Pravachan Ratnakar (Gujarati). 3 DrashiShakti; 4 GnaanShakti; 5 SukhShakti; 6 ViryaShakti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 198 of 210

 

PDF/HTML Page 3941 of 4199
single page version

થાય છે તે પર્યાયમાં થાય છે. નિત્ય ધ્રુવ દ્રવ્ય, ને અનિત્ય પર્યાય-બન્ને મળીને આખી અનેકાન્તમય વસ્તુ આત્મા છે; અને એને જ્ઞાનમાત્ર આત્મા કહીએ છીએ.

આત્મા જ્ઞાનમાત્ર સ્વરૂપ છે. આટલું સાંભળી શિષ્યે પ્રશ્ન કર્યો કે-ભગવાન! જ્ઞાનમાત્ર ભાવ કહો એમાં તો એકાંત થઈ જાય છે. જીવ જ્ઞાનમાત્ર સ્વરૂપ છે એમ કહેવાથી તેમાં અનંત ગુણ ન આવ્યા; અને જો અનંત ગુણ છે તો એકલો જ્ઞાનમાત્ર કેમ કહ્યો? તેના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે-તું એક વાર સાંભળ તો ખરો. જ્ઞાનમાત્ર કહીને અમે તેમાં શરીર, કર્મ, વાણી અને પુણ્ય-પાપના ભાવો નથી એમ જડપણાનો નિષેધ કર્યો છે. બાકી જ્ઞાનમાત્ર આત્મામાં એના અનંત ગુણ સમાઈ જાય છે. અહા! જ્ઞાનમાત્ર વસ્તુ એક જ્ઞાયક પ્રભુનો અંતઃસન્મુખ થઈ સ્વીકાર કરતાં જ જીવમાં જ્ઞાનચેતના પ્રગટ થાય છે; તેની સાથે શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય ઇત્યાદિ સર્વ અનંત ગુણોની નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. અહાહા...! સમુદ્રમાં કાંઠે જેમ ભરતી આવે તેમ ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મામાં જ્ઞાનમાત્ર ભાવનું પરિણમન થતાં સર્વ શક્તિઓ આનંદના હિલોળે નિર્મળ નિર્મળ ઉછળે છે; તેમાં આનંદની ભરતી આવે છે. આમ આવું આત્માનું અનેકાન્તસ્વરૂપ છે.

પ્રશ્નઃ– પણ શક્તિઓ ઉછળે એમાં ધર્મ શું થયો? કાંઈ તપ-બપ કરે તો ધર્મ થાય ને? ઉત્તરઃ– અરે ભાઈ! તું આત્મા વસ્તુ-પદાર્થ છો કે નહિ? છો; તો એનો સ્વભાવ શું? અહાહા...! ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય એનો સ્વભાવ છે. ભગવાન! તું ચૈતન્યસ્વભાવમય વસ્તુ છો. આચાર્ય ભગવાન કહે છે-તારી ચૈતન્યસ્વભાવમય વસ્તુમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આનંદ, પ્રભુતા આદિ અનંત શક્તિ-ગુણની ઋદ્ધિ ભરી છે. અહાહા...! એ ચૈતન્યસ્વભાવમય અનંત ગુણનિધિ પ્રભુ આત્મદ્રવ્યના આશ્રયમાં જતાં, તેમાં જ અંતર્મગ્ન થઈ પરિણમતાં, અહીં કહે છે, એક સાથે અનંત ગુણો નિર્મળ નિર્મળ ઉછળે છે. નિર્મળ જ્ઞાન, શ્રદ્ધાન, ચારિત્ર પ્રગટ થાય છે. ભાઈ! આ નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્રનું પ્રગટવું તે ધર્મ નહિ તો શું છે? ભાઈ! આનું જ નામ ધર્મ છે. આત્માની જ્ઞાન, શ્રદ્ધાન, ચારિત્ર આદિ શક્તિઓ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે નિર્મળ નિર્મળ પરિણમે એ જ ધર્મ છે, અને એ સિવાયનાં વ્રત, તપ આદિ કોઈ ધર્મ નથી. સમજાણું કાંઈ...? ધર્મના દશ ભેદ ને તપના બાર ભેદ એ તો ભેદથી-વ્યવહારથી કહેવાય છે. બાકી એક વીતરાગ ભાવ થવો તે જ ધર્મ અને ચૈતન્યનું સ્વરૂપવિશ્રાંત થઈ અંતરંગમાં પ્રતપવું તે જ તપ છે, ‘સમ્યગ્જ્ઞાન દીપિકા’માં ક્ષુલ્લક શ્રી ધર્મદાસજીએ લખ્યું છે કે-આત્મા એક અને પરિષહ બાવીસ કયાંથી આવ્યા? આત્મા એક અને ધર્મના પ્રકાર દશ કયાંથી આવ્યા? એ તો ભેદથી કથન કર્યું છે. બાકી કાંઈ ધર્મ દશ નથી; વીતરાગભાવ એક જ ધર્મ છે. વીતરાગ પરમેશ્વરનો આવો મારગ છે. બાકી બધા પામરના ને પામરતાના પંથ છે. આવી વાતું છે.

અહા! જ્ઞાનમાત્ર આત્મામાં ‘જ્ઞાન છે’ એમ કહેતાં જ્ઞાનમાં અસ્તિત્વ ગુણનું રૂપ આવ્યું. આમ જુદો અસ્તિત્વ ગુણ સિદ્ધ થયો. જ્ઞાન આનંદરૂપ છે એમ કહેતાં જ્ઞાનમાં આનંદ ગુણનું રૂપ આવ્યું. આમ જુદો આનંદ ગુણ સિદ્ધ થયો. એમ જ્ઞાનમાં અનંતા ગુણોનું રૂપ હોવાથી આત્મામાં અનંત ગુણ સિદ્ધ થાય છે. અહાહા...! ભગવાન આત્મા, આ પ્રમાણે, અનંત ગુણનું ગોદામ છે, શું કીધું? વિકારનું ગોદામ છે એમ નહિ; અહાહા...! જેમાં અનંત ગુણ નિર્મળ ઉછળે એવા પવિત્ર ગુણોનું ગોદામ પ્રભુ આત્મા છે. ભાઈ! આ પુણ્ય-પાપના જે ભાવ છે એ તો ઔપાધિકભાવ છે અને તે પર્યાયદ્રષ્ટિથી કૃત્રિમ ઊભા થાય છે. વસ્તુમાં તે ઉત્પન્ન થાય એવી કોઈ શક્તિ નથી. એ તો પર્યાયદ્રષ્ટિ જીવને પર્યાય ઉપર લક્ષ જાય છે તો વિકૃત દશા ઉત્પન્ન થાય છે. બાકી વસ્તુ-ભગવાન આત્મા તો એક સેકન્ડના અસંખ્યાતમા ભાગમાં (પ્રતિક્ષણ) અનંત શુદ્ધ શક્તિનો ચૈતન્યમય પિંડ છે. અહાહા...! પરવસ્તુ-નિમિત્ત, રાગ-વિકાર ને એક સમયની પર્યાય-અંશ-એનું લક્ષ છોડીને ત્રિકાળી પૂર્ણ-જ્ઞાનઘન નિજ આત્મદ્રવ્ય ઉપર નજર ઠેરવતાં જ અનંત ગુણની નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે. આનું નામ ધર્મ છે, ને આ મોક્ષમાર્ગ છે. આ સિવાય વ્રત, તપ આદિ કાંઈ (-ધર્મ) નથી. સમજાણું કાંઈ...?

આ સત્ નારાયણની કથા છે. સત્નારાયણ નામ કોઈનું હોય એની આ વાત નહિ, આ તો સત્ નામ ભગવાન આત્મા તેની પરમાત્મા થવાની કથા છે. અહાહા...! નરમાંથી નારાયણ થવાની-પરમાત્મા-ભગવાન થવાની ભગવાને કહેલી આ ભાગવત કથા છે. અહીં કહે છે-અજડત્વમય ચિતિશક્તિ અર્થાત્ પૂરણ ચૈતન્યસ્વભાવનો સાગર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે; અહાહા...! તેના આશ્રયે પરિણમતાં-તેમાં અંતર્લીન થઈ પરિણમતાં ચૈતન્યસ્વભાવનો સાગર પ્રભુ અનંત શક્તિઓ સહિત ઉછળે છે. અહાહા...! તેમાં ચિતિશક્તિ સહિત અનંત શક્તિઓ પર્યાયમાં નિર્મળપણે ઉપજે છે. આ અનેકાંત છે. આત્માને જ્ઞાનમાત્ર કીધો તો તેમાં એકલું જ્ઞાન છે એમ નહિ, જ્ઞાનની સાથે જીવત્વ, દર્શન, શ્રદ્ધા, આનંદ,


PDF/HTML Page 3942 of 4199
single page version

વીર્ય, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ધર્મો-ગુણો તેમાં ભેગા આવી જાય છે. જ્ઞાનમાં આ અનંત ગુણનું રૂપ છે છતાં તે અનંત ગુણ બધા ભિન્ન ભિન્ન છે; અને અનંત ગુણ પ્રત્યેક ભિન્ન હોવા છતાં બધા મળી અખંડ અભેદ એક આત્મા છે. અહો! આવું વસ્તુનું અનેકાન્તમય સ્વરૂપ કોઈ અદ્ભુત અલૌકિક છે.

આ તો વીતરાગનો માર્ગ છે બાપુ! આ કોઈ સાધારણ ચીજ નથી; અંતર-અનુભવના મહાન પુરુષાર્થ વડે પ્રાપ્ત થાય એવી ચીજ છે. પણ અરે! પોતાના ત્રિકાળી સ્વરૂપને ભૂલીને અનાદિથી એણે પર્યાય ઉપર લક્ષ કર્યું છે! એક સમયની પર્યાયની પાછળ પૂરણ પરમાત્મતત્ત્વ અંદર પડયું છે, પણ અરે! એની દ્રષ્ટિના અભાવે એના ભવના અંત આવ્યા નહિ! અહા! ભાઈ! પંચમહાવ્રતાદિના ક્રિયાકાંડમાં મંદ રાગ કરે તો દેવના ભવ મળે, પણ ભવના અંત ન આવે. આવું બધું તો એણે અનંત કાળમાં અનંત વાર કર્યું છે, એ પહેલું-નવું નથી. અહાહા...! અંદર ભગવાન આત્મા અનંત શક્તિનો સાગર ચૈતન્ય નિધાન પ્રભુ છે તેની અંતઃદ્રષ્ટિ વડે આનંદનો અનુભવ આવે, નિરાકુળ શાંતિનો સ્વાદ આવે તે અપૂર્વ છે. અહાહા...! અંતઃપુરુષાર્થ જાગ્રત કરી સ્વરૂપમાં સ્ફુરાયમાન વીર્ય વડે અનંત ગુણની નિર્મળ પર્યાયના સ્વરૂપની રચના કરે તેને ભવના અંત આવી જાય છે. આવો મારગ છે.

અહાહા...! અંદર આત્મામાં એક વીર્યગુણ છે, આત્મબળ નામનો અંદર એક ગુણ છે. તે સ્ફુરાયમાન થવા વડે ચેતના ગુણના પરિણમનની સાથે બીજા અનંતા ગુણની નિર્મળ પરિણતિની તે રચના કરે છે. અહા! રાગની રચના કરે તે વીર્યગુણનું કાર્ય નહિ; દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભરાગની રચના કરે એ તો નપુંસકતા છે. અહા! જેમ હીજડાને વીર્ય નથી તો તેને પ્રજોત્પત્તિ થતી નથી તેમ ભગવાન આત્માને ભૂલીને શુભાશુભ ભાવની રચના કરે તેને (-નપુંસકને) ધર્મની પર્યાયરૂપ પ્રજાની ઉત્પત્તિ થતી નથી.

ભાઈ! શુભાશુભ ભાવ થાય તે આત્માની ચીજ નથી, સ્વભાવપર્યાયની ઉત્પત્તિ થાય તે આત્માના વીર્યગુણનું કાર્ય છે, અને તે અંતઃસન્મુખ પુરુષાર્થ વડે દ્રષ્ટિમાં ભગવાન આત્માનો સ્વીકાર કર્યે પ્રગટ થાય છે. અહા! ભગવાન આત્માનો જ્યાં દ્રષ્ટિમાં સ્વીકાર કર્યો ત્યાં અનંત શક્તિઓ પર્યાયમાં નિર્મળ ઉછળે છે. આ અંતઃસન્મુખ થઈ જે નિજ પરમાત્મદ્રવ્યનો સ્વીકાર કરે તેની વાત છે હોં, માત્ર ઉપર ઉપરથી હા પાડે એની આ વાત નથી. અરે ભાઈ! નિજ પરમાત્મદ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ એક ચિત્સ્વભાવપણે અંતરંગમાં વિરાજે છે; પણ અજ્ઞાનીને એનો સ્વીકાર કયાં છે? એ તો અંતઃસન્મુખ થઈ એની દ્રષ્ટિ કરતાં એનો સ્વીકાર થાય છે અને ત્યારે એને જ્ઞાનમાત્ર ભાવની અંદર જીવત્વ, ચિતિ, દ્રશિ, વીર્ય આદિ અનંત શક્તિઓ પર્યાયમાં પ્રગટ થાય છે. આનું નામ ધર્મ ને આ મોક્ષમાર્ગ છે. આ સિવાય વ્રત, તપ, ભક્તિ આદિ બધું થોથાં છે.

જુઓ, અહીં બીજી ચિતિશક્તિનું વર્ણન ચાલે છે. આત્મદ્રવ્યને કારણભૂત પહેલાં જીવત્વશક્તિ કહીને તેના ચાર-દર્શન, જ્ઞાન, આનંદ ને વીર્ય-ચૈતન્યભાવપ્રાણ કહ્યા. અહાહા...! આવા ચૈતન્યભાવપ્રાણ વડે જીવ અનાદિથી જીવે છે, જીવતો હતો ને અનંતકાળ જીવશે.

તો લોકો કહે છે ને કે-‘જીવો અને જીવવા દો’-આ ભગવાન મહાવીરનો સંદેશ છે. અરે જૈનો પણ રથયાત્રા પ્રસંગે સૂત્રો પોકારે છે કે-

“ભગવાન મહાવીરનો સંદેશ–
જીવો અને જીવવા દો.” આ શું છે?

અરે ભાઈ! ‘જીવવા દો’ એટલે બીજા જીવોનું જીવન આના હાથમાં છે-એવો ભગવાન મહાવીરનો સંદેશ નથી. બીજો બીજાને જિવાડે, અને બીજાનો જીવાડયો બીજો જીવે એ ભગવાન મહાવીરની વાણી નથી. કોઈ કોઈને જિવાડે કે હણે એ વસ્તુસ્વરૂપ નથી, અને એ ભગવાનની વાણી નથી. જીવમાં ત્રિકાળ જીવત્વ નામની શક્તિ છે, અને ત્રિકાળ ચૈતન્યભાવપ્રાણ વડે અનાદિ-અનંત જીવનું જીવન છે. અહા! આવી નિજ જીવનશક્તિને ઓળખી અંતર્મુખ નિરાકુલ જીવન જીવ જીવે તે યથાર્થ જીવન છે. અહા! આવું જીવન ‘પોતે જીવો ને સૌ કોઈ જીવો’-એવો ભગવાન મહાવીરનો સંદેશ છે, ઉપદેશ છે. સમજાણું કાંઈ...?

સમયસારની બીજી ગાથામાં ‘जीवो’ શબ્દ છે એમાંથી આચાર્યદેવે આ જીવત્વશક્તિ કાઢી છે, ને જીવત્વનું ચિતિશક્તિ લક્ષણ છે તેથી અહીં બીજી ચિતિશક્તિ કહી. અહાહા...’ આ જીવત્વશક્તિ, ચિતિશક્તિ ઇત્યાદિ શક્તિઓ છે


PDF/HTML Page 3943 of 4199
single page version

એ તો ત્રિકાળ જીવતા-જાગતા જીવની જાહેરાત કરે છે. ભાઈ! આ શક્તિઓ છે એ તો અંદર ભગવાનના દરબારનો અનુપમ અણમોલ ખજાનો છે; અંતઃસન્મુખ દ્રષ્ટિ વડે તેને ખોલી દે. અહાહા...! ચૈતન્યનું નિધાન ધ્રુવધામ પ્રભુ આત્મા છે, અહાહા...! આવા પોતાના ધ્રુવધામને ધ્યેય બનાવી, ધીરજથી ધ્યાનની ધધકતી ધૂણી ધખાવી ધર્મી જીવ જીવન જીવે તેને ધન્ય છે. સૌ જીવો આવું જીવન જીવો એવો ભગવાન મહાવીરનો સંદેશ છે.

આ પ્રમાણે આ બીજી ચિતિશક્તિ અહીં પૂરીં થઈ.

*
૩ઃ દ્રશિશક્તિ

‘અનાકાર ઉપયોગમયી દ્રશિશક્તિ. (જેમાં જ્ઞેયરૂપ આકાર અર્થાત્ વિશેષ નથી એવા દર્શનોપયોગમયી- સત્તામાત્ર પદાર્થમાં ઉપયુક્ત થવામયી-દ્રશિશક્તિ અર્થાત્ દર્શનક્રિયારૂપ શક્તિ.)’

જુઓ, આત્મામાં અનંત શક્તિઓ છે. તેમાં જીવત્વ અને ચિતિશક્તિનું આચાર્યદેવે પહેલાં વર્ણન કર્યું. આ તો વર્ણનમાં ક્રમ પડયો, બાકી વસ્તુમાં તો શક્તિઓ અક્રમે છે. હવે અહીં ત્રીજી દ્રશિશક્તિ કહે છે. કેવી છે દ્રશિશક્તિ? તો કહે છે-‘અનાકાર ઉપયોગમયી દ્રશિશક્તિ’ છે. દ્રશિ નામ દર્શન-દેખવારૂપ આ શક્તિ છે. તે આત્મદ્રવ્યને દેખે છે, પોતાને દેખે છે, પરને દેખે છે; ગુણને દેખે છે, પર્યાયને દેખે છે; અને તે બધાને ભેદ પાડયા વિના દેખે છે. આ સ્વદ્રવ્ય છે, આ પરદ્રવ્ય છે; આ ચેતન છે, આ અચેતન છે એમ ભેદ પાડીને દેખતી નથી, સામાન્ય સત્તામાત્ર વસ્તુને ગ્રહણ કરે છે, દેખે છે. બહુ સૂક્ષ્મ વાત ભાઈ!

પ્રશ્નઃ– તો શું દર્શન-ઉપયોગ જીવ-અજીવ બધાને એકમેક કરી દેખે છે? ઉત્તરઃ– ના, એમ નથી; તે સત્તામાત્ર જ દેખે છે, ‘આ સત્ છે’ બસ એટલું જ દેખવાપણું છે, પણ આ સ્વ છે આ પર છે ઇત્યાદિ એમાં વિશેષ ગ્રહણ કરવાપણું નથી. વિશેષ-ભેદ પાડીને ગ્રહણ કરવાનું તો જ્ઞાનનું કાર્ય છે.

અહાહા...! અનાકાર ઉપયોગમયી દર્શનશક્તિ છે. અનાકાર અર્થાત્ આકાર નહિ. એટલે શું? શું તેનો આકાર નામ ક્ષેત્ર નથી? એમ નથી. ભગવાન આત્માનું જે અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે તે જ એનું ક્ષેત્ર છે. સર્વ અનંત ગુણનું આ એક જ ક્ષેત્ર છે. જો ક્ષેત્ર ન હોય તો શક્તિ જ ન હોય, શક્તિનું હોવાપણું જ સિદ્ધ ન થાય, અને તો વસ્તુ જ સિદ્ધ ન થાય. દર્શનને અનાકાર કહ્યું એ તો એનો વિષય સામાન્ય સત્તામાત્ર જ છે એ અપેક્ષાએ વાત છે. આ ચીજ આત્મા છે, આ ચીજ જડ છે; આ સ્વ છે, આ પર છે; આ જીવ છે, આ જ્ઞાન છે-એમ ભેદરૂપ આકારનું ગ્રહણ દર્શનશક્તિમાં નથી, બધું સામાન્ય સત્પણે ગ્રહણ હોય છે બસ. ભાઈ! આ શક્તિનું સામર્થ્ય તો જો. અહાહા...! તેનું ક્ષેત્ર તો અસંખ્ય પ્રદેશી જ છે, પણ આખા લોકાલોકને દેખી લેનારા કેવળદર્શનરૂપ થાય એવું એનું અપરિમિત બેહદ સામર્થ્ય છે. ઓહો! આ તો અલૌકિક વસ્તુ છે.

ભાઈ! તારી વસ્તુ આવી અપાર-અનંત સમૃદ્ધિથી ભરી છે. પણ અરે! તેં તારા ચૈતન્યનિધાનમાં નજર કરી નહિ! ભાઈ! તું માન કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભ-અનુષ્ઠાન વડે ધર્મ થઈ જશે પણ એવી તારી ચીજ નથી બાપુ! ને એવું ધર્મનું સ્વરૂપ પણ નથી. વિચાર તો કર; અનાદિ કાળથી ક્રિયાકાંડના રાગનું સેવન કરીને મરી ગયો પણ ધર્મ પ્રગટ થયો નહિ. અરે! તારો ચૈતન્ય મહાપ્રભુ ભગવાનસ્વરૂપે અંદર વિરાજે છે તેનો તેં અનાદર કર્યો છે; અને દેહ અને રાગનો આદર કર્યો છે. દેખવાની શક્તિવાળો જે દેખનાર મહાપ્રભુ છે તેને તેં દેખ્યો નહિ! અહા! દેખનારને દેખવાની દરકાર સુદ્ધાં કરી નહિ! પણ ભાઈ! અંદર દેખનારો દૃષ્ટા છે તેમાં દ્રષ્ટિ કરે ત્યારે જ ધર્મ પ્રગટ થાય. આવી વાત!

અહાહા-! આ આત્મા કારણપરમાત્મા છે. ત્રિકાળી ધ્રુવ ચિન્માત્ર દ્રવ્યને કારણ પરમાત્મા કહેવાય છે, અને કેવળદર્શન, કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેને કાર્યપરમાત્મા કહે છે. ત્યારે એક વાર પ્રશ્ન થયો હતો કે-

“જો ભગવાન આત્મા ધ્રુવ કારણપરમાત્મા છે તો તેનું કાર્ય પ્રગટ થવું જોઈએ ને?” ત્યારે કહ્યું‘તું કે-ધ્રુવ દ્રવ્ય તે કારણપરમાત્મા છે, પણ તેની જેને દ્રષ્ટિ થાય તેને તેનું કાર્ય પર્યાયમાં પ્રગટ થાય છે. અહાહા...! વસ્તુ-કારણપરમાત્મા તો પૂર્ણાનંદસ્વરૂપે નિત્ય વિરાજમાન છે; પણ તેની દ્રષ્ટિ અને તેમાં રમણતા- લીનતા કરે તેને પર્યાયમાં કાર્યપરમાત્મા પ્રગટ થાય છે. હવે જેને હું પરમાત્મસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છું એમ સ્વીકાર


PDF/HTML Page 3944 of 4199
single page version

જ નથી તેને કારણપરમાત્મા કયાં છે? દેખવાની શક્તિનો ધરનારો અનંત શક્તિસંપન્ન પ્રભુ કારણપણે શાશ્વત વિદ્યમાન છે, પણ તેનું ભાન કર્યા વિના, તેનો દ્રષ્ટિમાં સ્વીકાર કર્યા વિના કારણપરમાત્મા છે એ કયાં રહ્યું? ભાઈ! ઉપયોગને અંતરમાં વાળી ત્રિકાળી દ્રવ્યનાં જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ કરે તેને જ હું કારણપરમાત્મા છું એમ નિશ્ચય થાય છે અને તેને જ અંતર્લીનતા વડે કેવળદર્શન-કેવળજ્ઞાનરૂપ કાર્ય પ્રગટ થાય છે.

આત્મા પૂર્ણાનંદ પ્રભુ અનંત શક્તિનો પિંડ ત્રિકાળ એકરૂપ દ્રવ્ય છે. અહા! શક્તિ અને શક્તિવાનનો ભેદ પણ જેમાં નથી એવા આ અભેદ એકરૂપ સામાન્યને વિષય બનાવી તેનાં પ્રતીતિ અને અનુભવ કરે તેનું નામ સમ્યગ્દર્શન છે. ત્રિકાળી વસ્તુ તો વસ્તુમાં છે, પણ આવું હું ત્રિકાળી ધ્રુવ ચૈતન્યતત્ત્વ છું એમ શ્રદ્ધાની પર્યાયમાં તેનો સ્વીકાર થાય ત્યારે કારણપરમાત્માનો યથાર્થ નિર્ણય થાય છે. ત્રિકાળી ચીજ છે તે કાંઈ પર્યાયમાં આવતી નથી, પણ ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન અને શ્રદ્ધાન પર્યાયમાં પ્રગટે છે, અને ત્યારે ‘આ હું કારણપરમાત્મા છું’ એમ એનો વાસ્તવિક સ્વીકાર થાય છે. અરે ભાઈ! દ્રશિના વિષયને-દ્રષ્ટાને દેખ્યા વિના તેની પ્રતીતિ કેવી? અને વિના પ્રતીતિ કારણપરમાત્મા છું એ વાત કયાં રહે છે?

અહીં કહે છે-આત્મામાં અનાકાર ઉપયોગમયી એક દ્રશિશક્તિ છે. તેનું કાર્ય શું? તો કહે છે-આ આત્મા, આ જ્ઞાન, આ દર્શન, આ પર્યાય, આ હેય ને આ ઉપાદેય-એમ કોઈ ભેદ પાડયા વિના જે સામાન્ય પ્રતિભાસ થાય છે તે દ્રશિશક્તિનું કાર્ય છે. અહાહા...! ભેદ જેનો વિષય નથી એવી અનાકાર ઉપયોગમયી દ્રશિશક્તિ છે. અનાકાર એટલે વિશેષ વિના સામાન્યપણે દેખવું. અહાહા...! જેમાં જ્ઞેયરૂપ આકાર નથી, વિશેષ નથી, જેમાં સત્તામાત્ર પદાર્થનો પ્રતિભાસ થાય છે એવી સામાન્ય અવલોકનમાત્ર દ્રશિશક્તિ છે. આ દ્રશિશક્તિ સૂક્ષ્મ છે. ભેદ પાડીને વિશેષપણે જાણવું એ તો જ્ઞાનનું કાર્ય છે. આ આત્મા છે એમ નિર્ણય થયો એ તો જ્ઞાન છે. તે જ્ઞાનના થવા પહેલાં (છદ્મસ્થને) દ્રશિશક્તિમાં સામાન્ય પ્રતિભાસરૂપ ઉપયોગ વર્તે છે. (કેવળીને જ્ઞાન ને દર્શન બન્ને ઉપયોગ સાથે વર્તે છે).

દ્રશિશક્તિ એક ગુણ છે, તેનો ધરનાર આત્મા ગુણી છે. જ્યારે ગુણી એવા ત્રિકાળી દ્રવ્યનો અંતરમાં સ્વીકાર થાય ત્યારે દ્રશિશક્તિ પર્યાયમાં ઉછળે છે, તેનું પર્યાયમાં પરિણમન થાય છે, દેખવારૂપ પર્યાય પ્રગટ થાય છે. દેખવારૂપ સ્વભાવ ધ્રુવપણે હતો તેનું પર્યાયમાં પરિણમન થઈને દેખવારૂપ કાર્ય પ્રગટ થાય છે. હવે આવી પોતાની ચીજની દિગંબરમાં જન્મેલાનેય ખબર ન મળે; શું થાય? કુળથી કાંઈ દિગંબર ધર્મ નથી, દિગંબર ધર્મ તો વસ્તુનું સ્વરૂપ છે.

અહાહા...! આત્મા અંતરમાં વિકલ્પના વસ્ત્રરહિત (નિર્વિકલ્પ) અનંત શક્તિઓનો પિંડ છે તેને દિગંબર કહીએ, અને જ્યારે આવા આત્માના ભાન સહિત અંતરંગ દશામાં મુનિપણું પ્રગટ થાય ત્યારે બહારમાં પંચમહાવ્રત ને નગ્નદશા નિમિત્તપણે હોય છે તેનું નામ દિગંબર ધર્મ છે. આ કોઈ પક્ષની વાત નથી પ્રભુ! આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે. સમજાણું કાંઈ...?

અનાકાર ઉપયોગમયી દ્રશિશક્તિ છે. એટલે શું? કે જેમાં જ્ઞેયરૂપ આકાર નથી, વિશેષતા નથી, બધું સામાન્ય સત્તામાત્ર દેખવામાં આવે છે એવા ઉપયોગમય દર્શનશક્તિ છે. દર્શનની પર્યાય સ્વને અને પરને દેખે છે, પણ એમાં આ સ્વ અને પર એમ ભેદ હોતો નથી. ભેદ એ દર્શનશક્તિનો વિષય નથી. વળી એકલા પરને દેખે એ દર્શનશક્તિનું વાસ્તવિક કાર્ય નથી. આત્મા સહિત સર્વ પદાર્થોની સત્તાને દેખે તે જ એનું વાસ્તવિક કાર્ય છે. અહા! દ્રવ્ય-ગુણમાં વ્યાપક આ દર્શનશક્તિ વાસ્તવિક કયારે પરિણમે?-કે જ્યારે ઉપયોગને અંતરમાં અભેદ કરી સ્વને ગ્રહે-દેખે ત્યારે. આ સિવાય એકલા પરને જાણતા પહેલાં અજ્ઞાનીને તેનું જે સામાન્ય દર્શન થાય છે તે શક્તિનું વાસ્તવિક કાર્ય નથી, એ તો અદર્શન છે, અજ્ઞાનતા છે.

દ્રશિશક્તિવાળા દ્રવ્યને દેખવાથી પોતાને અને પરને ભેદ પાડયા વિના દેખવાની પર્યાય ઉત્પન્ન થાયછે, અને તેની સાથે બીજા અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. અહીં વિકારની-રાગની વાત લીધી નથી, કેમકે વિકાર કોઈ શક્તિનું કાર્ય નથી. વિકાર તો પર્યાયબુદ્ધિથી પર તરફ લક્ષ કરવાથી ઉત્પન્ન થાય છે, ખરેખર તે જીવના ત્રિકાળી સ્વરૂપમાં નથી; અને દર્શન ગુણની નિર્મળ પર્યાય પ્રગટવા સાથે જે અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય તેમાંય રાગાદિ વ્યવહાર નથી, એનો અભાવ-નાસ્તિ છે. આમ બધું અનેકાન્ત છે.

કેટલાક કહે છે-વ્યવહારથી નિશ્ચય થાય, પણ એ બરાબર નથી, અહીં તેની ના પાડે છે. અરે ભાઈ! જરા સમજણમાં તો લે કે આ શું વાત છે? પછી અંતરમાં પ્રયોગ કરે એ તો અલૌકિક વાત છે. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જ્ઞાનમાત્ર


PDF/HTML Page 3945 of 4199
single page version

ભાવનું પરિણમન થતાં અંદર દ્રશિશક્તિ ઉછળે છે-પરિણમે છે, અને સાથે અનંત શક્તિઓ ઉછળે છે-પર્યાયમાં પ્રગટ થાય છે. આ બધી ક્રમબદ્ધ પ્રગટ થાય છે અર્થાત્ તે કાળે તેમની જન્મક્ષણ છે તો પ્રગટ થાય છે. પ્રવચનસારના જ્ઞેય અધિકારમાં ગાથા ૧૦૨માં આ વાત આવી છે. જ્ઞેયનો (દ્રવ્યનો) આવો સ્વભાવ છે એમ ત્યાં વર્ણન કર્યું છે.

શ્રી જયસેનાચાર્યદેવે આ (પ્રવચનસારના) જ્ઞેય અધિકારને સમ્યગ્દર્શનનો અધિકાર કહ્યો છે. ત્યાં જ્ઞેયનો સ્વભાવ એટલે દ્રવ્યના સ્વભાવની વાત છે. છએ દ્રવ્યોનો આ સ્વભાવ છે કે તેની પ્રત્યેક પર્યાયની જન્મક્ષણ છે. અર્થાત્ જે સમયે જે પર્યાય થવાની હોય તે પર્યાય તે સમયે પ્રગટ થાય જ છે. દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાળે પ્રગટ થાય છે. ત્યારે તો કહ્યું કે-ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણોનો સમુદાય તે આત્મા છે. ભાઈ! ભગવાનનો પંથ જેવો છે તેમ ખ્યાલમાં લેવો જોઈએ.

એકેક શક્તિ પોતાના સ્વભાવથી જ પરિણમન કરે છે, ને તેમાં વ્યવહારનો-રાગનો અભાવ છે. આ વસ્તુસ્વભાવ છે. વ્યવહારથી પણ શક્તિ પ્રગટ થાય ને નિશ્ચયથી પણ પ્રગટ થાય એમ છે નહિ. લોકોને સત્યાર્થની ખબર નથી તેથી તેઓ આ વાતનો વિરોધ કરે છે, પણ ખરેખર તો તેઓ પોતાનો વિરોધ કરે છે. શું થાય? એકેક શક્તિ નિર્મળપણે પરિણમે છે તેમાં વ્યવહારનો અભાવ જ છે. આ સ્યાદ્વાદ અને આ અનેકાન્ત છે. અનેકાન્તનો અર્થ એવો નથી કે નિર્મળ પર્યાય વ્યવહાર-રાગના લક્ષેય થાય ને પોતાના નિશ્ચય દ્રવ્યના લક્ષેય થાય. એ તો ફૂદડીવાદ છે ભાઈ!

આત્મા ચૈતન્યવસ્તુ છે તે દ્રવ્ય છે. તેમાં અનંત શક્તિઓ છે. શક્તિનું પરિણમન થાય તે પર્યાય છે. અને જે વેદન થાય તે પર્યાયમાં થાય છે. શક્તિ તો નિત્ય ધ્રુવસ્વરૂપે છે, તેમાં કાર્ય નથી, કાર્ય પર્યાયમાં થાય છે. વેદન- અનુભવ પર્યાયમાં થાય છે. ‘અનુભવ કરો, અનુભવ કરો’ -એમ કેટલાક કહે છે. પણ બિચારાઓને અનુભવ શી ચીજ છે એની ખબર નથી. નિરાકુલ આનંદનું વેદન થાય તે અનુભવ છે, અને તે પર્યાય છે. જુઓ, પર્યાયમાં દુઃખ છે, દ્રવ્ય-ગુણમાં દુઃખ નથી. સ્વાનુભવ કરતાં પર્યાયમાં જે દુઃખ છે તેનો નાશ થાય છે, ને આનંદના વેદનની નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. પણ હવે વેદાંતીઓની જેમ પર્યાય શું ચીજ છે એનીય ખબર ન મળે અને અનુભવની વાત કરે, પણ તેને અનુભવ શી રીતે થાય? એને તો દુઃખનો જ અનુભવ રહે. ભાઈ! ઉપયોગની દશાને અંતર્મુખ- સ્વાભિમુખ કર્યા વિના સ્વાનુભવની દશા પ્રગટતી નથી. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી વસ્તુ જેમ છે તેમ યથાર્થ જાણવી જોઈએ.

આત્માની શક્તિઓ છે તે પારિણામિકભાવસ્વરૂપ છે. દ્રશિશક્તિ તે ભાવ (ત્રિકાળી) અને આત્મદ્રવ્ય તે ભાવવાન. તથા તે બન્ને પરિણામિકભાવે છે. પર્યાયમાં જે ભાવ પ્રગટે છે તે બીજી ચીજ છે. આ તો શક્તિ અને શક્તિવાન સહજ અકૃત્રિમ સ્વભાવરૂપ છે તે પારિણામિકભાવે છે. તે નવીન ઉત્પન્ન થતો નથી, ને તેનો અભાવ થતો નથી. અહા! આવા પારિણામિકભાવરૂપે દ્રશિશક્તિ છે. પર્યાયો નવી નવી ઉત્પન્ન થાય છે, જ્ઞાન, દર્શન આદિ ગુણો છે તે ઉત્પન્ન થતા નથી, વિનશતા પણ નથી, ત્રિકાળ શાશ્વતપણે રહે છે. અહો! આ જૈનદર્શન બહુ સૂક્ષ્મ અલૌકિક છે. તેનો પત્તો લાગી જાય તેના ભવનો અંત આવી જાય છે. એના વિના બધા ક્રિયાકાંડ-વ્રત, તપ આદિ સર્વ-ફોગટ છે, સંસારનું-બંધનું જ કારણ બને છે.

અહા! ત્રિકાળી દ્રશિશક્તિ છે તે પારિણામિકભાવે છે. ૩૨૦મી ગાથામાં મોક્ષનું કારણ કયા ભાવ છે તેનો ખુલાસો કર્યો છે. ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક-આ ચાર ભાવ પર્યાયરૂપ છે, ને દ્રવ્ય-ગુણ છે તે પારિણામિકભાવ છે. તેમાંથી મોક્ષનું કારણ કોણ? ત્યાં ખુલાસો કર્યો છે કે-

-પારિણામિકભાવ છે તે મોક્ષનું કારણ નથી, કેમકે તે અક્રિય છે, તેમાં કાર્ય થતું નથી. -ઔદયિકભાવ મોક્ષનું કારણ નથી, કેમકે રાગાદિ ઔદયિકભાવ છે તે બંધરૂપ ને બંધનાકારણરૂપ છે. -બાકીના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ ત્રણ ભાવ મોક્ષનું કારણ થાય છે; કેમકે તે શક્તિના નિર્મળ

કાર્યરૂપ છે.

અહીં દર્શનશક્તિની વાત ચાલે છે. અહા! તેનું અંશે નિર્મળ પરિણમન છે તે ક્ષયોપશમભાવે છે, કેવળદર્શન ક્ષાયિકભાવરૂપ છે ને દર્શનમાં ઉપશમભાવ હોતો નથી ને શક્તિના પરિણમનમાં ઔદયિકભાવનો તો અભાવ જ છે. આવી વાત છે.

ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિત થાય છે તે ક્ષાયિકભાવ છે. શ્રેણીક રાજા પ્રથમ બૌદ્ધધર્મી હતા. તેમને મુનિરાજનો


PDF/HTML Page 3946 of 4199
single page version

સમાગમ થતાં તે સમકિત પામ્યા. આત્મજ્ઞાન થયા પછી તે ભગવાન મહાવીરના સમોસરણમાં પધાર્યા. ત્યાં ક્ષાયિક સમકિત પામ્યા; ભગવાનના કારણે નહિ હોં, પોતાના અંતઃપુરુષાર્થથી; ભગવાન તો તેમાં નિમિત્તમાત્ર છે. ક્ષાયિક સમકિત થયા પછી કદી તેનો અભાવ ન થાય. ક્ષાયિક સમકિત પર્યાય છે એટલે પલટે ખરી, પણ અભાવ થઈને કદી મિથ્યાત્વ ન થાય. સમકિત થયા પહેલાં તેમને નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયેલું. વર્તમાનમાં તેઓ પ્રથમ નરકમાં છે. પણ નરકમાંય તેમને શીલ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન ને સ્વરૂપાચરણરૂપ શીલ તેમને ત્યાંય છે. તે શીલના પ્રતાપે ત્યાંથી નીકળી આવતી ચોવીસીમાં ભરતના પ્રથમ તીર્થંકર થઈ મોક્ષ પામશે. પાંચમા, છટ્ઠા ગુણસ્થાનમાં શીલની વિશેષતા હોય છે, તથાપિ ચોથેય શીલ હોય છે. અનંતાનુબંધી કષાયનો અભાવ છે એટલું ત્યાં નરકમાંય ચોથે ગુણસ્થાને શીલ છે. શીલ એટલે બહારમાં બ્રહ્મચર્ય હોય એની વાત નથી. આ તો સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન ને લીનતારૂપ પરિણામ તેને શીલ કહે છે. અરે! અનંત વાર મુનિપણું લઈને એ નવમી ગ્રૈવેયકનો દેવ થયો, પણ આત્મભાન વિના એને શીલ ન થયું અહા! એના પંચમહાવ્રતના ભાવ શીલ ન હતા. સમજાણું કાંઈ...?

ભાઈ! આ બધું ખાસ અભ્યાસ કરીને સમજવું પડશે હોં. બહાર (ચતુર્ગતિમાં) રખડવાનો અભ્યાસ તો અનાદિ કાળથી કરતો આવે છે. સારી નોકરી મળે, બાગ-બંગલા મળે ને પાસે પાંચ-દસ લાખની મૂડી થઈ જાય એ બધું તો ધૂળધાણી છે. બહારમાં લાખોની પેદાશ થાય એ બધો ખોટનો ધંધો છે. બહારના એમ. એ. , ને એલ. એલ. બી. ના અભ્યાસમાં વર્ષો ગાળે એ એકલો પાપનો અભ્યાસ છે. તેના ફળમાં તને દુઃખનાં નિમિત્તો મળશે. અને અહા! આ અધ્યાત્મવિદ્યાનો અભ્યાસ કરે તો તેના ફળમાં સ્વાધીન અતીન્દ્રિય આનંદ મળશે. આ સંયોગોની દ્રષ્ટિ જવા દે ભાઈ! સંયોગ તો જે આવવાયોગ્ય હશે તેજ આવશે. ‘દાણે દાણે ખાનારનું નામ’-લોકમાં એમ કહે છે ને? એનો અર્થ શું? એ જ કે જે રજકણો સંયોગમાં આવવાના છે તે આવશે જ, અને નહિ આવવાયોગ્ય સંયોગ ક્રોડ ઉપાય કર્યે પણ નહિ આવે. ભાઈ! સંયોગ મેળવવાનો ઉધમ કરે છે માટે તે મળે છે એમ નથી. (હવે તત્ત્વાભ્યાસ વિના આ કેમ સમજાય?)

ભાઈ! આ શક્તિનો અધિકાર સૂક્ષ્મ છે; માટે શાંતિથી સાંભળવું. આ આત્માના અંતરની હિતની વાત છે. દુનિયા માને ન માને એનાથી કાંઈ જ સંબંધ નથી. અહીં કહે છે-દર્શનશક્તિ અનાકાર ઉપયોગમયી છે. દર્શન એટલે શ્રદ્ધા શક્તિની આ વાત નથી. આત્માની પ્રતીતિરૂપ-સમ્યગ્દર્શનરૂપ જેનું કાર્ય છે તે શ્રદ્ધાશક્તિની આ વાત નથી. આ તો નિર્મળ દેખવાના ઉપયોગરૂપ દર્શનશક્તિની વાત છે. પોતાના દ્રવ્ય અને અનંત ગુણ-પર્યાયોને પર્યાયમાં દેખે એવી અનાકાર ઉપયોગમયી દર્શનશક્તિની આ વાત છે. અહાહા...! દ્રશિશક્તિ સહિત અંદર દ્રવ્યમાં જયાં દેખવા જાય ત્યાં તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપી જાય છે. વળી પરને દેખવાથી દર્શનશક્તિનો ઉપયોગ સાકાર થઈ જાય છે એમ નથી. દર્શન ઉપયોગ તો સ્વને, પરને-સર્વને ભેદ પાડયા વિના જ સામાન્યપણે દેખે છે. દ્રશિશક્તિ, તેની સાથે અનંતા ગુણો, અને એકરૂપ ત્રિકાળી દ્રવ્ય એ બધું દર્શન ઉપયોગમાં સામાન્યસત્તામાત્ર દેખવામાં આવે છે. ભાઈ! આ દર્શન ઉપયોગ સૂક્ષ્મ છે. અનાકાર છે ને? તેથી છદ્મસ્થ તેને પકડી ન શકે, પણ આગમ, અનુમાન અને અંતર્મુખ થયેલા જ્ઞાન વડે તે સમજાય એમ છે. આ તો બાપુ! અંતરની પોતાની ચીજને પહોંચવાની વાત છે. બાકી ૧૧ અંગનું જાણપણું થઈ જાય તોય આત્મા દેખાય એમ નથી.

અહાહા...! અનાકાર ઉપયોગ (શક્તિપણે) તો ત્રિકાળ છે, પરંતુ અજ્ઞાનીને અનાદિથી વર્તમાન વર્તતો ઉપયોગ કેવળ પરસન્મુખ પ્રવર્તતો હોવાથી તેને શક્તિનું વાસ્તવિક પરિણમન પ્રગટતું નથી, તેને શક્તિનું યથાર્થ ફળ આવતું નથી. પણ જ્યારે તે સ્વસન્મુખ થઈ સ્વ-આશ્રયે પરિણમે છે ત્યારે નિર્મળ ઉપયોગ (સ્વ-પરને દેખવારૂપ) પ્રગટ થાય છે અને સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. અહાહા...! અનંત ગુણોનું રૂપ તેમાં આવી જાય છે. બીજા ગુણ તેમાં આવી જાય એમ નહિ, પણ બીજા ગુણનું રૂપ તેમાં આવી જાય છે. અહાહા...! બધું દેખાય પણ આકાર નહિ, ઉપયોગ નિરાકાર નિર્વિકલ્પ હોય છે. બધાને દેખે પણ ઉપયોગ સાકાર ન થાય, સત્તામાત્ર દેખે બસ. જ્ઞાન છે તે સવિકલ્પ છે, તે સ્વ-પરને સર્વને ભેદ પાડીને જાણે છે. પરંતુ દર્શનશક્તિનો ઉપયોગ તો સત્તામાત્ર વસ્તુમાં ઉપયુક્ત થવારૂપ છે. દર્શનક્રિયામાત્ર છે. ભાઈ! આ તારા આત્માના ગુણોનો ખજાનો ખોલવામાં આવે છે. (એમ કે સાવધાન થઈ ખજાનો જો.)

અહા! ભગવાન કેવળી કહે છે-ભાઈ! તારી ચૈતન્ય વસ્તુમાં અનાકાર ઉપયોગમયી એક દર્શનશક્તિ છે. અહાહા...! આ ઉપયોગ અને આ ઉપયોગવાન એવા ભેદનું લક્ષ છોડી અભેદ એક ચૈતન્ય વસ્તુનું જ્યાં અંતર-આલંબન કરે કે તત્કાલ નિર્મળ ઉપયોગની દશારૂપે શક્તિ પ્રગટ થાય છે; તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહાહા...! દ્રવ્ય


PDF/HTML Page 3947 of 4199
single page version

દ્રષ્ટા, ગુણ દ્રષ્ટા, અને પર્યાય પણ એક દ્રષ્ટાભાવરૂપ પ્રગટ થાય છે. અહા! આ દર્શનશક્તિ ક્રમે નિર્મળ નિર્મળ એવી પરિણમે કે આખા લોકાલોકને દેખનારા કેવળદર્શનરૂપ પરિણમી જાય છે. તે લોકાલોકના પદાર્થોને કરે એમ નહિ, માત્ર સામાન્યસત્તારૂપ દેખે બસ. અહા! આમ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે એવી દર્શનશક્તિના ઉપયોગ વડે તું દેખે તે યથાર્થ દેખવું છે. કેમકે તેમાં પરાવલંબન નથી. બાકી ઇન્દ્રિયોના કે વિકલ્પના આલંબને-આશ્રયે જે ઉપયોગ પ્રગટ થાય તે તો આત્માનો ઉપયોગ જ નથી, તે શક્તિનું કાર્ય નથી. શક્તિની સાથે એકતા કરી પરિણમે તે શક્તિનું કાર્ય છે. આવી વાત છે.

અહાહા...! આત્માની એકેક શક્તિ અનંત શક્તિમાં વ્યાપક છે. અને તે પ્રત્યેક શક્તિ દ્રવ્યદ્રષ્ટિ થતાં પર્યાયમાં પણ વ્યાપે છે. આ દર્શનશક્તિ છે તેય દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. ત્યાં શક્તિ ધ્રુવ ત્રિકાળ છે તે ધ્રુવ ઉપાદાન છે, અને તેની વર્તમાન પર્યાય પ્રગટ થાય તે ક્ષણિક ઉપાદાન છે.

તો કોઈ નિમિત્ત છે કે નહિ? ઇન્દ્રિયાદિ બાહ્ય પદાર્થો તેમાં નિમિત્ત હો, પણ શક્તિને તેનું આલંબન નથી. નિર્મળ દર્શનોપયોગ પ્રગટ થાય તે સ્વાલંબી છે, ઇન્દ્રિયાદિ બાહ્ય ચીજોથી તે નિરપેક્ષ પ્રગટ થાય છે. અહા! દર્શનશક્તિ તો ધ્રુવ છે, પણ તેનું અનાકાર ઉપયોગરૂપે પરિણમન થાય છે તે તેની ઇન્દ્રિયાદિ નિમિત્તથી નિરપેક્ષ સ્વાલંબી ક્રિયા છે. શક્તિના પરિણમનનાં છએ કારકો સ્વાધીન છે. અહો! આવો અદ્ભુત અલૌકિક કોઈ આત્મદ્રવ્યનો મહિમા છે. ભાઈ! આ બધું પોતાને જાણવા-સમજવા માટે છે. બીજાને વિસ્મય પમાડવાની આ વાત નથી. ભાઈ! અદ્ભુત અનંત આશ્ચર્યોનું નિધાન ચૈતન્યચમત્કાર વસ્તુ તું છો. તેનો અંતરમાંમહિમા લાવી એક વાર અંતર-દ્રષ્ટિ કરી પરિણમી જા; એથી તને સુખનું નિધાન એવો ધર્મ પ્રગટશે, અને અનાદિકાલીન સંસારની રઝળપટ્ટી મટશે. સમજાણું કાંઈ...?

આ પ્રમાણે આ ત્રીજી દ્રશિશક્તિ પૂરી થઈ.

*
૪ઃ જ્ઞાનશક્તિ

‘સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ. (જે જ્ઞેય પદાર્થોના વિશેષોરૂપ આકારોમાં ઉપયુક્ત થાય છે એવી જ્ઞાનોપયોગમયી જ્ઞાનશક્તિ.)’

‘સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ’ -અહાહા...! શું કહે છે? પહેલાં નિરંજન નિરાકાર દ્રશિશક્તિ કહી. તે જ્ઞેયપદાર્થોને સર્વને સત્તામાત્ર દેખવારૂપ છે. અહીં કહે છે-જે સમયે દ્રશિશક્તિ છે તેજ સમયે આત્મામાં સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ છે. જ્ઞાનશક્તિ સાકાર છે એટલે શું? કે તે જ્ઞેયપદાર્થોને-સ્વ અને પર, જીવ અને અજીવ સર્વ પદાર્થોને-વિશેષપણે ભિન્ન ભિન્ન કરીને પણ જાણે છે. જ્ઞાન અભેદને જાણે છે, ભેદને પણ જાણે છે; દ્રવ્ય-ગુણ-પર્યાય- સર્વને જાણે છે. અહાહા..! જ્ઞાનનું કોઈ અલૌકિક સામર્થ્ય છે, એનો આ મહાન વિશિષ્ટ સ્વભાવ છે કે તે સર્વને-સર્વ ભાવોને ભેદરૂપ પણ જાણે છે. અધ્યાત્મ પંચસંગ્રહમાં આવે છે કે-

અહો! એક સમયની પર્યાયમાં દ્રશિશક્તિનો ઉપયોગ કોઈ પણ ભેદ કર્યા વિના પૂર્ણ દેખે અને તે દ્રશિશક્તિના પરિણમનની સાથે જ્ઞાનશક્તિનું જે પરિણમન છે તે પરિણમન એકેક દ્રવ્યને ભિન્ન ભિન્ન જાણે, એકેક ગુણને ભિન્ન ભિન્ન જાણે, એકેક પર્યાયને ભિન્ન ભિન્ન જાણે, અને એકેક પર્યાયના અનંત અવિભાગ પ્રતિચ્છેદોને ભિન્ન ભિન્ન જાણે. આ રીતે એક સમયની જ્ઞાનની પર્યાય સર્વને ભિન્ન ભિન્ન જાણે અને તે જ સમયે દ્રશિશક્તિની પર્યાય સર્વને અભિન્ન દેખે. અહો! આ જ્ઞાનની કોઈ અદ્ભુત લીલા છે. આવી વાત!

હવે ઇન્દ્રિયોથી-નિમિત્તથી ને વિકલ્પથી આત્મા જાણે એ તો કયાંય દૂર રહી ગયું (અજ્ઞાનમાં ગયું), અહીં તો કહે છે-આત્મામાં સાકાર ઉપયોગમયી એક જ્ઞાનશક્તિ છે જેના એક સમયના નિર્મળ ઉપયોગમાં સ્વ-પર સહિત સર્વ જીવ-અજીવ પદાર્થો જાણવામાં આવે છે. અહાહા...! જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંતા સિદ્ધો ને કેવળી ભગવંતો જ્ઞેયપણે જણાય એવું અચિંત્ય એનું સામર્થ્ય છે. સમજાય છે કાંઈ...?

જ્ઞાનશક્તિ સાકાર ઉપયોગમયી છે. સાકાર એટલે શું? પ્રદેશ અપેક્ષા તેને આત્માનો અસંખ્યપ્રદેશી અરૂપી આકાર-ક્ષેત્ર છે માટે જ્ઞાન સાકાર છે એમ વાત અહીં નથી. વળી તેને જેમ જડ-પુદ્ગલને સ્પર્શાદિ સહિત આકાર- મૂર્તપણું હોય છે તેવો મૂર્ત આકાર છે એમ પણ નથી, કેમકે આત્મા તો ત્રિકાળ અરૂપી-અમૂર્ત જ છે. તેથી પુદ્ગલની જેમ મૂર્તપણું


PDF/HTML Page 3948 of 4199
single page version

નહિ હોવાથી જ્ઞાન અરૂપી અનાકાર-નિરાકાર જ છે. તો સાકાર કેવી રીતે છે? અહાહા...! જ્ઞાનમાં સ્વ-પર સહિત ચેતન-અચેતન સમસ્ત પદાર્થોને વિશેષપણે આકારો સહિત જાણવાનું વિશેષ-અસાધારણ સામર્થ્ય છે તેથી તે સાકાર છે. આ પ્રમાણે-

-પુદ્ગલની જેમ મૂર્તિક નહિ હોવાથી જ્ઞાન નિરંજન નિરાકાર-અનાકાર છે. -અરૂપી આકાર-ક્ષેત્ર સહિત હોવાથી સાકાર છે, પણ એ વાત અહીં નથી. -સ્વ-પરને-દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત સમસ્ત પદાર્થોને વિશેષપણે ભિન્ન ભિન્ન જાણવાના અસાધારણ સામર્થ્ય

સહિત છે માટે જ્ઞાન સાકાર છે એમ અહીં વાત છે.

અહા! ભેદને વિષય નહિ કરતી હોવાથી દર્શનશક્તિ અનાકાર ઉપયોગમયી છે, અને ભેદ-અભેદ સર્વને જાણી લેતું હોવાથી જ્ઞાન સાકાર છે. અહો! જ્ઞાનની કોઈ અચિંત્ય અદ્ભુત લીલા છે.

અહા! સ્વાભિમુખ જ્ઞાનનો ઉપયોગ પોતાને જાણે છે, ત્રિકાળી ધ્રુવને જાણે છે, સાથે એના અનંતા ગુણોને ને અનંતી પર્યાયોને જાણે છે, અંતરંગમાં પ્રગટ થયેલી અતીન્દ્રિય આનંદની લહરને પણ જાણે છે. ભલે શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય, શ્રુતજ્ઞાનની પર્યાયનું પણ સામર્થ્ય એટલું છે કે તે પોતાના ત્રિકાળી દ્રવ્યને, ત્રિકાળી ગુણોને અને પોતાની અનંત પર્યાયોને જાણે છે અને અનંતા પર દ્રવ્ય-ગુણ-પર્યાયને-બધાને જ્ઞાનની પર્યાય જાણી લે છે. અહાહા...! જાણવાનો જેનો અક્ષય અપરિમિત સ્વભાવ છે તે કોને ન જાણે? અહાહા...! જ્ઞાન પોતે પોતામાં જ સ્થિત રહીને સર્વને જાણી લે છે. અહા! આવી સાકાર ઉપયોગમયી જીવમાં જ્ઞાનશક્તિ ત્રિકાળ છે. અહા! આવી શક્તિવાળા શક્તિવાન આત્માનો મહિમા લાવી અંતરમાં એની રુચિ કરે તેને કેવળજ્ઞાનની શંકા રહે નહિ.

ભાઈ! તારો આત્મા તો અક્ષય અપરિમિત જ્ઞાનસ્વભાવનો સમુદ્ર છે. અહાહા...! તેમાંથી નિરંતર જ્ઞાનની પર્યાયો -લહરો ઉઠયા કરે એવું તેનું સામર્થ્ય છે. સાદિ-અનંતકાળ પર્યંત તેમાંથી કેવળજ્ઞાન નીકળ્‌યા જ કરે તોય જ્ઞાન સ્વભાવમાં કાંઈ ક્ષતિ ન થાય એવું તારા કેવળજ્ઞાનસ્વભાવનું અચિંત્ય સામર્થ્ય છે. ભાઈ! તું અંદર જો તો ખરો; તત્કાલ તને તેની રુચિ-પ્રતીતિ થશે.

અહાહા...! દર્શનશક્તિ જરા સૂક્ષ્મ છે. દર્શનશક્તિની પર્યાયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત સ્વ-પર સર્વંને દેખવાનું કાર્ય થાય છે, પણ દર્શનશક્તિનો ઉપયોગ સાકાર નથી. આ જ્ઞાનશક્તિ છે તે સાકાર ઉપયોગમયી છે. પૂર્ણ સ્વદ્રવ્ય, ત્રિકાળી જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણ અને પોતાની અનંતી પર્યાય અને તે સિવાય અનંતા પર દ્રવ્ય-ગુણ-પર્યાય એ બધું જ એક સમયમાં સાકાર નામ વિશેષપણે જાણવારૂપ પરિણમન કરે એવું અદ્ભુત આ જ્ઞાનશક્તિનું કાર્ય છે. આવો ઝીણો મારગ!

હા, પણ આવું જ્ઞાન પ્રગટ કેમ થાય? બહુ શાસ્ત્ર ભણે તો થાય ખરું ને? અરે ભાઈ! જ્ઞાન તો આત્માની નિજશક્તિ છે. હવે નિજશક્તિને જાણી શક્તિવાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં દ્રષ્ટિ સ્થાપિત કરે ત્યારે શક્તિ સ્વયં પરિણમી જાય છે, પર્યાયમાં વ્યક્ત થાય છે. જ્ઞાનશક્તિનું પરિણમન કયાંય બહારથી- શાસ્ત્રમાંથી કે દેવ-ગુરુ આદિમાંથી નથી આવતું. અહા! મહામહિમાવંત જ્ઞાનશક્તિવાળા આત્માની દ્રષ્ટિ કર્યા વિના એકલા પરલક્ષે શાસ્ત્ર કોઈ ભણી જાય તોય શું? એથી કાંઈ શક્તિનું કાર્ય જે સમ્યગ્જ્ઞાન તે પ્રગટતું નથી. શાસ્ત્ર તો બાપુ! નિમિત્તમાત્ર છે. તેય કોને? જે અંતર-અવલંબને પરિણમે તેને. જે સ્વસ્વરૂપનું આલંબન લે નહિ તેને શાસ્ત્ર શું કરે? કાંઈ જ ન કરે. સમજાણું કાંઈ...?

જુઓ, અભવિને જ્ઞાનની પરિણતિ નથી અહાહા...! અનેક શાસ્ત્ર ભણે, અગિયાર અંગ ભણે તોય અભવિને જ્ઞાનની પરિણતિ નથી. ઝીણી વાત છે ભાઈ! અભવિને જ્ઞાનનો ક્ષયોપશમ છે, પણ અભવ્યત્વરૂપ અયોગ્યતા છે ને? મિથ્યાદ્રષ્ટિ છે ને? તેથી તેને જ્ઞાનની પરિણતિ નથી, તેને શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન ઉદય પામતું નથી. જ્ઞાનની પરિણતિ તો શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. એમ તો જ્ઞાનની પર્યાયમાં અજ્ઞાનીને પણ આત્મદ્રવ્ય જાણવામાં આવે છે. આવો ૧૭-૧૮ ગાથામાં પાઠ છે. જ્ઞાનગુણ તો ત્રિકાળ ધ્રુવ છે, તેમાં જાણવાનું કાર્ય થતું નથી, જાણવાનું કાર્ય પર્યાયમાં થાય છે. તો જાણવાની પર્યાયમાં અજ્ઞાનીને પણ સ્વદ્રવ્ય જાણવામાં આવે છે, પણ તેની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી, તેની પર્યાય અને રાગ ઉપર જ દ્રષ્ટિ છે. તેથી પર્યાય ને રાગ હું છું એમ તે જાણે છે, માને છે. આ રીતે શાસ્ત્ર ભણવા છતાં અંતઃદ્રષ્ટિ વિના અજ્ઞાનીને શાસ્ત્ર ભણવાનો લાભ થતો નથી. આવી વાત! સમજાણું કાંઈ...?


PDF/HTML Page 3949 of 4199
single page version

અહાહા...! કહે છે-સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ છે. ‘ઉપયોગવાળી’ એમ નહિ, ‘ઉપયોગમયી’ એમ કહીને ઉપયોગનું જ્ઞાનગુણ સાથે અભેદપણું હોવાનું સિદ્ધ કર્યું છે. અહાહા...! જે ઉપયોગ જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્યમાં એકાકાર-અભેદ થઈ પ્રવર્તે તેને જ, કહે છે, અમે ઉપયોગ કહીએ છીએ. અહા! જે ઉપયોગ બહાર પરદ્રવ્યમાં ને રાગાદિમાં તન્મય થઈ પ્રવર્તે તેને આત્માનો ઉપયોગ કહેતા જ નથી, તેને નિર્મળ જ્ઞાનની પરિણતિ કહેતા નથી; એ તો અજ્ઞાન છે. આ શક્તિનો અધિકાર બહુ સૂક્ષ્મ છે. આ પોતાના હિતની વાત છે, પણ હિત કયારે થાય? અહાહા...! વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્યની સન્મુખ થઈ તેમાં તન્મયપણે પ્રવર્તે ત્યારે ‘આ હું જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્ય છું’-એમ જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થાય છે; આનું નામ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન છે, અને આ હિતરૂપ ધર્મ છે. અજ્ઞાનીને પણ જ્ઞાનની દશામાં સ્વદ્રવ્ય જણાય છે, પણ તેનું લક્ષ ત્યાં સ્વદ્રવ્ય પર નથી, તેનું લક્ષ બહાર પર્યાય ને રાગાદિ પર છે. તેથી તેને જ્ઞાનસ્વભાવી આત્મદ્રવ્ય હું છું એમ જાણપણું ન થતાં આ વર્તમાન પર્યાય ને રાગાદિ હું છું એમ મિથ્યા જ્ઞાન-શ્રદ્ધાન થાય છે. આ પોતાના અહિતની દુઃખની દશા છે. ભાઈ! ઉપયોગ નિજસ્વરૂપમાં એકાકાર-અભેદ થઈ પ્રવર્તે તે જ હિતની દશા છે; તે જ મોક્ષમાર્ગ છે.

અહાહા...! આ જ્ઞાનશક્તિ છે તે સહજ સ્વભાવરૂપ પારિણામિકભાવરૂપ છે. અજ્ઞાની જીવને એની ખબર નથી. અહાહા...! પણ આ ત્રિકાળ પારિણામિકભાવ છે એમ જણાય કયારે? એનું ભાન કયારે થાય? તો કહે છે- સ્વસ્વરૂપમાં અંતર-એકાગ્ર થઈ એની સત્તાનો સ્વીકાર કરે ત્યારે. અહાહા...! પારિણામિકભાવ તો ત્રિકાળ છે, પણ અંતર્મુખ જ્ઞાનના પરિણમનમાં તેનો પ્રતિભાસ થાય ત્યારે તે છે એમ નિશ્ચય થાય છે. અરે ભાઈ! અંતર- એકાગ્રતાથી નિશ્ચય કર્યા વિના એ છે એમ વાત કયાં રહે છે? અહા!આવું બહુ સૂક્ષ્મ વસ્તુનું સ્વરૂપ છે. તેને હમણાં નહિ સમજે તો ભાઈ! કયારે સમજીશ?

અહા! બસ જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન જેમ સ્વદ્રવ્યને જાણે તેમ પુદ્ગલાદિ પરદ્રવ્યને જાણે છે ને એક સમયની પર્યાયમાં વિકાર-રાગ છે તેનેય જાણે છે. પણ તેથી કાંઈ જ્ઞાન પુદ્ગલાદિ પરદ્રવ્યરૂપ કે રાગરૂપ થઈ જતું નથી; અર્થાત્ તે પુદ્ગલાદિ પરદ્રવ્યને કે રાગને કરતું નથી. આ વસ્તુસ્થિતિ છે. અનાદિથી આ નહિ માનતો હોવાથી જ જીવ અજ્ઞાની છે. જ્ઞાન સ્વદ્રવ્યને જાણે તેમ તેના અનંત ગુણને પણ ભિન્ન ભિન્ન જાણે છે, પણ જ્ઞાન કાંઈ બીજા અનંત ગુણરૂપ થઈ જતું નથી. જો થાય તો જ્ઞાન જ ન રહે, જ્ઞાનનો અભાવ થાય, અને તો દ્રવ્યનો પણ અભાવ થાય. પણ એમ છે નહિ. દ્રવ્યમાં એક ગુણ બીજા ગુણરૂપ થાય એવી વસ્તુસ્થિતિ જ નથી. છતાં બધા અનંત ગુણ એક દ્રવ્યમાં અભેદપણે વ્યાપક છે. અહા! આવા અભેદની જેને દ્રષ્ટિ થાય તેને અંદર આનંદ ઉછળે છે અર્થાત્ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આનું નામ ધર્મ છે. લોકોને ખબર નહિ એટલે ‘એકાન્ત છે’ એમ રાડો પાડે પણ બાપુ! આ સમ્યક્ એકાન્ત છે. તું સાંભળ તો ખરો; ભાગ્ય હોય તો સાંભળવાય મળે એવી આ અલૌકિક વાત છે.

અહાહા...! આ જ્ઞાનશક્તિ દ્રવ્યની અનંત શક્તિમાં વ્યાપક છે. શક્તિ કહો કે ગુણ કહો; અહાહા...! એકેક ગુણ સર્વ અનંત ગુણમાં ને અનંતગુણમય દ્રવ્યમાં વ્યાપક છે. અહાહા...! આ જ્ઞાનશક્તિ દ્રવ્યમાં વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે, અને અભેદ એક ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થતાં પર્યાયમાં વ્યાપક થાય છે. અને ત્યારે રાગ ભિન્ન રહી જાય છે કેમકે અભેદની દ્રષ્ટિમાં રાગ વ્યાપતો નથી. અહા! પહેલાં પર્યાયમાં રાગ વ્યાપતો હતો, મિથ્યાત્વાદિ વ્યાપતાં હતાં, અને ત્યારે સંસારનું ફળ આવતું હતું; પણ હવે જ્યાં દ્રવ્યદ્રષ્ટિ થઈ, આ જ્ઞાનસ્વભાવી હું આત્મા છું એમ દ્રષ્ટિ થઈ તો પર્યાયમાં જ્ઞાન ને આનંદ ઉછળ્‌યાં, અનંત શક્તિઓ નિર્મળ ઉછળી. અહાહા...! અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ પ્રગટ થયાં. પરદ્રવ્યમાંથી મારું જ્ઞાન ને સુખ આવે છે એવા મિથ્યા અભિપ્રાયનો નાશ થઈ ગયો, ને જ્ઞાનના નિર્મળ નિર્મળ પરિણમનની ધારાનો ક્રમ શરૂ થયો. અહો! આવી દ્રવ્યદ્રષ્ટિ અલૌકિક ચીજ છે.

અહા! આ જ્ઞાનશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેમાં જ્ઞાનશક્તિ ત્રિકાળ ધ્રુવરૂપે છે તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે અને પર્યાયમાં જ્ઞાનના ઉપયોગરૂપ તેનું પરિણમન થાય તે ક્ષણિક ઉપાદાન છે. હવે આવી વાત તમારી લૌકિક કોલેજના ભણતરમાં બી. એ. ને એલ. એલ. બી. માં ન આવે. પણ આ તો કેવલજ્ઞાનની કોલેજ બાપુ! અહાહા...! જ્યાં જ્ઞાનશક્તિનું સ્વ-આશ્રયે નિર્મળ પરિણમન થયું ત્યાં એ જ્ઞાને પોતાનું ત્રિકાળી દ્રવ્ય જાણ્યું, પોતાના અનંત ગુણ જાણ્યા, પોતાની નિર્મળ પરિણતિ પણ જાણી; અહાહા...! તે સમયે અતીન્દ્રિય આનંદનું વેદન થયું તેમ (પોતાનું છે એમ) જાણ્યું, અહાહા...! પણ વ્યવહારરત્નત્રયનો રાગ કયાંય દૂર રહી ગયો. (પોતાનો છે એમ ન જણાયો.) અહાહા...! આનું નામ અનેકાન્ત છે. વ્યવહારથી-રાગથી પણ ધર્મ થાય અને નિશ્ચયથી પણ ધર્મ થાય એવું અનેકાન્તનું સ્વરૂપ નથી; એ તો ફુદડીવાદ છે.


PDF/HTML Page 3950 of 4199
single page version

આ શક્તિનું વર્ણન ચાલે છે. તેમાં જ્ઞાનશક્તિ છે તે ત્રિકાળી ગુણ છે, અને ગુણનું ધરનારું ત્રિકાળી દ્રવ્ય છે તે ગુણી છે. અહાહા...! ત્યાં ગુણી-ત્રિકાળી દ્રવ્ય સન્મુખની દ્રષ્ટિ થતાં શક્તિ છે તે ક્રમવર્તી નિર્મળ નિર્મળ પરિણમે છે, ને વિકાર તો કયાંય ભિન્ન રહી જાય છે. અરે ભાઈ! શક્તિ અને શક્તિના પરિણમનમાં વિકારનો સદાય અભાવ છે, કેમકે વિકારને કરે એવી આત્મદ્રવ્યમાં કોઈ જ શક્તિ નથી. આ વ્યવહારરત્નત્રયનો રાગ થાય તે શક્તિનું કાર્ય નથી, નિર્મળ જ્ઞાનાનંદમય પરિણમનમાં વ્યવહાર રત્નત્રયનો તો અભાવ જ છે. આ અનેકાન્ત છે. અહો! આવો માર્ગ દિગંબર સંતોએ ખુલ્લો કર્યો છે. હવે એમાં મને ન સમજાય એવું શલ્ય જવા દે ભાઈ! સંતોએ તને સમજાય એવી ચીજ છે એમ જાણીને આ વાત કરી છે.

ભાઈ! જિજ્ઞાસાથી ધ્યાન દઈને આ સમજે તો આત્મજ્ઞાન થઈ જાય એવી આ વાત છે. અહા! પાણીની તરસ લાગી હોય તો ઘરે ઘોડો હોય તેને ન કહેવાય કે-પાણી લાવ; પણ જેનામાં સમજશક્તિ છે તેવા આઠ વરસના બાળકને કહેવાય કે પાણી લાવ. અહાહા...! તેમ આચાર્યદેવ જેનામાં સમજશક્તિ છે એવા સંજ્ઞી ભવ્ય જીવોને કહે છે કે-જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને તું જાણ. અહાહા... અંદર જાણવાના સ્વભાવવાળો ભગવાન આત્મા તું છો-તેને તું જાણ. અહાહા...! આચાર્યદેવ કાંઈ જડ શરીરને કે રાગને કહેતા નથી કે તું આત્માને જાણ!

ઓહો...! ‘સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ’ કહીને આચાર્યદેવે કેટલું ભરી દીધું છે! શક્તિમાં વ્યાપક-તન્મય થઈને પ્રગટ થતી જ્ઞાનની ક્રમવર્તી પર્યાયને પોતાનાં કર્તા, કર્મ આદિ ષટ્કારક સ્વાધીન છે. કાંઈ પરના કે રાગના આશ્રયે જ્ઞાન પરિણમે છે એમ નથી. અહા! જ્ઞાનનાં કારકો પરમાં ને રાગમાં નથી, પણ જ્ઞાનનાં કારકો જ્ઞાનમાં જ છે. અહાહા...! જ્ઞાનશક્તિમાં કર્તા, કર્મ, કરણ આદિ આત્મદ્રવ્યની ષટ્કારક શક્તિઓનું રૂપ છે. શું કીધું? જ્ઞાનશક્તિમાં ષટ્કારક શક્તિઓ નથી, પણ તેમાં ષટ્કારક શક્તિઓનું રૂપ છે. તેથી જ્ઞાન સ્વયં જ કર્તા થઈને, સાધન થઈને પોતામાં સ્વતંત્ર જ્ઞાનનું કર્મ કરે છે, તેને કોઈ પરની કે રાગની અપેક્ષા નથી. હવે આવી વાત પૈસા ને આબરૂ રળવામાં રોકાઈ ગયા હોય ને વિષયોમાં રોકાઈ ગયા હોય તેમને શેં સમજાય?

પણ અરે ભાઈ! એ પૈસા ને આબરૂ ને વિષયો-એ બધું તો જડ માટી-ધૂળ છે. એમાં-જડમાં સુખ કયાં છે કે તને મળે? એમાંથી સુખ મળે એમ ત્રણકાળમાં સંભવિત નથી. સુખ તો તારા આત્માનો સ્વભાવ છે; તેમાં એકાગ્ર થા ને તેમાં જ રોકાઈ જા; તને સુખ મળશે.

અહા! સ્વસ્વરૂપમાં તન્મય એવી જ્ઞાનની પર્યાય પોતાને જાણતી પ્રગટ થઈ તે તેની જન્મક્ષણ છે. પ્રવચનસાર ગાથા ૧૦૨માં આ વાત આવે છે. અહા! ઉત્પન્ન થવાનો તે કાળ હતો તો જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થયો. તે ઉત્પાદ પૂર્વ પર્યાય અને ધ્રુવની અપેક્ષા રાખતો નથી. જરા ઝીણી વાત છે ભાઈ! જ્ઞાનની પર્યાય ધ્રુવની સન્મુખ થયેલી ધ્રુવને જાણે ખરી, પણ તે પર્યાય ધ્રુવની અપેક્ષા રાખતી નથી. તે પર્યાય પોતે જ કારણ અને પોતે જ કાર્ય છે. હવે આમ છે ત્યાં પરથી-દેવ-ગુરુ-શાસ્ત્રથી થાય ને વ્યવહારથી થાય એ વાત જ કયાં રહે છે? અહા! આવી ચૈતન્યના ઉપયોગમયી આત્માની એક અસાધારણ જ્ઞાનશક્તિ છે જે એક જ્ઞાનમાત્ર ભાવમાં ઉછળે છે, અને ત્યારે શ્રદ્ધા, ચારિત્ર આનંદ આદિ અનંત શક્તિઓ ભેગી ઉછળે છે અને આત્માને અચિંત્ય આનંદ પમાડે છે. આવો માર્ગ છે ભાઈ!

અહા! આવા જ્ઞાનસ્વભાવી આત્માની સ્વસન્મુખ થઈ અંતર-પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે ધર્મ છે. આ પ્રમાણે આ ચોથી જ્ઞાનશક્તિ પૂરી થઈ.

*
પઃ સુખશક્તિ

‘અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખશક્તિ.’ અહાહા...! શું કીધું? કે આત્મામાં જીવના જીવનરૂપ જેમ એક જીવત્વશક્તિ છે તેમ એક અતીન્દ્રિય આનંદશક્તિ છે; અર્થાત્ આત્માના અનાકુળ આનંદસ્વભાવમય આનંદશક્તિ છે. અહાહા...! આત્મા ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ છે. એમાં સત્ નામ શાશ્વત ચિત્ અને આનંદ શક્તિ ત્રિકાળ પડી છે. જેમ દ્રવ્ય ત્રિકાળ છે તેમ તેમાં અતીન્દ્રિય આનંદની શક્તિ ત્રિકાળ પડી છે. અહાહા...! ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્ય અંદર પૂરણ આનંદના સ્વભાવથી ભરેલું છે તેના આશ્રયે પરિણમતાં, તેની સન્મુખ દ્રષ્ટિ કરી પરિણમતાં, અંદરથી આ આનંદશક્તિ ઉછળે છે અર્થાત્ અતીન્દ્રિય આનંદના સંવેદનવાળી અનાકુળ


PDF/HTML Page 3951 of 4199
single page version

દશા પ્રગટ થાય છે. ગાથા પમાં આચાર્યદેવ કહે છે ને કે-અમને નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ તેમય પ્રચુરસ્વસંવેદનસ્વરૂપ સ્વસંવેદન પ્રગટ છે. અહાહા...! તે આ આનંદશક્તિનું કાર્ય છે. સમજાણું કાંઈ...! અહાહા...! અંદર આનંદશક્તિપણે પૂરણ ભરેલો છે, આચાર્યને તેની વ્યક્તિ પ્રગટ દશામાં થઈ છે. આવી વાત!

આ સુખશક્તિનું વર્ણન છે. કેવી છે સુખશક્તિ? તો કહે છે-અનાકુળતા લક્ષણસ્વરૂપ છે. શું કીધું? એક સમયની વર્તમાન દશામાં આકુળતા-દુઃખ છે તે ગૌણ છે, અંદર વસ્તુ ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ છે તે અનાકુળતાલક્ષણ છે. ઝીણી વાત છે પ્રભુ! ‘કાંઈક હું કરું’-એવી વૃત્તિ જે ઉઠે તે આકુળતા છે. શુભાશુભ વિકલ્પ ઉઠે તે આકુળતા છે. પણ મારે કાંઈ જ કરવું નથી, જ્ઞાન પણ કરવું નથી, થાય છે તેને શું કરવું? અહાહા...! આવી સર્વ વિકલ્પ રહિત, કાંઈપણ કરવાના બોજા રહિત નિર્ભારતા તે અનાકુળતા છે. અહાહા...! આવી અનાકુળતા લક્ષણ સુખશક્તિ છે, અને તેનું કાર્ય પણ અનાકુળ આનંદમય છે; એનો સ્વાદ ભગવાન સિદ્ધના સુખ જેવો હોય છે. સમજાણું કાંઈ...?

૪૭ શક્તિના આ અધિકારમાં શ્રદ્ધા અને ચારિત્ર-એ બન્ને શક્તિઓનું અલગથી વર્ણન કર્યું નથી. આ સુખશક્તિમાં તે બન્ને શક્તિઓ સમાવી દીધી છે. સુખશક્તિની જેમ શ્રદ્ધાશક્તિ ત્રિકાળ છે. આ જ્ઞાનાનંદમય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે હું છું એવી પ્રતીતિ-શ્રદ્ધાન થાય તે તેનું કાર્ય છે. અહાહા...! સમ્યગ્દર્શનરૂપ થવું તે શ્રદ્ધાશક્તિનું કાર્ય છે; અને તે પ્રગટતાં સાથે તે જ સમયે નિયમથી અનાકુળ આનંદનું સંવેદન પ્રગટ થાય જ છે. આ પ્રમાણે સુખશક્તિના કાર્ય દ્વારા-અનાકુળ આનંદના સંવેદન દ્વારા શ્રદ્ધાશક્તિ અને તેનું કાર્ય પ્રગટ થયાનું સમજી શકાય છે. આ રીતે સુખશક્તિમાં આચાર્યદેવે શ્રદ્ધાશક્તિ ગર્ભિત કરી દીધી છે. (ત્યાં બન્નેનાં લક્ષણ તો ભિન્ન જ જાણવાં).

અહાહા...! શ્રદ્ધા અને ચારિત્ર તો મૂળ ચીજ છે. ૪૭ શક્તિમાં તેનું વર્ણન નથી તેથી તે નથી એમ ન સમજવું. બન્નેને આ સુખશક્તિમાં સમાવી દીધેલ છે એમ યથાર્થ જાણવું. અહાહા...! આત્મામાં જેમ શ્રદ્ધાશક્તિ ત્રિકાળ છે તેમ ચારિત્રશક્તિ ત્રિકાળ છે. સ્વરૂપાચરણ-સ્વરૂપસ્થિરતાની ક્રમે વિશેષતા થવી તે ચારિત્રશક્તિનું કાર્ય છે, અને તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યના ઉગ્ર આલંબનથી પ્રગટ થાય છે. અહા! આવી ચારિત્રની ક્રમવર્તી વીતરાગી દશા પ્રગટ થાય છે ત્યારે તેની સાથે નિયમથી અનાકુળ આનંદની પ્રચુર-પ્રચુરતર દશા અનુભવાય છે. આ પ્રમાણે અનાકુળ સુખશક્તિના કાર્ય દ્વારા ચારિત્ર ગુણની દશા સમજી શકાય છે.

અહાહા...! સ્વસ્વરૂપના આશ્રયે સ્વરૂપરમણતાની આત્માનુભવની દશા થતાં મહા વૈરાગ્ય અને ચારિત્રની દશા પ્રગટ થાય છે. આ દશામાં અનુપમ અનાકુળ આનંદ ભેગો હોય જ છે. અહાહા...! આત્માનુભવ થતાં મહા હિતકારી વીતરાગતા સહિત અનાકુળ આલ્હાદજનક સુખની દશા પ્રગટ થાય છે. પણ અરે! અજ્ઞાની જીવ આવી ચારિત્રદશાને કષ્ટદાયક માને છે. છહઢાલામાં આવે છે ને કે-

‘આતમ હિતહેતુ વિરાગ જ્ઞાન, તે લખૈ આપકો કષ્ટ દાન.’

પણ ભાઈ! એક વાર સાંભળ તો ખરો, અહાહા...! અંદર ત્રિલોકીનાથ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ અનંત શક્તિઓનો સાગર લહરાઈ રહ્યો છે. અહાહા...! તેની એકેક શક્તિમાં બીજી અનંત શક્તિનું રૂપ છે; એકેક શક્તિમાં અનંત શક્તિ વ્યાપક છે. અહા! આવા અનંત શક્તિમય ભગવાન આત્માને જ્યારે પર્યાય અંતરમાં વળીને દેખે છે, શ્રદ્ધે છે, ને તેમાં રમે છે ત્યારે પ્રચુર આનંદની-મહા આનંદની દશા પ્રગટે છે. આવી આ આનંદશક્તિમાં શ્રદ્ધા અને ચારિત્ર બન્નેને સમાવી દીધેલ છે.

ભાઈ! સમ્યગ્દર્શન થાય, સમ્યક્ચારિત્ર પ્રગટે, અને સાથે આનંદ ન આવે એવી વસ્તુસ્થિતિ નથી, કેમકે જ્ઞાન-માત્ર ભાવના પરિણમનમાં સર્વ અનંતી શક્તિઓ એક સાથે ઉછળે છે; એટલે તો સર્વ ગુણાંશ તે સમકિત એમ કહ્યું છે. કોઈ કહે કે અમને સમકિત થયું છે પણ આનંદ-અનાકુળ આલ્હાદ પ્રગટયો નથી તો તેની વાત જૂઠી છે, અર્થાત્ તેને સમકિત થયું જ નથી, તે અજ્ઞાની જ છે. ઘણા જૈનાભાસીઓ એવું માને છે કે-અમને સમકિત તો છે, ને હવે વ્રત લઈએ એટલે ચારિત્ર આવી જશે, પણ તેમની એ માન્યતા તદ્ન જૂઠી છે, કેમકે અનાકુળ આનંદની દશા પ્રગટયા વિના સમકિત હોતું જ નથી; કુળપદ્ધતિથી કાંઈ સમકિત હોતું નથી.

સંપ્રદાયમાં અમારા ગુરુભાઈ કહેતા કે-આપણે જૈનકુળમાં જન્મ્યા છીએ, એટલે સમકિત તો ગણધરદેવ જેવું જ થયેલું છે, હવે બસ વ્રત, તપ, દીક્ષા ગ્રહણ કરીએ એટલે ચારિત્ર થઈ જાય. અરે ભગવાન! શું વાત છે આ? સમ્યગ્દર્શન


PDF/HTML Page 3952 of 4199
single page version

કાંઈ કુળપદ્ધતિની ચીજ નથી ભાઈ! અહાહા...! અંદર પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ વિરાજે છે તેની રુચિ-પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, અને તે સ્વાનુભૂતિની દશામાં પ્રગટ થાય છે. અહા! આ સમકિત તો સર્વ ધર્મનું મૂળ છે ભાઈ! હવે સમકિત શું ચીજ છે એય જાણે નહિ તે એનો પુરુષાર્થ કેમ કરે? અને વિના સમકિત ચારિત્રની દશા કેમ પ્રગટ થાય? આ ધાર્મિક વર્ગમાં આવેલા સૌ બરાબર જાણે કે સમકિત અને ધર્મ-ચારિત્ર શું ચીજ છે, કેમકે લોકમાં એ જ સારભૂત હિતકારી ચીજ છે. આવે છે ને કે-

“તીનલોક તિહુઁકાલ માંહિ નહિં દર્શન સો સુખકારી;
સકલ ધરમકો મૂબ યહી ઇસ બિન કરની દુઃખકારી.”

ભાઈ! સમ્યગ્દર્શનની પર્યાયમાં આખું ત્રિકાળી આત્મદ્રવ્ય આવી જાય એમ નહિ, પણ એમાં પૂર્ણ આનંદસ્વભાવ એવા ત્રિકાળી દ્રવ્યની ને એના પૂર્ણ ત્રિકાળી સામર્થ્યની પ્રતીતિ-શ્રદ્ધા અવશ્ય આવી જાય છે. અહો! સમ્યગ્દર્શન આવી કોઈ અલૌકિક ચીજ છે. એની પ્રાપ્તિ થતાં નિર્મળ રત્નત્રયરૂપી મોક્ષમાર્ગ ખુલી જાય છે. અહા! ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને સમ્યગ્દર્શન સહિત જે અંતરાત્મા છે તેને શિવમગચારી કહ્યો છે. છહઢાલામાં આવે છે કે-

મધ્યમ અંતર–આતમ હૈં જે, દેશવ્રતી અનગારી;
જઘન કહે અવિરત સમદૃષ્ટિ, તીનોં શિવમગચારી.

અહીં માર્ગમાં ગમન શરૂ કર્યું છે તો ચોથે અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ શિવમગચારી કહ્યો છે. ચારિત્રની પૂર્ણતા તો ચૌદમા ગુણસ્થાનના અંતસમયમાં થાય છે; છતાં છટ્ઠા સાતમા ગુણસ્થાનમાં સ્વસ્વરૂપની દ્રષ્ટિ સહિત સ્વરૂપમાં રમણતા-લીનતાની વિશેષ દશા પ્રગટ થાય છે, અને ત્યારે સાથે પ્રચુર આનંદની દશા પ્રગટે છે, અહા! આ છટ્ઠા- સાતમા ગુણસ્થાનથી મુખ્યપણે ચારિત્ર ગણવામાં આવ્યું છે; અને ત્યાંથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. ચોથા ગુણસ્થાનથી માર્ગ ખુલે છે, તથાપિ ચોથામાં સાક્ષાત્ ચારિત્રદશા નથી; સાક્ષાત્ મોક્ષમાર્ગ નથી. સાક્ષાત્ ચારિત્રદશા તો સ્વરૂપની ઉગ્ર રમણતાની વિશેષ દશા થતાં પ્રગટ થાય છે.

જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા. અંદર પૂર્ણાનંદસ્વરૂપ નિજ આત્મદ્રવ્યની નિશ્ચલ પ્રતીતિ થઈ હતી. તથાપિ તેઓ ચારિત્ર લઈ શકયા ન હતા, સ્વસ્વરૂપની ઉગ્ર રમણતારૂપ ચારિત્રની દશા તેમને પ્રગટ થઈ ન હતી. તેવી રીતે શ્રી ઋષભદેવ ભગવાન વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર હતા; ૮૪ લાખ પૂર્વનું તેમનું આયુષ્ય હતું, ક્ષાયિક સમકિતી હતા, ત્રણ જ્ઞાન સાથે લઈને અવતર્યા હતા. છતાંય ૮૩ લાખ પૂર્વ સુધી તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા, ચારિત્ર ધારણ ન કરી શકયા. એક પૂર્વ એટલે કેટલાં વરસ ખબર છે? એક પૂર્વમાં ૭૦ લાખ પ૬ હજાર કરોડ વર્ષ થાય છે. અહા! આવા ૮૩ લાખ પૂર્વ સુધી તેઓ ચારિત્ર લઈ શકયા ન હતા. ઉત્તરપુરાણમાં એમ વર્ણન છે કે બધા તીર્થંકરો આઠ વર્ષની ઉંમરે બાર વ્રત ધારણ કરે છે. આ રીતે અબજો વર્ષ તેમને પાંચમું ગુણસ્થાન રહ્યું, પણ ત્યાંલગી આગળ ન વધી શકયા. ચોથે, પાંચમે ગુણસ્થાને, જો કે ચારિત્રનો અંશ હોય છે, પણ મુનિદશાને યોગ્ય સાક્ષાત્ ચારિત્રદશા ત્યાં હોતી નથી. અહો! આવી ચારિત્રદશા કોઈ અલૌકિક હોય છે અને તે મહા પુરુષાર્થી બડભાગી પુરુષોને પ્રાપ્ત થતી હોય છે.

ભાઈ! સમકિતની પ્રાપ્તિમાં જો અંતર્મુખ દ્રષ્ટિનો અપૂર્વ પુરુષાર્થ જોઈએ તો ચારિત્રદશાની પ્રાપ્તિમાં પણ સ્વરૂપરમણતાનો મહાન પુરુષાર્થ જોઈએ. માત્ર નગ્ન થઈ જવું કે ૨૮ મૂળગુણ પાળવા તેનું નામ કાંઈ ચારિત્ર નથી; અંદર આનંદસ્વરૂપ આત્મામાં ઉગ્ર લીનતા-રમણતા થઈ જાય, આનંદસ્વરૂપની અસ્તિની મસ્તીમાં મશ્ગુલ થઈ જાય તેનું નામ ચારિત્ર છે. અત્યારે તો ચારિત્રના નામ પર બધી ગડબડ થઈ ગઈ છે. હવે ર૮ મૂલગુણનાંય ઠેકાણાં ન હોય, પાંચ મહાવ્રતનાંય ઠેકાણાં ન હોય, ને માત્ર બહાર નગ્નતા વડે ચારિત્ર માનવા-મનાવવા લાગ્યા છે, પણ એ તો અજ્ઞાન છે ભાઈ! એમાં તને કોઈ લાભ નથી બાપુ! ઉંધી-વિપરીત માન્યતાનું ફળ તો બહુ આકરું છે ભાઈ! સ્વરૂપલીનતા વિના ૨૮ મૂલગુણ પણ કાંઈ જ નથી બાપુ! તેથી તો કહ્યું કે-

મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો.

અરે, પાંચ મહાવ્રત ચોખ્ખાં પાળે, અટ્ઠાવીસ મૂલગુણ બરાબર ધારણ કરે, પોતાના માટે બનાવેલાં આહાર-પાણી પ્રાણાંતે પણ ન લે, તથા અગિયાર અંગ ભણી જાય-અહા! આવા ક્રિયાકાંડના શુકલ લેશ્યાના પરિણામ પણ જીવે અનંત વાર


PDF/HTML Page 3953 of 4199
single page version

કર્યા છે, અને છતાં સમ્યગ્દર્શન-જ્ઞાન વિના તે લેશ પણ સુખ પામ્યો નથી, અર્થાત્ દુઃખ જ પામ્યો છે. મતલબ કે પાંચ મહાવ્રતાદિના પરિણામ આસ્રવ હોવાથી દુઃખરૂપ જ છે, ચારિત્ર નથી.

તો ચારિત્રવંત મહામુનિવરોને તે હોય છે તો ખરા? હોય છે, ચારિત્રવંતોને તે અવશ્ય હોય છે, તથાપિ તે ચારિત્ર નથી, મુનિવરો તેને ચારિત્ર કહેતા નથી. ચારિત્રની સાથે તે ભલે હો, પણ એ બધું વ્યવહાર આચરણ રાગ હોવાથી દુઃખરૂપ જ છે. તેને સમયસાર નાટકમાં જગપંથ કહ્યો છે. ત્યાં કહ્યું છે કે-

તા કારન જગપંથ ઇત, ઉત સિવ મારગ જોર;
પરમાદી જગકૌં ધુકૈ, અપરમાદિ સિવ ઓર. –૪૦, મોક્ષદ્વાર.

ભાઈ! જેટલો રાગ આવે છે તે સંસાર છે એમ પંચસંગ્રહમાં પણ કહ્યું છે. આવી વાત! સમજાય છે કાંઈ...?

અરે, સમ્યગ્દર્શનના સ્વરૂપની અને તેને પ્રગટાવવાની રીતની ખબર વિના જીવ પોતાની મતિ-કલ્પનાથી વ્રત-તપ ધારણ કરીને તેને ધર્મ માની લે પણ તેથી કાંઈ તેને ધર્મ થાય નહિ. જેને સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન થયાં હોય અને સ્વરૂપની ઉગ્ર રમણતા થાય તેને ચારિત્ર ને ધર્મ થાય છે, અને તેને અંતરમાં અનાકુળ આનંદનો પ્રચુર આસ્વાદ આવે છે. અહા! આવા અંતરંગ ચારિત્ર વિના મુક્તિ થતી નથી. ભાઈ! જેમાં આસ્વાદમાં આવતી અતીન્દ્રિય આનંદના રસની પ્રબળ ધારા પ્રગટ થાય એનું નામ ચારિત્ર છે, અને તે સમ્યગ્દર્શનના અભાવમાં કદીય હોતું નથી.

અહાહા...! ભગવાન આત્મા નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ છે. તેની અંતર-રમણતા થાય તે ચારિત્રદશા છે. અહા! આવા ચારિત્ર સાથે અંદર અતીન્દ્રિય આનંદની પ્રકૃષ્ટ ધારા વહે છે. આવી અનાકુળ આનંદની ભૂમિકામાં મુનિને કિંચિત્ વ્યવહાર-રત્નત્રયનો રાગ આવે, પણ તેનું તેને સ્વામિત્વ નથી; વ્યવહારનો રાગ અને તેનું ફળ-જે ઇન્દ્ર- ઇન્દ્રાણીના વૈભવ ને કરોડો અપ્સરાઓનો સંયોગ આવે તે-એને ઝેર સમાન હેયબુદ્ધિએ હોય છે. પુણ્ય અને પુણ્યનાં સમસ્ત ફળ સમકિતીને ઝેર જેવાં લાગે છે. ઇન્દોરના કાચમંદિરમાં લખ્યું છે કે-

ચક્રવર્તીકી સંપદા, અરુ ઇન્દ્ર સરિખા ભોગ;
કાગવિટ્ સમ ગિનત હૈ, સમ્યગ્દ્રષ્ટિ લોગ.

કોઈને થાય કે પુણ્યનાં ફળને કાગ-વિટ્ અર્થાત્ વિષ્ટા સમાન કેમ કહ્યાં? અરે ભાઈ? ભગવાને તો પુણ્ય અને પુણ્યનાં ફળને ઝેર કહ્યાં છે. છતાં તને પુણ્યનો આટલો બધો હઠીલો પ્રેમ કેમ છે? જો તારે ધર્મ-ચારિત્ર જોઈએ છે તો પુણ્યનો પ્રેમ પ્રથમ જ છોડવો જોઈશે; કેમકે જેણે પુણ્યને ઉપાદેય માન્યું છે તેને આનંદસ્વરૂપ આત્મા હેય જ થઈ ગયો છે, અને જેને આત્મા ઉપાદેય છે તેને પુણ્ય હેય જ હોય છે. આવી વાત છે.

અહીં કહે છે-અનાકુળતા જેનું લક્ષણ-સ્વરૂપ છે એવી સુખશક્તિ છે. અહાહા...! જેમ જાણવું-જાણવું એ જ્ઞાનનું લક્ષણ છે. તેમ અનાકુળતા સુખશક્તિનું લક્ષણ છે. અહાહા...! આવા સુખથી ભરેલો અક્ષય ભંડાર ભગવાન આત્મા છે. અહા! એ સુખ કોને કહીએ? કે જેમાં આકુળતાનું નામનિશાન નથી. સુખશક્તિમાં આકુળતા નહિ ને તેના ક્રમવર્તી પરિણમનમાં પણ આકુળતા નહિ. ભાઈ! તારે સુખ જોઈએ છે તો અનાકુળ સુખ જેનો સ્વભાવ છે એવા તારા આત્મદ્રવ્યની દ્રષ્ટિ કર અને તેમાં જ લીન થા. બાકી આ રાગાદિ વિકાર તો આકુળતા છે; પુણ્યના પરિણામ પણ આકુળતા છે, દુઃખરૂપ છે. ભાઈ! મારે સુખ જોઈએ એમ સુખની અભિલાષ-ઇચ્છા કર્યે સુખ નહિ મળે, કેમકે ઇચ્છામાત્ર દુઃખરૂપ છે, દુઃખમૂળ છે. કહ્યું છે ને કે-

“કયા ઇચ્છત ખોવત સબૈ, હૈ ઇચ્છા દુઃખમૂળ”

માટે ઇચ્છામાત્રથી વિરામ પામી સુખના ભંડાર એવા સ્વસ્વરૂપમાં ગુપ્ત થઈ જા.

જુઓ, હરણની નાભિમાં કસ્તુરી હોય છે; પણ એની એને ખબર નથી. તેથી ગંધ આવતાં એની શોધમાં તે બહાર દોડાદોડ કરી મૂકે છે. પણ બહારમાં હોય તો મળે ને? બિચારું થાકીને નાહક ખેદખિન્ન-દુઃખ થાય છે. તેમ ભગવાન આત્મામાં સુખશક્તિ ત્રિકાળ છે. પરંતુ અજ્ઞાની જીવને એની ખબર નથી. તેથી તે સુખની શોધમાં બહાર ઇન્દ્રિયના વિષયોમાં-ખાનપાનમાં, સ્ત્રીના દેહમાં, બાગ-બંગલામાં, રંગરાગમાં ઇત્યાદિમાં સુખ છે એમ માની ઇન્દ્રિયના વિષયો પ્રતિ દોડાદોડ કરી મૂકે છે. પણ ત્યાં બહારમાં-એ જડ પદાર્થોમાં-સુખ હોય તો મળે ને? વિષયોમાં ફોગટ ફાંફાં


PDF/HTML Page 3954 of 4199
single page version

મારીને તે નાહક ખેદખિન્ન થાય છે, દુઃખી જ થાય છે. અરે ભાઈ! બહારના જડ વિષયોમાં સુખ નથી, વિષયોની મમતા ને અનુરાગમાં સુખ નથી ને કેવળ વિષયોને જ જાણનારા બહિર્લક્ષી જ્ઞાનમાંય સુખ નથી. અહા! એક સ્વાનુભૂતિમાં જ સુખ છે. માટે સુખ જોઈએ તો ઇચ્છાથી વિરામ પામી સ્વાનુભૂતિ કર. અહા! લ્યો, આવો મારગ!

ભગવાન આત્મામાં શક્તિરૂપે સુખ ત્રિકાળ ભર્યું છે. ભગવાન સિદ્ધને તેની પૂર્ણ વ્યક્તિ થઈ છે. સિદ્ધ ભગવાનને સુખની પૂર્ણ દશા-અનંત સુખ હોય છે. સિદ્ધ ભગવાનને પ્રગટ આઠ ગુણના વર્ણનમાં સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, ને વીર્ય એ ચાર આવે છે. ચાર ઘાતિકર્મના ક્ષયથી સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, અને વીર્ય પ્રગટ થાય છે અને ચાર અઘાતિકર્મના ક્ષયથી અવ્યાબાધ, અવગાહન, સૂક્ષ્મત્વ અને અગુરુલઘુ ગુણ પ્રગટ થાય છે. અહા! આવી સર્વોત્કૃષ્ટ દશા અનંતમહિમાયુક્ત, અનંતશક્તિમય નિજ આત્મદ્રવ્યનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા કરતાં પ્રાપ્ત થાય છે. અરે! લોકો (કોઈ જૈનાભાસીઓ) સમજ્યા વિના જ વ્રત, પ્રતિમા વગેરેને ચારિત્ર કહે છે; પણ ભાઈ! એ માર્ગ નથી. આત્મા સ્વરૂપથી જ સદા આનંદમય-સચ્ચિદાનંદમય છે, તેનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા કરતાં અનાકુળ સુખ પ્રગટે છે, તેની પૂર્ણતા થયે પૂર્ણ સુખ-અનંત સુખ પ્રગટે છે. બસ, આ જ માર્ગ છે. સમજાણું કાંઈ...?

આ પંદરમી ઓગસ્ટે દેશનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવે છે ને? પણ એ તો તારો દેશ-સ્વદેશ નહિ ભાઈ! તું એનો સ્વામી નહિ; એ તો પ્રત્યક્ષ ભિન્ન ચીજ છે બાપુ! એની સેવા (મમત્વ) કર્યે તને (સંસાર સિવાય) કાંઈ જ લાભ નથી. અહાહા...! અસંખ્ય પ્રદેશ-કે જેમાં આત્માનાં અનંત ગુણ સર્વત્ર વ્યાપીને ત્રિકાળ રહ્યાછે તે એનો સ્વદેશ છે. અહાહા...! આત્મા એનો સ્વામી છે. અહા! આવા સ્વ-દેશની સેવા સેવન કર્યે અંદર સ્વાતંત્ર્ય-સ્વરાજ પ્રગટ થાય છે, અર્થાત્ અનંત ગુણ સહજ નિર્મળ પરિણમી જાય છે. જુઓ, આ સ્વરાજ! સમયસારની ૧૭-૧૮ મી ગાથામાં આત્માને રાજા-‘જીવરાયા’ -કહ્યો છે. અહાહા...! ‘રાજતે-શોભતે ઇતિ રાજા’ જે અનેક સમૃદ્ધિ વગેરેથી શોભે તે રાજા છે. અહાહા...! જેમ બહારમાં રાજા તેના છત્ર, ચામર આદિ વિભૂતિ અને શરીરની ઋદ્ધિ તથા બાહ્ય સમૃદ્ધિ વગેરેથી શોભે છે તેમ આ આત્મ-રાજા પોતાના સુખાદિ અનંત ગુણોની સમૃદ્ધિથી શોભે છે. વિકાર પરિણામ અને સંયોગથી શોભે તે આત્મ-રાજા નહિ, અને ચક્રવર્તી કે ઇન્દ્રના વૈભવથી શોભે તે પણ આત્મ-રાજા નહિ. અહાહા...! જેમાં આનંદરસનો આસ્વાદ આવે એવા અનંતગુણ-વૈભવની પ્રગટતાથી શોભાયમાન તે આત્મ-રાજા છે. સમજાણું કાંઈ...!

અહાહા...! જુઓ તો ખરા મુનિવરોની અંતરદશા! આત્મજ્ઞાની ધ્યાની નિજાનંદરસના અનુભવમાં લીન મુનિવરો, તેમને દેહની સ્થિતિ પૂરી થવાનો ખ્યાલ આવી જાય ત્યારે કેવુંક ચિન્તવન કરે છે! અહાહા...!

ચલો સખી વહાં જઈએ, જહાં ન અપના કોઈ;
કલેવર ભખે જનાવરા, મુવા ન રોવે કોઈ.

અહાહા...! મુનિરાજ પોતાની શુદ્ધ પરિણતીને કહે છે-જ્યાં આનંદનો સાગર-આનંદ-સુધાસિંધુ ભગવાન છે ત્યાં ચાલો જઈએ. અંદર એવા મગ્ન-લીન થઈએ કે કલેવરને-આ મડદાને શિયાળિયાં ખાઈ જાય તોય ખબર ન પડે; તથા દેહ છૂટી જાય તો કોઈ પાછળ રોનાર ન હોય. અહાહા...! કેવી અંતર-લીનતા અને કેવું નિર્મમત્વ! આનંદસાગર આત્મામાં તલ્લીન થવા મહામુનિરાજ ગિરિગુફામાં ચાલ્યા જાય છે; નિશ્ચયથી તો નિજ શુદ્ધાત્મા ચિદાનંદ પ્રભુ છે તે જ ગિરિગુફા છે.

પ્રવચનસારમાં ચરણાનુયોગ ચૂલિકામાં દીક્ષાર્થીનું બહુ સુંદર વર્ણન છે. અહાહા...! દીક્ષાર્થી આત્માના આનંદમાં લીન થવા દીક્ષિત થાય છે ત્યારે પોતાની સ્ત્રીને કહે છે-મારા દેહને રમાડનાર હે રમણી! મારી અનુભૂતિસ્વરૂપ રમણી તો અનાદિઅનંત અંદર શાશ્વત પડી છે, હવે તેની સાથે રમવા અર્થાત્ મારા સ્વસ્વરૂપમાં લીન થવા હું જાઉં છું. સમયસાર ગાથા ૭૩માં પણ આ ત્રિકાળી અનુભૂતિની વાત આવી છે. ત્યાં કહ્યું છે-“સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું.” જુઓ, આત્માની પર્યાયમાં રાગની ક્રિયા થાય તે તો મારા આત્માનું સ્વરૂપ નહિ, પણ રાગ રહિત નિર્વિકાર પરિણતિ પર્યાયના ષટ્કારકથી થાય તે પણ હું ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ આત્મા નહિ. હું પરથી જુદો, રાગથી જુદો, ને નિર્મળ ષટ્કારકની પરિણતિ જે થાય તેનાથીય જુદો ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છું, આ અનુભૂતિ તે ત્રિકાળી એકરૂપ સ્વભાવની વાત છે હોં, આ અનુભૂતિની પર્યાયની વાત નથી. અહાહા...! દીક્ષાર્થી કહે છે-હું મારો ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ ભગવાન જ્યાં છે ત્યાં જાઉં છું, હવે ત્યાં જ મારે આનંદથી રમવું છે; માટે આ દેહને રમાડનારી હે રમણી! અનુમતિ દે, અર્થાત્ મને છોડી દે. લ્યો, અનુમતિ આપે કે ન આપે, એ તો સરરર અંદર ચાલ્યા જાય છે; વનવાસ ચાલ્યા જાય છે.


PDF/HTML Page 3955 of 4199
single page version

વળી દીક્ષા ધારણ કરવાના પ્રસંગે માતાને સંબોધે છે-હે જનેતા! આ શરીરની જન્મદાતા તું જનેતા છો, પણ હું તો અનાકુળ આનંદસ્વભાવી આત્મા છું, આ આત્માની તું જનેતા નથી. મારા આનંદસ્વરૂપી આત્મામાંથી મારી આનંદની દશાનો જન્મ થાય છે તેથી નિશ્ચયથી તે જ મારી જનેતા છે. માતા! મને રજા દે, હું મારી ત્રિકાળ આનંદસ્વરૂપી માતાની ગોદમાં જાઉં છું; ત્યાં હું એવો રમું-રમણતા કરું કે ફેર જન્મ ના ધરું. માતા, એક વાર તારે રોવું હોય તો રોઈ લે, હવે હું બીજી માતા નહિ કરું-આ મારો કોલ છે. અહાહા...! આમ અંતરમાં દૃઢ વૈરાગ્ય ધારણ કરીને યુવાન રાજકુમારો પ્રચુર આનંદના સ્વાદની પ્રાપ્તિ અર્થે વનવાસમાં-આત્મવાસમાં ચાલ્યા જાય છે. અહાહા...! કેવો વૈરાગ્ય! કેવું નિર્મમત્વ!!

અરે! અજ્ઞાની બાહ્યમાં સુખ માને છે. જ્ઞાની જ્યાંથી વિરક્ત થાય છે, અજ્ઞાની ત્યાં ચૈન માની ઝંપલાવે છે. અજ્ઞાની સ્ત્રી, પરિજન, ધન, મકાન ઇત્યાદિમાં સુખ માને છે, અને ત્યાં જ રોકાઈ રહે છે. સુખ તો પોતામાં જ ભર્યુ છે, પણ એની ખબર નથી તેથી તે બધે બહાર જ ફાંફાં મારે છે, અને નિરાશ થઈ દુઃખી દુઃખી થાય છે.

હા, પણ કોઈ કોઈ એ સંયોગોમાં સુખી હોય એમ દેખાય છે? ધૂળેય સુખી નથી સાંભળને. સુખ તો દૂર રહો, એ સંયોગોમાં સુખની ગંધેય નથી; ઉલટું એના તરફનું જે વલણ છે તે મહા પાપ અને દુઃખ છે. ભાઈ! સુખ તો તેને કહીએ જેમાં આકુળતાની છાંટ પણ ન હોય અને જે કદી નાશ ન પામી જાય, કદી પલટી ન જાય.

ગજસુકુમાર મુનિની વાત શાસ્ત્રમાં આવે છે. જ્યારે શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ ભગવાનનાં દર્શન કરવા હાથી પર બેસીને સમોસરણમાં જાય છે ત્યારે તેના ખોળામાં નાનાભાઈ ગજસુકુમાર બેઠેલ છે. માર્ગમાં એક સોનીની અતિ સ્વરૂપવાન કન્યા સોનાના ગેડીદડે રમતી હતી. તેને દૂરથી જોઈને શ્રીકૃષ્ણે સેવકોને આજ્ઞા કરી કે-આ કન્યાને અંતઃપુરમાં લઈ જાઓ, તેનાં ગજસુકુમાર સાથે લગ્ન કરવાં છે. સેવકો તે કન્યાંને અંતઃપુરમાં લઈ ગયા, અને અહીં શ્રીકૃષ્ણ ગજસુકુમારને લઈને ભગવાનનાં દર્શનાર્થ સમોસરણમાં પધાર્યાં. પછી શું થયું? અહા! ભગવાનની ૐધ્વનિ સાંભળીને ગજસુકુમારનું ચિત્ત અતિ દૃઢ વૈરાગ્યથી ભરાઈ ગયું. તેઓ બોલ્યા-નાથ! હું મુનિપણું અંગીકાર કરવા ચાહું છું. માતા દેવકી પાસે જઈ કહેવા લાગ્યા-હે માતા! અંદર આનંદનો નાથ વિરાજે છે તેની સારસંભાળ-સુરક્ષા માટે હું ભગવતી દીક્ષા અંગીકાર કરવા માગું છું. હવે હું સ્વરૂપની સંભાળ માટે વનમાં જાઉં છું. હે માતા! આ દેહનું મમત્વ દૂર કરો. મારી પર્યાયમાં જરા દુઃખ છે, પણ તે દુઃખનો મારા આનંદની પરિણતિમાં અભાવ છે.

પછી તો ગજસુકુમાર ભગવાન પાસે દીક્ષિત થઈને દ્વારિકાના સ્મશાનમાં ધ્યાન કરવા ચાલ્યા ગયા. તેમનું શરીર હાથીના તાળવા જેવું લાલચોળ, કોમળ હતું. તેથી તેમનું નામ ગજસુકુમાર પાડવામાં આવ્યું હતું. અહા! મુનિરાજ તો નિજ આનંદસ્વરૂપના ધ્યાનમાં તલ્લીન હતા ત્યારે ક્રોધાગ્નિથી બળી રહેલા પેલા સોનીની કન્યાના પિતા ત્યાં આવ્યા. તેમણે સ્મશાનની રાખ લઈ તેમાં પાણી રેડી ગજસુકુમાર મુનિના માથા ઉપર પાળ બનાવી, અને અંદર મસાણના ધગધગતા અંગારા પૂર્યા; માથા ઉપર ભડભડ અગ્નિ બળવા લાગી. પણ મુનિરાજ તો ધ્યાનમાં અચળ રહ્યા. અહા! એકકોર ભડભડ અગ્નિથી માથું બળે અને એકકોર મુનિરાજે પ્રગટાવેલી ધ્યાનાગ્નિમાં કર્મ બળે. માથું બળે તેની તરફ તો મુનિરાજનું લક્ષ જ નથી. આખરે ધ્યાનાગ્નિમાં સર્વ કર્મ ભસ્મીભૂત થયાં. મુનિરાજ તત્કાલ કેવળજ્ઞાન પ્રગટાવી પરમસુખસ્વરૂપ નિજપદ-મોક્ષપદને પામ્યા. અહો! સ્વરૂપધ્યાનની-સ્વાનુભૂતિની દશાનો કોઈ અચિંત્ય મહિમા છે; એનું ફળ પરમ સુખધામ એવું મોક્ષ છે.

સમયસારની આત્મખ્યાતિ ટીકાના મંગલાચરણમાં પ્રથમ જ શ્રી અમૃતચંદ્ર સ્વામી કહે છે-

નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે
ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાન્તરચ્છિદે।।

અહાહા...! કહે છે- ‘नमः समयसाराय’ અહાહા...! રાગ રહિત જ્ઞાન અને આનંદથી ભરેલું મારું સ્વરૂપ છે તેને હું નમન કરું છું. અહા! સમયસાર મારો નાથ આનંદનો સાગર છે તેમાં હું મારી પરિણતિને ઝુકાવી નમન કરું છું. આવી વાત!


PDF/HTML Page 3956 of 4199
single page version

કેવો છે સમયસાર? ‘स्वानुभूत्या चकास्ते’ અહાહા...! મારા આનંદનો નાથ સ્વાનુભવપ્રત્યક્ષ નિજ સ્વાનુભૂતિથી પ્રગટ થાય તેવો છે. અહા! તે દયા, દાન, આદિ કોઈ વ્યવહારના ભાવોથી પ્રગટ થતો નથી. વળી

‘चित्स्वभावाय भावाय’ અહાહા! ‘ભાવાય’ નામ સત્તાસ્વરૂપ આત્મપદાર્થ ચિત્સ્વભાવમય છે, જ્ઞાન-દર્શનરૂપ ચૈતન્યસ્વભાવમય છે. અહા! જ્ઞાનાદિ ગુણ છે તે તેનો સ્વભાવ છે, અને સ્વાનુભૂતિમાં તે પ્રસિદ્ધ થાય છે. વળી

‘सर्वभावन्तरच्छिदे’ ત્રણકાળ ત્રણલોકના સમસ્ત પદાર્થોને એક સમયમાં પૂર્ણ જાણે એવો તેનો સર્વજ્ઞસ્વભાવ છે. અહા! આ સર્વજ્ઞશક્તિ પહેલાં જે જ્ઞાનશક્તિ કહી તેમાં ગર્ભિત છે. અહા! આવો સર્વજ્ઞસ્વભાવ સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થાય છે. આવો સૂક્ષ્મ મારગ છે ભાઈ!

કેટલાક કહે છે ને કે-આ તો બહુ સૂક્ષ્મ છે. પણ શું થાય? ભગવાન! તારું સ્વરૂપ જ સૂક્ષ્મ છે. સૂક્ષ્મત્વ ગુણ દ્રવ્યમાં વ્યાપક હોવાથી જ્ઞાન સૂક્ષ્મ, દર્શન સૂક્ષ્મ, આનંદ સૂક્ષ્મ, કર્તા સૂક્ષ્મ-એમ સર્વ ગુણ સૂક્ષ્મ છે. અહા! આવા સૂક્ષ્મને પામવાનો મારગ સૂક્ષ્મ છે ભાઈ! પુણ્ય-પાપના સ્થૂળ ભાવોમાં એ સૂક્ષ્મ જણાતો નથી.

કોઈને એમ થાય કે આ વ્યવહારનો નિષેધ કરે છે. પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ જ એવું છે. શ્લોકના ચારે ચરણમાં અસ્તિથી વાત કરી છે. આત્મામાં અજીવ નથી, પુણ્ય-પાપ નથી, વ્યવહાર નથી એમ નાસ્તિ તેમાં સિદ્ધ થઈ જાય છે. સમજાણું કાંઈ...?

જુઓ, આ સામે શત્રુંજ્ય પહાડ ઉપર પાંચ પાંડવો મુનિદશામાં વિચરતા હતા. ભગવાનના દર્શનનો ભાવ થયો ત્યાં ખબર પડી કે ભગવાન નેમિનાથ તો મોક્ષ પધાર્યા. અરે, ભરતક્ષેત્રમાં ભગવાનનો વિરહ પડી ગયો. અહા! પાંચે મુનિવરોને મહિના મહિનાના ઉપવાસ છે, અને પહાડના શિખર પર ધ્યાનમગ્ન ઊભા છે. ત્યાં દુર્યોધનના ભાણેજે આવી ઉપસર્ગ માંડયો; ધગધગતાં લોખંડનાં ધરેણાં તેમને પહેરાવ્યાં. અહા! માથે ધગધગતો મુગટ, કંઠમાં ધગધગતી માળા અને હાથ-પગમાં ધગધગતાં કડાં પહેરાવી તેણે મહામુનિવરો પર ભયંકર ઉપસર્ગ કર્યો. ધર્મરાજા, અર્જુન અને ભીમ-એ ત્રણ મુનિવરોએ ત્યાં જ શુકલધ્યાનની શ્રેણી માંડી, કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષપદ પ્રાપ્ત કર્યું. નાના બે ભાઈઓ સહદેવ અને નિકુળને જરા વિકલ્પ થઈ આવ્યો કે-અરે! મોટાભાઈ ધર્મરાજા પર આવો ઉપસર્ગ! આટલા વિકલ્પના ફળમાં તેમને બે ભવ થઈ ગયા. મોટા ત્રણ પાંડવો પૂરણ વીતરાગ થઈ મોક્ષપદ પામ્યા, જ્યારે નાના બેને જરાક વિકલ્પ આવ્યો તેમાં બે ભવ થઈ ગયા. બન્ને સર્વાર્થસિદ્ધિ નામના દેવલોકમાં ૩૩ સાગરોપમની આયુસ્થિતિમાં ગયા. વિકલ્પ આવ્યો તો કેવળજ્ઞાન અટકી ગયું. જુઓ, શુભવિકલ્પ તેય સંસાર છે. અજ્ઞાની જીવો શુભભાવથી લાભ-ધર્મ થવાનું માને છે, પણ એ એમનો ભ્રમ જ છે, કેમકે શુભભાવ પણ બંધનું જ કારણ છે, અબંધ નથી. આવી વાત!

અરે ભાઈ! તારા સ્વભાવમાં તો એકલું સુખ-સુખ-સુખ બસ સુખ જ ભર્યું છે. અહાહા...! વીણાના તારને છેડતાં જેમ ઝણઝણાટ કરતી વાગે છે તેમ સુખશક્તિથી ભરેલા આત્મામાં એકાગ્ર થતાં ઝણઝણાટ કરતી સુખના સંવેદનની દશા પ્રગટ થાય છે. પણ અરે! એને નિજ સ્વભાવનો મહિમા નથી! અનંત ગુણના રસથી ભરેલા નિજપદની સંભાળ કર્યા વિના અહા! તે અનાદિથી પરપદને પોતાનું માની ભવસાગરમાં ગોથાં ખાયા કરે છે. અહા! એની દુર્દશાની શી વાત! દારુણ દુઃખોથી ભરેલી એની કથની કોણ કહી શકે? અરે ભાઈ! અહીં આચાર્ય ભગવાન તને તારું સુખનિધાન બતાવે છે. તો હવે તો નિજનિધાન પર એક વાર નજર કર. અહા! નજર કરતાં જ તું ન્યાલ થઈ જાય એવું તારું દિવ્ય અલૌકિક નિધાન છે. અહા!

‘મારા નયનની આળસે રે, નીરખ્યા ન મેં નયણે હરિ.’

આ હરિ તે કોઈ બીજી ચીજ નહિ, નિજ શુદ્ધાત્મા ચિદાનંદઘન પ્રભુ તે હરિ છે. જે દુઃખને હરે અર્થાત્ સુખને કરે તે હરિ છે. પંચાધ્યાયીમાં આવે છે કે- ‘हरति इति हरिः’ દુઃખના બીજભૂત જે મિથ્યાત્વાદિને હરે તે હરિ નામ સુખનિધાન આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે. અહા! પ્રમાદ છોડીને, વિષયોનું વલણ છોડીને પોતાના હરિ નામ ભગવાન આત્માને એકાગ્ર થઈ નીરખવો, ભજવો તે સુખનો ઉપાય છે. લ્યો....

આ પ્રમાણે આ પાંચમી સુખશક્તિ પૂરી થઈ.

*

PDF/HTML Page 3957 of 4199
single page version

૬ઃ વીર્યશક્તિ

‘સ્વરૂપ (-આત્મસ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ’ અહાહા...! આત્મામાં જેમ જ્ઞાન ગુણ છે તેમ વીર્ય નામનો એક ગુણ છે. આ પુત્ર-પુત્રી થવાના નિમિત્તરૂપ જે શરીરનું વીર્ય-જડ વીર્ય છે તેની અહીં વાત નથી. વીર્ય એટલે બળ નામની આત્મામાં એક શક્તિ છે. આ શક્તિ વડે આત્મા બળવાન છે. અહાહા...! પોતાના સ્વરૂપની રચના કરે-સ્વરૂપને ધારી રાખે એવો જે આત્માનો સ્વભાવ તે વીર્યશક્તિ છે.

અહાહા...! વીર્યશક્તિનો સ્વભાવ આત્માના સ્વરૂપની રચના કરવાનો છે. શું કીધું? જ્ઞાન, દર્શન, આનંદ, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંત ગુણો તે આત્માનું સ્વરૂપ છે. અહાહા...! અનંત ગુણનો સ્વામી આત્મા અનંતનાથ ભગવાન છે. તેની સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યગ્ચારિત્ર, અનાકુળ અતીન્દ્રિય આનંદ, સમ્યક્ વીર્ય ઇત્યાદિ નિર્મળ પર્યાયને રચે તે વીર્યશક્તિનું કાર્ય છે. પણ રાગની રચના કરે, કે જડની-શરીરની, મકાનની, સમાજની કે દેશની રચના કરે તે આત્માની વીર્યશક્તિનું કાર્ય નહિ. ભાઈ! આત્મામાં જે બળશક્તિ-વીર્યશક્તિ છે તે નિર્મળ સ્વસ્વરૂપની રચના કરવાના સામર્થ્યરૂપ છે; અને જડની રચના તો જડની શક્તિનું કાર્ય છે. સમજાણું કાંઈ...?

જુઓ, નેમિનાથ ભગવાન ગૃહસ્થદશામાં હતા ત્યારનો એક પ્રસંગ પુરાણમાં વર્ણવેલો છે. શ્રીકૃષ્ણ-વાસુદેવની રાજસભામાં એક વાર ચર્ચા નીકળી કે અહીં સૌથી બળવાન કોણ? કોઈ કહે પાંડવો બળવાન છે, બીજો કહે કે બળભદ્ર બળવાન છે, ત્રીજો કહે કે શ્રીકૃષ્ણ-વાસુદેવ બળવાન છે, ચોથો કહે કે ધર્મરાજા બળવાન છે. એવામાં તે જ વખતે રાજસભામાં નેમિકુમાર પધાર્યા. ત્યારે બળભદ્રે કહ્યું કે-બધા બળવાન ભલે હો, પણ નેમિકુમારના તોલે નહિ; નેમિકુમાર બાવીસમા તીર્થંકર છે અને તે જ સૌમાં બળવાન છે. શ્રીકૃષ્ણને આ વાત રુચિ નહિ; એટલે તેમણે નેમિકુમારને કુસ્તી કરીને પોતાનું બળવાનપણું સાબિત કરવા આહ્યાન આપ્યું. નેમિકુમારે કહ્યું-બંધુવર! મોટાભાઈની સાથે કુસ્તી ન કરાય, પણ બળની પરીક્ષા જ કરવી છે તો આ મારો પગ અહીંથી તમે ખસેડી દો. શ્રીકૃષ્ણે ઘણી મહેનત કરી, પણ તે નેમિકુમારનો પગ ખસેડી શકયા નહિ. પછી નેમિકુમારે પોતાની ટચલી આંગળી સીધી કરી કહ્યું-આ મારી ટચલી આંગળી વાળી આપો. શ્રીકૃષ્ણ ટચલી આંગળી પર પૂરી તાકાતથી આખા ટીંગાઈ ગયા, પણ આંગળી વળી નહિ. પણ આ તો શરીરનું -જડનું બળ બાપુ! તેમાં આત્માને કાંઈ નહિ. નેમિકુમાર તો ત્યારેય જાણતા હતા કે આ શરીરબળ તે હું નહિ, ને આ કસોટીનો વિકલ્પ ઉઠયો તેય હું નહિ. હું તો નિજ ચૈતન્યસ્વરૂપને ધારણ કરનારી વીર્યશક્તિ જેનું બળ છે એવો સ્વરૂપની રચનારૂપ તેને શક્તિનું ફળ-કાર્ય પ્રગટ નહોતું; પણ જ્યાં નિજ વીર્ય શક્તિનો મહિમા લાવી શક્તિમાન દ્રવ્યમાં અંતર્દ્રષ્ટિ કરી કે તત્કાલ સ્વરૂપની રચના કરનારું વીર્ય પર્યાયમાં પ્રગટ થયું. અહાહા...! આ રીતે દ્રવ્યમાં વીર્ય, ગુણમાં વીર્ય ને પર્યાયમાં વીર્ય-એમ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વીર્યશક્તિ વ્યાપક થાય છે, અને નિર્મળ જ્ઞાન, આનંદ, સુખ, પ્રભુતા, જીવત્વ, સ્વચ્છત્વ આદિ અનંતગુણસ્વભાવોની પર્યાયની રચના કરે છે. અહાહા...! આવી છે આ વીર્ય શક્તિ! સમજાય છે કાંઈ...!

ઓહો! કેવળી પરમાત્માએ બતાવેલો પરમાત્મા થવાનો માર્ગ અહીં સંતો પ્રસાદરૂપે ખુલ્લો કરે છે. અહા! જેમ બાળકની માતા તેને સુવાડવા તેની પ્રશંસાનાં મધુર હાલરડાં ગાય છે કે-

‘દીકરો મારો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો’-ઇત્યાદિ. તેમ અહીં સંતો-કેવળીના કેડાયતીઓ-અજ્ઞાનીઓને જગાડવા તેની (આત્માની) પ્રશંસાના મધુર ગીત ગાય છે. કહે છે-જેની સ્ફુરણા થતાં તું ત્રણલોકનો નાથ થાય એવી વીર્યશક્તિનો સ્વામી તું ભગવાન છો. જાગ રે જાગ! જાગવાના તારે આ અવસર આવ્યા છે. ભગવાન! તારે ભગવાન થવાના અવસર આવ્યા છે; ઇત્યાદિ.

અમે નાની ઉંમરમાં વડોદરામાં એક નાટક જોયેલું. ‘અનસૂયા’નું નાટક હતું. અનસૂયા સતી ગણાતી. તે એક અંધ બાહ્મણને પરણી હતી. તેને એક બાળક થયું. તે પોતાના બાળકને સુવાડવા પારણું ઝુલાવી મીઠી હલકે ગાતી- ‘બેટા!

शुद्धोऽसि, बुद्धोऽसि, उदासीनोऽसि, निर्विकल्पोऽसि ‘હે પુત્ર! તું શુદ્ધ છો, જ્ઞાની છો, ઉદાસીન છો, નિર્વિકલ્પ છો.’ -આમ વખાણ કરતી. આ તો એ વખતનાં નાટકો


PDF/HTML Page 3958 of 4199
single page version

પણ કેવાં વૈરાગ્યરસથી ભરપૂર ભજવાતાં એની વાત છે. આવાં દ્રશ્યો જોઈને અમને તે વખતે વૈરાગ્યની ખુમારી જ ચડી જતી. અત્યારે તો કાંઈ વાત કરવા જેવી નથી, તદ્દન હલકી કક્ષાનાં દૃશ્યો બતાવાય છે.

સમયસારના બંધ અધિકારમાં છે કે ભગવાન આત્મા શુદ્ધ, બુદ્ધ, નિર્વિકલ્પ અને ઉદાસીન છે. શ્રીમદ્ પણ કહે છે-
“શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.”

અહાહા...! લોકમાં પ્રત્યેક આત્મા પૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો ભગવાન છે. પોતાના આવા સ્વરૂપને લક્ષમાં લઈ તેમાં એકાગ્ર થતાં સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ પર્યાયમાં પ્રગટ થાય છે. આ કર્તવ્ય ને આ ધર્મ છે.

ભાઈ! જેને સુખી થવું હોય, સંસારની પીડાથી મુક્ત થવું હોય તેણે પોતે શું ચીજ છે તે જાણવું જોઈએ. ભગવાન કહે છે-ભગવાન! તું અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છો. તારી એકેક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. અહાહા...! અનંત સામર્થ્યથી ભરેલી એકેક શક્તિ અને એવી અનંત શક્તિઓથી ભરેલો ભગવાન! તું ચૈતન્ય-પ્રકાશના નૂરનું પૂર છો, પણ અરે! એણે પોતાના અંતરંગ સ્વરૂપને જોયું નથી! ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ પોતે પોતાને ભૂલીને અંધારે અટવાયો છે. આ પુણ્ય-પાપના ભાવ તે બાપુ! અંધારું છે, ને જડ પુણ્ય-પાપ કર્મ એ ય અંધારું છે; તથા એ પુણ્ય-પાપ કર્મનું ફળ જે સ્વર્ગ-નર્ક આદિ એ ય અંધારું છે, કેમકે એ સર્વમાં ચૈતન્યપ્રકાશનો અભાવ છે. અહાહા...! આવો દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત શુદ્ધ બુદ્ધ પ્રભુ! તું ચૈતન્યપ્રકાશનો પુંજ આત્મા છો.

અહીં એની વીર્ય નામ બળશક્તિની વાત ચાલે છે. આ વીર્યશક્તિ આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપક છે. પોતાના સ્વ-દેશમાં વીર્યશક્તિ સર્વત્ર વ્યાપેલી છે. આત્માનો અસંખ્યાત પ્રદેશ તે સ્વ-દેશ છે. રાગાદિ પુણ્ય-પાપના ભાવ તે પર-દેશ છે.

અહા! જેમ નરકનું ક્ષેત્ર સ્વભાવથી દુઃખરૂપ છે, સ્વર્ગનું ક્ષેત્ર સ્વભાવથી લૌકિક સુખરૂપ છે, તેમ ભગવાન આત્માનું સ્વક્ષેત્ર સ્વભાવથી વીર્યશક્તિથી ભરપૂર અતીન્દ્રિય જ્ઞાન અને આનંદરૂપ જ્ઞાન અને આનંદનો પાક નીપજે છે. જેમ સાધારણ જમીન હોય તેમાં લાલ કળથી પાકે અને ઊંચી જમીન હોય તો તેમાં સુગંધીદાર સફેદ ઉજ્જ્વળ બાસમતીના ચોખા પાકે તેમ આત્માનું અસંખ્યપ્રદેશથી જે ક્ષેત્ર છે તેમાં નિર્મળ જ્ઞાન અને આનંદના મોલ પાકે છે. પણ કયારે? જ્યારે સ્વસ્વરૂપનો અંતરંગમાં અંતર્મુખ થઈ સ્વીકાર કરે ત્યારે; ત્યારે સ્વસ્વરૂપની રચના કરનારું વીર્ય સહજ સ્ફુરાયમાન થાય છે અને સાથે નિજ જ્ઞાનાનંદ સ્વભાવનાં જ્ઞાન-શ્રદ્ધાન ઉદય પામે છે. અહો! તે સમયે પ્રગટ થતા અતીન્દ્રિય આહ્લાદનું શું કહેવું! તે વચનાતીત ને ઉપમારહિત હોય છે. આવો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો પાક પાકે એવું આત્માનું સ્વ-ક્ષેત્ર છે.

પણ આ રાગાદિ વિકાર થાય છે ને? અરે ભાઈ! આત્માના અસંખ્ય પ્રદેશ છે. તેમાં વિકાર ઉત્પન્ન થાય એવો કોઈ ગુણ નથી. જેમ સોનાની સાંકળીમાં આખી સાંકળી તે દ્રવ્ય છે, સાંકળીના બધા અંકોડા તે એનું ક્ષેત્ર છે, અને પીળાશ, ચીકાશ, વજન તે એની શક્તિઓ છે તેમ આત્મા દ્રવ્ય છે, બધા અસંખ્ય પ્રદેશ તેનું ક્ષેત્ર છે, તે અસંખ્ય પ્રદેશોમાં વ્યાપીને રહેલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા ઇત્યાદિ અનંત આત્માની નિર્મળ શક્તિઓ છે. તેમાં વિકાર ઉત્પન્ન કરે એવી કોઈ શક્તિ નથી. પણ અરે! અનંતકાળમાં એણે કદીય સ્વસ્વરૂપની દ્રષ્ટિ કરી નથી! પોતાને ભૂલીને એ પરમાં ને પરમાં જ રોકાઈ રહ્યો છે. તેથી તેની વીર્યશક્તિ અનાદિથી સ્ફુરાયમાન થતી નથી અને એને પુણ્ય-પાપરૂપ ભાવની રચના થયા જ કરે છે. પણ એ (પુણ્ય-પાપ) કાંઈ આત્માના વીર્યનું કાર્ય નથી. ભાઈ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભભાવની રચના કરે તે વીર્ય આત્માનું નથી.

આત્માનુ વીર્ય તો તેને કહીએ જે પર્યાયમાં પોતાના અનંત ગુણ-સ્વભાવોના સ્વરૂપની રચના કરે, અનંત ગુણોની નિર્મળ પર્યાયો પ્રગટ કરે તે આત્માનું વીર્ય છે. વિકારી પરિણામની રચના કરે તે આત્માના વીર્યનું કાર્ય નથી. અહા! સ્વસ્વરૂપની રચના કરનાર વીર્યશક્તિના ધારક આત્માને જે દેખતો નથી અને પુણ્ય-પાપની રચના થાય તેને જ (આત્માપણે) દેખે છે તે મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની છે અને તેને નિરંતર પુણ્ય-પાપના ભાવોની જ રચના થયા કરે છે. ભાઈ! આ બાર વ્રત ને પાંચમહાવ્રતનો જે રાગ એય બધો અચેતન છે, આત્મા નથી. અરે, જે ભાવથી તીર્થંકર ગોત્રની પ્રકૃતિ બંધાય તે ભાવ પણ અચેતન જડ છે, તે આત્મા નથી, આત્માના વીર્યનું કાર્ય નથી. રાગ ભાવ ગમે તેવો મંદ હોય તો ય તે


PDF/HTML Page 3959 of 4199
single page version

બંધભાવ છે, ચૈતન્યની વિરુદ્ધ જાતિનો છે; તેમાં ચૈતન્યપ્રકાશનો અંશ નથી, તે પોતાને ય જાણતો નથી, ને ચૈતન્યસ્વરૂપ આત્માને ય જાણતો નથી માટે તે અચેતન છે. સમજાણું કાંઈ...? અહો! આવો મારગ સૂરજના પ્રકાશના જેવો સ્પષ્ટ દિગંબર સંતોએ ખુલ્લો કરી દીધો છે. પણ દેખે તેને દેખાય ને!

‘મારા નયનની આળસે રે, નીરખ્યા ન મેં નયણે હરિ’

અરે! જ્ઞાન, આનંદ આદિ અનંતગુણ-લક્ષ્મીથી શોભાયમાન નિજ શુદ્ધાત્મા તે શ્રી હરિ-તેને એણે પ્રમાદ છોડીને અનંતકાળમાં દીઠા નહિ! હવે શ્રીહરિ નામ શુદ્ધાત્માની વાત પણ સાંભળવા ન મળે તે એનો કયારે વિચાર કરે, અને કયારે એને દેખે-શ્રદ્ધે? કયારે એની રુચિ કરે? પણ આ અનંતકાળે પ્રાપ્ત ન થાય એવી અલૌકિક ચીજ છે ભાઈ! (એમ કે એની પ્રાપ્તિનો આ અમૂલ્ય અવસર છે).

સાદી ભાષામાં તો કહેવાય છે પ્રભુ! આ સ્ત્રી-પુરુષનાં શરીર છે એ તો હાડકાં, ચામડાં ને માંસ-માટી છે. તે કાંઈ આત્મા છે? ના; તે આત્મા નહિ, ને તેને કરે-રચે તે ય આત્મા નહિ. વળી અંદર પુણ્ય-પાપના ભાવ થાય છે તે શું આત્મા છે? ના; તે આત્મા નહિ, ને તેને રચે તે ય આત્મા નહિ; કેમકે એ તો અચેતન જડ તત્ત્વ છે, ને ભગવાન આત્મા એકલા ચૈતન્યપ્રકાશનો પુંજ છે. જેની સ્ફુરણા વડે પર્યાયમાં નિર્મળ રત્નત્રયની-સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રની રચના થાય તેને આત્માનું વીર્ય અર્થાત્ આત્મા કહીએ; બાકી રાગની-વિકારની રચના કરે તેને આત્માનું વીર્ય કોણ કહે? એ તો નપુંસક વીર્ય છે, કેમકે એને ધર્મની ઉત્પત્તિ થતી નથી; સમયસાર ગાથા ૧પ૪ની ટીકામાં એવા જીવોને ક્લીબ નામ નપુંસક કહ્યા છે.

અરે પ્રભુ! તું ભગવાન જેવો ભગવાન થઈને, ભિખારીની જેમ પામર બની સંસારમાં રઝળે છે! તું ત્રણ લોકનો નાથ ચૈતન્યસ્વરૂપ પ્રભુ-તારા ગર્ભમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ આદિ અનંત નિર્મળ શક્તિઓ પડી છે તેનો તું પર્યાયમાં પ્રસવ ન કરે અને પુણ્ય-પાપનો-મલિનતાનો પ્રસવ કરે એ શું તને શોભા દે છે? જુઓ, કોઈ સ્ત્રીને ગર્ભ રહે અને તે ચોવીસ વર્ષ સુધી રહે છે. ગર્ભમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ચોવીસ વર્ષ છે એમ શાસ્ત્રમાં કથન છે. એવી સ્થિતિમાં પણ તું અનંત વાર રહ્યો ભગવાન? ગર્ભવાસમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૪ વર્ષની છે માટે અનંતકાળે આ અવસર આવ્યો છે તો ત્રિકાળી દ્રવ્યસ્વભાવનું લક્ષ કરી, સ્વરૂપસન્મુખ થઈ હમણાં જ પર્યાયમાં જ્ઞાન અને આનંદનો પ્રસવ કર. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની આ આજ્ઞા છે ભાઈ! લોકોને સત્ સાંભળવા મળે નહિ એટલે બિચારા શું કરે? તેઓ દયા, દાન વ્રત આદિ ક્રિયા અને શરીરની ક્રિયાને પોતાનું કર્તવ્ય માની મિથ્યાભાવના સેવન વડે ચાર ગતિમાં રઝળી મરે છે. શું થાય? મિથ્યાભાવના સેવનનું એવું જ ફળ છે.

ભાઈ! તારી ચૈતન્યવસ્તુના પેટમાં (-ક્ષેત્રમાં) અનંત-ગુણ-લક્ષ્મીનો ભંડાર ભર્યો છે. ત્યાં નજર કરવાને બદલે બહારની ધનસંપત્તિ જોઈ તું હરખાય છે પણ એમાં શું છે? એ તો ધૂળની ધૂળ (પુદ્ગલ-રજ) બાપા! આ જોતા નથી અતિ તૃષ્ણાવંત મોટા કરોડપતિ ને અબજોપતિ મરીને ક્ષણમાં કયાંય નરકાદિમાં ચાલ્યા જાય છે! ભાઈ! તારે સુખી થવું હોય તો અંદર (સ્વસ્વરૂપમાં) નજર કર.

ધર્મના નામે અત્યારે તો વ્રત કરો, પડિમા લો, ઉપવાસ કરો, આ કરો ને તે કરો એમ પ્રરૂપણા ચાલે છે. પણ એમાં તો ધૂળે ય ધર્મ નથી સાંભળને. એ તો બધી રાગની ક્રિયા છે, એમાં ધર્મનો અંશ પણ નથી. અરે ભગવાન! જેવી તારી ચૈતન્યવસ્તુ છે તેવી તને ન અનુભવાય તો ધર્મ કયાં થશે? અને સ્થિરતા કયાંથી આવશે? બહારનાં ક્રિયા-કર્મ વડે તું ધર્મ થવાનું માને પણ બહારનાં કર્મ (કાર્ય) કોણ કરે ને કોણ છોડે? આ જડ કર્મ-નોકર્મ એ તો જડ પરમાણુની દશા છે, તેને તું કરી શકતો નથી, છોડી શકતો નથી; પુણ્ય-પાપરૂપ ભાવકર્મ છે તે વિકારી દશા છે, તે તારી શક્તિનું કાર્ય નથી; અને નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી કર્મ તથા કેવળજ્ઞાન અને સિદ્ધપદ તે તારી શક્તિનું કાર્ય છે. આત્મા પોતે સ્વતંત્રપણે સ્વવીર્ય વડે પોતાની તે નિર્મળ પર્યાયોને રચે છે. તે નિર્મળ પર્યાયોને-

કોઈ ઇશ્વર રચે એમ નહિ,
કોઈ પરદ્રવ્ય (કર્મ આદિ) રચે એમ નહિ, ને
કોઈ રાગની ક્રિયા એને રચે એમ પણ નહિ;

અહાહા...! આત્મા પોતે જ પોતાના સ્વવીર્યથી કર્તાદિ ષટ્કારકરૂપ થઈને પોતાની સમ્યગ્દર્શનાદિરૂપ નિર્મળ


PDF/HTML Page 3960 of 4199
single page version

પર્યાયોને રચે છે. સમ્યગ્દર્શનથી માંડી સિદ્ધપદ સુધીની નિર્મળ પર્યાયને રચનારો પોતે જ અનંત શક્તિમાન ‘ઇશ્વર’ છે. આવી વાત!

ભાઈ! તારા સર્વજ્ઞસ્વભાવના સામર્થ્યની-વીર્યની શી વાત! અહાહા...! એક સમયમાં સર્વ લોકાલોકની ભૂત, ભાવિ અને વર્તમાન સમસ્ત પર્યાયોને જાણી લે એવી સર્વજ્ઞશક્તિ આત્મદ્રવ્યમાં ત્રિકાળ પડી છે. ત્યારે કોઈ વળી કહે છે-વર્તમાન પ્રગટ વર્તતી પર્યાયને સર્વજ્ઞ જાણે, પણ ભૂત, ભવિષ્યને ન જાણે; પણ તેની આ વાત બરાબર નથી, મિથ્યા છે. તેને પોતાના સર્વજ્ઞસ્વભાવના સ્વરૂપની ને ભગવાન સર્વજ્ઞના દિવ્ય જ્ઞાનની ખબર નથી. અરે, જે સર્વજ્ઞનું સ્વરૂપ પણ બીજી રીતે માને તેને આત્માની પ્રતીતિ કયાંથી થાય? ન થાય. અરે ભાઈ! જેમ પરમાણુ એક સમયમાં ૧૪ રાજુલોક ગમન કરે એ પરમાણુની ગતિનું વીર્ય છે તેમ ભગવાન આત્મા એક સમયમાં ત્રિકાળવર્તી સર્વ લોકાલોકને સાક્ષાત્ જાણી લે એવું એની સર્વજ્ઞશક્તિનું વીર્ય છે. અહા! આવું દિવ્ય જ્ઞાન ભગવાન કેવળીને હોય છે.

અહા! આવી (-કોઈ અચિંત્ય, દિવ્ય) આત્મામાં સર્વજ્ઞશક્તિ છે ને સાથે બળશક્તિ-વીર્યશક્તિ પણ છે. આ વીર્યશક્તિ ભિન્ન છે, વીર્યશક્તિ સર્વજ્ઞશક્તિરૂપ નથી પણ સર્વજ્ઞશક્તિમાં વીર્યશક્તિનું રૂપ છે. આત્માની પ્રત્યેક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ હોય છે. આ રીતે જ્ઞાન, દર્શન, સુખ, પ્રભુતા, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ ઇત્યાદિ અનંતગુણમાં વીર્યશક્તિનું રૂપ હોય છે; જેમકે જ્ઞાનવીર્ય, દર્શનવીર્ય, સુખવીર્ય ઇત્યાદિ. અહો! આવી અનંત શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. તેની સન્મુખ દૃષ્ટિ કરવાથી વીર્યશક્તિ સ્ફુરાયમાન થઈ અનંત ગુણની નિર્મળ પર્યાયની રચના કરે છે. આનું નામ આત્મવીર્ય છે. લોકોને આ વિષયનો (-અધ્યાત્મનો) અભ્યાસ નહિ એટલે કોરા ક્રિયાકાંડમાં લાગી જાય છે; પણ એ બધી તો એકલા રાગની-ક્લેશની ક્રિયાઓ છે. છહઢાલામાં કહ્યું છે ને કે-

મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો.

આનો અર્થ શું? પંચ મહાવ્રત અનંતવાર પાળ્‌યાં છતાં આત્મજ્ઞાન વિના લેશ પણ સુખ ન થયું અર્થાત્ દુઃખ જ થયું એનો અર્થ શું? એ જ કે પંચમહાવ્રતનાં પરિણામ પણ સુખરૂપ નથી, દુઃખરૂપ છે. અહીં કહે છે-આવા દુઃખની રચના કરે તે આત્માનું વીર્ય નથી; સ્વરૂપલીનતા ને સ્વરૂપ-એકાગ્રતાના ધ્યાન વડે નિર્મળ રત્નત્રય પ્રગટ કરે તે આત્માનું વીર્ય છે, તે પુરુષાર્થ છે. સમજાય છે કાંઈ...?

સ્વરૂપરચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે. ત્યાં દ્રવ્ય અને ગુણમાં તો રચના કરવાપણું શું છે? દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે; તેમાં રચના કરવાપણું કાંઈ નથી. જે કાંઈ રચના થાય તે પર્યાયમાં થાય છે. સ્વરૂપની પર્યાયમાં રચના થાય તે વીર્યશક્તિનું કાર્ય છે. જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણની નિર્મળ પરિણતિની રચના થાય તે વીર્યનું કાર્ય છે. હવે આમાં વ્યવહારની રચના કરે એમ ન આવ્યું, કેમકે નિર્મળ પરિણતિમાં વ્યવહારનો-રાગનો અભાવ છે. વ્યવહાર છે ખરો, પણ તેને તો જ્ઞાન બસ (ભિન્ન) જાણે જ છે. ઝીણી વાત જરી. જ્યાં સ્વ-આશ્રયે જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્રની શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ તે સમયે રાગ છે તેને જ્ઞાન માત્ર જાણે છે બસ. રાગને જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. તે સમયે પ્રગટ થયેલી જ્ઞાનની સ્વપરપ્રકાશક દશા સહજ જ પોતામાં ભિન્ન રહીને પોતાથી જ રાગને જાણે છે, રાગને લઈને જાણપણું છે એમ નહિ; પોતાની જ્ઞાનની પર્યાય જ એવા સામર્થ્યવાળી છે કે તે સ્વ અને પરને પોતાથી જાણે છે. હવે કોઈ લોકો કહે છે કે વ્યવહાર-શુભરાગ કરતાં કરતાં નિશ્ચય-શુદ્ધ દશા પ્રગટ થશે પણ તેમની એ વાત મિથ્યા છે. તેમને આત્માની નિર્મળ વીતરાગ પરિણતિ કેમ પ્રગટ થાય એની ખબર નથી અર્થાત્ તેમને નિર્મળ પરિણતિને રચનારું વીર્ય સ્ફુર્યું જ નથી.

અરે! ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરના અત્યારે ભરતક્ષેત્રમાં વિરહ પડયા! વિદેહક્ષેત્રમાં તો સાક્ષાત્ પરમાત્મા સર્વજ્ઞપદમાં બિરાજમાન છે. એક ક્રોડ પૂર્વનું તેમનું આયુષ્ય છે. એક પૂર્વમાં ૭૦ લાખ પ૬ હજાર ક્રોડ વર્ષ વ્યતીત થાય છે. એ ભગવાનના મુખમાંથી નીકળેલી આ વાણી શ્રી કુંદકુંદાચાર્યદેવ અહીં ભરતમાં લાવ્યા છે. અહાહા...! ભગવાન કુંદકુંદદેવ નગ્ન દિગંબર ભાવલિંગી મહા સંત હતા. મોરપીંછ અને કમંડળ સિવાય તેમને કોઈ પરિગ્રહ નહોતો. તેઓ સદેહે વિદેહ ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને ભગવાનની વાણી અનુસાર આ મહાન પરમાગમની રચના કરી છે. સમયસારની પ્રથમ ગાથામાં કહે છેઃ-