PDF/HTML Page 981 of 4199
single page version
ભિન્ન નથી અને પરિણામ પરિણામીથી ભિન્ન નથી માટે તે પરિણામ બીજાથી થયા છે એમ બીલકુલ નથી. તે તે પરિણામ પોતાના પરિણામી દ્રવ્યથી જ થયા છે.
મોક્ષમાર્ગના પરિણામનું દ્રવ્ય કર્તા નથી એમ જે કહ્યું છે એ બીજી વાત છે. ત્યાં સામાન્ય ધ્રુવ નિત્ય એકરૂપ વસ્તુ પર્યાયમાં આવતી નથી એ અપેક્ષાએ વાત છે. અને અહીં તો તે તે પર્યાય દ્રવ્યની છે, પરની નથી એમ સિદ્ધ કરવું છે. પરિણામ કહો કે પર્યાય કહો- એક જ વાત છે. પરિણામ પરિણામી દ્રવ્યના છે, પર-નિમિત્તના નથી અને નિમિત્તને લઈને થયા નથી-એમ અહીં કહેવા માગે છે. જુઓ, આટામાંથી કણેક બદલાઈને રોટલી થાય છે તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામ જ છે. રોટલી પરિણામ જ છે. અને રોટલીરૂપ પરિણામ પરિણામીથી (આટાના પરમાણુથી) ભિન્ન નથી. માટે પરથી એટલે કે બાઈથી કે વેલણ વગેરેથી રોટલી થઈ છે એ વાત રહેતી નથી.
આ આગમમંદિરના આરસમાં અક્ષરો કોતરવાનું મશીન પરદેશથી આવ્યું તે તેની પરિણામસ્વરૂપ ક્રિયા થઈ. તે ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને પરિણામ પરિણામીથી ભિન્ન નથી. માટે મશીન બીજાને લઈને અહીં આવ્યું એમ છે જ નહિ.
પ્રશ્નઃ– પરંતુ બીજો એમાં નિમિત્ત તો છે ને?
ઉત્તરઃ– ભાઈ! આ નિમિત્તની જ વાત ચાલે છે કે જે ક્રિયા થઈ તે નિમિત્તથી થઈ નથી; ત્યારે તો એને નિમિત્ત કહેવામાં આવે છે.
પ્રશ્નઃ– મહેનત કરી ત્યારે મશીન અહીં આવ્યું ને?
ઉત્તરઃ– મહેનત એટલે વિકલ્પ કર્યો. એ વિકલ્પ પહેલાં ન હતો અને થયો તે ક્રિયા થઈ. એ ક્રિંયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી એટલે વિકલ્પથી ભિન્ન નથી. અને તે પરિણામ-વિકલ્પ પરિણામી દ્રવ્યથી ભિન્ન નથી. તેથી તે વિકલ્પનું કર્તા જીવ દ્રવ્ય છે, પણ મશીનના પરિણમનનો કર્તા જીવ નથી. (મશીનને લઈને વિકલ્પ નથી અને વિકલ્પને લઈને મશીનના પરિણામ નથી).
ભાઈ! નવતત્ત્વની શ્રદ્ધા થઈ કયારે કહેવાય? અજીવની પર્યાય અજીવના દ્રવ્ય-ગુણથી થાય છે, પરથી નહિ એમ નિશ્ચિત થાય ત્યારે અજીવની શ્રદ્ધા થઈ કહેવાય. આ તો વ્યવહાર શ્રદ્ધા છે. નિશ્ચય શ્રદ્ધા તો જ્યારે પરિણામ નિજ આત્મદ્રવ્યસન્મુખ થઈને ત્રિકાળી દ્રવ્યસ્વભાવની પ્રતીતિ કરે ત્યારે પ્રગટ થાય છે અને તે સમ્યગ્દર્શન છે. ત્યાં મિથ્યાત્વ પલટીને જે સમ્યગ્દર્શનની પર્યાય થઈ તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામ જ છે, અને પરિણામ પરિણામી દ્રવ્યથી અભિન્ન છે. માટે સમ્યગ્દર્શનનો કર્તા જીવ છે. દર્શનમોહનો અભાવ થયો માટે સમ્યગ્દર્શન પ્રગટ થયું એમ છે જ નહિ.
PDF/HTML Page 982 of 4199
single page version
ઘાતીકર્મનો ક્ષય થતાં કર્મરૂપ દશા અકર્મરૂપ થઈ તે કારણથી અહીં જીવને કેવળજ્ઞાન પ્રગટ થયું છે એમ નથી. ચાર જ્ઞાનની પર્યાય પલટીને કેવળજ્ઞાન થયુું તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી અને પરિણામ એટલે કેવળજ્ઞાન પરિણામી એટલે આત્માથી ભિન્ન નથી. તેથી કેવળજ્ઞાન આત્માનું કાર્ય છે. ઘાતીકર્મનો ક્ષય થયો કે વજ્રવૃષભનારાચ સંહનન અને મનુષ્યપર્યાય હતી માટે કેવળજ્ઞાન પ્રગટ થયું એમ છે જ નહિ.
પ્રશ્નઃ– દિવ્યધ્વનિથી આ જ્ઞાન થયું છે કે નહિ?
ઉત્તરઃ– ના, દિવ્યધ્વનિથી જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાન પોતાથી થયું છે. દિવ્યધ્વનિને વેદ કહે છે. પંચાસ્તિકાય અને પરમાત્મપ્રકાશમાં તેને વેદ કહેલ છે. વેદ અને શાસ્ત્ર બે શબ્દો કહ્યા છે. વેદનો અર્થ દિવ્યધ્વનિ કર્યો છે અને શાસ્ત્રનો અર્થ મહામુનિઓની વાણી કરેલો છે. ત્યાં બે શબ્દો લઈને કહ્યું છે કે દિવ્યધ્વનિથી અને મહામુનિઓના શાસ્ત્રથી જ્ઞાન થતું નથી કેમકે જ્ઞાનની અવસ્થા થઈ તે પ્રથમ ન હતી તે પ્રગટ થઈ છે. તે અવસ્થા પલટીને થઈ તેથી ક્રિયા છે. ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી. અને તે પરિણામ પરિણામી દ્રવ્યથી ભિન્ન નથી. આમ જ્ઞાન પોતાથી થયું છે, દિવ્યધ્વનિથી નહિ. (દિવ્યધ્વનિ તો પુદ્ગલની પર્યાય છે).
દર્શનપાહુડમાં આવે છે કે-હે સકર્ણા! સમ્યગ્દર્શન વિનાનો જીવ વંદન યોગ્ય નથી. એટલે જેની શ્રદ્ધામાં ભૂલ છે, અને હું રાગનો કર્તા છું, દેહાદિ પરદ્રવ્યની ક્રિયા કરી શકું છું, દેશ, કુટુંબ આદિને સુધારી શકું છું અને દેશસેવા એ ધર્મ છે- એમ જેની માન્યતા છે તે સમ્યગ્દર્શનથી રહિત છે. આવા સમ્યગ્દર્શનથી રહિત અજ્ઞાની વંદન કરવા લાયક નથી કેમકે ‘दंसणमूलोधम्मो’ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ‘चरितम् खलु धम्मो’ ચારિત્ર સાક્ષાત્ ધર્મ છે, પરંતુ જેમ મૂળ વિના વૃક્ષ હોતું નથી તેમ સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોતું નથી, તેથી કોઈએ દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય અને પંચમહાવ્રતાદિનું પાલન કરતો હોય, પરંતુ પંચમહાવ્રતની ક્રિયા હું કરી શકું છું, એ મારું કર્તવ્ય છે અને એનાથી મને લાભ (ધર્મ) છે એમ જો તે માનતો હોય તો તે સમ્યગ્દર્શન રહિત મિથ્યાદ્રષ્ટિ છે અને તે વંદન યોગ્ય નથી એમ ભગવાને શિષ્યોને ઉપદેશમાં કહ્યું છે. બહુ આકરી વાત, ભાઈ! પણ આ યથાર્થ અને સત્ય વાત છે.
સૂત્રપાહુડ ગાથા ૧૦માં કહ્યું છે-‘ ‘વસ્ત્ર રહિત દિગંબર મુદ્રાસ્વરૂપ અને પાણિપાત્ર એટલે હાથરૂપી પાત્રમાં ઊભા રહીને આહાર કરવો આવો એક અદ્વિતીય મોક્ષમાર્ગ તીર્થંકર પરમદેવ જિનેન્દ્રદેવે કહ્યો છે. આ સિવાય બીજા બધા અમાર્ગ છે.” મોક્ષમાર્ગ પ્રકાશકના પાંચમા અધિકારમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ દિગંબરમત સિવાયના બીજા સર્વને અન્યમત કહ્યા છે. તે બધા ઉન્માર્ગ છે. કોઈના વિરોધ માટે આ વાત નથી. વસ્તુસ્થિતિ જ આવી છે. સૂત્રપાહુડની ૨૩મી ગાથામાં કહ્યું છે કે-“વસ્ત્ર ધારણ
PDF/HTML Page 983 of 4199
single page version
કરવાવાળા સીઝતા નથી એટલે કે મોક્ષ પામતા નથી. તીર્થંકર ભગવાન પણ જ્યાં સુધી ગૃહસ્થદશામાં રહે ત્યાં સુધી મોક્ષ પામતા નથી. દીક્ષા લઈને દિગંબરરૂપ ધારણ કરે ત્યારે મોક્ષ પામે છે, કેમકે નગ્નપણું તે મોક્ષમાર્ગ છે, શેષ બધાં લિંગ ઉન્માર્ગ છે.”
વસ્ત્રસહિત મુનિપણું માને તો એમાં નવે તત્ત્વની ભૂલ છે. મુનિની ભૂમિકામાં આસ્રવ મંદ હોય છે, પરંતુ વસ્ત્ર રાખવાનો વિકલ્પ તીવ્ર આસ્રવ છે. માટે એમાં આસ્રવની ભૂલ થઈ. મુનિની ભૂમિકામાં સંવર ઉગ્ર હોય છે તેને વસ્ત્ર રાખવાનો ભાવ હોતો નથી. છતાં વસ્ત્ર ધારે તો તે સંવરની ભૂલ છે. મુનિની ભૂમિકામાં કષાય ઘણો મંદ હોય છે. ત્યાં વસ્ત્રગ્રહણની સહેજે ઈચ્છા થતી નથી. તે સ્થિતિમાં ઘણી નિર્જરા થાય છે. છતાં વસ્ત્રસહિતને ઘણી નિર્જરા માની તે નિર્જરા તત્ત્વનીભૂલ છે. છઠ્ઠા ગુણસ્થાને વસ્ત્ર રાખવાનો તીવ્ર આસ્રવ જીવને હોતો નથી છતાં માને તો તે જીવતત્ત્વની ભૂલ છે. છઠ્ઠા ગુણસ્થાને વસ્ત્ર-પાત્રનો સંયોગ હોય નહિ છતાં વસ્ત્રસહિત મુનિપણું માને તો તે અજીવતત્ત્વની ભૂલ છે. ત્રણ કષાયના અભાવપૂર્વક છઠ્ઠું ગુણસ્થાન હોય છે. ત્યાં મુનિને અંતર્બાહ્ય નિર્ગ્રંથતા હોય છે અને તેને વસ્ત્રગ્રહણની વૃત્તિ હોતી જ નથી. અહાહા..! જેને ત્રણ કષાયનો અભાવ છે તેવા સાચા ભાવલિંગી મુનિને સદાય બહારમાં વસ્ત્રરહિત નગ્ન દિગંબર દશા જ નિમિત્તપણે હોય છે.
તીર્થંકરદેવને પણ વસ્ત્રસહિત ગૃહસ્થદશા હોય ત્યાંસુધી મુનિપણું નથી અને કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. કોઈ એમ માને કે પંચમહાવ્રતને દિગંબરમાં આસ્રવ કહ્યો છે પણ શ્વેતાંબરમાં તેને નિર્જરા કહી છે તો તે એમ પણ નથી. તત્ત્વાર્થસૂત્રમાં પંચમહાવ્રતને પુણ્ય કહેલ છે. મહાવ્રત એ રાગ છે. એ ધર્મનું સાધન નથી. રાગથી બંધ થાય છે, પણ રાગથી અંશ પણ નિર્જરા થતી નથી. પંચમહાવ્રતને નિર્જરાનું કારણ કહેવું એ તદ્દન જૂઠી વાત છે. અરે! લોકોએ તત્ત્વદ્રષ્ટિનો વિરોધ કરીને અન્યથા માન્યું છે તે કયાં જશે? આવો અવસર મળ્યો અને તત્ત્વથી વિપરીત દ્રષ્ટિ રાખીને સત્ય ન સમજે એવા જીવો અરેરે! કયાં રખડશે? આ શાસ્ત્રની ગાથા ૭૪માં એમ સ્પષ્ટ કહ્યું છે કે શુભરાગ વર્તમાનમાં દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ દુઃખનું કારણ છે. ત્યાં એમ કેમ કહ્યું? કારણ કે શુભરાગ તે વર્તમાન આકુળતારૂપ છે અને એનાથી જે પુણ્ય બંધાશે એના ફળમાં સંયોગ મળશે અને તે સંયોગ ઉપર લક્ષ જતાં દુઃખસ્વરૂપ એવો રાગ જ થશે.
પ્રશ્નઃ– પરંતુ મંદ રાગ હોય તો?
ઉત્તરઃ– ભલે મંદરાગ હોય, તે વર્તમાનમાં દુઃખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખના કારણરૂપ જ છે. પુણ્યથી કદાચિત્ વીતરાગદેવ અને વીતરાગની વાણીનો સંયોગ મળે તો પણ એ સંયોગી ચીજ છે અને એના પર લક્ષ જતાં રાગ જ થશે. આ તો જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું કહેવાય છે. અહીં કોઈ પક્ષની વાત નથી. છહઢાલામાં કહ્યું છે કે-
PDF/HTML Page 984 of 4199
single page version
રાગ ચાહે શુભ હોય તોપણ તે આગ છે. માટે સમતારૂપી અમૃતનું સેવન કરો. જન્મ- મરણના અંતનો ઉપાય કોઈ અલૌકિક છે. બાપુ! કોઈને દુઃખ લાગે તો લાગે, પણ માર્ગ આ જ છે. દરેક વાત બધાને સારી લાગે એમ કેવી રીતે બને? મોક્ષમાર્ગપ્રકાશકના પાંચમા અધિકારમાં કહ્યું છે કે-“એવો તો કોઈ ઉપદેશ નથી કે જે વડે સર્વ જીવોને ચેન થાય. વળી સત્ય કહેતાં વિરોધ ઊપજાવે, પણ વિરોધ તો પરસ્પર ઝઘડો કરતાં થાય; પણ અમે લડીએ નહિ તો તેઓ પોતાની મેળે જ ઉપશાંત થઈ જશે. અમને તો અમારા પરિણામોનું જ ફળ થશે. મદિરાની નિંદા કરતાં કલાલ દુઃખ પામે, કુશીલની નિંદા કરતાં વેશ્યાદિક દુઃખ પામે તથા ખરું-ખોટું ઓળખવાની પરીક્ષા બતાવતાં ઠગ દુઃખ પામે તો તેમાં એમ શું કરીએ?”
અષ્ટપાહુડની ૨૩મી ગાથા ભાવાર્થમાં કહ્યું છે કે-શ્વેતાંબર આદિ વસ્ત્રધારકને પણ મોક્ષ થવાનું કહે છે તે મિથ્યા છે, તે જિનમત નથી. અરે ભાઈ! એક મિથ્યાત્વના પરિણામ છૂટી બીજા મિથ્યાત્વના પરિણામ થયા તે ક્રિયા છે. તે ક્રિયા પરિણમનસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ પરિણામી આત્માથી ભિન્ન નથી. મિથ્યાત્વના પરિણામને પણ આત્મા કરે છે, દર્શનમોહકર્મ નહિ. અહીં તો પરિણામને પરથી ભિન્ન સિદ્ધ કરવાની વાત છે. પરિણામથી પરિણામી ભિન્ન છે એ વાત અત્યારે અહીં નથી. અહીં તો દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિની વાત અહીં સિદ્ધ કરવી છે. અહા! પોતાના પરિણામની ક્રિયા પણ આત્મા કરે અને પરની ક્રિયા પણ કરે એમ માનનારા દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે. દયાના રાગની ક્રિયા પણ કરે અને પરની દયા પણ કરે એમ માનનારા દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે. આવી વાત સાંભળનારા પણ વિરલ હોય છે યોગસારમાં આવે છે કે-
સંયોગદ્રષ્ટિવાળાને લાગે કે અગ્નિ આવી તો પાણી ગરમ થયું. વેલણ ફર્યું તો રોટલી ગોળ થઈ. પણ સ્વભાવથી જુએ તો એનો ભ્રમ મટી જાય. જુઓ આટાની પર્યાય બદલીને રોટલી થઈ તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી અભિન્ન છે અને પરિણામ પરિણામી આટાથી અભિન્ન છે. એમાં વેલણે શું કર્યું? કાંઈ નહિ. વેલણમાં પણ કરવાની ક્રિયા પોતામાં થઈ તે પોતાના પરિણામસ્વરૂપ છે. તે ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ (વેલણના) પરમાણુઓથી ભિન્ન નથી. તો બીજી ચીજે એમાં શું કર્યું? કાંઈ નહિ; ફક્ત બીજી ચીજ એમાં સહચરપણે નિમિત્ત છે બસ એટલું.
માટે એમ સિદ્ધ થયું કે ‘જે કોઈ ક્રિયા છે તે બધીય ક્રિયાવાનથી (દ્રવ્યથી) ભિન્ન નથી.’ અજ્ઞાનીને એમ લાગે છે કે પહેલી અવસ્થા બદલીને બીજી થઈ તે પરથી
PDF/HTML Page 985 of 4199
single page version
થઈ, પરંતુ એમ છે નહિ. આત્મજ્ઞાની સ્ત્રી હોય તે રોટલી બનતી વખતે નિમિત્ત છે પણ નિમિત્તકર્તા નથી. રોટલીની અવસ્થા તો એના કારણે થાય છે. તેમાં જોગ અને રાગનો જે કર્તા છે એવા અજ્ઞાનીને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ જેને રાગનું કર્તાપણું છૂટી ગયું છે અને જ્ઞાતાદ્રષ્ટાસ્વરૂપ ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવ્યો છે તેવા ધર્મી જીવનો રાગ રોટલી થવાની ક્રિયામાં નિમિત્ત છે, નિમિત્તકર્તા નહિ. અને ધર્મીને જે જ્ઞાન થયું તેમાં રોટલીની પર્યાય નિમિત્ત છે. આ વાત આગળ ગાથા ૧૦૦માં કરેલી છે.
આથી કોઈ એમ કહે છે કે ઉપાદાનવાદીઓ નિમિત્તનો આશ્રય બહુ લે છે અને કહે છે કે નિમિત્તથી કાર્ય થતું નથી. જુઓને, આ પરમાગમમંદિર ૨૬ લાખના ખર્ચે થયું તે શું નિમિત્તના આશ્રય વિના થયું?
અરે ભાઈ! પરને કોણ કરે? જગતમાં આત્માની કે પરમાણુની જે ક્રિયા છે તે પરિણામસ્વરૂપ છે અને તે પરિણામથી ભિન્ન નથી. પરિણામ પરિણામી દ્રવ્યથી ભિન્ન નથી. આ મહાસિદ્ધાંત છે. માટે જે ક્રિયા છે તે પોતાના દ્રવ્યથી થઈ છે અને બીજાથી થઈ નથી. ૭૬મી ગાથામાં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મની વાત કરી છે. પર્યાય જે સમયે થવાની છે તેને તે સમયે દ્રવ્ય પ્રાપ્ત કરે છે માટે તે પ્રાપ્ય કર્મ છે. તે પર્યાય પૂર્વની પર્યાય બદલીને થઈ માટે તે વિકાર્ય કર્મ છે; તથા તે નવી ઉત્પન્ન થઈ માટે તે નિર્વર્ત્ય કર્મ છે. તે સમયે તે જ પર્યાય થવાની છે માટે તેને ધ્રુવ કહે છે. આમ પરિણામસ્વરૂપ ક્રિયાનો કર્તા દ્રવ્ય પોતે છે કેમકે ક્રિયાથી દ્રવ્ય અભિન્ન છે. માટે ક્રિયા પરથી કદી થતી નથી.
આ હોઠ હલે છે તે તેની ઉત્પાદરૂપ પર્યાય છે. તે પર્યાય પૂર્વની પર્યાય બદલીને થઈ છે માટે તે ક્રિયા છે. તે ક્રિયા પોતાના પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ તેના પરમાણુથી ભિન્ન નથી. માટે તે પર્યાય જીભથી થઈ નથી, ઈચ્છાથી થઈ નથી, આત્માથી થઈ નથી. આ શ્વાસ ચાલે છે તે પરમાણુની ક્રિયા છે. તે ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને તે પરિણામ તેના પરમાણુથી ભિન્ન નથી. આમ શ્વાસ ચાલે છે તેનો કર્તા પરમાણુ છે, આત્મા નથી. આ મૃત્યુ સમયે શ્વાસ અટકી જાય છે તે ક્રિયા પરમાણુથી અભિન્ન છે. ઊભો શ્વાસ થાય ત્યારે તે નાભિનું સ્થાન છોડી દે છે. શ્વાસ હેઠો ન બેસે અને એકદમ દેહ છૂટી જાય છે. પોતાને ખ્યાલ આવે કે શ્વાસે સ્થાન છોડી દીધું છે પણ શું કરે? તે શ્વાસની ક્રિયા ઉપર આત્માનો અધિકાર નથી. જડની ક્રિયા તે (આત્મા) કેમ કરી શકે?
લોકમાં પણ કહેવાય છે કે-ભાઈ! શ્વાસ સગો નહિ થાય. કારણ કે તે જડની ક્રિયા છે. આત્મા તો જાણવાના પરિણામનો કર્તા છે. શ્વાસની ક્રિયા કરવાની આત્માની શક્તિ નથી. ભાઈ! શ્વાસ તારી ચીજ નથી અને તારી ચીજમાં શ્વાસ નથી. પરમાણુની ક્રિયા ક્રિયાવાનથી ભિન્ન નથી. છ એ દ્રવ્યની ક્રિયા કર્તાથી ભિન્ન નથી, અભિન્ન છે. આ
PDF/HTML Page 986 of 4199
single page version
મહાસિદ્ધાંત ભગવાન કુંદકુંદાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ સંતોએ જગત પાસે જાહેર કર્યો છે. શ્વાસની ક્રિયા તે અજીવની ક્રિયા છે. જીવ તેને કરી શકે નહિ, તેને હેઠે લાવી શકે નહિ. અરે ભાઈ! જો શ્વાસની ક્રિયા પણ તું કરી શકતો નથી તો આ જે મોટાં કારખાનાં ચાલે છે તેની ક્રિયા તું કરી શકે એ વાત જ કયાં સંભવે છે? પરમાણુની પલટવાની જે ક્રિયા થાય તે ક્રિયાવાન પદાર્થથી ભિન્ન નથી એટલે કે ભિન્ન વસ્તુથી તે ક્રિયા થતી નથી. આ પ્રમાણે જ વસ્તુની સ્થિતિ છે. હવે કહે છે-
‘આમ, વસ્તુસ્થિતિથી જ ક્રિયા અને કર્તાનું અભિન્નપણું (સદાય) તપતું હોવાથી, જીવ જેમ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે-ભોગવે છે તેમ જો વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ કરે અને ભાવ્યભાવકભાવથી તેને જ ભોગવે તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ-પરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી, અનેક દ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાદ્રષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે.’
વસ્તુની મર્યાદા જ એવી છે કે વસ્તુની પર્યાય પોતામાં પોતાથી થાય. તે પરથી કદી થતી નથી. દરેક પદાર્થની વર્તમાન પર્યાય બીજા દ્રવ્યની પર્યાયમાં પ્રવેશ કરીને તેને બદલી દે એવી વસ્તુસ્થિતિ જ નથી. ‘જ’ લગાડયો છે તો એકાંત થતું નથી! ના, આ તો સ્યાદ્વાદમાર્ગ છે. પોતાની પર્યાય પોતાથી થાય અને પરથી ન થાય એનું નામ એકાંત છે. કથંચિત્ત પોતાથી થાય અને કથંચિત્ પરથી થાય એવી વસ્તુસ્થિતિ નથી. પોતાથી પણ થાય અને પરથી પણ થાય એ તો ફુદડીવાદ છે. ગજબ વાત છે! રોટલીના ટુકડા થાય તે પરમાણુની ક્રિયા છે; આંગળીથી ટુકડા થાય એમ છે જ નહિ. રોટલીના ટુકડા થાય તે ટુકડા થવાની ક્રિયા છે. તે ક્રિયાવાન પરમાણુથી ભિન્ન નથી; એટલે કે ભિન્ન પદાર્થ વડે તે ક્રિયા થઈ નથી. જુઓ, આ ભેદજ્ઞાનની વાત. કહે છે કે કોઈના ઘરમાં કોઈ પ્રવેશ કરે એવી મર્યાદા નથી. પોતાની પર્યાયમાં બીજાની પર્યાય પ્રવેશ કરે અથવા બીજાની પર્યાયમાં પોતાની પર્યાય પ્રવેશ કરે એવી વસ્તુની મર્યાદા નથી.
કુંભારથી ઘડો થાય એવી વસ્તુની મર્યાદા નથી. ઘડાની પર્યાય માટીથી થઈ છે. માટીના પરમાણુ પલટીને ઘડાની પર્યાય થઈ તે ક્રિયા પરિણામસ્વરૂપ છે અને તે પરિણામથી ભિન્ન નથી. અને તે ઘડારૂપ પરિણામ દ્રવ્યથી (માટીના પરમાણુથી) ભિન્ન નથી. અહો! ભગવાનનો કોઈ અદ્ભૂત અલૌકિક માર્ગ છે! ભગવાને માર્ગ કર્યો નથી; જેવો છે તેવો માર્ગ કહ્યો છે. છએ દ્રવ્ય પોતપોતાની ક્રિયાના પોતે કર્તા છે, પરનો તેમાં રંચમાત્ર હસ્તક્ષેપ નથી. એક પરમાણુમાં-પરમાણુની ક્રિયા, ક્રિયાવાન ભિન્ન નથી, અભિન્ન છે. આવી વસ્તુની મર્યાદા છે. આત્મા રોટલીના ટુકડા કરી શકે, દાંત હલાવી શકે વા પરનું કાંઈ કરી શકે એ વસ્તુસ્થિતિ જ નથી. પરનું કાર્ય કરી શકે એ આત્માની શક્તિમાં જ નથી.
PDF/HTML Page 987 of 4199
single page version
સંયોગીદ્રષ્ટિવાળાને દેખાય કે આત્મા હાથથી રોટલીના ટુકડા કરે છે; પણ એ વસ્તુસ્થિતિ નથી. સંયોગથી જોનાર મિથ્યાદ્રષ્ટિ વસ્તુની મર્યાદાને તોડી નાખે છે. જુઓ, ભગવાને ઉપદેશ આપ્યો એમ કહેવું એ પણ વ્યવહારનયનું કથન છે. વાણી વાણીના કારણે નીકળે છે; એમાં જ્ઞાન નિમિત્ત છે. વાણીની પર્યાયનો ઉત્પાદ વાણીના પરમાણુથી થાય છે, આત્માથી નહિ, ઈચ્છાથી પણ નહિ. (ભગવાનને ઈચ્છા હોતી નથી).
ધવલમાં આવે છે કે લોકાલોક કેવળજ્ઞાનમાં નિમિત્ત છે. એનો અર્થ શું? શું કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકથી થઈ છે? ના, એમ નથી. એમ કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકને નિમિત્ત છે. એટલે શું કેવળજ્ઞાન છે માટે લોકાલોક છે? એમ પણ નથી, વળી લોકાલોક તો જ્ઞાનનું પરજ્ઞેય છે અને સ્વજ્ઞેય તો પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય છે. આવું વસ્તુસ્વરૂપ છે.
૭પમી ગાથામાં આવી ગયું કે આત્માના જ્ઞાનપરિણામમાં રાગ નિમિત્ત છે. આવું જે જ્ઞાન તે જીવનું કાર્ય છે, રાગ જીવનું કાર્ય નથી. આ તો અંદર પોતામાં લઈ જાય છે. જ્ઞાનની પર્યાય સ્વપરપ્રકાશક હોવાથી તે પરિણતિ સ્વને જાણે છે અને રાગને જાણે છે. રાગ છે તો રાગને જાણે છે એમ નથી. જ્ઞાનની પર્યાય પોતાના સ્વપરપ્રકાશક સામર્થ્યની સ્વપરને જાણે છે. જ્ઞાનની પરિણતિમાં ધર્મી જીવને રાગ નિમિત્ત છે. છતાં ધર્મી જીવ પોતાની જ્ઞાનની પરિણતિને જાણે છે, રાગને નહિ. પોતાની જ્ઞાનની પર્યાય તે પરિણામસ્વરૂપ ક્રિયા છે, અને તે પરિણામ દ્રવ્યથી અભિન્ન છે. તેથી તે પર્યાયનું કર્તા આત્મદ્રવ્ય છે; તે પર્યાયનું કર્તા નિમિત્ત (રાગ) નથી.
અત્યારે તો મોટી ગરબડ ચાલે છે. પરથી કાર્ય થાય એ માન્યતા મૂળમાં જ ભૂલ છે. સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષામાં લખ્યું છે કે પ્રત્યેક પદાર્થની તે સમયે થનારી પર્યાય પોતાની કાળલબ્ધિથી પ્રગટ થઈ છે. પર્યાયની તે જન્મક્ષણ છે. પર્યાયની ઉત્પત્તિનો સ્વકાળ છે તેથી તે થઈ છે, નિમિત્ત છે માટે તે થઈ છે એમ નથી. પ્રવચનસારની ગાથા ૧૦૨માં પર્યાયની જન્મક્ષણની આ જ વાત કરી છે. દ્રવ્યની પલટતી અવસ્થાના કાળે સહચર દેખીને તે પર્યાય નિમિત્તને લઈને થઈ છે એવી જે માન્યતા તેનો અહીં અતિ સ્પષ્ટ નિષેધ કર્યો છે.
જુઓ, આ લાકડી ઊંચી થાય છે તે તેની પલટવાની ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી, અને પરિણામ (લાકડીના) પરમાણુથી ભિન્ન નથી. માટે તે ક્રિયાનો કરનારો તે તે પરમાણુ છે, આંગળી તેનો કર્તા નથી. આત્માએ તો નહિ, પણ આંગળીએ આ લાકડી ઊંચી કરી છે એમ નથી. રોટલી તાવડીમાં ઉની થાય છે તે પરમાણુની ક્રિયા છે. તે તે પરમાણુની ઉષ્ણ થવાની યોગ્યતાના કારણે રોટલી ઉની થાય છે; તવાથી નહિ, અગ્નિથી નહિ, કે રોટલીને તવામાં ઊંચી-નીચી ફેરવનાર બાઈથી નહિ. ત્યાં તાવડીમાં રોટલીની ઊંચી-નીચી ફરવાની જે ક્રિયા છે તે પણ તે તે
PDF/HTML Page 988 of 4199
single page version
પરમાણુથી અભિન્ન છે; બાઈ તેને હાથ વડે ફેરવે છે એમ છે જ નહિ. અહો! આવી વસ્તુની અબાધિત મર્યાદા છે!
કહે છેને કે -ક્રિયા અને કર્તાનું અભિન્નપણું સદાય તપી રહ્યું છે એટલે કે સદાય પ્રગટ છે. માટે દરેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાથી થાય છે, પરથી નહિ એમ સિદ્ધ થાય છે. નિમિત્તથી થાય એ વાત બીલકુલ સાચી નથી. ઘડાની પર્યાય માટીથી થાય છે, કુંભારથી કદી નહિ. વસ્તુ પોતાની પર્યાયમાં છે અને પર્યાયનો કર્તા વસ્તુ પોતે છે. દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ ક્રિયાનું અભિન્નપણું સદાય પ્રગટ છે. અહાહા...! આ અક્ષર જે લખાય છે તે પેન્સીલથી લખાય છે એમ નથી; કેમકે અક્ષરની ક્રિયા અને પેન્સીલ ભિન્ન ચીજ છે. અક્ષર લખાય તે (અક્ષરના) પરમાણુની ક્રિયા છે અને તે, તે તે પરમાણુથી અભિન્ન છે. અક્ષર લખાય છે તેનો કર્તા તે તે પરમાણુ છે, પરંતુ આંગળીથી કે પેન્સીલથી તે અક્ષરની ક્રિયા થઈ છે એમ બીલકુલ નથી, ગજબ વાત છે!
સમયસારના છેલ્લા કળશમાં શ્રી અમૃતચંદ્રસૂરિ કહે છેકે -‘ ‘પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા કરી છે; સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી.” અહાહા..! કહે છે કે આ વ્યાખ્યા શબ્દોએ કરી છે, મેં કરી નથી. હું તો મારા સ્વરૂપમાં ગુપ્ત છું. ભાષાની પર્યાયથી શબ્દ પરિણમે છે, તેને હું (આત્મા) પરિણમાવી શકતો નથી.
વળી, પ્રવચનસાર કળશ ૨૧માં પણ આચાર્યદેવ કહે છે- (ખરેખર પુદ્ગલો જ સ્વયં શબ્દરૂપે પરિણમે છે, આત્મા તેમને પરિણમાવી શકતો નથી, તેમ જ ખરેખર સર્વ પદાર્થો જ સ્વયં જ્ઞેયપણે-પ્રમેયપણે પરિણમે છે, શબ્દો તેમને જ્ઞેય બનાવી-સમજાવી શકતા નથી માટે) “આત્મા સહિત વિશ્વ તે વ્યાખ્યેય છે, વાણીની ગૂંથણી તે વ્યાખ્યા છે અને અમૃતચંદ્રસૂરિ તે વ્યાખ્યાતા છે-એમ મોહથી જનો ન નાચો.” અહાહા...! મેં શબ્દ કર્યા, અને શબ્દથી તને જ્ઞાન થયું એમ મોહ વડે મા ફુલાઓ; કેમકે એ માન્યતા વસ્તુસ્વરૂપ નથી. આમાં મહાપુરુષે પોતાની લઘુતા દર્શાવી છે એટલું જ નહિ, વસ્તુની મર્યાદા પણ પ્રગટ કરી છે. ભાઈ! કોણ વ્યાખ્યા કરે? કોણ ભાષા કરે? અને કોણ સમજાવી શકે? ભાઈ! શબ્દ તે આત્માનું કાર્ય નહિ અને શબ્દ સાંભળવાથી જીવને જ્ઞાન થયું એમ પણ નહિ.
જ્ઞાનના પરિણમનની તે સમયે જે ક્રિયા થઈ તે ક્રિયા તારી છે. તારો આત્મા તે ક્રિયાનો કર્તા છે, તે ક્રિયાનો કર્તા વાણી નથી. વર્તમાન પ્રવચન સાંભળતાં જે જ્ઞાન થાય છે તે શબ્દો સાંભળવાથી થતું નથી. ભગવાન! આમાં કોઈ વિવાદ કરો તો કરો, પણ વસ્તુની. મર્યાદા જ આવી છે કે વસ્તુની પલટવાની ક્રિયા (વસ્તુથી) પોતાથી થાય છે, પરથી થતી નથી. અહો! વસ્તુસ્વરૂપ ખૂબ ગંભીર છે! આ ચશ્માં આમ ઊંચા થઈને આંખે લાગેલાં છે.
PDF/HTML Page 989 of 4199
single page version
તે જીવ કરી શકતો નથી; આંગળીનું પણ એ કાર્ય નથી. તથા ચશ્મા છે તો જીવ દેખે-વાંચે છે એમ પણ નથી. જ્ઞાનની પર્યાય જ્ઞાનથી (આત્માથી) થાય છે, પરથી નહિ. કહ્યું ને કે - શબ્દોથી જ્ઞાન થાય છે એમ મોહથી જનો ન નાચો. શબ્દ કાને પડયા તો જ્ઞાન પર્યાય થઈ એમ છે જ નહિ.
પ્રશ્નઃ– સ્વામી સમંતભદ્રાચાર્યે બાહ્યાંભ્યંતર બે કારણ કહ્યાં છે?
ઉત્તરઃ– હા, સ્વામી સમંતચંદ્રાચાર્યે બાહ્યાંભ્યંતર બે કારણ કહીને ત્યાં પ્રમાણજ્ઞાન દર્શાવ્યું છે. અભ્યંતર કારણ તે નિશ્ચય અને બાહ્ય નિમિત્તકારણ તે વ્યવહાર- એમ બેનું પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. પ્રમાણજ્ઞાનમાં પણ પર્યાય પોતાથી થાય છે એવા નિશ્ચયને અંદર રાખીને વાત છે. કાર્ય અભ્યંતરકારણથી થાય છે એ વાત રાખીને ત્યાં બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા બાહ્ય કારણ કહ્યું છે, પણ નિમિત્ત કાર્યનું વાસ્તવિક કારણ છે એમ નથી. ધવલના છઠ્ઠા ભાગમાં સ્પષ્ટ કહ્યું છે કે-અભ્યંતર કારણથી જ સર્વ કાર્ય થાય છે. અંતરંગ કારણથી કાર્ય થાય છે, બાહ્ય કારણથી નહિ એવો ત્યાં પાઠ છે.
ભાઈ! વાણીથી કે અન્ય (શુભરાગાદિ) નિમિત્તથી જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. તેથી સ્વનો અનુભવ થાય છે તેમાં પરનું પણ જ્ઞાન થાય છે, આવો જ્ઞાનની પર્યાયનો ધર્મ છે. અહાહા...! જ્ઞાનની પર્યાયમાં સ્વપરને પ્રકાશવાનું સહજ સામર્થ્ય હોવાથી પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પર્યાયમાં જાણવામાં આવે છે. પરંતુ અજ્ઞાનીની દ્રષ્ટિ અંતર્મુખ નથી. અનાદિથી રાગને વશ પડેલા અજ્ઞાનીનું લક્ષ નિજ આત્મદ્રવ્ય ઉપર જતું નથી. એટલે જે રાગ અને પર્યાયને તે બહારમાં જાણે છે તે રાગ અને પર્યાય જ હું છું એમ તે માને છે. આ વાત સમયસારની ગાથા ૧૭-૧૮માં આવી ગઈ છે. ત્યાં કહ્યું છે કે-
“આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને ‘આ અનુભૂતિ છે તે જ હું છું’ એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી.” અહીં અનુભૂતિસ્વરૂપ આત્મા કહ્યો તે ત્રિકાળી ધ્રુવની વાત છે. આવો આત્મા જેનું સ્વપરને પ્રકાશવાનું સામર્થ્ય છે એવા જ્ઞાનની પર્યાયમાં આબાળગોપાળ સૌને જાણવામાં આવે છે. અજ્ઞાનીનેે પણ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પોતાનું દ્રવ્ય અનુભવવામાં આવે છે. પણ અજ્ઞાનીની ત્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી તેથી તે રાગ અને પર નિમિત્ત કે જેને તે જાણે છે તે હું છું એમ ભ્રમથી માને છે. આમ અજ્ઞાનીને દ્રવ્ય દ્રષ્ટિ વિના આત્મજ્ઞાન ઉદય થતું નથી.
અહો! આચાર્યોએ શું ગજબ કામ કર્યું છે! કેવળજ્ઞાનને પ્રસિદ્ધ કરી દીધું છે.
PDF/HTML Page 990 of 4199
single page version
કહે છે- ભગવાન! તારી એક સમયની જ્ઞાનપર્યાયમાં સ્વપરપ્રકાશક સામર્થ્ય છે કે નહિ? અરે ભાઈ! અજ્ઞાનમાં પણ એક સમયની પર્યાયમાં સ્વપરપ્રકાશક સ્વભાવ છે. પરપ્રકાશક સ્વભાવ એકલો રહે એમ કદી બનતું નથી. દરેક સમયે દરેક પર્યાયમાં સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી જ્ઞાનમાં અનુભૂતિસ્વરૂપ ભગવાન જાણવામાં આવે છે. પણ અજ્ઞાનીની ત્યાં દ્રષ્ટિ નથી. તેથી રાગ અને પર્યાયને હું જાણું છું એવો તેને ભ્રમ થાય છે. (ખરેખર તો તે જ્ઞાનને જ જાણે છે).
જુઓ, આત્મા રાગ-દ્વેષ આદિ ભાવ કરે છે તે જ સમયે કમનો બંધ થાય છે. ત્યાં રાગની ક્રિયા જે થાય તેની સાથે આત્મા અભિન્ન છે. માટે આત્મા રાગની ક્રિયાનો તો કર્તા છે પણ તે વખતે કર્મબંધનની જે અવસ્થા થાય તે ક્રિયાનો આત્મા કર્તા નથી. આત્મા જેમ પોતાની વિકારી પર્યાયનો કર્તા છે તેમ જો કર્મબંધની પર્યાયનો પણ કર્તા થાય તો તે દ્વિક્રિયાવાદી થઈ જાય. અર્થાત્ તે મિથ્યાદ્રષ્ટિ થઈ જાય.
અહીં કહ્યું છે કે ક્રિયા અને ક્રિયાવાનની અભિન્નતા સદાય તપે છે, સદાય પ્રગટ છે. માટે આત્માની જે પર્યાય થાય છે તેમાં આત્મા અભિન્ન હોવાથી તેનો તે કર્તા છે. ખરેખર તો એમ છે કે આત્મામાં જે પર્યાય થાય છે તે સંયોગ છે, અને તેનો વ્યય થાય તે વિયોગ છે. પોતાના દ્રવ્યની જે પર્યાય થાય છે તે સંયોગ છે. ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ પર્યાયને સંયોગ કહેવાય છે. વર્તમાન પર્યાય જે ઉત્પન્ન થઈ તે સંયોગ અને વ્યય પામી તે વિયોગ છે. ઉત્પાદ તે સંયોગ અને વ્યય તે વિયોગ છે. શ્રી પંચાસ્તિકાયની ૧૮મી ગાથામાં આ વાત લીધી છે. જ્યાં પોતાની પર્યાયના ઉત્પાદ-વ્યયને સંયોગ-વિયોગ કહ્યા ત્યાં પર ચીજની તો વાત જ શું? એ તો પર જ છે. અહીં કહે છે કે -પોતાના આત્મામાં જે સંયોગી પર્યાય ઉત્પન્ન થઈ તેનો અભિન્નપણે આત્મા કર્તા છે, પણ તે સમયે સંયોગી જે પુદ્ગલકર્મ બંધાયું તે કર્મબંધનો કર્તા આત્મા નથી.
જીવ જેવો મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ કરે છે તે પ્રમાણે દર્શનમોહ અને ચારિત્રમોહરૂપ જડ કર્મનો બંધ થાય છે. પરંતુ તે કર્મબંધની ક્રિયાનો આત્મા કર્તા નથી. ક્રિયા અને કર્તાનું અભિન્નપણું સદાય તપતું હોવાથી દરેક આત્માની અને પરની પર્યાય તે તે સમયે પોતપોતાથી ઉત્પન્ન થાય છે, નિમિત્તથી નહિ. જીવે રાગ કર્યો તે કર્મબંધનમાં નિમિત્ત છે, પણ નિમિત્તે તે (કર્મબંધનની) ક્રિયા કરી છે એમ નથી.
સમયસાર ગાથા ૧૦પમાં તો એમ કહ્યું છે કે -આત્મા જે દ્રવ્ય છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. દ્રવ્યસ્વભાવની જેને દ્રષ્ટિ થઈ છે તેને દ્રવ્ય નવા કર્મબંધનમાં નિમિત્ત નથી, અર્થાત્ તેને નવાં કર્મ બંધાતા નથી. પરંતુ દ્રવ્યદ્રષ્ટિનો જેને અભાવ છે અને જે પુણ્ય-પાપના ભાવોનો કર્તા થાય છે તે અજ્ઞાનીને રાગ-દ્વેષના ભાવ કર્મબંધનમાં નિમિત્ત થાય છે. પણ નિમિત્તથી કર્મબંધનની પરિણતિ થાય છે એમ કદીય નથી.
PDF/HTML Page 991 of 4199
single page version
કર્તા અને ક્રિયાની અભિન્નતા સદાય પ્રગટ હોવાથી જીવ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના વિકારી પરિણામનો કર્તા છે, વ્યાપક નામ કર્તા દ્રવ્ય અને વ્યાપ્ય નામ કર્મ-વિકારી પર્યાય. જીવ વ્યાપ્યવ્યાપકભાવથી વિકારી પરિણામનો કર્તા થાય છે. અને ભાવ્યભાવકભાવથી તે વિકારી ભાવનો અનુભવ કરે છે. ભાવ્ય એટલે ભોગવવા લાયક ભાવ અને આત્મા ભાવક નામ તે ભાવનો ભોક્તા છે. આ અજ્ઞાનીની વાત છે. તેમ જો જીવ વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને કરે તો તે બે ક્રિયાનો કર્તા થઈ જાય. પોતાની પર્યાયનું કાર્ય આત્મા જેમ વ્યાપક થઈને કરે તેમ કર્મની પર્યાયનું કાર્ય પણ વ્યાપક થઈને જીવ કરે તો તે બે ક્રિયાનો કર્તા થઈ જાય છે. તો તે મિથ્યાદ્રષ્ટિ છે કેમકે બે ક્રિયા કરી શકતો નથી પણ એવું તે મિથ્યા માને છે.
જીવને દયાનો મંદ ભાવ થાય તો તેના પ્રમાણમાં તે સમયે શાતાવેદનીય કર્મ બંધાય. જો તીવ્ર દયાનો ભાવ થાય તો તેના પ્રમાણમાં ખૂબ શાતાવેદનીય કર્મ બંધાય. ત્યાં જે દયાના પરિણામ થયા તેનો કર્તા આત્મા છે, પણ શાતાવેદનીય કર્મ જે બંધાયું તેનો આત્મા કર્તા નથી. જેટલા પ્રમાણમાં જીવ વિકાર કરે તેટલા પ્રમાણમાં કર્મનો બંધ થાય, છતાં કર્મબંધની પર્યાયનો કર્તા આત્મા નથી. તો પછી શરીર, મન, વાણી, ખાન-પાન, ધંધો-વેપાર આદિ પરદ્રવ્યની પર્યાયનો કર્તા આત્મા થાય એમ ત્રણકાળમાં નથી. હાથ પગ હલે, હોઠ હલે, ભાષા બોલાય, ઈત્યાદિ જડની ક્રિયાનો કદીય આત્મા કર્તા નથી. આત્મા પોતાની રાગની પર્યાયને કરે અને જડની પર્યાયને પણ કરે એમ કદાપિ હોઈ શકે નહિ. બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ!
પાંચ વાત મુખ્યપણે સમજવા જેવી છે- ઉપાદાન, નિમિત્ત, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ- આ પાંચની ખૂબ ચર્ચા ચાલે છે. દિગંબર સંતોએ જગત સમક્ષ સત્ય જાહેર કર્યું છે. કહે છે-આત્મા (અજ્ઞાની) રાગનો કર્તા અને હરખ-શોકનો ભોક્તા છે પણ જડકર્મનો કર્તા- ભોક્તા આત્મા કદીય નથી. તત્ત્વાર્થસૂત્રમાં ‘विपाको अनुभवः’ એમ જે કહ્યું છે એ નિમિત્તનું વ્યવહારનયથી કથન છે. એવું જ જો શ્રદ્ધાન કરે તો તે મિથ્યાત્વ છે. જીવ વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને કરે વા ભાવ્યભાવકભાવથી પુદ્ગલકર્મને ભોગવે તો તે જીવને પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વપરનો વિભાગ અસ્ત થઈ જાય છે. બે ક્રિયાનો કર્તા થાય તો પોતાની પર્યાય અને પરની પર્યાય (ભિન્નતા) અસ્ત થઈ જાય છે. તેથી તેને મિથ્યાદર્શન જ થાય છે.
અરે ભાઈ! આ વાત સમજવી પડશે. રોટલી, દાળ, ભાત, ચટણી આદિ ખાવાની ઈચ્છા થઈ ત્યાં ઈચ્છાનો કર્તા આત્મા છે પણ રોટલી, દાળ, ભાત, ચટણી ખાવાની જે ક્રિયા થઈ તેનો કર્તા આત્મા નથી. એ જડની ક્રિયા છે એ તે મેં કરી એમ જે માને છે તે દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે.
PDF/HTML Page 992 of 4199
single page version
પ્રશ્નઃ– જ્ઞાનાવરણીયકર્મનો ઉદય જ્ઞાનને રોકે છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તરઃ– હા, આવે છે; પણ એનો અર્થ શું? જ્ઞાનાવરણીય કર્મ જડ પુદ્ગલની પર્યાય છે. તે જ્ઞાનની હીણી અવસ્થામાં નિમિત્ત છે. પરંતુ જ્ઞાનની હીણી અવસ્થા જડ કર્મને લઈને થઈ છે એમ નથી. શાસ્ત્રમાં તો નિમિત્તનું વ્યવહારનયથી કથન હોય છે. નિમિત્તથી કાર્ય થાય એવો ચિરકાળનો જીવોને અભ્યાસ છે એટલે આ વાત બેસવી કઠણ પડે છે. પણ ભાઈ! શાસ્ત્રમાં જે અપેક્ષાથી કથન હોય છે તે યથાર્થ સમજવું જોઈએ. જ્ઞાનની હીનાધિક અવસ્થા પોતાની પર્યાયની યોગ્યતાથી થાય છે; તેમાં જ્ઞાનાવરણીય કર્મનું કાંઈ કર્તવ્ય નથી, માત્ર નિમિત્તપણે હોય છે એ જ. એવી રીતે વીર્યાંતરાયનો ઉદય છે માટે આત્મામાં વીર્યની હીણી દશા થઇ છે એમ નથી. વીર્યાંતરાયનો ઉદય એમાં કાંઈ કરતો નથી.
આ વાત ચાલતી નથી એટલે લોકોને નવી લાગે છે. પણ ભાઈ! આ તો ભગવાનના શ્રીમુખેથી નીકળેલી સત્ય વાત છે. કર્મનો ઉદય જડની પર્યાય છે. તે આત્માની (હીણી) અવસ્થાને કેમ કરે? જીવની પર્યાય કર્મને અડતી નથી અને કર્મ જીવની પર્યાયને અડતું નથી. આ વસ્તુસ્થિતિ છે.
જ્ઞાનીને જે વિકલ્પ થાય તેનો તે જાણનાર છે. જ્ઞાની જાણવાની ક્રિયા કરે અને રાગની ક્રિયા પણ કરે-એમ નથી. તેવી રીતે અજ્ઞાની રાગની ક્રિયા કરે અને પરની પણ ક્રિયા કરે એમ નથી. આ ઘણી ગંભીર અને સૂક્ષ્મ વાત છે. આ જે સમજે નહિ તેને મૂળમાં જ ભૂલ છે. કહ્યું છે ને કે-‘योग्यता हि शरणम्’ પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય તેની યોગ્યતાથી થાય છે; પરથી નહિ. પરંતુ પરથી થાય એમ માને તો સ્વ-પરની ક્રિયાને અભિન્ન માનનાર તેના મતમાં સ્વ-પરનો વિભાગ નષ્ટ થઈ જાય છે, અર્થાત્ તેની માન્યતામાં સ્વ-પરનું એકપણું થઈ જાય છે. પોતાની પર્યાયને કરે અને પરની પર્યાયને પણકરે એવું માનનાર મિથ્યાદ્રષ્ટિ છે અને તે સર્વજ્ઞના મતની બહાર છે. કોઈને લાગે કે આ તો એકાંત છે. પણ ભાઈ! આ સમ્યક્ એકાંત છે. જીવ પોતાની પર્યાયનો કર્તા છે અને પરની પર્યાયનો કર્તા નથી એમ સમ્યક્ એકાંત થાય ત્યારે સાથે નિમિત્તનું જ્ઞાન થાય તેને સાચું અનેકાંત કહે છે. નિમિત્ત છે, બસ. પરંતુ નિમિત્તથી થાય છે એમ નથી.
ગોમ્મટસારમાં આવે છે કે- જ્ઞાનાવરણીયથી જ્ઞાન રોકાય, વીર્યાંતરાયના ઉદયથી વીર્ય રોકાય, દર્શનમોહના ઉદયથી મિથ્યાત્વ થાય, ચારિત્રમોહના ઉદયથી રાગદ્વેષ થાય, આયુના ઉદયે અમુક કાળ દેહમાં રહેવું પડે ઈત્યાદિ. ભાઈ! આ તો બધાં વ્યવહારનયનાં કથન છે. આત્મા પોતાની યોગ્યતાથી વિકારપણે પરિણમે છે, પરના કારણે તે તે પર્યાયો થાય છે એમ નથી.
PDF/HTML Page 993 of 4199
single page version
પ્રશ્નઃ– શાતાના ઉદયથી લક્ષ્મી મળે છે, તો નિમિત્તથી કાર્ય થયું કે નહિ?
ઉત્તરઃ– ભાઈ! એ તો નિમિત્તનું કથન છે. પૈસા તો એના કારણે આવે છે, એમાં શાતાવેદનીય કર્મ નિમિત્ત છે. લક્ષ્મી આવે, શરીર નિરોગી રહે ઈત્યાદિ તે તે પર્યાયનું પોતાનું કાર્ય છે, નિમિત્તથી તે કાર્ય થયું છે એમ નથી. પૂજનની જયમાલામાં આવે છે ને-
કર્મ બિચારાં જડ છે; કર્મને લઈને જીવને વિકાર થતો નથી. પોતાની ભૂલને લઈને જીવમાં વિકાર સ્વતંત્ર પોતાથી થાય છે.
તો- કર્મે રાજા, કર્મે રંક;
ભાઈ! એ બધાં નિમિત્તની મુખ્યતાથી કથન છે. રાજા કે રંકની પોતાની પર્યાય પોતાથી થાય છે; કર્મથી નહિ. જુઓ, રામચંદ્રજી વનવાસ ગયા. ત્યાં સીતાજીનું હરણ થયું. ત્યારે સીતાજીને શોધવા નીકળ્યા. પત્થર અને પહાડને રામચંદ્રજી પૂછે છેઃ- સીતાજીને કયાંય જોયાં? આ પોતાની પર્યાયનો દોષ છે, કર્મને લઈને નહિ. અને પછી વિકલ્પ છૂટી ગયો તે કર્મના ઉદયના અભાવથી નહિ પણ પોતે નિર્વિકલ્પસ્વરૂપમાં સ્થિર થતાં વિકલ્પ છૂટી ગયો છે.
રાવણ સીતાજીનું હરણ કરીને વિમાનમાં લઈ જાય છે ત્યારે રસ્તામાં સીતાજી પોતાનું ઝાંઝર ફેંકી દે છે. તે ઝાંઝર લાવીને લક્ષ્મણજીને બતાવીને પૂછયું-શું આ ઝાંઝર સીતાજીનું છે? ત્યારે લક્ષ્મણે કહ્યું-હું સીતામાતાને પગે લાગવા જતો ત્યારે નીચી નજરે પગમાં આ ઝાંઝર જોયેલું. ઊંચી નજર કરીને સીતાજી સામે કદી મેં જોયું નથી. અહા! જુઓ, આ સજ્જનતા અને નૈતિકતા! લક્ષ્મણ ત્રણ ખંડના ધણી વાસુદેવ હતા. તેઓ સજ્જનતા અને નૈતિકતાની મૂર્તિ હતા. લક્ષ્મણજી જંગલમાં રામચંદ્રજીની અનેક પ્રકારે સેવા કરતા. રામચંદ્રજી બળભદ્ર હતા. લક્ષ્મણજી તેમની સેવા કરતા એમ કહેવું એ તો વ્યવહારનું કથન છે. સેવાનો વિકલ્પ આવ્યો માટે બહારની ક્રિયા થઈ એમ નથી. તથાપિ કોઈ પોતાની ક્રિયા અને પરની ક્રિયા-એમ બે ક્રિયા આત્મા કરે એવું માને તો તે દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે અને તેથી તે સર્વજ્ઞના મતની બહાર છે. કર્મે જ્ઞાન રોકી દીધું અને કર્મનો કર્તા અને ભોક્તા જીવ છે એવું માનનાર મિથ્યાદ્રષ્ટિ છે અને જિનવરની આજ્ઞાથી બહાર છે.
અહીં તો આત્માની વાત કરી છે. પંચાસ્તિકાયમાં કહ્યું છે કે-એક રજકણ પોતાની ક્રિયા કરે અને બીજા રજકણની પણ ક્રિયા કરે એમ ત્રણકાળમાં બનતું નથી. આ તો
PDF/HTML Page 994 of 4199
single page version
મૂળ સિદ્ધાંત છે અને તે છ એ દ્રવ્યોમાં લાગુ પડે છે. એક દ્રવ્યની પર્યાય અન્યદ્રવ્યની પર્યાયને કરે નહિ એ સિદ્ધાંત દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં લાગુ પડે છે. એમ ન માને તે દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે. શ્રી કુંદકુંદાચાર્ય કહે છે કે તે ‘सो जिणावमदम्’ જિનઆજ્ઞાથી બહાર છે.
પરની દયાનો ભાવ જીવ કરે અને પરની દયા પણ પાળી શકે એમ માનનાર જિનવરના મતથી બહાર છે. આ વાત ન સમજાય એટલે એનો વિરોધ કરે પણ ખરેખર તો તે પોતાનો વિરોધ કરે છે. વળી પરની દયાનો જે શુભરાગ છે તે પણ હિંસા છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં (છંદ ૪૪માં) કહ્યું છે કે જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવ હિંસા છે, અપરાધ છે; કેમકે બંધન અપરાધથી થાય છે. નિરપરાધથી બંધન ન થાય. બંધન થાય તે ભાવ અપરાધ છે. અહીં તો વિશેષ કહે છે કે પરની દયા હું પાળી શકું એ માન્યતા મિથ્યાદર્શન છે. મહાઅપરાધ છે. ગજબ વાત છે!
સોલહકારણભાવનાથી તીર્થંકરગોત્ર બંધાય છે. તે સોળે પ્રકારના ભાવ રાગ છે, અપરાધ છે, ગુન્હો છે. અજ્ઞાનીને તીર્થંકર પ્રકૃતિના બંધના કારણરૂપ રાગ હોતો જ નથી. જ્ઞાનીને તે રાગ આવે છે તેને તે જાણે છે. જેને સ્વભાવ તરફ ઝુકાવ થયો છે. તે જ્ઞાનીને અલ્પ રાગ બાકી છે તો વિકલ્પ આવતાં તીર્થંકરગોત્ર બંધાય છે. પરંતુ તે વિકલ્પ તોડીને અલ્પકાળમાં મોક્ષ જાય છે. ત્યાં તીર્થંકરપ્રકૃતિ બાંધી, વા તેવો રાગ હતો તે કારણે મોક્ષ થાય છે એમ નથી. ભાઈ! અજ્ઞાનીના મતમાં વાતે વાતે ફેર છે. કહ્યું છે ને કે-
ભગવાન સર્વજ્ઞદેવ અને સંતો કહે છે કે-ભાઈ! અમારી શ્રદ્ધામાં અને તારી (અજ્ઞાનીની) શ્રદ્ધામાં વાતે વાતે ફેર છે. અહીં ભગવાન કુંદકુંદાચાર્યદેવ ફરમાવે છે કે -કોઈ એમ માને કે જીવ પોતાના રાગની ક્રિયા પણ કરે અને પરની ક્રિયા પણ કરે તો એમ માનનાર સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. તેને જૈનમતની શ્રદ્ધા નથી. પરની દયા પાળી શકું, પરને જીવાડી શકું, પરને ઉપદેશ દઈ જ્ઞાન પમાડી શકું-એવું માનનાર જિનઆજ્ઞાથી બહાર છે. બંધ અધિકારમાં ત્યાં સુધી વાત કરી છે કે-હું બીજાને મોક્ષ પમાડી દઉં એમ તું માને છે તો શું તેની વીતરાગ પરિણતિ વિના તું એને મોક્ષ પમાડી દઈશ? અને તેને વીતરાગ પરિણતિ હોય તો તેનો મોક્ષ થશે એમાં શું તેં એની વીતરાગ પરિણતિ કરી છે? એમ નથી. ભાઈ! હું બીજાને બંધ કરાવું વા મોક્ષ પમાડી દઉં એમ તું માને તે બધાં મિથ્યાદ્રષ્ટિનાં લક્ષણ છે.
કોઈ એમ કહે કે જો ઉપદેશથી બીજાને જ્ઞાન પમાડી શકાતું નથી તો શા માટે
PDF/HTML Page 995 of 4199
single page version
તેને ઉપદેશ આપી સમજાવો છો? અરે પ્રભુ! સાંભળ, ધીરજથી સાંભળ. વાણી વાણીના કાળે નિકળે છે અને (ઉપદેશના) વિકલ્પના કાળે વિકલ્પ થાય છે. બન્ને સમકાળે છે. પણ સ્વતંત્ર છે. આત્મા તો તેનો જાણનાર છે. ઉપદેશની વાણીનો આત્મા કર્તા નથી અને વાણી જ્ઞાનની પર્યાયનો કર્તા નથી. ભાષાની પર્યાય તો પરની જડની છે. તેને આત્મા કેમ કરે? અને તે આત્માના જ્ઞાનને કેમ કરે? દ્રવ્ય પોતાનું કાર્ય કરે અને પરનું પણ કાર્ય કરે એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે, જિનઆજ્ઞાથી બહાર છે.
પ્રવચનસારના છેલ્લા ૨૨મા શ્લોકમાં એમ કહ્યું છે કે - “આ રીતે (આ પરમાગમમાં) અમંદપણે (જોરથી, બળવાનપણે, મોટે અવાજે) જે થોડુ ઘણું તત્ત્વ કહેવામાં આવ્યું, તે બધું ચૈતન્યને વિષે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા) થઈ ગયું” ભાઈ! સમજનાર પોતાના કારણે સમજે છે; વાણી તો તેમાં નિમિત્તમાત્ર છે. વાણીના કારણે જ્ઞાન થાય છે એમ નથી. લોકોને અટપટું લાગે, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ જ આવું છે. દ્રવ્ય પોતાની પર્યાયને કરે અને અન્યદ્રવ્યની પર્યાયને પણ કરે એમ ત્રણકાળમાં નથી.
કોઈ શ્રાવક હો કે સાધુ હો, પણ જો તે એમ માને કે હું દયાનો ભાવ પણ કરું છુું અને પર જીવોની દયા પણ પાળું છું તો તે બે (દ્રવ્યોની) ક્રિયાનો કર્તા થયો અને તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. “જીવો અને જીવવા દો” એ વીતરાગની વાણી નથી. એ તો અજ્ઞાનીનું વચન છે. ભગવાન તો કહે છે કે તારા દયાના ભાવથી બીજો જીવ જીવે, સુખી-દુઃખી થાય એમ ત્રણકાળમાં નથી. તે પોતાના આયુષ્યની સ્થિતિથી જીવે છે; તું એને જીવાડી શકતો નથી. બંધ અધિકારમાં આવે છે કે-હું પરને મારું અને જીવાડું એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે, જિનઆજ્ઞાથી બહાર છે. પરની હિંસા જીવ કરી શકતો નથી. ભાવ આવે છે તેનો તે કર્તા છે, પણ પરની સાથે એને સંબંધ નથી. પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે કે-રાગનો ભાવ થાય તે હિંસા છે. શુભરાગનો ભાવ પણ આત્માની હિંસા કરનારો છે. પંચમહાવ્રતના પરિણામનો રાગ ધર્માત્માને આવે, પણ તે આસ્રવ છે, હિંસા છે. તત્ત્વાર્થસૂત્રમાં શુભરાગને આસ્રવ કહ્યો છે. આમ રાગાદિ પરિણામ તે હિંસા છે, પરની દયા કે હિંસા તો આત્મા કરી શકતો નથી.
‘બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાદ્રષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી.’
જગતમાં જીવ અનંત છે અને જડ પુદ્ગલો અનંતાનંત છે. એમાં પ્રત્યેક પદાર્થની પરિણતિની ક્રિયા પ્રત્યેક સમયે ભિન્ન ભિન્ન છે. કોઈ દ્રવ્યની ક્રિયા કોઈ બીજો કરી
PDF/HTML Page 996 of 4199
single page version
શકે એ વાત ત્રણકાળમાં સંભવિત નથી. બીજાનું જીવન તે પરદ્રવ્યની ક્રિયા છે. તે પોતાના આયુની સ્થિતિથી જીવે છે, આયુના ક્ષયથી મરે છે. માટે બીજો બીજાને જીવાડે, વા બીજાની દયા પાળે એમ છે જ નહિ. તેવી રીતે આત્મા ભાષા-સત્ય કે જૂઠ બોલી શકે એમ છે જ નહિ. આત્મા પોતાની પર્યાયને કરે, પણ તે પરની પર્યાયને કેમ કરી શકે? સૂક્ષ્મ વાત, ભાઇ! આત્મા જાણે, પણ ભાષાને કરે એમ છે જ નહિ. ભાષામાં સ્વપરને કહેવાની સ્વતઃ તાકાત છે અને આત્મામાં સ્વપરને જાણવાની સ્વતઃ તાકાત છે.
ભાષામાં સ્વપરનું કથન કરવાની શક્તિ સ્વતઃ પોતાથી છે, આત્માના કારણે નહિ. અરે ભાઈ! આ ઉપદેશ સાંભળવામાં વચનની ક્રિયા ભિન્ન છે અને અંદર આત્માની જ્ઞાનની ક્રિયા ભિન્ન છે. બોધપાહુડની ૬૧મી ગાથામાં આવે છે કે-“શબ્દના વિકારથી ઉત્પન્ન અક્ષરરૂપ પરિણમેલ ભાષાસૂત્રોમાં જિનદેવે કહ્યું, તે શ્રવણમાં અક્ષરરૂપ આવ્યું અને જે રીતે જિનદેવે કહ્યું તે રીતે પરંપરાથી ભદ્રબાહુ નામના પાંચમા શ્રુતકેવલીએ જાણ્યું...”
અરે ભાઈ! ભાષાની પર્યાયને ભગવાન પણ કરી શકતા નથી. દિવ્યધ્વનિ છૂટે છે એ તો શબ્દનો વિકાર છે. તેના કાળે તે વાણી છૂટે છે, કેવળીને લઈને વાણી છૂટતી નથી; કેમકે બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન ભિન્ન છે. ભાષાની ક્રિયા-શબ્દનો વિકાર ભિન્ન છે અને જ્ઞાનની ક્રિયા-આત્માની પરિણતિ ભિન્ન છે. માટે જ્ઞાનની પરિણતિથી શબ્દના વિકારરૂપ ભાષાની પરિણતિ થઈ એ વાત ત્રણકાળમાં નથી. ભાષા કોણ બોલે? શું આત્મા બોલે? અરે! બોલે તે બીજો, આત્મા નહિ. કુંદકુંદાચાર્યદેવે કહ્યું ને કે -ભાષા શબ્દના વિકારથી બની છે. અમારાથી નહિ, કેવળીથી નહિ, સંતોથી નહિ. તેને નિમિત્તની અપેક્ષા નથી. શ્રી અમૃતચંદ્રદેવે પ્રવચનસારની ટીકા પૂરી કરતાં છેલ્લે કહ્યું ને કે-આ શાસ્ત્ર મેં બનાવ્યું છે એવા મોહથી જનો ન નાચો; અને એનાથી (શબ્દોથી) તમને જ્ઞાન થાય છે એમ મોહથી ન નાચો. આ તો અબાધિત સિદ્ધાંત છે કે એક દ્રવ્ય બે (દ્રવ્યોની) ક્રિયા કરી શકે જ નહિ; અન્યથા બધું એક થઈ જાય-જે સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. જે બહુ-ક્રિયાવાદી છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
અહીં કહે છે કે જડની ક્રિયાને ચેતન કરતું નથી. ભાષાની ક્રિયાને આત્મા કરતો નથી. તેમ જડકર્મનો ઉદય પોતાની પર્યાયને કરે જીવના રાગને પણ કરે એમ બનતું નથી. અરે! બે તત્ત્વ ભિન્ન ભિન્ન છે, તેની પર્યાય પણ ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્ય પોતાની ક્રિયા કરવા સમર્થ છે અને પર માટે તે પાંગળું છે.
અજીવ અધિકારમાં કળશ ૪૩માં કહ્યું છે કે -આ અવિવેકના નાટકમાં પુદ્ગલ નાચે છે તો નાચો, હું તો આત્મા જ્ઞાયકસ્વરૂપ છું. અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય જાણગસ્વભાવના નૂરનું પૂર છે. તે ભાષાને કેમ કરે? શરીરને તે કેમ ચલાવે?
PDF/HTML Page 997 of 4199
single page version
ભાઈ! પૂજા વખતે જે ‘સ્વાહા, સ્વાહા’ ઇત્યાદિ બોલાય છે તે આત્માની ક્રિયા નથી. હાથ ઊંચોનીચો થાય તે આત્માનું કાર્ય નથી.
દરેક તત્ત્વ ભિન્ન ભિન્ન છે વેદાંતની જેમ બધું એક નથી. પ્રવચનસારમાં ૧૭૨મી ગાથાના અલિંગગ્રહણના ૧પમા બોલમાં કહ્યું છે કે- “લિંગ વડે એટલે કે અમેહનાકાર વડે જેનું ગ્રહણ એટલે કે લોકમાં વ્યાપવાપણું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો-લોકવ્યાપ્તિવાળો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” બધા મળીને એક આત્મા છે એવો પાખંડીઓનો પ્રસિદ્ધ મત છે. એ માન્યતા અજ્ઞાનીની છે. કોઈ કહે કે આ નિશ્ચયની વાત વેદાંત જેવી લાગે છે તો તેના અહીં નિષેધ કરે છે. આત્મા સર્વવ્યાપક છે એમ માનનારની વાત સાચી નથી. બધા આત્માઓ જાતિ અપેક્ષાએ સમાન છે. પણ બધા મળીને એક આત્મા નથી.
અહીં કહે છે કે જડની ક્રિયાને ચેતન કરતું નથી અને ચેતનની રાગદ્વેષની ક્રિયા કે જ્ઞાનની ક્રિયાને કર્મનો ઉદય કરતો નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયાનો કર્તા માને છે તે જૈન નથી, મિથ્યાદ્રષ્ટિ છે. ઘાતીકર્મોનો અરિહંત ભગવાને નાશ કર્યો અને જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનનો ઘાત કરે છે ઈત્યાદિ કથન નિમિત્તનાં વ્યવહારનયનાં છે. વસ્તુસ્વરૂપ તેમ નથી. પરદ્રવ્ય શું જ્ઞાનના ઘાતની ક્રિયા કરી શકે? આત્મા શું કર્મનો નાશ કરી શકે? ના; બીલકુલ નહિ.
પ્રવચનસાર ગાથા ૧૬ની ટીકામાં ઘાતીકર્મના બે પ્રકાર કહ્યા છે-દ્રવ્યઘાતી અને ભાવઘાતી. પોતાની પર્યાય તે ભાવઘાતી છે અને દ્રવ્યઘાતી તો નિમિત્ત છે. ભાવઘાતી (કર્મ) પર્યાયનો ઘાત કરે છે ત્યારે કર્મબંધન થાય છે. તે જડકર્મની અવસ્થા આત્મા કરતો નથી. કેવળજ્ઞાન થાય ત્યારે જીવ ઘાતીકર્મોનો નાશ કરે છે એ વાત યથાર્થ નથી. જીવ કેવળજ્ઞાનની ક્રિયા કરે અને ઘાતીકર્મોના નાશની પણ ક્રિયા કરે તો બે ક્રિયાનો કર્તા થઈ જાય. પણ એમ છે નહિ. ભાઈ આ અતિ ગંભીર અને સૂક્ષ્મ વાત છે.
બાપુ! હું શું કરી શકું અને શું ના કરી શકું એની પણ જેને ખબર નથી તેને આત્મ- અનુભવ કેમ થાય? અહીં તો અતિ સ્પષ્ટ કહે છે કે બે ભિન્ન દ્રવ્યોની ક્રિયાનું કર્તા એક દ્રવ્યને માને તે ભગવાન જિનેન્દ્રદેવના મતથી બહાર છે; તેને સમ્યગ્દર્શન નથી. દુકાનના થડે બેસીને મનમાં અભિમાન કરે કે મેં વેપાર-ધંધાનો રાગ પણ કર્યો અને દુકાનના વેપારની બાહ્ય પ્રવૃત્તિ પણ કરી તો તે મિથ્યાદ્રષ્ટિ છે.
ગૌતમ ગણધર પધાર્યા તો ભગવાનની દિવ્યધ્વનિ છૂટી એમ છે જ નહિ. ગૌતમ ભગવાનને ઈન્દ્રે પહેલાં ઉપસ્થિત કેમ ન કર્યા? ત્યાં કહ્યું કે કાળલબ્ધિ વિના ઈન્દ્ર તેમને લાવવા સમર્થ નથી. સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા ૨૨૦૦ વર્ષ પુરાણો ગ્રંથ છે. સમયસારથી પણ પહેલાંનો જૂનો ગ્રંથ છે. છયે દ્રવ્યો જે અનંત છે તે પ્રત્યેકની સમય સમયની જે
PDF/HTML Page 998 of 4199
single page version
પર્યાય થવાની હોય તે તે ક્ષણે થાય તે એની કાળલબ્ધિ છે એમ તેમાં કહ્યું છે. પ્રવચનસાર, જ્ઞેય અધિકારની ગાથા ૧૦૨માં પ્રત્યેક દ્રવ્યની સમય સમયની પર્યાયની જન્મક્ષણની વાત કહી છે. જે સમયે જે પર્યાય થવાની હોય તે થાય તે એની જન્મક્ષણ છે. ત્યાં ગાથા ૯૯માં પણ કહ્યું છે કે દરેક પર્યાય પોતાના સ્વઅવસરે થાય છે, આગળપાછળ નહિ. મોતીના હારનું દ્રષ્ટાંત આપી ત્યાં સમજાવ્યું છે કે -જ્યાં જ્યાં જે જે મોતી છે ત્યાં ત્યાં પોતાના સ્થાનમાં છે, આગળપાછળ નથી. તેમ આત્મામાં અને જડમાં ક્રમસર જે જે પર્યાય જે સમયે થવાની હોય તેજ તે સમયે થાય છે. મોતી આગળપાછળ થતાં નથી તેમ દ્રવ્યની પ્રત્યેક પર્યાય આગળપાછળ થતી નથી. આવું વસ્તુસ્વરૂપ છે.
યોગથી કંપનની ક્રિયા થાય અને પ્રકૃતિ-પ્રદેશ બંધ થાય એમ બે ક્રિયા એક દ્રવ્ય કરે એમ બનતું નથી. યોગથી પ્રકૃતિ-પ્રદેશ બંધ થાય છે અને કષાયથી સ્થિતિ-અનુભાગ બંધ થાય છે એ બધાં નિમિત્તનાં કથન છે. કર્મનું સંક્રમણ થાય તે તેની પોતાની યોગ્યતાથી થાય છે, આત્માથી થતું નથી. કેવળજ્ઞાન થાય ત્યારે ઘાતીકર્મોની કર્મઅવસ્થા બદલી અકર્મરૂપ અવસ્થા થાય તે પોતાથી થાય છે, તે ક્રિયા આત્મા કરતો નથી.
અરે! ભગવાન! અત્યારે તો આનાથી આ થાય અને આનાથી તે થાય એવી ગડબડ ઊભી થઈ છે. પણ ભાઈ! એ માર્ગ નથી. સંતોએ તો સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે. અહા! કેવળજ્ઞાનની પર્યાય તે કાળે પોતાથી ઉત્પન્ન થવાની હતી તે પોતાના કારણે ઉત્પન્ન થઈ છે. મોક્ષમાર્ગના કારણે મોક્ષની પર્યાય થઈ છે એમ પણ નથી. મોક્ષમાર્ગનો વ્યય થવાનો ક્રમ હતો અને તે જ સમયે મોક્ષપર્યાયનો પ્રગટ થવાનો ક્રમ હતો. ત્યાં મોક્ષપર્યાય સ્વતંત્રપણે થઈ છે. શાસ્ત્રમાં એમ આવે કે પૂર્વની પર્યાય પછીની પર્યાયનું ઉપાદાન છે, એનો અર્થ શું? પૂર્વપર્યાયનો વ્યય થઈને વર્તમાન પર્યાય પ્રગટ થઈ છે તે સ્વતંત્રપણે થઈ છે. જૈનતત્ત્વમીમાંસામાં બહુ સારું સ્પષ્ટીકરણ કર્યું છે. પૂર્વની પર્યાયનો વ્યય થઈ પછીની પર્યાય પ્રગટી છે તે કાર્ય છે અને પૂર્વની પર્યાય તેનું કારણ છે-એ વ્યવહારનયનું કથન છે. બાકી તો જે દ્રવ્યની જે પર્યાય જે સમયે થવાની હોય તે પોતાના ષટ્કારકના પરિણમનથી થાય છે. તે પર્યાય દ્રવ્ય-ગુણથી થઈ નથી, પર નિમિત્તથી થઈ નથી અને પૂર્વપર્યાયના કારણે પણ થઈ નથી. આવો સ્વતંત્રતાનો માર્ગ છે!
જે કાળે જે પર્યાય થવાની હોય તે કાળે તે જ થાય એવો નિર્ણય કોને થાય? કે જે પોતાના જ્ઞાયકસ્વભાવની સન્મુખ થાય તેને આવો યથાર્થ નિર્ણય થાય છે.
એક પ્રશ્ન થયેલો કે-ભગવાને જોયું છે તે પ્રમાણે ભવ ઘટશે, આપણે શું કરી શકીએ? અરે ભાઈ! ભગવાને જોયું છે એમ થશે એવો નિર્ણય કોણે કર્યો? જે કેવળજ્ઞાનની એક સમયની પર્યાયની સત્તાનો પોતાના જ્ઞાનમાં સ્વીકાર કરે તેને સ્વસન્મુખતા થાય છે અને તેને ભવ હોતો નથી. ભગવાને તેના ભવ જોયા નથી. કેવળજ્ઞાનીએ જોયું
PDF/HTML Page 999 of 4199
single page version
છે તે પ્રમાણે થશે એ વાત તો પછી, જગતમાં કેવળજ્ઞાનની સત્તાનો તને સ્વીકાર છે? પ્રભુ! એ સત્તાનો સ્વસન્મુખ થઈને સ્વીકાર નથી ત્યાં સુધી કેવળીએ જોયું તેમ ભવ ઘટશે એ વાત જ રહેતી નથી. ભગવાન ત્રણકાળ ત્રણલોકને જાણે છે એ તો વ્યવહારનું કથન છે. ખરેખર તો તે પોતાની પર્યાયને જાણે છે જેમાં ત્રણકાળ ત્રણલોક જણાય છે.
જે એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોક પ્રતિભાસે, જેમાં અનંતા કેવળી જણાય તે પર્યાયનું સામર્થ્ય કેટલું? આવા અનંત અનંત સામર્થ્યયુક્ત કેવળજ્ઞાનનો જેણે સ્વીકાર કર્યો તે પર્યાય અલ્પજ્ઞ છે અને સર્વજ્ઞ છે તે પર છે. કેવળજ્ઞાનનો સ્વીકાર અલ્પજ્ઞ પર્યાય કે પર સર્વજ્ઞની સામું જોવાથી થતો નથી. તો તેની સત્તાનો સ્વીકાર કેવી રીતે થાય? કે જ્યારે શુદ્ધ ચૈતન્યસ્વભાવમય નિજ જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈ તેની દ્રષ્ટિ થાય ત્યારે તેનો યથાર્થ સ્વીકાર થાય છે અને તે અનંતો પુરુષાર્થ છે. અહાહા...! કેવળજ્ઞાનની પર્યાય જેને પોતાના જ્ઞાનમાં બેઠી તેની દ્રષ્ટિ સ્વભાવસન્મુખ હોય છે. પ્રવચનસારની ગાથા ૮૦માં કહ્યું છે કે-જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે છે તેને આત્માની સન્મુખ લક્ષ થઈને મોહનો ક્ષય થાય છે.
અહાહા...! જે પર્યાયમાં ત્રિકાળવર્તી અનંતા સિદ્ધો અને કેવળીઓ પ્રત્યક્ષ જણાય એ કેવળજ્ઞાનની પરમ અદ્ભુત તાકાત છે. એની શું વાત! તેનો સ્વીકાર કરતાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે અને તેમાં સ્વભાવસન્મુખતાનો અનંત પુરુષાર્થ આવી જાય છે. ત્યાં એક સમયમાં પાંચેય સમવાય-સ્વભાવ, નિયત, કાળ, પુરુષાર્થ અને નિમિત્ત-એમ પાંચેય સમવાય હોય જ છે. કાર્યસિદ્ધિમાં પાંચેય સમવાય હોય છે.
ગજસુકુમાર ભગવાન પાસે વાણી સાંભળવા ગયેલા. હાથીના તાળવા જેવું એમનું કોમળ શરીર હતું. ભગવાનની વાણી સાંભળીને બોલ્યા-‘પ્રભુ! હું દીક્ષા અંગીકાર કરવા માગું છું.’ દીક્ષા ધારણ કરીને દ્વારિકાના સ્મશાનમાં ધ્યાન કરવા લાગ્યા. ત્યાં જે કન્યા સાથે સગપણ થયેલું તેનો પિતા આવી ઉપસર્ગ કરવા લાગ્યો. માથા ઉપર માટીની પાળ કરી અંદર ધગધગતા અંગારા ભર્યા. મુનિરાજ સ્વરૂપના ધ્યાનમાં એટલા લીન થઈ ગયા કે ઉપસર્ગ ટળીને ત્યાં કેવળજ્ઞાન પામી મોક્ષ પધાર્યા. જુઓ પુરુષાર્થની ગતિ! ભગવાનની વાણીમાં પુરુષાર્થની વાત આવી છે. પુરુષાર્થહીનતાની વાત કરે તે ભગવાનનો માર્ગ નથી. અહીં પણ કહે છે કે એક દ્રવ્ય બે દ્રવ્યોની ક્રિયાને કરે એ માન્યતા ભગવાનનો માર્ગ નથી. એ તો સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે.
એક પરમાણુ બીજા પરમાણુનું કાર્ય ન કરે, કેમકે બે દ્રવ્ય વચ્ચે અત્યંતાભાવ છે. એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શતોય નથી. શાસ્ત્રમાં આવે છે કે ચાર ગુણ ચિકાશવાળો પરમાણુ છ ગુણ ચિકાશવાળા સાથે ભળે તો તે બદલીને છ ગુણ ચિકાશ
PDF/HTML Page 1000 of 4199
single page version
થઈ જાય છે. પણ એ તો નિમિત્તનું કથન છે. ચાર ગુણ ચિકાશવાળો છ ગુણ ચિકાશરૂપે પરિણમે તે પોતાથી સ્વતંત્ર પરિણમે છે. છૂટો પરમાણુ જે સૂક્ષ્મ પરિણમ્યો છે તે સ્થૂળ સ્કંધમાં ભળે ત્યાં સ્થૂળ થઈ જાય છે તે પોતાના કારણે સ્થૂળ થાય છે, સંયોગને લીધે સ્થૂળ થાય છે એમ છે જ નહિ. અહાહા..! બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે એમ માનવું એ જિનમત નથી. આવી વાત છે. લ્યો, ૮પ ગાથા પૂરી થઈ.