Pravachan Ratnakar (Gujarati). Part 8; Introduction; Content; Bandh Adhikar Contents; Moksh Adhikar Contents; Samaysaar Stuti; Gurudev Stuti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 124 of 210

 

PDF/HTML Page 2461 of 4199
single page version

છે; એટલે નિશ્ચય હોય છે ને વ્યવહાર પણ હોય છે. પ્રમાણદ્રષ્ટિમાં બન્ને પ્રધાન છે, સ્યાદ્વાદમતમાં કાંઇ વિરોધ નથી. પણ તેથી વ્યવહારથી નિશ્ચય થાય એ સ્યાદ્વાદ છે-એમ અર્થ નથી.

અહીં તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે તેના આશ્રયે સમકિત પ્રગટતાં ધર્મીને જે નિશ્ચય નિઃશંકિત આદિ ગુણો પ્રગટ થાય છે તેની મુખ્યતાથી આ નિર્જરા અધિકારમાં કથન છે. ત્યાં વ્યવહારની મુખ્યતાથી વાત આવે ત્યારે હમણાં કહ્યા એવા વ્યવહારના આઠ બોલ આવે; અને બન્નેને એક સાથે કહેવા હોય તો પ્રમાણથી કહેવામાં આવે. પરંતુ પ્રમાણમાં, નિશ્ચયમાં જે સ્વીકાર્યું છે તેને રાખીને વ્યવહારને સાથે ભેળવવામાં આવે છે. પણ ત્યાં એમ નથી કે વ્યવહારથી નિશ્ચય થાય તો તેને પ્રમાણજ્ઞાન કહેવાય. વ્યવહારથી નિશ્ચય થાય તો નિશ્ચય જુદું ન રહ્યું અને તો પ્રમાણજ્ઞાન પણ ક્યાં રહ્યું? પ્રમાણજ્ઞાનમાં તો નિશ્ચય, ને વ્યવહાર બન્ને સાથે છે એમ વાત છે પણ વ્યવહારથી નિશ્ચય છે એમ ક્યાં છે? અહા! વીતરાગનો મારગ બાપા! બહુ ગંભીર ને સૂક્ષ્મ છે ભાઈ! (એમ કે ઉપયોગને સૂક્ષ્મ કરે તો સમજાય એવો છે).

*

હવે નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર જે સમ્યગ્દ્રષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકાર પૂર્ણ કરે છેઃ-

* કળશ ૧૬૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

इति नवम्बन्धं रुन्धन्’ –એ પ્રમાણે નવીન બંધને રોકતો અને ‘निजैः अष्टाभि अंगैः संगतः निर्जरा–उज्जृम्भणेन प्राग्बद्धं तु क्षयम् उपनयन्’ (પોતે) પોતાના આઠ અંગો સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો ‘सम्यग्द्रष्टिः’ સમ્યગ્દ્રષ્ટિ જીવ...’

અહા! પરમ આનંદરસમાં નિમગ્ન એવો સમ્યગ્દ્રષ્ટિ નવીન બંધને રોકી દે છે અને તેને નિઃશંકિત આદિ આઠ ગુણ પ્રગટ થયા હોવાથી તે કર્મની નિર્જરા કરનારો છે. તેને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે ને? તેથી તે વડે તે પૂર્વબદ્ધ કર્મોનો નાશ કરી દે છે. અહા! ‘શુદ્ધ’ નું જેમાં પરિણમન થયું છે તે સમકિત કોઇ અચિંત્ય અલૌકિક ચીજ છે બાપા! અહા! એના વિના બહારમાં ગમે તેવી ક્રિયા કરે તોપણ એ બધાં થોથાં એટલે એકડા વિનાનાં મીંડાં છે.

અહા! અજ્ઞાની કહે છે-સમ્યગ્દર્શન વિના ચારિત્ર ન હોય એ તો ઠીક વાત છે, પણ સમ્યગ્દર્શનની ખબર કેમ પડે? એ તો ભગવાન કેવળી જ જાણે. માટે આ જે (આગમમાં કહેલી) વ્યવહારની વ્રતાદિ ક્રિયા કરીએ છીએ તે સાધન છે અને માટે તે મોક્ષનો મારગ છે.


PDF/HTML Page 2462 of 4199
single page version

અરે ભાઈ! સમકિતની ખબર ન પડે એ જ અજ્ઞાન છે. મિથ્યાત્વમાં રહે એને સમકિતની ખબર કેમ પડે? વ્રત, તપ આદિ રાગને સાધન માની તેમાં લીન રહે તે મિથ્યાત્વમાં રહેલો છે. તેને સમકિત શું સમકિતની ગંધેય આવે તેમ નથી. સમજાણું કાંઇ...?

અહીં કહે છે-સમ્યગ્દ્રષ્ટિ જીવ ‘अतिरसात्’ અતિ રસથી અર્થાત્ નિજરસમાં મસ્ત થયો થકો....’

જોયું? સમ્યગ્દ્રષ્ટિ આનંદના રસમાં-ચૈતન્યના રસમાં મસ્ત થયો છે. અહા! ધર્મીની દશા અતીન્દ્રિય આનંદના રસમાં તરબોળ થઇ છે. અહા! સંસારી અજ્ઞાની પ્રાણીઓ જ્યારે વિષય-કષાયના રસમાં-દુઃખના રસમાં તરબોળ છે ત્યારે ધર્મી જીવ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપથી નીપજેલા આનંદના રસમાં તરબોળ છે. અહા! વિષય-કષાયનો રસ તો ઝેરનો રસ છે, આકુળતાનો રસ છે. તેમાં સમકિતીને શું રસ હોય? સમકિતી તો આનંદનો-અમૃતનો સાગર પ્રભુ આત્મા છે તેમાં નિમગ્ન થવાથી ઉત્પન્ન થયેલા અતીન્દ્રિય આનંદના રસમાં તરબોળ થયો છે. સમકિતીનું નિર્મળ પરિણમન નિરાકુળ આનંદમાં રસબોળ છે.

‘अतिरसात्’ -અતિ રસથી એમ કહ્યું ને? ત્યાં ‘રસ’ અને તેની સાથે ‘અતિ’ શબ્દ જોડયો છે; તો ‘નિજરસમાં મસ્ત’ -એમ એનો અર્થ કર્યો છે. અહા! શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્મા આનંદથી ઠસોઠસ ભરેલો ભગવાન આનંદઘન છે. તેમાં એકાકાર થયેલી ધર્મીની નિર્મળ પરિણતિ નિજરસમાં મસ્ત થઇ છે, નિરાકુળ આનંદના રસમાં મસ્ત થઇ છે. આવી ધર્મીની પરિણતિ ને આ ધર્મીની વ્યાખ્યા!

જુઓ, અહીં ‘स्वयम् अतिरसात्’ –એમ બે શબ્દ પડયા છે. અર્થાત્ ધર્મી પોતે પોતાના આનંદના રસમાં મસ્ત થયો છે એમ કહે છે. કેવો? તો એવો મસ્ત થયો છે કે તેની આગળ એને ઇન્દ્રનાં ઇન્દ્રાસન પણ ફીકાંફચ લાગે છે વા ઝેર જેવાં ભાસે છે. બાપા! સમકિતીની અંતરદશા કોઇ અદ્ભુત અલૌકિક હોય છે. આ વિષયલોલુપી જીવો અતિ રાગથી હાડ-માંસનાં ચૂંથણાં કરે છે ને? અહા! સમકિતીને એ ઝેર જેવાં ભાસે છે. અહા! વીતરાગનો મારગ વીતરાગભાવ પ્રભુ! એકલા આનંદરસથી ભરપૂર ભરેલો છે; તેમાં વિષયરસનું ઝેર ક્યાં સમાય?

સમ્યગ્દ્રષ્ટિ જીવ ‘स्वयं अतिरसात्’ –આમાં ‘સ્વયં’ આવ્યું લ્યો. કોઇ અજ્ઞાની ‘સ્વયં’ એટલે ‘પોતારૂપ’ -એમ અર્થ કરે છે. સ્વયં પરિણમે છે એટલે પોતારૂપ પરિણમે છે એમ અર્થ કરે છે. પરંતુ બાપુ! ‘સ્વયં’ એટલે સ્વતંત્રપણે પોતાથી જ પરિણમે છે એમ અર્થ છે. અજ્ઞાનીને નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાથી આ વાત ગોઠતી નથી. પણ શું થાય? અહીં કહે છે-ધર્મી ‘स्वयं’ એટલે પોતે પોતાથી જ ‘अतिरसात्’


PDF/HTML Page 2463 of 4199
single page version

આનંદરસમાં મસ્ત થયો છે. અહા! નરકનો નારકી હોય તેને બહાર સંયોગ જુઓ તો ઠંડી અને ગરમીનો પાર ન મળે, છતાં ધર્મી જીવ ત્યાં પોતે પોતાથી આનંદરસમાં- નિજાનંદરસમાં મસ્ત થયો છે. ગજબ વાત છે ભાઈ!

પ્રશ્નઃ– તો શું આ સમકિતી છે એમ જાણવામાં આવે? ઉત્તરઃ– જાણવામાં શું ન આવે? જાણવામાં ન આવે એવી ચીજ ક્યાં છે જગતમાં? અને જાણનાર શું ન જાણે? અહા! જ્ઞાનનો સ્વભાવ જ જાણવાનો છે તે શું ન જાણે?

તો બીજો પણ જાણી શકે? એ જ કહ્યું ને કે જેને જ્ઞાનસ્વભાવ અંદર પ્રગટયો છે તે શું ન જાણે? અહા! સિદ્ધાંતમાં-ધવલમાં એ વાત લીધી છે. ત્યાં અવગ્રહ, ઇહા, અવાય ને ધારણાની ચર્ચા કરી છે ત્યાં વાત લીધી છે કે-આ જીવ ભવિ છે કે અભવિ? -અહા! એમ જ્યારે જ્ઞાની વિચાર કરે છે ત્યારે જ્ઞાનમાં એને એમ ભાસે છે કે-આને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; માટે તે ભવિ જ છે, -આવો ધવલમાં પાઠ છે. બીજે ઠેકાણે અવગ્રહની વાતમાં આ કાઠિયાવાડી છે કે ક્યાંના છે? -એમ બહારની વાત લીધી છે; પરંતુ આમાં (ધવલમાં) તો અંદરની વાત લીધી છે. અરે ભગવાન! તારું જ્ઞાન શું ન જાણે પ્રભુ? ‘ન જાણે’ -એ જ્ઞાનમાં હોતું જ નથી; જ્ઞાન સ્વને જાણે, પરને જાણે, ભગવાનનેય જાણે ને બધાયને જાણે એવું એનું સામર્થ્ય જ છે.

પ્રશ્નઃ– પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ ન થયાં હોય તેને....? (ભવિ છે એમ જાણે કે નહિ?)

ઉત્તરઃ– એ તો કહ્યું ને? કે પ્રગટ થયાં હોય તેને જાણે છે કે આને પ્રગટ થયાં છે માટે ભવિ છે. બાકી જેને નથી તેનો પ્રશ્ન જ ક્યાં છે? કેમકે સમ્યગ્દર્શનાદિ પ્રગટયાં છે માટે આ ભવિ છે એમ જ્ઞાનમાં નિર્ણય થાય છે. બાકી જેને પ્રગટયાં નથી એ (ભવિ) છે કે નહિ એ પ્રશ્ન જ અહીં નથી. આ તો ભવિ જીવની લાયકાત -સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્ર-પ્રગટ થઇ ગઇ છે તો તેનો જ્ઞાનીને ખ્યાલ આવી જાય છે એની વાત છે. આને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટયાં છે એવો અંદરમાં નિશ્ચય થઇ જાય છે; માત્ર બહારમાં વ્યવહારથી નહિ, પણ અંદર નિશ્ચયથી નિર્ણય થાય છે. આવી વાત છે. અહા! જગત આખું બહારમાં-વિષય-કષાયમાં ને રાગમાં ઠગાઇ ગયું છે! આવે છે ને કે-

“સહજાનંદી રે આતમા, સૂતો કંઇ નિશ્ચિંત રે,
મોહતણા રે રણિયા ભમે, જાગ જાગ મતિવંત રે;
લૂંટે જગતના જંત રે, નાખી વાંક અનંત રે.....”

PDF/HTML Page 2464 of 4199
single page version

અહા! શું કરવા પરણ્યા ‘તા? અમને નિભાવવા પડશે-એમ સ્ત્રી-પરિવાર આદિ લૂંટે છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય; વ્યવહાર કરવો જોઇએ-એમ જગતના વ્યવહારિયા તને લૂંટે છે. અહા! જુઓ આ લૂંટારા! અને પાછો વાંક અનંત નાખે હોં; બહાનાં અનંત કાઢે.

અહા! ‘વિરલા કો ઉગરંત રે’ -અહા! કોઇ વિરલ એમાંથી નીકળી જાય છે. મારગ બહુ વિરલ છે ભાઈ! અહા! સર્પિણી બચ્ચાંને જન્મ આપી તેમને કુંડાળું કરી ઘેરી લે છે ને એક એક કરી બધાને ખાઇ જાય છે. તેમાંથી કોઇક બહાર નીકળી જાય તે બચી જાય છે. તેમ આ જગતના ફંદમાં ઘેરાયેલા જીવો અરેરે! બિચારા લૂંટાઇ રહ્યા છે! કોઇ ભાગ્યવંત વિરલ પુરુષ તેમાંથી નીકળી જાય છે.

અહા! જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જાય છે. તે એકલો જ છે; તેને જગતથી શું સંબંધ છે?

પણ તે એમ માને તો ને? અહા! માનનાર મૂર્ખાઇપણે ગમે તે માને. પણ તેથી વસ્તુ એમ થોડી થઇ જાય છે? શ્રી નિયમસારમાં (ગાથા ૧૦૧માં) આવે છે ને કે-

“જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે!
જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે.”

આ શરીરના રજકણો ભાઈ! અહીં પડયા રહેશે; અને આ મકાન મહેલ પણ બધા પડયા રહેશે. બાપુ! એમાંની કોઇ ચીજ તારા સ્વરૂપમાં નથી. જીવ તો પ્રભુ! જીવમાં છે, પણ આ શરીર, મકાન, સ્ત્રી આદિ ક્યાં જીવમાં છે? તેઓ તો બધા ભિન્ન જ છે. તો તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લૂંટાવાનું રહેવા દે પ્રભુ!

અહા! અજ્ઞાનીઓ પરને પોતાના માને છે, પણ અહા! પોતે એકલો આવ્યો, એકલો દુઃખ ભોગવે ને પોતાના એકત્વને પામીને મોક્ષમાં પણ એકલો આનંદ ભોગવે છે; તેને કોઇ પર સાથે સંબંધ છે જ નહિ, જુઓને આ સિદ્ધ ભગવાન! અહાહા...! સમીપમાં (એકક્ષેત્રાવગાહમાં) અનંત સિદ્ધો છે તોપણ તે પોતાનો આનંદ એકલા ભોગવે છે, બીજાના આનંદને ભોગવે નહિ ને પોતાનો આનંદ બીજાને આપે નહિ. અહા! આવું વસ્તુનું જ એકત્વ-વિભક્તપણું છે. સમજાણું કાંઇ...?

અહા! આ સંસાર તો નાટક છે બાપા! ન ટકે એવું છે માટે આ બધું નાટક છે. આ શરીર, મન, વાણી-બધું ન ટકે એવું નાટક છે. ત્રિકાળ ટકે એવો તો પોતે અવિનાશી ભગવાન આત્મા છે. બાકી તો બધાં રખડવા માટેનાં નાટક છે, ધૂળધાણી છે.

અહા! અજ્ઞાનીને વિષય-કષાયના ને પૈસા ને આબરૂનાં રસનાં ઝેર ચઢી ગયાં છે, તે વડે તે બેહોશ-પાગલ થઇ ગયો છે. ધર્મી તો ‘स्वयम् अतिरसात्’ –પોતે પોતાથી


PDF/HTML Page 2465 of 4199
single page version

નિજાનંદરસમાં મસ્ત થઇ ગયો છે. તેના આનંદરસમાં કોઇ ભાગીદાર નથી. એ તો અજ્ઞાનીના દુઃખના રસમાંય બીજો ભાગીદાર ક્યાં છે? અહા! તે જે રસમાં તું છે તેને ભોગવ બાપુ!

એ તો બે ભાઈની વાત નહોતી કહી? કે નાના ભાઈ માટે મોટો ભાઈ દવા લાવતો. હવે નાના ભાઈને કાંઇ ખબર નહિ કે દવામાં ઇંડાનો રસ હતો, તો નાનો ભાઈ તો પી જતો. હવે બન્યું એવું કે નાનો ભાઈ મરીને પરમાધામી થયો અને મોટો ભાઈ નારકી થયો. ત્યાં જાતિસ્મરણમાં ખ્યાલમાં આવી ગયું તો મોટો ભાઈ કહે-

અરે ભાઈ! પણ એ પાપ તો મેં તારા માટે કર્યું હતું ને? ત્યારે નાનો ભાઈ કહે-પણ કોણે કહ્યું’ તું કે તું મારા માટે પાપ કરજે. માટે તારાં કરેલાં પાપ ભોગવ તું-એમ કહી નાનો ભાઈ (પરમાધામી) મોટા ભાઈને મારવા લાગ્યો, તો મોટો ભાઈ કહેવા લાગ્યો-અરે! તું મને મારે છે? શું આ ઠીક છે? હા, હું તો મારનાર છું; પરમાધામી છું ને? નાના ભાઈએ કહ્યું.

પ્રશ્નઃ– પણ આપ તો હજારોમાંથી આ એક દાખલો આપો છો? સમાધાનઃ– અરે ભાઈ! આવા એક તો શું અનંત-અનંત પ્રસંગ તને થઇ ગયા છે. એક એક સંસારી જીવને આવી અનંતવાર સ્થિતિ થઇ છે. શું કહીએ બાપા? પોતે મરીને નારકી થાય ને સ્ત્રી મરીને પરમાધામી થાય. તારે આવા અનંત પ્રસંગ થઇ ગયા ભાઈ! આ તો સંસારનું રખડપટ્ટીનું નાટક જ આવું છે કે બાપ થાય નારકી ને છોકરો થાય પરમાધામી. આમાં નવું શું છે? (એનાથી છૂટવું હોય તો સમકિત પ્રગટ કર.)

અહીં કહે છે-ધર્મીને-સમકિતીને તો આત્માના આનંદનો રસ ચડયો છે ને બીજો (કષાયનો) રસ ઉતરી ગયો છે. અહાહા....! છે અંદર? કે સમ્યગ્દ્રષ્ટિ જીવ ‘स्वयं अतिरसात्’ પોતે નિજરસમાં મસ્ત થયો થકો ‘आदि–मध्य–अन्तमुक्तं ज्ञानं भूत्वा’ આદિ-મધ્ય-અંત રહિત (સર્વવ્યાપક, એક પ્રવાહરૂપ ધારાવાહી) જ્ઞાનરૂપ થઇને ‘गगन– आभोग–रंगं विगाह्य’ આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને (અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને) ‘नटति’ નૃત્ય કરે છે.

અહાહા....! કહે છે-જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે તેને આદિ-મધ્ય-અંત નથી. અહા! જે છે તેની આદિ શું? એ તો છે, છે ને છે. અહા! તેને મધ્ય પણ નથી ને અંત પણ નથી. ભગવાન આત્મા આદિ-મધ્ય-અંત વિનાનો સર્વવ્યાપક છે. એટલે શું? કે તે સર્વને જાણનારો છે. અહા! સર્વને જાણનારો તે એક પ્રવાહરૂપ ધારાવાહી જ્ઞાનરૂપ થઇને આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને નૃત્ય કરે છે. મતલબ કે તે સર્વને જાણનારો રહીને નિજાનંદમાં મસ્ત થયો થકો નાચે છે.


PDF/HTML Page 2466 of 4199
single page version

અહા! ધર્મી આનંદમાં નાચી રહ્યો છે. કેવો થયો થકો? સમસ્ત ગગનમંડળને જ્ઞાન વડે જાણતો થકો તે નિજાનંદમાં નાચે છે. જુઓ આ ધર્માત્મા!

ત્યારે કોઇ અજ્ઞાનીઓ વળી કહે છે-ટોડરમલજી ને બનારસીદાસજી અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા. (એમ કે તેઓ પાગલ-મૂર્ખ હતા).

અરે ભગવાન! આમ ન કહે પ્રભુ! શ્રી ટોડરમલજી અને બનારસીદાસજી તો નિજાનંદરસમાં નાચનારા સમર્થ જ્ઞાની હતા.

અજ્ઞાનીને નિશ્ચયસ્વરૂપની સૂઝ છે નહિ અને બહારમાં તે મૂઢ થઇને રહ્યો છે. અહા! શું થાય? જ્યાં સૂઝ પડે એમ છે ત્યાં તેને મુંઝ (મૂઢપણું) છે અને જ્યાં મુંઝ (મૂઢતા) પડે એમ છે ત્યાં તેને સૂઝ પડે છે. જ્યાં વ્યવહારમાં અજ્ઞાનીને સૂઝ પડે છે ત્યાં તો તે નરી મૂઢતા છે અને સ્વરૂપમાં સૂઝ પડે તેમ છે ત્યાં તેની સૂઝ નથી. પણ બાપુ! આવો અવસર અનંતકાળે મળવો દુર્લભ છે હોં. પૈસા-ધૂળનો પતિ ધૂળપતિ-અબજોપતિ તો તું અનંતવાર થયો પણ ભાઈ! સમકિત થવું મહા મહા દુર્લભ છે. હવે આ જિનવચન સાંભળવુંય ન ગોઠે તેનું શું થાય? (તેનું તો દુર્ભાગ્ય જ છે).

* કળશ ૧૬૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘સમ્યગ્દ્રષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વબંધનો નાશ થાય છે.’

અહા! સમ્યગ્દ્રષ્ટિને એટલે કે જેને પરમાનંદમય પોતાનો ચૈતન્ય સાહેબો દ્રષ્ટિમાં- પ્રતીતિમાં આવ્યો છે તેવા સત્-દ્રષ્ટિવંતને કહે છે, શંકાદિકૃત નવીન બંધ થતો નથી. શંકા, કાંક્ષા આદિ નહિ થવાથી નવીન બંધ તો થતા નથી અને આઠ અંગો સહિત હોવાને લીધે તેને પૂર્વબંધનો નાશ થઇ જાય છે.

‘તેથી ધારાવાહી જ્ઞાનરસનું પાન કરીને....’ જોયું? સમકિતી ધારાવાહી સતત જ્ઞાનરસનું પાન કરે છે. શ્રી સોગાનીજીએ ‘દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ’ માં નથી લખ્યું? કે જેમ તૃષા લાગી હોય તો શેરડીનો રસ ઘટ-ઘટ ઘૂંટડા ભરીને પીવે છે તેમ અમે આનંદને પીએ છીએ. અહા! જ્ઞાની નિજાનંદરસને ઘૂંટ ભરી ભરીને પીએ છે. આવી વાત!

અહીં કહે છે- ‘તેથી ધારાવાહી જ્ઞાનરસનું પાન કરીને, જેમ કોઇ પુરુષ મદ્ય પીને મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં નૃત્ય કરે તેમ, નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે.’


PDF/HTML Page 2467 of 4199
single page version

અહા! જ્ઞાની જ્ઞાનરસનું પાન કરીને નાચે છે. જ્યારે! અજ્ઞાનીએ આત્માના આનંદના રસનું પીવું તે સમકિત અને તે ધર્મ છે એવું કદી સાંભળ્‌યું નથી. એટલે બિચારો મંડી પડે વ્રતને તપ કરવા અને માને કે ધર્મ થઇ ગયો. પણ અહીં કહે છે-આત્મા પૂર્ણ આનંદસ્વરૂપ છે અને જ્ઞાની તેના શ્રદ્ધાનરૂપે પરિણમ્યો છે. એટલે શું થયું? કે એના શ્રદ્ધાનની સાથે આનંદ આવ્યો છે અને તે, મદ્ય પીને જેમ કોઇ નાચે તેમ, આનંદ પીને નાચે છે અર્થાત્ નિજાનંદને ભોગવે છે. આનું નામ ધર્મ છે. અજ્ઞાનીનાં વ્રત ને તપ તો બધાં થોથાં છે.

પ્રશ્નઃ– ‘સમ્યગ્દ્રષ્ટિને નિર્જરા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યા છો. પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતીકર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય-એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે, ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં બંધ ન માનવામાં આવે તો તે મિથ્યાદ્રષ્ટિને મિથ્યાત્વ- અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ કેમ ન મનાય?

જુઓ, આ પ્રશ્ન! આમાં ત્રણ વાત મૂકી છે. ૧. જ્ઞાનીને ચોથે, પાંચમે આદિ ગુણસ્થાને સિદ્ધાંતમાં બંધ કહેવામાં આવ્યો છે, છતાં તેને બંધ નથી તેમ આપ કહો છો. સમકિતી અતીન્દ્રિય આનંદમાં મસ્ત છે ખરું, પણ તેને આ બંધ છે ને? અને ઘાત પણ થાય છે ને? એ જ કહે છે-

૨. તેને ઘાતી કર્મને લઇને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય-એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે.

૩. વળી ચારિત્રમોહના ઉદયને લઇને તેને નવીન બંધ પણ થાય છે. જ્ઞાનીને ચારિત્રમોહનો રાગ છે કે નહિ? છે; તો નવીન બંધ પણ થાય છે. માટે, જો ચારિત્રમોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો મિથ્યાદ્રષ્ટિને મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ કેમ ન માનવું?

તેનું સમાધાનઃ– ‘બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય જ છે; અને સમ્યગ્દ્રષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે.’

લ્યો, આ મૂળ વાત કીધી. મિથ્યાત્વ કહેતાં વિપરીત માન્યતા અને અનંતાનુબંધીનું પરિણમન એ જ બંધ થવામાં મુખ્ય કારણ છે. મિથ્યાત્વની સાથે રહેલો કષાય તે અનંતાનુબંધી કષાય છે. અને તેને જ બંધનું મુખ્ય કારણ કહેવામાં આવ્યું છે. પરંતુ સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ પણ નથી અને અનંતાનુબંધી કષાય પણ નથી. સમ્યગ્દ્રષ્ટિને તો તે બન્નેનો અભાવ છે. હવે કહે છે-

‘ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે તથા મિથ્યાત્વ-અનંતાનુબંધી


PDF/HTML Page 2468 of 4199
single page version

સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિ કર્મની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ તેમ જ બાકીની અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તો પણ જેવો મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત થાય છે તેવો થતો નથી.’

જુઓ, મિથ્યાત્વ અને અનંતાનુબંધીની ભૂમિકામાં જેવો બંધ થાય છે તેવો બંધ જ્ઞાનીને થતો નથી. અને તે અપેક્ષાએ તેને બંધ નથી એમ અહીં કહેવામાં આવ્યું છે.

‘અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે; તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે?’

જોયું? મિથ્યા શ્રદ્ધાન ને અનંતાનુબંધી કષાય જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે. એ જ બંધનું ને સંસારનું મૂળ કારણ છે. અહા! આત્મા જ્ઞાની થયો ત્યાં અનંત સંસારનું બંધન રહ્યું નહિ ને જે અલ્પ બંધન છે તેની, કહે છે ગણતરી શું?

‘વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડાં રહેવાની અવધિ શું?’ મોટો આંબો કે મોટી આંબલી હોય, પણ તેનું મૂળ નીચેથી કાપી નાખે તો પછી પાંદડાં રહેવાનો કાળ કેટલો? બહુ થોડો; કેમકે તેને પોષણ નથી તેમ મિથ્યાત્વાદિ નાશ પામી જતાં કિંચિત્ બંધન છે પણ તેને પોષણ નથી, તે બંધન નાશ પામી જવા માટે જ છે.

‘માટે આ અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ પ્રધાન કથન છે.’

લ્યો, અહીં તો જ્ઞાની-અજ્ઞાની વિષે જ મુખ્ય કથન છે. અસ્થિરતાની વાત અહીં મુખ્ય નથી. આ અધ્યાત્મશાસ્ત્ર છે ને? તો તેમાં જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ મુખ્ય કથન છે.

‘જ્ઞાની થયા પછી જે કાંઇ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં.’ શું કહ્યું? કે ‘જ્ઞાની થયા પછી....’ અહા! છે અંદર? અહા! ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. પણ અનંતકાળથી તેનું વેદન ન હતું; અનાદિથી તેને વિકારનું- દુઃખનું વેદન હતું. પરંતુ સ્વસન્મુખ થઇ પરિણમતાં અંતરમાં જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞેય પ્રભુ આત્મા જણાયો ત્યારે તેને વિકારનું વેદન ખસીને નિર્વિકાર શુદ્ધ આનંદનું વેદન શરૂ થયું અને તે જ્ઞાની થયો. હવે તેને જ્ઞાનમય પરિણમન નિરંતર રહેતું હોવાથી કહે છે, જ્ઞાની થયા પછી જે કાંઇ પૂર્વનાં કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં.

નીચેના દ્રષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવુંઃ- ‘કોઇ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઇ તેથી તે મહેલમાં રહેવા ગયો, જોકે તે મહેલમાં


PDF/HTML Page 2469 of 4199
single page version

ઘણા દિવસનો કચરો ભર્યો હતો તોપણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઇ ગયો. હવે કચરો ઝાડવાનો છે તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે. જ્યારે બધો કચરો ઝડાઇ જશે અને મહેલ ઉજ્જ્વળ બની જશે ત્યારે તે પરમાનંદ ભોગવશે. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું.’

અહા! અનાદિકાળથી આત્મા પુણ્ય-પાપરૂપ વા રાગદ્વેષ વિકારની ઝૂંપડીમાં હતો. પણ પુણ્યના ફળમાં તો મહેલ હોય ને? સમાધાનઃ– ધૂળેય મહેલ નથી સાંભળને. એ ક્યાં મહેલમાં છે? એ તો જ્યાં હોય ત્યાં રાગમાં-કષાયમાં છે. અરે ભાઈ! એ મહેલમાં રહ્યો છે કે વિકારમાં-કષાયમાં? અનાદિથી તે તો રાગની -કષાયની ઝૂંપડીમાં રહ્યો છે. અહીં દ્રષ્ટાંતમાં જેમ ભાગ્યના ઉદયથી સંપદા સહિત મહેલ મળ્‌યો તેમ ધર્મીને સ્વસન્મુખતાના પુરુષાર્થથી આનંદના અનુભવ સહિત ભગવાન આત્મા પ્રાપ્ત થયો છે. અહા! ઝૂંપડીમાં રહેતો હતો તેને મહેલ મળ્‌યો અને પાછો ધનસહિત હોં; તેમ ધર્મી જીવ કષાયની ઝૂંપડીમાં રહેતો હતો તેને આનંદ સહિત જ્ઞાનાનંદમય આત્મ-મહેલ મળ્‌યો. હવે તે તે મહેલનો સ્વામી થઇ ગયો. હવે તો કચરો કાઢવાનો છે તે હળવે-હળવે કાઢશે.

અહા! અજ્ઞાનભાવે પૂર્વે કર્મ બંધાયેલાં છે ને? તો તે અંદર કચરો પડયો છે એમ કહે છે. પણ હવે અનંતલક્ષ્મીના ભંડાર સહિત ભગવાન આત્માનો ધર્મી સ્વામી થયો છે. અહા! પુરુષાર્થની જાગૃતિથી પોતાનાં સમ્યક્ પ્રકારે જ્ઞાન-શ્રદ્ધાન થયાં ત્યારથી ધર્મી જીવ અનંતી ચૈતન્યસંપદા સહિત ભગવાન આત્માનો સ્વામી થઇ ગયો છે. ત્યાં દ્રષ્ટાંતમાં તો ભાગ્યના ઉદયથી લક્ષ્મીયુક્ત મહેલનો સ્વામી થયો છે પણ ધર્મી જીવ તો પુરુષાર્થની જાગૃતિથી ચૈતન્યલક્ષ્મીરૂપ આત્માનો સ્વામી થયો છે; બેમાં આટલો ફેર છે.

અહાહા....! આત્મા અનંતગુણરિદ્ધિથી સમૃદ્ધ પૂરણ જ્ઞાન ને આનંદથી ભરેલો ભગવાન છે. ‘ભગ’ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મીથી ભરેલો આત્મા ભગવાન છે. આવા શુદ્ધચિદાનંદઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ-પ્રતીતિ થતાં તે આત્માનો સ્વામી થઇ ગયો છે. હવે તેને વિકારની દ્રષ્ટિ અને વિકારનું સ્વામિત્વ નાશ પામી ગયાં છે. તેથી પૂર્વનાં કર્મો કોઇ હજુ પડયાં છે, કચરો પડયો છે તે સ્વરૂપની એકાગ્રતાના અભ્યાસ વડે હળવે- હળવે ટળી જશે, ઝરી જશે, નાશ પામી જશે.

હા, પણ એ બધું આ બહારનું (સ્ત્રી-પરિવાર આદિ) છોડશે ત્યારે ને? સમાધાનઃ– બહારનું કોણ છોડે? અને શું છોડે? એ બધાં પરને શું એણે ગ્રહ્યાં છે કે છોડે? અરે ભાઈ! પરને હું છોડું છું એ માન્યતા જ મિથ્યાત્વ છે


PDF/HTML Page 2470 of 4199
single page version

કેમકે પરનાં ગ્રહણ-ત્યાગ આત્માને છે જ નહિ. અહા! આત્મામાં ત્યાગઉપાદાનશુન્યત્વ નામની શક્તિ છે. આ શક્તિના કારણે તે પરનાં ગ્રહણ-ત્યાગ કરે એવું છે જ નહિ. પોતાનામાં પરનો જ્યાં ત્રિકાળ ત્યાગ જ છે ત્યાં ત્યાગ કોનો કહેવો? અહા! મિથ્યાત્વ અને રાગને છોડયાં એમ કહેવું એ પણ વ્યવહાર છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા જ્યાં દ્રષ્ટિમાં આવ્યો ત્યાં મિથ્યાત્વ ઉત્પન્ન જ થયું નહિ તો મિથ્યાત્વને છોડયું એમ કહેવામાં આવે છે. અહા! સ્વભાવનું ગ્રહણ થતાં વિભાવ છૂટી ગયો, ઉત્પન્ન થયો નહિ તો વિભાવને છોડયો એમ નામમાત્ર કથનથી કહેવામાં આવે છે.

એ તો ગાથા ૩૪માં (ટીકામાં) આવે છે કે આત્માને રાગના ત્યાગનું કર્તાપણું છે એ નામમાત્ર છે. હવે ત્યાં પરના (ધન, કુટુંબાદિના) ત્યાગ-કર્તાની તો વાત જ ક્યાં રહી? તેઓ ક્યાં આત્મામાં છે કે તેનો ત્યાગ કરે? પરનો તો સ્વદ્રવ્યમાં ત્રિકાળ અભાવ જ છે. પરંતુ અંદરમાં પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન છોડીને અનંતકાળથી તે ‘રાગ ને પુણ્ય-પાપના ભાવ તે હું’ -એવી પ્રતીતિમાં વસ્યો છે. તે વિકારની ઝૂંપડીમાં વસેલો દરિદ્રી ભિખારી છે. અહા! અહીં બહારમાં મોટો અબજપતિ શેઠીઓ હોય પણ વિકારમાં તે વસે છે તો ભિખારી છે, દરિદ્રી છે. ઝીણી વાત છે ભાઈ!

અહા અનાદિથી જે વિકારમાં વસ્યો હતો તેને સંસારની પ્રાપ્તિ હતી. પરંતુ હવે પુરુષાર્થ જાગ્રત કરીને અંદર ભગવાન આત્માને ભાળ્‌યો તો, દ્રષ્ટાંતમાં જેમ કોઇને લક્ષ્મી સહિત મહેલ મળ્‌યો તેમ, તેને અનંત અનંત આનંદની લક્ષ્મી સહિત ભગવાન આત્માની પ્રાપ્તિ થઇ. હવે ધીમે-ધીમે તે અંદર જે પૂર્વનો કચરો-કર્મ છે તેને સ્વરૂપની એકાગ્રતા વડે ટાળશે. આ નિર્જરા અધિકાર છે ને? એટલે કહે છે કે તેને આ બાજુ (સ્વભાવમાં) એકાગ્રતા-લીનતા કરતાં કરતાં પૂર્વની પ્રકૃતિ-કર્મઅશુદ્ધતા છે તે ટળી જશે અને તેથી તે પરમાનંદને ભોગવશે. અહા! જ્ઞાનીને આનંદનો અનુભવ તો થયો છે, પણ પૂર્ણ આનંદનો અનુભવ નથી. એટલે હવે તે પોતાના સ્વભાવમાં સ્થિરતા કરીને પૂર્વનાં કર્મ છે તેને ખેરવી નાખશે અને ત્યારે તે પરમાનંદને ભોગવશે, અર્થાત્ પરમ આનંદરૂપ મુક્તદશાને પ્રાપ્ત થઇ થશે. આવો મારગ છે.

‘આ પ્રમાણે નિર્જરા (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગઇ.’ એટલે શું? એટલે કે નિર્જરાનું જ્ઞાન-ભાન થઇ ગયું.

‘એ રીતે, નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઇ.’

હવે બધાનો (આખા અધિકારનો) સરવાળો-ટોટલ કહે છે-


PDF/HTML Page 2471 of 4199
single page version

“સમ્યક્વંત મહંત સદા સમભાવ રહૈ દુઃખ સંકટ આયે,
કર્મ નવીન બંધૈ ન તવૈ અર પૂરવ બંધ ઝડે વિન ભાયે;
પૂરણ અંગ સુદર્શનરૂપ ધરૈ નિત જ્ઞાન બઢૈ નિજ પાયે,
યોં શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાયે.”

જુઓ, આમાં આખા નિર્જરા અધિકારનો સાર કહ્યો. ‘સમ્યક્વંત મહંત....’ અહા! જેને અંદર પોતાના ચિદાનંદઘનસ્વરૂપ આત્માનું ભાન થયું છે તે મહંત કહેતાં મહાન્ આત્મા છે. અહા! સમકિતી પુરુષ મહંત છે. રાગને આત્મા માનનારો બહિરાત્મા દુરાત્મા છે અને સમકિતી મહા આત્મા છે, મહંત છે. આ લોકોમાં મહંત કહેવાય છે તે મહંત નહિ, આ તો અંદર ચૈતન્યમહાપ્રભુ પડયો છે તેની જેને નિર્મળ પ્રતીતિ થઇ છે તે સમકિતી મહંત છે એમ વાત છે.

‘સમ્યક્વંત મહંત સદા સમભાવ રહૈ દુઃખ સંકટ આયે.’ અહાહા...! શું કહે છે? કે દુઃખ નામ પ્રતિકૂળતાના સંયોગોના ઢગલામાં હોય તોપણ જ્ઞાની ધર્મી પુરુષ તો સમભાવમાં રહે છે. જ્ઞાની છે ને? તો પ્રતિકૂળતાના કાળે જે દ્વેષ થતો તે અનુકૂળતાના કાળે જે રાગ થતો તે વાત હવે રહી નથી કેમકે હવે પરવસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટપણાની બુદ્ધિ નથી. અહા! સમ્યક્વંત નામ સત્-દ્રષ્ટિવંત મહંત છે અને તે સદા સમભાવમાં રહે છે. ‘સદા સમભાવ રહૈ’ -જોયું? ‘સદા સમભાવ રહૈ’ -એમ કહ્યું છે. મતલબ કે સમકિતીને કોઇ વખતે પણ વિષમભાવ છે નહિ. એ તો સદા જ્ઞાતા- દ્રષ્ટાભાવે સમપણે જ પરિણમે છે.

તો શું બે ભાઈઓ (ભરત, બાહુબલી) લડયા હતા તોય તેમને સમભાવ હતો? હા, તેમને અંતરમાં તો સમભાવ જ હતો. ભરત ને બાહુબલી બે લડયા-એ તો ઉપરથી ચારિત્રની અસ્થિરતાનો દોષ છે. અંતરમાં તો રાગ-રોષનો અભિપ્રાય છૂટી ગયેલો છે. તેમને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ છૂટી ગયેલો છે. કિંચિત્ અલ્પ દ્વેષ થયો છે તો તે પ્રતિકૂળતાને કારણે થયો છે એમ નથી પણ પોતાની નબળાઇને લઇને કિંચિત્ દ્વેષ ઉત્પન્ન થયો છે. તેને પણ સમકિતી તો હેય જાણે છે અને સ્વરૂપની એકાગ્રતાના અભ્યાસ વડે અલ્પકાળમાં તેનો નાશ કરી દે છે.

અહા! કહે છે- ‘સમભાવ રહૈ, દુઃખ સંકટ આયે’ -સંકટ નામ અનેક પ્રકારે બહારમાં પ્રતિકૂળતા આવે તોપણ સમકિતી સમભાવ રાખે છે, જાણવા-દેખવાના ભાવે પરિણમે છે. ૨૦ વર્ષનો જુવાન દીકરો અવસાન પામી જાય તોય સમકિતીને ત્યાં સમભાવ છે. જેમ ઘેર મહેમાન આવ્યા હોય તે થોડો વખત રહી ચાલ્યા જાય તેમ કુટુંબીજનો પણ થોડો કાળ રહી મુદત પાકી જતાં ચાલ્યા જાય છે; સંયોગનું સ્વરૂપ જ આવું છે એમ જ્ઞાની જાણે છે. તેને કિંચિત્ રાગાદિ થાય તોપણ તે સંયોગના કારણે


PDF/HTML Page 2472 of 4199
single page version

નહિ પણ પોતાની કમજોરીના કારણે થાય છે. જ્ઞાનીને બાહ્ય અનુકૂળ-પ્રતિકૂળ જ્ઞેયને કારણે રાગદ્વેષ થતા નથી પણ પોતાની કમજોરીને લઇને કિંચિત્ રાગાદિ થાય છે અને તેને તે હેય જાણે છે. અજ્ઞાનીને તો સંયોગમાં ઇષ્ટ-અનિષ્ટપણું હોવાથી તેને સંયોગના કારણે (સંયોગમાં જોડાવાથી) રાગદ્વેષ થાય છે. આમ બેમાં બહુ મોટો ફેર છે. વીતરાગ મારગ બહુ અલૌકિક બાપા! એને જે સમજ્યો એનો તો બેડો પાર થઇ ગયો.

અહા! ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માને જે અનંતસ્વભાવો (અનંત ચતુષ્ટય) પ્રગટ થયા તેની તો શી વાત! પણ તેને બહારમાં જે અતિશય પ્રગટ થયા છે તે પણ અદ્ભુત આશ્ચર્ય ઉપજાવે તેવા છે. અહા! જુઓ તો ખરા! એની સભામાં સો સો ઇન્દ્રો નતમસ્તક છે. મોટા મોટા કેસરી સિંહો ગલુડિયાંની જેમ સભામાં ચાલ્યા આવે છે અને અત્યંત વિનમ્રપણે ભગવાનની વાણી સાંભળે છે. જંગલમાંથી સિંહ, વાઘ, હાથી, પચીસ-પચીસ હાથ લાંબા કાળા નાગ સમોસરણમાં આવે છે ને ભગવાનની વાણી સાંભળે છે. અહો! શું તે વાણી! ભવ્ય જીવોને આનંદ આપનારી ને ભવહારી તે વાણી કોઇ જુદી જાતની હોય છે. અહા! તે પરમ અદ્ભુત વાણી અહીં સમયસારમાં આચાર્યદેવે પ્રવાહિત કરી છે. તો કહે છે-

ધર્મી-સમકિતી કે જેને અનંતસ્વભાવથી ભરેલો પોતાનો ચિદાનંદસ્વરૂપ આત્મા પ્રાપ્ત થયો છે તે મહંત છે અને તે સદા સમભાવમાં રહે છે. એટલે શું? કે અનુકૂળ- પ્રતિકૂળ સંયોગમાં તેને સદા સમભાવ છે, આનંદ છે. તે સર્વ સંયોગો પ્રતિ જ્ઞાતા-દ્રષ્ટાના ભાવે જ રહે છે, પણ તેમાં વિષમતાને પ્રાપ્ત થતો નથી. તે કારણે ‘કર્મ નવીન બંધૈ ન તવૈ’ -ધર્મી પુરુષ નવાં કર્મ બાંધતો નથી. અહા! બાપુ! સમકિત શું અલૌકિક ચીજ છે તેની લોકોને ખબર નથી. અહીં કહે છે-સમકિતી નવીન કર્મ બાંધતો નથી.

અહા! અજ્ઞાનીને અંતરમાં પોતાની મોટપ બેઠી નથી તેથી બહારમાં વ્રત, તપ આદિ રાગના ભાવ વડે કલ્યાણ થઇ જશે એમ માને છે, પણ એથી તો ધૂળેય કલ્યાણ નહિ થાય. અહા! પ્રભુ! તને તારી મોટપ બેઠી નથી ને તું ધર્મ કરવા નીકળ્‌યો? બાપુ! એમ ધર્મ નહિ થાય. દયા, દાન, વ્રત આદિ તો બધી રાગની રાંકાઇ છે. અંદર પૂર્ણ ભગવાન સ્વરૂપે તું અંદર પડયો છે તેનો મહિમા લાવી તેનો આશ્રય કર જેથી તને સમકિત-પહેલામાં પહેલો ધર્મ-પ્રગટશે અને તે પ્રગટતાં નવીન કર્મબંધ નહિ થાય એમ કહે છે. સમજાણું કાંઇ....?

અહાહા....! કહે છે- ‘કર્મ નવીન બંધૈ ન તવૈ અર પૂરવ બંધ ઝડૈ બિન ભાયે’


PDF/HTML Page 2473 of 4199
single page version

જોયું? કર્મ તો ‘બિન ભાયે’ -વગર ભાવનાએ ખરી જાય છે એમ કહે છે. અહા! આંહી જ્યાં સ્વભાવમાં એકાગ્ર થયો તો કર્મ તેની મેળે ખરી જાય છે. ‘બિન ભાયે’ એટલે કે ભાવના કર્યા વિના એની મેળે ખરી જાય છે. આવો મારગ છે. કોઇને થાય કે વળી આવો તો જૈનધર્મ હશે? એમ કે વ્રત કરવા, ઉપવાસ કરવા, ભક્તિ કરવી, જાત્રા કરવી ઇત્યાદિ તો જૈનધર્મમાં કહ્યાં છે પણ આ તે કેવો ધર્મ? અરે બાપુ! તને ખબર નથી ભાઈ! તું જે ક્રિયાઓ કહે છે એ તો બધો રાગ છે, તે કાંઇ શુદ્ધ ચૈતન્યની ક્રિયા નથી, અને તેથી તે જૈનધર્મ નથી. અહા! જગતથી સાવ જુદી જ વાત છે. (ધર્મીને તેવો રાગ આવે છે એ જુદી વાત છે પણ તે કાંઇ ધર્મ નથી, ધર્મ તો અંતર એકાગ્રતારૂપ છે).

અહા! સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે જેવો આ આત્મા અંદર છે તેવો જોયો અને કહ્યો છે. તો તેમણે જેવો આત્મા જોયો છે તેવો જ જેણે અંદરમાં જોયો છે તે જીવ જ્ઞાની ધર્મી છે; અને તેને નવીન બંધ નથી તથા પૂર્વનાં કર્મ આપ મેળે ખરી જાય છે. હવે કહે છે-

‘પૂરણ અંગ સુદર્શનરૂપ ધરૈ નિત જ્ઞાન બઢૈ નિજ પાયે.’

અહા! પૂરણ અંગ-સમકિતના આઠે ગુણ સહિત તે સુદર્શન નામ સમ્યગ્દર્શન ધરે છે અર્થાત્ નિઃશંકિત આદિ આઠે ગુણ સહિત તે શુદ્ધ પૂર્ણ સમકિતને ધારે છે. તેથી ‘નિત જ્ઞાન બઢૈ’ જ્ઞાન નામ અંતઃશુદ્ધતા વધતી જાય છે. નિર્જરા છે ને? અહા! થોડા શબ્દોમાં કેટલું મૂકયું છે? કહે છે-

‘નિત જ્ઞાન બઢૈ નિજ પાયે’ -અહા! શુદ્ધ સ્વરૂપને જે પ્રાપ્ત થયો છે તેને જ્ઞાનની શુદ્ધતા નિરંતર વધતી જાય છે. આવો ધર્મ લોકોને આકરો પડે છે એટલે કહેવા લાગે છે કે આ સોનગઢથી નવો કાઢયો છે. અરે ભાઈ! આ નવો નથી બાપા! આ તો વીતરાગ સર્વજ્ઞનો માર્ગ અનાદિથી છે ભાઈ! ભગવાન! તને ખબર નથી પણ મારગ તો આ જ અનાદિથી છે.

ત્યારે વળી કોઇ કહે છે-તમે ઘરના અર્થ કરો છો. એમ નથી બાપુ! આ તો જે છે તેનો અર્થ કરીએ છીએ. તને બેસે નહિ એટલે તું ગમે તેમ માને; અત્યારે પુણ્ય હશે તો ‘ફાવ્યો’ -એમ લાગશે પણ એનાં (વિપરીત માન્યતાનાં) ફળ સારાં નહિ આવે ભાઈ! અહા! વસ્તુ તો આવી જ છે પ્રભુ!

અહીં કહે છે- ‘પૂરણ અંગ સુદર્શનરૂપ ધરૈ’ -સુદર્શન એટલે સમ્યગ્દર્શન. ‘સુ’ છે ને? તો આઠો ગુણ સહિત સમ્યગ્દર્શન ધરે છે તેને ‘નિજ પાયે’ -આત્માની પ્રાપ્તિ દ્વારા નિરંતર જ્ઞાન નામ જ્ઞાનની શુદ્ધતા-આત્માની શુદ્ધતા વધતી જાય છે. અહા! જેમ જેમ જ્ઞાનમાં એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ તેની શુદ્ધતા વધતી જાય છે; અર્થાત્ અશુદ્ધતાની વિશેષ-વિશેષ નિર્જરા થતી જાય છે. આવી વાત છે.


PDF/HTML Page 2474 of 4199
single page version

હવે કહે છે-

‘યોં શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાયે.’

અહાહા....! ‘યોં’ -એટલે આ રીતે મતલબ કે બીજી રીતે નહિ તેમ-આ રીતે ભગવાન કેવળીએ જે શિવમારગ નામ મોક્ષનો માર્ગ કહ્યો છે તેને નિરંતર સાધતો થકો પોતાનો આત્મા આનંદરૂપ વા પૂર્ણ અતીન્દ્રિય આનંદસ્વરૂપ થઇ જાય છે. આનું નામ પરમાનંદસ્વરૂપ મોક્ષ છે. અહા! અંતરમાં સ્વરૂપનું ધ્યાન કરે તે સાધન છે, અને તે વડે ધર્મી પુરુષ સાધ્ય જે પરમાનંદસ્વરૂપ મોક્ષ તેને પ્રાપ્ત થઇ જાય છે; પરંતુ એમ નથી કે તે રાગના સાધન વડે પરમ આનંદદશારૂપ મોક્ષને પ્રાપ્ત થાય છે. સમજાણું કાંઇ?

હવે આત્મા શું? ને ધર્મ શું? -એની ખબરેય ન મળે અને સામાયિક આદિ ક્રિયા કરે પણ એથી શું? એમાં ક્યાં સામાયિક છે? પોતે આત્મા શું ચીજ છે અને તેમાં ઠરવું કઇ રીતે તે જાણ્યા વિના અજ્ઞાની ઠરશે શેમાં? રાગમાં ઠરશે. આત્મામાં ઠર્યા વિના એને સામાયિકેય નથી ને ધર્મેય નથી; તો પછી મોક્ષની તો વાત જ ક્યાં રહી? બાપુ! મારગ તો આવો અંદર સ્વરૂપમાં ઠરવારૂપ છે અને તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે પ્રગટ થાય છે, પણ રાગના આશ્રયે કદીય પ્રગટતો નથી. સમજાણું કાંઇ....?

આ પ્રમાણે આ સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનનો છઠ્ઠો નિર્જરા અધિકાર સમાપ્ત થયો.

[પ્રવચન નં. ૩૦૬ (શેષ) થી ૩૦૮ * દિનાંક ૩૦-૧-૭૭ થી ૧-૨-૭૭]

PDF/HTML Page 2475 of 4199
single page version

background image
પ્રવચન રત્નાકર
[ભાગ–૮]
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં
શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં પ્રવચનો
ઃ પ્રકાશકઃ
શ્રી કુંદકુંદ–કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ
૧૭૩-૧૭પ મુંબાદેવી રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૨
ઃ પ્રેરકઃ

PDF/HTML Page 2476 of 4199
single page version

background image
ક્રમગાથા/કળશપ્રવચન નંબરપૃષ્ઠાંક
કળશ-૧૬૩૩૦૯-૩૧૦
ગાથા ૨૩૭-૨૩૮-૨૩૯
ગાથા ૨૪૦-૨૪૧
કળશ-૧૬૪
ગાથા ૨૪૨ થી ૨૪૬૩૧૧ થી ૩૧૩૨૩
કળશ-૧૬પ૨પ
કળશ-૧૬૬૨૬
કળશ-૧૬૭૨૭
ગાથા-૨૪૭૩૧૩પ૦
૧૦ગાથા ૨૪૮-૨૪૯૩૧૩-૩૧૪પ૪
૧૧ગાથા-૨પ૦૩૧૪૬૦
૧૨ગાથા ૨પ૧-૨પ૨૩૧૪-૩૧પ૬૬
૧૩ગાથા-૨પ૩૩૧પ૭૪
૧૪ગાથા ૨પ૪-૨પપ-૨પ૬૩૧પ-૩૧૬૮૧
૧પકળશ-૧૬૮૮૨
૧૬કળશ-૧૬૯૮૩
૧૭ગાથા ૨પ૭-૨પ૮૩૧૬૯૪
૧૮કળશ-૧૭૦૯પ
૧૯ગાથા-૨પ૯૩૧૭૧૦૧
૨૦ગાથા ૨૬૦-૨૬૧૧૦પ
૨૧ગાથા-૨૬૨૧૧૧
૨૨ગાથા ૨૬૩-૨૬૪૩૧૮૧૧૪
૨૩ગાથા-૨૬પ૧૨૩
૨૪ગાથા-૨૬૬૩૨૦-૩૨૧૧૪૬
૨પગાથા-૨૬૭૩૨૧-૩૨૨૧પ૬
૨૬કળશ-૧૭૧૧પ૭
૨૭ગાથા-૨૬૮-૨૬૯૩૨૨-૩૨૪૧૭૦
૨૮કળશ-૧૭૨૧૭૧

PDF/HTML Page 2477 of 4199
single page version

background image
ક્રમગાથા/કળશપ્રવચન નંબરપૃષ્ઠાંક
૨૯ગાથા-૨૭૦૩૨૪-૩૨પ૧૮પ
૩૦ગાથા-૨૭૧૨૦૧
૩૧કળશ-૧૭૩૨૦૨
૩૨ગાથા-૨૭૨૩૨૭ થી ૩૨૯૨૧૮
૩૩ગાથા-૨૭૩૩૨૯-૩૩૦૨૩૦
૩૪ગાથા-૨૭૪૩૩૦-૩૩૧૨૪૧
૩પગાથા-૨૭પ૩૩૧-૩૩૨૨પ૨
૩૬ગાથા ૨૭૬-૨૭૭૩૩૩-૩૩૮૨૬૪
૩૭કળશ-૧૭૪૨૬૬
૩૮ગાથા ૨૭૮-૨૭૯૩૩૯-૩૪૦૨૯૩
૩૯કળશ-૧૭પ૨૯૪
૪૦ કળશ-૧૭૬૨૯૪
૪૧ગાથા-૨૮૦૨૯પ
૪૨કળશ-૧૭૭૩૧૬
૪૩ગાથા-૨૮૧૩૧૮
૪૪ ગાથા-૨૮૨૩૪૧૩૨૧
૪પ ગાથા ૨૮૩ થી ૨૮પ૩૪૧ થી ૩૪૩૩૨૩
૪૬ગાથા ૨૮૬ થી ૨૮૭૩૪૩ થી ૩૪૭૩૪૦
૪૭ કળશ-૧૭૮૩૪૧
૪૮કળશ-૧૭૯૩૪૨
મોક્ષ અધિકાર
૪૯ કળશ-૧૮૦૩૪૩ થી ૩૪૭૩૭પ
પ૦ ગાથા ૨૮૮ થી ૨૯૦૩૭૬
પ૧ગાથા-૨૯૧૩૪૮૩૮પ
પ૨ગાથા-૨૯૨૩૮૬
પ૩ગાથા-૨૯૩૩૯૦
પ૪ ગાથા-૨૯૪૩૪૯ થી ૩પ૩૩૯૩
પપકળશ-૧૮૧૩૯પ
પ૬ગાથા-૨૯પ૩પ૩૪૨૦
પ૭ગાથા-૨૯૬૩પ૪૪૨૩

PDF/HTML Page 2478 of 4199
single page version

background image
ક્રમગાથા/કળશપ્રવચન નંબરપૃષ્ઠાંક
પ૮ ગાથા-૨૯૭૩પપ-૩પ૬૪૨૭
પ૯ કળશ-૧૮૨૪૨૮
૬૦ ગાથા ૨૯૮-૨૯૯૩પ૭-૩પ૯૪૪૨
૬૧કળશ-૧૮૩૪૪૪
૬૨કળશ-૧૮૪૪૪પ
૬૩ ગાથા-૩૦૦૩૬૦૪૬૨
૬૪ કળશ-૧૮પ૪૬૨
૬પ કળશ-૧૮૬૪૬૩
૬૬ગાથા ૩૦૧ થી ૩૦૩૩૬૧૪૭૩
૬૭ ગાથા ૩૦૪-૩૦પ૩૬૨-૩૬૪૪૭૯
૬૮કળશ-૧૮૭૪૮૦
૬૯ ગાથા ૩૦૬-૩૦૭૩૬૪-૩૭૦૪૯૦
૭૦ કળશ ૧૮૮-૧૮૯૪૯૮
૭૧ કળશ ૧૯૦-૧૯૧૪૯૯
૭૨ કળશ-૧૯૨પ૦૦
ॐ ॐ
ॐ ॐ ॐ

PDF/HTML Page 2479 of 4199
single page version

background image
(હરિગીત)
સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી,
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી,
મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટુપ)
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા,
ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી)
અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી,
મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી;
અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી,
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રિડિત)
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા,
તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો,
વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા)
સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય,
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટુપ)
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી;
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.

PDF/HTML Page 2480 of 4199
single page version

background image
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્‌યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્‌યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્‌યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
-રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!