Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 284-287.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 11

 

Page 154 of 181
PDF/HTML Page 181 of 208
single page version

અપ્રમત્તધ્યાન થઈ જાય છે, સહજપણે સ્વરૂપમાં લીન થઈ જાય છે.એમ વારંવાર મુનિરાજ પ્રમત્ત-અપ્રમત્ત દશામાં ઝૂલતા હોય છે. આવી મુનિરાજની નિદ્રા છે; તેઓ સામાન્ય માણસની જેમ કલાકોના કલાકો સુધી નિદ્રામાં ઘોર્યા ન કરે. અંતર્મુહૂર્ત સિવાય વધારે કાળ છઠ્ઠે ગુણસ્થાને મુનિરાજ રહેતા જ નથી. મુનિરાજને પાછલી રાતે ક્ષણવાર ઝોલું આવે, તે સિવાય તેમને ઝાઝી નિદ્રા જ ન આવે એવી તેમની સહજ અંતરદશા છે. ૨૮૩.

સવારમાં જેને રાજસિંહાસન ઉપર દેખ્યો હોય તે જ સાંજે સ્મશાનમાં રાખ થતો દેખાય છે. આવા પ્રસંગો તો સંસારમાં અનેક દેખાય છે, છતાં મોહમૂઢ જીવોને વૈરાગ્ય આવતો નથી. બાપુ! સંસારને અનિત્ય જાણીને તું આત્મા તરફ વળ. એક વાર તારા આત્મા તરફ જો. બહારના ભાવો અનંત કાળ કર્યા છતાં શાન્તિ ન મળી, માટે હવે તો અંતર્મુખ થા. આ સંસાર કે સંસારના સંયોગો સ્વપ્ને પણ ઇચ્છવા જેવા નથી. અંતરનું એક ચિદાનંદ તત્ત્વ જ ભાવના કરવા જેવું છે. ૨૮૪.

સ્વભાવને રસ્તે સત્ય આવે અને અજ્ઞાનને રસ્તે


Page 155 of 181
PDF/HTML Page 182 of 208
single page version

અસત્ય આવે. અજ્ઞાની ગમે ત્યાં જાય કે ગમે ત્યાં ઊભો હોય પણ ‘હું જાણું છુ’, ‘હું સમજું છુ’, ‘આના કરતાં હું વધારે છું’, આનાં ‘કરતાં મને વધારે આવડે છે’ વગેરે ભાવ તેને આવ્યા વગર રહેતા નથી. અજ્ઞાનીમાં સાક્ષીપણે રહેવાની તાકાત નથી.

જ્ઞાનીને ગમે તે ભાવમાં, ગમે તે પ્રસંગમાં સાક્ષીપણે રહેવાની તાકાત છે; બધા ભાવોની વચ્ચે પોતે સાક્ષીપણે રહી શકે છે. અજ્ઞાનીને જ્યાં હોય ત્યાં ‘હું અને ‘મારું કર્યું થાય છે’ એવો ભાવ આવ્યા વગર રહેતો નથી. જ્ઞાની બધેથી ઊઠી ગયો છે અને અજ્ઞાની બધે ચોંટ્યો છે. ૨૮૫.

આત્માનું પ્રયોજન સુખ છે. દરેક જીવ સુખ ઇચ્છે છે ને સુખને જ માટે ઝાવાં નાખે છે. હે જીવ! તારા આત્મામાં સુખ નામની શક્તિ હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ થાય છે. આત્માનું સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્રએ ત્રણે સુખરૂપ છે. આત્માનો ધર્મ સુખરૂપ છે, દુઃખરૂપ નથી. હે જીવ! તારી સુખ- શક્તિમાંથી જ તને સુખ મળશે, બીજે ક્યાંયથી તને સુખ નહિ મળે; કેમ કે તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે. તારી સુખશક્તિ એવી છે કે જ્યાં દુઃખ કદી


Page 156 of 181
PDF/HTML Page 183 of 208
single page version

પ્રવેશી શકતું નથી; માટે આત્મામાં ડૂબકી મારીને તારી સુખશક્તિને ઉછાળઉછાળ!! એટલે કે પર્યાયમાં પરિણમાવ, જેથી તને તારા સુખનો પ્રગટ અનુભવ થશે. ૨૮૬.

આજે શ્રી મહાવીર ભગવાનના નિર્વાણકલ્યાણકનો મંગળ દિવસ છે. મહાવીર પરમાત્મા પણ, જેવા આ બધા આત્મા છે તેવા આત્મા હતા; તેમને સત્સમાગમે આત્માનું ભાન થયું અને અનુક્રમે સાધનાના ઉન્નતિક્રમમાં ચડતાં ચડતાં તીર્થંકર થયા. જેમ ચોસઠપહોરી પીપર પીસતાં પીસતાં તીખી તીખી થતી જાય છે, તેમ આત્મામાં જે પરમાનંદ શક્તિરૂપે ભર્યો છે તે (સ્વસન્મુખતાના અંતર્મુખ) પ્રયાસ વડે બહાર આવે છે. મહાવીર ભગવાને, પોતાના આત્મામાં જે પૂર્ણ પરમાનંદ ભર્યો હતો તેને પોતે અનુક્રમે પ્રયાસ કરીને પ્રગટ કરી લીધો, મન, વાણી અને દેહથી છૂટું પૂર્ણ જ્ઞાનાનંદમય જે નિજ તત્ત્વ તેને પૂર્ણપણે સાધી લીધું.

જેમને પૂર્ણ પરમાનંદ પ્રગટ થઈ ગયો છે એવા પરમાત્મા ફરીને અવતાર લેતા નથી, પરંતુ જગતના જીવોમાંથી કોઈ જીવ ઉન્નતિક્રમે ચડતાં ચડતાં જગદ્ગુરુ ‘તીર્થંકર’ થાય છે. જગતના જીવોને ધર્મ પામવાની


Page 157 of 181
PDF/HTML Page 184 of 208
single page version

લાયકાત તૈયાર થાય છે ત્યારે એવું ઉત્કૃષ્ટ નિમિત્ત પણ તૈયાર થાય છે.

જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે શુભ ભાવ પણ આત્માને (વીતરાગતાનો) લાભ કરતો નથી. તે શુભ રાગ તૂટશે ત્યારે ભવિષ્યમાં વીતરાગતા ને કેવળજ્ઞાન થશે. મહાવીર ભગવાનનો જીવ પૂર્વે ત્રીજા ભવમાં નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ હતો. ત્યાં મુનિપણે સ્વરૂપરમણતામાં રમતા હતા ત્યારે, સ્વરૂપ- રમણતામાંથી બહાર આવતાં, એવો વિકલ્પ ઊઠ્યો કે અહા! આવો ચૈતન્યસ્વભાવ! તે બધા જીવો કેમ પામે? બધા જીવો આવો સ્વભાવ પામો. વાસ્તવિક રીતે એનો અર્થ એમ છે કેઅહા! આવો મારો ચૈતન્ય- સ્વભાવ પૂરો ક્યારે પ્રગટ થાય? હું પૂરો ક્યારે થાઉં? અંતરમાં એવી ભાવનાનું જોર છે, અને બહારથી એવો વિકલ્પ આવે છે કે ‘અહા’ આવો સ્વભાવ બધા જીવો કેમ પામે?’ એવા ઉત્કૃષ્ટ શુભ ભાવથી તેમને તીર્થંકર નામકર્મ બંધાઈ ગયું.

મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું પણ વાણી છાસઠ દિવસ પછી છૂટી. કેવળજ્ઞાન ત્રણ કાળ, ત્રણ લોક, સ્વ-પર સમસ્ત દ્રવ્યો તેમ જ તેમના અનંત ભાવોને યુગપદ એક સમયમાં હસ્તામલકવત્ અત્યંત સ્પષ્ટપણે જાણે છે. ભગવાને દિવ્યધ્વનિમાં કહ્યું છે


Page 158 of 181
PDF/HTML Page 185 of 208
single page version

કેઆત્મામાં અખંડ આનંદસ્વભાવ ભર્યો છે; જેમાં જ્ઞાનાદિ અનંત સ્વભાવ ભર્યો છે એવા ચૈતન્યમૂર્તિ નિજ આત્માની શ્રદ્ધા કરે, તેમાં લીનતા કરે, તો તેમાંથી કેવળજ્ઞાનનો આખો પ્રકાશ અવશ્ય પ્રગટ થાય.

મહાવીર ભગવાનનાં જે આ ગાણાં ગવાય છે તે તેમના જેવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે છે. તેવા સ્વરૂપને સમજે તો અત્યારે પણ એકાવતારીપણું પ્રગટ કરી શકાય છે. તેવા સ્વરૂપને જે પ્રગટ કરશે તે અવશ્ય મુક્તિને પામશે. ૨૮૭.


Page 159 of 181
PDF/HTML Page 186 of 208
single page version

પરમોપકારી પૂજ્ય સદ્ગુરુદેવ
શ્રી કાનજીસ્વામી વિષે
ભક્તિગીતો



Page 161 of 181
PDF/HTML Page 188 of 208
single page version

૧. શ્રી સદ્ગુરુદેવસ્તુતિ
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે, પરદ્રવ્ય નાતો તૂટે;

રાગદ્વેષ રુચે ન, જંપે ન વળે ભાવેંદ્રિમાં
અંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર
અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,
મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!


Page 162 of 181
PDF/HTML Page 189 of 208
single page version

૨. તુજ પાદપંકજ જ્યાં થયાં....
તુજ પાદપંકજ જ્યાં થયાં તે દેશને પણ ધન્ય છે;
એ ગામ
પુરને ધન્ય છે, એ માત કુળ જ વન્દ્ય છે. ૧.
તારાં કર્યાં દર્શન અરે! તે લોક પણ કૃતપુણ્ય છે;
તુજ પાદથી સ્પર્શાઈ એવી ધૂલિને પણ ધન્ય છે. ૨.
તારી મતિ, તારી ગતિ, ચારિત્ર લોકાતીત છે;
આદર્શ સાધક તું થયો, વૈરાગ્ય વચનાતીત છે. ૩.
વૈરાગ્યમૂર્તિ, શાંતમુદ્રા, જ્ઞાનનો અવતાર તું;
ઓ દેવના દેવેન્દ્ર વહાલા! ગુણ તારા શું કથું? ૪.
અનુભવ મહીં આનંદતો સાપેક્ષ દ્રષ્ટિ તું ધરે;
દુનિયા બિચારી બાવરી તુજ દિલ દેખે ક્યાં અરે? ૫.
તારા હૃદયના તારમાં રણકાર પ્રભુના નામના;
એ નામ ‘સોહં’ નામનું, ભાષા પરા જ્યાં કામ ના. ૬.
અધ્યાત્મની વાર્તા કરે, અધ્યાત્મની દ્રષ્ટિ ધરે;
નિજદેહ
અણુઅણુમાં અહો! અધ્યાત્મરસ ભાવે ભરે. ૭.

અધ્યાત્મમાં તન્મય બની અધ્યાત્મને ફેલાવતો;
કાયા અને વાણી
હૃદય અધ્યાત્મમાં રેલાવતો. ૮.
જ્યાં જ્યાં તમારી દ્રષ્ટિ ત્યાં આનંદના ઊભરા વહે;
છાયા છવાયે શાંતિની, તું શાંતમૂર્તે! જ્યાં રહે. ૯.
પાવન-મધુર-અદ્ભુત અહો! તુજ વદનથી અમૃત ઝર્યાં;
શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી, નિત્યે અહો! ચિદ્રસભર્યાં. ૧૦.
ગુરુક્હાન તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા;
ભવ ભવ રહો અમ આત્મને સાંનિધ્ય આવા સંતનાં. ૧૧.


Page 163 of 181
PDF/HTML Page 190 of 208
single page version

૩. અધ્યાત્મરસના રાજવી કહાનગુરુ
શાસન તણા શિરોમણિ સ્તવના કરું ‘ગુરુ ક્હાન’ની;
તુજ દિવ્ય મૂર્તિ ઝળહળે, અધ્યાત્મરસના રાજવી.
૧.
અધ્યાત્મ-કલ્પવૃક્ષનાં ફળનો રસીલો તું થયો;
તું શુદ્ધરસસાધક બન્યો, અંતર તણી સૃષ્ટિ લહ્યો.
૨.
તું લોકસંજ્ઞા જીતીને, અલમસ્ત થઈ જગમાં ફર્યો;
પરમાત્મનું ધ્યાન જ ધરી, તુજ આત્મને સ્વચ્છ જ કર્યો.
૩.
પ્રતિબંધ ટાળી લોકનો, આનંદની મોજે રહ્યો;
તેં શુદ્ધ ચેતનધર્મનો અનુભવ હૃદયમાંહી લહ્યો.
૪.
અંતર તણા આનંદમાં સુરતા લગાવી પ્રેમથી;
શુભ દ્રવ્યભાવે તપ તપ્યેથી શુદ્ધિ કરી શુભ નેમથી.
૫.
નિંદા કરી ના કોઈની, નિંદા કરી સહુ તેં સહી;
શુદ્ધાત્મરસ
ભોગી ભ્રમર, શુભદ્રષ્ટિ તારામાં રહી.૬.
ઔદાર્યને તેં આદરી જગમાં જણાવ્યું બોલથી;
આચારમાં મૂકી ઘણું જોયું અનુભવ
તોલથી.૭.
તારા હૃદયની ગૂઢતા ત્યાં મૂઢ જનની મૂઢતા;
જે આત્મયોગી હોય તે જાણે ખરે તવ શુદ્ધતા.
૮.
પહોંચ્યો અને પહોંચાડતો તું લોકને શુદ્ધ ભાવમાં;
અધ્યાત્મરસિયા જે થયા, બેઠા ખરે શુદ્ધ નાવમાં.
૯.
દુનિયા થકી ડરતો નથી, આશા નથી, મમતા જરી;
જ્યાં હું વસું ત્યાં તું નહીં
એ ભાવના વિલસે ખરી.૧૦.


Page 164 of 181
PDF/HTML Page 191 of 208
single page version

સ્યાદ્વાદ પારાવાર છે, આનંદ અપરંપાર છે;
સાચા હૃદયનો સંત છે, પરવા નથી, જયકાર છે.
૧૧.
આશા નથી કીર્તિ તણી, અપકીર્તિને ગણતો નથી;
લોકો મને એ શું કહે ત્યાં લક્ષને દેતો નથી.
૧૨.
વ્યવહારના ભેદો ઘણા ત્યાં ક્લેશને કરતો નથી;
લાગી લગનવા આત્મની, બીજું કશું જોતો નથી.
૧૩.
તેં ભાવસંયમ-બોટમાં બેસી પ્રયાણ જ આદર્યું;
ભવપથ-ઉદધિ તરવા વિષે તેં લક્ષ અંતરમાં ધર્યું.
૧૪.
જે જે ભર્યું તુજ ચિત્તમાં, તે બાહ્યમાં દેખાય છે;
અધ્યાત્મરસરસિયા જનોથી તુજ હૃદય પરખાય છે.
૧૫.
એકાંતથી અધ્યાત્મમાં જે શુષ્ક થઈને ચાલતો,
ચાબુક તેને મારીને વ્યવહારમાંહી વાળતો.
૧૬.
ગંભીર તારી વાણીમાં ભાવાર્થ બહુ ઊંડા છતાં,
જે હૃદય તારું જાણતા તે ભાવ તારો ખેંચતા.
૧૭.
તુજ વદન-કમળેથી વહે ઉપદેશનાં અમૃત અહો!
અધ્યાત્મ
અમૃતપાનથી વારી જતા કોટી જનો.૧૮.
ઉપકાર તારા શું કથું? ગુણગાન તારાં શું કરું?
વંદન કરું, સ્તવના કરું, તુજ ચરણસેવાને ચહું.
૧૯.


Page 165 of 181
PDF/HTML Page 192 of 208
single page version

૪. કહાનગુરુને વંદન

કહાનગુરુ! તુજ પુનિત ચરણ વંદન કરું. ઉન્નત ગિરિશૃંગોના વસનારા તમે, (સીમંધરગણધરના સત્સંગી તમે,) આવ્યા રંકઘરે શો પુણ્યપ્રભાવ જો; અર્પણતા પૂરી કવ અમને આવડે, ક્યારે લઈશું ઉરકરુણાનો લાભ જો.....કહાનગુરુ૦ સત્યામૃત વરસાવ્યાં આ કાળે તમે, આશય અતિશય ઊંડા ને ગંભીર જો; નંદનવન સમ શીતળ છાંય પ્રસારતા, જ્ઞાનપ્રભાકર પ્રગટી જ્યોત અપાર જો.....કહાનગુરુ૦ અણમૂલા સુતનુ ઓ! શાસનદેવીના, આત્માર્થીની એક અનુપમ આંખ જો; સંત સલૂણા! કલ્પવૃક્ષ! ચિંતામણિ!

પંચમ કાળે દુર્લભ તવ દિદાર જો.....કહાનગુરુ૦


Page 166 of 181
PDF/HTML Page 193 of 208
single page version

background image
૫. ગુરુદેવનો ઉપકાર
(મંદાકાન્તા)
જ્યાં જોઉં ત્યાં નજર પડતા રાગ ને દ્વેષ હા! હા!
જ્યાં જોઉં ત્યાં શ્રવણ પડતી પુણ્ય ને પાપગાથા;
જિજ્ઞાસુને શરણસ્થળ ક્યાં? તત્ત્વની વાત ક્યાં છે?
પૂછે કોને પથ પથિક જ્યાં આંધળા સર્વ પાસે?
(શાર્દૂલવિક્રીડિત)
એવા એ કળિકાળમાં જગતનાં કંઈ પુણ્ય બાકી હતાં,
જિજ્ઞાસુ હૃદયો હતાં તલસતાં સદ્વસ્તુને ભેટવા;
એવા કંઈક પ્રભાવથી, ગગનથી ઓ ક્હાન! તું ઊતરે,
અંધારે ડૂબતા અખંડ સતને તું પ્રાણવંતું કરે.
જેનો જન્મ થતાં સહુ જગતનાં પાખંડ પાછાં પડે,
જેનો જન્મ થતાં મુમુક્ષુહૃદયો ઉલ્લાસથી વિકસે;
જેના જ્ઞાનકટાક્ષથી ઉદય ને ચૈતન્ય જુદાં પડે,
ઇન્દ્રો એ જિનસુતના જનમને આનંદથી ઊજવે.
(અનુષ્ટુપ)
ડૂબેલું સત્ય અંધારે, આવતું તરી આખરે;
ફરી એ વીરવાક્યોમાં પ્રાણ ને ચેતના વહે.

Page 167 of 181
PDF/HTML Page 194 of 208
single page version

૬. ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરિયે
(રાગઃ કુમકુમ કેસર વરસે છે મારે આંગણિયે)
ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરિયે;
સ્વાધ્યાયમંદિર સ્થપાયાં અમ આંગણિયે.
મેરા મનડા માંહી ગુરુદેવ રમે;
જગના તારણહારાને મારું દિલ નમે.
શાસન તણા સમ્રાટ અમારે આંગણે આવ્યા,
અદ્ભુત યોગીરાજ અમારાં ધામ દીપાવ્યાં;
મીઠો મહેરામણ આંગણિયે ક્હાન મહારાજ,
પુણ્યોદયનાં મીઠાં ફળ ફળિયાં આજ.
મેરા૧.
અમૃતભર્યાં જ્યાં ઉર છે, નયને વિજયનાં નૂર છે,
જ્ઞાનામૃતે ભરપૂર છે, બ્રહ્મચારી એ ભડવીર છે;
યુક્તિન્યાયમાં શૂરા છો યોગીરાજ,
નિશ્ચય-વ્યવહારના સાચા છો જાણનહાર.મેરા૨.
દેહે મઢેલા દેવ છો, ચરિતે સુવર્ણવિશુદ્ધ છો,
ધર્મે ધુરંધર સંત છો, શૌર્યે સિંહણપીધદૂધ છો;
મુક્તિ વરવાને ચાલ્યા છો યોગીરાજ,
જિનવર ધર્મના સાચા આરાધનહાર.
મેરા૩.
સૂત્રો બતાવ્યાં શાસ્ત્રમાં, ઉકેલવાં મુશ્કેલ છે,
અક્ષર તણો સંગ્રહ ઘણો, પણ જ્ઞાન પેલે પાર છે;
અંતર્ગતના ભાવોને ઓળખનાર,
સમ્યક્ શ્રુતના સાચા સેવનહાર,
કુંદકુંદ
નંદનને વંદન વારંવાર.
(ગુરુવરચરણોમાં વંદન વાર હજાર.)મેરા૪.


Page 168 of 181
PDF/HTML Page 195 of 208
single page version

૭. વિદેહવાસી કહાનગુરુ
વિદેહવાસી કહાનગુરુ ભરતે પધાર્યા રે,
સુવર્ણપુરીમાં નિત્યે ચૈતન્યરસ વરસ્યા રે;
ઉજમબાના નંદ અહો! આંગણે પધાર્યા રે;
અમ અંતરિયામાં હર્ષ ઊભરાયા રે.

આવો પધારો મારા સદ્ગુરુદેવા; શી શી કરું તુજ ચરણોની સેવા.

વિધવિધ રત્નોના થાળ ભરાવું રે,
વિધવિધ ભક્તિથી ગુરુને વધાવું રે.....વિદેહ૦ ૧.

દિવ્ય અચરજકારી ગુરુ અહો! જાગ્યા; પ્રભાવશાળી સંત અજોડ પધાર્યા.

વાણીની બંસરીથી બ્રહ્માંડ ડોલે રે,
ગુરુ
ગુણગીતો ગગનમાંહી ગાજે રે.....વિદેહ૦ ૨.

શ્રુતાવતારી અહો! ગુરુજી અમારા; અગણિત જીવોનાં અંતર ઉજાળ્યાં.

સત્ય ધરમના આંબા રૂડા રોપ્યા રે,
સાતિશય ગુણધારી ગુરુ ગુણવંતા રે.....વિદેહ૦ ૩.

કામધેનુ કલ્પવૃક્ષ અહો! ફળિયાં; ભાવિ તણા ભગવંત મુજ મળિયા.

અનુપમ ધર્મધોરી ગુરુ ભગવંતા રે,
નિશદિન હોજો તુજ ચરણોની સેવા રે.....વિદેહ૦ ૪.


Page 169 of 181
PDF/HTML Page 196 of 208
single page version

૮. આજે ભરતભૂમિમાં....
(રાગઃ મારા મંદિરિયામાં ત્રિશલાનંદ)
આજે ભરતભૂમિમાં સોના-સૂરજ ઊગિયો રે;
મારા અંતરિયે આનંદ અહો! ઊભરાય,
શાસન-ઉદ્ધારક ગુરુ જન્મદિવસ છે આજનો રે;
ગુરુવર-ગુણમહિમાને ગગને દેવો ગાય,
વિધવિધ રત્નોથી વધાવું હું ગુરુરાજને રે. આજે૦ ૧.
(સાખી)

ઉમરાળામાં જનમિયા ઊજમબા-કૂખ-નંદ; ક્હાન તારું નામ છે, જગ-ઉપકારી સંત.

માત-પિતા-કુળ-જાત સુધન્ય અહો! ગુરુરાજનાં રે;
જેને આંગણ જન્મ્યા પરમપ્રતાપી ક્હાન,
જેને પારણિયેથી લગની નિજ કલ્યાણની રે. આજે૦ ૨.
(સાખી)

શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ;

જાગ્યા આતમશક્તિના ભણકારા સ્વયમેવ. પરમપ્રતાપી ગુરુએ અપૂર્વ સતને શોધિયું રે; ભગવંત્કુંદૠષીશ્વર ચરણ-ઉપાસક સન્ત,

અદ્ભુત ધર્મધુરંધર ધોરી ભરતે જાગિયા રે. આજે૦ ૩.
(સાખી)

વૈરાગી ધીરવીર ને અંતરમાંહી ઉદાસ; ત્યાગ ગ્રહ્યો નિર્વેદથી, તજી તનડાની આશ.


Page 170 of 181
PDF/HTML Page 197 of 208
single page version

વંદું સત્ય-ગવેષક ગુણવંતા ગુરુરાજને રે;
જેને અંતર ઉલસ્યાં આત્મ તણાં નિધાન,
અનુપમ જ્ઞાન તણા અવતાર પધાર્યા આંગણે રે. આજે૦ ૪.
(સાખી)

જ્ઞાનભાનુ પ્રકાશિયો, ઝળક્યો ભરત મોઝાર; સાગર અનુભવજ્ઞાનનો રેલાવ્યો ગુરુરાજ.

મહિમા તુજ ગુણનો હું શું કહું મુખથી સાહિબા રે;
દુઃષમકાળે વરસ્યો અમૃતનો વરસાદ,
જયજયકાર જગતમાં ક્હાનગુરુનો ગાજતો રે. આજે૦ ૫.
(સાખી)

અધ્યાતમના રાજવી, તારણતરણ જહાજ; શિવમારગને સાધીને કીધાં આતમકાજ.

તારા જન્મે તો હલાવ્યું આખા હિન્દને રે;
પંચમકાળે તારો અજોડ છે અવતાર,
સારા ભરતે મહિમા અખંડ તુજ વ્યાપી રહ્યો રે. આજે૦ ૬.
(સાખી)

સદ્દ્રષ્ટિ, સ્વાનુભૂતિ, પરિણતિ મંગલકાર; સત્યપંથ પ્રકાશતા, વાણી અમીરસધાર.

ગુરુવર-વદનકમળથી ચૈતન્યરસ વરસી રહ્યા રે;
જેમાં છાઈ રહ્યા છે મુક્તિ કેરા માર્ગ,
એવી દિવ્ય વિભૂતિ ગુરુજી અહો! અમ આંગણે રે. આજે૦ ૭.
(સાખી)

શાસનનાયક વીરના નંદન રૂડા ક્હાન; ઊછળ્યા સાગર શ્રુતના, ગુરુ-આતમ મોઝાર.


Page 171 of 181
PDF/HTML Page 198 of 208
single page version

પૂર્વે સીમંધરજિન-ભક્ત સુમંગલ રાજવી રે;
ભરતે જ્ઞાની અલૌકિક ગુણધારી ભડવીર,
શાસન-સંતશિરોમણિ સ્વર્ણપુરે બિરાજતા રે. આજે૦ ૮.
(સાખી)

સેવા પદપંકજ તણી નિત્ય ચહું ગુરુરાજ! તારી શીતળ છાંયમાં કરીએ આતમકાજ.

તારા જન્મે ગગને દેવદુંદુભિ વાગિયાં રે;
તારા ગુણગણનો મહિમા છે અપરંપાર,
ગુરુજી રત્નચિંતામણિ શિવસુખના દાતાર છો રે;
તારાં પુનિત ચરણથી અવની આજે શોભતી રે. આજે૦ ૯.


Page 172 of 181
PDF/HTML Page 199 of 208
single page version

૯. ભારતખંડમાં સંત અહો જાગ્યા રે
(રાગઃવિદેહવાસી કહાનગુરુ ભરતે પધાર્યા રે)
ભારતખંડમાં સંત અહો જાગ્યા રે,
પંચમકાળે પધાર્યા તારણહારા રે,
અનુભૂતિ-યુગસ્રષ્ટા સ્વર્ણે પધાર્યા રે,
આવો રે સૌ ભક્તો ગુરુગુણ ગાઓ રે,
ઉજમબાના નંદનને ભાવે વધાવો રે.....ભારતખંડમાં૦ ૧.
આવો પધારો ગુરુજી અમ આંગણિયે;
આવો બિરાજો ગુરુજી અમ મંદિરિયે.
માણેક-મોતીના સાથિયા પુરાવું રે,
વિધવિધ રત્નોથી ગુરુને વધાવું રે.....ભારતખંડમાં ૨.
યાત્રા કરીને મારા ગુરુજી પધાર્યા;
સ્વર્ણપુરીના સંત સ્વર્ણે બિરાજ્યા (પધાર્યા).
સ્વર્ણપુરી નગરીમાં ફૂલડાં પથરાવો રે,
(અંતરમાં આનંદના દીવડા પ્રગટાવો રે,)
ઘરઘરમાં રૂડા દીવડા પ્રગટાવો રે.....ભારતખંડમાં૦ ૩.
ભારતભૂમિમાં ગુરુજી પધાર્યા;
નગર-નગરમાં ગુરુજી પધાર્યા.
તારણહારી વાણીથી હિંદ આખું ડોલે રે,
ગુરુજીનો મહિમા ભારતમાં ગાજે રે.
(ભવ્ય જીવોને આતમ જાગે રે.).....ભારતખંડમાં૦ ૪.
સમ્મેદશિખરની યાત્રા કરીને;
શાશ્વત ધામની વંદના કરીને;


Page 173 of 181
PDF/HTML Page 200 of 208
single page version

ભારતમાં ધર્મધ્વજ લહરાવ્યા રે,
પગલે પગલે તુજ આનંદ વરસ્યા રે.....ભારતખંડમાં૦ ૫.
સીમંધરસભાના રાજપુત્ર વિદેહે;
સતધર્મ-પ્રવર્તક સંત ભરતે.
પરમ-પ્રતાપવંતા ગુરુજી પધાર્યા રે,
(ભવભવના પ્રતાપશાળી ગુરુજી પધાર્યા રે,)
ચૈતન્યધર્મના આંબા અહો! રોપ્યા રે,
નગર-નગરમાં ફાલ રૂડા ફાલ્યા રે.....ભારતખંડમાં૦ ૬.
નગરે નગરે જિનમંદિર સ્થપાયાં;
ગુરુજી-પ્રતાપે કલ્યાણક ઉજવાયાં.
અનુપમ વાણીનાં અમૃત વરસ્યાં રે,
ભવ્ય જીવોનાં અંતર ઉજાળ્યાં રે.
(સત્ય ધરમના પંથ પ્રકાશ્યા રે.).....ભારતખંડમાં૦ ૭.
નભમંડળમાંથી પુષ્પોની વર્ષા;
આકાશે ગંધર્વો ગુરુગુણ ગાતા.
અનુપમ (અગણિત) ગુણવંતા ગુરુજી અમારા રે.
સાતિશય શ્રુતધારી, તારણહારા રે,
ચૈતન્ય-ચિંતામણિ ચિંતિત-દાતારા રે.....ભારતખંડમાં૦ ૮.
સૂરો મધુરા ગુરુવાણીના ગાજેઃ
સુવર્ણપુરે નિત્ય ચિદ-રસ વરસે.
જ્ઞાયકદેવનો પંથ પ્રકાશે રે,
શાસ્ત્રોનાં ઊંડા રહસ્યો ઉકેલે રે.....ભારતખંડમાં૦ ૯.