PDF/HTML Page 101 of 4199
single page version
જ્ઞાયકજ્યોતિ છે. આવી શુદ્ધ સત્તાનો અંતરમાં સ્વીકાર થવો એ અલૌકિક વાત છે. આ હું એક જ્ઞાયક શુદ્ધ છું એમ અંતર-સન્મુખ થઈ જેણે જ્ઞાયકને જાણ્યો-અનુભવ્યો તેને મુક્તિનાં કહેણ મળી ગયાં એવો આ છઠ્ઠીનો લેખ છે. નિયમસારમાં શુદ્ધભાવ-અધિકારમાં એમ કહ્યું છે કે ઔદયિક આદિ ચાર ભાવો ત્રિકાળી સ્વરૂપમાં નથી. શુભ-અશુભભાવ જે ઔદયિક ભાવ છે તેરૂપ જ્ઞાયક પરિણમતો નથી કેમકે તે અચેતન છે એ વાત તો ઠીક. પણ ક્ષયોપશમ, ક્ષાયિકભાવ તો જ્ઞાયકને પ્રસિદ્ધ કરનારી જ્ઞાનની પર્યાયો છે, છતાં તે ભાવ વસ્તુમાં નથી. આવી સૂક્ષ્મ વાત છે. ત્રિકાળી દ્રવ્યને જાણનારી જે જ્ઞાનની પર્યાય તે જ્ઞાયકમાં નથી. ગજબ વાત છે ને! અહા! ઈન્દ્રો અને ગણધરોની ઉપસ્થિતિમાં દેવાધિદેવ ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવની દિવ્યધ્વનિમાં આ અલૌકિક વાત આવતી હશે ત્યારે સાંભળનારા કેવા નાચી ઊઠતા હશે! નિયમસારમાં જે ઔપશમિકાદિ ભાવોને અગોચર આત્મા કહ્યો તે ચાર ભાવો પર્યાયસ્વરૂપ છે અને તેથી તેમના આશ્રયે આત્મા જણાય એવો નથી. ધ્રુવ, નિત્યાનંદસ્વરૂપ આત્મા પોતાના આશ્રયે જ જણાય એવો છે. આવો ત્રિકાળ શુદ્ધ આત્મા જ દ્રષ્ટિનો-નજરનો વિષય છે. તે સમ્યગ્દ્રષ્ટિને જ ગમ્ય છે, ગોચર છે. એક તરફ ગોચર કહે; ને વળી અગોચર પણ કહે બન્ને વાત યથાર્થ છે. જ્યાં જે અપેક્ષા હોય તે બરાબર સમજાવી જોઈએ. અહાહા...! દ્રવ્યસ્વભાવ, પદાર્થસ્વભાવ, તત્ત્વસ્વભાવ કે વસ્તુસ્વભાવ જે ચૈતન્યભાવ તેને તેના નિજ સ્વરૂપથી જોઈએ તો પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર જે સમસ્ત અનેક શુભ-અશુભભાવ તેરૂપ કદીય પરિણમતો નથી. અહિંસા, સત્ય, દયા- દાન, વ્રત, તપ, ભક્તિ-પૂજા ઈત્યાદિ શુભરાગ તે શુભભાવ છે. હિંસા, જૂઠ ચોરી, વિષય-વાસના ઈત્યાદિ અશુભરાગ તે અશુભ ભાવ છે. આ બન્ને ભાવ જડ અને મલિન છે. અહીં કહે છે કે નિર્મળાનંદ ચૈતન્ય પ્રભુ આત્મા કદીય શુભ-અશુભભાવપણે જડરૂપ કે મલિનતારૂપ થયો નથી, તેથી પ્રમત્ત પણ નથી કે અપ્રમત્ત પણ નથી. ટીકામાં પ્રમત્ત શબ્દ પહેલો લીધો છે. ગાથામાં અપ્રમત્ત-પ્રમત્ત એમ લીધું છે. એ તો શબ્દયોજના છે. ગાથા તો પદ્યરૂપ છે ને? એટલે પદ્યરચનામાં અપ્રમત્ત-પ્રમત્ત લીધું છે. આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. જૈનશાસન એ તો વસ્તુનું સ્વરૂપ છે. જૈન એટલે અંદર જે આ ધ્રુવ જ્ઞાયકભાવ બિરાજે છે જે કદીય રાગરૂપ-જડરૂપ મલિનતારૂપ થતો નથી એવા જ્ઞાયકની સન્મુખ થઈને એને જ્ઞાન અને દ્રષ્ટિમાં લે તેને જૈન કહે છે. જૈન કોઈ વાડો કે વેશ નથી, એ તો વસ્તુસ્વરૂપ છે. ધર્મના બહાને બહારમાં હો-હા કરે, પુણ્યની ક્રિયાઓ કરે, રથ-વરઘોડા કાઢે, પણ એ બધો તો રાગ છે, અને રાગ તે આત્મા નથી તથા આત્મા
PDF/HTML Page 102 of 4199
single page version
કદીય રાગરૂપ નથી. જ્ઞાયકમાં રાગનો અભાવ છે અને રાગમાં જ્ઞાયકનો અભાવ છે. આમ હોવા છતાં અજ્ઞાનીઓ કહે છે કે શુભભાવ કરતાં કરતાં ધર્મ થાય એ મોટી અચરજની વાત છે. અચેતનભાવ કરતાં કરતાં ચેતન કેમ પ્રગટે? રાગ કરતાં કરતાં વીતરાગતા કેમ થાય? એમ કદીય બને નહીં. તેથી આત્મા જે એક જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત-અપ્રમત્તના ભેદરૂપ નથી એમ ન્યાય કહ્યો. હવે એને ‘શુદ્ધ’ કેમ કહેવો એની વાત કરે છે.
તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ’ કહેવાય છે.
અહીં અન્યદ્રવ્યો એટલે કર્મનો ઉદય અને એનો ભાવ એમ લેવું. અહીં રાગની વાત નથી. જીવને કર્મનો ઉદય અને એના ભાવ ઉપર અનાદિથી લક્ષ છે. કર્મના ઉદયને વશ થઈ પોતે અટકે છે, માટે પુદ્ગલકર્મ અને એના ભાવનું લક્ષ છોડી એક જ્ઞાયકભાવનું લક્ષ કરવાની વાત છે.
પરભાવના ત્રણ પ્રકાર છે. એક કર્મનો ભાવ તે પરભાવ છે. રાગાદિ જે વિકાર થાય તે પરભાવ છે અને જે નિર્મળ પર્યાય થાય તે પણ સ્વભાવની અપેક્ષાએ પરભાવ છે. અહીં તો જડકર્મ અને એનો ભાવ એને પરદ્રવ્યનો ભાવ કહ્યો છે. ચૈતન્યદેવ જ્ઞાયક તેને પરભાવથી ભિન્નપણે સેવતાં-ઉપાસતાં તે ‘શુદ્ધ’ છે એમ કહ્યું છે. એટલે નિમિત્તનું લક્ષ છોડી જ્ઞાયક ઉપર લક્ષ કર્યું ત્યારે એણે જ્ઞાયકની ઉપાસના કરી, ત્યારે એને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાયો. એને તે ‘શુદ્ધ’ છે એમ કહેવામાં આવે છે. જેને જણાયો નથી એને ‘શુદ્ધ’ છે એ ક્યાંથી આવ્યું? અહા! નિત્ય જે ધ્રુવસ્વભાવ છે ત્યાં અંદર લક્ષ જતાં શુદ્ધતા ઉત્પન્ન થાય ત્યારે એણે દ્રવ્યની સેવા કરી અને તેને જ્ઞાયક ‘શુદ્ધ’ છે એમ જણાયું. અંદર લક્ષ ગયા વિના ‘શુદ્ધ’ છે એમ કહે પણ તેનો કાંઈ અર્થ નથી.
અહા! ભગવાન આત્મા ચૈતન્યરસકંદ છે. એવો આત્મા કદી જોયો-જાણ્યો નહીં અને તેની વાત સાંભળવાની પરવા કરી નહીં. દુનિયાના ડહાપણ ડોળ્યાં, બહારમાં કારખાનાં ધંધા-વેપાર આદિની ધમાલમાં રોકાઈ ગયો. પણ ભાઈ! એ તો પાગલપણું છે. આ તો દેવાધિદેવ તીર્થંકરદેવનાં કહેણ આવ્યાં કે જાણક સ્વભાવ એવો જ્ઞાયક અજાણ (જડ) સ્વભાવ એવા કર્મપુદ્ગલરૂપ અને એના ભાવરૂપ કેમ થાય? અહા! ચૈતન્યસૂર્યનો પ્રકાશએ કર્મ અને રાગના અંધારારૂપ કેમ થાય? અહો! આત્મા એવો ને એવો ચૈતન્યરસના તત્ત્વથી ભરેલો છે. તેને પરથી -કર્મથી-નિમિત્તથી ભિન્ન પડી ઉપાસવામાં આવતાં એટલે જ્ઞાયકનો પર્યાયમાં સ્વીકાર કરતાં એ ‘શુદ્ધ’ છે એમ જાણવામાં આવે છે, અને તેને સમ્યગ્દર્શન અર્થાત્ ધર્મનું પહેલું પગથિયું કહેવામાં આવે છે. વળી શુદ્ધનયના વિષયભૂત તે એકનો જ ઉગ્ર આશ્રય-સેવન કરતાં વિશેષ-વિશેષ શુદ્ધતારૂપ રત્નત્રયધર્મ પ્રગટ થાય છે.
PDF/HTML Page 103 of 4199
single page version
આગળ અગિયારમી ગાથામાં તો જ્ઞાયકને શુદ્ધનય કહ્યો છે, અને એ એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે તેથી શુદ્ધનય એ જ એક આદરણીય છે. આત્માનો આશ્રય લઈને જે શુદ્ધ પરિણમન થયું એને શુદ્ધનય થયો એમ પણ કહેવામાં આવે છે. એટલે કે શુદ્ધનયનો આશ્રય લઈને જે પર્યાય થઈ તે પર્યાયમાં ‘શુદ્ધ’ નું ભાન થયું માટે તેને શુદ્ધનય કહ્યો છે. પરિણમન તે શુદ્ધનય, પરિણમનમાં જે ધ્રુવ લક્ષમાં આવ્યો તેને પણ શુદ્ધનય કહે છે. સમયસાર આસ્રવ અધિકાર કળશ ૧૨૦ માં આવે છે કે શુદ્ધનયનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રતાનો અભ્યાસ કરે છે તેઓ બંધરહિત એવા સમયના સારને દેખે છે-અનુભવે છે. હું કેવળજ્ઞાનસ્વરૂપ શુદ્ધ છું એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. એનો અર્થ એમ છે કે ત્રિકાળી વસ્તુ જે છે તે જે જ્ઞાનમાં ખ્યાલમાં આવી તેને શુદ્ધનય કહ્યો. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. કેવળજ્ઞાન થતાં ચૈતન્યનો આશ્રય સંપૂર્ણ પૂરો થઈ ગયો એ અપેક્ષાએ કેવળજ્ઞાનને સાક્ષાત્ શુદ્ધનય કહેલો છે. વળી શુદ્ધનયસ્વરૂપ દ્રવ્યસ્વભાવમાં કેવળજ્ઞાનની પર્યાયનો અભાવ છે. તથા પર્યાય હોવાથી કેવળજ્ઞાનને સદ્ભૂત વ્યવહારનયનો વિષય કહ્યો છે. તેથી જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે બરાબર સમજવી જોઈએ. જીવ અનાદિથી કર્મના ઉદયને વશ થઈ પરિણમતાં રાગાદિનું સેવન કરતો હતો. તેથી સંસાર હતો. અહીં જ્ઞાયકને લક્ષમાં લઈ તે એકને જ ઉપાસવામાં આવતાં, તેને રાગાદિ સંસાર છૂટી જતાં, શુદ્ધ કહેવામાં આવે છે. ઉત્પાદ-વ્યય, રહિત જે એકરૂપ જ્ઞાયકભાવ તેના લક્ષે જે નિર્મળ પરિણમન થયું તેમાં આત્મા શુદ્ધ પ્રતિભાસ્યો તેને ‘શુદ્ધ’ કહેવામાં આવે છે. આ પ્રમાણે ત્રણ પદોની વ્યાખ્યા થઈ. હવે ચોથું પદ છે णादो जो सो दु सो चेव। દાહ્ય એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. છાણાં, લાકડાં વગેરેને દાહ્ય કહેવાય છે. અગ્નિ તેના આકારે થાય છે તેથી અગ્નિને દહન કહેવાય છે. તોપણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. બળવા યોગ્ય પદાર્થના આકારે અગ્નિ થયો એ પોતે પોતાના પરિણમનની લાયકાતથી થયો છે. તેના આકારે પરિણમ્યો માટે અગ્નિ પરાધીન છે એમ નથી. છાણાના આકારે અગ્નિ પરિણમ્યો તેથી તેને અશુદ્ધતા નથી. સ્વયં અગ્નિ તેવા આકારરૂપે પરિણમ્યો છે. દાહ્યના આકારે પરિણમતો અગ્નિ દાહ્યના કારણે નહીં, પણ સ્વયં પોતાના કારણે તેવા આકારે પરિણમે છે. આતો દ્રષ્ટાંત થયું, હવે સિદ્ધાંત કહે છે. જ્ઞેયાકાર થવાથી તે ‘ભાવ’ ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જેવો રાગ હોય, પુણ્ય- પાપના ભાવ હોય તેને તે સ્વરૂપે જ જ્ઞાન જાણે, શરીર, મન, વાણી, રાગ, આદિ જ્ઞાનમાં જણાય તે કાળે જ્ઞાન જ્ઞેયાકારે પરિણમે છે, છતાં જ્ઞેયના જ્ઞેયાકાર થાય છે એવી પરાધીનતા
PDF/HTML Page 104 of 4199
single page version
નથી. જાણનાર જ્ઞેયાકારોના જ્ઞાનપણે પરિણમે તેથી તેને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તોપણ જ્ઞેય પદાર્થોના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. પરના કારણે જ્ઞાન જ્ઞેયાકારરૂપ થાય છે એમ નથી, પરંતુ પોતાની પરિણમનયોગ્યતાથી પોતાનો જ્ઞાનઆકાર પોતાથી થયો છે.
આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે નહીં અને સામાયિક કરે, પ્રૌષધ કરે, પ્રતિક્રમણ કરે, ઉપવાસાદિ કરે, પણ તેથી શું? અહીં તો કહે છે કે જ્ઞાયક, જે જ્ઞેયો પર છે તેનો જાણનાર છે, પરજ્ઞેયો જેવા હોય તે આકારે જ્ઞાનનું પરિણમન થાય છે; તો પરની અપેક્ષાથી જ્ઞાનનું પરિણમન અશુદ્ધ થયું કે નહીં? તો કહે છે ના, કેમકે રાગાદિ જ્ઞેયાકારની અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપપ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જેમ દાહ્યકૃત અશુદ્ધતા અગ્નિને નથી તેમ જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી. જ્ઞાયકભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું અને જે જ્ઞેય છે, તેનું જ્ઞાન થયું, તે પોતાના કારણે થયું છે. જે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે પોતાના સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ, કર્તા કર્મનું અનન્યપણું હોવાથી, જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જ જાણ્યો માટે પોતે જ કર્મ. જ્ઞેયને જાણ્યું જ નથી, પણ જ્ઞેયાકાર થયેલા પોતાના જ્ઞાનને જાણ્યું છે. અહાહા...! વસ્તુ તો સત્, સહજ અને સરળ છે, પણ એનો અભ્યાસ નહીં એટલે કઠણ પડે છે, શું થાય?
દ્રષ્ટાંતઃ જેમ દીપક ઘટ-પટને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને -પોતાની જ્યોતિરૂપ શિખાને -પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે. દીવો ઘટ-પટાદિને પ્રકાશે ત્યારે પણ દીવારૂપ છે, ઘટ-પટાદિરૂપ થતો નથી; અને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશે ત્યારે પણ દીવો દીવો જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું પણ સમજવું.
જ્ઞાયક ઘટપટાદિ કે રાગાદિ જ્ઞેયાકારોને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે અને પોતાને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે ઘટ-પટાદિ કે રાગાદિને જાણવાના કાળે પણ જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ જ છે, ઘટ-પટાદિ અન્યરૂપ નથી. તથા પોતાની પર્યાયને જાણવાના કાળે પણ જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ જ છે, અન્યરૂપ નથી.
માર્ગ ઘણો સૂક્ષ્મ છે. ભાઈ! અનાદિના શલ્ય પડયા છે તેથી આવી વાત સમજવી કઠણ પડે. પરંતુ આ સમજ્યા વિના જન્મ-મરણનો અંત આવે એમ નથી. ભાઈ! પ્રયત્ન કરીને પણ આ સમજવું પડશે.
PDF/HTML Page 105 of 4199
single page version
જ્ઞાયક જ્ઞાનરૂપે પરિણમે છે, તે જ્ઞેયાકારે પરિણમે છે એમ છે જ નહીં. આ જ્ઞાયક રૂપી દીવો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ઈત્યાદિ પરિણામ જે જ્ઞેય છે તેને જાણવાના કાળે પણ જ્ઞાનરૂપે રહીને જ જાણે છે, અન્ય જ્ઞેયરૂપ થતો નથી. જ્ઞેયોનું જ્ઞાન તે જ્ઞાનની અવસ્થા છે, જ્ઞેયની નથી. જ્ઞાનની પર્યાય જ્ઞેયના જાણનપણે થઈ માટે તેને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. સાક્ષાત્ તીર્થંકર ભગવાન સામે હોય અને તે જાણવાના આકારે જ્ઞાનનું પરિણમન થાય તો તે જ્ઞેયના કારણે થયું એમ નથી. તે કાળે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર પોતાથી જ છે, પરને લઈને થયું નથી. ભગવાનને જાણવાના કાળે પણ ભગવાન જણાયા છે એમ નથી પણ ખરેખર તત્સંબંધી પોતાનું જ્ઞાન જણાયું છે આત્મા જાણનાર છે તે જાણે છે, તે પરને જાણે છે કે નહીં? તો કહે છે કે પરને જાણવાના કાળે પણ સ્વનું પરિણમન-જ્ઞાનનું પરિણમન પોતાથી થયું છે, પરના કારણ નહીં. આ શાસ્ત્રના શબ્દો જે જ્ઞેય છે એ જ્ઞેયના આકારે જ્ઞાન થાય છે પણ તે જ્ઞેય છે માટે જ્ઞાનનું અહીં પરિણમન થયું છે એમ ત્રણકાળમાં નથી. તે વખતે જ્ઞાનના પરિણમનની લાયકાતથી અર્થાત્ જ્ઞેયનું જ્ઞાન થવાની પોતાની લાયકાતથી જ્ઞાન થયું છે. જ્ઞાન જ્ઞેયના આકારે પરિણમે છે તે જ્ઞાનની પર્યાયની પોતાની લાયકાતથી પરિણમે છે, જ્ઞેય છે માટે પરિણમે છે એમ નથી. હવે સુગમ ભાષામાં ભાવાર્થ કહે છે. * ભાવાર્થ ઉપરનું પ્રવચન * આત્મામાં અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળદ્રવ્ય તો અન્યદ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જુઓ આત્મામાં પુણ્ય-પાપની મલિન દશા એ કર્મના નિમિત્તથી આવે છે. દયા, દાન, ભક્તિ, પૂજા ઈત્યાદિ વિકલ્પો એ રાગ છે, મલિનતા છે અને એ પરદ્રવ્ય જે કર્મનો ઉદય તેના સંયોગથી આવે છે. પણ તેથી મૂળદ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તે રાગાદિરૂપ મલિન થઈ જતું નથી. એ તો નિર્મળાનંદ, ચિદાનંદ ભગવાન જેવો છે તેવો ત્રિકાળ જ્ઞાયકસ્વરૂપે રહે છે. દ્રવ્યદ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાયદ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે. પંડિત જયચંદ્રજીએ બહુ સારું સ્પષ્ટીકરણ કર્યું છે કે પર્યાયદ્રષ્ટિથી જુઓ તો તે મલિન જ દેખાય છે. અને દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઇ જડપણું થયું નથી. અહીં દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન કરી કહ્યું છે, પર્યાયમાં જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. અહીં મલિન પર્યાય જે પ્રમાદના ભાવ એ તો પરદ્રવ્યસંયોગજનિત છે પણ એના અભાવથી જે અપ્રમત્તદશા થાય તેને પણ પરદ્રવ્યના
PDF/HTML Page 106 of 4199
single page version
સંયોગજનિત કહી છે. પર નિમિત્તના સદ્ભાવ અને અભાવની અપેક્ષા આવે છે એટલે પ્રમત્ત-અપ્રમત્ત બધી પર્યાયોને સંયોગજનિત કહીને એ જ્ઞાયકભાવ-સ્વભાવભાવમાં નથી એમ કહ્યું છે.
નિયમસારમાં ઔદયિકાદિ ચાર ભાવને આવરણસંયુક્ત કહ્યા છે. ત્યાં ઔદયિકભાવમાં કર્મના ઉદયના નિમિત્તની અપેક્ષા આવે છે માટે તે આવરણવાળો છે એ તો ઠીક પણ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ તો નિરાવરણ છે છતાં નિમિત્તના અભાવની અપેક્ષા આવતી હોવાથી ચારેય ભાવોને આવરણસંયુક્ત કહી દીધા છે.
પંડિતજીએ બહુ સરસ સ્પષ્ટ કર્યું છે કે નિમિત્તના સદ્ભાવવાળી પ્રમત્ત દશા અને નિમિત્તના અભાવવાળી અપ્રમત્ત દશા એ બન્ને સંયોગજનિત છે અને તેથી નિત્યાનંદ, ધ્રુવ, પ્રભુ જ્ઞાયકમાં એ પર્યાય-ભેદો નથી. ભાઈ! આ સમજ્યા વિના જન્મ-મરણના ફેરા મટે એમ નથી. પ્રમત્ત-અપ્રમત્તની અવસ્થાઓ આત્મામાં નથી. અશુદ્ધતા, દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ છે. અહીં પ્રમત્ત-અપ્રમત્ત બન્ને અવસ્થાઓને અશુદ્ધતામાં નાખી દીધી, કેમકે બન્ને સંયોગજનિત છે. આ ચૌદેય ગુણસ્થાનોની પર્યાયો અશુદ્ધનયનો વિષય છે. અહીં દ્રવ્યદ્રષ્ટિમાં ચૌદેય ગુણસ્થાનોને અશુદ્ધ કહી ગૌણ કરી વ્યવહાર, અભૂતાર્થ, અસત્યાર્થ, ઉપચાર છે એમ કહેલ છે. ચૌદેય ગુણસ્થાનો અભાવરૂપ છે તેથી અસત્યાર્થ છે એમ નથી, પણ દ્રવ્યદ્રષ્ટિમાં તે ગૌણ છે, લક્ષમાં લેવા યોગ્ય નથી અને ત્રિકાળી દ્રવ્યમાં એ અવસ્થાઓ નથી તેથી અસત્યાર્થ-અભૂતાર્થ કહેલ છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા છે જ નહીં, પર્યાયમાં છે તે દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ થઈ જાય છે.
આ છઠ્ઠી ગાથા બહુ સૂક્ષ્મ છે. સમયસારનો સાર જે જ્ઞાયક તેની શરૂઆત ત્યાંથી થાય છે. ન્યાલભાઈએ દ્રવ્યદ્રષ્ટિપ્રકાશમાં લીધું છે કે -આખા સમયસારમાં છઠ્ઠી ગાથામાં સમ્યગ્દર્શનનો ખાસ વિષય જે ધ્રુવ તે આવી ગયો છે. છઠ્ઠી ગાથામાં સર્વોત્કૃષ્ટ વાત આવી છે. હું પ્રમત્ત નહીં, અપ્રમત્ત પણ નહીં; કઈ પર્યાય બાકી રહી? અહાહા...! દ્રષ્ટિનો વિષય જે જ્ઞાયકબિંબ તેમાં કોઈ પર્યાયો છે જ નહીં.
વસ્તુસ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પરદ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે, પણ એ ગૌણ છે. આત્મામાં બે પ્રકારઃ એક ત્રિકાળી સ્વભાવભાવ અને એક વર્તમાન પર્યાયભાવ. ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયકભાવ તે કદીય પ્રમત્ત-અપ્રમત્ત એવા ચૌદ ગુણસ્થાનના ભેદરૂપ થયો જ નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયને ગૌણ કરી એવા શુદ્ધ જ્ઞાયકને દ્રષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન અને જાણવો તે સમ્યગ્જ્ઞાન છે. આ વીતરાગમાર્ગની મૂળ
PDF/HTML Page 107 of 4199
single page version
વાત છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા નથી, પણ દ્રવ્યદ્રષ્ટિમાં પણ અશુદ્ધતા નથી. પર્યાય ઉપરથી નજર ખસેડી લઈ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરે નહીં અને લોકો બહારની ધમાલમાં રોકાઈ જાય, વ્રત કરે, જાત્રા કરે, ભક્તિ આદિ કરે પણ તેથી શું વળે? અહીં તો કહે છે કે તું જ્ઞાયક મહાપ્રભુ છો તેમાં દ્રષ્ટિ એકાગ્ર કરવી એ ભક્તિ છે અને એ મોક્ષમાર્ગ છે.
વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે, વસ્તુ પોતે અશુદ્ધપણે થઈ નથી. વસ્તુ અશુદ્ધ ત્રણ કાળમાં થાય પણ નહીં, કેમકે વસ્તુમાં વિકાર થાય એવો કોઈ ગુણ નથી. વસ્તુ જે આત્મા છે તેમાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ ઈત્યાદિ અનંત અનંત ગુણો છે, પણ કોઈ ગુણ એવા નથી કે વસ્તુમાં વિકાર કરે. વિકાર તો પર્યાયમાં પર નિમિત્તથી ઉત્પન્ન થાય છે. ગુણમાં વિકાર થાય એવો ભાવ નથી, પણ પરના લક્ષે પર્યાય વિકારી થાય છે. દ્રવ્યદ્રષ્ટિમાં આ અશુદ્ધતાને ગૌણ કરીને વ્યવહાર, અસત્યાર્થ, અભૂતાર્થ, ઉપચાર કહી છે. તેમાં આશય એમ છે કે પર્યાયની અશુદ્ધતાનું લક્ષ છોડાવી વસ્તુ જે આત્મા તેની દ્રષ્ટિ કરાવવી છે. વસ્તુસ્વભાવની મુખ્યતામાં પર્યાય ગૌણ- અમુખ્ય છે તેથી તેને વ્યવહાર કહીને જૂઠી છે, અસત્યાર્થ છે એમ કહેલ છે. અસત્યાર્થ કહીને ઉપચાર છે એમ કહ્યું ત્યાં પર્યાયને ગૌણ કરીને ઉપચાર કહી છે. છે તો ખરી, પણ તેનું લક્ષ કરવા યોગ્ય નથી તેથી દ્રવ્યદ્રષ્ટિમાં તેને ગૌણ કરી ઉપચાર કહેલ છે.
અહાહા...! સુખનિધાન પ્રભુ આત્મા દુઃખરૂપ કેમ પરિણમે? દુઃખપણે તો પર્યાય પરિણમી છે. એ પર્યાય અશુદ્ધ છે અને પરના લક્ષે વિકારી થઈ છે. ગુણ કદીય વિકારી થયો નથી. ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવનું આ કથન છે. જૈનદર્શન સિવાય બીજે ક્યાંય આવી વાત નથી.
પર્યાય જે અશુદ્ધ થઇ છે તે દ્રવ્યમાં નથી. કોઈ એમ કહે કે પર્યાય જે શુદ્ધ થઈ તે તો દ્રવ્યમાં છે ને? તો તે શુદ્ધ પર્યાય પણ દ્રવ્યમાં નથી, પણ એની વાત અહીં નથી કેમકે શુદ્ધ પર્યાય તો દ્રવ્યનો આશ્રય કરે છે. અને જે અશુદ્ધતા છે તેને દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ કરીને અસત્યાર્થ કહેલ છે. દ્રવ્યદ્રષ્ટિ એટલે જે પર્યાય નિર્મળ થઈ એ પર્યાયનો વિષય જે દ્રવ્ય ત્રિકાળી છે, તે તરફ એ વળી છે. તેમાં અશુદ્ધતા નથી એમ કહેવા માગે છે. વળી પર્યાય દ્રવ્ય તરફ વળી એમાં અશુદ્ધતા ગૌણ છે. ઘણા પ્રકારે કથન આવે ત્યાં અપેક્ષા બરાબર સમજવી જોઈએ.
હવે કહે છે-દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે. દ્રવ્યદ્રષ્ટિ એટલે વસ્તુસ્વભાવથી જોતાં દ્રવ્ય શુદ્ધ છે અને એની દ્રષ્ટિ કરતાં જે દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થઈ તે પોતે પણ શુદ્ધ છે, અને શુદ્ધ દ્રવ્ય તે એનું ધ્યેય છે. બાપુ! આ તો આત્મકથા છે. જૈનમાં જન્મ્યા છતાં ખબર ન મળે કે દ્રવ્ય
PDF/HTML Page 108 of 4199
single page version
કોને કહેવું? એનો સ્વભાવ શું? અને કયા વિષયનું લક્ષ છોડી કોનું લક્ષ કરવું? આ બધું જાણ્યા વિના ધર્મ ન થાય ભાઈ!
દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે, અને દ્રષ્ટિ પણ શુદ્ધ છે. દ્રષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી. શુદ્ધમાં ‘શુદ્ધ’ જણાયો. આવો વીતરાગમાર્ગ સૂક્ષ્મ છે ભાઈ! આત્મા પરમાત્મસ્વરૂપ શુદ્ધ છે. એની દ્રષ્ટિથી જોઈએ તો વસ્તુ શુદ્ધ છે. પણ અહીં તો દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું છે, દ્રવ્ય શુદ્ધ છે એમ નથી કહ્યું. એનો અર્થ એ કે દ્રષ્ટિ જ્યારે ‘શુદ્ધ’ની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ તેણે જાણ્યું કહેવાય.
અહો! ધર્મસભામાં એકાવતારી ઇન્દ્રો જે સાંભળવા આવે છે તે આ અલૌકિક વાત છે. દયા પાળો, વ્રત પાળો એવી સાધારણ વાત તો કુંભાર પણકરતો હોય છે. પણ પરની દયા કોઈ પાળી શકતું નથી. દયાનો ભાવ આવે તે રાગ છે, અશુદ્ધતા છે. પર્યાયમાં અશુદ્ધતાનો વ્યય થઈ અને શુદ્ધતા પ્રગટ થાય એ ધર્મ છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ કરતાં અશુદ્ધતા ગૌણ થાય છે અને તેનો અભાવ થઈને શુદ્ધિ પ્રગટ થતાં મુક્તિ થાય છે.
વળી કહે છે દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે.
દ્રવ્યનો સ્વભાવ અભેદ છે. તે ઉપર દ્રષ્ટિ જતાં દ્રષ્ટિ પણ અભેદ છે. ત્રિકાળી દ્રવ્ય અભેદ છે, માટે તેના આશ્રયે પ્રગટેલી જે દ્રષ્ટિ તે પણ અભેદ છે એમ કહે છે.
અહીં વ્યવહાર (અશુદ્ધ પર્યાય) સામે દ્રષ્ટિ (શુદ્ધ પર્યાય)ને નિશ્ચય કહી છે. ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો દ્રવ્ય નિશ્ચય સત્ છે, અને એના આશ્રયે પ્રગટેલી દ્રષ્ટિ પણ નિશ્ચય છે.
વસ્તુ આત્મા ત્રિકાળ છે એ ભૂતાર્થ છે. આવા ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિ થતાં દ્રવ્યદ્રષ્ટિ પણ ભૂતાર્થ છે. પર્યાયદ્રષ્ટિ અભૂતાર્થ છે, દ્રવ્યદ્રષ્ટિ ભૂતાર્થછે.
ત્રિકાળી દ્રવ્ય-વસ્તુ સત્ય છે. આવા સચ્ચિદાનંદસ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરનારી દ્રવ્યદ્રષ્ટિ પણ સત્યાર્થ છે.
અગાઉ પર્યાયની અશુદ્ધતાને ગૌણ કરી ઉપચાર કહી હતી. અહીં આ છેલ્લા બોલમાં ઉપચાર સામે દ્રવ્યદ્રષ્ટિ પરમાર્થ છે એમ કહ્યું છે. વસ્તુ-દ્રવ્ય પોતે પરમાર્થ છે. ત્રિકાળી ધ્રુવ આત્મા સ્વયં પરમ પદાર્થ છે. એની દ્રષ્ટિ કરી એ દ્રષ્ટિ પણ પરમાર્થ છે.
PDF/HTML Page 109 of 4199
single page version
માટે કહે છે-આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી પ્રમત્ત-અપ્રમત્ત નથી. જુઓ સ્પષ્ટ કરે છે કે ચૈતન્યરસનો કંદ પ્રભુ આત્મા એક જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક જ છે, તેમાં પર્યાય નથી, પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થાઓ નથી. અહાહા...! સમ્યગ્દર્શનની પર્યાય જ્ઞાયકને વિષય કરે, પણ એ પર્યાય જ્ઞાયકમાં નથી. જ્ઞાયક પર્યાયના ભેદરૂપ થતો નથી. જાણનાર, જાણનાર, જાણનાર, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ એવા જ્ઞાયકમાં કોઈ ભેદ નથી. કોઈ કહે કે અનેકાંત કરો ને? કે આત્મા જ્ઞાયક પણ છે અને વિકારી પણ છે. તો અહીં કહે છે કે આત્મા વસ્તુ એકાંત જ્ઞાયક જ છે, અભેદ છે તેથી પ્રમત્ત-અપ્રમત્ત નથી. અહો! કુંદકુંદાચાર્યદેવે જગત સમક્ષ પરમ સત્ય જાહેર કર્યું છે. હવે ચોથા પદનો અર્થ કરે છે. ‘જ્ઞાયક’ એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે, કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. રાગાદિ, વિકારાદિ જેવા જ્ઞેય છે તેવું જ અહીં જ્ઞાનમાં જણાય છે. તોપણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. રાગને જાણે માટે રાગના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. રાગ છે માટે અહીં તેનું જ્ઞાન થયું એમ તેને અશુદ્ધતા નથી. જ્ઞાનની પર્યાય પોતે જ એ રીતે જાણવારૂપ પરિણમી છે. જેમ અરીસો હોય તેમાં સામે જેવી ચીજ કોલસા, શ્રીફળ, વગેરે હોય તેવી ચીજ ત્યાં જણાય. એરૂપે અરીસો પરિણમ્યો છે, એ અરીસાની અવસ્થા છે. અંદર દેખાય એ કોલસા કે શ્રીફળ નથી. એ તો અરીસાની અવસ્થા દેખાય છે. તેમ જ્ઞાનની પર્યાયમાં શરીરાદિ જ્ઞેયો જણાય ત્યાં જ્ઞાનની પર્યાય એ પોતાની છે, એ શરીરાદિ પરને લઈને થઈ છે એમ નથી; કેમકે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. જાણનારો જાણનારપણે જ રહ્યો છે, જ્ઞેયપણે થયો જ નથી. જ્ઞેય પદાર્થનું જે જ્ઞાન થયું તે જ્ઞાન પોતાનું પોતાથી છે, જ્ઞેયથી નથી. ‘આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી.’ જ્ઞેય પદાર્થનું જ્ઞાન થયું ત્યાં જાણનારો તે હું છુ,ં જ્ઞેય તે હું નથી. એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. જ્ઞાનની પર્યાયે ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે જ્ઞેયને પણ ભેગું જાણ્યું. એ જ્ઞેયને નહીં પોતાની પર્યાયને પોતે જાણી છે. જાણનક્રિયાનો કર્તા પણ પોતે અને જાણનકર્મ પણ પોતે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. એ ‘શુદ્ધ’ જણાયો પર્યાયમાં. એ રીતે એને શુદ્ધ કહેવામાં આવે છે. જણાયા વિના શુદ્ધ કોને કહેવું? આ શુદ્ધનયનો વિષય છે. ત્રિકાળી દ્રવ્ય જે જ્ઞાયકપણામાત્ર છે તે શુદ્ધનયનો વિષય છે. અન્ય પરસંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે.
PDF/HTML Page 110 of 4199
single page version
શુદ્ધનયનો વિષય તો પોતાનો ધ્રુવસ્વભાવ જ્ઞાયક છે, પણ એનું પરિણમન નિર્મળ થયું તેને શુદ્ધનય કહ્યો છે. પરિણમને ધ્રુવને જાણ્યો, જાણવાનું કાર્ય આવ્યું તેને શુદ્ધનય કહ્યો. વિષય તો ધ્રુવ છે, પણ એને ધ્રુવ જણાયો કયારે? શુદ્ધ પરિણમન થયું ત્યારે જ ધ્રુવ છે એમ જણાયું. એટલે એને શુદ્ધનય કહ્યો. પર્યાયમાં જે અશુદ્ધતા છે તે તો પરસંયોગજનિત ભેદ છે, અને જે નિર્મળ પર્યાય થઈ તેને અભેદમાં ગણી લીધી. અશુદ્ધતાને ભેદમાં ગણીને તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે એમ કહ્યું. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે અને દ્રવ્યની પર્યાય વિકારપણે થઈ છે તેથી તેને અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહ્યો. આ અશુદ્ધદ્રવ્યાર્થિક નય પણ શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે એમ જાણવું. પર્યાય એમ ભેદ પડે તે અશુદ્ધ છે, વ્યવહાર છે. શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિકનય છે તે વ્યવહારનય જ છે. અહીં આત્મા જે ધ્રુવવસ્તુ છે તેને સત્યાર્થ, ભૂતાર્થ અને પરમાર્થ કહી અને અશુદ્ધનયનો વિષય જે રાગાદિ એને અસત્યાર્થ, અભૂતાર્થ અને ઉપચાર કહ્યા. દ્રવ્યના સ્વભાવનું પ્રયોજન સિદ્ધ કરવા આમ કહ્યું છે. ધ્રુવને ધ્યેય બનાવીને તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે. માટે દ્રવ્યની મુખ્યતામાં પર્યાયને ગૌણ કરી તેનું લક્ષ છોડાવવા તેને અસત્યાર્થ કહ્યા છે. અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે, તેથી અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો. પર્યાયમાં વિકાર છે જ નહીં, મલિનતા છે જ નહીં એમ ન માનવું. પર્યાયમાં વિકાર છે તે અપેક્ષાએ તેને સત્યાર્થ જાણવું. વિકાર છે, પર્યાય છે એ અપેક્ષાથી સત્યાર્થ માનવું. પરંતુ સમ્યગ્દર્શનના ધ્યેયમાં દ્રવ્ય અને પર્યાય બન્ને આવી જાય છે એમ ન સમજવું. વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવ છે તેના આશ્રયે ધર્મની પ્રાપ્તિ થાય છે. પર્યાયનો આશ્રય કરવા જાય ત્યાં વિકલ્પ ઊઠે છે, રાગ ઉત્પન્ન થાય છે. તેથી તેને અસત્યાર્થ કહી ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકનું અવલંબન લેવા કહ્યું છે. પણ એમ ન માનવું કે પર્યાયમાં શુદ્ધતા-અશુદ્ધતા કાંઈ ચીજ જ નથી. કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને વસ્તુના ધર્મ છે, અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે. અશુદ્ધતા એ પણ આત્માની પર્યાયનું સત્ત્વ છે. સર્વથા અસત્ય છે, જૂઠું છે એમ નથી. માર્ગ સૂક્ષ્મ અને ગંભીર છે, ભાઈ! એને અપેક્ષાથી ન સમજે તો ગોટા ઊઠે એવું છે. વિકારી અવસ્થાને પણ જીવે ધારી રાખી છે. જેમ દ્રવ્ય-ગુણને ધારી રાખ્યા છે તેમ અશુદ્ધતાને પણ પર્યાયમાં જીવે ધારી રાખી છે. અશુદ્ધતા છે જ નહીં એમ કહે તો પર્યાય ઊડી જાય છે અને અશુદ્ધતાનો આશ્રય લેવા જાય તો ધર્મ થતો નથી. માટે પર્યાયમાં અશુદ્ધતા છે તે સત્યાર્થ છે પણ તે આશ્રય યોગ્ય નથી તેથી અસત્યાર્થ છે એમ અપેક્ષા યથાર્થ સમજવી.
PDF/HTML Page 111 of 4199
single page version
અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. વિકારી ભાવ કર્મના સંયોગથી થાય છે. તે સ્વભાવ નથી એ અપેક્ષાથી સંયોગથી થાય એમ કહ્યું, પણ એ ભાવ પોતામાં પોતાથી થાય છે. વિકારીભાવ છે તો જીવનું પર્યાયસત્ત્વ અને તે પોતાના ષટ્કારકથી સ્વતંત્રપણે પર્યાયમાં થાય છે. વિકારનો કર્તા વિકારી પર્યાય, વિકાર તે પોતાનું કર્મ, વિકાર પોતે સાધન, પોતે સંપ્રદાન, પોતે અપાદાન અને પોતે આધાર. એમ વિકાર એક સમયની પર્યાયમાં પોતાના ષટ્કારકોથી ઉત્પન્ન થાય છે. પરના સંયોગથી વિકાર થાય છે એમ કહેવું એ તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે, ખરેખર પરને લઈને વિકાર થતો નથી.
અશુદ્ધનયને અહીં હેય કહ્યો છે, કારણકે અશુદ્ધનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. અશુદ્ધનયનો વિષય જે સંસાર છે તેને જીવ અનાદિથી પોતાનો માની ચારગતિમાં રખડે છે અને સંસારમાં ક્લેશ-દુઃખ ભોગવે છે.
ત્યારે કોઈ એમ કહે કે અહીં અશુદ્ધ પર્યાયને હેય કહી છે પણ જે શુદ્ધ પર્યાય છે તેનું શું? તો તેનો ઉત્તર એમ છે કે નિયમસારમાં નિર્મળ પર્યાયને પણ હેય કહી છે. અહીં તો દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ છે તેની દ્રષ્ટિ કરાવવા અને પર્યાયમાં જે અશુદ્ધતા છે તેનું લક્ષ છોડાવવા અશુદ્ધતાને અસત્યાર્થ કહી હેય કહેવામાં આવી છે. જીવને અનાદિથી પર્યાયદ્રષ્ટિ છે અને અશુદ્ધતા અને પર્યાયના ભેદોનું લક્ષ પણ અનાદિનું છે તે અહીં છોડાવવાનું પ્રયોજન છે.
અહાહા! ધ્રુવ જ્ઞાયકભાવ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, નિશ્ચય છે, પરમાર્થ છે; અને જે પર્યાયની અશુદ્ધતા છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, વ્યવહાર છે, ઉપચાર છે. તેથી અશુદ્ધનય હેય છે કેમકે તેનો વિષય સંસાર છે અને સંસારમાં જીવ ક્લેશ ભોગવે છે. ચારેય ગતિમાં મિથ્યા શ્રદ્ધાન અને રાગદ્વેષના દાવાનળમાં સંતૃપ્ત થઈ જીવ દુઃખી- દુઃખી થઈ રહ્યો છે. પૈસાવાળા મોટા શેઠીઓ હોય કે રાજ્યના માલિક મોટા રાજા- મહારાજા હોય તે સૌ અજ્ઞાનવશ સંસારમાં મહાદુઃખી છે. લોકો એમને અજ્ઞાનથી સુખી કહે, પણ ખરેખર તે બધા અતિશય દુઃખી છે. જીવ સ્વર્ગમાં જાય તો ત્યાં પણ તૃષ્ણાવશ ભારે દુઃખી છે. નરક-નિગોદનાં દુઃખ તો અપરંપાર છે, અકથ્ય છે.
હવે કહે છે જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. પરદ્રવ્ય અને અશુદ્ધતાનું લક્ષ છોડી, ભગવાન આત્મા જે આનંદનો નાથ ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક પ્રભુ છે તેનો આશ્રય લેતાં સંસાર કહેતાં વિકાર મટે અને ત્યારે ક્લેશ મટી સુખ થાય. નરકના ક્ષેત્રમાં અનાજનો કણ નથી, પાણીનું ટીપું નથી છતાં ત્યાં સમકિતી સુખી છે. સાતમી રૌરવ નરકના સ્થાનમાં
PDF/HTML Page 112 of 4199
single page version
કોઈ જીવ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લઈ સમ્યગ્દ્રષ્ટિ થાય છે તેથી પર્યાયમાં તેને સુખ પ્રગટ થાય છે. ત્રિકાળી દ્રવ્ય આત્મા પોતે સુખનિધાન છે. પર્યાયની દ્રષ્ટિ છોડી જ્યાં દ્રવ્યની દ્રષ્ટિ કરી કે સુખ પ્રગટ થાય છે. આ રીતે દુઃખ મટે છે તેથી શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. સમ્યગ્દર્શન પામ્યા પછી શુદ્ધનયનો આશ્રય પામી વિશેષ-વિશેષ અંતરમાં લીન થતાં ચારિત્ર પ્રગટે છે ત્યાં વિશેષ-વિશેષ સુખ થાય છે. શુદ્ધનયનો આશ્રય સંપૂર્ણ થતાં સંપૂર્ણ વીતરાગતા, કેવળજ્ઞાન અને અનંત સુખ પ્રગટ થાય છે. સુખી થવાનો આ એક જ માર્ગ છે. અશુદ્ધનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફુલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે. જેમ આકાશમાં ફૂલ નથી તેમ જીવની અવસ્થામાં અશુદ્ધતા છે જ નહીં એમ નથી. મુખ્ય- ગૌણ કરીને સત્યાર્થ-અસત્યાર્થની વ્યાખ્યા કરી છે. મુખ્યને સત્ય કહી ગૌણને અસત્ય કહેલ છે. પણ પર્યાયમાં અશુદ્ધતા નથી એવું નથી. અશુદ્ધતા પર્યાયધર્મનું સત્ત્વ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય સત્ છે, માટે અશુદ્ધતા સર્વથા અસત્યાર્થ ન સમજવી. એમ સર્વથા એકાંત સમજતાં મિથ્યાત્વ રહે છે. સ્વભાવદ્રષ્ટિની મુખ્યતામાં વિકારને અસત્યાર્થ કહ્યો, તે પર્યાયને જોતાં સત્યાર્થ છે. પર્યાયમાં જો વિકાર નથી તો દુઃખ નથી, સંસાર નથી. તો પછી તે ટાળવાનો ઉપાય પણ કેમ હોય? માટે પર્યાયમાં અશુદ્ધતા છે એમ જાણવું, સર્વથા એકાંત ન માનવું. માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ. પર્યાયમાં અશુદ્ધતા છે તેનું યથાર્થ જ્ઞાન કરી તેનું લક્ષ છોડવું, અને એકમાત્ર ધ્રુવ જ્ઞાયકને સત્યાર્થ સ્વીકારી તેનો આશ્રય કરવો. તેથી રત્નત્રયધર્મ પ્રગટ થાય છે. પર્યાયમાં અશુદ્ધતા છે તે પોતાની જ ભૂલથી છે. રાગપણે પરિણમે તે પોતાનો પર્યાયધર્મ છે. ધર્મ એટલે મોક્ષમાર્ગરૂપ ધર્મ એની અહીં વાત નથી, અશુદ્ધતા પોતાની પર્યાયે ધારી રાખેલ છે તેથી તે પર્યાયધર્મ છે એમ કહ્યું છે. આમ સ્યાદ્વાદનું શરણ લઈ એટલે જ્યાં જેવી અપેક્ષા છે તેનું યથાર્થ જ્ઞાન કરી શુદ્ધનયનું આલંબન કરવું. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું. એટલે જ્યાં પર્યાયમાં પૂર્ણસ્વરૂપ પ્રગટ થઈ ગયું, પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયાં ત્યાં શુદ્ધનયનું આલંબન પૂરું થઈ ગયું. પછી આલંબન કરવાનું પ્રયોજન રહ્યું નહીં, આલંબન પણ રહ્યું નહીં. જે વસ્તુસ્વરૂપ છે તે છે-એ પ્રમાણદ્રષ્ટિ છે. દ્રવ્યનો સંપૂર્ણ આશ્રય લઈને કેવળજ્ઞાન થયું ત્યાં આત્માનું પ્રમાણજ્ઞાન થઈ ગયું. પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ ગઈ. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. અહીં (જ્ઞાયકભાવ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત-અપ્રમત્ત’ એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને
PDF/HTML Page 113 of 4199
single page version
સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથમાંની છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે.
આત્મા જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વરૂપ છે તે એકાંત સત્ય છે. તે કોઈ અપેક્ષાએ અસત્ય ન થાય. સત્ય-અસત્યની અપેક્ષા પર્યાયમાં લાગુ પડે. પર્યાય પોતાના હોવાપણાની અપેક્ષાએ સત્ય છે અને ત્રિકાળી ધ્રુવની દ્રષ્ટિ કરતાં ગૌણ-અસત્ય છે. સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયનો વિષય છે તેથી ગૌણ છે, અસત્યાર્થ છે. કેમકે તેનો આશ્રય લે તો સંસાર ઊભો થાય અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય લે તો દુઃખ મટી જાય અને મોક્ષ થાય.
શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે. એટલે આત્મા જે એક ચૈતન્ય-ચૈતન્ય સામાન્ય એકરૂપ અભેદ ધ્રુવસ્વરૂપ છે તે જ્ઞાયક જ છે. તેમાં ચૌદેય ગુણસ્થાનોના ભેદો નથી. દ્રવ્ય અને પર્યાય એ બન્ને વસ્તુમાં હોવા છતાં આ એકરૂપ જ્ઞાયકભાવમાં પર્યાયો નથી. મલિન, વિકારી પર્યાયો તો નથી પણ સંવર, નિર્જરા અને મોક્ષની શુદ્ધ પર્યાયો પણ નથી. આવો એકરૂપ અભેદ જે જ્ઞાયકભાવ એ જ ધ્યેયરૂપ છે. અહીં અશુદ્ધનું લક્ષ છોડાવ્યું તેનો અર્થ એ છે કે જે નિર્મળ પર્યાય છે તે તો દ્રવ્યનો જ આશ્રય લે છે. અશુદ્ધતા છે તે પર્યાયમાં છે, દ્રવ્ય-ગુણમાં નથી. તેથી અશુદ્ધતાને ગૌણ કરી, નિર્મળાનંદ, ધ્રુવ જ્ઞાયકનું લક્ષ કરતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે અને તે ધર્મ છે.
ભાઈ! આ (જ્ઞાયક) તો વીતરાગ થવાનું કારખાનું છે. કોઈ કહે છે કે સોનગઢમાં સિદ્ધ થવાની ફેક્ટરી છે. વાત સાચી છે. આ તત્ત્વ સમજીને કોઈ દ્રવ્યનો- ધ્રુવનો આશ્રય લે તો જરૂર સિદ્ધપદ પામે એવી અફર આ વાત છે. શુદ્ધ પર્યાય ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે છે તે માર્ગ છે. પર્યાય ધ્રુવનું ધ્યાન કરે છે. આગળ ગાથા ૩૨૦ની આચાર્ય જયસેનની ટીકામાં આવે છે કે-‘ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય અવિનશ્ચર શુદ્ધ પારિણામિક પરમભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું.’ પર્યાય એમ જાણે-અનુભવે છે કે ત્રિકાળી દ્રવ્ય તે હું છું. ન્યાલભાઈએ કહ્યું છે કે -‘પર્યાય મારું ધ્યાન કરે તો કરો, હું કોનું ધ્યાન કરું?’ માટે એકલો જે જ્ઞાયક ધ્રુવ ભગવાન છે તે એક જ દ્રષ્ટિનો વિષય આશ્રય કરવા યોગ્ય છે, નિર્મળ પર્યાય પણ આશ્રય કરવા યોગ્ય નથી એમ નિશ્ચય કરવો.
PDF/HTML Page 114 of 4199
single page version
दर्शनज्ञानचारित्रवत्त्वेनास्याशुद्धत्वमिति चेत्–
ण वि णाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो।।
नापि ज्ञानं न चरित्रं न दर्शनं ज्ञायकः शुद्धः।। ७।।
હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર-એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા, એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે! આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-
ગાથાર્થઃ– [ज्ञानिनः] જ્ઞાનીને [चरित्रं दर्शनं ज्ञानम्] ચારિત્ર, દર્શન, જ્ઞાન- એ ત્રણ ભાવ [व्यवहारेण] વ્યવહારથી [उपदिश्यते] કહેવામાં આવે છે; નિશ્ચયથી [ज्ञानं अपि न] જ્ઞાન પણ નથી, [चरित्रं न] ચારિત્ર પણ નથી અને [दर्शनं न] દર્શન પણ નથી; જ્ઞાની તો એક [ज्ञायकः शुद्धः] શુદ્ધ જ્ઞાયક જ છે.
ટીકાઃ– આ જ્ઞાયક આત્માને બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિદ્યમાન નથી; કારણ કે અનંત ધર્મોવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે, ઉપદેશ કરતા આચાર્યોનો-જોકે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તોપણ
PDF/HTML Page 115 of 4199
single page version
નામથી ભેદ ઉપજાવી-વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કાંઈક-મળી ગયેલા આસ્વાદવાળું, અભેદ, એકસ્વભાવી (તત્ત્વ)-અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે.
ભાવાર્થઃ– આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર જ રહો, પણ તેને દર્શન, જ્ઞાન, ચારિત્રના પણ ભેદ નથી; કારણ કે વસ્તુ અનંતધર્મરૂપ એકધર્મી છે. પરંતુ વ્યવહારી જન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા, તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે. પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી.
અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તેનું સમાધાનઃ- એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદદ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે ત્યાં નયનું આલંબન જ રહેતું નથી.
હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર-એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા, એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે? આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ
પ્રવચન નંબર, ૧૮–૨૦ તારીખ ૧૭–૧૨–૭પ થી ૨૦–૧૨–૭પ
જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન-એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી; જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે.
PDF/HTML Page 116 of 4199
single page version
આ દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણ ભાવ જ્ઞાનીને નથી. શું કહેવા માગે છે? કે ત્રિકાળી જ્ઞાયકમાં આ દર્શન, આ જ્ઞાન, આ ચારિત્ર એવા ભેદ નથી. જ્ઞાયક તો અખંડ, અભેદરૂપ છે. એવા જ્ઞાયકમાં ત્રણ ભેદ પાડે ત્યાં વિકલ્પ ઊઠે છે, રાગ થાય છે. ત્રિકાળી જ્ઞાયક પરમાત્મામાં નિર્મળ પર્યાયને પણ ભેગી ગણે તો વ્યવહાર થઈ જાય છે; અશુદ્ધનય થઈ જાય છે. અશુદ્ધનય કહો, અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહો, પર્યાયાર્થિકનય કહો કે વ્યવહારનય કહો, -તે એકાર્થવાચક છે.
આચાર્ય ભગવાને જે અપેક્ષાએ જે વાત કરી હોય તે બરાબર સમજવી જોઈએ તેમાં કાંઈપણ આઘુંપાછું કરવા જાય તો વિપરીત થઈ જશે. અહીં કહે છે કે જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન એમ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે, એટલે કે તે અસત્યાર્થ કહેવામાં આવે છે. નિશ્ચયદ્રષ્ટિમાં આ ગુણ અને આ ગુણી એવા ભેદ છે જ નહીં. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. અહાહા...! વસ્તુ-આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે, અભેદ છે. અભેદમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ગુણો છે એમ કહેવું તે વ્યવહાર છે. ગુણો છે ખરા, પણ ગુણ-ભેદ નથી. અભેદદ્રષ્ટિથી જોનારને ભેદ દેખાતો જ નથી. પ્રવચનસારમાં અલિંગગ્રહણના અઢારમા બોલમાં કહ્યું છે કે ‘આત્મા ગુણવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે.’ કહે છે કે ગુણી એવો આત્મા ગુણભેદને સ્પર્શતો નથી, આલિંગન કરતો નથી. અહાહા...! એકલો અભેદ, અભેદ છે. અભેદમાં ભેદ ઉપજાવતાં-આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે એમ ભેદ ઉપજાવતાં પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે, સમ્યગ્દર્શનાદિ થતાં નથી.
અહીં છઠ્ઠી ગાથાથી પણ હવે આગળ વાત લઈ જાય છે. છઠ્ઠી ગાથામાં વ્યવહારના ત્રણ પ્રકારનો નિષેધ કરીને હવે અહીં ચોથા અનુપચરિત સદ્ભૂત વ્યવહારનયનો નિષેધ કરે છે.
૧૧ મી ગાથામાં વ્યવહારનયના ચારેય ભેદનો નિષેધ કર્યો છે. બધોય વ્યવહાર અભૂતાર્થ છે એમ કહીને જૈનદર્શનનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું છે. અસદ્ભૂત વ્યવહારના બે પ્રકાર-એક ઉપચરિત અસદ્ભૂત અને બીજો અનુપચરિત અસદ્ભૂત. તથા સદ્ભૂત વ્યવહારના બે ભેદ-એક ઉપચરિત સદ્ભૂત અને બીજો અનુપચરિત સદ્ભૂત. તેમાં ત્રણ ભેદોનો છઠ્ઠી ગાથામાં નિષેધ કર્યો છે. અને અનુપચરિત સદ્ભૂતવ્યવહારનો આ સાતમી ગાથામાં નિષેધ કરે છે.
જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા-આવા ભેદ જ્ઞાયકમાં નથી. આવા ભેદ તે અનુપચરિત સદ્ભૂત વ્યવહારનયનો વિષય છે. જ્ઞાયક તો જ્ઞાયક અભેદમાત્ર છે.
PDF/HTML Page 117 of 4199
single page version
આઠમી ગાથામાં એમ કહ્યું કે-‘દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે.’ આમ ભેદ પાડીને સમજાવ્યું છે. નવમી-દશમી ગાથામાં એમ કહ્યું કે જ્ઞાન છે તે આત્મા છે. આમ ભેદ પાડીને કથન કર્યું તે સદ્ભૂત વ્યવહારનય છે. તેનો અહીં નિષેધ કરીને કહે છે કે આત્મા તો એક શુદ્ધ જ્ઞાયક જ છે, તેમાં કોઈ ભેદ નથી.
આ જ્ઞાયક આત્માને બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિદ્યમાન નથી. ત્રિકાળી વસ્તુ અભેદ છે. એમાં ભેદ કયાં છે? આચાર્ય જયસેનની ટીકામાં અગ્નિનો દાખલો આપ્યો છે. અગ્નિમાં પાચક, પ્રકાશક અને દાહક એમ ત્રણ ગુણ છે. એમ આત્મામાં દર્શનગુણ પાચક છે, જ્ઞાનગુણ પ્રકાશક છે, ચારિત્રગુણ દાહક છે. આ ત્રણ ભેદ પાડવા એ વ્યવહાર છે. નિશ્ચયથી એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિદ્યમાન નથી. અભેદની હયાતીમાં ભેદની હયાતી રહેતી નથી. અહા! ત્રિકાળ એક જ્ઞાયકભાવની દ્રષ્ટિ કરતાં પર્યાયભેદ દેખાતો નથી એ તો ઠીક, પણ અંદર ગુણો છે છતાં ગુણભેદ પણ દેખાતો નથી.
આ મૂળ ચીજને જાણ્યા વિના જન્મ-મરણ મટે એમ નથી. એકલો અભેદ જ્ઞાયક તે મૂળચીજ છે. એને પર્યાયમાં અનાદિથી કર્મબંધ છે. તે બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું આવે એ તો દૂર રહો, પણ એમાં શુદ્ધતાના ભેદો પણ નથી. અશુદ્ધતા તો નથી જ, પણ ભગવાન જ્ઞાયક એકરૂપ વસ્તુમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર જે મોક્ષનો માર્ગ છે, શુદ્ધ છે એ પણ વિદ્યમાન નથી. સમ્યગ્દર્શનનો વિષય કે નિર્વિકલ્પ ધ્યાનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ એકરૂપ જ્ઞાયક તેમાં સમ્યગ્દર્શન આદિ શુદ્ધ પર્યાયોના ભેદ નથી. અહાહા...! એકલા અભેદ જ્ઞાયકમાં અશુદ્ધતા તો નથી પણ દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાયના ભેદનો પણ અવકાશ નથી.
કહ્યું ને કે જ્ઞાયકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વિદ્યમાન નથી. વિદ્યમાન નથી એટલે અભેદ દ્રષ્ટિમાં આ ભેદો જણાતા નથી. તે અભેદદ્રષ્ટિના વિષય નથી. ભેદનું લક્ષ કરવા જાય ત્યાં વિકલ્પ થાય છે, રાગ થાય છે. ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. સમ્યગ્દર્શન એ નિર્વિકલ્પ દશા છે. તે કેમ પ્રગટ થાય એની આ અદ્ભુત વાત છે. આત્મા શુદ્ધ જ્ઞાયક છે. તેની સાથે જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધ પર્યાય ભેળવો તો નિર્વિકલ્પ સમકિત નહીં થાય. અશુદ્ધપણાની વાત તો છોડી દો, દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધ પર્યાયના ભેદ પણ અખંડ જ્ઞાયકની દ્રષ્ટિથી બહાર રહી જાય છે. અભેદદ્રષ્ટિમાં પર્યાયભેદ નજરમાં આવતો જ નથી.
PDF/HTML Page 118 of 4199
single page version
હવે કહે છે-અનંત ધર્મોવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તોપણ નામથી ભેદ ઉપજાવી-વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે.
આત્મા એક જ્ઞાયક વસ્તુ છે. એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ધર્મો છે. આવા અનંતધર્મોવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી, એટલે કે અનંતધર્મો હોવા છતાં અભેદ એકત્વરૂપ ધર્મીનું જેને જ્ઞાન નથી, અનુભવ નથી એવા નિકટવર્તી શિષ્યને ભેદ પાડી સમજાવવામાં આવે છે. અહીં નિકટવર્તી શિષ્ય લીધો છે. શિષ્ય બે પ્રકારે નિકટ છે-ક્ષેત્રથી અને ભાવથી. એટલે કે પાત્ર થઈને મુમુક્ષુતા પ્રગટ કરીને જિજ્ઞાસાથી તત્ત્વ સમજવા સમીપમાં આવ્યો છે. એવા શિષ્યને ભેદ પાડી વ્યવહારથી સમજાવવામાં આવે છે. અનંતધર્મોવાળો ધર્મી આત્મા એક છે, સ્વભાવથી અભેદરૂપ છે, તોપણ તેને ઓળખાવવા માટે શિષ્યને ભેદ પાડી સમજાવવું પડે છે, કેમકે બીજો કોઈ ઉપાય નથી. તેથી અનંત ધર્મોમાંથી ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે શિષ્યને ઉપદેશ આપવામાં આવે છે કે જ્ઞાનીને જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. નામમાત્રથી જ ભેદ ઉપજાવી આચાર્યોએ વ્યવહારથી જ આવો ઉપદેશ આપ્યો છે.
જેમકે સુખડના લાકડામાં સુગંધ છે. સુંવાળપ છે, વજન છે ઇત્યાદિ નામમાત્ર ભેદ પાડી (સુખડ) સમજાવવામાં આવે છે. ખરેખર તેમાં એવા ભેદ નથી. તેમ આ ભગવાન આત્મામાં ભેદ નથી. તે તો અભેદ એક વસ્તુ છે. પરંતુ જેને તે અભેદ એક શુદ્ધ દ્રવ્યનું જ્ઞાન નથી એવા પાત્ર શિષ્યને ઉપદેશ કરનાર આચાર્યો કથનમાત્ર ભેદ પાડી વસ્તુતત્ત્વ સમજાવે છે-કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે.
સંસારમાં બધા ભણે છે. કોઈ મેટ્રિક, બી. એ., એલ એલ.બી., એમ. ડી. વગેરે થાય છે ને? એ તો બધી પાપની વિદ્યા છે. એવી વિદ્યા તો અનંતવાર પ્રાપ્ત કરી છે, પણ આ વિદ્યા એકવાર પણ પ્રાપ્ત કરી નથી. ભગવાન આત્મા જે અખંડ એકરૂપ જ્ઞાયક છે તેને જાણવા-અનુભવવાની વિદ્યા અનંતકાળમાં એકવાર પણ પ્રાપ્ત કરી નથી. (એક વાર પણ જ્ઞાયકમાં ડોકિયું કરે તો ભવોભવનાં દુઃખ મટી જાય).
અહાહા! આચાર્યોએ નામથી ભેદ ઉપજાવી વ્યવહારથી શિષ્યને ઉપદેશ આપ્યો કે આત્મા દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી એકરૂપ, કિંચિત્ એકમેક મળી ગયેલા આસ્વાદરૂપ, અભેદ એકસ્વભાવ વસ્તુનો અનુભવ કરનાર પંડિત પુરુષને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી અને ચારિત્ર પણ નથી, તે તો એક શુદ્ધ જ્ઞાયક જ છે.
PDF/HTML Page 119 of 4199
single page version
પરમાર્થથી એટલે વસ્તુદ્રષ્ટિથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી એકરૂપ છે. અહીં પર્યાય શબ્દનો અર્થ ગુણ કરવો, કેમકે ગુણને સહવર્તી પર્યાય કહેવામાં આવે છે. સમયસાર ગાથા ૨૯૪ની ટીકામાં આત્માનું સ્વલક્ષણ બતાવ્યું છે ત્યાં ગુણને સહવર્તી પર્યાય કહી છે, અને બદલાતી દશાને ક્રમવર્તી પર્યાય કહી છે. ગુણો બધા દ્રવ્યમાં એકસાથે રહે છે તેથી ગુણને સહવર્તી પર્યાય કહેલ છે. આ સઘળા અનંત ગુણોને એક દ્રવ્ય પીને બેઠું છે એટલે તે અનંતગુણો દ્રવ્યમાં અભેદપણે છે, કદી ભેદરૂપ થતા નથી. માટે દ્રવ્ય એકરૂપ છે.
વળી તે અનંતગુણોના સ્વાદો એકમેક મળી ગયેલા અભેદ છે. જ્ઞાનનો સ્વાદ, આનંદનો સ્વાદ, એમ બધા સ્વાદ મળી ગયેલા અભેદ છે. જેમ ઉનાળામાં દૂધિયું કરે છે ને? તેમાં બદામ, ચારોળી, પિસ્તા ઇત્યાદિ ભિન્ન-ભિન્ન છે, છતાં બધાતો સ્વાદ એકરૂપ છે. એમ અનંતગુણોનો સ્વાદ મળી ગયેલો અભેદ એક છે. અહા! અશુદ્ધતાનું લક્ષ છોડી, ભેદનું પણ લક્ષ છોડી એકલા જ્ઞાયક ઉપર દ્રષ્ટિ પડતાં અભેદ એક મળી ગયેલા આસ્વાદવાળું એકસ્વભાવી તત્ત્વ અનુભવમાં આવે છે.
જેને આત્મકલ્યાણ કરવું હોય, સુખી થવું હોય, જન્મ-મરણથી છૂટવું હોય તેણે શું કરવું? તો કહે છે કે જે એક જ્ઞાયકભાવ અભેદ વસ્તુ છે તેને અનુભવમાં લેવો. આવા એકસ્વભાવી અભેદ આત્મતત્ત્વ અનુભવનાર જ્ઞાની પુરુષને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી. તો શું છે? તો કહે છે કે એક શુદ્ધ જ્ઞાયક જ છે. જુઓ એકાંત કીધું કે એક શુદ્ધ જ્ઞાયક જ છે, એકલો અભેદ છે. અહાહા! એકલો ચૈતન્ય જ્ઞાયકભાવ, અભેદસ્વભાવ, એકભાવ, સામાન્યસ્વભાવ, નિત્યસ્વભાવ, ધ્રુવસ્વભાવ, સદ્રશએકરૂપસ્વભાવ એ જ એક સમ્યગ્દર્શનનો વિષય છે. આ તો સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે કહેલું અલૌકિક વીતરાગ દર્શન છે.
આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર રહો એટલે કે તેમાં અશુદ્ધપણું તો નથી પણ તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદ પણ નથી, કારણ કે વસ્તુ અનંતધર્મરૂપ એક ધર્મી છે. વસ્તુ તો અભેદ એક છે.
વ્યવહારીજન ધર્મોને જ સમજે છે. ધર્મીને નથી જાણતો. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા એમ વ્યવહારી જન ધર્મોને સમજે છે પણ અખંડ એકરૂપ ધર્મી જે જ્ઞાયક તેને નથી જાણતો. તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદ વસ્તુમાં પણ
PDF/HTML Page 120 of 4199
single page version
ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચરિત્ર છે.
વસ્તુમાં અસ્તિત્વ, વસ્તુતત્વ, દ્રવ્યત્વ, ઇત્યાદિ સાધારણ ધર્મો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, આદિ આત્માના અસાધારણ ધર્મો છે. અભેદ વસ્તુમાં પરમાર્થે ભેદ ન હોવા છતાં, આ અસાધારણ ધર્મો દ્વારા કથનમાત્ર ભેદ ઉત્પન્ન કરી આચાર્યો ઉપદેશ આપે છે કે આત્માને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. જે જ્ઞાની નથી એને સંતો નામમાત્રથી ભેદ પાડી સમજાવે છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે, વ્યવહાર છે તેથી અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આગળ આઠમી ગાથામાં કહેશે કે વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે, પણ અનુસરવા યોગ્ય નથી. એટલે કે વ્યવહાર છે ખરો, ભેદથી સમજાવવાની શૈલી છે ખરી, પણ ભેદ અનુસરવા લાયક નથી. ભેદના લક્ષે અશુદ્ધતા આવે છે, નિર્વિકલ્પતા થતી નથી.
પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી. દ્રવ્ય બધા ભેદોને પીને બેઠું છે. વસ્તુ અંદર એકાકાર અભેદરૂપે સ્થિત છે, તેથી તેમાં ભેદ નથી. ભેદથી સમજાવવામાં આવે છે તે કથનમાત્ર છે. આવો ધર્મ ઝીણો છે ભાઈ! લોકો બિચારા આ સમજે નહીં અને સામાયિક, પ્રૌષધ, જાત્રા, ભક્તિ આદિ બાહ્ય ક્રિયા કરે. પણ સત્ય હાથ આવ્યા વિના ચોરાશીના અવતારમાં રખડવાનું છે. જ્યારે અભેદદ્રષ્ટિથી આત્માને જુએ ત્યારે સત્ય હાથ આવે તેમ છે.
ત્યારે અહીં શિષ્યને પ્રશ્ન થાય છે કે-પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? પ્રથમ શિષ્યનો પ્રશ્ન બરાબર સમજવો જોઈએ. ભેદ જે પર્યાય છે તે દ્રવ્યનો જ પોતાનો અંશ છે, અવસ્તુ એટલે કે પરવસ્તુ તો નથી. જેમ શરીર પર છે, કર્મ પર છે એમ પર્યાય પર છે એમ નથી. પર્યાય તો સ્વદ્રવ્યનો અંશ છે તેથી સ્વવસ્તુ છે, પોતાની છે, પોતામાં છે, નિશ્ચય છે. તો તેને વ્યવહાર કેમ કહેવાય? ભાષા તો સાદી છે, પણ ભાવ ઘણો ઊંડો છે, ભાઈ! અહો! પંડિત જયચંદ્રજીએ કેવો સરસ ખુલાસો કર્યો છે!
તેનું સમાધાનઃ– એ તો ખરું છે. પર્યાય વસ્તુનો જ ભેદ છે પણ અહીં દ્રવ્યદ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે!
દ્રવ્ય અને પર્યાય બન્ને આત્માની ચીજ છે. પર્યાય છે તે પણ વસ્તુ છે, અવસ્તુ નથી. પરંતુ અહીં પર્યાયદ્રષ્ટિ છોડાવી દ્રવ્યદ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી અભેદને મુખ્ય