PDF/HTML Page 2541 of 4199
single page version
પ્રશ્નઃ– તો પછી પરની દયા કરવી કે નહિ? ઉત્તરઃ– કોણ કરે? શું પરની દયા કરી શકે છે? ભાઈ! પરની દયાનો વિકલ્પ આવે ખરો; પણ એનાથી પરજીવનું જીવન ટકે છે એમ છે નહિ. બીજાથી બીજાનું જીવન કરી શકાતું નથી એ સિદ્ધાંત છે.
જ્ઞાનીની વાત કરી હતી ને? (અગાઉની ગાથામાં) કે જ્યારે આત્મા (જ્ઞાની) સ્વરૂપમાં લીન ધ્યાનદશામાં હોય ત્યારે ‘આને જિવાડું’ એવો વિકલ્પેય એને હોતો નથી, પણ જ્યારે ધ્યાનમાંથી બહાર આવે ત્યારે પ્રમાદવશ ‘આને જિવાડું’ એવો કદાચિત્ વિકલ્પ આવે છે, પણ ત્યાં ‘એને જિવાડી શકું છું’ એમ તે માનતો નથી. જિવાડવાના વિકલ્પકાળેય જ્ઞાની એમ માને છે કે- એનું આયુષ્ય હશે તો એ બચશે-જીવશે, હું તો તેમાં નિમિત્તમાત્ર છું. આવી વાત! બાપુ! જન્મ-મરણના દુઃખોથી મૂકાવાનો વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ!
અહીં અજ્ઞાનીની વાત કરે છેઃ- ‘પર જીવોને હું જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે-એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે.’
અહા! પર જીવોનો હું જીવનદાતા અને પર જીવો-દાકતર વગેરે મારા જીવનદાતા- એવો અધ્યવસાય, કહે છે, ધ્રુવપણે એટલે નિશ્ચયથી અજ્ઞાન છે. ભાઈ! દરેક જીવ પોતાના શરીરનું આયુષ્ય હોય તો જીવે છે; કોઈનો જિવાડયો જીવે છે એમ છે જ નહિ. દાકતર અજ્ઞાની હોય તે એમ માને કે-ઔષધ-ઈન્જેકશન આદિ વડે મેં એને જિવાડી દીધો, બચાવી દીધો; પણ એમ છે નહિ. ‘હું બીજાને જિવાડી દઉંને બીજા મને જિવાડી દે’-એ તો મિથ્યા શ્રદ્ધાન છે અને તેથી એવું માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
જ્ઞાનીને પણ પરને જિવાડવાનો વિકલ્પ આવે છે, મુનિરાજને પણ છકાયના જીવની રક્ષાનો વિકલ્પ હોય છે; પણ એ તો અસ્થિરતાનો વિકલ્પ બાપુ! મારો જિવાડયો તે જીવશે એમ જ્ઞાનીને છે જ નહિ. જીવનું જીવન તો તે તે કાળની તેની યોગ્યતાથી છે અને મને જે વિકલ્પ આવ્યો છે તે તો તેના જીવનની સ્થિતિમાં (-જીવવામાં) નિમિત્તમાત્ર છે એમ જ્ઞાની યથાર્થ માને છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– કોઈને બચાવી શકાતો હોય તો જ બચાવવાનો વિકલ્પ આવે ને? ઉત્તરઃ– એમ નથી બાપુ! બીલકુલ એમ નથી. એ તો પોતાના પ્રમાદના (- અસ્થિરતાના) કારણે જરી વિકલ્પ આવે, પણ મારા વિકલ્પને કારણે સામો જીવ બચ્યો છે એમ જ્ઞાની ત્રણકાળમાં માનતો નથી. બીજાના જીવનમાં (-જીવવામાં) હું તો નિમિત્તમાત્ર છું, એનો કર્તા નહિ એમ જ્ઞાની યથાર્થ માને છે. જ્યારે બીજાના
PDF/HTML Page 2542 of 4199
single page version
જીવનમાં જે નિમિત્તરૂપ છે એવા વિકલ્પ-રાગનો અને યોગનો (-કમ્પનનો) અજ્ઞાની કર્તા-સ્વામી થતો હોવાથી તેને નિમિત્તકર્તાનો આરોપ દેવામાં આવે છે.
જયપુર ખાણિયા-ચર્ચામાં પ્રશ્ન થયો હતો કે-પર જીવોની રક્ષા કરવી તે દયા ધર્મ છે કે નહિ? જીવદયા-અહિંસા એ જીવનો સ્વભાવ છે, ધર્મ છે.
સમાધાનઃ– ભાઈ! જીવદયા-અહિંસા એ જીવનો સ્વભાવ છે એ તો બરાબર છે. પણ અહિંસાનો અર્થ શું? અહિંસા એટલે પોતામાં (સ્વના આશ્રયે) રાગની ઉત્પત્તિ ન કરવી અને વીતરાગી પર્યાયની ઉત્પત્તિ કરવી એનું નામ સ્વદયા-જીવદયા અહિંસાધર્મ છે અને એ જીવનો સ્વભાવ છે. પણ ‘હું પરને જિવાડું’-એ તો વિકલ્પ-રાગ છે અને તે પુણ્યબંધનું કારણ છે. એ (-રાગ) કાંઈ જીવનો સ્વભાવ નથી. તથાપિ એને (-રાગને, જિવાડવાના વિકલ્પને) જીવનો સ્વભાવ માને તો એ માન્યતા મિથ્યાદર્શન છે. ‘હું પરને જિવાડી શકું છું’-એ માન્યતા મિથ્યાત્વ છે ભાઈ!
કોઈ કહે કે- પરની દયા પાળવાનો, પરને જિવાડવાનો આત્માનો સ્વભાવ છે તો તે બીલકુલ જૂઠી વાત છે. તો તે કહે છે-દયા-અહિંસાને જીવનો સ્વભાવ કહ્યો છે ને? ‘અહિંસા પરમો ધર્મઃ’ એમ કહ્યું છે ને?
હા; પણ તે આ-કે આત્મા પોતે શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવસ્વભાવી-વીતરાગસ્વભાવી ત્રિકાળી ધ્રુવ છે; તેનો આશ્રય કરીને તેમાં સ્થિર રહેવું, રમવું, ઠરવું એનું નામ દયા ને અહિંસા છે અને તે પરમ ધર્મ છે. સ્વદયા તે આત્માનો સ્વભાવ છે, પણ પરની દયા પાળવી એ કાંઈ જીવ-સ્વભાવ નથી. અહા! આયુષ્ય જે પરનું છે તેને હું કરું એ તો પરને પોતાનું માનવારૂપ મહા વિપરીતતા થઈ. પરને પોતાનું માનવું ને જિવાડવાના રાગને પોતાનો સ્વભાવ માનવો એમાં તો પોતાના ચૈતન્યસ્વભાવનો-ત્રિકાળી જીવનનો નિષેધ થાય છે અને તે ખરેખર હિંસા છે. અહા! પોતે જેવો સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે તેવો તેને ન માનતાં રાગ મારો સ્વભાવ છે, રાગ જેટલો હું છું એમ માનવું તે હિંસા છે, કેમકે એવી માન્યતામાં પોતાનો ઘાત થાય છે ને? અરે! પરને હું જિવાડું એવો અભિપ્રાય સેવીને એણે પોતાને અનંતકાળથી મારી નાખ્યો છે!
વીતરાગનો અહિંસાનો મારગ મહા અલૌકિક છે ભાઈ! હું પરને જિવાડી શકું છું, પરને જિવાડવું એ મારો ધર્મ છે, એ જીવનો સ્વભાવ છે-એમ જે માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે પરને તે જિવાડી શકતો નથી.
તો દયા ધર્મ શું છે? અહા! આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ ત્રિકાળ વીતરાગસ્વભાવી-દયાસ્વભાવી
PDF/HTML Page 2543 of 4199
single page version
છે. તેમાં અંતર્દ્રષ્ટિ કરતાં પર્યાયમાં રાગની ઉત્પત્તિ ન થતાં ચૈતન્યની નિર્મળ પરિણતિની- વીતરાગ પરિણતિની-ઉત્પત્તિ થવી તે દયાધર્મ છે. તે આત્મરૂપ છે, આત્માના સ્વભાવરૂપ છે. આવો દયાધર્મ સમ્યગ્દ્રષ્ટિને હોય છે, અજ્ઞાનીને હોતો નથી.
વિકલ્પના કાળમાં સમ્યગ્દ્રષ્ટિને પરની રક્ષા કરવાનો વિકલ્પ કદાચિત્ હોય છે, તોપણ તે વિકલ્પમાં, હું પરની રક્ષાનો કરનારો છું એવો આત્મભાવ નથી, અહંભાવ નથી તે તો જાણે છે કે પર જીવનું જીવન તો તેની યોગ્યતાથી તેના આયુના કારણે છે, તેમાં મારું કાંઈ કર્તવ્ય નથી; હું તો નિમિત્તમાત્ર છું. અહા! ધર્મી પુરુષ તો પરના જીવન સમયે પોતાને જે પર-દયાનો વિકલ્પ થયો ને યોગની ક્રિયા થઈ તેનો પણ જાણનાર-માત્ર રહે છે, કર્તા થતો નથી, તો પછી પરના જીવનનો કર્તા તે કેમ થાય? બાપુ! પરની દયા હું પાળી શકું છું એવી માન્યતા મિથ્યાત્વ ને અજ્ઞાનભાવ છે, એ દીર્ઘ સંસારનું કારણ છે. ભાઈ! વીતરાગ મારગની આવી વાત સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે ક્યાંય નથી.
સ્થાનકવાસીમાં આવતું કે-
અહાહા...! એ કઈ દયા બાપુ? દયા શબ્દનો અર્થ અને એનું વાચ્ય શું? તો કહે છે-નિર્મળાનંદનો નાથ અનંત અનંત શક્તિનો ભંડાર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે છે. આવા પોતાના આત્માની પ્રતીતિ કરીને તેમાં એકાગ્ર થઈ સ્થિત થવું, તેમાં જ લીન થઈ રહેવું તે દયા છે ને તે સુખની ખાણ છે. આવી જ દયા ધારીને અનંત જીવ મુક્તિ ગયા છે, પણ શુભજોગરૂપ પરદયાની ક્રિયાથી મુક્તિએ ગયા છે એમ નથી. ભાઈ! શુભજોગની ક્રિયા-દયા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પરૂપ રાગની ક્રિયાથી મુક્તિ થશે એવી તારી માન્યતા ખોટી છે. અહાહા...! શુભજોગની ક્રિયા-વિકલ્પથી રહિત નિર્વિકલ્પ નિત્યાનંદ પ્રભુ આત્માની અંદરમાં રુચિ કરી નહિ તો એ બધી ક્રિયા ફોગટ જશે, કાંઈ કામ નહિ આવે. સમજાણું કાંઈ....?
ભાઈ! આ તો ત્રણલોકના નાથ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો અસાધારણ માર્ગ છે. શું કીધું? એક ‘ક’ બોલે એટલા કાળમાં અસંખ્ય સમય જાય; એવા એક સમયમાં જે ત્રણકાળ-ત્રણલોકને દેખે-જાણે છે એવા સર્વજ્ઞ પ્રભુનો આ માર્ગ છે. અહા! તે એક સમયનું શું સામર્થ્ય!! એ સર્વજ્ઞ પ્રભુએ વસ્તુની સ્થિતિ જેવી જ્ઞાનમાં જોઈ તેવી દિવ્યધ્વનિમાં કહી છે. તે દિવ્યધ્વનિમાં આ આવ્યું કે-હું પરને જિવાડી શકું છું ને પર મને જિવાડી શકે છે-એવી વસ્તુની સ્થિતિ નથી. અહા! આ સ્ત્રી કુટુંબ-દીકરા-દીકરીઓ ઈત્યાદિનું હું ભરણ-પોષણ કરી તેમને નભાવું છું એ
PDF/HTML Page 2544 of 4199
single page version
માન્યતા કહે છે, મિથ્યાત્વભાવ છે. ભાઈ! પર જીવની પર્યાયને કોણ ઉત્પન્ન કરે? એને કોણ ટકાવે? એનો કોણ વ્યય કરે? ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ તો દ્રવ્યનો પોતાનો સ્વભાવ જ છે. તો પછી પરનું જીવન-મરણ કોણ કરી શકે?
જુઓ, મુનિરાજ પંચમહાવ્રતધારી હોય છે. તેમાં એક અહિંસામહાવ્રત છે. હવે ત્યાં અહિંસાનો-પર જીવોની રક્ષાનો જે વિકલ્પ આવે છે તેમાં જો કોઈ એમ માને કે હું પરની દયા કરી શકું છું, છકાયના જીવોની રક્ષા કરવી મારું કર્તવ્ય છે તો, અહીં કહે છે, તે મિથ્યાત્વભાવ છે. બહુ આકરી વાત, બાપા! પણ આ સત્ય છે. જ્ઞાનીને, પોતાના સ્વરૂપમાં સ્થિર ન હોય ત્યારે, પ્રમાદવશ અસ્થિરતાના કારણે પર જીવની રક્ષાનો વિકલ્પ આવે છે એ જુદી વાત છે; પણ તે કાંઈ એ વિકલ્પને પોતાનું કર્તવ્ય માનતા નથી, વિકલ્પના તે કર્તા થતા નથી; પછી પર જીવના જીવનના કર્તાપણાની તો વાત જ ક્યાં રહી? પર જીવનું જીવન છે તે તેની તે કાળે ઉપાદાન-યોગ્યતાથી છે, પોતે તો તેમાં નિમિત્તમાત્ર છે-આવું જ્ઞાની યથાર્થ જાણે છે.
પ્રશ્નઃ– પણ નિમિત્ત તો થવું ને? ઉત્તરઃ– (નિમિત્ત) થવાનો પ્રશ્ન જ ક્યાં છે? જ્યારે ઉપાદાન-યોગ્યતાથી એની પર્યાય એનામાં થાય છે ત્યારે આને એવો જ વિકલ્પ હોય છે અને ત્યારે તેને નિમિત્ત કહેવામાં આવે છે, બન્નેનો-એના જીવનનો (-જીવવાનો) અને આના વિકલ્પનો સમકાળ-છે, એક જ કાળ છે. જ્યારે તે જીવનું આયુષ્ય છે તે જ કાળે આને વિકલ્પ આવ્યો છે; પણ એમ તો નથી કે એ વિકલ્પથી સામો જીવ જીવે છે. તેથી નિમિત્ત થવાની ચેષ્ટા કરવી એ તો કર્તાપણાની માન્યતા રૂપ અજ્ઞાન જ છે.
અહા! શૈલી તો જુઓ આચાર્યની! અહા! સત્નું શરણ કોને કહીએ? ‘કેવલીપણ્ણત્તં ધમ્મં શરણં પવ્વજ્જામિ’-ભગવાન કેવળીએ કહેલો ધર્મ શરણ છે. તે ધર્મ કોને કહીએ? કે રાગરહિત વીતરાગ પરિણતિની-નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની- ઉત્પત્તિ થવી તે ધર્મ છે અને તે જ અહિંસા પરમ ધર્મ છે. આ સિવાય કોઈ પર જીવની દયાના વિકલ્પને-રાગને વાસ્તવિક અહિંસાધર્મ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે. આકરી વાત પ્રભુ! પણ આ વસ્તુસ્વરૂપ છે.
પરની દયાનો વિકલ્પ-રાગ આવે ત્યાં અજ્ઞાની તે વિકલ્પનો કર્તા થાય છે. એટલે પરની ક્રિયાનો હું નિમિત્તપણે કર્તા છું એમ તે માને છે. શાસ્ત્ર ભણ્યો હોય એટલે ઉપાદાનપણે તો હું કાંઈ ન કરી શકું એમ કહે પણ નિમિત્તપણે તો બીજાના જીવનનો કર્તા છું એમ તે માને છે. તેથી નિમિત્ત તો થવું ને!-એમ નિમિત્ત થવાની ચેષ્ટા કરે છે. અહા! પર જીવના જીવનનો જે નિમિત્તકર્તા થાય તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. અહા! હું પરને જીવાડું છું ને પર મને જીવાડે છે એવો અધ્યવસાય જેને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, દીર્ઘસંસારી છે.
PDF/HTML Page 2545 of 4199
single page version
હવે કહે છે-‘અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.’
સમ્યગ્દ્રષ્ટિને જ્યારે પર તરફનું લક્ષ જાય ત્યારે પરને બચાવું, અભયદાન દઉં- એવો વિકલ્પ આવે, પણ તે સમયે તેને અંતરમાં એવો દ્રઢ નિશ્ચય છે કે હું એનો જીવનદાતા નથી, હું પરને અભયદાન દઈ શકતો નથી. એનું જીવન તો એના કારણથી છે, મારો વિકલ્પ તો તેમાં નિમિત્તમાત્ર છે, નિમિત્તકર્તા નહિ. આવું યથાર્થ જાણે તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ– ‘પર મને જિવાડે છે અને હું પરને જિવાડું છું-એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે સમ્યગ્દ્રષ્ટિ છે.’ લ્યો, આવો સ્પષ્ટ ભાવાર્થ છે.
PDF/HTML Page 2546 of 4199
single page version
कथमयमध्यवसायोऽज्ञानमिति चेत्–
आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू। आउं च ण देसि तुमं कहं तए जीविदं कदं तेसिं।। २५१।। आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू। आउं च ण दिंति तुहं कहं णु ते जीविदं कदं तेहिं।। २५२।।
आयुश्च न ददासि त्वं कथं त्वया जीवितं कृतं तेषाम्।। २५१।।
आयुरुदयेन जीवति जीव एवं भणन्ति सर्वज्ञाः।
आयुश्च न ददति तव कथं नु ते जीवितं कृतं तैः।। २५२।।
હવે પૂછે છે કે આ (જીવનનો) અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ-
તું આયુ તો દેતો નથી, તેં જીવન કયમ તેનું કર્યું? ૨પ૧.
છે આયુ–ઉદયે જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું,
તે આયુ તુજ દેતા નથી, તો જીવન કયમ તારું કર્યું? ૨પ૨.
ગાથાર્થઃ– [जीवः] જીવ [आयुरुदयेन] આયુકર્મના ઉદયથી [जीवति] જીવે છે [एवं] એમ [सर्वज्ञाः] સર્વજ્ઞદેવો [भणन्ति] કહે છે; [त्वं] તું [आयुः च] પર જીવોને આયુકર્મ તો [न ददासि] દેતો નથી [त्वया] તો (હે ભાઈ!) તેં [तेषाम् जीवितं] તેમનું જીવિત (જીવતર) [कथं कृतं] કઈ રીતે કર્યું?
[जीवः] જીવ [आयुरुदयेन] આયુકર્મના ઉદયથી [जीवति] જીવે છે [एवं] એમ [सर्वज्ञाः] સર્વજ્ઞદેવો [भणन्ति] કહે છે; પર જીવો [तव] તને [आयुः च] આયુકર્મ તો [न ददति] દેતા નથી [तैः] તો (હે ભાઈ!) તેમણે [ते जीवितं] તારું જીવિત [कथं नु कृतं] કઈ રીતે કર્યું?
ટીકાઃ– પ્રથમ તો, જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ
PDF/HTML Page 2547 of 4199
single page version
છે, કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું (-થવું) અશક્ય છે; વળી પોતાનું આયુકર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે (-મેળવાય છે); માટે કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહિ. તેથી ‘હું પરને જિવાડું છું અને પર મને જિવાડે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિયતપણે) અજ્ઞાન છે.
ભાવાર્થઃ– પૂર્વે મરણના અધ્યવસાય વિષે કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું.
હવે પૂછે છે કે આ (જીવનનો) અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ-
‘एवं भणंति सव्वण्हू’–એમ સર્વજ્ઞદેવો કહે છે. શું? કે-‘જીવ આયુકર્મના ઉદયથી જીવે છે-એમ સર્વજ્ઞદેવો કહે છે.’
હવે આમાંથી કેટલાક ઉંધું લે છે કે-જુઓ, કુંદકુંદાચાર્ય કહે છે કે-‘સર્વજ્ઞદેવો એમ કહે છે’ (भणंति सव्वण्हू). લ્યો, આવો ગાથામાં ચોકખો પાઠ છે અને તમે કહો છો કે જીવ ભાષા કરી શકે નહિ. (આમાં ખરું શું?).
અરે ભાઈ! એ તો વાણીના કાળે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા ‘भणन्ति सव्वण्हू’–એમ વ્યવહારથી કહ્યું છે. પણ એનો અર્થ એમ નથી કે સર્વજ્ઞદેવ (જીવ) ભાષા કરી શકે છે. ભાષા તો ભાષાથી જ થઈ છે, ભગવાન સર્વજ્ઞદેવે ભાષા કરી છે એમ છે નહિ.
હવે નયથી યથાર્થ સમજે નહિ અને વાંધા કાઢે કે-ભગવાને કહ્યું છે એવો ચોકખો પાઠ તો છે?
ભાઈ! એ કઈ અપેક્ષાએ કથન છે? ભગવાને ભાષા કરી છે એમ ત્યાં બતાવવું નથી. ભગવાન તો જાણનાર છે, પણ એ વાણીના કાળે ભગવાન (યોગ) નિમિત્ત હતા તેથી નિમિત્તથી ‘ભગવાન કહે છે’-એમ કથન છે. બાકી તે કાળે ભાષાની પર્યાયના ઉત્પાદનો સ્વકાળ હતો તો સ્વતંત્રપણે ભાષાવર્ગણાના પરમાણુઓ શબ્દરૂપે પોતાના ઉપાદાનથી પરિણમી ગયા છે અને તેમાં ભગવાન (યોગ) તે કાળે નિમિત્ત હતા. ‘ભગવાન કહે છે’-એનો આ અર્થ છે. એમ તો આચાર્ય કુંદકુંદે પહેલી ગાથામાં ‘वोच्छामि’–હું સમયસાર કહું છું-એમ કહ્યું છે. પણ ભાઈ! એ તો સંક્ષેપમાં
PDF/HTML Page 2548 of 4199
single page version
નિમિત્તની મુખ્યતાથી કથન કરવાની વ્યવહારની એવી શૈલી છે. તેને યથાર્થ સમજવી જોઈએ.
ત્યાં ૧૧મી ગાથામાં (ભાવાર્થમાં) કહ્યું ને કે-‘જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર છે.’ એટલે જિનવાણીમાં નિમિત્તથી કથન આવ્યું હોય ત્યાં કોઈ એમ માની લે કે-આ એનો (- પરનો) કર્તા છે તો તે અજ્ઞાન છે. ભાઈ આ દેહાદિની જે ક્રિયા થાય તે, તે કાળે તેના સ્વતંત્ર ઉપાદાનની યોગ્યતાથી થાય છે, ત્યાં કોઈ શરીરાદિની (વિષયસંબંધી) ક્રિયા હું કરું છું એમ માને તે અજ્ઞાન છે, એનું ફળ સંસાર છે.
જ્ઞાનીને કદાચિત્ વિષયસંબંધી વિકલ્પ થાય તોપણ તેનો એ કર્તા થતો નથી, માત્ર જ્ઞાતા જ રહે છે. હવે ત્યાં શરીરાદિની ક્રિયાના કર્તાપણાની તો વાત જ ક્યાં રહી? આવડો મોટો જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર છે!
ભાઈ! બધાં દ્રવ્યને સ્વતંત્ર જુદાં જુદાં રાખીને બીજું દ્રવ્ય (-પર્યાય) નિમિત્ત હોય એમ જાણવું તે યથાર્થ છે; પણ એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો હાથ જાય, એક દ્રવ્યની સત્તામાં બીજું દ્રવ્ય પ્રવેશીને એનું કામ કરે, વા એક દ્રવ્ય બીજા દ્રવ્યની સત્તામાં પ્રવેશીને બીજા દ્રવ્યનું કામ કરે-એમ જો હોય તો એકેય દ્રવ્યની સત્તા ભિન્ન નહિ રહે. (સર્વ દ્રવ્યોનો લોપ થશે). એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યને કરે નહિ-એમ જો હોય તો જ અનંત દ્રવ્યની સત્તા ભિન્ન પોત-પોતાપણે ટકી રહે. વાસ્તવમાં દરેક દ્રવ્ય પોતાના જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યપણે સ્વભાવથી જ રહેલું છે. હવે જો એક દ્રવ્યની પર્યાય અન્ય દ્રવ્યને કરે તો તેની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ સત્તા બીજામાં ચાલી જાય. પણ એમ કદીય બનતું નથી. આવો ઝીણો માર્ગ બાપુ! વાણિયાને બિચારાને ધંધા આડે નવરાશ ન મળે એટલે શું થાય? (અંધારે અથડાય).
માર્ગ તો આવો છે પ્રભુ! અહા! તું કોણ છો ભાઈ?-એ બતાવે છે. તું જ્ઞાતા-દ્રષ્ટા છો ને નાથ! જગતની ક્રિયા કાળે પણ તું જાણનાર-દેખનાર છો ને પ્રભુ! અહા! એ જાણવા-દેખવાના સ્વભાવને ઓળંગીને રાગનું કરવું ને પરનું કરવું એવી કર્તાબુદ્ધિ ક્યાંથી આવી? એ પરની કર્તૃત્વબુદ્ધિએ તો તારા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવી આત્માનો અનાદર કર્યો છે. એ વડે તારા આત્માનો ઘાત થઈ રહ્યો છે ને પ્રભુ!
આ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ-એ પાંચ મહાવ્રતના પરિણામ અર્થાત્ પરની દયા પાળવી આદિ ભાવ તે અહિંસા ધર્મ છે એમ છે નહિ. પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં એનો ખુલાસો કર્યો છે કે-મુનિને સમિતિ-ગુપ્તિમાં તીવ્ર પ્રમાદ નથી તેથી દયા પાળી એમ કહેવામાં આવે છે પણ ત્યાં પરની
PDF/HTML Page 2549 of 4199
single page version
રક્ષા કરવાનો હેતુ જ્ઞાનીનો છે નહિ; કેમકે પરની રક્ષા તે કરી શકતો નથી. તીવ્ર પ્રમાદનો અભાવ છે તેથી ઈર્યા સમિતિ આદિમાં પરની રક્ષાનો જે શુભરાગ થાય છે તેને વ્યવહારે દયા કહી છે. વાસ્તવમાં સમિતિ-ગુપ્તિથી ધર્મ એટલે સંવર અને પર જીવોની રક્ષા કરવી એ સંવર-નિર્જરા-એમ છે નહિ. હવે લોકોને આ આકરું પડે છે, પણ શું થાય?
અહા! અહીં તો એમ પૂછયું છે ને કે-પરને હું જિવાડું ને પર મને જિવાડે એ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તો કહે છે કે-‘જીવ આયુકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે.’ હવે આમાં એક તો ‘સર્વજ્ઞદેવો કહે છે-’ એ વ્યવહાર છે અને બીજું ‘આયુકર્મથી જીવે છે’-એ પણ વ્યવહાર છે. એ તો ખરેખર પોતાની યોગ્યતાથી જ જીવે છે, પણ બીજો કોઈ જિવાડી શકતો નથી એમ સિદ્ધ કરવું છે તો નિમિત્તથી કહ્યું કે આયુકર્મના ઉદયથી જીવે છે. આ વ્યવહારનું વચન છે. આયુકર્મ તો જડ છે, અને આનું રહેવું-જીવવું તો પોતાના ઉપાદાનની યોગ્યતાથી છે; પણ તે કાળે આયુકર્મનો ઉદય નિયમરૂપ નિમિત્ત હોય જ છે, તેથી પર જીવ આને જિવાડે છે એવી ખોટી માન્યતાનો નિષેધ કરવા આયુકર્મને લઈને જીવે છે એમ વ્યવહારથી કહ્યું છે. બાપુ! વ્યવહારના કથનને યથાર્થ ન સમજે તો વાતે વાતે વાંધા ઉઠે એવું છે. (બિચારો વાંધા-વિવાદમાં જ અટવાઈ જાય.)
ભાઈ! ચારિત્ર-દોષ જુદી ચીજ છે ને શ્રદ્ધા-દોષ જુદી ચીજ છે. ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ સુધી અને ઋષભદેવ ભગવાન ૮૩ લાખ પૂર્વ સુધી રાગમાં ને ભોગમાં ગૃહસ્થપણે રહ્યા. પણ ભોગમાં સુખ છે ને ભોગની ક્રિયાનો હું કર્તા છું એવી બુદ્ધિ પહેલેથી જ (સમ્યગ્દર્શનના કાળથી જ) ઉડી ગઈ હતી. અહા! ભોગસંબંધી રાગનાં રસ- રુચિ ઉડી ગયાં હતા; તેમને રાગનું કર્તાપણું ઉડી ગયું હતું. ગૃહસ્થદશામાં પણ તેઓ જ્ઞાતા-દ્રષ્ટા જ હતા, કેમકે સ્વભાવનું તેમને નિરંતર અવલંબન હતું.
હવે કહે છે-‘તું પર જીવોને આયુકર્મ તો દેતો નથી, તો હે ભાઈ! તેં તેમનું જીવિત (જીવતર) કેવી રીતે કર્યું?’
શું કહે છે? કે પરજીવો પોતાના આયુકર્મથી જીવે છે. હવે તેને જો તેં જિવાડયા, તો શું તે મરી જવાના હતા ને તેં આયુષ્ય દઈને જિવાડયા છે? તું એને આયુકર્મ તો દેતો નથી તો એને જીવતદાન-અભયદાન કઈ રીતે આપ્યું? નિશ્ચયથી તો પોતાની રાગરહિત વીતરાગસ્વરૂપ વસ્તુ ભગવાન આત્મા છે તેની દ્રષ્ટિ કરવી અને અનુભવ કરવો તે અભયદાન છે; તે આત્મરૂપ છે. અને પરની રક્ષાનો વિકલ્પ ઉઠે છે તેને વ્યવહારે અભયદાન કહેવાય છે. વાસ્તવમાં કોઈ કોઈને જિવાડે છે, કે તું પરને જિવાડે છે એમ છે નહિ.
PDF/HTML Page 2550 of 4199
single page version
હવે બીજી (૨પ૨મી) ગાથાનો અર્થઃ- ‘જીવ આયુકર્મના ઉદયથી જીવે છે-એમ સર્વજ્ઞદેવો કહે છે; પર જીવો તને આયુકર્મ તો દેતા નથી, તો હે ભાઈ! તેમણે તારું જીવિત (જીવતર) કઈ રીતે કર્યું?’
બીજો તને આયુકર્મ તો દેતો નથી, તો તેણે તને કેવી રીતે જિવાડયો? બીજો તને જિવાડી શકે જ નહિ. આ સિદ્ધાંત છે. તેને સિદ્ધ કરવા જીવ આયુકર્મથી જીવે છે એમ વ્યવહારથી અહીં કહ્યું છે. પાણીમાં માખી પડી હોય એને કોઈ માણસ ઉપાડી લે એટલે એણે માખીને જીવતર આપ્યું એવી માન્યતા, અહીં કહે છે, અજ્ઞાન છે. એવો વિકલ્પ હોય, પણ એ વિકલ્પ એના જીવતરનો કર્તા નથી માટે તે મિથ્યા છે. જીવ તો પોતાની તે કાળની યોગ્યતાથી આયુકર્મના ઉદયના નિમિત્તે બચે છે; કોઈ અન્ય તેને બચાવે છે એવી માન્યતા ખરેખર અજ્ઞાન છે.
‘પ્રથમ તો, જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે, કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું (-થવું) અશક્ય છે.’
શું કહે છે? આ જગતના જીવો જીવે છે તે પોતાના આયુકર્મના કારણે જીવે છે’ કોઈ બીજો એને જિવાડી શકે છે એમ નથી.
‘જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે.’ હવે આમાંથી લોકો કાઢે કે-જુઓ, જીવ આયુકર્મ વડે જીવે છે, અને તમે ના પાડો છો. આ ચોક્ખો પાઠ તો છે?
અરે ભાઈ! એ તો નિમિત્તનું કથન છે. બીજો કોઈ એને જિવાડી શકતો નથી એમ સિદ્ધ કરવું છે તો આયુકર્મના ઉદયથી જ જીવે છે એમ કહ્યું છે. બાકી આયુકર્મ તો જડ છે અને જીવનું રહેવું-જીવવું છે એ તો ચૈતન્યનું ચૈતન્યમાં રહેવું છે. બે ચીજ જ ભિન્ન છે ત્યાં કર્મ જીવને શું કરે? કાંઈ ન કરે. જીવ આ જડ શરીરમાં રહે છે તે તો પોતાની યોગ્યતાથી રહે છે, જડ આયુકર્મના કારણે રહે છે એમ કહેવું એ તો નિમિત્તની મુખ્યતાથી કહેલું વ્યવહારનું કથન છે.
અહા! એણે જાણવું પડશે કે પોતે કોણ છે? અહા! ભગવાન! તું ચિદાનંદઘન પ્રભુ એક ચૈતન્યસ્વરૂપ છો ને? શુદ્ધ ચૈતન્યપ્રાણો વડે સદા જીવિત ચૈતન્યનો પિંડ પ્રભુ છો ને? એનું જીવિત બીજો કોણ કરે? એ બીજાથી કેમ જીવે? એનું જીવન આયુકર્મને લઈને છે એ તો નિમિત્તનું કથન છે. બીજો કોઈ-બીજા જીવો કે નોકર્મ આદિ-એને જિવાડી શકે એવી ખોટી માન્યતાનો નિષેધ કરવા એ આયુકર્મને લઈને જીવે છે એમ અહીં કહ્યું છે. અહા! અહીં નિમિત્તથી કથન કરીને નિમિત્ત સિદ્ધ નથી કરવું પણ બીજો કોઈ એને જિવાડી શકે નહિ એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ...?
PDF/HTML Page 2551 of 4199
single page version
‘જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે.’ અહા! આમાં શૈલી શું છે તે બરાબર જાણવી જોઈએ. ‘પોતાનું આયુકર્મ’ એટલે શું? શું આયુકર્મ જીવનું છે? આયુકર્મ તો જડનું છે. ભાઈ! એ તો સંયોગથી-નિમિત્તથી કથન છે. વળી ‘ખરેખર આયુકર્મના ઉદયથી જ’-એમ શબ્દો છે, એટલે બીજા કોઈ એમાંથી એમ કાઢે કે કર્મથી જ થાય તો એમ નથી. ભાઈ! આ તો જીવિતમાં આયુકર્મનો ઉદય જ નિયમરૂપ નિમિત્ત હોય છે (બીજા પ્રકારનાં નિમિત્તો હોવાનો નિયમ નથી) એમ જાણી ‘આયુકર્મના ઉદયથી જ’ એમ કહ્યું છે; બાકી દેહમાં આત્મા પોતાની યોગ્યતાથી જ રહે છે, ત્યાં આયુકર્મ માત્ર નિમિત્ત છે બસ.
અહા! હું બીજા જીવોનું જીવતર કરી શકું છું, તેમને પાળું-પોષું છું, તેમને નિભાવું છું, સ્ત્રી-પુત્ર-પરિવાર આદિ બધાનો જીવનદાતા છું ઈત્યાદિ માન્યતા અજ્ઞાન છે. આ સિદ્ધ કરવા ‘જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે’-એમ કહ્યું છે.
વળી કહે છે-‘પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું અશક્ય છે.’ શું કહે છે? પોતાનું આયુષ્યકર્મ ન હોય અને બીજો જીવતર કરાવી દે એમ કદીય બનવું શક્ય નથી. એ તો પોતાનું આયુકર્મનો ઉદય હોય ત્યાંસુધી જ જીવે. (દેહમાં રહે). અહીં આયુકર્મ તો જડનું છે. એને પોતાનું-જીવનું કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે.
હવે કહે છે-‘વળી પોતાનું આયુકર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. (-મેળવાય છે).’
લ્યો, આવે છે ને ઇતિહાસમાં કે-બાદશાહ બાબરે એનું આયુષ્ય એના પુત્ર હુમાયુને આપ્યું એટલે હુમાયુ મરતો હતો તે બચી ગયો ને બાબર મરી ગયો. ભાઈ! એ તો બધી નિરાધાર લોકવાયકા, બાકી આયુષ્ય કોણ આપે? (ભગવાનેય ન આપી શકે). આવું ને આવું બધું લોકમાં તૂતે-તૂત હાલે છે અહીં કહે છે-પોતાનું આયુકર્મ બીજાને દઈ શકાતું નથી અને બીજાનું આયુકર્મ પોતાને બીજો દઈ શકતો નથી. અહા? પોતાનું આયુકર્મ પરસ્પર દઈ શકાતું નથી, કેમકે તે પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે.
જોયું? વળી પાછું નિમિત્તથી કથન આવ્યું. જડ આયુકર્મ જે બંધાય છે એ તો જડ પુદ્ગલના પરિણામ છે અને તેમાં તે કાળે જીવના પરિણામ હતા તે નિમિત્ત છે. આ ભવ પહેલાં પૂર્વે જે આયુષ્ય બાંધીને આવ્યો તે એના (-પોતાના) પરિણામથી જ બંધાણું છે. એટલે શું? કે તે કાળે જીવના (પોતાના) પરિણામ એવા હતા કે જે પ્રકારે આયુકર્મની પર્યાય સ્વયં એના કારણે બંધાઈ એમાં એ પ્રકારે જ જીવના પરિણામનું નિમિત્ત હતું.
PDF/HTML Page 2552 of 4199
single page version
ભગવાન! તું આત્મા છો ને પ્રભુ! તને જે પરિણામ આયુષ્ય બંધાવામાં નિમિત્ત છે તે પરિણામ ખરેખર તારી (-ચૈતન્યની) જાતના નથી; એ તો બંધના પરિણામ છે. અહા! તેં તારી જાતને ભૂલીને તે પરિણામ કર્યા હતા ત્યારે તેના નિમિત્તે આયુકર્મ સ્વયં એના કારણે બંધાણું હતું. તેથી તે પરિણામના નિમિત્તે ઉપજેલું કર્મ, પોતાના પરિણામથી જ બંધાણું છે એમ કહેવામાં આવે છે. જોકે આયુકર્મની સ્થિતિ તો એના પરમાણુની યોગ્યતાથી એના સ્વકાળે સ્વયં થઈ છે, એમાં જીવના પરિણામ નિમિત્ત હતા. તેથી ‘તે (આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે’-એમ નિમિત્તથી કહેવામાં આવે છે. હવે શાસ્ત્રમાં આવાં કથન હોય તે સમજે નહિ એટલે નિમિત્તથી થાય, નિમિત્તથી થાય- એમ ચોંટી પડે, પણ શું થાય?
આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ છે. એમાં અજ્ઞાનપણે જે વિકારી પરિણામ કર્યા તેના નિમિત્તે આયુની સ્થિતિ બંધાણી છે, આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આયુ બંધાવા ટાણે પોતાના જે પરિણામ હતા તે નિમિત્ત અને આયુષ્ય બંધાણું તે નૈમિત્તિક. આ પ્રમાણે નિમિત્તના સંબંધમાં થયેલી દશા-પર્યાયને નૈમિત્તિક કહે છે. ન્યાય સમજાય છે? એ નિમિત્તથી નૈમિત્તિક થયું એમ કહેવું તે વ્યવહારનું કથન છે. હવે આમાં કોની સાથે ચર્ચા કરે? (નયવિભાગ સમજે નહિ અને જિદ કરે ત્યાં કોનાથી ચર્ચા કરવી?) શાસ્ત્રમાં તો આવું બધું ખૂબ આવે છે-કે કર્મથી આ થયું ને કર્મથી તે થયું. જુઓ, અહીં છે ને કે-‘તે (-પોતાનું આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે.’ અહી તો આટલું જ સિદ્ધ કરવું છે કે પોતાના પરિણામના નિમિત્તથી જે આયુકર્મ બંધાણું તેના કારણે પોતે (- જીવ) જીવી રહ્યો છે, પણ કોઈ બીજો એને જિવાડી શકે છે એમ છે નહિ, કારણ કે બીજાનું આયુષ્ય બીજો કોઈ દઈ શકતો નથી. બાકી કર્મ આત્માનું છે ક્યાં? અને આત્માના પરિણામથી કર્મ ક્યાં નીપજ્યું છે? એ તો બધો વ્યવહારનય છે, બાકી નિશ્ચયથી કર્મ આત્માનું નથી અને જીવ-પરિણામથી કર્મ નીપજ્યું નથી. આવી વાતુ છે.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે ભાઈ! નયનું વાસ્તવિક જ્ઞાન ન હોય તેને આ વાત નહિ બેસે. શાસ્ત્રમાં આધાર બધા આપ્યા છે, પણ તેનું ત્યાં શું પ્રયોજન છે તે બરાબર સમજવું જોઈએ. અમુક વાત સિદ્ધ કરવા વ્યવહારથી પણ કથન હોય, તેને પ્રયોજન વિચારી સમજવું જોઈએ. અહીં કહ્યું કે- ‘પોતાનું આયુકર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે’- તો એમાં શું સિદ્ધ કરવું છે? એટલું જ કે બીજો બીજાને પોતાનું આયુકર્મ દઈ શકે નહિ, અર્થાત્ કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહિ. જુઓ, એ જ કહે છે-
PDF/HTML Page 2553 of 4199
single page version
‘માટે કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહિ. તેથી હું પરને જિવાડું છું અને પર મને જિવાડે છે-એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિયતપણે) અજ્ઞાન છે.’ અધ્યવસાય એટલે મિથ્યા અભિપ્રાય, માત્ર રાગ એમ નહિ, અહીં તો રાગની એકતાબુદ્ધિવાળા અભિપ્રાયને અધ્યવસાય કહ્યો છે અને તે સંસારનું-બંધનું કારણ છે. સમજાણું કાંઈ....?
‘પૂર્વે મરણના અધ્યવસાય વિષે કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું.’ અહાહા....! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી છે. તેમાં રાગનું કે પરનું કરવું-એ છે જ નહિ. જેને પોતાના જ્ઞાનાનંદસ્વભાવનું અંદરમાં ભાન થયું છે તે ધર્મી જીવ પરની ક્રિયાને પર તરીકે જાણે છે, પણ પરની ક્રિયા હું કરી શકું એમ માને નહિ. અહા! તેને જે શુભાશુભ પરિણામ થાય એનો પણ ધર્મી કર્તા નથી, માત્ર જ્ઞાતા- દ્રષ્ટા છે, કેમકે જ્ઞાતા-દ્રષ્ટા (-અકર્તા) એ એનો સ્વભાવ છે અને તે સ્વભાવને અવલંબી રહ્યો છે. એને પ્રમાદને લઈને બીજાને ‘જિવાડું, મારું’ એમ વિકલ્પ થાય, પણ ત્યાં તેને, બીજાને જિવાડી શકું છું કે મારી શકું છું-’ એવો અભિપ્રાય -અધ્યવસાય નથી. વિકલ્પ આવ્યો છે તેનો એ જાણનાર માત્ર રહે છે. સામા જીવનું આયુ શેષ છે તો તે જીવે છે, હું તો નિમિત્તમાત્ર છું એમ તે યથાર્થ જાણે છે.
ભાઈ! આ એક જ સિદ્ધાંત લક્ષમાં રાખે કે-‘દરેક દ્રવ્યની પર્યાય સ્વકાળે તેના ક્રમબદ્ધ સ્થાનમાં થાય છે.’ -તો સર્વ કર્તાપણાનું મિથ્યા અભિમાન ખલાસ થઈ જાય. જીવનું જીવિતપણું છે તે તેના સ્વકાળે ક્રમબદ્ધ જ છે એમ જાણનાર તે જીવના જીવિતનો કર્તા થતો નથી, તેમ પોતાને જિવાડવાનો જે વિકલ્પ થયો તેનો પણ કર્તા થતો નથી; તે તો તેનો (પરના જીવિતનો ને પોતાના વિકલ્પનો) જાણનાર-દેખનાર માત્ર રહે છે. આમ રાગના અને પરની ક્રિયાના જાણનાર-દેખનારપણે રહેવું એનું નામ ધર્મ છે.
એ પૂર્વે મરણના અધ્યવસાયથી કહ્યું હતું તેમ અહીં પણ યથાર્થ જાણવું કે- નિશ્ચયથી પોતાથી પરનું જીવિત કરી શકાતું નથી. અને પરથી પોતાનું જીવિત કરી શકાતું નથી. નિશ્ચયે કોઈ કોઈનું જીવિત કરી શકે નહિ, છતાં (કરી શકે) તેમ માનવું તે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. આનાથી આનું જીવિત થયું એમ કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનું કથન છે એમ યથાર્થ સમજવું.
PDF/HTML Page 2554 of 4199
single page version
दुःखसुखकरणाध्यवसायस्यापि एषैव गतिः–
जो अप्पणा दु मण्णदि दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो।। २५३।।
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २५३।।
દુઃખ-સુખ કરવાના અધ્યવસાયની પણ આ જ ગતિ છે એમ હવે કહે છેઃ-
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨પ૩.
ગાથાર્થઃ– [यः] જે [इति मन्यते] એમ માને છે કે [आत्मना तु] મારા પોતાથી [सत्त्वान्] હું (પર) જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું છું, [सः] તે [मूढः] મૂઢ (-મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત તે [ज्ञानी] જ્ઞાની છે.
ટીકાઃ– ‘પર જીવોને હું દુઃખી તથા સુખી કરું છું અને પર જીવો મને દુઃખી તથા સુખી કરે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ– ‘હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે’ એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે જ્ઞાની છે-સમ્યગ્દ્રષ્ટિ છે.
‘દુઃખ-સુખ કરવાના અધ્યવસાયની પણ આ જ ગતિ છે એમ હવે કહે છેઃ-
‘પર જીવોને હું દુઃખી તથા સુખી કરું છું અને પર જીવો મને દુઃખી તથા સુખી કરે છે-એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે.’
PDF/HTML Page 2555 of 4199
single page version
શું કહે છે? કે બીજા જીવોને હું પ્રતિકૂળ સંજોગો દઈ શકું છું જેથી તે દુઃખી થાય અને બીજા જીવોને હું અનુકૂળ ખાન-પાન આદિ સામગ્રી દઉં જેથી તે સુખી થાય-અહા! એવી માન્યતા અજ્ઞાન છે એમ કહે છે. સમજાણું કાંઈ.....?
પ્રશ્નઃ– તો ગરીબને દાણા દેવા કે નહિ? ઉત્તરઃ– કોણ દે દાણા? શું તું દાણા દઈ શકે છે? એ તો દાણા દાણાને કારણે જાય ભાઈ! તું મિથ્યા માને કે હું દઉં છું. બાકી એના અંતરંગ પુણ્યના નિમિત્તે એને અનુકૂળ સામગ્રી મળે છે અને એના અંતરંગ પાપના નિમિત્તે એને પ્રતિકૂળ સામગ્રી મળે છે. બીજો કોઈ એને દઈ શકે છે એ વાત ત્રણકાળમાં સાચી નથી કેમકે બીજો બીજાને દઈ શકે એ વસ્તુસ્થિતિ જ નથી.
તો પછી દેનારો કોણ છે? (એમ કે કોઈ ઈશ્વર છે?) બીજો કોઈ નથી, ઈશ્વરેય નથી. એ પરમાણુ પોતે જ દે છે. શું કીધું? પરમાણુમાં પણ અંદરમાં સંપ્રદાન નામનો ગુણ છે જે કારણે પોતે જ (પોતાને) દે, અને પોતે જ (પોતાને માટે) લે. આકરી વાત બાપુ! તત્ત્વદ્રષ્ટિ બહુ સૂક્ષ્મ છે. એ પરમાણુમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ-એમ ષટ્કારકરૂપ શક્તિ છે. અહા! એની સમય- સમયની પર્યાય જે થાય છે તે એના પોતાના ષટ્કારકથી થાય છે. પરથી-બીજાથી પરમાણુની આમ-તેમ જવાની ક્રિયા થાય એમ ત્રણકાળમાં નથી.
પ્રશ્નઃ– પણ પરમાણુને કાંઈ ખબર (-જ્ઞાન) નથી તો તે જાય કેવી રીતે? ઉત્તરઃ– જવામાં ખબરનું (જ્ઞાનનું) શું કામ છે? (એ તો ક્રિયાવતી શક્તિનું કામ છે ને પરમાણુને ક્રિયાવતી શક્તિ છે). શું ખબર (-જ્ઞાન) હોય તો જ દ્રવ્ય કહેવાય? તો પછી ખબર (-જ્ઞાન) વિનાનાં જડ દ્રવ્યો જગતમાં છે જ નહિ એમ થશે. પણ એમ છે નહિ. બાપુ! ટકીને પ્રતિસમય પરિણમવું એ પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ જ છે.
આમાં બે સિદ્ધાંત પડયા છેઃ- એક તો સામા જીવના સંબંધમાં રહેલા-આવેલા સર્વ પરમાણુઓમાં-દરેકમાં તે કાળે જે પરિણામ થવાના હતા તે જ પોતાને કારણે થયા છે એવો નિર્ણય કરે તેને હું બીજા જીવને અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રી દઉં ને સુખી-દુઃખી કરું-એવો અધ્યવસાય ઉડી જાય છે;
અને તે કાળે મને જે સામા જીવને સુખી-દુઃખી કરવાનો વિકલ્પ થયો તે વિકલ્પ તે કાળે થવાનો હતો તે ક્રમબદ્ધ જ થયો એમ નિર્ણય થતાં પોતાની દ્રષ્ટિ ભગવાન જ્ઞાયક ઉપર જાય છે અને સ્વભાવનો આશ્રય થઈને સમ્યગ્દર્શન થાય છે. સાથે રાગ
PDF/HTML Page 2556 of 4199
single page version
પણ છે, પણ પોતાને રાગનું કર્તાપણું ઉડી જાય છે ને પોતે માત્ર જ્ઞાતા-દ્રષ્ટાપણે રહી જાય છે. આ પ્રમાણે બે સિદ્ધાંત નક્કી થયા-
૧. વસ્તુમાં પ્રત્યેક પરિણમન સ્વકાળે ક્રમબદ્ધ જ થાય છે. ૨. સ્વના આશ્રયે જ ધર્મ થાય છે. ભાઈ! આ વસ્તુની સ્થિતિ છે. આમાં ન્યાય સમજાય છે કાંઈ? ‘ન્યાય’માં ‘ની- નય્’ ધાતુ છે. નય્ એટલે દોરી જવું-જેવી વસ્તુની સ્થિતિ છે તેના પ્રતિ જ્ઞાનને દોરી જવું એનું નામ ન્યાય છે.
અહા! કહે છે-પર જીવોને પ્રતિકૂળ સામગ્રી દઈને તેને દુઃખી કરું-એવો અધ્યવસાય અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. કેમ? કેમકે પ્રતિકૂળ સામગ્રી તો એના અભ્યંતર પાપના ઉદયના કારણે આવે છે. ભાઈ! આ પણ નિમિત્તનું કથન છે; કેમકે પાપનો ઉદય ભિન્ન ચીજ છે અને પ્રતિકૂળ સામગ્રી ભિન્ન ચીજ છે. બેયના દરજ્જા ભિન્ન છે, બન્ને ભિન્ન ભિન્ન છે. જુઓ, અહીં એને પાપનો ઉદય છે, અને તે જ કાળે એને પ્રતિકૂળ સામગ્રીનું તેના પોતાના કારણે આવવું છે. આવો પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવ છે તેને જોઈને પાપના ઉદયના કારણે એને પ્રતિકૂળ સામગ્રી આવી એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આવી વાત છે.
તેવી જ રીતે હું બીજાને આહાર, પાણી, ઔષધ ઇત્યાદિ આપીને સુખી કરું-એવો અધ્યવસાય અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. કેમકે અનુકૂળ સામગ્રી તો એના પુણ્યના ઉદયના કારણે આવે છે. આ પણ નિમિત્તનું કથન છે, કેમકે પુણ્યનો ઉદય અને અનુકૂળ સામગ્રી બન્ને જુદી જુદી ચીજ છે. અહીં એને પુણ્યનો ઉદય હોય તે કાળે અનુકૂળ સામગ્રીનું આવવું એના પોતાના કારણે થાય છે એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ જોઈને પુણ્યના ઉદયથી અનુકૂળતા મળી, સુખ થયું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. અહા! વીતરાગનું નિરાલંબી તત્ત્વ એકલા ન્યાયથી ભરેલું છે, પણ તે અંતરના પુરુષાર્થ વડે જ પામી શકાય એમ છે.
જેને એવો અધ્યવસાય છે કે ‘હું બીજાને સુખી કરી દઉં’ તેને અધ્યવસાય બંધનું કારણ છે; શુભ-પુણ્યબંધનું કારણ છે તોપણ તે બંધનું જ કારણ છે, જરાય નિર્જરાનું કારણ નથી. તથા ‘બીજાને હું દુઃખી કરી દઉં’, એવો જે અધ્યવસાય છે તે પાપબંધનું કારણ છે. ત્યાં બીજાને જે સુખ-દુઃખ થાય તે તો તેના અંતરંગ પુણ્ય-પાપના ઉદયના કારણે છે, આના અધ્યવસાયના કારણે નહિ. ભાઈ! બીજો બીજાને સુખી-દુઃખી કરી શકે છે-એમ છે જ નહિ. આ વાત અત્યારે ચાલતી નથી એટલે લોકોને કઠણ પડે છે, પણ શું થાય? એને બિચારાને તત્ત્વની ખબર નથી કે શું આત્મા, શું પરિણામ ને શું બંધન? આંધળે-બહેરું કૂટે રાખે છે. પણ ભાઈ! એનાથી સંસાર મળશે; ઇષ્ટ-અનિષ્ટ સંજોગ મળશે, પણ આત્મા નહિ મળે.
PDF/HTML Page 2557 of 4199
single page version
અહા! જ્ઞાનીને દ્રવ્યદ્રષ્ટિ છે. એટલે શું? કે પોતે શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે તેનો તેને આશ્રય વર્તે છે. ત્યાં જ્યારે તે ધ્યાનદશામાં હોય છે ત્યારે તો કોઈ વિકલ્પ હોતો નથી. પરંતુ અંદર ધ્યાનમાં ન હોય ત્યારે તેને પ્રમાદવશ અસ્થિરતાનો વિકલ્પ આવે છે કે-આને હું સુખી-દુઃખી કરું. બીજાને સુખી-દુઃખી કરી શકું છું એવો અધ્યવસાય નથી. શું કહ્યું? બીજાને સુખી-દુઃખી કરું એમ વિકલ્પ આવે પણ તેમ કરી શકું છું એમ તે ન માને. આવો ફેર જ્ઞાની ને અજ્ઞાનીની માન્યતામાં રહેલો છે. એ જે પુણ્ય-પાપના પરિણામ જ્ઞાનીને આવે તેના નિમિત્તે કિંચિત્ પુણ્ય-પાપ બંધાય, પણ ખરેખર તો એ જે વિકલ્પ આવ્યો છે તેનો અને એનાથી જે પુણ્ય-પાપ બંધાણું તેનોય જ્ઞાની સ્વામી થતો નથી, એ તો બન્નેનો જ્ઞાતા રહે છે, બન્નેનેય પરજ્ઞેય તરીકે જાણે છે. જ્યારે અજ્ઞાનીને આત્મદ્રષ્ટિ છે નહિ, એ તો હું બીજાને સુખી-દુઃખી કરી શકું છું એમ માને છે અને તેથી તેનો એ અધ્યવસાય બંધનું-દીર્ઘસંસારનું કારણ બને છે.
અહા! જીવને સંસારમાં ભમતાં ભમતાં અનંતકાળ ગયો, એમાં અનંતવાર એને મનુષ્યપણું આવ્યું ને અનંતવાર એણે મુનિવ્રત ધારણ કર્યાં, પાંચમહાવ્રત પાળ્યાં; પણ અરેરે! ભગવાન સર્વજ્ઞદેવે કહેલા આ અલૌકિક તત્ત્વનું જ્ઞાન ન કર્યું. એણે આત્મજ્ઞાન ન કર્યું!
અહી કહે છે-પર જીવોને હું સુખી-દુઃખી કરી શકું છું અને પર જીવો મને સુખી- દુઃખી કરી શકે છે-એવો અધ્યવસાય અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. જ્ઞાનીને એવો વિકલ્પ આવે પણ એનો એ કર્તા ન થાય. એ તો એમ યથાર્થ માને કે પર જીવને પહોંચતું સુખ-દુઃખ તેના પુણ્ય-પાપના ઉદયને કારણે છે, એમાં મારું કાંઈ કર્તવ્ય નથી, હું તો નિમિત્તમાત્ર છું.
ભાઈ! બીજાને આહાર પાણી દઈ શકું, ઔષધાદિ દઈ શકું-એવી જો તારી માન્યતા છે તો પૂછીએ છીએ કે-શું એ આહાર-ઔષધાદિ પદાર્થો તારા ચૈતન્ય-સ્વરૂપમાં છે? શું તું એ જડપદાર્થોનો સ્વામી છે કે તું એ બીજાને દઈ શકે? ભાઈ! તું જુદો, એ પદાર્થો (આહારાદિ) જુદા ને તેનો લેનાર (જીવ) જુદો; બધું જુદેજુદું છે ત્યાં કોણ કોને દે અને કોણ લે? ભાઈ! તારી માન્યતા અજ્ઞાન છે બાપા!
પ્રશ્નઃ– પણ ગરીબનાં આંસુ તો લૂછવાં ને?
ઉત્તરઃ– એ કોણ લૂછે ભાઈ? એ પરદ્રવ્યને કોણ કરે બાપા? બહુ ઝીણી વાત ભાઈ! જ્યાં પરમાણુ-પરમાણુ પોતાના કાળે પલટીને પોતાની નિયત પર્યાયરૂપે સ્વયં પરિણમે ત્યાં બીજો શું કરે? બીજો એને કેમ પરિણમાવે? બીજો બીજાને પરિણમાવે એ સિદ્ધાંત જ નથી ભાઈ! આ શરીર છે ને! આમ હાથમાં રોટલો લીધો હોય ત્યાં
PDF/HTML Page 2558 of 4199
single page version
શરીરની જે પર્યાય થાય તે એના પરમાણુના કારણે થાય છે, એને આત્મા કરી શકે છે એમ નથી. આ રોટલો આમ (હાથમાં) રહે છે તે એની (રોટલાની) પર્યાય છે, તે આંગળીથી રહે છે એમ નથી. રોટલાની અવસ્થાનું કર્તાકર્મપણું રોટલામાં છે, આંગળી કર્તા થઈને એને પકડી રાખવાનું કર્મ કરે છે એમ છે નહિ.
પણ દેખાય છે શું? આંગળી રોટલાને પકડતી દેખાય છે ને? અરે ભાઈ! એ તો સંયોગદ્રષ્ટિથી જોનારને એમ દેખાય છે, પણ એ (-એમ માનવું) તો અજ્ઞાન છે; કેમકે રોટલો આંગળીને અડયો જ નથી. રોટલો રોટલામાં ને આંગળી આંગળીમાં-બન્ને ભિન્ન ભિન્ન પોત-પોતામાં રહેલાં છે, લ્યો, આવું ઝીણું! તત્ત્વનો વિષય બહુ ઝીણો છે ભાઈ! અજ્ઞાનીને સ્થૂળદ્રષ્ટિમાં આ બેસવું મહાકઠણ છે.
જ્યાં હોય ત્યાં કર્મથી થાય, નિમિત્તથી થાય એમ માંડી છે એણે. પણ અહીં કહે છે-‘તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.’
જગતમાં બહારથી બીજાને સુખી કરીએ, દુઃખી કરીએ એમ નિમિત્તનૈમિત્તિક સંબંધથી બોલાય ભલે, પણ એમ થઈ શકતું નથી; કોઈ કોઈને સુખી-દુઃખી કરી શકતું નથી. તેથી જ્ઞાનીને ‘હું પરને દુઃખી-સુખી કરું’ એવો અધ્યવસાય હોતો નથી, પરંતુ અજ્ઞાનીને એવો અધ્યવસાય હોય છે. અહા! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! આ પરની દયા પાળી કે બીજાને સાધન-સામગ્રી આપી એટલે માને કે ધર્મ થઈ ગયો; તો કહે છે-મૂઢ છો કે શું? એમાં ક્યાં ધર્મ છે? ધર્મ કોને થાય! કે હું પર જીવોને સુખી-દુઃખી કરી શકું નહિ, અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રી દઈ શકું નહિ એમ માનતો થકો માત્ર જ્ઞાતા- દ્રષ્ટાપણે રહે તેને ધર્મ થાય છે. પોતાને વિકલ્પ આવે તેમાં એકત્વ નહિ કરતો તેનો જાણનાર માત્ર રહે તે ધર્મી છે. અહા! લ્યો, જ્ઞાની-અજ્ઞાનીમાં આવો ફેર! ભાઈ! દુનિયા સાથે વાતે વાતે ફેર છે. આવે છે ને કે-
તેમ અહીં ભગવાન કહે છે (અજ્ઞાનીને) કે તારે ને મારે વાતે વાતે ફેર છે. તારી લાખ વાતોમાંથી એકેય સાથે મારે મેળ ખાય એમ નથી. તારી માન્યતામાં જે ઊંધાં લાકડાં ગરી ગયાં છે એને મારી વાત સાથે ભારે (ઉગમણો-આથમણો) ફેર છે.
અહા! ધર્મી-જ્ઞાની પુરુષની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્યતત્ત્વ પર હોય છે. તેણે પોતાનો એક જ્ઞાયકભાવ એકલા જ્ઞાનરસનો કંદ પ્રભુ આત્માને પોતાના ધ્યેયમાં લીધો છે. તેને નથી પરનું આલંબનકે નથી રાગનું આલંબન. તેથી હું પરને સુખી-દુઃખી કરું ને
PDF/HTML Page 2559 of 4199
single page version
પર મને સુખી-દુઃખી કરે-એવો અધ્યવસાય તેને હોતો નથી. તેથી અહીં કહ્યું કે જેને એ અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.
પરમાણુમાં પણ પ્રત્યેક સમયે જે પર્યાય થાય છે તે તેની જન્મક્ષણ છે. પ્રવચનસાર જ્ઞેયઅધિકારમાં ગાથા ૧૦૨ માં આ વાત આવે છે. ત્યાં એમ લીધું છે કે જગતમાં જીવ-અજીવ જેટલા જ્ઞેય (દ્રવ્યો) છે તેની જે તે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે તેની જન્મક્ષણ છે; તેની ઉત્પત્તિનો કાળ છે, પરને લઈને તે થાય છે એમ નથી. અહાહા...! પૂર્વની પર્યાયને લઈને તો નહિ, પણ એના દ્રવ્ય-ગુણને લઈને પણ નહિ. તો પછી પરને લઈને થાય છે એ તો વાત જ ક્યાં રહે છે?
જગતમાં આત્મા ને પર-એમ છ દ્રવ્યો જાતિ અપેક્ષાએ ભગવાને જોયાં છે. તેઓ સંખ્યાએ અનંત છે-જીવ અનંત, પુદ્ગલો અનંતાનંત, એક ધર્મ, એક અધર્મ, એક આકાશ અને અસંખ્યાત કાલાણુ. તે અનંત દ્રવ્યોનો જે સમયે જે પર્યાય થાય તે તેની જન્મક્ષણ છે, તે તેનો ઉત્પત્તિનો કાળ છે; એને બીજો કોઈ ઉપજાવે એમ ત્રણકાળમાં બનતું નથી. આ રજકણોને આમ જવાનો ઉત્પત્તિકાળ છે તેથી આમ જાય છે; હવે એમાં બીજો કહે કે હું આહાર-પાણી-ઓષધ દઉં છું તો તેનો તે અભિપ્રાય જૂઠો છે, મિથ્યાત્વ છે. આવી વ્યાખ્યા ઝીણી પડે ને આકરી લાગે પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ એવું છે. કદી સાંભળવા મળ્યું ન હોય એટલે રાડો પાડે કે એકાન્ત છે, એકાન્ત છે; પણ ભાઈ! આ સમ્યક્ એકાંત છે.
‘હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે-એમ માનવું તે અજ્ઞાન છે.’ અહા! આવી માન્યતા સંસારમાં રખડવાના કારણરૂપ મિથ્યાત્વ છે.
પંચાસ્તિકાય ગાથા ૧૩૭ માં આવે છે કે- જન્માર્ણવમાં રખડતા પ્રાણીઓને ભૂખ- તરસ આદિથી પીડિત દેખીને, અરે! આ મિથ્યાત્વને લઈને ભવાર્ણવમાં રખડે છે!-એમ જ્ઞાનીને ખેદ થાય છે. ત્યાં ભૂખ-તરસ આદિનો ઉપચાર કરવા જ્ઞાની અધીર થઈ પ્રવૃત થતા નથી કેમકે તે જાણે છે કે બહારની-પરની ક્રિયા પોતાને આધીન નથી, પોતાના અધિકારમાં નથી. જ્યારે અજ્ઞાની, હું આમ કરી દઉં ને તેમ કરી દઉં-એમ અજ્ઞાનમય ઇચ્છા વડે આકુલિત થાય છે. પર દ્રવ્યની ક્રિયા હું કરું એમ અજ્ઞાની માને છે ને? તેથી તે આકુલિત થાય છે.
પ્રવચનસાર ગાથા ૮પ માં અજ્ઞાનના ત્રણ બોલ લીધા છે. જુઓ-
PDF/HTML Page 2560 of 4199
single page version
વિષયો તણો વળી સંગ,-લિંગો જાણવાં આ મોહનાં.”
અહા! તિર્યંચ-મનુષ્યો પ્રેક્ષાયોગ્ય હોવા છતાં, તેમની હું દયા કરું-એવો તન્મયપણાનો દયાનો ભાવ, કરુણાનો ભાવ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. અહા! તિર્યંચ- મનુષ્યની-પરની દયા હું કરી શકું છું, તેને સુખ-દુઃખ હું કરી શકું છું એવી માન્યતા અજ્ઞાન છે.
‘જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે જ્ઞાની છે- સમ્યગ્દ્રષ્ટિ છે.’ લ્યો, આ સંક્ષેપ કહ્યો.