Atmadharma magazine - Ank 368
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 37
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
શુદ્ધતત્ત્વના ધ્યાન–અધ્યયનમાં જેઓ રત છે,–આવા શાંતરસમાં લીન મુનિવરો
મોક્ષરૂપ ઉત્તમ સ્થાનને પામે છે.
* વાહ રે વાહ! મોક્ષના સાધક સંત! ધન્ય તારી દશા! આવા મુનિએ, અને
અવિરતી–સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માએ પણ, પોતાનું શુદ્ધચેતનરૂપ સ્વદ્રવ્ય જ
ઉપાદેયરૂપ છે–એવો નિશ્ચય કર્યો છે, ને જેટલા બહિર્મુખ રાગાદિ પરભાવો છે તે
હેય છે–એમ નિશ્ચય કર્યો છે. આવા નિશ્ચય ઉપરાંત, મુનિઓ તો ચૈતન્યની
અનુભૂતિમાં એવા લીન થયા છે કે વિષય–કષાયોથી એકદમ વિરક્તિ થઈ ગઈ
છે; બાહ્યપદાર્થોથી એકદમ ઉપેક્ષા થઈને, પરિણતિ વૈરાગ્યમાં તત્પર થઈ ગઈ છે
ને ચૈતન્યસુખમાં તલ્લીન થઈ છે.–અહા, એ દશાની શી વાત! એ તો મોક્ષપદની
એકદમ નજીક વર્તે છે. એની ઓળખાણ પણ જગતને બહુ દુર્લભ છે. એનાં
દર્શનની તો શી વાત!
* અહો, મોક્ષને સાધનારા મુનિવરોના અસંખ્ય આત્મપ્રદેશો સર્વત્ર અતીન્દ્રિય
આનંદ વગેરે ગુણસમૂહથી ભરેલા છે; શરીર ભલે કદાચિત મેલું હોય; તે કાંઈ
આત્માનું અંગ નથી; આત્મા તો રત્નત્રય વગેરે મહાન ગુણોથી સુશોભિત
અંગવાળો છે; આવા ગુણથી શોભતા મુનિવરો સદાય જ્ઞાનભાવનામાં રત
વર્તતા થકા ઉત્તમ પરમ પદને પામે છે, ૧૪ ગુણસ્થાનથી પાર એવા મોક્ષપદને
પામે છે, સર્વોત્કૃષ્ટ શુદ્ધ સ્વભાવદશારૂપ સિદ્ધપદ પામીને લોકશિખરે બિરાજે છે.
–આવી અલૌકિક મુનિદશા હોય છે; તે વંદનીય છે.–આ સિવાય બીજા ઉપાયથી
મોક્ષ સાધવાનું માને, કે બીજી રીતે મુનિદશા માને તેને જૈનમાર્ગની ખબર નથી.
* અહો, ચૈતન્યતત્ત્વ! શાંત–શાંત અપાર ગંભીરતાથી ભરેલું છે, અપાર એનો
મહિમા છે, તે વિકલ્પગમ્ય થઈ શકે નહિ, અંતર્મુખ થઈને અતીન્દ્રિય
સ્વસંવેદનવડે જ ગમ્ય થાય એવું આ ચૈતન્યતત્ત્વ છે. જગતના મહાપુરુષો પણ
તેને જ વંદે છે–સ્તવે છે–ધ્યાવે છે. તો હે ભવ્ય! તું પણ તારા અંતરમાં
બિરાજમાન તે તત્ત્વને ધ્યાવને!
* ચૈતન્યપદની મહાનતા પાસે પુણ્યનાં પદ ટકી શકતાં નથી; પુણ્યથી જેને ઈન્દ્રપદ
મળ્‌યું તે ઈન્દ્ર પણ ચૈતન્યપદ પાસે નમી જાય છે. અરે, તીર્થંકરો પણ આવા
તત્ત્વને અંતરમાં ધ્યાવીને જ કેવળજ્ઞાન પામે છે.–પંચપરમેષ્ઠીપદ જેમાંથી પ્રગટે

PDF/HTML Page 22 of 37
single page version

background image
: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૯ :
છે એવું તારું તત્ત્વ, તેને જાણીને તેનું આરાધન કર.–સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર,
તપ એ બધુંય આત્મામાં જ છે, માટે આવા આત્માને જ શરણરૂપ જાણીને તેની
આરાધના કર. અહા! ગણધરો ને મુનિવરો જેને ધ્યાવે એ ચૈતન્યતત્ત્વનો
મહિમા કેવડો મોટો! અનુભવજ્ઞાનથી જ જેનો પાર પમાય–એવો એનો મહિમા
–ફેર નહિ આવના
પં. બનારસીદાસજીની વાત છે: મૃત્યુ સમયે તેમનો કંઠ રૂંધાઈ
ગયો હતો, બોલી શકાતું ન હતું; તેઓ પોતાની અંતિમસ્થિતિ
સમજીને નિજવિચારમાં નિમગ્ન હતા. એ સ્થિતિ લાંબો વખત ચાલી,
ત્યારે કેટલાક લોકોને એમ લાગ્યું કે આમનો જીવ કુટુંબમાં ને ધનમાં
ચોંટેલો છે, માટે કુટુંબને અને ધનને તેમની સમક્ષ હાજર કરો કે જેથી
તેમનો દેહ શાંતિપૂર્વક છૂટે. પંડિતજી તેમના આ મૂર્ખવિચારને
સહન કરી ન શક્્યા...તેમણે ઈશારાથી પાટી–પેન મંગાવ્યા અને તેમાં
લખ્યું–
ज्ञानकुतक्का हाथ मारि अरि मोहना, प्रगट्यो रूप स्वरूप अनंत सु सोहना।
जा परजैको अंत सत्य कर मानना, चलै बनारसीदास फेर नहिं आवना।।
ભેદજ્ઞાનરૂપી તલવાર હાથમાં લઈને અમે મોહશત્રુને મારી
નાંખ્યો છે, ને અનંત સુખથી શોભતું નિજસ્વરૂપ પ્રગટ કર્યું છે; હવે
ચોક્કસપણે સમજો કે આ દેહપર્યાયનો અંત કરીને બનારસીદાસ જાય
છે, તે ફરીને આવા દેહમાં નહીં આવે.

PDF/HTML Page 23 of 37
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
શ્રાવકનાં આચાર
સદ્ગૃહસ્થ–શ્રાવકનાં આચાર કેવા સુંદર અને ધર્મથી
શોભતા હોય તેનું થોડું થોડું વર્ણન આ વિભાગમાં આપીશું. અહીં
સકલકીર્તિરચિત શ્રાવકાચારમાંથી કેટલુંક દોહન આપ્યું છે.
સમ્યક્ત્વ પહેલાંં પણ જિજ્ઞાસુના આચરણમાં ઘણી સૌમ્યતા તથા
અહિંસા સત્ય વગેરેનો પ્રેમ હોય છે. સમ્યક્ત્વ પછી તો
વીતરાગતાના અંશની તેને વૃદ્ધિ થતી જાય છે ને મુનિદશા તરફ તે
પા–પા પગલી માંડે છે, ત્યારે તેના આચરણમાં ઘણી વિશુદ્ધતા
થતી જાય છે. ચારેકોર ફેલાતા જતા ભ્રષ્ટાચારની વચ્ચે
વીતરાગમાર્ગનું આવું ઉત્તમ આચરણ, તે દરિયામાં ડુબતા
મનુષ્યને વહાણ સમાન છે. (–સં.)
હું શ્રી વૃષભજિનેશને વંદુ છું....તેઓ ધર્મના દાતાર છે,
ધર્મના નાયક છે, જગતના નેતા છે ને ધર્મતીર્થના પ્રવર્તક છે.
તેમને શા માટે નમું છું? ધર્મને માટે નમસ્કાર કરું છું.
(આ રીતે વૃષભદેવને નમસ્કાર કરીને પછીના શ્લોકમાં શ્રી વર્દ્ધમાન જિનેશને
તથા બાકીનાં તીર્થંકરોને, સિદ્ધોને, આચાર્ય–ઉપાધ્યાય–સાધુઓને, શ્રુતજ્ઞાનરૂપ
સરસ્વતીદેવીને તથા ગણધરોને નમસ્કાર કર્યા છે.)
જે મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન સહિત હોય, શ્રાવકનાં આચારનું પાલન કરવામાં તત્પર
હોય, બુદ્ધિમાન હોય અને સંવેગ તથા વૈરાગ્યથી સુશોભિત હોય તેને શ્રાવક કહીએ
છીએ. એવો કોઈ શ્રાવક ધર્મશ્રવણની જિજ્ઞાસાથી, રત્નત્રયવડે શોભી રહેલા
પરિગ્રહરહિત નિર્ગ્રંથ મુનિરાજને નમસ્કાર કરીને પૂછવા લાગ્યો કે હે ભગવાન! દુઃખથી
ભરેલા આ અસાર સંસારમાં સારભૂત શું છે? તે કૃપા કરીને મને કહો.
શ્રીગુરુએ કહ્યું–હે વત્સ! ચારગતિરૂપ સંસારના ખારા સમુદ્રમાં જીવોને ગુણોથી
શોભતું મનુષ્યપણું પામવું તે અત્યંત દુર્લભ અને સારરૂપ છે.

PDF/HTML Page 24 of 37
single page version

background image
: જેઠ : રપ૦૦ આત્મધર્મ : ૨૧ :
હે ભગવાન! આ મનુષ્યપણું પામીને પણ ખરૂં સારભૂત શું છે–કે જેનાથી આ
મનુષ્યજન્મની સફળતા થાય?–તે મને કહો.
હે ભવ્ય! આ મનુષ્યજન્મમાં પણ સમ્યક્ત્વાદિ શ્રેષ્ઠ રત્નત્રયધર્મની પ્રાપ્તિ થવી
તે જ પરમ સાર છે; તે ધર્મ જ સંસાર–સમુદ્રથી પાર કરનાર છે; તે સુખનો ભંડાર છે
અને સ્વર્ગ–મોક્ષ દેનાર છે.
તે ધર્મ બે પ્રકારનો છે–મુનિધર્મ અને શ્રાવકધર્મ; તેમાંથી અહીં શ્રાવકધર્મનું
વર્ણન છે.
જ્ઞાનીઓએ સોનાની જેમ દેવ–ગુરુ–સિદ્ધાંતની પરીક્ષા કરીને ધર્મનું ગ્રહણ કરવું જોઈએ.
શ્રાવકધર્મ સુગમ છે; ઘર–વ્યાપારનો ભાર ઉપાડતાં છતાં શ્રાવક તેને સુગમતાથી
પાળી શકે છે. મુનિધર્મ મહાન છે, દીન મનુષ્યો તેનું પાલન કરી શકતાં નથી, ગૃહવાસમાં
તેનું પાલન થઈ શકતું નથી.
જૈનધર્મ થોડો હોય તોપણ સારભૂત છે. આ જૈનધર્મના પ્રભાવથી જીવને, પાપ
તો દૂર જ રહે છે, પણ પાસે નથી આવતું, સ્વર્ગ–મોક્ષની લક્ષ્મી સામેથી તેની પાસે દોડી
આવે છે અને સદા તેને દેખ્યા કરે છે.
ધર્મ–સિંહાસન ઉપર બિરાજમાન જીવ પાસે ત્રણ લોકનું સુખ આવી જાય છે. આ
શ્રેષ્ઠ ધર્મનું પાલન કરનારના હાથમાં ચિંતામણિ છે, તેના ઘરમાં કલ્પવૃક્ષ અને કામધેનુ છે.
જે જીવ સાક્ષાત્ ધર્મનું પાલન કરે છે તેને સુખ માટે બીજી કોઈ વસ્તુની જરૂર
રહેતી નથી.
માટે આત્માનું હિત ચાહનારા જીવોએ અજ્ઞાન છોડીને સદા ધર્મનું જ પાલન
કરવું જોઈએ.–જેથી સુખની અનુભૂતિ થાય.
જિનદેવની પૂજા, સાધુઓને દાન અને શાસ્ત્રની સ્વાધ્યાય એ શ્રાવકનાં મુખ્ય
આચાર છે.
(પ્રશ્નોતર–શ્રાવકાચાર: બીજા અધ્યાયમાંથી)
રાગ–દ્વેષાદિ સમસ્ત દોષોને જીતનારા, પણ સ્વયં અજિત એવા ભગવાન
અજિતનાથને નમસ્કાર કરીને શ્રાવકનાં વ્રત કહું છું; તે હે ભવ્ય! તું સાંભળ!

PDF/HTML Page 25 of 37
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
જેમ ઝાડનો આધાર તેનું મૂળ છે, તેમ સમસ્ત વ્રતોના આધારરૂપ મૂળ
સમ્યગ્દર્શન છે. જેમ મૂળ વગર ઝાડ રહી શકતું નથી, તેમ સમ્યગ્દર્શન વગર કોઈ વ્રત
હોઈ શકતું નથી.
માટે વિવેકી ગૃહસ્થોએ સૌથી પહેલાંં બધા વ્રતોના સારભૂત સમ્યગ્દર્શન ધારણ
કરવું જોઈએ; કેમકે સમ્યગ્દર્શનની સાથે સાથે હોનારાં વ્રત જ સમસ્ત પાપોને દૂર કરી
શકે છે, એનાં વગરનાં વ્રતોથી પાપો દૂર થતાં નથી.
જીવાદિ સાતતત્ત્વોનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે; સમ્યગ્દર્શન ધારણ કરવા
માટે જીવોએ તે તત્ત્વોનું જ્ઞાન જરૂર કરવું જોઈએ.
હે ભગવાન! તત્ત્વ કયા–કયા છે? તેમાં કેવા ગુણો છે? તેનું શું લક્ષણ છે? તેનું
સ્વરૂપ મને કહો.
સાંભળ, હે બુદ્ધિમાન! સર્વજ્ઞના આગમમાં સાત તત્ત્વો કહ્યાં છે: જીવ–અજીવ,
આસ્રવ–બંધ, સંવર–નિર્જરા–મોક્ષ (પુણ્ય અને પાપ બંનેનો સમાવેશ આસ્રવમાં થઈ
જાય છે). જે ઉપયોગસ્વરૂપ છે, અને ઉપયોગરૂપ પોતાના ચૈતન્યપ્રાણથી ત્રણેકાળે સદા
જીવે છે–ટકે છે–તે જીવ છે. તે અમૂર્ત છે; અશુદ્ધદશામાં તે કર્મનો કર્તા–ભોક્તા છે,
શુદ્ધદશામાં તે કર્મનો કર્તા–ભોક્તા નથી, પોતાના આનંદાદિ સ્વધર્મનો જ કર્તા–ભોક્તા
છે. તેનામાં સંકોચવિસ્તાર થવાની લાયકાત હોવા છતાં તે કાયમ લોક જેટલા
અસંખ્યપ્રદેશી જ રહે છે. આવા જીવો જગતમાં અનંત છે. સંસારદશા અને સિદ્ધદશા
એવી બે અવસ્થાઓ રૂપે તે પરિણમે છે. સંસારદશાનું કારણ પુણ્ય–પાપ–આસ્રવ ને બંધ
છે. મોક્ષદશાનું કારણ સંવર ને નિર્જરા છે.
–આ પ્રમાણે સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે તત્ત્વનું સ્વરૂપ જાણવું જોઈએ.
અજીવ તત્ત્વના પાંચ ભેદ છે–
પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
પુદ્ગલ–પરમાણુઓ અનંતાનંત છે; મૂર્તિક છે એટલે સ્પર્શ–રસ વગેરે સહિત છે.
આઠકર્મ શરીર વગેરે પુદ્ગલની રચના છે.
ધર્મ–અધર્મ તે બંને એકેક દ્રવ્ય છે; અમૂર્ત છે; લોકવ્યાપક અસંખ્યપ્રદેશી છે.
આકાશ અમૂર્ત છે, ક્ષેત્રસ્વભાવી સર્વવ્યાપક છે, અનંતાનંત પ્રદેશી છે.

PDF/HTML Page 26 of 37
single page version

background image
: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૨૩ :
કાળ અમૂર્ત છે, એક જ પ્રદેશી છે. લોકમાં સર્વત્ર એકેક પ્રદેશે એકેક કાલાણુદ્રવ્ય
રહેલું છે.
જીવ–પુદ્ગલ સિવાયના ચારે દ્રવ્યો સદા સ્થિર રહેનારાં છે. જીવ અને પુદ્ગલો
હલન–ચલન કરનારાં છે.
છએ દ્રવ્યો પોતપોતાનાં અનંત સ્વધર્મસહિત કાયમ ટકીને, પ્રતિક્ષણ
પરિણમનશીલ છે, એટલે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યસ્વભાવી છે; કોઈ એ બનાવ્યા વગરનાં
સ્વતંત્ર સત્ સ્વભાવી છે.
ચતુરપુરુષોને જૈનસિદ્ધાંત–અનુસાર આવા તત્ત્વોનું સાચું જ્ઞાન થાય છે.
કર્મના આસ્રવમાં સૌથી મુખ્ય કારણ મિથ્યાત્વ છે; તેનાથી જીવ સંસારમાં રખડે
છે, ને દુઃખને અનુભવે છે. આવેલાં કર્મોની સ્થિતિ તે બંધ છે; અને કર્મોનું ખરી જવું તે
નિર્જરા છે.
સર્વ કર્મના સંબંધ રહિત, જીવની પૂર્ણ શુદ્ધદશા તે મોક્ષ છે; તે મહા આનંદરૂપ છે.
મોક્ષ પામેલા જીવ ચારગતિના ભવમાં કદી અવતરતા નથી, અનંતકાળ સુધી સદાય
મોક્ષ–સુખને જ અનુભવે છે. તેમનું સુખ સ્વભાવિક છે, ઉત્કૃષ્ટ છે, અનુપમ છે, અનંત
છે, અછિન્નપણે નિરંતર રહેનારું છે.–અહો! તે મોક્ષસુખ સંતો દ્વારા મહા પ્રશંસનીય છે,
ઈષ્ટ છે.
–આવા તત્ત્વોને જાણીને હે જીવો! તમે સમ્યગ્દર્શન કરો.
જો મિથ્યાત્વાદિ પાપ ન રોકાય, કે નષ્ટ ન થાય, તો વ્રત–તપ–ચારિત્રનું પાલન
કે જ્ઞાનની વૃદ્ધિ–એ બધું વ્યર્થ, કલેશરૂપ છે.
જગતમાં જીવને તે જ સાચો મિત્ર છે તથા તે જ સાચો બંધુ છે કે જે તેને
ધર્મસેવનમાં સહાયક થાય છે. ધર્મસેવનમાં જે વિઘ્ન કરનારા છે તે તો શત્રુ છે.
અહા, મુનિરાજ ભવ્યજીવોને ધર્મોપદેશરૂપી હાથનો સહારો દઈને પાપના મોટા
સમુદ્રથી પાર કરે છે ને મોક્ષના માર્ગમાં લગાવે છે, તેઓ જ આ જીવના ખરા બાંધવ છે.
વધારે શું કહીએ! થોડામાં એટલું સમજી લ્યો કે જગતમાં જે કાંઈ બુરું છે–દુઃખ
છે–દરિદ્રતા છે–નિંદા–અપમાન–રોગ–આધિ–વ્યાધિ છે તે બધુંય પાપથી જ ઉત્પન્ન થાય છે.

PDF/HTML Page 27 of 37
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
–માટે હે બુદ્ધિમાન! જો તું એ દુઃખોથી બચવા ચાહતો હો, ને સ્વર્ગ–મોક્ષના
સુખને ચાહતો હો, તો બુદ્ધિપૂર્વક હિંસાદિ પાપોને છોડ....ને ઉત્તમક્ષમાદિ ધર્મોનું
સેવન કર.
જીવોને દેવ–ગુરુ–શાસ્ત્રની સેવાનો ભાવ, સંસારથી વિરક્તિ અને મોક્ષમાર્ગ
સાધવાનો ઉત્સાહ,–રત્નત્રયની ભાવના, કોઈ મહાન સદ્ભાગ્યથી જ પ્રાપ્ત થાય છે.
અહા, હૃદય સદાય વૈરાગ્યથી ભરપૂર રહેવું, જ્ઞાનના અભ્યાસમાં સદા તત્પરતા રહેવી,
સર્વે જીવો પ્રત્યે સમભાવ રહેવો–એ ત્રણ વાત મહાભાગ્યવાન જીવને જ પ્રાપ્ત થાય છે.
સમ્યગ્દર્શન વગરનાં દાન કે વ્રતથી ઉત્તમ પુણ્ય થતાં નથી, કે મોક્ષસાધન પણ
થતું નથી–એમ ભગવાન જિનદેવે કહ્યું છે; માટે હે ભવ્યજીવ! તું મોક્ષને માટે
સત્યજ્ઞાનનો અભ્યાસ કરીને પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કર. માત્ર પુણ્યના હેતુમાં
ન અટક.
જે મુનિરાજ મોક્ષની પ્રાપ્તિમાં લાગ્યા રહે છે અને ઉત્તમજ્ઞાન–ચારિત્રથી સદા
સુશોભિત રહે છે તેઓ, સંસાર વધારનારા પુણ્યને કદી ઈચ્છતા નથી.
સર્વજ્ઞકથિત જીવાદિ સાતતત્ત્વોની શ્રદ્ધા કરવાથી જીવને શંકાદિ સર્વદોષથી રહિત
અને સુખથી ભરપૂર એવું સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. હે ભવ્યજીવ! આ સમ્યગ્દર્શન
સર્વે તત્ત્વોમાં સારભૂત છે, અનેક દેવો તેની સેવા કરે છે, તે અતિશય વિશાળ–ગંભીર
છે; અનંત જ્ઞાનાદિ પરમ ગુણોથી પવિત્ર, સર્વદોષરહિત અને સમસ્ત લોકાલોકના
પ્રકાશક એવા તીર્થંકરપરમદેવે પણ સમ્યગ્દર્શનની પ્રશંસા કરી છે. માટે મોક્ષને અર્થે તું
પણ નિઃશંકતાસહિત સમ્યગ્દર્શનનું સેવન કર...તેને અકંપપણે ધારણ કર. (ચાલુ)
જે શાંત અનાકુળ ચૈતન્યરસપણે સ્વાદમાં આવે તે જ
આત્મા છે. તે જ ધર્મીનું સ્વ છે. તે જ જ્ઞાનીની અનુભૂતિનો વિષય
છે; અને જે આકુળતાપણે વિકારપણે સ્વાદમાં આવે તે આત્મા
નથી, તે ધર્મીનું ‘સ્વ’ નથી, તે જ્ઞાનીની અનુભૂતિથી બહાર રહી
જાય છે. જુઓ, આ ભેદજ્ઞાન! અનુભવ વડે પરભાવોથી આવું
ભેદજ્ઞાન થાય ત્યારે ધર્મની શરૂઆત થાય.

PDF/HTML Page 28 of 37
single page version

background image
: જેઠ : રપ૦૦ આત્મધર્મ : ૨૫ :
તારી હઠ છોડીને, અમે કહીએ છીએ તે રીતે આત્માને
અનુભવમાં લે....તને અપૂર્વ આનંદ થશે.


અનુભૂતિ વગરનો આત્મા શોભતો નથી; આત્મા પોતાની
અનુભૂતિ સહિત જ શોભે છે...અનુભૂતિ કરવા માટે છ મહિના
તેની પાછળ લાગ તો જરૂર તને તેની સાક્ષાત્ પ્રાપ્તિ થશે. અત્યારે
તેનો અવસર છે.
ચૈતન્યસ્વરૂપી આત્મા, અને રાગાદિ અન્યભાવો, તે બંનેનું અત્યંત સ્પષ્ટ
ભેદજ્ઞાન કરાવીને આચાર્યદેવ કહે છે કે હે જીવ! આવું સ્પષ્ટ ભેદજ્ઞાન કરીને હવે તું
મિથ્યાભાવોથી વિરમ! જડ–ચેતનની એકત્વબુદ્ધિની તારી હઠને હવે તું છોડી દે, અને
જડથી ભિન્ન ચૈતન્યતત્ત્વને તારા અંતરમાં દેખીને તું આનંદિત થા.
દેહ–કર્મ–રાગાદિ તેને આત્મા સાથે એકમેક માનવા–અનુભવવા તે મિથ્યાત્વરૂપ
હઠ છે, કેમકે તે આત્મારૂપ થતા તો નથી છતાં હઠથી અજ્ઞાની તેને આત્મા માને છે.
અનાદિથી તે હઠથી તું દુઃખી થયો. અરે, હવે અમે તને સર્વપ્રકારે તે દેહાદિથી જુદું તારું
ચૈતન્યતત્ત્વ બતાવ્યું, તેને અનુભવતાં અતીન્દ્રિયસુખ થાય છે તે પણ બતાવ્યું, તો હવે
તું હઠ છોડીને, ખુશી થઈને–પ્રસન્ન થઈને, તારા ચૈતન્યસ્વરૂપ આત્માનું સ્વસંવેદન કર;
દેહ અને રાગ વગરના ચૈતન્યની ઉપલબ્ધિથી તને પરમ અપૂર્વ આનંદ થશે. તને
પોતાને તેની ખબર પડશે કે વાહ! આવું શુદ્ધ ચૈતન્યતત્ત્વ પૂર્વે કદી સ્વાદમાં નહોતું
આવ્યું, ચૈતન્યભાવની આવી અપૂર્વ શાંતિ પૂર્વે કદી અનુભવમાં નહોતી આવી,–આમ
મહાન આનંદસહિત તને ભેદજ્ઞાન થશે. જ્ઞાનનો વિલાસ આનંદરૂપ છે. જેમાં આનંદનો
સ્વાદ ન આવે એને તે જ્ઞાન કોણ કહે?
અરેરે જીવ! તને તારા સ્વરૂપની અપ્રાપ્તિ–એ તે કાંઈ શોભે છે? આત્મા તો
પોતાની અનુભૂતિસહિત જ શોભે; અનુભૂતિ વગરનો આત્મા શોભતો નથી. આત્માનો
રસ લગાડીને છ મહિના તું તેના ભેદજ્ઞાનનો અભ્યાસ કર, તો તને તેની પ્રાપ્તિ થયા

PDF/HTML Page 29 of 37
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
વગર રહેશે નહિ; તેની પાછળ લાગ તો છ મહિના પહેલાંં તેની પ્રાપ્તિ જરૂર થશે.
અંતરમાં તેની પ્રાપ્તિ થતાં તારા ચૈતન્યનો અપૂર્વ વિલાસ તને સાક્ષાત્ દેખાશે, ને તેનું
અતીન્દ્રિયસુખ અનુભવમાં આવશે.
આત્મતત્ત્વ કાંઈ એવું તો નથી કે અનુભવમાં તેની પ્રાપ્તિ ન થાય! અનંતા જીવો
તેનો પ્રગટ અનુભવ કરીકરીને સિદ્ધપદને પામ્યા છે; વર્તમાનમાં પણ તેનો પ્રગટ
અનુભવ કરનારા જીવો છે; તેનો તને કહે છે કે હે જીવ! આવા આત્માનો અનુભવ તું
પણ કર. તે અનુભવ થઈ શકે તેવો છે. તે અનુભવની રીત અમે તને બતાવી, તો હવે તું
પરમ ઉત્સાહથી તેનો અભ્યાસ કર, જગતની બીજી બધી ચિંતા છોડીને નિશ્ચિંતપણે તેની
અંતરશોધમાં લાગી જા...તો અલ્પકાળમાં જ તને જરૂર તારા આત્માનો અનુભવ થશે...
કોલકરારથી કહીએ છીએ કે આ રીતે કરવાથી આત્માનો અનુભવ થશે...થશે ને થશે. ન
થાય એવી વાત જ નથી. અરે પોતાનું સ્વરૂપ, તેના અનુભવ વગર જીવવું–એ તે કાંઈ
તને શોભે છે? નથી શોભતું. તો હવે શ્રીગુરુની દેશના પામીને તે અનુભવ કરવાનો આ
અવસર છે, માટે તેની પાછળ એવો એકાગ્ર થઈને લાગ–કે છ મહિના પણ ન લાગે, ને
તરત આત્માનો અનુભવ થાય. ભાઈ, અત્યારે આત્માનો અનુભવ નહિ કર તો ક્્યારે
કરીશ? અનંતકાળના ભવદુઃખથી આત્માને છોડાવવાનો આ અવસર છે, તું આ
અવસરને ચુકીશ નહીં. આત્માના અપૂર્વ સુખને પામવાનો અવસર છે. તો હવે
સર્વપ્રકારે નિશ્ચિત થઈને આત્માની શાંતિને સાધવામાં જ તારી બધી શક્તિને જોડ.
કઠણ તો છે; પણ થઈ શકે તેવું છે. અવશ્ય તને તેની પ્રાપ્તિ થશે. અમે અંતરમાં તેની
પ્રાપ્તિ કરીને તને કહીએ છીએ કે તું પણ આ રીતે તારા અંતરમાં તેની પ્રાપ્તિ કર.
આત્મા પોતે પોતાના સ્વસંવેદનથી અનુભવમાં આવે–એવો તેનો સ્વભાવ જ
છે. બાપુ! તારા ઘરની વાત તને કેમ ન રુચે? ને તારાથી કેમ ન થાય? તેને રુચિમાં
લઈને એવો પ્રયત્ન કર કે થોડા જ કાળમાં પ્રગટ અનુભવ થાય.–પણ અનુભવ માટે
વચ્ચે બીજી વાત લાવીશ મા; જગતની ચિંતા છોડીને, નિભૃત–નિશ્ચલ–નિશ્ચિંત થઈને
ચૈતન્યના રસનો સ્વાદ લેવામાં એકાગ્ર થઈને અત્યંત રસથી, તેમાં લાગ્યો રહેજે,–તો
જરૂર તને ચૈતન્યરસનો પ્રગટ સ્વાદ આવશે. ને જડ સાથે તથા રાગ સાથે
એકતાબુદ્ધિનો તારો મોહ ક્ષણમાં છ્રૂટી જશે. રાગાદિથી અત્યંત ભિન્ન તારો
ચૈતન્યવિલાસ દેખીને તને મહા આનંદ થશે કે વાહ! મારું તત્ત્વ આવું અદ્ભુત! આવું
સુંદર! આવું શાંતરસથી ભરેલું!–રાગાદિવિકલ્પની જાત જ મારાથી તદ્ન જુદી છે.–આવું

PDF/HTML Page 30 of 37
single page version

background image
: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૨૭ :
તારામાં પ્રગટ દેખીનું તું ન્યાલ થઈ જઈશ: ને તને એમ થશે કે–
“વાહ! શ્રીગુરુએ મારું ચૈતન્યતત્ત્વ બતાવીને પરમ ઉપકાર કર્યો.”
સમાધિમરણ માટે આત્માની આરાધના કરવાનો
વૈરાગ્યરસઝરતો ઉત્તમ ઉપદેશ
શ્રી પંચપરમેષ્ઠી–ગુરુઓએ એમ બતાવ્યું કે હે ભવ્ય! જે આ જ્ઞાનસ્વરૂપ તારો
આત્મા છે તેમાં જ પંચપરમેષ્ઠીપદ બિરાજે છે. પંચપરમેષ્ઠીનાં જે કેવળજ્ઞાનાદિ ગુણો, તે
ગુણોનું પરિણમન આત્મામાં જ થાય છે, આત્મા જ એવી દશારૂપે પરિણમે છે.–માટે
આવા આત્માને જાણીને તેનું જ શરણ તું લે. આત્માશ્રિત પરિણમન વડે મુનિદશા,
અરિહંત–કેવળજ્ઞાનદશા ને સિદ્ધદશા પ્રગટ થઈ જશે. પંચપરમેષ્ઠીપદ આત્માની દશા છે,
તેને બહારમાં ન શોધ; તે દશા થવાની તાકાત જેમાં ભરી છે એવા આત્મામાં જ શોધ.
આવો આત્મા જ પરમાર્થે શરણરૂપ છે. તારાથી બહાર બીજા પંચપરમેષ્ઠીનું શરણું
ખરેખર તને નથી, તેમનું શરણું તો વ્યવહારથી છે, તેમના આશ્રયે તો શુભરાગની
ઉત્પત્તિ થશે, કાંઈ મોક્ષની ઉત્પત્તિ નહિ થાય. મોક્ષ તો સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે.
પરદ્રવ્યાશ્રિત અશુદ્ધતા ને સ્વદ્રવ્યાશ્રિત શુદ્ધતા,–જૈનધર્મનો આ મહાન સિદ્ધાંત છે;
એટલે મોક્ષમાર્ગ સ્વદ્રવ્યના આશ્રયે જ સધાય છે; મોક્ષના હેતુરૂપ સમ્યગ્દર્શનાદિ કોઈ
પણ ગુણ પરના આશ્રયે સધાતો નથી.
જુઓ તો ખરા, આ વીતરાગશાસન! પરથી અત્યંત નિરપેક્ષ, ને સ્વદ્રવ્યમાં
સર્વથા અંતર્મુખ–એવો વીતરાગપંથ છે. માટે સ્વસન્મુખ થઈને શુદ્ધાત્માને ધ્યાવવો
અનુભવવો;–એમ કરવાથી આત્મા પોતે જ પંચપરમેષ્ઠીપદરૂપે પરિણમી જાય છે.
પરમઈષ્ટપદ એવો જે આત્મસ્વભાવ, તેમાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે એકાગ્ર થઈને જે ઠર્યો
તે પોતે પરમેષ્ઠી છે.–
અરિહંત–સિદ્ધ–આચાર્ય ને ઉપાધ્યાય–મુનિરાજ;
પંચપદ વ્યવહારથી, નિશ્ચયે આત્મામાં જ.
પંચપરમેષ્ઠીપદ એ કોઈ બાહ્ય ભેખમાં નથી રહેતું પણ આત્માની શુદ્ધપરિણતિમાં

PDF/HTML Page 31 of 37
single page version

background image
: ર૮ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
જ પંચપરમેષ્ઠીપદ છે, એટલે નિશ્ચયથી ધર્મીજીવ પોતાના આત્માને જ પરમેષ્ઠીસ્વરૂપે
ધ્યાવે છે; અને એવા સત્ ધ્યાનના ફળરૂપે તેને આનંદનો અનુભવ થાય છે.
અરે બાપુ! તારું ચૈતન્યતત્ત્વ પંચપરમેષ્ઠીપદથી ભરેલું...તેમાં ઊંડે ઊતરીને શાંતિ
શોધવાને બદલે તું બહારના રસમાં કેમ રોકાઈ ગયો! અંદર ઊંડોઊંડો ઊતરીને
આત્માની શાંતિનો જેણે અનુભવ કર્યો તેના અનુભવમાં પરમાર્થે પાંચે પરમેષ્ઠીનું ધ્યાન
થઈ ગયું. ‘સિદ્ધસમાન સદા પદ મેરો’ એમ ધર્મી પોતાના આત્માને જ સિદ્ધસ્વરૂપે શુદ્ધ
અનુભવે છે. અરે જીવ! આવું ઉત્તમ તત્ત્વ સાંભળીને તું તેની ભાવના કર...તેમાં ઊંડે
ઊતર...તો તને શાશ્વત રહેનારું ઉત્તમ સુખ થશે.
જ્યાં આત્મા પોતે શરણરૂપ થયો, પોતે મંગળરૂપ થયો, પોતે ઉત્તમ–પરમેષ્ઠીરૂપ
થયો, ત્યાં બીજા કોનું શરણ લેવું છે! દેહ જ્યારે વ્યાધિઓથી ઘેરાઈ જશે, શરીર
છૂટવાની તૈયારી થશે, બહારમાં નિંદા–અપજશ વગેરે થશે, ત્યારે કોનું શરણ લેવા
જઈશ? અંદર ચૈતન્યતત્ત્વ પોતે શાંતિરૂપ છે, તેમાં ઊતરીને તેનું જેણે શરણ લીધું, તે તો
ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે ચૈતન્યની શાંતિના નિર્વિકલ્પરસને પીતોપીતો આનંદસહિત
દેહ છોડી દે છે. વાહ, ધન્ય છે એ દશા! એની ભાવના કરવા જેવી છે. અરે, આવા
સ્વતત્ત્વની ભાવના છોડીને દુનિયાનું જોવા કોણ રોકાય? દુનિયા દુનિયામાં રહી,
પોતાના આત્માની ભાવનામાં તે ક્્યાં નડે છે! કે ક્્યાં મદદ કરે છે? દુનિયામાં નિંદા
થતી હોય તેથી આ જીવને સમાધિમરણમાં કાંઈ વાંધો આવી જાય–એમ નથી, તેમજ
દુનિયામાં વખાણ થતા હોય તેથી આ જીવને સમાધિમરણ કરવાનું સહેલું પડે–એમ પણ
નથી. પોતે પોતાના ચૈતન્યમાં અંતર્મુખ થઈને તેનું આરાધન કરે તેને જ સમાધિ થાય
છે. સમાધિ એટલે અંદરની અતીન્દ્રિય શાંતિનું વેદન પોતાના આત્મામાંથી આવે છે,
બહારથી નથી આવતું. માટે હે જીવ! તું સદાય તારા આત્માની સન્મુખ થઈને, તેની
ભાવના કર, તને ઉત્તમ આરાધનાસહિત મોક્ષસુખ પ્રાપ્ત થશે.
ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદનું મોટું ઝરણું છે.
એનું જેને માહાત્મ્ય થયું તેની દ્રષ્ટિમાંથી પરનું, વિકારનું કે
અલ્પતાનું માહાત્મ્ય ટળ્‌યું ને તેણે અનંત સુખના ધામ એવા
આત્મામાં વાસ કર્યો; તેણે સ્વઘરમાં ખરૂં વાસ્તુ કર્યું.

PDF/HTML Page 32 of 37
single page version

background image
: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૨૯ :
આપણા પરમ ઈષ્ટદેવ મહાવીરભગવાન...તેમના નિર્વાણમહોત્સવના આ
અઢીહજારમા મહાનવર્ષમાં તેમના પ્રત્યે પવિત્ર અંજલિરૂપ લેખમાળાનો આ
ત્રીજો લેખ છે. (ગતાંક થી ચાલુ)
(૩)
મહાવીર ભગવાને બતાવેલા માર્ગને સમજીને તેમાં ચાલવું–તે આપણું કર્તવ્ય છે.
ભગવાને જગતના પદાર્થો અનાદિઅનંત બતાવ્યા છે. હું પણ એક આત્મા અનાદિઅનંત
છું. મને કોઈએ બનાવ્યો નથી, તથા મારો કોઈ નાશ કરનાર નથી. હું મારા જ આશ્રયે
રહીને મારું કલ્યાણ કરી શકવાની તાકાતવાળો છું.–આવો નિર્ણય તે આપણું પહેલું કર્તવ્ય છે.
ભગવાન મહાવીર આત્મજ્ઞાની, ગંભીર, વૈરાગ્યવંત અને નિર્ભય હતા. ડરવાનું
તો તેઓના સ્વભાવમાં જ ન હતું. તેઓ વિવેકી અને શૂરવીર મહાપુરુષ હતા. તેમને
ઓળખીને તેઓ જે માર્ગે ગયા તે માર્ગે આપણે જવાનું છે.
રાજકુમાર વર્દ્ધમાન યુવાન થતાં અનેક રાજવીઓ પોતાની રાજકન્યાના તેમની
સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ લઈને આવ્યા; એકના એક લાડીલા કુંવરને પરણાવીને
લહાવો લેવાની માતા–પિતાને પણ ઘણી હોંશ હતી; માતા–પિતાએ ઘણું કહ્યું; પણ જે
વૈરાગી મહાત્માનું ચિત્ત મોક્ષસુંદરીને સાધવામાં લાગેલું હોય તે બીજી કન્યા સાથે લગ્ન
કરીને સંસારમાં કેમ પડે? ન મહાવીરે લગ્ન કર્યા, કે ન સંસારમાં રહ્યા, તેમણે તો
મોક્ષસુંદરીને વરવાની દીક્ષા લઈને સંસાર છોડી દીધો...રાજપાટ છોડી દીધા ને મુનિ
થયા. આ રીતે ભગવાન મહાવીરે આત્મસાધક જીવોને માટે એક મહાન આદર્શ આપ્યો.
આત્માના સાધકને સંસારપ્રસંગ તો જેટલો ટૂંકો થાય તેટલો સારો. આત્માર્થીએ તો
આત્માને સાધવામાં જ બધી શક્તિ કેન્દ્રિત કરવી જોઈએ. મહાવીરની માફક સંસારસુખ
છોડીને આત્મસુખ મેળવવું તે આપણું કર્તવ્ય છે.
મુનિરાજ મહાવીર આત્મધ્યાનવડે સર્વજ્ઞ થયા...સર્વજ્ઞ થયા પછી તેમણે દિવ્ય
ઉપદેશવડે જે અદ્ભુત આત્મતત્ત્વ સમજાવ્યું, તે સમજીને, ગૌતમ ઈન્દ્રભૂતિ–અગ્નિભૂતિ–
વાયુભૂતિ વગેરે કેટલાય જીવો સર્વજ્ઞ થયા ને મોક્ષ પામ્યા; પછી સુધર્મસ્વામી, જંબુસ્વામી

PDF/HTML Page 33 of 37
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
વગેરે કેટલાય જીવો પણ સર્વજ્ઞ થઈને મોક્ષ પામ્યા. ત્યારપછી આજસુધીના અઢીહજાર
વર્ષમાં તો, ભદ્રબાહુ–શ્રુતકેવળી, માઘનંદી, ધરસેન, ગુણધર, પુષ્પદંત–ભૂતબલી,
જિનસેન, કુંદકુંદસ્વામી, ઉમાસ્વામી, સમંતભદ્રસ્વામી, પૂજ્યપાદસ્વામી,
નેમિચંદ્રસિદ્ધાંતચક્રવર્તી, વીરસેનસ્વામી, અકલંકસ્વામી, વિદ્યાનંદીસ્વામી,
અમૃતચંદ્રસ્વામી, પદ્મપ્રભસ્વામી વગેરે કેટલાય શ્રુતધારી મહાન સંતો વીરપ્રભુના
જિનશાસનમાં પાકયા; તે સંતોએ મોક્ષમાર્ગ સાધીને જિનશાસનને શોભાવ્યું, ને
આપણા માટે પણ મોક્ષમાર્ગનો અમૂલ્ય વીતરાગીવારસો મુકતા ગયા. અહા, આપણા
કેવા મહાભાગ્ય...કે વીરપ્રભુનો આવો અદ્ભુત વારસો આપણને મળ્‌યો! તે સમજીને
તેનો મહાન લાભ આપણે લેવાનો છે.
ભગવાન મહાવીરના શાસનમાં વસ્તુસ્વરૂપના જે સિદ્ધાંત સમજાવ્યા છે
તેમાંથી થોડાક નીચે પ્રમાણે છે–
* આ જગતમાં ચેતનસ્વરૂપ આત્મા, અને ચેતન વગરના જડ પદાર્થો છે.
તે બધા પદાર્થો જુદેજુદા પોતપોતાના સ્વભાવ–ધર્મોમાં જ રહે છે.
* આત્માઓ અનંતા છે; તે દરેક આત્મા જુદેજુદા છે; સ્વભાવથી બધા સરખા છે,
નાના કે મોટા નથી. અવસ્થામાં નાના–મોટાપણું દેખીને કોઈ ઉપર રાગ–દ્વેષ
કરવા નહીં. આજનો નાનો આત્મા પણ, કાલે પોતાના સ્વરૂપને સાધીને મોટો
પરમાત્મા બની શકે છે.
* મહાવીરપ્રભુ જેવા આત્માના મહાન સ્વભાવને ઓળખીને આપણે પુરુષાર્થ
કરીએ તો આપણે પણ ભગવાન થઈ શકીએ.–આવો લાભ આપણને મહાવીર
ભગવાનની ઓળખાણથી થાય છે.
* ‘ભગવાન’ તે કાંઈ આત્માથી કોઈ જુદા હોતા નથી. જે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર કરે તે આત્મા પોતે ભગવાન થઈ જાય છે. જગતમાં ભગવાન એક જ
નથી પણ અનંતા છે; ને ભગવાન થવાનો માર્ગ સદાય ખુલ્લો છે; એટલે
આત્માને ઓળખીને જીવો નવા ભગવાન બની શકે છે. મહાવીરની માફક
આપણે પણ પુરુષાર્થ કરીએ તો ભગવાન બની શકીએ.
* ભગવાન જગતની કોઈ પણ વસ્તુના કર્તા–હર્તા નથી; ને તેમને કોઈ પ્રત્યે રાગ–
દ્વેષ નથી; તેઓ તો વીતરાગભાવે પોતાના જાણકસ્વભાવમાં રહીને, સદાકાળ
ચૈતન્યસુખમાં લીન રહે છે. તેમને દુઃખ કે અવતાર હોતાં નથી. તેઓ જગતને
બનાવતા નથી કે નાશ

PDF/HTML Page 34 of 37
single page version

background image
: જેઠ : ૨૫૦૦ આત્મધર્મ : ૩૧ :
પણ કરતા નથી; જગતને તેઓ માત્ર જાણે છે. જગતની કોઈપણ વસ્તુને
ભગવાને બનાવી એમ કહેવું તે બહુ મોટી ભૂલ છે. જેમ ભગવાન જગતના
કર્તા–હર્તા નથી તેમ આપણો જીવ પણ પોતાના ભાવ સિવાય જગતમાં બીજાનો
કર્તા–હર્તા નથી,–એમ આપણે ઓળખવું જોઈએ. આવી ઓળખાણથી મોહનો
નાશ થઈને વીતરાગભાવ પ્રગટે છે, તે અપૂર્વ ભાવ છે.
* જાણવાનો આપણા આત્માનો સ્વભાવ છે, પણ ક્રોધાદિ કષાય કરવાનો
આત્માનો સ્વભાવ નથી. ક્રોધમાં દુઃખ છે, પણ જાણવામાં દુઃખ નથી; જાણવાના
સ્વભાવમાં તો સુખ અને શાંતિ છે. આમ જ્ઞાનને અને કષાયને તદ્ન જુદા
ઓળખીને ભેદજ્ઞાન કરવું તે ધર્મની રીત છે.
* જે જીવ આવું ભેદજ્ઞાન કરે, ને કષાયોને દુઃખરૂપ જાણે, તે જીવ હિંસા–જુઠું–ચોરી–
મૈથુન કે પરિગ્રહ વગેરે પાપભાવોને કદી આદરે નહિ; તેમજ શુભરાગના
કષાયભાવોને પણ તે સારા સમજે નહિ; કષાય વગરનું પોતાનું જ્ઞાન જ સૌથી
સારૂં છે, તેમાં જ શાંતિ ને સુખ છે,–એમ સમજીને જ્ઞાનના અનુભવથી તે
મોક્ષસુખને પામે છે.
આ રીતે રાગવગરના જ્ઞાનનો અનુભવ તે ભગવાન મહાવીરનો માર્ગ છે.
[“ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम्।” સમયસાર]
* “મહાવીર–પરિવાર”માં બીજાં અનેક નામો આવ્યાં છે, તે આવતા અંકમાં આપીશું.
ગતાંકમાં સૂચવેલા છ બોલનું પાલન કરવાનું આપ પણ હોંશથી સ્વીકારો ને જીવનમાં
નવીન ભાવ પ્રગટાવવાનો લહાવો લ્યો. ‘વહેલો તે પહેલો’–તે ન્યાયે આત્મધર્મમાં
અઢીહજાર નામ છપાશે, ત્યારપછી આવેલા વધુ નામો નહિ છપાય. છ બોલનું પાલન
કરવાની સ્વીકૃતિ (મોટા કે નાના, બહેન કે ભાઈ સૌ) નીચેના સરનામે લખો:
સંપાદક આત્મધર્મ, સોનગઢ સૌરાષ્ટ્ર 364250.
* મહાવીર ભગવાનના નિર્વાણમહોત્સવના ૨૫૦૦ મા આ મહાન વર્ષમાં આપણે સૌએ
સાથે હળીમળીને, આત્મહિત માટે ઘણુંઘણું કરવાનું છે, ને જૈનધર્મના ઊજ્વળ ઝંડાને
જગતમાં સૌથી ઊંચે ફરકાવવાનો છે.
* બાલવિભાગ, વાંચકો સાથે વાતચીત, તેમજ બીજા લેખો આ અંકમાં આપી શક્્યા
નથી, તે આગામી અંકમાં આપીશું. આપના વિચારો, પ્રશ્નો, ભાવનાઓ લખી મોકલો.

PDF/HTML Page 35 of 37
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૦
ગઢડા શહેરમાં જિનમંદિરમાં પાર્શ્વનાથ ભગવાનની વેદીપ્રતિષ્ઠા ગત
વૈશાખ વદ બીજે હર્ષોલ્લાસપૂર્વક થઈ ગઈ, તેના ટૂંકા સમાચાર ગતાંકમાં આપી ગયા
છીએ. વિશેષમાં, ગુરુદેવ વૈશાખ સુદ ૧૪ ગઢડા પધાર્યા ત્યારે ભવ્યસ્વાગત થયું;
જિનેન્દ્રભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી. વાહનવહેવારની મુશ્કેલીઓ છતાં સાતસો
જેટલા મહેમાનોએ આવીને ઉત્સવ શોભાવ્યો હતો; તે ઉપરાંત ગઢડાના જૈન–જૈનેતરોનો
પણ સહકાર સારો હતો. દશ ઈન્દ્રોની સ્થાપના થઈ હતી, જેમાં પ્રથમ ઈન્દ્ર ભાઈશ્રી
મનહરલાલ ધીરજલાલ (સુરત) હતા. ઝંડારોપણ વિધિ ભાઈશ્રી જયંતિલાલ હરિચંદ
કામદાર (પ્રમુખ) ના હસ્તે થઈ હતી. મૂળનાયક પાર્શ્વનાથભગવાનને વેદી પર
બિરાજમાન કરવાનો લાભ આફ્રિકાવાળા ભાઈશ્રી જેઠાલાલ દેવરાજે લીધો હતો. કળશ
તથા ધ્વજારોહણનો લાભ અનુક્રમે મદ્રાસવાળા કાન્તિલાલ અમીચંદ કામદારે તથા
સુરતના મનહરલાલ ધીરજલાલે લીધો હતો. પ્રવચનમાં સમયસારની ૭૨ મી ગાથા
વંચાણી હતી, ને ઘણા જિજ્ઞાસુઓ લાભ લેતા હતા.
વઢવાણ શહેરમાં બીજા ભવ્ય દિ. જૈનમંદિરના શિલાન્યાસનું મુહૂર્ત
અષાડ સુદ ૮ ગુરુવાર તા. ૨૭–૬–૭૪ ના રોજ કરવાનું નક્કી થયું છે.
* ગતાંકમાં પૃ. ૩૯ ઉપરના લેખમાં નામ આ પ્રમાણે સુધારીને વાંચવું–
ગાંધી ચેતનાબેન તથા પ્રજ્ઞાબેન (નંદલાલ દામોદરદાસ) બોટાદ.
પ્રવચનમાંથી આત્મબોધપ્રેરક પચ્ચીસી
આત્મહિતની પ્રેરણા આપતાં શ્રીગુરુ વારંવાર કહે છે કે–
૧. અહો, આ તો અંદરના ઊંડા મહા સુંદર ચૈતન્યતત્ત્વની વાત છે.
૨. આવા મહાન આત્માનો અનુભવ કરવો તે ધીરા પુરુષોનું કામ છે.
૩. હે જીવ! આત્માનો અનુભવ કરવાના આ ટાણે તું બહારના ઝગડામાં અટકીશ નહિ.
૪. અરે, હિતનું આવું ટાણું મળ્‌યું ત્યારે તારી શક્તિને જ્યાંત્યાં વેડફી દઈશ મા.
૫. આવો સરસ માર્ગ અત્યારે તને મળ્‌યો છે તો દુનિયા સામે જોવા રોકાઈશ મા.
૬. આ તો જેણે પોતાના આત્માનું કામ કરવું હોય–તેને માટે વાત છે.

PDF/HTML Page 36 of 37
single page version

background image
૭. પોતાના ગુણનું ફળ પોતામાં આવે છે,–બીજાને બતાવવાનું શું કામ છે?
૮. દુનિયા ન ઓળખે તેથી કાંઈ ધર્મીને પોતાના ગુણનું ફળ ચાલ્યું જતું નથી.
૯. અને દુનિયા ઘણા વખાણ કરે તેથી કાંઈ પોતાને લાભ થઈ જતો નથી.
૧૦. તીર્થંકરોનો મહા દુર્લભમાર્ગ મહાભાગ્યે તારા હાથમાં આવ્યો છે, તો
ચુકીશ મા.
૧૧. સુખના અખૂટ ભંડાર ભર્યા છે...તેમાંથી જોઈએ તેટલું સુખ લેને!
૧૨. અરે, પોતાના સુખના ભંડાર છોડીને મફતનો દુઃખી શા માટે થાય છે?
૧૩. દુઃખ તો બહુ ભોગવ્યા...હે જીવ! હવે બસ કર! હવે સુખનો સ્વાદ લે.
૧૪. તારા ચૈતન્યના અદ્ભુત શાંતરસને ચાખવા માટે બાહ્યવૃત્તિનો રસ છોડ.
૧૫. પરને જાણવાનો રસ છે તેને બદલે આત્માને જાણવાનો રસ કર.
૧૬. આત્માનો શાંતરસ ઘણો ગંભીર છે, તેને જાણવા સર્વથા અંતર્મુખ થા.
૧૭. સંતો તને ‘ભગવાન’ કહીને બોલાવે છે; તને પામરપણું શોભતું નથી.
૧૮. નજીવી વાતમાં રાગ–દ્વેષથી હર્ષિત કે ખેદિત થઈ જઈશ તો આત્માને
ક્યારે સાધીશ?
૧૯. એકવાર ચૈતન્યનો, રાગવગરનો શાંતરસ ચાખ...તો જગતના બીજા
બધાનો રસ છૂટી જશે.
હે જીવો! આત્મબોધ વડે તત્કાળ આવો અનુભવ કરો.
(ઈતિ આત્મબોધપ્રેરક પચ્ચીસી)

PDF/HTML Page 37 of 37
single page version

background image
ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 128
સોનગઢ આવ્યા...પરમાગમ–મંદિર જોયું ....અને–
એક સજ્જન ગૃહસ્થ પાલીતાણા તીર્થયાત્રા કરીને પાછા ફરતા હતા...વચ્ચે
સોનગઢ આવ્યું...દૂરથી ઊંચા ઊંચા ત્રણ શિખરોવાળું ભવ્યમંદિર દેખીને તે જોવાનું
મન થયું...અંદર જઈને પરમાગમ–મંદિર જોયું...શાંત રસઝરતા વીરનાથ ભગવાનને
દેખ્યા...યુરોપના મશીનથી આરસમાં ટંકોત્કીર્ણ લાલ–લીલા–સોનેરી અક્ષરવાળા
જિનાગમ પણ દેખ્યા...શાસ્ત્રરચના કરી રહેલા આચાર્યભગવંતોને પણ દેખ્યા...અહા,
શી ભવ્યતા! કેવા મજાના ભગવાન! ને કેવી સરસ જિનવાણી! કળામય સુશોભિત
પરમાગમ–મંદિર દેખીને તે સજ્જન યાત્રિક ભાઈ એવા ખુશી અને પ્રભાવિત થયા કે
આવું સરસ પરમાગમ–મંદિર બાંધનારા કારીગરો પ્રત્યે પણ તેમને પ્રેમ આવ્યો, ને
મંદિરમાંથી બહાર નીકળતાં જેટલા કારીગરો મળ્‌યા તે દરેકના હાથમાં પાંચ–પાંચ
રૂપિયાનું ઈનામ આપતા ગયા.
અહા, જે જિનાગમની બાહ્યશોભા દેખીને પણ સજ્જનોને આવો હર્ષ થાય,
તે જિનાગમનું અંતરંગ હાર્દ સમજતાં જ્ઞાનીઓને જે મહા આનંદ થાય–તેની તો
શી વાત!
“વાહ જિનાગમ વાહ! તમે તો આનંદના દાતાર છો.”
પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત ૩૬૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : જેઠ (૩૬૮)