PDF/HTML Page 781 of 4199
single page version
અહાહા....! આ જ્ઞાનજ્યોતિ અત્યંત ધીર છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય તોપણ એમાં મુંઝવણ નથી, આકુળતા નથી. જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં ધર્મી જીવ એમ જાણે છે કે હું પરનું કાંઈ (પરિણમન) કરી શકું નહિ તથા પર મારું કાંઈ (પરિણમન) કરી શકે નહિ. પ્રત્યેક પરિણમનને જાણવાનો મારો સ્વભાવ છે, બદલવાનો નહિ. આવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં અજ્ઞાનભાવે જે કર્તાકર્મની પ્રવૃત્તિ થતી હતી તે સહેજે દૂર થઈ જાય છે, અને નિરાકુળ આનંદ પ્રાપ્ત થાય છે.
પ્રશ્નઃ– શાસ્ત્રોમાં એમ આવે છે કે જેટલું રાગનું પરિણમન થાય તેટલા પરિણમનનો હું કર્તા છું એમ જ્ઞાની જાણે છે. તો આ કેવી રીતે છે?
ઉત્તરઃ– ભાઈ! એ જ્ઞાનપ્રધાન કથન છે. સમ્યગ્જ્ઞાન થયા પછી ધર્મી જાણે છે કે જેટલું રાગનું પરિણમન છે એ મારા પોતાના (પર્યાયરૂપ) અસ્તિત્વમાં છે અને તે મારે લઈને છે, એમાં પરની સાથે શું સંબંધ છે? આમ તે જ્ઞાનમાં જાણે છે. પરંતુ દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ રાગનું કર્તૃત્વ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ દ્રવ્યમાં છે જ નહિ. ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં રાગ કે રાગનું કર્તાપણું છે જ નહિ. આવા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યને જાણનારી જ્ઞાનની પર્યાય, પર્યાયમાં અંશે રાગાદિ છે એને પણ જાણે છે, અને તે પોતાનું કાર્ય છે, પરિણમન છે અને પોતે એનો કર્તા છે એમ વ્યવહારે જાણે છે.
ભાઈ! નિશ્ચયથી વિકારનું કર્તા-કર્મપણું જ્ઞાનીને નથી; તથાપિ પર્યાય અપેક્ષાએ વ્યવહારથી તે વર્તમાન વિકારનો કર્તા-ભોક્તા છે. જ્યાં જે અપેક્ષાથી કથન હોય તે અપેક્ષા લક્ષમાં લઈ તેનો ભાવ બરાબર સમજવો જોઈએ.
વિકાર થવામાં પરદ્રવ્યની સાથે શું સંબંધ છે? પરદ્રવ્ય તો પોતાથી તદ્ન ભિન્ન છે. પર્યાયમાં જે વિકાર થયો તે પોતાનો જ અપરાધ છે. તથાપિ તે કરવા લાયક છે એવી બુદ્ધિ જ્ઞાનીને છૂટી ગઈ છે. પર્યાયમાં પરિણમન છે એ અપેક્ષાએ ત્યાં વ્યવહારથી કર્તા કહેવામાં આવે છે, પણ સ્વભાવ દ્રષ્ટિએ એનું સ્વામિત્વ જ્ઞાનીને નથી. (એ અપેક્ષાએ જ્ઞાની રાગનો અકર્તા છે.)
આત્મામાં વિકારને-રાગને ન કરે એવો અકર્તા નામનો ગુણ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના રાગને ન કરે એવી આત્મામાં અકર્તૃત્વ નામની શક્તિ છે. જ્ઞાનમાં જ્યાં જ્ઞાયકભાવને પકડયો ત્યાં શુભાશુભ વિકારભાવોનું કર્તાપણું મટી જાય છે; આ અકર્તૃત્વ શક્તિનું નિર્મળ પરિણમન છે. આ પ્રમાણે જ્ઞાયકના લક્ષે ઉત્પન્ન થયેલી જ્ઞાનજ્યોતિ અજ્ઞાનરૂપ કર્તા-કર્મની પ્રવૃત્તિને બધી તરફથી મટાડી દે તેવી ધીર છે, અનાકુળ છે. ભાઈ! આવી જૈનધર્મની સૂક્ષ્મ વાત દિગંબર ધર્મ સિવાય બીજે કયાંય નથી, અને આ જ વાત સત્ય છે. લોકોએ બહારથી કલ્પ્યો છે એવો જૈનધર્મ છે જ નહિ. અહીં
PDF/HTML Page 782 of 4199
single page version
કહે છે કે અંદર જ્યાં જ્ઞાનસ્વભાવી શુદ્ધ આત્માને ગ્રહ્યો ત્યાં જ્ઞાની-ધર્મી એમ જાણે છે કે હું અત્યંત ધીર છું, અનાકુળ આનંદરૂપ છું. આ જૈનધર્મ છે.
વળી તે (જ્ઞાનજ્યોતિ) ‘निरुपधि–पृथग्द्रव्य–निर्भासि’ પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી ‘विश्वम् साक्षात् कुर्वत्’ સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે-પ્રત્યક્ષ જાણે છે. શું કહ્યું? કે જ્ઞાતાસ્વભાવના આશ્રયે જે જ્ઞાનપર્યાય પ્રગટી તેનો સ્વભાવ જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો છે. જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે. એટલે જેટલાં (અનંત) દ્રવ્ય- ગુણ-પર્યાય છે તે સર્વને ભિન્નભિન્નપણે જાણે એવો એનો સ્વભાવ છે. કેવળજ્ઞાનની પર્યાયમાં કે શ્રુતજ્ઞાનની પર્યાયમાં પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને-દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાંને પ્રકાશવાનો સ્વભાવ છે. અહીં કહે છે કે અપરિમિત સ્વભાવથી ભરેલી શુદ્ધ ચૈતન્યપ્રકાશમય વસ્તુ જે આત્મા-એમાં ઢળતાં જ્ઞાનમાં એવું સામર્થ્ય પ્રગટ થયું કે તે દ્રવ્યને-સ્વને જાણે અને લોકાલોકને પણ જાણે. જ્ઞાનની પર્યાયનો આવો સ્વપરપ્રકાશક સ્વભાવ પોતાથી છે. અહો! કરે નહિ કોઈનું (પરિણમન) અને જાણે સૌને-લોકાલોકને એવો જ્ઞાનસ્વભાવી આત્મા છે.
‘આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે.’ જુઓ, શરીર, મન, વાણી, કુટુંબ, દેશ ઇત્યાદિનું હું કરું એ કર્તાપણાનું અજ્ઞાન છે. દેહને આમ સદ્-ઉપયોગમાં વાળું, લક્ષ્મીનો સદુપયોગ કરું, દેશને સુધારી દઉં, દાનાદિ વડે પુણ્ય ઉપજાવું ઇત્યાદિ પ્રવૃત્તિ એ કર્તાપણાનું અજ્ઞાન છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા આવા અજ્ઞાનને દૂર કરીને પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. પોતે એટલે પરની અપેક્ષા વિના, રાગની મંદતાની અપેક્ષા વિના, વ્યવહારની અપેક્ષા વિના, ભેદના લક્ષ વિના અભેદ એક નિર્મળ જ્ઞાનસ્વભાવના લક્ષે જ્ઞાનજ્યોતિ પ્રગટ પ્રકાશમાન થાય છે. આ કળશનો ભાવાર્થ છે.
હવે, જ્યાં સુધી આ જીવ આસ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છેઃ-
અહા! કુંદકુંદાચાર્યદેવ ગાથાઓમાં કહે છે કે સર્વદર્શી-સર્વજ્ઞ ભગવાન આમ કહે છે.
પ્રશ્નઃ– જો ભગવાન કહે છે તો ભગવાન વાણીના કર્તા છે કે નહિ?
ઉત્તરઃ– પરમાર્થે ભગવાન વાણીના કર્તા નથી. વાણી તો જડ છે. એનો કર્તા આત્મા નથી. ભગવાન આમ કહે છે એમ જે અહીં કહ્યું છે એ તો વ્યવહાર નયનું
PDF/HTML Page 783 of 4199
single page version
કથન છે. ભાઈ! વાણી તો સ્વયં વાણીના કારણે નીકળે છે, આત્માના કારણે નહિ. ઉપદેશ વખતે જ્ઞાની એમ જાણે છે કે આ વાણી અમારી-આત્માની નથી. વાણી જડની છે.
વાણીમાં સ્વપરને કહેવાનું સામર્થ્ય છે અને ભગવાન આત્મામાં સ્વપરને જાણવાનું સામર્થ્ય છે. વાણીમાં જે સ્વપરને કહેવાનું સામર્થ્ય છે તે આત્માથી થયું છે એમ નથી.
જ્ઞાની ધર્માત્મા અજ્ઞાનીને વ્યવહાર દ્વારા સમજાવે છે. ત્યાં અજ્ઞાની વ્યવહારને જ ચોંટી પડે છે. તે કહે છે-તમે અમને સમજાવો છો, તો સમજાવાથી અમે સમજીએ એમ માનીને સમજાવો છો કે નહિ? તમે ઉપદેશ કરો છો, તો અમને જ્ઞાન થાય એ માટે કરો છો કે ખાલી એમ ને એમ કરો છો? જો ઉપદેશથી-નિમિત્તથી કાંઈ ન થાય તો તમે મૌન રહોને? સૌ પોતપોતાની મેળે સમજી જશે.
સમાધાનઃ– ભાઈ! કોઈ કોઈને સમજાવી દે એ વસ્તુનું સ્વરૂપ જ નથી, એ તો વ્યવહારની કથન શૈલી છે. ઉપદેશ તો સૌ સાંભળે છે પણ જે સ્વયં વિકલ્પરહિત થઈ અંતર્મુખ થવાનો ઉદ્યમ કરે છે તે સમજે છે, અન્ય નહિ. ઉપદેશ સાંભળીને પણ જે સમજે છે તે પોતે પોતાથી પોતાના કારણે સમજે છે અને બીજો મૌન હોય તે વેળા જે સમજે છે તે પણ પોતે પોતાથી સમજે છે. દરેક વખતે સમજ તો અંદરથી આવે છે, બાહ્ય ઉપદેશથી કે મૌનથી નહિ.
પ્રશ્નઃ– તો ધવલમાં એમ આવે છે કે-જ્ઞાન કર્તા અને વાણી કર્મ-એનો શું આશય છે?
ઉત્તરઃ– ભાઈ! એ તો નિમિત્તનું કથન છે. નિમિત્ત કર્તા તરીકે કહેવાય, પણ એનો અર્થ એ છે કે તે કર્તા છે જ નહિ. બાપુ! આત્મહિત કરવું હોય તો વાદવિવાદ છોડીને (સ્યાદ્વાદ શૈલી વડે) સમજે તો સમજાય એવું છે. ‘ભગવાન આમ કહે છે’ એ તો વ્યવહારથી કહેવામાં આવ્યું છે, ભગવાન વાણીના કર્તા યથાર્થમાં છે જ નહિ.
‘જેમ આ આત્મા, જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે.’
પાઠમાં (ગાથામાં) પ્રથમ બીજી વાત છે. અહીં ટીકાકાર પ્રથમ સવળેથી શરૂ કરે છે. કહે છે-ભગવાન આત્મા અને જ્ઞાન એ બેમાં જુદાઈ નથી. જ્ઞાન અને આત્મા બન્ને તાદાત્મ્યપણે એકરૂપ છે. જ્ઞાનસ્વભાવ અને આત્મા એક જ વસ્તુ છે, બન્નેમાં તફાવત નથી. તેમનાં લક્ષણો જુદાં નથી. ધર્મી જીવ, સમ્યગ્દ્રષ્ટિ જીવ તેમને જુદાં નહિ દેખતો થકો નિઃશંકપણે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, એટલે કે આત્મામાં પોતાપણે વર્તે છે.
PDF/HTML Page 784 of 4199
single page version
જડનાં કામ આત્મા કરે એ માન્યતા મૂઢ મિથ્યાદ્રષ્ટિની છે. જડનાં કાર્યો જડથી થાય, આત્માથી ત્રણકાળમાં નહિ-આ વસ્તુસ્થિતિ છે. વિશ્વમાં અનંત પદાર્થો અનંતપણે એકબીજાથી પૃથક્પણે રહેલા છે તે એકબીજાનું(કાર્ય) કરે તો અનંતતા રહે નહિ, પૃથક્તા રહે નહિ. અનંત આત્મા, અનંત પુદ્ગલો આદિ વિશ્વમાં અનંત દ્રવ્યો છે. તે સૌ પોતપોતાથી છે. દ્રવ્ય-ગુણ તો પોતાથી છે પણ તે તે દ્રવ્યોની પર્યાયો પણ પોતાથી છે. ત્યારે જ તે અનંતપણે રહે છે. આત્મા અજ્ઞાનપણે રાગને કરે અને જ્ઞાનપણે જાણવાની ક્રિયા કરે. શરીર, વાણી, પૈસા ઇત્યાદિ જડની ક્રિયા આત્મા કદીય ન કરે-ન કરી શકે. અહીં કહે છે કે જ્ઞાન અને આત્માને જુદાં નહિ દેખતો જ્ઞાની નિઃશંકપણે જ્ઞાનમાં વર્તે છે. જ્ઞાન અને આત્મા એક છે, માટે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે. જાણવું, જાણવું, જાણવું એવો જે જ્ઞાનસ્વભાવ અને આત્મા બન્ને એક અભેદ છે. તેથી રાગનું લક્ષ છોડી દઈ જે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે, પોતામાં વર્તે છે.
અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે-જાણવારૂપ પરિણમે છે. જ્ઞાન જ્ઞાનમાં-ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાન તે હું એમ જે જ્ઞાનનું પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા નિષેધવામાં આવી નથી. પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળતાં જે જ્ઞાનની ક્રિયા થઈ તે ધર્મ-ક્રિયા છે અને તે નિષેધી નથી. પરંતુ પરલક્ષે જે રાગની ક્રિયા થઈ તે નિષેધી છે.
ત્રણ પ્રકારની ક્રિયાઃ ૧. શરીર, મન, વાણી, ધનાદિ જે જડ પરદ્રવ્ય છે તેની ક્રિયા તે જડની ક્રિયા. ૨. પર-દ્રવ્યના લક્ષે ઉત્પન્ન રાગની ક્રિયા તે વિભાવરૂપ ક્રિયા. ૩. સ્વરૂપના લક્ષે ઉત્પન્ન જ્ઞાનની ક્રિયા તે સ્વભાવભૂત ક્રિયા.
જડની ક્રિયા તો આત્મા ત્રણ કાળમાં કરતો નથી, કરી શક્તો નથી. અને જ્ઞાન તે આત્મા-એમ જ્ઞાનમાં પોતાપણે નિઃશંકપણે વર્તતો તે રાગની ક્રિયાને પણ કરતો નથી. જ્ઞાન તે આત્મા-એમ સ્વભાવસન્મુખ થઈ સ્વાનુભવ કરતાં તે જ્ઞાનક્રિયા કરે છે. આમાં દ્રવ્ય-ગુણ- પર્યાય ત્રણે સિદ્ધ થઈ ગયાં. આ જાણવું, જાણવું, જાણવું-એવો જેનો સ્વભાવ છે તે દ્રવ્ય આત્મા, જાણવું જે સ્વભાવ તે ગુણ. ગુણ અને ગુણી બે એક અભિન્ન છે-એમ જે સ્વલક્ષે પરિણમન થયું તે જ્ઞાનક્રિયા-પર્યાય. આ જ્ઞાનક્રિયા તે ધર્મ છે, મોક્ષમાર્ગ છે.
જ્ઞાન તે આત્મા-એમ સ્વ તરફ ઢળતાં જે સ્વાત્મપ્રતીતિ થઈ તે શ્રદ્ધાન, સ્વાત્મજ્ઞાન થયું તે જ્ઞાન અને સ્વાત્મસ્થિરતા થઈ તે ચારિત્ર. આ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રની એકરૂપ પરિણતિ તે મોક્ષમાર્ગ છે. અહો! આ કર્તા-કર્મ અધિકારમાં આચાર્યોએ
PDF/HTML Page 785 of 4199
single page version
અદ્ભુત વાતો કરી છે! આવો અધિકાર બીજે કયાંય છે જ નહિ. આ સમયસાર તો બેજોડ- બેનમૂન ગ્રંથ છે.
પ્રશ્નઃ– રાગનો કર્તા આત્મા નથી તો રાગનો કર્તા કોણ છે? કોઈ ઈશ્વર છે કે પુદ્ગલ કર્મ?
ઉત્તરઃ– રાગનો કર્તા કોઈ ઇશ્વરેય નથી કે પરદ્રવ્ય પણ નથી. રાગ પોતાની પર્યાયમાં પોતાના કારણે થાય છે ત્યારે એમાં પુદ્ગલકર્મ નિમિત્ત છે, બસ.
અહીં કહે છે કે આત્માનો સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય તે તરફ ઢળતાં જ્ઞાનની જે ક્રિયા થઈ એ નિર્મળ પરિણતિ છે. એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા છે અને તે સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. અહાહા! દ્રષ્ટિ અંતર્મુખ ઢળતાં જ્ઞાનમાં એકાગ્રતાની જે ક્રિયા થઈ તે સ્વભાવભૂત છે. એટલે જેવો સ્વભાવ છે તે જાતની જ ક્રિયા થઈ છે. તેથી તે નિષેધી શકાતી નથી.
કેટલાક કહે છે કે ‘ક્રિયાનો લોપ કર્યો, ક્રિયાનો લોપ કર્યો’ તેને અહીં કહે છે કે- ભાઈ! આ જ્ઞાનક્રિયાનો લોપ નથી, આ જ્ઞાનક્રિયા તો ધર્મીને હોય છે કેમકે તે સ્વભાવભૂત છે. આત્મા અને જ્ઞાનમાં વિશેષતા (તફાવત) નથી-એમ બન્નેમાં જુદાપણું નહિ દેખતો થકો ધર્મી નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. જ્ઞાનક્રિયા જે થઈ તે સ્વભાવભૂત છે તેથી નિષેધી શકાતી નથી.
ગાથા ૧૭-૧૮ની ટીકામાં આવે છે કે-‘સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે.’ ‘આ અનુભૂતિ છે તે જ હું છું-અહાહા....! જ્ઞાનમાં જે અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી ભગવાન જણાયો તે જ હું છું એમ જ્ઞાનક્રિયાની સાથે જ શ્રદ્ધાનનો ઉદય થાય છે અને ત્યારે દયા, દાન, વ્રત, આદિ સમસ્ત પરભાવોનો ભેદ થવાથી સ્વભાવમાં ઠરવાને તે સમર્થ થાય છે. આ પ્રમાણે સ્વરૂપમાં નિઃશંક ઠરવાને લીધે તે આત્માનું અનુષ્ઠાન-આત્માની રમણતાને પ્રાપ્ત થાય છે. આ આત્માની સિદ્ધિની રીત છે, આ જ મોક્ષમાર્ગ છે અને તે સ્વભાવભૂત છે.
વળી ત્યાં જ (ગાથા ૧૭-૧૮ની ટીકામાં) આગળ કહ્યું છે કે આબાળગોપાળ સૌને જ્ઞાનની પર્યાયમાં જાણનારો-જાણકસ્વભાવી અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા સદા જણાય છે, કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે તેથી તે સ્વને જાણે છે. પરંતુ એના (જ્ઞાયકસ્વભાવી આત્માના) ઉપર અજ્ઞાની જીવની દ્રષ્ટિ નથી. તેથી હું રાગને અને પરને જ જાણું છું એમ અજ્ઞાની માને છે.
એકલું જ્ઞાનનું દળ એવો આત્મા જ સૌને સદાકાળ જણાય છે. છતાં રાગને વશ થયેલો અજ્ઞાની ‘આ અનુભૂતિ છે તે હું છું’-એમ જ્ઞાયક પ્રતિ નજર કરતો નથી.
PDF/HTML Page 786 of 4199
single page version
તેથી તેને આત્મા તિરોભૂત થાય છે, અને પોતાને પર અને રાગ જણાય છે એમ તે માને છે. અજ્ઞાનીને સ્વ ઉપર દ્રષ્ટિ નથી કેમકે તે પર્યાયમાં જ ઊભો છે.
અહીં કહે છે કે-જ્ઞાનીને, વસ્તુનો ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વભાવ એના પ્રતિ ઢળતાં જે નિર્મળ જ્ઞાનપરિણતિ થઈ તે સ્વાભાવિક ક્રિયા છે, અને તેનો નિષેધ નથી માટે તે જાણે છે- જાણવારૂપ પરિણમે છે અને તે ધર્મ છે. વસ્તુસ્વભાવ તે ધર્મ એમ કહ્યું છે ને? વસ્તુનો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવ તે ધર્મી છે અને તેમાં ઢળેલી ધર્મીની જે નિર્મળ જ્ઞાનપરિણતિ તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું જ્ઞાનપણે પરિણમવું તે એનું કર્મ એટલે કાર્ય છે.
પ્રશ્નઃ– ‘ज्ञानक्रियाभ्याम् मोक्षः’-અમે કહ્યું છે ને?
ઉત્તરઃ– હા, ભાઈ! તે બરાબર છે, પણ કયું જ્ઞાન અને કયી ક્રિયા? શું શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન તે જ્ઞાન છે? શું વ્રતાદિ મંદ રાગનું આચરણ તે ક્રિયા નામ ચારિત્ર છે? ના, હો; ભાઈ! એમ નથી. આત્મજ્ઞાન વિના અગિયાર અંગ અને નવપૂર્વના જ્ઞાનની લબ્ધિ પ્રગટી; પણ તે જ્ઞાન નથી. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં (સ્વસંવેદનપૂર્વક) આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું-એમ જે જણાયો તે જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. તથા એ ધ્રુવ જ્ઞાયકમાં એકાગ્રતા-રમણતા થઈ તે ક્રિયા એટલે ચારિત્ર છે. આ જ્ઞાન અને ક્રિયા તે મોક્ષનો માર્ગ છે. એની પૂર્ણતા તે મોક્ષ છે. આવી વાત જાણે નહિ અને મંડી પડે બાહ્ય વ્રત-તપ આદિ ક્રિયામાં તો તેથી મોક્ષ ન થાય. અજ્ઞાનપૂર્વકનાં આચરણ એ તો બંધમાર્ગ છે, ભાઈ.
પ્રશ્નઃ– જ્ઞાનરૂપે તો અજ્ઞાની પણ હંમેશાં પરિણમે છે?
ઉત્તરઃ– ના, એમ નથી. અજ્ઞાની એક સમય પણ જ્ઞાનપણે પરિણમતો નથી. એ તો કહ્યું ને કે જ્ઞાનની પર્યાયમાં ધ્રુવ જ્ઞાનસ્વરૂપી આત્મા જણાય છે, પણ આ ધ્રુવ જ્ઞાન તે હું- એમ તે કયાં જાણે અને માને છે? એ તો જે રાગ અને પર જણાય છે એ જ મારાં જ્ઞેય છે એમ માને છે. પરંતુ રાગ અને પરથી લક્ષ દૂર કરીને દ્રષ્ટિ સ્વ ભણી વાળતાં જ્ઞાનની પર્યાયમાં ‘આ જ્ઞાયક છે તે હું છું’-એમ જ્ઞાયકને જાણવાપણે અજ્ઞાની પરિણમતો નથી.
હવે કહે છે-‘તેવી રીતે જ્યાં સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આસ્રવોમાં પણ, પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિઃશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે.’
જુઓ, ગાથાનો મૂળ ભાવ હવે શરૂ થાય છે. શું કહે છે? કે ક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિ શુભાશુભ ભાવો અને આત્માને સંયોગસિદ્ધ સંબંધ છે. જેનો સંયોગ થઈને વિયોગ થાય તેને સંયોગસિદ્ધ સંબંધ કહેવાય. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ
PDF/HTML Page 787 of 4199
single page version
શુભ ભાવો અને હિંસા, જૂઠ આદિ અશુભ ભાવો-એ બધા સંયોગી ભાવો છે કેમકે તેમનો વિયોગ થઈ જાય છે. આ ક્રોધાદિ ભાવો સાથે આત્માનો એક સમય પૂરતો જ સંબંધ છે. (એક સમયમાં તેઓ નાશ પામે છે) અને બીજા સમયે બીજા નવા ઉત્પન્ન થાય છે, તથા આત્માના ભાન અને સ્થિરતા વડે તેઓ અત્યંત મૂળમાંથી જ નાશ પામી જાય છે. કેવલજ્ઞાન થતાં વિકારીભાવો અત્યંત નાશ પામી જાય છે. માટે ક્રોધાદિ ભાવો આત્મા સાથે ઉત્પાદ-વ્યય સંબંધે છે પણ ધ્રુવસંબંધે નથી, એકરૂપ સંબંધે નથી. દયા, દાન, ઇત્યાદિ શુભ પરિણામ કે પાંચ મહાવ્રતના શુભ પરિણામ કે વ્યવહાર રત્નત્રયના પરિણામ એ બધા સંયોગીભાવ હોવાથી તેમનો આત્મા સાથે સંયોગસિદ્ધ સંબંધ છે. વળી તે બધા ભાવો નિમિત્તના સંગે ઉત્પન્ન થયેલા છે ને? તેથી પણ તે સંયોગી ભાવો છે. જ્ઞાન અને આત્માને સ્વભાવસિદ્ધ સંબંધ છે, એકરૂપતાનો સંબંધ છે. જ્ઞાન અને આત્મા એક છે. તેથી જ્ઞાનમાં પોતાપણે પ્રવર્તતાં જ્ઞાની આત્માના માર્ગે પ્રવર્તે છે. ત્યાં આત્માનું જ જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન અને આત્માની રમણતા-સ્થિરતા થાય છે અને તે ધર્મની ક્રિયા છે. પ્રશ્નઃ– જ્ઞાનની પર્યાય પણ બદલાય તો છે? તેનો પણ ઉત્પાદ-વ્યય તો થાય છે? ઉત્તરઃ– જ્ઞાનની પર્યાય (કેવળજ્ઞાનની પણ) બદલાય તો છે. તેનો પણ ઉત્પાદ-વ્યય તો થાય છે. પરંતુ જેવો આત્માનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે તે જ જાતનો તેમાં ઉત્પાદ-વ્યય થાય છે. બદલાય છે તોપણ જ્ઞાનની પર્યાય ચૈતન્યસ્વભાવમય જ રહે છે. માટે જ્ઞાનની નિર્મળ પર્યાયને આત્મા સાથે સ્વભાવસિદ્ધ સંબંધ છે, તાદાત્મ્યસંબંધ છે. અહીં કહે છે કે આત્મા અને ક્રોધાદિ આસ્રવોને સંયોગસિદ્ધ સંબંધ છે છતાં પોતાના અજ્ઞાનભાવને લીધે જ્યાં સુધી તેમનો એટલે સ્વભાવ-અને વિભાવનો વિશેષ જાણતો નથી, ભેદ દેખતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની નિઃશંકપણે વિકારીભાવોમાં-આસ્રવોમાં પોતાપણે વર્તે છે. પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત આદિના શુભભાવ અને આત્માને સ્વભાવસિદ્ધ સંબંધ નથી પણ સંયોગસિદ્ધ સંબંધ છે. પંચાધ્યાયીમાં આ શુભાશુભ વિકારી ભાવોને ‘આગંતુક’ કહ્યા છે. આગંતુક એટલે (એક સમય પૂરતા) નવા મહેમાન તરીકે આવેલા ભાવ કહ્યા છે. સંયોગીભાવ કહો કે આગંતુક કહો-એક જ અર્થ છે. હવે જ્યાં સુધી પોતાના અજ્ઞાનપણાને લીધે-કર્મને લીધે એમ નહિ પણ પોતાના અજ્ઞાનને લીધે, રાગાદિ વિભાવભાવો અને અખંડ એકરૂપ ચૈતન્યસ્વભાવ-એ બન્નેનો ભેદ અજ્ઞાની જાણતો નથી ત્યાં સુધી તે નિઃશંકપણે વિભાવમાં-વિકારમાં પોતાપણે વર્તે છે. અહાહા! આત્માનો સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યમય અમૃતસ્વરૂપ છે. પણ અજ્ઞાનીને એનો કદી અનુભવ નથી. તેથી જ્ઞાન તે હું એમ ન જાણતાં રાગ-
PDF/HTML Page 788 of 4199
single page version
વિકાર તે હું એમ માને છે અને તેથી રાગાદિ વિકારમાં પોતાપણે વર્તે છે. પણ ભાઈ! રાગ એ તો ઝેર છે બાપુ! ઝેર પીતાં પીતાં અમૃત (આત્મા)નો સ્વાદ ન આવે, રાગ છે એ રોગ છે અને રાગ મારો એવો મિથ્યાત્વભાવ મહાન રોગ છે. કહ્યું છે ને કે ‘આત્મ-ભ્રાન્તિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ.’ અનાદિનો એને આત્મભ્રાન્તિનો રોગ લાગુ પડયો છે. તેને મટાડવાની આ વાત ચાલે છે.
આત્મા અંતરમાં સ્વભાવથી ભગવાન સ્વરૂપે બિરાજે છે. તેને ભૂલીને અજ્ઞાની નિઃશંક રીતે ક્રોધાદિ વિભાવોમાં પોતાપણે વર્તે છે. ‘અને ત્યાં (ક્રોધાદિમાં પોતાપણે) વર્તતો તે, જોકે ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે તોપણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ હોવાથી ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે.’
શું કહ્યું? ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ, દયા, દાન, વ્રતાદિના પરિણામ સંયોગીભાવ હોવાથી પરભાવભૂત છે. તેથી તે વિકારી ક્રિયા નિષેધવામાં આવી છે. છતાં તે રાગની ક્રિયા મારી પોતાની ક્રિયા છે એમ માનવાનો તેને ચિરકાળથી અધ્યાસ છે. અહા! રાગ છે તે મારો સ્વભાવ છે એમ માનવાની અજ્ઞાનીને ટેવ-આદત થઈ ગઈ છે. તેથી જેમ વિષ્ટાના કીડાને ફરી ફરીને વિષ્ટામાં જવાની ટેવ પડી ગઈ હોય છે તેમ અજ્ઞાનીને વારંવાર ક્રોધરૂપે, રાગરૂપે અને મોહરૂપે પરિણમવાની ટેવ પડી ગઈ છે. તે પ્રમાણે તે નિઃશંક ક્રોધરૂપે પરિણમે છે, રાગરૂપે પરિણમે છે, મોહરૂપે પરિણમે છે. આ રીતે તે રાગાદિમાં એકપણે પરિણમતો મિથ્યાત્વના ભાવરૂપે પરિણમે છે.
‘હવે અહીં, જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે, જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન (જ્ઞાતા-દ્રષ્ટા માત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવન વ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિ વ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે તે કર્તા છે.’ જ્ઞાનવ્યાપારથી ભિન્ન લક્ષણવાળા પુણ્ય-પાપના જે ક્ષણિક વિકારો પર્યાયમાં થાય છે એ જ જાણે પોતાનો સ્વભાવ હોય એમ અજ્ઞાની માને છે. આમ રાગાદિ વિકારથી એકત્વ માનનારો અજ્ઞાની, જ્ઞાતાદ્રષ્ટાની સહજ ઉદાસીન અવસ્થાને છોડી દઈને રાગાદિ વિકારનો કર્તા થાય છે. અહાહા....! વસ્તુનો સહજ ચૈતન્યસ્વભાવ તો એવો છે કે એમાંથી જ્ઞાતાદ્રષ્ટાની સહજ ઉદાસીન નિર્મળ અવસ્થા જ થાય વિકારની નહિ, કેમકે વસ્તુમાં વિકાર છે જ કયાં? જ્ઞાનભવનમાત્ર એટલે જાણવું, જાણવું, જાણવું-એમ સહજ જાણનરૂપ જ્ઞાતાદ્રષ્ટાના પરિણમનની ક્રિયા થવી જોઈએ. પરંતુ અજ્ઞાન વડે તેનો ત્યાગ કરીને અજ્ઞાની ક્રોધાદિ ક્રિયામાં એકત્વપણે પ્રવર્તે છે અને તેથી ક્રોધાદિમાં પ્રવર્તતો તે ક્રોધાદિનો કર્તા છે.
પ્રશ્નઃ- જ્ઞાનીને પણ પર્યાયમાં રાગાદિ થાય છે ને?
PDF/HTML Page 789 of 4199
single page version
ઉત્તરઃ– હા, જ્ઞાનીને પર્યાયમાં રાગાદિ થાય છે-થઈ જાય છે. પરંતુ જ્ઞાની તેમાં તન્મયપણે પરિણમતો નથી. હું રાગાદિનો કર્તા છું એમ એને રાગાદિનું સ્વામિત્વ નથી. એ તો પર્યાયમાં થતા રાગાદિને જાણવાપણે જ પરિણમે છે. જુઓ! મુનિરાજ અમૃતચંદ્રાચાર્યને ટીકાના કાળમાં ટીકા કરવાનો વિકલ્પ ઉત્પન્ન થયો છે, પણ તે વિકલ્પના કર્તાપણે પરિણમ્યા નથી, પણ સહજ જાણવાપણે-જ્ઞાતાપણે પરિણમ્યા છે. અહીં કહે છે કે અજ્ઞાની સહજ ઉદાસીન જાણનક્રિયાનો ત્યાગ કરીને, રાગમાં એકત્વ સ્થાપીને રાગાદિ ક્રિયામાં પ્રવર્તે છે અને તેથી તે રાગાદિનો કર્તા છે. તેને જ્ઞાન પ્રતિભાસવાને બદલે એકલા રાગાદિ જ પ્રતિભાસે છે અને તેથી રાગાદિમાં પ્રવર્તતો તે રાગાદિનો કર્તા છે. ‘અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, જે ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે એવાં ક્રોધાદિક તે, (તે કર્તાનાં) કર્મ છે.’ નિર્મળ જ્ઞાનના પરિણમનથી જુદા-વિરુદ્ધ લક્ષણવાળા જે પોતાથી (હું કરું છું એવા અભિપ્રાયથી) કરાય છે એવા અંતરંગમાં ઉત્પન્ન થતા ક્રોધાદિક ભાવ તે મારાં કર્મ છે એમ અજ્ઞાની માને છે. આત્મા કર્તા અને ક્રોધાદિક ભાવ તે મારું કર્મ-આ પ્રમાણે અનાદિકાળની અજ્ઞાનથી થયેલી આ આત્માની કર્તાકર્મની પ્રવૃત્તિ છે. અને આ જ સંસારનું કારણ છે. આત્મા પરનો અકર્તા છે, કેમકે તે પરથી ભિન્ન છે. બીજાને સુધારવા-બગાડવા એ તો અજ્ઞાનભાવે પણ આત્માનું કર્મ નથી. બાપુ! આ સમજ્યે જ છૂટકો છે હો. જોતા નથી! ક્ષણવારમાં દેહ છોડીને ચાલ્યા જાય છે. ભાઈ! આ સમજ્યા વિના તે કયાં જશે? કયાં ઉતરશે? સ્વરૂપને સમજ્યા વિના આ કર્તાકર્મની પ્રવૃત્તિ ઊભી જ રહે છે, અને ત્યાં સુધી જન્મ-મરણની પરંપરા ઊભી જ રહે છે. સ્વરૂપ સમજ્યે જ જન્મ-મરણનો અંત આવે તેવો છે. હવે કહે છે-‘એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને, તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્તમાત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે.’ જુઓ! આત્મા અજ્ઞાનભાવે ક્રોધાદિનો કર્તા થાય છે. ત્યાં તે ક્રોધાદિ પરિણામને નિમિત્તમાત્ર કરીને પોતાના ભાવથી જ પુદ્ગલકર્મ બંધાય છે. નિમિત્તમાત્ર કરીને-એમ કહ્યું છે. એનો અર્થ એ કે નિમિત્તની ઉપસ્થિતિ છે, બસ એટલું જ. જીવને ક્રોધાદિ ભાવ થાય છે માટે ત્યાં કર્મ એકઠું થાય છે એમ નથી. કર્મ, કર્મના રજકણના સામર્થ્યથી બંધાય છે. રજકણમાં પરિણમવાનું સામર્થ્ય છે. લખ્યું છે ને કે ‘પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે.’ અહો! આ તો સ્વતંત્રતાનો ઢંઢેરો છે! આવી સ્વતંત્રતાની વાત દિગંબર ધર્મ સિવાય બીજે કયાંય નથી. અરે! દિગંબરમાં પણ આ કાળે એને સમજનારા બહુ અલ્પ જીવો છે! જીવ અજ્ઞાનવશ શુભાશુભ વિકારભાવે પરિણમે છે ત્યારે તે વખતે કર્મપણે
PDF/HTML Page 790 of 4199
single page version
પરિણમવાની પૌદ્ગલિક કર્મ-રજકણોની લાયકાત છે તેથી સ્વકાળે તે કર્મની અવસ્થા થાય છે. જીવના શુભાશુભ પરિણામને લઈને નવું કર્મ બંધાય છે એમ નથી. શુભાશુભ પરિણામ તો બાહ્ય નિમિત્તમાત્ર છે. કર્મ રજકણો પોતાની મેળે સ્વતંત્ર પરિણમી જાય છે. અહો! સમયસારની ટીકા અદ્ભુત અને અજોડ છે! આવી વાત સાંભળવા મળે એ જીવનું મહા સૌભાગ્ય છે. અને તેનો ભાવ સમજે એ તો ન્યાલ થઈ જાય એવી આ ચીજ છે.
અહા! જ્ઞાનરૂપે ન પરિણમતાં રાગરૂપે પરિણમ્યો-એ તેનો સ્વકાળ છે માટે રાગરૂપે પરિણમ્યો છે. કર્મનો ઉદય છે માટે રાગરૂપે પરિણમ્યો છે એમ નથી. તથા જ્ઞાનરૂપે પરિણમતાં કર્મનો અભાવ થયો માટે કર્મનો અભાવ થયો તેથી જ્ઞાનરૂપે પરિણમ્યો એમ પણ નથી. જ્ઞાન અને આત્મા એક છે-એમ જે જ્ઞાનમાં પોતાપણે વર્તતો પરિણમ્યો તે દર્શનમોહનો અભાવ છે માટે પરિણમ્યો છે એમ નથી. તથા દર્શનમોહનો ઉદય છે માટે મોહભાવે પરિણમ્યો છે એમ પણ નથી. (બન્નેની પરિણમનધારા સ્વતંત્ર છે). નિમિત્ત છે, બસ એટલી વાત છે. પરમાણુમાં કર્મરૂપ અવસ્થા થવાનો તેનો સ્વકાળ છે તેથી પોતાની યોગ્યતાથી કર્મરૂપ પરિણમે છે.
જીવના વિકારી ભાવને નિમિત્તમાત્ર કરીને કર્મ પોતે પોતાથી જ પરિણમતું ત્યાં એકઠું થાય છે. ‘આ રીતે જીવ અને પુદ્ગલનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે.’ અહીં ટીકામાં ત્રણ પ્રકારના સંબંધ કહ્યા-
૧. જ્ઞાન અને આત્માનો તાદાત્મ્યસિદ્ધ સંબંધ. ૨. રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ. ૩. કર્મ અને આત્માનો પરસ્પર અવગાહસિદ્ધ સંબંધ.
વસ્તુનો સ્વભાવ જ્ઞાન અને વસ્તુ ધ્રુવ આત્મા એ બેનો તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે અને તેમાં અભેદભાવે પરિણમવું તે ધર્મ છે.
રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ છે છતાં બેને એક માનીને પરિણમવું તે અજ્ઞાન છે.
કર્મ અને આત્માનો એક ક્ષેત્રાવગાહ સંબંધ છે. એટલે કે કર્મ અને આત્મા પરસ્પર એક જ્ઞેત્રમાં વ્યાપીને સંનિકટ રહે એવા સંબંધરૂપ બંધ છે. જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મના પુદ્ગલો એક ક્ષેત્રે અવગાહીને રહે છે તોપણ ભાવથી તદ્ન જુદા છે. એક ક્ષેત્રે રહે છે તેને પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ કહેવાય છે.
હવે કહે છે-‘અનેકાત્મક હોવા છતાં (અનાદિ) એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઈતરેતરાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.’
PDF/HTML Page 791 of 4199
single page version
અનેકાત્મક એટલે જીવ-પુદ્ગલનો એમ બે દ્રવ્યોનો જે બંધ છે એમાં ઈતરેતરાશ્રય દોષ નથી, કેમકે અનાદિ પ્રવાહપણું છે. (આનાથી આ અને એનાથી એ-એને ઈતરેતરાશ્રય દોષ કહે છે. જીવના રાગ-પરિણામથી બંધ અને એ જ બંધથી રાગપરિણામ થાય તો ઈતરેતરાશ્રય દોષ કહેવાય. પરંતુ એમ નથી. અજ્ઞાની જીવ રાગદ્વેષરૂપે પરિણમે ત્યારે નવાં કર્મ બંધાય અને તે અમુક સ્થિતિ સુધી એકક્ષેત્રાવગાહે રહે; તથા જે રાગદ્વેષરૂપે પરિણમે છે એમાં પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત હોય છે. આ પ્રમાણે જે પરિણામથી કર્મનો બંધ થયો તે બંધ વિકાર પરિણામનું નિમિત્ત થતું નથી, પણ તે પરિણામમાં જૂના કર્મનો ઉદય નિમિત્ત થાય છે. તથા જે વિકારી પરિણામ થયા તે નવીન કર્મબંધનું નિમિત્ત થાય છે. આ પ્રમાણે ઈતરેતરાશ્રય દોષ નથી.)
પહેલાં આત્મા શુદ્ધ હતો અને પછી વિકારી થયો, પહેલાં કર્મબંધ નહોતો અને પછીથી કર્મ બંધાયાં એમ નથી. અર્થાત્ આત્માના વિકારી પરિણામથી કર્મ થયાં અને કર્મથી વિકારી પરિણામ થયા એમ નથી. બન્ને અનાદિથી સ્વતઃસિદ્ધ છે. અનાદિકાળથી કર્મ કર્મરૂપે અને આત્માના પરિણામ વિકારરૂપે સ્વતંત્રપણે થતા આવ્યા છે. કોઈથી કોઈ થયા છે એમ નથી. અનાદિથી પુરાણાં કર્મ ખરતાં જાય અને એનું નિમિત્ત પામીને જીવમાં નવા નવા વિકારી પરિણામ થતા જાય તથા એનું નિમિત્ત પામીને નવાં કર્મ બંધાતાં જાય એમ પ્રવાહ છે; આ પ્રમાણે અનાદિ પ્રવાહપણાને લીધે જીવ-પુદ્ગલનો જે બંધ થાય છે એમાં ઈતરેતરાશ્રય દોષ નથી.
અનાદિકાળથી આવો જે બંધ છે તે કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.
કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત અજ્ઞાન છે. અને અજ્ઞાનનું નિમિત્ત પૂર્વનાં જૂનાં કર્મનો બંધ છે. અજ્ઞાન કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. અજ્ઞાન-પર્યાય સ્વયં (અશુદ્ધ) ઉપાદાન છે અને તેનું નિમિત્ત પૂર્વનો કર્મબંધ છે. કર્મ છે તે કાંઈ અજ્ઞાન કરાવી દે છે એમ નથી, પરંતુ પોતે જ્યાં લગી રાગ-દ્વેષ-અજ્ઞાન કર્યા કરે છે ત્યાં લગી કર્મ નિમિત્ત થાય છે.
નિજ ચૈતન્યસ્વભાવના લક્ષે જેને અજ્ઞાન ટળી જાય છે તેને કર્તાકર્મ પ્રવૃત્તિ મટે છે અને કર્મબંધ પણ ટળી જાય છે. તથા જે સ્વભાવના લક્ષે પરિણમતો નથી તેને અજ્ઞાન છે, તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને નવો નવો કર્મબંધ પણ છે. આવી વાત છે.
‘આ આત્મા જેમ પોતાના જ્ઞાન-સ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાંસુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાંસુધી તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે.’
PDF/HTML Page 792 of 4199
single page version
જેમ અગ્નિમાં ઉષ્ણતા એકરૂપ છે તેમ આત્મા અને એનો જ્ઞાનસ્વભાવ એકરૂપ છે, તદ્રૂપ છે, તાદાત્મ્યરૂપ છે. આવા જ્ઞાનસ્વભાવી આત્માની સન્મુખ થઈ એકાગ્રતા થતાં જે પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ છે. આ ક્રિયા નિજ સ્વભાવરૂપ હોવાથી નિષેધી શકાતી નથી. પરંતુ જ્ઞાન અને રાગાદિ વિકાર ભિન્ન છે. જ્ઞાન આનંદસ્વરૂપ છે અને વિકાર દુઃખરૂપ છે. આમ જ્ઞાન અને રાગાદિ વિકારની ભિન્નતા નહિ જાણવાથી, જાણે કે પુણ્ય-પાપના શુભાશુભ વિકારી ભાવ પોતાનો સ્વભાવ છે એમ માનીને જ્યાંસુધી શુભાશુભભાવે પરિણમે છે ત્યાંસુધી તે (અજ્ઞાની) વિકારી પરિણામનો કર્તા થાય છે, અને વિકારી પરિણામ તેનું કર્મ છે. પરદ્રવ્યનો કર્તા તો આત્મા છે જ નહિ, કેમકે પરદ્રવ્ય ભિન્ન સ્વતંત્ર ચીજ છે. એ (પરદ્રવ્ય) સ્વયં પોતાના કારણે પરિણમે છે. છતાં પરદ્રવ્યને હું કરું છું. શરીર, મન, વાણીની ક્રિયા હું કરું છું-એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે. તથા પર્યાયમાં જે શુભાશુભ વિકારી ભાવો થાય, દયા, દાન આદિના પરિણામ થાય તેનો હું કર્તા છું એમ માને તે પણ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. અહાહા....! આત્મા વસ્તુ જ્ઞાનસ્વભાવી, સર્વજ્ઞસ્વભાવી ત્રિકાળી ધ્રુવ સહજ શુદ્ધ દ્રવ્ય છે. એમાં રાગ નથી, પુણ્ય નથી, પાપ નથી, વિકાર નથી કે અલ્પજ્ઞતા નથી. એ તો અનંત શક્તિઓનો પિંડ પરિપૂર્ણ ચૈતન્ય ભગવાન છે. એમાં જ્યાં દ્રષ્ટિ એકાગ્ર થઈ ત્યાં પરિણમન નિર્મળ થયું. એ નિર્મળ પરિણમન આત્માની સ્વભાવભૂત ધાર્મિક ક્રિયા છે અને તે નિષેધવામાં આવી નથી. પરંતુ આ અખંડ એકરૂપ ચૈતન્ય ભગવાન તે હું એમ પોતાના અસ્તિત્વનો અજ્ઞાનીને સ્વીકાર નથી. એ તો દયા, દાન, વ્રતાદિના પરિણામ જે રાગ છે તે મારા છે, એમ માને છે. અને એમ માનીને રાગભાવે પરિણમતો તે રાગનો કર્તા થાય છે. અરે! જગતના જીવોને આવા સૂક્ષ્મ તત્ત્વની ખબર જ કયાં છે! પરંતુ ભાઈ! આ સમજવું પડશે. આ સમજ્યા વિના જન્મ-મરણથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી. અરે! જગતના જીવોએ રાગની રુચિમાં ચૈતન્યસ્વભાવી નિજ આત્માનો ત્યાગ કરી દીધો છે, ત્રણલોકના નાથને હેય કરી દીધો છે. આનાથી બીજો ક્રોધ અને દ્વેષ શું છે? નિર્મળાનંદનો નાથ ચૈતન્યસ્વભાવી ભગવાન આત્માની સન્મુખ ન જોતાં એનાથી વિરુદ્ધ રાગમાં એકત્વ કરી જોડાઈ જવું એ જ ક્રોધ અને દ્વેષ છે. અહીં કહે છે જ્ઞાનસ્વરૂપી આત્મા અને ક્રોધ-માન-માયા-લોભરૂપ વિકારો એ બેની ભિન્નતા જાણતો નથી ત્યાં સુધી જીવને કર્તાકર્મની પ્રવૃત્તિ છે. વિકારી પરિણામ તે મારું કર્તવ્ય અને હું તેનો કર્તા એમ અજ્ઞાની માને છે, અને એમ પરિણમે છે. શરીર, મન, વાણી ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાનો
PDF/HTML Page 793 of 4199
single page version
કર્તા-એ વાત તો અહીં છે જ નહિ, કેમકે પરદ્રવ્ય તો ભિન્ન સ્વતંત્ર છે. એની ક્રિયાનો કર્તા તો અજ્ઞાની પણ નથી.
અરે! જીવને પોતાની દરકાર નથી કે અરે! મારું શું થશે? રાત-દિવસ રળવું-કમાવું, ખાવું-પીવું, હરવું-ફરવું ઇત્યાદિમાં જ સમય વીતી જાય છે. આ તો સમય (કલ્યાણ કરવાનો) વીતી જાય છે. ભાઈ! તું મરીને તત્ત્વની દ્રષ્ટિ વિના કયાં જઈશ? ત્રણલોકના નાથ દેવાધિદેવ પરમાત્મા કહે છે કે-તું આત્મા છો, પુણ્ય-પાપના ભાવ એ તો આસ્રવ છે. એ આસ્રવ તું નથી. આમ બન્નેની ભેદદ્રષ્ટિ કરી જ્ઞાનસ્વરૂપી નિજ આત્મતત્ત્વને ગ્રહણ કર, કેમકે તે સ્વભાવભૂત ક્રિયા છે, ધર્મની ક્રિયા છે.
તદ્ન સીધી સરળ વાત છે. સમજવા માગે તો સમજાય એમ છે. આત્મા અને આસ્રવનો જ્યાં લગી ભેદ જાણે નહિ ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ પર્યાયમાં રહ્યા કરે છે.
ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. ખરેખર તો તે સમયની પર્યાય તે જ કર્તા અને તે જ એનું કર્મ છે. જે શુભાશુભ રાગ પરિણામ છે એનો કર્તા એ પર્યાય, કર્મ પણ એ પર્યાય, સાધન-સંપ્રદાન, અપાદાન અને અધિકરણ -એ પર્યાય છે. પર્યાયનાં ષટ્કારક સ્વતંત્ર છે. એનાથી તે પરિણામ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. અજ્ઞાની તે વિકારી પરિણામનો પોતાને કર્તા માની વિકારીકર્મપણે પરિણમે છે અને તે સંસાર છે. એનાથી નવો બંધ થાય છે.
ધર્મી જીવ આત્મા અને રાગને ભિન્ન જાણતો જ્ઞાનની ક્રિયારૂપ પરિણમે છે. જ્ઞાનની ક્રિયાનો હું કર્તા અને જ્ઞાનની ક્રિયા તે મારું કર્મ એમ ધર્મી માને છે. ખરેખર તો જ્ઞાનની નિર્મળ પર્યાયનો કર્તા એ પર્યાય પોતે, એનું કર્મ પણ એ પર્યાય પોતે છે. નિર્મળ પર્યાય પણ એના ષટ્કારકથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. ધ્રુવમાં એકાગ્ર થતાં જે સ્વભાવપર્યાય થઈ તે ધર્મ છે. એ પર્યાયનો કર્તા પર્યાય છે. અહીં આત્મા એનો કર્તા છે એમ કહ્યું તે અભેદથી વાત કરી છે.
‘અનાદિ અજ્ઞાનથી કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન છે, માટે તેમાં ઈતરેતરાશ્રય દોષ આવતો નથી.’
જુઓ! સ્વરૂપના ભાન વિના વિકારનો સ્વામી થઈ જીવ પોતે વિકાર કરે ત્યારે નવો કર્મ-બંધ થાય છે. જે કર્મ બંધાય છે તે સ્વયં સ્વતઃ પોતાના કારણે બંધાય છે. કર્મરૂપે બંધાવાની લાયકાતવાળા પરમાણુ સ્વયં પોતાથી કર્મરૂપે પરિણમે છે. ત્યાં જીવ અને કર્મનું એકક્ષેત્રાવગાહે રહેવું એ સંબંધ છે, પણ એકબીજાના કર્તાકર્મપણે થવું એવો સંબંધ નથી.
PDF/HTML Page 794 of 4199
single page version
એ બંધના નિમિત્તથી અજ્ઞાન છે. એટલે કે એ બંધના ઉદયકાળે પોતે સ્વતંત્રપણે નવું અજ્ઞાન કરે છે ત્યારે પૂર્વકર્મનો બંધ નિમિત્ત છે. બંધને લઈને અજ્ઞાન છે એમ નથી પણ પોતે સ્વયં અજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે પૂર્વના બંધના ઉદયને તેનું નિમિત્ત કહેવામાં આવે છે. બંધનું તો નિમિત્ત છે, ઉપાદાન સ્વયં પોતાનું અજ્ઞાન (પર્યાય) છે. આ પ્રમાણે અનાદિ સંતાન છે, પ્રવાહ છે. નવા કર્મબંધનું નિમિત્ત અજ્ઞાનભાવ છે અને એ અજ્ઞાનભાવનું નિમિત્ત તો જૂનાં પૂર્વનાં કર્મનો ઉદય છે. આ પ્રમાણે અનાદિ પ્રવાહ છે, માટે એમાં ઇતરેતરાશ્રય દોષ આવતો નથી.
પ્રશ્નઃ- ‘मोहावरणक्षयात्’–શાસ્ત્રમાં તો એમ આવે છે ને?
ઉત્તરઃ– ‘મોહાવરણક્ષયાત્’ એટલે મોહનો સર્વથા ક્ષય થવાથી સર્વજ્ઞપદ પ્રગટ થાય છે. પરંતુ ત્યાં જે સ્વદોષ છે તે નિશ્ચયથી આવરણ છે અને કર્મનું નિમિત્ત છે તે વ્યવહારથી આવરણ છે.
વળી જ્યાં એમ આવે કે બે કારણોથી કાર્ય થાય છે-૧. ઉપાદાનકારણ અને ૨. સહકારીકારણ. ત્યાં એનો અર્થ એ છે કે સહકારી (નિમિત્તપણે) એક ચીજ છે તેનું જ્ઞાન કરાવ્યું છે, પણ સહકારી કારણથી ઉપાદાનમાં કાર્ય થાય છે એમ બીલકુલ નથી. રાગની ઉત્પત્તિ આત્મા સ્વતઃ પોતાના અજ્ઞાનભાવથી કરે છે અને કર્મનો બંધ પણ સ્વતઃ (રજકણોની) પોતાની યોગ્યતાથી થાય છે. વિકાર થવાની પોતાની યોગ્યતા છે અને જે કર્મ બંધાયાં તે એની યોગ્યતાથી બંધાયાં છે. વિકાર કર્યો માટે કર્મને બંધાવું પડયું એમ નથી, તથા કર્મના ઉદયના કારણે વિકાર થયો એમ પણ નથી. સર્વત્ર યોગ્યતા જ કાર્યની સાક્ષાત્ સાધક છે. નિમિત્ત એ વાસ્તવિક કારણ નથી, ઉપચારથી કારણ કહેવાય છે.
આ રીતે જ્યાં સુધી આત્મા અજ્ઞાનથી ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાંસુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાંસુધી કર્મનો બંધ થાય છે.
PDF/HTML Page 795 of 4199
single page version
कदाऽस्याः कर्तृकर्मप्रवृत्तेर्निवृत्तिरिति चेत्–
णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से।। ७१।।
હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ કયારે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-
જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧.
ગાથાર્થઃ– [यदा] જ્યારે [अनेन जीवेन] આ જીવ [आत्मनः] આત્માના [तथा एव च] અને [आस्रवाणां] આસ્રવોના [विशेषान्तरं] તફાવત અને ભેદને [ज्ञातं भवति] જાણે [तदा तु] ત્યારે [तस्य] તેને [बन्धः न] બંધ થતો નથી.
ટીકાઃ– આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને ‘સ્વ’નું ભવન તે સ્વ- ભાવ છે (અર્થાત્ પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું- પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે. વળી જ્ઞાનનું જે થવું- પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે જ્ઞાનના થવામાં (-પરિણમવામાં) જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી; અને ક્રોધાદિકનું જે થવું-પરિણમવું તે જ્ઞાનનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે ક્રોધાદિકના થવામાં (-પરિણમવામાં) જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલૂમ પડતું નથી. આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એકવસ્તુપણું નથી. આ પ્રમાણે આત્મા અને આસ્રવોનો વિશેષ (-તફાવત) દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ (ભિન્નતા) જાણે છે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી (પરમાં) કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે; તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.
ભાવાર્થઃ– ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી,
PDF/HTML Page 796 of 4199
single page version
ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે.
હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ કયારે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-
‘આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને ‘સ્વ’નું ભવન તે સ્વભાવ છે. (અર્થાત્ પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે.’
જુઓ! આ વસ્તુની વ્યાખ્યા કહી. વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે. એટલે જેટલો સ્વભાવ છે તેટલી જ વસ્તુ છે. જેટલો વિકાર છે તે પરમાર્થ વસ્તુ-આત્મા નથી. અહાહા....! જે ભાવે સર્વાર્થસિદ્ધિનું પદ મળે કે જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ આત્મા નથી એમ અહીં કહે છે. સ્વભાવમાં પણ વસ્તુ તો નથી પણ આ જે ક્રોધાદિનું થવું-પરિણમવું છે તે પણ વસ્તુ નથી, આત્મા નથી.
‘સ્વ’નું ભવન તે સ્વભાવ છે. પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે. આ સિદ્ધાંત કહ્યો. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે. અહાહા....! નિશ્ચયથી જ્ઞાનનું થવું એટલે જેવો જ્ઞાનસ્વભાવ છે તે-રૂપે પરિણમવું તે આત્મા છે. સમ્યગ્દર્શનપણે, સમ્યગ્જ્ઞાનપણે, સમ્યક્ચારિત્રપણે, અતીન્દ્રિય આનંદપણે પરિણમવું તે આત્મા છે. આત્મા નિર્મળ જ્ઞાન- શ્રદ્ધાન-શાન્તિપણે પરિણમે તે આત્મા છે.
પ્રશ્નઃ- તો નિયમસારમાં શુદ્ધભાવ અધિકારની ગાથા ૩૮ માં તો એમ આવે છે કે ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે તે આત્મા છે. ત્યાં સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાયને તો હેય કહીને તે આત્મા નથી એમ કહ્યું છે. આ કેવી રીતે છે?
ઉત્તરઃ– ભાઈ! ત્યાં નિયમસારમાં અપેક્ષા જુદી છે. ત્યાં તો ધ્યાતાનું જે ધ્યેય, જે સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધભાવ, શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે તે બતાવવાનું પ્રયોજન છે. ત્રિકાળી શુદ્ધ વસ્તુ, અવિનાશી આત્મા તે એકના આશ્રયે જ સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે માટે તેને ઉપાદેય કહ્યો. જ્યારે પર્યાય તો ક્ષણવિનાશી છે અને તેના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી પણ વિકલ્પ થાય છે તેથી સંવર, નિર્જરા, મોક્ષની પર્યાયને ત્યાં (આશ્રય કરવા માટે) હેય કહી. વળી ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં પર્યાય નથી તેથી તે (નિર્મળ પર્યાય) આત્મા નથી એમ કહ્યું છે. જ્યારે અહીં તો કર્તાનું કર્મ બતાવવાની વાત છે. એટલે કહે છે કે વસ્તુ રાગપણે ન પરિણમતાં સ્વભાવપણે-જ્ઞાનપણે પરિણમે તે આત્મા
PDF/HTML Page 797 of 4199
single page version
છે. રાગનું થવું, રાગપણે પરિણમવું તે આત્મા નહિ. આત્મા તો શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. માટે નિર્મળ જ્ઞાન-આનંદપણે પરિણમવું તે આત્મા છે. જેવો આત્માનો સ્વભાવ છે તે-રૂપે તેના પરિણમનની દશા થાય તે આત્મા છે. જેવી શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે તેવું (શુદ્ધ ચૈતન્યમય) પરિણમન થવું તે કર્તાનું કર્મ છે એમ અહીં વાત છે.
દયા, દાન, વ્રત આદિ શુભરાગના વિકારી પરિણામ તે મારું કર્મ અને હું તેનો કર્તા- એમ અજ્ઞાની માને છે. જ્ઞાની તો કહે છે કે જ્ઞાનસ્વભાવના લક્ષે જે નિર્મળ જ્ઞાનરૂપે પરિણમન થયું તે મારું કર્મ છે, રાગ થાય તે મારું કર્મ નહિ. આવો વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે. પરંતુ લોકોએ બહારથી ક્રિયાકાંડને જ ધર્મ માન્યો છે. ઘણાને એમ થાય કે આ તો વ્યવહારનો લોપ થાય છે, પરંતુ અહીં તો સ્પષ્ટ કહે છે કે રાગભાવ એ તારા સ્વરૂપમાં નથી અને તેને તું તારું કાર્ય માને એ અજ્ઞાન છે.
જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે. સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપના વિકારી ભાવરૂપે થવું એ વિકાર છે, આત્મા નથી. શુભરાગરૂપે પરિણમવું એ સ્વભાવ પ્રત્યેના વિરોધવાળો ભાવ ક્રોધ છે. એવા ક્રોધપણે થયો તે આત્મા નથી, અનાત્મા છે. જગતની વાતોથી ઘણો ફેર છે. જગત માને કે ન માને વાત તો આ જ સત્ય છે. જગત તો અનાદિથી ઊંધે રસ્તે છે.
‘વળી જ્ઞાનનું જે થવું-પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે જ્ઞાનના થવામાં (પરિણમવામાં) જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી.’
શું કહ્યું? જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાનરૂપે પરિણમે તે વખતે વિકારપણે પણ પરિણમે એમ નથી. અહાહા....! શુદ્ધ ચૈતન્યસ્વભાવ પ્રતિ ઢળીને ચૈતન્યની રુચિપૂર્વક જેને અંતર-પરિણમન થયું તેને રાગાદિ-ક્રોધાદિની રુચિ નથી. એક મ્યાનમાં બે તલવાર રહી શક્તી નથી. ધર્મી જીવ જ્ઞાનસ્વભાવના પ્રેમપણે પરિણમે તે વખતે રાગના પ્રેમપણે પણ પરિણમે એમ બીલકુલ હોઈ શકે નહિ.
સ્વભાવપણે પરિણમન થવું તે જ્ઞાનીનું કર્મ અને રાગપણે પરિણમન થવું તે અજ્ઞાનીનું કર્મ છે. પરનું કરવું એ વાત તો છે જ નહિ. પરનું કાર્ય તો કોઈ કરી શક્તો જ નથી. આવું ધર્મનું તત્ત્વ ઘણું સૂક્ષ્મ છે. ભાઈ! જેને વિકલ્પનો દ્વંદ્વ છૂટી, સ્વભાવના આશ્રયે નિર્વિકલ્પ નિર્વિકારી જ્ઞાનનું પરિણમન થવું તે ધર્મ છે. અહાહા....! મુનિદશામાં તો ત્રણ કષાયનો અભાવ થઈ અંદર અતીન્દ્રિય આનંદની લહેર ઊઠતી હોય છે, અને બહારમાં સહજ નગ્ન દશા હોય છે. અંદર કષાયથી નગ્ન અને બહાર વસ્ત્રથી નગ્ન-એવી શુદ્ધ ચૈતન્યના આનંદમાં ઝૂલતી મુનિદશા કોઈ અલૌકિક ચીજ છે, બાપુ!
PDF/HTML Page 798 of 4199
single page version
આત્માનો ચૈતન્યસ્વભાવ અરૂપી અતિસૂક્ષ્મ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભરાગના પરિણામને પુણ્ય-પાપ અધિકારમાં સ્થૂળ કહ્યા છે. જે પોતાના સૂક્ષ્મ સ્વભાવે પરિણમે તેને આત્મા કહીએ, અને રાગ-દ્વેષના સ્થૂળ વિકારપણે પરિણમે તેને આત્મા નહિ એટલે અનાત્મા કહીએ. અહીં કહે છે કે જે ચૈતન્યસ્વભાવે-આત્મભાવે પરિણમે તે સાથે રાગાદિ અનાત્મભાવે પણ પરિણમે એમ બની શકે નહિ.
પ્રશ્નઃ– જ્ઞાનીને પણ રાગાદિ તો હોય છે?
ઉત્તરઃ– હા, સાધકદશામાં જ્ઞાનીને પણ રાગ હોય છે, પણ જ્ઞાનપણે પરિણમતા જ્ઞાનીના જ્ઞાનપરિણમનથી તે રાગ ભિન્ન રહી જાય છે. જે રાગ થાય તેને જાણવાપણે એટલે કે તેના જ્ઞાતાપણે જ્ઞાની પરિણમે છે. કર્તાપણે નહિ. જે રાગ આવે તેને જાણતો જ્ઞાની જ્ઞાનરૂપે પરિણમે છે પણ રાગરૂપે પરિણમતો નથી. જ્ઞાનીને જે રાગ થાય તેનાં એને રુચિ અને સ્વામિત્વ નથી.
જ્ઞાનનું પરિણમવું તે ક્રોધાદિનું પરિણમવું નથી. કારણ? કારણ કે જ્ઞાનના થવામાં જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી. અહાહા...! જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ આત્મા જ્યારે જ્ઞાન અને આનંદ સ્વભાવે નિર્મળ પરિણમતો ભાસે છે તે વખતે તે રાગપણે કે ક્રોધાદિપણે પરિણમતો ભાસતો નથી. પરિપૂર્ણ વીતરાગતા ન થઈ હોય ત્યાં સુધી જ્ઞાનીને રાગ આવે ખરો, પરંતુ તેને (રાગને) જાણવાપણે હું પરિણમું છું, રાગપણે નહિ એમ તે માને છે. આ સાંભળીને કોઈ કહે કે આ તો બધી નિશ્ચયની વાતો છે. પરંતુ ભાઈ! નિશ્ચયની વાત એટલે જ સાચી વાત. ભાઈ! વસ્તુ-સ્વરૂપ જ આવું છે. ‘જૈન તત્ત્વમીમાંસા’માં પંડિત શ્રી ફૂલચંદજીએ લખ્યું છે કે પોતાના સ્વભાવની પુષ્ટિ કરવી એ નિશ્ચય છે.
ભાઈ! બહુ ધીરજથી આ સમજવા જેવી વાતો છે. પ્રથમ એમ સિદ્ધ કર્યું કે આત્મા સ્વભાવમાત્ર વસ્તુ છે. પ્રભુ! તું કોણ છો? તો કહે છે કે-તું સ્વભાવમાત્ર વસ્તુ છો, ચૈતન્યમાત્ર વસ્તુ છો; રાગ અને પુણ્ય પાપ એ તું નહિ. અહાહા...! આવી ચૈતન્યસ્વભાવમય વસ્તુ-આત્માને દ્રષ્ટિમાં લેતાં જે સ્વભાવનું-ચૈતન્યનું પરિણમન થાય તે ધર્મ છે અને તે વેળા ધર્મી જીવને જેમ ચૈતન્યનું પરિણમન થતું માલૂમ પડે છે તેમ રાગનું પરિણમન થતું માલૂમ પડતું નથી. બહુ ઝીણી વાત, ભાઈ! કહે છે કે બન્ને ક્રિયા એક સાથે થઈ શક્તી નથી. અહાહા...! રાગથી ભિન્ન પડીને સ્વભાવપણે જ્યાં જ્ઞાન પરિણમ્યું ત્યાં જ્ઞાનીને-હું કર્તા અને જે જ્ઞાનની પર્યાય થઈ, આનંદની પર્યાય થઈ તે મારું કાર્ય એમ પ્રતિભાસે છે પણ હું રાગ કરું છું અને રાગ મારું કાર્ય એમ પ્રતિભાસતું નથી. અહો! ધર્મના સ્થંભ એવા દિગંબર સંતોએ ગજબની વાતો કરી છે. ધર્મના સ્વરૂપની આવી વાત બીજે કયાંય નથી.
PDF/HTML Page 799 of 4199
single page version
હવે કહે છે-‘અને ક્રોધાદિકનું જે થવું-પરિણમવું તે જ્ઞાનનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે ક્રોધાદિકના થવામાં જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલૂમ પડતું નથી.’ જીવ ક્રોધાદિ કષાયની રુચિપણે પરિણમે તે વખતે ચૈતન્ય-સ્વભાવપણે-જ્ઞાનપણે પણ પરિણમે એમ હોઈ શક્તું નથી એમ અહીં કહે છે.
જુઓ! કર્તાકર્મ સિદ્ધ કરવું છે ને! અહીં બે વાત કરી છે.
૧. જેને ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માની દ્રષ્ટિ થઈ તે જીવ (જ્ઞાની)ને પોતે જ્ઞાનપણે, આનંદપણે, શાંતિપણે પરિણમે છે એમ ભાસે છે પણ રાગપણે, આકુળતાપણે, અશાંતિપણે પરિણમે છે એમ માલૂમ પડતું નથી.
૨. અને સ્વભાવના ભાન વિના જ્યારે જીવ (અજ્ઞાની) ક્રોધાદિ કષાયની-રાગની રુચિપણે પરિણમે ત્યારે ક્રોધાદિ કષાયરૂપે થતો માલૂમ પડે છે પણ જ્ઞાનપણે-શુદ્ધપણે પરિણમતો માલૂમ પડતો નથી.
અહીં તો ચૈતન્યસ્વભાવ અને કર્મ વિભાવ એ બન્નેને ભિન્ન પાડયા છે. પર્યાય ઉપરની દ્રષ્ટિ છોડીને જેને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ એને જ્ઞાન અને આનંદનું જ કર્મ છે. એ જ્ઞાન અને આનંદનો જ કર્તા છે. ખરેખર તો પર્યાય પોતે કર્તા અને પર્યાય પોતે જ કર્મ છે. ૪૭ નયના અધિકારમાં જે એમ કહ્યું છે કે-રાગ છે તે મારું પરિણમન છે એમ જ્ઞાની જાણે છે ત્યાં, રાગમાં ભળીને એને જાણે છે એમ નથી, પણ રાગથી ભિન્ન રહીને જાણે છે. અહીં કહે છે કે ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ આત્માનું જેને ભાન થયું તેને જ્ઞાન અને શાંતિનું જ એકલું વેદન છે. અને વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગથી ધર્મ થાય છે એમ જેને રાગની રુચિ છે એવો મિથ્યાદ્રષ્ટિ જીવ પોતે રાગપણે પરિણમતો ભાસે છે, પણ જ્ઞાનપણે પરિણમતો ભાસતો નથી.
પ્રશ્નઃ– તો શું જ્ઞાનીને રાગનું પરિણમન છે જ નહિ?
ઉત્તરઃ– ભાઈ! એમ નથી. પર્યાયમાં જ્યાં સુધી પુરુષાર્થની મંદતા છે ત્યાં સુધી જ્ઞાનીને (યથાસંભવ) રાગનું પરિણમન છે, પણ તે એને જાણે છે. વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે એમ (ગાથા ૧૨ માં) કહ્યું છે ને? એટલે કે રાગ જે અશુદ્ધતાનો અંશ છે તેને તે જાણે છે- જાણવાપણે પરિણમે છે (કર્તાપણે નહિ). ભાઈ! સ્વભાવની રુચિના પરિણમન વખતે વિકારની રુચિનું પરિણમન અને વિકારની રુચિના પરિણમન વખતે સ્વભાવની રુચિનું પરિણમન-એમ બે એક સમયમાં એકસાથે હોઈ શકે નહિ એમ અહીં કહે છે. આવી વાત જે ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવી તે પોતે અનુભવ કરીને સંતોએ જગત સામે જાહેર કરી છે.
કહે છે-માર્ગ તો આ જ છે. રાગથી ભિન્ન પડતાં જ્યાં ભેદજ્ઞાન થયું, સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન થયું ત્યાં હું શુદ્ધપણે પરિણમું છું એમ જ્ઞાનીને ભાસે છે; અલ્પ અશુદ્ધ
PDF/HTML Page 800 of 4199
single page version
પરિણમન જે છે તે ત્યાં (દ્રવ્યદ્રષ્ટિની પ્રધાનતામાં) ગૌણ છે. અને ભેદજ્ઞાનના અભાવમાં જ્યાં એકલું અશુદ્ધતારૂપ પરિણમન ભાસે છે ત્યાં મિથ્યાદ્રષ્ટિને આત્મા શુદ્ધપણે ભાસતો જ નથી. પરની દયા હું પાળું છું એવા કર્તાપણાના ભાવના ભાસનમાં હું શુદ્ધ ચૈતન્યઘન જ્ઞાતાપણે પરિણમું છું એમ હોઈ શક્તું જ નથી. જ્ઞાતા વખતે કર્તા નહિ અને કર્તા વખતે જ્ઞાતા નહિ. અહો! દિગંબર સંતોએ કોઈ અલૌકિક માર્ગ બતાવ્યો છે!
‘આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એક વસ્તુપણું નથી.’ આત્માનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે. અને ક્રોધાદિ આસ્રવો છે એ આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળા છે. તેથી આત્માનો સ્વભાવ અને ક્રોધાદિક વિભાવ એ બન્ને એક વસ્તુ નથી. ક્રોધાદિ ભાવો તો આત્માના સ્વભાવનો અનાદર અને અરુચિ થતાં થયેલા છે. તેથી આત્મા અને ક્રોધાદિક ભાવો એક નથી.
અહાહા...! આત્મા-વસ્તુ શુદ્ધ ચિદ્ઘન અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે. એની જેને અંતર્દ્રષ્ટિ થઈ તેને તો આત્મા જ્ઞાનપણે, નિરાકુળ આનંદપણે પરિણમેલો ભાસે છે, પરંતુ ક્રોધાદિક વિકારના પ્રેમમાં ફસાઈને જે પર્યાયબુદ્ધિએ વિકારપણે પરિણમ્યો તેને શુદ્ધ ચૈતન્યનું જ્ઞાતાપણે પરિણમન ભાસતું નથી-હોતું નથી. અહાહા...! કોઈ દ્રુર્દ્ધર તપ કરે, મૌન પાળે કે છ કાયના જીવની રક્ષા કરે, પણ જો તેને રાગની-ક્રોધાદિની રુચિ છે તો તેને ચૈતન્યનું શુદ્ધ જ્ઞાતાપણે પરિણમન ભાસતું નથી-હોતું નથી. ભાઈ! જેને પરલક્ષી ક્ષયોપશમવિશેષની પણ અધિકતા (ગૌરવ) ભાસે છે તેને પણ વિકારનું જ પરિણમન ભાસે છે. પરસત્તાવલંબી જ્ઞાનના પ્રેમમાં તેને ચૈતન્યસ્વભાવ પ્રત્યે અનાદર જ રહેલો છે. તેને ચૈતન્યસ્વરૂપી આત્મા અને તેના નિર્મળ જ્ઞાન-પરિણમનની ખબર જ નથી.
લોકોને આવી નિશ્ચયની વાત આકરી પડે છે, પણ શું થાય? એકાંત થઈ ગયું, એકાંત થઈ ગયું-એમ રાડો પાડે છે, પણ ભાઈ! આ તો સમ્યક્ એકાન્ત છે. બાપુ! વીતરાગ ધર્મની વાત જરા ધીરજ રાખીને સાંભળવા જેવી છે, સમજવા જેવી છે. ધર્મ એ કાંઈ બહારની પંડિતાઈનો વિષય નથી, એ તો અંતરની ચીજ છે. અનુભવની ચીજ છે.
કહ્યું નથી કે-વસ્તુનો સ્વભાવ તે ધર્મ? અહાહા...! વસ્તુનો સ્વભાવ શુદ્ધ જ્ઞાન અને આનંદ છે. અને તે એનો ત્રિકાળી ધર્મ છે. હવે તે ત્રિકાળીને લક્ષમાં લઈ નિર્મળ જ્ઞાન અને આનંદપણે પરિણમે તેનું નામ પ્રગટ ધર્મ છે. અને ત્રિકાળીનો અનાદર કરીને દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવના પ્રેમમાં રોકાઈ વિકારપણે પરિણમે છે તે સ્વભાવથી વિરુદ્ધ અધર્મ છે, તેને ચૈતન્યસ્વભાવનું પરિણમન હોતું નથી.
અંતરમાં ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ ભગવાન આત્મા નિત્ય બિરાજમાન છે. એનું અસ્તિત્વ જેને પોતાપણે ભાસ્યું નથી તેણે કયાંક તો પોતાપણે અસ્તિત્વ માન્યું છે ને! તેણે પર્યાયમાં જે ક્રોધાદિ કષાય છે તેમાં પોતાનું અસ્તિત્વ માન્યું છે. એટલે તે