Pravachan Ratnakar (Gujarati). Gatha: 5-6.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 210

 

PDF/HTML Page 81 of 4199
single page version

ઉપાય કરવા તે ઈન્દ્રિયોના વિષયો તરફ ઝુકાવ કરે છે. તૃષ્ણારૂપી રોગની પીડા સહન નહીં થવાથી તે આકળ-વિકળ બની સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અને શબ્દ એવા વિષયો તરફ ઝૂકે છે, વિષયોમાં જ ઝંપલાવે છે. પરંતુ અરેરે! આ વિષયો તો મૃગજળ જેવા છે.

જેમ ખારી જમીનમાં સૂર્યનાં કિરણો પડે તો તે પાણી જેવું દેખાય પાણી છે નહીં, માત્ર દેખાય છે. તેમ પંચેન્દ્રિયના વિષયો રમ્ય છે નહીં, માત્ર દેખાય છે. તેથી આ વિષયો તો મૃગજળ જેવા છે, દેખાવમાત્ર રમ્ય છે. આ જાણી લઉં, આ ખાઈ લઉં, આ સાંભળી લઉં, આ ભોગવી લઉં, સ્ત્રી, મકાન ઈત્યાદિ ભોગવી લઉં એમ એકસાથે વિષયોના સમૂહમાં કૂદી પડે છે. અહા! સિત્તેર, સિત્તેર વર્ષના આયુષ્ય વીતી ગયાં તેમાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપના વિકલ્પોની મજૂરી જ એણે કરી છે. કરોડપતિ અને અબજોપતિ મોટા તૃષ્ણારૂપી રોગના દાહને શમાવવા મૃગજળ જેવા વિષયોને સેવે છે, પણ તેમાં ક્યાંય સુખ મળે એમ નથી. મફતનો મિથ્યા ફાંફાં જ મારે છે.

વળી તે જીવો પરસ્પર આચાર્યપણું પણ કરે છે. એટલે કે બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે. આચાર્યપણું કરે છે એટલે એકબીજાને સમજાવે છે, શિખામણ આપે છે કે આપણે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, છોકરાંને ભણાવવાં જોઈએ, મોટાં કરવા જોઈએ, પરણાવવાં જોઈએ. વ્યવહારમાં તો બધું કરવું જોઈએ ને? ધર્મ તો વૃદ્ધાવસ્થામાં કરશું હમણાં તો આપણી ફરજ બજાવવી જોઈએ, ઈત્યાદિ પરસ્પર આચાર્યપણું કરે છે. આવા જીવલોકને મિથ્યાત્વરૂપી ભ્રમણા થઈ રહી છે. જેમ વંટોળિયામાં તણખલું ઊડીને ક્યાં જઈ પડશે તેની ખબર નથી તેમ આ સંસારમાં રખડતા જીવો મરીને કાગડે, કૂતરે,.. . ક્યાં ચાલ્યા જશે? અરે! ચોરાશીના અવતાર કરી-કરીને જીવો દુઃખી દુઃખી થઈ રહ્યા છે, દુઃખમાં પીલાઈ રહ્યા છે.

અંદર આનંદનો નાથ પોતે છલોછલ સુખથી ભરેલો છે તેની સામે નજર કોઈ દિવસ કરી નહીં. આનંદના નિધાન પ્રભુ પરમાત્માની સામે નજર ન કરતાં ઈચ્છા અને ઈચ્છાનું ભોગવવું એમ કામભોગની કથા અનંતવાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવમાં પણ લીધી. તેથી આ કામભોગ બંધની કથા સૌને સુલભ છે એટલે કે સૌને સહેલાઈથી પ્રાપ્ત થાય તેવી છે.

કામભોગની કથા કહેતાં વિષયો સંબંધી રાગની અને રાગના ભોગવવાની કથા અનંતવાર સાંભળી છે. વિષયભોગ લેવો તે એકલો કામભોગ નથી. જીવ સ્ત્રીના શરીરને ભોગવતો નથી. શરીર તો હાડ, માંસ, ચામડાં છે. એ તો અજીવ છે, જડ છે. એને તે ઈષ્ટ ગણીને રાગ કરે છે. તે રાગને અનુભવે છે, ભોગવે છે, શરીરને નહીં. એમ મેસુબ, પાક વગેરે


PDF/HTML Page 82 of 4199
single page version

જીવ ખાતો (ભોગવતો) નથી, એ ક્રિયા તો જડની છે. એ ઉપર લક્ષ જાય એટલે રાગને ભોગવે છે. જડને શું ભોગવે? આત્મા તો અરૂપી છે, રૂપીને તે કઈ રીતે ભોગવે? અરે! કોઈ દિવસ સાંભળ્‌યું નથી. જેમ કૂતરો સૂકું હાડકું ચાવે ને દાઢમાં લોહી નીકળે. ત્યાં એને એમ થાય કે હાડકામાંથી લોહી આવે છે. તેમ અજ્ઞાની દેહ, વાણી, લાડું, દાળ, ભાત ખાય ત્યાં એના રાગનો સ્વાદ જણાય છે, પણ તે એમ માને કે દેહ, વાણી આદિમાંથી સ્વાદ આવે છે. એને ખબર નથી કે શું ભોગવાય છે. આંધળે આંધળો હાલ્યો જાય છે. એણે કદી આત્માની વાત સાંભળી જ નથી.

અરે! આ સાંભળવાની જે ઈચ્છા છે એ પણ વિષય છે. ત્યાં એની પ્રીતિમાં રોકાઈ જાય છે એ પણ વિષય છે. ભાઈ! ઊંડી વાત છે. આ તો અધ્યાત્મની કથા છે. બાપુ! જીવની ભૂલ શું છે અને એ કેમ થાય છે એ બતાવે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો-દેવો, શેઠિયા, કરોડપતિઓ, જે બધા ધૂળના (સંપત્તિના) ધણી કહેવાય છે તે બધાએ રાગની વાતો સાંભળી છે અને રાગને ભોગવી રહ્યા છે. તેથી તે તો એ સૌને સુલભ છે. પરંતુ રાગથી ભિન્ન સહજ શુદ્ધ આત્માનું એકપણું સુલભ નથી.

નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું આ ભિન્ન આત્માનું એકપણું જ સુલભ નથી. જુઓ, રાગથી ભિન્ન અને પરલક્ષી જ્ઞાનથી પણ ભિન્ન અને પોતાથી અભિન્ન એવા આત્માનું એકપણું, નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. જીવે પરલક્ષી જ્ઞાન પણ અનંત વાર કર્યું છે. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન છે એ પણ પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્માનું એકપણું ભિન્ન દેખાતું નથી. રાગ અને પરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના ધ્યેય અને લક્ષે જે ભેદજ્ઞાન થાય એ ભેદજ્ઞાનથી આત્માનું એકપણું દેખવામાં આવે છે. જેમ પ્રકાશમાં જ ચીજ સ્પષ્ટ દેખાય તેમ ભેદજ્ઞાનપ્રકાશમાં જ આત્મવસ્તુ સ્પષ્ટપણે ભિન્ન દેખાય છે. નિર્મળ ભેદજ્ઞાનપ્રકાશ વડે આત્માનું એકપણું સ્પષ્ટ દેખવું એ મુદની વાત છે, ભાઈ! બાકી દયા પાળો, ભક્તિ કરો, વ્રત કરો ઈત્યાદિ બધાં થોથાં છે.

અહો! માત્ર આ ભિન્ન આત્માનું એકપણું સ્વભાવથી જ સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તે ભેદજ્ઞાનપ્રકાશથી દેખાય છે. આનંદનો નાથ ચૈતન્યચમત્કાર પ્રભુ અંદરમાં પ્રકાશમાન છે તેને ભેદજ્ઞાનપ્રકાશથી જોવા કદી દરકાર કરી નથી. આવું અંદરમાં ચકચકાટ કરતી આત્મવસ્તુનું એકપણું કષાયચક્ર સાથે એકરૂપ જેવુું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે, ઢંકાઈ ગયું છે. દયા. દાન, ભક્તિ આદિ શુભ વિકલ્પો અને હિંસાદિ અશુભ વિકલ્પોમાં એકરૂપ થતાં (માનતાં) ભગવાન આત્માનું એકપણું ઢંકાઈ ગયું છે.


PDF/HTML Page 83 of 4199
single page version

અહાહા! ભેદજ્ઞાનપ્રકાશથી સ્પષ્ટ દેખવામાં આવે છે એવી અંતરંગમાં ચકચકાટ કરતી જ્ઞાનરૂપી પ્રકાશની મૂર્તિ અસંખ્ય પ્રકારના શુભાશુભ વિકલ્પો સાથે એકરૂપ જેવી માનવામાં આવતાં ઢંકાઈ ગઈ છે, રાગની એકત્વબુદ્ધિ આડે એ નજરમાં આવતી નથી.

રાગના વિકલ્પો અને પરલક્ષી જ્ઞાન એ જ જાણે મારી ચીજ છે એવી માન્યતાને આડે જ્ઞાયક પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ ઢંકાઈ ગઈ છે. પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી અર્થાત્ પોતાને આત્માના જ્ઞાનનો અભાવ હોવાથી અંદર પ્રકાશમાન ચૈતન્યચમત્કાર વસ્તુ પડી છે તેને કદીય જાણી કે અનુભવી નથી. પોતે આત્માનું એકપણું નહીં જાણતો હોવાથી તથા આત્માને જાણનારા સંતો-જ્ઞાનીઓની સંગતિ-સેવા નહીં કરી હોવાથી ભિન્ન આત્માનું એકપણું કદી સાંભળ્‌યું નથી, પરિચયમાં આવ્યું નથી અને તેથી અનુભવમાં પણ આવ્યું નથી. આત્મજ્ઞ સંતોએ રાગથી અને પરલક્ષી જ્ઞાનથી ભિન્ન આત્માનું એકપણું કહ્યું, પણ તે એણે માન્યું નહીં તેથી તેમની સંગતિ-સેવા કરી નહીં એમ કહ્યું છે. ગુરુએ જેવો આત્મા કહ્યો તેવો માન્યો નહીં, પરંતુ બાહ્ય પ્રવૃત્તિમાં જીવ રોકાઈ ગયો. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઈત્યાદિના શુભરાગમાં ધર્મ માનીને રોકાઈ ગયો.

ભાઈ! લોકો માને છે તેનાથી માર્ગ તદ્ન જુદો છે. સમ્યગ્દર્શન અને તેનો વિષય જેનાથી જન્મ-મરણનો અંત આવે એ વાત તદ્ન જુદી છે. દિગંબર સંતોએ અને કેવળીઓએ તે કહી છે, તેણે સાંભળી પણ છે, પરંતુ માની નથી તેથી સંગતિ- સેવા કર્યાં નહીં એમ કહે છે. સાંભળવા તો મળ્‌યું છે કેમકે સમોસરણમાં અનંત વાર ગયો છે. સમોસરણમાં એટલે ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંત પરમાત્માની ધર્મસભામાં, જ્યાં ઈન્દ્રો અને એકાવતારી પુરુષો, વાઘ અને સિંહ આદિ બેઠા હોય છે ત્યાં અનંત વાર ગયો છે. પણ કેવળી આગળ રહી ગયો કોરો, કેમકે કેવળી ભગવાને જેવો શુદ્ધાત્મા ભિન્ન બતાવ્યો તેવો માન્યો નહીં. ભગવાનની દિવ્યધ્વનિનો સાર જે શુદ્ધાત્મા તે અભિપ્રાયમાં લીધો નહીં. માત્ર દ્રવ્યક્રિયાનો અભિપ્રાય પકડી દ્રવ્યસંયમ પાળવામાં મગ્ન થયો. એવો દ્રવ્યસંયમ પાળી અનંતવાર નવમી ગ્રૈવેયકનો દેવ થયો. છ-ઢાળામાં આવે છે ને કેઃ-

મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયૌ,
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ.

દ્રવ્યસંયમ પાળવાનો ભાવ તો શુભભાવ હતો, તેથી સ્વર્ગનો ઋદ્ધિધારી દેવ થયો પણ ત્યાંથી પાછો પટકાયો. બાહ્ય સંયમ ભલે પાળ્‌યો, પણ આત્મજ્ઞાન વિના જરાપણ સુખ પામ્યો નહીં, ભવભ્રમણથી છૂટયો નહીં.


PDF/HTML Page 84 of 4199
single page version

* ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આ લોકમાં સર્વ મિથ્યાદ્રષ્ટિ જીવો-એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોસંસારરૂપી ચક્ર પર ચઢી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે. અનાદિથી પુણ્ય- પાપરૂપી ભાવકર્મમાં ભીંસાઈ રહ્યા છે. અનંત પરાવર્તનમાં આ શરીરાદિના પુદ્ગલો અનેકવાર સંયોગમાં આવી ગયા છે. દરેક ક્ષેત્રે અનંતવાર જન્મીને મરી ચૂક્યો છે. દરેક કાળમાં અનંત જન્મ-મરણ કર્યાં છે. એવી રીતે દરેક ભવમાં અનંતવાર પરિભ્રમણ કર્યું છે. એવી રીતે શુભાશુભ ભાવ પણ અનંતવાર જીવ કરી ચૂક્યો છે. આ પાંચ પરાવર્તનરૂપ ભ્રમણમાં તેને મોહકર્મના ઉદયરૂપ પિશાચ-ભૂતડું ધોંસરે જોડે છે. ઊલટી માન્યતારૂપ ભૂતડાએ તેને રાગની એકતારૂપ સંસારના ધોંસરે જોડી દીધો છે. બાયડીનું કરવું, છોકરાનું કરવું, દેશનું કરવું, શરીરનું કરવું એમ મિથ્યાત્વ વડે, પોતાનો છતો સ્વભાવ નહીં જાણવાથી, રાગના એકત્વરૂપ ધોંસરે જોડાયો છે. તેથી તે વિષયોની તૃષ્ણાના દાહથી પીડિત થઈ રહ્યો છે. તૃષ્ણાના દાહની બળતરાથી બળી રહ્યો છે. આ સાંભળવું, જોવું, સૂંઘવું, ચાખવું, સ્પર્શવું એવા પંચેન્દ્રિયોના વિષયોની તૃષ્ણારૂપ અગ્નિથી અંદર બળી રહ્યો છે. તે દાહનો ઈલાજ ઈન્દ્રિયોના વિષયો-રૂપ આદિ વિષયો- છે એમ જાણી પોતાના ઉપયોગને તે તરફ જોડે છે. તે પંચેન્દ્રિયોના વિષયોને ઘેરો ઘાલે છે. તે વિષયોને જાણવા અને ભોગવવામાં મગ્ન બને છે. તથા પરસ્પર ઉપદેશ પણ વિષયોનો જ કરે છે. આપણે આ કરવું જોઈએ, આમ કર્યા વિના કાંઈ ચાલે? આપણે હજુ સંસારી છીએ. એમ એકબીજા પરસ્પર રાગનો જ ઉપદેશ કરે છે. પરંતુ કોઇ અંતરસ્વભાવમાં જવાની વાત કરતું નથી. વિષયભોગની અને રાગની કથા માંહોમાંહે અજ્ઞાની જીવો કરે છે. એક જીવ કહે અને બીજો સાંભળી કહે કે -‘હા બરાબર છે.’ આમ વિષયોની ઈચ્છા અને વિષયોને ભોગવવું એવી કામ અને ભોગની કથા તો જીવોએ અનંતવાર સાંભળી છે, પરિચયમાં લીધી છે અને અનુભવી છે તેથી સુલભ છે.

પણ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના આત્માનું જ્ઞાન કદી થયું નથી. ચૈતન્યચમત્કાર વસ્તુ પોતે આત્મા છે એનું જ્ઞાન પોતે અનંતકાળમાં કર્યું નથી; અને જેમને એ જ્ઞાન થયું હતું એવા પુરુષોની સેવા કદી કરી નથી. એટલે કે સંતોએ કહ્યું તે સાંભળ્‌યું પણ અંદરમાં માન્યું નથી. માન્યું નહીં તેથી ખરેખર સાંભળ્‌યું જ નથી. આ રીતે નિજ પરમાત્મસ્વરૂપ આત્માની કથા ન કદી સાંભળી, ન પરિચય કર્યો કે ન તેનો અનુભવ કર્યાે. તેથી ચૈતન્યચમત્કારસ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ સુલભ નથી. રાજપાટ અને દેવપદ એવું તો અનંતવાર મળ્‌યું, પરંતુ નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ થવી સુલભ નથી અર્થાત્ દુર્લભ છે.

***

PDF/HTML Page 85 of 4199
single page version

જીવ–અજીવ અધિકાર

*
ગાથા–પ

अत एवैतदुपदर्श्यते–

तं एयतविहत्तं दाएहं अप्पणो सविहवेण।
जदि दाएज्ज पमाणं चुक्केज्ज छंल ण घेत्तव्वं।।
५।।

तमेकत्वविभक्तं दर्शयेऽहमात्मनः स्वविभवेन।
यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम्।। ५।।

હવે આચાર્ય કહે છે કે, તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએઃ-

દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી;
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના યદિ. પ.

ગાથાર્થઃ– [तम्] તે [एकत्वविभक्तं] એકત્વવિભક્ત આત્માને [अहं] હું [आत्मनः] આત્માના [स्वविभवेन] નિજ વૈભવ વડે [दर्शये] દેખાડું છું; [यदि] જો હું [दर्शयेयं] દેખાડું તો [प्रमाणं] પ્રમાણ (સ્વીકાર) કરવું અને [स्खलेयं] જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો [छलं] છળ [न] [गृहीतव्यम्] ગ્રહણ કરવું.

ટીકાઃ– આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હું આ એકત્વ-વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય (ઉદ્યમ, નિર્ણય) કર્યો છે. કેવો છે મારા આત્માનો નિજવિભવ? આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને ‘स्यात्’ પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મ-અર્હંતના પરમાગમ-તેની ઉપાસનાથી જેનો જન્મ છે. (‘स्यात्’ નો અર્થ ‘કથંચિત્’ છે એટલે કે ‘કોઈ પ્રકારથી કહેવું’. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં તેનું કારણઃ અર્હંતના પરમાગમમાં સામાન્ય ધર્મો- વચનગોચર સર્વ ધર્મો-નાં નામ આવે છે; અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું


PDF/HTML Page 86 of 4199
single page version

અનુમાન કરાવવામાં આવે છે; એ રીતે તે સર્વ વસ્તુઓના પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી તેમને શબ્દબ્રહ્મ કહે છે.) વળી તે નિજવિભવ કેવો છે? સમસ્ત જે વિપક્ષ-અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નયપક્ષ- તેમના નિરાકરણમાં સમર્થ જે અતિનિસ્તુષ નિર્બાધ યુક્તિ તેના અવલંબનથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? નિર્મળવિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ- સર્વજ્ઞદેવ અને અપરગુરુ-ગણધરાદિકથી માંડીને અમારા ગુરુ પર્યંત, તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, તેનાથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે. એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વિભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ (પોતે જ) પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું; જો ક્યાંય અક્ષર, માત્રા, અલંકાર, યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો છલ (દોષ) ગ્રહણ કરવામાં સાવધાન ન થવું. શાસ્ત્રસમુદ્રનાં પ્રકરણ બહુ છે માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે; તેથી અર્થની પરીક્ષા કરવી.

ભાવાર્થઃ– આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદન-એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ! પોતાના સ્વસંવેદન-પ્રત્યક્ષથી પ્રમાણ કરો; ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું છે. અહીં પોતાનો અનુભવ પ્રધાન છે; તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો-એમ કહેવાનો આશય છે.

હવે આચાર્ય કહે છે કે તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએ.

પ્રવચન નંબર ૧૨–૧૪, તારીખ ૧૧–૧૨–૭પ થી ૧૩–૧૨–૭પ

* ગાથાર્થ ઉપરનું પ્રવચન *

તે એકત્વવિભક્ત આત્માને હું આત્માના નિજવૈભવ વડે દેખાડું છું; જો હું દેખાડું તો પ્રમાણ કરવું અને જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ ન ગ્રહણ કરવું.

ભગવાન કુંદકુંદાચાર્યદેવ કહે છે કે પરથી ભિન્ન અને સ્વથી એકત્વરૂપ એવા આનંદમૂર્તિ ભગવાન આત્માને નિજવૈભવ વડે દેખાડું છું. જો હું દેખાડું અર્થાત્ દેખાડવામાં આવે તો સ્વાનુભવથી પરીક્ષા કરીને પ્રમાણ કરવું. માત્ર ઉપર-ઉપરથી હા પાડજે એમ કહ્યું નથી, પણ સ્વસંવેદનજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ અનુભવ કરી પ્રમાણ કરજે એમ કહ્યું છે. આ આત્મા


PDF/HTML Page 87 of 4199
single page version

પૂર્ણાનંદનો નાથ સ્વભાવથી એકત્વપણે છે, રાગથી વિભક્ત છે. તેને તું સ્વસંવેદનજ્ઞાનની પર્યાય દ્વારા જાણ. ‘स्वसंवेदनज्ञानेन परीक्ष्य’ એમ કહ્યું એનો અર્થ એ છે કે જે દ્રવ્યસ્વભાવ છે તેને સ્વસંવેદનજ્ઞાનથી અનુભવ કરી પરીક્ષા વડે પ્રમાણ કરજે, અમે કહીએ છીએ એટલામાત્રથી નહીં.

આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો પંથ છે. સો ઈંદ્રોના પૂજ્નીય વીતરાગ સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિમાં આ એકત્વવિભક્ત આત્માનું સ્વરૂપ આવ્યું હતું. એ અમે પ્રત્યક્ષ અનુભવીને કહીએ છીએ. અમારા આત્મામાં (પર્યાયમાં) એનો સાક્ષાત્કાર થયો છે. આત્મા આવો જ છે એમ અમે જાણ્યું છે. ભગવાને કહ્યું છે માટે કહીએ છીએ એમ નહીં, પણ સ્વસંવેદન-અનુભવથી આત્માને અમે જાણ્યો છે. એ અમે તને બતાવીએ છીએ, માટે તું અનુભવ કરીને પ્રમાણ કરજે, સ્વીકાર કરજે.

પૂર્ણાનંદનો નાથ અભેદ વસ્તુ છે. એનો સ્વીકાર તે પર્યાય છે. પર્યાય તેનો સ્વીકાર કરે છે કે આ નિજ પરમાત્મા છે. સમયસાર ગાથા ૩૨૦માં (આચાર્ય જયસેનની ટીકામાં) આવે છે કે પર્યાય એમ જાણે છે કે- ‘સકળનિરાવરણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિકપરમભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું.’ આમ વસ્તુનો યથાર્થ સ્વીકાર તેના સ્વસંવેદનજ્ઞાન વડે જ થાય છે.

વળી કહે છે કે જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ ન ગ્રહણ કરવું. અનુભવમાં તો ચૂક નથી. પણ ભાષામાં, છંદમાં કે વ્યાકરણમાં ક્યાંક ઓછું-વત્તું આવી જાય તો छलं ण घेत्तव्वं– છળ ગ્રહણ ન કરીશ. અમે જે કહેવા માગીએ છીએ તે ભાવને ધ્યાનમાં રાખી બરાબર પકડજે, શબ્દને ન પકડીશ. વસ્તુનો નિર્ણય કરવામાં સ્વસંવેદન પ્રધાન છે, તેથી ભગવાન પૂર્ણાનંદનો નાથ સ્વસંવેદનમાં આવે એ રીતે તું પ્રમાણ કરજે.

* ટીકા ઉપરનું પ્રવચન *

આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હુું આ એકત્વવિભક્ત આત્માને દર્શાવીશ. આ બૈરાં-છોકરાં, પૈસા-મકાન, ધન-દોલત એ આત્માનો વૈભવ નથી. અંદર પુણ્ય-પાપના વિકારી ભાવ થાય એ પણ આત્માનો વૈભવ નથી. ત્રિકાળ ધ્રુવ જ્ઞાયકના અવલંબને મારી નિર્મળ પર્યાયમાં મને જે વીતરાગતા પ્રગટ થઈ છે એ મારો નિજવૈભવ છે. તે મારા અનુભવના સર્વ વૈભવથી હું આ સ્વભાવથી એકત્વ અને વિભાવથી વિભક્ત એવો ભગવાન આત્મા દર્શાવીશ એવો મેં વ્યવસાય કર્યો છે, ઉદ્યમ કર્યો છે, નિશ્ચય કર્યો છે.


PDF/HTML Page 88 of 4199
single page version

‘મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમો ગણી,
મંગલં કુંદકુંદાર્યો, જૈન ધર્મોઽસ્તુ મંગલ.’

અહીં મંગલાચરણમાં પ્રથમ તીર્થંકરદેવ, બીજા ગણધરદેવ અને તરત જ ત્રીજા સ્થાને શ્રી કુંદકુંદાચાર્યદેવ છે. તેઓ કહે છે કે મને મારા આત્માનો નિજવૈભવ પ્રગટયો છે. એ સર્વ વૈભવ વડે મેં સ્વથી એકત્વ અને પરથી ભિન્ન આત્માને બતાવવાનો નિશ્ચય કર્યો છે.

કેવો છે મારા આત્માનો નિજવૈભવ? આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને ‘स्यात्’ પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મ-અર્હંતનાં પરમાગમ-તેની ઉપાસનાથી જેનો જન્મ છે. શરૂઆત કરતાં પોતાને જે નિજવૈભવ પ્રગટયો તેમાં નિમિત્ત કોણ હતું એ કહે છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ અર્હંત પરમાત્માએ ૐધ્વનિ- દિવ્યધ્વનિ દ્વારા જે ઉપદેશ કર્યો તે અનુસાર પરમાગમની રચના થઈ. તે પરમાગમની ઉપાસનાથી-સેવા કરવાથી મને આત્મ-વૈભવ પ્રગટ થયો છે. ભગવાનની વાણીને શબ્દબ્રહ્મ કહે છે કેમકે બ્રહ્મસ્વરૂપ જે પૂર્ણાનંદનો નાથ આત્મા તેને બતાવનારો છે. વળી તે ‘स्यात्’ પદની મુદ્રાવાળો છે અને લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર છે. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં તેનું કારણઃ અર્હંતના પરમાગમમાં સામાન્ય ધર્મો-વચનગોચર સર્વ ધર્મોનાં નામ આવે છે. અસ્તિત્વ, વસ્તુત્વ, જ્ઞાન, દર્શન, આનંદ ઈત્યાદિ ધર્મોનાં નામ આવે છે. અને વચનથી અગોચર જે કોઈ વિશેષધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે. એ રીતે તે સર્વ વસ્તુઓના સ્વરૂપના પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી ભગવાનનાં પરમાગમને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે.

સ્યાત્ પદની મુદ્રાવાળો શબ્દબ્રહ્મ છે. સ્યાત્ એટલે કથંચિત્-એટલે કે કોઈ અપેક્ષાથી કહેવું તે. ભગવાનની વાણી અનેકાંત વસ્તુનું કોઈ અપેક્ષાથી કથન કરે છે. તેને સ્યાત્-પદની મુદ્રા કહેવાય છે. ભગવાન સર્વને જાણે માટે તે સર્વવ્યાપી કહેવાય છે. અને વાણી સર્વ તત્ત્વને કહેનારી છે તેથી તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. આચાર્ય કહે છે મને જે નિજવૈભવ પ્રગટ થયો એમાં આ શબ્દબ્રહ્મરૂપી પરમાગમ નિમિત્ત છે. એટલે કે અજ્ઞાની અન્યવાદીઓની વાણી એમાં નિમિત્ત હોઈ શકે નહી.

વળી તે નિજવૈભવ કેવો છે? સમસ્ત જે વિપક્ષ-અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નયપક્ષ-તેમના નિરાકરણમાં સમર્થ જે અતિ નિસ્તુષ નિર્બાધ યુક્તિ તેના અવલંબનથી જેનો જન્મ છે.


PDF/HTML Page 89 of 4199
single page version

સર્વથા એકાંતરૂપ જે નયપક્ષ તેના નિરાકરણમાં સમર્થ જે અતિ નિસ્તુષ નિર્બાધ યુક્તિ-એટલે કે ફોતરાં વિનાની માલવાળી જે પુષ્ટ અને સફળ યુક્તિ તેના અવલંબનથી મને નિજવૈભવ પ્રગટ થયો છે. સમ્યક્ યુક્તિ વડે એકાંતપક્ષનું ખંડન કરી તેનું નિરાકરણ કરી નાખ્યું છે. તથા સર્વજ્ઞદેવની વાણીમાં જે વીતરાગમાર્ગ કહ્યો છે તે અમે ગ્રહણ કરી લીધો છે.

કુંદકુંદાચાર્યના સમયથી સો વર્ષ પહેલાં શ્વેતાંબરમત નીકળી ચૂકેલો. દિગંબર સનાતન મતમાંથી જુદા પડી નવો શ્વેતાંબરમત શરૂ કરેલો. હમણાં કેટલાક સમન્વયની વાતો કરે છે, પણ સમન્વય કોની સાથે કરવો? ભાઈ! અમારે કોઈ સાથે વેર-વિરોધ નથી. સૌ ભગવાન આત્મા છે. અમને તો सत्त्वेषु मैत्री છે, પણ પર્યાયમાં જે ભૂલ છે તે બરાબર જાણવી જોઈએ. નિર્બાધ યુક્તિના અવલંબનથી અમે એકાંતવાદી અન્યમતનું નિરાકરણ કરી નાખ્યું છે. એટલે કે એકાંતવાદ તે સત્યમાર્ગ નથી, કલ્પિત છે એમ નક્કી કરી અમે યથાર્થ અનેકાંતરૂપ વીતરાગમાર્ગને ધારણ કર્યો છે. આ રીતે અમને નિજવૈભવ પ્રગટ થયો છે.

વળી તે કેવો છે? નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ સર્વજ્ઞદેવ અને અપરગુરુ-ગણધરાદિકથી માંડી અમારા ગુરુ પર્યંત, -તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ તથા પૂર્વાચાર્યો અનુસાર જે ઉપદેશ, તેનાથી જેનો જન્મ છે.

સર્વજ્ઞદેવ વિજ્ઞાનઘન ધ્રુવ જે આત્મા તેમાં અંતર્નિમગ્ન છે. ભગવાન ગણધરદેવ તથા અમારા ગુરુ પણ પોતાના વિજ્ઞાનઘન ધ્રુવ આત્મામાં અંતર્નિમગ્ન હતા. ચૈતન્યપ્રકાશના નૂરનું પૂર એવો જે ભગવાન આત્મા તેમાં અંતર્નિમગ્ન એવા દેવ અને ગુરુએ પ્રસાદરૂપે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક જે ઉપદેશ આપ્યો એનાથી આ અમારા નિજવૈભવનો જન્મ થયો છે.

અહાહા...! શું ટીકા છે! સર્વજ્ઞથી માંડી અમારા ગુરુ પર્યંત સઘળા શુદ્ધ વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મામાં અંતર્નિમગ્ન એટલે વિશેષ નિમગ્ન હતા. અમને એનું જ્ઞાન થયું છે, અને એનું ભાન વર્તે છે. બીજાને સમ્યગ્દર્શન થાય તેની ખબર ન પડે એમ કોઈ કહે છે એ વાત બરાબર નથી. વિજ્ઞાનઘન આત્મામાં અમારા ગુરુ અંતર્નિમગ્ન હતા એમ કુંદકુંદાચાર્યદેવ અહીં જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે. અમને યથાર્થ નિમિત્તનું બરાબર જ્ઞાન થયું છે. તે આત્મજ્ઞાની ગુરુના પ્રસાદરૂપ ઉપદેશના નિમિત્તે અમારા નિજવૈભવનો જન્મ થયો છે.


PDF/HTML Page 90 of 4199
single page version

ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ ભરતક્ષેત્રમાં બે હજાર વર્ષ પૂર્વ થઈ ગયા. તેઓ સદેહે મહાવિદેહમાં સીમંધર ભગવાનના સમોસરણમાં ગયા હતા. મહાવિદેહમાં સીમંધરનાથ અરિહંતપદે વિરાજે છે. તેમનો પાંચસો ધનુષ્યનો દેહ અને ક્રોડપૂર્વનું આયુષ્ય છે. ત્યાં ભગવાનની વાણી હંમેશા છૂટે છે. ત્યાં સં. ૪૯માં કુંદકુંદાચાર્ય સાક્ષાત્ ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાં ભગવાનની વાણી સાંભળીને ભરતમાં પધાર્યા. અહીં આવીને આ શાસ્ત્રો બનાવ્યાં. તેમાં સમયસારની રચના કરતાં તેઓ કહે છે કે હું એકત્વવિભક્ત આત્મા બતાવીશ. પરથી પૃથક્ અને સ્વથી એકત્વ એવો ભગવાન આત્મા મારા નિજવૈભવથી બતાવીશ.

અંદર આત્મા સત્ ચિદાનંદ પ્રભુ સિદ્ધ સમાન બિરાજે છે. સમયસાર નાટકમાં આવે છેઃ-

ચેતનરૂપ
અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરૌ,
મોહ મહાતમ આતમઅંગ, કિયો પરસંગ મહાતમ ઘેરૌ.

આત્મા ચૈતન્યરૂપ આનંદઘન છે. આત્મા શરીર, મન, વાણીથી તો ભિન્ન છે, પણ પર્યાયમાં દયા, દાન, ભક્તિ આદિના વિકલ્પ ઊઠે છે એનાથી પણ ભિન્ન છે અને પોતાના સ્વભાવથી અભિન્ન છે. એવા આત્મામાં અંતર્નિમગ્ન થતાં જે અનુભવ પ્રગટ થાય તે સમ્યગ્દર્શનાદિ ધર્મ છે. આચાર્યદેવ કહે છે કે પરથી ભિન્ન આત્માનો મને અનુભવ થયો છે. આનંદનો મને સ્વાદ આવ્યો છે. આત્મા અનાકુળ શાંત આનંદરસનો પિંડ તેમાં નિમગ્ન થતાં મને અતીન્દ્રિય આનંદનું સંવેદન થયું છે. આવા મારા નિજવૈભવથી હું એકત્વવિભક્ત આત્મા બતાવું છું. તે તું રાગથી પૃથક્ થઈ પોતાના આનંદઘનસ્વરૂપનો અનુભવ કરીને પ્રમાણ કરજે. તો ધર્મ થશે. સમજાણું કાંઈ?

અરે! અનંતકાળથી ચોરાસીના અવતાર કરતાં કરતાં નવમી ગ્રૈવેયકના ભવ પણ અનંત કર્યા. અનંતવાર નગ્ન દિગંબર મુનિ થયો. બાર બાર મહિનાના ઉપવાસ આદિ ક્રિયાકાંડ કરીને નવમી ગ્રૈવેયક ગયો. પરંતુ અંતર અનુભવપૂર્વક વસ્તુતત્ત્વને પ્રમાણ કર્યું નહીં. રાગની ક્રિયાથી મારી ચીજ ભિન્ન છે એવું ભાન કર્યું નહીં. તેથી આનંદનો સ્વાદ આવ્યો નહીં. ભવચક્ર ઊભું જ રહ્યું.

સવારમાં પ્રશ્ન ઊઠયો હતો કેે બારમા ગુણસ્થાન સુધી અશુદ્ધનય છે. તો અશુદ્ધનયના સ્થાનમાં શુદ્ધોપયોગરૂપ ધર્મ ક્યાંથી આવ્યો? શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાન થતાં થાય છે. આ સંબંધમાં શ્રી પ્રવચનસારમાંની ગાથા ૧૮ ની જયસેન આચાર્યની ટીકામાં ત્રણ બોલથી ખુલાસો આવે છે.


PDF/HTML Page 91 of 4199
single page version

૧. ‘शुद्धात्म अवलंबनत्वात्।’ ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ જે ધ્રુવ તેના અવલંબનથી શુદ્ધોપયોગરૂપ ધર્મ પર્યાયમાં પ્રગટ થાય છે.

૨. ‘शुद्ध ध्येयत्वात्’ અશુદ્ધનય ભલે બારમા ગુણસ્થાન સુધી હો, પૂર્ણ શુદ્ધતા ભલે હજી ન હો, પણ જ્યાં પૂર્ણાનંદ શુદ્ધને ધ્યેય બનાવી પર્યાય પ્રગટી ત્યાં શુદ્ધોપયોગરૂપ ધર્મ હોય છે.

૩. ‘शुद्ध साधकत्वात्।’ શુદ્ધ ઉપયોગ જે ત્રિકાળ છે- તેને સાધન કરતાં પર્યાયમાં શુદ્ધોપયોગરૂપ ધર્મ પ્રગટ થાય છે. બારમા ગુણસ્થાનથી નીચે અશુદ્ધનયનું સ્થાન છે તોપણ શુદ્ધ નું આલંબન, શુદ્ધનું ધ્યેય, અને શુદ્ધનું સાધકપણું હોવાથી શુદ્ધોપયોગરૂપ વીતરાગી પર્યાય પ્રગટ થાય છે-અર્થાત્ ત્યાં હોય છે. સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર એ વીતરાગી પર્યાય છે અને એ જ ધર્મ છે. વીતરાગી પર્યાયનું નામ જૈનધર્મ છે ધર્મ કોઈ વાડો કે સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અરે! અનંતકાળમાં સમ્યગ્દર્શન અને એનું ધ્યેય શું તે લક્ષમાં લીધું નથી.

આચાર્ય દેવ કહે છે શુદ્ધ ચૈતન્યઘન આ માને દ્રષ્ટિમાં લઈ તેને ધ્યેય અને સાધન બનાવતાં અમને શુદ્ધોપયોગરૂપ ધર્મ થયો છે. પર્યાયમાં નિરાકુળ શાંતિ અને આનંદ જે પ્રગટયાં છે તે અમારો નિજવૈભવ છે. એવા મારા નિજવૈભવથી હું આત્મા બતાવું છું તે તું અનુભવ કરીને પ્રમાણ કરજે.

વળી તે કેવો છે? તો કહે છે-નિરંતર-ઝરતો- આસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે. આચાર્ય કહે છે-અહા! આત્મા અનાકુળ આનંદરસથી ભરેલો છે. તેમાં એકાગ્ર થતાં સુંદર આનંદનો સ્વાદ આવે છે. જેમ ડુંગરમાંથી પાણી ઝરે તેમ આત્મામાં એકાગ્ર થતાં અતીન્દ્રિય આનંદ ઝરે છે. આબાલ-ગોપાળ સર્વમાં અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા બિરાજે છે. તેની દ્રષ્ટિ કરતાં પર્યાયમાં આનંદ ઝરે છે. તેનું નામ ધર્મ છે.

અજ્ઞાની જીવો મોસંબી વગેરેનો સ્વાદ લઈએ છીએ એમ કહે છે ને? એ સ્વાદ તો જડ છે. જડનો સ્વાદ તો આત્મામાં આવતો જ નથી, પણ તેના ઉપર લક્ષ કરીને રાગનો સ્વાદ લે છે. એ અધર્મનો સ્વાદ છે. અજ્ઞાની શબ્દ, રસ, ગંધ, વર્ણ, સ્પર્શનું લક્ષ કરીને વિષયને હું ભોગવું છું એમ માને છે, પણ એ પરને ભોગવતો જ નથી. તે કાળે રાગને ઉત્પન્ન કરે છે અને રાગને ભોગવે છે. વિષયોનો આનંદ તો રાગરૂપ છે અને રાગનો અનુભવ તે ઝેરનો અનુભવ છે કુંદકુંદાચાર્ય મોક્ષ અધિકારમાં (ગાથા ૩૦૬)


PDF/HTML Page 92 of 4199
single page version

શુભરાગને વિષકુંભ એટલે કે ઝેરનો ઘડો કહ્યો છે. અશુભથી બચવા શુભરાગ આવે ખરો, પણ એ સર્વ હેય છે.

અહો! દેવાધિદેવ જિનેન્દ્રદેવની વાણી ઝીલીને ભગવાનના આડતિયા થઈને કુંદકુંદાચાર્ય જાહેર કરે છે કે ભગવાનનો માલ આ છે. અમને જે ધર્મ કે ચારિત્ર પ્રગટયું તે શું ચીજ છે? કહે છે કે નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો એવો સુંદર જે આનંદ તેની છાપવાળું પ્રચુરસંવેદનસ્વરૂપ જે સંવેદન તે અમારો નિજવૈભવ એટલે કે ચારિત્ર છે. અહો! ધર્મની મુદ્રા શું? તો જેમ ચલણી નોટ પર મુદ્રા મુખ્ય છે તેમ સુંદર આનંદ-અતીન્દ્રિય આનંદ એ ધર્મની મુદ્રા છે અને એ મુખ્ય છે. અહો! અતીન્દ્રિય આનંદમાં ઝૂલતાં દિગંબર સંતોએ કહેલો વીતરાગમાર્ગ અપૂર્વ છે. તેમનાં રચેલાં આ શાસ્ત્રો તે પરમાગમ છે.

સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા એકત્વવિભક્ત આત્માની દ્રષ્ટિ હોય છે. ત્યાં પણ અતીન્દ્રિય આનંદનો સ્વાદ અલ્પ પ્રમાણમાં હોય છે. ચોથા ગુણસ્થાનમાં સુંદર આનંદનો સ્વાદ અલ્પ આવે છે તો પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવકને તે વિશેષ આવે છે. તેના કરતાં મુનિઓને તો પ્રચુર સ્વસંવેદન હોય છે એટલે પ્રચુર આનંદ હોય છે. આચાર્ય કહે છે આવા પ્રચુર આનંદની મુદ્રાવાળું જે ચારિત્ર-ધર્મ તે વડે અમારા નિજવૈભવનો જન્મ છે.

એમ જે જે પ્રકારે મારા જ્ઞાનને વિભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું. આચાર્યદેવ જિજ્ઞાસુ શ્રોતાને કહે છે કે પુણ્ય-પાપના ભાવોથી ભિન્ન અને પોતાના સ્વરૂપચૈતન્યથી અભિન્ન એવા એકત્વવિભક્ત આત્માને હું સર્વ વૈભવથી બતાવું છું તે તું પ્રત્યક્ષ અનુભવ કરીને પ્રમાણ કરજે. અમે કહીએ છીએ માટે નહીં, પણ અંતરમાં જે ‘શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ, સુખધામ’ એવો આત્મા બિરાજે છે તેનો સ્વાનુભવ પ્રત્યક્ષથી નિશ્ચય કરજે, તેથી તને સુખ થશે, મોક્ષ થશે. સમયસાર નાટકમાં કહ્યું ને-

અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખસ્વરૂપ.

અમારો વૈભવ તો અમારી પાસે રહ્યો. તેથી તું રાગાદિથી ભિન્ન પડી સ્વયં પોતે જ શાંતિ અને આનંદનું પ્રત્યક્ષ વેદન કરી પ્રમાણ કરજે. તેથી તને ધર્મ થશે. આઠ વર્ષની બાલિકા પણ અંતરમાં ભાન કરી આવો અનુભવ કરી શકે છે.


PDF/HTML Page 93 of 4199
single page version

ધર્મ એ તો આત્મ-અનુભવની ચીજ છે, ભાઈ! કોઈ જીવ પ્રભાવનામાં કરોડો રૂપિયા ખર્ચે, લાખોનાં મંદિરો બંધાવે માટે તેને ધર્મ થઈ જાય એમ નથી. તે કાળે રાગ મંદ કરે તો શુભભાવ થતાં પુણ્યબંધ થાય, પણ ધર્મ ન થાય. મંદિર બનવાની ક્રિયા તો પરમાણુથી બને છે, તે આત્મા કરી શકતો નથી. હા, આત્મા આ કરી શકે કે -પુણ્ય-પાપથી ભિન્ન પડી અંતર અનુભવ વડે અનાકુળ શાંતિ અને આનંદ ઉત્પન્ન કરી શકે, અને એ જ નિશ્ચયધર્મ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત પણ જૂઠ્ઠી છે. અરે! આવું સાંભળવા પણ ન મળે તે અંદર અનુભવ ક્યારે કરે? ધર્મ બહુ દુર્લભ ચીજ છે, ભાઈ! ક્રિયાકાંડ તો અનંતવાર કર્યા તેથી એ તો સુલભ છે, પણ રાગથી ભિન્ન પડી ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપમાં આરૂઢ થવું મહા દુર્લભ છે.

હવે કહે છે- જો ક્યાંયઅક્ષર, માત્રા, અલંકાર, યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો છલ (દોષ) ગ્રહણ કરવામાં સાવધાન ન થવું. શાસ્ત્રસમૂદ્રનાં પ્રકરણ બહુ છે માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે; તેથી અર્થની પરીક્ષા કરવી.

અમે તો સ્વાનુભવની વાત બતાવીએ છીએ. તેમાં કોઈ વ્યાકરણના શબ્દાદિમાં ભૂલ થઈ જાય અને તું વ્યાકરણનો નિષ્ણાત હો, અને તારા લક્ષમાં આવી જાય કે આ ભૂલ છે તો તું ત્યાં રોકાઈશ નહીં. શાસ્ત્રના બહિર્લક્ષી જ્ઞાન અને પંડિતાઈ સાથે અનુભવને કાંઈ સંબંધ નથી. શાસ્ત્રની પંડિતાઈ જુદી ચીજ છે અને સ્વસંવેદનજ્ઞાન જુદી ચીજ છે. આ ભૂલ છે, ભૂલ છે એમ પંડિતાઈના ગર્વથી અટકી જઈશ તો તારું બૂરું થશે. અહીં તો ભગવાન આત્મા અનાદિકાળથી જે પુણ્ય-પાપનું જ વેદન કરે છે તે મિથ્યાત્વભાવ છે તેના સ્થાને સ્વસંવેદન કરી સ્વરૂપનો અનુભવ કરવો તેની મુખ્યતા અને પ્રધાનતા છે. બનારસીદાસે સમયસાર નાટકમાં કહ્યું છે-

વસ્તુ વિચારત
ધ્યાવતૈં, મન પાવે વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભવ તાકો નામ.

અહા! વસ્તુ આત્મા જે અતીન્દ્રિય આનંદનો નાથ છે તેનો વિચાર કરી ધ્યાવતાં મન અનેક વિકલ્પોના કોલાહલથી વિશ્રામ પામે, શાંત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે તેને આત્મ-અનુભવ કહે છે, તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આવા અનુભવથી વસ્તુનો નિશ્ચય કરવાની પ્રધાનતા છે, શાસ્ત્રના બહિર્લક્ષી જ્ઞાનનું અહીં કામ નથી.

અહો! આચાર્ય અમૃતચંદ્રે ટીકામાં અમૃત રેલાવ્યાં છે. આવી અનુભવ-અમૃતની અદ્ભુત વાત સાંભળે નહીં, સ્વાધ્યાય કરે નહીં, અને ધર્મ થશે એમ માની બાહ્ય


PDF/HTML Page 94 of 4199
single page version

ક્રિયાકાંડનો વ્યવહાર કરે, પણ તેથી ભવભ્રમણ મટે નહીં. ભાઈ! ધર્મનો પંથ- અનુભવનો પંથ જગતથી કાંઈ જુદો છે.

* ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આચાર્યદેવ કહે છે કે અમે આગમનું સેવન કર્યું છે. ભગવાન સર્વજ્ઞદેવથી પરંપરાએ ચાલી આવેલી જે જિનવાણી તેની સેવા કરવાથી અમને જ્ઞાનવિભવ પ્રગટ થયો છે. બીજી રીતે કહીએ તો અમને સમ્યગ્દર્શનાદિ પામવામાં પરંપરા સર્વજ્ઞદેવની વાણીનું નિમિત્ત છે. અજ્ઞાનીની વાણીના નિમિત્તથી સમ્યગ્દર્શન થાય એમ કદીય બનતું નથી. અન્ય સંપ્રદાયનાં આગમ એ વીતરાગની વાણી નથી. આવી વાતથી કોઈને દુઃખ થાય પણ સત્ય વસ્તુ આ છે. સર્વજ્ઞથી પરંપરા સનાતન સત્ય દિગંબર પંથ ચાલ્યો આવે છે તે જ સત્ય છે. સમ્યગ્દર્શનમાં નિર્ગરંથ દિગંબર ગુરુની જ વાણી નિમિત્ત બને છે. કોઈ પ્રત્યે વેર-વિરોધની આ વાત નથી પરંતુ જે દ્રષ્ટિ વિપરીત હોય તેનું જ્ઞાન યથાર્થ કરવું જોઈએ.

હવે કહે છે અમે યુક્તિનું અવલંબન લીધું છે. તેથી વીતરાગદેવ શું કહે છે અને વિરોધી અન્યવાદીઓ શું કહે છે તેનો યુક્તિના અવલંબનથી નિર્ધાર કર્યો છે. સત્ય શું છે તેનો યુક્તિ દ્વારા અમે સાચો નિર્ણય કર્યો છે.

ત્રીજી વાતઃ પરંપરા ગુરુનો ઉપદેશ અમને મળ્‌યો છે. સર્વજ્ઞદેવ પરમગુરુ અને ગણધરાદિક અપરગુરુ-તેમના પ્રસાદરૂપ ઉપદેશના નિમિત્તે અમારો આત્મવૈભવ અમને પ્રગટ થયો છે.

ચોથી વાતઃ અમને અતીન્દ્રિય આનંદની છાપવાળું પ્રચુર સ્વસંવેદન થવાથી, જ્ઞાયક જે ધ્રુવસ્વરૂપ તેના પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ્ઞાનવિભવ પ્રગટ થયો છે.

એમ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વૈભવથી હું એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડું છું; તેને હે શ્રોતાઓ! પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરજો. ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો દોષ ગ્રહણ ન કરશો. અહીં અનુભવની પ્રધાનતા છે. તેના વડે શુદ્ધસ્વરૂપનો નિશ્ચય કરો એમ આશય છે.


PDF/HTML Page 95 of 4199
single page version

જીવ–અજીવ અધિકાર
ગાથા–૬

कोऽसौ शुद्ध आत्मेति चित्–

ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो।
एवं भणंति सुद्धं णादो जा सो दु सो चेव।।
६।।

नापि भवत्यप्रमत्तो न प्रमत्तो ज्ञायकस्तु यो भावः।
एवं भणन्ति शुद्धं ज्ञातो यः स
तु स चैव।। ६।।

હવે પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-

નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે,
એ રીત ‘શુદ્ધ’ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬

ગાથાર્થઃ– [यः तु] જે [ज्ञायकः भावः] જ્ઞાયક ભાવ છે તે [अप्रमत्तः अपि] અપ્રમત્ત પણ [न भवति] નથી અને [न प्रमत्तः] પ્રમત્ત પણ નથી, - [एवं] રીતે [शुद्धं] એને શુદ્ધ [भणन्ति] કહે છે; [च यः] વળી જે [ज्ञातः] જ્ઞાયક પણે જણાયો [सः तु] તે તો [सः एव] તે જ છે, બીજો કોઈ નથી.

ટીકાઃ– જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્યઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ‘ભાવ’ છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણતાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (-કષાયસમૂહના અપાર ઉદયોની) વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે


PDF/HTML Page 96 of 4199
single page version

પરિણમતો નથી (જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી) તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ’ કહેવાય છે.

વળી દાહ્યના (- બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તોપણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ‘ભાવ’ ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તોપણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે-પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને- પોતાની જ્યોતિરૂપ શિખાને-પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું)

ભાવાર્થઃ– અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય- દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે અને પર્યાય (અવસ્થા)-દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે અને દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી. અહીં દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ઉપચાર છે. દ્રવ્યદ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી તે પ્રમત-અપ્રમત્ત નથી. ‘જ્ઞાયક’ એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે; કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તોપણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. ‘આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી’-એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. એવો એક જ્ઞાનકપણા માત્ર પોતે શુદ્ધ છે.-આ શુદ્ધનયનો વિષય છે. અન્ય પરસંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે એમ આશય જાણવો.


PDF/HTML Page 97 of 4199
single page version

અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા-બન્ને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે; અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધનયને અહીં હેય કહ્યો છે કારણ કે અશુદ્ધનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે કલેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુસ્વરૂપ છે તે છે- એ પ્રમાણદ્રષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે.

અહીં, (જ્ઞાયકભાવ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત-અપ્રમત્ત’ એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે.

શિષ્યનો પ્રશ્ન છે કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? શિષ્યને અંતરમાં જિજ્ઞાસા થઈ છે કે પરથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવો શુદ્ધાત્મા કોણ છે જેને જાણવાથી જન્મ-મરણ મટે અને ભવભ્રમણ નાશ થઈને મોક્ષ થાય. આવી અંતરની ચીજ જાણવાનો જેને પ્રશ્ન થયો છે તેને ઉત્તરરૂપે ગાથાસૂત્ર કહે છે.

પ્રવચન નંબર, ૧૪–૧૭ તારીખ ૧૩–૧૨–૭પ થી ૧૬–૧૨–૭પ

* ગાથાર્થ ઉપરનું પ્રવચન *

જે જ્ઞાયકભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી, -એ રીતે એને શુદ્ધ કહે છે; વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી.

જ્ઞાયકભાવ જે ત્રિકાળ એકરૂપ સ્વભાવભાવરૂપ છે તેને અહીં પરમ પારિણામિકભાવ ન કહેતાં જ્ઞાયકભાવ કહ્યો તેનું કારણ એ છે કે પારિણામિકભાવ તો સર્વ દ્રવ્યોમાં છે; જ્યારે જાણવું, જાણવું, જાણવું, એવો જે સામાન્ય જ્ઞાયકભાવ તે એક જીવદ્રવ્યમાં જ છે. તે જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી કે પ્રમત્ત પણ નથી. અર્થાત્ ચૌદેય ગુણસ્થાનની પર્યાયો એમાં નથી.


PDF/HTML Page 98 of 4199
single page version

પ્રમત્ત અને અપ્રમત્ત એ તો પર્યાયના ભેદો છે અને તે અશુદ્ધનયનો વિષય છે. પહેલેથી છ ગુણસ્થાન પર્યંતની પર્યાયો પ્રમત્ત છે અને સાતમેથી ચૌદ ગુણસ્થાન પર્યંતની પર્યાયો તે અપ્રમત્ત છે. આમાં હવે કઈ પર્યાયો બાકી રહી ગઈ? ભગવાન આત્મા આ સઘળી અપ્રમત્ત અને પ્રમત્ત એવી પર્યાયોના ભેદથી રહિત શુદ્ધનયસ્વરૂપ એક જ્ઞાયકભાવ છે. આગળ અગિયારમી ગાથામાં એને જ ભૂતાર્થ કહેલો છે. અહો! જે દ્રષ્ટિનો વિષય છે અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે તે આ જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી અને પ્રમત્ત પણ નથી; એ રીતે એને શુદ્ધ કહેવાય છે.

વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. અહીં જ્ઞાયકને જાણનાર પર્યાયની વાત કરી. જ્ઞાયકને જાણનારી પર્યાય જ્ઞાયકની પોતાની જ છે, એ પર્યાયનો કર્તા પોતે જ છે. જ્ઞાનની પર્યાય તે અન્ય જ્ઞેયનું કાર્ય છે વા નિમિત્તનું કાર્ય છે એમ નથી. પોતે જ્ઞાયકભાવ જે પર્યાયમાં જણાયો તેમાં ભલે-જ્ઞેયનું જ્ઞાન હોય, પણ એ જ્ઞાન જ્ઞેયનું કાર્ય નથી, પોતાનું કાર્ય છે.

અહાહા...!! ભગવાન, તું અનાદિઅનંત નિત્યાનંદસ્વરૂપ એક પૂર્ણ જ્ઞાયકભાવ છું જેમાં પર્યાયનો-ભેદનો અભાવ છે. તેથી તું શુદ્ધ છે-એમ કહેવાય છે. એટલે પરદ્રવ્ય અને તેના ભાવો તથા કર્મના ઉદયાદિનું લક્ષ છોડી જ્યાં દ્રષ્ટિ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર ગઈ કે પરિણતિ શુદ્ધ થઈ. એ શુદ્ધ પરિણમનમાં જ્ઞાયક શુદ્ધ છે એમ જણાયું એને શુદ્ધ છે એમ કહે છે, ખાલી શુદ્ધ છે, શુદ્ધ છે એમ કહેવામાત્ર નથી. આ જ્ઞાયકભાવને જાણવો, અનુભવવો એ સર્વ સિદ્ધાંતનો સાર છે. દોલતરામજીએ કહ્યું છે ને કેઃ-

લાખ બાતકી બાત યહૈ, નિશ્ચય ઉર લાવો;
તોડી સકલ જગ–દંદ–ફંદ, નિજ આતમ ધ્યાવો.

અરે! ભગવાન, તેં તારી જાતને જાણી નહીં! ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનો આ સંદેશ છે કે ભગવાન આત્મા નિત્યધ્રુવ, ત્રિકાળ એકરૂપ, પરમ પારિણામિકભાવરૂપ જ્ઞાયકરૂપ છે, શુદ્ધ છે, પવિત્ર છે, પ્રગટ છે. પણ કોને? કે પરનું લક્ષ છોડી જેણે અંતરસન્મુખ થઈ એક આ જ્ઞાયકભાવની સેવા-ઉપાસના કરી તેને પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન તથા ચારિત્રનો અંશ પ્રગટ થયો. ત્યારે તેને જ્ઞાયકભાવ પરમશુદ્ધ છે એમ જણાયું. તેને જ્ઞાયક શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. જ્ઞાયકભાવની દ્રષ્ટિ થતાં જે શુદ્ધતા પ્રગટી એને એ શુદ્ધતામાં સ્વનું અને પરનું જ્ઞાન પરિણમનરૂપ થયું. એ જ્ઞાન પરનું-નિમિત્તનું કે જ્ઞેયનું કાર્ય છે એમ નથી. પોતાના જ્ઞાનની પર્યાય જે પરિણમી તેનો કર્તા પોતે છે અને જે પર્યાય પરિણમી તે એનું પોતાનું કાર્ય છે.


PDF/HTML Page 99 of 4199
single page version

અહો! આ છઠ્ઠી ગાથા અલૌકિક છે. આ તો છઠ્ઠીના અફર લેખ. લૌકિકમાં છઠ્ઠીના લેખ કહેવાય છે. કહે છે બાળક જન્મ્યા પછી છઠ્ઠે દિવસે વિધાતા ભાગ્ય-લેખ લખવા આવે છે. ત્યાં કાગળ વગેરે મૂકે છે. પરંતુ ત્યાં તો કાગળ એવો ને એવો કોરો રહે છે, કેમકે ત્યાં કોઈ વિધાતા નથી. પણ આ ભગવાન ચિદાનંદનો નાથ પોતે જે પર્યાયમાં જણાયો તે નિશ્ચય વિધાતા છે. તેણે આ લેખ લખ્યો કે હવે આ આત્માને અલ્પકાળમાં મુક્તિ છે. જ્ઞાયકની સન્મુખ થતાં જ્યાં જ્ઞાયક શુદ્ધ જણાયો ત્યાં મુક્તિ- લેખ નિશ્ચિત લખાઈ જાય છે એવી અલૌકિક વાત આ ગાથામાં છે.

* ટીકા ઉપરનું પ્રવચન *

જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી અનાદિ સત્તારૂપ છે. જ્ઞાયકભાવ ધ્રુવ પોતે પોતાથી જ હોવાપણે છે. કોઈ ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે એમ નથી. તેથી અનાદિ સત્તારૂપ છે. એટલે એને અનાદિથી હોવાપણું છે, એનું હોવાપણું કાંઈ નવું નથી. પ્રભુ સતરૂપ અનાદિ સત્તાવાળો છે એ ભૂતકાળની અપેક્ષાથી વાત કરી. વળી, કદી વિનાશ પામતો નથી માટે અનંત છે. એ ભવિષ્યકાળની અપેક્ષાથી વાત કરી. ભવિષ્યમાં પણ નિરંતર ધ્રુવસ્વરૂપે રહેશે. એનો ભવિષ્યમાં નાશ થશે એમ કદીય બનવું સંભવિત નથી તેથી અનંત છે. આમ આદિ-અંત રહિત ધ્રુવ જ્ઞાયકભાવ અનાદિ-અનંત સત્તારૂપ છે. આ પર્યાય વિનાના ધ્રુવની વાત છે હોં; પર્યાય તો વિનાશિક છે. કેવળજ્ઞાનની ક્ષાયિક પર્યાય હોય તોપણ તે એક સમયની પર્યાય છે તેથી વિનાશિક છે. આ તો ત્રિકાળી જ્ઞાયકભાવ જે ચૈતન્યપ્રકાશના નૂરના પૂરથી ભરેલો ભગવાન આત્મા છે તે અનાદિ- અનંત અવિનાશી ચીજ છે.

હવે વર્તમાનની વાત કરે છે-કે ‘નિત્યઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી.’ એટલે વર્તમાનમાં છે એવો ને એવો ત્રિકાળ છે. વર્તમાન-વર્તમાનપણે પોતે કાયમ રહેનારો ત્રિકાળ છે. ‘અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે.’ અહાહા...! પરની અપેક્ષા રાખ્યા વિના પોતે પોતાને જ્ઞાનમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્યજ્યોતિ પોતે છે. પ્રવચનસાર ગાથા ૧૭૨ની ટીકામાં અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે આત્મા પોતાના સ્વભાવ વડે જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. સર્વત્ર આ શૈલીથી જ વાત છે. ભગવાન આત્મા મતિ-શ્રુત-જ્ઞાનમાં પોતાથી પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્યજ્યોતિ છે, પરોક્ષ રહે કે ઢંકાએલો રહે એવો આત્મા છે જ નહીં. અહા! જ્ઞાયકદેવ જેને જ્ઞાનમાં બેઠો એની અહીં વાત છે.

‘એવો જે જ્ઞાયક એક ‘ભાવ’ છે.’ જુઓ ભાષા! જ્ઞાયક એક ભાવ છે કહેતાં એકસ્વરૂપ છે. ઉપશમભાવ, ક્ષાયિકભાવ આદિ પર્યાયભાવો તો અનેક છે. આ તો ત્રિકાળ એકરૂપ, સદ્રશ-સદ્રશ, સામાન્ય જ્ઞાયક તે પોતે એક ભાવ છે. ગંજીફાની રમતમાં જેમ


PDF/HTML Page 100 of 4199
single page version

હુકમનો એક્કો હોય છે ને? તેમ આ જ્ઞાયક હુકમનો એક્કો સર્વોપરિ છે, સદાય એની જીત છે.

અહા! શું આચાર્યદેવની કથની! શું એનું વાચ્ય! ભગવાન આત્મા જ્ઞાયક એક ભાવ છે. તે સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણાથી ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ છે. આ પર્યાયની વાત છે. સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની અપેક્ષાથી કર્મપુદ્ગલો સાથે દૂધ અને પાણીની જેમ એકક્ષેત્રાવગાહ સંબંધ છે. ખરેખર દૂધ દૂઘપણે અને પાણી પાણીપણે છે. તેમ જ્ઞાયક તે જ્ઞાયકપણે અને કર્મપુદ્ગલો પુદ્ગલપણે છે. પણ બન્ને વચ્ચે એક સમયની પર્યાય પૂરતો નિમિત્ત- નૈમિત્તિક સંબંધ છે.

આ રીતે કર્મપુદ્ગલો સાથે એકરૂપ છે છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય- પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. કષાયચક્રનું મટવું બહું કઠણ છે. તે કષાયસમૂહના ઉદયની વિચિત્રતાને આ જીવ વશ થાય છે. કર્મનો ઉદય એને વશ કરે છે એમ નથી, પોતે ઉદયને વશ થાય છે. તેથી પ્રવર્તતા જે પુણ્ય અને પાપના જડ રજકણોના બંધને ઉત્પન્ન કરનાર અનેક શુભ-અશુભભાવો તે રૂપે આત્મા પરિણમતો નથી. દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોઈએ તો જ્ઞાયક જે એક ભાવ છે તે પુણ્ય-પાપના કારણરૂપ જે અનેક શુભાશુભભાવો છે તેના સ્વભાવે પરિણમતો જ નથી, કેમકે શુભાશુભભાવમાં જ્ઞાયકપણું નથી. શુભ-અશુભ ભાવ એ રાગાદિરૂપ અચેતન છે, તેમાં જ્ઞાનનો અંશ નથી. રાગાદિ પોતાને જાણતા નથી અને પરને પણ જાણતા નથી.

જુઓ, કેટલો ખુલાસો કર્યો છે? સમસ્ત અનેકરૂપ જે શુભ-અશુભભાવો તે રૂપે જ્ઞાયક કદી થતો નથી. શુભ-અશુભભાવો તો એકેન્દ્રિય જીવમાં, નિગોદના જીવમાં પણ થાય છે. પણ જ્ઞાયકમૂર્તિ આત્મા ચૈતન્યના નૂરનું પૂર તે અચેતન શુભ-અશુભભાવરૂપ કેમ થાય? ભાઈ! તારી ધ્રુવ વસ્તુ અનાદિઅનંત એવી ને એવી પડી છે, એકરૂપ છે. શુભ-અશુભભાવો તો અનેકરૂપ છે. પંચમહાવ્રતના પરિણામ, દયા, દાનના પરિણામ, વિષય-કષાયના પરિણામ ઈત્યાદિ અનેક શુભ-અશુભભાવોના સ્વરૂપે જ્ઞાયક શુદ્ધદ્રવ્ય કદી થતું નથી.

અરે! આ તો અંતરની નિજઘરની વાત લોકોએ સાંભળવાની દરકાર કરી નથી. અંદરમાં જ્ઞાયક જે ચૈતન્યના નૂરનું પૂર ભર્યું છે તે કદીય શુભાશુભભાવરૂપ થતું નથી અને તેથી કહે છે કે આત્મા પ્રમત્ત નથી અને અપ્રમત્ત પણ નથી. આવો જ્ઞાયક એક ભાવ તે સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે આત્મા શરીર, મન, વાણી અને જડ કર્મપણે તો થતો નથી, પણ પુણ્ય અને પાપને ઉત્પન્ન કરનાર શુભ-અશુભભાવપણે પણ થતો નથી એવી