PDF/HTML Page 281 of 4199
single page version
૨૨ ગાથા-૩૨ ૭૨ થી ૭૪ ૧૩૨ ૨૩ ગાથા-૩૩ ૭૪ થી ૭૬ ૧૪૩ ૨૪ કળશ-૨૭-૨૮ ૭૪ થી ૭૬ ૧૪૪ ૨પ ગાથા-૩૪ ૭૭-૭૮ ૧પ૯ ૨૬ ગાથા-૩પ ૭૯ થી ૮૧ ૧૬૯ ૨૭ કળશ-૨૯ ૭૯ થી ૮૧ ૧૭૦ ૨૮ ગાથા-૩૬ ૮૧ થી ૮૨ ૧૮૮ ૨૯ કળશ-૩૦ ૮૧ થી ૮૨ ૧૮૯ ૩૦ ગાથા-૩૭ ૮૩-૮૪ ૧૯૯ ૩૧ કળશ-૩૧ ૮૩-૮૪ ૨૦૦ ૩૨ ગાથા-૩૮ ૮૪ થી ૮૭ ૨૧૨ ૩૩ કળશ-૩૨ ૮૪ થી ૮૭ ૨૧૩
PDF/HTML Page 282 of 4199
single page version
હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છેઃ-
साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम्।। १५ ।।
શ્લોકાર્થઃ– [एषः ज्ञानघनः आत्मा] આ (પૂર્વકથિત) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, [सिद्धिम् अभीप्सुभिः] સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ [साध्यसाधकभावेन] સાધ્યસાધકભાવના ભેદથી [द्विधा] બે પ્રકારે, [एकः] એક જ [नित्यम् समुपास्यताम्] નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો.
ભાવાર્થઃ– આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્યભાવ છે અને અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧પ.
PDF/HTML Page 283 of 4199
single page version
હવે આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે. ગાથા ૧૪ માં સમ્યગ્દર્શનની વાત હતી, ગાથા ૧પ માં સમ્યગ્જ્ઞાનની વાત કરી, અને ગાથા ૧૬ માં દર્શન-જ્ઞાન- ચારિત્ર ત્રણેય લે છે. આ કળશ ૧૬ નો ઉપોદ્ઘાત છે.
‘एषः ज्ञानघनः आत्मा’ આ (પૂર્વકથિત) જ્ઞાનઘનસ્વરૂપ આત્મા છે. જેમ પહેલાં ‘ઘી’ એવાં આવતાં કે શિયાળાના દિવસોમાં અંદર આંગળી તો પ્રવેશ ન પામે પરંતુ તાવેથો પણ વળી જાય. (પ્રવેશ પામે નહિ). એમ ભગવાન આત્મા અંદરમાં જ્ઞાનઘન છે. તેમાં શરીર, વાણી કે કર્મ તો પ્રવેશી શક્તાં નથી પરંતુ દયા, દાન આદિના વિકલ્પો કે વર્તમાન પર્યાય પણ એમાં પ્રવેશ પામતી નથી. એવા જ્ઞાનઘનસ્વરૂપ આત્માને ‘सिद्धिम् अभीप्सुभिः’ સ્વરૂપની પ્રાપ્તિના ઇચ્છક પુરુષોએ ‘साध्यसाधक भावेन् द्विधा’ સાધ્ય- સાધક ભાવના ભેદથી બે પ્રકારે, ‘एकः नित्यम् समुपास्यताम्’ એક જ નિત્ય સેવવા યોગ્ય છે; તેનું સેવન કરો. શું કહ્યું? જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની પૂર્ણ સિદ્ધ પર્યાય એ સાધ્ય છે અને વર્તમાનમાં સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા એ સાધક છે. જ્ઞાયકભાવના (આત્મદ્રવ્યના) બે ભેદજ્ઞાનની પૂર્ણતાનો ભાવ એ સાધ્ય અને અપૂર્ણ સમ્યગ્જ્ઞાનરૂપ પરિણતિ એ સાધક. વચમાં દયા, દાન, આદિ વિકલ્પો થાય એ કાંઈ સાધક નથી, તથા એનાથી મુક્તિ પણ પ્રાપ્ત થતી નથી. આ રીતે સાધ્ય-સાધક ભાવના ભેદથી બે પ્રકારે એક જ આત્મા નિત્ય સેવન કરવા યોગ્ય છે. પ્રકાશનો પુંજ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્મા પોતે જ સાધક ભાવરૂપ થઈને પોતે જ સાધ્ય થાય છે, વચમાં કોઈ રાગાદિની-વ્યવહારરત્નત્રયના પરિણામની એને મદદ નથી.
જ્ઞાનીની વાત સાંભળીને કેટલાક અજ્ઞાની લોકો પણ હવે એમ કહેવા લાગ્યા છે કે અમોને અહીં પણ આત્માના લક્ષે ઉપવાસાદિ થાય છે. પરંતુ જેઓ કુદેવ-કુગુરુ- કુશાસ્ત્રને માને છે કે જે મિથ્યાત્વ છે અર્થાત્ જ્યાં સમ્યગ્દર્શનનાં ઠેકાણાં પણ નથી ત્યાં આત્માનું લક્ષ કયાંથી હોય? જેને જ્ઞાન અને દર્શન પૂર્ણ પ્રાપ્ત થઈ ગયાં છે એવા અરિહંત સર્વજ્ઞ પરમાત્મા દેવ છે. તે સર્વ દોષોથી રહિત વીતરાગ છે. એના શરીરની દશા એવી છે કે તેમને ક્ષુધા, તૃષા કે રોગ આદિ દોષ હોતા નથી. તથા સાચા નિર્ગ્રંથ ગુરુ એને કહે છે કે જે મહાવ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડીને ત્રણ કષાયના અભાવપૂર્વક સમ્યગ્દર્શન-જ્ઞાન સહિત ચારિત્રની રમણતામાં ઝૂલે છે. આવું યથાર્થ જાણ્યા વિના ભગવાનને રોગ આદિ થાય છે એમ માને તથા જ્યાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પણ ખબર નથી એને આત્માના લક્ષે કોઈ વાત (સાધના) હોઈ શકે નહીં. ઝીણી વાત છે, ભાઈ! આ તો જન્મ-મરણનો અંત કરવાની વાત છે.
અહીં કહે છે કે આત્મા ચૈતન્યઘન પિંડ છે. એની નિર્વિકલ્પ શ્રદ્ધા, સ્વસંવેદન
PDF/HTML Page 284 of 4199
single page version
જ્ઞાન અને એમાં સ્થિરતારૂપ વીતરાગી ચારિત્ર એ સાધકભાવે આત્મા પોતે પરિણમે છે અને એ ત્રણેની પૂર્ણતારૂપ જે સાધ્યભાવ તે-રૂપે પણ પોતે જ પરિણમે છે. આ રીતે બે પ્રકારે પણ એક જ આત્મા સદા સેવવા યોગ્ય છે, બીજું નહીં. સાધકભાવ અને સાધ્યભાવ એ બન્નેમાં એકલો આત્મા જ જ્ઞાનરૂપે પરિણમે છે. વચમાં જે વ્યવહાર- રત્નત્રય આવે છે એનું સેવન કરવું અથવા વ્યવહારરત્નત્રય સહાય કરે છે એમ નથી.
આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે, પરંતુ એનું પૂર્ણરૂપ તે સાધ્યભાવ છે અને અપૂર્ણરૂપ તે સાધકભાવ છે. શું કહ્યું? શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા સાધકભાવમાં અને સાધ્યભાવમાં પોતે જ પરિણમે છે. સાધ્ય-સાધકભાવના ભાવભેદે બે પ્રકારે એકનું સેવન કરવું. આગળ ગાથામાં પછી કહેશે કે દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયથી અમે સમજાવીએ છીએ, પરંતુ સેવન એકનું જ (આત્માનું) કરવું.
PDF/HTML Page 285 of 4199
single page version
ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो।। १६ ।।
तानि पुनर्जानीहि क्रीण्यप्यात्मानं चैव निश्चयतः।। १६ ।।
હવે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવ છે એમ ગાથામાં કહે છેઃ-
પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદ્રષ્ટિમાં. ૧૬.
ગાથાર્થઃ– [साधुना] સાધુ પુરુષે [दर्शनज्ञानचरिक्राणि] દર્શન, જ્ઞાન અને ચારિત્ર [नित्यम्] સદા [सेवितव्यानि] સેવવાયોગ્ય છે; [पुनः] વળી [तानि क्रीणि अपि] તે ત્રણેને [निश्चयतः] નિશ્ચયનયથી [आत्मानं च एव] એક આત્મા જ [जानीहि] જાણો.
ટીકાઃ– આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવાયોગ્ય છે એમ પોતે ઇરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે ‘સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવાયોગ્ય છે’. પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી-આત્માના જ પર્યાયો છે. જેમ કોઈ દેવદત્ત નામના પુરુષનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી, (તેઓ) દેવદત્ત જ છે-અન્ય વસ્તુ નથી, તેમ આત્મામાં પણ આત્માનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, આત્માના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી, (તેઓ) આત્મા જ છે-અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે.
ભાવાર્થઃ– દર્શન, જ્ઞાન, ચારિત્ર-ત્રણે આત્માના જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી; તેથી સાધુ પુરુષોએ એક આત્માનુંજ સેવન કરવું એ નિશ્ચય છે અને વ્યવહારથી અન્યને પણ એ જ ઉપદેશ કરવો.
PDF/HTML Page 286 of 4199
single page version
एकोऽपि क्रिस्वभावत्वाद्वयवहारेण मेचकः।। १७ ।।
सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः।। १८ ।।
__________________________________________________
હવે, એ જ અર્થનો કલશરૂપ શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– [प्रमाणतः] પ્રમાણદ્રષ્ટિથી જોઈએ તો [आत्मा] આ આત્મા [समम् मेचकः अमेचकः च अपि] એકીસાથે અનેક અવસ્થારૂપ (‘મેચક’) પણ છે અને એક અવસ્થારૂપ (‘અમેચક’) પણ છે, [दर्शन–ज्ञान–चारित्रैः क्रित्वात्] કારણ કે એને દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો ત્રણપણું છે અને [स्वयम् एकत्वतः] પોતાથી પોતાને એકપણું છે.
ભાવાર્થઃ– પ્રમાણદ્રષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકીસાથે એકાનેકસ્વરૂપ દેખવો. ૧૬. હવે નિયવિવક્ષા કહે છેઃ- શ્લોકાર્થઃ– [एकः अपि] આત્મા એક છે તોપણ [व्यवहारेण] વ્યવહાર- દ્રષ્ટિથી જોઈએ તો [क्रिस्वभावत्वात्] ત્રણ-સ્વભાવપણાને લીધે [मेचकः] અનેકાકારરૂપ (‘મેચક’) છે, [दर्शन–ज्ञान–चारित्रैः क्रिभिः परिणतत्वतः] કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ભાવે પરિણમે છે.
ભાવાર્થઃ– શુદ્ધદ્રવ્યાર્થિક નયે આત્મા એક છે; આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિક નય ગૌણ થયો તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો. એમ વ્યવહારનયે આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણામોને લીધે ‘મેચક’ કહૃાો છે. ૧૭.
હવે પરમાર્થનયથી કહે છેઃ-
શ્લોકાર્થઃ– [परमार्थेन तु] શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો [व्यक्तज्ञातृत्व–ज्योतिषा] પ્રગટ જ્ઞાયક્તાજ્યોતિમાત્રથી [एककः] આત્મા એકસ્વરૂપ છે [सर्व–भावान्तर–
PDF/HTML Page 287 of 4199
single page version
दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।। १९ ।।
__________________________________________________ ध्वंसि–स्वभावत्वात्] કારણ કે શુદ્ધદ્રવ્યાર્થિક નયથી સર્વ અન્યદ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે, [अमेचकः] તેથી તે ‘અમેચક’ છે-શુદ્ધ એકાકાર છે.
ભાવાર્થઃ– ભેદદ્રષ્ટિને ગૌણ કરી અભેદદ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર જ છે, તે જ અમેચક છે. ૧૮.
આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહૃાો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું એમ હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– [आत्मनः] આ આત્મા [मेचक–अमेचकत्वयोः] મેચક છે-ભેદરૂપ અનેકાકાર છે તથા અમેચક છે-અભેદરૂપ એકાકાર છે [चिन्तया एव अलं] એવી ચિંતાથી તો બસ થાઓ. [साध्यसिद्धिः] સાધ્ય આત્માની સિદ્ધિ તો [दर्शन–ज्ञान– चारित्रैः] દર્શન, જ્ઞાન ને ચારિત્ર-એ ત્રણ ભાવોથી જ છે, [न च अन्यथा] બીજી રીતે નથી (એ નિયમ છે).
ભાવાર્થઃ– આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી; પરંતુ દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા-તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. ૧૯.
૧૪ મી ગાથામાં સમ્યગ્દર્શનનો અધિકાર અને ૧પ મી ગાથામાં સમ્યગ્જ્ઞાનનો અધિકાર કહ્યો. હવે અહીં ગાથા ૧૬ માં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવની વાત કરે છેઃ-
સદા
PDF/HTML Page 288 of 4199
single page version
‘सेवितव्यानि’ સેવવા યોગ્ય છે. જુઓ, સાધુ કોને કહીએ? કે જે દર્શન, જ્ઞાન, ચારિત્રનું સેવન કરે તે સાધુ છે. આ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ નિશ્ચયરત્નત્રયની વાત છે. અખંડ, અભેદ, એકરૂપ જે ત્રિકાળી જ્ઞાયકભાવ એની દ્રષ્ટિ એ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, એનું સ્વસંવેદનજ્ઞાન એ સમ્યગ્જ્ઞાન અને એમાં રમણતા-લીનતા-આચરણરૂપ અનુષ્ઠાન એ સમ્યક્ચારિત્ર. આ નિશ્ચયરત્નત્રયનું સેવન કરે તે સાધુ છે. પાંચ મહાવ્રત કે વ્યવહાર- રત્નત્રયના વિકલ્પ એ કાંઈ નિશ્ચયચારિત્ર નથી, નિશ્ચયધર્મ નથી. એ તો રાગ છે, વિકાર છે અને તેથી સેવવા યોગ્ય નથી. આ તો વીતરાગમાર્ગનું કથન છે. ભાઈ! અંતઃતત્ત્વસ્વરૂપ જે શુદ્ધચૈતન્યઘન એનાં શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિરૂપ જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય એનું સેવન કરવા યોગ્ય છે એમ વ્યવહારથી કથન છે. ભગવાન જ્ઞાયકસ્વભાવ એકલો છે. એ જ્ઞાયકસ્વભાવ એકનું સેવન કરવું એ નિશ્ચય છે, પરમાર્થ છે, વાસ્તવિક છે. તથા ઉપદેશમાં ભેદ પાડીને દર્શન, જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા યોગ્ય છે એમ કહેવું એ વ્યવહાર છે. એકરૂપ આત્મામાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણ પ્રકાર કહેવા એ વ્યવહાર છે.
હવે કહે છે-વળી ‘तानि त्रीणि अपि’ તે ત્રણેને ‘निश्चयतः’ નિશ્ચયનયથી ‘आत्मानं च एव’ એક આત્મા જ ‘जानीहि’ જાણો. અખંડ અભેદ એકરૂપ જે જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા તે એકનું સેવન કરતાં તેમાં એ ત્રણેય પર્યાયો આવી જાય છે. પણ ત્રણ પર્યાયનું લક્ષ કરવું એ વ્યવહારનય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર તો નિશ્ચય છે (નિશ્ચયરત્નત્રય છે), પણ અખંડ એક નિશ્ચય સ્વભાવની અપેક્ષાએ એ ત્રણેય પર્યાય છે અને તેથી વ્યવહાર છે, મલિન છે. ઝીણી વાત, ભાઈ! પણ અલૌકિક વાત છે. શું કહે છે? એ ત્રણેને નિશ્ચયનયથી એક આત્મા જ જાણો. અંતર જ્ઞાયકભાવની એકાગ્રતા થવાથી એ ત્રણેય નિર્મળ પર્યાયો થઈ જાય છે પરંતુ એ પર્યાયોનું લક્ષ કરી તેમનો આશ્રય કરવા યોગ્ય નથી. અહાહા! એ નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય આશ્રય કરવા લાયક નથી. એ ત્રણ છે માટે વ્યવહાર છે. આ નિશ્ચય (મોક્ષમાર્ગ) પણ વ્યવહાર છે. ગજબ વાત! ભગવાન! આ માર્ગ તો અત્યારે ગાયબ (ગૂમ) થઈ ગયો. મોક્ષમાર્ગથી વિરુદ્ધ બહારની બધી કડાકૂટ થઈ ગઈ છે. અહીં તો ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે-એ ત્રણેયને નિશ્ચયથી એક આત્મા જ જાણો. લ્યો, આ અંદરમાં એવો આત્મા બિરાજમાન છે.
“આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવા યોગ્ય છે.” અહીં એમ કહે છે કે આ આત્મા જે ભાવથી સાધ્ય એટલે મોક્ષ તથા સાધન એટલે મોક્ષમાર્ગની પર્યાય થાય તે ભાવથી સેવવા યોગ્ય છે. નિશ્ચયમોક્ષમાર્ગની પર્યાય એ સાધન છે, પણ વ્યવહારરત્નત્રયનો વિકલ્પ તે સાધન નથી. અહીં અસ્તિથી કથન કર્યું એમાં નાસ્તિ આવી ગઈ. આ આત્માને (જે ભાવથી) પોતાનો આશ્રય કરવાથી પૂર્ણ
PDF/HTML Page 289 of 4199
single page version
સાધ્ય (મોક્ષ) પ્રગટ થાય છે તથા જે ભાવથી પોતાનો આશ્રય કરવાથી વર્તમાન સાધકભાવ (મોક્ષમાર્ગ) ઉત્પન્ન થાય છે, તે ભાવથી એક આત્મા જ નિત્ય સેવવા યોગ્ય છે. ઝીણી વાત, ભાઈ! પણ અનંતકાળથી પોતાની જે અખંડ અભેદ ચીજ છે એની દ્રષ્ટિ કયારેય કરી જ નથી ને શાસ્ત્ર સઘળાં ભણે પણ અંતર્દ્રષ્ટિ ન કરે તો તેથી શું?
શું કહે છે? આ આત્મા જે ભાવથી સાધ્ય નામ મોક્ષ અને સાધન નામ મોક્ષોપાય થાય તે ભાવથી જ નિત્ય સેવવા યોગ્ય છે એમ પોતે ઈરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે-“સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવા યોગ્ય છે.” સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે પર્યાય છે તેથી વ્યવહાર છે. એક આત્મા જે જ્ઞાયકભાવ પૂર્ણાનંદસ્વરૂપ એકસ્વભાવી છે એની સેવા કરવી એ નિશ્ચય છે, પરમાર્થ છે. પહેલાં પણ એમ કહ્યું કે-‘આત્મા સેવવો’; પરંતુ એવા અભેદ કથનથી વ્યવહારીજન સમજી શક્તો નથી તેથી તેને જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ પાડીને વ્યવહારથી સમજાવ્યું કે સાધુ પુરુષે દર્શન-જ્ઞાન-ચારિત્રનું સેવન કરવું. ભગવાન આત્મા તે નિશ્ચય છે અને તેની અપેક્ષાએ આ દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રણપણાનું સેવન કહેવું એ વ્યવહાર છે, મેચકપણું છે (મલિનપણું છે), અનેકપણું છે; દર્શનસ્વભાવ, જ્ઞાનસ્વભાવ, ચારિત્રસ્વભાવ ઇત્યાદિ અનેકસ્વભાવ થઈ જાય છે તેથી તે વ્યવહાર છે. વ્યવહારથી ઉપદેશમાં આ પ્રમાણે કથન આવે છે, પણ આશય તો એક શુદ્ધ નિશ્ચય આત્માનું સેવન કરાવવાનો છે.
લોકો તો માને કે અત્યારે પાંચ મહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણ પાળે એ સાધુ. પણ ભાઈ, સાધુને માટે આહાર બનાવે અને જો તે આહાર સાધુ લે તો તે દ્રવ્યલિંગી પણ નથી. નિશ્ચય તો નથી પણ વ્યવહારનાંય ઠેકાણાં નથી. કોઈ એમ કહે કે નિશ્ચય હોય પછી વ્યવહાર ગમે તેવો હોય, વ્યવહારનું શું કામ છે? તો તે વાત બરાબર નથી. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવંત સાધુને પાંચ મહાવ્રત તથા ર૮ મૂળગુણ આદિનો વ્યવહાર યથાર્થપણે હોય છે. સાધુને માટે ચોકો બનાવે અને સાધુ તે આહાર લે એવું પ્રાણ જાય તોપણ ત્રણકાળમાં બને નહિ. લોકો એમ કહે છે કે શરીર રહે તો પ્રાણ ટકે અને તો ધર્મ થાય. પણ એથી તો ધૂળેય ધર્મ નથી. અહીં તો કહે છે કે આત્મામાં રહે-ટકે તો ધર્મ થાય. ભગવાન શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકની દ્રષ્ટિમાં રહે તો ધર્મ થાય ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ ૧૬ મી ગાથામાં સોળવલું સો ટચનું સોનું બતાવ્યું છે.
પાંચ મહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણ એ ચારિત્ર નથી પણ આસ્ત્રવ અને બંધનું જ કારણ છે. નિશ્ચય આત્માના અનુભવરૂપ ચારિત્ર હોય તો આને વ્યવહારચારિત્રનો ઉપચાર આવે. તેમ છતાં એ છે તો બંધનું જ કારણ. અહીં એની વાત નથી. અહીં તો કહે છે કે આત્મા જે પરિપૂર્ણ શુદ્ધ વસ્તુ છે તે જ સાધકપણે-જ્ઞાનપણે પરિણમે છે. અને તે સાધકભાવનું પરિપૂર્ણતામાં પરિણમન તે સાધ્ય. આત્મા પોતે જ અપરિપૂર્ણ
PDF/HTML Page 290 of 4199
single page version
સાધકભાવે અને પરિપૂર્ણ સાધ્યપણે પરિણમે છે. વચમાં બાહ્ય વ્યવહારક્રિયા આવે છે તો મોક્ષમાર્ગ થાય છે એમ નથી.
સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવા યોગ્ય છે એમ ભેદ પાડીને કથન કરવામાં આવે છે. આઠમી ગાથામાં કહ્યું ને કે દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા. એવો ભેદ કર્યો પણ પરમાર્થે જોવામાં આવે તો એ ત્રણે એક આત્મા જ છે; કેમકે ત્રણે પર્યાય આત્માથી જુદી નથી. એ એકનું (આત્માનું) સેવન કરવાથી (નિર્મળ) પર્યાય ઉત્પન્ન થાય છે, પણ ત્રણનું સેવન કરવાથી (નિર્મળ) પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. સૂક્ષ્મ વાત, ભાઈ! આ તો આત્મા, બાપુ! એમાં ભગવાન બિરાજે છે. અંદર બધા આત્મા ભગવાન સ્વરૂપ જ છે. એ એકરૂપ સચ્ચિદાનંદ પ્રભુ જેનો જ્ઞાયક એક સ્વભાવ છે તે દ્રવ્યનું સેવન કરવું એ પરમાર્થ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રણ પ્રકારે સેવન કરવું એ વ્યવહારનું કથન છે. કળશ ટીકાકારે आत्मा मेचकः ચેતન દ્રવ્ય જે ત્રણ પ્રકારે થાય છે તે મેચક કહેતાં મલિન છે એમ કહ્યું છે. સમ્યગ્દર્શન જ્ઞાન- ચારિત્રની નિર્મળ પર્યાય એ એકના ત્રણ ભેદ થયા એ મલિન છે, વ્યવહાર છે. પર્યાય છે ને? પર્યાય ઉપર લક્ષ જાય તો રાગ જ થાય. અને રાગ મલિન જ છે ને?
નિયમસારની પાંચમી ગાથામાં કહ્યું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય એ બહિઃતત્ત્વ છે. અહીં રાગની વાત તો છે જ નહિ, નિર્મળ પર્યાયને બહિઃતત્ત્વ કહી છે. તથા અંતઃતત્ત્વ શુદ્ધ પરમાત્મા છે. પૂર્ણ અંતઃતત્ત્વરૂપ જ્ઞાયક પરમાત્મા અને બહિઃતત્ત્વરૂપ નિર્મળ પર્યાય એ બે તત્ત્વોની શ્રદ્ધા કરવી એ વ્યવહાર સમક્તિ છે. જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ સાત તત્ત્વોની શ્રદ્ધા એ પણ વ્યવહાર શ્રદ્ધા છે. વ્યવહાર શ્રદ્ધા એ કાંઈ શ્રદ્ધાગુણની પર્યાય નથી; એ તો રાગ છે, વિકાર છે. અહીં કહે છે કે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય છે એ બહિઃતત્ત્વ છે. એ બહિઃતત્ત્વ ઉપર લક્ષ જાય એ વ્યવહાર છે, મલિન છે, અનેકાકાર છે, અનેકસ્વભાવ છે. જુઓ, કઈ અપેક્ષાએ લીધું? સમયસાર કળશ ટીકા કળશ ૧૬ માં આવે છે કે- સામાન્યપણે અર્થગ્રાહકશક્તિનું નામ દર્શન છે, વિશેષપણે અર્થગ્રાહકશક્તિનું નામ જ્ઞાન છે અને શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે. આમ શક્તિભેદ કરતાં એક જીવ ત્રણ પ્રકારે થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે.
એકને ત્રણ પ્રકારે કહેવો એ વ્યવહાર છે અને વ્યવહાર છે તે અસત્યાર્થ છે. કળશ ૧૭ ના ભાવાર્થમાં આવે છે કે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા એક છે, પણ પર્યાયાર્થિક નયે એકને ત્રણરૂપ પરિણમન થાય છે એમ કહેવું તે વ્યવહાર છે, અસત્યાર્થ છે. અહીં ત્રિકાળી, ભૂતાર્થ દ્રવ્યને મુખ્ય કરીને નિશ્ચય કહી સત્યાર્થ કહ્યું છે અને પર્યાયમાત્રને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહ્યો છે.
PDF/HTML Page 291 of 4199
single page version
આ તો વીતરાગનો માર્ગ છે. ભાઈ! પ્રભુ ત્રણલોકનો નાથ સર્વજ્ઞ છે. એની એક સમયની પર્યાયમાં સર્વ લોકાલોક સમાઈ ગયા છે-જાણવામાં આવી ગયા છે. આપ્તમીમાંસાના ૪૮ માં શ્લોકમાં સ્વામી સમંતભદ્રાચાર્ય કહે છે કે-હે નાથ! સમય એક અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણ. એક સમયમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય આપના જ્ઞાનમાં આવ્યાં-એટલે સર્વ દ્રવ્યો જ્ઞાનમાં આવ્યાં અને કહ્યાં તેથી આપ સર્વજ્ઞ છો એમ હું કહું છું. એક ‘ક’ બોલે એમાં અસંખ્ય સમય જાય. એવા એક સમયમાં દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય ત્રણ જેણે જાણ્યાં તેણે આત્મા જાણ્યો, અને તેને સર્વ દ્રવ્યોનું જ્ઞાન થયું. તેથી તે સર્વજ્ઞ છે. ભાઈ! આ તો ત્રણલોકના નાથ કેવળીએ એક સમયમાં જે જોયું અને જે કથનમાં આવ્યું એ અલૌકિક વાતો છે. અહીં કહે છે કે એક (આત્મા) ને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો તેથી તેને મેચક-મલિન કહ્યો છે. (કળશ ૧૭ ભાવાર્થ) અહાહા! શું અર્થ કર્યો છે જયચંદ્ર પંડિતે! પહેલાંના પંડિતો વસ્તુની જેવી સ્થિતિ છે તેવા અર્થ કરતા હતા. પણ હમણાં ઘણી ગરબડ થઈ ગઈ છે.
વ્યવહાર મોક્ષમાર્ગનું સેવન કરવું, રાગનું સેવન કરવું એ વાત તો છે નહિ. રાગનું શું સેવન કરવું? એનો તો અભાવ કરવો છે. પરંતુ ભગવાન જ્ઞાયકસ્વભાવી એક ચૈતન્યઘનસ્વરૂપ જે આત્મા તેની દ્રષ્ટિ, જ્ઞાન અને ચારિત્ર એ નિશ્ચયથી પરમાર્થ છે. એ નિશ્ચયથી પરમાર્થ જે પર્યાય છે તેને અહીં વ્યવહાર કહીને મલિન કહી છે. પહેલાં એનું વિકલ્પમાં પણ યથાર્થ જ્ઞાન તો કરે, જ્યાં વ્યવહારે વિકલ્પવાળું જ્ઞાન પણ યથાર્થ નથી ત્યાં સત્યજ્ઞાન-સમ્યગ્જ્ઞાન હોતું નથી.
સાધુ પુરુષે ત્રણનું (દર્શન-જ્ઞાન-ચારિત્રનું) સેવન કરવું એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે, “પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે- કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી પણ આત્માની જ પર્યાયો છે.” ભાષા જુઓ. મોક્ષમાર્ગની પર્યાય (નિશ્ચયરત્નત્રયની પર્યાય) આત્માની પર્યાય છે, પરન્તુ વ્યવહારરત્નત્રયનો વિકલ્પ એ આત્માની પર્યાય નથી, અસદ્ભૂત છે. આ નિશ્ચયરત્નત્રય એ સદ્ભૂત વ્યવહાર છે. બનારસીદાસ વિરચિત પરમાર્થવચનિકામાં કહ્યું છે કે “દ્રવ્ય નિષ્ક્રિય છે. સમ્યગ્જ્ઞાન (સ્વસંવેદન) અને સ્વરૂપાચરણની કણિકા જાગે ત્યારે મોક્ષમાર્ગ સાચો. મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધ દ્રવ્ય અક્રિયારૂપ નિશ્ચય છે.” નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર છે. પર્યાય છે ને? તેથી. “એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જાણે છે, પણ મૂઢ જીવ (અજ્ઞાની) જાણે નહિ અને માને પણ નહિ.”
હવે દ્રષ્ટાંત આપે છેઃ ‘જેમ કોઈ દેવદત્ત નામના પુરુષનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ હોવાથી (તેઓ) દેવદત્ત જ છે અન્ય વસ્તુ નથી. તેમ આત્મામાં પણ આત્માનાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ આત્માના સ્વભાવને ઉલ્લંઘતાં નહિ
PDF/HTML Page 292 of 4199
single page version
હોવાથી (તેઓ) આત્મા જ છે, અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે.” મૂળ પાઠમાં (ગાથામાં) દર્શન, જ્ઞાન, ચારિત્ર લીધું છે, અહીં ટીકામાં જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ એમ લીધું છે કેમ કે જાણવામાં આવે ત્યારે પ્રતીતિ થાય છે. ગાથા ૧૭-૧૮માં આવે છે કે (આત્મા) વસ્તુ જ્ઞાનપર્યાયમાં પૂર્ણ, અખંડ જાણવામાં આવે તો જાણીને તેની યથાર્થ પ્રતીતિ કરે. વસ્તુ ખ્યાલમાં આવ્યા વિના પ્રતીતિ કોની? વાહ! દિગમ્બર સંતોની કથની પણ કેવી રહસ્યમય! લોકો તો બહારમાં આમ કર્યું અને તેમ કર્યું, નગ્ન થઈ ગયા અને લુગડાં ફેરવ્યાં એટલે માને કે થઈ ગયો મોક્ષમાર્ગ. પણ અહીં તો કહે છે કે-તેથી સ્વયં સિદ્ધ થાય છે કે એક આત્માનું જ સેવન કરવાથી ત્રણે પર્યાયરૂપ ભાવો પ્રગટ થાય છે. તેથી એક આત્મા જ સેવવા યોગ્ય છે. પહેલાં ત્રણેને વ્યવહારથી સેવવા યોગ્ય કહ્યા હતા-તે સમજાવવા માટે કહ્યા હતા. હવે કહે છે નિશ્ચયથી એક આત્મા જ સેવવા યોગ્ય છે, ત્રણ નહિ.
છઠ્ઠી ગાથામાં પણ આવે છે કે પર તરફનું લક્ષ છોડી એક નિજ ત્રિકાળી જ્ઞાયકભાવની સેવા-ઉપાસના કરવી. જુઓ ટીકાના પહેલા ફકરાની છેલ્લી બે લીટી-“ તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે.” અહીં અન્ય દ્રવ્યના ભાવો એટલે દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મના ઉદયાદિનું લક્ષ છોડી વર્તમાન પર્યાય એક ત્રિકાળી જ્ઞાયકભાવનું લક્ષ કરી તેમાં ઝૂકે તે ઉપાસના-સેવા છે. એ પર્યાયમાં શુદ્ધનો અનુભવ થાય છે કે વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે. એમ ને એમ જ શુદ્ધ છે, શુદ્ધ છે એવી વાત અહીં નથી. અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન એમ પાઠ છે ને? એટલે જ્યારે અન્ય દ્રવ્યોના ભાવોથી લક્ષ છૂટી જાય છે ત્યારે પોતાનામાં જે વિકારીભાવ હતા તેનું પણ લક્ષ છૂટી જાય છે. અહાહા! શું ટીકા છે? સમયસાર તો ભૂપ છે, ભૂપ; સર્વ આગમનો સાર.
ભગવાન આત્મા એ જ્ઞાયકરૂપ ચૈતન્યભાવ છે, અને શુભાશુભભાવ અચેતન છે. દયા, દાન, મહાવ્રતાદિભાવ અચેતન છે, એમાં ચૈતન્યના તેજનો અંશ નથી. જે જ્ઞાયકભાવ છે તે શુભાશુભભાવોના સ્વભાવે પરિણમતો નથી. (જ્ઞાયકભાવથી જડભાવરૂપ થતો નથી) જ્ઞાયક જ્ઞાયકરૂપે જ હંમેશાં રહે છે. જ્યારે જ્ઞાયકભાવ શુભાશુભભાવોરૂપે કદીય થતો જ નથી તો પછી તે પ્રમત્ત કે અપ્રમત્ત કેવી રીતે થાય? ન જ થાય. તેથી તે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી, એ અહીં કહ્યું કે ત્રિકાળી એક આત્મા જ સેવવા યોગ્ય છે. આ સમ્યક્ એકાન્ત છે. એક આત્મા સેવવા યોગ્ય છે અને બીજું કાંઈ (પર્યાય) સેવવા યોગ્ય નથી એ રીતે અનેકાન્ત છે, તે ભગવાનનો માર્ગ છે. પણ કથંચિત્ આત્માનું સેવન કરવું અને કથંચિત્ પર્યાયનું સેવન કરવું એમ કહ્યું નથી. તે અનેકાન્ત નથી પણ ફૂદડીવાદ છે.
જ્ઞાયકભાવ તો એકરૂપ છે. તે એકનું સેવન કરવાથી પર્યાય ત્રણ થઈ જાય
PDF/HTML Page 293 of 4199
single page version
છે, અનેક સ્વભાવરૂપ થઈ જાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. દર્શનનો પ્રતીતિ-સ્વભાવ, જ્ઞાનનો જાણવારૂપ સ્વભાવ અને ચારિત્રનો શાંતિ અને વીતરાગતારૂપ સ્વભાવ છે. અહાહા! ભગવાન એકરૂપ જ્ઞાયકસ્વભાવી આત્માની સેવા કરવાથી અનેકરૂપ સ્વભાવપર્યાય ઉત્પન્ન થાય છે. આ અનેકરૂપ સ્વભાવપર્યાયની સેવા કરવી એ તો વ્યવહારથી ઉપદેશ આપ્યો છે. તેથી દ્રષ્ટિમાં સેવવા યોગ્ય એક આત્મા જ છે એમ સિદ્ધ થાય છે. આ સોળમી ગાથા જાણે સોળવલું સોનું!
૧૪ મી ગાથામાં સમ્યગ્દર્શનની પ્રધાનતાથી કથન છે. ૧પ મી ગાથામાં જ્ઞાનની પ્રધાનતાથી કહ્યું કે જ્ઞાનની અનુભૂતિ તે આત્માનુભૂતિ જ છે. અહીં કહે છે કે સમ્યગ્દર્શન એ આત્માનું, જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અને એમાં સ્થિરતા કરવી એ ચારિત્ર પણ આત્માનું. પણ એ ત્રણ પર્યાય થઈ, ભેદ થયો, ત્રણ પ્રકારનો સ્વભાવ થયો, જ્યારે ભગવાન આત્મા તો એકરૂપ જ્ઞાયકસ્વભાવી છે.
પ્રશ્નઃ–તત્ત્વાર્થસૂત્રમાં એમ આવે છે કે – सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः। નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે.
ઉત્તરઃ–એ નિશ્ચય છે, પણ એ પર્યાયનો નિશ્ચય છે. એ પર્યાયથી કથન છે તેથી વ્યવહારનયનું કથન છે. વસ્તુ એકરૂપ જ્ઞાયકભાવ એ નિશ્ચય છે. સમ્યગ્દર્શન છે તો નિશ્ચય પણ ભેદ પાડીને કથન કરવું એ વ્યવહાર છે, પ્રવચનસાર ગાથા ૨૪૨ માં આવે છે કે- ભેદથી કથન કરવું એ વ્યવહાર છે અને અભેદથી નિશ્ચય. (ગાથા ૨૪૨ ટીકા, બીજો પેરેગ્રાફ) “તે (સંયતત્ત્વરૂપ અથવા શ્રામણ્યરૂપ મોક્ષમાર્ગ) ભેદ્રાત્મક હોવાથી ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે’ એમ પર્યાય પ્રધાન વ્યવહારનયથી તેનું પ્રજ્ઞાપન છે.” ગાથા ૨૪૨ પછીના શ્લોક ૧૬ માં આવે છે કે-“એ પ્રમાણે પ્રતિપાદકના આશયને વશ, એક હોવા છતાં પણ અનેક થતો હોવાથી (અર્થાત્ અભેદ પ્રધાન નિશ્ચયનયથી એક એકાગ્રતારૂપ હોવા છતાં પણ કહેનારના અભિપ્રાય અનુસાર ભેદપ્રધાન વ્યવહારનયથી અનેકપણે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપપણે થતો હોવાથી) એક્તાને (એક લક્ષણપણાને) તેમ જ ત્રિલક્ષણપણાને પામેલો જે અપવર્ગનો માર્ગ....” જુઓ એકને પામેલો એ નિશ્ચય છે, ત્રણરૂપ પર્યાયને પામેલો તે વ્યવહાર છે. બન્નેને એકસાથે જાણવો એ પ્રમાણ છે.
અહો! કુંદકુંદાચાર્યના શાસ્ત્રોમાં તો ઘણું ગૂઢ અને ગંભીર સત્યનું કથન આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે શ્વેતાંબરની મોળાશ-ઢીલપને લઈને રસ ઢીલો પડી જાય છે જ્યારે દિગંબરનાં તીવ્ર વચનોને લઈને રહસ્ય સમજી શકાય છે. આ તો શ્રીમદ્દે મીઠાશથી કહ્યું છે. પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના પાંચમા અધિકારમાં સાફ સાફ ખુલાસો કર્યો છે કે શ્વેતાંબર અને સ્થાનકવાસી એ અજૈન છે, જૈન નથી.
PDF/HTML Page 294 of 4199
single page version
બધી (શાસ્ત્રોની) સાક્ષી અહીં પડી છે. આ તો જૈનધર્મ-વીતરાગનો માર્ગ છે. સર્વજ્ઞ વીતરાગદેવે ગણધર અને ઇન્દ્રોની વચ્ચે સમવશરણમાં જે દિવ્યધ્વનિ કરી હતી તે આ છે.
હવે ભાવાર્થમાં પંડિત જયચંદજી કહે છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે આત્માની જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી. તેથી સાધુ પુરુષોએ એક આત્માનું જ સેવન કરવું-એ નિશ્ચય છે. અને વ્યવહારથી અન્યને એ જ ઉપદેશ આપવો. ઉપદેશ એ વ્યવહાર વિકલ્પરૂપ છે.
હવે, એ જ અર્થનો કળશરૂપ શ્લોક કહે છેઃ-
‘प्रमाणतः’ પ્રમાણદ્રષ્ટિથી જોઈએ તો ‘आत्मा’ આ આત્મા ‘समम्’ એકીસાથે ‘मेचकः’ અનેક અવસ્થારૂપ એટલે પર્યાયના ભેદરૂપ મેચક પણ છે ‘च’ અને ‘अमेचकः अपि’ એક અવસ્થારૂપ અભેદ અમેચક પણ છે. હવે એનો ખુલાસો કર્યો કે એને ‘दर्शन–ज्ञान–चारित्रैः त्रित्वात्’ દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો ત્રણપણું છે એ વ્યવહાર છે તથા ‘स्वयम् एकत्वतः’ પોતાને પોતાથી એકપણું છે એ પરમાર્થ છે. એકત્વ એટલે એકરૂપ ત્રિકાળી સ્વભાવ એ એકપણું એ નિશ્ચય અને દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રણપણું-અનેકપણું એ વ્યવહાર. અહાહા! શૈલી તો જુઓ. વસ્તુ જ્ઞાયકભાવ એકરૂપ સ્વભાવ, અખંડ જ્ઞાનનો પુંજ-સર્વજ્ઞસ્વભાવી ચીજ છે. ભગવાન સર્વજ્ઞસ્વભાવી પદાર્થ એક સ્વભાવ વસ્તુ છે એની દ્રષ્ટિ અને એકાગ્રતા એ નિશ્ચયથી એની સેવના છે અને દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ ભેદને સેવવા એમ કહેવું એ વ્યવહાર કથન છે. વ્યવહાર ભેદરૂપ હોવાથી તેને મલિન કહ્યો છે. એકરૂપ સ્વભાવ નિર્મળ છે અને અનેક સ્વભાવને- મલિન કહેવાનો વ્યવહાર છે.
“પ્રમાણદ્રષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકીસાથે એક-અનેકરૂપ દેખવો.” ત્રિકાળ દ્રવ્યપણે એક અને પર્યાયપણે અનેક; દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય એ અનેક અને આત્મા (દ્રવ્યે) એક. એ બન્નેને પ્રમાણથી એક સાથે દેખવું અને જાણવું એમ કહે છે. ‘સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્રને સેવવાં’ એ વ્યવહારથી કથન છે, એ ભેદ કથન છે, મલિન છે, અનેક સ્વભાવરૂપ કથન છે, જાણવા લાયક છે. પણ એને પહેલાં આત્મા એકરૂપ છે, એક સ્વભાવી છે એવું જ્ઞાન થયું એમાં પર્યાય ત્રણ થઈ ગઈ. એકરૂપ દેખવો એ નિશ્ચય અને ત્રણરૂપ દેખવો એ વ્યવહાર છે. બન્નેને એકીસાથે દેખવો એ પ્રમાણ છે.
વસ્તુ જે છે એમાં પરની વાત જ નથી. શરીર, કર્મ, વાણી અને વિકલ્પની તો
PDF/HTML Page 295 of 4199
single page version
અહીં વાત જ નથી. ભગવાન શુદ્ધ ચૈતન્યઘન એક જ્ઞાયકભાવ જેને છઠ્ઠી ગાથામાં પ્રમત્ત- અપ્રમત્ત પર્યાય વિનાનો એક જ્ઞાયકસ્વભાવ કહ્યો છે એને દેખવો એ તો નિશ્ચય થયો અને તેને ત્રણપણે પરિણમતો જાણવો એ વ્યવહાર થયો. બેયને એકીસાથે જાણવો એ પ્રમાણ થયું.
અહાહા! આશ્રયયોગ્ય આદરણીય તરીકે એક ત્રિકાળી (દ્રવ્ય) છે, અને જાણવાલાયક છે એ તો વ્યવહારનો વિષય જે ત્રણપણે પરિણમે છે તે (પર્યાય) છે. તેમાં પણ જે ત્રિકાળી નિશ્ચય એક છે તેને રાખીને બીજું પર્યાયનું જ્ઞાન (તેમાં) ભેળવ્યું તે પ્રમાણ છે. શું કહ્યું? ત્રિકાળ જ્ઞાયકભાવ એકરૂપ છે તે નિશ્ચય તથા તેની સાથે પર્યાયના ભેદનું જ્ઞાન કરવું તે વ્યવહાર. એ નિશ્ચય સાથે વ્યવહારનું જ્ઞાન થયું (ભેળવ્યું) તો પ્રમાણજ્ઞાન કહેવાય. પ્રમાણજ્ઞાનમાં સાથે વ્યવહાર આવ્યો માટે નિશ્ચય અંદર ભૂલાઈ ગયો એમ નથી. નિશ્ચય તો એકરૂપ છે જ. નિશ્ચય તો પ્રમાણમાં પહેલાં આવ્યો જ.
હવે નયવિવક્ષા કહે છેઃ-
‘एकोऽपि’ આત્મા એક છે, જ્ઞાયકસ્વભાવી વસ્તુ ભગવાન આત્મા તો એક જ છે તોપણ ‘व्यवहारेण’ વ્યવહારદ્રષ્ટિથી જોવામાં આવે તો ‘त्रिस्वभावत्वात्’ ત્રણ સ્વભાવપણાને લીધે ‘मेचकः’ અનેકાકારરૂપ મેચક છે, ‘दर्शन–ज्ञान–चारित्रैः त्रिभिः परिणतत्वतः’ કારણ કે દર્શન જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ભાવે પરિણમે છે.
ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવરૂપ એક સ્વરૂપે જ છે. પણ તેમાં ત્રણ પ્રકારના (સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા) પરિણમનરૂપ વ્યવહારદ્રષ્ટિથી જોઈએ તો અનેકાકાર છે, મેચક છે. સ્વભાવ ચિદાનંદ જે દ્રષ્ટિનો-સમ્યગ્દર્શનનો વિષય છે તે તો એકરૂપ જ છે, તેના ત્રણ ભેદ પાડવા એ વ્યવહાર છે, શુભભાવરૂપ વ્યવહારની અહીં વાત જ નથી. એ તો સંસાર ખાતે છે.
અહાહા....! કહે છે કે આત્માને દ્રવ્યથી જુઓ તો આત્મા એક છે. વસ્તુ તરીકે જ્ઞાયકસ્વભાવ એક ચિદ્ઘન નિશ્ચયથી એક સ્વરૂપે જ છે. તોપણ વ્યવહારથી જોવામાં આવે તો સમ્યગ્દર્શન-પ્રતીતિ, સમ્યગ્જ્ઞાન-અવબોધ-જાણવું અને સમ્યક્ચારિત્ર-સ્થિરતા- વિશ્રામ લેવો-એવા જે ત્રણ પ્રકાર છે એ મેચક છે. ત્રણ પ્રકાર જોવા એ મેલ છે. આકરી વાત છે. ભગવાન! અત્યારે તો લોકો આ (શુભરાગ) ક્રિયા આદિ બહારની પ્રવૃત્તિ કરે છે પણ દર્શન-જ્ઞાન-ચારિત્રની તથા વસ્તુસ્થિતિની તો વાત જ જાણતા નથી. અંદર વસ્તુ જે જ્ઞાયક છે તે આત્મા છે અને (બહાર) આ શરીર, વાણી ઇત્યાદિ છે એ તો જડ માટીધૂળ છે; તે આત્મામાં નથી અને આત્માનાં નથી. કર્મ જે જડ છે તે આત્મામાં નથી અને આત્માનાં નથી. વળી પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા વગેરેના ભાવ તથા કામ, ક્રોધાદિ ભાવ એ પણ આત્મામાં નથી અને આત્માના નથી.
PDF/HTML Page 296 of 4199
single page version
હવે આત્મામાં રહ્યા અનંતગુણ. તે અનંતગુણસ્વરૂપ ભગવાન આત્મા એ પણ એકરૂપ છે. અને તેના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ પરિણામથી જુઓ તો એ વ્યવહાર છે. ત્રિકાળી એકરૂપ જુઓ તો નિશ્ચય છે, અને ત્રણરૂપ જુઓ તો વ્યવહાર છે. અભેદથી જુઓ તો અમેચક-નિર્મળ છે અને ભેદથી જુઓ તો મેચક-મલિન છે. એકરૂપ જુઓ તો એકાકાર છે અને ત્રણરૂપ પર્યાયથી જુઓ તો અનેકાકાર છે. આત્માને ગુણ- ગુણીના ભેદથી જુઓ તો એ અનેકાકાર છે, વ્યવહાર છે, મલિન છે, આશ્રય કરવા લાયક નથી. ત્રણ પ્રકારના દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ પણ આશ્રય કરવા લાયક નથી.
અહો....! આત્મા એકસ્વરૂપી, જ્ઞાયક ચિદ્ઘન ચૈતન્યસ્વભાવનો ભંડાર સૂર્ય એ એકરૂપ નિશ્ચયનયનો વિષય છે. તે એકરૂપ અભેદ નિર્મળ છે તોપણ એની દર્શન-જ્ઞાન- ચારિત્રની પરિણતિ જુઓ તો વ્યવહારથી દ્વન્દ્વ છે, ત્રણ સ્વભાવરૂપ છે. એકરૂપ સ્વભાવ ત્રણ સ્વભાવરૂપ થયો એ વ્યવહાર છે. અહીં શુભરાગ એ વ્યવહાર તે વાત નથી.
પુણ્ય-પાપ અધિકાર ગાથા ૧૪પ માં કહ્યું છેઃ-
તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે?
શુભને-પુણ્યને ભલું કેમ કહીએ કે જે સંસારમાં દાખલ કરે? એ ભલું નથી, સારું નથી, (આદરણીય નથી) કેમકે શુભભાવ એ સંસાર છે, મલિન છે. નિશ્ચયથી તો પુણ્યના ભાવને પાપ કહેલ છે. યોગીન્દુદેવકૃત યોગસાર ગાથા ૭૧ માં કહ્યું છે કેઃ-
પુણ્યતત્ત્વ પણ પાપ છે કહે અનુભવી બુધ કોઈ.
અનુભવી સમ્યગ્દ્રષ્ટિ તો પુણ્યને પણ પાપ કહે છે. અહીં આચાર્ય મહારાજ કહે છે કે નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારરત્નત્રય (પુણ્યભાવ) એ પાપ છે, રાગ છે, મલિન છે, બંધ છે, સંસાર છે. અહાહા....! આકરી વાત, બાપા! વીતરાગનો માર્ગ વીતરાગભાવથી ઉત્પન્ન થાય છે, રાગથી ઉત્પન્ન થતો નથી.
સમયસાર પુણ્ય-પાપ અધિકારમાં જયસેનાચાર્યની ટીકા ગાથા ૧૬૩ માં આવે છે કેઃ-
[(ગાથા ૧પ૪ સુધી પુણ્ય અધિકાર પૂરો કરી ગાથા ૧પપ થી પાપ અધિકાર શરૂ થાય છે. ત્યાં) શિષ્યનો પ્રશ્ન છે કે જીવાદિનું શ્રદ્ધાન ઇત્યાદિ વ્યવહારરત્નત્રયનું વ્યાખ્યાન પાપ અધિકારમાં કેમ લીધું? તેના ઉત્તરમાં ખુલાસો કરે છેઃ-
જોકે વ્યવહાર મોક્ષમાર્ગ (દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા આદિ તથા પંચમહાવ્રતના પરિણામ)ને ઉપાદેયભૂત નિશ્ચયરત્નત્રયનું વ્યવહારથી કારણ કહેવામાં આવ્યું તથા તેને
PDF/HTML Page 297 of 4199
single page version
પરંપરાએ જીવની પવિત્રતાનું કારણ હોવાથી (વ્યવહારે) પવિત્ર કહેવામાં આવેલ છે તોપણ એકસ્વરૂપ ભગવાન આત્માના અવલંબનને છોડીને રાગનું અવલંબન લે છે માટે પુણ્ય એ પણ પરમાર્થે પાપ જ છે. તેનું એક કારણઃ-શુભ પરિણામનું પરદ્રવ્યના આલંબનરૂપ પરાધીનપણું છે. બીજું કારણઃ-નિર્વિકલ્પ સમાધિમાં લીન (યોગીઓને) આત્મસ્વરૂપમાંથી પડવામાં વ્યવહાર વિકલ્પોનું આલંબન (ગુણ-ગુણીના ભેદરૂપ આત્મસ્વરૂપનું ચિંતવન અથવા દ્રવ્ય-ગુણ-પર્યાયનું ભેદરૂપ ચિંતવન) કારણ છે. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ આવ્યો એટલે નિશ્ચયરત્નત્રયથી પડી ગયો. આ રીતે નિશ્ચયનયની અપેક્ષાએ પુણ્ય એ પાપ છે. એટલે વ્યવહારથી જેને પુણ્ય કહેવાય છે તે નિશ્ચયથી (ખરેખર) પાપ છે.] [જયસેનાચાર્યની ગાથા ૧૬૩ ની ટીકા.]
અહીં કહે છે કે આત્મા એક છે તોપણ વ્યવહારદ્રષ્ટિથી દેખવામાં આવે તો ત્રણ સ્વભાવપણાને લીધે અનેકાકારરૂપ છે, મેચક છે. આવો વીતરાગ માર્ગ લોકોને સાંભળવા પણ મળતો નથી. અરેરે! અનાદિથી જીવ સમ્યક્ પ્રતીતિ વિના, અનુભવ વિના ચાર ગતિમાં રખડે છે.
ભગવાન અમૃતચંદ્રાચાર્યનો આ મૂળ શ્લોક છે. તેઓ મુનિ હતા. પંચ પરમેષ્ઠી છે ને? તે પંચપરમેષ્ઠીમાં આચાર્ય ભગવાન થઈ ગયા!!
જયચંદ પંડિતે પણ ભાવાર્થ કેવો (સરસ) લીધો છે. જુઓઃ-‘શુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્મા એક છે.’ શુદ્ધ દ્રવ્ય જેનું અર્થ એટલે પ્રયોજન છે એ શુદ્ધદ્રવ્યાર્થિકનય. ‘શુદ્ધ’ એટલે ત્રિકાળ પવિત્ર અને ‘દ્રવ્ય’ એટલે ત્રિકાળી અંખડ વસ્તુ અને ‘આર્થિક’ એટલે પ્રયોજન જેનું છે તે-તે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા એક છે; જે સમ્યગ્દર્શનનો વિષય છે, તેને શુદ્ધદ્રવ્યાર્થિકનય બતાવે છે.
હવે કહે છે કે ‘આ નયને પ્રધાન કરી આત્માને અભેદ એકરૂપ કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિકનય ગૌણ થયો.’ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગી પરિણતિ એ પર્યાય હોવાથી ગૌણ થઈ. વ્યવહારરત્નત્રયની તો અહીં વાત જ નથી, એ તો બંધનું કારણ છે. પણ અહીં તો ભગવાન આત્મા જે ત્રિકાળ શુદ્ધ એકસ્વરૂપી છે તેની જ્ઞાન- ચારિત્રની નિર્મળ પર્યાય જે સાચો મોક્ષમાર્ગ તે પણ પર્યાયાર્થિકનયનો વિષય હોવાથી ગૌણ થાય છે, અભાવ નહીં. અહાહા! શરીર, મન, વાણી તો એક બાજુ રહ્યા કેમકે એ તો જડ ધૂળ છે; પુણ્ય-પાપના ભાવ પણ એક બાજુ રહ્યા કેમકે એ મલિન છે; સંસાર છે; પણ અહીં તો જે ત્રિકાળી ભગવાન એકરૂપ પ્રભુ તેનાં પ્રતીતિ, જ્ઞાન અને ચારિત્ર-સાચા હો-(શુદ્ધ રત્નત્રય) તેમને પણ જે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય એકરૂપ
PDF/HTML Page 298 of 4199
single page version
ત્રિકાળી સ્વભાવ છે તેની અપેક્ષાઓ, પર્યાય હોવાથી પર્યાયાર્થિકનયનો-વ્યવહારનયનો વિષય હોવાથી મેચક-મલિન કહ્યાં છે.
પ્રવચનસારમાં ૪૬ મા અશુદ્ધનયમાં એમ કહ્યું કે વસ્તુને પર્યાયથી જાણે એ અશુદ્ધનય છે. જેમ માટીને વાસણની પર્યાયથી જોવી એ અશુદ્ધનય છે અને માટીને માટીરૂપે જોવી એ શુદ્ધનય છે; તેમ ભગવાન આત્માને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયથી જોવો એ અશુદ્ધ છે. એને અહીં મલિન, વ્યવહાર અને અનેકાકાર કહેલ છે, કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર-ત્રણેનો સ્વભાવ જુદો જુદો છે અને ભગવાન આત્માનો સ્વભાવ એકરૂપ છે. અહાહા! આ તો વીતરાગ માર્ગ છે, બાપુ! જેને (વાણીને) ઇન્દ્રો અને ગણધરો સાંભળે અને જે વાણી અંતરમાં આત્માને બતાવે તે કેવી હોય? (અદ્ભુત અસાધારણ હોય) ભાઈ! અહીં ભગવાનની એ વાણીની આ વાત છે કે વસ્તુ એક જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયકમાત્ર એકસ્વભાવી છે તેને એકસ્વભાવીની દ્રષ્ટિથી જુઓ તો એ નિશ્ચય છે, એકસ્વભાવી છે, નિર્મળ છે, અભેદ છે. એ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ છે. અને તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિથી જુઓ તો એ અનેકાકાર છે, મલિન છે, ભેદ છે, વ્યવહાર છે.
હવે કહે છે-‘તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો.’ કેમકે ૧૧મી ગાથામાં ત્રિકાળી જ્ઞાયકને સત્યાર્થ કહ્યો છે. ૧૧ મી ગાથા તો જૈનદર્શનનો પ્રાણ છે. “ववहारोऽभूयत्थो...” પર્યાયમાત્ર અસત્યાર્થ છે. વળી કેટલાક એમ કહે છે કે અભૂતાર્થને અસત્યાર્થ ન કહો, “જયસેનાચાર્યે પણ અભૂતનો અર્થ અસત્યાર્થ કર્યો છે. અરે! માણસ પોતાની દ્રષ્ટિ પોષવા માટે સારાય શાસ્ત્રના અર્થ બદલી નાખે છે. પરંતુ વસ્તુ તો જેવી છે તેવી જ રહેશે. ભલે તમે બદલાઈ જાઓ, પણ વસ્તુ નહિ બદલાઈ જાય. આચાર્ય ભગવાન કહે છે કે (૧૧ મી ગાથામાં) “भूयत्थो देसिदो दु सुद्धणओ” ત્રિકાળી એકરૂપ જે ચીજ તે સત્યાર્થ છે. તેને ત્રણરૂપ પરિણમન કરતો કહેવો એ વ્યવહાર થયો. એ ત્રિકાળીની અપેક્ષાએ ત્રિકાળ ટક્તી ચીજ નથી તેથી ગૌણ કરીને અસત્યાર્થ કહેવામાં આવ્યો છે.
સમયસાર કળશટીકાકાર પંડિત રાજમલજી પાંડેએ ૧૬ મા કળશમાં લીધું છે કે “आत्मा मेचकः (આત્મા) ચેતન દ્રવ્ય (મેચક) મલિન છે. કોની અપેક્ષાએ મલિન છે? दर्शन–ज्ञान–चारित्रैस्त्रित्वात् સામાન્યપણે અર્થગ્રાહકશક્તિનું નામ દર્શન છે, વિશેષપણે અર્થ-ગ્રાહકશક્તિનું નામ જ્ઞાન છે અને શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે-આમ શક્તિભેદ કરતાં એક જીવ ત્રણ પ્રકારે થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે.”
પંડિત બનારસીદાસે પંડિત રાજમલજી પાંડેની કળશટીકા ઉપરથી સમયસાર નાટક
PDF/HTML Page 299 of 4199
single page version
બનાવ્યું છે. તેમાં ૧૯ મો શ્લોક હવે આવશે. તેના ઉપરથી (જીવદ્વાર) ૨૦ મા છંદમાં કહ્યું છે કેઃ-
સમલ વિમલ ન વિચારિયે, યહૈ સિદ્ધિ નહિ ઔર.”
(એક દેખિયે જાનિયે) એટલે એક વસ્તુ ત્રિકાળ ભગવાન પૂર્ણાનંદને અવલોકવો, તે એકને જાણવો, (રમિ રહિયે ઇક ઠૌર) અને તે એક સ્થાનમાં રમણતા કરવી. (સમલ વિમલ ન વિચારિયે) નિશ્ચયથી અભેદ અને વ્યવહારથી ભેદ એવો વિકલ્પ કરવો નહીં. (યહૈ સિદ્ધિ નહિ ઔર) આ મુક્તિના ઉપાયની રીત છે. બીજી કોઈ રીત નથી. હજુ તો જ્ઞાનનાં ઠેકાણાં ન મળે તેને શ્રદ્ધા અને જ્ઞાન સમ્યક્ કયાંથી થાય?
હવે પરમાર્થ નયથી કહે છેઃ-
અહાહા! શું કળશ! અમૃતથી ભરેલો છે. અમૃતચંદ્રાચાર્ય ૧૦૦૦ વર્ષ પહેલાં થયા અને તેના ૧૦૦૦ વર્ષ પહેલાં એટલે આજથી ર૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય થયા. મદ્રાસની આ બાજુ ૮૦ માઈલ દૂર વંદેવાસ ગામ છે. ૧૦, ૦૦૦ ની વસ્તીવાળું છે. ત્યાંથી પાંચ માઈલ દૂર પોન્નૂર હીલ નામની ટેકરી છે. ત્યાં કુંદકુંદાચાર્ય રહેતા હતા. તેઓ આત્માનુભવી ભાવલિંગી મુનિ હતા. ત્યાંથી પૂર્વ વિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન પાસે ગયા હતા. અને ત્યાંથી આવીને આ શાસ્ત્રો રચ્યાં છે. આ સાક્ષાત્ ભગવાનની વાણી છે. ભાઈ! આ વાણી બીજે કયાંય નથી. એની (સમયસાર શાસ્ત્રની) ટીકા કરનાર અમૃતચંદ્રાચાર્ય ૧૦૦૦ વર્ષ પછી પાકયા. તે ભાવલિંગી દિગંબર સંત મુનિ હતા. જાણે ચાલતા સિદ્ધ! અંતર-આનંદનો ઢગલો! અંદર અતીન્દ્રિય આનંદનો પ્રવાહ વહેતો હતો. તેમણે આ ટીકા બનાવી છે.
કહે છેઃ-‘परमार्थेन तु’ શુદ્ધ એક અભેદ આત્મા જેનો વિષય છે એવા શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો ‘व्यक्तज्ञातृत्व–ज्योतिषा’ પ્રગટ જ્ઞાયક્તાજ્યોતિમાત્રથી ‘एककः’ આત્મા એકસ્વરૂપ છે. જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન એ જ્ઞાનસૂર્ય ચૈતન્યની ઝળહળ જ્યોતિ છે. અહાહા! ભાષા જુઓ. આત્મા પ્રગટ જ્ઞાયક્તા જ્યોતિમાત્ર છે. અહીં ‘વ્યક્ત’ શબ્દ છે ને? ભગવાન આત્માને વ્યક્ત-પ્રગટ કહ્યો છે. ૪૯ મી ગાથામાં ભગવાન આત્માને અવ્યક્ત કહ્યો છે. ત્યાં તો પર્યાયને વ્યક્ત કહી એ અપેક્ષાએ ત્રિકાળીને અવ્યક્ત કહ્યો, પરંતુ અહીં ત્રિકાળી વસ્તુ વ્યક્ત-પ્રગટ જ છે એમ કહે છે.
ત્યાં ગાથા ૪૯ માં અવ્યક્ત કહ્યો. અહીં કહે છે કે આત્મા પ્રગટ-વ્યક્ત છે. વસ્તુ પ્રગટ ચૈતન્યજ્યોત છે. પ્રગટ કેવી છે? તો જ્ઞાયક્તા જ્યોતિમાત્ર એટલે ચૈતન્ય જ્ઞાયકસ્વભાવ
PDF/HTML Page 300 of 4199
single page version
જ્યોતિ છે. હવે ‘एककः’ એટલે એકસ્વરૂપ ‘एक एव’ એક જ એમ અર્થ કર્યો છે, ત્રિકાળી વસ્તુ એકરૂપ છે. તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય છે. વળી એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. વિષય કરનારી તો પર્યાય છે, પણ તેનો વિષય એકરૂપ છે. ધ્યેય તો ત્રિકાળ વસ્તુ એકરૂપ છે.
હવે કહે છે-‘सर्व भावान्तर ध्वंसि–स्वभावत्वात्’ ‘કારણ કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી અન્ય દ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે.’ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ત્રિકાળી જે જ્ઞાયકસ્વભાવ, તેનાં દ્રષ્ટિ અને જ્ઞાન કરવાથી અન્ય દ્રવ્યના સ્વભાવો-શરીર, મન, વાણી અને અન્યના નિમિત્તથી થતા વિભાવો-પુણ્યપાપના ભાવોને દૂર કરવાનો તેનો સ્વભાવ છે. આ વ્યવહારથી કથન છે. નિશ્ચયથી તો શુદ્ધ ચૈતન્યઘન સ્વભાવનાં પ્રતીતિ, જ્ઞાન અને એકાગ્રતા થતાં વિભાવ ઉત્પન્ન જ થતો નથી એટલે વિભાવનો નાશ કરે છે એમ કહેવામાં આવ્યું છે. ત્રિકાળી જ્ઞાયક એકરૂપ ભાવમાં અન્ય દ્રવ્યોનો અભાવ છે તથા વિભાવનો અભાવ કરવાની તાકાત છે. ભાવાન્તર એટલે જ્ઞાયકભાવથી અન્યભાવો-વિભાવોનો ધ્વંસ કહેતાં નાશ કરવાનો એનો સ્વભાવ છે.
જ્ઞાયકભાવનો વિભાવને ઉત્પન્ન કરવાનો તો સ્વભાવ નથી કારણ કે તેમાં એવો કોઈ ગુણ નથી કે જે વિકાર ઉત્પન્ન કરે. જો વિકાર ઉત્પન્ન કરે એવી કોઈ શક્તિ હોય તો વિકારનો નાશ થઈ સિદ્ધપણું થઈ શકે નહિ. ૩૪ મી ગાથામાં આવે છે કે ‘આત્મા રાગનો નાશ કરનારો છે’ એ પણ યથાર્થ નથી, કથનમાત્ર છે. પરમાર્થે રાગના ત્યાગનું ર્ક્તાપણું આત્માને નથી, પોતે તો જ્ઞાનસ્વભાવ છે. ૩૨૦ મી ગાથામાં પણ આવે છે કે જ્ઞાયકભાવ કર્મોદય, નિર્જરા, બંધ અને મોક્ષને જાણે છે, પણ કરતો નથી. કેમ? ‘अमेचकः’ તે અમેચક છે-શુદ્ધ એકાકાર છે. ત્રિકાળી ચૈતન્યસ્વભાવ રાગ ઉત્પન્ન કરે કે રાગની રક્ષા કરે એવો તેનો સ્વભાવ જ નથી, તેથી અમેચક છે. ભેદદ્રષ્ટિને ગૌણ કરીને અભેદદ્રષ્ટિથી જુએ તો આત્મા એકાકાર-એકરૂપ જ છે, એ જ અમેચક છે, એ જ નિર્મળ છે. એ જ પવિત્ર ભગવાન આત્મા એકરૂપ છે. આવી દ્રષ્ટિ કરે તો સમ્યગ્દર્શન થાય છે.
આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહ્યો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું એમ હવે કહે છેઃ-
‘आत्मनः मेचकामेचकत्वयोः’ ‘આ આત્મા મેચક છે-ભેદરૂપ અનેકાકાર છે તથા અમેચક છે-અભેદરૂપ એકાકાર છે.’ શું કહે છે? કે આત્મા અખંડ જ્ઞાયકભાવ એકરૂપ વસ્તુ એ તો નિશ્ચયદ્રષ્ટિ છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પર્યાયમાં નિર્વિકારી પરિણમન થવું એ વ્યવહારનયનો વિષય છે. વ્યવહારરત્નત્રયની (મહાવ્રતાદિ શુભરાગની) વાત અહીં છે જ નહીં. એ પ્રમાણે આત્મા મેચક-અમેચક કહ્યો.