Atmadharma magazine - Ank 298
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
હું
અને તું
(સમયસાર કળશ ૨૩૦)
ધર્માત્માની શુદ્ધચેતના કેવી હોય? તેનું આ વર્ણન છે.
‘હું’–કેટલો? કે જેટલું ચૈતન્યસ્વરૂપ છે તેટલો ‘હું.’
એ સિવાય દ્રવ્યકર્મ–ભાવકર્મ–નોકર્મ તે બધા ‘તું’ માં જાય છે, તે ‘હું’ માં નથી આવતા,
એટલે કે ધર્મીના અનુભવથી તે બહાર છે, પરદ્રવ્ય છે.
‘હું’ તે પરદ્રવ્યની સહાય વિના પોતાની સહાયથી પોતામાં સર્વથા ઉપાદેયબુદ્ધિથી પ્રવર્તું છું.
‘હું’ કોણ? ને ‘તું’ કોણ? એની પણ અજ્ઞાનીને ખબર નથી. ‘હું’ માં ‘તું’ ને ભેળવી દ્યે છે,
સ્વમાં પરને ભેળવી દ્યે છે.
હું એટલે શુદ્ધચેતનારૂપ સ્વદ્રવ્ય; રાગાદિ પરભાવો તે હું નહિ, તે ‘તું’ એટલે કે પરદ્રવ્ય છે.
સ્વદ્રવ્યની સહાયથી જ હું મારા આત્માને અનુભવું છું; પરદ્રવ્યની સહાય વગર જ હું મારા
આત્માને અનુભવું છું.
મારા સ્વઘરમાં જ્ઞાન–દર્શન–આનંદ ભર્યા છે, મારા સ્વઘરમાં રાગ–વિકારરૂપી કચરો
નથી; આવા શુદ્ધસ્વઘરમાં રહેનાર હું છું–એમ ધર્મી અનુભવે છે.
રાગાદિ પરભાવોથી મલિન તે મારું સ્વઘર નથી, તેમાં વસનાર હું નથી, તે મારું ઉપાદેય
નથી.
હું–માં તું નથી, સ્વભાવમાં પરભાવ નથી.
શરીરાદિ પરદ્રવ્યો છે કે રાગાદિ પરભાવો છે તે કોઈ ‘હું’ થઈને રહ્યા નથી, મારા
સ્વઘરની વસ્તુ તે નથી, એ તો બધા મારાથી પર થઈને રહ્યાં છે.

PDF/HTML Page 22 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૧૯ :
ચેતનારૂપ એવો હું–તેમાં અચેતન એવા પરભાવો નથી. આનંદરૂપ એવો હું તેમાં
માટે ‘હું’ કોણ છું–એવા સાચા સ્વરૂપની ઓળખાણ કર....ને ‘‘હું’’ માં ‘‘તું’ નથી
કોઈ કહે–હું મને ભૂલી જાઉં તો? હું ખોવાઈ જાઉં તો?–તો જ્ઞાની તેને જ્ઞાનચિહ્નરૂપી
જ્ઞાનદોરો જેને બાંધેલો છે તે જ ‘હું’ છું –એમ જ્ઞાનસ્વરૂપે જ પોતાને અનુભવનાર
અરે, જીવો ‘હું’ ને જ ભૂલ્યા! પોતાને જ ભૂલ્યા! પોતે જ પોતાને જડતો નથી–એ
આશ્ચર્ય છે! કોઈ કહે ‘હું’ ખોવાઈ ગયો છું, હું મને જડતો નથી ’ –અરે ભાઈ! પણ ‘હું
ખોવાઈ ગયો’ એમ કહેનારો તું પોતે કોણ છો? –‘એ તો હું જ છું. ’
ભાઈ, તું ખોવાઈ નથી ગયો; ભ્રમણાથી તેં માન્યુ છે કે હું ખોવાઈ ગયો. પણ જરાક શાંત
થા... ધીરો થા...પરભાવોથી જુદો પડીને દેખ કે આ જ્ઞાન છે તે

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
કોનું છે? જ્ઞાન તો હું જ છું; જ્ઞાનસ્વરૂપે જે અનુભવમાં આવે છે તે બીજું કોઈ નહિ પણ તે હું જ
છું. –આમ સર્વ પરભાવોથી ભિન્ન શુદ્ધ જ્ઞાનપણે ધર્મી પોતાને અનુભવે છે.
ધર્મીને આવો અનુભવ એકલા સ્વદ્રવ્યની સહાયથી જ થાય છે; તેમાં બીજા કોઈની જરાય
સહાય નથી, શુભ વિકલ્પનીય સહાય તેમાં નથી. સ્વતત્ત્વના શુદ્ધઅનુભવમાં રાગના
શુભવિકલ્પની પણ જે સહાય માને તે ‘હું’ માં ‘તું’ ને ભેળવી દે છે, પારકી વસ્તુને પોતામાં
ભેળવીને ચોરી કરે છે, સ્વતત્ત્વને ભૂલી જાય છે...ને તેથી સંસારમાં રખડે છે.
ધર્મીના સ્વતત્ત્વના અનુભવમાં શુદ્ધચેતનારૂપ સ્વદ્રવ્ય સિવાય બીજા બધાનો અભાવ છે;
પરનો એક અંશ પણ તેમાં નથી. આવો હું છું. ‘હું કોણ છું?’ –કે શુદ્ધ ચેતનારૂપે જે અનુભવમાં
આવી રહ્યો છે–તે હું છું.
આવો અનુભવ કરે ત્યારે ‘હું કોણ’ તે જાણ્યું કહેવાય; તેણે આત્માને જાણ્યો, તે
મોક્ષમાર્ગમાં આવ્યો, તેણે પરભાવોને છોડ્યા; ને પોતાના સ્વઘરમાં આવીને તે વસ્યો. હવે
સાદિઅનંતકાળ સ્વઘરમાં આનંદપૂર્વક તે રહેેશે.
‘ કર વિચાર તો પામ’
પ્રશ્ન :– આત્માના વિચારમાં તો વિકલ્પ થાય છે?
ઉત્તર :– ‘વિચારમાં તો વિકલ્પ થાય છે’ –એમ સમજીને કોઈ જીવ
વિચારધારા જ ન ઉપાડે, તો કહે છે કે હે ભાઈ! આત્મવિચારમાં કાંંઈ એકલા
વિકલ્પ જ નથી; વિચારમાં ભેગું જ્ઞાન પણ તત્ત્વનિર્ણયનું કામ કરે છે. એમાં
જ્ઞાનની મુખ્યતા કર ને વિકલ્પને ગૌણ કર. આમ સ્વરૂપનો અભ્યાસ કરતાં
કરતાં જ્ઞાનનું બળ વધતાં વિકલ્પ તૂટી જશે ને જ્ઞાન રહી જશે, એટલે કે
વિકલ્પથી છૂટી જ્ઞાન અંતરમાં વળીને સ્વાનુભવ કરશે.
–પણ જે જીવ તત્ત્વનું અન્વેષણ જ કરતો નથી, આત્માની વિચારધારા
જ ઉપાડતો નથી તેને તો નિર્વિકલ્પ સ્વાનુભવ થવાનો અવસર ક્યાંથી
આવશે? માટે જે જિજ્ઞાસુ થઈને સ્વાનુભવ કરવા માંગે છે, તે યથાર્થ તત્ત્વોનું
અન્વેષણ કરીને તત્ત્વનિર્ણય કરે છે ને સ્વભાવ તરફની વિચારધારા ઉપાડે છે,
તે જીવ પોતાનું કાર્ય અધૂરું મુકશે નહીં. તે પુરુષાર્થ વડે વિકલ્પ તોડીને
સ્વરૂપમાં ઉપયોગ જોડીને નિર્વિકલ્પ સ્વાનુભવ કરશે જ. સ્વભાવના લક્ષે ઉદ્યમ
ઉપાડ્યો તે વિકલ્પમાં અટકશે નહિ, વિકલ્પમાં સંતોષ પામશે નહિ; તે તો
સ્વાનુભવથી કૃતકૃત્યદશા પ્રગટ કર્યે જ રહેશે. માટે કહ્યું છે કે ‘કર વિચાર તો
પામ.’

PDF/HTML Page 24 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૨૧ :
ધર્માત્માની જ્ઞાનચેતના
(જ્ઞાનસ્વભાવને ચેતે–અનુભવે તેનું નામ જ્ઞાનચેતના)
જ્ઞાનીના હૃદયનું રહસ્ય આ પ્રવચન–લેખમાં ભર્યું છે. જ્ઞાનીના
અંતરના આત્મભાવો સમજવા માટે, તેમની પરિણતિ ઓળખવા
માટે, ને પોતામાં તેવા ભાવો પ્રગટ કરવા માટે ‘ધર્માત્માની
જ્ઞાનચેતના’નું મનન આત્માર્થી જીવોને બહુ ઉપયોગી થશે. –સં.
(સમયસાર કળશ ૩૨૩–૩૨૪ વગેરેના પ્રવચનમાંથી)
‘જ્ઞાનચેતના’ તે ધર્માત્માનું ચિહ્ન છે. જ્ઞાનચેતના વડે ધર્મી જીવ
પોતાને નિરંતર શુદ્ધસ્વરૂપે અનુભવે છે. જ્ઞાનચેતના પોતાના
સ્વભાવને સ્પર્શનારી છે. અમુક શાસ્ત્ર આવડે તો જ્ઞાનચેતના
કહેવાય–એમ નથી; પણ પોતાના શુદ્ધ સ્વભાવને સ્પર્શે–અનુભવે એનું
નામ જ્ઞાનચેતના છે. જ્ઞાનચેતનાનું કામ અંદરમાં સમાય છે. અંતરના
સ્વભાવને સ્પર્શ્યા વિના શાસ્ત્રાદિનું ગમે તેટલું જાણપણું હોય તોપણ
તેને જ્ઞાનચેતના કહેતા નથી; કેમકે તે તો રાગને સ્પર્શે છે–રાગને
અનુભવે છે.
ધર્મીની શરૂઆત, મોક્ષમાર્ગની શરૂઆત કે સુખની શરૂઆત
‘જ્ઞાન ચેતના’ થી થાય છે. જ્ઞાનચેતના એટલે શુદ્ધ આત્માને
અનુભવનારી ચેતના; તેમાં રત્નત્રય સમાય છે. આ જ્ઞાનચેતનાનો
સંબંધ શાસ્ત્રના ભણતર સાથે નથી; જ્ઞાનચેતના તો અંતર્મુખ થઈને
આત્માના સાક્ષાત્કારનું કાર્ય કરે છે. જ્ઞાનચેતનાના બળે જ્ઞાની
અલ્પકાળમાં જ કેવળજ્ઞાનને બોલાવી લ્યે છે.

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
જ્ઞાનચેતનાનું કાર્ય વિકલ્પ કે વાણી નથી. કોઈ પૂછે કે જ્ઞાનચેતના
પ્રગટે એટલે બધા શાસ્ત્રોનાં અર્થ ઉકેલતાં આવડી જાય, ને બીજાને
ઉપદેશ દઈને સમજાવતાં આવડી જાય–એ જ્ઞાનચેતનાનું ફળ છે?
–તો જ્ઞાની કહે છે કે ના; જ્ઞાનચેતનાનું ફળ તો એ છે કે પોતાના
આત્માને ચેતી લ્યે; આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષ કરી લેવો તે
જ્ઞાનચેતનાનું ફળ છે. જ્ઞાનચેતનાના ફળમાં શાસ્ત્રના અર્થ ઉકેલતાં
આવડે એવું કાંઈ તેનું ફળ નથી, પણ આત્માના અનુભવનો ઉકેલ પામી
જાય–એવી જ્ઞાનચેતના છે. તે જ્ઞાનચેતના તો અંતરમાં પોતાના
આનંદસ્વરૂપ આત્માને ચેતે છે. (આ ન્યાય ખાસ સમજવા યોગ્ય છે.)
જ્ઞાનચેતનાનું કાર્ય અંતરમાં આવે છે, બહારમાં નહીં. કોઈ જીવ
શાસ્ત્રોના અર્થોની ઝપટ બોલાવતો હોય તેથી તેને જ્ઞાનચેતના ઊઘડી
ગઈ છે એમ તેનું માપ નથી; કેમકે કોઈ જીવને ભાષાનો યોગ ન હોય ને
કદાચ તેવો પર તરફનો વિશેષ ઉઘાડ પણ ન હોય છતાં અંદર જ્ઞાન–
ચેતના હોય. ને કોઈને કદાચ તેવો વિશેષ ઉઘાડ હોય તોપણ તે કાંઈ
જ્ઞાનચેતનાની નિશાની નથી, જ્ઞાનચેતનાનું કાર્ય તો અંતરની
અનુભૂતિમાં છે. જેણે જ્ઞાનને અંતરમાં વાળીને રાગથી ભિન્ન સ્વરૂપને
અનુભવમાં લઈ લીધું છે તે જીવને અપૂર્વ જ્ઞાનચેતના અંદરમાં ખીલી
ગઈ છે. એની ઓળખાણ થવી જીવોને કઠણ છે.
ભાઈ, તારે જન્મ–મરણનાં દુઃખ ટાળવા હોય ને આત્માનું સુખ
જોઈતું હોય તો, ધ્યાનના વિષયરૂપ એવા તારા શુદ્ધ સ્વભાવને
અનુભવમાં લે. એ અનુભવમાં આનંદસહિત જ્ઞાનચેતના ખીલી ઊઠશે.
બહારનાં ભણતર વડે જ્ઞાનચેતના નથી ખીલતી. અંદર જ્ઞાનસ્વભાવને
ચેતે– અનુભવે એનું નામ જ્ઞાનચેતના. આવી જ્ઞાનચેતના તે
સમ્યગ્દ્રષ્ટિનો ધર્મ છે. અજ્ઞાની પોતાને રાગપણે જ ચેતે છે–અનુભવે છે,
તે અજ્ઞાનચેતના છે, તે કર્મચેતના છે. જે રાગાદિ અશુદ્ધતાને જ
અનુભવે છે તેને રાગ–દ્વેષ–મોહરહિત જે શુદ્ધજ્ઞાન તેના સ્વાદની ખબર
નથી. ધર્માત્માની જ્ઞાનચેતના રાગથી ભિન્ન અંતર્મુખ છે; પર્યાયે
શુદ્ધસ્વભાવને સ્પર્શીને તેનો અનુભવ કર્યો છે. તે ચેતના રાગને નથી
સ્પર્શતી, રાગથી તો જુદી

PDF/HTML Page 26 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૨૩ :
જ રહે છે. તે જ્ઞાનચેતના આત્મિકરસથી ભરપૂર છે, અતીન્દ્રિય
આનંદથી ભરપૂર છે. ધર્મીને આત્મામાં આનંદથી ભરેલા
ચૈતન્યકલ્લોલ ઊલ્લસે છે.
ધર્મીએ અંતરમાં ધ્યેય કરીને પોતાના પરિપૂર્ણ આત્માને જાણ્યો;
ત્યાં આખા જગતને પણ જાણી લ્યે એવું જ્ઞાનનું સામર્થ્ય પ્રતીતમાં
આવ્યું. જીવ અખંડ જ્ઞાનસ્વભાવી છે, તો તે જ્ઞાનનું સામર્થ્ય અધૂરું કેમ
હોય? આખો સર્વજ્ઞસ્વભાવ ધર્મીએ પોતામાં દેખ્યો, ત્યાં તે જગતનો
જ્ઞાતા થયો.
જ્ઞાનસ્વરૂપ આત્માને જે ચેતે તે જ્ઞાનચેતના; રાગવડે આવી
જ્ઞાનચેતના નથી પ્રગટતી. રાગનો તો જ્ઞાનચેતનામાં અભાવ છે.
જ્ઞાનચેતના તો ચૈતન્યપ્રકાશથી ભરેલી છે. જ્ઞાનચેતનાવડે શુદ્ધઆત્માને
જે અનુભવે છે તેને શુદ્ધતા પ્રગટે છે. ને અજ્ઞાનચેતનારૂપ અશુદ્ધતાને જે
અનુભવે છે તેને અશુદ્ધતા જ થાય છે. આ રીતે જ્ઞાનચેતના તે મોક્ષમાર્ગ,
ને અજ્ઞાનચેતના તે સંસારમાર્ગ છે.
ચોથા ગુણસ્થાનથી જ જ્ઞાનચેતનારૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો છે.
જ્ઞાનચેતના વગર મોક્ષમાર્ગ હોય નહિ. આનંદમય જ્ઞાનચેતનાને
પરિણમાવતા જ્ઞાની ચૈતન્યના પ્રશમરસને પીએ છે. જ્ઞાનચેતના
આનંદસહિત હોય છે. જ્ઞાનચેતના ખીલે ને આનંદનો અનુભવ ન થાય
એમ બને નહિ. રાગથી જુદી પડીને શુદ્ધસ્વભાવમાં એક થઈ–એવી
જ્ઞાનચેતના શુદ્ધપરિણતિરૂપ વીતરાગવૈભવથી સહિત છે.
અરે, મનુષ્યપણું પામીને આ જ્ઞાનચેતના પ્રગટ કરવાનો અવસર
છે. એ વસ્તુને ખ્યાલમાં તો લે. સાચું લક્ષ કરીને તેનો પક્ષ કરતાં, તેના
અભ્યાસમાં દક્ષ થઈને તેનો અનુભવ થશે. પણ લક્ષ અને પક્ષ જ જેને
ખોટા છે તે શુદ્ધતાનો અનુભવ કયાંથી કરશે? અજ્ઞાની રાગનો પક્ષ કરે
છે, –રાગથી કંઈક લાભ થશે એમ માનીને તેનો પક્ષ કરે છે એટલે તે
રાગાદિ અશુદ્ધતારૂપે જ પોતાને અનુભવે છે. ધર્મી પોતાના
શુદ્ધસ્વભાવને અનુભવે છે; –આવો શુદ્ધ અનુભવ તે મોક્ષમાર્ગ છે. જે
આવા શુદ્ધઅનુભવરૂપ જ્ઞાનચેતના વગર પોતાને ધર્મી માને તેને ધર્મના
સાચા સ્વરૂપની ખબર પણ નથી, ધર્મને કે ધર્મીને તે ઓળખતો જ નથી.

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
શુદ્ધ ચેતનાવસ્તુ રાગવગરની છે; તો તેનો અનુભવ પણ રાગ વગરનો
જ હોય. વસ્તુ રાગરૂપ નથી, તેના અનુભવરૂપ પર્યાય પણ રાગરૂપ
નથી. સાધકપણાની ભૂમિકામાં રાગ હોય પણ તે વખતેય ધર્મીની ચેતના
તો રાગથી જુદી જ પરિણમે છે. ચેતનાને અને રાગને કાંઈ લાગતું
વળગતું નથી. ચેતના તો સ્વભાવને સ્પર્શનારી છે, પરભાવને તે
સ્પર્શતી નથી. ચોથા ગુણસ્થાનની જ્ઞાનચેતના કે કેવળીભગવાનની
જ્ઞાનચેતના. એ બન્ને જ્ઞાનચેતના રાગ વગરની જ છે. આત્માના
વૈભવમાં એકાગ્ર થયેલી આનંદમય જ્ઞાનચેતના ત્રણેકાળના વિભાવોથી
મુક્ત છે. રાગઅંશ રાગમાં છે, ચેતનાઅંશ ચેતનામાં છે, બંને તદ્્ન જુદા
પોતપોતાના સ્વરૂપમાં વર્તે છે. ચેતનામાં રાગનો અભાવ જ છે.
જ્ઞાનચેતના વાણીને કે શાસ્ત્રને નથી પ્રકાશતી, જ્ઞાનચેતના તો
શુદ્ધ ચૈતન્યને પ્રકાશે છે. આવી જ્ઞાનચેતના જ શુદ્ધતાનું કારણ થાય છે,
રાગ અંશ શુદ્ધતાનું કારણ થતો નથી, તે તો પોતે અશુદ્ધ છે. અશુદ્ધ
કારણ વડે શુદ્ધકાર્ય કેમ થાય ? –ન જ થાય; કારણ હંમેશાં કાર્યની
જાતિનું હોય છે, વિરૂદ્ધ હોતું નથી. સ્વરૂપને ચેતનારી ચેતનાને જ
ખરેખર જીવ કહ્યો છે, તે ચેતનામાં જીવ પોતાના ખરાસ્વરૂપે પ્રકાશે છે;
રાગમાં શુદ્ધજીવ પ્રકાશતો નથી. શુદ્ધચેતનામાં અપાર તાકાત છે,
એકલી વીતરાગતા તેમાં ભરી છે, આનંદ તેમાં ભર્યો છે; તે આનંદને
અનુભવતી મોક્ષ તરફ દોડે છે.
જ્ઞાનચેતના વડે જીવ શું કરે? આનંદને વેદે.
અજ્ઞાનચેતનાવડે શું કરે? રાગદ્વેષ–દુઃખને વેદે.
પરભાવના એક અંશને પણ જ્ઞાનચેતના વેદતી નથી.
અહા, ‘જ્ઞાનચેતના’ ના મહિમાની જગતને ખબર નથી. જેને
જ્ઞાનચેતના થઈ તે આત્મા સર્વે પરભાવોથી છૂટો પડી ગયો, તે
નિજાનંદના સમુદ્રને અનુભવવામાં લીન થયો. વિકલ્પથી પાર
જ્ઞાનચેતના અંદર સ્વભાવમાં ઘૂસી ગઈ છે, રાગાદિ પરભાવો તો
અનુભવથી બહાર રહી ગયા છે. આવી અનુભવદશા જેને પ્રગટી છે તે
જ્ઞાની છે...તેને ભગવતી જ્ઞાનચેતના વર્તે છે.
जयवंत वर्तो ज्ञानचेतनावंत ज्ञानी भगवन्तों।

PDF/HTML Page 28 of 45
single page version

background image
અં....જ....લિ
ચૈતન્યની પ્રાપ્તિ
‘ધર્માત્માની જ્ઞાનચેતના’ વાંચીને
આપ પ્રસન્ન થયા હશો.
હવે એવા જ્ઞાનચેતનાવંત ધર્માત્મા
પ્રત્યેની અંજલિરૂપ આ પાનું પણ વાંચો.
ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિનો જેને ખરો રંગ લાગ્યો તે બીજી બધી ચિન્તા છોડીને નિશ્ચિંતપણે
આત્મામાં ચિત્તને જોડે છે, ને આત્માના ધ્યાનથી કોઈ અપૂર્વ સુખ તેને અનુભવાય છે. આ બધું
પોતામાં ને પોતામાં જ સમાય છે. આમાં પરની કોઈ ઉપાધિ નથી. પરની કોઈ ચિન્તા નથી.
અહા, જેના અવલોકનમાં અત્યંત સુખ છે એવો હું છું–એમ તું પોતાના આત્માને દેખ. જ્યાં
પોતામાં જ સુખ છે ત્યાં પરની ચિન્તા શી? પરભાવોથી ભિન્ન થઈને જેના એક ક્ષણના
અવલોકનમાં આવું સુખ, એના પૂર્ણ સુખની શી વાત? એમ ધર્મીને આત્માનો કોઈ અચિન્ત્ય
પરમ મહિમા સ્કૂરે છે....પોતામાં જ આનંદના દરિયા ઉલ્લસતા તે દેખે છે. ધર્માત્માની આવી દશા
જાણીને તું પણ હે જીવ! નિશ્ચિંતપણે તારા આત્માને પરમ પ્રીતિથી ધ્યાવ...દિન–રાત તેની અત્યંત
તીવ્ર ધગશથી ચિત્તને તેમાં એકાગ્ર કરી કરીને તારા આત્મસુખને અનુભવમાં લે.
‘‘લોકમાં પ્રસિદ્ધિનું શું કામ છે’’
અનુભવી ધર્માત્મા પોતાનું પદ
પોતામાં જ દેખે છે, ને તેના અવલોકનથી
પોતાનું કાર્ય સાધી જ રહ્યા છે, ત્યાં લોકમાં
પ્રસિદ્ધિનું એને શું કામ છે? ધર્મી જાણે છે કે
અમારી પરિણતિ અંતરમાં અમારું કામ કરી
જ રહી છે, ત્યાં લોકમાં બીજા જાણે કે ન
જાણે તેનાથી શું પ્રયોજન છે?
વાહ રે વાહ, જ્ઞાનીની નિસ્પૃહતા!
સ્વાનુભૂતિનો મહિમા
સ્વાનુભૂતિ થતાં પરમ મહિમા આવે,
પણ તે તો પોતામાં ને પોતામાં સમાય છે;
મહિમા કરીને કાંઈ બીજાને બતાવવાનું નથી.
અને બીજા મહિમા કરે તો પોતાને સંતોષ
થાય એવું કાંઈ નથી; પોતાના અનુભવનો
સંતોષ પોતામાં જ છે.
અહો, ગંભીર ઊંડું તત્ત્વ છે!
બીજા એને શું ઓળખશે ? –બીજાને
એના જેવું થશે ત્યારે તેને ઓળખશે. ને
એની ઓળખાણ એ જ સાચી અંજલિ છે.
જ્ઞાનીની જ્ઞાનચેતના અંતરમાં ચૈતન્યસુખના અનુભવમાં
રમતી રમતી આનંદથી સિદ્ધપદને સાધે છે.
‘આત્માર્થી’ ને સંસારમાં ક્યાંયે ન ગમ્યું....પણ એક આત્મામાં ગમ્યું,
એટલે ઊંડે ઊંડે અંદર ઊતરીને આત્માને અનુભવમાં લીધો ને આનંદિત
થયા. તેઓ કહે છે કે : ‘‘હે જીવ! તને ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ.’’

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
ચ્ ચ્ ત્ત્ર્
(નાના–મોટા સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ)
પ્રશ્ન :– આત્માનો નિર્વિકલ્પઅનુભવ ચોથા
ગુણસ્થાને થાય?
ઉત્તર :– હા; ચોથું ગુણસ્થાન પ્રગટવાના
સમયે એવો અનુભવ જરૂર હોય છે.
પ્રશ્ન :– દિવ્યધ્વનિ તે આત્માનો ગુણ છે?
ઉત્તર :– ના; આત્મા અશબ્દ છે; ને
દિવ્યધ્વનિ તે પુદ્ગલની પર્યાય છે.
બોધિ–સમાધિ હે પ્રભો!
હો સંત કેરા ચરણમાં;
જીવનમાં કે અંત સમયે
છૂટે નહિ, પ્રભુ એ કદા.
(દિલ્હીથી દીપક જૈન લખે છે:)
‘‘રત્નસંગ્રહ’’ ભેટ મળ્‌યું, તેમાં ૧૦૦
વચનામૃતો વાંચીને અત્યંત આનંદ થાય છે.
પહેલાં વાંચેલું પણ આ ફેરે વાંચવાથી અતિ
આનંદ થયો. ‘બે સખી ‘વાંચીને તો એવી
પ્રેરણા મળી કે ધર્માત્માને ૨૨ વર્ષ સુધી
સંકટ આવવા છતાં ધૈર્ય નથી છોડતા. અને
સંસારમાં જ્યાં કોઈએ શરણ ન આપ્યું ત્યાં
મુનિરાજે શરણ આપ્યું. ત્રીજું પુસ્તક
‘ભગવાન મહાવીર’ –તે વાંચતાં એમ થયું કે
તે જીવે સિંહ જેવી તિર્યંચ પર્યાયમાં પણ
સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લીધું, ને જો આ જીવ
મનુષ્યપર્યાયમાં પણ સમ્યગ્દર્શન પ્રગટ ન
કરે તો એને ધિક્કર છે. આપણને મહાન
ઉપકારી સંતગુરુ મળેલ છે. તો તેમનું
અનુસરણ કરવું જોઈએ.’’
(ભરત એચ.જૈન બી.એ. મુંબઈથી લખે
છે :) બે દિવસ અગાઉ આત્મધર્મ મળ્‌યું. અંદર
એવું તે શું છે કે હાથમાંથી મુકવું જ નથી ગમતું!
પહેલાં હું માત્ર બાલવિભાગ વાંચતો પરંતુ આ
વખતે પુરું આત્મધર્મ ફેરવતાં તેના દરેક લેખો
ખૂબ જ ઉપયોગી અને આચરવા યોગ્ય લાગ્યા.’’
(કોલેજનું ભણેલા યુવકો પણ કેટલા રસથી
ધાર્મિક જ્ઞાનમાં રસ લ્યે છે તેનો આ એક નમૂનો
છે. આવા તો ૬૦૦ ઉપરાંત કોલેજિયનો
ઉત્સાહથી ‘આત્મધર્મ’ માં રસ લઈ રહ્યા છે–એ
ગૌરવની વાત છે. કોણ કહી શકશે કે યુવાનો
ધર્મમાં રસ નથી લેતા ? –સં.)
વિશેષમાં તેઓ લખે છે કે, ‘‘જીવ ક્ષણિક
સુખને મેળવી આનંદ માને છે તે ભૂલવા તેને
સમ્યક્જ્ઞાનનું રટણ અભ્યાસ ઊંડું જ્ઞાન અતિ
જરૂરી છે. તે માટે બાલવિભાગ દ્વારા અમને
ઉપયોગી માર્ગદર્શન મળે છે. બાલવિભાગ દ્વારા
ગુરુદેવની વાણી જ અમને સરળ શૈલિમાં મળે છે.
તત્ત્વમાં નથી એવું કાંઈ અઘરું કે અટપટું–કે
જે ન સમજી શકાય. અનેરૂં–અનોખું સીધું સાદું
તત્ત્વ છે, કે જે ધ્યાન રાખીને અભ્યાસ કરશે તેને
આ ભવ અનંત ભવોનો નાશ કરીને
સમ્યગ્દર્શનની પ્રાપ્તિરૂપ બની રહેશે.’’
કલકત્તાથી શાંતિભાઈ કે. શાહ લખે છે
કે– ‘‘અષાડ માસનો અંક બરોબર વાંચ્યો,
વિચાર્યો, મનન કર્યો; ઘણો જ આનંદ થયો.
શરીરની ક્રિયા અને આત્માની ઓળખાણબંને

PDF/HTML Page 30 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૨૭ :
ચીજ સ્વતંત્ર ભિન્ન છે એ પરમકૃપાળુ ગુરુદેવે
ઘણા દાખલા દલીલ આધારો આપીને સમજાવ્યું
છે. આ સંસારની મુસાફરી હવે થોડા વરસની
અવશેષ રહેલ છે તેમાં આત્માની ઓળખાણ
તુરત કરી લેવાની જરૂર છે.’’
(રાજકોટથી રાજેન્દ્ર જૈન વગેરે લખે
છે:) ‘‘ચાલો આંબા ખાઈએ’’ એ ચિત્ર
(સભ્યપત્રક) મળ્‌યું; ચિત્રથી ઘણો જ બોધ
લઈ શકાય છે. ચિત્ર દેખીને ઘણો આનંદ થયો.
તેના ઉપર વિશેષ વિચાર કરતાં આત્મપ્રાપ્તિનો
ઉપાય સમજાય છે. કયારે આત્મદર્શન થાય
તેની ધૂન રહે છે. દરેક બાળકોએ અત્યારથી
આવા સંસ્કાર કેળવવા ઘટે છે.’’
જેઠ માસના અંકમાં રજુ થયેલ ગામે
ગામ પાઠશાળા ચલાવવા બાબતની અપીલ
વાંચીને જેતપુરના એક ભાઈએ તે બાબત
ભાવપૂર્વક યોજના રજુ કરી–ને પાઠશાળા
બાબતમાં રસ લીધો, તે બદલ ધન્યવાદ! પરંતુ
આવી યોજના માટે ખાસ તંત્ર જોઈએ, –
એકલા હાથે થઈ ન શકે. જયપુર–સંસ્થા
તરફથી એક નવીન કોર્સના પુસ્તકો તૈયાર
કરવા પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ તે શીખવવા
માટે પણ પાઠશાળાઓ તો જોઈશે જ ને! –
પહેલી જરૂર છે પાઠશાળાઓ ચાલુ કરવાની!
જ્યાં નિયમિત પાઠશાળાઓ ચાલુ થાય ત્યાં
પત્રદ્વારા અવારનવાર માર્ગદર્શન આપી શકીશું.
જ્યાં પાઠશાળા ચાલતી હોય ત્યાંની પ્રવૃત્તિ
તેમજ વિદ્યાર્થીઓનાં નામ મળે તો તે
આત્મધર્મમાં આપવાનું જાહેર કરેલું–પરંતુ ખેદ
છે કે ફતેપુર સિવાય બીજા એક પણ ગામેથી
પાઠશાળા ચાલુ હોવાના સમાચાર આવ્યા નથી.
–આ બાબતમાં સમાજ ક્યારે જાગશે !!!
(–સં.)
મુંબઈથી સ. નં.૧૦૭ પૂછે છે–જિનેન્દ્રદેવ
વીતરાગ છે. તેમને પૂજા કરનાર પ્રત્યે રાગ નથી,
કે અનાદર કરનાર પ્રત્યે દ્વેષ નથી; છતાં આશ્ચર્ય
છે કે તેમની પૂજા કરનાર સુખી ને વૈભવયુક્ત
થાય છે. ને તેમનો અનાદર કરનાર દુઃખી–દરિદ્રી
થાય છે. તેનું શું કારણ?
ઉત્તર :– સ્પષ્ટ છે કે, જીવ પોતે પોતાના
શુભ–અશુભ ભાવોનું ફળ પામે છે, ને જિનદેવ
વીતરાગ તેને કાંઈ કરતા નથી. એ જૈનદર્શનની
વિશેષતા છે કે જિનદેવ પોતે સ્તુતિ કરનાર ભક્તને
કાંઈ સહાય નથી કરતા કે નિંદા કરનારને કાંઈ શિક્ષા
નથી કરતા, છતાં સ્તુતિ કે નિંદા કરનાર પોતાના
ભાવનું શુભ કે અશુભ ફળ જરૂર પામે છે. (આ
વાત સમન્તભદ્રસ્વામીએ પણ વાસુપૂજ્ય
ભગવાનની સ્તુતિમાં બતાવી છે.)
પ્રશ્ન :– જિનદેવને અંતરાય કર્મનો નાશ
થયો છે તો તેઓ જગતના સર્વે જીવોને યથેચ્છદાન
કેમ નથી આપતા?
ઉત્તર : – ભગવાનને સંપૂર્ણ દાનશક્તિ
પ્રગટી છે, પણ તે શક્તિનું કાર્ય પોતામાં હોય, પરમાં
ન હોય: એટલે ભગવાન પોતાની શક્તિમાંથી ક્ષણે
ક્ષણે પર્યાયમાં પૂર્ણ દાન પોતે પોતાને આપે છે. પણ
પોતાની કોઈ પર્યાય બીજાને આપી દ્યે એવું તો
દાનશક્તિનું કામ નથી. દાન એટલે દેવું. પોતાની
શક્તિમાં જે ભંડાર ભર્યો છે તે ખોલીને પોતાની
પર્યાયમાં આપવો–તેનું નામ પરમાર્થ દાન છે.(આ
જ રીત ભોગ–ઉપભોગ તે પણ પોતાના ભાવોમાં જ
સમાય છે; કાંઈ પરવસ્તુનો ભોગ–ઉપભોગ
ભગવાનને નથી.)
જામનગરથી જયેન્દ્રકુમાર જૈન લખે છે કે–
‘‘રત્ન–સંગ્રહ’’ પુસ્તક ભેટ મળ્‌યું; તેમાં ખરેખર
રત્નો જ ભરેલા છે. આવા અમૂલ્યરત્નોની ભેટ
આપવા બદલ ગુરુદેવનો ખરેખર ઉપકાર છે. આવા
ભેટ–પુસ્તકના પ્રોત્સાહનથી અમારા જેવા

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
બાળકોમાં ખૂબ જ ધાર્મિક સંસ્કારો પડે છે.’’
(તમારા પ્રશ્નોના જવાબ હવે પછી.)
‘‘બાલવિભાગના હજારો સભ્યો
અમને સાધર્મી કુટુંબ સમાન ભાસે છે’’અને
‘‘અમે તો જિનવરનાં સન્તાન છીએ’’ એ
પ્રકારનું લખાણ વાંચીને ઘણા સભ્યોએ
પોતાનો ભાવભીનો ઉત્સાહ ને સાધર્મીપ્રેમ
વ્યક્ત કર્યો છે.
અંધેરીના સ.નં.૧૯૯૩ પોતાનું પૂરું
સરનામું મોકલો.
ધ્રાંગધ્રાથી શ્રી કેશુભાઈ એડવોકેટ
‘આત્મવૈભવ’ પુસ્તક વાંચીને પ્રમોદ વ્યક્ત
કરતાં લખે છે કે ‘‘આત્માની ૪૭
શક્તિઓને લગતું આ એક મહત્વનું પ્રકાશન
છે; આ કાળે ઉત્સાહી જીવોને માટે એક
આગમ–ગ્રંથ સમાન છે. આ શક્તિઓ દ્વારા
વિચારવામાં આવે તો આત્મા જરૂર લક્ષગત
થાય તેમ છે. સત્ વસ્તુની પ્રરૂપણા કરતું
આવું અપૂર્વ–અજોડ અને સસ્તું સાહિત્ય
અન્યત્ર જોવા મળે તેમ નથી. પોતાના
અંતરમાં જોયેલો ને પ્રત્યક્ષ અનુભવેલો
આત્મવૈભવ જગતના કલ્યાણ માટે
ઉપદેશીને જ્ઞાની–મહાત્માઓએ અસીમ
કરુણા કરી છે.’’
છબીલભાઈ સંઘવી બીલીમોરાથી
લખે છે કે– ‘આત્મવૈભવ’ પુસ્તક આવેલ,
તે અહીં એક મહારાજશ્રીનું ચોમાસું હોઈ,
તેઓેને ઘણું સરસ લાગતાં ભેટ તરીકે
આપેલ છે. તેથી બીજું એક ‘આત્મવૈભવ’
તેમજ ‘આત્મપ્રસિદ્ધિ’ બંને પુસ્તકો
મોકલશોજી.
ફતેપુરથી
બાલવિભાગના સભ્ય
લલિતાબેન લખે છે કે–આત્મધર્મમાં નવું નવું
જાણવાથી આનંદિત થાઉં છું. અમારે અહીંયાં
આત્મવૈભવમાં ૪૭ શક્તિઓનું વર્ણન
સાંભળવાથી આત્મ–આનંદમાં બહુ રસ આવે છે.
ગુરુદેવના મોઢેથી સાંભળીએ તો તો બહુ જ
આનંદ આવે. પણ મનની ધારેલી હોંશ પૂરી થતી
નથી.
બીજું, અમારે અહીં ફતેપુરમાં પાઠશાળા
ચાલે છે, ૬૦ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે; પહેલા
ભાગથી પુરુષાર્થસિદ્ધિઉપાય સુધીના વિષયો
ચાલે છે; પણ સુવર્ણપુરીમાં પાઠ્યપુસ્તકના નવા
ભાગ તૈયાર થવાની વાત જાણી છે, તે કયારે
છપાય તેની રાહ જોઈએ છીએ. સુવર્ણપુરીના
પુસ્તકો વાંચવાથી બહુ સરસ સમજણ પડવા માટે
તમારા પાઠ્ય–પુસ્તકોની રાહ જોઈ રહ્યા છીએ.’’
(તમને જાણીને આનંદ થશે કે જૈનબાળપોથી
પછીનું પહેલી ચોપડીનું સુંદર પાઠ્યપુસ્તક
લખાઈને લગભગ તૈયાર થઈ ગયું છે, થોડા જ
માસમાં તમારા હાથમાં આવશે. – સં.)
રાજસ્થાનના શાહપુરથી મેટ્રિકના વિદ્યાર્થી
સંભવકુમાર જૈન પૂછે છે–‘પૃથ્વીની પ્રદક્ષિણા’
લેખ વાંચ્યો; ચંદ્રલોકમાં દેવોની વસતી છે તથા
ત્યાં જિનમંદિરો, બાગ–બગીચા વગેરે છે; તો
રોકેટથી ચંદ્રનો ફોટો લીધો તેમાં તે કેમ નથી
દેખાતા?
ઉત્તર :– આજનું વિજ્ઞાન હજી ઘણું
અધૂરું અને ખામીવાળું છે–તેમ વિજ્ઞાનીઓ પણ
સ્વીકારે છે, ને વિજ્ઞાનીઓ પૃથ્વીના સ્વરૂપ
બાબત હજી એકમત નથી. ત્યારે જૈન સન્તોનું
વીતરાગ–વિજ્ઞાન પરિપૂર્ણ અને ખામી વગરનું
છે. ચંદ્રલોકના ફોટાના નામે પ્રસિદ્ધ થયેલ ફોટો
ખરેખર કોનો છે તે તો આપણે નથી કહી શકતા,
કદાચ ચંદ્રનો હોય તોપણ તેમાં ચંદ્રલોકથી
પૃથ્વીનું નીચેનું પડ દેખાય, એની પૂરી વિગતો
ફોટામાં આવી ન શકે.

PDF/HTML Page 32 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૨૯ :
આજે કદાચ આ લાખો માઈલની વિશાળ
પૃથ્વીનો ફોટો કોઈ પાડે તો શું તેમાં તમારા
શાહપુરનું કે અમારા સોનગઢનું મંદિર કે
માણસો દેખાશે ખરા? ઊંચા ઊંચા ગીરનાર
ને હિમાલય જેવા પહાડો પણ જેમાં નથી
દેખાતા, ને કદાચ દેખાય તો માત્ર નાના
ધાબાં જેવું દેખાય છે, તેમાં મંદિરો કે માણસો
તો કયાંથી દેખાય? એ પ્રમાણે ચંદ્રલોકના
ફોટાનું સમજી લેવું.
આજનું વિજ્ઞાન કેટલું અધૂરું છે તેને
માટે આ એક જ પ્રત્યક્ષ સાબિતી બસ થશે
કે–જ્યાં સીમંધરનાથ આદિ તીર્થંકરભગવંતો
અત્યારે પણ સાક્ષાત્ બિરાજે છે, ને ચાલુ
સૈકામાં જ એમને નજરે જોયેલા મહાત્માઓ
નજરસમક્ષ મોજુદ દેખાય છે–આવા
વિદેહક્ષેત્રના અસ્તિત્વની આધુનિક
સાયન્સને કે ભૂગોળને ખબર પણ નથી કે જે
વિદેહક્ષેત્ર આ પૃથ્વી ઉપર જ જંબુદ્વીપમાં
આવેલું છે. માટે ભાઈશ્રી, આત્મહિતને
લગતી ધાર્મિક બાબતોમાં આધુનિક
સાયન્સનું અવલંબન ઉપયોગમાં આવે તેવું નથી.
લાઠીથી શૈલેષકુમાર જૈન લખે છે કે–
બાલવિભાગમાં ભેટ મળેલ ઈન્ડીપેન સ્કુલે લઈ
જઉં છું ને બધા વિદ્યાર્થીઓ પૂછે છે ત્યારે કહું છું
કે અમારા સોનગઢ તીર્થધામમાંથી મને ઈનામ
આવ્યું છે. –આમ રોજ તીર્થધામનું નામ લેવાય
છે.
અશ્વિન એમ. જૈન મોરબીથી ભાંગતૂટી
ભાષામાં લખે છે–મને આત્મધર્મ બહુ ગમે છે.
કાનગુરુ જેવા શૂરવીર સિંહ ક્યાંય નથી.
(દોહરો)
સૂતાં બેસતાં ઉઠતાં, ભણતાં ને વળી રમતાં,
–વિસાર્યું વિસરે નહિ, આત્મધર્મનું નામ.
– વિસાર્યું વિસરે નહિ, દેવગુરુનું નામ.
(નાના બાળકો! તમને જેવું આવડે તેવું
ધર્મનું થોડુંઘણું લખવાની ટેવ રાખશો, તો તમને
ઉત્સાહ આવશે. તમારા નાનકડા હાથે ઘણી
મહેનતે લખાયેલું ભાગ્યુંતૂટ્યું લખાણ પણ અમને
બહુ ગમશે. –માટે ખુશીથી લખજો.)
ભાઈ–બહેન
શુદ્ધપયોગ તે મોક્ષાર્થી જીવનો ભાઈ છે. કેમકે તે શુદ્ધોપયોગ મોક્ષમાં જવા માટે ભાઈ
સમાન સહાયક છે. અને નિર્મળ સમ્યક્દ્રષ્ટિરૂપ પરિણતિ તે ભદ્રસ્વભાવવાળી બહેન છે–કે
જે મોક્ષાર્થી આત્મા ઉપર ઉપકાર કરે છે.
સમ્યક્દ્રષ્ટિરૂપ પરિણતિ તે આત્માની મુખ્ય અને ચોક્ક્સ ઉપકાર કરનારી બહેન છે.
તે નિર્મળ આત્મદ્રષ્ટિરૂપી ભગિની સર્વ ભયનો નાશ કરીને આનંદ દેનારી છે.
(જુઓ–અષ્ટપ્રવચન: પૃ. ૧૧૭)

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
એક વારતા
વારતા સુણો આજ મીઠી કે, ભક્તો આવો સ્વર્ણપુરી ધામમાં,
કહાનગુરુ ત્યાં બિરાજે ભક્તો આવો વિદેહજેવા ધામમાં.
ભારત ખંડે દક્ષિણે પોન્નૂર પહાડ એક ધામ,
વર્ષ બે હજાર વીતી ગયા રહેતા એક મુનિરાજ.
આત્મ સ્વરૂપમાં ઝૂલતા, હતું આત્માનું ભાન.
નગ્ન દિગંબર વિચરતા કુંદકુંદ જેનું નામ.
છઠ્ઠે સાતમે ઝુલતા વિકલ્પ–નિર્વિકલ્પ થાય,
જેમ જ્ઞાન હિંડોળો ઝુલતો ઘડી આવે ને ઘડી જાય.
એને વિરહ પ્રભુના લાગીઆ, પંચમકાળ હતો ત્યાંય,
સાક્ષાત અરિહંત દેવના એને દર્શન ક્યાંથી થાય?
–વારતા સૂણો આજ મીઠી કે.
એ લગન જાગી અંતરમાં ભાવના મનમાં થાય,
કુંદકુંદ આચાર્ય ઋદ્ધિબળે સદેહે વિદેહમાં જાય.
સીમંધર પ્રભુજી શોભતા સમોસરણ ત્યાં ભરાય.
‘એલાચાર્ય’ કહેવાઈ ગયા, જેનો દેહ નાનકડો જણાય.
–વારતા સૂણો આજ મીઠ કે
દર્શન પ્રભુના કરી લીધા, સુણી વીતરાગ વાણીધાર,
ઋદ્ધિબળે પાછા વળ્‌યા, જાણીને સમયનો સાર.
ભાગ્ય ભક્તોના ઉજળા હતા, આવ્યો મુનિને રાગ.
સત્ય શાસ્ત્ર લખવા તણો વિકલ્પ મુનિને થાય.
–વારતા સૂણો આજ મીઠી કે
આત્મસ્વરૂપે ઝુલતાં એણે લખ્યું સમયસાર.
ભાગ્ય યોગે આવીયું એ....કહાનગુરુને હાથ.
રહસ્ય આગમનાં ખોલીયા બતાવ્યો સાચો માર્ગ,
જય હો જય હો કુંદપ્રભુ, જય હો કહાન ગુરુરાજ.
વારતા સુણો આજ મીઠી કે, ભક્તો આવો સ્વર્ણપુરી ધામમાં,
કહાનગુરુ ત્યાં બિરાજે ભક્તો આવો વિદેહ જેવા ધામમાં.
(વીંછીયાં નગરીમાં જન્મ જયંતી પ્રસંગે મુંબઈની ભજનમંડળીએ ગાયેલું ગીત.)

PDF/HTML Page 34 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૩૧ :
ક્યા ગુણસ્થાને ક્યા ક્યા ભાવો હોય છે?
જીવના ખાસ પાંચ ભાવો છે–
ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક, ને પારિણામિક.
તેમાંથી કયા જીવને ક્યા ક્યા ભાવો સંભવે છે તેનો વિચાર;
• સિદ્ધ ભગવંતોને ક્ષાયિક અને પારિણામિક એ બે ભાવો હોય છે. તે
સિવાય સંસારી જીવોમાં નીચે મુજબ સમજવું–
ઉદયભાવ તથા પારિણામિકભાવ ૧ થી ૧૪ બધા ગુણસ્થાનોમાં હોય છે.
ક્ષયોપશમભાવ ૧ થી ૧૨ સુધીના બધા ગુણસ્થાનોમાં હોય છે.
ઉપશમભાવ ૪ થી ૧૧ સુધીના ગુણસ્થાનોમાં સંભવે છે.
• ક્ષાયિકભાવ ૪ થી ૧૧ ગુણસ્થાનોમાં સંભવે છે, ને ૧૨ થી ૧૪
ગુણસ્થાનોમાં નિયમથી હોય છે.
કયા ગુણસ્થાને કયા ભાવ સંભવે છે તે નીચેના કોઠા પરથી ખ્યાલમાં આવશે–ઉદય અને
પારિણામિક એ બે ભાવો બધા ગુણસ્થાનોમાં છે, બાકીના ત્રણ ભાવો કોઠામાં બતાવ્યા મુજબ છે.
(તેમાં ફૂદડીની નિશાનીવાળા ભાવો–તે તે ગુણસ્થાને સંભવિત છે; અને બાકીના ફૂદડી– વગરના
ભાવો તે ગુણસ્થાને નિયમથી હોય છે એમ જાણવું.)
ગુણસ્થાન–ક્રમ –તેમાં વર્તતા ભાવો –
ક્ષયોપશમ
ક્ષયોપશમ
ક્ષયોપશમ
ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
૧૦ ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
૧૧ ક્ષયોપશમ * ઉપશમ * ક્ષાયિક
૧૨ ક્ષયોપશમ ક્ષાયિક
૧૩ –– –– ક્ષાયિક
૧૪ –– ––– ક્ષાયિક

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
(આ ઉપરાંત ઉદય અને પારિણામિક એ બે ભાવો બધા ગુણસ્થાનોમાં સર્વત્ર સમજી
લેવા.)
પાંચ ભાવોમાંથી જીવને ઓછામાં ઓછા બે ભાવો હોય છે. –તે કોને? કે
સિદ્ધભગવંતોને; કયા બે ભાવો? એક ક્ષાયિક ને બીજો પારિણામિક.
સિદ્ધભગવાન સિવાય સંસારી જીવોને ઓછામાં ઓછા ત્રણ ભાવો હોય છે;
કોઈને ચાર હોય છે, ને કોઈને પાંચ પણ હોય છે; તે વાતની સમજણ પાછળના
કોઠામાં મળશે.
ઉપશમભાવવાળા જીવો સૌથી ઓછા; ક્ષાયિકવાળા તેથી વિશેષ; ક્ષયોપશમવાળા તેથી
વિશેષ, ઉદયભાવવાળા તેથી વિશેષ : ને પારિણામિકભાવવાળા તેથી વિશેષ છે.
કાળ અપેક્ષાએ સંસારી જીવોમાં–સૌથી થોડો કાળ ઉપશમનો, તેથી વિશેષ
ક્ષાયિકનો, તેથી વિશેષ ક્ષયોપશમનો, તેથી વિશેષ ઉદયને અને પારિણામિકનો
(માનનીય ટ્રસ્ટી શ્રી મગનભાઈનો પત્ર મળેલ, તે ઉપરથી આ વિવેચન આપ્યું
છે. આ પાંચ ભાવોસંંબંધી ૧૦૧ પ્રશ્નો અને ઉત્તરદ્વારા અનેકવિધ સ્પષ્ટતા માટે
જુઓ–આત્મધર્મ અંક ૨૪૯ તથા ૨પ૦)
ચાલો જાણીએ પુરાણની વાતો
રાજા રાવણ માંસાહારી ન હતો.
હનુમાનજી એ વાંદરો ન હતો. રાવણને
રામે નથી માર્યો પણ લક્ષ્મણે માર્યો છે.
ભવિષ્યમાં લક્ષ્મણ અને રાવણ બંને
સગા ભાઈ થશે.
રામચંદ્રજી માંગીતુંગીથી મોક્ષ પામ્યા
છે. રાવણ અને લક્ષ્મણ એ બંને ભવિષ્યમાં
તીર્થંકર થઈને મોક્ષ પામશે.
રાવણના ભાઈ કુંભકર્ણ બડવાનીથી
મોક્ષ પામ્યા છે.
હનુમાનજી માંગીતુંગીથી મોક્ષ પામ્યા છે.
હનુમાનજીની માતા તે અંજનાસતી.
રાવણના પુત્ર ઈન્દ્રજીત બડવાનીથી મોક્ષ
પામ્યા છે.
પાંડવો પાંચભાઈ ન હતા પણ છ ભાઈ
હતા, –તેમાં સૌથી મોટા કર્ણ.
સૌરાષ્ટ્રમાં ૨૪ માંથી એક તીર્થંકર મોક્ષ
પામ્યા છે, ને તે ગીરનાર ઉપરથી.
શ્રી કૃષ્ણ અને નેમિનાથ પીતરાઈ ભાઈ
થાય.
શ્રી કૃષ્ણને બીજા છ ભાઈઓ (ત્રણ
જોડકા) હતા, તેઓ મુનિ થઈને મોક્ષ પામ્યા છે.
શ્રીકૃષ્ણ હવે પછીના અવતારમાં તીર્થંકર
થઈને મોક્ષ પામશે.

PDF/HTML Page 36 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૩૩ :
૧ સિંહ
૨ ગીરનાર
૩ ભરત ચક્રર્વતી
૪ મહાવિદેહ
પ ચક્રવર્તી
૬ કૈલાસગિરિ
૭ સમયસાર
૮ ષટ્ખંડાગમ
૯ વૈશાખ સુદ બીજ
૧૦ વાત્સલ્ય–ભક્તિ

સીમંધર ભગવાન, બાહુબલી, ધરસેન સ્વામી, ઋષભદેવ, શાંતિનાથ, નેમનાથ, મહાવીર,
કુંદકુંદ સ્વામી, પૂ.કાનજી સ્વામી, પૂ. બેનશ્રી–બેન (આ દશ નામો તમારે ઉપરનાં ખાલી ખાનામાં
બંધબેસતા કરવાના છે.)

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
અમે જિનવરનાં સંતાન : નવા સભ્યોનાં નામ
૨૦૮૧ પ્રફુલ્લા એ. જૈન ભાવનગર
૨૦૮૨A ભૂપતકુમાર પોપટલાલ જૈન લીંબડી
૨૦૮૨B પ્રવીણાબેન પી. જૈન લીંબડી
૨૦૮૨C રેનુકાબેન. જૈન લીંબડી
૨૦૮૨D રેખાબેન પી. જૈન લીંબડી
૨૦૮૨E શૈલેશકુમાર પી જૈન લીંબડી
૨૦૮૩A કિરણબાળા મણિલાલ જૈન લીંબડી
૨૦૮૩B ઉષાબેન એમ. જૈન લીંબડી
૨૦૮૩C સૂર્યાબેન એમ. જૈન લીંબડી
૨૦૮૩D વિભાબેન એમ. જૈન લીંબડી
૨૦૮૩E સરોજબાળા એમ. જૈન લીંબડી
૨૦૮૩F અલકેશકુમાર એમ.જૈન લીંબડી
૨૦૮૪ મનોજકુમાર મગનલાલ જૈન અમદાવાદ
૨૦૮પA રાજચંદ્ર એમ. જૈન સાવરકુંડલા
૨૦૮પB વીરેન્દ્ર મૂળજીભાઈ જૈન સાવરકુંડલા
૨૦૮૬ પ્રવીણકુમાર આર.જૈન સલાલ
૨૦૮૭ અલ્પેશકુમાર જૈન દહેગામ
૨૦૮૮ જતીનકુમાર જૈન દહેગામ
૨૦૮૯A કલ્પનાબેન એસ.જૈન જામનગર
૨૦૮૯B સુવિધિ એસ.જૈન જામનગર
૨૦૯૦ મધુસુદન જૈન વઢવાણ
૨૦૯૧ ચારૂલત્તાબેન જૈન વઢવાણ
૨૦૯૨ ચૈતન્યકુમાર જૈન ધોળકા
૨૦૯૩ પ્રકાશકુમાર જૈન મુંબઈ–પ૬
૨૦૯૪ શશીકાન્ત અમૃતલાલ જૈન સણોસરા
૨૦૯પ વીરેશકુમાર એમ. જૈન. ભાવનગર
૨૦૯૬ હેમલતાબેન એમ. જૈન ભાવનગર
૨૦૯૭ પ્રફુલ્લકુમાર એમ. જૈન મુંબઈ–૨
૨૦૯૮ ચંદ્રકાન્ત ચીમનલાલ જૈન કાટોલ
૨૦૯૯ પ્રકાશચંદ્ર દોલતરાય જૈન રાજકોટ
૨૧૦૦ ધીરીશકુમાર ભૂપતરાય જૈન રાજકોટ
૨૧૦૧ મંજુલાબેન મથુરભાઈ જૈન સામલોદ
૨૧૦૨ વર્ષાબેન પ્રવીણચંદ્ર જૈન મુંબઈ–૩૧
૨૧૦૩ શૈલેષકુમાર પી. જૈન મુંબઈ–૩૧
૨૧૦૪A હેમાંગીનીબેન નગીનદાસ જૈન વાંકાનેર
૨૧૦૪B હર્ષદરાય નગીનદાસ જૈન વાંકાનેર
૨૧૦૪C જયશ્રીબાળા નગીનદાસ જૈન વાંકાનેર
૨૧૦૪D મનોજકુમાર નગીનદાસ જૈન વાંકાનેર
૨૧૦પA રંજનબાળા મહાસુખલાલ જૈન વઢવાણ શહેર
૨૧૦પB ઈન્દીરાબેન મહાસુખલાલ જૈન વઢવાણ શહેર
૨૧૦પC ભારતીબેન મહાસુખલાલ જૈન વઢવાણ શહેર
૨૧૦પD કોકીલાબેન મહાસુખલાલ જૈન વઢવાણ શહેર
૨૧૦૬ મહેન્દ્રકુમાર ચીમનલાલ જૈન વઢવાણ શહેર
૨૧૦૭ અશ્વિનકુમાર રમણીકલાલ જૈન જેતપુર
૨૧૦૮ જસવંંતકુમાર નેમચંદ જૈન સોનગઢ
૨૧૦૯ હસમુખલાલ નેમચંદ જૈન સોનગઢ
૨૧૧૦ અરવિંદકુમાર ચીમનલાલ જૈન વઢવાણ શહેર
૨૧૧૧ બિપિનકુમાર શાંતિલાલ જૈન મદ્રાસ

PDF/HTML Page 38 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૩૫ :
સાચા–ખોટાની પરીક્ષા કરો
બંધીઓ, બાલવિભાગના અભ્યાસથી હવે તમને સાચા–ખોટાની પરીક્ષા કરતાં આવડી
ગઈ હશે. અહીં નીચે દશ જોડકા વાક્યો આપ્યાં છે, તે દરેકમાં એક ખોટું છું ને એક સાચું છે. તો
સાચું કયું? તે તમારે ઓળખી કાઢવાનું છે. ધીરજપૂર્વક વિચાર કરીને, જે ખોટું હોય તેના ઉપર
હળવેથી ચોકડી મારી દેજો–જેથી કાગળ ફાટી ન જાય.
૧ ઈશ્વરે જીવને બનાવ્યો છે. જીવ પોતે ઈશ્વર બને છે.
૨ શુભરાગથી મોક્ષ મળે છે. શુભરાગથી સંસાર મળે છે.
૩ અરૂપી વસ્તુને જાણી શકાય નહિ. અરૂપી વસ્તુને પણ જ્ઞાન જાણે છે.
૪ આત્માને જ્ઞાનથી ઓળખી શકાય છે. આત્માને કોઈ ઓળખી શકે નહિ.
પ જગતમાં કોઈ ઈશ્વર નથી. જગતમાં સર્વજ્ઞ ઈશ્વર અનંતા છે.
૬ ઈશ્વર જગતના કર્તા છે. ઈશ્વર જગતના જ્ઞાતા છે.
૭ શુભરાગ કરીએ તો ધર્મ થાય. વીતરાગતા વડે ધર્મ થાય.
૮ અરિહંત ભગવંતો ખાતા નથી. અરિહંતભગવંતો ખાય છે.
૯ આત્મા ખોરાકથી જીવે છે. આત્મ ખોરાક વગર જીવે છે.
૧૦ દેહ ને આત્મા જુદા છે. દેહની ક્રિયા આત્મા કરતો નથી.
(તમારા જવાબો સાચા છે કે ખોટા? તે જાણવા માટે આવતો અંક જુઓ.)
હું કોણ છું?
આબાલવૃદ્ધને હું પ્યારું છું,
દેશ–પરદેશમાં ફરું છું,
ધર્મનો પ્રચાર કરું છું,
તમારા હાથમાં શોભું છું,
–કહોજી તમે હું કોણ છું?
(પહેલા અઢી અક્ષર બધા પાસે છે.
છેલ્લા અઢી અક્ષર મોક્ષ આપે છે.)
(કોયડો મોકલનાર : હરીશ જૈન,
જામનગર)
આપણી બહેન
આપણા ધર્મની એક ઉત્તમ બહેન શોધી કાઢો.
જે મહાવીર ભગવાનના સગા થાય છે.
જેનું પાંચ અક્ષરનું નામ છે.
જેના પહેલા બે અક્ષર પ્રકાશ આપે છે.
જેના પહેલા ત્રણ અક્ષર સુગંધ આપે છે.
ચોથો એકલો અક્ષર બધાને બહુ ગમે છે.
ઘણા દુઃખ વચ્ચે પણ એણે ધર્મની આરાધના કરી છે.
દરેક બેનોને એના જેવા થવું ગમે છે.
ઓળખો છો એ બહેનને?

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : શ્રાવણ : ર૪૯૪
• અમદાવાદ શહેરમાં દિગંબર જૈન મુમુક્ષુ મંડળ દ્વારા ભવ્ય દિગંબર જૈનમંદિરનું નિર્માણ
થઈ રહ્યું છે, અને તેમાં પંચકલ્યાણકપૂર્વક જિનબિંબપ્રતિષ્ઠાનું શુભમુહૂર્ત સં.૨૦૨પ ના
ફાગણ સુદ પાંચમનું આવેલ છે. (મૂળનાયક ભગવાન પારસનાથ બિરાજમાન થશે.)
• રણાસણ (ગુજરાત) માં પણ નવું દિગંબર જૈનમંદિર તૈયાર થાય છે અને તેમાં
પંચકલ્યાણકપૂર્વક જિનબિંબ પ્રતિષ્ઠાનું શુભમુહૂર્ત સં.૨૦૨પ ના ફાગણ વદ બીજનું
આવેલ છે. (મૂળનાયક ભગવાન આદિનાથ બિરાજમાન થશે.)
• આગામી સાલમાં વૈશાખ સુદ બીજે પૂ. ગુરુદેવની ૮૦ મી જન્મ–જયંતિ મુંબઈનગરીમાં
ઉજવાય એવી ત્યાંના મુમુક્ષુમંડળની ઉત્કંઠા છે; તે માટે મુમુક્ષુમંડળ તરફથી ૮૦ સભ્યોનું
પ્રતિનિધિમંડળ સોનગઢ આવીને શ્રાવણ વદ બીજે વિનતિ કરશે. બરાબર તે જ દિવસે પૂ.
બેનશ્રી ચંપાબેનનો પપ મો જન્મદિવસ હોવાથી સોનગઢમાં અનેરો ઉમંગ હશે : આ
દિવસનું મુમુક્ષુમંડળનું જમણ પણ મુંબઈ મુમુક્ષુમંડળ તરફથી ગોઠવાયું છે. અમદાવાદથી
પણ સોએક મુમુક્ષુ ભાઈ–બહેનો વિનતિ કરવા તે દિવસે આવશે. શ્રી પ્રવચનસાર
શાસ્ત્રની બીજી આવૃત્તિનું પ્રકાશન પણ બીજના દિવસે થશે. (આ બીજી આવૃત્તિમાં શ્રી
જયસેનાચાર્યરચિત સંસ્કૃત ટીકા પણ છપાયેલ છે. કિંમત રૂા.સાડાપાંચ)
• સોનગઢમાં ધી બેંક ઓફ ઈન્ડીઆની શાખા ખુલી છે; બેેંકનો ટેલિફોન નંબર ૪૮ છે.
સોનગઢમાં ટેલિફોનની સગવડ થતાં દૂર વસતા મુમુક્ષુઓને ખાસ સુવિધા થઈ છે. જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટની ઓફિસનો ફોન નં.૩૪ છે. પૂ. બેનશ્રીબેન (ગોગીદેવી આશ્રમ)
નો ફોન નં.૩૭ છે.
• સોનગઢમાં કહાનગર સોસાયટીના ૬૦ બ્લોકસનું બાંધકામ ચાલી રહ્યું છે; આગામી
વર્ષના ઉનાળા સુધીમાં તૈયાર થઈ જવાની ધારણા છે. (બ્લોકસ બધા અપાઈ ગયા છે.)
• અષાડ માસની અષ્ટાહ્નિકા–દરમિયાન તેરહદ્વીપ–મંડલવિધાન પૂજન થયું હતું; તેરદ્વીપમાં
આવેલ શાશ્વત જિનાલયોનું આ પૂજન અગાઉ શરૂ થયેલ તે આ

PDF/HTML Page 40 of 45
single page version

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૩૭ :
અષ્ટાહ્નિકામાં પૂર્ણ થયું હતું. આ વખતનું અષ્ટાહ્નિકાપૂજન હરગોવિંદભાઈ દેવચંદ મોદી
તરફથી હતું.
પૂ. ગુરુદેવના પ્રવચનમાં સવારે કલશટીકા વંચાય છે, જે થોડા વખતમાં પૂર્ણ થશે. બપોરે
પ્રવચનમાં સમયસાર (પંદરમી વખત) વંચાતું હતું તે શ્રાવણ સુદ પાંચમના રોજ પૂર્ણ
થયું છે; ને સમયસારનો કર્તાકર્મ અધિકાર ફરી શરૂ કરેલ છે. સમયસાર ઉપર પંદરમી
વખતના પ્રવચનમાં પ૧૨ પ્રવચનો થયા–જેનું ટેપ–રેકર્ડિંગ થયેલ છે.
પ્રૌઢ શિક્ષણવર્ગ શ્રાવણ સુદ પાંચમથી શરૂ થયેલ છે; અનેક ગામોથી જિજ્ઞાસુ ભાઈઓ
આવીને ઉત્સાહથી અધ્યાત્મજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છે. સવારથી રાત સુધી
સોનગઢનું વાતાવરણ ધાર્મિક મેળા જેવું શોભે છે.
સોનગઢમાં દસલક્ષણી પર્યુષણ પર્વ ભાદરવા સુદ ૪ ને મંગળવારે શરૂ થશે. ત્યાર પહેલાં
રાબેતા મુજબ ધાર્મિક પ્રવચનનાં ખાસ દિવસો શ્રાવણ વદ ૧૨ ને બુધવારથી શરૂ થશે.
વૈરાગ્ય–સમાચાર
નાઈરોબી (આફ્રિકા) ના ભાઈશ્રી કચરાભાઈ નરસી તા.૨–પ–૬૮ ના રોજ નાઈરોબી
મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. નાઈરોબી મુમુક્ષુમંડળના તેઓ એક ઉત્સાહી કાર્યકર હતા,
તેમના ઘરેથી જ મુમુક્ષુમંડળની સ્થાપના થયેલ હતી; તેમને શાસ્ત્રાભ્યાસનો પણ રસ
હતો, ને ટૂંક વખતમાં દેશમાં આવીને સોનગઢ રહેવાની તેમની ભાવના હતી.
અમદાવાદના ભાઈશ્રી હિંમતલાલ પોપટભાઈ કામદાર (તે પ્રભાકરભાઈના પિતાજી)
તા.૧–૭–૬૮ ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
દાહોદના ભાઈશ્રી સંતોકચંદજી માણેકચંદજીના ધર્મપત્ની કસ્તુરીબેન અસાડ સુદ દસમના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ ત્રણ વખત દાહોદ પધાર્યા ત્યારે તેમણે લાભ લીધો
હતો.
• મોરબીના ભાઈશ્રી છોટાલાલ નાનચંદ ટોળીઆ તા.૧૨–૭–૬૮ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે. તેઓ મોરબી મુમુક્ષુમંડળના એક ઉત્સાહી કાર્યકર હતા.
• વઢવાણ શહેરના ભાઈશ્રી ધરમશીભાઈ મણિઆર (તે બ્ર. લલિતાબેનના પિતાજી)
શ્રાવણ સુદ છઠ્ઠના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. ચૈત્ર માસમાં ગુરુદેવ વઢવાણ પધારેલ
ત્યારે તેમણે ઉત્સાહથી લાભ લીધો હતો.
– સ્વર્ગસ્થ આત્માઓ દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.