકનયને ગૌણ કરી તેને વ્યવહાર કહે છે.-આવા જિનવચનમાં જે પુરુષ રમણ કરે છે તે આ શુદ્ધ આત્માને યથાર્થ પામે છે; અન્ય સર્વથા -એકાંતી સાંખ્યાદિક એ આત્માને પામતા નથી, કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી તોપણ તેઓ એક જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત્ય કલ્પના કરે છે-જે અસત્યાર્થ છે, બાધા સહિત મિથ્યાદ્રષ્ટિ છે. ૪.

આ રીતે બાર ગાથાઓમાં પીઠિકા (ભૂમિકા) છે.

હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધનયની (વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે તો અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યક્ત્વ થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે; તેમાં પહેલાં શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો તોપણ તે કાંઈ વસ્તુભૂત નથીઃ-