Pravachan Ratnakar (Gujarati). 47 Shaktis; 1 JivShakti; 2 ChitiShakti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 197 of 210

 

PDF/HTML Page 3921 of 4199
single page version

પ્રશ્નઃ– આત્મા અનેકાંતમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાનમાત્રપણે કેમ વ્યપદેશ કરવામાં આવે છે? (આત્મા અનંત ધર્મોવાળો હોવા છતાં તેને જ્ઞાનમાત્રપણે કેમ કહેવામાં આવે છે? જ્ઞાનમાત્ર કહેવાથી તો અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે.)’

જોયું? શિષ્યનો આ પ્રશ્ન! એમ કે-આત્મા તો અનેકાંતમય વસ્તુ છે; તેમાં તત્-અતત્ એક-અનેક, સત્- અસત્, નિત્ય-અનિત્ય ઇત્યાદિ અનંતધર્મો સ્વયમેવ પ્રકાશે છે, છતાં ‘આત્મા જ્ઞાનમાત્ર છે’ એમ આપ ઉપદેશ કેમ કરો છો? પ્રશ્ન સમજાય છે? એમ કે-આત્મા ચિદાનંદ પ્રભુ એક જ્ઞાનમાત્ર છે એમ ભાર દઈને આપ કહો છો તો એ વડે, તેમાં જ્ઞાન સાથે બીજા આનંદ આદિ, તત્-અતત્ આદિ અનંત ધર્મો છે તેનો તો નિષેધ નથી થઈ જતો ને? અનંત ધર્મમય હોવા છતાં આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહેવાનું શું પ્રયોજન છે? લ્યો, આ શિષ્ય આશંકા કરીને પૂછે છે.

ઉત્તરઃ– લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે (-અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી.) માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષ્યની-આત્માની-પ્રસિદ્ધિ થાય છે.’

જુઓ, શું કીધું? કે આત્માનું જ્ઞાન લક્ષણ છે, અને આત્મા લક્ષ્ય છે. એટલે શું? કે જ્ઞાનલક્ષણ આત્માની પ્રસિદ્ધિ કરે છે. જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે ને! તેથી જ્ઞાન આત્માનું સત્યાર્થ લક્ષણ છે અને તે લક્ષ્ય એવા આત્માને પ્રસિદ્ધ કરે છે. આહાહા...! જ્ઞાન આત્માને રાગાદિથી જુદો જાણી શુદ્ધ એક આત્માને પ્રસિદ્ધ કરે છે. હા, પણ કયું જ્ઞાન? પર તરફ વળેલું જ્ઞાન નહિ, પરંતુ અંતર્મુખ થઈને આત્માને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે અને તે આત્માને પ્રસિદ્ધ-પ્રગટ કરે છે. જે જ્ઞાન શુદ્ધ આત્માને જ જાણે નહિ અને પરમાં ને રાગમાં એકાકાર થઈ પ્રવર્તે તે ખરેખર જ્ઞાન જ નથી, કેમકે તે શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ કરતું નથી, પણ પરને-રાગને પ્રસિદ્ધ કરે છે. ભાઈ! રાગાદિ બીજી ચીજ હો ભલે, પણ એ રાગાદિ હું નહિ, હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા છું એમ પ્રસિદ્ધ કરનારું જ્ઞાન તે યથાર્થ લક્ષણ છે, અને તે લક્ષણના દોરે અંદર લક્ષ્યનું-શુદ્ધ આત્માનું ગ્રહણ થાય છે. લ્યો, આ રીતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ અર્થે તેને જ્ઞાનમાત્ર કહ્યો છે. ‘જ્ઞાનમાત્ર’ કહીને એકલો જ્ઞાનગુણ સિદ્ધ નથી કરવો, પણ આખો (પૂરણ) આત્મા પ્રસિદ્ધ કરવો છે. સમજાણું કાંઈ...?

આ શરીર તો જડ પુદ્ગલમય છે, અને રાગાદિ ભાવો પણ આત્માથી વિપરીત સ્વભાવવાળા-જડ સ્વભાવવાળા છે તેથી શરીર ને રાગાદિ આત્માનું લક્ષણ નથી, એક જ્ઞાન જ આત્માનો અસાધારણ ગુણ છે તેથી આત્માનું લક્ષણ છે. અસાધારણ ગુણ એટલે શું? કે આત્મા સિવાય અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી, અને આત્માના અનંતધર્મોમાં પણ એક જ્ઞાન જ સ્વપરપ્રકાશક છે. તેથી જ્ઞાનગુણ અસાધારણ છે જે વડે ભગવાન આત્માનું ગ્રહણ કરી શકાય છે. આ રીતે જ્ઞાનલક્ષણ તે આત્માની પરમ પ્રસિદ્ધિનું સાધન છે. અહાહા...! શરીર, રાગ, આત્મા આદિ અનેક ચીજ મળેલી (એકક્ષેત્રાવગાહમાં) જણાય છે, ત્યાં જ્ઞાનલક્ષણ વડે જ ભિન્ન આત્મસ્વરૂપને ઓળખી શકાય છે, ગ્રહણ કરાય છે. આ રીતે જ્ઞાનલક્ષણ ભિન્ન આત્મસ્વરૂપને ઓળખવાનું સાધન હોવાથી આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવ્યો છે. આવી વાતુ છે.

અહાહા...! જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન... જાણપણું તે આત્મા-એટલો અભેદમાં પ્રથમ ભેદ પાડી પછી વૃત્તિ જ્યાં અંતર્મુખ થઈ લક્ષ્ય-આત્માના લક્ષે એકાકાર-તદ્રૂપ થાય છે ત્યાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે, જણાય છે. આનું નામ લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ છે. લક્ષણના-વર્તમાન જ્ઞાનની દશાના-લક્ષે લક્ષ્ય જણાય એમ નહિ, પણ લક્ષણ-જ્ઞાનની વર્તમાન દશા, લક્ષ્ય નામ શુદ્ધ આત્માના લક્ષમાં જતાં શુદ્ધ આત્મા જણાય છે. અહો! સંતોએ સંક્ષેપમાં ઘણું ભર્યું છે.

‘લક્ષણની પ્રસિદ્ધિ વડે’-એમ કહ્યું ને! એમાં શું કહેવા માગે છે? કે જ્ઞાનની વર્તમાન પર્યાય જે આત્માનું લક્ષણ છે તે પ્રગટ છે, ને તે વડે અપ્રગટ (શક્તિરૂપ) લક્ષ્ય (શુદ્ધ આત્મા) જણાય છે. અહાહા...! જાણનાર- જાણનાર એવું ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ તો પ્રગટ નથી, પણ તેના લક્ષણરૂપ જે વર્તમાન દશા છે તે પ્રગટ છે, તેમાં આ હું લક્ષ્ય-ભગવાન આત્મા


PDF/HTML Page 3922 of 4199
single page version

છું-એમ જણાય છે. આમ લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવ્યો છે. જ્ઞાન ગુણથી અહીં વાત કરી તેમાં જ્ઞાનગુણ તો ત્રિકાળ છે, તેથી તે કાંઈ આત્માને પકડતો નથી, પરંતુ તેની અંતર્મુખાકાર વર્તમાન પ્રગટ દશા ભગવાન આત્માને પકડે છે. તેથી, કહે છે, આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે. સમજાણું કાંઈ...?

હવે આમ છે ત્યાં રાગથી-વ્યવહારથી આત્મા જણાય એ વાત કયાં રહી પ્રભુ! રાગ તો જડસ્વભાવ છે; એ શું જાણે! કાંઈ જ ન જાણે. માટે રાગ આત્માનું લક્ષણ નથી. ભાઈ! વ્યવહાર રત્નત્રયના રાગમાં આત્માને જાણવાનું ઓળખવાનું સામર્થ્ય નથી. સમજાણું કાંઈ...?

હવે આત્મા લક્ષ્ય છે, ને જ્ઞાન તેનું લક્ષણ છે-એમ લક્ષમાં લીધા પછી હવે શિષ્ય પૂછે છેઃ- ‘પ્રશ્નઃ– એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? માત્ર લક્ષ્ય જ પ્રસાધ્ય અર્થાત્ પ્રસિદ્ધ કરવાયોગ્ય છે. (માટે લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના માત્ર લક્ષ્યને જ-આત્માને જ-પ્રસિદ્ધ કેમ કરતા નથી?)’

જુઓ, શિષ્ય શું કહે છે? કે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા-એમ લક્ષણ-લક્ષ્યનો ભેદ પાડવાથી શું પ્રયોજન છે? એમ કે ભેદથી શું સાધ્ય છે? એક લક્ષ્ય નામ આત્મા જ પ્રસાધ્ય અર્થાત્ પ્રસિદ્ધ કરવાયોગ્ય છે. માટે એક આત્માને જ સીધો પ્રસિદ્ધ કરાવી દો ને. અંતે તો અભેદ એક આત્મા જ સાધ્ય છે. તો સીધો તેને જ સિદ્ધ કરાવી દો ને; વચ્ચે ભેદ શા માટે લાવો છો? લ્યો, આવો પ્રશ્ન! હવે તેનો ઉત્તર કહે છેઃ-

ઉત્તરઃ– જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને (અર્થાત્ જે લક્ષણને જાણતો નથી એવા અજ્ઞાની જનને) લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. (માટે અજ્ઞાનીને પહેલાં લક્ષણ બતાવીએ ત્યારે તે લક્ષ્યને ગ્રહણ કરી શકે છે.)’

જુઓ, શું કીધું? કે જેને જ્ઞાનલક્ષણ વડે લક્ષ્યનું લક્ષ અને ભાન થયું છે તેને (-જ્ઞાનીને) લક્ષ્ય-લક્ષણના ભેદથી પ્રયોજન નથી એ તો બરાબર; પણ જેને લક્ષ્યની-આત્માની ખબર જ નથી તેને યથાર્થ લક્ષણ વડે લક્ષ્ય ઓળખાવવો જરૂરી છે, કેમકે લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. અજ્ઞાનીને લક્ષણ અપ્રસિદ્ધ છે. તે દેહને ને રાગાદિને આત્મા માને છે. દેહ તે હું આત્મા, વા રાગ તે હું આત્મા એમ અજ્ઞાની માને છે. તેને કહીએ કે ભાઈ! જે લક્ષ્યમાં ત્રિકાળ રહે અને લક્ષ્યને પરિપૂર્ણ ઓળખાવે તે લક્ષણ છે. જ્ઞાન છે તે જ તારું લક્ષણ છે, કેમકે આત્મા સદાય જ્ઞાનસ્વરૂપ છે ને જ્ઞાન વડે ઓળખાય છે. જ્ઞાનને અંતર્મુખ કરી આત્મવસ્તુથી એકમેક થતાં આત્મા ઓળખાય છે, પ્રસિદ્ધ થાય છે. આ પ્રમાણે જ્ઞાનલક્ષણની પ્રસિદ્ધિ દ્વારા આત્મા જે લક્ષ્ય છે તેની પ્રસિદ્ધિ થાય છે.

જુઓ, આ લક્ષ્ય-લક્ષણનો ભેદ કીધો તે ભેદમાં અટકવા માટે નહિ, પણ અભેદ આત્માનું લક્ષ કરાવવા માટે છે. ભેદને ગૌણ કરી જે અભેદનું લક્ષ કરે છે તેને ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે, અને ત્યારે લક્ષ્ય-લક્ષણનો ભેદ તે વ્યવહાર કહેવાય છે. ભેદમાં (-વ્યવહારમાં) અટકી રહે તેને આત્મ પ્રસિદ્ધિ થતી નથી, અને અભેદ સમજતાં વચ્ચે લક્ષ્ય-લક્ષણનો ભેદ આવે છે તેને જાણે નહિ તેનેય આત્મ પ્રસિદ્ધિ થતી નથી, કેમકે જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. સમજાણું કાંઈ...?

કોઈ અજ્ઞાનીઓ કહે છે-એકલું જ્ઞાન-જ્ઞાન શું કરો છો? અમે જે આ પુણ્યની ને દેહની ક્રિયા કરીએ છીએ તે સાધન છે, તે વડે આત્મા ઓળખાય જશે. તેને અહીં કહે છે-મૂઢ છો કે શું? દેહની ક્રિયા કે પુણ્યની ક્રિયા તે આત્માને ઓળખવાનાં સાધન નથી, એક જ્ઞાનલક્ષણ વડે જ આત્મા ઓળખાય છે. આમ જ્ઞાનલક્ષણ કહીને વ્યવહારાભાસનો નિષેધ કર્યો.

વળી કોઈ કહે છે-જ્ઞાન તે લક્ષણ અને આત્મા લક્ષ્ય-એમ ભેદ શા માટે પાડો છો? સીધો જ આત્મા બતાવો ને? લક્ષણ દ્વારા લક્ષ્ય બતાવો છો તેને બદલે સીધું લક્ષ્ય જ બતાવી દો ને! તેને કહે છે-ભાઈ! જે લક્ષણને જાણતો નથી તે લક્ષ્યને પણ જાણતો નથી, લક્ષણને ઓળખવાથી જ લક્ષ્ય ઓળખી શકાય છે. જેમ કોઈ કહે-અમારે સાકર જોઈએ છે, ગળપણથી કામ નથી, તો તેને સાકરની પ્રાપ્તિ થતી નથી; તેમ જો કોઈ કહે-અમારે લક્ષ્ય-આત્મા જોઈએ છે, જ્ઞાનથી-લક્ષણથી શું કામ છે? તો તેને આત્માની પ્રાપ્તિ થતી નથી. આ પ્રમાણે જ્ઞાનલક્ષણે આત્મા લક્ષિત થતો હોવાથી જ્ઞાનલક્ષણ કહીને નિશ્ચયાભાસનો નિષેધ કર્યો. સમજાણું કાંઈ...?


PDF/HTML Page 3923 of 4199
single page version

પ્રશ્નઃ– કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી (-જ્ઞાનથી) ભિન્ન પ્રસિદ્ધ થાય છે?’ જુઓ, અંદર નજદીક આવેલો શિષ્ય આ પૂછે છે કે-પ્રભો! જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે એમ આપ કહો છો તો એવું કયું ભિન્ન લક્ષ્ય છે જે જ્ઞાનલક્ષણ વડે પ્રસિદ્ધ થાય છે? અર્થાત્ આપ જ્ઞાનલક્ષણથી ઓળખાવવા માગો છો તે લક્ષ્ય-ચીજ શું જ્ઞાનથી જુદી છે? શું જ્ઞાનની પ્રસિદ્ધિ ને આત્માની પ્રસિદ્ધિ બે જુદી જુદી ચીજ છે? જુઓ, શિષ્યને લક્ષ્ય-લક્ષણનો ભેદ પોસાતો નથી તેથી આ પ્રશ્ન ઉઠયો છે. (સ્વાનુભવની જ અભિલાષા છે ને!)

ઉત્તરઃ– જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે.’ જુઓ, ગુરુ કહે છે-સાંભળ ભાઈ! જ્ઞાનલક્ષણથી જુદું-ભિન્ન કોઈ લક્ષ્ય નથી. એ તો લક્ષણ લક્ષ્યને બતાવે છે તેથી અજ્ઞાનીને લક્ષ્ય ઓળખાવવા ભેદથી વાત કરી છે, પણ કાંઈ જ્ઞાન ને આત્મા ભિન્ન ચીજ છે એમ નથી, કેમકે જ્ઞાન ને આત્માને દ્રવ્યપણે અભેદ છે. અર્થાત્ આત્મા જ્ઞાનસ્વભાવમય જ છે.

અહીં જ્ઞાન એટલે પરનું ને શાસ્ત્રનું જ્ઞાન એમ વાત નથી. અહીં તો રાગથી ભિન્ન પડેલું અંતરમાં વળેલું અંતર્મુખાકાર જ્ઞાન તે લક્ષણ લક્ષ્યથી ભિન્ન નથી, અભેદ છે-એની વાત છે. જેમ સાકર મીઠી છે એમ કહીએ ત્યાં સાકરથી મીઠાશ કોઈ જુદી ચીજ નથી, તેમ જાનન... જાનન... જાનન સ્વભાવ અને આત્મા એકમેક છે. જેમ રાગ ને આત્મા જુદી ચીજ છે તેમ જ્ઞાન ને આત્મા જુદી ચીજ નથી. ભલે જ્ઞાન એક ગુણ છે, ને આત્મા અનંતગુણમય ગુણી છે, છતાં જ્ઞાન ને આત્મા વસ્તુપણે અભેદ છે. તેથી જે જ્ઞાનની પ્રસિદ્ધિ છે તે જ આત્માની પ્રસિદ્ધિ છે. આ રીતે લક્ષ્ય-લક્ષણની સિદ્ધિ એક સાથે જ છે અને એકવસ્તુમય છે. અહાહા...! જ્ઞાનની પર્યાય જ્યાં દ્રવ્ય સાથે અભેદ તન્મય થઈ ત્યાં આત્મા-દ્રવ્ય પ્રસિદ્ધ થયું, માટે જ્ઞાનલક્ષણથી જુદું કોઈ લક્ષ્ય નથી, બન્ને એકમેક છે ને એક સાથે જ પ્રસિદ્ધ થાય છે. આવી વાત! સમજાણું કાંઈ...!

હવે આ રહસ્ય પામ્યા વિના એ શાસ્ત્ર ભણી-ભણીને અનંતવાર અગિયાર અંગનો પાઠી થયો, ને દેવ- ગુરુ-શાસ્ત્રની પણ બહારમાં અનંતવાર શ્રદ્ધા કરી તથા અનંતવાર બાહ્ય વ્રતાદિ ધારણ કર્યાં, પણ એથી શું? એ કોઈ આત્માનું લક્ષણ નથી, એનાથી આત્માની પ્રસિદ્ધિ સંભવિત નથી. અહા! ગજબ વાત કરી છે આ. આમાં તો બાર અંગનું રહસ્ય ખુલ્લું મૂકયું છે.

પ્રશ્નઃ– તો પછી લક્ષણ અને લક્ષ્યનો વિભાગ શા માટે કરવામાં આવ્યો?’ જુઓ, શિષ્ય પૂછે છે કે-ભગવન્! આપ કહો છો કે જ્ઞાન અને આત્મા દ્રવ્યપણે ત્રિકાળ અભેદ-એકમેક છે, તો પછી લક્ષણ અને લક્ષ્યપણે તેમનો ભેદ શા માટે કરવામાં આવ્યો? બે એક છે તો વિભાગ શા માટે?

ઉત્તરઃ– પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, કારણ કે જ્ઞાનમાત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે (અર્થાત્ જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદનરૂપ અનુભવમાં આવે છે); તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, તદ્-અવિનાભૂત (-જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળા) અનંત ધર્મોના સમુદાયરૂપ મૂર્તિ આત્મા છે. (જ્ઞાન પ્રસિદ્ધ છે; અને જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ છે એવા અનંત ધર્મોના સમુદાયસ્વરૂપ આત્મા તે જ્ઞાન વડે પ્રસાધ્યમાન છે.) માટે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દૃષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્-અવિનાભૂત (-જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો) અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર એક આત્મા છે.

આ કારણે જ અહીં આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે.’ જુઓ, શ્રીગુરુ આ ઉત્તર કહે છેઃ- ‘પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે.’ જ્ઞાન છે તે પ્રસિદ્ધ છે. હું આ જાણું છું ને તે જાણું છું એમ સૌ કહે છે ને! મતલબ કે અજ્ઞાનમાં પણ જાણવું તો છે. કોઈ કહે કે-હું નથી; તો એને પૂછીએ કે ‘હું નથી’-એવો નિર્ણય કોની સત્તામાં કર્યો? જ્ઞાનની સત્તામાં એ નિર્ણય કર્યો છે. તેથી જ્ઞાન જેનું સત્ત્વ છે તે હું છું એમ તેમાં સિદ્ધ થઈ જાય છે. આમ આ જ્ઞાન છે તે હું છું એમ નિર્ણય કરતાં જ્ઞાનનું લક્ષ સ્વ-આત્મા તરફ જાય છે અને ત્યારે સ્વાનુભવમાં આત્મા પ્રસિદ્ધ થાય છે.

જ્ઞાન પ્રસિદ્ધ છે. જે સત્તામાં આ દેહ છે, વાણી છે, રાગ છે, ઈત્યાદિ જણાય છે તે જ્ઞાન પ્રસિદ્ધ છે, અને તે આત્માનું જ્ઞાન છે. દેહાદિનું જ્ઞાન કહીએ એ તો વ્યવહાર છે, વાસ્તવમાં દેહાદિને જાણવાના કાળમાં જ્ઞાન જ જણાય છે. દેહાદિ


PDF/HTML Page 3924 of 4199
single page version

પદાર્થ હો, પણ તેને જાણવાના કાળે જાણવામાં તો જ્ઞાન જ આવે છે, કારણ કે જ્ઞાનમાત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. શું કીધું આ? કે સૌ જીવોને જ્ઞાન પોતાના સ્વસંવેદન અર્થાત્ પોતાના વેદનથી પ્રસિદ્ધ છે. દેહાદિ પદાર્થ છે માટે જ્ઞાન છે એમ નહિ, પણ પોતાના વેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે. ઝીણી વાત ભાઈ! આ બધું જાણે છે તે જ્ઞાન આત્માનું છે, માટે તે જ્ઞાનને આત્મા તરફ વાળ; તને આત્મા પ્રસિદ્ધ થશે.

ધીરેથી સમજવું બાપુ! આ તો જૈન કેવળી પરમેશ્વરનો વીતરાગી માર્ગ છે. અરે! ભરતક્ષેત્રમાં ભગવાન કેવળીના વિરહ પડયા, ને અવધિજ્ઞાન ને મનઃપર્યયજ્ઞાનની ઋદ્ધિ રહી નહિ! આવી સત્ય વાત જ્યાં બહાર આવી ત્યાં લોકો સંશયમાં પડી ગયા ને વિવાદ-ઝઘડા ઊભા થયા. પણ ભગવાન! આ તો તારા ઘરની વાત છે; માટે બહારનું લક્ષ મટાડીને જ્યાં પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા છે ત્યાં જ્ઞાનલક્ષણ વડે લક્ષ કર; તેથી જ્ઞાન-પર્યાય પોતે જ અભેદ સાથે તન્મય થઈ આત્મપ્રસિદ્ધિ કરશે.

અહાહા...! કહે છે-‘તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, તદ્-અવિનાભૂત અનંત ધર્મોના સમુદાયરૂપ મૂર્તિ આત્મા છે.’ શું કીધું? કે જ્ઞાન પ્રસિદ્ધ છે, અને તદ્-અવિનાભૂત શ્રદ્ધા, સ્થિરતા, આનંદ, પ્રભુત્વ, સ્વચ્છત્વ, આદિ અનંતધર્મોના સમુદાયરૂપ-પિંડરૂપ અભેદ એક ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા પ્રસાધ્યમાન છે. પ્રસિદ્ધ જ્ઞાનલક્ષણ વડે પરદ્રવ્યો ને રાગાદિ જાણવાયોગ્ય છે એમ નહિ, પણ ત્રિકાળી અભેદ અનંતધર્મમય ચિદાનંદ પ્રભુ આત્મા પ્રસાધ્યમાન -સાધવા યોગ્ય છે. આમાં પ્રસિદ્ધ જ્ઞાનનું જ્ઞેય અને ધ્યેય કોને બનાવવું એની વાત છે. જ્ઞાનને અંતર્મુખ વાળીને તદ્- અવિનાભૂત શુદ્ધ આત્માને ધ્યેય બનાવવાની આમાં વાત છે; કેમકે એ રીતે આત્માની પ્રસિદ્ધિ થાય છે અર્થાત્ સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટે છે.

ભાઈ! આ સમજ્યા વિના બહારમાં ગમે તેટલાં વ્રત, આદિ કરે, પણ એનાથી ભવના ફેરા નહિ મટે બાપુ! જન્મ-મરણ નહિ મટે. દેહ-સ્થિતિ પૂરી થતાં જ પરિણામ અનુસાર કયાંય જઈને અવતરશે. અહા! અહીં મોટા કરોડપતિ ને અબજોપતિ શેઠિયા હોય તે મરીને કયાંય (કીડા, મકોડા વગેરેમાં) જઈને અવતરે. કેમ! કેમકે જેમ કોઈ મજુરો આખો દિ’ મજુરી કરે તેમ આ નિરંતર રાગ-દ્વેષ-મોહની-પાપની મજુરી કર્યા કરે છે. પરદ્રવ્યની ક્રિયા તો કોઈ કરી શકતું નથી, પણ આ આખો દિ’ રાગ-દ્વેષ-મોહરૂપ અનેક પ્રકારના વિકલ્પોની મજુરી કર્યા કરે છે. તેઓ મોટા મજુરો છે; ભગવાન આવા જીવોને ‘વરાકાઃ’ એટલે બિચારા કહે છે. સમજાણું કાંઈ...?

અહા! અંતરમાં સચ્ચિદાનંદ પ્રભુ આત્મા વિરાજે છે તેને ધ્યેય બનાવ્યા વિના, તેનો આશ્રય કર્યા વિના બધું (જાણપણું) ધૂળ-ધાણી છે; કેમકે જ્ઞાન જે પ્રસિદ્ધ છે તેના વડે પ્રસાધ્યમાન તો એક શુદ્ધ આત્મા છે. શું કીધું? જે દશામાં જાણપણું છે તે જાણવાની દશા પ્રસિદ્ધ છે, કેમકે તે પોતાના વેદનથી સિદ્ધ છે. જ્ઞાન સ્વને જાણે છે, પરને પણ જાણે છે; એને એમાં પરની જરૂર-અપેક્ષા નથી. જ્ઞાન સ્વને જાણે ને જાણવારૂપ પ્રવર્તે, વળી જ્ઞાન પરને પણ જાણે, પણ પરને કરે નહિ ને પરમાં ભળે નહિ. અહાહા...! આવું જ્ઞાન પ્રસિદ્ધ છે, અને એ જ્ઞાન વડે પ્રસાધ્યમાન- સાધવાયોગ્ય અનંતધર્મોના સમુદાયરૂપ એક અભેદ ભગવાન આત્મા છે. અહાહા...! પ્રસિદ્ધ જાણવાની પર્યાય છે એ વડે, અહીં કહે છે, રાગ કે નિમિત્તને પકડવાં નથી, પણ અંતરંગમાં અનંતધર્મનો ધરનારો ધ્રુવધામ નિજધ્યેયરૂપ પ્રભુ આત્મા છે તે એકને પકડવો છે. જાણવાની દશા જે લક્ષણ છે તેના લક્ષરૂપ લક્ષ્ય એક ધ્રુવ ભગવાન આત્મા છે. બસ; આ સિવાય બાહ્ય નિમિત્તો-દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ અન્ય કોઈ એનું લક્ષ્ય નથી. આવી સૂક્ષ્મ અને ગંભીર વાત છે બાપુ!

અરે! અનાદિથી અજ્ઞાની પ્રાણીઓનું લક્ષ સ્વલક્ષ્યને ચૂકીને બહારમાં-દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ નિમિત્તોમાં અને વ્રત-પૂજા-ભક્તિ આદિ રાગમાં જ-નિરંતર રહ્યું છે; અને એટલે જ તેમને આત્માની પ્રસિદ્ધિ કદી થઈ નથી. ભાઈ રે! જેનું જે લક્ષણ છે તે લક્ષણને તેમાં જ ધારી રાખવું તે વસ્તુસ્વરૂપ છે. જ્ઞાનની પર્યાયમાં પરનું જાણવું ભલે થાય, પણ એથી કરીને એ (જ્ઞાન) કાંઈ પરનું લક્ષણ થઈ જતું નથી. જ્ઞાનલક્ષણ તો આત્માનું જ છે. એટલે જાણવાની દશામાં પરનું લક્ષ છોડી દઈને જેનું તે લક્ષણ છે તે ચૈતન્યમૂર્તિ આત્માને જ પકડવો છે. માટે હે ભાઈ! તારી નજર ત્યાં (શુદ્ધ આત્મામાં) કર; તેથી તને સુખ અને શાંતિ પ્રગટશે; બાકી બહારમાં-નિમિત્તોમાં ઝાવાં નાખ્યે (સંસાર સિવાય) કાંઈ મળે એવું નથી. સમજાણું કાંઈ...?

અહાહા...! ભગવાન! તું કોણ છો? અંતરંગમાં આનંદનો ભંડાર સચ્ચિદાનંદમય આત્મા છો ને પ્રભુ! અને એ સદા જ્ઞાનસ્વરૂપ જ છે; રાગરૂપે કે સંસારરૂપે એ કદીય થયો નથી. તારું ઘર જ એ છે, રાગ કે નિમિત્ત એ કોઈ તારું


PDF/HTML Page 3925 of 4199
single page version

ગુજરાતમાં દલપતરામ એક કવિ થઈ ગયા. તેમના કાવ્યમાં એક કડી આવે છે કે-

“પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો મુજ રોગ લે હરી.”

ભગવાન, તારી પ્રભુતા તો હું ત્યારે માનુ કે મારો ભવરોગ તું દૂર કરે. એ તો કવિ ઈશ્વરને કર્તાપણે સ્વીકારીને વાત કરે છે. અહીં એ વાત નથી. અહીં કહે છે-લક્ષ્ય એવો આત્મા અંદર પોતે જ પ્રભુ છે. અહાહા...! જ્ઞાનલક્ષણ વડે એને અંતર્મુખ થઈ ઓળખતાં એનો ભવરોગ ટળી જાય છે. ભાઈ! અહીં તો પોતાનો પ્રભુ પોતે જ છે. કયાંય બહારમાં ઢૂંઢવાની જરૂર નથી-એમ વાત છે. સમજાણું કાંઈ...? નાટક સમયસારમાં આવે છે કે-મેરો ધની નહિ દૂર દિસંતર, મોહી મૈં હૈ મોહિ સૂઝત ની કૈ।।

અહાહા...! આવો અનંત અનંત પ્રભુતાનો ભરેલો ઈશ્વરસ્વરૂપ ભગવાન આત્મા પ્રસાધ્યમાન છે, અને તે પ્રસિદ્ધ થાય છે. જુઓ, શિષ્યનો પ્રશ્ન હતો ને કે-વસ્તુપણે આપ (લક્ષ્ય-લક્ષણ) એક કહો છો તો એકમાં લક્ષ્ય- લક્ષણના બે ભેદ આપે કેમ કહ્યા? તેનો આ ઉત્તર દીધો કે-જાણવું... જાણવું એવું જ્ઞાનનું જે પ્રગટપણું તે અંતરમાં વળતાં અનંતગુણનો પિંડ ચિદાનંદ ધ્રુવ પ્રભુ પ્રસિદ્ધ થાય છે. આ સમજાવવા માટે જિજ્ઞાસુ પ્રતિ અમે લક્ષ્ય-લક્ષણનો વિભાગ કહ્યો છે; બાકી તો લક્ષણ-જ્ઞાન અને લક્ષ્યઆત્મા એક-અભેદ જ છે; અને બન્નેનું અભેદપણું જ ઈષ્ટ છે. (ભેદ ઇષ્ટ નથી.)

હવે કહે છે-‘માટે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દૃષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્- અવિનાભૂત અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર એક આત્મા છે.’

જોયું? અહીં ક્રમરૂપ અને અક્રમરૂપ બધુંય લીધું. ક્રમરૂપ તો સમયે સમયે ક્રમથી પ્રગટ થતી નિર્મળ પર્યાયો છે, ને અક્રમરૂપ દ્રવ્યમાં અન્વયપણે સાથે રહેનારા અનંત ગુણો છે. અહાહા...! એ બધાય જ્ઞાનમાત્ર ભાવમાં અભેદપણે સમાઈ જાય છે. અહીં ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો-એમ કહ્યું ત્યાં એ દૃષ્ટિનો વિષય છે એમ નથી લેવું; અહીં તો અંતરમાં જ્ઞાનમાત્ર એક અભેદ વસ્તુ-આત્મામાં જ્યાં અચલિતપણે દૃષ્ટિ સ્થાપિત થઈ ત્યાં ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતો જ્ઞાનથી અવિનાભાવી સંબંધવાળો અનંત ધર્મસમૂહ એવો આત્મા લક્ષિત થાય છે. આ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. અહીં જ્ઞાનથી અવિનાભાવી સંબંધવાળો-એમ કહ્યું ને! મતલબ કે જ્ઞાન સાથે દ્રવ્યને અવિનાભાવી એકપણાનો સંબંધ છે. જ્યાં પર્યાયમાં જ્ઞાન પ્રગટ થાય છે ત્યાં જ્ઞાનની સાથે આત્મામાં અભેદપણે રહેલા અને જ્ઞાનમાં પ્રતિભાસિત થતા અનંતગુણની નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. અહીં ક્રમમાં નિર્મળ પર્યાયો લેવી છે, રાગ-વ્યવહાર નહિ, કેમકે રાગ-વ્યવહાર તે આત્મા નથી, તેનો આત્મામાં અભાવ છે. (શક્તિના આ અધિકારમાં વિકારી પર્યાયોને આત્મા ગણી નથી). અહાહા...! લક્ષણભૂત જ્ઞાનની પર્યાય દ્વારા જ્યારે પ્રસાધ્યમાન આત્મા પ્રસિદ્ધ થયો-અનુભવમાં આવ્યો ત્યારે એ ક્રમે પ્રવર્તતી પર્યાયો ને અક્રમે રહેલા ગુણો-એ સહિત આખો આત્મા જ્ઞાનમાં પ્રમેય થાય છે અને આ પ્રમાણજ્ઞાન છે. જ્ઞાનલક્ષણ વડે જ્ઞાનમાત્રને લક્ષમાં લેતાં એકલું જ્ઞાન જુદું લક્ષિત થાય છે એમ નહિ, પણ જ્ઞાન સાથે રહેલા અનંત ધર્મોના સમૂહરૂપ આખું દ્રવ્ય લક્ષિત થાય છે અને તે આત્મા છે એમ કહે છે. સમજાણું કાંઈ...?

સૂક્ષ્મ વાત છે ભાઈ!છેલ્લે આ પરિશિષ્ટ છે ને! કહેલું કહેવું, નહિ કહેલું પણ કહેવું અને થોડામાં બધું કહેવું એનું નામ પરિશિષ્ટ. એમાં આ શિષ્યનો પ્રશ્ન હતો ને?કે લક્ષ્ય-લક્ષણના આપે બે ભેદ કેમ પાડયા? એને કહે છે કે- વસ્તુપણે બે ભેદ નથી, અર્થાત્ બે વસ્તુ નથી. જ્ઞાનની સાથે દ્રવ્યને એકપણું છે, અવિનાભાવીપણું છે. એટલે કે જ્યાં જ્ઞાન છે ત્યાં (અનંતધર્મમય) આત્મવસ્તુ છે, ને જ્યાં આત્મવસ્તુ છે ત્યાં જ્ઞાન છે; ક્ષેત્રભેદ નથી, કાળભેદ પણ નથી. જ્ઞાન અને આત્મા અર્થાત્ લક્ષણ અને લક્ષ્ય વસ્તુપણે અભેદ-એક છે, એ તો સમજાવવા માટે લક્ષ્ય-લક્ષણનો ભેદ પાડયો છે; બાકી બન્ને એક છે. આત્માને લક્ષમાં લઈને જ્ઞાન તદ્રૂપ-અભેદ પરિણમ્યું ત્યારે આત્મા લક્ષ્ય થયો અને જ્ઞાન તેનું લક્ષણ થયું. બાકી લક્ષ્ય-લક્ષણ એક અભેદ છે અને બન્ને એકસાથે જ પ્રસિદ્ધ થાય છે.

તો ભેદ તો નકામો ઠર્યો?


PDF/HTML Page 3926 of 4199
single page version

ભાઈ! જ્યાં સુધી એકલા ભેદ ઉપર જ દૃષ્ટિ છે ત્યાં સુધી તે નિરર્થક-નકામો જ છે, કેમકે ભેદદૃષ્ટિમાં તો વિકલ્પની-રાગની જ પ્રસિદ્ધિ થાય છે, આત્માની નહિ. પણ જ્યાં ભેદને ગૌણ કરી, ભેદથી હઠી જ્ઞાન અભેદમાં ઢળે ત્યાં આત્મપ્રસિદ્ધિ થાય છે, અને ત્યારે ભેદને વ્યવહારથી સાધન કહેવાય છે. આવી વાત છે. ભેદરૂપ વ્યવહાર હોય છે ખરો, પણ તે વ્યવહાર નામ ત્યારે જ પામે છે જ્યારે અભેદની સિદ્ધિ થાય છે; અન્યથા તે નિરર્થક-નકામો જ છે. સમજાણું કાંઈ...?

લ્યો, આ કારણે અહીં આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે. અહો! આવી વાણી સર્વજ્ઞદેવ અને સર્વજ્ઞના કેડાયતી સંતો સિવાય બીજે કયાંય નથી. ‘પ્રશ્નઃ– જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાનમાત્રપણું કઈ રીતે છે?’ જુઓ, શિષ્ય ફરી પૂછે છે કે-પ્રભો! ભગવાન આત્માએ અક્રમરૂપ અનંત ગુણો અને ક્રમે પ્રવર્તતી તેની અનંત પર્યાયો ધારી રાખી છે, છતાં એવા આત્માને આપ જ્ઞાનમાત્ર કઈ રીતે કહો છો? પ્રશ્ન સમજાય છે? ભગવાન આચાર્યદેવે આત્મા જ્ઞાનમાત્ર છે એમ જોર આપીને કહ્યું તો શિષ્ય આશંકા કરી પૂછે છે-પ્રભુ! આત્મા એકલો જ્ઞાનમાત્ર તો નથી; એમાં તો અનંતી નિર્મળ પર્યાયો ક્રમસર થાય છે, અને અનંતા ગુણો એકસાથે રહેલા છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અનંતા ગુણ અને ક્રમે પ્રવર્તતી અનંતી નિર્મળ પર્યાયો કેવી રીતે સમાય છે? અહીં આત્મા જ્ઞાતા-દ્રષ્ટા અર્થાત્ દેખવા-જાણવાપણે છે એમ લેવું છે; એટલે શુભાશુભ વિકારની અહીં વાત લેવી નથી, કેમકે શુભાશુભ ભાવ એ આત્માની ચીજ નથી. સમજાણું કાંઈ...?

ઉત્તરઃ– પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞપ્તિમાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી (અર્થાત્ પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણમેલી જે એક જાણનક્રિયા તે જાણનક્રિયામાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી) આત્માને જ્ઞાનમાત્રપણું છે. માટે જ તેને જ્ઞાનમાત્ર એક ભાવની અંતઃપાતિની (જ્ઞાનમાત્ર એક ભાવની અંદર પડનારી અર્થાત્ જ્ઞાનમાત્ર એક ભાવની અંદર આવી જતી) અનંત શક્તિઓ ઊછળે છે. (આત્માના જેટલા ધર્મો છે તે બધાયને, લક્ષણભેદે ભેદ હોવા છતાં, પ્રદેશભેદ નથી; આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે. તેથી આત્માના એક જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંત શક્તિઓ રહેલી છે. માટે જ્ઞાનમાત્ર ભાવમાં-જ્ઞાનમાત્ર ભાવસ્વરૂપ આત્મામાં-અનંત શક્તિઓ ઊછળે છે.)’

‘પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત.... ,’ જુઓ, આમાં શું કીધું? કે દ્રવ્યમાં જે અનંત ગુણો છે તેઓ પરસ્પર ભિન્ન છે. એટલે શું? કે જેમ આત્મા કદી જડરૂપ ન થાય તેમ આત્માનો એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી. દ્રવ્યભેદ, કે ક્ષેત્રભેદ છે એમ નહિ, પણ પ્રત્યેક ગુણ ભિન્ન ભિન્ન લક્ષણવાળો છે. જેમકે અસ્તિત્વનું લક્ષણ હોવાપણું છે, જ્ઞાનનું લક્ષણ સ્વ-પરને જાણવાપણું છે, આનંદનું લક્ષણ આહ્લાદ છે, સમ્યક્ત્વનું લક્ષણ તત્ત્વની નિર્વિકલ્પ પ્રતીતિ છે, ઇત્યાદિ. એમ તો જ્યાં જ્ઞાન છે ત્યાં જ દર્શન છે ને ત્યાં જ આનંદ ઇત્યાદિ અનંતગુણ છે, તથાપિ એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી. આ રીતે અનંત ગુણો પરસ્પર ભિન્ન છે. અહાહા...! ગુણ અપેક્ષાએ અનંતતા અને દ્રવ્યપણે એકતા-એમ આમાં અનેકાન્ત સિદ્ધ થાય છે. સમજાય છે કાંઈ...?

વળી જેમ દ્રવ્યના અનંત ગુણો પરસ્પર ભિન્ન છે તેમ ગુણોની એકેક સમયની પર્યાયો પણ પરસ્પર ભિન્ન સ્વતંત્ર છે. અનંત ગુણની પર્યાયો બધી એકસાથે છે પણ તેમાં કોઈ એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયરૂપ નથી, તેઓને પરસ્પર એકપણું નથી. વળી એક જ ગુણની ક્રમે પ્રગટ થતી પર્યાયોમાં પણ એક સમયની પર્યાય તેના પૂર્વવર્તી સમયની પર્યાયરૂપ થતી નથી, કે ઉત્તરવર્તી સમયની પર્યાયરૂપ પણ થતી નથી. ઓહો...! દરેક ગુણની સમય-સમયવર્તી એમ અનંત સમયની પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે. અહા! આવા ગુણ-પર્યાયરૂપ ધર્મોનો અભેદ પિંડ પ્રભુ આત્મા છે.

અહાહા...! આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ગુણ અને તેની સમયસમયની અનંત પર્યાયો પરસ્પર ભિન્ન ભિન્ન છે. એટલે શું? કે એક ગુણ બીજા ગુણરૂપ નથી. ભલે એક ગુણમાં બીજા ગુણનું રૂપ હો, પણ એક ગુણ બીજા ગુણરૂપ નથી. તેમ એક ગુણની અવસ્થા-પર્યાય બીજા ગુણના કારણે થાય એમ પણ નથી. આ અંદરની વાત છે. અહાહા...! દરેક ગુણની પ્રત્યેક પર્યાયમાં છકારકરૂપ થઈને પરિણમવાનું પોતાનું સ્વતંત્ર વીર્ય છે. પ્રત્યેક પર્યાય પોતે પોતાના સામર્થ્યથી જ પોતાની રચના કરે છે; આવો જ (પર્યાયધર્મ છે. અહાહા...! પર્યાયનું કારણ પરદ્રવ્ય તો નહિ, સ્વદ્રવ્ય-ગુણ પણ નથી.) પર્યાય પોતે જ પોતાનું કારણ છે. સૂક્ષ્મ વાત છે જરી. એક જ સમયે પોતે


PDF/HTML Page 3927 of 4199
single page version

અહાહા...! બટાટાની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે; ને તે દરેક શરીરમાં અનંતા જીવ છે. તે બધા જીવ-પ્રત્યેક જુદે જુદો સ્વતંત્ર છે. અહાહા...! તે પ્રત્યેક જીવ અનંત શક્તિઓનો એક પિંડ છે. તે શક્તિઓ, અહીં કહે છે, પરસ્પર ભિન્ન છે; અને તે પ્રત્યેક શક્તિની ક્રમે થતી પર્યાયો પરસ્પર ભિન્ન ને સ્વતંત્ર છે; વળી એકેક પર્યાયમાં અનંત અવિભાગપ્રતિચ્છેદ અંશો છે, તેમાંનો એક અંશ બીજા અંશરૂપ નથી. અહો! આવું અલૌકિક સ્વતંત્રતાને પ્રસિદ્ધ કરનારું વસ્તુદર્શન તે જૈનદર્શન છે; એમાં બધુંય અનેકાન્તસ્વરૂપ છે. ‘સ્વપણે છે ને પરપણે નથી’ એવું દ્રવ્યમાં, ગુણમાં, પર્યાયમાં ને એકેક અવિભાગપ્રતિચ્છેદમાં પણ અનેકાન્ત છે. અહાહા...! આવી અનેકાન્તમય મૂર્તિ પ્રભુ આત્મા છે. ‘પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મો’-એમ કહીને અનેકપણું સિદ્ધ કર્યું; ને ‘અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞપ્તિમાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી આત્માને જ્ઞાનમાત્રપણું છે.’ -એમ કહીને એક જ્ઞાનમાત્ર ભાવમાં અનંતધર્મોને અભેદ કરી સમાવી દીધા. અહો! આ અલૌકિક વાત છે.

અહાહા...! હું જ્ઞાનલક્ષણથી લક્ષિત અનંત ગુણોનો પિંડ એવો એક જ્ઞાનમાત્ર આત્મા છું એમ જ્યાં નિર્વિકલ્પ દૃષ્ટિ થાય છે ત્યાં જાણનક્રિયામાત્ર-એક જ્ઞપ્તિક્રિયામાત્ર ભાવ પ્રગટ થાય છે. અહાહા...! એમાં જ્ઞાનની સાથે બીજા બધા જ અનંત ગુણની નિર્મળ પરિણતિ એક સાથે જ ઉત્પન્ન થાય છે, અહાહા...! એ બધાનું પરિણમન એક જ્ઞપ્તિમાત્ર ભાવમાં સાથે જ છે અને તે આત્મા જ છે. સમજાણું કાંઈ...? એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાય થવા છતાં એ બધું એક જ્ઞપ્તિમાત્ર ભાવમાં સમાઈ જાય છે. અનંતી પર્યાય જ્ઞેયપણે હોવા છતાં એ બધુ એક જ્ઞપ્તિમાત્ર ભાવમાં અભેદરૂપ છે, ભિન્ન નથી. અહાહા...! જાણવાની એક પર્યાયમાં બધા જ ગુણો ને પર્યાયોનું જ્ઞાન અભેદપણે સમાઈ જાય છે અને તે રૂપે પોતે જ થતો હોવાથી આત્માને જ્ઞાનમાત્રપણું છે. સમજાણું કાંઈ...?

અહાહા...! અંદર નજર કરતાં જ ન્યાલ કરી દે એવો ચૈતન્યમહાપ્રભુ આત્મા છે. અહાહા...! જેમાં પરસ્પર ભિન્ન અનંતધર્મો છે એવા અભેદ આત્માને લક્ષ કરીને જ્યાં જ્ઞાન પરિણમ્યું, ત્યાં તે જ્ઞપ્તિમાત્ર ભાવની સાથે અનંતગુણનું પરિણમન ભેગું જ પ્રગટ થાય છે. અહાહા...! અનંતધર્મથી એકમેક એવું તે જ્ઞાન રાગથી જુદું છે. અહા! આવી જ્ઞપ્તિક્રિયા તે આત્માની નિર્વિકારી ધર્મક્રિયા છે. અહા! આવી અંતરની વાત! ભગવાનની વાણી બહુ ગંભીર બાપુ! એના એક-એક શબ્દે અમૃતની ધારા વહે છે. કોઈને થાય કે શું આવો ધર્મ! હા, ભાઈ! આ ધર્મનું મૂળ રહસ્ય છે. આના વિના બધું જ થોથાં છે, કાંઈ કામનું નથી.

જુઓ, દામનગરમાં એક શેઠ હતા. એમનો ગામ આખામાં ભારે પ્રભાવ. આખા ગામમાં કોઈ એમનું વચન ઉથાપે-ઓળંગે નહિ. કોઈની પણ તકરાર હોય તો પોતે વચ્ચે પડે ને સમાધાન થઈ જ જાય. હવે જ્યારે એના મરણનો સમય આવી લાગ્યો તો લોકો બહુ ખબર કાઢવા આવે. ગામના બીજા શેઠિયાઓ પણ એને મળવા-ખબર અંતર પૂછવા-આવે; ત્યારે આંખમાં ચોધાર આંસુ લાવી તે કહે-અરેરે! આ ગામ આખાની પંચાતમાં પડીને મેં મારું (મારા આત્માનું) કાંઈ જ ન કર્યું; જિંદગી આખી એમ ને એમ ગામની પંચાતમાં જ પૂરી થઈ ગઈ. ભાઈ! આમ ને આમ (વિષય-કષાયમાં) જિંદગી ચાલી જાય છે. જરા જો તો ખરો; વિચાર તો કર કે તું કોણ છો? ને તું શું કરે છો? ભાઈ! અંતર્મુખ દ્રષ્ટિ કર્યા વિના-ભેદજ્ઞાનની દ્રષ્ટિ વિના-તારાં જન્મ-મરણનાં દુઃખ નહિ મટે. વાદિરાજ મુનિરાજ કહે છે-ભૂતકાળનાં દુઃખોને હું યાદ કરું છું તો અંદરમાં વજ્રાઘાત સમાન ઘા વાગે છે; એમ કે આવાં અસહ્ય દુઃખો કેવી રીતે વેઠયાં હશે? ભાઈ! તારે આવાં તીવ્ર ઘોરાતિઘોર દુઃખોથી બચવું હોય તો એનો અહીં આચાર્ય ભગવાન ઉપાય બતાવે છે; તો સાવધાન થા.

કહે છે-‘માટે જ તેને જ્ઞાનમાત્ર એક ભાવની અંતઃપાતિની અનંત શક્તિઓ ઊછળે છે.’ અહાહા...! શું કીધું આ? કે જાણન... જાણન... જાણન એવું જે જ્ઞાનલક્ષણ એ વડે અંતર્મુખપણે જ્યાં લક્ષ્યને (ચૈતન્યમહાપ્રભુ આત્માને) પકડયું ત્યાં સમ્યગ્જ્ઞાનની જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ એમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ અનંત ગુણની પર્યાય અંતઃપાતિની એટલે અંદર સમાઈ જાય છે. અહા! પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ સ્વદ્રવ્યને પકડીને જ્યાં


PDF/HTML Page 3928 of 4199
single page version

જ્ઞાન પ્રગટ થયું તો એમાં સ્વદ્રવ્ય (અનંતગુણનો પિંડ) અને જ્ઞાનક્રિયાનું (જેમાં અનંતગુણની નિર્મળ પર્યાયો સમાઈ જાય છે તે) નિર્વિકલ્પ પ્રમાણજ્ઞાન એકસાથે પ્રગટ થઈ ગયું. માટે અહીં કહ્યું કે-જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંત શક્તિઓ ઊછળે છે.

અહીં ‘અનંત શક્તિઓ ઊછળે છે’-એમ કહીને જ્ઞાન સાથે ભેગું અનંત શક્તિઓનું નિર્મળ પરિણમન આચાર્યદેવે સિદ્ધ કર્યું છે. સૂક્ષ્મ વાત છે ભાઈ! વસ્તુ-દ્રવ્ય જ અનંતગુણસ્વરૂપ છે; તેથી દ્રવ્યનું (નિર્મળ) પરિણમન સિદ્ધ થતાં જ બધા ગુણો નિર્મળ પરિણમી જાય છે. અહાહા...! અનંતગુણમંડિત અભેદ એકાકાર દ્રવ્યને લક્ષમાં લઈને જ્યાં સાધક જીવ પરિણમ્યો ત્યાં તે પરિણમનમાં ભેગી અનંતી શક્તિઓ નિર્મળ ઊછળવા લાગે છે. અહાહા...! જ્ઞાનાદિ અનંત શક્તિઓ આત્મામાં અભેદ-તન્મય થઈને પરિણમી તેને જ અહીં ‘જ્ઞાનમાત્ર ભાવ’ કહ્યો છે. સમજાણું કાંઈ...?

આત્માના અનંતગુણમાં લક્ષણભેદ ભલે હો, પણ ક્ષેત્રભેદ નથી, ને પરિણમનનો કાળભેદ પણ નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં એકીસાથે જ અનંત ગુણ વ્યાપીને રહ્યા છે. તેથી આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન સાથે જ રહેલું છે. અહાહા...! આત્માના પરિણમનમાં અનંત ગુણ-શક્તિઓ એકીસાથે જ નિર્મળપણે ઊછળે છે-પરિણમે છે. ગુણોના પરિણમનમાં (સાધકને) હીનાધિકતારૂપ તારતમ્યતા છે એ વાત અહીં નથી લેવી. શું કીધું? ક્ષાયિક સમ્યક્ત્વનું પરિણમન હોય છતાં ચારિત્રની નિર્મળતા પૂર્ણ ન હોય-એ ગુણભેદ અહીં મુખ્ય નથી. અહીં તો અભેદ દ્રવ્ય પરિણમતાં બધા ગુણ નિર્મળ પરિણમે છે-એમ અભેદની મુખ્યતાથી વાત છે. જુઓ, અહીં પરિણમન શબ્દે નિર્મળ પરિણમનની વાત છે; વિકારના પરિણમનને તો અહીં શક્તિના પરિણમનમાં ગણ્યું નથી, કેમકે વિકાર આત્મા નથી, અહીં તો દ્રવ્ય-ગુણ ને તેની નિર્મણ પરિણતિ-એ ત્રણને અભેદ કરીને તેને જ આત્મા ગણ્યો છે. વિકારને તો જ્ઞાનલક્ષણના બળે આત્માથી ભિન્ન જ કરી દીધો છે. સમજાય છે કાંઈ...?

ક્ષાયિક સમકિત થતાં જ સાધકને બધા જ ગુણ એકસાથે પૂરણ ખીલી જાય છે એમ તો નથી, એટલે (કથંચિત્) ગુણભેદ છે, પરંતુ અહીં એ મુખ્ય નથી, ગૌણ છે. અહીં તો વસ્તુપણે બધાય ગુણ અભેદ છે, તેથી દ્રવ્ય અભેદ પરિણમતાં સાથે બધા જ ગુણોનો અંશ એકસાથે ઊઘડી જાય છે. એક ગુણ નિર્મળ પરિણમે અને બીજા ગુણ સર્વથા મલિન રહે, અંશે પણ નિર્મળ ન થાય એમ બનતું નથી. લ્યો, જ્ઞાનમાત્ર ભાવની અંતઃપાતિની અનંત શક્તિઓ ઊછળે છે એનો આ આશય છે, આ અર્થ છે-કે દ્રવ્ય અભેદ પરિણમતાં સર્વ અનંત શક્તિઓ નિર્મળ પરિણમી જાય છે. નિર્મળતામાં હીનાધિકતાના ભેદ પડે એ અહીં મુખ્ય નથી. આવી વાત છે. પણ અરેરે! એણે કદી સ્વસન્મુખતા કરી નથી; જ્યાં પોતાનો ભગવાન-નિર્મળાનંદનો નાથ પ્રભુ-વિરાજે છે ત્યાં નજર કરી નથી! બહારમાં ને બહારમાં એ પોતાને પામર માનીને રોકાઈ ગયો છે.

જુઓ, આ રીતે અહીં ‘જ્ઞાનમાત્ર આત્મા’ કહીને--પરદ્રવ્યથી અને વિકારથી ભેદજ્ઞાન કરાવ્યું. -જ્ઞાનલક્ષણ વડે લક્ષ્ય એવા આત્માની પ્રસિદ્ધિની સિદ્ધિ કરી, અને -એ જ્ઞાનમાત્ર ભાવમાં અનંતી શક્તિઓ ભેગી જ ઊછળે છે એમ સિદ્ધ કર્યું. હવે આચાર્યદેવ આત્માની અનંત શક્તિઓમાંથી કેટલીક (૪૭) શક્તિઓનું વર્ણન કરે છે. કેટલીક કેમ કીધી? કેમકે છદ્મસ્થ જીવ સામાન્યપણે આત્મામાં અનંતશક્તિઓ છે એમ તો જાણે, પણ વિશેષપણે ભિન્ન ભિન્ન અનંતી શક્તિઓને ન જાણી શકે; વળી વાણી દ્વારા અનંતી શક્તિઓનું કથન પણ શકય ન બને; વાણીમાં તો અમુક જ આવે. તેથી અહીં ખાસ પ્રયોજનપૂર્વક ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે.

*
૧ઃ જીવત્વશક્તિ

‘આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપછે એવી જીવત્વશક્તિ (આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્રભાવરૂપી ભાવપ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે એવી જીવત્વ નામની શક્તિ) જ્ઞાનમાત્ર ભાવમાં-આત્મામાં ઉછળે છે’)

અહાહા...! આત્મા શક્તિઓનો સાગર પ્રભુ એક ચૈતન્યમહાપદાર્થ છે. તેમાં અનંત શક્તિઓ એટલે ગુણો છે. અહાહા...! શક્તિવાન આત્મા એક દ્રવ્ય છે, ને તેમાં અનંત શક્તિઓ છે. શું કીધું? ભગવાન આત્મા એક વસ્તુ છે ને તેમાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. કેટલી? અનંત... અનંત... અનંત!


PDF/HTML Page 3929 of 4199
single page version

અહાહા...! આ જગતમાં જીવ અનંત છે, ને પરમાણુઓની સંખ્યા એનાથી અનંતગુણી અનંત છે; વળી ત્રણ કાળના સમયોની સંખ્યા એનાથીય અનંતગુણી છે, ને ત્રણ કાળના સમયોની સંખ્યાથી એક આકાશ દ્રવ્યના પ્રદેશ અનંતગુણા અનંત છે. આ લોકાલોકમાં વ્યાપ્ત આકાશ નામનો એક અરૂપી મહાપદાર્થ છે. તેનો દશેય દિશામાં કયાંય અંત નથી. જો આકાશનો અંત હોય તો પછી શું? પછી પણ આકાશ... આકાશ... આકાશ... એમ જ આવે. જુઓ, ચૌદ બ્રહ્માંડમાં આ લોક છે, ને બાકીના ભાગમાં દશે દિશામાં સર્વત્ર અનંત... અનંત વિસ્તરેલો અલોક-આકાશ છે. અહાહા...! આ આકાશ નામના પદાર્થના ત્રણકાળના સમયોથી અનંતગુણા અનંતા પ્રદેશ છે. અને તેના કરતાં અનંતગુણી અધિક એક જીવદ્રવ્યમાં શક્તિઓ છે. ઓહો! આવડો મોટો ભગવાન આત્મા એક ચૈતન્ય મહાપદાર્થ છે. સમજાય છે કાંઈ...?

હા, તો તે જણાતો કેમ નથી? અરે ભાઈ! તે ઇન્દ્રિયગમ્ય પદાર્થ નથી, તે સ્વાનુભવગમ્ય અતીન્દ્રિય મહાપદાર્થ છે. ઉપયોગને અંતર્મુખ કરવાથી જ જણાય એવો સૂક્ષ્મ પદાર્થ છે. કહ્યું છે ને કે-

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ.
તેમ, મિથ્યાભાવની ઓથે આતમ રે, આતમ કોઈ દેખે નહિ.

ભાઈ! તારે એ ચૈતન્ય મહાપદાર્થ દેખવો હોય તો ઇન્દ્રિય અને રાગથી પાર અંદર તારી વસ્તુ છે ત્યાં ઉપયોગને લગાવી દે; બાકી બહારમાં ફાંફાં માર્યે એ નહિ જણાય.

ભાઈ! સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર જગતને દિવ્યધ્વનિ દ્વારા આ વાત કહી છે. અહાહા...! ભગવાનને ઈચ્છા વિના જ ૐધ્વનિ નીકળે છે. તે ૐધ્વનિમાં આ આવ્યું છે કે-પ્રભુ! તું એક અનંત શક્તિવંત દ્રવ્ય-વસ્તુ છો. તારામાં જીવત્વ, ચિતિ, દ્રશિ, જ્ઞાન, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત શક્તિઓ ભરી છે. અહાહા...! પ્રત્યેક આત્મામાં અનંત શક્તિઓ-ગુણો છે. તે બધા ગુણો અક્રમ એટલે એકસાથે છે, અને તે ગુણોનું જે પરિણમન થાય છે તે ક્રમે થાય છે.

જેમ સાકરમાં સફેદાઈ, ચીકાશ, મીઠાશ એકસાથે છે, તેમ આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત શક્તિઓ-ગુણો અક્રમે-એકસાથે છે, અને તેની પર્યાયો થાય તે ક્રમવર્તી છે. એક સમયમાં એક ગુણની એક પર્યાય એમ અનંત ગુણની એક સમયમાં અનંત પર્યાયો થાય છે. તે બધી પર્યાયો ક્રમથી સમયે સમયે પ્રગટ થાય છે.

આ સાંકળી આવે છે ને? સાંકળી જેમ અનેક કડીઓનો સમૂહ છે, તેમ આત્મા અસંખ્ય પ્રદેશોનો સમૂહ છે. પ્રદેશ એટલે શું? કે એક પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે તેને એક પ્રદેશ કહે છે. આત્મામાં આવા અસંખ્ય પ્રદેશો છે, અને તે અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં સર્વત્ર જ્ઞાનાદિ અનંતગુણો વ્યાપીને રહેલા છે. તે અનંત ગુણોને સમયે સમયે પર્યાયો થાય છે. પર્યાયો પલટે છે, ને દ્રવ્ય-ગુણ કૂટસ્થ છે. કેમકે ક્રમથી વર્તે છે માટે પર્યાયો ક્રમવર્તી છે, ને એકસાથે રહેવાવાળા ગુણો અક્રમવર્તી છે. આમ અક્રમવર્તી ગુણો ને ક્રમવર્તી પર્યાયોનો સમૂહ તે આત્મદ્રવ્ય છે. આવી વાત વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે કયાંય નથી. ભાઈ! જરા વાતને ન્યાયથી મેળવી જો. આ લૌકિક ન્યાયની વાત નહીં, અહીં તો જ્ઞાનસ્વરૂપ વસ્તુ પોતાની જેવી છે તેવી જાણવા પ્રતિ જ્ઞાનને દોરી જવું તે ન્યાય છે. ભાઈ! તારી ચીજ અંદર કેવી છે તેને કદી તેં જાણી નથી; તો હવે તેનો નિર્ણય કર.

અરે! આવું મનુષ્યપણું મળ્‌યું, જૈનકુળમાં જન્મ થયો અને પોતાના ચૈતન્યમહાપદાર્થને ન જાણ્યો તો ભવનો અંત કયારે આવશે? અરે ભાઈ! પોતાની વસ્તુની મહત્તાની કિંમત કર્યા વિના, પર ચીજની ને રાગની કિંમત- મહિમા કરી કરીને તું અનંતકાળથી ચાર ગતિમાં રઝળી મર્યો છો. તો હવે તો નિજ ચૈતન્યવસ્તુનો નિર્ણય કર; હમણાં નહિ કરે તો કયારે કરીશ? (એમ કે પછી અવસર નહિ હોય.)

અહા! જળમાં જેમ તરંગ ઊઠે છે તેમ દ્રવ્યમાંથી પર્યાય દ્રવે છે. ‘द्रवति इति द्रव्यम्’ દ્રવે છે તે દ્રવ્ય છે. અહાહા...! પર્યાય અંદર દ્રવ્યમાંથી દ્રવે છે. હવે આવો વીતરાગ પરમેશ્વરનો માર્ગ લોકોએ કદી સાંભળ્‌યો નથી. ‘ણમો અરિહંતાણં’ -એમ રોજ જાપ કરે પણ અરિહંત પરમાત્મા કેવી રીતે થયા ને તેમનું કહેલું તત્ત્વ શું ચીજ છે તે જાણવાની દરકારેય ના કરે તેને માર્ગ કયાંથી મળે? અહા! તેને અંતરમાં જૈનપણું કયાંથી પ્રગટ થાય? ભાઈ! જૈન કોઈ સંપ્રદાય નથી. અંતરમાં અનંતગુણનો પિંડ અભેદ એક ચૈતન્યવસ્તુ જેવી છે તેવી અંતરમાં-અંતર્મુખ ઉપયોગમાં- દેખતાં-જાણતાં મિથ્યાભાવનો નાશ થાય છે. ને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે; તેને જૈન કહેવામાં આવે છે. આ સિવાય જૈન કોઈ વસ્તુ નથી. સમજાણું કાંઈ...?

આ શરીર, મન, વાણી, કર્મ એ તો ધૂળ-માટી જડ-અજીવ છે. ને અંદર પુણ્ય-પાપના ભાવ થાય છે તે ય પરમાર્થે


PDF/HTML Page 3930 of 4199
single page version

અચેતન છે, કેમકે તે ભાવ ચૈતન્યની જાતિના નથી. અહાહા...! અંતરંગમાં ચૈતન્ય મહાપદાર્થ જે છે તે તો પુણ્ય- પાપથી રહિત અનંત શક્તિઓનું સંગ્રહાલય-ગોદામ છે. અહા! એ અનંત શક્તિઓમાં પ્રથમ અહીં જીવના જીવનરૂપ જીવત્વશક્તિથી પ્રારંભ કરે છે.

શું કહે છે? કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય-તે રૂપ જે શક્તિરૂપ ભાવપ્રાણ તેનું ધારણ કરવું જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે તે જીવત્વશક્તિ છે. જીવના જીવનરૂપ જીવત્વશક્તિ છે. આ જીવ જીવે છે કે નહિ? જીવે છે ને! અનાદિઅનંત જીવ જીવે છે. અહા! જેનાથી જીવ અનાદિઅનંત જીવ છે તે જીવત્વશક્તિ છે. ‘जीवो चरित्तदंसणणाणठिदो’ -એમ સમયસાર ગાથા-રમાં કહ્યું ને? એમાંથી આ જીવત્વશક્તિ આચાર્યદેવે કાઢી છે. જુઓ, પહેલાં આચાર્યદેવે અનંત ગુણોથી અભેદ એક જ્ઞાનમાત્ર આત્માનું લક્ષ કરાવ્યું, ને હવે તે અભેદ આત્માના લક્ષપૂર્વક આ શક્તિઓની ઓળખાણ કરાવે છે.

અરે ભાઈ! તારા ઘરમાં શું શું ભર્યું છે તેની તને ખબર નથી. તારા વૈભવની તને ખબર નથી. તારા ઘરમાં તો અનંતશક્તિઓના વૈભવથી ભરેલો ભંડાર ભર્યો છે. તેમાં એક જીવત્વ શક્તિ છે. કેવી છે તે શક્તિ? તો કહે છે- ‘આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવનુ ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી જીવત્વશક્તિ છે. અહીં ચૈતન્યમાત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ કહ્યું; કેમ કહ્યું? કેમકે ચૈતન્યભાવ વડે આત્માની સિદ્ધિ થાય છે. જો ચૈતન્યમાત્ર ભાવ ન હોય તો જીવ જ સિદ્ધ ન થાય, ચૈતન્યભાવ વિના આત્મદ્રવ્ય જ ન હોઈ શકે. માટે ચૈતન્યમાત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ કહ્યું છે. અહા! આવા ચૈતન્યમાત્ર ભાવરૂપ ભાવપ્રાણને ધારણ કરી રાખવા તે જીવત્વશક્તિનું સ્વરૂપ છે. અહા! આવી જીવત્વ શક્તિ જાણી, અનંત શક્તિનો ધરનારો શક્તિવાન જે એક જ્ઞાનમાત્ર આત્મા છે તેના ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે, સમ્યગ્જ્ઞાન થાય છે, ને જીવત્વ સહિત અનંતી શક્તિઓના ક્રમવર્તી નિર્મળ પરિણમનની દશા પ્રગટ થાય છે. આવી વાત! સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– તો શક્તિનું લક્ષ કરે તો સમ્યગ્દર્શન થાય કે નહિ? ઉત્તરઃ– ન થાય; કેમકે શક્તિ તો એક ગુણ છે. જેને ગુણભેદની દ્રષ્ટિ છે તેને તો વિકલ્પ-રાગ જ થાય છે. ગુણભેદ કે ગુણ-ગુણીભેદમાં જે અટકે છે તેને સમ્યગ્દર્શન થતું નથી, કેમકે તે રાગમાં-વિકલ્પમાં જ અટકયો છે.

અરે ભાઈ! તને તારા શાશ્વત શુદ્ધ ચૈતન્યપ્રાણમય ત્રિકાળી જીવનની ખબર ન મળે તો તું સાચું જીવન કેવી રીતે જીવીશ! આહાર-પાણી કે શરીરાદિ જડ પ્રાણોથી તું જીવવાનું માન પણ તે કાંઈ સાચું જીવન નથી. અહા! શરીર પોતે જ જડ મૃતક-કલેવર છે તો તે વડે તું કેમ જીવે? ભાઈ! પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણો વડે જ તું ત્રિકાળ જીવે, અને શુદ્ધચૈતન્યમાત્રવસ્તુના આશ્રયે સિદ્ધપદને સાધીને સાદિ-અનંત પૂરણ આનંદમય જીવન જીવે એ જ જીવનું સાચું જીવન છે. અહાહા...! જો ને, આ સિદ્ધ ભગવંતો શરીરાદિ વિના જ પોતાના ચૈતન્યપ્રાણથી પરમ સુખમય જીવન જીવી રહ્યા છે. ભાઈ! તારે સાચું જીવન જીવવું હોય તો, આ જીવત્વશક્તિ જેમાં ઊછળી રહી છે એવા તારા જ્ઞાનમાત્ર આત્મામાં દ્રષ્ટિ કર અને ત્યાં જ લીન થા. સ્તુતિમાં આવે છે ને કે-

તારું જીવન ખરું તારું જીવન,...
જીવી જાણ્યું નેમનાથે જીવન...

અહાહા...! ભગવાન કેવળી જે પૂરણ આનંદમય, પૂરણ વીતરાગતામય જીવન જીવે છે તે ખરું-સાચું જીવન છે. બાકી અજ્ઞાનમય-રાગાદિમય જીવન જીવે તેને જીવનું જીવન કોણ કહે? એ તો બાપુ! ભયંકર ભાવમરણ છે. શ્રીમદ્માં આવે છે ને કે-

“ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?”

બાપુ દેહથી ને રાગથી જીવન માને તેને તો સાચું જીવન જીવતાં જ નથી આવડતું; તેને તો નિરંતર ભાવમરણ જ થયા કરે છે. સમજાણું કાંઈ...?

તો જીવને દશ પ્રાણ કહ્યા છે ને? હા, સંસારી જીવને દશ પ્રાણ કહ્યા છે. તેમાં પાંચ ઇન્દ્રિય, મન-વચન-કાયા, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ- એવા જે દશ દ્રવ્યપ્રાણ છે તે જડની દશા છે, જડરૂપ છે. જીવના સ્વરૂપમાં તેનો સર્વથા અભાવ છે. તેને જીવના પ્રાણ કહીએ તે અસદ્ભૂત વ્યવહાર છે. તથા ક્ષયોપશમરૂપ ભાવેન્દ્રિયો, મન-વચન-કાયાના નિમિત્તે કંપન દશા, દેહમાં રહેવાની યોગ્યતારૂપ આયુષ્ય અને શ્વાસોચ્છવાસ થવાની પર્યાયની યોગ્યતા-એમ જે દશ અશુદ્ધ ભાવપ્રાણ સંસારીઓને હોય


PDF/HTML Page 3931 of 4199
single page version

છે તે અશુદ્ધ નિશ્ચયનયથી છે. શુદ્ધ નિશ્ચયનયથી તે કાંઈ જીવના વાસ્તવિક પરમાર્થ જીવનરૂપ નથી; કેમકે તે અશુદ્ધ ભાવપ્રાણ શુદ્ધ ચૈતન્યના સ્વરૂપભૂત નથી. જુઓ, એના (અશુદ્ધ ભાવપ્રાણ) વિના જ સિદ્ધ ભગવંતો સાદિ-અનંત પરમ સુખમય પારમાર્થિક જીવન જીવે છે. સિદ્ધોને સર્વથા દશપ્રાણરૂપ જીવત્વ નથી. દ્રવ્ય-ગુણમાં તો પહેલેથી જ (સંસાર દશાથી જ) દશપ્રાણ ન હતા, હવે (સિદ્ધદશામાં) પર્યાયમાં પણ તેનો અભાવ થયો છે. સમજાણું કાંઈ...? દશ પ્રકારના વ્યવહાર પ્રાણોથી જીવ જીવે છે-એમ કહેવું તે ઉપચારનું કથન છે. અહીં એ વાત નથી. અહીં તો જીવ સદાય પોતાના ચૈતન્યભાવપ્રાણથી જ જીવે છે એવી તેની જીવત્વશક્તિ છે-એમ વાત છે. અહા! આવા ચૈતન્યમાત્ર ભાવરૂપ આત્માને જે લક્ષમાં લે તેને અનંતગુણ એકસાથે જ નિર્મળ પરિણમી જાય છે, તેને શુદ્ધ જીવત્વની ક્રમવર્તી દશા પ્રગટ થાય છે, અર્થાત્ સાચા પવિત્ર જીવનનો ક્રમ તેને શરૂ થાય છે. આવી વાત છે.

જ્ઞાનપ્રાણ, દર્શનપ્રાણ, આનંદપ્રાણ, વીર્યપ્રાણ-એમ આ શક્તિરૂપ ચૈતન્યભાવપ્રાણ છે. અહા! આ ચૈતન્યભાવપ્રાણ વડે જીવ ત્રિકાળ જીવે છે. આત્મદ્રવ્ય છે તેના જીવનને કારણભૂત આ ચૈતન્યભાવપ્રાણ છે. અહા! આવા ચૈતન્યભાવપ્રાણને ધારી રાખવા તે જીવત્વશક્તિનું સ્વરૂપ છે. પરંતુ દેહને, ઇન્દ્રિયને, આયુને કે રાગને ધારી રાખવા તે જીવત્વશક્તિનું સ્વરૂપ નથી. અરે, આત્માની અનંત શક્તિઓમાં, આ દેહાદિ જડ પ્રાણોને ધારણ કરે એવી કોઈ શક્તિ નથી. તેથી જડપ્રાણોથી હું જીવું છું એમ માને એ તો મિથ્યા છે. એવું જીવન પણ મિથ્યા છે. દેહાદિ જડના લક્ષે પરિણમે એ જીવન મિથ્યા છે, દુર્દશામય છે.

અરે! આવી વાત એણે કદી સાંભળી નથી. પણ અરેરે! આ જિંદગી ચાલી જાય છે ભાઈ! આ દેહ તો ફૂ થઈ છૂટી જશે, અને ૮૪ના અવતારમાં જીવ કયાંય ચાલ્યો જશે. ભાઈ! તારી દયા કરનાર ત્યાં કોઈ નહિ હોય. અને જગતમાં તારી ચૈતન્યવસ્તુ સિવાય તને કોણ શરણ છે? માટે જ્ઞાનમાત્ર આત્મા ચૈતન્ય-પરમેશ્વર તું પોતે જ પોતાનું શરણ છો એમ જાણી તેમાં એકાગ્ર થા, ને ત્યાં જ લીન થા; તને જીવનું સાચું આનંદનું જીવન પ્રાપ્ત થશે.

અહા! ત્રણલોકના નાથ ભગવાન જિનેશ્વરદેવ આત્માનું સ્વરૂપ એવું ફરમાવે છે કે-આત્મામાં અનંત શક્તિઓ-ગુણો છે. તે એક શક્તિ બીજી શક્તિરૂપે થતી નથી; પરંતુ દરેક શક્તિનું રૂપ બીજી અનંત શક્તિઓમાં હોય છે. જેમકે -આત્મામાં સત્તા-અસ્તિ એક ગુણ છે. તે અસ્તિ ગુણ બીજા અનંત ગુણમાં જતો નથી, પણ અસ્તિ ગુણનું રૂપ બીજા અનંત ગુણમાં હોય છે. જ્ઞાન છે, દર્શન છે, વીર્ય છે-એમ અનંત ગુણનું છે-પણું છે તે અસ્તિત્વગુણનું રૂપ છે; અસ્તિત્વગુણ નહિ, પણ અસ્તિત્વગુણનું રૂપ બીજા અનંતગુણમાં છે. આમ દરેક શક્તિમાં બીજી અનંત શક્તિઓ નથી, પરંતુ તેમનું રૂપ હોય છે. એવી રીતે જીવત્વ શક્તિનું રૂપ બીજી અનંત શક્તિઓમાં હોય છે જે વડે અનંત શક્તિઓ જીવંત છે જીવંત જ્ઞાન જીવંત દર્શન, જીવંત વીર્ય-અહાહા...! એવી અનંત શક્તિ જેનું જીવન છે એવો ભગવાન આત્મા છે. ભાઈ! તને ખબર નથી પણ અંતરંગમાં તું દ્રષ્ટિ-નજર કરે તો તું ન્યાલ થઈ જાય એવી અનંત ચૈતન્યસંપદાથી ભરેલી તારી ચીજ છે. અહીં જીવત્વશક્તિ કહીને આચાર્ય ભગવાન તારું વાસ્તવિક જીવન બતાવે છે. અમને તો સંવત ૧૯૭૮માં આ સયમસાર હાથ આવ્યું ત્યારે સહજ એવા ઉદ્ગાર નીકળેલા કે-અહો! અશરીરી (- સિદ્ધ) થવા માટેનું આ શાસ્ત્ર-પરમાગમ છે.

ભાઈ! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, બૈરાં-છોકરાં ને પૈસા-એ બધું તો ધૂળધાણી છે, મસાણના ભભકા છે. જેમ મસાણમાં હાડકાં પડેલા હોય છે તેમાં ફોસ્ફરસને લઈને ચમક-ચમક થયા કરે; તેમ આ જગતમાં આત્મા સિવાય બહાર જે ભભકા દેખાય છે તે ફોસ્ફરસની ચમક જેવા છે. લાખોના બંગલા હોય, કરોડોની સંપત્તિ હોય-એ બધું જડ માટી-ધૂળ છે; તેની મૂઢ અજ્ઞાની જીવો કિંમત-મહિમા કરે છે. અહા! અંદર અનંત અનંત ચૈતન્યલક્ષ્મીનો ભંડાર પ્રભુ પોતે છે તેનો મહિમા અને પ્રતીતિ જેને આવતાં નથી તે બધા જીવો દુઃખી છે. બહારમાં પૈસાવાળા હોય તો ય દુઃખી છે. એ પૈસાવાળાઓને લોકો ભલે શેઠ કહે, પણ તેઓ બધા હેઠ છે. અજ્ઞાનીઓને ધૂળની-પૈસાની કિંમત છે તેથી તેઓ પૈસાવાળાને શેઠ કહે છે, પણ ખરેખર તેઓ શેઠ નથી. (હેઠ છે). અંદર ચૈતન્યલક્ષ્મીસ્વરૂપ પોતે છે તેનાં પ્રતીતિ ને અનુભવ કરે તે વાસ્તવમાં શેઠ-શ્રેષ્ઠ છે; લોકમાં તેનું જીવન શ્રેષ્ઠ છે.

ભાઈ! આ તારા ઘરની વાત એક વાર સાંભળ તો ખરો. અરે પ્રભુ! અનંત ચૈતન્યસંપદાથી ભરેલી તારી ચીજ- તેને કદી નજરમાં લીધી નહિ, અને ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોને જ લક્ષમાં લીધા! તને શું થયું પ્રભુ! ભગવાનની ઓમ્ધ્વનિમાં તો આ આવ્યું કે-દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો-એ બધાનું લક્ષ છોડી, જ્ઞાનસ્વભાવ વડે જે અધિક-ભિન્ન છે એવા ભગવાન આત્માનો અનુભવ કરી જેણે ઇન્દ્રિયોને જીતી છે તેનું નામ સમ્યગ્દ્રષ્ટિ છે,


PDF/HTML Page 3932 of 4199
single page version

અને તે શ્રેષ્ઠ છે. અહીં પણ આ કહે છે કે-જ્ઞાન, દર્શન, આનંદ, ને વીર્ય તે જીવના ચૈતન્યભાવપ્રાણ છે અહા! અંતર્દ્રષ્ટિ કરી આવા શુદ્ધ ભાવપ્રાણથી જીવવું તેનું નામ જીવન છે અને તે શ્રેષ્ઠ છે. ચૈતન્યભાવપ્રાણથી જે જીવે છે, જીવતો હતો અને જીવશે તેને ભગવાને જીવ કહ્યો છે. માટે બહિર્લક્ષ મટાડી અંતર્મુખ થા, ને યથાર્થ જીવન પ્રગટ કર.

દશપ્રાણરૂપ જીવત્વ છે તે અશુદ્ધ છે. જડપ્રાણોથી જીવ જીવે છે એ તો વાત નહિ, પણ પાંચ ઇન્દ્રિયો (ભાવેન્દ્રિયો) ને મન, વચન, કાયા, આયુ ને શ્વાસોચ્છવાસ (અંદર જીવની યોગ્યતારૂપ) -એવા દશપ્રાણરૂપ જે અશુદ્ધ જીવત્વ તેનાથી જીવ જીવે છે-એ વાત પણ અહીં નથી લેવી. અહીં તો શક્તિઓના આ અધિકારમાં શુદ્ધ જીવત્વની વાત છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યભાવપ્રાણને ધારણ કરી રાખે છે એવી જીવત્વશક્તિ પ્રત્યેક આત્મામાં ત્રિકાળ છે અને સાધકને-ધર્મી પુરુષને અંતરમાં અભેદ એક જ્ઞાનમાત્રભાવનું જે પરિણમન થયું તેમાં ભેગી જીવત્વશક્તિ પણ નિર્મળ ઉછળે છે. અહા! જેમાં શક્તિનું આવું શુદ્ધ જીવત્વરૂપ પરિણમન થાય છે એવું જ્ઞાનાનંદમય અનાકુળ શાંતિમય અને પ્રભુતામય જીવન સમકિતી જીવ જીવે તે જ વાસ્તવિક જીવન છે.

અહાહા...! જીવની જીવત્વશક્તિ એની અનંત શક્તિમાં વ્યાપક છે. શક્તિ કહો, ગુણ કહો, સ્વભાવ કહો કે ભાવ કહો; તે એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપક છે! શું કીધું? એક ભાવ અનંતમાં વ્યાપક છે. અહાહા...! જીવત્વશક્તિ દ્રવ્ય વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે ને શક્તિમાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની દ્રષ્ટિ થતાં પર્યાયમાં પણ વ્યાપક થાય છે. અરે! અનાદિથી અજ્ઞાની જીવને નિજ શક્તિનું ભાન નહિ હોવાથી એની પર્યાયમાં શક્તિ વ્યાપતી ન હતી, વિકાર વ્યાપતો હતો; તેને શક્તિનું ફળ-કાર્ય નહોતું; પણ જ્યાં શક્તિનો મહિમા લાવી શક્તિમાન દ્રવ્યમાં દ્રષ્ટિ દીધી ત્યાં પર્યાયમાં નિર્મળ જીવત્વ પ્રગટ થયું; એવું નિર્મળ જ્ઞાનાનંદમય જીવન પ્રગટયું કે હું દ્રવ્ય પ્રાણોથી ને અશુદ્ધ ભાવપ્રાણોથી જીવું છું એવી દ્રષ્ટિ તત્કાલ છૂટી ગઈ; વ્યવહાર પ્રાણોનો આશ્રય છૂટી ગયો. આવી વાત! સમજાણું કાંઈ...!

અહાહા...! કેવળી પરમાત્મા એમ કહે છે કે-ભાઈ! તારી ચીજમાં એક જીવન નામની શક્તિ છે. અહાહા...! તે તારું નિજ સત્ત્વ છે. હવે ત્યાં શક્તિ અને શક્તિવાનના ભેદનું લક્ષ છોડી અભેદ એક જ્ઞાનમાત્ર ભાવનું અંતર- લક્ષ કરતાં તારી જીવન શક્તિ તત્કાલ પ્રગટ થાય છે. અહાહા...! તે દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહાહા...! દ્રવ્યમાં જીવત્વ, ગુણોમાં જીવત્વ અને પર્યાયમાં જીવત્વ પ્રગટ થાય છે; અર્થાત્ તારી જીવનશક્તિ ક્રમે નિર્મળ-નિર્મળ પરિણમે છે. જો,

-આ શરીરાદિ તારા આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય એકેયમાં વ્યાપતા નથી, -આ પુણ્ય-પાપ આદિ વિકાર આત્માના દ્રવ્ય-ગુણમાં વ્યાપતા નથી, એક સમયની પર્યાયમાં તેઓ વ્યાપે છે,

તથાપિ સર્વ પર્યાયોમાં તેઓ વ્યાપતા નથી. જ્યારે-

-દ્રષ્ટિવંતને આ જીવત્વ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહાહા...! તેથી પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપક એવી જીવત્વશક્તિથી ભગવાન! તું જીવે તે યથાર્થ જીવન છે, ઉજ્જ્વળ સુખમય જીવન છે. લ્યો, આ રીતે ક્રમવર્તી પર્યાયો ને અક્રમવર્તી ગુણોનો પિંડ તે હું આત્મા છું એમ (પ્રમાણ) સિદ્ધ થાય છે. આ અનેકાન્ત છે. અહો! વીતરાગ સિવાય આવી ચીજ વેદાંતાદિ બીજે કયાંય નથી, શ્વેતાંબરમાંય નથી; અમે તો શ્વેતાંબરનાય કરોડો શ્લોક જોયાછે.

અહાહા...! અહીં કહે છે-ચૈતન્યમાત્ર ભાવપ્રાણનું ધારણ કરવું જેનું સ્વરૂપ છે એવી જીવત્વ નામની શક્તિ જ્ઞાનમાત્ર ભાવમાં એટલે અંદર આત્મામાં ઊછળે છે. એક જ્ઞાનમાત્ર ભાવ કીધો એમાં અંદર અંતર્લીન સર્વ અનંતી શક્તિઓ ઊછળે છે એમ વાત છે. અહાહા...! હું જ્ઞાનમાત્ર આત્મા છું એવો જ્યાં અંતર્લક્ષે અનુભવ થયો-અહાહા...! સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન જ્યાં પ્રગટ થયું-ત્યાં સાથે આનંદ, સુખ, વીર્ય, પ્રભુતા, જીવત્વ આદિ અનંત ગુણની ક્રમવર્તી નિર્મળ પર્યાયો ઊછળે છે. આવી સૂક્ષ્મ વાત; સમજાય એટલી સમજો પ્રભુ! આ તો-

સહેજે સમુદ્ર ઉલસિયો, ને માંહી મોતી તણાતાં જાય;
ભાગ્યવાન કર વાવરે, એની મોતીએ મુઠીઓ ભરાય.

અહાહા...! ભગવાન કહે છે-અતંદ્રષ્ટિ કરતાં જ તારો ચૈતન્ય-દરિયો અનંત ગુણરત્નોથી પર્યાયમાં ઊછળ્‌યો છે-પ્રગટ થયો છે. માટે અહીં જ્ઞાનમાત્ર કીધો એમાં એકાન્ત ન સમજવું. વાસ્તવમાં જ્ઞાનમાત્ર આત્માની દ્રષ્ટિ થતાં જ્ઞાન સાથે અનંત ગુણની ક્રમવર્તી નિર્મળ-શુદ્ધ પર્યાયો ઉછળે છે. જુઓ, અહીં આ શક્તિના અધિકારમાં સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર


PDF/HTML Page 3933 of 4199
single page version

આદિ નિર્મળ પર્યાયોને જ ક્રમવર્તી લીધી છે. રાગાદિ અશુદ્ધ પર્યાયો ઉત્પન્ન થાય તેને અહીં ક્રમવર્તી પર્યાયોમાં લીધી નથી. (કેમકે શક્તિના અધિકારમાં વિકારી પર્યાયોને પર ગણી છે.)

અહાહા...! આ જ્ઞાનમાત્ર આત્મા કીધો એમાં દ્રષ્ટિ પૂરણ દ્રવ્ય જે એક જ્ઞાયકરૂપ છે તેના ઉપર જાય છે; અને ત્યારે પર્યાયમાં નિરાકુલ આનંદ અને શુદ્ધ-પવિત્ર જીવન પ્રગટ થાય છે. આનું નામ ધર્મ અને આનું નામ જીવન છે. બાકી વર્તમાન પર્યાય નિજ દ્રવ્યને-એક જ્ઞાનમાત્ર આત્માને છોડીને પરને-વિકારને દેખે એ તો વિપરીત દ્રષ્ટિ છે. અન્યમતના ભજનમાં આવે છે ને કે-

‘નંદલાલ નહિ રે આવું રે ઘરકામ છે.’

આ તો શ્રી કૃષ્ણને જે સખી હતી તે કહે છે કે-તારી પાસે નહિ આવું, કેમકે ઘરે કામ છે. તેમ અનાદિથી અજ્ઞાની જીવ હઠથી નિજ આત્મા પ્રતિ એવો જ ભાવ રાખે છે કે-

‘નંદલાલ નહિ રે આવું રે પર-કામ છે.’

અહા! અજ્ઞાની જીવને અનાદિથી એવી મિથ્યા માન્યતા છે કે તેની પર્યાય સ્વઘરમાં ન જતાં પરના કામમાં જ ગૂંચાયેલી રહે છે; પરકામનું એ બહાનું કાઢી સ્વઘરમાં જતી નથી. પરંતુ ભાઈ! એ મહાવિપરીતતા છે. એનું ફળ બહુ આકરું છે બાપુ! પોતાને જાણે-દેખે તે જ સાચું જ્ઞાન છે અને તે જ સાચું જીવન છે.

જુઓ, આ શક્તિઓનો અધિકાર છે. આ શક્તિઓનું વિશેષ વર્ણન શ્રી દીપચંદજીકૃત અધ્યાત્મ પંચસંગ્રહ ગ્રંથના ‘જ્ઞાનદર્પણ’ વિભાગમાં બહુ સુંદર આવે છે. વળી આ જીવત્વશક્તિનું વર્ણન પં. શ્રી દીપચંદજીએ ચિદ્દવિલાસમાં પણ બહુ સુંદર કરેલું છે. પં. શ્રી દીપચંદજી સમકિતી આત્મજ્ઞાની પુરુષ હતા. તેઓ એક સ્થાન પર કહે છે -બધા આત્મા સાધર્મી છે. ભગવાનને સંબોધીને કહે છે-ભગવાન! હું તમારો સાધર્મી છું. (અમારી) પર્યાયમાં જરી ભૂલ છે તેને એક બાજુએ રાખીએ તો, અહાહા...! જેમ આપ દ્રવ્યસ્વરૂપથી પરિપૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન છો તેમ હું પણ દ્રવ્યરૂપથી પરિપૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન છું. અહાહા...! તેથી આપ મારા સાધર્મી છો. અરે! શુદ્ધ જીવત્વશક્તિ અપેક્ષા બધા આત્માઓ મારા સાધર્મી છે. તેઓ એક ઠેકાણે કહે છે-આ જીવત્વ શક્તિ જીવને લોકમાં મહા સુખદાયી છે. અહા! જેની પર્યાયમાં આ જીવત્વ શક્તિ વ્યાપી-પ્રગટ થઈ તેના સુખનું શું કહેવું? લોકમાં તે અપાર સુખી છે, ને તે પરમ સુખને પ્રાપ્ત થશે.

આ તો અધ્યાત્મની અલૌકિક વાતું બાપુ! આ કોઈ લૌકિક કથા-વાર્તા નથી. અહાહા..! અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા પવિત્ર જીવનના ધારક વીતરાગી દિગંબર સંતોને અંતરમાં (અકારણ) કરુણાનો વિકલ્પ ઉઠયો, અને આ શાસ્ત્ર રચાઈ ગયાં છે. અહા! તેઓ તો જે વિકલ્પ ઉઠયો તેનાય સ્વામી નથી. અહાહા...! તેઓ અહીં શાસ્ત્રમાં કહે છે-ભગવાન! તું જ્ઞાન, આનંદ, ઇત્યાદિ અનંત ગુણ લક્ષ્મીનો ધરનાર જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા છો. અને આ ચૈતન્યમાત્ર પ્રાણને ધરનારી જીવનશક્તિ પણ તારી અંતરંગ લક્ષ્મી છે. અહાહા...! આવી જીવનશક્તિ, એક જ્ઞાનમાત્રવસ્તુના આશ્રયમાં જતાં, પર્યાયમાં પ્રગટ થાય છે અને ત્યારે પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ભરતી ઊછળે છે. આ રીતે જીવનશક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન બન્ને આવી જાય છે. ત્રિકાળી જીવનશક્તિ તે ધ્રુવ ઉપાદાન છે, અને પર્યાયમાં દર્શન, જ્ઞાન, ચારિત્રનું નિર્મળ પરિણમન થયું તે ક્ષણિક ઉપાદાન છે. અહાહા...! દ્રવ્યની દ્રષ્ટિ થતાં જીવનશક્તિનું નિર્મળ પરિણમન થયું ત્યારે પર્યાયમાં નિર્મળ જ્ઞાન, નિર્મળ આનંદ, નિર્મળ પ્રભુતા, નિર્મળ સ્વચ્છતા ઇત્યાદિ અનંતગુણની નિર્મળ દશા પ્રગટ થાય છે. આનું નામ ધર્મ અને આનું નામ મોક્ષમાર્ગ છે; અને આ ક્ષણિક ઉપાદાન છે. અહા! આ ભાવમાં (ક્ષણિક ઉપાદાનમાં) વ્યવહારનો અભાવ (નાસ્તિ) છે. આ અનેકાન્ત છે. વ્યવહારનો સર્વથા અભાવ છે એમ નહિ, વ્યવહારમાં વ્યવહાર ભલે હો, પણ શક્તિના પરિણમનમાં વ્યવહાર નામ અશુદ્ધતા-રાગ સમાતો નથી, અભાવરૂપ છે, કેમકે શક્તિ શુદ્ધ અને તેનું પરિણમન પણ શુદ્ધ છે. અશુદ્ધતા એ કાંઈ શક્તિનું કાર્ય નથી; અશુદ્ધતા તો પરના ને પર્યાયના લક્ષે થાય છે, પરંતુ ધર્મીને પરની ને પર્યાયની દ્રષ્ટિ જ છૂટી ગઈ છે. સમજાણું કાંઈ...?

જુઓ, દ્રવ્યમાં અનંત શક્તિઓ છે. ત્યાં એક શક્તિનું ક્ષેત્ર ભિન્ન અને બીજી શક્તિનું ક્ષેત્ર ભિન્ન-એમ નથી, પરંતુ એક જીવનશક્તિ બીજી અનંત શક્તિમાં વ્યાપક છે. એક એક શક્તિ બીજી અનંતમાં વ્યાપક છે. વળી એક એક શક્તિ બીજી અનંતને નિમિત્ત છે, એટલે એક ગુણ કારણ (નિમિત્ત) અને બીજો ગુણ કાર્ય એમ કહેવામાં આવે છે, આ વ્યવહાર છે; નિશ્ચયથી તો ગુણ પોતે જ કારણ છે, ને પોતે જ કાર્ય છે. નિમિત્ત એટલે શું? કે એક ગુણના પરિણમન કાળે બીજો ગુણ અનુકૂળપણે છે, બન્નેનો સમકાળ ને સમવ્યાપ્તિ છે બસ; કોઈ કોઈનું પરિણમન કરી દે છે એમ નહિ.


PDF/HTML Page 3934 of 4199
single page version

ગુણના કાર્યનું ઉપાદાન તો ગુણ પોતે જ છે. હવે આવો વીતરાગનો મારગ સૂક્ષ્મ છે. એને સમજ્યા વિના લોકો તો વ્રત કરો, ને તપ કરો, ને ભક્તિ કરો-એમ એકલા ક્રિયાકાંડમાં ચઢી ગયા છે. પણ એ તો બધી રાગની ક્રિયા છે બાપુ! એ કાંઈ ધર્મ નથી, પણ ધર્મથી વિરુદ્ધ ભાવ છે.

ભાઈ! પ્રત્યેક શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેથી તો પ્રત્યેક શક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન છે. આ તો દરિયો છે, આત્માની જીવત્વ શક્તિ છે તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે, અને એનું પરિણમન થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય ઉત્પન્ન થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. રાગ તે ક્ષણિક ઉપાદાન એ વાત અહીં છે નહિ. અહીં તો શક્તિ ને શક્તિનું પરિણમન શુદ્ધ છે એમ વાત છે.

તો પ્રવચનસારમાં રાગનો કર્તા જ્ઞાની છે એમ આવે છે? સમાધાનઃ ત્યાં પ્રવચનસારમાં ૪૭ નયોનું વર્ણન જ્ઞાનપ્રધાન શૈલીથી કરેલું છે. ત્યાં આત્માનુભવ થતાં જીવત્વશક્તિનું નિર્મળ પરિણમન થયું તે, તથા સાથે સમ્યગ્દર્શન-જ્ઞાન આદિનું પરિણમન જે છે તે એટલી તો શુદ્ધતા છે, તથા જેટલો રાગ બાકી છે એટલી અશુદ્ધતા છે. પરિણમનની અપેક્ષા જેટલું રાગનું પરિણમન છે એનો કર્તા જ્ઞાનીનો આત્મા છે એમ ત્યાં જ્ઞાનપ્રધાન શૈલીથી કહ્યું છે. કરવાલાયક છે એ અપેક્ષા (દ્રષ્ટિની અપેક્ષા) જ્ઞાની રાગનો કર્તા છે એમ નહિ, પણ પોતાની પર્યાયમાં રાગનું પરિણમન છે તેને જ્ઞાની જાણે છે કે આ રાગ મારું પરિણમન છે ને તે મારામાં થયેલો મારો અપરાધ છે.

જ્યારે અહીં શક્તિના અધિકારમાં દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે. અહાહા...! આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ છે- એમ આત્મદ્રવ્યની દ્રષ્ટિ થતાં પર્યાયમાં આનંદ ઉત્પન્ન થાય છે, એમાં દુઃખની પર્યાય ઉત્પન્ન થાય એમ છે નહિ. દ્રષ્ટિપ્રધાન શૈલીમાં તો સ્વભાવના આશ્રયે નિર્મળતા પ્રગટ થાય તે આત્મા છે; રાગને આત્માની પર્યાય ગણી નથી. દ્રષ્ટિ અશુદ્ધતાને આત્માપણે સ્વીકારતી નથી. દ્રષ્ટિનો વિષય અભેદ એક નિર્વિકલ્પ ચૈતન્યમાત્ર આત્મા છે, ને દ્રષ્ટિ પણ નિર્વિકલ્પ ચૈતન્યસ્વરૂપ છે. તેમાં રાગનો સ્વીકાર જ નથી. તેથી શક્તિના અધિકારમાં રાગ તે ક્ષણિક ઉપાદાન એમ વાત છે નહિ. આવી વાત! સમજાણું કાંઈ...?

જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે. તેથી જ્ઞાન સ્વને જાણે છે, જે શુદ્ધતા થઈ તેને જાણે છે, ને જે બાકી અશુદ્ધતા-રાગનું પરિણમન છે તેને પણ આ મારો અપરાધ છે એમ જાણે છે. હવે આવી વાત! આ તો ૧૯મી વાર ચાલે છે ભાઈ! પણ સમજે નહિ તો શું થાય? એ તો શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું ને કે-

જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.
રે ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યા રે પંચમ કાળમાં.

અરે ભાઈ! તારું સ્વસ્વરૂપ સમજ્યા વિના તારો અનંતકાળ અનંત દુઃખમાં જ વ્યતીત થયો છે. રાગથી ભિન્ન પડી સ્વસ્વરૂપનાં દ્રષ્ટિ અને અનુભવ કરતાં સુખ પ્રગટે છે એવું શ્રી સદ્ગુરુ ભગવંતે સ્વરૂપ બતાવ્યું છે. અહો! આ તો આ પંચમકાળમાં અમૃતના મેહ વરસ્યા છે. ભાઈ! આમાં તો દુનિયાથી સાવ જુદી વાત છે.

અહીં કહે છે-જીવનશક્તિને ધરનાર ધ્રુવધામ-ચૈતન્યધામ પ્રભુ આત્માની દ્રષ્ટિ થતાં જે ક્રમવર્તી જીવનશક્તિનું નિર્મળ પરિણમન થયું તેમાં મલિનભાવનો-અશુદ્ધતાનો-વ્યવહારનો અભાવ છે. આ અનેકાન્ત છે. અત્યારે તો બધી ગડબડ ચાલે છે; એમ કે વ્યવહાર કારણ ને નિશ્ચય કાર્ય-એમ કેટલાક કહે છે, પણ ભાઈ! એનો અહીં નિષેધ કરે છે. જેમ લસણ ખાય ને કસ્તુરીનો ઓડકાર આવે એમ કદી બને નહિ તેમ વ્યવહારથી-રાગથી નિશ્ચય-વીતરાગતા થાય એમ કદી બને નહિ. આ તો ભગવાન કેવળીની વાણીમાં આવેલી વાત છે બાપુ!

દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવે કહ્યું છે કે-પૂર્ણાનંદનો નાથ એક જ્ઞાયક સ્વરૂપ પ્રભુનું ધ્યાન કરતાં અંદર નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે છે, ને સાથે વ્યવહાર મોક્ષમાર્ગ પણ પ્રગટે છે. આનો અર્થ શું? અહાહા...! ધ્યાનદશામાં ધ્યાનકાળે જેટલી નિર્મળતા પ્રગટ થઈ એટલો તો નિર્મળ રત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે, અને જે અલ્પ રાગાંશ બાકી છે તેને ત્યાં આરોપ આપીને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. લ્યો, આનું નામ તે નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગ ધ્યાનમાં એકસાથે પ્રગટ થાય છે. બાકી વ્યવહાર મોક્ષમાર્ગ કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ છે એમ નથી. એ તો રાગ


PDF/HTML Page 3935 of 4199
single page version

જ છે, બંધનું જ કારણ છે. આરોપ દઈને તેને મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર છે. હવે આમ બન્ને સાથે છે ત્યાં વ્યવહારથી નિશ્ચય થાય એમ કયાં રહ્યું? અહા! પોતાની નિર્મળ પરિણતિ પોતાથી થઈ છે, સ્વઆશ્રયથી થઈ છે, રાગથી-વ્યવહારથી નહિ-આનું નામ અનેકાન્ત ને સ્યાદ્વાદ છે. વ્યવહારથી પણ થાય, ને નિશ્ચયથી પણ થાય એ કાંઈ સ્યાદ્વાદ નથી, એ તો ફૂદડીવાદ છે; એ કાંઈ અનેકાન્ત નથી, મિથ્યા અનેકાન્ત છે.

અરે! આવા તત્ત્વની સમજણ વિના જીવો બિચારા દુઃખી છે. આ પૈસાવાળાય બધા દુઃખી છે હોં. પોતાની અનંત ચૈતન્ય સંપદાની ખબર નથી ને બહારમાં માગણની જેમ ‘લાવ-લાવ’ કરે છે એ બધા ભિખારી છે. ભાવનગરના રાજ્યની એક કરોડની ઊપજ હતી. એકવાર ભાવનગરના દરબાર વ્યાખ્યાનમાં આવેલા. ત્યારે કહેલું- દરબાર! મહિને એક લાખની પેદાશ માગે તે નાનો માગણ, પાંચ લાખની માગે તે મોટો માગણ ને કરોડની ઊપજ માગે તે માગણોમાં માગણ મહા ભિખારી છે. એમ અજ્ઞાની ‘લાવ-લાવ’ એમ વિષયો ને પુણ્યોદય માગે છે તે માગણ ભિખારી છે. શાસ્ત્રમાં તેમને ‘वराकाः’ એટલે ભિખારી-બિચારા કહ્યા છે. અહા! હું આનંદનો નાથ છું, મારી ચૈતન્યખાણમાં એકલો આનંદ અને શાંતિ પડયાં છે-એવી અંતરંગ લક્ષ્મીની ખબર ન મળે ને બહારમાં-વિષયોમાં ઝાવાં નાખે તે બધા બિચારા છે, રાંકા-ભિખારી છે. ભગવાન! અમારી પાસે તો આ વાતું છે.

અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનંત અનંત જ્ઞાનનો ખજાનો છે, અનંત અનંત આનંદનો ખજાનો છે. આ તો બાપુ! અનંત શક્તિઓનું મહાનિધાન છે. અહાહા...! આવો શક્તિવાન પ્રભુ ને એની જીવત્વ આદિ અનંત શક્તિઓ છે તે પારિણામિક ભાવે છે. પારિણામિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષાયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ ને ઔદયિક ભાવ-એમ પાંચ ભાવ કહ્યા છે ને? અહાહા...! તેમાં આ જીવત્વ આદિ જે ત્રિકાળી શક્તિઓ છે તે પારિણામિક ભાવે છે, અને ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જે નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે તે ઔપશમિક, ક્ષાયોપશમિક કે ક્ષાયિક ભાવરૂપ છે; તથા મોહના નિમિત્તે જે વિકારી મલિન ભાવ છે તે ઔદયિક ભાવ છે. ભાઈ! આ દયા, દાન, વ્રત આદિના શુભ પરિણામ થાય છે તે મલિન ઔદયિક ભાવ છે. ભલે તે જીવની દશામાં થયા હોય, પણ તેમનામાં જીવત્વ નથી; તે જીવત્વથી રહિત અચેતન મડદા જેવા જ છે. હવે આમ છે ત્યાં એનાથી ચૈતન્યના નિર્મળ ઉપશમાદિ ભાવ પ્રગટે એ કેમ બને? કદીય ન બને. આવી ચોખ્ખી વાત છે.

અહાહા...! ભગવાન ચૈતન્યમૂર્તિમાં જેમ જીવતત્ત્વ નામની શક્તિ છે તેમ ષટ્કારકો રૂપ છ શક્તિઓ છે. અહાહા...! તેની એકેક શક્તિમાં ષટ્કારકોનું રૂપ છે. જુઓ, જ્ઞાનમાં કર્તા નામની શક્તિ નથી. જ્ઞાનગુણ છે તે કાંઈ કર્તા ગુણના આશ્રયે નથી. તત્ત્વાર્થસૂત્રમાં ભગવાન ઉમાસ્વામીએ કહ્યું છે તેમ ગુણના આશ્રયે ગુણ નથી, બધા ગુણ દ્રવ્યના આશ્રયે છે. આ રીતે એક ગુણ બીજા ગુણથી ભિન્ન-અન્ય-અન્ય છે, પણ એક ગુણમાં બીજા ગુણોનું રૂપ છે. ઝીણી વાત છે પ્રભુ! આમ જ્ઞાનમાં કર્તા નામની શક્તિ નથી, પણ જ્ઞાનમાં કર્તાશક્તિનું રૂપ છે. એ વડે જ્ઞાન પોતે પોતાનો જ (જ્ઞાનનો) કર્તા છે; તેમ જ્ઞાનમાં કર્મશક્તિ નથી, પણ જ્ઞાનમાં કર્મશક્તિનું રૂપ છે. એ વડે જ્ઞાન પોતે જ પોતાનું-જ્ઞાનનું કર્મ છે; ઇત્યાદિ. આ ધીમે ધીમે ધીરજથી સમજવું પ્રભુ! અહા! આ તો સર્વજ્ઞ વીતરાગ અરિહંત પરમેશ્વરનો માર્ગ છે. હવે ‘ણમો અરિહંતાણં’-એમ રોજ બોલે પણ અરિહંત પરમેશ્વર કોણ છે એની લોકોને કાંઈ ખબર ન મળે! અરે ભાઈ! અરિહંતનું સ્વરૂપ જાણીને તેમને સાચા નમસ્કાર કરવા તે તો કોઈ અલૌકિક ચીજ છે. અહાહા...! ભગવાન અરિહંતના જેવો જ પોતાનો દ્રવ્ય સ્વભાવ છે એમ જાણી જે નિજ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરે છે તેને શુદ્ધ જીવત્વ સહિત અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. અહા! તે અતીન્દ્રિય આનંદની એક સમયની પર્યાયમાં ષટ્કારકરૂપ પરિણમન છે. આનંદ પર્યાય તે કર્તા, આનંદની પર્યાય તે કર્મ, આનંદની પર્યાય તે કરણ- સાધન, આનંદની પર્યાય તે સંપ્રદાન, તે જ અપાદાન અને તે જ અધિકરણ-એમ આનંદની પર્યાય પોતે ષટ્કારકરૂપ પરિણમી જાય છે. સમજાણું કાંઈ...? હવે આમાં વ્યવહારથી થાય એમ કયાં રહ્યું?

એ તો દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં આવી ગયું કે-નિશ્ચય અને વ્યવહાર બન્ને મોક્ષમાર્ગ જ્ઞાનીને ધ્યાનમાં એક સમયમાં સાથે હોય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે-

નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ,
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.

નિશ્ચય અને વ્યવહાર બન્ને સાથે હોય છે, છતાં નિશ્ચય તે વ્યવહાર નથી, ને વ્યવહાર તે નિશ્ચય નથી. બન્નેના ષટ્કારક


PDF/HTML Page 3936 of 4199
single page version

ભિન્ન ભિન્ન છે, એકબીજાથી નિરપેક્ષ છે. તેથી રાગ કર્તા ને નિર્મળ પર્યાય તેનું કાર્ય એમ કદી છે નહિ. અહા! આ ઓમ્ધ્વનિમાં આવેલી વાત છે.

અહા! એ ઓમ્ધ્વનિની ગંભીરતાની શી વાત! જુઓ, પ્રથમ દેવલોકનો સ્વામી શક્રેન્દ્ર સમકિતી છે; તે ૩૨ લાખ વિમાનનો સ્વામી છે, ઘણામાં તો અસંખ્ય દેવ છે. તેની પટરાણી-શચી પણ સમ્યગ્દ્રષ્ટિ છે. બન્ને એકભવતારી છે, એક ભવ મનુષ્યનો કરી બન્ને મોક્ષ પામવાનાં છે. અહા! આવા ઇન્દ્ર-ઇન્દ્રાણી ભગવાનની વાણી-ઓમ્ધ્વનિ સાંભળવા આવે તે વાણી કેવી હોય! અહા! એ વાણી અપાર ગંભીર અને ભવ્ય જીવોને હિતકારી-સુખકારી છે. અરે! આવો મનુષ્ય ભવ મળ્‌યો, જૈનમાં જન્મ થયો અને છતાં ભગવાન જિનેશ્વરદેવ શું કહે છે તે નહિ સમજે તો ફેરો ફોગટ જશે ભાઈ!

જો તો ખરો! અહાહા...! ભરત ચક્રવર્તી હતા. અહાહા...! તેમના વૈભવનું શું કહેવું? અપાર વૈભવના તે સ્વામી હતા. ૯૬ હજાર રાણીઓ, ૯૬ કરોડનું પાયદળ, ૪૮ હજાર નગર ને ૭૨ હજાર પાટણના તે સ્વામી હતા. દેવતાઓ તેમની સેવા કરતા, ઇન્દ્ર સરિખા તેમના મિત્ર હતા. પણ તેઓ સમકિતી આત્મજ્ઞાની હતા; અંદર તેમને સ્વસ્વરૂપનો અનુભવ અને દ્રષ્ટિ પ્રગટ થયાં હતાં. તેથી આ બધો વૈભવ તે હું નહિ, ને અંદર જે રાગ આવે છે તે પણ હું નહિ, હું તો જ્ઞાનાનંદસ્વરૂપ છું, લ્યો, એમ માનતા હતા. અહાહા...! દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય (શુદ્ધાત્મા) કોઈ અલૌકિક ચીજ છે બાપુ! તેનો મહિમા આવે એને પણ અલૌકિક પુણ્ય બંધાઈ જાય છે; તેની પ્રાપ્તિની તો શી વાત! એ તો અતીન્દ્રિય સુખમય જીવનની દેનારી છે. સમજાણું કાંઈ...?

અહાહા...! સ્વરૂપની દ્રષ્ટિ નામ સમ્યગ્દર્શન કોઈ મહા મહિમાવંત ચીજ છે ભાઈ! સમ્યગ્જ્ઞાન દીપિકામાં ક્ષુલ્લક બ્ર. ધર્મદાસજીએ સમકિતનો મહિમા બતાવતાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે-જેમ કોઈ સ્ત્રીને માથે પતિ છે ને તેને પરવશપણે કોઈ દોષ લાગી જાય તો તેની બહાર પ્રસિદ્ધિ થતી નથી તેમ જેની દ્રષ્ટિ આત્મા ઉપર છે એવા જ્ઞાનીને (સમકિતીને) કર્મવશ કોઈ અશુભ રાગાદિ ભાવ આવી જાય તો તેનો દોષ બહારમાં પ્રસિદ્ધિમાં આવતો નથી (અર્થાત્ તે અલ્પબંધનું જ કારણ થાય છે). હવે આમાં તો સાચી દ્રષ્ટિનો મહિમા બતાવવા આ દ્રષ્ટાંત છે. એમાં તો લોક સોનગઢના નામે ઊહાપોહ ને ખળભળાટ મચાવવા મંડીપડયા. પણ બાપુ! આ તો ક્ષુલ્લકજીએ આપેલું દ્રષ્ટાંત છે (સોનગઢનું નથી), ને એમાં તો સમ્યગ્દર્શનનો-આત્મદર્શનનો મહિમા બતાવવાનું પ્રયોજન છે. બાકી જ્યાં દયા, દાન આદિ શુભ વિકલ્પ પણ દુઃખરૂપ છે, તો પછી સ્ત્રી સંબંધી વિષય-ભોગનાં અશુભ પરિણામ કેમ ભલા હોય, દોષરહિત હોય? એ તો મહાપાપમય ને મહાદુઃખમય જ છે. તે કરવાલાયક છે એમ વાત જ નથી.

ભાઈ! પરમાત્મા સર્વજ્ઞદેવ એમ કહે છે કે-પ્રભુ! તું એક જીવિત વસ્તુ છો કે નહિ? છો, તો તેનું કારણ શુદ્ધ ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરનારી જીવત્વ શક્તિ છે. અહાહા...! જીવત્વને લઈને તું જીવી-ટકી રહ્યો છો. કાંઈ શરીરથી, ઇન્દ્રિયોથી, શ્વાસથી, ખોરાક-પાણીથી કે પૈસાથી તું ટકી રહ્યો છો એમ છે નહિ. એ સંયોગી ચીજ ભલે હો, પણ એનાથી તારું જીવન ટકયું નથી. એનાથી તો ભગવાન! તું ભિન્ન-જુદો છો, ને પુણ્ય-પાપના ભાવથી પણ જુદો છો. તો એ ભિન્ન પદાર્થો તારા આત્મદ્રવ્યને જીવવાના-ટકવાના કારણભૂત કેમ હોય? ન હોય. અહાહા..! તારી જીવનશક્તિમાં જ્ઞાન, દર્શન, આનંદ અને બળ એમ ચૈતન્યભાવ પ્રાણ પડયા છે, ને તે વડે તું ત્રિકાળ જીવિત છો, ભાઈ! અહાહા...! જીવનશક્તિના ધરનાર શુદ્ધ આત્માની દ્રષ્ટિપૂર્વક અંદરમાં જેણે જીવનશક્તિનો સ્વીકાર કર્યો તેને પર્યાયમાં નિરાકુળ આનંદની જીવન-દશા પ્રગટે છે. અહાહા...! આ જીવનશક્તિ તો જીવના જીવનની જડીબુટ્ટી છે ભાઈ! જેણે તે હસ્તગત કરી, માનો તે અમર થઈ જાય છે. (તેને મરવાની બીક ખલાસ થઈ જાય છે). ભજનમાં આવે છે ને કે

અબ હમ અમર ભયે ન મરેંગે,
યા કારણ મિથ્યાત દિયો તજ, કયોં કરિ દેહ ધરેંગે?
અબ હમ અમર ભયે ન મરેંગે

આ દેહથી, ને ખોરાક-પાણીથી મારું જીવન છે, ને આ રાગ ને પુણ્ય મને ભલાં છે એમ માનીને પ્રભુ! તું કેમ સૂતો છો? અહાહા...! દેહાદિથી તું જીવન માને ને પુણ્યને ભલું જાણે એ તો મહા વિપરીતતા છે, મિથ્યાભાવ છે, માથે કરજ છે બાપુ! પાલેજમાં પિતાજીની પેઢી પર બેસી સઝ્ઝાયમાળા વાંચતો એમાં આવતું કે-

સહજાનંદી રે આત્મા, સૂતો કંઈ નિચિંત રે;
મોહતણા રણિયા ભમે, જાગ–જાગ રે મતિવંત રે!

PDF/HTML Page 3937 of 4199
single page version

અહા! ચેતન પ્રભુ! જાગ રે જાગ, નાથ! જાગ; તારે માટે આ જાગૃત થવાનો કાળ છે. અહા! આ રૂપાળા દેહાદિ છે એ તો જડ માટી-ધૂળ છે, એ તો બળીને ખાખ થઈ જશે. પ્રભુ! એનાથી તારું જીવન કેમ હોય? આ રાગ અને પુણ્યથી પણ તારી ચીજ-સુખનિધાન સચ્ચિદાનંદ પ્રભુ-અંદર ભિન્ન પડી છે. અહાહા...! ભગવાન! તું દેહાદિ ને રાગાદિથી શૂન્ય (નાસ્તિપણે) છો. અહાહા...! આવી તારી ચીજને નજરમાં લે પ્રભુ! તારી નજરમાં પરચીજ-દેહાદિ ને રાગાદિ દેખાય છે ત્યાંથી ખસીને તારી નજરની પર્યાયને તારા સુખનિધાનમાં જોડ. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પ કરતાં કરતાં સાચું જીવન પ્રગટશે એમ તું માને એ તો તને મોહજન્ય વિભ્રમ છે બાપુ! એ ભાવો તો બધા દુઃખરૂપ છે, એક આત્મા અને નિર્મળ આત્મપરિણતિ જ નિરાકુળ છે, સુખમય છે. આવી વાત! સમજાણું કાંઈ...?

અહા! સમુદ્રમાં જેમ ભરતી આવે છે તેમ ભગવાન આત્મામાં અંતર્દ્રષ્ટિ કરતાં વર્તમાન પ્રગટ પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. અહા! ધ્રુવ ત્રિકાળી શક્તિવાન દ્રવ્યની દ્રષ્ટિ કરતાં પર્યાયમાં જ્ઞાન-દર્શન-આનંદ- વીર્યરૂપ જીવનશક્તિના પરિણમનની સાથે બીજી અનંત શક્તિઓ વ્યક્ત-પ્રગટ થાય છે. એને શક્તિઓ ઊછળે છે એમ અહીં કહ્યું છે. અહાહા...! દ્રષ્ટિવંતને જીવનશક્તિની જેમ અકાર્યકારણત્વ શક્તિ પણ ઊછળે છે, જે વડે ભગવાન આત્મા વ્યવહાર-રત્નત્રયના રાગનું કાર્ય નથી, ને એનું કારણ પણ નથી. અહાહા...! વ્યવહાર રત્નત્રયના રાગને આત્મા ઉત્પન્ન કરે એમેય નહિ. ને આત્માની નિર્મળ પરિણતિનું વ્યવહાર રત્નત્રય કારણ બને એમેય નહીં. અહા! અત્યારે તો બહુ જોરથી પ્રરૂપણા ચાલે છે કે-વ્રત કરો, ને ઉપવાસ કરો, ને ભક્તિ કરો ઇત્યાદિ. પરંતુ ભાઈ! એ કોઈ ચીજ નથી. એમાં રાગ મંદ હોય તો પુણ્યબંધ થાય બસ એટલું; બાકી એ દયા, દાન, વ્રતાદિના વિકલ્પ કોઈ દ્રવ્ય નહિ, ગુણ નહિ, ને આત્મદ્રવ્યની પર્યાય પણ નહિ. (અહીં શક્તિના અધિકારમાં નિર્મળ પર્યાયને જ આત્મા ગણી છે).

અરે! ભરતે અત્યારે કેવળી પરમાત્માના વિરહ પડયા! સદ્ભાગ્યે પરમાત્માની વાણી આ શાસ્ત્રરૂપે રહી ગઈ છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ સદેહે વિદેહ ગયા હતા. સાક્ષાત્ સીમંધર ભગવાનની વાણી-ૐ ધ્વનિ સાંભળી હતી. ત્યાંથી આ સંદેશ લાવ્યા છે કે-પ્રભુ! જીવનશક્તિથી તારો આત્મા પૂરણ ભર્યો પડયો છે. અહાહા...! ભગવાન! તું પુણ્ય-પાપને શરીરાદિથી શૂન્ય છો, ને પોતાની અનંત શક્તિથી અશૂન્ય-પૂર્ણ ભરપૂર છો. અહા! આવો હું જ્ઞાનમાત્ર આત્મા છું એમ વિશ્વાસ લાવી અંતર્દ્રષ્ટિ કરે ત્યાં જ અંતરમાં જીવનશક્તિ નિર્મળ નિરાકુળ આનંદમય જીવન સહિત પ્રગટ થાય છે; અને ભેગી અનંત શક્તિઓ નિર્મળ ઊછળે છે. અરે ભાઈ! અનંત કાળમાં તું દેહની ને રાગની દ્રષ્ટિ વડે ચાર ગતિમાં રઝળ્‌યો છો, માટે પુણ્ય કરતાં કરતાં ધર્મ પ્રગટશે-જીવન પ્રગટશે-એ વાત જવા દે, અને સ્વસ્વરૂપમાં-જેમાં અનંત શક્તિઓ એકસાથે રહેલી છે તેમાં અંતર્લીન થા. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આ જ મારગ છે ભાઈ!

ભાઈ! આ તારા હિતની વાત છે બાપુ! તને અહિત જેવી લાગે પણ આ એવી વાત નથી. શુભભાવ- પુણ્યભાવ પોતે જ બંધરૂપ છે ને બંધનું કારણ છે, જ્યારે ભગવાન આત્મા અબંધ છે-મુક્તસ્વરૂપ છે. સમયસાર ગાથા ૧પમાં આવી ગયું કે-જે આત્માને અબદ્ધસ્પૃષ્ટ દેખે છે તે સકળ જૈનશાસન દેખે છે. અહા! જે દ્રવ્યશ્રુત-વાણી છે તેમાં પણ એજ ઉપદેશ છે કે- ‘जो पस्सदि, अप्पाणं अबद्धपुट्ठं अणण्णमविसेसं। अपदेस संतमज्झं पस्सदि जिणसासणं सव्वं’ દ્રવ્યશ્રુતમાં પણ આત્માને અબદ્ધસ્પૃષ્ટ ને પુણ્ય-પાપના ભાવથી રહિત કહ્યો છે. અહાહા...! વિશેષને ગૌણ કરી, તેનું લક્ષ છોડી જે ચિત-સામાન્ય ભગવાન આત્માને અંતરમાં દેખે છે તે આખું જૈનશાસન દેખે છે. અહા! તેનું જીવન મહા મહિમાવંત છે.

અરે! અનંતકાળથી જીવ ચતુર્ગતિ-પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણના નાશનો ઉપાય કોઈ અપૂર્વ હોય બાપુ! કોઈ લોકો કહે છે-વ્યવહાર-રાગ કરતાં કરતાં ધર્મમય-સુખમય જીવન પ્રગટશે, પણ એમ છે નહિ. ભાઈ! દયા, દાન, વ્રત આદિના પુણ્યભાવ તે અપૂર્વ નથી; અનંતકાળમાં તું અનંતવાર કરી ચૂકયો છો. પ્રભુ! (છતાં પણ તું તો જ્યાં છો ત્યાં જ છો). માટે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થાય એવી માન્યતા યથાર્થ જૈનમત નથી. અહા! ભગવાન આત્મા દ્રવ્ય છે એનું કોઈ વ્યવહાર કારણ નથી, ગુણનું કોઈ વ્યવહાર કારણ નથી, અને જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તેનુંય કોઈ વ્યવહાર કારણ નથી. ભાઈ! તારી વસ્તુમાં-ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં-અંતર્દ્રષ્ટિ ને અંતર-રમણતા કરે બસ એ એક જ મોક્ષનો ઉપાય વા કારણ છો સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– શક્તિનું વર્ણન તો ઠીક, પણ અમારે તો મોક્ષમાર્ગ સાંભળવો છે. ઉત્તરઃ– મોક્ષમાર્ગની વાત તો ચાલે છે. શક્તિઓનો પિંડ શક્તિવાન જે દ્રવ્ય છે તેની પ્રતીતિ-રુચિ કરતાં પર્યાયમાં મોક્ષમાર્ગ


PDF/HTML Page 3938 of 4199
single page version

પ્રગટ થાય છે. ભાઈ! પરપદાર્થો, રાગ ને પર્યાય એ કાંઈ સમ્યગ્દર્શનનો વિષય નથી. ગાથા ૧પમાં એમ આવ્યું કે- અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને સંયુક્ત-એવા પાંચભાવોરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે; તેથી જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે.

આત્મા અવિશેષભાવ સ્વરૂપ છે, વિશેષ-ગુણભેદ તે આત્મા નહિ; ગજબ વાત કરી છે ને! (દ્રષ્ટિના વિષયમાં ભેદ સમાતો જ નથી.)

અહા! આ સ્ત્રી, પુરુષ, નપુંસક-એમ દેહને ન દેખો, ને પુણ્ય-પાપ આદિ વિકારને પણ ન દેખો; અહાહા...! અંદરમાં અનંતગુણધામ ચિન્માત્ર ભગવાન આત્મા ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજે છે તેને દેખો. અહાહા...! આવા નિજસ્વરૂપને જેણે દેખ્યું તે સમ્યગ્દ્રષ્ટિ છે, તે સમ્યગ્જ્ઞાની છે ને તે મોક્ષમાર્ગી છે. ભાઈ! મોક્ષ શબ્દ જ વિકાર ને દુઃખની નાસ્તિ, ને પરમ આનંદની અસ્તિ સૂચવે છે. હવે જ્યાં આમ છે ત્યાં પુણ્યથી-વિકારથી મોક્ષનો ઉપાય મળે એ વાત કયાં રહી? ભગવાનનો-વીતરાગનો મારગ તો ભાઈ! બધી બાજુથી ચોક્ખો સ્પષ્ટ છે.

અહા! જેમ આ લોક અકૃત્રિમ છે તેમ લોકનું દ્રવ્ય પણ કોઈએ કરેલું નથી; તેના ગુણો કે પર્યાયોનો પણ કોઈ કર્તા નથી. દ્રવ્ય અને ગુણને પર્યાયના કર્તા કહેવા એ વ્યવહાર છે. નિશ્ચયથી પર્યાયના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ પર્યાય છે, પર્યાયનું કારણ દ્રવ્ય-ગુણ નહિ અને પર તો નહિ જ નહિ. અહા! આવું વસ્તુ-સ્વરૂપ જાણીને જે પરથી હઠી, સ્વસ્વરૂપ અનંતશક્તિયુક્ત જ્ઞાનમાત્ર આત્મામાં લીન થાય છે તેને જીવનશક્તિ નિર્મળ ઉછળે છે, તેનું જીવન પવિત્ર, ઉજ્જ્વલ બને છે.

આ પ્રમાણે જીવત્વશક્તિ પૂરી થઈ.

*
૨ઃ ચિતિશક્તિ

અજડત્વસ્વરૂપ ચિતિશક્તિ. (અજડત્વ અર્થાત્ ચેતનત્વ જેનું સ્વરૂપ છે એવી ચિતિશક્તિ)’ જુઓ, પહેલાં જીવત્વશક્તિમાં જીવત્વ વડે જીવનું ત્રિકાળ જીવન સિદ્ધ કર્યું; હવે ચિતિશક્તિ કહીને જીવનું એ જીવન અજડત્વસ્વરૂપ અર્થાત્ ચૈતન્યમય છે એમ કહે છે. એ તો પહેલાં આવી ગયું કે જીવનશક્તિ છે એનું ચિતિશક્તિ છે તે લક્ષણ છે. અહીં ચિતિશક્તિ જુદી કેમ કહી? કે એ વડે જીવવસ્તુ ત્રિકાળ અજડત્વસ્વરૂપ-ચૈતન્યમય છે એમ બતાવવું છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! ચિતિશક્તિ અજડત્વસ્વરૂપ ચૈતન્યમય, ને તેને ધરનાર અનંત ગુણધામ જીવવસ્તુ પણ અજડત્વસ્વરૂપ ચૈતન્યમય. અહાહા...! દ્રષ્ટિવંતને-સમકિતીને અંદર જીવનશક્તિ ભેગી ચિતિશક્તિ ઉછળે છે. એટલે શું? કે ચિતિશક્તિનું પરિણમન પણ શુદ્ધ ચૈતન્યમય અજડત્વસ્વરૂપ છે. અહાહા...! આ રાગ-દ્વેષ- મોહ કે પુણ્ય-પાપના ભાવ તે આત્માની ચીજ નથી, કેમકે એ તો બધા જડ છે, ને ભગવાન આત્મા અજડ- ચૈતન્યમય છે. આવી વાત! સમજાણું કાંઈ...?

પહેલાં જીવત્વશક્તિ કહી એમાં તો જીવવારૂપ-ત્રિકાળ ટકવારૂપ એનું પરિણમન છે એમ વાત હતી, અહીં જુદી ચિતિશક્તિ કહીને તેનું ત્રિકાળ ટકવારૂપ-જીવવારૂપ જીવન છે તે ચૈતન્યમય છે એમ સિદ્ધ કરે છે. જીવત્વશક્તિમાં ચિતિશક્તિનું રૂપ છે ને? અર્થાત્ જીવત્વશક્તિનું ચિતિશક્તિ લક્ષણ છે ને? તેથી જીવના જીવત્વને અજડત્વ-ચેતનપણું છે. આવી ઝીણી વાત!

અહાહા...! જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મામાં, કહે છે, એક ચિતિશક્તિ છે. કેવી છે? તો કહે છે- ‘અજડત્વસ્વરૂપ ચિતિશક્તિ.’ ટૂંકા શબ્દે ઘણી (ગંભીર) વાત! કહે છે-આ ચિતિશક્તિમાં જડપણું નથી. અને આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને કર્મ વગેરે તો બધા જડ છે. તેથી આ શરીરાદિ પદાર્થો આત્માની ચીજ નથી, આત્માથી ભિન્ન ચીજ છે, બહારની ચીજ છે. હવે આવી વાત, એને કાંઈ અભ્યાસ ન મળે એટલે બેસે નહિ, પણ શું થાય?

અહાહા...! આત્મામાં જેમ એક જીવત્વશક્તિ છે, તેમ એક બીજી ચિતિશક્તિ છે. અરે, એવી એવી સંખ્યાએ અનંત અનંત શક્તિઓ એક આત્મદ્રવ્યમાં છે. કેટલી? અનંત... અનંત. એ તો પહેલાં આવી ગયું કે-આ લોક અસંખ્ય જોજનમાં છે. તેની બહાર બધે અલોક અનંત જોજનમાં વિસ્તરેલો છે. અહાહા...! અનંત... અનંત... અનંત જોજનમાં આકાશ વ્યાપેલું છે. કોઈને થાય કે-પછી શું?... પછી શું? પણ ભાઈ! કયાંય એનો અંત આવતો નથી, એમ ને એમ આકાશ...


PDF/HTML Page 3939 of 4199
single page version

આકાશ... બસ આકાશ અનંત-અનંત જોજનમાં હાલ્યું જાય છે; કયાંય એના ક્ષેત્રનો અંત નથી. અહા! આકાશના ક્ષેત્રના વિસ્તારનો જેમ કયાંય અંત નથી, તેમ ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞના (આત્માના) ભાવનો અંત નથી. આકાશના અનંત ક્ષેત્રનો જાણનાર ભગવાન આત્મા છે તેના જ્ઞાનનો અંત નથી. અહા! ક્ષેત્રને જાણનારું જ્ઞાન બેહદ-અપરિમિત અનંત છે. અહા! આ જ્ઞાનમાં આકાશના અનંત પ્રદેશોથી અનંતગુણી શક્તિઓ ભગવાન આત્મામાં છે એમ જાણવામાં આવ્યુ છે. તે પૈકી, અહીં કહે છે, તેની (-આત્માની) એક અજડત્વસ્વરૂપ ચિતિશક્તિ છે. ચિતિ નામ ચેતના; એમાં જ્ઞાન-દર્શન બન્ને સાથે લેવાં. હવે પછી બન્નેનું ભિન્ન ભિન્ન નિરૂપણ પણ કરશે.

અહાહા...! અહીં કહે છે-ભગવાન! તારા જ્ઞાનમાત્ર સ્વરૂપમાં એક ચિતિશક્તિ છે. તે અજડત્વસ્વરૂપ એટલે પૂરણ ચૈતન્યસ્વરૂપ છે. અહા! તે ત્રિકાળી દ્રવ્ય-ગુણમાં વ્યાપક છે ને ત્રિકાળી ધ્રુવની દ્રષ્ટિ થયે પર્યાયમાં પણ વ્યાપક થાય છે. અહાહા...! આ રીતે ચિતિશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે; દ્રવ્ય શુદ્ધ ચૈતન્યમય, ગુણ શુદ્ધ ચૈતન્યમય, ને ક્રમે પ્રગટતી પર્યાય પણ શુદ્ધ ચૈતન્યમય છે; અર્થાત્ ચિતિશક્તિ ક્રમે નિર્મળ ચૈતન્યમય પરિણમે છે. અહાહા...! તેમાં જડપણું નથી. એટલે શું? કે તેમાં દેહ, કર્મ આદિ જડ ભાવોનો અભાવ છે, અને તે જડના લક્ષે થતા પુણ્ય-પાપ આદિ ભાવોનો પણ તેમાં અભાવ છે. ઝીણી વાત છે પ્રભુ! જેમ લોઢાની છીણીથી લોઢું કપાય તેમ અંદર પ્રજ્ઞાછીણીને પટકવાથી જ્ઞાનથી રાગ છૂટો પડી જાય છે. આનું નામ ધર્મ છે.

આ પુણ્ય-પાપ આદિ રાગાદિ ભાવો છે તેમાં ચૈતન્યનો અભાવ છે. શું કીધું? આ દયા, દાન, વ્રત આદિ ભાવ છે ને? તે ચૈતન્યથી શૂન્ય જડ છે. હવે લોકોને આ વાત આકરી પડે છે. તેમને ક્રિયાકાંડની સ્થૂળ વાતો પકડાવી દેવામાં આવી છે ને! દયા કરો, ને વ્રત કરો, ને ભક્તિ કરો; પાંચ-પચીસ હજાર એમાં ખર્ચો એટલે ધર્મ થઈ જાય એમ પકડાવ્યું છે ને! પરંતુ ભાઈ! કરોડો રૂપિયા દાનમાં દઈ દે તોય ત્યાં જો મંદ રાગ કર્યો હોય તો પુણ્ય બંધ થશે બસ, પણ ધર્મ નહિ થાય. આ તો મારગડા જુદા છે નાથ! પુણ્યભાવમાં ચેતનશક્તિનો અભાવ છે; અર્થાત્ જ્યાં તું છો ત્યાં પુણ્ય-પાપના ભાવ છે નહિ. સમજાણું કાંઈ...? અહાહા...! તું તો અપરિમિત ચૈતન્યનો ભંડાર છો પ્રભુ!

હા, પણ તો અમે તીર્થસુરક્ષામાં દાન દેત નહિ. સમાધાનઃ– કોણ દે બાપુ? એ રૂપિયા તો એના કાળે આવવાના આવે છે ને જવાના જાય છે; તુંકયાં એનો માલીક છો? એનો કર્તા-હર્તા તું નથી. એ તો ધર્માત્માને અસ્થિરતાવશ દાન દેવાનો વિકલ્પ આવે છે, આવ્યા વિના રહેતો નથી, પણ એ વિકલ્પ મારું કર્તવ્ય છે એમ તે માનતા નથી. ધર્માત્મા ન તો દાનની રાશિના સ્વામી છે, ન તો દાનના વિકલ્પના સ્વામી છે. સમજાણું કાંઈ...? ભાઈ! તને વિષય-કષાયમાં ઉત્સાહ આવે છે, ને દાનાદિમાં નથી તો અમે જાણીએ છીએ કે તું મહાપાપી છો, ને વળી તને દાનાદિમાં ઉત્સાહ વર્તે છે, પણ આત્માના અનુભવમાં ઉત્સાહ નથી તોય ભાઈ! તું મૂઢ છો, આવી વાત! સમજાણું કાંઈ...?

અહો! ૪૭ શક્તિઓ કાઢીને આચાર્ય મહારાજે ગજબ કામ કર્યું છે, સત્ને ખુલ્લું કર્યું છે. શ્રીમદે કહ્યું છે-સત્ સરળ છે, સત્ સર્વત્ર છે, પણ સત્નું મળવું દુર્લભ છે.

હા, પણ ગુરુ મળે તો સત્ મળે ને? એ તો બાપુ! ગુરુનો ઉપદેશ જાણી અંતઃસન્મુખ થઈ અંતઃતત્ત્વ-એક જ્ઞાયકતત્ત્વનો અનુભવ કરે તો ગુરુ મળ્‌યા એમ કહેવાય; બાકી ગુરુ શું કરે? સ્વયં સ્વસ્વરૂપમાં અંતઃદ્રષ્ટિ કરી ભગવાન આત્માના આનંદનો અનુભવ કરે તે મુખ્ય છે અને તે ધર્મ છે. સ્વાનુભવ-આત્માનુભવ ધર્મ છે. કહ્યું છે ને કે-

અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકો, અનુભવ મોખ સરૂપ.

અહાહા...! ચિદાનંદસ્વરૂપ ચૈતન્યમહાપ્રભુ નિજ આત્માની સન્મુખ થઈને સ્વાનુભવ પ્રગટ કરવો એનું નામ મોક્ષનો માર્ગ છે, બાકી વ્યવહાર રત્નત્રયના ભાવ તો કાંઈ નથી, બંધનું કારણ છે.

અહાહા...! આ અજડત્વસ્વરૂપ ચિતિશક્તિ છે તેમાં અકાર્યકારણત્વશક્તિનું રૂપ ભર્યું છે. અહા! આ જ્ઞાનમાત્ર ભાવમાં ચિતિશક્તિ ઉછળે છે તો તેના પરિણમનરૂપ નિર્મળ જ્ઞાન-દર્શનની એકરૂપ પર્યાય પ્રગટ થાય છે. ચિતિશક્તિનું આ પરિણમન થાય તેમાં કાંઈ રાગનું-વ્યવહારનું કારણપણું છે એમ નથી. ચિતિશક્તિના પરિણામ રાગનું કાર્ય નહિ, ને


PDF/HTML Page 3940 of 4199
single page version

રાગનું કારણ પણ નહિ. અહા! આવું એમાં અકાર્યકારણપણું છે. અહા! ત્રિકાળી એક જ્ઞાનમાત્ર ભાવમાં ચિતિશક્તિ પડી છે. શક્તિ અને શક્તિવાનના ભેદની પણ દ્રષ્ટિ છોડી, અખંડ એક જ્ઞાનમાત્ર સ્વરૂપ ઉપર નજર કરતાં ચિતિશક્તિ પર્યાયમાં ઉછળે છે-પ્રગટે છે, પણ ભેદથી-વ્યવહારથી-રાગથી-શક્તિ નિર્મળ પ્રગટે છે એમ નથી. રાગ તો આંધળો અચેતન છે બાપુ! એનાથી ચેતન કેમ પ્રગટે? ભાઈ! તને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ હઠ છે પણ એ તો તારી શ્રદ્ધા જ મિથ્યા છે. એ તારી મિથ્યા હઠ છે બાપુ! એનું ફળ બહુ આકરું છે ભાઈ!

જ્ઞાન-દર્શનની નિર્મળ દશા ઉત્પન્ન થાય છે તેનું કારણ દ્રવ્ય-ગુણને કહીએ એય વ્યવહારથી છે. વાસ્તવમાં જે પરિણમન થયું તેનાં કારણ-કાર્ય તે પરિણમનમાં છે, દ્રવ્ય-ગુણ પણ તેનું કારણ નથી. આવી સૂક્ષ્મ વાત ભાઈ! કળશટીકામાં આવી ગયું કે-પરિણામ-કાર્ય થાય તેનાં દ્રવ્ય-ગુણ ઉપચારમાત્રથી કારણ છે. નિર્મળ પર્યાયનો અનુભવ પ્રગટ થયો તે કાર્ય છે, દ્રવ્ય-ગુણ તેનાં કારણ ઉપચારથી છે, વ્યવહારથી છે; ને પરવસ્તુ ને પરભાવ તો એનાં કારણ- કાર્ય છે જ નહિ.

સં. ૧૯૭૧ની સાલમાં સંપ્રદાયમાં બપોરે એક મોટી સભામાં વ્યાખ્યાનમાં અમે કહેલું કે-જીવની પર્યાયમાં વિકાર થાય છે તે કર્મના કારણે થાય છે એમ બીલકુલ નથી. અમારા ગુરુ ભદ્રિક હતા, તેઓ સાંભળતા હતા. ત્યારે આ દ્રઢતાથી કહ્યું કે જીવમાં જે વિકાર થાય છે તે કર્મને લઈને થાય છે એ વાત બીલકુલ સાચી નથી. વળી વિકારનો નાશ થવો એ પણ કોઈ પરનું કામ છે એમ નથી. વિકારનો નાશ-વ્યય પણ પોતાના સ્વભાવના અંતઃપુરુષાર્થથી થાય છે. કર્મનો નાશ થાય તો વિકારનો નાશ થાય એવી ખરેખર વસ્તુસ્થિતિ નથી. અહા! તે વખતે સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયેલો. દામનગરના એક ગૃહસ્થ શેઠ હતા તે બોલી ઉઠેલા કે-આ કયાં છે ભાઈ? આ તો દોરા વિનાની પડાઈ ઉડાડે છે; એમ કે-ગુરુએ તો આવું કદી કહ્યું નથી, ને આ કયાંથી આવ્યું? પણ ભાઈ! આવી જ વસ્તુસ્થિતિ છે.

જડ કર્મની પર્યાય થાય છે તે પરમાણુના ષટ્કારકથી થાય છે, ને આત્માની પર્યાયમાં વિકાર થાય છે તે પોતાના ષટ્કારકથી થાય છે, દ્રવ્ય-ગુણથી નહિ અને પરથી પણ નહિ. વિકાર થાય છે તેમાં કર્મ નિમિત્ત અવશ્ય હોય છે, પણ તેને લઈને જીવને વિકાર થાય છે એમ છે નહિ; વિકારનો વાસ્તવિક કર્તા કર્મ નથી.

જીવત્વશક્તિ પછી આ બીજી ચિતિશક્તિ આચાર્યદેવે વર્ણવી છે. આ ચિતિશક્તિ, કહે છે, અજડત્વસ્વરૂપ છે. ભાઈ! આત્મામાં શાશ્વત દર્શન-જ્ઞાનમય ચેતનાશક્તિ છે તે અજડત્વસ્વરૂપ છે. અને શક્તિનું કાર્ય નીપજે તે પણ અજડત્વસ્વરૂપ છે. તેથી પરદ્રવ્ય-જડદ્રવ્ય અને પરભાવ તેનાં કારણ-કાર્ય નથી. અહો! આ અલૌકિક વાત છે. જ્ઞાનની નિર્મળ દશાનું કોઈ અન્ય-પરદ્રવ્ય-પરભાવ કારણ નહિ, ને કાર્ય પણ નહિ. અહા! પૂર્વે કદીય જીવે આ અપૂર્વ માર્ગ પ્રગટ કર્યો નથી; અનંતકાળ એનો રખડવામાં-ચતુર્ગતિ પરિભ્રમણમાં જ ગયો છે.

અહાહા...! આ ચિતિશક્તિ અજડત્વસ્વરૂપ છે. તેનું કાર્ય શું? તો કહે છે-શુદ્ધ જ્ઞાનચેતનારૂપ પરિણામ તે એનું કાર્ય છે, વિકાર-કર્મચેતના તે એનું કાર્ય નથી. અહા! આ ગુણ અને આ ગુણી આત્મા-એવો ભેદ કાઢી નાખીને અભેદ એક ચિન્માત્ર આત્માની દ્રષ્ટિ કરવા વડે શક્તિનું કાર્ય જે જ્ઞાનચેતના-જ્ઞાનદર્શનરૂપ પરિણામ તે પ્રગટ થાય છે. અહા! તે પરિણામનું કોઈ પરદ્રવ્ય કારણ નથી. શું કીધું? ભગવાનની વાણી સાંભળી માટે સમ્યક્ જ્ઞાનમય પર્યાય પ્રગટ થઈ એમ નથી.

તો પહેલાં જ્ઞાન નહોતું, વાણી સાંભળ્‌યા પછી જ્ઞાન થયું; તો સાંભળવાથી જ્ઞાન પ્રગટ થયું કે નહિ? તો કહે છે ના, એમ નથી; જ્ઞાનની દશા પોતાથી પ્રગટ થાય છે, વાણીથી નહિ, વાણી સાંભળી તે નિમિત્ત અવશ્ય છે, પણ નિમિત્તને લઈને જ્ઞાન પ્રગટ થયું નથી; જ્ઞાન તે નિમિત્તનું કાર્ય નથી. વળી નિમિત્તના લક્ષે જે જ્ઞાન થાય તે તો પરલક્ષી જ્ઞાન છે, તે કાંઈ વાસ્તવિક-યથાર્થ જ્ઞાન નથી. દ્રવ્યસ્વભાવની અંતઃદ્રષ્ટિપૂર્વક જે જ્ઞાન થાય તે જ વાસ્તવિક-સત્યાર્થ જ્ઞાન છે. અરે ભાઈ! જે ચેતના પોતાને ચેતે-જાણે નહિ તેને ચેતના કોણ કહે? એ તો જડપણું થયું બાપુ! જે સ્વને ચેતે-જાણે તે જ પરને યથાર્થ ચેતે-જાણે છે અને તે જ ચિતિશક્તિનું કાર્ય છે. સમજાણું કાંઈ...!

અનંત ધર્મોનું ધામ એક શાશ્વત ધ્રુવ ધર્મી આત્મા છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે શક્તિ-સ્વભાવ. અહાહા...! ધર્મી એક શાશ્વત આત્મદ્રવ્ય છે, અને તેના ચિતિ, દ્રશિ, જ્ઞાન, સુખ, વીર્ય આદિ ધર્મો ત્રિકાળ શાશ્વત છે. તેની પર્યાય પ્રગટે છે તે એક સમયની છે; પર્યાય શાશ્વત નથી, ક્ષણિક છે, પણ તે શાશ્વત ધ્રુવના આશ્રયે પ્રગટ થાય છે. શું કીધું? આ હું ત્રિકાળી ધ્રુવ શાશ્વત ચૈતન્યચમત્કાર વસ્તુ આત્મા છું એમ જ્ઞાન-શ્રદ્ધાન કરનારી પર્યાય ત્રિકાળી ધ્રુવના આશ્રયે પ્રગટ થાય છે. આનું નામ અનિત્યથી નિત્ય જાણવામાં આવે છે. નિત્ય કાંઈ જાણતું નથી, કેમકે નિત્ય કૂટસ્થ છે; કાર્ય