Pravachan Ratnakar (Gujarati). 7 PrabhutvaShakti; 8 VibhutvaShakti; 9 SarvadarshitvaShakti; 10 SarvagnatvaShakti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 199 of 210

 

PDF/HTML Page 3961 of 4199
single page version

वंदित्तु सव्वसिध्दे धुवमचलमणोवमं गदिं पत्ते।
वोच्छामि समयपाहुडमिणमो सुदकेवली भणिदं।।

કહે છેઃ- શ્રુતકેવળીઓએ કહેલા આ સમયસાર નામના પ્રાભૃતને કહીશ. આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ એમ અર્થ કર્યો છે કે કેવળી અને શ્રુતકેવળીનું કહેલું આ સમયપ્રાભૃત કહીશ.

નિયમસારની પ્રથમ ગાથામાં શ્રીમદ્ ભગવત્ કુંદકુંદાચાર્યદેવ કહે છેઃ-
वोच्छामि णियमसारं केवलि सुद केवली भणिदं।।

કેવળી અને શ્રુતકેવળીનું કહેલું નિયમસાર હું કહીશ. કેવું છે નિયમસાર? કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું છે, ભાઈ! કેવળી પરમાત્માએ સાક્ષાત્ કહેલું આ શાસ્ત્ર છે. વળી શ્રી કુંદકુંદાચાર્યદેવ વિદેહમાં પધાર્યા હતા તે સંબંધી દેવસેનાચાર્યરચિત દર્શનસાર શાસ્ત્રમાં આ લેખ છેઃ

“(મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?”

આ પ્રમાણે આચાર્ય કુંદકુંદદેવ ભગવાન પાસે સાક્ષાત્ જઈને આ બોધ લાવ્યા છે. તેમાં અહીં કહે છેઃ- સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે. અહાહા...! સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતારૂપ જે શુદ્ધ ચૈતન્યપરિણતિની રચના થાય તે કહે છે, વીર્યશક્તિનું કાર્ય છે. આત્મા પોતે પોતાની વીર્યશક્તિ વડે શુદ્ધ વીતરાગ પરિણતિની રચના કરે છે. આ શુદ્ધ પરિણતિ વ્રતાદિ પ્રશસ્ત રાગનું કાર્ય હોય એમ કદીય નથી. અહા! જેમ આત્મામાં વીર્ય ગુણ છે તેમ એક અકાર્યકારણત્વ નામનો ગુણ છે. વીર્યગુણમાં આ અકાર્યકારણત્વનું રૂપ છે, જેથી સ્વરૂપની રચના થાય તેમાં વ્યવહાર રત્નત્રયનો રાગ કારણ અને સ્વરૂપની રચના થાય તે તેનું કાર્ય એમ કદીય નથી. અહા! આત્મા રાગનું કારણ પણ નથી અને કાર્ય પણ નથી. ચૈતન્ય-ચૈતન્યભાવ કારણ ને રાગ તેનું કાર્ય એમ કદીય નથી. લ્યો, આવું સ્પષ્ટ વસ્તુસ્વરૂપ હોવા છતાં વ્યવહારથી નિશ્ચય થાય એમ બધી ગરબડ અત્યારે ચાલે છે; પણ ભાઈ! રાગભાવ તો પામરતા છે, તેનાથી પ્રભુતા કેમ પ્રગટ થાય? અને નિર્મળાનંદનો નાથ આત્મા ચિદાનંદ પ્રભુ છે તે રાગભાવરૂપ ક્લેશને કેમ રચે?

પહેલાં શરાફને ત્યાં કોઈ વાર ખોટો રૂપિયો કયાંકથી આવી જાતો તો તેને બહાર ફરતો મૂકવામાં ન આવતો, પણ દુકાનના ઉંબરામાં ખીલીથી જડી દેવાતો. તેમ આ ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવની શરાફી પેઢી છે; તેમાં ખોટી વાત ચાલવા ન દેવાય. પરમાત્માની સત્યાર્થ વાત અહીં સંતો આડતિયા થઈ જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે-ભગવાન! તારામાં વીર્ય નામનો જે ગુણ છે તેનું રૂપ આત્માના બીજા અનંત ગુણોમાં છે. તેથી અનંતા ગુણો પોતાના વીર્યથી પોતાના સ્વરૂપની-સમ્યગ્દર્શનાદિની રચના કરે છે, પણ વિકારની રચના કરતા નથી. ભાઈ! તારો વીર્યગુણ સ્વભાવથી જ એવો છે કે આત્મા કોઈ પરની કે વિકારની રચના કરી શકે નહિ. જો વીર્ય ગુણ વિકારને- રાગાદિને રચે તો તે સદાય રાગાદિને રચ્યા કરે! -તો પછી આત્માની રાગરહિત વીતરાગ મુક્તદશા કેવી રીતે થાય? તેથી પરવસ્તુમાં કાંઈ કરે કે વિકારને રચે એવું ખરેખર આત્માનું બળ-વીર્ય નથી. વળી સ્વરૂપની-સમ્યગ્દર્શનાદિની રચના જે થાય તે પરનું કે રાગનું કાર્ય નથી. પરવસ્તુ (દેવાદિ) કે રાગાદિભાવ (વ્યવહાર રત્નત્રય) સ્વરૂપરચનાનું કારણ નથી. અહો! કોઈની પણ ઓશિયાળ ન રહે એવો આત્માનો વીર્યગુણ અલૌકિક છે! સમજાણું કાંઈ...? માટે સાવધાન થઈ સ્વરૂપની સંભાળ કર.

પ્રશ્નઃ– જો આત્મા પરનું કાંઈ ન કરે તો આ જગતની રચના કોણ કરે? સમાધાનઃ– અરે ભાઈ! છ દ્રવ્યમય આ લોક છે તે અકૃત્રિમ છે, સ્વયંસિદ્ધ છે, કોઈ એનો રચનારો છે એમ છે જ નહિ. આત્મા પરની રચના કરે એમ માનવું એ તો મહામૂઢતા છે. અજ્ઞાનીઓ જ કોઈ પરને (ઇશ્વરને) જગતનો રચનારો માને છે; બાકી જેમને અનંતઆત્મબળ-અનંતવીર્ય પ્રગટયું છે એવા અરહંત કે સિદ્ધ ભગવાન પણ પરની રચના કરવાનું સામર્થ્ય ધરાવતા નથી. પોતાના સ્વરૂપની રચના કરવાનું પૂરણ અનંત સામર્થ્ય છે, પણ પરનું કાંઈ પણ કરવામાં તેઓ પંગુ છે, અર્થાત્ લેશપણ સામર્થ્ય ધરાવતા નથી.

વળી આત્મા પોતે જ પોતાની પર્યાયની રચના વીર્યશક્તિ વડે કરે છે, કોઈ ઇશ્વર કે પર નિમિત્ત આત્માની- પર્યાયની રચના કરે એમ ત્રણ કાળમાં નથી. અહા! આવી વીર્યશક્તિ આત્મામાં ત્રિકાળ છે. આવી પોતાની વીર્યશક્તિ


PDF/HTML Page 3962 of 4199
single page version

જાણી અભેદ ચિન્માત્ર નિત્યાનંદસ્વરૂપ આત્મવસ્તુમાં તન્મય થઈ પ્રવર્તવું તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે.

પ્રશ્નઃ– વીર્યગુણ વિકારને રચતો નથી, તો પછી વિકાર થાય છે કેમ? ઉત્તરઃ– અનાદિકાળથી જીવ અજ્ઞાની પર્યાયદૃષ્ટિ છે. તે પર્યાયબુદ્ધિથી જ વિકારને ઉત્પન્ન કરે છે. પર્યાયબુદ્ધિમાં જ વિકારની રચના છે. પોતે જ્યાંસુધી પરમાં ને પર્યાયમાં અટકયો છે ત્યાં સુધી વિકારની રચના થાય છે. બાકી સ્વભાવમાં વિકાર નથી, ને સ્વભાવ-દૃષ્ટિમાં-દ્રવ્યદૃષ્ટિમાં વિકારની રચના થતી નથી. આત્માની વીર્યશક્તિ સ્વભાવદૃષ્ટિ થતાં સ્વરૂપની-નિર્મળ નિર્મળ પર્યાયની જ રચના કરે છે. માટે હે જીવ! પર્યાયબુદ્ધિનો ત્યાગ કરી સ્વભાવની દૃષ્ટિ કર. અરે ભાઈ! તારા સ્વભાવવીર્યમાં ચૈતન્યની જેટલી શક્તિઓ છે તે બધાનું રૂપ છે. દૃષ્ટિમાં જ્યાં શુદ્ધ અંતઃતત્ત્વનો સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં અનંતગુણોની નિર્મળ પર્યાયનું કાર્ય પ્રગટ થાય છે, ને આ નિર્મળ પર્યાય તે મોક્ષમાર્ગ છે. (પર્યાયબુદ્ધિ તે સંસારમાર્ગ છે).

પંડિત દીપચંદજી કાશલીવાલે ‘ચિદ્દવિલાસ’ ગ્રંથમાં વીર્યશક્તિનું બહુ વર્ણન કર્યું છે. દ્રવ્યવીર્ય, ગુણવીર્ય, પર્યાયવીર્ય, ક્ષેત્રવીર્ય, કાળવીર્ય, તપવીર્ય, ભાવવીર્ય ઇત્યાદિ ત્યાં વિશેષ (વાત) છે. દ્રવ્ય દ્રવ્યથી શક્તિવાન છે, પર્યાય પર્યાયથી શક્તિવાન છે ઇત્યાદિ. દ્રવ્યનું (-આત્માનું) જે અસંખ્યપ્રદેશ ક્ષેત્ર છે તે ક્ષેત્રવીર્ય છે. આ ક્ષેત્રવીર્ય પોતાથી રહ્યું છે. નરક દુઃખનું ક્ષેત્ર છે, સ્વર્ગ સંસારસુખનું ક્ષેત્ર છે-એ તો સંયોગથી ક્ષેત્રની વાત છે. ભગવાન આત્માનું અસંખ્યપ્રદેશ-ક્ષેત્ર છે તે ક્ષેત્રવીર્ય છે. આ અસંખ્યપ્રદેશરૂપ વીર્ય સુખસ્વરૂપ છે. અસંખ્યપ્રદેશમાં જેનો નિવાસ-વાસ્તુ છે તેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે, અને પુણ્ય-પાપરૂપ રાગાદિમાં જેનો નિવાસ છે તેને દુઃખનું વેદન થાય છે. આવો ભગવાનનો મારગ બહુ ઝીણો-સૂક્ષ્મ!

આત્મા પોતે સૂક્ષ્મ છે. આત્મામાં સૂક્ષ્મત્વ નામનો ગુણ છે ને! તેથી આત્માની દરેક ચીજ સૂક્ષ્મ છે. જ્ઞાનસૂક્ષ્મ, દર્શનસૂક્ષ્મ, આનંદસૂક્ષ્મ, વીર્યસૂક્ષ્મ ઇત્યાદિ બધું સૂક્ષ્મ છે. તેવી રીતે વીર્યનું રૂપ પણ દ્રવ્યવીર્ય, ક્ષેત્રવીર્ય, કાળ (પર્યાય) વીર્ય ને ભાવવીર્ય ઇત્યાદિપણે છે. આમ દીપચંદજીએ ખૂબ વિસ્તારથી વાત કરી છે. અહાહા...! દીપચંદજી સાધર્મી ગૃહસ્થ હતા. લોકમાં કોઈ કરોડપતિ આસામીને ગૃહસ્થ કહે તે નહિ, એ તો ખરો ગૃહસ્થ નથી; આ તો પોતાના ચૈતન્યઘરમાં જે સ્થિત છે તે સાચો ગૃહસ્થ એમ વાત છે. પોતાના ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થઈ સ્થિત થવું તે આત્મવીર્ય છે. પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પોતાનું કામ કરે તે પોતાનું વીર્ય છે; પુણ્ય-પાપમાં સ્થિત થાય તે આત્મવીર્ય નથી.

દ્રવ્યના આલંબનથી જે મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય પ્રગટ થાય તે પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને દ્રવ્ય-ગુણનું ક્ષેત્ર ભિન્ન છે. દ્રવ્યાનુયોગની વાત બહુ સૂક્ષ્મ છે ભાઈ! સંવર અધિકારમાં આવ્યું છે કે-વિકાર જુદી વસ્તુ છે, તેનું ક્ષેત્ર દ્રવ્ય-સ્વભાવથી ભિન્ન છે. પર્યાયનું ક્ષેત્ર પર્યાય, પર્યાયની શક્તિ પર્યાય, પર્યાયનું કારણ પર્યાય છે. દ્રવ્ય-ગુણ તે પર્યાયનું ખરેખર કારણ નથી. સર્વજ્ઞ પરમેશ્વર સિવાય આવી વાત બીજે કયાંય છે નહિ. અહા! સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા જોયો તેની આ વાત છે. એક સ્તવનમાં આવે છે ને કે-

પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતા હો લાલ;
નિજસત્તાએ શુદ્ધ, સૌને દેખતા હો લાલ.

હે પરમાત્મા! આપ ત્રણકાળ ત્રણલોક દેખો છો. તેમાં આત્મા નિજ સત્તાએ શુદ્ધ પવિત્રધામ પ્રભુ છે એમ આપ જાણો છો. અનાદિઅનંત અકારણ શુદ્ધ ચૈતન્યસત્તાસ્વરૂપ જીવવસ્તુ છે એમ આપે કેવળજ્ઞાનમાં જોયું છે. અહા! સર્વજ્ઞ પરમાત્માએ જોયેલા આવા આત્માને-નિજ શુદ્ધ અંતઃતત્ત્વને-અંતર્મુખ થઈ દેખે છે તેને સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે, આનું નામ આત્મવીર્યની સ્ફુરણા છે. બાકી જે પુણ્યભાવમાં સ્થિત રહે છે તેનું આત્મવીર્ય સ્વરૂપની રચના પ્રતિ જાગ્રત થતું નથી, તેને સંસાર અર્થાત્ દુઃખ જ ફળે છે, કેમકે પુણ્યભાવ છે તે વર્તમાન દુઃખરૂપ છે અને એનાં જે ફળ પાકે છે એય દુઃખરૂપ છે. સમયસારની ગાથા ૭૪માં આવે છે કે-આસ્રવો-‘दुक्खा दुक्खफल त्ति...’ અર્થાત્ આસ્રવો દુઃખરૂપ અને દુઃખ ફળરૂપ છે. આથી જ વિવેકી પુરુષો પુણ્યભાવથી પણ વિરક્ત થઈ નિજ આત્મવીર્યને સ્વરૂપની રચના પ્રતિ જાગ્રત કરે છે. આનું નામ પુરુષાર્થ છે અને આ માર્ગ છે.

આ પ્રમાણે છટ્ઠી વીર્યશક્તિ અહીં પૂરી થઈ.

*

PDF/HTML Page 3963 of 4199
single page version

૭ઃ પ્રભુત્વશક્તિ

‘જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત્ કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાતંત્ર્યથી (-સ્વાધીનતાથી) શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વશક્તિ.’

અહાહા...! જુઓ, આ પ્રભુત્વશક્તિ! આ તો અલૌકિક વાત પ્રભુ! આ અધ્યાત્મવાણી છે. અહાહા...! ભગવાન જૈન પરમેશ્વરે કહેલી ભગવાન આત્માની ભગવાન થવાની આ ભાગવતકથા છે. નિયમસારમાં કહ્યું છે કે- આ ભાગવતશાસ્ત્ર છે. કળશ ટીકામાં આવે છે કે-આ શાસ્ત્ર પરમાર્થરૂપ છે, વૈરાગ્ય-ઉત્પાદક છે, ભારત-રામાયણ પેઠે રાગવર્ધક નથી. આ શાસ્ત્ર વીતરાગભાવની પ્રેરનારી રામાયણ અને ભાગવત કથા છે.

અહીં કહે છે- ‘જેનો પ્રતાપ અખંડિત છે...’ કોનો? કે આત્મદ્રવ્યમાં એક પ્રભુત્વ નામની શક્તિ છે તેનો પ્રતાપ અખંડિત છે, અબાધિત છે. અહાહા...! પ્રભુત્વશક્તિ કહો કે ઇશ્વરશક્તિ કહો કે પરમેશ્વરશક્તિ કહો-બધું એક જ છે. તે પોતાના પ્રભુપદ-પરમાત્મપદને ભૂલી ગયો છે. ભાઈ! આ તું જેનું સ્મરણ કરે છે તે વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સાચા પરમેશ્વર છે, પણ તે પર હોવાથી તેમના સ્મરણ આદિ વડે રાગ જ ઉત્પન્ન થાય છે. પણ જો કોઈ તેમને જોઈને પોતાના ચૈતન્યપરમેશ્વરને યાદ કરી લે છે, જાણી લે છે તો તેને ભવના અભાવના બીજ રૂપ સમ્યગ્દર્શન આદિ પ્રગટ થાય છે, ઓહો! જેણે પોતાના પ્રભુને-ચૈતન્ય મહાપ્રભુને અંતરમાં દીઠા તેને પર્યાયમાં પ્રભુતા પ્રગટ થાય છે.

સમયસારની ગાથા ૩૮માં કહ્યું છેઃ- “જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર-(સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (-તેમાં તન્મય થઈને) જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. ... આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો.”

અહાહા...! પોતાની પ્રભુતાનું ભાન થયું અર્થાત્ પોતે જ પોતાનો પરમેશ્વર છે એમ જાણ્યું તો મોહનો નાશ થઈને અખંડ પ્રતાપથી સ્વાધીન શોભાયમાન નિજ ચૈતન્ય પરમેશ્વરનાં જ્ઞાન-શ્રદ્ધાન અને આચરણ ઉદય પામ્યાં. આનું નામ ધર્મ અને આ મોક્ષમાર્ગ. સમજાણું કાંઈ...?

અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ અનંત ગુણરત્નોથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. તેમાં જેમ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણો છે તેમ પ્રભુત્વ નામનો એક ગુણ છે. અહા! આ પ્રભુત્વ ગુણ બીજા અનંત ગુણમાં વ્યાપક છે. જ્ઞાનમાં પ્રભુત્વ, દર્શનમાં પ્રભુત્વ, આનંદમાં પ્રભુત્વ, વીર્યમાં પ્રભુત્વ, અસ્તિત્વમાં પ્રભુત્વ, કર્તા, કર્મ, કરણ આદિ ષટ્કારક શક્તિઓમાં પ્રભુત્વ-એમ અનંતગુણમાં પ્રભુત્વ વ્યાપક છે. અહાહા...! આ પ્રભુત્વશક્તિ દ્રવ્યમાં વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે, ને અખંડ પ્રતાપથી સ્વાધીન શોભાયમાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની દૃષ્ટિ થતાં પર્યાયમાં પણ વ્યાપક થાય છે. આમ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં-ત્રણેયમાં પ્રભુત્વશક્તિ વ્યાપે છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે ય અખંડ પ્રતાપથી સ્વાધીન શોભી ઊઠે છે. અહા! એના પ્રતાપને તોડી શકે એવી કોઈ ચીજ જગતમાં નથી. ગાથા ૩૮ની ટીકામાં આવ્યું ને કે-

“આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જો કે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે તો પણ, કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખેડીને-ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.”

જુઓ, આ અપ્રતિહત શ્રદ્ધાન ને અપ્રતિહત વીર્ય! અંતરમાં પ્રભુતા પ્રગટ થઈ પછી એના પ્રતાપને કોણ તોડી-હણી શકે? અહા! પોતાના પરમેશ્વરના ભેટા થયા એ દશાની શી વાત!

પ્રશ્નઃ– પણ આકરાં કર્મ ઉદયમાં આવે તો?-તો આત્માને લૂંટી જાય ને? ઉત્તરઃ– આકરાં કર્મ ઉદયમાં આવે તો આત્માને લૂંટી જાય એ વાત બરાબર નથી. કેટલાક લોકો કહે છે કે કર્મ


PDF/HTML Page 3964 of 4199
single page version

જીવને હેરાન કરે છે, કર્મ વેરી છે, જીવને લૂંટી લે છે, પણ તેમની એ વાત ખોટી છે; કેમકે કર્મ તો જડ અને પર છે. એ પરદ્રવ્ય તો જીવના દ્રવ્ય-ગુણ-પર્યાયને સ્પર્શ સુધ્ધાં કરતાં નથી તો પછી તે જીવને હેરાન કરે ને લૂંટી લે એ વાત કયાં રહે છે? ભાઈ! આ તારી ઉંધી માન્યતાનું શલ્ય જ તને હેરાન કરે છે. ભાઈ! ભગવાન આત્માનો પ્રતાપ અખંડિત છે, કોઈથી બાધિત ન થાય એવો અબાધિત છે તેની તને ખબર નથી. તે અખંડિત છે કેમકે તે સ્વાધીન છે. હા, જેમ ભરત ચક્રવર્તીનો પ્રતાપ બાહુબલી વડે ખંડિત થયો તેમ મોટા રાજા-મહારાજાઓનો પ્રતાપ ખંડિત થાય, કેમકે તે પુણ્યકર્મને આધીન છે; પણ આ ચૈતન્યચક્રવર્તી-ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્માનો પ્રતાપ કોઈથી ખંડિત ન થાય તેવો અખંડિત, સ્વાધીન છે. અહા! જેને અંતરમાં પોતાનું પ્રભુત્વ ભાસ્યું, પરમેશ્વર સ્વરૂપ ભાસ્યું તેને આકરાં કર્મ ને આકરા પરિષહ આદિ શું કરે? કર્મ તો એની સામે બિચારાં છે. એક પદમાં આવે છે ને કે-

કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ;
અગ્નિ સહૈ ઘનઘાત, લોહ કી સંગતિ પાઈ.
અહીં પ્રભુત્વ શક્તિમાં ચાર બાબતો બતાવી છેઃ
૧. પ્રતાપ (જયવંત તેજ)
૨. અખંડિતતા
૩. સ્વાતંત્ર્ય અર્થાત્ સ્વાધીનપણું
૪. શોભા, શોભાયમાનપણું.

આ પ્રમાણે ભગવાન આત્મા ચૈતન્ય-પ્રભુ સ્વાધીનપણે પોતાના અખંડિત પ્રતાપ વડે નિત્ય શોભાયમાન છે તે તેનું પ્રભુત્વ છે. ગુજરાતી ભાષામાં એક કવિએ (દલપતરામે) લખ્યું છે-

પ્રભુતા પ્રભુ તારી તો ખરી,
મુજરો મુજ રોગ લે હરી.

જો કે કવિએ તો કોઈ બીજા પ્રભુને (જગત-પરમેશ્વરને) લક્ષ કરીને આ ભાવ પ્રગટ કીધો છે, પણ અહીં એ વાત નથી. અન્ય કોઈ પરમેશ્વર આનો રોગ હરી લે એ જૈનમત નથી. અહીં તો આત્મા પોતે જ રાગ અને અજ્ઞાનના રોગને હરી લે એવો પ્રભુ છે એમ વાત છે. અહાહા...! અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન ભગવાન આત્મા પોતે જ જન્મ-મરણના રોગને હરી લે એવો પ્રભુ છે. ભાઈ!-

- તારું આત્મદ્રવ્ય અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન, - તારા ગુણ અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન, ને - સ્વ-આશ્રયે પ્રગટ થયેલી તારી પર્યાય પણ અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન છે. અહા! દ્રવ્ય-

ગુણ-પર્યાય ત્રણેમાં પ્રભુતા વ્યાપી છે. અહાહા...!

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેમાં પ્રભુતા વ્યાપક છે. અહા! તેની પ્રભુતાને કોઈ આકરા ઉપસર્ગ અને પરિષહ, આકરો કર્મોદય ખંડિત કરી શકે નહિ એવું તેનું સ્વરૂપ છે. અહા! તારા દ્રવ્ય-ગુણ-પર્યાયની પ્રભુતામાં અશુદ્ધતાનો અભાવ છે, કેમકે અશુદ્ધતા તો બહાર ને બહાર છે. તે શું કરે? ઊલટું પ્રગટ થયેલી પ્રભુતા વૃદ્ધિગત થઈ અશુદ્ધતાના-રાગના ખંડ-ખંડ કરી દે એવો તેનો સ્વભાવ છે. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– હા, પણ તે અશુદ્ધતા નામ વ્યવહાર રત્નત્રયનો રાગ પ્રભુતાનું સાધન તો છે ને? ઉત્તરઃ– ના, એમ નથી; કેમકે કોઈપણ રાગ છે તે પામરતા છે, ને પામરતા પ્રભુતાનું સાધન થાય એમ બની શકે નહિ. તેને સાધન કહીએ એ તો ઉપચારમાત્ર છે. ત્રિકાળી દ્રવ્યમાં ને શ્રદ્ધા, જ્ઞાન, આનંદ આદિ ગુણોમાં તો પ્રભુતા ત્રિકાળ ભરી જ છે, અને તેની વર્તમાન દશા તો ત્રિકાળીની સન્મુખ દૃષ્ટિ કરી, તેમાં રમણતા કરતાં પ્રગટ થાય છે, કાંઈ વ્યવહાર રત્નત્રયના રાગથી પ્રગટ થાય છે એમ નથી. ભાઈ! ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આલંબન વડે જ અખંડ પ્રતાપથી શોભિત પ્રભુતા પ્રગટ થાય છે; તે કાળે વ્યવહારનો રાગ હો ભલે, પણ તે આત્મા માટે કાંઈ જ લાભદાયક નથી. આવી વાત છે. સમજાણું કાંઈ...?


PDF/HTML Page 3965 of 4199
single page version

અહાહા...! આત્મદ્રવ્ય અને તેની એકેક શક્તિ અને તેની નિર્મળ વ્યક્તિની પ્રભુતાનો અખંડ પ્રતાપ છે, અને તે સ્વતંત્ર-સ્વાધીનપણે શોભાયમાન છે. જુઓ, આ શોભા-શણગાર! આ શરીર પર ઘરેણાંનો શણગાર કરે છે ને! એ તો ધૂળે ય શણગાર નથી સાંભળને; એ તો મડદાનો-માટીનો શણગાર છે. દેહનાં શણગાર-શોભા એ કાંઈ આત્માની શોભા નથી, ને દેહના નેહરૂપ પરિણમે એ પણ આત્માની શોભા નથી. અહાહા...! દેહ અને રાગથી ભિન્ન અંદર ચૈતન્ય ચિદાનંદ પ્રભુ છે તેની સન્મુખ થઈ પરિણમે તે આત્માની શોભા છે, અને તે ધર્મ છે. અહા! જુઓ તો ખરા! ભાવલિંગી મુનિરાજ દેહની શોભાથી (સંસ્કારથી) રહિત છે. અહા! તેઓ આહાર લેવા માટે નગરમાં જાય ને કોઈ રુદન સંભળાય તો આહાર લીધા વીના જ વનમાં પાછા ફરી જાય છે. અહા! સ્વાધીનપણે શોભિત મોક્ષમાર્ગને સાધવા નીકળ્‌યા ત્યાં આ અશોભનિક શું? અહા! આનંદનો ભંડાર ખોલવો છે ત્યાં આ દેહને શું ભરવો? લ્યો, આમ વિચારી દુઃખનો ચિત્કાર સાંભળતાં જ આહાર લીધા વિના જ વનમાં ચાલ્યા જાય છે અને સ્વસ્વરૂપમાં લીન થઈ જાય છે.

ઓહો! અંદરમાં ત્રણલોકનો નાથ ભગવાન વિરાજે છે, પણ ભાઈ! તને તેની કિંમત નથી. કોઈ લાકડાં વેચનારા એક કઠિયારાને જંગલમાંથી એક હીરો જડયો. તેણે ઘેર આવીને પોતાની સ્ત્રીને તે આપ્યો અને કહ્યું-આ પથ્થર ખૂબ ચમકદાર છે એટલે હવે આપણે ગ્યાસતેલનો દીવો નહિ કરવો પડે. એક દિવસ એક હીરા-પારખુ (ઝવેરી) તેના ઘર આગળ થઈ નીકળ્‌યો. તેણે હીરાનો પ્રકાશ જોયો. તેણે કઠિયારાને કહ્યું-મને આ ચમકતો પથ્થર આપ, તેના બદલામાં હું તને એક હજાર સોનામહોર આપું. ત્યારે કઠિયારાને ખબર પડી કે આ પથ્થર તો સર્વ દરિદ્રતાનો નાશ કરે એવો મહા કિંમતી હતો. ‘અનુભવ પ્રકાશ’માં આ દૃષ્ટાંત આવ્યું છે. તેમ અહીં કહે છે-ભાઈ! આ આત્મા ચૈતન્ય-હીરલો છે. એના ચૈતન્યપ્રકાશમાં આખું લોકાલોક જણાય એવું તેનું પ્રભુત્વ છે. તેના દ્રવ્ય-ગુણમાં તો પ્રભુતા ભરી જ છે, પણ તેના જ્ઞાન-શ્રદ્ધાનરૂપ જે નિર્મળ પરિણમન થાય તે પણ અખંડ પ્રતાપથી શોભાયમાન છે. સાથે અતીન્દ્રિય આનંદની પર્યાય ઉત્પન્ન થાય તેમાં પણ પ્રભુતાનો અખંડ પ્રતાપ શોભે છે. અહા! સ્વાધીનપણે શોભિત જ્ઞાન-આનંદની દશાની પ્રભુતાને કોઈ લૂંટી કે નુકસાન કરી શકે એમ નથી.

જુઓ, સમ્યગ્દર્શન કેમ થાય એની આમાં વાત છે. કહે છે-સમ્યગ્દર્શનની પર્યાય સ્વતંત્રપણે-સ્વાધીનપણે શોભાયમાન થઈને પ્રગટ થાય છે. આવું જ તેનું પ્રભુત્વ છે. શુભરાગ-વ્યવહારના કારણે સમ્યગ્દર્શન પ્રગટ થાય એમ કદી ય છે નહિ, કેમકે શુભરાગ પરાવલંબી છે, સ્વાલંબી-સ્વાધીન નથી. તેવી રીતે શુદ્ધ રત્નત્રયરૂપ ચારિત્રની દશા પણ સ્વાધીનપણે પ્રગટ થાય છે, વ્યવહાર રત્નત્રયના કારણે કાંઈ ચારિત્ર પ્રગટે છે એમ નથી. વ્યવહાર રત્નત્રય એ કાંઈ વાસ્તવિક રત્નત્રય નથી, ચારિત્ર નથી; એ તો પરાવલંબી રાગની જ દશા છે.

અહાહા...! સાધુ-મુનિવર-સંત તો પંચ પરમેષ્ઠીપદમાં વિરાજે છે. તેઓ લોકમાં પૂજનીક છે, વંદનીક છે. ‘णमो लोए सव्वसाहूणम्’ એમ પાઠ છે ને? મતલબ કે પ્રચુર વીતરાગી આનંદની દશા જેને અંતરંગમાં પ્રગટ થઈ છે એવા ચારિત્રવંત સર્વ નિગ્રંથ સાધુઓને નમસ્કાર છે. અહાહા...! ચારિત્ર એટલે શું? સમકિતીને સ્વભાવનો અતિ ઉગ્ર આશ્રય અને રમણતા થતાં ચારિત્ર પ્રગટ થાય છે. ‘स्वरूपे चरणं चारित्रं’ અહાહા...! એ ચારિત્રની દશા અખંડિત પ્રતાપવાળા સ્વાતંત્ર્યથી શોભાયમાન પ્રભુત્વમય છે. સમજાણું કાંઈ...?

ભગવાન આત્મા ચૈતન્યશાળી છે. ચૈતન્યશાળી એટલે ચૈતન્યવંત અને ચૈતન્યવડે શોભાયમાન એમ બે અર્થ થાય છે. લોકમાં કરોડોની સંપત્તિવાળાને ભાગ્યશાળી-ભાગ્ય વડે શોભાયમાન-કહે છે. પણ જડ સંપત્તિથી કાંઈ જીવની શોભા નથી, અને તેના તરફનો મમતાનો ભાવ તે મહા અશોભનીક પાપભાવ છે. અરે, ધર્મી પુરુષોને તો પંચ પરમેષ્ઠી ભગવંતો પ્રતિ જે વિનય-ભક્તિનો ભાવ આવે છે તે ય પોસાતો નથી, હેય ભાસે છે. યોગસારમાં આવે છે ને કે-

પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુદ્ધ કોઈ

પ્રવચનસારની ગાથામાં (ગાથા ૭૭) આ સ્પષ્ટ કહ્યું છે કે પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે એમ જે બેમાં (પુણ્ય-પાપમાં) ભેદ માને છે તે મોહાચ્છાદિત થયો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમે છે. સમયસાર પુણ્ય-પાપ અધિકારમાં પણ આવે છે કે-શુભાશુભભાવ બન્ને કુશીલ છે. શુભભાવ પણ કુશીલ છે. જે ભાવ જીવને સંસારમાં દાખલ કરે તેને સુશીલ કેમ કહીએ? શુભભાવ જીવને સંસારમાં પ્રવેશ કરાવે છે. તેનું ફળ ભવસંસાર જ છે. તેથી શુભભાવ શોભનીક નથી. જે ભાવથી ભવનો અભાવ થાય તે શુદ્ધભાવ જ એક ઉપાદેય અને શોભનીક છે. ધર્મી પુરુષને શુભભાવ


PDF/HTML Page 3966 of 4199
single page version

હો ભલે, પણ તેને એક શુદ્ધોપયોગની જ ભાવના હોય છે.

અહાહા...! ભગવાન કેવળી કહે છે-ભાઈ! તારી આત્મવસ્તુમાં એક પ્રભુત્વશક્તિ છે. ત્યાં આ શક્તિ અને શક્તિવાન એવા ભેદનું લક્ષ મટાડી અભેદ એક ત્રિકાળી શુદ્ધ ચિન્માત્ર વસ્તુનું લક્ષ કરતાં તારી પ્રભુત્વશક્તિ અખંડિત પ્રતાપ સહિત તત્કાલ પ્રગટ થાય છે. અહાહા...! તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. અહાહા...! દ્રવ્યમાં પ્રભુત્વ, ગુણોમાં પ્રભુત્વ અને પર્યાયમાં પ્રભુત્વ પ્રગટે છે; અર્થાત્ તારી પ્રભુત્વશક્તિ ક્રમે નિર્મળ-નિર્મળ એવી પરિણમે છે કે એનો પ્રતાપ કોઈથી નિવારી શકાતો નથી. જુઓ, -

- આ દેવ-ગુરુ આદિ પંચ પરમેષ્ઠી ભગવંતો પરદ્રવ્ય હોવાથી તારા આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય એકેયમાં

વ્યાપતા નથી,

-વળી દેવ-ગુરુ પ્રત્યેનો વિનય-ભક્તિ આદિનો શુભરાગ-વિકાર તે ય આત્માના દ્રવ્ય-ગુણમાં વ્યાપતો નથી,

એક સમયની પર્યાયમાં તે વ્યાપે છે તોપણ તે સર્વ પર્યાયોમાં વ્યાપતો નથી. જ્યારે-

-ધર્મી પુરુષને આ પ્રભુત્વ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. અહાહા...! તેથી પોતાના દ્રવ્ય-ગુણમાં વ્યાપક એવી પ્રભુત્વશક્તિ વડે પ્રભુ! તારું જીવન ચૈતન્યના અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન થાય તે જ જીવનની વાસ્તવિક શોભા છે, ઉજ્જ્વળતા છે. આ સિવાય બીજા કોઈથી તારી શોભા નથી.

અરે, અજ્ઞાની જીવો પોતાને પામર માનીને બેઠા છે. અમે તો ગરીબ છીએ, સંસારી-રાગી છીએ, અલ્પજ્ઞ છીએ, અમે શું પુરુષાર્થ કરીએ? આમ અજ્ઞાનીઓ દીનતા કરી રહ્યા છે. તેમને અહીં કહે છે-ભાઈ! તારું સ્વરૂપ અંદર અનંત પ્રભુતાથી વિરાજે છે. તારા એકેક ગુણમાં પ્રભુત્વ શક્તિ ભરી છે. અહાહા...! અનંત અનંત પ્રભુતાથી ભરેલો હું ચૈતન્ય મહાપ્રભુ છું એમ ભાન કરી અંતર-લક્ષ કરતાં જ પર્યાયમાં પ્રભુતા ઊછળે છે; સાથે જ્ઞાન, દર્શન આદિ અનંતી શક્તિઓ નિર્મળ ઊછળે છે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.

તો જ્ઞાની પણ પોતાને અલ્પજ્ઞ અને પામર જાણે છે તે કઈ રીતે છે? ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિને દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં પ્રભુતા વ્યાપી છે. તથાપિ પૂર્ણ દશા પ્રગટી નથી, પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન થયાં નથી, તો જેટલી વર્તમાન દશા અધૂરી છે તેટલી ત્યાં પામરતા અને અલ્પજ્ઞતા છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે. આ સ્યાદ્વાદ છે. પૂર્ણ પરમાત્મદશા પ્રગટી નથી તે અપેક્ષાએ સાધક પોતાની પર્યાયને પામર જાણે છે. આ તેનો પર્યાય-વિવેક છે.

સમકિતી પોતાના આત્માને તૃણ સમાન સમજે છે-એમ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે. ત્યાં અંતરંગમાં પ્રભુતાની પ્રતીતિ સહિત પર્યાયના વિવેકની વાત છે. એમ કે-કયાં દિવ્ય કેવળજ્ઞાન? અને કયાં મારી અલ્પજ્ઞ દશા? અહાહા...! -આમ વિવેક કરીને દ્રવ્યના આશ્રયે પૂરણ દશા પ્રગટ કરવાની ધર્મી પુરુષ ભાવના ભાવે છે. ભાઈ! જો એકલી જ પામરતા માને, અને અંતરંગ પ્રભુતા ન ઓળખે તો પામરતા દૂર કરી પ્રભુતા કયાંથી લાવે?

સમ્યગ્દ્રષ્ટિને પોતાના સ્વરૂપનો અનુભવ થતાં જ નિજ પૂર્ણાનંદ પ્રભુની અંતર-પ્રતીતિ થાય છે, અને તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. પરંતુ જ્યાં સુધી પૂરણ ચારિત્રની દશા-પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી કિંચિત્ રાગ આવે છે. તે રાગને તે પામરતા સમજે છે. અહાહા...! ચારિત્રવંત મહા મુનિવરની આનંદની રમણતાની દશા કયાં? અને મારી વર્તમાન વર્તતી ચોથા ગુણસ્થાનની દશા કયાં?

શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા; તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. અત્યારે તેમને ક્ષાયિક સમકિત છે; અને આગળ જતાં કેવળજ્ઞાન પ્રગટ કરશે. તેઓ હમણાં જાણે છે કે અમારી વર્તમાન દશા પામર છે. અહા! કયાં ચારિત્રવંત મહા મુનિવરોની દશા? કયાં કેવળજ્ઞાનની દશા? અને કયાં અમારી વર્તમાન અલ્પજ્ઞ દશા? આવો સાધકદશામાં ધર્મીને પર્યાયનો વિવેક હોય છે.

ધવલમાં એવો પાઠ છે કે-સ્વભાવના આશ્રયે મતિ-શ્રુતજ્ઞાનની જે વર્તમાન દશા પ્રગટ થઈ છે તે કેવળજ્ઞાનને બોલાવે છે. એટલે શું? કે વર્તમાન સમ્યક્જ્ઞાનની દશા કેવળજ્ઞાનના સ્વરૂપને જાણે-ઓળખે છે અને તે જ વધતી-વધતી


PDF/HTML Page 3967 of 4199
single page version

કેવળજ્ઞાનરૂપ થઈ જશે. અહો! સંતોએ શું કમાલ કામ કર્યાં છે! એકવાર સાંભળ, નાથ! તારા દ્રવ્ય-ગુણ-પર્યાયનું સંરક્ષણ અને સંવર્ધન કરનાર તું પોતે જ છો, ક્ષેમનો કરનાર તું પોતે તારો નાથ છો.

પતિ પત્નીનો નાથ કહેવાય છે, કેમકે પત્ની પાસે જે સંયોગ છે તેની તે રક્ષા કરે છે, અને જે (કપડાં, દાગીના વગેરે) નથી તે મેળવી આપે છે. તેમ જે જ્ઞાન-શ્રદ્ધાન-આનંદની નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેની રક્ષા કરે અને અનંતકાળમાં જે કેવળજ્ઞાન નથી મળ્‌યું તે મેળવી આપે-એવો ક્ષેમનો કરનારો તું પોતે જ તારો નાથ છો. તારી રક્ષા કરનાર બીજો કોઈ પ્રભુ છે એમ છે નહિ.

અહાહા...! મતિજ્ઞાન કેવળજ્ઞાનને કહે છે-આવ રે કેવળજ્ઞાન આવ! અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ-ધર્મી વિચારે છે -અહો! ધન્ય આ અવતાર! મારી ઋદ્ધિનું પ્રભુત્વ મારી પર્યાયમાં પ્રગટ થયું છે, પણ પૂર્ણ દશાની પ્રગટતા થવી હજી બાકી છે. દ્રવ્ય અને ગુણ તો પૂર્ણ છે, પણ જેવો-કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત પ્રભુતા આદિ પૂર્ણ વૈભવ છે તે સઘળો અહાહા...! મારી પર્યાયમાં શીધ્ર પ્રગટો! લ્યો, આમ મતિજ્ઞાન પોકારે છે. અહા! ધર્મીને -સમ્યગ્દ્રષ્ટિને અપૂર્ણતા રહે (કિંચિત્ પામરતા રહે) તેનું પોસાણ નથી. સમજાય છે કાંઈ...?

આત્મામાં ષટ્કારકરૂપ છ શક્તિઓ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ -એમ આ છ શક્તિઓ સ્વાધીનપણે શોભાયમાન છે; કેમકે તેઓ પોતાના પ્રભુત્વમય છે અર્થાત્ તેમાં પ્રભુત્વ ગુણ વ્યાપક છે. જેથી તેઓ પોતાનું કર્મ (-કાર્ય) નિપજાવવામાં પરાધીન નથી, પરની અપેક્ષારહિત સ્વાધીન છે. કર્તા સ્વાધીન, કર્મ સ્વાધીન, કરણ સ્વાધીન એમ છએ કારકશક્તિ સ્વાધીન છે. અહા! આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કર્મ નીપજે તેને જીવ પોતે ષટ્કારકપણે પરિણમીને સ્વાધીનપણે પ્રાપ્ત થાય છે, તેમાં રાગ કે નિમિત્ત-પરવસ્તુની અપેક્ષા નથી. નિયમસારની બીજી ગાથામાં (ટીકામાં) કહ્યું છે કે નિશ્ચય રત્નત્રય પરમ નિરપેક્ષ છે, વ્યવહાર રત્નત્રયના વિકલ્પની, પર નિમિત્તની કે ભેદ-વિકલ્પની -કોઈની તેને અપેક્ષા નથી. આવું પ્રભુતાથી ભરેલું વસ્તુ તત્ત્વ સ્વાધીન છે ભાઈ! લોકમાં જેમ રાજા સ્વાધીન શોભાયમાન હોય છે ને! તેમ વસ્તુતત્ત્વ સ્વાધીન શોભાયમાન છે. સમયસાર ગાથા ૧૭- ૧૮માં આત્માને ચૈતન્ય રાજા કહ્યો છે. અહાહા...! રાજા એટલે શું? ‘राजते शोभते इति राजा’ - જે અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભે છે તે રાજા છે. અહાહા...! આ ચૈતન્યરાજા પોતાની અનંત ગુણપર્યાયથી અનિવારિત જેનું તેજ છે એવા પ્રતાપથી સ્વાધીન શોભાયમાન છે. સમજાણું કાંઈ...?

જુઓ, પંડિત દીપચંદજી સાધર્મી ગૃહસ્થ હતા. તેમણે ‘પંચસંગ્રહ’ ગ્રંથ લખ્યો છે. તેમાં શૃંગાર આદિ આઠ રસનું બહુ તાત્ત્વિકરીતે અનોખું વર્ણન કર્યું છે. ત્યાં તે લખે છે-આનંદરસકંદ પ્રભુ આત્માની અનંતશક્તિનું પરિણમન થાય તે શૃંગારરસ છે. આ વ્યવહાર રત્નત્રય તે આત્માનો શૃંગાર નથી, એ તો રાગ નામ દુઃખ છે. ત્યાં તેઓ લખે છે-આત્મા ગૃહસ્થ છે, બ્રહ્મચારી છે ઇત્યાદિ વિસ્મયકારી વાતો ત્યાં દર્શાવી છે.

અહાહા...! એક સમયની દર્શનની પર્યાય લોકાલોકને ભેદ પાડયા વિના સામાન્ય દેખે, તે જ સમયે જ્ઞાનની પર્યાય આ જીવ છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદ છે-એમ ભેદ પાડીને જાણી લે છે. અહાહા...! દર્શનની પર્યાય બધું અભેદ સામાન્યરૂપે દેખે, ને જ્ઞાનની પર્યાય તે જ કાળે સ્વ-પર બધાને ભિન્નભિન્નપણે ભેદ પાડીને જાણે. અહો! આવો ચમત્કારી અદ્ભુત રસ આત્મામાં છે. આમ અદ્ભુત રસ, શૃંગારરસ વગેરે આત્મામાં એકીસાથે સ્વતંત્ર શોભે છે તે આત્માનું પ્રભુત્વ છે.

આત્મા દ્રવ્ય-વસ્તુ છે. તેમાં સંખ્યાએ એક, બે, ત્રણ-એમ અનંત શક્તિ છે. દ્રવ્ય એક અને શક્તિ અનંત. તેમાં એની પ્રભુત્વશક્તિ અખંડિત પ્રતાપમય સ્વાતંત્ર્યથી શોભાયમાન છે. આ પ્રભુત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં-ત્રણેમાં વ્યાપે છે, પણ તે પર્યાયના કાળને આઘોપાછો કરવા સમર્થ નથી. નિયત ક્રમમાં જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય છે.

પ્રશ્નઃ– દરેક પર્યાય થવાની હોય તે નિયત ક્રમમાં ક્રમબદ્ધ થાયતો પુરુષાર્થ કરવાનો કયાં રહ્યો? ઉત્તરઃ– દ્રવ્યમાં જે સમયે જે પર્યાય પ્રગટ થવાની હોય તે સમયે તે જ પ્રગટ થાય એવો યથાર્થ નિર્ણય કરનારની દ્રષ્ટિ પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યદ્રવ્ય ઉપર જ હોય છે. દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર જાય ત્યારે જ ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. આ નિર્ણયમાં દ્રવ્યદ્રષ્ટિનો અનંતો સમ્યક્ પુરુષાર્થ છે; કેમકે દ્રવ્યદ્રષ્ટિ તે જ સમ્યક્ દ્રષ્ટિ છે. પ્રત્યેક સમયે દ્રવ્યમાં જે પર્યાય પ્રગટ થાય છે તે તેની જન્મક્ષણ છે એમ પ્રવચનસારમાં (ગાથા ૧૦૨ માં) પાઠ છે. એટલે


PDF/HTML Page 3968 of 4199
single page version

શું? કે તેને કોઈ પરવસ્તુની-નિમિત્તાદિની અપેક્ષા નથી. નિમિત્ત આવે તો થાય એમ માનનાર તો એકાંત નિમિત્તવાદી અજ્ઞાની છે. નિમિત્તની તો શું? પ્રગટ થતી-ઉત્પાદરૂપ થતી-પર્યાયને પૂર્વ પર્યાયના વ્યયની પણ અપેક્ષા નથી. નિમિત્ત છે, પૂર્વ પર્યાયનો વ્યય છે (નથી એમ વાત નથી), પણ ઉત્પાદરૂપ પર્યાયને તેની અપેક્ષા નથી. અહો! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય આવી બીજે ક્યાંય વાત નથી.

પ્રશ્નઃ- પણ આવું સમજવામાં તો કેટલો બધો વખત જાય? ઉત્તરઃ– અરે! સંસારના ભણતર પાછળ કેટલો વખત કાઢે છે? વળી વિદેશમાં ભણવા જાય છે ને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પણ આ લૌકિક ભણતર શું કામ આવે? (સંસાર વધારવા સિવાય) કાંઈ જ કામ ન આવે. માટે આ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ ક્રોડ ઉપાય કરીને પણ કરવો જોઈએ. છહઢાલામાં કહ્યું છે ને કે-

‘કોટિ ઉપાય બનાય ભવ્ય તાકો ઉર આનો.’

‘સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા’ નામના ગ્રંથમાં ગાથા ૩૨૧-૩૨૨-૩૨૩માં શ્રી કાર્તિકેય સ્વામીએ કહ્યું છે કે- સર્વજ્ઞદેવે જે જીવને જન્મ, મરણ, સુખ, દુઃખ આદિ જે દેશમાં, જે કાળે, જે વિધિથી થવાનું નિયત જાણ્યું છે તે જીવને તે દેશમાં, તે કાળે, તે વિધિથી તે તે થાય જ છે; તેમાં ઇન્દ્ર કે જિનેન્દ્ર-કોઈ કાંઈ ફેરફાર કરવા સમર્થ નથી. આ પ્રમાણે જે નિશ્ચયથી સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને જાણે છે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ છે, અને જે શંકા કરે છે તે કુદ્રષ્ટિ અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ છે. અહા! દરેક દ્રવ્યની, દરેક ગુણની જે કાળે જે પર્યાય થવાયોગ્ય હોય તે કાળે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે એમ યથાર્થ જાણનારનું લક્ષ પર્યાય ઉપર ન રહેતાં ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ઉપર જાય છે અને એ જ સ્વભાવ-દ્રષ્ટિનો સમ્યક્ પુરુષાર્થ છે, આ રીતે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવામાં ભેગો પુરુષાર્થ આવી જ જાય છે. માટે ક્રમબદ્ધ માનવાથી પુરુષાર્થ ઊડી જાય છે એવી શંકા કરવી યોગ્ય નથી. ભાઈ! નિયત ક્રમ છોડીને કોઈ પ્રકારે (નિમિત્તાદિ વડે) પર્યાય યથેચ્છ આઘીપાછી થવાનું તું માને પણ એ તો મિથ્યાદર્શન છે અને તારી એવી ચેષ્ટા મિથ્યા પુરુષાર્થ-મિથ્યા વિકલ્પ સિવાય કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– હા, પણ પ્રવચનસારમાં નય પ્રકરણમાં કાળનય અને અકાળનય એમ બન્નેનું વિધાન છે. તેથી એકાંતે બધું ક્રમનિયત-ક્રમબદ્ધ માનવું યોગ્ય નથી.

ઉત્તરઃ– પ્રવચનસારમાં ૪૭ નયનો અધિકાર છે; તેમાં કાળનય અને અકાળનયની વાત આવી છે. ત્યાં ૩૦મા કાળનયથી કથન કરતાં કહ્યું છે કે-

“આત્મદ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે, ઉનાળાના દિવસ અનુસાર પાકતા આમ્રફળની માફક.”

મતલબ કે જે કાળે જે પર્યાય થવાની હોય તે કાળે તે થાય એનું નામ કાળનય છે. વળી, ત્યાં ૩૧મા અકાળનયથી વર્ણન કરતાં કહ્યું છે કે-

“આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે, કૃત્રિમ ગરમીથી પકવવામાં આવતા આમ્રફળની માફક.”

અહીં બન્ને-કાળનય અને અકાળનય-એક જ કાર્ય પ્રતિ પોતપોતાની વિવક્ષા રજૂ કરે છે. જેમ કાળનયમાં કાળની વિવક્ષા છે તેમ અકાળનય તે જ કાર્ય પ્રતિ અન્ય હેતુઓ-સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્તની વિવક્ષા દર્શાવે છે. અહીં અકાળનયનો એવો અર્થ કયાં છે કે પર્યાય થવાની હોય તે ન થતાં આઘી-પાછી થાય કે બીજી થાય? અકાળનો અર્થ એમ છે કે સ્વભાવ, પુરુષાર્થ, નિયત અને નિમિત્ત-એ બધા પણ પર્યાય થવાના કાળે સાથે જ છે; બાકી પર્યાય થવા યોગ્ય હોય તે આગળ-પાછળ થાય કે બીજી થાય એવો તેનો અર્થ નથી. વાસ્તવમાં પ્રત્યેક પર્યાય પોતાના નિયતક્રમમાં જ પ્રગટ થાય છે અને તે કાળે બાહ્ય અને અભ્યંતર સામગ્રીનો સહજ જ યોગ હોય છે.

એક પંડિત અહીં આવેલા. અહીંની વાત સાંભળી તેઓ બહુ ખુશી થયેલા. પોતે બહુ નરમ માણસ હતા. તેમણે પંચાધ્યાયીનો હિંદીમાં અનુવાદ કર્યો છે. તેમાં ભૂલ રહી ગયેલી તે બતાવી તો બોલ્યા, -અમારી ભૂલ હોય તો સુધરાવો, મહારાજ! ત્યાં પંચાધ્યાયીમાં (તેમણે) એમ વાત કરી છે કે બુદ્ધિપૂર્વકનો રાગ છઠ્ઠા ગુણસ્થાને હોય છે અને અબુદ્ધિપૂર્વકનો રાગ સાતમા ગુણસ્થાને હોય છે. પરંતુ આ કથન, કીધું, સદોષ છે. છઠ્ઠા ગુણસ્થાનમાં જ ખ્યાલમાં આવે એવો જે રાગ


PDF/HTML Page 3969 of 4199
single page version

છે તે બુદ્ધિપૂર્વકનો રાગ છે, અને તે જ વખતે (છટ્ઠે ગુણસ્થાને) ખ્યાલમાં ન આવે એવો રાગ છે તે અબુદ્ધિપૂર્વકનો રાગ છે. સાતમા ગુણસ્થાને એકલો અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે, આમ યથાર્થ સમજવું.

જુઓ, સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧ની ટીકામાં આચાર્ય અમૃતચંદ્રદેવે ક્રમબદ્ધ વિષે સ્પષ્ટ વાત કરી છે. ત્યાં કહ્યું છે-“પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી.” મૂળ સંસ્કૃત ટીકામાં ‘ક્રમનિયમિત’ શબ્દ પડયો છે. એટલે દ્રવ્યમાં પ્રગટ થતા પ્રત્યેક પરિણામ ક્રમથી નિશ્ચિત તેના ક્રમમાં થવાના કાળે જ પ્રગટ થાય છે, આઘા-પાછા થતા નથી. ભાઈ! આ તો ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવની વાણીમાં ઝરેલું પરમામૃત છે. એના રસપાન વિના બધું થોથાં છે. શું થાય? અત્યારે તો બધા પંડિતોનું ભણતર જ નિમિત્તાઘીન બુદ્ધિવાળું છે, એમ કે નિમિત્તથી થાય; પણ પરથી પરનું પરિણમન ન થાય એવો અભ્યાસ જ નથી, પછી સ્વાનુભવ તો કયાંથી થાય?

આ વાત સાંભળીને પં. દેવકીનંદન બોલેલા કે-સંતો આગમચક્ષુ હોય છે એ વાત હવે બરાબર સમજાય છે. ભાઈ! ગમે તેમ કરીને જીવનમાં આ વાત સમજવા જેવી છે હોં. અહાહા...! અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કરવાની તારી તાકાત છે. માટે આ મને ન સમજાય એવું શલ્ય છોડીને અભ્યાસ કર, જરૂર તને સ્વાનુભવ પ્રગટ થશે. સમયસારના એક કળશમાં કહ્યું છે કે-એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો (-તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદય-સરોવરમાં જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે? ભાઈ! પ્રાપ્તિ થાય જ એવી આ વાત છે. પોતે જાગતો ઊભો છે તે કયાં જાય? પ્રાપ્ત થાય જ. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો વખત લાગે. તેનું થવું તો અંતર્મુહૂર્તમાં જ છે, પરંતુ કોઈ મંદ રુચિવાળો હોય તો તેના માટે કહ્યું છે કે-છ મહિના આ તત્ત્વજ્ઞાનનો સ્વલક્ષપૂર્વક અભ્યાસ કર, તને અનુભવ થશે જ થશે. અંતરની રુચિ વડે વાસ્તવિક તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે તેને આત્મ-અનુભૂતિ થાય જ એમ વાત છે. પણ અરે! રળવા-કમાવા પાછળ મજૂરની જેમ આખી જિંદગી વેડફી નાખે! નોકરીવાળા તો પપ વર્ષની ઉંમરે નિવૃત્ત-છૂટા થાય, પણ આ તો ધંધાની મમતા આડે ૮૦-૯૦ વર્ષની ઉંમર થાય છતાં ત્યાંથી નિવૃત્ત થઈ આવું તત્ત્વ સમજવા ફુરસદ ના લે તો શું થાય? ભાઈ! જિંદગી હારી જઈશ હોં. મરીને કયાંય સંસાર-સમુદ્રમાં ખોવાઈ જઈશ.

સમયસારની પમી ગાથામાં આચાર્યદેવે કહ્યું કે- ‘તે એકત્વ-વિભક્ત આત્માને હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું; જો હું દેખાડું તો પ્રમાણ (સ્વીકાર) કરવું.’ ‘પ્રમાણ કરવું’ એટલે શું? કે જે એકત્વ-વિભક્ત આત્માને દર્શાવું છું તેને સ્વયમેવ પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું. એકલી હા પાડ એમ નહિ, પણ હે શિષ્ય! પોતાના સ્વસંવેદન-પ્રત્યક્ષથી પ્રમાણ કર-એમ કહેવું છે. વસ્તુ પોતે આત્મા સ્વાનુભવ-પ્રત્યક્ષ ન થાય એમ વાત જ નથી. અહો! દિગંબર સંતોની આ રામબાણ વાણી છે. સમજાણું કાંઈ...?

અરે ભાઈ! જીવોની દયા પાળો, દાન આપો, ને ભક્તિ કરો તો ધર્મ થાય એવી વાત તો લૌકિકમાં સામાન્ય લોકો પણ કરે છે. ઘણા વર્ષો પહેલાં અમારા ગામમાં એવો રિવાજ હતો કે જૈનોનાં પર્યુષણ આવે એટલે ઘાંચી, કુંભાર વગેરે લોકો એક માસ સુધી પોતાનો ધંધો બંધ રાખતા, નિંભાડા, ઘાણી વગેરે ચાલુ ન રાખતા. પણ એથી શું? એ બધાથી કાંઈ ધર્મ થોડો થાય? રાગ મંદ હોય તો પુણ્યબંધ થાય, બસ. ધર્મ વસ્તુ તો કોઈ અલૌકિક ચીજ છે બાપુ! જગતના પ્રાણીઓને ધર્મના સ્વરૂપની ખબર નથી. સ્વસ્વરૂપમાં સન્મુખ થઈ ત્યાં જ રમવું, તેમાં જ લીન- સ્થિર થવું તે વીતરાગી જૈનધર્મ છે. આવી દશા થતાં ધર્મીને દયા, દાનનો રાગ આવે છે, પણ તેને તે જાણવાલાયક છે બસ. તેની દ્રષ્ટિ તો નિરંતર અખંડ એક નિત્ય પ્રતાપવંત નિજ જ્ઞાયક પર જ હોય છે; અને ત્યાં જ સ્થિત થવા તે પ્રવૃત્ત થાય છે. લ્યો, આવો ધર્મ!

જુઓ, નિમિત્ત-ઉપાદાન નિશ્ચય-વ્યવહાર, ને ક્રમબદ્ધ એ પાંચ વાત અહીંથી ખાસ બહાર આવી છે તે ખાસ સમજવા જેવી છે. કેટલાક સમજ્યા વિના જ તેનો વિરોધ કરે છે. અહીંની વાત સાંભળી પં. દેવકીનંદન બોલ્યા હતા કે-અહો! ક્રમબદ્ધની આવી વાત અમે કયાંય સાંભળી નથી. અમારા બધા પંડિતોનું ભણતર જ નિમિત્તાધીન દ્રષ્ટિવાળું છે. પ્રત્યેક દ્રવ્યની પર્યાય સ્વતંત્રપણે પોતાના ઉપાદાનથી પ્રગટ થાય છે એવી વાત અમારા અભ્યાસમાં કદી આવી નથી; અનુભવ થવાની વાત તો કયાંય દૂર રહી ગઈ.

અરે ભાઈ! ભગવાને આ વિશ્વમાં છ દ્રવ્યો જોયાં છે. તેમાં એક જીવ અને બાકીનાં પાંચ દ્રવ્યો-પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, અને કાળ-તે અજીવ છે. આ સર્વ જીવ-અજીવ દ્રવ્યો પ્રતિસમય પોતપોતાના


PDF/HTML Page 3970 of 4199
single page version

ક્રમબદ્ધ પરિણામોથી નિરંતર ઉપજે છે. કોઈ દ્રવ્ય કોઈ અન્યદ્રવ્યના પરિણામને ઉપજાવે એવી વસ્તુસ્થિતિ જ નથી. ગાથા ૩૦૮ થી ૩૧૧ માં-ટીકામાં આ વાત આચાર્યદેવે પ્રસિદ્ધ કરી છે. આવી વસ્તુવ્યવસ્થા સ્વીકારીને જે અતંર્મુખ દ્રષ્ટિ કરે છે તેને ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે અને તેને ક્રમબદ્ધ નિર્મળ આનંદ આદિ પર્યાયની ધારા શરૂ થાય છે. બાકી તો જગતના જીવો બિચારા દુઃખમાં પીલાય છે. અરે! ઘાણીમાં તલ પીલાય તેમ રાગદ્વેષની ઘાણીમાં તેઓ પીલાય છે. અહા! અનંત પ્રભુતામય પોતાના પ્રભુને-આત્માને ઓળખ્યા વિના બિચારા શું કરે? કયાં જાય? (દુઃખમાં ડૂબી મરે છે). કોઈક વિરલ જીવ અંતર સ્વભાવ-સન્મુખનો પુરુષાર્થ કરે તે અલ્પકાળમાં કેવળજ્ઞાન લઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. સજ્ઝાયમાં આવે છે ને કે-

સહજાનંદી રે આત્મા, સૂતો કંઈ નિશ્ચિંત રે,
મોહતણા રે રણિયા ભમે, જાગ જાગ મતિવંત રે;
લૂંટે જગતના જંત રે, વિરલા કોઈ ઉગરંત રે..

અરે પ્રભુ! આ મોહ-રાગ-દ્વેષાદિ રણિયા તારા માથે ભમે છે ને તું પોતાના સહજાનંદી સ્વરૂપને ભૂલી પ્રમાદી થઈ સૂતો છે! જાગ રે જાગ નાથ! આ જગતના પ્રાણીઓ તને લૂંટે છે. આ બૈરાં-છોકરાં વગેરે કુટુંબીજનો પોતાની આજીવિકા હેતુ તારા આનંદને લૂંટે છે. નિયમસારમાં આવે છે કે આ સ્ત્રી-પુત્ર આદિ પરિજન પોતાની આજીવિકા માટે તને ધૂતારાઓની ટોળી મળી છે. હવે આવી સ્થિતિમાં કોઈ વિરલ જીવ મોહમુક્ત થઈ પોતાના ત્રિકાળી શુદ્ધ સહજાનંદ-જ્ઞાનાનંદ સ્વરૂપની સંભાળ કરે છે તે ઉગરી જાય છે અર્થાત્ પોતાનું કલ્યાણ કરી લે છે.

અહા! અંદર પોતે ચૈતન્ય મહાપ્રભુ વિરાજે છે તેને ભૂલીને તું બહાર ફાંફાં મારે છે? બહારમાં કયાં તારાં પ્રભુતા ને આનંદ છે? અહા! અનંત ગુણની પ્રભુતાના સત્ત્વથી ભરેલો તું પ્રભુ છો. અહા! આવા નિજ સ્વરૂપનો મહિમા લાવી અંતર્મુખ થા. તેમ કરતાં જ અખંડિત તેજ વડે તારો આત્મા પ્રભુતાથી પર્યાયમાં શોભી ઉઠશે. આ સિવાય બહારમાં કયાંયથી તારી પ્રભુતા પ્રગટ થાય એમ છે નહિ. સમજાણું કાંઈ...! લ્યો, -

આ પ્રમાણે અહીં પ્રભુત્વશક્તિનું વર્ણન પૂરું થયું. -

*
૮ઃ વિભુત્વશક્તિ

‘સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ. (જેમ કે, જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે.)’

આ શક્તિનો અધિકાર ચાલે છે. તેમાં અહીં આ આઠમી વિભુત્વશક્તિનું વર્ણન છે. અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યમય પદાર્થ છે તે કર્મ અને શરીરથી સદાય ભિન્ન ચીજ છે; વળી અંદર જે પુણ્ય-પાપના વિકલ્પો ઉત્પન્ન થાય છે તેનાથી પણ આત્મા વાસ્તવમાં ભિન્ન વસ્તુ છે, કેમકે તે વિકલ્પો ત્રિકાળી ચૈતન્યવસ્તુમાં પ્રસરતા નથી. પરંતુ પોતાની જે અનંત શક્તિઓ છે તેનાથી આત્મા અભિન્ન છે, એક છે; કેમકે સર્વ અનંત શક્તિઓ પૂરી આત્મવસ્તુમાં અભેદપણે વ્યાપક છે. અહાહા...! આ શક્તિઓમાંથી અહીં વિભુત્વશક્તિનું વર્ણન કર્યું છે.

કેવી છે વિભુત્વશક્તિ! તો કહે છે-‘સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ.’ ભાવ એટલે શું? કે આત્મવસ્તુમાં જે જ્ઞાન, દર્શન, ચિતિ, જીવત્વ, પ્રભુત્વ આદિ શક્તિઓ છે તેને અહીં ભાવ કહેલ છે. ભાવ શબ્દ ચાર અર્થમાં કહેવાય છે.

૧. દ્રવ્યને ભાવ કહે છે, ૨. ગુણને ભાવ કહે છે, ૩. પર્યાયને ભાવ કહે છે, અને ૪. રાગને-વિકારી પર્યાયને પણ ભાવ કહે છે. તેમાં અહીં ત્રિકાળી શક્તિને ભાવ કહેલ છે. મતલબ કે સર્વ અનંત શક્તિઓમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ છે. સમજાણું કાંઈ...?

અહાહા...! આત્મદ્રવ્યમાં જે વિભુત્વશક્તિ છે તે દ્રવ્યના સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવસ્વરૂપ છે. અર્થાત્ દ્રવ્યના સર્વ અનંત ભાવોમાં વ્યાપક છતાં વિભુત્વશક્તિ અનંત ભાવરૂપ થઈ જતી નથી, સદા તે એક ભાવરૂપ જ રહે


PDF/HTML Page 3971 of 4199
single page version

છે. અહા! એકપણે રહીને અનંત ગુણસ્વભાવોમાં વ્યાપે એવું આત્માનું વિભુત્વ છે. અહીં જ્ઞાનનું દ્રષ્ટાંત આપ્યું છે ને! કે જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે. તેવી રીતે એક ભાવરૂપ વિભુત્વ સર્વ ભાવોમાં ને આત્મદ્રવ્યમાં વ્યાપે છે. આ રીતે વિભુત્વ સ્વભાવ વડે આત્મા વિભુ અર્થાત્ સર્વવ્યાપક છે, ને આત્માના પ્રત્યેક ગુણ પણ વિભુ અર્થાત્ સર્વવ્યાપક છે.

અન્યમતમાં આત્મા આખા વિશ્વમાં સર્વવ્યાપક છે એમ માનવામાં આવે છે. તેઓ આકાશમાં (લોકાલોકમાં) સર્વત્ર ભગવાનનો-એક બ્રહ્મનો વાસ છે એમ માને છે, પણ ભાઈ! એવી આત્મવસ્તુ નથી. અહીં તો પોતાના સર્વ- અનંતા ગુણ-પર્યાયોમાં વ્યાપક એવો આત્મા વિભુ અર્થાત્ સર્વવ્યાપક છે એમ વાત છે. ભાઈ! પ્રત્યેક આત્મવસ્તુ પોતાના સ્વરૂપને છોડીને પોતાના અસંખ્યપ્રદેશી ક્ષેત્રની બહાર કયાંય (અન્ય દ્રવ્યમાં) વ્યાપતો નથી. અહાહા...! આવો બહારના સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને અંદર સર્વ અનંત ગુણપર્યાયોમાં વ્યાપક એવો આત્મા વિભુ સ્વભાવી છે.

તો સ્તુતિમાં-ભક્તામર સ્તોત્ર આદિમાં-ભગવાનને વિભુ કહ્યા છે ને? હે નાથ! આપ વિભુ છો-એમ કહ્યું છે ને?

સમાધાનઃ– હા, કહ્યા છે; પણ એ તો આત્માની વિભુત્વશક્તિની અપેક્ષાએ કહ્યા છે. ભગવાન કાંઈ લોકાલોકમાં વ્યાપી રહ્યા છે અને માટે તેઓ વિભુ છે એમ નથી. એ તો વિભુત્વ સ્વભાવની પ્રગટતા થતાં પોતાના સર્વ અનંતા ગુણ-પર્યાયોમાં ભગવાન વ્યાપક છે એ અપેક્ષાએ ભગવાન આપ વિભુ છો. એમ કહ્યું છે. ભાઈ! લોકાલોકમાં વ્યાપે એવું કાંઈ આત્માનું વિભુત્વ નથી, પણ પોતામાં રહીને લોકાલોકને સહજ જાણી લે એવું આત્માનું વિભુત્વ છે. અહાહા...! કેવળજ્ઞાન પોતામાં રહીને (પ્રસરીને) આખા લોકાલોકને જાણી લે તેવું એનું વિભુત્વ છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?

અહો! આ વિભુત્વશક્તિ તો અજબ છે. વિભુત્વ સ્વભાવ વડે જેમ આત્મા વિભુ છે તેમ તેના અનંતા ગુણ- પ્રત્યેક વિભુ છે. જ્ઞાન વિભુ, દર્શન વિભુ, ચારિત્ર વિભુ-એમ દરેક ગુણ વિભુ છે. ગજબ છે ને! જેમ અસ્તિગુણથી બધા (અનંતા ગુણ) અસ્તિરૂપ છે તેમ વિભુત્વ ગુણથી બધા વિભુસ્વરૂપ છે. જેમ અસ્તિત્વ ગુણ વ્યાપીને બધાને અસ્તિરૂપ કરે છે તેમ વિભુત્વ ગુણ વ્યાપીને બધાને વિભુત્વ અર્પે છે. અહો! આવી પોતાની વિભુત્વશક્તિને જાણી, આ શક્તિ અને આ શક્તિવાન દ્રવ્ય એવા ભેદનું લક્ષ છોડી અભેદ અખંડ એક શક્તિવાન દ્રવ્ય પર દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. આ ધર્મ પ્રગટ કરવાની રીત છે. ભાઈ! શક્તિઓ નો ભેદ છે તે જાણવા માટે છે, પણ સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે તો ભેદનું લક્ષ મટાડી અભેદની અંતર્દ્રષ્ટિ કરવી એ જ સાધન છે.

જુઓ, દ્રવ્યમાં-આત્મવસ્તુમાં સર્વ શક્તિઓ અક્રમ અર્થાત્ એક સાથે રહેલી છે, અને પર્યાયો ક્રમસર એક પછી એક સુનિશ્ચિત થાય છે. અહા! જ્ઞાનની પર્યાય ક્રમબદ્ધ એક પછી એક થાય છે તેમ દરેક ગુણની પર્યાય ક્રમબદ્ધ એક પછી એક થાય છે. હવે કેટલાક આમાં તર્ક કરે છે કે-“કેવળજ્ઞાનની અપેક્ષાએ તો દરેક પર્યાય નિયત ક્રમબદ્ધ છે એ વાત બરાબર છે, પરંતુ શ્રુતજ્ઞાન અલ્પ છે, માટે શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પર્યાય ક્રમબદ્ધ થાય એ વાત બરાબર નથી. બાહ્ય સાધનો વડે જેવો પુરુષાર્થ કરે તેવી પર્યાય થાય, ક્રમબદ્ધ નહિ.” ખાનિયા તત્ત્વચર્ચામાં આવો તર્ક થયેલો છે, તેનું સમાધાન પંડિત શ્રી ફૂલચંદજીએ બરાબર કરેલું છે. અરે ભાઈ! શક્તિ અને શક્તિવાન દ્રવ્ય એવા ભેદનું લક્ષ મટાડી અભેદ એક ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ સન્મુખ થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને ત્યારે સાથે જ ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. આ ભાવશ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને અનુસરે છે તેથી શ્રુતજ્ઞાનમાં પણ સર્વ પર્યાયો ક્રમબદ્ધ થાય છે એવો નિર્ણય હોય છે. અહા! કેવળજ્ઞાનમાં જે વસ્તુવ્યવસ્થા ભાસી તેનાથી અન્ય પ્રકારે (વિપરીત) (વસ્તુવ્યવસ્થા) શ્રુતજ્ઞાનમાં ભાસે તો તે શ્રુતજ્ઞાન કેવું? તે શ્રુતજ્ઞાન નથી, એ તો મિથ્યાજ્ઞાન જ છે.

ભાઈ! અમે તો અહીં વર્ષોથી કહીએ છીએ કે-પ્રત્યેક દ્રવ્યની પ્રતિસમય જે જે પર્યાય થાય છે તે તે ક્રમબદ્ધ- ક્રમનિયમિત પ્રગટ થાય છે. પ્રત્યેક સમયે જે પર્યાય થવાયોગ્ય હોય તે જ ત્યાં ક્રમનિયમિત પ્રગટ થાય છે. તેમાં કાંઈ આઘુંપાછું કે આડુંઅવળું થવાનો સવાલ જ નથી. ભાઈ! આ તો ભગવાન કેવળીનું ફરમાન છે. જેમ મોતીની માળામાં જ્યાં જ્યાં જે જે મોતી છે તે ત્યાં ત્યાં (પ્રકાશે) છે; તેને આઘાંપાછાં કરવા જાય તો માળા તૂટી જશે. તેમ દરેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય ત્રણે કાળે જે થવાની છે તે જ પ્રગટ થાય છે, તેમાં આઘુંપાછું કરવા જાય તો પર્યાયનો ક્રમ તૂટી જશે અને અખંડ દ્રવ્ય સિદ્ધ નહિ થાય. (અર્થાત્ મિથ્યાત્વ જ રહેશે).


PDF/HTML Page 3972 of 4199
single page version

કોઈ વળી કહે છે-ક્રમબદ્ધનો અર્થ એક પછી એક થાય એમ બરાબર, પણ અમુક આ જ થાય એમ નહિ. પરંતુ એવી વસ્તુસ્થિતિ નથી ભાઈ! દ્રવ્યની (ત્રિકાળવર્તી) પ્રત્યેક પર્યાયનો ક્રમ નિયત-નિશ્ચિત જ છે. કોઈ પર્યાય કદીય આડીઅવળી થઈ શકે નહિ. દરેક પર્યાય પોતાના ક્ષણિક ઉપાદાનની યોગ્યતાનુસાર જે કાળે જે થવાયોગ્ય હોય તે જ તે કાળે નિશ્ચિત પ્રગટ થાય છે.

જુઓ, આત્મામાં એક વિભુત્વશક્તિ છે એની અહીં વાત છે. આ વિભુત્વશક્તિ પૂરા દ્રવ્યમાં અને તેના અનંત ગુણોમાં વ્યાપક છે. દ્રવ્યની અનંત શક્તિઓ ક્રમબદ્ધ પર્યાયપણે પરિણમે છે. બહિદ્રષ્ટિને તેનો અંદર સ્વીકાર થતો નથી, પણ એક અભેદ શુદ્ધ અંતઃતત્ત્વની દ્રષ્ટિ કરતાં જ પર્યાય ક્રમબદ્ધ થાય છે તેનો યથાર્થ નિર્ણય થાય છે. અમે તો આ વાત પ્રવચનોમાં વિસ્તારથી કરી છે

પ્રશ્નઃ– તો આપ છાપીને બહાર પાડવાનું કહો તો વહેલી પ્રસિદ્ધ થાય. ઉત્તરઃ– અમે કોઈને કાંઈ કહેતા નથી. તત્ત્વ-વિચાર અને સ્વાધ્યાય કરવા સિવાય બીજા કોઈ કામમાં અમે પડતા નથી. શું છાપવું ને બહાર પાડવું એ સમાજનું કામ છે, અમારું તે કામ નથી.

આ વિભુત્વ નામની શક્તિ સર્વ શક્તિઓમાં વ્યાપે છે, દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેથી દ્રવ્ય વિભુ, ગુણ વિભુ ને વર્તમાન પર્યાય વિભુ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! આ જ્ઞાનસ્વભાવ વિભુ છે, ને જ્ઞાનની વર્તમાન દશા વિભુ છે. જ્ઞાનની ક્રમસર પર્યાય સુનિશ્ચિત જે થવાયોગ્ય હોય તે જ પ્રગટ થાય છે, અને તેની સાથે અનંત ગુણની પણ તે સમયે સુનિશ્ચિત જે પર્યાય પ્રગટ થવાની હોય તે જ પ્રગટ થાય છે, અનંત ગુણની પર્યાયમાં પણ આ વિભુત્વ ગુણ વ્યાપે છે.

ત્યારે કોઈ વળી કહે છે-ક્રમબદ્ધ પર્યાય માનવાથી નિયત (-નિયતવાદ) થઈ જાય છે. અરે ભાઈ! જેમ દ્રવ્ય અને તેની શક્તિ નિયત છે અને નિશ્ચિત છે તેમ પોતાની ક્ષણિક ઉપાદાનની યોગ્યતા અનુસાર સમય સમયે પ્રગટ થતી દરેક પર્યાય પણ નિયત જ છે. જે સમયે જે પર્યાય થવાયોગ્ય છે તે જ પ્રગટ થાય છે; પણ પર્યાય ક્રમબદ્ધ છે એવો નિર્ણય કરનારની દ્રષ્ટિ ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ઉપર જાય છે ત્યારે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. દ્રવ્યદ્રષ્ટિ રહિત અજ્ઞાનીને આ વાત ગોઠતી નથી. તે કહે છે-શ્રુતજ્ઞાનની અપેક્ષા નિયત નથી. પણ ભાઈ! તારો તર્ક યથાર્થ નથી, કેમકે શ્રુતજ્ઞાનની અપેક્ષા પણ દરેક પર્યાય ક્રમબદ્ધ જ છે એવો યથાર્થ નિર્ણય સમ્યગ્દ્રષ્ટિને હોય છે. ભાઈ! જરા દ્રષ્ટિ સૂક્ષ્મ કરી આ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ; આ અવસર છે.

પ્રશ્નઃ– હા, પણ પંચાસ્તિકાયની ગાથા ૧પપમાં સંસારી જીવને નિયત તથા અનિયત એમ બન્ને પ્રકારની પર્યાયો થયા કરે છે એમ કહ્યું છે ને? ગાથા આ પ્રમાણે છે-

जीवो सहावणियदो अणियदगुणपज्जओध परसमओ
जदि कुणदि सगं समयं पब्भस्सदि कम्मबंधादो।।

ઉત્તરઃ– હા, પંચાસ્તિકાયની ગાથા ૧પપમાં નિયત અને અનિયત પર્યાયની વાત છે. ત્યાં સ્વભાવ અને સ્વભાવલીન નિર્મળ પર્યાય પ્રગટ થાય તેને નિયત કહેલ છે અને વિભાવ પર્યાય પ્રગટ થાય તેને અનિયત કહેલ છે. અનિયત પર્યાય એટલે તે આગળ-પાછળ કે આડી-અવળી થાય એવો ત્યાં અર્થ નથી. અનિયત એટલે સ્વભાવમાં અનવસ્થિત અનેકરૂપ વિકારી પર્યાય; તે પણ જે સમયે પ્રગટ થાય તે નિયત ક્રમબદ્ધ જ પ્રગટ થાય છે. ગાથામાં અને ટીકામાં પણ ગુણ-સ્વભાવ અને નિર્મળ પર્યાયને નિયત કહેલ છે, અને વિકારી વિભાવ પર્યાયને અનિયત કહેલ છે. અહીં અનિયતનો અર્થ પર્યાય આડી-અવળી થાય છે એમ છે નહિ. ભાઈ! પોતાની મતિ-કલ્પનાથી શાસ્ત્રના અર્થ કરે તે કેમ ચાલે? ન ચાલે. પાણીનો શીતળ સ્વભાવ તે નિયત છે, સ્વભાવલીન શીતળ દશા તે નિયત છે અને અગ્નિના નિમિત્તે તેની ઉષ્ણ દશા તે અનિયત છે. આવી વાત! સમજાણું કાઈ...!

શું થાય? લોકોને પૂર્વના આગ્રહ (હઠાગ્રહ) હોય એટલે આ બેસે નહિ. આ વાત પહેલાં હતી નહિ; હમણાં સોનગઢથી પ્રસિદ્ધિમાં આવી છે એટલે કેટલાક હઠપૂર્વક તેનો વિરોધ કરે છે. એ તો ‘જૈનતત્ત્વમીમાંસા’માં કેવળજ્ઞાન- સ્વભાવમીમાંસા નામના પ્રકરણમાં પં. શ્રી. ફૂલચંદજીએ આ બાબતે કહ્યું છે કે-“જ્યારથી સર્વ દ્રવ્યોની પર્યાયો ક્રમનિયમિત (ક્રમબદ્ધ) થાય છે આ તથ્ય પ્રમુખરૂપથી બધાની સામે આવ્યું છે ત્યારથી વિદ્વાનો દ્વારા આવા કુતર્ક ઉઠાવવામાં આવ્યા છે. જેમના મનમાં એવું શલ્ય ઘર કરી બેઠું છે કે કેવળજ્ઞાનને સર્વ દ્રવ્યો અને તેની સર્વ પર્યાયોનું જ્ઞાતા માની


PDF/HTML Page 3973 of 4199
single page version

લેવાથી સોનગઢના વિરોધમાં જે અમારા તરફથી હુમલો કરવામાં આવી રહ્યો છે તે કમજોર પડી જશે તેઓ એ ચાહતા નથી કે આમ જનતામાં સોનગઢનો પ્રભાવ વધે, આથી તેઓ કેવલજ્ઞાનના સામર્થ્ય પર જ ઉક્ત પ્રકારના કુતર્ક કરવા લાગ્યા છે. પરંતુ, આ પ્રકારના કુતર્ક કરતાં તેઓ એ ભૂલી જાય છે કે જૈનધર્મમાં તત્ત્વપ્રરૂપણાનો મૂળ આધાર જ કેવળજ્ઞાન છે.”

‘ખાનિયા તત્ત્વચર્ચા’માં પણ પં. શ્રી ફૂલચંદજીએ લખ્યુ છે કે “જિનવાણી અને એક મહાપુરુષ દ્વારા ક્રમબદ્ધ-પર્યાયની સ્વતંત્રતાનો ઢંઢેરો પીટવામાં આવ્યો છે ત્યારથી કેટલાક પંડિતો કેવળજ્ઞાનના વિષયમાં પણ શંકા કરવા લાગ્યા છે. જો કે કેવળજ્ઞાનના હિસાબે દરેક પર્યાય ક્રમબદ્ધ હોવાનું સ્વીકારે છે પણ શ્રુતજ્ઞાન અપેક્ષાએ પર્યાય ક્રમબદ્ધ છે એ વાત તેમને માન્ય નથી. પણ એ માન્યતા બરાબર નથી. શ્રુતજ્ઞાન છે તે કેવળજ્ઞાન અનુસારી છે; શ્રુતજ્ઞાન કાંઈ કલ્પના નથી.

અરે જીવોને મૂળ વાતની ખબર નથી. શુભ ક્રિયામાં ધર્મ માનીને બેઠા છે પણ એવી ક્રિયાઓ તો જીવે અનંત વાર કરી છે. શુભરાગની ક્રિયાઓ તો બંધનું કારણ છે. શક્તિ અને શક્તિવાન દ્રવ્ય જેમ નિયત છે તેમ તેની દરેક પર્યાય નિયત છે. પર્યાય નિયત છે એવો નિર્ણય કરનારની દ્રષ્ટિ ત્રિકાળી જ્ઞાયક ઉપર જાય છે. આ વિષયનો અભ્યાસ કરવો જોઈએ.”

પ્રશ્નઃ– ક્રમ આવશે ત્યારે અભ્યાસ કરીશું. ઉત્તરઃ– અભ્યાસનો પુરુષાર્થ કરનારને ક્રમ આવી જાય છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં છએ દ્રવ્યમાં કાળલબ્ધિની વાત કરી છે. જે દ્રવ્યની જે સમયે જે પર્યાય થવાની હોય તે જ પર્યાય તે સમયે ત્યાં પ્રગટ થાય એનું નામ કાળલબ્ધિ છે. પ્રવચનસાર ગાથા ૧૦૨માં દ્રવ્યની જે પર્યાય પ્રગટ થાય તે તેની ઉત્પત્તિની જન્મક્ષણ છે એમ કહ્યું છે. પ્રવચનસાર ગાથા ૯૯માં પણ હારના દ્રષ્ટાંતે કહ્યું છે કે પર્યાય પોતપોતાના અવસરે પ્રગટ થાય છે. જ્ઞેયનો સ્વભાવ એવો છે કે પોતપોતાની તે તે પર્યાય પોતાના અવસરે પ્રગટ થાય. આમ દરેક પર્યાયની કાળલબ્ધિ છે, પણ તેનું સત્યાર્થ જ્ઞાન કોને થાય? કે જે નિજ ત્રિકાળી શુદ્ધ અંતઃદ્રવ્યનો આશ્રય લે તેને પર્યાયની કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે. બાકી પર્યાયના ક્રમ સામે (તાકીને) જોયા કરે તે તો પર્યાયમૂઢ છે, તેને કાળલબ્ધિની ખબર નથી.

પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના ૯મા અધિકારમાં કાળલબ્ધિ અને ભવિતવ્ય કોઈ વસ્તુ નથી એમ કહ્યું છે. તો આમાં શું સમજવું?

ભાઈ, ત્યાં શિષ્યનો પ્રશ્ન છે કે- “પ્રશ્નઃ– મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિક થતાં બને છે, કે પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતાં બને છે? તે કહો. જો પહેલાં બે કારણો મળતાં બને છે તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ પુરુષાર્થ કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા તેનું શું કારણ?

ઉત્તરઃ– એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણે કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ ત્રણે કારણો નથી મળતાં; પૂર્વોક્ત ત્રણ કારણો કહ્યાં તેમાં કાળલબ્ધિ વા ભવિતવ્ય (હોનહાર) તો કોઈ વસ્તુ નથી, જે કાળમાં કાર્ય બને છે તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ ભવિતવ્ય. વળી જે કર્મના ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તાહર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથી ઉદ્યમ કરવામાં આવે છે તે આ આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનો ઉપદેશ આપીએ છીએ. હવે આ આત્મા જે કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ, તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે તો ત્યાં અન્ય કારણો મળે તો કાર્યસિદ્ધિ થાય, ન મળે તો ન થાય. હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ, માટે જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂકયાં તથા કર્મનાં ઉપશમાદિ થયાં છે ત્યારે તો તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો નિશ્ચય કરવો.”

જુઓ, અહી કાર્યનાં સર્વ કારણો એક સાથે જ સમકાળ હોય છે એમ કહ્યું છે. જીવ પોતાના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ-સન્મુખનો પુરુષાર્થ કરે ત્યારે જે સમકિત આદિ નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે જ ભવિતવ્ય છે, અને તે પર્યાય


PDF/HTML Page 3974 of 4199
single page version

તેના સ્વકાળે પ્રગટ થઈ તે તેની કાળલબ્ધિ છે. કાળલબ્ધિ અને ભવિતવ્ય કાંઈ જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ એનાથી ભિન્ન વસ્તુ નથી. વળી તે જ વખતે કર્મના ઉપશમાદિ પણ સ્વયં નિમિત્તપણે હોય જ છે. આવો સહજ જ યોગ હોય છે. માટે પોતાના ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવની જે દ્રષ્ટિ કરે છે તેને જ કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે બાકી ધારણાથી કાળલબ્ધિ-કાળલબ્ધિ એમ કહે, પણ તેને કાળલબ્ધિની ખબર નથી અર્થાત્ તેને કાળલબ્ધિ થઈ જ નથી. સમજાણું કાંઈ...? અહા! આવો વીતરાગનો મારગ વીતરાગ માર્ગના અંતર-પુરુષાર્થથી પ્રગટ થાય છે.

જુઓ, પંચાસ્તિકાયની ગાથા ૧૭૨માં ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. ત્યાં ટીકામાં કહ્યું છે-“ વિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તો વીતરાગપણું કે જે સાક્ષાત્મોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે.” આમ ચારે અનુયોગનો સાર વીતરાગતા છે. આ વીતરાગતા કયારે પ્રગટ થાય? કે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવનો આશ્રય કરે ત્યારે પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે; નિમિત્ત, રાગ કે પર્યાયના આશ્રયે વીતરાગતા પ્રગટ થતી નથી. આમ ચારે અનુયોગનો સાર આ છે કે એક સ્વદ્રવ્યનો-નિજ જ્ઞાયકવસ્તુનો આશ્રય કરવો. સ્વદ્રવ્યનો આશ્રય કર્યા વિના પર્યાયના ક્રમબદ્ધપણાનું સાચું જ્ઞાન થતું નથી.

વળી પર્યાયના ક્રમને આડો-અવળો માને તેનું તો પરલક્ષી બાહ્ય જ્ઞાન પણ જૂઠું છે, તો પછી તેને દ્રવ્યદ્રષ્ટિ કયાંથી પ્રગટ થાય? પંચાસ્તિકાયમાં પર્યાયને અનિયત કહેલ છે ત્યાં પર્યાય આડી-અવળી કે ક્રમરહિત આગળ- પાછળ થાય છે એવો તેનો અર્થ નથી; ત્યાં તો વિકારી-વિભાવ પર્યાયને અનિયત કહેલ છે. વાસ્તવમાં વિકારી પર્યાય પણ ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે. કોઈ પણ પર્યાય આઘી-પાછી થાય એવો વસ્તુનો સ્વભાવ જ નથી, એવી વસ્તુ જ નથી.

દામનગરના એક શેઠ હતા. તેઓ દિગંબર શાસ્ત્રો વાંચતા, પણ તેમની દ્રષ્ટિ વિપરીત હતી. તેમણે એક વાર અમને પૂછેલું કે-ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી-એ બધા કાળે (સ્વકાળે) થાય છે માટે કાળલબ્ધિ આવે ત્યારે કાર્ય થાય. ત્યારે કહ્યું’તું કે-કાળલબ્ધિનું જ્ઞાન કોને હોય છે-ખબર છે? જ્ઞાયકસ્વરૂપી ભગવાન આત્માનો જે આશ્રય કરે છે તેને કાળલબ્ધિનું સાચું જ્ઞાન હોય છે. બાકી કાળલબ્ધિ સામે મોં તાકીને બેસે તેને કાળલબ્ધિ પાકતી જ નથી. સવારે આવ્યું હતું ને પ્રવચનમાં કે-

સુદ્ધતા વિચારૈ ધ્યાવૈ, સુદ્ધતામૈં કેલિ કરૈ;
સુદ્ધતામૈં થિરહ્યૈ મગન, અમૃતધારા બરસૈ.

અહાહા...! પોતાના શુદ્ધ એક સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માનો જ્યારે આશ્રય લે, ત્યાં જ રમે, અને ત્યાં જ મગ્ન થઈ રહે તેને અમૃતધારાસ્વરૂપ વીતરાગતા પ્રગટ થાય છે; અને આ વીતરાગતા બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર છે.

જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હૈ કર્મ;
યહી વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ,

જિનસ્વરૂપ પોતે આત્મા છે; એક તેનો આશ્રય કરે તે જ ધર્મ છે. બાકી બધું કર્મ છે, સંસાર છે. આ ભગવાનની વાણીનો મર્મ નામ રહસ્ય છે. ભાઈ! સમકિતથી માંડીને પૂરણ મોક્ષ સુધીની બધી જ દશા એક શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે છે.

પણ અરે! જૈન કુળમાં-દિગંબરમાં જન્મેલાને પણ જૈન તત્ત્વની ખબર નથી! કોઈ એક પંડિત કહેતા હતા કે-દિગંબર કુળમાં જન્મ્યા તે બધા સમ્યગ્દ્રષ્ટિ છે, હવે વ્રત અને ચારિત્ર ધારણ કરી લે એટલે બસ કલ્યાણ થઈ જાય. લ્યો, આવી વાત! હવે શું કહેવું? ‘મોક્ષમાર્ગ પ્રકાશક’માં પં. શ્રી ટોડરમલજીએ શ્વેતાંબરાદિને તો અન્યમત કહેલ છે, પણ ત્યાં જૈન કુળમાં જન્મેલા અને દિગંબર જૈનધર્મની બાહ્ય માન્યતા હોવા છતાં પણ જીવને અંદર સૂક્ષ્મ મિથ્યાત્વ રહી જાય છે તેનું વિસ્તારથી સાતમા અધિકારમાં વર્ણન કર્યું છે. ભાઈ! કુળથી ને જન્મથી જૈનપણું નથી બાપુ! અહીં તો અંતરમાં-અંતઃતત્ત્વમાં સમાઈ જાય તે જૈન છે. બાકી બહારના ક્રિયાકાંડ તો બધાં કર્મનાં કામ બાપુ! એનાથી કર્મ નામ સંસાર નીપજે, ધર્મ નહિ.

અહા! મિથ્યાત્વ તે જ મૂળ સંસાર છે. આ બૈરાં-છોકરાં બધાં પર છે તેમાં સંસાર નથી અને પોતાના દ્રવ્ય- ગુણમાંય સંસાર નથી. એક સમયની પર્યાયમાં મિથ્યાત્વાદિ ભૂલ છે, અને તે ભૂલ મટાડતાં (સ્વદ્રવ્યના આશ્રયે) મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. અહો! દિગંબર સંતો-ભગવાન કેવળીના કેડાયતીઓએ માર્ગ બહુ ચોક્ખો સ્પષ્ટ કરીને બતાવ્યો છે. પણ શું થાય? લોકોનો ઝુકાવ બહારમાં (ક્રિયાકાંડમાં વા વિષયકષાયમાં) છે એટલે તેઓ શુદ્ધ તત્ત્વને જાણવા પ્રતિ ઉદ્યમશીલ થતા નથી!


PDF/HTML Page 3975 of 4199
single page version

છએ દ્રવ્યમાં કાળલબ્ધિ છે. દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વકાળે પ્રગટ થાય તેનું નામ કાળલબ્ધિ છે, તે એની જન્મક્ષણ છે. પર્યાય પોતાના સ્વકાળે પ્રગટ થાય એવો જ જ્ઞેયનો સ્વભાવ છે. શ્રી જયસેનાચાર્યદેવે પ્રવચનસારના જ્ઞેયાધિકારને સમ્યગ્દર્શનનો અધિકાર કહ્યો છે. જ્ઞેયનો સ્વભાવ જ એવો છે કે જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય; તે તેની જન્મક્ષણ છે એમ સમ્યગ્દ્રષ્ટિ પ્રતીતિ કરે છે. સમ્યગ્દર્શનનો વિષય ભલે અભેદ એક જ્ઞાયક છે, પણ જ્ઞાનપ્રધાન શૈલીથી જ્ઞાન અને જ્ઞેય-બન્નેની યથાર્થ પ્રતીતિને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. એકલા દ્રવ્યની અભેદ દ્રષ્ટિ તે સમ્યગ્દર્શન-એ દર્શનપ્રધાન કથન છે. જ્યારે-

પ્રવચનસાર ગાથા ૨૪૨માં જ્ઞાનપ્રધાન શૈલીથી સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરી છે. ત્યાં કહ્યું છે-“જ્ઞેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે (જેમ છે તેમ, યથાર્થ) પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શનપર્યાય છે; જ્ઞેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથાપ્રકારે અનુભૂતિ જેનું લક્ષણ છે તે જ્ઞાનપર્યાય છે; જ્ઞેય અને જ્ઞાતાની જે ક્રિયાન્તરથી નિવૃત્તિ તેના વડે રચાતી દ્રષ્ટિજ્ઞાતૃતત્ત્વમાં પરિણતિ જેનું લક્ષણ છે તે ચારિત્રપર્યાય છે.”

જુઓ, અહીં જ્ઞાનપ્રધાન શૈલીથી સમ્યગ્દર્શનની વ્યાખ્યા છે. દ્રષ્ટિપ્રધાન કથનમાં એકલા અભેદની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રરચિત આત્મસિદ્ધિમાં ‘અનુભવ, લક્ષ, પ્રતીત’-એમ શબ્દો આવે છે. ત્યાં અનુભવ તે ચારિત્રપર્યાય, લક્ષ તે જ્ઞાનની પર્યાય ને પ્રતીત તે શ્રદ્ધાની પર્યાય છે. પ્રવચનસારમાં અનુભવને જ્ઞાનપર્યાય કહી છે, તથા શુભરાગની ક્રિયાથી નિવૃત્તિ અને જાણનાર-દેખનાર સ્વભાવમાં રમણતાને ચારિત્રની પર્યાય કહી છે. નગ્નદશા અને પંચ-મહાવ્રતની ક્રિયા એ કાંઈ વાસ્તવિક ચારિત્ર નથી.

પ્રશ્નઃ– તો સમ્યગ્દર્શન બે પ્રકારનું છે? ઉત્તરઃ– ના, સમ્યગ્દર્શન બે પ્રકારે નથી. સમ્યગ્દર્શન તો એકલી નિર્વિકલ્પ પ્રતીતિરૂપ એક જ પ્રકારનું છે; તેનું કથન બે પ્રકારે છે-એક દર્શનપ્રધાન અને બીજું જ્ઞાનપ્રધાન. પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન નિરૂપણ છે, સમયસારમાં દર્શનપ્રધાન નિરૂપણ છે.

અહાહા...! જે જીવ વિભુ એવા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો વિશ્વાસ-પ્રતીતિ કરી તેમાં જ ઠરે છે તે અનંત ગુણની વિભૂતિ-અનંત ચતુષ્ટયાદિ નિજવૈભવને પ્રાપ્ત થાય છે.

આ પ્રમાણે અહીં વિભુત્વશક્તિનું વર્ણન પૂરું થયું.

*
૯ઃ સર્વદર્શિત્વશક્તિ

‘સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્ સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તામાત્ર ગ્રહવારૂપે) પરિણમતા એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ.’

આખા વિશ્વને સામાન્યપણે ભેદ પાડયા વિના દેખે એવી સર્વદર્શિત્વશક્તિનું અહીં વર્ણન છે. આ જીવ છે, આ જડ અજીવ છે, આ ગુણ છે, આ ગુણી છે, આ ભવિ છે, આ અભવિ છે ઇત્યાદિ ભેદ પાડયા વિના સર્વ લોકાલોકને સામાન્ય સત્તાપણે દેખવારૂપ પરિણમતી એવી આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ છે. લોકાલોકને સત્તામાત્ર સામાન્યપણે દેખે એટલે પદાર્થ છે બસ એટલું દેખે. આ આત્મા છે એમ ભેદ પાડે એ તો જ્ઞાન થઈ ગયું. દર્શન કોઈ ભેદ પાડતું નથી.

અહીં આ જે સર્વદર્શિત્વશક્તિ કહી છે તે આત્મદર્શનમયી છે. ત્યારે કોઈ કહે છે-સર્વને દેખે એમ કહેતાં સર્વમાં અનંતા પર આવી ગયા, અને તેથી પરને દેખે એમ પણ આવી ગયું; તો આત્મદર્શનમયી કેવી રીતે છે? અર્થાત્ પૂરા લોકાલોકને દેખે તો તેની અપેક્ષા આવી કે નહિ?

સમાધાનઃ– અરે ભાઈ! સર્વદર્શિત્વશક્તિ દેખવારૂપે પરિણમે તે આત્મદર્શનમયી પરિણામ છે. જરા સૂક્ષ્મ વાત છે. આત્મદર્શનમયી પરિણામ છે એટલે શું? કે સ્વને દેખતાં સહજ જ આખા વિશ્વને દેખી લે છે, વિશ્વને દેખવા માટે વિશ્વ પ્રતિ ઉપયોગ જોડવો પડતો નથી. સર્વ શબ્દે સ્વ-પર સહિત આખું લોકાલોક આવી ગયું. સર્વને દેખે છે એમ કહીએ એમાં પરને દેખે છે એમ પણ આવી ગયું પણ પરને દેખે છે એમ કહીએ એ તો અસદ્ભૂત વ્યવહારનય છે. બાકી સર્વદર્શિત્વશક્તિના દેખવારૂપ જે પરિણામ થાય તે આત્મદર્શનમયી પરિણામ છે, સ્વાશ્રયી પરિણામ છે. તેમાં પરની


PDF/HTML Page 3976 of 4199
single page version

-લોકાલોકની કોઈ અપેક્ષા નથી. અહાહા...! પોતામાં સર્વદર્શિત્વશક્તિનું સ્વરૂપ છે તે પરિણમતાં તે શક્તિ આત્મદર્શનમયી થાય છે. એમાં પરને દેખું એમ વાત જ નથી. જે આત્મદર્શનમય પરિણામ છે, તે કાંઈ પરદર્શનમય થતું નથી.

આખું વિશ્વ, અનંતા દ્રવ્ય, તેના ગુણો તથા તેની પર્યાયો-આ આખું લોકાલોક સામાન્ય સત્તાપણે મહાસત્તારૂપ છે. મહાસત્તા નામની કોઈ ભિન્ન સત્તા છે એમ નથી, પણ બધું છે... , છે... , છે એવું ભેદ પાડયા વિના સામાન્યરૂપે જે હોવાપણું તેને મહાસત્તા કહે છે. આ મહાસત્તાને ગ્રહવારૂપે પરિણમિત આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ છે. આ સર્વદર્શિત્વશક્તિ અને શક્તિવાન આત્મદ્રવ્ય-એવો ભેદ દૂર કરી ત્રિકાળી આત્મદ્રવ્યની અભેદદ્રષ્ટિ કરતાં શક્તિનું પર્યાયમાં પરિણમન થાય છે, અને તે આત્મદર્શનમયી છે એમ કહે છે. સમજાણું કાંઈ...?

અહાહા...! પરમાત્મા કેવળી કહે છે-આત્મામાં જેમ જીવત્વ, ચિતિ, દૃશિ આદિ શક્તિઓ છે તેમ તેમાં અનાદિ-અનંત એક સર્વદર્શિત્વ નામની શક્તિ છે. એમ તો દ્રશિશક્તિમાં આ સર્વદર્શિત્વશક્તિ ગર્ભિત છે. પણ દ્રશિશક્તિમાં ત્યાં સર્વદર્શીપણાની વાત ન કરી તે કારણે આ સર્વદર્શિત્વશક્તિ અલગથી દર્શાવી છે. અહા! સર્વદર્શિત્વશક્તિનું ધરનાર ત્રિકાળી આત્મદ્રવ્ય જ્યાં દ્રષ્ટિમાં આવ્યું કે સર્વદર્શિત્વશક્તિનું પર્યાયમાં પરિણમન થયું અને ત્યારે સ્વ-પરને સર્વને દેખવાની પર્યાય પોતામાં પોતાથી પોતારૂપ સહજ જ પ્રગટ થઈ છે. સર્વ-લોકાલોક છે તો તે દેખવારૂપ પર્યાય અહીં પ્રગટ થઈ છે એમ નથી, અને તેમાં સર્વને-લોકાલોકને દેખવાની અપેક્ષા છે એમ પણ નથી; કેમકે સર્વદર્શિત્વશક્તિ આત્મદર્શનમયી છે.

સર્વદર્શિત્વશક્તિ પરિણત થતાં સર્વને દેખે તેમાં પરની અપેક્ષા છે એમ નથી, સર્વને દેખવારૂપ પરિણામ સહજ જ પોતામાં પોતાને કારણે પ્રગટ થયા છે. આ વિષય પર સં. ૧૯૮૩ માં એક ચર્ચા થયેલી. જામનગરમાં એક મુમુક્ષુ વકીલ હતા. તેમને દિગંબર શાસ્ત્રોનો સૌથી પ્રથમ અભ્યાસ હતો. તેમની સાથે એક દામનગરના શેઠને ચર્ચા થઈ. શેઠ કહે કે-લોકાલોક છે તો સર્વજ્ઞપર્યાય પ્રગટ થાય છે. અહીં વકીલ કહે-એમ નહિ, સર્વજ્ઞપર્યાય પોતાના કારણે પ્રગટ થાય છે, લોકાલોક છે માટે સર્વજ્ઞદશા છે એમ છે નહિ. પછી તે બન્ને આવ્યા અમારી પાસે. ત્યારે અમે કહ્યું- ભાઈ! આત્મા જ્ઞસ્વરૂપ-સર્વજ્ઞસ્વરૂપ છે. તેને પરસંબંધી ને પોતાસંબંધી જાણવાની જ્ઞાનની જે પર્યાય પ્રગટ થાય તે પોતામાં પોતાથી થાય છે, પરના કારણે નહિ. લોકાલોક છે માટે ભગવાન કેવળીને સર્વજ્ઞદશા પ્રગટ થઈ છે એમ છે નહિ.

અરે ભગવાન! તારામાં કેટલી અપાર ઋદ્ધિ ભરી છે-તને તેની ખબર નથી! તું પરમાં મૂઢ થયો છો, પણ આંહી આચાર્યદેવ કહે છે-તારામાં એક સર્વદર્શિત્વ નામની શક્તિ ત્રિકાળ પડી છે. તેનો આધાર અંદર ત્રિકાળી દ્રવ્ય છે. અહા! તે ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેતાં સર્વદર્શિત્વશક્તિનું પર્યાયમાં સ્વપરને દેખવારૂપ પરિણમન થાય છે તે, કહે છે, આત્મદર્શનમયી છે, તે પરિણમન પરદર્શનમય નથી, પરના લક્ષે થયું નથી, પરમય નથી. હવે આમાં કેટલાકને કાંઈ ફરક ન લાગે, પણ આમાં તો પૂર્વ-પશ્ચિમનો ફેર છે ભાઈ!

આ સર્વદર્શિત્વશક્તિ છે તે પોતાના સહજ સ્વભાવરૂપ પારિણામિકભાવે છે. અહાહા...! જેમ સહજ સ્વાભાવિક પારિણામિકભાવમય આત્મા છે તેમ તેની સર્વદર્શિત્વશક્તિ પારિણામિકભાવરૂપ છે. તેમાં કોઈ પરની- નિમિત્તની અપેક્ષા નથી. અહાહા...! પારિણામિકભાવમય નિજ ત્રિકાળી આત્મદ્રવ્યનો આશ્રય લેતાં પર્યાયમાં સર્વદર્શિત્વશક્તિનું પરિણમન થાય છે તે ક્ષાયોપશમિક કે ક્ષાયિકભાવરૂપ હોય છે. શક્તિની પૂર્ણ પર્યાય તે ક્ષાયિકભાવ છે, ને તેની અધુરી પર્યાય તે ક્ષાયોપશમિકભાવરૂપ છે, સાથે સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રની પર્યાય પ્રગટે છે તે ઔપશમિક, ક્ષાયોપશમિક કે ક્ષાયિકભાવે હોય છે, ને તે કાળે જે રાગ બાકી છે તે ઔદયિકભાવ છે. જુઓ, સાધક આત્માને-

-પ્રતીતિ ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવરૂપ હોય છે, -ચારિત્રની દશા ઉપશમ કે ક્ષયોપશમભાવરૂપ હોય છે. અને -જ્ઞાન-દર્શન ક્ષયોપશમભાવરૂપ હોય છે. સમસ્ત વિશ્વના સામાન્યભાવને દેખવારૂપે પરિણત એવી આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ-આમ કહ્યું છે એમાં ‘પરિણત’ શબ્દ કહ્યો છે તે સૂક્ષ્મ અર્થનું સુચન કરે છે. શરુઆતમાં જ એમ કહ્યું હતું કે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો-જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો અનંત ધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર એક આત્મા છે. અહીં ક્રમમાં વિકારી પરિણામની વાત જ નથી, કેમકે આત્માની શક્તિઓ ત્રિકાળ શુદ્ધ જ છે ને તેની પરિણતિ ક્રમસર શુદ્ધ જ થાય છે એમ અહીં વાત છે. જે શક્તિઓ-ગુણ છે તે અક્રમરૂપ છે, અને તેની વ્યક્તિઓ ક્રમસર શુદ્ધ છે એમ


PDF/HTML Page 3977 of 4199
single page version

વાત છે. તે ક્રમરૂપ અને અક્રમરૂપ ધર્મોના સમૂહને આત્મા કહ્યો છે.

‘પરિણત’ શબ્દની સૂક્ષ્મતા ઉપર વિચાર આવેલ છે તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ. અમારે તો આખો દિ’ તત્ત્વવિચાર એ જ ધંધો છે ને!

અરે ભાઈ! આત્મામાં જો દર્શન ગુણ ન હોય તો આત્મવસ્તુ અદ્રશ્ય થઈ જાય; ને આત્મવસ્તુ અદ્રશ્ય થાય તો સર્વવસ્તુ અદ્રશ્ય થાય. એમ થતાં સર્વ જ્ઞેયવસ્તુનો અભાવ ઠરે. માટે દર્શન ગુણ પ્રધાન છે, સર્વદર્શિત્વ પ્રધાન છે.

અધ્યાત્મ પંચસંગ્રહમાં એમ કહ્યું છે કે અભવિને જ્ઞાન છે પણ જ્ઞાનની પરિણતિ નથી. અભવિ જીવને ૧૧ અંગ અને ૯ પૂર્વની લબ્ધિ હોય છે. આ જ્ઞાન છે, પણ જ્ઞાનની પરિણતિ નથી. અહા! એક આચારાંગમાં અઢાર હજાર પદ હોય છે, ને એક પદમાં પ૧ ક્રોડથી ઝાઝા શ્લોક હોય છે. તેનાથી બમણું સૂયડાંગ, એમ ઉત્તરોત્તર બમણા બમણા અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન અભવિ જીવને હોય છે, પણ તેને જ્ઞાનની પરિણતિ નથી, પરિણત જ્ઞાન નથી, કેમકે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનો આશ્રય તેને નથી. સ્વ-આશ્રયે જે જ્ઞાન પ્રગટ થાય તેને જ્ઞાનપરિણતિ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ...?

અધ્યાત્મ પંચસંગ્રહમાં દ્રષ્ટાંત આપ્યું છે. સીતાજીને છોડાવવા માટે રાવણ સાથે લક્ષ્મણજીને યુદ્ધ થયું; ત્યારે રાવણે લક્ષ્મણજીને શક્તિ મારી. તે વડે લક્ષ્મણ બેશુદ્ધ થઈ ગયા. તે પ્રસંગે રામચંદ્રજી મૂર્ચ્છિત લક્ષ્મણજીને સંબોધીને કહે છે-

આવ્યા’તા ત્યારે ત્રણ જણા ને, જાશું એકાએક;
માતાજી ખબરુ પૂછશે ત્યારે શા શા ઉત્તર દઈશ?
લક્ષ્મણ જાગ ને હોજી, બોલ એક વાર જી

હે લક્ષ્મણ! સીતાજીને રાવણ લઈ ગયો, તું આમ બેશુદ્ધ થઈ ગયો. માતા પાસે હવે હું શું જવાબ આપીશ? માટે ભાઈ, જાગ! બંધુ! એક વાર બોલ. આમ રામચંદ્રજી શોકાતુર થઈ વિલાપ કરે છે. ત્યારે તેમને કોઈ નિમિત્તજ્ઞાનીએ કહ્યું, -ભરતના રાજ્યમાં એક રાજાની એક કુંવારી કન્યા વિશલ્યા છે. તેને એવી લબ્ધિ પ્રગટ છે કે તેના સ્નાનનું જળ લક્ષ્મણજી પર છાંટવામાં આવે તો લક્ષ્મણજી મૂર્ચ્છા તજી તત્કાલ બેઠા થશે.

આ વિશલ્યા તે કોણ? તે પૂર્વ ભવમાં ચક્રવર્તીની પુત્રી હતી. તેને કોઈએ જંગલમાં છોડી દીધેલી. ત્યાં એક મોટો અજગર તેને ગળી ગયો. જરા મોઢું બહાર હતું ત્યાં તેના પિતા જંગલમાં ત્યાં આવી પહોંચ્યા અને બાણથી અજગરને મારવાની તૈયારી કરી. તો કન્યાએ પિતાને કહ્યું, -પિતાજી, અજગરને મારશો મા; મેં તો યાવત્ જીવન અન્ન-જળનો ત્યાગ કર્યો છે. હું હવે કોઈ રીતે બચું એમ નથી, માટે અજગરને નાહક મારશો નહિ. અહા! કેવી દૃઢતા! ને કેવી કરુણા! આ કન્યા મરીને ભરતના રાજ્યમાં એક રાજાને ત્યાં રાજકુંવરી વિશલ્યા થઈ અવતરી.

સૈનિકો એ કન્યાને લઈ આવ્યાં. વિશલ્યાએ જેવો લશ્કરના પડાવમાં પ્રવેશ કર્યો કે ઘાયલ થયેલા સૈનિકોના ઘાવ ક્ષણમાત્રમાં જ આપોઆપ રૂઝાઈ ગયા અને તેનું સ્નાનજળ જેવું લક્ષ્મણજી પર છાંટવામાં આવ્યું કે તરત લક્ષ્મણજીની મૂર્ચ્છા ઉતરી ગઈ અને તેઓ ભાનમાં આવ્યા, ક્ષણવારમાં લક્ષ્મણજી ઊભા થઈ ગયા, રાવણે મારેલી શક્તિ ખુલી ગઈ. પછી તો વિશલ્યા સાથે લક્ષ્મણજીએ લગ્ન કર્યાં.

અહીં સિદ્ધાંત એમ છે કે-ત્રિકાળ જ્ઞાનાનંદ-સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા નિર્મળ પરિણતિરૂપ રમણી સાથે જોડાય છે ત્યાં તેના અનંત ગુણોરૂપ શક્તિ પર્યાયમાં ખુલી જાય છે. શક્તિવાન દ્રવ્ય સાથે જોડાઈને જે નિર્મળ દશા અંદર પ્રગટી તેને અહીં ‘પરિણત’ કહી છે. શક્તિ પર્યાયમાં ખીલે નહિ, કાર્યરૂપ પરિણમે નહિ તો શક્તિ પડી છે તેનો શો લાભ! સર્વદર્શિત્વશક્તિ દેખવારૂપ પરિણત કહી ત્યાં શક્તિની નિર્મળ પ્રગટતાની વાત છે, અને તે પ્રગટતા આત્મદર્શનમય છે, પરદર્શનમય નથી એમ કહે છે.

આ અધ્યાત્મ વાણી બહુ સુક્ષ્મ ભાઈ! હવે શુભભાવમાં ધર્મ માની સંતુષ્ટ છે તેને આ ગળે કેમ ઉતરે? પણ શુભભાવ એ કાંઈ અપૂર્વ નથી ભાઈ! પૂર્વે અનંત વાર જીવે શુભભાવ કર્યા છે. અહા! નવમી ગ્રૈવેયકના અહમિન્દ્ર પદને પામે એવા શુક્લલેશ્યાના પરિણામ આ જીવે અનંતવાર કર્યા છે. આવે છે ને કે-


PDF/HTML Page 3978 of 4199
single page version

‘મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાયો.’

અહા! આ શુકલલેશ્યા જુદી ચીજ છે, ને શુક્લધ્યાન જુદી ચીજ છે, શુક્લધ્યાન તો ભાવલિંગી મુનિવરને શ્રેણી ચઢે ત્યારે સમ્યગ્દર્શનપૂર્વક હોય છે. જ્યારે શુક્લલેશ્યારૂપ પરિણામ તો અભવિને પણ થાય છે. બહુ ઉજળા અતિ મંદકષાયરૂપ પરિણામ તે શુક્લલેશ્યા છે. શુક્લ લેશ્યાવાળો જીવ છઠ્ઠા દેવલોકમાં જાય છે. નવમી ગ્રૈવેયક જનારા જીવને તો ઘણા ઉંચા શુક્લલેશ્યાના શુભભાવ મંદકષાયરૂપ હોય છે. છઠ્ઠા દેવલોકમાં સમ્યગ્દ્રષ્ટિ પણ જાય તો શુક્લલેશ્યાના તેને પરિણામ હોય છે; પરંતુ નવમી ગ્રૈવેયક જનારને તો અહા! એથીય અધિક કેવા ઉંચા મંદકષાયરૂપ શુક્લલેશ્યાના પરિણામ હોય છે! છતાં આ ભાવ ધર્મ નથી, એ તો કષાયનો જ અંશ છે, આકુળતામય છે. તે ધર્મરૂપ નહિ ને ધર્મનું કારણેય નહિ.

આ શક્તિનો અધિકાર ચાલે છે. ભગવાન આત્મામાં અનંત શક્તિઓ છે. અહીં આચાર્યદેવે ૪૭ શક્તિનું અતિ સૂક્ષ્મ અને અલૌકિક વર્ણન કર્યું છે. ક્રમરૂપ પરિણત અને અક્રમરૂપ પ્રવર્તતા અનંત ધર્મોના સમુદાયને અહીં આત્મા કહ્યો છે. એકલી શક્તિઓ પડી છે એમ વાત નથી; શક્તિઓનો ભંડાર પર્યાયમાં ખોલી નાખ્યો છે. હવે આવી અદ્ભુત મૂળ ચીજ પોતાની સમજતા નથી ને લોકો વિરોધ કરે છે! પણ આ ભગવાન કેવળીનો પરમ સત્ય માર્ગ છે.

શ્રીમદ્ના એક પત્રમાં આવે છે કે-ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને કેવળજ્ઞાન શ્રદ્ધાપણે પ્રગટ થયું છે. એટલે શું? કેવળજ્ઞાન પરિણમનરૂપે પર્યાયમાં તો તેરમા ગુણસ્થાને પ્રગટ થશે. પરંતુ ચોથા ગુણસ્થાનવાળાને પોતાના શ્રદ્ધાનમાં કેવળજ્ઞાનની પ્રતીતિ થઈ છે તેથી તેને શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે એમ કહીએ છીએ. શક્તિનું અને શક્તિની અંશરૂપ ને પૂરણસ્વરૂપ પ્રગટતાનું સમકિતીને યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન હોય છે અને તેથી શ્રદ્ધાપણે સમકિતીને કેવળજ્ઞાન ને મોક્ષ થયો છે એમ કહેવામાં આવે છે.

અરે, પોતાના નિધાન પર નજર નાખે તો સમજાય ને? અહા! જ્યાં પોતાના નિધાન પર નજર નાખે કે તરત નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. તેમાં વિકારની તો ગંધેય નથી. જે નિર્મળ પરિણામ પ્રગટયા તે ભાવરૂપ છે, ને તેમાં વિકારી ભાવનો અભાવ છે. આનું નામ અનેકાન્ત છે. શક્તિ અંદર પડી છે તે સ્વાભિમુખ થતાં જ અંદર ખીલી જાય છે. અહા! પોતાની પરિણતિરૂપી રમણી સાથે રમતાં-અંતર એકાગ્ર થઈને રમણતા કરતાં-તે નિરાકુલ આનંદના ભોગ દે છે; અહા! આવું છે આનંદનું જન્મસ્થાન! આનું નામ ધર્મ ને આ મોક્ષનો મારગ છે. બાકી બધાં થોથાં છે.

આ શક્તિના વર્ણનમાં બે વાત મુખ્યપણે સમજવા જેવી કહી છે.

(૧) શક્તિને પરિણત કહી છે.
(૨) તે આત્મદર્શનમયી છે, પરદર્શનમયી નથી.

આ પ્રમાણે આ સર્વદર્શિત્વશક્તિનું વર્ણન પૂરું થયું.

*
૧૦ઃ સર્વજ્ઞત્વશક્તિ

‘સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ.’ ‘બધું છે’ બસ એટલી જ વાત દર્શનશક્તિમાં હતી. ભેદ પાડયા વિના સામાન્યપણે આખું વિશ્વ, લોકાલોક અસ્તિરૂપે છે એમ દર્શનશક્તિમાં દેખવામાં આવે છે. આ આત્મા છે, આ જડ છે, આ સિદ્ધ છે, આ સાધક છે, આ ગુણ છે, આ પર્યાય છે-એવો ભેદ દર્શનશક્તિનો વિષય નથી. વિશ્વના જે અનંતા વિશેષ ભાવો છે તે બધાયને વિશેષપણે-ભિન્ન ભિન્ન જાણે એવી આત્માની સર્વજ્ઞત્વશક્તિ છે. જાણે એટલું જ હોં; એમાં ઠીક-અઠીક કરે એ સર્વજ્ઞત્વશક્તિનું કામ નથી. સમજાણું કાંઈ...?

અધ્યાત્મ પંચસંગ્રહમાં કહ્યું છે કે-એક સમયમાં સર્વને ભેદ પાડયા વિના અસ્તિત્વરૂપે દેખવું તે સર્વદર્શિત્વ શક્તિનું કાર્ય છે, અને તે જ સમયમાં સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયને ભિન્ન ભિન્ન ભેદ પાડીને જાણવું તે સર્વજ્ઞત્વશક્તિનું કાર્ય છે. તે બન્ને પર્યાય એક સમયમાં એકીસાથે છે. અહો! એક પર્યાય એક જ સમયમાં સર્વને સામાન્યપણે સત્તારૂપે દેખે અને બીજી પર્યાય તે જ સમયમાં સર્વને વિશેષપણે ભેદ પાડીને જાણે એવો આત્મામાં કોઈ અદ્ભુતરસ છે. ત્યાં નવ રસ વર્ણવ્યા છે તેમાં અદ્ભુતરસનું આવું અલૌકિક વર્ણન કર્યું છે.


PDF/HTML Page 3979 of 4199
single page version

અહો! ભગવાન આત્મા દિવ્ય ચિત્ચમત્કાર પ્રભુ છે. એના નિર્ણયમાં અનંતા કેવળી-સિદ્ધ ભગવંતો સહિત સર્વ લોકાલોકના વિશેષ ભાવોનો નિર્ણય સમાઈ જાય છે. અહા! આ સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વશક્તિ તો મહા આશ્ચર્યકારી છે. અહા! સર્વ લોકાલોકના અનંતા ભાવોને દેખે-જાણે પણ તે પ્રતિ (જ્ઞાન-દર્શનનો) ઉપયોગ જોડવો પડે નહિ, અને કયાંય પરનો આશ્રય નહિ. ગજબ વાત છે પ્રભુ! ચૈતન્યસ્વભાવમય આત્માનો આ અદ્ભુત રસ છે; અહા! જેમાં વીતરાગી વીરતાનો વીરરસ ને અનાકુળ આનંદરૂપ શાંતરસ સમાય છે-એવો આત્માનો આ અલૌકિક અદ્ભુત રસ છે.

સર્વ લોકાલોકને સત્તામાત્ર સામાન્ય દેખવારૂપે પરિણમે છે તે સર્વદર્શિત્વશક્તિ છે, અને તે જ સમયમાં વિશ્વના સમસ્ત વિશેષ ભાવોને ભેદ પાડીને જાણવારૂપ પરિણમે તે સર્વજ્ઞત્વશક્તિ છે. વિશેષ ભાવો શું? વિશેષ ભાવોમાં ત્રિકાળી દ્રવ્યસ્વભાવ, ગુણભાવ, પર્યાયભાવ, એકેક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ, ત્રણે કાળના અનંતા કેવળી ભગવંતો સહિત સર્વ અનંતા દ્રવ્યો જાણવામાં આવે છે. અહા! કેવળી ભગવાન કે જેમના જ્ઞાનમાં લોકાલોક જણાય-એવા અનંતા કેવળી ભગવંતો કેવળજ્ઞાનની એક પર્યાયમાં જણાય તે કેવળજ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત કેટલી? નિગોદિયા જીવને અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનનો વિકાસ છે. તેમાં અનંત અવિભાવ પ્રતિચ્છેદ હોય છે. કેવળજ્ઞાનની પર્યાયનું તો શું કહેવું? અહાહા...! કેવળજ્ઞાનની એક પર્યાયમાં અનંત અનંત અવિભાગ પ્રતિચ્છેદો છે. તેને ભિન્ન ભિન્ન કરીને ભગવાન કેવળી જાણે એવું કેવળજ્ઞાનનું અપાર અપરિમિત અનંતુ સામર્થ્ય છે. અહા! પ્રત્યેક જીવમાં આવી સર્વજ્ઞત્વશક્તિ અંદર ત્રિકાળ પડી છે. પણ તેની અંતર્મુખ થઈ પ્રતીતિ કરે તો ખબર પડે ને? સ્તવનમાં આવે છે કેઃ-

પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતા હો લાલ;
નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો લાલ.

અહા! નિગોદના જીવ પણ સત્તાએ શુદ્ધ ત્રિકાળ એક જ્ઞાયકભાવસ્વરૂપ છે એમ હે ભગવાન! આપે કેવળજ્ઞાનમાં જોયું છે. ભાઈ! આ પુણ્ય-પાપના ભાવ થાય તે કાંઈ આત્મા નથી. ગંભીર વાત છે પ્રભુ! નિગોદના જીવ પણ સ્વભાવે શક્તિ-અપેક્ષા શુદ્ધ છે; પર્યાયમાં અશુદ્ધતા છે, પણ એ તો એક સમયની છે. એક સમયની પર્યાયમાં ભૂલ છે, બાકી વસ્તુ તો અંદર ત્રિકાળ શુદ્ધ પડી છે. અહા! આવી નિજ આત્મવસ્તુમાં એકાગ્ર થઈને પ્રવર્તે ત્યાં સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ પ્રગટ થાય છે, હું સર્વજ્ઞસ્વભાવી છું એમ ત્યારે નિશ્ચય થાય છે, પરંતુ અલ્પજ્ઞપણું માને ત્યાં સુધી સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ નથી, અર્થાત્ ત્યાં સુધી તેને સર્વજ્ઞસ્વભાવ પરિણત નથી. સમજાય છે કાંઈ...?

અહાહા...! પોતે શુદ્ધ એક જ્ઞાનાનંદ-સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે એમ નિશ્ચય કરી તેમાં એકાગ્ર થતાં મારો સર્વજ્ઞસ્વભાવ છે અર્થાત્ મારો કેવળજ્ઞાન એટલે એકલો જ્ઞાનસ્વભાવ છે એમ કેવળજ્ઞાનસ્વભાવની શ્રદ્ધા-પ્રતીતિ પ્રગટ થાય છે. અહા! ચોથે ગુણસ્થાને આમ કેવળજ્ઞાનસ્વભાવની જેને પ્રતીતિ પ્રગટ થઈ છે તેને શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું છે. જ્ઞાનની કેવળજ્ઞાનરૂપ પૂર્ણ દશા તો તેરમા ગુણસ્થાને થાય છે, પણ પોતાના શુદ્ધ સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થતાં પર્યાયમાં શક્તિનું પરિણમન થયું, શક્તિ પરિણત થઈ તેને ત્યાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. આવી વાત! હવે આમાં કેટલાકને એમ લાગે કે ધર્મનો આ કઈ જાતનો ઉપદેશ?

અરે ભાઈ! ત્રિકાળી ધ્રુવ અખંડ એક જ્ઞાયકસ્વભાવી આત્મદ્રવ્યની દ્રષ્ટિ-પ્રતીતિ કરતાં અજ્ઞાનજન્ય પરનો મહિમા ઉડી જાય છે; પરિણામ સ્વમાં-સ્વસ્વરૂપમાં વિશ્રાંત થાય છે, ઠરે છે, ને આત્મામાં દર્શન, જ્ઞાન, શ્રદ્ધા, સુખ, વીર્ય, પ્રભુત્વ આદિ અનંત શક્તિઓનું નિર્મળ નિર્મળ પરિણમન એક સાથે ઉછળે છે, પ્રગટે છે. આ જ ધર્મ ને આ જ મોક્ષમાર્ગ છે. સાધ્ય આત્માની આ રીતે જ સિદ્ધિ થાય છે. આ સિવાય વ્રત પાળવાં, દયા પાળવી ઇત્યાદિ વ્યવહાર-રાગ કાંઈ ધર્મ નથી, ધર્મનું સાધનેય નથી, વાસ્તવમાં તો તે રાગ હોવાથી બંધનસ્વરૂપ જ છે. અરે પ્રભુ! રાગની મમતાની આડમાં તારાં પરમ નિધાન તારી નજરમાં આવ્યાં નહિ!

અહીં કહે છે-આત્મામાં વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણત એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ છે. આમાં એકલી શક્તિની વાત નથી, પણ પરિણત થયેલી આત્મજ્ઞાનમયી શક્તિની વાત છે. અંદર સર્વજ્ઞત્વશક્તિ પડી છે તેની પરિણતિ પ્રગટ થઈ છે તે આત્મજ્ઞાનમયી છે. આત્માને એકને જાણવારૂપે પરિણત થાય એવી સર્વજ્ઞત્વશક્તિ છે.

તો શું તે (-પરિણતિ) પરને જાણતી નથી? પરને જાણતી નથી એમ કયાં વાત છે? પરને જાણવા પ્રતિ તે સાવધાન નથી, પરમાં તે તન્મય નથી. પરમાં તન્મય થઈને પરને જાણતી નથી એમ વાત છે. તેથી પરને જાણે છે એમ કહીએ તે અસદ્ભૂત વ્યવહારનય છે. જેમાં પર-લોકાલોક


PDF/HTML Page 3980 of 4199
single page version

ઝળકે છે એવી પોતાની પર્યાયને પોતામાં તન્મય થઈને જાણે છે.

નિયમસાર, ગાથા ૧૬૬માં શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છેઃ-

પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને;
–જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે?

નિશ્ચયથી કેવળી ભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલોકને નહિ-એમ જો કોઇ કહે તો તેને શો દોષ છે? અર્થાત્ કાંઈ દોષ નથી. અહીં નિશ્ચય-વ્યવહાર સંબંધી એમ સમજવું કે-જેમાં સ્વની જ અપેક્ષા હોય તે નિશ્ચય-કથન છે, અને જેમાં પરની અપેક્ષા આવે તે વ્યવહાર-કથન છે. માટે કેવળી ભગવાન લોકાલોકને-પરને જાણે-દેખે છે એમ કહેવું તે વ્યવહાર-કથન છે, અને ભગવાન કેવળી સ્વાત્માને જાણે-દેખે છે એમ કહેવું તે નિશ્ચય છે.

નિયમસાર, ગાથા ૧૬૯માં કહ્યું છે કેઃ-

પ્રભુ કેવળી જાણે ત્રિલોક–અલોકને, નહિ આત્મને;
–જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે?

વ્યવહારથી કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, આત્માને નહિ-એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે? અર્થાત્ કાંઈ દોષ નથી.

નિયમસારના શુદ્ધોપયોગ અધિકારના શ્લોક ૨૮પમાં મુનિરાજ કહે છેઃ- “તીર્થનાથ ખરેખર આખા લોકને જાણે છે અને તેઓ એક, અનઘ (નિર્દોષ), નિજ-સૌખ્યનિષ્ઠ (નિજ સુખમાં લીન) સ્વાત્માને જાણતા નથી-એમ કોઈ મુનિવર વ્યવહારમાર્ગથી કહે તો તેને દોષ નથી.”

આમ જ્ઞાની-ધર્મી પુરુષ જે વિવક્ષાથી વાત કહે તે વિવક્ષા યથાર્થ સમજવી જોઈએ. નિશ્ચયથી કેવળી ભગવાન સ્વાત્માને જાણે છે, લોકાલોકને નહિ; ને વ્યવહારથી કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, સ્વાત્માને નહિ- આમ આ બન્ને કથન વિવક્ષાથી બરાબર છે.

પણ આમાં સમજવું શું? ભગવાન લોકાલોકને જાણતા નથી એમ વાત નથી. પરંતુ ભગવાનનો ઉપયોગ ખરેખર અંતર્મુખ સ્વરૂપપ્રત્યક્ષ અને સ્વરૂપનિષ્ઠ છે, તે લોકાલોકમાં તન્મય નથી, લોકાલોકમાં જોડાઈને ઉપયુક્ત નથી. પરંતુ નિજાનંદરસલીન છે. જો લોકાલોકને, તેમાં તન્મય થઈને જાણે તો નર્કાદિ ક્ષેત્રના દુઃખનું વેદન તેને થવાનું બને. પણ એમ છે નહિ. તેથી જ કહ્યું કે ભગવાન લોકાલોકને વ્યવહારથી જાણે છે. આનું નામ તે સર્વજ્ઞત્વશક્તિ પૂર્ણભાવે પરિણત થતાં જે કેવળજ્ઞાન થયું તે આત્મજ્ઞાનમયી છે, પરજ્ઞાનમય નથી. ગંભીર સૂક્ષ્મ વાત છે ભાઈ!

અહા! આત્માના જીવત્વ, પ્રભુત્વ આદિ અનંતગુણોમાં એક સર્વજ્ઞત્વશક્તિ પણ ભેગી પરિણમી રહી છે. અરે, લોકોને પોતાના અંતર નિધાનની-ચૈતન્યનિધાનની ખબર નથી. અહા! આ સર્વજ્ઞત્વશક્તિની પૂર્ણ પ્રગટતા તે સર્વજ્ઞતા અથવા કેવળજ્ઞાન છે. આ કેવળજ્ઞાન તે સ્વલક્ષે સ્વરૂપની એકાગ્રતાથી ખીલ્યું છે, કાંઈ પરના જગતના લક્ષે ખીલ્યું છે એમ નથી. ભાઈ! જગત છે માટે કેવળજ્ઞાન પ્રગટયું છે એમ નથી. જગત તો ત્રિકાળ અનાદિ-અનંત છે. જો તેને લઈને જ્ઞાન થતું હોય તો અનાદિથી જ પ્રત્યેક જીવને કેવળજ્ઞાન હોવું જોઈએ. પણ એમ છે નહિ. એ તો જીવ જ્યારે સ્વમાં એકાગ્ર થઈ, સ્વદ્રવ્યને જ કારણપણે ગ્રહીને સ્વસ્થિત પરિણમે છે ત્યારે કેવળજ્ઞાન થાય છે, અને તેમાં જગત આખું જ્ઞેયપણે ઝળકે છે. ત્યાં શક્તિનું પરિણમન સ્વાશ્રિત છે, પરાશ્રિત નથી, આત્મજ્ઞાનમય છે, પરજ્ઞાનમય નથી. અહા! સર્વજ્ઞતા એ તો શક્તિની સ્વ-આશ્રયે પૂરણ પ્રસિદ્ધિ છે. પણ શું થાય? ‘સર્વજ્ઞ’ સાંભળતાં જ અજ્ઞાનીઓને બહારના જ્ઞેયો પ્રતિ લક્ષ જાય છે, પણ જેમાંથી સર્વજ્ઞદશા ખીલી તે સર્વજ્ઞત્વશક્તિ-સર્વજ્ઞસ્વભાવ પ્રત્યે લક્ષ જતું નથી. પરંતુ અંતર્લક્ષ થયા વિના સર્વજ્ઞની સાચી પ્રતીતિ થતી નથી.

અરે! પોતાના સ્વરૂપના ભાન વિના જીવ અનંત કાળથી રખડે છે. અહા! સાતમી નરકમાંય તે અનંત વાર જન્મ્યો-મર્યો છે. જુઓ, બ્રહ્મદત્ત નામના ચક્રવર્તી મરીને સાતમી નરકે ગયા છે, ત્યાં મહાદુઃખના વેદનમાં પડયા છે. અહીં ૭૦૦ વર્ષનું આયુષ્ય ભોગવીને, અહીંના કાલ્પનિક સુખના ફળમાં તેત્રીસ સાગરના આયુની સ્થિતિ બાંધી તેઓ