Pravachan Ratnakar (Gujarati). Gatha: 72.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 41 of 210

 

PDF/HTML Page 801 of 4199
single page version

સ્વભાવને ભૂલીને ક્રોધાદિ કષાયપણે વિભાવ-સ્વભાવે પરિણમે છે. એનું આ પરિણમન અધર્મ છે.

અત્યારના લોકો મહા ભાગ્યશાળી છે કે આ કાળે આવી વાત તેમને સાંભળવા મળી છે. પ્રભુ! આ તો સર્વજ્ઞ વીતરાગની વાણી છે. સાંભળીને અંતરમાં નિર્ણય કર, તું ન્યાલ થઈ જઈશ. હવે અડધા કલાક પછી ભક્તિ થશે. પણ અહીં કહે છે-ભગવાનની ભક્તિનો જે ભાવ છે તે રાગ છે. એ રાગપણે હું છું એમ જે ભાસે છે તે અધર્મ છે, કેમકે હું આત્મા જ્ઞાનસ્વરૂપી છું એમ એમાં ભાસતું નથી.

પ્રશ્નઃ- સમકિતી નિરાસ્રવ છે, તેને રાગ હોય નહિ એમ શાસ્ત્રમાં આવે છે ને?

ઉત્તરઃ– હા, આવે છે. પણ કઈ અપેક્ષાએ? દ્રષ્ટિનો વિષય જે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ અપેક્ષાએ જ્ઞાનીને રાગ નથી એમ કહ્યું છે. પરંતુ જ્ઞાનની અપેક્ષાએ જોવામાં આવે તો દશમા ગુણસ્થાને પણ જ્ઞાનીને સૂક્ષ્મ લોભ-પરિણામ છે. જ્ઞાનધારા અને કર્મધારા- સાધકને બન્ને સાથે વહે છે. જ્યારે અજ્ઞાનીને એકલી કર્મધારા, રાગની રુચિના પ્રેમની મિથ્યાત્વધારા જ વહે છે. જ્ઞાનીને એકલી જ્ઞાનધારા છે, પણ સાથે જે સ્વભાવથી વિરુદ્ધ રાગધારા છે તેને તે જાણી લે છે. આ જે રાગધારા છે તેટલું દુઃખ છે, બંધન છે-એમ તે જાણે છે. સમકિતી વિષયના રાગમાં જોડાયો હોય તોપણ તે રાગને જાણવાપણે પરિણમતો, હું રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપી જ છું-એમ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જ્ઞાની બન્નેને ભિન્ન-ભિન્ન પાડી જ્ઞાનરૂપે પરિણમે છે.

અહાહા! અંદરમાં આનંદનું ધામ ભગવાન આત્મા છે. એની એક સમયની જ્ઞાનની પર્યાયમાં આખો ધ્રુવ ભગવાન ભાસે, એની એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણાનંદનો નાથ પ્રતીતિમાં આવે-આનું નામ ધર્મ છે. આવા ધર્મસ્વરૂપે જ્ઞાનનું થવું-પરિણમવું તે મોક્ષમાર્ગ છે. પરંતુ જેમને પોતાના ધ્રુવ ચૈતન્ય સ્વભાવનું ભાન નથી તેઓ વર્તમાન રાગની રુચિમાં રોકાઈ જઈને કૃત્રિમ રાગને અનુભવનારા ક્રોધાદિની જ ક્રિયા કરવાવાળા છે, તે સ્વભાવના અભાવરૂપ વિભાવની જ ક્રિયા કરવાવાળા છે. (તેઓ સંસારમાં રખડનારા છે). આવું નગ્ન સત્ય જગતની પરવા કર્યા વિના દિગંબર સંતોએ જાહેર કર્યું છે. કોઈ માનો, ન માનો; સૌ સ્વતંત્ર છે.

આ રીતે આત્મા અને ક્રોધાદિક નિશ્ચયથી એક વસ્તુ નથી. ભાઈ! જો બન્ને એક હોય તો ભેદજ્ઞાન થતાં જુદી પડે જ કેવી રીતે? પરંતુ આવી સૂક્ષ્મ વાત લોકોને બેસે નહિ એટલે બહારના (વ્રત, તપ, આદિ) વ્યવહારમાં ચઢી જાય અને એનાથી લાભ (ધર્મ) થશે એવું માને પણ એથી તો ધૂળેય ધર્મ નહિ થાય. (પુણ્ય પણ સારા નહીં બંધાય).


PDF/HTML Page 802 of 4199
single page version

મુંબઈમાં પ્રશ્ન થયેલો કે-આપ આપની લાકડી માથે ફેરવો છો તો લોકો પૈસાદાર થઈ જાય છે-આ વાત બરાબર છે?

ત્યારે કહેલું કે-લાકડી કોઈ ફેરવતું નથી, લાકડી કોઈ ઉપર ફરતી નથી અને લાકડીને લઈને કોઈનું કાંઈ થતું નથી અહાહા...! આ પરમ (તત્ત્વની, ધર્મની) સત્યની વાત બહાર આવી છે તે સત્સમાગમ કરીને મહિનો બે મહિના ધ્યાનથી સાંભળે ત્યાં એના શુભભાવથી (ઊંચાં) પુણ્ય બંધાઈ જાય. એ પુણ્યના ફળરૂપે એને બાહ્ય સામગ્રી દેખાય. ભાઈ! જીવોને જે શુભભાવ થાય તે પણ એના પોતાથી, તથા પુણ્ય બંધાય અને સામગ્રી મળે તે પણ પોતપોતાના કારણે છે. કોઈ કોઈના કારણે નથી તો પછી અમારા કારણે મળે છે કે લાકડીને લઈને મળે છે એ વાત જ કયાં રહે છે? એ વાત બીલકુલ બરાબર નથી. સામગ્રીનું આવવું, ન આવવું એ પુણ્ય-પાપના ઉદયને આધીન છે.

હવે કહે છે-‘આ પ્રમાણે આત્મા અને આસ્રવોનો વિશેષ (તફાવત) દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ જાણે છે ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી (પરમાં) કર્તાકર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે.’

જુઓ! કર્તાકર્મની પ્રવૃત્તિ જીવને અનાદિથી છે; છતાં તે પ્રવાહપણે-સંતાનપણે અનાદિથી છે માટે ટળી શકે છે. વળી તે અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલી છે, સ્વભાવથી નહિ. માટે તે ચૈતન્યસ્વભાવના જ્ઞાન વડે ટળી શકે છે. હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ-એવી અનાદિ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ છે. તે ભેદજ્ઞાન થતાં જીવ એનાથી નિવૃત્ત થાય છે. જ્ઞાનમાં ક્રોધાદિ નથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી એવો બન્નેનો સ્વભાવભેદ અને વસ્તુભેદ જાણીને જ્યાં અંતર્દ્રષ્ટિ સહિત ભેદજ્ઞાન થયું ત્યાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી જીવ નિવૃત્ત થાય છે. સંવર અધિકારમાં કળશ આવે છે કે-

भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा
बद्धा ये किल केचन।।

મતલબ કે જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે, અને જે કોઈ બંધાયા છે તે ભેદવિજ્ઞાનના અભાવથી બંધાયા છે. જીવને અજ્ઞાન અનાદિનું છે. તે વડે કર્તાકર્મની પ્રવૃત્તિ છે. ભેદવિજ્ઞાન થતાં તે કર્તાકર્મપ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે.

‘તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.’ આચાર્ય કહે છે કે ક્રોધ અને આત્માનું ભેદવિજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટી જાય છે, અને નવું કર્મ પણ બંધાતું નથી. આ પ્રમાણે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ


PDF/HTML Page 803 of 4199
single page version

સિદ્ધ થાય છે. અહીં જ્ઞાન એટલે એકલું (બહારનું) જાણપણું એમ નહિ, પણ રાગથી ભિન્ન પડી સ્વભાવની પ્રતીતિ, સ્વભાવનું જ્ઞાન અને એમાં જ રમણતા એવી જે જ્ઞાનની ક્રિયા તેનાથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે-એટલે કે નવું કર્મ બંધાતું નથી.

* ગાથા ૭૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. જુઓ! સંવર અધિકારમાં આવે છે કે સ્વભાવ અને વિભાવ બે ભિન્ન ચીજ છે. વિભાવને ઉત્પન્ન થવાનો આધાર આત્મા નથી. અહાહા...! ચિદાનંદઘન-સ્વરૂપ ભગવાન આત્માનું ભાન થતાં એમાં ક્રોધાદિક આવતા નથી. તથા ક્રોધાદિકના પરિણામમાં જ્ઞાન નથી. આમ જ્ઞાન અને ક્રોધાદિક ભિન્ન છે એવું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણાનું અજ્ઞાન મટે છે. અનાદિથી જીવને દયા, દાન, વ્રત, તપ આદિ શુભભાવ અને ભગવાન શુદ્ધ ચૈતન્યસ્વભાવ-એ બન્નેના એકપણારૂપ અજ્ઞાન છે. ભેદવિજ્ઞાન થતાં તેને તે અજ્ઞાન મટે છે અને અજ્ઞાન મટવાથી નવા કર્મનો બંધ થતો નથી. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે.

સંપ્રદાયમાં અમારા ગુરુ શ્રી હીરાચંદજી મહારાજ હતા. તે બહુ જ સરળ, ભદ્રિક સજ્જન હતા. બાહ્ય ક્રિયાઓનું કડક પાલન કરતા. તેમના માટે કોઈક વખત વિચાર આવે કે આવી વાત તેમને સાંભળવા પણ ન મળી! અરે! આ વાત તે વખતે હતી જ નહિ. છ કાયના જીવોની દયા પાળવી અને વ્રત, તપ આદિ બહારની ક્રિયા કરવી એ જ ધર્મ-આવી વાત તે વખતે હતી. ભાઈ! વીતરાગનો માર્ગ લોકો માને છે. તેનાથી તદ્ન જુદો છે. રાગની ક્રિયા તે ધર્મ નહિ, પણ અંતરના અનુભવની ક્રિયા તે ખરો ધર્મ છે. અહા! આ વાત જેને બેઠી તે માર્ગને પામીને પોતાનું સ્વહિત સાધી લેશે.

[પ્રવચન નં. ૧૧૮-૧૧૯ * દિનાંક ૭-૭-૭૬ અને ૮-૭-૭૬]

PDF/HTML Page 804 of 4199
single page version

ગાથા–૭૨

कथं ज्ञानमात्रादेव बन्धनिरोध इति चेत्–

णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं
च।
दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो।। ७२।।

ज्ञात्वा आस्रवाणामशुचित्वं च विपरीतभावं च।
दुःखस्य कारणानीति च ततो निवृतिं करोति जीवः।। ७२।।

હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ-

અશુચિપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨.

ગાથાર્થઃ– [आस्रवाणाम्] આસ્રવોનું [अशुचित्वं च] અશુચિપણું અને [विपरीतभावं च] વિપરીતપણું [च] તથા [दुःखस्य कारणानि इति] તેઓ દુઃખના કારણ છે એમ [ज्ञात्वा] જાણીને [जीवः] જીવ [ततः निवृत्ति] તેમનાથી નિવૃત્તિ [करोति] કરે છે.

ટીકાઃ– જળમાં શેવાળ છે તે મળ છે-મેલ છે; તે શેવાળની માફક આસ્રવો મળપણે- મેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે (-અપવિત્ર છે) અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્રસ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે (-પવિત્ર જ છે; ઉજ્જ્વળ જ છે). આસ્રવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવાયોગ્ય છે (- કારણ કે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે-) માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે; અને ભગવાન આત્મા તો, પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક (-જ્ઞાતા) છે (-પોતાને અને પરને જાણે છે-) માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે (અર્થાત્ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી). આસ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે; અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળતા-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું અકારણ જ છે (અર્થાત્ દુઃખનું કારણ નથી). આ પ્રમાણે વિશેષ (-તફાવત) દેખીને જ્યારે આ આત્મા, આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય તેને આત્મા અને આસ્રવોના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી


PDF/HTML Page 805 of 4199
single page version

છે એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે.

વળી, જે આ આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અજ્ઞાન છે તો આત્મા અને આસ્રવોના ભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો જ્ઞાન છે તો (તે જ્ઞાન) આસ્રવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવર્ત્યું છે? જો આસ્રવોમાં પ્રવર્તે છે તોપણ આત્મા અને આસ્રવોના અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો આસ્રવોથી નિવર્ત્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય? (સિદ્ધ થયો જ કહેવાય.) આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. વળી જે આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા (એકાંત) જ્ઞાનનયનું પણ ખંડન થયું.

ભાવાર્થઃ– આસ્રવો અશુચિ છે, જડ છે, દુઃખનાં કારણ છે અને આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. આત્મા અને આસ્રવોનો ભેદ જાણ્યા છતાં જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો તો આસ્રવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો આસ્રવ થઈને બંધ થાય છે; તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની? તેનું સમાધાનઃ- સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્ઞાની જ છે કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આસ્રવોથી નિવર્ત્યો છે. તેને પ્રકૃતિઓનો જે આસ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દ્રષ્ટિ થયા પછી પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે; માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસ્રવ-બંધ થાય છે તેનું સ્વામીપણું તેને નથી. અભિપ્રાયમાં તો તે આસ્રવ-બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઇચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે.

જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેઃ- મિથ્યાત્વસંબંધી બંધ કે જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત (-કહેવા ધારેલો) છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે, દીર્ઘ સંસારનું કારણ નથી; તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. અથવા તો આ પ્રમાણે કારણ છેઃ- જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી;


PDF/HTML Page 806 of 4199
single page version

(मालिनी)
परपरिणतिमुज्झत् खण्डयद्भेदवादा–
निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः।
ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते–
रिह भवति कथं वा पौद्गलः
कर्मबन्धः।। ४७।।

કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કારણ છે, તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે.

અહીં કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [परपरिणतिम् उज्झत्] પરપરિણતિને છોડતું, [भेदवादान् खण्डयत्] ભેદનાં કથનોને તોડી પાડતું, [इदम् अखण्डम् उच्चण्डम् ज्ञानम्] આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન [उच्चैः उदितम्] પ્રત્યક્ષ ઉદય પામ્યું છે, [ननु] અહો! [इह] આવા જ્ઞાનમાં [कर्तृकर्मप्रवृतेः] (પરદ્રવ્યનાં) કર્તાકર્મની પ્રવૃત્તિનો [कथम् अवकाशः] અવકાશ કેમ હોઈ શકે? [वा] તથા [पौद्गलः कर्मबन्धः] પૌદ્ગલિક કર્મબંધ પણ [कथं भवति] કેમ હોઈ શકે? (ન જ હોઈ શકે.)

(જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી ‘અખંડ’ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ‘ભેદનાં કથનોને તોડી પાડતું’ એમ કહ્યું છે. પરના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી ‘પરપરિણતિને છોડતું’ એમ કહ્યું છે. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી ‘અત્યંત પ્રચંડ’ કહ્યું છે.)

ભાવાર્થઃ– કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને પરપરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી; તો પછી હવે બંધ શા માટે હોય? અર્થાત્ ન હોય. ૪૭.

* * *
સમયસાર ગાથા ૭૨ઃ મથાળું

હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? રાગથી ભિન્ન પડતાં જેને આત્માનું જ્ઞાન થયું તેને બંધ અટકી જાય છે એ કેવી રીતે છે? અહાહા! શિષ્ય જિજ્ઞાસાથી પૂછે છે કે જેને આત્માનું જ્ઞાન થયું, શ્રદ્ધાન થયું, એની સ્થિરતા-


PDF/HTML Page 807 of 4199
single page version

રમણતા થઈ, આનંદ આવ્યો અર્થાત્ અનંત ગુણ જે શક્તિરૂપે વિદ્યમાન છે તે પર્યાયમાં અંશે વ્યક્ત-પ્રગટ થયા તેને બંધનો નિરોધ થાય છે તે કેવી રીતે છે? એના ઉત્તરરૂપે ગાથા કહે છેઃ-

* ગાથા ૭૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *
‘જળમાં સેવાળ છે તે મળ છે-મેલ છે; તે શેવાળની માફક આસ્રવો મળપણે-મેલપણે

અનુભવાતા હોવાથી અશુચિ છે (અપવિત્ર છે)’ જુઓ! ‘આસ્રવો’-એમ બહુવચન છે. એટલે પાપ અને પુણ્યના બન્ને ભાવો મળપણે-મલિનપણે અનુભવાય છે માટે અશુચિ છે. આ રીતે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ આસ્રવ છે અને માટે તે અશુચિ છે, મેલ છે. હાડકાં, ચામડાં અને માંસનું માળખું એવું જે શરીર તે અશુચિ છે એ વાત તો બાજુએ રહી, તથા પાપભાવ અશુચિ છે એ પણ સૌ કહે છે; અહીં તો કહે છે કે દયા, દાન, વ્રત, આદિ જે પુણ્યના ભાવ થાય છે તે અશુચિ છે, અપવિત્ર છે. અહાહા...! જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ મલિન છે એમ અહીં કહે છે. શુભભાવમાં ધર્મ માનનારા અજ્ઞાનીઓને આકરી લાગે એવી વાત છે, પણ સ્વરૂપનો આસ્વાદી જ્ઞાની પુરુષ તો શુભભાવો-પુણ્યભાવોને મલિન જાણે છે, અને તેથી હેય માને છે. રાગની ગમે તેવી મંદતાના શુભ પરિણામ હોય પણ તે મેલા છે, અશુચિ છે, ઝેરરૂપ છે. શાસ્ત્રમાં કોઈ જગાએ તેને અમૃતરૂપ કહ્યા હોય પણ તે વાસ્તવિકપણે ઝેર જ છે. અમૃતનો સાગર ભગવાન આત્મા છે. એનો સ્વાદ જેને અંતરમાં આવ્યો, ધર્મી જીવને જે રાગની મંદતાના પરિણામ હોય તેને આરોપ કરીને વ્યવહારથી અમૃત કહ્યા છે, તોપણ નિશ્ચયથી તે ઝેર છે; અશુચિ છે; અપવિત્ર છે. ‘અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્ર-સ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે (-પવિત્ર જ છે; ઉજ્જ્વળ જ છે).’ આચાર્યદેવે આત્માને ‘ભગવાન આત્મા’-એમ કહીને સંબોધન કર્યું છે.

પ્રશ્નઃ- શું તે હમણાં પણ ભગવાન છે? ઉત્તરઃ– હા, તે હમણાં પણ ભગવાન છે અને ત્રણે કાળે ભગવાન છે. જો ભગવાન (શક્તિએ) ન હોય તો ભગવાનપણું પ્રગટશે કયાંથી? ‘સદાય’ એમ કહ્યું છે ને?

અહાહા...! આચાર્યદેવ એને ‘ભગવાન આત્મા’-એમ કહીને મોહની નિદ્રામાંથી જગાડે છે. જેમ માતા પોતાના બાળકને ઘોડિયામાં સુવાડીને તેનાં વખાણ કરીને ઉંઘાડે છે. ‘દીકરો મારો ડાહ્યો અને પાટલે બેસી નાહ્યો, ભાઈ, હાલા!’-એમ મીઠાં હાલરડાં ગાઈને માતા બાળકને ઉંઘાડી દે છે; તેમ અહીં સંતો એને ‘ભગવાન આત્મા’ કહીને


PDF/HTML Page 808 of 4199
single page version

જગાડે છે. જાગ રે જાગ ભગવાન! જાગવાનાં હવે ટાણાં આવ્યાં ત્યારે નિંદર પાલવે નહિ. આમ મીઠાં હાલરડાં ગાઈને જિનવાણી માતા એને મોહનિદ્રામાંથી જગાડે છે.

પુણ્ય અને પાપના ભાવ તો મલિન છે અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ છે. સદાય એટલે ત્રણેય કાળ આત્મા અતિનિર્મળ છે. એકેન્દ્રિય-નિગોદમાં હો કે પંચેન્દ્રિયમાં હો, વસ્તુ જે દ્રવ્ય છે એ તો ત્રિકાળ નિર્મળાનંદ ચૈતન્યમય પ્રભુ જ છે. અહીં નિર્મળ ન કહેતાં અતિનિર્મળ કહ્યો છે. એટલે આત્મા-દ્રવ્ય નિર્મળ, તેના ગુણ નિર્મળ અને તેની કારણપર્યાય પણ નિર્મળ-એમ ત્રણે કાળે આત્મા અતિનિર્મળ છે. અહાહા...! પવિત્રતાના સ્વભાવથી ભરેલો, નિર્મળાનંદનો નાથ, ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા સદાય અતિનિર્મળ છે, પવિત્ર છે. જાણગ-જાણગ-જાણગ-એમ જાણગસ્વભાવપણે જ્ઞાયક હોવાથી તે અત્યંત પવિત્ર જ છે, ઉજ્જ્વળ જ છે. તેનું સ્વરૂપ જ આવું છે.

આસ્રવો કહેતાં પુણ્ય-પાપ બંને એમાં આવી જાય છે. સાત તત્ત્વમાં જે આસ્રવ તત્ત્વ કહ્યું છે તેમાં પુણ્ય-પાપ ગર્ભિત છે. નવ તત્ત્વ કહ્યાં છે ત્યાં પુણ્ય-પાપને જુદાં પાડીને નવ કહ્યાં છે. જ્ઞાનીને શુભાશુભ બન્ને ભાવ આવે છે, પરંતુ તેને એનું જ્ઞાનમાં ભિન્નપણે જ્ઞાન વર્તે છે. અહાહા! અતિનિર્મળ નિજ ચૈતન્યસ્વભાવનો અનુભવ કરનાર જ્ઞાની શુભાશુભ- ભાવોને, પુણ્ય-પાપના ભાવોને મેલપણે જાણે છે. પુણ્યના ભાવને પણ તે છોડવા યોગ્ય, હેય જાણે છે, માને છે.

જુઓ! શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા. તેમને હજારો રાણીઓ હતી. હજારો રાજાઓ તેમની સેવા કરતા. અપાર વૈભવ હતો. પુરુષાર્થની નબળાઈને કારણે વિષયોની પ્રવૃત્તિ પણ હતી. છતાં તે વખતે આત્મા આસ્રવોથી ભિન્ન છે એવું તેમને ભેદજ્ઞાન વર્તતું હતું. ચારિત્રનો દોષ હતો તે જ વખતે હું એનાથી (દોષથી) ભિન્ન છું એવું ભાન હતું. અહાહા...! રાગથી ભિન્ન હું તો વિજ્ઞાનઘનસ્વરૂપ અતિનિર્મળ છું એવું જે ભાન થયું હતું તે ક્ષણમાત્ર પણ તેમને ખસતું નહોતું. ધર્મી જીવને આવી જે અંતરંગમાં ભેદજ્ઞાનની ક્રિયા વર્તે છે તેનાથી બંધનો સહજ નિરોધ થાય છે. લ્યો, આ એક બોલ થયો.

હવે બીજો બોલ કહે છે-‘આસ્રવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવા યોગ્ય છે માટે તેઓ ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે.’ શુભરાગ હો કે અશુભરાગ હો; તે બન્ને અચેતન છે. તે નથી જાણતા પોતાને કે નથી જાણતા પરને. તેઓ બીજા વડે જણાવા યોગ્ય છે. ગજબ વાત છે! જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય કે જે ભાવે ઇન્દ્રાદિ પદ મળે તે ભાવ જડ, અચેતન છે; અન્યથા એનાથી બંધ કેમ થાય? પુણ્ય-પાપના ભાવમાં ચૈતન્યના પ્રકાશનું નૂર નથી, એમાં જ્ઞાનનું કિરણ નથી. પુણ્ય-પાપના ભાવ તો અંધકાર છે. દયા, દાન, ભક્તિ આદિ પરિણામ અંધકાર છે, ચૈતન્યથી શૂન્ય છે, તેઓ સ્વ-પરને જાણતા નથી પણ તેઓ ચૈતન્યદ્વારા જણાય છે. માટે તેઓ ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે.


PDF/HTML Page 809 of 4199
single page version

શત્રુંજયના પહાડ ઉપર પાંચ પાંડવ મુનિરાજો ધ્યાનમાં લીન હતા. તેમને દુર્યોધનના ભાણેજ દ્વારા જ્યારે પરિષહ આવી પડયો ત્યારે ધર્મરાજા યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ એ ત્રણે વિકલ્પ તોડીને સ્વરૂપમાં ઠરી ગયા અને મોક્ષ સાધી લીધો; પરંતુ સહદેવ અને નકુળ મુનિરાજોને જરીક વિકલ્પ ઉઠયો કે-અરે! મુનિવરોને આવો ઉપસર્ગ! લોઢાનાં ધગધગતાં ઘરેણાં પહેરાવ્યાં! અરે, એ મુનિવરોને કેમ હશે? આ વિકલ્પના ફળમાં એ બે મુનિવરોને ૩૩ સાગરોપમનું સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાઈ ગયું. એટલું કેવળજ્ઞાન દૂર ગયું. જુઓ આ વિકલ્પનું ફળ! ત્યાંથી નીકળીને મનુષ્ય થઈ ઉગ્ર સાધન કરીને મોક્ષપદ પામશે. અહીં કહે છે કે આવો સાધર્મી મુનિઓ પ્રત્યેનો શુભ વિકલ્પ જે ઊઠયો તે જડ, અચેતન છે. સંયોગીભાવ છે ને? એનાથી સંયોગ જ પ્રાપ્ત થયો (આત્મોપલબ્ધિ ન થઈ). એનાથી-શુભ વિકલ્પથી પુણ્યનાં જડ રજકણો બંધાયા માટે તે જડ, અચેતન છે, ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે.

‘અને ભગવાન આત્મા તો, પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક (જ્ઞાતા) છે માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે.’

આત્મા સદાય વિજ્ઞાનઘનસ્વભાવી છે. વિજ્ઞાનઘન એટલે જ્ઞાનનો ઘનપિંડ છે, નિબીડ, નકોર છે. ત્રણેકાળ એવો નકોર છે કે એમાં પરનો કે રાગનો પ્રવેશ થઈ શક્તો નથી. વિજ્ઞાનઘનસ્વભાવપણે હોવાથી પોતે જ ચેતક-જ્ઞાતા છે, પોતાને અને પરને જાણે છે. પોતાનો વિજ્ઞાનઘનસ્વભાવ હોવાથી પોતાને જાણે છે અને જે રાગ થાય તેને પણ જાણે છે. અહાહા! પર પદાર્થના અનંત ભાવોને જાણવા છતાં પરનો અંશ પણ પ્રવેશી ન શકે એવો તે વિજ્ઞાનઘનરૂપ નિબીડ છે.

આવો વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા પોતે જ ચેતક છે તેથી શુદ્ધ ચૈતન્યથી અનન્ય-એકરૂપ સ્વભાવવાળો છે; જ્યારે રાગાદિ વિકાર પોતે પોતાને અને પરને નહિ જાણતા એવા જડ, અચેતન હોવાથી ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો છે. આ પ્રમાણે ભેદજ્ઞાન કરીને શુદ્ધ ચૈતન્યના લક્ષે પરિણમતાં જે જ્ઞાન થાય છે એનાથી કર્મબંધન અટકે છે. આમ જ્ઞાનમાત્રભાવે પરિણમવું એ જ બંધન અટકાવવાનો એકમાત્ર ઉપાય છે.

પ્રશ્નઃ– આમાં પચ્ચકખાણ તો આવ્યું નહિ? તો પછી બંધન કેમ અટકે?

ઉત્તરઃ– અરે ભાઈ! તને પચ્ચકખાણના સ્વરૂપની ખબર નથી. જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થતાં શુદ્ધ ચૈતન્યના લક્ષે જે સ્વરૂપનાં શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થયાં અને જે અંશે સ્વરૂપમાં સ્થિરતા થઈ એ જ વાસ્તવિક પચ્ચકખાણ છે. સમ્યક્ત્વ થતાં મિથ્યાત્વ સંબંધીનો અને અનંતાનુબંધીનો બંધ તો એને થતો જ નથી. અને જે અલ્પ બંધ થાય છે તે ગૌણ છે. ભેદજ્ઞાનના બળે સ્વરૂપસ્થિરતા વધારતાં તેનો પણ અલ્પ કાળમાં નાશ થઈ જાય છે. અજ્ઞાની બાહ્ય ત્યાગસંબંધી શુભભાવને પચ્ચકખાણ માને છે. પરંતુ


PDF/HTML Page 810 of 4199
single page version

ભાઈ! શુભભાવ તો ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો છે, અચેતન છે, બંધરૂપ છે. એનાથી બંધન કેમ અટકે? (ન અટકે). માટે શુદ્ધ ચૈતન્યના લક્ષે થતું જ્ઞાનમાત્ર પરિણમન એ જ બંધન અટકાવવાનો-મુક્તિનો ઉપાય છે.

ધર્મીને તો નિરંતર ભેદજ્ઞાનનો વિચાર રહે છે કે-હું સદાય વિજ્ઞાનઘનસ્વભાવમય છું, આ શુભભાવરૂપ વિભાવો છે તે મારું સ્વરૂપ નથી, કેમકે તેઓ જડના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે અને સ્વપરને જાણવા સમર્થ નથી માટે જડ, અચેતન છે, ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે. આવા ભેદજ્ઞાનના બળે તે અંતરમાં સ્વરૂપસ્થિરતા વધારીને અંતિમ લક્ષ્ય જે કેવળજ્ઞાન તેને પ્રાપ્ત કરી લે છે. અહો! ભેદજ્ઞાનનો કોઈ અપૂર્વ મહિમા છે! ભેદજ્ઞાનના અભાવે અજ્ઞાની અનંતો સંસાર વધારે છે. બે બોલ થયા.

હવે ત્રીજો બોલ કહે છે-‘આસ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે.’ પુણ્ય-પાપના ભાવ બન્ને આકુળતા ઉપજાવનારા છે. આ દયા, દાન આદિ શુભભાવ જે થાય તે આકુળતા ઉપજાવનારા છે. આકરી વાત, ભાઈ. પણ તે એમ જ છે. જે ભાવથી તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવ આકુળતા ઉપજાવનારો હોવાથી દુઃખનું કારણ છે એમ અહીં કહે છે. ભાવપાહુડમાં શુભભાવની-વ્યવહારની ઘણી વાતો આવે છે. આવી ભાવના ભાવતાં તીર્થંકરગોત્ર બંધાય ઇત્યાદિ ઘણા બોલ છે. પચીસ પ્રકારની ભાવના અને બાર પ્રકારની ભાવના-એમ ઘણા પ્રકારે ત્યાં વાત કરેલી છે. એ તો સ્વભાવની દ્રષ્ટિ હોવા છતાં પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી ભૂમિકા અનુસાર ધર્મી જીવને શુભભાવ કેવા પ્રકારનો આવે છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. અશુભભાવ આવે તો શુભભાવ કેમ ન આવે? અનેક પ્રકારના શુભભાવ જ્ઞાનીને આવે છે, પણ તે આકુળતા ઉપજાવનારા છે એમ અહીં કહે છે.

અતિચાર રહિત નિર્દોષ વ્રત પાળવાં, દયા, દાન, ભક્તિ ઇત્યાદિ કરવાં-એમ વ્યવહારનાં કથન શાસ્ત્રોમાં અનેક પ્રકારે આવે, પણ એ તો ભૂમિકા પ્રમાણે ધર્મીને જે શુભરાગ આવે છે-આવ્યા વિના રહેતા નથી એની એ વાત છે. અહીં કહે છે કે જેટલા શુભ- અશુભ ભાવના પ્રકારો છે તે બધા દુઃખનાં કારણો છે કેમકે તે આકુળતા ઉપજાવનારા છે. આત્માની શાંતિને રોકનારા છે.

પદ્મનંદી મુનિરાજ વનવાસી મુનિ હતા. તેઓ દાન અધિકારમાં કહે છે કે-તારી શાન્તિ દાઝીને આ શુભભાવ થયા છે. તેને લઈને જે પુણ્યરૂપી ઉકડિયા બંધાયા તેના ફળમાં આ પાંચ-પચાસ લાખની ધૂળ (સંપત્તિ)નો સંયોગ તને દેખાય છે. તેનો જો સારા ધાર્મિક કાર્યોમાં ઉપયોગ ન કર્યો તો તું કાગડામાંથી પણ જઈશ. કેમકે કાગડો પણ એને મળેલા દાઝેલી ખીચડીના ઉકડિયા એકલો ખાતો નથી, પણ કા, કા, કા-એમ પોકારી પાંચ-પચીસ કાગડાઓને ભેગા કરીને ખાય છે. આવાં કથન શાસ્ત્રમાં આવે છે. ત્યાં લોભ આદિ અશુભભાવ ઘટાડીને શુભભાવ કરવા પૂરતી વાત છે. પણ એ છે તો દુઃખરૂપ જ.


PDF/HTML Page 811 of 4199
single page version

પ્રશ્નઃ- તો એ શુભભાવ કરવા એમ કેમ કહ્યું?

ઉત્તરઃ– ભાઈ! કરવાની તો વાત જ નથી. પરંતુ એ તો ઉપદેશની શૈલીનું કથન છે. વાસ્તવમાં તો અશુભથી બચવા ધર્મી જીવને એવા શુભભાવ યથાસંભવ આવે છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. જેને શુદ્ધ નિશ્ચયનું ભાન વર્તે છે, પણ સ્વરૂપમાં ઠરી શક્તો નથી એને અશુભથી બચવા એવા શુભભાવ આવે છે, બલ્કે આવ્યા વિના રહેતા નથી. પરંતુ એ શુભભાવ આત્માની શાન્તિને દઝાડનારા છે, દુઃખનાં કારણ છે એમ અહીં આચાર્યદેવ કહે છે.

ભગવાન કુંદકુંદાચાર્યદેવ સમયસારની પહેલી ગાથામાં કહે છે કે હે શ્રોતાઓ! હું તમને સમયસાર કહીશ. પાંચમી ગાથામાં કહે છે કે એકત્વ-વિભક્ત આત્માને બતાવવાનો મેં વ્યવસાય કર્યો છે, તેને તું (સાંભળીને) અનુભવથી પ્રમાણ કરજે, જ્યારે પરમાત્મપ્રકાશમાં આવે છે કે-દિવ્યધ્વનિથી જ્ઞાન ન થાય. જુઓ! આ (સત્ય) સિદ્ધાંત છે. છતાં સાંભળવા આવે ત્યારે જ્ઞાનીઓ શ્રોતાને-શિષ્યને એમ કહે કે-સાંભળ, હું તને ધર્મકથા સંભળાવું છું. ધવલમાં પણ આવે છે કે-‘સૂણ’ આ શબ્દનો ત્યાં વિસ્તારથી અર્થ કર્યો છે. જુઓ! એક બાજુ એમ (સિદ્ધાંત) કહે કે ભગવાનની વાણીથી લાભ ન થાય અને બીજી બાજુ એમ કહે કે અમે કહીએ છીએ તે સાંભળ! વળી કેટલાક એમ કહે છે કે-કથની કાંઈક અને કરણી કાંઈક. એટલે કે કાર્ય ઉપાદાનથી થાય એમ કથની કરે અને નિમિત્ત વડે ઉપાદાનમાં લાભ થાય એવી કરણી કરે, એમ કે લાખોનું મંદિર બંધાવે, ઘણા માણસોને ભેગા કરી ઉપદેશ આપે અને કહે કે કાર્ય ઉપાદાનથી થાય, નિમિત્તથી ન થાય. આ કેવી વાત!

અરે પ્રભુ! તારી સમજણમાં ફેર છે. ઉપાદાન અને નિમિત્ત બંને સ્વતંત્ર સ્વયં પોતપોતાનું કામ કરે છે, કોઈ કોઈને આધીન નથી. આ તો સિદ્ધાંત છે. અને ધર્મીને યથાક્રમ ઉપદેશનો રાગ આવે અને શિષ્યને તે સાંભળવાનો વિકલ્પ હોય-આવો ભૂમિકાનુસાર યથાસંભવ શુભરાગ-વ્યવહાર આવતો હોય છે, પણ એકથી બીજાનું કાર્ય થાય છે એમ નથી. અહીં કહે છે કે આ જે ભગવાનની વાણી કહેવાનો કે સાંભળવાનો વિકલ્પ છે તે આકુળતા ઉપજાવનારો છે. બાપુ! આ કાંઈ ખેંચતાણનો માર્ગ નથી, આ તો સત્યને સમજવાનો માર્ગ છે. જ્યાં જે અપેક્ષા હોય તે અપેક્ષા બરાબર સમજી અર્થ ગ્રહણ કરવો જોઈએ.

આસ્રવો આકુળતા ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે; ‘અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળ-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું અકારણ જ છે.’

જુઓ! શુભભાવથી સ્વર્ગ મળે અને અશુભભાવથી નરકાદિ મળે. પણ બંને ભાવ


PDF/HTML Page 812 of 4199
single page version

છે તો બંધરૂપ જ, દુઃખરૂપ જ. તેથી પુણ્યભાવ છોડીને પાપમાં પ્રવર્તવું એમ વાત નથી. પરંતુ પુણ્યભાવ કરતાં કરતાં ધર્મ થશે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. પુણ્યભાવ પણ દુઃખરૂપ જ છે એમ યથાર્થ સમજવું. દુઃખનું કારણ નથી એવો તો એક ભગવાન આત્મા જ છે. અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ સદાય-ત્રણે કાળ નિરાકુળસ્વભાવ છે. એ કોઈનું કારણ નથી, કોઈનું કાર્ય પણ નથી.

અહાહા...! આત્મામાં એક અકાર્યકારણત્વ નામની શક્તિ છે. આ શક્તિના કારણે આત્મા અન્યનું કાર્ય નથી. એટલે આત્મા, અનાકુળ આનંદનો નાથ પ્રભુ કોઈથી ઉત્પન્ન નથી એવો સ્વતઃસિદ્ધ છે. વળી આ શક્તિના કારણે આત્મા કોઈનું કારણ નથી. એટલે પુણ્ય-પાપ આદિ ભાવોને આત્માએ ઉત્પન્ન કર્યા છે એમ નથી. અહાહા...! પર્યાયમાં જે રાગ થાય, પુણ્ય-પાપના ભાવો થાય એનું આત્મા કારણ પણ નથી અને કાર્ય પણ નથી. ‘જૈન તત્ત્વમીમાંસા’ માં આવે છે કે ઉપાદાનની જે ઉપાદેય પર્યાય થાય છે તે પૂર્વના કારણના ક્ષયથી થાય છે. ત્યાં એમ લીધું છે કે ઉપાદાનકારણ વર્તમાન, અને એનું કાર્ય તે પછીની ઉત્તર પર્યાય. આ પણ વ્યવહારથી વાત કરી છે. બાકી તો સમય-સમયનું ઉપાદાન સ્વયંસિદ્ધ પોતાથી છે, નિમિત્તના કારણે નહિ, પૂર્વના (પૂર્વ પર્યાયના) કારણે નહિ અને પોતાના દ્રવ્ય- ગુણના કારણે પણ નહિ. અહો! આવું સત્ સ્વયં નિજ સમૃદ્ધિથી ભરેલું છે.

પ્રશ્નઃ– નિમિત્તથી કાંઈ થતું નથી તો આપ સમયસાર શું કામ વાંચો છો? પદ્મપુરાણ વાંચો ને? સમયસારના નિમિત્તથી કાંઈક વિશેષ લાભ છે એમ જ ને?

ઉત્તરઃ– ભાઈ! એમ નથી. વાંચતી વખતે કે સાંભળતી વખતે જે જ્ઞાનની પર્યાય થાય છે તે પોતાને લઈને સ્વયં પોતાથી થાય છે, નિમિત્તને લઈને નહિ. જ્ઞાનની પર્યાયના ઉત્પાદનો સ્વકાળ છે, એની નિજક્ષણ છે એટલે તે પર્યાય સ્વતંત્રપણે પોતાથી ઉત્પન્ન થાય છે.

ભાઈ! આ તો વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવના દરબારની વાતો છે. ભગવાનની દિવ્યધ્વનિ છૂટી તે જીવોનો ઉપકાર કરે છે એમ કથન આવે છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં (અધિકાર ૮માં) આવે છે કે તીર્થંકર-ગણધરાદિ મોક્ષમાર્ગનો ઉપદેશ આપી જીવો ઉપર ઉપકાર કરે છે. આવાં કથનો વ્યવહારથી કહેવામાં આવે છે. બાકી કોઈ કોઈનો ઉપકાર કરે એ વાત વસ્તુના સ્વરૂપમાં નથી. જે અપેક્ષા શાસ્ત્રમાં કથન આવે તેનો ભાવ બરાબર સમજવો જોઈએ

સમયસાર શાસ્ત્રના કળશ ૪૩માં આચાર્યદેવ આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરી કહે છે કે- અરેરે! અજ્ઞાનીને સ્વપરના એકપણાની ભ્રાન્તિ કેમ નાચે છે? અહા! કયાં રાગ-દુઃખનો કૂવો અને કયાં ભગવાન આનંદનો નાથ! છતાં બંનેને એક માનવાનો


PDF/HTML Page 813 of 4199
single page version

મોહ તને કેમ નાચે છે? આવો નિસ્પૃહ કરુણાનો વિકલ્પ જ્ઞાનીને આવે છે, પણ તેને તે દુઃખનું કારણ જાણે છે. નિત્ય અનાકુળસ્વભાવી એક આત્મા જ દુઃખનું અકારણ છે. અનાકુળસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ રાગનું આકુળતાનું કારણ કેમ થાય? તે રાગનું આકુળતાનું કાર્ય કેમ કરે? અને પરને કારણ બનાવી પોતાના કાર્ય કેમ કરે? અહાહા... અકાર્યકારણત્વશક્તિ વડે તે પરનું કારણ પણ નથી અને પરનું કાર્ય પણ નથી.

ત્યારે વળી કોઈ કહે છે કે-આત્માને પર પદાર્થનો કર્તા ન માને તે દિગંબર નથી. અરે પ્રભુ! આ તું શું કહે છે? પ્રભુ! તને આ શું થયું છે? અરે! પરમાગમની આવી સ્પષ્ટ વાત તારા લક્ષમાં કેમ આવતી નથી? અરે! દુઃખના ઊંડા કૂવામાં દુઃખથી ઘેરાયેલા તને સંતો દુઃખથી મુક્ત થવાનો અલૌકિક માર્ગ બતાવે છે તે તને કેમ બેસતો નથી? ભાઈ! રાગનો આકુળતારૂપ ભાવ પર્યાયની યોગ્યતાના કાળે સ્વયંસિદ્ધ પોતાને લઈને થાય છે. આત્મા તેનું કારણ નથી. વ્યવહારરત્નત્રયનો શુભરાગ પણ આકુળતાજનક છે. ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા એનું કારણ કેમ થાય? એ દુઃખરૂપ ભાવ તે ત્રિકાળી આત્માનું કાર્ય કેમ હોય? શું આનંદના નાથનું કાર્ય કાંઈ દુઃખ હોય? કદી ન હોય. અહાહા! આનંદના નાથનું કાર્ય પણ આનંદ જ હોય.

પર્યાયમાં જે આનંદ આવ્યો છે તે અંદર આનંદ (સ્વભાવ) પડયો છે ત્યાંથી આવ્યો છે. રાગની મંદતાને લઈને આનંદ આવ્યો છે એમ બીલકુલ નથી. વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય-એ વાતની અહીં સ્પષ્ટ ના પાડે છે. ભાઈ! માંડ આવી (શુદ્ધ તત્ત્વની) વાત બહાર આવી છે તો સાચી શ્રદ્ધા તો કર. ચારિત્રનો દોષ ભલે હો, પણ શ્રદ્ધામાં તો આ વાત હર્ષભેર સ્વીકાર. આ સમજ્યા વિના એક ડગલુંય ધર્મપંથે નહિ જવાય.

આત્મા પરનું કાર્ય કરે અને એનો કર્તા થાય એ વાત જિનશાસનની નથી. ચૈતન્ય- સ્વભાવ નિત્ય અનાકુળ આનંદરૂપ છે. તે કોઈનું કાર્ય નથી. અર્થાત્ રાગની મંદતાથી નિશ્ચય (આનંદ) નીપજ્યો છે એમ નથી. ત્યારે કોઈ કહે છે કે-આ તો ત્રિકાળી દ્રવ્યની વાત છે. તેને કહીએ છીએ કે દ્રવ્યનો જેમાં નિર્ણય થયો તે પર્યાય છે, એ પ્રગટેલી પર્યાય એમ જાણે છે કે આત્મા આનંદની મૂર્તિ ચિદાનંદઘન પ્રભુ રાગનું કારણ નથી, રાગનું કાર્ય પણ નથી. રાગ રાગના કારણે થયો છે અને આનંદ આનંદના કારણે. ત્યારે તે કહે છે કે રાગનું કારણ જડ કર્મ છે. તો એ વાત એમ પણ નથી. નિમિત્ત નિમિત્તમાં સ્વતંત્ર છે અને રાગ રાગના કારણે સ્વતંત્ર થાય છે. અહા! ગજબ વાત છે! કોઈ જડની અવસ્થા કે રાગની અવસ્થાનું આત્મા કારણ નથી.

આત્મા કોઈનું કારણ નથી. એટલે બે કારણથી કાર્ય થાય એ વાત અહીં ઉડાડી


PDF/HTML Page 814 of 4199
single page version

દીધી છે. પર્યાયમાં જે રાગ થાય એનું કારણ અને કાર્ય સ્વયં રાગ છે, આત્મા નહિ અને કર્મ પણ નહિ જ નહિ. રાગ થાય એમાં આત્મા નિમિત્ત છે એમ યોગસારમાં આવ્યું છે. રાગ થાય એમાં આત્મા નિમિત્ત છે, ઉપાદાન નહિ. વિકાર વિકારના કારણે સ્વયં થાય એમાં જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મા નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કે છે, બસ એટલું જ; એનાથી થયો એમ નહિ. અહો! દિગંબર સંતોએ ગજબનાં કામ કર્યાં છે. માટે ભગવાન આત્મા દુઃખનું અકારણ જ છે.

આસ્રવો-પુણ્યપાપના ભાવો અશુચિ છે, ભગવાન આત્મા અત્યંત શુચિ છે એ પહેલો બોલ થયો. આસ્રવો-પુણ્યપાપના ભાવો જડ, અચેતન છે, અને ભગવાન આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ હોવાથી ચેતક છે, શુદ્ધ ચૈતન્યમય છે. આ બીજો બોલ કહ્યો. આસ્રવો- પુણ્યપાપના ભાવો આકુળતા ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણ છે, અને ભગવાન આત્મા સદાય અનાકુળસ્વભાવ હોવાથી દુઃખનું અકારણ જ છે. આ ત્રીજો બોલ કહ્યો. ત્રણ બોલથી આત્મા અને આસ્રવોની ભિન્નતા કહી. આ પ્રમાણે આસ્રવોથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા આત્માની સન્મુખ થઈને ભેદજ્ઞાન પ્રગટ કરવું, અર્થાત્ પર્યાયને ત્રિકાળીમાં અભેદ કરવી તે ધર્મ છે-મોક્ષમાર્ગ છે. પર્યાયને અભેદ કરવી એટલે દ્રવ્ય-સન્મુખ કરવી એવો એનો અર્થ છે. કાંઈ દ્રવ્ય અને પર્યાય એક થઈ જાય એમ અર્થ નથી. પર્યાય દ્રવ્યસન્મુખ થતાં સ્વભાવની જાતની પર્યાય થઈ અને રાગથી ભિન્ન પડી ગઈ. એટલે તે દ્રવ્યથી અભિન્ન થઈ એમ કહેવામાં આવે છે.

પાઠમાં ‘णादूण’ શબ્દ પડયો છે ને? એનો અર્થ એ કે આસ્રવોને અશુચિ, અચેતન અને દુઃખનાં કારણ જાણીને એનો વિશેષ ખુલાસો એમ છે કે અત્યંત શુચિ-પવિત્ર, ચૈતન્યસ્વભાવમય, સહજાનંદમૂર્તિ ભગવાન આત્મા જ્યાં અનુભવમાં-જ્ઞાનમાં આવ્યો ત્યાં આસ્રવો અશુચિ આદિ પણે જણાઈ ગયા, નિર્મળ ભેદજ્ઞાન થઈ ગયું. એ જ ધર્મ અને મોક્ષમાર્ગ છે. સ્વતરફ વળતાં જ્યાં શુદ્ધ આત્મા જણાયો ત્યાં આસ્રવો અશુચિ ઇત્યાદિ છે, નિજ સ્વરૂપથી ભિન્ન છે એમ ભેદજ્ઞાન થઈ જાય છે અને આત્મા આસ્રવોથી નિવૃત્ત થાય છે.

જુઓ! આ કર્તાકર્મ અધિકાર ચાલે છે. કર્તા એટલે થનારો. આત્મા ખરેખર પોતાના ચૈતન્યસ્વભાવે થનારો છે. જ્ઞાતા-દ્રષ્ટાના જે નિર્મળ પરિણામ થાય તે એનું કર્મ છે અને તેનો કર્તા આત્મા છે. અહાહા...! આત્મા સહજાનંદની મૂર્તિ ત્રિકાળી ભગવાન છે. તે દુઃખનું કારણેય નહિ અને દુઃખનું કાર્ય પણ નહિ; તે રાગનું કારણ પણ નહિ અને કાર્ય પણ નહિ. પુણ્ય-પાપના ભાવ આવે ખરા, પણ તે આત્માનું કાર્ય નહિ.

પ્રશ્નઃ- તો મંદિર બનાવવા અને પ્રતિષ્ઠા કરાવવાના ભાવ આવે છે ને?

ઉત્તરઃ– હા, આવે છે; પણ તે છે રાગ. ભાઈ? ભગવાનની મૂર્તિ છે, મંદિર


PDF/HTML Page 815 of 4199
single page version

પણ છે. એ બધું છે એ આગમથી સિદ્ધ છે, ઇતિહાસથી પણ સિદ્ધ છે. કોઈ એને ઉથાપે તો એ માર્ગ નથી. મોહન-જો-ડેરોમાં પાંચ હજાર વર્ષ જૂની પ્રતિમા નીકળી છે, ઇતિહાસથી પણ એ સિદ્ધ છે, શાસ્ત્રમાં પણ મૂર્તિની વાત છે. માટે એનો કોઈ નિષેધ કરે તો તે સત્ય માર્ગ નથી. ભગવાનની મૂર્તિ છે અને જે શુભભાવ કરે તેને એમાં તે નિમિત્ત પણ છે. ભગવાનની પ્રતિમા શુભભાવ કરાવી દે એમ નહિ, પણ જે શુભભાવ કરે તેને એ નિમિત્ત છે. તથાપિ શુભભાવ છે તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. આવી ચોકખી વાત છે.

વળી કોઈ મૂર્તિ માને, પણ તેમાં આડંબર વધારી તેને શણગાર-આભૂષણ લગાવે તો તે પણ બરાબર નથી, સત્ય માર્ગ નથી. શુદ્ધ જળથી જ ભગવાનનો અભિષેક હોય એવી શાસ્ત્રોક્ત પદ્ધતિ છે. એમાં ફેરફાર કરવો એ પણ માર્ગ નથી. ભાઈ! આ તો વીતરાગનો માર્ગ છે. તેમાં વીતરાગી બિંબનું જ સ્થાપન, પૂજા, ભક્તિ હોય છે.

વીજળીના દીવાના મોટા ભપકા કરે એમાં જીવ-જંતુ મરે, પતંગિયાં મરે. જેમાં વિશેષ હિંસાનો દોષ થાય એ માર્ગ નથી. ભાઈ! આ તો વિવેકનો માર્ગ છે. ભગવાનને ફૂલ ચઢાવે અને કેશરના ચાંલ્લા કરે એ માર્ગ નથી. કોઈ પ્રતિમાને (જિનબિંબને) ઉથાપે તો એ માર્ગ નથી અને કોઈ પ્રતિમા પર આભૂષણાદિ અનેક પ્રકારે આડંબર રચે તો તે પણ માર્ગ નથી. ભગવાનની મૂર્તિ હોય છે. તેની પૂજા-ભક્તિ-વંદનાના ભાવ પણ હોય છે. પણ એની મર્યાદા એટલી કે તે શુભભાવ છે, પુણ્યબંધનું કારણ છે. કહ્યું ને અહીં કે તે આકુળતા ઉપજાવનાર દુઃખનું કારણ છે.

સંપ્રદાયમાં હતા ત્યારે ચોટીલામાં એક સાધુ સાથે ચર્ચા થયેલી. એમણે કબુલ કરેલું કે ભગવાનની મૂર્તિની વાત શાસ્ત્રમાં છે. વાત સાચી છે. પણ વાત બહાર કેમ મૂકાય? લોકોને શ્રદ્ધા ઉડી જાય. ભાઈ! પરમાત્મા ત્રણકાળ ત્રણલોકના જાણનારા અનાદિથી છે. તેમ જિનબિંબની-પ્રતિમાની સ્થાપના, મંદિરોનું નિર્માણ, તેમની પૂજા-ભક્તિ-વંદના-અભિષેક બધું અનાદિ કાળથી છે. સ્વર્ગમાં તો ભગવાનની શાશ્વત અકૃત્રિમ પ્રતિમાઓ છે. ઇન્દ્રો, દેવો, દેવાંગનાઓ તેનાં વંદન-પૂજન આદિ કરે છે અને મોટા મહોત્સવો ઉજવે છે.

પરંતુ એ બધો ભાવ શુભ છે. એનાથી પુણ્યબંધન થાય એટલી એની મર્યાદા છે. એથી આગળ જઈને જો કોઈ એમ કહે કે એનાથી (શુભથી) સંસાર પરિત થાય તો એ વાત સાચી નથી. ૨પ૦૦ વર્ષ પહેલાંની તથા પાંચ હજાર વર્ષ પહેલાંની પુરાણી પ્રતિમાઓ નીકળી છે. છાપામાં એના લેખ આવે છે એ પરથી પ્રાચીન કાળમાં પણ એ પરંપરા પ્રચલિત હતી એમ સિદ્ધ થાય છે.

ધવલમાં તો એમ આવે છે કે જિનબિંબદર્શનથી નિધત્ત અને નિકાચિત કર્મના


PDF/HTML Page 816 of 4199
single page version

ભુક્કા થઈ જાય છે. એ વ્યવહારથી વાત કરી છે. આત્મદર્શનથી કર્મનો નાશ થાય એમાં જિનબિંબદર્શન નિમિત્તમાત્ર છે.

દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેમાં અકાર્યકારણશક્તિ વ્યાપેલી છે. દ્રવ્ય અને ગુણ તો રાગનું કારણ નથી અને રાગનું કાર્ય પણ નથી. પણ દ્રવ્ય-સ્વભાવની સન્મુખ થતાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પણ કોઈનું કારણ નથી, કાર્ય પણ નથી. જે નિર્મળ જ્ઞાનની પર્યાય પ્રગટી એમાં પણ અકાર્યકારણશક્તિ વ્યાપી છે.

પ્રશ્નઃ– આત્મા રાગનું કારણ નથી તો મંદિરો બંધાવવાં, મહોત્સવો ઉજવવા ઇત્યાદિ રાગનાં કામ કેમ કરો છો?

ઉત્તરઃ– અરે ભાઈ! રાગ થાય છે, એને કરવાની વાત જ કયાં છે? અને મંદિરો તો નિર્મિત થવા કાળે એના કારણે એનાથી થાય છે. એને કોણ કરે? શું આત્મા કરે? (ના). એ મંદિરો બનવાના કાળે શુભભાવ હોય છે તે એમાં નિમિત્ત છે, નિમિત્ત-કર્તા નહિ. નિમિત્ત જુદી ચીજ છે અને નિમિત્ત-કર્તા જુદી ચીજ છે. જયસેનાચાર્યની ટીકામાં આ વાત છે. જગતમાં મંદિર આદિ પદાર્થોમાં જડ રજકણો પરિણમે, જડની પર્યાય થાય એમાં આત્મા નિમિત્ત છે, નિમિત્ત-કર્તા નથી. આખા લોકા-લોકને કેવળજ્ઞાન નિમિત્ત છે અને કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે. એ તો એની ઉપસ્થિતિ છે, હાજરી છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે.

જુઓ! હાથની આંગળી આમ-તેમ હાલે તેનો નિમિત્ત-કર્તા કોણ? જે જીવ રાગ અને જોગનો કર્તા થાય એવો પર્યાયબુદ્ધિ જીવ તેનો નિમિત્ત-કર્તા છે. હાથની અવસ્થા તો તેના કાળે જે થવાની હોય તે થાય છે. પરંતુ અજ્ઞાની જીવ જોગ અને રાગનો (કરવાના અભિપ્રાયથી) કર્તા થાય છે. માટે તેના જોગ અને રાગને તે પર્યાયનો નિમિત્ત-કર્તા કહેવામાં આવે છે.

અહીં કહે છે કે-મંદિર થાય, રાગ થાય, છતાં એ રાગ અને મંદિરનો કર્તા આત્મા નથી. વાહ! કરે ને કર્તા નહિ! અરે! કોણ કરે છે? અજ્ઞાનીને ભ્રમ પડે છે કે આ ક્રિયા થવા કાળે મારું નિમિત્તપણું છે માટે ત્યાં કાર્ય થાય છે. અજ્ઞાની (પોતાને) નિમિત્ત-કર્તા માને છે. પર વસ્તુમાં કાર્ય થાય એમાં જ્ઞાની તો નિમિત્તમાત્ર જ છે, નિમિત્ત-કર્તા નહિ.

ભગવાનની પ્રતિમા શાંત-શાંત-શાંત એવા ઉપશમરસનો કંદ હોય છે. જોતાં વેંત જ ઠરી જવાય, આનંદવિભોર થઈ જવાય-એવી એ પ્રતિમાને મુગટ પહેરાવે અને આંગી લગાવે તો એ જિનબિંબ નથી. આ તો ન્યાયથી વાત છે. અહીં કોઈ પક્ષની વાત નથી. ભાઈ! આ ત્રીજા બોલમાં બહુ સૂક્ષ્મ સિદ્ધાંતનું નિરૂપણ છે. મંદિર બનાવવાના શુભભાવ હોય છે, મંદિર એના થવા કાળે એના કારણે થાય છે. પરંતુ એ


PDF/HTML Page 817 of 4199
single page version

શુભભાવ અને મંદિર કાંઈ આત્માનું કાર્ય નથી. અહાહા...! ભગવાન આત્મા નિરાકુળ આનંદનો નાથ આનંદરસકંદ પ્રભુ છે, તેની પર્યાયમાં આનંદનું કાર્ય થાય એનો એ કર્તા છે અને જે આનંદ પ્રગટયો એ તેનું કાર્ય છે. પરંતુ વ્યવહારરત્નત્રયના જે શુભ-ભાવ થાય તેનું આત્મા કારણ પણ નથી અને કાર્ય પણ નથી. શુભભાવરૂપી જે દુઃખ તેનું આત્મા કારણ કેમ હોય? (ન હોય). શુભભાવરૂપ જે દુઃખ છે તે કારણ અને આનંદની પર્યાય એનું કાર્ય કેમ હોઈ શકે? (ન હોઈ શકે). અહા! કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી ભગવાન આત્મા દુઃખનું અકારણ જ છે.

દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય જે ત્રિકાળી દ્રવ્ય છે તેમાં એવી કોઈ શક્તિ નથી જે વિકારને કરે. તથા તે શક્તિવાન અખંડ દ્રવ્યને દ્રષ્ટિમાં લેનાર (જ્ઞાની) સ્વભાવપરિણમનનો કર્તા છે, પણ વિભાવનો નહિ.

ત્યારે કોઈ વળી એમ કહે છે કે રાગ ઉત્પન્ન થાય છે એમાં બે કારણ જોઈએ-જેમ માતા-પિતા બેથી પુત્રની ઉત્પત્તિ થાય છે તેમ. હા, જયસેનાચાર્યની ટીકામાં આવું કથન આવે છે, પણ ત્યાં કયી અપેક્ષાથી કહ્યું છે તે સમજવું જોઈએ. ખરેખર રાગનો કર્તા આત્મા નથી, પણ પર્યાયમાં પરિણમન છે એ અપેક્ષાએ તેને કર્તા કહ્યો છે. ત્યાં નિશ્ચય રાખીને વાત છે, તથા પ્રમાણનું જ્ઞાન કરાવવા નિમિત્તને ભેળવીને કહ્યું કે એ (નિમિત્ત) કર્તા છે. આ પ્રમાણે કાર્યના બે કારણો સિદ્ધ કર્યા છે-એક ઉપચરિત અથવા નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. ઉપાદાન કારણ છે તે યથાર્થ છે અને ઉપચરિત કારણ અયથાર્થ છે. રાગનો જે વિકલ્પ ઉઠે છે તેનું નિશ્ચયથી આત્મા કારણ નથી. પણ પર્યાયમાં થાય છે તેથી તેને કારણ ગણ્યું છે. ખરેખર તો રાગનું કારણ રાગની પર્યાય પોતે જ છે. રાગ આત્માના દ્રવ્ય-ગુણનું કારણ નથી, તથા દ્રવ્ય-ગુણ રાગનું કારણ નથી.

શુભરાગનો ભાવ જ્ઞાનીને આવે, મુનિરાજને પણ આવે છે, પરંતુ તેઓ એના કર્તા થતા નથી. ભાગચંદજીની સ્તુતિમાં આવે છે કે મુનિવરોને અશુભભાવનો તો વિનાશ થઈ ગયો છે અને શુભભાવથી તેઓ ઉદાસ છે. અહો! ધન્ય તે મુનિવરો ભાવલિંગી દિગંબર સંતો જંગલવાસી વીતરાગભાવમાં ઝૂલનારા કેવલીના કેડાયતો! અહા! તેમને અશુભ-ભાવની તો ગંધેય નથી અને જે શુભોપયોગ હોય છે તેનાથી તેઓ ઉદાસ છે. અહા! શું તેમનાં વચનો! ઉપદેશ આપતા હોય ત્યારે જાણે તેમના મુખમાંથી અમૃતનાં ઝરણાં ઝરતાં હોય! પરંતુ અહીં કહે છે કે એ વચનામૃતનું કારણ (મુનિવરનો) આત્મા નહિ. આત્મા કોઈનું કારણ નથી તેમ જ કોઈનું કાર્ય પણ નથી. અહાહા! દર્શનબુદ્ધિની કાંઈ બલિહારી છે! ચારિત્ર દોષ ભલે હોય, ઉદયવશ રાગમાં ભલે જોડાય, પરંતુ દર્શનશુદ્ધિની નિર્મળતામાં રાગનું હું કારણ નહિ અને રાગ મારું કાર્ય નહિ-એમ ધર્મી જીવ માને છે. દર્શનશુદ્ધિના બળે હું તો જાણનાર-જાણનાર- જાણનાર જ્ઞાતા-દ્રષ્ટા છું એવી દ્રષ્ટિ


PDF/HTML Page 818 of 4199
single page version

નિરંતર રહે છે. આવી દર્શનશુદ્ધિ અને એનો વિષય મૂળ ચીજ છે. દર્શનશુદ્ધિ પ્રગટ થઈ એને તો જન્મ-મરણનો અંત આવી ગયો.

રાગ અને સ્વભાવની એક્તાબુદ્ધિની ગ્રંથિ-ગાંઠ એ તો મિથ્યાત્વ છે. હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન છું એવા ભાનમાં ધર્મી જીવને રાગની દ્રષ્ટિ ખસી ગઈ છે. રાગ મારા સ્વરૂપમાં નથી એમ રાગને એ પોતાના જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે જાણે છે. રાગ છે માટે જાણે છે એમ પણ નથી. એ તો જ્ઞાનની પર્યાય સ્વપર-પ્રકાશક પોતાના જ સામર્થ્યથી છે તે સ્વપરને જાણતી પ્રગટ થાય છે. આવી ભેદજ્ઞાનની વાત બહુ ઝીણી, ભાઈ!

હવે કહે છે-‘આ પ્રમાણે વિશેષ (તફાવત) દેખીને જ્યારે આ આત્મા, આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે.’ ભગવાન આત્મા અતિનિર્મળ ચિદાનંદસ્વરૂપ છે અને આસ્રવો મેલા દુઃખરૂપ છે એમ બે વચ્ચેનો તફાવત- સ્વભાવભેદ જે વખતે જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી તે નિવૃત્ત થાય છે એટલે કે પુણ્ય-પાપના ભાવ મારા છે એવા અભિપ્રાયથી નિવૃત થઈ જાય છે. જુઓ! ધર્મસભામાં ગણધરો અને એકાવતારી ઇન્દ્રો જે વાત સાંભળતા હતા તે આ અલૌકિક વાત છે. બાપુ! મુનિવરોની વાણી એ તો સર્વજ્ઞની વાણી છે. કહે છે-જે વખતે રાગથી ભિન્ન અંદર ચિદાનંદ ભગવાન જાણ્યો તે જ વખતે રાગથી-આસ્રવથી નિવૃત્ત થઈ ગયો. રાગભાવ અને સ્વભાવભાવનું ભેદજ્ઞાન થતાં જ રાગમાંથી દ્રષ્ટિ ખસી જાય છે, નિવૃત્ત થાય છે.

‘કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય તેને આત્મા અને આસ્રવોના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી.’ તેને સાચું ભેદજ્ઞાન થયું જ નથી.

જુઓ! અશુભભાવથી તો ઠીક, પણ શુભભાવથી આત્મા ભિન્ન છે એ વાત અજ્ઞાનીને ખટકે છે. પણ અહીં કહે છે કે શુભભાવ અને આત્મા-બે ભિન્ન છે એમ જે કાળે જાણ્યું તે જ કાળ તે આસ્રવોથી નિવૃત્ત થાય છે. એટલે કે પુણ્યભાવ ઉપર જે લક્ષ હતું તે લક્ષ છૂટી જાય છે. ભાઈ! આ તો અંદરની ક્રિયાની વાતો છે. તારે આ સમજવું પડશે.

ભગવાન! આ સમજ્યા વિના ચોરાસીના અવતારમાં રખડી-રઝળીને તું મરી ગયો છે. કળશટીકામાં કળશ ર૮માં આવે છે કે મરણતોલ થઈ ગયો છે. ‘જીવ દ્રવ્ય પ્રગટ જ છે, પરંતુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું.’ અહા! રાગની રુચિમાં, રાગના પરિણમનના અસ્તિત્વને જ (નિજસ્વભાવ) સ્વીકારીને જીવનું જે ત્રિકાળી જીવન છે તેને મરણતોલ કરી નાખ્યું છે. જીવ દ્રવ્ય તો પ્રગટ જ છે. અહાહા...! વિદ્યમાન ચિદાનંદઘન પ્રભુ આત્મા તો અસ્તિ જ છે, પ્રગટ જ છે. ગાથા ૪૯માં વ્યક્ત પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કહ્યો છે એ બીજી વાત છે. અહીં કહે છે કે અનાકુળ આનંદનો નાથ ધ્રુવ ત્રિકાળી ભગવાન અસ્તિપણે મોજુદ પ્રગટ જ છે. પરંતુ


PDF/HTML Page 819 of 4199
single page version

એની સન્મુખ થયા વિના, એનાથી વિમુખ થઈને રાગનો જ સ્વીકાર કરીને મરણને પ્રાપ્ત થઈ રહ્યો છે.

શું જીવ મરતો હશે? ભાઈ! એ તો જીવતી-જાગતી જ્યોત સદા પ્રગટ જ છે. દ્રવ્ય તો ત્રિકાળ સત્ છે. પરંતુ જીવનું જે ત્રિકાળી સત્ત્વ - જીવત્ત્વ છે એને તેં માન્યું નથી. રાગની રુચિમાં તારા ત્રિકાળી જીવનનો તેં ઈન્કાર કર્યો છે તેથી મરણતોલ કરી નાખ્યો એમ અહીં કહ્યું છે. અરેરે! રાગની રુચિના ફંદમાં ફસાઇને તેં અનાદિથી જન્મ-મરણની પરંપરાનાં કષ્ટો જ ઉઠાવ્યાં છે તેથી મરણતોલ કરી નાખ્યો એમ કહ્યું છે. ‘તે ભ્રાન્તિ પરમગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે.’

‘નયનની આળસે રે નીરખ્યા ન નયણે હરિ’ -એમ આવે છે ને! આ હરિ એટલે અજ્ઞાન, રાગ, અને દ્વેષને જે હરી લે તે હરિ. એ હરિ તો ચિદાનંદઘન પ્રભુ પોતે જ છે. આ ભગવાનનો ઉપદેશ છે. પ્રભુ! તારી ચીજ તો રાગથી-દયા, દાન, વ્રત, તપ આદિના વિકલ્પથી ભિન્ન અંદર પરમ પવિત્ર શુદ્ધ ચૈતન્યમય વસ્તુ પડી છે. તે સદા મોજુદ છે. તેમાં દ્રષ્ટિ કર. આ ભગવાનનો ઉપદેશ છે.

કળશટીકામાં ચોથા કળશમાં આવે છે કે જિનવચનનું સેવન કરવાથી-જિનવચનમાં રમવાથી મોહનો નાશ થાય છે. એનો અર્થ શું? ભગવાન જિનેશ્વરદેવે કહેલા ભાવમાં જે પુરુષ રમે છે તેને મિથ્યાત્વકર્મનું વમન થઈને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. દિવ્યધ્વનિ દ્વારા કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવવસ્તુ તેમાં જે રમે અર્થાત્ તેનો જે આશ્રય કરે તેને ભ્રાન્તિ છૂટી જાય છે. આ ભગવાનનો ઉપદેશ છે-કે ત્રિકાળી આનંદનો નાથ આશ્રય કરવા યોગ્ય છે.

ત્યાં કોઈ વળી કહે છે કે-જૈનધર્મમાં તો બે નયનું ગ્રહણ કરવાનું કહ્યું છે ને?

સમાધાનઃ– ભાઈ! બે નયનું ગ્રહણ કરવું એટલે શું? બે નયનો વિષય તો પરસ્પર વિરુદ્ધ છે. શુદ્ધનયરૂપ આત્મા શુદ્ધ ચૈતન્યઘન અંદર ત્રિકાળી વસ્તુ મોજુદ છે તે એકને જ ઉપાદેયપણે ગ્રહણ કરવાનું ભગવાનની દેશનામાં આવ્યું છે. અહાહા! વસ્તુ જે મલિનતા રહિત, હીણપ રહિત અને વિપરીતતા રહિત અતિનિર્મળ પૂર્ણ ચૈતન્યમય ભગવાન છે તે એક જ ઉપાદેય છે એમ ભગવાનની વાણીનું ફરમાન છે. રાગથી ભિન્ન પડીને જ્યાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ઉપાદેય કર્યું ત્યાં રાગથી વિરુદ્ધ શુદ્ધ ચૈતન્યમય પરિણમન થઈ ગયું. આ રીતે આત્મા આસ્રવોથી નિવૃત્ત થાય છે. (વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ. એ જ વ્યવહારનયને ગ્રહણ કરવાનો આશય છે.

અને જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તેને સાચું ભેદજ્ઞાન થયું જ નથી, પુણ્ય- પાપના ભાવથી દ્રષ્ટિ ખસી ગઈ એનું નામ ભેદજ્ઞાન છે. કોઈ વળી આમાંથી એવો અર્થ કાઢે છે કે પુણ્ય-પાપના ભાવ બીલકુલ થાય જ નહિ એને ભેદજ્ઞાન કહેવાય. પરંતુ


PDF/HTML Page 820 of 4199
single page version

એમ નથી, ભાઈ! પુણ્ય-પાપભાવની રુચિથી ખસી ગયો એને અહીં નિવર્ત્યો કહે છે. અભિપ્રાયમાં જે રાગ સાથે એક્તા હતી તે તૂટી ગઈ તેને નિવૃત્ત થયો કહે છે અને તે ભેદજ્ઞાન છે. અભિપ્રાયમાં જે આસ્રવોથી નિવર્તતો નથી તેને ભેદજ્ઞાન જ નથી.

બીલકુલ રાગભાવ ન હોય તો ભેદજ્ઞાન છે એમ અહીં વાત નથી. રાગની રુચિથી ખસીને ચૈતન્યસ્વભાવની રુચિમાં આવે છે તેનું નામ સમ્યગ્દર્શન છે. પુણ્યભાવ આદિ હોય, પણ ધર્મીને એની રુચિ છૂટી ગઈ હોય છે. દ્રષ્ટિની અપેક્ષાથી અહીં વાત છે.

વળી કોઈ એમ કહે કે પહેલાં ક્રોધાદિથી નિવર્તે અને પછી ભેદજ્ઞાન થાય; તો એ વાત પણ યથાર્થ નથી. જે કાળે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટે, નિર્મળ ભેદજ્ઞાન પ્રગટે તે જ કાળે ક્રોધાદિની નિવૃત્તિ થાય છે. બન્નેનો સમકાળ છે, પહેલાં-પછી છે જ નહિ. ભાઈ! અંતર્દ્રષ્ટિ થયા વિના ભેદજ્ઞાનના અભાવમાં અનંતકાળમાં જીવે ઘણું બધું કર્યું; વ્રત કર્યાં, તપ કર્યાં અરે! હજારો રાણીઓને છોડીને વનવાસી દિગંબર મુનિ પણ થયો. મહાવ્રત પાળ્‌યાં અને આકરાં તપ કર્યાં. પરંતુ એકડા વિનાના મીંડાની જેમ બધું નિરર્થક ગયું. રાગનાં નિમિત્ત મટાડયાં, પણ રાગની રુચિ ન મટી એટલે સંસાર મટયો નહિ, લેશમાત્ર પણ સુખ ન થયું. છહઢાલામાં આવે છે ને કે-

‘મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.’

ભાઈ! અંતર્મુખદ્રષ્ટિ થયા વિના રાગની રુચિ છૂટતી નથી અને જ્યાં રાગની રુચિ હોય છે ત્યાં અંતર્દ્રષ્ટિ-ભેદજ્ઞાન હોતું નથી. માટે ભેદજ્ઞાન અને આસ્રવોથી નિવર્તન-એ બેનો સમકાળ છે એમ યથાર્થ જાણવું. (કળશટીકામાં કળશ ૨૯ માં પણ આ વાત લીધી છે.)

‘માટે ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે.’ ક્રોધ કહેતાં અંદર પૂર્ણાનંદનો નાથ જે જ્ઞાયકસ્વભાવી પ્રભુ આત્મા છે તેથી વિમુખ થઈને રાગની રુચિ કરે તેને જ્ઞાયક રુચતો નથી માટે તેને ભગવાન આત્મા પ્રત્યે ક્રોધ છે. કહ્યું છે ને કે ‘દ્વેષ અરોચક ભાવ’. નિજ સ્વરૂપની અરુચિ તે ક્રોધ છે. આ ક્રોધ આદિ ઉપરથી જેને દ્રષ્ટિ ખસી નહિ અને સ્વભાવની દ્રષ્ટિ કરી નહિ તે આસ્રવોથી નિવર્ત્યો નથી. પરંતુ જ્યાં આસ્રવોથી દ્રષ્ટિ ખસેડી નિજ ચૈતન્યસ્વરૂપમાં અભેદ થઈ પરિણમ્યો કે તરત જ તેને અંતર્જ્ઞાન થયું, સમ્યગ્જ્ઞાન થયું. આ રાગથી ભિન્ન પડેલું જે જ્ઞાન તે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થાય છે. પહેલાં જે એકત્વ- વિભક્તની વાત કરી હતી એ શૈલીથી અહીં વાત છે. અહાહા! સ્વભાવમાં એકત્વ અને રાગથી વિભક્ત થાય તે ભેદજ્ઞાન છે. અને તેનાથી બંધનો નિરોધ થાય છે, બંધન અટકી જાય છે.