Pravachan Ratnakar (Gujarati). Gatha: 15 ; Part 2; Introduction; Contents.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 210

 

PDF/HTML Page 261 of 4199
single page version

* કળશ ૧૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

શુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત, અવિનાશી ચૈતન્યમાત્ર દેવ અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે. જ્ઞાનીઓ કહે છે અત્યારે -હમણાં જ શુદ્ધનયથી આત્માને જોવામાં આવે તો જ્ઞાનસ્વભાવમાત્ર આત્મા-જ્ઞાન, શાંતિ, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિઓની દિવ્યતાને ધારણ કરનાર દેવ અંતરંગમાં વિરાજી રહ્યો છે. આ તીર્થંકરદેવની વાત નથી. આ તો તીર્થંકરગોત્ર જે ભાવથી બંધાય એ ભાવ પણ જેમાં નથી એવા ત્રિકાળી શુદ્ધ આત્મદેવની વાત છે. તીર્થંકરગોત્ર જે ભાવથી બંધાય એ ભાવ ધર્મ નથી, એ બંધભાવ છે. જે ભાવથી બંધન પડે તે ધર્મ નહીં. સીધી સ્વતંત્ર છે. ત્રણે કડક ભાષામાં કહીએ તો એ અધર્મ છે. જગતથી જુદી વાત છે. માને ન માને, જગત કાળ પરમાર્થનો માર્ગ તો એક જ છે. ચૈતન્યનો પુંજ ચિદાનંદઘન અનંતશક્તિનો સાગર આત્મા સ્તુતિ કરવા લાયક સ્વયં દેવ છે. વર્તમાન અવસ્થાની જેને દ્રષ્ટિ છે એવો અજ્ઞાની પર્યાયબુદ્ધિ બહિરાત્મા જીવ એને બહાર ઢૂંઢે છે એ મોટું અજ્ઞાન છે.

પંડિત બનારસીદાસજી ગૃહસ્થ હતા, મહા જ્ઞાની હતા, વસ્તુસ્થિતિના જાણકાર હતા. એમણે સમયસાર નાટકના બંધદ્વારમાં આ અંગે સુંદર વાત લખી છે. કહે છેઃ-

કેઈ ઉદાસ રહૈં
પ્રભુ કારન, કેઈ કહૈં ઉઠી જાંહિ કહીં કૈ,
કેઈ પ્રનામ કરૈં ગઢિ મૂરતિ, કેઈ પહાર ચઢૈં ચઢિ છીંકૈ,
કેઈ કહૈં અસમાંનકે ઊપરિ,
કેઈ કહૈં પ્રભુ હેઠિ જમીંકૈ,
મેરો ધની નહિ દૂર દિસન્તર, મોહિમૈં હૈ મોહિ સૂઝત નીકૈં. ૪૮

આત્માને જાણવા માટે અર્થાત્ ઈશ્વરની ખોજ કરવા માટે કોઈ તો ત્યાગી બની ગયા છે, કોઈ બીજા ક્ષેત્રમાં યાત્રા આદિ માટે જાય છે, કોઈ પ્રતિમા બનાવીને નમસ્કાર, પૂજન કરે છે, કોઈ ડોળીમાં બેસીને પર્વત ઉપર ચઢે છે, કોઈ કહે છે ઈશ્વર આકાશમાં છે, અને કોઈ કહે છે કે પાતાળમાં છે. પરંતુ પંડિતજી કહે છે કે મારો પ્રભુ મારાથી દૂર નથી, મારામાં જ છે, અને મને સારી પેઠે અનુભવમાં આવે છે.

ચૈતન્યચમત્કાર અવિનાશી આત્મદેવ અંતરંગમાં વિરાજમાન છે. એને અજ્ઞાની શત્રુંજય, ગિરનાર અને સમ્મેદશિખરમાં મળી જશે એમ બહાર શોધે છે. જાણે પ્રતિમાના પૂજનથી મળી જશે એમ માની પૂજા આદિ કરે છે. પણ એ તો બહારના (પર) ભગવાન છે. એ ક્યાં તારો ભગવાન છે? તારો ભગવાન તો સચ્ચિદાનંદ પ્રભુ અંતરંગમાં


PDF/HTML Page 262 of 4199
single page version

વિરાજે છે. ત્યાં જો. બહારના ભગવાન ઉપરનું લક્ષ એ તો શુભરાગ છે. અશુભની નિવૃત્તિ માટે તે આવે છે. પણ એ કાંઈ ધર્મ નથી. માર્ગ આવો છે, ભાઈ!

હવે શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ ૧પમી ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ– ૧૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इति’ એ રીતે ‘या शुद्धनयात्मिका आत्म–अनुभूतिः’ જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે. ‘इयम् एव किल ज्ञान–अनुभूतिः’ તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. જુઓ, શુદ્ધનયસ્વરૂપ આત્મા એમ કહ્યું છે. નય અને નયના વિષયને અભેદ કરીને વાત કરી છે. શુદ્ધનયના વિષયરૂપ આત્મા એમ ભેદથી કહ્યું નથી. અહાહા...! ત્રિકાળ શુદ્ધચૈતન્યઘન અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા એ જ શુદ્ધનય છે. એવા શુદ્ધનયસ્વરૂપ આત્માનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. આત્માનો અનુભવ કે જ્ઞાનનો અનુભવ એ બે જુદી ચીજ નથી. સર્વજ્ઞ સ્વભાવી આત્માના જ્ઞાનનો અનુભવ એ જ આત્મ-દ્રવ્યનો અનુભવ છે અને આત્મદ્રવ્યનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. ગાથા ૧૪ માં સમ્યગ્દર્શનની પ્રધાનતાથી કથન કર્યું છે. ગાથા ૧પ માં સમ્યગ્જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. આત્માનો-ગુણીનો અનુભવ, જ્ઞાનનો અનુભવ, સમ્યગ્દર્શન અને જૈનશાસન બધું એક જ છે. ‘इति बुद्ध्वा’ એમ જાણીને, आत्मनि आत्मानम् सुनिष्प्रकंपम् निवेश्य’ આત્માને આત્મામાં- પોતાના સ્વરૂપમાં નિશ્ચલ સ્થાપીને ‘नित्यम् समन्तात् एकः अवबोधघनः अस्ति’ સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે એમ દેખવું, અનુભવવું એનું નામ જૈનધર્મ અને મોક્ષમાર્ગ છે.

ભાવાર્થઃ– ૧૪ મી ગાથામાં સમ્યગ્દર્શનને પ્રધાન કરીને કહ્યું હતું. હવે જ્ઞાનને મુખ્ય કરીને કહે છે કે શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે એ જ સમ્યગ્જ્ઞાન છે.

હવે, આ અર્થરૂપ ગાથા કહે છે.




PDF/HTML Page 263 of 4199
single page version

जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं अणण्णमविसेसं।
अपदेससंतमज्झं पस्सदि जिणसासणं सव्वं।।
१५।।

यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यमविशेषम्।
अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं
सर्वम्।। १५।।

હવે, આ અર્થરૂપ ગાથા કહે છેઃ-

અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને,
તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧પ.

ગાથાર્થઃ– [यः] જે પુરુષ [आत्मानम्] આત્માને [अबद्धस्पृष्टम्] અબદ્ધસ્પૃષ્ટ, [अनन्यम्] અનન્ય, [अविशेषम्] અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત [पश्यति] દેખે છે તે [सर्वम् जिनशासनं] સર્વ જિનશાસનને [पश्यति] દેખે છે,-કે જિનશાસન [अपदेशसान्तमध्यं] બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.

ટીકાઃ– જે આ અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે, કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ (પ્રગટપણું) અને વિશેષ (જ્ઞેયાકાર) જ્ઞાનના તિરોભાવ (આચ્છાદન) થી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તોપણ જેઓ અજ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએઃ _________________________________________________________________ * પાઠાન્તરઃ अपदेससुत्तमज्झं ૧. अपदेश= દ્રવ્યશ્રુત; सान्त=જ્ઞાનરૂપી ભાવશ્રુત.


PDF/HTML Page 264 of 4199
single page version

જેમ-અનેક તરેહનાં શાક આદિ ભોજનોના સંબંધથી ઊપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (સામાન્યના તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદભેદે ભેદરૂપ-વિશેષરૂપ) લવણ તેનો સ્વાદ અજ્ઞાની, શાકના લોલુપ મનુષ્યોને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ તેનો સ્વાદ આવતો નથી; વળી પરમાર્થથી જોવામાં આવે તો તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે. એવી રીતે-અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઊપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની, જ્ઞેય-લુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય જ્ઞેયાકારના સંયોગરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી; વળી પરમાર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તો, જેમ સૈંધવની ગાંગડી, અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સૈંધવનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક ક્ષારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે.

ભાવાર્થઃ– અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાનીજન જ્ઞેયોમાં જ -ઈંદ્રિયજ્ઞાનના વિષયોમાં જ-લુબ્ધ થઈ રહ્યા છે; તેઓ ઈંદ્રિયજ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેયમાત્ર આસ્વાદે છે પરંતુ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત નથી તેઓ જ્ઞેયોથી જુદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે, -જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પરનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી.

હવે આ જ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છેઃ-


PDF/HTML Page 265 of 4199
single page version

(पृथ्वी)

अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि–
र्महः परममस्तु नः सहजमुद्विलासं सदा।
चिदुच्छलननिर्भरं
सकलकालमालम्बते
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्।।
१४।।

(अनुष्टुभ्)
एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः।
साध्यसाधकभावेन द्विधैकः
समुपास्यताम्।। १५।।

__________________________________________________________________

શ્લોકાર્થઃ– આચાર્ય કહે છે કે [परमम् महः नः अस्तु] તે ઉત્કૃષ્ટ તેજ- પ્રકાશ અમને હો [यत् सकलकालम् चिद्–उच्छलन–निर्भरं] કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, [उल्लसत्–लवण–खिल्य–लीलायितम्] જેમ મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું આલંબન કરે છે તેમ જે તેજ [एक–रसम् आलम्बते] એક જ્ઞાનરસ સ્વરૂપને અવલંબે છે, [अखण्डितम्] જે તેજ અખંડિત છે -જ્ઞેયોના આકારરૂપે ખંડિત થતું નથી, [अनाकुलं] જે અનાકુળ છે-જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, [अनन्तम् अन्तः बहिः ज्वलत्] જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે-જાણવામાં આવે છે, [सहजम्] જે સ્વભાવથી થયું છે -કોઈએ રચ્યું નથી અને [सदा उद्विलासं] હંમેશા જેનો વિલાસ ઉદયરૂપ છે-જે એકરૂપ પ્રતિભાસમાન છે.

ભાવાર્થઃ– આચાર્યે પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપજ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. ૧૪.

હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છેઃ-

શ્લોકાર્થઃ– [एषः ज्ञानघनः आत्मा] આ (પૂર્વકથિત) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે [सिद्धिम् अभीप्सुभिः] સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ [साध्यसाधकभावेन] સાધ્યસાધકભાવના ભેદથી [द्विधा] બે પ્રકારે, [एकः] એક જ [नित्यम् समुपास्यताम्] નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો.

ભાવાર્થઃ– આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્ય ભાવ છે અને અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧પ.


PDF/HTML Page 266 of 4199
single page version

પ૧ ૨૦-૧-૭૬ પ૨ ૨૧-૧-૭૬
પ૩ ૨૨-૧-૭૬ પ૪ ૨૩-૧-૭૬

* સમયસાર ગાથા –૧પ *

સમસ્ત જૈનશાસનના રહસ્યની આ ગાથા છે સર્વજ્ઞ પરમેશ્વરનો જે માર્ગ છે એ જ જૈનશાસનનો મોક્ષમાર્ગ છે.

* ગાથા –૧પઃ ગાથાર્થ ઉપરનું પ્રવચન *

‘यः’ જે પુરુષ ‘आत्मानम्’ શુદ્ધઆનંદઘન ચૈતન્યસ્વરૂપ આત્માને ‘अबद्धस्पृष्टम्’ અબદ્ધસ્પૃષ્ટ અર્થાત્ કર્મની સાથે બંધ અને સ્પર્શ રહિત, ‘अनन्यम्’ અનન્ય્ અર્થાત્ મનુષ્ય, નરક આદિ અન્ય અન્ય ગતિથી રહિત, ‘अविशेषम्’ અવિશેષ અર્થાત્ જ્ઞાન, દર્શન આદિ ગુણભેદ રહિત સામાન્ય એકરૂપ તથા ઉપલક્ષણથી (બે બોલ આ ગાથામાં નથી પણ ૧૪મી ગાથામાં આવી ગયા છે) નિયત એટલે વૃદ્ધિહાનિરૂપ અવસ્થાથી રહિત અને અસંયુક્ત અર્થાત્ પુણ્ય અને પાપ, સુખ-દુઃખરૂપ કલ્પનાઓથી રહિત ‘पश्यति’ દેખે છે એટલે કે અંતરમાં અનુભવે છે તે ‘सर्वम् जिनशासनम्’ સર્વ જિનશાસનને ‘पश्यति’ દેખે છે. સમસ્ત જૈનશાસનનું રહસ્ય તે આત્માએ જાણી લીધું. ભગવાન આત્મા નિત્ય મુક્તસ્વરૂપ શુભાશુભભાવરહિત ત્રિકાળ શુદ્ધ ચૈતન્યવસ્તુ છે. એવા આત્માનો અભ્યંતર જ્ઞાનથી (ભાવશ્રુત જ્ઞાનથી) અનુભવ કરવો એ (અનુભવ) શુદ્ધોપયોગ છે. એ વીતરાગી પર્યાય છે અને એ જ જૈનધર્મ છે. રાગ વિનાની વીતરાગી દશા તે જૈનશાસન છે અને એ જ જૈનધર્મનું રહસ્ય છે.

આત્મા જે ત્રિકાળી વસ્તુ છે એ જિનસ્વરૂપ જ છે. જિનવરમાં અને આત્મામાં કાંઈ ફેર નથી. કહ્યું છે નેઃ-

“જિન સોહી હૈ આતમા, અન્ય સોહી હૈ કર્મ,
યહી વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ,”

પ્રત્યેક આત્માનો દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ આવો જ એકરૂપ છે. જે ભગવાન થયા તે આવા આત્માનો પૂર્ણ આશ્રય કરી પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ કરીને થયા. શુદ્ધોપયોગ


PDF/HTML Page 267 of 4199
single page version

વડે જિનસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવી, એને જાણવો -અનુભવવો એને ભગવાને જૈનશાસન કહ્યું છે. આ જૈનશાસન પર્યાયમાં છે, દ્રવ્યમાં નહીં. આ પૂર્ણ જિનસ્વરૂપ આત્માને ગ્રહણ કરનાર શુદ્ધોપયોગ એ જ જૈનશાસન છે, પરમેશ્વરનો માર્ગ છે. જેણે આવા આત્માને જાણ્યો નથી એણે કાંઈ પણ જાણ્યું નથી. પર્યાયદ્રષ્ટિમાં આત્માને બદ્ધસ્પૃષ્ટ, અન્ય અન્ય અવસ્થારૂપ, અનિયત, ભેદરૂપ અને રાગરૂપે દેખે છે એ જૈનશાસન નથી, એ તો અજૈનશાસન છે. આ શેઠિયાઓ કરોડોનાં દાન કરે, કોઈ ભક્તિ, પૂજા કરે, દયા, વ્રત પાળે એ કાંઈ જિનશાસન નથી, કે જૈનધર્મ નથી વીતરાગની વાણી સ્યાદ્વાદરૂપ છે એટલે કોઈ ઠેકાણે રાગને પણ ધર્મ કહ્યો છે એમ નથી. (વીતરાગતાથી ધર્મ અને રાગથી પણ ધર્મ એવો સ્યાદ્વાદ નથી.) ધર્મધુરંધર, ધર્મના સ્થંભ એવા કુંદકુંદાચાર્યદેવ જેમનું મંગલાચરણમાં ત્રીજું નામ આવે છે તે જે કહે છે તે એકવાર પૂર્વનો આગ્રહ છોડીને સાંભળ, કે અંતરમાં એકરૂપ પરમાત્મતત્ત્વ સામાન્યસ્વભાવ નિર્લેપ ભગવાન છે એને જાણવો, એની પ્રતીતિ અને રમણતા કરવી -એવો જે શુદ્ધોપયોગ છે તે જૈનશાસન છે. આ જૈનશાસન अपदेशसान्तमध्यं બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે. જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે બાહ્યદ્રવ્યશ્રુતમાં એમ જ કહ્યું છે કે અબદ્ધસ્પૃષ્ટ આત્માનો અનુભવ કરવો એ જ જૈનશાસન છે. બારઅંગરૂપ વીતરાગની વાણીનો આ જ સાર છે -કે શુદ્ધાત્માનો અનુભવ કર.’ દ્રવ્યશ્રુત વાચક છે, અંદર ભાવશ્રુતજ્ઞાન તેનું વાચ્ય છે. દ્રવ્યશ્રુત અબદ્ધસ્પૃષ્ટ આત્માના સ્વરૂપને નિરૂપે છે, ભાવશ્રુત અબદ્ધસ્પૃષ્ટ આત્માનો અનુભવ કરે છે. પંડિત રાજમલજીએ કળશ ૧૩ માં આનો ખુલાસો બહુ સારો કર્યો છે. શિષ્યે પૂછયું- ‘આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે.’ તેનું સમાધાનઃ- દ્વાદશાંગજ્ઞાન વિકલ્પ છે. તેમાંપણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. વીતરાગી શુદ્ધાત્માને અનુસરીને જે અનુભવ થાય એ અનુભૂતિ મોક્ષમાર્ગ છે. એણે વસ્તુને જાણી લીધી પછી વિકલ્પ આવે તો શાસ્ત્રો વાંચે, પણ એવા જીવને શાસ્ત્ર ભણવાની કોઈ અટક નથી. આવો માર્ગ છે, ભાઈ! સંપ્રદાયમાં લોકોએ અરે! ભગવાનના માર્ગને પીંખી નાખ્યો છે. અરે! ભગવાનના વિરહ પડયા, અને લોકો બધા ઝઘડામાં પડી ગયા. કોઈ કહે કે શુભરાગથી ધર્મ થાય, તો વળી કોઈ કહે શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય ભારે વિપરીતતા. પણ શું થાય! સર્વજ્ઞતા તો પ્રગટ થઈ નથી, અને સર્વજ્ઞસ્વભાવનો અનુભવ નથી. અહીં કહે છે કે સર્વજ્ઞસ્વભાવનો અનુભવ જે શુદ્ધોપયોગ એ જૈનશાસન છે, જૈનધર્મ છે. જૈનધર્મ કોઈ સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે.


PDF/HTML Page 268 of 4199
single page version

પ્રવચનસારમાં ૪૭ નયોમાં અશુદ્ધનય અને શુદ્ધનયની વાત આવે છે. તેમાં માટીને વાસણ-ઘટાદિથી જુએ તે અશુદ્ધનય છે અને માટીને એકલી માટી-માટી- માટીસામાન્ય જુએ તે શુદ્ધનય છે. તેમ ભગવાન આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્રની પર્યાયથી જોવો તે અશુદ્ધનય છે અને ત્રિકાળ એકરૂપ ચૈતન્યસામાન્યપણે જોવો તે શુદ્ધનય છે. આવા શુદ્ધનયના વિષયભૂત ચૈતન્યસામાન્ય ત્રિકાળી દ્રવ્યનો અનુભવ કરવો તેને અહીં જૈનશાસન કહે છે. * ગાથા –૧પઃ ટીકા ઉપરનું પ્રવચન * જે આ અબદ્ધસ્પૃષ્ટ આદિ પાંચભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે એટલે કે પાંચભાવસ્વરૂપ આત્માને શુદ્ધોપયોગવડે દેખે છે, જાણે છે, અનુભવે છે એ ખરેખર સમસ્ત જિનશાસનનો અનુભવ છે. આ જૈનમાર્ગ છે, મોક્ષમાર્ગ છે. આમાં કોઈ રાગ કે વ્યવહાર તો આવ્યો નહીં? ભાઈ, વ્યવહાર કે રાગ એ જૈનશાસન જ નથી. પૂર્ણ વીતરાગતા નથી ત્યાં સુધી સાધકને રાગ આવે છે ખરો, પણ એ જૈનધર્મ નથી. જૈનશાસન એતો શુદ્ધોપયોગમય વીતરાગી પરિણતિ છે. સમ્યગ્દર્શન આદિ રત્નત્રયપરિણતિ એ શુદ્ધોપયોગમય વીતરાગી પરિણતિ છે. એ જૈનધર્મ, જૈનશાસન છે. શ્રી જયસેનાચાર્યની ટીકામાં લીધું છે કે -આત્મપદાર્થનું વેદન-અનુભવ -પરિણતિ એ જૈનશાસન-જૈનમત છે. હવે કહે છે કે આ જૈનશાસન અર્થાત્ અનુભૂતિ તે શું છે? શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. ભાવશ્રુતજ્ઞાન-શુદ્ધોપયોગથી જે આત્માનો અનુભવ થયો એ આત્મા જ છે. સ્વરૂપની વીતરાગ સ્વસંવેદનદશા-પ્રત્યક્ષ જ્ઞાનની અનુભૂતિ જે પ્રગટ થઈ એ આત્મા જ છે. રાગાદિ જે છે તે આત્મા નથી, અનાત્મા છે. ધર્મીને પણ અનુભૂતિ પછી જે રાગ આવે છે તે અનાત્મા છે. દ્રવ્યશ્રુતમાં આ કહ્યું છે અને એ જ અનુભવમાં આવ્યું. માટે જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે; કેમકે ભાવશ્રુતમાં જે ત્રિકાળી વસ્તુ જણાઈ તે વીતરાગસ્વરૂપ છે અને એની અનુભૂતિ પ્રગટ થઈ એ પણ વીતરાગ પરિણતિ છે. ભગવાન આત્મા ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. એનો પર્યાયમાં અનુભવ થયો એ ભાવશ્રુતજ્ઞાન છે, શુદ્ધોપયોગ છે. એ આત્માની જ જાત હોવાથી આત્મા જ છે. અનુભૂતિમાં પૂરા આત્માનો નમૂનો આવ્યો માટે તે આત્મા જ છે. તેથી દ્રવ્યની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો-એક જ ચીજ છે. ‘જ’ શબ્દ લીધો છે ને? એકાંત લીધું. સમ્યક્ એકાંત છે. કથંચિત્ રાગની અનુભૂતિ એ આત્મા એમ છે નહીં. સર્વજ્ઞ-સ્વભાવી ‘જ્ઞ’ સ્વભાવી આત્મા એકલો જ્ઞાનસ્વભાવી છે અને એની અનુભૂતિ જ્ઞાનસ્વરૂપ જ છે. અહાહા! શું ભગવાનની વાણી! ચૈતન્યચમત્કાર જાગે એવી ચમત્કારિક વાણી છે.


PDF/HTML Page 269 of 4199
single page version

પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવવામાં આવે છે. જુઓ રાગમિશ્રિત જ્ઞેયાકાર જ્ઞાન જે (પૂર્વે) હતું એની રુચિ છોડી દઈને (પર્યાયબુદ્ધિ છોડીને) અને જ્ઞાયકની રુચિનું પરિણમન કરીને સામાન્ય જ્ઞાનનો પર્યાયમાં અનુભવ કરવો એને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કહે છે. આ પર્યાયની વાત છે જ્ઞાનની પર્યાયમાં એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનું વેદન થવું અને શુભાશુભ જ્ઞેયાકાર જ્ઞાનનું ઢંકાઈ જવું તેને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કહે છે. અને એ પ્રમાણે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવતાં જ્ઞાન આનંદ સહિત પર્યાયમાં અનુભવમાં આવે છે. અહીં ‘સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ’ એટલે ત્રિકાળી ભાવનો આવિર્ભાવ એમ વાત નથી. સામાન્ય જ્ઞાન એટલે શુભાશુભ જ્ઞેયાકાર રહિત એકલા જ્ઞાનનું પર્યાયમાં પ્રગટપણું. એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનો અનુભવ એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ છે. જ્ઞેયાકાર સિવાયનું એકલું પ્રગટ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે. એનો વિષય ત્રિકાળી છે.

ભાઈ! આ તો અધ્યાત્મ કથની છે. એક-એક શબ્દમાં ગંભીરતા ભરી છે. આ તો સમયસાર અને તેમાં પંદરમી ગાથા! કુંદકુંદાચાર્યની વાણી સમજવા માટે પણ ખૂબ પાત્રતા જોઈએ.

તોપણ જેઓ અજ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. ચૈતન્યસ્વરૂપ નિજ પરમાત્માની જેમને રુચિ નથી એવા અજ્ઞાની જીવો રાગ કે જે પરજ્ઞેય છે (રાગ તે જ્ઞાન નથી) તેમાં આસક્ત છે. વ્રત, તપ, દયા, દાન, પૂજા, ભક્તિ એવા જે વ્યવહાર રત્નત્રયના પરિણામ છે તેમાં જેઓ આસક્ત છે, શુભાશુભ વિકલ્પોને જાણવામાં જેઓ રોકાયેલા છે એવા જ્ઞેયલુબ્ધ જીવો્રને આત્માના અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ આવતો નથી. શુભરાગની -પુણ્યભાવની જેમને રુચિ છે તેમને આત્માના આનંદનો સ્વાદ આવતો નથી.

આત્માનો વળી સ્વાદ કેવો હશે? દાળ, ભાત, લાડુ, મોસંબી વગેરેનો સ્વાદ તો હોય છે! એ તો બધી જડ વસ્તુ છે. જડનો સ્વાદ તો અજ્ઞાનીને પણ હોતો નથી. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયની સત્તા છોડીને પદાર્થ શું બીજી સત્તામાં મળી જાય છે? જડ તો ભિન્ન ચીજ છે. અજ્ઞાનીને વસ્તુ પ્રત્યે જે રાગ છે તેનો સ્વાદ આવે છે, વસ્તુનો નહીં. સ્ત્રીના વિષયમાં સ્ત્રીના શરીરને ભોગવતો નથી, પણ તેના પ્રત્યેના રાગનું વેદન-અનુભવ કરે છે. પૈસા કે આબરૂમાં કાંઈ પૈસાનો કે આબરૂનો અનુભવ આવતો નથી. તીખું મરચું


PDF/HTML Page 270 of 4199
single page version

મોઢામાં મૂકતાં તીખાશનો સ્વાદ આવતો નથી. પરંતુ તીખાશ જાણતાં આ ઠીક છે એવી માન્યતાનો જે રાગ ઉત્પન્ન થાય છે એ રાગનો અજ્ઞાની સ્વાદ લે છે. એવી રીતે શરીરમાં તાવ આવે છે એ તાવનો અનુભવ આત્માને નથી, માત્ર એ અઠીક છે એવી અરુચિ થતાં દુઃખનો અનુભવ છે. વસ્તુ પ્રત્યે રાગમાં આસક્ત અજ્ઞાની જીવને રાગનો સ્વાદ આવે છે, અને તે આકુળતામય છે, અધર્મ છે. આત્માનો સ્વાદ તો અનાકુળ આનંદમય છે. બનારસીદાસે લખ્યું છેઃ- “વસ્તુ વિચારત

ધ્યાવતૈં, મન પાવૈ વિશ્રામ.
રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભૌ યાકૌ નામ.”

વસ્તુ જે જ્ઞાયકસ્વરૂપ તેને જ્ઞાનમાં લઈ અંતરમાં ધ્યાન કરે છે તેને મનના વિકલ્પો-રાગ વિશ્રામ પામે છે, હઠી જાય છે. મન શાંત થઈ જાય છે. ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે છે. પરિણામ અંતર્નિમગ્ન થતાં અનાકુળ સુખનો સ્વાદ આવે છે તેને અનુભવ અર્થાત્ જૈનશાસન કહે છે. જ્ઞેયમાં આસક્ત છે તે ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત છે. જે પદાર્થો ઈન્દ્રિયો વડે જાણવામાં આવે છે તે ઇન્દ્રિયના વિષયો છે. દેવ, ગુરુ, શાસ્ત્ર, સાક્ષાત્ ભગવાન અને ભગવાનની વાણી એ પણ ઈન્દ્રિયના વિષયો છે. સમયસાર ગાથા ૩૧ માં લીધું છે કે- ‘જીતી ઈન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને’- પાંચ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-ત્રણેને ઈન્દ્રિય ગણવામાં આવી છે. એ ત્રણેયને જીતીને એટલે કે તેમના તરફનો ઝુકાવ-રુચિને છોડીને એનાથી અધિક અર્થાત્ ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને -અતીન્દ્રિય ભગવાનને અનુભવે છે તે જૈનશાસન છે. પોતાના સ્વજ્ઞેયમાં લીન છે એવી આ અનુભૂતિ- શુદ્ધોપયોગરૂપ પરિણતિ તે જૈનશાસન છે. આથી વિરુદ્ધ અજ્ઞાનીને પરિપૂર્ણ જે સ્વજ્ઞેય છે એની અરુચિ છે અને ઈન્દ્રિયાદિનું ખંડખંડ જે જ્ઞેયાકાર જ્ઞાન છે એની રુચિ અને પ્રીતિ છે. તે પરજ્ઞેયોમાં આસક્ત છે અને તેથી તેને જ્ઞાનનો સ્વાદ ન આવતાં રાગનો-આકુળતાનો સ્વાદ આવે છે. રાગનો સ્વાદ, રાગનું વેદન અનુભવમાં આવવું એ જૈનશાસનથી વિરુદ્ધ છે તેથી અધર્મ છે. શુભક્રિયા કરવી અને એ કરતાં કરતાં ધર્મ થઈ જશે એવી માન્યતા મિથ્યાભાવ છે તથા શુભાશુભ રાગથી ભિન્ન અંતર આનંદકંદ ભગવાન આત્માને જ્ઞેય બનાવી જ્ઞાયકના જ્ઞાનનું વેદન કરવું એ જિનશાસન છે, ધર્મ છે. આ વાત દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ- ‘જેમ અનેક તરેહનાં શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ તેનો સ્વાદ


PDF/HTML Page 271 of 4199
single page version

અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યોને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ તેનો સ્વાદ આવતો નથી. શું કહે છે? દૂધી, તુરિયાં, કારેલાં આદિ શાકમાં તથા ખીચડી, રોટલા આદિ પદાર્થોમાં મીઠું નાખવામાં આવે છે. તો તે તે પદાર્થોના સંબંધથી મીઠાનો લવણનો સ્વાદ લેવામાં આવતાં સામાન્ય લવણનો સ્વાદ તિરોભૂત એટલે ઢંકાઈ જાય છે, અને શાક ખારું છે એવી અનુભૂતિ થાય છે. ખરેખર ખારું તો લવણ છે, શાક નહીં. તથા શાક આદિ દ્વારા ભેદરૂપ લવણનો સ્વાદ આવવો (જેમકે શાક ખારું છે) એ વિશેષનો આવિર્ભાવ છે. શાકના લોલુપી-ગૃદ્ધિવાળા મનુષ્યોને લવણ દ્વારા લવણનો સ્વાદ એકાકાર અભેદરૂપ લવણનો સ્વાદ (મીઠું ખારું છે એવો) આવતો નથી.

‘વળી પરમાર્થથી જોવામાં આવે તો તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે.’ પરમાર્થથી જોવામાં આવે તો શાકના લોલુપી જીવોને વિશેષનો આવિર્ભાવ એટલે કે શાક દ્વારા જે લવણનો સ્વાદ આવે છે (સ્વાદ તો તે તરફના લક્ષવાળા રાગનો છે પણ આ તો સમજાવવા માટેનું દ્રષ્ટાંત છે) એ ખરેખર સામાન્ય લવણનું જ વિશેષ છે, એનો જ ભાવ છે, શાકનું ખારાપણું (વિશેષ) નથી; અને એ વિશેષપણું શાક દ્વારા આવ્યું છે એમ પણ નથી. સામાન્ય લવણનો જ વિશેષ સ્વાદ છે. અજ્ઞાનીને શાકના સંયોગથી લવણનો ખ્યાલ આવે છે એ વિપરીત છે, કેમકે તેને મીઠાના સ્વભાવનો ખ્યાલ નથી આવતો આ દ્રષ્ટાંત થયું.

સિદ્ધાંતઃ– ‘એવી રીતે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (વિશેષભાવરૂપ, ભેદરૂપ અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની જ્ઞેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય જ્ઞેયાકારના સંયોગરહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી.’ શું કહે છે? સ્ત્રી, દીકરા, દીકરી, ભગવાન, ભગવાનની વાણી, પુણ્ય, પાપ, રાગ, ઈત્યાદિ અનેક પ્રકારના જ્ઞેયો છે. આ જ્ઞેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉત્પન્ન સામાન્યનો તિરોભાવ-એટલે એકલા જ્ઞાનના અનુભવનું ઢંકાઈ જવું તથા વિશેષનો આવિર્ભાવ એટલે જ્ઞેયતા સંબંધથી જ્ઞાનનું પ્રગટ થવું -આ વડે રાગ આદિ દ્વારા જે જ્ઞેયમિશ્રિત જ્ઞાનનો અનુભવ થાય તે અજ્ઞાન છે, તેમાં આત્માનો સ્વાદ આવતો નથી. રાગ દ્વારા જ્ઞાનનો જ્ઞેયાકાર વિશેષ એ ખરેખર તો સામાન્ય જ્ઞાનની અવસ્થા છે, પણ માને છે (ભ્રમથી) કે


PDF/HTML Page 272 of 4199
single page version

રાગની અવસ્થાને લઈને જ્ઞાન થયું. આ માન્યતા એ મિથ્યાત્વ છે અને દુઃખનું વેદન છે. પુણ્ય અને પાપના વિકલ્પ જે જ્ઞેય છે એ ઉપર જેની દ્રષ્ટિ છે, એમાં જેને આસક્તિ છે એને જે જ્ઞેય દ્વારા જ્ઞાનનો સ્વાદ આવે છે એ દુઃખનો -આકુળતાનો સ્વાદ છે. જેમ અજ્ઞાની શાકના લોલુપીને શાકદ્વારા લવણનો સ્વાદ આવે છે તે મિથ્યા છે તેમ આ જ્ઞેયલુબ્ધ જીવોને દયા, દાન, આદિ પુણ્ય અને ક્રોધ, માન આદિ પાપના વિકલ્પો જે પરજ્ઞેય છે, આત્માથી ભિન્ન છે, એ દ્વારા રાગની પર્યાય અને જ્ઞાનની પર્યાયનો મિશ્રિત અનુભવ થતાં જે સ્વાદ આવે છે એ દુઃખનો સ્વાદ છે, વિપરીત છે, ઝેરનો સ્વાદ છે, કેમકે એમાં આત્માના સામાન્યજ્ઞાનનો અનુભવ ઢંકાઈ ગયો છે.

રાગ દ્વારા જ્ઞાનનું વેદન એ ધર્મ નથી. જ્ઞાનનું જ્ઞાન દ્વારા એકલું વેદન એ ધર્મ છે. આ ધર્મ અને અધર્મની વ્યાખ્યા છે. જ્ઞેયાકાર જ્ઞાનનો અનુભવ કરે તો મિથ્યાત્વ સહિત દુઃખનું વેદન છે. આ શાસ્ત્ર-સ્વાધ્યાય થાય છે ને, એ પણ વિકલ્પ છે. એ વિકલ્પ દ્વારા જ્ઞાનનો અનુભવ થયો એ અધર્મ છે. અજ્ઞાની જીવને રાગમિશ્રિત જ્ઞાનનું ઢંકાઈ જવું અને જ્ઞાનભાવથી જ્ઞાન અનુભવમાં આવવું એવા એકાકાર જ્ઞાનના સ્વાદનો અનુભવ આવતો નથી. અહાહા! આત્મા તો વીતરાગ સ્વભાવનો પટારો છે, વીતરાગસ્વરૂપ જ છે. એના તરફના ઝુકાવથી એકલા જ્ઞાનનો જે અનુભવ આવે તે આત્માનો -અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ છે. તે ધર્મ છે.

‘વળી પરમાર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે.’ જ્ઞાયક ઉપર જેની દ્રષ્ટિ છે એ તો જાણે છે કે આ જ્ઞાનનું વિશેષ જ્ઞાન સામાન્યમાંથી આવે છે. જ્ઞાયક ઉપર દ્રષ્ટિ પડતાં જ્ઞાનની પર્યાયનું વેદન આવે છે. (રાગનું નહીં, રાગથી નહીં) રાગ દ્વારા જ્ઞાનનો અનુભવ ખરેખર તો સામાન્યનું વિશેષ છે, છતાં અજ્ઞાની માને છે કે એ રાગનું વિશેષ છે. એ દ્રષ્ટિનો ફેર છે. સમયસાર ગાથા ૧૭, ૧૮ માં આવે છે કે - આબાલગોપાળ સર્વને રાગ, શરીર, વાણી, જે કાળે દેખાય છે તે કાળે ખરેખર જ્ઞાનની પર્યાય જાણવામાં આવે છે, પણ એવું ન માનતાં મને આ જાણવામાં આવ્યું, રાગ જાણવામાં આવ્યો એ માન્યતા વિપરીત છે. એવી રીતે જ્ઞાનપર્યાય છે તો સામાન્યનું વિશેષ, પણ જ્ઞેય દ્વારા જ્ઞાન થતાં (જ્ઞેયાકાર જ્ઞાન થતાં) અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે આ જ્ઞેયનું વિશેષ છે, જ્ઞેયનું જ્ઞાન છે. ખરેખર જે જ્ઞાનપર્યાય છે તે સામાન્ય જ્ઞાનનું જ જ્ઞાન-વિશેષ છે, પરજ્ઞેયનું જ્ઞાન નથી, પરજ્ઞેયથી પણ નથી.


PDF/HTML Page 273 of 4199
single page version

‘અલુબ્ધ જ્ઞાનીઓને તો જેમ સૈંધવની ગાંગડી, અન્યદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સૈંધવ નો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એકક્ષારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે.’ જેમ લવણના ગાંગડાનો, અન્યદ્રવ્યના સંયોગનો નિષેધ કરીને કેવળ લવણના ગાંગડાનો અનુભવ કરવામાં આવે તો સર્વત્ર ક્ષારરસપણાને લીધે તે ક્ષારપણે સ્વાદમાં આવે છે. લવણનો ગાંગડો સીધો લવણ દ્વારા સ્વાદમાં આવે છે એ યથાર્થ છે. એવી રીતે અલુબ્ધ જ્ઞાનીઓને એટલે જેમને ઈન્દ્રિયોના સમસ્ત વિષયો કે જે પરજ્ઞેયો છે એમની આસક્તિ-રુચિ છૂટી ગઈ છે એવા જ્ઞાનીઓને પોતાના સિવાય અન્ય સમસ્ત પરદ્રવ્ય અને પરભાવનું લક્ષ છોડી દઈને એક જ્ઞાયકમાત્ર ચિદ્ઘનસ્વરૂપનો અનુભવ કરતાં, સર્વતઃ એકવિજ્ઞાનઘનપણાને લીધે તે જ્ઞાનરૂપે સ્વાદમાં આવે છે. એકલું જ્ઞાન સીધું જ્ઞાનના સ્વાદમાં આવે છે એ આનંદનું વેદન છે. એ જૈનશાસન છે. એનું નામ સમ્યગ્દર્શન અને જ્ઞાનની અનુભૂતિ છે. એક બાજુ સ્વદ્રવ્ય છે અને બીજી બાજુ સમસ્ત પરદ્રવ્ય છે. એક બાજુ રામ અને બીજી બાજુ ગામ. ગામ એટલે (પરદ્રવ્યનો) સમૂહ. પોતાના સિવાય જેટલાં પરદ્રવ્યો છે તે ગામમાં જાય છે. પરજ્ઞેયો-પંચેન્દ્રિયના વિષયો -પછી તે સાક્ષાત્ ભગવાન, ભગવાનની વાણી, દેવ, ગુરુ શાસ્ત્ર, અને શુભાશુભ રાગ એ સઘળું ગામમાં એટલે પરદ્રવ્યના સમૂહમાં આવી જાય છે. એના તરફ લક્ષ જતાં રાગ જ ઉત્પન્ન થાય છે. સમોસરણમાં સાક્ષાત્ ભગવાન બિરાજમાન હોય. તેમનું લક્ષ કરતાં રાગ જ ઉત્પન્ન થાય. એ અધર્મ છે. એ કાંઈ ચૈતન્યની ગતિ નથી. એ તો વિપરીત ગતિ છે. મોક્ષપાહુડમાં કહ્યું છે કે परदव्वादो दुग्गइ’ તેથી પરદ્રવ્યથી ઉદાસીન થઈ એક ત્રિકાળી જ્ઞાયકભાવ જે સર્વતઃ જ્ઞાનઘન છે તે એકનો જ અનુભવ કરતાં એકલા (નિર્ભળ) જ્ઞાનનો સ્વાદ આવે છે. એ જૈનદર્શન છે. ઈન્દ્રિયોના વિષયોમાં રાગ દ્વારા જે જ્ઞાનનો અનુભવ (જ્ઞેયાકાર જ્ઞાન) તે આત્માનો સ્વાદ-અનુભવ નથી, એ જૈનશાસન નથી. આત્મામાં ભેદના લક્ષે જે રાગ ઉત્પન્ન થાય તે રાગનું જ્ઞાન થાય છે એમ માનવું એ અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. એક જ્ઞાન દ્વારા જ્ઞાનનું વેદન એ જ સમ્યક્ છે, યથાર્થ છે. અહો! સમયસાર વિશ્વનું એક અજોડ ચક્ષુ છે. આ વાણી તો જુઓ. સીધી એને આત્મા તરફ લઈ જાય છે. સમયસાર શાસ્ત્ર-વાણી એ વાચક છે અને પોતાનામાં રાગાદિરહિત જે સમયસાર છે એ વાચ્ય છે. અત્યારે તો લોકો બહારમાં પડયા છે. આ કરો ને તે કરો. કોઈ કહે


PDF/HTML Page 274 of 4199
single page version

અમે પુસ્તક બનાવીએ છીએ. પણ પુસ્તક બનાવવાનો જે વિકલ્પ છે એ તો રાગ છે અને અમે પુસ્તક બનાવી શકીએ છીએ એવો ભાવ એ મિથ્યાત્વભાવ છે. જડને કોણ બનાવે? ‘ક’ એવો એક અક્ષર અનંત પરમાણુઓનો બનેલો છે. આત્મા એને કરી કે લખી શકે એ ત્રણકાળમાં બનતું નથી. અનંત દ્રવ્ય અનંતપણે રહીને-એક એક પરમાણુ અને અન્ય દ્રવ્ય પોતાની અવસ્થાને સ્વકાળે પૃથક્પણે કરે છે. ‘ણમો અરિહંતાણં’ એ તો શબ્દ છે. અંદર નમન કરવાનો જે વિકલ્પ ઉત્પન્ન થાય તે રાગ છે. તે રાગ દ્વારા જ્ઞાનનો અનુભવ એ આત્માનો સ્વાદ નથી.

પરમાત્મ પ્રકાશમાં લીધું છે કે આ જીવ અનંતવાર મહાવિદેહક્ષેત્રમાં જન્મ્યો છે. ત્યાં તીર્થંકરદેવ નિત્ય બિરાજે છે, તીર્થંકરનો વિરહ નથી. તો ત્યાં સમોસરણમાં પણ અનંતવાર ગયો છે. સમ્યગ્જ્ઞાનદીપિકામાં લખ્યું છે કે જીવે પૂર્વે અનંતવાર પ્રત્યક્ષ સમોસરણમાં કેવલી ભગવાનની હીરાના થાળ, મણિરત્નના દીવા અને કલ્પવૃક્ષનાં પુષ્પાદિકથી પૂજા કરી છે તથા દિવ્યધ્વનિ સાંભળી છે. પરમાત્મપ્રકાશમાં પણ ‘ભવે ભવે પૂજિયો’ એવો પાઠ છે. પણ આ તો બધો શુભરાગ છે. એથી ધર્મ માની અનંતકાળથી રખડે છે. જગતને આ બેસવું આકરું છે. પણ ભાઈ! આત્માના ભાન વિના હજારો સ્ત્રીઓ, અને રાજપાટ છોડી નગ્ન દિગંબર સાધુ થયો હોય તોપણ દુઃખી જ છે; પંચમહાવ્રતના પરિણામ એ સુખ નથી, દુઃખ જ છે. સમયસાર નાટકમાં મોક્ષઅધિકારમાં ૪૦ મા છંદમાં ત્યાંસુધી લીધું છે કે ભાવલિંગી મુનિરાજને છઠ્ઠે ગુણસ્થાને જે પંચમહાવ્રતાદિના વિકલ્પ ઉત્પન્ન થાય છે એ ‘જગપંથ’ છે. મિથ્યાદ્રષ્ટિની તો વાત જ શી કરવી? ત્યાં તો ત્યાંસુધી લીધું છે કે સાચા મુનિરાજને પણ જે વારંવાર વિકલ્પ ઉત્પન્ન થાય છે એ અંતર-અનુભવમાં શિથિલતા છે, ઢીલાશ છે. અહીં કહે છે રાગથી ભિન્ન ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં ઝુકાવ થતાં જે સીધું જ્ઞાન જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે તે આત્માનો સ્વાદ છે, તે જિનશાસન છે, આત્માનુભૂતિ છે.

* ગાથા –૧પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

અહીં આત્માની અનુભૂતિને જ જ્ઞાનની અનુભૂતિ કહી છે. અજ્ઞાનીજન સ્વજ્ઞેયને છોડીને અનંત પરજ્ઞેયોમાં જ અર્થાત્ આત્માના અતીન્દ્રિય જ્ઞાનને છોડીને ઈન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ થઈ રહ્યા છે. નિજ ચૈતન્યઘનસ્વરૂપ આત્માનો અનુભવ નથી એવો અજ્ઞાની પરવસ્તુ-પરજ્ઞેયોમાં લુબ્ધ છે. તેની દ્રષ્ટિ અને રુચિ રાગાદિ પર છે. તે ઈન્દ્રિયજ્ઞાનના વિષયોથી અને રાગાદિથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ પોતાપણે આસ્વાદે છે; એ મિથ્યાત્વ છે. દેવ-ગુરુ


PDF/HTML Page 275 of 4199
single page version

શાસ્ત્ર પરદ્રવ્ય છે. એની શ્રદ્ધાનો વિકલ્પ રાગ છે. એ રાગ મિથ્યાત્વ નથી, પરંતુ એ રાગથી અનેકાકાર-પરજ્ઞેયાકાર થયેલું જે જ્ઞાન તેને પોતાપણે માનવું એ મિથ્યાત્વ છે. રાગ મિથ્યાત્વ નથી પણ એને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. અજ્ઞાની દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના જ્ઞાનને જ જ્ઞેયમાત્ર આસ્વાદે છે. જેને જ્ઞેયાકાર જ્ઞાનની દ્રષ્ટિ અને રુચિ છે એને જ્ઞેયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ હોતો નથી. તેને અંતર્મુખદ્રષ્ટિના અભાવે રાગનો-આકુળતાનો જ સ્વાદ આવે છે.

તથા જેઓ જ્ઞાની છે, જેમને મહાવ્રતાદિના રાગના પરિણામમાં લીનતા અને રુચિ નથી તેઓ જ્ઞેયોથી ભિન્ન એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે. તે નિરાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે. જ્ઞાની જ્ઞેયોમાં આસક્ત નથી. રાગ કે નિમિત્ત કોઈમાં એકાકાર નથી. સાક્ષાત્ ભગવાન બિરાજમાન હોય તોપણ તેમાં ધર્મીને આસક્તિ કે એકતાબુદ્ધિ નથી. ધર્મીને વ્યવહારરત્નત્રયનો રાગ, મહાવ્રતાદિ પાલનનો રાગ હોય પરંતુ તે એનાથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપ જે આત્મા એને જ્ઞેય બનાવીને તે જ્ઞાનમાત્ર એકાકાર જ્ઞાનનો આસ્વાદ કરે છે. એ અનાકુળ આનંદનો સ્વાદ છે, એ ધર્મ છે. જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેમ જ્ઞાનીને પરજ્ઞેયો અને શુભાશુભભાવથી ભિન્ન એક નિજ જ્ઞાયકમાત્રના જ્ઞાનનો જ્ઞાનમાત્ર સ્વાદ આવે છે. એને નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કહે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, માટે જ્ઞાનનો સ્વાદ છે એ આત્માનો જ સ્વાદ છે.

જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન તે ગુણ અને આત્મા ગુણી એવા બેની અભેદદ્રષ્ટિમાં આવતું સર્વ પરદ્રવ્યોથી રહિત અબદ્ધસ્પૃષ્ટ, પોતાની પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ અર્થાત્ વૃદ્ધિહાનિથી રહિત, પોતાના ગુણોમાં એકરૂપ અભેદ તથા પરનિમિત્તના લક્ષે ઉત્પન્ન થયેલ પુણ્ય-પાપ, સુખ-દુઃખની કલ્પનાથી રહિત જે નિજ સ્વરૂપ તેનો અનુભવ એ જ્ઞાનનો અનુભવ છે અને એ સમ્યગ્જ્ઞાન છે, જૈનધર્મ છે. જૈનશાસ્ત્રો વાંચે, સાંભળે અને એની ધારણા કરી રાખે એ કાંઈ સમ્યગ્જ્ઞાન નથી. જિનવાણી તો બાજુ પર રહી, અહીં તો જિનવાણી સાંભળતાં જે જ્ઞાન (વિકલ્પ) અંદર થાય છે એ સમ્યગ્જ્ઞાન છે એમ નથી. દ્રવ્યશ્રુતનું જ્ઞાન એ તો વિકલ્પ છે. પરંતુ અંદર ભગવાન ચિદાનંદ રસકંદ છે એને દ્રષ્ટિમાં લઈ એક એનું જ્ઞાનમાત્રનું અનુભવન કરવું એ ભાવશ્રુતજ્ઞાન છે, એ સમ્યગ્જ્ઞાન છે, જૈનશાસન છે. નિજ સ્વરૂપનું અનુભવન તે આત્મજ્ઞાન છે. શુદ્ધજ્ઞાનરૂપ સ્વસંવેદન, જ્ઞાનનું (ત્રિકાળીનું) સ્વસંવેદન અનુભવન એ ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી. અહીં ત્રણ વાત આવી. એક તો પરદ્રવ્ય અને પર્યાયથી પણ ભિન્ન જે અખંડ એક શુદ્ધ ત્રિકાળી જ્ઞાનસ્વભાવ એનું અનુભવન


PDF/HTML Page 276 of 4199
single page version

ભાવશ્રુતજ્ઞાન એ જ શુદ્ધનય છે. શુદ્ધનયનો વિષય જે દ્રવ્યસામાન્ય છે એનો અનુભવ એને જ શુદ્ધનય કહે છે. અને એજ જૈનશાસન છે. ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકમાત્રનો વર્તમાનમાં ભાવશ્રુતજ્ઞાનરૂપ અનુભવ એ જૈનશાસન છે કેમકે ભાવશ્રુતજ્ઞાન એ વીતરાગી જ્ઞાન છે, વીતરાગી પર્યાય છે.

આત્માના અનુભવ વિના જીવ અનંતકાળથી જન્મમરણ કરીને-નરક-નિગોદનાં અનંતાનંત દુઃખોને પ્રાપ્ત થયો છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કે નવતત્ત્વોની ભેદરૂપ શ્રદ્ધા એ કાંઈ સમ્યક્ત્વ નથી. કળશ ટીકાના છઠ્ઠા કળશમાં આવે છે કે- સંસાર દશામાં જીવદ્રવ્ય નવતત્ત્વરૂપે પરિણમ્યો છે તે તો વિભાવપરિણતિ છે, માટે નવતત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. એ ભેદોમાંથી એકરૂપ જ્ઞાયકભાવને- અબદ્ધસ્પૃષ્ટ આત્માને ગ્રહણ કરી અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. નવતત્ત્વમાંથી એકલો સામાન્ય જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન એવો આત્મા બહાર કાઢી લેવો અને તે એકને અનુભવવો તે સમ્યગ્દર્શન મૂળ ચીજ છે. જેમ આંબલીના ઝાડનાં પાન ઉપરઉપરથી તોડી લે પણ મૂળ સાબૂત રહે તો તે ઝાડ થોડા દિવસોમાં ફરીથી પાંગરે; તેમ ઉપરઉપરથી રાગ મંદ કરે પણ મૂળ મિથ્યાત્વ-પર્યાયબુદ્ધિ સાબૂત રહે તો ફરીથી રાગ પાંગરે જ. તેથી તો પ્રવચનસાર ગાથા ૯૩માં કહ્યું છે કે જેને પરથી ભિન્ન એકરૂપ જ્ઞાયકભાવની દ્રષ્ટિ નથી અને એક સમયની પર્યાયમાં રાગને જ પોતાનો માની રોકાઈ ગયો છે એ પર્યાયદ્રષ્ટિ મૂઢ છે.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

આચાર્ય કહે છે કે- ‘परमम् महः नः अस्तु’ જ્ઞાન- પ્રકાશનો પુંજ ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને પ્રાપ્ત થાઓ. બીજી કોઈ ચીજ અમારે જોઈતી નથી. વ્યવહારરત્નત્રયનો રાગ અમારે જોઈતો નથી. એ રાગ તો અંધકારમય છે. અમને તો એ અંધકારથી ભિન્ન ચૈતન્યપ્રકાશ પ્રાપ્ત હો. ‘यत् सकलकालम् चिद–उच्छलन–निर्भरं’ જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે. સૂર્ય જેમ જડ પ્રકાશનો પુંજ છે તેમ આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ છે, ચૈતન્ય પ્રકાશમય તેજથી ભરેલો છે. બહારનું આચાર્યપદ કે બીજી કે કોઈ ચીજની માગણી કરી નથી, પણ અંદરમાં જે ચૈતન્યસૂર્ય પ્રકાશપુંજ છે તે પર્યાયમાં પ્રાપ્ત હો એવી જ એક ભાવના પ્રગટ કરી છે.

ચક્રવર્તી છ ખંડ સાધવા જાય છે ત્યાં વચમાં વૈતાઢય પર્વત આવે છે. એમાં ગુફા આવે છે જેમાં ખૂબ જ અંધારું હોય છે. તથા મંગલા અને અમંગલા નામની બે નદી આવે છે. અમંગલાનો પ્રવાહ એવો કે કોઈ ચીજ પડે તો નીચે લઈ જાય અને મંગલાનો


PDF/HTML Page 277 of 4199
single page version

પ્રવાહ એવો છે કે કોઈ ચીજ પડે તો બહાર કાઢે. ગુફામાં બહુ જ અંધારું હોય છે. ચક્રવર્તી પાસે એક મણિરત્ન હોય છે. એને ઘસવાથી સૂર્ય જેવો પ્રકાશ થાય છે. આ પ્રકાશમાં આખું લશ્કર ત્યાંથી પસાર થઈ જાય છે. એમ અહીં કહે છે કે અમોને જે ચૈતન્યમણિરત્ન છે તેમાં એકાગ્રતારૂપ ઘસારો કરવાથી પર્યાયે પર્યાયે જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય છે. એ પ્રકાશમાં અમે મોક્ષમાર્ગમાં ચાલ્યા જઈએ છીએ. આચાર્યદેવ નિજ ચૈતન્યચિંતામણિરત્નમાં એકાગ્રતાથી પ્રાપ્ત જ્ઞાનપ્રકાશની જ ભાવના કરે છે, બીજું કાંઈ ઈચ્છતા નથી.

હવે કહે છે કે જેવી રીતે ‘उल्लसत् लवण–खिल्य लिलायितम्’ મીઠાની

કાંકરી એક ક્ષારરસની લીલાનું આલંબન કરે છે અર્થાત્ એકલા ક્ષારરસના સ્વભાવથી ભરેલી છે, તેવી રીતે ‘यदेकरसम् आलम्बते’ અમારો આ આત્મા એકલા જ્ઞાનરસથી

પૂર્ણ ભરેલો છે. વળી ‘अखण्डितम्’ તે તેજ અખંડિત છે એટલે રાગાદિ જ્ઞેયોના

આકારે ખંડિત થતું નથી તથા ‘अनाकुलम्’ અનાકુળ છે. એમાં કર્મોના નિમિત્તથી

ઉત્પન્ન થતા રાગાદિજનિત આકુળતા નથી. એ ત્રિકાળ, અખંડ, જ્ઞાનરૂપ અને અનાકુળ આનંદસ્વરૂપ છે. ‘ज्वलदनन्तम् अंतर्बहिः વળી તે અવિનાશીપણે અંતરંગમાં અને

બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે. અંતરંગ શક્તિમાં જ્ઞાનનું ચૈતન્યનું-તેજ પરિપૂર્ણ ભરેલું છે અને તેમાં એકાગ્ર થતાં પર્યાયમાં પણ જ્ઞાનતેજ પ્રગટ થાય છે. सहजं તે

સ્વભાવથી થયું છે. આત્માના જ્ઞાનસ્વરૂપને કોઈએ ઉપજાવ્યું, રચ્યું કે બનાવ્યું છે એમ નથી, સહજ જ છે. उद्विलासम् सदा અને હમેશાં એનો વિલાસ ઉદયરૂપ છે.

જ્ઞાનપ્રકાશ સદાય ઉદયરૂપ રહે છે. વસ્તુ સદાય ઉદયરૂપ છે અને જે જ્ઞાનપ્રકાશનો પર્યાયમાં ઉદય થાય તે પણ સદાય રહે છે. ત્રિકાળી ચીજ એકરૂપ પ્રતિભાસમાન છે. તેના આશ્રયે પર્યાયમાં અનેકતાનો નાશ થઈ એકરૂપનો અનુભવ થાય છે.

* કળશ ૧૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આચાર્ય ભગવાને પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકારસ્વરૂપ જ્યોતિ

અમોને સદા પ્રાપ્ત રહો. ભગવાન આત્મા સ્વરૂપથી જ જ્ઞાનાનંદમય છે, અભેદ એકાકારસ્વરૂપ છે. અખંડ અનાકુળસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય લઈને જે અનુભવની દશા પ્રગટ થાય એ-જેમ વસ્તુ અવિનાશી છે તેમ-અવિનાશી છે. એનો પણ (એક અપેક્ષાએ) નાશ થતો નથી. અષ્ટપાહુડના ચારિત્રપાહુડની ચોથી ગાથામાં સમ્યગ્દર્શન -જ્ઞાનચારિત્રના પરિણામને પણ ‘અક્ષય-અમેય’ કહ્યા છે. વસ્તુ જેવી અક્ષય-અમેય છે તેવી આ પર્યાય પણ અક્ષય-અમેય છે. ભાઈ! અધ્યાત્મ સૂક્ષ્મ છે. એનો એકેક શબ્દ મંત્ર છે. જેમ કોઈને


PDF/HTML Page 278 of 4199
single page version

સર્પનું ઝેર ચઢયું હોય તો કલમને મંતરીને નાખે એટલે સર્પ એના દરમાંથી બહાર નીકળીને આવે અને ઝેર ચૂસી લે છે, તેમ ભગવાન જ્ઞાનસ્વરૂપ પરમાત્મામાં એકાકાર થઈ અનુભવ કરતાં અંદરમાં જ્ઞાનપર્યાય પ્રગટ થાય છે તે કલમ (મંત્ર) છે તે કલમ મોહ-રાગ-દ્વેષરૂપી ઝેરનો નાશ કરી અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ બહાર કાઢે છે.

* સમયસાર પ્રવચન ભાગ–૧ સમાપ્ત *


PDF/HTML Page 279 of 4199
single page version

background image
પ્રવચન રત્નાકર
[ભાગ-૨]
પરમ પુજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં
શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં
પ્રવચનો
ઃ પ્રકાશકઃ
શ્ર કુંદકુંદ કહાન પરમાગમ ટ્રસ્ટ
મુંબઇ

PDF/HTML Page 280 of 4199
single page version

*

ક્રમ ગાથા/કળશ પ્રવચન નંબર પૃષ્ઠાંક ૧ કળશ-૧પ પ૪ થી પ૭ ૨ ગાથા-૧૬ પપ થી પ૭ ૩ કળશ-૧૬ થી ૧૮ પપ થી પ૭ ૪ કળશ-૧૯ પપ થી પ૭ પ ગાથા-૧૭-૧૮ પ૮ થી ૬૧ ૨૪ ૬ કળશ-૨૦ પ૮ થી ૬૧ ૨પ ૭ ગાથા-૧૯ ૬૧-૬૨ ૪૯ ૮ કળશ-૨૧ ૬૧-૬૨ પ૦ ૯ ગાથા-૨૦ થી ૨૨ ૬૨ થી ૬૪ ૬૧ ૧૦ કળશ-૨૨ ૬૨ થી ૬૪ ૬૩ ૧૧ ગાથા-૨૩ થી ૨પ ૬૪ થી ૬૭ ૭૭ ૧૨ કળશ-૨૩ ૬૪ થી ૬૭ ૭૯ ૧૩ ગાથા-૨૬ ૬૭-૬૮ ૧૦૦ ૧૪ કળશ-૨૪ ૬૭-૬૮ ૧૦૦ ૧પ ગાથા-૨૭ ૬૮ ૧૦પ ૧૬ ગાથા-૨૮ ૬૮ ૧૧૨ ૧૭ ગાથા-૨૯ ૬૯ ૧૧પ ૧૮ ગાથા-૩૦ ૬૯ ૧૧૭ ૧૯ કળશ-૨પ ૬૯ ૧૧૭ ૨૦ કળશ-૨૬ ૬૯ ૧૧૮ ૨૧ ગાથા-૩૧ ૭૦ થી ૭૨ ૧૨૦