Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 159 of 210

 

PDF/HTML Page 3161 of 4199
single page version

માર્ગની પર્યાયપણે આત્મા ઉપજતો નથી. અરે! મોક્ષના માર્ગની પર્યાયના અભાવપણે (મોક્ષપણે) પણ તે ઉપજતો નથી. બાપુ! આ મારગડા જુદા છે નાથ!

અરેરે! એ હમણાં સ્વના ભાન વિના દુઃખી છે એવી એને ક્યાં ખબર છે? અરે! દુઃખ શું છે એનીય એને ક્યાં ખબર છે? શાસ્ત્રમાં દાખલો આવે છે કે વનમાં દાવાનળ લાગતાં પશુ-પંખીઓ બિચારાં ભસ્મ થઈ જાય છે, તે વખતે કોઈ મનુષ્ય વનની વચ્ચે આવેલા ઝાડ ઉપર ચઢીને બેસે છે અને ચોતરફ ભડકે બળતું વન જુએ છે તોપણ એમ માને છે કે હું સલામત છું; હું ક્યાં બળું છું? પણ ભાઈ! આ વન સળગ્યું છે તે હમણાં જ આ ઝાડ બાળશે અને તું પણ ક્ષણમાં જ બળીને ભસ્મ થઈ જઈશ. જેમ ઝાડ ઉપર બેઠેલો તે માણસ ‘હું સલામત છું’ એમ માને છે તે એની મૂઢતા છે કેમકે ક્ષણમાં જ અગ્નિ સળગતી સળગતી આવશે, ઝાડને પકડશે અને તેની જ્વાળામાં તે તત્કાલ ભરખાઈ જશે. તેમ આ ભવરૂપી વન કાલાગ્નિ વડે બળી રહેલું દેખવા છતાં ‘હું સલામત છું, સુખી છું’ એમ કોઈ માને છે તે એની મૂઢતા છે. અરે! બળી રહ્યો હોવા છતાં એને બળતરાની ખબર નથી!

અહા! મોક્ષમાર્ગની પર્યાય પણ નાશવંત છે. પ્રભુ! તારે કઈ ચીજને ટકાવી રાખવી છે? પોતે નિત્યાનંદ પ્રભુ ત્રિકાળી ટકતું તત્ત્વ છે. અહા! એમાં નજર નાખતો નથી ને અનિત્યને ટકાવવા માગે છે તે તારી મૂઢતા છે. દેહાદિ બાહ્ય વિનશ્વર ચીજને ટકાવી રાખવા તું મથે છે પણ એમાં તને નિષ્ફળતાનું દુઃખ જ પ્રાપ્ત થશે.

વઢવાણના એક ભાઈ કહેતા કે-મહારાજ! આ બધી ઉપાધિ કોણે કરી? અરે ભાઈ! શું આટલીય તને ખબર નથી? આ બધી ઉપાધિ તેં પોતે જ ઊભી કરી છે. તારા સ્વસ્વરૂપને ભૂલીને અનાદિથી રાગ અને વિકારની ઉપાધિ તેં સ્વયં વહોરી છે. નાથ! તને જ તું ભૂલી ગયો છો. અહા! પોતાના નિરુપાધિ શુદ્ધ ચૈતન્યતત્ત્વને ભૂલીને આ સઘળી ઉપાધિ તેં પોતે ઊભી કરી છે. તેં અનંતકાળમાં પુણ્ય-પાપના વિકલ્પો કર્યે જ કર્યા અને તેથી તને બંધ થયો અને તેના નિમિત્તે આ બધો સંગ થયો. ભાઈ! તે બધાને પોતાના માની તેં પોતે આ ઉપાધિ કરી છે.

જુઓ, ચમરી ગાયનું પૂંછડું ખૂબ સુંવાળું હોય છે. તેના વાળ ઝાડમાં ભરાઈ જતાં વાળના પ્રેમમાં ત્યાં તે ગાય ઊભી રહી જાય છે અને શિકારીના બાણથી વીંધાઈને મરણ પામે છે. તેમ અજ્ઞાની સંસારી પ્રાણી આ દુનિયાના પદાર્થોના પ્રેમમાં ત્યાં ઊભો રહી ગયો છે અને પોતે હણાઈ રહ્યો છે, લૂંટાઈ રહ્યો છે એનું એને ભાન નથી. નિયમસારમાં આવે છે કે-આ બાયડી-છોકરાં, કુટુંબ-કબીલા વગેરે પોતાની આજીવિકા માટે તને ધુતારાની ટોળી મળી છે; તારા મરણ સમયે તને કોઈ કામમાં આવે તેમ નથી, હમણાં પણ તેઓ કોઈ જ કામના નથી. બાપુ! તું એકલો વિલાપ


PDF/HTML Page 3162 of 4199
single page version

કરતો ક્યાંનો ક્યાંય ચાલ્યો જઈશ; આ ભવભ્રમણના પ્રવાહમાં તું ક્યાંય તણાઈ જઈશ.

ભાઈ! આત્માના પોતાના અંદરના ભાવોની આ વાત છે. તેમાં શુદ્ધપારિણામિક- ભાવ છે તે ત્રિકાળ પરમભાવ છે, તેમાં ઉત્પાદ-વ્યય નહિ ને તેનો કદીય અભાવ નહિ એવો શાશ્વત ધ્રુવ એકરૂપભાવ છે. પર્યાયરૂપ જે ચાર ભાવો છે તે ઉત્પાદ-વ્યયરૂપ છે. અશુદ્ધતાનો વ્યય થઈને અંશે શુદ્ધતારૂપ મોક્ષમાર્ગ પ્રગટે, ને મોક્ષમાર્ગનો વ્યય થઈને પૂરણ મોક્ષદશા પ્રગટે; પણ જે પરમભાવરૂપ દ્રવ્ય છે તેનો વ્યય પણ ન થાય અને તે નવો પ્રગટે પણ નહિ. આ રીતે પલટતી પર્યાય, ને ત્રિકાળ ટકતું દ્રવ્ય -આવું વસ્તુસ્વરૂપ છે. દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ અપરિણામી અક્રિય અને પર્યાય અપેક્ષાએ પરિણમનશીલ સક્રિય છે. શ્રી સર્વજ્ઞદેવે આવું દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુનું સ્વરૂપ ઉપદેશ્યું છે. તેમાં કહે છે-દ્રવ્ય- પર્યાય સર્વથા અભિન્ન નથી, કથંચિત્ ભિન્ન છે. અહા! સર્વથા ભિન્ન નહિ, સર્વથા અભિન્ન નહિ-આવું વસ્તુનું સ્વરૂપ છે. સર્વથા ભિન્ન હોય તો વસ્તુ અવસ્થા વગરની થઈ જતાં વસ્તુ જ ન રહે; તથા સર્વથા અભિન્ન હોય તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો નાશ થઈ જાય અર્થાત્ વસ્તુ જ ન રહે. માટે દ્રવ્ય-પર્યાય કથંચિત્ ભિન્ન છે એ યથાર્થ છે.

શાસ્ત્રમાં ‘उत्पादव्ययध्रोव्ययुक्तम् सत्’ કહ્યું છે. ધ્રુવતા એટલે ટકવું, ઉત્પાદ-વ્યય એટલે બદલવું. અહા! ટકીને બદલે, ને બદલવા છતાં ટકી રહે એવું આશ્ચર્યકારી વસ્તુનું સત્સ્વરૂપ છે. દ્રવ્ય અવિનાશી, પર્યાય વિનાશી-એમ દ્રવ્ય-પર્યાય બન્ને સર્વથા એક નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના લક્ષે શ્રદ્ધા-જ્ઞાન-રમણતારૂપ જે એની નિર્મળ દશા પ્રગટી છે તે મોક્ષદશાનું કારણ ખરું, પણ તે દશા પોતે તો મોક્ષદશા થતાં વ્યય પામી જશે, જ્યારે દ્રવ્ય ટકીને ત્રિકાળ ઊભું રહેશે. આ પ્રમાણે દ્રવ્ય અને પર્યાય એમ વસ્તુના બન્ને અંશોમાં ભિન્નતા છે. અહો! આવું વસ્તુસ્વરૂપ સમજતાં અંશબુદ્ધિ ટળીને દ્રવ્યદ્રષ્ટિ થાય છે.

જુઓ, આત્મામાં એક પર્યાયઅંશ છે; અજ્ઞાન ટળીને જ્ઞાન થવું, અશુદ્ધતા ટળીને શુદ્ધતા થવી ઇત્યાદિ નવું નવું કાર્ય પર્યાયમાં જ થાય છે. ત્યાં જે પર્યાયનું અસ્તિત્વ જ ન માને તેને તો નવું કાંઈ કાર્ય થતું જ નથી, અર્થાત્ તેને પોતાના અજ્ઞાનભાવને કારણે સંસાર મટતો જ નથી. વળી કોઈ એકલી પર્યાય સામું જ જોયા કરે ને દ્રવ્યના શુદ્ધસ્વભાવનું લક્ષ ન કરે તેને પણ અશુદ્ધતા ટળીને શુદ્ધતા થતી નથી. પર્યાયની શુદ્ધતા તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે થાય છે; દ્રવ્યસ્વભાવમાં અંતર્મુખ એકાગ્ર થયા વગર પર્યાયની શુદ્ધતા થતી નથી. દ્રવ્યને ન માને તોય શુદ્ધતા ન સધાય, ને પર્યાયને ન માને તોય શુદ્ધતા ન સધાય. એકાંતે પર્યાયને જ વસ્તુ માની લે તો પર્યાયનો વ્યય થતાં જ વસ્તુનો નાશ-અભાવ થઈ જાય. પણ


PDF/HTML Page 3163 of 4199
single page version

એવું વસ્તુસ્વરૂપ નથી. વળી પર્યાય ન માનતાં વસ્તુને એકાંતે નિત્ય-કૂટસ્થ માને તો પર્યાયરૂપ પલટના વિના નવું કાર્ય બની શકે જ નહિ, અને તો તેના સંસારનો અભાવ ન થાય. આ પ્રમાણે વસ્તુમાં દ્રવ્ય-પર્યાય-એમ બન્ને અંશો એકી સાથે રહેલા છે અને તે બન્નેમાં કથંચિત્ ભિન્નપણું છે એવો સ્યાદ્વાદ મત છે. સમજાણું કાંઈ..?

અહીં કહે છે-મોક્ષમાર્ગની જે પર્યાય છે તે ત્રિકાળી દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. જુઓ, પર ચીજ તો આત્માથી સર્વથા જુદી છે. આ શરીર, મન, વચન ઇત્યાદિ આત્માથી સર્વથા જુદાં છે, કર્મ પણ આત્માથી સર્વથા જુદાં છે. અહીં કહે છે- પોતામાં જે દ્રવ્ય- પર્યાયના અંશો છે તેઓ પણ પરસ્પર કથંચિત્ ભિન્ન છે. અહો! આ તો ભેદજ્ઞાનની ચરમ સીમારૂપ સર્વોત્કૃષ્ટ વાત છે. જેના અંતરમાં બેસી તે ન્યાલ થઈ જાય એવી આ વાત છે.

હવે કહે છે-“માટે આમ ઠર્યુંઃ- શુદ્ધપારિણામિકભાવવિષયક (શુદ્ધ પારિણામિક- ભાવને અવલંબનારી) જે ભાવના તે-રૂપ જે ઔપશમિકાદિ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે શુદ્ધ-ઉપાદાન-કારણભૂત હોવાથી મોક્ષકારણ (મોક્ષનાં કારણ) છે, પરંતુ શુદ્ધ-પારિણામિક નહિ (અર્થાત્ શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી)”

ઓહો! વસ્તુ-ભગવાન આત્મા નિત્યાનંદ સચ્ચિદાનંદ પ્રભુ સદા એક જ્ઞાયકભાવપણે છે; તેને શુદ્ધપારિણામિકભાવ, કહે છે. તે પારિણામિકભાવ, અહીં કહે છે, મોક્ષનું કારણ નથી. ઝીણી વાત છે પ્રભુ! તેને મોક્ષનું કારણ કહેવું એ વ્યવહારનય છે. બાકી મોક્ષની પર્યાય જે પ્રગટે છે તેનું શુદ્ધ દ્રવ્ય વાસ્તવમાં કારણ નથી. અહા! જેમ દ્રવ્ય ત્રિકાળી સત્ છે તેમ પર્યાય પણ સહજ સત્ છે; આવું વસ્તુનું સ્વરૂપ છે. રાગ પરિણામ હો કે વીતરાગ પરિણામ હો, તે પરિણામ તે તે કાળે સહજ સત્ છે. હવે જ્યાં આમ છે ત્યાં વ્યવહારથી-રાગથી નિશ્ચય થાય એ વાત ક્યાં રહી?

વ્યવહારરત્નત્રય કરતાં કરતાં મોક્ષ થશે એવી વાતો અત્યારે ચાલે છે પણ તે યથાર્થ નથી. દયા કરો, વ્રત કરો, દાન, ભક્તિ, પૂજા કરો ઇત્યાદિ પ્રરૂપણા અત્યારે ચાલે છે, પણ ભગવાન! એ તો બધી રાગની ક્રિયાઓ છે. રાગ છે એ ઉદયભાવ છે, બંધનું કારણ છે; તે મોક્ષનું કારણ કેમ થાય? ન થાય. અત્યારે આ બધો મોટો ગોટો ઉઠયો છે. પણ બાપુ! પોતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ સદા શાંતભાવ-આનંદભાવપણે અંતરમાં બિરાજે છે તેના લક્ષે પરિણમતાં સ્વતંત્રપણે જ પોતાના ષટ્કારકરૂપ પરિણમન વડે નિર્મળ રત્નત્રયની પર્યાય પ્રગટ થાય છે. અહા! તે પર્યાયને વ્યવહારરત્નત્રયની-રાગની અપેક્ષા નથી. વ્યવહારની અપેક્ષા વિના જ નિરપેક્ષપણે નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય પોતાના ષટ્કારકપણે પરિણમતી પ્રગટ થાય છે. આવી


PDF/HTML Page 3164 of 4199
single page version

ઝીણી વાત છે પ્રભુ! (એમ કે ઉપયોગને ઝીણો કર તો સમજાય એવો પ્રભુ તું છે).

ભાઈ! આત્મા ત્રિકાળી શુદ્ધ વસ્તુ જે છે તે પરિણમતી નથી. સમયસાર ગાથા ૨૮૦ ના ભાવાર્થમાં આવ્યું છે કે-“આત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો કે-આત્મા પોતે તો શુદ્ધ જ છે- ‘દ્રવ્યદ્રષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે. પર્યાયદ્રષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી રાગાદિરૂપે પરિણમે છે;’ માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કર્તા થતો નથી. ઉદયો આવે તેમનો જ્ઞાતા જ છે.” અહા! સમ્યગ્દ્રષ્ટિ એને કહીએ કે જે વ્યવહારરત્નત્રયના રાગનો કર્તા કે ભોક્તા થતો નથી કેમકે પર્યાયે તે જ્ઞાનભાવે પરિણમી રહ્યો છે ને દ્રવ્ય જે છે તે તો અપરિણમનસ્વરૂપ છે. આવી આ પરમાત્માના ઘરની વાતુ છે ભાઈ!

અહાહા....! અંદર વસ્તુ જે ચિદ્ઘન ધ્રુવ છે તે પરિણમન વિનાની સદા એકરૂપ છે; તેમાં પરિણમન જ નથી. અને બદલતી ચીજ જે (વિકારી કે નિર્વિકારી) પર્યાય છે તે એક સમયનું સત્ છે. આ રાગાદિ વિકારના જે પરિણામ થાય છે તે પણ જડ કર્મની અપેક્ષા વિના સ્વતંત્રપણે પ્રગટતા પોતાના ષટ્કારકરૂપ પરિણામ છે.

ત્યારે કેટલાક કહે છે-કર્મથી શું વિકાર ન થાય? કર્મથી વિકાર ન થાય તો તે સ્વભાવ થઈ જશે.

અરે ભાઈ! કર્મ તો બિચારાં જડ અજીવ છે, પરદ્રવ્ય છે; એ તો સ્વદ્રવ્યને અડતાંય નથી. જ્યાં આમ છે ત્યાં પરદ્રવ્યથી-કર્મથી સ્વદ્રવ્યની વિકારી પર્યાય કેમ થાય? ન થાય. (કર્મથી વિકાર થયો એમ કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવતું નિમિત્તપ્રધાન કથન છે).

મિથ્યાત્વાદિ ભાવ જે થાય છે તેને જીવ સ્વતંત્રપણે પોતાની પર્યાયમાં ઉત્પન્ન કરે છે. ત્રિકાળી જીવદ્રવ્ય એનું કારણ નહિ, તેમ પરદ્રવ્ય-કર્મ પણ એનું કારણ નહિ. એ મિથ્યાત્વભાવનો કર્તા મિથ્યાત્વ પર્યાય છે. મિથ્યાત્વની પર્યાય તે કર્તા, મિથ્યાત્વની પર્યાય તે કર્મ, મિથ્યાત્વની પર્યાય પોતે સાધન, મિથ્યાત્વના પરિણામ પોતે સંપ્રદાન, મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ થયું તે અપાદાન અને મિથ્યાત્વના આધારે મિથ્યાત્વ થયું તે અધિકરણ; આ પ્રમાણે મિથ્યાત્વની વિકારી પર્યાય કર્તા-કર્મ આદિ પોતાના ષટ્કારકથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે; એને નિમિત્તની કે કર્મના કારકોની કોઈ અપેક્ષા નથી.

જુઓ, વિકારની પર્યાયને જીવ કરે એવો એનો સ્વભાવ નથી, કેમકે જીવમાં એવી કોઈ શક્તિ નથી જે વિકારને કરે. શું કીધું? આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રભુત્વ આદિ અનંત અનંત શક્તિઓ ભરી છે; પણ એમાં એવી કોઈ શક્તિ નથી જે વિકારને ઉત્પન્ન કરે. શક્તિઓ તો બધી નિર્મળ જ નિર્મળ છે.

તો પર્યાયમાં વિકાર તો થાય છે?


PDF/HTML Page 3165 of 4199
single page version

હા, પર્યાયમાં જે વિકાર થાય છે તે સ્વતંત્ર તે સમયના ષટ્કારકના પરિણમનથી થાય છે. જીવદ્રવ્ય એનું કારણ નહિ ને નિમિત્ત-કર્મ પણ એનું વાસ્તવિક કારણ નહિ. પંચાસ્તિકાય ગાથા-૬૨ માં આ વાત આવી છે. લોકોને બેસવી કઠણ પડે છે પણ આ સત્ય વાત છે.

તેવી રીતે મોક્ષમાર્ગની જે પર્યાય છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ રત્નત્રયની જે પર્યાય છે તે નિશ્ચયથી તે તે કાળે પોતાના ષટ્કારકના પરિણમનથી ઉત્પન્ન થાય છે. પરમપારિણામિકભાવલક્ષણ જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય-ગુણ છે એની તેને અપેક્ષા નથી; તેમ દયા, દાન, વ્રત, આદિ વ્યવહારરત્નત્રયની પણ એને અપેક્ષા નથી. વીતરાગનો માર્ગ આવો સૂક્ષ્મ છે ભાઈ! રાગની ક્રિયા કરતાં કરતાં ધર્મ થાય એ વીતરાગના માર્ગમાં નથી; એ તો અજ્ઞાની લોકોએ કલ્પના કરીને ઊભી કરેલી વાત છે. અરે! લોકોએ માર્ગને ચૂંથી નાખ્યો છે!

ભાઈ! મોક્ષનો માર્ગ કે સમ્યગ્દર્શન આદિ નિર્મળ રત્નત્રયની જે પર્યાય પ્રગટ થઈ તે સ્વતંત્ર પ્રગટ થઈ છે, એને ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા નથી ને બાહ્ય વ્યવહારના કારકોની પણ અપેક્ષા નથી. સમ્યગ્દર્શનની પર્યાય પોતાના ષટ્કારકથી સ્વતંત્ર ઉત્પન્ન થઈ છે. સમ્યગ્દર્શનની કર્તા સમ્યગ્દર્શનની પર્યાય, એનું કાર્ય તે પર્યાય, એનું સાધન તે પર્યાય, એનું સંપ્રદાન, અપાદાન ને અધિકરણ પણ તે પર્યાય પોતે જ છે. અહો! સંતોએ આડતિયા થઈને સર્વજ્ઞ પરમાત્માએ કહેલી વાત જગત સમક્ષ જાહેર કરી છે.

અહાહા...! આત્મા શુદ્ધપારિણામિકભાવરૂપ સહજાનંદ ચિદાનંદ પ્રભુ પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા આદિથી પૂરણ શક્તિઓથી ભરેલો પૂર્ણાનંદઘન ભગવાન છે. તેને અવલંબનારી તેને વિષય કરનારી જે ભાવના છે, જેને ઉપશમાદિ ભાવત્રય કહીએ તે, અહીં કહે છે, સમસ્ત રાગાદિથી રહિત છે. જુઓ, શું કીધું? કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળરત્નત્રયરૂપ જે ભાવના છે, જેને આગમભાષાએ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક-એમ ભાવત્રયપણે કહી અને અધ્યાત્મભાષાએ ‘શુદ્ધાત્માભિમુખ પરિણામ’ , ‘શુદ્ધોપયોગ’ ઇત્યાદિ પર્યાયસંજ્ઞાથી કહી તે-

૧. શુદ્ધપારિણામિકભાવને અવલંબનારી છે. ૨. સમસ્ત રાગાદિથી રહિત છે. જુઓ, આ ટીકા કરનારા જયસેનાચાર્યદેવ છે. તેઓ નગ્ન દિગંબર સંત હતા. અંદર આત્માના પ્રચુર આનંદરસના સ્વાદમાં રહેનારા તેઓ વનમાં રહેતા હતા. નવસો વર્ષ પહેલાં તેમણે આ ટીકા બનાવી છે. ટીકામાં તેઓ કહે છે-ભગવાન આત્મા ત્રિકાળ ચિદાનંદઘન નિત્યાનંદ પ્રભુ છે; એના આશ્રયે, એના અવલંબે, એના લક્ષે જે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રની નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય પ્રગટે છે તે ભાવના


PDF/HTML Page 3166 of 4199
single page version

રૂપ પર્યાય સમસ્ત રાગાદિથી ભિન્ન છે. તે ભાવનારૂપ પર્યાય શું છે? તો કહે છે- ઉપશમાદિ ભાવત્રયરૂપ છે. ક્ષાયિકમાં અહીં ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનના ક્ષાયિકભાવની વાત છે, અહીં ભગવાન કેવળીના ક્ષાયિકભાવની વાત નથી. ચોથે ગુણસ્થાને પણ ક્ષાયિક સમકિત પ્રગટ થાય છે એની અહીં વાત છે.

શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત હતું. તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું, પણ પૂર્વે નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયેલું તેથી પર્યાયની યોગ્યતાવશ નરકના સંજોગમાં ગયા છે. પરંતુ રાગથી ભિન્ન પૂર્ણાનંદસ્વરૂપ નિજપરમાત્મદ્રવ્યનું અંદરમાં ભાન છે, અને આનંદનું વેદન સાથે છે. શીલપાહુડમાં આવે છે કે ધર્મી જીવને નરકગતિમાં પણ શીલ છે. અહાહા...! પૂર્ણાનંદના નાથને જ્યાં અંતરમાં ઢંઢોળીને જગાડયો અને સમ્યગ્દર્શન-જ્ઞાનને પ્રાપ્ત થયો ત્યાં તેની સાથે સ્વરૂપાચરણરૂપ સ્થિરતા પણ જીવને હોય જ છે. પોતાના સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન ને સ્વરૂપનું આચરણ-એ ત્રણે મળીને શીલ કહેવાય છે. શીલ એટલે ખાલી શરીરથી બ્રહ્મચર્ય પાળવું એની આ વાત નથી; એ તો એકલી રાગની ક્રિયા છે, જ્યારે સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રરૂપ શીલ તો રાગથી ભિન્ન છે. માર્ગ તો આવો છે ભાઈ!

જે શુભરાગ છે તેમાં જેટલો અશુભરાગ ટળ્‌યો તે શુદ્ધતા છે એમ કહેવું તે બરાબર નથી. સમ્યગ્દર્શન અને આત્માનો અનુભવ થાય, પછી તેને શુભરાગ આવે છે અને એમાં અશુભ ટળે છે. પણ શુભરાગ જે રહે છે તેનો ક્રમે અભાવ થઈને પૂર્ણ અભાવ થતાં મોક્ષ પ્રગટ થાય છે પણ શુભરાગ રહે ને મોક્ષ પ્રગટ થાય એમ ન બને. બાપુ! શુભરાગ છે એ તો બંધનું જ કારણ છે.

આ ઉપશમાદિ ત્રણ ભાવોને સમસ્ત રાગાદિરહિત કહ્યા છે. છે કે નહિ અંદર? ભાઈ! કોઈપણ રાગનો અંશ મોક્ષનો માર્ગ હોઈ શકે જ નહિ. જે ભાવથી તીર્થંકર- ગોત્રકર્મની પ્રકૃતિ બંધાય તે ભાવ પણ રાગ છે અને બંધનું જ કારણ છે. તે રાગ ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવરૂપ નથી. શુભરાગ છે એ તો ઉદયભાવ છે, બંધ પરિણામ છે, જ્યારે ઉપશમાદિ ભાવત્રય છે એ મોક્ષમાર્ગરૂપ છે, અબંધ છે.

જુઓ, સોલહકારણ ભાવના સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, અજ્ઞાનીને હોતી નથી. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને ષોડશકારણભાવનાનો રાગ આવે છે, પણ એ બંધનું જ કારણ છે, તે કાંઈ અબંધ પરિણામ નથી. અહીં તો આ ચોકખી વાત છે કે મોક્ષનો માર્ગ જે ત્રણભાવમય છે તે સમસ્ત રાગાદિથી રહિત છે.

કોઈને થાય કે-ધર્મી પુરુષને ઉપશમાદિ ભાવ વખતેય રાગ તો હોય છે. તો તેને ‘સમસ્ત રાગાદિ રહિત કેમ કહ્યા?’

ભાઈ! જે ઉપશમાદિ નિર્મળ ભાવો છે તે તો રાગરહિત જ છે; તે કાળે


PDF/HTML Page 3167 of 4199
single page version

ધર્મીને રાગ હો ભલે, પણ એ તો ભિન્ન ઉદયભાવરૂપ છે, એ કાંઈ ઉપશમાદિ ભાવમાં સમાતો નથી. અંશે શુદ્ધતા અને અંશે રાગ બન્ને એક સાથે હોવા છતાં બન્ને ભિન્ન ભિન્ન છે. ત્યાં ઉપશમાદિ નિર્મળભાવો છે તે મોક્ષનું કારણ છે અને જે કોઈ રાગાંશ છે તે બંધનું જ કારણ છે, તે મોક્ષનું કારણ જરાય નથી. આ પ્રમાણે મોક્ષનું કારણ જે ઉપશમાદિ નિર્મળ ભાવો છે તે તો સમસ્ત રાગરહિત જ છે. સમજાણું કાંઈ...?

શુદ્ધદ્રવ્ય ત્રિકાળ ભાવરૂપ, અને તેને અવલંબીને પ્રગટ થયેલી પરિણતિ તે ભાવના-એ બન્ને શુદ્ધ છે, પવિત્ર છે. જેમ ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યમાં રાગ નથી તેમ તેમાં ઝુકેલી પરિણતિમાં પણ રાગ નથી. અહા! શુદ્ધાત્માની આવી ભાવના કે જેમાં શુદ્ધ ચૈતન્યભાવનું ભવન થયું હોય તે પરમ અમૃતસ્વરૂપ છે. ચોથા ગુણસ્થાનથી આવી ભાવનાપરિણતિ શરૂ થાય છે. ઉપશમાદિ ત્રણ ભાવો ચોથા ગુણસ્થાને પણ હોય છે. સમ્યક્ત્વ પ્રગટવાના કાળે, તેમજ ત્યારપછી પણ કોઈવાર ચોથા ગુણસ્થાને શુદ્ધોપયોગ હોય છે. તે સિવાયના કાળમાં પણ જેટલી શુદ્ધ પરિણતિ થઈ છે તેનું નામ ‘ભાવના’ છે, ને તે મોક્ષનું સાધન છે.

જો કોઈ એમ કહે કે ચોથે ગુણસ્થાને શુદ્ધોપયોગ હોય નહિ તો તેને સમકિત શું ચીજ છે, ભગવાનનો મારગ શું છે-એની ખબર જ નથી. ભાઈ! શુદ્ધોપયોગ વિના તને ભગવાનનો માર્ગ હાથ નહિ આવે. અંર્તશુદ્ધતા વિના એકલા રાગથી તું મોક્ષમાર્ગ માની લે પણ તે વીતરાગનો માર્ગ નથી. ચોથે ગુણસ્થાને ઉપશમ સમ્યગ્દર્શન શુદ્ધોપયોગપૂર્વક જ થાય છે એ સિદ્ધાંત છે. શુભરાગ વડે સમ્યગ્દર્શન થાય એમ કદીય બનતું નથી. શુદ્ધાત્મભાવના શુદ્ધદ્રવ્યને અવલંબનારી છે, રાગને કદીય નહિ. રાગમાં એ તાકાત નથી કે તે શુદ્ધદ્રવ્યને-સ્વદ્રવ્યને ભાવી શકે. રાગની મંદતા વડે અંતઃપ્રવેશ શક્ય જ નથી તો તે વડે સમ્યગ્દર્શનાદિ કેમ થાય? ન થાય. ભાઈ! વીતરાગનો મારગ તો આવો રાગરહિત જ છે.

ભગવાન આત્મા જિનસ્વરૂપ પ્રભુ છે. આવે છે ને કે-

જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ;
યહી વચનસે સમજ લે, જિનપ્રવચનકા મર્મ.

આ આત્મા સદા જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ-પરમાત્મસ્વરૂપ જ છે. જો પોતે વીતરાગસ્વરૂપ ન હોય તો વીતરાગતા આવશે ક્યાંથી? ભગવાન અર્હંતદેવને વીતરાગતા ને કેવળજ્ઞાન પ્રગટ થયાં તે આવ્યાં ક્યાંથી? શું તે બહારથી આવ્યાં છે? ના; અંદર શક્તિમાં વીતરાગતા કે કેવળજ્ઞાન ભર્યાં છે તે પ્રગટ થયાં છે. કેવી રીતે? શુદ્ધાત્મભાવનાની પૂર્ણતા વડે. અહા! તે શુદ્ધાત્મભાવના જે મોક્ષમાર્ગરૂપ છે તે, કહે છે, સમસ્ત રાગાદિથી રહિત છે, રાગનો-વિકલ્પનો અંશ પણ એમાં સમાતો નથી.


PDF/HTML Page 3168 of 4199
single page version

જુઓ, આ સંસ્કૃત ટીકા છે. નવસો વર્ષ પહેલાં શ્રી જયસેનાચાર્યદેવે આ ટીકા રચી છે. એમાં આવી ચોકખી વાત કરી છે કે શુદ્ધાત્મભાવના કે જે ત્રણભાવરૂપ છે તે સમસ્ત રાગાદિરહિત હોવાને લીધે શુદ્ધ ઉપાદાનકારણભૂત હોવાથી મોક્ષનું કારણ છે. ભાઈ! ચોથા ગુણસ્થાનમાં પણ જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ પ્રગટ થયા તે રાગાદિરહિત પરિણામ છે. આ તો ભગવાન જિનચંદ્ર-જિનેશ્વરનાથ સર્વજ્ઞ પરમાત્માના ઘરની વાત છે. બાપુ! શ્રી સીમંધર પરમાત્મા મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપદે બિરાજે છે; તેમની દિવ્યધ્વનિમાં આવેલી સાર-સાર આ વાત છે. અહો! દિગંબર સંતોએ આમાં તો કેવળજ્ઞાનનો કક્કો ઘુંટાવ્યો છે.

કહે છે- આ ભાવના જે ત્રણભાવરૂપ છે તે સમસ્ત રાગાદિરહિત હોવાના કારણે શુદ્ધ-ઉપાદાનકારણભૂત હોવાથી મોક્ષનું કારણ છે. અહીં પર્યાયરૂપ શુદ્ધઉપાદાનની વાત છે. ત્રિકાળી શુદ્ધઉપાદાન કે જે શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે તે તો પહેલાં આવી ગઈ છે. અહીં પર્યાયના શુદ્ધઉપાદાનની વાત છે.

ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક-એ ત્રણે વીતરાગી નિર્મળ પર્યાયો છે. તે વીતરાગી પર્યાય સમસ્ત રાગાદિથી રહિત શુદ્ધઉપાદાનકારણભૂત છે અને તેથી મોક્ષનું કારણ છે. અહા! નિર્મળ પર્યાય પોતે જ શુદ્ધઉપાદાનકારણભૂત છે. શું કીધું? એ પર્યાય પોતે જ પોતાનું ઉપાદાનકારણ છે; અર્થાત્ પર્યાય પોતે જ પોતાનું કારણ અને પોતે જ પોતાનું કાર્ય છે. અહો! આ તો કોઈ અલૌકિક શૈલીથી વાત છે. આવી વાત ભગવાન કેવળીના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી.

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પર્યાયનો વિષય ત્રિકાળી, દ્રવ્ય છે. વર્તમાન ભાવનારૂપ જે નિર્મળ પર્યાય તે શુદ્ધ ત્રિકાળીને અવલંબે છે. ધર્મની દશા ને મોક્ષની દશા શુદ્ધપારિણામિકભાવસ્વરૂપ ત્રિકાળીને અવલંબે છે, તે રાગને અવલંબતી નથી, તેમ વર્તમાન પર્યાયને પણ અવલંબતી નથી. (નિર્મળ) પર્યાયનો વિષય પર્યાય નથી. સમ્યગ્દર્શનની પર્યાય ત્રિકાળીને અવલંબતી થકી પોતાના ષટ્કારકથી સ્વતંત્રપણે પ્રગટ થાય છે. આ તો એકલું અમૃત છે ભાઈ! અહો! આચાર્યદેવે આ પંચમકાળમાં અમૃત રેડયાં છે; ‘અમૃત વરસ્યાં રે પંચમકાળમાં.’

જુઓ, નિયમસારમાં આચાર્યદેવે એમ કહ્યું છે કે-ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ જે નિર્મળ વીતરાગી ધર્મની પર્યાય છે તેને અમે પરદ્રવ્ય કહીએ છીએ. અહા! તે પરભાવ છે, પરદ્રવ્ય છે અને તેથી હેય છે એમ ત્યાં કહ્યું છે. શું કીધું? વ્યવહારરત્નત્રયનો રાગ તો હેય છે જ, પણ શુદ્ધ આત્મદ્રવ્યની દ્રષ્ટિ થતાં જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે તે મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિએ પરભાવ છે, પરદ્રવ્ય છે અને તેથી હેય છે એમ કહે છે.


PDF/HTML Page 3169 of 4199
single page version

એટલે શું? કે તે પર્યાય પણ અવલંબનયોગ્ય નથી. અહાહા....! નિર્મળ પર્યાયને તે પર્યાયનું અવલંબન નથી. જેમ રાગ આશ્રયયોગ્ય નથી તેમ નિર્મળ પર્યાય પણ આશ્રયયોગ્ય નથી.

અરે ભાઈ! તું દુઃખી-દુઃખી થઈને ચાર ગતિમાં રઝળી મર્યો છે. ચારે ગતિમાં તને જે મિથ્યાત્વના ભાવ રહ્યા તે સંસાર છે, બીજી ચીજ-બૈરાં-છોકરાં, કુટુંબ-કબીલા વગેરે કાંઈ સંસાર નથી. રાગ સાથે એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વનો ભાવ તે જ સંસાર છે. બાપુ! તું બૈરાં-છોકરાં છોડે ને દુકાન વગેરે છોડે એટલે સંસાર છોડયો એમ માને છે પણ એ મિથ્યા-જૂઠું છે. મિથ્યાત્વને છોડયા વિના સંસાર કદીય છૂટે નહિ. એમ તો અનંતકાળમાં તું અનંતવાર નગ્ન દિગંબર મુનિ થયો, પણ એથી શું? છહઢાલામાં આવે છે ને?

મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયો.

હવે આવી વાત આકરી લાગે છે એટલે વિરોધ કરે છે. પણ ભાઈ! ત્રણકાળમાં કદીય ફરે નહિ એવી આ પરમ સત્ય વાત છે. વિરોધ કરો તો કરો; પણ તારા એવા પરિણામથી તને બહુ નુકશાન થશે.

વ્યવહાર છે તે મોક્ષનો માર્ગ છે જ નહિ, વાસ્તવમાં તે બંધનું જ કારણ છે, મોક્ષમાર્ગ બે નથી. એનું નિરૂપણ બે પ્રકારે છે. નિશ્ચય મોક્ષનો મારગ તો સમસ્ત રાગાદિથી રહિત છે તે શુદ્ધ ઉપાદાનકારણભૂત છે. રાગ છે તે મોક્ષમાર્ગ પણ નહિ અને તેનું કારણ પણ નહિ. આવી વાત છે.

સમાધિતંત્ર શ્લોક ૯૧ ના વિશેષ અર્થમાં લખ્યું છે કે-નિમિત્ત હોવા છતાં, નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરિણમન હોય છે. જયધવલ-પૃ. ૧૧૭, પુસ્તક સાતમું એમાં કહ્યું છે કે-

‘बज्झकारण–निरपेक्खो वत्थुपरिणामो’

વસ્તુનું પરિણામ બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે. આ વાત સમજવા દ્રષ્ટાંત આપીએ છીએઃ

જુઓ, દશમા ગુણસ્થાને લોભપરિણામ એક છે, છતાં કર્મોની સ્થિતિમાં ફેર પડે છે. નિમિત્તપણે લોભનું એક જ કારણ હોવા છતાં કોઈ કર્મની સ્થિતિ આઠ ર્મુહૂર્તની અને કોઈ કર્મની સ્થિતિ અંતર્મુહૂર્તની પડે છે. આનું કારણ શું? એ તો નીચેના ગુણસ્થાનોમાં પણ આમ છે; આ તો લોભના છેલ્લા પરિણામની વાત કરીએ છીએ. લોભના એક જ પરિણામ નિમિત્તકારણ હોવા છતાં કર્મના સ્થિતિબંધમાં ફેર પડે છે.


PDF/HTML Page 3170 of 4199
single page version

નામ અને ગોત્રકર્મની સ્થિતિ આઠ મુહૂર્તની બંધાય છે, જ્યારે જ્ઞાનાવરણીય- દર્શનાવરણીયનો સ્થિતિનો બંધ અંતઃમુહૂર્તનો પડે છે. આમ કેમ? તો કહે છે-તે સ્થિતિબંધની પર્યાય સ્વતંત્ર છે, તેને કોઈ બાહ્ય કારણની અપેક્ષા નથી અર્થાત્ વસ્તુનું પરિણામ બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે.

અમે તો આ ઘણા વખતથી કહીએ છીએ. અમુક કર્મપ્રકૃતિમાં પરમાણુ ઓછાં આવે છે, તો કોઈ કર્મપ્રકૃતિમાં પરમાણુ ઘણાં આવે છે; ત્યાં મિથ્યાત્વ અને રાગાદિ પરિણામ તો એક જ છે, છતાં આમ બને છે એનું કારણ શું? બસ આ જ કે વસ્તુનું પરિણામ બાહ્ય કારણથી નિરપેક્ષ છે. પ્રત્યેક કાર્ય અંતરંગકારણથી જ થાય છે, તેને બાહ્ય પરકારણની અપેક્ષા છે જ નહિ. અહાહા....! મોક્ષનો માર્ગ જે અંદર પ્રગટ થાય છે તેને બાહ્યકારણની-વ્યવહારરત્નત્રયની કોઈ અપેક્ષા નથી; તે મોક્ષના માર્ગની પર્યાય શુદ્ધ ઉપાદાનકારણભૂત છે. અહો! સર્વજ્ઞના કેડાયતીઓએ સર્વજ્ઞ થવાની આવી અલૌકિક વાત કરી છે. જેનાં પરમ ભાગ્ય હોય તેને તે સાંભળવા મળે તેવી છે.

અહાહા..! કહે છે-શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવને અવલંબનારી ભાવના રાગાદિરહિત હોવાને લીધે શુદ્ધ ઉપાદાનકારણભૂત હોવાથી મોક્ષના કારણરૂપ છે. તે ભાવનાને બાહ્યકારણની-વ્યવહારકારણની અપેક્ષા નથી. હવે આ સાંભળીને ઓલા વ્યવહારના પક્ષવાળા રાડ પાડી જાય છે. તેઓ કહે છે-નિશ્ચય અને વ્યવહાર-એમ બે મોક્ષમાર્ગ છે.

અરે ભાઈ! તને ખબર નથી ભગવાન! પણ નિશ્ચયમોક્ષમાર્ગ એક જ સત્યાર્થ મોક્ષમાર્ગ છે, વ્યવહાર મોક્ષમાર્ગ એ કાંઈ વાસ્તવિક માર્ગ નથી, એ તો ઉપચારમાત્ર છે; વાસ્તવમાં તો એ રાગ છે, બંધનું કારણ છે. વ્યવહારમોક્ષમાર્ગને જ સત્યાર્થ મોક્ષમાર્ગ માની અનંતકાળથી તું રખડવાના પંથે ચઢી ગયો છો. માર્ગના યથાર્થ સ્વરૂપને સમજ્યા વિના એકેન્દ્રિય આદિમાં અનંત અનંત અવતાર ધરીને તું હેરાન-હેરાન થઈ ગયો છું પ્રભુ! જરા યાદ કર.

સંવત ૧૯૮૦ ની સાલમાં સંપ્રદાયમાં બોટાદમાં હતા ત્યારે પંદરસો પંદરસો માણસો વ્યાખ્યાનમાં આવતા. બહારમાં નામ પ્રસિદ્ધ હતું ને? તો હજારો માણસો સાંભળવા આવતા. ત્યારે એકવાર જાહેર સભામાં કહેલું કે જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ ધર્મ નહિ. બહુ આકરી વાત! પણ લોકો સાંભળતા; અમારા ઉપર વિશ્વાસ હતો ને! તો સાંભળતા. લ્યો, તે વખતે આ દેહની ઉંમર તો નાની હતી, તે વખતે આ વાત મૂકી હતી કે-સમકિતીને તીર્થંકરપ્રકૃતિનો બંધ પડે, અજ્ઞાનીને નહિ; છતાં સમકિતી જીવને તીર્થંકરપ્રકૃતિના કારણભૂત જે પરિણામ થાય તે પરિણામ ધર્મ નથી. અહા! જે ભાવથી બંધ થાય તે ભાવ ધર્મ કે ધર્મનું કારણ કેમ થાય? ન થાય. ભાઈ! મુનિરાજને જે પંચમહાવ્રતના પરિણામ છે તે રાગ છે માટે તે આસ્રવભાવ


PDF/HTML Page 3171 of 4199
single page version

છે, બંધનું કારણ છે. હવે આવી વાત સાંભળીને ઘણાને ખળભળાટ થઈ જાય છે, પણ ભાઈ! આ ત્રિલોકીનાથ જૈન પરમેશ્વરની વાણીમાં આવેલી પરમ સત્ય વાત છે.

શુભભાવ જ્ઞાનીને આવે છે ખરો; અંદર આત્મજ્ઞાન અને સ્વાનુભવ જેને પ્રગટ થયાં છે તેને ક્રમે આગળ વધતાં વચ્ચે યથાયોગ્ય શુભભાવ આવે છે, પણ એનાથી ધર્મ થાય છે એમ નથી. ધર્મ તો રાગરહિત શુદ્ધઉપાદાનકારણભૂત છે. શુભભાવ છોડીને અંદર આત્માનુભવમાં સ્થિરતા થાય ત્યારે આગળ આગળનું ગુણસ્થાન પ્રગટે છે. જુઓ, છઠ્ઠે ગુણસ્થાને પાંચ મહાવ્રતનો વિકલ્પ છે તે પ્રમાદ છે. તેને છોડીને, અંતરમાં સ્થિર થાય ત્યારે સાતમું ગુણસ્થાન પ્રગટ થાય છે. સાધકને ભૂમિકાયોગ્ય વચમાં વ્યવહાર આવે છે ખરો, પણ તેને તે હેય છે.

નિયમસારમાં તો મોક્ષમાર્ગની પર્યાયને પણ હેય કહી છે, કેમકે તે આશ્રય કરવાયોગ્ય નથી. વસ્તુસ્થિતિ જ આવી છે બાપુ! કોઈની કલ્પનાથી વસ્તુસ્થિતિ ન બદલી જાય. ઓહો! વસ્તુ ચિદાનંદઘન પ્રભુ અંદર ત્રિકાળી સત્ છે તેના લક્ષે, તેના આશ્રયે, તેના અવલંબને જે શુદ્ધાત્મભાવના પ્રગટ થાય તે સર્વથા રાગરહિત છે અને શુદ્ધ ઉપાદાનકારણભૂત છે. આવી વાત સંપ્રદાયબુદ્ધિવાળાને કઠણ પડે પણ શું થાય? હવે તો લાખો લોકો આ વાતને સમજવા લાગ્યા છે.

જેને આ વાત બેસતી નથી તે પ્રરૂપણા કરે છે કે-વ્રત લો, પડિમા ધારણ કરો- એનાથી ધર્મ થઈ જશે. પણ ભાઈ! સમ્યગ્દર્શન વિના પડિમા આવશે ક્યાંથી? હજુ સમકિતની દશા કેવી હોય અને તે કેમ પ્રગટે એનીય જેને ખબર નથી તેને પડિમા કેવી? તેને વ્રત કેવાં? અહીં તો આ એકદમ ચોકખી વાત છે કે મોક્ષમાર્ગની ભાવનારૂપ જે પર્યાય છે તે રાગરહિત શુદ્ધઉપાદાનકારણભૂત છે. અર્થાત્ તે પડિમા આદિની અપેક્ષાથી રહિત છે.

ત્યારે કેટલાક વાંધા ઉઠાવે છે કે- (કાર્ય) ઉપાદાનથી પણ થાય અને નિમિત્તથી પણ થાય.

ભાઈ! તારી આ વાત યથાર્થ નથી. બે કારણથી કાર્ય થાય છે એમ શાસ્ત્રમાં આવે છે, પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઉપચારથી બીજી ચીજને કારણ કહી છે, પણ તે સત્યાર્થ કારણ છે એમ છે નહિ; સત્યાર્થ કારણ તો એક ઉપાદાનકારણ જ છે. આ પ્રમાણે મોક્ષનો માર્ગ અને તેનું કારણ એક જ પ્રકારે છે.

ચિદ્દવિલાસમાં પં. શ્રી દીપચંદજીએ બહુ સરસ વાત કરી છે. તેઓ કહે છે- પર્યાયનું કારણ તે પર્યાય જ છે. ગુણ વિના જ (ગુણની અપેક્ષા વિના જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે; પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. જેટલામાં પર્યાય ઉઠે તે પ્રદેશ પર્યાયનું કારણ છે, ધ્રુવના પ્રદેશ નહિ. આવી વાત છે! સમજાય છે કાંઈ....?


PDF/HTML Page 3172 of 4199
single page version

જુઓ, આત્માના પાંચ ભાવોમાં કયા ભાવ મોક્ષનું કારણ છે એની આ વાત ચાલે છે. ત્યાં કહે છે-શુદ્ધ એક ચૈતન્યસ્વભાવની ભાવનાથી પ્રગટેલા ઔપશમિક આદિ ત્રણ ભાવો મોક્ષનું કારણ છે, ને તે ત્રણે ભાવો રાગરહિત શુદ્ધ છે. રાગ છે તે ઔદયિકભાવ છે અને તે મોક્ષના કારણભૂત નથી. આ પ્રમાણે અસ્તિ-નાસ્તિરૂપ મોક્ષમાર્ગનું સ્વરૂપ કહ્યું. આવા મોક્ષમાર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. શુદ્ધ આત્મ-દ્રવ્યનું અવલંબન ચોથે ગુણસ્થાનેથી શરૂ થાય છે. ત્યાં જેટલું શુદ્ધાત્માનું અવલંબન તેટલી શુદ્ધતા છે; ને તે શુદ્ધતાને જ ઉપશમાદિ ભાવત્રય કહે છે, ઉદયભાવ-રાગભાવ તો એનાથી બહાર જ છે.

પણ તે કાળે રાગ છે તો ખરો? છે ને? તે કાળે રાગ હો, પણ તેથી શું? આખી દુનિયા છે, પણ એનાથી જ્ઞાન જુદું છે, જ્ઞાન તેને કરતું નથી; તેમ રાગનેય જ્ઞાન કરતું નથી, ભોગવતું નથી, જાણે જ છે. ભાઈ! સમકિતીને સમ્યક્ત્વાદિ જે નિર્મળ નિર્મળ ભાવો છે તે રાગથી મુક્ત જ છે, ભિન્ન જ છે. અહો! ભગવાન આત્મા તો ભિન્ન હતો જ, ને પરિણતિ સ્વાભિમુખ થઈ ત્યાં તે પણ રાગથી ભિન્ન જ થઈ. ભાઈ! રાગ રાગમાં હો, પણ રાગ જ્ઞાનમાં નથી, કેમકે જ્ઞાને રાગને ગ્રહ્યો નથી, રાગ જ્ઞાનમાં જણાતાં ‘આ રાગ હું’ -એમ જ્ઞાને રાગને પકડયો નથી. ‘હું તો જ્ઞાન છું’ -એમ જ્ઞાન પોતાને જ્ઞાનપણે જ વેદે છે. આવા વેદનમાં સાથે આનંદ છે, પણ એમાં રાગ નથી. સમજાણું કાંઈ...?

અરે જીવ! મોક્ષના કારણરૂપ તારી નિર્મળદશા કેવી હોય તેને ઓળખ તો ખરો! અહા! તારી સ્વરૂપસંપદાને ઓળખતાં તે પ્રગટ થાય છે. ભાઈ! મોક્ષના કારણરૂપ તે દશા-

-શુદ્ધ એક પરમસ્વભાવભાવને જ અવલંબનારી છે, પરને ને રાગને

અવલંબનારી નથી.

-દેહ, મન, વચન આદિ જગતના સર્વ અન્યપદાર્થોથી ભિન્ન છે. -પુણ્ય-પાપ આદિ ભાવકર્મથી પણ ભિન્ન છે. તેમાં રાગનો એક કણ પણ

સમાતો નથી.

-શુદ્ધ ઉપાદાનકારણભૂત છે. અહા! મોક્ષના કારણરૂપ તે દશા સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા આદિ નિજભાવોથી ભરપૂર છે. અહો! સમકિતીને સ્વાવલંબે પ્રગટેલી ચૈતન્યસંપદા આગળ જગતની જડસંપદા કાંઈ નથી ; કેમકે પુણ્યને આધીન એ જડસંપદા પરમસુખમય મોક્ષને દેવા સમર્થ નથી. આવી વાત છે.


PDF/HTML Page 3173 of 4199
single page version

બાપુ! વીતરાગનો મારગ રાગથી સદાય અનેરો છે. ચોથે ગુણસ્થાને શુદ્ધતાનો જે અલ્પ અંશ પ્રગટ થયો તેમાં પણ રાગનો અભાવ જ છે. શુદ્ધતામાં રાગ નહિ, ને રાગમાં શુદ્ધતા નહિ; બન્નેની જાતિ જ ભિન્ન છે. સમ્યગ્દ્રષ્ટિને દ્રવ્યમાં રાગ નહિ, ગુણમાં રાગ નહિ ને જે નિર્મળ પરિણતિ થઈ તેમાંય રાગ નહિ; આમ તેને દ્રવ્ય- ગુણ-પર્યાય ત્રણેય રાગરહિત શુદ્ધ વર્તે છે. અભેદ એક ‘શુદ્ધ’ ને ભાવતાં તેને શુદ્ધતાનું પરિણમન થયા કરે છે. આવી શુદ્ધતાની પૂર્ણતા થાય તે મોક્ષ; અને અંશે શુદ્ધતા તે મોક્ષમાર્ગ, શ્રીમદે કહ્યું છે ને કે-

મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા; તે પામે તે પંથ.

આ પ્રમાણે કારણ-કાર્ય એક જાતિનાં જ હોય છે. શુભરાગ કારણ થઈને અશુદ્ધ કાર્યને જ કરે. પણ તે શુદ્ધ કાર્યને કરે એમ કદીય ના બને. શુદ્ધ કાર્યનું કારણ તો શુદ્ધ જ હોય, રાગરહિત જ હોય. હવે આમ છે ત્યાં કોઈ બહારમાં જડની ક્રિયાઓ થાય એને મોક્ષનું કારણ માને એ તો નરી મૂઢતા જ છે.

સમકિતીને જેટલી સ્વ-આશ્રયે શુદ્ધ ઉપાદાનરૂપ પરિણતિ થઈ છે તેટલું મોક્ષનું કારણ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કે જે ધ્રુવભાવરૂપ છે, અક્રિય છે તે મોક્ષનું કારણ થતું નથી, વળી શુદ્ધદ્રવ્યથી વિમુખપણે વર્તતા ભાવો પણ મોક્ષનું કારણ નથી થતા; શુદ્ધદ્રવ્યની સન્મુખ થઈને વર્તતા નિર્મળ ભાવો જ મોક્ષનું કારણ થાય છે. આ પ્રમાણે અહીં પર્યાયમાં કારણ-કાર્યપણું કહ્યું છે. એમ તો તે-તે સમયની પર્યાય શુદ્ધદ્રવ્યને અવલંબીને પોતે પૂરણ શુદ્ધપણે પ્રગટે છે, પૂર્વ પર્યાયમાંથી તે નથી આવતી. પણ પૂર્વે આટલી શુદ્ધિપૂર્વક જ પૂર્ણ શુદ્ધતા થાય છે તેથી તેમનામાં કારણ-કાર્યપણું કહ્યું, અને તેનાથી વિરુદ્ધભાવોનો નિષેધ કર્યો. આ પ્રમાણે કયા ભાવથી મોક્ષ સધાય છે તે બતાવ્યું.

અહીં કહે છે-શુદ્ધાત્મભાવના કે જે ઔપશમિકાદિ ભાવત્રયરૂપ છે તે મોક્ષનું કારણ છે, પરંતુ શુદ્ધ પારિણામિકભાવ મોક્ષનું કારણ નથી. હવે આ વાણિયા માલ લેવા જાય ત્યાં તો કસી-કસીને માલ ખરીદે પણ અહીં ધર્મની વાત આવે તેમાં ‘જયનારાયણ’ એમ હા જી હા કરે. પણ ભાઈ! આ તો ત્રિલોકીનાથ જૈન પરમેશ્વરની સર્વજ્ઞદેવની વાણી છે. અહા! જેમની સભામાં ઇન્દ્રો, મુનિવરો, ગણધરો બિરાજતા હોય, જેમની વાણી નાગ અને વાઘ પણ સાંભળતા હોય તે વાણી કેવી હોય બાપુ! દયા કરો, વ્રત પાળો, ભક્તિ કરો એવી વાત તો કુંભારેય કરે છે; એમાં શું નવું છે? પ૦ વર્ષ પહેલાં તો એવો રિવાજ હતો કે શ્રાવણ માસ આવે એટલે કુંભાર નિભાડા બંધ કરે, ઘાંચી ઘાણી ન ચલાવે ઇત્યાદિ. પણ ભાઈ! એ કાંઈ ધર્મના પરિણામ નથી.

અહીં કહે છે-મોક્ષના માર્ગરૂપ જે નિર્મળ રત્નત્રયની પર્યાય છે તે મોક્ષનું


PDF/HTML Page 3174 of 4199
single page version

કારણ છે, પરંતુ ત્રિકાળી શુદ્ધદ્રવ્ય છે તે મોક્ષનું કારણ નથી. અહાહા...! ભગવાન આત્મા જેને કારણજીવ, કારણપરમાત્મા કહીએ તે ચિદાનંદઘન પ્રભુ, અહીં કહે છે, મોક્ષનું કારણ નથી. ભાઈ! જ્યાં જે પદ્ધત્તિથી વાત હોય તે યથાર્થ સમજવી જોઈએ. જો ત્રિકાળીભાવરૂપ કારણપરમાત્મા મોક્ષનું કારણ હોય તો મોક્ષરૂપ કાર્ય સદાય હોવું જોઈએ, કેમકે દ્રવ્ય તો સદાય વિદ્યમાન છે. પરંતુ મોક્ષકાર્ય તો નવું પ્રગટે છે. માટે તેનું કારણ ત્રિકાળી શુદ્ધદ્રવ્ય નથી પણ પર્યાય છે. અહાહા...! કારણપરમાત્મદ્રવ્ય સદાય શુદ્ધ છે; એનું ભાન કરીને પર્યાય જ્યારે એની ભાવનારૂપ પરિણમી, એમાં એકાકાર થઈ પરિણમી ત્યારે તે શુદ્ધ થઈને મોક્ષનું કારણ થઈ. આ પ્રમાણે મોક્ષનું કારણ-કાર્ય પર્યાય છે, શુદ્ધ દ્રવ્ય નહિ.

જુઓ, એક ફેરા એક પ્રશ્ન થયેલો કે-તમો કારણપરમાત્મા અનાદિથી વિદ્યમાન છે એમ કહો છો તો તેનું કાર્ય કેમ નથી આવતું? એમ કે કારણ કહો છો તો એનું કારણ આવવું જોઈએ ને?

સમાધાનઃ– ત્યારે કહ્યું, -ભાઈ! કારણપરમાત્મા તો ત્રિકાળ સત્ છે. પણ તેં એનું અસ્તિત્વ ક્યાં માન્યું છે? એનો સ્વીકાર કર્યા વિના પર્યાયમાં એનું કાર્ય ક્યાંથી આવે? પર્યાય જ્યારે સ્વાભિમુખપણે વર્તે છે ત્યારે એનું કાર્ય આવે જ છે. કાર્ય તો પર્યાયમાં આવે ને? પણ સ્વાભિમુખ થાય ત્યારે. આવી વાત છે. આ પ્રમાણે સ્વાભિમુખ પર્યાય મોક્ષનું કારણ થાય છે, ત્રિકાળી શુદ્ધદ્રવ્ય નહિ; કેમકે દ્રવ્ય તો અક્રિય અપરિણામી છે. સમજાય છે કાંઈ...?

આ પ્રમાણે મોક્ષનું કારણ દર્શાવીને શક્તિરૂપ ને વ્યક્તિરૂપ મોક્ષની ચર્ચા કરે છે; કહે છે-

‘જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે, પ્રથમથી જ વિદ્યમાન છે. આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે.’

અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ શક્તિરૂપ ત્રિકાળ મોક્ષસ્વરૂપ અબંધસ્વરૂપ છે. સમયસાર ગાથા ૧૪-૧પ માં આત્માને ‘અબદ્ધસ્પૃષ્ટ’ કહ્યો છે. અબદ્ધ કહો કે મુક્ત કહો- એક જ વાત છે. ભાઈ! ત્રિકાળી દ્રવ્યસ્વભાવ સદા મુક્તસ્વરૂપ જ છે. ગજબ વાત છે ભાઈ! કહે છે-શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે. અહા! ભગવાન આત્મા તો શક્તિએ-સ્વભાવથી ત્રિકાળ મોક્ષસ્વરૂપ પ્રથમથી જ વિદ્યમાન છે. જોયું? એનો મોક્ષ કરવો છે એમ નહિ, ત્રિકાળ મોક્ષસ્વરૂપ જ છે, પ્રથમથી જ મોક્ષસ્વરૂપ છે.

૧પ મી ગાથામાં કહ્યું છે કે-જે કોઈ આત્માને અબદ્ધ-સ્પૃષ્ટ દેખે છે તે સકલ જિનશાસનને દેખે છે. જુઓ આ જૈનધર્મ! ભગવાન આત્મા રાગ અને કર્મના


PDF/HTML Page 3175 of 4199
single page version

સંબંધથી રહિત અબદ્ધસ્પૃષ્ટ છે. અહા! આવા શુદ્ધ ચિદાનંદ ભગવાનને જેણે અંતર્મુખ થઈ અનુભવ્યો તે, કહે છે, સર્વ જિનશાસનને દેખે છે -કે જે બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે. અહા! જે પુરુષે નિજ શુદ્ધોપયોગમાં આત્માનુભવ કરીને મોક્ષમાર્ગ પ્રગટ કર્યો એણે સકળ જિનશાસન જોયું. આવું જિનશાસન એક વીતરાગભાવરૂપ છે.

અહા! શ્રી જયસેનાચાર્યદેવ વીતરાગી સંત મુનિવર કહે છે-મોક્ષના બે પ્રકારઃ એક શક્તિરૂપ મોક્ષ, બીજો વ્યક્તિરૂપ મોક્ષ. ત્યાં પર્યાયમાં પરિણમન થઈને આત્માનો પૂર્ણ લાભ વ્યક્તરૂપે પ્રાપ્ત થવો તે વ્યક્તિરૂપ મોક્ષ છે. અને વસ્તુ જે શુદ્ધપારિણામિકસ્વભાવે છે તે શક્તિરૂપ મોક્ષ ત્રિકાળ છે. ત્રિકાળ પરમસ્વભાવભાવરૂપ જે શુદ્ધ શક્તિરૂપ મોક્ષ છે તેમાં મોક્ષ કરવો છે એમ નથી. એ તો પ્રથમથી જ મોક્ષસ્વરૂપ છે. અને તેનો આશ્રય કરીને પર્યાય જે પરિપૂર્ણસ્વભાવે પ્રગટ થાય તે વ્યક્તિરૂપ મોક્ષ છે. આવું બહુ ઝીણું ભાઈ! અજાણ્યા માણસને તો ગ્રીક-લેટિન જેવું લાગે. ભાઈ! ફુરસદ લઈને આનો પરિચય કરવો જોઈએ; આ તો વીતરાગનો મારગ છે બાપા!

અહીં કહે છે-શક્તિરૂપ મોક્ષ શુદ્ધપારિણામિક ત્રિકાળ છે, તે પ્રથમથી જ વિદ્યમાન છે; આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે. અહા! અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય-એમ અનંતચતુષ્ટય પ્રગટ થયાં તે વ્યક્તરૂપ મોક્ષ છે અને તે મોક્ષમાર્ગની પર્યાયથી પ્રાપ્ત થાય છે. એ મોક્ષ દ્રવ્યથી પ્રાપ્ત ન થાય એમ અહીં કહેવું છે. દુનિયાને આ ગોઠે નહિ એવી વાત છે, પણ ભાઈ રે! પર્યાયમાં જે મોક્ષ થાય છે એ મોક્ષમાર્ગના કારણથી થાય છે, પર પદાર્થ એનું કારણ નથી, તેમ ત્રિકાળી દ્રવ્ય પણ એનું કારણ નથી. વાસ્તવમાં તો તે-તે પર્યાયનું શુદ્ધ ઉપાદાન જ તે પર્યાયનું (-મોક્ષનું) કારણ છે. સમજાય છે કાંઈ...?

મોક્ષમાર્ગની પર્યાયને અહીં મોક્ષનું કારણ કહ્યું છે એ પણ અપેક્ષાથી વાત છે; મોક્ષમાર્ગની જે પર્યાય છે તે વ્યય થઈને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે, પણ એમ નથી કે જોર કરીને તે મોક્ષની પર્યાયને ઉત્પન્ન કરી દે છે વા કરાવી દે છે. આવી વાત છે.

આત્માનો ત્રિકાળી ધ્રુવસ્વભાવ અને એના આશ્રયે પ્રગટ થતો મોક્ષમાર્ગ સમજાવીને અહો! આચાર્ય ભગવાને અંતરનો ખજાનો ખોલી દીધો છે. હે ભાઈ! તારો ચૈતન્યખજાનો અંદર મોક્ષસ્વભાવથી ભરપૂર છે. એમાં અંદર ઉતરીને એમાંથી જોઈએ એટલું કાઢઃ સમ્યગ્દર્શન કાઢ, સમ્યગ્જ્ઞાન કાઢ, સમ્યક્ચારિત્ર કાઢ, કેવળજ્ઞાન કાઢ અને મોક્ષ કાઢ. અહા! સદાકાળ એમાંથી પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ લીધા જ કર;


PDF/HTML Page 3176 of 4199
single page version

તારો ખજાનો ખૂટે એમ નથી. અહા! તારું આત્મદ્રવ્ય અવિનાશી અનંતગુણસ્વભાવથી ભરેલું સદા મોક્ષસ્વરૂપ જ છે. ‘તું છો મોક્ષસ્વરૂપ.’ અહા! આવા નિજ સ્વભાવનું જ્ઞાન- શ્રદ્ધાન થયું તેને મોક્ષ પ્રગટતાં શી વાર! જેણે અંતરમાં શક્તિરૂપ મોક્ષ ભાળ્‌યો તેને મોક્ષના ભણકાર આવી ગયા ને તેને અલ્પકાળમાં જ વ્યક્તિરૂપ મોક્ષ થાય છે.

વસ્તુ-ધ્રુવ આત્મદ્રવ્ય શક્તિરૂપ મોક્ષ ત્રિકાળ છે, અને એના આશ્રયે વ્યક્તિરૂપ મોક્ષ નવો પ્રગટે છે. પર્યાયમાં મિથ્યાત્વ હો કે સમ્યક્ત્વ હો, બંધન હો કે મોક્ષ હો; દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ મોક્ષસ્વરૂપ જ છે, તેમાં બંધન નથી, આવરણ નથી, અશુદ્ધતા નથી કે અલ્પતા નથી. અહાહા...! વસ્તુ તો સદા પરિપૂર્ણ જ્ઞાનઘન-આનંદઘન પ્રભુ મોક્ષસ્વરૂપ જ છે. અહા! આવા નિજસ્વભાવનું અંતર્મુખ થઈને ભાન કરનારને પર્યાયમાં બંધન ટળીને પૂરણ શુદ્ધ મોક્ષદશા થવા માંડે છે. અહો! આવો અલૌકિક મોક્ષનો માર્ગ છે અને એનું નામ ધર્મ છે.

હવે કહે છે- ‘એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે-“ निष्क्रियः शुद्धपारिणामिकः” અર્થાત્ શુદ્ધપારિણામિક (ભાવ) નિષ્ક્રિય છે.’

જુઓ, આ વિશેષ સ્પષ્ટ કરે છે કે પારિણામિક ધ્રુવ સ્વભાવભાવ જે છે તે મોક્ષનું કારણ નથી કેમકે તે નિષ્ક્રિય છે. અહાહા...! શુદ્ધ પારિણામિક શુદ્ધચેતનામાત્ર વસ્તુમાં દ્રષ્ટિ પડતાં જે નિર્મળ પરિણમન થાય તે પર્યાય મોક્ષનું કારણ છે, પણ શુદ્ધપારિણામિક વસ્તુ મોક્ષનું કારણ નથી. કેમ નથી? તો કહે છે-તે ઉત્પાદ-વ્યય વિનાની નિષ્ક્રિય ચીજ છે. એમાં બંધમાર્ગ કે મોક્ષમાર્ગની ક્રિયાઓ થતી નથી એવી તે નિષ્ક્રિય ચીજ છે. સૂક્ષ્મ વાત છે ભાઈ!

પરમાર્થવચનિકામાં પં. શ્રી બનારસીદાસજીએ કહ્યું છે કે-“ મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધ દ્રવ્ય અક્રિયરૂપ તે નિશ્ચય છે.” વળી ત્યાં છેલ્લે કહ્યું છે કે-“આ વચનિકા યથાયોગ્ય સુમતિપ્રમાણ કેવળીવચનાનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેને ભાગ્યાનુસાર કલ્યાણકારી થશે.”

જુઓ, આમાં શું કહ્યું? કે મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર; આ વ્યવહાર મોક્ષમાર્ગ તે વ્યવહાર એમ નહિ. ભાઈ! વ્યવહાર મોક્ષમાર્ગ એ તો માર્ગ જ નથી; એ તો ઉપચારમાત્ર-કથનમાત્ર માર્ગ છે; વાસ્તવમાં તો એ રાગ હોવાથી બંધરૂપ જ છે. ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરથી સિદ્ધ થયેલી વાત છે, આ કાંઈ કલ્પનાની વાત નથી.

“મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર, ને શુદ્ધ દ્રવ્ય અક્રિય તે નિશ્ચય.” આમાં શુદ્ધદ્રવ્યને અક્રિય કહ્યું છે. અહા! વસ્તુ ત્રિકાળી નિત્યાનંદ ધ્રુવ પ્રભુ જે છે તે, કહે છે, અક્રિય છે. અહાહા....! જેમાં મોક્ષમાર્ગની કે મોક્ષની પર્યાય પણ નથી એવી ત્રિકાળી


PDF/HTML Page 3177 of 4199
single page version

ધ્રુવ અંર્ત-વસ્તુ અક્રિય છે. એને અક્રિય કહો કે નિષ્ક્રિય કહો-એક જ વાત છે.

દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ સદા નિષ્ક્રિય તત્ત્વ છે. તથાપિ એમાં દ્રષ્ટિ કરતાં, એનો આશ્રય કરી પરિણમતાં શુદ્ધ અરાગી-વીતરાગી પરિણમન થાય છે, તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહીએ. તે મોક્ષનો માર્ગ છે. અહા! આવો મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર. આ ધર્મીનો વ્યવહાર ને ધર્મીની ક્રિયા છે. ધર્માત્મા નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને સાધે છે, એ કાંઈ વ્યવહારરત્નત્રયને (-રાગને) સાધતા નથી. માર્ગ તો આ છે ભાઈ!

અરે! આ જીવ ૮૪ લાખ યોનિમાં દુઃખી દુઃખી થઈને રઝળ્‌યો છે. અહા! એવો કોઈ શુભભાવ થઈ જાય તો પુણ્યોદય વશ તે બહાર ત્રસમાં આવે છે. આમ તો ત્યાં (એકેન્દ્રિયમાં) જીવને ક્ષણમાં શુભ ને ક્ષણમાં અશુભ-એવા ભાવ નિરંતર થયા કરે છે, પણ મનુષ્યગતિમાં આવે એવા એ શુભભાવ હોતા નથી. મનુષ્યપણામાં આવે એવા શુભભાવ કોઈકવાર જીવને થાય છે. ભાઈ! પુણ્યોદયવશ તને મનુષ્યપણું મળ્‌યું એ અવસર છે. જો આ અવસરમાં નિજ અંતઃતત્ત્વ મોક્ષસ્વરૂપ આત્મવસ્તુમાં જાય તો સમકિત થાય, સમ્યગ્જ્ઞાન થાય, સમ્યક્ચારિત્ર થાય-મોક્ષમાર્ગ થાય. પણ અંદર ન જાય તો? તો અવસર ચાલ્યો જાય અને બહાર આવેલા બીજા જીવ જેમ એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે તેમ તું પણ સરવાળે એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. છહઢાલામાં આવે છે ને કે-

જો વિમાનવાસી હૂ થાય, સમ્યગ્દર્શન બિન દુઃખ પાય;
તહતૈં ચય થાવર તન ધરૈ, યોં પરિવર્તન પૂરે કરૈ.

બહારમાં તો લોકો બાહ્ય વ્યવહારની-રાગની (જડ) ક્રિયાઓમાં ધર્મ માને-મનાવે છે. એક ટંક ખાવું કે ઉપવાસ કરવો તે તપસ્યા, અને તે તપસ્યા તે મુક્તિનું કારણ-આવું બધું સંપ્રદાયમાં હાલે છે. અરે ભગવાન! આ તું શું કરે છે? આખો માર્ગ વીંખી નાખ્યો પ્રભુ! અહીં તો આ દિગંબર સંતો પોકાર કરીને કહે છે કે-ત્રિકાળી સહજાનંદસ્વરૂપ અક્રિય આત્મવસ્તુ તે નિશ્ચય અને તેના અવલંબને નિર્મળ પરિણમન મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર. અહાહા... અક્રિય શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય અને તેના આશ્રયે મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. આવો માર્ગ! ભાઈ! આ જેમ વસ્તુ છે તેમ સમજવી પડશે હોં. બાકી બહારના ઝવેરાત આદિના ધંધા કાંઈ કામ આવે એમ નથી. ઉલટું એની એકત્વબુદ્ધિએ પરિણમતાં એ કાગડે-કૂતરે-કંથવે... ક્યાંય સંસાર-સમુદ્રમાં ગોથાં ખાતો ડૂબી મરશે.

ત્યારે કેટલાક લોકો દલીલ કરે છે કે-તમે કોઈ સાથે વાતચીત (વાદ) કરતા નથી; તો તકરાર (-વિવાદ) ઊભી રાખવી છે શું?


PDF/HTML Page 3178 of 4199
single page version

અરે ભાઈ! તું શું કહે છે આ? બાપુ! આ અધ્યાત્મની વાત વાદ કર્યે સમજાય એવી નથી. આ તો અંતર-પરિણમનમાં સમજાય એવી ચીજ છે. જુઓને, સમયસાર ગાથા-૧૧ ના ભાવાર્થમાં પં. શ્રી જયચંદજીએ કેવી ખુલાસાભરી સરસ વાત કરી છે! કે-

૧. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે,

૨. અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે,

૩. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી

બહુ કર્યો છે;

૪. પણ એનું ફળ સંસાર જ છે.

લ્યો, હવે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય-એમ વ્યવહારનો પક્ષ તો જીવોને અનાદિથી જ છે. એકબીજાને ઉપદેશ પણ એવો જ કરે છે કે વ્રત, તપ, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરો... એનાથી પરંપરા મોક્ષ થશે; વળી શાસ્ત્રોમાં પણ શુદ્ધનયને હસ્તાવલંબ’ જાણી વ્યવહારનો ઉપદેશ ઘણો કર્યો છે. પણ ભાઈ! એનું ફળ સંસાર જ છે. આવી વાત!

વળી ત્યાં કહ્યું છે કે-

૧. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી,

૨. અને એનો ઉપદેશ પણ વિરલ છે-ક્યાંક ક્યાંક છે,

૩. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ

પ્રધાનતાથી દીધો છે કે-

“શુદ્ધનય ભૂતાર્થ છે. સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનાં જ્ઞાન- શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી.” જુઓ, ગૃહસ્થાશ્રમમાં રહીને આવો ભાવાર્થ પંડિત શ્રી જયચંદજીએ લખ્યો છે!

અહીં જયસેનાચાર્યદેવ કહે છે- ‘સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે શુદ્ધપારિણામિક (ભાવ) નિષ્ક્રિયછે. નિષ્ક્રિયનો શો અર્થ છે?’ તો કહે છે-

‘(શુદ્ધપારિણામિકભાવ) બંધના કારણભૂત જે ક્રિયા-રાગાદિ-પરિણતિ, તે-રૂપ નથી અને મોક્ષના કારણભૂત જે ક્રિયા-શુદ્ધભાવના-પરિણતિ, તે-રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધ-પારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી.’


PDF/HTML Page 3179 of 4199
single page version

નિષ્ક્રિય એટલે શું? જડની અને પરની ક્રિયા વિનાની ચીજ એનું નામ શું નિષ્ક્રિય છે? આત્મા શરીર આદિ પરની ક્રિયા ન કરી શકે માટે તે નિષ્ક્રિય છે શું? તો કહે છે-ના; એમ નથી. ભાઈ! તું જરા ધીરો થઈને સાંભળ. બંધના કારણભૂત જે ક્રિયા એટલે કે રાગાદિ મલિન ભાવ તે-રૂપ શુદ્ધપારિણામિકભાવ નથી તેથી તેને નિષ્ક્રિય કહે છે. શું કીધું? આ પુણ્ય-પાપના ભાવ જે થાય તે બંધના કારણરૂપ ક્રિયા છે અને તેનો શુદ્ધપારિણામિકમાં અભાવ છે તેથી તેને નિષ્ક્રિય કહ્યો છે. તે ક્રિયા પર્યાયમાં તો છે પણ શુદ્ધ દ્રવ્યવસ્તુમાં નથી. માટે શુદ્ધ દ્રવ્યવસ્તુ નિષ્ક્રિય છે. સમજાણું કાંઈ...? ભાઈ! આ તો જૈનતત્ત્વ! બહુ સૂક્ષ્મ બાપા!

લોકમાં તો ધર્મના નામે બીજું (-રાગની ક્રિયાઓ) ચલાવે તો ચલાવો, પણ એ રીતે સંસારમાં રખડવાના આરા નહિ આવે. અહીં તો આ ચોકખી વાત છે કે -નિશ્ચય સમ્યગ્દર્શનનું ધ્યેય જે ત્રિકાળી શુદ્ધદ્રવ્ય તે રાગરૂપ ક્રિયાની પરિણતિથી ભિન્ન છે; અર્થાત્ રાગની કોઈ ક્રિયાથી તે પમાય એમ નથી. લ્યો, હવે આવી વાત! જૈનમાં જન્મ્યાં હોય એનેય ખબર ન મળે! એક જૈન ત્યાગી સાંભળવા આવેલા તે કહેતા હતા કે-આવી વાતની અમને ખબર નથી. અમારી બધી ક્રિયાઓ ફોગટ ગઈ.

જુઓ, ત્રિકાળી શુદ્ધપારિણામિક ભાવ નિષ્ક્રિય છે એટલે શું-એની વાત ચાલે છે કે બંધના કારણરૂપ જે ક્રિયા-રાગાદિ પરિણતિ તે-રૂપ શુદ્ધપારિણામિક ભાવ થતો નથી, તેમ મોક્ષના કારણરૂપ જે ક્રિયા-શુદ્ધભાવનાપરિણતિ તે-રૂપ પણ શુદ્ધ પારિણામિક ભાવ થતો નથી. મોક્ષના કારણરૂપ ક્રિયા છે તે નિર્મળ નિર્વિકાર શુદ્ધ ભાવનાપરિણતિ છે. તે ક્રિયાપણે ત્રિકાળી શુદ્ધદ્રવ્ય થતું નથી, માટે તે નિષ્ક્રિય છે. અહાહા...! સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી શુદ્ધદ્રવ્ય તે સમ્યગ્દર્શનની ક્રિયાપણે થતું નથી, ભાઈ! આ તો ત્રિલોકીનાથ જૈન વીતરાગી પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવેલું એકલું અમૃત છે. અહો! સમયસાર, પ્રવચનસાર ઇત્યાદિ દ્વારા આચાર્યદેવે એકલાં અમૃત વરસાવ્યાં છે! ‘અમૃત વરસ્યાં રે પંચમકાળમાં.’

જડની ક્રિયાઓ-બોલવું, ચાલવું, ખાવું, પીવું, લખવું ઇત્યાદિ તો ભગવાન આત્મામાં છે જ નહિ. અહીં તો કહે છે-એની પર્યાયમાં રાગાદિ વિકારની જે ક્રિયા થાય છે તે ક્રિયારૂપે શુદ્ધદ્રવ્ય થતું નથી, તથા એની પર્યાયમાં મોક્ષની સાધક જે જ્ઞાનભાવરૂપ ક્રિયા થાય છે તે ક્રિયારૂપે પણ શુદ્ધદ્રવ્ય થતું નથી. અહા! જે એક જ્ઞાયકભાવ છે તે તો તે જ છે, તે કદીય પ્રમત્ત-અપ્રમત્તરૂપ થયો નથી. માટે, કહે છે, ત્રિકાળી શુદ્ધદ્રવ્યઅક્રિય છે. અહો! કોઈ અલૌકિક શૈલીથી વીતરાગી સંતોએ શુદ્ધદ્રવ્યસ્વભાવનું રહસ્ય ખોલ્યું છે. બાપુ! આ તો અંતરના નિધાન ખોલ્યાં છે.

એ તો પહેલાં આવી ગયું કે “શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિક નયે જીવ


PDF/HTML Page 3180 of 4199
single page version

કર્તૃત્વ-ભોક્તૃત્વથી તથા બંધ-મોક્ષના કારણ ને પરિણામથી શૂન્ય છે” બંધ અને બંધનું કારણ, મોક્ષ અને મોક્ષનું કારણ-એ ચારેય ચીજ ત્રિકાળી શુદ્ધદ્રવ્યમાં નથી.

દયા, દાન, વ્રત, તપના પરિણામ તે બંધના કારણરૂપ ક્રિયા છે, તે આત્મદ્રવ્યમાં નથી; અને શુદ્ધભાવના પરિણતિ જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ છે તે મોક્ષના કારણરૂપ ક્રિયા છે, તે પણ આત્મદ્રવ્યમાં નથી. માટે કહે છે, એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે. ધ્યાનરૂપ નથી.

આ શું કીધું? કે શુદ્ધપારિણામિકભાવરૂપ ત્રિકાળી શુદ્ધદ્રવ્ય નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ તે ધ્યાનનું ધ્યેય છે, ધ્યાન નથી. અહાહા...! જેમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે એવા નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થવામાં ત્રિકાળી શુદ્ધ ચિન્માત્ર વસ્તુ એના ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી, કેમકે ત્રિકાળી વસ્તુ છે તે અક્રિય છે. હવે ધ્યેય શું ને ધ્યાન શું? - એની ખબરેય ન મળે ને મંડી પડે ધ્યાન ધરવા આસન લગાવીને; ધૂળમાંય ધ્યાન નથી સાંભળને, એ તો બધી મિથ્યા રાગની ક્રિયા છે.

અહીં કહે છે- શુદ્ધપારિણામિકભાવરૂપ ચિન્મૂર્તિ પ્રભુ આત્મા ધ્યાનનું ધ્યેય છે, તે ધ્યાનરૂપ નથી. પર્યાયને કથંચિત્ દ્રવ્યથી ભિન્ન કહેલ ને? તે વાત અહીં સિદ્ધ કરી છે.

અહાહા...! વસ્તુ ત્રિકાળી છે તે શુદ્ધચૈતન્યનો મહા દરિયો છે. ‘શુદ્ધચેતના સિંધુ હમારો રૂપ હૈ-એમ આવે છે ને? અહાહા...! અનંત... અનંત...અનંત ગુણનું એકરૂપ દળ પ્રભુ આત્મા છે. તે, કહે છે, ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. સમ્યગ્દર્શનની પર્યાય ધ્યાનરૂપ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનું ધ્યેય છે, આત્માનું સ્વસંવેદનજ્ઞાન તે ધ્યાનરૂપ છે અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનું ધ્યેય છે, આત્મરમણતા ધ્યાનરૂપ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તેનું ધ્યેય છે. ધ્યાન તો ધ્યેયમાં એકાગ્ર થયેલી પર્યાય છે, ને ધ્યેય ત્રિકાળ ધ્રુવસ્વભાવ છે. ધ્યાનની પર્યાય ધ્યેયને ધ્યાવે છે તોપણ ધ્યેય છે તે ધ્યાનરૂપ નથી. અહો! આ અલૌકિક વાત છે.

ભગવાન! નિજ ધ્યેયને ભૂલીને પોતાની નજરને તેં રાગમાં રોકી રાખી છે, તેથી ધ્યેયરૂપ નિજ જ્ઞાનાનંદનો દરિયો તને દેખાતો નથી. અરે! નજરને વર્તમાન પર્યાયની રુચિમાં રોકી દીધી છે તેથી અનંતગુણનિધિ શુદ્ધચેતનાસિંધુ એવો ભગવાન આત્મા તને ભાસતો નથી. અરે ભાઈ! ધ્યાનરૂપ પર્યાય રાગ વગરના નિર્મળભાવ રૂપ છે અને એનું ધ્યેય પરમસ્વભાવભાવરૂપ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે. માટે રુચિ પલટી નાખ ને ધ્રુવસ્વભાવમાં ઉપયોગને સ્થિર કરીને તેને ધ્યાવ. અહા! ઉપયોગને ધ્યેયમાં એકાગ્ર કરીને ધ્યાવતાં જે ધ્યાન પ્રગટ થશે તેમાં અતીન્દ્રિય આનંદની ધારા ઉલસશે.