PDF/HTML Page 301 of 4199
single page version
અહીં પહેલાં તો એમ કહ્યું કે એકરૂપ વસ્તુ જે જ્ઞાયકભાવ એની સેવા કરવી એટલે કે એક આત્માને સેવવો એ નિશ્ચય અને શુદ્ધ રત્નત્રયરૂપ પર્યાયને સેવવી (એમ કહેવું) એ વ્યવહાર છે. આત્મા મેચક છે એવો જે વિકલ્પ ર્ક્તાકર્મ અધિકારમાં ૧૪૨ ગાથા પછી ૨૦ કળશોમાં (૭૦ થી ૮૯) જે કહ્યું કે આત્મા નિશ્ચયનયથી (એટલે ત્રિકાળી શક્તિરૂપે) અબદ્ધ છે, શુદ્ધ છે, એક છે, પવિત્ર છે, અભેદ છે-એ વસ્તુ તો એમ જ છે, પણ અબદ્ધ-શુદ્ધ,.. ..ઇત્યાદિ છે એવો જે વિકલ્પ-તે વિકલ્પ કરવો એ વાત અહીં નથી લીધી પણ એનો વિકલ્પ છોડવો એમ અહીં કહે છે. એટલે વિકલ્પ છૂટતાં અભેદરૂપ શુદ્ધ પરિણમન થવું એ નિર્વિકલ્પ પરિણમનની વાત છે; તેને અહીં વ્યવહાર કહ્યો છે.
આત્મા અમેચક કહ્યો છે. એ નિર્મળપણાને, અભેદપણાને, એકપણાને, શુદ્ધપણાને નિર્મળ (અમેચક) કહ્યો છે. એ વિકલ્પ વિનાની નિર્મળતાની વાત કરી. અને પર્યાયમાં જે નિશ્ચય મોક્ષમાર્ગનું ત્રણપણે પરિણમન-એમાં એક પ્રતીતિરૂપભાવ, એક જાણવારૂપભાવ, એક સ્થિરતારૂપભાવ-એમ ત્રણ સ્વભાવ ભિન્ન કહ્યા, ત્રણ થયા એટલે અનેકાકાર થયા. તેથી એ અશુદ્ધ કહેવામાં આવે છે. ત્રણપણાનું લક્ષ કરવું એ અશુદ્ધતા છે, અને ત્રિકાળી એકાકારનું લક્ષ કરવું એનું નામ શુદ્ધતા છે.
અહીં તો લોકોમાં હજી બધા વાંધા વ્યવહાર (શુભરાગરૂપ દયા, દાન, ભક્તિ, વ્રતાદિ)ના પડયા છે. એને સાધન કહો, નહીં તો એકાંત થઈ જાય છે એમ કેટલાક કહે છે. ભાઈ, એ સાધન તો અસદ્ભૂત વ્યવહારનયથી કહ્યું છે. શું કહ્યું એ? કે “નિશ્ચય સાધ્ય અને વ્યવહાર સાધક” એમ પણ પંચાસ્તિકાય ગાથા ૧૭૨ માં આવે છે. ત્યાં તો પ્રજ્ઞા-છીણીથી રાગને અને આત્માને ભિન્ન પાડી અને પ્રજ્ઞાછીણી દ્વારા જેણે ભગવાન આત્માને સાધકપણે પરિણમાવ્યો તેને તે કાળે રાગની મંદતા કેવી હોય એ બતાવવા એને વ્યવહાર સાધનનો આરોપ આપ્યો છે. સમજાણું કાંઈ? સાધનનું કથન બે પ્રકારે છે, સાધન બે પ્રકારે નથી. મોક્ષમાર્ગનું નિરૂપણ (કથન) બે પ્રકારે છે, પણ નિશ્ચય અને વ્યવહાર એમ બે મોક્ષમાર્ગ નથી.
એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું સાચું પરિણમન જે સત્ય વ્યવહાર છે તેની અહીં વાત છે. વસ્તુ આત્મા નિર્મળ એકાકાર તેને ત્રણરૂપે-એક પ્રતીતિરૂપે, એક જાણવારૂપે અને એક સ્થિરતારૂપે-એમ ત્રણસ્વભાવપણે કહેવો એ મેચક છે અને વસ્તુ એકસ્વભાવ અમેચક છે. આમ આત્માને મેચક-અમેચક કહ્યો ખરો તથા અમેચકને શુદ્ધ આદરણીય કહ્યો છે. પણ હવે કહે છે આ (વસ્તુ) અમેચક નિર્મળ શુદ્ધ છે અને આ પર્યાય-ભેદ મેચક-મલિન છે એવો વિકલ્પ છોડી દે. રાજમલજીએ કળશટીકામાં એમ લીધું છે કે “શ્રુતજ્ઞાનથી આત્મસ્વરૂપ વિચારતાં ઘણાં વિકલ્પો ઊપજે
PDF/HTML Page 302 of 4199
single page version
છે.” આગળ પાછું ગાથા ૧૪૩ ની જેમ કળશટીકામાં લીધું કે-“એક પક્ષથી વિચારતાં આત્મા અનેકરૂપ છે, બીજા પક્ષથી વિચારતાં આત્મા અભેદરૂપ છે-આમ વિચારતાં થકાં તો સ્વરૂપ અનુભવ નથી.” એટલે હવે અહીં કહે છે કે આત્મા મેચક છે, અમેચક છે એવી ‘चिंतया एव अलम्’ ચિંતાથી બસ થાઓ. બનારસીદાસકૃત સમયસાર નાટકમાં આ ૧૯ મા કળશના હિંદીમાં “એક દેખિયે જાનિયે......” છંદમાં આ વાત ગઈ કાલે ૧૮ મા કળશના પ્રવચનમાં આવી ગઈ છે. આ દ્રવ્યસ્વભાવ અને આ પર્યાયસ્વભાવ, આ અમેચક અને આ મેચક, આ શુદ્ધ અને આ અશુદ્ધ, આ અભેદ અને આ ભેદરૂપ એવા વિકલ્પો કરવા છોડી દે. આવા વિકલ્પમાં રહેવાથી કાંઈ આત્મજ્ઞાન નહીં થાય, અનુભવ નહીં થાય. અનુભવમાં એ વિકલ્પને કાંઈ અવકાશ નથી. માટે એવી ચિંતાથી બસ થાઓ.
હવે કહે છે કે ‘साध्य–सिद्धिः’ સાધ્ય નામ મોક્ષની પર્યાયને સાધવી, તેની સિદ્ધિ તો ‘दर्शनज्ञानचारित्रैः’ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે. આ તો ત્રણ ભેદથી સમજાવ્યું છે. બાકી આશ્રય તો એકનો જ કરવાનો છે. ત્રણનું સેવન એમ નથી, સેવન તો એક આત્માનું જ છે. પાઠમાં (૧૬ મી ગાથામાં) તો એમ છે કે “ दंसणणाणचरित्ताणि सेविदव्वाणि” એટલે પર્યાયની સેવા કરવી. એ તો વ્યવહારી લોકો પર્યાયના ભેદથી સમજે છે તેથી અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. સેવના ત્રણની નથી, સેવના એકની (અખંડ એકરૂપ જ્ઞાયકની) છે. અહાહા! આવો માર્ગ! સમજાય છે કાંઈ? દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણથી જ સિદ્ધિ છે. જોયું? ત્રણ ભાવ કહ્યા ને? બીજી રીતે નથી. એમાં અનેરા દ્રવ્યોને સહારો નથી, એક સ્વદ્રવ્યનો જ સહારો છે. એમાં ત્રણ ભેદ પડયા, પણ પરદ્રવ્યનો કોઈ સહારો નથી. દેવ-શાસ્ત્ર-ગુરુની મદદ કે ભક્તિનો વિકલ્પ એ સહારો મોક્ષમાર્ગમાં છે જ નહિ. આવો અર્થ, ભારે કઠણ પડે માણસને, પણ શું થાય? ‘न च अन्यथा’ આ અનેકાન્ત કર્યું. આનાથી થાય અને આનાથી પણ થાય એમ અનેકાન્ત નથી. પણ વસ્તુસ્વરૂપ જે છે તેની સેવના કરતાં એ ત્રણ પર્યાય ઉત્પન્ન થાય છે. એને ભેદથી સમજાવ્યું કે ત્રણની સેવા કરવી, એનાથી સિદ્ધિ છે, બીજી રીતે સિદ્ધિ નથી. અને એનો સરવાળો તો એ જ છે કે એકાકાર આત્માની સેવા કરવી.
૧૬, ૧૭, ૧૮ આ ત્રણ કળશો બહુ ઊંચા હતા. કાલે ઘણી વાત આવી ગઈ હતી. હવે આજે અહીં ભાવાર્થમાં કહે છે કે ‘આ આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે.’ સાધ્ય છે, ધ્યેય નહીં. ધ્યેય તો ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ છે. અહીં પ્રગટ કરવાની અપેક્ષાએ કેવળજ્ઞાનની મોક્ષપર્યાયને સાધ્ય કહી. સાક્ષાત્ પ્રાપ્તિ એટલે આત્માની ઉપલબ્ધિ. જેવા સ્વભાવે આત્મા છે તેવા (પરિપૂર્ણ) સ્વભાવની પર્યાયમાં પ્રાપ્તિ તે આત્મોપલબ્ધિ છે, એ મોક્ષ છે, સાધ્ય છે.
PDF/HTML Page 303 of 4199
single page version
આત્મા મેચક છે કે અમેચક છે-એટલે કે ત્રણ પર્યાયરૂપે પરિણમેલો છે કે એકરૂપ છે એવા વિચારો જ કર્યા કરવાથી સાધ્ય સિદ્ધ થતું નથી. આત્મા પર્યાયમાં ત્રણ પ્રકારે પરિણમેલો છે એવા ભેદરૂપ વિચારો અનેકાકારપણું છે, અશુદ્ધપણું છે. અને ત્રિકાળી વસ્તુ અભેદ છે, એકસ્વભાવી છે, અમેચક છે, નિર્મળ-શુદ્ધ છે એવો વિચાર પણ ભેદવિકલ્પ છે. તેથી એવા વિચારમાત્ર કર્યા કરવાથી સાધ્ય સિદ્ધ થતું નથી. એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ અર્થાત્ જેવો આત્મા છે તેવી પર્યાયમાં ઉપલબ્ધિ-પ્રાપ્તિ આવા વિચારોથી થતી નથી. પરંતુ દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન અને પ્રતીતિ (બન્ને ભાવ), જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું, અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા-તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે.
દર્શન એટલે ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું અવલોકન. એમાં શ્રદ્ધા અને દેખવું બન્ને ભાવ આવ્યા. જ્ઞાન એટલે શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું. એમાં સ્વસંવેદનજ્ઞાનની વાત છે. સ્વ કહેતાં પોતાથી, સમ્ નામ પ્રત્યક્ષ વેદન. સ્વસંવેદન એટલે પોતાથી પોતાને પ્રત્યક્ષ વેદવું. એનું જ નામ સમ્યગ્જ્ઞાન છે. શાસ્ત્રજ્ઞાન અને બીજા (બાહ્ય) જ્ઞાનની અહીં વાત નથી. વ્યવહારજ્ઞાન, શાસ્ત્રનું વિકલ્પવાળું બહારનું જ્ઞાન એ કાંઈ સમ્યગ્જ્ઞાન નથી. ફક્ત ભગવાન આત્મા શુદ્ધ એકસ્વભાવી છે તેનું પર્યાયમાં સ્વસંવેદન એનું નામ સમ્યગ્જ્ઞાન છે. અને ચારિત્ર? કહ્યું છે ને કે “એક દેખિયે જાનિયે રમિ રહિયે ઇક ઠૌર”-ઠૌર એટલે સ્થાન. જે વસ્તુ અખંડ અભેદ છે એને દેખવી, જાણવી અને એમાં જ વિશ્રામ લેવો. અહાહા! શુદ્ધ સ્વભાવમાં ધ્રુવ, ધ્રુવ ધામમાં સ્થિરતા-વિશ્રામ-વિશ્રામ-વિશ્રામ તે ચારિત્ર છે. તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. જુઓ ‘જ’ શબ્દ લીધો છે. આનાથી થાય અને વ્યવહારથી પણ થાય એમ અહીં ના લીધું. એકાન્ત કહ્યું કે તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે.
હવે કહે છે કે-આ જ મોક્ષમાર્ગ છે. ત્રિકાળી ભગવાન એકરૂપસ્વભાવનાં દ્રષ્ટિ, જ્ઞાન અને એમાં રમણતા તે એક જ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ બે નથી. પંડિત શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, મોક્ષમાર્ગ બે પ્રકારે નથી. જે સ્વના આશ્રયે થાય તે એક જ મોક્ષમાર્ગ છે. અત્યારના કોઈ પંડિત કહે છે કે બે મોક્ષમાર્ગ ન માને એ ભ્રમમાં છે. પૂર્વના પંડિત ટોડરમલજી કહે છે કે બે મોક્ષમાર્ગ માને એ ભ્રમમાં છે. વળી હાલના કોઈ પંડિત એમ કહે છે કે-“વ્યવહારથી ન થાય એમ ન કહેવું, એમ કહેતાં નિશ્ચયાભાસ થઈ જાય છે.” અહીં કહે છે કે ત્રિકાળી એકરૂપ આત્માની સેવા કરતાં પર્યાયમાં ત્રણ પ્રકાર પડે તેને વ્યવહાર કહે છે. પ્રવચનસાર, જ્ઞેય અધિકાર, ગાથા ૯૪ ની ટીકામાં કહ્યું છે કે-જે ત્રિકાળી ભગવાન આત્માની શ્રદ્ધા-જ્ઞાન- ચારિત્રની વીતરાગી પર્યાય એને આત્મવ્યવહાર કહીએ અને રાગાદિનો વ્યવહાર એ મનુષ્યવ્યવહાર છે. દયા, દાન, વ્રત અને ભક્તિનો વિકલ્પ એ મનુષ્યનો માનસિક વ્યવહાર છે, એનાથી સંસાર થશે. સમજાય છે કાંઈ?
PDF/HTML Page 304 of 4199
single page version
આત્મા જ્ઞાયકસ્વભાવ એકરૂપ વસ્તુની સેવના કરવાથી જે નિશ્ચય સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તેને સત્ય-ભૂતાર્થ મોક્ષમાર્ગ કહ્યો છે, અને રાગાદિ (ક્રિયાકાંડ) ને બંધ અધિકારમાં અભૂતાર્થ મોક્ષમાર્ગ કહ્યો છે. ૧૧ મી ગાથામાં ભગવાન ભૂતાર્થ વસ્તુ જે કહી છે એ ભૂતાર્થનાં દ્રષ્ટિ-જ્ઞાન-ચારિત્ર એ પર્યાયમાં ભૂતાર્થ (મોક્ષમાર્ગ) છે. ૧૧ મી ગાથામાં જે ભૂતાર્થ કહ્યો તે દ્રવ્ય-વસ્તુ ભૂતાર્થ કહી. ત્યાં ત્રિકાળી વસ્તુ-પુણ્યપાપ રહિત, પરદ્રવ્યરહિત અને એક સમયની વ્યક્ત પર્યાયથી પણ રહિત-જે ધ્રુવ વસ્તુ આત્મા છે તેને મુખ્ય કરીને નિશ્ચય કહીને ભૂતાર્થ-સત્યાર્થ કહ્યો અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહી.
જે ભૂતાર્થ વસ્તુ છે તેના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાય પરિણમે એને ભૂતાર્થ મોક્ષમાર્ગ કહે છે. તે સત્યાર્થ મોક્ષમાર્ગ પણ પર્યાય છે, માટે વ્યવહાર છે. આવી વાત કયાં છે, ભાઈ? ઓહો! આ તો પરમ સત્ય વીતરાગનો માર્ગ! ભગવાનની દ્રિવ્યધ્વનિ!!
હવે આ જ પ્રયોજનને બે ગાથાઓમાં, ગાથા ૧૭-૧૮ માં દ્રષ્ટાંતથી કહે છે.
PDF/HTML Page 305 of 4199
single page version
હવે, આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દ્રષ્ટાંતથી કહે છેઃ-
तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण।। १७ ।।
अणुचरिदव्वो य पुणो सो चेव दु मोक्खकामेण।। १८ ।।
यथा नाम कोऽपि पुरुषो राजानं ज्ञात्वा श्रद्दधाति।
ततस्तमनुचरति पुनरर्थार्थिकः प्रयत्नेन।। १७ ।।
एवं हि जीवराजो ज्ञातव्यस्तथैव श्रद्धातव्यः।
अनुचरितव्यश्च पुनः स चैव तु मोक्षकामेन।। १८ ।।
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે,
પછી યત્નથી ધન–અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭.
જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮.
ગાથાર્થઃ– [यथा नाम] જેમ [कः अपि] કોઈ [अर्थार्थिकः पुरुषः] ધનનો અર્થી પુરુષ [राजानं] રાજાને [ज्ञात्वा] જાણીને [श्रद्दधाति] શ્રદ્ધા કરે છે, [ततः पुनः] ત્યાર બાદ [तं प्रयत्नेन अनुचरति] તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત્ તેની સુંદર રીતે સેવા કરે છે, [एवं हि] એવી જ રીતે [मोक्षकामेन] મોક્ષની ઈચ્છાવાળાએ [जीवराजः] જીવરૂપી રાજાને [ज्ञातव्यः] જાણવો, [पुनः च] પછી [तथा एव] એ રીતે જ [श्रद्धातव्यः] તેનું શ્રદ્ધાન કરવું [तु च] અને ત્યાર બાદ [स एव अनुचरितव्यः] તેનું જ અનુચરણ કરવું અર્થાત્ અનુભવ વડે તન્મય થઈ જવું.
ટીકાઃ– નિશ્ચયથી જેમ કોઈ ધન-અર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે ‘આ અવશ્ય રાજા જ છે, તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે’ અને ત્યાર પછી જ તેનું જ અનુચરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે; તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને
PDF/HTML Page 306 of 4199
single page version
अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्।
सततमनुभवामोऽनन्तचैतन्यचिह्नं
न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।। २० ।।
__________________________________________________ જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે ‘આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે’ અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું-અનુભવ વડે તેમાં લીન થવું; કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી).
(તે વાત વિશેષ સમજાવે છેઃ-) જ્યારે આત્માને, અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી ‘આ અનુભૂતિ છે તે જ હું છું’ એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાન ઉદ્રય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદ્રય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે.
પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને ‘આ અનુભૂતિ છે તે જ હું છું’ એવું આત્મજ્ઞાન ઉદ્રય થતું નથી અને તેના અભાવને લીધે, નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાનાં શિંગડાંના શ્રદ્ધાન સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદ્રય થતું નથી ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદ્રય નહિ થવાથી આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે.
ભાવાર્થઃ– સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. કારણ કેઃ-પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. ત્યાર બાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય; વિના જાણ્યે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્યભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય.-એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહિ, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
PDF/HTML Page 307 of 4199
single page version
શ્લોકાર્થઃ– આચાર્ય કહે છે કેઃ [अनन्तचैतन्यचिह्नं] અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી [इदम् आत्मज्योतिः] આ આત્મજ્યોતિને [सततम् अनुभवामः] અમે નિરંતર અનુભવીએ છીએ [यस्मात्] કારણ કે [अन्यथा साध्य– सिद्धिः न खलु न खलु] તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેવી છે આત્મજ્યોતિ? [कथम् अपि समुपात्तक्रित्वम् अपि एकतायाः अपतितम्] જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ જે એકપણાથી ચ્યુત થઈ નથી અને [अच्छम् उद्गच्छत्] જે નિર્મળપણે ઉદ્રય પામી રહી છે.
ભાવાર્થઃ– આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તોપણ શુદ્ધદ્રવ્યદ્રષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે જે સમ્યગ્દ્રષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. ૨૦.
ટીકાઃ– હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાનઃ તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપ છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે) અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે) -એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.) અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે? તેનો ઉત્તરઃ એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે.
નિશ્ચયથી એટલે ખરેખર જેમ કોઈ ધન-અર્થી-લક્ષ્મીની જરૂરિયાતવાળો પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે. એનાં કપડાં, શરીર, વૈભવ, એનો ચહેરો, કપાળ વગેરે લક્ષણોથી પ્રથમ જાણે કે આ રાજા છે. લક્ષ્મીવંત છે, ઉપજ ઘણી છે, શરીરમાં પણ પુણ્ય દેખાય છે માટે આ રાજા છે. પછી તેની શ્રદ્ધા કરે કે આ જરૂર રાજા જ છે, તેનું સેવન કરવાથી જરૂર ધનની પ્રાપ્તિ થશે. ત્યાર પછી તેનું અનુચરણ કરે, એટલે એની આજ્ઞા પ્રમાણે રહે, એની સેવા કરે અને એને પ્રસન્ન કરે. જુઓ, આ દ્રષ્ટાંત છે. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. જુઓ, પહેલામાં પહેલું એને કરવાનું હોય
PDF/HTML Page 308 of 4199
single page version
તો ભગવાન આત્મા કેવો છે, કેવડો છે, કયાં છે, કેમ છે-એમ એને જાણવો. સીધી વાત લીધી છે કે અંતર સ્વસંવેદનજ્ઞાનથી પ્રથમ આત્માને જાણવો. અહાહા! મોક્ષાર્થી પુરુષે પ્રથમ આ કરવાનું છે.
દ્રષ્ટાંતમાં પેલો ધનાર્થી છે. તો આ મોક્ષાર્થી છે. એને પૂર્ણાનંદની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ પ્રયોજન નથી. એને પુણ્યની ઇચ્છા નથી, સ્વર્ગની કે કોઈ મોટી પદવી મળે એની ઇચ્છા નથી. એક જ પદવી મોક્ષાર્થી માટે છે, એક મોક્ષની. (દ્રષ્ટાંતમાં) જેમ પેલો એક ધનનો જ અર્થી છે એમ આ એકલો મોક્ષનો જ અર્થી છે. અનંત અનંત આનંદની પર્યાયમાં પ્રાપ્તિ થાય એ મોક્ષ. નિયમસારમાં આવે છે કે આત્માના મહા આનંદનો લાભ તે મોક્ષ. બસ એ મોક્ષ જેનું પ્રયોજન છે તે મોક્ષાર્થી છે. શ્રીમદે આત્મસિદ્ધિમાં કહ્યું છે કેઃ-
સમજાવ્યો સંક્ષેપમાં, સકલ માર્ગ નિર્ગ્રંથ.”
શ્રીમદ્ રાજચંદ્રના આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પહેલા જ છંદમાં એમ કહ્યું છેઃ-
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.”
અહીં જે પદ સમજાવ્યું એટલે કે જે આત્મપદ મને સમજાયું તે પદને (સ્વરૂપને) હું નમું છું એમ કહે છે. જેવું સ્વરૂપ છે તે પહેલું સમજાયું. તે પદને હું નમું છું. વળી ૧૬ મા વર્ષે “બહુ પુણ્ય કેરા....” એ કાવ્યમાં એમ કહ્યું કેઃ-
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનના, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યા.”
અહીં અમૃતચંદ્રાચાર્ય મહારાજ દાખલો આપીને કહે છે કે-પ્રથમ તો આત્માને જાણવો. જાણવો એટલે સ્વસંવેદનજ્ઞાનથી એને જાણવો. શાસ્ત્રથી જાણવો, ધારણાથી જાણવો કે ગુરુએ જણાવ્યો તેથી જાણવો એમ નહિ. પણ શુદ્ધ જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માને પર્યાયમાં જ્ઞેય બનાવતાં જે જ્ઞાન થાય એ સ્વસંવેદનજ્ઞાનથી આત્માને જાણવો. ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. જ્ઞાતા દ્રવ્યનું પર્યાયમાં જ્ઞાન થાય ત્યાં દ્રવ્ય પર્યાયમાં આવે નહિ, પણ પર્યાયમાં જ્ઞાતા દ્રવ્યનું પૂરું જ્ઞાન થાય. આત્માને જાણવો એનો અર્થ એમ છે કે એક સમયની જ્ઞાનપર્યાયમાં આ જ્ઞેય પૂર્ણ અખંડ ધ્રુવ શુદ્ધ પ્રભુ જેવો છે તેવો પરિપૂર્ણ જણાય ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. આવી વાત
PDF/HTML Page 309 of 4199
single page version
છે, ભાઈ! દુનિયા અનેક પ્રકારે વિચિત્ર છે. તેની સાથે મેળ કરવા જઈશ તો મેળ નહિ ખાય.
આત્મા એ અખંડ વસ્તુ અને જાણવું એ પર્યાય છે. ભગવાન અમૃતચંદ્રાચાર્ય મુનિસંત એની ટીકા કરે છે. એ ગાથામાં ભરેલા સામાન્યભાવને વિશેષ સ્પષ્ટ કરે છે. માણસો નથી કહેતા કે-‘તુ મારી ટીકા કરે છે?’ એટલે કે તું કેવો છે એની ટીકા કહેતાં વિશેષ સ્પષ્ટતા કરે છે. એમ અહીં આત્મા કેવો છે એની ટીકા કરી છે. ભગવાનના દિવ્યધ્વનિની સંતોએ ટીકા કરી છે. અહીં ટીકામાં પ્રથમ એટલે સૌ પહેલાં આત્મા જાણવો એમ લીધું છે. નવતત્ત્વને જાણવાં કે રાગને જાણવો એ અહીં ન લીધું. એકને જાણે તે સર્વને જાણે છે. જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા જ્ઞેય પણે જણાય અને સૌ પ્રથમ આ જ કરવાનું છે. છઠ્ઠી ગાથામાં કહ્યું કે જે જ્ઞાયકભાવ-સ્વભાવ છે એ શુભાશુભભાવના સ્વભાવે થતો નથી, કેમ કે શુભ કે અશુભભાવો અચેતન છે. એ ચૈતન્યરસ અચેતનપણે કેમ થાય?
જ્ઞાયકભાવ એકરૂપ ચૈતન્યવસ્તુ છે. આવો જે જ્ઞાયકભાવ આત્મા એને પ્રથમ જાણવો એમ આચાર્ય કહે છે. આચાર્યોએ થોડું લખ્યું ઘણું કરીને જાણજો. ભાઈ! છહઢાળામાં આવે છે કેઃ-
લાખ વાત કરી, અનંત વાત કરી. પણ વાત એ છે કે નિજ આત્માનું ધ્યાન કરો. એટલે પર્યાયમાં એને જાણો. એમ કહીને એમ સિદ્ધ કર્યું કે રાગની મંદતાથી આત્માનું જ્ઞાન થાય એમ કોઈ કહેતા હોય તો એ વસ્તુસ્થિતિ નથી. હમણાં બહુ ચાલે છે કે-પહેલાં વ્યવહારરૂપ દયા, દાન ઇત્યાદિ રાગની મંદતા કરીએ, પહેલું ચારિત્ર કેટલુંક થાય પછી જ સમક્તિ થાય. અરે ભગવાન! ચારિત્ર સમક્તિ વિના કદી થતું નથી. વળી કોઈ એક જણે તો એમ કહ્યું છે કે સાતમું ગુણસ્થાન આવ્યા વિના નિશ્ચય સમક્તિ થાય નહીં. પણ એમ નથી, ભાઈ! આ તો મોક્ષાર્થી જેને મોક્ષ કરવો છે એને પહેલાં જાણે. સ્વસંવેદન-જ્ઞાનથી પ્રથમ આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું એમ અહીં છે ને?
રત્નકરંડશ્રાવકાચારમાં એમ આવે છે કે સમ્યગ્દર્શન કરો, અને પછી જ્ઞાનનું આરાધન કરવું, એટલે કે રાગદ્વેષ ટાળવા માટે ચારિત્ર ગ્રહણ કરવું આરાધન કરવું એટલે વિશેષ (મગ્નતા કરવી), અહીં સમ્યગ્દર્શન થતાં જ્ઞાન સાથે જ હોય છે એમ કહ્યું છે. તત્ત્વાર્થસૂત્રમાં “सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः” તથા છહઢાળામાં (ચોથી ઢાળમાં) “સમ્યક્ કારણ જાન, જ્ઞાન કારજ હૈ સોઈ.” એ પ્રમાણે લીધું છે. દર્શનની પૂર્ણતા પહેલી થાય છે એટલે ત્યાં દર્શનને પહેલું લીધું. અહીં જ્ઞાનથી વાત ઉપાડીને તેને પહેલું કેમ કહ્યું કે-પહેલાં જાણ્યા વિના પ્રતીતિ (શ્રદ્ધા) કોની? જે વસ્તુ જ્ઞાનમાં જણાઈ નથી એની પ્રતીતિ શાની?
PDF/HTML Page 310 of 4199
single page version
આ પૂર્ણાનંદ અતીન્દ્રિય આનંદકંદ સચ્ચિદાનંદ પરમસ્વભાવરૂપ આત્મા છે તે જ હું છું એમ શ્રદ્ધા કરવી. એની શ્રદ્ધામાં એમ આવ્યું કે આ અંદર જે પ્રત્યક્ષ જણાયો એ જ આત્મા છે અને તેનું આચરણ કરવાથી એટલે કે તેમાં એકાગ્ર થવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. શું કહ્યું? જુઓ, તેનું આચરણ કરવાથી એટલે જે જ્ઞાયકભાવ-સ્વભાવ-ભાવ જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષ જણાયો અને જેની શ્રદ્ધા થઈ કે આ જ આત્મા છે એમાં આચરણ કરીશ તો કર્મોથી છૂટાશે. બીજી કોઈ ક્રિયા તો છે નહીં. બહારનાં ક્રિયાકાંડ-વ્રત અને તપ કરીશ તો કર્મોથી છૂટાશે એમ એની શ્રદ્ધામાં નથી આવતું. ઘણું ગંભીર ભર્યું છે, ભાઈ! એક તો એ કે આત્માને સીધો જાણવો. એટલે કે વ્યવહાર આવો હોય તો જણાય એ વાત કાઢી નાખી. બીજું એ કે આ આત્મા છે એમ જાણ્યું તેથી એની શ્રદ્ધામાં એમ આવ્યું કે આત્મામાં ઠરીશ ત્યારે કર્મ છૂટશે, પણ આટલા ઉપવાસ કરવાથી કર્મ છૂટશે એમ નહિ. ત્યાં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં (તત્ત્વાર્થસૂત્રમાં) આવે છે કે-“तपवा निर्जरा” ઉત્તર એમ છે કે એ તો નિમિત્તનાં કથન છે. માર્ગ તો આવો છે, ભાઈ!
અરેરે! ચોરાસીના અવતારમાં એ દુઃખી છે. એને એના દુઃખની ખબર નથી. પણ એ આકુળતાના વેદનમાં છે, ભાઈ! જૈનના વેદનમાં, સ્વના વેદનમાં નથી. છહઢાળામાં ચોથી ઢાળમાં આવે છે કે એ આકુળતાના વેદનમાં સાધુ થઈ નવમી ગ્રૈવેયકે ગયો. એણે પંચ મહાવ્રત અને ર૮ મૂલગુણનું પાલન કર્યું પણ એ આકુળતાનું વેદન હતું.
પ્રશ્નઃ–મંદ આકુળતા હતી ને?
ઉત્તરઃ–મંદ પણ આકુળતા હતી ને? તેથી તો કહ્યું કે સુખ લેશ ન પાયો. બાપુ! આ તો વીતરાગસ્વરૂપ આત્માનો માર્ગ છે. આ આત્મા છે તેનું આચરણ કરવાથી જરૂર કર્મોથી છૂટાશે એવી શ્રદ્ધામાં એમ આવ્યું કે નિજ જ્ઞાયકભાવમાં જેટલી રમણતા કરશે તેટલું ચારિત્ર થશે અને તેટલું કર્મોથી છૂટાશે. પહેલાં શ્રદ્ધામાં જ આમ જણાયું. લોકોને આકરું લાગે, પણ શું થાય?
અહીં કહે છે કે આત્મા એકલો જ્ઞેય થઈને અંદર જ્ઞાનમાં જણાયો ત્યારે તેને આ આત્મા છે એમ શ્રદ્ધા થઈ. ત્યારે એ શ્રદ્ધામાં એમ આવ્યું કે આ જ્ઞાયકભાવ જે ભગવાન આત્મા તેનું અનુચરણ કરવાથી, એમાં ઠરવાથી કર્મ જરૂર છૂટશે, પણ પંચમહાવ્રતના વિકલ્પ એ આત્માનું અનુચરણ નહિ હોવાથી તેનાથી કર્મ છૂટશે નહિ. અંદર એક જ્ઞાયકભાવમાં એકાકાર થવું, એમાં રમવું, ચરવું, જામી જવું, આનંદનું વેદન કરવું-એનાથી કર્મ છૂટશે, મલિન પરિણામ છૂટશે. આવી વાત છે, ભાઈ! દુનિયા સાથે મેળ ખાય એમ નથી. પણ શું થાય? આત્મામાં રમે તે રામ કહીએ. અન્યત્ર રમે
PDF/HTML Page 311 of 4199
single page version
તે હરામ (કુચારિત્ર). આત્માના આનંદમાં રમવું, નિજાનંદમાં રમવું એ ચારિત્ર છે. હવે લોકો કાંઈ ને કાંઈ ક્રિયા અને બહારનાં પંચમહાવ્રતાદિને મોક્ષનો માર્ગ-સાધન માને છે, પણ ભાઈ! એ કાંઈ સાધન નથી. પરંતુ નિમિત્તથી કથન કરીને કહ્યું છે. ત્રણ લોકનો નાથ જે સિદ્ધસ્વરૂપી પરમાત્મા એનું જ્ઞાન, શ્રદ્ધાન થાય ત્યારે એમાં ઠરે. એ જ્ઞાયકસ્વરૂપ આનંદઘન ભગવાન આત્મામાં ચરવું, રમવું, લીન થવું, સ્થિરતા કરવી એ અનુભવ છે, એ ચારિત્ર છે. અહાહા! કહ્યું છે ને કેઃ-
કેટલાક કહે છે કે કાનજીસ્વામીનું આ બધું એકાન્ત છે. પણ એમ નથી. કારણ કે અહીં તો સમ્યક્ એકાન્ત સિદ્ધ કરે છે, કે એમાં (આત્મામાં) જ આચરણ કરવું. રાગનું આચરણ કરવું એમ નહીં. પહેલાં એની શ્રદ્ધામાં તો નક્કી કરે કે ભગવાન આનંદનો નાથ પ્રભુ જે અંદરમાં જણાયો અને શ્રદ્ધામાં આવ્યો એમાં ઠરવું એ ચારિત્ર છે. વ્રત, તપ, ઉપવાસ આદિ કાંઈ ચારિત્ર નથી. ઉપવાસ એટલે ઉપ નામ સમીપમાં-ભગવાન આનંદના નાથની સમીપમાં વાસ એટલે વસવું-અનુભવ વડે વસવું. આત્મામાં અનુભવ વડે લીન થવું એ ચારિત્ર છે. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા જ્ઞાનમાં જણાયો એવો શ્રદ્ધયો કે આ અંદર સ્વરૂપથી દેખાયો તે આત્મા અને એમાં ઠરવું એનો અનુભવ કરવો તે ચારિત્ર. આવા અનુભવની મહોર-છાપ વિશે પાંચમી ગાથામાં આવે છે કે આત્માનો નિજવિભવ કેવો છે? “નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચૂર સંવેદનસ્વરૂપ સ્વસંવેદન તેનાથી જેનો જન્મ છે.” આવો આનંદનો અનુભવ તે આત્માનો સાક્ષાત્કાર છે. અનુભવ, અનુભવ એમ તો બીજા બધા અન્યમતીઓમાં પણ કહે છે પણ એ અનુભવ નથી.
આ પ્રમાણે મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે ‘આ જ આત્મા છે’ અને તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે, અને ત્યારપછી તેનું જ અનુચરણ કરવું-અનુભવ વડે તેમાં લીન થવું; કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે. જે મોક્ષાર્થી થયો તેને મોક્ષ અવસ્થા સાધ્ય છે. એ રાગ વિનાની, કર્મ વિનાની નિર્મળ અવસ્થા છે. એ નિર્મળ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપની એ રીતે ઉપપત્તિ છે અન્યથા અનુપપત્તિ છે. એટલે એની પ્રાપ્તિનો આ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ અનેકાન્ત છે. આનાથી પ્રાપ્તિ થાય અને વ્યવહારથી પણ પ્રાપ્તિ થાય એમ અનેકાન્ત નથી. આનાથી જ થાય અને બીજી રીતે ન થાય એ અનેકાન્ત છે.
છહઢાળામાં આવે છે કે “આતમ હિત હેતુ વિરાગ જ્ઞાન, તે લખૈ આપકું કષ્ટદાન.”
PDF/HTML Page 312 of 4199
single page version
કેટલાક કહે છે કે પંચમહાવ્રત પાળવાં, ત્યાગ કરવો, પરિષહ સહન કરવા ઇત્યાદિ કષ્ટ સહન કરીએ તો ધર્મ થાય અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. અહીં તો કહે છે કે કષ્ટ એ ધર્મ નથી પણ ભગવાન આત્મામાં એકાગ્ર થતાં એમાં આનંદ આવે એ ધર્મ છે. આનંદની લહેરોનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાનને પામે, પણ કષ્ટ સહન કરે તો પામે એમ નથી. ભાઈ! વસ્તુ તો સહજાનંદસ્વરૂપ છે. સ્વાભાવિક આનંદને આધીન થતાં, અતીન્દ્રિય આનંદને વેદતાં વેદતાં કેવળજ્ઞાન થઈ જાય છે. આ વસ્તુનું સ્વરૂપ જ આવું છે, અર્થાત્ સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી.
કેટલાક એમ કહે છે કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી પણ થાય, નિશ્ચય પણ મોક્ષમાર્ગ અને વ્યવહાર પણ મોક્ષમાર્ગ, જેમ નિશ્ચય આદરણીય તેમ વ્યવહાર પણ આદરણીય; પણ એમ નથી. અહાહા....! એકલો ભગવાન આત્મા જાણવો, શ્રદ્ધવો અને એમાં ઠરવું એ એક જ મોક્ષમાર્ગ છે. તો કહે છે-વ્યવહાર કહ્યો છે ને? ભાઈ, એ તો ઉપચારથી કથન કર્યું છે, પણ મોક્ષમાર્ગ બે નથી. માર્ગ એટલે કારણ. મોક્ષમાર્ગ એટલે મોક્ષનું કારણ. એ મોક્ષનું કારણ એક જ છે, બે કારણ નથી. મોક્ષમાર્ગ એક જ છે એટલે શું? કે કાર્ય જે સિદ્ધદશા એનું કારણ એક નિશ્ચય કારણ જ છે. બીજું હો ભલે, પણ તે જાણવા માટે; બાકી કારણ નથી. આવી સ્થિતિ સીધી છે પણ પક્ષના વ્યામોહ આડે સૂઝ પડે નહીં અને (સાચા રસ્તે) ફરવું ગોઠે નહીં. આટલાં વર્ષ શું કર્યું? તે ધૂળ કર્યું. (બધું વ્યર્થ) સાંભળને! ત્રણલોકના નાથને જગાડયો નહીં, એની શ્રદ્ધા કરી નહીં અને એમાં ઠર્યો નહીં તો શું કર્યું? (કાંઈ કર્યું નહીં.)
હવે એ વાત વિશેષ સમજાવે છેઃ-
જ્યારે આ આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં-એટલે ભગવાન આત્માના જ્ઞાનમાં પુણ્ય-પાપ દયા, દાન, વ્રત, આદિ અનેક પર્યાયરૂપ ભેદભાવો તેની સાથે મિશ્રિત હોવા છતાં સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણપણાથી ‘આ અનુભૂતિ છે તે જ હું છું’ અર્થાત્ જાણવાની દશા જે અનુભવમાં આવે છે તે જ હું છું અને જ્ઞાનમાં જણાય છે તે દયા, દાન, રાગાદિ વ્યવહાર તે હું નથી એમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીં કહ્યું ને કે જ્ઞાનમાં જણાય કે આ રાગાદિ છે, પણ એ મોક્ષમાર્ગ નથી. ૧૨ મી ગાથામાં પણ કહ્યું કે-“વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે.” તે કાળે એટલે તે તે સમયે જેટલા પ્રમાણમાં રાગની અશુદ્ધતાના અને વીતરાગતા-શુદ્ધતાના અંશો છે તેને જાણવા એ ભેદરૂપ વ્યવહારજ્ઞાન છે. એ જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. આવી ચોકખી સ્પષ્ટ વાત હોવા છતાં ઘણા વર્ષોથી (અનંતકાળથી) માન્યું-મનાવ્યું હોય એટલે ફરવું કઠણ પડે. પણ જીવન જાય છે જીવન. (ખોટી માન્યતામાં આયુષ્ય પૂરું થઈ જશે). માર્ગ તો આ છે, ભાઈ!
PDF/HTML Page 313 of 4199
single page version
આત્માને અનુભવના વેદનમાં આવતા રાગાદિ જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું એટલે જ્ઞાન અને રાગ બન્ને એકમેકપણે લાગવાપણું હતું. તે જ્યારે સર્વપ્રકારે ભેદજ્ઞાનનું પ્રવીણપણું થવાથી અર્થાત્ રાગથી ખસીને સ્વભાવ તરફનો ઝૂકાવ થવાથી ‘આ અનુભૂતિ છે તે જ હું છું’ -જ્ઞાનમાં જે અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી જણાયો તે જ હું છું એવું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. રાગથી ભિન્ન પડીને આ અનુભવસ્વરૂપ ભગવાન આત્મા તે હું છું એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, આ આત્મા શુદ્ધ અખંડ અભેદ એક ચૈતન્યરૂપ જેવો જ્ઞાનમાં જણાયો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું, શ્રદ્ધાન ઉદ્રય થાય છે. ભેદજ્ઞાનની પ્રવીણતાથી અર્થાત્ રાગથી ભિન્ન પડી ભગવાન જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવથી આત્મા અખંડ એક જ્ઞાયકરૂપ જેવો જાણ્યો તેવી જ તેની પ્રતીતિ કરી. જાણ્યા વિના એ છે એ માન્યું કોણે? સમ્યગ્દર્શનનું લક્ષણ પ્રતીતિ છે. પંચાધ્યાયીમાં ચાર બોલ લીધા છે. શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, જ્ઞાનની પર્યાય. ત્યાં એને જ્ઞાનની પર્યાય ગણી એ તો વ્યવહારથી કથન છે. અહીં તો આ નિશ્ચયની વાત છે કે જે આત્મા જ્ઞાનમાં જણાયો એની જે શ્રદ્ધા થઈ તે પ્રતીતિ. માટે સમ્યગ્દર્શનનું લક્ષણ પ્રતીતિ છે.
આત્મા આખી ચીજ છે. તેનું જ્ઞાન એ આત્મજ્ઞાન કહ્યું છે. આત્મામાં ગુણનું કે પર્યાયનું જ્ઞાન તે આત્મજ્ઞાન એમ નથી. આખો આત્મા એટલે જે ત્રિકાળી ધ્રુવ અખંડ એક પ્રતિભાસમય પૂર્ણસ્વરૂપ તે પર્યાયમાં જણાયો, એનું જે જ્ઞાન થયું તે પર્યાય આત્મજ્ઞાન છે. સાદી ભાષા છે, પણ લોકો એકાન્ત એકાન્ત કરે છે. વ્યવહારથી થાય એમ વ્યવહારને સાધન કહેતા નથી એમ કહે છે, પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે, ‘જ’ બધે પડયો છે ને? શ્રીમદે પણ કહ્યું છે કે “અનેકાન્તનું જ્ઞાન પણ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ હેતુએ હિતકારી નથી.” સમ્યક્ એકાન્ત એવા આત્માના હિત સિવાય બીજું કોઈ અનેકાન્ત હોઈ શકે નહિ.
અહાહા! આવું આત્મજ્ઞાન થતાં શ્રદ્ધાન ઉદ્રય થાય છે ત્યારે સમસ્ત અન્યભાવોનો ભેદ થવાથી એટલે દયા, દાન, ભક્તિ આદિના શુભભાવો જે અન્યભાવો છે તેની જુદાઈ થવાથી નિઃશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદ્રય થતું આત્માને સાધે છે. રાગના વિકલ્પથી જુદો છું એવું ભેદજ્ઞાન થવાથી સ્વરૂપમાં નિઃશંક ઠરવાને લીધે આત્માનું ચારિત્ર-આત્માનું અનુષ્ઠાન-આત્મામાં રમણતા પ્રગટ થાય છે અને તે આત્માને સાધે છે. વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડીને સ્વરૂપમાં નિઃશંક ઠરતાં એ આચરણ આત્માની સિદ્ધિને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે. સાધ્ય જે મોક્ષદશા તેની સિદ્ધિ-પ્રાપ્તિ એ રીતે થાય છે, બીજી રીતે નહિ. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને સ્વનું આચરણ હોતું નથી. (તેથી સાધ્યની સિદ્ધિ તેને થતી નથી.)
PDF/HTML Page 314 of 4199
single page version
ટીકાના પહેલા બે પેરેગ્રાફ થઈ ગયા. હવે અનુપપત્તિનો ત્રીજો છેલ્લો પેરેગ્રાફ રહ્યો. તેમાં હવે કહે છેઃ-
“જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળ-ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં” જુઓ, શું કહે છે? આબાળ-ગોપાળ સૌને એટલે નાનાથી મોટા દરેક જીવોને જાણવામાં તો સદાકાળ (નિરંતર) અનુભૂતિસ્વરૂપ- જ્ઞાયક-સ્વરૂપ નિજ આત્મા જ આવે છે. (અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળીનું વિશેષણ છે, જ્ઞાયકભાવને અહીં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે.) આબાલ- ગોપાલ સૌને જાણનક્રિયાદ્વારા અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જ જણાઈ રહ્યો છે. જાણનક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. (અજ્ઞાનીને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાનો જ્ઞાનમય આત્મા જ ઉર્દ્ધપણે જણાઈ રહ્યો છે. જાણપણું નિજ આત્માનું છે છતાં એ છે તે હું છું એમ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની પરની રુચિની આડે જ્ઞાનમાં પોતાનો જ્ઞાયકભાવ જણાતો હોવા છતાં એનો તિરોભાવ કરે છે અને જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગ આદિ પરજ્ઞેયોનો આવિર્ભાવ કરે છે.)
અહાહા! આમ સદાકાળ સૌને પોતે જ એટલે કે આત્મા જ જાણવામાં આવે છે. (અજ્ઞાનીઓ કહે છે કે આત્મા કયાં જણાય છે? અને અહીં જ્ઞાનીઓ એમ કહે છે કે દરેક આત્માઓને પોતાનો આત્મા જ જણાય છે પણ અજ્ઞાની એનો સ્વીકાર કરતો નથી.) પુણ્ય પાપ આદિ જે વિકલ્પ છે તે અચેતન અને પર છે તેથી ઉર્દ્ધપણે જ્ઞાનની પર્યાયમાં તે જણાતા નથી પરંતુ જાણનાર જ જણાય છે.
આમ સૌને પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અનાદિ બંધના વશે-એટલે અનાદિ બંધના કારણે એમ નહીં પરંતુ અનાદિ બંધને (પોતે) વશ થાય છે તેથી; આ જાણનાર-જાણનાર-જાણનાર તે હું છું એમ ન માનતાં રાગ હું છું એમ માને છે. અનાદિ બંધના વશે-એટલે કર્મને લઈને એમ નહીં; આ એક સિદ્ધાંત છે કે કર્મ છે માટે વિકાર થાય છે એમ નથી. આત્મા અનાદિ બંધ છે એને વશ થાય છે માટે વિકાર થાય છે. એટલે કે સૌને જાણન-જાણન-જાણન ભાવ જ જાણવામાં આવે છે. શરીરને, રાગને જાણતાં પણ જાણનાર જ જણાય છે. પણ અનુભૂતિસ્વરૂપ આત્મા હું છું, આ જાણનાર તે હું છું, એમ અજ્ઞાનીને ન થતાં બંધને વશ પડયો છે. આત્માને વશ થવું જોઈએ એને બદલે કર્મને વશ થયો છે. પૂજામાં આવે છે ને કેઃ-
PDF/HTML Page 315 of 4199
single page version
હવે આત્મા અને રાગ વચ્ચે સાંધ છે એ વાત સમજાવે છે. (મોક્ષ અધિકાર, ગાથા ૨૯૪ માં સંધિની વાત છે) એ બંધના વશે પર સાથે એકપણાના નિશ્ચયથી- “જાણનાર-જાણનાર જણાય છે” એમ ન જાણતાં જાણનારની પર્યાય વર્તમાન કર્મ સંબંધને વશ થઈ (સ્વતંત્રપણે વશ થઈ) પર સાથે-રાગ અને પુણ્યના વિકલ્પો સાથે એકપણાનો અધ્યાસ-નિર્ણય કરે છે. હું રાગ જ છું એમ માને છે છતાં એકપણે થતો નથી. રાગ અને આત્મા વચ્ચે સંધિ છે. (સાંધ છે.) રાગનો વિકલ્પ અને જ્ઞાનપર્યાય એ બે વચ્ચે સંધિ છે. જેમ મોટા પથ્થરની ખાણ હોય તેમાં પથ્થરમાં પીળી, લાલ, ધોળી રગ હોય છે. એ બે વચ્ચે સંધિ છે. એ પથ્થરોને જુદા પાડવા હોય તો એ સંધિમાં સુરંગ નાંખે એટલે પથરા ઉડીને જુદા પડી જાય છે. તેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા અને રાગ બે વચ્ચે સંધિ છે. અહાહા! ત્યાં તો એમ કહ્યું કે નિઃસંધિ થયા નથી-એટલે બે એક થયા નથી. (બે વચ્ચે સંધિ હોવા છતાં બે એક થયા નથી). પણ (બન્નેના) એકપણાના નિશ્ચયથી મૂઢ અજ્ઞાની તેને જે રાગનો વિકલ્પ ઉઠે છે અને વશ થઈને તે હું છું એમ પરપદાર્થ જે રાગાદિ તેને પોતાના માને છે, પરંતુ રાગથી ભિન્ન અનુભવરૂપ પોતાની ચીજ જુદી છે એનું ભાન નહીં હોવાથી આ જાણનાર જણાય છે તે હું છું એમ માનતો નથી.
પ્રવચનસાર ગાથા ર૦૦ માં આવે છે કે જ્ઞાયકભાવ કાયમ જ્ઞાયક પણે જ રહ્યો છે. છતાં અજ્ઞાની બીજી રીતે હું આ રાગ છું, પુણ્ય છું એવો અન્યથા અધ્યવસાય કરે છે. ભાઈ! સૂક્ષ્મ વાત છે. જિનેન્દ્ર માર્ગ જુદો છે. લોકો બહારમાં એકલા ક્રિયાકાંડ-આ કરવું અને તે કરવું-એમાં ખૂંચી ગયા છે. એટલે કાંઈ હાથ આવતું નથી. ભગવાન અમૃતચંદ્રાચાર્ય ટીકાકાર કહે છે કે પ્રભુ! તું તો જાણનાર સ્વરૂપ સદાય રહ્યો છે ને? જાણનાર જ જણાય છે ને? અહાહા! જાણનાર જ્ઞાયક છે તે જણાય છે એમ ન માનતાં બંધના વશે જે જ્ઞાનમાં પર રાગાદિ જણાય તેના એકપણાનો નિર્ણય કરતો મૂઢ જે અજ્ઞાની તેને ‘આ અનુભૂતિ છે તે જ હું છું’ એવું આત્મજ્ઞાન ઉદ્રય થતું નથી. ઝીણી વાત, ભાઈ! આ ટીકા સાધારણ નથી. ઘણો મર્મ ભર્યો છે.
ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ ધ્રુવ વસ્તુ છે એ તો જાણનસ્વભાવે પરમપારિણામિકભાવે સ્વભાવભાવરૂપે જ ત્રિકાળ છે. રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી; પણ જાણનાર જેમાં જણાય છે તે જ્ઞાન પર્યાય લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદાય પોતે જણાઈ રહ્યો છે એવી જ્ઞાનની પર્યાય થઈ રહી હોવા છતાં આ અંદર જાણનાર તે હું છું અર્થાત્ આ જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે હું છું એમ અંદરમાં ન જતાં કર્મને રાગને વશ પડયો થકો બહારમાં જે રાગ જણાય છે તે હું છું એમ માને છે. અહા! આચાર્યે સાદી ભાષામાં મૂળ વાત મૂકી દીધી છે. ત્રિલોકીનાથ તીર્થંકર અને ગણધરોની વાણીની ગંભીરતાની શી વાત! પંચમઆરાના સંતે આટલામાં તો સમ્યક્દર્શન પામવાની કળા અને મિથ્યાદર્શન કેમ પ્રગટ થાય છે તેની વાત કરી છે.
PDF/HTML Page 316 of 4199
single page version
અરે ભાઈ! તું દુઃખી પ્રાણી અનાદિનો છે. રાગને બંધને વશ થયો તેથી દુઃખી છે એ નિરાકુળ ભગવાન આનંદનો નાથ છે. એને પર્યાયમાં-જ્ઞાનમાં જાણનારો તે પોતે છે, એમ ન જાણતાં જ્ઞાનની પર્યાયમાં પરને વશ થયો થકો રાગ તે હું એવી મૂઢતા ઉત્પન્ન કરે છે. થોડા શબ્દોમાં મિથ્યાત્વ કેમ છે અને સમ્યક્ત્વ કેમ થાય એની વાત કરી છે.
ઘણા લોકો અત્યારે માને છે કે કર્મને લઈને આમ થાય. પણ ભાઈ! કર્મ તો જડ છે. એને લઈને શું હોય? કોઈ કર્મ આડે આવતું નથી. જાણવાવાળાને જાણે નહિ અને રાગને વશ પડી એમ માને કે હું આ (રાગાદિ), એ તો પોતે વશ થાય છે. “અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા.” મૂળ સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાનની વાત પડી રહી અને મૂળ વિના (ત્યાગમાં ધર્મ માનીને) બધાં પાંદડાં તોડયાં. જેમ આંબલીનાં લાખો પાન હોય તે તોડે પણ મૂળ સાજું રહે તો તે ૧પ દિવસમાં પાંગરી જાય. તેમ રાગની મંદતાની ક્રિયાઓ અનંતવાર કરી એ પાંદડાં તોડયાં, રાગ રહિત આત્મા કેવો છે તેને જાણ્યા વિના અજ્ઞાનથી મિથ્યાત્વનું મૂળ સાજું રાખ્યું, પણ એને ઉખેડીને સમ્યગ્દર્શનરૂપી ધર્મના મૂળને પકડયું નહિ.
અહીં કહે છે કે આ જાણનાર-જાણનાર-જાણનાર-આ જે જાણનક્રિયા દ્વારા જણાય છે તે હું એમ અંતરમાં ન જતાં જાણવામાં આવે છે જે રાગ તેને વશ થઈ રાગ તે હું એમ અજ્ઞાનીએ માન્યું તેથી આ અનુભૂતિમાં જણાય છે તે જ્ઞાયક હું એવું આત્મજ્ઞાન ઉદય પામતું નથી. દર્શનમોહના ઉદ્રયને કારણે આ આત્મજ્ઞાન ઉદ્રય પામતું નથી એમ ન કહ્યું પણ રાગને વશ થવાથી આ જેના અસ્તિત્વમાં-હયાતીમાં જાણવું થાય છે એ જાણનાર તે હું એવું આત્મજ્ઞાન મૂઢ-અજ્ઞાનીને પ્રગટ થતું નથી. કોઈ માને કે કર્મથી થાય, કર્મથી થાય તો એ જૂઠી વાત છે. ત્રણકાળમાં કર્મથી આત્માનું કાંઈ ન થાય. કર્મ એ તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યથી સ્વદ્રવ્યમાં કાંઈ થાય એ વાત તદ્ન જૂઠી છે. પોતે પોતાને ભૂલીને રાગને પોતાનો માને એ તો મૂઢભાવ છે, મિથ્યાત્વ છે. તો પછી આ બાયડી, છોકરાં, કુટુંબ, મકાન, પૈસા, આબરૂ વગેરે કયાંય રહી ગયા. એને પોતાના માને એ તો મૂઢતા છે જ.
રાગ અને આત્મા વચ્ચે સંધિ છે, નિઃસંધિ નથી. (આ પ્રવચનમાં) આ વાત આગળ આવી ગઈ છે. ત્રણલોકનો નાથ જે સચ્ચિદાનંદ પ્રભુ એની અને રાગની વચ્ચે સંધિ છે, તડ છે, પણ એક્તા નથી. માણસો બહારથી માથાફોડ કરે અને જિંદગી કાઢે, પણ શું થાય? (અંતરંગમાં સંધિ છે, પણ એક નથી એમ વિચારે નહિ તો શું થાય?) એને એકાન્ત લાગે છે પણ એકાન્ત એટલે શું એની ખબર નથી. ભાઈ! જે વિકાર થાય છે તે તારાથી જ થાય છે, પરને લઈને-કર્મને લઈને કે નિમિત્તને લઈને નહિ. તું પોતે વિકાર કરે ત્યારે તેને (કર્મ આદિને) નિમિત્ત કહેવામાં આવે છે. આ અનેકાન્ત છે.
PDF/HTML Page 317 of 4199
single page version
(જો વિકાર વખતે પર-કર્મ આદિ કોઈ નિમિત્ત છે જ નહીં એમ માને તો એકાન્ત છે) અહીં કહ્યું છે જુઓને-“બંધના વશે” એમાં કેટલો ધ્વનિ છે?
હું જ્ઞાયક છું. આ જાણનાર છે તે જ જણાય છે. જણાય છે તે જ્ઞાયક વસ્તુ છે એમ જ્ઞાન ન થતાં જાણવાની પર્યાયમાં જે અચેતન રાગ જણાય છે તે હું એમ માને છે. દયા, દાન, ભક્તિના વિકલ્પ છે એ જડ છે. એ જ્ઞાનમાં એને ભાસતાં એ હું છું એમ માનનારને એનાથી રહિત હું આત્મા છું એવું જ્ઞાન પ્રગટ થતું નથી. અને એ આત્મજ્ઞાનના અભાવમાં નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા સમાન હોય છે. જેમ માનો કે ‘ગધેડાનાં શીંગડાં’ પણ ગધેડાને જ્યાં શીંગડાં હોય જ નહિ ત્યાં શી રીતે મનાય? એમ ભગવાન આત્મા જાણવાની પર્યાયમાં જણાય તે હું છું એમ ન માનતાં રાગ તે હું એમ માને છે એને આત્માનું જ્ઞાન નથી. અને એ આત્માનું જ્ઞાન નહિ હોવાથી તેની શ્રદ્ધા પણ ‘ગધેડાના શીંગડાં’ જેવી છે. ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! બહારથી એમ કલ્પી લે કે દયા પાળો, વ્રત કરો અને આ કરો ને તે કરો, પણ ભાઈ! કોણ રાગનો કર્તા થાય? કર્તાપણાની બુદ્ધિ એ તો મિથ્યાત્વ છે, જ્ઞાનસ્વભાવી ચૈતન્યસૂર્ય ભગવાન અચેતન એવા રાગને કેમ કરે?
છઠ્ઠી ગાથામાં કહ્યું ને કે જ્ઞાયકભાવ શુભાશુભપણે થયો નથી. એ શુભાશુભભાવે થાય તો જડ થઈ જાય, કેમકે શુભાશુભભાવમાં ચેતનનો અંશ નથી, પોતે પોતાને અને પરને જાણતા નથી. તેથી જો જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યસૂર્ય અચેતન એવા શુભાશુભાવપણે થાય તો ચેતન અચેતન થઈ જાય. પણ એમ કદીય બનતું નથી. અરે! જે આ દ્રષ્ટિ- જ્ઞાનની પર્યાય એમાં રાગ નહિ હોવા છતાં એમાં રાગ છે એવું જેણે જાણ્યું અને માન્યું તથા જે પર્યાય જ્ઞાયકની છે એમાં જે જ્ઞાયક જણાય તે હું છું એમ જાણવાને બદલે જાણવાની પર્યાયમાં જે રાગ જણાય તે હું છું એમ માનનારા આત્મજ્ઞાન વિનાના મિથ્યાદ્રષ્ટિ છે.
આઠ આઠ વર્ષના બાળકો સમ્યગ્દર્શન પામે છે. આઠ આઠ વર્ષના રાજકુમારો હોય એ વનમાં ચાલી નીકળે. એ અંદરમાં (આત્મામાં) જવા માટે નીકળે, વનમાં જવા માટે નહીં. પ્રવચનસાર ચરણાનુયોગમાં શરૂઆતમાં આવે છે કે જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે સ્ત્રીની પાસે રજા માંગે છે. કહે છે કેઃ-હે સ્ત્રી! આ શરીરને રમાડનારી રમણી! હવે મને જ્ઞાનજ્યોતિ પ્રગટી છે, એટલે હું મારી અનાદિ આનંદની અનુભૂતિની રમણી-જે અનાદિ વસ્તુ છે-તેની પાસે જવા માંગું છું. માટે તારાથી મારી છૂટ્ટી કર.
અહીં કહે છે કે જાણવાની પર્યાયમાં જે જાણનાર જણાય તે હું એમ અંતરમાં જવાને બદલે બહારમાં જે પરજ્ઞેયરૂપ રાગ જણાય છે તે હું એમ વશ થયો તે અજ્ઞાની મૂઢ જીવને આત્મજ્ઞાન થતું નથી. તેથી આત્માને જાણ્યા વગર શ્રદ્ધાન શી રીતે થાય? જે વસ્તુ જ ખ્યાલમાં આવી નથી એને (આ આત્મા એમ) માનવામાં શી રીતે આવે? ભાઈ! આ
PDF/HTML Page 318 of 4199
single page version
તો સંસારનો છેદ કેમ થાય એની વાત છે. અહો! આ સમયસાર અદ્વિતીય ચક્ષુ છે, અજોડ આંખ છે. ભરતક્ષેત્રની કેવળજ્ઞાનની આંખ છે. ભાગ્ય જગતનું કે આ સમયસાર રહી ગયું.
આ જાણનારો જણાય છે એવા આત્મજ્ઞાનના અભાવને લીધે આ જાણનારો જ્ઞાયક તે જ હું છું એવું શ્રદ્ધાન પણ ઉદ્રય થતું નથી. એને સમક્તિ થતું નથી. રાગમાં એકત્વબુદ્ધિને લીધે નહિ જાણેલા ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્માનું એને શ્રદ્ધાન-સમક્તિ થતું નથી. ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવામાં એને અસમર્થપણું છે. રાગથી ભિન્ન એવું આત્મજ્ઞાન અને શ્રદ્ધાન ન થયું તેથી જેમાં ઠરવું છે એ જણાયો નહિ. તેથી રાગથી ભિન્ન પડી ને આત્મામાં ઠરવાનું અસમર્થપણું હોવાથી એ રાગમાં ઠરશે. મિથ્યાદ્રષ્ટિ ગમે તેટલા શુભભાવરૂપ ક્રિયાકાંડ કરે, મુનિપણું ધારે અને વ્રત-નિયમ પાળે તોપણ એ રાગમાં ઠરશે. આત્મજ્ઞાન-શ્રદ્ધાન વિના એ બધી રાગની રમતોમાં રમે છે.
જુઓ, ત્રણેમાં (જ્ઞાન-શ્રદ્ધાન અને આચરણ) ઉદ્રય, ઉદ્રય, ઉદ્રય એમ કહ્યું છે. આત્મજ્ઞાન ઉદ્રય થતું નથી તેથી તેનું શ્રદ્ધાન પણ ઉદ્રય થતું નથી. એટલે આત્માનું આચરણ ઉદ્રય નહિ થવાથી આત્માને સાધતું નથી. શ્રીમદ્માં (આત્મસિદ્ધિમાં) “ઉદ્રય થાય ચારિત્રનો” એ શબ્દો આવે છે. જેમકેઃ-
એ આ (આત્માના આચરણનો) ઉદ્રય. આ તો વ્રત કરો, સંયમ પાળો, ચારિત્ર પાળો તો તમને નિશ્ચય સમક્તિ થશે એવું કહેવાય છે. પણ અરેરે! રાગની એક્તામાં પડયો હોય તેથી પરિભ્રમણના ભાવ સેવે અને એનાથી અપરિભ્રમણની સમક્તિ દશા પ્રગટ થાય એમ શી રીતે બને? ન જ બને. ભાઈ આ તો મૂળમાં જ વાંધા છે. એનું સમાધાન થઈ શકે નહીં. એ લોકો એમ કહે છે થોડી છૂટ અમે મૂકીએ અને થોડી છૂટ તમે મૂકો. એમ કે થોડું નિમિત્તથી થાય, વ્યવહારથી થાય અને થોડું ઉપાદાનથી થાય એમ સમાધાન કરીએ. પણ ભાઈ! વીતરાગના માર્ગમાં એમ ન ચાલે. “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.” એમાં છૂટ મૂકવાનો કયાં અવકાશ છે? ભાઈ! સંતો શું કહે છે એની તને ખબર નથી. દયા, દાન આદિ રાગનો એક કણિયો પણ આત્માને લાભ કરે એમ ત્રણકાળમાં બને નહીં. તથા નિમિત્ત ઉપાદાનના કાર્યકાળે હાજર હોય પણ નિમિત્ત (ઉપાદાનનું) કાર્ય કરે છે એમ ત્રણકાળમાં નથી. તો કહે છે-બે કારણ આવે છે ને? ભાઈ! બે કારણમાં એક (નિમિત્ત) તો ઔપચારિક-આરોપિત કારણ કહ્યું છે. (તે અનેક પ્રકારે હોય છે) અને યથાર્થ કારણ એક (ઉપાદાન) જ છે.
PDF/HTML Page 319 of 4199
single page version
આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન છે એનું જેને જ્ઞાન જ થતું નથી તેને શ્રદ્ધા પણ થતી નથી અને શ્રદ્ધા વિના ભિન્ન પડીને નિઃશંકપણે સ્વરૂપમાં ઠરવારૂપ આત્માનું આચરણ થતું નથી. અરેરે! આવું મનુષ્યપણું મળ્યું એમાં સત્યને સાંભળ્યું નહિ, સત્યની ઓળખાણ કરી નહિ તો એ સત્યમાં ઠરશે કે દિ? એ તો રાગમાં રહેશે. આમ આત્માનું આચરણ ઉદ્રય નહિ પામવાથી તે આત્માને સાધતો નથી. રાગનું આચરણ કરે એટલે શુકલ લેશ્યાના પરિણામ વડે નવમી ગ્રૈવેયક જાય પણ આત્માને સાધે નહીં. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે. સાધ્ય જે ધ્યેય સિદ્ધપદ અર્થાત્ પૂર્ણ પવિત્ર મોક્ષદશા એની અન્યથા એટલે આ સિવાય (આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ સિવાય) બીજી રીતે ઉપપત્તિ-પ્રાપ્તિ નથી. અહીં સાધ્ય મોક્ષની પર્યાયને ધ્યેય કહ્યું એ તો ભવિષ્યમાં પ્રગટ કરવાની અપેક્ષાએ છે. વર્તમાન સાધનરૂપ પર્યાયનું આશ્રયરૂપ ધ્યેય તો ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવ જ છે. બીજાનું (અન્ય દ્રવ્યનું) કરવું, ન કરવું એ આત્માના અધિકારની વાત નથી. આ તો પોતે કાં તો ઉંધાઈ કરે વા સવળાઈ કરે એટલી વાત છે.
‘સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે, બીજી રીતે નથી.’ જુઓ, સાધ્ય એવી મોક્ષદશાની પ્રાપ્તિ નિશ્ચયરત્નત્રયથી છે, વ્યવહારરત્નત્રયથી નહીં. વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ તો વિકલ્પ (રાગ) છે. શાસ્ત્રનું વ્યવહાર જ્ઞાન અને વ્યવહારચારિત્ર એ વિકલ્પ છે. એનાથી સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેટલાક કહે છે કે અનેકાન્ત કરોઃ એટલે કે મોક્ષની પ્રાપ્તિ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી થાય અને વ્યવહારથી પણ થાય. પરંતુ ભાઈ! એ અનેકાન્ત નથી, એ તો ફૂદડીવાદ છે. નિશ્ચયથી છે અને વ્યવહારથી નથી એ અનેકાન્ત છે.
આમ સાધ્ય આત્માની સિદ્ધિ છે, બીજી રીતે નથી કારણ કે ‘પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું.’ આ જાણનારો જે પર્યાયમાં જણાય છે તે હું છું એમ બરાબર જાણે ત્યારપછી તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય. વિના જાણ્યે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્યભાવોથી-વિકલ્પમાત્રથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય; એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહિ અર્થાત્ આત્માનું જ્ઞાન કરે જ નહિ તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એમ નિશ્ચય છે.
જેમ મંદિર કરીને ઉપર કળશ ચઢાવે તેમ શ્રી અમૃતચંદ્રાચાર્યે ટીકા ઉપર પાછો કળશ ચઢાવ્યો છેઃ
PDF/HTML Page 320 of 4199
single page version
આચાર્ય કહે છે કે- ‘अनंत चैतन्यचिह्नं’ અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું ચિહ્ન છે અર્થાત્ જાણવું, જાણવું, જાણવું એ જેનું લક્ષણ-એંધાણ છે એવી ‘इदम् आत्मज्योतिः’ આ આત્મજ્યોતિને ‘सततम् अनुभवामः’ અમે સતત-નિરંતર અનુભવીએ છીએ. અહાહા! સમયનો આંતરો પડયા વિના નિરંતર અમે આનંદનો નાથ જે ભગવાન જ્ઞાયક આત્મા તેને અનુભવીએ છીએ. અંદર જે સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદના સ્વભાવે શક્તિપણે પડયો છે તે અતીન્દ્રિય આનંદસ્વરૂપને અમે સતત અનુભવીએ છીએ. જુઓ આ આત્માનું ચારિત્ર. ચૈતન્યસત્તાથી ભરેલો જે જ્ઞાયકભાવ આનંદથી ભરેલો ભગવાન આત્મા એનું જ્ઞાન અને શ્રદ્ધાન છે, ઉપરાંત આચરણમાં અંદર સ્થિરતા કરી એને અનુભવીએ છીએ. ‘यस्मात्’ કારણ કે ‘न खलु न खलु अन्यथा साध्यसिद्धिः’ તેના અનુભવ વિના સાધ્ય આત્માની સિદ્ધિ નથી. ભગવાન આત્માનું જ્ઞાન, એની સમ્યક્ શ્રદ્ધા અને એમાં ઠરવારૂપ ચારિત્ર એ વિના આત્માની સિદ્ધિ એટલે મુક્તિ નથી. વ્યવહારથી થાય અને નિમિત્તથી થાય એમ નથી.
કેવી છે આત્મજ્યોતિ? ‘कथम् अपि समुपात्तत्रित्वम् अपि एकतायाः’ જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ જે એકપણાથી ચ્યુત થઈ નથી. પરિણમનની અપેક્ષાએ પર્યાયમાં ત્રણ પણું છે તોપણ એ ચૈતન્યજ્યોતિ સદા એક જ્ઞાયકપણે જ રહી છે. વળી તે ચૈતન્યજ્યોતિ ‘अच्छम् उद्गच्छत्’ નિર્મળપણે ઉદ્રય પામી રહી છે, ચૈતન્યના પ્રકાશથી પર્યાયમાં નિર્મળપણે પ્રકાશ પ્રસરી રહ્યો છે.
‘આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે’ઃ-શું કહે છે? કે આ આત્મા શુદ્ધ ચૈતન્યઘન ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે એ તો સ્વભાવની વાત છે, પણ એને એ શુદ્ધ એકરૂપ ચૈતન્ય આનંદસ્વરૂપનાં પ્રતીતિ-શ્રદ્ધા, જ્ઞાન અને એમાં રમણતા એમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે પરિણતિ થાય તે પર્યાય અપેક્ષાએ ત્રણપણે પરિણમન છે. અહીં પર્યાયનું ત્રણપણે પરિણમન લીધું તે સમ્યગ્દર્શનાદિનું લીધું, વચ્ચે જે રાગ (મહાવ્રતાદિનો) આવે તે લીધું નહિ; કેમ કે દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, તપ વગેરેનો ભાવ આવે તે રાગ છે, ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી.
પ્રશ્નઃ–એને વ્યવહારે ધર્મ કહ્યો છે ને?
ઉત્તરઃ–વ્યવહારે ધર્મ કહ્યો છે, પણ કોને? સમ્યગ્દ્રષ્ટિને. જેને (દ્રષ્ટિમાં) રાગનો અભાવ છે, શુદ્ધ ચૈતન્યના આનંદના અમૃતનો સ્વાદ આવ્યો છે અને શાંતિ થોડી અંદર વધી છે એવા સમક્તિીને જે વ્રતાદિના વિકલ્પ હોય તેને વ્યવહારધર્મ, પુણ્યધર્મ કહ્યો છે. ભાઈ! આ તો જન્મ-મરણરહિત થવું હોય એની વાત છે. જેને હજુ સ્વર્ગના અને શેઠાઈના અને રાજા વગેરેના ભવ કરવાની હોંશ હોય એને માટે આ વાત નથી. એ ભવ સારા નથી પણ દુઃખમય છે.