Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 168 of 210

 

PDF/HTML Page 3341 of 4199
single page version

આ પ્રમાણે જડમાં જે (દાગીના વગેરે) કાર્ય થાય તેનો કર્તા પરિણામી એવા તે તે જડ પુદ્ગલ પરમાણુઓ છે; તે કાર્યો કર્તા વિના થયાં છે એમ નથી. તેમ જ સોની આદિ જીવ તેનો કર્તા છે એમ પણ નથી. આવી વાત છે! કોઈ (-સોની આદિ) એમ માને કે તે જડનાં કાર્યો મારાથી (-પોતાથી) થયાં છે તો તે મૂઢ અજ્ઞાની છે કેમકે તેની માન્યતા મિથ્યા છે. સમજાણું કાંઈ.....?

આ સોની હથોડા વગેરે સાધનને ગ્રહે છે એમ કહીએ તે વ્યવહાર છે. હથોડો આમ ઊંચો થાય તે પરિણામ છે અને હથોડાના પરમાણુ તેનું પરિણામી દ્રવ્ય છે. માટે હથોડાના પરમાણુ કર્તા ને હથોડાનું ઊંચા થવું તે તે પરમાણુઓનું કાર્ય છે. પરંતુ હથોડો ઊંચો થાય તે સોનીનું કાર્ય નથી, સોની તેનો કર્તા નથી, કેમકે તે સોનીના (-જીવના) પરિણામ નથી. આ પ્રમાણે સમયે સમયે પરમાણુમાં જે પરિણામ થાય તે તેના કાળે તેનાથી થાય છે, તે પરિણામ એની જન્મક્ષણ છે, બીજો કોઈ તેનો કર્તા નથી. આવો જ વસ્તુનો સ્વતંત્ર પરિણમન-સ્વભાવ છે.

અહા! આવી પ્રથમ વસ્તુના પરિણામની સ્વતંત્રતા બેસવી જોઈએ. વસ્તુના પરિણામની સ્વતંત્રતા બેસે તો તે પરના કર્તાપણાથી ખસી હું શુદ્ધ એક જ્ઞાનસ્વભાવી આત્મા છું એમ દ્રષ્ટિ કરે; અને એમ જ્ઞાયકસ્વરૂપની દ્રષ્ટિ થાય ત્યારે હું જ્ઞાનભાવનો કર્તા છું પણ રાગના-વિકારના જે પરિણામ થાય તેનો હું કર્તા નથી એમ યથાર્થ ભાન થાય છે. અહા! ધર્મી પુરુષ તો રાગ થાય તેનેય માત્ર જાણે જ છે, તેને કરતો નથી. ‘જાણવું’ એ એના પરિણામ છે, પરંતુ રાગ થાય તે એના પરિણામ નથી.

અહો! જેમ શશીનો-ચંદ્રનો સફેદ ઉજ્જ્વળ પ્રકાશ છે તેમ ભગવાન આત્માનો પરમ શુદ્ધ એક જ્ઞાનપ્રકાશ છે. બસ જાણવું એ એનું કાર્ય છે. પણ પરનું કરવું કે તત્સંબંધી રાગ કરવો તે એનું કાર્ય નથી. પરનાં કાર્ય હું કરું એવી માન્યતા તે મિથ્યાત્વ છે; અને રાગનો કર્તા પણ અજ્ઞાની જીવ જ થાય છે. અહીં કહે છે-અજ્ઞાનભાવે જીવ રાગનો કર્તા અને રાગ એનું કાર્ય-એમ ભલે હો; પણ પરનાં કાર્ય જીવ કરે એ ત્રણકાળમાં સત્ય નથી. આ બધા કાર્યકરો ફૂટી નીકળે છે ને? ભૂખ્યાને અનાજ દેવું, તરસ્યાને પાણી પાવું, રોગીને ઔષધ દેવું ઇત્યાદિ પરનાં કાર્ય અમે કરીએ છીએ એમ એ કાર્યકરો માને છે ને? અહીં કહે છે-બાપુ! તારી એ માન્યતા મિથ્યા છે કેમકે પરનાં કાર્ય તું (-આત્મા) કરી શકતો જ નથી.

ભાઈ! એકેક પરમાણુ તે તે કાળે થતા પોતપોતાના પરિણામના કર્તા છે અને તે તે પરિણામ તેનું કર્મ છે. આકાશમાં આ પ્લેન ઉડે છે ને? તે તેના ચાલકને લઈને ઉડે છે એમ નથી, તથા પેટ્રોલ આદિ બળતણને લઈને ઉડે છે એમેય નથી. ખૂબ ગંભીર વાત છે ભાઈ! ગતિ કરે એવી પરમાણુમાં સ્વતંત્ર (ક્રિયાવતી) શક્તિ છે. પરમાણુમાં ગતિ


PDF/HTML Page 3342 of 4199
single page version

થાય તે આ શક્તિનું કાર્ય છે. પરમાણુ પોતે જ પોતાની શક્તિથી ગતિનો કર્તા છે. પ્લેનની ગતિનો કર્તા પણ પ્લેનના જે તે પરમાણુઓ છે, પણ પ્લેનનો ચાલક તે ગતિનો કર્તા નથી. અહો! આ તો આચાર્યદેવે ભવ્ય જીવો માટે પરમામૃત ઘોળ્‌યાં છે. કોઈ આ પરમામૃતનું પાન કરે નહિ અને અજ્ઞાનપૂર્વકનાં વ્રત, તપ આદિ કરવા મંડી પડે તો એ તો રણમાં પોક મૂકવા જેવું છે; અર્થાત્ એથી કાંઈ લાભ નથી; કેમકે તેને તત્ત્વદ્રષ્ટિ નથી.

વળી જે પરિણામ જીવને થાય તેનો તે કર્તા અને તેનો તે ભોક્તા છે; પણ આહાર-પાણી કે ઔષધાદિ અન્ય વસ્તુનો તે ભોક્તા નથી. શિલ્પી-સોની આદિ પોતાના કર્મનું ફળ જે સુખદુઃખ તેને તે ભોગવે છે કેમકે તે તે પરિણામથી તે અનન્ય છે; અને તેથી ત્યાં પરિણામ-પરિણામીભાવથી ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે. આ તો શિલ્પીનો દાખલો કીધો. હવે કહે છે-

‘તેવી રીતે-આત્મા પણ, કરવાનો ઈચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ (-રાગાદિ- પરિણામરૂપ અને પ્રદેશોના વ્યાપારરૂપ) એવું જે આત્મપરિણામાત્મક કર્મ તેને કરે છે તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું આત્મપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને એકદ્રવ્યપણાને લીધે તેમનાથી અનન્ય હોવાથી તન્મય (તે-મય) છે; માટે પરિણામ- પરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે.’

અજ્ઞાની જીવ, હું મકાન બનાવું ને આ કરું ને તે કરું-એમ ઇચ્છા સહિત વર્તતો થકો, ઇચ્છાના-રાગના પરિણામનો કર્તા થાય છે અને તે પરિણામ તેનું કર્મ બને છે, તથા તે ઇચ્છાનું-રાગનું ફળ જે દુઃખ તેનો તે ભોક્તા છે, પણ મકાન-મહેલ ઇત્યાદિનો તે કર્તાય નથી ને ભોક્તાય નથી. અહીં પરદ્રવ્યથી પોતાના પરિણામ ભિન્ન છે એમ સિદ્ધ કરવું છે. જડની ક્રિયાનો કર્તા ને ભોક્તા જે આત્માને માને તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. તેમ જીવના શુભાશુભ પરિણામ થાય તેને પરદ્રવ્ય કરે છે એમ માને તેય મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.

ભગવાનનાં દર્શન કરતાં જીવને શુભ પરિણામ થાય છે ત્યાં ભગવાનની પ્રતિમાને કારણે એ પરિણામ થાય છે એમ નથી. ભગવાનની પ્રતિમા કર્તા ને એના શુભપરિણામ કાર્ય-એમ નથી. તે શુભપરિણામનો જીવ જ કર્તા છે અને તે પરિણામ જીવનું કર્મ છે. સાક્ષાત્ ભગવાન સમોસરણમાં બિરાજતા હોય ત્યાં આને જે ભક્તિ-સ્તુતિના પરિણામ થાય તે સ્વતંત્ર પોતાથી થાય છે, ભગવાનનું એમાં કાંઈ કાર્ય નથી. ભાઈ! આવું વસ્તુનું સ્વરૂપ કઈ રીતે છે તે જાણ્યા વિના ધર્મ કેવી રીતે થાય?

શુભરાગના ફળમાં જીવ પુણ્ય બાંધીને સ્વર્ગમાં જાય તો ત્યાં સામગ્રીનો પાર


PDF/HTML Page 3343 of 4199
single page version

નથી, પણ સતૃષ્ણ રાગી જીવો ત્યાં બધા દુઃખી જ છે. ત્યાં જીવને રાગ થાય તે કાંઈ સામગ્રીને લઈને નથી પણ પોતાના કારણે થાય છે. બહારમાં સામગ્રી પ્રતિકૂળ હોય તો જે દુઃખ થાય તે સામગ્રીને લઈને નથી પણ પોતાના રાગ-દ્વેષના પરિણામનું ફળ જે દુઃખ તે પોતાને પોતાથી થાય છે અને તેનો ભોક્તા જીવ પોતે છે.

જીવને જે રાગના પરિણામ થાય એમાં જીવ અનન્ય છે કેમકે રાગના પરિણામ અને આત્માને એકદ્રવ્યપણું છે. તેવી રીતે તેને રાગનું ફળ જે દુઃખ આવે તેનાથી પણ જીવ અનન્ય છે, તન્મય છે, કેમકે દુઃખ-પરિણામને અને આત્માને એકદ્રવ્યપણું છે. માટે, કહે છે, પરિણામ-પરિણામીભાવથી ત્યાં જ કર્તાકર્મપણું અને ભોક્તા-ભોગ્યપણું હોવાનો નિશ્ચય છે.

એક બાજુ કહે કે-શુભરાગ છે તે જીવના પરિણામ જીવથી અનન્ય છે અને વળી બીજી બાજુ કહે કે-શુભરાગ છે તે પુદ્ગલના પરિણામ છે, જીવથી અન્ય છે. હવે આમાં સમજવું શું?

સમાધાનઃ– ભાઈ! જ્યાં જે અપેક્ષાએ વાત હોય તેને તે રીતે યથાર્થ સમજવી જોઈએ. શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ રાગના પરિણામને અન્ય કહ્યા છે, કેમકે સ્વભાવ ને સ્વભાવની દ્રષ્ટિમાં રાગ નથી; વળી પુદ્ગલકર્મના નિમિત્તે રાગ ઉત્પન્ન થાય છે તેથી તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે.

પરંતુ અજ્ઞાની જીવને અનાદિથી સ્વભાવનું ભાન નથી, ને પર્યાયમાં જે રાગ થાય છે તેને કર્મજન્ય માને છે. તેને કહ્યું કે રાગ છે તે તારી પર્યાયમાં થાય છે અને તે પર્યાય તારાથી અનન્ય છે માટે તું એનો કર્તા છો, કોઈ પર એનો કર્તા નથી. પર્યાયમાં અજ્ઞાનીને જે મિથ્યાત્વાદિ પરિણામ થાય તે તેનાથી અનન્ય છે, જુદા નથી. પરદ્રવ્યના પરિણામ જેમ જીવથી અત્યંત ભિન્ન છે તેમ રાગાદિ પરિણામ જીવથી ભિન્ન નથી. તેથી જીવ પોતાના (અજ્ઞાનમય) ભાવનો કર્તા ને પોતાના ભાવનો ભોક્તા છે એ નિશ્ચય છે. આવી વાત છે. સમજાણું કાંઈ....? અહા! આમ સમજીને જીવ જ્યારે અંતઃસ્વભાવની સન્મુખ થાય ત્યારે તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૧૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘ननु परिणामः एव किल विनिश्चयतः कर्म’ ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે, અને ‘सः परिणामिनः एव भवेत्, अपरस्य न भवति’ પરિણામ પોતાના


PDF/HTML Page 3344 of 4199
single page version

આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ (કારણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો);...........

આ શું કીધું? કે રાગ-દ્વેષ-મોહના પરિણામ છે તે નિશ્ચયથી જીવનું કર્મ છે કારણ કે પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ. આ શરીરનું હાલવું-ચાલવું થાય, ભાષા બોલાય-તે પરિણામ છે અને તે નિશ્ચયથી પુદ્ગલ પરમાણુઓનું કર્મ છે; તે જીવનું કાર્ય નથી, જીવથી થયેલું નથી.

જો એમ છે તો મડદું કેમ બોલતું નથી? અરે ભાઈ! તું પૂછે છે કે મડદું કેમ બોલતું નથી? તો અમે પૂછીએ છીએ કે જીવ ક્યાં બોલે છે? જીવ બોલતો નથી, મડદું પણ બોલતું નથી. તો આ ભાષા કેવી રીતે થાય છે? આ ભાષા બોલાય છે એ તો બાપુ! જડ ભાષાવર્ગણાનું કાર્ય છે. ભાષાવર્ગણા ભાષારૂપે પરિણમી જાય છે; તેમાં શરીરનાં હોઠ, જીભ આદિ તથા જીવનો વિકલ્પ નિમિત્ત હો, પણ તે જીવનું કે શરીરનું કાર્ય નથી; ભાષા બોલાય એ ભાષાવર્ગણાનું જ કાર્ય છે. મડદાના પ્રસંગમાં ભાષા બોલાય એવી ભાષાવર્ગણાની ત્યાં યોગ્યતા જ હોતી નથી અને તેથી ભાષા પણ બોલાતી નથી. ભાષા બોલાય કે ન બોલાય, મડદું હલે કે ન હલે-તે તે કાર્યનો કર્તા તે તે પુદ્ગલો છે, બીજો (-જીવ) તેનો કર્તા નથી. આવી વાત! સમજાય છે કાંઈ...?

અહીં કહે છે-ખરેખર પરિણામ એટલે જે પર્યાય છે તે જ નિશ્ચયથી કર્મ છે. જીવને જે વિકારના પરિણામ થાય તે જ જીવનું કર્મ છે. અહીં અજ્ઞાનીની વાત છે. પરના પરિણામ થાય તે જીવનું કર્મ નથી એમ પરથી ભિન્ન પાડી પરનું કર્તાપણું જે માન્યું છે તે મટાડવાની આ વાત છે.

અહાહા...! કહે છે-પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ. રાગદ્વેષ આદિ પરિણામ જે થાય તે તેના આશ્રયભૂત પરિણામી દ્રવ્ય આત્માના જ પરિણામ છે, અન્યના નહિ. વિકારના પરિણામ થાય તે પોતાના જ આશ્રયભૂત પરિણામ છે. લ્યો આવું!

એક બાજુ એમ કહે કે પરના આશ્રયે જ (સ્વના આશ્રયે નહિ) જીવને વિકાર થાય છે; ગાથા ૨૭૨ માં આવે છે કે-પરાશ્રિતો વ્યવહાર;, સ્વાશ્રિતો નિશ્ચયઃ’; અને વળી અહીં કહે છે-વિકાર થાય તે આશ્રયભૂત પરિણામી આત્માના જ પરિણામ છે. આ તે કેવી વાત!

ભાઈ! એ તો રાગ થવાના કાળે જીવનું લક્ષ પર ઉપર જાય છે અર્થાત્ તેને પરસન્મુખતા હોય છે એટલે (સન્મુખતાના અર્થમાં) પરના આશ્રયે રાગ-વિકાર


PDF/HTML Page 3345 of 4199
single page version

થાય છે એમ ત્યાં કહ્યું છે; રાગ થવાના કાળે સ્વસન્મુખતા નથી; બાકી રાગના પરિણામ જે થાય છે તે તો પરિણામી જીવના આશ્રયે થાય છે અર્થાત્ તે પરિણામ જીવની (પર્યાયની) સત્તામાં થાય છે, પરની સત્તામાં થતા નથી એમ અહીં કહેવું છે. વિકાર પરને આશ્રયે થાય છે એમ કહ્યું ત્યાં ‘પરનો આશ્રય’ એટલે પરસન્મુખતા સમજવી; અને વિકાર પરિણામી એવા આત્માના આશ્રયભૂત છે એમ કહ્યું ત્યાં વિકાર આત્માની સત્તામાં થાય છે, પરની સત્તામાં નહિ એમ સમજવું. અહીં કહ્યું ને કે–‘सः परिणामिनः एव भवेत्, अपरस्य न भवति’ પુણ્ય-પાપ આદિ ભાવ પરિણામી એવા જીવના આશ્રયે અર્થાત્ જીવની સત્તામાં થાય છે, તે પરિણામ પરથી વા પરની સત્તામાં થતા નથી.

અહીં તો પરિણામ આત્મામાં આત્માથી જ થાય છે એમ સિદ્ધ કરવું છે. પરિણામ કહેતાં વર્તમાન પર્યાય તે પરિણામી વસ્તુ-દ્રવ્યના આશ્રયે જ થાય છે. પરિણામનો આશ્રય પરિણામી જ છે, અન્ય નહિ; પરિણામને અન્યદ્રવ્ય કરે એમ નહિ. આવી વાત! અહો! કેવળીના કેડાયતીઓ એવા દિગંબર સંતોએ કેવળીના મારગને યથાતથ્ય પ્રસિદ્ધ કરીને જગતને ન્યાલ કરી દીધું છે. આ દુકાને બેઠો હોય ને હું ખૂબ પૈસા કમાઉં એમ વેપારી તૃષ્ણા કરે ને? એ તૃષ્ણાના પરિણામ, અહીં કહે છે, પરિણામી જીવના (વેપારીના) આશ્રયભૂત છે અર્થાત્ જીવ જ એનો કર્તા છે, અન્ય (કર્મ) નહિ; તથા તે કાળમાં પૈસા- ધૂળ જે આવે તે, તે તે પુદ્ગલ-રજકણોનું કાર્ય છે, જીવનું (વેપારીનું) નહિ. અહો! પરનું હું કરી શકું છું એવો અજ્ઞાનીનો મિથ્યા અભિપ્રાય મટાડનારો આ ગજબનો સિદ્ધાંત સંતોએ જાહેર કર્યો છે.

કહે છે-ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે, અને પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ. ગજબ વાત છે ભાઈ! અહીં તો કહે છે-કોઈ દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યમાં પ્રવેશ કરતું જ નથી તો તે બીજાનું કર્મ કઈ રીતે કરે? માટે પરિણામીનું જ પરિણામ છે. એમ તો પરિણામ પરિણામનું છે, પરિણામીનું નહિ. ખરેખર તો પરિણામનો કર્તા પરિણામ પોતે છે, દ્રવ્ય તેનું કર્તા નથી. પણ અહીં તો પરદ્રવ્યથી ભિન્ન લેવું છે ને? તો કહ્યું કે-પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ; કારણ કે અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો અર્થાત્ અન્યના પરિણામ અન્યદ્રવ્યની સત્તામાં થતા નથી; અર્થાત્ અન્યદ્રવ્યના પરિણામમાં અન્યદ્રવ્ય પ્રવેશતું નથી. આવી વાત! સમજાય છે કાંઈ.....?

હવે કહે છે- ‘इह कर्म कर्तृशून्यम् न भवति’ વળી કર્મ કર્તા વિના હોતું નથી, ‘च वस्तुनः एकतया स्थितिः इह न’ તેમ જ વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્


PDF/HTML Page 3346 of 4199
single page version

કૂટસ્થ સ્થિતિ હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત છે) ; ‘ततः तद् एव कर्तृ भवतु’ માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે (-એ નિશ્ચય-સિદ્ધાંત છે).

અહા! આ કળશમાં કેટલા સિદ્ધાંત ગોઠવ્યા છે? ૧. ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે; ૨. અને પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ; ૩. વળી કર્મ કર્તા વિના હોતું નથી; ૪. તેમ જ વસ્તુની એકરૂપે સ્થિતિ હોતી નથી; પ. માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે એ નિશ્ચય-

સિદ્ધાંત છે.

ભાઈ! આમાં તો ‘અહં કરોમિ’ હું (પરનું) કરું છું એવા અહંકારને મારી નાખે એવું છે. જુઓ, આ લાકડી આમ ઊંચી થઈ ને? એ લાકડી ઊંચી થઈ તે પરિણામ છે અને તે પરિણામ તેના આશ્રયભૂત પરિણામીનું-પુદ્ગલપરમાણુઓનું જ છે, અન્યનું નહિ. વળી તે પરિણામ અર્થાત્ કર્મ કર્તા વિના કેમ હોય? ન હોય. પહેલાં (લાકડી) એક અવસ્થારૂપ હતી તે હવે બદલીને ઊંચી થવારૂપ થઈ તે તેનો કાળ છે, તે એની વર્તમાન યોગ્યતા છે. કાંઈ આ જીવે કે આંગળીઓએ તેને ઊંચી કરી છે એમ નથી. વસ્તુ અજબ છે ભાઈ! પ્રતિસમય પલટીને કાયમ રહે એવો વસ્તુનો સહજ સ્વભાવ છે. અહીં કહ્યું ને કે-વસ્તુની એકરૂપે સ્થિતિ હોતી નથી. માટે આ લાકડીના પરમાણુઓ જ તેના ઊંચા થવારૂપ કર્મના કર્તા છે એ નિશ્ચય છે. હવે આવી વાત બીજે શ્વેતાંબરાદિમાં કયાં છે?

એક શ્વેતાંબર સાધુ લીંબડીમાં અમારી સાથે ચર્ચા કરવા આવ્યા. કહે કે-આપણે ચર્ચા કરીએ. ત્યારે કહ્યું કે-અમે કોઈ સાથે ચર્ચા (અર્થાત્ વાદ) કરતા નથી. ત્યારે એ કહે-તો લોકો શું માનશે? (એમ કે તમે આવા મોટા વિદ્વાન-જ્ઞાની ને ચર્ચાથી ડરી ગયા?) તો કહ્યું કે-લોકોને માનવું હોય તે માને, અમારે એનાથી શું કામ છે? કહેશે કે ચર્ચા ન આવડી, બસ એ જ ને? આમ પંદર વીસ મિનિટ ગઈ પછી એ કહે-

જુઓ, આ ચશ્મા વિના કાંઈ દેખાય ખરું? ત્યારે કહ્યું કે-ચર્ચા (પૂરી) થઈ ગઈ. અહાહા....! આવો પ્રશ્ન કે-શું ચશ્મા વિના દેખે? દેખવાનું કામ આત્માનું ને ચશ્માથી દેખે, હેં! ! બાપુ! એમ નથી ભાઈ! અહીં કહે છે-


PDF/HTML Page 3347 of 4199
single page version

-જે દેખવાનું થયું તે પરિણામ છે અને તે જ નિશ્ચયથી કર્મ છે. -તે દેખવાના પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીના-જીવના જ છે, અન્યના

નહિ, ચશ્માંના નહિ કે કર્મના પણ નહિ.

-પણ એ દેખવારૂપ કર્મ કર્તા વિના કેમ હોય? ન હોય. તો એનો કર્તા કોણ? સાંભળ ભાઈ! જરા ધીરજથી સાંભળ. -પહેલાં અન્ય વિચારરૂપ દશા હતી ને હવે દેખવારૂપ વિલક્ષણ અવસ્થા થઈ તે તે

અવસ્થાનો કાળ છે, તે તેની વર્તમાન યોગ્યતા છે. એ અવસ્થા કાંઈ ચશ્માંએ
કરી છે કે જડ કર્મે કરી છે એમ છે જ નહિ. ચશ્માં તો તે અવસ્થાને (દેખવારૂપ
દશાને) અડતાંય નથી. અહાહા...! વસ્તુનો પોતે કાયમ રહીને પ્રતિસમય
પલટવાનો સહજ જ સ્વભાવ છે. કહ્યું ને કે-વસ્તુની (-પર્યાયની) સદા એકરૂપ
સ્થિતિ હોતી નથી.

-માટે આ નિશ્ચય છે કે જીવ પોતે જ પોતાના દેખવાના પરિણામરૂપ કર્મનો કર્તા

છે, એનો કર્તા ચશ્માંય નથી કે જડ કર્મેય નથી. ચશ્માં ને કર્મ તો દેખવાના
કાળે નિમિત્તમાત્ર છે. આવી વાત છે. સમજાણું કાંઈ...? નિમિત્તને લઈને દેખવું
થાય છે એમ માને એ તો મિથ્યાત્વ છે.

અહાહા...! વસ્તુ સહજ જ દ્રવ્ય-પર્યાયરૂપ છે. તેમાં દ્રવ્ય તો નિત્ય એકરૂપ છે, પણ પર્યાય તો ક્ષણેક્ષણેપલટે છે. દરેક સમયે એક અવસ્થા બદલીને બીજી થાય છે એ વસ્તુનો સ્વભાવ છે. હવે વસ્તુની અવસ્થા બીજી-બીજી થાય છે, વિલક્ષણ થાય છે, ત્યાં નિમિત્ત આવ્યું માટે તે પર્યાય થાય છે એમ નથી. વસ્તુની અવસ્થા પલટે છે તે કાંઈ નિમિત્તને લઈને પલટે છે એમ નથી, બલ્કે અવસ્થાનું પલટવું તે તેનો સહજ સ્વભાવ છે. વસ્તુની ભિન્ન ભિન્ન અવસ્થાઓ જે થાય છે તે વસ્તુના જ કાર્યભૂત છે, વસ્તુ જ તે તે અવસ્થાઓની કર્તા છે.

ભાઈ! ધર્મ કેમ થાય એની આ વાત છે. લોકોએ બિચારાઓને આ કદીય સાંભળવા મળ્‌યું ન હોય એટલે બીજી રીતે માને અને દાન, શીલ, તપ, ઇત્યાદિ બહારમાં કરવા મંડી પડે, પણ એ તો બધો રાગ બાપુ! એનાથી ધર્મ ન થાય, એનાથી જો કષાયની મંદતા હોય તો, પુણ્યબંધ થાય અને એને ભલો જાણે તો મિથ્યાત્વ જ થાય.

તો ચાર પ્રકારે ધર્મ કહ્યો છે ને? દાન, શીલ, તપ, બ્રહ્મચર્ય -એમ ચાર પ્રકાર ધર્મના કહ્યા છે ને?


PDF/HTML Page 3348 of 4199
single page version

હા, કહ્યા છે; પણ તે આ પ્રમાણે છે હોં;-

પોતાના ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભગવાનની દ્રષ્ટિ કરવાથી જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે પર્યાયનું પોતાને દાન દેવું તે વાસ્તવિક દાન છે અને તે ધર્મ છે અને તેનો પોતે જ કર્તા છે.

પોતાનો શીલ નામ સ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેમાં જ અંતરરમણતાં કરતાં જે નિર્મળ રત્નત્રય પ્રગટ થાય તે શીલ નામ ચારિત્ર છે અને તે જ ધર્મ છે.

અહાહા...! પોતે બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં એકાગ્ર થઈ ચરવું-રમવું તે બ્રહ્મચર્ય છે અને તે યથાર્થમાં ધર્મ છે.

સચ્ચિદાનંદમય આત્મા પોતે-તેમાં લીન થઈ પ્રતાપવંત રહેવું તેનું નામ ઇચ્છાના અભાવરૂપ તપ છે અને તે સત્યાર્થ ધર્મ છે. ભાઈ! આવું ધર્મનું સ્વરૂપ છે. ધર્મી પુરુષને બહારમાં સાથે સાથે દાન, શીલ, તપ, બ્રહ્મચર્યનો રાગ થતો હોય છે, તેને સહકારી જાણી ઉપચારથી એને ધર્મ કહીએ છીએ; પરંતુ એવો રાગ નિશ્ચયથી ધર્મ છે, વા તે કરતાં કરતાં ધર્મ થાય છે એવું ધર્મનું સત્યાર્થ સ્વરૂપ નથી. સમજાણું કાંઈ....?

અહીં કહે છે-વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે એ નિશ્ચય- સિદ્ધાંત છે; પરદ્રવ્યનું કર્તા પરદ્રવ્ય ત્રણકાળમાં નથી. પરદ્રવ્યનો કર્તા આત્મા ત્રણકાળમાં નથી. આ મૂળ વાત છે.

*

હવે આગળની ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૧૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘स्वयं स्फुटत्–अनंत–शक्तिः’ જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે એવી વસ્તુ ‘बहिः यद्यपि लुठति’ અન્ય વસ્તુની બહાર જો કે લોટે છે ‘तथापि अन्य–वस्तु अपर वस्तुनः अन्तरम् न विशति’ તોપણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી; ‘यतः सकलम् एव वस्तु स्वभावनियतम् इष्यते’ કારણ કે સમસ્ત વસ્તુઓ પોત- પોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે.

અહાહા....! શું કહે છે? કે દરેક આત્મા ને પરમાણુ-પરમાણુ અનંત શક્તિથી પ્રકાશમાન છે. ભાઈ! આ આત્માની જેમ છએ દ્રવ્યો-પ્રત્યેક અનંત શક્તિથી પ્રકાશમાન છે. અહાહા.....! આવી વસ્તુ, કહે છે, જો કે અન્ય વસ્તુની બહાર લોટે છે


PDF/HTML Page 3349 of 4199
single page version

તોપણ અન્ય વસ્તુમાં પ્રવેશતી નથી. શું કીધું? દ્રવ્યમાં-વસ્તુમાં અનંત શક્તિઓ છે તોપણ એમાં કોઈ શક્તિ એવી નથી કે પરવસ્તુમાં પ્રવેશીને પરને કરે, પરને બદલે.

આ છરીથી આમ શાક કપાય છે ને? અહીં કહે છે-એ શાકના ટુકડા છરીથી થયા નથી. અહાહા....! છરીના રજકણોની પોતાની પોતામાં અનંત શક્તિ છે, પણ શાકને કાપે એવી છરીની શક્તિ નથી. વાસ્તવમાં છરી તો શાકની બહાર જ લોટે છે; છરી ક્યાં શાકમાં પ્રવેશે છે કે શાકને કાપે? આવી વાત! ભાઈ! આ તો એકલું અમૃત છે બાપા!

અહાહા....! વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. તેની પર્યાય નામ અવસ્થા બદલીને ક્ષણેક્ષણે બીજી-બીજી થાય છે. ત્યાં કહે છે, સંયોગી બીજી ચીજ (નિમિત્ત) આવી માટે તે અવસ્થા (વિલક્ષણપણે) બદલે છે એમ નથી, કેમકે બીજી ચીજ તો વસ્તુની બહાર લોટે છે, વસ્તુમાં પ્રવેશતી જ નથી. બીજી-બીજી અવસ્થાએ પલટવું એ વસ્તુનો સહજ જ સ્વભાવ છે. આ ચટાઈ છે ને? ચટાઈ.. ચટાઈ; તે આમ બળે છે; ત્યાં કહે છે, અગ્નિકણને લઈને બળે છે એમ નથી. અહા! અગ્નિના પરમાણુ પોતામાં રહેલી અનંત શક્તિથી સંપન્ન છે, પણ તેમાં પરદ્રવ્યની-ચટાઈની (બળવારૂપ) અવસ્થા કરે એવી કોઈ શક્તિ નથી; કેમકે તેઓ પરદ્રવ્યમાં-ચટાઈમાં પ્રવેશતા નથી, બહાર જ લોટે છે. આવી ઝીણી વાત ભાઈ!

પરજીવોની દયા પાળવી તે ધર્મ એમ કહે છે ને? અહીં કહે છે-ભાઈ! તું પરજીવને બચાવી શકતો જ નથી. પોતે તો બહાર બેઠો છે, સામા જીવના આયુની પર્યાયમાં કે તેના આત્માની પર્યાયમાં પ્રવેશ કરતો નથી-કરી શકતો નથી તો બીજા જીવને શી રીતે બચાવી શકે? પર જીવ બચે છે એ તો તેની તે તે કાળની યોગ્યતા છે. અહા! આવું જૈન પરમેશ્વરે કહેલું તત્ત્વ બહુ ગંભીર છે ભાઈ! આ તો રોજના દાખલા કીધા.

મૂળ વાત તો આ છે કે- જીવને જે વિકાર-રાગ થાય છે તે કર્મ કરાવે છે એમ નથી. મોહનીય કર્મના ઉદયને લઈને જીવને વિકાર થાય છે એમ નથી. કેટલાક વિપરીત માને છે પણ જડકર્મ કર્તા ને જીવનો વિકાર કાર્ય એમ નથી બાપુ! કેમકે ઉદયમાં આવેલું જડ કર્મ તો જીવની બહાર જ લોટે છે, તે જીવમાં પેસી શકતું જ નથી. શું કીધું? જડ કર્મમાં એની અનંત શક્તિ ભલે હો, પણ જીવમાં પેસીને એના વિકારને કરે એવી એનામાં કોઈ શક્તિ નથી. અહાહા....! જીવને અડે જ નહિ એ જીવની પર્યાયને કેવી રીતે કરે? અહા! વિકાર અને જડ કર્મ વચ્ચે તો અત્યંતાભાવ છે; તો પછી જડકર્મનો ઉદય જીવના વિકારને કેવી રીતે કરે? ત્રણકાળમાં ન કરે. સમજાણું કાંઈ...?


PDF/HTML Page 3350 of 4199
single page version

તો શાસ્ત્રમાં તો એમ આવે છે કે બે કારણથી કાર્ય થાય છે? હા, આવે છે; તેમાં એક ઉપાદાનકારણ છે. તે વસ્તુની નિજશક્તિરૂપ છે અને તે વાસ્તવિક કારણ છે. જોડે બીજું નિમિત્તકારણ છે; તે પરવસ્તુ-બીજી ચીજ છે, તે યથાર્થ કારણ નથી પણ આરોપિત કારણ છે. ભાઈ! નિમિત્ત છે એ તો ઉપાદાનની બહાર ફરે છે, તે ઉપાદાનમાં શું કરે? કાંઈ ન કરે. નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ થતું નથી. માટે કર્મના ઉદયથી વિકાર થાય છે એમ કેટલાક માને છે તે સત્યાર્થ નથી.

જુઓ, સમયસારની ત્રીજી ગાથામાં આવે છેઃ- કેવા છે પદાર્થો? કે પ્રત્યેક પદાર્થ પોતામાં અંતર્મગ્ન રહેલ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયોને ચુંબે છે, તથાપિ તેઓ પરસ્પર એકબીજાને ચુંબતા નથી-સ્પર્શતા નથી. આ ભગવાનની વાણી છે. ‘ભગવાનની વાણી’ એ તો એમ નિમિત્તથી કહેવાય, બાકી વાણી તો વાણીની છે, ભગવાન તો એને સ્પર્શતાય નથી. વળી વાણી સાંભળીને કોઈને અંતઃજાગૃતિ થતાં જ્ઞાન થયું તો તે કાંઈ વાણીથી થયું છે એમ નથી. જ્ઞાનની પર્યાયથી વાણીની પર્યાય તો બહાર લોટે છે; ત્યાં વાણી જ્ઞાનને કેમ કરે? ભાઈ! દ્રવ્યમાં સમયે સમયે જે જે પર્યાય થાય છે તે તેની જન્મક્ષણ છે, જોડે નિમિત્ત છે માટે તે પર્યાય થાય છે એમ છે જ નહિ, કારણ કે નિમિત્ત છે તે બહાર જ લોટે છે, ઉપાદાનને અડતું જ નથી.

ત્યારે કોઈ વળી કહે છે-પાણી અગ્નિથી ઉનું થાય છે એમ અમને પ્રત્યક્ષ દેખાય છે. જો અગ્નિથી પાણી ઉનું ન થતું હોય તો અગ્નિ ન હોય ત્યારે પણ તે ઉનું થવું જોઈએ ને?

સમાધાનઃ– પ્રત્યક્ષ શું દેખાય છે? એ તો સંયોગદ્રષ્ટિથી તું જુએ છે તો એમ દેખાય છે, પણ એ (-એમ માનવું એ) તો અજ્ઞાન છે; કેમકે અગ્નિના કણો પાણીને અડતા જ નથી, પાણીની બહાર જ ફરે છે. છે ને કળશમાં – ‘बहिः लुठति’ ? છે કે નહિ? અરે ભાઈ! અગ્નિ અગ્નિમાં ને પાણી પાણીમાં -બન્ને ભિન્ન ભિન્ન પોત પોતામાં અવસ્થિત રહેલાં છે. હવે આવું છે ત્યાં અગ્નિ પાણીને ઉનું કેવી રીતે કરે? લ્યો, આવું ઝીણું! તત્ત્વનો વિષય બહુ ઝીણો છે ભાઈ! અજ્ઞાનીને સ્થૂળદ્રષ્ટિમાં નિમિત્તાધીનદ્રષ્ટિમાં આ બેસવું બહુ કઠણ છે.

અજ્ઞાનીએ જ્યાં હોય ત્યાં ‘નિમિત્તથી થાય’ એમ માંડી છે, પણ અહીં કહે છે- અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી. અગ્નિ પાણીમાં પ્રવેશતી નથી. આવી વાત! પાણીની શીતળ અવસ્થા હો કે ઉષ્ણ, તે તે અવસ્થામાં પાણીના પરમાણુઓ જ તે તે રૂપે (શીત-ઉષ્ણરૂપે) પરિણમે છે, બાહ્ય વસ્તુ તો તેમાં નિમિત્તમાત્ર જ છે, અનુકૂળમાત્ર જ છે, બસ. અગ્નિ છે માટે પાણી ઉનું થયું છે


PDF/HTML Page 3351 of 4199
single page version

એમ નથી અને અગ્નિ નથી માટે પાણી શીતળ છે એમેય નથી. પાણીની શીત અને ઉષ્ણ અવસ્થા એ તો પાણીની (પાણીના પરમાણુઓની) તે તે સમયની યોગ્યતા છે, જન્મક્ષણ છે. આવી ઝીણી વાત છે.

ભાઈ! તત્ત્વ જે રીતે છે તે રીતે ન માને તો દ્રષ્ટિ વિપરીત-મિથ્યા થશે. ઉપાદાન- નિમિત્ત સંબંધી બનારસીદાસ કહે છે ને કે-

‘ઉપાદાન બળ જહાં તહાં, નહિ નિમિત્તકો દાવ;
એક ચક્રસૌં રથ ચલૈ, રવિકો યહી સ્વભાવ.’

બાપુ! જડ અને ચેતનની જે જે અવસ્થાઓ થાય છે તે નિજ-નિજ ઉપાદાનના- યોગ્યતાના બળથી જ થાય છે, એમાં નિમિત્તનો કોઈ દાવ નથી, નિમિત્તનો એમાં કોઈ પ્રભાવ નથી. આવી જ વસ્તુસ્થિતિ છે.

શાસ્ત્રમાં આવે છે કે-એક પરમાણુમાં બે ગુણ ચિકાશ હોય અને તે બીજા ચાર અંશ ચિકાશવાળા પરમાણુ સાથે જોડાય તો તે બે અંશવાળો પરમાણુ ચાર અંશ ચિકાશરૂપે પરિણમી જાય છે. આવો જ સહજ નિમિત્ત-નૈમિત્તિકભાવ બને છે. પણ ત્યાં ઓલો ચારઅંશવાળો પરમાણુ આ બે અંશવાળાને પરિણમાવી દે છે એમ નથી, કેમકે તે આમાં પ્રવેશતો નથી, બહાર જ લોટે છે, કારણ કે સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. આ વસ્તુની સ્થિતિ છે. તેને નહિ જાણીને અજ્ઞાનીઓ ભ્રમપૂર્વક ‘નિમિત્ત આવ્યું તો થયું ને ન આવ્યું માટે ન થયું’ -એમ એક અવસ્થાકાળે બીજી અવસ્થાની કલ્પના કરીને પોતાના વિપરીત-મિથ્યા અભિપ્રાયને દ્રઢ કર્યા કરે છે, પણ બાપુ! એનાં ફળ બહુ આકરાં આવશે ભાઈ!

આચાર્યદેવ બહુ કરુણાથી કહે છે કે- ‘इह’ આમ હોવા છતાં, ‘मोहितः’ મોહિત જીવ, ‘स्वभाव–चलन–आकुलः’ પોતાના સ્વભાવથી ચલિત થઈને આકુળ થતો થકો, ‘किम् क्लिश्यते’ શા માટે કલેશ પામે છે?

અહાહા....! શું કહે છે? કે અન્ય વસ્તુ અન્ય વસ્તુમાં પ્રવેશતી નથી કેમકે સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. અહાહા...! આમ વસ્તુસ્થિતિ હોવા છતાં, આચાર્ય કહે છે, મોહિત જીવ પોતાના સ્વભાવથી ચ્યુત થઈને આકુળ થતો થકો શા માટે કલેશ પામે છે? એમ કે- કર્મથી થાય, નિમિત્તથી થાય -એમ ભ્રમ સેવીને નિમિત્તાધીન- કર્માધીન પરિણમતો થકો ચતુર્ગતિરૂપ સંસારમાં કેમ પરિભ્રમે છે? આચાર્યદેવના આ ખેદ અને કરુણાના ઉદ્ગાર છે.


PDF/HTML Page 3352 of 4199
single page version

* કળશ ૨૧૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘વસ્તુસ્વભાવ તો નિયમરૂપે એવો છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે નહિ. આમ હોવા છતાં, આ મોહી પ્રાણી “પરજ્ઞેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે” એમ માનીને, કલેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે.’

જુઓ, આ ચોકખી વાત કરી છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે નહિ એવો વસ્તુસ્વભાવ છે. અહાહા...! શું કીધું? કે જગતમાં અનંતા દ્રવ્યો છે. તેઓ પરસ્પર ભિન્ન ભિન્ન છે, કોઈ કોઈમાં પ્રવેશતાં નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યોથી બહાર જ લોટે છે. આવો વસ્તુ-સ્વભાવ છે. માટે કોઈ એક દ્રવ્ય અન્યદ્રવ્યનું કાર્ય કરતું નથી. આ મહાસિદ્ધાંત છે.

અજ્ઞાનીને બહારમાં નિમિત્ત દેખીને ભ્રમણા થાય છે. એમ કે ગુરુની વાણી સાંભળવાથી જ્ઞાન થાય છે; પણ બાપુ! એમ નથી. સમાધિશતકમાં (શ્લોક ૭પમાં) આવે છે કે પરમાર્થે આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ નહિ. પોતે જ પોતાને સમજાવે છે અને પોતે જ પોતાના હિતરૂપ પોતાને પ્રયોજે છે માટે પોતે જ ગુરુ છે. વાસ્તવમાં (અન્ય) ગુરુની વાણીની પર્યાય તો શિષ્યના જ્ઞાનને સ્પર્શતીય નથી. માટે વાણી સાંભળવાથી જ્ઞાન થયું છે એમ છે નહિ. ભાઈ! આવું યથાર્થ માન્યા વિના દ્રષ્ટિ પરથી ખસીને દ્રવ્ય ઉપર કેમ જાય? અને દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ પર આવ્યા વિના સમ્યગ્દર્શન કેવી રીતે થાય? ન થાય. અહાહા...! ધ્રુવને ધ્યેય બનાવી ધગશથી ધ્યાનની ધૂણી ધખાવ્યા વિના કદીય ધર્મ ન થાય. અહા! મારી પર્યાય પરથી થાય ને પરની પર્યાય મારાથી થાય એમ માનનાર તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. આવી વાત છે.

અહીં કહે છે-કોઈ વસ્તુ કોઈ વસ્તુમાં મળે નહિ એ અચલિત નિયમ છે; છતાં મોહી જીવ પરજ્ઞેયો સાથે મારે પારમાર્થિક સંબંધ છે એમ માનીને કલેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે.

જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્ર સાથે કે સ્ત્રી-પુત્ર-પરિવાર સાથે મારે પારમાર્થિક સંબંધ છે એવું માનનારા મૂઢ મોહી જીવ છે. ભાઈ! દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ તો બધા પરજ્ઞેય છે, જ્ઞાનથી ભિન્ન છે. અહીં જીવની જ્ઞાનની અવસ્થા થાય તે કાળે જિનબિંબ કે જિનવાણી બાહ્ય નિમિત્ત હો, પણ તે જિનબિંબ કે જિન-વાણી જ્ઞાનની પર્યાયમાં પ્રવેશ કરી જ્ઞાનને કરે છે એમ નથી. જિનબિંબ કે જિન-વાણી તો જ્ઞાનને અડતાં સુદ્ધાં નથી, તેઓ જ્ઞાનથી બહાર જ રહે છે. માટે દેવ-ગુરુ-શાસ્ત્રથી જ્ઞાન થાય છે એમ છે નહિ. વાસ્તવમાં પરજ્ઞેય સાથે આત્માને પારમાર્થિક સંબંધ નથી; એક સમય


PDF/HTML Page 3353 of 4199
single page version

પૂરતો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એ તો જાણવા માટે છે. ભાઈ! એક સમયની અવસ્થા અસહાયપણે પરના-નિમિત્તના કર્યા વિના જ સ્વતંત્ર થાય છે એમ જેને સ્વીકાર નથી તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યગુણને કેવી રીતે સ્વીકારશે? અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્યના સ્વીકાર વિના તેને અંતર્દ્રષ્ટિ કેમ થાય? ન થાય.

હા, પણ શ્રીમદે તો એમ કહ્યું છે કે-

ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત,
પામે નહિ પરમાર્થને રહે ભ્રાંતિમાં સ્થિતિ.

ભાઈ! એ તો ઉપાદાનના નામે જેને એકાંત નિશ્ચયાભાસ છે એની વાત છે, ઉપાદાનનું નામ લઈને, જે અંતર-એકાગ્રતા તો કરતો નથી અને ધર્મીને હોય છે એવાં બાહ્ય સાધનોને ઉથાપે છે એવા સ્વચ્છંદી જીવને, કહે છે, પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. હવે આમાં નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય છે એમ ક્યાં વાત છે? અહીં તો ધર્મીને હોય છે એવા બાહ્ય સાધનનો જે સર્વથા ઈન્કાર કરે છે એની વાત છે કે-એવો સ્વચ્છંદી જીવ મોક્ષમાર્ગને પામતો નથી.

ભાઈ! નિમિત્ત એક ચીજ છે ખરી; તેનો ઈન્કાર કરે તેય અજ્ઞાન છે અને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય છે એમ માને તેય ભ્રાન્તિ છે, અજ્ઞાન છે. સમજાણું કાંઈ....?

તો નિયમસારમાં તો એમ આવે છે કે-કાળદ્રવ્ય વિના દ્રવ્યોમાં પરિણમન ન થાય-આ કેવી રીતે છે?

સમાધાનઃ– બાપુ! એ તો ત્યાં કાળદ્રવ્ય (નિમિત્ત) સિદ્ધ કરવું છે, દ્રવ્યોનું પરિણમન સિદ્ધ કરવું નથી. દ્રવ્યોમાં પ્રતિસમય પર્યાયરૂપ પરિણમન થાય એ તો એનો સહજ સ્વભાવ છે, કાંઈ કાળદ્રવ્યના કારણે પરિણમન થાય છે એમ નથી. હા, પણ કાળદ્રવ્ય તેમના પરિણમનમાં નિમિત્ત છે, તો નિમિત્તને હેતુ બનાવી ત્યાં કાળદ્રવ્ય સિદ્ધ કર્યું છે. બસ આટલી વાત છે. બાકી પરજ્ઞેય સાથે જે પોતાનો પારમાર્થિક સંબંધ માને છે તે ભ્રાન્ત મોહી જીવ છે અને તે જગતમાં વૃથા કલેશને જ પામે છે. આવી વાત છે.

*

ફરી આગળની ગાથાઓની સૂચનારૂપે બીજું કાવ્ય કહે છેઃ-


PDF/HTML Page 3354 of 4199
single page version

* કળશ ૨૧૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इह च’ આ લોકમાં ‘येन एकम् वस्तु अन्यवस्तुनः न’ એક વસ્તુ અન્યવસ્તુની નથી, ‘तेन खलु वस्तु तत् वस्तु’ તેથી ખરેખર વસ્તુ છે તે વસ્તુ જ છે- ‘अयम् निश्चयः’ એ નિશ્ચય છે.......

‘આ લોકમાં એક વસ્તુ અન્યવસ્તુની નથી. શું કીધું આ? કે જગતમાં અનંતા વસ્તુ નામ દ્રવ્યો છે, અનંત આત્મા અને અનંતાનંત પુદ્ગલ પરમાણુઓ ઇત્યાદિ છે. અહીં કહે છે-

-એક આત્મા બીજા આત્માનો નથી, -એક આત્મા (અન્ય) જડ પરમાણુનો નથી, -એક પરમાણુ અન્ય પરમાણુનો નથી અને -એક પરમાણુ (અન્ય) આત્માનો નથી. એટલે શું? કે-એક આત્મા બીજા આત્માનું કાંઈ કરતો નથી, -આત્મા જડ પરમાણુનું કાંઈ કરતો નથી, -જડ પરમાણુ અન્ય પરમાણુનું કાંઈ કરતો નથી અને -જડ પરમાણુ આત્માનું કાંઈ કરતો નથી. આવી વાત! પ્રવચનસાર, ગાથા ૧૦૨ માં આવે છે કે-પ્રત્યેક દ્રવ્યની પ્રતિસમય જે પર્યાય નવી નવી ઉત્પન્ન થાય છે તે તેની જન્મક્ષણ છે. એટલે શું? કે દ્રવ્યમાં જે કાળે જે પર્યાય ઉત્પન્ન થવાયોગ્ય હોય તે કાળે તે જ પર્યાય દ્રવ્યમાં પ્રગટ થાય છે; તેમાં અન્ય કોઈ કાંઈ ફેરફાર કરી શકે નહિ; અર્થાત્ અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ.

આત્માને ધર્મની દશા પામવાનો કાળ છે ત્યારે તે ધર્મ પામે છે, તે તેની જન્મક્ષણ છે. કાર્યનો પોતાનો સ્વકાળ છે અને ત્યારે તે સહજ જ પ્રગટ થાય છે, કોઈ પરને-નિમિત્તને લઈને થાય છે એમ નથી. આમ વાત તો સીધી-સાદી છે બાપુ! એનો ભાવ તો જે છે તે છે. એના ભાવને જાણ્યા વિના લોકો તો આંધળે-બહેરું કૂટે રાખે છે; એમ કે કર્મ-નિમિત્ત ન હોય તો ન થાય. પણ અહીં તો આ ચોકખું કહે છે કે વસ્તુ છે તે વસ્તુ જ છે; અર્થાત્ આત્મા વસ્તુ છે તેની પર્યાય થાય તે પોતાથી જ થાય, તે પર્યાયને બીજો કોઈ કરે એમ માનવું તે મોટો ભ્રમ છે. ભગવાન આત્મા પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી વિરાજમાન છે, તેમાં નવી નવી


PDF/HTML Page 3355 of 4199
single page version

અવસ્થા થવી તે વસ્તુનું સહજ જ છે, નિમિત્ત આવે તો કાર્ય થાય એમ છે જ નહિ.

જુઓ, અહીં શું કહે છે? કે આમ હોવાથી ‘कः अपरः’ કોઈ અન્ય વસ્તુ ‘अपरस्य बहिः लुठन् अपि हि’ અન્ય વસ્તુની બહાર લોટતાં છતાં ‘किं करोति’ તેને શું કરી શકે?

અહાહા...! વસ્તુ વસ્તુ જ છે, એક વસ્તુ બીજી વસ્તુ નથી; આમ હોવાથી કોઈ અન્ય વસ્તુ અન્ય વસ્તુની બહાર લોટતાં છતાં તેને શું કરી શકે? કાંઈ ના કરી શકે; માત્ર બહાર લોટે, બસ. શાસ્ત્રના શબ્દ સાંભળીને કોઈને જ્ઞાન થયું કે હું શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ છું તો ત્યાં જે જ્ઞાનની દશા થઈ તે પોતાની પોતાથી થઈ છે, તે તેનો ઉત્પત્તિકાળ છે; શાસ્ત્રના શબ્દોના કારણે તે થઈ છે એમ નથી; શાસ્ત્રના શબ્દો તો બહાર લોટે બસ, અર્થાત્ બાહ્ય નિમિત્તમાત્ર છે બસ. આવી વાત! સમજાણું કાંઈ...? ભાઈ! પરનું જ્ઞાન થવા કાળે પણ પરજ્ઞેયના કારણે જ્ઞાન થાય છે એમ નથી, જ્ઞાન તો જ્ઞાનના કારણે પોતાથી થાય છે, બલ્કે તે એની જન્મક્ષણ છે.

આમ શબ્દોના કારણે જ્ઞાન નહિ ને જ્ઞાનના-આત્માના કારણે શબ્દો નહિ. શું કીધું? આ ભાષા બોલાય છે ને? તે કાંઈ આત્માના વિકલ્પના કારણે બોલાય છે એમ નથી. આ હળવે બોલાય, તાણીને બોલાય એ ભાષાવર્ગણાની અવસ્થા છે, તે પર્યાય પુદ્ગલ-રજકણોનું કાર્ય છે, એ કાંઈ આત્માનું કાર્ય નથી. બાપુ! બોલે તે બીજો (- પુદ્ગલ), બોલે તે આત્મા નહિ. સમજાય છે કાંઈ...?

* કળશ ૨૧૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘વસ્તુનો સ્વભાવ એવો છે કે એક વસ્તુ અન્ય વસ્તુને પલટાવી ન શકે. જો એમ ન હોય તો વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે.’

જુઓ, આ વસ્તુનો સ્વભાવ કહ્યો. શું? કે- -એક આત્મા બીજા આત્માને પલટાવી ન શકે, -એક પરમાણુ બીજા આત્માને પલટાવી ન શકે, -એક પરમાણુ બીજા પરમાણુને પલટાવી ન શકે અને -એક આત્મા બીજા પરમાણુને પલટાવી ન શકે. ભાઈ! કુંભાર છે તે માટીને પલટાવીને ઘડો ન કરી શકે; અર્થાત્ ઘડો એ કુંભારનું કાર્ય નથી. માટી જ સ્વયં પલટીને ઘડો થઈ હોવાથી માટી કર્તા ને ઘડો તેનું કાર્ય છે. બાપુ! આત્મામાં અનંત શક્તિ છે, પણ પરનું કાર્ય કરે એવી એનામાં કોઈ શક્તિ નથી. આત્મામાં સર્વને જાણવાની શક્તિ છે; વ્યવહારરત્નત્રયના


PDF/HTML Page 3356 of 4199
single page version

રાગને જાણવાની આત્મામાં શક્તિ છે, પણ રાગને કરવાની આત્મામાં શક્તિ નથી. ભાઈ! દ્રવ્ય-ગુણ રાગના કર્તા નહિ જડકર્મ પણ રાગનું કર્તા નહિ; વિકાર-રાગ પોતાથી સ્વતંત્ર થાય છે. જો એમ ન હોય તો વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે.

જ્ઞાની ધર્માત્માને દયા, દાન આદિનો જે રાગ આવે તેને તે જાણે જ છે; તે જાણે છે એમ કહીએ એય વ્યવહાર છે કેમકે રાગ છે તે પરજ્ઞેય છે. ત્યાં આને જે રાગ સંબંધી જ્ઞાન થાય તે કાંઈ રાગને કારણે થાય છે એમ નથી. તે કાળે રાગને જાણવારૂપ પર્યાય તો સ્વયં પોતાથી પોતા વડે થાય છે, રાગ તો તેને અડતોય નથી, બહાર જ લોટે છે. ભાઈ! લોકાલોક છે માટે તેનું જ્ઞાન થાય છે એમ નથી. લોકાલોકને જાણનારી તે જ્ઞાનની પર્યાય પોતે પોતાથી થાય છે. લોકાલોકને કારણે નહિ. જો લોકાલોકને કારણે જ્ઞાન થાય તો બધાને થવું જોઈએ, પણ એમ છે નહિ; લોકાલોક તો બાપુ! બાહ્ય નિમિત્તમાત્ર છે, જ્ઞાન લોકાલોકને જાણે છે એમ કહીએ એ તો વ્યવહાર છે, વાસ્તવમાં જ્ઞાન જ્ઞાનની પર્યાયને જાણે છે ત્યાં લોકાલોક જણાઈ જાય છે. હવે આમ છે ત્યાં આત્મા પરને કરે ને રાગને કરે એ તો વાત જ ક્યાં રહે છે? અહીં તો કહે છે-

એક ચીજ જો બીજી ચીજને પલટાવે તો વસ્તુનું વસ્તુપણું જ ન રહે. માટે આ સિદ્ધાંત છે કે એક વસ્તુ અન્યને પરિણમાવી શકતી નથી. અગ્નિથી પાણી ઉનું થતું નથી, છરીથી શાક કપાતું નથી, બાઈ રોટલી કરતી નથી ઇત્યાદિ. હવે કહે છે-

‘આમ જ્યાં એક વસ્તુ અન્યને પરિણમાવી શકતી નથી ત્યાં એક વસ્તુએ અન્યને શું કર્યું? કાંઈ ન કર્યું.

લ્યો, કહે છે- નિમિત્તે શું કર્યું? કાંઈ ન કર્યું; કેમકે નિમિત્ત ઉપાદાનને પલટાવી શકતું નથી. અહાહા...! આ આંખ છે તે આંખને લઈને શું આત્મા જાણે છે? આત્માની જાણવાની પર્યાય શું આંખને કારણે છે? ના, એમ નથી ભાઈ! આંખ તો બાહ્ય નિમિત્તમાત્ર પરવસ્તુ છે. આંખથી દેખાય છે ને કાનથી સંભળાય છે ઇત્યાદિ માનવું એ તો મિથ્યા છે, કેમકે જડ આંખ, કાન આદિ જ્ઞાન-દર્શનરૂપ ચેતનની દશાને કેમ કરે? જડ વસ્તુ ચેતનને કેમ પલટાવે? એ જ કહે છે-

‘ચેતન-વસ્તુ સાથે એકક્ષેત્રાવગાહરૂપે પુદ્ગલો રહેલાં છે તોપણ ચેતનને જડ કરીને પોતારૂપે તો પરિણમાવી શક્યાં નહિ; તો પછી પુદ્ગલે ચેતનને શું કર્યું? કાંઈ ન કર્યું.’

અહાહા...! શું કહે છે? કે કર્મ, નોકર્મ આદિ પુદ્ગલો ચેતન-વસ્તુ ભગવાન આત્મા સાથે એકક્ષેત્રાવગાહે રહેલાં છે; કયારથી? તો કહે છે- (પ્રવાહરૂપે) અનાદિ-


PDF/HTML Page 3357 of 4199
single page version

કાળથી રહેલાં છે, તોપણ તેઓ ચેતનને પોતારૂપ-જડરૂપ તો કરી શક્યાં નહિ. અનંતકાળમાં ચેતન તો ચેતન જ રહ્યો; તો પછી એ પુદ્ગલે ચેતનને શું કર્યું? કાંઈ જ ન કર્યું. માટે કહે છે-

‘આ ઉપરથી એમ સમજવું કે-વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધ હોવા છતાં પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતા નથી અને જ્ઞાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી.’

શું કીધું આ? કે આ આત્મા પોતે સ્વરૂપથી જ્ઞાયક છે, અને શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ ઇત્યાદિ જડ પદાર્થો અને અન્ય આત્માઓ જ્ઞેય છે. તે સર્વ પરદ્રવ્યોને અને આત્માને વ્યવહારે જ્ઞેયજ્ઞાયક સંબંધ છે, છતાં તે પરદ્રવ્યોને કારણે આત્મા જ્ઞાયક છે એમ નથી; પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતાં નથી, જ્ઞાયકને પરજ્ઞેયોનું જ્ઞાન થાય છે તે કાંઈ તે તે પરજ્ઞેયોને લઈને થતું નથી, પરજ્ઞેયો કાંઈ આત્માની જ્ઞાનની પર્યાયનાં કર્તા નથી. જ્ઞાન જ્ઞેયોને જાણે તે જ્ઞાનનું પોતાનું સહજ સામર્થ્ય છે.

અહાહા...! જડકર્મને લઈને આત્માને રાગ ઉપજે છે એમ તો નહિ, અહીં કહે છે, જડકર્મને લઈને આત્માને જ્ઞાન ઉપજે છે એમ પણ નથી. જ્ઞાન જ્ઞેયના કારણે થાય છે એમ છે જ નહિ.

તો જ્ઞાન થાય છે તેનો કર્તા કોણ?

બાપુ! જ્ઞાન થાય છે તે જ્ઞાયક આત્માના પરિણામ છે અને તેનો કર્તા આત્મા પોતે જ છે; પરજ્ઞેય નહિ. વળી પરદ્રવ્યોમાં કાર્ય થાય તેનો કર્તા તે તે પરદ્રવ્યો છે, આત્મા તેનો કર્તા નથી. અહાહા...! જ્ઞાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી.

આ લાકડામાંથી ગાડું થયું છે તેનો કર્તા કોણ? લોકો ભલે કહે, પણ સુથાર (- સુથારનો જીવ) તેનો કર્તા નથી, લાકડાના પરમાણુઓ જ તેના કર્તા છે, કેમકે લાકડાના પરમાણુઓ જ પરિણમીને ગાડું થયું છે. સુથાર તો તેને જે રાગ થયો તેનો કર્તા છે, ગાડાનો નહિ. વળી આ ગાડું છે એવું જે જ્ઞાન થયું તેનો કર્તા ગાડું નથી, તે જ્ઞાનપરિણામ ગાડાને લઈને નથી પણ તેનો કર્તા સ્વયં જીવ જ છે. આ પ્રમાણે જીવના પરિણામનો કર્તા જીવ જ છે, પર નહિ; અને પરના પરિણામનો કર્તા પર જ છે, જીવ નહિ.

સર્વજ્ઞ ભગવાન કેવળીને જે કેવળજ્ઞાન પ્રગટ થાય છે તેના કર્તા ભગવાન કેવળી જ છે. અહાહા...! ભગવાન કેવળી સર્વ જીવ, સર્વ લોક અને સર્વ ભાવને એક સમયમાં જાણે છે. તે જાણનારું જ્ઞાન કાંઈ જ્ઞેયોને લઈને થયું છે એમ નથી; અહાહા....!


PDF/HTML Page 3358 of 4199
single page version

(જ્ઞાન) જ્ઞેયો જેમ છે તેમ યથાસ્થિત જાણે, છતાં જ્ઞાન જ્ઞેયોને લઈને થયું નથી, પણ જ્ઞાન સ્વયં પોતાથી જ થયું છે. સમજાય છે કાંઈ....?

જુઓ, પ્રદ્યુમ્નકુમારનો જન્મ થતાં એક વિદ્યાધર તેમને ઉપાડી ગયો. નારદજીએ ભગવાનને પ્રશ્ન પૂછયો કે પ્રદ્યુમ્નકુમાર ક્યારે આવશે? ત્યારે ભગવાનની ૐધ્વનિમાં આવ્યું કે-સોળ વર્ષે ઘરે આવશે. લ્યો, નારદજીને આ જાણવું-જ્ઞાન થયું તે કાંઈ વાણીને લઈને થયું નથી, તથા પરજ્ઞેયને કારણે થયું છે એમ પણ નથી; કેમકે પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ (-જ્ઞાન) કરતાં નથી. નગરમાં હાથી નીકળે ત્યારે હાથીનું જ્ઞાન થાય તે હાથીથી થયું નથી. જ્ઞાનમાં સન્મુખ રહેલો ઘડો જણાય ત્યાં ઘડા સંબંધી જ્ઞાન ઘડાના કારણે થયું નથી. અહા! ભગવાન જિનેન્દ્રદેવ ફરમાવે છે કે જ્ઞાનપર્યાયો કર્તા જીવ છે, જ્ઞેયોથી જ્ઞાન થતું નથી. આમ પદાર્થોમાં (સ્વ-પર પદાર્થોમાં) ભિન્નતા છે, છતાં ત્યાં એકપણું માનવું તે ભારે ભ્રમણા છે અને તે જ સંસાર-પરિભ્રમણનું કારણ છે.

આ પ્રમાણે પરજ્ઞેયો જ્ઞાયકનું કાંઈ કરતા નથી તથા જ્ઞાયક પરજ્ઞેયોનું કાંઈ કરતો નથી-એમ યથાર્થ જાણવું. આવું યથાર્થ જાણનારનો મોહ સહેજે ક્ષય પામી જાય છે અને તેને સમકિતની પ્રાપ્તિ થાય છે. આવી વાત છે.

*

હવે, એ જ અર્થને દ્રઢ કરતું ત્રીજું કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૧૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘वस्तु’ એક વસ્તુ ‘स्वयम् परिणामिनः अन्य–वस्तुनः’ સ્વયં પરિણમતી અન્ય વસ્તુને ‘किञ्चन अपि कुरुते’ કાંઈ પણ કરી શકે છે- ‘यत् तु’ એમ જે માનવામાં આવે છે, ‘तत् व्यावहारिक–दशा एव मतम्’ તે વ્યવહાર-દ્રષ્ટિથી જ માનવામાં આવે છે.

અહાહા.....! પ્રત્યેક વસ્તુ સ્વયં-પોતે પોતાથી જ નિરંતર પરિણમી રહી છે. છતાં એક વસ્તુ સ્વયં પરિણમતી બીજી વસ્તુને કાંઈ પણ કરે છે એમ જે કહેવામાં આવે છે તે વ્યવહારથી-ઉપચારથી જ કહેવામાં આવે છે. આત્મા શરીર-મન-વાણીનું, દુકાન-ધંધાનું ઇત્યાદિ પરદ્રવ્યનું કાંઈ પણ કરી શકતો નથી. તથાપિ પરનું કાંઈ પણ કામ આત્મા કરે છે એમ કહીએ તે, કહે છે, અસત્યાર્થ દ્રષ્ટિથી ઉપચારમાત્ર સમજવું.

‘निश्चयात्’ નિશ્ચયથી ‘इह अन्यत् किम् अपि न अस्ति’ આ લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈપણ નથી.

લ્યો, નિશ્ચયથી અર્થાત્ સત્યાર્થપણે એક વસ્તુને અન્ય વસ્તુ સાથે કાંઈપણ સંબંધ નથી. ભાઈ! આ શરીર-મન-વાણી-ઈન્દ્રિય, પૈસા, ધન, મકાન, આબરૂ


PDF/HTML Page 3359 of 4199
single page version

ઇત્યાદિ પરદ્રવ્ય સાથે આત્માને કાંઈ સંબંધ નથી. આમ છે ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય? ન હોય.

* કળશ ૨૧૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘એક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને એમ કહેવું કે-અન્ય દ્રવ્યે આ કર્યું -તે વ્યવહારની દ્રષ્ટિથી જ છે; નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્યે કાંઈ કર્યું નથી. વસ્તુના પર્યાયસ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ પરિણમન થાય છે; તેમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી.’

આત્મા ત્રિકાળી વસ્તુ છે; તેનો જ્ઞાન ત્રિકાળી ગુણ છે, તેની-જ્ઞાનની પર્યાય પ્રતિસમય પોતાથી થાય છે. ભગવાનની વાણીથી જ્ઞાન થયું એમ કહીએ તે વ્યવહારનયની દ્રષ્ટિથી જ છે. નિશ્ચયથી તો ભગવાનની વાણીએ આત્માનું કાંઈ કર્યું નથી. ‘ભગવાનની વાણી’ -એમ કહીએ એય વ્યવહારનય છે, વાસ્તવમાં વાણી ભગવાને કરી નથી; વાણીની કર્તા વાણી છે, ભગવાન તો નિમિત્તમાત્ર છે. તેવી રીતે જ્ઞાન થવામાં વાણી-શબ્દો નિમિત્ત છે, ત્યાં નિમિત્તે કાંઈ કર્યું નથી; કેમકે પરિણમન -એ દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્ય પોતે જ પરિણમતું થકું વર્તમાન-વર્તમાન અવસ્થારૂપ થાય છે, તેમાં નિમિત્તાદિ પરવસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી. જ્ઞાનનું પરિણમન થાય તેમાં વાણી આદિ નિમિત્ત કાંઈ કરી શકતું નથી, આવી જૈનશાસનની વાત ખૂબ ગંભીર ને સૂક્ષ્મ છે ભાઈ!

આ પાણી ઉનું થાય છે તે પોતાથી થાય છે. અગ્નિ તેમાં નિમિત્ત હો, પણ શીત અવસ્થા બદલીને વર્તમાનમાં ઉષ્ણ થઈ તે પાણીનું પોતાનું પરિણમન છે, અગ્નિએ તેમાં પોતાનું કાંઈ ભેળવ્યું નથી. અગ્નિથી પાણી ઉનું થયું એમ કહીએ તે વ્યવહારદ્રષ્ટિથી છે, નિશ્ચયથી અગ્નિએ પાણીનું કાંઈ કર્યું નથી. આવી વાત!

આત્મામાં જ્ઞાનનું પરિણમન થાય ત્યાં પરજ્ઞેય નિમિત્ત હો, પણ નિમિત્ત તેમાં કાંઈ કરતું નથી, ઉપાદાનનું કાર્ય થાય તેમાં પરવસ્તુ-નિમિત્તનું કાંઈ કર્તવ્ય નથી. ઉપાદાન - નિમિત્તના દોહરામાં બનારસીદાસજીએ કહ્યું છે કે-

‘ઉપાદાન બલ જહાઁ તહાઁ, નહિ નિમિત્તકો દાવ.’ જ્યાં જુઓ ત્યાં સર્વત્ર દ્રવ્યમાં પોતાની પર્યાય ઉપાદાનના બળથી થાય છે, તેમાં નિમિત્તનો કાંઈ દાવ નથી, અર્થાત્ નિમિત્ત કાંઈ કરતું નથી.

બાપુ! જ્યાં સુધી આવી પર્યાયની સ્વતંત્રતા બેસે નહિ ત્યાં સુધી દ્રવ્ય-ગુણની સ્વતંત્રતા કેમ બેસે? અને દ્રવ્ય-ગુણની સ્વતંત્રતા જ્ઞાનમાં ભાસ્યા વિના દ્રષ્ટિ દ્રવ્ય


PDF/HTML Page 3360 of 4199
single page version

ઉપર કેમ જાય? ન જાય. અને તો દ્રવ્યની દ્રષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન પણ ન જ થાય. અહાહા.....! પર્યાયના કર્તા-કર્મ-કરણ આદિ છએ કારક સ્વતંત્ર છે. દ્રવ્યમાં પર્યાય પોતાથી સ્વતંત્ર થાય છે. પ્રત્યેક દ્રવ્ય જ્યાં પોતાના ક્રમબદ્ધ પરિણામથી સ્વયં ઉપજે છે ત્યાં બીજું દ્રવ્ય તેને શું કરે? બીજી વસ્તુ તે કાળે નિમિત્ત હો, પણ તે પોતાનું તેમાં કાંઈ ભેળવી શકતી નથી. અહાહા....! દ્રવ્યમાં, પોતાના પરિણમનસ્વભાવને લઈને એક અવસ્થાથી અવસ્થાંતરરૂપ પરિણમન થાય, પણ તેમાં નિમિત્ત બીજી વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી. આ તો વસ્તુનું મૂળ સ્વરૂપ છે બાપુ! હવે કહે છે-

‘આ ઉપરથી એમ સમજવું કે- પરદ્રવ્યરૂપ જ્ઞેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે; તેઓ એકબીજાને કાંઈ કરી શકતા નથી. માટે, જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે-એમ વ્યવહારથી જ માનવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે.’

લ્યો, સૌ-પોતપોતાના ભાવે પરિણમતા પદાર્થો ને એકબીજાને કાંઈ કરી શકતા નથી. જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે એમ કહેવામાં આવે તે માત્ર ઉપચારથી છે. નિશ્ચયથી તો જ્ઞાયક પણ પોતે, જ્ઞાન પણ પોતે ને જ્ઞેય પણ પોતે જ છે. સૂક્ષ્મ વાત છે ભાઈ! પરને જાણવા કાળે પણ તે પોતાની જ્ઞાનની પર્યાયને જ જાણે છે. અહાહા.....! જ્ઞાનની પર્યાયના સામર્થ્ય વડે જ સ્વ ને પર જણાય છે, પરજ્ઞેયોના કારણે જ્ઞાન થાય છે એમ કદીય નથી. લ્યો, કહે છે-નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે; અર્થાત્ જ્ઞાયક પોતાને જ -પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને જ જાણતો થકો જ્ઞાયક છે. આવી વાત!

(પ્રવચન નં. ૪૦૨ થી ૪૦૭ * દિનાંક ૩૦-૭-૭૭ થી ૪-૮-૭૭)
×