Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 4

PDF/HTML Page 41 of 75
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
ઓળખાણ કરી છે તે જીવ કઈ રીતે આગળ વધે છે ને કઈ રીતે મોહનો નાશ કરીને
સમ્યક્ત્વ પ્રગટ કરે છે–તેની આ વાત છે. દ્રવ્યશ્રુતમાં ભગવાને એવી વાત કરી છે કે
જેના અભ્યાસથી આનંદના ફૂવારા છૂટે! ભગવાન આત્મામાં આનંદનું સરોવર ભર્યું છે,
તેની સન્મુખતાના અભ્યાસથી એકાગ્રતા વડે આનંદના ફૂવારા ફૂટે છે. અનુભૂતિમાં
આનંદના ઝરા ચૈતન્યસરોવરમાંથી વહે છે.
આચાર્યદેવે કહ્યું હતું કે હે ભવ્ય શ્રોતા! તું અમારા નિજવૈભવની–સ્વાનુભવની
આ વાતને તારા સ્વસંવેદન–પ્રત્યક્ષથી પ્રમાણ કરજે. એકત્વસ્વભાવનો અભ્યાસ કરતાં
અંતરમાં સ્વસન્મુખ સ્વસંવેદન જાગ્યું ત્યારે તે જીવ દ્રવ્યશ્રુતના રહસ્યને પામ્યો. જ્યાં
એવું રહસ્ય પામ્યો ત્યાં અંતરની અનુભૂતિમાં આનંદના ઝરણાં ઝરવા
માંડ્યા...શાસ્ત્રના અભ્યાસથી, તેના સંસ્કારથી વિશિષ્ટ સ્વસંવેદન શક્તિરૂપ સંપદા
પ્રગટ કરીને, આનંદના ફૂવારા સહિત પ્રત્યક્ષાદિ પ્રમાણથી યથાર્થ વસ્તુસ્વરૂપ જાણતાં
મોહનો ક્ષય થાય છે. અહો, મોહના નાશનો અમોઘ ઉપાય–કદી નિષ્ફળ ન જાય એવો
અફર ઉપાય સંતોએ પ્રસિદ્ધ કર્યો છે.
વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે–તેનું અંતર્લક્ષ કરવું તેનું નામ
ભાવશ્રુતનું લક્ષ છે. રાગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ કરતાં ભાવશ્રુત ખીલે છે, ને તે
ભાવશ્રુતમાં આનંદના ફૂવારા છે. પ્રત્યક્ષ સહિત પરોક્ષ પ્રમાણ હોય તો તે પણ આત્માને
યથાર્થ જાણે છે. પ્રત્યક્ષની અપેક્ષા વગરનું એકલું પરોક્ષજ્ઞાન તો પરાલંબી છે, તે
આત્માનું યથાર્થ સંવેદન કરી શક્તું નથી. આત્મા તરફ ઝૂકીને પ્રત્યક્ષ થયેલું જ્ઞાન, અને
તેની સાથે અવિરુદ્ધ એવું પરોક્ષપ્રમાણ, તેનાથી આત્માને જાણતાં અંદરથી આનંદના
ઝરણાં વહે છે,–આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો ને મોહનો નાશ કરવાનો અમોઘ ઉપાય
છે, એને માટેનો સોનેરી અવસર અત્યારે પ્રાપ્ત થયો છે.
અરિહંત ભગવાનના આત્માને જાણીને, તેવું જ પોતાના આત્માનું સ્વરૂપ
ઓળખતાં, જ્ઞાનપર્યાય અંતર્લીન થઈને સમ્યગ્દર્શન થાય છે ને મોહનો ક્ષય થાય
છે...પછી તેમાં જ લીન થતાં પૂર્ણ શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે ને સર્વ મોહનો નાશ થાય
છે.–બધાય તીર્થંકર ભગવંતો અને મુનિવરો આ જ એક ઉપાયથી મોહનો નાશ કરીને
મુક્તિ પામ્યા...ને તેમની વાણીદ્વારા જગતને પણ આ એક જ માર્ગ ઉપદેશ્યો. આ એક
જ માર્ગ છે ને બીજો માર્ગ નથી–એમ પહેલાં કહ્યું હતું; ને અહીં ગાથા ૮૬માં કહ્યું કે
સમ્યક્પ્રકારે શ્રુતના અભ્યાસથી, તેમાં ક્રીડા કરતાં તેના

PDF/HTML Page 42 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૩૩ :
સંસ્કારથી વિશિષ્ટ જ્ઞાનસંવેદનની શક્તિરૂપ સંપદા પ્રગટ કરતાં, આનંદના ભેદસહિત
ભાવશ્રુતજ્ઞાન વડે વસ્તુસ્વરૂપ જાણતાં મોહનો નાશ થાય છે. આ રીતે ભાવજ્ઞાનના
અવલંબનવડે દ્રઢ પરિણામથી દ્રવ્યશ્રુતનો સમ્યક્ અભ્યાસ તે મોહક્ષયનો ઉપાય છે.–
આથી એમ ન સમજવું કે પહેલાં કહ્યો હતો તે ઉપાય અને અહીં કહ્યો તે ઉપાય જુદા
પ્રકારનો છે; કાંઈ જુદા જુદા બે ઉપાય નથી. એક જ પ્રકારનો ઉપાય છે, તે જુદી જુદી
શૈલીથી સમજાવ્યો છે. અરિહંતદેવનું સ્વરૂપ ઓળખવા જાય તો તેમાં આગમનો
અભ્યાસ આવી જ જાય છે, કેમ કે આગમ વગર અરિહંતનું સ્વરૂપ ક્યાંથી જાણશે?
અને સમ્યક્ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવામાં પણ સર્વજ્ઞની ઓળખાણ ભેગી આવે જ છે
કેમકે આગમના મૂળ પ્રણેતા તો સર્વજ્ઞ અરિહંતદેવ છે, તેમની ઓળખાણ વિના
આગમની ઓળખાણ થાય નહિ.
હવે એ રીતે અરિહંતની ઓળખાણ વડે કે આગમના સમ્યક્ અભ્યાસ વડે જ્યારે
સ્વસન્મુખજ્ઞાનથી આત્માના સ્વરૂપનો નિર્ણય કરે ત્યારે જ મોહનો નાશ થાય છે. એટલે
બંને શૈલીમાં મોહના નાશનો મૂળ ઉપાય તો આ જ છે કે શુદ્ધ ચેતનાથી વ્યાપ્ત એવા
સમ્યક્ત્વસાધક સન્તોને નમસ્કાર હો.
‘પ્રવચન મંડપ’ ના એક ચિત્રમાં શાંતિનાથ
ભગવાનના પૂર્વભવોના બે પ્રસંગોનું આલેખન છે.
આજથી ૧૮ વર્ષ પહેલાં (સં. ૨૦૦પ માં) જ્યારે છ
બહેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી અને આત્મધર્મનો પહેલો
બ્રહ્મચર્યઅંક પ્રગટ થયો ત્યારે તેમાં આપવા માટે એ બે
પ્રસંગોની કથા તૈયાર કરી હતી, પણ પ્રસંગવશાત્ તે
આજે આ ચોથા–બ્રહ્મચર્યઅંકમાં, નવ બહેનોની
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પ્રસંગે પ્રગટ થાય છે. (જુઓ પાછળ)
*

PDF/HTML Page 43 of 75
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
શાંતિનાથ ભગવાનના પૂર્વભવોમાં–
તત્ત્વજ્ઞાન અને બ્રહ્મચર્યની પરીક્ષા
ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુ પૂર્વે પાંચમા ભવમાં તેમજ ત્રીજા
ભવમાં–બંને વખતે તીર્થંકરદેવના પુત્ર હતા; બંને વખતે સ્વર્ગમાં
ઈંદ્રસભામાં ઈન્દ્રે તેમના ગુણોની પ્રશંસા કરી હતી અને દેવ–દેવી તેમની
પરીક્ષા કરવા આવ્યા હતા. પાંચમા ભવમાં તેઓ ક્ષેમંકર તીર્થંકરના
પુત્ર વજ્રયુધ્ધ હતા ત્યારે એક દેવ તેમના તત્ત્વજ્ઞાનની પરીક્ષા કરવા
આવ્યો હતો અને ત્રીજા ભવમાં તેઓ ધનરથ તીર્થંકરના પુત્ર મેઘરથ
હતા, ત્યારે બે દેવીઓ તેમના બ્રહ્મચર્યની પરીક્ષા કરવા આવી હતી. તે
ધીર–વીર–ધર્માત્મા બંને વખતે પોતાના પવિત્ર ગુણોમાં નિષ્કંપ–અડોલ
રહ્યા હતા. તેમનું ઉત્કૃષ્ટ તત્ત્વજ્ઞાન તથા ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય સૂચવનારા એ
બે પ્રસંગો મુમુક્ષુ જીવોને જ્ઞાન અને વૈરાગ્યની દ્રઢતાના પ્રેરક છે ને
આત્મસાધના માટે ઉત્સાહ પ્રેરે છે;–તેથી તે બે પ્રસંગોનું ટૂંક વર્ણન
અહીં શાંતિનાથ–પુરાણમાંથી આપ્યું છે.
(સં.)
–૧–
વજ્રયુધચક્રવર્તીના ભવમાં તત્ત્વજ્ઞાનની પરીક્ષા
જંબુદ્વીપમાં પૂર્વ વિદેહક્ષેત્રમાં મંગલાવતી નામે દેશ છે, તે દેશમાં ‘રત્નસંચયપુર’
નગર છે. તે રત્નસંચયપુર નગરમાં ધર્માત્માઓ વસે છે, અને અનેક જિનમંદિરો છે. તે
નગર બહારમાં તો, જિનમંદિરોના શિખર ઉપર જડેલા રત્નોના પ્રકાશથી શોભી રહ્યું છે
અને અંતરંગમાં, ધર્માત્માઓના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી રત્નોથી શોભી રહ્યું છે.
તે સુશોભિત નગરીમાં મહા પુણ્યવંત, ધર્માત્મા ક્ષેમંકર મહારાજ રાજ્ય કરતા હતા;
રાજા ક્ષેમંકર ધીર અને વીર હતા, ચરમશરીરી હતા, તીર્થંકર હતા, ને રાજ્યમાં ધર્મની
મૂર્તિ સમાન શોભતા હતા. તેમને કનકચિત્રા નામની ગુણવંતી રાણી હતી.
શ્રી શાંતિનાથ ભગવાન, પૂર્વે પાંચમા ભવે આ ક્ષેમંકર મહારાજાને ત્યાં કનકચિત્રા
રાણીની કૂંખે ‘વજ્રયુધ’ નામના પુત્ર તરીકે જન્મ્યા હતા. શ્રી વજ્રયુધકુમાર બુદ્ધિમાન
અને મહા રૂપવાન્ હતા, જૈન સિદ્ધાંતના પારંગામી હતા, મતિ–શ્રુત–અવધિ એ ત્રણ

PDF/HTML Page 44 of 75
single page version

background image
શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૩પ :
જ્ઞાનોથી શોભાયમાન હતા, ચતુર હતા, શ્રી જિનેન્દ્રદેવના ચરણકમળના ભક્ત હતા,
જૈનધર્મની પ્રભાવના કરનારા હતા, અને બુદ્ધિમાનોથી પૂજ્ય હતા. વળી તે રાજકુમાર
નિર્મળ સમ્યગ્દર્શનથી સુશોભિત હતા, સૂક્ષ્મદર્શી હતા અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ હતા. દેવો
દ્વારા પણ ડગે નહિ એવા નિર્મળ તત્ત્વજ્ઞાનના ધારક હતા; તેઓ ધર્મધ્યાનમાં તત્પર
રહેતા હતા.












કોઈ એક દિવસે ઈશાન નામના બીજા સ્વર્ગનો ઈન્દ્ર દેવોથી ભરેલી સભામાં
ઈન્દ્ર સિંહાસન પણ બેસીને કહેવા લાગ્યો કે–“હે દેવો! હું મધ્યલોકના એક ધર્માત્માની
વાત કહું છું તે સાંભળો. આ વાત કાનોને સુખ દેનારી છે, ઉત્તમ છે; પુણ્યઉપાર્જન
કરનારી છે, ગુણોની કારણ છે અને ધર્મયશથી ઉત્પન્ન થયેલી છે. જુઓ! પૂર્વ
વિદેહક્ષેત્રના મંગલાવતી દેશના રત્નસંચયપુર નગરમાં, તીર્થંકર ભગવાન શ્રી ક્ષેમંકર
મહારાજના પુત્ર વજ્રયુધકુમાર છે તે મહાન બુદ્ધિમાન છે, ગુણોના સાગર છે, તત્ત્વોના
જાણનાર છે, ધર્માત્મા છે અને મતિ–શ્રુત–અવધિ એ જ્ઞાનોથી શોભાયમાન છે. તેઓ
નિઃશંક્તિ વગેરે ગુણોથી શોભિત છે અને શંકા વગેરે દોષોથી રહિત છે; તેણે
સમ્યગ્દર્શનની વિશુદ્ધતા પ્રાપ્ત કરી છે અને જિનપ્રણીત તત્ત્વાર્થ–શ્રદ્ધાનમાં તે અડગ છે”
આ પ્રકારે ઈન્દ્રે વજ્રયુધકુમારની સ્તુતિ કરી.

PDF/HTML Page 45 of 75
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
નામના દેવના મનમાં શંકા ઉત્પન્ન થઈ, તેથી વજ્રયુધકુમારની પરીક્ષા કરવા માટે તે આ
પૃથ્વી પર આવ્યો. તે દેવ પોતાનું રૂપ બદલાવીને વજ્રયુધકુમારની પાસે પહોંચ્યો અને
તેમની પરીક્ષા કરવા માટે એકાંતવાદનો આશ્રય લઈને તે બુદ્ધિમાન પ્રત્યે કહેવા લાગ્યો
કે હે કુમાર! આપ જીવ વગેરે પદાર્થોનો વિચાર કરવામાં ચતુર છો, તેથી તત્ત્વોના
સ્વરૂપને સૂચિત કરનારા મારા વચનો ઉપર વિચાર કરો, (એમ કહ્યા પછી નીચે પ્રમાણે
પ્રશ્ન–ઉત્તર થાય.–)
દેવે પૂછ્યું કે–શું આ જીવ ક્ષણિક છે? અથવા નિત્ય છે?
તેના ઉત્તરમાં વજ્રયુધકુમાર અનેકાંતસ્વભાવનો આશ્રય લઈને મીઠા અને શ્રેષ્ઠ
શબ્દોમાં કહેવા લાગ્યા કે–હે દેવ! હું જીવાદિ પદાર્થોનું સ્વરૂપ પક્ષપાતરહિત કહું છું, તમે
તમારા મનને સ્થિર કરીને સાંભળો. જીવાદિ સર્વે પદાર્થો સર્વથા ક્ષણિક નથી તેમજ
સર્વથા નિત્ય પણ નથી; કેમ કે જો તેને સર્વથા ક્ષણિક માનવામાં આવે તો પુણ્ય–પાપનું
ફળ બને નહિ, ચિંતા વગેરેથી ઉત્પન્ન થનારું કાર્ય થાય છે તે બની શકે નહિ,
વિચારપૂર્વક કરાતાં ચોરી–વ્યાપાર વગેરે કાર્ય બને નહિ, જ્ઞાન–ચારિત્ર વગેરેનું
અનુષ્ઠાન તથા તપશ્ચરણ વગેરે કાંઈ પણ બની શકે નહિ તથા ગુરુ દ્વારા શિષ્યને
જ્ઞાનની પ્રાપ્તિ પણ બનશે નહિ, પૂર્વજન્મસંસ્કાર પણ રહેશે નહિ અને તે પ્રકારના
પ્રત્યભિજ્ઞાન વગેરેનો પણ લોપ થશે.–માટે જીવને સર્વથા ક્ષણિકપણું તો નથી. અને જો
જીવને સર્વથા નિત્ય માનવામાં આવે તો જ્ઞાન–ક્રોધાદિની વધ–ઘટ તથા કર્મના બંધ–
મોક્ષ વગેરે કાંઈ નહિ બની શકે.– માટે જીવ સર્વથા નિત્ય પણ નથી. આ પ્રમાણે
બુદ્ધિમાન પુરુષોએ સર્વપ્રકારના દોષો ટાળવા માટે પરીક્ષા કરીને, એકાંતવાદથી દૂષિત
બધા મતોના પક્ષને દૂરથી જ છોડી દેવો જોઈએ. બુદ્ધિમાનોએ પરિક્ષાપૂર્વક
અનેકાંતસ્વરૂપ જૈનધર્મનો જ પક્ષ સ્વીકાર કરવો જોઈએ, કેમ કે તે જ સત્ય છે, તે જ
તત્ત્વોના યથાર્થ સ્વરૂપને સૂચિત કરનાર છે અને નયો દ્વારા વસ્તુસ્વરૂપનું કથન કરનાર
છે. જીવ કથંચિત્ નિત્ય–અનિત્ય સ્વભાવવાળો છે; જીવાદિ પદાર્થો પોતાના
દ્રવ્યસ્વભાવથી નિત્ય છે અને પર્યાયસ્વભાવથી અનિત્ય છે. એટલે દ્રવ્યાર્થિકનયથી જીવ
નિત્ય છે અને પર્યાયાર્થિકનયથી જીવ અનિત્ય છે.–આવો અનેકાંતસ્વભાવ છે. એકાંત
ક્ષણિક કે એકાંત નિત્ય એવો વસ્તુસ્વભાવ નથી. વ્યવહારનયથી આ જીવ જન્મ–મરણ,
બાલ–યુવાન,–વૃદ્ધ આદિ અવસ્થાઓ સહિત છે, અને કર્મથી બંધાયેલો છે તથા કર્મથી
મૂકાય છે,–એ બધી જુદી જુદી અવસ્થાઓ જીવનું અનિત્યપણું સૂચવે છે. તથા
પરમાર્થનયથી જીવ સદા નિત્ય છે કેમ કે નિશ્ચયથી તે

PDF/HTML Page 46 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૩૭ :
જન્મ–મરણ, બાલ–યુવાન–વૃદ્ધ, બંધ–મોક્ષ–સંસાર વગેરે બધાથી રહિત છે, સર્વ
અવસ્થાઓમાં પોતે એક સ્વરૂપે જ રહેનાર છે; આમ પદાર્થનું સ્વરૂપ નિત્ય–
અનિત્યાત્મક સમજવું.–એ પ્રમાણે વજ્રયુધકુમારે ઉત્તર આપ્યો.
દેવ:– શું જીવ કર્મોનો કર્તા છે? કે કોઈનો કર્તા નથી?
વજ્રયુધ:– ત્યાગ કરવાયોગ્ય એવા ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયની
અપેક્ષાથી આ જીવને શરીર, કર્મ, ઘટ, પટ વગેરેનો કર્તા કહેવાય છે, એટલે ખરેખર તો
જીવ તે શરીરાદિનો કર્તા છે જ નહીં. અશુદ્ધનિશ્ચયનયથી આ જીવ રાગાદિ ભાવોનો કર્તા
છે,–એ પણ ત્યાગ કરવા યોગ્ય છે. અને શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી તો જીવ કર્મનો કે રાગાદિ
ભાવોનો કર્તા નથી. એ રીતે જીવનું કર્તાપણું તેમજ અકર્તાપણું સમજવું.
દેવ:– શું આ જીવ કર્મના ફળનો ભોક્તા છે?–કે નથી?
વજ્રયુધ:– વ્યવહારનયથી આ જીવ કર્મના ફળને ભોગવે છે પણ નિશ્ચયનયથી
તે તેનો ભોક્તા નથી.
દેવ:– જે જીવ કર્મ કરે છે તે જ તેના ફળનો ભોક્તા છે? કે કોઈ બીજો છે?
વજ્રયુધ:–
પર્યાય અપેક્ષાએ જોતાં જે પર્યાયમાં જીવ કર્મો કરે છે તે પર્યાયમાં
તેના ફળને ભોગવતો નથી પણ બીજા પર્યાયમાં–બીજા જન્મમાં ભોગવે છે, એથી
પર્યાયઅપેક્ષાએ જે કરે છે તે ભોગવતો નથી; પરંતુ નિશ્ચયનયથી–દ્રવ્યઅપેક્ષાએ જોતાં
જે જીવ કર્મોને કરે છે તે જ તેના ફળને ભોગવે છે, અન્ય કોઈ ભોગવતું નથી.
દેવ:– આ જીવ સર્વ વ્યાપક છે? કે તલનાં ઝીણાં ફોતરાંની માફક સૂક્ષ્મ છે?
વજ્રયુધ:– નિશ્ચયથી આ જીવ સદાય અસંખ્યાત પ્રદેશી છે; કેવલિસમુદ્ઘાત
વખતે તે જગતવ્યાપી થઈ જાય છે. પરંતુ સમુદ્ઘાતના વખત સિવાય આ જીવ,
વ્યવહારનયથી જેવું નાનું–મોટું શરીર હોય તેવા આકારવાળો હોય છે; તેનું કારણ એ છે
કે દીપકના પ્રકાશની જેમ જીવમાં સંકોચ–વિસ્તાર થવાની શક્તિ છે, તેથી તે શરીરના
નાના–મોટા આકાર જેવડો થઈ જાય છે. મુક્તદશામાં પણ જીવ સર્વવ્યાપી નથી પરંતુ
લગભગ છેલ્લા શરીરપ્રમાણ આકારવાળો હોય છે.
દેવ:– આ જીવ જ્ઞાની છે કે જડ છે?
વજ્રયુધ:–
જીવ જ્ઞાનસ્વરૂપ છે, તેથી તે જાણે છે. શરીર જડ છે, તેનાથી જીવ

PDF/HTML Page 47 of 75
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
જુદો છે. જીવ જડ નથી. શુદ્ધ નિશ્ચયનયથી આ જીવ કેવળજ્ઞાન અને કેવળદર્શનથી
અભિન્ન અર્થાત્ એકમેક છે, પરંતુ વ્યવહારનયથી તે મતિજ્ઞાની–શ્રુતજ્ઞાની વગેરે
અવસ્થાવાળો છે.
–આ પ્રમાણે જીવનું નિત્યપણું–અનિત્યપણું, બંધ–મોક્ષ, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે
બધું અનેક નયોથી (અર્થાત્ અનેકાંત મતથી) જ સિદ્ધ થાય છે, એકાંતનયથી (–
અર્થાત્ એકાંતવાદથી) તો કર્તૃત્વ–ભોકતૃત્વ, બંધ–મોક્ષ આદિ બધા ધર્મો સર્વથા મિથ્યા
ઠરે છે!
એ પ્રમાણે તે દેવે જે જે પ્રશ્નો પૂછ્યા તે સર્વેનું સમાધાન વજ્રયુધકુમારે ઘણી
ગંભીરતા અને દ્રઢતાથી યુક્તિપૂર્વક કર્યું. તેમની તત્ત્વાર્થશ્રદ્ધાન્ની દ્રઢતા જોઈને અને
તત્ત્વોના સ્વરૂપથી ભરેલા અમૃતસમાન તેમનાં વચનો સાંભળીને તે દેવ એટલો બધો
સંતુષ્ટ અને પ્રસન્ન થયો–જાણે કે તેને મોક્ષપદ મળી ગયું હોય!
ત્યારબાદ તે દેવે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને સ્વર્ગમાં ઈન્દ્રે તેમની જે
પ્રશંસા કરી હતી તે કહી સંભળાવી. વળી તે દેવે દિવ્ય વસ્ત્ર વગેરે પહેરાવીને
મહાભક્તિથી વજ્રયુધકુમારનું બહુમાન કર્યું, વારંવાર તેમની પ્રશંસા કરી, અને પછી
નમસ્કાર કરીને પોતાના સ્વર્ગમાં ચાલ્યો ગયો.
અહો, જગતમાં તે ધર્માત્મા પુરુષ ધન્ય છે કે જે સમ્યગ્દર્શનરૂપી નિર્મળ રત્નથી
સુશોભિત છે, ઈન્દ્ર પણ જેની સ્તુતિ કરે છે અને દેવો આવીને જેની પરીક્ષા કરે છે છતાં
જેઓ તત્ત્વશ્રદ્ધાનમાં રંચમાત્ર ડગતા નથી. એવા ધર્માત્માઓના સમ્યગ્દર્શનાદિ ગુણો
જોઈને જિજ્ઞાસુઓનું હૃદય તેમના પ્રત્યે પ્રમોદથી ઉલ્લસ્યા વગર રહેતું નથી. શ્રી
વજ્રયુધકુમારનું નિર્મળ તત્ત્વાર્થશ્રદ્ધાન્ દરેક જિજ્ઞાસુ જીવોને અનુકરણીય છે.
* * *
ઉપરના પ્રસંગ પછી અમુક વખત બાદ, વજ્રયુધકુમારના પિતા (–શ્રી ક્ષેમંકર
તીર્થંકર) ને વૈરાગ્ય થતાં દેવો તેમનો દીક્ષાકલ્યાણક મહોત્સવ કરવા આવ્યા. ક્ષેમંકર
મહારાજા વજ્રયુધકુમારનો રાજ્યાભિષેક કરીને પોતે દીક્ષા લેવાને વનમાં ગયા. વનમાં
જઈને, સિદ્ધપદ પ્રાપ્ત કરવા માટે સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યા. અને પછી કેશલોચ
કરીને સર્વ પરિગ્રહ ત્યાગીને અત્યંત વિરક્ત ભાવથી ભગવતી દીક્ષા ધારણ કરી.
આત્મધ્યાનમાં લીનતા વડે અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અને સમવસરણમાં
દિવ્યધ્વનિવડે ભવ્ય જીવોને ધર્મોપદેશ દેવા લાગ્યા.

PDF/HTML Page 48 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૩૯ :
આ બાજુ શ્રી વજ્રયુધકુમાર રાજ્ય કરતા હતા, તેમની આયુધશાળામાં ચક્રરત્ન
પ્રગટ થયું અને છએ ખંડ ઉપર વિજય મેળવીને તેમણે ચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યું.
તેમને કનકશાંતિ નામના ચરમશરીરી પૌત્ર હતા. એક વખત તે કનકશાંતિ
પોતાની સ્ત્રીઓ સાથે વનમાં ગયા હતા. જેમ માટી ખોદતાં નિધિ નીકળી પડે તેમ
જંગલમાં તેઓને વિમલપ્રભ નામના મુનિનાં દર્શન થયા. તે મુનિરાજ અદ્ભુત
જ્ઞાનપ્રભાના ધારક હતા. તેમની પાસેથી પરમ હિતકર વૈરાગ્યમય ધર્મોપદેશ સાંભળતાં
તે કનકપ્રભ વૈરાગ્ય પામ્યા અને તે મુનિરાજ પાસે દીક્ષા ધારણ કરી લીધી.
કનકશાંતિએ દીક્ષા ધારણ કરતાં, વિવેકરૂપી નેત્રોને ધારણ કરનારી તેમની
રાણીઓએ પણ શરીર, ભોગ અને સંસારથી વૈરાગ્ય ધારણ કરીને વિમલમતિ નામના
ગણિની (–આર્જિકા માતા) પાસે દીક્ષા ધારણ કરી લીધી.
કનકશાંતિ મહારાજ અલ્પકાળમાં કેવળજ્ઞાન પામ્યા. પોતાના પૌત્રને કેવળજ્ઞાન
થવાના સમાચાર સાંભળતાં જ વજ્રયુધ ચક્રવર્તીએ ‘આનંદ’ નામના ગંભીર વાજાં
વગડાવ્યાં અને પોતે તેમનું વંદન–પૂજન કરવા માટે ગયા. ત્યાં તેમની સ્તુતિ કરીને
ધર્મશ્રવણ કરવા માટે તેમના ચરણ–સમીપ બેઠા. કેવળી ભગવાને દિવ્યધ્વનિ દ્વારા
ધર્મનું સ્વરૂપ કહ્યું: આ સંસાર અનંત છે, અજ્ઞાની જીવો તેનો પાર પામી શક્તા નથી.
સંસાર અનાદિ હોવા છતાં ભવ્ય જીવો સમ્યગ્દર્શન વડે તેનો પાર પામી જાય છે.
રત્નત્રયથી ભરેલી ધર્મનૌકામાં જેઓ નથી બેસતા તેઓ અનંત વાર સંસાર–સમુદ્રમાં
ડુબે અને ઊછળે છે. તેથી અવશ્ય ધર્મનું સેવન કરવું જોઈએ. ધર્મ જ બંધુ છે, ધર્મ જ
પરમ મિત્ર છે, ધર્મ જ સ્વામી છે, ધર્મ જ પિતા છે, ધર્મ જ માતા છે, ધર્મ જ હિતકારક
છે. ધર્મ જન્મ–જરા–મૃત્યુથી બચાવનાર શરણભૂત છે, ધર્મ જ મુક્તિદાતાર છે.
એ પ્રમાણે કેવળી ભગવાનનો ઉપદેશ સાંભળીને ધર્માત્મા વજ્રયુધ ચક્રવર્તીનું
ચિત્ત ભવ–તન–ભોગથી વિરક્ત થયું. અને ચિંતવવા લાગ્યા કે અહો, આ સંસારમાં
ભોગોની લંપટતા મહા વિચિત્ર છે! આશ્ચર્ય છે કે આ મારા પૌત્ર છે છતાં તેણે આજે
પોતાના આત્મબળથી બાલકપણામાં જ કેવળજ્ઞાન સંપદા પ્રાપ્ત કરી લીધી છે, તેથી
સંસારમાં તેંમનો આત્મા ધન્ય છે!–ઈત્યાદિ વિચારથી તેમનો વૈરાગ્ય બમણો વધી ગયો.
અને ભગવાનને નમસ્કાર કરીને ઘેર આવ્યા.
સમસ્ત સંસારથી વિરક્ત થયેલા તે બુદ્ધિમાન વજ્રયુધે ઘેર જતાં જ પોતાના

PDF/HTML Page 49 of 75
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
પુત્ર સહસ્રાયુધને રાજ્ય સોંપી દીધું અને પોતે પોતાના પિતા શ્રી ક્ષેમંકર તીર્થંકરના
સમવસરણમાં જઈને ભગવતી જિનદીક્ષા ધારણ કરી લીધી. અને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રની પવિત્ર આરાધનાપૂર્વક સમાધિમરણ કરીને અહમીન્દ્ર થયા.
(અહમીન્દ્ર થયેલ શાંતિનાથ ભગવાનનો જીવ ત્યાંથી ચવીને ધનરથ
(૨)
આપણે રહીએ છીએ તે આ જંબુદ્વીપ, તેના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી દેશ, તેમાં
ધર્મની જાહોજલાલીથી શોભતી પુંડરીકિણી નગરી (એટલે કે વિદ્યમાન સીમંધર
ભગવાનની જન્મનગરી), તે નગરીમાં અસંખ્યવર્ષો પહેલાં મહારાજ ધનરથ–તીર્થંકર
રાજ્ય કરતા હતા. તેમને મનોહરા રાણી હતી. અહમીન્દ્ર થયેલ આપણા ચરિત્રનાયક
ભગવાન શાંતિનાથ, તે અહમીન્દ્રપર્યાય છોડીને આ મનોહરા માતાની કુંખે મેઘરથકુમાર
તરીકે અવતર્યા. મેઘરથકુમાર જન્મથી જ મતિ–શ્રુતજ્ઞાન ઉપરાંત અનુગામી અવધિજ્ઞાન
સાથે જ લાગ્યા હતા.
એકવાર રાજસભામાં લડી રહેલા બે કૂકડાના પૂર્વભવોનું તેમણે વર્ણન કર્યું. બંને
કૂકડા પૂર્વભવ સાંભળીને વૈરાગ્ય પામ્યા ને મરીને દેવ થયા. દેવ થઈને તેઓએ
મેઘરથકુમારનો ઉપકાર માન્યો કે અરે અમે નિર્દય માંસભક્ષી હિંસક પ્રાણી હતા તેમાંથી
અમને અહિંસામય જૈનધર્મનો ઉપદેશ આપીને મેઘરથકુમારે અમારો ઉદ્ધાર કર્યો. આમ
કહીને બહુમાનપૂર્વક દેવવિમાનમાં બેસાડીને તેમને માનુષોત્તર સુધીના અઢીદ્વીપની
યાત્રા કરાવી. મેઘરથકુમારે અઢીદ્વીપના શાશ્વત જિનાલયોના દર્શન કર્યા. તથા અનેક
તીર્થંકરો ને મુનિવરોના શાશ્વત દર્શન–પૂજન કર્યા.
યોગ્ય સમયે ધનરથ તીર્થંકરને વૈરાગ્ય થતાં, મેઘરથનો રાજ્યાભિષેક કરીને
તેઓએ સંયમ ધારણ કર્યો. રાજા મેઘરથ અનેક ગુણોસહિત સારભૂત સમ્યક્ત્વનું પાલન
કરતા હતા; જોકે તેઓ ત્રણ જ્ઞાનસહિત હતા તોપણ પોતાના જ્ઞાન–વૈરાગ્યની પુષ્ટિ માટે
મોક્ષમાર્ગના ઉપદેશક એવા જિનશાસ્ત્રોની તેઓ સ્વાધ્યાય કરતા હતા. તેઓ સમ્યક્ત્વ
સહિત બારવ્રત પાળતા હતા અને પર્વના દિવસે સમસ્ત ગૃહકાર્ય છોડીને પ્રૌષધ–ઉપવાસ
કરતા હતા. ભક્તિપૂર્વક દેવશાસ્ત્રગુરુની પૂજા કરતા હતા ને મોટા મોટા

PDF/HTML Page 50 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૪૧ :
ધર્માત્માઓનું બહુમાન કરતા હતા. આ પ્રમાણે મોક્ષપ્રાપ્તિ અર્થે તેઓ સદા જિનધર્મનું
પાલન કરતા હતા.
સૌધર્મસ્વર્ગમાં એકવાર તેમની દાનશીલતાની પ્રશંસા સાંભળીને દેવ તેમની
પરીક્ષા કરવા આવ્યો હતો. હિંસાનું પોષક દાન ન કરવું તથા યોગ્ય પાત્રને યોગ્ય
વસ્તુનું દાન કરવું–ઈત્યાદિ વિવેકબુદ્ધિ દેખીને તે દેવે મેઘરથની સ્તુતિ કરી.
આત્મસાધનામાં ને જિનેન્દ્રભક્તિમાં તત્પર રહેનારા તે મહારાજા મેઘરથ દાન–
પૂજન તેમજ પર્વના દિવસોમાં પ્રૌષધોપવાસ વગેરે અનેક પ્રકારે ધર્મસાધન કરતા હતા.
એકવાર નંદીશ્વર–અષ્ટાહ્નિકાના પર્વમાં જિનબિંબોની મહાપૂજા કરીને તેમણે
પ્રૌષધઉપવાસ કર્યો. અને રાત્રે એકાન્ત ઉદ્યાનમાં તે ધીર–વીર ધર્માત્મા એકાગ્રચિત્તથી
ધ્યાનમાં ઊભા; સિદ્ધોનાં ગુણોના સ્મરણપૂર્વક પ્રતિમાયોગ ધારણ કરીને મેરુસમાન
અચલપણે આત્મધ્યાનમાં સ્થિર થયા. અહો, શુદ્ધ ચૈતન્યના ધ્યાનમાં તત્પર એવા તે
ધર્માત્મામેઘરથ, મુનિરાજ સમાન શોભતા હતા. એવામાં ઈન્દ્રસભામાં એક વિશેષ ઘટના
બની. શું બન્યું?
આ તરફ મેઘરથ તો આત્મચિંતનમાં મગ્ન છે. સંસારમાં શું બની રહ્યું છે તેનાથી
ઉદાસ થઈને ચિત્તને નિજસ્વરૂપમાં જોડ્યું છે. એ વખતે ઈશાનસ્વર્ગમાં દેવોની સભામાં
બિરાજમાન ઈન્દ્રે, ધ્યાનમાં બિરાજમાન ધીર–વીર મેઘરથ મહારાજાને દેખીને આશ્ચર્યથી
તેમની પ્રશંસા કરી. ઈન્દ્રે કહ્યું કે અહો, આપ ધન્ય છો! આપ સમ્યક્ત્વાદિ ગુણોના
સાગર છો, આપ જ્ઞાની છો, વિદ્વાન છો, ધૈર્યવાન છો; આત્મચિન્તનમાં તત્પર એવા
આપને દેખીને આશ્ચર્ય થાય છે. આપ દ્રઢ શીલવાન છો...મેરુસમાન આચલ છો.–એમ
અનેકપ્રકારે ઈન્દ્રે સ્તુતિ તથા પ્રશંસા કરી.
ઈન્દ્રમહારાજને આ પ્રમાણે સ્તુતિ કરતા દેખીને દેવોએ પૂછ્યું કે હે નાથ!
અત્યારે આપ ક્યા સજ્જનની આ સ્તુતિ કરી રહ્યા છો? એવા તે કોણ મહાત્મા છે કે
ઈન્દ્રસભામાં જેની સ્તુતિ થાય?
ત્યારે ઈન્દ્રે કહ્યું–હે દેવો! સાંભળો,. સ્તુતિ કરવાયોગ્ય જે મહાત્માની મેં સ્તુતિ
કરી છે તેમની ઉત્તમ કથા હું કહું છું. મધ્યલોકમાં વિદેહક્ષેત્રમાં મેઘરથરાજા શુદ્ધસમ્યગ્દ્રષ્ટિ
છે, તેઓ મહાગંભીર છે, રાજાઓના શિરોમણિ છે, ત્રણ જ્ઞાનના ધારણ છે, તેઓ એક
ભવ પછી ભરતક્ષેત્રમાં શાંતિનાથ તીર્થંકર થનાર છે. અને અત્યારે પ્રતિમાયોગ ધારણ
કરીને આત્મધ્યાનમાં લાગેલા છે, તેમણે શરીરનું પણ મમત્વ છોડી દીધું છે, ને

PDF/HTML Page 51 of 75
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
મહાન ત્યાગી થઈને શીલરૂપી આભૂષણથી શોભી રહ્યા છે.–તેમના ગુણોથી પ્રભાવિત
થઈને મેં અત્યારે તેમની સ્તુતિ કરી છે.
ઈન્દ્રની આ વાત સાંભળીને બીજા દેવો તો પ્રસન્ન થયા, પરંતુ અતિરૂપા અને
સુરૂપા નામની બે દેવીઓ તેમની પરીક્ષા કરવા માટે પૃથ્વીપર આવી.


એ વખતે મહારાજા મેઘરથ શરીરનું મમત્વ છોડીને ક્રોધાદિ કષાયોથી રહિત
સમતાભાવપૂર્વક ધ્યાનમાં બિરાજમાન હતા. તેઓ ક્ષમાવાન, અત્યંત ધીર–વીર, ને
સમસ્ત વિકારોથી રહિત હતા; સમુદ્ર જેવા ગંભીર ને પર્વત જેવા અડોલ હતા. એકાંતમાં
અત્યંત નિસ્પૃહ થઈને શાંત પરિણામપૂર્વક આત્મધ્યાનમાં લાગેલા હતા. આત્મા સિવાય
બીજી બધી ચિંતાઓથી રહિત હતા, અને નિર્ભયપણે કાયોત્સર્ગમાં શોભી રહ્યા હતા.
આવા ગુણોના ધારક મહારાજ મેઘરથ, જાણે કે ઉપસર્ગને લીધે વસ્ત્રોથી
ઢંકાયેલા કોઈ મુનિરાજ હોય–એવા લાગતા હતા. સ્વર્ગમાંથી આવેલી બંને દેવીઓએ
તેમને દેખ્યા; અને પછી તે દેવીઓએ અત્યંત ધીર એવા તે મેઘરથ ઉપર ભારે મોટો
ઉપસર્ગ શરૂ કર્યા.–એવો ભારે ઉપસર્ગ કર્યો કે કાયરનું તો દિલ કંપી ઊઠે. એમના
ધ્યાનમાં ક્ષોભ ઉત્પન્ન કરવા માટે તે દેવીઓ અનેક પ્રકારે મનોહર હાવભાવ વિલાસ,
ગીત–નૃત્ય કરવા લાગી, રાગવર્ધક કામચેષ્ટા કરવા લાગી, આલિંગન વગેરે દ્વારા એમને

PDF/HTML Page 52 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૪૩ :
ચલિત કરવાનો પ્રયત્ન કર્યો; વીણાવાદનથી અને પ્રીતિભરેલા મધુર વચનાલાપથી
તેમને રીઝવવા પ્રયત્ન કર્યો.....પણ મેઘરથરાજા તો ન ડગ્યા તે ન જ ડગ્યા. પોતાના
આત્મચિંતનથી જરાપણ ચલિત ન થયા. છેવટે દેવીઓએ તેમને ડગાવવા ને ભયભીત
કરવા માટે અનેક પ્રકારના તીરસ્કાર ભરેલાં ભયંકર વચનો કહ્યા ને કાયરને ભય
ઉપજાવનારી બિહામણી ચેષ્ટાઓ કરી; તેમને ધ્યાનથી ડગાવવા માટે દેવીઓએ ઘોર
ઉપસર્ગો કર્યા.....
પરંતુ મુનિ જેવા મેઘરથ રાજાએ તો તીવ્ર વૈરાગ્યમય સંવેગરૂપી બખ્તર ધારણ
કરીને પોતાનું મન જિનેન્દ્રદેવના ચરણકમળમાં જ નિશ્ચલપણે જોડ્યું હતું.....ભગવાને
કહેલા શુદ્ધાત્મસ્વરૂપને જ તેઓ ભાવી રહ્યા હતા...આવી ભાવનામાં તત્પર ધર્માત્માને
બહારના ઉપદ્રવો શું કરી શકે? અત્યંત ધીર અને વીર એવા તે મહારાજા મેઘરથે
મેરૂપર્વત સમાન અત્યંત નિશ્ચલ રહીને, તે દેવીઓ દ્વારા કરાયેલા તીવ્ર ઘોર ને રૌદ્ર
ઉપસર્ગોને જીતી લીધા.....જેમ વીજળીના કડાકા પણ મેરુને હલાવી શકતા નથી તેમ તે
દેવીઓ રાગચેષ્ટા વડે પણ મેઘરથરાજાના મનરૂપી મેરૂપર્વતને ડગાવી ન શકી.....સિંહ
જેવા વીર મેઘરથે આત્મભાવનાના બળવડે બધા ઉપસર્ગો સહી લીધા..... દેવીઓનો
બધો પરિશ્રમ વ્યર્થ ગયો. અંતે બંને દેવીઓને ખાતરી થઈ કે આ મેઘરથરાજાની જે
પ્રશંસા ઈન્દ્રે કરી હતી તે યથાર્થ છે. તેમનું મન નિશ્ચલ છે, આત્મભાવનામાં તેઓ
અડોલ છે, અને તેમનું શીલ–બ્રહ્મચર્ય દેવીઓથી પણ ડગી શકે તેવું નથી.–આમ તેમના
ગુણો દેખીને બંને દેવીઓ અત્યંત પ્રસન્ન થઈ, અને બહુમાનપૂર્વક તેમનું વંદનપૂજન
કરીને પોતાના દેવલોકમાં ચાલી ગઈ. રાત્રિ વ્યતીત થતાં મહારાજા મેઘરથે નિર્વિઘ્નપણે
પોતાનો કાયોત્સર્ગ પૂર્ણ કર્યો.
અહા, ધન્ય છે આવા ધર્માત્માઓને,...કે દેવો દ્વારા પણ
જેમનું મન ડગતું નથી...જેમનું જ્ઞાન અને શીલ અતિ
પ્રશંસનીય છે...આત્મચિંતનમાં જેઓ સદા તત્પર છે.
(ત્યારબાદ મેઘરથ એકવાર પોતાના પિતા ધનરથતીર્થંકરની વંદના કરવા ગયા
અને ત્યાં પ્રભુના શ્રીમુખથી ધર્મોપદેશ સાંભળી સંસાર–ભોગોથી વિરક્ત થયા, ને
પોતાના ભાઈ દ્રઢરથ તેમજ બીજા સાત હજાર રાજાઓ સહિત જિનદીક્ષા અંગીકાર
કરી.....દર્શનવિશુદ્ધિઆદિ સોળ ઉત્તમ ભાવનાઓ વડે તીર્થંકર–નામકર્મ બાંધ્યું.....ને
ત્રીજાભવે ભરતક્ષેત્રના હસ્તિનાપુરમાં સોળમા શાંતિનાથ તીર્થંકરપણે અવતર્યા....તે
શાંતિદાતાર શ્રીશાંતિનાથજિનેન્દ્રને નમસ્કાર હો.

PDF/HTML Page 53 of 75
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવક : ૨૪૯૩
એ ક ત્વ ભા વ ના
૧. જે સ્વાનુભૂતિથી જ જણાય છે અને વાણી તથા મનથી અગોચર છે તથા
આત્માના અનુભવી પુરુષોને જે રમ્ય છે એવી પરમજ્યોતિનું હું વર્ણન કરું
છું.
૨. જે કોઈ જીવ, એકત્વસ્વરૂપને પ્રાપ્ત એવા આત્મતત્ત્વને જાણે છે, તેની
અન્ય જીવો આરાધના કરે છે, પરંતુ તે જીવને આરાધ્ય કોઈ નથી. (પોતે
જ પોતાનો આરાધ્ય છે.)
૩. જેમ ઉત્તમ નૌકામાં બેઠેલો ધૈર્યવાન અને બુદ્ધિમાનપુરુષ સમુદ્રના પાણીથી
ભય પામતો નથી તેમ આત્માના એકત્વસ્વરૂપને જાણનારા યોગીઓ ઘણા
કર્મોથી પણ જરાય ભય પામતા નથી.
૪. ચૈતન્યના એકત્વની અનુભૂતિ દુર્લભ છે અને તે એકત્વની અનુભૂતિ જ
મોક્ષની દાતાર છે; તેથી કોઈ પણ પ્રકારે ચૈતન્યના એકત્વની અનુભૂતિ
પામીને તેનું વારંવાર ચિંતન કરવું જોઈએ.
પ. મોક્ષ એ જ સાક્ષાત્ સુખ છે અને મુમુક્ષુ જીવોને તે જ સાધ્ય છે. અહીં
સંસારમાં જે છે તે સાચું સુખ નથી–પણ દુઃખ છે.
૬. ખરેખર આ સંસારસંબંધી કાંઈ પણ અમને પ્રિય નથી; અમને તો
શ્રીગુરુના ઉપદેશથી એક મોક્ષપદ જ પ્રિય છે.
૭. આ સંસારમાં સ્વર્ગસુખ પણ મોહના ઉદયરૂપી ઝેરથી ભરેલું અને
નાશવાન છે, તોપછી સ્વર્ગસિવાયના બીજા સુખોની તો શું વાત કરવી?
એવા સંસારસુખોથી અમને બસ થાવ.–હવે અમારે એવા સંસારસુખ
જોઈતા નથી.
૮. જે મુનિવર આ ભવમાં શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માને સદા લક્ષ્ય કરીને રહે છે,
તે શ્રેષ્ઠ બુદ્ધિમાન મુનિવર અન્ય ભવમાં પણ એ જ રીતે આત્માને લક્ષ્ય
કરીને રહે છે.
૯. પોતાના એકત્વસ્વરૂપમાં સ્થિર થઈને જે મુનિશ્વરોએ વીતરાગમાર્ગમાં
પ્રસ્થાન કર્યું છે તેમને મુક્તિસુખની પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર ત્રણ જગતમાં
કોણ છે?

PDF/HTML Page 54 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૪પ :
૧૦. આ પ્રમાણે આ ભાવનાપદોને એટલે કે તેમાં દર્શાવેલા એકત્વસ્વરૂપને
એકાગ્રચિત્તથી જે સદાય ભાવે છે તે જીવ મોક્ષલક્ષ્મીના કટાક્ષરૂપ જે
ભ્રમરસમૂહ, તેને માટે ‘પદ્મ’ સમાન થાય છે.
૧૧. આ મનુષ્યભવનું ફળ ધર્મ છે; જો મારો તે ધર્મ નિર્મળપણે વિદ્યમાન છે
તો આપત્તિની પણ શું ચિંતા છે? ને મૃત્યુનો પણ શું ભય છે?
આ એકત્વભાવનાદ્વારા મુમુક્ષુ જીવો પોતાના એકત્વસ્વરૂપને પ્રાપ્ત કરો. આ
ભાવના એક શાસ્ત્રમાં છે, અને તે મૂળ સૂત્રોસહિત ‘આત્મધર્મ’ માં એકવાર આવી
ગયેલ છે. જરા ધ્યાનપૂર્વક વાંચશો તો આપને પણ ખ્યાલમાં આવી જશે કે તે કોની
બનાવેલી છે.
શ્રી જૈન અતિથિ સેવા સમિતિ–સોનગઢ
વાર્ષિક મીટીંગ
શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક મીટીંગ ભાદરવા સુદી ૧ ને તા. પ–૯–
૬૭ ના રોજ સાંજે ૪–૦ વાગ્યે પ્રવચન–મંડપમાં રાખવામાં આવી છે. સભ્યોને સમયસર
હાજર રહેવા વિનંતી છે.
લિ.
હેડ, શ્રી જૈન અતિથિ સેવા સમિતિ–સોનગઢ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ
વાર્ષિક મીટીંગ
આપણા ટ્રસ્ટની વાર્ષિક મીટીંગ ભાદરવા સુદી ૨ ને તા. ૬–૯–૬૭ ના રોજ
સાંજે ૪–૦ વાગ્યે ટ્રસ્ટની ઓફિસમાં મળશે તો દરેક ટ્રસ્ટીઓને સમયસર હાજર રહેવા
વિનંતી છે.
લિ.
ફોન: ૩૪ પ્રમુખ, દિ. જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ, સોનગઢ

PDF/HTML Page 55 of 75
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
૧૮ વર્ષ પહેલાં છ કુમારિકા બહેનોની
પરમ પૂજ્ય સદ્ગુરુદેવના સત્સંગનો લાભ લેવાના હેતુથી સોનગઢમાં આવીને
રહેલા કુમારિકા બહેનોએ પૂ. સદ્ગુરુદેવશ્રી સમીપે આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા
લીધી છે; તે માટે તે બહેનોને જેટલો ધન્યવાદ આપવામાં આવે તેટલો ઓછો છે.
સોનગઢમાં રહીને તે બહેનો લાંબા વખતથી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે અને નિરંતર
પૂજ્યપાદ સદ્ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોનો તેમ જ ભગવતી બહેનો–શ્રી ચંપાબહેન અને
શાંતાબહેનના સમાગમનો લાભ લઈ રહ્યાં છે. લાંબા વખતના તત્ત્વજ્ઞાનના
અભ્યાસપૂર્વક એક સાથે કુમારિકા બહેનોના જીવનભર બ્રહ્મચારી રહેવાનો આવો
બનાવ જૈન જગતમાં લાંબા કાળથી બન્યાનું જોવામાં આવતું નથી, તેથી તે જેટલો
પ્રશંસનીય છે તેટલો જ વિરલ છે. તે બહેનોનો હેતુ તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં આગળ
વૃદ્ધિ કરવાનો છે, તે ભાવના તેમના બ્રહ્મચર્યને વિશેષ દેદીપ્યમાન બનાવે છે.
(૨) હાલ સમાજમાં અને જૈન ફીરકાઓમાં કુમારિકા બહેનોએ બ્રહ્મચર્ય ગ્રહણ
કર્યાના બનાવો ક્યારેક ક્યારેક જોવામાં આવે છે, પણ તેની પાછળ લૌકિક સેવાનો હેતુ
હોય છે અગર તો ક્ષણિક વૈરાગ્ય કે સાંપ્રદાયિક હેતુ વગેરે હોય છે, પણ જેની પાછળ
પરમ સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનના લાંબા વખતના અભ્યાસનું બળ હોય અને જેની સાથે તે જ
પ્રકારના તત્ત્વજ્ઞાનને વિશેષ વિસ્તૃત કરવાની ભાવના હોય–એવો બનાવ હાલમાં
જોવામાં આવતો નથી. જ્યારે આ પુણ્યભૂમિમાં તીર્થંકર ભગવંતો વિચરતા હતા અને
તેમના

PDF/HTML Page 56 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૪૭ :
દિવ્યધ્વનિવડે આ દેશમાં ધીકતી ધર્મપેઢી ચાલતી હતી, તેમ જ જ્યારે આત્મજ્ઞાની સંત–
મુનિવરોનાં ટોળાં જ્યાં જોઈએ ત્યાં દેખવામાં આવતા અને તેમની પાસેથી પરમ સૂક્ષ્મ
તત્ત્વજ્ઞાનનો લાભ જગતના જીવોને મળતો ત્યારે તો આવા પ્રકારના બ્રહ્મચર્યાદિના
અનેક બનાવો બનતા, પરંતુ અત્યારે તો લોકોની વૃત્તિ ઘણી જ બાહ્ય થઈ ગઈ છે,
ધર્મના નામે પણ બાહ્ય વૃત્તિઓ પોષાઈ રહી છે, જૈનધર્મના નામે પ્રાય: અજૈનત્વનો
ઉપદેશ જોરશોરથી ચાલી રહ્યો છે અને એ રીતે વર્તમાનમાં જે મોક્ષમાર્ગ બહુ સુષુપ્ત અને
બહુ લુપ્ત અવસ્થામાં પડ્યો છે તેને સર્વથા લુપ્ત કરી દેવાના પ્રયત્નો જૈનધર્મના નામે
ચાલી રહ્યા છે.
(૩) પરંતુ એવા આ કાળે પણ ભવ્ય જીવોના મહાભાગ્ય બાકી છે અને પવિત્ર
જૈન શાસનનું પરમ સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન આ પંચમકાળના છેડા સુધી રહેવાનું છે તેથી, પરમ
પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનું મહાન્ પ્રભાવના યોગ સહિત આ કાળે પ્રાગટ્ય
થયું છે અને નિરંતર તેમના પરમ તત્ત્વજ્ઞાનના ઉપદેશનો લાભ હજારો મુમુક્ષુઓ લઈ
રહ્યા છે. જ્યારે ચારે તરફ ગૃહીત મિથ્યાત્વના પોષણની પેઢીઓ ચાલી રહી છે ત્યારે આ
પરમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટેની ધીક્તી પેઢી શરૂ થઈ છે અને ખૂબ પ્રફુલ્લિત થઈ છે
ને થતી જાય છે; તેનાં અનેક સુશોભિત, મીઠાં–મધુર અને સુખમય ફળો આવ્યા છે;
અને તેમાંનું એક સુશોભિત–મીઠું–મધુરું અને સુખમય ફળ આ બહેનોના બ્રહ્મચર્ય
લેવાનો બનાવ છે.
(૪) કુમાર ભાઈઓ બ્રહ્મચર્ય ધારણ કરે તેના કરતાં કુમારિકા બહેનોએ
બ્રહ્મચર્ય ધારણ કરવું તે વિશેષ કઠિન કાર્ય છે, ને તેમાં વિશેષ પુરુષાર્થની જરૂર છે. છતાં
તેવી હિંમત સત્સમાગમે તત્ત્વજ્ઞાનના અભ્યાસપૂર્વક બહેનોએ પ્રગટ કરી છે અને તે પણ
તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં આગળ વધવા માટે છે. આ કાર્ય એવું સુંદર છે કે તે પ્રત્યે
સહૃદય માણસોને પ્રશંસાભાવ આવ્યા વગર રહે નહિ.
(પ) બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેનારી બહેનો સારી રીતે સમજે છે કે આ બ્રહ્મચર્ય
પાલનની પ્રતિજ્ઞા તે શુભભાવ છે, તે ધર્મ નથી; પણ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા
અને ધર્મમાં પ્રવેશ કરનારા મુમુક્ષુ જીવોને અશુભ ભાવ ટળીને આવા પ્રકારના
શુભભાવ આવ્યા વગર રહેતા નથી. તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ એ શુભભાવનું કાર્યક્ષેત્ર કેટલું
છે તે તેઓ જાણે છે. વળી તેઓ સમજે છે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતા જ
મોક્ષમાર્ગ છે, સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગ હોતો નથી; તેથી તે માટેના પુરુષાર્થની જ
તેમની ભાવના છે, તેમની એ ભાવના સફળ થાઓ અને તેઓ આત્માની સંપૂર્ણ
શુદ્ધતાને અલ્પકાળમાં પામો એવી મારી પ્રાર્થના છે.

PDF/HTML Page 57 of 75
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
(૬) હવે, આ પ્રસંગે તે બહેનોને ઉદે્શીને થોડા શબ્દો કહેવાની જરૂર છે–જુઓ,
બહેનો! તમે લાંબા કાળથી સત્પુરુષોના સમાગમમાં રહો છો, નિરંતર તત્ત્વજ્ઞાનનો
અભ્યાસ કરો છો અને તે તત્ત્વજ્ઞાનમાં આગળ વધવા માગો છો, તમારી તે ભાવના
સુંદર છે; તે કાર્યમાં તમે ખંતપૂર્વક હોંશ અને ઉત્સાહથી આગળ વધજો, પરમ સત્યધર્મ
પ્રત્યેના તમારા પુરુષાર્થને દિન–પ્રતિદિન આગળ વધારજો. સતી ચંદના, સીતા, અંજના,
દ્રૌપદી વગેરે ધર્માત્માઓના જીવનના અનેક પ્રસંગો અને તે તે સંયોગોમાં તેમની
ધર્મદ્રઢતાને સર્વ પ્રસંગે હૃદયમાં રાખજો. તમે ગમે તેવા સંજોગોમાં મુકાઓ તો પણ ત્યારે
તમારા તત્ત્વજ્ઞાન અને બ્રહ્મચર્યને તમે દીપાવજો, અને ધર્મની શોભા તથા પ્રભાવના
વધે તેવા પવિત્ર કાર્ય કરજો. તમે પણ એવા જ મનોરથો સેવો છો; તમારા તે મનોરથો
સફળ થાઓ–એવા મારા તમને આશીર્વાદ છે.
શ્રી જિનશાસનમાં આવા અનેક કુમાર ભાઈઓ ને કુમારિકા બેનો થાઓ, સત્
ધર્મના પંથે ચડો, તત્ત્વજ્ઞાન અને વૈરાગ્યમાં આગળ વધી ધર્મની પ્રભાવના વધારો અને
પોતાના આત્માનું કલ્યાણ કરો,–એવી ભાવના સાથે વિરમું છું
* * *
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળ–સોનગઢ
વાર્ષિક મીટીંગ
આપણા મહામંડળની વાર્ષિક મીટીંગ શ્રી પ્રવચન મંડપમાં અત્રે રાખવામાં આવી
છે તો દરેક સભ્યોને સમયસર હાજર રહેવા વિનંતી છે.
સામાન્ય સભા– ભાદરવા સુદી ૨ તા. ૬–૯–૬૭
સમય સવારે ૯–૩૦
લિ.
ઉપ–પ્રમુખ
દિ. જૈન મુમુક્ષુ મહામંડળ–
સોનગઢ
_________________________________________________________________

PDF/HTML Page 58 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૪૯ :
બ્રહ્મચર્યજીવનની
ભૂમિકા

(બ્રહ્મચારી બહેનો પ્રત્યે અભિનંદન
પૂ. ગુરુદેવના ઉપદેશના પ્રતાપે આ કાળમાં ઘણા ઘણા પ્રકારે પ્રભાવના થઈ છે;
આત્મતત્ત્વને ઓળખો, અંદર જ્ઞાનમૂર્તિ ભગવાન છે–એને ઓળખ્યા વિના બધા કાર્યો
પામવાની ગડમથલ અંતરમાં કરતાં, એની ઝંખના કરતાં, એનું મંથન કરતાં,
જાતજાતના શુભભાવો સહજપણે, કષ્ટદાયક જુદો પ્રયત્ન કર્યા વિના, આપોઆપ જીવને
આવી જાય છે. આખા ભારતવર્ષની અંદર અનેક અનેક જીવો અનેક ગામોની અંદર
સ્વાધ્યાય, વાંચન, મનન, તત્ત્વજ્ઞાનનો વિચાર, મંથન, આત્મસ્વરૂપ ઓળખવાની
ઝંખના–એવા ઊંચા પ્રકારના શુભભાવો કરતા ગુરુદેવના પરમ પ્રતાપે થયા છે. વળી
અંદર સર્વજ્ઞસ્વભાવી તત્ત્વ પડ્યું છે–એનો આદર કરનાર જીવને, જેમણે સર્વજ્ઞપદ પ્રાપ્ત
કર્યું છે એવા અર્હંતો અને સિદ્ધો પ્રત્યે ભક્તિના ભાવ વહે છે; એવો ભક્તિનો પ્રવાહ–
એવા શુભભાવો પણ ગુરુદેવના અધ્યાત્મ–ઉપદેશના પ્રતાપે ધોધમાર નદીની જેમ વહ્યા
છે. લોભ પણ અનેક જીવોના મોળા પડ્યા છે, તન, ધન, યૌવન, સ્ત્રી, પુત્ર એ બધું
વિદ્યુતના જેવું ચંચળ છે એમ લાગવાથી, એક આત્મા જ અમરતત્ત્વ છે એવું ઘૂંટણ
રહેવાથી, અંદર લોભ મોળો પડે છે, માયા મોળી પડે છે, સમતાના ભાવ ખીલે છે; એ
રીતે જીવોને લોભની મંદતા થતાં ઠેકઠેકાણે સર્વજ્ઞ ભગવાનના મંદિરો પણ થયા છે. આ
રીતે અનેક જીવોને પોતાની યોગ્યતાનુસાર આત્મતત્ત્વને પામવાની ધગશમાં, એની
ગડમથલ સેવતાં–સેવતાં, પોતાની યોગ્યતાનુસાર અનેક સદ્ગુણો ઉદ્ભવ પામ્યા છે.
એવા એક પ્રકારનો આ બ્રહ્મચર્યનો સદ્ગુણ પણ જીવને ઉદ્ભવ થાય છે; તે જીવોને
વૈરાગ્ય થાય છે કે ‘ધિક્કાર છે આ આત્માને કે જે વિષયોની અંદર રમીને પ્રાપ્ત
સત્સંગોનો પણ લાભ લઈ શક્તો નથી. એ જો નહિ લે તો અનંત ભવસાગરની અંદર
ગળકાં ખાતાં ખાતાં

PDF/HTML Page 59 of 75
single page version

background image
: પ૦ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
મહાભાગ્યથી આ હાથમાં આવેલું નૌકાનું લાકડું છૂટી જશે, અને જીવને પશ્ચાતાપનો
પાર નહિ રહે’ –એમ વૈરાગ્યભાવના સેવતા જીવોને બ્રહ્મચર્ય સહજપણે આવે છે.
આ બહેનો જાણે છે કે આત્મઅનુભવ પહેલાંની બ્રહ્મચર્યપ્રતિજ્ઞા તે માત્ર શુભ
ભાવ જ છે, અને એ શુભભાવ એ મુક્તિનો પ્રયત્ન નથી, એ મુક્તિનો પુરુષાર્થ નથી.
મુક્તિનો પુરુષાર્થ તો આત્મસ્વભાવની ઓળખાણ થતાં પ્રગટ થાય છે;
આત્મતત્ત્વચિંતામણીની ઓળખાણ જ્યારે થાય ત્યારે એની પહેલૂરૂપે દર્શન–જ્ઞાન–
ચારિત્ર આદિ મોક્ષમાર્ગની પર્યાયો પ્રગટ થાય છે, ત્યારપહેલાં નહીં. બીજા અન્ય માર્ગ
પ્રરૂપનારા જીવો તો એમ કહે છે કે જો એકવાર બ્રહ્મચર્ય કષ્ટે કરીને પણ સહન કરો તો
મોક્ષ જરૂર મળશે.–એવું માનનારામાં પણ, એવા માર્ગમાં પણ, એ બ્રહ્મચર્ય પાળનારા
અત્યંત અલ્પ નીકળે છે; ગુરુદેવકથિત સ્વાનુભૂત અમરતત્ત્વની વાત એવી અદ્ભુત છે
કે શ્રોતાઓને એ સોંસરી ઊતરી જાય છે, શુદ્ધિના પુરુષાર્થમાં એ પડે છે, અને શુદ્ધિના
પુરુષાર્થની અંદર પડતાં શુભભાવો પ્રગટ થાય છે. આ રીતે પ્રગટ થયેલો શુભભાવ એ
આ બહેનોએ અંગીકાર કરેલું બ્રહ્મચર્ય છે. એ રીતે, શુદ્ધિના પ્રયત્નની ગડમથલ કરતાં,
એની પાછળ પ્રયત્ન કરતાં કરતાં આ બહેનોને શુભભાવ આવેલો છે.
કોઈ ક્ષણિક વૈરાગ્યની અંદર, કોઈના ઉપદેશની તાત્કાલિક અસરની અંદર,
અથવા સ્વતંત્ર રહેવાની ધૂનની અંદર લેવાયેલું બ્રહ્મચર્ય એ જુદી વાત છે, અને વર્ષોના
સત્સંગ, વર્ષોના અભ્યાસ પછી, એક આત્મહિતના નિમિત્તે પૂજ્ય ગુરુદેવની
સુધાસ્યંદિની વાણીના નિરંતર સેવનના અર્થે, એ સુધાપાન પાસે બીજા સાંસારિક,
કથનમાત્ર, કલ્પિત સુખો તો અત્યંત ગૌણ થઈ જવાથી, અને પરમપૂજ્ય બેનશ્રીબેન
(ચંપાબેન–શાંતાબેન) ની શીતળ છાયામાં રહીને કલ્યાણ કરવાની ભાવનાથી લેવાયેલું
આ બ્રહ્મચર્ય–એ તદ્ન જુદી વાત છે. સામાન્ય રીતે પહેલા પ્રકારનું બ્રહ્મચર્ય પણ
જગતમાં અત્યંત અલ્પનહિવત્ જેવું–હોય છે, તો આ પ્રકારનું બ્રહ્મચર્ય તો ખૂબ
પ્રશંસનીયપણાને પામે છે.
આ કુમારિકા બહેનોએ બ્રહ્મચર્ય ગ્રહણ કરી સત્સંગને અર્થે બધું ન્યોચ્છાવર
કરવાના જે શુભ ભાવ પ્રગટાવ્યા છે તે અતિ પ્રશંસનીય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે
કે–પ્રથમ તો સર્વ સાધનાને ગૌણ જાણી, મુમુક્ષુ જીવે એક સત્સંગ જ સર્વાર્પણપણે
ઉપાસવા યોગ્ય છે, એની ઉપાસનામાં સર્વ સાધનો આવી જાય છે. જેને એ સાક્ષીભાવ
પ્રગટ થયો છે કે આ જ સત્પુરુષ છે, અને આ જ સત્સંગ છે,–એણે તો પોતાના દોષો
કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે, ક્ષણે ક્ષણે જોવા, જોઈને તે પરિક્ષીણ કરવા, અને સત્સંગને
પ્રતિબંધક જે કાંઈ હોય એને દેહત્યાગના જોખમે પણ છોડવું; દેહત્યાગનો પ્રસંગ આવે

PDF/HTML Page 60 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : પ૧ :
તોપણ એ સત્સંગને ગૌણ કરવા યોગ્ય નથી. આવા મળેલા સત્સંગને આપણે સર્વે
પુરુષાર્થથી આરાધીએ. આ બહેનોએ સત્સંગને અર્થે સર્વસ્વ ન્યોચ્છાવર કરવાની જે
ભાવના પ્રગટાવી છે તે આપણને પણ પુરુષાર્થપ્રેરક હો. નાના નાના પ્રસંગોમાં પણ
સત્સંગને આપણે આવરણ ન કરીએ, અને નાના કલ્પિત સુખોની અંદર આપણે
અનંતભવનું દુઃખ ટાળવાનો જે પ્રયત્ન એને ન ભૂલીએ. આજે આ બ્રહ્મચારી બહેનોએ
જે અસિધારાવ્રત લીધું છે તેનાથી તેમણે તેમના કુળને ઉજ્જવળ કર્યું છે અને સારાય
મુમુક્ષુમંડળનું તેમણે ગૌરવ વધાર્યું છે. તેમને સર્વ મુમુક્ષુમંડળ તરફથી, આપણા બધા
તરફથી, હૃદયનાં, વાત્સલ્યપૂર્ણ, ભાવભીનાં અભિનંદન છે. તેમના બ્રહ્મચર્યજીવન
દરમ્યાન સત્સંગનું માહાત્મ્ય તેમના અંતરમાં કદી મંદ ન હો અને સત્સંગસેવન દરમ્યાન
ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિનું ધ્યેય તેમના હૃદયમાં હંમેશા બની રહો–એમ આપણી સૌની
અંતરની શુભેચ્છાઓ છે.
(બ્રહ્મચર્ય–અંક ત્રીજામાંથી)
**************************
શ્રાવણ વદ બીજના પ્રવચનમાંથી
* વૈરાગ્ય અને વીતરાગતાવર્દ્ધક આ શાસ્ત્ર છે. તેમાં કહેલા શુદ્ધાત્માની
ભાવનાથી આત્માને આનંદની વૃદ્ધિ થાય છે.
* હે જીવ! આ શાસ્ત્રના શ્રવણમાં તારી પણ એ જ ભાવના હોવી જોઈએ કે
આત્મામાં આનંદની પ્રાપ્તિ કેમ થાય? એ સિવાય જગતની બીજી કોઈ ભાવના રાખીશ
નહીં.
* જેમને સંસારનો અંત નજીક છે એવા ભવ્ય જીવો જિનવાણીના અભ્યાસવડે
અંતરમાં શુદ્ધાત્માને દેખે છે, ને મોહને નષ્ટ કરે છે.
* હું શુદ્ધ જ્ઞાયકભાવમાત્ર છું એવી નિઃશંક આત્મપ્રતીતિ સહિત સમ્યગ્દ્રષ્ટિને
આઠ અંગ હોય છે. તેને શુદ્ધતાની વૃદ્ધિ થતી જાય છે; ને અશુદ્ધતા તથા કર્મો ટળતા જાય
છે.
* સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક જાણે છે કે હું હવે મોક્ષનો સાધક થયો છું; મારી પરિણતિ
હવે પરભાવોથી પાછી વળીને જ્ઞાનાનંદરૂપ નિજસ્વભાવ તરફ ઝૂકી છે–સંસારસમુદ્રનો
કિનારો નજીક આવી ગયો છે.
**************************