PDF/HTML Page 3641 of 4199
single page version
બહારના ક્રિયાકાંડ-છકાયના જીવોની દયા પાળે, પાંચ મહાવ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે-તે કાંઈ સંયમ નથી એ તો બધો રાગ છે બાપુ! જેમ જીવાદિ નવતત્ત્વની ને દેવ- ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા સમકિત નથી (રાગ છે) તેમ છ કાયની દયા વગેરે પાળવાના વિકલ્પ પણ સંયમ નથી. અંદર જ્ઞાનાનંદસ્વરૂપી નિત્યાનંદ પ્રભુ પોતે ભગવાન છે, ઉપયોગ ત્યાં જ રમે અને ત્યાં જ જામે એનું નામ સંયમ છે, એનું નામ ચારિત્ર છે. અહાહા...! ઉપયોગ સ્વરૂપમાં રમે ત્યાં પ્રચુર અતીન્દ્રિય આનંદનું પરિણમન થાય તેનું નામ સંયમ છે. જ્ઞાનનું જ્ઞાનમાં રમમાણ થવું તે સંયમ છે.
ગાથા ૧પપની ટીકામાં આવે છે કે-“સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાન- સ્વભાવે જ્ઞાનનું થવું- પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું- પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (પરિણમન) જ છે.” આ પ્રમાણે સંયમ જ્ઞાનનું ભવન જ છે તેથી જ્ઞાન જ સંયમ છે એમ વાત છે; કેમકે જ્ઞાન નામ આત્માથી સંયમ કોઈ જુદી ચીજ નથી.
હા, પણ એનું સાધન તો હોય ને? સાધન? એ તો જેને અંદરમાં સ્વસ્વરૂપનું ભાન થયું છે તેને વ્રત, તપ, દયા ઈત્યાદિના રાગની મંદતાના વિકલ્પ આવે છે અને તેને વ્યવહારથી સાધન કહે છે પણ તેનાથી કાંઈ સાધ્યની સિદ્ધિ થતી નથી. સહકારી નિમિત્ત જાણી આરોપ કરીને તેને વ્યવહારથી સાધન કહ્યું છે. તે કાંઈ વાસ્તવિક સાધન નથી. આવી વાત છે! સમજાણું કાંઈ...! (વાસ્તવિક તો પોતે જ પોતાનું સાધન છે).
જુઓ, અહીં સમ્યગ્દર્શન, સંયમ વગેરે પર્યાય છે તેને આત્મા કહેલ છે, જ્યારે ગાથા ૧૧માં તેને વ્યવહાર કહી અભૂતાર્થ કહેલ છે. નિયમસારની ૩૮ વગેરે ગાથામાં પુણ્ય-પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ સુદ્ધાં જેટલી પર્યાયો છે તે સર્વને પરદ્રવ્ય કહી હેય કહી છે.
પ્રશ્નઃ– તો બન્નેમાં સાચું શું? સમાધાનઃ– બન્નેય વાત અપેક્ષાથી સાચી છે. ભાઈ! અનેકાન્તથી બધું સિદ્ધ થાય છે. અનાદિથી આ જીવ પર્યાયદ્રષ્ટિ રહી ચોરાસીના અવતારમાં રઝળે છે. તેને નાશવંત પર્યાયનો આશ્રય છોડાવી ત્રિકાળી ધ્રુવ એક શુદ્ધભાવનો આશ્રય કરાવવાના પ્રયોજનથી ત્યાં નિયમસારમાં સર્વ પર્યાયોને પરદ્રવ્ય કહી હેય કહી અને એક
PDF/HTML Page 3642 of 4199
single page version
ત્રિકાળી ધ્રુવ શુદ્ધભાવ ઉપાદેય કહ્યો. સમયસારની ૧૧મી ગાથામાં પણ પર્યાયને અસત્યાર્થ કહી તેનો આશય એવો છે કે પર્યાયને ગૌણ કરી, પેટામાં રાખી, વ્યવહાર કહીને નથી એમ કહ્યું છે; અને સમ્યગ્દર્શનનો વિષય જે ધ્રુવ એક ચિદાનંદઘન પ્રભુ તેને મુખ્ય કરી, નિશ્ચય કહી તેને ભૂતાર્થ-સત્યાર્થ કહેલ છે. આમાં પ્રયોજન એક ધ્રુવનો આશ્રય કરાવવાનું છે. અહીં બીજી વાત છે. અહીં પરદ્રવ્યથી ભિન્નતા સિદ્ધ કરવી છે. તો સમ્યગ્દર્શન અને સંયમ આદિ (પુણ્ય-પાપ-સહીત) પોતાની જે પર્યાય છે તે પોતે આત્મા જ છે એમ શૈલીથી વાત છે. પોતાની પર્યાય તે પોતે જ છે, પર નથી એ શૈલીથી અહીં વાત છે. ભાઈ! જ્યાં જે અપેક્ષાથી વાત હોય તેને ત્યાં યથાર્થ સમજવી જોઈએ.
સમયસાર ગાથા ૧૧ માં ધ્રુવ એક ત્રિકાળી દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર એમ કહ્યું છે. અહીં જેની જે પર્યાય તે નિશ્ચય તેની છે, પરની નથી એમ લેવું છે; તેથી કહ્યું કે-જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે’ ઈત્યાદિ. સમયસારની ૭૧મી ગાથામાં-“નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે”-એમ કહ્યું છે. અહીં તો પુણ્ય- પાપના ભાવ થાય તેને પણ આત્મા કહેલ છે. આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માનો અનેકાન્ત માર્ગ છે બાપા! સ્યાદ્વાદ વડે તેને બરાબર સમજવો જોઈએ.
આત્મા પોતે પોતામાં સ્થિર થાય, જામી જાય તે સંયમ છે. કહ્યું ને કે રાગનાં ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે; સંયમ છે તે આત્મા જ છે. પરંતુ લોકો વ્યવહારને સાધન માની આ વાતને (ઠેકડીમાં) ઉડાવે છે. પણ શું થાય? તેઓ વસ્તુસ્વરૂપને સમજતા નથી. એટલે વિરોધ કરે છે. પણ એવું તો અનાદિથી ચાલ્યું જ આવે છે. અહીં તો ભવભ્રમણના દુઃખનો થાક લાગ્યો છે તેને કહીએ છીએ કે તારા દુઃખનો અંત લાવવાનો આ માર્ગ છે. ભાઈ! અજ્ઞાનીને અનાદિથી મિથ્યાત્વરૂપી ક્ષયરોગ લાગુ પડયો છે. રોગ મહાભયંકર છે, ને પીડાનો પાર નથી. હમણાં બહારમાં ભલે લાલ- પીળો થઈને ફરે, પણ અંદર પોતાનું ભાન નથી તેની માઠી દશા છે. તેને પર્યાયમાં મોટો ઘા વાગે છે. મિથ્યાત્વના ઘાથી તે મૂર્છિત-અચેત જેવો થઈ ગયો છે. અરેરે! ત્રણ લોકનો સ્વામી આનંદનો નાથ પ્રભુ મૂર્ચ્છામાં પડયો છે! એને ખબર નથી પણ એ ક્યાંય નિગોદમાં જઈ પડશે!
ભાઈ! અહીં તારા અનંતા દુઃખનો અંત લાવવાની આ વાત છે. કહે છે-જ્ઞાન જ સંયમ છે. આ દેહની ક્રિયા અને દયા, દાન, વ્રત, તપ આદિ ક્રિયાકાંડના વિકલ્પ તે સંયમ નથી. બહુ આકરી વાત બાપા! પણ આ સત્ય વાત છે. અહાહા...! અતીન્દ્રિય આનંદનો નાથ નિર્મળાનંદ પ્રભુ પોતે છે તે પર્યાયમાં અતીન્દ્રિય આનંદની રમતમાં જામી જાય તે સંયમ છે અને સંયમ છે તે પોતે-આત્મા જ છે. આવી વાત!
PDF/HTML Page 3643 of 4199
single page version
ત્યારે કોઈ કહે છે- તમે વ્યવહાર સાધન ઉડાવી દેશો તો શ્રાવકપણું ને મુનિપણું રહેશે નહિ.
અરે ભાઈ! જો તને વ્યવહાર સાધનની-રાગની રુચિ... પ્રેમ છે તો તને શ્રાવકપણું ને મુનિપણું છે જ ક્યાં? તને તો તારો એકલો રાગ છે. મારગ તો વીતરાગસ્વરૂપ છે ભાઈ! શ્રાવકપણું ને મુનિપણું એ પણ (યથા સંભવ) વીતરાગદશા જ છે. વ્રતાદિનું હોવું એ તો તે તે દશાનો બાહ્ય વ્યવહાર છે. તેને ઉપચારથી સાધન કહેલ છે, ધર્મી પુરુષો તેને પરમાર્થે સાધન માનતા નથી.
હવે પછી અહીં પુણ્ય-પાપના ભાવ એની પર્યાયમાં છે માટે એને આત્મા કહેશે, પણ એ તો વિભ્રમને લઈને ઉત્પન્ન થનારા પરિણામ છે. પુણ્ય-પાપ આત્મા જ છે- એમ કહીને તે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થયા છે (બીજે નહિ) એમ જ્ઞાન કરાવવું છે. સમજાણું કાંઈ..? હવે કહે છે-
‘જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે.’ જોયું? બાર અંગનું જ્ઞાન તે ખાલી શબ્દો નથી. સ્વના આશ્રયે જે સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય તે ભાવશ્રુતજ્ઞાન અંગપૂર્વરૂપ સૂત્ર છે. ભાઈ! આ તો ભગવતસ્વરૂપ ભગવાન આત્માની ભાગવત કથા છે. નિયમસારમાં છેલ્લે કહ્યું છે કે- આ તો ભાગવત શાસ્ત્ર છે. ભગવાન ચૈતન્યરત્નાકર પ્રભુ તેની સ્થિરતાની રમતું માંડી પોતાના આનંદના બગીચામાં રમત રમે તેને સંયમ અને અંગપૂર્વ સૂત્ર કહ્યું છે. બાકી શબ્દો તે જ્ઞાન નહિ; અને શબ્દોની પરલક્ષી ધારણા થાય તે પણ જ્ઞાન નહિ; આત્મા નહિ.
હવે કહે છે- ‘જ્ઞાન જ ધર્મ-અધર્મ (અર્થાત્ પુણ્ય-પાપ) છે.’ જુઓ પુણ્ય-પાપ એની પર્યાયમાં થાય છે માટે એને આત્મા કહ્યો છે. પણ તે ઉત્પન્ન કેમ થાય છે? તો આગળ કહેશે કે વિભ્રમ તેની ઉત્પત્તિનું મૂળ છે. તે ભલે જીવની પર્યાયમાં ઉત્પન્ન થાય પણ તે પરસત્તાવલંબી ભાવ બંધરૂપ છે, બંધના કારણ છે.
તો પછી જ્ઞાન જ ધર્મ-અધર્મ છે એમ કેમ કહ્યું છે? ભાઈ! અહીં તો સ્વનાં દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વકીય છે, પરથી ભિન્ન છે, પર નથી- એમ સિદ્ધ કરવું છે. તેથી એની પર્યાયમાં જે શુભાશુભ ભાવ થાય છે તેને અહીં આત્મા કહ્યો છે. પોતાની પર્યાય તે પોતે-એવી શૈલીથી અહીં વાત છે. તેથી સમ્યગ્દર્શન, સંયમ, અંગપૂર્વ સૂત્રની નિર્મળ પર્યાય ને ધર્મ-અધર્મની વિભાવરૂપ મલિન પર્યાય તેને અહીં આત્મા કહ્યો છે.
અહા! જ્ઞાન જ ધર્મ-અધર્મ છે. પુણ્ય-પાપના ભાવ તે અશુદ્ધ પર્યાયો જીવની છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે આત્મા-એમ કહ્યું છે.
PDF/HTML Page 3644 of 4199
single page version
અશુદ્ધતા અંદર ગરી થઈ નથી, ત્યાં તો અશુદ્ધતા પરિણામિકભાવે થઈ ગઈ છે. ક્ષયોપશમભાવની પર્યાય પણ એક સમયની. બીજે સમયે વ્યય થાય ત્યાં અંદર પારિણામિક ભાવે થઈ જાય છે. હવે અશુદ્ધ પર્યાયને સર્વથા કાઢી નાખો તો આત્મા ત્રિકાળી વસ્તુ છે તે સિદ્ધ જ નહિ થાય. સાધકને પણ અસંખ્ય સમય સુધી-સાત આઠ ભવ કરે ત્યાં સુધી પર્યાયમાં અશુદ્ધતા રહે છે. આ અશુદ્ધતાને અહીં આત્મા કહ્યો છે.
અનાદિ-સાંત અશુદ્ધ પર્યાય અને સાદિ-અનંત શુદ્ધ પર્યાય-તે બધી શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો સમૂહ તે આત્મા છે. આ તો સામાન્યપણે આત્માનું સ્વરૂપ જ આવું છે. તેમાં અશુદ્ધતા સર્વથા કાઢી નાખો તો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો સમૂહ તે ગુણ, અને ગુણોનો સમૂહ તે આત્મા-એ કશું સિદ્ધ નહિ થાય. ભાઈ! આ તો ન્યાયથી સમજાય એવું છે બાપુ! માત્ર રસ-રુચિ જોઈએ. જ્યાં રસ હોય ત્યાં રુચિ જાગે જ છે. જીવ અનાદિથી શુભાશુભ ભાવ કરતો આવ્યો છે. તે શુભાશુભ ભાવ અનાદિસાંત છે. આટલો બધો કાળ અશુદ્ધતા થઈ તેને માનો જ નહિ તો ગુણ જ સિદ્ધ નહિ થાય, ને દ્રવ્ય પણ સિદ્ધ નહિ થાય. ગુણનું અશુદ્ધ પરિણમન થાય તે પણ તેની તત્કાલીન યોગ્યતા છે. હવે તે તે અશુદ્ધતા થઈ તેને ન માનો તો ત્રિકાળી ગુણ જ સિદ્ધ નહિ થાય; અને તો અનંત ગુણનો સમૂહ તે આત્મા-એ સિદ્ધ નહિ થાય. આવી વાત!
અહો! પ્રત્યેક આત્મા અનંતા સામાન્ય અને અનંતા વિશેષ-એમ અનંતા ગુણોનો દરિયો છે. અસ્તિત્વાદિ છ ગુણ કહ્યા છે એ તો ટુંકામાં સમજાવવા માટે છે, કેમકે વાણીમાં બધા ગુણો આવતા નથી. અહાહા...! વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ અનંતા ગુણો છે. તેમાં એક ગુણમાં બીજા અનંત ગુણનું રૂપ છે. જેમકે-એક જ્ઞાનગુણ છે, બીજો અસ્તિત્વગુણ; તો જ્ઞાનગુણમાં-તે છે... છે... છે-એમ અસ્તિત્વગુણનું રૂપ છે. જ્ઞાનગુણમાં અસ્તિત્વ ગુણ છે એમ નહિ, તથા જ્ઞાનગુણનું છેપણું (હયાતી) કાંઈ અસ્તિત્વગુણના કારણે છે એમ નહિ; પણ જ્ઞાનગુણ છે... છે... છે-એમ અસ્તિત્વ ગુણનું એમાં રૂપ છે. આ પ્રમાણે એક ગુણમાં બીજો ગુણ નથી, પણ એક ગુણમાં બીજા અનંતગુણનું રૂપ હોય છે. એક ગુણમાં બીજો ગુણ છે એમ ન સમજવું. એ તો તત્ત્વાર્થસૂત્રમાં સિદ્ધાંત કહ્યો છે કે- ‘
આ રીતે જ્ઞાનગુણ સહિત અનંતા ગુણ અનાદિ-અનંત જીવ દ્રવ્યને આશ્રિત છે, જ્ઞાનમાં બીજા કોઈ ગુણો નથી. એક ગુણમાં બીજા કોઈ ગુણો નથી. જો જ્ઞાન ગુણમાં, બીજા ગુણ રહે તો તે (-જ્ઞાન) ગુણોના સમુદાયરૂપ ગુણી-દ્રવ્ય થઈ જાય, અથવા બીજા ગુણોનો અભાવ થતાં દ્રવ્યનો જ અભાવ થઈ જાય. પણ એમ છે નહિ. જ્ઞાનનું
PDF/HTML Page 3645 of 4199
single page version
અહીં કહે છે-આત્માના (સંસારીના) કોઈ ગુણ (શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, વીર્ય, સુખ આદિ) અનાદિથી અશુદ્ધ પરિણમી રહ્યા છે. અશુદ્ધતા તે, તે તે સમયની એની યોગ્યતા છે. આ અશુદ્ધતા અનાદિ-સાંત છે. હવે આ કાળની જીવમાં થયેલ જે અશુદ્ધતા તે માનો જ નહિ તો, કહે છે, અનાદિ-અનંત ગુણની જ સિદ્ધિ નહિ થાય, અને તો દ્રવ્ય નામ આત્મા પણ સિદ્ધ નહિ થાય. માટે અહીં કહે છે-જ્ઞાન જ ધર્મ-અધર્મ છે. સમજાણું કાંઈ...? ખૂબ ગંભીર વાત ભાઈ!
કેવળજ્ઞાનની પર્યાય દ્રવ્યને અડતી નથી, લ્યો, અવ્યક્તના બોલમાં આ આવે છે. વળી પ્રવચનસારમાં અલિંગગ્રહણના છેલ્લા બોલોમાં આવે છે કે-દ્રવ્ય છે તે ગુણવિશેષને આલિંગન કરતું નથી; અભેદ વસ્તુ છે તે ભેદને આલિંગન કરતી નથી; દ્રવ્ય છે તે પર્યાયવિશેષને આલિંગન કરતું નથી; ઈત્યાદિ. ભાઈ! ત્યાં તો પ્રયોજનવશ પર્યાયનું અસ્તિત્વ અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન સિદ્ધ કરવું છે. દ્રવ્ય-પર્યાયમાં અંદર અંદર ભાગ પાડીને વાત કરે ત્યારે એમ કહે કે - દ્રવ્ય-સામાન્ય વિશેષમાં આવતું નથી, ને વિશેષ દ્રવ્ય-સામાન્યમાં આવતું નથી. પરંતુ પરની અપેક્ષાથી વાત કરે ત્યારે બેયનું (-દ્રવ્ય- પર્યાયનું) એક જ અસ્તિત્વ કહે. લ્યો, આવી વીતરાગમાર્ગની ખૂબ ગંભીર શૈલી છે.
સમયસારની ૭૩ મી ગાથામાં કહ્યું કે- વિકારનો સ્વામી પુદ્ગલ છે, વળી ત્યાં ૭પ-૭૬ ગાથામાં કહ્યું કે- અંતરંગમાં જે રાગદ્વેષના ભાવ થાય છે તે પુદ્ગલ છે. કર્મ- નોકર્મ જે બહિરંગ છે તે તો પુદ્ગલ છે જ, પણ અંદરમાં નિમિત્તના અવલંબને જે દયા, દાન આદિના ભાવ થાય તેય પુદ્ગલ છે. લ્યો, આવી વાત! એ તો રાગાદિ ભાવમાં ચૈતન્યસ્વભાવનો અભાવ છે તો તેમને જડ કહ્યા, અને જડનો સ્વામી જડ જ હોય માટે તેને પુદ્ગલ કહ્યા. સમજાણું કાંઈ...?
જ્યારે પ્રવચનસાર, નય-અધિકારમાં એમ વાત છે કે-શુદ્ધ અને અશુદ્ધ પરિણામનો અધિષ્ઠાતા આત્મા છે. વળી અહીં પણ એ જ કહ્યું કે- જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ છે. અહીં તો વર્તમાન વર્તતી પર્યાય કહેવી છે ને! ભાઈ! કયાં કઈ અપેક્ષાએ વાત છે તે બરાબર સમજવું જોઈએ. દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ પુણ્ય-પાપ આદિ વિકારનો સ્વામી પુદ્ગલ છે, જ્યારે પર્યાયથી જુએ તો પુણ્ય-પાપ આદિ વિકારનો તેની પર્યાયમાં સદ્ભાવ છે, તેથી પર્યાય અપેક્ષા આત્મા જ પુણ્ય-પાપ છે. જો વિકારી પર્યાયને કાઢી નાખો તો અનંતી વિકારી પર્યાયોનો અભાવ થતાં આખો ત્રિકાળ ગુણ સિદ્ધ નહિ થાય, અને તો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ એવો આત્મા જ સિદ્ધ નહિ થાય. જે અશુદ્ધ પર્યાયો ગઈ તે ડૂબકી મારીને અંદર
PDF/HTML Page 3646 of 4199
single page version
પારિણામિક ભાવે યોગ્યતારૂપે વિલીન થઈ છે, જે ભવિષ્યમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયો થવાની છે તે અંદર યોગ્યતાપણે રહેલી છે. આવી જેમ છે તેમ વસ્તુ યથાર્થ સમજવી પડશે ભાઈ!
અહાહા...! ભગવાન! આ તારી લીલા તો જો ભાઈ! કોઈ લોકો ઈશ્વરની લીલા કહે છે તે નહિ, આ તો તારી લીલા પ્રભુ! અનાદિ વિકારમાં રહ્યો તેય તું, અને નિર્વિકારમાં આવ્યો તેય તું! અદ્ભુત ચમત્કારી વસ્તુ બાપુ! એની કેવળદર્શનની એક સમયની પર્યાય આખા લોકાલોકના પદાર્થોને આ જીવ કે અજીવ એમ ભેદ પાડયા વિના સામાન્ય અવલોકે, જ્યારે તે જ સમયે પ્રગટ કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકના પ્રત્યેક પદાર્થને ભિન્ન-ભિન્ન-ભિન્ન કરીને જાણે. વળી પ્રત્યેક સમય કેવળજ્ઞાનની પર્યાય અનંતકાળ પર્યંત થયા કરે તોય દ્રવ્ય તો એવું ને એવું રહે, કાંઈ વધઘટ વિનાનું. અહો! દ્રવ્યનો ચૈતન્ય-ચમત્કારી સ્વભાવ કોઈ પરમ અદ્ભુત છે.
અહો! આવો જ જ્ઞાનસ્વભાવ છે સ્વભાવમાં તર્ક શું? સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન અદ્ભુત અલૌક્કિ્ છે. તેનો પાર સમ્યગ્જ્ઞાન જ પામી શકે. કેવળજ્ઞાનની પર્યાયમાં અનંતા અવિભાગ પ્રતિચ્છેદ છે. અનંતા કેવળીને તે એક સમયમાં જાણે છે. શ્રુતજ્ઞાનની પર્યાય પણ એવડી જ છે, પ્રત્યક્ષ-પરોક્ષનો ફેર છે. અહાહા...! જે પર્યાયમાં અનંત દ્રવ્ય-ગુણ- પર્યાય પ્રત્યક્ષ જણાય તે પર્યાયનું સ્વરૂપ જેટલું છે તેટલું જ બીજે સમયે, ત્રીજે સમયે- એમ અનંતકાળ પર્યંત રહે છે. અહો! આવો કોઈ ચૈતન્યવસ્તુનો અદ્ભુત-અદ્ભુત સ્વભાવ છે. સમયસાર, કળશ ૨૭૩ માં આવે છે કે- આત્માનો સહજ અદ્ભુત વૈભવ છે. ષટ્ગુણહાનિવૃદ્ધિ કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. જે સમયે અનંત-ગુણવૃદ્ધિ તે જ સમયે અનંતગુણહાનિ થાય છે, કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ જણાય છે.
બેનશ્રીના વચનામૃતમાં આવ્યું છે કે- આત્માના સ્વભાવમાં ઉણપ, અશુદ્ધિ કે આવરણ નથી. આ તો ત્રિકાળી સ્વભાવની વાત છે. પણ પર્યાય અપેક્ષાથી જોતાં પર્યાયમાં (સંસારીને) ભાવ આવરણ છે. પ્રવચનસારની ૧૬ મી ગાથામાં દ્રવ્ય-ભાવ ઘાતિકર્મની વાત છે. જડ કર્મ તે દ્રવ્ય ઘાતિકર્મ છે અને પોતાની પર્યાયમાં વિકાર થવાની યોગ્યતા તે ભાવ ઘાતિકર્મ છે.
અહીં સિદ્ધ કરવું છે કે- જ્ઞાન નામ આત્મા જ પુણ્ય-પાપ છે; કેમકે ત્રિકાળી જે અંશી તેના અંશમાં આ ભાવો ઉત્પન્ન થાય છે. ત્રિકાળી દ્રવ્ય તે એનું સામાન્ય સ્વરૂપ છે, અને નિર્મળ અને મલિન પર્યાયો તે એનું વિશેષ સ્વરૂપ છે. સામાન્ય અને વિશેષ બન્ને થઈને આખી વસ્તુ છે. તેનો એક અંશ (-પર્યાય) કાઢી નાખો તો વસ્તુ જ આખી સિદ્ધ ન થાય. અહીં દ્રવ્ય-પર્યાય બન્ને જીવનું સ્વરૂપ છે એમ સિદ્ધ કરવું છે. તેથી કહ્યું કે - આત્મા જ સંયમ છે, આત્મા જ પુણ્ય-પાપ છે. આવી વાત! સમજાણું કાંઈ...? હવે કહે છે-
PDF/HTML Page 3647 of 4199
single page version
‘જ્ઞાન જ પ્રવજ્યા (દીક્ષા, નિશ્ચય ચારિત્ર) છે- એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો- અનુભવવો).’
અહાહા...! કહે છે-જ્ઞાન જ પ્રવજ્યા-દીક્ષા છે. લ્યો, આ લુગડાં કાઢી નાખ્યાં ને પાંચ મહાવ્રત બહારમાં પાળ્યાં એટલે દીક્ષા થઈ ગઈ એમ નહિ. બહુ આકરી વાત બાપા! આ સંસારી પ્રાણીઓ વિષય-કષાયની પ્રવૃત્તિમાં રોકાયેલા રહે એ તો એકલું પાપ છે. ઘણો કાળ તો એનો એમાં જ જતો રહે છે. અહીં વિશેષ વાત એમ છે કે-કોઈ દિગંબર દશા ધારે અને દયા, દાન, વ્રતાદિ પાળે એટલે એને દીક્ષા-ચારિત્ર થઈ ગયાં એમ નહિ. દયા, દાન આદિ રાગના પરિણામ તો પરસમય છે ભાઈ! તેનું લક્ષ છોડી અંદર સ્વસમયમાં આવ ભાઈ! એમ અહીં કહેવું છે. અહાહા...! આત્મા જ પ્રવજ્યા છે; અર્થાત્ આત્માને છોડી કોઈ પ્રવજ્યાનું-ચારિત્રનું સ્વરૂપ જ નથી. દયા, દાન, વ્રતાદિનો રાગ એ પ્રવજ્યાનું સ્વરૂપ જ નથી. આવી વાત!
વાદિરાજ મહા મુનિવર હતા. બહાર શરીરમાં કોઢનો રોગ થયેલો; પણ અંદર ત્રણ કષાયના અભાવવાળી વીતરાગ દશામાં ઝ્રુલતા હતા. સમ્યગ્દર્શન ઉપરાંત સ્વરૂપના આનંદની રમઝટ અંદર ચાલતી હતી. તેઓ સ્તુતિમાં કહે છે- હે પ્રભો! હું ભૂતકાળના દુઃખોને યાદ કરું છું તો આયુધના ઘા પડે એમ અંદર ઘા વાગે છે. જુઓ, આ મુનિરાજને અંદર વિકલ્પ ઉઠયો છે તે આયુધના ઘા જેવો આતાપકારી છે. અહા! મિથ્યાદ્રષ્ટિને સંકલેશ ભાવથી થતા દુઃખની તો શું વાત કહેવી? એ તો પારાવાર અકથ્ય છે. અહીં તો ધર્માત્મા ચારિત્રવંત મુનિવરને આ શુભ વિકલ્પ ઉઠયો છે એય, કહે છે, શસ્ત્રના ઘા જેવો ભારે પીડાકારી છે. ભાઈ! રાગનું સ્વરૂપ જ દુઃખ છે. પંચ પરમેષ્ઠીમાં ભળેલા સંત- મુનિવરનો આ પોકાર છે.
અહીં કહે છે- આત્મા જ પ્રવજ્યા નામ ચારિત્ર છે. પંચમહાવ્રતનું પાલન તે ચારિત્ર એમ નહિ. ભાઈ! આ કોઈના અનાદર માટે વાત નથી. આત્મા અંદર આનંદ- સ્વરૂપ પ્રભુ છે તેનો અનાદર કોણ કરે? આ તો માર્ગ આવો છે ભાઈ! પંચમહાવ્રતના પરિણામને જ ચારિત્ર માની એમાં તું સંતુષ્ટ થાય એમાં ભારે નુકશાન છે ભાઈ! કેમકે નિર્મળાનંદ પ્રભુ આત્મા પોતે જ ચારિત્ર છે. આત્મા ચૈતન્યઘન પ્રભુ પોતે જ પ્રવજ્યા છે. સ્વસ્વરૂપમાં અંતર્લીન થયેલી દશા ચારિત્ર છે, અને તે પોતે જ છેઃ તેમાં રાગનું આલંબન કયા છે?
આમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે, કહે છે, અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો. અહીં જ્ઞાન શબ્દે આત્મા સમજવું. મલિન અને નિર્મળ પર્યાયો સાથે આત્માને જુદાઈ નથી, અભિન્નતા છે એમ નિશ્ચયથી સિદ્ધ થયેલું જાણવું. પર્યાયમાં જે શુદ્ધતા-અશુદ્ધતા છે તે આત્મા જ છે એમ નિશ્ચય જાણવું. હવે કહે છે-
PDF/HTML Page 3648 of 4199
single page version
‘હવે, એ પ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને સર્વ દર્શનાદિ જીવસ્વભાવો સાથે અવ્યતિરેક વડે અતિવ્યાપ્તિને અને અવ્યાપ્તિને દૂર કરતું થકું, અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ-અધર્મરૂપ (પુણ્ય-પાપરૂપ, શુભ-અશુભરૂપ) પરસમયને દૂર કરીને, પોતે જ પ્રવજ્યારૂપ પામીને (અર્થાત્ પોતે જ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષાપણાને પામીને), દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધજ્ઞાન એક અવસ્થિત (-નિશ્ચળ રહેલું) દેખવું (અર્થાત્ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું).’
અહાહા...! શું કહ્યું? કે સર્વ પરદ્રવ્યો સાથે જ્ઞાનને વ્યતિરેક અર્થાત્ જુદાઈ છે. આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, આઠ કર્મ અને દેવ, ગુરુ, શાસ્ત્ર ઈત્યાદિ પર પદાર્થોથી જ્ઞાનને જુદાઈ છે, પૃથકતા છે; તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ જીવસ્વભાવો- નિજસ્વભાવો સાથે અવ્યતિરેક નામ અભિન્નતા છે, એકપણું છે. આ રીતે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિને દૂર કરતું શુદ્ધ એક પરમાર્થરૂપ જ્ઞાન, કહે છે, નિશ્ચળ રહેલું દેખવું, અર્થાત્ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું. શું કરીને? તો કહે છે-
‘અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ-અધર્મરૂપ-પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને, પોતે જ પ્રવજ્યારૂપ પામીને....’
અહાહા...! પુણ્ય-પાપના ભાવ પોતાની-જીવની પર્યાયમાં થાય છે તેથી તેને આત્મા કહ્યો છે, પણ તે ભાવ સ્વસ્વરૂપના ભાન વિના પરમાં હું પણાના અનાદિ વિભ્રમથી ઉત્પન્ન થયા છે. જેમ શરીર, મન, વાણી, મકાન, પૈસા અત્યંત પૃથક્ છે તેમ પુણ્ય-પાપના ભાવ પૃથક્ છે એમ નહિ, તેઓ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, તથાપિ તેની ઉત્પત્તિનું મૂળ આત્મા નથી પણ અનાદિ વિભ્રમ છે અને તેથી તેઓ પરસમય છે. સમજાણું કાંઈ...? ઝીણી વાત બાપા!
ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનસ્વભાવથી ભરેલો દરિયો-સાગર છે. તેમાં એકાગ્ર થઈ પરિણમવાથી મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. કારણાંતરથી અર્થાત્ દયા, દાન આદિના શુભ વિકલ્પથી મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય એમ વસ્તુનું સ્વરૂપ નથી. અહીં કારણાંતરનો નિષેધ કરીને પ્રવજ્યા સિદ્ધ કરવી છે. આ શુભ કે અશુભ ભાવ થાય તે પ્રવજ્યા નથી. ભલે શુભાશુભ ભાવ પોતાની પર્યાયમાં થાય છે, પણ તેનું મૂળ શુદ્ધ ચૈતન્યમય આત્મા નથી, તેનું મૂળ અનાદિ વિભ્રમ છે.
સ્વસ્વરૂપમાં રમણતારૂપ વીતરાગી દશા થાય તે પ્રવજ્યા નામ નિશ્ચય ચારિત્ર છે, અને તે ધર્મ છે; અને ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તેમ, અહીં કહે છે, પુણ્ય-પાપરૂપ ભાવનું મૂળ વિભ્રમ નામ પરમાં હુંપણાની મિથ્યા ભ્રમણા છે. અહાહા...! ‘दंसण मूलो
PDF/HTML Page 3649 of 4199
single page version
धम्मो’ –જેમ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ પુણ્ય-પાપરૂપ વિકારી ભાવોનું મૂળ અનાદિ વિભ્રમ છે, મિથ્યાદર્શન છે. અરે ભાઈ! અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે, પણ વિકાર ઉત્પન્ન કરે, પુણ્ય-પાપને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ એમાં નથી પુણ્ય-પાપની ઉત્પત્તિનું મૂળ અનાદિ વિભ્રમ છે. તેથી પુણ્ય-પાપના ભાવ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થવા છતાં પરસમય છે. આવી બહુ ઝીણી વાત છે ભાઈ!
તો સમ્યગ્દ્રષ્ટિ-ધર્મીને શુભાશુભ ભાવ થતા જોઈએ છીએ ને? સમ્યગ્દર્શન થયા પછી જે શુભાશુભ ભાવ થાય તે વિભ્રમજનિત નથી, અસ્થિરતા જન્ય છે, અને તે તો ધર્મીને જ્ઞાનના જ્ઞેય પણે છે, તેમાં તેને સ્વામિત્વ નથી. ધર્માત્માને એક શુદ્ધોપયોગની જ ભાવના છે, તેને શુભાશુભમાં રસ નથી. બેનશ્રીના વચનામૃતમાં આવે છે ને કે- અરે! આ શુભભાવ તે અમારો દેશ નહિ, આ પરદેશમાં અમે કયાં આવી ચડયા? શુભાશુભ ભાવ તે અમારો પરિવાર નહિ ઈત્યાદિ.
ભગવાન આત્મા નિત્ય જ્ઞાનાનંદ પ્રભુ સદા ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ સ્વભાવે અંતરંગમાં વિરાજે છે. તેની દ્રષ્ટિ વિના અનાદિથી એને પરમાં પોતાપણાનો વિભ્રમ છે અને તે વડે તેને નિરંતર સંસાર-પરિભ્રમણનું કારણ એવા પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન થયા જ કરે છે, તેથી કહે છે- ભાઈ! આ પુણ્ય-પાપના ભાવ અનાત્મા છે, પરસમય છે. અહો! આચાર્યદેવની ગજબ શૈલી છે.
આત્મા જેવો અને જેવડો છે તેવો અને તેવડો પર્યાયમાં પ્રાપ્ત થાય તેનું નામ મોક્ષ છે, અને મોક્ષનું કારણ વીતરાગીદશારૂપ નિર્મળ ચારિત્ર છે. આ ચારિત્ર કેમ પ્રગટે? તો કહે છે - અનાદિ વિભ્રમ જેનું મૂળ છે તેવા પુણ્ય-પાપભાવરૂપ પરસમયને દુર કરીને પોતે જ પ્રવજ્યારૂપ નિશ્ચયચારિત્રને પ્રાપ્ત થાય છે. અહાહા...! જોયું? શુભ ભાવ પણ કારણ નહિ, ને કોઈ નિમિત્ત (દેવાદિ) પણ કારણ નહિ; કહે છે- પોતે જ પ્રવજ્યારૂપ નિશ્ચયચારિત્રને પ્રાપ્ત થાય છે, અહાહા...! નિજ જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપમાં રમણતા-લીનતા વડે પોતે જ પુણ્ય-પાપને દુર કરીને નિર્મળ ચારિત્રભાવને પામે છે.
હવે આવી વાત બાપના (ભગવાન અરિહંતના) ચોપડા તપાસે તો ખબર પડે ને! દુકાનના ચોપડા રોજ તપાસે. એમ કે “પાનું ફરે ને સોનું ઝરે.” પણ ભાઈ! ત્યાં તો પૈસાની મમતામાં એકલું પાપ જ ઝરે (-મળે) છે. જ્યારે અહીં તો એકલું અમૃત- પરમામૃત ઝરે છે. અહાહા...! ભગવાન સર્વજ્ઞદેવની વાણીમાંથી ઝરેલું જન્મ-મરણના રોગને મટાડનારું આ પરમામૃત છે. આવે છે ને કે-
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.
PDF/HTML Page 3650 of 4199
single page version
અહીં કહે છે- તને પુણ્ય-પાપના ભાવ થાય તેનું મૂળ અનાદિ વિભ્રમ છે, મિથ્યા ભ્રમણા છે. તેનાથી રહિત થઈને તું સ્વસ્વરૂપમાં રમણતા-લીનતા કરીને પરિણમે તે પ્રવજ્યા છે, તે ચારિત્ર છે, ધર્મ છે.
જરીક ફરીથી- શરીર, મન, વાણી, આઠ કરમ ઈત્યાદિ પરદ્રવ્યથી આત્માને વ્યતિરેક એટલે ભિન્નતા છે, અને દર્શન આદિ જીવસ્વભાવોથી અવ્યતિરેક અર્થાત્ અભિન્નતા છે. અહીં દયા, દાન વગેરે પુણ્ય-પાપના ભાવને જીવસ્વભાવ કહ્યા છે કેમકે તે જીવની પર્યાયનો સ્વભાવ છે. તેની સાથે જીવને અવ્યતિરેક એટલે અભિન્નપણું છે. તે ભાવો જો પરમાં પણ હોય તો અતિવ્યાપ્તિ દોષ આવે, અને તે ભાવો જો પોતામાં (-અવસ્થામાં) ન હોય તો અવ્યાપ્તિ દોષ આવે. પણ તેઓ પરદ્રવ્યમાં નથી તેથી અતિવ્યાપ્તિ નથી અને પોતાની અવસ્થામાં છે માટે અવ્યાપ્તિ નથી આ પ્રમાણે શુભાશુભ ભાવ આત્માની પર્યાયમાં છે માટે આત્મા છે એમ પહેલાં સિદ્ધ કર્યું.
દ્રવ્યદ્રષ્ટિના વિષયની અપેક્ષાએ વાત હોય ત્યારે પુણ્ય-પાપના પરિણામ પુદ્ગલના પરિણામ છે એમ કહે, પણ તેથી કોઈ એકાન્તે એમ માની લે કે તેઓ જીવની પર્યાયમાં થયા નથી તો તે બરાબર નથી. દ્રવ્યદ્રષ્ટિની અપેક્ષાએ તેઓ જડ-અજીવ છે એમ કહીને પુદ્ગલ તેમનું સ્વામી છે એમ કહ્યું તો પર્યાયની અપેક્ષા તે જીવની પર્યાયમાં વ્યાપેલા છે માટે જીવ છે એમ કહ્યું-આમ અનેકાન્ત છે. પણ અપેક્ષા સમજ્યા વિના જ એકાન્તે કોઈ તેને પુદ્ગલના માને તો તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે.
હવે કહે છે- તે પુણ્ય-પાપના ભાવનું મૂળ શુદ્ધ ચૈતન્યમય આત્મા નથી પણ અનાદિ વિભ્રમ છે, મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે શું? કે પરમાં હુંપણાની જૂઠી કલ્પના- માન્યતા, જૂઠો ભાવ. શરીર હું છું, રાગ હું છું એવી જૂઠી માન્યતા તે મિથ્યાત્વ છે અને તે પુણ્ય-પાપના ભાવનું મૂળ છે. પુણ્ય-પાપના ભાવનું મૂળ મિથ્યાત્વ છે અને તેનું ફળ ચતુર્ગતિ-પરિભ્રમણરૂપ સંસાર છે. તેથી કહ્યું કે તે ભાવો પરસમય છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?
પૂર્ણાનંદનો નાથ જ્ઞાનાનંદસ્વરૂપ પોતે છે તેની સન્મુખ થઈ તેની પ્રતીતિ કરવી, અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે. તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ ભેગો હોય જ છે. સમ્યગ્દર્શનની સાથે આનંદનો અંશ, શાન્તિનો અંશ, ચારિત્રનો અંશ-એમ અનંત ગુણનો અંશ પ્રગટ હોય જ છે. સર્વ ગુણાંશ તે સમકિત. અહા! આવું સમ્યગ્દર્શન તે ધર્મનું પહેલું પગથિયું છે, ધર્મનું મૂળ છે. આ (-સમ્યગ્દર્શન) સિવાય પંચપરમેષ્ઠીની ભક્તિ, શાસ્ત્રનું અધ્યયન કે પંચમહાવ્રતનું પાલન-એ બધું
PDF/HTML Page 3651 of 4199
single page version
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો,
આ તો મારગડા જુદા છે બાપા! હજારો રાણી અને રાજપાટ છોડીને પંચમહાવ્રતના પરિણામમાં જોડાય તોય વિભ્રમવશ તે દુઃખને જ વેદે છે. ઓહો! અનંતગુણધામ નિત્યાનંદ પ્રભુ પોતે છે તેનો અંતર-અનુભવ કરવાનું છોડી જે શુભાશુભને જ ઉત્પન્ન કરે છે તે દુઃખને જ વેદે છે. સમજાણું કાંઈ...?
ચારિત્ર તો બાપુ! પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને પ્રગટ થાય છે. (પુણ્ય- પાપને) દૂર કરવામાં બે પ્રકાર સમજવા;
૧. શુભાશુભ ભાવની ઉત્પત્તિનું મૂળ જે મિથ્યાત્વ તેને દૂર કરે છે, અને ૨. શુભાશુભ ભાવને પણ યથા સંભવ દૂર કરે છે. લ્યો, આમ શુભાશુભ ભાવને દૂર કરે છે ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે. હવે આમ છે ત્યાં શુભ કરતાં કરતાં ચારિત્ર થાય એ વાત ક્યાં રહી? ભાઈ! આ તો મારગ જ વીતરાગનો જુદો છે બાપુ!
અરે! આ જગતની મોહજાળ એને મારી નાખે છે. તેમાંથી કદાચ નીકળી જાય તો શુભભાવની મોહજાળમાં ફસાઈ જાય છે. અહીં કહે છે- શુભાશુભની મોહજાળને દૂર કરીને પોતે જ પ્રવજ્યારૂપ પામીને, દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધ જ્ઞાન એક અવસ્થિત દેખવું.
પહેલાં કહ્યું કે - પુણ્ય-પાપના ભાવ થાય તે પર્યાય આત્માની છે માટે તે આત્મા છે. પણ તેનું મૂળ વિભ્રમ છે ને તેનું ફળ સંસાર છે. તેથી હવે કહે છે- તેને દૂર કરીને સ્વસ્વરૂપમાં રમણતા થાય તે ધર્મ છે, ચારિત્ર છે. છઠ્ઠે જરી વિકલ્પ છે તે ગૌણ છે, અહીં મુખ્ય તો સાતમાની વાત છે. દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરે તેનું નામ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષા છે. જોયું? સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિ થવી તે સ્વસમય ને શુભાશુભ ભાવ થાય તે પરસમય.
પ્રશ્નઃ– દર્શન-જ્ઞાન-ચારિત્રમય તો બધાય જીવો છે? ઉત્તરઃ– અહીં એ વાત નથી; અહીં તો પર્યાયની વાત છે. દ્રવ્યસ્વભાવે તો
PDF/HTML Page 3652 of 4199
single page version
બધાય જીવો વીતરાગસ્વરૂપ ભગવાન છે. અભવિ જીવ પણ સ્વભાવથી તો જિનસ્વરૂપ છે. પણ તેથી શું? અહીં તો દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવમાં સ્થિતિ કરીને (પર્યાયપણે) સ્વસમય થાય એની વાત છે. દ્રવ્યરૂપ સ્વસમય છે તે પર્યાયરૂપ સ્વસમય થાય એની વાત છે. જેવું સ્વરૂપ છે તેવું દ્રવે-પ્રવહે છે. સ્વસ્વરૂપની સન્મુખ થઈ જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનનું જ્ઞાન અને જ્ઞાનની રમણતાપૂર્વક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરે છે એમ વાત છે. આવો અલૌકિક મારગ છે ભાઈ!
ભાઈ! આ સમજવાનો અવસર છે હોં. જુઓને, આ પચીસ વર્ષનો ફુટડો જુવાન હોય ને ઘડીકમાં ફૂ થઈ જાય છે. ખબર ન મળે બધા સંજોગ ક્યાં ગયા? દેહ તો છૂટવાના કાળે છૂટી જ જાય; તેને કોણ રોકે? તો પહેલેથી જ તેની મમતા છોડી દે ને; દેહબુદ્ધિ છોડી દે ને. દેહબુદ્ધિ છૂટતાં પુણ્ય-પાપના ભાવ મટી જશે.
અહીં કહે છે- પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિ કરવી તે મોક્ષમાર્ગ છે. મુનિરાજને જે વ્યવહારનો વિકલ્પ ઉઠે તે મોક્ષમાર્ગ નથી. એ તો એને રાગ-બોજો છે. એને છોડીને સ્વરૂપમાં રમણતા કરે તે મોક્ષમાર્ગ છે. મુનિરાજ નિર્મળ રત્નત્રયની પરિણતિરૂપ મોક્ષમાર્ગને પોતામાં જ પરિણમાવીને સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કરી લે છે. જુઓ, આ મોક્ષમાર્ગનું ફળ! સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવની પ્રાપ્તિ અર્થાત્ કેવળજ્ઞાન તે મોક્ષમાર્ગનું ફળ છે. હવે તે ત્યાગ- ગ્રહણથી રહિત થયો છે. સ્વસ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ એ પણ હવે ત્યાં રહ્યું નથી. તે સાક્ષાત્ સમયસારભૂત છે. વસ્તુ દ્રવ્ય છે તે તો સમયસાર છે અને હવે તે પર્યાયમાં સાક્ષાત્ પ્રગટ સમયસાર છે. સમયસાર નાટકમાં આવે છે ને કે-
નિજ નિજ કલા ઉદોત કરિ, મુક્ત હોઈ સંસાર.
દ્રવ્યસ્વભાવ તો અંતરંગમાં જિનસ્વરૂપ છે; રાગની એકતા તોડીને સ્વરૂપમાં રમણતા કરતાં તે પ્રગટ થાય છે. આ જ મારગ છે ભાઈ! કોઈ ક્રિયાકાંડનો આડંબર કે લેબાસ મારગ નથી.
પ્રશ્નઃ– હા, પણ દર્શન શુદ્ધિ તો સાવ સહેલી છે; ભગવાનનાં દર્શન, પૂજા કરીએ એટલે દર્શનશુદ્ધિ થઈ જાય.
ઉત્તરઃ– દર્શનશુદ્ધિ શું ચીજ છે બાપુ! તને ખબર નથી. જેમાં આત્માના અંતરંગ સ્વરૂપની ઓળખાણ-પહેચાન થતાં અનંતગુણોની અંશે વ્યક્તતા થઈ નિરાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રત્યક્ષ આવે તેનું નામ દર્શનશુદ્ધિ છે. શુદ્ધિવંત-દ્રષ્ટિવંત પુરુષો ભગવાનનાં દર્શન આદિ રોજ નિયમથી કરે એ જુદી વાત છે. પણ એ કાંઈ દર્શનશુદ્ધિ નથી. જેમાં મોક્ષસુખનો નમુનો અંશે અનુભવાય અને હું પૂરણ
PDF/HTML Page 3653 of 4199
single page version
અહીં કહે છે- નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવ પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધજ્ઞાન એક અવસ્થિત-નિશ્ચલ રહેલું દેખવું. દેખવું નામ પ્રત્ય ક્ષ અનુભવવું. પૂર્ણ વિજ્ઞાનઘનદશા પ્રાપ્ત થઈ તેને પ્રત્યક્ષ અનુભવવું તેનું નામ મોક્ષ. દેખવું એટલે જાણવું અને અનુભવવું. ત્રણકાળ ત્રણલોકને જાણે માટે કેવળજ્ઞાન એમ નહિ, પણ પૂરણ દશાને સંપૂર્ણ પ્રત્યક્ષ વેદે-અનુભવે એનું નામ કેવળજ્ઞાન છે.
‘અહીં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાના પર્યાયોથી અભિન્ન બતાવ્યું, તેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામના જે લક્ષણના દોષો તે દૂર થયા.’
અહીં જ્ઞાન એટલે આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાની પર્યાયોથી અભિન્ન છે. મતલબ કે પુણ્ય-પાપના ભાવ પોતાની પર્યાય છે એમ પહેલાં સિદ્ધ કરવું છે. જુઓ, પોતામાં વ્યાપે અને બીજામાં પણ વ્યાપે તો અતિવ્યાપ્તિ દોષ કહેવાય. જેમકે- અરૂપીપણું જીવનું લક્ષણ કહીએ તો તેમાં અતિવ્યાપ્તિ દોષ આવે, કેમકે અરૂપીપણું જેમ જીવમાં છે તેમ ધર્મ-અધર્મ આદિ બીજા દ્રવ્યોમાં પણ છે. માટે અરૂપીપણું એ જીવનું વાસ્તવિક લક્ષણ નથી. વળી કેવળજ્ઞાન જીવનું લક્ષણ કહીએ તો તેમાં અવ્યાપ્તિ દોષ આવે, કેમકે કેવળજ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી. જે લક્ષણ લક્ષ્યના એક ભાગમાં વ્યાપે તેને અવ્યાપ્તિ દોષ કહે છે. કેવળજ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી, માટે કેવળજ્ઞાન જીવનું લક્ષણ ઘટતું નથી. અહીં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન બતાવ્યું એટલે અતિવ્યાપ્તિ દોષ દૂર થયો અને જ્ઞાનને પોતાની પર્યાયોથી અભિન્ન બતાવ્યું તેથી અવ્યાપ્તિ દોષ દૂર થયો. એજ કહે છે-
‘આત્માનું લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે; તે (-જ્ઞાન) અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે અતિવ્યાપ્તિવાળું નથી, અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે તેથી અવ્યાપ્તિવાળું નથી. આ રીતે જ્ઞાનલક્ષણ કહેવાથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો આવતા નથી.’
આત્માનું લક્ષણ ઉપયોગ છે. તે લક્ષણથી લક્ષ્ય આત્મા જાણી શકાય છે. જુઓ, વ્યવહાર રત્નત્રયના રાગથી જાણી શકાય એવો ભગવાન આત્મા નથી; એ તો જ્ઞાનલક્ષણ વડે જ જણાય છે. અહીં ઉપયોગમાં જ્ઞાનની મુખ્યતા લીધી છે. દર્શનની અહીં વાત કરી નથી. કહે છે-જ્ઞાન અન્ય અચેતન દ્રવ્યમાં નથી. શરીર, મન, વાણી આદિમાં
PDF/HTML Page 3654 of 4199
single page version
જ્ઞાન નથી. તેમ દેવ-ગુરુ આદિમાં પણ આ (-પોતાનું) જ્ઞાન નથી. તેથી તેમાં (જ્ઞાનલક્ષણમાં) અતિવ્યાપ્તિ દોષ આવતો નથી. વળી જ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપેલું છે. જીવની કોઈ અવસ્થા જ્ઞાન-ઉપયોગ વિના હોતી નથી. તેથી તેમાં અવ્યાપ્તિ દોષ પણ આવતો નથી. આ પ્રમાણે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષોથી રહિત જીવનું જ્ઞાનલક્ષણ યથાર્થ છે.
લોકો બિચારા વેપાર-ધંધામાં ગરી ગયા હોય ત્યાં ધંધાની ધમાલ આડે તેમને આ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ ને એ બધું સમજવાની ફુરસદ-નવરાશ કયાંથી મળે? પણ ભાઈ! આ તો ખાસ નવરાશ લઈને સમજવાની ચીજ છે હોં.
પણ આપ કહો તો વ્રત-પચખાણ લઈ લઈએ. પણ એ તો કાંઈ આપ કહેતા નથી?
વ્રત? કોને કહીએ વ્રત? અહાહા...! સચ્ચિદાનંદસ્વરૂપ જ્ઞાનાનંદસ્વરૂપ ત્રિકાળ પોતે છે તેનું ભાન થઈ તેમાં જ રમણતા કરે, નિજાનંદસ્વરૂપમાં જ વિંટાઈને લીન થઈ જાય તેનું નામ વ્રત-નિશ્ચયવ્રત છે. વ્રત કહો કે પચખાણ કહો, બધું આત્મા જ છે ભાઈ! આ સિવાય વ્યવહારના વિકલ્પ બધો રાગ છે, દુઃખ છે, નિશ્ચયે વ્રત નથી. આવી વાત! સમજાણું કાંઈ...? હવે કહે છે-
‘અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અનુભવગોચર થાય છે. જો કે આત્મામાં અનંત ધર્મો છે, તોપણ તેમાંના કેટલાક તો છદ્મસ્થને અનુભવગોચર જ નથી; તે ધર્મોને કહેવાથી છદ્મસ્થ જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે? વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે, પરંતુ તેમાંના કેટલાક તો- અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તો-અન્ય દ્રવ્યો સાથે સાધારણ અર્થાત્ સમાન છે માટે તેમને કહેવાથી જુદો આત્મા જાણી શકાય નહિ, અને કેટલાક (ધર્મો) પરદ્રવ્યોના નિમિત્તથી થયેલા છે તેમને કહેવાથી પરમાર્થભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાનને કહેવાથી જ છદ્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે.’
જુઓ, એમ તો આત્મામાં અનંત ધર્મો છે, પણ જ્ઞાનલક્ષણે જ આત્મા અનુભવ- ગોચર થાય છે. અહીં પં. શ્રી જયચંદજીએ ત્રણ વાત કીધી છે.
૧. આત્મામાં કેટલાક ધર્મો તો છદ્મસ્થને અનુભવગોચર જ નથી. હવે જે અનુભવમાં-સમજમાં જ આવતા નથી તેને લક્ષણ કહીએ તો તે વડે આત્મા કઈ રીતે ઓળખી શકાય? તે વડે છદ્મસ્થ અલ્પજ્ઞાની આત્માને-પોતાને કેવી રીતે ઓળખે? ન જ ઓળખે.
PDF/HTML Page 3655 of 4199
single page version
૨. વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે, પણ સર્વ-સામાન્ય છે. શું કીધું? અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનેક ધર્મો અન્યદ્રવ્યો સાથે સાધારણ અર્થાત્ સમાન છે. હવે આ ધર્મો વડે અન્યદ્રવ્યોથી ભિન્ન એવો આત્મા કેમ જાણી શકાય? ન જાણી શકાય.
૩. કેટલાક ધર્મો પરદ્રવ્યના નિમિત્તથી થયેલા છે. પુણ્ય-પાપ આદિ વિભાવો પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. ખરેખર એ તો ઔપાધિક ભાવો છે. હવે તેમને કહેવાથી અંતરંગ શુદ્ધ આત્મસ્વરૂપ કેવી રીતે જણાય? ન જણાય.
માટે આ નિશ્ચિત થયું કે જ્ઞાન કહેવાથી જ છદ્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે, કેમકે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ હોવાથી નિર્દોષ, નિર્બાધ લક્ષણ છે. માટે આત્માના અધિકારમાં જ્ઞાન જ પ્રધાન છે.
‘અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે એટલું જ નહિ, પણ જ્ઞાનને જ આત્મા કહ્યો છે; કારણ કે અભેદવિવક્ષામાં ગુણગુણી અભેદ હોવાથી, જ્ઞાન છે તે જ આત્મા છે. અભેદવિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો-કાંઈ વિરોધ નથી; માટે અહીં જ્ઞાન કહેવાથી આત્મા જ સમજવો,’
આત્મા વસ્તુ છે તે દેહથી ભિન્ન, કર્મથી ભિન્ન અને અંદર થતા પુણ્ય-પાપ આદિ વિભાવોથી ભિન્ન છે. હિંસાના ભાવ કે દયાના ભાવ- એ બન્નેથી વસ્તુ-આત્મા ભિન્ન છે. હવે જેનાથી ભિન્ન છે તે દેહાદિથી કે રાગથી આત્મા કેમ જણાય? અહાહા...! જાણન... જાણન.... જાણનસ્વભાવ એવી જે ચેતના તે લક્ષણથી જ આત્મા જણાય છે, અનુભવાય છે. અહાહા...! જ્ઞાનની દશાને અંતરમાં ઝુકાવવાથી તે ક્ષણે જ સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે. ભાઈ! આ જ રીત છે, બીજો કોઈ ઉપાય નથી. વચ્ચે ક્રિયાકાંડ આવે ખરા, પણ એ તો રાગ છે, એ કાંઈ ઉપાય નથી; એનાથી સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થતાં નથી. આવી વાત! સમજાણું કાંઈ...?
અહાહા...! જ્ઞાનની દશા જ્યાં અંતર્મુખ વળી તે જ ક્ષણે આ જાણનસ્વભાવી પ્રભુ છે તે જ હું છું- એવી પ્રતીતિ અને અનુભવ પ્રગટ થાય છે અને તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન છે અને તેની સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ ભેગો જ હોય છે. આ રીત છે. બાકી બીજું બધું તો અનંતવાર કર્યું, પણ તેથી શું? આત્મજ્ઞાન વિના પંચમહાવ્રતના પરિણામ પણ કલેશ-દુઃખરૂપ જ નીવડયા. અરે! એણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને યથાર્થપણે જાણવાની દરકાર જ કરી નથી!
ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ પોતે અંતર્મુખાકાર જ્ઞાન વડે જ જણાય છે, અનુભવાય છે. તેથી જ્ઞાનને જ આત્મા કહ્યો છે. અભેદવિવક્ષામાં જ્ઞાન ગુણ અને આત્મા ગુણી
PDF/HTML Page 3656 of 4199
single page version
એવો ગુણ-ગુણીનો ભેદ નથી. તેથી અભેદવિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો-કાંઈ વિરોધ નથી, અવિરોધ છે. જ્ઞાન તે જ આત્મા એમ કહીને જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થાય તે આત્મામાં જ એકાગ્ર થયો છે એમ કહેવું છે. વીતરાગનો મારગ બહુ ઝીણો છે ભાઈ! તે અંતર્મુખાકાર જ્ઞાન વડે જ પ્રગટ થાય છે. અહીં જ્ઞાન તે જ આત્મા-એમ કહીને ગુણ- ગુણીનું અભેદપણું સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ...? હવે કહે છે-
‘ટીકામાં છેવટે એમ કહેવામાં આવ્યું કે-જે, પોતામાં અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપયોગરૂપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, એવા સ્વસમયરૂપ પરિણમનસ્વરૂપ મોક્ષમાર્ગમાં પોતાને પરિણમાવીને, સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પામ્યું છે, અને જેમાં કાંઈ ત્યાગ-ગ્રહણ નથી, એવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ, પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું.’
જુઓ, હજાર વર્ષ પહેલાં આનંદકંદ નિજ જ્ઞાયકસ્વરૂપમાં રમનારા, પોતાના આનંદસ્વરૂપમાં ઘૂસી-લીન થઈને પ્રચુર આનંદના સંવેદનની રમતુ કરનારા મહા મુનિવર આચાર્ય અમૃતચંદ્રદેવની આ ટીકા છે. મૂળ ગાથા ભગવાન કુંદકુંદાચાર્યની છે. તેના પર આ ટીકા છે. કહે છે-શુભાશુભઉપયોગરૂપ પ્રવૃત્તિ અનાદિ અજ્ઞાનના કારણે છે. સ્વસ્વરૂપની દ્રષ્ટિ વિના અજ્ઞાનથી પુણ્ય-પાપરૂપ વિભાવોની ઉત્પત્તિ થાય છે. પુણ્ય- પાપના ભાવ તે ચૈતન્યના સ્વભાવરૂપ ભાવ નથી, વિભાવ છે અને તેથી અનાત્મા છે, પરસમય છે. સમજાણું કાંઈ...? બહું ઝીણી વાત!
અને આનંદકંદ પ્રભુ આત્મામાં મોજ માણવી, કેલિ કરવી તે ચારિત્ર છે. ‘ચારિત્તં ખલુ ધમ્મો’ કહ્યું છે ને? એ આ અંદર સ્વરૂપમાં લીન થઈ અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું તે ચારિત્ર છે, તે ધર્મ છે અને મોક્ષનું કારણ છે. આ ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે, અર્થાત્ વિના સમ્યગ્દર્શન ચારિત્ર હોઈ શકે નહિ. આ દયા, દાન, વ્રત આદિ રાગના પરિણામ એ કાંઈ ચારિત્ર છે એમ નહિ. બાપુ! આ તો મિથ્યાત્વ અને અસ્થિરતાથી રહિત અંતરંગ નિર્મળ દશાનું નામ ચારિત્ર છે. આ પૈસાવાળા ક્રોડપતિઓ છે ને બધા? એમને કહીએ છીએ કે દયા, દાનમાં પૈસા ખરચવાથી ચારિત્ર પ્રગટ થાય એવું એનું સ્વરૂપ નથી. ઝીણી વાત ભાઈ!
હા, પણ એ પૈસાને જ્ઞેય (પરજ્ઞેય) કરી નાખે તો? એ પૈસાને જ્ઞેય (પરજ્ઞેય) કરે કયાંથી? અંદર નિજ સ્વરૂપને જ્ઞાનમાં જ્ઞેય કર્યા વિના, નિજ જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ કર્યા વિના પરપદાર્થને જ્ઞેય (પરજ્ઞેય) કેવી રીતે કરે? કરી શકે નહિ. સમયસાર નાટકમાં આવે છે ને કે-
PDF/HTML Page 3657 of 4199
single page version
જ્ઞેયદશા દુવિધા પરકાસી, નિજરૂપા પરરૂપા ભાસી.
બાપુ! સ્વસ્વરૂપનું ભાન થયા વિના પરપદાર્થ પરજ્ઞેયપણે ભાસતો નથી. સમજાય છે કાંઈ...?
અહાહા...! અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવી પુણ્ય-પાપરૂપ પરસમયરૂપ પ્રવૃત્તિને દૂર કરીને, નિજ ચૈતન્યસ્વભાવના આશ્રયે સ્વાનુભવ પ્રગટ કરી નિજસ્વરૂપમાં વિશેષ રમણતા કરવી તે સ્વસમયપ્રવૃત્તિ છે અને તેનું નામ ચારિત્ર છે. અહાહા...! નિર્મળ રત્નત્રય જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે રૂપ પરિણમવું તે સ્વસમયપ્રવૃત્તિ છે અને તે ધર્મ છે, મોક્ષમાર્ગ છે. આ તો સર્વજ્ઞદેવે પ્રગટ કરેલા વીતરાગ માર્ગની અપૂર્વ વાતો છે ભાઈ! આવી વાત બીજે કયાંય છે નહિ.
વીતરાગી પરિણમનસ્વરૂપ આખોય મોક્ષમાર્ગ છે. ત્યાં દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ છે, પરિણમન થાય તે પર્યાય છે. સમ્યગ્દર્શન તે પર્યાય છે, સમ્યક્ચારિત્ર તે પર્યાય છે, કેવળ જ્ઞાન પર્યાય છે, ને સિદ્ધદશા પણ પર્યાય છે. પહેલાં અજ્ઞાનવશ પુણ્ય-પાપના ભાવો ઉત્પન્ન થતા હતા, તે પરસમયપ્રવૃત્તિ હતી. તે પરસમયરૂપ પ્રવૃત્તિ દૂર કરીને... જોયું? પુણ્ય-પાપરૂપ પરસમયપ્રવૃત્તિને રાખીને એમ નહિ, દૂર કરીને, નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્ર થઈ રમણતા કરે તે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ સ્વસમયપ્રવૃત્તિ છે. આ સ્વસમયપ્રવૃત્તિરૂપ પરિણમન તે મોક્ષમાર્ગ છે. હવે દ્રવ્ય શું? ગુણ શું? અને એનું પરિણમન શું? -એની કાંઈ ખબર ન મળે એ શું કરે? ચાર ગતિમાં રઝળી મરે; બીજું શું થાય?
નિજસ્વરૂપમાં રમણતા કરવારૂપ દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન થાય તે મોક્ષમાર્ગ છે. ભાઈ! આ ભગવાનની ૐધ્વનિ નીકળી તેમાં આવેલી વાત છે. આવે છે ને કે-
રચી આગમ ઉપદેશ, ભવિક જીવ સંશય નિવારૈ.
ભગવાનની ૐધ્વનિ સાંભળી ભગવાન ગણધરદેવ આગમની રચના કરે છે. તે આગમનું સેવન કરી ભવિ જીવો સંશય નિવારે છે, અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિ થાય છે. અહા! તે આગમમાં આ આવ્યું છે કે-નિર્મળ પવિત્ર જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ પોતે છે તેની પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં રમણતા-બસ આ પરિણમનસ્વરૂપ મોક્ષનો માર્ગ છે. સાથે સહચર જે રાગ છે તે મોક્ષમાર્ગ નથી, ઉપચારથી તેને મોક્ષમાર્ગ કહીએ છીએ. એ રાગ છે તે વાસ્તવમાં તો પરસમય છે; ધર્માત્મા તેને પરસમય જ જાણે છે. અહા! આમ સ્વસ્વરૂપની દ્રષ્ટિ-જ્ઞાનપૂર્વક તેમાં જ રમણતા કરતાં કરતાં સંપૂર્ણ સ્થિરતા કરી તે કેવળજ્ઞાનને પ્રાપ્ત
PDF/HTML Page 3658 of 4199
single page version
થાય છે. આ જ મારગ છે; ક્રિયાકાંડ મારગ નથી. કહ્યું છે ને કે-
પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.
મૃગની નાભિમાં કસ્તુરી હોય છે, પણ મૃગ તે જોતો નથી, બહાર ઢુંઢે છે. તેમ પોતે અંદર ત્રણ લોકનો નાથ આનંદકંદ પ્રભુ જ્ઞાનાનંદથી ભરેલો ભગવાન છે, પણ અજ્ઞાની તેને જોતો નથી. અરે! પુણ્ય-પાપના ભાવ અને તેના ફળમાં આ બહારની જે ધૂળ (-ધન-સંપત્તિ આદિ) મળે તેમાં ભરમાઈ ગયો છે.
અહીં કહે છે - તે અનાદિ ભ્રમણા મટાડીને અંદર ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે છે તેના આશ્રયે સ્વસમયપ્રવૃત્તિ વડે મોક્ષમાર્ગરૂપે પરિણમન કરીને સંપૂર્ણવિજ્ઞાનઘનસ્વભાવને જે પામે છે તેને સંપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે છે. અહાહા...! કેવું છે કેવળજ્ઞાન? એક સમયમાં યુગપત્ ત્રણકાળ ત્રણલોકના સર્વ પદાર્થોને જે જાણી લે છે. અહા! તે પૂર્ણ સ્વરૂપ જે પ્રગટ થયું તેમાં કાંઈ ગ્રહણ-ત્યાગ નથી. સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ-એવું કાંઈ હવે રહ્યું નથી. અહા! આવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થભૂત, નિશ્ચળ, શુદ્ધ આત્માને દેખવું-અનુભવવું છે.
સાક્ષાત્ સમયસારસ્વરૂપ એટલે શું? કે અંદર ત્રિકાળી આત્મા તો ત્રિકાળ જિન- સ્વરૂપ-સમયસારસ્વરૂપ જ છે, પણ જેવું ત્રિકાળ શક્તિરૂપ છે તેવું વર્તમાન પર્યાયપણે પ્રગટ થયું, કેવળજ્ઞાન-કેવળદર્શનરૂપ પરિણમ્યું, અનંતચતુષ્ટયરૂપ થયું તે સાક્ષાત્ સમયસારસ્વરૂપ છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતગુણની પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટી તેને સાક્ષાત્ સમયસારસ્વરૂપ કહીએ. અંદર શક્તિરૂપે છે તે વર્તમાન વ્યક્ત થઈ તેને સાક્ષાત્ સમયસારસ્વરૂપ થયો કહીએ. સમયસાર નાટકમાં આવે છે ને કે-
મતમદિરા કે પાન સૌં, મતવાલા સમુઝૈ ન.
અંદર શક્તિએ તો ભગવાન જિનસ્વરૂપ જ પોતે છે. ન હોય તો પ્રગટે ક્યાંથી? શું બહારથી પ્રગટે? બાપુ! એ તો શક્તિપણે છે તે પ્રગટે છે. એ પ્રગટે છે તે આ બહારના લેબાસમાંથી કે ક્રિયાકાંડમાંથી નહિ હો; એ તો નિર્મળાનંદનો નાથ ત્રિકાળ પ્રભુ પોતે અંદર છે તેની એકાગ્રતા અને રમણતા કરતાં કરતાં પૂર્ણ સ્થિરતા પામી પૂર્ણ પ્રગટે છે અરે! પણ મિથ્યામતરૂપી મદિરાના સેવનથી જગતના પાગલ લોકો આ સમજતા નથી?
અહાહા...! લીંડીપીપરના દાણામાં અંદર ચોસઠ પહોરી તીખાસ ભરી છે તે ઘૂંટવાથી બહાર પ્રગટ થાય છે. અંદર શક્તિ પડી છે તેની વ્યક્તિ થાય છે. તેમ ભગવાન
PDF/HTML Page 3659 of 4199
single page version
“... એવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થ ભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું-એમ કહ્યું ને! હવે કહે છે-
‘ત્યાં “ દેખવું” ત્રણ પ્રકારે સમજવું. શુદ્ધનયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે.’
જુઓ, ભગવાન આત્માને દેખવાના ત્રણ પ્રકાર પૈકી આ પહેલો પ્રકાર કહ્યો. શુદ્ધનયનો વિષય પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ ત્રિકાળી આત્મા છે. તેને અભેદવિવક્ષામાં શુદ્ધનય કહે છે. શું કીધું? ત્રિકાળી શુદ્ધ એક ચિદ્રૂપસ્વરૂપ આત્માને અભેદથી શુદ્ધનય કહે છે. સમયસાર ગાથા ૧૧ માં આચાર્ય કુંદકુંદદેવે ત્રિકાળ સત્યાર્થ ભૂતાર્થ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને શુદ્ધનય કહ્યો છે. ‘भूदत्थो देसिदो दु शुद्धनओ’ એમ ત્યાં ગાથા છે. અહીં કહે છે- શુદ્ધનયનું અર્થાત્ ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદ નિર્મળાનંદ પ્રભુ આત્માનું જ્ઞાન કરીને, પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન-તે પહેલા પ્રકારનું દેખવું છે. પ્રથમ શુદ્ધનય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેને જાણવું; કેમકે જાણ્યા વિના શ્રદ્ધાન કોનું કરે? માટે પ્રથમ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેની પ્રતીતિ કરવી કે પૂર્ણ ચિદાનંદઘન અનંત શક્તિઓનો પિંડ પ્રભુ હું આ આત્મા છું એનું નામ સમ્યગ્દર્શન છે અને તે પહેલા પ્રકારનું દેખવું છે.
આ ‘દેખવું’ ચોથા-પાંચમા ગુણસ્થાનમાં હોય છે. શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી અવિરત દશામાં હતા; તેમને વ્રત, ચારિત્ર ન હતું. ચોથા ગુણસ્થાનમાં હતા. તીર્થંકરગોત્ર બાંધ્યું છે. હમણાં પ્રથમ નરકમાં છે; ત્યાંથી નીકળી આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર થશે. ભાઈ! આવો સમ્યગ્દર્શનનો કોઈ અચિન્ત્ય મહિમા છે. ત્રિકાળી ભૂતાર્થ સ્વભાવનાં જ્ઞાન-શ્રદ્ધાન-અનુભવ ચોથે, પાંચમે અને છઠ્ઠે હોય છે. આચાર્ય શ્રી અમૃતચંદ્રસ્વામીની ટીકાનો પંડિત જયચંદજીએ આ અર્થ કર્યો છે. ચોથા ગુણસ્થાને પણ શુદ્ધનય નામ શુદ્ધ વિજ્ઞાનઘનસ્વભાવ આત્માનો અનુભવ થઈને પ્રતીતિ થાય છે; અને આત્મસ્વરૂપની વિશેષ લીનતા થઈ સ્વરૂપની શાંતિની વૃદ્ધિ થાય તે શ્રાવકનું પાંચમું ગુણસ્થાન છે. ત્યાં હજુ અપ્રમત્ત દશા નથી. હવે બીજા પ્રકારે ‘દેખવું’ કહે છેઃ-
‘જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી તેનો (-પૂર્ણ જ્ઞાનનો)
PDF/HTML Page 3660 of 4199
single page version
અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં જ થંભાવવો, જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણવું-શ્રદ્ધવું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. આ, દેખવાનો બીજો પ્રકાર થયો’
જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી, અંદરમાં વિકલ્પનો ત્યાગ અને બહારમાં વસ્ત્રના ટુકડાનો પણ ત્યાગ કરીને પૂર્ણ જ્ઞાનસ્વરૂપનો અભ્યાસ કરે છે, ઉપયોગને સ્વરૂપમાં જ થંભાવે છે. અહાહા...! તે નિજ આત્મ-બાગમાં અતીન્દ્રિય આનંદની રમત માંડે છે. તેને સર્વ બાહ્ય પરિગ્રહ છુટી જાય છે. નિરાકુલ આનંદમા ઝુલનારા વીતરાગી સંત મુનિવરને બહારમાં વસ્ત્ર પણ નહિ અને અંતરંગમાં વિકલ્પ પણ નહિ. બાપુ! બીજી ચીજ તો શું-વસ્ત્રના ધાગાનો પણ પરિગ્રહ મુનિને હોઈ શકે નહિ. આવું જ મુનિદશાનું સહજ સ્વરૂપ છે. એથી વિપરીત માને તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.
હા, પણ વસ્ત્ર છોડવાં તો પડે ને? છોડવાં શું પડે? નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીન થઈ તેમાં જ રમણતા કરતાં વસ્ત્રાદિ સર્વ પરિગ્રહ સહજ છૂટી જાય છે. રાગરહિત આનંદની છઠ્ઠી ભૂમિકાની દશા જ એવી સહજ હોય છે કે વસ્ત્રાદિ તેના જ કારણે સહજ છૂટી જાય છે. પરવસ્તુને ગ્રહવી- છોડવી એ ખરેખર આત્મામાં ક્યાં છે? આત્મામાં પરવસ્તુનું તો ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ છે. આત્મા પરના ત્યાગ-ગ્રહણથી શૂન્ય છે. અહાહા...! આવો અલૌકિક મારગ વીતરાગ સર્વજ્ઞદેવનો! સમજે એનું તો શું કહેવું? એ તો ન્યાલ થઈ જાય.
અરે! લોકોએ કાંઈનું કાંઈ માન્યું-મનાવ્યું છે! શું થાય? પ્રભુના વિરહ પડયા! કેવળજ્ઞાનની ઉત્પત્તિ અહીં રહી નહિ, અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાન પણ આ કાળે લુપ્ત થઈ ગયાં, અને લોકોએ ઝઘડા ઊભા કર્યા! સંતો-દિગંબર મુનિવરો-કેવળીના કેડાયતીઓ કહે છે- પૂર્ણ જ્ઞાનાનંદ પ્રભુ આત્માની અંર્તદ્રષ્ટિ અને અનુભવ વિના સમ્યગ્દર્શન હોય નહિ અને સમ્યગ્દર્શનપૂર્વક સ્વરૂપમાં વિશેષ-વિશેષ લીનતા થવી તે ચારિત્ર છે. તે વિશેષ તો સાતમી ભૂમિકાથી હોય છે. અપ્રમત્ત દશામાં ચારિત્રની ઉગ્રતા હોય છે. પૂર્ણ સ્થિરતા ચૌદમા ગુણસ્થાને હોય છે એ વાત અત્યારે અહીં નથી. અહીં તો ચારિત્રની ઉગ્રતા અપ્રમત્ત દશામાં હોય છે એમ વાત છે. મુનિ છઠ્ઠા ગુણસ્થાનમાં હોય ત્યારે પંચમહાવ્રત આદિનો વિકલ્પ ઉઠે છે તે પ્રમાદદશા છે. ત્યાં સુધી અપ્રમત્ત દશા ગણવામાં આવી નથી. ચોથે, પાંચમે, છઠ્ઠે જ્ઞાન-શ્રદ્ધાન અને યથા સંભવ સ્થિરતા હોય છે. પછી બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી ઉપયોગને જ્ઞાનમાં સ્થિર કરે છે તે બીજા