PDF/HTML Page 2521 of 4199
single page version
હવે કહે છે-‘માટે કથનને નયવિભાગથી યથાર્થ સમજી શ્રદ્ધાન કરવું. સર્વથા એકાંત માનવું તે તો મિથ્યાત્વ છે’
પરને મારવાનો અભિપ્રાય હોય છતાં, શાસ્ત્રમાં પરઘાતથી જ્ઞાનીને બંધ નથી એમ કહ્યું છે માટે હું પરને મારું તો મને બંધ નથી એમ ન માની લેવું. એમ માનવું એ મિથ્યાત્વ છે, બંધપદ્ધતિ છે. જ્ઞાનીને તો પરજીવને મારવાનો કે જિવાડવાનો અભિપ્રાય જ નથી; એને તો હું ચૈતન્યઘન પ્રભુ પૂરણ જ્ઞાતા-દ્રષ્ટા છું એમ અભિપ્રાય છે. તે કદીય જ્ઞાનમાં પરનું-રાગનું એકત્વ કરતો નથી.
અહાહા...! એણે શાનાં અભિમાન કરવાં પ્રભુ? આ સુંદર રૂપાળું શરીર મારું ને આ છોકરાં મારાં ને સંપત્તિ મારી એમ અભિમાન કરે છે પણ બાપુ! એ કે દિ’ તારાં છે? બાપ કોનો ને છોકરો કોનો? ને કોની આ ચીજ બધી? આ શરીર, બાયડી, છોકરાં, ધનસંપત્તિ વગેરે પ્રગટ પરવસ્તુ છે. વળી એ બધાં છોડી જંગલમાં જાય તો માને કે મારે બધાં હતાં તે મેં છોડી દીધાં. ભાઈ! આવો પરમાં એકપણાનો ભાવ-અભિપ્રાય મિથ્યાત્વ છે; તથા રાગના એકત્વનો ભાવ પણ મિથ્યાત્વ છે.
અહા! જેને શુદ્ધ ચૈતન્યનું અવલંબન થયું છે ને રાગનું અવલંબન મટી ગયું છે તે જ્યાં હો ત્યાં આત્મામાં છે. કદાચ તે ચક્રવર્તીના રાજવૈભવમાં બેઠેલો બહારથી દેખાતો હોય તોપણ તે આત્મામાં છે, બહારમાં છે જ નહિ. આવી વાત છે.
જ્યારે મારવાનો અભિપ્રાય કરે, રાગની રુચિમાં રહે ને માને કે મને પરઘાતથી બંધ નથી કેમકે હું પરને મારી શકતો નથી તો તે એની સર્વથા એકાંત માન્યતા છે. અને તે મિથ્યાત્વ જ છે. વાસ્તવમાં તે નયવિભાગને સમજતો નથી. એણે તો પોતાના જ્ઞાતા- દ્રષ્ટા સ્વભાવને હણ્યો છે માટે એને બંધ થશે જ. સમજાણું કાંઈ...?
હવે ઉપરના ભાવાર્થમાં કહેલો આશય પ્રગટ કરવાને કાવ્ય કહે છેઃ-
‘तथापि’ તથાપિ (અર્થાત્ લોક આદિ કારણોથી બંધ કહ્યો નથી અને રાગાદિકથી જ બંધ કહ્યો છે તોપણ) ‘ज्ञानिनां निरर्गलं चरितुम् न ईष्यते’ જ્ઞાનીઓને નિરર્ગલ (- મર્યાદારહિત, સ્વચ્છંદપણે) પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું.
અહાહા...! શું કહે છે? કે આ લોક, મન-વચન-કાયાનો યોગ, પર જીવનો ઘાત વગેરે કારણોથી બંધ કહ્યો નથી પણ રાગાદિકથી જ બંધ કહ્યો છે. રાગાદિકથી એટલે રાગ છે તે હું છું એવી એકત્વબુદ્ધિથી બંધ કહ્યો છે. રાગનું અસ્તિત્વ રાગમાં
PDF/HTML Page 2522 of 4199
single page version
છે, શુદ્ધ ચૈતન્યમાં નથી. પણ એમ ન માનતાં રાગનું અસ્તિત્વ પોતાનું માન્યું એવા મિથ્યાત્વસહિત રાગાદિકથી જ બંધ છે.
ત્યારે કોઈ વળી કહે છે-બસ કરવું ધરવું (વ્રત, તપ આદિ કરવાં-ધરવાં) કાંઈ નહિ એટલે મઝા.
તેને કહીએ છીએ-શું કરવું છે ભાઈ? શું રાગને કરવો છે? અહા! રાગને કોણ કરે? રાગને કરવો એ તો મિથ્યાત્વ છે. અરે પ્રભુ! રાગ વિનાનો અંદર ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં જવું એ શું કરવું નથી? એ જ કર્તવ્ય છે ભાઈ! પણ અરે! એને બિચારાને એની સૂઝ પડતી નથી અને બહારનું (રાગનું કર્તાપણું) છોડાતું નથી. શું થાય? પ્રભુ! તું અવળે (માર્ગે) છો ભાઈ!
આ તો ગણધરો મુનિવરો ને એકાવતારી ઈન્દ્રોની સમક્ષ ધર્મસભામાં દેવાધિદેવ અરહંત પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવની જે વાણી ખરી તે આ છે ભાઈ! શું કહ્યું? કે ભગવાનની વાણીમાં આ આવ્યું છે કે જે કોઈ પ્રાણી ભગવાન આત્મામાં સ્વભાવ- વિભાવને એકપણે કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. હું પરને મારું એમ અભિપ્રાયથી સ્વ-પરને એક કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
અહા! ચિદાનંદઘન અકૃત્રિમ પ્રભુ આત્મામાં કૃત્રિમ રાગને ભેળવવો તે મિથ્યાત્વ છે, સંસાર છે. એમાં તો વીતરાગતા ને રાગ બેય માન્યતામાં એક થયા; પણ એમ કદીય બનવા યોગ્ય નથી. પછી વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ કયાં રહ્યું?
અહા! જેને જ્ઞાન ને રાગની ભિન્નતા ભાસી છે તે સમકિતી કદીય રાગને પોતાની ચીજ માને નહિ એણે તો રાગથી જુદો ત્રણલોકનો નાથ જ્ઞાનાનંદનો દરિયો પોતાનો આત્મા દ્રષ્ટિમાં લીધો છે. તેથી તેને મન-વચન-કાયનો યોગ, ઇન્દ્રિયોનો વેપાર કે ચેતન-અચેતનનો ઘાત ઇત્યાદિ બંધનાં કારણ થતાં નથી.
અજ્ઞાની જીવ પોતાના ત્રિકાળી સ્વભાવમાં રાગનું એકત્વ કરે છે. તેથી કોઈ પણ પ્રાણીને તે બહારમાં હણતો નથી તોય તે છકાયના જીવનો હિંસક છે. પોતાનો, સ્વરૂપનો ઘાત કરે છે ને? તેથી તે હિંસક છે. (જુઓ પ્રવચનસાર ગાથા ૨૩૬ ટીકા). ભજનમાં આવે છે ને કે-
અહા! આત્માને (અજ્ઞાનીને) રાગની એકતારૂપ મિથ્યાત્વનો દવ લાગ્યો છે. ત્યાં શું થાય? તેને સ્વભાવની હિંસા થાય જ છે, તેને બંધ થાય જ છે.
અહીં કહે છે-લોક, મન-વચન-કાયનો યોગ, ઇન્દ્રિયોનો વેપાર ને ચેતન- અચેતનનો ઘાત ઇત્યાદિ કારણોથી બંધ નથી કહ્યો, એક રાગાદિકથી જ બંધ કહ્યો છે
PDF/HTML Page 2523 of 4199
single page version
તોપણ જ્ઞાનીઓને નિરર્ગલ પ્રમાદસહિત પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું. જીવોનો ઘાત થયો તો થયો-એમ પ્રમાદસહિત વિષય-કષાયમાં સ્વચ્છંદપણે પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું. કેમ? તો કહે છે-
‘सा निरर्गला व्यापृतिः किल तद्–आयतनम् एव’ કારણ કે તે નિરર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે. રાગની રુચિપૂર્વક કામ-ભોગ લેવો તે બંધનું જ ઠેકાણું છે. અહા! બુદ્ધિપૂર્વક વિષય-કષાયોમાં નિરંકુશ આચરણ એ બંધનું જ સ્થાન છે. પરઘાત વગેરેથી મને બંધ નથી એવી યુક્તિ બતાવીને સ્વચ્છંદે આચરણ તો મિથ્યાદ્રષ્ટિને જ હોય છે અને તેને અવશ્ય બંધ થાય છે.
‘ज्ञानिनां अकाम–कृत–कर्म तत् अकारणम् मतम्’ જ્ઞાનીઓને વાંછા વિના કર્મ (કાર્ય) હોય છે તે બંધનું કારણ કહ્યું નથી.
શું કહ્યું? કે જેને ઇચ્છા નથી, રાગની રુચિ નથી એવા ધર્મી જીવને નિરભિલાષ કર્મ હોય છે તે બંધનું કારણ નથી. જુઓ નોઆખલીમાં (નોઆખલી પૂર્વબંગાળનું ગામ છે) લોકોએ કાળો કેર વર્તાવ્યો હતો. મા-દીકરાને ને ભાઈ-બહેનને નાગા કરી ભેગા કરે એવો જુલ્મ! એ વખતે બેયને થાય કે અરરર! ધરતી માર્ગ આપે તો અંદર સમાઈ જઈએ. એમાં પ્રેમ છે જરાય! જરાય નથી. તેમ જ્ઞાનીને રાગમાં આવવું ઝેર જેવું લાગે છે; રાગનો ભેટો કરવો એને ઝેર સમાન ભાસે છે. તે અંદરમાં રાગનો ભેટો (એકપણું) કરતો જ નથી. તેથી તેને રાગની રુચિ વગર જે યોગ આદિ ક્રિયા થાય છે તે બંધનું કારણ કહ્યું નથી. એ જ દ્રઢ કરે છે-
કેમકે ‘जानाति च करोति’–જાણે પણ છે અને (કર્મને) કરે પણ છે ‘द्वयं किमु न विरुध्यते’ એ બન્ને ક્રિયા શું વિરોધરૂપ નથી? (કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે.)
જાણે પણ છે અર્થાત્ આનંદને અનુભવે છે અને વળી સાથે રાગાદિને કરે છે-એમ બે ક્રિયા એકમાં એક સાથે કેમ હોય? આત્મા એક સાથે બે ક્રિયા કેમ કરે? ન જ કરે. જે જાણે છે તે જાણે જ છે, કરતો નથી. સમજાણું કાંઈ...? બાપા! આ તો વીતરાગનો મારગ! અંતરની ચીજ પ્રભુ! એમાં ખાલી વિદ્વતા ન ચાલે.
બહારની ક્રિયા-એ મન-વચન-કાયના યોગની ક્રિયા, રાગની ક્રિયા, હણવાની ક્રિયા વગેરે પોતાની ચૈતન્યસત્તામાં કયાં છે? પોતાની સત્તામાં રાગ જ નથી ત્યાં બીજી યોગ કે હણવા આદિની ક્રિયા તેમાં કયાંથી આવી? અહા! જૈન પરમેશ્વર સર્વજ્ઞદેવે કહેલો આવો મારગ મહા અલૌકિક ભાઈ!
જેની એક સમયની પર્યાયમાં એકી સાથે લોકાલોક સહિત અનંતા કેવળીઓ જણાય તે સર્વજ્ઞ શું છે ભાઈ? બાપુ! જગતમાં આવા સર્વજ્ઞની સત્તા છે અને એવો
PDF/HTML Page 2524 of 4199
single page version
જ સર્વજ્ઞસ્વભાવ દરેક જીવનો છે. અહાહા...! ભગવાન આત્મા સર્વજ્ઞ થાય એવો જ એનો સ્વભાવ છે, અલ્પજ્ઞ રહે ને વિપરીતપણે રહે એવો એનો સ્વભાવ જ નથી .
અહીં કહે છે-કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે. આને મારું, આને સુખી કરું, આને દુઃખી કરું, આને જિવાડું વગેરે ભાવ અને વળી હું જ્ઞાતા-દ્રષ્ટા છું-એમ બેય ભાવ એક સાથે કેમ રહી શકે? એ તો વિરુદ્ધ છે. જાણે તે કરે નહિ અને કરે તે જાણે નહિ. લ્યો, આવી વાત છે.
‘પહેલા કાવ્યમાં લોક આદિને બંધનાં કારણ ન કહ્યાં ત્યાં એમ ન સમજવું કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વથા જ નિષધી છે; બાહ્યવ્યવહાર પ્રવૃત્તિ રાગાદિ પરિણામને-બંધના કારણને-નિમિત્તભૂત છે; તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજવો.’
શું કહ્યું ? કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિ વખતે બંધ થતો જ નથી એમ સર્વથા ન માનવું; કેમકે બાહ્યપ્રવૃત્તિ, રાગાદિ પરિણામ જે નિશ્ચય બંધનું કારણ છે તેને નિમિત્તભૂત છે. એટલે અજ્ઞાનીને તે વ્યવહારથી બંધનું કારણ છે; કેમકે તેને રાગાદિ હયાત છે.
‘જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક-વાંછા વિના-પ્રવૃત્તિ થાય છે તેથી બંધ કહ્યો નથી, તેમને કાંઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી; કારણ કે મર્યાદારહિત (અંકુશ વિના) પ્રવર્તવું તે તો બંધનું જ ઠેકાણું છે.’
જુઓ, ધર્મી પુરુષો અવાંછક હોય છે. તેમને રાગની રુચિ વિના જે બાહ્ય- વ્યવહારપ્રવૃત્તિ થાય છે તે બંધનું કારણ થતી નથી. તેથી કાંઈ તેમને સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી શું કહ્યું? ગમે તેમ ખાઓ, પીઓ ને કામ-ભોગમાં પ્રવર્તો-એમ નિરંકુશ પ્રવર્તન કરવાનું કહ્યું નથી. ધર્મીને તો જે ક્રિયા થાય છે તેનો તે જાણનાર રહે છે અને તેથી તેને એ ક્રિયાથી બંધ નથી. પણ સમકિતીના નામે કોઈ ગમે તેમ સ્વચ્છંદપણે વિષય-કષાયમાં પ્રવર્તે તેને તો તે પ્રવર્તન-આચરણ બંધનું જ ઠેકાણું છે, કેમકે બંધનું કારણ જે રાગાદિ તેના સદ્ભાવ વિના નિરંકુશ પ્રવર્તન હોતું નથી.
‘જાણવામાં ને કરવામાં તો પરસ્પર વિરોધ છે; જ્ઞાતા રહેશે તો બંધ નહિ થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે.’
પરની ક્રિયા થાય એનો જાણનાર રહેવું અને એ ક્રિયા હું કરું છું એમ તેનો કર્તા થવું એ બન્ને તદ્દન વિરુદ્ધ છે; તેથી એક સાથે જ્ઞાતાપણું ને કર્તાપણું સંભવી શકતું નથી. જ્ઞાતા રહે તે કર્તા નથી અને કર્તા થાય તે જ્ઞાતા નથી. ત્યાં જ્ઞાતા રહે
PDF/HTML Page 2525 of 4199
single page version
તેને બંધ નથી કેમકે તેને બંધનું કારણ જે રાગાદિનો સદ્ભાવ તેનો અભાવ છે; જ્યારે કર્તા થાય તેને અવશ્ય બંધ થશે કેમકે તેને રાગાદિનો સદ્ભાવ છે. અહા! રાગાદિને પરની ક્રિયાનો હું કરનારો છું એમ માનશે તેને મિથ્યાત્વ થશે અને તેથી તેને બંધ થશે જ. આવી વાત છે.
“જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી; કરવું તે તો કર્મનો રાગ છે, રાગ છે તે અજ્ઞાન છે અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે.” આવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ-
‘य जानाति सः न करोति’ જે જાણે છે તે કરતો નથી ‘तु’ અને ‘यः करोति अयं खलु जानाति न’ જે કરે છે તે જાણતો નથી.
શું કહ્યું? કે જે કોઈ આત્મા પોતાના શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જાણે છે, અનુભવે છે તે કરતો નથી. કરતો નથી એટલે કે પોતામાં રાગને કરતો નથી. લ્યો, રાગને કરતો નથી તો પછી પરની ક્રિયા કરવાની તો વાત જ કયાં રહી?
ત્યારે કોઈ પંડિતો વળી કહે છે કે-આત્મા પરનું કરે; પરનો કર્તા ન માને તે દિગંબર નહિ.
અરે ભાઈ! આ શું થયું છે તને? આ તો મહા વિપરીતતા છે, નરી મૂઢતા છે. અહીં તો મહાન દિગંબરાચાર્ય એમ કહે છે કે-જેણે એકલા જ્ઞાન અને આનંદનો સમુદ્ર વિજ્ઞાનઘન પ્રભુ આત્માને પર્યાયમાં ભાળ્યો-અનુભવ્યો તે રાગને-વિકલ્પને કરતો નથી. અહા! જેને તત્ત્વદ્રષ્ટિ સમ્યક્ પ્રગટ થઇ તે દ્રષ્ટિની પર્યાયનો કર્તા છે પણ રાગનો કર્તા નથી.
ભગવાન આત્મા એકલા જાણગ-જાણગ સ્વભાવનું દળ પ્રભુ નિત્ય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવી છે. આવા પોતાના સ્વરૂપનું ભાન થઇને જેને પર્યાયમાં નિર્મળ રત્નત્રયરૂપ ધર્મ પ્રગટયો એ ધર્મી જીવને, હજુ પૂરણ વીતરાગ થયો નથી ત્યાં સુધી વ્યવહારરત્નત્રયનો શુભ વિકલ્પ હોય છે, પણ તે એ શુભ વિકલ્પને પોતાનામાં કરતો નથી, તેને માત્ર જાણે છે એમ કહે છે. અહા! જે જાણે છે તે કરતો નથી. ગજબ વાત પ્રભુ!
વળી ‘જે કરે છે તે જાણતો નથી.’ શું કહ્યું? કે હું દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો કરનારો એમ જે વ્યવહારધર્મના-વ્યવહારરત્નત્રયના શુભરાગને કરે છે તે જાણતો નથી. જાણતો નથી એટલે શું? કે જે રાગને પોતામાં કરે છે તે અજ્ઞાની જીવ પોતાનો એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી આત્મા છે તેને જાણતો નથી. અહા! કરે છે તે જાણતો નથી. રાગને કરે છે તે રાગરહિત શુદ્ધ આત્માને જાણતો નથી. અહા! આ તો જૈનદર્શનનું પરમ અદ્ભુત રહસ્ય છે.
PDF/HTML Page 2526 of 4199
single page version
હવે વિશેષ કહે છે-‘तत् किल कर्मरागः’ જે કરવું તે તો ખરેખર કર્મરાગ છે, ‘तु’ અને ‘रागं अबोधमयम् अध्यवसायम् आहुः’ રાગને (મુનિઓએ) અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે.
કોઈ લોકો રાડ પાડે છે કે-આ તો કાંઈ કરવું નહિ એમ કહે છે. પણ આત્મા તો કર્મને કરે છે ને કર્મને ભોગવે છે.
ભગવાન! તું શું કહે છે આ? પ્રભુ! તું શુદ્ધ ચૈતન્યમય જ્ઞાનાનંદસ્વભાવનો દરિયો છે તેની તને ખબર નથી. અહા! જેને પોતાના જ્ઞાનાનંદસ્વભાવનું અંતરમાં અંતદ્રષ્ટિ થઇને ભાન થયું છે તે શું કરે? તે જ્ઞાન કરે કે રાગ કરે? તેને રાગનું કરવું તો છે નહિ, પણ તે જ્ઞાન કરે એ પણ વ્યવહાર છે. દ્રવ્ય પર્યાયને કરે એવો દ્રવ્ય-પર્યાયનો ભેદ પાડવો તે વ્યવહાર છે.
જ્ઞાનીને રાગ થાય ખરો પણ તે રાગનો જાણનારમાત્ર રહે છે. આ અંતરની (શુદ્ધ સમકિતની) બલિહારી છે પ્રભુ! જ્યારે અજ્ઞાનીની દ્રષ્ટિ રાગ ઉપર છે. તેને કરવું, કરવું- એવો કર્મરાગ છે ને? તે રાગને પોતાનું કર્તવ્ય માને છે તેથી રાગથી ભિન્ન પડતો નથી ને અંદર જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવથી ભરેલા પોતાના ભગવાનને જાણતો નથી, ઓળખતો નથી.
અહા! ગણધરો ને ઇન્દ્રોની સભામાં ભગવાન સર્વજ્ઞદેવે જે ધર્મ કહ્યો તે ધર્મની આ વાત છે. તેમાં આજે કોઈ લોકોને-પંડિતોને મોટો ફેરફાર કરી નાખવો છે. પણ બાપુ! એમાં ફેરફાર ન થાય. (તારે ફરવું પડશે). ધર્મ તો ત્રિકાળ ધર્મરૂપ જ રહેશે. અહા! ધર્મ એટલે ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી ચિદાનંદઘન પ્રભુ આત્માના આશ્રયે નિર્મળ વીતરાગી દશા-નિર્મળ રત્નત્રયની દશા-પ્રગટ કરવી એ એનું કર્તવ્ય છે; પણ રાગ કરવો-દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ કરવો એ કાંઈ કર્તવ્ય નથી. એ હોય છે એ જુદી વાત છે પણ એ કાંઈ કર્તવ્ય નથી. (બલકે હેય જ છે).
ત્યારે વળી લોકો કહે છે-તે વ્યવહારને હેય કહે છે ને વળી તે વ્યવહારને કરે તો છે.
ભાઈ! ‘કરે છે’-કોને કહેવું? જેને કર્મરાગ છે તે કરે છે; બાકી ક્ષણિક કૃત્રિમ રાગ ને ત્રિકાળી સહજ અકૃત્રિમ ચૈતન્યના ઉપયોગમય પ્રભુ આત્મા-એ બંનેનું જેને ભેદજ્ઞાન વર્તે છે, સ્વભાવ-વિભાવથી જેને સ્વને પરપણે વહેંચણી થઇ ગઇ છે તે રાગને-વ્યવહારને કરતો જ નથી. લ્યો, આવું ઝીણું બહુ; પણ આ એક જ સત્ય અને લાભદાયક છે.
જેમ સકરકંદ મીઠાશનો કંદ છે, તેમ ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો કંદ છે, એનામાં વિકારને કરે, દયા, દાન આદિ વિકલ્પને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ નથી. અહા! આવો આત્મા કે જે ભગવાન
PDF/HTML Page 2527 of 4199
single page version
સર્વજ્ઞદેવે જાણ્યો, અનુભવ્યો ને કહ્યો તેની જેને અંતદ્રષ્ટિ થઇ તે ધર્મી જીવ ધર્મપરિણતિને-વીતરાગપરિણતિને કરે પણ રાગાદિપરિણતિને ન કરે; તે પરદ્રવ્યની પરિણતિને કરે એ તો પ્રશ્ન જ નથી.
આમાંથી કોઈ એમ અર્થ કાઢે કે કર્મ આત્મામાં છે ને કર્મને લઇને જીવને વિકાર થાય છે તો એમ નથી. ભાઈ! જે વિકાર થાય છે તે પોતાની પર્યાયમાં પોતાના જ અપરાધથી થાય છે. કર્મ નિમિત્ત હો, પણ વિકાર પોતાનો જ અપરાધ છે, ધર્મીની દ્રષ્ટિ વિકાર ઉપર નથી પણ શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર છે. તેથી તે વિકારનો કર્તા નથી એમ વાત છે. વીતરાગનો મારગ બહુ ઝીણો બાપા! દુનિયા સાથે મેળ ખાય નહિ ને વિરોધ ઊભો થાય. પણ શું થાય?
ભાઈ! તું આત્મા છો ને! શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ તું આનંદનું ધામ છો ને! ભાઈ! તું એમાં જા ને, એમાં જ સ્થિતિ કરીને રહે ને. તેથી તને નિરાકુલ આનંદ થશે અને કરવાનો બોજો રહેશે નહિ.
કરવું તે તો કર્મરાગ છે. કર્મરાગ એટલે રાગાદિ ક્રિયા કરવાની રુચિ. શું કહ્યું? કે રાગાદિ ક્રિયાની રુચિ-પ્રેમ તે કર્મરાગ છે. તે કર્મરાગને ભગવાન ગણધરદેવોએ, મુનિવરોએ અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. રાગની રુચિ વા ઉપયોગમાં રાગનું એકત્વ કરવું તે અજ્ઞાનમય અધ્યવસાય છે.
અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદઘનપ્રભુ એક જાણગ-જાણગ-જાણગ સ્વભાવમય છે; અને રાગ છે તે અજ્ઞાનમય છે કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી. માટે કર્મરાગને અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. રાગના કર્તાપણાનો અધ્યવસાય અજ્ઞાનમય અધ્યવસાય છે અને તે જ મિથ્યાદર્શનરૂપ મહાપાપ ને મહા અહિત છે.
અરે! અનંતકાળમાં એણે સત્ય શું છે એ જાણવાની દરકાર ન કરી અને બહારના બધા ભપકામાં-ચમકદમકમાં મુંઝાય ગયો! એ ભપકા તો એકકોર રહ્યા; અહીં કહે છે- ભગવાન! અંદરમાં જે રાગ થાય તેનો તું કર્તા થાય એ તારું મહા અહિત છે; મહા અહિત છે એટલે કે એના ગર્ભમાં અનંતા જન્મ-મરણનાં દુઃખ પડેલાં છે. સમજાણું કાં...?
અહાહા...! પોતે એક જ્ઞાન ને આનંદસ્વરૂપ છે. આઠ વર્ષની બાલિકા હોય પણ પોતાના સહજ પરમાત્મસ્વરૂપની દ્રષ્ટિ થઇને સમ્યગ્દર્શન પામે ત્યારે, રાગ તો હજુ છે ને તેથી લગ્ન કરે તોય, તેને કર્મરાગ નથી; એ રાગમાં એકત્વબુદ્ધિ નથી. જુઓ, ત્રણ જ્ઞાનના સ્વામી શ્રી શાન્તિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ ત્રણેય તીર્થંકર હતા, ચક્રવર્તી હતા અને કામદેવ પુરુષ હતા. શું તેમના શરીરનું સૌંદર્ય! અહો! છ ખંડમાં કયાંય જોેવા ન મળે તેવું તેમનું અદ્ભુત રૂપ હતું. એમને છન્નુ
PDF/HTML Page 2528 of 4199
single page version
હજારો સ્ત્રીઓ અને છન્નુ કરોડનું પાયદળ આદિ મહાવૈભવ હતો. અહા! પણ એ સઘળી ચીજોમાં મુંઝાયેલા ન હતા. એના પ્રતિ જે રાગ થતો હતો તેના પણ તે કર્તા નહોતા, માત્ર એના જ્ઞાતા-દ્રષ્ટા રહીને જાણતા-દેખતા હતા. અહો! જેમને કર્મરાગ નહોતો એવા તે ધર્માત્મા હતા.
અત્યારે તો પ્રરૂપણા જ આવી છે કે-પરની દયા પાળો તો ધર્મ થશે.
અરે ભગવાન! પરની દયા તું પાળી શકતો નથી, તથાપિ પરની દયા પાળવાનો જો તને કર્મરાગ છે, પરની દયાના ભાવમાં જો તને લાભબુદ્ધિ વા એકત્વ છે તો તું મિથ્યાદ્રષ્ટિ છો. અહા! ધર્મી પુરુષ તો પોતાને જે શુદ્ધ નિર્મળ પરિણતિ થાય એને જાણે છે અને સાથે જે અશુદ્ધ રાગાંશ હોય તેને પણ માત્ર જાણે જ છે; જે રાગાંશ થયો એને કરે નહિ, એને અડેય નહિ, અડયા વિના જ્ઞાતાપણે માત્ર તેને જાણેે જ છે. આવી અદ્ભુત વાત છે! અહો! આ કળશ મહા અલૌકિક છે.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સમયમાં ત્રણકાળ-ત્રણલોક જણાયા છે તે ભગવાન કેવળીની વાણીમાં આ આવ્યું છે. ‘ભગવાનની વાણી’-એમ કહેવું એ વ્યવહાર છે; નિમિત્તની મુખ્યતાથી કહેવાય કે ‘ભગવાનની વાણી’; બાકી વાણી વાણીની છે; વાણી તો જડ છે; વાણીનો કર્તા જીવ નથી. સ્વપરને જાણવાનો સ્વભાવ જીવનો છે, પણ પરનું-વાણીનું કર્તાપણું જીવને નથી. છતાં કોઈ વાણીનો કર્તા પોતાને માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે. અહીં બીજી વિશેષ વાત છે. શું? કે વાણી ઇત્યાદિ પરની ક્રિયા થવામાં જે ઇચ્છા-રાગ ઉઠે છે તે રાગમાં એકત્વબુદ્ધિ હોવી તે મિથ્યાત્વ છે. શું કહ્યું? હું રાગ કરું એવો કર્મરાગ મિથ્યા અધ્યવસાય છે અને તે અવશ્ય મિથ્યાદ્રષ્ટિને જ હોય છે. અહા! આવો મારગ! અત્યારે તો બધું લોપ થઇ ગયું છે. અહીં કહે છે-ભગવાન! એક વાર સાંભળ. તારા ચૈતન્યની પ્રભુતાનું જો તને ભાન થાય તો પામર એવા રાગનું તને કર્તૃત્વ ન રહે, અને જો તને કર્મરાગ છે, રાગનું કર્તૃત્વ છે તો ભગવાન આત્માનું ભાન નહિ થાય, આનંદની પ્રાપ્તિ નહિ થાય. આ ભગવાન સર્વજ્ઞનું કહેલું સિદ્ધાંતતત્ત્વ છે.
અહાહા...! કહે છે-રાગને અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. જુઓ, ‘અજ્ઞાનમય અધ્યવસાય’-એમ પાઠ છે કે નહિ? છે ને. અહીં રાગ એેેટલે રાગની એકત્વબુદ્ધિ લેવી છે. રાગ તે હું છું, રાગથી મને લાભ છે-એવો જે અધ્યવસાય તે રાગની એકત્વબુદ્ધિ છે. તે નિયમથી મિથ્યાદ્રષ્ટિને હોય છે. અર્થાત્ અજ્ઞાનમય અધ્યવસાય જેને છે તે નિયમથી મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે એની એવી મિથ્યા માન્યતા છે કે-બીજાની દયા પાળી શકાય, બીજાને મારી શકાય, પૈસા આદિ ધૂળ કમાઇને મેળવી શકાય ને બીજાને દઇ શકાય ઇત્યાદિ.
PDF/HTML Page 2529 of 4199
single page version
અરે! અનાદિકાળથી મિથ્યાત્વને પડખે ચઢેલો તે દુઃખી છે. એ મોટો તવંગર શેઠ થયો, મોટો રાજા થયો, મોટો દેવ થયો પણ એમાં બધેય એ મિથ્યાત્વને લઈને દુઃખી જ દુઃખી રહ્યો છે. ભાઈ! આ બધા કરોડપતિ શેઠિયા મિથ્યાત્વને લઈને દુઃખી જ છે. પણ હું જ્ઞાનાનંદસ્વરૂપી ચૈતન્ય મહાપ્રભુ છું એમ જ્યારે ભાન થાય ત્યારે તે નિરાકુળ આનંદ અનુભવે છે. કેમકે ત્યારે એને રાગ જે દુઃખ છે તેની સાથે એકત્વબુદ્ધિ નથી. ભાઈ! આ તો ન્યાયથી-લોજીકથી સમજે તો સમજાય એવું છે. અહા! પોતે હું જ્ઞાનાનંદસ્વભાવી છું એમ જ્યાં સમ્યગ્દર્શનમાં ભાન થયું ત્યાં પછી સ્વભાવથી વિપરીત વિભાવમાં તેને એકત્વ કેમ રહે? વિભાવ મારું કર્તવ્ય છે એવી દ્રષ્ટિ તેને કેમ હોય? અહા! રાગ થાય ખરો, હોય ખરો, તોપણ જ્ઞાની રાગમાં નથી, જ્ઞાનમાં છે, સ્વભાવના ભાનમાં છે.
આમાંય લોકોની મોટી તકરાર! શું? કે વ્યવહારરત્નત્રયથી નિશ્ચય પ્રગટ થાય. અરે પ્રભુ! તું શું કહે છે ભાઈ? વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે એ શુદ્ધ ચૈતન્યસ્વભાવથી-વીતરાગસ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. તો વિરુદ્ધ એવા રાગનો કર્તા થાય એને અકર્તાપણું (-વીતરાગતા) કઈ રીતે પ્રગટ થાય? કોઈ રીતે ન થાય. અહીં તો રાગના કર્તૃત્વને મિથ્યા અધ્યવસાય કહી તે નિયમથી મિથ્યાદ્રષ્ટિઓને હોય છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ....?
અહા! જ્ઞાનીને કર્મરાગ નથી, અજ્ઞાનમય અધ્યવસાય નથી. તેથી જ્ઞાની કદાચિત્ લડાઈમાં ઊભો હોય તોપણ તેને રાગ (-રાગની રુચિ) વિદ્યમાન નથી તેથી તેને બંધ નથી; જ્યારે અજ્ઞાની મુનિ થયો હોય, છકાયની હિંસા બહારમાં કરતો-કરાવતો ન હોય તોપણ અંદરમાં વ્યવહારના રાગ સાથે એકત્વ હોવાથી તેને રાગ (-રાગની રુચિ) વિદ્યમાન છે તેથી તેને અવશ્ય બંધ થાય છે. લ્યો, એ જ કહ્યું છે કે-
‘च’ અને ‘सः बन्धहेतुः’ તે બંધનું કારણ છે. અહા? કર્મરાગ કે જે અજ્ઞાનમય અધ્યવસાય છે તે બંધનું કારણ છે. હવે આવું સાંભળવુંય કઠણ પડે તેને તે સમજવું તો ક્યાંય દૂર રહી ગયું. શું થાય? બિચારો અજ્ઞાનઅંધકારમાં અટવાઈ જાય!
PDF/HTML Page 2530 of 4199
single page version
जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो।। २४७।।
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २४७।।
હવે મિથ્યાદ્રષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ રીતે કહે છેઃ-
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭.
ગાથાર્થઃ– [यः] જે [मन्यते] એમ માને છે કે [हिनस्मि च] ‘હું પર જીવોને મારું છું (-હણું છું) [परैः सत्त्वैः हिंस्ये च] અને પર જીવો મને મારે છે’, [सः] તે [मूढः] મૂઢ (-મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત (અર્થાત્ આવું નથી માનતો) તે [ज्ञानी] જ્ઞાની છે.
ટીકાઃ– ‘પર જીવો ને હું હણું છું અને પર જીવો મને હણે છે’-એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિશ્ચિતપણે, નિયમથી) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ– ‘પર જીવોને હું મારું છું અને પર મને મારે છે’ એવો આશય અજ્ઞાન છે તેથી જેને એવો આશય છે તે અજ્ઞાની છે-મિથ્યાદ્રષ્ટિ છે અને જેને એવો આશય નથી તે જ્ઞાની છે-સમ્યગ્દ્રષ્ટિ છે.
નિશ્ચયનયે કર્તાનું સ્વરૂપ એ છે કે-પોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે તે ભાવનો પોતે કર્તા કહેવાય છે. માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી. જે પરથી પરનું મરણ માને છે, તે અજ્ઞાની છે. નિમિત્તનૈમિત્તિકભાવથી કર્તા કહેવો તે વ્યવહારનયનું વચન છે; તેને યથાર્થ રીતે (અપેક્ષા સમજીને) માનવું તે સમ્યગ્જ્ઞાન છે.
હવે મિથ્યાદ્રષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ રીતે કહે છેઃ-
“પર જીવોને હું હણું છું અને પર જીવો મને હણે છે”-એવો અધ્યવસાય
PDF/HTML Page 2531 of 4199
single page version
ધ્રુવપણે (-નિશ્ચિતપણે, નિયમથી) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે.
શું કીધું? કે પર જીવોને એટલે કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જીવો જે શરીર સહિત છે તેમને હું હણું છું-હણી શકું છું એમ જે માને છે તે નિયમથી મૂઢ અજ્ઞાની છે. બીજા જીવોને હણવું એટલે શું? એની વ્યાખ્યા એમ છે કે એને દશ પ્રાણ છે એનાથી હું એનો જુદો કરી શકું છું. પાંચ ઈન્દ્રિય, મન-વચન-કાય, આયુ ને શ્વાસ વગેરેથી એના આત્માને જુદો કરી શકું છું. ભાઈ! હું ઈન્દ્રિયો કાપી શકું, આંખને ફોડી શકું ઈત્યાદિ જે માન્યતા છે તે નિયમથી અજ્ઞાન છે, મૂઢતા છે.
પ્રાણો જડ છે ને આત્મા ચેતન છે. બન્ને જુદી જુદી ચીજ છે. કોઈ કોઈને અડેય નહિ તો પછી આત્મા જડ પ્રાણોને જુદો કેમ કરી શકે? ત્રણકાળમાં ન કરી શકે. બાપુ! આ વીતરાગનો માર્ગ દુનિયાથી સાવ જુદો છે. એટલે તો કેટલાક કહે છે કે આ સોનગઢથી નવો કાઢયો છે. પણ ભાઈ! આ તો સનાતન માર્ગ છે, તેને અહીં આચાર્ય કુંદકુંદે પ્રગટ કર્યો છે અને તે અહીં કહેવાય છે. સમજાણું કાંઈ...?
‘હું પરને હણું ને પરજીવો મને હણે’-એમાં તો હું ને પર-બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. ભાઈ! એક દ્રવ્યને અન્ય દ્રવ્યની ક્રિયા કરતું માને છે એ તો મૂઢ અજ્ઞાની છે. કેમ? કેમકે એ પરની ક્રિયા ક્યાં કરી શકે છે? પરનું જે અસ્તિત્વ હયાતી છે તે તો એને- પોતાને લઈને છે, કાંઈ આને લઈને નથી. અહો! આ ત્રણલોકના નાથનો સ્વતંત્રતાનો ઢંઢેરો છે કે-સર્વ દ્રવ્યો સ્વતંત્ર છે, કોઈ કોઈને લઈને છે, વા કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યની ક્રિયા કરે છે એમ છે જ નહિ.
પણ નિમિત્ત તો છે ને?
ઉત્તરઃ– નિમિત્ત છે એનો અર્થ શું? એટલો જ કે કાર્યકાળે બીજી ચીજની હયાતી- મોજુદગી છે, પણ આમાં-ઉપાદાનમાં તે કાંઈ કરે છે એમ છે નહિ.
આગળની ગાથાઓમાં પણ આવી ગયું કે-રાગની એકતાબુદ્ધિ બંધનું કારણ છે પણ મન-વચન-કાયની ક્રિયા કે ચેતન-અચેતનનો ઘાત આદિ બહારની ક્રિયા બંધનું કારણ નથી. મતલબ કે તે પરની ક્રિયા કરી શકતો જ નથી. અહીં પણ કહે છે કે-હું પરને હણું છું કે પર મને હણે છે એવો જે અધ્યવસાય નામ મિથ્યા માન્યતા છે તે ધ્રુવપણે એટલે નિયમથી ચોક્કસપણે અજ્ઞાન છે. હવે જૈનમાં જન્મેલાને પણ ખબર નથી કે જૈન- પરમેશ્વર શું કહે છે? આ તો હણવાનું કીધું છે, આગળ જિવાડવાનું પણ કહેશે.
PDF/HTML Page 2532 of 4199
single page version
એકેન્દ્રિય જે શાકભાજી-ભીંડા, તુરિયાં, દૂધી ઈત્યાદિને હું છરી વડે કાપી શકું છું ને આંગળીથી ચૂંટી શકું છું-એમ પરની ક્રિયા કરી શકું છું એમ માનનારો મિથ્યાદ્રષ્ટિ છે; કેમકે આત્મા શરીરાદિ પરથી જુદો હોવાથી તે આંગળી હલાવી શકે નહિ ને આંગળીથી છરી વડે કાપી શકે નહિ. બાપુ! આ તો જગત સમક્ષ વીતરાગ પરમેશ્વરનો પોકાર છે. ભાઈ! શું તું પરની ક્રિયા કરી શકે છે? પરની સત્તામાં શું તારો પ્રવેશ છે કે તું એને હણી શકે? પર જીવની સત્તામાં કે જડ પરમાણુમાં તારો પ્રવેશ જ નથી, પછી તું પરને કેમ હણી શકે? વળી તારી સત્તામાં પર જીવનો કે પરમાણુનો પ્રવેેશ જ નથી; પછી પર જીવો તને કેમ હણી શકે?
ત્યારે કેટલાકને એમ થાય કે-જો આમ છે તો બધા એક બીજાને નિરંકુશ થઈ મારશે.
અરે ભાઈ! કોઈ કોઈ અન્યને મારી શકતો જ નથી ત્યાં પછી પ્રશ્ન શું છે? ભાઈ! આ તો ‘जिणपण्णत्तो धम्माે’-ભગવાન જિનેશ્વરદેવે કહેલો ધર્મ મહા અલૌકિક! જે સમજશે તે સ્વરૂપમાં રહેશે, બાકી અજ્ઞાનીની શું કથા? (તે તો રખડશે).
ભાઈ! કોઈ કોઈ પરને મારી શકતો નથી એ સિદ્ધાંત છે. મારવાના ભાવ હોય, પણ એથી તે સામા જીવને મારી શકે છે કાંઈ? બીલકુલ નહિ હોં.
તો જુઓ, રાજાના હુકમથી પંડિત શ્રી ટોડરમલજીને હાથીને પગે મસળી નાખ્યા કે નહિ?
બાપુ! એ તો ક્રિયા જે કાળે થવાની હતી તે થઈ છે, એનો બીજો કોઈ (હાથી કે રાજા) કરનારો નથી. (નિમિત્તથી કહેવાય એ વાત બીજી છે). અહા! કેવો એ ધર્મની દ્રઢતાનો પ્રસંગ! મને કોઈ હણતું નથી એવી શ્રદ્ધાની સમતાનો એ મહા અલૌકિક પ્રસંગ હતો. અહા! પોતે વિષમતા રહિત ભગવાન જ્ઞાનસ્વભાવમાં રહી ગયા અને દેહ છૂટી ગયો.
બીજે, આત્મા અજર-અમર છે; માટે તું માર, તને વાંધો નથી-એમ જે ઉપદેશ છે એ તો તત્ત્વથી તદ્દન વિપરીત વાત છે. અહીં તો મારવાનો જે અભિપ્રાય છે કે હું પરને હણું ને પર મને હણે તે મિથ્યાત્વ છે એમ કહે છે, કેમકે કોઈ કોઈને મારી શકતું જ નથી. મિથ્યાત્વ એટલે શું? મિથ્યાત્વ એટલે જે અનંત સંસારનું કારણ છે એવું મહાપાપ. જે થઈ શકે નહિ તે થઈ શકે છે એમ અનંત-અનંત પદાર્થ સંબંધી માનવું-એવી મિથ્યાશ્રદ્ધામાં અનંત-અનંત રસ-અનુભાગ છે અને એના ફળમાં અનંત સંસાર છે.
હવે કહે છે-‘અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.’ અહા! જ્ઞાનીને, બીજો મારવા આવે તે કાળે, મને એ મારી શકતો નથી એવા
PDF/HTML Page 2533 of 4199
single page version
અભિપ્રાયની દ્રઢતા હોય છે તેથી સમતાભાવ પ્રગટ થાય છે શ્રીમદ્ના ‘અપૂર્વ અવસર’માં આવે છે ને કેઃ-
‘એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ-સિંહ સંયોગ જો; અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.’ - અપૂર્વ
અહા! વાઘ-સિંહ ખાવા આવે તો જાણે મિત્રનો યોગ થયો એમ સમજે; મતલબ કે જ્ઞાનીને તે કાળે ચિત્તમાં દ્વેષ કે ક્ષોભ ન ઉપજે. કેમ? કેમકે શરીર મારું નથી, મારું રાખ્યું રહ્યું નથી અને એ લેવા આવ્યો છે તે ભલે લઈ જાય, એમાં મને શું છે? આવી સમ્યગ્દર્શનમાં સમતા હોય છે. હું પરને હણું ને પર મને હણે એવો અધ્યવસાય જેને નથી તેને અસાધારણ સમતા હોય છે. તેથી તો કહ્યું કે તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે. આવી વાત છે!
‘પર જીવોને હું મારું છું અને પર મને મારે છે’- એવો આશય અજ્ઞાન છે તેથી જેને એવો આશય છે તે અજ્ઞાની છે-મિથ્યાદ્રષ્ટિ છે અને જેને એવો આશય નથી તે જ્ઞાની છે-સમ્યગ્દ્રષ્ટિ છે.
અહા! પ્રત્યેક સત્તા અભેદ્ય છે. કોઈની સત્તામાં કોઈ અન્યનો પ્રવેશ જ નથી તો પછી કોઈ કોઈને મારે એ વાત જ ક્યાં રહે છે? માટે પર જીવોને હું હણું છું અને પર મને હણે છે એવો આશય નામ અભિપ્રાય-રુચિ અજ્ઞાન છે. તેથી જેને એવો અભિપ્રાય છે તે મિથ્યાદ્રષ્ટિ છે અને જેને એવો આશય નથી તે જ્ઞાની-સમ્યગ્દ્રષ્ટિ છે.
‘નિશ્ચયનયે કર્તાનું સ્વરૂપ એ છે કે-પોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે તે ભાવનો પોતે કર્તા કહેવાય છે. માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી. જે પરથી પરનું મરણ માને છે, તે અજ્ઞાની છે.’
દશ પ્રાણોનો વિયોગ થવો એનું નામ મરણ છે. હવે જ્યાં પ્રાણ જ એનાં નથી ત્યાં હું એના પ્રાણને હણું એ ક્યાં રહ્યું? જ્યાં પ્રાણ જ મારા નથી ત્યાં મારા પ્રાણને બીજા હણે એ વાત જ ક્યાં રહી? ભાઈ! કોઈ કોઈનું મરણ કરે એ વસ્તુસ્થિતિ જ નથી.
‘નિમિત્તનૈમિત્તિકભાવથી કર્તા કહેવો તે વ્યવહારનયનું વચન છે; તેને યથાર્થ રીતે માનવું તે સમ્યગ્જ્ઞાન છે.’ વ્યવહારથી કહેવાય કે આણે આને માર્યો, આણે આને બચાવ્યો. એ તો મરણ-જીવનના કાળે બહારમાં બીજા કોનો ભાવ નિમિત્ત હતો તેનું જ્ઞાન કરાવવા માટે કથન છે; બાકી કોઈ કોઈને મારે કે બચાવે છે એ વસ્તુસ્વરૂપ નથી. આમ વ્યવહારના વચનને અપેક્ષા સમજી યથાર્થ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. સમજાણું કાંઈ....?
PDF/HTML Page 2534 of 4199
single page version
कथमयमध्यवसायोऽज्ञानमिति चेत्–
आउं ण हरेसि तुमं कह ते मरणं कदं तेसिं।। २४८।।
आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं।
आउं ण हरंति तुहं कह ते मरणं कदं तेहिं।। २४९।।
आयुर्न हरसि त्वं कथं त्वया मरणं कृतं तेषाम्।। २४८।।
आयुःक्षयेण मरणं जीवानां जिनवरैः प्रज्ञप्तम्।
आयुर्न हरन्ति तव कथं ते मरणं कृतं तैः।। २४९।।
હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેના ઉત્તરરૂપે ગાથા કહે છેઃ-
તું આયુ તો હરતો નથી, તેં મરણ કયમ તેનું કર્યું? ૨૪૮.
છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું,
તે આયુ તુજ હરતા નથી, તો મરણ કયમ તારું કર્યું? ૨૪૯.
ગાથાર્થઃ– (હે ભાઈ! ‘હું પર જીવોને મારું છું’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [जीवानां] જીવોનું [मरणं] મરણ [आयुःक्षयेण] આયુકર્મના ક્ષયથી થાય છે એમ [जिनवरैः] જિનવરોએ [प्रज्ञप्तम्] કહ્યું છે; [त्वं] તું [आयुः] પર જીવોનું આયુકર્મ તો [न हरसि] હરતો નથી, [त्वया] તો તે [तेषाम् मरणं] તેમનું મરણ [कथं] કઈ રીતે [कृतं] કર્યું?
(હે ભાઈ! ‘પર જીવો મને મારે છે’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [जीवानां] જીવોનું [मरणं] મરણ [आयुःक्षयेण] આયુકર્મના ક્ષયથી થાય છે એમ [जिनवरैः] જિનવરોએ [प्रज्ञप्तम्] કહ્યું છે; પર જીવો [तव आयुः] તારું આયુકર્મ તો [न हरन्ति] હરતા નથી, [तैः] તો તેમણે [ते मरणं] તારું મરણ [कथं] કઈ રીતે [कृतं] કર્યું?
ટીકાઃ– પ્રથમ તો, જીવોને મરણ ખરેખર સ્વ-આયુકર્મના (પોતાના આયુકર્મના) ક્ષયથી જ થાય છે, કારણ કે સ્વ-આયુકર્મના ક્ષયના અભાવમાં (અર્થાત્ પોતાના
PDF/HTML Page 2535 of 4199
single page version
આયુકર્મનો ક્ષય ન હોય તો) મરણ કરાવું (-થવું) અશક્ય છે; વળી સ્વ-આયુકર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નહિ. તેથી ‘હું પર જીવોને મારું છું અને પર જીવો મને મારે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિશ્ચિતપણે) અજ્ઞાન છે.
ભાવાર્થઃ– જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય, તો તે માન્યતા અજ્ઞાન છે. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી, છતાં આ પ્રાણી વૃથા એવું માને છે તે અજ્ઞાન છે. આ કથન નિશ્ચયનયની પ્રધાનતાથી છે.
વ્યવહાર આ પ્રમાણે છેઃ- પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી પર્યાયના ઉત્પાદ-વ્યય થાય તેને જન્મ-મરણ કહેવામાં આવે છે; ત્યાં જેના નિમિત્તથી મરણ (-પર્યાયનો વ્યય) થાય તેના વિષે એમ કહેવામાં આવે છે કે ‘આણે આને માર્યો’, તે વ્યવહાર છે.
અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. જેઓ નિશ્ચયને નથી જાણતા, તેમનું અજ્ઞાન મટાડવા અહીં કથન કર્યું છે. તે જાણ્યા પછી બન્ને નયોને અવિરોધપણે જાણી યથાયોગ્ય નયો માનવા.
ફરી પૂછે છે કે “ (મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું તે જાણ્યું; હવે) મરણના અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનનો અધ્યવસાય તેની શી હકીકત છે?” તેનો ઉત્તર કહે છેઃ-
હવે પૂછે છે કે આ અધ્યવસાન અજ્ઞાન કઈ રીતે છે? તેના ઉત્તરરૂપે ગાથા કહે છેઃ-
‘પ્રથમ તો, જીવોને મરણ ખરેખર સ્વઆયુકર્મના (પોતાના આયુકર્મના) ક્ષયથી જ થાય છે...’
કોઈ બીજો મારે છે-મારી શકે છે એમ નહિ, એનું આયુષ્ય પૂરું થયું એટલે મરણ થાય છે-દેહ છૂટે છે. જે સમયે ને ક્ષેત્રે આયુષ્ય પૂરું થાય એટલે તે સમયે ત્યાં દેહ છૂટી જાય છે. સમજાણું કાંઈ...? બાપા! આ તો ભગવાન જિનેશ્વરની વાણી! ગાથામાં છે ને કે-‘जिणवरेहिं पण्णत्तं’–ભગવાન જિનેશ્વર આમ કહે છે.
PDF/HTML Page 2536 of 4199
single page version
ત્યારે કોઈ વળી કહે છે-લ્યો, જિનવર ભાષા કરી શકે છે કે નહિ? જુઓ, ગાથામાં-‘जिणवरेहिं पण्णत्तं’ એમ છે કે નહિ?
અરે ભાઈ! એ તો વાણીના કાળે વાણીનું બાહ્ય નિમિત્ત કોણ હતું એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે; બાકી વાણીરૂપે તો ભાષાવર્ગણાના પુદ્ગલોના સ્કંધ પરિણમ્યા છે, ભગવાન જિનેશ્વર નહિ.
જયપુરમાં ખાણિયા-ચર્ચામાં આ પ્રશ્ન થયો હતો કે કુંદકુંદાચાર્ય પહેલી ગાથામાં ‘वोच्छामि’-‘હું કહું છું’ એમ લખ્યું છે ને તમે કહો છો આત્મા કહી શકે નહિ-આ કેવી વાત?
બાપુ! આવી આડોડાઈ ન શોભે ભાઈ! ‘वोच्छामि’ કહ્યું એ તો વ્યવહારનયનું વચન છે. ભાષાવર્ગણાના પરમાણુઓની શબ્દરૂપે પરિણમવાની જે કાળે જેમ યોગ્યતા હોય તે કાળે તેઓ ભાષારૂપે તેમ પરિણમી જાય છે, બીજો જીવ તો તેમાં નિમિત્તમાત્ર છે. બાકી બીજો શું કરે? ભાઈ! તું નયવિભાગ જાણતો નથી તેથી બધા ગોટા ઉઠે છે.
અહીં કહે છે-જીવોને મરણ સ્વ-આયુકર્મના ક્ષયથી જ થાય છે; કોઈ બીજો મરણ કરે છે એમ નહિ.
હવે આમાંય લોકો તર્ક કરે છે કે-કર્મનો ક્ષય થાય છે ત્યારે દેહ છૂટે છે ને? જીવ આયુકર્મ હોય ત્યાંસુધી જ દેહમાં રહે છે ને?
એ તો ભાઈ! જ્યારે દેહ છૂટવાનો કાળ હોય ત્યારે છૂટી જાય છે અને જ્યાં સુધી દેહમાં રહેવાનો કાળ હોય ત્યાંસુધી દેહમાં રહે છે. જીવની કોઈ એવી જ યોગ્યતા છે ને આયુકર્મનો ક્ષય ને ઉદય તે તે કાળે નિમિત્ત હોય છે. ભાઈ! આયુકર્મ તો જડ ભિન્ન છે, ને જીવ ભિન્ન છે. તો જડકર્મ જીવને શું કરે? કાંઈ નહિ. અહીં તો જીવના મરણ કાળે આયુકર્મનો ક્ષય નિયમથી નિમિત્ત છે એમ બતાવવું છે. ‘ખરેખર’- એમ શબ્દ છે ને? ‘ખરેખર’ શબ્દથી આયુકર્મનો ક્ષય નિયમરૂપ નિમિત્ત છે એમ બતાવવું છે પણ એ નિમિત્તથી મરણ થાય છે એમ બતાવવું નથી. અહા! કોઈ પર, પરનું મરણ કરી શકે છે એવી મિથ્યા માન્યતાનો નિષેધ કરવા મરણકાળમાં નિયમરૂપ નિમિત્ત જે આયુકર્મનો ક્ષય તે નિમિત્તની મુખ્યતાથી ગાથામાં વાત કરી છે. સમજાણું કાંઈ....?
શું કહે છે? ‘પ્રથમ તો, જીવોને મરણ ખરેખર સ્વઆયુકર્મના ક્ષયથી જ થાય છે, કારણકે સ્વ-આયુકર્મના ક્ષયના અભાવમાં મરણ કરાવું (-થવું) અશક્ય છે.’ પોતાના આયુકર્મનો ક્ષય ન હોય તો મરણ કરાવું અશક્ય છે. અર્થાત્ કોઈ બીજા કોઈને મારી શકે જ નહિ આ સિદ્ધાંત છે. આ છોકરાઓ કોઈ વેળા રમતા
PDF/HTML Page 2537 of 4199
single page version
નથી? ત્યારે ચકલીનું બચ્ચું માળામાંથી પડી ગયું હોય ત્યાં ઉપર સુંડલો (ટોપલો) ઢાંકી રાખે. પોતે માળામાં ઊંચે પહોંચી શકે નહિ એટલે કોઈ આવશે તો ઊંચે માળામાં મૂકી દેશે એમ બચાવવાનો છોકરાઓનો ભાવ હોય. પણ એ ભાવ શું કરે? એનું આયુષ્ય પૂરું થવાનો કાળ હોય તો ત્યાં મીંદડી આવીને સુંડલો ઊંચો કરીને મારી નાખે; અને એનું આયુષ્ય હોય તો તેના જીવનને અનુકૂળ બાહ્ય નિમિત્ત ત્યાં મળી આવે. બાકી કોઈ કોઈને મારે કે જિવાડે એ વાત જ સત્ય નથી. કોણ મારે? ને કોણ જિવાડે? હવે કહે છે-
‘વળી સ્વ-આયુકર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી, કારણ કે તે પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નહિ.’
શું કીધું? પોતાનું આયુકર્મ કોઈ બીજો હરી શકતો નથી કારણ કે તે પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે. પોતે પોતાને કારણે ત્યાં રહેવાનો જેટલો કાળ હતો તેટલો જ કાળ આયુષ્યને ભોગવે છે. અહીં જડ આયુકર્મને ભોગવે છે એમ વાત નથી; પણ પોતાની ત્યાં રહેવાની-ભોગવવાની યોગ્યતા જ એટલા કાળની હતી, આયુકર્મ તો એમાં નિમિત્ત છે. શું થાય? નયકથન ન સમજે એટલે લોકોને વાતે વાતે વાંધા ઉઠે છે!
ભાઈ! આ તો ત્રણલોકના નાથની વાણી, બાપા! જેને સો ઇન્દ્રો-અસંખ્ય દેવતાના સ્વામી ઇન્દ્રો-ધર્મસભામાં ગલુડિયાંની જેમ નમ્ર થઈને સાંભળે છે. બાપુ! એ વાણી કેવી હોય! અહાહા....! જ્યાં મોટા સેંકડો વાઘ ને સિંહ જંગલમાંથી આવી ને સમોસરણમાં અતિ શાંતિથી બેસીને સાંભળે તે વાણીનું શું કહેવું? શું ન્યાય અને શું મારગ!! ભાઈ! એ કાંઈ વાદવિવાદે સમજાય એવું નથી હોં.
હવે કહે છે-‘તેથી હું પર જીવોને મારું છું અને પર જીવો મને મારે છે-એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિશ્ચિતપણે) અજ્ઞાન છે.’ લ્યો, એ (-જીવ) પરનું મરણ કરી શકતો નથી ને માને છે કે કરી શકું છું તેથી એ તેનું નિયમથી અજ્ઞાન છે. એ અજ્ઞાન દીર્ઘ સંસારનું કારણ છે.
‘જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય, તો તે માન્યતા અજ્ઞાન છે. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી, છતાં આ પ્રાણી વૃથા એવું માને છે તે અજ્ઞાન છે. આ કથન નિશ્ચયનયની પ્રધાનતાથી છે.’
‘વ્યવહાર આ પ્રમાણે છેઃ- પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી પર્યાયના ઉત્પાદ-વ્યય થાય તેને જન્મ-મરણ કહેવામાં આવે છે; ત્યાં જેના નિમિત્તથી મરણ (-પર્યાયનો
PDF/HTML Page 2538 of 4199
single page version
વ્યય) થાય તેના વિષે એમ કહેવામાં આવે છે કે-આણે આને માર્યો, તે વ્યવહાર છે.’ ભાઈ! ત્યાં નિમિત્ત કોણ હતું તેનું જ્ઞાન કરાવવા એ વ્યવહારથી કથન છે.
‘અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. જેઓ નિશ્ચયને નથી જાણતા, તેમનું અજ્ઞાન મટાડવા અહીં કથન કર્યું છે.’
શું કીધું? પરસ્પર નિમિત્તથી ક્રિયા થાય છે ત્યાં કહેવાય છે કે આણે આને માર્યો. આવો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. વ્યવહાર વ્યવહારની રીતે બરાબર છે, પણ નિશ્ચયે એમ નથી. જેઓ નિશ્ચયને-સત્યાર્થને નથી જાણતા તે તેમનું અજ્ઞાન છે. આ અજ્ઞાનને મટાડવા અહીં નિશ્ચયપ્રધાન કથન કર્યું છે. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી એ નિશ્ચય છે, સત્યાર્થ છે. હવે કહે છે-
‘તે જાણ્યા પછી બન્ને નયોને અવિરોધપણે જાણી યથાયોગ્ય માનવા.’
ખરેખર તો પરદ્રવ્યની ક્રિયા-પરને મારવાની ક્રિયા-આત્માના અધિકારની વાત નથી, તેવી રીતે પર મને મારે-મારી શકે એવો અધિકાર પરને પણ નથી. આ વસ્તુસ્થિતિ છે. તથાપિ દ્રવ્યોમાં પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી ક્રિયા બને છે ત્યાં નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરાવવું હોય ત્યારે આ નિમિત્તથી થયું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આ પ્રમાણે બન્ને નયોને અવિરોધપણે જાણી યથાર્થ માનવું એમ કહે છે. જીવનું મરણ નામ પ્રાણોનો વિયોગ તો એના કાળે થવાયોગ્ય સહજ થયો છે ત્યાં પર પદાર્થ નિમિત્તમાત્ર છે એમ યથાર્થ માનવું. (પર પદાર્થે મરણ નીપજાવ્યું છે એમ ન માનવું)
જ્ઞાની-સમ્યગ્દ્રષ્ટિ પણ જ્યારે સ્વરૂપમાં લીન ત્રિગુપ્તિ-ગુપ્ત સમાધિસ્થિત હોય ત્યારે એને ‘પરને મારું’ એવો અભિપ્રાય તો દૂર રહો, એવો વિકલ્પેય નથી. પણ જ્યારે આનંદની સમાધિમાંથી બહાર પ્રમાદ દશામાં આવે ત્યારે કદાચ વિકલ્પ આવે કે-‘આને મારું,’ તોપણ તે કાળે માન્યતા તો એમ જ છે કે હું આને મારી શકતો નથી; જો તે મરે છે તો એનું આયુ પૂરું થવાથી મરે છે, હું તો તેમાં નિમિત્તમાત્ર છું. જુઓ, નિમિત્તમાત્ર જુદું ને નિમિત્તકર્તા જુદું હોં. જ્ઞાનીને કર્તાપણાનો અભિપ્રાય નહિ હોવાથી પરની ક્રિયામાં તે નિમિત્તમાત્ર છે અને અજ્ઞાનીને, હું કરું છું એમ કર્તાપણાનો અભિપ્રાય હોવાથી તે નિમિત્તકર્તા કહેવાય છે. હું કર્તા છું એમ અજ્ઞાની માને છે ને! તેથી તે નિમિત્તકર્તા છે.
જ્ઞાની તો યથાર્થ એમ માને છે કે- આ મારું કાર્ય નથી, આ મેં કર્યું નથી. સ્વરૂપસ્થિરતા નથી તેથી પ્રમાદવશ પરઘાતનો વિકલ્પ આવ્યો છે, પણ હું એને મારી શકું છું, વા મારા વિકલ્પના કારણે એ મરશે એમ તે માનતો નથી. એ મરશે તો
PDF/HTML Page 2539 of 4199
single page version
એનું આયુષ્ય પૂરું થતાં મરશે, હું તો નિમિત્તમાત્ર છું. તેને જે મારવાનો વિકલ્પ આવ્યો છે તે અસ્થિરતાનો-ચારિત્રનો દોષ છે, પણ મિથ્યાત્વનો દોષ નથી. જ્યારે અજ્ઞાની તો એથી વિપરીત એમ માને છે કે-આ મારું કાર્ય છે, આ મેં કર્યું છે, હું તે કરી શકું છું ને કર્યું છે. આવો વિપરીત અભિપ્રાય છે તેથી તે નિમિત્તકર્તા કહેવાય છે.
PDF/HTML Page 2540 of 4199
single page version
सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो।। २५०।।
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २५०।।
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨પ૦.
ગાથાર્થઃ– [यः] જે જીવ [मन्यते] એમ માને છે કે [जीवयामि] હું પર જીવોને જિવાડું છું [च] અને [परैः सत्त्वैः] પર જીવો [जीव्ये च] મને જિવાડે છે, [सः] તે [मूढः] મૂઢ (-મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત (અર્થાત્ જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે) તે [ज्ञानी] જ્ઞાની છે.
ટીકાઃ– ‘પર જીવો ને હું જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે (-અત્યંત ચોક્કસ) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ– ‘પર મને જીવાડે છે અને હું પરને જીવાડું છું’ એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે સમ્યગ્દ્રષ્ટિ છે.
ફરી પૂછે છે કે-‘(મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું તે જાણ્યું; હવે) મરણના અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનનો અધ્યવસાય તેની શી હકીકત છે?’-તેનો ઉત્તર કહે છેઃ-
‘પર જીવોને હું જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે-એવો અધ્યવસાય ધ્રુવપણે (અત્યંત ચોક્કસ) અજ્ઞાન છે.’