PDF/HTML Page 3121 of 4199
single page version
બોલાતી અટકે એ પણ જડની જ ક્રિયા છે. જ્ઞાની તો બેમાંથી એકેયનો કર્તા નથી. સમજાણું કાંઈ..?
અહાહા....! જ્ઞાની કહે છે કે-અમે વાણીમાં કે વિકલ્પમાં ઊભા નથી, અમે તો અમારા જ્ઞાનમાત્ર ભાવમાં જ છીએ. વાણીના કે વિકલ્પના કર્તાપણે અમને જોશો મા, - જોશો તો તમારું જ્ઞાન મિથ્યા થશે. અહો! ભગવાન કેવળીની જેમ શુદ્ધજ્ઞાનપરિણત ધર્મી પુરુષ શરીરને-મનને-વાણીને, કર્મના બંધ-મોક્ષને કર્મોદયને અને નિર્જરાને કરતો નથી;-તો શું કરે છે? માત્ર જાણે જ છે અર્થાત્ શુદ્ધજ્ઞાનપણે જ રહે છે. આ ‘જાણે જ છે’ -એવો જે ભાવ છે તે મોક્ષમાર્ગ છે. અહા! વસ્તુસ્થિતિ જેમ છે તેમ જાણવાપણે રહેનારો હું તો એક જ્ઞાયકભાવમાત્ર આત્મા છું-એમ પોતાને જાણવો-અનુભવવો તે મોક્ષમાર્ગ છે. અહા! -
સમવસરણની મધ્યમાં સીમંધર ભગવાન.
જુઓ, અહીં પહેલાં પેરેગ્રાફમાં ત્રણ વાત આવીઃ ૧. શુદ્ધજ્ઞાનસ્વરૂપ જે આત્મા છે તેનું શુદ્ધ જ્ઞાન પુણ્ય-પાપ આદિ ભાવને કરતું નથી અને વેદતું નથી.
૨. આમાં શુદ્ધજ્ઞાનપરિણત જીવદ્રવ્ય લીધું છે. પરથી અને રાગથી ભિન્ન શુદ્ધજ્ઞાનઘન પ્રભુ આત્માનું જેને નિર્મળ શ્રદ્ધાન થયું છે તે શુદ્ધજ્ઞાન પરિણત જીવ છે અને તે રાગનો કર્તા કે ભોક્તા નથી. છદ્મસ્થ છે એટલે તેને રાગ આવે પણ તેનો તે અકારક અને અવેદક જ છે.
૩. ક્ષાયિકજ્ઞાન-કેવળજ્ઞાન જેમને પ્રગટ થયું છે એવા જે કેવળી પરમાત્મા છે તે રાગરહિત પૂરણ વીતરાગ છે, તેથી તેઓ પણ કર્મોના અકારક અને અવેદક છે. તેમને બહારમાં શરીરની દશા નગ્ન હોય છે અને આહાર-પાણી હોતાં નથી. અહા! આવા કેવળી ભગવાન રાગને કરતા નથી તેમ જ વેદતાય નથી.
આમ ત્રણ વાત કર્યા પછી ફરીથી સાધક જીવની વાત કરે છે. શું? કે શુદ્ધજ્ઞાનપરિણત જીવ શું કરે છે? કે જાણે છે. કોને? બંધ-મોક્ષને; માત્ર બંધ-મોક્ષને; નહિ, શુભ-અશુભ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપે ને સકામ-અકામરૂપે બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે. અહાહા...! ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવાળો જીવ છે તે રાગરૂપી ભાવબંધને જાણે અને રાગનો અભાવ થાય, મોક્ષ થાય તેને પણ જાણે છે. શુભાશુભ કર્મોદયને અને પ્રતિસમય થવાવાળી સવિપાક-અવિપાકરૂપ ને સકામ-અકામરૂપ નિર્જરાને પણ તે જાણે જ છે. તે એના કરવાપણે કે વેદવાપણે રહેતો નથી પણ માત્ર જ્ઞાતાપણે જ રહે છે. આવી બધી અલૌકિક વાતો છે.
PDF/HTML Page 3122 of 4199
single page version
જેમ આંખ પદાર્થોને માત્ર દેખે છે, તેને પોતામાં ગ્રહતી નથી તેમ આત્માની આંખ અર્થાત્ શુદ્ધજ્ઞાનપરિણતિ પણ રાગ-દ્વેષને, પુણ્ય-પાપને કરતી-ભોગવતી નથી, તેને ગ્રહતી નથી, તેનાથી જુદી જ વર્તે છે. જો અગ્નિને કરવા-ભોગવવા જાય તો આંખ અગ્નિરૂપ થઈ જાય અર્થાત્ બળી જાય; તેમ જ્ઞાનચક્ષુ જો રાગાદિને કરવા-ભોગવવા જાય તો તે રાગાદિરૂપ થઈ જાય અર્થાત્ એની શાંતિ બળી જાય. પણ નિર્મળ જ્ઞાનપરિણતિ રાગાદિ ભાવોને સ્પર્શતી જ નથી, તેને કરતી કે વેદતી જ નથી. જ્ઞાનપરિણતિનો આવો સહજ સ્વભાવ જ છે. શુદ્ધ જ્ઞાનપરિણત આત્મા શુદ્ધ ઉપાદાનપણે જ્ઞાનને કરે છે, પણ રાગાદિને કે કર્મોને કરતો નથી, ભોગવતો નથી. તેને માત્ર જાણે જ છે.
ભાઈ! કેવળીને તો રાગ થતો જ નથી એટલે તે તેને ન કરે, પણ સાધકને તો રાગ હોય છે એટલે તે તેનો કર્તા થતો હશે-એમ શંકા ન કરવી; સાધકનું જ્ઞાન - ભાવશ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાનની જેમ જ પરથી-રાગથી જુદું વર્તે છે; રાગ તેને પરજ્ઞેયપણે જ છે, જ્ઞાન તેમાં તન્મય થતું નથી. અહા! કેવળીનું જ્ઞાન (કેવળજ્ઞાન) હો કે સાધકનું જ્ઞાન (ભાવશ્રુતજ્ઞાન) હો, જ્ઞાનનો સ્વભાવ જ આવો છે કે તેમાં રાગ સમાય નહિ; એ તો રાગથી ભિન્ન સદા જ્ઞાયક જ છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?
હવે ભગવાન આત્મા કેવો છે, એનું ત્રિકાળી સ્વરૂપ કેવું છે તે બતાવે છે. અહાહા...! સમ્યગ્દર્શનનો વિષય (લક્ષ્ય), સમ્યગ્દર્શનનું ધ્યેય પરમાત્મસ્વરૂપ એવો ત્રિકાળી આત્મા કેવો છે તે હવે કહે છેઃ
‘સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધવ્યાર્થિકનયે જીવ કર્તૃત્વ-ભોકતૃત્વથી તથા બંધ-મોક્ષના કારણ ને પરિણામથી શૂન્ય છે-એમ સમુદાય- પાતનિકામાં કહેવામાં આવ્યું હતું.’
જુઓ, આ સમયસારની ગાથા ૩૨૦ ઉપર શ્રી જયસેનાચાર્યની ટીકા વંચાય છે. આચાર્ય શ્રી જયસેનસ્વામીએ ૩૦૮ થી ૩૨૦ સુધીની ગાથાઓને મોક્ષાધિકારની ચૂલિકા તરીકે વર્ણવી છે. તેની શરૂઆતના ઉપોદ્ઘાતમાં-સમુદાય-પાતનિકામાં એમ કહ્યું’ તું કે- ‘સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવ કર્તૃત્વ- ભોકતૃત્વથી તથા બંધ-મોક્ષના કારણ ને પરિણામથી શૂન્ય છે.’
શું કહ્યું આ? અહાહા...! આ આત્માના સહજ એક શુદ્ધ સ્વભાવની વાત છે. ‘સર્વવિશુદ્ધ-પારિણામિક’ -એટલે આત્માનો સહજ-અકૃત્રિમ એક શુદ્ધ સ્વભાવ જે સમ્યગ્દર્શનનો વિષય છે. ‘પરમભાવગ્રાહક’ એટલે કે જે ત્રિકાળી એક જ્ઞાયક સ્વભાવ તેને ગ્રહનાર અર્થાત્ જાણનાર જે શુદ્ધદ્રવ્યાર્થિકનય છે તે નયે, કહે છે, જીવ કર્મના કર્તૃત્વભોકતૃત્વથી ને બંધ-મોક્ષના કારણ ને પરિણામથી રહિત છે. ગજબ વાત છે ભાઈ! અંદર ભગવાન પૂરણ જ્ઞાનાનંદસ્વભાવ છે, સર્વ વિશુદ્ધ છે. અહીં
PDF/HTML Page 3123 of 4199
single page version
કહે છે-તે કર્તૃત્વ-ભોકતૃત્વથી ને બંધ-મોક્ષના કારણ ને પરિણામથી રહિત છે. પરમાત્મપ્રકાશમાં (દોહા ૧૯૧ ની ટીકામાં) પરમાનંદસ્તોત્રનો શ્લોક આવે છે ને કે-
અહાહા...! દેહમાં-શરીરમાં ભિન્નપણે વિરાજમાન બ્રહ્મ નામ પરમસ્વભાવવાન ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરૂપ છે. પરંતુ અંતર્દ્રષ્ટિ-સહિત જે ધ્યાન તે ધ્યાન વિનાના પ્રાણી આનંદકંદ પ્રભુ આત્માને જોઈ શકતા નથી, કોની જેમ? તો કહે છે-જે જન્મથી અંધ છે તે સૂર્યને જોઈ શકતો નથી તેમ. અહા! આત્મા અંદરમાં અતીન્દ્રિય આનંદરૂપ-પરમસ્વભાવભાવરૂપ છે તેને અનાદિથી મિથ્યાદ્રષ્ટિ જોઈ શકતો નથી.
અહીં પણ કહે છે-પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધ-દ્રવ્યાર્થિકનયે જીવ કર્તૃત્વ-ભોકતૃત્વથી અને બંધ-મોક્ષના કારણ ને પરિણામથી શૂન્ય છે. આ પરમસ્વભાવભાવ જે એક આનંદરૂપ, જ્ઞાયકરૂપ, ધ્રુવ સ્વભાવભાવરૂપ શુદ્ધ-ઉપાદાનભૂત છે તે ત્રિકાળીની અહીં વાત છે. પર્યાયમાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી દશા પ્રગટે છે તેને પણ (ક્ષણિક) શુદ્ધ-ઉપાદાન કહેવાય છે. અહીં ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ-ઉપાદાન તરીકે લેવું છે.
અહાહા...! જયસેનાચાર્ય મહા મુનિવર દિગંબર સંતની આ ટીકા છે. તેઓ વનવાસી મુનિ હતા. મુખ્યપણે નિજાનંદરસમાં લીન રહેતો હતા. તેમની આ ટીકા છે. તેમાં શું કહે છે? કે પરમપારિણામિક પરમભાવરૂપ એવો જે શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે તેને ગ્રહણ કરનાર અર્થાત્ જાણનાર શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવ કર્તૃત્વ-ભોકતૃત્વથી શૂન્ય છે. અહીં શુદ્ધદ્રવ્યાર્થિકનયે કહ્યું ને? મતલબ કે શુદ્ધ ઉપાદાન તો ત્રિકાળ છે પણ તેના લક્ષે જે વર્તમાનદશા પ્રગટે છે તે પણ કર્તા-ભોક્તાપણાથી શૂન્ય છે. અહાહા...! જે ત્રિકાળને પકડે એવી જે આનંદની દશા તે-રૂપે જે પરિણત છે તે જીવ પણ શુભાશુભ રાગના અને પરપદાર્થના કર્તા-ભોક્તાપણાથી શૂન્ય છે. હવે લોકોને બિચારાઓને આ સાંભળવા મળે નહિ એટલે કઠણ પડે; પણ ભાઈ! આ પરમ સત્ય વાત છે.
દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ કરતાં કરતાં નિશ્ચય સમકિત અને નિશ્ચય ચારિત્ર પ્રગટશે એમ જેઓ માને છે તેમને શુદ્ધ અંતઃતત્ત્વની ખબર નથી. કેટલાક તો આ શુદ્ધ અંતઃતત્ત્વની વાત એકાંત છે એમ માની ઉડાવી દે છે. પણ અરે પ્રભુ! આવા ભાવથી તને સંસારનું પરિભ્રમણ થશે. ભાઈ! આ તો તારા હિતની વાત છે. એની ઉપેક્ષા કરવાથી તને ભારે નુકશાન છે. અરેરે! સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન કેવળી
PDF/HTML Page 3124 of 4199
single page version
અહીં રહ્યા નહિ, ત્રણ જ્ઞાન અને ચાર જ્ઞાનની દશાવાળા પણ રહ્યા નહિ! અહા! આ સત્યનો હકાર કોની પાસે કરાવવો? તું માને, ન માને; પણ માર્ગ તો આ જ છે ભાઈ!
અહાહા..! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ પરમભાવસ્વરૂપ છે. તે વર્તમાન નિર્મળ નિર્વિકાર વીતરાગી જ્ઞાનપર્યાયથી જણાવા યોગ્ય છે. અહાહા...! આવો આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યો, અનુભવમાં આવ્યો તે, કહે છે, વ્યવહારના રાગનો કર્તા નથી, ભોક્તાય નથી, આવું વસ્તુનું સ્વરૂપ છે. રાગની વૃત્તિ ઊઠે તેનો કર્તા-ભોક્તા તો નથી પણ બંધ-મોક્ષનાં કારણ અને પરિણામથીય આત્મા શૂન્ય છે.
અહાહા...! ભગવાન! તું કોણ છો? કે પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પરમભાવસ્વરૂપ પરમાત્મા છો. અહાહા...! ત્રિકાળી ચૈતન્યનું બિંબ એકલું ચૈતન્યનું દળ છો ને પ્રભુ! તું! અહાહા...! તેને જાણનાર શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનય વડે જોતાં કહે છે, તે બંધ અને બંધના કારણથી તથા મોક્ષ અને મોક્ષના કારણથી રહિત છે. અહાહા...! સમ્યગ્દર્શનનું ધ્યેય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તે સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રના પરિણામથી રહિત છે, ઝીણી વાત છે પ્રભુ! બંધના કારણથી તો રહિત પણ મોક્ષના કારણથીય ભગવાન આત્મા રહિત છે. આવી વાત!
ભાઈ! આ તો મૂળ મુદની રકમની વાત છે. ત્રિકાળી ધ્યેયસ્વરૂપ પૂરણ શુદ્ધ ચિન્માત્ર વસ્તુ ભગવાન આત્મા બંધ-પરિણામ અને બંધનાં કારણ જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તેને કરતો નથી. વળી તે મોક્ષના પરિણામ જે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય આદિ-તેને કરતો નથી તથા મોક્ષનું કારણ જે નિર્મળ રત્નત્રય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તેને કરતો નથી. કેમ? કેમકે ભગવાન આત્મા ત્રિકાળી એકરૂપ ધ્રુવ વસ્તુ છે અને બંધ-મોક્ષ આદિ એક સમયની પર્યાય-અવસ્થા છે, ભાઈ! આવો માર્ગ છે; સર્વજ્ઞથી સિદ્ધ થયેલો હોં. આ કહ્યું ને કે- શુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્મા બંધ-મોક્ષનાં કારણ અને બંધ-મોક્ષના પરિણામથી શૂન્ય છે. ભાઈ! મોક્ષ છે તે પરિણામ છે, પર્યાય છે; તેને એકરૂપ ધ્રુવદ્રવ્ય કાંઈ કરે નહિ. સમજાણું કાંઈ...?
ભાઈ! જિનેશ્વરદેવ ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્માને સર્વજ્ઞદશા પ્રગટી હોય છે, તેમાં ભગવાનને ત્રણકાળ-ત્રણલોક જણાય છે. ભગવાનને તેની ઇચ્છા ન હોય હોં. તેમને બારમે ગુણસ્થાને પૂર્ણ વીતરાગતા પ્રગટ થાય છે અને ત્યાર પછી તેરમે ગુણસ્થાને કેવળજ્ઞાન પ્રગટે છે. અહા! આવી જે કેવળજ્ઞાનની પર્યાય પ્રગટી તેને, અહીં કહે છે, ધ્રુવદ્રવ્ય જે છે તે કરતું નથી. સમ્યગ્દર્શનનો વિષય જે ધ્રુવ ત્રિકાળી ચૈતન્યદ્રવ્ય છે, તે બંધ-મોક્ષના પરિણામ અને બંધ-મોક્ષના કારણોને કરતું નથી.
PDF/HTML Page 3125 of 4199
single page version
હવે આવી વાત બીજે ક્યાં છે? એક દિગંબરમાં છે. પણ તેમાંય (દિગંબર સંપ્રદાયમાંય) અત્યારે આ વાત આ રીતે ચાલતી નથી; ઘણો ફેરફાર છે. અહા! સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્દર્શનની જે દશા થઈ તેનો વિષય જે ધ્રુવ દશાવાન તેમાં, કહે છે, પલટતી બંધ-મોક્ષની દશાઓનો અભાવ છે. બંધ-મોક્ષના પરિણામ તો ઉત્પાદ-વ્યયરૂપ પલટતા પરિણામ છે તેનો ધ્રુવમાં અભાવ છે. ‘उत्पादव्ययध्रौव्ययुक्तं सत्’ - એમ આવે છે ને? તેમાં ધ્રુવ જે ત્રિકાળી સત્ છે તેમાં ઉત્પાદ-વ્યયનો અભાવ છે અર્થાત્ ધ્રુવ ઉત્પાદ-વ્યયને (પલટતી પર્યાયને) કરતું નથી એમ કહે છે. બાપુ! ભગવાનના મારગડા જુદા છે ભાઈ!
મોક્ષમહલકી પરથમ સીઢી.... અહાહા...! આવું સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે; અને મુનિપણાની તો શી વાત! ત્રણ કષાયના અભાવ સહિત જેને અંતરમાં પ્રચુર આનંદનો સ્વાદ અનુભવ છે અને બહારમાં જેને વસ્ત્રનો એક ધાગોય નથી, જંગલમાં જેનો વાસ હોય છે. અહા! એ દિગંબર સંતોની શી વાત કરવી? છઠ્ઠે-સાતમે ગુણસ્થાને ઝૂલતા એ મોક્ષમાર્ગી મુનિવરોની દશા મહા અલૌકિક હોય છે. બાપુ! મુનિ એ તો સાક્ષાત્ ધર્મ-મોક્ષમાર્ગનું સ્વરૂપ છે. અહીં કહે છે-એ મોક્ષમાર્ગની દશાને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કરતું નથી. લ્યો, આવી કોઈ ભાગ્યશાળી હોય એને રુચે એવી વાત છે. (ભગવાન! તું રુચિ તો કર એમ કહેવું છે.)
આત્મા એક જ્ઞાયકભાવરૂપ શુદ્ધ દ્રવ્યાર્થિકનયે શુદ્ધ પારિણામિક પરમસ્વભાવભાવરૂપ છે. આવા પરમસ્વભાવભાવની ભાવનાથી મોક્ષમાર્ગ પ્રગટે છે. આ ભાવનારૂપ મોક્ષમાર્ગ તે પર્યાય છે. બંધ-મોક્ષની પલટના તે પર્યાયમાં થાય છે, દ્રવ્યમાં નહિ. ધ્રુવ દ્રવ્ય છે તે બંધ-મોક્ષની પર્યાયરૂપ થતું નથી. પર્યાયનો કર્તા પર્યાયધર્મ છે. પર્યાય છે ખરી, પણ તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપ નથી. દ્રવ્યદ્રષ્ટિનો તે વિષય નથી. અર્થાત્, દ્રવ્યને દેખનારી દ્રષ્ટિમાં પર્યાય ગૌણ છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયે જીવદ્રવ્ય બંધ-મોક્ષના કારણ ને પરિણામથી રહિત છે.
બંધ ને મોક્ષનાં કારણ તે બન્ને પર્યાયરૂપ છે. જીવના અશુદ્ધ પરિણામ તે બંધનું કારણ છે અને શુદ્ધ પરિણામ તે મોક્ષનું કારણ છે. આ પરિણામ તે પર્યાયરૂપ છે. ત્યાં પરદ્રવ્ય તો બંધ-મોક્ષનું કારણ નથી, શુદ્ધ દ્રવ્યરૂપ પારિણામિક પરમભાવ પણ બંધ- મોક્ષનું કારણ નથી, જો તે પોતે (ધ્રુવ દ્રવ્યભાવ) બંધનું કારણ હોય તો ત્રિકાળ બંધ જ થયા કરે; જો તે મોક્ષનું કારણ હોય તો ત્રિકાળ મોક્ષ હોય. અથવા પારિણામિક ભાવ પોતે સર્વથા પર્યાયરૂપ થઈ જાય તો પર્યાયની સાથે તે પણ નાશ પામી જાય. આમ આ ન્યાયથી સિદ્ધ થયું કે બંધ-મોક્ષના પરિણામ અને તેનાં કારણ પર્યાયમાં છે પણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય શુદ્ધ એક પરમભાવસ્વરૂપ વસ્તુ
PDF/HTML Page 3126 of 4199
single page version
એનાથી શૂન્ય છે. ત્રિકાળીમાં-ધ્રુવમાં બંધ-મોક્ષ નથી. આવી વાત! અહો! આ તો ચમત્કારી ગાથા અને ચમત્કારી ટીકા છે.
એક વાર એક ભાઈ એમ કહેતા હતા કે-તમે જે અરિહંતનું અને સિદ્ધનું ધ્યાન ધરો છો તે જૂઠું છે કેમકે અરિહંત અને સિદ્ધ અહીં છે નહિ.
અરે ભાઈ! તું સાંભળ તો ખરો પ્રભુ! જે અર્હંતદશા અને સિદ્ધદશા પ્રગટ થવાની છે તે અંદરમાં શક્તિપણે પડી છે. તેનું જે ધ્યાન કરે છે તે અર્હંતનું અને સિદ્ધનું ધ્યાન કરે છે. શું કીધું? કેવળીને જે કેવળજ્ઞાન આદિ અનંતચતુષ્ટય પ્રગટ થયાં તે અંદર શક્તિમાં છે. તેથી તો કહ્યું કે ‘સિદ્ધ સમાન સદા પદ મેરો.’ બાપુ! ભગવાન આત્મા, જેને પૂરણ નિર્મળ વીતરાગી દશા પ્રગટ થાય એવો અંદર વીતરાગી અનંત શક્તિનો- સ્વભાવનો પિંડ છે. ભાઈ! આ પરમ સત્યની પ્રસિદ્ધિ છે. અહા! ત્રિકાળી શુદ્ધ દ્રવ્યસ્વભાવના આશ્રયે નિર્મળ વીતરાગી પરિણતિ પ્રગટ થાય છે તે અપેક્ષાએ (આશ્રય અપેક્ષાએ) તેને મોક્ષ અને મોક્ષમાર્ગનું કારણ ભલે કહો, પણ શુદ્ધ દ્રવ્યાર્થિકનયે તેમાં બંધ-મોક્ષ નથી અર્થાત્ શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય બંધ-મોક્ષનું કર્તા નથી, ઝીણી વાત ભાઈ!
ત્યારે કોઈ પંડિત વળી એમ કહે છે કે-પરિણામ અશુદ્ધ હોય ત્યાં દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું.
અરે પ્રભુ! તું શું કહે છે આ? આ કાળના સાધારણ બુદ્ધિવાળા જીવોને કાંઈ ખબર ન પડે એટલે ‘હા જી હા’ ભણે, પણ બાપુ! આત્માની એક સમયની પર્યાયમાં બંધના અશુદ્ધભાવ છે માટે દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું એમ છે નહિ. પર્યાયની અશુદ્ધતાના કાળમાં પણ અંદર ત્રિકાળી દ્રવ્ય તો એવું ને એવું શુદ્ધ ચૈતન્યનું દળ છે. તેમાં અશુદ્ધતા નામ બંધની પર્યાયનું પ્રવેશવું તો નથી, તેમાં શુદ્ધતારૂપ મોક્ષની પર્યાયનો પણ પ્રવેશ નથી. અહાહા...! ત્રિકાળી શુદ્ધ ચૈતન્યદ્રવ્ય તો બંધ-મોક્ષના કારણ અને પરિણામથી રહિત છે. હવે આવી વાત કોઈને એકાંત લાગે પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે. આ તો મહામુનિવર દિગંબર સંત શ્રી જયસેનાચાર્યદેવનું કથન છે. અહાહા..! અંતરમાં જેમને રાગરહિત વીતરાગ દશા હતી અને બહારમાં જેમને વસ્ત્રરહિત નગ્ન દશા હતી ને જેમને અતીન્દ્રિય આનંદનું પ્રચુર સંવેદન હતું તે મુનિરાજ આ કહે છે કે-અમારી આ જે મુનિપણાની-મોક્ષમાર્ગની દશા છે તેને ધ્રુવ કરતું નથી, તે ધ્રુવમાં નથી.
અહા! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ પૂર્ણ એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. અહાહા..! તે અનંત શક્તિઓનો એક પિંડ છે. તેની એક એક શક્તિ પૂરણ શુદ્ધ છે. જે શક્તિ શુદ્ધ છે તે અશુદ્ધતાને કેમ કરે? ન કરે; અશુદ્ધતાને તો ન કરે,
PDF/HTML Page 3127 of 4199
single page version
શુદ્ધતાના ઉત્પાદનેય એ ન કરે એમ કહે છે; કેમકે ઉત્પાદરૂપ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું સુદ્ધાં નથી.
જુઓ, સમયસારની ૪૯મી ગાથાની ટીકામાં અવ્યક્તના છ બોલ છે, તેના પાંચમા બોલમાં આવે છે કે-“વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.” વ્યક્ત જે પર્યાય તે અવ્યક્ત દ્રવ્યને સ્પર્શતી નથી અને અવ્યક્ત દ્રવ્ય છે તે વ્યક્ત પર્યાયને સ્પર્શતું નથી. શું કીધું? વ્યક્ત એટલે પ્રગટ પર્યાય અને અવ્યક્ત એટલે ધ્રુવ દ્રવ્ય બન્નેને એક સાથે જાણવા છતાં તે વ્યક્તને સ્પર્શતું નથી. દ્રવ્ય ધ્રુવ છે તે મોક્ષ માર્ગની પર્યાયને અડતું નથી. લ્યો, આવી વાત!
પ્રવચનસારની ગાથી ૧૭૨ માં અલિંગગ્રહણના વીસ બોલ છે, તેમાં છેલ્લા બોલમાં કહ્યું છે કે-“લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય તે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” અહાહા...! આત્મા શુદ્ધ પર્યાય છે તે ધ્રુવને સ્પર્શતી નથી. પર્યાય અને દ્રવ્ય બે ચીજ છે તે બન્ને અસ્તિરૂપ છે. વાચકના વાચ્ય બે છે તે બેપણે રહેવાં જોઈએ, ત્યાં એ (ધ્રુવ) આને (પર્યાયને) કેમ કરે? અને આ (પર્યાય) એને (ધ્રુવને) કેમ કરે? બન્ને પોતપોતામાં સત્ છે ને પ્રભુ! ભાઈ! આ સમજીને અંદરમાં (શુદ્ધ અંતઃતત્ત્વમાં) રુચિ કરવા જેવું છે. બાકી અંતરની રુચિ-સમ્યગ્દર્શન વિના વ્રત, તપ આદિ બહારનાં આચરણ કરે પણ એ તો બધાં એકડા વિનાનાં મીંડાં છે. સમજાણું કાંઈ...?
અહા! જે ધ્રુવ છે એ તો સદા એકરૂપ સદ્રશ છે અને ઉત્પાદ-વ્યય વિસદ્રશ છે. શું કીધું? ધ્રુવ એક પરમભાવ-જ્ઞાયકભાવ ત્રિકાળી એકરૂપ સદ્રશ ચીજ છે ને ઉત્પાદ- વ્યય તો ભાવ-અભાવરૂપ વિસદ્રશ છે. હવે જે સદ્રશ છે તે વિસદ્રશને કેમ કરે? જે સ્પર્શતો નથી તે સદ્રશ ત્રિકાળી ધ્રુવ વિસદ્રશ પર્યાયને કેવી રીતે કરે? “પરિણામ પરિણામમાં રહી ગયા, હું તો ભિન્ન વસ્તુ છું” એમ સોગાનીજીએ દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં કહ્યું છે ને? લ્યો, એ આ વાત છે. મારગડા તારા જુદા છે પ્રભુ! તારે ધર્મ કરવો છે ને? તો કહે છે-ધર્મની પર્યાયને પર તો ના કરે, પણ તારું ધ્રુવેય ના કરે. અહાહા...! રાગ તો ધર્મ પર્યાયને ના કરે, શુભરાગ કર્તા ને ધર્મની-મોક્ષમાર્ગની પર્યાય તેનું કાર્ય એમ તો છે નહિ, પણ ધ્રુવ દ્રવ્ય કર્તા અને પર્યાય એનું કાર્ય એમેય નથી. અહો! પર્યાય-પર્યાય સ્વતંત્ર સત્ છે. આમાં તો ગજબની વાત છે ભાઈ!
આ બધા પૈસાવાળા ધૂળમાં (-પૈસામાં) ગુંચવાઈ ગયા છે તેમને હવે આ
PDF/HTML Page 3128 of 4199
single page version
કે દિ’ સાંભળવા મળે? બિચારાને નવરાશ મળે ત્યારે ને? અહીં કહે છે-સાંભળને પ્રભુ! આ તારું ચૈતન્યદળ છે એમાં સંખ્યાએ અનંતી શક્તિઓ છે. એવી અનંત શક્તિનું એકરૂપ તે દ્રવ્ય છે. તેને જાણનારો શુદ્ધ દ્રવ્યાર્થિકનય છે. તો શુદ્ધદ્રવ્યાર્થિકનયે, કહે છે, ધ્રુવ દ્રવ્ય છે તે મોક્ષમાર્ગ ને મોક્ષની પર્યાયને કરતું નથી. ગજબની વાત કરી છે, સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારની સમુદાયપાતનિકામાં આ વાત પહેલાં કહેવાઈ ગઈ છે.
હવે કહે છે- ‘પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા “શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાત્મ્ય છે” એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું.’
ભગવાન આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે, તેને રાગનો બંધ થાય તે અજ્ઞાનનું માહાત્મ્ય છે. શું કીધું? પોતાના સ્વરૂપનું ભાન નથી એવું જે અજ્ઞાન તે બંધનું કારણ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ સદા અબંધસ્વરૂપ છે, તે રાગને સ્પર્શતો નથી. તથાપિ પ્રકૃતિ સાથે તેને જે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાત્મ્ય છે.
ભાઈ! તારી પર્યાયમાં તારી ભૂલથી તને બંધન છે. ભૂલ શું? કે પોતે પોતાને જાણ્યો નહિ, પોતાના સ્વસ્વરૂપને જાણ્યું નહિ તે ભૂલ છે અને તેથી બંધન છે. બંધન છે ત્યારે તો એનાથી છૂટવારૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ આપીએ છીએ. જો બંધન હોય જ નહિ તો ‘મોક્ષ કાજે શુદ્ધાત્માને ધ્યાઓ’ એમ ઉપદેશ કેમ દઈએ? પર્યાયમાં બંધન છે, અને એનાથી છૂટવાનો ઉપાય પણ છે. -પણ તેટલો જ આખો આત્મા નથી. તે પર્યાયો વખતે જ આખો પરમભાવસ્વરૂપ પરમ પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા અનંતશક્તિઓથી પરિપૂર્ણ અંદર વિરાજી રહ્યો છે, -જેનું લક્ષ કરતાં બંધન ટળે છે ને મોક્ષ પ્રગટે છે. અહા! આવો પવિત્રસ્વરૂપ પ્રભુ આત્મા છે, એનું જ્ઞાન નથી એવા અજ્ઞાનનો એ મહિમા છે કે એને પર્યાયમાં બંધ છે.
અરે! લોકો તો બાહ્ય ક્રિયામાં ધર્મ માને છે. દયા પાળવી, સામાયિક કરવી, પોસા કરવા, ચોવિહાર કરવા, કંદમૂળ ન ખાવાં ઇત્યાદિ મંદરાગની ક્રિયામાં ધર્મ માને છે. પણ ભાઈ! એમાં ધૂળેય ધર્મ નથી. ક્રિયાનો રાગ છે એ તો કલેશ છે, દુઃખ છે અને તેને ધર્મ જાણવો એ સ્વરૂપનું અજ્ઞાન છે. અહા! શુદ્ધને જડકર્મની પ્રકૃતિ સાથે જે બંધ છે તે આ અજ્ઞાનનું માહાત્મ્ય છે. અહા! મારગ તો એક વીતરાગભાવસ્વરૂપ છે ને દુનિયા ક્યાંય (-રાગમાં) માની બેઠી છે એ અજ્ઞાનનું માહાત્મ્ય છે. એમ (ચાર ગાથાઓમાં) અજ્ઞાનનું સામાર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું.
PDF/HTML Page 3129 of 4199
single page version
હવે કહે છે- ‘ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોકતૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું.’
પહેલાં અકર્તૃત્વ કહેવામાં આવેલ, પછી અભોકતૃત્વગુણની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું.
‘ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી જેના દ્વારા, પૂર્વે બાર ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તૃત્વ-ભોકતૃત્વના અભાવરૂપ તથા બંધ-મોક્ષનાં કારણ ને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો.
આ રીતે સમયસારની શુદ્ધાત્માનુભૂતિલક્ષણ “તાત્પર્યવૃતિ” નામની ટીકામાં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ. અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં, અહીં મોક્ષાધિકાર સમાપ્ત થયો.’
જુઓ, આ ટીકાનું નામ શુદ્ધાત્માનુભૂતિલક્ષણ તાત્પર્યવૃતિ છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવની ટીકાનું નામ આત્મખ્યાતિ છે. શ્રી જયસેનાચાર્યદેવની અપેક્ષાએ મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ, અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં, મોક્ષાધિકાર અહીં સમાપ્ત થયો. હવે-
વળી વિશેષ કહેવામાં આવે છેઃ ‘ઔપશમિકાદિ પાંચ ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. ત્યાં ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર પર્યાયરૂપ છે અને શુદ્ધ પારિણામિક (ભાવ) દ્રવ્યરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્યપર્યાયદ્વય (દ્રવ્ય અને પર્યાયનું જોડકું) તે આત્મા-પદાર્થ છે.’
જુઓ, પાંચ ભાવમાં ઉપશમાદિ ચાર ભાવો પર્યાયરૂપ છે. તેમાં (પ્રથમના) ત્રણ નિર્મળ પર્યાયરૂપ છે, ઔદયિક મલિન વિકારરૂપ છે; અને પારિણામિક ધ્રુવ દ્રવ્યસ્વરૂપ છે. તે આત્માનો અહેતુક અકૃત્રિમ સહજ સ્વભાવ છે.
ઔપશમિક ભાવઃ– પાંચ ભાવોમાં એક ઔપશમિક ભાવ છે. તે નિર્મળ છે. જેમ પાણીમાં મેલ હોય તે મેલ નીચે ઠરી જાય અને ઉપર પાણી નિર્મળ થઈ જાય તેમ કર્મનો ઉદય ઠરે અને અંદર પર્યાયમાં નિર્મળ ભાવ પ્રગટ થાય તેને ઔપશમિક ભાવ કહે છે. અનાદિ અજ્ઞાની જીવને સૌ પ્રથમ જ્યારે પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન કરે ત્યારે, ચોથે ગુણસ્થાને ઔપશમિક સમ્યગ્દર્શન થાય છે. આ ઔપશમિક ભાવથી ધર્મની શરૂઆત થાય છે, પછી ચારિત્રમાં ઉપશમભાવ ઉપશમશ્રેણી વખતે મુનિને હોય છે. આ ઉપશમભાવ એ નિર્મળ ભાવ છે. તેમાં મોહનો વર્તમાન ઉદય નથી, તેમ જ તેનો સર્વથા ક્ષય પણ થઈ ગયો નથી. જેમ નીતરેલા સ્વચ્છ પાણીમાં નીચે
PDF/HTML Page 3130 of 4199
single page version
કાદવ બેસી ગયો હોય તેમ સત્તામાં મોહકર્મ પડયું છે. જીવની આવી નિર્મળ પર્યાયને ઔપશમિક ભાવ કહે છે.
ક્ષાયોપશમિક ભાવઃ– આ ભાવમાં કાંઈક વિકાસ ને કાંઈક આવરણ છે; જ્ઞાનાદિનો સામાન્ય ક્ષયોપશમ ભાવ તો બધા છદ્મસ્થ જીવોને અનાદિથી હોય છે, પણ અહીં મોક્ષના કારણરૂપ ક્ષયોપશમભાવ બતાવવો છે-એટલે સમ્યગ્દર્શનપૂર્વકનો ક્ષયોપશમભાવ અહીં સમજવો.
કર્મનો ઉદય છે તેનો ઉદયાભાવી ક્ષય અને અનુદય છે તે ઉપશમરૂપે અંદર સત્તામાં રહે તેના નિમિત્તે જે જીવનો ભાવ હોય તેને ક્ષયોપશમભાવ કહેલ છે.
ક્ષાયિક ભાવઃ– આત્માના ગુણની સંપૂર્ણ શુદ્ધ દશા પ્રગટે અને કર્મોનો સર્વથા ક્ષય થઈ જાય-એવી દશા તે ક્ષાયિક ભાવ છે. દર્શનમોહનીયનો ક્ષય થતાં ક્ષાયિક સમ્યગ્દર્શન, જ્ઞાનાવરણીયનો ક્ષય થતાં ક્ષાયિક જ્ઞાન, દર્શનાવરણીયનો ક્ષય થતાં ક્ષાયિકદર્શન-એમ જે ભાવ પ્રગટ થાય તે ક્ષાયિક કહેવાય છે.
આ ત્રણે ભાવ નિર્મળ પર્યાયરૂપ છે; તે અનાદિના નથી હોતા, પણ આત્માના આશ્રયપૂર્વક નવા પ્રગટે છે, સાદિ છે અને તે ભાવો મોક્ષનું કારણ થાય છે એમ આગળ કહેશે.
ઔદયિક ભાવઃ– જેમાં કર્મનો ઉદય નિમિત્ત હોય છે એવો જીવનો રાગાદિ વિકારી ભાવ તે ઔદયિક ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ તથા હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિના જે ભાવ થાય તે ઔદયિક ભાવ છે, એક અપેક્ષાએ તેને પારિણામિક કહ્યો છે. જીવ સ્વયં તે ભાવ કરે છે તે અપેક્ષાએ તેને પારિણામિક કહ્યો છે અને કર્મોદયના નિમિત્તના વશે થાય છે માટે તેને ઔદયિક ભાવ કહેવાય છે. હવે આવી વાત ઓઘે ઓઘે સાંભળે એને શું સમજાય? ભાઈ! દયા પાળો, દાન કરો, વ્રત પાળો એમ પ્રરૂપણા કરે પણ બાપુ! એ બધા રાગના ભાવ ઔદયિક ભાવ છે. તે બંધના કારણરૂપ છે, તે કોઈ ભાવો મોક્ષનું કારણ થતા નથી.
અનાદિથી બધા સંસારી જીવોને ઔદયિક ભાવ હોય છે. મોક્ષદશા થતાં તેનો સર્વથા અભાવ થાય છે.
પારિણામિક ભાવઃ– આત્માનો ત્રિકાળી સહજ એકરૂપ શાશ્વત સ્વભાવ તે પારિણામિક ભાવ છે; તે ધ્રુવ દ્રવ્યરૂપ છે. તેને ‘પરમભાવ’ કહ્યો છે. અન્ય ચાર ભાવો ક્ષણિક છે તેથી તેમને ‘પરમભાવ’ ન કહ્યા.
PDF/HTML Page 3131 of 4199
single page version
અહાહા...! પારિણામિકરૂપ પરમસ્વભાવભાવ પ્રત્યેક જીવને સદાય વિદ્યમાન છે. હવે આ પાંચ ભાવોમાં સર્વવિશુદ્ધ પરમ પારિણામિકભાવ જે શાશ્વત ધ્રુવ અચલ છે તે દ્રવ્યરૂપ-વસ્તુરૂપ છે અને અન્ય ચાર ભાવો પ્રગટ પર્યાયરૂપ છે. તેમાં ત્રણ નિર્મળરૂપ છે ને ઔદયિક મલિનરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય-પર્યાયદ્વય તે આત્મા-પદાર્થ છે. અર્થાત્ દ્રવ્ય-પર્યાય બન્ને થઈને આખો આત્મા-પદાર્થ છે. દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર; બન્ને થઈને પ્રમાણવસ્તુ સત્.
દ્રવ્ય-પર્યાયરૂપ આખો પદાર્થ આત્મા તે પ્રમાણનો વિષય છે. તેમાં પરમ પારિણામિકસ્વભાવે જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે તે નિશ્ચયનો વિષય છે, અને વર્તમાન વર્તતી પર્યાય તે વ્યવહારનો વિષય છે. નિશ્ચય છે તે ત્રિકાળી દ્રવ્યને સ્વીકારે છે, અને વ્યવહારનય વર્તમાન વર્તતી પર્યાયને સ્વીકારે છે. ત્યાં નિશ્ચયનું જે જ્ઞાન કર્યું. તેની સાથે પર્યાયનું જ્ઞાન ભેળવે તેને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે. નિશ્ચયને રાખીને વ્યવહારને જાણે તે પ્રમાણજ્ઞાન છે; પણ નિશ્ચયને ઉડાડીને વ્યવહારને ભેળવે તો પ્રમાણજ્ઞાન રહે જ નહિ.
ભાઈ! તારી વસ્તુને-આત્માને જોવાના ત્રણ પ્રકારઃ- -ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપ પરમભાવને દેખનારી દ્રષ્ટિ તે દ્રવ્યાર્થિકનય, -વસ્તુને પર્યાયરૂપે દેખનારી દ્રષ્ટિ તે પર્યાયાર્થિકનય, અને -દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુને સમગ્રપણે દેખનારું તે પ્રમાણજ્ઞાન. અધ્યાત્મદ્રષ્ટિમાં શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય છે, ને તેની શુદ્ધપર્યાય વડે મોક્ષમાર્ગને સાધવો તે વ્યવહાર છે. રાગાદિક તો પરમાર્થે અનાત્મા છે, કેમકે તે શુદ્ધ આત્મા નથી; અશુદ્ધ ભાવ છે તેથી શુદ્ધદ્રષ્ટિમાં તે અનાત્મા છે. અભેદ આત્માની અનુભૂતિમાં તેનો અભાવ છે. અર્થાત્ શુદ્ધાત્માનુભૂતિથી તેઓ (રાગાદિ) બાહ્ય છે.
જુઓ, શુદ્ધ જીવ તે અંતઃતત્ત્વ છે, ને રાગાદિ બાહ્ય તત્ત્વ છે. અભેદ તત્ત્વની અનુભૂતિમાં નિર્મળપર્યાયના ભેદો પણ નથી તે અપેક્ષાએ તેમને પણ બાહ્ય તત્ત્વ કહ્યા છે. નિયમસાર ગાથા ૩૮ માં એક શુદ્ધ આત્માને જ અંતઃતત્ત્વ કહ્યું છે ને જીવાદિ તત્ત્વોને બાહ્ય તત્ત્વ કહ્યા છે. મતલબ કે જીવાદિતત્ત્વો સંબંધી જે ભેદવિકલ્પ છે તેના વડે શુદ્ધ આત્મા અનુભવમાં નથી આવતો માટે તેઓ બાહ્ય તત્ત્વ છે, હેય છે. ભાઈ! પર્યાયના ભેદો છે તે આદરણીય નથી, આશ્રય કરવાયોગ્ય નથી. એક માત્ર શુદ્ધ ત્રિકાળી એક જ્ઞાયકતત્ત્વમાં અભેદ થઈને અનુભવ કરવાયોગ્ય છે. અલબત અનુભવ છે તે પર્યાય છે, પણ તે દ્રવ્યસ્વભાવની સન્મુખ થઈને તેનો આશ્રય કરે છે. આમ શાશ્વત શુદ્ધ જ્ઞાયક વસ્તુ ને તેની વર્તમાન અવસ્થા તે બન્ને પરસ્પર સાપેક્ષપણે આખો આત્મા-પદાર્થ છે. સમજાણું કાંઈ...?
PDF/HTML Page 3132 of 4199
single page version
ભાઈ! તારે દુઃખ મટાડીને સુખી થવું છે ને? તો દુઃખ કયા ભાવથી છે, ને સુખ કયા ભાવથી થાય-તેને તું જાણ. સુખ-દુઃખ તારા પોતાના ભાવોથી જ છે, બીજાને લીધે નથી. બાપુ! આવા વસ્તુના સ્વરૂપને જાણ્યા વિના અનંતકાળથી તું ૮૪ લાખ યોનિમાં અવતાર કરી કરીને રઝળે છે. ત્યાં એકલો તું તારા ભાવથી દુઃખી છે, કોઈ બીજાથી નહિ. પાપના ઉદયે એકેન્દ્રિયાદિમાં જાય ત્યાં તું એટલો દુઃખી છે, ને પુણ્યોદયે સ્વર્ગાદિમાં જાય તો ત્યાં તું એકલો કલ્પનાથી (વાસ્તવિક નહિ) સુખી છે; એમાં કોઈની સહાય-અપેક્ષા છે નહિ. તથા શુદ્ધ અંતઃતત્ત્વના આશ્રયે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ પરિણત થતાં મોક્ષમાર્ગમાં પણ તું એકલો જ સુખી છે-હોઈશ; તેમાં પણ કોઈનો સાથ-સહાય કે અપેક્ષા છે નહિ.
અહીં કહે છે-ચાર ભાવો પર્યાયરૂપ છે; તેમાં ઔપશમિકાદિ ત્રણ ભાવો નિર્મળ છે, મોક્ષના કારણરૂપ છે અને ઔદયિક ભાવ મલિન વિકારી છે ને બંધનું-સંસારનું કારણ છે. તથા જેના આશ્રયે નિર્મળ ભાવ પ્રગટ થાય છે તે શુદ્ધ પારિણામિક ભાવ ત્રિકાળ દ્રવ્યરૂપ છે. એમ પરસ્પર સાપેક્ષ દ્રવ્ય-પર્યાયનું જોડકું તે આખો આત્મા-પદાર્થ છે. અહો! આ તો એકલું અમૃત પીરસ્યું છે; “અમૃત વરસ્યાં રે પ્રભુ! પંચમ કાળમાં.”
હવે કહે છે -“ત્યાં, પ્રથમ તો જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં, શુદ્ધ જીવત્વ એવું જે શક્તિલક્ષણ પારિણામિકપણું તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ અને “શુદ્ધ પારિણામિકભાવ” એવી સંજ્ઞાવાળું જાણવું; તે તો બંધમોક્ષપર્યાયપરિણતિ રહિત છે.’
જુઓ, અહીં જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ-એમ ત્રણ પ્રકારના જે પારિણામિકભાવ કહ્યા ત્યાં ‘શુદ્ધ’ શબ્દ નથી વાપર્યો; મતલબ કે એ ત્રણ ભેદો પાડવા તે અશુદ્ધ પારિણામિક છે અને તે વ્યવહારનયનો વિષય છે. પરંતુ ત્યાં એ ત્રણ પ્રકારના ભાવોમાં, શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું છે ધ્રુવ ત્રિકાળ છે અને તે શુદ્ધ-દ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ અને “શુદ્ધ પારિણામિકભાવ” એવી સંજ્ઞાવાળું જાણવું. અહાહા...! કેટલું સ્પષ્ટ કર્યું છે?
શું કહે છે? કે સમ્યગ્દર્શનનો વિષય-લક્ષ્ય એવું જે ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય, ચાર પર્યાય વિનાની ચીજ, તે શક્તિલક્ષણ શુદ્ધ પારિણામિકભાવ જાણવો. તે શુદ્ધ દ્રવ્યાર્થિકનય નો વિષય છે અને તે નિરાવરણ છે. અહાહા... ! ભવ્ય હો કે અભવ્ય હો, તેમાં જે ત્રિકાળ શક્તિરૂપ શુદ્ધ જીવત્વછે તે શુદ્ધ પારિણામિક ભાવ છે અને તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય હોવાથી નિરાવરણ છે. અહા! જેમાં ચાર પર્યાય નથી
PDF/HTML Page 3133 of 4199
single page version
તેમાં આવરણ કેવું? (આવરણ તો પર્યાયમાં હોય છે.) આવું જે શુદ્ધ ચૈતન્યના પ્રવાહરૂપ-અહાહા..! ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય... એમ શુદ્ધ ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ શુદ્ધ જીવત્વ છે તે નિરાવરણ શુદ્ધ પારિણામિકભાવ છે અને તે બંધ-મોક્ષના પરિણામથી રહિત છે. અર્થાત્ તે બંધ મોક્ષના પરિણામનું કારણ નથી.
પર્યાયમાં અશુદ્ધતા હોય તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય-એમ કેટલાક કહે છે ને? લ્યો, એમની એ માન્યતાનો આમાં નિષેધ થઈ ગયો. ભાઈ! દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ નિરાવરણ જ છે. (આવરણ છે એ તો પર્યાયમાં છે.) આવી વાત ચાલતી ન હતી અને બહાર આવી એટલે કેટલાકને ખળભળાટ થયો કે-અરે! અમારા આ બધા ક્રિયાકાંડ ઉડી જશે. પણ બાપુ! આ તારા હિત ની વાત છે ભાઈ! ચોર્યાસીના અવતારનો અંત કરી જન્મ મરણ રહિત થવાની આ વાત છે બાપુ!
શુદ્ધ જીવત્વસ્વરૂપ ત્રિકાળ શક્તિલક્ષણ જે પારિણામિકપણું છે તેમાં દ્રષ્ટિ આપતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે એ પછી કહેશે. અહીં કહે છે -વસ્તુનું સ્વરૂપ જે ત્રિકાળ શક્તિરૂપ સત્ છે, અહાહા..! સત્નું જે સત્વ છે તે ત્રિકાળ નિરાવરણ છે. ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક-એમ ચાર ભાવો જે પર્યાયરૂપ છે તે ત્રિકાળી ધ્રુવ શુદ્ધમાં નથી. તેમ તેને આવરણેય નથી. આવો માર્ગ છે ભાઈ! એક વાર સાંભળ તો ખરો નાથ! અંદરમાં ભગવાન આત્મા “આનંદ બ્રહ્મણોરૂપં” જ્ઞાનાનંદની સ્વરૂપલક્ષ્મીથી મહા પ્રતાપવંત ત્રિકાળ વિરાજી રહ્યો છે. તેની દ્રષ્ટિ કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે જે ધર્મનું પહેલું પગથીયું છે.
અજ્ઞાની માને છે કે કષાય મંદ કરીએ, વ્રત, નિયમની ક્રિયા કરીએ તે સાધન અને તેનાથી સાધ્ય સિદ્ધ થશે; પરંતુ એમ છે નહિ. કષાય તિવ્ર હો કે મંદ, એ ઔદયિક ભાવ છે અને તે મલિન વિકારી પરિણામ સંસારનું-બંધનું કારણ છે. મોક્ષનું નહિ. મોક્ષના કારણરૂપ તો ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક-એમ નિર્મળ પર્યાયરૂપ ત્રણ ભાવો છે. અને ચારેય ભાવોથી રહિત ત્રિકાળ શુદ્ધ જીવત્વલક્ષણ જે શુદ્ધ પારિણામિકભાવ છે તે અક્રિય છે. તેમાં ક્રિયા નથી, ઉત્પાદ-વ્યય નથી. એમાં કાંઈ કરવું નથી કે છોડવું નથી. મોક્ષ કરવો એમેય નહી, ને રાગ કરવો એમેય નહી, રાગ છોડવો એમેય નહી. અહા! આવો શુદ્ધ પારિણામિક ભાવ નિરાવરણ છે. તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે.
અરેરે? આવી વાત જેને કાનેય ન પડે તે બિચારા શું કરે? હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? આ પાંચ ભાવો કેવી રીતે છે? કયા ભાવથી બંધન છે ને કયા ભાવથી મોક્ષનો ઉપાય ને મોક્ષ થાય, ક્યા ભાવ શુદ્ધ છે ને કયા ભાવ અશુદ્ધ છે, કયા ભાવ આશ્રય કરવાયોગ્ય ઉપાદેય છે ને કયા હેય છે-અહા! ઇત્યાદિ સમજવાની
PDF/HTML Page 3134 of 4199
single page version
નવરાશ ન મળે તે બિચારા શું કરે? અરેરે! તે ચોરાસીના અવતારના સમુદ્રમાં ક્યાંય ડૂબી મરે. શું થાય? ભાઈ! તને આ સમજવાનો અવસર છે. એમાં તું રળવા-કમાવા પાછળ, કુટુંબ-પરિવારને સાચવવા પાછળ ને ઈન્દ્રિયના વિષયભોગની પાછળ જ રોકાઈને રહીશ તો અવસર વેડફાઈ જશે.
જુઓ, શુદ્ધ પારિણામિક ભાવ જે ત્રિકાળ છે તેને ભાવ કહેવાય. પર્યાયને પણ ભાવ કહેવાય. રાગને પણ ભાવ કહેવાય ને દ્રવ્ય-વસ્તુ છે તેને પણ ભાવ કહેવાય. અહીં દ્રવ્યને શુદ્ધ પારિણામિકભાવ એવી સંજ્ઞા આપી છે. તે તો બંધ-મોક્ષપર્યાયની પરિણતિથી રહિત છે એમ કહે છે.
અહાહા...! ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ અસ્તિરૂપ છે. અહાહા...! છે... છે.... ... છે ને છે. ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ એવા અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યના પ્રવાહરૂપ છે. તે, અહીં કહે છે, બંધ-મોક્ષની પરિણતિથી રહિત છે; રાગાદિના ભાવથી રહિત છે અને મોક્ષમાર્ગ ને મોક્ષની પર્યાયથી પણ રહિત છે. અહાહા...! ત્રિકાળી સ્વભાવમાં પરવસ્તુ નથી, રાગ નથી, મલિન પર્યાય નથી, અને અપૂર્ણ કે પૂર્ણ નિર્મળ પર્યાય પણ નથી. અહાહા...! આવી પોતાની ચીજનો જેને અંદર દ્રષ્ટિમાં સ્વીકાર થયો છે તેને જ શુદ્ધ આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. બાકી તો બધું થોથે થોથાં છે.
ભાઈ! જન્મ-મરણના અંતનો ઉપાય આ એક જ છે. દુનિયા માને કે ન માને. દુનિયા ગમે તે કહે, સત્ય આ છે. આત્મા શુદ્ધચૈતન્ય મહાપ્રભુ બંધ-મોક્ષની પર્યાયથી રહિત વસ્તુ છે. તે એકના આશ્રયે ધર્મરૂપ નિર્મળ પરિણતિ પ્રગટ થાય છે.
હવે વિશેષ કહે છે- ‘પરંતુ જે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વદ્વય તે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી “અશુદ્ધપારિણામિકભાવ” સંજ્ઞાવાળાં છે.
કોઈને થાય કે આવો ઉપદેશ! લોકોને આ સમજવું કઠણ પડે છે. હજુ તો હું શરીરથી રહિત છું એ કબૂલવું કઠણ પડે છે. પણ ભાઈ! આ શરીર આદિની ક્રિયા તો એના કાળે જે થવાની હોય તે થાય છે. તેમાં તારો કાંઈ અધિકાર છે જ નહિ. હું ધ્યાન રાખું તો શરીર વ્યવસ્થિત રહે. નહિતર બગડી જાય એમ તું માને, પણ એવો કોઈ અધિકાર તને શરીર પર છે નહિ; કેમકે શરીર પરવસ્તુ છે. અહાહા...! શરીરથી જુદું, રાગથી જુદું ને એક સમયની પર્યાયથી પણ જુદું-એવું જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય અંદર છે એને ધ્યેય બનાવવું છે. આવો માર્ગ છે. ભાઈ! અહો! આ અપૂર્વ વાત છે. અનંતકાળમાં એણે અંતર્દ્રષ્ટિ-દ્રવ્યદ્રષ્ટિ કરી જ નથી, પણ એ વિના બહારની ક્રિયાથી ધર્મ થાય એવી ચીજ નથી.
PDF/HTML Page 3135 of 4199
single page version
અરે ભાઈ! તને તારા કાયમી ત્રિકાળી જીવનની ખબર ન મળે તો તું સાચું જીવન કેવી રીતે જીવીશ? આહાર-પાણી કે શરીરાદિ જડથી તું જીવવાનું માન તે કાંઈ સાચું જીવન નથી. અહા! શરીર પોતે જ જડ મૃતક-કલેવર છે તો તે વડે તું કેમ જીવે? ભાઈ! પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણો વડે ત્રિકાળ જીવે, અને શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે મોક્ષ-સિદ્ધપદને સાધીને સાદિ-અનંત પૂરણ આનંદમય જીવન જીવે તે જ જીવનું સાચું જીવન છે. સ્તુતિમાં આવે છે ને કે-
જીવી જાણ્યું નેમનાથે જીવન... ....
અહાહા...! ભગવાન કેવળી જે પૂરણ વીતરાગવિજ્ઞાનમય જીવન જીવે છે તે ખરું જીવન છે, સાચું જીવન છે. બાકી અજ્ઞાનપૂર્વક રાગાદિમય જીવન જીવે તેને જીવનું જીવન કોણ કહે? એ તો ભયંકર ભાવમરણ છે. આવે છે ને કે -
ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અરે! રાચી રહો? બાપુ! રાગથી ધર્મ માને અર્થાત્ રાગને જીવન માને તેને તો સાચું જીવન જીવતાં જ નથી આવડતું; તેને તો નિરંતર ભાવમરણ જ થયા કરે છે. સમજાણું કાંઈ..
અહીં કહે છે-જે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વદ્વય તે પર્યાયાર્થિકનયને આશ્રિત છે અને તેથી તે ‘અશુદ્ધ પારિણામિકભાવ’ સંજ્ઞાવાળાં છે. અહો! આ તો એકલું માખણ મૂકયું છે. શું કહે છે! કે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ- અભવ્યત્વદ્વય-એ ત્રણ અવસ્થાદ્રષ્ટિએ, પર્યાયદ્રષ્ટિએ, વ્યવહારનયથી કહેવામાં આવ્યાં છે.
દશપ્રાણરૂપ જીવત્વ છે તે અશુદ્ધ પ્રાણ છે. જડપ્રાણોથી જીવ જીવે છે એ તો વાત નહિ, પણ અહીં કહે છે-પાંચ ઈન્દ્રિયો (ભાવેન્દ્રિયો) મન, વચન, કાયા આયુષ્ય અને શ્વાસ (અંદર જીવની યોગ્યતારૂપ) -એવા દશપ્રાણરૂપ જે અશુદ્ધ જીવત્વ તેનાથી જીવ જીવે છે એમ જે કહ્યું તે વ્યવહારનયથી કહ્યું છે અને તે ‘અશુદ્ધ પારિણામિકભાવ’ છે. વળી ભવ્યત્વ-અભવ્યત્વદ્વય પણ પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી ‘અશુદ્ધ પારિણામિકભાવ’ છે, અહાહા..! ત્રિકાળી ધ્રુવ એક ચૈતન્યસ્વભાવભાવથી ભરેલી શુદ્ધ પરમપારિણામિકભાવસ્વરૂપ જે વસ્તુ તેમાં આ ‘અશુદ્ધ પારિણામિકભાવ’ ક્યાં છે? નથી. લ્યો, હવે આમાં ઓલા વ્યવહારવાળાઓને બધા વાંધા ઉઠે છે. પણ શું થાય. (વસ્તુસ્વરૂપ જ એવું છે ત્યાં શું થાય?) જુઓને! આ ચોકખું તો કહ્યું છે કે-જે દશપ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ-એ ત્રણે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી ‘અશુદ્ધ પારિણામિકભાવ’ સંજ્ઞાવાળાં છે.
પ્રશ્નઃ– ‘અશુદ્ધ’ કેમ?
PDF/HTML Page 3136 of 4199
single page version
ઉત્તરઃ– સંસારીઓને શુદ્ધનયથી અને સિદ્ધોને તો સર્વથા જ દશપ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ-અભવ્યત્વદ્વયનો અભાવ હોવાથી.
શું કીધું? જોકે પર્યાયાર્થિકનયે અશુદ્ધ દશભાવપ્રાણ, ભવ્યત્વ-અભવ્યત્વદ્વય-એ ત્રણે કહેવામાં આવ્યા છે તોપણ ‘सव्वे सुद्धा हु सुद्धणया’ -એ વચનથી શુદ્ધનયથી સંસારીને એ ત્રણેય છે નહિ. અહાહા...! વસ્તુ જે ત્રિકાળ શુદ્ધ એકરૂપ છે તેમાં એનો અભાવ છે-અને સિદ્ધોને એ દશ અશુદ્ધ ભાવપ્રાણ સર્વથા પર્યાયમાં પણ છે નહિ. સંસારીને (એ ત્રણ) પર્યાયમાં છે પણ વસ્તુમાં નથી, જ્યારે સિદ્ધમાં એ ત્રણેનો સર્વથા અભાવ છે, અહાહા...! સિદ્ધ ભગવાન છે તે ભવ્ય પણ નથી; અભવ્ય પણ નથી; આ પર્યાયની વાત છે. ભવ્યત્વ એટલે મોક્ષ હોવાને લાયક, મોક્ષ તો થઈ ગયો માટે ભવ્યત્વનો સિદ્ધને અભાવ છે; અને અભવ્યને તો મોક્ષ છે જ નહિ.
સંસારી પ્રાણીને શુદ્ધનયથી જોઈએ તો દશભાવપ્રાણ નથી. પાંચ ભાવેન્દ્રિયો, મન- વચન-કાયાના નિમિત્તે કંપનદશા, શરીરમાં રહેવાની યોગ્યતારૂપ આયુષ્ય અને શ્વાસોચ્છ્વાસ થવાની પર્યાયની યોગ્યતા-એમ દશ અશુદ્ધ ભાવપ્રાણ બધા સંસારી જીવોને શુદ્ધનયથી નથી. અને સિદ્ધોને તો સર્વથા દશપ્રાણરૂપ જીવત્વ નથી. તેમ જ ભવ્યત્વ- અભવ્યત્વનો પણ સિદ્ધ ભગવાનને અભાવ છે, કેમકે જ્યાં સાક્ષાત્ મોક્ષદશા છે ત્યાં મોક્ષ થવાની લાયકાત ભવ્યત્વ ક્યાં રહ્યું? અને અભવિને તો મોક્ષ છે જ ક્યાં? આ પ્રમાણે ભવ્યત્વ-અભવ્યત્વને પણ ભેદરૂપ વ્યવહાર ગણીને અશુદ્ધ પારિણામિકભાવ કહ્યા.
આત્માનો સાચો પ્રાણ અને એનું સાચું જીવન તો શુદ્ધ ચેતના છે; એને દશપ્રાણ કહ્યા એ તો વ્યવહારથી છે, પણ તે કાંઈ આત્માનું પરમાર્થ જીવન નથી. તેના વગર પણ આત્મા જીવી શકે છે. જુઓ, સિદ્ધને પૂર્વે (સંસારદશામાં) દશ પ્રાણ હતા, પણ હમણાં તો તે સર્વથા જ નથી, દ્રવ્ય-ગુણમાં તો પહેલેથી જ ન હતા, હવે પર્યાયમાં પણ તેનો અભાવ થયો. અહો! ભગવાન સર્વજ્ઞદેવે કહેલું તત્ત્વ પરમ અલૌકિક છે. ભાઈ! અહા! દ્રવ્ય- પર્યાયનું ને પાંચ ભાવોનું સ્વરૂપ સમજાવીને મોક્ષનો ઉપાય ને મોક્ષ કેમ સધાય તે આચાર્યદેવે બતાવ્યું છે. અહા! વીતરાગી સંતોનો મહા-મહા ઉપકાર છે.
હવે કહે છે- ‘તે ત્રણમાં, ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યક્ત્વાદિ જીવગુણોનું ઘાતક “દેશઘાતી” અને “સર્વઘાતી” એવાં નામવાળું મોહાદિકર્મ-સામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે એમ જાણવું.’
જુઓ, દશભાવપ્રાણરૂપ અશુદ્ધ જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ-એ ત્રણમાં, મોક્ષ થવાની લાયકાતરૂપ ભવ્યત્વલક્ષણ પારિણામિકભાવ છે. તેને કહે છે, સમ્યક્ત્વાદિ ગુણોનું ઘાતક ‘દેશઘાતી’ ને ‘સર્વઘાતી’ નામવાળું મોહાદિકર્મસામાન્ય
PDF/HTML Page 3137 of 4199
single page version
પર્યાયાર્થિકનયે ઢાંકે છે. અહીં દ્રવ્ય ઘાતીકર્મ ન લેતાં ભાવઘાતીકર્મ ઢાંકે છે એમ સમજવું; દ્રવ્યઘાતીકર્મ તો જડ છે, બાહ્ય નિમિત્ત છે. સમ્યક્ત્વાદિ જીવગુણોનું ઘાતક તો અંદરમાં મોહાદિ ભાવઘાતી કર્મ છે અને તે ભવ્યત્વલક્ષણ પારિણામિક ભાવને પર્યાયાર્થિકનયે ઢાંકે છે એમ જાણવું. અહા! આ તો સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરની વાણીમાંથી સાર-સાર માખણ તારવીને જૈનદર્શનનું રહસ્ય આચાર્યદેવે જગતને આપ્યું છે.
કહે છે-જે ભવ્યત્વલક્ષણ પારિણામિકભાવ છે તેને સમ્યક્ત્વાદિ ગુણોનું ઘાતક ‘દેશઘાતી-સર્વઘાતી’ નામવાળું મોહાદિકર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે. એટલે શું? કે પર્યાયમાં ઢાંકણ છે પણ શુદ્ધ વસ્તુમાં નથી. વસ્તુ શુદ્ધપારિણામિકભાવરૂપ સદા નિરાવરણ એકરૂપ છે. શુદ્ધ, દ્રવ્યાર્થિકનયે એમાં ઢાંકવું ને ઉઘડવું એવું કાંઈ છે જ નહિ. અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ ત્રિકાળ નિરાવરણ છે. તેમાં ઢંકાવું ને ઉઘડવું ક્યાં છે? છે જ નહિ. આવે છે ને કે- (પરમાત્મપ્રકાશમાં)
અહાહા...! નિજદેહમાં ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા (ભિન્ન) વિરાજે છે. તેને ધ્યાન વિનાના પુરુષો જોઈ શકતા નથી; જેમ સૂર્ય સદા વિદ્યમાન છે તેને જાતિઅંધ છે તેઓ જોઈ શકતા નથી તેમ ભગવાન આત્માનું લક્ષ જેમને નથી તેઓ તેને જોઈ શકતા નથી.
ઘુવડને કોઈએ પૂછયું-“એલા! સૂર્ય છે કે નહિ?” ત્યારે તે કહે -“જેને કોઈ દિ’ નજરે ભાળ્યો નથી તે છે એમ કેમ કહું?” લ્યો, આવો મહા પ્રતાપવંત ઉજ્જ્વળ પ્રકાશનો ગોળો સૂર્ય છે તે ઘુવડને દેખાતો નથી. જાતિઅંધ છે ને! તેમ આત્મા ચૈતન્યસૂર્ય પ્રભુ સદાય અંદર બિરાજે છે, પરંતુ એની દ્રષ્ટિ (સમ્યક્દર્શન) વિના, એના ધ્યાન વિના તે દેખાતો નથી. જેમ જાતિઅંધને સૂર્ય દેખાય નહિ તેમ રાગ ને પર્યાયની રુચિવાળા જન્માંધને ચૈતન્યચમત્કાર પ્રભુ આત્મા દેખાતો નથી અર્થાત્ ભાવઘાતી આવરણ વડે પર્યાયનયે ઢંકાઈ ગયો છે. લ્યો, આવી વાત!
હવે કહે છે- ‘ત્યાં. જ્યારે કાળાદિ લબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન- જ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે પરિણમે છે; તે પરિણમન આગમભાષાથી “ઔપશમિક”, “ ક્ષાયોપશમિક” તથા “ક્ષાયિક” એવા ભાવત્રય કહેવાય છે, અને અધ્યાત્મભાષાથી “ શુદ્ધાત્માભિમુખ પરિણામ”, “શુદ્ધોપયોગ” ઇત્યાદિ પર્યાયસંજ્ઞા પામે છે.’
જુઓ, અહીં કાળાદિ-એમ પાંચે લબ્ધિની વાત કરી છે; એકલા કાળની વાત
PDF/HTML Page 3138 of 4199
single page version
નથી, કાળલબ્ધિ, પુરુષાર્થ, સ્વભાવ, ભવિતવ્યતા અને તે જ સમયે નિમિત્ત-કર્મનાં ઉપશમાદિ-એમ પાંચે સમવાય એક સાથે જ હોય છે.
તો કળશટીકામાં (કળશ ૪ માં) સમ્યક્ત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે એમ કહ્યું છે-તે કેવી રીતે છે?
સમાધાનઃ– હા, ત્યાં કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરી છે. સમકિતની પર્યાય પણ પોતાનું સહજ જ છે એમ ત્યાં કહેવું છે; બાકી તે જ કાળે પાંચે સમવાય એકી સાથે જ હોય છે. ઘણે ઠેકાણે પુરુષાર્થની મુખ્યતાથી વાત કરી હોય ત્યાં સમ્યક્ત્વ પ્રયત્નથી- પુરુષાર્થથી સિદ્ધ થાય છે એમ કહ્યું છે. એ તો વિવક્ષાભેદ છે; બાકી કાર્યકાળે પાંચે સમવાય એકી સાથે હોય છે.
આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો રસકંદ છે. અહાહા...! અતીન્દ્રિય આનંદનો દરિયો પ્રભુ આત્મા છે. એના સિવાય ત્રણકાળ-ત્રણલોકમાં આનંદરૂપ વસ્તુ બીજી કોઈ નથી. અહા! પણ અજ્ઞાની જીવ પોતે આનંદસ્વરૂપ છે તેને ન માનતાં બહારમાં બીજે આનંદ છે એમ માને છે. મારાં કોઈ વખાણ કરે તો મને મઝા પડે, મને કોઈ મોટો કહે તો મઝા પડે, કોઈ પૈસાવાળો કહે તો મઝા પડે, કોઈ મને જ્ઞાની પંડિત કહે તો મઝા પડે-એમ અનેક પ્રકારે તે મિથ્યા કલ્પના કરે છે. પણ ભાઈ! તારો આનંદ બહારમાં ક્યાંય નથી; તારા આનંદની ધ્રુવ ખાણ તો અંદર ચિદાનંદ પ્રભુ તું પોતે જ છો. અહા! આવી વાત પોતાની ચીજને પામવા માટે કાળલબ્ધિવશે જ્યાં સ્વભાવની રુચિ કરે છે ત્યાં (તત્કાલ જ) અંતઃપુરુષાર્થ જાગે છે, કાળલબ્ધિ પાકે છે, ભવિતવ્ય જે સમકિત પ્રગટ થવાયોગ્ય છે તે થાય છે અને ત્યારે કર્મના ઉપશમાદિ પણ થાય છે; આ પ્રમાણે પાંચે સમવાય એકી સાથે જ હોય છે.
પહેલાં અનાદિથી મોહકર્મના વશે પરિણમતાં જીવને પોતાના સમ્યક્ત્વાદિ ગુણોનો ઘાત થતો હતો એટલે મોક્ષના કારણરૂપ ત્રણ ભાવો તેને ન હતા. અજ્ઞાનદશામાં મિથ્યાત્વાદિ-સર્વઘાતી ને દેશઘાતી-કર્મો તેના સમ્યક્ત્વાદિ ગુણોને ઘાતવામાં-ઢાંકવામાં નિમિત્ત થતા હતા. પણ હવે સદ્ગુરુના ઉપદેશનું નિમિત્ત પામીને જ્યાં શુદ્ધ પારિણામિકરૂપ પરમ સ્વભાવભાવની સન્મુખ થઈ તેની ભાવનારૂપ પરિણત થયો ત્યાં મોક્ષના કારણરૂપ એવા ઔપશમિકાદિ ભાવો પ્રગટ થાય છે; તેને પુરુષાર્થ, સ્વકાળ, કર્મનાં ઉપશમ આદિ પાંચે લબ્ધિઓ થઈ જાય છે અને આ ભવ્યત્વશક્તિની વ્યક્તિ છે. ભવ્યત્વ તો તે જીવમાં પહેલેથી હતું, પણ નિજસ્વભાવભાવનું ભાન થયું ત્યારે તે પાકરૂપ થઈને પરિણમ્યું; મોક્ષની જે યોગ્યતા હતી તે ત્યારે કર્મરૂપ થવા માંડી; ને હવે અલ્પકાળમાં મોક્ષદશા પ્રગટ થઈ જશે. લ્યો, આવી વાત!
PDF/HTML Page 3139 of 4199
single page version
અહો! આ તો કોઈ અદ્ભુત અલૌકિક વાતો છે. કહે છે-જ્યારે કાળાદિલબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે ત્યારે જીવ સહજ-શુદ્ધ-પારિણામિકલક્ષણ નિજ પરમાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે પરિણમે છે. નિયમસારમાં (ગાથા-૧પ૭ માં) આવે છે ને કે-
ત્યમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે.”
જેમ કોઈ દરિદ્ર માણસ નિધિને પામીને પોતાના વતનમાં ગુપ્તપણે રહી તેના ફળને ભોગવે છે. તેમ જ્ઞાની પરજનોના સંગને છોડીને સ્વરૂપમાં ગુપ્ત રહીને જ્ઞાન-નિધિને ભોગવે છે. આની ટીકામાં કહ્યું છે કે-
“સહજ પરમતત્ત્વજ્ઞાની જીવ કવચિત્ આસન્નભવ્યના (આસન્નભવ્યતારૂપ) ગુણનો ઉદય થતાં સહજ વૈરાગ્યસંપત્તિ હોતાં, પરમ ગુરુના ચરણકમળયુગલની નિરતિશય (ઉત્તમ) ભક્તિ વડે મુક્તિસુંદરીના મુખના મકરંદ સમાન સહજજ્ઞાનનિધિને પામીને, સ્વરૂપવિકળ એવા પરજનોના સમૂહને ધ્યાનમાં વિઘ્નનું કારણ સમજીને તજે છે.”
જેમ કોઈ દરિદ્રીને મોટી કરોડોની નિધિ ભાગ્યવશ મળી જાય તો તે પોતાના વતનમાં જઈને તેને ગુપ્તપણે એકલો ભોગવે છે. એમ, કહે છે, હે, ભાઈ! તને પરમ અદ્ભુત જ્ઞાનનિધિ-જ્ઞાનનો સમુદ્ર જો પ્રાપ્ત થયો તો તેને એકલો (સ્વરૂપગુપ્ત રહીને) ભોગવજે. એમ કે કોઈ સાથે વાદવિવાદ કરીશ નહિ. જગતમાં સ્વસમય અને પરસમય એમ અનેક પ્રકારના જીવ છે. તેની સાથે વાદવિવાદમાં પડીશ નહિ, કેમકે વાદવિવાદથી આવી સ્વરૂપની વાત સમજાય એમ નથી. નિયમસાર ગાથા ૧પ૬ માં એ જ કહ્યું છે કે-
નાના પ્રકારનાં જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) વચન-વિવાદ વર્જવાયોગ્ય છે.
ત્યારે કોઈ કહે છે- વિઘટન થયું છે તે અમે સંગઠન કરવા માગીએ છીએ. પરંતુ ભાઈ! ભગવાન જિનેશ્વરનો આ માર્ગ એમ (વાદ કરવાથી) નહિ સમજાય. વાદવિવાદમાં એકને સાચા અને એકને ખોટા પાડવા છે તારે; પણ ત્યાં તું એક વાત કરવા જાય ત્યાં તે બીજી વાત કરશે. એમ કે વ્યવહારને શાસ્ત્રમાં સાધન
PDF/HTML Page 3140 of 4199
single page version
કહ્યું છે, તમે કેમ ના પાડો છો? તમે એકાંતે હઠ કરો છો. બાપુ! આમ આ વાતનો નિવેડો આમ આવે એમ નથી. વીતરાગભાવે ધીરજથી પોતે સમજવા માગે તો નિવેડો આવે, પણ તમે ખોટા અને અમે સાચા છીએ એમ સિદ્ધ કરવા માટે વાતચીત કરવાથી વિવાદ થાય અને વિવાદથી પાર પડે (સમજમાં આવે) એવી આ ચીજ નથી. અરે ભગવાન! અંદર તારું સત્ એવું છે કે એનો કાળ પાક્યો હોય અને પુરુષાર્થ કરી તું સ્વભાવનું ભાન કરે તો સહેજે આ સમજાય એવી ચીજ છે; વાદવિવાદથી કોઈને સમજાવી શકાય એવી ચીજ નથી.
સમાધિશતકમાં આવે છે કે-અરે! હું કોને સમજાવું? હું જેને સમજાવવા માગું છું એ સમજનારો આત્મા છે એ તો (આંખથી) મને દેખાતો નથી; અને આ જે દેખાય છે એ તો જડ (શરીર) છે; તેને હું શું સમજાવું? માટે હું સમજાવું એવો જે મારો વિકલ્પ છે તે પાગલપણું છે, ચારિત્રદોષ છે. અહા! આવો મારગ! બાપુ! આ તો દિગંબર સંતોની વાણી! ભારે કુશાગ્ર; તેમાં આ કહે છે-વાણીથી તને જ્ઞાન થાય એવો ભગવાન! તું નથી. અહો! સંતોની આવી અલૌકિક ચમત્કારી વાતો છે.
અહીં કહે છે-જ્યારે કાળાદિલબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ શુદ્ધ પારિણામિકભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન- અનુચરણરૂપ પર્યાયે પરિણમે છે. અહીં ‘કાળાદિલબ્ધિના વશે’ -એમ કહ્યું ત્યાં સ્વભાવવશે, પુરુષાર્થવશે એમ બધું સાથે લેવું. એકલા કાળની આ વાત નથી પણ પાંચે સમવાયની આમાં વાત છે. અહા! જ્યારે મોક્ષમાર્ગની પ્રાપ્તિનો કાળ આવે ત્યારે એની દ્રષ્ટિ સહજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવ ઉપર જાય છે અને ત્યારે તેને અંદરમાં સમ્યક્દર્શન પ્રગટ થાય છે. આવી વાત છે.
અહાહા...! આત્મદ્રવ્ય સહજ એક શુદ્ધ પરમપારિણામિકભાવલક્ષણ સદા પરમાત્મસ્વરૂપ ચિન્માત્ર વસ્તુ છે. અહા! આવા નિજ પરમાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન- જ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે જીવ પરિણમે એનું નામ ધર્મ અને એનું નામ મોક્ષનો માર્ગ છે. જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્રનું ભેદરૂપ શ્રદ્ધાન એ કાંઈ વાસ્તવિક શ્રદ્ધાન-સમકિત નથી; અને શાસ્ત્રનું જ્ઞાન તે કાંઈ વાસ્તવિક સમ્યગ્જ્ઞાન નથી, પણ પોતે સદાય અંદર શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ કારણ પરમાત્મા વિરાજી રહ્યો છે તેના સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે પરિણમવું તેનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે અને તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે.
એક પ્રશ્ન થયો હતો કે- તમે કારણપરમાત્મા-કારણપરમાત્મા કહ્યા કરો છો, તો કારણ હોય તો કાર્ય આવવું જોઈએ ને?