Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 158 of 210

 

PDF/HTML Page 3141 of 4199
single page version

ત્યારે કહ્યું કે-ભાઈ! કારણપરમાત્મા તો અંદર ત્રિકાળ એક જ્ઞાયકભાવપણે બિરાજી રહ્યો છે પણ એને અંતર્મુખપણે પ્રતીતિમાં આવે ત્યારે ‘હું કારણપરમાત્મા છું’ - એમ ભાન થાય ને? પ્રતીતિમાં આવ્યા વિના એને કારણપરમાત્મા ક્યાં છે? ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યનું સમ્યક્ શ્રદ્ધાન થાય તેને ‘હું કારણ પરમાત્મસ્વરૂપ છું’ -એમ ભાસે છે ને તેને કાર્ય (કાર્ય પરમાત્મા) પ્રગટે છે. જે એક સમયની પર્યાય અને રાગની શ્રદ્ધામાં રહ્યો છે તેને કારણપરમાત્મા કેમ ભાસે? તેને કાર્ય ક્યાંથી પ્રગટે?

એ તો ગાથા (સમયસારમાં) ૧૭-૧૮ માં આવી ગયું કે-આબાળગોપાળ બધા આત્માઓને વર્તમાન જે જ્ઞાનપર્યાય છે તેમાં નિજ પરમાત્મદ્રવ્ય જ ભાસે છે, પણ અજ્ઞાનીઓની દ્રષ્ટિ ત્યાં નથી. અહા! આખું દ્રવ્ય પોતાના જ્ઞાનમાં જણાય એવી પોતાની ચીજ છે કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. પણ એની (-અજ્ઞાની જીવની) દ્રષ્ટિ સ્વ ઉપર નથી પણ પર ઉપર છે, પર્યાય અને રાગ ઉપર છે. તેથી જે નિજ પરમાત્મદ્રવ્ય જણાય છે તેનો તે અનાદર કરે છે અને રાગ અને અંશમાત્ર હું છું એમ તે માને છે. હવે આવી વાત છે ત્યાં એને કાર્ય કેમ પ્રગટે?

કળશટીકામાં આવે છે કે-જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે, પરંતુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું; તે ભ્રાંતિ પરમગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે, કર્મસંયોગથી ભિન્ન શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ થાય છે. આવો અનુભવ તે સમ્યક્ત્વ છે. એક સમયની પર્યાય અને રાગ જેટલો આત્માને માને તેને આત્મા મરણને પ્રાપ્ત થઈ રહ્યો છે, કેમકે જીવતી જ્યોત નિજ પરમાત્મદ્રવ્ય તેની સન્મુખ થઈને તેનો એને સ્વીકાર નથી. સ્વભાવથી વિમુખ થઈને રાગ અને વર્તમાન પર્યાયનો સ્વીકાર કરનાર જીવ મરણને પ્રાપ્ત થઈ રહ્યો છે. ૧૧ અંગ અને નવપૂર્વનો ઉઘાડ ભલે હોય, તે વિકાસમાં સંતુષ્ટ થઈ જે રોકાઈ ગયો છે તે જીવ સ્વભાવને ભૂલીને મરણને પ્રાપ્ત થઈ રહ્યો છે. અરે! અનંતકાળમાં એણે સ્વભાવની દ્રષ્ટિ કરી જ નથી!

અહીં કહે છે-ત્રિકાળ આનંદસ્વરૂપ પોતે પરમાત્મદ્રવ્ય છે, તેના શ્રદ્ધાન-જ્ઞાન- આચરણરૂપ પર્યાયે જીવ પરિણમે તે ભવ્યત્વ શક્તિની અર્થાત્ મોક્ષમાર્ગની યોગ્યતારૂપ શક્તિની વ્યક્તિ છે અને તે ધર્મ છે. અરે! પોતે આવો અંદર ભગવાનસ્વરૂપ છે એનાં ગાણાંય કદી એણે સાંભળ્‌યાં નથી! પણ ભાઈ! જો અંદર શક્તિએ ભગવાનસ્વરૂપ ન હોય તો પર્યાયમાં આવશે ક્યાંથી? બહારમાં તો કાંઈ છે નહિ. બહારમાં તું ભગવાનની (અર્હંતાદિની) ભક્તિ કરે, પૂજા કરે કે સમ્મેદશિખરની જાત્રા કરે, પણ એનાથી ધર્મ થાય એવું ધર્મનું સ્વરૂપ નથી, કેમકે એ તો માત્ર


PDF/HTML Page 3142 of 4199
single page version

શુભરાગ છે. અહીં શુભ છોડીને અશુભ કરો એ વાત નથી. ધર્મીને વિશેષે શુભભાવ આવે છે, પણ તે ધર્મ વા ધર્મનું કારણ નથી. ધર્મનું કારણ તો જે સ્વદ્રવ્યના- નિજપરમાત્મદ્રવ્યના આશ્રયે પરિણમવું છે તે છે. અરે ભાઈ! તું એકવાર તેને (સ્વ- દ્રવ્યને) જોવાની ભાવના તો કર!

જુઓ, એક રાજવીનાં રાણી ઓઝલમાં રહેતાં. એક વખતે રાણીસાહેબા ઓઝલમાંથી બહાર નીકળ્‌યાં તો તેને જોવા માટે લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડયાં. એમ, અહીં કહે છે, આ ભગવાન આત્મા અનાદિકાળથી રાગ અને પર્યાયબુદ્ધિના ઓઝલમાં પડયો છે. એને જોવા માટે એક વાર અંતર્મુખ થઈ પ્રયત્ન તો કર. ભાઈ! તારા સંસારના-દુઃખના નાશનો આ એક જ ઉપાય છે.

ઓહો! આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ સદા પરમાત્મસ્વરૂપે અંદર પ્રગટ મોજુદ છે. તેને ભૂલીને અરે! તું બહારથી સુખ મેળવવા ઝાવાં નાખે છે! અહીંથી સુખ લઉં કે ત્યાંથી સુખ લઉં, રાજપદમાંથી સુખ લઉં કે દેવપદમાંથી સુખ લઉં-એમ તું ઝાવાં નાખે છે, પણ સુખનિધાન તો તું પોતે જ છો ને પ્રભુ! માટે આવા ભિખારીવેડાં-રાંકાઈ છોડી દે, અને અંદર તારા પરમાત્મદ્રવ્યને જો, તેથી સહજશુદ્ધ ચિદાનંદમય પરમાત્મદ્રવ્યની પ્રતીતિ થઈને નિરાકુળ સુખની પ્રાપ્તિ થશે.

અહીં, કાળાદિલબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે એમ કહ્યું એમાં એકલો કાળ વા અન્યરૂપ કાળ ન લેવો, પણ પાંચે સમવાય એકસાથે જ છે એમ યથાર્થ સમજવું. અહા! મોક્ષમાર્ગની પ્રાપ્તિનો કાળ હોય ત્યારે-

૧. ચિદાનંદઘનસ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય તે સ્વભાવ થયો, ૨. ચિદાનંદઘનસ્વભાવની દ્રષ્ટિ થઈ તે સ્વભાવ તરફનો પુરુષાર્થ થયો, ૩. તે જ કાળે આ (નિર્મળ) પર્યાય થવાનું જ્ઞાન થયું તે કાળલબ્ધિ થઈ, ૪. આ જે (નિર્મળ) ભાવ તે કાળે થયો તે થવાનો હતો તે જ થયો તે

ભવિતવ્ય, અને

પ. ત્યારે પ્રતિકૂળ નિમિત્તનો અભાવ થયો તે નિમિત્ત થયું. આ પ્રમાણે પાંચે સમવાય એક સાથે હોય છે એમ જાણવું. વસ્તુતઃ જેને જે પર્યાય થવાની હોય તેને તે કાળે તે જ પર્યાય થાય છે. સમ્યગ્દર્શનની પર્યાય પણ નિજ જન્મક્ષણે ઉત્પન્ન થાય છે. તે પર્યાયની ઉત્પત્તિનો તે નિયત કાળ છે. પ્રવચનસાર ગાથા ૧૦૨ માં પર્યાયની ઉત્પન્ન થવાની તેની જન્મક્ષણ હોવાની વાત આવે છે. લ્યો, આવી બહુ ઝીણી વાત ભાઈ! આ તો સર્વજ્ઞ


PDF/HTML Page 3143 of 4199
single page version

પરમેશ્વરના ઘરની વાતો બાપા! અરે! લોકોને આવું સાંભળવાય મળ્‌યું ન હોય ને એમ ને એમ નપુંસકની જેમ જિંદગી ચાલી જાય. શું થાય?

આ કરોડપતિ ને અબજોપતિ બધા મોટા નપુંસક છે. શું કીધું? અમે આ કરીએ ને અમે તે કરીએ-એમ રાગ અને પુણ્ય-પાપના વિકારને રચવામાં જેણે વીર્ય રોક્યું છે. પરમાત્મા કહે છે, એ બધા મહા નપુંસક છે. જુઓ, પરપદાર્થની રચના તો કોઈ કરી શકતું નથી કેમકે જગતના પદાર્થો સર્વ સ્વતંત્ર છે. પરંતુ જે વીર્ય પુણ્ય-પાપને રચે, શુભાશુભ રાગને રચે તે નપુંસક વીર્ય છે. કેમ? કેમકે તેને ધર્મની પ્રજા પાકતી નથી. જેમ નપુંસકને પ્રજા ન થાય તેમ શુભાશુભભાવની રચનાની રુચિમાં પડયો છે તેને ધર્મની પ્રજાની ઉત્પત્તિ થતી નથી. હવે આવી વાત દુનિયાને મળી નથી. ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી પરમ સત્ય વાત છે.

કહે છે-વિભાવમાં જે વીર્ય રોકાતું હતું તે જ્યારે સ્વભાવસન્મુખ થયું ત્યારે તેને ભવ્યશક્તિની વ્યક્તિ થાય છે. આ લીંડીપીપર આવે છે ને? પીપર-પીપર, તે રંગે કાળી અને કદમાં નાની હોય છે પણ તેમાં ૬૪ પહોરી અર્થાત્ પૂરણ સોળઆની તીખાશ અંદર શક્તિરૂપે ભરી છે. તેને ઘૂંટવાથી તેમાંથી ૬૪ પહોરી તીખાશ બહાર પ્રગટ થાય છે. ભાઈ! આ તો અંદર શક્તિ છે તે પ્રગટ થાય છે, પ્રાપ્તની પ્રાપ્તિ છે. લાકડા કે કોલસાને ઘૂંટો તો તેમાંથી તીખાશ પ્રગટ નહિ થાય, તેમાં તીખાશ ભરી નથી તો ક્યાંથી પ્રગટ થાય? તેમ ભગવાન આત્મા અંદર ૬૪ પહોર અર્થાત્ સોળઆની પૂરણ જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરેલું સત્ત્વ છે. તે સ્વભાવની સન્મુખ થઈને પરિણમતાં શક્તિની નિર્મળ વ્યક્તિ થાય છે. અંદર શક્તિ તો વિદ્યમાન છે જ, તે શક્તિની સન્મુખ થઈ, તેનો સ્વીકાર, સત્કાર અને આદર જ્યાં કર્યો કે તત્કાલ તે પર્યાયમાં વ્યક્તરૂપે પ્રગટ થાય છે. આનું નામ ધર્મ ને મોક્ષમાર્ગ છે.

અહાહા...! કહે છે- ‘ત્યાં જ્યારે કાળાદિ લબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ-શુદ્ધ-પારિણામિકભાવ લક્ષણ નિજ-પરમાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન- જ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે પરિણમે છે; તે પરિણમન આગમભાષાથી “ઔપશમિક”, “ ક્ષાયોપશમિક” તથા “ક્ષાયિક” એવા ભાવત્રય કહેવાય છે અને અધ્યાત્મભાવથી “ શુદ્ધાત્માભિમુખ પરિણામ”, “શુદ્ધોપયોગ” ઇત્યાદિ પર્યાયસંજ્ઞા પામે છે.’

જુઓ, સ્વભાવવાન વસ્તુ છે તે લક્ષ્ય છે અને શુદ્ધ સ્વભાવભાવ તે લક્ષણ છે, આત્મા એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ સહજ શુદ્ધ પારિણામિકભાવલક્ષણ પરમાત્મદ્રવ્ય છે. ખૂબ સૂક્ષ્મ વસ્તુ પ્રભુ! એને જાણ્યા વિના અવતાર કરી કરીને અનંતકાળ એ આથડી મર્યો છે. અરે! અનંતવાર એણે જૈન સાધુપણું લીધું, મહાવ્રત પાળ્‌યાં,


PDF/HTML Page 3144 of 4199
single page version

દયા પાળી, બાયડી-છોકરાં, દુકાન-ધંધા છોડયા પણ ભ્રાંતિ ન છોડી, આત્મજ્ઞાન ન કર્યું. રાગ અને અલ્પદશા તે હું નહિ, હું તો પૂરણ વીતરાગ-સર્વજ્ઞસ્વભાવી સહજ શુદ્ધપારિણામિકભાવલક્ષણ પરમાત્મદ્રવ્ય છું એમ અંતર્મુખ દ્રષ્ટિ ન કરી.

અહાહા...! વસ્તુ આત્મા સહજ શુદ્ધપારિણામિકભાવલક્ષણ પરમાત્મદ્રવ્ય છે, બાપુ! આ તો ઝેર ઉતારવાના મંત્રો છે. જેમ સર્પ કરડે અને ઝેર ચઢે તો તે મંત્રદ્વારા ઉતરી જાય તેમ રાગની એકત્વબુદ્ધિનાં એને અનાદિથી ઝેર ચઢેલાં છે તે ઉતારવાના આ મંત્રો છે. આ પુણ્યભાવ અને પુણ્યનાં ફળ જે ધૂળ (પૈસા આદિ) મળે તે મારાં એવી માન્યતા એ ભ્રાંતિ-મિથ્યાત્વનું ઝેર છે. અહા! તે મિથ્યાત્વના ઝેરે તેના સહજશુદ્ધસ્વભાવનો ઘાત કર્યો છે.

તો શું કર્મોએ ઘાત કર્યો છે એમ નહિ? ઉત્તરઃ– ના કર્મોએ ઘાત કર્યોનથી. પૂજામાં આવે છે ને કે-

“કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ,
અગ્નિ સહૈ ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.”

ભાઈ! કર્મનાં રજકણ તો જડ બીજી ચીજ છે, એ તો આત્માને અડતાંય નથી ત્યાં એ શું ઘાત કરે? પોતાના સ્વભાવની વિપરીત માન્યતા તે સ્વભાવનો ઘાત કરનારી ચીજ છે અને તેને મિથ્યાત્વ કહે છે. લ્યો, હવે આવી વાત સમજવા રોકાય નહિ ને વખત રળવા-કમાવામાં ગુમાવી દે. પણ એમાં શું છે? પુણ્યોદય હોય તો કરોડો કમાય પણ એ તો ધૂળની ધૂળ છે. સમજાણું કાંઈ... ...?

ભાઈ! આ તો તારું સત્યાર્થ સ્વરૂપ શું છે તે આચાર્યદેવ બતાવે છે. આ શક્કરિયાનો દાખલો ઘણીવાર આપીએ છીએ ને? જેમ શક્કરકંદ, તેના ઉપર ઝીણી લાલ છાલ છે તેને નજરમાં ન લ્યો તો, અંદર એકલી સાકરની મીઠાશનો પિંડ છે. સાકરની મીઠાશનો પિંડ છે એટલે તો એને શક્કરકંદ કહેવામાં આવે છે. અહાહા...! તે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, ઉપર પર્યાયમાં શુભાશુભભાવરૂપ જે લાલ છાલ છે તેને લક્ષમાં ન લ્યો તો, અંદર એકલા જ્ઞાનાનંદરૂપ અમૃતરસનો પિંડ છે. અહાહા...! શુભાશુભભાવની છાલ પાછળ અંદર ભગવાન! તું એકલા જ્ઞાનાનંદરસનો દરિયો ભર્યો છો. અહા! આવું પૂરણ પરમાત્મસ્વરૂપ એને કેમ બેસે? ભાઈ! આ ભગવાન જે પર્યાયમાં પરમાત્મા થઈ ગયા એની વાત નથી હોં; આ તો અંદર સ્વભાવરૂપ નિજપરમાત્મદ્રવ્યની વાત છે. તીર્થંકરાદિ પર પરમાત્માનું લક્ષ કરીશ તો તો તને રાગ જ થશે. ‘परदव्वादो दुग्गइ એવું શાસ્ત્રવચન છે. પરદ્રવ્ય પ્રત્યે લક્ષ જાય એ દુર્ગતિ છે ભાઈ!

ત્યારે કેટલાક વાંધો ઉઠાવે છે કે-વ્યવહારથી નિશ્ચય થાય છે.


PDF/HTML Page 3145 of 4199
single page version

તેને કહીએ છીએ કે તારી માન્યતા યથાર્થ નથી. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના પરિણામ વડે પુણ્યબંધ થાય છે, ધર્મ નહિ. શુભરાગ-મંદરાગના પરિણામ ધર્મનું કારણ નથી. શુભરાગ ધર્મ નહિ. ધર્મનું કારણેય નહિ.

ત્યારે તે કહે છે-શાસ્ત્રમાં શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે. હા, કહ્યું છે; પણ તેનો અર્થ શું? ચિદાનંદઘન સહજશુદ્ધ પારિણામિકભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્યનું જેને અંતરમાં ભાન વર્તી રહ્યું છે એવા ધર્મી જીવને શુભના કાળે અશુભ (મિથ્યાત્વાદિ) ટળી ગયેલ છે અને ક્રમે કરીને (વધતા જતા અંતઃપુરુષાર્થ અને વીતરાગતાને કારણે) શુભને પણ તે ટાળી દે છે એ અપેક્ષાએ એના શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે. ત્યાં ખરેખર તો ક્રમે વધતી જતી વીતરાગતા જ મોક્ષનું પરંપરા કારણ છે, પણ તે તે કાળમાં અભાવરૂપ થતો જતો શુભરાગ આવો હોય છે તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી તેને મોક્ષનું પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. ખરેખર તે કાંઈ મોક્ષનું કારણ વા પરંપરા કારણ છે એમ નથી, ખરેખર તો રાગ અનર્થનું જ કારણ છે; તે અર્થનું-હિતનું કારણ કેમ થાય? કદીય ન થાય. આવી વાત છે. જગત માને કે ન માને, આ સત્ય છે.

અરે! એ અનાદિકાળથી રખડી મર્યો છે. પોતાનું સત્ કેવડું મોટું અને કેટલા સામર્થ્યવાળું છે એની એને ખબર નથી. અહીં કહે છે-ભગવાન! તું પોતે સહજ શુદ્ધપારિણામિકભાવલક્ષણ પરમાત્મદ્રવ્ય છો. બહિરાત્મા. અંતરાત્મા અને પરમાત્મા-એ તો પર્યાયની વાત છે; એ વાત આ નથી. આ તો પોતે શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન ત્રિકાળી ધ્રુવ પરમાત્મ-દ્રવ્ય છે એની વાત છે. અરે! અનંતકાળમાં એને આત્માનું પ્રમાણ નામ માપ કરતાં આવડયું નથી; એનાં માપલાં જ ખોટાં છે.

જુઓ, એક રવિવારની રજાના દિવસે એક નાના છોકરાનો બાપ પ૦ હાથ આલપાકનો તાકો ઘેર લઈ આવ્યો પેલા છોકરાને થયું કે હું એને માપું. એણે પોતાના હાથથી ભરીને માપ્યો અને એના બાપને કહ્યું- ‘બાપુજી, આ કાપડનો તાકો તો ૧૦૦ હાથનો છે.’ ત્યારે તેના બાપે સમજણ પાડી કે-ભાઈ! આ તારા નાનકડા હાથનાં માપ અમારા વેપારના કામમાં જરાય ન ચાલે. તેમ પરમ પિતા સર્વજ્ઞ પરમેશ્વર કહે છે-ભાઈ! ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું માપ તારી મતિ-કલ્પનાથી તું કરવા જાય પણ મોક્ષના મારગમાં તારું એ માપ ન ચાલે. તારા કુતર્ક વડે ભગવાન ચૈતન્યમૂર્તિસ્વરૂપ આત્માનું માપ નહિ નીકળે, ભાઈ! અરે ધર્મના બહાને વ્રત, ભક્તિ, પૂજા, દયા, દાન આદિ શુભરાગમાં રોકાઈને લોકો ઉંધા રસ્તે ચઢી ગયા છે. એ ભાવ (-શુભભાવ) અશુભથી બચવા પૂરતો હોય છે ખરો, પણ તે ભાવ ધર્મ કે ધર્મનું કારણ છે એમ કદીય નથી.


PDF/HTML Page 3146 of 4199
single page version

અહીં કહે છે-સહજ શુદ્ધ નિજપરમાત્મદ્રવ્યનું અંતઃશ્રદ્ધાન કરવું એનું નામ સમ્યગ્દર્શન છે. શું કીધું? આ દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન એમ નહિ, કેમકે એ તો રાગ છે. આ તો ‘અપ્પા સો પરમ અપ્પા’ અર્થાત્ ભગવાન આત્મા અંદર સદા પરમાત્મસ્વરૂપે વિરાજે છે, તેની સન્મુખ થઈને જેવી અને જેવડી પોતાની ચીજ છે તેવી અને તેવડી એની પ્રતીતિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જ્ઞેય બનાવી હું આ (-શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન પરમજ્યોતિ સુખધામ) છું એવી પ્રતીતિ કરવી એનું નામ અંતઃશ્રદ્ધાન છે. એને આત્માનું અંતઃશ્રદ્ધાન કહો, રુચિ કહો કે સમ્યગ્દર્શન કહો-એક જ વાત છે. સમજાણું કાંઈ....?

વળી વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જ્ઞેય બનાવતાં નિજપરમાત્મદ્રવ્યનું જે પરિજ્ઞાન થયું તેનું નામ સમ્યગ્જ્ઞાન છે. ઘણા શાસ્ત્રોનું જ્ઞાન-ભણતર તે સમ્યગ્જ્ઞાન એમ નહિ, કેમકે એ તો પરલક્ષી જ્ઞાન છે. આ તો પોતે અંતરમાં ભગવાન આત્મા પૂરણ એક જ્ઞાનસ્વભાવી પરમાત્મદ્રવ્ય છે. તેની સન્મુખતા થતાં ‘હું આ છું’ -એમ જ્ઞાન થવું એનું નામ આત્મજ્ઞાન-સમ્યગ્જ્ઞાન છે. દશામાં ભલે રાગ હો, અલ્પજ્ઞતા હો, વસ્તુ પોતે અંદર પૂરણ પરમાત્મસ્વરૂપ છે. આવા પોતાના પરમાત્મસ્વરૂપનું જ્ઞાન થવું તેને સમ્યગ્જ્ઞાન કહે છે. લ્યો, આવો વીતરાગનો મારગ લૌકિકથી ક્યાંય મેળ ન ખાય એવો છે.

ઓહો! ‘નિજપરમાત્મદ્રવ્યનું સમ્યક્ શ્રદ્ધાન’ -એમ કહીને એક સમયની પર્યાય; કે રાગ કે દેવ-શાસ્ત્ર-ગુરુ-કોઈ એના શ્રદ્ધાનનો વિષય જ નથી એમ સિદ્ધ કર્યું છે. ગજબ વાત છે ભાઈ! જેવું પોતાનું ત્રિકાળી સત્ છે તેવું તેનું શ્રદ્ધાન-જ્ઞાન થવું તેને અહીં સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન કહ્યું છે. લ્યો, આવી ચુસ્ત-આકરી શરતો છે.

વળી નિજપરમાત્મદ્રવ્યનું અનુચરણ એનું નામ ચારિત્ર છે. મહાવ્રતાદિ પાળવાં એ ચારિત્ર એમ નહિ, કેમકે એ તો રાગ છે. આ તો ચિદાનંદઘન એવું જે સ્વસ્વરૂપ તેમાં ચરવું-રમવું એનું નામ સમ્યક્ચારિત્ર છે. ઓહો! અંદર આનંદનો નાથ પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપે વિરાજે છે તેને અનુસરીને ચરવું, તેમાં રમવું અને તેમાં જ ઠરવું એને આત્મચરણ નામ સમ્યક્ચારિત્ર કહે છે.

પૂર્વે અનંતકાળમાં અનુભવી નથી એવી આ અપૂર્વ-અપૂર્વ વાતો છે. ભાઈ! તું એકવાર રુચિથી સાંભળ. અહીં કહે છે-જેણે અંતરમાં આત્માને ભાળ્‌યો છે, હું આ છું-એમ પ્રતીતિમાં લીધો છે એવો સમકિતી ધર્મી પુરુષ એને જ (આત્મદ્રવ્યને જ) અનુસરીને એમાં રમે એનું નામ સમ્યક્ચારિત્ર છે. જેણે પોતાનું અંતઃતત્ત્વ શું છે એ ભાળ્‌યું નથી, શ્રદ્ધયું નથી તે રમે તો શેમાં રમે? તે રાગમાં ને વર્તમાન


PDF/HTML Page 3147 of 4199
single page version

પર્યાયમાં રમશે, અને એ તો મિથ્યાત્વભાવ છે. કોઈ મહાવ્રતના ભાવ પાળીને એને ધર્મ માને પણ બાપુ! એ ધર્મ નહિ, એ મિથ્યાત્વભાવ છે. બહુ આકરી વાત! પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ એવું છે.

જેમ સોનું છે તે વસ્તુ છે; પીળાશ, ચીકાશ, વજન આદિ તેની શક્તિઓ છે; તેમાંથી કુંડળ, કડું, વીંટી વગેરે અવસ્થા થાય તેને પર્યાય કહેવાય છે. તેમ આ ભગવાન આત્મા સોના સમાન ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે; પરમપારિણામિકભાવ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવ તેનો ભાવ છે; તેની જ્ઞાન, દર્શન આદિ નિર્મળ દશા પ્રગટ થાય તે પર્યાય છે. વસ્તુ ને વસ્તુનો સ્વભાવ ત્રિકાળ ધ્રુવ છે, પર્યાય પરિણમનશીલ છે.

પ્રવચનસારમાં (ગાથા ૧૬૦) આવે છે કે- બાળ, યુવાન અને વૃદ્ધ એ તો શરીરની અવસ્થા છે; તેનો હું કર્તા નથી, કરાવનાર નથી, અનુમોદક નથી; તેમ તેનું હું કારણ પણ નથી. આ શરીરની યુવાન અવસ્થા હો કે વૃદ્ધ, સરોગ હો કે નિરોગ-એવી કોઈ પણ અવસ્થા હો-તેને મેં કરી નથી, કરાવી નથી, હું તેનો અનુમોદક નથી; તેમ તે તે અવસ્થાનું હું કારણ પણ નથી. અહા! આવો જે હું આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ પરમાત્મદ્રવ્ય છું. તેનું સમ્યક્ શ્રદ્ધાન થાય તે પર્યાય છે, તેનું સમ્યક્જ્ઞાન ને અનુચરણ થાય તે પર્યાય છે. આગમભાષાથી કથન કરીએ તો તેને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા ભાવત્રયપણે કહેવામાં આવે છે.

જેમ પાણીમાં મેલ નીચે બેસી જાય એટલે પાણી નીતરીને નિર્મળ થઈ ગયું હોય છે તેમ જેમાં કષાય દબાઈ ગયો હોય છે એવી પર્યાય નિર્મળ પ્રગટ થાય છે અને તે દશાને ઉપશમભાવ કહે છે. કંઈક નિર્મળતા અને હજુ મલિનતાનો અંશ પણ છે એવી દશાને ક્ષયોપશમભાવ કહે છે અને રાગનો જેમાં સર્વથા ક્ષય થઈ જાય એ પર્યાયને ક્ષાયિકભાવ કહે છે. આ ત્રણને ભાવત્રય કહેવામાં આવે છે. આ ત્રણ ભાવ મોક્ષમાર્ગરૂપ છે; તેમાં (મોક્ષમાર્ગમાં) ઉદયભાવ સમાતો નથી. આ વ્યવહારરત્નત્રયના પરિણામ જે ઉદયભાવ છે તે મોક્ષમાર્ગમાં સમાતા નથી. લ્યો, આવી વાત; પછી એનાથી (વ્યવહારથી) નિશ્ચય થાય એ વાત ક્યાં રહી? વાસ્તવમાં નિશ્ચય રત્નત્રય પરમ નિરપેક્ષ છે; તેમાં વ્યવહારરત્નત્રયની કોઈ અપેક્ષા નથી. (નિયમસારની બીજી ગાથામાં આ વાત આવી ગઈ છે.)

ભાઈ! આ વાત અત્યારે બીજે ક્યાંય ચાલતી નથી એટલે તને કઠણ લાગે છે પણ આ પરમ સત્ય છે. પં. શ્રી દીપચંદજી બસો વર્ષ પહેલાં થઈ ગયા. અધ્યાત્મપંચસંગ્રહમાં તેઓ લખી ગયા છે કે-બહાર જોઉં છું તો વીતરાગના આગમ પ્રમાણે કોઈની શ્રદ્ધા દેખાતી નથી, તેમ આગમના સિદ્ધાંતનું સ્પષ્ટ રહસ્ય કહેનારા કોઈ વક્તા પણ જોવામાં આવતા નથી; વળી કોઈને મોઢેથી આ વાત કહીએ તો કોઈ


PDF/HTML Page 3148 of 4199
single page version

તે માનતા નથી. માટે હું આ તત્ત્વની વાત લખી જાઉં છું.

પ્રશ્નઃ– હા, પણ ગુરુદેવ! અત્યારે શું સ્થિતિ છે? ઉત્તરઃ– અત્યારે તો આ વાતની હા પાડનારા રુચિવાળા જીવો પાકયા છે. દિગંબરોમાંથી તેમ શ્વેતાંબરોમાંથીય હજારો લોકો આ વાત સમજતા થયા છે. જાણે આ વાતને સમજવાની જાગૃતિનો આ કાળ છે.

ઓહો! ભગવાન આત્મા ત્રિકાળી પરમસ્વભાવભાવરૂપ પરમપારિણામિકભાવ- લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય છે; તેનાં શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્રની જે નિર્મળ દશા પ્રગટ થાય તેને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એમ ભાવત્રય કહેવામાં આવે છે.

એ તો પહેલાં આવી ગયું કે ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે અને શુદ્ધ પારિણામિકભાવ દ્રવ્યરૂપ છે. એ ચાર પર્યાયરૂપ ભાવોમાંથી ત્રણ ભાવથી મુક્તિ થાય છે અર્થાત્ ત્રણભાવ છે તે મોક્ષમાર્ગરૂપ છે, જ્યારે ચોથો ઔદયિકભાવ મોક્ષમાર્ગની બહાર છે અર્થાત્ ઔદયિકભાવથી મુક્તિ થતી નથી. હવે આવી વાત વ્યવહાર કરતાં કરતાં મોક્ષ થઈ જશે એમ માનનારા ઓલા વ્યવહારરસિયાઓને રુચતી નથી. પણ શું થાય? વ્યવહારનો જે રાગ છે તે ઔદયિકભાવ છે અને ઔદયિકભાવ મુક્તિનું-મોક્ષનું કારણ નથી.

એક મુમુક્ષુભાઈ કરોડપતિ છે, તે એકવાર એમ બોલ્યા, “મહારાજ! તમારી વાત મને એમ તો ઠીક લાગે છે, પણ મને એ ઘણા ભવ પછી સમજાશે.” અરે ભાઈ! આ વાત ઠીક લાગે છે એને ઘણા ભવ કેમ હોય? માટે તું એમ કહે ને કે મને આમાં ઠીક લાગતું નથી. શું થાય? લોકોને આવું પરમ તત્ત્વ સમજવું કઠણ પડે છે. પણ બાપુ! આ તો દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માથી આવેલી પરમ સત્ય વાત છે.

અહા! ચોરાશીના અવતારમાં ક્યાંય એકેન્દ્રિયાદિમાં રખડતાં રખડતાં માંડ આ મનુષ્યભવ મળ્‌યો છે. એમાં બહારમાં હો-હા કરીને રળવા-કમાવામાં એને તું વીતાવી દે તો જિંદગી એળે જાય.

પણ પૈસા-ધન તો મળે ને? શું ધૂળ પૈસા મળે? એ તો પુણ્યોદય હોય તો ઢગલા થઈ જાય; પણ એમાં શું છે? એ તો ધૂળની ધૂળ છે બાપુ! જેનાથી જન્મ-મરણના ફેરા ન મટે એ ચીજ શું કામની? અહો! આવી સર્વજ્ઞ પરમેશ્વરની વાણી ભાગ્ય હોય તો કાને પડે. લોકો તો સંપ્રદાયમાં સાંભળવા જાય. પણ ખુલ્લું કરીને કહીએ તો સંપ્રદાયનાં શાસ્ત્રો છે તે ભગવાનનાં કહેલાં નથી, કલ્પનાથી લખાયેલાં છે; માટે એ વાણીથી ભ્રાંતિ ટળે


PDF/HTML Page 3149 of 4199
single page version

એમ કદીય બને નહિ. લોકોને ઠીક પડે ન પડે, માર્ગ તો આવો છે ભાઈ! સર્વ જીવો પોતપોતામાં સ્વતંત્ર છે.

મહાવિદેહક્ષેત્રમાં અત્યારે સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા સીમંધરસ્વામી બિરાજે છે; પાંચસો ધનુષ્યનો તેમનો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે, ત્રિકાળજ્ઞાની છે ને પોતે તીર્થંકરપદમાં બિરાજે છે. બીજા લાખો કેવળી ભગવંતો પણ ત્યાં બિરાજે છે. ત્યાંથી આવેલી આ વાણી છે, તેમાં આ કહે છે કે - આગમભાષાથી ઉપશમ આદિ એ જે ભાવત્રય કહેવાય છે તે મોક્ષનું કારણ છે, અને ઉદયભાવ તે મોક્ષનું કારણ નથી. શું કીધું? આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ને શુભવૃત્તિ ઉઠે છે તે રાગ છે, વિકાર છે અને તે મોક્ષનું-સુખનું કારણ નથી. ભાવપાહુડની ગાથા ૮૩માં કહ્યું છે કે વ્રત, પૂજા, ભક્તિ આદિ છે એ કાંઈ જૈનધર્મ નથી, વીતરાગતામય ધર્મ નથી; એ તો બધી રાગની ક્રિયાઓ છે, એના વડે પુણ્ય થાય છે, ધર્મ નહિ.

વાસ્તવમાં શુદ્ધ પારિણામિકભાવવિષયક જે ભાવના તે-રૂપ જે ઔપશમાદિક ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાથી શુદ્ધ ઉપાદાનકારણભૂત હોવાથી મોક્ષનાં કારણ છે, ચાહે ઉપશમભાવ હો, ક્ષયોપશમભાવ હો કે ક્ષાયિકભાવ હો-એ ત્રણે ભાવ રાગના વિકલ્પથી રહિત શુદ્ધ છે અને તેથી તેને મોક્ષમાર્ગપણે ભાવત્રય કહેવામાં આવે છે.

પોતાની ચીજની ખબરેય ન મળે અને ઓઘે ઓઘે માને કે ભગવાનની ભક્તિ કરો તો ભગવાન મોક્ષ આપી દેશે. પણ ભાઈ! જરા વિચાર તો કર. ભગવાન તને શું આપશે? તારી ચીજ તો તારી પાસે પડી છે; ભગવાન તને ક્યાંથી આપશે? વળી ભગવાન તો પૂરણ વીતરાગ પ્રભુ નિજાનંદરસલીન પરિણમી રહ્યા છે. તેમને કાંઈ લેવું- દેવું તો છે નહિ તો તેઓ તને મોક્ષ કેમ આપશે?

તો ભગવાનને મોક્ષદાતાર કહેવામાં આવે છે ને? હા, કહેવામાં આવે છે. એ તો ભગવાને પોતે પોતામાં પોતાથી નિજાનંદલીન થઈ મોક્ષદશા પ્રગટ કરી અને પોતાને જ તે દીધી તો તેમને મોક્ષદાતાર કહીએ છીએ. તથા કોઈ જીવ તેમને જોઈ, તેમનો ઉપદેશ પામી સ્વયં અંતર્લીન થઈ જ્ઞાનદર્શન પ્રગટ કરે તો તેમાં ભગવાન નિમિત્ત છે. તો નિમિત્તની મુખ્યતાથી ભગવાનને ઉપચાર માત્ર મોક્ષદાતાર કહેવામાં આવે છે, લ્યો, આવી વાત છે.

જુઓ, એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર છે; તેમને શરીરની દશા નગ્ન હોય છે. તેમને ‘અરિહંત’ ભગવાન કહેવામાં આવે છે. ‘અરિહંત’ એટલે શું? ‘અરિ’ નામ પુણ્ય ને પાપના વિકારી ભાવ; અને તેને જેઓએ હણ્યા છે તે અરિહંત છે. લ્યો, હવે પુણ્યભાવને જ્યાં અરિ


PDF/HTML Page 3150 of 4199
single page version

અર્થાત્ વેરી કહ્યો છે ત્યાં તે ભાવ ધર્મ પ્રગટ થવામાં મદદ કરે એ કેમ બને? ભાઈ! હરકોઈ પ્રકારે આ સ્પષ્ટ છે કે એ પુણ્યભાવ ઔદયિકપણે છે અને તે મોક્ષનું કારણ નથી, મોક્ષના કારણરૂપ તો ઉપશમાદિ ભાવત્રય કહેવામાં આવ્યા છે.

વળી કહે છે-નિજપરમાત્મદ્રવ્યના સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ જે પરિણામ છે તે અધ્યાત્મભાષાથી ‘શુદ્ધાત્માભિમુખ પરિણામ’ , ‘શુદ્ધોપયોગ’ ઇત્યાદિ નામથી કહેવાય છે. જોયું? શું કહે છે? કે આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન અને આત્માનું અનુચરણ એ ત્રણેય ભાવ શુદ્ધાત્માની સન્મુખના પરિણામ છે. લ્યો, આમ લોકોની વાતમાં અને આ વીતરાગતાના તત્ત્વની વાતમાં આવડો મોટો ફેર છે. આવે છે ને કે-

આનંદા કહે પરમાનંદા, માણસે માણસે ફેર;
એક લાખે તો ના મળે, એક તાંબિયાના તેર.

અહા! અજ્ઞાનીની માનેલી શ્રદ્ધામાં અને ભગવાન વીતરાગ પરમેશ્વરે કહેલા તત્ત્વની શ્રદ્ધામાં વાતે વાતે ફેર છે.

અહાહાહા....! સર્વજ્ઞદેવ ત્રિલોકીનાથ અરિહંત પરમાત્મા એમ ફરમાવે છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ છે તે શુદ્ધાત્માભિમુખ છે, અર્થાત્ તે પરિણામ રાગથી તે પરથી વિમુખ અને સ્વભાવથી સન્મુખના પરિણામ છે. અહા! જેને આગમભાષાએ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ કહીએ તે શુદ્ધાત્માભિમુખ અર્થાત્ સ્વભાવસન્મુખના પરિણામ છે અને તેને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ....?

અનંતકાળથી પ્રભુ! તું દુઃખી થવાના પંથે દોરાઈ ગયો છો. અહીં તને સુખી થવાનો પંથ બતાવે છે. શું કહે છે? કે પરથી વિમુખ અને સ્વથી સન્મુખ એવા નિજ પરિણામનું નામ મોક્ષનો મારગ છે. સાક્ષાત્ સર્વજ્ઞ પરમેશ્વર હોય તોપણ તેઓ તારા માટે પરદ્રવ્ય છે ભાઈ! તેમના પ્રતિ તને જે ભક્તિ હોય એનાથી વિમુખ અને એ રાગને જાણવાની એક સમયની પર્યાયથી પણ વિમુખ શુદ્ધ આત્મદ્રવ્યની સન્મુખના જે પરિણામ તેને ભગવાન મોક્ષનો મારગ ફરમાવે છે. સાવ અજાણ્યા માણસને તો આ પાગલના જેવી વાત લાગે. પણ શું કરીએ? નાથ! તને તારી ખબર નથી!

શુદ્ધ આત્મવસ્તુ સહજશુદ્ધપારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય છે. તેની સન્મુખના પરિણામને આગમભાષાથી ઉપશમાદિ ભાવત્રય કહીએ છીએ, અધ્યાત્મભાષાથી તેને શુદ્ધાત્માભિમુખ કહીએ છીએ અને તેને જ મોક્ષનો માર્ગ કહીએ છીએ. ભાઈ! દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ છે તે તો ઔદયિકભાવ છે અને


PDF/HTML Page 3151 of 4199
single page version

તે પરસન્મુખના ભાવ છે. તેથી તે ધર્મ નથી, તેમ ધર્મનું કારણેય નથી. સ્વાભિમુખ સ્વદશા જ એક મોક્ષનું કારણ છે, મારગ આવો સૂક્ષ્મ છે ભાઈ!

એક મોટા પંડિત એક કહેતા હતા કે પર્યાયમાં જો અશુદ્ધભાવ થાય તો આખું દ્રવ્ય અશુદ્ધ થઈ જાય.

અરે ભાઈ! તું શું કહે છે આ? શુદ્ધ આત્મદ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. ત્રિકાળી દ્રવ્ય કદીય અશુદ્ધ થતું જ નથી. પર્યાયમાં વિકાર-અશુદ્ધતા થાય છે. શુભાશુભ વખતે દ્રવ્યની પર્યાય તેમાં તન્મય છે. દ્રવ્યની પર્યાય અશુદ્ધતાથી તન્મય છે, પણ તેથી કાંઈ ત્રિકાળી દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે એમ નથી. પરિણામ ભલે શુભ કે અશુભ હો, તે કાળે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તો શુદ્ધ જ છે. અનાદિ-અનંત વસ્તુતત્ત્વ તો શુદ્ધ જ છે, અને જ્યાં શુભાશુભથી ખસીને જીવ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરે છે ત્યાં તત્કાલ જ પર્યાય પણ શુદ્ધ થઈ જાય છે. સમજાણું કાંઈ...? પરથી ખસ, સ્વમાં વસ, ટૂંકું ને ટચ, આટલું બસ’ -બસ આ વાત છે.

ઈંદોરના શેઠ સર હુકમચંદજી અહીં આવેલા; ૮૩ વર્ષની ઉંમરે દેહ છૂટી ગયો, તેઓ કહેતા હતા- ‘તમે કહો છો એ માર્ગ તો બીજે ક્યાંય સાંભળવા મળતો નથી. તમે કહો છો એ હિસાબે તો ભાવલિંગી સાચા સંત વર્તમાનમાં કોઈ દેખાતા નથી.’

લોકોને આ વાત કઠણ પડે. કેટલાકને આમાં અપમાન જેવું લાગે. પણ બાપુ! આ તો વાસ્તવિકતા છે. તારી અવાસ્તવિક માન્યતા ટળે અને સત્યાર્થ વાત તને સમજાય એ હેતુથી આ તારા હિતની વાત કહેવાય છે. ભાઈ! કોઈના અનાદર માટેની આ વાત નથી; (આ તો સ્વસ્વરૂપના આદરની વાત છે).

આત્મા જે પરમભાવસ્વરૂપ ત્રિકાળી નિજ પરમાત્મદ્રવ્ય છે તેનું જે સમ્યક્શ્રદ્ધાન- જ્ઞાન-અનુચરણરૂપ પરિણામ તેને ‘શુદ્ધોપયોગ’ પર્યાયસંજ્ઞાથી કહેવામાં આવે છે, અને તે સ્વાભિમુખ પરિણામ છે. પુણ્ય ને પાપના જે ભાવ થાય તે તો અશુદ્ધોપયોગ છે અને તે પરસન્મુખના પરિણામ છે. આત્માની સન્મુખના જે સ્વાભિમુખ પરિણામ છે તેને ‘શુદ્ધોપયોગ’ કહે છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો માર્ગ છે એમ કહેતાં જ વ્યવહારરૂપ જે શુભોપયોગ છે તે મોક્ષમાર્ગ નથી એમ તેમાં સ્પષ્ટ થઈ જાય છે.

અરે ભાઈ! તું થોડા દિ’ શાંત ચિત્તે ધીરજથી આ વાત સાંભળ! બાપુ! આ કાંઈ વાદવિવાદ કરવાનો વિષય નથી, ને અમે કોઈથી વાદવિવાદમાં ઉતરતા પણ નથી. આ તો શુદ્ધ વીતરાગી તત્ત્વની જે અંતરની વાત છે તે કહીએ છીએ. બાકી વાદથી કાંઈ અંતરનું તત્ત્વ પમાય એમ નથી.


PDF/HTML Page 3152 of 4199
single page version

ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યમય અનંતગુણનિધાન પ્રભુ એક સમયમાં પરિપૂર્ણ વસ્તુ છે. તેની સન્મુખના પરિણામ થાય તેને અહીં શુદ્ધોપયોગ કહ્યો છે અને તેને જ મોક્ષમાર્ગ કહ્યો છે. વળી તેને જ શુદ્ધાત્મભાવના, શુદ્ધરત્નત્રય, વીતરાગતા, સ્વચ્છતા, પવિત્રતા, પ્રભુતા, સામ્યભાવ ઇત્યાદિ કહીએ છીએ. અહીં તો આ ચોકખી વાત છે. આ સિવાય (સ્વસન્મુખના પરિણામ સિવાય) દયા, દાન આદિના જે પરિણામ થાય તે કાંઈ વાસ્તવમાં જૈનધર્મ નથી. આ મંદિરમાં ને શાસ્ત્રના પ્રકાશનમાં લાખો રૂપિયાનું દાન લોકો આપે છે ને? અહીં કહે છે-એ ધર્મ નથી, બહુ આકરી વાત ભાઈ! એ રૂપિયા તો બધા પર જડ માટી-ધૂળ છે. એ તો પોતાના કાળમાં પોતાની ક્રિયાવતીશક્તિના કારણે આવે અને જાય. ત્યાં પરનો સ્વામી થઈને તું માન કે મેં પૈસા દાનમાં આપ્યા તો એ તો ભ્રમભરી તારી મૂઢમતિ છે.

શાંતિપ્રસાદ સાહૂજી પ્રાંતીજમાં આવ્યા હતા; ત્રણ વ્યાખ્યાન સાંભળી ગયા. ગયા વર્ષે આ શરીરને ૮૭ મું વર્ષ બેઠું ત્યારે જન્મ-જયંતિ વખતે દાદરમાં તેમણે ૮૭૦૦૦ ની રકમ તેમના તરફથી જાહેર કરી હતી. તે વખતે તેમને અમે કહેલું- શેઠ, દાન આપવામાં રાગ મંદ હોય તો પુણ્યબંધનું કારણ બને, પણ તે કાંઈ ધર્મનું કારણ નથી.

ભાઈ! ધર્મ તો એક શુદ્ધાત્મસન્મુખ પરિણામ જ છે. તેને અહીં શુદ્ધોપયોગ કહેલ છે. તેને શુદ્ધોપયોગ કહો, વીતરાગવિજ્ઞાન કહો, સ્વચ્છતાના પરિણામ કહો, અનાકુળ આનંદના પરિણામ કહો, શુદ્ધાત્માભિમુખ પરિણામ કહો કે શાંતિના પરિણામ કહો-તે આવા અનેક નામથી કહેવાય છે. અહાહા...! શાંતિ... શાંતિ.... શાંતિ... ભગવાન આત્મા પૂરણ શાંતિથી ભરેલું ચૈતન્યતત્ત્વ છે. તેની સન્મુખતાના જે પરિણામ થાય તે પણ શાંત.. શાંત... શાંત.. અકષાયરૂપ શાંત વીતરાગી શુદ્ધ પરિણામ છે. વસ્તુ પોતે પૂરણ અકષાય શાંતસ્વરૂપ છે, અને તેની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા-એ પણ અકષાયસ્વરૂપ શાંત... શાંત... શાંત છે; આને જ મોક્ષનો અર્થાત્ પૂરણ પરમાનંદની પ્રાપ્તિનો ઉપાય કહે છે. આ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહિ.

ભાઈ! અનાદિ-અનંત સદા એકરૂપ પરમસ્વભાવભાવસ્વરૂપ નિજપરમાત્મદ્રવ્ય તે ધ્રુવ ત્રિકાળ છે, ને મોક્ષમાર્ગ તે પરમસ્વભાવભાવના આશ્રયે પ્રગટેલી વર્તમાન પર્યાય છે. એક ત્રિકાળભાવ ને એક વર્તમાન પર્યાયભાવ; આવા દ્રવ્યપર્યાયરૂપ બન્ને સ્વભાવો વસ્તુમાં એકસાથે છે. વસ્તુ કદી પર્યાય વગરની હોય નહિ; દરેક સમયે તે નવી નવી પર્યાયે પરિણમ્યા કરે છે. તે પર્યાય જો અંતર્મુખ સ્વભાવભાવમાં ઢળેલી હોય તો તે મોક્ષનું કારણ છે, ને બહિર્મુખ પરભાવમાં ઢળેલી હોય


PDF/HTML Page 3153 of 4199
single page version

તો તે બંધનું કારણ છે. આમ બંધ-મોક્ષની રમતુ તારી પર્યાયમાં જ સમાય છે; બીજું કોઈ તારા બંધ-મોક્ષનું કારણ નથી. પોતાના પરમસ્વભાવમાં એકાગ્ર થઈને આનંદને અનુભવનારી ધ્રુવમાં ઢળેલી ને ધ્રુવમાં ભળેલી જે દશા થાય તે મોક્ષમાર્ગ છે અને તે ધર્મ છે. ધ્રુવસામાન્યને ધ્યેયમાં લઈને જે દશા પ્રગટી તે નવી છે; ધ્રુવ નવું નથી પ્રગટયું પણ નિર્મળ અવસ્થા નવી પ્રગટી છે, ને તે વખતે મિથ્યાત્વાદિ જૂની અવસ્થાનો નાશ થયો છે. નાશ થવું ને ઉપજવું તે પર્યાયધર્મ છે, ને ટકી રહેવું તે દ્રવ્યસ્વરૂપ છે. આવી વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ છે, અહો! દ્રવ્ય અને પર્યાયનું આવું અલૌકિક સત્યસ્વરૂપ સર્વજ્ઞભગવાને સાક્ષાત્ જોઈને ઉપદેશ્યું છે. અહા! આને સમજતાં તો તું ન્યાલ થઈ જાય અને તેના ફળમાં કેવળજ્ઞાન ફળે એવી આ અલૌકિક વાત છે!

નિજ પરમાત્મદ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ છે, પરના આશ્રયે મોક્ષમાર્ગ નથી. શું કીધું? આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ એ ત્રણે સ્વાશ્રિત પરિણામ છે, તેમાં પરનું કે રાગનું અવલંબન જરાય નથી. તે ત્રણેય ભાવો શુદ્ધાત્માભિમુખ છે ને પરથી વિમુખ છે. આ રીતે મોક્ષમાર્ગ અત્યંત નિરપેક્ષ છે, પરમ ઉદાસીન છે. જેટલા પરસન્મુખના પરાશ્રિત રાગાદિ વ્યવહારભાવો છે તે કોઈપણ મોક્ષમાર્ગ નથી. સ્વાભિમુખ સ્વાશ્રિત પરિણામમાં વ્યવહારના રાગની ઉત્પત્તિ જ થતી નથી. માટે તે રાગાદિભાવો મોક્ષમાર્ગ નથી; જે સ્વાશ્રિત નિર્મળરત્નત્રયરૂપ ભાવ છે તે જ મોક્ષમાર્ગ છે, અને તે જ ધર્મ છે. તેને જ આગમ ભાષાથી ઉપશમાદિ ભાવત્રય કહેવામાં આવેલ છે.

આ પ્રમાણે પાંચ ભાવોમાંથી મોક્ષનું કારણ કોણ છે તે બતાવ્યું; તેનાં બીજાં અનેક નામોની ઓળખાણ કરાવી. હવે કહે છે-

‘તે પર્યાય શુદ્ધપારિણામિકભાવ લક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે.’

શું કીધું? કે જે શુદ્ધ પારિણામિકભાવલક્ષણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનાથી તે મોક્ષમાર્ગની પર્યાય કથંચિત્ ભિન્ન છે. જે પરિણામને આગમભાષાએ ઉપશમ આદિ ભાવત્રયપણે કહ્યા અને અધ્યાત્મભાષાએ જેને શુદ્ધાત્માભિમુખ પરિણામ વા શુદ્ધોપયોગ પરિણામ કહ્યા તે પરિણામ ત્રિકાળી પરમસ્વભાવભાવરૂપ નિજ પરમાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. જુઓ, મોક્ષમાર્ગનાં દ્રવ્યસંગ્રહમાં ૬પ નામ આપ્યાં છે. એ બધાં સ્વસ્વભાવમય ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મદ્રવ્યના આશ્રયે પ્રગટેલા શુદ્ધોપયોગરૂપ પરિણામનાં નામાંતર છે. અહીં કહે છે-તે પરિણામ શુદ્ધ પારિણામિકભાવલક્ષણ શુદ્ધ આત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે, ઝીણી વાત છે પ્રભુ!


PDF/HTML Page 3154 of 4199
single page version

રાગાદિ પુણ્ય-પાપના ભાવ તો ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન જ છે કેમકે રાગાદિ છે તે દોષ છે, ઉદયભાવ છે, ને બંધનું કારણ છે, જ્યારે ભગવાન આત્મા સદા નિર્દોષ, નિરપેક્ષ અને અબંધ તત્ત્વ છે. ભાઈ! આ વ્યવહારરત્નત્રયના ભાવ, દેવ-શાસ્ત્ર- ગુરુની ભેદરૂપ શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન ને પંચમહાવ્રતના પરિણામ ઇત્યાદિ જે મંદરાગના પરિણામ છે તે કર્મના ઉદયે ઉત્પન્ન થયેલા ઔદયિક ભાવ છે. તે ઉદયભાવ બંધનું કારણ છે અને તેથી તે પરિણામ શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન છે અર્થાત્ તે પરિણામમાં શુદ્ધ આત્મદ્રવ્ય નથી.

અહીં તો વિશેષ એમ કહે છે કે-પૂર્ણાનંદમય પરમાનંદમય એવો જે મોક્ષ છે તેનો ઉપાય જે શુદ્ધોપયોગરૂપ મોક્ષમાર્ગ તે ભાવ એક સમયની પર્યાયરૂપ છે અને તે ભાવ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર એ ત્રણે પર્યાય છે, શુદ્ધોપયોગ છે તે પર્યાય છે; એ પર્યાય, અહીં કહે છે, શુદ્ધપારિણામિકભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. અહા! જેમાં કાંઈ પલટના નથી, બદલવું નથી એવી પોતાની ત્રિકાળી ધ્રુવ ચીજ શુદ્ધ આત્મવસ્તુ જેને અહીં શુદ્ધ પારિણામિકભાવલક્ષણ કહી એનાથી સ્વાભિમુખ પ્રગટ થયેલા મોક્ષમાર્ગના પરિણામ કથંચિત્ ભિન્ન છે એમ કહે છે. અહો! જૈન તત્ત્વ બહુ સૂક્ષ્મ છે પ્રભુ!

કર્મોદયના નિમિત્તે જે ભાવ થાય તે વિકાર છે અને તે બંધનું કારણ છે, ઉપશમભાવ છે તે કર્મના અનુદયના કારણરૂપ દશા છે; તે દશા પવિત્ર છે, પણ અંદર સત્તા હજી પડી છે તો તેને ઉપશમભાવ કહેવાય છે. કાંઈક નિર્મળ અને કાંઈક મલિન અંશ છે એવી મિશ્રદશાને ક્ષયોપશમભાવ કહેવાય છે, કર્મના ક્ષયના નિમિત્તે પ્રગટ થાય તેને ક્ષાયિકભાવ કહેવાય છે. લ્યો, આમાં તો કર્મના ઉપશમ, ક્ષય આદિની અપેક્ષા આવે છે, જ્યારે ત્રિકાળી જે સ્વભાવભાવ છે તેને કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. ઓહો! ત્રિકાળી ચૈતન્યમાત્ર જે દ્રવ્યસ્વભાવ ચિદાનંદ, સહજાનંદ, નિત્યાનંદ પ્રભુ તે પરમ નિરપેક્ષ તત્ત્વ છે.

અહા! આ તો મારગડા જ તદ્ન જુદા છે. પ્રભુ! ભાઈ! તારી અંદર જે ત્રિકાળી ધ્રુવ સદા એકરૂપે પડી છે તે સહજાનંદમૂર્તિ પ્રભુ એકલું જ્ઞાન અને આનંદનું દળ છે. અહા! તે સમ્યગ્દર્શનનો વિષય છે. પ્રવચનસારમાં કહ્યું છે કે-જ્ઞેયતત્ત્વની અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે (જેમ છે તેમ, યથાર્થ) પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શન પર્યાય છે. અહા! આવું સમ્યગ્દર્શન જે એણે અનંતકાળમાં પ્રગટ કર્યું નથી અને જે મોક્ષનું સૌ પહેલું પગથિયું છે તે, અહીં કહે છે, ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકદ્રવ્યથી ભિન્ન છે. બાપુ! મારગડા આવા છે તારા!

ભગવાન! પરમાત્મદ્રવ્ય છે તારો આત્મા; પ્રત્યેક આત્મા સ્વરૂપથી આવો છે.


PDF/HTML Page 3155 of 4199
single page version

તેને, અહીં કહે છે, શરીરની અવસ્થાથી ન જુઓ, એને રાગની અવસ્થાથી ન જુઓ, અરે! એનામાં નિર્મળ અવસ્થા છે તે હું એમ પણ ન જુઓ; અહા! નિર્મળ અવસ્થામાં એક ત્રિકાળી દ્રવ્ય હું છું એમ જુઓ. અહા! આવું ભગવાન! તારું ત્રિકાળી ધ્રુવ જે એક જ્ઞાયકતત્ત્વ એનાથી વર્તમાન નિર્મળ અવસ્થા ભિન્ન છે.

લોકોએ માર્ગ કદી સાંભળ્‌યો ન હોય એટલે નવો લાગે પણ ભાઈ! આ માર્ગ કાંઈ નવો કાઢયો નથી; આ તો અનંતા જિનેશ્વર ભગવંતોએ આદરેલો ને કહેલો સનાતન માર્ગ છે. અહા! પંચમહાવ્રતાદિનું પાલન એણે અનંતવાર કર્યું, અનંતવાર એ નગ્ન દિગંબર સાધુ થયો, પણ એક સમયની પાછળ (ભિન્નપણે) આખું પરમાત્મતત્ત્વ શું છે એનું જ્ઞાન એણે કદી પ્રગટ કર્યું નથી. એક સમયની પર્યાયમાં બધી રમતુ રમ્યો, પણ અંદર આત્મારામ ચૈતન્યમહાપ્રભુ બિરાજી રહ્યા છે એમાં રમણતા ન કરી. માર્ગ અંદર તદ્ન નિરાળો છે ભાઈ!

દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ બધો શુભરાગ છે તે વિકલ્પ છે અને તે ઉદયભાવ છે, બંધનું કારણ છે. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક જે ભાવત્રય છે તે એનાથી (ઉદયભાવથી) રહિત છે. એ ત્રણભાવને અહીં શુદ્ધોપયોગ કહેલ છે. તે શુદ્ધોપયોગ કે જેમાં આનંદની દશાનું વેદન છે તે દશાપર્યાય ત્રિકાળી ચીજથી કથંચિત્ ભિન્ન છે. એક સમયની પર્યાય ઉત્પાદ-વ્યયરૂપ ક્ષણિક છે. તે અપેક્ષાએ શુદ્ધોપયોગની દશા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યથી ભિન્ન છે. આવી વાત! સમજાણું કાંઈ...?

સમયસારના સંવર અધિકારમાં આવ્યું છે કે પુણ્ય-પાપના ભાવ અને વ્યવહારરત્નત્રયનો જેટલો વિકલ્પ છે તે સર્વ રાગ ત્રિકાળી દ્રવ્યથી ભિન્ન છે. અહા! ભાવ તો ભિન્ન છે પણ રાગના પ્રદેશોય ભિન્ન છે એમ ત્યાં કહ્યું છે. અહાહા...! એકલું આનંદનું દળ પ્રભુ આત્મા-એમાંથી વિકાર ઉત્પન્ન થતો નથી. એટલે વિકારનું ક્ષેત્ર ત્રિકાળી દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે. અનંત-ગુણધામ પ્રભુ આત્મા ત્રિકાળ શુદ્ધ અસંખ્યપ્રદેશી વસ્તુ છે. તેની પર્યાયમાં જે દયા, દાન આદિ વિકલ્પ ઉઠે છે તે ત્રિકાળી સ્વભાવથી તો ભિન્ન છે, પણ ક્ષેત્રથી પણ તે ભિન્ન છે, બન્નેને ભિન્નભિન્ન વસ્તુ કહી છે. એક વસ્તુની ખરેખર બીજી વસ્તુ નથી એમ ત્યાં કહ્યું છે. પ્રવચનસાર ગાથા ૧૦૨ ની શૈલી પ્રમાણે ‘ચિદ્દવિલાસ’ માં પણ એમ કહ્યું છે કે પર્યાયને કારણે પર્યાય થાય છે, દ્રવ્યગુણને કારણે નહિ.

આ રીતે મોક્ષમાર્ગની જે પર્યાય છે તે પર્યાયનો કર્તા તે પર્યાય, પર્યાયનું કર્મ પર્યાય, પર્યાયનું સાધન પર્યાય, પર્યાયનું સંપ્રદાન, અપાદાન ને અધિકરણ પણ પર્યાય જ છે. પર્યાય એક સમયનું સહજ સત્ છે. આવો વીતરાગનો મારગ શૂરાનો મારગ છે, કાયરોનું, જેઓ મારગ સાંભળીને પણ કંપી ઉઠે એમનું એમાં કામ નથી.


PDF/HTML Page 3156 of 4199
single page version

જુઓ, આત્મભાન થયા પછી પણ જ્ઞાનીને શુભ ને અશુભભાવ પણ આવે છે. તેને કદાચિત્ આર્ત્ત-રૌદ્રધ્યાનના તથા વિષયભોગના ભાવ પણ થાય છે. નબળાઈને લઈને તે ભાવ થાય છે પણ જ્ઞાનીને એ ભાવની હોંશ નથી, એને એ ભાવોમાં મજા નથી. એ તો જાણે છે કે મારા સ્વરૂપમાં જ મજા છે, એ સિવાય બહારમાં-નિમિત્તમાં કે રાગમાં-ક્યાંય મજા નથી. રાગ અને નિમિત્તમાં મજા છે એવી દ્રષ્ટિનો એને અભાવ છે.

હવે આ વાણિયા આખો દિ’ પૈસા રળવા-કમાવામાં ગરી ગયા હોય તે આ કયે દિ’ સમજે? પણ બાપુ! એ પૈસા-બૈસા તો જડ માટી-ધૂળ છે. એમાં ક્યાં આત્મા છે? એ મારા છે એવી માન્યતા જ મિથ્યાત્વ છે, કેમકે જડ છે તે કદીય ચેતનરૂપ થાય નહિ. અહીં તો કહે છે- આ મોક્ષમાર્ગની જે પર્યાય છે કે જેમાં અપૂર્વ-અપૂર્વ આનંદનો સ્વાદ આવે છે, તે પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. અતીન્દ્રિય આનંદનો પૂરણ સ્વાદ આવે તે મોક્ષ છે અને તે પણ એક પર્યાય છે. તે પર્યાય દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. હવે દ્રવ્ય શું? ગુણ શું? અને પર્યાય શું? -આવું પોતાનું દ્રવ્ય-પર્યાયસ્વરૂપ કદી લોકોએ જાણવાની દરકાર જ કરી નથી.

ત્રિલોકીનાથ અરિહંત પરમેશ્વર એમ ફરમાવે છે કે-વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ ઉઠે છે એ તો કથનમાત્ર મોક્ષનો માર્ગ છે. એ તો ભગવાન આત્માથી ભિન્ન જ છે; પણ ત્રિકાળી ધ્રુવના આલંબને જે અંતરમાં સત્યાર્થ મોક્ષનો માર્ગ પ્રગટ થયો તે મોક્ષના માર્ગની પર્યાય પણ ત્રિકાળી શુદ્ધ પારિણામિકભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે; કેમકે વસ્તુ દ્રવ્ય છે તે ત્રિકાળ છે ને પર્યાયનો કાળ તો એક સમય છે. ન્યાલભાઈએ તો ‘દ્રવ્યદ્રષ્ટિપ્રકાશ’ માં પર્યાયને દ્રવ્યથી સર્વથા ભિન્ન કહેલ છે એ વાત ખ્યાલમાં છે, પણ અહીં અપેક્ષા રાખીને કથંચિત્ ભિન્ન કહેલ છે. મોક્ષનું કારણ જે નિશ્ચયમોક્ષમાર્ગની પર્યાય તે શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે એમ અહીં અપેક્ષાથી વાત છે.

સમ્યગ્દર્શન છે તે પર્યાય છે. તેનો વિષય ત્રિકાળ સત્યાર્થ, ભૂતાર્થ, છતી ચીજ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા છે. અહીં કહે છે વિષયી જે પર્યાય છે તે એનો વિષય જે ત્રિકાળી ધ્રુવ ચીજ છે એનાથી કથંચિત્ ભિન્ન છે.

‘શા માટે?’ - તો કહે છે-

‘ભાવનારૂપ હોવાથી, શુદ્ધપારિણામિક (ભાવ) તો ભાવનારૂપ નથી.’

અહો! જંગલમાં વસતાં વસતાં સંતોએ કેવાં કામ કર્યાં છે! અંદરમાં સિદ્ધની સાથે ગોષ્ઠી કરી છે, અર્થાત્ અંદર નિજ સિદ્ધસ્વરૂપનો અનુભવ પ્રગટ કરીને


PDF/HTML Page 3157 of 4199
single page version

પોતે ભગવાન સિદ્ધના સાધર્મી થઈ બેઠા છે. વાહ! મોક્ષમાર્ગને સાધનારા સંતો સિદ્ધના મિત્ર છે, સાધર્મી છે. એમની આ વાણી છે. તેઓ કહે છે-

ભગવાન આત્મા શુદ્ધપારિણામિકભાવલક્ષણ વસ્તુ પૂર્ણ એક ચૈતન્યમય વસ્તુ છે તે ત્રિકાળ ભાવરૂપ છે, ભાવનારૂપ નથી, જ્યારે તેના આશ્રયે જે મોક્ષનો માર્ગ પ્રગટ થયો છે તે ભાવનારૂપ છે, ત્રિકાળભાવરૂપ નથી. ઝીણી વાત પ્રભુ!

અજ્ઞાની મૂઢ જીવો આ બૈરાં-છોકરાં મારાં ને આ બાગ-બંગલા મારા અને હું આ કરું ને તે કરું-એમ પરની વેતરણ કરવામાં ગુંચાઈ ગયા છે, સલવાઈ પડયા છે. તેઓ તો મોક્ષના માર્ગથી બહુ જ દૂર છે. અહીં તો આ કહે છે કે- મોક્ષમાર્ગની પર્યાય વર્તમાન ભાવનારૂપ હોવાથી ત્રિકાળી ધ્રુવ નિજપરમાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે એવો ભેદ અંતરમાં જેમને ભાસિત થયો નથી તેઓ પણ મોક્ષના મારગથી દૂર છે. હવે જ્યાં આ વાત છે ત્યાં વ્યવહારથી નિશ્ચય પ્રગટે એ વાત ક્યાં રહી પ્રભુ!

ત્રિકાળી પારિણામિકને ભાવરૂપ કહીએ; એને પારિણામિક કહીએ, ધ્રુવ કહીએ, નિત્ય કહીએ, સદ્રશ કહીએ, એકરૂપ કહીએ. અને જે આ પર્યાય છે તે અનિત્ય, અધ્રુવ, વિસદ્રશ કહીએ, કેમકે તેમાં પ્રતિસમય ઉત્પાદ-વ્યય થાય છે. મોક્ષનો મારગ છે તે પણ ઉત્પાદ-વ્યયરૂપ છે. એટલે કે વર્તમાન જેનો ઉત્પાદ થાય તેનો બીજે સમયે વ્યય થાય છે, બીજે સમયે ઉત્પાદ થાય તેનો ત્રીજે સમયે વ્યય થાય છે. આ પ્રમાણે ઉત્પાદ-વ્યયરૂપ હોવાથી મોક્ષમાર્ગની પર્યાય શુદ્ધપારિણામિકભાવલક્ષણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. કેમ? કેમકે તે પર્યાય ભાવનારૂપ છે. સમજાણું કાંઈ...?

બાર ભાવના કહી છે ને? તેમાં પ્રથમ તો વિકલ્પરૂપ ભાવના હોય છે. તેનો વ્યય થઈને પછી નિર્વિકલ્પ થાય છે. આ નિર્મળ નિર્વિકલ્પ પર્યાય જે અંદર પ્રગટ થઈ તે ભાવનારૂપ છે. ભાવ જે ત્રિકાળી એકરૂપ પરમાત્મદ્રવ્ય તેની સન્મુખ થઈને પ્રગટેલી જે દશા છે તે ભાવનારૂપ છે, ત્રિકાળી ભાવરૂપ નથી. ભાઈ! આ તો ભાષા છે, જડ છે. તેનો વાચ્યભાવ શું છે તે યથાર્થ સમજવો જોઈએ.

શુદ્ધ પારિણામિકભાવ ત્રિકાળી સ્વભાવ પરમાનંદમય પ્રભુ છે. તે ભાવનારૂપ નથી, અર્થાત્ તે વર્તમાન પર્યાયરૂપ નથી; તેના આશ્રયે પ્રગટેલી મોક્ષના કારણરૂપ દશા ભાવનારૂપ છે. હવે આવી વાત ન સમજતાં કેટલાક દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટી જાય એમ કહે છે. અરે પ્રભુ! આ તું શું કહે છે ભાઈ! તારી માન્યતાથી મારગનો વિરોધ થાય છે ભાઈ! એ રીતે તને સત્ય નહિ મળે, અસત્ય જ તને મળશે; કેમકે રાગના સર્વ ભાવ અસત્યાર્થ જ છે. આકરી વાત પ્રભુ! પણ જો ને અહીં શું કહે છે? ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ


PDF/HTML Page 3158 of 4199
single page version

વર્તમાન મોક્ષમાર્ગની પર્યાયને તેનાથી કથંચિત્ ભિન્ન કહીને અસત્યાર્થ કહી તો પછી રાગના વિકલ્પવાળી મલિન દુઃખરૂપ દશાનું શું કહેવું? ભાઈ! મોક્ષમાર્ગની પર્યાય છે તે તો પવિત્ર છે, આનંદરૂપ છે, અબંધ છે. તે પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે તો પછી બંધરૂપ રાગની દશાનું શું કહેવું? રાગ કરતાં કરતાં નિશ્ચય (-વીતરાગતા) પ્રગટે એ તો તારો અનાદિકાલીન ભ્રમ છે ભાઈ! (ત્યાંથી હઠી જા).

અહા! મોક્ષના કારણરૂપ જે અબંધ પરિણામ છે તે ભાવનારૂપ છે અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે તે ભાવનારૂપ નથી. અહો! આવી શુદ્ધ તત્ત્વદ્રષ્ટિ કરીને આઠ આઠ વર્ષના ચક્રવર્તી અને તીર્થંકરના પુત્રો કેવળજ્ઞાન પ્રગટ કરીને અલ્પકાળમાં મોક્ષપદ પામે છે. તેમને શરીરની અવસ્થા ક્યાં નડે છે? આ તો મોટાની વાત કરી, બાકી લાકડીના ભારા વેચીને ગુજરાન ચલાવનાર ગરીબ કઠિયારાના આઠ-આઠ વર્ષના બાળકો પણ અંતઃતત્ત્વનું ભાન કરી, જ્યાં માણસના ચાલવાનો પગરવ પણ થતો નથી એવા જંગલમાં ચાલ્યા જઈને એકાન્ત સ્થાનમાં નિજસ્વરૂપની સાધના કરીને થોડા જ કાળમાં પરમપદની પ્રાપ્તિ કરી લે છે. અહો! અંતરનો આવો કોઈ અલૌકિક માર્ગ છે!

લ્યો, હવે બહારની ચીજ-નિમિત્ત અને રાગ-તો ક્યાંય દૂર રહી ગઈ; અહીં તો નિર્મળ દ્રવ્ય-પર્યાય વચ્ચે કથંચિત્ ભેદ હોવાની સૂક્ષ્મ વાત છે. જૈનતત્ત્વ બહુ સૂક્ષ્મ ને ગંભીર છે ભાઈ! એ જ વિશેષ કહે છે.

‘જો (તે પર્યાય) એકાંતે શુદ્ધ-પારિણામિકથી અભિન્ન હોય, તો મોક્ષનો પ્રસંગ બનતાં આ ભાવનારૂપ મોક્ષકારણભૂત (પર્યાયનો) નો વિનાશ થતાં શુદ્ધપારિણામિકભાવ પણ વિનાશને પામે. પણ એમ તો બનતું નથી (કારણ કે શુદ્ધપારિણામિક ભાવ તો અવિનાશી છે).’

જુઓ, શું કહે છે? કે વીતરાગભાવરૂપ નિર્મળ પર્યાય જો ત્રિકાળી ભાવથી એકમેક હોય તો મોક્ષનો પ્રસંગ બનતાં મોક્ષમાર્ગની ભાવનારૂપ પર્યાયનો વિનાશ થાય છે તે વખતે જ શુદ્ધપારિણામિકભાવ-ત્રિકાળીભાવ પણ વિનાશને પામે. અહીં શું કહેવું છે? કે-

મોક્ષમાર્ગમાં ક્ષાયિકાદિભાવરૂપ જે નિર્મળ પર્યાય થઈ તે પર્યાય ત્રિકાળી દ્રવ્ય સાથે સર્વથા અભિન્ન નથી. જો બન્ને સર્વથા અભિન્ન એક હોય તો તે બે ધર્મોની સિદ્ધિ જ ન થાય; ને એકનો-પર્યાયનો વ્યય થતાં આખા દ્રવ્યનો જ નાશ થઈ જાય. જુઓ, પૂરણ શુદ્ધ જ્ઞાન અને આનંદની પ્રાપ્તિરૂપ મોક્ષની પ્રગટતા થતાં મોક્ષમાર્ગની ભાવનારૂપ પર્યાયનો વ્યય થાય છે. તો શું તે કાળે આત્મદ્રવ્ય જ નાશ


PDF/HTML Page 3159 of 4199
single page version

પારિપામી જાય છે? ના; કેમ? કેમકે તે પર્યાય દ્રવ્ય સાથે સર્વથા અભિન્ન નથી, કથંચિત્ ભિન્ન છે. અહીં કહે છે-મોક્ષમાર્ગની ભાવનારૂપ પર્યાય જો ત્રિકાળી પારિણામિકભાવ સાથે એકાંતે એકમેક હોય તો મોક્ષના પ્રસંગમાં મોક્ષમાર્ગની પર્યાયનો વ્યય થતાં ત્રિકાળી દ્રવ્ય પણ નાશ પામી જાય; પણ એમ કદીય બનતું નથી કેમકે ત્રિકાળી દ્રવ્યસ્વભાવ તો શાશ્વત-અવિનાશી તત્ત્વ છે. સમજાય છે કાંઈ..? ભાઈ! આ ન્યાયથી તો વાત છે; ન્યાયથી તો સમજવું જોઈએ ને? વાદવિવાદથી શું પાર પડે?

ભાઈ! કેવળજ્ઞાનની પર્યાય પણ નાશવંત છે. નિયમસાર, શુદ્ધભાવઅધિકારમાં નવે તત્ત્વને નાશવંત કહ્યા છે. જીવની એક સમયની પર્યાય નાશવંત છે, અજીવનું જ્ઞાન કરનારી પર્યાય નાશવંત છે. આસ્રવ, બંધ, પુણ્ય ને પાપ, સંવર, નિર્જરા ને મોક્ષ-એ બધાં તત્ત્વોને ત્યાં નાશવંત કહ્યાં છે. ગજબ વાત કરી છે ભાઈ! શરીર નાશવંત, પૈસા નાશવંત, રાગાદિ નાશવંત, સંવર-નિર્જરા અર્થાત્ મોક્ષમાર્ગની પર્યાય નાશવંત અને કેવળજ્ઞાનની પર્યાય પણ નાશવંત છે; કેમકે પ્રત્યેક પર્યાયની મુદ્ત જ એક સમયની છે. કેવળજ્ઞાનની પર્યાય પણ બીજા સમયે બીજી થાય છે; જાત એ, પણ બીજા સમયે બીજી થાય છે. કેવળજ્ઞાનની પર્યાય બીજા સમયે રહી ન શકે, કેમકે તે એક સમયની મુદ્તવાળી ક્ષણવિનાશી ચીજ છે; જ્યારે અહો! ભગવાન અંદર નિત્યાનંદ પ્રભુ નિજપરમાત્મદ્રવ્ય શુદ્ધ પારિણામિકભાવરૂપ વસ્તુ અવિનાશી શાશ્વત ચીજ છે. આમ બે વચ્ચે કથંચિત્ ભિન્નતા છે. અનાદિ-અનંત આવી જ વસ્તુની સ્થિતિ છે.

તો પંચાસ્તિકાયમાં, પર્યાયરહિત દ્રવ્ય નહિ ને દ્રવ્યરહિત પર્યાય નહિ-એમ કહ્યું છે ને? હા, ત્યાં તો પરથી ભિન્ન દ્રવ્યનું અસ્તિકાયસ્વરૂપ સિદ્ધ કરવું છે તેથી એમ વાત કરી છે કે પર્યાયરહિત દ્રવ્ય નહિ ને દ્રવ્યરહિત પર્યાય નહિ. આખું દ્રવ્યનું (દ્રવ્ય-પર્યાયરૂપ) અસ્તિત્વ સિદ્ધ કરવું છે ને? પણ અહીં તો અનાદિકાલીન પર્યાયમૂઢ જીવને ભેદજ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. તેથી પર્યાયદ્રષ્ટિ છોડાવવા અર્થે કહ્યું કે પર્યાયને ત્રિકાળી દ્રવ્યથી કથંચિત્ ભિન્નતા છે; જો બન્ને સર્વથા એકમેક હોય તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય. પણ એમ છે નહિ. માટે ત્રિકાળી ભાવથી તે ભાવનારૂપ પર્યાય કથંચિત્ ભિન્ન છે.

ભાઈ! આ તો અંદરની વાતુ છે બાપા! જો તારે સત્ શોધવું હોય તો તે સત્ શાશ્વત અંદરમાં છે; એને શોધનારી પર્યાય પણ એ સત્થી કથંચિત્ ભિન્ન છે, અર્થાત્ પર્યાયમાં જેને અહંભાવ છે તેને તે હાથ ન લાગે એવી ચીજ છે. ભાઈ! તારે શેમાં અહંપણું કરવું છે? કોને અધિકપણે માનવું છે? હું પર્યાયથી અધિક-ભિન્ન છું એમ માનતાં અંદર દ્રવ્ય અંદર જે અધિક છે તેનો અનુભવ થાય છે.


PDF/HTML Page 3160 of 4199
single page version

સમયસાર ગાથા ૩૧ માં આવે છે કે-

जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं

અહાહા...! જ્ઞાનસ્વભાવ જે ત્રિકાળ છે તે અધિક છે. પરમસ્વભાવભાવ જે એક જ્ઞાયકસ્વભાવ તે રાગ અને એક સમયની પર્યાયથી અધિક નામ ભિન્ન છે. અહીં એ જ કહે છે કે ધ્રુવસ્વભાવના લક્ષે પ્રગટ થતો જે સત્યાર્થ મોક્ષનો માર્ગ છે તે ભાવનારૂપ છે અને તે ત્રિકાળી ભાવથી ભિન્ન છે. ભાવનારૂપ મોક્ષમાર્ગ અને ત્રિકાળી પરમભાવ-બે ચીજ સર્વથા એક નથી; તે બન્ને ચીજ સર્વથા એક હોય તો ભાવનારૂપ મોક્ષમાર્ગનો વ્યય થઈને મોક્ષ થાય ત્યારે ત્રિકાળી ભાવનો પણ નાશ થવાનો પ્રસંગ આવી પડે. ભગવાન! મારગ તો આવો સૂક્ષ્મ છે. સમજાય છે કાંઈ...?

ભાઈ! આવો મારગ તારે જેમ છે તેમ યથાર્થ સમજવો પડશે. એ સમજ્યા વિના જ અનંતકાળથી રઝળતો તું દુઃખી થયો છે. અહીં મોટો અબજોપતિ શેઠિયો હોય, કરોડોના બંગલામાં રહેતો હોય, ને ક્ષણમાં દેહ છૂટીને તેની ફૂ થઈ જાય અને પોતે મરીને બકરીની કૂખમાં જાય. ત્યાં જન્મ થતાં બેં.. બેં.. બેં.. એમ કરે. બકરીનાં બચ્ચાં બેં.. બેં.. બેં.. એમ કરે છે ને? પણ અરે! એને વિચાર જ નથી કે મરીને હું ક્યાં જઈશ? હું ક્યાં છું અને મારા શું હાલ-હવાલ થશે? ભાઈ! આ અવસરમાં જો સ્વરૂપની સમજણ ના કરી તો ક્ય ાંય કાગડે-કૂતરે-કંથવે... ઇત્યાદિ સંસારમાં ખોવાઈ જઈશ.

અહીં ભાવનારૂપ પર્યાયને મોક્ષના કારણભૂત પર્યાય કહેલ છે. બીજી જગ્યાએ એમ આવે છે કે મોક્ષની પર્યાય મોક્ષના કારણભૂત પર્યાયથી પ્રગટ થતી નથી. વાસ્તવમાં તે સમયની કેવળજ્ઞાન અને મોક્ષની દશા એના પોતાના ષટ્કારકના પરિણમનથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, પૂર્વની મોક્ષમાર્ગની પર્યાયની એને અપેક્ષા નથી. જો કે મોક્ષની દશાના પૂર્વે મોક્ષમાર્ગની પર્યાય જ અવશ્ય હોય છે તોપણ મોક્ષની દશા તે સમયનું સ્વતંત્ર સત્ છે. મોક્ષમાર્ગની પર્યાયના કારણે મોક્ષની દશા થઈ છે એમ નથી. આવો માર્ગ છે ભાઈ!

અહીં એમ સમજાવવું છે કે મોક્ષ થવા પહેલાં મોક્ષમાર્ગની પર્યાય હતી તે પર્યાય ત્રિકાળી ચીજથી એકમેક નથી પણ ભિન્ન છે. જો અભિન્ન હોય તો મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થતાં શુદ્ધપારિણામિકભાવ પણ વિનાશને પામે; પણ એમ કદીય બનતું નથી કેમકે વસ્તુ-ત્રિકાળી દ્રવ્ય અવિનાશી છે. અહા! સત્ એકસદ્રશરૂપ સ્વભાવ, અવિરુદ્ધસ્વભાવ ત્રિકાળ છે તે ક્યાં જાય? વિસદ્રશપણું ને ઉત્પાદ-વ્યય છે એ તો પર્યાયમાં છે, ઉપજવું ને વિણશવું છે એ તો પર્યાયમાં છે. વસ્તુ છે એ તો ઉત્પાદ-વ્યયરહિત ત્રિકાળ શાશ્વત સત્પણે વિદ્યમાન ચીજ છે. આગળ કહેશે કે મોક્ષના