Pravachan Ratnakar (Gujarati). Gatha: 8-11.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 210

 

PDF/HTML Page 121 of 4199
single page version

કરી ઉપદેશ છે. અભેદદ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં ભેદને ગૌણ કરીને એટલે અભાવ કરીને એમ નહીં, પણ ભેદને અમુખ્ય રાખીને એટલે કે ભેદનું લક્ષ છોડીને તેને વ્યવહાર કહ્યો છે. વ્યવહાર કહો કે અસત્યાર્થ કહો; પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે, અભાવ કરીને નહીં.

અહીં એવો અભિપ્રાય છે કે ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. અનંત ગુણોનો ધરનાર ધર્મી એવો જે અભેદ આત્મા તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રભુતા, સ્વચ્છતા એવા અનંત ગુણોના ભેદ જો લક્ષમાં લેવા જશે તો રાગ ઉત્પન્ન થશે, સમ્યગ્દર્શન નહીં થાય. નવ તત્ત્વના ભેદ પાડવા એ વાત તો દૂર રહી પણ ગુણ અને ગુણીનો ભેદ પાડવા જાય ત્યાં પણ નિર્વિકલ્પ દશા થતી નથી. વસ્તુ અને એની શક્તિઓ એવો જ ભેદ તે દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો અભેદ, અખંડ, એક જ્ઞાયક છે. દ્રષ્ટિ પોતે પર્યાય છે પણ પર્યાય તે દ્રષ્ટિનું ધ્યેય નથી.

પ્રશ્નઃ– વર્તમાન પર્યાય તેમાં (દ્રષ્ટિના વિષયમાં) ભેળવવી કે નહીં?

ઉત્તરઃ– વર્તમાન પર્યાય ભિન્ન રહીને દ્રવ્યની પ્રતીતિ કરે છે. તે એમાં ભળે કયાંથી? પર્યાય ભિન્ન રહે છે, તે દ્રવ્યમાં ભળતી નથી, એક થતી નથી.

અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે. ભેદને જાણવું એ કાંઈ રાગનું કારણ નથી. કેવળી ભગવાન ભેદ-અભેદ સર્વને જાણે છે. અરિહંત પરમાત્મા દ્રવ્ય-ગુણ-પર્યાય, ભેદ-અભેદ, લોક-અલોક સર્વને જાણે છે. માટે ભેદને જાણવો એ રાગનું કારણ નથી. પણ સરાગીને ભેદ જાણતાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. રાગી જીવને ભેદ જાણતાં રાગ ઉત્પન્ન થાય છે. તેથી અનંત ગુણોનો અભેદ પિંડ ભગવાન આત્મા અને અનંતગુણ એમ ભેદ પાડી દ્રષ્ટિ કરતાં રાગ થાય તેથી પુણ્યબંધ થાય પણ સમ્યગ્દર્શનની અબંધ પર્યાય ન થાય. સરાગીને ભેદનું લક્ષ કરતાં વિકલ્પ થાય પણ નિર્વિકલ્પ દશા ન થાય. કેવળી ભગવાન તો ભેદાભેદરૂપ સમગ્ર લોકાલોકને જાણે પણ તેમને રાગ થતો નથી, કેમકે તેઓ વીતરાગ છે. પરંતુ રાગી પ્રાણીને ભેદની દ્રષ્ટિ થતાં રાગ થયા વિના રહેતો નથી.

આત્મા વસ્તુ અરૂપી ચિદ્ઘન છે, તેમાં આ ભાવ અને આ ભાવવાન એમ બે ભાગ પાડીને વસ્તુને જોવા જાય તો રાગી જીવ છે તેથી તેને રાગ થશે. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. ગુણીમાં ગુણ નથી એમ નથી, પણ ભેદને ગૌણ કરી અભેદનું લક્ષ કરવાનું પ્રયોજન છે.


PDF/HTML Page 122 of 4199
single page version

રાગીને ભેદના લક્ષે રાગ થાય અને એમાં ધર્મ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે. અહીં કહે છે કે રાગ મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરીને એટલે ભેદનું લક્ષ છોડી દઈને અભેદ એકરૂપ જ્ઞાયકનું લક્ષ કરવું. તેથી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ થાય છે, અને તે ધર્મ છે.

જેમ ગુણીમાં ગુણ છે, ને ગુણભેદને ગૌણ કહ્યો તેમ કોઈ એમ કહે કે ગુણીમાં પર્યાય છે અર્થાત્ દ્રવ્યમાં પર્યાય છે અને તેને ગૌણ કરી તો તે બરાબર નથી. પર્યાયમાં પર્યાયને ગૌણ કરી છે. પર્યાય તો દ્રવ્યથી ભિન્ન છે. પર્યાય દ્રવ્યમાં નથી. પર્યાય ભિન્ન રહીને દ્રવ્યને વિષય કરે છે, દ્રવ્યમાં પર્યાય નથી. વસ્તુમાં ગુણ છે પણ તેનું લક્ષ છોડાવવા ગુણભેદને ગૌણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવે છે. તેમ વસ્તુમાં પર્યાય પણ છે એમ કોઈ કહે તો તે બરાબર નથી. પર્યાય તો પર્યાયમાં છે. પર્યાયને ગૌણ કરી એટલે કે દ્રવ્યમાં પર્યાય છે. પણ ગૌણ કરી એમ કોઈ કહે તો એમ નથી. ભાઈ! આ ચોખવટ બરાબર સમજવી જોઈએ.

જેનાં મહાભાગ્ય હોય તેના કાને પડે એવી આ વાત છે. રાગ મટે નહીં ત્યાંસુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે. વીતરાગ થયા પછી સર્વજ્ઞ ભગવાન ભેદ-અભેદ સર્વને જાણે છે ત્યાં વિકલ્પ નથી. સર્વજ્ઞ વીતરાગ દશા થઈ પછી ભેદને ગૌણ કરીને અભેદને જાણવું એવું રહેતું નથી. કેવળી ભગવાન તો ભેદ-અભેદ બન્નેને એકસાથે જાણે છે. ત્યાં પછી નયનું આલંબન નથી. એટલે કે ભેદને ગૌણ કરી દ્રવ્ય જે અભેદપૂર્ણ તે તરફ ઢળવું એમ ત્યાં રહેતું નથી. જ્યાં સુધી રાગ રહે, દ્રવ્યનું પૂર્ણ આલંબન ન હોય ત્યાંસુધી નયનું આલંબન છે. પરંતુ રાગ છૂટી જતાં પૂર્ણ વીતરાગ થયા બાદ એને અભેદ તરફ ઢળવું એમ નયનું આલંબન રહેતું નથી.

આ તો સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગનો અપૂર્વ માર્ગ છે. સાધારણ માણસો જે માનીને બેઠા છે કે છ કાયની દયા પાળવી એ ધર્મ તો એવી આ વાત નથી. પરની દયા તો કોઈ પાળી શકતું નથી. અહીં તો સર્વજ્ઞદેવનું ફરમાન છે કે તારી દયા તું પાળ. એટલે કે જેવડો તું છે, જેવો તું છે, તેવડો અને તેવો તું તને માન. ત્યારે તેં તારી દયા પાળી કહેવાય. અને જેવડો જેમ છે તેમ પોતાને ન માનતાં બીજી રીતે માનીશ તો તારી તેં હિંસા જ કરી છે.

નિર્મળ પર્યાય બહિર્તત્ત્વ છે, એ અંતઃતત્ત્વ નથી. તેને ગૌણ કરી દ્રવ્યસ્વભાવનો આશ્રય લેતાં નિર્વિકલ્પ અનુભવ થાય તે ધર્મ છે. શુદ્ધ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે. અશુદ્ધનું લક્ષ છોડી પર્યાય ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ કરે છે.


PDF/HTML Page 123 of 4199
single page version

અશુદ્ધતાથી છૂટવાનું કહો છો તો નિર્મળ પર્યાયથી છૂટવાનું કેમ કહેતા નથી? તો કહે છે કે નિર્મળ પર્યાય તો દ્રવ્ય ઉપર લક્ષ કરે છે. (નિર્મળ પર્યાય, પર્યાય ઉપર લક્ષ કરતી જ નથી.)

પર્યાય આ બાજુ દ્રવ્ય જે અભેદ છે તે તરફ ઢળી તે અપેક્ષાએ એ અભેદ કહેવાય. બાકી પર્યાય તો દ્રવ્યથી ભિન્ન રહે છે. અભેદમાં પર્યાય કયાં છે? પર્યાય તો ભિન્ન રહી અભેદની દ્રષ્ટિ કરે છે. તે નિશ્ચયદ્રષ્ટિ છે. દ્રવ્યમાં પર્યાય ભેળવી દે તો વ્યવહાર થઈ જાય, ભેદદ્રષ્ટિ થઈ જાય. પર્યાય તો પર્યાયમાં રહે છે માટે અપેક્ષા સમજવી જોઈએ. દ્રષ્ટિફેરે અજ્ઞાનીને ફેર લાગે પણ આ સત્ય કહેવાય છે.

વીતરાગ થયા પછી નયનું આલંબન રહેતું નથી. ત્યારે સમયસારના આસ્રવ અધિકારમાં બે જગ્યાએ એમ આવે છે કે કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય છે તે કેવી રીતે છે? એ તો દ્રવ્યનો આશ્રય પૂર્ણ થઈ ગયો એ અપેક્ષાએ છે. શુદ્ધનયનો વિષય તો ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય એક જ છે પણ હવે કેવળજ્ઞાન થતાં દ્રવ્યનો આશ્રય લેવાનો રહ્યો નહીં તે અપેક્ષાએ કહ્યું છે. ખરેખર તો કેવળજ્ઞાન કાંઈ શુદ્ધનયનો વિષય નથી, એ તો સદ્ભૂત વ્યવહારનયનો વિષય છે. કેવળજ્ઞાનીને તો નય જ કયાં છે? છતાં કેવળજ્ઞાન થતાં શુદ્ધનય પૂર્ણ થાય છે એમ જે કહ્યું છે એ તો શુદ્ધાત્માનું આલંબન પૂર્ણ થતાં હવે આલંબન લેવાનું રહેતું નથી તે અપેક્ષાએ કથન છે. તેથી અહીં કહે છે કે વીતરાગ થયા બાદ નયનું આલંબન જ રહેતું નથી.

*
**
***
**
*

PDF/HTML Page 124 of 4199
single page version

જીવ–અજીવ અધિકાર
ગાથા–૮

तर्हि परमार्थ एवैका वक्तव्य इति चेत्–

जह ण वि सक्कमणज्जो अणज्जभासं विणा दु गाहेदुं।
तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं।।
८।।

यथा नापि शक्योऽनार्योऽनार्यभाषां विना तु ग्राहयितुम्।
तथा व्यवहारेण विना परमार्थोपदेशनमशक्यम्।।
८।।

હવે ફરી એ પ્રશ્ન ઊઠે છે કે જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ; વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-

ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮.

ગાથાર્થઃ– [यथा] જેમ [अनार्यः] અનાર્ય (મ્લેચ્છ) જનને [अनार्यभाषां विना तु] અનાર્યભાષા વિના [ग्राहयितुम] કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા [न अपि शक्यः] કોઈ સમર્થ નથી [तथा] તેમ [व्यवहारेण विना] વ્યવહાર વિના [परमार्थोपदेशनम्] પરમાર્થનો ઉપદેશ કરવા [अशक्यम्] કોઈ સમર્થ નથી.

ટીકાઃ– જેમ કોઈ મ્લેચ્છને કોઈ બ્રાહ્મણ ‘સ્વસ્તિ’ એવો શબ્દ કહે છે ત્યારે તે મ્લેચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને મ્લેચ્છની ભાષા-એ બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ મ્લેચ્છભાષા બોલીને તેને સમજાવે છે કે ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ “તારું અવિનાશી


PDF/HTML Page 125 of 4199
single page version

કલ્યાણ થાઓ” એવો છે. ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેનાં નેત્રો ભરાઈ જાય છે એવો તે મ્લેચ્છ એ ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ સમજી જાય છે; એવી રીતે વ્યવહારીજન પણ ‘આત્મા’ એવો શબ્દ કહેવામાં આવતાં જેવો ‘આત્મા’ શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે વ્યવહાર-પરમાર્થ માર્ગ પર સમ્યગ્જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો ‘આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને “દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે” એવો ‘આત્મા’ શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધતરંગો (જ્ઞાનતરંગો) ઊછળે છે એવો તે વ્યવહારીજન તે ‘આત્મા’ શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે એ રીતે જગત મ્લેચ્છના સ્થાને હોવાથી, અને વ્યવહારનય પણ મ્લેચ્છભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય સ્થાપન કરવાયોગ્ય છે; તેમ જ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું-એ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી.

ભાવાર્થઃ– લોકો શુદ્ધનયને જાણતા નથી કારણ કે શુદ્ધનયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે; તેઓ અશુદ્ધનયને જ જાણે છે કેમ કે તેનો વિષય ભેદરૂપ અનેકપ્રકાર છે; તેથી તેઓ વ્યવહાર દ્વારા જ પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહારનયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે પણ અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થે પહોંચાડે છે એમ સમજવું.

ગાથા ૭માં એમ કહ્યું કે આત્મા ચિદ્ઘન વસ્તુ છે. એમાં શરીર, મન, વાણી, કર્મ તો છે જ નહિ, પણ કર્મના સંગે જે શુભ-અશુભ ભાવો થાય એ મલિનતા, અશુદ્ધતા પણ એના સ્વરૂપમાં નથી. એ તો ઠીક, પણ જ્ઞાનઘન આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, પ્રભુતા, સ્વચ્છતા એવી અનંત શક્તિઓ છે, છતાં આ શક્તિઓના ભેદ અભેદ આત્મામાં નથી. ગુણ અને ગુણી પરમાર્થે અભેદ છે, ભેદરૂપે નથી.

આમ હોવા છતાં શિષ્યને સમજાવવા માટે અભેદમાં નામમાત્ર ભેદ પાડીને જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા એમ ઉપદેશ કરવામાં આવે છે. તોપણ ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થતું નથી. માટે ભેદને ગૌણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવો એમ ઉપદેશ કરવામાં આવ્યો છે.

ત્યારે શિષ્યને પ્રશ્ન થાય છે કે-જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ; વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ


PDF/HTML Page 126 of 4199
single page version

પ્રવચન નંબર ૨૦–૨૨, તારીખ ૨૦–૧૨–૭પ થી ૨૨–૧૨–૭પ

* ગાથાર્થ ઉપરનું પ્રવચન *

જેમ અનાર્ય (મ્લેચ્છ) જનને અનાર્યભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી.

અનાર્યને સમજાવવું હોય ત્યારે એની ભાષામાં સમજાવાય. અનાર્યભાષા વિના એને વસ્તુનું સ્વરૂપ ન સમજાવી શકાય. તેમ અજ્ઞાનીને સમજાવવો હોય ત્યારે ભેદ પાડયા વિના પરમાર્થ વસ્તુને સમજાવી શકાય નહીં. આત્મા, આત્મા, આત્મા એમ કહીએ, પણ ભેદ પાડીને વ્યવહારથી સમજાવીએ નહીં કે ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત છે તે આત્મા’ ત્યાં લગી અજ્ઞાની કાંઈ સમજી શકે નહીં. તેથી ભેદ પાડીને પરમાર્થ વસ્તુ સમજાવવામાં વ્યવહાર આવે ખરો, પણ તે આદરણીય નથી.

* ટીકા ઉપરનું પ્રવચન *

જેમ કોઈ મ્લેચ્છને કોઈ બ્રાહ્મણ ‘સ્વસ્તિ’ એવો શબ્દ કહે છે ત્યારે તે મ્લેચ્છ એ શબ્દના વાચ્ય-વાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈપણ સમજતો નથી. વાચ્ય પદાર્થ અને તેના વાચક શબ્દો એ બન્નેના સંબંધનું જ્ઞાન ન હોવાથી મ્લેચ્છ કાંઈપણ સમજતો નથી. જેમ ‘સાકર’ પદાર્થ વાચ્ય છે અને ‘સાકર’ શબ્દ તેનો વાચક છે. તેમ ‘સ્વસ્તિ’ એટલે ‘તારું અવિનાશી કલ્યાણ થાઓ’ એ વાચ્ય છે અને ‘સ્વસ્તિ’ શબ્દ એનું વાચક છે. પણ આ વાચ્ય-વાચક સંબંધનું જ્ઞાન ન હોવાથી કાંઈપણ ન સમજતાં આ શું કહે છે?-એમ તે મ્લેચ્છ બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે.

પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને મ્લેચ્છની ભાષા બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ મ્લેચ્છભાષા બોલી તેને સમજાવે છે કે ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ “તારું અવિનાશી કલ્યાણ થાઓ”-એવો છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતાં અત્યંત આનંદમય આંસુઓથી જેનાં નેત્રો ભરાઈ જાય છે એવો તે મ્લેચ્છ એ ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ સમજી જાય છે. અહા! આવો આ બ્રાહ્મણનો આશીર્વાદ છે એમ ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ બરાબર સમજવાથી તેની આંખો હર્ષનાં આંસુઓથી ભરાઈ જાય છે. આ દ્રષ્ટાંત થયું, હવે સિદ્ધાંત કહે છે.

એવી રીતે વ્યવહારીજન પણ ‘આત્મા’ એવો શબ્દ કહેવામાં આવતાં જેવો ‘આત્મા’ શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈપણ ન સમજતાં મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે. અહીં મ્લેચ્છના સ્થાને વ્યવહારીજન લીધો છે.


PDF/HTML Page 127 of 4199
single page version

વ્યવહારીજન ‘આત્મા’ એવો શબ્દ સાંભળતાં કાંઈપણ સમજતો નથી. કેમકે ‘આત્મા’ શું પદાર્થ છે એનું એને જ્ઞાન નથી. તેથી આ શું કહે છે-શું બકે છે એમ અનાદરથી નહીં, પણ શું કહે છે-એવી સમજવાની જિજ્ઞાસાથી મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે. ‘આત્મા’ સત્ય શું છે? ભગવાનનું કહેલું તત્ત્વ શું છે? એ સાંભળવાની લાયકાતથી કહેનારની સામે આંખો ફાડીને ટગટગ જુએ છે.

પણ જ્યારે વ્યવહાર-પરમાર્થમાર્ગ પર સમ્યગ્જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથિ સમાન અન્ય કોઈ આચાર્ય અથવા ‘આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને “દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે” એવો ‘આત્મા’ શબ્દનો અર્થ સમજાવે છે, ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ-તરંગો (જ્ઞાનતરંગો) ઊછળે છે; એવો તે વ્યવહારીજન તે ‘આત્મા’ શબ્દનો અર્થ સુંદર સમજી જાય છે.

જુઓ, અહીં સમ્યગ્જ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથિ સમાન આચાર્ય વ્યવહાર-પરમાર્થમાર્ગમાં સ્થિત છે. નિશ્ચય વસ્તુ આત્મા સ્વરૂપથી જે છે તે છે તે પરમાર્થ છે અને તેને ભેદ કરીને સમજાવવી તે વ્યવહાર છે. અહીં અન્ય આચાર્ય કે ‘આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને એટલે વિકલ્પથી ભેદ પાડીને શિષ્યને સમજાવે છે. વસ્તુ તો અભેદ એકરૂપ છે પણ શિષ્યને સમજાવવું હોય ત્યારે ભેદ પાડીને સમજાવવું પડે છે, કેમકે બીજો તો કોઈ ઉપાય નથી. તેથી અખંડ, અભેદ આત્મામાં નામમાત્ર ભેદ ઉપજાવી શિષ્યને સમજાવે છે કે ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા.’ અહીં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા આત્માના ત્રણ અસાધારણ મુખ્ય ધર્મોનું લક્ષ કરી ભેદ પાડીને સમજાવ્યું છે. શરીર કે પુણ્ય-પાપના ભાવને પ્રાપ્ત હોય તે આત્મા એમ લીધું નથી, પણ દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા એમ વ્યવહારથી ભેદ પાડીને સમજાવે છે.

અહાહા...! મુનિરાજ આચાર્ય દિગંબર સંત છે. એમણે શિષ્યને કહ્યું- ‘આત્મા.’ પણ શિષ્ય કાંઈ સમજ્યો નહીં. એટલે વસ્તુ આત્મા છે તો અંદરમાં અનંતગુણને પ્રાપ્ત અભેદ, પરંતુ એના મુખ્ય ધર્મોને લક્ષ કરી ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા’ એમ ભેદ કરીને શિષ્યને સમજાવે છે. રાગને પ્રાપ્ત થાય તે આત્મા કે શરીરને પ્રાપ્ત થાય તે આત્મા એમ છે નહીં. આટલો ભેદ પાડવો પડે એ કાંઈ ઉપાય તો નથી; પણ થાય શું? ભેદ આદરણીય નથી, આદરણીય તો એક પરમાર્થ વસ્તુ અભેદ આત્મા જ છે. अतति गच्छति इति आत्मा એમ દ્રવ્યસંગ્રહમાં આવે છે. અહીં ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા’ એમ ભેદ પાડીને આચાર્ય પરમાર્થ સમજાવે છે.


PDF/HTML Page 128 of 4199
single page version

ત્યારે તુરત જ શિષ્યને પરમાર્થ વસ્તુ આત્મા ઉપર દ્રષ્ટિ જતાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. એના હૃદયમાં સુંદર બોધતરંગો ઊછળે છે. આત્મા જ્ઞાનાનંદનો દરિયો છે. તેમાં દ્રષ્ટિ થતાં અંતરમાં આનંદ સહિત જ્ઞાનતરંગો ઊછળે છે. જુઓ, ધર્મ રોકડિયો છે. જ્યાં સમ્યગ્દર્શન થાય કે તરત જ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ત્યારે તે ‘આત્મા’ શબ્દનો અર્થ બરાબર સમજી જાય છે.

અહા! વિદેહક્ષેત્રમાં ભગવાન સીમંધરનાથ બિરાજે છે. તેમની વાણી અત્યારે પણ નીકળે છે. ત્યાં શ્રી કુંદકુંદાચાર્ય સદેહે ગયા હતા. ત્યાં જઈને આવ્યા અને ભગવાનનો દિવ્ય સંદેશો પાત્ર જીવો માટે લાવ્યા. કહે છે કે ગુણના ભેદ વસ્તુમાં નથી. છતાં પરમાર્થને સમજાવવા માટે ભેદ પાડીને કહ્યું કે-દેખે તે આત્મા, જાણે તે આત્મા, અંતરમાં સ્થિર થાય તે આત્મા. આમ સાંભળતાં જ પાત્ર જીવને એકરૂપ વસ્તુ જે અભેદ ચૈતન્ય તેના ઉપર દ્રષ્ટિ જતાં સમ્યગ્દર્શન થાય છે. સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. અનાદિનો પુણ્ય-પાપના વિકારીભાવનો આકુળતારૂપ સ્વાદ હતો, તે હવે સમ્યગ્દર્શન થતાં અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. કર્મચેતનાનો સ્વાદ મટી, જ્ઞાનચેતનાનો નિરાકુળ સુખનો સ્વાદ આવે છે.

અહાહા...! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ વસ્તુ છે. એક સેકંડ આવું સમ્યગ્દર્શન થાય ત્યાં દ્રષ્ટિ અપેક્ષાએ મોક્ષ થઈ ગયો. આત્મા પોતે મોક્ષસ્વરૂપ પરમાત્મસ્વરૂપ બિરાજે છે. એની દ્રષ્ટિ અને અનુભવ થતાં પર્યાયમાં પરમાત્મપદ પ્રગટ થાય છે. દેવ-ગુરુ- શાસ્ત્રને માને, નવ તત્ત્વના ભેદ જાણે એ કાંઈ સમ્યગ્દર્શન નથી. સમ્યગ્દર્શન તો આત્માની પ્રતીતિરૂપ છે, સૂક્ષ્મ પર્યાય છે. આનંદના સ્વાદ ઉપરથી જ્ઞાનીને તેનો ખ્યાલ આવે છે. પહેલું સમ્યગ્દર્શન થાય, પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્ર થઈ સ્થિર થાય તે સમ્યક્ચારિત્ર છે. સમ્યગ્દર્શન વિનાનાં વ્રત, તપ, ચારિત્ર એ બધાં એકડા વિનાનાં મીંડાં છે.

સમ્યગ્દર્શન થતાં અનુભવ થાય તેની મહોર-છાપ શું? તો કહે છે આનંદનો સ્વાદ આવે તે સમ્યગ્દર્શનની મહોર-છાપ છે. પરથી લક્ષ હઠાવી, દયા, દાનના જે વિકલ્પ રાગ છે ત્યાંથી લક્ષ હઠાવી, દર્શન-ગુણ-ચારિત્રના ગુણભેદનું લક્ષ છોડી જ્યાં અભેદસ્વભાવમાં લક્ષ જાય ત્યાં અનુભવ પ્રગટ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન થતાં સુંદર આનંદ સહિત જ્ઞાનતરંગો ઊછળે છે. ત્યારે ‘આત્મા’ એનો યથાર્થ અર્થ સુંદર રીતે સમજાય છે.

ભાઈ! આ ઇન્દ્રિયોના વિષયોનાં સુખ એ તો ઝેરના સ્વાદ છે. અમે કરોડપતિ, અબજોપતિ અને પૈસા અમારા છે એમ જે મમતા કરે છે તે ઝેરના પ્યાલા પીએ છે. સ્ત્રીના


PDF/HTML Page 129 of 4199
single page version

ભોગમાં-હાડ-ચામડાના ભોગમાં સુખ માને પણ એ તો રાગના સ્વાદ છે, ઝેરના સ્વાદ છે. અહીં તો દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્મા એમ ભેદ પાડી પરમાર્થ વસ્તુ સમજાવતાં જ્યાં અભેદ ત્રિકાળી જ્ઞાયકનો સ્વીકાર અને સત્કાર થયો કે તુરત જ અંતરમાં આનંદના સ્વાદ સહિત સુંદર બોધતરંગો ઊછળે છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે. આનું નામ ધર્મ છે. અહો! અમૃતચંદ્રાચાર્યદેવે અદ્ભુત ટીકા કરી છે. આવી ટીકા ભરતક્ષેત્રમાં બીજે કયાંય નથી.

હવે કહે છે-એ રીતે જગત મ્લેચ્છના સ્થાને હોવાથી, અને વ્યવહારનય પણ મ્લેચ્છભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે; તેમ જ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું-એ વચનથી તે અનુસરવા યોગ્ય નથી. જેમ મ્લેચ્છભાષા દ્વારા મ્લેચ્છને સમજાવવું એ તો યોગ્ય છે પણ તેથી બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું જોઈએ, તેમ વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક હોવાથી સ્થાપન કરવા યોગ્ય છે, પણ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી. અનુસરણ કરવા યોગ્ય તો એકમાત્ર ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક જ છે.

* ભાવાર્થ ઉપરનું પ્રવચન *

ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન કેમ થાય એની વાત ચાલે છે. લોકો શુદ્ધનયને જાણતા નથી. અરે! અન્ય સંપ્રદાયમાં તો શુદ્ધનય એવો શબ્દ પણ નથી. શુદ્ધનય કોને કહેવાય? શુદ્ધનય એટલે ત્રિકાળી જ્ઞાયકને જાણનાર સમ્યગ્જ્ઞાનનો અંશ. અભેદ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યવસ્તુ, છતો પદાર્થ, શાશ્વત પદાર્થ જે આત્મા તે શુદ્ધનયનો વિષય છે. અર્થાત્ આ આત્મા જે અનંત અનંત બેહદ શક્તિઓનો પિંડ અભેદ એકરૂપ વસ્તુ છે તેનું જે લક્ષ કરે-જ્ઞાન કરે તેને શુદ્ધનય કહે છે. એવા શુદ્ધનયને લોકો જાણતા નથી, કેમકે શુદ્ધનયનો વિષય જે અભેદ એકરૂપ વસ્તુ આત્મા તેનો તેમને પ્રત્યક્ષરૂપ અનુભવ નથી.

જેમ લાખ મીંડાં લખો પણ આગળ એકડો ન હોય તો કેટલી સંખ્યા બને? કોઈ સંખ્યા ન બને. એકડા વિનાનાં લાખ મીંડાંની કાંઈ કિંમત નથી, તેમ સમ્યગ્દર્શન વિના વ્રત કરે, તપ કરે, સામાયિક કરે, પણ એ બધું થોથેથોથાં છે. એ ક્રિયાઓમાં રાગ મંદ હોય તો પુણ્ય બંધાય, ધર્મ ન થાય.

આ તો ભગવાનના કહેલા મંત્રો છે. અજ્ઞાનમાં સૂતેલાને જગાડવા માટે છે. જીવે વ્રત, તપ, ભક્તિ, પૂજા, દાન, ઇત્યાદિ અનંતવાર કર્યાં છે, કેમકે તે અનંતવાર સ્વર્ગમાં ગયો છે. એ સ્વર્ગમાં કાંઈ પાપ કરીને ન જાય. એણે મનુષ્યના ભવ કર્યા સૌથી ઓછા, પણ તેય અનંત. એનાથી નરકના ભવ અસંખ્યાતગુણા અનંત કર્યા. એક મનુષ્યના ભવ


PDF/HTML Page 130 of 4199
single page version

સામે અસંખ્યાત નરકના ભવ. ભાઈ! ભૂલી ગયો તું, પણ અહીં તો ભગવાનના જ્ઞાનમાં આવેલી, શાસ્ત્રમાં કહેલી વાત કહેવાય છે. નરકના ભવથી અસંખ્યાતગુણા અનંત દેવના ભવ કર્યા. અહીં કહેવાનો આશય એમ છે કે અનંતકાળમાં આવા જે અનંત દેવના ભવ કર્યા તે કાંઈ પાપથી થોડા કર્યા છે? વ્રત, તપ, આદિ પુણ્ય અનંતવાર કર્યાં, પણ શુદ્ધનય અને તેનો વિષય જે ત્રિકાળ, એકરૂપ, ધ્રુવ આત્મા તેને જાણ્યો નહીં તેથી સમ્યગ્દર્શનાદિ ધર્મ થયો નહીં. તેથી આવું ભવભ્રમણનું દુઃખ ઊભું રહ્યું છે. ભવભ્રમણમાં દેવના ભવ કરતાં અનંતગુણા નિગોદસહિત તિર્યંચના ભવ થયા છે. એક સમ્યગ્દર્શન વિના જીવને સંસારમાં અનંત ભવ-પરિભ્રમણની અકથ્ય વેદના ભોગવવી પડી છે. અહો! આ તો સર્વજ્ઞ પરમાત્માએ એક સમયમાં જે આત્મા જોયો અને કહ્યો તે કેવો છે અને તેનો અનુભવ કેમ થાય એની વાત ચાલે છે. અજ્ઞાનીઓ સમજ્યા વિના જે આત્મા, આત્મા કહે છે તેની વાત નથી. વેદાંતવાળા સર્વવ્યાપી જે આત્મા માને છે તેની પણ વાત નથી. અહીં તો અભેદ એકરૂપસત્ વસ્તુ જે અનંતગુણોનો પિંડ, નિત્ય ધ્રુવ સામાન્ય વસ્તુ છે તે આત્મા છે. તેને લોકો જાણતા નથી. આવા અભેદ આત્મામાં ભેદ નહીં હોવા છતાં ‘આ જાણે તે આત્મા, આ દેખે તે આત્મા’ એવો ભેદ પાડી આત્માનું પરમાર્થસ્વરૂપ સમજાવવું તે અશુદ્ધનય છે, વ્યવહારનય છે. અનાદિથી લોકો અશુદ્ધનયને જ જાણે છે, ભેદરૂપ વસ્તુને જ જાણે છે. તેથી અભેદ એકરૂપ વસ્તુમાં ભેદ ઉપજાવીને એને સમજાવવામાં આવે ત્યારે જ પરમાર્થને સમજી શકે છે. શુદ્ધનયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે, જ્યારે અશુદ્ધનયનો વિષય ભેદરૂપ અનેક પ્રકાર છે. અભેદ એકરૂપ વસ્તુમાં વ્યવહાર દ્વારા ભેદ પાડીને સમજાવવાથી તેઓ પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહારનયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. વ્યવહાર દ્વારા ભેદનું કથન એ નિશ્ચયવસ્તુને જાણવા માટે છે. ‘આ જાણે-દેખે તે આત્મા’ એમ ભેદ દ્વારા પરમાર્થવસ્તુ અભેદનો અનુભવ કરાવવાનું જ પ્રયોજન છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે. ભેદ પાડીને અભેદ સમજાવ્યું છે. પણ ભેદનું આલંબન ન લેવું. ‘આ જ્ઞાન તે આત્મા’ એમ ભેદ પાડીને અભેદની દ્રષ્ટિ કરાવી છે. ત્યાં ગુણ-ગુણીના ભેદરૂપ વ્યવહારનો આશ્રય ન કરવો. આત્મામાં પરવસ્તુ નથી, દયા, દાનનો રાગ નથી, પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા અનંતગુણો તેમાં અભેદપણે છે. ત્યાં પરમાર્થવસ્તુ સમજાવવા માટે ભેદ પાડીને ઉપદેશ છે. અભેદમાં ભેદ કહેવો તે વ્યવહારનય છે. માટે તે આશ્રય કરવા યોગ્ય નથી. તેનું આલંબન ન લેવું. ભેદ છોડીને દ્રવ્યસ્વભાવ એક ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે.


PDF/HTML Page 131 of 4199
single page version

જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ જાણીને અભેદની દ્રષ્ટિ કરવી તે ધર્મ છે. ભેદ અભેદને બતાવે છે, પણ ભેદ દ્રષ્ટિનો વિષય નથી. તેથી અહીં વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થે પહોંચાડે છે એમ સમજવું.

અભેદને બતાવવા વ્યવહાર કહ્યો, પણ વ્યવહાર આશ્રય લેવા માટે નથી. અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થનો આશ્રય કરાવ્યો છે. ત્રિકાળી ધ્રુવ વસ્તુનું આલંબન કરાવવા માટે ભેદથી ઉપદેશ છે. તેથી ભેદનું લક્ષ છોડી અખંડ આનંદકંદ અભેદ ચૈતન્ય સામાન્ય વસ્તુ જે આત્મા છે તેનો એકનો જ આશ્રય કરવો તે ધર્મ છે એમ જાણી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવો, પણ ભેદમાં અટકવું નહીં.

* *

PDF/HTML Page 132 of 4199
single page version

જીવ–અજીવ અધિકાર
ગાથા–૯–૧૦

कथं व्यवहारस्य प्रतिपादकत्वमिति चेत्–

जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं।
तं
सुदकेवलिमिसिणो भणंति लोयप्पदीवयरा।। ९।।
जो सुदणाणं सव्वं जाणदि सुदकेवलिं तमाहु जिणा।
णाणं
अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हो।। १०।। जुम्मं।।

यो हि श्रुतेनाभिगच्छति आत्मानमिमं तु केवलं शुद्धम्।
तं श्रुतकेवलिनमृषयो भणन्ति
लोकप्रदीपकराः।।
९।।
यः श्रुतज्ञानं सर्वं जानाति श्रुतकेवलिनं तमाहुर्जिनाः।
ज्ञानमात्मा सर्व यस्माच्छ्रुतकेवली तस्मात्।।
१०।। युग्मम्।

શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને,
લોકપ્રદીપકરા ઋષિ શ્રુતકેવળી
તેને કહે. ૯
શ્રુતજ્ઞાન સૌ
જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે;
સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦.

હવે, એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-

ગાથાર્થઃ– [यः] જે જીવ [हि] નિશ્ચયથી [श्रुतेन तु] શ્રુતજ્ઞાનવડે [इमं] આ અનુભવગોચર [केवलं शुद्धम्] કેવળ એક શુદ્ધ [आत्मानम्] આત્માને [अभि–


PDF/HTML Page 133 of 4199
single page version

गच्छति] સન્મુખ થઈ જાણે છે [तं] તેને [लोकप्रदीपकराः] લોકને પ્રગટ જાણનારા [ऋषयः] ઋષીશ્વરો [श्रुतकेवलिनम्] શ્રુતકેવળી [भणन्ति] કહે છે; [यः] જે જીવ [सर्वं] સર્વ [श्रुतज्ञानं] શ્રુતજ્ઞાનને [जानाति] જાણે છે [तम्] તેને [जिनाः] જિનદેવો [श्रुतकेवलिनं] શ્રુતકેવળી [आहुः] કહે છે, [यस्मात्] કારણ કે [ज्ञानम् सर्वं] જ્ઞાન બધું [आत्मा] આત્મા જ છે [तस्मात्] તેથી [श्रुतकेवली] (તે જીવ) શ્રુતકેવળી છે.

ટીકાઃ– પ્રથમ, “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” તે તો પરમાર્થ છે; અને “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએઃ-ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી (કેમ કે તેમનામાં જ્ઞાનસિદ્ધ જ નથી). તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી ‘જે આત્માને જાણેછે તે શ્રુતકેવળી છે’ એમ જ આવે છે; અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થમાત્ર જ કહેવામાં આવે છે. તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. વળી ‘જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશકય હોવાથી, “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે.

ભાવાર્થઃ– જે શાસ્ત્રજ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું.

હવે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? એટલે કે અખંડ અભેદ જે આત્મા તેમાં નામમાત્રથી ભેદ પાડીને કહેવું કે-આ શ્રદ્ધે તે આત્મા, દેખે તે આત્મા, જાણે તે આત્મા, એકાગ્ર થાય તે આત્મા-તેમાં વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? વસ્તુ અભેદ છે, તેમાં ભેદ પાડીને કથન કરવું તે વ્યવહાર છે; એવો વ્યવહાર નિશ્ચયને બતાવે છે તે કેવી રીતે? આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-


PDF/HTML Page 134 of 4199
single page version

પ્રવચન નંબર ૨૩–૨૪, તારીખ ૨૩–૧૨–૭પ થી ૨૪–૧૨–૭પ

* ગાથાર્થ ઉપરનું પ્રવચન *

જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાનવડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઋષીશ્વરો શ્રુતકેવળી કહે છે. જુઓ, કહે છે-અંતરના ભાવશ્રુતજ્ઞાન દ્વારા પોતાના આત્માને પ્રત્યક્ષ વેદે તેને લોકને જાણનાર ઋષીશ્વરો શ્રુતકેવળી કહે છે.

ત્રિલોકનાથ તીર્થંકરદેવની વાણીમાં જે આવ્યું તે સંતોએ અનુભવીને કહ્યું છે. ભાઈ! એકવાર તું સાંભળ. ભાવશ્રુતજ્ઞાન એટલે જેમાં રાગની કે નિમિત્તથી અપેક્ષા નથી એવું જે સ્વને વેદનારું અરૂપી નિર્વિકલ્પ જ્ઞાન તેના દ્વારા અખંડ એકરૂપ કેવળ શુદ્ધાત્માને અનુભવે, જાણે તેને ભાવશ્રુતકેવળી કહેવામાં આવે છે.

અહાહા...! આ આત્મા અખંડ, એકરૂપ, શુદ્ધ, સામાન્ય, ધ્રુવ અનુભવગોચર વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેને સ્વસંવેદનજ્ઞાન દ્વારા જે પ્રત્યક્ષ જાણે-અનુભવે તે સમ્યગ્દ્રષ્ટિ જીવ છે. તેને કેવળી ભગવાન અને ઋષીશ્વરો ભાવશ્રુતકેવળી કહે છે. આ મુદની રકમની વાત છે. અરે! જિનેશ્વરદેવનો માર્ગ લોકોએ લૌકિક જેવો કરી નાખ્યો છે. પરંતુ ભગવાનની વાણી અનુસાર બાર અંગની રચના થઈ. તે અનુસાર દિગંબર સંતોએ શાસ્ત્ર રચ્યાં છે. તેમાં જ્ઞાનપ્રવાદ નામનું એક શાસ્ત્ર છે. તેનો આ એક ભાગ છે. તેમાં કહે છે કે અંદર આખું જ્ઞાયકનું દળ જે અનંત અનંત બેહદ જ્ઞાન, આનંદ, ઇત્યાદિ અનંત ગુણોથી ભરેલું અભેદ છે તેની સન્મુખ પોતાની જ્ઞાનપર્યાયને કરીને જે અનુભવગમ્ય નિજસ્વરૂપને જાણે-અનુભવે છે તે ભાવશ્રુતકેવળી છે.

ભાઈ! આ તો અધ્યાત્મની વાત છે, ધર્મકથા છે. તેને ફરીફરીને કહેવાથી પુનરુક્તિદોષ ન જાણવો. કેમકે વારંવાર કહેવામાં આવે ત્યારે વાસ્તવિક તત્ત્વ જ્ઞાનમાં આવે એવી વાત છે.

હવે બીજી રીતે કહે છે કે-જે જીવ સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનદેવો શ્રુતકેવળી કહે છે. જે જીવ જ્ઞાનની પર્યાયમાં બધા જ્ઞેયોને જાણે છે, -છ દ્રવ્યો તેના ગુણો, પર્યાયો એમ બધા જ્ઞેયોને જાણે છે તેને વ્યવહાર શ્રુતકેવળી કહે છે. આત્માને જાણે એ વાત અહીં નથી લીધી, એ તો પહેલાં નિશ્ચય શ્રુતકેવળીમાં આવી ગઈ. અહીં તો એક સમયની જ્ઞાનની પર્યાય જેમાં સર્વશ્રુતજ્ઞાન એટલે બાર અંગ અને ચૌદ પૂર્વનું જે જ્ઞાન-તે જાણવામાં આવે તેને જિનદેવો વ્યવહાર શ્રુતકેવળી કહે છે. એને શ્રુતકેવળી કેમ કહ્યો? કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે. એ જ્ઞાન જ્ઞેયોનું નથી, પણ એ જ્ઞાન આત્માનું છે.


PDF/HTML Page 135 of 4199
single page version

ભાવશ્રુત દ્વારા અંતર આત્માને જાણે એ તો પરમાર્થ શ્રુતકેવળી છે. પરંતુ જ્ઞાનની પર્યાય બીજું બધું જાણે, સર્વ શ્રુત જાણે, બાર અંગ જાણે, છ દ્રવ્ય અને તેમના ગુણપર્યાયોને જાણે એમ સમસ્ત પરને જાણે તેથી વ્યવહાર શ્રુતકેવળી કહે છે. જ્ઞાનની પર્યાયમાં સર્વ જ્ઞેયો જણાય એ જ્ઞાનની પર્યાય જ્ઞેયની નથી, પરંતુ આત્માની જ છે. એ જાણનારી જ્ઞાનપર્યાય તે આત્મા-એમ ભેદ પડયો તે વ્યવહાર છે.

જ્ઞાનની પર્યાયમાં પર જ્ઞેયો જણાય ભલે, પણ એ જ્ઞાનપર્યાયનો સંબંધ કોની સાથે છે? એ જ્ઞેયનું જ્ઞાન છે કે જ્ઞાતાનું? તો કહે છે કે સર્વશ્રુતને જાણનારું જ્ઞાન જ્ઞાતાનું છે, આત્માનું છે. તે જ્ઞાનની પર્યાયને આત્મા સાથે તાદાત્મય છે. તે જ્ઞાન આત્માને બતાવે છે-તેથી તે ભેદરૂપ વ્યવહાર છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. તેથી સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે વ્યવહાર શ્રુતકેવળી છે.

* ટીકા ઉપરનું પ્રવચન *

પ્રથમ “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” તે તો પરમાર્થ છે. ટીકામાં કહ્યું છે કે પ્રથમ શ્રુતથી એટલે ભાવશ્રુતથી-કે જે ભાવશ્રુત રાગ વિનાનું, નિમિત્ત વિનાનું, મનના પણ સંબંધ વિનાનું છે તેનાથી કેવળ અખંડ એક શુદ્ધાત્માને જાણે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ છે, નિશ્ચય છે, યથાર્થ છે.

અને “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે”-તે વ્યવહાર છે. સર્વ શ્રુતજ્ઞાનને જાણે એટલે પર પદાર્થનું બધું જ્ઞાન પોતાની પર્યાયમાં જાણે તે શ્રુતકેવળી છે-એ વ્યવહાર છે. ભાવશ્રુતથી જે પ્રત્યક્ષ એક શુદ્ધાત્માને જાણે તે શ્રુતકેવળી એ નિશ્ચય અને જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવળી એ વ્યવહાર. આ તો જન્મ-મરણ મટાડવાની, ભવના અંતની વાત છે. જે જ્ઞાનની પર્યાયમાં બીજું બધું જણાયું એ જ્ઞાનપર્યાય જ્ઞેયની છે કે આત્માની? એ જ્ઞાન જ્ઞેયનું નથી પણ એ જ્ઞાન આત્મા સાથે સંબંધ ધરાવે છે. એટલે સર્વને જાણનારું એ જ્ઞાન આત્મા જ છે. આ ‘જ્ઞાન તે આત્મા’ એમ ભેદ પડતો હોવાથી વ્યવહાર છે.

અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએઃ-ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી, કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી.

આકાશાદિ પાંચ દ્રવ્યો જડ છે. તેમની સાથે જ્ઞાનની પર્યાયનો તાદાત્મ્ય સંબંધ નથી. એ જ્ઞાનની પર્યાયને આત્મા સાથે તાદાત્મ્ય છે. જ્ઞાનની પર્યાય દેવ-ગુરુ-શાસ્ત્રને જાણે,


PDF/HTML Page 136 of 4199
single page version

અરિહંતની વાણીને જાણે, પણ એ જ્ઞાનની પર્યાય દેવ-ગુરુ-શાસ્ત્રની કે અરિહંતની વાણીની નથી. એ જ્ઞાનની પર્યાય તો આત્માથી તાદાત્મ્ય સંબંધે છે તેથી આત્માની છે. જ્ઞાનની પર્યાય સર્વ પરને જાણે છતાં તે સર્વ પરની છે જ નહીં કેમકે પર સાથે તેને તાદાત્મ્ય સંબંધ નથી. સર્વજ્ઞેયને જાણે છતાં જ્ઞાન જ્ઞેયનું નથી, જ્ઞાન આત્માનું જ છે.

દિગંબર મુનિવરો અંતરમાં નિર્લેપ હતા, તેઓ તો મુખ્યપણે અતીન્દ્રિય આનંદના વેદનમાં લીન રહેતા હતા. તેમની આ ટીકા અને ઉપદેશ છે. કોઈ કહે આવો ઉપદેશ! દયા પાળો, જીવોને બચાવો, અભયદાન દો, એમ કહો ને! બાપુ દાન કોણ દે, કોને દે? તને ખબર નથી. આત્મામાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એમ ષટ્કારક ગુણ છે. એમાં એક સંપ્રદાન નામનો ગુણ છે. એ સંપ્રદાન ગુણનું કાર્ય શું? નિર્મળ વીતરાગી પર્યાય પોતે પોતાને દે અને પોતે જ લે. આને નિશ્ચયદાન કહેવામાં આવે છે. પૂર્ણાનંદનો નાથ જે અખંડ અભેદ એક આત્મા તેને સ્વસંવેદનજ્ઞાન વડે જાણતાં અને તેમાં એકાગ્ર થતાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટે તે આનંદનું દાન દેનાર પોતે અને લેનાર પણ પોતે એને નિશ્ચયદાન કહે છે, તે ધર્મ છે. બાકી દયા પાળવાનો ભાવ કે મુનિરાજને આહારદાન દેવાનો ભાવ કે અભયદાનનો વિકલ્પ એ શુભરાગ છે, ધર્મ નથી. અને હું દયા પાળી શકું, દાન દઈ શકું એવી માન્યતા એ મિથ્યાત્વ છે.

અહીં બે વાત કરી છે. એક તો ભાવશ્રુત એટલે સ્વસંવેદનજ્ઞાન વડે જે પ્રત્યક્ષ સીધો આત્માને જાણે તે શ્રુતકેવળી છે તે પરમાર્થ છે, નિશ્ચય છે. બીજી વાત એમ કરી કે જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવળી છે તે વ્યવહાર છે.

અરીસામાં સામે કોલસા, નાળિયેર વગેરે જે ચીજ હોય તે બરાબર દેખાય. જે દેખાય છે તે કોલસા વગેરે નથી પણ એ તો અરીસાની અવસ્થા છે. એમ આત્માના જ્ઞાનની અવસ્થામાં પર જ્ઞેયપદાર્થો જણાય, પણ જે જણાય છે તે પર જ્ઞેયો નથી પણ એ તો આત્માના જ્ઞાનની અવસ્થા છે. તેથી જે જ્ઞેયોને જાણતી જ્ઞાનની પર્યાય તે જ્ઞેયોની નથી પણ આત્માની છે. તે પર્યાય એમ જણાવે છે કે ‘આ જ્ઞાન તે આત્મા છે,’ આ જાણે છે તે આત્મા છે. આવો જે ભેદ પડયો તે વ્યવહાર છે અને પરમાર્થનો પ્રતિપાદક છે એટલે કે તે વ્યવહાર નિશ્ચયને બતાવે છે.

નાની ઉંમરમાં વાંચવામાં એમ આવતું કે ‘કેવળી આગળ રહી ગયો કોરો.’ એટલે કે આ આત્મા કેવળી ભગવાન પાસે સમોસરણમાં અનંતવાર ગયો, પણ એવો ને એવો કોરો રહી ગયો. પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે અનંતકાળમાં પણ જાણ્યું નહીં.


PDF/HTML Page 137 of 4199
single page version

તેને અહીં સમજાવે છે કે-ભાઈ, આ માર્ગ જુદો છે. જેને આવો માર્ગ દ્રષ્ટિમાં બેસી જાય તેનું કલ્યાણ થઈ જાય એવી વાત છે. અહીં કહે છે કે જે જ્ઞાનની પર્યાયમાં બાર અંગ જણાય, દ્રવ્ય-ગુણ-પર્યાય જણાય, બધા પર જણાય, એ જ્ઞાન જ્ઞેયરૂપ નથી પણ આત્મરૂપ છે. એ જ્ઞાન અનાત્મરૂપ જ્ઞેયનું નથી પણ આત્માનું જ છે. તેથી અન્યપક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ વાત સિદ્ધ થાય છે. ‘જ્ઞાનની પર્યાય તે આત્મા’ એ વ્યવહાર છે અને તે વ્યવહાર પરમાર્થ આત્માને બતાવે છે.

દયા, દાન આદિ કષાયમંદતાના પરિણામને જ્ઞાન જાણે છે, ત્યાં કષાયમંદતા છે માટે જ્ઞાન તેને જાણે છે એમ નથી. કષાયમંદતાનું જ્ઞાન થયું ત્યાં જ્ઞાનની પર્યાયને એની સાથે સંબંધ નથી. કષાય તો અચેતન છે અને જ્ઞાન ચેતન છે. માટે જ્ઞાનની પર્યાયને કષાયમંદતા સાથે સંબંધ નથી. કષાયમંદતા કર્તા અને જ્ઞાન તેનું કર્મ, એમ નથી. જ્ઞાનની પર્યાય એ આત્માનું કર્મ છે અને તે આત્માને બતાવે છે. તેથી આ ‘જ્ઞાન તે આત્મા’ એટલો જે વ્યવહાર કરવામાં આવે છે તે પરમાર્થને જ બતાવે છે.

માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી ‘જે આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે’ એમ જ આવે છે; અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થમાત્ર જ કહેવામાં આવે છે. ‘જ્ઞાન તે આત્મા છે’ આમ ભેદથી કહેનારો વ્યવહાર પરમાર્થમાત્ર આત્મા જ બતાવે છે, તેનાથી ભિન્ન અધિક કાંઈ બતાવતો નથી.

હવે કહે છે-વળી “જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશકય છે. અનંતશક્તિનો પિંડ જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા અખંડ એકરૂપ પરમાર્થ વસ્તુ છે. તે અનુભવગમ્ય છે. તેનું કથન કરવું શી રીતે? તેને ભાવશ્રુતજ્ઞાનથી પકડી અનુભવે એ પણ પરમાર્થ છે, સત્ય છે. એ તો નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન છે. પરંતુ એ પરમાર્થ અનુભવનું કથન કરવું કેવી રીતે? એવા પરમાર્થનું કથન કરવું અશકય છે તેથી “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” એવો ભેદરૂપ વ્યવહાર કરવામાં આવે છે અને તે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે માટે પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે.

જે જ્ઞાનની પર્યાય સર્વશ્રુતને જાણે તે આત્મા છે. તે જ્ઞાન ત્રિકાળી જ્ઞાયકને જણાવે છે. પરમાર્થનું કથન કરવું અશકય છે તેથી દ્રવ્યશ્રુતનું જ્ઞાન જે છે-તે જ્ઞાન દ્વારા આત્માને જાણે તે શ્રુતકેવળી છે એમ ભેદ પાડી સમજાવવામાં આવે એ વ્યવહાર છે. આમ પરમાર્થને કહેનારો વ્યવહાર છે ખરો, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. ત્રિકાળી જ્ઞાયક એકનું જ અનુસરણ કરવું તે પરમાર્થ છે.


PDF/HTML Page 138 of 4199
single page version

દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણામ તે શુભરાગ છે, તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. વળી આ દયા પાળે તે આત્મા, ભક્તિ કરે તે આત્મા એમ પણ નથી. એ તો રાગની ક્રિયા છે, તે આત્મા નહીં, અહીં કહે છે કે ‘જ્ઞાન તે આત્મા’ એમ જાણવું એ વ્યવહાર છે. તે વ્યવહારનું લક્ષ છોડી દઈ ત્રિકાળી અખંડની દ્રષ્ટિ કરવી તે પરમાર્થ છે, સત્ય છે. સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવળી છે એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાને લીધે દ્રઢપણે સ્થાપિત છે. એ રીતે વ્યવહાર છે ખરો, પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ નથી. વ્યવહાર જે પરમાર્થ વસ્તુને બતાવે તે પરમાર્થ એક જ આદરણીય છે એમ જાણી, વ્યવહારનો આશ્રય છોડી એક પરમાર્થનો જ અનુભવ કરવો. * ભાવાર્થ ઉપરનું પ્રવચન *

જે શાસ્ત્રજ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે

એ તો પરમાર્થ છે, નિશ્ચય છે. અહીં શાસ્ત્રજ્ઞાનથી કહ્યું ત્યાં ભાવશ્રુતજ્ઞાન જાણવું. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો, કેમકે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો, અન્ય કાંઇ ન કહ્યું. આત્મા જ્ઞાયકસ્વરૂપ પ્રભુ છે. વ્યવહારે પણ તે જ્ઞાયકને જ જાણવાનું કહ્યું, પરમાર્થને જાણવાનું કહ્યું. ત્રિકાળીને પર્યાયથી જાણવો. જાણનાર પોતે પર્યાય છે, કેમકે કાર્ય તો પર્યાયમાં થાય છે. આ રીતે વ્યવહારે પણ એક ધ્રુવસ્વભાવને જાણવાનું કહ્યું છે, બીજું કાંઈ કહ્યું નથી. અહા! વીતરાગ જૈન પરમેશ્વરે કહેલા માર્ગની કથનશૈલી તો જુઓ! જગત પાસે આ ધર્મની વાત બીજી રીતે મૂકાઈ છે. અન્ય માર્ગ જૈનમાર્ગ તરીકે મૂકાયો છે. પણ એ જૈનમાર્ગ નથી. દિગંબર સંતોએ જે બતાવ્યો તે જ સાચો જૈન વીતરાગ માર્ગ છે. અહો! દિગંબર સંતોએ માર્ગને ન્યાય અને યુક્તિથી અતિ સ્પષ્ટ સમજાવ્યો છે. પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું. પૂર્ણાનંદનો નાથ, અખંડ, એક, અભેદ વસ્તુ તે અનુભવની ચીજ છે, તેને વચન દ્વારા કેવી રીતે કહેવી? તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે સ્પષ્ટ કહે છે. ‘જ્ઞાન તે આત્મા’ એવો ભેદ પાડી વ્યવહારનય જ આત્માને જણાવે છે. આવો માર્ગ યથાર્થ જાણે નહીં તેનું મનુષ્યપણું એકડા વિનાનાં મીંડાંની જેમ નિરર્થક છે, નિષ્ફળ છે. માટે આવું વસ્તુસ્વરૂપ યથાર્થ સમજી પરમાર્થનો વિષય જે અભેદ, એક, શુદ્ધ આત્મા તેને દ્રષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન છે, મોક્ષમહેલનું પ્રથમ પગથિયું છે.


PDF/HTML Page 139 of 4199
single page version

જીવ–અજીવ અધિકાર
ગાથા–૧૧

कुतो व्यवहारनयो नानुसर्तव्य इति चेत्–

ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ।
भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो।।
११।।

व्यवहारोऽभूतार्थो भूतार्थो दर्शितस्तु शुद्धनयः।
भूतार्थमाश्रितः
खलु सम्यग्द्रष्टिर्भवति जीवः।। ११।।

વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧

હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કે-પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-

ગાથાર્થઃ– [व्यवहारः] વ્યવહારનય [अभूतार्थः] અભૂતાર્થ છે [तु] અને [शुद्धनयः] શુદ્ધનય [भूतार्थः] ભૂતાર્થ છે એમ [दर्शितः] ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; [जीवः] જે જીવ [भूतार्थ] ભૂતાર્થનો [आश्रितः] આશ્રય કરે છે તે જીવ [खलु] નિશ્ચયથી [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [भवति] છે.

ટીકાઃ– વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે; શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. આ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએઃ-જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળભાવ તિરોભૂત (આચ્છાદિત) થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષો-જળ અને કાદવનો વિવેક નહિ કરનારા ઘણા તો, તેને (જળને) મલિન જ અનુભવે છે; પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કતકફળ-(નિર્મળી ઔષધિ)ના પડવામાત્રથી ઊપજેલા


PDF/HTML Page 140 of 4199
single page version

જળ-કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળભાવપણાને લીધે, તેને (જળને) નિર્મળ જ અનુભવે છે; એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો-આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો, તેને (આત્માને) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) પ્રગટ છે એવો અનુભવે છે; પણ ભૂતાર્થદર્શીઓ (શુદ્ધનયને દેખનારાઓ) પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવામાત્રથી ઊપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે તેને (આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. અહીં, શુદ્ધનય કતકફળના સ્થાને છે તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક્ અવલોકન કરતા (હોવાથી) સમ્યગ્દ્રષ્ટિ છે પણ બીજા (જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેઓ) સમ્યગ્દ્રષ્ટિ નથી. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી.

ભાવાર્થઃ– અહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે-શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી; માટે તેની દ્રષ્ટિમાં અવિદ્યમાન, અસત્યાર્થ જ કહેવો જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો તો જેમ વેદાંત-મતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાદ્રષ્ટિનો જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે, પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે-કયાંક કયાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી) દીધો છે કે-‘શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી.” એમ આશય જાણવો.