Pravachan Ratnakar (Gujarati). Gatha: 73.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 42 of 210

 

PDF/HTML Page 821 of 4199
single page version

રાગ અને સ્વભાવનું જે ભેદજ્ઞાન થયું તે જ્ઞાન આસ્રવોથી નિવર્તે છે એટલે સર્વથા રાગ મટી જાય છે એમ અહીં અર્થ નથી. અભિપ્રાયમાં જે પુણ્ય-પાપનાં રસ-રુચિ હતાં તે મટી જાય છે અને તેને જ્ઞાન આસ્રવોથી નિવર્ત્યું એમ કહે છે. તે જ્ઞાનથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ અટકી જાય છે.

હવે આ વાત વધારે સ્પષ્ટ કરે છે.-

‘વળી જે આ આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? દલીલથી વિષય વધારે સ્પષ્ટ કરે છે. કહે છે-આ પુણ્ય-પાપના ભાવ અને ભગવાન આત્મા એ બન્નેનું જે ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન?

‘જો અજ્ઞાન છે તો આત્મા અને આસ્રવોના અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ.’ જુઓ! આત્મા અને આસ્રવોનું અભેદજ્ઞાન-એકપણાનું જ્ઞાન તો અજ્ઞાન છે, અને તેનાથી બંધ છે. હવે જો આત્મા અને આસ્રવો ભિન્ન છે એવું જે ભેદજ્ઞાન તે પણ અજ્ઞાન હોય તો બંનેમાં કાંઈ ફરક ન પડયો. જો ભેદજ્ઞાન પણ અજ્ઞાન હોય તો આત્મા અને આસ્રવોના એકપણાના જ્ઞાનથી તેમાં કાંઈ વિશેષતા ન થઈ. આત્માની રાગ સાથે અનાદિથી એક્તા છે અને એનાથી (રાગથી) જ્ઞાન જુદું ન પડયું તો તે જ્ઞાન જ નથી, ભેદજ્ઞાન જ નથી.

‘અને જો જ્ઞાન છે તો (તે જ્ઞાન) આસ્રવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવર્ત્યું છે?’ આ બીજો પ્રશ્ન છે. જો તે જ્ઞાન છે એમ કહો તો તે જ્ઞાન આસ્રવોમાં પ્રવર્તે છે કે કેમ? જો આસ્રવોમાં પ્રવર્તે છે તો આત્મા અને આસ્રવોના અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. જ્ઞાન કહો અને વળી આસ્રવોમાં પ્રવર્તે-રુચિ કરે એમ કહો-એ તો એનું એ થયું. પુણ્ય-પાપના ભાવોને ઉપાદેય કરીને પ્રવર્તે તે જ્ઞાન ભેદજ્ઞાન જ નથી. રાગથી ભિન્ન પડી સ્વભાવને ગ્રહે તે જ્ઞાન ભેદજ્ઞાન છે. અને તે જ્ઞાનમાત્રથી મિથ્યાત્વ અને અનંતાનુંબંધીનો બંધ અટકે છે, પરંતુ પુણ્ય પાપમાં પ્રવર્તે એ તો જ્ઞાન જ નથી. આસ્રવમાં પ્રવર્તતું અટકે એનું નામ સાચું જ્ઞાન-ભેદજ્ઞાન છે, અને એનાથી બંધનો નિરોધ થાય છે.

‘જો આસ્રવોથી નિવર્ત્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય?’ સિદ્ધ થયો જ કહેવાય. પુણ્ય-પાપના ભાવથી દ્રષ્ટિ ખસીને સ્વભાવમાં એકાકાર થઈ એ જ્ઞાનમાત્રથી બંધન અટકી ગયું. અવિરતિ આદિ રાગ પરિણામ હોય ખરા, પણ હું તો રાગથી ભિન્ન ચિદાનંદઘનસ્વરૂપ છું એવું ભેદજ્ઞાન થતાં બંધ અટકી જાય છે.

હવે કહે છે-‘આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું.’ દયા- દાન-પૂજા-ભક્તિ આદિ પુણ્યભાવથી ધર્મ થાય એવા (અજ્ઞાનમય) ક્રિયાનયનું ખંડન થયું. કષાયની મંદતા કરતાં કરતાં ધર્મ થાય એવી ખોટી માન્યતાનું અહીં ખંડન


PDF/HTML Page 822 of 4199
single page version

કર્યું છે. મંદ રાગની લાખ ક્રિયાઓ કરે, પણ એ ધર્મ નથી. રાગથી નિવર્તેલું જ્ઞાન ધર્મ છે; આવો માર્ગ છે.

રાગની મંદતાની ક્રિયા તે ક્રિયા અને પરલક્ષી આત્માનું જ્ઞાન-એમ ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ’ કોઈ કહે છે તો તે વાત યથાર્થ નથી; અહીં તેનું ખંડન કર્યું છે. રાગથી ભિન્ન પડેલું સ્વરૂપનું જ્ઞાન તે જ્ઞાન અને જ્ઞાન-સ્વરૂપમાં ઠરવું-રમવું તે ક્રિયા. આ પ્રમાણે ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ’ યથાર્થ છે. કળશટીકામાં કળશ ૨૬૭માં આવે છે કે જ્ઞાન અને ક્રિયાનયને પરસ્પર તીવ્ર મૈત્રી છે. એટલે કે ‘શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદિ પરિણામને મટાડીને થાય છે.’-‘શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે રાગાદિ અશુદ્ધ પરિણતિને મટાડીને છે, રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિનાશ શુદ્ધ સ્વરૂપના અનુભવ સહિત છે.’ આને ત્યાં પરસ્પર અત્યંત મૈત્રી કહી છે. એને જે પાત્ર થયો છે તે જીવ સમકિતી છે, (ધર્મિષ્ઠ છે) રાગની મંદતાની ક્રિયા થાય તે ધર્મ નથી, પણ રાગ-પરિણામ મટાડીને જે નિર્મળ પરિણામ પ્રગટ થાય તે ધર્મની ક્રિયા છે, તે મોક્ષમાર્ગ છે.

‘વળી જે આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા (એકાંત) જ્ઞાનનયનું પણ ખંડન થયું.’ એકલું ધારણારૂપ જાણપણું કરીને માને કે મને જ્ઞાન થઈ ગયું, પણ અંદર જ્ઞાનમાં એકાકાર ન થાય તો તે જ્ઞાન જ નથી. તે એકાન્ત જ્ઞાનનયનું અહીં ખંડન કર્યું. એકલો જ્ઞાનનો ઉઘાડ છે પણ આત્મામાં એકાગ્ર થયો જ નથી તો તે જ્ઞાનને જ્ઞાન કહેતા જ નથી. ક્ષયોપશમનો અંશ છે તે વસ્તુ નથી. શ્રીમદ્જીએ પણ કહ્યું છે ને-

“કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ,
માને મારગ મોક્ષનો,
કરુણા ઉપજે જોઈ.”

એકને ક્રિયાજડ કહ્યા, બીજાને શુષ્કજ્ઞાની. બંનેનો નિષેધ કરીને કહે છે કે એની દશા જોઈને અમને કરુણા થઈ આવે છે.

રાગથી નિવર્તતું નથી અને સ્વભાવમાં પ્રવર્તતું નથી એ જ્ઞાન જ નથી. ક્ષયોપશમ જ્ઞાનને કોઈ સમ્યગ્જ્ઞાન માને એનો અહીં નિષેધ કર્યો છે.

અહીં એકાન્ત ક્રિયાનય અને એકાન્ત જ્ઞાનનય એ બન્ને મિથ્યામતનું ખંડન કર્યું છે. રાગની મંદતાની ક્રિયામાં ધર્મ માને તે ક્રિયાજડ છે. અને જાણવામાત્રથી ભેદજ્ઞાન માને તે શુષ્કજ્ઞાની છે. બીજી રીતે કહીએ તો-વ્યવહાર કરતાં કરતાં ધર્મ થાય એવું માને એ એકાન્ત ક્રિયાનયનું અહીં ખંડન કર્યું છે. તથા પરલક્ષી જાણપણામાત્રથી જ્ઞાન થાય એવું માને તે એકાન્ત જ્ઞાનનયનું અહીં ખંડન કર્યું છે.

અહાહા! વસ્તુ જ્ઞાન અને આનંદનું ઢીમ છે. રાગથી ભિન્ન પડી તેમાં એકત્વપણે પરિણમેલું જ્ઞાન જ્ઞાન છે અને એમાં રમણતા કરવી તે ક્રિયા છે, અને તે મોક્ષમાર્ગ છે.


PDF/HTML Page 823 of 4199
single page version

* ગાથા ૭૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આસ્રવો અશુચિ છે, જડ છે, દુઃખનાં કારણો છે. આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બંનેને ભિન્ન જાણીને આસ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે. પુણ્ય-પાપને જે પહેલાં ઉપાદેયપણે માનતો તેને હવે હેય જાણીને આત્માને ઉપાદેયપણે સ્વીકારે છે. તેને કર્મનો બંધ થતો નથી. સ્વ આશ્રિત નિશ્ચય અને પરાશ્રિત વ્યવહાર તે એક જ સિદ્ધાંત છે. શુભભાવ તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી.

આત્મા અને આસ્રવોનો ભેદ જાણ્યા છતાં જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તે ભેદજ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે.

અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃત્તિઓનો તો આસ્રવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો આસ્રવ થઈને બંધ થાય છે; તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની? તેનું સમાધાનઃ- સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્ઞાની જ છે, કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આસ્રવોથી નિવર્ત્યો છે. ધર્મીને જ્ઞાનધારા પ્રગટ થઈ ગઈ છે. રાગધારા ભલે હો, અભિપ્રાયથી તે રાગથી નિવર્ત્યો જ છે. અસ્થિરતા ટળીને સ્થિરતા થઈ નથી, પણ અભિપ્રાયમાં તેને રાગનો આદર નથી. સ્વભાવનું સ્વામીપણું તેને પ્રગટયું છે અને પરનું-રાગનું સ્વામીપણું છૂટી ગયું છે. માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસ્રવબંધ થાય છે તેનું સ્વામીપણું નથી. ઉદય અનુસાર એટલે ઉદય હોય છે, પણ પોતાની યોગ્યતા પ્રમાણે આસ્રવ થાય છે. ઉદય છે તે પ્રમાણે જ આસ્રવ-બંધ થાય એમ નથી. નહિતર તો કોઈ છૂટવાનું બને જ નહિ. ઉદય હોય છતાં પોતાની ઉપાદાન યોગ્યતા અનુસાર આસ્રવ થાય.

પોતાના પુરુષાર્થની મંદતાથી જ્ઞાનીને રાગ થાય છે, પણ રાગનો તેને અભિપ્રાય નથી. અભિપ્રાયમાં તો તે આસ્રવ-બંધથી સર્વથા છૂટવા ઇચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે.

જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેઃ- મિથ્યાત્વસંબંધી બંધ જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત છે, કહેવા ધારેલો છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે, દીર્ઘસંસારનું કારણ નથી; તેથી તેને પ્રધાન ગણવામાં આવ્યો નથી.

રાગ થાય તે સંસારનું કારણ છે, પણ જ્ઞાનીને તે રાગ દીર્ઘ સંસારનું કારણ નથી તેથી તેને પ્રધાન ગણ્યો નથી.

અથવા તો આ પ્રમાણે કારણ છેઃ- જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી


PDF/HTML Page 824 of 4199
single page version

જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી; કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કારણ છે તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે.

અહીં કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૪૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

જુઓ! ગાથામાં ત્રણ બોલથી ભેદજ્ઞાન સમજાવ્યું છે. પુણ્ય-પાપના ભાવ અશુચિ છે, જડ છે, દુઃખરૂપ છે; અને ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન અતિ નિર્મળ, વિજ્ઞાનઘનસ્વરૂપ, આનંદરૂપ છે. આમ બંનેની ભિન્નતા જાણીને જે પર્યાયબુદ્ધિ દૂર કરીને સ્વભાવસન્મુખ થાય છે તેને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. આવું ભેદજ્ઞાન જેને અંતરંગમાં પ્રગટ થયું છે તે આત્માને- ‘परपरिणतिम् उज्झत्’ પરપરિણતિને છોડતું, ‘भेदवादान् खण्डयत्’ ભેદનાં કથનોને તોડી પાડતું, ‘इदम् अखण्डम् उच्चण्डम् ज्ञानम्’ આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન ‘उच्चैः उदितम्’ પ્રત્યક્ષ ઉદય પામ્યું છે.

જુઓ! આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પરપરિણતિને છોડતું ઉદય પામ્યું છે. પરપરિણતિ એટલે વિકારનો-પુણ્યપાપનો ભાવ. પહેલાં જે અનેક પ્રકારે પુણ્ય-પાપના ભાવમાં રોકાઈ રહેતો હતો તે હવે સ્વભાવનો આશ્રય કરતાં એ ભાવોને છોડતું અતિ પ્રચંડ જ્ઞાન ઉદય પામ્યું છે. હું અખંડ એક જ્ઞાયકસ્વરૂપ છું-એવી દ્રષ્ટિ થતાં રાગ મારું કર્તવ્ય છે એ દ્રષ્ટિ છૂટી ગઈ અને રાગથી ભિન્ન પડીને અતિ તીક્ષ્ણ જ્ઞાન પ્રગટ થયું. ભગવાન આત્મા ચિત્શક્તિરૂપ છે. પણ પુણ્ય-પાપની રુચિના કારણે ચિત્શક્તિ રોકાઈ ગઈ હતી. અરે! વિકાર-રાગ મારું કર્તવ્ય, દયા, દાન, વ્રતાદિ મારાં કાર્ય-એમ માનતાં ચિત્શક્તિ ઢંકાઈ ગઈ હતી પરંતુ અખંડ એકરૂપ ચિદાકાર ચૈતન્યમય આત્માની દ્રષ્ટિ કરતાં રાગની રુચિ છૂટી ગઈ, એનો મહિમા છૂટી ગયો અને પ્રચંડ જ્ઞાનશક્તિની પ્રગટતા થઈ. આમ શક્તિ જે હતી તે પ્રગટ થઈ તે ધર્મ છે. જે જ્ઞાન પરમાં અટક્તું હતું તે સ્વભાવમાં સ્થિત થયું તે ધર્મ છે.

વળી આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન ભેદનાં કથનોને તોડી પાડતું પ્રગટ થયું છે. અહાહા...! અખંડ એકરૂપ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જતાં ભેદવાદ ખંડખંડ થઈ જાય છે અને અખંડ જ્ઞાન પ્રગટ થાય છે. જુઓ! આ કેવળજ્ઞાનની વાત નથી. કેવળજ્ઞાન તો પર્યાય છે. અહીં તો અખંડ જ્ઞાન પ્રગટ થાય છે એમ વાત છે. અહાહા! એકલું જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન ચૈતન્યસામાન્ય એકસદ્રશ ધ્રુવ સ્વભાવ જેમાં પર્યાયનો અભાવ છે તે પ્રગટ થાય છે એની વાત છે. અહાહા! મતિ-શ્રુતજ્ઞાન આદિ જે ખંડખંડરૂપ ભેદો હતા તેમને દૂર કરતું-મટાડતું અખંડ જ્ઞાન ઉદય પામ્યું છે. એભદની દ્રષ્ટિમાં ભેદવાદ મટી જાય છે. અહા! ઓછા ઉઘાડને લઈને જ્ઞેયના નિમિત્તથી જ્ઞાનમાં જે ખંડ પડતા


PDF/HTML Page 825 of 4199
single page version

હતા, જે ખંડરૂપ જ્ઞાનાકારો પ્રતિભાસતા હતા તે હવે જ્ઞાયકમાં દ્રષ્ટિ સ્થિર થતાં જ્ઞાન અખંડપણે પ્રત્યક્ષ ઉદય પામ્યું છે, અર્થાત્ એક જ્ઞાનમાત્ર વસ્તુ જ જ્ઞાનમાં જણાવા લાગી છે, જ્ઞાનના ભેદો નહિ. અહાહા! હું અખંડ એક જ્ઞાયકમૂર્તિ ભગવાન છું-એમ દ્રષ્ટિ થતાં, વિકાર તો દૂર રહો, મતિ-શ્રુત અવસ્થાના જ્ઞાનના ભેદો પણ બહાર રહી જાય છે, એકલો અખંડ જ્ઞાયક ભગવાન જ જણાય છે. ભાઈ! વીતરાગનો માર્ગ આવો આકરો છે, રાગથી મરી જાય ત્યારે ધ્રુવ ચૈતન્યબિંબ જણાય એવું છે. ૧૧ મી ગાથામાં આવે છે કે ત્રિકાળી ભૂતાર્થ-સત્યાર્થ દ્રવ્યસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એમાં ભેદ તૂટી જાય છે એમ અહીં કહે છે. ચૈતન્યરસનો કંદ પ્રભુ આત્મા જાજ્વલ્યમાન ચૈતન્યસૂર્ય છે. એના પર દ્રષ્ટિ કરતાં મતિ- શ્રુતાદિ જ્ઞાનના ખંડરૂપ ભેદોને તોડી પાડતું અખંડ જ્ઞાન પ્રત્યક્ષ પ્રગટ થાય છે. જ્ઞાનમાં અખંડ જ્ઞાનનો સૂર્ય પ્રત્યક્ષ જણાયો એટલે પ્રત્યક્ષ પ્રગટ થાય છે એમ કહ્યું છે. હવે કહે છે-‘ननु’ અહો! ‘इह’ આવા જ્ઞાનમાં ‘कर्तृकर्मप्रवृत्तेः’ (પરદ્રવ્યનાં) કર્તાકર્મની પ્રવૃત્તિનો ‘कथम् अवकाशः’ અવકાશ કેમ હોઈ શકે?

વસ્તુ અખંડ એકરૂપ ચૈતન્યસ્વભાવમય છે. તેમાં કોઈ એવી શક્તિ નથી જે વિકાર કરે. આવા શક્તિમાન દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતાં જ્ઞાનની વર્તમાન દશા જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવે પ્રગટ થઈ છે. અહો! આવા જ્ઞાનમાં કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? જ્ઞાયક-સ્વરૂપ ત્રિકાળીમાં સ્વપરને પ્રકાશે એવી ત્રિકાળ એની શક્તિ છે. ત્રિકાળીને જાણે એવી એમાં શક્તિ છે. નિયમસારમાં આવે છે કે ત્રિકાળ જ્ઞાન-દર્શનનો ઉપયોગ એ ત્રિકાળને જાણે જ છે. વસ્તુનો સ્વભાવ આવો છે એની વાત છે. આ પરિણમનરૂપે (ઉપયોગ) છે એની વાત નથી. ત્રિકાળી વસ્તુને જાણવાનો સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપે છે એમ વાત છે. પરિણતિરૂપે જાણે એ નહિ. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ! અહીં કહે છે કે જ્ઞાનસ્વભાવના પરિણમનમાં રાગનું કર્તાપણું અને રાગનું કર્મપણું એવો અવકાશ કેમ હોઈ શકે? સ્વભાવનો આશ્રય લઈને જે જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થયું તેમાં આખો આત્મા જણાયો, શ્રદ્ધામાં આવ્યો. તે જ્ઞાન, જે પર્યાયમાં રાગની અશુદ્ધતા છે, કે જે અશુદ્ધતાની પરિણતિ છે તેને વ્યવહારે જાણે, વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે; પરંતુ જ્ઞાની રાગનો કર્તા અને રાગ એનું કાર્ય-એવો જ્ઞાનમાં અવકાશ કયાં છે? (નથી જ). અનાદિની આવી પોતાની સર્વજ્ઞસ્વભાવી ચીજ છે. અનાદિથી સાધક જીવો છે, મિથ્યાદ્રષ્ટિ જીવો પણ અનાદિથી છે. તેમ જગતની ચીજો પણ અનાદિથી છે. અને તે સર્વને જાણનારનો વિરહ પણ કદી જગતમાં પડતો નથી. એવી જ રીતે ભગવાન સર્વજ્ઞ-દેવની પ્રતિમા પણ અનાદિ કાળથી છે. તેનો પણ કદી વિરહ હોતો નથી.


PDF/HTML Page 826 of 4199
single page version

લોકોને સત્ય તત્ત્વની ખબર નથી. ભાઈ! ઉપરટપકે માની લઈએ એવી આ વસ્તુ નથી. આ તો ભાવમાં એનું ભાસન થવું જોઈએ. ત્રણકાળ, ત્રણલોક અનાદિ-અનંત જ્ઞેયપણે છે તો તેનો જાણનાર કોઈ કાળે ન હોય એમ બની શકે નહિ.

ભગવાન સર્વજ્ઞદેવ જેમ ત્રિકાળ શાશ્વત છે તેમ એમનું મૂર્તિરૂપે પ્રતિબિંબ પણ જગતમાં ત્રણે કાળ શાશ્વત છે. આવી જ વસ્તુની સ્થિતિ છે. અહીં કહે છે કે જ્ઞાયકભાવનું ભાન થતાં અંદર શક્તિરૂપ જે સામર્થ્ય હતું તે પ્રગટ થયું. એ જ્ઞાનમાં રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ-એવી કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.

અરે ભાઈ! પ્રગટેલું જ્ઞાન જાણવાનું કામ કરે કે કર્તાકર્મની પ્રવૃત્તિનું કામ કરે? પરદ્રવ્યના કર્તાકર્મનો જ્ઞાનમાં અવકાશ જ નથી. પરપરિણતિને તો છોડતું એ પ્રગટ થાય છે. તો જ્ઞાનમાં એનાં કર્તાકર્મ કેવાં? (છે જ નહિ).

હવે કહે છે-‘वा’ તથા ‘पौद्गलः कर्मबन्धः’ પૌદ્ગલિક કર્મબંધ પણ ‘कथम् भवति’ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. જો જ્ઞાનમાં કર્તાકર્મની પ્રવૃત્તિને અવકાશ નથી તો કર્મબંધનો અવકાશ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.

કળશટીકાના ર૯ માં કળશમાં આવે છે કે-‘સુખ, દુઃખ આદિ વિભાવપર્યાયરૂપ પરિણમતા જીવના જે કાળે આવા અશુદ્ધ પરિણમનરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. તેનું વિવરણ-શુદ્ધ ચેતનામાત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી અને અશુદ્ધ સંસ્કાર છુટયા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. તેથી જે કાંઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન, એક જ સ્વાદ છે.’ આવો મોક્ષનો માર્ગ કોઈ અપૂર્વ ચીજ છે, ભાઈ! સંસારનો વ્યય થઈને મોક્ષ થાય એનો આ જ ઉપાય છે. વ્યવહારથી આમ થાય અને તેમ થાય એમ લોકો વાદવિવાદમાં પડયા છે પરંતુ આમાં વાદવિવાદને અવકાશ નથી.

નિયમસારમાં પ્રાયશ્ચિત અધિકારમાં આવે છે કે-નિર્મળ દશા જે વીતરાગ પરિણતિ પ્રગટી તે પ્રાયશ્ચિત છે. પ્રાયઃ+ચિત, અર્થાત્ પ્રકૃષ્ટપણે ચિત કહેતાં જ્ઞાન તે પ્રાયશ્ચિત. એટલે ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ જે વસ્તુ છે તે પ્રાયશ્ચિતસ્વરૂપ જ છે. પરિણતિ પ્રગટી તે કાર્યનિયમ છે અને વસ્તુ જે ત્રિકાળી શુદ્ધ જ્ઞાનચેતનારૂપ છે તે કારણનિયમ છે. એટલે કે જે કાંઈ નિર્મળ પરિણતિ થાય તે પ્રકારે આખીય વસ્તુ સ્વભાવથી છે. પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે તો વસ્તુ વીતરાગસ્વરૂપ જ છે. કેવળજ્ઞાન પ્રગટ થાય તો દ્રવ્ય અખંડ જ્ઞાનસ્વરૂપ જ છે, આવા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં જેમ રાગના કર્તાકર્મની પ્રવૃત્તિને અવકાશ નથી તેમ ધ્રુવ સ્વભાવના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાન પરિણતિમાં પણ રાગના કર્તાકર્મની પ્રવૃત્તિને અવકાશ નથી. તો પછી કર્તાકર્મની પ્રવૃત્તિના અભાવમાં કર્મનું બંધન થાય એનો અવકાશ કયાં રહ્યો? (ન જ રહ્યો).


PDF/HTML Page 827 of 4199
single page version

કોઈ એમ કથન કરે છે કે-“પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર નથી, -” આ કથનનું અહીં સ્પષ્ટ નિરાકરણ છે કે આત્મદ્રવ્યમાં પરદ્રવ્યની કર્તાકર્મપ્રવૃત્તિનો અવકાશ હોઈ શકે નહિ.

અરેરે! જીવો દુઃખથી ભય પામી સુખ શોધે છે, પણ એનો ઉપાય તેઓ જાણતા નથી! જેમ ફૂલની કળી શક્તિરૂપે છે તેમાંથી ફૂલ ખીલે છે તેમ ભગવાન આત્મા અનંતગુણપાંખડીએ એક જ્ઞાયકભાવ પણે અંદર બિરાજમાન છે. દ્રષ્ટિ એનો સ્વીકાર કરીને જ્યાં અંર્તમગ્ન થાય છે ત્યાં પર્યાયમાં જ્ઞાયકભાવ પ્રગટ થાય છે. આ જ ધર્મની રીત છે, ભાઈ!

“જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી ‘અખંડ’ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે.”

૩૧ ગાથામાં આવ્યું છે કે-જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે એવી ભાવેન્દ્રિયો જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે. ખંડખંડને જાણે છે એ બીજી વાત, પણ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે એમ ત્યાં કહ્યું છે. જ્ઞાનવસ્તુ તો ત્રિકાળ અખંડ છે. પણ જ્ઞેયોના નિમિત્તે જ્ઞાનમાં અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસે છે. પરંતુ જ્યાં જ્ઞાયકમાં અંતર્મગ્ન થયો ત્યાં જાણનાર- જાણનાર-જાણનાર એવો અખંડ એક જ્ઞાયકભાવ અનુભવમાં આવે છે અને તેથી જ્ઞાનનું ‘અખંડ’ એવું વિશેષણ આપ્યું છે. આ ‘અખંડ’ ની વ્યાખ્યા કરી.

“મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ‘ભેદના કથનોને તોડી પાડતું’ એમ કહ્યું છે.” કળશટીકામાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, દ્રવ્ય-ગુણ-પર્યાય અથવા ‘આત્માને જ્ઞાનગુણ વડે અનુભવે છે’-એવા જે વિકલ્પો છે તે ભેદો છે એમ કહ્યું છે. તે ભેદોને દૂર કરતું-મૂળથી ઉખાડતું જ્ઞાન પ્રગટ થાય છે. અહાહા! ‘જ્ઞાન તે આત્મા’-એ વિકલ્પ છે, ભેદ છે, અનુપચાર વ્યવહારનયનો વિષય છે. અને વસ્તુ અખંડ એકરૂપ અભેદ જ્ઞાયક છે. આવા અખંડ જ્ઞાયકનો જ્ઞાનમાં સ્વીકાર થવો તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. એનું નામ ધર્મ છે, સમજાણું કાંઈ?

“પરના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી ‘પરપરિણતિને છોડતું’-એમ કહ્યું છે.” અનાદિથી રાગ અને જ્ઞાનના એકત્વપણે પરિણમતો હતો. તે જ્ઞાન પ્રગટ થતાં બન્નેની એક્તાબુદ્ધિ છૂટી ગઈ અને જ્ઞાન, જ્ઞાન ભણી વળ્‌યું તેથી ‘પરપરિણતિને છોડતું’ એમ કહ્યું છે.

“પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી ‘અત્યંત પ્રચંડ’ કહ્યું છે.” જ્ઞાન, રાગથી એકપણે થઈ પરિણમતું નથી પણ જે રાગ થાય તેને પોતાથી ભિન્ન જાણવાપણે પરિણમે છે. જે કાળે રાગ આવ્યો તેને તે કાળે જાણતું અને સ્વને


PDF/HTML Page 828 of 4199
single page version

પણ તે કાળે જાણતું જ્ઞાન પોતાના સ્વપરપ્રકાશક સામર્થ્ય વડે પ્રગટ થાય છે. વળી તે બળવાન છે એટલે જ્ઞાનની જ્યાં ઉગ્રતા થઈ ત્યાં રાગ-દ્વેષ ભસ્મ થઈ જાય છે. જ્ઞાનની ઉગ્રતા કર્મના આકરા વિપાકના રસને પણ ભસ્મ કરી દે છે તેથી તેને ‘અત્યંત પ્રચંડ’ કહ્યું છે.

આવો ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! શુભરાગના સ્થૂળ વિકલ્પથી પકડાય એવું વસ્તુતત્ત્વ નથી. દ્રવ્યનું-આત્માનું સ્વરૂપ તો સૂક્ષ્મ નિર્વિકલ્પ છે, અને નિર્વિકલ્પ દ્રષ્ટિથી જ પકડાય એમ છે.

પ્રશ્નઃ– જ્ઞાનનું સ્વરૂપ તો સવિકલ્પ કહ્યું છે ને?

ઉત્તરઃ– ત્યાં સવિકલ્પ એટલે જ્ઞાન સ્વ અને પરને જાણે છે ભેદપૂર્વક સ્વ અને પરને જાણવું એમ અર્થ છે. વિકલ્પ એટલે રાગ એમ ત્યાં અર્થ નથી. જ્ઞાન તો રાગથી ભિન્ન જ છે. નિર્વિકલ્પ જ્ઞાન એટલે રાગના અવલંબરહિત જ્ઞાનથી જ વસ્તુતત્ત્વ પકડાય એમ છે. આ માર્ગ છે.

* કળશ ૪૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદ-ભાવને અને પરપરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી; તો પછી હવે બંધ શા માટે હોય? અર્થાત્ ન હોય. જ્ઞાયકના લક્ષે અખંડ જ્ઞાયકની પરિણતિ જાગી ત્યારે ભેદરૂપ કારકોની પ્રવૃત્તિ મટી ગઈ. રાગનો હું કર્તા અને રાગ મારું કર્તવ્ય-એ પ્રવૃત્તિ મટી ગઈ. અભેદ કારકની પ્રવૃત્તિ થઈ. જ્ઞાન જ્ઞાયકને અનુભવતું પ્રગટ થયું. તો પછી ભિન્ન કારકોની પ્રવૃત્તિના અભાવમાં બંધ શા માટે હોય? ન જ હોય. લ્યો, અહીં (ગાથા) ૭૨ પૂરી થઈ.

[પ્રવચન નં. ૧૨૦ થી ૧૨૩ * દિનાંક ૯-૭-૭૬ થી ૧૨-૭-૭૬]

PDF/HTML Page 829 of 4199
single page version

ગાથા–૭૩

केन विधिनायमास्रवेभ्यो निवर्तत इति चेत्–

अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो।
तम्हि ठिदो तच्चितो सव्वे एदे खयं णेमि।। ७३।।
अहमेकः खलु शुद्धः निर्ममतः ज्ञानदर्शनसमग्रः।
तस्मिन् स्थितस्तच्चित्तः सर्वानेतान् क्षयं नयामि।। ७३।।

હવે પૂછે છે કે કઈ વિધિથી (-રીતથી) આ આત્મા આસ્રવોથી નિવર્તે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું;
એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું. ૭૩.

ગાથાર્થઃ– જ્ઞાની વિચારે છે કેઃ [खलु] નિશ્ચયથી [अहम्] હું [एकः] એક છું, [शुद्धः] શુદ્ધ છું, [निर्ममतः] મમતારહિત છું, [ज्ञानदर्शनसमग्रः] જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; [तस्मिन् स्थितः] તે સ્વભાવમાં રહેતો, [तच्चित्तः] તેમાં (-તે ચેતન્ય-અનુભવમાં) લીન થતો (હું) [एतान्] [सर्वान्] ક્રોધાદિક સર્વ આસ્રવોને [क्षय] ક્ષય [नयामि] પમાડું છું.

ટીકાઃ– હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિ-અનાદિ-અનંત નિત્ય- ઉદ્રયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું; (કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણસ્વરૂપ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું; પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું; ચિન્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુસ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું. -આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યપ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્યસ્વરૂપને જ) અનુભવતો થકો,


PDF/HTML Page 830 of 4199
single page version

પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું-એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ, અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.

ભાવાર્થઃ– શુદ્ધનયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે ‘હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ વસ્તુ છું’. જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે છે. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો આસ્રવોને છોડી દે છે.

* * *
સમયસાર ગાથા ૭૩ઃ મથાળું

હવે પૂછે છે કે કઈ વિધિથી, કઈ રીતથી આ આત્મા આસ્રવોથી નિવર્તે છે? પુણ્ય- પાપના ભાવ છે તે આસ્રવ છે, મલિન છે, અચેતન છે, દુઃખ છે, ચૈતન્યની જાતથી વિરુદ્ધ કજાત છે. અહાહા! જેને સ્વરૂપ સમજવાની ગરજ થઈ છે તે શિષ્ય પૂછે છે કે પ્રભો! આ આત્મા પુણ્ય-પાપના ભાવોથી કઈ વિધિથી નિવર્તે છે? અંદર આસ્રવોથી નિવર્તવાનો પોકાર થયો છે તે પૂછે છે કે આ (અજ્ઞાન-કર્તાકર્મ)ની પ્રવૃત્તિથી નિવૃત્તિ કઈ રીતે થાય? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

* ગાથા ૭૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

હું આ આસ્રવોને ક્ષય પમાડું છું. અહાહા! શૈલી તો જુઓ! (આત્મા) આમ કરે તો આમ થાય એમ નથી લીધું. ‘હું’ ક્ષય પમાડું છું એમ વાત લીધી છે. ગજબ શૈલી છે! શું કહે છે? ‘હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્રજ્યોતિ અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું.’ ‘अहमेक्को’ કહ્યું છે ને? એની આ વ્યાખ્યા કરી.

‘હું’ શબ્દથી પોતાની અસ્તિ સિદ્ધ કરી છે અને ‘આ’ થી પ્રત્યક્ષ અસ્તિ દર્શાવી છે. છે ને કે-હું આ આત્મા પ્રત્યક્ષ ચિન્માત્ર જ્યોતિ છું? પ્રત્યક્ષ થઈ શકે એ વાત નથી. પ્રત્યક્ષ છે જ. ભગવાન આત્મા પ્રત્યક્ષ છે. શક્તિના અધિકારમાં બારમી ‘સ્વયં પ્રકાશમાન વિશદ એવા સ્વસંવેદનમયી (સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ’ કહી છે. વસ્તુ પોતે પોતાથી પ્રત્યક્ષ થાય એવા પ્રકાશગુણ સહિત છે. આત્માનો એવો પ્રકાશસ્વભાવ છે કે પોતે જ પોતાના સ્વસંવેદનમાં પ્રત્યક્ષ પ્રકાશમાન થાય છે.


PDF/HTML Page 831 of 4199
single page version

વળી અખંડ છું એમ કહું છું. અહાહા...! એક સમયની પર્યાયનો ભેદ પણ આત્મામાં કયાં છે? (નથી). પર્યાય તો વ્યવહારનયનો વિષય છે. સોળમી ગાથામાં એમ કહ્યું કે જ્ઞાન- દર્શન-ચારિત્રપણે આત્મા પરિણમે છે એ મેચકપણું-મલિનતા છે. એકને ત્રણપણે પરિણમતો કહેવો એ મેચક છે. ભેદ પડે તે મેચક છે, વ્યવહાર છે, અસત્યાર્થ છે. વસ્તુ શુદ્ધ એકાકાર છે તે નિશ્ચય છે.

વળી હું અનંત ચિન્માત્રજ્યોતિ છું. સ્વભાવની શક્તિનું સ્વરૂપ જ અનંત છે. અખંડ અને અનંત એ ત્રિકાળી ચિન્માત્રજ્યોતિનાં વિશેષણ છે. આ ભાવની વાત કરી. હવે કાળની વાત કરે છે.

હું અનાદિ અનંત કહેતાં ત્રિકાળ આદિ-અંત રહિત છું. જે છે એની આદિ શું? જે છે એનો અંત શું? વસ્તુ તો અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂપ છે. વસ્તુ નિત્ય પ્રગટરૂપ છે. સૂર્ય તો સવારે ઊગે અને સાંજે નમી જાય. પરંતુ આ ચૈતન્યસૂર્ય તો નિત્ય ઉદયરૂપ જ છે. અહાહા! વર્તમાનમાં અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂપ ચિન્માત્રજ્યોતિ હું છું એમ કહે છે.

જેમ અગ્નિની જ્યોતિ છે તેમ આ આત્મા ચિન્માત્રજ્યોતિ છે. તેનો આશ્રય લેતાં સંસાર બળીને ખાક થઈ જાય છે. આટલાં વિશેષણો કહીને હવે કહે છે કે વિજ્ઞાનઘન-સ્વભાવભાવપણાને લીધે હું એક છું. વિજ્ઞાનઘનસ્વભાવ એટલે વિકલ્પ તો શું, જેમાં એક સમયની પર્યાયના પણ પ્રવેશનો અવકાશ નથી. પર્યાય તેની ઉપર ઉપર તરે છે પણ અંદર પ્રતિષ્ઠા પામતી નથી. આ વાત અગાઉ કળશમાં આવી ગઈ છે. બધા આત્મા ભેગા થઈને હું એક છું એમ નથી. આ તો એકલું વિજ્ઞાનનું દળ જેમાં પરનો કે પર્યાયનો પ્રવેશ નથી એવા ચિન્માત્રજ્યોતિ હું વિજ્ઞાનઘન- સ્વભાવભાવપણાને લીધે એક છું.

આત્માનું ક્ષેત્ર ભલે અસંખ્યાત્પ્રદેશી શરીર પ્રમાણ હોય. પરંતુ તેના સ્વભાવનું સામર્થ્ય અનંત, અપાર-બેહદ છે. ક્ષેત્રની કિંમત નથી, સ્વભાવના સામર્થ્યની કિંમત છે. સાકરના ગાંગડા કરતાં સેકેરીનની કણીનું ક્ષેત્ર ખૂબ નાનું છે. પણ સેકેરીનની મીઠાશ અનેકગણી છે. એમ ભગવાન આત્મા શરીર પ્રમાણ થોડા ક્ષેત્રમાં રહેવા છતાં એનું વિજ્ઞાનઘનસ્વભાવરૂપ સામર્થ્ય અનંત છે. ભાઈ! જ્યાં જેટલામાં તે છે ત્યાં ધ્યાન લગાવવાથી તે પ્રગટ થાય છે.

આત્મા આસ્રવોથી કેવી રીતે નિવર્તે છે-એમ શિષ્યનો પ્રશ્ન છે. તેનો આ ઉત્તર ચાલે છે. આત્મા અખંડ, અનંત, પ્રત્યક્ષ ચિન્માત્રજ્યોતિ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છે. તેની દ્રષ્ટિ કરતાં મિથ્યાત્વનો આસ્રવ ટળી જાય છે. આ સૌ પ્રથમ ધર્મની શરુઆતની વાત છે. અહીં એક બોલ થયો.

હવે ‘હું શુદ્ધ છું’-એ બીજો બોલ કહે છે. ‘(કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન,


PDF/HTML Page 832 of 4199
single page version

અપાદાન અને અધિકરણસ્વરૂપ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું.

આત્મા પરનો કર્તા અને પર એનું કાર્ય-એવું એનામાં છે જ નહિ. આત્મા સિવાય શરીર, મન, વચન, ઇન્દ્રિય, કુટુંબ કે દેશ ઇત્યાદિ પર દ્રવ્યનો હું કર્તા અને એમાં જે ક્રિયા થઈ તે મારું કર્મ એવું છે જ નહિ. આ વાત અહીં લીધી નથી કેમકે જે પરદ્રવ્ય છે તે કાર્ય વિના કદીય કોઈ કાળે ખાલી નથી. આ એક વાત.

હવે બીજી વાતઃ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના અશુદ્ધ ભાવ થાય તેનો હું કર્તા અને તે મારું કર્મ, હું સાધન, હું સંપ્રદાન, મારામાંથી થયું અને મારા આધારે થયું આવા રાગની ક્રિયાના ષટ્કારકની પ્રક્રિયા તે આત્માના સ્વરૂપમાં નથી.

હવે ત્રીજી વાતઃ એક સમયની નિર્મળ પર્યાયના ષટ્કારકો-જેમકે નિર્મળ પર્યાયનો કર્તા હું, નિર્મળ પર્યાય તે મારું કર્મ, તેનું સાધન હું, મારા માટે તે થઈ, મારાથી થઈ, મારા આધારે થઈ-આમ નિર્મળ પર્યાયના ષટ્કારકોની જે પ્રક્રિયા તેનાથી પાર ઊતરેલી એટલે ભિન્ન જે નિર્મળ અનુભૂતિ તે (ત્રિકાળી) અનુભૂતિમાત્રપણાને લીધે હું શુદ્ધ છું. અહીં ‘અનુભૂતિ’ એ પર્યાયની વાત નથી પણ ત્રિકાળી દ્રવ્યની વાત છે. પર્યાયમાં ષટ્કારકનું પરિણમન સ્વતંત્ર છે. એનાથી મારી ચીજ (ત્રિકાળી) ભિન્ન છે. અહાહા! વર્તમાન નિર્મળ પરિણતિથી મારો ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ ભગવાન ભિન્ન છે -એને અહીં શુદ્ધ કહ્યો છે.

નિર્મળ અનુભૂતિની પર્યાયના ભેદને લક્ષમાં લેવો એ વ્યવહારનય છે, અશુદ્ધતા છે, મેચકપણું-મલિનતા છે. આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણપણે પરિણમે એમ લક્ષમાં લેવું એ વ્યવહારનય છે. એ પ્રમાણે (ત્રણપણે) આત્માને-પોતાને અનુભવતાં આસ્રવોથી નિવૃત્તિ નહિ થાય. પ્રવચનસારના નય-અધિકારમાં કહે છે કે માટીને એના વાસણ આદિ પર્યાયના ભેદથી જોવી એ અશુદ્ધનય છે. તેમ આ આત્માને તેના ષટ્કારકના પર્યાયના ભેદથી જોવો તે અશુદ્ધનય છે. જ્ઞાનની પર્યાય, આનંદની પર્યાય, વીર્યની પર્યાય-એમ પર્યાયના ભેદથી આત્મા જોવો તે અશુદ્ધપણું છે એનાથી મિથ્યાત્વનો આસ્રવ નહિ મટે. અહીં તો કહે છે કે ષટ્કારકની પ્રક્રિયાથી ભિન્ન વસ્તુ ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ જે ભગવાન આત્મા છે તેના ઉપર દ્રષ્ટિ આપતાં મિથ્યાત્વનો આસ્રવ ટળી જાય છે.

દયા, દાનના વિકલ્પથી ધર્મ માને એ તો મિથ્યાત્વ છે જ, પરંતુ પોતાને નિર્મળ પર્યાયના ભેદથી લક્ષમાં લેતાં જે વિકલ્પ થાય એનાથી ધર્મ થાય એમ માને તે પણ મિથ્યાત્વ છે.

ભગવાન આત્મા એક સમયની પર્યાયના ષટ્કારકના પરિણમનથી પાર ઊતરેલી-ભિન્ન અનુભૂતિમાત્ર ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે. આ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જતાં


PDF/HTML Page 833 of 4199
single page version

સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન પ્રગટે છે અને ત્યારે આત્મા આસ્રવથી નિવૃત્ત થાય છે. અહાહા...! વિકારના ષટ્કારકની પરિણમનરૂપ ક્રિયા તો દૂર રહી, અહીં તો જ્ઞાનનો જે પ્રગટ અંશ એના ષટ્કારકની પ્રક્રિયા-પરિણમનથી ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ ભગવાન ભિન્ન છે અને એને અહીં શુદ્ધ કહેલ છે. એવા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યની દ્રષ્ટિ થતાં મિથ્યાત્વનો આસ્રવ ટળી જાય છે. આ વિધિથી જીવ આસ્રવોથી નિવર્તે છે.

જેમ શીરો બનાવવો હોય તો એની વિધિ એ છે કે-પ્રથમ આટો ઘીમાં શેકે અને પછી એમાં ગોળનું પાણી નાખે તો શીરો તૈયાર થાય. તેમ આત્મામાં ધર્મ કેમ થાય તે સમજાવે છે. એક સમયમાં કારકના ભેદોથી પાર અભેદ શુદ્ધ ચૈતન્યમય ત્રિકાળ વસ્તુ છે. તેના ઉપર દ્રષ્ટિ આપતાં સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે, અને મિથ્યાત્વનો આસ્રવ છૂટી જાય છે. આગળ આવશે કે જેમ જેમ દ્રવ્યનો આશ્રય વધશે તેમ તેમ આસ્રવ મટી જશે. આ એની રીત અને પદ્ધતિ છે. બીજી રીતે કરવા જઈશ તો મરી જઈશ તોપણ વસ્તુ પ્રાપ્ત નહિ થાય. પૂર્ણાનંદનો નાથ અભેદ એક ચૈતન્યમય ભગવાન છે. એનું ત્રિકાળ ટક્તું જીવન તે એનું સત્ત્વ - તત્ત્વ છે. એનો સ્વીકાર છોડીને નિમિત્ત, રાગ અને ભેદમાં અટકીશ તો મિથ્યાત્વાદિ આસ્રવ થશે, પરંતુ વીતરાગતારૂપ ધર્મ નહિ થાય. આવો વીતરાગનો માર્ગ જેમ છે તેમ સમજવો જોઈએ.

એક સ્તુતિકારે કહ્યું છે કે-

“પ્રભુ તુમ જાણગ રીતિ, સહુ જગ દેખતા હો લાલ;
નિજ સત્તાએ શુદ્ધ, સહુને પેખતા હો લાલ.”

હે નાથ! આપ જ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોક જુઓ છો. તેમાં આપ બધા આત્માઓ નિજ સત્તાએ પરિપૂર્ણ શુદ્ધ ભગવાન છે એમ જોઈ રહ્યા છો. આ વાત અહીં લીધી છે. પર્યાયના ષટ્કારકની પરિણતિથી ભિન્ન આખું ચૈતન્યનું દળ ભગવાન આત્મા શુદ્ધ છે. એને વિષય કરનારી દ્રષ્ટિ પણ એમાં સમાતી નથી એવો એ ત્રિકાળી એક શુદ્ધ છે એમ ભગવાને જોયો છે. જ્યારે એક સમયની પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી એક શુદ્ધ અનુભૂતિસ્વરૂપ ચૈતન્ય ભગવાનના લક્ષે પરિણમન કરે છે ત્યારે મિથ્યાત્વનો નાશ થઈ સમ્યગ્દર્શનની વીતરાગી પરિણતિનો ઉત્પાદ થાય છે. આવી અંતરની ક્રિયા સમજાય નહિ એટલે કોઈ દયા પાળો, વ્રત કરો, પૂજા-પ્રભાવના કરો- એમ બહારની ક્રિયાઓમાં ધર્મ બતાવે એટલે રાજી-રાજી થઇ જાય. પરંતુ ભાઇ! એ તો બધી રાગની ક્રિયાઓ છે. રાગ છે એ તો અચેતન આંધળો છે, એમાં જ્ઞાનનું-ચૈતન્યનું કિરણ નથી. જેમ સૂરજનું કિરણ સફેદ ઉજ્જ્વળ હોય પણ કોલસા જેવું કાળું ન હોય, તેમ ચૈતન્યસૂર્યનું પર્યાયરૂપ કિરણ ચૈતન્યમય, આનંદમય હોય પણ આંધળું રાગમય ન હોય.

આત્મા છ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર જે નિર્મળ અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી


PDF/HTML Page 834 of 4199
single page version

શુદ્ધ ચૈતન્ય ભગવાન છે તે ભૂતાર્થ છે. તેના ઉપર દ્રષ્ટિ દેતાં મિથ્યાદર્શનનો વ્યય અને સમ્યગ્દર્શનનો ઉત્પાદ થાય છે. પર્યાયના ભેદને લક્ષમાં લેવો તે અશુદ્ધતા છે. એક સમયની જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તેનાથી ભિન્ન, સંયોગથી ભિન્ન અને દયા, દાનના વિકલ્પથી પણ ભિન્ન અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. તેનો આશ્રય કરવાથી ધર્મની શરૂઆત થાય છે. આ ધર્મ પામવાની વિધિ છે.

કેવળીના કેડાયતો ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કેવળજ્ઞાન કેમ થાય અને તે પહેલાં સમ્યગ્દર્શન કેમ થાય એની રીત બતાવે છે. કહે છે કે પર્યાયના ષટ્કારકોના ભેદની રુચિ છોડીને અખંડ એક અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી ભગવાન અંદર પડયો છે એનો આશ્રય કર. ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યક્મતિશ્રુતજ્ઞાન થાય છે.

ધવલમાં આવે છે કે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. અર્થાત્ સમ્યક્ મતિશ્રુતજ્ઞાન જેને પ્રગટ થયું તેને અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ થશે તે નિશ્ચિત છે. કેવળજ્ઞાન-સર્વજ્ઞપદ સાધ્ય છે, પરંતુ ધ્યેય તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જ છે. પરિણતિમાં પૂર્ણ સાધ્ય જે સિદ્ધદશા પ્રગટ થાય તેનો આધાર-આશ્રય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જ છે. અહાહા...! સમજવાની ચીજ આ જ છે કે પર્યાયથી પાર જે ત્રિકાળી ભગવાન ભિન્ન છે તે શુદ્ધ છે અને તે શુદ્ધનો જે પર્યાયે નિર્ણય કર્યો તે પર્યાય તે શુદ્ધમાં (દ્રવ્યમાં) નથી. પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્ય શુદ્ધ છે એમ અનુભવ કરે છે. આવો ભગવાન વીતરાગદેવનો માર્ગ છે. તેને રાગથી કે ભેદથી પ્રાપ્ત કરવા જઈશ તો વસ્તુ-સત્ હાથ નહિ આવે.

એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જેણે જોયા છે તે ભગવાન (સીમંધર નાથ)ની વાણી શ્રી કુંદકુંદાચાર્યદેવે સાક્ષાત્ સાંભળી હતી. આત્માના અનુભવ સહિત તેઓ મહા ચારિત્રવંત હતા. ભરતમાં પધારી તેમણે સંદેશ આપ્યો કે-પરને મારી શકું, પરને જીવાડી શકું, પરની દયા પાળી શકું એમ જે માને છે તે મૂઢ છે, મિથ્યાદ્રષ્ટિ છે. પરના કામ કરવાનો બોજો માથે લઈને પોતાને પરનો કર્તા માને એ મૂઢ છે, અજ્ઞાની છે. પરની દયાનો ભાવ આવે એ જુદી વાત છે, પણ બીજાને જીવાડી શકું છું એ માન્યતા એકલું અજ્ઞાન છે. પ્રભો! તું તો જ્ઞાતા-દ્રષ્ટા છો ને! જાણવું-દેખવું એ જ તારું જીવન છે. એને બદલે પરને સુખી-દુઃખી કરવાનું માને એ તો તારા જ્ઞાનસ્વભાવનો અનાદર છે, હિંસા છે. અહીં તો કહે છે કે સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય જે પ્રગટ થાય તેનો કર્તા પર્યાય પોતે, કર્મ પોતે, સાધન પર્યાય પોતે, ઇત્યાદિ છ કારકોના ભેદના વિકલ્પથી પાર વસ્તુ ત્રિકાળી શુદ્ધ છે. એ અખંડ એક વિજ્ઞાનસ્વભાવી શુદ્ધની દ્રષ્ટિ કરતાં નિર્મળ પર્યાય પ્રગટે છે અને તે ધર્મ છે. પરંતુ ત્રિકાળી શુદ્ધ વસ્તુમાં ભેગી પર્યાયને ભેળવે તો એ સમ્યગ્દર્શનનો વિષય રહેતો નથી પણ અુશદ્ધતા પ્રગટ થાય છે. લ્યો, આ બીજો બોલ થયો.


PDF/HTML Page 835 of 4199
single page version

હવે નિર્મમ છું-એમ ત્રીજો બોલ કહે છે. પરનાં કામ કરે છે એ વાત તો દૂર રહી, પરંતુ જે રાગ-વિકલ્પ થાય એનું સ્વામીપણું એને નથી એમ હવે કહે છે. નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે-

‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.’

દુકાનના થડે બેઠો હોય, ઘરાક માલ લઈ જાય, રોજના પાંચસો-સાતસોની પેદાશ થતી હોય, ત્યાં માને કે આ દુકાનનું ગાડુ મારાથી ચાલે છે. મારે રોજની આટલી પેદાશ, હેં; ધૂળેય નથી, સાંભળને. એ કોણ રળે? ભાઈ! રળવાના ભાવ છે એ તો પાપ છે અને એનો કર્તા થાય એ તો એકલું અજ્ઞાન છે. વીતરાગ પરમેશ્વરના દરબારમાં આવેલી આ વાત છે.

ત્રીજો બોલઃ- ‘પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું.’

અહાહા...! કેવી સરસ વાત કરી છે! પુણ્ય અને પાપના અનેક પ્રકારે જે વિકારી ભાવ થાય છે તેનો પુદ્ગલ સ્વામી છે, હું તેનો સ્વામી નથી. એ વિકારી ભાવનો સ્વામી હું નહિ એ વાત તો ઠીક, પણ તેના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી એમ કહે છે. પુણ્ય-પાપના જે અનેક પ્રકારના વિકારી ભાવ છે તેમના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી માટે નિર્મમ છું. ક્ષાયિક સમકિત થયા પછી પણ રાગ તો યથાસંભવ આવે, મુનિપણાની ભૂમિકામાં પણ વ્યવહારરત્નત્રયનો રાગ તો આવે; પણ તે રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો હોવાથી હું-આત્મા નિર્મમ છું એમ ધર્મી માને છે. તેને આ વિધિથી આસ્રવોની નિવૃત્તિ થાય છે.

૪૭ નયના અધિકારમાં (પ્રવચનસારમાં) લીધું છે કે (કર્તૃનયે) રંગેરેજ જેમ રંગનો કર્તા છે તેમ જ્ઞાનીને જેટલું હજુ રાગનું પરિણમન છે તેનો તે કર્તા છે. પણ એ તો ત્યાં જે પરિણમન છે તે અપેક્ષાએ કર્તા કહેલ છે. જ્ઞાની તેનો સ્વામીપણે કર્તા થતો નથી. આ રાગ કર્તવ્ય છે, કરવા લાયક છે એમ જ્ઞાનીને તેનું સ્વામીપણું નથી. અહાહા...! દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે રાગ થાય તેના સ્વામીપણે સમકિતી કદીય પરિણમતા નથી. ગજબ વાત છે! તે સર્વનું સ્વામી પુદ્ગલ છે, હું નહિ એમ માનતો ધર્મી જીવ આસ્રવોથી નિવર્તે છે.

પ્રશ્નઃ- આ દયા, દાન, ભક્તિ-પૂજા કરીએ તે ધર્મ ખરો કે નહિ?

ઉત્તરઃ– એમાં જરાય ધર્મ નથી. ભાઈ? એ તો બધા શુભરાગના ભાવ છે, પુણ્યબંધનાં કારણ છે; અને એનું સ્વામીપણું માને તો મિથ્યાત્વ છે. બાપુ! વીતરાગી ધર્મનો માર્ગ જુદો છે. ભાઈ! ભગવાનની દિવ્યધ્વનિતો પ્રવાહ અહીં ભરતમાં આવ્યો તેમાં એમ કહે છે કે-રાગના સ્વામીપણે પરિણમવું એ તારી પ્રભુતા નથી, એ તો રાંકાઈ


PDF/HTML Page 836 of 4199
single page version

છે. પ્રભુ! અંદર અનંત અનંત નિર્મળ ગુણનો ખજાનો ભર્યો છે તેની સન્મુખ ઢળતાં રાગનું સ્વામીપણું સહજ છૂટી જાય છે અને એ ધર્મ છે. ભગવાન ગણધરદેવ પણ જે રાગનું પરિણમન છે તેને જાણે પણ તેના સ્વામીપણે કદીય પરિણમે નહિ. પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી ધર્મીને વ્યવહારના વિકલ્પ આવે ખરા, પણ તે કર્તવ્ય છે એમ તેના સ્વામીપણે તે પરિણમતા નથી.

૪૭ શક્તિઓમાં એક સ્વભાવમાત્ર સ્વસ્વામિત્વમયી સંબંધશક્તિ છેલ્લી કહેલી છે. દ્રવ્ય-ગુણ અને પર્યાય જે શુદ્ધ છે તે મારું સ્વ અને હું તેનો સ્વામી એવી આત્મામાં સ્વસ્વામિત્વ સંબંધશક્તિ છે. તે શક્તિનું નિર્મળ પરિણમન થતું તે ધર્મ છે.

લોકમાં તો હું પત્નીનો પતિ, ગૃહપતિ, લક્ષ્મીપતિ, ક્રોડપતિ, ઇત્યાદિ પોતાને જડના પતિ માને છે, પણ એ મૂઢતા છે. કોના પતિ તારે થવું છે, ભાઈ? ધર્મી કહે છે કે જડનો સ્વામી તો હું નહિ પણ જે રાગ થાય છે તેનો સ્વામી પણ હું નહિ. એ રાગનો સ્વામી પણ પુદ્ગલ છે. અહીં હું એક છું, શુદ્ધ છું એમ પહેલાં અસ્તિથી કહ્યું અને રાગનું સ્વામીપણું મને નથી એમ નિર્મમ છું કહીને નાસ્તિપણું બતાવ્યું.

અહીં કહ્યું કે ક્રોધાદિ વિકારનો સ્વામી પુદ્ગલ છે માટે પુદ્ગલને લઈને વિકાર થાય છે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. પુદ્ગલને લઈને વિકાર થયો છે એમ નથી. એ તો પરદ્રવ્ય છે. પણ વિકાર થયો છે નિમિત્તના લક્ષે એ નિશ્ચિત. સ્વભાવમાં-સ્વરૂપમાં તો વિકાર છે જ નહિ અને નિમિત્તના લક્ષે તે થયો છે તેથી પુદ્ગલ એનો સ્વામી છે એમ કહ્યું છે. આમ જ્યાં જે અપેક્ષા હોય તે સમજવી જોઈએ.

પુણ્યના શુભભાવ થાય એ વર્તમાન દુઃખરૂપ છે. વળી એના ફળમાં સંયોગ મળશે અને એના (સંયોગ) પર લક્ષ જતાં પણ રાગ એટલે દુઃખ જ થશે માટે ભવિષ્યમાં થવાવાળા દુઃખના પણ એ કારણરૂપ છે. આ વાત આગળ ગાથા ૭૪ માં આવશે. અરે! પુણ્યના ફળમાં અર્હંતાદિનો સંયોગ મળશે અને એ સંયોગ પર લક્ષ જતાં રાગ જ થશે. અહાહા...! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ એમ કહે છે કે-પ્રભુ! અમે તારા માટે પરદ્રવ્ય છીએ, અને પરદ્રવ્ય ઉપર લક્ષ જતાં રાગ જ થશે, ધર્મ નહિ થાય. મોક્ષપાહુડની ૧૬મી ગાથામાં કહ્યું છે કે-‘परदव्वाओ दुग्गइ’ પરદ્રવ્ય ઉપર લક્ષ જાય તે દુર્ગતિ છે, ચૈતન્યની ગતિ નહિ. ભાઈ! રાગની પરિણતિ થાય એ ચૈતન્યની પરિણતિ નહિ. અહાહા...! જેના ફળમાં કેવળજ્ઞાન અને સાદિ-અનંત અનંત સમાધિસુખ પ્રગટે તેવી દશાને પ્રાપ્ત ધર્મી જીવ એમ કહે છે કે રાગ થાય તેના સ્વામીપણે સદાય હું પરિણમતો નથી. જે સ્વરૂપમાં નથી અને સ્વરૂપના આશ્રયે થયેલી નિર્મળ સ્વપરિણતિમાંય નથી તે રાગનું મને સ્વામીપણું નથી. દ્રવ્ય- ગુણ તો ત્રિકાળ નિર્મળ છે. તેના આશ્રયે જે નિર્મળ દશા પ્રગટી તે મારું સ્વ અને હું તેનો સ્વામી છું એમ ધર્મી માને છે.


PDF/HTML Page 837 of 4199
single page version

સ્ત્રીને લોકો અર્ધાંગના કહે છે. એમ કે-અડધું અંગ મારું અને અડધું અંગ તારું-એમ તેઓ માને છે. પણ એ તો બધી મૂઢ લોકોની ભ્રમણા છે, એ તો મિથ્યાત્વની માન્યતા છે. પરના સ્વામીપણાની તો અહીં વાત જ કયાં છે? અહીં તો કહે છે કે રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો એવો હું નિર્મમ છું. આ તો પ્રથમ આવો વિકલ્પથી નિર્ણય કરે, પછી સ્વભાવનો ઉગ્ર પુરુષાર્થ કરતાં વિકલ્પ છૂટી જાય છે. ભાઈ! આ માર્ગ હાથ આવે એના જન્મ-મરણના ફેરા મટી જાય એવી આ વાત છે. આ ત્રણ બોલ થયા.

હવે ચોથો બોલ કહે છેઃ-- ‘ચિન્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુસ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું.’ સામાન્ય તે દર્શન અને વિશેષ તે જ્ઞાન; એમ દર્શન-જ્ઞાન વડે પરિપૂર્ણ વસ્તુ છું. આત્મા વિકારપણે તો નથી, અલ્પજ્ઞપણે પણ નથી. અહીં કહે છે કે જ્ઞાન-દર્શનસ્વભાવથી પરિપૂર્ણ છું. વર્તમાન અલ્પજ્ઞ પર્યાય એમ નિર્ણય કરે છે કે પર્યાય જેટલો હું નહિ, પણ હું તો જ્ઞાન- દર્શનસ્વભાવથી પરિપૂર્ણ વસ્તુ છું.

ભાઈ! આ મિથ્યા ભ્રાન્તિનું મોટું તોફાન છે તેને શમાવવાની-મટાડવાની આ વાત ચાલે છે. મિથ્યાત્વરૂપી આસ્રવથી નિવર્તવાનો ઉપાય શું? આ પ્રશ્નનો ઉત્તર ચાલે છે. કહે છે કે હું જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ વસ્તુવિશેષ છું એમ પ્રથમ નક્કી કર. સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું હોવાથી હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું અહીં સુધી તો વિકલ્પથી નિર્ણય કરવાની વાત છે કે-

-હું અખંડ જ્ઞાનજ્યોતિસ્વરૂપ વિજ્ઞાનઘનસ્વભાવપણાને લીધે એક છું. -ષટ્કારકના પરિણમનથી રહિત શુદ્ધ છું. -રાગપણે સદાય નહિ પરિણમનારો નિર્મમ છું. -જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ વસ્તુવિશેષ છું.

વર્તમાન દશા અલ્પજ્ઞ હોવા છતાં સ્વભાવથી હું પરિપૂર્ણ છું. આકાશ જેમ પદાર્થ છે, પરમાણુ જેમ પદાર્થ છે તેમ હું પણ પારમાર્થિક વસ્તુવિશેષ છું, એટલે કે સર્વથી ભિન્ન વસ્તુ છું. આ પ્રમાણે પ્રથમ વિકલ્પથી નિર્ણય કરે છે એની આ વાત છે. વિકલ્પ તોડીને અનુભવ કરવાની વાત પછી કહેશે. આ તો બીજાઓએ (અજ્ઞાનીઓએ) કહેલો જે આત્મા તેનાથી જુદો પરમાર્થસ્વરૂપ આત્માનો નિર્ણય કરવા વિકલ્પ દ્વારા હું આવો છું એમ પ્રથમ શિષ્ય નિર્ણય કરે છે.

હવે કહે છે-‘તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યપ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્યસ્વરૂપને જ)


PDF/HTML Page 838 of 4199
single page version

અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું.’

રાગાદિ વિકારો પરદ્રવ્યની પ્રવૃત્તિ છે અને તે નિમિત્તના આશ્રયે ઉત્પન્ન થાય છે. પ્રથમ કહ્યું કે વિકારી ભાવોનો સ્વામી પુદ્ગલ છે. હવે કહ્યું કે તે પરદ્રવ્યપ્રવૃત્તિ છે. તે પોતાના અપરાધથી પરદ્રવ્યના નિમિત્તે થાય છે. તે પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આ ચૈતન્યસ્વરૂપને જ અનુભવું છું-એમ કહે છે.

અહો! અમૃતચંદ્રાચાર્યે અમૃત રેડયાં છે! ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો તે પર્યાયમાં પોતાના અપરાધથી થાય છે, પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. તેના નિરોધ વડે ચૈતન્યસ્વરૂપને અનુભવતો હું પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું. ક્રોધાદિક વિકાર ઉત્પન્ન કેમ થાય છે? તો કહે છે કે સ્વરૂપનું જ્ઞાન નથી માટે પોતાના અજ્ઞાન વડે આસ્રવો ઉત્પન્ન થાય છે. પરંતુ કહે છે કે હવે પરદ્રવ્યનું લક્ષ છોડી સ્વરૂપ ભણી ઢળતાં નિજ ચૈતન્યસ્વરૂપને અનુભવતો હું જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું. જ્ઞાનદર્શનસ્વરૂપ પરિપૂર્ણ એક શુદ્ધ વસ્તુ જે આત્મા તેનો અનુભવ કરતાં આસ્રવોથી હું નિવર્તુ છું.

પહેલાં પરમાર્થરૂપ વસ્તુસ્વરૂપ કહ્યું કે હું એક છું, શુદ્ધ છું, રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો નિર્મમ છું, જ્ઞાનદર્શન-પૂર્ણ છું, પરમાર્થ વસ્તુવિશેષ છું. હવે પર્યાયની વાત કરી કે પર્યાયમાં રાગ થયો કેમ? તો કહે છે કે પરદ્રવ્યના નિમિત્તથી ચેતનમાં વિશેષરૂપ ચંચળ કલ્લોલો-વિકલ્પો થતા હતા. તે સર્વના નિરોધ વડે ચૈતન્યસ્વરૂપને અનુભવતો તે આસ્રવોનો ક્ષય કરું છું. આસ્રવનો નિરોધ સંવર છે. પુણ્ય-પાપના વિકલ્પો તે આસ્રવો છે. પર્યાયમાં ઉત્પન્ન થતા પુણ્ય-પાપના જે ચંચળ કલ્લોલો તેનો નિર્મળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે નિરોધ કરતાં આસ્રવોની નિવૃત્તિ-ક્ષય થાય છે. જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય ભગવાન છે. તેનો અનુભવ કરતાં ચેતનમાં થતા ચંચળ કલ્લોલોનો નિરોધ થાય છે અને આસ્રવોથી નિવૃત્તિ થાય છે. મિથ્યાત્વને છોડવાની આ રીત છે.

પ્રશ્નઃ- વ્યવહાર સાધન છે કે નહિ? પંચાસ્તિકાયમાં સાધન કહ્યું છે.

ઉત્તરઃ– પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્ય-સાધનની વાત આવે છે. પરંતુ એ તો સાધનનું નિરૂપણ બે પ્રકારે છે, સાધન બે પ્રકારનાં નથી. સાધન તો એક જ પ્રકારનું છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજી કહે છે કે જેને નિશ્ચય સમ્યગ્દર્શન થયું છે ત્યાં એની સાથે દેવ-ગુરુ-શાસ્ત્રનો રાગ સહચરપણે હોય છે. તેને સહચર દેખીને, નિમિત્તથી ઉપચાર કરીને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. ખરેખર છે તો રાગ-


PDF/HTML Page 839 of 4199
single page version

બંધનું કારણ, પણ સહચર દેખીને આરોપ કર્યો છે. પછી લખ્યું છે કે સર્વત્ર નિશ્ચય-વ્યવહારનું આવું લક્ષણ જાણવું.

રાગથી ભિન્ન પડીને અનુભવ દ્વારા સ્વરૂપનું નિશ્ચય સાધન પ્રગટ થયું છે ત્યાં સાથે રાગની મંદતાનું સહચરપણું દેખીને તેને વ્યવહાર સાધનનો આરોપ આપવામાં આવ્યો છે. એ તો ઉપચારથી આરોપ આપ્યો છે, એ કાંઈ યથાર્થ સાધન નથી. સાધન બે નથી, પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. કારણ તો એક જ છે. સાધન કહો, કારણ કહો, ઉપાય કહો-એ બધું એક જ છે, એક જ પ્રકારે છે. કથન બે પ્રકારે હોય છે-એક નિશ્ચય અને બીજું વ્યવહાર; તેમાં નિશ્ચય તે સત્યાર્થ છે અને વ્યવહાર તે ઉપચાર-અસત્યાર્થ છે.

આત્મામાં પુણ્ય-પાપના ક્રોધાદિ ભાવો કયાંથી થયા? એ ભાવો કાંઈ જડમાં તો થયા નથી. પોતાની પર્યાયમાં પોતાના અપરાધથી અજ્ઞાનથી ઉત્પન્ન થયા છે. અજ્ઞાનવડે ઉત્પન્ન થયેલા તે આસ્રવો દ્રવ્યદ્રષ્ટિ વડે, શુદ્ધ ચૈતન્યના આશ્રયના પુરુષાર્થ વડે, સર્વ ક્ષય કરું છું એમ અહીં કહ્યું છે. દ્રવ્યદ્રષ્ટિમાં સર્વ આસ્રવોની નાસ્તિ છે તેથી સર્વને ક્ષય કરું છું એમ કહ્યું છે. અલ્પ અસ્થિરતા રહી છે તે પણ પુરુષાર્થના બળે અલ્પકાળમાં ક્ષય થવા યોગ્ય છે તેથી સર્વને ક્ષય કરું છું એમ લીધું છે. પ્રથમ તો આવો વિકલ્પમાં નિશ્ચય થાય છે એની આ વાત થઈ. માર્ગને પામવાની આ રીત છે.

‘એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.’

જુઓ! આત્મામાં આમ નિશ્ચય કરીને-એમ કહ્યું છે. ભાઈ! માર્ગ જેવો છે તેવો પ્રથમ નિશ્ચય કરવો જોઈએ. તેમાં બીજી રીતે માનવા જઈશ તો માર્ગ હાથ નહિ આવે. મિથ્યાત્વના આસ્રવથી નિવર્તવા માટે પહેલાં આંગણામાં ઊભા રહીને પોતાની ચીજ આ છે એવો યથાર્થ નિશ્ચય કરવો જોઈએ. આવો નિશ્ચય કરીને અંદર પ્રવેશીને અનુભવ વડે સર્વ આસ્રવોનો ક્ષય કરું છું એમ કહ્યું છે. આ અપ્રતિહત પુરુષાર્થના ઉપાડની વાત કરી છે.

અહો! સંતોએ ગજબ કામ કર્યાં છે. ૭૨મી ગાથામાં તો એને ત્રણ ત્રણ વાર ભગવાન કહીને બોલાવ્યો છે. જાગ રે નાથ! જાગ; રાગમાં એકત્વ કરીને સૂવું તને પાલવે નહિ. નિર્મળ પરિણતિમાં જાગ્રત થવું એ તારી શોભા છે, ભગવાન! ભગવાન તું અત્યંત શુચિ, વિજ્ઞાનઘનસ્વરૂપ અને સુખનું કારણ છો. આવો ભગવાન આત્મા છે તેનો અનુભવ કરતાં આસ્રવોનો ક્ષય થાય છે. પરિભાષા સૂત્ર બાંધ્યું છે ને! ગાથા ૭૨ પછી યથાસ્થાને આ ગાથા ૭૩ મૂકી છે. દરેક ગાથા યથાસ્થાને મૂકી છે. કહે છે-ભગવાન


PDF/HTML Page 840 of 4199
single page version

તું રાગના રંગે રોળાઈ ગયો છે એને આ નવો શુદ્ધ ચૈતન્યનો રંગ ચઢાવી દે. પ્રભુ! તું વીતરાગમૂર્તિ જિનસ્વરૂપ જ છો. હવે નિર્ણય કર અને રાગથી નિવૃત્ત થા. અહાહા...! હું જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છું એમ નિશ્ચય કરીને સ્વભાવમાં ઢળતાં રાગ-દ્વેષનો ક્ષય થાય છે.

જુઓ! ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે તે આસ્રવોથી નિવૃત્ત થાય છે. વમળે ઘણા વખતથી વહાણને પકડયું હતું તે વમળ છૂટે એટલે વહાણ ગતિ કરે. સમુદ્રના વમળની જેમ સર્વ વિકલ્પો જેણે જલદીથી વમી નાખ્યા તે આસ્રવોથી નિવૃત્ત થાય છે. વિકલ્પોને વમી નાખ્યા એટલે કે ફરીથી તે હવે ઉત્પન્ન થશે નહિ-એમ અર્થ છે. પ્રવચનસાર ગાથા ૯૨માં આવે છે કે- ‘અને તે (બહિર્મોહદ્રષ્ટિ) તો આગમકૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીને ઉત્પન્ન થવાની નથી.’ આ પંચમ આરાના મુનિ કહે છે. આવી અપ્રતિહત ભાવની વાત છે. દ્રષ્ટાંતમાં એમ લીધું કે વમળ છૂટતાં વહાણને છોડી દીધું છે. સિદ્ધાંતમાં એમ કહ્યું કે જ્ઞાનસ્વરૂપમાં જ્યાં એકાગ્ર થયો એટલે વિકલ્પો તૂટી ગયા. ત્યાં વિકલ્પોને એવા વમી નાખ્યા કે ફરીને હવે તે ઉત્પન્ન થવાના નથી. મુનિરાજ કહે છે કે અમે અપ્રતિહત ભાવે ઉપડયા છીએ. ક્ષયોપશમમાંથી ક્ષાયિક સમકિત લેશું, પણ વચ્ચે પડવાની વાત જ નથી.

અહાહા...! જુઓ, આ દિગંબર સંતોના અંતરના આનંદની મસ્તી! આ પંચમ આરાના મુનિવરો પોકાર કરીને બહુ ઊંચેથી કહે છે કે હજારો વર્ષથી બહારમાં ભગવાનનો વિરહ હોવા છતાં અમારો અંતરંગ નિર્મળાનંદનો નાથ ચૈતન્ય ભગવાન અમને સમીપ વર્તે છે. કોઈ પૂછે કે ભગવાન કેવળી પાસે તમે ગયા હતા? તો કહે છે-ભાઈ! સાંભળ! મારો નાથ ભગવાન આત્મા ચૈતન્ય પ્રભુ છે તેની પાસે અમે ગયા છીએ. ત્યાંથી અંતરમાં અવાજ આવ્યો છે કે વિકલ્પોને અમે એવા વમી નાખ્યા છે કે ફરીને હવે તે ઉત્પન્ન થવાના નથી. અહાહા...! વસ્તુ પરમપારિણામિકસ્વભાવે જે ત્રિકાળ ધ્રુવ છે તેની સન્મુખ થતાં જે સ્વાનુભવ પ્રગટ થયો છે તે મોક્ષ લઈને જ પૂર્ણ થશે. હવે ફરીને મિથ્યાત્વ થશે એ વાત છે જ નહિ. આ પ્રમાણે સર્વ વિકલ્પોને જલદી એકદમ શીઘ્ર વમી નાખ્યા છે એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.

અભેદ, અચલિત, નિર્મળ ભગવાન આત્મા વિજ્ઞાનઘન છે. રૂના ધોકળામાં પોલાણ હોય છે, પરંતુ આનંદનો નાથ પ્રભુ આત્મા તો એકલો વિજ્ઞાનઘન છે. (એમાં કોઈ પરનો પ્રવેશ શકય નથી) એવા અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો અભેદ એકપણે પરિણમતો આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.

પર્યાય જ્યાં દ્રવ્યસન્મુખ ઢળી એટલે તે દ્રવ્યથી અભેદ થઈ. ખરેખર તો પર્યાય