PDF/HTML Page 3181 of 4199
single page version
પર તરફ વળેલી જ્ઞાનની પર્યાયમાં પણ ખરેખર તો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. આ વાત આચાર્યદેવે ગાથા ૧૭-૧૮ માં કરી છે. જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક પણાનો સ્વભાવ છે. તેથી વર્તમાન જ્ઞાન-પર્યાયમાં જે આ વસ્તુ ત્રિકાળ પરમ પારિણામિકભાવે સ્થિત છે તે જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ તે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમાં જણાય છે, પણ એની નજર એના ઉપર નથી. દ્રષ્ટિનો ફેર છે બાપા! ધ્રુવની દ્રષ્ટિ કરવાને બદલે તે પોતાની નજર પર્યાય ઉપર, રાગ ઉપર, નિમિત્ત ઉપર ને બહારના પદાર્થ ઉપર રાખે છે અને તેથી તેને અંદરનું ચૈતન્યનિધાન જોવા મળતું નથી.
અરે! આ પૈસા-બૈસામાં ક્યાંય ધૂળેય સુખ નથી. એ તો બાપા! બધા ધૂળના ઢગલા છે; અને એનું ધ્યાન કરી પરિણમતાં એકલા દુઃખના ઢગલા છે. ભાઈ! પંચ મહાવ્રતના પરિણામનો વિકલ્પ ઉઠે એય રાગ છે, દુઃખ છે, બંધનું કારણ છે. ભાઈ! તું એને ભ્રમથી સંવર માની સેવે છે, પણ આચાર્યદેવે એને ‘તત્ત્વાર્થસૂત્ર’ માં આસ્રવમાં ગણ્યા છે. ભાઈ! આસ્રવથી મને લાભ થાય એવી તારી દ્રષ્ટિ તને સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન થવામાં બાધક છે.
અહીં કહે છે- ‘શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે. (અને શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે)’
જોયું? આ ધ્યાન છે તે પર્યાય છે, તે ઔપશમિકાદિભાવરૂપ છે અને તે પલટી જાય છે તેથી તે પર્યાય ધ્યેયરૂપ નથી. ધ્યેયરૂપ તો એક શુદ્ધપારિણામિકભાવ છે કેમકે તે અવિનશ્વર છે, નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ એકરૂપ છે; તે ધ્યાનરૂપ કેમ હોય? ભાઈ! આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ જે મોક્ષમાર્ગની પર્યાય છે તે નાશવંત છે, કારણ કે મોક્ષદશા પ્રગટ થતાં મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થઈ જાય છે, વ્યય થઈ જાય છે; માટે તે ધ્યેયરૂપ નથી. અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નિત્ય અવિનાશી હોવાથી ધ્યેયરૂપ છે, પણ ધ્યાનરૂપ નથી. લ્યો, આવી વાત! ભાષા તો સાદી છે, પણ ભાવ તો છે તે જે છે. કોઈ કહે છે કે-સહેલું કરો. પણ શું સહેલું કરો? સહેલું જ આ છે. તું વ્રત, તપ, ઉપવાસ આદિના વિકલ્પને સહેલું માને છે પણ બાપુ! એ તો માર્ગ જ નથી; એ તો બધી રાગની મંદતાની ક્રિયાઓ છે અને એ તો રખડવાનો માર્ગ છે. સમજાણું કાંઈ....?
ધ્યાનપર્યાય વિનશ્વર છે. શુક્લધ્યાનની પર્યાય પણ વિનશ્વર છે. માટે તે ધ્યેય રૂપ નથી. , ધ્યેયથી ભિન્ન છે. શ્રી યોગીન્દ્રદેવે કહ્યું છે કે-
PDF/HTML Page 3182 of 4199
single page version
અર્થાત્ હે યોગી! પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ- મોક્ષ કરતો નથી-એમ શ્રી જિનવર કહે છે.”
લ્યો, શ્રી યોગેન્દ્રદેવ શિષ્ય પ્રતિ કહે છે-હે યોગી! પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી. અહાહા....! વસ્તુ ત્રિકાળી શુદ્ધદ્રવ્ય જે છે તે આ નરકગતિ, મનુષ્યગતિ, સિદ્ધગતિ... ઇત્યાદિ પર્યાયમાં પરમાર્થે ઉપજતો નથી, તેમ મરતો પણ નથી. ગંભીર સૂક્ષ્મ વાત છે ભાઈ! પાસે પુસ્તક છે ને! જુઓ, એમાં છે કે નહિ?
અહાહા...! કહે છે-ખરેખર આત્મા એને કહીએ જે એક સમયની પર્યાયપણે ઉપજતો નથી, વિણશતો પણ નથી. નિયમસારની ગાથા ૩૮ માં કહ્યું છે કે-ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવમાત્ર-શુદ્ધપારિણામિકભાવમાત્ર વસ્તુ જે છે તે જ ખરેખર આત્મા છે. પર્યાયરૂપ આત્મા એ તો વ્યવહાર આત્મા છે, ત્રિકાળીની અપેક્ષા એ અભૂતાર્થ-અસત્યાર્થ છે. આવી વાત છે! જે ઉપજે છે, વિણશે છે તે પર્યાય-આત્મા અભૂતાર્થ છે. અહો! આ તો અલૌકિક વાત છે!
ભાઈ! ગણધર ભગવાનનાં રચેલાં શાસ્ત્ર કેવાં હોય? અહા! કેવળી પરમાત્માના શ્રીમુખેથી જે ઓમ્ધ્વનિ નીકળી તેને સાંભળીને ચાર જ્ઞાનના ધરનારા શ્રી ગણધરદેવ અંતર્મુહૂર્તમાં બાર અંગ ને ચૌદ પૂર્વની રચના કરે છે. અહા! તે ચીજ કેવી હોય! ભાઈ! એ કાંઈ લૌકિક વાર્તા ન હોય. અહા! તેમાં આ કહે છે કે-નિત્ય ધ્રુવ એક ચિન્માત્ર વસ્તુને અમે આત્મા કહીએ છીએ. આવો આત્મા એક સમયની પર્યાયમાં આવતો નથી. મોક્ષમાર્ગ કે મોક્ષની એક સમયની પર્યાયપણે ત્રિકાળી ધ્રુવ જે અંતઃતત્ત્વ આત્મા છે તે ઉપજતો નથી, વિણશતો નથી. તે પણે પર્યાય ઉપજે છે, પણ શુદ્ધ જીવ ઉપજતો નથી.
હવે આવી વાત કદીય સાંભળી ન હોય એટલે કોઈને એમ લાગે કે શું જૈનનો માર્ગ આવો હશે? વળી કોઈને આ સાંભળીને વેદાંત જેવું લાગે, પણ વેદાંત વગેરેમાં તો આ વાત છે જ નહિ. આત્મા એકાંતે નિત્ય એક સર્વવ્યાપક માને એ તો ગૃહીત મિથ્યાદર્શન છે ભાઈ! વેદાંતાદિવાળા પર્યાયને ક્યાં માને છે? અનંત આત્માઓને ક્યાં માને છે? અનંત પરમાણુઓને ક્યાં માને છે? અનંત ગુણોને ક્યાં માને છે? ભાઈ! એમાં મૂળ વસ્તુ-સ્વરૂપની વાત જ ક્યાં છે? તને વેદાંત જેવું લાગે, પણ બાપુ! વેદાંતમાં અને જૈનમાં મોટો (આસમાન-જમીનનો) ફરક છે.
જીવ પરમાર્થથી ઉપજતો નથી, મરતો પણ નથી. તો આ ઉપજે-વિણસે છે તે કોણ છે? તો કહે છે-ઉપજવું-વિણસવું જેમાં થાય છે તે પર્યાય છે. અહા! પ્રત્યેક
PDF/HTML Page 3183 of 4199
single page version
દ્રવ્યની પર્યાય પ્રગટ થવાની જન્મક્ષણ છે. પર્યાયની ઉત્પત્તિનો સ્વકાળ છે, ને તે જ કાળે તે ઉત્પન્ન થાય છે. આ વાત પ્રવચનસારમાં આવે છે. ત્યાં પહેલા અધિકારમાં જ્ઞાનતત્ત્વનું નિરૂપણ છે; બીજો જ્ઞેય અધિકાર છે. છએ દ્રવ્યો જ્ઞેય છે. તેનું સ્વરૂપ કેવું છે-એની એમાં વાત છે. ત્યાં ગાથા ૧૦૨માં દ્રવ્યમાં પર્યાયની જન્મક્ષણ હોવાની વાત છે. એટલે શું? જે સમયે જે પર્યાય દ્રવ્યમાં થવાની હોય તે સમયે તે જ પર્યાય પ્રગટ થાય છે, તે પર્યાય કાંઈ આડી-અવળી ન થાય, તેમ બીજાને લઈને પણ તે ન થાય. પ્રત્યેક પર્યાય ક્રમબદ્ધ પોતાના અવસરે જ પ્રગટ થાય છે. ત્યાં ૯૯ મી ગાથામાં છે કે-જે સમયે જે પર્યાય થવાની હોય તે તેના સ્વ-અવસરે પ્રગટ થાય છે, આડાઅવળા અવસરે ન થાય. આ મૂળ વાત છે. દ્રવ્યમાં સમસ્ત પર્યાયો ક્રમબદ્ધ જ પોતપોતાના અવસરે પ્રગટ થાય છે.
હવે આમાં લોકો વાંધા કાઢે છે. એમ કે પર્યાયો ક્રમબદ્ધ જ હોય તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો?
ભાઈ! તું જરા ધીરો થઈને સાંભળ. જીવ જ્યારે સ્વભાવસન્મુખ થઈને સ્વાનુભવ પ્રગટ કરે છે ત્યારે જ તેને ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે અને એ જ પુરુષાર્થ છે. બાકી અજ્ઞાનીને પુરુષાર્થ છે જ ક્યાં? ક્રમબદ્ધ નો નિર્ણય કહો કે સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ કહો-એક જ વાત છે. (ક્રમબદ્ધના નિર્ણયવાળાને પુરુષાર્થનો અભાવ કદી હોતો નથી, અને પુરુષાર્થનો અભાવ છે તેને ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોતો નથી). અહીં આ કહે છે કે- જે પુરુષાર્થની પર્યાયથી કેવળ જ્ઞાન ઉપજ્યું તે પર્યાયમાં ભગવાન ધ્રુવસ્વભાવ આવતો નથી. લ્યો, આવું બધું ઝીણું છે.
વળી પરમાર્થે જીવ બંધ-મોક્ષને પણ કરતો નથી. એવું કોણ કહે છે? તો કહે છે – ‘जिणवर एउ भणेइ’ -ભગવાન જિનેશ્વરદેવ જેમણે એક સેકન્ડના અસંખ્યાત ભાગમાં ત્રણકાળ-ત્રણલોક જોયા તે સર્વજ્ઞ પરમાત્મા આમ કહે છે.
જુઓ, ભગવાને એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જોયા એમ કહેવું એ પણ વ્યવહાર છે. કેવળજ્ઞાનની પર્યાયમાં ત્રણકાળ-ત્રણલોક જણાય એમ કહેવું તે વ્યવહાર છે, કેમકે જ્ઞાનની પર્યાયને જાણતાં તેમાં લોકાલોક જણાઈ જાય છે, તેને જોવા જવું પડતું નથી; વા કેવળજ્ઞાન તેમાં (લોકાલોકમાં) તન્મય થઈ જાણતું નથી.
અહીં કહે છે-અનંતા સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે જે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ પરમાત્મદ્રવ્ય છે તે બંધ-મોક્ષના પરિણામને અને બંધ-મોક્ષના કારણને કરતો નથી. કેમકે એ તો ત્રિકાળ સદ્રશ એકરૂપ ભાવ છે જ્યારે બંધ-મોક્ષના પરિણામ વિસદ્રશ છે, ભાવ-અભાવરૂપ છે. ઉત્પાદ તે ભાવ ને વ્યય તે અભાવ છે, પણ
PDF/HTML Page 3184 of 4199
single page version
વસ્તુમાં-ધ્રુવમાં ભાવ-અભાવ ક્યાં છે? નથી. માટે બંધ અને બંધના કારણરૂપ રાગાદિ પરિણામ અને મોક્ષ ને મોક્ષના કારણરૂપ શુદ્ધભાવનાપરિણતિ-નિર્મળ રત્નત્રય -એને શુદ્ધઆત્મદ્રવ્ય કરતું નથી.
કોઈને એમ થાય કે-જો આત્મા બંધ-મોક્ષના ભાવને કરતો નથી તે પછી આ દીક્ષા કેમ? આ આનંદની દશાનું પરિણમન કેમ?
સાંભળ, ભાઈ! સાંભળ. અનંતા તીર્થંકરદેવોએ આ કહ્યું છે કે પરમાર્થ જે નિશ્ચય જીવ છે તે કાંઈ દીક્ષાના પરિણામરૂપે કે આનંદની દશારૂપે ઉપજતો નથી; તેમ તે-તે દશાનો વ્યય થતાં તે મરતો પણ નથી. મનુષ્યપણે ઉત્પાદ અને દેવગતિનો વ્યય થાય ત્યાં-એ બન્ને ઉત્પાદ-વ્યયરૂપ અવસ્થાઓ છે ખરી, પણ તે-તે અવસ્થાકાળે ધ્રુવ આત્મદ્રવ્ય ઉત્પાદ-વ્યયરૂપ થતું નથી, તે તો ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ્ઞાયકભાવપણે જ રહે છે. આવું જ દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુસ્વરૂપ છે.
‘जिणवर एउ भणेइ’ ભગવાન જિનેશ્વરદેવ દિવ્યધ્વનિ દ્વારા આમ કહે છે કે- બંધ-મોક્ષના પરિણામને શુદ્ધ જીવ કરતો નથી; અર્થાત્ શુદ્ધ જીવ નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ બંધ-મોક્ષની પર્યાયપણે થતો નથી. અહો! આવું અલૌકિક શુદ્ધ જીવતત્ત્વ તે સમ્યગ્દર્શનનો વિષય છે. શું કીધું? સમ્યગ્દર્શન સમ્યગ્દર્શનનો વિષય નથી, પણ ત્રિકાળી શુદ્ધ જીવવસ્તુ સમ્યગ્દર્શનનો વિષય છે અને તેથી તેને મુખ્ય ગણીને સમયસારની ૧૧ મી ગાથામાં ભૂતાર્થ કહેલ છે. સમજાણું કાંઈ.....? હવે કહે છે-
‘વળી તે સ્પષ્ટ કરવામાં આવે છેઃ- વિવક્ષિત-એકદેશ શુદ્ધનયાશ્રિત આ ભાવના (અર્થાત્ કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકાર-સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપશમિકજ્ઞાનરૂપ હોવાથી જોકે એકદેશ વ્યક્તિરૂપ છે તોપણ ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે-“ જે સકલ નિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધ- પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું,” પરંતુ એમ ભાવતો નથી કે “ ખંડજ્ઞાનરૂપ હું છું”-આમ ભાવાર્થ છે.’
વિવક્ષિત એટલે કહેવા ધારેલી આ આંશિક શુદ્ધિરૂપ પરિણતિ તે એકદેશ શુદ્ધનયાશ્રિત છે. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આ ભાવના એકદેશ શુદ્ધ છે, અંશે શુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ નથી. પૂર્ણ શુદ્ધિ તો ભગવાન કેવળીને હોય છે. પં. શ્રી ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આવે છે કે-“એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે તેની તથા તેરમા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશરૂપ પ્રગટ થયા છે તેની એકજાતિ છે-” એમ સમજવું. મતલબ કે સાધકને જે નિર્મળરત્નત્રયરૂપ ભાવના પ્રગટ થઈ છે તે એકદેશ શુદ્ધ છે, અંશે શુદ્ધ છે.
PDF/HTML Page 3185 of 4199
single page version
આકાશના પ્રદેશ અનંત છે, એનાથી અનંતગુણા એક જીવના ગુણ છે. સમ્યગ્દર્શન થતાં તે દરેક ગુણનું અંશે પ્રગટ પરિણમન થાય છે. તેને અહીં એકદેશ શુદ્ધનયાશ્રિત ભાવના કહેલ છે. અહીં પ્રગટ પરિણતિને શુદ્ધનય કહેલ છે. ગાથા ૧૪માં પણ આવે છે કે-શુદ્ધનય કહો, અનુભૂતિ કહો કે આત્મા કહો-તે એક જ છે. ત્રિકાળી પરમાત્મસ્વરૂપ ભગવાન આત્માને ધ્યેય બનાવી પરિણમતાં પ્રગટેલી નિર્મળ દશા તે એકદેશ શુદ્ધનયાશ્રિત ભાવના છે. દ્રવ્યસંગ્રહમાં મોક્ષમાર્ગની પ્રગટ પર્યાયનાં ૬૩ નામ આવે છે. અહીં તેનાં બે નામ આપી કહ્યું છે કે-તે અધ્યાત્મભાષાથી ‘શુદ્ધાત્માભિમુખ પરિણામ’ , ‘શુદ્ધોપયોગ’ ઇત્યાદિ પર્યાયસંજ્ઞા પામે છે. દ્રવ્યસંગ્રહમાં આ ભાવનાના ૬૩ બોલ ઉતાર્યા છે. તે આ રીતે છે-
તે ભાવના પરબ્રહ્મસ્વરૂપ છે, તે પરમવિષ્ણુસ્વરૂપ છે, તે પરમશિવરૂપ છે, તે પરમબુદ્ધસ્વરૂપ છે, તે પરમજિનસ્વરૂપ છે, તે પરમનિજઆત્મોપલબ્ધિરૂપ સિદ્ધસ્વરૂપ છે, તે નિરંજનસ્વરૂપ છે, તે નિર્મલસ્વરૂપ છે, તે સ્વસંવેદનજ્ઞાન છે, તે પરમતત્ત્વજ્ઞાન છે, તે પરમાવસ્થારૂપ પરમાત્માનું સ્પર્શન છે, તે પરમાવસ્થારૂપ છે, તે પરમાત્મજ્ઞાન છે, તે જ ધ્યાન કરવાયોગ્ય શુદ્ધપારિણામિકભાવરૂપ છે, તે ધ્યાનભાવનારૂપ છે, તે જ શુદ્ધ ચારિત્ર છે, તે જ અંતરંગતત્ત્વ છે, તે જ પરમાત્મતત્ત્વ છે, તે જ શુદ્ધાત્મદ્રવ્ય છે, તે જ પરમજ્યોતિ છે, ઇત્યાદિ બીજા બોલ પણ છે. અહીં કહે છે-મોક્ષમાર્ગની તે પર્યાય એકદેશ વ્યક્ત પર્યાય છે. કહેવા ધારેલી આ આંશિક શુદ્ધિરૂપ પરિણતિ નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપશમિકજ્ઞાનરૂપ હોવાથી એકદેશ વ્યક્તિરૂપ છે.
PDF/HTML Page 3186 of 4199
single page version
જે એક સમયની પર્યાય વિનાનો ત્રિકાળી દ્રવ્યસ્વભાવ-ધ્રુવભાવ તેને અહીં નિશ્ચયથી જીવી કહ્યો છે. તે જીવ (શુદ્ધજીવ) સિદ્ધની પર્યાયપણે ઉપજતો નથી, તેમ પૂર્વની જે મનુષ્યગતિનો વ્યય થયો તેમાં પણ તે આવ્યો નથી. અહા! આવો જે ઉપજતો નથી, મરતો પણ નથી તે શુદ્ધપારિણામિકભાવરૂપ શુદ્ધ જીવ સમ્યગ્દર્શનનો વિષય છે. આ વાત અહીં સિદ્ધ કરવી છે. તો ભાષા એમ લીધી છે કે-શુદ્ધ પારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે અને શુદ્ધપારિણામિકભાવ અવિનશ્વર છે. અહા! તે કેમ જણાય? તો કહે છે-સમ્યગ્દર્શન પ્રગટ થતાં સહજ વીતરાગી આનંદની અનુભૂતિલક્ષણવાળું જે સ્વસંવેદનજ્ઞાન છે તેનાથી એ પ્રાપ્ત થાય છે. સમજાય છે કાંઈ...? ધ્રુવથી ધ્રુવ ન જણાય, કેમકે ધ્રુવમાં જાણવું (-ક્રિયા) નથી; નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ જ્ઞાનમાં તે જણાય છે.
ત્રિકાળસ્વરૂપ છે તે તો ધ્રુવભાવરૂપ છે. તે ધ્રુવભાવરૂપ વસ્તુ પર્યાયમાં પ્રાપ્ત થાય છે. કેવી છે તે પર્યાય? તો કહે છે- એકદેશ પ્રગટ શુદ્ધનયની ભાવનારૂપ છે. અહા! આવી ભાષા અને આવા ભાવ! એણે કોઈ દિ સાંભળ્યા પણ ન હોય! એકદેશશુદ્ધનયાશ્રિત આ ભાવના છે તે અતીન્દ્રિય આનંદની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા નિર્વિકાર સ્વસંવેદનજ્ઞાનરૂપ છે. આ નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ જે જ્ઞાન છે તે ક્ષાયોપશમિક ભાવ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષનો માર્ગ છે તે ત્રણ ભાવરૂપ છેઃ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. એ ત્રણ ભાવમાંથી સ્વસંવેદનલક્ષણ જે જ્ઞાન છે તે ક્ષયોપશમભાવરૂપ છે. શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ ક્ષયોપશમજ્ઞાનમાં થાય છે. મોક્ષમાર્ગની પર્યાયને ત્રણભાવે કહેલ છે. પણ આ જ્ઞાન છે એ તો ક્ષયોપશમભાવે છે, તે ઉપશમ કે ક્ષાયિકભાવે નથી. આ તો વીતરાગના પેટની વાતો બાપ!
કહે છે- આ ભાવના નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપશમિકજ્ઞાનરૂપ હોવાથી એકદેશ વ્યક્તિરૂપ છે. જુઓ, ત્રણ ભાવમાં આ નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ જ્ઞાન છે તે ક્ષયોપશમ ભાવ છે. સમ્યગ્દર્શન થતાં જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન ક્ષયોપશમભાવરૂપ છે. ભલે સમ્યગ્દર્શન ઉપશમ હો, ક્ષયોપશમ હો કે ક્ષાયિક હો, તેના કાળમાં જે જ્ઞાન છે એ તો ક્ષાયોપશમિક જ્ઞાન છે. વળી કેવું છે તે જ્ઞાન? નિર્વિકાર આનંદનો સ્વાદ જેમાં અનુભવાય છે તેવું સ્વસંવેદનલક્ષણ તે જ્ઞાન છે. અહા! તે જ્ઞાન સ્વ-સ્વરૂપને જાણવા-અનુભવવામાં પ્રવૃત્ત છે. ઝીણી વાત ભાઈ!
આ ભાવના સંબંધીનું વર્ણન બંધ અધિકાર તથા સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં છેલ્લે શ્રી જયસેનાચાર્યદેવની ટીકામાં આવે છે. તથા પરમાત્મપ્રકાશમાં પણ આવે છે. ત્રણ જગાએ આ વાત કરી છે. એ વાત અહીં કરી છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગદ્વેષનો જે બંધ છે તે બંધના વિનાશ માટે આ વિશેષ ભાવના છે. અહા! હું
PDF/HTML Page 3187 of 4199
single page version
તો એક ત્રિકાળી ધ્રુવ પરમસ્વભાવભાવમય શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપી પરમાત્મદ્રવ્ય જ છું, દયા-દાન આદિના વિકલ્પેય હું નહિ, ગુણભેદના વિકલ્પેય હું નહિ, અને એક સમયની પર્યાય પણ હું નહિ-એક ધ્રુવમાં એકપણે રહીને આ ભાવના ધ્રુવનો નિર્ણય કરે છે. લ્યો, આનું નામ જૈનદર્શન છે અને એ મહા અદ્ભુત અલૌકિક ચીજ છે.
અહા! દ્રવ્યસ્વભાવના આશ્રયે અતીન્દ્રિય આનંદનો જેને રસાસ્વાદ આવ્યો છે એવો ધર્મી જીવ એમ ભાવે છે કે-હું તો સહજ શુદ્ધ સચ્ચિદાનંદમય પરમાનંદમય પરમાત્મા જ છું; અને જગતના સર્વ જીવોનું અંતરંગમાં આવું જ સ્વરૂપ છે.
‘પરમાત્મપ્રકાશ’ માં અંતિમ કથનમાં આચાર્યદેવે કહ્યું છેઃ આ પરમાત્મ પ્રકાશ- વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ શું કરવું? ભવ્યજનોએ આવો વિચાર કરવો જોઈએ કે “શુદ્ધનિશ્ચયનયથી હું એક (કેવલ) ત્રણલોકમાં ત્રણકાલમાં મન-વચન-કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધ આત્માનાં સમ્યક્-શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપસુખાનુભૂતિમાત્રલક્ષણવાળા સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેદ્ય -ગમ્ય-પ્રાપ્ય એવો પરિપૂર્ણ હું છું; રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઈન્દ્રિયોનો વિષયવ્યાપાર, મન-વચન-કાયાના-વ્યાપાર, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ખ્યાતિ, પૂજા, લાભ, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાન, માયા, મિથ્યાત્વ એ ત્રણે શલ્ય આદિ સર્વ વિભાવ-પરિણામોથી રહિત-શૂન્ય હું છું. સર્વ જીવો પણ આવા જ છે-એવી નિરંતર ભાવના કરવી. જુઓ આ ધર્મીની ભાવના, એકરસ-સમરસભાવના!
સંવત ૧૯૬૪ માં એકવાર પાલેજથી વડોદરા માલ લેવા ગયેલા. ત્યારે ૧૮ વર્ષની ઉંમર. ત્યાં રાતે નાટક જોવા ગયેલા. એ વખતનાં નાટક પણ વૈરાગ્યસૂચક હતાં; અત્યારે તો નાટક-સીનેમામાં નૈતિક જીવનનો ખાત્મો બોલાવી દીધો છે. ‘અનસૂયા’ નું નાટક, ને સાથે નાટકની ચોપડી પણ લીધેલી. એ નાટકમાં એવું દ્રશ્ય આવે કે-તે બાઈ (અનસૂયા) સ્વર્ગમાં જતી હતી ત્યાં દેવે તેને રોકી પાડી ને કહ્યું- ‘અપુત્રસ્ય ગતિર્નાસ્તિ’ પુત્ર ન હોય તેને સ્વર્ગગતિ ન મળે. આ તો અન્યમતની વાત છે હોં. તે બાઈને કહેવામાં આવ્યું -હેઠે જા અને જે મળે એને વર. તે બાઈ નીચે આવીને એક અંધ બ્રાહ્મણને વરી. તેને એક બાળક થયું. બાળકને પારણામાં ઝુલાવતાં તે બાઈ બોલી. બેટા! शुद्धोऽसि, बुद्धोऽसि, निर्विकल्पोऽसि, उदासिनोऽसि. એમ કે જગતથી તારી ચીજ શુદ્ધ, બુદ્ધ, નિર્વિકલ્પ ભિન્ન છે. લ્યો, આ તો નાટકમાં આવું આવતું. આ શુદ્ધભાવનાનો અધિકાર વાંચતાં વર્ષો પહેલાં નાટક જોયેલું એનો ભાવ યાદ આવી ગયો.
PDF/HTML Page 3188 of 4199
single page version
અહા! સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા એમ ભાવે છે કે-હું નિર્વિકલ્પ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, પરમ-ઉદાસીન છું, અને જગતના સર્વ જીવો પણ સ્વભાવે આવા જ છે. સૂક્ષ્મ નિગોદના જે અનંત જીવ છે તે પ્રત્યેકનું સ્વરૂપ આવું શુદ્ધ સચ્ચિદાનંદમય છે. લીલોતરીનાં પાંદડે પાંદડે અસંખ્ય જીવ છે; તે દરેક જીવનું દ્રવ્ય શુદ્ધ ચિદ્ઘન આનંદઘન જ છે. લ્યો, ચોથા ગુણસ્થાનવાળો જીવ હું આવો છું ને સર્વ જીવો પણ આવા જ છે એમ ભાવે છે. જગતના સર્વ જીવોને ધર્માત્મા દ્રવ્યદ્રષ્ટિથી આવા જુએ છે.
અહા! આવો શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, જ્ઞાનમૂર્તિ પ્રભુ આત્મા હું છું એમ શામાં જણાય? તો કહે છે-અતીન્દ્રિય આનંદની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા સ્વસંવેદનજ્ઞાનમાં તે જણાય છે. આ સિવાય તે પર ભગવાનથી જણાય નહિ, ભગવાનની વાણીથી પણ જણાય નહિ, ને વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ ઉઠે છે એનાથી પણ તે જણાય એમ નથી, અહીં તો નિર્વિકાર સ્વસંવેદન-લક્ષણ જે ક્ષયોપશમરૂપ જ્ઞાન છે એનાથી ભગવાન આત્મા જણાય તેવો છે એમ કહે છે. પોતે સ્વ-સંવેદ્ય છે ને? મતલબ કે સ્વાનુભવની દશામાં જે જ્ઞાન સ્વાભિમુખ થયું છે તેમાં જ તે જણાય એવો છે, બીજી કોઈ રીતે તે પ્રાપ્ત થાય એમ નથી. આવી વાત છે. લોકોને આ આકરું લાગે છે, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ તો જેવું છે તેવું જ છે. એને જાણ્યા વિના એ બહારમાં વ્રતાદિના વ્યવહારથી પ્રાપ્ત થશે એમ બફમમાં ને બફમમાં કાળ ગયો તો ક્યાંય ચારગતિરૂપ સંસારમાં રઝળી મરીશ.
વ્રતાદિનો વ્યવહાર છે એ તો બધો રાગ છે બાપુ! ભાવપાહુડની ૮૩ મી ગાથામાં આચાર્ય ભગવાન કહે છે કે પૂજા ને વ્રતના જે ભાવ થાય છે તે પુણ્ય છે, એ કાંઈ જૈનધર્મ નથી; એક વીતરાગ પરિણામ થાય, સમ્યગ્દર્શન-જ્ઞાનના પરિણામ થાય એ જ જૈનધર્મ છે અને એ જ મુક્તિમાર્ગ છે. સમજાઈ છે કાંઈ.....?
અહા! હું મારી કેવળજ્ઞાન આદિ અનંત શક્તિઓથી ભરેલો પૂરણ પરમાત્મા છું, નિશ્ચયથી મારો આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતઆનંદ, અનંતવીર્ય, અનંતસ્વચ્છતા, અનંતપ્રકાશ, અનંતપ્રભુતા આદિ અનંત શક્તિઓથી ભરિતાવસ્થ છે. સમ્યગ્દ્રષ્ટિ-ધર્મની પહેલી સીડીવાળો જીવ પોતાના આત્માને આ રીતે ભાવે છે, ધ્યાવે છે. જગતના બધા જ આત્માઓ પણ શક્તિએ ભગવાન છે, રાગદ્વેષાદિ વિભાવથી રહિત- શૂન્ય છે, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન છે-એમ તે જાણે છે. અહા! જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ પણ વિભાવ એટલે વિપરીત ભાવ છે અને એનાથી ભગવાન આત્મા શૂન્ય છે, એમ સમકિતી જાણે છે. અહો! જેમાં જગતના સર્વ જીવ સમાનપણે શક્તિએ પરિપૂર્ણ ભાસે છે એવી સમકિતીની આ ભાવના કોઈ અચિંત્ય ને અલૌકિક છે. અહા! અનંત શક્તિથી ભરિયો. પૂરણ
PDF/HTML Page 3189 of 4199
single page version
ચૈતન્ય-દરિયો જેમાં ભાસ્યો તે ભાવના અપૂર્વ છે. બાકી આ શેઠિયા બધા, પાસે પાંચ- દસ કરોડ સંયોગમાં હોય ને એટલે માને કે અમે કાંઈક છીએ, પણ બાપુ! એ તો બધી ધૂળની ધૂળ છે.
પ્રશ્નઃ– પણ એ ધૂળ વિના ચાલતું નથી ને? સમાધાનઃ– તને ખબર નથી ભગવાન! પણ એ ધૂળ વિના જ તારે અનાદિથી ચાલ્યા કર્યું છે; કેમકે તારા દ્રવ્ય-ગુણ-પર્યાયમાં એ ક્યાં છે? ભાઈ! પરદ્રવ્યનો આત્મામાં ત્રણેકાળ અભાવ છે, અને સ્વભાવભાવનો સદાય સદ્ભાવ છે. ભાઈ! તારા સ્વસ્વભાવમાં પરદ્રવ્ય તો શું, એક સમયની પર્યાય પણ પ્રવેશ પામતી નથી એવું તારું સ્વદ્રવ્ય છે.
અહીં કહે છે-એ સ્વદ્રવ્ય નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષાયોપશમિક જ્ઞાનમાં જણાય એવું છે. આ જ્ઞાન ભાવશ્રુતજ્ઞાન હોવાથી ક્ષયોપશમભાવરૂપ છે; સમકિત ભલે ક્ષાયિક હોય, પણ જ્ઞાન તો ક્ષાયોપશમિકભાવે જ છે.
જુઓ, શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત હતું, સ્વાનુભવમંડિત ભાવશ્રુતજ્ઞાન હતું. તીર્થંકરગોત્ર બાંધ્યું છે. પૂર્વે નરકનું આયુ બંધાઈ ગયું હતું એટલે અત્યારે પહેલા નરકના સંયોગમાં ગયા છે. ત્યાં પણ ક્ષાયિક સમકિત વર્તે છે. ક્ષણે ક્ષણે ત્યાં તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. અહા! એ નરકના પીડાકારી સંયોગમાં પણ પોતાના આત્માને શુદ્ધ બુદ્ધ ચિદાનંદસ્વરૂપ પરમાત્મસ્વરૂપ અનુભવે છે. એની અજ્ઞાનીને શું ખબર પડે? આ કરો ને તે કરો-એમ ક્રિયાકાંડમાં જ એકાંતે રોકાઈ ગયા છે એને ભગવાન કેવળીની આજ્ઞાની ખબર જ નથી. બાપુ! આ તો જગતથી તદ્ન નિરાળી વાત છે, જગત સાથે એનો ક્યાંય મેળ બેસે એમ નથી.
સમકિતીને જે ભાવશ્રુતજ્ઞાન છે તે ક્ષયોપશમરૂપ છે અને તે એકદેશવ્યક્તિરૂપ છે, ક્ષાયિકની જેમ પૂર્ણ વ્યક્તિરૂપ નથી, સર્વદેશવ્યક્તિરૂપ ક્ષાયિકજ્ઞાન તો કેવળી પરમાત્માને હોય છે. સમ્યગ્દ્રષ્ટિને તથા ભાવલિંગી મુનિવરને જે જ્ઞાન અંદર પ્રગટ છે તે ક્ષાયોપશમિક છે અને તેથી કહે છે, એકદેશવ્યક્તિરૂપ છે.
અહાહા...! ભગવાન! તું જિન છો, જિનવર છો, જિન સો જિનવર, ને જિનવર સો જિન. અહા! આવો જિનસ્વરૂપ ભગવાન આત્મા જેમાં જણાય તે ભાવશ્રુતજ્ઞાન ક્ષાયોપશમિક છે અને એકદેશ-અંશે પ્રગટરૂપ છે. આત્મામાં અનંત શક્તિઓ છે. આત્માનુભવ થતાં તે બધી શક્તિઓ અંશરૂપ પર્યાયમાં પ્રગટ થાય છે. તેમ સમ્યગ્દર્શન થાય ત્યારે જે ક્ષયોપશમ જ્ઞાન પ્રગટ થાય છે તે અંશરૂપ વ્યક્ત હોય છે, પૂર્ણ વ્યક્ત નહિ. સર્વજ્ઞ પરમેશ્વરને જે અનંત શક્તિઓ છે તે સર્વ પૂર્ણ-
PDF/HTML Page 3190 of 4199
single page version
વ્યક્તિરૂપ છે, પણ સાધકને તો તે મોક્ષમાર્ગના કાળમાં અંશે વ્યક્તિરૂપ છે, જ્ઞાન પણ એકદેશવ્યક્તિરૂપ છે. આવી વાત! હવે જૈનમાં જન્મેલાનેય ખબર ન મળે કે જૈન પરમેશ્વર કોણ અને એના જ્ઞાનની કેવી અલૌકિકતા છે! બાપુ! આ સમજ્યા વિના જ તું અનંતકાળથી રખડી-રખડીને મરી રહ્યો છે. ભાઈ! ૮૪ લાખ યોનિમાં-પ્રત્યેકમાં અનંતવાર જન્મમરણ કરીને તારા સોથા નીકળી ગયા છે. હવે તો આ સમજ.
અરે! આ સમજ્યા વિના આ કરોડપતિ ને અબજોપતિ શેઠીઆ બધા દુઃખી જ છે ભાઈ! દિલ્હીના શેઠ સાહુ શાન્તિપ્રસાદ અહીં પંદર દિ’ પહેલાં આવ્યા હતાં. ત્રણ વ્યાખ્યાન તેઓ સાંભળી ગયા. તેઓ પછી એકાંતમાં મળવા આવેલા. ત્યારે કહેલું કે-“ અરે શેઠ! દુનિયાના પાપના ધંધામાં પડી આ આત્મા શું ચીજ છે તે સાંભળવાનોય તમને વખત ન મળે એવું તમારું જીવન કેટલું દુઃખમય છે? કાંઈ વિચાર તો કરો.” બાપુ! આ સમજ્યા વિના સંસારના ગમે તે સ્થાનમાં એ રહે તોય દુઃખી જ છે.
પાંચ-પચાસ કરોડ મળી જાય એ તો બધી ધૂળ છે. એ ક્યાં તારા આત્મામાં છે? કદાચિત્ એમાંથી પાંચ-પચીસ લાખ મંદિર, પ્રતિષ્ઠા વગેરેમાં દાનમાં ખર્ચે તોય ધર્મ થાય એમ નથી. જુઓ, ભાવનગરથી સત્-સાહિત્ય બહાર પડે છે. તેના પ્રકાશન માટે એક મુમુક્ષુએ લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું છે. લાખ તો શું, કોઈ કરોડ રૂપિયાનું દાન આપે તોય એમાં મંદ રાગ હોય તો પુણ્ય થાય, ધર્મ જરાય નહિ. ભાઈ! વીતરાગનો ધર્મ તો વીતરાગભાવથી જ પ્રગટ થાય છે. (રાગથી ધર્મ થવાનું માને એ તો મિથ્યાભાવ છે).
અહીં કહે છે-આ ભાવના નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપશમિકજ્ઞાનરૂપ હોવાથી જો કે એકદેશવ્યક્તિરૂપ છે તોપણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે ‘જે સકલ નિરાવરણ અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધ પારિણામિકપરમભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું,’ પરંતુ એમ ભાવતો નથી કે ‘ખંડજ્ઞાનરૂપ હું છું’ .
અહા! ધર્મી જીવને આનંદની અનુભૂતિ સહિતનું સ્વસંવેદનજ્ઞાન પ્રગટ થયું છે. તે જ્ઞાન એકદેશવ્યક્તિરૂપ છે. તેમાં પૂરણ પોતાનું પરમાત્મદ્રવ્ય જણાયું છે, પણ તે ખંડજ્ઞાનરૂપ પ્રગટ દશાનું ધ્યાન જ્ઞાની કરતા નથી. લોકોને આવું આકરું લાગે પણ શું થાય? જૈન પરમેશ્વરનો કહેલો માર્ગ તો આવો જ છે. બીજા મતમાં તો આ વાત છે જ નહિ. એકપદમાં આવે છે કે-
‘ધૂન રે દુનિયા અપની ધૂન, જાકી ધૂનમેં નહિ પાપ ઔર પુણ્ય.’ અહા! ભગવાન આત્માની જેને ધૂન લાગી છે તેને પુણ્ય-પાપ તરફનું લક્ષ હોતું નથી. આત્માની ધૂનમાં પાપ-પુણ્યના ભાવ બીલકુલ હોતા નથી. હે ભાઈ!
PDF/HTML Page 3191 of 4199
single page version
નિર્મળાનંદનો નાથ પ્રભુ તું પરમાત્મદ્રવ્ય છો, તેની એકવાર ધૂન લગાવ; તને સમ્યગ્દર્શન થશે, સુખી થવાનો માર્ગ પ્રગટ થશે. ભાઈ! આ સર્વજ્ઞપરમાત્માએ કહેલી વાત છે; આ વાત બીજે ક્યાંય નથી.
કોઈ જગતકર્તા ઈશ્વરને માને કે સર્વવ્યાપી એક ઈશ્વરને માને પણ એવું વસ્તુસ્વરૂપ નથી. સર્વજ્ઞ વીતરાગદેવ સિવાય આત્મા કેવો છે તે બીજાએ જોયો નથી, જાણ્યો નથી. ભલે અન્યમતવાળા આત્માની વાતો કરે, પણ એ તો બધી કલ્પિત વાતો છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા જોયો અને દિવ્યધ્વનિમાં કહ્યો તે જ યથાર્થ છે. અહા! આવા અનંતગુણમંડિત અખંડ એક પરમજિનસ્વરૂપ આત્માનું જેને સ્વાનુભવમાં ભાન થયું તેની સ્વાનુભવની દશા એકદેશ પ્રગટરૂપ છે. ભાઈ! ધર્માત્માને નિજ પરમાત્મદ્રવ્યના લક્ષે જે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા પ્રગટ થઈ તે દશા એકદેશ વ્યક્તિરૂપ છે. ધર્મી પુરુષ તે દશાનું ધ્યાન કરતા નથી, પણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય પરમાત્મદ્રવ્ય હું છું એમ તે ધ્યાવે છે. સમજાય છે કાંઈ....?
અહા! ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે અનંતશક્તિસ્વરૂપ આત્માનો અનુભવ થતાં અનંત શક્તિઓનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે; સમકિતપણે શ્રદ્ધાનો અંશ પ્રગટ થાય છે, ભાવશ્રુતજ્ઞાનરૂપ જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે, ચારિત્રનો અંશ પ્રગટ થાય છે, વીર્યનો અંશ પ્રગટ થાય છે, સ્વચ્છતા ને પ્રભુતાનો અંશ પણ પર્યાયમાં વ્યક્ત થાય છે. તે બધી નિર્મળ પ્રગટ થયેલી પર્યાયો, અહીં કહે છે, ધ્યાતા પુરુષના ધ્યાનનું ધ્યેય નથી. અહાહા....! ધ્યાતા પુરુષ આ પ્રગટ પર્યાયોને જાણે છે ખરા પણ તે પર્યાયોનું ધ્યાન કરતા નથી. તે પર્યાયોને ધ્યાવતા નથી.
ખૂબ ઝીણી વાત પ્રભુ! આઠ દિવસથી ચાલે છે. આજે આ છેલ્લું પ્રવચન છે. અહા! સચ્ચિદાનંદમય નિજ ભગવાનના સ્વરૂપને કહેનારી ભગવાનના ઘરની આ ભાગવત કથા છે. કહે છે-સ્વદ્રવ્યના અવલંબને પ્રગટ થયેલી જે વીતરાગવિજ્ઞાન દશા તેને ધર્માત્મા પુરુષ ધ્યાવતા નથી, તો કોને ધ્યાવે છે? અહા! ધર્મી પુરુષ કોનું ધ્યાન કરે છે? તો કહે છે-સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધપારિણામિકપરમભાવસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્ય સદાય અંદર વિરાજી રહ્યું છે તેને ધર્માત્મા ધ્યાવે છે.
અહા! અંદર શક્તિસ્વરૂપ જે વસ્તુ આત્મા છે તે ત્રિકાળ નિરાવરણ છે. ભાઈ! તારા દ્રવ્યનું દ્રવ્યમાન સ્વભાવથી સદાય નિરાવરણ છે, પર્યાયમાં રાગ સાથે અને કર્મ સાથે એક સમય પૂરતો વ્યવહારે ભલે સંબંધ હો, પણ અંદર વસ્તુ જે ભૂતાર્થ છે, ચિદાનંદમય સદા વિદ્યમાન છે તે નિરાવરણ છે. ભગવાન! તારી વસ્તુ અંદર પરમાનંદમય સદા નિરાવરણ છે, કર્મ અને રાગના સંબંધથી રહિત છે. હવે આવું
PDF/HTML Page 3192 of 4199
single page version
કેમ બેસે એને? તું માન કે ન માન; પણ વસ્તુ અંદર જ્ઞાનઘન છે તે સકળ નિરાવરણ છે, અને તેને ધર્મી પુરુષ ધ્યાવે છે.
અહા! અનંત અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા સકળ નિરાવરણ છે. વળી અનંતગુણથી ભરેલો છતાં ગુણભેદ વિનાનો અખંડ એક છે; ખંડરૂપ નથી, ભેદરૂપ નથી; પર્યાયભેદથી ભેદાતો નથી તેવો અભેદ એક છે. વળી સ્વસંવેદનજ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય એવો પ્રત્યક્ષપ્રતિભાસમય છે. આત્મા સ્વભાવથી જ પ્રત્યક્ષપ્રતિભાસમય છે.
કોઈને થાય કે તે જણાતો તો નથી? બાપુ! તું રાગમાં ને નિમિત્તમાં એને શોધે તો તે કેમ જણાય? એ તો જ્યાં છે ત્યાં અંતર્મુખ થઈ જુએ તો અવશ્ય જણાય એવો તે પ્રત્યક્ષપ્રતિભાસમય છે. આત્મા ચૈતન્યપ્રકાશનું બિંબ છે. જ્ઞાનને તેમાં એકાગ્ર કરીને જોનારને તે અવશ્ય જણાય એવો છે. અહા! અંતર્મુખ ઉપયોગમાં-નિજ સ્વસંવેદનજ્ઞાનમાં તે જણાય એવો પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. ભલે મતિજ્ઞાન હો કે શ્રુતજ્ઞાન, સમ્યક્જ્ઞાનની એક સમયની પર્યાયમાં આખો આત્મા એક-અખંડપણે જણાઈ જાય એવું જ એનું સ્વરૂપ છે. ન જણાય એ વાત જ ક્યાં છે? ભાઈ! તું બહારમાં ફાંફાં મારે ને તે ન જણાય એમાં અમે શું કરીએ?
વસ્તુ નિજ પરમાત્મતત્ત્વ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય ત્રિકાળ અવિનશ્વર છે અને તે જ ધ્યાતા પુરુષના ધ્યાનનું ધ્યેય છે. સમ્યગ્દર્શનનો વિષય પણ એ જ છે અને કલ્યાણકારી ધ્યાનનું ધ્યેય પણ એ જ છે. લોકોને આ આકરું લાગે છે, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ આવું જ છે.
અરે! ચૈતન્યનિધાનસ્વરૂપ પોતાના ભગવાનને ભૂલીને તે અનાદિથી અવળે પંથે ચઢી ગયો છે! અહા! ચૈતન્યલક્ષ્મીથી ભરેલો પોતે ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં તે આ બહારની જડ લક્ષ્મીની ને પુણ્યની ભાવના કરે છે! અહા! ત્રણલોકનો નાથ જિનસ્વરૂપ પ્રભુ આમ ભિખારી થઈને લોકમાં ભમે તે કેમ શોભે? ભગવાન! આ શું કરે છે તું? તારા ઉપયોગને અંતરમાં લઈ જા, તને સુખનિધાન પ્રભુ આત્મા પ્રાપ્ત થશે. ભાઈ! તારા સુખનો આ એક જ ઉપાય છે. ધર્મી પુરુષો અંતર્મુખપણે પરમભાવસ્વરૂપ એ એકને જ ધ્યાવે છે.
પર્યાય અપેક્ષાએ કેવળજ્ઞાન આદિને ‘પરમભાવ’ કહીએ, પૂર્ણદિશાને ‘પરમભાવ’ કહીએ; પણ દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ તો શુદ્ધપારિણામિકભાવ જે ત્રિકાળ એકરૂપ છે તે જ પરમભાવ છે. છઠ્ઠી ગાથામાં જેને એક જ્ઞાયકભાવ કહ્યો તે જ પરમભાવ છે. અહા! આવો પરમભાવસ્વરૂપ અખંડ એક જ્ઞાયકભાવ જેનો ભાવ છે તે નિજ
PDF/HTML Page 3193 of 4199
single page version
પરમાત્મદ્રવ્ય હું છું-એમ ધર્માત્મા ધ્યાવે છે. આ સર્વજ્ઞ પરમાત્મા (અરિહંતાદિ) તે હું એમ નહિ, આ તો ધ્યાતા પોતાના જ ત્રિકાળી આત્માને ‘હું પરમાત્મદ્રવ્ય છું’ -એમ ભાવે છે, અનુભવે છે, ધ્યાવે છે. જે સર્વજ્ઞ પરમાત્મા પ્રગટપણે છે તે તો પરદ્રવ્ય છે. એને ધ્યાતાં તો રાગ થશે બાપુ!
તો ભગવાનને તરણ-તારણ કહેવામાં આવે છે ને? હા, ભગવાનને વ્યવહારથી તરણ-તારણ કહેવામાં આવે છે. ભગવાનનું નિમિત્ત બનતાં તરનારો પોતે પોતાના સ્વરૂપના અનુભવમાં રહીને તરે છે તો ભગવાનને વ્યવહારથી તરણ-તારણ કહેવામાં આવે છે. બાકી ધ્યાતા પોતાના આત્માને અંતર્મુખપણે ધ્યાવે એ જ મોક્ષના કારણરૂપ ધ્યાન છે. સમજાય છે કાંઈ.....? કોઈ એકાંતે પર ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષમાર્ગ થવાનું માને એ તો બહુ ફેર થઈ ગયો ભાઈ! ધ્યાતાના ધ્યાનનું એવું સ્વરૂપ નથી.
ભાઈ! આ તો અનંતા તીર્થંકરોએ ઇન્દ્રો, મુનિવરો ને ગણધરોની સમક્ષ ધર્મસભામાં જે ફરમાવ્યું છે તે અહીં દિગંબર સંતો જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે- ભગવાનનો આ સંદેશ છે; શું? કે પોતે આત્મા ચિદાનંદઘન પ્રભુ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધપારિણામિકપરમભાવલક્ષણ પરમાત્મદ્રવ્ય છે. અહા! આવું જે નિજપરમાત્મદ્રવ્ય તે હું છું-એમ ધ્યાતા પુરુષ ધ્યાવે છે, ભાવે છે; અને આ જ મોક્ષના કારણરૂપ ધ્યાન છે. જેમાં પોતાનો ત્રિકાળી શુદ્ધ આત્મા જ ધ્યેયરૂપ છે તે પરમાર્થધ્યાન છે અને તે જ મોક્ષના કારણરૂપ છે.
જોયું? નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું, પણ સંવેદનની પર્યાય જે છે તે હું છું એમ નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાનની પ્રગટ પર્યાય જે છે તેમાં નિરાકુલ આનંદનું વેદન સાથે જ છે. પણ તે પર્યાય એમ ભાવે છે કે-આ ત્રિકાળી શુદ્ધ નિજપરમાત્મદ્રવ્ય છે તે હું છું. આ ઉઘડેલી પર્યાય તે હું નહિ. સૂક્ષ્મ વાત ભાઈ! પણ આનો સ્વીકાર કર્યા વિના જન્મ- મરણના અંત નહિ આવે.
અહાહા....! ધર્મી એમ ભાવે છે કે અખંડ એક નિજપરમાત્મદ્રવ્ય તે હું છું, પણ એમ ભાવતો નથી કે ભાવશ્રુતજ્ઞાન તે હું છું. આનંદના અનુભવ સહિત જે શ્રુતજ્ઞાન પ્રગટ થયું તે એક સમયની પર્યાય છે, માટે ધર્મી પુરુષ એનું ધ્યાન કરતો નથી. પર્યાય ખંડરૂપ વિનશ્વર છે ને? માટે ધર્માત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયનું પણ ધ્યાન કરતો નથી. અહા! ધ્યાનની કરનારી પર્યાય છે, પણ તે પર્યાયનું -ભેદનું ધ્યાન કરતી નથી; એ તો અખંડ અભેદ એક નિજ પરમાત્મદ્રવ્યને જ ધ્યાવે છે. ધર્માત્માની ધ્યાનની દશા એક ધ્રુવને જ ધ્યાવે છે, ભેદની સામે એ જોતી જ નથી.
PDF/HTML Page 3194 of 4199
single page version
આ રીતે ધર્મી પુરુષ નિજ પરમાત્મતત્ત્વને ભાવીને-ધ્યાવીને ધ્યાનનું ફળ જે મોક્ષ તે અવિચલ દશાને પ્રાપ્ત થઈ જાય છે.
અરેરે! એણે પોતાના અંતરંગ પરમાત્મસ્વરૂપનો ઈન્કાર કરીને પોતાને મરણ- તુલ્ય કરી નાખ્યો છે! અહા! એણે અનંતકાળમાં પોતાની દયા કરી નહિ! જેવું પોતાનું પૂરણ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યતત્ત્વ છે તેને તે રીતે માન્યું નહિ. એણે પોતાને રાગવાળો ને પુણ્યવાળો માન્યો છે; પર્યાયદ્રષ્ટિ થઈને આ પર્યાય છે તે હું છું એમ માન્યું છે. પણ ભાઈ! તે વડે તેં તારો પોતાનો ઘાત જ કર્યો છે, કેમકે પર્યાયમાત્ર વસ્તુ નથી.
અહીં કહે છે-નિજકારણપરમાત્મદ્રવ્ય છે તે હું છું એમ ધર્માત્મા ભાવના કરે છે, પરંતુ હું ખંડજ્ઞાન છું એમ ભાવના કરતો નથી. અહા! સમકિતીને જ્ઞાન ને આનંદની નિર્મળ પર્યાય પ્રગટી છે, તેને તે જાણે છે, પણ તેની એ ભાવના કરતો નથી. અહા! નિર્મળ પર્યાય પ્રતિ પણ આવો તે ઉદાસીન છે. સમજાય છે કાંઈ...? ભાઈ! શાસ્ત્રની આ ભાષા અને ભાવ જેને સમજાય તેને ભવનાશિની શુદ્ધઆત્મભાવના પ્રગટ થાય છે, અને એ જ આ ‘તાત્પર્યવૃત્તિ’ નું તાત્પર્ય છે.
હવે છેલ્લે કહે છે- ‘આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવાં આગમ-અધ્યાત્મના- તેમ જ નયદ્વયના (દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયના) અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે (-નિર્બાધ છે) એમ વિવેકીઓએ જાણવું.’
જુઓ, ભગવાનનાં કહેલાં જે શાસ્ત્રો છે તેમાં આગમ અને અધ્યાત્મનાં શાસ્ત્રો છે. ભગવાને કહેલાં જે દ્રવ્યો છે તેનું જેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે તેને આગમ કહીએ. અનંતા આત્મા છે, અનંતા-અનંત પુદ્ગલદ્રવ્યો છે, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને અસંખ્યાત કાલાણુ-આમ જાતિએ છ દ્રવ્યો છે, સંખ્યાએ અનંત છે. આ સર્વનું જેમાં નિરૂપણ છે તે આગમ છે તથા જેમાં શુદ્ધ નિશ્ચયસ્વરૂપ આત્મદ્રવ્ય કેવું છે અને તેની નિર્મળ પર્યાય કેવી છે તેનું નિરૂપણ છે તે અધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય કહે છે-એ બન્નેના સાપેક્ષથી અહીં કથન કર્યું છે.
વળી નયદ્વયના અભિપ્રાયના અવિરોધપૂર્વક જ અહીં કહેવામાં આવ્યું છે. માટે આ કથન સિદ્ધ છે, નિર્બાધ છે-એમ વિવેકીઓએ જાણવું જોઈએ. વર્તમાન પર્યાયમાં આનંદનો અનુભવ થઈને જે નિર્વિકલ્પ નિર્મળ ભાવનારૂપ દશા પ્રગટ થઈ તે પર્યાયાર્થિકનયનો, વ્યવહારનયનો વિષય છે; અને જેનું લક્ષ કરીને તે પ્રગટ થઈ તે ત્રિકાળી શુદ્ધ પરમાત્મદ્રવ્ય શુદ્ધ નિશ્ચયનયનો, દ્રવ્યાર્થિકનયનો વિષય છે. આમ નયદ્વયના અવિરોધપૂર્વક પરસ્પર સાપેક્ષ સર્વ કથન છે. માટે આ કથન સિદ્ધ છે, નિર્દોષ છે, નિર્બધ છે એમ વિવેકી પુરુષોએ જાણવું. જેને વિવેક નથી તે ગમે તેમ જાણે અને માને, પણ વિવેકી
PDF/HTML Page 3195 of 4199
single page version
પુરુષોએ તો આને પ્રમાણરૂપ જાણી જેમ ભવનાશિની શુદ્ધાત્મભાવના પ્રગટ થાય તેમ પ્રવર્તવું, કેમકે આવી ભાવના વડે જ ભવનો નાશ થઈ સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. લ્યો, આવી વાત છે. આ રીતે આજે આઠ વ્યાખ્યાન દ્વારા આ અધિકાર પૂરો થાય છે.
આ પ્રમાણે સમયસાર ગાથા ૩૨૦ ઉપરની આચાર્ય શ્રી જયસેનાચાર્યની તાત્પર્યવૃત્તિ ટીકા ઉપરનાં પરમ કૃપાળુ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચન સમાપ્ત થયાં.
PDF/HTML Page 3196 of 4199
single page version
कुत एतत्? –
जाणइ य बंधमोक्खं कम्मुदयं पिज्जरं चेव।। ३२०।।
जानाति च बन्धमोक्षं कर्मोदयं निर्जरां चैव।। ३२०।।
यथात्र लोके द्रष्टिर्द्रश्यादत्यन्तविभक्तत्वेन तत्करणवेदनयोरसमर्थत्वात् द्रश्यं न करोति न वेदयते च, अन्यथाग्निदर्शनात्सन्धुक्षणवत् स्वयं ज्वलनकरणस्य, लोहपिण्डवत्स्वयमौष्ण्यानुभवनस्य च दुर्निवारत्वात्, किन्तु केवलं दर्शनमात्रस्वभावत्वात् तत्सर्व केवलमेव पश्यति; तथा ज्ञानमपि स्वयं द्रष्टृत्वात् कर्मणोऽत्यन्तविभक्तत्वेन निश्चयतस्तत्करणवेदनयोरसमर्थत्वात्कर्म न करोति न वेदयते च, किन्तु केवलं ज्ञानमात्रस्वभावत्वात्कर्मबन्धं मोक्षं वा कर्मोदयं निर्जरां वा केवलमेव जानाति।
હવે પૂછે છે કે- (જ્ઞાની કરતો-ભોગવતો નથી, જાણે જ છે) એ કઈ રીતે? તેનો ઉત્તર દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ-
જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦
ગાથાર્થઃ– [यथा एव द्रष्टिः] જેમ નેત્ર (દ્રશ્ય પદાર્થોને કરતું-ભોગવતું નથી, દેખે જ છે), [तथा] તેમ [ज्ञानम्] જ્ઞાન [अकारकं] અકારક [अवेदकं च एव] તથા અવેદક છે, [च] અને [बन्धमोक्षं] બંધ, મોક્ષ, [कर्मोदयं] કર્મોદય [निर्जरां च एव] તથા નિર્જરાને [जानाति] જાણે જ છે.
ટીકાઃ– જેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવા-વેદવાને અસમર્થ હોવાથી, દ્રશ્ય પદાર્થને કરતું નથી અને વેદતું નથી-જો એમ ન હોય તો અગ્નિને દેખવાથી, *સંધુક્ષણની માફક, પોતાને (નેત્રને) અગ્નિનું _________________________________________________________________ * સંધુક્ષણ = સંધૂકણ; અગ્નિ સળગાવનાર પદાર્થ; અગ્નિ ચેતાવનારી વસ્તુ.
PDF/HTML Page 3197 of 4199
single page version
કરવાપણું (સળગાવવાપણું), અને લોખંડના ગોળાની માફક પોતાને (નેત્રને) અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય (અર્થાત્ જો નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું વેદતું હોય તો તો નેત્ર વડે અગ્નિ સળગવી જોઈએ અને નેત્રને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ અવશ્ય થવો જોઈએ; પરંતુ એમ તો થતું નથી, માટે નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું-વેદતું નથી) -પરંતુ કેવળ દર્શનમાત્રસ્વભાવવાળું હોવાથી તે સર્વને કેવળ દેખે જ છે; તેવી રીતે જ્ઞાન પણ, પોતે (નેત્રની માફક) દેખનાર હોવાથી, કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા- વેદવાને અસમર્થ હોવાથી, કર્મને કરતું નથી અને વેદતું નથી, પરંતુ કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું (જાણવાના સ્વભાવવાળું હોવાથી કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા નિર્જરાને કેવળ જાણે જ છે.
મથાળુંઃ– ‘હવે પૂછે છે કે- (જ્ઞાની કરતો-ભોગવતો નથી) એ કઈ રીતે?’ લ્યો, શિષ્ય પૂછે છે-એનો અર્થ એ કે તે ખૂબ જિજ્ઞાસાથી વાત સાંભળે છે, ભાઈ! સાંભળવા ખાતર સાંભળવું એ જુદી ચીજ છે ને આત્માર્થી થઈ જિજ્ઞાસાથી સાંભળવું એ જુદી ચીજ છે. એમ કે આ (અનેક તરહના વિકલ્પ) કરે છે, વેદે છે એમ દેખાય છે ને આપ ધર્મી કરતો નથી, ભોગવતો નથી એમ કહો છો તો તે કેવી રીતે છે? અહા! આત્મા પરને-રાગને કરે નહિ ને વેદેય નહિ -આ શું ચીજ છે? અહા! આવા વિસ્મયકારી સ્વભાવને જાણવાની જેને અંતરમાં જિજ્ઞાસા જાગી છે તે શિષ્યને દ્રષ્ટાંતપૂર્વક અહીં ગાથામાં ઉત્તર દે છે.
ટીકા ઉપરનું પ્રવચનઃ
‘જેવી રીતે આ જગતમાં....’ પહેલાં જગત સિદ્ધ કર્યું જોયું? છ દ્રવ્યમય જગતની હયાતી-અસ્તિ કહી. જગત છે એમ એની અસ્તિ સિદ્ધ કરીને વાત કરે છે કે-
‘જેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવા-વેદવાને અસમર્થ હોવાથી, દ્રશ્ય પદાર્થને કરતું નથી અને વેદતું નથી....’
અહાહા.....! શું કહે છે? કે આ નેત્ર જે આંખ છે તે દ્રશ્ય નામ દેખવાયોગ્ય પદાર્થથી અત્યંત ભિન્ન છે. ભાઈ! આ આંખ જેને દેખે છે તે દેખવા યોગ્ય પદાર્થથી
PDF/HTML Page 3198 of 4199
single page version
તે અત્યંત ભિન્ન છે, અને તેથી તે (-આંખ) તેને કરવા અને વેદવા અસમર્થ છે. જુઓ, આ સિદ્ધાંત કહ્યોઃ- કે દ્રશ્ય પદાર્થથી આંખ ભિન્ન ને આંખથી દ્રશ્ય પદાર્થ ભિન્ન-એમ પરસ્પર ભિન્નતા છે, ત્યાં આંખ ભિન્ન વસ્તુને કરે ને વેદે કેમ? અહા! પોતામાં અભિન્ન હોય તેને કરે અને વેદે, પણ ભિન્નને-પરને કરે ને વેદે એ કેમ બને? જેને આંખ અડેય નહિ તેને તે કરે ને ભોગવે એ કેવી રીતે બને? ભાઈ! આંખ જગતની ચીજને દેખે, પણ તે જગતની દ્રશ્ય ચીજને કરેય નહિ ને વેદેય નહિ. અહાહા...! (આ તે) ગાથા છે કાંઈ!
હવે કહે છે- ‘જો એમ ન હોય તો અગ્નિને દેખવાથી, સંધુક્ષણની માફક, પોતાને (નેત્રને) અગ્નિનું કરવાપણું (સળગાવવાપણું), અને લોખંડના ગોળાની માફક પોતાને (નેત્રને) અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય....’
‘જો એમ ન હોય તો.....’ જોયું? ભિન્નપણાને લીધે આંખ દ્રશ્ય પદાર્થને કરે અને વેદે તો નહિ, પણ જો કરે ને વેદે તો.... , તો અગ્નિને દેખવાથી, સંધુક્ષણ નામ અગ્નિ ચેતાવનાર-સળગાવનારની માફક નેત્રને અગ્નિને કરવાપણું-સળગાવવાપણું આવી પડે. સંધુકણ જેમ અગ્નિને સળગાવે છે તેમ આંખને, પરથી ભિન્ન છે છતાં જો તેને કરે ને વેદે તો, પરને સળગાવવાપણું આવે; આંખ જ્યાં પડે ત્યાં તે પદાર્થ સળગવા લાગે એમ એને સળગાવવાપણું આવે. ન્યાય સમજાય છે કે નહિ?
વળી ‘લોખંડના ગોળાની માફક પોતાને (આંખને) અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય.’ આંખ જો પરને કરે ને વેદે તો લોઢાનો ગોળો જેમ અગ્નિમાં ઉષ્ણ થઈ જાય છે તેમ, અગ્નિને દેખવામાત્રથી આંખ અગ્નિમય થઈ જાય, બળી જાય. અહાહા...! આંખને જો ભિન્ન ચીજને અનુભવવાનો-વેદવાનો ભાવ આવી જાય તો ભિન્ન અગ્નિને દેખવામાત્રથી આંખ અગ્નિમય થઈ જાય, તેને અગ્નિનો અનુભવ દુર્નિવાર થઈ જાય, લોખંડના ગોળાની જેમ.
જુઓ, બે વાત કરી. એક તો-જો આંખ પરને-ભિન્ન વસ્તુને કરે તો સંધુકણ જેમ અગ્નિને કરે છે તેમ આંખની જ્યાં નજર પડે ત્યાં પદાર્થમાં અગ્નિ પ્રગટી જાય. આંખ જો પરને કરે તો જેમ સંધુકણ વડે અગ્નિ પ્રગટે છે તેમ આંખ વડે અગ્નિ સળગવી જોઈએ.
બીજું-જો આંખ પરને વેદે તો અગ્નિને જોવામાત્રથી જ, આંખને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ થવો જોઈએ પણ એમ છે નહિ, અર્થાત્ આંખ છે તે અગ્નિને દેખે તો છે, પણ કાંઈ અગ્નિનો અનુભવ કરતી નથી. જો એમાં એકાકાર થાય તો અનુભવ થાય ને! પણ એ તો ભિન્ન ચીજ છે. અહા! આંખ અને જે અગ્નિ છે એ તો ભિન્ન ભિન્ન ચીજ છે. તેથી ભિન્નને આંખ કરે પણ નહિ ને ભિન્નને આંખ વેદે પણ નહિ.
PDF/HTML Page 3199 of 4199
single page version
લ્યો, કહે છે- એમ તો થતું નથી. અર્થાત્ આંખથી કાંઈ સળગે પણ નહિ, ને આંખ અગ્નિને વેદે પણ નહિ. દેખવાયોગ્ય પદાર્થને આંખ દેખે; દેખે એટલો તો સંબંધ છે પણ તેને કરે ને ભોગવે એવો સંબંધ સર્વથા નથી. માટે દ્રશ્ય પદાર્થને નેત્ર કરતુંય નથી. વેદતુંય નથી. એ જ કહે છે-
‘પરંતુ કેવળ દર્શનમાત્રસ્વભાવવાળું હોવાથી તે સર્વને કેવળ દેખે જ છે.’ જોયું? આંખનો તો કેવળ દેખવામાત્રસ્વભાવ છે અને તેથી તે સર્વને કેવળ દેખે જ છે, કોઈને કરે કે વેદે છે એમ નહિ. જો કરે ને વેદે તો દેખવામાત્રથી તે દ્રશ્ય પદાર્થમાં અગ્નિને કરે અને પોતે જ અગ્નિને વેદે, પણ અગ્નિને આંખ કરતી નથી, તેમ અગ્નિ દેખતાં આંખ બળતીય નથી; માટે આંખ સર્વને દેખે જ છે; કોઈને કરતી નથી, વેદતી પણ નથી. આ દ્રષ્ટાંત કહ્યું. હવે તે સિદ્ધાંતમાં ઉતારે છે. -
‘તેવી રીતે જ્ઞાન પણ, પોતે (નેત્રની માફક) દેખનાર હોવાથી,.......’ જોયું? જ્ઞાન નામ જ્ઞાનસ્વભાવી આત્મા, નેત્રની જેમ, દેખનાર છે; તે પરને દેખે છે એવો વ્યવહાર સંબંધ છે. આંખ જેમ પરને-દ્રશ્યને દેખે તેમ ભગવાન આત્મા પરને દેખે ખરો, પણ દેખવા ઉપરાંત પરનું કરવું ને વેદવું એનામાં છે નહિ.
અહાહા.....! નેત્રની જેમ, જ્ઞાન અર્થાત્ ભગવાન આત્મા પરને દેખે છે એમ તો છે; જો કે પરને દેખે છે એમ કહેવું એ વ્યવહાર છે, પણ એટલો વ્યવહારસંબંધ અહીં લીધો છે. તો કોઈ વળી પૂછે છે-
જેમ પરને દેખે છે એવો વ્યવહાર છે તો પરને કરે એવો વ્યવહાર પણ હોવો જોઈએ ને? તો કહે છે-ના, એમ નથી. આંખ પરને દેખે છે તેથી કાંઈ આંખ પરને- અગ્નિ વગેરેને કરે છે કે વેદે છે એમ નથી. તેમ ભગવાન આત્માને બીજા સાથે દેખવાનો સંબંધ તો છે, આટલો તો વ્યવહારસંબંધ છે, પણ બીજાને કરે કે વેદે એમ છે નહિ, સમજાણું કાંઈ...?
જુઓ, આ અંદર એ જ કહ્યું છેઃ ‘તેવી રીતે જ્ઞાન પણ, પોતે (નેત્રની માફક) દેખનાર હોવાથી, કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા-વેદવાને અસમર્થ હોવાથી, કર્મને કરતું નથી અને વેદતું નથી.’
અહાહા...! ભગવાન આત્મા કર્મથી અત્યંત ભિન્ન છે; એકલો ભિન્ન એમેય નહિ, અત્યંત ભિન્ન છે. જેમ આંખ દ્રશ્ય પદાર્થથી ભિન્ન છે તેમ શુદ્ધ ચિદાનંદમય વસ્તુ ચૈતન્યરત્નાકર પ્રભુ કર્મથી અત્યંત ભિન્ન છે, પરપદાર્થથી અત્યંત ભિન્ન છે. અત્યંત ભિન્નપણાને લીધે, જેમ આંખ દ્રશ્ય પદાર્થને દેખે ખરી, પણ કરે કે વેદે
PDF/HTML Page 3200 of 4199
single page version
નહિ, તેમ ભગવાન આત્મા પરપદાર્થને દેખે-જાણે ખરો, પણ પરને કરતો કે ભોગવતો નથી, ભોગવી શકતો નથી.
કોઈને થાય કે દેખવા-જાણવાની પોતાની ક્રિયા કરે તો પછી ભેગું પરનું પણ કરે કે નહિ?
સમાધાનઃ– પોતાના પરિણામને ભલે કરે ને ભોગવે, એય અહીં નિર્મળ પરિણામને કરવા-ભોગવવાની વાત છે, મલિનની વાત નથી. આત્મા પરને દેખે-જાણે એટલા સંબંધમાત્રથી પરનું કરે ને પરને વેદે એ ક્યાંથી આવ્યું? અહા! પરને દેખવું એવો તો એનો સંબંધ છે, પણ એટલા સંબંધમાત્રથી તે પરનું શું કરે? કાંઈ ન કરે. શું તે હાથ- પગને હલાવે? આંખને હલાવે કે બોલે? કાંઈ ન કરે. જે ચીજ છે એને દેખે છે, પણ દેખવા છતાં તે પરનું કાંઈ કરી દે એમ નથી. અહાહા....! આત્મા દેખનાર હોવા છતાં, અત્યંત ભિન્નપણાને લીધે તે કર્મને કરતો નથી. રાગાદિને કરતો નથી.
અહાહા...! ‘જ્ઞાન’ કહ્યું ખરું ને! જ્ઞાન એટલે જ્ઞાનસ્વભાવી આત્મા. અહા! એને પરને દેખવા-જાણવાનો સંબંધ તો કહ્યો (વ્યવહારથી હોં), પણ નિશ્ચયથી, તેને દેખવા ઉપરાંત પરવસ્તુને કરવા-વેદવાની અસમર્થતા છે. કર્મને કરે ને કર્મને વેદે એવી એને અસમર્થતા છે. અહાહા....! જ્ઞાનસ્વરૂપી પ્રભુ, કર્મનો ઉદય થાય એને જાણે, પણ કર્મના ઉદયને તે કરે કે વેદે એની એને અસમર્થતા છે, તેથી જ્ઞાન અર્થાત્ આત્મા કર્મને કરતો કે વેદતો નથી. હવે આવી વાત! બિચારો ધંધા આડે નવરો થાય તો એને સમજાય ને?
અહાહા...! આ બધી આખો દિ’ વેપાર-ધંધાની ધમાલ ચાલે છે ને? પોતે દુકાનના થડે બેઠો હોય ને માલ આવે ને જાય, પૈસા આવે ને જાય; અહીં કહે છે, આત્માને એ બધા સાથે દેખવામાત્ર સંબંધ છે, અર્થાત્ આત્મા-જીવ એને જાણે ખરો, પણ જાણવા ઉપરાંત એ બધાને કરે ને વેદે એવો એનો સ્વભાવ નથી. આંખ જેમ અગ્નિ વગેરે દ્રશ્ય પદાર્થને કાંઈ કરતી નથી, તેમ ભગવાન આત્મા કર્મ કે કર્મથી પ્રાપ્ત ચીજો-એ કોઈને કરતો કે ભોગવતો નથી.
‘પરંતુ કેવળ જ્ઞાનમાત્ર સ્વભાવવાળું (જાણવાના સ્વભાવવાળું) હોવાથી કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા નિર્જરાને કેવળ જાણે જ છે.’
અહાહા....! જોયું? આત્માનો કેવળ જ્ઞાનમાત્ર સ્વભાવ છે, જાણવામાત્ર સ્વભાવ છે. એટલે શું? કે રાગાદિ કરવાનો આત્માનો સ્વભાવ નથી, પર વસ્તુ તો ક્યાંય દૂર રહી. આત્માનો રાગ કરવો એ સ્વભાવ નથી. કેવળ જ્ઞાનસ્વભાવપણું કહ્યું ને?