Pravachan Ratnakar (Gujarati). 11 SvacchatvaShakti; 12 PrakashShakti; 13 AsankuchitVikasatvaShakti; 14 Akarya-KaranatvaShakti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 200 of 210

 

PDF/HTML Page 3981 of 4199
single page version

સાતમી નરકના ઘોર દુઃખના ક્ષેત્રમાં ગયા છે. દશ ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગર થાય છે, અને એક પલ્યોપમ કાળના અસંખ્યાતમા ભાગમાં અસંખ્યાત અબજ વર્ષ સમાય છે.

અહા! આત્મા અંદરમાં પૂરણ આનંદનું નિધાન પ્રભુ છે. તેનો અનાદર કરી ભોગના સુખનો આદર અને સ્વીકાર કર્યો તો તે કલ્પિત સુખના ફળમાં સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિમાં તે જીવ મહાન દુઃખ ભોગવી રહ્યો છે. ભોગમાં સુખ નથી ભાઈ! ભોગ તો રોગ છે, દુઃખ છે, ને તેનું ફળ પણ દુઃખ છે. આ (બ્રહ્મદત્ત) ચક્રવર્તીને કુરુમતિ નામની એક રાણી હતી. તેની એક હજાર દેવો સેવા કરતા. તેનું શરીર અતિ સુંદર રૂપાળું અને કોમળ હતું. ચક્રવર્તીએ હીરાના પલંગમાં સૂતાં સૂતાં અંતિમ સમયે “કુરુમતિ, કુરુમતિ” એવા આર્ત પોકારો સહિત પ્રાણ છોડયા, અને તે જીવ સાતમી નરકે પડયો.

અહીં કોઈ એમ તર્ક કરે કે-આમાં તો કાકડીના ચોરને કટાર મારવા જેવી વાત છે. પણ એમ નથી ભાઈ! ભોગમાં (મિથ્યાત્વ સહિત) અતિ તીવ્ર આસક્તિના મહા અશુભ પરિણામ તેને હતા. પોતાના સર્વજ્ઞસ્વભાવનો અનાદર કરી, તીવ્ર ભોગાસક્ત બની તે જીવ સાતમી નરકમાં ગયો છે. અહા! પોતાના સર્વજ્ઞસ્વભાવી આત્માનો આશ્રય લઈ પરિણમે તો જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિર્મળ પરિણતિ સહિત આનંદરૂપી પુત્રનો જન્મ થાય છે, અને વિષયમાં સુખબુદ્ધિ કરી, ભોગ-વિષયના મહા તીવ્ર પરિણામનું સેવન કરે તો એના ફળરૂપે મહાદુઃખના પરિણામ ઉત્પન્ન થઈને જીવ હલકી ગતિમાં ઉપજે છે.

અહાહા...! ભગવાન આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે. અહાહા...! તેનું અંતર્મુહૂર્ત ધ્યાન કરે તો કેવળજ્ઞાનની ઝળહળતી જ્યોત પ્રગટ થાય છે અને તેની સાથે અનંત અતીન્દ્રિય આનંદની ઉત્પત્તિ થાય છે. દરેક સમયે તે તે પર્યાય ભિન્ન ભિન્ન પ્રગટ થાય છે. બીજે સમયે એવી ને એવી પર્યાય પ્રગટ થાય છે, પણ એની એ નહિ. અહા! આવા નિજનિધાનને ઓળખ્યા વિના મિથ્યાત્વનું સેવન કરી પારાવાર દુઃખમય સંસારમાં જીવ પરિભ્રમે છે. અહા! એના દુઃખને કોણ કહે? તે વચન-અગોચર છે, કહી ન શકાય તેવું છે.

જુઓ, ‘હોલા’ નામના એક જાતના પક્ષી થાય છે. તે હોલા ‘સોડહમ્, સોડહમ્’ એવો અવાજ કરે છે. પણ ‘સોડહમ્’ એટલે શું એનું એને કયાં ભાન છે? ‘સોડહમ્’ એટલે હું સિદ્ધ પરમાત્મા સમાન છું. ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’-એમ આવે છે ને? હા, એ પણ શુભ વિકલ્પ છે. તેમાંથી ‘સો’ (-સિદ્ધ પરમાત્મા) કાઢી નાખીને ‘અહમ્’ હું છું એમ સ્વલક્ષ-અંતરલક્ષ કરીને સ્વાનુભવ કરતાં પરિણમન થાય છે ત્યારે સર્વજ્ઞત્વશક્તિની તેને પ્રતીતિ થાય છે. અહાહા...! સર્વજ્ઞશક્તિથી ભરેલો પોતાનો પૂરણ પરમાત્મસ્વભાવ-તેની અંતર-પ્રતીતિ પરિણમન થઈને થાય તેનું નામ સમ્યગ્દર્શન છે, અહા! તે કાળે અનુભવનો રસ-આનંદરસ પ્રગટયો પછી કોણ પૂછે કે-કોણ કર્તા, કોણ કરણી ને કોણ કરમ?

અહીં સર્વજ્ઞશક્તિને ‘પરિણત’ કહેલ છે. પહેલાં પણ આત્માને જ્ઞાનમાત્ર કહ્યો ત્યાં શિષ્યે પ્રશ્ન કર્યો હતો કે- પ્રભુ! આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તો એકલું જ્ઞાન આવ્યું, તો એકાન્ત થઈ જશે કે કેમ? ત્યારે ત્યાં શ્રીગુરુએ સમાધાન કર્યું કે-સાંભળ, આત્માને જ્ઞાનમાત્ર કહેતાં એકાન્ત થઈ જતું નથી, પણ અનેકાન્ત જ સિદ્ધ થાય છે. કેમકે જ્ઞાનમાત્ર ભાવમાં અનંતા ધર્મો સાથે આવી જાય છે. જેમકે-જ્ઞાન અસ્તિપણે છે, વસ્તુપણે છે, પ્રમેયપણે છે, જ્ઞાયકપણે છે-એમ જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અનંત ધર્મો ભેગા આવી જાય છે. માટે અહીં એકાન્ત થતું નથી. જ્ઞાનમાત્ર ભાવનું પરિણમન થતાં જ્ઞાનમાત્ર ભાવમાં સાથે અનંત શક્તિઓ ઉછળે છે, ભેગી સર્વજ્ઞત્વશક્તિ પણ પરિણત થાય છે. અહા! એ પરિણામમાં પરનું ને રાગનું કર્તાપણું તો દૂર રહો, હું પરને અને રાગને જાણું, એ મારાં જ્ઞેય છે એમેય નથી. ઝીણી વાત છે પ્રભુ! પણ આ પરમાર્થ સત્ય વાત છે. લોકોના સદ્ભાગ્યે પરમ સત્ય વાત પ્રસિદ્ધિમાં આવી છે.

ચોથા ગુણસ્થાને જ્ઞાનમાં સ્વજ્ઞેય-ત્રિકાળી સ્વદ્રવ્ય-જાણવામાં આવ્યું ત્યાં સર્વજ્ઞત્વશક્તિની પ્રતીતિ પ્રગટ થાય છે, અને ત્યારે સમકિતીને શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું એમ કહેવાય છે. જો કે સાક્ષાત્ કેવળજ્ઞાનની પર્યાય તો તેરમા ગુણસ્થાને પ્રગટ થશે, પરંતુ સમકિતીને ચોથે ગુણસ્થાને શક્તિનું પરિણમન થતાં, અર્થાત્ સર્વજ્ઞત્વશક્તિ પરિણત થતાં, શ્રદ્ધાનમાં કેવળજ્ઞાનસ્વભાવ અને કેવળજ્ઞાનની પ્રતીતિ થઈ ગઈ છે, તેથી તેને વર્તમાન મતિ- શ્રુતજ્ઞાનપૂર્વક શ્રદ્ધારૂપે કેવળજ્ઞાન પ્રગટ થયું છે એમ કહીએ છીએ. પહેલાં કેવળજ્ઞાનને માન્યું ન હતું, હવે કેવળજ્ઞાનનો અંતરમાં સ્વીકાર થતાં કેવળજ્ઞાનને માન્યું. આનું નામ તે મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. ધવલ સિદ્ધાંત શાસ્ત્રમાં પાઠ છે ને કે મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. મતલબ કે મતિ-શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનનો નિશ્ચય થયો છે અને તે જ્ઞાન વધતું-વધતું પૂર્ણ કેવળજ્ઞાન


PDF/HTML Page 3982 of 4199
single page version

થઈ જશે. આનું નામ સર્વજ્ઞની-અરહંતની વાસ્તવિક પ્રતીતિ છે.

પ્રવચનસાર, ગાથા ૮૦માં કહ્યું છેઃ-

જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે;
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.

જે જીવ અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે (પોતાના) આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે.

આમાં શું કીધું? કે અર્હંતભગવાનના દ્રવ્ય-ગુણ ને કેવળજ્ઞાનની પર્યાયને પ્રથમ વિકલ્પ દ્વારા જાણીને પછી પોતાના આત્મા સાથે તેનું મિલાન કરે છે; ઓહો! વર્તમાનમાં મને ભલે કેવળજ્ઞાન પ્રગટરૂપ નથી, પણ દ્રવ્યરૂપથી મારો કેવળજ્ઞાનસ્વભાવ છે. અહાહા...! આમ વિચારી સર્વજ્ઞસ્વભાવી નિજ આત્મદ્રવ્યને કારણપણે ગ્રહણ કરીને તેની સન્મુખ થઈ પરિણમે છે ત્યાં અવશ્ય તેનો મોહ નાશ પામી જાય છે, અર્થાત્ તેને પર્યાયમાં સ્વસ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અહા! જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં આ નિશ્ચય થયો કે હું તો એકલો જ્ઞાનસ્વરૂપ શક્તિએ પૂર્ણ વસ્તુ છું. અહાહા...! કેવળજ્ઞાન-શક્તિ મારામાં ત્રિકાળ પડી છે તે અંતઃપુરુષાર્થ વડે અલ્પકાળમાં જ પૂરણ પ્રગટ થઈ જાશે. લ્યો, આવી વાત! પહેલાં આમ પ્રતીતિ નહોતી તો શ્રદ્ધાપણે કેવળજ્ઞાન ન હોતું, પણ જ્યાં અંદર ત્રિકાળી સ્વદ્રવ્યને જ્ઞેય બનાવ્યું તો સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થઈ, શ્રદ્ધાનમાં કેવળજ્ઞાન પ્રગટ થયું અને પર્યાયમાં અલ્પકાળમાં જ સાક્ષાત્ કેવળજ્ઞાન પ્રગટ થવાની તૈયારી થઈ ગઈ. સમજાણું કાંઈ...?

હવે આવી સાર-સાર વાત છોડીને લોકો બહારની તકરારમાં પડયા છે. શુભભાવથી ધર્મ થાય, પુણ્ય ધર્મનું સાધન છે વગેરે ખોટી માન્યતામાં તેઓ રાચે છે. પણ ભાઈ, શુભભાવ તારા સ્વરૂપમાં છે નહિ, તારા દ્રવ્ય-ગુણમાં નથી, અને શક્તિનું જે નિર્મળ પરિણમન થાય તેમાંય નથી. સ્વરૂપ લક્ષે સમ્યગ્દર્શનનું પરિણમન થાય તેમાંય કયાંય શુભભાવ છે નહિ. હા, એટલું છે કે સમ્યગ્દર્શનની સાથે સર્વજ્ઞશક્તિ પરિણત થતાં જે જ્ઞાનની દશા પ્રગટ થઈ તે જ્ઞાન, તે કાળે જેવો જેવો રાગ છે તેને જાણે છે બસ. તે જ્ઞાન તે કાળે સ્વાશ્રિત પ્રગટ થયું છે, કાંઈ રાગને લઈને પ્રગટ થયું છે એમ નથી. અહા! શક્તિનું પરિણમન એકલું આત્મજ્ઞાનમયી છે, રાગમયી કે પરજ્ઞાનમયી નથી.

જ્ઞાનીને રાગ આવે છે; રાગ જે હોય તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. ૧૨મી ગાથામાં ‘તદાત્વે’ શબ્દ પડયો છે. જ્ઞાની-ધર્મી પુરુષને રાગ આવે છે તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, એટલે કે સ્વપરપ્રકાશી જ્ઞાનની પર્યાય સહજ પોતાના સામર્થ્યથી જ તે કાળે પ્રગટ થાય છે, રાગને લઈને રાગનું જ્ઞાન થાય છે એમ નથી. રાગનો તો જ્ઞાનમાં અભાવ છે ભાઈ! ખરેખર તો જ્ઞાન પોતાની પરિણતિને જાણે છે, રાગને જ્ઞાન જાણે છે એમ કહીએ તે વ્યવહાર છે. જ્ઞાનીને જ્ઞાનની પર્યાય અલ્પજ્ઞરૂપ છે, અને તે કાળે તેને પર્યાયમાં રાગ પણ છે, તો જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે, નિશ્ચયથી તો પોતે પોતાને-પોતાની પરિણતિને જ જાણે છે.

નિશ્ચયથી કેવળી ભગવાન પોતાની પરિણતિને જાણે છે, કેમકે જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય-બધું આત્મા છે. આત્મા જ્ઞાતા અને પરવસ્તુ જ્ઞેય એ વસ્તુ નિશ્ચયથી છે નહિ. સર્વજ્ઞશક્તિની સ્વાશ્રયે સમ્યગ્જ્ઞાનરૂપ પરિણતિ પ્રગટ થઈ તેમાં પૂર્ણ સ્વભાવ અને પૂર્ણ પર્યાયની પ્રતીતિ આવી જ ગઈ છે; આનું નામ આત્મજ્ઞાનમયી સર્વજ્ઞશક્તિની પરિણતિ છે.

અહા! આ સર્વજ્ઞશક્તિમાં ઘણી ગંભીરતા છે ભાઈ! સર્વ શક્તિઓનું પરિણમન સ્વ-આશ્રયે પોતાથી થાય છે તેથી અહીં એમ કહ્યું કે-સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ છે. અહા! સર્વજ્ઞશક્તિ જે ત્રિકાળ છે તે સર્વ ભાવોને જાણવારૂપે વર્તમાન પરિણત થાય છે ત્યાં તેના પરિણામ આત્મજ્ઞાનમયી છે, પરજ્ઞાનમયી નથી. ‘ખાનિયા તત્ત્વચર્ચા’માં આ સંબંધી પ્રશ્ન ઉઠાવી તર્ક કર્યો છે કે- સર્વજ્ઞશક્તિ છે તે સર્વને જાણવાની અપેક્ષા રાખે છે માટે વ્યવહારે સર્વજ્ઞ છે. પણ આ વાત બરાબર નથી. વાસ્તવમાં આત્મદ્રવ્યમાં સર્વજ્ઞસ્વભાવ-સર્વજ્ઞશક્તિ સહજ જ ધ્રુવપણે ત્રિકાળ છે; અહા! આવી શક્તિનો ધરનાર જે ભગવાન આત્મા તેની સન્મુખ થઈ સ્વ-આશ્રયે પરિણમવાથી સ્વરૂપના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે; ભેગી અનંત શક્તિ સહિત સર્વજ્ઞશક્તિ પણ નિર્મળ પરિણત થાય છે તો શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. સાક્ષાત્ પરિણમનરૂપ કેવળજ્ઞાન થયું એમ નહિ, સર્વજ્ઞશક્તિની પ્રતીતિ થઈ તો શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું એમ કહેવાય છે. પહેલાં આત્મા અલ્પજ્ઞ જ છે અર્થાત્ સર્વજ્ઞશક્તિ નથી એવી દ્રષ્ટિ હતી તે મિથ્યા દ્રષ્ટિ હતી. હવે સ્વસન્મુખ થઈ પરિણમતાં સર્વજ્ઞસ્વભાવી હું છું એમ નિશ્ચય થયો


PDF/HTML Page 3983 of 4199
single page version

તો દ્રષ્ટિ સમ્યક્ થઈ. આવી વાત! સમજાણું કાંઈ...? ભાઈ! સર્વજ્ઞશક્તિ છે તે સર્વને જાણવાની અપેક્ષા રાખે છે માટે વ્યવહારે સર્વજ્ઞ છે એમ નહિ, સર્વજ્ઞશક્તિ પરિણત થતાં તે આત્મજ્ઞાનમયી જ છે, પણ સર્વને-પરને જાણવાની વિવક્ષા કરતાં વ્યવહાર પ્રગટ થાય છે. આવી વાત છે ભાઈ!

સંપ્રદાયમાં પણ અમારે આ ચર્ચા-વાર્તા ચાલતી. એક વાર અમે પૂછયું કે-જગતમાં સર્વજ્ઞ છે કે નથી? ત્યારે તેઓ કહે-સર્વજ્ઞનું સર્વજ્ઞ જાણે; અમારે એનું શું કામ છે?

અરે પ્રભુ! તું શું કહે છે આ? ભગવાન! તું આત્મા પદાર્થ છો કે નહિ? તો તેનો સ્વભાવ શું? અહાહા...! ‘જ્ઞ’ તેનો સ્વભાવ છે, ત્રિકાળી ‘જ્ઞ’ સ્વભાવ આત્મા છે. ‘જ્ઞ’ સ્વભાવ કહો કે સર્વજ્ઞસ્વભાવ કહો-તે આત્માનું સ્વરૂપ છે. અહાહા...! આવા સર્વજ્ઞસ્વભાવી આત્માની દ્રષ્ટિ થતાં સર્વજ્ઞસ્વભાવનું પર્યાયમાં પરિણમન થાય છે. બાપુ! ધર્મનું મૂળ જ સર્વજ્ઞ છે, કેમકે સર્વજ્ઞસ્વભાવને આલંબીને સર્વજ્ઞ થયા છે, ને સર્વજ્ઞથી જ આ વીતરાગી ધર્મની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. માટે સર્વજ્ઞ કોણ છે અને સર્વજ્ઞદશાનું પરિણમન કેમ પ્રાપ્ત થાય તે બરાબર જાણવું આવશ્યક છે.

ત્રિકાળ સર્વજ્ઞસ્વભાવ વિષે બે મત છે. શ્વેતાંબર મતવાળા કહે છે-કેવળજ્ઞાન સત્તાસ્વરૂપ છે; એમ કે કેવળજ્ઞાન પર્યાયરૂપે સત્તામાં પ્રગટરૂપ છે, અને ઉપર કર્મનું આવરણ છે. દિગંબર સંતો-ઋષિવરો કહે છે-કેવળજ્ઞાન દ્રવ્યમાં શક્તિરૂપે છે અને પર્યાયમાં તેનું અલ્પજ્ઞરૂપે પરિણમન છે, પૂર્ણ જ્ઞાન (પર્યાયમાં) પ્રગટ નથી તેમાં નિમિત્તરૂપે કર્મનું આવરણ છે. આમ બન્ને વાતમાં મહાન-આસમાનજમીનનું-અંતર છે. વાસ્તવમાં કેવળજ્ઞાન વર્તમાન પર્યાયમાં સત્તારૂપે પ્રગટ નથી, પણ શક્તિરૂપે દ્રવ્યમાં ત્રિકાળ પડેલું છે. પ્રગટ છે ને આવરણ છે એમ નહિ, પણ શક્તિરૂપે અને તેનું પર્યાયમાં અલ્પજ્ઞપણે પરિણમન છે.

શ્રીમદ્ રાજચંદ્ર સ્વરૂપને પ્રાપ્ત સમકિતી સત્પુરુષ થઈ ગયા. તેઓ કહે છેઃ- જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો!!

અહા! ‘ણમો અરિહંતાણં’ એમ લોકો બોલી જાય છે, પણ અરિહંતદેવ શું ચીજ છે એની તમને ખબર નથી! અરિ નામ વિકાર, ને હંત નામ તેનો નાશ કરી સ્વના આશ્રયથી જે પૂરણ વીતરાગ સર્વજ્ઞદશાને પ્રાપ્ત થયા તે અરિહંત પ્રભુ છે. હવે જેને અરિહંતદશા પ્રગટ નથી, પણ હું સર્વજ્ઞસ્વરૂપી અખંડ એક આત્મદ્રવ્ય છું એમ પ્રતીતિમાં આવ્યું તેને તે શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું; વળી તે કાળે પ્રગટ જ્ઞાનમાં એવો નિશ્ચય થયો તે વિચારદશાએ કેવળજ્ઞાન થયું, વળી સર્વજ્ઞસ્વભાવની પૂરણ પ્રગટતારૂપ કેવળજ્ઞાનની ભાવના થઈ તે ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું.

પહેલાં પર્યાયબુદ્ધિમાં કેવળજ્ઞાનનાં શ્રદ્ધાન-જ્ઞાન ને ભાવના ન હતાં. પર્યાયબુદ્ધિમાં હું અલ્પજ્ઞ જ છું એમ માન્યું હતું, અને તેમાં જ રાગબુદ્ધિ વર્તતી હતી. પણ હવે, ચૈતન્યપ્રકાશનો પુંજ, જ્ઞાનાનંદનો દરિયો, શાંતરસનો સમુદ્ર હું સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા છું એમ અંતરમાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું, વિચારદશાએ કેવળજ્ઞાન પ્રગટ થયું, ને અલ્પકાળમાં આ મતિ-શ્રુતજ્ઞાનનો વ્યય થઈ કેવળજ્ઞાન થશે-એમ ભાવનાદશાએ કેવળજ્ઞાન થયું. અહા! જેમ આરસના સ્થંભની એક હાંસ દેખાતી હોય તો તે એક હાંસના જ્ઞાનથી આખા સ્થંભનું જ્ઞાન થઈ જાય છે તેમ પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિશ્ચય થતાં જ્ઞાનમાં આખા જ્ઞેયનો નિશ્ચય થઈ જાય છે. જેમકે મતિ-શ્રુતજ્ઞાન અવયવ-અંશ છે, ને કેવળજ્ઞાન અવયવી-અંશી છે; અંશનું જ્ઞાન થતાં તેમાં અંશીનું જ્ઞાન આવી જાય છે. ધવલમાં આવે છે કે -મતિજ્ઞાન તે કેવળજ્ઞાનનો અંશ છે.

‘ખાનિયા તત્ત્વચર્ચા’માં પંડિતોએ દલીલ કરી છે કે-આત્મજ્ઞાનમયી એક ધર્મ છે, ને સર્વજ્ઞત્વ બીજો ધર્મ છે. પણ એમ નથી બાપુ! એ તો વિવક્ષાનો ભેદ છે, બાકી બન્ને એક જ ધર્મ છે. સર્વને જાણે અને પોતાને જાણે એવી આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ છે, સ્વાશ્રિત સર્વજ્ઞદશા પ્રગટ થઈ છે તેમાં પરની રંચમાત્ર અપેક્ષા નથી. સર્વજ્ઞપણું કહો કે આત્મજ્ઞપણું કહો-બન્ને એક જ ચીજ છે. સમજાય એટલું સમજો બાપુ! આ વસ્તુસ્વરૂપ છે. અરે ભાઈ! કેવળજ્ઞાન લેવાની આત્માની તાકાત છે. એને પરની કિંચિત્ અપેક્ષા નથી. કેવળજ્ઞાનની પર્યાય વિશ્વના સર્વ ભાવોને જાણે માટે


PDF/HTML Page 3984 of 4199
single page version

તેમાં પરની અપેક્ષા છે એમ ખરેખર નથી. એક સમયમાં તે કાળે (થવા યોગ્ય) કેવળજ્ઞાનની પર્યાય પોતાના કારણે પ્રગટ થઈ છે, પૂર્વના ચાર જ્ઞાનનો અભાવ થઈને કેવળજ્ઞાન પ્રગટયું એમ કહેવું એય વ્યવહાર છે. વાસ્તવમાં સર્વજ્ઞપણું તે આત્મજ્ઞપણું છે. આવી વાત છે.

સંવત ૧૯૮૩માં દામનગરમાં એક શેઠ સાથે આ પ્રશ્ન ઉપર ચર્ચા થયેલી. તેઓ કહે કે-લોકાલોક છે માટે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે અમે કહ્યું, -એમ બીલકુલ નથી. જ્ઞેય છે તો જ્ઞાન થાય એવો વસ્તુનો સ્વભાવ નથી. સર્વજ્ઞપણાની પર્યાય સ્વાશ્રયે પ્રગટ થઈ છે, તેમાં લોકાલોકની જરાય અપેક્ષા નથી. પણ આવો નિશ્ચય કોણ કરે? કોને (સ્વ-આશ્રયની) પડી છે? અરે ભાઈ! આ અલ્પજ્ઞતા અને આ શુભાશુભ રાગ તારું સ્વરૂપ નથી. તું તો સર્વજ્ઞસ્વભાવી છો ને પ્રભુ? અહાહા...! તારામાં સર્વજ્ઞશક્તિનું સામર્થ્ય ભર્યું છે. કેવી છે સર્વજ્ઞશક્તિ? તો કહે છે- વિશ્વના સર્વ ભાવોને જાણવારૂપ એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞશક્તિ છે. આત્મજ્ઞાનમયી કહો કે સર્વજ્ઞત્વશક્તિ કહો- એક જ વાત છે. અરે, લોકોને વાત બેસે નહિ એટલે વિરોધ કરે ને બીજી રીતે કહે, પણ આ જ સત્ય વાત છે. અહા! જેના ફળમાં અનંત કેવળજ્ઞાન ને અનંત અતીન્દ્રિય આનંદ પ્રગટે તે ચીજ કેવી હોય બાપુ! ને તેનો ઉપાય પણ કેવો હોય? પરમપદ પ્રાપ્તિની ભાવના કરતાં શ્રીમદ્ કહે છે ને? કે-

સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન, જ્ઞાન, અનંત સહિત જો... અપૂર્વ.

અહા! કેવળજ્ઞાન નવું પ્રગટ થાય છે માટે સાદિ-આદિસહિત છે, અને તેનો અંત નથી માટે અનંત છે. આ પ્રમાણે કેવળજ્ઞાનનો કાળ સાદિ-અનંત છે. અહાહા...! અનંત કાળ પર્યંત સર્વજ્ઞદેવ સમાધિસુખમાં લીન-તલ્લીન રહે છે. સ્તવનમાં આવે છે ને કે-

‘ઉપશમરસ વરસે રે પ્રભુ તારા નયનમાં...’

અહાહા...! પરમ ચારિત્રરૂપ પૂરણ વીતરાગદશા પ્રગટ થતાં પૂરણ અકષાય-શાંત... શાંત... શાંતરસનું ભગવાનને વેદન હોય છે. ભગવાન નિજાનંદરસલીન છે. આ ‘પરિણમતા એવા આત્મજ્ઞાનમયી’ શબ્દ પડયો છે એનો વિસ્તાર છે. અહા! દિગંબર સંત શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ ધર્મના સ્થંભ હતા. અહાહા...! વીતરાગ પરિણતિના સ્થંભ સમા વીતરાગી સંતોની આ વાણી છે. ભાઈ! તારો સ્વભાવ પણ આવો પૂરણ વીતરાગતામય અને સર્વજ્ઞતાના સામર્થ્યથી ભરેલો છે. અંદર જો તો ખરો, જોતાં વેંત જ હાલત થઈ જશે. અહાહા...! અત્યારે પર્યાયમાં સર્વજ્ઞતા ભલે પ્રગટી ન હોય, પણ મારી પર્યાયમાં અલ્પકાળમાં સર્વજ્ઞપદ પ્રગટ થઈ જશે એવી ચોથે ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને સમ્યક્ પ્રતીતિ થઈ જાય છે; જેમ બીજ ઉગી તે પૂનમ થશે જ તેમ.

અહાહા...! ભગવાન આત્મા આ શરીરના રજકણથી ભિન્ન, અચેતન કર્મથી ભિન્ન, પુણ્ય-પાપરૂપ ભાવકર્મથી ભિન્ન અને અલ્પજ્ઞપણાની દશાથી ભિન્ન અખંડ એકરૂપ સર્વજ્ઞસ્વરૂપ વસ્તુ છે. અહા! તે સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થાય છે, પણ રાગની ક્રિયાથી કે વ્યવહાર કરતાં કરતાં પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી. વ્યવહારરત્નત્રય પણ શુભવિકલ્પ છે. તે કરતાં કરતાં સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન પ્રગટ થાય એમ બનવાજોગ નથી, કેમકે પોતાની વસ્તુ એવી નથી. અહીં તો કહે છે-સમ્યગ્દર્શન થતાં એવી પ્રતીતિ થઈ જાય છે કે હું સર્વજ્ઞશક્તિમય છું, ને તેની પરિણતિ પોતાથી ઉત્પન્ન થાય છે, એને લોકાલોકની કોઈ ગરજ-અપેક્ષા નથી.

અરે ભાઈ! તું કોણ છો? તારા સ્વરૂપની તને ખબર નથી! સમયસારની જયસેનાચાર્યકૃત ટીકામાં આવે છે કે કોઈ એક ભાવ જો યથાર્થ બેસી જાય તો આખી વસ્તુ યથાર્થ ખ્યાલમાં આવી જાય. અહા! દ્રવ્ય-ગુણ-પર્યાય, સર્વદર્શિત્વ શક્તિ, સર્વજ્ઞત્વશક્તિ ઇત્યાદિ કોઈ એક ભાવ બરાબર લક્ષમાં બેસી જાય તો વસ્તુ આખી લક્ષગત થઈ સમજાઈ જાય.

અહીં એમ બતાવવું છે કે-આત્મજ્ઞાનમયી અને સર્વજ્ઞત્વશક્તિ એ બે ચીજ નથી. બન્ને થઈને એક જ ચીજ છે. આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ તે નિશ્ચય છે, ને લોકાલોકને જાણે એમ વિવક્ષાભેદ કરવો તે વ્યવહાર છે. અહીં શક્તિના પ્રકરણમાં નિશ્ચય છે તે મુખ્ય છે. કોઈ કહે છે-

આપ નિશ્ચયની વકીલાત કરો છો. પણ ભાઈ! આ જુદી જાતની વકીલાત હોં; ભગવાન થવાની આ વકીલાત છે. પોતે ભગવાનસ્વરૂપ છે તેને પર્યાયમાં


PDF/HTML Page 3985 of 4199
single page version

પ્રગટ કરવાની આ વાત છે.

સવારે રેકોર્ડીંગમાં પ્રથમ કળશની બહુ સારી વાત આવી હતીઃ “... તેની અન્તરછેદી અર્થાત્ એક સમયમાં યુગપદ્ પ્રત્યક્ષરૂપે જાણનશીલ જે કોઈ શુદ્ધ જીવવસ્તુ, તેને મારા નમસ્કાર. શુદ્ધ જીવને ‘સાર’પણું ઘટે છે. સાર અર્થાત્ હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થને-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને-અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનહાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને ‘સાર’પણું ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે, તેને જાણતાં-અનુભવતાં જાણનહારને સુખ છે, જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને ‘સાર’ પણું ઘટે છે.”

અહીં એમ કહે છે કે-એક પુદ્ગલ પરમાણુથી માંડીને શરીર, મન, વાણી, પૈસા, સ્ત્રીનું શરીર ઇત્યાદિ ચીજોમાં સુખ નથી, જ્ઞાન પણ નથી. નિગોદના અનંતા જીવ છે તેને પણ પરિણતિમાં સુખ નથી, જ્ઞાન પણ નથી. જુઓ, આ શક્તિની વાત નથી. નિગોદના અનંત જીવ અને આ શરીરાદિ પરમાણુના સ્કંધ તેને જાણનાર જીવને પણ સુખ નથી, જ્ઞાન નથી, અહાહા...! સંસારી પ્રાણી-નિગોદ આદિ અનંત જીવ-જે મલિનભાવે પર્યાયમાં પરિણમ્યા છે તેમને પ્રગટ દશામાં સુખેય નથી, જ્ઞાનેય નથી. વસ્તુમાં ત્રિકાળ સુખસ્વભાવ ને જ્ઞાનસ્વભાવ છે એની અહીં વાત નથી. અહીં તો કહે છે-અજ્ઞાની જીવ જે નિગોદાદિ સંસારી જીવને જાણે તો તે જાણનહારને સુખ નથી, જ્ઞાન પણ નથી. અહા! રાજમલજીએ ગજબની ટીકા કરી છે. નિગોદાદિ સંસારી જીવોને તો પર્યાયમાં સુખ નથી, તેના જાણનારનેય સુખ ને જ્ઞાન નથી. ગજબ વાત છે ભાઈ!

શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અને સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ જીવ છે. તે બન્નેને સુખ પણ છે, જ્ઞાન પણ છે; અને તેમને જાણનાર જીવને પણ સુખ છે અને જ્ઞાન પણ છે. પરંતુ શુદ્ધ જીવને જાણ્યો કયારે કહેવાય? કે ભગવાન સિદ્ધ પરમાત્મા જેમ શુદ્ધ છે તેમ મારો ભગવાન આત્મા પણ ત્રિકાળ શુદ્ધ છે. અહાહા...! ‘સિદ્ધ સમાન સદા પદ મેરો.’ અહા! આ ત્રિકાળી શુદ્ધની દ્રષ્ટિ કરી પરિણમવાથી, તે સ્વદ્રવ્યની સન્મુખ થઈને તેના આશ્રયે પરિણમવાથી સ્વાનુભવની દશા પ્રગટ થાય છે, નિર્મળ શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટ થાય છે અને ભેગી અતીન્દ્રિય સુખના આસ્વાદરૂપ દશા પ્રગટે છે. આવે છે ને નાટક સમયસારમાં કે-

વસ્તુ વિચારત ધ્યાવતૈં, મન પાવૈ વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભવ તાકો નામ,

અહા! આવી સ્વાનુભવની દશા પ્રગટ કરે ત્યારે શુદ્ધને જાણ્યો કહેવાય. શુદ્ધ જીવમાં સુખ છે, જ્ઞાન છે, માટે તેના જાણનારને પણ સુખ અને જ્ઞાન છે.

પ્રશ્નઃ– સિદ્ધને જાણતાં સુખ છે કે નહિ? ઉત્તરઃ– હા, સિદ્ધને જાણતાં સુખ છે; પણ સિદ્ધને જાણ્યા કયારે કહેવાય? કે પોતાનો સ્વભાવ સદા સિદ્ધ સમાન શુદ્ધ છે એમ નિશ્ચય કરી સ્વભાવસન્મુખ થઈને તેનો અનુભવ અને પ્રતીતિ કરે ત્યારે સિદ્ધને જાણ્યા કહેવાય. સાથે તેમાં અતીન્દ્રિય સુખનો આસ્વાદ પણ હોય છે.

પ્રશ્નઃ– આમાં સ્વદ્રવ્યને જાણવાની શી જરૂર છે? ઉત્તરઃ– અરે ભાઈ! પરદ્રવ્યને જાણવા જાય એ તો વિકલ્પ છે, અને વિકલ્પ છે એ તો દુઃખ જ છે. મોક્ષપાહુડની સોળમી ગાથામાં આચાર્યદેવ કહે છે-‘પરદવ્વાદો દુગ્ગઈ’. અહા! ભગવાનની વાણીમાં આવેલી કોઈ અલૌકિક વાતો દિગંબર સંતોએ કરી છે. સ્વદ્રવ્ય સિવાય ભાઈ! અન્ય દ્રવ્ય ઉપર તારું લક્ષ જશે તો નિયમથી વિકલ્પ જ ઉત્પન્ન થશે, અને તેથી તને દુઃખ જ થશે. ત્યાં તો પરદ્રવ્યના લક્ષે વિકલ્પ થાય તે દુર્ગતિ છે એમ જાણી પોતાના સ્વરૂપમાં મગ્ન થઈ જાય છે એની વાત કરી છે.

અહા! મારી પર્યાયમાં સર્વજ્ઞતા નથી, ને ભગવાનને પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ છે તો તે સર્વજ્ઞપણું આવ્યું કયાંથી? કે પોતાના સ્વરૂપમાં સર્વજ્ઞશક્તિ ત્રિકાળ પડી છે તેમ નિશ્ચય કરી નિજ સ્વરૂપનું આલંબન લેવાથી પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ થયું છે, પરને જાણતાં પ્રગટ થયું છે એમ નથી. માટે પરને જાણવાના ક્ષોભથી-આકાંક્ષાથી વિરામ પામી સ્વસ્વરૂપના આશ્રયે પરિણમવું ને ત્યાં જ રમવું, ઠરવું ને લીન થવું તે જ સર્વજ્ઞ થવાનો માર્ગ છે. આવી વાત છે. લ્યો,

આ પ્રમાણે અહીં સર્વજ્ઞત્વશક્તિ પૂરી થઈ.

*

PDF/HTML Page 3986 of 4199
single page version

‘અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક (અર્થાત્ અનેક-આકારરૂપ) એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ. (જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.)’

ઓહો! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત શક્તિઓનો ભંડાર એવા ભગવાન આત્માને અસંખ્ય પ્રદેશો છે તે અમૂર્તિક છે. અહાહા...! ચૈતન્યના અસંખ્ય પ્રદેશો અમૂર્તિક છે. અમૂર્તિક એટલે શું? કે તેમાં કોઈ સ્પર્શ, રસ, ગંધ કે વર્ણ નથી. સમજાણું કાંઈ...? અહા! તે પ્રદેશોમાં, કહે છે, પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક અર્થાત્ અનેક આકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ નામની શક્તિ ત્રિકાળ પડી છે. અહીં લોકાલોકના આકારો કહ્યા તેમાં જડ ને ચેતન સર્વ પદાર્થો આવી ગયા. જડ પુદ્ગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અહીં ઉપયોગમાં જાણવામાં આવે છે, પણ તે જડ મૂર્તિક પદાર્થો કાંઈ આત્માના અમૂર્તિક પ્રદેશોમાં પ્રવેશે છે એમ નથી. એ તો આત્મા સર્વ પદાર્થોને કોઈ પરની અપેક્ષા વિના જ પોતાના ઉપયોગમાં જાણી લે એવો જ તેની સ્વચ્છત્વશક્તિનો સ્વભાવ છે.

પ્રશ્નઃ– લોકાલોક છે તો તેનું જ્ઞાન થાય છે ને? ઉત્તરઃ– ના, એમ બીલકુલ નથી. સ્વચ્છત્વશક્તિ સ્વતઃ પોતાથી જ સ્વચ્છતારૂપે પરિણમે છે અને તે વડે ઉપયોગમાં લોકાલોકના આકારો સહજ જ જણાય છે. લોકાલોક છે તો ઉપયોગમાં તેનું જાણવારૂપી કાર્ય થાય છે એમ છે નહિ.

આ તો ભગવાન સર્વજ્ઞદેવની વાણી ભાઈ! ભગવાનના સમોસરણમાં સો ઇન્દ્રો આ વાણી સાંભળવા આવે છે. કેસરી-સિંહ, વાઘ, મોટા કાળા નાગ વગેરે પણ ભગવાનની વાણી સાંભળવા જંગલમાંથી આવે છે. સમોસરણમાં ઉપર જવા માટે ૨૦ હજાર રત્નમય પગથિયાં હોય છે. એક અંતર્મુહૂર્તમાં સૌ ઉપર પહોંચી જાય છે, ને ત્યાં જઈ ભગવાનની દિવ્ય ઓમ્ધ્વનિ સાંભળે છે. ઓહો! નિર્વેર થઈ અતિ નમ્રભાવે સમોસરણમાં બેસીને સૌ ભગવાનની વાણી સાંભળે છે.

પ્રશ્નઃ– તો શું સિંહ અને વાઘ તે વાણી સમજતાં હશે? ઉત્તરઃ– હા, પોતપોતાની ભાષામાં બરાબર તે તિર્યંચો સમજી જાય છે; અને કેટલાંક તો વાણી સાંભળીને ત્યાં સમ્યગ્દર્શન પણ પામી જાય છે. શરીર-કલેવર ભલે સિંહ કે વાઘનું હોય, પણ અંદર તો સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા વિરાજે છે ને? અહાહા...! અંદર પૂણાનંદનો નાથ પ્રભુ આત્મા છે તે યથાર્થ સમજી જાય છે. ભાઈ! તું પણ મનુષ્ય નથી, ભગવાન આત્મા છો. (એમ યથાર્થ ચિંતવ).

અઢી દ્વીપ સુધી મનુષ્ય છે. અઢી દ્વીપની બહાર અસંખ્ય તિર્યંચો સમ્યગ્દ્રષ્ટિ, પંચમ ગુણસ્થાનવાળા પડયાં છે. છેલ્લો સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે. તેમાં હજાર યોજનની લંબાઈવાળા શરીરધારી મોટા મગરમચ્છ છે. તેમાં કોઈ કોઈ સમ્યગ્દ્રષ્ટિ અને પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવક તિર્યંચો છે. અંતરંગમાં શાંતિની વૃદ્ધિ થઈને તેમને શ્રાવકદશા પ્રગટી છે. આગમમાં પાઠ છે કે અઢી દ્વીપની બહાર અસંખ્ય સમ્યગ્દ્રષ્ટિ આત્મજ્ઞાની તિર્યંચો છે. તેમાંથી કોઈ કોઈને તો સમ્યગ્દર્શન ઉપરાંત સ્વ-આશ્રયે શાંતિની વૃદ્ધિ થઈને શ્રાવકનું પાંચમું ગુણસ્થાન વર્તે છે. તેમાં કેટલાક જાતિસ્મરણજ્ઞાનવાળા, અવધિજ્ઞાનવાળા પંચમ ગુણસ્થાનવર્તીછે. કોઈ સ્થળચર પ્રાણીઓ-વાઘ, રીંછ, હાથી, ઘોડા વગેરે, કોઈ જલચર ને કોઈ નભચર-કૌઆ, પોપટ, ચકલા, ચકલી વગેરે અસંખ્ય તિર્યંચો સમ્યગ્દર્શન સહિત પાંચમા ગુણસ્થાનવાળા ત્યાં અઢી દ્વીપની બહાર છે. ભલે થોડાં છે, તોપણ અસંખ્ય છે. તિર્યંચોની સંખ્યા ઘણી મોટી છે. તેમાં અસંખ્ય મિથ્યાદ્રષ્ટિ સામે કોઈક એક સમ્યગ્દ્રષ્ટિ છે.

જીવે સૌથી ઓછા ભવ મનુષ્યના કર્યા છે. અનંત વાર આ જીવને મનુષ્યપણું આવ્યું છે, તો પણ ચારે ગતિમાં સૌથી ઓછા ભવ મનુષ્યના કર્યા છે. જેટલા (-અનંત) ભવ મનુષ્યના કર્યા છે તેના કરતાં અસંખ્યાત ગુણા અનંત ભવ નરકના કર્યા છે. નરકના જેટલા ભવ કર્યા છે તેનાથી અસંખ્યાત ગુણા અનંત ભવ સ્વર્ગના કર્યા છે. સ્વર્ગમાં જીવ કયાંથી આવે છે? નરકમાંથી તો જીવ સ્વર્ગમાં જતા નથી, ને મનુષ્ય બહુ થોડી સંખ્યામાં છે. એટલે તિર્યંચમાંથી જ મરીને ઘણા જીવો સ્વર્ગમાં જાય છે. તિર્યંચમાંથી કેટલાક જીવો મરીને નરકમાં પણ જાય છે. મનવાળા અને મન વગરના પંચેન્દ્રિય તિર્યંચોની સંખ્યા ઘણી મોટી છે. તેમાં કોઈને શુક્લલેશ્યા, પઘલેશ્યા કે પીતલેશ્યાના ભાવ થાય છે, તે મરીને સ્વર્ગમાં જાય છે.


PDF/HTML Page 3987 of 4199
single page version

આ બળદ વગેરે પશુઓને દેખીને એમ થાય છે કે-અરેરે! આ બિચારા જીવ કયાં જશે? ધર્મના પરિણામ તો તેને નહિ, ને પુણ્યનાં પણ કયાં ઠેકાણાં છે? અરેરે! મરીને નરકે જશે અથવા પશુ મરીને પશુ થશે. સ્વર્ગના ભવ કરતાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચના ભવ જીવે અસંખ્યાત ગુણા અનંતા કર્યા છે. અરે! આત્મજ્ઞાન વિના દેહબુદ્ધિ વડે આવા અનંત ભવ કરી કરીને જીવ મરી ગયો છે, મહાદુઃખી થયો છે. અહા! તેના દુઃખનું શું કથન કરીએ? પારાવાર અકથ્ય દુઃખ એણે સહન કર્યાં છે.

અહીં કહે છે-ભગવાન આત્માના પ્રદેશો અમૂર્તિક છે. તેમાં મૂર્ત દ્રવ્ય આવતું-પેસતું નથી. હા, પણ મૂર્તિકની જ્ઞાનમાં પ્રતિચ્છાયા તો પડે છે ને? ના, આ સામે લીમડો છે તો શું જ્ઞાનમાં લીમડાનો આકાર આવે છે? ના, લીમડો (કલેવર) તો જડ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળો મૂર્તિક પદાર્થ છે. તે મૂર્તિક પદાર્થ અમૂર્તિક ચૈતન્યપ્રદેશોમાં આવતો-પેસતો નથી; ને તે મૂર્તિક પદાર્થ સંબંધીનું જ્ઞાન અહીં પોતાથી જ પરિણમે છે. જો જડ જ્ઞેયાકાર જ્ઞાનમાં પેસે તો જ્ઞાન જડ થઈ જાય, પણ એમ છે નહિ. મૂર્તિક પદાર્થને જાણતાં જ્ઞાનની પર્યાય મૂર્તિક થઈ જાય એમ ત્રણકાળમાં નથી. અમૂર્તિક ચૈતન્યપ્રદેશો મૂર્તિક કેવી રીતે થાય?

અહા! જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા છે તેની સન્મુખ થઈ પરિણમતાં સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે ભેગી સ્વચ્છત્વશક્તિ પણ પરિણમી જાય છે. અહા! તે સ્વચ્છ ઉપયોગ લોકાલોકને જાણતો થકો મેચક-અનેકાકાર છે છતાં તેમાં કાંઈ મલિનતા થતી નથી, ઉપયોગ તો સ્વચ્છ એક જ્ઞાનરૂપ જ રહે છે. અહા! સાધકનું જ્ઞાન એવી સ્વચ્છતાપણે પરિણમ્યું છે કે તે સહચર રાગને જાણે છતાં રાગરૂપ મલિન થઈ જતું નથી. શું કીધું? રાગ છે તે મેલ છે, પણ રાગને જાણનારું જ્ઞાન મલિન નથી, સ્વચ્છ છે. સ્વચ્છત્વશક્તિ પરિણમતાં આત્માના ઉપયોગનું એવું સામર્થ્ય પ્રગટે છે કે ઉપયોગ અનેક પદાર્થોને જાણે છતાં તે મલિન થતો નથી, પણ અરૂપી, સ્વચ્છ ને નિરુપાધિક નિર્વિકાર જ રહે છે. આખા લોકાલોકને જાણવારૂપ જે મેચકતા (અનેકપણું) છે એ તો જ્ઞાનની-ઉપયોગની સ્વચ્છતાને પ્રસિદ્ધ કરે છે. અહા! જ્ઞાનમાં પૂરો લોકાલોક ન જણાય તો તે જ્ઞાનની સ્વચ્છતા શું? ને દિવ્યતા પણ શું?

આત્માના પ્રદેશોમાં લોકાલોકના આકારોથી અનેક આકારરૂપ ઉપયોગ પરિણમે છે. એવો ઉપયોગ તે સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. સ્વ અને પર સંબંધીનું વિશેષ જ્ઞાન થાય તેને અહીં આકાર કહેલ છે. સ્વ-પર અર્થનું જ્ઞાન તેને આકાર કહે છે. અર્થ-વિકલ્પને જ્ઞાનાકાર કહે છે. આમાં તો વાતે વાતે ફેર છે ભાઈ! આવો મારગ સૂક્ષ્મ, જેવો છે તેવો યથાર્થ સમજવો જોઈએ.

દર્શન નિરાકાર-નિર્વિકલ્પ છે, ને જ્ઞાન સાકાર છે. જ્ઞાન સાકાર છે એટલે તેમાં જડનો આકાર આવે છે વા તે પરના-જડના આકારરૂપે થઈ જાય છે એમ તેનો અર્થ નથી. સ્વ અને પરને ભિન્ન ભિન્ન પ્રકાશનારી જ્ઞાનની પરિણતિને અહીં આકાર કહેલ છે. જ્ઞેયાકારોને જાણવાપણે જ્ઞાનનું વિશેષરૂપે પરિણમન થવું તેને અહીં આકાર કહેવામાં આવેલ છે. વિશ્વના સમસ્ત જ્ઞેયાકારોને જાણવાપણે વિશેષ પરિણમે તે ખરેખર ઉપયોગની સ્વચ્છતા છે અને તે ખરેખર જીવની સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. હવે આવી વાત કદી કાનેય ન પડે તે બિચારા પોતાની ચીજ શું છે તે કેમ જાણે?

અરેરે! જીવ બિચારા ચોરાસીના અવતારોમાં રખડી મરે છે. અહા! અહીં મોટો અબજોપતિ શેઠ હોય ને ક્ષણમાં મરીને તે સાતમી નરકમાં જઈ પડે! તેની પીડાની શી વાત કરવી ભાઈ! એવી અપાર અંકથ્ય એની વેદના ને પીડા છે કે તેને જોનારને પણ રૂદન આવી જાય. અહા! આવા પીડાકારી સ્થાનમાં જીવે અનંત વાર જન્મ-મરણ કર્યાં છે. અહા! પણ તે ભૂલી ગયો છે. અહીં મનુષ્યપણું મળ્‌યું, તેમાં વળી પાંચ-પચીસ લાખની મૂડી થઈ, ને સ્ત્રી- બાળકો કાંઈક સરખાં-સારાં મળ્‌યાં તો ત્યાં ગર્વિત થઈ મોહવશ તે મિથ્યા અભિમાનમાં ચઢી ગયો છે. પણ અરે ભગવાન! આ તું શું કરે છે? આવું પાગલપણું-ગાંડપણ તને કયાંથી આવ્યું? તારી ચીજ શું છે એ તો જો.

વળી શરીર કાંઈક સુંદર-રૂપાળું મળ્‌યું હોય તો ત્યાં પાગલ થઈ ગયો. તેને નવડાવે, ધોવડાવે ને અરીસામાં મોઢું જોઈ તેના પર અનેક સંસ્કાર કરે ને માને કે હું રૂપાળો-સ્વચ્છ થઈ ગયો. અરે ભાઈ! તેં આ શું પાગલપણું માંડયું છે? શું શરીરને ધોવાથી કદી આત્મા સ્વચ્છ થાય? શરીરને ધોવાથી શરીર સ્વચ્છ ન થાય તો આત્મા કયાંથી સ્વચ્છ થાય? સ્વચ્છતા તો આત્માનો સ્વભાવ છે, તે કાંઈ શરીર ધોવાથી પ્રગટે એમ નથી; પણ સ્વચ્છતા જેનો સ્વભાવ છે તેવા નિજ


PDF/HTML Page 3988 of 4199
single page version

આત્મસ્વરૂપની સન્મુખ થઈ પરિણમતાં સ્વચ્છતા પ્રગટે છે. અરે! અજ્ઞાનીઓ નિજ ચૈતન્યના સ્વચ્છતાના સ્વભાવને ભૂલીને દેહના સંસ્કારમાં (સ્નાનાદિમાં) ધર્મ થવાનું માને છે! પણ ભાઈ! એમાં કાંઈ હાથ આવે એમ નથી. સમજાણું કાંઈ...?

‘હાડ જલે જ્યોં લકડીકી ગઠડી, કેશ જલે જ્યોં ઘાસ.’

ભાઈ! આ લાકડાં ને ઘાસ જેમ બળે તેમ તું જેના સંસ્કાર (સ્નાનાદિ) કરે છે તે આ રૂપાળું શરીર બળીને ખાક થઈ જશે. તેમાંથી બીજું કાંઈ નહિ નીકળે; અર્થાત્ આત્માનાં શાંતિ ને સ્વચ્છતા તેમાંથી નહિ નીકળે. આવી વાત!

ભગવાન! તું તો ચૈતન્યમય અમૂર્તિક પ્રદેશોનો પુંજ છો ને પ્રભુ! અહાહા...! તારા સ્વચ્છ ઉપયોગમાં જડ મૂર્તિક પદાર્થો જણાય છે તો ઉપયોગ કાંઈ જડ મૂર્તિક આકારરૂપ થઈ જતો નથી. તારા જ્ઞાનના ઉપયોગમાં કાંઈ મૂર્તિકનો આકાર આવતો નથી. જ્ઞાનને સાકાર કહ્યું ત્યાં આકાર એટલે વિશેષતા સહિતનું જ્ઞાન એમ અર્થ છે. જ્ઞેયનું જેવું સ્વરૂપ છે તે પ્રમાણે વિશેષતા સહિત જ્ઞાનનું પરિણમન થાય તેને આકાર કહે છે. જ્ઞાન તો જ્ઞાનાકાર જ છે, તે જ્ઞાનાકાર-સ્વ-આકાર રહીને જ અનેક પર જ્ઞેયાકારોને જાણે છે. અહા! લોકાલોકને જાણતાં અનેકાકારરૂપ ઉપયોગ છે તે જ્ઞાનાકાર-સ્વ-આકારરૂપ છે અને તે સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. આવી સૂક્ષ્મ વાત!

પ્રથમ ચિતિશક્તિ કહીને તેના બે ભેદ પાડયા-દૃશિશક્તિ અને જ્ઞાનશક્તિ. પછી સર્વદર્શિત અને સર્વજ્ઞત્વ શક્તિઓ કહી. તેનાથી ભિન્ન આ સ્વચ્છત્વશક્તિ અહીં કહેવામાં આવી. કેવી છે સ્વચ્છત્વશક્તિ? તો કહે છે- ‘અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક-અનેકાકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ-શક્તિ.’ અહા! સ્વસ્વરૂપના આશ્રયપૂર્વક સ્વચ્છતા પરિણત થતાં જ્ઞાનની-ઉપયોગની એવી કોઈ નિર્મળતા- સ્વચ્છતા થાય છે કે એના પરિણમનમાં લોકાલોક-મૂર્તિક અને અમૂર્તિક એમ બધુંય-તેમાં-અમૂર્તિક આત્મપ્રદેશોમાં ઝળકે છે, પ્રતિભાસે છે, જણાય છે. અહા! અંતર્મુખ ઊંડા ઉતરીને જુએ તો અંદર આવાં વિસ્મયકારી અદ્ભુત ચૈતન્યનાં નિધાન પડયાં છે; પણ અરે! અજ્ઞાની પ્રાણીઓ બહારમાં-ધન અને દેહાદિમાં-મૂર્ચ્છિત-પાગલ થઈને પડયા છે!

હવે અહીં અરીસાનું દ્રષ્ટાંત આપે છેઃ ‘જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.’

જોયું? સ્વચ્છત્વ દર્પણનો સ્વભાવ-શક્તિ છે, અને તેની પર્યાયમાં ઘટ-પટ આદિ પદાર્થો પ્રકાશે-પ્રતિભાસે છે. ત્યાં ઘટ-પટ આદિ પદાર્થો કાંઈ દર્પણમાં જતા નથી, પેસતા નથી, પણ એ તો ઘટ-પટ આદિ સંબંધી અરીસાની સ્વચ્છતાની પર્યાય જોવામાં આવે છે. અરીસાની સામે અગ્નિ હોય કે બરફ હોય, અરીસામાં તે તે પ્રકારના પ્રતિભાસરૂપ પ્રતિબિંબ દેખાય છે. ત્યાં વાસ્તવમાં કાંઈ અરીસામાં અગ્નિ કે બરફ નથી. ફક્ત સામે જે જે પદાર્થ છે તે પ્રકારની અરીસાની સ્વચ્છતાની પર્યાય અરીસામાં દેખાય છે. ખરેખર અરીસામાં અગ્નિ કે બરફ નથી દેખાતો, પણ તેવું અરીસાની સ્વચ્છતાનું જ પરિણમન છે જે દેખાય છે. તેવી જ રીતે ભગવાન આત્માની સ્વચ્છત્વશક્તિ પરિણમતાં તેના ઉપયોગમાં લોકાલોક જાણવામાં આવે છે. અહા! આવી જ સ્વચ્છત્વ શક્તિની નિર્મળ પર્યાય છે. અરે! જીવે આવું પોતાનું સ્વરૂપ સમજવાની કદી દરકાર કરી નથી. મારું શું થશે? હું મરીને કયાં જઈશ? -એને એવો વિચાર જ નથી!

અહાહા...! ભગવાન! તું કોણ છો? અહાહા...! લોકાલોકનો અરીસો એવો ચૈતન્યમૂર્તિ પ્રભુ તું આત્મા છો. અહા! તારી સ્વચ્છતામાં લોકાલોક એવા સ્પષ્ટ ઝળકે-પ્રતિભાસે છે કે જાણે લોકાલોક તેમાં (-ઉપયોગમાં) પેસી ગયા હોય? પણ ખરેખર કાંઈ લોકાલોક આત્માના ઉપયોગમાં પેસી જતા નથી, લોકાલોક તો બહાર જ છે, પણ આત્માનો સ્વચ્છ ઉપયોગ જ તેવા પ્રતિભાસસ્વરૂપે પરિણમ્યો છે. અહા! લોકાલોક જણાય છે તે ખરેખર ઉપયોગની સ્વચ્છતા જ જણાય છે. અહા! આવી સ્વચ્છત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે અને તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહા! ઉપયોગની સ્વચ્છતાનો એવો કોઈ અચિંત્ય સ્વભાવ છે કે પરની સાથે જોવા વિના જ પોતે પોતાના સ્વભાવથી જ લોકાલોકને જાણવારૂપે પરિણમી જાય છે. આવી વાત! સમજાણું કાંઈ...? હવે પોતે કોણ છે? કેવડો છે?-એની ખબર ન મળે એ બિચારા શું કરે? (ભવસમુદ્રમાં ડૂબી મરે.)

સં. ૧૯૬૪ની સાલમાં અમે એક ‘અનસૂયા’નું નાટક જોયેલું. તે વખતનાં નાટકો વૈરાગ્યરસથી ભરપુર ભજવાતાં. અનસૂયા પરણી ન હતી. સ્વર્ગે જતાં તેને દેવે કહ્યું, -‘अपुत्रस्य गतिर्नास्ति’-જેને પુત્ર ન હોય તેને સ્વર્ગની ગતિ


PDF/HTML Page 3989 of 4199
single page version

ન મળે. (આ તો અન્યમતની માન્યતા છે, ખરેખર એમ છે એમ નહિ.) માટે તું નીચે જા, અને પ્રથમ જે સામે મળે તેને વર. પછી અનસૂયા નીચે આવી, અને પ્રથમ સામે મળેલ અંધ બ્રાહ્મણ સાથે પરથી. તેને એક બાળક થયું. અનસૂયા બાળકને પારણામાં ઝુલાવી હાલરડું ગાતી કે-‘બેટા! તું શુદ્ધ છો, તું નિર્વિકલ્પ છો, તું ઉદાસીન છો.’ લ્યો, આવું હાલરડું ગાઈને બાળકને સુવાડતી. હવે તે વખતે નાટકમાં પણ આવી વાત બતાવાતી! સમયસાર બંધ અધિકારમાં અને સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં (જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ ટીકામાં) પણ આ વાત છે. પરમાત્મપ્રકાશમાં પણ છેલ્લે ઘણા વિશેષણો સહિત આ વાત આવી છે. તું ત્રિકાળ શુદ્ધ છો, પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન છો, તેની ભાવના કર તો તારું કલ્યાણ થશે એમ ત્યાં વાત છે.

પરમાત્મપ્રકાશમાં અંતિમ કથન કરતાં ટીકાકાર શ્રી બ્રહ્મદેવસૂરિ કહે છેઃ- આ પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ શું કરવું? તો આ પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ આવો વિચાર કરવો જોઈએ કે-

“શુદ્ધનિશ્ચયનયથી હું એક (કેવળ) ત્રણ લોકમાં ત્રણકાળમાં મન-વચન-કાયાથી અને કૃત-કારિત- અનુમોદનથી ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યક્શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણવાળા, સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેદ્ય, ગમ્ય, પ્રાપ્ત એવો પરિપૂર્ણ હું છું. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઇન્દ્રિયોના વિષય વ્યાપાર, મન-વચન-કાયાના વ્યાપાર, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ખ્યાતિ, લાભ, પૂજા, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાન, માયા, મિથ્યાત્વ-એ ત્રણે શલ્ય આદિ સર્વે વિભાવપરિણામોથી રહિત-શૂન્ય હું છું. સર્વે જીવો પણ આવા જ છે, -એવી નિરંતર ભાવના કરવી.”

અહા! આમ આત્મા અનંત ગુણ-સ્વભાવોનું સંગ્રહસ્થાન ત્રિકાળ શુદ્ધ, પવિત્ર, સ્વચ્છ ચૈતન્યમય મહાપદાર્થ છે. અહા! તેની અનંત શક્તિ-સ્વભાવોને જાણીને શક્તિવાન નિજ દ્રવ્ય ઉપર અંતર-દ્રષ્ટિ દેવી તે સમ્યગ્દર્શન છે અને તે ધર્મની પ્રથમ દશા છે. અહાહા...! દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ છે. સમયસારમાં દ્રવ્યદ્રષ્ટિનો અધિકાર છે; અહીં (-પરિશિષ્ટમાં) આચાર્યદેવે શક્તિનો અધિકાર લીધો છે. તેમાં શક્તિનો આધાર હું આત્મા અને આધેય શક્તિ એવો ભેદ દૂર કરી અભેદ એક નિજ આત્મદ્રવ્યની સન્મુખ જ્ઞાનની પર્યાયને ઝુકાવવાથી જ્ઞાનની પર્યાયમાં તેનું ભાન થઈને અંતર-પ્રતીતિ પ્રગટ થાય છે એમ કહ્યું છે. આનું નામ સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન છે; અને આ ધર્મ છે. લોકોને આ કઠણ પડે છે એટલે આ એકાન્ત છે એમ રાડો નાખે છે, પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે બાપુ! બાકી નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય, વ્યવહારથી નિશ્ચય થાય ઇત્યાદિ તું માને પણ તારી એવી માન્યતા યથાર્થ નથી, મિથ્યા છે.

અરે ભાઈ! સમયસાર ગાથા ૩૭૨ માં આચાર્યદેવ વસ્તુસ્થિતિ તો આવી પ્રગટ કરે છે કે-કુંભારથી ઘડો થાય એવું અમે દેખતા નથી. માટીથી ઘડો થાય છે, કુંભારથી નહિ. માટી ધ્રુવ ઉપાદાન છે અને ઘડાની પર્યાય ક્ષણિક ઉપાદાન છે; તેમાં કુંભાર નિમિત્ત છે, પણ નિમિત્ત શું કરે? નિમિત્ત પરનું કાંઈ પણ કરે એ ત્રણકાળ ત્રણલોકમાં સંભવિત નથી, કેમકે પર વડે પરનું કાર્ય કરાવાની અયોગ્યતા છે. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એ વાત જૈનદર્શનમાં નથી. તેમવ્યવહાર છે તે નિશ્ચય અપેક્ષા નિમિત્ત હો, પણ વ્યવહારનો શુભરાગ આત્મસ્વભાવની પ્રાપ્તિમાં સહાયક છે એમ નથી. લોકોને-કેટલાકને આ આકરું લાગે છે પણ શું થાય? માર્ગ જ આવો છે, ને વસ્તુ પણ આવી જ છે.

સવારે કળશટીકાના કળશ ૬૦માં આવ્યું હતું કે-“... જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન-એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.”

ભાઈ! કઠણ તો છે, પણ અશકય નથી. ઘણું કઠણ લાગે છે કેમકે અનાદિથી ભેદજ્ઞાનનો અભ્યાસ નથી. શરીર મારું, રાગ મારો, પુણ્ય મારાં અને આ પર્યાય તે જ હું-આવી વિપરીત દ્રષ્ટિ આડે તેનાથી ભેદજ્ઞાન કરવાનો તેને અભ્યાસ જ નથી; અને ભેદજ્ઞાનના અભ્યાસ વિના પ્રાપ્ત થાય એવી આ ચીજ નથી.

અહીં સ્વચ્છત્વશક્તિની વાત ચાલે છે. જેમ દર્પણમાં ઘટ, પટ આદિ પ્રકાશે છે તે ઘટ કે પટ આદિ નથી, તે તો દર્પણની સ્વચ્છતાની જ અવસ્થા છે; તેમ અમૂર્તિક ભગવાન આત્માના અસંખ્ય અમૂર્તિક ચૈતન્યપ્રદેશો છે, તેમાં લોકાલોકના આકારનો ભાસ થાય છે તે ખરેખર લોકાલોક નથી, એ તો પોતાની સ્વચ્છત્વશક્તિનું પરિણમન છે. અહો! લોકાલોકને પ્રકાશનારો ભગવાન આત્મા કોઈ અદ્ભુત ચૈતન્ય અરીસો છે. તે પોતે પોતાને પ્રકાશે ને પરને પણ પ્રકાશે


PDF/HTML Page 3990 of 4199
single page version

છે. ભાઈ! જરા સ્થિર થઈને, અને ધીર થઈને તું પોતે પોતાના ચૈતન્ય અરીસામાં અંતર્મુખ જુએ તો તેમાં પોતાનું શુદ્ધસ્વરૂપ દેખાય ને સાથે લોકાલોક પણ જણાઈ જાય. અહો! આવો આશ્ચર્યકારી ચૈતન્યચમત્કાર પ્રભુ તું આત્મા છો. માટે હે ભાઈ! તું પરને જાણવાની આકાંક્ષાથી-આકુળતાથી બસ કર, ને અંતર્મુખ થઈ સ્વરૂપમાં ઠરી જા. અહાહા...! તેથી પરમસુખની પ્રાપ્તિરૂપ આત્મોપલબ્ધિ થશે અને તારા સ્વચ્છ ઉપયોગમાં લોકાલોક સ્વયમેવ ઝળકશે. અહા! આવું સ્વચ્છત્વશક્તિનું પરિણમન છે! અહા! કેવી સ્વચ્છતા!

પ્રશ્નઃ– લોકાલોકનું જ્ઞાન થાય તેમાં લોકાલોક નિમિત્ત છે, નિમિત્ત છે કે નહિ? ઉત્તરઃ– લોકાલોકનું અહીં પોતાની પર્યાયમાં જ્ઞાન થયું તેમાં લોકાલોક અવશ્ય નિમિત્ત છે, નિમિત્ત છે નહિ એમ કયાં વાત છે? પણ તેથી કરીને અહીં સ્વચ્છતાની જે પર્યાય થઈ તેનો કર્તા કાંઈ લોકાલોક નથી. ઉપયોગની સ્વચ્છતાની પર્યાયમાં અનેકરૂપતા આવી તે પોતાની પર્યાયનો સ્વભાવ છે, તેમાં લોકાલોકનું કાંઈ જ કાર્ય નથી. સમજાણું કાંઈ...? નિમિત્ત નથી એમ વાત નથી, પણ નિમિત્તથી ઉપાદાનનું કાંઈ કાર્ય થાય એમ ત્રણકાળમાં નથી. ભાઈ! આ તો જૈનદર્શનની મૂળ વાત છે.

જુઓ, શાસ્ત્રમાં આવે છે કે-લોકાલોકમાં કેવળજ્ઞાન નિમિત્ત છે. આખો લોકાલોક-છ દ્રવ્યો, તેના દ્રવ્ય-ગુણ- પર્યાયો, અનંતા સિદ્ધો અને અનંતા નિગોદના જીવ આદિ-એમાં કેવળજ્ઞાન નિમિત્ત છે. શું તેથી એમ અર્થ છે કે કેવળજ્ઞાને લોકાલોક બનાવ્યો છે? એમ કદીય નથી. ન તો લોકાલોક કેવળજ્ઞાનનું વાસ્તવિક કારણ છે, ન કેવળજ્ઞાન લોકાલોકનું કારણ છે. આ વસ્તુસ્થિતિ છે.

અહા! આ સ્વચ્છત્વશક્તિ દ્રવ્યના અનંત ભાવોમાં વ્યાપક છે, જેથી દ્રવ્ય સ્વચ્છ, ગુણ સ્વચ્છ ને સ્વાભિમુખ થયેલી પર્યાય પણ સ્વચ્છ છે; બધું જ સ્વચ્છ-જ્ઞાન સ્વચ્છ, દર્શન સ્વચ્છ, આનંદ સ્વચ્છ, વીર્ય સ્વચ્છ ઇત્યાદિ અનંત સ્વભાવો સ્વચ્છ છે, નિર્મળ છે. ભાઈ! તારી સ્વચ્છત્વશક્તિ એવી છે કે તારા દ્રવ્ય-સ્વભાવમાં વિકાર સમાતો નથી, ને દ્રવ્યસ્વભાવમાં અભેદપણે પરિણમતાં પ્રગટ પર્યાયમાં પણ વિકાર સમાતો નથી. અહાહા...! આંખમાં જેમ રજકણ સમાય નહિ તેમ આત્માના સ્વચ્છ ઉપયોગમાં વિકારનો કણ પણ સમાય નહિ. અહો! આવી અદ્ભુત સ્વચ્છત્વશક્તિ છે. લ્યો, -

આ પ્રમાણે અહીં સ્વચ્છત્વશક્તિનું વર્ણન પૂરું થયું.

*
૧૨ઃ પ્રકાશશક્તિ

‘સ્વયં પ્રકાશમાન વિશદ (-સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી (-સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ.’ અહીં શું કહે છે? કે ભગવાન આત્મામાં એવી પ્રકાશશક્તિ છે જે સ્વયં એટલે પોતાથી જ પ્રકાશમાન છે, અને સ્પષ્ટ સ્વસંવેદનમયી છે. અહા! પોતાથી પોતાનું પ્રત્યક્ષ વેદન થાય એવી આત્મામાં ત્રિકાળ પ્રકાશશક્તિ છે. આમાં મહત્ત્વની બે વાત છે. કે આત્માનો પ્રકાશસ્વભાવ-

(૧) પોતે પોતાથી જ પ્રકાશમાન છે; એને કોઈ પરની અપેક્ષા નથી. (૨) સ્પષ્ટ સ્વસંવેદનમયી છે. સ્વાનુભવમાં આત્મા પ્રત્યક્ષ સ્પષ્ટ જણાય એવો આત્માનો પ્રકાશસ્વભાવ છે. અહા! જેમ દીવો સ્વયં પોતાથી જ પ્રકાશમાન છે, તેને દેખવા-પ્રકાશવા બીજા દીવાની જરૂર નથી તેમ ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશનું બિંબ પ્રભુ સ્વયં પોતાથી જ પ્રકાશમાન છે, અહાહા...! સ્વસંવેદનમાં પોતે જ પોતાને પ્રકાશી રહ્યો છે; તેને પ્રકાશવા-જાણવા બીજા કોઈની-રાગની, વ્યવહારની કે નિમિત્તની અપેક્ષા નથી. અહાહા...! વ્યવહારની (વ્રતાદિ રાગની) કે નિમિત્તની (દેવ-ગુરુ આદિની) અપેક્ષા વિના જ સ્વસંવેદનમાં-સ્વાનુભવમય દશામાં પ્રત્યક્ષ થાય એવો આત્માનો પ્રકાશસ્વભાવ છે. ભાઈ! બાહ્ય નિમિત્તથી કે વ્યવહારથી પ્રત્યક્ષ વેદનમાં આવે એવું આત્માનું સ્વરૂપ નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ?

અહાહા...! આત્મામાં જેમ જ્ઞાન, દર્શન આદિ છે તેમ એક પ્રકાશશક્તિ છે. તેનું કાર્ય શું? તો કહે છે- સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ થાય તે તેનું કાર્ય છે. સમ્યગ્દર્શન થતાં મતિ-શ્રુતજ્ઞાનમાં સ્વસંવેદન દ્વારા આત્મા પ્રત્યક્ષ થાય-અનુભવાય તે આ શક્તિનું કાર્ય છે. કોઈ કહે કે મને અરૂપી આત્મા કેમ જણાય? તો કહે છે-સ્વસંવેદનમાં આત્મા


PDF/HTML Page 3991 of 4199
single page version

પ્રત્યક્ષ જણાય એવો એનો સ્વભાવ છે; ભાઈ! પરોક્ષ રહે એવો આત્માનો સ્વભાવ નથી. હા, પણ તે ઈન્દ્રિય પ્રત્યક્ષ નથી, સ્વરૂપ પ્રત્યક્ષ-સ્વસંવેદન પ્રત્યક્ષ છે. સમજાણું કાંઈ...?

અહાહા...! સ્વસન્મુખ થતાં આત્માના અતીન્દ્રિય આનંદનું પ્રત્યક્ષ વેદન થયું તે પ્રકાશશક્તિનું કાર્ય છે; સાથે વ્યવહાર છે ને બાહ્ય નિમિત્ત છે તો આ કાર્ય નીપજ્યું છે એમ નથી.

પ્રશ્નઃ– તો શું વ્યવહાર નથી? નિમિત્ત નથી? આપ વ્યવહાર ને નિમિત્તને ઉડાવો છો. ઉત્તરઃ– અરે ભાઈ! વ્યવહાર નથી, નિમિત્ત નથી-એમ કોણ કહે છે? વ્યવહાર છે, બાહ્ય નિમિત્ત છે; તે જેમ છે તેમ ન જાણે તો તેનું જ્ઞાન મિથ્યા છે, વળી વ્યવહાર ને નિમિત્તથી આત્મા પ્રત્યક્ષ થાય, વા તેનાં નિર્મળ જ્ઞાન- શ્રદ્ધાન પ્રગટ થાય-એમ માને તેય વિપરીત શ્રદ્ધાન છે. અહીં એમ વાત છે કે વ્યવહાર કે બાહ્ય નિમિત્તથી આત્મા પ્રત્યક્ષ ન થાય, પણ તેનું લક્ષ છોડી સ્વ સન્મુખતા કરતાં સ્વસંવેદનમાં જ આત્મા પ્રત્યક્ષ થાય છે. અહાહા...! આવો આત્માનો પ્રકાશસ્વભાવ છે. અહીં તો વ્યવહાર ને નિમિત્તનું જેમ છે તેમ સ્થાપન છે, પણ તેના લક્ષે-આશ્રયે આત્માનુભવરૂપ -આત્માના જ્ઞાન-શ્રદ્ધાન-રમણતારૂપ ધર્મ પ્રગટ થાય એ માન્યતાનો નિષેધ છે, કેમકે એવું વસ્તુસ્વરૂપ નથી. સમજાણું કાંઈ...?

અહા! અનંત કાળથી ચોરાસીના અવતારોમાં રખડતાં-રઝળતાં ભાઈ! તને માંડ આ મનુષ્યભવ મળ્‌યો, અને તેમાંય જૈનમાં તારો જન્મ થયો એ કોઈ મહાભાગ્ય છે; અહા! આ બધું હોવા છતાં અંતરમાં રુચિ લાવી તું આ તત્ત્વ-જ્ઞાનની-ભેદજ્ઞાનની તારા હિતની વાત તું ન સમજે તો અંતર-અનુભવ કયાંથી થાય? અરે ભાઈ! તું સાંભળ તો ખરો, અહીં સંતો પરમાત્માનો સંદેશ પોકારીને જગત પાસે જાહેર કરે છે કે-પ્રભુ! તારા સ્વસંવેદનમાં તારો આત્મા પ્રત્યક્ષ થાય એવી પ્રકાશશક્તિથી તું ત્રિકાળ ભરપુર છો.

હવે જિંદગીમાં કદી આવી તત્ત્વની વાત સાંભળવાની ફુરસદ ન હોય એ તો બિચારા-મોટા કરોડપતિ હોય તોય બિચારા હોં-રળવું-કમાવું, ખાવું-પીવું ને ખેલવું, ને વિષયભોગમાં રહેવું-બસ એમ જ જિંદગી વીતાવે છે, પણ એ તો જિંદગીએળે (-નિષ્ફળ) જાય છે હોં. અરે પ્રભુ! તું કોણ છો? ને તારું કાર્ય શું છે? -તેની તને ખબર નથી! અહા! તું આત્માનું (અંતર-અનુભવનું) કાર્ય કરવાનું છોડી દઈને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગની ક્રિયામાં ધર્મ માની ત્યાં જ રોકાઈ ગયો! પણ ભાઈ! એ તો જગપંથ છે, એ ધર્મપંથ નહિ; ધર્મપંથ તો સ્વાનુભવમયી કોઈ અલૌકિક છે.

પ્રવચનસાર, ગાથા ૧૭૨માં ‘અલિંગગ્રહણ’ શબ્દ આવે છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તે શબ્દના ૨૦ અર્થ કર્યા છે. તેમાં કહ્યું છે-

“ગ્રાહક (-જ્ઞાયક) એવા જેને લિંગો વડે એટલે કે ઈન્દ્રિયો વડે ગ્રહણ (-જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અતીન્દ્રિયજ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. -૧.

ગ્રાહ્ય (જણાવાયોગ્ય) એવા જેનું, લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે ગ્રહણ (-જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. -૨.

જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિયગમ્ય દ્વારા (-ઇન્દ્રિયોથી જણાવાયોગ્ય ચિન્હ દ્વારા) જેનું ગ્રહણ (-જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. -૩.

બીજાઓ વડે માત્ર લિંગ દ્વારા જ જેનું ગ્રહણ થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અનુમેયમાત્ર (કેવળ અનુમાનથી જ જણાવાયોગ્ય) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. -૪.

જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અનુમાતામાત્ર (કેવળ અનુમાન કરનારો જ) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. -પ.

લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” -૬.


PDF/HTML Page 3992 of 4199
single page version

જુઓ, આ છઠ્ઠા બોલમાં સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ કહ્યું છે. અહા! આવો આ વીતરાગનો માર્ગ છે. પણ અરેરે! સર્વજ્ઞ પરમેશ્વરના વિરહ પડયા, ને બહારમાં ઘણી બધી ગરબડ ઉભી થઈ ગઈ! અહીં કહે છે-ઇન્દ્રિયપ્રત્યક્ષ કે ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાન વડે જાણવામાં આવે એવો આત્મા નથી. તેમ જ પોતે ઇન્દ્રિયથી કે અનુમાનથી પરને જાણે એવો પણ આત્મા નથી. અહાહા...! પોતાના સ્વભાવ વડે જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા પ્રભુ આત્મા છે. અહીં આ ૧૨મી શક્તિના વર્ણનમાં આ જ વાત કરી છે કે- આત્મા પોતે જ પોતાના સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય એવો તેનો પ્રકાશસ્વભાવ છે. અહાહા...! ઇન્દ્રિયોથી નહિ, રાગથી નહિ, પણ પોતાના સ્વભાવથી જાણવામાં આવે એવો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે-એવા અલિંગગ્રહણના છઠ્ઠા બોલ સાથે અહીં મેળ છે. સમજાણું કાંઈ...!

અહા! આ પ્રકાશશક્તિમાં એવું અચિન્ત્ય દિવ્ય સામર્થ્ય છે કે કોઈ પર-નિમિત્તની અપેક્ષા વિના જ તે પોતાના જ સ્વસંવેદન વડે આત્માને પ્રત્યક્ષ કરે છે. અહા! આવી દિવ્યશક્તિ સંપન્ન નિજ આત્માને અંતર્મુખ થઈ દેખે તો દ્રવ્યદ્રષ્ટિ ઉઘડી-ખીલી જાય. ભાઈ! તારા આત્માનો અપાર-અનંતો વૈભવ દેખવો હોય તો તારાં દિવ્યચક્ષુ યાને દ્રવ્યચક્ષુ ખોલ; આ બહારનાં ચામડાનાં ચક્ષુ વડે એ નહિ દેખાય, ને અંદર રાગનાં ચક્ષુ વડે પણ એ નહિ દેખાય; અંતરનાં સ્વભાવચક્ષુ વડે જ તે જણાશે-અનુભવાશે. સમજાણું કાંઈ...? એ તો ટીકા પ્રારંભ કરતાં મંગલાચરણમાં જ આચાર્યદેવે કહ્યું કે-

‘नमः समयसाराय स्वानुभूत्या चकासते’

એમ કે-પોતે પોતાની અનુભૂતિથી પ્રકાશમાન છે એવા સમયસાર નામ શુદ્ધ આત્માને નમસ્કાર. અહાહા...! નિમિત્ત કે વ્યવહારના આલંબન વિના જ, આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વયં પોતાના સ્વભાવથી જ સ્વાનુભૂતિમાં પ્રકાશે છે.

ભાઈ! આ તો તને ત્રિલોકીનાથ કેવળી પરમાત્માનાં વેણ અને કહેણ આવ્યા છે; તેનો નકાર ન કરાય. લૌકિકમાં પણ એમ હોય છે કે-દીકરાની સગાઈ કરવાની હોય ને દસ-વીસ ઘરનાં નાળિયેર આવ્યાં હોય તો તેમાંથી જે મોટા ઘરનું કહેણ હોય તે સ્વીકારી લે છે. તો આ તો કેવળી સર્વજ્ઞ પરમાત્માનાં સર્વોચ્ચ ઘરનાં કહેણ બાપુ! તેનો ઝટ સ્વીકાર કર, ના ન પાડ પ્રભુ! મુક્તિ-સુંદરી સાથે તારાં સગપણ કરવાનાં કહેણ છે. આનંદધનજીના એક પદમાં આવે છે કે-

સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાઢી;

અહા! પણ સમકિત સાથે સગાઈ કયારે થાય? કે સ્વભાવસન્મુખ થઈ આત્માને સ્વસંવેદનથી પ્રત્યક્ષ જાણે ત્યારે. આ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલાં કહેણ છે. અહો! આ તો જન્મ-મરણના રોગનું નિવારણ કરનારી ભગવાન કેવળીએ કહેલી પરમ અમૃતમય ઔષધિ છે.

વળી ત્યાં (-પ્રવચનસારમાં) અલિંગગ્રહણના સાતમા બોલમાં કહ્યું છે કે-“જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જ્ઞેય પદાર્થોનું આલંબન નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” જુઓ, કહે છે-આત્માના ઉપયોગમાં પરપદાર્થ- પરજ્ઞેયનું આલંબન નથી. ભાઈ! તારી શક્તિ સ્વયં પ્રકાશમાન સ્વસંવેદનમય સ્વરૂપ જેનું છે એવી છે; તને કયાંય પરાવલંબન નથી.

પણ એ (સ્વસંવેદન) કઠણ થઈ પડયું છે ને? હા, એ તો કળશટીકાના ૬૦મા કળશમાં કહ્યું છે કે-“સાંપ્રત (હાલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન-એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધસ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.”

ભાઈ! સ્વભાવનો અનુભવ કરવો કઠણ તો છે, પણ અશકય નથી, અસંભવ નથી. ઘણું કઠણ લાગે છે, કેમકે અનંત કાળથી ભેદજ્ઞાનનો અભ્યાસ નથી. પણ વસ્તુસ્વરૂપ વિચારતાં-ધ્યાવતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે, અશકય નથી. અહા! પોતાના સ્વભાવની પ્રાપ્તિ પોતાને અશકય કેમ હોય? એ તો ત્યાંસુધી જ પ્રાપ્ત નથી જ્યાં સુધી સ્વભાવની દ્રષ્ટિ કરતો નથી. જ્યાં અંતર-દ્રષ્ટિ કરે કે તત્કાલ આત્મા સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય છે. હવે જીવોએ અભ્યાસ કર્યો નથી, અને આ પદ્ધતિનો વર્તમાનમાં બહુ લોપ છે તેથી પોતાની ચીજ પ્રાપ્ત થવી કઠણ થઈ પડી છે. પણ મારગ તો આવો છે પ્રભુ! થોડું કહ્યું ઝાઝું કરી જાણવું બાપુ!

અહાહા...! ભગવાન આત્મા અનુભવમાં-સ્વાનુભવમાં પ્રત્યક્ષ થાય એવી એની શક્તિ છે. અહા! અનંત ગુણ-સ્વભાવોમાં પ્રકાશશક્તિ વ્યાપક છે; જેથી જ્ઞાન પ્રત્યક્ષ, દર્શન પ્રત્યક્ષ, સુખ પ્રત્યક્ષ, વીર્ય પ્રત્યક્ષ-એમ દરેક શક્તિ


PDF/HTML Page 3993 of 4199
single page version

પ્રત્યક્ષ થાય એવું જ એનું સ્વરૂપ છે. અહાહા...! ભગવાન! તારા ઘરમાં અનંત ચૈતન્યલક્ષ્મી ભરી છે. તારો આત્મા પ્રત્યક્ષપણે આનંદનું વેદન કરે એવી તારામાં લક્ષ્મી ભરી છે. ભાઈ! તારી આવી સ્વરૂપલક્ષ્મી છે તેની હા તો પાડ; હા પાડીશ તો તેની લત લાગશે અને ‘હાલત’ પ્રગટ થઈ જશે. અહા! આ તો-

“સહેજે સમુદ્ર ઉલસિયો, એમાં મોતી તણાતાં જાય;
ભાગ્યવાન કર વાવરે, એની મૂઠિયું મોતીએ ભરાય.”

અહા! હા પાડી અંતઃપુરુષાર્થ કરે તેને રત્નત્રયની પ્રાપ્તિ થાય. પણ રાગથી થાય ને નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય એમ વિચારી અંતઃપુરુષાર્થહીન-ભાગ્યહીન રહે તેને આત્મા પ્રત્યક્ષ થતો નથી, તેને તો ચાર ગતિ જ ઊભી રહે છે. કહ્યું છે ને કે-

“ભાગ્યહીન કર વાવરે એની મૂઠિયું શંખલે ભરાય.”

આવી વાત છે. આ કોઈ સંપ્રદાયની વાત નથી, આ તો વસ્તુના ઘરની વાત છે.

આ બારમી પ્રકાશશક્તિમાં ગજબની વાત કરી છે. પોતાનો જ્ઞાનનો અને આનંદનો સ્વભાવ છે તેનું સ્વયં પ્રત્યક્ષ સંવેદન થાય, અરે, અનંત ગુણોનું પ્રત્યક્ષ વેદન થાય એવો પ્રકાશશક્તિના સામર્થ્યનો અચિંત્ય મહિમા છે. શું કહીએ? જેટલું અંતરમાં ભાસે છે તેટલું ભાષામાં આવતું નથી, કેમકે ભાષાનું પરિણમન સ્વતંત્ર છે, અને તેની કહેવાની શક્તિ મર્યાદિત છે.

દિવ્યધ્વનિમાં જે નિરૂપણ આવે છે તે ભગવાનને કેવળજ્ઞાન છે માટે આવે છે એમ નથી. વાણી છૂટે છે તે તો વાણીનું ઉપાદાન છે, ને જ્ઞાન અને યોગ તો તેમાં નિમિત્તમાત્ર છે. જુઓ, ભાષાવર્ગણા (પરિણમન) ચાર પ્રકારે છે; સત્યભાષા, અસત્યભાષા, મિશ્રભાષા ને વ્યવહારભાષા. આ ચાર પ્રકારની વચનવર્ગણા ભિન્ન ભિન્ન છે. હવે ભગવાનને તો એકલું કેવળજ્ઞાન છે, તો ભાષામાં એકલી સત્યભાષા નીકળવી જોઈએ; પણ ભાષામાં સત્ય અને વ્યવહાર-એમ બે પ્રકારે વાણી આવે છે. કેવળજ્ઞાનમાં કોઈ વ્યવહાર નથી. પરંતુ ભાષામાં યોગ્યતા જ એવી છે કે સત્ય અને વ્યવહાર બન્નેને તે બતાવે. આમ ભાષાની પર્યાય પોતે પોતાથી સ્વતંત્ર પરિણમે છે. તેમાં જ્ઞાન નિમિત્ત હો, પણ નિમિત્ત તેનું કર્તા નથી, ભાષાવર્ગણાની પર્યાયનો કર્તા આત્મા નથી, ભગવાન કેવળી નથી; કેવળીના યોગનું કંપન છે તે પણ ભાષાવર્ગણાની પર્યાયનો કર્તા નથી. ભાષાવર્ગણા જડ છે તે સ્વયં સ્વતંત્ર જે કાળે જેમ પરિણમવાયોગ્ય હોય તેમ તે કાળે પરિણમી જાય છે, પ્રયોગ કરીને આત્મા તેને પરિણમાવી દે એમ ત્રણકાળમાં છે નહિ.

ભાષામાં સ્વ-પરને કહેવાની તાકાત છે, ને આત્મામાં સ્વ-પરને જાણવાની તાકાત છે. માર્ગ તો જુઓ પ્રભુનો! દ્રવ્યમાં પર્યાય પોતાથી સ્વતંત્ર પ્રગટ થાય છે. વાણીમાં સ્વ-પરને જાણવાની તાકાત નથી, ને આત્મામાં સ્વ-પરને કહેવાની તાકાત નથી. આમ વસ્તુસ્થિતિ છે, છતાં હું વાણી કરું એમ કોઈ માને તો તે મૂઢ જ છે. અરે ભાઈ! આ બહારની લક્ષ્મી, મકાન, શરીર, મન, વાણી ઇત્યાદિ મારાં છે એમ માને એ તો ભ્રાન્તિ છે, મિથ્યા ભ્રમ છે, પાખંડ છે. અરે, આ રાગનો અંશ પણ જ્યાં તારો નથી તો તારાથી ત્રિકાળ ભિન્ન એવી પરચીજ તારી કયાંથી થઈ ગઈ? પરચીજનું તો ક્ષેત્ર જ ભિન્ન છે ને પ્રભુ!

સમવશરણમાં જીવ અનંત વાર ગયો, ને ત્યાં ભગવાનની દિવ્યધ્વનિ અનંત વાર સાંભળી. ત્યાં વાણી સાંભળીને જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે પોતાથી થઈ છે, વાણીના કારણે થઈ છે એમ નથી. ભલે તે પરલક્ષી જ્ઞાન હો, પણ વાણીથી તે પરલક્ષી જ્ઞાન થયું છે એમ નથી; પરલક્ષી જ્ઞાનેય પોતાના ઉપાદાનથી થાય છે. હા, એટલું છે કે પરલક્ષી જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થતો નથી. જુઓ, લોકો કયાંય દૂરદૂરથી આ વાત સાંભળવા આવે છે. અમે તો પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત ફરમાવીએ છીએ કે-આ જ્ઞાન થયું તે શાસ્ત્ર-શ્રવણથી થયું નથી, પોતાથી થયું છે. શ્રવણના નિમિત્તે થયેલી જ્ઞાનની પર્યાયમાં, તે પોતાથી થઈ છે તોપણ તેમાં પરાશ્રયપણું છે તેથી, આત્મા પ્રત્યક્ષ થતો નથી. જેમાં આત્મા પ્રત્યક્ષ થતો નથી તે એકલું પરલક્ષી જ્ઞાન, જ્ઞાન જ નથી; એ તો મિથ્યાજ્ઞાન છે. પરંતુ કોઈ પરમાત્માની વાણી સાંભળીને, શક્તિવાન નિજ દ્રવ્યને વિચારે છે, ધ્યાવે છે તો તેને દ્રવ્ય-ગુણમાં જે અનાદિકાલીન શક્તિ છે તેનું પર્યાયમાં પરિણમન થઈને આત્મા સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય છે, અને ત્યારે વાણીને નિમિત્ત કહેવાય છે. આવી વાત છે.

આમાં ‘સ્વયં’ ને ‘વિશદ’ એ બે શબ્દો પર ખાસ વજન છે. આત્મા કોઈની અપેક્ષા રહિત સ્વયં પ્રકાશમાન છે, અને વિશદ એટલે સ્પષ્ટ, પ્રત્યક્ષ સ્વસંવેદન થઈને આત્મા જાણવામાં આવે છે. ભાઈ! ધીરે ધીરે આ વિષય સમજવો


PDF/HTML Page 3994 of 4199
single page version

બાપુ! આ તો ભગવાનની દિવ્યધ્વનિનો સાર છે. અહો! આચાર્ય ભગવંતોએ વનમાં વસીને કેવાં અજબ કામ કર્યાં છે! જુઓ, મૂળ ગાથાઓ શ્રી કુંદકુંદાચાર્યદેવે બે હજાર વર્ષ પર રચી છે, ને તેના એક હજાર વર્ષ પછી તેની ટીકા આચાર્ય શ્રી અમૃતચંદ્રસૂરિએ બનાવી છે. અહો! દિગંબર મુનિવરો! જાણે હાલતા-ચાલતા સિદ્ધ! નિજ એક જ્ઞાયકભાવમાં જેમણે ઉપયોગની-શુદ્ધોપયોગની ઉગ્ર જમાવટ કરી છે અને જેઓ પ્રચુર સ્વસંવેદનમાં મસ્ત, નિજાનંદરસમાં લીન રહેનારા છે એવા યોગીવરોએ આ દિવ્ય શાસ્ત્ર રચ્યું છે.

એમ શુદ્ધોપયોગ તો ચોથા ગુણસ્થાનથી હોય છે, પરંતુ શુદ્ધોપયોગની જેવી ઉગ્ર જમાવટ મુનિવરોને હોય છે તેવી સમકિતીને ચોથે ગુણસ્થાને હોતી નથી. મુનિરાજને તો ત્રણ કષાયના અભાવવાળી શુદ્ધોપયોગની તીવ્ર લીનતા હોય છે. તથાપિ સમ્યગ્દ્રષ્ટિને ચોથે ગુણસ્થાને ગૃહવાસમાં રહેવા છતાં આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષથી અનુભવમાં આવે એવી આત્માની આ પ્રકાશશક્તિ છે. આ ન્યાયથી-યુક્તિથી વાત છે. ચોથે ગુણસ્થાને સમકિતી કહે છે-મારા આત્માના સ્વસંવેદન-પ્રત્યક્ષથી હું મને અનુભવું છું. અહો! આ સ્વસંવેદન અચિંત્ય મહિમાયુક્ત છે, તેમાં અનંત ગુણોનો રસ સમાય છે, તેમાં અતીન્દ્રિય આનંદ ઝરે છે, સ્વરૂપની પ્રતીતિ પ્રગટે છે, અને અનંત શક્તિઓ નિર્મળપણે ઉછળે છે. અહો! આ સ્વસંવેદન તો મોક્ષનાં દ્વાર ખોલવાનો રામબાણ ઉપાય છે.

સમકિતી ચક્રવર્તી ભલે છ ખંડના રાજ્યમાં બહારથી દેખાય, પણ ખરેખર તે રાજ્યનો સ્વામી નથી. ૪૭ શક્તિમાં છેલ્લી સ્વ-સ્વામિત્વમયી સંબંધશક્તિ છે. અહાહા...! શક્તિનું પરિણમન થયું છે એવો સમકિતી, જ્ઞાની ચક્રવર્તી છન્નુ હજાર રાણીઓના વૃંદમાં દેખાય તો પણ તે પોતાના દ્રવ્ય-ગુણ અને સ્વસંવેદનની નિર્મળપર્યાય જે તેને પ્રગટ થઈ છે તેનો તે સ્વામી છે, રાગનો-વિકલ્પનો સ્વામી નથી. હવે રાગનો સ્વામી નથી તો પછી રાજ્યનો, પરનો કે સ્ત્રીનો સ્વામી હોય એ વાત કયાં રહી?

અહા! આ પ્રકાશશક્તિનું બીજી અનંત શક્તિઓમાં રૂપ છે. તેથી જ્ઞાન, શ્રદ્ધા, આનંદ વગેરે પ્રત્યક્ષ થાય એવું એનું સ્વરૂપ છે. અહો! આ તો મોટો ભંડાર ભર્યો છે, જેનો પાર ન આવે એવી આ વાત છે. એકેક શક્તિમાં કેટલું ભર્યું છે! એક ‘જગત’ શબ્દ લઈએ એમાં કેટલો વિસ્તાર ભર્યો છે? અહાહા...! છ દ્રવ્ય, એના ગુણ, એની પર્યાય, ત્રણ કાળ, અનંતા સિદ્ધ, અનંતા નિગોદરાશિ, અનંતાઅનંત પુદ્ગલો... ઓહોહોહો...! ‘જગત’ શબ્દે કેટલું બધું આવે! હવે એ જગતને જાણનાર જ્ઞાનના સામર્થ્યનું શું કહેવું? આમ એકેક શક્તિનો ઘણો અપરિમિત વિસ્તાર છે. (માત્ર પ્રત્યક્ષ અનુભવમાં જ પાર પમાય એમ છે.)

દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીદેવ કહે છે-નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગ ધ્યાનમાં પ્રગટ થાય છે.

दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा।
तम्हा पयत्तचित्ता जूयं झाणं समब्भमसह।।
४७।।

ધર્મીપુરુષ સ્વરૂપમાં જ્યારે ઉપયોગ લગાવે ત્યારે ધ્યાન થાય છે. ધ્યાન તે જ શુદ્ધોપયોગ છે. જ્ઞાયકનું ધ્યાન લગાવતાં આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે, અનુભવમાં આવે છે. મતિ-શ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ છે.

પ્રશ્નઃ– મતિ-શ્રુતજ્ઞાનને તમે પ્રત્યક્ષ કહો છો, પરંતુ તત્ત્વાર્થસૂત્રમાં ‘आद्ये परोक्षम्’ આરંભનાં બે અર્થાત્ મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે એમ કહ્યું છે. તો આ કેવી રીતે છે?

ઉત્તરઃ– તત્ત્વાર્થસૂત્રમાં મતિ-શ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યાં છે તે તો પરને જાણવાની અપેક્ષાએ પરોક્ષ કહ્યાં છે, પોતાને જાણવાની અપેક્ષાએ તો મતિ-શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે. આ વાત એમાં ગર્ભિત છે. વ્યવહારમાં જેમ કહે છે ને કે- આ માણસને મેં પ્રત્યક્ષ જોયો છે, તેમ ભગવાન આત્મા સ્વસંવેદનજ્ઞાનમાં સ્પષ્ટ સ્વયં પ્રકાશમાન થાય છે. શ્રુતપર્યાય અંતરમાં વળીને જ્યાં ચૈતન્યસ્વરૂપને ધ્યેય બનાવે છે ત્યાં તેનું પ્રત્યક્ષ સ્વસંવેદન થાય છે. સ્વાનુભવમાં આત્મા સ્વયં પ્રગટ થાય છે.

મેં રાજાને પ્રત્યક્ષ જોયો એમ કહેવું તે વ્યવહારપ્રત્યક્ષ છે. પરનું જ્ઞાન પણ જેને સ્વરૂપગ્રાહી સત્યાર્થ જ્ઞાન હોય તેને સાચું હોય છે. આ દેવ છે, આ ગુરુ છે, આ શાસ્ત્ર છે-એવું પરસંબંધીનું જ્ઞાન તેને સાચું હોય છે જેને સ્વનું ભાન છે. જેને સ્વનું જ્ઞાન થયું નથી તેને પરનું જ્ઞાન તે જ્ઞાન નથી, એ તો એકાંત પરપ્રકાશક જ્ઞાન છે.

વર્ષો પહેલાં સંપ્રદાયમાં અમે કહ્યું હતું કે-સ્વાનુભવ કરો, સ્વાનુભવ કરવો જોઈએ. સ્વાનુભવ મુખ્ય છે.


PDF/HTML Page 3995 of 4199
single page version

ત્યારે એક ભાઈ કહે-આ સ્વાનુભવની વાત કયાંથી કાઢી? અમારા ગુરુએ તો આવું કદી કહ્યું નથી. અરે ભાઈ! સ્વાનુભવપ્રત્યક્ષ આત્મદ્રવ્ય છે; પરોક્ષ રહે એવો એનો સ્વભાવ નથી. આત્માનો અનુભવ પ્રત્યક્ષ થાય છે. સ્વાનુભવ કાળે આત્મા પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં તન્મય થયો થકો પોતે પોતાને સ્પષ્ટ પ્રત્યક્ષ વેદે છે, ને આનું નામ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને ધર્મ છે. મતિ-શ્રુતજ્ઞાનમાં આ રીતે આત્મા પ્રત્યક્ષ વેદનમાં-જાણવામાં આવે છે.

ઓહો! અંદર તો જુઓ! ભગવાન આત્માની શક્તિ અપરિમિત અપાર છે. આ પ્રકાશશક્તિનાં બે રૂપ-એક ધ્રુવરૂપ તે ધ્રુવ ઉપાદાન, અને પરિણતિ પ્રગટે તે ક્ષણિક ઉપાદાન છે. અહીં શક્તિ ને શક્તિની નિર્મળ વ્યક્તિની વાત છે. ધ્રુવ પણ સ્વાનુભૂતિની પર્યાયમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે.

સમયસાર કળશટીકા, કળશ ૬૦માં કહ્યું છે કે-વસ્તુના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતાં અર્થાત્ ધ્યાવતાં ભિન્ન આત્માનો અનુભવ થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એકલા રાગ અને પુણ્ય-પાપનો વિચાર કરે એ તો પરપ્રકાશક મિથ્યાજ્ઞાન છે. રાગ અને પર્યાય પ્રતિ તો અનાદિથી ઝુકી રહ્યો છે. અહા! તે તરફનું લક્ષ છોડી જ્ઞાનને પોતાના શુદ્ધસ્વરૂપ સન્મુખ ઝુકાવવાથી તે જ્ઞાનની દશામાં આત્મા પ્રત્યક્ષ થાય છે, અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે.

ભાઈ! તારા આત્માનો પ્રકાશસ્વભાવ છે તેમાં પરોક્ષપણાનો અભાવ છે. સમકિતીને આત્મસ્વભાવનું અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન પ્રગટ થયું હોય છે. તેને સાધકદશામાં પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન પ્રગટયું નથી, ને પરોક્ષજ્ઞાન પણ વર્તે છે. સ્વરૂપના ઉગ્ર આલંબને જેમ જેમ તેને આત્માનું પ્રત્યક્ષ સ્વસંવેદન વધતું જાય છે તેમ તેમ પરોક્ષપણું છૂટતું જાય છે ને અંતે પરોક્ષપણાનો સર્વથા અભાવ થઈ પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થાય છે; આ પ્રકાશશક્તિની પરિપૂર્ણ પ્રગટતા છે જેમાં એકલી પૂર્ણ પ્રત્યક્ષતા જ છે. આ રીતે-

-અજ્ઞાનીને સર્વથા પરોક્ષ જ જ્ઞાન હોય છે, -સમકિતીને, સાધકને અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન હોય છે, ને સાથે ક્રમે અભાવરૂપ થતું પરોક્ષપણું પણ હોય છે, ને -કેવળીને સર્વપ્રત્યક્ષપણું-પૂર્ણ પ્રત્યક્ષપણું હોય છે. આવી વાત!

ભાઈ! ગુપ્ત રહે એવું આત્માનું સ્વરૂપ જ નથી. પણ તને અનંતશક્તિસંપન્ન નિજ આત્મદ્રવ્યનો વિશ્વાસ આવે ત્યારે ને? લોકોમાં કહેવાય છે કે વિશ્વાસે વહાણ તરે. તેમ તું અનંતગુણધામ નિજ આત્મદ્રવ્યનો વિશ્વાસ લાવી અંતર્મુખ થા, તેમ કરવાથી આત્માનું વહાણ તરીને પાર ઉતરી જશે. અહા! આ અનંત જન્મ-મરણના અંત કરવાની વાત બાપા! બાકી દયા, દાન આદિ ભાવના ફળમાં તો તું ભવભ્રમણ કરશે. દયા, દાન આદિ ભાવ વડે કદાચ તું સ્વર્ગે જઈશ તો ત્યાં પણ સમ્યગ્દર્શન વિના દુઃખી જ થઈશ અને મરીને અંતે નર્ક-નિગોદમાં ચાલ્યો જઈશ.

ભાઈ! સ્વર્ગના ભવ પણ તે અનંત કર્યા છે. અને ત્યાંથી નીકળી ભવભ્રમણમાં તું નિગોદમાં ઉપજ્યો ત્યાં પણ અનંત ભવ કર્યા, સ્વર્ગ કરતાં એકેન્દ્રિયમાં અસંખ્યગુણાં અનંતા ભવ જીવે કર્યા છે. એક શ્વાસમાં અઢાર ભવ નિગોદમાં થાય છે. આવા અનંત અનંત ભવ નિગોદમાં કર્યા છે. અહા! આવા ભવના દુઃખથી મુક્ત થવું હોય તો અનંત શક્તિવાન એવા ધ્રુવ નિજ આત્મદ્રવ્યમાં દ્રષ્ટિ લગાડી દે. શક્તિ અને શક્તિવાન એવા ભેદનું પણ લક્ષ છોડી ત્રિકાળી દ્રવ્યમાં દ્રષ્ટિ કર, તેથી તારા જ્ઞાનપર્યાયમાં આત્મા પ્રત્યક્ષ થશે. સ્વસંવેદનમાં સ્વયં આત્મા પ્રત્યક્ષ થાય એવો જ એનો પ્રકાશસ્વભાવ છે. સમજાણું કાંઈ...? લ્યો, -

આ પ્રમાણે પ્રકાશશક્તિનું વર્ણન પૂરું થયું.

*
૧૩ઃ અસંકુચિતવિકાસત્વશક્તિ

‘ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત એવા ચિદ્દવિલાસસ્વરૂપ (-ચૈતન્યના વિલાસસ્વરૂપ) અસંકુચિતવિકાસત્વશક્તિ.

અહાહા...! જ્ઞાનસ્વરૂપી અનંતગુણસમુદ્ર પ્રભુ આત્મામાં જેમ જ્ઞાનાદિ છે તેમ તેમાં અસંકુચિતવિકાસત્વ નામની એક શક્તિ છે. એટલે શું? કે એના ચૈતન્યમાં સંકોચ વિના વિકાસ થઈ તે પૂર્ણ વિકસે-વિલસે એવો એનો સ્વભાવ છે. અહાહા...! આત્માનો આવો સ્વભાવ એના અનંત ગુણમાં વ્યાપક છે; જેથી એની પ્રત્યેક શક્તિ-ગુણ સંકોચ વિના પૂર્ણ


PDF/HTML Page 3996 of 4199
single page version

વિકાસરૂપ ખીલી ઉઠે છે. અહા! એના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અસંકુચિત વિકાસમય છે. સમજાય છે કાંઈ...?

ત્યારે કોઈ વળી કહે છે-ભગવાન કેવળી દ્રવ્યોની વર્તમાન વર્તતી પર્યાયને જાણે પણ ત્રિકાળવર્તી સર્વ પર્યાયોને ન જાણે કેમકે એક સમયની વર્તમાન પર્યાય વર્તે છે, પણ ભૂત-ભવિષ્યની પર્યાયો વર્તમાન વર્તતી નથી. પણ આ માન્યતા બરાબર નથી, કેમકે ભગવાન કેવળીની જ્ઞાનશક્તિ સંકોચ રહિત ખીલીને એવી પૂર્ણજ્ઞાનરૂપ- કેવળજ્ઞાનરૂપ થઈ છે કે એક સમયમાં ત્રણે કાળની સમસ્ત પર્યાયોને ભગવાન કેવળી સર્વજ્ઞદેવ પ્રત્યક્ષ જાણે છે. ભગવાન કેવળી વર્તમાન વર્તતી એક સમયની પર્યાયને જ દેખે છે, ને ભૂત-ભાવિની પર્યાયોને દેખતા નથી એમ છે જ નહિ. એમ માને એને ચૈતન્યની શક્તિની ખબર જ નથી. ભાઈ! આમાં એક ન્યાય ફરે તો એમાં આખી વસ્તુ ફરી જાય.

અહાહા...! આત્માની જ્ઞાનશક્તિમાં આ અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે. એમાં અસંકુચિતવિકાસત્વશક્તિ છે એમ નહિ, પણ એમાં અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે. જેમ જ્ઞાનમાં અસ્તિત્વનું રૂપ છે તેમ જ્ઞાનમાં અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે; જેથી જ્ઞાનની શક્તિમાં સંકોચ વિના પૂરણ વિકાસ થાય છે અને ત્રણકાળ ત્રણલોકની પર્યાયોને સંકોચ વિના એક સમયમાં જાણે છે. ચૈતન્યનો પૂર્ણ વિલાસ થતાં જાણવામાં કોઈ ક્ષેત્રની મર્યાદા નથી કે આટલું જ ક્ષેત્ર જાણે, વા કાળની કોઈ મર્યાદા નથી કે આટલા કાળનું જ જાણે; ત્રણકાળ સહિત લોકાલોકને મર્યાદા વિના એક સમયમાં પ્રત્યક્ષ જાણે એવો અપરિમિત પૂર્ણ અનંત જ્ઞાનશક્તિનો વિકાસ ભગવાન કેવળીને થયો હોય છે.

તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે ચાર ઘાતીકર્મોનો નાથ થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પણ આ તો નિમિત્તથી કથન છે, તે યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. વાસ્તવમાં ચાર ઘાતીકર્મોનો ક્ષય કરવો એ આત્માના સ્વરૂપમાં છે જ નહિ. એ તો પોતાનો એવો અસંકુચિતવિકાસત્વ સ્વભાવ છે જે વડે જીવ (-જ્ઞાન) પૂર્ણ વિકાસરૂપ થઈ કેવળજ્ઞાન પ્રગટ કરે છે. પણ અરેરે! અજ્ઞાની પામરને પોતાની પ્રભુતાનો મહિમા બેસવો કઠણ પડે છે, એમ કે આવું તે હોય! પણ અરે ભાઈ! જ્ઞાનમાં સંકોચ રહિત પૂર્ણ વિકાસ થાય એવું અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે, દર્શનમાં પણ સંકોચ ન રહે અને વિકાસ થઈ જાય એવું રૂપ છે, જેથી અસંકોચ-વિકાસરૂપ જે દર્શન તે સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવને પોતાના વિકાસથી દેખે છે.

આત્માનો અતીન્દ્રિય આનંદનો સ્વભાવ છે. તેમાં પણ અસંકુચિતવિકાસત્વશક્તિનું રૂપ છે, જે વડે આનંદસ્વભાવ કોઈ સંકોચ વિના પૂર્ણાનંદસ્વરૂપે પરિણમે છે. વળી જીવમાં અકષાયસ્વરૂપ ચારિત્ર નામનો એક ગુણ છે, તેમાં પણ આ શક્તિનું રૂપ છે, જેથી ચારિત્રની પૂર્ણ રમણતા-સ્થિરતા થઈ પૂર્ણ અકષાયરૂપ ચારિત્ર પ્રગટ થાય છે. જો કે આ શક્તિના અધિકારમાં ચારિત્ર નામની શક્તિ જુદી વર્ણવી નથી, પણ સુખશક્તિમાં શ્રદ્ધા અને ચારિત્ર એ બન્ને શક્તિ સમાડી દીધી છે. ભગવાન સિદ્ધના આઠ ગુણના વર્ણનમાં પણ ચારિત્ર ગુણ જુદો કહ્યો નથી; સમ્યગ્દર્શન અને વીર્ય ગુણનું કથન કર્યું છે ત્યાં શ્રદ્ધામાં ચારિત્રશક્તિ સમાવી દીધી છે.

પરમાત્મપ્રકાશમાં એક દ્રષ્ટાંત આપ્યું છે. વાંસનો મંડપ હોય ત્યાં સુધી વેલ માંડવા ઉપર ચઢે છે, પણ વેલમાં હજી ઉપર જવાની શક્તિ તો ભરી છે. મંડપ વધારે ઊંચો હોય તો વેલ પણ વધારે ઊંચે ચઢે એવી વેલમાં પોતાના કારણે (મંડપના કારણે નહિ) શક્તિ છે. તેમ આ ત્રણકાળ-ત્રણલોકનો મંડપ છે તેને કેવળજ્ઞાન એક સમયમાં જાણે છે. વળી એનાથી અનંતગુણા ક્ષેત્ર ને કાળ હોય તો પણ કેવળજ્ઞાન તેને જાણે એવી તેની અનંત વિકાસરૂપ શક્તિ છે. લોકાલોક એક જ છે, પણ એનાથી અનંતગુણા લોકાલોક હોય તો પણ સંકોચ વિના વિકાસ થઈને કેવળજ્ઞાન તે બધાને જાણી લે એવું તેનું સ્વરૂપ છે. ભાઈ! એક એક ગુણની એક એક પર્યાય સંકોચ વિના પૂર્ણ વિકાસરૂપ થઈ વિલસે એવો આત્માની અસંકોચ-વિકાસશક્તિનો સ્વભાવ છે. ભગવાન! અંદર તારું સ્વરૂપ તો જો.

પં. ફૂલચંદજીએ ‘ખાનિયા તત્ત્વચર્ચા’ ગ્રંથમાં આનું સારું સ્પષ્ટીકરણ કર્યું છે. ભાઈ! વસ્તુસ્થિતિ જ આવી છે. અમે તો સાક્ષાત્ ભગવાન પાસે સાંભળ્‌યું છે. પરંતુ વાત આવી સૂક્ષ્મ છે એટલે લોકોને બેસવી કઠણ પડે છે.

અહા! આત્માનું જ્ઞાન પ્રત્યક્ષ થઈને પરિપૂર્ણ વિકસિત થાય એવો એનો અસંકોચ-વિકાસ સ્વભાવ છે. પણ તે પર્યાયમાં પૂર્ણ વિકાસરૂપ કયારે થાય? કે ત્રિકાળી પ્રત્યક્ષ પરિપૂર્ણ એક જ્ઞાયકભાવનો આશ્રય કરીને પરિણમે ત્યારે પર્યાયમાં પૂર્ણ વિકાસ થાય છે. આ સિવાય જડનો કે વિકારનો આશ્રય કરીને લાભ માને તો પર્યાયમાં વિકાસ ન થાય, વિકાર થાય ને પર્યાય સંકોચરૂપ જ રહે. અહા! જીવની પર્યાયમાં અનાદિથી સંકોચ છે, તે સંકોચ ટળીને સંકોચ રહિત વિકાસ કેમ થાય તે અહીં આચાર્યદેવ બતાવે છે.


PDF/HTML Page 3997 of 4199
single page version

અહા! પ્રભુ! તારામાં જેટલી અનંત શક્તિઓ છે તે બધી સંકોચ વિના વિકાસ પામે એવો પ્રત્યેક શક્તિનો સ્વભાવ છે. જીવત્વશક્તિમાં જ્ઞાન, દર્શન, આનંદ અને સત્તા એવા ચાર ભાવપ્રાણ છે; તેનો સંકોચ વિના પર્યાયમાં વિકાસ થાય એવો જીવત્વશક્તિનો સ્વભાવ છે. સ્વશક્તિને સ્પર્શ કરીને પરિણમતાં જ આત્મા સ્વયં વિકાસ પામે છે. અરે પ્રભુ! તું અંદર જો તો ખરો; તું દીન નથી, ભિખારી નથી, પામર નથી, અધુરો નથી. અહાહા...! અનંત અનંત પ્રભુતાનો સ્વામી સર્વ શક્તિથી ભરપુર પરમેશ્વર છો ને પ્રભુ! અહાહા...! દિગંબર સંતો તને પ્રભુ કહીને બોલાવે છે ને! ગાથા ૭૨ની ટીકા લખતાં આચાર્ય અમૃતચંદ્રસ્વામી તને ‘ભગવાન આત્મા’ કહીને પુકારે છે ને! અહો! અતીન્દ્રિય આનંદના ઝુલે ઝુલનારા વિરાગી દિગંબર સંતો તારા આત્માને ભગવાન કહીને જગાડે છે. જાગ નાથ! જાગ. અંતર-પ્રતીતિ કરી અંતર-રમણતા કરતાં તારામાં (પર્યાયમાં) પરમાત્મપદનો વિકાસ થશે.

પ્રશ્નઃ– હા, પણ આપ મુનિને માનતા નથી ને? ઉત્તરઃ– અરે ભાઈ! અમે તો દિગંબર સંતો-મહામુનિવરોના દાસાનુદાસ છીએ. ત્રણ કષાયના અભાવવાળી અંતરંગમાં અતીન્દ્રિય શાંતિ-આનંદ પ્રગટયાં હોય એવી મુનિદશા તો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. અહા! આવી મુનિદશાને કોણ ન માને ભાઈ? અહા! દિગંબર સંત-મુનિવરોની અંતર્બાહ્ય દશા કોઈ અદ્ભુત અલૌકિક હોય છે. પણ બાહ્ય દ્રવ્યલિંગમાત્ર મુનિપણું નથી. આગમ પ્રમાણે બાહ્ય વ્રતાદિનો સાચો વ્યવહાર હોય તે દ્રવ્યલિંગ છે. પણ આગમ પ્રમાણેનો સાચો વ્યવહારેય ન હોય ત્યાં શું કરીએ? (ભાવલિંગ તો દૂર રહો). ચોકા લગાવી પોતાના માટે બનાવેલો આહાર લે એમાં તો આગમ પ્રમાણેના ચોખ્ખા વ્યવહારનું-દ્રવ્યલિંગનુંય ઠેકાણું નથી. ભાઈ! કોઈનો અનાદર કરવાની કે કોઈને દુઃખ લગાડવાની આ વાત નથી, પણ તારી ચીજ કેવી છે, મોક્ષમાર્ગનું સ્વરૂપ કેવું છે તે પોતાને સમજવા માટેની આ વાત છે.

વળી કોઈ કહે છે -દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય, પણ તેની એ માન્યતા યથાર્થ-સત્યાર્થ નથી. વાસ્તવમાં તેને ત્રિકાળી દ્રવ્ય અને દ્રવ્યની શક્તિની અંતરંગ પ્રતીતિ થઈ નથી. અહીં તો કહે છે -રાગની મંદતાની અપેક્ષા વિના જ પોતાના અનંતા ગુણો સંકોચ વિના પર્યાયમાં વિકાસરૂપે પરિણમે એવો એનો સ્વભાવ છે. અરે ભાઈ! રાગના અભાવસ્વરૂપ વીતરાગતાની (-ચારિત્રની) પૂર્ણ દશા પ્રગટ કરે એવો આત્માનો સ્વભાવ છે, પણ રાગ કરે એવી તો આત્માની કોઈ શક્તિ નથી. પૂર્ણ વિકાસપણે શક્તિ સ્વયં પરિણમે છે ત્યાં વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ વાત જ કયાં રહે છે? અહો! આ તો આચાર્ય અમૃતચંદ્રદેવે અમૃતના દરિયા ભરી દીધા છે.

અહા! ચૈતન્યરૂપ અમૃતનો સાગર પ્રભુ તું આ મૃતક કલેવરમાં કયાં મૂર્ચ્છાઈ ગયો? સમયસાર, ગાથા ૯૬ની ટીકામાં આવે છે કે-અમૃતસાગર પ્રભુ આત્મા મૃતક કલેવરમાં મૂર્ચ્છાઈ ગયો છે. અરે ભાઈ! જેની તું રાતદિન સેવા ને આળપંપાળ કરે છે તે આ શરીર તો જડ, અચેતન, મૃતક કલેવર છે; એમાંથી બળીને રાખ નીકળશે, પણ એમાંથી વિકસીને કેવળજ્ઞાન નહિ નીકળે. માટે દેહની મમતા જવા દે, આ રૂપાળા શરીરના આકારને દેખવું જવા દે, તે તારી ચીજ નથી. અંદર જ્ઞાન, આનંદ આદિ શક્તિ ત્રિકાળ પડી છે તેમાં અંતર્મુખ દ્રષ્ટિ કર અને તેની જ સેવા કર; અહાહા...! તેથી જ્ઞાન ને આનંદની દશાનો વિકાસ થઈ પૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાન અને પૂર્ણ આનંદની પ્રગટતા થશે, અને આ જીવનનું નાવ સંસારસાગર તરીને પાર ઉતરી જશે.

અરે ભાઈ! આ સંકોચરૂપ અલ્પજ્ઞ પર્યાય એ કાંઈ તારા આત્માનો સ્વભાવ નથી. અહાહા...! તારામાં તો સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ આદિ શક્તિઓ પડી છે; વળી તેની પૂર્ણ વિકાસરૂપ સર્વજ્ઞ દશા અને સર્વદર્શી દશા પ્રગટ થાય એવો તારો અસંકોચવિકાસ સ્વભાવ છે. માટે આ અલ્પજ્ઞ દશા અને રાગની દશા જે પામર ચીજ છે તેની પ્રતીતિ જવા દે. હું અલ્પજ્ઞ છું, હું રાગી છું-એવી પ્રતીતિ જવા દે; એ તો મિથ્યા પ્રતીત છે ભાઈ! એવી પ્રતીતિ હોતા તારી સંકોચદશા-હીનદશા કેમ મટશે? અને તને અસંકોચવિકાસ કયાંથી પ્રગટશે? અહાહા...! અંદર વસ્તુ પોતાના પૂર્ણ બેહદ સ્વભાવથી ભરપુર છે એમ વિશ્વાસ લાવી તેમાં તન્મય થઈ પરિણમતાં વસ્તુ અસંકોચવિકાસરૂપ પરિણમી જાય છે. આવો મારગ છે બાપુ!

અહા! આત્માના સ્વભાવની અંતર-દ્રષ્ટિ કરવી અને પોતાની ત્રિકાળી ચીજના બેહદ સામર્થ્યનો વિશ્વાસ કરવો એ કોઈ અલૌકિક ચીજ છે. અહાહા...! જેને ક્ષેત્ર-કાળની કોઈ મર્યાદા નથી એવી અમર્યાદિત જ્ઞાનશક્તિ વિકાસ પામીને સર્વ લોકાલોકને જાણવારૂપે પરિણમે છે. પરમાત્મપ્રકાશમાં જે મંડપ અને વેલનું દ્રષ્ટાંત આપ્યું છે ત્યાં વેલમાં મંડપથી આગળ જવાની શક્તિ નથી એમ નથી, તેમ લોકાલોક છે એનાથી અનંતગુણો હોય તો પણ જ્ઞાનની દશા પૂર્ણ વિકાસરૂપે


PDF/HTML Page 3998 of 4199
single page version

પરિણમીને તેને જાણી લે. અહા! જુઓ, આ અરિહંતનું સ્વરૂપ! અહાહા...! જુઓ, આત્મબાગનો ચિદ્દવિલાસ! લોકો બાગમાં વિલાસ કરવા જાય છે ને! મુંબઈમાં ફૂલઝાડના મોટા બગીચા છે, લોકો સાંજના ત્યાં હવા ખાવા જાય છે. એ ભાવ તો પાપરૂપ છે. આ તો ચૈતન્યવિલાસસ્વરૂપ આત્મબાગમાં અનંત શક્તિઓ અમર્યાદિત વિકાસ પામીને નિર્મળ- નિર્મળ આનંદ આપતી પરિણમે છે એની વાત છે.

અહાહા...! સંકોચ ન રહે અને પૂરણ બેહદ વિકાસ થઈ જાય એવી જીવની શક્તિ છે. જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય, અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તા, કર્મ ઇત્યાદિ એકેક શક્તિ છે તે સંકોચ વિના અપરિમિત વિકાસરૂપે પરિણમે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. જેમ પરમાણુમાં અનંતગુણ લીલી, લાલ આદિ પર્યાય થાય છે તે પોતાના કારણે થાય છે, તેમાં પરનું કારણ બીલકુલ નથી; તેમ ભગવાન આત્મામાં અનંતજ્ઞાન, અનંતસુખ, અનંતવીર્ય આદિ પર્યાય ઉત્પન્ન થાય છે તે પોતાથી થાય છે, તેમાં પરનું રંચમાત્ર પણ કારણ નથી. અરે ભાઈ! એક સમયમાં ત્રણકાળ સહિત લોકાલોકને પૂર્ણ જાણે, તેની ભૂત અને ભવિષ્યની પર્યાયોને પણ વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે તેને સર્વજ્ઞ કહેવામાં આવે છે. અહાહા...! સર્વજ્ઞ એટલે શું? એ તો શક્તિની અમર્યાદિત અસંકુચિતવિકાસરૂપ અવસ્થા છે. સમજાય છે કાંઈ...?

અરે પ્રભુ! કેવી કેવી (-મહા આશ્ચર્યકારી) શક્તિઓનો ભંડાર પ્રભુ તું છો તેની ખબર કરવાને બદલે તું બીજે ક્રિયાકાંડમાં રોકાઈ ગયો! અહા! અનંત અમર્યાદિત મહિમાવંત એવી પોતાની ચીજના ભાન વિના આ તારા વ્રત, તપ આદિ કાંઈ કામના નથી. નિર્જરા અધિકારમાં આચાર્ય ભગવાને પોકારીને કહ્યું છે કે-અજ્ઞાની જીવ આત્માના ભાન વિના વ્રતાદિ ક્લેશ કરે તો કરો, પણ તે વડે તેને સંસારનો નાશ થતો નથી.

અરે ભાઈ! તું અલ્પજ્ઞ રહે, અલ્પદર્શી, અલ્પ વીર્યપણે અને અલ્પ આનંદપણે રહે એવો તારો સ્વભાવ નથી, પણ ભગવાન! તું પૂર્ણાનંદ પ્રભુ પૂર્ણ જ્ઞાનાનંદનો દરિયો છે, અહાહા...! અલૌકિક ચીજ છો તું પ્રભુ! અહા! આવું ભેદજ્ઞાન કરી અંદર અંતર્મુખ વળી અવલોકતાં સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ આદિ અનંત શક્તિમાં સંકોચ વિના પૂર્ણ વિકાસ થાય એવા નિજસ્વભાવની પ્રતીતિ થાય છે. અહાહા...! આમાં આ એક ન્યાય સમજે તો બધા જ ભાવ સમજાઈ જાય એવી વાત છે. અહા! આ અસંકુચિતવિકાસત્વશક્તિ દ્રવ્ય-ગુણમાં તો ત્રિકાળ વ્યાપક છે, અને સ્વસન્મુખતા વડે તેનો સ્વીકાર કરતાં જ તે પર્યાયમાં વ્યાપક થાય છે. અહાહા...! ત્રિકાળી દ્રવ્ય અસંકોચ વિકાસરૂપ, ગુણો અસંકોચ વિકાસરૂપ અને તદ્રૂપ-પરિણત પર્યાય પણ અસંકોચ વિકાસરૂપ!! ગજબ વાત, ભાઈ!

હા, પણ પૂર્ણ વિકસિત જ્ઞાનની પર્યાય પૂર્ણ લોકાલોકને જાણે તેમાં લોકાલોક કારણ છે કે નહિ? ઉત્તરઃ– ના, જરાય નહિ, એ તો નિજ અંતઃપુરુષાર્થના સામર્થ્યથી જ પૂર્ણ વિકસિત જ્ઞાનની દશા લોકાલોકને પ્રત્યક્ષ જાણી લે છે; તેમાં લોકાલોકનું કાંઈ જ કારણપણું નથી. જો લોકાલોક કારણ હોય તો લોકાલોક તો અનાદિ છે અને તેથી કેવળજ્ઞાન-જ્ઞાનની પૂર્ણ વિકસિત દશા-અનાદિ હોવી જોઈએ. પણ એમ તો છે નહિ, કેમકે કેવળજ્ઞાન તો જીવને નવું સાદિ પ્રગટે છે. તેથી સ્પષ્ટ થાય છે કે લોકાલોક જ્ઞાનનું કારણ નથી; વળી તે જ્ઞાનનું કાર્ય છે એમ પણ નથી.

અહા! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતી શક્તિઓ અસંકુચિત વિકાસને પ્રાપ્ત થાય એવો આત્માનો સ્વભાવ છે અને તે સ્વસન્મુખતારૂપ અંતઃપુરુષાર્થ વડે સિદ્ધ થાય છે. આવો મારગ છે; આ સિવાય બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ...? લ્યો,

આ પ્રમાણે અસંકુચિતવિકાસત્વશક્તિનું વર્ણન પૂરું થયું.

*

PDF/HTML Page 3999 of 4199
single page version

‘જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ. (જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું જે એક દ્રવ્ય તે-સ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ.)’

ઓહો...! જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા અનંત શક્તિઓનો એક પિંડ છે. તેમાં જ્ઞાન-દર્શનની જેમ એક અકાર્યકારણત્વ શક્તિ છે. કેવી છે આ? તો કહે છે-‘જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્યકારણત્વ શક્તિ છે.’ શું કીધું આમાં? કે આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયને કોઈ પર વસ્તુ કરે નહિ તેથી આત્મા અકાર્ય છે, ને પરદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયને આત્મા કરે નહિ તેથી આત્મા અકારણ છે. ઓહો...! પરદ્રવ્ય સાથે કાર્ય-કારણભાવ રહિત આત્માનો આ અલૌકિક અકાર્યકારણત્વ સ્વભાવ છે. સમજાણું કાંઈ...?

ત્યારે કોઈ અહીં એમ કહે છે કે-આ તો દ્રવ્યની વાત છે, એમ કે દ્રવ્ય કોઈનું કારણ નહિ અને દ્રવ્ય કોઈનું કાર્ય નહિ એમ અહીં વાત કરી છે.

અરે ભાઈ! તારી આ સમજણ બરાબર નથી, કેમ કે પ્રસ્તુત વિષય દ્રવ્યની શક્તિને લગતો છે. અહા! શક્તિ જેની છે એવા શક્તિવાન, દ્રવ્યનો અનુભવ થતાં પર્યાયમાં પણ અકાર્યકારણ દશા પ્રગટ થઈ જાય છે. અહા! જે પર્યાય દ્રવ્યના આશ્રયે પ્રગટ થઈ તે પરનું-રાગનું કારણ નથી અને તે પરનું-રાગનું કાર્ય પણ નથી. જેમ દ્રવ્ય- ગુણ કોઈનું કારણ નથી અને કોઈનું કાર્ય પણ નથી તેમ તેની જે પર્યાય પ્રગટ થાય છે તે પર્યાય પણ કોઈ પરનું કારણ નથી ને કોઈ પરનું કાર્ય પણ નથી. આ અકાર્યકારણત્વ શક્તિ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપ્ત થઈ જાય છે. સમજાણું કાંઈ...?

દ્રવ્ય-ગુણ તો પરથી ન થાય, પણ પર્યાય પરથી થાય એમ માનવા તું પ્રેરાય છે, પણ ભાઈ! એમ વસ્તુ નથી. આ અકાર્યકારણ સ્વભાવ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહાહા...! દ્રવ્ય અકાર્યકારણસ્વભાવમય, ગુણ અકાર્યકારણસ્વભાવમય અને પર્યાય પણ અકાર્યકારણસ્વભાવમય છે. અહો! જેમ દ્રવ્ય-ગુણ અન્ય વડે કરાય નહિ તેમ પર્યાય પણ અન્ય વડે કરાતી નથી એવો આ વસ્તુનો અલૌકિક સ્વભાવ છે. પર્યાય સમયે સમયે નીપજતું નવું કાર્ય છે એ બરાબર, પણ તેથી કાંઈ તે બીજા વડે કરાય છે એમ કયાંથી આવ્યું? કારણ વિના કાર્ય ન હોય એ ખરું, પણ તે કારણ પોતામાં હોય કે પરમાં? કાર્ય પોતામાં ને કારણ પરમાં-એમ છે નહિ, એ જિનમત નથી.

અરે ભાઈ! જો પોતાનું કાર્ય પર-બીજો કરે તો પરાધીન એવો પોતે પોતાનું હિત કેવી રીતે કરી શકે? અને જો પોતે પરનાં કાર્ય કરે તો પોતાનું કાર્ય કોણ કરે? ને કયારે કરે? ભાઈ! પોતાના કાર્યનું કારણ પોતામાં જ છે, પરની સાથે પોતાને કાર્યકારણપણું છે જ નહિ-આવો જ વસ્તુનો સ્વભાવ છે.

આચાર્યદેવે આ અકાર્યકારણત્વ શક્તિ ૭૨મી ગાથાની ટીકામાંથી કાઢી છે. અમે સમ્મેદશિખરજીની યાત્રામાં ગયેલા ત્યારે ત્યાં ૭૨મી ગાથા ઉપર પ્રવચનો થયેલાં. ભાઈ! આ અકાર્યકારણત્વ શક્તિ છે તે દ્રવ્ય-ગુણમાં તો ત્રિકાળ વ્યાપક છે જ, પણ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થતાં તે પર્યાયમાં પણ વ્યાપક થાય છે. અહાહા...! દરેક ગુણની પરિણતિ પરનું કારણેય નહિ ને પરનું કાર્ય પણ નહિ-એમ આ શક્તિ છે તેનો વિકાસ-વિસ્તાર થાય છે. ભગવાનને જે કેવળજ્ઞાનની દશા પ્રગટ થઈ તે કાંઈ ચાર ઘાતીકર્મનો નાશ થયો માટે પ્રગટ થઈ છે એમ નથી. પં. ફુલચંદજીએ જૈન તત્ત્વમીમાંસામાં બરાબર ખુલાસો કર્યો છે કે-ચાર ઘાતીકર્મનો નાશ થઈને તેની અકર્મરૂપ દશા થઈ છે, જે કર્મરૂપ પર્યાય હતી તે અકર્મરૂપ પર્યાય થઈ. (કાંઈ કેવળ જ્ઞાનરૂપ થઈ છે એમ નથી) કેવળજ્ઞાન તો જીવના ગુણની દશા છે. તેથી ઘાતીકર્મના નાશથી કેવળજ્ઞાન પ્રગટ થયું છે એમ નથી.

તો શાસ્ત્રમાં એમ કહ્યું છે ને? એ તો નિમિત્તનું (નિમિત્તની મુખ્યતાથી) કથન છે ભાઈ! પં. શ્રી ફુલચંદજીએ ખાનિયા તત્ત્વચર્ચામાં દરેક વિષય બહુ સારી રીતે સ્પષ્ટ કર્યો છે. આ એક ઐતિહાસિક તત્ત્વચર્ચા બની છે. અરે ભાઈ! વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ સમજવાથી વિતરાગતા સિદ્ધ થાય છે; કાંઈ વાદ વિવાદે આ વાત પાર પડે એમ નથી. કોઈને જુઠા પાડવા અને પોતાની વાત સાચી માનવી એવી વાત અહીં નથી.


PDF/HTML Page 4000 of 4199
single page version

અહીં તો કહે છે-આત્માનો એવો અકાર્યકારણ સ્વભાવ છે કે જેથી તેની સ્વાશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે રાગનું કાર્ય નથી. વ્યવહાર (વ્યવહાર રત્નત્રય) છે માટે નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. વ્યવહાર રત્નત્રય કારણ ને નિશ્ચય રત્નત્રયની નિર્મળ પર્યાય કાર્ય એમ નથી. તેમ આત્મા (નિર્મળ પર્યાય) રાગનું-વિકારનું કારણેય નથી. આત્મા સંસારની ઉત્પત્તિનું કારણ નથી. આવી વસ્તુસ્થિતિની મર્યાદા છે ભાઈ! દ્રવ્ય સત્, ગુણ સત્ ને પર્યાય પણ સત્ છે; ત્રણે સ્વતંત્ર છે. તેથી નિશ્ચયે પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે, કોઈ બીજું (અન્ય દ્રવ્ય) કારણ છે માટે તે ઉત્પન્ન થાય છે એમ છે નહિ.

નિશ્ચયથી તો એમ છે કે સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાનની જે પર્યાય ઉત્પન્ન થઈ તે તેની જન્મક્ષણ છે. તેની ઉત્પત્તિનો તે કાળ હતો માટે તે પર્યાય ત્યાં ઉત્પન્ન થઈ છે; તે તેની કાળલબ્ધિ છે. તે સમયે ભવ્યતાનો ભાવ ઉત્પન્ન થવાનો કાળ હતો માટે તે પર્યાય પોતાથી પ્રગટ થઈ છે, પરનું એમાં જરાય કારણપણું નથી. જુઓ, સ્વસ્વરૂપમાં લીન-સ્થિર થાય ત્યારે ચારિત્રમોહકર્મનો નાશ થાય છે. ત્યાં ચારિત્રમોહકર્મના નાશનું કાર્ય કાંઈ જીવનું કાર્ય નથી. (જીવનું કાર્ય તો સ્વરૂપલીનતા છે). તેમ ચારિત્રમોહકર્મનો અભાવ થયો તે કારણ અને સ્વરૂપલીનતારૂપ નિર્મળ ચારિત્ર તે કાર્ય એમ પણ નથી.

હા, પણ નિમિત્ત તો છે ને? અરે ભાઈ! નિમિત્ત છે એનો અર્થ શું? એ છે બસ એટલું જ, બાકી નિમિત્ત કાંઈ કરે છે એમ છે નહિ. જુઓને, આ ચોક્ખું તો કહ્યું છે કે-જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્યસ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ ત્રિકાળ જીવદ્રવ્યમાં પડેલી છે. હવે આમ છે ત્યાં નિમિત્ત-પરવસ્તુ ઉપાદાનમાં શું કરે? કાંઈ જ ના કરે. વાસ્તવમાં એકેક સમયની પર્યાય પોતે જ પોતાના કારણ-કાર્યપણે વર્તે છે. પરમ શુદ્ધદ્રષ્ટિમાં તો કાર્ય- કારણના ભેદ જ નથી, ભેદ પાડવો તે વ્યવહાર છે.

અહીં દ્રવ્યની શક્તિની વાત કરી છે, પણ દ્રવ્યમાં જે શક્તિ છે તે પર્યાયમાંય વ્યાપે છે. અહાહા...! ત્રિકાળી શક્તિવાન નિજ દ્રવ્યનો જ્યાં સ્વાભિમુખપણે સ્વીકાર થયો ત્યાં શક્તિ પર્યાયમાં વ્યાપી જાય છે. તેથી પર્યાયમાં પણ પરનું કાર્ય-કારણપણું નથી અહાહા...! જેણે અકાર્યકારણરૂપ દ્રવ્ય સ્વભાવ સ્વીકાર્યો તે પર્યાય પણ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થયેલી છે, તેથી તે પર્યાય પણ પરનું કાર્ય-કારણ નથી. અહા! દ્રવ્યનો-દ્રવ્ય સ્વભાવનો જેમાં નિર્ણય થયો તે પર્યાય છે તે પ્રગટેલી પર્યાય એમ જાણે છે કે હું આનંદની મૂર્તિ ચિદાનંદઘન પ્રભુ રાગનું કારણેય નથી અને રાગનું કાર્ય પણ નથી. રાગ રાગના કારણે થયો છે અને આનંદ આનંદના કારણે. સમજાણું કાંઈ...?

ત્યારે કોઈ કહે છે-રાગનું કારણ જડ કર્મ તો છે ને? તો એ વાત પણ નથી. જડ કર્મ નિમિત્ત હો, પણ નિમિત્ત નિમિત્તમાં સ્વતંત્ર છે અને રાગ રાગના કારણે સ્વતંત્ર થાય છે. અહા! ગજબ વાત છે ભાઈ! કોઈ જડની અવસ્થા કે રાગની અવસ્થાનું આત્મા કારણ નથી, કાર્ય પણ નથી. આવો વસ્તુસ્વભાવ છે.

સમયસારની ૭૨મી ગાથામાં આવે છે કે-આસ્રવો આકુળતાના ઉત્પન્ન કરનારા છે તેથી દુઃખના કારણ છે, અને ભગવાન આત્મા તો સદાય નિરાકુળ-સ્વભાવને લીધે કોઈનું કારણ નથી, કોઈનું કાર્ય નથી. લ્યો, આમાંથી આચાર્યદેવે આ અકાર્યકારણત્વ શક્તિ કાઢી છે. કોઈ ઇશ્વર જગતને બનાવે એ વાત તો દૂર રહો, અહીં તો કહે છે- આત્મા પરદ્રવ્યને કરે અને પરદ્રવ્ય આત્માને કરે એવું પરસ્પર કાર્ય-કારણપણું નથી. ભાઈ! આ તો તું ન્યાલ થઈ જાય એવી વાત છે. અજ્ઞાની પણ પરનું કાંઈ કરે છે એમ નથી, એ તો હઠથી હું પરનું કરું છું એમ (મિથ્યા) માને છે બસ, બાકી વસ્તુનો અકાર્યકારણસ્વભાવ તો જેમ છે તેમ છે; એનો અંતરમાં સ્વીકાર કરે તે જ્ઞાની છે. આવી વાત!

પ્રશ્નઃ– તો તત્ત્વાર્થ રાજવાર્તિકમાં બે કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે એમ કથન છે ને? ઉત્તરઃ– એ તો કાર્ય થયું ત્યારે નિમિત્ત કોણ છે તેનું જ્ઞાન કરાવવા માટે ત્યાં એ વાત કરી છે. પર્યાય કોઈનું કારણ નહિ અને કાર્ય પણ નહિ એ મૂળ વાતને રાખીને પછી ત્યાં નિમિત્ત કોણ છે તેનું પ્રમાણજ્ઞાન કરાવવા બે કારણથી કાર્ય થાય છે એમ કહ્યું છે. નિશ્ચયથી પર્યાય પોતાથી પ્રગટ થાય છે, પર તેનું કારણ-કાર્ય નથી એ વાત રાખીને પ્રમાણ, નિમિત્તનું જ્ઞાન કરાવે છે; બાકી નિશ્ચયને જૂઠો માનીને (ઉડાડીને) નિમિત્તનું જ્ઞાન કરાવે તો તે સાચું પ્રમાણજ્ઞાન જ નથી, એ તો મિથ્યાજ્ઞાન છે. આવી વાત! સમજાણું કાંઈ...?

અકાર્યકારણત્વશક્તિની વ્યાખ્યામાં જે ‘એક દ્રવ્યસ્વરૂપ’ એવો શબ્દ છે તેથી કેટલાકને એમ લાગે છે કે આ તો